મરણોત્તર કલ્પનાવીહાર અને હાનીકારક ક્રીયાકાંડ

 

મરણોત્તર કલ્પનાવીહાર અને હાનીકારક ક્રીયાકાંડ

–વલ્લભ ઈટાલીયા

મૃત્યુ પછી શું? કદાચ કદીયે ન જાણી શકાય એવા પ્રશ્ને માણસને હજારો વર્ષથી અજબગજબનો કલ્પનાવીહાર કરાવ્યો છે. પૃથ્વી પર માનવી જ એકમાત્ર એવું પ્રાણી છે, જે વર્તમાન જીન્દગી પછીનો મરણોત્તર ભાવીનો વીચાર કરે છે. માણસ દુ:ખી છે; કારણ કે તે આ લોકની ઓછી; પરલોકની ચીન્તામાં વધુ વ્યસ્ત રહે છે. માણસને પોતાની વર્તમાન જીન્દગી નરક જેવી હાલતમાં ગુજરે તે મંજુર છે; પરન્તુ મૃત્યુ પછીની જીન્દગીને તો સ્વર્ગમાં જ માણવી છે!

હીન્દુઓ સ્વજનના મૃત્યુ પાછળ દહાડો–પાણીઢોળ કરે છે, તેમાં અનેક ચીજ–વસ્તુઓ બ્રાહ્મણોને દાનમાં આપે છે. પલંગ, પાગરણ, વસ્ત્રો, જોડાં, ખાવા–પીવાની સામગ્રી, વરસાદથી બચવા છત્રી, અન્ધારે ભાળવા માટે ફાનસ (કહેવાતા સ્વર્ગમાં હજુ વીજળીની શોધ કે વ્યવસ્થા થઈ લાગતી નથી!) વગેરે ચીજ–વસ્તુઓ મરનારની પાછળ બ્રાહ્મણને એટલા માટે દાનમાં આપવામાં આવે છે કે, તે વસ્તુઓ, મરનારને સ્વર્ગમાં પ્રાપ્ત થાય!

કહેવાય છે કે, પરલોકમાં ‘વૈતરણી’ નામની વીશાળ નદી તરવાની ફરજીયાત હોય છે. જો આપણે બ્રાહ્મણને દાનમાં ગાય આપી હોય, તો જ એ નદી તરવાની વેળાએ ગાય આપણને મળે અને એનું પુંછડું પકડીને આપણે વૈતરણી તરી શકીએ! (ધનીક માણસો બ્રાહ્મણને ગાયના બદલે હેલીકૉપ્ટર દાનમાં આપી શકે ખરાં? એમ બને તો વૈતરણી પાર કરવામાં વધારે સરળતા રહે!) જો અહીં ભુમીનું દાન કર્યું હોય તો જ પરલોકમાં આપણને ભુમી મળે!

ઈસ્લામ, ખ્રીસ્તી અને યહુદી ધર્મમાં કયામતના દીને જીવને જન્નત(સ્વર્ગ) કે જહન્નુમ(નર્ક)માં ક્યાં નાખવો તેનો ઈશ્વર ઈન્સાફ કરે છે, એવી માન્યતા છે. તપસ્યાના માધ્યમથી જીવો મોક્ષ મેળવે છે અને જનમ–જનમના ફેરા ટળે છે, એવું જૈનો માને છે. ‘કરેલું કર્મ ભોગવવું પડે છે’ એવો સીદ્ધાન્ત લગભગ દરેક ધર્મોમાં છે. બૌદ્ધ ધર્મ પણ કર્મફળવાદી છે.

જો માણસના કર્મ પ્રમાણે જ એને ફળ મળતું હોય, ચીત્રગુપ્તના ચોપડે તેનાં પાપ–પુણ્ય જમા–ઉધાર લખાઈ જ જતાં હોય અને એ પ્રમાણે જ ન્યાય નક્કી થતો હોય; તો પછી સ્વજનના મૃત્યુ પાછળ તેને સ્વર્ગ અપાવવા આપણે કર્મકાંડો શા માટે કરીએ છીએ? શું મરણોત્તર કર્મકાંડ કે પંડીત–પુરોહીતો ભગવાનના ન્યાયમાંય પરીવર્તન લાવે એટલા બધા શક્તીશાળી છે? જો મરણોત્તર કર્મકાંડથી પાપ ધોવાઈને મોક્ષ જ મળી જતો હોય, તો એ સીદ્ધાન્ત તો ભયંકર જોખમકારક ગણાય! કારણ કે પછી તો જીવનમાં માણસ ટેસથી ભરપુર પાપ કરે, એટલા માટે કે મરણોત્તર ક્રીયાથી એનાં એ પાપ ધોવાઈ જ જવાનાં છે ને? પછી તો સ્વર્ગ કે મોક્ષ નક્કી જ!

અઢી હજારથીય વધુ વર્ષો પુર્વે ઋષી ચાર્વાકે કહ્યું, ‘સ્વર્ગ નથી, મોક્ષ જેવું કંઈ જ નથી; કારણ કે આત્મા જ નથી અને પરલોક પણ નથી. કર્મકાંડની કોઈ પણ ક્રીયાનું કશું ફળ મળતું જ નથી’.

કયામત અંગેના મુસ્લીમોના અને ખ્રીસ્તીઓના વીચારો અને પુનર્ભવ–પુર્વભવ અંગેના હીન્દુઓ, બૌદ્ધો, શીખો, જૈનોના વીચારો, જીવનની મરણ પછીની વ્યવસ્થા અંગે જુદા જુદા છે અને બધા ધર્મોને પોતાના વીચારો જ સાચા લાગે છે. દરેક ધર્મમાં જુદી જુદી માન્યતાઓ પ્રવર્તતી હોવાથી, એક સાથે એ બધું જ સાચું કદી પણ હોઈ શકે ખરું?

પુનર્જન્મ વીષયક પણ લોકમાનસમાં ખુબ ગુંચવાડો પ્રવર્તે છે. જો જીવનો તત્કાળ કે એક માન્યતા મુજબ 13 દીવસ બાદ (બારમાના દીવસ પછી) અન્ય પ્રાણીરુપે પુનર્જન્મ જ થતો હોય તો સ્વર્ગ–નરકની પ્રાપ્તીનો પ્રશ્ન જ ક્યાં રહે છે? અને જો પુણ્યશાળી સ્વર્ગમાં અને પાપી નરકમાં વસે, એમ માનીએ તો પુનર્જન્મનું શું? આવા બધા ગરબડ–ગોટાળાનું કારણ એ છે આ બધી કોરી કલ્પનાઓનો વીહારમાત્ર છે. બધા ધર્મોએ એક મત થઈ, કોઈ એક જ વ્યવસ્થા દર્શાવી નથી એ જ સીદ્ધ કરે છે કે, આ બધું કપોળકલ્પીત છે.

જ્યાં આત્મા છે કે નહીં – એ જ નક્કી નથી; ત્યાં પુનર્જન્મ શું અને મોક્ષ વળી શું? વીજ્ઞાને પણ આટલી મહાન–સુક્ષ્મ શોધો કર્યા છતાં, આત્મા શોધ્યો નથી; કારણ કે દેહથી અલગ આત્મા જેવું કંઈ છે જ નહીં. ચાર્વાકે ખુબ જ વૈજ્ઞાનીક વાત કહી છે : પંચમહાભુતોના સંયોજનથી જ ચૈતન્ય પ્રગટે છે, આત્મા જેવી કોઈ અલગ કે સ્વતન્ત્ર વસ્તુ જ નથી. પંચમહાભુતોનું સંયોજન ખોરવાતાં ચૈતન્ય આપોઆપ નષ્ટ થાય છે. જેમ : દીપક(કે મીણબત્તી) હોલવાઈ જતાં, પ્રકાશ કે જ્યોત નાશ પામે છે તેમ.’ માટે જ ચાર્વાક આગળ કહે છે કે ‘શ્રાદ્ધ, તર્પણ વગેરે ક્રીયાકાંડો તો બ્રાહ્મણોએ કરેલી પૈસા પડાવવાની ધુર્ત યોજનાઓ જ છે.’

શ્રાદ્ધ, તર્પણ, પીંડદાન, બ્રહ્મભોજન કે કાગડાને વાશ નાખવાથી તે આત્માને પહોંચે એવી માન્યતા છે. તો પ્રશ્ન એ થાય કે શું આત્માએ પણ દેહની માફક આવો બધો આહાર–ખોરાક ખાવો જોઈએ? અને શું આપણા બધા જ પુર્વજો કાગડા જ થાય છે? શું બધા જ પુર્વજો સાપ કે કાગડા બની પાછા પૃથ્વી પર જ આટા–ફેરા મારે છે? હવાફેર કરવા સ્વર્ગમાં કે નરકમાં કોઈ રોકતા નથી? થોડોક જ વીચાર કરતા આ બધી જ માન્યતાઓ પરસ્પર ટકરાય છે; કારણ કે એ સત્યથી છેટી છે.

મૃત માણસની પાછળ કર્મકાંડમાં, હોમહવનમાં કે લાડવા ખવડાવવામાં નાણાં વેડફીએ તેના બદલે શીક્ષણ, સ્વાસ્થ્ય કે સમાજહીતમાં નાણાંનો ઉપયોગ કરીએ તો સ્વર્ગ માટે માણસે મૃત્યુ સુધી રાહ જોવી પડે એમ નથી. જે દીવસે ‘સ્વર્ગ આકાશમાં ક્યાંય નથી’ આટલી અમથી સમજણ માણસમાં આવશે ત્યારે પૃથ્વી પર જ સ્વર્ગનું નીર્માણ નક્કી!

ગ્રહોની નડતર, પુનર્જન્મ, પુર્વજન્મ, પાછલા જન્મોના કર્મોનાં સારાં–નબળાં ફળ, પ્રારબ્ધ, નસીબ – આ બધું માણસે પોતાની જવાબદારીમાંથી છટકવા માટે ઉઘાડેલી છટકબારીઓ છે. આપણા નબળા પુરુષાર્થના બચાવ માટેના, આ બધાં મનઘડંત અવલમ્બનો છે.

ગાંધીજી જેવા મહાત્માએ પોતાના જીવનમાં કદી કોઈનું બુરું નથી કર્યું; છતાં તેમનું ખુન થયું. તો શું એ માટે ગાંધીજીના પુર્વજન્મનાં કર્મો જવાબદાર હતા? અને જો ગાંધીજીએ પાછલા જન્મમાં પાપ કર્મો કર્યા હોય તો પછી આ જન્મમાં તેઓ એક મહાન માણસ – ‘વીશ્વવીભુતી’ – કેમ બની શક્યા? રવીશંકર મહારાજે આખી જીન્દગી જનસેવામાં જ ગાળી; છતાં એક દાયકા સુધી પથારીવશ, અસહાય હાલતમાં રીબાયા. શું એ એમના પુર્વજન્મનાં પાપને કારણે એમ બન્યું? પુર્વજન્મમાં તેમણે પાપ કર્યું હતું તો પછી ખુબ મોટી ઉમ્મર થઈ ત્યાં સુધી ખુબ જ તન્દુરસ્ત, પરોપકારી અને ઋષી જેવું સન્માનીત જીવનનું પ્રારબ્ધ તેમને કેમ મળ્યું? દુનીયામાં લાખો યુવતીઓ શારીરીક શોષણ અને બળત્કારનો ભોગ બને છે, શું તે બધી પુર્વજન્મનાં ફળ ભોગવી રહી છે? ધરતીકમ્પ, પુર જેવી કુદરતી હોનારતોમાં અને યુદ્ધમાં, હજારો–લાખો સ્ત્રી–પુરુષો, બાળકો, પશુઓ અને જીવજન્તુઓ માર્યાં જાય છે. શું એ બધાંએ એક સરખાં પાપ કર્યાં હોય છે? કશ્મીરમાં નીર્દોષ નાગરીકો ત્રાસવાદનો ભોગ બની રહ્યાં છે, તો શું એ બધાં પુર્વજન્મનાં ફળ ભોગવી રહ્યાં છે? અને જો તેઓ પુર્વજન્મનાં પાપ ભોગવી રહ્યાં હોય તો; એ ઈશ્વરી ન્યાયવ્યવસ્થામાં ખલેલરુપ એવું આ પોલીસતન્ત્ર, લશ્કર તેમના રક્ષણ માટે કેમ ગોઠવવામાં આવ્યું છે? એક તાજો જ દાખલો : હાલ જ સુરતના નાગજીભાઈ ધોળકીયા નામક હીરા દલાલનું અપહરણ કરી, તેમની પાસેથી દોઢેક કરોડના હીરા લુંટી, તેમનું ખુન કરી નંખાયું. માની લઈએ કે નાગજીભાઈને તેમનાં પુર્વજન્મનાં કર્મનું ફળ મળ્યું; પણ તેમના જતાં, તેમનાં પત્ની અને માસુમ બાળકો અકાળે નીરાધાર–અનાથ બન્યાં, તેને માટે કોનાં પુર્વજન્મનાં કર્મોને જવાબદાર લેખીશું? છે કોઈ સમાધાનકારી નક્કર જવાબ?

મીત્રો, માણસના જીવન દરમીયાનના કર્મનાં ફળ સમજાય તેમ છે કે, વધારે પડતું ખાવાથી પેટમાં દુ:ખે, બહુ ઉજાગરા કરવાથી માંદા પડી જવાય, વાહન બેકાળજીથી ચલાવીએ તો અકસ્માતનો ભોગ બનીએ, બેદરકારીથી શાક સમારીએ તો ચપ્પુ વાગે અને લોહી નીકળે, પાણીનો વેડફાટ કરીએ તો પાણી વગર ટળવળીએ, ભણવામાં ધ્યાન ન અપાય તો નાપાસ થવાય, આ બધાં કર્મોનાં ફળ સમજી શકાય છે; પરન્તુ પુર્વજન્મ કે જે આપણને યાદ જ નથી તેવા કર્મોનું ફળ આટલું મોડું? અને તેય બીજા જન્મમાં! તર્કમાં બેસતું નથી. દુનીયાના મહાન ગણાતા વીચારકો, દાર્શનીકો અને તત્ત્વચીન્તકોના વીચારોમાં પણ આ વીષય અંગે વીરોધાભાસ જોવા મળે છે; કારણ કે મૃત્યુ પછી શું? એ વીષય પર ગમે તેટલા મોટા ગજાના તત્ત્વચીન્તકને પણ આખરે તો કલ્પના પર જ આધાર રાખવો પડે છે.

મારી સમજ પ્રમાણે વ્યક્તી સુખી કે દુ:ખી થાય છે તેમાં પુર્વજન્મના કર્મો નહીં; પરન્તુ મોટાભાગે માણસ પોતે જ અથવા ધર્મ, સમાજ કે તેની આસપાસનાં પરીબળો જ જવાબદાર હોય છે. મુખ્યત્વે તો માણસની ક્ષમતા, યોગ્યતા કે અયોગ્યતા, સમય–કસમયનાં સાચા કે ખોટા નીર્ણયો જ સુખ–દુ:ખ માટે કારણભુત હોય છે.

પહેલાના વખત કરતાં આજે બાળમૃત્યુ દર ઘણો ઘટી ગયો છે. વીચારી જુઓ, શું આધુનીક ચીકીત્સાવીજ્ઞાનના કારણે આ શક્ય બન્યું છે કે પુર્વજન્મના કર્મોનાં કારણે? પહેલા માણસનું સરેરાશ આયુષ્ય માંડ 35 વર્ષ હતું. આજે લગભગ 65 વર્ષ થવા આવ્યું છે. શું તે પુર્વજન્મના કર્મોથી કે પછી અદ્યતન મેડીકલ સાયન્સના કારણે શક્ય બન્યું છે? પહેલાના જમાનામાં વીધવા બનેલી સ્ત્રીઓએ જીવનભર અપમાનીત અને કલંકીત જીવન જીવવું પડતું હતું. આજે વીધવાવીવાહ થઈ શકે છે. વીધવા સ્ત્રીઓ પણ પુનર્લગ્ન કરી અન્ય સ્ત્રીઓની માફક પોતાનું જીવન સુખરુપ ગાળી અને માણી શકે છે. શું આ પુર્વજન્મનાં કર્મોના કારણે શક્ય બન્યું છે કે પછી સમાજસુધારાના કારણે?

મૃત શરીરને ગૅસચેમ્બરમાં નહીં; પણ લાકડા વડે અગ્નીસંસ્કાર આપવાથી મોક્ષ મળે તેવા આદીમ વીચારો આજે વીજ્ઞાન યુગમાં પણ હયાત છે. મૃત્યુ પછી કાણ–ખરખરાના રીવાજોએ પણ હાનીકારક સ્વરુપ ધારણ કરી લીધું છે. ખરખરો કરવા માટે ઉમટી પડેલા લોકટોળાંઓ શોકાતુર પરીવારની ‘ખબર જ લઈ નાખે’ છે! શોકમગ્ન પરીવારને દીવસો સુધી શોકમાં જ ડુબેલા રાખવાની જાણે ઝુમ્બેશ! સૌરાષ્ટ્રમાં તો માથે ફાળીયાં નાંખી સાચું–ખોટું રડતાં–રડતાં ટોળેટોળાં શોકાતુર પરીવારના ઘરે ઉમટી પડે અને દુ:ખી પરીવારને દીવસમાં પચાસ વખત સાચુકલું જ રડાવે! ક્યારેક તો ખરખરે જતું ટ્રેકટર કે ટેમ્પો ઉંધો પડે અને ખરેખર વળી પાંચ–દસ બીજા મરે!

મરણોત્તર કર્મકાંડમાં સેંકડો વર્ષોથી લોકોનું શોષણ થઈ રહ્યું છે. આ સ્થીતી કેવળ માનવસર્જીત છે અને એટલી જ અસહ્ય પણ છે. મૃત્યુ પછીની ચીન્તા કરવા કરતાં; આપણે આપણા વર્તમાનને સુધારવાની ચીન્તા કરીએ તો બધી જ સમસ્યાઓનો ઉકેલ હાથવેંતમાં જ છે. સાચી દીશામાં થયેલા વીચારો અને તેનું આચરણ માણસને સાચા પંથે લઈ જઈ શકે. જગતમાં પ્રત્યેક સુધારા પાછળ ‘વીચારબીજ’ જ જવાબદાર રહ્યું છે.

માત્ર ચક્ષુહીનતા જ નહીં; વીચારહીનતા પણ માણસના જીવનમાં અન્ધાપાનું સર્જન કરે છે.

..પ્રસાદ..

માણસે પુર્વભવનાં કર્મનું ફળ નહીં;

પરન્તુ પોતે કરવાનાં કર્મો ન કર્યાનું અને

ન કરવાનાં કર્મો કર્યાનું ફળ ભોગવવું પડે છે.

વલ્લભ ઈટાલીયા

લેખકસમ્પર્ક :

શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, 74–બી, હંસ સોસાયટી, વરાછા રોડ, સુરત 395 006, મોબાઈલ : 98258 85900 મેઈલ vallabhitaliya@gmail.com

સુરતના ‘લોકસમર્થન’(જે હવે બંધ થયું છેદૈનીકમાં શ્રી. વલ્લભભાઈ ઈટાલીયાની કટાર ‘વીચારયાત્રા’ પ્રગટ થતી હતી. તેમાંથી લેખકશ્રીના સૌજન્યથી સાભાર….

Advertisements

ઘરના ટોડલે દીવાળીના દીવા અને અંતરના ટોડલે સમજણના…

સમય સહેજ પડખું ફેરવે છે અને વરસ બદલાઈ જાય છે. સમયને કામચોરી, લાગવગ અને ભ્રષ્ટાચાર કર્યા વગર પોતાનો ધર્મ નીભાવવાની ટેવ છે. બેસતા વર્ષનો દીવસ એ મારો અત્યંત પ્રીય તહેવાર છે. આ એક એવો દીવસ છે જ્યારે માણસ ખરેખર ‘માણસ’ જેવો જ લાગે છે ! ઘણીવાર એક વીચાર મારા મનમાં આપણાં ઉજળા ભાવીની આશા જન્માવે છે. બેસતા વર્ષનો એક દીવસ આપણે બધા પુરા પ્રેમ, આદર અને સદ્ ભાવથી જીવી શકતા હોઈએ તો એ સાબીત કરે છે કે આપણે આખું વર્ષ પણ એ પ્રમાણે જીવી શકીએ એમ છીએ. શું નવા વર્ષના પ્રથમ દીવસે પ્રગટ થતો પ્રેમ, સ્નેહ અને ભાઈચારો આપણે આખું વર્ષ ન ટકાવી શકીએ ? શું હીન્દુ અને મુસલમાનને ‘સાલમુબારક’ અને ‘ઈદમુબારક’ની જેમ ગળે મળવા માટે આખું વર્ષ પ્રેરણા ન આપી શકે ? પ્રયોગ કરવા જેવો છે.

વાતવાતમાં તોફાનો, ઝઘડા, ખુન, છેતરપીંડી અને માણસની અપરમ્પાર નીચતાથી સમાજ પક્ષાઘાતનો સામનો કરી રહ્યો છે. માત્ર સત્તાવીસ રુપીયા ટોલટૅક્સ નહીં ભરવા માટે થઈને હમણાં જ ટોલનાકાના એક કર્મચારીને ગોળીથી ઉડાવી દેવામાં આવ્યો ! સમાચાર જોયા ત્યારે આખો દીવસ મગજમાં ઘમસાણ ચાલ્યું : શું માણસની જીન્દગીનું આટલું જ મુલ્ય ? માનવજાતીની સૌથી મોટી સમસ્યા જ એ છે કે, તે પથ્થર સાથે ભગવાન જેવો વહેવાર કરે છે અને માણસ સાથે પથ્થર જેવો ! વરસ તો સમયની સાથે આપોઆપ બદલાય જાય છે; પરન્તુ માણસની નીચતા, દુર્દશા અને મુર્ખાઈને વરસની માફક આપોઆપ હટી જવાની આદત નથી! વરસના દીવસો તો નીર્ધારીત હોય છે; પરન્તુ માણસની મુર્ખાઈના દીવસો નીર્ધારીત નથી હોતા ! કેટલીક વાર તો એવું લાગે છે કે, માણસ સ્વભાવે જ પેટ ચોળીને પીડા ઉભી કરનારું પ્રાણી છે ! સુખ માટે માત્ર થોડી સમજદારી જ જરુરી છે, જ્યારે દુ:ખ માટે તો હજાર કારણો છે.

કોઈને ભુખ લાગે છે એની પીડા છે, તો કોઈને પચતું નથી એની પીડા છે ! કોઈને સન્તાન નથી એનું દુ:ખ છે, તો કોઈને સન્તાન વંઠેલ થયાં છે એનું દુ:ખ છે ! કોઈને લગ્ન થતું નથી એની પીડા છે, તો કોઈને છુટાછેડા થતા નથી એની પીડા છે ! કોઈને ઘરમાં ખાંડ નથી એની ચીન્તા છે, તો કોઈને ડાયાબીટીસ થયો છે એની ચીન્તા છે ! કોઈને બાપ નથી એનું દુ:ખ છે, તો કોઈને બાપ બગડેલો છે એનું દુ:ખ છે ! કોઈને મોત આવતું નથી એની પીડા છે, તો કોઈને મોત આંબી રહ્યું છે એની પીડા છે ! કોઈને શરીર પાતળું છે એની ચીન્તા છે, તો કોઈને શરીર લોંઠકું છે એની ચીંતા છે ! કોઈને ઉંઘ નથી આવતી એની પીડા છે, તો કોઈને ઉંઘ પીછો છોડતી નથી એની પીડા છે ! કોઈને કામ કરવું પડે છે એની ચીંતા છે, તો કોઈને કામ મળતું નથી એની ચીંતા છે ! ‘પ્રધાનો’ને ભ્રષ્ટાચાર કેમ કરવો એની ચીન્તા છે, તો ‘અન્ના’ઓને ભ્રષ્ટાચાર કેમ અટકાવવો એની ચીંતા છે ! કોઈને દુધના પૈસા નથી એની ચીન્તા છે, તો કોઈને દારુના પૈસા નથી એની ચીંતા છે ! સંસારમાં થોડાઘણા અંશે દરેક માણસ દુ:ખી છે. ‘ચીન્તાથી મુક્ત રહો’ અને ‘સદાય આનંદમાં રહો’ એવાં પ્રવચનો આપનારા ચીન્તાથી મુક્ત થઈ ગયા છે એવા ભ્રમમાં કોઈએ રહેવા જેવું નથી.

ઘણીવાર આપણી ખોટી દૃષ્ટી અને ખોટા અભીગમના કારણે દુ:ખ આપણો પીછો છોડતું નથી. પોણી દુનીયાને એવો વહેમ છે કે, આપણે બીજાના કારણે દુ:ખી છીએ; પરન્તુ હકીકતમાં આપણે આપણી જ ખોટી માન્યતાઓ, ખોટા નીર્ણયો અને ખોટા ધંધાઓના કારણે દુ:ખી થતા હોઈએ છીએ. ક્યારેક તો એવું લાગે છે કે માણસ દુ:ખના મારગે ચાલીને સુખની શોધ કરવા નીકળ્યો છે ! સુખ મેળવવા માટે માણસ ચુકવી શકવાની તાકાત ન હોય એટલું દેવું કરી બેસે છે, કમાવાની ત્રેવડ ન હોય એટલા ખર્ચાઓને પાળે છે અને ઉછેરવાની તાકાત ન હોય એટલાં બાળકો પેદા કરી નાંખે છે ! કેટલાક માણસો તો પોતાના દેહને છોડવા તૈયાર; પરન્તુ પોતાના વ્યસનને છોડવા તૈયાર નથી હોતા ! મૃત્યુબાદ ‘મોક્ષ’ મેળવવાની મહેનતમાં આપણે વર્તમાન જીવનને જ નર્ક બનાવી રહ્યાં છીએ. એટલી જ મહેનત વર્તમાન જીવનને સુધારવા માટે કરીએ તો આપણે સ્વર્ગની રાહ મૃત્યુ સુધી નહીં જોવી પડે. સુખી થવા માટે જીવનની વાસ્તવીક ફીલસુફીને સમજવી એટલી જ અનીવાર્ય હોય છે.

માનવજીવન એ સતત સંઘર્ષ, તકલીફો, અકસ્માતો ને સમસ્યાઓની હારમાળા છે. આપણે કેટલીકવાર વીચારીએ છીએ કે એક ઘરનું મકાન થઈ જાય એટલે બસ ! દીકરીને સારું સાસરું મળી જાય એટલે બસ ! છોકરો ધંધે ચડી જાય એટલે બસ ! કમ્મરનો દુ:ખાવો મટી જાય એટલે બસ ! પચ્ચીસ–પચાસ લાખની મુડી થઈ જાય એટલે બસ ! આ બધું ધારેલું પાર પડી જાય છે ત્યારે પણ માણસની સમસ્યાઓ મટી જાય છે ખરી? એક પ્રશ્ન ઉકેલીએ ત્યાં બીજીને સામે આવતા કેટલી વાર લાગે છે ? અવીરત સમસ્યાઓ, પારાવાર મુશ્કેલીઓ ને સતત સંઘર્ષ એટલે જ જીવન. ગમે તેવા વીકટ સમયમાં પણ હીમ્મત હાર્યા વગર, માર્ગ કાઢીને ‘યોગ્ય કર્તવ્ય’ કરતા રહેવું અને આગળ વધતા રહેવું એનું જ નામ છે જીન્દગી !

માણસે ‘પુર્વભવના’ કર્મોનું ફળ નહીં; પરન્તુ પોતે કરવાનાં હતાં એ કર્મો ન કર્યાંનું અને ન કરવાનાં કર્મો કર્યાંનું ફળ ભોગવવું પડે છે. માણસને દુ:ખ, સમસ્યા અને સંઘર્ષ ગમતાં નથી; પરન્તુ એ તો જીન્દગીનો જ એક હીસ્સો છે. જો તમે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરી રહ્યા હો, તો સમજજો કે તમે ખોટી દીશામાં જઈ રહ્યાં છો ! મુશ્કેલી વધે છે ત્યારે માણસમાં એનો સામનો કરવાની દૃષ્ટી અને શક્તી પણ વધે છે. ‘ભગવાન’ને શોધી રહેલા માણસ કરતાં પોતાની ‘ભુલ’ને શોધી રહેલા માણસને હું વધારે સમજદાર માનું છું !

નવું વર્ષ આપ સૌ મીત્રોના જીવનમાં નવો પ્રકાશ પાથરે અને આપ સૌને યશપ્રાપ્તી, આનન્દપ્રાપ્તી અને ધ્યેયપ્રાપ્તી સુધી પહોંચાડે એવી મારી હાર્દીક શુભેચ્છાઓ સ્વીકારશો.

પ્રસાદ

કાયમ સુખી રહેવા માટેના બે રસ્તાઓ દેખાય છે:

૧:    પરીસ્થીતીને અનુકુળ બનવું અથવા પરીસ્થીતીને અનુકુળ બનાવવી !

૨:    જ્યારે કોઈ ઘટના તમારા હાથ બહારની હોય, ત્યારે જે થાય તે થવા દેવું

અને બધું નાશ ભલે પામે; છતાં પણ ડરવું નહીં !

વલ્લભ ઈટાલીયા (સુરત)

લેખકસમ્પર્ક:

શ્રી વલ્લભભાઈ ઈટાલીયા, 74–બી, હંસ સોસાયટી, વરાછા રોડ, સુરત – 395 006, મોબાઈલ: 98258 85900, મેઈલ: vallabhitaliya@gmail.com

સર્જક–પરીચય:

મુળ ભાવનગર જીલ્લાના પાંચટોબરા ગામના વતની, 1963માં જન્મેલા અને સુરતમાં ભણી વાણીજ્યના સ્નાતક થયેલ શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, સુરતના હીરા ઉદ્યોગના એક અગ્રણી ઉદ્યોગપતી તો છે જ; પણ તેઓ સાહીત્યસેવી, વીચારક, એક કુશળ વક્તા અને પ્રસીદ્ધ નીબન્ધકાર પણ છે. એમણે સાવ ઓછું લખ્યું છે અને હવે તો વ્યાવસાયીક વ્યસ્તતાને પરીણામે લખવું તો લગભગ બન્ધ જ; પરન્તુ જેટલું લખ્યું છે તે તેમને પ્રથમ કક્ષાના લેખકોમાં સ્થાપીત કરવા માટે પુરતું છે. કલાસર્જનમાં મુલ્ય તો ક્વૉન્ટીટી(જથ્થા)નું નહીં; ક્વૉલીટી(ગુણવત્તા)નું જ લેખાય.

એમની બીજી સીદ્ધી તે વળી તેઓની વક્તૃત્વપ્રતીભા. પંદર મીનીટ બોલવા મળી હોય તો ચૌદમી મીનીટે તો એમણે પુન: આસન ગ્રહણ કરી જ લીધું હોય. એટલી સુયોજીત એમની સજ્જતા ! કવીત્વનાં છાંટણાંથી આકર્ષક અને આનંદપ્રદ એવું એમનું પ્રવચન સાંભળવું એય મોટો લહાવો છે.

શ્રી અને સરસ્વતીનું આવું સહઅસ્તીત્વ આ હસ્તીમાં છે. સફળ, બાહોશ વેપારી–ઉદ્યોગપતી તો તેઓ છે જ; પરન્તુ એ સૌથીય મોટી વાત તો એ કે તેઓ નમ્રતા અને સૌજન્યથી શોભતા, પ્રસન્ન વ્યક્તીત્વના માલીક એવા ‘માણસ છે. શ્રી વલ્લભભાઈ એટલે મીઠો મધ જેવો મધુરો ‘માણસસાચો અને પુરો..

પ્રા. રમણ પાઠક વાચસ્પતી’ (બારડોલી) અને

–ઉત્તમ ગજ્જર (સુરત)

 ♦દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/

વળી, જીજ્ઞાસુઓ માટે અને આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈમેઈલ આઈડી પર, પોતાનું સરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા, વાગોળાયેલા અને જીવનવ્યવહારમાં મુકાયેલા સારા એમ મને લાગે છે..

અક્ષરાંકન ગોવીન્દ મારુ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 07– 10 – 2011

શીક્ષણની ભુમી પર માણસાઈનાં વાવેતર

શીક્ષણની ભુમી પર માણસાઈનાં વાવેતર

[સુરતની ખુબ જ જાણીતી શાળા શ્રી વી. ડી. દેસાઈ વાડીવાળા ભુલકાં ભવન વીદ્યાલયમાં યોજાયેલા શીક્ષક સમ્મેલનમાં, શીક્ષક ભાઈ–બહેનો, આચાર્યો અને કેળવણીકારોથી ખીચોખીચ ભરેલા સભાગૃહમાં મુખ્યવક્તા શ્રી વલ્લભભાઈ ઈટાલીયાએ આપેલા પ્રેરક, પ્રભાવક પ્રવચનના મુખ્ય અંશો… વક્તા અને લેખક શ્રી વલ્લ્ભભાઈની પરવાનગી અને સૌજન્યથી સાભાર ]

એક સભામાં વીદ્યાર્થીએ પ્રશ્ન કર્યો, વીદ્યાર્થીના જીવનમાં વધારે મહત્ત્વનું શું ? સમય, માર્ક્સ કે માણસાઈ?’ મેં કહ્યું, વીદ્યાર્થીના જીવનમાં પરીક્ષા પહેલાં સમય વધારે મુલ્યવાન છે, પરીક્ષા વખતે માર્ક્સ વધારે મુલ્યવાન છે અને પછી આખી જીન્દગી માણસાઈ વધારે મુલ્યવાન છે !

આપણી શીક્ષણની પદ્ધતીમાં સૌથી મોટી ખામી જ એ છે કે, બાળકો સારા માર્ક્સ લાવે એવી ભરપુર કોશીશ થાય છે, પરન્તુ બાળક મોટો થઈને સારો માણસ બને એવી જરાય કોશીશ થતી નથી. આપણે ત્યાં સાક્ષરતા અભીયાન ચાલે છે; પરન્તુ સારો માણસ બનાવવાનું કોઈ અભીયાન નથી ચાલતું. માનવજાતીની મોટાભાગની સમસ્યાઓનાં મને બે કારણો દેખાય છે:

માણસની અજ્ઞાનતા: અજ્ઞાનતાને કારણે માણસ નીરર્થક, ખર્ચાળ અને હાનીકારક રીવાજો તથા અન્ધશ્રદ્ધા તરફ ધકેલાય છે અને અન્ધશ્રદ્ધા એ તો ગરીબીની નીમન્ત્રણ પત્રીકા છે ! ગરીબી જ આપણી અનેકવીધ સમસ્યાઓની જનની છે.

♦♦ માણસની નીચતા: ચોરી, લુંટફાટ, ખુન–ખરાબા, શોષણ, સ્ત્રીઓ પરના પ્રતીબન્ધો અને અત્યાચારો, બેઈમાની, અનીતી અને ભ્રષ્ટાચાર – આ બધું જ માણસની નીચતાનું પરીણામ છે.

આનો અર્થ એ થયો કે, માણસ ‘જ્ઞાનવાન’ બને અને ‘સારો માણસ’ પણ બને તો આપણી મોટાભાગની સમસ્યાઓ ઉકેલી શકાય તેમ છે. આપણી પાસે કેળવણી જ એક માત્ર એવું માધ્યમ–સાધન છે, જે જ્ઞાન આપવાનું અને સારો માણસ નીર્માણ કરવાનું એમ બન્ને કાર્યો કરી શકે તેમ છે. સારા માણસની મારી વ્યાખ્યા સાવ સીધી છે:

જે માણસ–

મફતનું  ખાતો નથી,

મફતનું લેતો નથી,

બીજાને નડતો નથી

અને

પોતાની જવાબદારીમાંથી કદી છટકતો નથી

એ સારો માણસ છે.

90 ટકા ગુણ સાથે પાસ થયેલો વીદ્યાર્થી મોટો અધીકારી તો બની જાય છે; પરન્તુ એની માણસાઈની ટેસ્ટ લેવામાં આવે તો માંડ 10 ટકા આવે ! આપણે ત્યાં ભણતરના ક્ષેત્રમાં બે શબ્દો પ્રચલીત છે :

શીક્ષણ: શીક્ષણ એટલે શીખવવું. વીદ્યાર્થીને જે ન આવડતું હોય એ જણાવવું.

●● કેળવણી: કેળવણી એટલે વીદ્યાર્થીની ભીતરમાં જે વીશીષ્ટ શક્તી પડી છે તેને પારખવી, બહાર કાઢવી અને તેની માવજત કરવી.

To educate એટલે બહાર કાઢવું. શીક્ષકોએ મુખ્ય બે કામ કરવાનાં હોય છે: (1) વીદ્યાર્થીમાં રહેલી વીશીષ્ટ શક્તીને બહાર કાઢવી અને વીકસાવવી. (2) વીદ્યાર્થીમાં રહેલા માનવીય સદ્ ગુણોને બહાર કાઢવા અને વીકસાવવા.

સન્તાનો પાસે વાલીઓની અપેક્ષાઓનો કોઈ પાર નથી. વાલીઓને તો પોતાનાં બધાં સન્તાનોને ડૉક્ટર અને ઈજનેર બનાવી દેવાં છે. કોઈ બાળકમાં કાવ્ય સર્જનની પ્રતીભા હોય અને તેને ઈજનેર બનાવી દેવામાં આવે ત્યારે એક ઉમાશંકર જોશીનું ખુન થાય છે અને સમાજને એક ‘નબળા’ ઈજનેરની ભેટ મળે છે ! કોઈ બાળકમાં શીક્ષક બનવાની પ્રતીભા હોય અને તેને ડૉક્ટર બનાવી દેવામાં આવે ત્યારે  એક મનુભાઈ પંચોળી ‘દર્શક’નું ખુન થાય છે અને સમાજને એક ‘જીવલેણ’ ડૉક્ટરની ભેટ મળે છે ! આપણે શા માટે શેક્સપીયર, એડીસન, ન્યુટન કે આઈન્સ્ટાઈન પેદા નથી કરી શકતા ? કારણ કે આપણે વીદ્યાર્થીને તેની પ્રતીભાથી વીપરીત દીશામાં વાળી દેવા માટે કટીબદ્ધ છીએ !

પશ્વીમના દેશોમાં પ્રાથમીક શાળામાં જ વીદ્યાર્થીઓની Aptitude Test લેવામાં આવે છે અને જાણી લેવામાં આવે છે કે વીદ્યાર્થીને કઈ લાઈનમાં રસ છે, તે કયા ક્ષેત્રમાં જવાની પ્રતીભા ધરાવે છે. ‘ફોર્બસ’ મેગેઝીનના પ્રકાશક માઈકલ ફોર્બસે એક કામની વાત કરેલી, ‘તમને જે કામ કરવામાં રસ છે, આનંદ આવે છે, તે જ કામને તમારો વ્યવસાય બનાવી દો, સફળતા તમારી પાછળ દોડતી આવશે.’

હમણાં જ જર્મનીમાં એક શાળાના 10 વીદ્યાર્થીઓએ વીદ્રોહ કરીને પોતાની અંગત શાળા શરુ કરી. ‘મેથોડા’ નામની આ શાળામાં વીદ્યાર્થીઓ એ જ ભણે છે, જે ભણવામાં તેને રસ છે. એવા જ શીક્ષકો રાખે છે, જે શીક્ષકો પાસેથી શીક્ષણ પામવામાં વીદ્યાર્થીને રસ છે. શાળા–કૉલેજોનાં શીક્ષણ વગર જીવનમાં સફળ ન થઈ શકાય એવા વહેમમાં કોઈએ રહેવા જેવું નથી. શ્રી નારાયણભાઈ દેસાઈ શાળા–કૉલેજોમાં નથી ભણ્યા; પણ ગુજરાત વીદ્યાપીઠના કુલપતી બની શક્યા. જગતના સૌથી વધુ ધનવાન માણસ બીલ ગેટ્સે હાર્વર્ડ યુનીવર્સીટીનું શીક્ષણ અધુરું છોડીને ‘માઈક્રોસોફ્ટ’ની સ્થાપના કરેલી. સફળ ક્રીકેટર અને વીશ્વકપ વીજેતા ભારતીય કપ્તાન મહેન્દ્રસીંઘ ધોની હમણાં જ બી.બી.એ.ની પરીક્ષામાં નાપાસ જાહેર થયો !

આપણે બાળકોને વીદ્યાપતી બનાવવાને બદલે ધનપતી બનાવવાની દોટ મુકી છે. 1943માં હીરોઈન ગ્રીર ગેરસનને બેસ્ટ એક્ટ્રેસનો એકેડેમી એવોર્ડ મળ્યો ત્યારે પ્રતીભાવ આપતા તેણે બહુ કામની વાત કરી: ‘રુપીયા કમાવાના પ્રારંભીક ધ્યેય સાથે કોઈ કામ કરવું એ માણસની મોટામાં મોટી ભુલ છે. જે કામ કરવામાં તમને મઝા આવે છે, જે કામ માટેની તમારી પાસે કુશળતા છે, એ જ કામ તમે કરો. જો એ કામમાં તમે ખરેખર પાવરધા હશો–તમારી પાસે પ્રતીભા હશે, તો હું ખાતરી આપું છું કે તમને અઢળક રુપીયા મળશે.’

ગણીતના થોડાક આંકડા, ભુગોળના થોડાક નકશા કે અકબર–ઔરંગઝેબની થોડીક પેઢીઓનાં નામ ગોખી નાંખવાથી શીક્ષીત નથી બની જવાતું. એથેન્સ(ગ્રીસ)ના કેળવણીકાર સોક્રેટીસે (ઈ.સ.પુ.436) શીક્ષીત માણસોનાં સાત લક્ષણો કહેલાં:

(1) કોઈપણ પરીસ્થીતીમાં સુયોગ્ય અને ચોક્કસ નીર્ણય કરતો હોય

(2) લોકો સાથેના વહેવારમાં ભદ્ર, વીનમ્ર અને સરળ હોય

(3) વીવેક–બુદ્ધીપુર્વક, તર્કબદ્ધ વાત કરતો હોય અને પ્રામાણીકતાપુર્વક વહેવાર કરતો હોય (ભ્રષ્ટાચારી શીક્ષીત કહેવાય ?)

(4) આનંદ–પ્રમોદના સમયે પણ સંયમથી વર્તતો હોય  (લગ્ન જેવા પ્રસંગોએ વરઘોડામાં રસ્તાઓ જામ કરી દેનારા શીક્ષીત ગણાય ?)

(5) આપત્તીના સમયમાં પણ સ્વસ્થતા જાળવતો હોય  (થોડીક આફત આવે અને આપધાત કરી લેનારા માણસો શીક્ષીત ગણાય ?)

(6) સફળતામાં છકી ન જાય અને હારથી હતાશ ન થતો હોય

(7) અન્યને તો નહીં જ, પણ પોતાની જાતને પણ કદી છેતરતો ન હોય તે માણસ શીક્ષીત છે.

મીત્રો, પુસ્તકો(ચોપડાં) અને અભ્યાસક્રમ(કોર્સ)ની યાન્ત્રીક ફરજને ગૌણ બનાવીને ‘સારો માણસ’ ઘડવાના કાર્યક્રમને પ્રાથમીકતા અપાશે ત્યારે જ શીક્ષણ સાર્થક બનશે અને આ દેશનો ઉદ્ધાર થશે.

એ બધા જ શીક્ષકો કહેવાય છે, જે ભણાવવાનું કાર્ય કરે છે; પરન્તુ સારો શીક્ષક એ છે જે વીદ્યાર્થીઓમાં અભ્યાસની રુચી પેદા કરી શકે છે અને સફળ શીક્ષક એ છે જે પોતાના વીદ્યાર્થીઓને સારા નાગરીક બનાવી શકે છે.

પ્રસાદ

માણસમાં શક્તી ઘટે તો ગ્લુકોઝના બાટલા છે,

માણસમાં લોહી ઘટે તો બ્લડના બાટલા છે;

પણ માણસમાં માણસાઈ ઘટે તો કોઈ બાટલા છે ?

–વલ્લભ ઈટાલીયા (સુરત)

લેખકસંપર્ક:

શ્રી વલ્લભભાઈ ઈટાલીયા, 74–બી, હંસ સોસાયટી, વરાછા રોડ, સુરત 395 006, મોબાઈલ : 98258 85900, ઈ–મેઈલ: vallabhitaliya@gmail.com

 

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/

 

આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુનવસારી

May 19, 2011

ધર્મ અને વીજ્ઞાન

(મારા બ્લોગ પર પ્રતીભાવ આપવાનો દરેક વાચકમીત્રને હક્ક છે. પરન્તુ કેટલાક મીત્રો અતીરેક કરે છે, વીષયાન્તર કરે છે અને પોતાના બ્લોગની લીંક મુકી ‘મારું આ વાંચો ને તે વાંચો’ એવી માત્ર જાહેરાત માટે તેનો ઉપયોગ કરે છે. સૌ મીત્રોને, શ્રી અશોકભાઈ મોઢવાડીયાના બ્લોગ ‘વાંચનયાત્રા’ માં મુકાયેલો લેખબ્લોગ પર પ્રતિભાવનો શિષ્ટાચાર જાણો છો ?’  વાંચવા નમ્ર વીનંતી છે. લીન્ક: http://vanchanyatra.wordpress.com/page/5/ ગોવીન્દ મારુ)


ધર્મ અને વીજ્ઞાન

મહાન ચાઈનીઝ ફીલસુફ લીન–યુ–ટાંગને શીષ્યોએ પુછયું, ‘ગુરુદેવ, આ વીજ્ઞાન તે શું અને આ ધર્મ તે શું ?’ લીને કહ્યું, ‘માણસને કુતુહલ થયું, તે વીચારતો થયો, પ્રશ્નો કરતો થયો, સત્ય શોધવા લાગ્યો ત્યારે વીજ્ઞાનનો જન્મ થયો અને જ્યારે માણસ માણસને પ્રેમ કરતો થયો, બીજાનો આદર કરતો થયો ત્યારે ધર્મનો જન્મ થયો.’ ધર્મના મુળમાં કદાચ આવી ઉંચી ભાવના હશે; પણ આજે એ ભાવના લુપ્ત થઈ છે. ઉલટાનું ક્યારેક તો એક ધર્મના લોકો બીજાધર્મના લોકોને ધીક્કારતા જોવા મળે છે.

આ અંગે મારું મંતવ્ય એ છે કે, ધર્મ એ કલ્પના પર આધારીત છે જ્યારે વીજ્ઞાન એ સત્ય પર આધારીત છે. ધર્મના નીયમો સ્થળ–કાળને આધારીત છે. દા.ત. એક ધર્મમાં કીડીને મારવી એ પણ ઘોર પાપ ગણાય, તો બીજા ધર્મમાં વળી માંસાહાર માન્ય હોઈ–બલી પણ ચડાવે તો પણ પુણ્ય ગણાય! જ્યારે વીજ્ઞાનના નીયમો સર્વકાળે, સર્વસ્થળે ને સર્વને માટે એક સરખા જ હોય છે. ધર્મમાં ગુરુ, સ્થાપક અને ગ્રંથનું એવું વર્ચસ્વ કે તેની એક વાતનેય પડકારી ન શકાય, તેનો વીરોધ ન કરી શકાય જ્યારે વીજ્ઞાનમાં જ્યાં સુધી એકદમ નાનકડીય શંકાને સ્થાન હોય, ત્યાં સુધી વીજ્ઞાન તેને સત્ય તરીકે ન જ સ્વીકારે. વીજ્ઞાનમાં શંકા થાય ત્યારે વીજ્ઞાનીઓ ભુલ શોધે અને ભુલ જડી જાય, એટલે તો જાણે મહોત્સવ! ધર્મમાં ભુલ શોધવી એ અપરાધ ગણાય, ભુલ શોધનારને સજા પણ થાય. ઈટલીમાં વૈજ્ઞાનીક બ્રુનોએ ‘પૃથ્વી સપાટ નથી; પણ ગોળ છે’ એમ જાહેર કર્યું અને ધર્મના ધુરંધરોએ એ વૈજ્ઞાનીકને  જીવતો સળગાવી દીધેલો. આવાં કારણોસર જ ધર્મ સ્થગીત અને બન્ધીયાર બન્યો છે, જ્યારે વીજ્ઞાન ગતીશીલ છે, પ્રગતીશીલ પણ છે.

વીજ્ઞાન, સત્યશોધન માટે ત્રણ માપદંડો અચુક પ્રયોજે છે: (1) તર્ક (2) નીરીક્ષણ–પરીક્ષણ અને (3) પ્રયોગ. આ ત્રણેયનો જવાબ, ત્રણેયનું પરીણામ જો બરાબર– તંતોતંત સરખું આવે, તો જ વીજ્ઞાન તેને સત્ય તરીકે સ્વીકારે છે. જ્યારે ધર્મ ‘શ્રદ્ધા’ને આધારીત છે. ધર્મમાં સ્થળ અને કાળ પ્રમાણે જુદાં જુદાં સત્યો સ્વીકૃત બને છે. જેમ કે, શુકન–અપશુકનના નીયમો દરેક પ્રજા અને દરેક દેશમાં અલગ અલગ જોવા મળે છે.

સૌથી વધારે મહત્વની વાત એ કે વીજ્ઞાનમાં કોઈ શાખા, કોઈ પંથો કે સંપ્રદાયો હોતા નથી. તે સાર્વત્રીક, સર્વકાલીન એકસરખું જ હોય છે. તમે ક્યાંય સાંભળ્યું છે કે, આ લોકો ‘ન્યુટનવાળા’ કે આ લોકો ‘આઈનસ્ટાઈનવાળા’ ? વીજ્ઞાની ગમે તેટલો મહાન હોય તો પણ કદી તે ‘ગુરુ’ બની બેસતો નથી. પોતાનો આશ્રમ સ્થાપતો નથી કે પોતાનું મંદીર બંધાવતો નથી.

વીજ્ઞાનનો સર્વોચ્ચ હેતુ તે માનવજાતનાં સુખ–સગવડમાં વધારો કરવાનો છે. સુખ–સગવડનાં જે  સાધનો અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ તે વીજ્ઞાનને આભારી છે. દા.ત. કાર, વીમાન, મોબાઈલ, વીજળી, ટીવી, કમ્પ્યુટર, ઈન્ટરનેટ, અદ્ ભુત આધુનીક તબીબી શસ્ત્રક્રીયાઓ વગેરે અનેક સુવીધાઓ બદલ સમગ્ર જગત વીજ્ઞાનનું ઋણી છે. જ્યારે ધર્મમાંથી અનેક અનીષ્ટો નીકળ્યાં. દા.ત. અર્થહીન યજ્ઞ–હોમ–હવન, મરણોત્તર વીધીઓ, શુભ–અશુભ ચોઘડીયાઓ, ખર્ચાળ અને ખોટાં અનેક કર્મકાંડો, અને આવાં તો અનેક અનીષ્ટો અસ્તીત્વમાં આવ્યાં.

વીજ્ઞાન આ જન્મમાં જ, આ જીવનમાં જ, વીદ્યમાન સંસારમાં માને છે અને એને જ સુખી બનાવવાનો પુરુષાર્થ કરે છે, જ્યારે ધર્મ પરલોકની, બીજા જન્મની કાલ્પનીક વાતો કરી લોકોને ખોટાં વીધીવીધાન અને કર્મકાંડોમાં પરોવે છે. ધર્મ નીતી પર ભાર મુકે છે એ સાચું. વીજ્ઞાન નીતી લાદતું નથી. અને તે સદવીચાર કે સદગુણોનો વીરોધ કદી પણ કરતું નથી. વધુમાં વીજ્ઞાન સત્ય અને કેવળ સત્ય ઉપર જ ભાર મુકે છે. અને મીત્રો, મને બતાવો કે સત્યથી મોટી નીતી બીજી કોઈ હોઈ શકે?

કાર્લમાકર્સે કહેલુ ‘ધર્મ એવું અફીણ છે, જે પ્રજાને નશામાં બેહોશ રાખી મુકે છે.’ જ્યારે વીજ્ઞાન પ્રજામાં જાગૃતી બક્ષે છે. માણસને વીચારતો કરે છે. ધર્મે માણસ માણસ વચ્ચે ભેદ પાડ્યા, વર્ણભેદ પણ પાડ્યા. ‘સ્ત્રી ઉતરતી કોટીનું માનવપ્રાણી છે,’ એવા એવા સીદ્ધાંત કેટલાક ધર્મોએ બનાવ્યા અને ચલાવ્યા, જ્યારે આધુનીક વીજ્ઞાને ડીએનએ (DNA) જેવી શોધો વડે પુરવાર કર્યુ કે, સમગ્ર માનવજાત એક જ છે અને આપણે સૌ સમાન જ છીએ.

વલ્લભભાઈ ઈટાલીયા

લેખક–સંપર્ક:

શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, 74–બી, હંસ સોસાયટી, વરાછા રોડ, સુરત – 395 006 મોબાઈલ : 98258 85900 ઈ–મેઈલ: vallabhitaliya@gmail.com

‘ડાયમન્ડ સીટી’, વીશ્વના હીરા–ઝવેરાત ઉદ્યોગના ગુજરાતી પાક્ષીક વર્તમાનપત્રના, વર્ષ: 03, અંક: 11, તા. 20મી મે, 2008 ઈ–મેઈલ: diamondcity@rediffmail.com 107–112, રત્નસાગર એપાર્ટમેન્ટ, વરાછા રોડ, સુરત–395 006 ના અંકમાંથી લેખકશ્રીની પરવાનગી અને સૌજન્યથી સાભાર…

અક્ષરાંકન uttamgajjar@gmail.com

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુનવસારી

March 18, 2011

Saaraa Vichaaro E Saaraa Maanasa ni Smpatti Chhe

સારા વીચારો એ સારા માણસની સાચી સમ્પત્તી છે

– વલ્લભભાઈ ઈટાલીયા

(દીવ્યજીવન સંઘ’, નવસારી દ્વારા 2010ની ત્રીજી નવેમ્બરે(વાગ્બારસના દીને), નવસારી ખાતે ‘સરસ્વતી વંદના’ કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે શહેરના 15 જેટલા સાહીત્યકારો તેમ જ સાહીત્યરસીક પ્રબુદ્ધ નાગરીકોએ પોતાની કે અન્ય સાહીત્યકારો રચીત ગીત, ગઝલ, કાવ્ય, શાયરી, લેખો વગેરે વીવીધ રચનાઓનું પઠન કર્યું. તેમાં આ બ્લોગરે પણ રૅશનાલીસ્ટ લેખક/ચીન્તક શ્રી વલ્લભ ઈટાલીયાના આ લેખનું પઠન કર્યું. તમને ગમશે એવી આશાએ તે અહીં રજુ કરું છું.. –ગોવીન્દ મારુ)

વાંચવું આસાન છે, લખવું આસાન છે; પરન્તુ વીચારવું માણસને પરેશાન કરી મુકે છે. એક વહુ કલાકો સુધી દહીંને વલોવે, ત્યારે સ્વાદીષ્ટ અને પૌષ્ટીક માખણનું સર્જન થાય છે. એક માતાનું ઉદર મહીનાઓ સુધી વલોવાય ત્યારે વહાલસોયા સંતાનનું સર્જન થાય છે, એમ એક વીચારકનું મગજ કલાકો સુધી વલોવાય, ત્યારે એમાંથી સમાજમાં વહેંચવા લાયક થોડા વીચારોનું સર્જન થતું હોય છે.

સારો વીચારક પોતાના વીચારો લોકો સુધી પહોંચે એ પહેલાં એને ત્રણ કસોટીમાંથી પસાર કરતો હોય છે.

1. પોતે જે કહે છે કે લખે છે એ નીરર્થક તો નથી ને ? પોતાના વીચારો માનવસમાજ માટે પ્રેરણામય અને પૌષ્ટીક તો છે ને ?

2. પોતાના વીચારો સમાજમાં અન્ધશ્રદ્ધા ફેલાવે એવા તો નથી ને ? પોતાના વીચારો સમાજ માટે હાનીકારક તો નથી ને ?

3. પોતે જે વીચારો રજુ કરે છે તે વ્યવહારુ તો છે ને ? પોતાના વીચારો સત્ય અને તર્કની એરણ પર ખરા તો ઉતરે છે ને ?

સારા વીચારો માણસને સારો માણસ બનાવવામાં અને સારી રીતે જીવવામાં મદદરુપ થાય છે. સારો લેખક હમ્મેશાં સારા વાચકોનો ઓશીયાળો હોય છે. સારા શીક્ષકની કીમ્મત ત્યારે જ થાય છે જ્યારે તેને સારા વીદ્યાર્થીઓ પ્રાપ્ત થાય છે. કલમ એક શક્તી છે, એની પ્રતીષ્ઠા જળવાઈ રહેવી જોઈએ. તલવાર નફ્ફટ બને ત્યારે જેટલું નુકસાન કરે છે એના કરતાં કલમ નફ્ફટ બને ત્યારે લોકોને વધારે નુકસાન કરે છે.

મહાન વીચારક પ્લેટોએ એક અદ્ ભુત વાત કરી છે, ‘આ દુનીયા વીચારોની બનેલી છે’ ટેબલનું સર્જન થાય છે; એ પહેલાં એના સર્જકના મનમાં ટેબલના વીચારનું સર્જન થાય છે. એરોપ્લેનનું સર્જન થયું; એ પહેલા રાઈટ બન્ધુઓના મગજમાં હવામાં ઉડવાના વીચારનું સર્જન થયેલું. ટેલીફોનનું સર્જન થયું; એ પહેલાં એલેકઝાન્ડર ગ્રેહામ બેલને દુર રહેતાં સ્વજનો સાથે વાત કરવાનો વીચાર પ્રગટ થયેલો. કહેવાય છે કે મોટામાં મોટી ક્રાન્તીનો આરમ્ભ નાનકડા વીચારથી થયો હોય છે. સારાં કાર્યો હમ્મેશાં સારા વીચારોની કુખેથી જન્મ લેતા હોય છે.

લગભગ સવાસો વર્ષ પહેલાં કવી દલપતરામની ઘણી લોકચાહના હતી. ભાવનગરના એ વખતના રાજાને એક વીચાર આવ્યો કે કવી દલપતરામનું જાહેર સન્માન કરવું જોઈએ. રાજાએ પોતાનો આ વીચાર કવીવર દલપતરામને જણાવ્યો. કવીએ જવાબમાં એવું સન્માન સ્વીકારવાની નારાજી જાહેર કરી. રાજાએ વધારે આગ્રહ કર્યો એટલે કવી દલપતરામે એક શરતે જાહેર સન્માન સ્વીકારવાની હા પાડી. કવીવર દલપતરામે શરત મુકી કે, ‘ભાવનગરમાં એક સારી લાયબ્રેરીની સ્થાપના કરવામાં આવે, તો હું સન્માન સ્વીકારવા રાજી છું.’ અને ૩૦મી ડિસેમ્બર, ૧૮૮૨માં ભાવનગરમાં એક પુસ્તકાલયની સ્થાપના થઈ જેને આજે આપણે બાર્ટન લાઈબ્રેરીના નામથી જાણીએ છીએ. કવીવરના એક સારા વીચારે લાખો સાહીત્યરસીકોની ભુખ સંતોષી છે. આ બાર્ટન લાયબ્રેરીએ ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાથી માંડીને સોલીસીટર જનરલ રાયજી ઢેબર, મનસુખલાલ ઝવેરી, મહેન્દ્રભાઈ મેઘાણી અને હરીન્દ્ર દવે જેવા વીદ્વાન સાહીત્યકારોને પોતાના ઘડતર અને વીકાસમાં બહુમુલ્ય યોગદાન પુરું પાડ્યું છે. સારા માણસનો એક સારો વીચાર લાખો માણસોને  સારા માણસ બનવામાં મદદરુપ બનતો હોય છે.

જે માણસ સારા વીચારોને પકડી શકે છે, એ માણસે હાથમાં માળા પકડવાની જરુર નથી. બધાં મા–બાપ સન્તાનને એક સારી મોટર વારસામાં ન આપી શકે; પરન્તુ એક સારો વીચાર તો વારસામાં જરુર આપી શકે.

વીષ્ણુગુપ્ત ચાણક્ય પાસે કોઈ શસ્ત્ર નહોતાં, કોઈ સૈન્ય પણ નહોતું; છતાં માત્ર પોતાની વીચારશક્તીથી નન્દવંશનો નાશ કર્યો અને ચંદ્રગુપ્ત મૌર્યને મગધનું શાસન સોંપ્યું હતું ! આ વીચારોની તાકાત છે. વીભીષણના વીચારો લંકાની પ્રજાને વીનાશથી બચાવી શકે; રાવણની સેના કદી ન બચાવી શકે.

સારા માણસ બનવા માટે સારા વીચારો અનીવાર્ય છે એટલે જ સારા વીચારોનું દાન એ બીજા કોઈ પણ દાન કરતાં ઓછું મુલ્યવાન નથી. સારા વીચારકો પણ સમાજના સાચા સેવકો છે. પાણી કરતાં સેવાની તરસ વધે ત્યારે માણસ પાકો સમાજસેવક બને છે. અને સેવા કરતાં સત્તાની તરસ વધે ત્યારે માણસ પાકો રાજકારણી બને છે ! પાકા સમાજસેવકો, પાણીની તંગીથી પરેશાન થાય છે, જ્યારે પાકા રાજકારણીઓ મતની તંગીથી પરેશાન છે ! સારા વરસાદ કરતાં સારા વીચારોનો દુષ્કાળ વધારે વીકરાળ હોય છે. ચપટીક સારા સમાજસેવકોના કારણે પ્રત્યેક કાળમાં સેવાનો મહીમા જળવાઈ રહ્યો છે.

જે દેશની પ્રજામાં ખુદ્દારી હોય એ દેશને જ પ્રગતી સાધવાનો અધીકાર છે. ભીખારી પાસે ગમે તેટલી મુડી થઈ જાય, એ માલદાર બની શકે; પણ ખુદ્દાર ન બની શકે. આપણી ભીખારીવૃત્તી અને માયકાંગલા વીચારો જ ભારતમાંના ભ્રષ્ટાચારનાં મુળ કારણો છે. રાષ્ટ્રની પ્રજામાં નીતીમત્તાનું સ્તર ઘટે છે ત્યારે જ ભ્રષ્ટાચારનું સ્તર વધે છે. માણસ ભ્રષ્ટ થતા હોય છે. વીચારવંત માણસ જીવંત માણસ છે. સારા વીચારો પર વજ્રાઘાત થાય છે ત્યારે જ આપઘાત થાય છે. હૃદય અને મગજ બંધ થાય ત્યારે જ નહીં; પરન્તુ વીચારવાનું બન્ધ થાય છે ત્યારે પણ માણસ મૃત્યુ પામતો હોય છે.

માણસનું મગજ બગડે ત્યારે ડૉક્ટરો પાસે ઉપાય છે; પણ માણસની દાનત બગડે ત્યારે ડૉક્ટરો પણ લાચાર બની જતા હોય છે. સારા માણસનો દેહ પડી જાય છે; પરન્તુ એમના સારા વીચારો અને સારાં કાર્યો ટકી જતાં હોય છે. ગાંધી ગયા; પણ એમના વીચારો રહી ગયા. સરદાર ગયા; પણ એમનાં કાર્યો રહી ગયાં. વીવેકાનંદ લાંબુ ન જીવી શક્યા; પરન્તુ એમના વીચારો લાંબુ જીવી ગયા.

આપણે ત્યાં ધર્મસભા, શોકસભા અને મતસભા ભરાય છે; પરન્તુ વીચારસભા ભાગ્યે જ ભરાય છે ! ગુજરાતમાં રથયાત્રા કે ગૌરવયાત્રા કરતાં વીચારયાત્રા નીકળે તો કેવું ? સારા સ્વસ્થ અને સમાજોપયોગી  વીચારો એ જગતના વીચારકો તરફથી  માનવજાતને મળતો ખરો પ્રસાદ છે.

: પ્રસાદ :

માણસે પોતાના મહત્ત્વનાં કાર્યનો આરમ્ભ પુરતો વીચાર કર્યા પછી જ કરવો જોઈએ. આ ભાગદોડના યુગમાં વીચારપુર્વક કાર્ય કરવાનું અત્યંત આસાન છે; કારણ કે એમાં હરીફાઈ ખુબ ઓછી છે.

– વલ્લભ ઈટાલીયા

લેખકસંપર્ક:

શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, 74–બી, હંસ સોસાયટી, વરાછા રોડ, સુરત – 395 006 મોબાઈલ : 98258 85900 ઈ મેઈલ: vallabhitaliya@gmail.com

મુમ્બઈથી પ્રકાશીત થતા માસીક ‘વીવેકપંથી’ (તંત્રી– ગુલાબ ભેડા – 2/C/1-Asmita Mogra, Dutta Jagdamba Marg, Sher-e-Punjab Colony, Andheri(East) Mumbai-400 093 Phone- 022-2838 8891 નો 100મો વીશેષાંકનો આ લેખ ‘વીવેકપંથી’ના તંત્રીશ્રીની તેમ જ લેખકશ્રીની પરવાનગી અને સૌજન્યથી સાભાર…

‘વીવેકપંથી’ રૅશનલ વીચારોનું માસીક (વાર્ષીક લવાજમ માત્ર રુપીયા 100/-) હવે વેબસાઈટ પર વાંચવા માટે પણ ઉપલબ્ધ છે. જેની લીન્ક નીચે મુજબ છે:

http://sites.google.com/site/vivekpanthi/home

http://sites.google.com/site/vivekpanthi/

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ

https://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુનવસારી

November 12, 2010

Laboratory is the Maternity Home of Science

‘પ્રયોગશાળા એટલે વીજ્ઞાનનું પ્રસુતીગૃહ’

વલ્લભ ઈટાલીયા

[જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર પ્રેરીત જીલ્લા શીક્ષણ અને તાલીમભવન, સુરત; જીલ્લા શીક્ષણાધીકારી કચેરી, સુરત અને પી. પી. સવાણી વીદ્યાભવન, સુરતના સંયુક્ત ઉપક્રમે વેદવ્યાસ સંકુલ – પાંચનું, છઠ્ઠું વીજ્ઞાન–ગણીત પ્રદર્શન ૨૦૧૦, પી.પી. સવાણી વીદ્યાભવન, વરાછા રોડ, સુરત ખાતે તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૧૦ના રોજ યોજાઈ ગયું. આ પ્રસંગે સુરતની ૪૫ જેટલી શાળાઓનાં બાળ–વૈજ્ઞાનીકો, આચાર્યો અને વીજ્ઞાન શીક્ષક ભાઈ–બહેનો ઉપસ્થીત રહ્યાં હતાં. પ્રસ્તુત છે પ્રદર્શનના ઉદ્ ઘાટન સમારોહમાં મુખ્યવક્તા શ્રી વલ્લભભાઈ ઈટાલીયાએ આપેલા વીજ્ઞાનપ્રેરક, પ્રભાવક પ્રવચનના કેટલાક અંશો… સમ્પાદન અને અક્ષરાંકન: ઉત્તમ + મધુ ગજ્જર, સુરતuttamgajjar@gmail.com ]

આદીમાનવથી આધુનીક માનવ સુધીની યાત્રા, ગુફાથી ગગનચુમ્બી ઈમારત સુધીની યાત્રા, અંધકારયુગથી ઈન્ટરનેટ સુધીની યાત્રા માનવજાતીએ વીજ્ઞાન અને ટૅકનોલોજીની કાવડમાં બેસીને પસાર કરી છે. વીશ્વના વૈજ્ઞાનીકોએ આપણને અત્યાધુનીક વીશ્વનાં દર્શન કરાવીને શ્રવણકુમારની ભુમીકા અદા કરી છે. અનાદીકાળથી માનવજાતી પાસે બે જ રસ્તાઓ છે

૧. વૈજ્ઞાનીક અભીગમનો માર્ગ: એટલે કે વૈજ્ઞાનીક સાક્ષરતાનો માર્ગ. અહીંયાં વીકાસ છે, પ્રગતી છે, સુખ–સગવડનાં સાધનો અને સુવીધાઓ છે. કોઈ પણ ઘટનાને સમજવા અને ઉકેલવા માટેની સાચી રીત એટલે વૈજ્ઞાનીક અભીગમ.

૨. અવૈજ્ઞાનીક અભીગમનો માર્ગ: એટલે કે વૈજ્ઞાનીક નીરક્ષરતાનો માર્ગ. અહીંયાં અન્ધશ્રદ્ધા છે, ગરીબી છે, શોષણ છે અને સમસ્યાઓ છે. ઘટના અને કાર્યકારણના સીદ્ધાન્ત વચ્ચે સાત ગાઉનું છેટું એટલે જ અવૈજ્ઞાનીક અભીગમ.

મીત્રો, વૈજ્ઞાનીક સાક્ષરતાને અક્ષરજ્ઞાન સાથે કોઈ સમ્બન્ધ નથી. ‘વૈજ્ઞાનીક સાક્ષરતા’ અને  ‘વૈજ્ઞાનીક નીરક્ષરતા’ આ બન્ને શબ્દો સમજી રાખવા જેવા છે.

વૈજ્ઞાનીક સાક્ષરતા એટલે શું ? કોઈ અભણ ખેડુત, પોતાને સાપ કરડે ત્યારે કોઈની પાસે ઝેર ઉતરાવવા કે મન્ત્રેલો દોરો બન્ધાવવા ન જાય; પણ સીધો હૉસ્પીટલ પહોંચી સારવાર લે એ વૈજ્ઞાનીક સાક્ષરતા છે.

વૈજ્ઞાનીક નીરક્ષરતા એટલે શું ? કોઈ સાયંસ ગ્રેજ્યુએટ બીમાર પડે અને ડૉક્ટરને બદલે વાસ્તુશાસ્ત્રીને ઘરે બોલાવી સંડાસનું મોઢું પુર્વ–પશ્ચીમમાંથી ફેરવીને ઉત્તર–દક્ષીણ કરાવે એ વૈજ્ઞાનીક નીરક્ષરતા છે.

જે માણસ ખોટી, ભ્રામક અને હાનીકારક માન્યતાઓને સમર્થન નથી આપતો એ માણસ અભણ હોય તો પણ વૈજ્ઞાનીક સાક્ષર છે. અને ઘણું ભણ્યા પછી પણ જે મીથ્યા માન્યતાઓને સમર્થન આપે એ માણસ ડીગ્રીધારી હોવા છતાં વૈજ્ઞાનીક નીરક્ષર છે. વીશ્વમાં અન્ધશ્રદ્ધા, શોષણ અને અત્યાચારોનું સૌથી મોટું કારણ માનવજાતીમાં વ્યાપેલી વૈજ્ઞાનીક નીરક્ષરતા છે.

વર્ષો પહેલાં પૃથ્વી સપાટ છે એવું મનાતું હતું. ઈટાલીમાં બ્રુનોએ માત્ર એટલું જ કહ્યું કે, ‘પૃથ્વી સપાટ નથી, તે ગોળ છે અને સુર્યની આસપાસ ફરે છે.’ રુઢીચુસ્ત ધર્મધુરન્ધરોને ગળે આ વાત ઉતરી નહીં. ધર્મના વડાઓએ કહ્યું કે, ‘એ ખોટું બોલે છે. બાઈબલમાં લખ્યું છે કે પૃથ્વી સ્થીર છે અને સુર્ય પૃથ્વીની આસપાસ ફરે છે.’ એ જમાનામાં એ મહાન વૈજ્ઞાનીકને આ વૈજ્ઞાનીક સત્ય શોધવા બદલ સજા ફરમાવવામાં આવેલી. પૃથ્વી શેષનાગના માથા પર ટકેલી છે અને શેષનાગ ફેણ હલાવે ત્યારે ધરતીકમ્પ થાય છે એવી મીથ્યા માન્યતાઓ સદીઓ સુધી ચાલી. વૈજ્ઞાનીકોએ ઘટના અને કાર્યકારણ વચ્ચેનો સમ્બન્ધ શોધી કાઢ્યો છે અને હવે આપણે સૌ ધરતીકમ્પનાં સાચાં કારણો જાણતા થયા છીએ.

વૈજ્ઞાનીક અભીગમમાં કોઈ અપવાદ નથી હોતો. દા.ત. મને મારા ચહેરાની સામે આ માઈક દેખાય છે તો આપ સૌને પણ એ માઈક જ દેખાય. તમને એ મારા ચહેરા સામે ફેણ માંડેલો સાપ ન દેખાય ! જ્યારે અવૈજ્ઞાનીક અભીગમમાં અનેક અપવાદો જોવા મળે છે. દા.ત. કોઈ એક વ્યક્તીને પીપળા નીચે ભુત કે પ્રેતાત્મા દેખાય. તમે ત્યાં જશો તો તમને તે નહીં દેખાય. મીત્રો, વીજ્ઞાનમાં એક વાર સીદ્ધાંત પ્રસ્થાપીત થઈ જાય પછી બીજો કોઈ પણ સંશોધક બહુ બહુ પ્રયોગ કરે તોયે પરીણામ સરખું જ આવે.. દાત. લાઈટના બોર્ડની સ્વીચ બાળક દબાવે, સ્ત્રી સ્વીચ દબાવે કે પુરુષ સ્વીચ પાડે પરીણામ સરખું જ આવે – એટલે કે બલ્બ શરુ થાય ને પ્રકાશ મળે ! વીજ્ઞાન પારમ્પરીક માન્યતામાં નહીં; પ્રમાણ–પુરાવામાં માને છે.

જ્યારે કોઈ પરમ્પરા શરુ થાય છે ત્યારે કદાચ કોઈ ને કોઈ ઉદ્દેશ હોઈ શકે; પરન્તુ બને છે એવું કે એ ઉદ્દેશ સમયાન્તરે નષ્ટ થઈ જાય તોય પરમ્પરા તો ચાલુ રહે છે. દા.ત. સદીઓ પહેલાં જ્યારે આપણી પાસે દીવાસળી કે લાઈટર નહોતાં ત્યારે મૃતદેહને અગ્નીસંસ્કાર આપવા માટે આપણે ઘરેથી દેવતાની દોણી લઈને જતા. આજે તો દીવાસળી છે, લાઈટર છે, મૃતદેહના નીકાલ માટે ગેસ–ચેમ્બર છે; છતાં પણ આપણે ઘરેથી સળગતા અંગારાની દોણી લઈને અર્થીની આગળ ચાલીએ છીએ ! હેતુ મટી જાય; તોયે જીવી જાય તેનું નામ પરમ્પરા !

એક સ્વામીજી પોતાના થોડા શીષ્યો સાથે આશ્રમમાં રહેતા હતા. સ્વામીજીએ એક બીલાડી પાળેલી. બીલાડી આખો દીવસ સ્વામીજીની આસપાસ અને ખોળામાં રમ્યા કરતી. પરન્તુ સ્વામીજી અને શીષ્યો સાંજે જ્યારે પ્રાર્થના કરવા બેસે ત્યારે બીલાડી સ્વામીજીના ખોળામાં કુદાકુદ કરે એનાથી પ્રાર્થનામાં વીક્ષેપ પડવા લાગ્યો. આખરે સ્વામીજીએ શીષ્યોને આદેશ કર્યો કે, ‘રોજ સાંજે બીલાડીને બાંધ્યા પછી જ પ્રાર્થના કરવી.’ ગુરુજીનો આદેશ શીષ્યોને શીરોમાન્ય; પરન્તુ ગુરુજીએ બીલાડીને બાંધવાનો શા માટે આદેશ કર્યો, એની કોઈ શીષ્યને કશી ખબર નહીં; કારણ કે પ્રાર્થના વખતે બધા શીષ્યોની આંખ તો બન્ધ હોય ! એટલે બીલાડી ગુરુજીને પરેશાન કરે છે એ કોઈ શીષ્યે જોયેલું–જાણેલું નહીં. શીષ્યોએ માન્યું, કદાચ બીલાડીને બાંધીને પ્રાર્થના કરવાથી પ્રાર્થનાનું ફળ વધતું હશે ! થોડાં વર્ષો પછી ગુરુજી ગુજરી ગયા. બીલાડી બીજા કોઈને પરેશાન કરતી નહોતી; તોય પ્રથા પ્રમાણે બીલાડીને બાંધીને જ પ્રાર્થના કરે. થોડા સમય પછી તે બીલાડી પણ મરી ગઈ. શીષ્યો મુંઝાયા. ગુરુજીનું બ્રહ્મવાક્ય યાદ આવ્યું, ‘રોજ સાંજે બીલાડીને બાંધીને પછી જ પ્રાર્થના શરુ કરવી.’ બીલાડીને બાંધ્યા વીના પ્રાર્થના શી રીતે થાય ! શીષ્યો ગામમાંથી બીજી બીલાડી લઈ આવ્યા અને રોજ સાંજે તેને બાંધીને જ પ્રાર્થના કરવા લાગ્યા ! આપણી તપાસનો વીષય એ છે કે મોટા ભાગની આપણી રુઢી–પરમ્પરા–માન્યતા આવી તો નહીં હોય ?

સમારમ્ભમાં ઉપસ્થીત તમામ બાળ–વૈજ્ઞાનીકોને પોતાની શોધો રજુ કરવા બદલ ધન્યવાદ આપું છું. માનવજાતીના વીકાસમાં પ્રત્યેક શોધ મુલ્યવાન છે. સૌરાષ્ટ્રના પીપાવાવમાં સુર્યની ગરમીથી ચાલતું ટેલીફોન બુથ છે. ટૅલીસ્કોપ ગેલીલીયોએ, થર્મોમીટર ફૅરનહીટે, એરોપ્લેન રાઈટબન્ધુઓએ અને ફાઉન્ટનપેન લુઈસ વૉટરમૅને શોધી એ આપણને ખબર છે; પરન્તુ અગ્નીની શોધ કોણે કરી ? ચક્રની શોધ કોણે કરી ? આપણે જાણતા નથી. શોધકની જાણ નથી; પણ બધી જ શોધો માનવજીવન માટે કેટલી મુલ્યવાન છે તે જાણીએ છીએ.

કેટલીક શોધો તો આપણે ત્યાં થઈ; પરન્તુ બીજાના નામે તે નોંધાઈ છે. દા.ત. જગદીશચન્દ્ર બોઝે ૧૮૯૪માં રેડીયો કમ્યુનીકેશનનું કોલકત્તામાં જાહેર પ્રદર્શન કર્યું હતું. અને છેક હવે IEEE સંસ્થાએ ગુગ્લીએમો માર્કોની પહેલાં જગદીશચન્દ્ર બોઝે રેડીયો સંદેશા–વ્યવહાર શોધ્યો હોવાની વાત માન્ય રાખી છે.

મારા એક મીત્રનો દીકરો ગૌરવ બ્રીટનમાં ભણે છે. લંડનની બાળવીજ્ઞાન પરીષદમાં પોતાના પ્રોજેક્ટ સાથે એ ભાગ લેવા ગયો. એક અંગ્રેજ વીદ્યાર્થીએ એને કહ્યું કે, ‘તારા કરતાં અમારો પ્રોજેક્ટ વધારે સારો હોય; કારણ કે અમે તમારા પર બસો વરસ રાજ કર્યું છે.’ ગૌરવથી આ અપમાન સહન ન થયું. No injury is deeper than insult. ગૌરવે મને ફોન પર વાત કરી. મેં કહ્યું, ‘વૈજ્ઞાનીકો ગમે તે દેશમાં જનમ્યા હોય; એ વીશ્વના હોય છે. વૈજ્ઞાનીકોનાં જ્ઞાન અને શોધને ભૌગોલીક સીમા નથી હોતી. એ ઘમંડી અંગ્રેજ વીદ્યાર્થીને કહેજે કે – ‘તમે તો અમારા પર બસો વર્ષ જ રાજ કરી શક્યા; પરન્તુ રોમનોએ તમારા પર પાંચસો વરસ રાજ કર્યું હતું.’

વીદ્યાર્થી મીત્રો, વીજ્ઞાન દરેક જગ્યાએ છે, સર્જાય છે. આખું વીશ્વ એક પ્રયોગશાળા છે. માનવજાત સામેના પડકારો, સમસ્યાઓ અને સંકટોનો ઉપાય આપણને માત્ર વીજ્ઞાન દ્વારા જ મળશે. માણસની વીચારશીલતા જ તેને સંશોધનો તરફ દોરી જાય છે. બાળકનો ગર્ભ માતાના ઉદરમાં ધારણ થાય છે; વીજ્ઞાનનો ગર્ભ માણસના મનમાં ધારણ થાય છે. બાળકનો જન્મ પ્રસુતીગૃહમાં થાય છે; વીજ્ઞાન પ્રયોશાળામાં જન્મ ધારણ કરે છે. તેથી જ કહેવાયું કે ‘પ્રયોગશાળા એટલે વીજ્ઞાનનું પ્રસુતીગૃહ Laboratory is the Maternity Home of Science.’

વલ્લભ ઈટાલીયા

લેખકસંપર્ક:

શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, 74–બી, હંસ સોસાયટી, વરાછા રોડ, સુરત – 395 006 મોબાઈલ : 98258 85900 ઈ મેઈલ: vallabhitaliya@gmail.com

મુમ્બઈથી પ્રકાશીત થતા માસીકવીવેકપંથી’ (તંત્રી– ગુલાબ ભેડા – 2/C/1-Asmita Mogra, Dutta Jagdamba Marg, Sher-e-Punjab Colony, Andheri(East) Mumbai-400 093 Phone- 022-2838 8891 ના સપ્ટેમ્બર, 2010ના 103મા અંકમાંનો આ લેખ ‘વીવેકપંથી’ના તંત્રીશ્રીની તેમ જ લેખકશ્રીની પરવાનગી અને સૌજન્યથી સાભાર…

વીવેકપંથી રૅશનલ વીચારોનું માસીક (વાર્ષીક લવાજમ માત્ર રુપીયા 100/-) હવે વેબસાઈટ પર વાંચવા માટે પણ ઉપલબ્ધ છે. જેની લીન્ક નીચે મુજબ છે:

http://sites.google.com/site/vivekpanthi/home

http://sites.google.com/site/vivekpanthi/

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ

https://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુનવસારી

October 07, 2010

‘વીવેકપંથી’ એટલે તંત્રી ગુલાબ ભેડાનું આઠ વરસનું સંતાન…

‘વીવેકપંથી’ એટલે તંત્રી ગુલાબ ભેડાનું આઠ વરસનું સંતાન…

– વલ્લભભાઈ ઈટાલીયા

(વીવેક બુદ્ધીવાદી માસીક વીવેકપંથીના એક સોમા અંકનો વીમોચનસમારોહ 2010ની 13મી જુને મુમ્બઈ ખાતે યોજાઈ ગયો. આ પ્રસંગે વીમોચક ભાઈ શ્રી. વલ્લભ ઈટાલીયાએ પોતાના પ્રભાવક પ્રવચનમાં વીવેકપંથીની વીશેષતાઓ અને તંત્રી શ્રી. ગુલાબ ભેડાની સજ્જતા અને સજ્જનતાને બીરદાવી, સભાગૃહમાં શ્રોતાઓને ભાવવીભોર કર્યા હતા. પ્રસ્તુત છે પીસ્તાળીસ મીનીટ સુધી પીનડ્રોપ શાંતી વચાળે થયેલા તે પ્રવચનના કેટલાક અંશો…આલેખનઃ ઉત્તમ + મધુ ગજ્જર સુરત)


આટલા બધા રૅશનાલીસ્ટો એક સાથે જીન્દગીમાં પહેલી વાર મેં જોયા છે. રમણભાઈ પાઠકને ખબર પડશે તો બે વરસ વધારે જીવશે.

જગતની નેવું ટકા સમસ્યાઓ માણસની બુદ્ધીનું જ પરીણામ છે. ઈશ્વર, ધર્મ, ભુતપ્રેત, સ્ત્રીઓ પરના પ્રતીબન્ધો, શોષણ, દમન, કુરીવાજો, વહેમો, અન્ધશ્રદ્ધા, જ્યોતીષ, વાસ્તુશાસ્ત્ર અને કર્મકાંડો જેવાં દુષણો માણસની બુદ્ધીની જ નીપજ છે. એકલી બુદ્ધી વીનાશક બની શકે. દાઉદ ઈબ્રાહીમ અને ઓસામા બીન લાદેન પાસે ઓછી બુદ્ધી નથી. બુદ્ધીને નીયંત્રીત કરવા માટે અને યોગ્ય દીશામાં વાળવા માટે એક ડ્રાયવરની જરુર પડે છે. બુદ્ધી એટલે મોટરકાર અને ‘વીવેક’ એટલે બુદ્ધી નામની ગાડીનો ડ્રાયવર. વીવેકબુદ્ધી વીનાનો માણસ એટલે ‘કોકપીટ’ વીનાનું વીમાન ! સૌ પ્રથમ તો આ સામયીકનું અર્થસભર નામ ‘વીવેકપંથી’ રાખનારને હું ધન્યવાદ આપું છું.

બીજા ધન્યવાદ આ એક સોમા અંકના સંપાદક ભાઈ કીરણભાઈ ત્રીવેદીને આપું છું. આગળના નવ્વાણું અંકોમાંથી સાંગોપાંગ પસાર થઈ, તેમાંથી મોતી વીણવાનું કામ જરાયે સહેલું નથી. તેમણે તે ઐતીહાસીક કામ સુપેરે પાર પાડી આપણા હાથમાં મુકી દીધું. તે માટે તેમને દીલથી ધન્યવાદ…

‘વીવેકપંથી’ આપણને ગમે છે તેનાં દસ કારણો કયાં ? મારી સમજ પ્રમાણે તે રજુ કરું –

(૧) તંત્રી ગુલાબ ભેડાની સજ્જતા અને સજ્જનતા

એક નીતાંત ‘સારો માણસ’ જ સારો કલમનવીસ બની શકે અને એક સારો કલમનવીસ જ સારો તંત્રી બની શકે. ભીતરમાં ગંદકી ભરી હોય અને બહાર ઉજળાં કે ભગવાં વસ્ત્ર પહેરી દેવાથી અંદરની ગંદકી દેખાતી તો બન્ધ થાય છે; પરન્તુ ગન્ધાતી બન્ધ થતી નથી. ભીતરમાં કચરો પડયો હોય ત્યારે શબ્દ અને શાહીની પવીત્રતા જોખમાય છે. ગુલાબભાઈ એક એવા માણસ છે કે જેમણે પોતાનાં કપડાં કરતાં પોતાના અંતરને હમ્મેશાં વધારે ઉજળું રાખ્યું છે. સારો માણસ જ એ છે, જે મફતનું ખાતો નથી, મફતનું લેતો નથી, બીજાને નડતો નથી અને પોતાને ભાગે આવેલી જવાબદારીમાંથી કદી છટકતો નથી ! કેટલાક તંત્રીઓ સામે મળે ત્યારે તેમને દંડ કરવાનું મન થાય; પણ ગુલાબભાઈ સામે મળે ત્યારે દંડવત્ કરવાનું મન થાય.

(૨) ગુલાબભાઈને એમના જેવા જ સારા, સમર્થ અને સમર્પીત સાથીઓ મળ્યા

ગુલાબભાઈને દામજીભાઈ સાવલા, રાયચંદભાઈ શાહ જેવા બીજા અનેક સમર્પીત અને સમર્થ સાથીઓ મળ્યા. સાથે સદાના સમર્પીત એવાં પત્ની વીણાબહેન અને એમની એક માત્ર દીકરી પ્રૉ. હર્ષા બાડકર જેવા સ્વજનોનાં સાથ–સંગાથ મળ્યા. ભઈ, નસીબદાર છે ગુલાબભાઈ !

(૩) અભ્યાસપુત તંત્રીલેખો

‘વીવેકપંથી’ના તંત્રીલેખોમાં વીણી લેવાતા મોટે ભાગે કરંટ ટૉપીક, નવીદૃષ્ટીવાળાં નીરીક્ષણો, માર્ગદર્શક અને વજનદાર નવા વીચારો અને વાચકોને હમેશાં કંઈક નવું આપવાનો ઉમળકો જ એમના લેખોને જીવંત બનાવે છે. પ્રેમ, સેક્સ, લગ્નેતર સમ્બન્ધો, ફરજીયાત મતદાન, બોધકથા, રમુજીપ્રસંગો વગેરે જેવા વીષયોની વીવીધતા તેમના તંત્રીલેખોમાં જોવા મળે છે. ગુલાબભાઈની કલમ દ્વારા એમના ચીન્તન–અનુભવનો નીચોડ આપણા સુધી પહોંચે છે.

(૪) ગુલાબભાઈની વીનમ્રતા

ગુલાબભાઈએ જાહેર કર્યું છે કે પોતાની 79 વર્ષની જીન્દગીમાં પુરાં 63 વર્ષ આમ–વ્યક્તીની જેમ ધાર્મીકતામાં વીતાવ્યાં છે. રૅશનાલીઝમમાં તો તેઓ પોતાને પંદર વર્ષનું બાળક જ સમજે છે. 1993-94માં મુમ્બઈના સમકાલીન દૈનીકમાં પ્રા. રમણ પાઠકની સંશયની સાધના કૉલમ શરુ થઈ અને મુમ્બઈમાં રૅશનાલીઝમના વીચારોનું જાણે વાવાઝોડું જ આવ્યું ! રમણભાઈ જે લખે તે છાપવા માટે છાતી જોઈએ અને તત્કાલીન તંત્રી  હરી દેસાઈ સલમાન ખાનની છાતી બતાવી ! ગુલાબભાઈની વીશેષતા એ છે કે જરા પણ ભુલ થાય તો જાહેરમાં માફી માંગી લે. કહે છે, ‘હું વીદ્વાન નથી અને હવે વીદ્વાન બની શકું એમ પણ નથી; કારણ કે મારું વાચન ઓછું છે અને યાદદાસ્ત કમજોર છે.’ કોઈની નીન્દા ન કરે, કટાક્ષ નહીં, મહેણાં–ટોણા નહીં અને સૌના મીત્ર. સૌને લાગે કે ગુલાબભાઈ મારા છે.

(૫) પારદર્શક વહીવટ

સંસ્થા કે આ સામયીક હજી રજીસ્ટર્ડ પણ થયાં નથી; છતાં પાઈ–પાઈનો ચોખ્ખો અને ખુલ્લો હીસાબ. પુ. મોરારીબાપુએ રુપીયા પચીસ હજાર મોકલ્યા અને કહ્યું કે, ‘રસીદની જરુર નથી.’ ત્યારે ગુલાબભાઈનો જવાબ સાંભળો, ‘તમે રસીદ નહીં સ્વીકારો; તો હું આ પૈસા નહીં સ્વીકારું !’ રસીદ આપ્યા વીના એક પણ પૈસો લેવાનો નહીં અને રસીદ લીધા વીના એક પણ પૈસો ખરચવાનો નહીં.

(૬) એમની સક્રીયતા અને કાર્યરીતી

અનેક ગોષ્ઠીઓનું આયોજન કરતા રહે છે. લક્ષ્મીદાસ ખટાઉ, લલીત નગર શેઠ, ડૉ. હર્ષીદા પંડીત, ડૉ. ઉદય મહેતા, ડૉ. પ્રભા પુરોહીત, ડૉ. દાભોલકર જેવા મુમ્બઈના એમના અનેક સાથીઓ તો ખરા જ. આ બધા મહાનુભાવો સાથે ચર્ચાવીચારણા કર્યા પછી જ જે તારણ આવે તે ‘વીવેકપંથી’ના માધ્યમથી વાચકોને વહેંચે.  સમ્પુર્ણ લોકશાહીને વરેલી એમની કાર્યરીતી નમુનેદાર છે.

(૭) ઓપન ફોરમ

ગુલાબભાઈએ રૅશનાલીઝમને કેન્દ્રમાં રાખીને વીચાર–વીરોધી ચર્ચાઓને પણ ‘વીવેકપંથી’માં હમ્મેશાં પુરતું સ્થાન આપ્યું છે. ગાંધીજી, સ્વામી સચ્ચીદાનંદજી, મોરારીબાપુના ચીન્તનને પણ ‘વીવેકપંથી’માં સ્થાન મળ્યું છે. વળી, કાન્તી ભટ્ટ કે ગુણવંત શાહ જેવા લેખકો વહેમ–અન્ધશ્રદ્ધા વીરુદ્ધ કશુંક લખે તો ‘વીવેકપંથી’ તે છાપે. સાથે જરાયે મતભેદ જણાય તો પોતાનું વીનમ્ર મંતવ્ય પણ ટાંકે. આમ થવાથી, વીષયોનું વૈવીધ્ય તો જળવાય જ, લોકપ્રીય લેખકોના મત સામે રૅશનલ મત શો હોઈ શકે તેયે સૌ જાણે અને વધારેમાં તો આ વીચારધારા બહારના વાચકોનેયે આ માસીક પોતીકું લાગે. કેટલીકવાર તો ડૉ. યાસીન દલાલ અને ડંકેશ ઓઝા જેવા અનેક મીત્રોના, તંત્રીને ખખડાવતા પત્રો પણ છપાયા છે.

(૮) ઉત્તમ વાચનસામગ્રીનું ચયન

ઉત્તમ, પથદર્શક અને જીવનપોષક વાચન–સામગ્રી એ ‘વીવેકપંથી’નું હૃદય છે. ભગીની સંસ્થાઓ કે સામયીકો જેવી કે સત્યશોધક સભા, વીજ્ઞાન જાથા વગેરેની કામગીરીની પણ સહર્ષ નોંધ લેવાતી રહે છે. સૌ પ્રત્યે અને સઘળી રૅશનલ કામગીરી માટે સમાદર એ એનો વીશેષ. કશુંય નીરર્થક નહીં છપાય.

(૯) કદી હાર નહીં માનવાની ગુલાબભાઈની જીદ

મહારાષ્ટ્રમાં આમ તો વર્ષોથી જ ડૉ. શ્રીરામ લાગુ અને ડૉ. દાભોલકરની અન્ધશ્રદ્ધા નીર્મુલનની પ્રવૃત્તીઓ ચાલતી જ હતી. પરન્તુ, રમણભાઈની ‘સંશયની સાધના’ કૉલમ થકી મુમ્બઈ વસતા ગુજરાતીઓમાં રૅશનાલીઝમની ઝુમ્બેશે વેગ પકડ્યો. ગુલાબભાઈ અને મુમ્બઈગરા મીત્રો એકઠા થયા. ‘વીવેકપંથી’ માસીક શરુ કરવાનું નક્કી કર્યું. ગુલાબભાઈ નીવૃત્ત, પોતાની જ્ઞાતીનું મુખપત્ર સંપાદીત કરવાનો ચાલીસ વરસનો અનુભવ એમની ગાંઠે, સમય તો ખરો જ, રૅશનાલીઝમનો અભ્યાસેય ખરો અને વીશેષ તો દુધમાં પાણી ભળે તેમ મીત્રોમાં જ નહીં; વીરોધીઓમાંયે ભળી જવાની એમની સુઝ. બસ, આ એમની મુડીને ધ્યાનમાં લઈ એમને તંત્રી બનાવી દેવાયા ! માંડ બે–પાંચ અંકો કરી શકાય તેટલાં નાણાં ગજવે ! મોટે ભાગે બને છે તેમ, સંસ્થાના સબળ પીઠબળ વીનાનાં કે કેવળ લવાજમ અવલમ્બીત સામયીક ઝટ આર્થીક સંકડામણમાં આવી પડે. તેવું જ બન્યું ‘વીવેકપંથી’નું. સૌ મીત્રોએ નક્કી કર્યું – ‘વીવેકપંથી’ બન્ધ કરવું.. સૌથી મોટો આઘાત ગુલાબભાઈને લાગ્યો. તેમણે પોતાની સઘળી જવાબદારીની શરતે એક વરસ ચલાવવા દેવાની સમીતીને આજીજી કરી. સૌને એમની નીષ્ઠા અને પરીશ્રમી પ્રકૃતી પર પાકો ભરોસો. તે મંજુરી મળી.

ગુલાબભાઈ સીધા આવ્યા સુરત. સદા સહાય–તત્પર ઉતમ–મધુ ગજ્જરને ત્યાં મુકામ. તેમની સંગાથે સુરતના બધા મીત્રોને મળ્યા. ગુલાબભાઈને બળ મળ્યું ને ‘વીવેકપંથી’ બેઠું થયું. કુદરતે ગુલાબભાઈને દીકરાથીયે સવાઈ એવી દીકરી, પ્રાધ્યાપીકા હર્ષા બાડકર  દીધી છે. દીકરો નથી; પણ હવે આપણે જોઈએ છીએ કે આ 80ની લગોલગના દાદા પોતાના 8 વરસના દીકરા ‘વીવેકપંથી’ને અછોઅછો વાનાં કરી દુલારથી ઉછેરી રહ્યા છે..

(૧૦) જીવનસંગીની વીણાબહેનનો બીનશરતી ટેકો

મેં ઘણીવાર ગુલાબભાઈને કહેતાં સાંભળ્યા છે કે, ‘વીણા જ મારા હાથ–પગ છે.’ ઉમ્મરને કારણે ‘વીવેકપંથી’નાં બધાં જ કામો માટે જાતે દોડા–દોડી કરી શકતા નથી. વીણાબહેને નોકરી ધર્મ, પરીવાર ધર્મ અને ‘વીવેકપંથી’ ધર્મ – ત્રણે એક સાથે, એકબીજાને અન્યાય ન થાય એ રીતે નીભાવી જાણ્યા છે. પ્રાધ્યાપીકા દીકરી હર્ષા બાડકરે પણ ગુલાબભાઈને કદી દીકરાની ખોટ વર્તાવા નથી દીધી. આ પ્રસંગે હું, વીણાબહેન અને હર્ષાબહેનને એમની આ નીઃસ્વાર્થ સેવા બદલ જાહેરમાં અભીવન્દના કરી આભાર માનું છું. વીણાબહેને  પતી જોડેના સાથ–સંગાથના સમયનો ત્યાગ નથી કર્યો; પરન્તુ પતીને તેનાં કાર્યમાં સાથ–સંગાથ આપ્યો છે. પતીના મીશનને પોતાનું મીશન માની પતી સાથે ખભેખભા મીલાવનાર વીણાબહેન વન્દનીય છે.

આટલું કહ્યા પછી રૅશનાલીઝમ અને વીવેકપંથીના વધુ વ્યાપ માટે થોડાં સુચનો કરવા મન થાય છે

(૧) રૅશનાલીઝમના આ કાર્યમાં બહેનો કેમ ઓછી છે ?

આ સભામાં હું માત્ર વીસેક ટકા બહેનોને જોઈ રહ્યો છું. બહેનોના સમર્થન, સહયોગ અને શામેલગીરી વીનાની કોઈ ઝુમ્બેશ સફળ થવાની ઝાઝી આશા નથી હોતી. આજના ધર્મ–સમ્પ્રદાયના પ્રસારમાં કે ગઈ કાલની દેશભક્તીની લડતોમાં બહેનોની સક્રીય શામેલગીરી છે અને હતી. બહેનોનું પ્રમાણ શી રીતે વધારી શકાય ? એનું ઉદાહરણ પણ ગુલાબભાઈએ જ પુરું પાડ્યું છે. એમણે વીણાબહેન અને બહેન હર્ષાને રેશનાલીઝમની કામગીરીમાં ભાગીદાર બનાવી દીધાં છે. ઉત્તમભાઈ મધુબહેનને, તો હું પણ મારી પત્ની મીતાને સાથે લઈને આજે અહીં આવ્યો છું. આમ, આપણી સંખ્યા તો આજે જ બમણી થઈ જાય. રૅશનાલીઝમની સબળ મહીલાપાંખ હોય એ દીવસોની મને પ્રતીક્ષા છે.

(૨) બાળકોયુવાનોની નવી પેઢી રૅશનાલીઝમમાં જોડાય

કોઈ પણ સમાજ કે રાષ્ટ્રનું ભવીષ્ય નવી પેઢીના ખભા પર નીર્ભર હોય છે. બાળકોને નાનપણથી જ રૅશનાલીઝમમાં ભેળવવા માટે  પંચતંત્રની બોધકથાઓ જેવી રૅશનલ બાલવાર્તાઓ લખાવી જોઈશે. તેમાં તેને અનુરુપ રસપ્રદ ચીત્રો પણ મુકવામાં આવે અને સાવ નજીવી કીમ્મતે તેમને પહોંચાડાય તો બાળકોમાં નાનપણથી જ વૈજ્ઞાનીક દૃષ્ટીકોણનું ઘડતર થાય.

(૩) રૅશનલ સામયીકોનો વ્યાપ વધવો જોઈએ

ગુજરાતનાં જે રૅશનલ સામયીકો છે એ બધાંનો વ્યાપ વધવો જોઈએ. હાજરો નહીં; લાખો નકલ થવી જોઈએ. કોઈ પણ ઝુમ્બેશ પ્રચાર માધ્યમોના ભરપુર વીનીયોગ વીના આગળ વધારવી મુશ્કેલ છે. એક વાચક દર વર્ષે નીદાન એક કે એકથી વધારે લવાજમ મીત્ર કે સમ્બન્ધીનું ભરવાનું રાખે તો હાલની સંખ્યા બમણી તો થાય જ.

(૪) હુંસાતુંસીઆપસની ટીકાટીપ્પણીઓ બન્ધ કરીએ

રૅશનાલીસ્ટોએ પોતાના મતભેદો–વીચારભીન્નતા જાહેર માધ્યમોમાં ફેંકવાને બદલે રુબરુ સાથે બેસીને કે ફોન પર લામ્બી વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ. વીચારભીન્નતા કે કાર્યરીતી–ભીન્નતા એ વીચારવન્ત માણસનાં લક્ષણ છે જે આવકાર્ય છે; પરન્તુ જાહેર માધ્યમો મારફતે કે ઈન્ટરનેટ દ્વારા હુંસાતુંસી થાય છે ત્યારે રુઢીચુસ્ત વીચારધારા ધરાવનારાઓને મન જોણું થાય, હાંસીપાત્ર બનીએ અને તેમને બોલવાની તક મળી જાય છે. યાદ રહે રૅશનાલીઝમમાં ઝનુન, આક્રમણ કે પ્રત્યાક્રમણને સ્થાન નથી.

(૫) સૌ સાથે અન્ધશ્રદ્ધાના વીષયથી વાતોની માંડણી કરીએ; ઈશ્વર છે કે નહીં તેવા વીષયથી  નહીં

બીનરૅશનાલીસ્ટ મીત્રો–સગાંસમ્બન્ધીઓ જોડે ઈશ્વરના અસ્તીત્વની ચર્ચા પ્રાથમીક તબક્કે ટાળીએ. માણસ જ્યારે અન્ધશ્રદ્ધા, દેખાદેખી કુરીવાજો, વહેમો, સ્વર્ગ–નર્ક, પાપ–પુણ્યની જરીપુરાણી માન્યતાઓ, મીથ્યા કર્મકાંડોમાંથી મુક્ત થશે ત્યારે ઈશ્વર વીશેની કપોળકલ્પીત માન્યતાઓ ખેરવી, તેને જાતે જ મુક્ત બનવાનું તેને માટે આસાન બનશે. ત્યાં સુધી ધીરજ ધરવી રહી. ‘ઈશ્વર’ એ એક જ માત્ર અને પ્રથમ પ્રાથમીકતાવાળો રૅશનાલીઝમનો વીષય ન હોઈ શકે. કન્ફ્યુશ્યસ કહેતો, ‘મન થાય તો ઘડીક પુજા કરી લેવી; પછી ઈશ્વરને ભુલી, કામે લાગો.’ ડૉ. શ્રીરામ લાગુએ પણ લખ્યું છે, ‘ઈશ્વરનો જલદ વીરોધ કે જલદ ચળવળ કરવાથી લોકોમાં ઉલટી અસર થાય છે. આપણું વલણ સૌમ્ય હોવું જોઈએ.’

મીત્રો, બધા ધાર્મીક વૃત્તીના માણસો સારા જ હોય એ વાત ખોટી સીદ્ધ થઈ ચુકી છે અને રૅશનાલીસ્ટો બધા જ સારા હોય એવું આપણે કદી સાબીત કરી શકવાના નથી. આનો અર્થ એ થયો કે માણસ ધાર્મીક હોય કે રૅશનાલીસ્ટ, માનવીય સદ્ ગુણો એ જ માનવ માત્રનું સાચું વીત્ત છે.

શાળા–કૉલેજમાં પ્રવચન હોય ત્યારે તેઓ મને અચુક પુછે કે, ‘તમે કયા ભગવાનમાં માનો છો ?’ ત્યારે હું તેમને કહું છું કે, માબાપથી મોટા ભગવાનને હું ઓળખતો નથી. મારા નવા બંગલાનું નામ છે બા. ઘરના પ્રવેશદ્વાર પર જ મારાં માતા–પીતાનો મોટો ફોટો છે અને તે ફોટા પર એક વાક્ય લખ્યું છેઃ – “માવતર એ જ મંદીર”. આ સીવાય મારા ઘરમાં બીજું કોઈ અલાયદું મંદીર બનાવવાની મને જરુર જણાઈ નથી.

માણસના જીવનના મને ત્રણ જ હેતુઓ દેખાય છેઃ –

(૧) જાતે ક્ષણે ક્ષણે આનંદ લેવો

(૨) બીજાને સદા આનંદ આપવો

(૩) અન્ય કોઈનાયે આનંદમાં કદી આડા ન આવવું..અસ્તુ..

સૌને ધન્યવાદ…

– વલ્લભ ઈટાલીયા,

(74–B, Hans Society, Varachha Road, Surat395 006

eMailvallabhitaliya@gmail.com Mobile98258 85900)

પહેલા વાક્યથી શરુ થયેલી શ્રોતાઓની તાલીઓ છેલ્લા વાક્ય સુધી સભાગૃહમાં ગુંજતી રહી…

પછી….

કાને જરાક ઓછું સાંભળતા ગુલાબ ભેડા એકચીત્ત બની વલ્લભભાઈની બધી વાતો સાંભળતા રહ્યા. એક ક્ષણે તો વીણાબહેન અને બહેન હર્ષાનાં હર્ષાશ્રુયે વહેતાં રહ્યાં. પોતાના બોખલા મોંએ મરકમરક હસતા, પ્રતીભાવ આપતા ગુલાબભાઈએ તેમની રમુજી શૈલી અને ઝીન્દાદીલીનો વીચક્ષણ પરીચય કરાવ્યો !

તેમણે કહ્યું, લ્લભભાઈએ આખા પ્રવચનમાં મારી એટલી બધી પીઠ થાબડી છે કે મારો આખો વાંહો હુજી ગયો છે. આ ભાર હવે સહન થતો નથી, સોજો ઉતારવો પડશે. એમ કહી તેમણે, આ સમારોહ માટે રાતદીન જોયા વીના પરીશ્રમનો પરસેવો પાડનાર (જે મુમ્બઈમાં મળવા દોહ્યલા છે) સૌને વારાફરતી સ્ટેજ પર બોલાવ્યા. અડધું સ્ટેજ ભરાઈ ગયું ! સૌનાં નામ દેતા જાય, તેમણે કરેલી કામગીરી ગણાવતા જાય, તેમનો સૌનો ‘વાંહો’ થાબડતા જાય અને આમ, પોતાના ‘વાંહા’નો સોજો ઉતારતા જાય.. અદ્ ભુત દૃશ્ય ખડું કર્યું તેમણે..! સૌ ધન્ય થયા..

અહેવાલ આલેખન અને અક્ષરાંકનઃ

ઉત્તમ + મધુ ગજ્જર, 53- ગુરુનગર, વરાછા રોડ, સુરત395 006

Phone 0261-255 3591

eMailuttamgajjar@gmail.com

‘નયા માર્ગ’ માસીકના તા. ૧૬ જુલાઈ, ૨૦૧૦ના પાન ક્રમાંક ૧૧થી ૧૪ ઉપરથી, તંત્રી શ્રી ઈન્દુકુમાર જાની તથા વક્તા શ્રી વલ્લભાઈ ઈટાલીયાના સૌજન્યથી સાભાર..

‘નયા માર્ગ’ના જુના–નવા અંકો વાંચવા માટે અમારી વેબસાઈટ

http://sites.google.com/site/vachanyatra/home/nayaa-maarg ની મુલાકાત લેવા વીનંતી.


દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા, જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

♦●♦●♦ આ લેખ પસંદ પડે અને નીરાન્તે મમળાવવા મન થાય કે મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર એક મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુનવસારી

પોસ્ટ તારીખ 24/07/2010
માનવતા એ જ દેશભક્તી

માનવતા એ જ દેશભક્તી

–વલ્લભભાઈ ઈટાલીયા

માણસ પ્રદર્શનપ્રેમી પ્રાણી છે. માણસ જે છે એનાથી સારો દેખાવાનો સતત પ્રયાસ કરતો રહે છે; જે છે એનાથી સારો બનવાનો પ્રયાસ ભાગ્યે જ કરે છે. કાર્યવૃત્તી નહીં; પ્રદર્શનવૃત્તી માણસને વધારે પસંદ પડે છે. સદીઓથી આપણને ખોટા વીચારો, ખોટી માન્યતાઓ પીરસવામાં આવ્યાં છે. આપણે સાચી દીશામાં વીચારવાની શક્તી બહુ ઝડપથી ગુમાવી રહ્યા છીએ.

સ્વપુર્ણ મહારાજ ફરતાં ફરતાં એક અજાણ્યા ગામમાં પહોંચે છે. ગામની નીશાળમાં રાતવાસો કરે છે. બરાબર બીજા દીવસે પંદરમી ઑગસ્ટ હતી. સવારમાં શાળામાં ધ્વજવંદન વગેરે વીધી પત્યા પછી શાળાના આચાર્યશ્રીએ આગ્રહ કર્યો એટલે સ્વપુર્ણ મહારાજે દેશભક્તીના પોતાના વીચારો રજુ કર્યા. કાર્યક્રમ પુરો થયો; બધા વીખરાયા. ગામના એક દાદા ત્યાં બેઠા રહ્યા. દાદાએ મહારાજને કહ્યું, ‘બાપુ, મને તમારા દેશભક્તીના વીચારો ખુબ ગમ્યા છે. હું હવે નીવૃત્ત છું. મારાથી થઈ શકે એવું દેશભક્તીનું કોઈ કાર્ય મને બતાવો. મારે હવે દેશભક્તી કરવી છે.’ સ્વપુર્ણ મહારાજે ધ્યાનથી એ દાદાની સામે જોયું અને એક ક્ષણ પછી જવાબ આપ્યો, ‘તમારા વાળ અને શરીર ખુબ મેલાં થયાં છે. કપડાં પણ ખુબ ગંદાં અને વાસ પણ આવે છે.  સામેની નદીએ જઈને પહેલાં શરીર અને કપડાં કાળજીથી ધોઈ આવો, પછી યોગ્ય લાગે તો પાછા આવજો. દેશભક્તીનું બીજું કાર્ય પણ બતાવીશ !

દેશપ્રેમ અને દેશદ્રોહ બંને અલગ અલગ છેડાના શબ્દો છે. બંને વચ્ચે બહુ મોટી ભેદરેખા છે; પરન્તુ આપણે ઘણીવાર એ ભેદને પારખવામાં માર ખાઈ જઈએ છીએ.

મજુરોને એમના પરસેવાનું વાજબી મહેનતાણું આપે એ માલીક દેશભક્ત છે અને મજુરોનું શોષણ કરનાર માલદાર દેશદ્રોહી છે. સન્તાનને  રેઢીયાળ  ઢોરની માફક રામભરોસે છોડી મુકનાર માવતર દેશદ્રોહી છે અને સન્તાનને સારી રીતે ઉછેરવામાં, ભણાવવામાં અને કેળવવામાં પુરતી કાળજી લેનાર મા-બાપ દેશભક્ત છે. મોટી મોટી સભાઓમાં નીરર્થક ભાષણો ઠોકીને પ્રજાનો કીંમતી સમય બરબાદ કરનારા નેતા દેશદ્રોહી છે અને સભામાં ખપ પુરતા સમાજોપયોગી વીચારો વહેંચનાર નેતા દેશભક્ત છે. ચાલુ પીરીયડે પોતાના નખ કાપવામાં અને વાળ હોળવામાં સમય વેડફતો શીક્ષક દેશદ્રોહી છે અને પીરીયડમાં એકે એક પળનો ઉપયોગ કરી વીદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન આપતો શીક્ષક દેશપ્રેમી છે. થોડીક મુશ્કેલી પડે અને પત્ની તથા બાળકોને નોધારાં છોડી આપઘાત કરી લેનાર માણસ દેશદ્રોહી છે અને ગમે તેવી વીકટ પરીસ્થીતીમાં પણ માર્ગ શોધીને કુટુમ્બને સંભાળી લેનાર માણસ દેશભક્ત છે. સન્તાનપ્રાપ્તી માટે કોઈ સ્ત્રીને દવા આપનાર ડૉક્ટર દેશભક્ત છે; પરન્તુ સન્તાનપ્રાપ્તી માટે કોઈ સ્ત્રીને મંત્રેલો દોરો આપનાર માણસ દેશદ્રોહી છે. મહેનત કરીને સમસ્યાનો ઉકેલ શોધનાર માણસ દેશભક્ત છે; પરન્તુ ‘મારા ગ્રહ સુધરશે ત્યારે આપો આપ મારો ઉદ્ધાર થઈ જશે’ એમ માનીને બેસી રહેનાર માણસ દેશદ્રોહી છે.

પાંચ પ્રકારના દેશદ્રોહીઓ ઝટ આપણી નજરે ચડતા નથી:

(1)   સત્તાને પોતાની જાગીર સમજતા સત્તાલાલસુ અને ભ્રષ્ટ   રાજકારણીઓ.

(2)   દેશના અર્થતંત્રને ખાડે લઈ જનારા કરચોરો અને આર્થીક ગુનેગારો.

(3)   ગરીબ, નીરાધાર અને લાચાર કામદારોનું શોષણ કરનારા માલેતુજારો.

(4)  ઉંચો પગાર ખાઈને પ્રજાનાં કામોને ટલ્લે ચડાવતા અધીકારીઓ અને કામચોરી કરતા પગારદારો.

(5)  ભોળી પ્રજાને હાથીના દાંત બતાવી, એમના અજ્ઞાનનો દુરુપયોગ કરતા કર્મકાંડીઓ, પાખંડીઓ અને સાધુબાવાઓ.

માંગીને પોતાનું પેટ ભરનાર અપંગ ભીખારી દેશભક્ત હોઈ શકે; પરન્તુ લાંચ ખાઈને રાષ્ટ્રના ઝંડાને સલામ મારનાર નેતા કદી દેશભક્ત ન હોઈ શકે. ભણવાની ઉંમરે તમાચો મારીને બાળકને નીશાળનાં પગથીયાં ચડાવનારા મા-બાપ દેશભક્ત હોઈ શકે; પરન્તુ ભણવાની ઉંમરે પ્રેમથી બાળકને મજુરીએ મોકલનાર મા-બાપ કદી દેશભક્ત ન હોઈ શકે. જરુર જણાય ત્યારે માવતરને ઠપકો આપતો પુત્ર દેશભક્ત હોઈ શકે; પરન્તુ માવતરને ઘરડાંઘરમાં ધકેલી દેનાર પુત્ર કદી દેશભક્ત ન હોઈ શકે. શાળામાં સમયસર આવનાર નબળો વીદ્યાર્થી દેશભક્ત હોઈ શકે; પરન્તુ શાળામાં મોડો આવનાર તેજસ્વી શીક્ષક કદી દેશભક્ત ન હોઈ શકે. આચાર્ય ઘંટડી વગાડે ને સમયસર ચા હાજર કરી દેનારો પટાવાળો દેશભક્ત હોઈ શકે; પરન્તુ સમયસર ચા ન મળે ને લડી-ઝઘડી પડતો આચાર્ય કદી દેશભક્ત ન હોઈ શકે. મુશ્કેલીના સમયમાં પોતાનું શરીર વેચીને સન્તાનોનું ભરણ–પોષણ કરનારી વેશ્યા દેશભક્ત હોઈ શકે; પરન્તુ મુશ્કેલીના સમયમાં સન્તાનોને નોધારાં છોડી આપઘાત કરનારી કે રઝળતાં મુકી બીજા જોડે ભાગી જનારી માતા કદી દેશભક્ત ન હોઈ શકે.રે, પોતાના પૈસાનો શોખથી શરાબ પીનારો સંસારી દેશભક્ત હોઈ શકે; પરન્તુ પારકા પૈસાના મેવા-મીઠાઈની ફરાળ કરીને ફાંદ વધારનારો સન્યાસી કદી દેશભક્ત ન હોઈ શકે.

મીત્રો, કટ્ટરવાદી દેશભક્ત હોઈ શકે; પરંતુ કોમવાદી કદી દેશભક્ત ન હોઈ શકે. પક્ષમાં એકતા જળવાય એ રાષ્ટ્રની ખરી તાકાત નથી; પ્રજામાં એકતા જળવાય એ રાષ્ટ્રની ખરી તાકાત છે. આપણે અંદરો અંદર એકતા જાળવવામાં હંમેશાં વામણા પુરવાર થયા છીએ. પ્રત્યેક માણસ હીંદુ કે મુસલમાન તો હોય; પણ પહેલાં તે ભારતીય હોવો જોઈએ.

પચાસ અંગ્રેજો વેપાર કરવા ભારત આવ્યા અને પચાસ કરોડ ભારતીયો ઉપર બસ્સો વર્ષ સુધી રાજ કરી ગયા ! અંગ્રેજો વીદેશથી સૈનીકો લઈને નહોતા આવ્યા. આઝાદી માટે લડતા આપણા જ દેશબાન્ધવો ઉપર લાઠીઓ અને ગોળીઓ વીંઝનારા બધા સીપાઈઓ ભારતીય હતા. જલીયાંવાળા બાગમાં ગોળી છોડવાનો હુકમ તો જનરલ ડાયરે કર્યો; પણ એ હુકમનો અમલ કરનાર બધા સીપાઈઓ ભારતીય જ હતા ! જો આપણામાં એકતા હોત તો પોતાના જ દેશ બાંધવો પર બેફામ ગોળીઓ છોડતી વખતે એમાંથી એક પણ ભારતીય સીપાઈનાં બાવડાં ધ્રુજ્યાં કેમ નહીં ? પોતાનાં જ ભાઈ-બહેનોને બેરહેમીથી વીંધી નાખનાર સીપાઈઓના અંતરાત્માએ બળવો કેમ ન કર્યો ? અંગ્રેજોએ બસો વર્ષ સુધી આપણામાં અંદર અંદર ભાગલા પાડીને રાજ કર્યું એવું માનીને આપણે આપણી નીર્બળતાઓનો બચાવ તો નથી કરી રહ્યા ? વાસ્તવમાં અંદરો અંદર લડીને બરબાદ થઈ જવા માટે આપણાથી વધારે ઉત્સુક પ્રજા વીશ્વમાં ક્યાંય નથી. આંતરીક કુસંપ અને વીખવાદ જલીયાંવાળા કાંડ વખતે પણ હતા, છઠ્ઠી ડીસેમ્બરના અયોધ્યાકાંડ વખતે પણ હતા અને ગોધરાકાંડ વખતે પણ હતાં.

ગોધરાકાંડ પછી અમદાવાદમાં તોફાનો ફાટી નીકળ્યાં. તોફાનોના બાવીસ દીવસ પછી અમદાવાદથી એક મુસ્લીમ યુવકનો મને પત્ર મળ્યો. લખ્યું હતું; ‘વલ્લભભાઈ, તમે મને ઓળખતા નથી; પરન્તુ પાંચ વર્ષ પહેલાં હું સુરત નોકરી કરતો હતો ત્યારે કૉન્ગ્રેસ હાઉસમાં કોમવાદ પર તમારું પ્રવચન સાંભળેલું. હાલ હું અમદાવાદમાં એક અખબારમાં પત્રકાર છું. તોફાનવેળાએ હું પ્રેસ પર હતો. મારી પત્ની અને મારી 9 વર્ષની દીકરી ઘરે હતાં. મારો-કાપોના નારાઓ સાથે એક ટોળું અમારા ઘર તરફ ધસી આવ્યું. મારી પત્નીએ પરીસ્થીતી પામી, ભાગવાની કોશીશ કરી. મારી નવ વર્ષની દીકરીને તેડવા ઘરમાં બુમ મારી પણ ક્યાંય દેખાઈ નહીં. દીકરી ક્યાંક આગળ દોડી ગઈ હશે એવું માની, મારી પત્ની જીવ બચાવવા ભાગી. ભાડાનું ઘર હતું. બધું સળગાવી દેવાયું. મોડી રાતે જેમ તેમ કરીને મેં મારી પત્નીને શોધી કાઢી. પરન્તુ મારી નવ વરસની દીકરીનો ક્યાંય પત્તો ન લાગ્યો. ચાર દીવસ શોધખોળ કરી. આખરે પાંચમા દીવસે અમે થોડાક પોલીસ અધીકારીઓ સાથે અમારા સળગી ગયેલા ઘરમાં તપાસ કરવા ગયા. અડધા સળગી ગયેલા લાકડાના કબાટમાંથી મારી નવ વરસની દીકરીની ભુંજાઈ ગયેલી લાશ મળી આવી ! ટોળાના ભયથી દીકરી કબાટમાં પુરાઈ ગઈ હશે એમ મારું માનવું છે. મારે એક જ દીકરી હતી અને અમે કુટુમ્બ નીયોજન અપનાવેલું. એને અમારો દીકરો માની ઉછેરેલી. વલ્લભભાઈ, મારે ચાર પ્રશ્નોના ઉતરો જોઈએ છેઃ

‘(1) બધાં કહે છે કે બાળક ખુદા-ભગવાનનું સ્વરુપ છે. ભગવાનને જ જીવતા સળગાવીને અયોધ્યામાં મંદીર કે મસ્જીદ કોના માટે બાંધવાં છે આપણે ?

(2) મને આર્થીક કોઈ તકલીફ નથી. હું પત્રકાર છું અને મારી પત્ની શીક્ષીકા છે. અમે અઢાર હજાર રુપીયા મહીને કમાઈએ છીએ અને અમારો ખર્ચ મહીને દસ હજારથી વધારે નથી. અમારા ઘરની મીલકત સળગાવી દેવાઈ, એનો અફસોસ નથી; પરંતુ અમારી સૌથી મોટી મીલકત તો અમારી દીકરી હતી ! દુનીયાનો કયો ધર્મ અમને અમારી દીકરી પાછી આપશે ?

(3)  હું અને મારી પત્ની ધર્મથી મુસલમાન છીએ; પરંતુ અમારી 9 વર્ષની દીકરીને હીંદુ કે મુસલમાન શું કહેવાય એનીય ખબર નહોતી ! જેને કોમવાદ સાથે કોઈ સમ્બન્ધ નહોતો એવી મારી નીર્દોષ દીકરીને શા માટે સળગાવી દેવામાં આવી ?

(4) મારા ઘરમાં મૌલાના આઝાદ સાહેબની સાથે સાથે ગાંધીજી અને સરદાર પટેલની તસ્વીરો પણ હતી. એ ઝનુની ટોળામાંના માણસોનાં ઘરમાં અહીંસાના પુજારી ગાંધીજીની તસ્વીર પણ હશે ખરી ? જવાબ આપી શકો તો આપનો ઋણી રહીશ.’

આ વેધક પત્ર વાંચીને હું લગભગ ભાંગી પડ્યો. ધ્રુજતા હાથે મેં કલમ હાથમાં પકડી. લખ્યું કે, ‘મીત્ર, જે માણસના ઘરમાં મૌલાના, ગાંધી અને સરદાર સાહેબની તસ્વીરો હોય એ માણસ મુસલમાન હોઈ શકે, હીંદુ હોઈ શકે; પરંતુ કદી કોમવાદી ન હોઈ શકે. દીકરીના અકાળ મૃત્યુથી માવતરને કેટલો આઘાત લાગે છે એનો મને અનુભવ નથી; પરન્તુ હું પણ એક પંદર-સોળ વરસની દીકરીનો બાપ છું. મારી દીકરીને સાયકલ વાગી જાય અને સહેજ જ ઘુંટીની ચામડી છોલાય ત્યારે; મને મારું હૃદય છોલાતું હોય એટલી વેદના થાય છે. નવરાત્રીમાં ઉઘાડા પગે દીકરી ગરબા રમતી હોય અને તેને પગમાં જરાક કાંકરે ખુંચે ત્યારે; મને મારા હૈયામાં એ કાંકરી સીધી ખુંચતી હોય એટલી પીડા થઈ જાય છે. તમારી નીર્દોષ દીકરીની હત્યાથી મેં મારી દીકરી ગુમાવી હોય એટલી વેદના અનુભવી રહ્યો છું. મારાં થોડાંક આંસુઓ તમારા પતી-પત્નીનાં હૈયામાં લાગેલી આગને ઠારી શકતાં હોય તો હું એને મારું સદભાગ્ય સમજું છું.’

આઝાદીની ચળવળ વખતે ગોધરાની ધરતી પરથી ગાંધી, મૌલાના આઝાદ, સરદાર સાહેબ, લોકમાન્ય તીળક અને નહેરુ જેવા સમર્થ નેતાઓએ ગોધરાની પ્રજા સમક્ષ પ્રવચનો કર્યાં છે. ગોધરાની ધરતી પર આ નેતાઓએ રાતવાસો પણ કર્યો છે. ગોધરાની એ જ ધરતી પર  કેટલાક કોમવાદી  નરાધમોએ નીર્દોષ યાત્રાળુઓને ચાલુ ટ્રેનમાં જીવતા સળગાવી દીધા અને ત્યાર પછી જે તોફાનો થયાં એમાં બુદ્ધની સમતા-કરુણા, મહાવીરની જીવદયા અને ગાંધીની અહીંસા ભડકે બળી. શહેરના ઋજુ, સંવેદનશીલ, આદરણીય સાક્ષર શ્રી ભગવતીકુમાર શર્માએ મને કહ્યું કે, ‘વલ્લભભાઈ, ક્યાં ગયું આપણું બધું જ્ઞાન, આપણાં શાસ્ત્રો, આપણી સંસ્કૃતી ? માનવ–દહનનું  આ નગ્ન તાંડવ જો  લાંબું ચાલશે તો મને તો ડર છે કે ક્યાંક મારું હૃદય બંધ ન પડી જાય !’

મીત્રો, જ્યારે કોઈ બે દેશ લડે છે ત્યારે બન્ને દેશને પચાસ-પચાસ ટકા નુકસાન થવાનો સંભવ હોય છે; પરન્તુ જ્યારે કોઈ એક જ દેશની બે કોમ લડે છે ત્યારે સોએ સો ટકા નુકસાન એ જ દેશને થાય છે. પચીસ પચીસ સદીઓથી બુદ્ધ અને મહાવીર આપણને માણસ બનાવવા મથી રહ્યા છે, અને આપણે…..! હજુ કેટલી સદીઓ લાગશે માણસને માણસ બનતા ?

પ્રસાદ

માણસમાં શક્તી ઘટે તો ગ્લુકોઝના બાટલા છે; માણસમાં લોહી ઘટે તો બ્લડના બાટલા છે; પણ માણસમાં માણસાઈ ઘટે ત્યારે કોઈ બાટલા છે ?

લેખક–સંપર્ક:

શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા,

સંપર્ક : 74–બી,  હંસ સોસાયટી, વરાછા રોડ, સુરત – 395 006

મોબાઈલ : 98258 85900 ઈ મેઈલ: vallabhitaliya@gmail.com

અક્ષરાંકનગોવીન્દ મારુgovindmaru@yahoo.co.in

લેખક પરીચય

મુળ ભાવનગર જીલ્લાના પાંચટોબરા ગામના વતની, 1963માં જન્મેલા અને સુરતમાં ભણી વાણીજ્યના સ્નાતક થયેલા શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, સુરતના હીરા ઉદ્યોગના એક અગ્રણી ઉદ્યોગપતી તો છે જ; પણ તેઓ સાહીત્યસેવી, વીચારક, એક કુશળ વક્તા અને પ્રસીદ્ધ નીબંધકાર પણ છે. સાવ ઓછું લખ્યું છે એમણે અને હવે તો વ્યાવસાયીક વ્યસ્તતાને પરીણામે લગભગ બંધ જ; પરંતુ જેટલું લખ્યું છે તે તેમને પ્રથમ કક્ષામાં સ્થાપીત કરવા માટે પુરતું છે. કલા–સર્જનમાં મુલ્ય તો ક્વૉન્ટીટી(જથ્થા)નું નહીં; પણ ક્વૉલીટી(ગુણવત્તા)નું જ લેખાય. એમની બીજી સીદ્ધી તે વળી તેઓની વક્તૃત્વપ્રતીભા. પંદર મીનીટ બોલવા મળી હોય તો ચૌદમી મીનીટે તો એમણે આસન ગ્રહણ કરી લીધું હોય. એટલી સુયોજીત એમની સજ્જતા ! કવીત્વનાં છાંટણાંથી આકર્ષક અને આનંદપ્રદ એવું એમનું પ્રવચન સાંભળવું એય મોટો લહાવો.

શ્રી અને સરસ્વતીનું આવું સહઅસ્તીત્વ આ હસ્તીમાં છે. સફળ, બાહોશ વેપારી–ઉદ્યોગપતી તો તેઓ છે જ; પરંતુ એ સૌથીય મોટી વાત તો એ કે તેઓ નમ્રતા અને સૌજન્યથી શોભતા, પ્રસન્ન વ્યક્તીત્વના માલીક એવા ‘માણસ’ છે. શ્રી વલ્લભભાઈ એટલે મીઠો મધ જેવો મધુરો ‘માણસ’–સાચો અને પુરો..

––પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’ (બારડોલી) અને ઉત્તમ ગજ્જર (સુરત)

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા, જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

♦●♦●♦ આ લેખ પસંદ પડે અને નીરાન્તે મમળાવવા મન થાય કે મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર એક મેઈલ લખશો તો 1/06/2010ના રોજ મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુ નવસારી

પોસ્ટ તારીખ 28/05/2010

વાસ્તુશાસ્ત્ર: વીજ્ઞાન કે અજ્ઞાન ?

વાસ્તુશાસ્ત્ર: વીજ્ઞાન કે અજ્ઞાન ?

–વલ્લભભાઈ ઈટાલીયા

વાસ્તુશાસ્ત્ર એ છેલ્લા બે દાયકામાં અને ખાસ કરીને શહેરોમાં ઝડપથી ફેલાઈ રહેલું સામાજીક દુષણ છે. જ્યોતીષ, વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ જેવા કહેવાતા શાસ્ત્રો ભોળા, લાચાર અને નબળાં મનવાળા લોકોને અવળે માર્ગે દોરે છે. સમસ્યાગ્રસ્ત, ગરજવાન અને અંધશ્રદ્ધાળુ માણસનું મગજ ભાગ્યે જ ઠેકાણે હોય અને તેનો ગેરલાભ ઉઠાવવામાં ધતીંગશાસ્ત્રીઓ નીષ્ણાત હોય છે ! લોકો પણ છેતરાવા માટે હંમેશાં ખડેપગે રહેતા હોય ત્યાં, લેભાગુઓને પોતાનો છેતરપીંડીનો વ્યવસાય વીકસાવવામાં ખાસ કશી તકલીફ નથી પડતી !

વાસ્તુશાસ્ત્રના નીષ્ણાતો આપણી આફતો, મુશ્કેલીઓ અને ઉપાધીઓ દુર કરવા માટે મકાનોમાં તોડફોડ અને ફેરફારો કરાવે છે. તેનાથી લાભ તો કશો થતો નથી, ઉપરથી વધારાની એક આર્થીક આફત આવી પડે છે ! વાસ્તુશાસ્ત્ર મુળે તો સ્થાપત્યશાસ્ત્ર છે. એમાં રહેલી શીલ્પકલા સામે કોઈને કશો વાંધો ન હોઈ શકે; પરંતુ કેટલાક લેભાગુ વાસ્તુશાસ્ત્રીઓ પોતાનું પેટ ભરવા ભોળા-અજ્ઞાની લોકોને ગેરમાર્ગે દોરી પૈસા પડાવવાનો ધંધો કરે છે. વાસ્તુશાસ્ત્ર માણસને નીષ્ક્રીય, પુરુષાર્થહીન અને આળસુ બનવામાં મદદ કરે છે ! અને વળી, આપણી નીર્ણયશક્તી, આત્મવીશ્વાસ અને બુદ્ધીપ્રતીભાને પાંગળી બનાવવા બદલ આપણી પાસેથી ફી પણ વસુલે !

વાસ્તુશાસ્ત્રનો મુખ્ય આધાર જ દીશાઓ છે. દીશાઓ તો કલ્પીત અને સ્થળસાપેક્ષ છે. બ્રહ્માંડમાં કોઈ દીશા જ નથી. પૃથ્વી ગોળ છે, એટલે ક્ષીતીજ પણ ગોળ જ છે. માત્ર સુર્યોદય અને સુર્યાસ્તને કારણે જ માણસને દીશાની કલ્પના આવી. માણસે ચાર દીશા કલ્પી,  એટલે ચાર ખુણા પણ થયા. વીજળીની શોધ પહેલાં માનવીને રાત ભયાનક લાગતી; સુર્યોદય સારો લાગતો. માટે માણસે પુર્વ દીશાને શુભ કલ્પી હશે. દક્ષીણમાં દ્રવીડો-અનાર્યો વસતા એટલે દક્ષીણ દીશા યમની-અશુભ કલ્પવામાં આવી.

શુભ-અશુભ ‘ઉર્જા’, કીરણો અને ‘વાયબ્રેશન્સ’ અંગેની વાસ્તુશાસ્ત્રીઓની વાતો પણ અવૈજ્ઞાનીક છે. માણસના ધનદોલત, કૌટુંબીક કે સ્વાસ્થ્ય જેવા પ્રશ્નોમાં ‘ઉર્જા’ શું કરે ? આરોગ્ય માટે ખાસ હાનીકર કે  લાભકારક એવાં કોઈ કીરણો કે ઉર્જા હજી શોધ્યાં જ નથી. અલ્ટ્રાવાયોલેટ જેવાં કીરણો પૃથ્વી સુધી પહોંચતા નથી અને ચુંબકીય ઉર્જા સાથે તો પ્રાણીદેહનું અનુકુલન સધાયેલું જ છે. ‘ગુઢ ઉર્જા’ની વાસ્તુશાસ્ત્રની કલ્પના સાવ બોગસ છે. વીજ્ઞાને પૃથ્વી સાથે સમ્બન્ધ ધરાવતી તમામ ઉર્જાઓ શોધી કાઢી છે. ઉપરાંત વીજ્ઞાને અવકાશ પણ ફંફોસ્યું છે; ક્યાંય કોઈ ગુઢ  ઉર્જાઓ વૈજ્ઞાનીકોને દેખાઈ નથી, એ વાસ્તુશાસ્ત્રીઓને કેવી રીતે દેખાઈ ?

માણસના સારા-ખરાબની વ્યાખ્યા સાથે કુદરત (પ્રકૃતી)ને કશી લેવાદેવા જ કેવી રીતે હોય ? સંડાસ ખરાબ અને પુજાનો ઓરડો સારો એ બધું તો માણસની લાગણી, ગમા-અણગમાનું જ વીભાગીકરણ છે. ઉર્જા જેવી કુદરતી શક્તી શું સંડાસ પર થઈને  આવે, એટલે અશુભ થઈ જાય ? અને આજકાલ તો સારા ઘરનાં સંડાસ પુજાના ઓરડા જેટલાં જ ચોખ્ખાં હોઈ શકે છે !

દરવાજો ફક્ત આવ–જાનો માર્ગ છે, એની ઘરના સભ્યો પર શુભ-અશુભ અસરો કેવી રીતે થાય  ? અને સુર્યકીરણો ફક્ત દરવાજામાંથી જ ઘરમાં પ્રવેશે એવું કોણે કહ્યું ? હવે તો મકાનની ચારે દીશાએ કાચની બારીઓ હોય છે, ત્યારે મુખ્ય દરવાજાની વીશેષતા જ ક્યાં રહી ?

વાસ્તુશાસ્ત્રનો મુળ આધાર દીશાઓ  ઉપરાંત ગ્રહો પર પણ છે. વાસ્તવમાં ગ્રહોની કોઈ અસર માણસજાત પર પડતી જ નથી, એમ વીજ્ઞાને સીદ્ધ કર્યુ છે. માત્ર ભારતના જ નહીં; પરન્તુ વીશ્વના અગ્રગણ્ય ખગોળશાસ્ત્રીઓમાં જેમની ગણના થાય છે, એવા નહેરુ પ્લેનેટોરીયમના ડીરેક્ટર ડૉ. જે. જે. રાવલે લખ્યું છે:જ્યોતીષ, વાસ્તુશાસ્ત્ર કે ફેંગશુઈ એ કોઈ વીજ્ઞાન નથી, પણ સમાજને ગેરમાર્ગે દોરતા લુંટારાઓએ ઉપજાવી કાઢેલું ફરેબી વીજ્ઞાન (સ્યુડો-સાયન્સ) છે.’ જે પ્રજાને ‘વીજ્ઞાન’ કરતાં ‘વાસ્તુ’માં વધારે શ્રદ્ધા હોય એ પ્રજાને પીડાવાનો હક છે ! ‘ખગોળશાસ્ત્રી’ કરતાં ‘વાસ્તુશાસ્ત્રી’ પર વધારે શ્રદ્ધા એટલે જ ‘અંધશ્રદ્ધા’ !

વાસ્તુશાસ્ત્રના કહ્યા મુજબ, પતી-પત્નીને સંતાનપ્રાપ્તી ન થતી હોય તો તેનું કારણ ઘરમાં બેડરુમ અયોગ્ય દીશામાં હોઈ શકે અથવા શયનખંડમાં દંપતી અયોગ્ય દીશામાં માથું અને પગ રાખીને સુતાં હોઈ શકે !  છે ને તંદુરસ્ત ડૉક્ટરને પણ ચક્કર આવી જાય એવી વાત ?

મુંબઈના અમારા વીદ્વાન મીત્ર શ્રી લક્ષ્મીદાસભાઈ ખટાઉએ સુંદર પુસ્તક લખ્યું છે, ‘વાસ્તુશાસ્ત્ર કે ફાલતુશાસ્ત્ર ?’ તેઓ લખે છે: ‘પતી-પત્ની કઈ દીશામાં માથું રાખીને શયન કરે છે, તેને ગર્ભધારણ સાથે સમ્બન્ધ હોય તો એ જગતની અદ્ ભુત શોધ ગણાય ! વીશ્વમાં વસ્તીનીયંત્રણ માટે વાપરવા પડતાં નીરોધ, પીલ્સ કે પરેશનોના ખર્ચા જ બંધ થઈ જાય ! આ શોધ સાચી નીકળે તો વાસ્તુશાસ્ત્રીને નોબલ પ્રાઈઝ આપવું જોઈએ !’ વાસ્તુશાસ્ત્રીઓ આપ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ !

વાસ્તુશાસ્ત્રની કેટલીક માન્યતાઓ સ્વીકારવા માટે આપણે મગજને ગીરવે મુકવું પડે એમ છે:

બેડરુમ અગ્નીખુણે હોય તો પતી-પત્ની વચ્ચે ઝગડા થાય !

ઘરનું પ્રવેશદ્વાર પશ્વીમ-નૈર્ઋત્ય હોય તો મનની શાંતી ન મળે !          અકસ્માતનો સંભવ !

સામુદાયીક કુવો ઘરથી પશ્વીમ દીશાએ હોય તો દોષ, તે ઈશાન કે ઉત્તરમાં જ હોવો જોઈએ ! (આમ હોય તો કુવાની એક જ બાજુએ વસાહત વીકસે !)

તમારા ઘરના દરવાજા પર તમારા નામની તકતી નહી હોય તો ‘ઉર્જા’ તમારા ઘરમાં પ્રવેશ નહી કરે ! (ગામડાઓમાં તો કોઈના ઘર બહાર તક્તી નથી હોતી. શું ગામડામાં કોઈ સુખી જ નથી ?)

એક નીષ્ણાત વાસ્તુશાસ્ત્રીએ નોંધ્યું છે કે, ‘ભારતનું સંસદભવન વાસ્તુશાસ્ત્રના નીયમો મુજબ બંધાયું નથી એટલે દેશમાં વારંવાર આટલી બધી વીકટ સમસ્યાઓ સર્જાય છે ! (છે ને ગાંધીબાપુના હાથમાંથી પણ લાકડી હેઠી પડી જાય એવી વાત !)

ઘરની મધ્યમાં કુવો બાંધવામાં આવે, તો તે ઘરની તમામ સંપત્તીનો વીનાશ થાય છે ! (પણ કુવો તેલનો હોય તો ? !)

તમારા ઘરમાં ચોક્કસ જગ્યાએ માછલીઘર હોય તો એ વધારે શુભ ગણાય. માછલીઘર પોસાય તેમ ન હોય તો પાણીમાં તરતી માછલીનું ચીત્ર ભીંત પર ટીંગાડવાથી પણ ચાલે ! (આ તો સંતાનો ન હોય તો બાળકોના ફોટાથી ચલાવી લેવા જેવી વાત થઈને !)

મીત્રો, આવા અસંખ્ય નોન્સેન્સ નીયમોથી સમૃદ્ધ છે- વાસ્તુશાસ્ત્ર ! તમે તમારી કોઈ પણ સમસ્યા માટે જ્યોતીષીને મળશો એટલે તમારા ગ્રહોની નડતર કાઢશે; કોઈ તાંત્રીકને મળશો તો મેલી વીદ્યાનું નડતર કાઢશે અને કોઈ વાસ્તુશાસ્ત્રીને મળશો તો મકાન કે તેની અંદરની ચીજ-વસ્તુઓના સ્થાનનું નડતર કાઢશે ! વાસ્તુશાસ્ત્રીની બુદ્ધીમત્તા એટલી તો પ્રગાઢ કે રેલ, અકસ્માત, વીમાન દુર્ઘટના કે સ્પેસશટલ તુટે ત્યારે પણ વાસ્તુની ખામી પકડી પાડે !

વાસ્તુશાસ્ત્રી માત્ર સમસ્યાઓનું કારણ જ ન પકડે; સચોટ ઉપાય પણ બતાવે ! વાસ્તુદોષ નીવારવા માટે પીરામીડ, લાફીંગ બુદ્ધ, ક્રીસ્ટલ અને સ્વસ્તીક જેવાં સાધનો વેચે  ! આ સાધનો ઘરમાં ઘટતી ‘ગુઢ ઉર્જા’ પેદા કરે અને માણસની મુશ્કેલીઓ ટાળે !

હમણાં હમણાં હીરાઉદ્યોગમાં વેપારીઓનાં ‘ઉઠમણાં’ વધી રહ્યાં છે. નથી લાગતું કે, વેપારીઓએ ‘ઉઠતાં’ પહેલાં વાસ્તુશાસ્ત્રીને મળી તીજોરી યોગ્ય ખુણામાં જ મુકાવી દેવી જોઈએ કે જેથી, ધનલાભ થવા માંડે અને ઉઠમણાં ટળે ! મીત્રો, વાસ્તુશાસ્ત્રની મદદથી આપણી સંપત્તીમાં વધારો થતો હોત તો આજે દુનીયાનો સૌથી વધુ ધનવાન માણસ બીલ ગેટ્સ નહી; કોઈ વાસ્તુશાસ્ત્રી જ હોત ! બીલ ગેટ્સ પાસે 500 કરોડ રુપીયાનું રહેવાનું મકાન છે ! છે કોઈ વાસ્તુશાસ્ત્રી પાસે પાંચ કરોડનું પણ ? માણસની સમૃદ્ધીનો આધાર તેની તીજોરી કઈ દીશામાં છે તેના પર નહી; તેનો ધંધો કઈ ‘દશા’માં છે, તેના પર નીર્ભર હોય છે !

અમુક દીશામાં મોઢું રાખીને બેસવાથી સુખ-સંપત્તી વધી જાય, ચીંતામુક્ત થઈ જવાય કે રોગમુક્ત થઈ જવાય એવા ગપગોળા સાચા લાગવા માંડે ત્યારે સમજવું, આદીમાનવ પણ આપણા જેટલો જ બુદ્ધીવાન હતો ! પાણીનું માટલું, ચુલો કે મકાનનો દરવાજો કઈ દીશામાં છે, એની સાથે માણસનાં સુખ-શાંતી, સમૃદ્ધી અને આરોગ્યને શો સમ્બન્ધ હોઈ શકે, એ તો વાસ્તુશસ્ત્રી જ જાણે ! ઘરમાં સંડાસ કઈ દીશામાં છે અને આપણે કઈ દીશામાં મોઢું રાખીને બેસીએ છીએ એની સાથે માણસના આરોગ્યને કોઈ સમ્બન્ધ હોઈ શકે ખરો ? કબજીયાત થાય ત્યારે કોઈ ડૉક્ટરે કદી કોઈ દરદીને પુછ્યું છે ખરું કે તમે કયા મોઢે (સંડાસમાં) બેસો છો ?

ધરતીકંપ, પુર, હોનારત કે વાવાઝોડાં જેવી કુદરતી આફતો વાસ્તુશાસ્ત્રીઓના પોતાના ઘરને પણ છોડતી નથી. પુર આવે ત્યારે નીચાણવાળા તમામ વીસ્તારમાં એક સરખું પાણી ભરાય એ પ્રકૃતીનો નીયમ છે. વાસ્તુશાસ્ત્રીના ઘરના દરવાજા બહાર નેઈમ પ્લેટ વાંચીને પાણી દરવાજે અટકી જાય ખરું ? પ્રકૃતીને આવા અપવાદમાં રસ નથી હોતો.

વાસ્તુશાસ્ત્રથી થતા ફાયદાઓ એ માત્ર કાલ્પનીક વાર્તા છે; કહેવાતા અનુભવો એ માત્ર ભ્રમણા છે અને થતા ફાયદાની સાંભળેલી વાતો એ માત્ર ધંધાની જાહેરાત માટેની માયાજાળ જેવું ષડ્યંત્ર છે ! બે સત્ય અને  મુળભુત નક્કર વાસ્તવીકતાઓ નોંધી રાખવા જેવી છે:

(1) આપણું ભાવી પહેલેથી જ નીર્ધારીત થયેલું હોતું નથી. આપણા સાચી દીશાના પુરુષાર્થ પર આપણું ભાવી નીર્ભર છે.

(2) કોઈ જ્યોતીષશાસ્ત્રી કે વાસ્તુશાસ્ત્રી વીધી કે મંત્ર-તંત્ર દ્વારા આપણને  સુખ, સમૃદ્ધી કે આરોગ્ય પ્રદાન કરી શકે જ નહી.

માણસ પોતાની મુશ્કેલીમાં ગ્રહદોષ કે વાસ્તુદોષ શોધવાને બદલે ‘સ્વદોષ’ શોધતો થાય તો તેને મુશ્કેલીનો ઉપાય ઝટ મળે. સત્ય અને જ્ઞાન એવાં તત્ત્વબીજો છે જે આજે નહીં તો આવતીકાલે, દાયકાઓ-સદીઓ પછી પણ સ્વીકાર્યા વગર કોઈનો છુટકો નથી. આપણા બંધારણમાં પ્રજાજનોએ ‘વૈજ્ઞાનીક અભીગમ કેળવવો’ એવી ભલામણ કરવામાં આવી છે. માણસની ‘વીચારયાત્રા’ની દીશા, ‘વીજ્ઞાનયાત્રા’થી વીરુદ્ધની દીશામાં ફંટાય ત્યારે સર્જાય છે.. ‘વીનાશયાત્રા’ !

પ્રસાદ


‘‘જીવનશાસ્ત્રમાં નીપુણ હોય એવા માણસો વાસ્તુશાસ્ત્ર વીના

પણ પોતાના ઘરમાં સુખનો ટાપુ સર્જી શકે છે. માણસની

બુદ્ધીનાં બારણાં ખુલ્લાં હોય તો ઘરના બારણાં ગમે તે દીશામાં

ખુલતાં હોય, કશો ફરક પડતો નથી !”

પ્રસાદ લેખક, વીચારક મીત્ર શ્રી દીનેશભાઈ પાંચાલના

સૌજન્યથી સાભાર…………….

લેખક–સંપર્ક –

શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા

સંપર્ક : 74–બી,  હંસ સોસાયટી, વરાછા રોડ, સુરત – 395 006

મોબાઈલ : 98258 85900

લેખક પરીચય

મુળ ભાવનગર જીલ્લાના પાંચટોબરા ગામના વતની, 1963માં જન્મેલા અને સુરતમાં ભણી વાણીજ્યના સ્નાતક થયેલા શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, સુરતના હીરા ઉદ્યોગના એક અગ્રણી ઉદ્યોગપતી તો છે જ; પણ તેઓ સાહીત્યસેવી, વીચારક, એક કુશળ વક્તા અને પ્રસીદ્ધ નીબંધકાર પણ છે. સાવ ઓછું લખ્યું છે એમણે અને હવે તો વ્યાવસાયીક વ્યસ્તતાને પરીણામે લગભગ બંધ જ; પરંતુ જેટલું લખ્યું છે તે તેમને પ્રથમ કક્ષામાં સ્થાપીત કરવા માટે પુરતું છે. કલા–સર્જનમાં મુલ્ય તો ક્વૉન્ટીટી(જથ્થા)નું નહીં; પણ ક્વૉલીટી(ગુણવત્તા)નું જ લેખાય. એમની બીજી સીદ્ધી તે વળી તેઓની વક્તૃત્વપ્રતીભા. પંદર મીનીટ બોલવા મળી હોય તો ચૌદમી મીનીટે તો એમણે આસન ગ્રહણ કરી લીધું હોય. એટલી સુયોજીત એમની સજ્જતા ! કવીત્વનાં છાંટણાંથી આકર્ષક અને આનંદપ્રદ એવું એમનું પ્રવચન સાંભળવું એય મોટો લહાવો.

શ્રી અને સરસ્વતીનું આવું  સહઅસ્તીત્વ આ હસ્તીમાં છે. સફળ, બાહોશ વેપારી–ઉદ્યોગપતી તો તેઓ છે જ; પરંતુ એ સૌથીય મોટી વાત તો એ કે તેઓ નમ્રતા અને સૌજન્યથી શોભતા, પ્રસન્ન વ્યક્તીત્વના માલીક એવા ‘માણસ’ છે. શ્રી વલ્લભભાઈ એટલે મીઠો મધ જેવો મધુરો ‘માણસ’–સાચો અને પુરો.. પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’ (બારડોલી) અને ઉત્તમ ગજ્જર (સુરત)

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા, જોતા રહો મારો બ્લોગ  https://govindmaru.wordpress.com/

♦●♦●♦ આ લેખ પસંદ પડે અને નીરાન્તે મમળાવવા મન થાય કે મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર એક મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુ – નવસારી

પોસ્ટ તારીખ 30/04/2010


અંધશ્રદ્ધાના મુળમાં આપણી અજ્ઞાનતા

પશ્ચીમના વીકસીત દેશો વૈજ્ઞાનીક શોધખોળો અને ટૅકનોલોજીનો ઉપયોગ કરી, માનવજીવનને વધારે સુખસગવડભર્યું બનાવે એવાં જીવનોપયોગી સાધનોનું સંશોધન કરી રહ્યા છે; જ્યારે આપણે એકવીસમી સદીમાં પણ મંત્ર–તંત્ર, ભુત–પ્રેત, હોમ–હવન અને મીથ્યા કર્મકાંડોમાં આપણો સમય, શક્તી, બુદ્ધી અને નાણાં બધું જ બરબાદ કરી રહ્યા છીએ.

પશ્ચીમના દેશો રોજ નવાં ‘યંત્રો’ બજારમાં મુકે છે અને આપણે રોજ નવાં ‘મંત્રો’ બજારમાં મુકીએ છીએ ! આપણે ત્યાં વીંછી ઉતારવાનો મંત્ર, સાપ ઉતારવાનો મંત્ર, કમળો ઉતારવાનો મંત્ર, મરડ–મોચ ઉતારવાનો મંત્ર, સફળ થવાનો મંત્ર, વશીકરણનો મંત્ર, વરસાદ લાવવાનો મંત્ર, ગૃહશાંતી સ્થાપવાનો મંત્ર, પનોતી ટાળવાનો મંત્ર, સંતાન પ્રાપ્તી માટેનો મંત્ર, માણસનો કોઈ પણ રોગ મટાડી દેવાનો મંત્ર અને માણસને પતાવી દેવા સુધીનો મંત્ર પણ મળી રહે છે !

કોઈ ડૉક્ટર આપણા શરીરમાંથી બગડી ગયેલ કીડની કાઢી નાખે ત્યારે આપણને ચમત્કાર નથી લાગતો; પરંતુ કોઈ બાવો તેના હાથમાંથી કંકુ કે ભસ્મ કાઢે ત્યારે તે આપણને ચમત્કાર લાગે છે ! મોબાઈલ ફોનનું એક બટન દબાવી અમેરીકામાં રહેતા આપણા સ્વજન સાથે આપણે વાત કરી શકીએ છીએ તે આપણને ચમત્કાર નથી લાગતો; પરંતુ કોઈ પાખંડી અતીન્દ્રીય(ટેલીપથી) સંદેશા દ્વારા વાત કર્યાનો દંભ કરે ત્યારે એ આપણને ચમત્કાર લાગે છે ! કોઈ ઓર્થોપેડીક સર્જન આપણાં ભાગી ગયેલાં હાડકાંને જોડી આપણને દોડતાં કરી આપે ત્યારે તે આપણને ચમત્કાર નથી લાગતો; પરંતુ કોઈ તાંત્રીક અભીમંત્રીત દોરો બાંધીને આપણને સાજા કરવાનો મીથ્યા પ્રચાર કરે ત્યારે તે આપણને ચમત્કાર લાગે છે ! કમળાની રસી શોધનાર વીજ્ઞાની આપણને ચમત્કારીક માણસ નથી લાગતો; કમળો મટાડવા માટે મંત્રેલા દાળીયા આપનારો ઢોંગી આપણને ચમત્કારીક માણસ લાગે છે !

આજે વૈજ્ઞાનીક યુગમાં પણ ચમત્કાર, પરકાયા પ્રવેશ, ડાકણ અને મેલીવીદ્યાના નામે હજારો માણસોનુ માનસીક, શારીરીક અને આર્થીક શોષણ થતું રહે છે. કુળદેવીને રીઝવવાના નામે કેટલાંયે પશુઓ અને કુમળાં બાળકોના બલી ચડાવી દેવામાં આવે છે. વળગાડ, પ્રેતાત્મા અને ડાકણના નામે આપણા દેશમાં કેટલીય સ્ત્રીઓના ભોગ લેવામાં આવ્યા છે. દુનીયામાં ‘વળગાડ’ નામની કોઈ ચીજ જ અસ્તીતવમાં નથી; વળગાડ માત્ર એક માનસીક બીમારી છે. જગતમાંથી દુર કરવા જેવો કોઈ ‘વળગાડ‘ હોય તો એ ‘અંધશ્રદ્ધા’નો વળગાડ છે. ભારતમાં અને જગતમાં આજે પણ હજારો ભુતીયાં મકાનો ઉભાં છે જ્યાં કોઈ રહેતું નથી. ડૉ. અબ્રાહમ કોવુરે ૫૫ વર્ષ સુધી અંધશ્રદ્ધાના ક્ષેત્રમાં ગહન અધ્યયન કર્યું અને તેઓ દીવસો સુધી ભુતીયાં મકાનોમાં રહ્યા છે. ડૉ. કોવુરે પોતાની જીન્દગીભરના અભ્યાસ પછી જાહેર કર્યું છે કે, ‘ભુતીયાં મકાનો અને ઉપદ્વવી આત્માઓના કીસ્સાઓ માત્ર માણસની ભ્રમણાઓ છે અને તે આપણી માનસીક નબળાઈનું પ્રદર્શન કરે છે.’

હજુ દસ દીવસ પહેલા ‘ડુમ્મસનો સોની પરીવાર તાંત્રીકના રવાડે’ શીર્ષક હેઠળ અખબારોમાં ચોંકાવનારા સમાચાર પ્રગટ થયા હતા. સોની પરીવાર પોતાને ત્યાં વારંવાર બની રહેલ ચોરીના બનાવોથી વ્યથીત હતો. પોતાની આ ચાલતી ‘પનોતી’ દુર કરવા તેમણે તાંત્રીક હનુમાનદાસ તીવારીનો આશરો લીધો હતો. ‘ઘરમાં એક હાડકું દટાયેલું છે તે દુર કરવાની વીધી કરવાથી પનોતી ટળી જશે’, એવું તાંત્રીકે આશ્વાસન સોનીપરીવારને આપ્યું હતું. પડોશમાં રહેતા નવમા ધોરણમાં અભ્યાસ કરતા બાળક રવીને બોલાવી, તેના પર કંઈક વીધી કરી, ઘરમાં ખોદેલા ખાડામાં રવીને ઉતારવામાં આવ્યો. ‘હાડકું ક્યાં દટાયું છે ?’ એવા પ્રશ્નો રવીને પુછવામાં આવ્યા. પડોશમાં જ રહેતી રવીની માતાને પોતાના દીકરા પર કંઈક તાંત્રીક વીધી થઈ રહ્યો છે એવી જાણ થતાં તે ઘટના સ્થળે દોડી આવ્યાં. પોતાના દીકરા રવીને ઉંડા ખાડામાં જોઈ, ‘રવીનો બલી ચડાવાઈ રહ્યો છે’ એવી તેની માતાએ બુમો પાડતાં આખું પ્રકરણ પ્રકાશમાં આવ્યું. પોલીસના જણાવ્યા પ્રમાણે તાંત્રીકે આ પનોતી નીવારણનો વીધી કરવા માટે સોનીપરીવાર પાસેથી ૫૦૦૦ રુપીયા એડવાન્સ લીધી હતા. બલીની વાતમાં તથ્ય હતું કે નહીં એ તો પોલીસ તપાસનો વીષય છે. રવી તો નહીં; પણ તેના ૫૦૦૦ રુપીયા બલી ચડયા એ વાત પાકી ! સુરત–ઉમરા પોલીસે આ તાંત્રીક સામે છેતરપીંડીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. વીધી દ્વારા બીજાની આફત નીવારવા નીકળેલો તાંત્રીક પોતે જ આફતમાં આવી ગયો ! મને ઘણીવાર લાગે છે કે, કેટલાક માણસો પોતાની તીજોરી ખુલ્લી રાખે છે અને પોતાનું દીમાગ સાવ બંધ રાખે છે !

જાત–ભાતના તાંત્રીકો, પાખંડીઓ, ઢોંગીઓ અને તકસાધુઓ ધર્મના ઓઠા હેઠળ ફુટી નીકળ્યા છે ! કોઈ મંત્રેલું પાણી આપે છે, કોઈ મંત્રેલો પ્રસાદ આપે છે, કોઈ મંત્રેલું માંદળીયું કે તાવીજ આપે છે, તો કોઈ વળી ભભુતી આપે છે ! દોરા–ધાગા અને મંત્ર–તંત્રાદી કરવામાં કેટલાંયે બીમાર બાળકોને સમયસર દાક્તરી સારવાર નહીં મળવાના કારણે આ દેશમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે.

ગામડાંઓમાં આપણે જોયું છે, ભુવાઓ બીમાર માણસ કે ઢોરને સાજા કરવા માટેના ‘દોરા’ કરે છે ! કોઈ પણ દુખાવામાં કામ આપે એવા મલ્ટીપરપઝ દોરા આપણે ત્યાં મળે છે ! અરે, ભેંસ દોહવા ન દેતી હોય તો તેનો પણ દોરો મળે અને દુધ વધારે આપે એના માટે પણ દોરો મળે !

મંત્ર–તંત્રથી જો માણસને સાજો કરી શકાતો હોત તો, આપણા દેશમા તો એટલા બધા મંત્રનીષ્ણાતો છે કે બધાં દવાખાનાંને તાળાં જ મારવાં પડે ! કોઈ આરોપીને પોતાની ધરપકડ થશે એવો ડર લાગે તો તે કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી શકે છે, એવી રીતે કોઈ માણસને બીમાર પડી જવાનો ભય લાગે તો આગોતરા મંત્રોચ્ચાર પણ કરાવી શકે ! સદાય નીરોગી રહેવાનો કેટલો આસાન ઈલાજ ! મીત્રો, દોરા–ધાગા માત્ર એવા રોગોમાં જ કામ કરતા હોય છે જે રોગો સમય જતાં આપોઆપ મટી જતા હોય છે.

કોઈ માણસને બંદુકની ગોળી વાગી હોય ત્યારે દોરો બંધાવવા જાય છે ખરો ? અકસ્માતમાં ખોપરી ફાટી જાય અને લોહીની શેડો ફુટતી હોય ત્યારે કોઈને કદી દોરો યાદ આવ્યો છે ખરો ? હાર્ટએટેક આવે ત્યારે માણસ કોઈ તાંત્રીક પાસે પહોંચવાને બદલે કેમ સીધો જ કાર્ડીયાક હૉસ્પીટલમાં પહોંચી જાય છે ? માથું દુખે ત્યારે માણસને દોરો યાદ આવે છે; પરતું માથું ફુટે ત્યારે કોઈને દોરો યાદ નથી આવતો !

મેં ગામડાંમાં ભુવાઓને ડાકલાં કરતા અને ધતીંગ કરતા પણ જોયા છે. કલાકો સુધી પોતાની પીઠ પાછળ લોખંડની સાંકળ વીંઝતા પણ જોયા છે સાંકળપ્રુફ હોવાનો દાવો કરનાર કોઈ પણ ભુવો પાંચ મીનીટ માટે એ સાંકળ સુરતની સત્યશોધક સભાના માજી–ઉપપ્રમુખ અને ૨૦૧૦ના વર્ષના ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક વીજેતા’ શ્રી. મધુભાઈ કાકડીયાના હાથમાં આપે અને પછી જીવી બતાવે તો એ ખરો ભુવો !

આપણે સૌએ ગામમાં કહેવાતી તાંત્રીક વીદ્યા અને મંત્રશક્તી ધરાવતા ભુવાઓનાં ઘર પણ જોયાં છે. મીત્રો, જે ભુવા પાસે ઘરનું નળીયું બદલવાની શક્તી ન હોય; જે ભુવા પાસે બીજી જોડી કપડાં લેવાની શક્તી ન હોય; જે ભુવા પાસે પોતાનાં સંતાનોને સાત ચોપડી ભણાવવાની શક્તી ન હોય અને જે ભુવા પાસે પોતાની ઉંમરલાયક દીકરીને પરણાવવા માટેની શક્તી ન હોય એ ભુવા પાસે બીજી તો કઈ શક્તી હોય ?

હોમ–હવન અને યજ્ઞોમાં પણ આપણે આપણાં કીમતી દ્રવ્યો બરબાદ કરી રહ્યા છીએ. હવન કરવાથી ન તો આપણે દુષ્કાળને ટાળી શક્યા છીએ કે ન તો વીશ્વશાંતીની સ્થાપના કરી શક્યા છીએ. જો યંજ્ઞો કે મંત્રોચ્ચારથી વરસાદ થતો હોત તો આપણે ત્યાં તો એટલા બધા યજ્ઞો થાય છે કે અતીવૃષ્ટીથી હોનારત થવી જોઈએ ! જે દેશ મંત્રોચ્ચારથી સતત ગુંજતો રહેતો હોય એ દેશની પ્રજાને તો લીલાલહેર ન હોય ? મીત્રો, મહેનત વગર માત્ર મંત્રોચ્ચારથી કશું પ્રાપ્ત થતું નથી. પુરુષાર્થ જ ખરો જીવનમંત્ર છે.

આપણે જંગલોને આડેધડ કાપી નાખ્યાં, પર્યાવરણને મનફાવે તેમ બગાડ્યું અને પાણીનો તો અપરાધની કક્ષાએ બેફામ વેડફાટ કર્યો છે. ઈઝરાયલે રણને જંગલમાં ફેરવ્યું; આપણે જંગલને રણમાં ફેરવી રહ્યા છીએ ! જ્યાં સખત મહેનત, વીવેક અને આયોજનની જરુર હોય ત્યાં મંત્રોચ્ચાર, યજ્ઞો કે હોમ–હવન કરવા બેસી જઈએ તો આપણો કદી પણ ઉદ્ધાર સંભવ ખરો ?

મંત્ર–તંત્ર અને ચમત્કારની વાતો સાચી હોત તો આપણો દેશ આજે આટલો દુઃખી અને પછાત કેમ છે ? દુનીયામાં સૌથી વધુ સંખ્યામાં ચમત્કારીઓ આપણા દેશમાં વસે અને છતાં આપણે આટલા ગરીબ, પીડાગ્રસ્ત અને દુષ્કાળગ્રસ્ત ! ઢોંગીઓ અભીમંત્રીત જળ આપવાને બદલે, પાણીના અછતગ્રસ્ત વીસ્તારમાં ડોલ ભરીને પીવાનું શુદ્ધ પાણી આપશે તો પણ થોડાક તરસ્યા માનવીઓની તરસ મટશે. હવામાંથી બીનજરુરી કંકુ કે ભસ્મ કાઢવાને બદલે મુઠી અનાજ કાઢશે તો પણ એક ભુખ્યા માણસનું પેટ ભરાશે.

સંસારમાં રહેલા કપટી, પાખંડી અને ઢોંગી ધુતારાઓએ સદીઓથી સમાજમાં રહેલી પ્રજાની અજ્ઞાનતા અને નીર્બળતાનો ગેરલાભ ઉઠાવ્યો છે. પ્રત્યેક કાળમાં સમાજમાં રહેલા નીષ્ઠાવાન આગેવાનોએ, સમાજસેવકોએ અને પ્રગતીશીલ વીચારકોએ પ્રજાને આ ષડ્યંત્રમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે. ઘણીવાર એવું બન્યું છે કે ‘પ્રગતીશીલ વીચારકો’ કરતાં ‘પ્રગતીશીલ પાખંડી’ઓ સમાજમાં ઉંચો માનમોભો ધરાવતા હોય છે. આમ બને ત્યારે તંદુરસ્ત સમાજના નીર્માણની આશા વધારે ધુંધળી બને છે.

એક દીવસ આપણી અજ્ઞાનતા ટળે અને લેભાગુઓને પોતાનો ધંધો સમેટવાની અને બદલવાની ફરજ પડે એવા દીવસોની મને પ્રતીક્ષા છે….


પ્રસાદ


‘જે પોતાના ચમત્કારો ચકાસવા દેતા નથી તે ઠગ છે, જેનામાં ચમત્કાર ચકાસવાની હીંમત નથી તે ભોટ છે અને જે ચકાસણી વગર જ તેને માનવા તૈયાર થાય છે તે મુર્ખ છે.’

ડૉ. અબ્રાહમ કોવુર


લેખક–સંપર્ક –


શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા

સંપર્ક : 74–બી, હંસ સોસાયટી, વરાછા રોડ, સુરત – 395 006

મોબાઈલ : 98258 85900

‘ઉંઝાજોડણી’માં અને ‘શ્રુતી’ ફોન્ટમાં સાભાર અક્ષરાંકન – ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com


લેખક પરીચય


મુળ ભાવનગર જીલ્લાના પાંચટોબરા ગામના વતની, 1963માં જન્મેલા અને સુરતમાં ભણી વાણીજ્યના સ્નાતક થયેલા શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, સુરતના હીરા ઉદ્યોગના એક અગ્રણી ઉદ્યોગપતી તો છે જ; પણ તેઓ સાહીત્યસેવી, વીચારક, એક કુશળ વક્તા અને પ્રસીદ્ધ નીબંધકાર પણ છે. સાવ ઓછું લખ્યું છે એમણે અને હવે તો વ્યાવસાયીક વ્યસ્તતાને પરીણામે લગભગ બંધ જ; પરંતુ જેટલું લખ્યું છે તે તેમને પ્રથમ કક્ષામાં સ્થાપીત કરવા માટે પુરતું છે. કલા–સર્જનમાં મુલ્ય તો ક્વૉન્ટીટી(જથ્થા)નું નહીં; પણ ક્વૉલીટી(ગુણવત્તા)નું જ લેખાય. એમની બીજી સીદ્ધી તે વળી તેઓની વક્તૃત્વપ્રતીભા. પંદર મીનીટ બોલવા મળી હોય તો ચૌદમી મીનીટે તો એમણે આસન ગ્રહણ કરી લીધું હોય. એટલી સુયોજીત એમની સજ્જતા ! કવીત્વનાં છાંટણાંથી આકર્ષક અને આનંદપ્રદ એવું એમનું પ્રવચન સાંભળવું એય મોટો લહાવો.

શ્રી અને સરસ્વતીનું આવું સહઅસ્તીત્વ આ હસ્તીમાં છે. સફળ, બાહોશ વેપારી–ઉદ્યોગપતી તો તેઓ છે જ; પરંતુ એ સૌથીય મોટી વાત તો એ કે તેઓ નમ્રતા અને સૌજન્યથી શોભતા, પ્રસન્ન વ્યક્તીત્વના માલીક એવા ‘માણસ’ છે. શ્રી વલ્લભભાઈ એટલે મીઠો મધ જેવો મધુરો ‘માણસ’–સાચો અને પુરો..

––પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’ (બારડોલી) અનેત્તમ ગજ્જર (સુરત)

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને નીરાન્તે મમળાવવા મન થાય કે મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in/ પર એક મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુ નવસારી પોસ્ટ તારીખ17/03/2010