Feeds:
Posts
Comments

Archive for the ‘વર્ષાબહેન પાઠક’ Category

પુણ્ય કમાવા કચરો કરવો જરુરી છે ?

–વર્ષા પાઠક

દર વર્ષે ગણપતીના આગમનનો દીવસ નજીક આવે, એટલે મુમ્બઈના મ્યુનીસીપલ કમીશ્નર જાહેર કરે કે, ગણેશ વીસર્જન પહેલાં મુમ્બઈના રસ્તા પરના તમામ ખાડા પુરી દેવાશે. વર્ષોથી આ આશ્વાસન સાંભળતા આવેલા અમારા એક મીત્રે ચીઢાઈને કહેલું કે, આનો અર્થ તો એવો થાય કે બાપ્પાની આવન–જાવન ન થાય તો શહેરના રસ્તા સુધરે જ નહીં. ગુસ્સો વાજબી છે. મુમ્બઈના રસ્તા અત્યન્ત ખરાબ છે.

એમાંય ચોમાસા વખતે તો અમુક વીસ્તારોમાં એવી હાલત હોય છે કે, રસ્તામાં ખાડા નહીં; ખાડામાં જ સહેજસાજ રસ્તો હોય એવું લાગે છે. દેશની સહુથી શ્રીમન્ત અને કદાચ સહુથી ભ્રષ્ટ મુમ્બઈ મહાનગરપાલીકા રસ્તા બનાવવા અને પછી રીપેરીંગ કરવા માટે એવા બદમાશોને કોન્ટ્રેક્ટ આપે છે, કે નવાનક્કોર રસ્તા પર એક વરસાદ પડતાંની સાથે મોટાં ગાબડાં પડી જાય છે. હાડવૈદો અને ગેરેજવાળાની દીવાળી વહેલી આવી જાય છે. ઉંચું જોઈને ચાલવાની આદત અહીં મહા ડેન્જરસ છે.

મુમ્બઈના નામે આવો કકળાટ કરતાં બેઠાં હતાં, ત્યાં છાપામાં વાંચ્યું કે, રાજકોટ મહાનગરપાલીકાએ પવીત્ર શ્રાવણ મહીના દરમ્યાન એક અનોખો સેવાયજ્ઞ કરવાનો નીર્ણય લીધો છે(હવે તો એ શરુ પણ થઈ ગયો હશે). આનો યશ કૉર્પોરેશનની સેનીટેશન કમીટીના ચેરમેનને આપીને કહેવાયું હતું કે, આખાયે શ્રાવણ મહીના દરમીયાન શીવમન્દીર અને ભાવીકોનો પ્રવાહ વધુ હોય એ મન્દીરોની બહાર અને અન્દર પણ, રોજેરોજ સઘન સફાઈ થશે. રામનાથ મન્દીરની બાજુમાંથી જતી નદીમાંથી ગન્દકી દુર કરાશે, ખુલ્લી જમીનમાં ઉગી નીકળેલું ઘાસ કાઢી નખાશે, મન્દીરોની આસપાસ જન્તુનાશક દવાનો છંટકાવ થશે, મન્દીરની અન્દર અને બહાર સરખી સફાઈ થાય છે કે નહીં, એ જોવા માટે ચેરમેનસાહેબ મન્દીરોની સરપ્રાઈઝ વીઝીટ મારશે વગેરે વગેરે.

પહેલી નજરે સારા સમાચાર હતા; પણ પછી અળવીતરા દીમાગમાં જાતજાતના સવાલ અને વીચારો ફુટી નીકળ્યા, જે તમારી સાથે શૅર કરવા છે. વાંચીને ગુસ્સો આવે તો યાદ કરવું કે આ શ્રાવણ મહીનો છે, શારીરીક, માનસીક અને લેખીત હીંસા કરાય નહીં.

પહેલો વીચાર એ કે, શ્રાવણ મહીનો ન આવે તો/ત્યાં સુધી મહાપાલીકા આવું સફાઈકામ કરે જ નહીં ? મન્દીરોની આસપાસની જગ્યા સાફ રાખવાની જવાબદારી જો ખરેખર મહાપાલીકાની હોય તો એ માત્ર શ્રાવણ મહીના પુરતી શું કામ સીમીત રહેવી જોઈએ ? બાકીના મહીના બધા અપવીત્ર ?

અને પછી એ મોટો પ્રશ્ન કે ધાર્મીક સ્થળોની આસપાસના રસ્તા અને નદીનાળાની સફાઈ કરવાનું કામ ચોક્કસ મહાપાલીકાનું છે; પણ મન્દીરની અન્દર સફાઈ કરવાની જવાબદારી ખરેખર એમની છે ? મન્દીરના ટ્રસ્ટીઓ, પુજારીઓ, રોજેરોજ કે વારતહેવારે ત્યાં આવતાં ભાવીકો, મન્દીરની બહાર લારી કે દુકાન લગાવતા લોકો… આ બધાંને કંઈ પુછવાનું જ નહીં ? કચરાના ગંજ ખડકાય છે; કારણ કે આ લોકો બેફામ ગન્દકી કરે છે.

મહાનગરપાલીકા હવે મન્દીરની સફાઈ કરવાની છે, એ જાણીને તો આ સહુ ગેલમાં આવી ગયા હશે કે, હાશ, હવે આપણે કોઈ ચીંતા કરવાની નથી. મન ફાવે એટલી ગન્દકી કરો, બીજે દીવસે કૉર્પોરેશનના કામદારો સફાઈ કરી જશે. શ્રાવણ મહીના દરમીયાન મહાપાલીકાએ ચકચકીત રાખેલાં દેવદહેરાં ભાદરવા પછી પણ એટલાં જ ચોખ્ખાચણક રહેશે ? નહીં રહે તો વાંક કોનો ? અને ચાર દીવસની ચાંદની, અર્થાત્ ચોખ્ખાઈ પછી પાછા હતા ત્યાંના ત્યાં થઈ ગયા, એ જોઈને મહાદેવને કેવું લાગશે ?

છેલ્લા પ્રશ્નનો જવાબ જો કે સહેલો છે. મહાદેવને કંઈ નહીં લાગે. આ વખતે શ્રાવણ મહીના દરમ્યાન મન્દીરોની અન્દર બહાર સફાઈ જોઈને એમને કદાચ હળવો આંચકો લાગશે; બાકી ગન્દકીથી તો એ વર્ષોથી ટેવાઈ ગયા છે. મન્દીરોમાં ભક્તી અને ભાવીકો જેટલાં વધુ, એટલી ગન્દકી પણ વધુ. તહેવારોમાં ભક્તી અને ગન્દકી, બન્નેનું ઘોડાપુર ઉમટે. નાની હતી ત્યારે મને એક વાર પ્રશ્ન થયેલો કે, ચર્ચની અન્દર તો લોકો બુટ–ચમ્પલ પહેરીને જાય છે, તોયે ત્યાં ગન્દકી કેમ નથી થતી ? પપ્પાએ આનું કારણ સમજાવવા માટે સામો પ્રશ્ન પુછ્યો હતો કે, ચર્ચની અન્દર જીસસ ક્રાઈસ્ટ અને મધર મૅરીની મુર્તી પર દુધ કે તેલનો અભીષેક થાય છે ? એમની સામે કોઈ શ્રીફળ વધેરે છે ? પડીયામાં શીરાનો પ્રસાદ મળે છે ?

કહેવાનો મતલબ એ નહીં કે, ખ્રીસ્તીઓ હીન્દુઓથી ચઢીયાતા છે કે વધુ ચોખ્ખા છે. સીધીસાદી વાત એટલી કે, ભગવાનને જેની કોઈ જરુર નથી, એવી ચીજો ચઢાવીને આપણે દેવસ્થાનોને ચીકણાં, ગોબરાં કરતાં રહીએ છીએ. તમે જ કહો હનુમાનજીને તેલથી નવડાવીને ખુશ કરી શકાય, એવું રામાયણમાં ક્યાં લખ્યું છે ? દક્ષીણ ભારતનાં ઘણાં મન્દીરોમાં હજી અન્દર પ્રવેશો, ત્યાં કોઈ પુજારી–કમ–વેપારી તમારા હાથમાં તેલ ભરેલાં કોડીયાં પકડાવી દે. ભગવાન પાસે જઈને આ દીવા પ્રગટાવો, એ પહેલા કેટલુંયે તેલ છલકાઈને નીચે પડી ગયું હોય. મારી એક કઝીન ગઈ દીવાળીમાં જગન્નાથપુરીના વીશ્વવીખ્યાત મન્દીરમાં ગયેલી. ત્યાં વળી ભાતનો પ્રસાદ અપાતો હતો. ખવાતો હતો, એટલો ઢોળાતો હતો. એના પર લોકો ચાલતા હતા. ચીકણી ફર્શ પર લપસી પડતાં એ માંડમાંડ બચી.

વૃક્ષો કે છોડ પર હોય ત્યાં સુધી ફુલપાન સુંદર લાગે છે; પણ મન્દીરમાં એના ઢગલા થાય અને સડી જાય ત્યારે ઉકરડાંથીયે વધુ ગન્ધાય છે ! શ્રાવણ મહીનામાં શીવજી પર હજારો, લાખો બીલીપત્ર ચઢાવીને આપણે શું સાબીત કરવા માગીએ છીએ ? આ સવાલ પાછળ આજે મળેલાં એક બહેન જવાબદાર છે. પાંસઠ વર્ષની આ ગુજરાતી ગૃહીણી અત્યન્ત ધાર્મીક છે, શ્રાવણ મહીનામાં રોજેરોજ શીવલીંગ પર દુધનો અભીષેક કરવાનો એમનો નીયમ હતો; પણ છેલ્લાં ત્રણેક વર્ષથી એ શીવજીને નવડાવવા માટે માત્ર પાણી વાપરે છે અને શ્રાવણ મહીનામાં સ્પેશીયલ બાથ તરીકે પાણીના લોટામાં બે–ત્રણ ટીપાં દુધ નાખે છે. સદનસીબે એમની જેમ હવે અનેક ભક્તો અને મન્દીરોએ દુધનો વ્યય બન્ધ કર્યો છે.

પરન્તુ આ બહેને તો હવે ભગવાનને ફુલપાન ચઢાવવાનું પણ માંડી વાળ્યું છે; કારણ કે થોડા સમય પહેલાં, એમણે મન્દીરમાં ભેગાં થયેલાં ફુલપાન ઉકરડામાં ફેંકાતાં જોયાં. આ કોઈ નવી વાત નહોતી; પણ એમણે પહેલી વાર નજર સામે જોયું અને આઘાત પામી ગયાં ! શ્રાવણ મહીનામાં શીવજી પર સવા લાખ બીલીપત્ર ચઢાવવાનો વર્ષો જુનો કાર્યક્રમ એમણે રદ કરી નાખ્યો છે. જે મન્દીરોએ દુધનો અભીષેક અટકાવી દીધો છે, એ પણ આવાં ફુલપાનનો અભીષેક બન્ધ કરીને એટલાં ફુલઝાડ વાવવાનો નીયમ શરુ કરે તો ભગવાને સર્જેલી દુનીયા પાછી કેટલી હરીયાળી થઈ જાય ? જસ્ટ ઈમેજીન, શીવજીના મન્દીરની બહાર બીલીવૃક્ષોનું વન ઉભું થયું હોય, એના પર પક્ષીઓ કીલ્લોલતાં હોય, નીચે છાંયડામાં બેઠેલાં લોકો શીવસહસ્ર જપતાં હોય અને વૃક્ષ, છોડવામાંથી ખરી પડેલાં ફુલપાન એક જગ્યાએ ભેગાં કરીને એમાંથી ખાતર બનાવવાનો ઉદ્યમ ચાલતો હોય…

અને હા, મન્દીરની બહાર ચઢાવવાની અને ખાવાપીવાની વસ્તુઓ વેચતા ફેરીયાઓ માટે કચરાટોપલી રાખવાનું ફરજીયાત હોય, વેફર કે માવો ખાઈને ખાલી પડીકાં ફેંકનારા ભક્તોને દંડ થતો હોય. શ્રાવણ મહીનામાં દંડ બમણો થઈ જતો હોય. ભક્તો ભગવાનને પગે લાગ્યા પછી મહીનામાં એક વાર મન્દીરની સફાઈમાં જોડાતા હોય… આવું થાય તો વરસનો દરેક મહીનો શ્રાવણ થઈ જાયને.

– વર્ષા પાઠક

‘દીવ્ય ભાસ્કર’, દૈનીક, સુરતની તારીખ 10 ઓગસ્ટ, 2016ની ‘કળશ’ પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર આપણી વાતમાંથી.. લેખીકા બહેનના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક : વર્ષા પાઠકઈ.મેઈલ : viji59@msn.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ’ વીશે :

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી વેબસાઈટ ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://gujaratilexicon.com/ebooks/ પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે.

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : +91 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 19–08–2016

 

Read Full Post »

ચર્ચવાળા આવું કરે એને તમે શું કહેશો ?

–વર્ષા પાઠક

ઘણા ખ્રીસ્તી ધર્મગુરુઓ, પાદરીઓ પર વટાળવૃત્તીને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ મુકાય છે. એમાં કેટલું સાચું ને ખોટું, એ હું તો નથી જાણતી. પણ એટલું ખરું કે દરેક ધર્મ અને સમ્પ્રદાયના લોકોને પરધર્મીઓ પોતાના જુથમાં જોડાય એ અન્દરખાને ગમતું હોય છે. કોઈ ગોરા વીદેશીને ભજનકીર્તન કરતા જોઈને, આપણે કેટલાં હરખાઈ જઈએ છીએ ! સબ કા માલીક એક’વાળું સુત્ર માત્ર બોલવા સાંભળવામાં સારું લાગે છે, બાકી કોઈ એક ધર્મની વ્યક્તી બીજા ધર્મના ભગવાન, અલ્લાહ કે ગૉડને પોતાના માલીક માનવા લાગે તો લાગતાવળગતા લોકોને ચટકો લાગે જ છે. એ વખતે ધર્મપરીવર્તન કરનાર વ્યક્તી નહીં; પણ આ પરીવર્તન વીધી કરાવનાર પર દોષ અને ક્રોધનો ટોપલો ઢોળાય છે. અને આપણે ત્યાં ખ્રીસ્તી ધર્મગુરુઓ વારતહેવારે આ નારાજગીનું નીશાન બને છે.

મુમ્બઈમાં વીક્રોલી ખાતે આવેલાં એક ચર્ચ સાથે સંકળાયેલા પાદરીઓએ ક્યારેય કોઈ પરધર્મીને ખ્રીસ્તી બનાવ્યા હોય તો આપણે નથી જાણતા. પણ હમણાં એમણે એમને ત્યાં આવતાં ખ્રીસ્તીઓમાં જે પરીવર્તનની ઝુંબેશ આદરી છે, એ જાણવા જેવી છે. ચર્ચમાં નીયમીત કે વારતહેવારે આવતાં એમના આઠ હાજર જેટલા ભક્તોમાં એમણે રીયુઝેબલ, એટલે કે વારંવાર ઉપયોગમાં લઈ શકાય એવી થેલીઓનું વીતરણ કર્યું, જેથી એ બધા લોકો પ્લાસ્ટીકની થેલીઓ વાપરતાં અટકે. વીજળીનો વપરાશ ઘટે એ હેતુસર એમણે ચર્ચની બધી પરમ્પરાગત લાઈટ્સ બદલીને ત્યાં એલઈડી બલ્બ્સ લગાડી દીધા. હમણાં અપુરતાં પાણીનો કકળાટ આખા રાજ્યમાં છે; પરંતુ મુમ્બઈ જેવા શહેરમાં પાણીનો વેડફાટ કરવાની પ્રવૃત્તી અટકી નથી. લોકો પાણીનો બેફામ વ્યય કરે છે અને બીજી તરફ પ્રશાસન સામે બખાળા કાઢ્યા કરે છે. પરન્તુ આ ચર્ચવાળાએ વેડફાટ–કકળાટના ચક્કરમાંથી બહાર આવવાનો રસ્તો શોધી લીધો છે. ઘણાં સમયથી એમણે વોટર હાર્વેસ્ટીંગ, એટલે કે જળસંચયનની શરુઆત કરી દીધેલી, એના પરીણામે ચર્ચ, અને એની સાથે સંકળાયેલી સ્કુલના ગાર્ડન કે ટોઈલેટ્સમાં, મહાનગરપાલીકા દ્વારા પુરાં પડાતાં શુદ્ધ પાણીની જરુર નથી પડતી.

હવે આ ચર્ચવાળા, બોમ્બે કેથલીક સભા સાથે મળીને એમની નજીક આવેલા વીક્રોલી રેલવે સ્ટેશનને દત્તક લેવા માંગે છે. ચર્ચ દ્વારા સંચાલીત સ્કુલમાં ભણતા વીદ્યાર્થીઓ, વીક્રોલી સ્ટેશનને સ્વચ્છ, સુંદર બનાવવાના કામમાં જોડાવા તૈયાર છે. આમ તો મુમ્બઈના, વીલે પાર્લે રેલવે સ્ટેશનને દત્તક લઈને મીઠીબાઈ કૉલેજના વીદ્યાર્થીઓ અને મેનેજમેન્ટ આ દીશામાં પહેલ કરી ચુક્યા છે. બીજી શૈક્ષણીક સંસ્થાઓ અને કંપનીઓ આ દીશામાં વીચારવા લાગી છે; પણ કોઈ ધાર્મીક સ્થળ કે સંસ્થાએ આજ પહેલાં આવું કર્યાનું સાંભળ્યું નથી, કમ સે કમ મુમ્બઈમાં તો નહીં. એમને મંજુરી મળશે કે નહીં, એ હજી નક્કી નથી. પણ હવે વીચાર એ આવે છે કે ખ્રીસ્તી ધર્મગુરુઓને શંકાની નજરે જોયા કરતાં બીજાં ધાર્મીક સંગઠનો આવું કંઈ કરી શકે કે નહીં ?

ગરીબ લોકોને ખ્રીસ્તી ધર્મ પ્રત્યે આકર્ષવાનું સરળ કેમ છે, આ વીશે ઘણા સમય પહેલાં એક ડૉક્ટર – સોશીયલ વર્કરે એમનું નીરીક્ષણ રજુ કરતાં કહેલું કે : ‘આપણે ત્યાં ગલીએ ગલીએ મન્દીરોમસ્જીદો ઉભાં થાય છે; પણ અમુક અપવાદને બાદ કરતા ત્યાં માત્ર ધાર્મીક પ્રવૃત્તીઓ થાય છે. બીજી તરફ ચર્ચીસને જોઈ લ્યો ! કોઈ ચર્ચની સાથે સ્કુલ હોય, ક્યાંક વ્યસનમુક્તીનું કેન્દ્ર ચાલતું હોય. ઘણી જગ્યાએ માત્ર મોટું મેદાન હોય, જ્યાં છોકરાઓ રમવા આવતા હોય. ગરીબોને થોડાં રોટી, કપડાં ને પૈસાની લાલચ આપીને ખ્રીસ્તી બનાવી દેવાતા હોવાનો આક્ષેપ થાય છે; પરન્તુ આ બીજાં પરીબળો પણ ભાગ ભજવે છે. અને એને ખરાબ કઈ રીતે કહી શકાય? બીજાં ધાર્મીક સંગઠનોને આવી સમાજસેવા કરતા કોણ રોકે છે ? પણ એ લોકોને માત્ર વીરોધ કરવો છે.’

વાત સાવ ખોટી નથી. મોટાં ધર્મસ્થાનકો કદાચ એમને ત્યાં ઠલવાતા કરોડો રુપીયામાંથી થોડોઘણો હીસ્સો સામાજીક કાર્યોમાં વાપરતાં હશે; પણ એમનાથી થોડાં નાનાં કહેવાય એ શું કરે છે ? દેરાસરમાં કરોડો રુપીયા આપતા જૈનો કહે છે, ‘આ પૈસા બીજા કોઈ કામમાં વપરાય જ નહીં.’ ચાલો, ઘડીભર એક દલીલ સ્વીકારી લઈએ કે ધર્મસ્થાનકોએ સમાજસેવાનો ઠેકો નથી લીધો; પણ કમ સે કમ એ વાતાવરણને વધુ બગાડવાનું તો રોકી શકે કે નહીં ? મન્દીરોની બહાર થતી ગંદકી જોઈ છે ? ઘણીવાર પડીયામાં પ્રસાદ અપાય પણ પછી ખાલી પડીયો ફેંકવા માટે કચરાટોપલી નથી હોતી. જે મન્દીરની બહાર ગાયને ઘાસ ખવડાવવાનું પુણ્યકાર્ય ચાલતું હોય, ત્યાં તો કચરાના ઢગલેઢગલા અને ફુટપાથ પર ચાલવાની જગ્યા ન મળે. જૈન ઉપાશ્રયોની બહાર સાધુઓ ને સાધ્વીઓ દ્વારા જ એમની ગંદકી છુટી ફેંકાય છે. ધ્વનીપ્રદુષણ અંગે દેકારા થાય છે; પણ મસ્જીદોમાંથી દીવસના પાંચવાર લાઉડ સ્પીકર પરથી જે મોટા અવાજે બાંગ પોકારાય છે, એની સામે કોઈ બોલી શકતું નથી. વીક્રોલીના ચર્ચમાં પાણીનું ટીપેટીપું બચાવવાની વાત થાય છે, બીજી તરફ દુકાનમાંથી મીનરલ વોટરની બોટલ ખરીદીને પીપળે પાણી રેડવાનો ધરમ કરતી સ્ત્રીઓ જોઈ છે. અને મન્દીર હોય કે મસ્જીદ, ધીમે ધીમે બાંધકામ વધારીને જગ્યા ગપચાવવાનો ધંધો બધે ચાલે છે. આ બધાં ખોટાં કામ, ધર્મ પરીવર્તનથી ઓછાં ગંભીર છે ?

–વર્ષા પાઠક

‘દીવ્ય ભાસ્કર’, દૈનીક, સુરતની તારીખ 18 સપ્ટેમ્બર, 2015ની ‘કળશ’ પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘આપણી વાત’માંથી.. લેખીકા બહેનના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક : વર્ષા પાઠક, ઈ.મેઈલ : viji59@msn.com

અભીવ્યક્તીઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અક્ષરનાદ http://aksharnaad.com/downloads વેબસાઈટ તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન  http://www.gujaratilexicon.com/ebooks/ પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સમુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ પણ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય :  ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 25/12/2015

Read Full Post »

–વર્ષા પાઠક

જાન્યુઆરીની 14મી તારીખ સુધી હવે આપણે ત્યાં લગ્નો નહીં થાય. દર વરસે લગભગ 14-15 ડીસેમ્બરથી શરુ થઈને મકરસક્રાન્તી સુધીનો સમયગાળો કમુરતાંનો ગણાય છે. એમાં સારાં કામ ન કરાય, લગ્ન તો નહીં જ નહીં, એવું મનાય છે.

આવતે વરસે ધામધુમથી લગ્ન કરવા માટે થનગની રહેલાં એક કપલને મેં સહજભાવે સજેશન કર્યું કે આ મહીનામાં મેરેજ હૉલથી માંડીને કેટરીંગ સર્વીસવાળાના ભાવ ઓછા હશે, તો અત્યારે પરણી જાવ ને, બધું સસ્તામાં પતી જશે. અપેક્ષા મુજબ સામેવાળા ભડક્યા. કમુરતાંમાં લગ્ન કરાય ?

ચાલો સોરી ભાઈ, કમુરતાંમાં લગ્ન ન કરાય; પણ પછી સમુરતાં (આવો કોઈ શબ્દ છે ?) એટલે કે સારા મુહુર્ત, બહુ મહેનતથી શોધ્યા બાદ પણ એ જ સમયે ખરેખર લગ્ન કરવાના છો ? લગ્નની કંકોતરીમાં લખ્યું હોય, હસ્તમેળાપનો શુભ સમય: બપોરે 2.35 કલાકે; પણ સાચું કહેજો : એવું કેટલી વાર બનતું જોયું છે કે બરાબર બે ને પાત્રીસના ટકોરે કન્યાનો હાથ કુમારના હાથમાં મુકાયો હોય ? અમે, અડધો ડઝન વડીલો – પંડીતોને ભેગા કરીને ઝીણવટભેર છોકરા–છોકરીની જન્મપત્રીકાઓ જોઈને લગ્નનું મુહુર્ત કઢાવ્યું હોય; પણ લગ્નનો દીવસ ઉગે કે આખુંય ટાઈમટેબલ તડકે મુકાઈ જાય. હસ્તમેળાપનો સમય સવારે દસ વાગ્યાનો હોય; પણ સાડા અગીયાર વાગે ત્યાં સુધી કન્યાને એના રુમમાં બ્યુટી પાર્લરવાળી બહેન મેકઅપ કરતી હોય, જાનૈયાઓ દુર દુર રસ્તા પર નાચી રહ્યા હોય અને ગોરમહારાજ નીરાન્તે ગલોફામાં પાન જમાવીને છાપું વાચતાં બેઠા હોય, એવાં અનેક લગ્નો મેં જોયાં છે, માણ્યાં છે (તમે પણ સાંભળ્યું – જોયું કે કર્યું હશે).

કહેવાનો અર્થ એ કે સમયની ઐસીતૈસી જ કરવી હોય તો શુભ–અશુભ મુહુર્ત જોવાની માથાકુટમાં પડવું જ શું કામ ? આની સામે એવું કહી શકાય કે ઘડીયાળ નહીં; પણ કેલેન્ડર સામે તો આપણે જોઈએ છીએ ! લગ્ન માટે સારો દીવસ હોય, એટલે પત્યું ! બેના ચાર વાગે તો વાંધો નહીં.

પરન્તુ આવું આશ્વાસન લેવું હોય તો પછી દીવસનાં ચોઘડીયાંને શુભ, લાભ, ચલ, સામાન્ય વગેરે વગેરે ગણાવતાં કેલેન્ડર અને પંચાંગને ફાડીને ફેંકી દેવાં જોઈએ. આપણી મરજી પડે એ મુહુર્ત ! અને આમેય સારું મુહુર્ત, એ સફળ લગ્નજીવનની ગેરન્ટી આપતું હોય તો આપણે ત્યાં બધાં પતી–પત્ની સુખી હોત અને છુટાછેડા જેવો શબ્દ જ આપણા શબ્દકોશમાંથી નીકળી ગયો હોત.

હવે આ કમુરતાં શબ્દ આવ્યો ક્યાંથી, એ કોઈને ખબર છે ?

આપણી જુની પરમ્પરાઓ પાછળનાં કારણો સમજાવતી એક પુસ્તીકામાં મેં હમણાં વાચ્યું કે ખેડુતો માટે આ સમય બહુ વ્યસ્તતાનો હોય છે. ખેતરમાં કાપણી થાય, એ બજારમાં વેચવા જાય, સ્ત્રીઓ અનાજની સાફસુફીમાં વ્યસ્ત હોય, એટલે આવા સમયે લોકોને લગ્ન જેવા મોટા, મહત્ત્વના પ્રસંગો ગોઠવવાનું પરવડે નહીં, એટલે પછી એને કમુરતાં ઠરાવી  દેવાયાં (મહેરબાની કરીને નોંધ લેવી કે આ સંશોધન મારું નથી. જાણકારે લખેલી વાત મેં માત્ર દોહરાવી છે.)

પરન્તુ માની લો કે આ વાત સાચી હોય તો કમુરતાં માત્ર ખેડુતોને અને અનાજના વેપાર સાથે સંકળાયેલા લોકોને લાગુ પડવાં જોઈએ. એરહોસ્ટેસ તરીકે કામ કરતી છોકરીને કે આઈટી કંપનીમાં નોકરી કરતા છોકરાને ખેતરમાં વાવણી–કાપણીના સમય સાથે શું લાગેવળગે ?

અલબત્ત, જ્યોતીષશાસ્ત્રના પંડીતો, આસ્થાળુઓ કમુરતાંના આ અર્થઘટનનો સખત વીરોધ કરીને આસમાનમાં ફરતા ગ્રહોની સારી–નરસી અસરની વાત કરશે. અહીં જોવાનું એ કે જે ખરેખર ગ્રહોનો અભ્યાસ કરે છે, એ ખગોળશાસ્ત્રીઓને કોઈ ગ્રહ કે તારા અશુભ કે બદમાશ નથી લાગતા. મુમ્બઈસ્થીત નહેરુ પ્લેનેટોરીયમના ભુતપુર્વ ડીરેક્ટર અને આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ખગોળશાસ્ત્રી ડૉ. જે. જે. રાવળે વર્ષો પહેલાં એમની સુપરકુલ સ્ટાઈલમાં મને કહેલું કે મંગળથી શું ડરવાનું ? એ ગ્રહ તો એટલો નીરુપદ્રવી છે કે પકડીને પાણીની બાલદીમાં નાખો તો શાંતીથી તર્યા કરે ! પરન્તુ આપણે ત્યાં મંગળને નામે કેટલાય છોકરા–છોકરીઓ હેરાન થાય છે અને ‘ગ્રહશાન્તી’ને નામે પૈસાના ધુમાડા થાય છે. જાણે કોઈ એસ.એસ.સી. નાપાસ ગોરમહારાજ, જે સંસ્કૃત શ્લોકોનું સરખું ઉચ્ચારણ પણ ન કરી શકતો હોય એ ધરતી પર બેઠાં બેઠાં આસમાનમાં ફરતા ગ્રહોને કાબુમાં લાવી શકતો હોય !

અમુકતમુક રીવાજો, કર્મકાંડની પાછળ પ્રાચીન વીજ્ઞાનના સીદ્ધાન્તો છે. આ વાક્ય મેં આજ સુધીમાં લાખેક વાર તો સાંભળ્યું હશે; પરન્તુ ખરેખર જેમને વીજ્ઞાનમાં શ્રદ્ધા છે કમસે કમ થોડી ઘણી જાણકારી છે એ તો જાણતા હશે કે છેલ્લાં પચાસ–સો વર્ષમાં કેટલા નવા ગ્રહોની શોધ થઈ છે ! તો પછી એમાંથી કોઈ આપણને નડતો નહીં હોય ? આપણને હેરાન કરવાનો ઈજારો, પેલા જુના ને જાણીતા નવ જ ગ્રહોએ લીધો છે ? નવા શોધાયેલા ગ્રહ સારા ને નીરુપદ્રવી હોય તો જુના કેમ વાતે વાતે અશાંત થઈ જતા હશે ? અને ઘણા લોકો હજીય પૃથ્વીને સપાટ જ માને છે, એમના પર ગ્રહોની અસર થોડા જુદા એંગલથી થતી હશે ? અને આસમાનમાં પણ પ્રદેશવાદ, કોમવાદ ચાલતો હશે ? જે ગ્રહ ભારતના હીન્દુને નડતો હોય અમેરીકાના ખ્રીસ્તીને કેમ છોડી દેતો હશે ?

અલબત્ત, આટલાં વર્ષોમાં એ પણ જોયું છે કે આપણી પ્રજા ભલે આ જ્યોતીષશાસ્ત્ર, શુભ–અશુભ ચોઘડીયામાં માનતી હોય; પણ બીજી તરફ બહુ પ્રેકટીકલ પણ છે. દાખલા તરીકે, કમુરતામાં નવાં ઘર, કાર, ઘરેણાંની ખરીદી ન કરાય; પણ આ સમયગાળામાં હેવી ડીસ્કાઉન્ટ મળતું હોય એ કેમ છોડાય ? એટલે વચલો રસ્તો નીકળે. વસ્તુ પસંદ કરીને, થોડી એડવાન્સ રકમ ચુકવીને બુકીંગ કરાવી લો. કમુરતાં પતી ગયા બાદ એની ફીઝીકલ ડીલીવરી લેવાની. એડવાન્સ બુકીંગ કે પાર્ટ પેમેન્ટ જેવાં કાર્યો શુભ નહીં ગણાતાં હોય. કમુરતામાં સોનું ભલે ન ખરીદાય; પણ શાકભાજી ને સાકર ખરીદવાની છુટ રખાઈ છે.

આ પ્રેકટીકલ એપ્રોચ લગ્નને લાગુ ન પાડી શકે ? હમણાં મેરેજ હૉલ સહેલાઈથી મળી જાય છે તો મહેંદી, મ્યુઝીક પ્રોગ્રામ, જમણવાર વગેરે બધી પ્રાથમીક વીધીઓ પતાવી નાખવી. આમેય ત્યાં ચોઘડીયાં નથી નડતાં. માત્ર અગ્ની ફરતે ચોથો (કે સાતમો) ફેરો બાકી રાખવો, જે કમુરતાં ઉતરી ગયા બાદ ઘરમેળે ફરી લેવાય. આ વાંચીને મને મુર્ખ કહેતાં પહેલાં દસ વાર વીચાર કરજો. ગ્રહદશામાંથી બચવા માટે તમે કોઈ વાર, ક્યાંય પણ નાની સરખીય ગોલમાલ નથી કરી ? એક જમાનામાં કહેવાતું કે બુધવારે ભાઈ–બહેન છુટાં પડે તો અપશુકન થાય; પણ બુધવારની ટ્રેન કે પ્લેનની ટીકીટ આવી ગઈ હોય તો શું કરવું ? એટલે પછી જેણે નીકળવાનું હોય એ ભાઈ કે બહેન મંગળવારે પોતાનું એકાદ શર્ટ કે સાડી, ઘરની બહાર (કે પાડોશમાં) મુકી આવે. ભાઈ–બહેન, મંગળ–બુધ ગ્રહ અને બધાંય સુખી(રાજીના રેડ) !

અને છેલ્લે એટલું કહો કે શુભ મુહુર્ત જોઈને શરુ કરેલાં તમારાં બધાં કામકાજ સફળ જ નીવડ્યાં છે ?

–વર્ષા પાઠક

‘દીવ્ય ભાસ્કર’, દૈનીક, સુરતની તા. 2 જાન્યુઆરી, 2013ની ‘કળશ’ પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘આપણી વાત’માંથી.. લેખીકા બહેનના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર…

 લેખીકા સમ્પર્ક:

વર્ષા પાઠક, ઈ.મેઈલ: viji59@msn.com

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna (Evaz Apparel) Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12, KOPARKHAIRNE, Navi Mumbai – 400 7009 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 26/01/2013    

Untitled

Read Full Post »

આજે સવારે છાપામાં સમાચાર વાંચ્યા. ટ્રીપ એડવાઈઝરે હાથ ધરેલ સર્વેક્ષણ કહે છે કે 20થી 30 વર્ષની વયના યુવાવર્ગમાં ધાર્મીક સ્થળોએ જવાનું ચલણ વધતું જ જાય છે. ટ્રાવેલ વેબસાઈટે જે 3800 ભારતીય પ્રવાસીઓનો ઓનલાઈન સર્વે કર્યો, એમાં 20થી 30 વર્ષની વચ્ચેના સીત્તેર ટકા યુવાનોએ કહ્યું કે વરસમાં એક વાર તેઓ ધાર્મીક સ્થળની મુલાકાત લે છે. ઓલરાઈટ. હવે છેલ્લાં બે વરસની અન્દર થયેલાં બીજાં થોડાં સર્વેક્ષણ અને તેનાં તારણો પર પણ એક નજર નાંખી લો:

  • મુમ્બઈમાં બહારગામથી ફરવા કે સામાજીક પ્રસંગે હાજરી આપવા માટે આવનારામાં વધુ ને વધુ લોકો સીદ્ધીવીનાયક મન્દીરે જવાનો આગ્રહ રાખતા થઈ ગયા છે. એટલું જ નહીં, મુમ્બઈ આવે ત્યારે ‘ચાલો, શીરડી પણ જઈ આવીએ.’ એવું કહેનારાની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. (બાય ધ વે, મુમ્બઈથી શીરડી 350 કી.મી. ના અંતરે છે.)
  • જ્વેલરી શોપ્સમાં ગણપતી, ઓમ્ વગેરે ધાર્મીક પ્રતીક ધરાવતા દાગીનાનું વેચાણ વધ્યું છે. દેવીદેવતાઓને આર્ટીસ્ટીક રુપમાં ઉતારતા આર્ટીસ્ટ, ડીઝાઈનરોની ડીમાન્ડ વધી છે.
  • અજમેર શરીફની દરગાહે દર્શન માટે જતા બીન–મુસ્લીમ (દા.ત. હીન્દુઓ)ની સંખ્યા પ્રતીવર્ષ વધી રહી છે.
  • ગુજરાતના એક શહેરમાં જાણીતા કથાકાર પધારેલા, ત્યારે સ્કુલ–કૉલેજમાં રજા અપાઈ અને કીશોરો–તરુણોએ સ્વયંસેવક તરીકે ફરજ બજાવી.
  • બે અઢી વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં હીંગોળગઢ અભ્યારણ્ય ગયેલી, ત્યારે ત્યાં મળેલા એક સરકારી ઉચ્ચ અધીકારીએ આંકડા આપીને કહ્યું કે જુનાગઢમાં ગીરનારની વાર્ષીક પરીક્રમાએ આવતા લોકોમાં પ્રતીવર્ષે એવો જંગી વધારો થતો ચાલ્યો છે કે ત્યાં સ્વચ્છતા અને કાયદો જાળવતાં પ્રશાસનના નાકે દમ આવી જાય છે.

આ બધા સમાચાર એકસાથે વાંચ્યા બાદ જરા વીચારીને કહેજો કે આવી જાતની ધાર્મીક ભાવના વધી છે એ જાણીને તમને ખરેખર ખુશ થવા જેવું લાગે છે ?

ભગવાનમાં શ્રદ્ધા રાખવી, ન રાખવી એ દરેકની અંગત બાબત છે; પણ દરેક દેવ કે દેવીનાં હેડ ક્વાર્ટર્સ ગણાતાં સ્થળે જઈને માથું પછાડવાની – સોરી, નમાવવાની – તાતી જરુરીયાત હવે વધુ ને વધુ લોકોને વર્તાવા લાગી છે. એની પાછળ શ્રદ્ધા કામ કરે છે કે પછી આપણી અન્દર વધતી જતી અસલામતીની ભાવના અને ડર ? અને આ ભયના માર્યા વધુ ને વધુ યુવાનો મન્દીરે જવા લાગે, એ જાણીને ખુશ થવું જોઈએ ?

લોકો ફુરસદ કાઢીને બહાર ફરવા નીકળે એ બહુ સારી વાત છે. કશ્મીરનું કુદરતી સૌન્દર્ય, કર્ણાટકનું અદ્ ભુત શીલ્પ અને સ્થાપત્યકળા… આ બધું ખરેખર માણવા જેવું છે અને કોઈ વાર વળી કોઈ જીજ્ઞાસુને એવોયે વીચાર આવે કે ફલાણા ધર્મસ્થાનક વીશે આટલું સાંભળ્યું છે તો ચાલો, એક વાર ત્યાં જઈને જોઈએ તો ખરાં ! પરન્તુ વારંવાર સીદ્ધીવીનાયક, શીરડી કે તીરુપત્તી જનારા અહીંનું કુદરતી કે માનવસર્જીત સૌન્દર્ય જોવા જાય છે કે ? નો, નો, અહીં વારંવાર ચક્કર મારનારા પાસે તો ડીમાન્ડનું મોટું લીસ્ટ હોય છે ! હે પ્રભુ, મને પરીક્ષામાં પાસ કરી દે, મારી ફીલ્મ હીટ બનાવી દે, મને નોકરીમાં પ્રમોશન અપાવી દે, મારા લગ્ન કરાવી દે…વગેરે વગેરે… આવા યુવાન માગણખોરોનાં ટોળાં ધર્મસ્થળોએ વધતાં જતાં હોય, એ જાણીને હરખાવા જેવું છે ?

આપણને આપણી જાત પર, આપણી મહેનત કરવાની શક્તીમાં ભરોસો ઘટવા લાગ્યો છે ? જુના જમાનામાં લોકો પોતાની બધી કૌટુમ્બીક, સામાજીક ફરજો, પુરી થઈ ગયાનું લાગે ત્યારે યાત્રા કરવા નીકળતા; પણ હવે કૉલેજ કે ઑફીસમાં ખાસ રજા પાડીને, દુર આવેલા તીર્થસ્થળે યુવાનો દોડી જતા હોવાનું કહેવાય છે; તો બેમાંથી કઈ પેઢીને અક્કલવાળી ગણવી ?

કહેવાતા ઍજ્યુકેટેડ, ઈન્ટેલીજન્ટ, ફેમસ યુવાન, યુવતીઓ ન્યુમરોલૉજીસ્ટની સલાહ પ્રમાણે નામના સ્પેલીંગ બદલે છે. ચોક્કસ મોબાઈલ નમ્બર મેળવવાનો આગ્રહ રાખે છે. સહી કરવાની સ્ટાઈલમાં ફેરફાર કરે છે. ફેંગશુઈ એક્સપર્ટની સલાહ લઈને ઘર અને ઑફીસમાં ફર્નીચરની ગોઠવણી કરે છે. અઠવાડીયે એકાદ–બે ઉપવાસ રાખીને, કોઈ ખાસ દેવીદેવતાનાં મન્દીરે જાય છે. આંગળીઓમાં ગ્રહના નંગ ધરાવતી વીંટીઓ પહેરે છે અને પછી કહે છે કે અમે અન્ધશ્રદ્ધાળુ નથી. વૉટ અ જોક ! તમને નથી લાગતું કે હકીકતમાં આ બધું કરવા પાછળ આત્મવીશ્વાસની કમી કામ કરી જાય છે ? આ સાંભળો ત્યારે હસીને તાળી પાડવી જોઈએ ?

દેખાદેખી પણ ઓછો ભાગ નથી ભજવતી. એક જાણીતી, સક્સેસફુલ ફૅશન ડીઝાઈનરે વાતવાતમાં કહ્યું કે ગમે તે થઈ જાય; પણ અઠવાડીયે એક વાર તો એ જુહુ પર આવેલા એક મન્દીરે જાય જ છે. એણે મને પણ સાથે આવવાનો આગ્રહ કર્યો. મેં ઝાઝો રસ ન દાખવ્યો. તો એણે ફીલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોનું મોટું લીસ્ટ આપીને કહ્યું કે એ બધા ત્યાં જાય છે. એટલે આપણે જવાથી જરુર ફાયદો થશે. એક બ્યુટીફુલ, પ્રૉફેશનલી સક્સેસફુલ યંગ વુમનના મોઢે આવું સાંભળીને ખુશી થવી જોઈએ ?

દર સોમવારની રાતે, મુમ્બઈમાં ઠેકઠેકાણેથી છોકરા-છોકરીઓ, પગપાળા સીદ્ધીવીનાયક જવા ઉપડે છે. એમને જોઈને વીચાર આવે કે એમની આટલી શારીરીક શક્તી, સારા સ્પોર્ટ્સપર્સન બનવામાં વપરાતી હોત તો ? પણ ના, તેન્ડુલકર બનવા માટે બૅટીંગની પ્રૅક્ટીસ કરવી પડે એને બદલે તેંડુલકર કોઈ કોઈ વાર કયા મન્દીરમાં જાય છે, એ જાણી લઈને ત્યાં પહોંચી જવામાં ઓછી મહેનત પડે ને ? ભગવાન ત્યાં આપણી માગણીઓ પુરી કરવા માટે બેઠા જ છે !

આપણને આ શું થઈ ગયું છે ? એક જુના ગીતની પંક્તી હતી: અબ કીસી કો કીસી પે ભરોસા નહીં…’; પણ હવે પોપ્યુલર તીર્થસ્થાનોએ ભીડ જમાવતા યુવાવર્ગને જોઈને કહેવું પડે કે, ‘અબ કીસી કો ખુદા પે ભરોસા નહીં… !’

 –વર્ષા પાઠક

દીવ્ય ભાસ્કર, દૈનીક, સુરતની તા. 16 નવેમ્બર, 2011ની ‘કળશ’ પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી લેખીકાબહેનની લોકપ્રીય કટારઆપણી વાતમાંથી.. લેખીકાના અનેદીવ્ય ભાસ્કરના સૌજન્યથી સાભાર

સંપર્ક:

શ્રીમતી વર્ષા પાઠક, બોરીવલ્લી (ઈસ્ટ), મુમ્બઈ. ઈ–મેઈલ: viji59@msn.com

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/

વળી, જીજ્ઞાસુઓ માટે અને આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈમેઈલ આઈડી પર, પોતાનું નામસરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

અક્ષરાંકન:ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હાઉસીન્ગ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર. પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો:નવસારી. સેલફોન: 99740 62600 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 08–12–2011

Read Full Post »