રોહીત શાહ

ગ્લૅમર અને અધ્યાત્મ હવે એક સરખાં જ

–રોહીત શાહ

ક્યારેક તો એવો વહેમ પડે છે કે ગ્લૅમરની દુનીયા હોય કે અધ્યાત્મની દુનીયા હોય, એમાં હવે જરાય છેટું રહ્યું નથી. બન્નેમાં ગરીબોને કોઈ સ્થાન નથી. બન્નેમાં કરોડોના કારોબાર ચાલે છે. ગ્લૅમરની દુનીયામાં સ્થાન મેળવવા અને સ્થાન પર ટકી રહેવા માટે મહીલા કલાકારોએ કાસ્ટીંગ–કાઉચનો શીકાર બનવું પડે છે. અધ્યાત્મજગતમાં મોક્ષપ્રાપ્તી માટે અથવા મનની શાંતી માટે મહીલાઓએ ‘ગુરુ’ને રાજી રાખવા તેમની હવસનો શીકાર બનવું પડે છે. ગ્લૅમરની દુનીયાના લોકોને રાજનેતાઓ સાથે ખાનગી નાતો હોય છે, અધ્યાત્મના ગુરુઓનેય પોતાના કાર્યક્રમોમાં રાજનેતાઓને સામે ચાલીને બોલાવવાની ચળ ઉપડેલી રહે છે.

એક સવાલનો જવાબ સાવ ઠંડા દીમાગથી વીચારો. આસારામ પાસે અત્યારે જેટલી કુલ સમ્પત્તી છે એટલી સમ્પત્તી કોઈ પણ પ્રામાણીક માણસ દર વર્ષે સરકારને ઈન્કમ–ટૅક્સ સહીતના તમામ ટૅક્સ ચુકવીને કેટલાં વરસમાં ભેગી કરી શકે? મોટા ભાગના લોકો કહેશે કે પ્રામાણીક રહીને વ્યક્તી એક ભવમાં આસારામ જેટલી સમ્પત્તી કદીયે ભેગી ન કરી શકે. એનો અર્થ એ જ થયો કે જેને લખલુટ સમ્પત્તી જોઈતી હોય, જેને ભરપુર મોજમસ્તી માણવી હોય તે સૌએ આવા ‘બાપુ’ઓનું અનુકરણ કરવું? અનાસક્તીના લેબલ હેઠળ કરોડોનો કારોબાર અને બ્રહ્મચર્યના બહાને વીકરાળ વ્યભીચાર! આપણી અન્ધશ્રદ્ધા આ બધું જોયા પછીયે લીજ્જત કેમ નથી થતી? આસારામના એક પણ ભક્તના ચહેરા પર લાજ–શરમ કે ગ્લાની હજીયે દેખાય છે? હજી બાપુ નીર્દોષ હોવાનું રટણ રટીને કેટલાંક ટોળાં તોફાનો કરે છે. ચોરી પર સીનાજોરી.

ગ્લૅમરની દુનીયા અને અધ્યાત્મની દુનીયા વચ્ચે હજી કેટલીક બાબતો કૉમન છે. આ બન્ને ક્ષેત્રની વ્યક્તી પાછળ લાખો–કરોડોનાં ટોળાં દોડતાં હોય છે, આંધળું અનુકરણ કરવા લોકો તલપાપડ રહેતા હોય છે. આ બન્ને ક્ષેત્રે થોડીક પ્રતીષ્ઠા પામી ચુકેલી વ્યક્તી કોઈ પણ ગુનો જાહેરમાં કરે તોય પોલીસ શક્ય હોય ત્યાં સુધી એનાથી દુર રહે છે. અદાલતોમાં તો આમેય ન્યાય માટે વરસો વીતી જ જાય છે ત્યારે આવી સેલીબ્રીટીના ગુનાઓનો ઈન્સાફ કરવાની અદાલતોને ઉતાવળ શાની હોય? પૈસા અને પ્રતીષ્ઠાના જોરે આ બે ક્ષેત્રની વ્યક્તીઓ સરકાર પર દબાણ લાવવાનાં કામ કરે છે, પોતાની ગુનાહીત અને ભ્રષ્ટ પ્રવૃત્તીઓને ઢાંકી રાખવા સરકારને મજબુર કરે છે. બન્ને ક્ષેત્રે બાહ્ય રુપ જુદું અને ભીતરનું સ્વરુપ જુદું હોય છે. બન્ને ક્ષેત્રે ચળકાટનો જ મહીમા છે. આ બધાં કામ કોઈ સજ્જન અને પ્રામાણીક વ્યક્તી કદીયે કરી શકે ખરી?

ગ્લૅમરની દુનીયા હોય કે અધ્યાત્મની દુનીયા હોય, બન્નેમાં પ્રામાણીકતા નકામી ચીજ બની ગઈ છે. એમાં ઝાકઝમાળ અને સૌની આંખોને આંજી નાખે એવી તકલાદી ભ્રમજાળ પેદા કરતાં આવડવું જોઈએ. કહેણી અને કરણી વચ્ચે ગમે એટલો વીરોધાભાસ હોય તોય એને છુપાવવાનો પ્રપંચ કરતાં આવડવું જોઈએ. કઈ વ્યક્તી કેટલી ઉપયોગી છે અને કઈ વ્યક્તીનો કઈ રીતે વધુમાં વધુ લાભ લઈ શકાય છે એનાં સમીકરણો માંડતાં આવડવું જોઈએ. વફાદાર લોકોને પગથીયું બનાવીને ઉપર ચડી જવાની ફાવટ હોવી જોઈએ અને ઉપર પહોંચ્યા પછી તે વફાદાર લોકોને ભુલી જવાની વીશેષ લાયકાત પણ કેળવવી પડે. ગ્લૅમરની અને અધ્યાત્મની દુનીયામાં સચ્ચાઈનો સેન્સેક્સ હવે તળીયે પહોંચ્યો છે. સચ્ચાઈના બદલામાં અહીં શેકેલા ચણા–મમરાય નથી મળતા. ‘સચ્ચે કા બોલબાલા, જુઠે કા મુંહ કાલા’ કહેવતનું અહીં શીષાર્સન થઈ ગયું છે. અહીં તો ‘જુઠે કા બોલબાલા અને સચ્ચાઈ કા મુંહ કાલા’નો ખેલ ચાલે છે. ગ્લૅમર અને અધ્યાત્મની દુનીયામાં ગુનાખોરીનું છુપું શાસન ધીરે–ધીરે એટલું મજબુત બની રહ્યું છે કે સાચા ગૃહસ્થો અને સાત્ત્વીક સાધુઓને અજમ્પો થાય છે.

ગ્લૅમરની દુનીયા આમ તો કલાની દુનીયા છે અને અધ્યાત્મની દુનીયા પણ આમ તો ઉર્ધ્વ જીવનમુલ્યોની દુનીયા છે. માણસને કલા વગર પણ નહીં ચાલે અને મુલ્યો વગર પણ નહીં જ ચાલે. જો કલા અને મુલ્યો ન હોય તો માણસનું જીવન પશુજીવનથી પણ બદતર બની જાય. પશુ–પંખીઓ પાસે કલા અને મુલ્યો નથી હોતાં એટલે એ કુદરતી રીતે ઘરેડબદ્ધ જીવ્યે જાય છે. એમની લાઈફ–સ્ટાઈલમાં કોઈ ચેન્જ આવતો નથી. સદીઓ પહેલાં ગધેડો જે રીતે ભુંકતો હતો અને કુતરો જે રીતે ભસતો હતો એ જ રીતે આજેય એ બન્ને ભુંકવા–ભસવાની ક્રીયા કરે છે. જે બળવાન હોય એનું જ સામ્રાજ્ય પશુ–પંખીના જગતમાં ચાલતું હોય છે; કારણ કે ત્યાં મુલ્યોની કોઈ જ વાત નથી.

માણસે કલા દ્વારા આનન્દનો અનુભવ પ્રગટાવ્યો અને મુલ્યો દ્વારા માનવીય વ્યવહારોને સુગન્ધીત બનાવ્યા. એકમેકનાં સુખ–દુ:ખમાં સહભાગી થવાની ભાવના આપણને કલા અને જીવનમુલ્યો પાસેથી મળી છે. જેની પાસે કલા હોય, જેની પાસે મુલ્યો હોય તેને બીરદાવવાની સજ્જતા આપણે વીકસાવી. આહાર (ભોજન), નીદ્રા (ઉંઘ), ભય (ડર) અને મૈથુન (સેક્સ) એ ચાર ચીજો અનીવાર્ય ખરી; પણ માણસે એટલાથી જ સન્તોષ ન માન્યો. તેણે એથી આગળ વધીને કલા અને મુલ્યો વીકસાવીને પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરી છે.

મહીલાઓએ છેતરાવાનું જ!

ગ્લૅમરની દુનીયા હોય કે અધ્યાત્મની દુનીયા હોય, બન્નેમાં મહીલાઓએ તો છેતરાવાનું જ છે અને શીકાર પણ બનવાનું જ છે. પોતાની નાનકડી લાલચ અને પોતાની ચપટીક અન્ધશ્રદ્ધા તેને હમ્મેશાં ત્રાસ આપે છે. જોકે કેટલીક લાલચુ અને બોલ્ડ મહીલાઓ એમ સમજે છે કે કંઈક મેળવવા માટે કશુંક તો ચુકવવું જ પડેને. પ્રસીદ્ધી, પૈસા અને પ્રભાવ મેળવવા માટે એવી મહીલાઓ પોતાના ચારીત્ર્યનો સ્વેચ્છાએ સોદો કરવા તૈયાર થઈ જતી હોય છે; પરન્તુ જ્યારે ધાર્યું નીશાન પાર ન પડે ત્યારે તે છેડતી અને બળાત્કારનાં ત્રાગાંય કરે છે. શૅરબજારમાં મુડી ડબલ કરવાની લાલચથી આપણે કોઈ મોટી કમ્પનીના શૅર ખરીદીએ અને પછી એ શૅરના ભાવ તળીયે બેસી જાય ત્યારે આપણે એની કમ્પનીએ આપણા પર બળાત્કાર કર્યો એવો કેસ કરી શકતા નથી. કોઈ સ્ત્રી ટૉપ પર પહોંચવા માટે, ગ્લૅમરની દુનીયામાં પ્રવેશવા માટે કોઈકની સાથે લુચ્ચાઈ સોદાબાજી કરીને એમાં નીષ્ફળ જાય ત્યારે એને બળાત્કાર કેમ કહેવાય?

વીશેષતા કેળવો કાં વળતર ચુકવો!

ગ્લૅમરની દુનીયા હોય કે અધ્યાત્મની દુનીયા હોય, ગરીબ લોકોએ તો પાછળ ઉભા રહીને જયજયકારના નારા જ ગજવવાના હોય છે. કહેવાતી સેલીબ્રીટીનાં નાઝ–નખરાં જોઈને રાજી થવાનું હોય છે. ગરીબો માટે – સામાન્ય લોકો માટે તો બસ એવા જયજયકાર એ જ વૈકુંઠ છે અને છીછરા રાજીપા એ જ મોક્ષ. જીવનભર કહેવાતા મોટા લોકોની ચરણચમ્પી કરતા રહો, તેમની આજ્ઞાઓ પાળતા રહો, તેમનાં જુઠાણાં અને જોહુકમીઓ વેઠતા રહો. આપણી ગરીબીની આ પનીશમેન્ટ નથી, આપણા અજ્ઞાનનું અને આપણી મુર્ખામીનું એ વળતર છે! કાં તો વીશેષતા કેળવો, કાં તો લાઈફ–ટાઈમ વળતર ચુકવતા રહો!

–રોહીત શાહ 

લેખકસમ્પર્ક : 

શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના મીડડે દૈનીકમાં પ્રગટ થયેલી એમની લોકપ્રીય કટાર બુધવારની બલીહારી (11 સપ્ટેમ્બર, 2013)માંથી.. લેખકશ્રીના અને મીડડેના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

પોસ્ટ કર્યા તારીખ : 29–06–2018

રોહીત શાહ

પુજા કરવાને બદલે ધનને વહેતું રાખવાની પ્રતીજ્ઞા કરો

પુજા કરવાને બદલે ધનને વહેતું રાખવાની પ્રતીજ્ઞા કરો

– રોહીત શાહ

ધન અને સમ્પત્તી આપણાથી છુટતાં નથી. કહેવાતા ત્યાગીઓ અને વીતરાગીઓ પણ બે હાથે જાહેરમાં ધન–સમ્પત્તીનો ત્યાગ કરે છે; પણ પછી ખાનગીમાં બાર હાથે ભેગું કરે છે. ધનની શક્તીનો આપણને ખ્યાલ નથી હોતો ત્યાં સુધી જ આપણને એનું વળગણ નથી રહેતું. ધનની શક્તી જાણ્યા પછી આપણે એના શરણે રહીને જીવવામાં જ સેફ્ટી અનુભવીએ છીએ.

આપણે ધન–સમ્પત્તીનું ડેડ–ઈન્વેસ્ટમેન્ટ કરનારી પ્રજા છીએ. આપણી પાસે વધારાના પૈસા હોય તો આપણે સોનું ખરીદી લઈશું, વધારાના પૈસા હશે તો જમીન ખરીદીશું. જમીન અને સોનું ખરીદ્યા પછી એના ભાવ વધતા રહે એનાં પલાખાં માંડતા રહીએ છીએ. આપણને જે ચીજની જરુર ન હોય એવી ચીજ ખરીદીને એને માત્ર મુકી જ રાખીએ તો એ ડેડ–ઈન્વેસ્ટમેન્ટ કર્યું કહેવાય. કેટલાક લોકો હીરાના પથરામાં મુડી–રોકાણ કરતા હોય છે. પૈસાનું ઈન્વેસ્ટમેન્ટ શેમાં કરવું જોઈએ? જેમાં પૈસો સતત ફરતો રહે, જેમાંથી સતત વધારે કમાણી થતી રહે એમાં ઈન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ.

ભારત દેશ ગરીબ નથી, કીન્તુ એની પાસે ધનને વહેતું રાખવાની આવડત નથી. ધનને એ પકડી રાખે છે. ફીક્સ્ડ ડીપોઝીટ કરવામાં આપણે ઉત્સાહી હોઈએ છીએ. બસ, મળ્યું એટલું ધન પકડી રાખો, બાંધી રાખો. એ છટકી ન જવું જોઈએ. તીજોરી તગડી હોવી જોઈએ.

બૅન્ક–અકાઉન્ટ છલકાતું હોવું જોઈએ. આપણી આવી દાનતને કારણે જ આપણો દેશ ગરીબ છે.

આપણા ધનની ઉત્પાદકતા પર નીયન્ત્રણ આવી જાય પછી એનું રીઝલ્ટ ગરીબી અને ભુખમરા અને બેકારી અને મોંઘવારી અને ભ્રષ્ટાચાર જ હોયને! બે નમ્બરની કમાણી વીદેશની બૅન્કોમાં દફનાવી દેવાય છે. જે માણસ ખેતી કરતો જ નથી એ માણસ જમીનો ખરીદ્યા કરે છે. સોનું–ચાંદી અને હીરા ખરીદ્યા પછી એને બૅન્કના લોકરમાં સડવા માટે પુરી રાખવામાં આવે છે.

શૅર–માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યા પછી જો શૅરના ભાવ ઘટે તો નુકસાન થાય એટલે આપણે વેચતા નથી અને જો ભાવ ઉંચકાય તો હજી ઓર ભાવ ઉંચકાશે અને આપણને વધારે બેનીફીટ થશે એવી લાલચમાં આપણે શૅરને પકડી રાખીએ છીએ. પૈસો ફરતો રહેવો જોઈએ એવું ઈકૉનૉમીક્સ કહે છે. ઈકૉનૉમીક્સ તો આગળ વધીને એમ પણ કહે છે કે જે લોકો પૈસાને ફરતો રાખતા નથી એ લોકોનો સર્વનાશ થઈ જાય છે. પ્રોગ્રેસ માટે પૈસાને વહેતો–ફરતો રાખવો કમ્પલ્સરી છે. જાડીયા (તગડા) આદમીને આપણે તન્દુરસ્ત નથી કહેતા. તન્દુરસ્ત આદમી તો એ છે જે એકીશ્વાસે બે કીલોમીટર દોડી શકે છે. અથવા તો જરાય અટક્યા–થાક્યા વગર પચાસ પગથીયાં ચડી શકે છે.

આપણા શરીરની રચના પણ આપણને આ રહસ્ય સમજાવે છે. કુદરતે દરેક બૉડીમાં બ્લડ રાખ્યું છે અને એ બ્લડને નૉન–સ્ટૉપ ફરતું રાખ્યું છે. બ્લડનું સક્યુર્લેશન ડીસ્ટર્બ થાય એ રૉન્ગ કહેવાય. જો બ્લડ–સક્યુર્લેશન અટકી જાય તો માણસ મૃત્યુ પામે છે. કુદરતે એથી પણ મહાન વ્યવસ્થા તો એ કરી છે કે શરીર પર જ્યારે કોઈ ઘા (ઈજા) થાય ત્યારે ત્યાંથી વહેતું લોહી થોડી જ સેકન્ડોમાં થંભી જાય છે. શ્વેતકણો (પ્લેટલેટ કાઉન્ટ્સ) ઘામાંથી વહેતા લોહીને રોકવા માટે ત્યાં થીજી જવાનું કામ કરે છે. બ્લડ વ્યર્થ વહી ન જાય એ માટેની એ પ્રાકૃતીક વ્યવસ્થા છે. બ્લડ વહેતું રહે કીન્તુ વ્યર્થ વેડફાઈ ન જાય એવી સુન્દર યોજના કરીને કુદરતે આપણનેય મૌન ઉપદેશ આપ્યો છે.

પાણી વહે છે, પણ જ્યારે એ થીજી જાય છે ત્યારે એનું વહન અટકી જાય છે. બરફથી ખેતી ન થઈ શકે, બરફમાં સ્ટીમરો ન દોડી શકે, બરફની નહેરો બનાવીને સીંચાઈયોજના ન કરી શકાય, બરફથી પ્યાસ પણ ન બુઝાવી શકાય. એ માટે તો વહેવાની ક્ષમતાવાળું પાણી જ જોઈએ. જે પાણી વહેતુંય નથી અને થીજી જતું પણ નથી એ પાણી બન્ધીયાર બનીને ગંધાઈ ઉઠે છે. રોગચાળો ફેલાવે છે.

પાણી અને લોહીની જેમ પૈસા પણ વહેતા રહે તો જ સમાજનું કે રાષ્ટ્રનું કલ્યાણ થાય.

કરોડો–અબજોનાં મન્દીરો બનાવવાને બદલે જો એટલું ઈન્વેસ્ટમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે થાય તો દેશનું ઉત્પાદન વધે, બેકારોને રોજી મળે, દેશની મુડી વીદેશોમાં ઘસડાઈ જતી અટકે. આ વાત એટલી સીમ્પલ અને સરળ છે કે મુરખનેય તરત સમજાઈ જાય.

આપણે ધનને વહાલ કરવા મંડી પડીએ છીએ એટલે એને વહેતું રાખવાનું ભુલી જઈએ છીએ. ધનની શક્તીને કારણે આપણે એની પુજા કરીએ છીએ. પુજા હમ્મેશાં શક્તીની અને સામર્થ્યની જ થાય. કાયરતા–નપુંસકતાની પુજા થતી ક્યાંય ભાળી છે? ઉર્જાની પુજા થાય, ઓજસની પુજા છાય, મેધાની પુજા થાય, પ્રજ્ઞાની પુજા થાય. આ બધી શક્તીઓ છે. ધન બહુ બડી શક્તી છે. આજના યુગમાં તો કહેવાય છે કે ધન–સમ્પત્તી હોય તો જગતમાં આપણે જે ઈચ્છીએ એ બધું જ કરી શકીએ!

સમ્પત્તી હોય તો તમે સમ્રાટનેય ખરીદી શકો અને સત્તાને ગુલામ બનાવી શકો. સમ્પત્તી હોય તો આજકાલ ન્યાય અને ધર્મ પણ ખરીદી શકાય છે. તમારે મન્દીરમાં પુજા–આરતી કરવાં હોય તો એ માટે ચડાવા બોલીને તગડી રકમ ચુકવવાની તાકાત હોવી જોઈએ. વીદ્યા મેળવવા માટેય ડોનેશનના નામે ભ્રષ્ટાચાર કમ્પલ્સરી આચરવો જ પડે છે. રોગ મટાડવો હોય કે યોગ કરવો હોય, ધન વગર આપણે એક ડગલુંય ચાલી શકતા નથી.

ધનની પુજા સાથે નવો સંકલ્પ

એક જમાનામાં ‘ધનતેરસ’ પર્વ ‘ધણતેરસ’ના નામે ઉજવાતું હતું (ધણ એટલે ગાયોનો સમુહ), આજે ધનની પુજા કરીને વધુ ધનવાન બનવા સૌ કોઈ ઝંખે છે. ધનની પુજા કરીને આપણે ભલે એના સામર્થ્યનો આદર કરીએ, કીન્તુ માત્ર એવા આદરથી કશું નહીં વળે. ધનને વહેતું રાખવું પડશે, એની ઉત્પાદન–ક્ષમતા વધારવી પડશે. ધનને વાપરવાનું છે. વાપરતા રહીશું તો વધારે કમાવાની જરુર પડશે. વધારે કમાવા માટે વધારે દોડીશું. એથી ઉત્પાદન વધશે અને વીકાસ થશે. ઘણા લોકોની પાસે સમ્પત્તી હોય છે પણ શારીરીક ક્ષમતા નથી હોતી. એવા લોકો તેમની સમ્પત્તી એવી જગાએ રોકે છે, જેમાંથી વ્યાજ મળતું રહે. એ વ્યાજની રકમમાંથી એ લોકોનો નીર્વાહ થતો રહે. પ્રત્યક્ષ નહીં તો પરોક્ષરુપે પણ ધનને વહેતું રાખવાની આ વ્યવસ્થા છે. ભારતની ગરીબી ટાળવી હોય તો ધનની પુજા કરવાનું છોડીને એને વહેતું રાખવા સંકલ્પબદ્ધ થવું પડશે. રુપીયો ગગડતો–રગડતો રહેશે તો એની ચમક ઓર વધશે, જો એ ગગડતો અટકી જશે તો તરત ગબડી પડશે. ગબડી પડેલો રુપીયો ગરીબી જ આપશે. ધનતેરસ આપણા સૌનું પ્રીય અને પર્મનન્ટ પર્વ છે. આ દીવસે, હવેથી આપણે ધનને વહેતું રાખવાની નીષ્ઠાથી એની પુજા કરીશું. ઈન ફૅક્ટ, જો તમે ધનને વહેતું રાખો તો એ જ એની પુજા છે, પછી તમારે કંકુ–અબીલ વડે પુજા કરવાની જરુર નહીં પડે.

–રોહીત શાહ 

લેખકસમ્પર્ક : 

શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના મીડડેદૈનીકમાં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર ‘નો પ્રૉબ્લેમ’માંથી.. લેખકશ્રીના અને મીડડેના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

રોહીત શાહ

દેવ–દેવી લાંચ લીધા વગર ઉપકાર ન કરે ?

દેવ–દેવી લાંચ લીધા વગર ઉપકાર ન કરે ?

–રોહીત શાહ

કોઈ પણ વ્યક્તીની ધાર્મીક લાગણી ક્યારે દુભાય? અત્યાર સુધીની લાગણી દુભાયાની સેંકડો–હજારો ઘટનાઓનો સ્ટડી કર્યા પછી કહી શકાય કે જે વ્યક્તીને ધર્મમાં પુર્ણ શ્રદ્ધા ન હોય અને જે વ્યક્તીને લાગણી એટલે શું એની કશી ગતાગમ ન હોય એવી વ્યક્તીની જ લાગણીઓ દુભાતી રહી છે. જો તમારી ધાર્મીક લાગણી દુભવવી હોય તો તમારી પાસે મીનીમમ આ બે ક્વૉલીફીકેશન્સ કમ્પલ્સરી હોવી જોઈએ : ધાર્મીક અજ્ઞાન અને સમજણમાં શુદ્ધ જડતા. આ બે બાબતો વગર તમે ઈચ્છો તોય તમારી ધાર્મીક લાગણી નહીં દુભવી શકો.

તમે જો શંકરાચાર્ય, સ્વામી વીવેકાનન્દ, બ્રહ્માકુમારીજી, શ્રીમદ્ રાજચન્દ્ર, મોહમ્મદ પયગમ્બર, ગૌતમ બુદ્ધ, અશો જરથુસ્ટ્ર જેવા મહાત્માઓની લાગણી કદીયે દુભાઈ હોય એવું તમને જાણવા નહીં જ મળે. તે દરેકની સામે પ્રખર વીરોધીઓ હતા, તેમનો અનાદર અને તેમનું ઈન્સલ્ટ કરનારા અનેક લોકો હતા છતાં તે સૌની સામે આ મહાત્માઓનું સૌજન્ય અણનમ રહ્યું હતું. ગાંધીજીની લાગણી ન દુભાય, તેમના પાખંડી અનુયાયીઓની લાગણી જ દુભાય! ધોબી ગમે તે કહે છતાં રામની લાગણી ન દુભાય; પરન્તુ આપણે જો રામ વીશે કાંઈ વીરોધી મંતવ્ય રજુ કરીએ તો રામભક્તો વીફર્યા વગર ન રહે!

એક બીજી વાત પણ છે. મોટે ભાગે ધાર્મીક લાગણી દુભાવાનાં ત્રાગાં એવા લોકો જ કરે છે જેઓ કાયદાનો ટેકો લઈને કોઈ સાચી વાત કહેનારને દબાવી દેવા માગતું હોય. સપોઝ તમે કોઈ એવું સત્ય ઉચ્ચારી રહ્યા છો જેના કારણે કોઈ વ્યક્તી કે સમુહનું સ્થાપીત હીત જોખમાતું હોય કે એની નકલી પ્રતીષ્ઠા ભોંયભેગી થવાની હોય – એવા સંજોગોમાં તે વ્યક્તી કે સમુહ પોતાની ધાર્મીક લાગણી દુભાયાના બહાને તમને પજવશે. તમારી સામે ઝનુન બતાવશે. તમારી સામે કોર્ટમાં કેસ કરશે. તમારા પર સ્ટે લાવશે. તમે કોર્ટનાં ચક્કર કાપતા થઈ જાઓ અને પેલા ઢોંગીઓની સામે ન પડો એ માટેની ફીક્સ પેંતરાબાજી કરશે.

તાજેતરમાં એક સમાચાર વાંચ્યા કે સસરાજીની તબીયત સારી થાય એ માટે પુત્રવધુએ પોતાના માથાના વાળનું મુંડન કરાવવાની બાધા રાખી હતી. આ સમાચાર આનન્દપ્રેરક પણ છે અને આઘાતપ્રેરક પણ છે. આનન્દપ્રેરક એ માટે કે સમાજમાં સસરા પ્રત્યે આટલો છલોછલ આદરભાવ રાખનારી પુત્રવધુ આજના યુગમાં પણ છે ખરી! આઘાત એટલા માટે થાય કે આવા ન્યુઝ વાંચીને લોકો પોતાના સ્વજનની બીમારી દુર કરવા માટે પોતાના વાળ ઉતરાવવા તૈયાર થઈ જશે.

કોઈ બીમાર વ્યક્તીની તબીયત સુધરે એ માટે આવા ઉપાયો કરવાનું જરાય વાજબી ખરું? કોઈ સ્નેહીના વાળ સાથે કોઈ વ્યક્તીની બીમારીને વળી શી લેવાદેવા? એક વ્યક્તી વાળ ઉતારી નાખવાની ભાવના બતાવે એટલે કહેવાતી કઈ પરમ–દીવ્ય શક્તીને ગમતું હશે? આપણા ઉતરેલા વાળનું એ શું કરે? એ પરમ તત્વને આપણા ઉતરેલા વાળ જમા કરવાની કોઈ જરુર હોય ખરી?

આપણું કાંઈ સારું કે શુભ થાય તો એ સહજ ઘટના છે. આપણું કોઈ અહીત થાય – આપણને નુકસાન થાય તો પણ એ સ્વાભાવીક ઘટના છે. બાધા–માનતા રાખવાથી પરીણામ બદલાય એ વાત લૉજીકલ તો નથી જ. દેવ–દેવી લાંચ લીધા વગર ઉપકાર નથી કરતાં એવું આપણે પુરવાર કરીએ તો કોઈ દેવ–દેવી રીઝે ખરાં? ધર્મનો વીવેક પ્રજ્ઞા વડે જ થઈ શકે, અન્ધશ્રદ્ધા વડે નહીં – આ સત્ય જાણ્યા પછીયે તમારી લાગણી ન દુભાય તો નો પ્રૉબ્લેમ.

–રોહીત શાહ 

લેખકસમ્પર્ક : 

શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના મીડડેદૈનીકમાં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર નો પ્રૉબ્લેમ(15 માર્ચ, 2014)માંથી.. લેખકશ્રીના અને મીડડેના સૌજન્યથી સાભાર…

રોહીત શાહ

નાસ્તીકો પણ આવા ઈશ્વરને સ્વીકારશે !

નાસ્તીકો પણ આવા ઈશ્વરને સ્વીકારશે !

રોહીત શાહ

આપણી ઈશ્વરની શોધ મુર્તી સુધી પહોંચીને સમાપ્ત થઈ ગઈ છે. મુર્તી મળી એટલે ઈશ્વર મળી ગયો હોય એમ રાજી–રાજી થઈને આપણે તેની આળપમ્પાળ કરવા મંડી પડીએ છીએ.

શીયાળામાં ઈશ્વરને ઠંડી ન લાગે એ માટે મુર્તીને ઉનનાં કપડાં પહેરાવાય છે. ઉનાળામાં ઈશ્વર પરસેવે રેબઝેબ ન થઈ જાય એ માટે તેને એસીમાં રાખવાના પ્રયોગો પણ થયા છે. ઈશ્વરની એક કલ્પના તે નીરંજન–નીરાકાર હોવાની છે. જો એ સાચી કલ્પના હોય તો ઈશ્વરને ઠંડી–ગરમી ન લાગે, ભુખ પણ ન લાગે. આ છપ્પન ભોગ અને નૈવેદ્ય અને પ્રસાદ બધું બકવાસ બની જાય.

જો ઈશ્વર સમગ્ર સૃષ્ટીમાં સર્જક અને કર્તા–હર્તા હોય, સમર્થ હોય તો તેને આપણા તરફથી ભોગસામગ્રી કે ભેટસામગ્રી મેળવવાની શી ગરજ હોય? ચુન્દડી કે ચાદર ન ચઢાવીએ, શ્રીફળ ન વધેરીએ તો તે આપણું કામ ન કરે એવું કેમ? ઈશ્વર વીશે આપણે જે કલ્પનાઓ કરી છે તેને અનુરુપ આપણો વ્યવહાર નથી થતો. માણસ આ બાબતે ગુમરાહ થયો હોય એમ લાગે છે.

ગરબડીયા ગામના બાવાએ ઈશ્વર વીશે સાવ જ વાહીયાત અને ભ્રામક તસવીર આપણી સમક્ષ પેદા કરી છે. ઈશ્વર એટલે જાણે કે સોટી લઈને આપને પનીશમેન્ટ કરવા બેઠેલી કોઈ ક્રુર વ્યક્તી ન હોય! ઈશ્વર એટલે આપણી ભેટ–સોગાદોથી રાજી થઈને આપણા પર કૃપા વરસાવનાર ભ્રષ્ટ સરકારી અધીકારી ન હોય! આપણી નાની–નાની ભુલો માટે વારમ્વાર કોપાયમાન થઈ ઉઠનારો કોઈ રાક્ષસ હોય એવું ઈશ્વરનું ચીત્ર આપણી સામે મુકવામાં આવ્યું છે.

ઈશ્વર આવો હોય ખરો? અને ખરેખર જ ઈશ્વર જો તેવો જ હોય તો આપણને તેની શી ગરજ હોય? આપણે તેની ભક્તી કરવાની કે તેના ગુણ ગાવાની આવશ્યક્તા ખરી? ઈશ્વરને નામે આપણને સૌને સદીઓથી ડરાવવાનો ઉદ્યમ આપણા કહેવાતા ધર્મગુરુઓ કરતા રહ્યા છે.

અમે નાના હતા ત્યારે ખેતરમાં ફરવા જતા હતા. ખેતરમાં મને ‘ચાડીયો’ જોવાની બહુ મજા પડતી. આજેય ક્યારેક ખેતરમાં ચાડીયો જોઉં છું ત્યારે મારા ભીતરમાં બાળપણનો રોમાંચ છલકાઈ ઉઠે છે. આ ચાડીયો એટલે શું? ખેતરમાં પાક (ફસલ)ને પશુ–પંખીઓ નુકસાન ન પહોંચાડે એ હેતુથી આડી–ઉભી લાકડીનો ક્રૉસ બનાવીને એને પુરુષનાં કપડાં પહેરાવેલાં હોય. પશુ–પંખીઓને દુરથી ત્યાં કોઈ માણસ ઉભો હોય એવો વહેમ પડે અને ચણ ચણવા કે ઘાસ ચરવા અન્દર ઘુસી ન જાય. ક્યારેક ચાડીયાને માથે હૅટ પણ ગોઠવેલી હોય. ક્યારેક ચાડીયો લાકડી ઉગામીને ઉભેલો હોય. એમાં કલાત્મકતા હોવી અનીવાર્ય નહોતી. એનો હેતુ તો ભય અને ભ્રમ પેદા કરવાનો જ હતો. ક્યારેક મને લાગે છે કે આપણા ધર્મગુરુઓએ આપણને ડરાવવા માટે, આપણામાં ભય અને ભ્રમ પ્રગટાવવા માટે ઈશ્વરના નામનો ચાડીયો આપણી સામે મુકી દીધો છે!

ઈશ્વર વીશેની મારી વ્યાખ્યા સાવ સરળ અને સર્વસ્વીકૃત છે. જો કોઈ નાસ્તીક વ્યક્તી પણ આ વ્યાખ્યા સાંભળે તો એને સ્વીકારવા તૈયાર થશે. આપણને આફતમાં રાહત આપે, સંકટમાં સહાયક બને અને છતાંય વળતરની કે બદલાની જરાય અપેક્ષા ન રાખે, પોતે જે કંઈ મહાન પુણ્યકાર્ય કર્યું એની ક્યાંય બડાશ ન મારે – પ્રદર્શન ન કરે તે ઈશ્વર. ભલે પછી તે સ્વજન–મીત્ર રુપે હોય કે અજાણી વ્યક્તી સ્વરુપે હોય!

મને તેવો ઈશ્વર નથી જોઈતો, જે મારી ભુલો માટે મને પનીશમેન્ટ કરે. મને તો તેવો ઈશ્વર જોઈએ છે, જે મારી કોઈ પણ ભુલ ગમે ત્યારે માફ કરીને મને ભરપુર વહાલ કરે. મારી પાસેથી દાન–દક્ષીણા, પ્રસાદ, ભોગ, ભેટ કંઈ જ ન માગે. કશીય અપેક્ષા વગર મારા ઉપર કૃપા અને કરુણા વરસાવે તેને હું ઈશ્વર કહેવા–માનવા તૈયાર છું.

આપણને રીબાવે, તડપાવે, પનીશમેન્ટ કરે, સુખો ભોગવવા ન દે, આપણને સુખો ભોગવતા જોઈને ભડકી ઉઠે, આપણી પાસે ટાંટીયાતોડ જાત્રાઓ કરાવે, દુધમાં નાહવાનું જેને ગમે, ગરીબ ભક્ત પાસેથીય છપ્પન ભોગની અપેક્ષા રાખે, કીમતી ઝાકઝમાળ અને ઘંટારવના પ્રદુષણથી જે પ્રસન્ન થતો હોય તેવો ઈશ્વર તો માત્ર કલ્પના જ છે. સાચો ઈશ્વર તો નક્કી આપણી આસપાસમાં આપણને કોઈ તકલીફ ન પડે અને કદાચ તકલીફ પડે તો સ્નેહથી સહાય કરવાની પ્રતીક્ષામાં ઉભેલો હશે. મીત્રો–સ્વજનોનું આવું ઈશ્વરી સ્વરુપ સમજાય તો નો પ્રૉબ્લેમ.

રોહીત શાહ

લેખકસમ્પર્ક : 

શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 ઈ–મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના સાંધ્ય–દૈનીક ‘મીડ–ડે’ (શનીવાર સ્પેશ્યલ, 11 જાન્યુઆરી, 2014ની)માં પ્રગટ થયેલી એમની  લોકપ્રીય કટાર ‘નો પ્રૉબ્લેમ’માંથી.. લેખકશ્રીના અને ‘મીડ–ડે’ ના સૌજન્યથી સાભાર…

રોહીત શાહ

દરીયો કહે ખારાશ ન રાખો તો કેવું લાગે ?

દરીયો કહે ખારાશ ન રાખો તો કેવું લાગે ?

–રોહીત શાહ

એક મહાત્મા તેમના વ્યાખ્યાનમાં ઉપદેશ આપતા હતા : ‘લાઈફમાં કદી નેગેટીવ ન બનો. સક્સેસ માટેની માસ્ટર–કી પૉઝીટીવ થીન્કીંગ જ છે.

‘જો તમે દરેક બાબતમાં પૉઝીટીવ થીન્કીંગ કરશો તો તમારી લાઈફના અનેક પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જશે. જો કોઈ તમને ગાળ આપે તો એમ સોચો કે તેણે તમને શારીરીક ઈજા તો નથી કરી ને! જો કોઈ તમને અપમાનીત કરે તો એમ સમજો કે તમારું ગયા જન્મનું ઋણ ચુકવાઈ રહ્યું છે, ગયા જન્મમાં તમે તેને અપમાનીત કર્યો હશે એટલે આ જન્મમાં તેનો હીસાબ ચુકતે થઈ રહ્યો છે.’

તે મહાત્માનાં જુઠાણાં આટલેથી જ અટક્યાં નહોતાં. તેમણે તો આગળ વધીને એમ પણ કહ્યું કે ‘દેહ અને આત્માને અલગ સમજવા એ જ્ઞાન છે, તમારું નામ એ તો તમારી સ્થુળ ઓળખ છે, આત્માને કોઈ નામ–ઠામ નથી હોતું, આત્માનું કદી ઈન્સલ્ટ પણ નથી થતું અને આત્માને કશી ઈજા પણ નથી થતી, ભુખ–તરસ વગેરે દુ:ખો કેવળ દેહનાં છે, આત્માને એવાં દુખો સ્પર્શી પણ શકતાં નથી!’

પૉઝીટીવ થીન્કીંગનો ઉપદેશ આપનારા તે મહાત્માને સભામાંથી એક વ્યક્તી પણ એવો સવાલ પુછવાની હીમ્મત કરતી નહોતી કે બાપજી! તમે આ સંસારને પૉઝીટીવ થીન્કીંગથી સમજવાની સહેજે કોશીશ કરી હતી ખરી? જે માતા–પીતાએ તમને આ પૃથ્વી પર પેદા કર્યા અને તમે નાના હતા ત્યારે તમારાં બાળોતીયાં ધોયાં, તમને સ્તનપાન કરાવ્યું, તમને ઉછેરીને મોટા કર્યા એ માતા–પીતાને તમે શા માટે છોડી દીધાં? સગાં–સ્વજનો અને મીત્રોના સમ્બન્ધમાંથી તમને સ્વાર્થની બદબુ આવી એટલે એ છોડીને તમે ગુરુ–શીષ્ય અને ભક્તોના સમ્બન્ધો ઉભા કર્યા. તમારી પાસે પૉઝીટીવ થીન્કીંગનો એક છાંટો પણ હોત તો તમે લાગણીથી તરબતર થઈ શક્યા હોત અને તાજગીભર્યું જીવન જીવી શક્યા હોત. તમારે નોકરી–વ્યવસાય ન કરવાં પડે એટલે ત્યાગી–વૈરાગી બનીને બીજાના પુરુષાર્થનું રળેલું ખાવાનું અને પહેરવાનું સ્વીકારી લીધું. શું તમને નથી લાગતું કે આ બધું છળકપટ તમારા નેગેટીવ થીન્કીંગનું વરવું પરીણામ છે? તમારી પાસે પૉઝીટીવ થીન્કીંગ હોત તો સંસારને અને સમાજને ત્યાગવાની નોબત જ ન આવી હોત ને? સ્થુળ દુ:ખોથીયે ડરી જનારા તમે કાયર તો નથી ને? તમે તો રણમેદાન છોડીને ભાગી ગયેલા છો. તમારાં કર્તવ્યો અને ફરજો બાબતે તમે કદી તટસ્થ ભાવે ખાનગીમાં વીચાર્યું છે ખરું? જે જગત તમારી પ્રાથમીક સગવડો પુરી પાડે છે એને મીથ્યા કહેવા પાછળ તમારું કયું પૉઝીટીવ થીન્કીંગ છે?

બાપજી સામે ઑડીયન્સ કંઈ જ બોલતું નથી, એટલે બાપજી હીરો બનીને જુઠાણાં ચરકતા રહે છે. કેટલાક શ્રોતાઓ મનમાં તો બધું સમજતા હોય છે; પરંતુ વ્યર્થ વીવાદથી વેગળા રહેવાનું પસન્દ કરીને ચુપ રહે છે. આપણને ઘેર પહોંચતાં સહેજ મોડું થાય; તોય આપણી માતા કે પત્ની કેવી બેબાકળી થઈ ઉઠે છે! મૃત્યુ પામેલી વ્યક્તીના બેસણામાં આવતા સેંકડો લોકોને કયો સ્વાર્થ હોય છે? અજાણી વ્યક્તીને બસ કે ટ્રેનમાં પોતાની સીટ આપવાની ઉત્સુકતા બતાવનાર વ્યક્તીને સ્વાર્થી કહેતાં આપણી જીભ કેમ ઉપડે? અનાથાશ્રમો, પુસ્તકાલયો, ઘરડાંઘર, ચબુતરા, પાંજરાપોળો વગેરે સંસ્થાઓને પોષતા લોકોને આપણે સન્ત–મહાત્મા કરતાં પવીત્ર ન સમજીએ તો એ આપણી નાદાનીયત અને નફ્ફટાઈ છે.

જ્ઞાનની બડી–બડી વાતો કરીને, દેહ અને આત્માને જુદા પાડતા કહેવાતા જ્ઞાનીને વ્યાખ્યાન આપવા માટે સરસ સીંહાસન તો જોઈએ જ છે. તે જ્ઞાની મહાત્મા કેમ પોતાના દેહને કશું કષ્ટ આપતા નથી? ઉપદેશમાં તો તેઓ કહે છે કે નામનો પણ મોહ ન રાખવો જોઈએ; પરન્તુ હકીકતમાં તે પાખંડીઓ, પોતાના નામને ‘આત્મજ્ઞાની’, ‘દીક્ષા દાનેશ્વરી’, ‘તીર્થોદ્વારક’, ‘યુવા સમ્રાટ’, ‘પ્રાત:સ્મરણીય’ જેવાં વાહીયાત વીશેષણોથી સતત સજાવતા રહે છે. પોતાના નામની પાછળ ‘ભગવન્ત’, ‘દેવ’, ‘દેવેશજેવાં પુંછડાં ચોંટાડ્યા વગર તેમને કેમ ચેન પડતું નથી? શું આપણું એકલાનું જ નામ મીથ્યા હોય છે? તેમનું નામ શાશ્વત હોય છે?

કોઈ વેશ્યા આપણને બ્રહ્મચર્યનો ઉપદેશ આપે તો કેવું લાગે? દરીયો આપણને ખારાશ ન રાખવાનો બોધ આપે તો કેવું લાગે? કોઈ વીંછી આપણને ડંખ નહીં મારવાની શીખામણ આપે તો કેવું લાગે? માત્ર અને માત્ર નેગેટીવ અને સંકુચીત સોચના કારણે જેણે સંસાર અને સમ્બન્ધોનો (કહેવાતો) ત્યાગ કર્યો હોય એવા લોકો આપણને પૉઝીટીવ થીન્કીંગની પ્રેરણા આપવા માટેની શીબીરો યોજવાનાં ત્રાગાં કરે તો આપણને કેવું લાગે?

જ્ઞાનના નામે ભ્રાન્તીઓમાં ભટકાવતાં જુઠાણાંની આરપારનું સત્ય સૌને સમજાય તો નો પ્રૉબ્લેમ.

–રોહીત શાહ

લેખકસમ્પર્ક : 

શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 ઈ–મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના સાંધ્ય–દૈનીક ‘મીડ–ડે’ (શનીવાર સ્પેશ્યલ, 17 ઓગસ્ટ, 2013ની)માં પ્રગટ થયેલી એમની  લોકપ્રીય કટારનો પ્રૉબ્લેમ’માંથી.. લેખકશ્રીના અને ‘મીડ–ડે’ ના સૌજન્યથી સાભાર…

‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’ વીશે :

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી વેબસાઈટ ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads પર, ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/ તેમ જ વીશ્વભરની વીવીધ ભાષાઓમાં 25 મીલીયનથી વધુ પુસ્તકો અને મેગેઝીનો ધરાવતી ‘ઈસુ’ https://issuu.com/ વેબસાઈટ પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે.

 ‘રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ…

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : +91 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 1612–2016

 

રોહીત શાહ

ફૅમીલી મારો ધર્મ છે અને ફૅમીલી મારું અધ્યાત્મ છે

ફૅમીલી મારો ધર્મ છે અને ફૅમીલી મારું અધ્યાત્મ છે

–રોહીત શાહ

પ્રૅક્ટીકલ લાઈફ સાથે જોડાયેલી ન હોય એવી વાત, ગમે તેટલી ભવ્ય હશે તો પણ; એનું આયુષ્ય ટુંકું જ હોવાનું. કેટલીક વાતો અતી પવીત્રતાની અને ઉંચા આદર્શોની હોય છે; છતાં પ્રૅક્ટીકલ લાઈફનું એમાં અનુસન્ધાન હોતું નથી. એવી વાતો સાંભળવાની તો ગમે છે; પણ સ્વીકારવાનું મન નથી થતું.

નરેન્દ્ર મોદી ચાવાળા સાથે, રાહુલ ગાંધી કુલી સાથે અને કેજરીવાલ રીક્ષાવાળાઓ સાથે બેસીને પોતપોતાના પૉલીટીક્સને પ્રૅક્ટીકલ લાઈફ સાથે જોડી રહ્યા છે. એ દ્વારા એ બધા વ્યાપક સ્વીકૃતી પામવા માગે છે. તમારી વાતો ભલેને ગગનવીહારની હોય; રહેવાનું તો તમારે ધરતી પર જ છે ને! ગગનવીહાર રોમાંચક ખ્વાબ છે. વસુંધરા પરનો વસવાટ વાસ્તવીક વાત છે.

થોડા વખત પહેલાં એક સજ્જન મળ્યા હતા. તેમનો નાનકડો પરીવાર સુખી હતો; પરન્તુ કોઈ ગુરુજીના સમ્પર્કમાં આવ્યા પછી એ સજ્જનની લાઈફમાં ખુબ અશાન્તી પેદા થઈ ગઈ હતી. ગુરુજીએ તેમને પાઠ ભણાવ્યા કે મોક્ષ પામવા માટે જ તને માનવજન્મ મળ્યો છે. જો તું, તને મળેલા માનવજન્મમાં મોક્ષ નહીં મેળવી શકે તો પછી ક્યારેય નહીં મેળવી શકે, ર્ચોયાસી લાખ યોનીમાં તું ભવોભવ ભટકતો રહીશ, પત્ની–સન્તાન અને પરીવાર આ બધી તો ફોગટની માયા છે, એમાં ફસાયેલો આત્મા ડુબી જાય છે. ગુરુજીની આવી વાતો સાંભળીને ભ્રમીત થઈ ઉઠેલા એ સજ્જન મને કહે, ‘રાત્રે ઉંઘ આવતી નથી. અજમ્પો રહ્યા કરે છે. આ માનવજન્મ ફોગટ જશે તો મારા આત્માની ગતી કેવી થશે?’

મેં એ સજ્જનને કહ્યું કે, ‘ભાઈ, ખોટી ચીંતા કરવાનું છોડી દો. સહજ જીવન જીવવા જેવું ઉત્તમ બીજું કશું નથી. પૃથ્વી પરનાં તમામ પશુ–પંખીઓ, તમામ જીવો કુદરતી જીવન જીવે છે. એમને સંઘર્ષ હોય છે; પણ અજમ્પો નથી હોતો. માણસે ‘દીમાગનું દહીં કરી નાખે’ એવા જ્ઞાનના અને શાસ્ત્રોના અને ધર્મના અને સ્વર્ગ–નરકના ઢગલા કરી નાખ્યા. એ ઢગલા નીચે હવે પોતે કચડાઈ–રીબાઈ રહ્યો છે. મારે મન તો મોજ એ જ મોક્ષ છે. મોહ છુટે એ જ મોક્ષ છે. મોક્ષનો મોહ તો સૌથી ખતરનાક છે. મોક્ષનો મોહ છોડવા જેવો છે, સંસારનો મોહ નહીં! ગુરુઓ આપણને ઉંધા રવાડે ચડાવે છે કે આ મીથ્યા છે અને આ સત્ય છે. પછી આપણું દીમાગ ગુમરાહ થઈ જાય છે. પેલા સજ્જન અત્યાર સુધી સુખી હતા. પરીવાર સાથે મસ્તીથી જીવતા હતા. હવે એ બધું તેમને મીથ્યા અને મોહરુપ લાગવા માંડ્યું. હવે મોક્ષથી ઓછું કશું તેમને ખપતું નહોતું એટલે ઉજાગરા વેઠતા હતા. તમે જોજો, ખાસ બારીકાઈથી નીરીક્ષણ કરજો. સંસારનો મોહ હશે એવા લોકો સુખી હશે, મોક્ષનો મોહ લઈને ફરનારા હાથે કરીને દુ:ખી થતા હશે અને બીનજરુરી તકલીફો વેઠ્યા કરતા હશે.

ગયા અઠવાડીયે એક મૉલમાં જવાનું થયું. એ મૉલમાં એક થીયેટર પણ હતું. એ થીયેટરમાં ફીલ્મ જોવા એક વૃદ્ધ દમ્પતી આવ્યું હતું. બન્નેની ઉમ્મર પંચોતેર કરતાં વધારે દેખાતી હતી. થીયેટરનો દરવાજો હજી ખુલ્યો નહોતો. એ વૃદ્ધ દમ્પતી બહાર ખુરશી પર બેઠું–બેઠું પરસ્પરને પ્રેમ કરતું હતું. બન્ને જણ એકબીજામાં એટલાં બધાં ખોવાયેલાં હતાં કે દુનીયાનું ન તો તેમને ભાન હતું કે ન તો તેમને દુનીયાની કશી પરવા હતી. એ વૃદ્ધ દમ્પતીને જોઈને કોઈ બોલ્યું ‘છે જરાય લાજશરમ! આટલી ઉમ્મરેય તેમને રોમૅન્ટીક બનવાનું સુઝે છે!’

મેં તેને કહ્યું, ‘પ્યારની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. વળી પ્રેમ કરવામાં લાજ–શરમ શાની? માણસને પ્રીયપાત્ર સાથે પ્રેમ કરવાનીયે છુટ નહીં? તમે જાહેરમાં ગાળાગાળી કરી શકો, તમે જાહેરમાં મારામારી કરી શકો, તમે જાહેર રસ્તા પર થુંકી શકો–કચરો નાખી શકો, તમે જાહેર રસ્તા પર ઘોંઘાટ કરી શકો, તમે ગમે ત્યાં શૌચક્રીયા કરી શકો, તમે જાહેરમાં લાંચ લઈ શકો, તમે ખુલ્લેઆમ બોલેલું ફરી જઈ શકો, તમે ખુલ્લંખુલ્લા વીશ્વાસઘાત કરી શકો –એમ કરતી વખતે લાજ–શરમ આવવી જોઈએ.  વૃદ્ધ દમ્પતી તરફ તો ઉલટાનો અહોભાવ થવો જોઈએ ને!’

પરન્તુ આપણે મુળથી વ્યવસ્થા જ ખોટી ઉભી કરી બેઠા છીએ. વૃદ્ધ દમ્પતી પરસ્પરને વહાલ કરે એમાં શું પાપ હતું? એમાં કયું હલકું કામ હતું? આપણે કોઈ પ્રસંગે મોડા પહોંચીએ તો શરમાવાનું હોય, આપણે કોઈને આપેલું વચન પાળી ન શકીએ તો શરમાવું પડે. પ્રેમ કરવામાં વળી લાજ–શરમ શાની? વળી, એ વૃદ્ધ દમ્પતી કંઈ જાહેરમાં સેક્સ નહોતાં માણતાં, ચુમ્મા–ચુમ્મી નહોતાં કરતાં. એ બન્ને જણ પરસ્પરને અડીને બેઠાં હતાં. એક જ ડીશમાંથી નાસ્તો કરતાં હતાં. હસી–હસીને વહાલની વાતો કરતાં હતાં અને વચ્ચે–વચ્ચે એકબીજાના ગાલ ઉપર પ્રેમથી ચુંટી ભરતાં હતાં. એ જોઈને રાજી થવાનું હોય. આપણને દમ્ભ અને પાખંડ ફાવી ગયાં છે. કોઈ યુવાન માણસ બ્રહ્મચર્યની ફાલતુ બડાશો મારે તો વાંધો નહીં; પણ એક વૃદ્ધ દમ્પતી ખુણામાં બેઠું–બેઠું કોઈને નડ્યા વગર પરસ્પરને વહાલ કરતું હતું એમાં વાંધો પડી જતો હતો! આમ પાછા આપણે વૅલેન્ટાઈન્સ ડે ઉજવતા હોઈએ અને આમ, ત્યારે આવા વૃદ્ધ દમ્પતીનું સન્માન કરવાને બદલે એની ટીકા–નીંદા કરવા માંડીએ છીએ?

હમણાં એક ભાઈ કહે, મેં એક લાખ માળા પુરી કરી! તેમના ચહેરા પર ગૌરવ અને આનન્દ હતા. મને થયું કે સાચા દીલથી અને સાચી રીતે તો એક જ વખત નામસ્મરણ કરવાનું હોય ને! આટલી બધી માળાઓ કરવી જ કેમ પડે? આ તો કોઈ ઠોઠ વીદ્યાર્થી એમ કહે કે મેં પાંચમા ધોરણની પરીક્ષા દસ વખત આપી એવી જ વાત થઈ ને! વળી જો તમે આસ્તીક હો અને પ્રભુસ્મરણ તમને પસન્દ હોય તો એનાં પલાખાં–હીસાબો થોડાં રાખવાનાં હોય? માળાઓની ગણતરી શા માટે? માત્ર નામસ્મરણ ચાલે, ગણતરી છુટી જાય એ ભક્તી.

આપણે ભવ્યતા અને પવીત્રતાના ભ્રામક ખ્યાલોમાં ભટક્યા કરીએ છીએ. ભૌતીકવાદ સત્ય છે, એને ભ્રામક ગણવામાં આપણે શુરાતન બતાવીએ છીએ. અને જેનું કદાચ અસ્તીત્વ જ નથી એવા મોક્ષ અને સ્વર્ગને સત્ય સમજવાના ઉધામા કરીએ છીએ. આપણા અજમ્પા આપણે જાતે જ વધારતા રહીએ છીએ. મને તો પાકો વહેમ છે કે, જે લોકોને પરીવારનું સુખ નથી મળ્યું હોતું અથવા તો જે લોકોને પરીવારનું સુખ મેળવતાં આવડતું નથી હોતું એવા લોકો જ મોક્ષના ખ્વાબોમાં રાચતા રહે છે. જેને ફૅમીલીમાં સુખ મળી જાય છે, તેને મોક્ષ પણ ફોગટ લાગે છે. ફૅમીલી મારો ધર્મ છે, ફૅમીલી મારું અધ્યાત્મ છે, ફૅમીલી મારું મન્દીર છે, ફૅમીલી મારી મુર્તી છે, ફૅમીલી મારી પુજા છે, ફૅમીલી મારા માટે વ્રત–તપ છે.

સકલ તીરથ વન્દું કર જોડ

હમણાં વળી એક પંડીતજી શ્રોતાઓને ‘સકલ તીરથ’ સમજાવતા હતા. એક સ્તવન છે : ‘સકલ તીરથ વન્દું કર જોડ…’ એ સ્તવનમાં વર્ણન છે કે ફલાણી જગ્યાએ બત્રીસ લાખ મન્દીરો છે, ફલાણી જગ્યાએ સોળ લાખ… આપણે એ બધાં મન્દીરોમાં ન જઈ શકીએ એટલે અહીં બેઠાં–બેઠાં ભાવવન્દના કરીએ, આ રીતે લાખો મન્દીરો જુહારવાનો લાભ મળશે. પહેલો સવાલ એ છે કે લાખો મન્દીરો શા માટે જુહારવાનાં જ હોય? શ્રદ્ધા હોય તો એક જ મન્દીર ઈનફ નથી શું? બે વત્તા બે ચાર થાય એટલી ખબર હોય તો વારંવાર સરવાળા કરવા બેસવું ન પડે. પાંચસો વત્તા બસો બરાબર સાતસો જ થાય. તમે એક વખત ટોટલ કરો કે લાખ વખત ટોટલ કરો, શો ફરક પડે? લાખો મન્દીરો, લાખો મુર્તીઓને વન્દન કરવાના અભરખા જ શાના કરવાના? ભીતરથી જો એક જ વખત સાચું દર્શન થઈ જાય તો આપણાં હજારો જુઠાણાં અને પાખંડ છુટી જાય.

–રોહીત શાહ 

લેખકસમ્પર્ક : 

શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના મીડડેદૈનીકમાં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર સોશ્યલ સાયન્સ(17 ફેબ્રુઆરી, 2014)માંથી.. લેખકશ્રીના અને મીડડેના સૌજન્યથી સાભાર…

‘અભીવ્યક્તીઈ.બુક્સ’ વીશે :

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી વેબસાઈટ ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads પર, ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/ તેમ જ વીશ્વભરની વીવીધ ભાષાઓમાં 25 મીલીયનથી વધુ પુસ્તકો અને મેગેઝીનો ધરાવતી ઈસુ’ https://issuu.com/ વેબસાઈટ પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે.

 ‘રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : +91 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 1811–2016

રોહીત શાહ

વીધવા અને ત્યક્તા મહીલાઓ પ્રત્યે સમાજ કેવો વ્યવહાર કરતો હોય છે ?

વીધવા અને ત્યક્તા મહીલાઓ

પ્રત્યે સમાજ કેવો વ્યવહાર કરતો હોય છે ?

–રોહીત શાહ

વૈધવ્ય એ કુદરતી બાબત છે, જ્યારે પતીથી છુટા પડવું એ માનવસર્જીત બાબત છે. પહેલી સ્થીતીમાં લોકોની ચપટી સીમ્પથી મળે છે; પરન્તુ બીજી પરીસ્થીતીમાં તો પારાવાર બદનામી અને ટીકાઓનો સામનો કરવો પડે છે

મૅરેજ પછી સ્ત્રીના જીવનમાં આવતી સૌથી વધુ દુ:ખદ પરીસ્થીતીઓ બે છે : વૈધવ્ય અને ત્યક્તા.

આ બે દુ:ખદ પરીસ્થીતીઓમાં પહેલી પરીસ્થીતી પ્રાકૃતીક છે અને બીજી પરીસ્થીતી માનવસર્જીત છે.

લગ્ન વખતે કોઈ પણ સ્ત્રીને ‘અખંડ સૌભાગ્યવતી ભવ’ એવા આશીર્વાદ અપાય છે એમાં સ્ત્રીને પ્રથમ દુ:ખદ પરીસ્થીતી (વૈધવ્ય)થી બચાવવાની વાત છે. તેના જીવનમાં વૈધવ્યના તાપ–પરીતાપ અને સન્તાપ ન આવે એવા આશીર્વાદ અપાય છે. પુરુષપ્રધાન સમાજ રચનામાં સ્ત્રીનું સૌભાગ્ય પુરુષ હોય એ સ્વાભાવીક જ છે. એ સૌભાગ્ય અખંડ રહે એટલે કે પુરુષ (પતી) દીર્ઘાયુષી બને એવો પક્ષપાત પણ એમાંથી સંભળાય છે.

ઘણા વડીલો માને છે કે પાછલી વયે વીધુર થયેલો પુરુષ વીધવા સ્ત્રી કરતાં વધારે રીબાઈ–રીબાઈને જીવતો હોય છે. સ્ત્રી વીધવા થઈ હશે તોય તદ્દન ઓશીયાળી નહીં થાય. બહુ–બહુ તો થોડી આર્થીક સમસ્યાઓ નડે એટલું જ; પરન્તુ બાકીનાં કામકાજ જાતે કરીને તે સમાધાન કરી લેશે. પુરુષને ન તો રસોઈ કરતાં આવડે, ન કપડાં–વાસણ જેવું ઘરકામ આવડે. પાછલી ઉમ્મરે સન્તાનો સાથે વીધુર પુરુષોનો મેળ ન જામે તો આર્થીક રીતે ગમે તેટલો સુખી હોય તોય પુરુષ ડગલે ને પગલે દુ:ખી થતો જ રહે છે. વીધવા સ્ત્રી ગરીબ હશે તો પારકા ઘરે વાસણ–કપડાં કે રસોઈનું કામ કરી આપીનેય પોતાનો નીર્વાહ કરી લેશે. વીધવા માતાએ પોતાનાં બે કે ત્રણ–ચાર સન્તાનોને ઉછેર્યાં હોય, ભણાવ્યાં–ગણાવ્યાં હોય એવું ઘણે ઠેકાણે જોવા મળે છે. વીધુર પુરુષને જો નાનાં સન્તાનોની જવાબદારી હશે તો તેણે મોટે ભાગે સેકન્ડ મૅરેજ કરી જ લીધાં હશે !

વીધવા થવું અને ત્યક્તા થવું આ બે બાબતોમાં પ્રથમ બાબત માટે સમાજ થોડો ઉદાર અને સહાનુભુતીસભર વ્યવહાર રાખે છે જ્યારે બીજી બાબત માટે સમાજ (ભલે કશું સત્ય જાણતો ન હોય) ટીકાખોર બની જાય છે. પુરુષનો દોષ હશે તોય બદનામી તો ઘણું ખરું ત્યક્તા સ્ત્રીની જ થશે.

અલબત્ત, મૅરેજ પછી એક–બે વર્ષમાં જ પતીનું અવસાન થાય તો સ્ત્રીને ‘કાળમુખી’, ‘છપ્પરપગી’, અને ‘અભાગણી’ જેવાં વીશેષણોથી હડધુત કરવાની ક્રુરતા પણ આપણો સમાજ બતાવતો હતો. નાની ઉમ્મરે પતીના અવસાન માટે પત્નીને (તેનાં અપશુકનીયાળ પગલાં–આગમનને) દોષીત માનવામાં આવતી હતી. એવી વીધવાને સાસરીયાં મહેણાં–ટોણાં મારીને તેના પર ત્રાસ ગુજારતાં. તેના પુનર્લગ્ન કરાવવાની વાત તો દુર રહી; તેનું જીવવું હરામ કરી મુકવામાં આવતું ! એક તરફ કુદરતે તેનો લાઈફ–પાર્ટનર નાની ઉમ્મરે છીનવી લઈને તેના હૈયાને જખમી કર્યું હોય, એ જખમ પર સમાજના કહેવાતા ઠેકેદારો અને કઠોર સાસરીયાં મહેણાં–ટોણાંનું મીઠું ભભરાવતાં હોય, એવી ક્ષણે તે યુવાન વીધવાને કેવી પીડા થતી હશે !

હા, જો કોઈ સ્ત્રી મોટી ઉમ્મરે વીધવા થઈ હશે તો સમાજ તેના પ્રત્યે સહાનુભુતી બતાવશે. તેને બીચારી–બાપડી કહીને મદદ પણ કરશે. જો તેનાં સન્તાનો સંસ્કારી હશે અને ઠરીઠામ થયેલાં હશે તો તેવી વીધવા સ્ત્રીને ઝાઝા સન્તાપ નહીં પજવે. જ્ઞાતીબન્ધુઓ, આડોશ–પાડોશના લોકો, સાસરીયાં અને સ્વજનો ઉપરાન્ત પીયર પક્ષ તરફથી પણ વીધવા સ્ત્રીને હુંફ–રાહત મળતાં રહેતાં હોય છે.

વીધવા કરતાં ત્યક્તા સ્ત્રીની દશા ભારે ભુંડી હોય છે. ત્યજાયેલી સ્ત્રી ગમે તેટલી સંસ્કારી હશે તો પણ તેને ચારીત્ર્યહીનનું લેબલ લાગી જશે. લોકો છાની રીતે ટીકાઓ કરવા માંડશે. ‘બહેનબાનાં લખ્ખણ પહેલેથી જ ખરાબ હતાં. તેના પતીએ તેને તગેડી મુકી!’ એટલું જ નહીં; જો ત્યક્તા સ્ત્રી યુવાન અને થોડીક રુપાળી હશે તો હવસખોર પુરુષોનાં ઝુંડ તેને ઘેરી વળશે. ઉપર–ઉપરથી તેને હેલ્પ કરવાનો ઢોંગ કરશે, તેના પ્રત્યે સહાનુભુતી રહેશે. ત્યક્તા સ્ત્રીઓનો પક્ષ લેનારું ભાગ્યે જ કોઈ મળી આવતું હોય છે. જો તેવી સ્ત્રી કોઈ પરાયા પુરુષની બદદાનતનો શીકાર બની હશે તો સમાજ તે સ્ત્રીની ટીકા કરવામાં ઓર ક્રુર થઈ જશે. સમાજ કહેશે : ‘તેના આ કુચરીતરને કારણે તેના પતીએ તેને તગેડી મુકી તોય હજી તે સુધરી નથી ! હજી તો તે કેટલાય પુરુષોના પડખે જઈને પોતાનું મોઢું કાળું કરાવતી રહે છે !’ તેને રાંડ–રંડી જેવાં હલકાં વીશેષણોથી ઉતારી પાડવામાં આવશે.

આપણે ત્યાં અગ્નીપરીક્ષા આપવાની હોય કે સતી થવાનું હોય એ બધું સ્ત્રીઓ માટે જ હોય છે. આજે પણ અગ્નીપરીક્ષાઓમાંથી અનેક સ્ત્રીઓને સતત પસાર થવું જ પડતું હોય છે. આજની એજ્યુકેટેડ અને વર્કીંગ વુમન હવે પહેલાંના જેટલી ઓશીયાળી–પરાવલમ્બી રહી નથી. વળી, કાનુન પણ તેને હેલ્પ કરે છે એટલે આજની સ્ત્રી પ્રમાણમાં ખુબ સેલ્ફ–ઈન્ડીપેન્ડન્ટ બની છે. તે કોઈના માથે બોજરુપ નથી બનતી; ઉલટાનું આખા પરીવારનો બોજ નીર્વાહ કરવાની ક્ષમતા તે બતાવે છે ! તો પણ બૉસ ! ત્યક્તા સ્ત્રીએ તો સમાજની ટીકાઓનાં તીર આરપાર વેઠવાં જ પડતાં હોય છે. બહુ ઓછી સ્ત્રીઓ બીન્દાસ થઈને જીવતી હોય છે. બીન્દાસ સ્ત્રીને સમાજની કશી પરવા નથી હોતી કે બદનામીનો તેને ભય નથી હોતો.

સમાજ ક્યાંથી ટકશે ?

ત્યક્તા સ્ત્રીઓ પ્રત્યે સમાજે તટસ્થ વ્યવહાર કરવાનું શીખવું જોઈએ. જો સ્ત્રીનો વાંક હોય, તેણે કંઈ ખોટું કર્યું હોય અને તેના પતીએ તેનો ત્યાગ કર્યો હોય તો તેવી સ્ત્રીને પ્રાયશ્ચીત્ત કરવાની તક આપવી જોઈએ. સ્નેહ અને સહાનુભુતીપુર્વક તેની પાછલી જીન્દગી વીતી શકે એવી વ્યવસ્થા પુરી પાડવી જોઈએ. જો પતી કે સાસરીયાં દોષીત હોય તો તેમને તે સ્ત્રી તરફ સારો વ્યવહાર કરવા સમજાવવાં જોઈએ. લગ્ન ભલે વ્યક્તીગત બાબત છે; પરન્તુ આખરે તો એ એક સમાજ–વ્યવસ્થા છે. એનો આદર નહીં થાય તો સમાજ ક્યાંથી ટકી શકશે ?

ના હેલ્પ, ના હુંફ !

ઘણી વખત ત્યક્તા સ્ત્રીને તેનાં સાસરીયાં તરફથી જે નહોર માર્યાં હોય છે એના ઉઝરડા તેને લાઈફ–ટાઈમ દઝાડ્યા કરતા હોય છે. ક્યારેક તો જડ પીયરીયાં પણ ત્યક્તા સ્ત્રી માટે સહાનુભુતી રાખતાં ન હોય એવું બને છે. પીયરમાં મા–બાપ હોય તો ચપટી હુંફ કદાચ મળી જાય; પણ મા–બાપ ન હોય અને ભાઈ–ભાભીના શરણે જઈને રહેવાનું હોય ત્યારે તેને ભાગ્યે જ આવકાર અને હુંફ મળતાં હોય છે. જે બહેન સાથે બાળપણમાં ભરપુર મસ્તી–તોફાન કર્યાં હોય, જેને હાથે રાખડી બન્ધાવીને પોતે રાજી–રાજી થતો હોય, તે જ બહેન ત્યક્તા બનીને આવે તો ભાઈ પણ મોઢું મચકોડતો હોય છે ! સાસરે રહેતી સુખી બહેન પ્રત્યે ભાઈઓ ગમે તેટલું વહાલ વરસાવતા હશે; પરન્તુ કોઈ દુર્ભાગી પળે બહેનને ભાઈની હેલ્પ કે હુંફ જોઈતી હશે, ત્યારે ભાઈ ભાગ્યે જ તેની સાથે રહેશે ! ક્યારેક ભાઈ ઈચ્છે તો પણ ભાભી રીમોટ કન્ટ્રોલ દ્વારા ભાઈના મોઢે ‘ના’ પડાવી દે છે અને બહેનને સ્વતન્ત્ર–એકલાં રહેવાનું કહી દેવામાં આવે છે. ઘણી ત્યક્તા સ્ત્રીઓને બે–બે, ત્રણ–ત્રણ ભાઈઓ હોવા છતાં એકલાં રહીને ઢસરડા કરવા પડે છે. (જો કે કેટલીક રંગીન–શોખીન મીજાજની સ્ત્રીઓ સ્વતન્ત્ર રહેવાનું જ પસન્દ કરતી હોય છે.)

–રોહીત શાહ 

લેખકસમ્પર્ક : 

શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના મીડડે દૈનીકમાં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર ફ્રાઈડે-ફલક (26એપ્રીલ, 2013)માંથી.. લેખકશ્રીના અને મીડડેના સૌજન્યથી સાભાર…

‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’ વીશે :

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી વેબસાઈટ ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads  પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે.

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : +91 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 16–09–2016

 

રોહીત શાહ

આપણને ધર્મ–અધર્મ, પાપ–પુણ્યનો ભેદ કરવાની સત્તા કેમ નહીં?

–રોહીત શાહ

પાપ અને પુણ્ય વીશે વીચાર કરવાની ફ્રીડમ મને ખરી કે નહીં? ધર્મ અને અધર્મ વીશે મારી પહેલાંના પુર્વજ્ઞાનીઓ જે કહી ગયા હોય એને જ મારે શ્રદ્ધાપુર્વક પકડી લેવાનું કે મારી સમજ પ્રમાણે ધર્મ–અધર્મનો ભેદ કરવાની સત્તા મને ખરી? જેણે શાસ્ત્રો રચ્યાં, જેણે નીયમો બનાવ્યા એના જ્ઞાન વીશે કોઈ શંકા ન કરવી હોય તો ભલે; કીન્તુ નયા યુગમાં કોઈ નવા જ્ઞાનીજનો પેદા થઈ જ ન શકે એવું જડતાપુર્વક માની લેવાની શી જરુર? પ્રજ્ઞા અને પ્રતીભા પર કોઈના કૉપીરાઈટ ન હોઈ શકે.

મને નાનપણથી શીખવાડવામાં આવ્યું છે કે ચોરી કરવી એ પાપ છે. ચોરી કરવી એટલે કોઈકની ચીજ તેને પુછ્યા વગર – તેને ખબર પણ ન પડે એ રીતે લઈ લેવી એટલો અર્થ બાળપણમાં મનની અન્દર ચોંટાડી દીધો હતો. મોટા થયા પછી ચોરીના અનેક અર્થ મળ્યા અને પારાવાર તર્કો સુઝ્યા. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે જે વસ્તુની આપણને જરુર ન હોય તે વસ્તુ એના માલીક પાસેથી માગીને લેવામાંય ચોરી છે. ગાંધીજીએ તો ‘ચોરી’ શબ્દનો અર્થ જ બદલી નાખ્યો. અત્યાર સુધી મનમાં એક જ વાત હતી કે કોઈ પણ ચીજ એના માલીકથી છુપાવીને – તેનું ધ્યાન ન પડે એ રીતે લઈ લેવી એને જ ચોરી કહેવાય. હવે નવો અર્થ મળ્યો કે કોઈ પણ ચીજ ભલે તમે એના માલીક પાસેથી માગીને, એની મરજીથી લીધી હોય – પરન્તુ જો એ ચીજની તમારે કશી ઉપયોગીતા કે જરુરત ન હોય તો એ ચોરી જ છે. માલીકને ખબર પડ્યા વગર કે ખબર પાડીને વસ્તુ લેવામાંય પાપ હોય, ચોરી હોય એવો સુક્ષ્મ અર્થ મળ્યો. જરુર વગરની વસ્તુ – બીનજરુરી ચીજ માગીને લેવામાંય ચોરી. એટલે કે પરીગ્રહ એ પણ ચોરી. જરુર વગરની સામગ્રી ભેગી કરવી પણ ચોરી જ છે – ભલે એ ચીજો આપણે રોકડા પૈસા ચુકવીને લાવ્યા હોઈએ!

ચોરી અને પરીગ્રહના મીશ્રણ પછી એક નવો તર્ક સુઝ્યો. મન્દીરમાં પ્રવેશવા માટેની લાંબી લાઈનમાં પ્રથમ નમ્બરે ઉભેલો માણસ ચોરી કરે અને કેરોસીનની લાઈનમાં છેલ્લે ઉભેલો માણસ ચોરી કરી એ બન્ને ચોરી શું એક જ ગણાય?

પાંજરાપોળ જેવી જીવદયાની સંસ્થા ચલાવનાર વ્યક્તી કે કોઈ એજ્યુકેશન ટ્રસ્ટનો પ્રમુખ ચોરી કરે તે અને ફુટપાથ પર ટુંટીયું વાળીને સુતેલી વ્યક્તી ચોરી કરે એ બન્ને ચોરી એકસમાન જ ગણાય ખરી?

બાળપણમાં સાંભળ્યું હતું કે ચોરી કરનારને પરમાત્મા પનીશમેન્ટ કરે છે. પછીથી જાણ્યું કે ચોરી કરનારને પોલીસ પણ પનીશમેન્ટ કરે છે.

પુખ્ત થયા પછી પ્રૅક્ટીકલી, સગી આંખે જોયું કે ચોરી કરનારા લીલાલહેર કરી રહ્યા છે અને બેઈમાન માણસોની જ બોલબાલા છે. ‘ઈમાનદારી’–‘સચ્ચાઈ’, ‘નીતી’ અને ‘નીષ્ઠા’ આ શબ્દો તો મન્દીરની મુર્તી જેવા જ છે – જે માત્ર પુજા કરવાના કામમાં જ આવે છે – બીજા કશામાં નહીં! જેણે ડગલે ને પગલે ચોરી કરી હોય એ માણસ મોજથી જીવતો હોય, કૌભાંડો આચરીને કરોડોની ચોરી કરી હોય એવા લોકોને તો પોલીસ પણ નથી પકડતી અને પરમાત્મા પણ કશીયે પનીશમેન્ટ નથી કરતો; એ જોઈને બાળપણમાં સાંભળેલી વાતો મીથ્યા લાગે છે.

ધર્મ અને શ્રદ્ધાના પાયા હચમચી ઉઠે છે. કોઈ રંગીનમીજાજી માણસ વેશ્યા પાસે જઈને એન્જૉય કરી આવે અને નારાયણ સાંઈ પોતાની સાધીકા સાથે સહવાસ માણે એ બે ઘટનાઓ વચ્ચે કોઈ અન્તર ખરું? સપોઝ, એક આદમી એક યુવાન વ્યક્તીની હત્યા કરે છે અને બીજો આદમી એક યુવાનનું લાઈફટાઈમ શોષણ કરતો રહે છે – તો એ બેમાં મોટું પાપ કયું? એક પુત્રવધુ ઘરડા પેશન્ટને કઠોર થઈને ઘરડાઘરમાં મુકી આવે છે અને બીજી પુત્રવધુ તેનાં સાસુ–સસરા પાસે વેઠ કરાવીને, તેમને સતત મેણાં–ટોણા સંભળાવીને પોતાની પાસે રાખે છે – તો એ બેમાંથી કઈ પુત્રવધુને સારી કહેવી?

પાપ અને ચોરીની વ્યાખ્યાઓ આપણા પુર્વજો–પુર્વજ્ઞાનીઓ આપી ગયા અને તેમણે જે ડૉટેડ બાઉન્ડ્રી લાઈન (લક્ષ્મણરેખાઓ) દોરી નાખી એની સામેની તરફ આપણે પગ પણ ન મુકી શકીએ એ ઉચીત ગણાય ખરું? જો એમ જ હોય તો મારા પોતાના અસ્તીત્વનો તો કશો અર્થ જ ન રહેને! મારે ઉછીના અનુભવો અને ઉધારના જ્ઞાનનાં જ પોટલાં ઉંચકીને જીવવાનું હોય તો એ ગુલામી નથી શું? મને સ્વતન્ત્ર રીતે જીવવા માટે સ્વતન્ત્ર લાઈફ મળી છે અને આવી લાઈફ કદાચ ફરીથી ન પણ મળે – એવી લાઈફને મારે બીજાઓના ગાઈડન્સ મુજબ વેડફી મારવાની? પુર્વજ્ઞાનીઓને જેમાં પાપ લાગ્યું એને જ મારે પાપ માનવાનું અને તેમને જેમાં પુણ્ય લાગ્યું એને જ મારે પુણ્ય માની લેવાનું? પાપ–પુણ્યની વ્યાખ્યા કરવાનો મને કશો રાઈટ જ નહીં? શું આ ધર્મ છે? જે ધર્મ કોઈ વ્યક્તીને પોતાની લાઈફ વીશે નીર્ણયો કરવાની છુટ પણ ન આપે એ ધર્મ પરલોકમાં આપણો છુટકારો શી રીતે કરાવી શકશે?

જ્ઞાન એટલે શું માત્ર ભુતકાળ?

આપણે પાછળ જોઈ–જોઈને આગળ ચાલ્યા કરવાનું? શું આપણને સૌને માત્ર અનુકરણ કરવા અને અનુયાયી બનવા માટે જ માણસ તરીકેનો જન્મ મળેલો છે? બે માણસ અલગ હોય તો એ બન્નેના જ્ઞાન અને તર્ક પણ અલગ હોઈ જ શકે અને તેમના ધર્મ પણ અલગ હોઈ જ શકેને!

રોહીત શાહ

લેખકસમ્પર્ક : 

શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના મીડડેદૈનીકમાં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર સોશ્યલ સાયન્સ(25 ડીસેમ્બર, 2013)માંથી.. લેખકશ્રીના અને મીડડે ના સૌજન્યથી સાભાર…

‘અભીવ્યક્તીઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66  ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 15/07/2016

રોહીત શાહ

ગ્રહો આપણી પાછળ નથી પડ્યા આપણે જ ગ્રહોની પાછળ પડ્યા છીએ

તસવીર સૌજન્ય : ‘મીડ–ડે’ ના (તસવીર સૌજન્ય : મીડ–ડે)

 ગ્રહો આપણી પાછળ નથી પડ્યા

આપણે જ ગ્રહોની પાછળ પડ્યા છીએ

–રોહીત શાહ

તમારે નીયરેસ્ટ ફ્રેન્ડ–સર્કલમાં સૌના ડીયરેસ્ટ બની જવું હોય તો એની એક માસ્ટર–કી છે. કોઈ પણ એક વ્યક્તીનો હાથ જોઈને એના વીશે બે–ત્રણ આગાહીઓ કરી દો. ઍસ્ટ્રોલૉજીનો તમને થોડોક અભ્યાસ અથવા અનુભવ છે એવું સૌને લાગવા દો. પ્રથમ બે–ત્રણ વ્યક્તીઓ વીશેની આગાહી વાજબી લાગે એવી હોવી જોઈએ. તમે એ વ્યક્તીથી પરીચીત હશો એટલે યોગ્ય અને ઉચીત આગાહીઓ કરવામાં તમને કોઈ પ્રૉબ્લેમ નહીં નડે.

તમે જોજો, એ વખતે આસપાસમાં ઉભેલા સૌ કોઈને તેમની હથેળી તમારા સુધી લંબાવવાની ચળ ઉપડશે. મહીલાઓ સાથે ખાસ ફ્રેન્ડશીપ કરવા માટે આ રામબાણ ઈલાજ છે, કારણ કે દરેક બીજી મહીલાને જ્યોતીષના આધારે પોતાનું ફ્યુચર જાણવાની ક્યુરીયોસીટી હોય છે. આ કારણે જ તાંત્રીકો–વીધીકારો સામે મહીલાઓ વધુ છેતરાઈ જતી હોય છે.

જે લોકો એમ માને છે કે જ્યોતીષ બહુ મહાન શાસ્ત્ર છે અને એનું જ્ઞાન બહુ ગહન છે એ લોકોને તો જ્યોતીષમાં શ્રદ્ધા અને ઈન્ટરેસ્ટ હોય એ સ્વાભાવીક છે. લેકીન–કીન્તુ–પરન્તુ વીસ્મયની વાત તો એ છે કે જે લોકો જ્યોતીષને બકવાસ, વાહીયાત અને નકામું સમજે છે એવા લોકોનેય પોતાનું ફ્યુચર જાણવામાં ઈન્ટરેસ્ટ હોય છે.

વ્યક્તીગત રીતે જ્યોતીષને હું ધતીંગ જ માનું છું. ભોળા લોકોને ભરમાવીને પોતાની રોજીરોટી રળી ખાવાનો એક બીઝનેસ છે જ્યોતીષ. છતી આંખે આંધળા અને પાંગળા કરી મુકવાનું કામ જ્યોતીષ કરે છે એવું હું ચુસ્તપણે માનું છું. છતાં મનોરંજન ખાતર જ્યોતીષી સાથે સંવાદ કરવાનો ચાન્સ મળે ત્યારે ‘ઈન્ટરેસ્ટ’ બતાવું છું ! મૅજીશ્યન જ્યારે મૅજીક કરે ત્યારે બધું હમ્બગ જ હોય છે એવી ખાતરી હોવા છતાં મનોરંજન માટે આપણે એવા પ્રયોગો જોવા પૈસા ખર્ચીને જઈએ જ છીએને ! મોટા ભાગનું મૅજીક તો બે જ બાબતોમાં સમાયેલું હોય છે : વસ્તુને છુપાવતાં આવડવી અને છુપાયેલી વસ્તુને ચાલાકીપુર્વક પ્રગટ કરી બતાવવી. ઝડપ અને ચપળતા જરુરી છે. જ્યોતીષનુંય તદ્દન એવું જ છે. એમાંય બે બાબતો ઈમ્પોર્ટન્ટ છે : સામેની વ્યક્તીની માનસીકતા અને સામાજીક ભુમીકા જોઈને આગાહી કરવી તથા આગાહી સાવ સાચી–શ્રદ્ધેય લાગે એવી સ્ટાઈલ ઑફ પ્રેઝન્ટેશન રાખવી. ક્યારેક કોઈ આગાહી ખોટી પડી જાય તો એ માટેનું નક્કર કારણ કે વાજબી બહાનું બનાવતાં તમને આવડતું હોય તો પછી સમજો કે તુમ્હારી તો નીકલ પડી, બૉસ !

ગયા અઠવાડીયે જ એક અખબારમાં લગ્ન–વીષયક ઍડ્વર્ટાઈઝમેન્ટ વાંચી હતી : ‘કૅનેડાથી માત્ર દસ દીવસ માટે ઈન્ડીયા આવેલા પટેલ બીઝનેસમૅન માટે કન્યા જોઈએ છે. બાયોડેટા અને કુંડળી સહીત તરત કૉન્ટૅક્ટ કરશો.’ માણસ એજ્યુકેટેડ હોય અને વીદેશમાં જઈને બીઝનેસ કરતો હોય એટલે પોતાનું ભોટપણું છોડી જ દે એવું કંઈ થોડું હોય ?

કુંડળી શાના આધારે બને છે ? જન્મના ગ્રહોની પરીસ્થીતીના આધારે. જન્માક્ષરમાં જન્મની તીથી–તારીખ અને જન્મનો સમય પર્ફેક્ટ હોવો જોઈએ એમ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર દરેક દેશમાં સમય જુદો–જુદો હોય છે. ભારતમાં ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઈમ એક જ છે, અમેરીકામાં ત્રણ–ત્રણ સ્ટાન્ડર્ડ ટાઈમ છે. આ ઉપરાન્ત દરેક ઘડીયાળનો પણ કોઈ એક ફીક્સ સમય નથી હોતો. વ્યક્તીના જન્મ વખતે કઈ ઘડીયાળનો અને કયા દેશનો ટાઈમ, સ્ટાન્ડર્ડ ટાઈમ તરીકે માન્ય રાખવો ? જન્મની ક્ષણનો પ્રભાવ, શું વ્યક્તીના આયુષ્યની અન્તીમ ક્ષણ સુધી પડતો રહે છે ?

જ્યોતીષી કદી સ્પષ્ટ ભાષામાં આગાહી કરતો નથી એવું કેમ ? રાહુલ ગાંધી ભારતના વડા પ્રધાન થશે જ અથવા રાહુલ ગાંધી ભારતના વડા પ્રધાન નહીં જ થાય – આ બેમાંથી જ કોઈ એક રીઝલ્ટ આવવાનું ફીક્સ છે. જ્યોતીષીઓ આપણને આ બે અન્તીમોની વચ્ચે ઝુલાવ્યા કરે છે. છાતી ઠોકીને તેઓ કોઈ એક જ રીઝલ્ટ ડીક્લેર કરતા નથી. વૈજ્ઞાનીકોની આગાહીની ભાષા સ્પષ્ટ હોય છે. ફલાણી તારીખે અને ફલાણા સમયે – અમુક સેકન્ડે સુર્યગ્રહણ થશે એમ આગાહી કરે છે અને દર વખતે એવું અવશ્ય બને જ છે. જ્યોતીષનું શાસ્ત્ર ગણીતના આધારે રચાયેલું છે એમ કહેવાય છે, તો પછી એની આગાહીની ભાષા પારદર્શક કેમ નથી ? એ હંમેશાં ગોળ-ગોળ જ કેમ હોય છે ?

ભવીષ્ય જાણવાનું કુતુહલ માણસની બડી કમજોરી છે. જ્યોતીષીઓ એ કમજોરીના મુડીરોકાણ પર પોતાની ઈન્ડસ્ટ્રી ચલાવતા હોય છે. મારી દૃષ્ટીએ જ્યોતીષશાસ્ત્ર આદમીને ગુમરાહ કરનારું, કમજોર બનાવનારું એક ભયાનક પૉલ્યુશન છે. જ્યોતીષને કારણે કોઈની જીન્દગી સુધરી ગઈ હોવાનું કદી નથી જાણ્યું; પરન્તુ જ્યોતીષના કારણે અનેક લોકોની લાઈફ ડીસ્ટર્બ થઈ છે અને કેટલાકની લાઈફ તો બરબાદ થઈ ચુકી છે.

મર્સીડીઝ ગાડીની આગળ

લીંબુ–મરચાં લટકતાં જોઉં છું ત્યારે મને ખાતરી થઈ જાય છે કે અન્ધશ્રદ્ધાને ગરીબ–શ્રીમન્તનો ભેદભાવ નડતો નથી. ક્યારેક તો શ્રીમન્તોને અન્ધશ્રદ્ધાની દીશામાં દોડવાનું વધુ માફક આવે છે અને પાખંડીઓ તો શ્રીમન્તોને અન્ધશ્રદ્ધા તરફ દોડાવવા જ ટાંપીને બેઠા હોય એ સ્વાભાવીક સત્ય છે.

ધનવર્ષા અનુષ્ઠાન થશે

મને લાગે છે કે ગ્રહો કદી માણસની પાછળ નથી પડતા, માણસ જ ગ્રહોની પાછળ આદુ ખાઈને પડેલો રહે છે. ગળચટ્ટી ભ્રાન્તીઓની પાછળ ભટકવાનું આપણને બહુ ગમે છે. કોઈ સાધુને વાહીયાત સપનું આવે અને જમીનમાંથી 1000 ટન (પછીથી 21000 ટન) સોનું મેળવવા ખોદકામ કરીને લાખો રુપીયા વેડફવા આપણે રઘવાયા થઈ ઉઠીએ છીએ. પબ્લીસીટી સ્ટન્ટ કરનારા પાખંડીઓને પુજનારો બહુ મોટો જથ્થો આપણી પાસે છે. એક બ્રેકીંગ ન્યુઝ પ્રમાણે ભારતને આર્થીક સંકટમાંથી બચાવવા માટે અમદાવાદમાં 1,25,000 ધનવર્ષા શ્લોકનો મંત્રજાપ થવાનો છે. 20 થી 28 નવેમ્બર દરમ્યાન 500 બ્રાહ્મણો તથા અનેક સાધુ–સન્તો ભેગા મળીને આ મન્ત્ર–અનુષ્ઠાન કરવાના છે. શું આ અનુષ્ઠાન પછી સાચે જ ધનવર્ષા થશે ? થશે તો ક્યાં થશે ? ગુજરાતમાં કે પછી સમગ્ર ભારતમાં ? અને જો આ અનુષ્ઠાન પછીયે કોઈ જ ધનવર્ષા ન થાય તો એના સમર્થક સાધુ–સન્તો કબુલ કરવાની નૈતીક હીમ્મત બતાવશે ખરા કે આ નર્યું જુઠાણું જ હતું ?

એક જ સમસ્યા છે

આપણા દેશમાં જેટલો ફેસ–પાઉડર નથી વપરાતો એટલાં અબીલ, ગુલાલ અને કંકુ વપરાય છે. લાલ–કાળા દોરા, નાડાછડીઓ, રક્ષાપોટલીઓ, વાસક્ષેપ, ભભુતીઓ, માદળીયાં, તાવીજો આ બધાંની એક બહુ જ મોટી ઈન્ડસ્ટ્રી આપણે ત્યાં સદીઓથી ચાલી રહી છે, જે દર વર્ષે અન્ધશ્રદ્ધાનો મબલખ નફો રળે છે. સન્તાન ન થતું હોય, સન્તાનનાં લગ્નનો મેળ ન પડતો હોય, બીઝનેસમાં બરકત ન હોય, ફાઈનૅન્શીયલી તંગી રહેતી હોય, પત્ની બીજા પુરુષ જોડે ભાગી ગઈ હોય, પતીને કોઈકની સાથે લફરું હોય, કોઈને કશો વળગાડ હોય, કોઈ દીમાગી પરેશાની પજવતી હોય – આવી અનેક સમસ્યાઓના માત્ર પાંચ જ મીનીટમાં ઉકેલ લાવી આપનારા લોકોની બહુ મોટી ફોજ આપણા દેશમાં છે. સમસ્યા એટલી જ છે કે એવા તાંત્રીકો–વીધીકારોની સમસ્યાનાં કોઈ સૉલ્યુશન્સ ખુદ તેમની પાસેય નથી !

રોહીત શાહ

લેખકસમ્પર્ક : 

શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના મીડડેદૈનીકમાં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર નો પ્રૉબ્લેમ(06 નવેમ્બર, 2013)માંથી.. લેખકશ્રીના અને મીડડે ના સૌજન્યથી સાભાર…

‘અભીવ્યક્તીઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66  ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 27/05/2016

 

રોહીત શાહ

સંસારધર્મ : શ્રેષ્ઠ ધર્મ

–રોહીત શાહ

સડી ગયેલી ધાર્મીક પરમ્પરાઓ વીશે લખવાને કારણે મને ઘણી વખત ‘નાસ્તીક’ હોવાનું ગૌરવયુક્ત સન્માન પ્રાપ્ત થયું છે. જો કે હજી વધસ્તંભ પર ચડવાનું કે ગોળીએ વીંધાઈ જવાનું સદ્ ભાગ્ય નથી મળ્યું.  અધ્યાત્મની ભાષામાં કહું તો વધસ્તંભ પર ચડવા માટે કે ગોળીએ વીંધાઈ જવા માટે મારાં પુણ્ય ઓછાં પડે છે. ધમકીઓ મળે છે, ત્યારે મારું શુરાતન પ્રબળ બને છે; પણ પછી રહસ્ય સમજાઈ જાય છે કે : ‘ગરજતા મેઘ કદી વરસતા નથી.’

મારું ચાલે તો હું આ સંસારમાં માત્ર બે જ ધર્મો રહેવા દઉં :

  1. રાષ્ટ્રધર્મ અને
  2. સંસારધર્મ.

જગતમાં 84 લાખ જીવયોની (એટલા પ્રકારના જીવો) હોવાનું કહેવાય છે. એમાં એકમાત્ર માણસ જ એવો જીવ છે જેણે પરીવારની અને સમાજની અદ્ ભુત વ્યવસ્થા બનાવી છે. બાળકને વહાલ અને જતન મળે, વૃદ્ધોને સેવા અને આદર મળે, યુવાનોને તક અને સ્વતંત્રતા મળે, સૌ પરસ્પરને સહયોગ આપે અને સ્નેહની આબોહવામાં મોજથી જીવન જીવે એવી કુટુમ્બવ્યવસ્થા–સમાજવ્યવસ્થા જેણે સૌ પ્રથમ સોચી હશે તેને લાખ–લાખ વંદન અને અભીનંદન…

ફૅમીલી–લાઈફમાં કુદરત સાથેનું અનુસન્ધાન છે. પ્રાકૃતીક જીવન જીવવાની સાથે–સાથે સામુહીક જીવનનું સન્માન પણ એમાં છે. સમાજવ્યવસ્થામાં શરીરની ઉપેક્ષા નથી. ફૅમીલી–લાઈફમાં શારીરીક જરુરતોનો પુરો ખ્યાલ રાખવામાં આવ્યો છે એટલું જ નહીં; એમાં ભાવાત્મક અને ભાવનાત્મક બાબતોને મહત્ત્વ આપીને માનવજીવનને ધન્ય બનાવવાનો રચનાત્મક કૉન્સેપ્ટ છે. માત્ર કુદરતી જીવન જીવવાનું હોત તો પરોપકારનાં આટલાં બધાં મહાન કાર્યો આપણી સામે ન હોત. સંસારધર્મ મારે મન એ કારણે જ શ્રેષ્ઠ ધર્મ છે કે એમાં કુદરતી જીવનશૈલીની સાથે કલાત્મકતા અને સામાજીકતાનો સમાવેશ થયેલો છે. 

લેકીન–કીન્તુ–પરન્તુ : ગરબડીયા ગામના બાવાએ આખી બાજી બગાડી નાખી. તેને આનન્દથી જીવતાં ન આવડ્યું, એટલે તેણે બીજાઓને આનન્દ નહીં માણવાનો ઉપદેશ આપ્યો. તેને પ્રસન્નતાથી છેટું પડી ગયું, એટલે તેણે સૌને પ્રસન્નતાથી દુર ધકેલી દીધા. ગરબડીયા ગામના બાવાને આખો સંસાર સ્વાર્થમય દેખાયો, તેને દરેક કાર્યમાં નર્યું પાપ જ પાપ દેખાયું. ઉપયોગી થતાં ન આવડ્યું, એટલે પોતે યોગી બની ગયો અને જરાય પુરુષાર્થ કર્યા વગર બીજાના રળેલા રોટલા ખાતો થઈ ગયો. ધર્મના નામે ત્યાગ–વૈરાગ્યનાં આવાં વાહીયાત જુઠાણાં જેણે સૌ પ્રથમ ફેલાવ્યાં હશે તેને લાખ-લાખ ધીક્કાર !

પ્રામાણીક પુરુષાર્થ કરીને પેટ ભરવું એમાં વળી પાપ શાનું ? પરીવારને પ્રેમ કરવો એમાં વળી પુણ્યને ગોબો શેનો પડે ? હળીમળીને મોજથી જીવવાની ત્રેવડ ના હોય એવા લોકો વળી શાના મહાત્મા ? ગરબડીયા ગામનો બાવો ધર્મનો પુજારી નથી; સમ્પ્રદાયનો સન્ત્રી છે. કહેવાતા (તથાકથીત) ધર્મને કારણે સાચો માણસ પણ પોતાને પાપી સમજતો થયો અને પેલા પાખંડીને પુણ્યાત્મા માનવા લાગ્યો. માનવમુલ્યો બાજુમાં ધકેલી દઈને, આ ખવાય અને આ ન ખવાય–આમ કરાય અને આમ ન કરાય; એવાં ફાલતુ ત્રાગાં કરવામાં વ્યસ્ત થઈ ગયો. ‘દેહાલય’ને ભુલીને ‘દેવાલય’ તરફ તેણે આંધળી દોટ મુકી. રુડો–રુપાળો સંસાર છોડીને વૈરાગ્યના વગડામાં ભટકી જવું એને ધર્મ કેમ કહેવાય ? જીવતા–જાગતા માણસ કરતાં મુર્તી મહત્વની બની જાય એવો ધર્મ કોઈ પણ સમજુ માણસ માટે ઍક્સેપ્ટેબલ ગણાય ખરો?

આજે સંસારને એવા ગુરુની ગરજ છે જે ફૅમીલી–લાઈફ માટે તાજું–તાજગીસભર ચીન્તન કરતો હોય. ચાલો, એક ક્ષણ માટે માની લઈએ કે પેલો ગરબડીયા ગામનો બાવો કહે છે તેમ, આ સંસાર સ્વાર્થના સમ્બન્ધોની માયાજાળ છે; તો પણ આપણે એનો ત્યાગ શા માટે કરવાનો ? સંસારમાં રહીને સ્નેહનાં સમીકરણો ન રચી શકાય ? આપણે ની:સ્વાર્થ રહીને તથા પરોપકારી બનીને કહેવાતા સ્વાર્થી સંસારને સુન્દર બનાવવાનો પુરુષાર્થ કરવો એ શું પુણ્યકાર્ય નથી ?

પહેલી વાત તો એ છે કે આ સંસાર જરાય સ્વાર્થી નથી. જો સંસાર માત્ર સ્વાર્થથી ખદબદતો હોત તો આપણું જીવન ક્યારનુંય સમાપ્ત થઈ ગયું હોત. આપણે અત્યારે જીવી રહ્યા છીએ એમાં આપણાં માતા–પીતાનો, સ્વજનો–મીત્રોનો ભરપુર અને ભવ્ય–દીવ્ય સહયોગ કેન્દ્રમાં છે. એ સૌએ આપણી અનેક ભુલો વારંવાર માફ કરી છે, એ સૌએ આપણને પ્રેમ કર્યો જ છે. કેટકેટલા અજાણ્યા લોકોના ઉપકારોને કારણે આપણે આ જગતમાં વસી રહ્યા છીએ, એ ભુલી જવું એ તો ગદ્દારી જ ગણાય.

મારી દૃષ્ટીએ સંસારનું શ્રેષ્ઠ સુખ પારીવારીક સુખ છે. પરીવારમાં જેને સુખ શોધતાં નહીં આવડ્યું હોય, તેને આખા જગતમાંથી સુખ નહીં જડે. તે માત્ર ભ્રાન્તીઓ–ભ્રમણાઓમાં ભટક્યા કરશે. ખોટી જગ્યાએ સુખ શોધવા જવાનું વૈતરું ન કરવું પડે એ માટે, કુદરતે જ આપણને દેહ આપ્યો છે. હું તો ‘દેવાલય’ કરતાં ‘દેહાલય’ને અધીક પવીત્ર સમજું છું.

એક માણસ પાસે દસ કરોડની સમ્પત્તી હોય અને એ માણસ એ સમ્પત્તી ફેંકી દઈને પુરુષાર્થહીન–પરાવલમ્બી જીવન જીવે એમાં એની ધન્યતા ગણાય કે એ માણસ પોતાની સમ્પત્તી ખર્ચીને એક ઈન્ડસ્ટ્રી ખડી કરીને એમાં પાંચસો–હજાર માણસોને રોજીરોટી રળવાની તક આપે, તેમને સ્વાવલમ્બી બનાવે એમાં તેની ધન્યતા ગણાય ? એક માણસ પોતે પણ પરાવલમ્બી બને છે; જ્યારે બીજો માણસ અનેકને સ્વમાની–સ્વાવલમ્બી બનાવે છે : તમે આ બેમાંથી કોને મહાત્મા કે પુણ્યાત્મા માનશો ? કટાઈ ગયેલા જુના ધાર્મીક ખ્યાલો પકડી રાખવામાં જીવનની સાર્થકતા છે કે પછી પરીવર્તન પામતા જગત સાથે તટસ્થ, તાજા અને તંદુરસ્ત ખ્યાલો સ્વીકારવામાં જીવનની સાર્થકતા છે ?

તમારી કેવી ગતી થશે ?

મનને મારી–મારીને જીવવાનું શીખવાડતા ગરબડીયા ગામના બાવાથી હવે દુર રહેવું પડશે. મન્ત્ર–ધર્મની ઉપાસના છોડીને હવે મૈત્રી–ધર્મની ઉપાસના આરંભવી પડશે. સીધું જીવન જીવતાં આવડતું હશે, તેને સાધુજીવન જીવવાની જરુર નહીં રહે. એક ભાઈ મને પુછતા હતા, ‘તમે તો ધાર્મીક વીધી–વીધાનમાં માનતા જ નથી, વ્રત–તપ કાંઈ કરતા જ નથી; પણ સપોઝ, એ બધું સાચું હશે તો મર્યા પછી તમારી કેવી દુર્ગતી થશે ?’

મેં તેમને કહ્યું, ‘મારી દુર્ગતીની ચીન્તા ન કરો, વડીલ ! મેં તો અહીં પુરેપુરાં સુખો ભોગવી જ લીધાં છે. અને હજી જીવીશ ત્યાં સુધી પ્રામાણીકપણે તમામ સુખો દીલથી ભોગવીશ. પણ સપોઝ, તમે જે વીધી–વીધાન અને વ્રત–તપમાં માનો છો એ બધું મીથ્યા હશે, તો તમે તો અહીં પણ કાંઈ ભોગવ્યું નથી અને મર્યા પછીયે કશું નહીં પામો ! તમારી કેવી ગતી થશે ?’

રોહીત શાહ

લેખકસમ્પર્ક : 

શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના મીડડે દૈનીકમાં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર સોશ્યલ સાયન્સ(29 એપ્રીલ, 2015)માંથી.. લેખકશ્રીના અને મીડડે ના સૌજન્યથી સાભાર…

‘અભીવ્યક્તીઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66  ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 29/04/2016