જીન્દગીની પ્યાલી રે ખાલી થતી… !

Love Latters કવીતા, શેર-શાયરી, સોનેટ, હાઈકુ, ગઝલ, હઝલ, અછાંદસ… કેટલાં નામ ગણાવું ? એ સર્વમાં આ લખનારને કક્કાની ગતાગમ નહીં. કાળા અક્ષર ભેંશ બરાબર… ! રદીફ, કાફીયા, અંતરા કે મુખડા વચ્ચેનો ફરક પારખવાનું કામ પણ મારે માટે એરોપ્લેનના પાર્ટ્સ ઓળખી બતાવવા જેટલું અઘરું ! પણ કહે છે કે- ‘હર અચ્છે ખાનેવાલે કો રસોઈયા બનને કી જરુરત નહીં હોતી !’ મેં પણ રસોઈયો બનવા કદી ફાંફાં માર્યાં નથી… બસ મરીઝ, ઘાયલ કે શુન્ય પાલનપુરી જેવાં ઉત્તમ પાકશાસ્ત્રીઓની રસોઈ મોજથી ઉડાવું છું. મુળ વાત એટલી જ, સુતરફેણી બનાવતાં નહીં આવડે; પણ તૈયાર સુતરફેણીની ભરપુર મોજ માણી લઉં છું.

કવીતાની વાત એટલા માટે નીકળી કે હમણાં વયોવૃદ્ધ સાક્ષર અને પ્રખર રૅશનાલીસ્ટ શ્રી રમણ પાઠકજીનું એક તાજું પુસ્તક વાંચવા મળ્યું. શીર્ષક વાંચીને જ અંદર ડોકીયું કરવાની લાલચ જન્મે એવા આ પુસ્તકનું શીર્ષક છે- ‘રમણ પાઠકનાં પ્રેમકાવ્યો: પ્રેમપત્રો’ પહેલાં તો વાંચીને જરા ચોંકી જવાયું. રમણ પાઠકે પ્રેમ પણ કરેલો ? પ્રેમપત્રો પણ લખેલા ? લગભગ 88મે વર્ષે કોઈના પ્રેમપત્રો કે પ્રેમકાવ્યો પ્રગટે એ ઘટના જ ખાસ્સી વીરલ ગણાય. એમ સમજો કે પ્રભાતનાં રુંધાઈ રહેલાં સુર્યકીરણો જાણે આથમણી દીશામાંથી ફુટી નીકળ્યાં 1

વર્ષોપુર્વે સુરતના શ્રી આસીમ રાંદેરીનો સુપ્રસીદ્ધ ગઝલસંગ્રહ – ‘લીલા’ વાંચવા મળેલો. વાંચીને પશ્ન થયેલો- આ લીલા કોણ હશે ? ખરેખર હશે કે પછી કવીની માત્ર કલ્પના હશે ? રાંદેરી સાહેબને ફોન કરીને પુછ્યું, તો એમણે હસીને વાત ઉડાવી દેતાં કહેલું- ‘ક્યારેક ઘરે પધારજો, નીરાંતે જણાવીશ !’ ર.પા.ના પ્રેમપત્રો વાંચ્યા ત્યારે પણ પાને પાને પ્રશ્ન થયો- આ ‘નંદીની’ કોણ હતી… ?? (હવે એ ક્યાં છે…?) પુસ્તકમાં પ્રત્યેક ફકરે તેઓ એક ઠરેલ, સ્વસ્થ અને પરીપકવ પ્રેમી તરીકે વ્યક્ત થાય છે. મોગરાની મહેંક જેવી એમની મઘમઘતી સ્નેહોર્મી વાંચીને એમનો એક નવો જ પરીચય મળ્યો. અનાયાસે એક પ્રશ્ન દીલમાં જ ઉદ્ ભવીને સમી ગયો. ‘નંદીની… ! તમે ર.પા.ના જીવનસંગીની કેમ ન બની શક્યા ? તમે આટલા કમનસીબ કેમ ??’

ત્યાર બાદ તરત જ એક બીજો વીચાર આવ્યો, તે આ રહ્યો. સ્વામીશ્રી સચ્ચીદાનંદજીએ એક વાર લખ્યું હતું- પોતે પ્રેમમાં હતા; પણ નીષ્ફળતા મળી હતી. આ સ્થળેથી જ આપણે લખી ચુક્યા છીએ કે આદરણીય સ્વામી સચ્ચીદાનંદજીનું પ્રણયવૈફલ્ય ગુજરાતને તો ખાસ્સું ફળ્યું. કેમ કે તેમ થવાથી એક સાચો સંન્યાસી, એક સાચો ધર્મજ્ઞ અને ઉત્તમ કોટીનો ચીંતક આપણને મળ્યો. સ્વામીજીને પોતાને જે નથી મળી શક્યું તેનાથી હજાર ગણુ હીન્દુ સમાજને મળ્યું. ર.પા. માટે પણ એવું જ કહી શકાય. પ્રેમ વીફળ રહ્યો પણ રૅશનાલીઝમને એક સફળ ભીષ્મપીતા મળ્યો.

Love Poems એકવાર એમના ઘરે મળવાનું બનેલું. એમણે ઘેરા દુ:ખ સાથે કહેલું- ઘડપણમાં સાવ જ એકલો…, લગભગ નીરાધાર જેવો બની ગયો છું. કદીક ખીસ્સામાં પૈસા મુકી હૉસ્પીટલમાં ઑપરેશન કરાવવા જવું પડે તો રીક્શામાંથી ઉતર્યા બાદ મુંઝવણ એ ઉદ્ ભવે કે હવે ઑપરેશન થીયેટરમાં જતાં પહેલાં આ પૈસા કોને સોંપવા…? એમની આવી લાચારી પ્રત્યે સહાનુભુતી પ્રગટેલી. ફરીયાદ જેવી એક ફીલ્મની ગીત–પંક્તી યાદ આવી ગયેલી. (થોડી ક્ષણ માટે ચુપ થઈ ગયો. કાંઈ પુછી ના શક્યો પણ અંદર પ્રશ્નો ઘુમરાઈ રહ્યા: પાઠકજી, તમે જીન્દગીની આથમતી અવસ્થામાં એકલા જીવવાની જીદે શું કામ ચડ્યા ? ચાલો, માન્યું કે ભગવાન નથી; પણ માણસને લાગણી તો છે ને ! દુ:ખો પણ હોય જ ને…! માણસને માણસ વીના શી રીતે ચાલી શકે ? તમે પ્રખર વીદ્વાન પુરુષ… છતાં ઘડપણ કેમ આટલું અંડર એસ્ટીમેટ કર્યું ? ઘડપણમાં કો’કના ખભે માથું ઢાળીને ચોધાર આંસુડે રડી લેવા જેટલુંય સુખ તમે પાસે કેમ ફરકવા ન દીધું ? તમે સાહીત્યમાં સામા પુરે તરવાની હીંમત કરી તે ઠીક; પણ જીન્દગીની આથમતી અવસ્થામાં જીવનસાથી વીના બાકીનો ભયાનક દરીયો તરી જવાનું અતીકઠીન સ્વપીડન શીદ પસંદ કર્યું ?) ને પેલી ફરીયાદ જેવી પંક્તી એમને સંભળાવી નહોતો શક્યો તે આજે જાહેર કરું છું. જીને કે બહાને લાખો હૈ… જીના તુઝકો આયા હી નહીં; કોઈ ભી તેરા હો સકતા થા, કભી તુને અપનાયા હી નહીં… !’

પુસ્તકમાં એક ઠેકાણે એમણે થોડી પંક્તીઓમાં જીવનચોપાટના જાણે પત્તાં ખુલ્લાં કરી દીધાં છે. ‘આ ઘરાનો હું પ્રવાસી એકલો/ કોઈ ના બોલાવતું, સર્વે ધકેલે વેગળો/ અમ આંગણે જ્યાં કોઈ રે ના આવતું, બારણું કરી પ્રતીક્ષા થાકતું/ ઉંબરો આંસુ વહાવી કોઈના/ ધોવા ચરણ ઉત્સુક સદા; પણ કોઈ ના આવે અને ચાલી જતી/ વર્ષા, શરદ, હેમંત, શીશીર ને વસંત/ જીન્દગીની પ્યાલીયે રે ખાલી થતી.. !’ એમના જીવનમાં થીજી ગયેલી વેદના પાને પાને પ્રગટી છે. બીજી વસીયતનામા જેવી વેદના સાંભળો- તમે તમારા ની:શ્વાસના અગ્ની વડે/ મારી ચીતાને પ્રગટાવજો/ મારી લાશને ફુંકી મારજો/ એનું પોસ્ટમોર્ટમ કરનારા/ એમાંથી થીજી ગયેલા મૌનના સ્ફટીકોને શોધી/ એનું રાસાયણીક પૃથક્કરણ કરે એ પહેલાં જ તમે મને સુંદર મૃત્યુ આપ્યું છે- સુંદર સ્વપ્ન !’

પુસ્તકમાં કેવળ પ્રેમકાવ્યો અને પાત્રો જ નથી, પણ એમણે સરોજ પાઠકની તથા ચેખોવની બે સુંદર વીષયલક્ષી વાર્તાઓનો રસાસ્વાદ પણ કરાવ્યો છે. એ સંવેદનાભીની સમીક્ષા વળી ખુદ એમનું એક સુંદર પ્રેમકાવ્ય બની રહે છે. (વાંચતાં વાંચતાં યાદ આવી ગયું કે એમણે સ્વ. પીતાંબર પટેલ સંપાદીત ‘આરામ’ નામના વાર્તા માસીકમાં વર્ષો સુધી વાર્તાઓની ઉત્તમ સમીક્ષા કરી હતી.) એમના પ્રેમપત્રોમાં વેવલાપણું કે છીછરાપણું તો સંભવી જ ના શકે. તેઓ કબુલે છે કે- ‘હું નથી કવી/ પહોંચવું મારે નથી/ જ્યાં પહોંચતો કદી ના રવી/ પહોંચવા ચાહું તારે ઉરે/ બની નાનકડી છવી.’

જો કે મને લાગે છે કે સંસારનો દરેક માણસ ક્યારેક અનાયાસ કવી બની જાય છે. દીલમાં લાગણીનું જનરેટર ચાલુ થાય ત્યારે જે ભાવ, જે સંવેદના અથવા મધમીઠાં સ્પંદનો આપોઆપ પ્રગટી ઉઠે તે બાબત કવીતાથી રતીભાર ઓછી હોતી નથી. કવીઓ મોટે ભાગે પ્રયત્નપુર્વક કવીતા રચે છે. પણ હૃદયમાંથી સાચકલી લાગણી વીના પ્રયાસે પ્રગટી ઉઠે ત્યારે જે બને તે સો ટચની કવીતા બની જાય છે. (આંબા પરથી એની મેળે પાકીને નીચે પડે એ કેરીની તો મીઠાશ જ કંઈક ઓર હોય છે…) આ પુસ્તક ઉત્તમ પ્રેમકાવ્યો અને પ્રેમપત્રોનો અદ્ ભુત દસ્તાવેજ બની રહેશે.

પાકા પુઠાંનુ આ સુંદર પુસ્તક જોરાવરનગરના રૅશનાલીસ્ટ શ્રી જમનાદાસ કોટેચાએ સંપાદીત કરીને પ્રસીદ્ધ કર્યું છે. માનસ પ્રદુષણ નીવારણ કેન્દ્ર, જોરાવરનગર – ૩૬૩ ૦૨૦, મોબાઈલ – ૯૮૯૮૧ ૧૫૯૭૬ પર સંપર્ક કરવાથી એ ૫૦ ટકા વળતરે (અર્થાત્ ૬૦/- રુપીયાનું પુસ્તક માત્ર ૩૦/- રુપીયામાં) ઘરબેઠાં પ્રાપ્ત થઈ શકે છે. વળી મનીઓર્ડર કરવાને બદલે કવરમાં (માત્ર) ૩૦/- રુપીયાની ટપાલ ટીકીટો મોકલવાથી પણ પુસ્તક મેળવી શકાશે એમ જણાવાયું છે.

અંતમાં અનેક સ્વજનો, શુભેચ્છકો સહીત મારા ખુદના તરફ્થી (અને વળી બેશક નંદીની તરફ્થી…) પણ ર.પા.ને દીલી શુભકામના પાઠવીએ કે હજી લાંબું અને ખાસ તો તંદુરસ્તીભર્યું જીવન જીવો… ખુબ આનંદ અને ઉલ્લાસભર્યું જીવો… જીન્દગીના શેષ હીસ્સાને ખુબ પ્રેમાળ બનીને શણગારો… બીજું શું કહીએ ? કવીતા કરતા નથી આવડતી એટલે એક ફીલ્મના ગીતની પંક્તી થોડા ફેરફાર સાથે રજુ કરું ‘તુમ્હે ઔર ક્યા દે હમ દુવાઓંકે સીવા… તુમકો હમારી ઉંમર લગ જાય..!’ જો કે આ વીરાટ જગતની અજબગજબની ગતીવીધીમાં આપણા જેવા એકાદ તુચ્છ જીવની શુભેચ્છાનું તે વળી કેટલું જોર…? એમણે ખુદ પણ લખ્યું જ છે- ‘સંસારમાં ક્યાં કોઈનું ધાર્યું કદીય થાય છે ? (તો પછી- ‘હસકે ભી જીના, રોકે ભી જીના… ફીર ક્યું હર પલ ઘુટ ઘુટકે મરના…?’) બેસ્ટ ઓફ લક… રમણભાઈ…! ‘ગુજરાતમીત્ર’માં જ નહીં સમગ્ર ગુજરાતમાં તમે પ્રગટાવેલો રેશનાલીઝમનો દીવડો કદી હોલવાશે નહીં.

: ધુપછાંવ :

રમણભાઈના વીકાસમાં ‘ગુજરાતમીત્ર’ના ફાળાને કેમ ભુલી શકાય? અમારી મીત્રમંડળીમાં ર.પા.ની વાત નીકળે ત્યારે બચુભાઈ એમને શનીદેવ તરીકે ઉલ્લેખે છે. લગભગ 33 વર્ષથી એઓ ‘ગુજરાતમીત્ર’માં દર શનીવારે રૅશનાલીઝમનો મહીમા ગાતા આવ્યા છે. ‘ગુજરાતમીત્ર’ની ‘રમણભ્રમણ’ કોલમ જાણે શનીદેવનું લોકપ્રીય મંદીર બની રહી છે. અમારા જેવા કેટલાય શનીભક્તો એમાંથી જન્મ્યા તેય કેમ ભુલાય? કહેવાયું છે કે ગુરુ અને ગોવીંદ બે સાથે મળે તો પહેલા પ્રણામ ગોવીંદને કરવા કેમ કે- “બલીહારી ગુરુ આપકી… મોહે ગોવીંદ દીયો દીખાય..!” અહીં પણ રૅશનાલીઝમને રમણભાઈની પ્રાપ્તી થઈ એ માટે પહેલા પ્રણામ ‘ગુજરાતમીત્ર’ને કરવા પડે ! ‘ગુજરાતમીત્ર’ને સલામ.

દીનેશ પાંચાલ

સંપર્ક:

શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ફોન : (02637) 242 098  Mobile-94281 60508

10 Comments

  1. ‘હર અચ્છે ખાનેવાલે કો રસોઈયા બનને કી જરુરત નહીં હોતી ! સાચી વાત છે. ૫રંતુ રસોઇ સારી છે કે ખરાબ તે પારખતા ૫ણ આવડવુ જોઇએ..

    Like

  2. સુંદર પોસ્ટ હર અચ્છે ખાનેવાલે કો રસોઈયા બનને કી જરુરત નહીં હોતી ! સાચી વાત છે.

    Like

  3. It is not clear if the book is written through imagination in recent years of Shri Pathak’s life or it is a compilation of the writer’s experiences long time ago – his Satyana Prayogo.
    Wish him all the best.

    Like

  4. namskar

    apna blog ni visit karvano khub anand malyo. hu pan gazal lakhu chu. hal ma j maru gazal nu collection bhar padyu che j hu apne moklish.

    khas to surat ma thi ujas namnu ak magazine prakashit thy che j no hu partner chu.

    kyarek malisu

    aavjo

    — amit desai ( 98251 51190 )

    surat
    10-9-2009

    Like

Leave a comment