Feeds:
Posts
Comments

સત્ય

–રશ્મીકાન્ત દેસાઈ

સત્યનું મુખ હીરણ્યમય પાત્ર વડે ઢંકાયેલું છે એમ ઉપનીષદો કહે છે. કયું સત્ય અને કયું પાત્ર એવો પ્રશ્ન પુછી શકાય.

સત્ય એટલે શું? કોઈ કોઈ વાર વીજેતાના પ્રચારને સત્ય માનવામાં કે મનાવવામાં આવતું હોય છે. બીજી કેટલીક વાર અસત્યને ચાલાકીપુર્વક ઢાંકી દેવામાં આવે છે. થોડું થોડું જુઠાણું મોટા સત્યમાં ભેળવી દઈ એવી ચતુરાઈથી રજુ કરવામાં આવે છે કે અસત્ય જ સત્ય હોય તેવું જણાય છે.

ઘણાં ઢાંકણાંઓ પૈકી કયું ખોલવું ? પાત્ર પણ કાંઈ જેવું તેવું નથી હોતું. સોનેરી હોવાથી તે આકર્ષક અને મોહક હોય છે અને જોનારને મુલ્યવાન પણ જણાય છે. પરીણામે સત્યને છુપાવવાનું અત્યંત સરળ થઈ જાય છે. કોઈકોઈ વાર કડવા સત્યને ‘સાત્ત્વીક’ અથવા સ્વીકાર્ય બનાવવા તેને મીઠા શબ્દોમાં રજુ કરવામાં આવે છે. શાબ્દીક મીઠાશ પણ એક પ્રકારનું હીરણ્યમય પાત્ર બની જાય છે. ઘણી વાર પ્રવચનકારોની વાગ્છટામાં કે લેખકોના ભારેખમ આધ્યાત્મીક જણાતા પણ ખરેખર તો પોલેપોલા શબ્દોમાં સત્યને છુપાવવાનું ખુબ જ સહેલું થઈ જાય છે.

સત્યનું મુખ શું કાયમ માટે ઢંકાયેલું રહી શકે ખરું? હીરણ્યમય પાત્ર શું એવું સ્વયંસંચાલીત બનેલું છે કે કોઈએ ખસેડ્યું હોય તો તે આપમેળે જઈને સત્યને ફરીથી ઢાંકી દે? સત્ય તો સદૈવ ઉઘાડું જ હોઈ શકે. કેવળ એટલું જ કે આપણે તેને જોઈ શકતા નથી કારણ કે આપણે હકીકતોને પુર્વગ્રહોનાં ચશ્માંઓમાંથી જોતા હોઈએ છીએ. આપણી આંખો પર પડળ જામી જાય છે.

આ પડળો વીવીધ પ્રકારનાં હોય છે. કેટલાક પડળો આપણી વીચારસરણી સંબંધીત હોય છે, જેવી કે મુડીવાદી, સમાજવાદી, ઈત્યાદી. બીજા કેટલાક પડળો આપણા સ્વાર્થમાંથી ઉપજે છે. વળી આપણું મમત્વ પણ સત્ય દર્શન રુન્ધે છે. આપણી સંસ્કૃતી, ધર્મ કે પરમ્પરાથી પ્રતીકુળ હોય તેવું કોઈ પણ સત્ય જોવા આપણે તૈયાર નથી હોતા. પણ સૌથી પ્રબળ અવરોધ હોય છે આપણી શ્રદ્ધાનો.

શ્રદ્ધા અને ભક્તીભાવના રુપાળા અંચળા હેઠળ આપણે ઘણા અસત્યો અને અન્યાયોને ધરબી દીધા છે.

બુદ્ધી અને તર્કની મર્યાદા તો જાણવી જ જોઈએ પણ શ્રદ્ધા તેમ જ અશ્રદ્ધા બંનેની મર્યાદા જાણવી પણ જરુરી છે.

સૌથી વધુ દુરુપયોગ શ્રદ્ધાની વીભાવના (concept) નો થયો છે. ‘શ્રદ્ધા’ને નામે આપણે અનેક બેહુદી માન્યતાઓ (જેવી કે શીતળામા અને બળીયાબાપાની પુજા) ને સ્વીકારી લઈએ છીએ. કારણ કે સાચી શ્રદ્ધા શું છે તે આપણે સમજ્યા જ નથી. ઘણી વાર તો એમ પણ લાગે કે ક્યાંક શ્રદ્ધા એટલે ઈશ્વર તરીકે પોતાની પુજા કરાવવા માટે ગુરુઓએ ઉભી કરેલી ભ્રમણા તો નથી ને? કે પછી ‘શ્રદ્ધા’ એટલે ઈશ્વરે આપેલી બુધ્ધી ન વાપરવા માટેનું બહાનું માત્ર?

શ્રદ્ધા એટલે એવી વાત કે જે ન તો સાચી પુરવાર થઈ શકે ન તો ખોટી. દાખલા તરીકે ‘સત્યનો સદા જય’ જેવા સુત્રોના સમર્થન માટે અનેક પ્રસંગો રજુ કરી શકાય તેમ જ તેમના ખંડન માટે પણ કરી શકાય.  તેથી તે માનવા કે ન માનવા તે વ્યક્તીગત શ્રદ્ધા પર આધાર રાખે છે.  જે વાત સાચી કે ખોટી સાબીત થઈ શકે તે વાત શ્રદ્ધાનો વીષય રહેતી નથી. કોઈ વાત આપણે અત્યાર સુધી શ્રદ્ધાપુર્વક સાચી માનતા આવ્યા હોઈએ, પણ નવા મળી આવેલા પુરાવા પ્રમાણે તે ખોટી ઠરતી હોય તો તેને ‘શ્રદ્ધા’ને નામે વળગી રહેવું ન જોઈએ.

કોઈ એક વ્યક્તી, પુસ્તક કે વ્યવસ્થામાં શ્રદ્ધા રાખવી તે કાંઈ સાચી શ્રદ્ધા નથી. ઈશ્વર અને ઈશ્વરીય સીદ્ધાન્તો અને ગુણો જેવા કે સત્ય, અહીંસા, ન્યાય, પ્રેમ ઈત્યાદીમાં રાખીએ તે જ સાચી શ્રદ્ધા ગણી શકાય. ઘણું ખરું તો જેને આપણે ઈશ્વર પરની શ્રદ્ધા માનતા હોઈએ છીએ તે ખરેખર તો બીજા કોઈ પરની જ શ્રદ્ધા હોય છે. આપણે હીન્દુઓ વેદને ઈશ્વરવચન માનીએ છીએ અને તેથી વીષ્ણુ ઈત્યાદીને પરમેશ્વર તથા દેવો માનીએ છીએ. તેનું કારણ એ જ કે આપણા બચપણથી જ આપણા વડીલોએ શીખવ્યું હોય છે. વેદ પરની આપણી શ્રદ્ધા આમ ખરેખર તો આપણા વડીલો પરની શ્રદ્ધા જ હોય છે. હવે તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી હેઠળ શેષનાગ નથી. તેથી તેના ખોળામાં સુતેલા વીષ્ણુ નથી. દશાવતાર તો થયા જ ક્યાંથી હોય ? અર્થાત વેદપુરાણોની વાર્તાઓ કેવળ કાલ્પનીક વાર્તાઓ જ છે, ઈતીહાસ નહીં, પછી ભલે તે ઘણી જ કુશળતાપુર્વક લખાઈ હોય.

પરન્તુ આટલું સ્પષ્ટ સત્ય પણ આપણે સ્વીકારી શકીશું નહીં કારણ કે તેમ કરવામાં આપણું ‘વયમ્’ (સામુહીક અહમ્) નડશે. આપણા ‘અત્યંત મહાન’ ઋષીમુનીઓ તો કોઈ ભુલ કરી શકે નહીં તેથી તેમણે કહેલી કે લખેલી બધી વાતોને આપણે માનવી જ રહી એવું આપણું મમત્વ સત્યનો સ્વીકાર થતો અટકાવશે એટલું જ નહીં પણ હજારો વર્ષોથી મનાતા આવેલા અસત્યોને સત્ય પુરવાર કરવા બધા જ પ્રયત્નો કરાવશે.

એક મુદ્દો એવો ઉભો કરવામાં આવશે કે શ્રદ્ધાના વીષયમાં તર્કનો ઉપયોગ ન કરી શકાય. આ પણ અણસમજનું જ પરીણામ છે. જો તે સાચું હોય તો બે વ્યક્તીઓ કેવળ પોતપોતાની શ્રદ્ધા જણાવી જ શકે, કોઈ પ્રકારનો વીચારવીમર્શ કરી ન શકે; પ્રજાના જુદા જુદા સમુહો પોતપોતાની શ્રદ્ધા–અન્ધશ્રદ્ધાઓમાં રાચ્યા કરે. આમ હોત તો શંકરાચાર્ય અને મંડનમીશ્ર વચ્ચે વીવાદ થઈ શક્યો ન હોત. તે સીવાય પણ ઘણા પ્રસંગે ચર્ચા વીચારણાઓ થઈ છે અને થાય છે તે પણ નીરાધાર બની જાય.

શ્રદ્ધા અને તર્ક એક બીજાના પર્યાય નથી પણ પુરક છે, એકબીજા પર આધાર રાખે છે. ચમત્કાર કરનાર કોઈ ગુરુ અથવા ઈસુ ને ઈશ્વરીય વીભુતી કે પછી સ્વયં ઈશ્વરપુત્ર માનવા તે શ્રદ્ધા નથી, કારણકે તે માન્યતા ચમત્કાર કરવાની તેમની શક્તી કે આવડત પર જ નીર્ભર હોય છે. આધુનીક વીજ્ઞાન જતે દીવસે બધા પ્રશ્નોના જવાબ આપી શકશે એવી માન્યતા પણ એક પ્રકારની શ્રદ્ધા જ છે તર્ક નહીં કારણ કે તે કશા પર આધારીત નથી.

વસ્તુત: તર્કના પાયામાં શ્રદ્ધા જ હોય છે. તર્કની શરુઆત કરતા પહેલાં કેટલાક તથ્યો ગૃહીત કરવા પડે એટલે કે સાબીતી આપ્યા વગર સ્વીકારવા પડે જાણે કે તે સ્વયંસીદ્ધ સત્ય (axiomatic, self-evident truth) હોય. આને અંગ્રેજીમાં પોસ્ટ્યુલેઈટ્સ (postulates) કહે છે. કયા મુલ્યોને ગૃહીત કરવા અને કયાને નહીં તે જે તે તાર્કીકની વ્યક્તીગત શ્રદ્ધા પર નીર્ભર કરે છે. દાખલા તરીકે આ લખનારની શ્રદ્ધા એવી છે કે પરમેશ્વર હમેશાં સત્ય અને ન્યાયનું સમર્થન કરે, તેથી વીપરીત વર્તન ન જ કરે, ને કોઈએ કર્યું હોય તો તેને માફ પણ ન જ કરે. કોઈને જો આ તથ્ય સ્વીકાર્ય ન હોય તો તે જુદા જ નીષ્કર્ષ પર આવી શકે.

તો પછી પ્રશ્ન એ થાય છે કે દરેક સમુહ પોતપોતાના ગૃહીતોને આધારે જુદાજુદા દેવોની પુજા કરે તો તેમાંથી એકેયને અન્ધશ્રદ્ધા કેમ ગણી શકાય ? ઉત્તર એ છે કે તર્કનું પરીણામ મુળભુત ગૃહીતને અનુરુપ હોવું જોઈએ. તેમ ના થાય તો ક્યાં તો આપણું ગૃહીત ખોટું હોવું જોઈએ અથવા પરમેશ્વરના નામે ઉપજાવેલી વાર્તા ખોટી હોવી જોઈએ. છતાં કોઈ તે વાર્તાને સાચી માને તો તેમની ‘શ્રદ્ધા’ ખરેખર તો અન્ધશ્રદ્ધા જ ગણી શકાય. આપણા જ ધર્મનાં આવાં એકબે ઉદાહરણો જુઓ :

ભગવાન શ્રી વીષ્ણુનો છઠ્ઠો અવતાર પુરો થાય તે પહેલાં જ રાવણનો વધ કરવા માટે સાતમા માનવ અવતારની જરુર પડી. છઠ્ઠો અવતાર પૃથ્વી પર જ વીચરતો હોવા છતાં રાવણનો વધ કેમ ન કરી શક્યો? કૃષ્ણએ કંસનો વધ કર્યો પણ કંસત્વનો કેમ નહીં? આવી તો અનેક વીસંગતતાઓ અને મુલ્યદ્રોહના પુષ્કળ પ્રસંગો આપણા ધાર્મીક સાહીત્યમાંથી સાંપડે છે. વીષયાન્તર ટાળવા તેમનું સવીસ્તર વર્ણન અહીં ન કરતાં એક બીજા લખાણ (અસત્યો અને અન્યાયો https://sites.google.com/site/tatoodi/liesandinjustices%28guj%29 )માં કર્યું છે.

લગભગ બધા જ ધર્મો એમ માને છે કે પરમેશ્વર સર્વવ્યાપી, સર્વશક્તીમાન, સર્વજ્ઞ, દયાળુ અને ક્ષમાવાન ઈત્યાદી છે. છતાં બધા જ ધર્મોના કેટલાક નીયમો એવા હોય છે કે તે ઉપરોક્ત વર્ણનની અવગણના કરતા હોય છે અને અનુયાયીઓ તેમનો વગર વીચાર્યે અમલ કરતા હોય છે. અને તે પણ શ્રદ્ધાને નામે.

તર્કની શરુઆત શ્રદ્ધાથી થાય છે, તો તર્કના બીજા છેડે પણ શ્રદ્ધા હોય છે. જે પશ્નોના જવાબ આપણે તર્કથી નથી આપી શકતા તેમના ઉત્તર માટે આપણે શ્રદ્ધાની સહાય લેવી પડે છે. કેટલાક સંજોગોમાં તે ખોટું પણ નથી. પરંતુ જે બાબતો બુધ્ધીથી વીચારી શકાય તેમને માટે શ્રદ્ધાનો સહારો લેવો યોગ્ય નથી. વળી જેમ જેમ માનવજાતનું સામુહીક જ્ઞાન વધતું જાય તેમ તેમ તર્કનો આધાર વધારતા જવું જોઈએ. જેમ કે ઋષીઓએ ભલે એમ કહ્યું હોય કે પૃથ્વી શેષનાગ પર આધારીત છે હવે તો આપણે એ માન્યતા ફગાવવી જ રહી.

સત્યની શોધ સમયે એક મુદ્દો યાદ રાખવા જેવો છે.  જમીનમોજણીમાં એક નીયમ છે કે જે કંઈ માપ લો તેની ફેરચકાસણી કરો. ધારો કે જમીનના ઉંચાણ–નીચાણ (Level) માપવા છે.  એક સ્થળેથી બીજું સ્થળ કેટલું ઉંચું કે નીચું છે તે માપ્યું હોય તો તે બીજા સ્થળે જઈને અગાઉવાળું સ્થળ તેટલું જ નીચું કે ઉંચું છે તે માપી લો.  બંને માપ સરખા ન હોય તો એકમાં કે બંનેમાં ભુલ હોય તે સુધારવી જ પડે. તેવી જ રીતે કોઈ વાત લોકમાનસમાં રુઢ થઈ ગઈ હોય તેથી જ તે સાચી કે સારી છે તેમ માનવું જ જોઈએ એવું નથી.  ધારો કે તે ખોટી કે ખરાબ હોય તો શું એવો વીચાર કરવો જોઈએ. આપણા ધર્મની વાત જેવી બીજા કોઈ ધર્મની વાત હોય તો તે આપણે માનીએ ખરાં?  આપણી વાત પરધર્મીઓ સ્વીકારે એવી આશા આપણે રાખી શકીએ ખરાં?  જો ના, તો પછી આપણે કેમ તે માનીએ છીએ?  અન્ય ધર્મોની વાહીયાત વાતો આપણે નકારીએ છીએ તો આપણા ધર્મની કેમ નહીં?

તર્ક તેમજ શ્રદ્ધાની પારના પણ કેટલાક વીષયો છે. સૌથી મોટી ભુલ (આપણો અને) લગભગ બધા જ ધર્મો કરે છે: જન્મ પહેલાં અને મૃત્યુ પછીની આત્માની સ્થીતી અને ગતી જેવી બાબતો કે તે અંગેના પ્રશ્નોના જવાબ તેઓ આપે છે. આ જવાબો ન તો શ્રદ્ધા પર કે ન તો તર્ક પર આધારીત હોય છે. તે તો કાલ્પનીક અનુમાનો હોય છે. એક વાર કોઈએ કલ્પના કરી એટલે ‘અહો રુપં અહો ધ્વની:’ની જેમ તેમના સાથીઓએ અને શીષ્યોએ સ્વીકારી લીધી અને પ્રચલીત થતી ગઈ. તે કલ્પના ઈશ્વરના વર્ણનને અનુરુપ છે કે નહીં તે વીચારવાની તસ્દી કોણ લે?

લગભગ બધા જ ધાર્મીક લેખકો પોતાની વાતના સમર્થન માટે બીજાના લખાણ કે વક્તવ્યનો આધાર લેતા હોય છે.  એકાદ ‘મહામુની’ એ કશું કહ્યું કે તે પરમ્પરા ચાલુ થઈ ગઈ. કર્ણોપકર્ણ તે વાત સાચી મનાતી ગઈ. તેની યથાર્થતા ચકાસવાની હીંમત કે દરકાર કોઈનાથી ના કરાઈ. જેમ કે ચોર્યાસી લાખ જન્મો લીધા પછી માનવ અવતાર મળે તે માન્યતા ચકાસવી હોય તો પણ કેવી રીતે ? પ્રત્યેક અવતાર સરેરાશ એક દીવસ જીવે, અને બે અવતાર વચ્ચે જરા પણ વીલમ્બ ના થાય એમ ગણીએ તો પણ તે પુરા કરવા માટે 23,333 વરસ લાગે.  કોઈ એક જીવાત્માની 83,99,999 જન્મોની યાત્રા જોવા માટે કયા મહામુની જીવ્યા હોય?  અને બીજા કયા મુની જીવવાના હોય કે તે પેલા મહામુનીના કથનને સમર્થન આપી શકે કે તેનું ખંડન કરી શકે. માટે ‘ચાલવા દો ને, આપણું શું જાય છે?’ એવા ભાવ સાથે આ ગપગોળો ચાલવા દીધો એટલું જ નહીં પણ તેનો લાભ ઉઠાવ્યો, ભોળી જનતાને વધારે ભોળવીને.

આપણા ધર્મગુરુઓ કહે છે કે ‘બ્રહ્મં સત્યં જગન્મીથ્યા’. બ્રહ્મ કદાચ સત્ય હશે, પરંતુ જગત જો મીથ્યા હોય તો પછી કૃષ્ણ પણ મીથ્યાગુરુ જ ગણાવા ન જોઈએ? શંકરાચાર્ય અને અન્ય જગદગુરુઓ પણ મીથ્યાગુરુઓ જ હોય ને? આ સુત્રનું વીવેચન પણ તર્ક પર જ આધારીત હોય છે. જગતની બધી વસ્તુઓ બદલાયા કરે છે તેથી તે મીથ્યા છે અને બ્રહ્મ બદલાતું નથી તેથી સત્ય છે એમ આપણને સમજાવવામાં આવે છે. એટલે ખરેખર તો એમ કહેવું જોઈએ કે ‘બ્રહ્મં નીત્યં જગત્ અન્યથા’. પણ બદલાયા કરે તેથી જ કાંઈ જગત મીથ્યા નથી થઈ જતું.

સત્ય અને ન્યાય પરસ્પર આધાર રાખે છે. ન્યાય વીનાનું સત્ય નકામું છે, સત્ય વીના ન્યાય અશક્ય છે. એટલે જો કોઈ વાત બેમાંથી એક્નું સમર્થન કરતી ન હોય તો તે સમાજને માટે નીરુપયોગી તો ખરી જ પણ હાનીકારક પણ હોઈ શકે છે. તેથી જે અસત્યો અને અન્યાયોને આપણે અત્યાર સુધી સ્વીકારી અને ચલાવી લીધા છે તેમને ઉઘાડા પાડવા જોઈએ કે જેથી તેમણે કરેલા નુકસાનને અટકાવી અને સુધારી શકાય.

–રશ્મીકાન્ત ચ. દેસાઈ

લેખક : Rashmikant C. Desai

35 Raleigh Road, Kendall Park, NJ 08824-1040 USA

ફોન : 732 422 9766 (Home)  ઈ.મેઈલ : tatoodi@gmail.com  

વેબસાઈટ : https://sites.google.com/site/tatoodi/  લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈમેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 15–12–2017

 

 

Advertisements

13

કર્મકાંડો કરતાં કમ્પ્યુટરમાં દેશનું વીશેષ કલ્યાણ છુપાયું છે !

–દીનેશ પાંચાલ

અમારી મીત્રમંડળીમાં બચુભાઈ અને ભગવાનદાસકાકા વચ્ચે સાપ નોળીયા જેવા સમ્બન્ધો રહ્યા છે. એક દીવસ બેઉ બળીયા બાથે વળગ્યા. ચર્ચાનો વીષય હતો – ‘દુનીયાને કોણ વધુ ઉપયોગી – આસ્તીકો કે નાસ્તીકો? બચુભાઈએ ભગવાનદાસકાકા તરફ તીરછી નજરે જોઈ લેતાં કહ્યું : ‘ભગવાનને તેના ભક્તો, ખુંટે બાંધેલી ગાયની જેમ ભક્તીનું નીરણ પીરસ્યા કરે છે. ભગવાન છે કે નહીં, તે ક્યાં છે, કેવો છે તે વીશે તેમને કશું જ્ઞાન હોતું નથી.’

ભગવાનદાસકાકાએ હોઠ ભીંસી કહ્યું : ‘દીનેશભાઈ, આ બચીયાને પુછો કે એ શ્વાસમાં હવા લે છે એ હવા કોણે બનાવી? પાણી કોણે બનાવ્યું? આ ઘરતી, સુરજ, ચન્દ્ર, તારા, નદી, પહાડ, હવા, અગ્ની કોણે મુળશંકરે બનાવ્યાં? (મુળશંકર બચુભાઈના પીતાજીનું નામ!) વૃક્ષમાંથી પ્રાણવાયુ મળે અને તે વડે આપણે જીવીએ એ કરામત કોણે કરી? અરે! દુનીયાનો વીકાસ કરી શકાય તે માટેની બુદ્ધી એને કોણે આપી? પણ જવા દો વાત… આ લોકોની તકલીફ એ છે કે સાબીતી ના મળે તો એ લોકો સગા બાપને ય બાપ માનવા તૈયાર થતા નથી. ભગવાનની કૃપાથી જીવતો માણસ ભગવાન નથી એવું કહે છે ત્યારે એવું લાગે છે– માનો માછલી પાણીમાંથી ડોકું ઉંચુ કરીને કહેતી હોય– ‘પાણી જેવી કોઈ વસ્તુ જ નથી !’

એમનો વીવાદ અત્રે અપ્રસ્તુત છે; પરન્તુ સત્ય એ બે વચ્ચે ક્યાંક પડેલું છે. એમની તકરારમાં મને એક સત્ય સાંપડ્યું અને તે એ કે આ દુનીયા આસ્તીકોની શ્રદ્ધાથી નથી ચાલતી. નાસ્તીકોના નીરીશ્વરવાદ વડેય નથી ચાલતી. ચાલે છે કામ કરનારા કર્મયોગીઓ વડે. રસ્તા વચ્ચે પથ્થર પડ્યો છે એવી ફરીયાદ કરનારાઓ કરતાં એ પથ્થરને ઉંચકીને ફેંકી દે એવા માણસની આજે દુનીયાને વીશેષ જરુર છે. પાણી પર પીએચ.ડી. કરનારા કરતાં, કુવો ખોદીને પાણી કાઢનારો વધુ ઉપયોગી નીવડે છે. જીવવા માટે ખોરાક બહુ જરુરી છે એવું ભાષણ કરનારા કરતાં ખેતી કરીને અનાજ પકવનારાઓની ખાસ જરુર છે. ઍરોપ્લેનમાં શ્રીમન્તો માટે કથા કરનારા શ્રી. મોરારીબાપુ કરતાં રોડ પર લારી ચલાવતો એક મજુર દેશના વીકાસમાં વધુ નક્કર યોગદાન આપે છે. કર્મકાંડો કરતાં કમ્પ્યુટરમાં આ દેશનું વીશેષ કલ્યાણ છુપાયું છે.

પેટની આગ માણસની પ્રાથમીક સમસ્યા છે; પરન્તુ કુદરતે માણસને કેવળ ભુખ નથી આપી. ભુખની સાથે ધરતી આપી, જળ આપ્યું, બીજ આપ્યું. એ બીજમાંથી અનાજ પકવવાની સમજણ પણ એણે જ આપી. એ માટે આપણે કુદરતને થેંક્યુ કહેવું જોઈએ.

સમજો તો એ ‘થેંક્યુ’થી ચડીયાતી પ્રાર્થના બીજી એકે નથી. એ માટે માણસે મન્દીરમાં જવાની કે નવ દીવસ કામધન્ધો છોડી રામકથા સાંભળવાની જરુર નથી. કોઈ કવીની કવીતા ઉપર આપણે ઝુમી ઉઠીએ ત્યારે શું કરીએ છીએ? દીલથી ‘વાહ, વાહ! બોલી ઉઠીએ છીએ. કવી સામે અગરબત્ત્તી કે દીવો સળગાવી નારીયેળ ફોડતા નથી. કવીની જેમ કુદરતનેય કેવળ થેંક્યુ કે વાહ વાહની જરુર છે. લાંબાલચ કર્મકાંડો કે ટીલાં–ટપકાંની જરુર હોતી નથી. માણસની ભક્તીમાં કાળક્રમે કૃતજ્ઞતાનો અતીરેક ભળતો ગયો. સાચી જુઠી માન્યતાઓથી ભક્તી વીકૃત થઈ. ધર્મગુરુઓએ ધર્મના કલ્યાણકારી મુળ સ્વરુપમાં મનસ્વીપણે ફેરફારો કર્યા. મનફાવતાં અર્થઘટનો કર્યાં. કાળક્રમે મુળ ધર્મ બાજુએ રહી ગયો ને ધર્મના નામે કર્મકાંડોનો અતીરેક થવા લાગ્યો. એમ કહો કે મધના નામે ખાંડની ચાસણીનો વેપાર થવા લાગ્યો.

આ બધી વરવી ધાર્મીક પ્રક્રીયાઓમાંથી જનમ્યો એક વર્ણસંકર રાક્ષસ…!રાક્ષસ તે આજનો કહેવાતો ધર્મ! સમગ્ર દુનીયામાં માત્ર માનવધર્મ જ સાચો એમ માનવાને બદલે, આ મેનમેઈડ ધર્મે માણસોને અનેક ટોળાંમાં વહેંચી નાખ્યા. જેટલાં દેવ એટલાં ટોળાં થયાં. કોના દેવ સાચા અને વધારે પાવરફુલ તે મુદ્દા પર ક્યારેક ટોળાં વચ્ચે જુથઅથડામણ થાય છે. દરેક માથું પોતાના દેવ ખાતર ખપી જવા જંગે ચઢે છે. જોતજોતામાં લોહીનાં ખાબોચીયાં છલકાઈ જાય છે. ઘણીવાર ધાર્મીક સરઘસોમાં ગુપ્તી, હોકી સ્ટીક, સોડાવોટરની બાટલીઓ, ખંજર કે તલવારો મળી આવ્યાની ઘટનાઓ પણ બની છે.

માણસનો આ કહેવાતો ધર્મ, કમળામાંથી કમળી થઈ ગયા જેવી દુર્ઘટના છે. નહીંતર શ્રદ્ધા અને સોડાવોટરની બાટલીઓનો મેળ શી રીતે ખાય? તલવાર અને ધર્મ એક મ્યાનમાં શી રીતે રહી શકે? પેટ્રોલના પીપડામાં સળગતી મશાલ ખોસવા જેવી એ મુર્ખતા ગણાય! વધારે આઘાતની બાબત એ છે કે એ ધર્મપંડીતો વીજ્ઞાનનો વીરોધ કરે છે અને ગળુ ફાડીને ભક્તોને સમજાવે છે કે તમે દીનરાત ભગવાનના ચરણોમાં મંજીરાં વગાડતાં રહો! દયાના સાગરને નામે દેહને કષ્ટ આપતાં રહો. સંસારની મોહમાયા ત્યજો અને મોક્ષપ્રાપ્તી માટે મંડ્યા રહો! આત્માના કલ્યાણ માટે તરેહ તરેહના ટીલાં–ટપકાં ને કર્મકાંડો કરતા રહો. સાધુસન્યાસીઓ, ગુરુઓ કે સ્વામીઓના ચરણોમાં આળોટતા રહો અને એવા કેશવાનન્દોની સેવામાં ઘરની બહેન–દીકરીઓને મોકલતા રહો. આટલું કરો તો તમારા મોક્ષનો વીઝા પાકો! તમારું કલ્યાણ નક્કી! પણ આટલું કરવા છતાં તમારું કલ્યાણ ન થઈ શકે તો નક્કી માનજો કે તમારી શ્રદ્ધા ઓછી, તમારી ભક્તી કાચી ને તમારી નીષ્ઠા નકામી!

આપણો મુળ પ્રશ્ન છે – માણસ માટે કઈ શાન્તી વધુ જરુરી – મનની શાન્તી કે પેટની? આ પ્રશ્ન, માણસ માટે શું વધુ જરુરી – શર્ટ કે નેકટાઈ જેવો ગણાય! ઉઘાડા શરીરે ગળામાં માત્ર ટાઈ પહેરી ફરનારો માણસ ભુંડો લાગે છે. તેને પાગલ કહી શકાય; પણ એવા માણસને શું કહીશું, જેઓ પોતાનાં સન્તાનોને પુરું ખાવાનું આપી શકતાં નથી; છતાં દર મહીનાના પગારમાંથી રુપીયા એકાવનનો મનીઓર્ડર અમુકતમુક મન્દીરમાં મોકલે છે!

પેટની આગ ઠારવા માટે માણસ ખેતરમાં જઈ અનાજ પકવવાને બદલે મન્દીરમાં જઈ મંજીરાં વગાડશે તો એની ભુખ મટશે ખરી? માણસની આધ્યાત્મીક આવશ્યકતાઓ કરતાં પ્રાથમીક જરુરીયાતો વીશે વીચારવાની તાતી જરુર છે. ગામડાંઓમાં લાખો લોકો પાસે જાજરુની સુવીધા હોતી નથી; છતાં એ લોકોને પૈસા ભેગા કરી મન્દીર બાંધવાનું સુઝે છે; પણ જાજરુ બાંધવાનું સુઝતું નથી. આજના તણાવયુક્ત વાતાવરણમાં પ્રભુભજન કે દેવદર્શનથી માણસના મનને કોઈ મનોવૈજ્ઞાનીક રાહત મળતી હોય તો ભલે મન્દીરો બંધાતાં; પણ તેનો ક્રમ જાજરુથી અગ્રક્રમે કદી ન હોવો જોઈએ. તવંગર માણસ તીરુપત્તી જઈ ભગવાનના ચરણોમાં સોનું ચઢાવી આવે છે. એવી લક્ઝુરીયસ અન્ધશ્રદ્ધા અમીરો ઍફોર્ડ કરી શકે છે. ગરીબો પોતાની કાળી મજુરીના પૈસા પરીવાર પાછળ ખર્ચવાને બદલે ભગવાન પાછળ ખર્ચે છે, તે લંગોટી વેચીને પાઘડી ખરીદવા જેવી ભુલ ગણાય.

આપણે ત્યાં આઠમા ઘોરણના પ્રવેશવંચીત વીદ્યાર્થીઓ માટે પ્રતીવર્ષ આંદોલન થાય છે. એવું આંદોલન પ્રજાએ ક્યારેય ‘મન્દીરને બદલે શાળા કૉલેજો બાંધવી જોઈએ’ એવા મુદ્દા પર કર્યું છે? થોડાં વર્ષો પર અશ્વમેધયજ્ઞમાં કરોડો રુપીયાનો ધુમાડો કરવામાં આવ્યો હતો. જરા મનના કેલ્ક્યુલેટર પર હીસાબ માંડીને કહો– એક અશ્વમેધયજ્ઞ પાછળ થતા કરોડો રુપીયાના ધુમાડામાંથી કેટલી શાળાઓ બાંધી શકાઈ હોત? પણ જવા દો એ વાત… અશ્વમેધયજ્ઞ એ આપણા અન્ધશ્રદ્ધાળુ સમાજનું સીનેમાસ્કૉપ પ્રતીક છે. જ્યાં દશમાંથી નવ માણસો એવાં યજ્ઞોની તરફેણ કરતા હોય, ત્યારે તેને અટકાવવાનું કામ ગાંડા હાથીના પગમાં સાંકળ બાંધવા સમુ કપરું છે.

તાત્પર્ય એટલું જ, સાચી જરુરીયાત મનની શાન્તી કરતાં પેટની શાન્તીની છે. ભુખ્યા ભીખારીને ધ્યાન લાગે ખરું? આધ્યાત્મીક શાન્તી મળે ખરી? મનની શાન્તી ભોજન પછીના પાનબીડાં જેવી છે. પેટ ભોજનથી તૃપ્ત થયું હોય તો જ પાનની મઝા આવે. જીવનમાં ભોજનનું મહત્ત્વ પાનબીડાં કરતાં હમ્મેશાં વધારે રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો જીવન માટે શું વધારે જરુરી પાણી કે શરબત? જવાબ પાણી જ હોય શકે શરબત નહીં! કેવળ ઈશ્વરનાં મંજીરાં વગાડ્યા કરવાથી માણસનું પેટ ભરાઈ શકતું નથી અને ઈશ્વરના અસ્તીત્વને સતત ઈન્કારવાથીય માણસનો દહાડો વળતો નથી.

આસ્તીકો–નાસ્તીકો બન્ને માટે રોકડું સત્ય એ જ કે ‘ઈશ્વર છે કે નહીં’ તેની ચીંતા કર્યા વીના કામે લાગો. કામ એ જ પુજા છે. કામ એ જ ઉર્જા છે. માનવદેહને ટકાવવા પહેલી જરુરીયાત રોટીની છે. શ્રમ કર્યા વીના કોઈને રોટી મળતી નથી. જો કે કેવળ રોટીનું નહીં– ઈજ્જતની રોટીનું મુલ્ય છે. રોટી તો દાઉદ ઈબ્રાહીમનેય મળે છે અને સ્વામી સચ્ચીદાનન્દજીનેય મળે છે. પણ એક રોટી, શબરીના બોર, વીદુરજીની ભાજી કે સુદામાના તાંદુલની જેમ દરેક ધર્મના રામ અને કૃષ્ણને વહાલી હોય છે. મુળ વાત એટલી જ, બેઈમાનીની બાસુંદી કરતા ઈજ્જતની ભડકી સારી!

દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ 13મો લેખ, પુસ્તકનાં પાન 47થી 50 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 ગુજરાત સેલફોન : 94281 60508 .મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 11–12–2017

(તસવીર સૌજન્ય : સંદેશ દૈનીક)

દુનીયામાં તારો ડંકો વાગશે!

તારીખ 27 જુલાઈ, 2001ને શુક્રવાર. ભરુચ જીલ્લાના વાલીયા તાલુકાના ટીમરોલીયા ગામના હંસા વસાવા (ઉમ્મર : 16)ના શરીરમાં માતાજી પ્રગટ થયા! આજુબાજુ પંથકના લોકો હંસા માતાજીના દર્શનાર્થે આવવા લાગ્યા. સમાચાર એવા ફેલાયા કે તારીખ 25 સપ્ટેમ્બર 2001ના રોજ નાનકડા ટીમરોલીયા ગામમાં પચ્ચીસ હજાર માણસોની મેદની એકઠી થઈ! ગામમાં વાહનો કયાં મુકવા તેની સમસ્યા ઉભી થઈ!

ભરુચ જીલ્લામાં એક પત્રીકા ફરતી હતી. તેમાં લખ્યું હતું : “હંસા માતાજીના અદ્ ભુત ચમત્કાર! ચાલો ટીમરોલીયા ગામે, હંસામાતાજીના દર્શનાર્થે. કંચનભાઈ બાલુભાઈની પુત્રી હંસાબેન બાળપણથી જ શીવજીની સેવામાં રંગાઈ ગયા હતા. તેમણે પોતાના ખેતરમાં શીવજીની મુર્તી સ્થાપીત કરાવી હતી. તે મુર્તી કોઈ ચોરી ગયું! મુર્તીના વીરહની અગ્નીમાં બાળ હંસાએ સતત સાત દીવસ અન્નજળનો ત્યાગ કર્યો! આખરે હંસામાતાજી આરતી કરતા હતા ત્યારે એક સાથે દશામા, લક્ષ્મીજી અને સરસ્વતીજીએ દર્શન આપ્યા! માતાજીએ આશીર્વાદ આપતા કહ્યું કે, ‘ધન્ય છે તારી ભક્તીને! આજથી હું તારા શરીરમાં માતાજી સ્વરુપે પ્રગટ થઈશ! બેટા! આજથી તું મારા નામનો અખંડ દીવો રાખજે. રોજ આરતી કરજે. આરતી વેળાએ હું તારા શરીરમાં ત્રણ સ્વરુપે પ્રગટ થઈશ! હંસામાતાજી! દુનીયામાં તારો ડંકો વાગશે!’ શીવજીની આજ્ઞાથી ટીમરોલીયા ગામે ત્રણ માતાજીને પ્રગટ થવું પડ્યું! હંસામાતાજી પ્રગટ પરચા પુરી રહ્યા છે. આરતી સમયે ભાવીકોની ભીડ જામે છે. તેમને ત્રણ માતાજીના દર્શન થાય છે! કેટલાય લોકોને હંસામાતાજીની હથેળીમાં ઝગમગતા કંકુના દર્શન થાય છે! ઘણાં દુઃખી લોકો રડતાં–રડતાં આવે છે અને દર્શન કરી હસતાં–હસતાં જાય છે!

એક ભાઈના બળદને લોહીના ઝાડા થઈ ગયા, તે હંસામાતાજીના દર્શને આવ્યા અને પ્રસાદી લઈ ગયા. તે પ્રસાદી બળદને ખવડાવી અને તરત જ બળદ સારો થઈ ગયો! એક દાદીમાને લકવો થઈ ગયો હતો, તેને સાયકલ ઉપર બેસાડીને હંસામાતાજી પાસે લઈ આવ્યા. હંસામાતાજીએ પ્રસાદ આપ્યો અને આશીર્વાદ આપ્યા. બીજા દીવસથી દાદીમા ચાલતાં ચાલતાં દર્શને આવવા લાગ્યા! દર મંગળવારે રાત્રે ગરબાનો કાર્યક્રમ થાય છે, તેમાં વીસ હજાર લોકો એકઠાં થાય છે. એક વખત, એક બાળકીની પાયલ ખોવાઈ ગઈ. બાળકી રડવા લાગી. હંસામાતાજીએ પાયલ શોધી આપી! દેડીયાપાડાની એક છોકરીની બન્ને આંખો કોઈ કારણસર બન્ધ થઈ ગઈ. તે છોકરીને હંસામાતાજી પાસે બપોરે લાવ્યા. તેણે પ્રસાદ લીધો, આશીર્વાદ લીધા. સાંજે આરતીનો સમય થતાં જ તેની બન્ને આંખો ખુલ્લી ગઈ! નાગોરી ગામના એક ભાઈને મંગળવાર રાતે સ્વપ્નમાં નાગદેવતાના દર્શન થયા. સવારે સ્વપ્નવાળી જગ્યાએ જઈને જોયું તો નાગદાદા બેઠા હતા! આ વાત હંસામાતાજી પાસે આવી. તેમણે કહ્યું કે તમારા સ્વપ્નમાં મેં નાગદાદાને મોકલ્યા હતા! હંસા માતાજીના સ્થાનક પાસે પાણી માટે બોર કરાવ્યો અને બોરમાંથી પાણી આપમેળે વહેવા લાગ્યું! હંસામાતાજીએ આશીર્વાદ આપ્યા કે પાણી સદાય વહેતું રહેશે! આ પત્રીકા વાંચીને, બીજાને વાંચવા આપજો. પત્રીકા ફેંકી દેશો તો અપમાન થશે, હંસામાતાજી નારાજ થશે!”

શ્રદ્ધાળુ લોકોનો પ્રવાહ ટીમરોલીયા ગામ તરફ વહી રહ્યો હતો. દાનનો ઢગલો થઈ રહ્યો હતો. એવું લાગતું હતું કે ટીમરોલીયા ગામની શેરીઓ સોના–ચાંદીથી મઢાઈ જશે, સુખ–શાંતીનું સામ્રાજય સ્થપાઈ જશે! પરન્તુ આવું કંઈ ન થયું. ગામમાં ઝઘડા શરુ થયા. હંસા માતાજીની સામે, જીલ્લા પોલીસ વડા, કલેકટર, ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને અરજીઓ કરવામાં આવી!

ટીમરોલીયા ગામના યુવાન સુરેન્દ્ર વસાવાએ, તારીખ 5 ઓગસ્ટ, 2002ના રોજ, સુરતની સત્યશોધક સભાના કાર્યકર મધુભાઈ કાકડીયાનો સમ્પર્ક કર્યો, કહ્યું : મધુભાઈ, આ પત્રીકા જુઓ. અમારા ગામમાં ચમત્કારોનો રાફડો ફાટયો છે! ગામમાં પહેલાં શાંતી હતી હવે અશાંતી છે!”

મધુભાઈ કાકડીયાએ કહ્યું : “સુરેન્દ્રભાઈ, દુનીયાનો એક દસ્તુર છે, નીયમ છે. જ્યાં ચમત્કારો અને અન્ધશ્રદ્ધાના આધારે કાર્ય થાય ત્યાં. ઝઘડાઓ થાય, થાય અને થાય! તમારા ગામમાં ઝઘડાઓ વધશે, ઘટશે નહીં!”

મધુભાઈ, અમે ઝઘડાનું કારણ દુર કરવા માંગીએ છીએ. હંસામાતાજી ઢોંગ કરે છે, એને ખુલ્લા પાડો!”

“સુરેન્દ્રભાઈ, આ કામ ગામ લોકોએ કરવું જોઈએ!”

“મધુભાઈ, ગામ લોકોમાં હીમ્મત નથી. એમને હંસામાતાજીની નારાજગીનો ડર લાગ્યા કરે છે! હંસામાતાજી કોઈનું ભલું ન કરી શકે; પણ ખરાબ તો કરી શકે, એવું સૌ માને છે! હંસા આઠ ધોરણ સુધી ભણી છે, તેને ભણવું હતું; પરન્તુ એના પીતા કંચનભાઈએ હંસાને માતાજી બનાવી દીધી! મહેસાણાના એક સ્ટુડીયોએ હંસા માતાજીની કેસેટ બહાર પાડી છે, તેમાં કંચનભાઈને મજુર તરીકે દર્શાવેલ છે. વાસ્તવમાં કંચનભાઈને પીયતવાળી ખેતી છે અને એમને ત્યાં મજુરો કામ કરે છે. કેસેટમાં સાવ ગપ્પાં માર્યા છે!”

“સુરેન્દ્રભાઈ, હંસાના પરચાથી બોરમાંથી પાણી આપમેળે વહેવા લાગ્યું, એ સાચું?”

“ગયા ચોમાસામાં વરસાદ સારો પડ્યો હતો. ગામમાં પાણીના તળ ઉપર આવી ગયા. પાણીનું વહેણ પકડાઈ ગયું એટલે બોરમાંથી પાણી વહેવા લાગ્યું. તરત જ હંસામાતાજીએ ઘોષણા કરી કે આ પાણી સદાય વહેતું રહેશે! પરન્તુ આઠમાં દીવસે પાણી વહેતું બન્ધ થઈ ગયું! હવે હંસામાતાજી કહે છે કે ગામ લોકો ખટપટ કરે છે, એટલે પાણી બન્ધ થઈ ગયું!”

તારીખ 15 સપ્ટેમ્બર, 2002ને રવીવાર. સવારના અગીયાર વાગ્યે સત્યશોધક સભા સુરતની ટીમ ટીમરોલીયા ગામે પહોંચી. ટીમમાં મધુભાઈ કાકડીયા(સેલફોન : 98255 32234), સીધ્ધાર્થ દેગામી(સેલફોન : 94268 06446), જગદીશ વકતાણા (સેલફોન : 94261 15792), ભરત શર્મા (સેલફોન : 98257 10011), જાદવભાઈ વેકરીયા, તેજસ મોદી અને સતીષ જાદવ હતા.

મધુભાઈએ કહ્યું : “માતાજી! કૃપા કરો. મારા લગ્ન થયાને પચ્ચીસ વરસ થયા. હજુ પારણું બન્ધાયું નથી!”

હંસામાતાજીએ બન્ને આંખો બન્ધ કરી. હાથ ઉંચાનીચા કર્યા. હોઠ ફફડાવ્યા. પછી મધુભાઈના માથા ઉપર કંકુ છાંટ્યું અને કહ્યું : “તમે શ્રદ્ધાળુ નથી. એટલે સંતાન થયેલ નથી. સાત રવીવાર સુધી અહીં દર્શન કરવા આવજો, સાતમા મહીને ખોળો ભરાશે!”

“માતાજી! તમે આવું કયા આધારે કહો છો?”

“હું માતાજી છું! માતાજીને આવા પ્રશ્નો ન પુછાય! માતાજી સર્વજ્ઞા હોય છે. માતાજીથી કંઈ છુપું હોઈ શકે નહીં!”

“માતાજી! તમે તો ભગવાન સાથે છેતરપીંડી કરો છો, માણસ સાથે તરકટ કરવાનું કેમ છોડો?”

“તમે કહેવા શું માંગો છો?”

“માતાજી, મારે બે સંતાનો છે. સંતાનપ્રાપ્તીની વાત તો તમારું પગેરું મેળવવા મેં કહી હતી! તમારા ઢોંગની ફરીયાદ અમને મળી છે, એટલે સત્યશોધક સભાની ટીમ અહીં આવી છે. અમારી સાથે પત્રકાર છે, ટીવી ચેનલના કેમેરામેન છે!”

હંસામાતાજી ચુપ થઈ ગયા. તેના પીતા કંચનભાઈ અને કંકુ, ચુંદડી, શ્રીફળ વગેરેનો ધંધો કરનારાઓએ ઉહાપોહ કર્યો.સત્યશોધક સભાની ટીમને ધક્કા મારવાનું શરુ કર્યું. મધુભાઈએ કહ્યું : કંચનભાઈ! તમે ગોચરની જમીનમાં, માતાજીના નામે બંગલો બાંધ્યો છે અને આજુબાજુ દુકાનો ઉભી કરી. કાયમી આવક ઉભી કરી છે! માતાજીના નામે ધન્ધો કરો છો! જો હંસામાતાજીમાં સત હોય તો અમને અહીં જ સળગાવી મુકે!”

–––––––––––––––––––––––––––––––––––––––––

(આવી છેતરામણ થઈ હોય તો, પુરતા પુરાવા સાથે, ‘અભીવ્યક્તી’ બ્લોગના https://govindmaru.wordpress.com/cck/ પેજ પર ગુજરાત રાજ્યના 12 ચમત્કાર ચકાસણી કેન્દ્રો’ અને તેના કાર્યકરોના સેલફોન નમ્બર આપવામાં આવ્યા છે તેઓનો સમ્પર્ક કરવા જણાવાય છે.  …ગો. મારુ)

––––––––––––––––––––––––––––––––––––––––

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’ (09, ઓગસ્ટ, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile: 99099 26267  e.Mail: rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 08–12–2017

12

શ્રદ્ધાવાદ વર્સીસ બુદ્ધીવાદ…!

– દીનેશ પાંચાલ

એક રૅશનાલીસ્‍ટ મીત્ર દાઢી વધારી ફરતા હતા. એક બહેને તેમને કારણ પુછ્યું. પેલા મીત્રે કહ્યું– ‘મારી નાની દીકરીને મહારાજ આવ્‍યા છે!’ વાત સાંભળી પેલા બહેન ચોંકી ઉઠયા– ‘અરે…! શું વાત કરો છો…? તમે અને મહારાજ? તમે આવી અન્ધશ્રદ્ધામાં માનતા ક્‍યારથી થઈ ગયા? તમે તો પાક્કા નાસ્‍તીક છો!’ મીત્રે સ્‍પષ્ટતા કરી– ‘બહેનજી, હું અન્ધશ્રદ્ધામાં નથી માનતો પણ માની મમતામાં માનું છું. પત્‍નીની લાગણીમાં માનું છું. પીતાજીનો પ્રેમ સમજું છું. કેવળ બે દીવસ દાઢી ન કરવાથી મારા સ્‍વજનોની લાગણી સચવાતી હોય તો અન્ધશ્રદ્ધાળુમાં ખપી જવાની મારી પુરી તૈયારી છે. બાકી અમેરીકા, જાપાન કે લંડનમાં કોઈને મહારાજ નથી આવતા ને આપણે ત્‍યાં જ કેમ આવે છે? એવી દલીલો કરીને મેં દાઢી કરી હોત તો તેઓ મન દુભવીને બેસી રહ્યાં હોત; પણ કદાચ દીકરીનું મોત થાય તો તેનું સાચું કારણ ગમે તે હોય; પણ મારા શીરે જીન્દગીભરનો બટ્ટો લાગ્‍યા વીના ના રહે…! અને તેમનો વહેમ વધુ દૃઢ બને તે વધારાનું નુકસાન. બહેનજી, જીવનમાં બુદ્ધી કરતાં લાગણીનું સ્‍થાન મુઠી ઉંચેરું હોય છે!’

મીત્રની વાત સાચી છે. શ્રી. ભગવતીકુમાર શર્મા કૃત– ‘નખદર્પણ’ની એક પંક્‍તીમાં લાગણીની વાત સુપેરે વ્‍યક્‍ત થઈ છે–

                                        લાગણી લખાવે તો લાખ વાર લખવું છે,

                                        બુદ્ધી બુમ પાડે તો પણ ધરાર લખવું છે.

એ મીત્રે આગળ કહ્યું– ‘પત્‍નીને કંઈકે સમજાવી શકાય, પણ 80ની આસપાસ પહોંચેલા મારા માબાપને હું આ ઉમ્મરે રૅશનાલીઝમના પાઠો ક્‍યાં ભણાવવા બેસું? એ તો સાઈકલ ભાંગીને તેમાંથી ઍરોપ્‍લેન બનાવવાની કામગીરી હાથ ધરવા જેવી ભુલ ગણાય. આ ધરમકરમવાળા દેશમાં ભણેલા ગણેલાઓ પણ દોરા ધાગા કે માદળીયાં બાંધીને ફરે છે, અરે! ખુદ ડૉક્‍ટરોના ક્‍લીનીક પર લીંબુ અને મરચું બાંધેલા હોય છે ત્‍યાં ચાર ચોપડીય નહીં ભણેલા મારા માબાપની અન્ધશ્રદ્ધાને વખોડવા બેસું તો મારું રૅશનાલીઝમ લાજે. જડપણે રૅશનાલીઝમને વળગી રહેવા કરતાં સમજદારીપુર્વક થોડીક અન્ધશ્રદ્ધાને નભાવી લેવી એ વધુ ઉચીત ગણાય એમ હું માનું છું.’

વાત અન્ધશ્રદ્ધાની નીકળી છે ત્‍યારે થોડી અંતરંગ વાતોય કરી લઉં. કેવળ લખવા ખાતર લખતો નથી. સમાજમાં વીરોધ કે વીસ્‍ફોટ જગાવવાય લખતો નથી. મારા લખાણને કેટલાંક સ્‍વાનુભવોનું સમર્થન છે. નાના છોકરાની બાબરી, વાસ્‍તુપુજા, શ્રાદ્ધ, હોમહવન, યજ્ઞ, જપ–તપ, માળા, પુજાપાઠ કે મન્દીરમાં જઈ દેવદર્શન જેવું કાંઈ જ કરતો નથી; છતાં અમે અત્યન્તત સુખી છીએ. સ્‍વજનોની લાગણી જાળવવા એકાદ વાર સત્‍યનારાયણની કથા જેવાં કેટલાંક કર્મકાંડ કરાવવા પડ્યા હતાં, પણ એ માબાપનું મન જાળવવા માટે જ… બાકી જીવનની અમુક મહેચ્‍છાઓ પુર્ણ થાય તે માટે બાધા આખડી કે દોરા ધાગામાં ક્‍યારેય પડ્યો નથી.

સેંકડો લોકો આ પ્રકારનું જીવન જીવે છે. તે સર્વના કોઈ કામ અટક્‍યાં નથી. કેટલાંક મુસ્‍લીમ મીત્રો વર્ષોથી નમાઝ નથી પઢતા છતાં તેઓ સુખી છે. આટલા અનુભવ બાદ સમજાયું છે કે મન્દીરમાં ન જાઓ, દીવા દીવેટ ના કરો, માળા ના કરો તો કશું જ અટકતું નથી; પણ જીવનમાં ડગલેને પગલે ખોટાં કામો કરો, અપ્રમાણીક્‍તા આચરો કે બીજા જોડે દુષ્ટતાથી વર્તો તો આખો સમાજ દુઃખી થાય છે. છેલ્લા ચાળીશ વર્ષોથી મારો બુદ્ધીવાદ અને પત્‍નીનો શ્રદ્ધાવાદ એક છત તળે સમ્પીને રહે છે. કારણ એટલું જ કે પત્‍નીએ કદી મારા રૅશનાલીઝમને અવગણ્‍યો નથી. અને મેંય  તેના શ્રદ્ધાવાદને પુરો આદર આપ્‍યો છે. ઘરમાં એક નાનું મન્દીરીયું છે. જે વળી મેં જ પત્‍નીને ભેટમાં આપ્‍યું છે. મજાકમાં હું તેને ભગવાન જોડે વાતો કરવાનું ટેલીફોન બુથ કહું છું. પત્‍નીના આગ્રહથી હુંય ક્‍યારેક મુકપણે એ મન્દીરીયા સામે હાથ જોડી ઉભો રહું છું. ભગવાનની આંખોમાં આંખ પરોવી પ્રશ્નોની ઝડી વરસાવું છું– ‘બૉસ, તારી આ દુનીયામાં આટલા દુઃખદર્દો અને રડારોળ કેમ છે? તારી ભક્‍તીમાં રાતદહાડો મગ્ન રહેતાં ભક્‍તોને અહીં ચોધાર આંસુડે રડવું પડે છે અને તને કદી ન ભજનારા મારા જેવા માણસો આટલાં સુખી કેમ છે? તારી કાર્યપદ્ધતી સમજાતી નથી. ક્‍યાંક તું ઉંધુ તો નથી વેતરી રહ્યો ને? ‘

એક ખાસ ઘટના કહું તે સાંભળો. ‘બોલો, ઈશ્વર છે કે નથી?’નામના મારા પુસ્‍તકમાં મેં એ લખી છે. એક ગામમાં થોડાંક આસ્‍તીકો અને નાસ્‍તીકો વચ્‍ચે ઈશ્વરના અસ્‍તીત્‍વ વીશે ઉગ્ર ચર્ચા થઈ રહી હતી. તેવામાં ત્‍યાંથી પસાર થતું કુંભારનું એક બળદગાડું ઉંડી ગટરમાં ઉથલી પડ્યું. આની જાણ થતાં આસ્‍તીકો અને નાસ્‍તીકો ત્‍યાં દોડી ગયા. સૌએ ધક્કો મારી ગાડું બહાર કાઢ્યું. કુંભારના બધાં જ માટલાં ભાંગી ગયા હતા. નુકસાન જોઈ ગરીબ કુંભારની આંખોમાં આંસુ આવી ગયા. આસ્‍તીક નાસ્‍તીકોએ થોડા થોડા પૈસાનો ફાળો એકત્ર કરી તેનું નુકસાન ભરપાઈ કરી આપ્‍યું.

કુંભારે સૌનો આભાર માન્‍યો. પછી જીજ્ઞાસા ખાતર પુછ્યું– ‘તમે સૌ અહીં શા માટે ભેગા થયા છો?’ બધાએ જવાબ આપ્‍યો– ‘અમે અહીં ઈશ્વર છે કે નહીં તે નક્કી કરવા ભેગા થયા છીએ.’ કુંભારે પુછ્યું– ‘પછી શું થયું? કોઈ નીવેડો આવ્‍યો?’ જવાબ મળ્‍યો : ‘ના… ચર્ચા હજુ ચાલુ છે!’ કુંભારે સંકોચપુર્વક કહ્યું– ‘તમે બધાં વીદ્વાન છો. હું તો બહું નાનો માણસ છું પણ મને એક પ્રશ્નનો જવાબ આપો.’ કહી કુંભારે આસ્‍તીકોને પ્રશ્ન કર્યો– ‘તમે મારી મદદે આવ્‍યા તે શું વીચારીને આવ્‍યા?’ આસ્‍તીકોએ કહ્યું– ‘અમે એવો વીચાર કર્યો કે મુશ્‍કેલીમાં આવી પડેલા માણસને મદદ નહીં કરીએ તો એક દીવસ ભગવાનના દરબારમાં હાજર થવાનું છે ત્‍યાં શો જવાબ આપીશું?’

કુંભારે નાસ્‍તીકોને પ્રશ્ન કર્યો– ‘તમે તો ભગવાનમાં નથી માનતા. તમે કેમ મારી મદદે આવ્‍યા?’ નાસ્‍તીકોએ કહ્યું– ‘ભાઈ, તું સાચું કહે છે. અમે માનીએ છીએ કે માણસ જ્‍યારે મુશ્‍કેલીમાં આવી પડે છે ત્‍યારે એને મદદ કરવા આકાશમાંથી કોઈ ભગવાન આવવાનો નથી. માનવતાના નાતે માણસે જ માણસને મદદ કરવી જોઈએ!’ કુંભારે આગળ કહ્યું– ‘તમે તમારી ચર્ચા અટકાવી મારી મદદે દોડી આવ્‍યા, મને આર્થીક મદદ પણ કરી. હું માનું છું કે મારે માટે તમે જ મારા ભગવાન છો. આવું માનવતાનું કામ કર્યા બાદ તમે ઈશ્વરના અસ્‍તીત્‍વને સ્‍વીકારો કે નકારો કોઈ ફરક પડતો નથી. ભાઈઓ, હું તો કહીશ જેઓ આસ્‍તીક છે તેમણે ભગવાનને નજરમાં રાખીને માનવતાના કામો કરવા જોઈએ. અને જે લોકો નાસ્‍તીક છે તેમણે– ભગવાન નથી, એથી આ આપણી ફરજ છે એમ માની માનવતાના કામો કરવા જોઈએ!’ કહી કુંભાર રસ્‍તે પડ્યો.

કુંભારની વાત પેલા આસ્‍તીક નાસ્‍તીક સમજ્‍યાં હોય કે નહીં; પણ આપણને એક વાત સમજાય છે. અને તે એકે ઈશ્વર છે કે નહીં તેની ચીંતા કર્યા વીના માણસે દુનીયામાં ભલાઈના કામો કરવા જોઈએ. કોઈકે સાચું કહ્યું છે–

‘અલ્લાહકો નમાઝકી જરુરત નહીં

ભગવાનકો પુજાકી જરુરત નહીં,

રામ રહીમ ગલે મીલ જાય તો

ઈન્‍સાનકો મજહબકી જરુરત નહીં…!

આપણે એક વાત સમજવાની છે. ભગવાન હોય તો તેને પણ એવાં જ આસ્‍તીકો ગમશે જે માણસના ઘોંચમાં પડેલા ગાડાને ધક્કો મારીને બહાર કાઢી આપે. અને ભગવાન છે જ નહીં એવું માનતા નાસ્‍તીકો પ્રત્‍યે પણ ઈશ્વરને કોઈ જ ફરીયાદ નહીં રહે જો તેઓ લોકોના ડુબતાં વહાણ તારશે. દુઃખીઓના આંસુ લુછશે. આસ્‍તીક્‍તા કે નાસ્‍તીક્‍તા કરતાં માનવતા મહાન છે. આવો આપણે પેલા કુંભારની જેમ માનવતામાં જ સાચી પ્રભુતા છે, એવી સમજ આપણે કેળવીએ!

– દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ 12મો લેખ, પુસ્તકનાં પાન 44થી 46 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 ગુજરાત. સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 04–12–2017

હવે તો કોઈના ય નામે પથરા તરી જતા હોય છે!

–ખલીલ ધનતેજવી

તદન રગડા જેવી ભરપુર ઉંઘમાં મચ્છરના એક ચટકે આપણી આંખ ઉઘડી જાય છે. અને બીજી તરફ આપણા આ નેતાઓ પાંસઠ પાંસઠ વર્ષથી આપણને બચકાં ભરે છે! આંચકા પર આંચકા આપે છે છતાં આપણી પાંપણ સુધ્ધાં હાલતી નથી! એવું કેમ?

કોઈ પણ પક્ષને ચીક્કાર મત આપીને સત્તાની ટોચ પહોંચાડી દેતી પ્રજાને ઓળખવી તો દુરની વાત– સમજવી પણ મુશ્કેલ છે. સત્તાની ટોચ પર પહોંચી જનાર જો એમ માનતા હોય કે, પ્રજા હવે આપણી મુઠ્ઠીમાં છે, ત્યારે એ માનસીક ગડથોલું ખાઈ જતા હોય છે! સત્તાવીસ સત્તાવીસ વર્ષ સુધી જેના ગઢ ઉપરથી એક કાંકરી ગબડાવી પાડવાનું મુશ્કેલ જ નહીં અશક્ય લાગતું હતું એવી ઘરખમ કોંગ્રેસને ઈન્દીરા ગાંધી દ્વારા અંગત સ્વાર્થ ખાતર લાદી દેવાયેલી કટોકટીના વીરોધમાં મતદાન કરીને ઘરભેગી કરી દેનાર પ્રજાએ ઈન્દીરા ગાંધીને જે બોધપાઠ આપ્યો હતો તે સર્વલક્ષી હોવા છતાં જનતા મોરચાએ નજર અન્દાઝ કર્યો ત્યારે એ જ પ્રજાએ માત્ર અઢી વર્ષ પછી ઈન્દીરા ગાંધી સહીતની કોંગ્રેસને પુનઃ માનભેર સત્તારુઢ કરી આપી. એટલે પ્રજાનો મીજાજ સમજવાને બદલે પ્રજાને આપણા વગર ચાલતું નથી એવું માનતી કોંગ્રેસ તોરમાં આવી ગઈ! એ પછી એ જ તોરાઈ ભાજપને ભરખી જાય છે. ભુતકાળમાં માત્ર બે જ સાંસદો લઈને પાર્લામેન્ટમાં પ્રવેશનાર ભાજપ ઝાઝેરા રુમ સાથે સત્તારુઢ થયો, એ કોઈને ગમ્યું કે ના ગમ્યું, પણ વાજપેયી વડાપ્રધાન બન્યા એ અડવાણી સીવાય બધાને ગમ્યું હતું. વાજપેયી વડાપ્રધાન થયા અને અડવાણી સવાયા વડાપ્રધાનની ભુમીકામાં રચ્યા પચ્યા રહ્યા, પરીણામે વાજપેયી વપરાયા કરતા વેડફાયા વધુ. એ વેડફાટ જ ભાજપને ભરખી ગયો!

આટલી વાત પરથી પ્રજાની જાગરુકતાનો પુરાવો આપણને મળે છે. 51નું સર્વાંગી જાગૃતતા ક્યાં છે. ઉપર મુજબની તમામ પ્રજાકીય ઘટનાઓ ચુંટણીલક્ષી હતી અને મતદાન પુરતી જ સીમીત રહી છે. ચુંટણીમાં દેખાતી જાગરુકતા ચુંટણી પુર્વે કેમ ક્યાંય વર્તાતી નથી. પક્ષ તમારી પસન્દગીનો હોય પણ એ પક્ષનો ઉમેદવાર તમારી પસન્દગીનો નથી હોતો! તમે પક્ષને ઓળખો છો. પક્ષની નીતી વીશે પણ થોડું–ઘણું તમે જાણો છો; પણ ઉમેદવાર વીશે તમે કશું જાણતા નથી. આપણે ઑફીસમાં સામાન્ય કારકુન અથવા ડ્રાઈવર રાખીએ છીએ ત્યારે એનો બાયોડેટા જોવાનો આગ્રહ રાખીએ છીએ! એ તો ઠીક, ઘરે કામવાળી બાઈ રાખવાની હોય ત્યારે એને પુછીએ છીએ કે અગાઉ કોને ત્યાં કામ કરતી હતી? ત્યાંનું કામ શા માટે છોડી દીધું? વગેરે પ્રશ્નો પુછીએ છીએ  એક કામવાળી રાખવામાં આપણે આટલી સજાગતા દાખવીએ છીએ. પરન્તુ જેને પાંચ વર્ષ સુધી સત્તા અને પાવર સોંપવા જાવ છો. એ ઉમેદવારનો બાયોડેટા તમારી પાસે નથી હોતો છતાં મત આપી આવો છો! જેને રાષ્ટ્રની પરીભાષાનું જ્ઞાન નથી! લોકશાહીના મીજાજથી અજાણ હોય છે! સમાનતા અને બીન સામ્પ્રદાયીકતાની સંવૈધાનીક લાક્ષણીકતાનું સરનામુ જેની પાસે નથી એવા બુડથલ લોકોને મત આપીને પાંચ વર્ષ માટે આપણા પર રાજ કરવા મોકલી આપીએ છીએ! બધા ખરાબ નથી હોતા. પણ રામના નામે પથરા તર્યા ત્યારથી આજદીન સુધી કોઈનાને કોઈના નામે પથરા ભરીને પાર્લામેન્ટમાં પહોંચી જાય છે. એ પગમાં અથડાય છે. ઠોકરો ખવડાવે છે અને પગના અંગુઠાના નખ ઉખાડી નાંખે છે! ત્યારે આપણે ઉંઘી જતાં હોઈએ છીએ! કારણ કે નખ ઉખડે કે પગ મચકોડાય તો એ જવાબદારી આપણી નથી! મતદાન આપણી  જવાબદારી હતી તે મત આપીને પુરી કરી, હવે શું?

તાજેતરમાં એક વીધાનસભ્યે, પોતે શા માટે પાટલી બદલી, એ વીશે જાહેરમાં ફોડ પાડતા જણાવ્યું કે કોંગ્રેસ પ્રત્યે મને કોઈ રાગદ્વેષ નહોતો ને ભાજપમાં જવાનો મોહ પણ નહોતો. પણ મને એક જયોતીષીએ કહ્યું કે તમારુ ભાગ્ય બહુ ઉજળવું છે. પણ તમે કોંગ્રેસમાં પડયા રહેશો તો ઉજાસ પામી શકશો નહીં! તમે ભાજપમાં જતા રહો! જ્યોતીષીના કહેવાથી હું કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યો! હવે તમે જ કહો કે આવા નેતા કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય, ચુંટીને મોકલવાને લાયક છે ખરા? જે માણસ પોતાનું ભાગ્ય અને ભવીષ્ય જ્યોતીષીને સોંપીને બેઠો હોય એ પ્રજાનું ભવીષ્ય કઈ રીતે સુધારી શકે? જે માણસ પોતેપોતાનું ભાગ્યનીર્માણ કરી શકતો ન હોય એ રાષ્ટ્રનું કે પ્રજાનું ઘડતર કઈ રીતે કરી શકે? જે માણસને પ્રજાને દોરવણી આપવાની જવાબદારી સોંપવામાં આવે એ જ માણસ અન્ધશ્રધ્ધાના અન્ધકારમાં અટવાયો હોય તો એ તમારા જીવનમાં ચપટી અજવાળું પણ કઈ રીતે પાથરી શકવાનો હતો? આ પરીસ્થીતીના મુળ બહુ ઉંડા છે! સ્વાઈન ફલુ કે દુષ્કાળ જેવી આફતોના નીવારણ માટે વૈજ્ઞાનીકઢબે પગલા લેવાને બદલે કથાઓ અને હવન કરાવતા રહીશું ત્યાં સુધી આ જ પરીસ્થીતી રહેશે!

આપણો નેતા ભલે કાર્યરત ઓછો હોય પણ ઈન્ટેલેકચ્યુઅલ તો હોવો જ જોઈએ. એમ.એલ.એ. જેવી વ્યક્તી જ્યોતીષીનો ઓશીયાળો થઈ જતો હોય તો એસ.ટી. બસમાં માતાજીનો કે દરગાહનો ફોટો રાખતા અલ્પ શીક્ષીત ડ્રાઈવર અને કંડકટરની ગળચી આપણે કઈ રીતે પકડવાના હતા? અડવાણી દરગાહ પર જઈને લીલા રંગની પાઘડી બંધાવી અને સોનીયા ગાંધી ચાદર ચડાવીને ફોટા પડાવવા અને છપાવવામાં ગૌરવ અનુભવતા હોય તો બસના ડ્રાઈવર–કંડકટર શા માટે એવો ગૌરવના અનુભવે? એ પણ આસ્થાની જ વાત છે ને?

આસ્થા અને અન્ધશ્રધ્ધા વચ્ચે ઝાઝું છેટુ નથી! આસ્થા અને અન્ધશ્રધ્ધા વચ્ચે એક ત્રીજુ રાજકીય તત્વ પ્રવેશ્યું છે. અડવાણી દરગાહ પર જઈને લીલારંગની પાઘડી બંધાવે કે સોનીયા ગાંધી ચાદર ચડાવે, એમાં નથી આસ્થા કે નથી અન્ધશ્રધ્ધા! એમાં માત્ર વોટબેન્કનું બેલેન્સ વધારવાની છેતરપીંડી સીવાય બીજુ કંઈ નથી !

રાહ કે પેડોં સે જબ વો આશના હો જાયેગા,

ઈક અકેલા આદમી ભી કાફલા હો જાયેગા!

–ખલીલ ધનતેજવી

‘ગુજરાત સમાચાર’ દૈનીકમાં દર રવીવારે પ્રકાશીત થતી રવીપુર્તીની લોકપ્રીય કટાર ‘ખુલ્લા બારણે ટકોરા!’માંથી (તારીખ 15 માર્ચ, 2015ના અંકમાંથી) ‘ગુજરાત સમાચાર’ અને લેખકશ્રીના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી. ખલીલ ધનતેજવી, પટેલ ફળીયું, યાકુતપુરા, વડોદરા – 390 006 ફોન : (0265) 251 0600 સેલફોન : 98982 15767 ઈ.મેઈલ : khalil_dhantejvi@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 01–12–2017

10

પરમેશ્વર જોડે પંજો લડાવતો માણસ

                                – દીનેશ પાંચાલ

દુનીયાનું સૌથી હીંસક પ્રાણી કયું?

દુનીયાનું સૌથી લુચ્‍ચું પ્રાણી કયું?

દુનીયાનું સૌથી સુંદર અને બુદ્ધીશાળી પ્રાણી કયું? માનો યા ના માનો પણ આ ત્રણે પ્રશ્નોનો જવાબ એક જ છે માણસ! આ પૃથ્‍વીલોકમાં હેવાનીયત અને ઈન્‍સાનીયતના બધાં ઍવોર્ડ માણસે અંકે કરી લીધાં છે. માણસ સાડા પાંચ ફુટનો જટીલ કુટપ્રશ્ન છે, અને માણસ જ એ કુટપ્રશ્નોનો જવાબ છે. (બચુભાઈના મત મુજબ માણસ આ દુનીયાનો મેનેજીંગ ડીરેક્‍ટર છે. માણસે અવનવી શોધખોળો દ્વારા જે કુનેહથી દરેક કુદરતી રહસ્‍યોની બાંધી મુઠી ખોલવા માંડી છે તે નીહાળી મને હીન્‍દી ફીલ્‍મના વીલનનું સ્‍મરણ થાય છે. એ વીલન પ્રારંભમાં તેના માલીકના દરેક ધંધાકીય રહસ્‍યો જાણી લે છે. પછી ચાલાકી પુર્વક માલીક પાસેથી તેની સમગ્ર મીલકત પડાવી લે છે. માણસે પણ કુદરત જોડે એવી દગાબાજી કરી હોય એવો વહેમ પડે છે.)

અલબત્‌ જીવન અને મૃત્‍યુ જેવી કેટલીક મહત્‍વની મેઈન સ્‍વીચો હજી કુદરતે પોતાના હસ્‍તક રાખી છે. જો કે એમ કહેવું ય સમ્પુર્ણ સાચું નથી. જન્‍મની ચાવી માનવીએ કુદરતના જુડામાંથી સેરવી લઈ કુટુંબનીયોજનની ખીંટીએ લટકાવી દીધી છે. આ પૃથ્‍વીલોકમાં મૃત્‍યુની અસલના કોઈ જુલ્‍મખોર જાગીરદાર જેવી દાદાગીરી હતી. પરન્તુ ‘પેસમેકર’ (કૃત્રીમ હૃદય)ની શોધ પછી હવે માણસે મૃત્‍યુના ગઢમાં ય ગાબડું પાડી દીધું છે. એટલેથી જ એ અટક્‍યો હોત તો ધુળ નાખી; પણ એણે કહેવાતા ભગવાનનેય મન્દીરની જેલમાં એવો પુરી દીધો છે કે બીચારો પેરોલ પર પણ છુટી શકતો નથી. અને એથી જ મૃત્‍યુ બાદ ભગવાન પોતાના ગુનાનો શો ફેંસલો કરશે તે વાતની માણસને ચીંતા સતાવે છે. પણ માણસ જેનું નામ… મૃત્‍યુ બાદ ભગવાનને લાંચ આપી કેવી રીતે ફોડી કાઢવો તે ઉપાય પણ એણે વીચારી રાખ્‍યો છે. આ રહ્યો એ ઉપાય

‘લે ચલ છુપાકે કફનમેં બોતલ

કબ્રપે બેઠકે પીયા કરેંગે…

ઔર જબ ખુદા કરેગા ગુનાહોંકા ફેંસલા…

તો દો દો જામ ઉસે ભી દીયા કરેંગે…!’

ક્‍યારેક માણસ એવો દુષ્ટ બની રહે છે કે એને માથે હથોડો ઝીંકવાનું મન થાય છે. ક્‍યારેક એ એટલા સારા કામો કરે છે કે ગદ્‌ગદ્‌ બની વીચારી રહીએ છીએ– ભગવાન તે વળી આનાથી જુદો કેવોક હોતો હશે? ટુંકમાં માણસ જ મધર ટેરેસા અને માણસ જ મેમણ બ્રધર્સ…! સમુદ્રમંથનમાંથી નીકળેલું ઝેર એટલે માણસ…! અને શંકરની જટામાંથી પ્રગટતી પ્રેમની ગંગોત્રી એટલે માણસ…! માણસ નામનું કોડીયું, પુરુષાર્થનું તેલ અને બુદ્ધીની જ્‍યોત આ ત્રણેના ત્રીવેણી સંગમથી દુનીયાનો ચોક પ્રગતીના પ્રકાશથી ઝળહળી ઉઠયો છે. માની લીધેલા ભગવાનને ખોટું ના લાગે તે માટે માણસ કહેતો ફરે છે ઈશ્વરની ઈચ્‍છા વીના એક પાંદડુંય હાલતું નથી; પણ બીજી તરફ એણે જ્ઞાન વીજ્ઞાનના અને ટૅક્‍નોલોજીના વીકાસ વડે દુનીયામાં એવું ચક્રવર્તી સામ્રાજ્‍ય સ્‍થાપ્‍યું છે કે એ(માણસ)ની ઈચ્‍છા વીના એક પાંદડુંય ઉગી શકતું નથી.

ધુળમાં ગબડી પડેલું બાળક ધુળ ખંખેરીને બેઠું થઈ જાય એમ વીક્રમ સર્જક ભુકંપમાંથીય માણસ ઝડપથી બેઠો થઈ ગયો છે. અભુતપુર્વ જળસંકટ હોય, કારમો દુષ્‍કાળ હોય કે ભયંકર રોગચાળો હોય… માણસને હવે મચ્‍છરની જેમ મસળી નાખવાનું સહેલું રહ્યું નથી. ભલું થજો માણસનું કે એણે કુદરતરુપી ઉંટના ઢેકા પર બુદ્ધીપુર્વકના કાંઠા કર્યા છે. પુનરોક્‍તીનો ભય વહોરીનેય કહું કે માણસને સો વર્ષનું આયુષ્‍ય આપીને કુદરતે 42 વર્ષે જ એને આંખે આંધળો બનાવી દીધો. માણસે ચશ્‍મા ના શોધ્‍યા હોત તો અડધી દુનીયા હાથમાં લાકડી લઈ સુરદાસ બની ઘુમતી હોત. બે વર્ષની બેબીની બન્‍ને આંખોમાં મોતીયો હોય એવું નજરે જોઈએ ત્‍યારે વીચાર આવે છે આ તે ઈશ્વર છે કે આતંકવાદી? (માણસની આંખનો મોતીયો કાઢી આપતો ડૉક્‍ટર એટલે મારે મન કુદરતે રચેલી અન્ધાપાની જેલમાંથી માણસને જામીન પર છોડાવતો ફરીસ્‍તો?)

કુદરતે માણસને બહેરો બનાવ્‍યો તો માણસે ઈયરફોન બનાવ્‍યું. કુદરતે માણસને લંગડો બનાવ્‍યો તો માણસે કૃત્રીમ પગ બનાવ્‍યો. દેહની નાની મોટી બીમારીથી માંડી હૃદય અને મગજ જેવાં નાજુક અવયવોના ઑપરેશનો કરવાની ત્રેવડ હાંસલ કરીને માણસે માણસની લાજ રાખી છે. કુદરત ડાળે ડાળે ચાલે તો માણસ પાંદડે પાંદડે ચાલ્‍યો! કલ્‍પના કરી જુઓ પેટમાં ઍપેન્‍ડીક્‍સનો દુઃખાવો ઉપડ્યો હોય તે ટાણે રામનામના મંજીરા વગાડવાથી દુઃખાવો દુર થઈ શકે ખરો? માણસે શસ્‍ત્રક્રીયાની શોધ કરવાને બદલે જીવનભર પ્રભુભજન જ કર્યા કર્યું હોત તો વધેરાતાં બકરા જેવી ચીસો પાડતા માણસને શી રીતે દર્દમુક્‍ત કરી શકાયો હોત? કુદરત આડી ફાટે અને સ્‍ત્રીનાં ગર્ભમાં બાળક આડું થઈ જાય અથવા કોઈ કારણસર બાળક નોર્મલ રીતે ન અવતરી શકે ત્‍યારે શું કરી શકાય? સીઝેરીયન ઑપરેશનની શોધ નહોતી થઈ તે જમાનામાં એવી સ્‍ત્રીઓએ તો એડી રગડી રગડીને મરવું જ પડતું હશેને?

અમારા બચુભાઈ અને કહેવાતા ભગવાન વચ્‍ચે કૉંગ્રેસ અને ભાજપ જેવું ચાલે છે. તેઓ ભગવાન વીશે બહુધા હળવાશમાં તો ક્‍યારેક ગમ્ભીરપણે વાતો કરતા રહે છે. તેઓ કહે છે ‘લાખ વાર કબુલ કે માણસને એ બધી શોધખોળ કરવાની બુદ્ધી ભગવાને આપી છે પણ કોઈ મને એ સમજાવો કે ભગવાનની એ કેવી વીચીત્ર નીતી કે પહેલાં તે સ્‍ત્રીના પેટમાં બાળકને આડું કરી દે છે અને પછી માણસને સીઝેરીયન કરવાની બુદ્ધી આપે છે. એ મહાશયનું ટીખળ તો જુઓ પ્રથમ માણસને દાઢનો દુઃખાવો આપે છે પછી શાનમાં સમજાવે છે ‘હવે લવીંગનું તેલ ઘસ અને ફટકડીના કોગળા કર!’ એમ સમજો કે ચોરને એ ચોરી કરવા ઉશ્‍કેરે છે અને શાહુકારને એ જાગતા રહેવાની સલાહ આપે છે. સાચું કહું મને ચશ્‍માની શોધથી એટલો આનન્દ થતો નથી, જેટલું  દુઃખ 45 વર્ષે માણસની આંખ નબળી થઈ જાય તે વાતથી થાય છે!’

હમણાં ડૉક્‍ટર મીત્રે એક વીચીત્ર કીસ્‍સો કહી સંભળાવ્‍યો. એમની પાસે લગભગ વ્‍યંઢળ પ્રકારનો એક દરદી આવ્‍યો. એ ભયંકર જાતીય આવેગથી પીડાતો હતો. જે શક્‍ય નહોતું તેની તીવ્ર તલબ જાગી હતી. એમ સમજો કે જેનું ગર્ભાશય કાઢી નાંખવામાં આવ્‍યું હોય એવી સ્‍ત્રીને માતૃત્‍વ ધારણ કરવાની ઈચ્‍છા જન્‍મે તેવો ઘાટ થયો હતો. પગ વીનાના પુરુષને કુદરતે પર્વત ચઢવા ઉશ્‍કેર્યો હતો. ફાંટાબાજ કુદરતનું આ કેવું કરુણ ટીખળ? બચુભાઈ કહે છેઃ ‘કુદરત માણસને ક્‍યારેક એવી હાસ્‍યાસ્‍પદ સ્‍થીતીમાં મુકી દે છે માનો કોઈ વ્‍યક્‍તીને જુલાબની દશબાર ગોળીઓ ખવડાવી દીધા પછી તેના જાજરુમાં પાણીનો પુરવઠો બંધ કરી દેવામાં આવે!’

જરા વીચારો, ભગવાનની એ કેવી મેન્‍યુફેક્‍ચરીંગ ડીફેક્‍ટ કે એણે માણસને પુરાં સો વર્ષનું આયુષ્‍ય આપ્‍યું હોય અને બેતાલીશ વર્ષે જ આંખે બેતાલા આવી જાય! ઍરોપ્‍લેનની ટાંકીમાં એક જ લીટર પેટ્રોલ સમાઈ શકે એવી ટુંકી બુદ્ધીની વ્‍યવસ્‍થા કરનાર એન્‍જીનીયરને આપણે કહીએ તો શું કહીએ? માણસ કોઈ વાહન બનાવે છે ત્‍યારે તેના વારંવારના પરીક્ષણ બાદ તેને અદ્યતન અને સંપુર્ણ ક્ષતીરહીત બનાવીને રોડ પર દોડતું કરે છે; પણ ઉપરવાળા એન્‍જીનીયરે માણસની ડીઝાઈન એવી નબળી ઘડી છે કે પચાસ સાંઠ વર્ષે જ તે પેટ્રોલ વીનાના સ્‍કુટરની જેમ ડચકા ખાવા લાગે છે. ભગવાન જેવો ભગવાન થઈ આવી નબળી ક્‍વૉલીટીનો માલ પૃથ્‍વીલોકમાં સપ્‍લાય કરે એમાં ભલે એના ધંધાને ખોટ ના જતી હોય, પણ જેઓ એનો ભોગ બને છે તેનું જીવન તો સો ટકા બરબાદ થાય છે. નબળી આંખવાળા, નબળા હૃદયવાળા કે નબળા મગજવાળા કેટલાંય કમનસીબ માણસો કુદરત સામે ગ્રાહક સુરક્ષા ધારામાં જઈ શકતાં નથી. મૃત્‍યુલોકની અદાલતમાં ઈશ્વર અપરાધી ઠરે તોય પ્રશ્ન એ છે કે એને કયે સરનામે સમન્‍સ મોકલવો? શી રીતે એની ધરપકડ કરવી? આરોપી સદીઓથી ફરાર છે…!!

– દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ 10મો લેખ, પુસ્તકનાં પાન 38થી 40 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત. સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 27–11–2017

 

(તસવીર સૌજન્ય : સંદેશ દૈનીક)

આ કેવી અન્ધશ્રધ્ધા!

– રમેશ સવાણી

તારીખ 31 મે, 2015ને રવીવાર. દાહોદ જીલ્લાના ઝાલોદ સરકારી દવાખાનામાં અરેરાટી ફેલાઈ ગઈ! સીત્તેર વર્ષના મેનચીબેન મનજીભાઈ નીનામા રાતે સુતા હતા ત્યારે તેના શરીર ઉપર કુહાડીના ઘા કોઈએ ફટકાર્યા હતા. હાલત ગમ્ભીર હતી. તે બોલી શક્તા ન હતા. સવારે આઠ વાગ્યે તેના ખોળીયામાંથી જીવ નીકળી ગયો!

મેનચીબેનના શરીર ઉપરના ઘા જોઈને ઝાલોદ પોલીસ સ્ટેશનના સીનીયર પોલીસ સબઈન્સ્પેક્ટર શ્રી. એ.આર.ગઢવી ધ્રુજી ઉઠ્યા. મેનચીબેનનો ડાબો કાન કપાઈ ગયો હતો અને કાન નીચે અઢી ઈંચ પહોળો અને ચાર સેન્ટીમીટર ઉંડો ઘા હતો. જમણા ખભા ઉપર બે ઘા હતા. બન્ને ઘા સાડા ત્રણ ઈંચ લાંબા અને ત્રણ સેન્ટીમીટર ઉંડા હતા. જમણા સાથળ ઉપર ત્રણ ઈંચ પહોળો અને છ સેન્ટીમીટર ઉંડો ઘા હતો. હાડકું કપાઈ ગયું હતું. જમણા પગની પીંડી ઉપર એક ઘા હતો અને હાડકું તથા નસો કપાઈ ગઈ હતી. ડાબા પગની પીંડી ઉપર અઢી ઈંચ લાંબો અને ચાર સેન્ટીમીટર ઉંડો ઘા હતો. હાડકું તથા નસો કપાઈ ગઈ હતી.

મેનચીબેનના 35 વર્ષના પુત્ર રાજુભાઈના નામે ફરીયાદ નોંધાવી. પી.એસ.આઈ. શ્રી. ગઢવીએ પુછ્યું : “શું લાગે છે, રાજુભાઈ હત્યા કોણે કરી હશે?”

“સાહેબ! મને ખબર નથી!”

“તમારી માતાને કોઈની સાથે બોલાચાલી થયેલી? જમીનનો કે ઘરનો ઝઘડો હતો? કોઈ વેરઝેર હતું?”

“સાહેબ! એવું કોઈ કારણ ન હતું.”

“મને આખી વાત કરો.”

“સાહેબ! ઝાલોદ તાલુકાના પડીમહુડી ગામે નીનામા ફળીયામાં અમે રહીએ છીએ, પાંચ વીઘા જમીન છે. ખેતી અને મજુરી કરું છું. મારા પીતા મનજીભાઈ, હું નાનો હતો ત્યારે ગુજરી ગયા હતા. મારે ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો છે. સૌથી મોટા શકલીબેન, પછી માનસીંગભાઈ, રસલીબેન, બલ્લુ, જહુતીબેન અને રાકેશ છે. હું સૌથી નાનો છું. મારા લગ્ન ઝાલોદ તાલુકાના વગેલા ગામની શીલ્પા (ઉમ્મર : 26) સાથે ચાર વર્ષ પહેલાં થયેલા છે. બલ્લુ, રાકેશ અને હું સાથે જ રહીએ છીએ.

સાહેબ! બલ્લુભાઈ પણ એકાદ મહીના પહેલા ભાગીને ઢાઢીયા ગામે તેના સાઢુભાઈના ઘેર ગયા હતા. રાકેશભાઈ અને તેની પત્ની આણંદ ખાતે મજુરીએ ગયા હતા. મારી સાસરીમાં લગ્ન હોવાથી હું અને શીલ્પા વગેલા ગામે ગયા હતા. ઘેર મારી માતા એકલા જ હતા! આજે સવારે સાત વાગ્યે મારા ભત્રીજા સંજયનો ફોન મારા સાળા યોગેશ ઉપર આવ્યો. સંજયે મને કહેલું કે તમારો ફોન બન્ધ કેમ આવે છે? મેં કહ્યું કે મોબાઈલ ફોનની બેટરી ઉતરી ગઈ છે! સંજયે કહ્યું કે રાતના અઢી વાગ્યે, મેનચીબેને બુમાબુમ કરી. અમે દોડીને ગયા. જોયું તો ઘરની બહાર ખાટલામાં મેનચીબેન લોહીલુહાણ હાલતમાં હતા. કણસતા હતા. અમે 108 બોલાવી. રાતના ચાર વાગ્યે ઝાલોદ સરકારી દવાખાને લઈને આવ્યા છીએ. તમે જલદી પહોંચો! એટલે હું અને શીલ્પા અહીં દવાખાને આવ્યા.”

“તમને કોઈના ઉપર શક–વહેમ છે?”

“ના, સાહેબ!”

શ્રી. ગઢવીએ ફરીયાદ રજીસ્ટર થવા પોલીસ સ્ટેશને મોકલી. પી.એસ.ઓ. હેડ કોન્સ્ટેબલે આઈ.પી.સી. કલમ – 302 હેઠળ ગુનો રજીસ્ટર કર્યો. સી.આર.પી.સી. કલમ – 157 હેઠળનો રીપોર્ટ કર્યો અને આગળની તપાસ માટે કાગળો પી.એસ.આઈ.ને મોકલી આપ્યા.

પોલીસે મેનચીબેનની લાશનું ઈન્કવેસ્ટ પંચનામું કર્યું. લાશ પોસ્ટ મોર્ટમ થવા મેડીકલ ઑફીસરને સોંપી. ડોગ સ્કવોડ અને એફ.એસ.એલ.ને સંદેશો પાઠવ્યો.

તપાસ અધીકારી શ્રી. ગઢવી ગુનાવાળી જગ્યાએ પહોંચ્યા. બનાવવાળી જગ્યાનું પંચનામું કર્યું. હત્યા થઈ ત્યાં લોહીવાળી કુહાડી પડી હતી, તે કબજે કરી. મેનચીબેનની બુમો સાંભળીને જે લોકો દોડી આવ્યા હતા તેમના નીવેદનો નોંધ્યા. બાતમીદારોને સતર્ક કર્યા. જાણીતા ગુનેગારોને ચેક કર્યા. ડોગ સ્કવોડ અને એફ.એસ.એલ. દ્વારા તપાસ થઈ; પરન્તુ હત્યાની કોઈ કડી ન મળી.

ચોથા દીવસે, જીલ્લા પોલીસ વડા શ્રી. મયંકસીંહ ચાવડાએ ગુનાવાળી જગ્યાની વીઝીટ કરી. ગુનેગારને શોધી કાઢવા તાકીદ કરી. તપાસ અધીકારી શ્રી. ગઢવીના મનમાં શંકાઓ ઉભી થઈ : “મેનચીબેનનાં શરીર ઉપરથી કે તેના ઘરમાંથી કોઈ ચીજવસ્તુ ગઈ ન હતી! ચોરી કે લુંટના ઈરાદે મેનચીબેનની હત્યા થઈ ન હતી. મેનચીબેનને કોઈની સાથે વેરઝેર ન હતું! હત્યાનું કારણ શું હોઈ શકે? હત્યાથી કોને ફાયદો થાય?’’

પોલીસે દરેક એંગલથી તપાસ કરી પણ હત્યારાનું પગેરું ન મળ્યું. ફરીયાદી રાજુભાઈ ખરેખર તેની સાસરી વગેલા ગામે ગયા હતા કે કેમ, તેની પુછપરછ શરુ કરી, રાજુભાઈને પુછ્યું : “હત્યા થઈ ત્યારે તમે સાસરીમાં જ હતા, તેનો પુરાવો છે?”

“સાહેબ! તમે તપાસ કરી શકો છો!”

પોલીસે આ દીશામાં તપાસ કરી, રાજુભાઈના મોબાઈલ ફોનની કોલ ડીટેઈલ્સ તપાસી. સાહેદોની પુછપરછ કરી. હત્યાના સમયે રાજુભાઈનું લોકેશન વગેલા ગામે જ હતું!

તપાસ અધીકારી શ્રી. ગઢવીએ છ વખત પડીમહુડી ગામે જઈને વીશેષ પુછપરછ કરી પણ દર વખતે નીષ્ફળતા મળી. શ્રી. ગઢવીના મનમાં એક વીચાર રોપાયો કે રાજુભાઈના લગ્ન થયાને ચાર વર્ષથી વધુ સમય થયો છે; છતાં તેમને સંતાન કેમ નથી? તપાસ કરતાં પડીમહુડી ગામમાંથી બાતમી મળી કે રાજુભાઈ અને તેની પત્ની શીલ્પાબેન મુનખોસલા ગામના ભુવાજી બાલુભાઈ દલસીંગભાઈ ભાભોરને ત્યાં વીધી કરાવવા ગયા હતા!

પોલીસે ભુવાજીને બોલાવ્યા અને પુછ્યું : “રાજુભાઈ અને શીલ્પાબેન તમારી પાસે આવેલા?”

“દોઢ વર્ષ પહેલાં બન્ને મારી પાસે આવ્યા હતા. તેમણે મને કહેલું વીધી કરી આપો!”

“પછી શું થયું?”

“મેં રાજુભાઈને કહ્યું કે પાંચ રવીવાર ભરો. કલાજી મહારાજની દયા હશે તો તમોને વસ્તાર જરુર થશે! તેમણે એકાદ રવીવાર ભરેલો પણ પછી આવ્યા જ નથી.”

તપાસમાં આ વાત પણ સાચી નીકળી.

પડીમહુડી ગામે પોલીસે બાતમીદારો રોક્યા. ગામમાંથી વાત બહાર આવે તેવી શક્યતા હતી. તારીખ 22 જુન, 2015ના રોજ પોલીસે રાજુભાઈ અને શીલ્પાબેનને પોલીસ સ્ટેશને બોલાવ્યા. બન્નેની અલગ–અલગ પુછપરછ શરુ કરી. શીલ્પાબેનને પુછ્યું: “તમે તમારા સાસુ મેનચીબેન અંગે શું જાણો છો? તમારા માતા–પીતા તમારી ખબર પુછવા આવતા ત્યારે તમારે ઘેર રાત રોકાતા ન હતા, એ વાત સાચી?”

“સાહેબ! મારા લગ્ન થયા પછી, એકાદ વર્ષ પછી અમારા ફળીયાના માણસોથી મને જાણવા મળેલું કે મેનચીબેન ડાકણ છે! તે તેના પતીને ખાઈ ગયેલા! મારા જેઠ માનસીંગભાઈ અને જેઠાણી રમીલાબેનને ખાઈ ગયેલા! જેઠ બલ્લુભાઈના સસરાને ખાઈ ગયા! મારા મા–બાપ મને મળવા આવે તો હું તેમને કહેતી હતી કે રાતવાસો કરતા નહીં, મારા સાસુ ડાકણ છે!

પોલીસે રાજુભાઈને પુછ્યું: “તમારી માતા ડાકણ હતા, એવું તમે જાણતા હતા?”

“સાહેબ! મારી માતા ડાકણ હતા, એની મને ખબર નથી. હું કંઈ જાણતો નથી!”

“તમારો ચહેરો વાંચીને કહું છું કે તમે બધું જાણો છો!”

“સાહેબ! તમારે મને જેટલો મારવો હોય તેટલો મારો! મને કંઈ ખબર નથી!”

પોલીસે યુક્તીપ્રયુક્તી અજમાવી. રાજુભાઈને રુમ બહાર કાઢી શીલ્પાબેનની પુછપરછ કરી. શીલ્પાબેનને અવળે મોઢે ઉભા રાખ્યા અને રાજુભાઈને બોલાવીને પુછ્યું: રાજુ! સાચું બોલ! રાજુભાઈમાંથી તને રાજુ કહું છું, તું સમજી જા! શીલ્પાબેનને કેટલી વખત ગર્ભ રહેલો?”

“સાહેબ! ત્રણ વખત!”

“ત્રણેય વેળાએ શું થયું?”

રાજુ તપાસ અધીકારી શ્રી. ગઢવીને તાકી રહ્યો. પછી તે રડવા લાગ્યો અને શ્રી. ગઢવીના પગે પડી તેણે કહ્યું : ‘‘સાહેબ! મને માફ કરો. મેં જ મારી માતાની હત્યા કરી છે! સાહેબ! શીલ્પાને ત્રણ વખત ગર્ભ રહેલો. ત્રણેય વખતે બગાડ થઈ ગયો! શીલ્પાને હાલે ત્રણ–ચાર મહીનાનો ગર્ભ રહેલો છે. મારી માતાને ખબર પડે તો, ચોથી વખત તે ગર્ભ ખાઈ જાય.’’

‘સાસરીમાં ફળીયામાં હું સુતો હતો. મેં નક્કી કર્યું! રાતે હું વગેલા ગામેથી ચાલતો અને દોડતો પડીમહુડી ગામે આવ્યો. મારો મોબાઈલ મેં બન્ધ કરી, ચાર્જ કરવા મેં વગેલા જ મુકી દીધો હતો! વગેલાથી પડીમહુડીનું અન્તર દસ–બાર કીલોમીટરનું છે. હું ઘેર પહોંચ્યો. મારી માતા ફળીયામાં સુતી હતી. કોઢમાં કુહાડી પડી હતી તે હાથમાં લઈ મેં પાંચ–છ ઘા ફટકાર્યા. કુહાડી ત્યાં જ ફેંકી દઈ, કોઈ મને જોઈ ન જાય તે રીતે, ચાલતો–દોડતો પાછો વગેલા ગામે આવીને સુઈ ગયો હતો! શીલ્પાને કે મારી સાસરીમાં આ અંગે કોઈને ખબર નથી!”

આ કેવી અન્ધશ્રધ્ધા!

–––––––––––––––––––––––––––––––––––––––––

(આવી છેતરામણ થઈ હોય તો, પુરતા પુરાવા સાથે, ‘અભીવ્યક્તી’ બ્લોગના https://govindmaru.wordpress.com/cck/ પેજ પર ગુજરાત રાજ્યના 12 ચમત્કાર ચકાસણી કેન્દ્રો’ અને તેના કાર્યકરોના સેલફોન નમ્બર આપવામાં આવ્યા છે તેઓનો સમ્પર્ક કરવા જણાવાય છે.  …ગો. મારુ)

––––––––––––––––––––––––––––––––––––––––

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર પગેરું(01, ફેબ્રુઆરી, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile: 99099 26267  e.Mail: rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 24–11–2017

9

સોનુ જોઈએ કસીને… માણસ જોઈએ ફસીને!

ચારેક વર્ષ પુર્વેની એક ઘટનાનું સ્‍મરણ થાય છે. એક સુંદર યુવાન રોજ અમારા મીત્ર અરવીંદભાઈ જોડે બસમાં આવજા કરતો. યુવાન શાંત, ઠરેલ અને વીનમ્ર હતો. અરવીંદભાઈ જોડે તેને કોઈ વીશેષ પરીચય નહીં; પણ તે અરવીંદભાઈ માટે બસમાં જગ્‍યા રાખતો. તેના હાથમાં હમ્મેશાં કોઈ પુસ્‍તક રહેતું. કૉલેજની યુવતીઓ પણ એ બસમાં મુસાફરી કરતી; પરન્તુ યુવાન પુસ્‍તકમાં જ મગ્ન રહેતો. ભાગ્‍યે જ  છોકરીઓ તરફ તેનું ધ્‍યાન જતું. અરવીંદભાઈ મનોમન તેની પ્રતીભાથી પ્રભાવીત થયા હતા.

ત્‍યાર બાદ બન્‍યું એવું કે અરવીંદભાઈની બદલી થતાં યુવાન જોડેની મુલાકાતો બન્ધ થઈ. ચારેક વર્ષ બાદ અરવીંદભાઈની દીકરી શ્વેતાના લગ્ન માટે મુરતીયાઓ આવવા લાગ્‍યા. એક દીવસ અરવીંદભાઈના એક દુરના સમ્બન્ધી શ્વેતા માટે પેલા જ મુરતીયાને લઈને આવી ચડ્યા. અરવીંદભાઈને આશ્ચર્ય કરતાં સન્તોષ વધુ થયો. જોયેલો જાણેલો અને અનુભવેલો યુવાન હતો. થોડીક લગ્નવીષયક પુછપરછ કરી અરવીંદભાઈએ દીકરીના લગ્ન કરી દીધાં.

પણ લગ્ન બાદ સાસરેથી આવેલી શ્વેતાએ એવી એવી ફરીયાદો કરી કે અરવીંદભાઈ આઘાતના માર્યા દંગ રહી ગયા. છોકરાને રોજ રાત્રે ડ્રીંક કરવાની આદત હતી. ખાસ્‍સું દેવું થઈ ગયું હતું. ઘર ગીરવે હતું. થોડા ઉંડા ઉતર્યા તો એય જાણવા મળ્‍યું કે જુગારમાં એક બેવાર એ પોલીસ થાણે પણ બેસી આવ્‍યો હતો. સામા માણસને ઓળખવામાં ક્‍યારેક કેવી થાપ ખાઈ જવાય છે તેનું આ ઉદાહરણ છે.

આ કીસ્‍સો એ વીચારવા મજબુર કરે છે કે એકાદ સદ્‌ગુણથી જીવનની એકાદ ક્ષણ ઉજળી બની શકે છે. સમગ્ર જીવનને ઉજળું બનાવવા માટે સદ્‌ગુણોનો આખો ગુલદસ્‍તો જોઈએ. બસ પ્રવાસની થોડી મીનીટોમાં માણસ ડાહ્યો ડમરો જણાય તે બાબત તેના ફુલટાઈમ સજ્જન હોવાની સાબીતી હોતી નથી. અમારા એક દુરના માસી કહેતાં– ‘કાકડી ખરીદતી વેળા ચાખીને જાણી શકાય તે કડવી છે કે મીઠી; પણ મુરતીયાને ન ચાખી શકાય, ન માપી શકાય. એ તો નીવડ્યે જ વખાણ…!’ વાત ખોટી નથી. મુરતીયાના મામલામાં ગમે તેટલી છાનબીન કરીએ તોય તે કેવળ સપાટી પરનું ક્ષુલ્લક પરીક્ષણ બની રહે છે. કેરીની ભીતર જીવડું હોય તો તે કાપ્‍યા પછી જ ખબર પડે છે. મુરતીયાની અન્દર અપલક્ષણોના જીવડાં હોય તો તે કન્‍યાના વધેરાઈ ગયા પછી જ ખબર પડે છે.

‘સોનુ જોઈએ કસીને અને માણસ જોઈએ વસીનેએવી એક કહેવત છે. અમારા બચુભાઈ એને આ રીતે ઉચ્‍ચારે છે. ‘સોનુ જોઈએ કસીને અને માણસ જોઈએ ફસીને!’ જ્‍યાં સુધી પેલા મુરતીયાની જેમ માણસના દુર્ગણોનો પરચો ના મળે ત્‍યાં સુધી તેના વીશેની અસલી સચ્‍ચાઈ જાણવા મળતી નથી. સોનાનો હાર ગમે તે ગળામાં પહેરાય તેના કૅરેટ બદલાતાં નથી. માણસનું ચારીત્ર્ય  સંજોગો પ્રમાણે બદલાતું રહે છે. કૉલેજના એક ભુતપુર્વ વીદ્યાર્થીને નોકરી માટે સારી ચાલચલગતના સર્ટીફીકેટની જરુર પડી. તે કૉલેજના આચાર્ય પાસે ગયો. આચાર્યએ હળવાશમાં કહ્યું– ‘તું કૉલેજમાં હતો ત્‍યારે તારી ચાલચલગત સારી હતી; પરન્તુ કૉલેજ છોડ્યા પછી તેમાં કોઈ દુઃખદ પરીવર્તન આવ્‍યું હોય તો મને તેની શી રીતે ખબર પડે?’

વાત ભલે હળવાશમાં કહેવાઈ હોય પણ સાચી  છે. શૅરબજારમાં શૅરના ભાવ ગગડી ગયા હોય તે છાપા દ્વારા જાણી શકાય છે. માણસના ચારીત્ર્યમાં પરીવર્તન આવે તે ઝટ જાણી શકાતું નથી. હા, ક્‍યારેક દીકરાના ગગડેલા ભાવની જાહેરાત તેના બાપે છાપામાં આ રીતે આપવી પડે છે. ‘મારો દીકરો મારા કહ્યામાં નથી. તેની જોડે કોઈએ અમારા નામે લેવડદેવડ કરવી નહીં!’

અભ્‍યાસકાળ દરમીયાન ‘રામલીલા’ નામની એક હીન્‍દી વાર્તા વાંચવા મળી હતી. વર્ષો પુર્વે રામના પાત્રમાં જે કલાકારે ધુમ મચાવી હતી તે જ કલાકારે અમુક વર્ષો બાદ રાવણના પાત્રમાં અભુતપુર્વ વીક્રમ સ્‍થાપ્‍યો હતો. ‘જૅકીલ એન્‍ડ હાઈડ’ નામની અંગ્રેજી નવલકથા પરથી ‘ચહેરે પે ચહેરા’ નામનું એક હીન્‍દી ચલચીત્ર બન્‍યું હતું. તેનો સાર કંઈક ઉપર મુજબનો હતો. દીવસ દરમીયાન સજ્જન બની રહેતો માણસ રાત્રીના સમયે હેવાન બની અનેક ખુનો કરે છે.

ઘણીવાર સાંભળવા મળે છે– માણસમાં ફલાણો સદ્‌ગુણ હોવો જોઈએ. ઢીકણો સદ્‌ગુણ હોવો જોઈએ. એ માપદંડ અધુરો જણાય છે. થોડાં ઉદાહરણો જોઈએ. મને રૅશનલ વીચારધારાવાળા માણસો ગમે છે; પરન્તુ દુર્ભાગ્‍યે રૅશનાલીઝમ સાથે નમ્રતા, વીવેક વગેરે અભીન્‍નપણે સંકળાયેલા હોતા નથી. કોઈ રૅશનાલીસ્‍ટ અવીવેકી હોય, તોછડો હોય, વૈચારીક રીતે આતંકવાદી હોય તો તેનું રૅશનાલીઝમ શા ખપનું?  ઈશ્વરમાં શ્રદ્ધા રાખવામાં એટલો મોટો અનર્થ નથી જેટલો રૅશનલ હોવાનો દાવો કરીને ઝનુન દાખવવામાં થાય છે.

માણસ પાસે એકાદ સદ્‌ગુણ હોય તે પુરતું નથી. સદ્‌ગુણોનો ગુલદસ્‍તો હોવો જરુરી છે. લીંબુના રસનું એક ટીપું આખી તપેલીના દુધને દહીંમાં ફેરવી નાખે છે તે રીતે એક નાનો દુર્ગુણ માણસના સો સદ્‌ગુણો પર પાણી ફેરવી દે છે. દરેક સદ્‌ગુણની એક સરહદ હોય છે. એ સરહદની વીસ્‍તાર મર્યાદામાં જ તેની અસર થાય છે. તે પછી થતી નથી.

આસ્‍તીક્‍તા એ સદ્‌ગુણ છે એમ કલ્‍પી લઈએ. પણ આસ્‍તીક માણસ સ્‍વભાવે લુચ્‍ચો હોય, જુઠાબોલો હોય, દગાખોર હોય તો તેની આસ્‍તીક્‍તાની કોઈ કીમ્મત રહેતી નથી. કોઈ માણસ પ્રેમાળ હોય, નમ્ર અને વીવેકી હોય તો તે સારી બાબત લેખાય; પરન્તુ તેનામાં બુદ્ધીનો અભાવ હોય તેને જીવન વ્‍યવહારની કશી ગતાગમ ના હોય તો તેની નમ્રતા કે પ્રેમાળતાની કોઈ શ્રેયકર ફલશ્રુતી પ્રાપ્‍ત થતી નથી. માણસ બુદ્ધીશાળી હોય પણ તે દુષ્ટ હોય, ખંધો હોય, મનનો મેલો હોય, હેવાન જેવી મનોવૃત્તી ધરાવતો હોય તો બુદ્ધી બાપડી એકલી શું કરે? કાગડાની ટોળી વચ્‍ચે એક કબુતર દુઃખી થઈ જાય છે તેમ ઘણાં દુર્ગુણો વચ્‍ચે એકાદ સદ્‌ગુણ પુરના તણખલાની જેમ તણાઈ જાય છે.

તાત્‍પર્ય એટલું જ માણસ ભલે ‘માસ્‍ટર ઓફ ઑલ’ ના હોય શકે. તેનું ‘જેક ઓફ ઑલ’ હોવું જરુરી છે. ફરીથી એક જ વાત સામે આવે છે. માણસમાં સદ્‌ગુણોનું ગોડાઉન ભલે ના ભર્યું હોય, થોડાંક સદ્‌ગુણોનો નાનકડો ગુલદસ્‍તો જરુર હોવો જોઈએ.

દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત 395 003 ફોન : 0261–2591449 .મેઈલ : sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ 9મો લેખ, પુસ્તકનાં પાન 35થી 37 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી – 12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 ગુજરાત. સેલફોન : 94281 60508 .મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 20–11–2017

સાધુ વાણીયો બીજા જન્મે અમેરીકામાં

–નવીન બેન્કર

એક વખતે, અયોધ્યાની નજીક આવેલા, નૈમીષારણ્યમાં રહેનારા શૌનકાદી ઋષી, સમ્પુર્ણ પુરાણોના જાણકાર એવા સુત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા કે ‘શ્રુતેન! ‘તમસા કીં વા પ્રાપ્યતે વાંચ્છીતં ફલમ્’ એટલે કે વાંછીત ફળ મેળવવા ઝાઝી મહેનત કર્યા વગર, અમેરીકામાં મીલીયન્સ ડૉલરના સ્વામી કેવી રીતે બની શકાય એ અંગે અમને માર્ગદર્શન આપો’.

શૌનકાદીનો પ્રશ્ન સાંભળીને સુતમુનીએ કહ્યું કે કોઈ કાળના વીષે, દેવ ઋષી નારદજીએ પણ વૈકુંઠમાં શ્રીકૃષ્ણ ભગવાનને એવો જ પ્રશ્ન કરેલો ત્યારે ભગવાને તેમને આ અંગે, ભારતવર્ષના નૈમીષાનન્દ ભારતી પાસેથી આ પ્રશ્નનો ઉત્તર મેળવવાની આજ્ઞા કરી હતી. દેવર્ષી નારદે, આ નૈમીષાનન્દ ભારતી ક્યાં મળશે એમ પૃચ્છા કરતાં, ભગવાને તેમને અમેરીકાના ટેક્સાસ રાજ્યના,  હ્યુસ્ટન શહેરની હવેલીના બાંકડા પર કોઈને પણ પુછવાથી આ નૈમીષાનન્દ ઉર્ફે નીત્યાનન્દ ભારતી ઉર્ફે નીત્યસહસ્ત્રલીલાનન્દ એવા અનેકવીધ નામે ઓળખાતા  N.B. ને મળવાનું કહ્યું.

દેવર્ષી નારદ અને સુત મુનીને આ પ્રશ્નનો જે જવાબ મળ્યો હતો એ હું તમને કહું છું તો તમે બધા સાવધાન થઈને, સાંભળો.

સત્યનારાયણ ભગવાનની કથામાં પેલી કલાવતી અને લીલાવતીવાળા સાધુ વાણીયાની વાત આવે છે તે સાધુ વાણીયો બીજા જન્મમાં, ડૉલર કમાવા માટે અમેરીકાના એક શહેરમાં આવ્યો હતો. કઈ રીતે આવ્યો હતો એની વાત એક નવલકથા જેટલી લાંબી છે એટલે અહીં અસ્થાને ગણાશે.

આ બીજા જન્મમાં, સાધુ વાણીયો, ડાકોરના રણછોડરાયજીના મન્દીરમાં સેવકના ઘરમાં જન્મ્યો હતો.

કામધંધો નહીં હોવાના કારણે, ગામમાં જે કોઈ કથાકાર કથા કહેવા આવે કે મોરારીબાપુ જેવા રામકથા સમ્ભળાવે એ બધું સાંભળી સાંભળીને એને એ બધી વાતોની મીમીક્રી કરવાની ફાવટ આવી ગયેલી. થોડું સંસ્કૃત પણ ગામની શાળામાં ભણેલો એટલે રામચન્દ્ર જાગુષ્ટેની ધાર્મીક ચોપડીઓ વાંચીને તથા દાદીમાની વાર્તાઓ સાંભળીને ધાર્મીક ગનાન (જ્ઞાન નહીં) તો હતું જ.

કોમર્શીયલ એરીઆમાં, ઑફીસો ભાડે આપેલ એવી એક નાનકડી ઓરડીમાં, એક વીદ્વાન આચાર્ય, એક કાળા પથ્થરને શીવજીનું લીંગ દર્શાવીને પુજાપાઠ કરતા હતા અને ભારતના ગામડાઓમાંથી આવેલા અર્ધદગ્ધ અને અન્ધશ્રદ્ધાળુઓ ઘંટ વગાડીને પુજા કરવા આવતા. તેમની સાથે, આપણો સાધુ પણ સાફસુફી અને વાસણો ધોવા તથા મન્દીરની દેખરેખ રાખવાનું કામ કરવા લાગ્યો. વીદ્વાન આચાર્ય બહારના શ્રદ્ધાળુને ત્યાં પુજાપાઠ કરવા જાય ત્યારે સાધુ દર્શનાર્થે આવતા લોકોને પુજા કરાવતો અને બે પૈસા દક્ષીણા મેળવતો. મન્દીરમાં ગાર્બેજ ઉપાડવા અને સાફસુફી કરવા આવતી એક મેક્સીકન સીટીઝન યુવતી સાથે આંખ લડી જતાં, તેની સાથે લગ્ન કરી લીધા અને ગ્રીનકાર્ડ પણ મેળવી લીધું.

હવે અનુભવે સાધુ પણ સત્યનારાયણની પુજા કરાવતો થઈ ગયેલો. ગાયત્રી હવન, સીમન્ત સંસ્કાર, વાસ્તુપુજન, મુંડન વીધી, જેવી પુજાઓ સ્વતન્ત્રપણે કરાવતો થઈ ગયેલો. પેલા વીદ્વાન આચાર્ય કરતાં સાધુ વધુ ભણેલો અને અને એગ્રેસીવ હતો એટલે એણે બાજુની બીજી દુકાનની જગ્યા પણ લઈ લીધી અને પોતાની ‘દુકાન’ શરુ કરી દીધી. મુળ તો ડાકોરના રણછોડરાયજીનો સેવક એટલે પ્રથમ મુર્તી તો રણછોડરાયજીની જ પાણપ્રતીષ્ઠા કરીને મુકી.. પછી, ભારતથી બીજા અનેક ભગવાનોની મુર્તીઓ લઈ આવ્યો. મહાદેવજીની બાજુમાં જ, ચુન્દડી ઓઢાડેલા માતાજી, ગણેશજી, સાંઈબાબા, જલારામબાપા, શનીમહારાજ વગેરે વગેરેની મુર્તીઓની ધામધુમથી પ્રાણપ્રતીષ્ઠા કરી, ભક્તજનોને જમાડ્યા, ઉઘરાણું કરીને પૈસા ભેગા કર્યા અને સ્મશાનની જગ્યા ખરીદી લઈને, ત્યાં મન્દીર બાંધી દીધું. મન્દીરની કમીટીનું ટ્રસ્ટ બનાવીને એક વાન, એક ટ્રક તથા એક કાર ખરીદી લીધી. મન્દીરમાં જ રહેઠાણ માટે જગ્યા બનાવી દીધી. ચરોતરના ગામડામાંથી બીજા ત્રણ પુજારીઓને સ્પોન્સર કરીને બોલાવી લીધા.

અમેરીકામાં જન્મેલી અને ઉછરેલી છોકરીઓ પણ, સારો વર મેળવવા, ગોર માનું વ્રત રાખે અને પાંચ દીવસ અલુણું ભોજન કરે, સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ જયા–પાર્વતીનું વ્રત રાખે એવા અન્ધશ્રદ્ધાળુ લોકોથી ઉભરાતા કે ખદબદતા આ દેશમાં પણ મન્દીરોનો ઉદ્યોગ સારો ચાલે છે એટલે વત્સ, અમેરીકામાં મીલીયોનેર થવા માટે કાં તો મન્દીર ખોલો અથવા જાહેરાતો પર ચાલતું કોઈ વર્તમાન પત્ર શરુ કરી દઈને, સાહીત્યસેવાનો ઝંડો હાથમાં લઈને સમાજના અગ્રણી નેતા કે જેને કમ્યુનીટી લીડર કહે છે તે બની જાવ. વેપારીઓના નાક દબાવીને જાહેરાતો મેળવો અને તમે જે સભામાં ગયા હોવ એ સભાની કાર્યવાહીના અહેવાલો ફોટાઓ સહીત છાપ્યે જાવ. લોકો તમને હારતોરા પહેરાવશે અને સાહીત્યની સભાઓમાં પ્રમુખસ્થાને બેસાડશે. પબ્લીક રીલેશન્સના જોરે, તમને પદ્મશ્રી કે પદ્મભુષણ પણ બનાવી દેશે. ભલે ને તમે ગુજરાતી ભાષામાં પ્રવચન ન આપી શકો. એ જરુરી પણ નથી. 

કોઈ પણ વાર–તહેવારની ઉજવણી કરવાની, પુજામાં દાતાઓને બેસાડીને શ્લોકો બોલીને, સ્વાદીષ્ટ ભોજન ખવડાવવાનું અને રાત પડે ભેટપેટીઓ ખોલીને દાનમાં આવેલી રકમને રબ્બરબેન્ડથી બાંધીને મુકી દેવાની. ચેકથી આવેલી કે ક્રેડીટ કાર્ડથી મળેલી રકમ બેન્કમાં જાય અને રોકડની અડધી રકમ પણ બીજે દીવસે બેન્કમાં જમા કરાવી આવવાની.. લાઈટબીલ, ગેસબીલ, કાર અને ટ્રકનું મેઈન્ટેનન્સ વગેરેનો ખર્ચ પણ ટ્રસ્ટને ખાતે. ઉપરાંત સમારકામ જેવા ખર્ચા પણ ટ્રસ્ટને ખાતે. સરકાર પાસેથી મેડીકેઈડ અને ફુડકુપનો તો લેવાની જ.

ભારતમાં કલાવતી કન્યા અને લીલાવતી માટે પાંચ માળની હવેલી બનાવડાવી દીધી. કલાવતી–લીલાવતી હજુ દર મહીને સત્યનારાયણ ભગવાનનું વ્રત રાખે છે અને ઘીમાં લસલસતો શીરો બનાવીને  ગામના  લોકોને વહેંચે છે. તથા સાધુના પાછા આવવાની રાહ જુએ છે.

બોલો… શ્રી. સત્યનારાયણ ભગવાનની જય…

આ કથા અંગે જે કોઈ સંશય કરશે તે અઘોર પાપનો અધીકારી બનશે. કોઈ પ્રશ્ન થાય તો પેલા ઋષીમુની, સુતજી કે નારદમુનીને જ પુછવા. છેવટના ઉપાય તરીકે હ્યુસ્ટનના નૈમીષાનન્દ ભારતી, નીત્યાનન્દભારતી કે નીત્યસહસ્ત્રલીલાનન્દ સ્વામીજીને ઈ–મેઈલથી જ પ્રશ્ન પુછવો. તેઓશ્રી સ્માર્ટફોન કે વોટ્સએપથી પરીચીત નથી.

–નવીન બેન્કર

લેખક સમ્પર્ક : 

NAVIN BANKER, HOUSTON, TX – 77001 – USA  

E-Mail: navinbanker@yahoo.com

Phone: 001-713-818-4239  લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, .મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 17/11/2017 

 

8

કંકુવરણા કાવતરા

ભારતીય પ્રજાને ત્રણ વર્ગોમાં વહેંચી શકાય. પ્રથમ વર્ગ આસ્‍તીકોનો છે. તેઓ માને છે– આ સૃષ્ટીનું સ્‍કુટર પ્રભુ નામના પેટ્રોલથી ચાલે છે. બીજો વર્ગ નાસ્‍તીકનો છે. તેઓ માને છે–  એ સ્‍કુટર સ્‍વયં સંચાલીત છે. તેની તમામ ગતીવીધીમાં ભગવાનનો કોઈ હાથ નથી. અને ત્રીજો વર્ગ તટસ્‍થ લોકોનો છે. તેઓનું કહેવું છે– ‘ઈશ્વર હોઈ પણ શકે… ન પણ હોય! પણ માણસના હોવા ન હોવા વીશે બે મત નથી. એથી ઈશ્વરની વાત છોડી મનુષ્‍યોની સેંકડો સમસ્‍યાઓ અને તેના સુખદુઃખ વીશે જ વીચારો!’

માણસની સમસ્‍યા એ છે કે ઈશ્વરના રુપ– સ્‍વરુપ અને તેની કામગીરીની એની પાસે કોઈ ઠોસ સાબીતી નથી. દુધમાં પાણી ભેળવ્‍યું હોય તો મીટર દ્વારા જાણી શકાય છે. પણ ઈશ્વરના સ્‍વરુપને પારખવા માટે બુદ્ધી સીવાયની કોઈ ચકાસણી ઉપલબ્‍ધ નથી. ઈશ્વર વીશેના અનેક પ્રશ્નો અનુત્તર છે. ઈશ્વરની સાચી ભક્‍તી ક્‍યારે થઈ કહેવાય? ઈશ્વર માણસની ભક્‍તીની નોંધ લે છે કે નહીં?  લેતો હોય તો માણસને તેની જાણ શી રીતે થઈ શકે? ઈશ્વરની કૃપા– અવકૃપા માપવાનો  આધારભુત માપદંડ કયો? ઈશ્વરના સ્‍વરુપ વીશે પણ માણસ સ્‍પષ્ટ નથી. પુરાણો અથવા ધર્મગ્રંથોમાં ચીતર્યા મુજબનો ભગવાન તેના મનમાં વસેલો છે.

ઈશ્વરભક્‍તી એવી પરીક્ષા છે જેનું રીઝલ્‍ટ જાહેર થતું નથી. ઈશ્વરભક્‍તી એવો પ્રેમપત્ર છે જેનો વળતો જવાબ મળતો નથી. ઈશ્વરને ચુંટણીના ઉમેદવાર તરીકે કલ્‍પી લઈએ તો દુનીયાના સઘળા આસ્‍તીકોને મતદાતા ગણવા રહ્યાં. કમનસીબે તેઓ એવા મતદાતા છે જેમનો મત કેન્‍સલ થઈ જાય છે તેની તેમને ખબર પડતી નથી. સંક્ષીપ્‍તમાં ઈશ્વર ભક્‍તી એટલે આકાશની દીશામાં ઉંચે ફેંકવામાં આવતો ટોર્ચનો પ્રકાશ! આકાશમાં એ ક્‍યાં અંકીત થાય છે તેનું કોઈ પ્રમાણ  મળતું નથી. ઈશ્વર ઝાંઝવાનું જળ છે. તે જીન્દગીભર પાછળ દોડવા પ્રેરે છે; પણ તેનાથી માણસની પ્‍યાસ બુઝાતી નથી. પ્રશ્ન થાય છે– ઈશ્વરના ચોપડામાં આખું વર્ષ જમા કરાવેલું પુજાપાઠનું પ્રોવીડન્‍ટ ફંડ ઘડપણમાં ડબલ થઈને પાછું મળે છે ખરું? ઘડપણનું છોડો મર્યા પછી તેમાંથી બીજા ભવમાં પુણ્‍યનું કોઈ પેન્‍શન મળે છે ખરું? આ પ્રશ્નોના જવાબ હકારમાં આપનારાઓની સંખ્‍યા મોટી છે. પરન્તુ  સૃષ્‍ટી પરના ઈશ્વરના અનેક અટપટા આયોજન વીશે ઉંડાણથી વીચારનારા બૌદ્ધીકોને અનેક પ્રશ્નો ઉદ્‌ભવે  છે.

જેમકે– ‘હરીને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે…’ એવું ભજનમાં ગવાયું છે પરન્તુ મન્દીરમાં જીન્દગીભર પુજાપાઠ કરનારા પુજારીને ત્‍યાં આંધળા લુલાં સંતાનો કેમ અવતરે છે? શું ઈશ્વરની ઑફીસમાં પી.એફ., ગ્રેજ્‍યુટી વગેરેમાં આવું અન્ધેર ચાલે છે? ખુદ કૃષ્‍ણભગવાનનો મીત્ર સુદામા ગરીબ કેમ હતો? સુખદુઃખનો આધાર પરભવના સારા નરસા કર્મો પર જ રહેતો હોય તો એમ નથી લાગતું કે ભગવાનનો કેડો મુકી દઈ માણસે કર્મો જ સારા કરવા જોઈએ, જેના મીઠાં ફળ આ જન્‍મે જ પ્રાપ્‍ત થઈ શકે!

ઈશ્વરની ચર્ચા નીકળે છે ત્‍યારે પુર્વજન્‍મ અને તેના કર્મફળની વાત ખાસ ચર્ચાય છે. પ્રશ્ન ઉદ્‌ભવે છે– પુર્વજન્‍મ કે તેના કર્મફળની સાબીતી કઈ છે? કીડી તેના આખા અવતારમાં કોઈ પાપ કે પુણ્‍ય કરતી નથી. તેને બીજો અવતાર શેનો મળતો હશે? ભ્રષ્ટ રાજકારણીઓ, દાણચોરો, કે ગુંડાઓ આ જન્‍મે જ દુનીયાભરનો તમામ સુખવૈભવ ભોગવતાં હોય છે. બાકીના કરોડો લોકોને એવું સુખ મળતું નથી. શું એમ માનવું કે એ કરોડો લોકો પુર્વજન્‍મના પાપીઓ હશે? વર્ષો પુર્વે જયલલીતાના ઘરમાંથી હજારો સાડીઓ, સેન્‍ડલો અને હજારો  સોના–ચાંદીના ઘરેણાં નીકળ્‍યાં હતાં. કોઈ ધર્મપંડીતને પુછીએ, એટલું ભવ્‍ય સુખ મેળવવા જયલલીતાએ રોજ કેટલીવાર માળા ફેરવી હતી? કેટલાં યજ્ઞો કરાવ્‍યાં હતાં? કયા કયા પુણ્‍યો કર્યાં હતાં?

જગતભરના સંતો કે  ધર્મગુરુઓ ભેગાં મળી ઈશ્વરના અસ્‍તીત્‍વનો કુટપ્રશ્ન હલ કરવા ધારે તોય કરી શકે એમ નથી. ઈશ્વરના પ્રશ્નો ઈશ્વરથીય અધીક પેચીદા છે. પૃથ્‍વીલોકની યુનીવર્સીટીમાં ઈશ્વર અંગેનો કોઈ માન્‍ય અભ્‍યાસક્રમ નથી. એની પરીક્ષા નથી અને પરીણામ પણ નથી. એથી ઈશ્વરને ભજવાનું કામ દુનીયાનું સૌથી સહેલું કામ છે. બચુભાઈ કહે છે– ‘ઈશ્વર અને તેની કૃપા એટલે હવાનો ગોળો હવાના હાથમાં ઉછાળવા જેવી ઘટના! હાથ ક્‍યાં છે, હવા ક્‍યાં છે, ગોળો ક્‍યાં છે– કશું જ દેખાતું નથી. આખી પ્રક્રીયા માનસીક રીતે કલ્‍પી લેવાતી હોય છે. ચીત્રકાર નથી દેખાતો. પીંછી, રંગ  અને  કેનવાસ પણ નજરે પડતાં નથી; છતાં માણસ કહે છે– ‘ચીત્ર ખુબ સુન્દર છે!’ ભગવાન કરતાં માણસે ભગવાન વીશે વધુ ગુંચવાડા ઉભા કર્યા છે. માણસના દીમાગમાં ભગવાનના હજારો ચીત્રો અંકીત થયેલાં છે. દુર્ભાગ્‍યે એક ચીત્રનો બીજા ચીત્ર સાથે મેળ ખાતો નથી. દુનીયાના બધાં શ્રદ્ધાળુઓ ઈશ્વર વીશે એક મત થઈ શકતાં નથી.

મદ્રાસીઓ પેન્‍ટને બદલે લુંગી શા માટે પહેરે છે? કદાચ એનું કોઈ ઠોસ કારણ હોય તો  એટલું જ કે તેમના પીતા અને દાદા, પરદાદાઓ લુંગી પહેરતા હતાં. ઈશ્વરપુજા પણ માણસ માટે મદ્રાસીઓની લુંગી જેવી ઘટના છે. સદીઓથી માણસના પુર્વજો ઈશ્વરની પુજા કરતાં હતાં એથી આજનો માણસ પણ કરે છે. ઈશ્વર એ માણસની બાપુકી મીલકત છે. માણસને બાપદાદાની મીલકત વહાલી હોય છે. આસ્‍તીક્‍તા માણસનો આધ્‍યાત્‍મીક વારસો છે. સોનાનો બંગલો ખરીદી શકે એવો ધનાઢય માણસ પણ બાપુકી ઝુંપડી માટે મરી ફીટે છે.

મુલતઃ માણસ લાગણીશીલ પ્રાણી છે. તેની લાગણીશીલતા તેને ઈશ્વરના અસ્‍તીત્‍વ તરફ દોરી જાય છે. તેને જીવનમાં સુખ મળે છે, સીદ્ધી મળે છે, ત્‍યારે તે વીચારે છે– ઈશ્વર સીવાય આવું સુખ કોણ આપી શકે? બાળપણથી માણસને શીખવવામાં આવે છે– દુનીયામાં બધું ભગવાનની કૃપાથી થાય છે. તેની ઈચ્‍છા વીના એક પાંદડુંય હાલતું નથી.

પરન્તુ નાસ્‍તીકોના વીચારો સામા છેડાના છે. તેઓ કહે છે– ‘જેના નામનો આ પૃથ્‍વી પર જબરજસ્‍ત હાઉ ઉભો કરાયો છે એ ઈશ્વર અસલમાં ખેતરના ચાડીયા જેવો છે. ચાડીયો પક્ષીઓ માટે ઉભો કરેલો હાઉ માત્ર છે. વાસ્‍તવમાં તે નીરુપદ્રવી પુતળું છે. ચાડીયાની અસલીયત જાણી ચુકેલાં ચતુર પક્ષીઓ ચાડીયાના માથે બેસી દાણા ચણે છે. ઘણાં ધાર્મીક ધુતારાઓ પણ ભગવાનના નામે લુંટ ચલાવે છે. કાશી, મથુરા કે દ્વારકા જેવા ઘણાં તીર્થસ્‍થળોએ ભગવાનની પુજા કરાવનારા પંડાઓ ભગવાનના નામે ભક્‍તોને ઠગી લેતાં હોય છે. અમારા બચુભાઈ તેમના વ્‍યવસાયને ‘કંકુવરણા કાવતરા‘ કહે છે.

ભગવાનના નામે એવી ચાંચીયાગીરી ચલાવતાં ભગવાધારી ઠગોને પ્રમોશન મળે ત્‍યારે સમાજને એક સ્‍વામી પ્રાપ્‍ત થાય છે. આપણા સમાજને ધર્મ અને ભગવાનના નામે લુંટાવાનો ભારે ઉમળકો હોય છે. બદ્‌કીસ્‍મતે એવા સમાજની રચના ઉજ્જવળ સંસ્‍કૃતીમાં થાય છે. ચાડીયાની અસલીયત જાણી ચુકેલાં પક્ષીઓની જેમ ઘણાં માણસોને સમજાઈ ચુક્‍યું છે કે અહીં લુંટ કરો કે લુંટાવી દો, ભગવાન ખુશ થતો નથી અને ખફાય થતો નથી. તેમને ખાતરી થઈ ચુકી છે કે ભગવાન ડેડબોડી જેવો છે. ડેડબોડી સાથે જીવીત વ્‍યક્‍તી કેવળ લાગણીથી જોડાયેલી હોય છે. માણસના પ્રેમ કે નફરતની મૃતદેહને કોઈ અસર થતી નથી. માણસ અને મૃતદેહ વચ્‍ચે લાગણીનો વનવે ટ્રાફીક હોય છે તેવો ઈશ્વર અને માણસ વચ્‍ચે હોય છે.

બૌદ્ધીક કક્ષાના શ્રદ્ધાળુઓને પણ પ્રશ્ન થયા વીના નથી રહેતા. આપણે ત્‍યાં નીત નવાં મન્દીરો બંધાય છે. સતત રથયાત્રાઓ કે ભગવાનના વરઘોડાઓ નીકળતા રહે છે. રામકથાઓ કે ભાગવત સપ્‍તાહો યોજાતી રહે છે. એ સીવાય આખું વર્ષ ઢગલેબન્ધ ધાર્મીક તહેવારો ઉજવાતાં રહે છે. અરે! અહીં વીશ્વશાંતી યજ્ઞો પણ થતાં રહે છે…! છતાં આ દેશ પર ઈશ્વરકૃપા કેમ વરસતી નથી. સમ્ભવતઃ ભારત વીશ્વનો સૌથી દુઃખી દેશ હશે. જ્‍યાં તેત્રીશ કરોડ દેવી દેવતાઓ જન્‍મ્‍યાં છે, જ્‍યાં રાત દહાડો માણસ ભગવાનને ભજે છે ત્‍યાં સુખશાંતી અને પ્રગતીના નામે આવું અંધારું શા માટે? શું ઈશ્વરને માણસના સુખદુઃખની કશી પરવા નથી? પશ્ચીમીના દેશોમાં ભગવાનની આટલી ગાઢ ભક્‍તી થતી નથી છતાં તે પ્રજા આપણાં કરતાં વધુ સુખી અને સમૃદ્ધ કેમ છે? આપણે નવેસરથી વીચારીને એ નક્કી કરવું પડશે કે માણસનું કલ્‍યાણ શેમાં છે? નરસીંહ મહેતાની જેમ દીનરાત ભક્‍તીનો તંબુરો વગાડ્યા કરવામાં કે સખત પરીશ્રમ કરી દેશનો વીકાસ કરવામાં? આ બધા પ્રશ્નોમાં કેટલું વાજબીપણુ છે તે વીશે વીચારાવું જોઈએ.

દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત 395 003 ફોન : 0261–2591449 .મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ 8મો લેખ, પુસ્તકનાં પાન 32થી 34 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત સેલફોન : 94281 60508 .મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 13–11–2017