હરનીશ જાની

ફ્રીક્વન્ટ રાઈડર

–હરનીશ જાની

કહેવાય છે કે મહમ્મદ ગઝનવીએ સૌરાષ્ટ્રના પ્રભાસ પાટણના સોમનાથ મન્દીર પર સત્તર વાર ચડાઈ કરી હતી અને દરેક વખતે મન્દીર તોડ્યું હતું – લુંટ્યું હતું. આ ઘટનાને ધાર્મીક રીતે નહીં; પણ ઐતીહાસીક રીતે તપાસીએ !

આજથી હજાર વર્ષ પહેલાં સોમનાથનું મન્દીર સોનાનું હશે, ભવ્ય હશે. એટલે જ કદાચ આ યવને મન્દીર પર વારમ્વાર હુમલા કર્યા.

ખરેખર સત્તર વાર હુમલા કરવા જેવું એવું તો શું હશે ? જો સત્તર વાર મન્દીર તોડ્યું હોય તો સત્તર ચડાઈ વખતે ભીમદેવ અને મહમ્મદ ગઝનવીની માનસીક સ્થીતી કેવી રહી હશે ? પ્રજા પર તેની શી અસર થઈ હશે ? પહેલી ચડાઈથી માંડી સત્તરમી ચડાઈને ચકાસીએ.

પહેલી વાર બાણાવળી ભીમ લડ્યો અને હાર્યો. પોતે અને પોતાના સરદારની હારવા પાછળ કઈ કઈ ભુલો થઈ હતી તે એણે રાજ્યના લોકોને સમજાવ્યું; પોતે હવેથી ચૌલાદેવી જેવી નૃત્યાંગના સાથે સમય ગાળવા કરતાં પોતાનાં તાતાં તીર તીણાં કરશે એવું વચન આપ્યું. પોલીટીક્સ ત્યારે પણ જીવન્ત હતું !

બીજી વાર પણ તે અને તેના માણસો ઉંઘતા ઝડપાયા. તેણે જાહેરનામું બહાર પાડ્યું કે જો તે યવન પાછો ચડી આવશે તો તેને જીવતો મારી નાખવામાં આવશે.

નવો ફેરફાર એ કર્યો કે ચૌલાદેવી અને બીજી નૃત્યાંગનાઓને ભીમદેવે સંતાડી દીધી. લોકોએ પત્નીઓને પીયર મોકલી દીધી. કદાચ એ ત્રીજી વાર ચડી આવે તો ? યવન હવે નહીં આવે એવી ભવીષ્યવાણી કરવાવાળા જોશીઓ પણ અદૃશ્ય થઈ ગયા અને યવન ત્રીજી વાર ત્રાટક્યો.

ત્રીજી વખતે ભીમદેવે લોકોને રાજ્યની ટૉપ સીક્રેટ હોમલેન્ડ સીક્યોરીટીની વાતો કહેવાનું માંડી વાળ્યું અને બ્રાન્ડ ન્યુ મન્દીર બનાવડાવ્યું. પહેલાંના કરતાંયે વધુ ભવ્ય. તેમ છતાં કોઈએ તેને ‘ભીમદેવ ગાંડા’નું ઉપનામ ન આપ્યું. મહમ્મદ ગઝનવી પાછો ચડી આવ્યો અને મન્દીરનું સત્યાનાશ વાળ્યું. આ ચોથીવારના હુમલા પછી પુજારીઓનું એક મંડળ રાજા ભીમદેવ પાસે આવ્યું. ‘મહારાજ, આપણે આ ટેમ્પલ બનાવવાનું છોડી દઈએ તો કેવું ? આપણે ટેમ્પલ બનાવીએ છીએ ને પેલો તોડી નાખે છે.’

પુજારીઓમાંના એકે આઈડીયા લડાવ્યો, ‘મહારાજ, આપણે પાટીયાનું મન્દીર બાંધીએ તો કેવું ? છોને તોડી નાખે ! આપણે બીજે વરસે તોડવા માટે પાછું નવું મન્દીર બનાવી આપીશું ! સસ્તું પડશે, સહેલું પડશે.’ ભીમદેવે ન માન્યું ને મન્દીર ફરી બનાવડાવ્યું. મહમ્મદે પાંચમી વાર મન્દીર તોડ્યું.

છઠ્ઠી ચડાઈ વખતે ભીમદેવ બાણાવળી મહમ્મદની છાવણીમાં પોતે ગયા અને જણાવ્યું કે, ‘જ્યારે આવતા વરસે આપ આવો તો હું પ્રભાસ પાટણમાં નહીં હોઉં. મારે મારા ભાઈની દીકરીનાં લગ્નમાં લાટપ્રદેશમાં ભરુચ જવાનું છે. નાવ યુ નો, વ્હેર ધ ટેમ્પલ ઈઝ – જઈને તોડી આવજો ! મારી ગેરહાજરીમાં થોડાઘણા મારા સરદારો આપની સાથે યુદ્ધ કરશે. ખોટું ન લગાડતા. તમે જ્યારે આઠમી વખતે આવશો ત્યારે મળીશું.’

બીજે વર્ષે ભીમદેવની ગેરહાજરીમાં ખાલી ખાલી લડાઈ થઈ. રામલીલાના ખેલમાં રામ–રાવણની લડાઈ થાય છે તેમ. મહમ્મદ ગઝનવી પણ ખાનદાન હતો. ભીમદેવની ગેરહાજરીમાં તેને પણ લડવાની મઝા નહીં આવી. આઠમી લડાઈ વખતે મહમ્મદે ભીમદેવને અગાઉથી સંદેશો મોકલાવ્યો હતો. હવે બન્ને વચ્ચે એકમેકને માટે ખુન્નસ ઓછું થયું હતું. ભીમદેવે મહમ્મદ ગઝનવીને કહ્યું, ‘આ મારો ભાઈ ભરુચ રહે છે. પણ આ આઠ વરસમાં એક જ વાર તે મળ્યો; જ્યારે આપ સેંકડો જોજન દુર રહેવા છતાં દર વરસે મળવા આવો છો. યુ આર માઈ ન્યુ ફેમીલી.’

પછી તેમણે કસુમ્બાપાણી કર્યાં.

ભીમદેવે એમ પણ કહ્યું, ‘મહમ્મદભાઈ, ભારતમાં ઘણાં બધાં મન્દીરો છે. ત્યાં પણ જવાનું રાખો અને એકાદ વાર અમને બ્રેક આપો. પોરો ખાવા દો. દ્વારકા જવાનું રાખો. તે પણ સોનાની જ નગરી છે.

મહમ્મદે નવમી વાર નહીં આવવાનું વચન આપ્યું. તેમ છતાં ભીમદેવને ખબર પડી કે મહમ્મદ ગઝનવી તો પ્રભાસ પાટણના પાદરે આવીને ઉભા છે !

મહમ્મદ ગઝનવીએ શરમીન્દા થઈને ભીમદેવને કહ્યું કે, ‘માફ કરજો, વચનભંગ કરવા બદલ. જવું હતું તો દ્વારકા જ. પરન્તુ જુનાગઢથી બન્ને મન્દીર તરફ જતા રસ્તા ફંટાતા હતા. હવે ઘોડા એટલા તો ટેવાઈ ગયેલા કે એમના પગ આ ભણી જ વળી ગયા.’

ભીમદેવે કહ્યું, ‘અમેયે ઘોડાને સમજીએ છીએ. હવે આવ્યા જ છો તો મન્દીર તોડી જ જાઓ.’

મહમ્મદ ગઝનવી સત્તર વાર ગુજરાત પર ચડી આવ્યો. જો એ હકીકત હોય તો, આ યુગમાં સત્તર વર્ષમાં એક દીવસની મુસાફરીનો મામલો હોવા છતાં આપણે અમેરીકાથી ભારત સત્તર વાર નથી જઈ શક્યા; તો તે જમાનામાં લાખનું સૈન્ય લઈ પગપાળા હજાર માઈલ આવતાં–જતાં મહીનો લાગે તેમ સત્તર વાર કરવું ! વોટ ઈઝ રોન્ગ વીથ ધીસ પીક્ચર ? આ વાત માનવી અઘરી; પણ ઈતીહાસ ખોટો ન હોઈ શકે.

પેલી બાજુ મહમ્મદે સેનાપતીને બોલાવ્યો. કહ્યું, ‘ચડાઈ કરવાની તૈયારી કરો.’

સેનાપતી પુછે છે, ‘આ વરસે ક્યાં જઈએ છીએ ?’

મહમ્મદ કહે, ‘સોમનાથ લુંટવા.’

સેનાપતી કહે, ‘અગેઈન ? આપણા સૈનીકો હવે ગુજરાતથી કંટાળ્યા હશે. આ વખતે મથુરા જઈએ તો કેવું?’

મહમ્મદ કહે, ‘જે લોકો ગુજરાતથી થાક્યા હોય તેમને મથુરા મોકલો અને બાકીનાને ગુજરાત આવવા દો.’

સેનાપતી થોડી વારમાં પાછો આવી કહે, ‘જહાંપનાહ, સૈનીકો બધા ગુજરાત જવા રાજી છે; કારણ કે ત્યાં બહુ મોટી લડાઈ નહીં થાય તેની ગેરંટી છે. ઘણાને પોતાની પત્નીઓ માટે, માશુકાઓ માટે પાટણનાં પટોળાં અને વાસણોની ખરીદી કરવી છે.’

મહમ્મદનું લાખ માણસનું લશ્કર રાજસ્થાનમાંથી પસાર થાય. રાજસ્થાનના લોકોએ નોંધ્યું કે મુલતાનના દરેક સૈનીકે લાંબા લાંબા બ્લેન્કેટ ઓઢ્યા છે.

‘ઓ અફઘાનભાઈ, તમારે બ્લેન્કેટ વેચવા છે ?                ’

અફઘાન સૈનીકોને લાગ્યું કે વેપારની સારી શક્યતા છે. હવે તો રાજસ્થાનના લોકો પણ મહમ્મદભાઈનું લશ્કર પોતાના ઘર પાસેથી કુચ કરે તો સારું એવું ઈચ્છતા હતા.

કદાચ એમના ફાધરે ફ્રીક્વન્ટ ફ્લાયર જેવી ફ્રીક્વન્ટ રાઈડર યોજના બનાવી હોય. અને એમણે ફાધરને વચન આપ્યું હોય કે તમારી યોજના પ્રમાણે યુદ્ધ કરીશ.

કદાચ એમ પણ હોય કે ઘરમાં પત્નીના ત્રાસથી બચવા માટે બહાર યુદ્ધ કરવા જવું સારું. યુદ્ધમાં તો સફળતા મળવાની શક્યતાય ખરી !

અથવા પત્ની ખુબ જ વહાલી હોય એટલે સેંકડો માઈલથી કામ પતાવીને પત્ની પાસે થોડું સુખ ભોગવવા ઘરે આવે.

ઈતીહાસ કહે છે કે મહમ્મદ ગઝનવીએ પ્રભાસ પાટણના સોમનાથ મન્દીરને તોડવા સત્તર વાર ચડાઈ કરી હતી. વાત માન્યામાં ન આવે; પરન્તુ ઈતીહાસ કાંઈ ખોટો ન હોય. બની શકે કે ઈતીહાસકારોનું ગણીત કાચું હોય અને સાતના સત્તર થઈ ગયા હોય. સાત વાર સાચું હોય તો પણ મહમ્મદ અને ભીમદેવનાં મગજ તપાસવાની જરુર છે.

મહમ્મદ અઢારમી વાર કેમ ન આવ્યો ? સત્તરમી વાર ચડાઈ કર્યા પછી તેને ખબર પડી કે શીવલીંગ સોનાનું નથી; પરન્તુ પથ્થર ઉપર સોનેરી રંગ કરીને આ લોકો આપણને ઉલ્લુ બનાવે છે. જો પથ્થર જ તોડવા હોય તો ઘરઆંગણે ન તોડીએ ?

–હરનીશ જાની

Request

2009માં પ્રકાશીત થયેલા, અને ‘ગુજરાતી સાહીત્ય પરીષદ’નું ‘જ્યોતીન્દ્ર દવે પારીતોષીક’ વીજેતા, લેખકના હાસ્ય નીબન્ધસંગ્રહ ‘સુશીલા’ (પ્રકાશક : અલકાબહેન પંકજભાઈ શાહ, હર્ષ પ્રકાશન, 403, ઓમ દર્શન ફ્લેટ્સ, 7, મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે, પાલડી, અમદાવાદ – 380 007 પૃષ્ઠ સંખ્યા : 148, મુલ્ય : 100/- રુપીયા.. પ્રાપ્તીસ્થાન : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001)માં પાન અડસઠ ઉપર આપેલો અઢારમો હાસ્ય–નીબન્ધ… ‘સન્ડે ઈ–મહેફીલ’  વર્ષ : સાતમું અંક : 220 – June 19, 2011માં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રી, અને ‘સન્ડે ઈ–મહેફીલ’ના સંપાદકશ્રીની પરવાનગીથી સાભાર..

લેખક–સમ્પર્ક :

Harnish Jani 4, Pleasant Drive, YARDVILLE, NJ – 08620 – USA

E-Mail  harnish5@yahoo.com –   Phone – 001-609-585-0861

‘અભીવ્યક્તીઈ.બુક્સ

 રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અક્ષરનાદ http://aksharnaad.com/downloads વેબસાઈટ તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ ‘લેક્સિકોન’  http://www.gujaratilexicon.com/ebooks/  પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાના નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી  યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450  જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 06/11/2015

હરનીશ જાની

ચેત મછન્દર

–હરનીશ જાની

બાબા ગોરખનાથે ગણેશને કહ્યું કે, ‘મારી પાસે એક એવી સ્કીમ છે કે જેનાથી તું માલામાલ થઈ જઈશ અને મને ખાસ્સી પબ્લીસીટી મળશે. આ અમેરીકામાં મારું પોતાનું તો કોઈ છે નહીં. સારું થયું તું મળી ગયો. મને તારા જેવા વીશ્વાસુની જરુર હતી.’

અમેરીકામાં ગણેશ શર્માનું વજન 250 પાઉન્ડ હતું. ભારતમાં 115 કીલો હતું. અમેરીકામાં એ ઓવરવેઈટ હતો અને ભારતમાં એ કોઠી હતો. આ વજન 45 વરસની માવજત પછી થયું હતું. આખી જીન્દગી મુમ્બઈમાં ‘પેરેડાઈઝ હીન્દુ લૉજ’માં રસોઈયાની પદવી ભોગવી હતી.

રસોઈ ચાખી ચાખીને શરીર વધાર્યું હતું. લૉજના ઓટલે જ સુવાનું મળતું એટલે ફેમીલી લાઈફનો અંત ત્યાં જ આવી ગયો હતો. બહેનની સીટીઝનશીપ ઉપર તે અમેરીકા આવી ગયો હતો. મુમ્બઈનો રસોઈયો ન્યુયૉર્કમાં શૅફ બની ગયો. ‘શેરે પંજાબ’માં તંદુરી ચીકન અને નાન શેકતો થઈ ગયો. પંજાબી ભોજનથી તેની ફાંદનું જતન થતું હતું. ગણેશને માથે એકે વાળ નહોતો પરન્તુ સુંદર દાઢી રાખતો. તે માથાના વાળની ખોટ આ રીતે દુર કરતો.

ગણેશને કદી લાગ્યું નહોતું કે તે જાડીયો છે. પરન્તુ અમેરીકન બહેન–બનેવી, હેલ્થ કૉન્શીયસ હતાં.

બહેને પ્રસ્તાવ મુક્યો, ‘તારે વજન ઘટાડવું પડશે.’ ગણેશ કહે કે ‘શા માટે મારે વજન ઘટાડવું જોઈએ ?’ બહેને અને બનેવીએ તેને પેન્સીલવેનીયાના ગોરખ આશ્રમમાં લઈ જવાનું નક્કી કરી દીધું.

દશ વરસ અગાઉ, ચાલીસેક વરસનો સન્તોકરામ ન્યુયૉર્કના કૅનેડી ઍરપોર્ટ ઉપર ઉતર્યો હતો. ઍરપોર્ટ ઉપર તેણે એક વાત નોંધી કે આપણા દેશના પ્રમાણમાં અમેરીકામાં જાડાં સ્ત્રીપુરુષો ઘણાં છે. લગભગ બધાં જ જાડાં છે. થોડા દીવસના વસવાટ પછી લાગ્યું કે બધા જ ડાયેટીન્ગ કરે છે. ખાસ કરીને, સ્ત્રીઓ, જે જાડી નથી તે તો ખાસ ડાયેટીન્ગ કરે છે. તે સ્ત્રીઓએ શરીરનું ડાયેટીન્ગ કરવા કરતાં; મગજનું ડાયેટીન્ગ કરવા જોઈએ એમ સન્તોકરામને લાગ્યું.

તે વીઝીટર વીઝા પર આવ્યો હતો. ‘વીઝા કી ઐસી તેસી. આપણે અહીં જ રહેવાના છીએ.’ એ એનો નીર્ણય હતો. મુમ્બઈની ‘પેરેડાઈઝ હીન્દુ લૉજ’માં અંધારીયા રસોઈઘરમાં મજુરી કર્યા પછી નકકી કર્યું હતું કે અમેરીકામાં રસોઈ કરવી નથી.

તેના બાપા કહેતા  ‘શીક્ષક થવું. છોકરાં ભલે ન ભણે. આપણને પગાર મળે. વકીલ થવું. કેસ જીતે કે હારે. આપણી ફી તો મળે ! પરન્તુ રસોઈયો ન રાંધે અને કડીયો દીવાલ ન ચણે તો ભુખે તો મરવું પડે; પણ ડંડા પડે તે નફામાં.’

સન્તોકરામને વીચાર આવ્યો કે અમેરીકાના જાડા લોકોનો લાભ લેવો જોઈએ. તેમાં તેને અમેરીકામાં ઠરીઠામ થવાનો માર્ગ દેખાયો. લોકોના શરીર પર ઘણી ચરબી છે. અને જેના શરીર પર ચરબી નથી, એ લોકોના મગજમાં ચરબી ભરાઈ છે.

તેને થયું, અમેરીકાની આ ચરબીમાં ભારતીય વેદપુરાણની ભવ્ય સંસ્કૃતીનો મસાલો ભેગો કરીએ તો એક બેમીસાલ વાનગી તૈયાર થાય !

સંતોકરામે બીજું એ જોયું કે જ્યારે ભારત એકવીસમી સદીમાં પ્રયાણ કરી રહ્યું છે ત્યારે અમેરીકાના ‘દેશી’ઓ ઓગણીસમી સદી તરફ જઈ રહ્યા છે. ભારતમાં ઠેર ઠેર સાયબર કાફૅ ખુલી રહ્યા છે; ત્યારે અમેરીકામાં દીવસરાત નવાં મન્દીરો બની રહ્યાં છે. દેશમાંથી બધા દોરાધાગાવાળા અમેરીકા આવી ગયા છે. થોડા વખતમાં અમેરીકામાં ‘કુંભમેળો’ ભરાય તો નવાઈ નહીં ! આ બધા અન્ધશ્રદ્ધાળુ લોકોના ઉદ્ધાર માટે સાધુસન્તોના વેષમાં ભુવાઓ પણ આવી ગયા છે. ખરા સન્તો તો હીમાલય ગયા !

સન્તોકરામે પણ આ પરીસ્થીતીનો લાભ લઈ આ દુ:ખી આત્માઓનો ઉદ્ધાર કરવાનું નક્કી કર્યું.

તેણે જોયું કે અમેરીકામાં ‘વજન ઉતારવા’ની અબજો ડૉલરની ઈન્ડસ્ટ્રી છે. હજારો જીમનેશીયમ કસરત કરવા માટે છે. હજારો પુસ્તકો લખાય છે. ઍરોબીક–કસરતોના સેંકડો વીડીયો બને છે. તો આ ઈન્ડસ્ટ્રીમાં કેમ ન જોડાઈએ ? ભારતીય વેદપુરાણની સંસ્કૃતીને વજન ઉતારવાના તુક્કામાં જોડવી જોઈએ. ઋષીમુનીઓના મંત્રોચ્ચાર આ અમેરીકાની ધરતી પર ગજાવવા જોઈએ. જો નવગ્રહોને ખુશ રાખવાથી કોર્ટમાં કેસ જીતાતો હોય, પુત્ર જન્મ થતો હોય, ભાગી ગયેલી પત્ની જો પાછી આવતી હોય, તો તે ગ્રહોના મંત્રોચ્ચારથી વજન કેમ ન ઘટે ?

સન્તોકરામે અમેરીકાની ધરતીનો અભ્યાસ કર્યો. આ 2002મી સાલમાં 17લાખ ભારતીઓ અમેરીકામાં રહે છે. તેમાંના એક લાખ જાડીયાઓ આપણને વરસના ફક્ત દશ ડૉલર આપે તો પણ મીલીયન ડૉલર થાય. તેમાંના અડધા એડવર્ટાઈઝમાં ખર્ચાય. તો બીજે વરસે બે મીલીયનની શક્યતા થાય. દશ ડૉલરમાં આપણે તેને નવગ્રહોમાંથી કોઈપણ ગ્રહનો મંત્ર પકડાવી દેવાનો. શરત એટલી કે મંત્ર રોજ સવારે નહાયા પછી દશવાર જપવાનો. ‘નો ડાયેટીંગ’, ‘નો કસરત’, વજન ઉતરશે. વરસ પછી કોઈ નવરો ફરીયાદ કરવા આવે તો કહી દેવાનું ‘તમારી સાધનામાં ભલીવાર નહીં હોય.’ અમેરીકામાં દશ ડૉલર શી ચીજ છે ? પીઝા પણ હવે તો દશ ડૉલરનો નથી મળતો !

સન્તોકરામે વીચાર્યું મંત્રોચ્ચારથી વજન ઘટે કે ન ઘટે તે અગત્યનું નથી. પરન્તુ ગ્રહોના મંત્રોથી વજન ઘટી શકે એ વીચાર આ દોરાધાગાવાળી પ્રજાને વેચવાનો છે ! ખુબી એટલી જ છે. મારે એટલી જ બુદ્ધી વાપરવાની છે. દશ ડૉલર એના છે !

શરુઆતમાં તેણે મેઈલ–ઓર્ડરથી ધંધો પોતાના સ્ટુડીયો એપાર્ટમેન્ટમાંથી ચાલુ કર્યો. જન્મ તારીખ આપો. દશ ડૉલર મોકલો. ‘બાબા ગોરખનાથ’ તમને મંત્ર મોકલશે. ધાર્યું વજન પામશો. વાત સીધી હતી. કોઈ ‘ગોરખધંધો’ ન હતો.

ગોરખનાથની આગળ ‘બાબા’ લગાવી દીધું. જેથી મુસલમાન બીરાદરોને આકર્ષી શકાય. ‘બાબા ગોરખનાથ’ ! તેમને અજમેરથી મંત્રાવેલું તાવીજ મંગાવી આપશે.

તેણે સૌ પ્રથમ કામ કર્યું. એડવર્ટાઈઝ આપવાનું. સન્તોકરામનો મંત્ર હતો :

‘અરલી ટુ બેડ, અરલી ટુ રાઈઝ;

વર્ક લીટલ એન્ડ એડવર્ટાઈઝ.’

તે માને છે કે જાહેરાત વીનાનો ધંધો એટલે અંધારામાં કોઈ છોકરીને આંખ મારીએ તેવો. તમે શું કરો છો તે તમને ખબર છે; પરન્તુ બીજા કોઈને ખબર નથી.

આ ન્યુઝ પેપરમાં અને તે ન્યુઝ પેપરમાં બાબાએ ફુલ પેજ જાહેરખબરો આપવા માંડી. થોડા મેઈલ–ઓર્ડર આવવા માંડ્યા. ન્યુઝ પેપરોની પાંચ–દશ હજાર નકલો પુરતી નહોતી. ઈંગ્લૅન્ડ, ઓસ્ટ્રેલીયા, સીંગાપોર, આફ્રીકા – બધે જ ભારતીય છાપાંઓમાં બાબા ઝળક્યા. કહેવાની જરુર નથી કે હવે બાબા ગોરખનાથની જુદી ઓફીસ છે. ચાર–પાંચ છોકરીઓનો સ્ટાફ પણ છે. બાબાની જાહેરખબર પણ કેવી ? મોટા અક્ષરે – ‘મની બેક ગૅરન્ટી’, ‘ગ્રહોની શાંતી : શરીરની ક્રાંતી’, ‘સ્થાપના 1952’ ફોન નંબર – ફેક્ષ નંબર – ઈ.મેઈલ – વગેરે વગેરે બધું જ છપાવતા.

દેશપરદેશમાં લોકો શંકાશીલ થઈને અંદરોઅંદર વાતો કરવા લાગ્યા. આ વીજ્ઞાનના યુગમાં આમ બને ખરું ? ખોરાકની કૅલરી અને આ મંત્રોચ્ચારને સમ્બન્ધ ક્યાંથી હોઈ શકે ? તેમ છતાં મેઈલ–ઓર્ડરના પ્રવાહમાં કોઈ ભંગ ન થયો. કોઈ ન જાણે તેમ ઘણા ડૉક્ટરો પણ દશ ડૉલર મોકલવા લાગ્યા.

બાબા હવે ટીવી પર ઝળક્યા. બાબાએ વીચાર્યું : 250 મીલીયન અમેરીકનોમાં 150 મીલીયન જાડીયાઓ હશે. તેમને પણ સમદૃષ્ટી રાખી અને લાભ આપવો જોઈએ. આ ભણેલી પ્રજાને પણ અન્ધશ્રદ્ધા છોડતી નથી. ન્યુયોર્કમાં બહુમાળી મકાનોમાં બારમા માળ પછી સીધો ચૌદમો માળ હોય છે; કારણ કે આ ભણેલાઓ તેરના આંકડાથી ગભરાય છે. વર્જીન મેરીની આરસપહાણની મુર્તીની આંખમાંથી આંસુ સરે છે એ જોવા હજારો માણસ ઉમટે છે. તો આ લોકોને આપણા હજારો વરસ જુના ઋષીમુનીઓના મંત્રોચ્ચારનો જાદુ સમજાવવો અઘરો નથી.

બાબા ગોરખનાથ મંદ મંદ હસતા રહ્યા.

આજે પાંચ વરસ વીતી ગયાં; બાબા ગોરખનાથનો આશ્રમ ચાલુ થયે. પેન્સીલ્વેનીયાના પોકોનોઝ માઉન્ટનમાં 50 એકર જમીન પર, ખુબ રમણીય જગામાં, બરાબર વચોવચ આશ્રમનું ભવ્ય મકાન છે. આજુબાજુ રહેવાની સુંદર મઝાની નાનીનાની કૉટેજ છે. જેમાં જાડાભાઈઓ રહે છે. એક વીકેન્ડમાં બાબા હજાર હજાર ડૉલર ચાર્જ કરે છે.

સો એક જણ ‘ફીઝીકલ થેરાપી : થ્રુ સ્પીરીચ્યુલ થેરાપી’ મેળવવા માટે કાયમને માટે રહેતાં હોય છે. આશ્રમમાં ક્યારેય અગીયારસ કે ઉપવાસનું નામ નહીં લેવાનું. સમોસા–પકોડા–ગુલાબજાંબુ બધું ભરપુર મળે છે. ખાવું હોય તે ખાવાનું; પરન્તુ મંત્રજાપ ચુકવાનો નહીં. બાબા ગોરખનાથે આશ્રમમાં એકે વજન કાંટો રાખ્યો નથી. વજન ઘરે માપવાનું; અહીં તો મંત્ર તમારા શરીરનું જતન કરે છે. બાબા પાસે સર્વ પ્રકારની વાનગીઓ છે. ભાવુકો જાડા થાય છે. તેમનું વજન ઉતરે ન ઉતરે; પરન્તુ તેમને હમ્મેશાં લાગે છે કે તેઓ વજન ઉતારે છે. ખાવું હોય તે ખાય. મંત્રોચ્ચાર ભણે છે ! ‘નો કસરત’; ‘નો ડાયેટીંગ.’

છેવટે એક દીવસે બહેનબનેવી ગણેશને ‘ગોરખ આશ્રમ’ પર ઘસડી લાવ્યાં. આશ્રમના એરકંડીશન્ડ રુમમાં બધા ભાવુકો ગોરખનાથની હાજરીમાં મંત્રોચ્ચાર કરતા હતા. ગણેશ, ગોરખનાથની સામે ગોઠવાયો. તેણે ગોરખનાથને જોયા. તાકી તાકીને જોયા. આમને ક્યાંક જોયા છે. એમ તેણે વીચાર્યું. ગોરખનાથની આંખો ખુલી. તેમણે ગણેશને જોયો. ફરીથી જોયો. અને સ્મીત કર્યું. ગણેશની બત્તી ઝબકી. ‘આ તો મારો બેટો સન્તોકરામ !’ તેણે સામે સ્મીત કર્યું.

મંત્રજાપનું સૅશન પત્યું. સૌના વીખેરાયા પછી ગણેશને, બાબા પોતાના પ્રાઈવેટ રુમમાં લઈ ગયા. બન્ને એકમેકને ભેટ્યા. ગુડ ઓલ્ડ ડેઈઝની વાતો કરી. ‘પેરેડાઈઝ હીન્દુ લૉજ’ સંભારી. ગણેશે હસીને કહ્યું, ‘લે, તું તો દેશમાં ‘મહારાજ’ હતો અને અહીં પણ ‘મહારાજ’ રહ્યો !’

ગણેશે જોયું તો એ રુમમાં મહાત્માઓના ફોટા લટકાવ્યા હતા. બાબા બોલ્યા, ‘આ મારો પ્રેરણા રુમ છે. આ ફોટાઓ કરોડપતી સાધુઓના છે. અહીં રામકૃષ્ણ પરમહંસ કે વીવેકાનન્દ જેવા સન્તો ન શોભે. આ સાધુઓ અમેરીકા વારતહેવારે અમેરીકાના ભારતીઓનો ઉદ્ધાર કરવા આવે છે.’

ગણેશ બોલ્યો, ‘તેં તો ભગવાન રજનીશનો પણ ફોટો રાખ્યો છે ને !’

બાબા બોલ્યા, ‘ફોટો તો મારે રૉલ્સ રૉયઝનો લટકાવવો હતો; પણ તેમાં બેઠેલા રજનીશજી પણ સાથે આવી ગયા.’

ગણેશે કહ્યું, ‘આ ખાલી ફ્રેમો કેમ લટકાવી છે ?’

બાબા બોલ્યા, ‘ગાંડા, એ તો ‘પંડીત મહારાજ’ અને ‘સૈયદ પીર’ની જાહેર ખબરના કટીંગ્સ છે. તે લોકોની પ્રેરણાથી તો આપણે આ પ્રવૃત્તી ચાલુ કરી છે. એમના દોરાધાગા પાછળ લોકો દોડે છે; તો આપણા મંત્રો પણ તેમને આકર્ષે છે. જો તું કેવો દોડતો આવી ગયો ?’

બાબાએ ગણેશને તથા તેનાં બહેન–બનેવીને મહાપ્રસાદ જમીને જવાનો આગ્રહ કર્યો. ગણેશ જાતજાતની મીઠાઈ જોઈને ખુશ થઈ ગયો. બાબા ગોરખનાથે ગણેશને કહ્યું: ‘આવતા વીક એન્ડમાં તું એકલો આવજે.’

બીજા શનીવારે ગણેશ, બાબાના ‘ગોરખ આશ્રમ’ પર ગયો. બાબા રાહ જોતા હતા. તેમને પોતાના પ્રાઈવેટ રુમમાં લઈ ગયા. પછી બોલ્યા ‘જો આ કોન્ટ્રાક્ટ. મેં વકીલ પાસે બનાવડાવ્યો છે. તેમાં હું તને ગેરેન્ટી આપું છું કે એક વરસમાં મારે મંત્રો વડે તારું વજન સો પાઉન્ડ ઉતારી દેવાનું. ઉતરે છે એવો ભાસ દરેકને થાય છે. અને તારું સો પાઉન્ડ વજન ઉતરવાનું નથી. એટલે તારે મને કોર્ટમાં લઈ જવાનો અને દાવો માંડવાનો – પાંચ દશ મીલીયનનો. મેં મારા ધંધાનો કરોડોનો ઈન્સ્યોરન્સ લીધો છે. આ દેશમાં તો કૉફીનો કપ એક સ્ત્રી પર પડ્યો અને તે દાઝી ગઈ તો સ્ટોરવાળાએ 70 લાખ ડૉલર ચુકવવા પડ્યા હતા. આવા ખેલ આ દેશમાં બહુ થતા હોય છે. એટલે તારું વજન ઉતર્યું નથી એટલે તું જરુર જીતીશ.’

ગણેશ કહે, ‘પરન્તુ હું ન જીતું તો ?’

બાબા કહે, ‘તું કેમ ન જીતે ? તારા માટે કોઈ જ્યુઈશ લૉયર ગોતીશું. અને મારા માટે  ઈમીગ્રેશનવાળા દેશી વકીલને પકડીશું.’

બાબાએ વાત આગળ ચલાવી.

‘આપણે જે પૈસાની વાત કરીએ છીએ તે મારી ઈન્સ્યોરન્સ કંપની તરફથી મળશે. અને જે કાંઈ પૈસા તને મળે તેમાં અડધો ભાગ મારો. તને પૈસા મળશે અને મને પણ પૈસા મળશે. અને પબ્લીસીટી મળશે તે નફામાં.’

ગણેશે કશું જ ગુમાવવાનું નહોતું – વજન સુધ્ધાં નહીં. તે સમ્મત થઈ ગયો. કોન્ટ્રાક્ટ પર સહી કરી દીધી. બાબા ગોરખનાથ પોતે જ નૉટરી પબ્લીક હતા. ભોજન પર પ્રતીબંધ નથી તેનો આનન્દ ગણેશને હતો. દર મહીને બાબાને વજનનો રીપોર્ટ આપવાનો અને શક્ય હોય તો ગોરખ આશ્રમ પર ચક્કર લગાવી જવાનું અને મહાપ્રસાદ જમીને ઘેર જવાનું.

પહેલા મહીને ગણેશનો ફોન આવ્યો કે મારું દશ પાઉન્ડ વજન ઓછું થયું છે. બાબા મને એમ કહેશે : ગણેશ, એક ટંક ન જમે તો પણ દશ પાઉન્ડ તો વજન ઉતરે. બીજા મહીને ગણેશનો ફોન આવ્યો કે તે મંત્રોચ્ચાર બરાબર કરે છે. અને બીજા દશ પાઉન્ડ વજન ઘટ્યું. બાબાએ વાત હસી કાઢી. ત્રીજા મહીને બાબાએ એને મળવા બોલાવ્યો. ગણેશે ખાસ્સી ત્રીસ પાઉન્ડની ચરબી ઉતારી હતી ! બાબાએ તેને ગુલાબજાંબુ–સમોસા–પુરીઓનો છપ્પન ભોગ ખવડાવીને ઘેર મોકલ્યો. બે મહીના પછી ગણેશે બાબાને કહ્યું કે લગભગ 50 પાઉન્ડ વજન ઓછું થયું. હવે બાબા ગુંચવાયા. ‘સાલા, આ મંત્રો તો સાચા લાગે છે !’ ગણેશે કહ્યું કે ખોરાક તો એનો એ જ છે ! બાબાએ તેને ગુરુના ગ્રહ પરથી લઈ લીધો અને શનીના મંત્રોચ્ચાર આપ્યા. ઉત્સાહમાં ને ઉત્સાહમાં ગણેશ એક નાનકડી વાત કહેવાનું ચુકી ગયો હતો કે તેણે ઘર બદલ્યું છે અને પાંચમા માળે લીફ્ટ વીનાના બીલ્ડીન્ગમાં રહે છે. અને એણે રોજ પાંચ–છ વાર ઉપરનીચે જવું પડે છે.

બાબાએ જોયું તો શની મહારાજે પણ કોઈ ચમત્કાર ન કર્યો. ગણેશ વજન ગુમાવતો હતો. દશ મહીને ગણેશ મળવા આવ્યો ત્યારે તેનું વજન સો પાઉન્ડ ઘટી ગયું હતું.

બાબા ગોરખનાથના હાથમાંથી વધારે પૈસાદાર થવાની સ્કીમ છટકી ગઈ. આશ્ચર્ય તો એ વાતનું હતું કે, ‘સાલા, ગ્રહોના આ મંત્રો વજન ઘટાડી શકે છે !’

નીરાશ ન થતાં બાબા ગોરખનાથે ગણેશને કહ્યું ‘મને બેપાંચ દીવસ આપ. અને રવીવારના દરેક ન્યુઝ પેપરમાં આપણી નવી જાહેરખબર જોવા મળશે. પછી આપણે નવો કોન્ટ્રાક્ટ કરીશું.

ગણેશ ખુબ આનન્દભેર આશ્રમમાં મહાપ્રસાદ આરોગીને ઘેર ગયો.

બીજા રવીવારનું છાપું તેણે ખોલ્યું. અંદર ફુલ પેજની ઍડ હતી.

‘ગ્રહોના મંત્રોચ્ચારથી માથાના વાળ ઉગાડો –બાબા ગોરખનાથ.’

–હરનીશ જાની

 2003માં પ્રકાશીત થયેલા, લેખકના હાસ્ય વાર્તાસંગ્રહ ‘સુધન’ (પ્રકાશકઃ સુનીતાબહેન ચૌધરી, રંગદ્વાર પ્રકાશન, 15, યુનીવર્સીટી પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં પાસે, નવરંગપુરા, અમદાવાદ – 380 009 eMail : rangdwar.prakashan@gmail.com પૃષ્ઠ સંખ્યા – 180, મુલ્ય– 100/- રુપીયા)માંથી લેખકશ્રીની પરવાનગીથી સાભાર.. ..ગોવીન્દ મારુ..

લેખક–સમ્પર્ક:

Harnish Jani

4, Pleasant Drive, YARDVILLE, NJ – 08620 – USA

E-Mailharnishjani5@gmail.com    –   Phone – 001-609-585-0861

‘અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તી–ઈ.બુક્સ મારા બ્લોગના મથાળે  ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચકબંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66  ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 26–12–2014

હરનીશ જાની

સુપર કંડક્ટર

–હરનીશ જાની

1196ના ઉનાળામાં આખી દુનીયામાં વ્યવસ્થીત અફવા ફેલાઈ કે ગણપતીની મુર્તી દુધ પીએ છે. મુર્તીની સુંઢને, જો દુધની વાડકી અડકાડવામાં આવે તો અંદરનું દુધ અદૃશ્ય થઈ જાય છે. આ અફવા ભારતમાં જ નહીં; પરન્તુ લંડન, હોંગકોંગ અને ન્યુયૉર્કમાં એટલી પદ્ધતીસર ફેલાઈ કે તે સમાચાર બની ગઈ. જગતભરના ટી.વી.વાળાઓ કૅમેરા લઈને જુદાં જુદાં મન્દીરો પર પહોંચી ગયા. તેઓ પાત્રમાંથી અદૃશ્ય થતા દુધને ટી.વી. પર નહોતા બતાવતા; પરન્તુ દુધને અદૃશ્ય કરવા મથતાં લોકોનાં ટોળાં બતાવતાં. ભારતમાં તો લોકો ભગવાનને એટલું બધું દુધ પીવડાવવા મથતાં કે લોકોને પીવા માટે દુધ નહોતું મળતું. મોટા ભાગના લોકો જીજ્ઞાસાથી પ્રેરાઈને લાઈનમાં ઉભા રહેતા. જે ભાવકનું દુધ ભગવાને પીધું તે ભક્ત બની ગયા અને જેમનું ન પીધું તે વૈજ્ઞાનીક બની ગયા. ભગવાન પૃથ્વીને ભુલી ન જાય માટે થોડાં થોડાં વરસે મનુષ્ય રામાયણમાંથી કંકુ ખરવાના કે કુરાનમાંથી હજરતના વાળ મળી આવવાના ચમત્કારો ભગવાન માટે યોજે છે. આ તેવી વાત હતી.

પ્રભુદાસ અને ઉમાબહેનની ઉંમર સાઠની આજુબાજુ હશે. ન્યુયૉર્ક શહેરમાં એક ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતાં હતાં. એક દીકરો અને એક દીકરી દેશમાં કૉલેજમાં ભણતાં હતાં. છોકરાંઓનાં ભવીષ્ય માટે ઉમાબહેનના ભાઈની સીટીઝનશીપ ઉપર તેઓ અમેરીકા આવ્યાં હતાં. પ્રભુદાસ, દેશમાં કૉલેજમાં પ્રોફેસર હતા. અમેરીકામાં દેશી ગ્રોસરી સ્ટોરમાં નોકરી કરતા હતા.

એક સાંજે પ્રભુદાસ નોકરી પરથી ઘરે આવ્યા ત્યારે ઉમાબહેને તેમને કહ્યું :

‘આપણા ગણપતીએ સવારની પુજામાં ધરાવેલું દુધ પીધું.’

‘લાવ, બતાવ જોઈએ.’ પ્રભુદાસે શંકાથી કહ્યું.

‘હમણાં દુધ નહીં પીએ. સંધ્યાકાળે પુજા કરીશ ત્યારે બતાવીશ. ભગવાન ગમે ત્યારે દુધ ન પીએ.’ ઉમાબહેને નીયમ બનાવી દીધો. સંધ્યાકાળની પુજામાં ઉમાબહેને આંખો મીંચી, બે હાથ જોડ્યા અને ધ્યાન ધર્યું. પ્રભુદાસે જાતે છલોછલ દુધ ભરેલી વાડકીમાં શ્રીગણેશની મુર્તીની સુંઢ ડુબાડી. પ્રભુદાસે જોયું તો ધીમે ધીમે બધું દુધ અદૃશ્ય થવા માંડ્યું. પ્રભુદાસ સ્તબ્ધ થઈ ગયા. તેમનો હાથ ધ્રુજવા લાગ્યો. શરીર ધ્રુજવા લાગ્યું. વાડકી જમીન પર મુકી દીધી.

મુર્તીને લાંબા થઈ પ્રણામ કર્યા. ‘હર હર મહાદેવ’ – ‘ગણપતીદાદા મોરીયા’ ના પોકાર કરવા લાગ્યા. બીજી ક્ષણે ભાનમાં આવ્યા. મુર્તી ઉંચકી લીધી. મુર્તી કોઈ મીશ્ન ધાતુની બની હતી. તેમણે નીચે જોયું. ક્યાંય દુધ ઢોળાયાનું નીશાન નહોતું. આજુબાજુની જગ્યા જોઈ. લાકડાના મન્દીરની આજુબાજુ ફરીને બધે જોયું. ક્યાંય ભીનાશ નહોતી. ખરેખર ભગવાન દુધ પી ગયા.

બન્ને જણાંએ વીચાર્યું કે કોઈ સાધુસન્તને આ વાતની ખબર પડશે તો ઘરને સરકસમાં ફેરવી કાઢશે. આ ચમત્કાર તો આજના આધુનીક વીજ્ઞાનને એક પડકાર આપે છે. કોઈ વૈજ્ઞાનીકને વાત કરવી જોઈએ. પ્રભુદાસે તેમના મીત્ર ડૉ. પટેલને ફોન કર્યો. તેઓ બન્ને ગુજરાત કૉલેજમાં સાથે ભણ્યા હતા. ન્યુયૉર્કમાં એ. ટી. ઍન્ડ ટી. ટેલીફોન કંપનીમાં રીસર્ચ ડીપાર્ટમેન્ટના વડા હતા. ડૉ. પટેલે આ દેશની ટેલીફોનની પ્રગતીમાં ઘણો ફાળો આપ્યો હતો.

ડૉ. પટેલ બીજે દીવસે સાંજે પુજામાં હાજર રહ્યા. તેમણે જાતે જોયું કે ગણેશજીની મુર્તી વાડકીમાં ધરાવેલું દુધ પી ગઈ.

‘વાડકીમાં જ દુધ ધરાવવું પડે એવું ખરું ? કાચની પ્યાલીમાં ભગવાન દુધ પીએ ખરાં ? પટેલ સાહેબે પુછયું.

 ‘આ વાડકીને કાનો નથી એટલે સીધી ધાર પેટ અને સુંઢ વચ્ચે જઈ શકે છે.’ ઉમાબહેને કહ્યું.

પટેલસાહેબે મુર્તી ઉંચકી લીધી. તેમણે સુંઢનું નીરીક્ષણ કર્યું. પછી મોટેથી બોલ્યા, ‘હું ઝીણાં છીદ્રો જોવા પ્રયત્ન કરું છું. કૅપીટલ ટ્યુબ્ઝ – કેશવાહીનીનો નીયમ તો કામ નથી કરતો ને !’

તેમણે મુર્તીને ટકોરા મારી જોયા. તેમણે ચારે બાજુ ફરી ફરી અને લાકડાના મન્દીરના ખુણા તપાસ્યા. પછી ઉમાબહેનને પુછયું,

‘આ ગણપતી ક્યાંથી ખરીદ્યા ?’

 ‘મારા બાપુજી રજવાડામાં રાજપુરોહીત હતા. અને તેઓ આ મુર્તીની પુજા વરસોથી કરતા હતા. હું એકની એક, એટલે મુર્તી મારે ભાગ આવી. આ તો સાચા ગણપતી છે.’ તેમણે જણાવ્યું.

ડૉ. પટેલ બોલ્યા. ‘વેરી ઈન્ટ્રેસ્ટીંગ !’

જ્યારે કોઈ વાતની સમજ ન પડે ત્યારે અમેરીકામાં ‘વેરી ઈન્ટ્રેસ્ટીંગ’ બોલાય છે.

તેમણે પ્રભુદાસને આ ચમત્કારની વાત કોઈને પણ ન કરવાનું કહીને બીજા દીવસે પાછા આવવાનું વચન આપીને વીદાય લીધી.

તે સાંજે ડૉ. પટેલ પોતાના ઉપરી અધીકારી ડૉ. મોર્ગન, જે ટેલીફોન કમ્પનીના મોટા ડાયરેક્ટર હતા તેમને લઈ આવ્યા. પટેલસાહેબના કહ્યા પ્રમાણે ઉમાબહેને પુજા ચાલુ કરી. બન્ને વૈજ્ઞાનીકોએ વાડકીમાંથી દુધ અદૃશ્ય થતાં જોયું. ડૉ. મોર્ગન તરત જ બોલી ઉઠ્યા : ‘આ ચમત્કાર નથી. આ વીજ્ઞાન છે.’

પટેલસાહેબે પતીપત્ની બન્નેને કહ્યું કે ‘આમ કાંઈ જાદુથી બને નહીં. જગતની દરેક ક્રીયા–પ્રક્રીયામાં વીજ્ઞાન સમાયેલું છે.’

ઉમાબહેને ગુસ્સામાં કહ્યું, ‘પટેલસાહેબ, આ ભાઈને તો ગણપતી શું છે તે ખબર નથી; પરન્તુ તમે પણ આમ બોલો છો ? તમારી આંખ આગળ દુધ અદૃશ્ય થયું કે નહીં ? આવું ભગવાનની કૃપા સીવાય બને ખરું ? તમે એમ કહો છો કે દુનીયામાં બધું તમે વૈજ્ઞાનીકો કરો છો ? આ ફુલ કોણ ઉગાડે છે ? કયા ચીત્રકારે  મેઘધનુષ્યમાં રંગો પુર્યા ? કયા વીજ્ઞાને માછલીઓને તરતાં શીખવ્યું ? તેથી ઉલટું આવા અનેક ચમત્કારોમાંથી વીજ્ઞાન પેદા થયું છે.’

ડૉ. મોર્ગને પ્રભુદાસને જણાવ્યું કે તેમને આ મુર્તી પર વધુ રીસર્ચ કરવામાં રસ છે. તો તેઓ આ મુર્તી મને આપે ખરાં ?

ઉમા બહેને પુછ્યું, ‘તમે મુર્તીનું શું કરશો ?’

ડૉ. પટેલે જણાવ્યું, ‘અમારે જોવું છે કે આ મુર્તી દુધ સીવાય કયા કયા પ્રવાહી પીએ છે ? પાણી, કેરોસીન અને દુધ ત્રણેની વીશીષ્ટ ઘનતા જુદી જુદી હોય. તો અમે મુર્તીને કેરોસીન પીવડાવવાનો પ્રયોગ કરીશું.’

ઉમાબહેનનો પીત્તો ગયો. ‘તમે કઈ જાતના હીન્દુ છો ? ભગવાનને કેરોસીન પીવડાવાતું હશે ?’

ડૉ. પટેલ સીધા મુદ્દા પર આવી ગયા. ‘મારી કંપની તમને આ મુર્તીની કીંમત દસ હજાર ડૉલર આપશે.’

પ્રભુદાસ કાંઈ બોલે તે પહેલાં ઉમાબહેને કહ્યું, ‘પટેલસાહેબ દુનીયામાં માનવીની શ્રદ્ધાનું મુલ્ય નથી હોતું. ભગવાનની કીંમત ન હોય. આ ચમત્કાર જોઈને તમારા જ્ઞાનનો ઘમંડ ઓછો થવો જોઈએ. નમ્રતાનો અનુભવ થવો જોઈએ.’

પટેલસાહેબે તેમને પોતાની ઓફર પર વીચારવાનું કહીને બન્ને મહાનુભવોએ રજા લીધી.

બીજા દીવસે ફરીથી બન્ને વૈજ્ઞાનીકો પાછા આવ્યા. બન્નેએ પુજા નીહાળી. દુધ અદૃશ્ય થતાં જોયું. બન્ને જણાએ અંદરોઅંદર થોડી ગુસપુસ કરી. ડૉ. પટેલ બોલ્યા: ‘જુઓ આ મુર્તી અમારી રીસર્ચ માટે ખુબ જરુરી છે. તમારી લાગણીને માન આપીને અમે તમને પચાસ હજાર ડૉલર આપીશું.’

પ્રભુદાસે પુછયું, ‘તમે આ મુર્તી પર કયા કયા પ્રકારની રીસર્ચ કરશો ?’

ડૉ. પટેલે જવાબ આપ્યો, ‘અમને એવું લાગે છે કે બક નામના વૈજ્ઞાનીકે બક ટ્યુબનો નીયમ બનાવ્યો છે. જેના સીદ્ધાન્ત પર ટૉઈલેટ બાઉલ શોધાયા છે કે જેમાં ટાંકી ભરીને પાણી રેડો તોપણ ઉભરાયા વીના પાણી જતું રહે છે. તો તે પ્રમાણે દુધ એક વખત ચુસવાનું ચાલુ થઈ જાય છે પછી વાડકીમાંથી બકના નીયમ મુજબ ખાલી થઈ જાય છે. આ મુર્તીની ધાતુ અમારે ઈન્ફ્રારેડ કીરણોથી તપાસવી પડશે. આજકાલ અમે ‘સુપર કંડક્ટર’ પર કામ કરીએ છીએ. ‘સુપર કંડક્ટર’ એટલે એવી ધાતુ કે જે ગમે તેટલા ઠંડા કે ગરમ ઉષ્ણતામાને અવરોધ વગર ઈલેક્ટ્રીસીટી પસાર કરે. આ સુપર કંડક્ટર ભવીષ્યમાં કમ્પ્યુટર અને ટેલીફોનની રચનામાં વપરાશે. તો આ મુર્તી જે ધાતુની બની છે એ ધાતુ અમને અમારા સંશોધનમાં કામ લાગે પણ ખરી. આને માટે સુંઢ કાપવી પડે. પેટ વહેરવું પડશે.’

ઉમાબહેન એકદમ ક્રોધે ભરાયાં.

‘આ તો તમે કસાઈ કરતાં પણ હલકા થયા. ભગવાનની સુંઢ કપાતી હશે ? હું મરી જઈશ પણ મુર્તીને ભાંગવા નહીં દઉં.’

બન્ને વૈજ્ઞાનીકોએ રજા લીધી.

તેમના ગયા પછી પ્રભુદાસે મનોમન ગણતરી કરી કે પચાસ હજાર ડૉલરમાં કેટકેટલાં કામ થાય. બીજું કશું નહીં તો આ નાના ઍપાર્ટમેન્ટમાંથી તો છુટાય. ઉમાને કેવી રીતે સમજાવવી ? ઉમા એકની બે નહીં થાય. આમ જુઓ તો ઉમા પણ સાચી હતી. પચાસ હજાર ડૉલર તો વરસ–બે વરસમાં કમાઈ લઈ શકાય.

‘પ્રભુદાસ, અમે તમને એક લાખ ડૉલરની ઑફર મુકીએ છીએ.’ ડૉ. પટેલનો ફોન આવ્યો. ‘અમારું રીસર્ચનું બજેટ 5 કરોડ ડૉલરનું છે. અમારી એ. ટી. ઍન્ડ ટી. કમ્પનીનું બજેટ કોઈ નાના દેશના સમગ્ર બજેટ કરતાં પણ મોટું છે.’

વાત પુરી થતાંમાં જ પ્રભુદાસનું મગજ ચકડોળે ચઢ્યું. લાખ ડૉલર શું ન કરી શકે ? નવું ઘર, નવી કાર, નવો ધંધો, શું ન કરાય ? છેવટે કશું ન કરે અને પૈસા બૅન્કમાં મુકે તો વ્યાજમાંથી જીવાય. નોકરીમાંથી તો છુટાય !

ઉમાબહેને પ્રભુદાસને શાંતીથી જણાવ્યું, ‘આજે પૈસા વીના આપણે સુખી નથી ? દુનીયામાં કેટલાય લોકોને કેટલાય જાતના રોગ થાય છે. ત્યારે આપણે અને આપણાં બાળકો તંદુરસ્ત છીએ. આપણા કુટુમ્બમાં કોઈ અકાળે મર્યું નથી. આજ સુધી કોઈને એક્સીડન્ટ નથી થયો કે હૉસ્પીટલમાં રાત ગાળી નથી. શું મને પૈસા નથી ગમતા ?’

પ્રભુદાસને પત્નીની વાત ગળે ઉતરી. જો મુર્તી વેચીને ભગવાનના કોઈ શાપના ભોગ બની જઈએ તો !

એમનું મગજ શાંત થાય ત્યાં તે દીવસે સાંજના ડૉ. મોર્ગનનો ફોન આવ્યો. તેમણે જણાવ્યું કે, ‘અમારે મુર્તી જોઈએ જ છે. અને છેલ્લી ઓફર બે લાખ ડૉલરની મુકીએ છીએ અને હા, બહુ વીચારતા નહીં. અમને આવતી કાલે બપોરે બાર વાગ્યા પહેલાં જવાબ મળવો જોઈએ.’

પ્રભુદાસને સમજ ન પડી. આનન્દથી કુદવું કે દુ:ખ અનુભવવું ! આ તો મોટું ધર્મસંકટ માથે આવ્યું. તેમણે ઉમાબહેનને વાત કરી. ઉમાબહેન બોલ્યાં, ‘મારે મુર્તી વેચવી નથી; પરન્તુ તમને જોતા લાગે છે કે તમારી શ્રદ્ધા ડગવા માંડી છે. આનો નીર્ણય ભગવાન પર છોડી દઈએ. ભગવાન આપણને સાચા રસ્તે દોરશે.’ પ્રભુદાસ વીચારોમાં ને વીચારોમાં ખુરશીમાં ફસડાઈ પડ્યા. ઉમાબહેન પલાંઠી લગાવીને ભગવાન સામે દીવો પ્રગટાવીને બેસી ગયાં.

બન્નેમાંથી કોઈ આખો દીવસ કાંઈ ન બોલ્યું.

બીજા દીવસે સવારના પહોરમાં ઉમાબહેન બોલ્યાં: ‘ગઈ કાલે રાતના મને સ્વપ્નમાં ગણપતીદાદાએ દર્શન દીધાં. મને કહ્યું કે ‘મારી મુર્તી વેચી દો. દુનીયામાં મારી લાખો મુર્તીઓ છે. એક મુર્તી તુટવાથી મારો નાશ નથી થવાનો. આ રીતે તમને જે પૈસા મળે તે મારી ‘કૃપા’ ગણજો.’

લગભગ દસેક વાગ્યે ટેલીફોનની ઘંટડી રણકી. પ્રભુદાસે ફોન ઉપાડ્યો. સામેના છેડે ડૉ. પટેલ હતા. તેમણે કહ્યું:

‘પ્રભુદાસભાઈ, ગઈ કાલે રાતે એ. ટી. ઍન્ડ ટી.ના બૉર્ડ ઑફ ડીરેક્ટર્સે અમારો ‘સુપર કંડક્ટર’નો આખો પ્રૉજેક્ટ જ કેન્સલ કર્યો છે. હવે ફાઈબર ઑપ્ટીક્સ પર કામ કરવાનું છે. એટલે હવે અમારે મુર્તીની જરુર નથી.’

          –હરનીશ જાની

લેખકસંપર્ક:

શ્રી. હરનીશ જાની, 4, Plesant Drive, Yardville, NJ 08620 – USA

eMail: harnish5@yahoo.com Phone – 609-585-0861

તેમના વાર્તા સંગ્રહ ‘સુધન’ (પ્રકાશક: રંગદ્વાર પ્રકાશન, 15, યુનીવર્સીટી પ્લાઝા, નવરંગપુરા, અમદાવાદ–380 009, પૃષ્ઠ સંખ્યા–180, મુલ્ય રુપીયા– 100/-)ના પાન ક્રમાંક – 17 પરથી, લેખકની પુર્વ પરવાનગી અને સૌજન્યથી સાભાર…

અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તીઈ.બુક્સ મારા બ્લોગના મથાળે  ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 ♦ ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો,પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે,મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે,આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 95 37 88 00 66 .મેઈલ: govindmaru@yahoo.co.in  (હાલ અમેરીકાના પ્રવાસે)

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 28/11/2014

હરનીશ જાની

શ્રી સત્યનારાયણની કથા

–હરનીશ જાની

આ કથા સત્યનારાયણની નથી; પરન્તુ મારી, ‘સત્યનારાયણદાસ’ ઉર્ફે ‘ભોગીલાલ કઠીયારા’ની છે. અમેરીકાનું જીવન જ એવું છે ને કે સામાન્ય જીવની વાર્તા પણ કથામાં પરીણમે. વળી, આ કથાનું અનુસન્ધાન મારા ધન્ધાના વીકાસ સાથે છે. અમેરીકાના હીન્દુ ધર્મનો ઈતીહાસ પણ એમાં સમાયેલો છે.

અમેરીકામાં હું તે જમાનામાં આવ્યો હતો કે જ્યારે ન્યુ યોર્કમાં ફીફ્થ એવન્યુ પર સાડી પહેરીને જતી ભારતીય સ્ત્રીને અમેરીકન લોકો ફોટો પાડવા ઉભી રાખતા. તે વખતે ન્યુયોર્કમાં ઈન્ડીયન ગ્રોસરી સ્ટોર્સમાં લેડીઝને ખાવાનો ગુન્દર, અમૃતાંજન બામ કે પાર્લેનાં બીસ્કીટ નહોતાં મળતાં. અરે ! ગ્રોસરી સ્ટોર્સ જ નહોતાં. ત્યારે મન્દીરો તો ક્યાંથી હોય ?

હું ભોગીલાલ કઠીયારા, બી.કૉમ.ની ડીગ્રી પર ગ્રીન કાર્ડ લઈને અમેરીકા આવી ગયો હતો. નોકરી મળતી નહોતી. ન્યુયોર્કમાં ‘સીક્સ હન્ડ્રેડ વેસ્ટ’માં રહેતા બધા કોલમ્બીયા યુનીવર્સીટીના સ્ટુડન્ટ્સ પાસેથી ઉધાર લઈને થાક્યો હતો. તે ટાણે મને મારો ટ્રાવેલ એજન્ટ યાદ આવતો હતો. મારા ટ્રાવેલ એજન્ટે કહ્યું હતું : ‘ભાઈ કઠીયારા, અમેરીકામાં જો તમે ભણેલા હશો તો સુખી થશો. અને નહીં ભણ્યા હો તો પૈસાવાળા થશો. અને તમે બી.કૉમ થયા છો એટલે પૈસાવાળા થશો.’

તે દીવસથી મેં તેને મારો ગુરુ માન્યો હતો. મારે પણ ભગવાન દત્તાત્રેય જેટલા ગુરુ હતા. વાત એમ છે કે આપણી આગળ ઘણા લોકો સલાહને નામે લવારા કરી જાય છે. જેના લવારા કામ લાગે તેને ગુરુ ગણવા; જેના લવારા કામ ન લાગે તેને દોઢડાહ્યા ગણવા.

ગીતામાં ભગવાને કહ્યું છે કે જ્યારે જીવનમાં અંધકાર લાગે, આજુબાજુ કોઈ આશાનું કીરણ નજરે ન પડે ત્યારે ધર્મને શરણે જવું. તે પ્રમાણે મેં બ્રુકલીનમાં આવેલ હરેકૃષ્ણના મન્દીરનો આશરો લીધો. કામ બહુ સરળ હતું. સવારે શીરાનો બ્રેકફાસ્ટ, બપોરે શીરાપુરી અને સમોસાંનો લંચ અને રાતે શીરાપુરી, સમોસાં અને કઢીભાતનો મહાપ્રસાદમ્. બદલામાં ‘હરે રામ, હરે કૃષ્ણ’ બોલી બોલીને કુદવાનું. શરુઆતમાં આંખ મીંચીને કુદાકા મારવાનું નહોતું ફાવતું; પરન્તુ થોડા સમયમાં જ હું નીષ્ણાત થઈ ગયો હતો. જ્યારે આજુબાજુ ગોરી અમેરીકન છોકરીઓ કુદતી, ત્યારે આંખ ખુલી જતી. આમાં મારે મન ધર્મને કાંઈ લેવાદેવા નહોતી. ધર્મનો ઉપયોગ જીવન ટકાવવા માટે કરવો હતો. બાકી જીવનનો ઉપયોગ ધર્મ માટે વ્યય કરવાનો મારો ઈરાદો હતો જ નહીં. મને તો બીયર પીવાનો પણ શોખ હતો. આ મન્દીરમાં એની તક નહોતી; પરન્તુ ઍરપોર્ટ કે સેન્ટ્રલ પાર્કમાં અમે ફંડફાળો ઉઘરાવવા જતા ત્યારે ગાપચી મારીને હોટડૉગ અને બીયર ઝાપટી લેતો. આ મન્દીરમાં બીજા ભક્તો આંખો બન્ધ કરીને ભગવાનનું ધ્યાન ધરતાં; ત્યારે હું આ દેશમાં – આ નવા દેશમાં કેવી રીતે ટકવું અથવા મારે કયો ધન્ધો કરવો જોઈએ તેનું પ્લાનીંગ કરતો. જીવન ધીમે ધીમે ઠેકાણે પડવા માંડ્યું. ત્યાં એક ચમત્કાર થયો.

એક ગુજરાતી પરીવારને સત્યનારાયણની કથા કહેવા માટે પંડીતની જરુર હતી. તેમને થયું કે આ ‘હરે રામ હરે કૃષ્ણ’ના મન્દીરમાં કોઈક તો હશે જ અને તેઓ સાચા પડ્યા. મન્દીરમાં હું, ભોગીલાલ તેમને મળ્યો. મારા ગામના પાડોશી રણછોડ શુક્લ મને નાનપણથી કહેતા : ‘તક, તૈયારી તે તાલેવાન, મળે કીર્તી ને માનપાન.’ જ્યારે તક આવે અને તક ઝડપવા તૈયાર રહીએ તો પૈસા અને માનપાન મળે. કહેવાની જરુર નથી કે રણછોડ શુક્લને હું ગુરુ માનતો હતો. અમેરીકા આવવા નીકળ્યો ત્યારે રણછોડ શુક્લે મને સુરતાના ‘હરીહર પુસ્તકાલય’ની લખોટા જેવા અક્ષરવાળી ‘શ્રી સત્યનારાણની કથા’ની ચોપડી ભેટ આપી હતી. આમ અમે બ્રાહ્મણ નહીં; પણ રણછોડ શુક્લના પાડોશીને નાતે હું અડધો બ્રાહ્મણ ઈન્ડીયામાં થયેલો. બાકીનો અડધો અમેરીકામાં આવીને થઈ ગયો.

સત્યનારાયણની કથા કહેવામાં મુશ્કેલીઓ બહુ પડી. પુજા કરનાર સ્ત્રી–પુરુષમાંથી જમણી બાજુ કોણ બેસે ત્યાંથી જ મુશ્કેલી ચાલુ થઈ. કંકુ, ચોખા અને ફુલથી વધુ પુજાપાની ગતાગમ મને નહોતી. પૈસા ક્યારે ચડાવવાનું કહેવાનું તેનું પણ જ્ઞાન નહોતું અને એ નબળાઈ તો પોસાય તેમ જ નહોતી. પરન્તુ હરે રામ હરે કૃષ્ણ મન્દીરની ટ્રેનીંગ અહીં કામ લાગી. મારી નૈતીક હીમ્મત વધી ગઈ હતી. મેં વીચાર્યું, આ નવા ઈમીગ્રન્ટ્સમાં કંઈ ભક્તીનો ધોધ વહ્યો જતો નથી. આ તે જ પ્રજા છે જે દેશમાં વરસમાં ભાગ્યે જ એકાદ સત્યનારાયણની કથામાં હાજરી આપે છે. આ એ જ પ્રજા છે કે જે બુટ, ચમ્પલ થેલીમાં મુકીને ભગવાનના મન્દીરમાં આરતી ટાણે અન્દર જવાનું પસન્દ કરે છે. દેશમાં હું એવા બ્રાહ્મણોને જાણું છું કે જેઓ જન્માષ્ટમીને દીવસે કૃષ્ણજન્મની ઘડી માણવા માટે ઍલાર્મ મુકીને સુતા. ઘણા બુદ્ધીવાળા જન્માષ્ટમીની રાતે 9 થી 12 ના શૉમાં ફીલ્મ જોવા જતાં. મેં વીચાર્યું આ નવા ઈમીગ્રન્ટ્સ એમનાં બાળકોને ભક્તીભાવની ગતાગમ થાય અને ધર્મના સંસ્કાર પડે એટલે જ આ પુજાના નામે પાર્ટી કરે છે. બાકી નથી તેઓમાં ધર્મનીષ્ઠા કે નથી તેઓને ધર્મમાં શ્રદ્ધા. જો દીકરો પાસ થાય કે ખોવાયેલું ગ્રીનકાર્ડ મળે તો સત્યનારાયણની પુજા માને.

હવે આ લોકોને માટે મારા કરતાં વધુ લાયકાતવાળા ગુરુની જરુર પણ નહોતી. મારા મોટા ભાગના યજમાન મને કહેતા કે ‘મહારાજ જલદી પતાવજો.’ તેમને ક્યાં ખબર હતી કે મને જ કથા કહેવાનો કંટાળો હતો ? મારી કથા ચાલતી હોય ત્યારે થોડીઘણી વાતો થતી હોય તો તે હું ચાલવા દેતો. પુજા માટે એક વસ્તુની જરુર હોય તો તે લેવા ચાર જણ જાય અને એક જણ વસ્તુ લઈને પાછું આવે. યજમાન દમ્પતીને કથા કહેવડાવ્યાનો અને ભુલથી લીધેલું વ્રત પુરું થયાનો સંતોષ થાય. મને આરતીમાં રસ, બીજાં બધાંને આરતી ક્યારે પુરી થાય એમાં રસ. તેમાં પણ પ્રસાદનો લહાવો જ અલગ. સત્યનારાયણની કથા લખનાર વ્યક્તી પોતે જ જમવામાં નીષ્ણાત હશે. તેથી જ તેણે ખાંડ અને ઘીથી લચપચ યુનીવર્સલ ટેસ્ટવાળી રેસીપી કથામાં જ ઘુસાડી દીધી.

મને મારી મુંઝવણનો ઉકેલ મળી ગયો. મેં જોયું કે ધર્મની લાઈન પકડી રાખીશું તો સુખી અને પૈસાવાળા થઈશું. આહાર, નીદ્રા અને કામ પશુમાં અને મનુષ્યમાં હોય છે. બાકી ધર્મ એ એવી વસ્તુ છે જે મનુષ્યને પશુથી જુદો પાડે છે.

માનવજાત જાણેઅજાણ્યે પાપ કરે છે અને પાપને ધોવા ભગવાનનો ઉપયોગ કરે છે. આપણે ભગવાન પાસે બેઠા હોઈશું તો ન્યાલ થઈ જઈશું. મેં નીર્ણય કર્યો કે મારે આ જ બીઝનેસમાં પડવું. આમાં ધંધાના વીકાસની શક્યતા હતી. આપણા લોકો ‘કૃષ્ણમન્દીર’થી નહીં સંતોષાય. તેમને શ્રીનાથજીનું જુદું મન્દીર જોઈશે. ગોવર્ધનજીના ભક્તને શ્રીનાથજીના મન્દીરમાં ચક્કર આવશે અને રણછોડજીના ભગતનો ગોવર્ધનજીના મન્દીરમાં શ્વાસ રુંધાશે. પછીથી તેમાં જાતજાતનાં માતાજીઓનાં મન્દીર થશે. ગણપતી અને હનુમાનજીને તો જુદા કાઢ્યા ને પછી રામ, લક્ષ્મણ અને સીતાજીના પણ અલગ મન્દીર પાંચ દસ વરસમાં બંધાય તો મને એની નવાઈ નહીં લાગે. આમાં તો બીઝનેસની તકો જ તકો છે. રીસેશનની કોઈ શક્યતા જ નથી. તેથી ઉલટું બહાર રીસેશન થશે તો લોકો મન્દીર તરફ જ દોડશે ! આ ધંધામાં ધર્મસેવા, પ્રભુસેવા, સમાજસેવા જેવી કેટલીય સેવાઓ સમાયેલી છે. આપણા લોકોમાં મને વીશ્વાસ હતો કે તેઓ કોઈ ‘ગેસ્ટહાઉસ’ કે ‘કૉમ્યુનીટી હૉલ’ બાંધીને પૈસાનો વ્યય નહીં કરે; પરન્તુ કોઈ પણ ભગવાનનું મન્દીર બાંધવા અચુક પૈસા આપશે. આપણને એ બેહદ પસન્દ હતું.

હું ભોગીલાલ કઠીયારા, ભગવાન સત્યનારાયણની સેવામાં કમાવા લાગ્યો. કમાણી તદ્દન ટેક્સ ફ્રી; યજમાનને ઘેર સારું જમવાનું; શનીવારની સાંજનો પ્રશ્ન ઉકલી ગયો. સારા સારા લોકોને મળવાનું થાય. કથામાં થોડુંક સંસ્કૃત આવે એવું લોકો પસન્દ કરે. તેથી ‘શાન્તાકારમ્’ અને ‘શ્રીરામચન્દ્ર કૃપાલુ ભજ મન’ ગદ્યમાં બોલી જતો. યજમાન દમ્પતીને પહેલેથી જ કહેતો કે ‘ભગવાનને ક્વાર્ટર ચઢાવવા હોય તો ક્વાર્ટર અને ડૉલર ચઢાવવા હોય તો ડૉલર… પછી જેવી તમારી શ્રદ્ધા.’ યજમાનની ભક્તીને ચેલેન્જ આપો એટલે પૈસા ચઢાવવામાં કચાશ જ ન રહેતી. બેઝીક પુજા કરાવીને લીલાવતી કલાવતીની વાર્તા જ ચાલુ કરી દઉં. પછીથી પાંચ મીનીટની આરતીના ચાલીસ પચાસ ડૉલર તો ખરા જ !

એકે બીજાને કહ્યું, બીજાએ ત્રીજાને કહ્યું… ને આપણી ગાડી ચાલી. શનીવારની સાંજનો નહીં; પરન્તુ રવીવારની બપોરનો પ્રશ્ન પણ ઉકલી ગયો. મારી માંગ વધી ગઈ. ખરી વાત તો એ હતી કે મારે કોઈ કૉમ્પીટીશન જ નહોતી. મારા ધંધાના વીકાસમાં મારું નામ નડતું હતું. આ દુનીયામાં યોગી, ભોગી હોઈ શકે; પણ કોઈ ભોગીથી યોગી ન બનાય. આ લોકો મને ‘સત્યનારાયણવાળા મહારાજ’ કહેતા હતા એટલે સત્યનારાયણ નામ ગમી ગયું. મહારાજ, દેવ, મુની, આચાર્ય ઘણાંયે બીરુદ હતાં તેમાંનું એકેય બીરુદ લઉં તો લોકો શંકા કરે અને ‘ભગવાન’ નામ રાખું તો ઈન્કમટેક્સવાળા પાછળ પડે. આમ વીચારીને ‘દાસ’ રાખ્યું. ‘સત્યનારાયણદાસ.’ સીધે સીધું નામ; વહેમ ન પડે તેવું સાદું નામ. મે ‘ૐ’ વાળા બીઝનેસ કાર્ડ પણ છપાવી દીધા. આપણા લોકોનો સ્વભાવ જાણું એટલે ‘એઈટ હંડ્રેડ’ વાળો ફ્રી ટેલીફોન નમ્બર રાખ્યો. હરીહર પુસ્તકાલયની જાતજાતની વીધીનાં પુસ્તકો પણ મંગાવી લીધાં. નવી દુકાનનું ઉદ્ધાટન, બાબરી ઉતારવાનો વીધી, ઘરનું વાસ્તુ અને નવી ઈમીગ્રન્ટ સ્ત્રીઓનાં સીમંત વીધી પણ કરાવવા લાગ્યો. આ ધંધામાં લાયસન્સ જેવું એક લાલ ટીલું પણ કપાળ પર કરવા લાગ્યો.

તમને એક વાત કરવાની રહી ગઈ. મને આરતીનો ચસ્કો લાગ્યો હતો કે ઉપરના દરેક પ્રસંગે અચુક આરતી કરાવતો… ને આવેલા મહેમાનો પાસેથી ટેક્સ ઉઘરાવી લેતો. આપણે ખોટું અભીમાન નથી કરતા; પરન્તુ એન્જીનીયર કરતાં તો વધુ કમાતા જ હતા. રોલ્સ રોઈઝ વસાવવાની હોંશ નહોતી; પણ લીન્કન તો લગાવવી જ હતી. ઘણી વાર વીચાર આવતો કે માંસ–મટન ખાઉં છું, બીયર પીઉં છું તે સારું ન કહેવાય. પણ વળી પાછો બીજો વીચાર આવતો કે હું તો નીમીત્ત માત્ર છું. બીચારા લોકો એમની જાતે પાપ કરે છે અને એમની જાતે આ પ્રભુભક્તીનું શુભકાર્ય કરી પાપમાથી મુક્તી મેળવે છે. તે સાથે મારા હેમબર્ગર અને બીયરને શી લેવાદેવા ? બાકી મારું પ્લાનીંગ બરાબર જ હતું. એક આર્ષદ્રષ્ટાના વીચારો હતા. આમ છતાં મારી આ કુચમાં રુકાવટ આવી.

વાત એમ બની કે લગ્નવીધીના અન્તે વરકન્યા પાસે હું આરતી કરાવતો હતો. ત્યારે મહેમાનોમાંથી રેશમી ઝભ્ભો–કુર્તો પહેરેલા એક સજજન મારી પાસે આવ્યા. બોડકું માથું અને કપાળ પરના તીલક પરથી લાગ્યું કે તેઓ સન્યાસી હતા. તેમણે મને પુછયું : ‘તમે હીન્દુ છો ?’ મેં હા પાડી. તો તેઓ કહે : ‘તમે કોઈ દીવસ હીન્દુ લગ્ન જોયું છે ?’ પાંત્રીસ વરસે પણ હું કુંવારો હતો. મેં ડોકું ધુણાવી ના પાડી. ‘તો પછી લગ્ન કરાવવા કેમ નીકળી પડ્યા છો ? અને લગ્નમાં કદી આરતી કરાવાય ?’ એ સજ્જન ગુસ્સે થઈને બોલ્યા. હું તો તેમને જોતો જ રહ્યો. શો પ્રતાપી અવાજ ! શી એમની પ્રતીભા ! મેં જેમ તેમ આરતી પુરી કરાવી. અને એ સજ્જન પાસે ગયો. મને કોઈકે કહ્યું : ‘આ તો બાળ બ્રહ્મચારી પરમ પુજ્ય ગુરુ શ્રી ચરીત્રાનન્દ છે.’ હું ગુંચવાયો; છતાં તેમને પગે લાગ્યો. હું કેટલાય લોકોને મળ્યો છું. પરન્તુ આમનો તો પ્રભાવ જ જુદો હતો. એમના મોં પર કંઈ જુદું જ તેજ હતું. તેમણે મને કહ્યું : ‘તમે માણસ સારા દેખાવ છો. પછી આવા ધંધા કેમ કરો છો ?’ મને થયું કે ‘આમને મારા પોલની જાણ એક જ ધડાકે ક્યાંથી થઈ ગઈ ?’ તેમ છતાં મેં હીમ્મત રાખીને તેમને કહ્યું : ‘ગુરુજી ! આ પ્રવૃત્તી તો આ દેશમાં ટકવા માટે જ કરી રહ્યો છું. મારી દૃષ્ટીએ એમાં કશું ખોટું નથી.’

‘તમે ભગવાનનો ડર ન રાખો તો કંઈ નહીં પરન્તુ ઈન્કમટેક્સવાળાથી તો ડરો. આ અમેરીકન સરકાર તમને સળીયા ગણતા કરી દેશે.’ મને લાગ્યું કે આમની સાથે દલીલ કરવામાં માલ નથી. ત્યાં તો ગુર શ્રી ચરીત્રાનન્દજી બોલ્યા : ‘એક કામ કરો. આવતા શનીવારે આપણા મન્દીરમાં આવો. ધર્મ શું છે તે જુઓ. અને આવો તો મને જરુર મળજો.’ આ ઉલટતપાસ પુરી થાય એટલા માટે જ હું મન્દીર જવા સહમત થયો.

અઠવાડીયું પસાર થઈ ગયું. બાળબ્રહ્મચારી શ્રી ચરીત્રાનન્દે મને મળવા બોલાવ્યો છે તે મને યાદ હતું. શનીવારે તેમના લોંગ આયલેન્ડના મન્દીરે પહોંચી ગયો. મન્દીર શું હતું ! વૈકુન્ઠ હતું વૈકુન્ઠ ! જેટલો સમય મેં મન્દીરમાં ગાળ્યો તેટલો મારી વીચારસરણીના પરીવર્તન માટે અગત્યનો નીવડ્યો.

મન્દીરમાં કોઈ ઓચ્છવ મનાવાઈ રહ્યો હતો. કયો પ્રસંગ હતો તેની કાંઈ ખબર ન પડી. આપણા કોટી કોટી દેવતાઓમાંથી કોઈને કોઈનો જન્મપ્રસંગ 365 દીવસમાં જરુર હોય જ અને ન હોય તો અગીયારસ કે પુનમ તો ખરી જ ! ભગવાં વસ્ત્રોમાં બાળબ્રહ્મચારીશ્રી હારમોનીયમ વગાડી રહ્યા હતા. આજુબાજુ પાંચ દસ અમેરીકન ગોરાં છોકરા–છોકરીઓ પદ્માસન લગાવી બેઠાં હતાં. ન સમજાય એવા શબ્દોમાં ગાતાં હતાં. મને થયું ક્યાં મારી ધર્મપ્રવૃત્તી ને ક્યાં આ મહાત્મા ! ભારતવર્ષનો ઝંડો ફરકાવવા શ્રી વીવેકાનન્દ જેવી વીભુતી પછી આજે બીજો આત્મા અમેરીકામાં આવ્યો. ભજન–કીર્તન બેત્રણ કલાક ચાલ્યાં. પછી મહાપુજા. ભજન–કીર્તન પછી તેઓ મને મળ્યા. મને કહ્યું : ‘મહાપુજા પછી મને મળીને જજો.’ મહાપુજા તેમણે સ્વહસ્તે કરી. પેલાં અમેરીકન છોકરા–છોકરીઓ શું સરસ રીતે કામ કરી રહ્યાં હતાં ! તેમાંની બે ઈન્દ્ર દરબારની અપ્સરા જેવી લાગતી છોકરીઓ તો મન્દીરના ગર્ભાગારમાં પણ કામ કરતી હતી. સ્વામી ચરીત્રાનન્દ મને મન્દીરના ઉપરના ભાગમાં લઈ ગયા. ત્યાં તેમના સીવાય બીજું કોઈ પ્રવેશી શકતું નહીં. તે તેમનું રહેઠાણ અને પર્સનલાઈઝ્ડ દેવમન્દીર હતું. તેમણે મને કહ્યું : ‘હું તમારા જેવા માણસની શોધમાં છું જે આ મન્દીરનો કારભાર કરે.’ મેં સ્વપ્ને પણ ધાર્યું નહોતું કે બાળબ્રહ્મચારી મહારાજ મને આવી તક આપશે. હું તો ચમકી જ ગયો. મેં કહ્યું : ‘પ્રભુ ! હું તમારા મન્દીરને લાયક નથી.’ તેઓ બોલ્યા : ‘તમે પરણેલા છો ?’ મેં કહ્યું : ‘પાત્રીસ વરસે પણ હું હજી કુંવારો છું.’ તો તેઓ બોલ્યા : ‘જુઓ, ગૃહસ્થ લોકો કુંવારા હોય. સાધુ તો બાળ બ્રહ્મચારી હોય.’ હું તેમને જોઈ જ રહ્યો.

તેમણે કહ્યું : ‘તમે આ જવાબદારી સંભાળો. હું તમને ધાર્મીક સંસ્કાર આપીશ; તમને શાસ્ત્રીય સંગીત શીખવીશ; તમે હાલ કમાઓ છો તેથી વધારે પૈસા આપીશ. શરત ફક્ત એટલી કે જુગાર નહીં રમવાનો; સીગરેટ નહીં પીવાની; માંસ નહીં ખાવાનું અને પરણો નહીં ત્યાં લગી સ્ત્રી–સમ્બન્ધ નહીં રાખવાનો.’ મેં કહ્યું : ‘શરુઆતની શરતો માન્ય છે; પરન્તુ છેલ્લી શરત વીચારવી પડશે.’

ઘેર આવ્યો. આખી રાત વીચારમાં ગઈ. એક બાજુ મારો વધતો જતો બીઝનેસ અને બીજી બાજુ સાચા ધર્મસંસ્કાર, સાચો ધાર્મીક વારસો અને સાચી જનસેવા. એક બાજુ મારી કમ્ફર્ટેબલ લાઈફ સ્ટાઈલ અને બીજી બાજુ બાળ બ્રહ્મચારીનું નીતીનીયમોવાળું જીવન. હું શું કરું ? બાળ બ્રહ્મચારી ચરીત્રાનન્દજીને મળવું અને મારા વીચારો દર્શાવવા. મતલબ, મારે મારી પોલ જાતે જ ખોલવાની ! પછીથી મારે એનો અભીપ્રાય પુછવો અને નીર્ણય લેવો.

આખી રાત ઉંઘ નહોતી આવી, એટલે બીજે દીવસે સવારે આઠ વાગ્યે મન્દીરે પહોંચ્યો. ભવીષ્યના નીર્ણય માટે ચરીત્રાનન્દનો અભીપ્રાય અગત્યનો હતો. આગળનું દ્વાર ખુલ્લું હતું. કોઈ વહેલી સવારે મન્દીરમાંથી બહાર ગયું હશે. રાતના ઓચ્છવની સામગ્રી ચારે બાજુ વેરવીખેર પડી હતી. કૃષ્ણ–રાધાની મુર્તી આડે પડદો પાડી દીધો હતો. લાગ્યું કે ભગવાન પણ રવીવારે ઉંઘતા જ હશે.

ઉપર શ્રી ચરીત્રાનન્દજીના રહેઠાણમાંથી અવાજ આવતો લાગ્યો. મન્દીર પાછળના ભાગ પરના દાદર પરથી હું ઉપર પહોંચ્યો. જોયું તો તેમના ‘અંગત ભક્તીખંડ’માંથી કોઈક અન્દર હોય એવો અવાજ આવતો હતો. બારણું બંધ હતું. મેં બારણે ટકોરા માર્યા. ‘બ્રહ્મચારીજી ! આપ અન્દર છો ?’ અન્દરથી કંઈક ગુસપુસ થતી હોય એવા અવાજ સંભળાયા. મેં બારણાંને સહેજ ધક્કો માર્યો તો બારણાં ખુલી ગયાં. મેં જોયું તો અમેરીકન શીષ્યા એક ખુણામાં તેના બ્લાઉઝનાં બટન બીડી રહી હતી. અને ત્યાં જ સીંગલ બેડ પર શ્રી બાળ બ્રહ્મચારી આખા શરીરે ચાદર ખેંચી, ઉંચુ ડોકું કરી, મારી સામે આંખો ફાડી ફાડીને જોતા હતા.

તેમણે અભીપ્રાય આપી દીધો. – અને મેં મારો નીર્ણય લઈ લીધો.

–હરનીશ જાની

 2003માં પ્રકાશીત થયેલા, લેખકના હાસ્ય વાર્તાસંગ્રહ ‘સુધન’ (પ્રકાશકઃ સુનીતાબહેન ચૌધરી, રંગદ્વાર પ્રકાશન, 15, યુનીવર્સીટી પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં પાસે, નવરંગપુરા, અમદાવાદ–380 009 eMail: rangdwar.prakashan@gmail.com પૃષ્ઠ સંખ્યા: 180, મુલ્ય: 100/- રુપીયા)માંથી લેખકશ્રીની પરવાનગીથી સાભાર.. ..ગોવીન્દ મારુ..

લેખક–સમ્પર્ક:

Harnish Jani

4, Pleasant Drive, YARDVILLE, NJ – 08620 – USA

Phone: 001-609-585-0861 E-Mail: harnishjani5@gmail.com  –

અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તીઈ.બુક્સ મારા બ્લોગના મથાળે  ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.

 ‘રૅશનલ–વાચનયાત્રા’ માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 31–10–2014

હરનીશ જાની

સીક્કાની ત્રીજી બાજુ

–હરનીશ જાની

મારા બાલુકાકાને મેં પુછ્યું, ‘‘તમે ભગવાનમાં માનો છો ?’’

બાલુકાકા બોલ્યા, ‘‘ના.’’

મેં વળી પાછું પુછ્યું, ‘‘કેમ માનતા નથી ? આ ચાંદો–સુરજ કોણે બનાવ્યા છે ? ધરતી–આકાશ કોણે બનાવ્યાં છે ?’’

બાલુકાકા કહે, ‘‘જો ભાઈ, એ બધું જેણે બનાવ્યું હોય તે જાણે. મને હેરાન ના કર…’’

મેં કહ્યું, ‘‘ના, તે પરમાત્માએ બનાવ્યાં છે.’’

બાલુકાકા બોલ્યા, ‘‘તો જા, તારી વાત સાચી ! પરમાત્માએ બનાવ્યાં. તેમાં વાંધો શો છે ? તેના વીશે તારે ફરીયાદ કરવી હોય તો બીજાને કર.’’

મેં કહ્યું, ‘‘તો પછી તમે ભગવાનમાં કેમ માનતા નથી ?’’

બાલુકાકા બોલ્યા, ‘‘ભગવાન જોડે મારે કોઈ વાંધો નથી. મને વાંધો હોય તો તે તારા જેવા લોકો જોડે છે. જો હું કહું કે હું ભગવાનમાં માનું છું તો તારા જેવા લોકો પુછશે કે કયા ભગવાનમાં માનો છો ? અને કેમ માનો છો ? એટલે સો વાતની એક વાત. નન્નો કહી દેવાનો.. નહીં તો મારે બીજા સો જવાબ આપવા પડે.’’

મેં કહ્યું, ‘‘ભગવાન બધા સરખા છે. જ્યાં સુધી તમે કોઈ સુપ્રીમ પાવરમાં માનો ત્યાં સુધી.’’

કાકા કહે, ‘‘તું આટલો બધો જ્ઞાની થઈ ગયો છે તો મને કહે કે તારો ‘સુપ્રીમ પાવર’ એટલે કોણ ? અલ્લાહ – જીસસ – કૃષ્ણ – મહાવીર – ગ્રંથ સાહેબ ??’’

મેં કહ્યું, ‘‘એ બધા જ સુપ્રીમ.’’

કાકા બોલ્યા કે, ‘‘બધા કેવી રીતે સુપ્રીમ કહેવાય. સુપ્રીમ તો એક જ હોય. બધા સુપ્રીમ ન હોઈ શકે.’’

આ જગતમાં મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે કોઈ પણ વાતની બે બાજુ હોય છે. જે એક બાજુને જુએ છે તેને બીજી બાજુ પર શું છે તેની ખબર નથી. એટલે એને પોતાની બાજુ ખરી લાગે છે. હવે બીજી બાજુનાને પોતાની બાજુ ખરી લાગે છે. એમની માન્યતાઓ એટલી દૃઢ હોય છે કે તેમને એવું પણ નથી લાગતું કે બીજી વ્યક્તી ખરી હોઈ પણ શકે.

અમે બ્રાહ્મણ સમાજની પચીસમી જયન્તી ઉજવતા હતા. તેની મીટીંગ હતી. વાત આવી ડીનરની. વડોદરાના ભાગવતભાઈ કહે, ‘‘આપણે બ્રાહ્મણ કહેવાઈએ એટલે આપણા ડીનરમાં લાડુ મસ્ટ !’’ સુરતના મારુતીભાઈ કહે, ‘‘હવે અમેરીકામાં જુના વીચારો છોડીને ઘારી–પુરી રાખો.’’ અને ચાલ્યું ડીસ્કશન. અડધા લાડુની તરફેણમાં અને અડધા ઘારી–પુરીમાં જોડાયા. ડીસ્કશન પછી ‘તું-તાં’ પર આવી ગયું. સારું થયું કે આ બધા બ્રાહ્મણો હતા. જો રજપુતો હોત તો તલવારો ખેંચાઈ હોત. પછી એક વડીલ નીવેડો લાવ્યા કે બન્ને વાનગીમાં જે સસ્તી પડતી હોય તે બનાવો. છેવટે પૈસાની સીચ્યુએશન જોતાં લાપસી જ પોષાય તેમ હતું. છેવટે લાડુ–ઘારીમાં ત્રીજા લાપસીબહેન ફાવી ગયાં !

ઘણી વખતે બે સાઈડ એકમેકની સામસામે આવી જાય તો ત્રીજું એલીમેન્ટ પેદા થાય છે અથવા તો તૈયાર કરવું પડે છે. બન્ને પાર્ટી પોતે ખરી જ છે એમ દૃઢ પણે માનતી હોય છે. ખબર નહીં કે એવું કેમ બને છે કે બન્ને બાજુઓ પોતાના પક્ષને જ સાચો કેમ માનતા હશે ? જો બે પક્ષો વચ્ચે રમતની હરીફાઈ હોય અને રમતમાં હારજીત આંકડાઓથી નક્કી થતી હોય; છતાં અમ્પાયર કે રેફ્રી રાખવા પડે છે. અમે જ્યારે નાના હતા અને રસ્તા પર ક્રીકેટ રમતા, ત્યારે ભીંત પર કોલસાથી સ્ટમ્પ દોરતા. અને બોલ સ્ટમ્પ પર વાગે તેની ખબર કેવી રીતે પડે ? ત્યારે અમે કોઈ આંખે નબળાને અમ્પાયર બનાવી દેતા અને પછી કહેતા કે ‘અમ્પાયર ઈઝ ઓલ્વેઝ રાઈટ.’ આ વાક્યથી વધારે ઈન્ગ્લીશ અમારામાંથી કોઈને નહોતું આવડતું. પણ તેમ છતાં; અમે એ અમ્પાયરનું માનતા. અને આમ, અમે રમતમાં વચલો રસ્તો શોધ્યો હતો. આજે તો કમ્પ્યુટરની આંખે ટેસ્ટ મેચોમાં નીર્ણયો લેવાય છે; તોય મન દુ:ખ તો રહે જ છે.

હું માનું છું કે જો બન્ને પક્ષ ખોટા હોય તો જ ઝગડો લાંબો ચાલે. જો એક પક્ષ શાન્તી રાખવા માંગતો હોય તો બીજા પક્ષની વાત માની લે.. પછી ભલેને તેમ કરવાથી સ્વમાન ઘવાતું હોય. પહેલાં એ નક્કી કરવું જોઈએ કે શું હાંસલ કરવા ઝઘડીએ છીએ.

મારી પત્નીએ એક સફરજન મારી બે દીકરીઓને આપ્યું અને કહ્યું, ‘‘બે બહેનો વહેંચી લેજો.’’ મોટી કહે, ‘‘હું કાપીશ અને અડધો ભાગ નાનીબહેનને આપીશ.’’ નાનીને એમ કે મોટીબહેન કાપીને મોટો ભાગ પોતે લઈ લેશે. એટલે એ મંડી પડી, ‘‘ના, મને કાપવા દે.’’ આમ ‘હું કાપું–હું કાપું’ ચાલું થયું. હવે આ વાતનો નીવેડો મારી પત્ની લાવી. તેણે કહ્યું કે, ‘‘તમારામાંથી જેણે બે ભાગ કરવા હોય તે કરે; પરંતુ તેના બે કટકામાંથી, પહેલો ટુકડો પસંદ કરવાનો હક્ક બીજીનો.’’ પછી બન્ને શાન્ત થઈ.

વરસો પહેલાં, જ્યારે હું હાઈ સ્કુલમાં ભણતો હતો, ત્યારે ‘તલાક’ ફીલ્મનું કવી પ્રદીપનું એક ગીત પ્રખ્યાત થયું હતુ. તેમાં તે ગાય છે : ‘સંભલ કે રહના અપને ઘર કે છીપે હુએ ગદ્દારોં સે.’ તેમાં આવતું કે ‘તુમ્હે હમારે કશ્મીર કી રક્ષા કરની હૈ.’ જે મને ન સમજાતું. મેં મારા બાપુજીને પુછ્યું, ‘‘શ્રીનગર–કશ્મીર તો આપણા ભારતમાં આવ્યું, પછી એની જુદી રક્ષાની આ શી વાત છે ?’’ એમણે મને સમજાવ્યું કે કશ્મીરના બે ભાગ પડી ગયા છે. આપણો ભાગ પાકીસ્તાન માંગે છે. ત્યારે જ મેં તેમને કહ્યું હતું કે હવે જેના ભાગમાં જે આવ્યું છે તે લઈને બેસી રહોને ! ત્યારે તેમણે કહ્યું હતું, ‘‘તું હજુ નાનો છે. મોટો થઈશ ત્યારે સમજાશે.’’ આજે 72 વરસે પણ મને તે હજુ નથી સમજાતું. ત્યારે બન્ને દેશો પાસે પોતાના ભાગનાં કશ્મીર હતાં અને આજે પણ છે. વાત તો ત્યાંની ત્યાં જ છે. બેમાં કોઈકે ખરું હોવું જરુરી છે ? કદાચ તેને જ પોલીટીક્સ કહેતા હશે.

બે દેશો વચ્ચે યુદ્ધને તીલાંજલી આપી અને શાન્તી સ્થાપવી હોય તો મંત્રણાઓમાં સૈનીકોની માતાઓને બેસાડવી જોઈએ અને પોલીટીશીયનોને ઘેર બેસાડવા જોઈએ.

મેં મારા બાલુકાકાને પુછ્યું, ‘‘તમે ભગવાનમાં નથી માનતા તો પછી તમારી જાતને આસ્તીક કેમ ગણાવો છો ?’’

બાલુકાકાએ મને કહ્યું, ‘‘જો ભાઈ, હું ટીલાં–ટપકાં ન કરું; પણ હું આધ્યાત્મીક છું. દુનીયાને ચલાવનારી કોઈ શક્તી તો છે જ. તું માનવ શરીરને જ જો. અને શરીરની બધી પ્રક્રીયાઓનું નીરીક્ષણ કર. તો તું એ પરમશક્તીમાં માનતો થઈ જઈશ.’’

મેં કહ્યું, ‘‘ચાલો ત્યારે તમે નાસ્તીક નથી અને તમને કોઈ આસ્તીક ગણે તો તે તમને ગાળ સમાન લાગે છે. બરાબરને ?’’

કાકા બોલ્યા, ‘‘હું આધ્યાત્મીક છું. ભગવાનમાં નથી માનતો. મને ધર્મના નામે ચાલતા ધતીંગો નથી ગમતા. અને તારી જેમ જાત જાતની ધજાઓ લઈને ઘુમવામાં હું નથી માનતો. મને મોક્ષ અપાવવા નીકળી પડેલા આ ગુરુઓ નથી ગમતા. હા, પરન્તુ જગતને નીયન્ત્રણમાં રાખનાર કોઈક શક્તી છે. તેને હું નમું છું.’

મારે કહેવું પડ્યું કે કાકાએ ‘સીક્કાની ત્રીજી બાજુ’ શોધી કાઢી.

–હરનીશ જાની

લેખક–સંપર્ક:
શ્રી. હરનીશ જાની, 4, Plesant Drive, Yardville, NJ 08620 – USA
eMail: harnish5@yahoo.com  Phone 609-585-0861609-585-0861

લંડનથી પ્રગટ થતા ગુજરાતી ડીજીટલ માસીક ‘ઓપીનીયન’ના તારીખ:18-12-2013ના અંકમાંથી, લેખકશ્રી તેમ જ ‘ઓપીનીયન’ના તંત્રી શ્રી. વીપુલભાઈ કલ્યાણી ના સૌજન્યથી સાભાર.. ઈ–મેઈલ: vipoolkalyani.opinion@btinternet.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ  https://govindmaru.wordpress.com વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ..  ..ગોવીન્દ મારુ..

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ:12/09/2014

હરનીશ જાની

સુપર પાવર

સુપર પાવર

કૃષ્ણ ભગવાનની બાબરી અહીં ઉતારાઈ હતી  અમે મોટા અમ્બાજી ગયા હતા ત્યારે મારા ભાણા લાલજીએ એ પવીત્ર સ્થાન બતાવ્યું. અમ્બાજી પાસે ગબ્બરનો પવીત્ર ડુંગર છે. તેના શીખર ઉપર માતાજીના મન્દીર પાસે જ આ સ્થાન છે. ત્યાં મેં એક પવીત્ર બોર્ડ પણ જોયું. તે બોર્ડમાં જ્યાં કૃષ્ણ ભગવાનની બાબરી ઉતારાઈ હતી તે દીશા તરફ જવાનો ઍરો હતો. સાથે અમારાં માસી હતાં. તેમણે ભક્તીપુર્વક તે બોર્ડને પણ નમન કર્યું. મારા પગ નીચે કપાયેલા વાળના ગુચ્છા આવ્યા.

હું બોલ્યો, ‘માસી જુઓ, કૃષ્ણ ભગવાનના વાળ હજુ પડ્યા છે.’ માસીએ ગમ્ભીરતાથી કહ્યું, ‘લોકો પોતાના છોકરાઓની બાબરી અહીં ઉતારવા આવે છે તેના વાળ છે.’

માસી થોડું ચીઢાઈને બોલ્યાં, ‘ભગવાન, આને શ્રદ્ધા રાખતાં શીખવ.’ આ તેમણે સાધુ–મહાત્માની લઢણમાં મુર્તીને કહ્યું. જ્યારે આપણે બોલીએ અને મુર્તી સાંભળે એને શ્રદ્ધા કહેવાય અને જ્યારે મુર્તી બોલે અને આપણને સંભળાય એને ગાંડપણ કહેવાય. માસીની વાત ખરી હતી. આવા પ્રસંગે શ્રદ્ધા જરુરી છે. ત્યાં દરેક જણ શ્રદ્ધાળુ હતું. મેં શ્રદ્ધાથી ભગવાનના વાળ જ્યાં સૌ પ્રથમ વખતે ઉતરાવ્યા હતા ત્યાં નમન કર્યું. સૌ નમન કરતાં હતાં  એટલે વાતમાં જરુર કાંઈ માલ હશે. આટલાં બધાં શ્રદ્ધાળુ કાંઈ ખોટાં થોડાં હોય ! મેં પણ નમન કર્યું. જાણે કોઈ હેરકટીંગ સલુનના એરકન્ડીશન્ડ રુમમાં નમસ્કાર કરતો હોઉં એટલા ભાવથી ! ભગવાનના આશીર્વાદ મળે કે ન મળે; પરન્તુ માસી પર તો સારી ઈમ્પ્રેશન પડી કે અમેરીકામાં રહેવા છતાં મારા ભાણામાં ભારતીય સંસ્કૃતીના થોડાઘણા અંશ બચ્યા છે.

અહીં બોર્ડ માર્યું છે એટલે ભગવાને વાળ કપાવ્યા જ હશે. ત્રણ હજાર વર્ષ પહેલાંનો બનાવ આપણે ત્યાં અકબન્ધ છે. ગોકુળથી અહીં વાળ કપાવવા આવવાનું કારણ શું હોઈ શકે ? કદાચ યશોદામૈયાએ પોતાના લાલાની બાબરી ઉતારવાને બહાને ગુજરાતમાં કે રાજસ્થાનમાં ફરવા આવવાની ઈચ્છા રાખી હશે. અથવા તો તે વખતે અમ્બાજીના મન્દીરમાં બાબરી ઉતરાવાની પ્રથા પહેલેથી હશે. એવી બાધા તે વખતે પણ લેવાતી હશે. સામે કાંઠે આવેલું મથુરા હજુ યાત્રાનું ધામ નહીં બન્યું હોય. ખરું પુછો તો ઉત્તરમાં એવાં ઝાઝાં યાત્રાસ્થાનો નહોતાં બન્યાં. કારણ કે ખુદ ભગવાન જ નાના હતા. હજુ જાત જાતની લીલાઓ નહોતી આદરી. આખા ભારતવર્ષના લોકોનું ધ્યાન ખેંચાય એવા ચમત્કારો તેમણે હજુ નહોતા યોજ્યા. એક રીતે એમ કહેવાય કે અમ્બા માતાજીની ખ્યાતી યશોદામૈયા અને નંદજી પાસે ગોકુળમાં પહોંચી ગઈ હતી. ત્રણ હજાર વર્ષ પહેલાં ભગવાનના વાળ કપાયા એટલે એક વાત ચોક્કસ કે કાતરની અને અસ્ત્રાની શોધ થઈ ગઈ હશે. આપણે ત્યાં એડવાન્સ ટૅકનોલોજી હતી અને આથી જ તલવાર અને તીરથી મહાભારત લડતાં ફાવ્યું.

યશોદામૈયાની અમ્બાજીમાં વાળ કપાવવાની વાત નન્દજીને ન પણ ગમી હોય; કારણ કે કંસને જેમતેમ ઉલ્લુ બનાવીને અડધી રાતે જેલમાંથી નાસી, યમુના પાર કરીને ઠેકાણે પડ્યા છીએ ત્યાં પાછું ઘોડાઓ અને રથનો રસાલો લઈને સેંકડો જોજન જવું પડે. મહીનાઓની મુસાફરી કરવી પડે અને તે પણ દીકરાના વાળ કપાવવા જ ! દીકરાનું પ્રથમ કેશકર્તન મોંઘું પડે. નન્દજીએ આ બધી તકલીફ ઉઠાવી જ હશે. શ્રદ્ધાળુ લોકો ખોટી વાત થોડી કરે ! અને કોઈ પચાસ વર્ષના ધર્મગુરુએ ત્રણ હજાર વર્ષના જુના પ્રસંગને માન્ય રાખ્યો છે. કોઈ મહારાજનો રબર સ્ટેમ્પ જરુરી હોય છે. નંદજી માટે દીકરાની બાબરી માટે અમ્બાજી આવવાનું થોડું અઘરું તો હતું. જો કોઈ માતાજીના આંગણામાં વાળ કપાવવા હોય તો ગોકુળની આજુબાજુ ઘણાં માતાજી છે અને ડુંગર પર વાળ કપાવવા હોય તો પાસે જ ગોવર્ધન પર્વત હતો. પરન્તુ પત્નીના હુકમનો અનાદર ન કરવાની તેમની હીમ્મત ન પણ હોય. એટલે પ્રભુના વાળ અહીં કપાયા જ હોવા જોઈએ. નહીં તો આટલા બધા બુદ્ધીશાળી લોકો ત્રણ હજાર વર્ષથી રોજ અહીં આવે જ નહીં ને ! કદાચ એમ પણ માન્યતા હોય કે જે બાળકની બાબરી અહીં ઉતારી હોય એને ટાલ ન પડે ! કૃષ્ણને છેલ્લે સુધી વાળ હતા. જે હોય તે પરન્તુ અમ્બાજીના ગબ્બર શીખર ઉપર કોઈ ખોટું બોર્ડ તો મારે જ નહીં ને ! સીવાય કે તે એરીયામાં કોઈ બુદ્ધીશાળી કેશકર્તન કલાકાર રહેતો હોય.

નર્મદા પાસે રાજપીપળા અને ઝઘડીયા વચ્ચે કડીયો ડુંગર આવેલો છે. એ ડુંગરની તળેટીમાંથી જોઈએ તો શીખર ઉપર એક નાનકડું કાળું ટપકું દેખાય છે. જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ તે મોટું થતું જાય છે. ઉપર જઈને જોઈએ તો ત્રીસ ચાલીસ માણસો બેસી શકે તેવી ગુફા છે. હવે તમે માનો કે ન માનો; પરન્તુ તેમાં હીડમ્બા રહેતી હતી. આ હીડમ્બા એટલે ભીમની રાક્ષસીણી પત્ની કે જેને ઘટોત્કચ નામે પુત્ર જનમ્યો હતો. તે વીર હતો; કારણ કે પ્રકાશ પીક્ચર્સે ‘વીર ઘટોત્કચ’ નામની ફીલ્મ બનાવી હતી. હીડમ્બા તે ગુફામાં રહેતી હશે એ વાત મારા માનવામાં આવી ગઈ. કારણ કે આટલે ઉંચે ગુફામાં રહેનાર રાક્ષસ જ હોઈ શકે. ગામના એક જાણકારે કહ્યું કે, તે આ ગુફામાં હીંચકા ખાતી હતી. આપણાથી સંશય તો થાય નહીં ! ઉપરથી એ જાણકારે નીચે તરફ હાથ કરીને કહ્યું કે, ‘અહીં રાક્ષસ પ્રજા રહેતી હતી.’ મેં કહ્યું કે, ‘આ વાત અહીં બોલ્યા તો બોલ્યા પણ નીચે ન બોલતા. નીચે બધા રાક્ષસો પેન્ટ અને શર્ટ પહેરે છે.’ આટલા ઉંચે પણ ભાવુકો ગુફામાં દીવા કરે છે. મારા મોં પર ક્યાંય સંશયની ઝલક દેખાય હશે એટલે એમણે ચાલુ રાખ્યું, ‘પાંડવો ગુપ્તવાસમાં ગયા હતા ત્યારે આ નર્મદા પટ પર આવ્યા હતા.’ મેં ખુબ ભાવથી આંખો મીંચી. તેમણે કહ્યું, ‘તમે જ્યારે નર્મદા નદી પરનો બન્ધ જોવા જાઓ ત્યારે તમને એવા લોકો મળશે કે જેમણે અશ્વત્થામાને એમની ખોપરીમાં ઠંડક પહોંચે એટલે દહીં મુકવા આપ્યું હોય.’ મારા મોઢા પરનું આશ્ચર્ય જોઈને તે બોલ્યા, ‘એ તો તમને ખબર છે ને કે અશ્વત્થામા જીવતો છે ?’ ધન્ય ભારતભુમી અને ધન્ય એની સંસ્કૃતી ! તેમણે સમજાવ્યું કે, ‘અશ્વત્થામાને અમરત્વનું વરદાન હતું. એટલે એ મરે તેમ ન હતો. ભીમે ગુરુપુત્રની માથાની ચોટલી મુળમાંથી ખેંચી કાઢી હતી. હવે તેને તે જગ્યાએ હજુ બળતરા થયા કરે છે. એટલે એ નર્મદા પટની આદીવાસી પ્રજાની પાસે દહીં માંગવા જાય છે. તે તેની ખોપરીમાં ભરે છે. તમને ડેમ પાસે કેવડીયામાં કોઈક મળી આવશે.’ મેં પુછયું, ‘ત્યાં બોર્ડ માર્યું છે ?’ ચમત્કારોને પણ બોર્ડની આવશ્યક્તા હોય છે. ‘ના હં, ત્યાં બોર્ડ નથી.’ આ ભાઈ ખરેખર જાણકાર હતા. એમને કદાચ તાજમહેલના આર્કીટેકનું નામ ખબર ન હોય, અજંતા–ઈલોરાના આર્ટીસ્ટનાં નામ પણ ન જાણતા હોય અને જયપુરના હવામહેલની ડીઝાઈન કોની હતી તેની પણ ખબર ન હોય. એવી નકામી માહીતીની ખબર ભારતમાં કોઈને હોતી નથી અને એની ખબર રાખવી જરુરી પણ નથી; કારણ કે તેમને હીડમ્બા અને અશ્વત્થામાની ખબર હોય છે. ધન્ય ભારતભુમી ! અને ધન્ય તેની સંસ્કૃતી ! જતાં જતાં મેં તેમને કહ્યું, ‘મને એક વાતની ખબર છે, જેની તમને કદાચ ખબર ન હોય કે હીડમ્બાએ પોતાના પુત્ર ઘટોત્કચની બાબરી ક્યાં ઉતરાવી હતી.’

     અમે મધ્યપ્રદેશમાં સતના શહેર ગયા હતા. ત્યાંથી કાર રસ્તે ખજુરાહો જવાનું હતું. અમારા ગાઈડે ખજુરાહોનાં નગ્ન શીલ્પોથી પણ વધુ અદ્ ભુત વસ્તુ બતાવી. શ્રી રામચન્દ્રજીની પાદુકાઓ. હવે એ મન્દીરમાં ભરતે સ્વયમ્ આ પાદુકાઓ સાચવીને રાખી હતી. રામજીનો કાળ તો કૃષ્ણથી પણ દોઢ બે હજાર વર્ષ જુનો. જો કૃષ્ણજીની બાબરીની જગ્યા મળતી હોય તો એક–બે હજાર વર્ષ આમ કે તેમ, રામજીની વસ્તુઓ પણ મળી જ શકે ! આપણે હવે શંકા કરવાનું છોડી દીધું છે. રામ ભગવાન ચાંદીની પાવડીઓ પહેરતા હશે. આ ચાંદીની હતી. ભારેખમ હતી. ભગવાનને શું ? એ પહેરે તો પાદુકાઓ હલકી ફુલ બની જાય ! મારું માનવું હતું કે ભરતે રામજીને પાદુકાઓ જ્યારે એ વનમાંથી પાછા આવ્યા હતા ત્યારે પાછી આપી દીધી હતી. કદાચ રામજીના ભક્તોએ એ પાદુકાઓ સાચવી રાખી હોય. આજથી પાંચસો કે હજાર વર્ષ પછી પણ ગાંધીબાપુના ચંપલ જોવા મળશે જ એ વાત જેટલી ચોક્ક્સ છે, એટલી જ ચોક્ક્સ વાત રામજીની પાદુકાઓની છે. એક–બે હજાર વર્ષ આમ કે તેમ, શો ફેર પડે છે ! બધું અમર રહી શકે. પાદુકાની આજુબાજુ મંદીર બન્ધાયું છે; એટલે તે પાદુકાઓ ભગવાનની જ ગણાય ને ! મન્દીરના પુજારીએ અમારી પાસે  પ્રેમથી પુજા કરાવી. પુજા પછી તો મારો વીશ્વાસ વધી ગયો હતો. પત્નીએ એક હજાર અને એકની દક્ષીણા મુકી. તેમ છતાં મારાં પત્નીના મોં પર થોડી ગુંચવણ હતી. તેણે પુજારીને પુછયું, ‘અમે રામજીની પાદુકાઓ દક્ષીણમાં પણ જોઈ હતી તે કેવી ? તે સાચી કે આ સાચી ?’ પુજારીને આ સવાલ હજારો લોકોએ પુછયો હશે. તે જવાબ જાણતા હતા. ‘આ જ ખરી પાદુકાઓ ને તેની સાબીતી જો તમારે જોવી હોય તો તમને શ્રીમદ્ શંકરાચાર્યનું સર્ટીફીકેટ બતાવીએ.’ મેં પત્નીને ધીરા અવાજે કહ્યું, ‘હવે આ સર્ટીફીકેટ શંકરાચાર્યજીએ ક્યાં છપાવ્યું હતું એમ ન પુછવું. આ તો 2020 સુધીમાં ભારત આખા વીશ્વમાં સુપર પાવર બનવાનું છે તેની પુર્વ તૈયારી છે.’

     એક ડૉક્ટર મીત્ર અમેરીકાથી ભારત ફરવા ગયા હતા. તેમણે જણાવ્યું કે વૃન્દાવનમાં એક વૃક્ષ ઉપર કૃષ્ણ ભગવાને લીલા કરી અને યમુનામાં નહાતી ગોપીઓનાં વસ્ત્રો ચોરી લીધાં હતાં. તે વસ્ત્રો આજે પણ એ કદમ્બના વૃક્ષ પર લટકે છે. દર્શન કરવા જેવું છે. મેં તેમને જણાવ્યું કે મને સરનામું આપજો. હું પણ ત્યાં જઈશ. વૃક્ષ પરનાં વસ્ત્રોનાં દર્શન માટે નહીં; પરન્તુ કદાચ આજુબાજુ વસ્ત્રવીહીન કોઈ ગોપી ફરતી દેખાય તો તેનાં દર્શન કરવા.

     આપણો દેશ સુપર પાવર કેમ ન બને ! આપણા જેટલું આધ્યાત્મીક જ્ઞાન કયા દેશ પાસે છે ? આપણા જેટલી જુની સંસ્કૃતી શોધી ન જડે. આપણી ક્રીકેટ ટીમને વર્લ્ડ ચેમ્પીયન આપણા ખેલાડીઓ નથી બનાવતા; પરન્તુ આપણા હોમ–હવન બનાવે છે. ઓસ્ટ્રેલીયા સામે જીતવા ગામેગામ પુજાઓ અને હવનો કરવા જરુરી છે. વરુણદેવને ધુણાવો, એટલે વરસાદ તુટી પડે અને આપણી હારની બાજી ડ્રોમાં પરીણમે. વરસાદ એ તો આપણો બારમો ખેલાડી છે ! અને આ સેટૅલાઈટના જમાનામાં ક્યારે અને ક્યાં વરસાદ પડશે એ પણ આ યજ્ઞો નક્કી કરી શકે છે. ક્રીકેટની મેચ જીતવા માટે કે વરસાદ પાડવા માટે આપણી પાસે વીજ્ઞાન ઉપરાન્ત આપણી જુની સંસ્કૃતી છે. આપણે તો વર્ષોથી સુપર પાવર જ છીએ. કોઈ આપણને ગણે કે ન ગણે, શો ફેર પડે છે ?

[જાન્યુઆરી, 2008]

હરનીશ જાની

(માણસ ભલે ગુજરાતમાંથી નીકળી જાય; પરન્તુ માણસમાંથી ગુજરાત નીકળતું નથીએમ કહેનાર અમેરીકાના પ્રસીદ્ધ હાસ્યલેખક હરનીશ જાની રાજપીપળાના વતની અને સુરતની એમટીબી કૉલેજના ભુતપુર્વ વીદ્યાર્થી છે. ૧૯૬૯થી તેઓ અમેરીકામાં છે. પ્લાસ્ટીક ઈજનેરની અમેરીકાની લાંબી નોકરી પછી હાલ નીવૃત્ત છે અને અમેરીકામાં સ્થાયી થયા છે ગોવીન્દ મારુ…)

ગુજરાતી સાહીત્ય પરીષદ(અમદાવાદ)દ્વારા દર બે વર્ષે અપાતું હાસ્યરચનાઓ માટેનું, સને ૨૦૦૯–૨૦૧૦નું સર્વોચ્ચ જ્યોતીન્દ્ર દવે પરીતોષીક જેને પ્રાપ્ત થયું છે તેવા તેમના હાસ્યરચના સંગ્રહ સુશીલા(પ્રકાશકહર્ષ પ્રકાશન, 403ઓમ્ દર્શન ફ્લૅટ્સ, 7,મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે, અમદાવાદ380 007, પ્રથમ આવૃત્તી2009, પૃષ્ઠ સંખ્યા20+128, મુલ્ય રુપીયા100)ના પાન ક્રમાંક75 પરથી, લેખકની પુર્વ પરવાનગી અને સૌજન્યથી સાભાર

 USA અને UK માં‘સુશીલા’ મેળવવા નીચે સંપર્ક કરો.

Harnish Jani, 4, Pleasant Drive, YARDVILLE, NJ-08620-USA Phone: 609-585-0861 Cell: 608-507-7102

E-mail: harnish5@yahoo.com

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

આ હાસ્ય નીબન્ધ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ..

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલોબનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈમેઈલ આઈડી પર, પોતાનું નામસરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

અક્ષરાંકનગોવીન્દ મારુ વસારી.

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

 જુન 02, 2011

 

હરનીશ જાની

એક બંગલા બને ન્યારા…

એક બંગલા બને ન્યારા…

હરનીશ જાની

મીસ્ટર નોબેલની મોટામાં મોટી ભુલ એ થઈ કે નવી શોધો માટે પ્રાઈઝ આપવા માટે સાયન્સ, લીટરેચર, ઈકોનૉમીક્સ, મૅથમેટીક્સ જેવા વીષયો તેને સુઝ્યા. અરે ! તેમને વીશ્વશાન્તી માટે પણ ઈનામ સુઝ્યું; પરન્તુ ધર્મનો વીષય જ ન સુઝયો ! દર વરસે જો ધર્મક્ષેત્રમાં નવી શોધખોળનું ઈનામ આપવાનું હોત તો આપણો દેશ – આપણો ધર્મ – કોઈને જીતવા ન દેત. છેલ્લાં દસ વરસમાં આપણે ઘણું બધું શોધ્યું છે. તેમાં એક છે ‘વાસ્તુશાસ્ત્ર’. જે નોબેલ પ્રાઈઝને કાબીલ છે.

આ વાસ્તુશાસ્ત્ર શી બલા છે ? મારા ખ્યાલથી ૧૯૯૦ પછી જન્મેલા લોકો તો એમ માનતા હશે કે આ પણ ઋષીમુનીઓનો ખેલ હશે. આશ્રમોમાં રહેતા ઋષીમુનીઓએ આ વાસ્તુશાસ્ત્ર શોધી કાઢ્યું હશે. અને તેમણે તેમના આશ્રમોની ઝુંપડીઓ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બાંધી હશે. જેથી ચોમાસામાં છાપરું ન ગળે. બારીઓ એવી રાખી હશે કે પ્રભુનું ધ્યાન ધરતાં ધરતાંય  પાડોશીને ત્યાં શું થઈ રહ્યું છે તે દેખાય. આમાં વાત એમ છે કે આ વાસ્તુશાસ્ત્ર છેલ્લાં આઠ દસ વરસથી જ પ્રસીદ્ધી પામ્યું છે. એટલે આજથી પંદર વીસ વરસ પહેલાં જન્મેલાને તો એમ કે આ શાસ્ત્ર યુગોથી અસ્તીત્વમાં છે. આ દુ:ખી પણ મુર્ખ પ્રજા ચમત્કારો પાછળ દોડે છે – આ ચમત્કારો માટે તો કેટલાંય શાસ્ત્રો હતાં. તેમને આ નવા શાસ્ત્રની જરુર નહોતી. પરન્તુ આ નવી પેઢીને માટે નોબેલ પ્રાઈઝને લાયક એક નવું શાસ્ત્ર ઉમેરાયું. આ શાસ્ત્ર ગરીબો માટે નહીં; પણ આ તો ઘરો બંધાવી શકે એવા પૈસાદારોને ઉલ્લુ બનાવવાનું “શસ્ત્ર” છે. આમ જુઓ તો શાસ્ત્ર નહીં પણ ‘શસ્ત્ર’ જ ગણાય. મારા હીસાબે એનો પ્રચાર કરનારા પણ ખુબ બ્રીલીયન્ટ ગણાય. અને એ લોકોને તો નોબેલ પ્રાઈઝ મળવું જ જોઈએ – જો એવું કોઇ પ્રાઈઝ હોય તો – બાકી જે વ્યક્તી ઘર બનાવી શકવા શક્તીમાન હોય તે બુદ્ધીશાળી તો કહેવાય જ અને એને આ શાસ્ત્ર મગજમાં ઠસાવવું; એ કોઈ ઓર્ડીનરી માણસનું કામ નહીં. અને આમ થવાથી હજારો જોશીઓને રોજી–રોટી ઉપરાન્ત મોટર–ગાડી પણ મળી. આ લોકોએ ધર્મમાં લોભ, લાલચની સાથે ભય પણ ઘુસાડ્યો છે. ‘આમ નહીં કરો તો ભગવાન તમને ધુળ ચાટતા કરી દેશે. તેમ નહીં કરો તો તમારું બાળક મરી જશે.’ આપણને થાય કે આ તો ગૉડ છે કે ગૉડફાધર ! એવો તો કેવો જગતપીતા કે જે બાળકનું રક્ષણ તો ન કરે; પણ એનું નખ્ખોદ કાઢી નાખે ! જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર ન બાંધ્યું હોય તો ધંધામાં ખોટ જાય. શરીરમાં રોગો ઘુસે. લગ્નજીવનમાં અશાન્તી પેદા થાય. સારું છે કે આવી વાતો પુરવાર નથી થઈ. નહીં તો એવો કાયદો નીકળત કે અમદાવાદનાં જે ઘરો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ન બાંધ્યાં હોય એને જમીનદોસ્ત કરી નાખવાનાં. અને એમ થાય તો અમદાવાદની બધી પોળોમાં બુલડૉઝરો મકાનોને ધરાશાયી કરતાં હોત. મારા દાદાએ જ્યારે ઘર બાંધ્યું હશે ત્યારે જે પ્લોટ મળ્યો, તેમાં એક લાઈનમાં બીજાં ઘરો સાથે બાંધી દીધું હશે. પ્રકાશ જ્યાંથી આવતો હશે ત્યાં બારીઓ અને મેઈન રોડ તરફ ઘરમાં પ્રવેશવા માટેનું બારણું. આથી વીશેષ કોઈ વાસ્તુ નહીં. પુર્વ દીશામાં દરેક ઘરનું પ્રવેશદ્વાર હોય એ ઈચ્છનીય છે. પરન્તુ દરેક ઘરના પ્લોટ એ પ્રમાણે નથી હોતા. એટલે લોકો પુર્વ દીશામાં દ્વાર નહીં તો બારીઓ રાખશે. મારી બાને વાસ્તુશાસ્ત્રની ખબર નહોતી; છતાં કહેતી કે, ‘બારી બારણાં ખુલ્લાં રાખો તો તડકો ઘરમાં આવે.’ એ વાસ્તુશાસ્ત્ર જોવા નહોતી ગઈ. એક વાત ચોક્કસ છે: સામાન્ય બુદ્ધીવાળા સામાન્ય લોકોને વાસ્તુશાસ્ત્રની જરૂર નથી.

આપણે ત્યાંથી થોડા દોરાધાગાવાળા અમારા અમેરીકામાં પણ આવી ગયા છે. એટલે તેમની પાછળ વાસ્તુશાસ્ત્રોવાળા આવી ગયા. અને અમેરીકાના લોભી-લાલચી લોકોને ભડકાવે છે. એમાં જોશીઓનો વાંક નથી; તેમને તો આવા મુરખ પૈસાવાળાઓની જરુર જ હતી. બાકી સામાન્ય બુદ્ધી હોય તો વાસ્તુશાસ્ત્રની જરુર જ નથી. અમેરીકાનાં ઘરોમાં બે સોફા એકમેકની સામે નથી ગોઠવાતા. જો તેમ ગોઠવે તો બે સોફામાં બેઠેલા એકમેક સામે જ જોયા કરે અને તે યોગ્ય બેઠક નથી; પરન્તુ બે સોફા કાટખુણે ‘ L’ આકારમાં ગોઠવાય છે, જેથી બન્ને સોફા પર બેઠેલાઓ બીજી  દીશામાં જોઈ શકે. આવી સામાન્ય બુદ્ધીની વાતમાં વાસ્તુશાસ્ત્રની જરુર જ શી છે ?

અમેરીકામાં અમારા એક મીત્ર કોઈ વાસ્તુશાસ્ત્રવાળી બાઈ (ટીવી પર એમનો રોજ પ્રોગ્રામ આવે છે) પાસેથી ઘર વીશે વાતો શીખી લાવ્યા છે. તેમણે મને અને મારા પત્નીને પોતે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં ફેરફાર કરાવ્યા પછી ધંધામાં કેવી રીતે કમાયા તે સમજાવ્યું. હવે તે પણ જ્ઞાની થઈ ગયા. તેમણે કહ્યું કે, ‘આ લેમ્પ ખુણામાં અગ્ની દીશામાં ન મુકતાં રુમની વચ્ચે ગોઠવો. તમે આગલા દરવાજેથી ઘરમાં ન પ્રવેશો. ઘરનો પાછળનો પુર્વ દીશાનો દરવાજો વાપરો. અને ઉત્તર દીશામાં બીજી બે બારીઓ બનાવો. નહાવાનો બાથરુમ ઉપરના માળે લઈ જાઓ. તો લક્ષ્મીજી તમારે ત્યાં આવશે.’ પત્નીને એમની વાતો ગમી. મેં તો વીરોધ કર્યો ને કહ્યું કે, ‘વચ્ચે લેમ્પ ગોઠવીએ તો આવતાં–જતાં અથડાયા કરીએ, લેમ્પ તો ખુણામાં જ્યાં અંધારું હોય ત્યાં જ જોઈએ ને ! પાછલા બારણેથી પ્રવેશવા વાડને કુદીને આવવું પડે અથવા તો તેમાં છીંડું પાડીને આવવું પડે. અને નીચેનો બાથરુમ છો નીચે રહ્યો, લક્ષ્મીજીને કયાં નહાવું છે ? અને નહાવું હશે તો, જો બાથરુમ નીચે હશે તો સહેલું પડશે ! ઉપલા માળાના બાથરુમમાં પાણી લીક થયું તો ?’ મારાં પત્ની એમની વાતોમાં આવી ગયાં. એમણે મને લેક્ચર આપ્યું કે દુનીયા આખી પૈસાદાર થઈ ગઈ અને આપણે હજુ સુધી કેમ ગરીબ રહ્યા છીએ ? અને પછી થયો ઉગ્ર સમ્વાદ. પેલા મીત્ર ત્યાં જ બેઠા હતા. બોલ્યા, ‘જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારું આ ઘર બન્ધાયું  હોત તો આવા ઝગડા કદી ન થાત.’

આ વાસ્તુશાસ્ત્રની શોધ એટલે ‘સન્તોષીમા’ની શોધ. આ સન્તોષીમા પણ નોબેલ પ્રાઈઝ મેળવવાને યોગ્ય છે. મને યાદ છે, ૧૯૫૫માં જયારે હું નવમા ધોરણમાં હાઈ સ્કુલમાં હતો ત્યારે મારાં ભાનુકાકી મારી બાને સન્તોષીમાનું વ્રત સમજાવવા આવ્યાં હતાં ને કહ્યું હતું કે, ‘શુક્રવારે આખો દીવસ ભુખ્યા રહેવાનું અને સાંજે ચણા અને ગોળ ખાવાના.’ મારી બા એ પુછ્યું કે, ‘શાસ્ત્રોમાં તો નવ દુર્ગાનું મહત્ત્વ સમજાવ્યું છે; તો પછી આ નવા માતા ક્યાંથી આવ્યાં ?’ ભાનુકાકી  બોલ્યાં, ‘વડોદરેથી આવ્યાં. મારી બહેન ભીખીનો કાગળ છે કે અહીં વડોદરામાં જે સ્ત્રીઓ આ વ્રત કરે છે તેમની ઈચ્છાઓ પુર્ણ થાય છે.’ મારી બા એમ સહેલાઈથી માને એવી નહોતી. તે બોલી, ‘તો પછી આ નવ માતાઓ ઈચ્છા પુરી નથી કરતી ? અમ્બામાતા તો મારાં બધાં કામ કરે છે ! તો તેમને છોડીને સન્તોષીમા પાછળ કેમ દોડું ?’ ભાનુ કાકી કહે કે, ‘મારી ભીખી ખોટું ન બોલે. હું તો શુક્રવાર ચાલુ કરી દઈશ. વડોદરાના લોકો કરે છે તો પછી આપણને શો વાંધો ?’ મારી બા કહે કે, દેવી પુરાણમાં સન્તોષીમાનું નામ કદી વાંચ્યું નથી. હું અમ્બાજીને છોડીને તારી સન્તોષીમા પાછળ દોડું તો અમ્બામાતાને ખોટું લાગે.’ મારી બા નાસ્તીક નહોતી; પણ સામાન્ય બુદ્ધી ચલાવતી. તે જીવનભર અમ્બામાતાને છોડીને સન્તોષીમા પાછળ દોડી નથી. તેમનો ફોટો સુધ્ધાં પોતાના ભગવાનોના ફોટાની ગૅલરીમાં નથી રાખ્યો. તેમાં સન્તોષીમાનું નસીબ સારું, તે કોઈકે એમના નામની ફીલ્મ બનાવી અને ખુબ ચાલી. પ્રોડ્યુસરો કમાઈ ગયા. થીયેટરવાળાઓએ તો બહાર મન્દીરો બનાવ્યાં અને ફીલમ તો ફીલમ, આરતીમાં પણ કમાઈ ગયા ! પછી તો સન્તોષીમા જામી ગયાં. ફીલ્મ ચાલી અને એમનો પ્રભાવ પણ ચાલ્યો અને આ પ્રભાવ સદીઓ સુધી ચાલશે.

આ બ્રીલીયન્ટ માણસો નોબેલ પ્રાઈઝ દર વરસે જીતી શકે અને માનવજાતનાં કલ્યાણનાં કાર્યો પણ કરી શકે. અમેરીકામાં બેઠાં બેઠાં મેં સાંભળ્યું છે કે દર અમાસે ગુજરાતીઓ, કાલસર્પ યોગથી બચવા નર્મદા કીનારે વસેલા ચાણોદ-કરનાળીના શંકર ભગવાનના દર્શને હજારોની સંખ્યામાં દોડે છે. હવે આ કાલસર્પ યોગની શાન્તીપુજા પણ નોબેલ પ્રાઈઝની અધીકારી બની શકે. આવી પુજાઓ કરવાથી મૃત્યુ જ ન આવે એનાથી માનવજાત માટે વધુ રુડું શું ? હવે તે જાત્રાધામ તો બની ગયું; પણ વાહન વ્યવહારને પહોંચી વળવા રસ્તાઓ તો જુના જ છે ! સેંકડોની સંખ્યામાં વાહનો દોડે છે. એટલે તેમાં કેટલાય ભક્તો વાહનોના એક્સીડન્ટોમાં માર્યા જાય છે. કાળથી બચવા સદેહે ભગવાનને શરણે પહોંચે તે પહેલાં તે કાળને શરણ પહોંચે છે અને ભગવાન જોતા રહી જાય છે. ઘેર બેઠા હોત તો કદાચ બચી ગયા હોત. પણ પાછા એ જ લોકો કહેશે- ‘ભઈ, મોત જ જો નસીબમાં હોય તો ઘરમાં પણ આવે.’ ચાલો, બીજું કંઈ નહીં તો એ બહાને રસ્તાઓ તો નવા બનશે !

આપણે તો આ મામુલી વાતો માત્ર ગુજરાતની જ કરીએ છીએ; પણ આખા ભારત વર્ષમાં તો ભક્તોના પ્રતાપે ભગવાન માટે રોજ કેટલાંય નવાં શાસ્ત્રો અને પેટાધર્મો રોજ સર્જાતાં હોય છે. આ બધાં નવાં શાસ્ત્રો નોબેલ પ્રાઈઝને લાયક ઠર્યાં હોત – જો મીસ્ટર નોબેલને નોબેલ પ્રાઈઝ માટે ધર્મનો વીષય સુઝયો હોત તો !

–હરનીશ જાની

લેખક–સંપર્ક:

શ્રી હરનીશ જાની, 4, Plesant Drive, Yardville, NJ 08620 – USA

E-Mail: harnish5@yahoo.com Phone609-585-0861

લંડનથી પ્રગટ થતા ગુજરાતી ડીજીટલ માસીક  ‘ઓપીનીયન’ ના પુસ્તક: 16, પ્રકરણ: 12, સળંગ અંક: 192, તા.16-03-2011ના અને તા.16-04-2011ના ‘નીરીક્ષક’ના અંકમાંથી, લેખક શ્રી હરનીશ જાની તેમ જ ઓપીનીયન’ના તંત્રી શ્રી વીપુલભાઈ કલ્યાણીની અને ‘નીરીક્ષક’ના તંત્રી શ્રી.પ્રકાશ ન. શાહની પરવાનગી અને સૌજન્યથી સાભાર…

ઈ–મેઈલ: vipoolkalyani.opinion@btinternet.com

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ..

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

ગોવીન્દ મારુ નવસારી

અક્ષરાંકન – ગોવીન્દ મારુ

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

22th April, 2011

()()()()()()()()()


હરનીશ જાની

અચ્યુતમ્ કેશવમ્

સાધુસંતોને કારણે નહીં; પણ સ્ત્રીઓને લીધે હીંદુ ધર્મ સદીઓથી ટકી રહ્યો છે. સ્ત્રીઓમાં સામાન્યત: ધાર્મીક વૃત્તી વધારે હોય છે. આ ધાર્મીક વૃત્તી ન પણ હોઈ શકે અને ચમત્કારથી સહેલાઈથી અંજાઈ જવાની લાક્ષણીકતા પણ હોય શકે, કારણ આપણો હીંદુ ધર્મ ચમત્કારોથી ભરપુર છે.

નાનપણમાં અમારા ઘરમાં ભગવાનની પુજાનો વારસો દાદીમાએ મારી બાને પકડાવ્યો હતો. મારા બાપા કે કાકાઓને મેં કદી મંદીરનાં પગથીયાં ચઢતાં જોયા નથી. અમારા ઘરમાં હીંદુ ધર્મનો આદર થતો તે ફ્ક્ત મારી બાની શ્રદ્ધાને લીધે જ. અમારા ઘરમાં દેવમંદીર હતું. ભગવાનની સેવાની મારી બાની તમન્ના તેણે મને પકડાવી હતી. પરીક્ષામાં પહેલા નંબરની લાલચ આપીને. રોજ સવારે ભગવાનની પુજા મારી પાસે કરાવતી હતી. સવારે પુજા થઈ ગયા પછી આશીર્વાદ આપતી કે ભણીગણીને વીલાયત જજે. વીલાયતનું તો ન ગોઠવાયું પણ અમેરીકા આવી ગયો. મને પુજા કરવાનો જબરજસ્ત કંટાળો આવતો હતો. મીત્રો બહાર ગીલ્લીદંડા કે ક્રીકેટ રમતા ત્યારે મારે પુજાપાઠ કરવાં પડતાં. પરંતુ ભગવાનને ચોપડે ભક્તીનું ખાતું તો મારી બાના નામનું હતું. મારી બા ખુબ ભક્તીભાવવાળી હતી. સવારે ઉઠતાંવેત સ્વપ્નમાં કયા ભગવાન આવ્યા હતા તેની વાત કરે. જ્યારે હું મીત્રો સાથે સ્વપ્નમાં મધુબાલા આવી હતી કે નરગીસ તેની ચર્ચા કરતો ! અમારા ઘરમાં હીંદુ ધર્મનો ઝંડો મારી બાએ ફરકાવ્યો હતો. મેં જોયું છે કે મારા છ કાકાઓના ઘરમાં પણ બધી કાકીઓએ ધર્મના ઝંડા પક્ડ્યા હતા. અમારા કુટુંબની બધી સ્ત્રીઓ પોતે સૌથી વધુ ધાર્મીક છે એ પુરવાર કરવા હંમેશાં મથતી હતી.

એક વખત મારાં ભાનુકાકી મારી બા પાસે આવ્યાં ને કહે, ‘સુશીલા, તારે સત્યનારાયણની કથા કરાવવી પડશે અને પાંચ બ્રાહ્મણ જમાડવા પડશે, કારણ કે તારો હરનીશ માંદો પડ્યો હતો ત્યારે મેં બાધા રાખી હતી કે, ‘હે ભગવાન, સુશીલાનો હરનીશ બચી જશે તો હું સુશીલા પાસે સત્યનારાયણની કથા અને બ્રહ્મભોજન કરાવીશ.’ મારી બાને ગુસ્સો તો ચઢ્યો કે મારા વતીની તેં બાધા કેમ રાખી ? પણ હવે બાધા પ્રમાણે કથા અને બ્રહ્મભોજન ન કરે તો પોતાની ધાર્મીક વૃત્તીમાં ખામી ગણાય. એટલે એણે પાંચ નહીં પણ દસ બ્રાહ્મણ જમાડ્યા (સાથે પચાસેક સગાંવહાલાં તો ખરાં જ !) અને સત્યનારાયણનું વ્રત ધામધુમથી ઉજવ્યું.

બાધાની વાત કરીએ તો મારાં હસુભાભીએ કનુભાઈ માંદા પડ્યા હતા ત્યારે બાધા રાખી હતી કે ‘જો મારા પતી સાજા થઈ જશે તો હું આવતી શરદ પુનમે તેમને ડાકોર ચાલતા રણછોડરાયજીની સેવા કરવા મોકલીશ.’ કનુભાઈનું નસીબ નબળું તે માંદગીમાંથી તે બચી ગયા. કનુભાઈ હરતાફરતા થયા એટલે ભાભીએ એમને બાધાની વાત કરી. કનુભાઈ ભડકી ઉઠ્યા. રાજપીપળાથી ડાકોર દોઢસો-બસો કીલોમીટર દુર ! ભાઈ કહે, ‘મારા વતી તું ચાલ, તેં બાધા રાખી છે. મેં નહીં.’ સ્ત્રી પોતાની શ્રદ્ધા સાબીત કરવા બીજાને ગરદન મારતાં જરા પણ ન અચકાય.

પછી ડાકોર ચાલતા જવાનો કોયડો અમારા બાબુકાકાએ ઉકેલ્યો. ગામના લાકડાવાળા શેઠની ટ્રોલી(ટ્રક) ભાડે કરી. કનુભાઈને અંદર ઉભા રાખી અને ટ્રોલીમાં એક છેડેથી બીજે છેડે સાંકળ પકડીને ચાલવાનું સુચવ્યું. અને ટ્રોલી ભાગી ડાકોર તરફ. ચાલવાનું વ્રત પણ સચવાયું અને હસુભાભીને પુણ્ય મળ્યું. ફેર એટલો પડ્યો કે કનુભાઈએ હસુભાભીને કહ્યું કે ‘હવે જો કોઈ દીવસ તું માંદી પડે તો મારી બાધા જોજે. હું તને મથુરા સુધી ઉઘાડા પગે ચલાવીશ !’

અમારા ગામમાં ખુબ સુંદર આરસની લાદીવાળું લાકડાની ઉંચી છતવાળું ભગવાન લક્ષ્મીનારાયણનું સુંદર મંદીર હતું. છતમાંથી લટકતાં ઝુમ્મર અને દીવા સળગાવવાના રંગબેરંગી કાચના લેમ્પ અને લક્ષ્મીનારાયણની સફેદ આરસ-પહાણની મુર્તીઓ હતી. કહેવાતું કે રાજપીપળાના મહારાજા પણ દર્શન કરવા આવતા.

મુળ વાત એ કે ઉનાળામાં વાતાનુકુલ જેવી ઠંડક મંદીરમાં રહેતી. જ્યારે જુઓ ત્યારે કોઈને કોઈ કથાકારની કથા ચાલતી જ હોય. સો દોઢસો માણસો બેસી શકતા. મોટા ભાગની સ્ત્રીઓ હોય. સાથે પાંચ દસ પુરુષો પણ કથામાં બેસતા. અમે છોકરાંવ ત્યાં રમવા અને પ્રસાદ ખાવા જતાં. મેં જ્યારે જોયું છે ત્યારે પુરુષો મંદીરની ઠંડકમાં ઉંઘતા જ હોય ! કથા કથાની જગ્યાએ ને મહારાજ મહારાજની જગ્યાએ ! જ્યારે પુરુષો પોતાની ઉંઘ બપોરે આરામથી પુરી કરી લેતા. મને ત્યારે લાગતું કે ધાર્મીક વૃત્તી ગઈ એને ઘેર. આ લોકો મંદીરમાં ઉંઘવા જ આવતા. જ્યારે મંદીર તરફથી શ્રોતાજનોને એક એક રકાબી ચા અને પ્રસાદ મળતો ત્યારે તેઓ આંખો ખોલતા અને કામ પતાવીને પાછી મીંચી દેતા. અમે છોકરાંઓ આ સેવા પુરી પાડતાં. કથામા જ્યારે ભજનો ગવાતાં ત્યારે બેચાર સ્ત્રીઓ હાથ ઉંચા કરીને નાચતી. ભક્તીભાવ હોય કે જુવાનીમાં નાચવાના રહી ગયેલા અભરખા હોય, જે હોય તે, પણ સ્ત્રીઓમાં ભક્તીભાવ છલકાતો હતો. એ લોકો બાકીના શ્રોતાઓનું ખાસ ધ્યાન ખેંચતાં. આપણને લાગે કે એ સ્ત્રીઓ નાચવા જ આવતી.

ધરમના ધંધા ભલે પુરુષોના હાથમાં રહ્યા. પરંતુ તેમના ગ્રાહક તો સ્ત્રીઓ જ છે. સ્ત્રીઓની ધાર્મીક ભાવનાને કારણે જ ધર્મનો વીકાસ થયો છે. હીંદુ ધર્મ સ્ત્રીઓને ગમે છે, કારણ કે એમાં આવતી દેવીઓ આગળ પુરુષોનાં ઝુકતાં માથાં જોવાની તેમને મઝા આવે છે. હીંદુ ધર્મ સ્ત્રીશક્તીને પુજે છે. શકંર ભગવાન, કહેવાય ભગવાન, પણ તેમના શેઠ (બોસ) તો પાર્વતી જ ને ! શીવપુરાણમાં ઠેર ઠેર પાર્વતીનો જ વૈભવ છે. મારા બાપુજી ઘણી વાર કહેતા કે ‘અલ્યા નારાયણને ભજ તો પતી પાછળ લક્ષ્મીજી તારે ત્યાં આવશે.’ આજે મોટો થયો ત્યારે સમજાયું કે જ્યાં જ્યાં લક્ષ્મીજી છે ત્યાં ત્યાં નારાયણ બીચારા લક્ષ્મીજીની પાછળ પાછળ ઘસડાય છે.

ગુજરાતણોમાં અંબામાતાનું ચલણ બહુ, મારી પત્નીનાં તો ખાસ પ્રીય માતા અંબામા ! એને એ ગમે છે કારણ કે મોટા વાઘને બકરી બનાવીને એના પર સવાર થાય છે. જ્યારે એ માતાજીની પુજા કરીને ઉઠે ત્યારે હું તેને રસ્તે આડો નથી આવતો, કારણ કે માતાજીની પુજા કર્યા પછી આપણને લાગે કે માતાજી સ્વયં એનામાં સમાયાં છે અને કોઈક વાઘને બકરી બનાવવા તત્પર છે !

છેલ્લે, જ્યારથી મારી પત્નીએ જાણ્યું છે કે હું નાનપણમાં મારી બાને ખુશ રાખવા મારા ઘરમાં ભગવાનની પુજા કરતો હતો ત્યારથી અમારા ઘરમાં રોજ સવારે ભગવાનની પુજા મારી પાસે કરાવવાના પ્લાન ઘડે છે. પુજા મારે કરવાની અને ભગવાન પાસે એના નામનું ખાતું ખોલાવવાનું. તમને લાગે છે કે હું એમ કરીશ ? તમારી વાત ખરી છે. હું ભગવાનની પુજા કરીશ.

હરનીશ જાની

(માણસ ભલે ગુજરાતમાંથી નીકળી જાય; પરન્તુ માણસમાંથી ગુજરાત નીકળતું નથી એમ કહેનાર હાસ્યલેખક હરનીશ જાની ગુજરાતમાં જનમ્યા, મોટા થયા, નોકરી કર્યા પછી છેલ્લાં 40વર્ષોથી અમેરીકામાં સ્થાયી થયા છે. પ્લાસ્ટીક ઈજનેરની લાંબી નોકરી પછી હાલ નીવૃત્ત છે.)

તેમના હાસ્યરચના સંગ્રહ સુશીલા (પ્રકાશકહર્ષપ્રકાશન, 403ઓમ દર્શન ફ્લૅટ્સ, 7મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે, અમદાવાદ380 007, પ્રથમ આવૃત્તી 2009, પૃષ્ઠ સંખ્યા20+128, મુલ્ય રુપીયા100)ના પાન ક્રમાંક92-પરથી, લેખકની પુર્વ પરવાનગી અને સૌજન્યથી સાભાર


USA અને UK માં સુશીલા મેળવવાનીચે સંપર્ક કરો.”

Harnish Jani

4, Pleasant Drive, YARDVILLE, NJ-08620-USA

Phone: 609-585-0861 Cell: 608-507-7102

E-mail: harnish5@yahoo.com


દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/


આ હાસ્ય નીબન્ધ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ..

આભાર..

અક્ષરાંકનગોવીન્દ મારુનવસારી

ફેબુઆરી 8, 2010


‘આ લેખ તમને ગમે તો મને લખજો;


પીડીએફ મારી પાસે તૈયાર જ છે,


તરત મોકલીશ.’

હરનીશ જાની

આકાશવાણી

રોમેન્ટીક નામવાળી વર્જીન એરલાઈન્સના પ્લેનમાં લન્ડન છોડી હું અને મારી પત્ની ન્યુ જર્સી આવી રહ્યાં હતાં.

મારી પત્ની હંસાએ કહ્યું, ‘કોઈ ભગવાન પસન્દ કર.’

મેં પુછ્યું, ‘કાંઈ કારણ ?’

‘તેં જોયું નહીં ! લન્ડનમાં ટેલીફોન પર જવાબ આપતાં પહેલાં બધા ભગવાનનું નામ બોલે છે તે ?’

વાત એમ બની કે લન્ડનમાં હૉટલમાંથી મારી પત્ની હંસાએ મીના પન્ડ્યાને ફોન જોડ્યો. તે ‘હેલો’ બોલી અને પછી ફોન હેન્ગ અપ કરી દીધો. ‘રોંગ નમ્બર હતો; કોઈ મન્દીરમાં જોડાઈ ગયો હતો.’પછી મેં તે જ નમ્બર જોડ્યો. સામેથી સ્ત્રીનો અવાજ આવ્યો, ‘હરે રામ, હરે કૃષ્ણ.’

મેં પુછ્યું, ‘ઈઝ ધીઝ ટેમ્પલ ?’

પછીથી વાતો કરતાં ખબર પડી કે તે મીનાબહેન જ હતાં.

જ્યારે અમે કનુભાઈ ઋષીને ફોન કર્યો ત્યારે સામેથી જુની રંગભુમીના રાજાનો અવાજ આવ્યો : ‘શીવશમ્ભો.’

આપણને લાગે કે લાઈન સીધી કૈલાસમાં લાગી ગઈ કે શું !કનુભાઈ શીવશમ્ભો’ એટલું જોરથી બોલ્યા હતા કે સામેની વ્યક્તી ભડકીને ભાગી જાય.

મેં કહ્યું કે,‘જો આપ સ્વયં શમ્ભુ હો તો હું હરનીશ છું.’

આખી જીન્દગી મેં જ્યારે પણ ફોન ઉઠાવ્યો છે ત્યારે જાહેરાત કરી છે કે ‘હું હરનીશ જાની બોલું છું.’હવે આ લંડનનો અનુભવ તદ્દન નવો હતો. અમારા દશ દીવસના રહેવાસ દરમીયાન ‘જૅ સી કૃષ્ન’, ‘જય સ્વામીનારાયણ’, ‘જય અમ્બે’, ‘જય જલારામ’ વગેરે વગેરે સાંભળવા મળ્યું. સૌથી આશ્વર્યજનક ‘જય સન્ત દેવીદાસ’ સાંભળવા મળ્યું. ટેલીફોન ઉપરના આ ટાઈપના ‘ગ્રીટીંગ્સ’નું કારણ શું હોઈ શકે ? તેઓ પોતાના ભગવાનની જાહેરાત કરે છે, પોતાના ભગવાનનો પ્રચાર કરે છે; કારણ જે હોય તે પરંતુ વીચાર આવે છે એ લોકો અન્દરોઅન્દર અથડાતા હશે ત્યારે શું થતું હશે ?

‘જલારામ બાપાની જય. તમે સાંજે શું કરો છો ?’ ‘જય સ્વામીનારાયણ, આજે સાંજે સ્વામીનારાયણના મન્દીરમાં જવાના છીએ.’ ‘ઓહ ! તો તમે કશું ખાસ નથી કરતા, તો આવો આજે સાંજે.’

કદાચ એમ પણ બને કે ‘સન્તોષીમા’ના ગ્રીટીંગ્સવાળા ‘મેલડીમાતા’વાળા જોડે સમ્બન્ધ ન પણ રાખતા હોય.લન્ડનમાં પરધર્મીઓ આ લોકોને ફોન કરતાં હશે ત્યારે તેમની શી દશા થતી હશે ? ન્યુ જર્સીના વીષ્ણુભાઈ ન્યુ યોર્કના મહેશભાઈને ફોન કરે ત્યારે મહેશભાઈ ફોન ઉઠાવી બોલે, ‘હું મહેશ.’

સામેથી સંભળાય, ‘હું વીષ્ણુ.’

અન્તરીક્ષમાં ક્યાંક કોઈક બોલતું હશે કે, ‘હું બ્રહ્મા અહીં લટકું છું.’

શીવશમ્ભોવાળા કનુભાઈનાં પત્ની નલીનીભાભીએ અમને જણાવ્યું કે ‘કનુને ટેલી–માર્કેટીંગની નોકરીમાંથી‘શીવશમ્ભો’ના સંબોધનના આગ્રહને કારણે પાણીચું મળ્યું હતું. પોતે બોલતા હતા એટલે નહીં; પરન્તુ સામેવાળા પાસે બોલાવતા હતા તેથી.’

જ્યારે કનુભાઈને મળવાનું થયું ત્યારે તેમણે જણાવ્યું કે, ‘મારા ગુરુ માને છે કે આ રીતે આપણા અને સામાના મનમાં એક પવીત્ર વીચારની ફુંક મારી શકીએ છીએ.’

આ ગુરુ કોણ છે ?

‘હરનીશપુરાણ’માં એક વાર્તા છે કે એક ગરીબ બ્રાહ્મણે જંગલમાં જઈને ખુબ તપ કર્યું અને ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન પ્રગટ થયા. ગરીબ બ્રાહ્મણને કહે, ‘માગ તારે જે માગવું હોય તે.’ ગરીબ બ્રાહ્મણ બોલ્યો, ‘પ્રભુ ગરીબીને કારણે મારી પત્ની મને ત્યજી ગઈ છે. મારો દીકરો મારું માનતો નથી. પ્રભુ, જીવનમાં ઘણી તકલીફો છે.’ પ્રભુ કહે- તારે ભવસાગર તરવો હોય તો ગોઠવણ કરી આપું, મોક્ષ જોઈતો હોય તેમાં નામ લખાવી દઉં; પરન્તુ બૈરીને પાછી બોલાવવા માટે તારે પન્ડીત, મહારાજ કે અજમેરીબાબાનો સમ્પર્ક સાધવો પડે.’

પછી પ્રભુએ આગળ ચલાવ્યું. ‘વાત એમ છે કે હું ભગવતગીતામાં લખવાનું ભુલી ગયો છું કે હું અને ગુરુ એક સાથે તને મળીએ તો તારે કોને પહેલાં પગે લાગવાનું. કોઈ ભોજપુરી ગુરુએ તે લખી દીધું કે,

‘ગુરુ ગોવીન્દ દોનોં ખડે, કીસકો લાગું પાય,

પહેલો લાગુ ગુરુ કો, જીસને ગોવીન્દ દીયો બતાય’

‘ગુરુ અને હું સાથે ઉભા હોઈએ ત્યારે મને પહેલાં પગે લાગવું જોઈએ. એમ જો ગુરુએ શીખવાડ્યું ન હોય તો તે ગુરુ કેવા ? સામાન્ય રીતે મારી અને ગુરુ વચ્ચે સમજુતી છે કે અમારે બેએ એક સાથે ક્યાંય જવું નહીં. આમેય અમે બન્ને સાથે ઉભા હોઈએ તો કલીયુગના લોકો ગુરુથી જ અંજાય છે અને ગુરુને હેલીકોપ્ટરમાં ફેરવે છે. આ બાબાએ અને મહારાજોએ લોકોને એવાં ગોગલ્સ પહેરાવ્યાં છે કે એમને બાબાઓ અને મહારાજો મારાથી મોટા દેખાય છે અથવા એમ કહીએ કે માત્ર એ લોકો જ દેખાય છે.

‘અને ટીવી પર તો ‘ટીવી ગુરુ’ઓનો વર્ગ ઉભો થયો છે. તમે મારા આશ્રમમાં નહીં આવો તો કાંઈ નહીં. હું તમારા ઘરમાં આવીશ. ગુરુની દયાનો પાર નથી ! આ ગુરુઓ હવે ટીવી પર ઝળકતા થઈ ગયા છે. ઈન્ટરનેટ દ્વારા દાન સ્વીકારે છે. ઈન્ટરનેટ દ્વારા આશીર્વાદ મોકલે છે. ટીવી પર દેખાવડા જુવાન ગુરુઓની માંગ વધારે છે. ગુરુ સ્ટુડીઓમાં બોલે અમે પાછળ ઓડીયન્સ બતાવીશું. ટુંકમાં ટીવી હવે મનોરંજનનું સાધન નથી રહ્યું. આ મારી માયા છે કે ગુરુની ! મને ખબર નથી.’

કલીયુગના ગરીબ બ્રાહ્મણે ભગવાન તરફ જોયું અને બોલ્યો, ‘ફરગેટ એબાઉટ ભવસાગર. તમારી પાસે પન્ડીત મહારાજનો ફોન નમ્બર છે ?’

ભગવાન કહે, ‘તે તો મોઢે છે. લખ 01144-176-176.’ બ્રાહ્મણે તે લખી લીધો. ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા.

એલેકઝાન્ડર ગ્રેહામ બેલ નાસ્તીક હશે. જેથી માળા ફેરવવાનો સમય બગાડીને આ ફોનની શોધ કરવા બેઠો અને ફોન શોધીને જેસીકુષ્ન’બોલવાની જગ્યાએ ‘હેલો’ બોલ્યો.

મારી પત્નીએ પાછું પુછ્યું, ‘કોઈ ભગવાન પસન્દ કર્યા ખરા?’ મેં કહ્યું ‘મને કોઈ ભગવાન માટે પક્ષપાત નથી. બધા ભગવાન પાવરફુલ લાગે છે.’ તો પત્ની કહે છે કે, ‘આપણે કોઈક નામ બોલવું જ પડશે.’

તો મેં કહ્યું કે, ‘મને ભગવાન કરતાં ઐશ્વર્યા રાયમાં વધુ શ્રદ્ધા છે અને મને ઐશ્વર્યા રાયનું નામ રટણ કરવાનું ગમે છે.’ તો પત્ની બોલી, – ‘ઓ.કે., એ નામ ચાલશે. ઈશ્વર અને ઐશ્વર્યા, સરખું જ થયું.’ પત્નીએ સ્વીકાર્યું, એ જ મારા માટે મોટી સીદ્ધી હતી !

ઘરે આવ્યા. કોઈકનો ફોન આવ્યો. શુભસ્ય શીઘ્રમ્. મેં ફોન ઉપાડી કહ્યું, ‘જય ઐશ્વર્યા રાય, હું હરનીશ બોલું છું.’સામેથી અવાજ આવ્યો, ‘ઐશ્વર્યા નહીં, જય કરીના કપુર – કરીના કપુર બોલો.’

હરનીશ જાની

(‘માણસ ભલે ગુજરાતમાંથી નીકળી જાય; પરન્તુ માણસમાંથી ગુજરાત નીકળતું નથી’ એમ કહેનાર હાસ્યલેખક હરનીશ જાની ગુજરાતમાં જનમ્યા, મોટા થયા, નોકરી કર્યા પછી છેલ્લાં 40 વર્ષોથી અમેરીકામાં સ્થાયી થયા છે. પ્લાસ્ટીક ઈજનેરની લાંબી નોકરી પછી હાલ નીવૃત્ત છે.) તેમના હાસ્યરચના સંગ્રહ ‘સુશીલા’ (પ્રકાશકહર્ષપ્રકાશન, 403–ઓમ દર્શન ફ્લૅટ્સ, 7મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે, અમદાવાદ–380 007, પ્રથમ આવૃત્તી2009, પૃષ્ઠ સંખ્યા20+128, મુલ્ય રુપીયા100)ના પાન ક્રમાંક54પરથી, લેખકન પુર્વ પરવાનગી અને સૌજન્યથી સાભાર…

સમ્પર્ક:

Harnish Jani

4, Pleasant Drive, YARDVILLE, NJ-08620-USA

Phone: 609-585-0861 Cell: 608-507-7102

E-mail: harnish5@yahoo.com

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

આ હાસ્ય નીબન્ધ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ..

આભાર..

ગોવીન્દ મારુ નવસારી

November 26, 2009