Feeds:
Posts
Comments

Archive for the ‘રમેશ સવાણી, I.G.P.’ Category

(તસવીર સૌજન્ય : સંદેશ દૈનીક)

અગીયો ભુત!

–રમેશ સવાણી

 “કેમ ઉદાસ છો? તારી સાસુએ કાંઈ કીધું છે?” બાવીસ વર્ષની ગીતાને તેની માતા કૈલાસબહેને પુછ્યું.

“ના મમ્મી! મારી સાસુએ કાંઈ કીધું નથી!”

કૈલાસબહેનનું મન માનતું ન હતું. ગીતા મનમાં ને મનમાં મુંઝાતી હોય તેમ લાગતું હતું! ગીતા સાસરેથી પીયરમાં મળવા આવી હતી.

કૈલાસબહેનની ચીંતા સાચી પડી. ત્રીજા દીવસે. કૈલાસબહેન અને ગોરધનભાઈ ચૌધરી વાડીમાં કામ કરતા હતા ત્યાં ચીસ સાંભળી! વાડીમાં ઘર પાસે કુવો હતો ત્યાં પાણીની કુંડીમાં ગીતા ભયભીત થઈને પડી હતી! કૈલાસબહેન અને ગોરધનભાઈ દોડતા આવ્યા. પુછ્યું, “ગીતા! શું થયું તને? તારો ચણીયો સળગેલો કેમ છે?”

ગીતા કશું બોલી નહીં. ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી કુવા પાસેના મકાનોમાં જઈને જોયું તો ચાદર, ગોદડાં પણ સળગેલાં હતા!

કૈલાસબહેને પતીને કહ્યું, “ગીતા બોલતી નથી, પણ તેના હૈયામાં મુંઝવણ જરુર છે! એને કંઈક થઈ ગયું હોય તેમ મને લાગે છે! આપણે ડૉક્ટરને દેખાડીએ!”

માતા–પીતા ગીતાને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે કહ્યું, “ગીતાને કંઈ થયું નથી! એને હુંફની જરુર છે!”

ગીતા સુનમુન રહેતી હતી. એના ચહેરા ઉપર માતા–પીતાને ઉદાસી દેખાતી હતી. કૈલાસબહેનને થયું કે કોઈની નજર લાગી હશે! એટલે મરચાંના ધુપથી નજર ઉતારી! છતાં ફેર ન પડ્યો. કૈલાસબહેને માતાજીની માનતા માની! એ પછી પણ ગીતાના ચહેરા ઉપર ખીલખીલાટ જોવા ન મળ્યો!

થાકી હારીને માતા–પીતા ગીતાને બાજુના ગામમાં ભુવા પાસે લઈ ગયા. ભુવાએ દીપ–ધુપ કર્યા. જુવારના દાણા પટમાં ફેંકયા. ગણતરી કરી, પછી કહ્યું : “જુઓ, ગોરધનભાઈ! તમારી દીકરી ગીતા ઉપર આગીયા ભુતની નજર પડી છે! ગીતાને આગીયા ભુત સતાવે છે!”

“ભુવાજી! ભુતને ભગાડો!”

“એ માટે વીધી કરવી પડશે! માતાજી એક બોકડાનું બલીદાન માગે છે!”

“ભુવાજી! બોકડાનું બલીદાન એટલે હીંસા કહેવાય. અમારા કારણે નીર્દોષ પશુની હીંસા થાય, એવું હું ઈચ્છતો નથી! બીજી કોઈ વીધી કરો!”

“જુઓ, ગોરધનભાઈ! હું માતાજીને વીનન્તી કરીશ. માતાજી રાજી થશે તો બીજી વીધી કરીશ!”

ભુવાજીએ શરીર ધ્રુજાવ્યું. દાણા નાખ્યા. ગણતરી કરી અને કહ્યું : “ગોરધનભાઈ, રુપીયા દસ હજાર થશે! માતાજીનો માંડવો કરવો છે! જમણવાર થશે!”

“ભલે ભુવાજી!” ગોરધનભાઈએ ભુવાજીને પૈસા આપ્યા.

આ ઈલાજથી ગીતાને સારું થઈ જશે, પહેલાં જેવો ખીલખીલાટ પાછો આવશે, તેવી આશાથી માતા–પીતા રાહ જોવા લાગ્યા!

થોડાં દીવસ પછી વીચીત્ર ઘટના બની. કૈલાસબહેન ગામમાં ગયા હતા. ગોરધનભાઈ રજકામાં પાણી વાળતા હતા. ત્યાં સુકી જુવારની ગંજી સળગી! આગની મોટી–મોટી જવાળાઓ અને ધુમાડો દેખી ગામલોકો દોડી આવ્યા. સૌએ પ્રયત્નો કર્યા પણ આગ બુઝાણી નહીં. પચ્ચીસ હજારની જુવારની કડબ ખાખ થઈ ગઈ!

ગીતા, કૈલાસબહેન અને ગોરધનભાઈ ત્રણેય ખુબ જ ગભરાઈ ગયા. ભુવાજીની વાત સાચી પડી હતી. આગીયા ભુતનું આ કરતુત હતું, એમ માની ત્રણેય જણા ભુવાજી પાસે પહોંચ્યા. ભુવાજીએ કહ્યું : “આગીયો ભુત ખુબ શક્તીશાળી છે, એને બાંધવા માટે મોટી વીધી કરવી પડશે!”

“ભુવાજી! તાત્કાલીક વીધી કરો. આગીયો ભુત ગીતાનો જીવ લેશે! ગીતાનું ખાવું, પીવું, ઉંઘવું હરામ થઈ ગયું છે. તેને ચીત્તભ્રમ થઈ ગયુ છે! તેને કંઈ યાદ રહેતું નથી! અભરાઈ ઉંધી પાડે છે!” કૈલાસબહેને ભુવાજીના પગ પકડીને વીનન્તી કરી.

ભુવાજીએ વીધી કરી. થોડાં દીવસ ગીતાને સારું રહ્યું, પણ એક દીવસ ગીતાના માથે જાણે આકાશ તુટી પડયું!

ગીતાની તબીયત થોડી સારી રહેતાં કૈલાસબહેને જમાઈ સુરેશને ફોન કર્યો : “ગીતાને તેડી જાવ! હવે સારું છે!”

સુરેશે કહ્યું કે મારી મમ્મી સાથે વાત કરો. કૈલાસબહેને સુરેશની મમ્મી સવીતાબહેનને ફોન કર્યો : “સવીતાબહેન! ગીતાને હવે સારું રહે છે. તમે તેડી જાવ!”

“કૈલાસબહેન! તમારી ગીતાને પુછો. તે પ્રથમ વખત સાસરે આવી ત્યારે ત્રણ મહીનાનો તેને ગર્ભ હતો! આવું કઈ રીતે બને! ગીતાનો પગ કુંડાળામાં પડી ગયો છે! ગીતાને તમારે ઘેર જ રાખો. અમારે જોઈતી નથી!”

કૈલાસબહેનને હવે સમજાયું કે ગીતા કેમ સુનમુન રહેતી હતી! કૈલાસબહેન ગીતાને પુછતા, પણ ગીતા મૌન રહેતી હતી. કશું કહેતી ન હતી. આવું થયું હોવાની તો કલ્પનાય નહોતી કરી. કૈલાસબહેનને ગીતા ઉપર ભરોસો હતો. ગીતાનો પગ ક્યારેય કોઈ કુંડાળામાં ન પડે તેની ખાતરી હતી. પણ વાસ્તવીકતા જુદી હતી. ગીતાને પુછયું તો વાત સાચી નીકળી. ગીતા ગર્ભવતી હતી અને સાતમો મહીનો જતો હતો.

કૈલાસબહેન અને ગોરધનભાઈ ચીંતામાં પડી ગયા. બન્ને ગીતાને લઈને ભુવાજી પાસે ગયા. ભુવાજીએ દાણા જોયા અને કહ્યું : “આ બધું આગીયો ભુત કરે છે!”

“ભુવાજી! આગીયા ભુતને ખતમ કરો!”

“ગોરધનભાઈ! ભારે વીધી કરવી પડશે!”

“ભુવાજી! અતી ભારે વીધી કરો!”

“ગોરધનભાઈ! ચીંતા છોડો. આગીયો ભુત ભાગી જશે! અમેરીકા જતો રહેશે!”

ગોરધનભાઈએ ભુવાજીને પૈસા આપ્યા. ભુવાજીએ વીધી શરુ કરી. ભુવાજીનુ આખુંય શરીર ધ્રુજવા લાગ્યું. ભુવાજીએ બુમબરાડા શરુ કર્યા. ગીતાને ચોટલેથી પકડીને આમતેમ ફંગોળી અને કહ્યું : “સાલા આગીયા ભુત! તારે જવું છે કે તારું ગળુ દબાવી દઉં?”

ગીતા રડવા લાગી. એના પેટમાં હલચલ મચી ગઈ. ભુવાજીએ કહ્યું : “ગોરધનભાઈ! હવે આગીયો ભુત ગીતાને હેરાન નહીં કરે. મેં એને ભગાડી મુક્યો છે!”

કૈલાસબહેન અને ગોરધનભાઈ ભુવાજીના પગે પડી ગયા!

થોડા દીવસ પછી, અધુરા મહીને ગીતા માતા બની! તેને દીકરી જન્મી. એકવીસમા દીવસે આગીયા ભુતે ન કરવાનું કર્યું! દીકરીને રાતે કોઈ ઉઠાવી ગયું! ગામમાં ચકચાર મચી ગઈ. એકવીસ દીવસની દીકરીને કોણ લઈ ગયું હશે, શા માટે લઈ ગયા હશે, તેની અટકળો વહેતી થઈ ગઈ! ગીતા ગાંડા જેવી થઈ ગઈ. કૈલાસબહેન અને ગોરધનભાઈ આગીયા ભુતને દોષ દેવા લાગ્યા. બન્નેને આમાં ભુવાજીનો જ વાંક દેખાતો હતો, વીધીના નામે પૈસા પડાવી લીધા, પણ નીરાકરણ ન કર્યું! બીજા દીવસે બાજુના ખેતરમાં, અવાવરુ કુવામાંથી મૃત હાલતમાં નવજાત દીકરી મળી આવી, પારણ જીલ્લાના ધીણોજ ગામમાં વાતોનો વંટોળ ચડયો!

ગામમાં હાઈસ્કુલ હતી. તેના આચાર્યને આગીયા ભુત અંગે શંકા ગઈ. તેણે ચમત્કાર ચકાસણી કેન્દ્ર, પાલીતાણાના ચતુરભાઈ ચૌહાણ(સેલફોન : 98982 16029)ને આખી ઘટનાની જાણ કરી. ચતુરભાઈએ તારીખ 22 ફેબ્રુઆરી, 1984ના રોજ ધીણોજ ગામની મુલાકાત લીધી. હાઈસ્કુલમાં ચમત્કારથી ચેતો કાર્યક્રમ રજુ કરી લોકજાગૃતી કેળવી. હાઈસ્કુલના એક શીક્ષીકાબહેન મારફતે ચતુરભાઈએ ગીતાને સમજાવી. કૈલાસબહેન અને ગોરધનભાઈને સમજાવ્યા.

ચતુરભાઈએ ગીતાને પુછયું : “ગીતા! સંકોચ રાખ્યા વીના જે સાચું હોય તે કહે!”

“સાહેબ! મારો પતી સુરેશ શીક્ષક છે. સુરેશ મને સાસરે તેડી ગયો. ત્યારે મેં મારી સાસુને કહ્યું કે મારે ત્રીજો મહીનો જાય છે. ત્યારે મારી સાસુએ આગળ મારી વાત સાંભળ્યા વીના જ મને કહી દીધું કે તું અમારા ઘરમાં ન શોભે! તું એક વર્ષ પછી સાસરે આવી છો અને ત્રણ મહીનાનો ગર્ભ શી રીતે હોય! એમ કહેતાં મારી સાસુએ મને મારી!

મારો પતી સુરેશ વચ્ચે ન પડ્યો. એ ચુપચાપ બાજુના ગામે શાળાએ જતો રહ્યો! સાહેબ, ખરેખર આગીયો ભુત છે જ નહીં!”

“ગીતા! ભુવાજીએ આગીયા ભુત માટે બે વખત વીધી કરી ત્યારે તું કેમ કંઈ બોલી નહીં?”

“સાહેબ! હું બધું જાણતી હતી, ભુવાજી ખોટું બોલતા હતા! પરન્તુ મારા પીતાને સન્તોષ થતો હતો! એટલે હું ચુપ રહી!”

“ગીતા! આગ કેમ લાગતી હતી?”

“સાહેબ! હૈયામાં આગ હોય તો ભડકો થાય જ! હું રોતી કકળતી પીયર આવી હતી. ગામમાં સૌ આડાઅવળી વાતો કરતા હતા! મેં આપઘાતનો નીર્ણય કર્યો. મેં શરીર ઉપર કેરોસીન છાંટ્યું! દીવાસળી ચાંપી! ચણીયો સળગ્યો, ગોદડા સળગ્યા! હું મોતથી ડરી ગઈ. હું વીજળી વેગે પાણીની કુંડીમાં પડી! મોત પાછું ફરી ગયું! પછી એક દીવસ હું કપડાં ધોતી હતી. પીતા રજકામાં પાણી વાળતા હતા. માતા ગામમાં ગઈ હતી. પીતાના ઝભ્ભામાંથી દીવાસળીનું બાકસ નીકળ્યું. મેં નજીકની ઘાસની ગંજી સળગાવી અને તેમાં કુદી પડવા તૈયારી કરી પણ છેલ્લી ઘડીએ હું ડરી ગઈ! એ પછી તો મારું પેટ બહાર દેખાવા લાગ્યું. હું કંઈ વીચારી શક્તી ન હતી. મને કંઈ યાદ રહેતું ન હતું. મારું શરીર ધ્રુજતું! હું અભરાઈ ઉપરથી વાસણ લેવા જાઉં તો આખી અભરાઈ હેઠી પડે! મારા શરીર અને મન ઉપર કાબુ ન રહ્યો! વીધી કરતી વખતે ભુવાજીએ મને આમતેમ બહુ પછાડી. એટલે સાતમા મહીને હું માતા બની. મારા દુઃખનું કારણ મારી દીકરી હતી, એવું માની મેં દીકરીને દુધ પીતી કરી અને રાતે પાડોશીના કુવામાં એને મેં ફેંકી દીધી!’’

“ગીતા! તેં માતા થઈને દીકરીની હત્યા કરી?”

સાહેબ! શું કરું? આગીયા પતીને કારણે હું મજબુર હતી! હું સાચું કહું છું. મારો પતી સુરેશ નોકરીએ જાય ત્યારે પહેલાં મારા ગામે આવતો. મારી સાથે મોજ કરીને પછી નોકરીવાળા ગામે જાય. આ વાત મારા સાસુ જાણતા ન હતા! અમારી વાડીમાં કુવા પાસે નાનું મકાન છે, ત્યાં અમે મળતા અને દુનીયાને ભુલી જતા! મારી દીકરી મારા પતીની જ હતી! પરન્તુ મારો પતી, તેની મમ્મીને કંઈ ચોખવટ ન કરી શક્યો કે ન તેણે મારો બચાવ કર્યો!”

(પીડીતાનું નામ કાલ્પનીક છે)

–––––––––––––––––––––––––––––––––––––––––

(આવી છેતરામણ થઈ હોય તો, પુરતા પુરાવા સાથે, ‘અભીવ્યક્તી’ બ્લોગના https://govindmaru.wordpress.com/cck/ પેજ પર ગુજરાત રાજ્યના 12 ચમત્કાર ચકાસણી કેન્દ્રો’ અને તેના કાર્યકરોના સેલફોન નમ્બર આપવામાં આવ્યા છે તેઓનો સમ્પર્ક કરવા જણાવાય છે.  …ગો. મારુ)

––––––––––––––––––––––––––––––––––––––––

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’ (03, ઓગસ્ટ, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile : 99099 26267  e.Mail : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 10–11–2017

Advertisements

Read Full Post »

ચોપડાવાળા ચમત્કારી ભુવાજી!

– રમેશ સવાણી

તારીખ 02 સપ્ટેમ્બર, 2001ને રવીવાર. ભુવાજીએ મહીલાને પુછ્યું : “તમારું નામ?”

“ભુવાજી! મારું નામ બેરોઝબેન દારુવાલા!”

“બોલો! શું તકલીફ છે?”

“ભુવાજી! મારા પતી એક મહીલા પાછળ ગાંડા થઈ ગયા છે! એનું ગાંડપણ દુર થાય તે માટે હું અહીં આવી છું!”

“બેરોઝબેન! ચીંતા ન કરો. વીધી કરવી પડશે! ખર્ચ થશે!”

“ખર્ચ માટે હું તૈયાર છું; પણ મારા પતીને સારું તો થઈ જશે ને?”

“સો ટકા ગેરેન્ટી! મારી પાસે આવનાર હજુ સીધી નીરાશ થઈને પરત ગયા હોય એવું બન્યું નથી!” ભુવાજીએ એક ચોપડો ખોલ્યો અને તેમાં બેરોઝબેનની મુંઝવણ ટપકાવી લીધી, પછી કહ્યું : “બેરોઝબેન! આવતા રવીવારે આવજો. ત્યાં સુધીમાં માતાજી આ ચોપડામાં પ્રવેશ કરીને તમારી મુંઝવણ દુર કરી દેશે!”

બેરોઝબેન દારુવાલાના ચહેરા ઉપર ખુશી દોડી ગઈ! ભુવાજીનું નામ હતું અરવીંદ મોહનલાલ ભગત (ઉમ્મર : 55 વર્ષ). મુળ ભરુચના; પણ સુરત મ્યુનીસીપલ કોર્પોરેશનમાં હેલ્થ વીભાગમાં રોજમદાર હતા એટલે સુરતમાં વેડ રોડ ઉપરની બહુચરનગર સોસાયટીમાં રહેતા હતા. અભ્યાસ અગીયાર ધોરણ સુધીનો. ભુવાજીએ પોતાના ઘેર જ માતાજીની બેઠક ઉભી કરી હતી. મંગળવાર અને ગુરુવારે સાંજના છ થી આઠ અને રવીવારે સવારના આઠથી સાંજના આઠ સુધી ભુવાજીના ઘેર ધમધમાટ રહેતો હતો. 1973થી તેણે લોકોના દુઃખ દર્દ દુર કરવાનું શરુ કર્યું હતું. બહુચરનગર સોસાયટીની આજુબાજુની સોસાયટીઓમાં ભુવાજીની સેવાની સુગંધ ફેલાઈ ગઈ હતી! તેનો પહેરવેશ જોતાં જ તેનામાં દૈવી શક્તી હોય તેવું લોકોને લાગતું હતું! રેશમી સ્લીવલેસ ઝભ્ભો, નીચે પોતડી, ગળામાં માળાઓ, કપાળમાં ટીલાં ટપકાં, લાંબા વાળ, લાંબી દાઢી વગેરે ભુવાજીની આભા વધારતા હતા!

બેરોઝબેન ભુવાજીને તાકી રહ્યા. દરમીયાન એક યુવકે ભુવાજીના પગ પકડી લીધા અને કહ્યું : “ભુવાજી! મારા દસ લાખ રુપીયા ફસાઈ ગયા છે! કંઈક કરો!”

“યુવક! ઉભો થા! તારું નામ?”

“ભુવાજી! તમે બધું જાણો છો! ત્રીકાળ જ્ઞાની છો! મારા નામની તમને ખબર જ હોય! હોય કે નહીં?”

“અરે યુવક! તું નશો કરીને આવ્યો છે? માતાજીની બેઠકમાં શીસ્ત રાખવી પડે!”

“ભુવાજી! મેં નશો નથી કર્યો. અમારું કામ લોકોને, અજ્ઞાનના નશામાંથી બહાર કાઢવાનું છે!”

“યુવક! તું શું કહેવા માંગે છે?”

“ભુવાજી! મારી સાથે અહીં કોણ કોણ આવ્યા છે, તેના નામોની તમને ખબર છે!”

“યુવક! હું બધું જાણું છું! પણ એ બધું તને કહેવાનો અર્થ નથી! માતાજીને બધું જ કહીશ!”

“ભુવાજી! માતાજી તમારું સાંભળે છે?”

“બીલકુલ મને સાંભળે છે!”

“ભુવાજી! તમે ચમત્કારી છો! અમને પણ એકાદ ચમત્કાર બતાવો!”

“યુવક! ચમત્કાર જોવા માટે પાત્રતા હોવી જોઈએ! તારી પાત્રતા જણાતી નથી!”

ભુવાજી નારાજ થઈ ગયા. માતાજીની બેઠકમાં બીજા ભક્તો પણ બેઠા હતાં. એક ભક્તે કહ્યું : “યુવક! ભુવાજી ચમત્કારી છે! તું ભુવાજીની પરીક્ષા લેવા માંગે છે? ભુવાજીએ અસંખ્ય લોકોના દુઃખ–દર્દ દુર કર્યા છે! ભુવાજી લોકોના તારણહાર છે! ભુવાજીની વીધીના કારણે કેટલીય મહીલાઓને  સંતાનપ્રાપ્તી થઈ છે! ભુવાજીના ગળામાં બે રક્ષાપોટલી છે, બન્ને બાવડા ઉપર ચાર–ચાર રક્ષાપોટલીઓ છે, તે માતાજીએ બાંધેલી છે! ભુવાજી વળગાડ કાઢે છે. ભુતપ્રેત, ચુડેલ, મામાપીરને ભગાડે છે! શક્તીપાત કરે છે. કુંડલીને જાગૃત કરે છે! ભુવાજી જપ, તપ, મન્ત્ર, તન્ત્ર, ક્રીયાકાંડ, હોમહવન, ગ્રહદોષ, મેલીવીદ્યા, વાસ્તુશાસ્ત્ર, વશીકરણ વગેરેના નીષ્ણાંત છે! ભુવાજીએ અસાધ્ય રોગો દુર કર્યા છે! ભુવાજી સુરતરત્ન છે! ભુવાજીનું સન્માન કરવું જોઈએ!”

“બરાબર છે! ભુવાજી સુરતરત્ન છે!” દસબાર ભક્તો એક સાથે બોલી ઉઠયા.

ભુવાજીને ગન્ધ આવી ગઈ. યુવક સાથે બીજા માણસો હતા. સ્થાનીક ટીવી ચેનલના વીડીયોગ્રાફર પણ હતા. યુવકે કહ્યું :ભુવાજી! તમે કશું જાણતા નથી! બધું જાણો છો તેવો ઢોંગ કરો છો! મારું નામ તમે જાણી શક્યા નહીં! ભુવાજી! મારું નામ સીધ્ધાર્થ દેગામી(સેલફોન : 94268 06446) છે. મારી સાથે મધુભાઈ કાકડીયા(સેલફોન : 98255 32234),  ખીમજીભાઈ કચ્છી(સેલફોન : 98251 34692),  ગુણવંત ચૌધરી(સેલફોન : 98251 46374),  એડવોકેટ જગદીશ વક્તાણા(સેલફોન : 94261 15792 ), પરેશ લાઠીયા(સેલફોન : 98257 70975), મહેશ જોગાણી(સેલફોન : 98241 22520), અને બેરોઝબેન દારુવાલા છે! બેરોઝબેન હજુ અપરણીત છે, છતાં તેના પતીનું ગાંડપણ દુર કરવા તમે સો ટકા ગેરંટી આપો છો! ભવીષ્યમાં શું થશે, તેની વાતો કરી ભક્તોને અન્ધ બનાવો છો; પણ વર્તમાનમાં તમારી સાથે કોણ છે, એ તમે જાણી શક્તા નથી! અમે ‘સત્યશોધક સભા’, સુરતના સભ્યો છીએ તમારો પર્દાફાશ કરવા અહીં આવ્યા છીએ!

એક ભક્ત મહીલા ગુસ્સે થઈ ગઈ. તેણે કહ્યું : “ભુવાજી!સત્યશોધક સભાના સભ્યોને પાઠ ભણાવો. મુઠ મારો. ચમત્કાર કરો. બધાંને લકવો થઈ જાય, તેવું કરો!”

ભુવાજીનું શરીર ધ્રુજવા લાગ્યું. ભક્તોને લાગ્યું કે ભુવાજીના શરીરમાં માતાજીએ પ્રવેશ કર્યો છે! ભુવાજીના આખા શરીરે પરસેવો વળી ગયો. મધુભાઈ કાકડીયાએ પુછ્યું : “ભુવાજી! છેલ્લી તક આપું છું. તમે એ કહી શકશો કે પોલીસ સ્ટેશનમાં?

ભુવાજી સત્યશોધક સભાના સભ્યોના પગે પડી ગયા અને કહ્યું : “મને માફ કરો! પોલીસને બોલાવશો નહીં. હું ચમત્કારી નથી. તર્કટ કરું છું. ઘણા પોલીસ અધીકારીઓને મેં વીટીઓ આપી છે. તેમને ખબર પડશે તો મને ઝુંડી કાઢશે! અન્ધશ્રદ્ધાની ખેતી સરળ છે, અને ઉત્પાદન થોકબન્ધ ઢાળે છે! આ એવો ધન્ધો છે, જેમાં ઈન્વેસ્ટમેન્ટની જરુર નથી કે રૉ મટીરીઅલની જરુર પડતી નથી! મફ્તીયા ભક્તો શ્રમદાન કરે છે! હું માત્ર લણણી કરું છું! ઉપભોગ કરું છું! પરન્તુ આજથી અન્ધશ્રદ્ધાની ખેતી બન્ધ!

“ભુવાજી! કાયમી ધોરણે તમારું હૃદય પરીવર્તન થયું છે, એની કોઈ ખાતરી?” મધુભાઈ કાકડીયાએ પુછ્યું.

“મધુભાઈ! મારી પાસે ચાર ચોપડા છે. આ ચોપડા તમને આપું છું. આ ચોપડામાં તર્કટલીલા મેં નોંધી છે!”

“ભુવાજી! મને એ સમજાવો કે તર્કટનો હીસાબ રાખવાનું કારણ શું?”

“મધુભાઈ! મારી સેવાની ખ્યાતી એટલી ફેલાઈ ગઈ હતી કે લોકોનો ધોધ માતાજીની બેઠક તરફ વહેવા લાગ્યો. હું કેટલાં લોકોને યાદ રાખું? કોની કેવી સમસ્યા છે, એ યાદ રાખવાનું મુશ્કેલ બન્યું! મેં ચોપડામાં હીસાબ શરુ કર્યો. નામ, ઠેકાણું, સમસ્યાઓની નોંધ કરતો. ઉપાયની નોંધ કરતો, પછી રવીવારે, મંગળવારે કે ગુરુવારે લાલચુ ભક્તોને બોલાવતો અને સમસ્યાનું નીરાકરણ કરતો હતો! મધુભાઈ! પોલીસને બોલાવશો નહીં!”

“ભુવાજી! ચીંતા ન કરો. કોઈ પોલીસ ઈન્સ્પેક્ટર અહીં આવી રહ્યા નથી. મેં તો હવામાં તીર છોડ્યું હતું, વાગે તો ઠીક નહીં તો કાંઈ નહીં! એ તો અમારી યુક્તીપ્રયુક્તી હતી! ભુવાજી! તમારા ધન્ધાની સફળતાનું રહસ્ય શું છે? શા માટે લોકો તમારી પાસે આવે છે?”

મધુભાઈ! ભુવાજી પાસે સમસ્યા લઈને આવનાર માનસીક રોગી હોય છે! પછી તે રોગી મટીને ભક્ત થઈ જાય છે! રોગી ભુવાજીને તબીબ માને છે! સાચી સમસ્યામાં ભુવાજી પાસેથી ઉકેલ મેળવવાની લાલચ કે આકાંક્ષા રાખવી તે રોગ છે! મધુભાઈ! સોળ વર્ષની દીકરી ઘેરથી જતી રહી હોય તો તેને શોધવી પડે. પોલીસને જાણ કરવી પડે. પરન્તુ દીકરીના ઠેકાણા માટે ભુવાજી કે મૌલવીને ત્યાં માબાપ જાય તો તે માનસીક રોગ છે! આવા રોગી ભુવાજી પાસે આવે ત્યારે ઘણાં રોગીઓ કંઈને કંઈ જોવડાવવા આવેલા હોય તેને જુએ છે, એટલે તે એવું માનવા લાગે છે કે દીકરીને શોધવા પોલીસની મદદ માંગનારા ગાંડા છે! દીકરીને ભુલ સમજાય અને ઘેર પાછી ફરે તો ભુવાજીની સફળતાના નગારાં વાગે! દીકરી મળી ન આવે તો ભુવાજી પાસે કારણો તૈયાર હોય છે. નડતર, મુઠચોટ, વશીકરણ, ગ્રહદશા, મેલીવીદ્યા! બે ત્રણ વર્ષ સુધી આવા કારણો ઉપર ધન્ધો ચાલે, છેવટે કહેવાનું– ગત જન્મના કર્મબન્ધન! આમાં ભુવાજીની કોઈ જવાબદારી જ ન આવે! ભુવાજી પાસે લોકો મન મુકીને છેતરાય! ભુવાજી તન, મન અને ધનનો ઉપયોગ કરે, તેમ છતાં લોકો ભુવાજીના આશીર્વાદ મેળવવા તડપતા રહે! કોઈ પણ ધન્ધો આની તોલે ન આવે! સમાજ માંદો રહેવા માંગે તેથી મારા જેવા ભુવાજી, સાધુ, બાપુ, મૌલવી, સ્વામીઓ સમાજને મળી જાય છે! ટુંકમાં માંગ છે, તો પુરવઠો હાજર છે!

“ભુવાજી! તમારા આ ચોપડા અંગે સ્પષ્ટતા કરો!”

મધુભાઈ! આ ચાર ચોપડા જાન્યુઆરી, 2001થી શરુ થાય છે. આઠ મહીનાની નોંધ છે. કુલ 771 રોગીઓ મારી પાસે આવ્યા. તેમાં મહીલાઓ : 465 હતી અને પુરુષો : 306 હતા! 771 પૈકી સુરત શહેરના : 650, સુરત બહારના : 112 અને વીદેશના : 09 રોગીઓ હતા! રોજના ત્રણ નવા અને ત્રણ જુના રોગીઓ આવતા હતા. સુરત શહેરમાં 1,504 જેટલા ભુવાં, પીર, જ્યોતીષીઓ છે. રોજ 3,000 જેટલાં માણસો સુરત શહેરમાં સ્વેચ્છાએ રોગી બને છે! 771 રોગીઓમાં 675 હીન્દુ હતા, 71 મુસ્લીમ હતા, 20 જૈન અને 05 ઈસાઈ હતા! 771 પૈકી 600 રોગીઓ ઉપલા મધ્યમ વર્ગના અને શ્રીમન્ત વર્ગના હતા. તેમાં 10 એન્જીનીયર અને 05 ડૉકટર હતા! સમસ્યાઓની દૃષ્ટીએ વર્ગીકરણ કરીએ તો 771 પૈકી 307 કૌટુમ્બીક, 225 આર્થીક અને 239 શારીરીક રોગોની મુંઝવણી હતી! 771 પૈકી 77ને રાહત થઈ જાય તો તે 77 માણસો ભુવાજીની ચમત્કારીક શક્તીનો પ્રચાર કરે છે અને 694 રોગીઓ મુંગા રહે છે! રોગી દીઠ 1,000/- રુપીયાની ફી ગણીએ તો રુપીયા 7,71,000/– આવક થઈ! હું સ્વીકારું છું કે આ ઉપચાર નથી, છેતરપીંડી છે!

“ભુવાજી! લોકો કઈ કઈ સમસ્યાઓ લઈને તમારી પાસે આવતા હતા?”

“મધુભાઈ! હસવું આવે તેવી સમસ્યાઓ લઈને લોકો આવતા. કૌટુમ્બીક સમસ્યાઓમાં, દીકરીને સારું ઠેકાણું મળે, પતીની દારુ–જુગારની લત, પતીપત્ની વચ્ચે મનમેળનો અભાવ, પ્રેમીકાનું સમર્પણ, રખાતને દુર કરવી, વીરોધીને લકવો થઈ જાય, તેના ઝાડા–પેશાબ બન્ધ થઈ જાય, પતીપત્ની વચ્ચે મનમેળ તુટી જાય, પુત્રપ્રાપ્તી થાય વગેરેનો સમાવેશ થાય! જ્યારે શારીરીક રોગ અંગેની મુશ્કેલીઓ બીજા ક્રમે આવે છે. તેમાં મુખ્યત્વે સંતાનપ્રાપ્તીની ઝંખના, પેટનો દુઃખાવો, માથાનો દુઃખાવો, ઉંઘ ન આવવી, આપઘાત કરવાની ઈચ્છા વગેરેનો સમાવેશ થાય છે. આર્થીક મુંઝવણમાં મુખ્યત્વે કુટુમ્બના સભ્યો વચ્ચે મીલકતોની વહેંચણી, મકાનનું વેચાણ, ધન્ધો વધારવો, હરીફને પછાડવો, દેવું ભરપાઈ કરવું, ઉઘરાણી પતાવવી વગેરેનો સમાવેશ થાય છે! સંતાનપ્રાપ્તીની વીધીમાં મહીલાને હું એકાન્તમાં બોલાવતો હતો!”

“ભુવાજી! એવી કોઈ સમસ્યા તમારી સાથે આવી હતી કે જેમાં તમને સફળતા મળેલ ન હોય?”

“મધુભાઈ! બે સમસ્યા એવી હતી કે જેમાં મને સફળતા મળી ન હતી! એક કીસ્સામાં, એક યુવકે મારી પાસે ફરીયાદ કરેલી કે મારા ગળામાં વાયુ ભરાઈ ગયો છે, તેને કાઢી આપો! જયારે બીજા કીસ્સામાં, એક હીરાના વેપારીએ પાંચ હજાર આપીને કહેલ કે મકાન ઉપરનો પાણીનો ટાંકો રાત્રે ભર્યો હતો, જે સવારે ખાલી થઈ ગયો હતો, એનું કારણ શોધી આપો! આ ચારેય ચોપડાનો અભ્યાસ, સત્ય શોધક સભા કરશે, તો ઘણાં રહસ્યો જાણવા મળશે!”

(પીડીતાનું નામ કાલ્પનીક છે)

–રમેશ સવાણી

સંદેશ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું(24, ઓગસ્ટ, 2016)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile : 99099 26267  e.Mail : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ  મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 2010–2017

 

Read Full Post »

(તસવીર સૌજન્ય : સંદેશ દૈનીક)

નાગાબાપુનો ચમત્કાર

– રમેશ સવાણી

“રુડી! તું રોજે નાગાબાપુની ઝુંપડીએ કેમ જાય છે?”

“તમને વાંધો છે? મને ત્યાં શાંતી મળે છે!”

“ઘરમાં શાંતી નથી મળતી?”

“ના!”

“હું કહું છું કે તારે બાપુની ઝુંપડીએ જવાનું નથી, સમજી?”

“ઘરમાં મને સુનું સુનું લાગે છે. લગ્ન થયાને પાંચ વર્ષ થયાં. પગલીનો પાડનાર નથી. છોકરા હોય તો ઘરમાં ગમે! નાગાબાપુએ સણોસરાના એક બહેનને આશીર્વાદ આપ્યા હતા, એને જોડીયા બે છોકરા થયા! હું તો બાપુની ઝુંપડીએ રોજ જવાની!”

રુડીની ઉમ્મર પાંત્રીસ વર્ષની હતી. પતી સાથે તે પાંચ વરસથી રહેતી હતી. ગામમાં કાનજીભાઈની વાડી હાઈવે ટચ હતી. આ વાડીના એક ખુણે નાગાબાપુ ઝુંપડી બાંધીને બે વર્ષથી રહેતા હતા. એની ઉમ્મર પચાસ વર્ષની હતી. તાલુકાના ગામડાઓમાં નાગાબાપુની સુવાસ ફેલાયેલી હતી! 1971માં પાકીસ્તાન અને બાંગ્લાદેશની લડાઈ વખતે નાગાબાપુ નાગાલેન્ડમાં હતા. ત્યાં યોગસાધના કરી, તેથી તારીખ 16 ડીસેમ્બર, 1971, નેવું હજાર પાકીસ્તાની સૈનીકોને, બાંગ્લાદેશમાં ભારતીય સૈન્ય સમક્ષ સરેન્ડર થવું પડયું હતું! નાગાબાપુ આ વાત સૌને વારંવાર કહેતા હતા. લોકો નાગાબાપુને અહોભાવથી તાકી રહેતા!

રુડી બાપુ માટે દુધ લઈને કાયમ ઝુંપડીએ જતી. કાનજીભાઈની 14 વર્ષની દીકરી સમજુ પણ બપોરે અને સાંજે ટીફીન લઈને ઝુંપડીએ જતી. બાપુની ઝુંપડીએ સેવા–ચાકરી માટે ભોળા ભક્તજનોની લાઈન લાગતી! નાગાબાપુ હવામાં હાથ વીંઝતા અને ખાલી હથેળીમાંથી કંકુ ખરતું! ક્યારેક ભભુતી ખરતી! દીવસે–દીવસે નાગાબાપુના ભક્તજનોની સંખ્યા, કુદકે ને ભુસકે વધતી જતી હતી! નાગાબાપુ માત્ર લંગોટી પહેરતા. આ ત્યાગભાવનાને કારણે નાગાબાપુ લોકોમાં પ્રીય થઈ ગયા હતા!

દરમીયાન એક દીવસ નાગાબાપુ ઝુંપડીએથી નીકળી રોડ ઉપર જતા હતા, ત્યાં રાજકોટ તરફથી એક જીપ સડસડાટ આવી, તેમને ટક્કર મારી પછાડી દીધા. બાપુના જમણા પગે ફેકચર થયું. બાપુએ ડૉકટર પાસે સારવાર લીધી, પગે પાટો બંધાવ્યો. પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો.

જીપ કો–ઓપરેટીવ બેંકની હતી અને તેમાં બ્રાન્ચ મેનેજર સુધીરભાઈ હતા.

બાપુના પગે પાટો આવ્યો એટલે રુડી સાથે રણછોડ ભરવાડ પણ બાપુની ખબર કાઢવા ઝુંપડીએ ગયો. રણછોડે પુછયું : “બાપુ! પગ ભાંગવાનું કારણ?”

“બન્દર! અકસ્માત!” બાપુ પુરુષને બન્દર અને મહીલાને બન્દરીયા કહીને જ બોલાવતા હતા! બાપુ હીંદીમાં બોલતા અને ગુજરાતી સમજતા હતા.

“તમે ચમત્કારીક છો. જીપ ટક્કર મારશે, એની ખબર તમને કેમ ન પડી? તમારો પગ કેમ ભાંગ્યો? તમે રુડીને ડૉક્ટર પાસે જવાનીના પાડો છો, અને તમે ડૉક્ટર પાસે સારવાર કેમ કરાવી?”

કરશભાઈએ કહ્યું : “બાપુ! તમારી યોગસાધનાને કારણે નેવું હજાર પાકીસ્તાની સૈનીકો ભારતને શરણે આવ્યા! તમારો પગ ભાંગનાર જીપચાલક અને બ્રાન્ચ મેનેજર સુધીરભાઈને તમે જવા કેમ દીધા? અકસ્માતવાળી જગ્યાએ એને પછાડી કેમ ન દીધા?”

“બાપુ! તમે ચમત્કાર કરો!” રણછોડ અને બીજા ભક્તોએ હઠ પકડી.

બાપુએ એક કુકડો મંગાવ્યો, પછી કહ્યું : “દેખો. યહ ચમત્કાર! મૈંને કુકડે પે મારણવીદ્યા કીયા હૈ, કુકડે કા પંખ કાટુંગા તો મેનેજર કા હાથ કટ જાયેગા! કુકડે કા પૈર કાટુંગા તો ઉસકા પૈર કટ જાયેગા! કુકડા મરેગા તો મેનેજર નરક મેં જાયેગા!”

ભક્તજનો હચમચી ગયા! રણછોડે કહ્યું : “બાપુ! કુકડાને છોડી મુકો. મેનેજર બ્રાહ્મણ છે. બ્રાહ્મણની હત્યા થાય એવું અમે ઈચ્છતા નથી!”

રુડીએ પણ કુકડાને છોડી મુકવા બાપુને વીનન્તી કરી; પણ બાપુ મક્કમ હતા. વાત મેનેજર સુધી પહોંચી. તેમની ઉંઘ હરામ થઈ ગઈ. વાત ફરતી ફરતી ગાંધીનગર મુખ્યમન્ત્રી સુધી પહોંચી. મેનેજરને બચાવી લેવા નેતાઓ નાગાબાપુની ઝુંપડીએ પહોંચ્યા. બાપુને સમજાવ્યા. બાપુએ કહ્યું : “નેતાજી! મેનેજર કો દંડ ભોગના હી હોગા! અગર વો હમે પચાસ હજાર રુપીયા દે, તો હમ કુકડે કો છોડકર મારણવીધી વાપસ લેતા હૈ!”

મેનેજર પાસે પચાસ હજાર રુપીયા ન હતા. બીજી કોઈ રીતે બાપુ માને તેમ ન હતા. મેનેજર ખુબ જ ગભરાઈ ગયા. માળા જપવા લાગ્યા! અન્ત નજીક હોવાથી ધાર્મીક વીધી શક્ય હોય તેટલી કરી લેવાની કામગીરીમાં તે ગુંથાઈ ગયા!

પાલીતાણામાં ચતુરભાઈ ચૌહાણ ચમત્કાર ચકાસણી કેન્દ્ર ચલાવતા હતા, તેના ધ્યાને આ ઘટના આવી. ચતુરભાઈએ તરત જ મેનેજરનું પગેરું મેળવ્યું. તેમને મળીને કહ્યું, “સાહેબ! તમે ચીંતા છોડો. તમારે કંઈ જ કરવાની જરુર નથી!”

“કેમ?”

“જુઓ. હું તમારા માટે મરવા તૈયાર છું! હું નાગાબાપુની મારણવીદ્યા મારી ઉપર લેવા તૈયાર છું!”

મેનેજરનો જીવ હેઠો બેઠો. એને પરમ શાંતી થઈ. એનામાં થોડી હીમ્મત પ્રગટી!

ચતુરભાઈ નાગાબાપુની ઝુંપડીએ પહોંચ્યા, કહ્યું : “બાપુ! મૈં પત્રકાર હું. અમદાવાદ સે આયા હું.”

“તુમારા નામ?”

“બાપુ! મેરા નામ ચતુર હૈ. બાપુ! મુઝે કોઈ ચમત્કાર દીખાઓ!”

“ચતુરજી! તુમ ચમત્કાર નહીં દેખ પાઓગે. તેરી ચમડી ફટેગી! ખુન બહેગા! જીસ કી મૈંને સાધના કીયા હૈ, વહ ભુત સાકાર હોગા! તેરી જીન્દગી ખતરે મેં પડ જાયેગી!”

“બાપુ! મુઝે ચમત્કાર દેખના હૈ. ભલે મેરી જાન ચલી જાય!”

“અચ્છા. રાત કો ઢાઈ બજે મેરી ઝુંપડી મેં આના!”

“બાપુ! મૈં  ચમત્કાર દેખે બીના મૈં યહા સે જાના નહીં ચાહતા હું.”

નાગાબાપુનો પીત્તો ગયો! રુડીબેન અને સમજુ બેઠાં હતાં છતા બાપુ ભયંકર ગાળો બોલવા લાગ્યા. ભક્તજનોએ બાપુને આજીજી કરી : “બાપુ! શાંત થાવ! ચતુરભાઈને એકાદ ચમત્કાર બતાવી દો એટલે તે અહીંથી જતા રહેશે!’’

ચતુરભાઈએ કહ્યું : “બાપુ! મેરા ચમત્કાર દેખના હૈ?”

“દીખાઓ!”

ચતુરભાઈએ હવામાં હાથ ફેરવ્યા પછી જમણા હાથની મુઠ્ઠીમાં ફુંક મારી અને મુઠ્ઠી ખુલ્લી કરી ત્યાં હથેલીમાંથી કંકુ ખર્યું! ભક્તજનો ચતુરભાઈને તાકી રહ્યા! ચતુરભાઈએ કહ્યું : “ભક્તજનો મોટો ચમત્કાર એક અઠવાડીયામાં તમને જોવા મળશે!”

ચતુરભાઈસોનગઢ, આંબલા, સણોસરા, ઈશ્વરીયા વગેરે ગામોમાં ચમત્કારથી ચેતો કાર્યક્રમ હેઠળ ચમત્કારનો પર્દાફાશ કરી જબરજસ્ત જાગૃતી કેળવી! સાતમા દીવસે ચમત્કાર થયો! નાગાબાપુ ઝુંપડીમાંથી અદૃશ્ય થઈ ગયા! ચતુરભાઈના કહેવાથી રુડીબેને સારવાર કરાવી અને વર્ષ પછી તે એક પુત્રની માતા બની!

ચમત્કાર વીના નમસ્કાર નથી,

પરન્તુ ચમત્કાર એટલે શું?

આપણા સમાજમાં વર્ષો જુની કહેવત છે, ચમત્કાર વીના નમસ્કાર નહીં! એનો ભાવાર્થ એવો છે કે જ્યાં સુધી શક્તીનો પરચો ન બતાવીએ ત્યાં સુધી સામેવાળો આપણી શક્તીને માન આપતો નથી. આપણે એના શબ્દોને પકડી લીધા હોય એમ દરેક વાતે ચમત્કારની આશા અને આગ્રહ રાખીએ છીએ. આપણને ન સમજાય એ રીતે કશુંક થાય તો એને આપણે ચમત્કાર માની લઈએ છીએ. સ્ટેજ પર શો કરનારા જાદુગરો હાથચાલાકી કરવામાં નીષ્ણાત બની જાય છે. પછી આપણી નજર સામે આપણે માની કે સમજી ન શકીએ એવા ખેલ કરી બતાવે છે. એ લોકો પ્રમાણીક હોય છે એટલે કહેતા રહે છે કે આમાં કોઈ ચમત્કાર નથી, માત્ર હાથચાલાકી છે. તમારી નજર ન પકડી શકે એવી ઝડપથી અને કરામતથી અમે કામ કરી લઈએ છીએ.

આપણી આંખ માત્ર 15 ટકા દૃશ્ય જુએ છે. એટલે જ્યાં ધ્યાન હોય એટલું 15 ટકા દૃશ્ય બરાબર દેખાય છે. બાકીનું દૃશ્ય આપણું મગજ કલ્પનાથી ભરી આપે છે. એટલે આપણને ઝડપથી ચાલાકીપુર્વક કરેલું કામ દેખાતું નથી. માત્ર પરીણામ જોવા મળે છે. એને જાદુ કહીએ તો વીજ્ઞાન છે અને ચમત્કાર કહીએ તો તે અન્ધશ્રદ્ધા છે. હા, શ્રદ્ધામાં માત્ર એક જ વીવેકભાન રાખવું જોઈએ કે સમગ્ર માનવજાતીના કલ્યાણની વાત ન હોય ત્યાં સુધી કહેવાતા ભગવાનના કોઈ અવતારે પણ ચમત્કાર નથી કર્યા. તો કોઈ કાળા માથાનો માણસ નાની નાની વાતે ચમત્કાર શી રીતે કરી શકે?

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર પગેરું(30, નવેમ્બર, 2016)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile : 99099 26267  e.Mail : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે બપોરે 2.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

 

Read Full Post »

(તસવીર સૌજન્ય : સંદેશ દૈનીક)

ચમત્કારીક સ્પર્શ!

–રમેશ સવાણી, I.G.P.

 “સીધ્ધાર્થભાઈ! પાદરીજી ચમત્કાર કરે છે! તમે નહીં માનો, મચ્છર મારવાના સ્પ્રેનો છંટકાવ માંદા માણસ ઉપર કરે છે, તો તે સાજો થઈ જાય છે! તરત ઈલાજ! કોઈપણ મુશ્કેલી દુર થઈ જાય! મન્ત્રશક્તી વડે પેટ્રોલને પાઈનેપલ જ્યુસમાં બદલી નાંખે છે! પોતાના ભક્તોને પથ્થર ખવડાવે તો પણ તે રોટલીમાં પરીર્વીતત થઈ જાય છે! ગર્ભવતી મહીલાઓના પેટ ઉપર પગ રાખીને, આવનાર બાળકને ખરાબ આત્માઓના પડછાયાથી બચાવે છે! લોકોના પગ પાણીમાં મુકાવે છે, ત્યારે પાણી લાલ રંગનું થઈ જાય છે! પગમાંથી લોહી નીકળે છે, તેની સાથે નડતર પણ નીકળી જાય છે!”

“મધુભાઈ, કોણ છે આ પાદરી?”

“સીધ્ધાર્થભાઈ, સોનગઢ તાલુકાના પીપળકુવા ગામે ત્રણ દીવસના કેમ્પનું આયોજન થયેલું છે. પાદરી રજા સફાના સ્પર્શ કરીને અસાધ્ય રોગ ભગાડવાના છે! કેન્સર, ડાયાબીટીસ, અન્ધાપો, પંગુતા, શારીરીક ખોડખાંપણને દુર કરવાના છે. લોકોના ટોળેટોળાં ઉમટવાના છે! પત્રીકા અને પોસ્ટર દ્વારા કેમ્પનો પ્રચાર થઈ રહ્યો છે! જીલ્લાના ઉચ્ચ અધીકારીઓ હાજર રહેવાના છે!”

“આપણે પીપળકુવા ગામે જઈશું. પાદરીજીના આશીર્વાદ ગ્રહણ કરીશું અને પેટ્રોલમાંથી પાઈનેપલનું જયુસ બનાવશે તો મોજથી પેટ ભરીને પીશું!”

તારીખ 19 માર્ચ, 2000ને રવીવાર. સુરતની સત્યશોધક સભા’ના કાર્યકર સીધ્ધાર્થ દેગામી(સેલફોન : 94268 06446), મધુભાઈ કાકડીયા(સેલફોન : 98255 32234) અને ગુણવંત ચૌધરી(સેલફોન : 98251 46374)સોનગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યા. સવારના દસ વાગ્યા હતા. મધુભાઈએ પોલીસ ઈન્સ્પેક્ટર પવારને કહ્યું : “સાહેબ! અમારે પાદરીજીને સ્પર્શ કરવો છે! તેમનો રોગ અમારે દુર કરવો છે! અમને મંજુરી આપો!”

“પાદરીજી ખુદ બીજાના રોગ મટાડે છે. ત્રણ દીવસનો કેમ્પ છે. એમનો રોગ દુર કરવાની ચીંતા તમને કેમ છે?”

“સાહેબ! પાદરીજીના કારણે જાહેર આરોગ્ય જોખમાય છે! લોકો વીશ્વાસમાં રહે છે કે રોગ મટી જશે! પરન્તુ રોગ વકરે છે! માંદા લોકોની સ્થીતી વધુ ખરાબ થઈ જાય છે! પાદરીજી અન્ધશ્રદ્ધાના ડૉઝ આપે છે! ચમત્કારની વાતો ફેલાવી, પોતાનો ઈરાદો પાર પાડવાનો એને રોગ વળગેલો છે. અમે, એનું પગેરું મેળવવા માંગીએ છીએ!”

“મધુભાઈ, તમે પાદરીજીના કેમ્પ ઉપર જાવ તો ત્યાં બખેડો થાય. ત્યાં પાંચ–છ હજાર લોકોની મેદની હશે. તમે ત્યાં જઈને પાદરીજીનો વીરોધ કરો તો શ્રદ્ધાળુ લોકો તમારી ઉપર હુમલો કરે. અમે તમને ત્યાં જવાની મંજુરી આપી શકીએ નહીં.”

“સાહેબ! અમને પાંચ–છ પોલીસનો બન્દોબસ્ત આપો. અમે પાદરીજીને આજે સ્પર્શ કરવા ઈચ્છીએ છીએ!”

“મધુભાઈ, તમે સમજો. શ્રદ્ધાળુ લોકો પાદરીજીને ગૉડ માને છે! અને તમે એને માણસ બનાવવા જાવ તો મોટી અવ્યવસ્થા સર્જાય! ભયંકર ગડબડ થાય! એવી બબાલ હું ઈચ્છતો નથી.”

“સાહેબ! અમારી સાથે એક દર્દી છે. એ મુંગો છે. એને પાદરીજી બોલતો કરી આપે તો અમે પાદરીજીના શીષ્ય બની જઈશું! આ પત્રીકા જુઓ. પાદરીજીએ હજારો મુંગા લોકોને બોલતા કર્યા છે, એવો દાવો કર્યો છે!”

“મધુભાઈ, તમારી જેમ હું પણ રૅશનલ મીજાજ ધરાવું છું. પરન્તુ હું તમને ત્યાં નહીં જવા આગ્રહ કરું છું. ઉપરાંત હું તમારી સાથે પોલીસ પણ મોકલી શકું નહીં. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે જોવાની મારી ફરજ છે!”

“સાહેબ! કોઈ રસ્તો કાઢો. અમારે પાદરીજીને મળવું જ છે!”

“મધુભાઈ, હું વ્યવસ્થા કરું છું. પાદરીજીની સભા પુરી થયા પછી, તેમના ઉતારે તમે તમારા દર્દી સાથે મળી શકો, તે માટે હું ગોઠવણ કરી આપીશ. રાત્રે નવ વાગ્યે મારો સમ્પર્ક કરજો!”

સત્યશોધક સભાની ટીમ બપોરે એક વાગ્યે સુરત પરત આવી. એ સમયે પીપળકુવા ગામેથી ફોન આવ્યો : “સીધ્ધાર્થભાઈ! પાદરીજીએ ચમત્કારનું વાવાઝોડું ઉભું કર્યું છે! લોકોની લાંબી–લાંબી લાઈન થઈ ગઈ છે. પાદરીજીનો સ્પર્શ થતાં જ લોકોની તકલીફોનો અન્ત આવી જાય છે!”

“આને માસ–હીસ્ટેરીયા કહેવાય! સામુહીક ગાંડપણ!”

“સીદ્ધાર્થભાઈ! તમે શું કહેવા માંગો છો?”

“જુઓ. કોઈ કથાકારની સભામાં પાંચ લાખ લોકો બેઠાં હોય તો, એ મેદની જોઈને જ લોકો અંજાઈ જાય છે! પછી તે કથાકાર ભલે રાજાશાહી–સામન્તશાહી સામાજીક મુલ્યોનું રટણ કરતા હોય! એવાં મુલ્યો સમાજને પછાત બનાવતા હોય, સમાજને અવળી દીશામાં ધકેલતા હોય! લોકો વીશાળ ભીડ જોઈને વીચારવાનું બન્ધ કરી દે છે! સૌ એમ માને છે કે આટલા બધાં લોકો એકઠાં થયા છે, એટલે કથાકારમાં ઉચ્ચકોટીનું સત્ત્વ જરુર હશે! કથાકાર કલાકાર હોય છે, ભાષા ઉપર પ્રભુત્વ હોય છે. વશીકરણ માટે આટલું પુરતું હોય છે. કથાકારમાંથી મહાત્મા બનવા માટે કથાકારે માત્ર કપાળમાં કાળું તીલક અને ખભે કાળી–પીળી કામળી નાખવાની રહે! પાદરીજીએ કથાકારની જેમ કોઈ વેશભુષા ધારણ કરેલી છે?”

“હા, વેશભુષા ઉત્તમ છે! ગળાથી લઈને પગ સુધીનો સફેદ કોટ પહેર્યો છે. માથે સફેદ ટોપી ધારણ કરેલી છે! હાથમાં ધાર્મીક પુસ્તક છે. મન્ત્રોચ્ચાર કરે છે. સ્પર્શ કરે છે અને ચમત્કાર થાય છે!”

“તમે જાતે ચમત્કારનો અનુભવ કર્યો છે?”

“ના. સીધ્ધાર્થભાઈ! લોકો વાતો કરે છે!”

“બીલકુલ સાચું! ચમત્કાર ક્યારેય થતો નથી, પણ તેની ચર્ચા બહુ થાય છે!”

રાત્રીના દસ વાગ્યા સુધી, સોનગઢ પોલીસ સ્ટેશનના ફોનની રાહ જોઈ, છેવટે સીધ્ધાર્થભાઈએ પોલીસ ઈન્સ્પેક્ટરને ફોન કર્યો : “સાહેબ! પાદરીજી ઉતારાના સ્થળે અમને મુલાકાત આપવાના હતા, શું થયું?”

“સીધ્ધાર્થભાઈ! પાદરીજીના પી.એ. સાથે વાતચીત ચાલે છે. તમે સુરતથી રવાના થઈ સોનગઢ પોલીસ સ્ટેશને આવો. હું તમારી સાથે આવીશ!”

સત્યશોધક સભાની ટીમ પર્દાફાશ માટે તૈયાર બેઠી હતી. દર્દી તરીકે કોણે, કેવો ઢોંગ કરવો, તેનું રીહર્સલ થઈ ગયું હતું. સોનગઢ જવા રવાના થયા ત્યાં પોલીસ ઈન્સ્પેક્ટર પવારનો ફોન આવ્યો : “સીધ્ધાર્થભાઈ! તમે ચમત્કાર કર્યો છે! પાદરીજી અદૃશ્ય થઈ ગયા છે! તમારે તો સ્પર્શ કરવાની પણ જરુર ન પડી!”

–––––––––––––––––––––––––––––––––––––––––

(આવી છેતરામણ થઈ હોય તો, પુરતા પુરાવા સાથે, સીધ્ધાર્થ દેગામી(સેલફોન : 94268 06446), મધુભાઈ કાકડીયા(સેલફોન : 98255 32234) અને ગુણવંત ચૌધરી(સેલફોન : 98251 46374) તેમ જ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના https://govindmaru.wordpress.com/cck/ પેજ પર ગુજરાત રાજ્યના 12 ‘ચમત્કાર ચકાસણી કેન્દ્રો’ અને તેના કાર્યકરોના સેલફોન નમ્બર આપવામાં આવ્યા છે તેઓનો સમ્પર્ક કરવા જણાવાય છે.  …ગો. મારુ)

–––––––––––––––––––––––––––––––––––––––––

–રમેશ સવાણી, I.G.P.

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર પગેરું(08, માર્ચ, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile : 99099 26267  e.Mail : rjsavani@gmail.com

Read Full Post »

તાવીજ પહેરવાથી શૌહર સારું કમાશે!

(તસવીર સૌજન્ય : સંદેશ દૈનીક)

–રમેશ સવાણી

“મૌલવીજી! મારું નામ રેશ્મા. આ મારી નાની બહેન સાયરા છે. સાયરા માનસીક અસ્થીર છે. સારવાર ચાલુ છે. તમે નુરહજુરી ઈલમના જાણકાર છો, એવી મને જાણકારી મળી એટલે અમે તમારી પાસે આવ્યા છીએ!”

“રેશ્મા! તમે યોગ્ય જગ્યાએ આવ્યા છો. સાયરાની સ્થીતી મેલીવસ્તુના કારણે થઈ છે. મેલીવસ્તુનો નીકાલ દવાખાનામાં ન થાય. એકસો એકાવન ટકા સારું થઈ જશે. લોકો યુ.કે., યુ.એસ.એ., કેનેડા અને ઓસ્ટ્રેલીયાથી મારી પાસે આવે છે! અશક્ય કશું નથી, બધું શક્ય છે!”

“મૌલવીજી! સાયરાને સારું થઈ જાય તો અમારી ચીંતા ટળે. સાયરા તેર વર્ષની થઈ છતાં તેની માનસીક ઉમ્મર ચાર–પાંચ વર્ષના બાળક જેવી જ છે!”

“રેશ્મા! ચીંતા છોડી દે. સાયરાની જવાબદારી મારી. એવું કોઈ કામ નથી, જે મારાથી ન થાય! ખતરનાક ઈચ્છાધારી વશીકરણ, શત્રુનાશ, ધારેલી વ્યક્તીનું મીલન, સૌતનમુક્તી, એક તરફી પ્રેમ, દારુ છોડાવવા, સન્તાનપ્રાપ્તી, ધંધામાં બરક્ત, છુટાછેડા, પતીપત્ની વચ્ચે અણબનાવ, મન્ત્રતન્ત્ર, મુઠચોટ, સગાઈ, ગુપ્તબીમારી, વીઝામાં વીલમ્બ, બગડેલા સમ્બન્ધ સુધારવા વગેરે સમસ્યાઓનો મારી પાસે ઉકેલ છે. મેં કરેલું કામ કોઈ તોડી શકે નહીં. અને મારી પહેલાં કોઈ કામ કરી બતાવે તો રુપીયા પાંચ લાખનું ઈનામ આપવાની મેં જાહેરાત કરી છે!”

રેશ્મા સાદીકઅલી પટેલ (ઉમ્મર : 21) અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની હતી. તેની શાદી થઈ ગઈ હતી. પતી સાદીકઅલી સાઉથ આફ્રીકામાં ધંધા અર્થે ગયા હતા. રેશ્મા પીયરમાં હતી. નાની બહેનની ચીંતામાં તે જીવ બાળી રહી હતી. તે ઈચ્છતી હતી કે સાયરાને જલદી સારું થઈ જાય! મૌલવીજીના એ શબ્દો ‘એવું કોઈ કામ નથી જે મારાથી ન થાય!’– રેશ્માના હૃદયને ખુબ ગમ્યા! તેણે કહ્યું : “મૌલવીજી! મને શ્રદ્ધા છે. તમારા શબ્દો, આશીર્વાદ હકીકત બને!”

“રેશ્મા! ઉપરવાળો જરુર મદદ કરશે!”

મૌલવીજીએ ગ્લાસમાં પાણી લીધું. ગ્લાસમાં ત્રણ ફુંક મારી. પછી તે પાણી સાયરાને પીવડાવી દીધું! કહ્યું : “રેશ્મા! આવતા શુક્રવારે સાયરાને લઈને આવજે. બીજી વીધી કરવાની જરુર છે!”

મૌલવીજીનું નામ હતું ઈકબાલ અહમદ દેસાઈ (ઉમ્મર : 58). સુરતના તડકેશ્વર વીસ્તારમાં રહેતા હતા. દોરા–ધાગા, તન્ત્રમન્ત્ર દ્વારા ઈલાજ કરતા હતા. તે કાયમ લીલા રંગની વેશભુષામાં રહેતા. ગળામાં ચમકદાર નંગોની ત્રણ–ચાર માળાઓ પહેરતાં. તેમનું વ્યક્તીત્વ ધ્યાનાકર્ષક હતું!

શુક્રવારે રેશ્મા, સાયરાને લઈને મૌલવીજી પાસે આવી, કહ્યું : “મૌલવીજી, છેલ્લાં એક વીકથી સાયરાને સારું રહે છે. તોફાન ઓછા કરે છે! મને વીશ્વાસ બેસી ગયો છે કે સાયરાને જલદી સારું થઈ જશે!”

“રેશ્મા! ઈલમની અસર છે! એવું કોઈ કામ નથી, જે મારાથી ન થાય!

મૌલવીજીએ કાળો દોરો હાથમાં લીધો. તેના ઉપર ત્રણ ફુંક મારી. પછી તે દોરો સાયરાના જમણા કાંડે બાંધી દીધો! લોબાનનો ધુપ કર્યો. મન્ત્રતન્ત્રની વીધી કરી, કહ્યું : “રેશ્મા, આવતા શુક્રવારે એકલી આવજે. સાયરાને સાથે લાવવાની જરુર નથી. કુટુમ્બના કોઈ એક સભ્ય ઉપર વીધી કરીએ તો પણ બીજા સભ્ય ઉપર અસર થાય છે!”

સાયરાને સાથે લઈને સુરત જવું–આવવું મુશ્કેલ હતું. રેશ્માને શાંતી થઈ. શુક્રવારે રેશ્મા મૌલવીજી પાસે પહોંચી. મૌલવીજીએ પુછયું : “રેશ્મા! સાયરાને કેમ છે?”

“મૌલવીજી! ઘણો સુધારો છે!”

“થોડા દીવસોમાં સાયરાને સારું થઈ જશે! રેશ્મા, આજે તને જુદા કારણસર મેં અહીં બોલાવી છે!”

“મૌલવીજી! કહો કયું કારણ છે?”

“રેશ્મા! તું ગુપ્તતા! જાળવે તો કહું!”

“મૌલવીજી! કસમ ખાઈને કહું છું. તમે જે કંઈ કહેશો તે કોઈને નહીં કહું!”

“રેશ્મા! સાઉથ આફ્રીકામાં તારા શૌહરને ધંધામાં મુશ્કેલી છે!”

“મૌલવીજી! તમને કઈ રીતે ખબર પડી?”

“રેશ્મા! મન્ત્રતન્ત્રની વીધી દ્વારા મને જાણવા મળ્યું છે!”

રેશમાના ચહેરા ઉપર ચીંતાના વાદળો ઘેરાવા લાગ્યા. તેના કપાળે પરસેવો વળી ગયો. રેશ્માએ કહ્યું : “મૌલવીજી! આનો કોઈ ઉકેલ તમારી પાસે છે?”

“રેશ્મા! ચીંતા કેમ કરે છે? એવું કોઈ કામ નથી, જે મારાથી ન થાય!

મૌલવીજીએ લોબાનનો ધુપ કર્યો. અગરબત્તીઓ પેટાવી. રેશ્માના માથા ઉપર મોરપીંછની સાવરણી ફેરવી. કાળા રંગના તાવીજ ઉપર ત્રણ ફુંક મારી અને તે તાવીજ રેશ્માના જમણા બાવડા ઉપર બાંધીને મૌલવીજીએ કહ્યું : “રેશ્મા! આ તાવીજ પહેરવાથી શૌહર સારું કમાશે! કોઈ અડચણ નહીં આવે!”

રેશ્માના ચહેરા ઉપર ખુશીઓ આળોટવા લાગી! તેણે મૌલવીજીના સલામ કરીને કહ્યું : “મૌલવીજી! ખરેખર, તમે જે કરી શકો, તે કોઈ ન કરી શકે! તમે મને ચીંતાના દરીયામાં ડુબતી બચાવી લીધી છે!”

“રેશ્મા! એક નાનકડી વીધી બાકી છે. એ વીધી પછી કોઈ ચીંતા જ નહીં રહે! આ વીધી જીતાલી ગામે, તારા નીવાસસ્થાને કરવી પડશે!”

“મૌલવીજી! તમે મારા ઘેર આવશો, એ તો અમારું સદ્ભાગ્ય કહેવાય! મારા માતા–પીતા તમારા દર્શન કરવા આતુર છે! હું તો રાજી–રાજી થઈ જઈશ!”

તારીખ 14 નવેમ્બર, 2011ને સોમવાર. બપોરના ત્રણ વાગ્યે મૌલવીજીએ, રેશ્માના ઘેર પધરામણી કરી. ઘરના સભ્યો આનન્દવીભોર બની ગયા! મૌલવીજીએ કહ્યું : “વીધીમાં બે કલાક લાગશે, ત્યાં સુધી રેશ્મા સીવાયના સૌ સભ્યોને, ઘરથી સો મીટર દુર જઈને ઉભા રહેવાનું છે! વીધી પુરી કર્યા બાદ હું અહીંથી જતો રહું ત્યારે જ તમારે પરત આવવાનું છે!”

ઘરના સૌ સભ્યો નીવાસસ્થાન છોડીને જતા રહ્યા ત્યારે મૌલવીજીએ કહ્યું : “રેશ્મા! આ વીધી ગુપ્ત છે અને બન્ધ રુમમાં જ કરવી પડશે!”

“ભલે. મૌલવીજી!”

“રેશ્મા! આજની વીધી પછી તારા શૌહરની બરકત થશે! શરત એટલી છે કે વીધીની કોઈ વાત ક્યારેય કોઈને કરવાની નથી. સાદીકને પણ નહીં! જો કોઈને ગન્ધ પણ આવશે તો વીધીની અવળી અસર થશે. સાયરા વધુ પાગલ થઈ જશે. રેશ્મા, તારી પણ એવી જ હાલત થઈ જશે! સાદીક તને છોડીને જતો રહેશે!”

“મૌલવીજી! હું કસમ ખાઈને કહું છું. વીધી કાયમ ગુપ્ત જ રહેશે!”

“રેશ્મા! આવી અદ્ભુત પ્રતીબધ્ધતા હોય, આવી શ્રદ્ધા હોય, તો જ વીધી, તન્ત્રમન્ત્રની અસર થાય!”

મૌલવીજીએ બન્ધ રુમમાં વીધીની તૈયારી કરી. તેમણે લીલા રંગની વેશભુષા ઉતારીને એક બાજુએ મુકી. રેશ્મા હેબતાઈ ગઈ. મૌલવીજીએ કહ્યું : “રેશ્મા! સંકોચ છોડી દે! સંકોચ કરીશ તો વીધી બીજી વખત કરવી પડશે!”

“મૌલવીજી! તમે શું કરી રહ્યા છો? આને વીધી કહેવાય?”

“રેશ્મા! આ વીધીનો એક નાનકડો ભાગ છે. વીધી કરવાથી ફાયદો છે, ન કરવાથી કલ્પના ન કરી શકીએ, તેવું નુકસાન થાય!”

“મૌલવીજી! આવું કામ તમે કઈ રીતે કરી શકો? તમારી ઉમ્મર તો જુઓ!”

“રેશ્મા! એવું કોઈ કામ નથી, જે મારાથી ન થાય!

મૌલવીજી! તમે સમજ્યા નહીં. હું તમારી દીકરી જેવી છું! દીકરી સાથે આવી વીધી કેમ થઈ શકે?”

રેશ્માનું વીચારતન્ત્ર ખોરવાઈ ગયું. તે બેહોશ થઈ ઢળી પડી. મૌલવીજીએ વીધી પુર્ણ કરી.

તારીખ 01 જાન્યુઆરી, 2012ના રોજ સાદીકભાઈ સાઉથ આફ્રીકાથી પરત ફર્યા. રેશ્માને સાસરીએ તેડી ગયા. અચાનક રેશ્માને ઉલટી થઈ. તેની સાસુને શંકા ગઈ. રેશ્માનું મેડીકલ ચેકઅપ કરાવ્યું. રેશ્માના પેટમાં બે મહીનાનો ગર્ભ હતો! પતી સાદીકભાઈએ રેશ્માને ધરપત આપી. રેશ્માએ જે બન્યું હતું તેનું વર્ણન કર્યું.

અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી. જે. આઈ. વસાવા રેશ્માની ફરીયાદ રજીસ્ટર કરી, મૌલવીજીને જેલમાં પુર્યો!

(પીડીતાનું નામ કાલ્પનીક છે)

–રમેશ સવાણી

‘સંદેશ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર પગેરું(19, એપ્રીલ, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile: 99099 26267  e.Mail: rjsavani@gmail.com

 અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ :  govindmaru@gmail.com

 

 

Read Full Post »

ગોવીન્દનો આત્મા જવાબ આપી શક્યો..!

–રમેશ સવાણી

તારીખ 30 ડીસેમ્બર, 1990ને રવીવારે સાંજના પાંચ થયા હતા. ભાવનગર જીલ્લાના બગદાણા ગામે લોકશાળાના વીદ્યાર્થીઓનો નેશનલ સર્વીસ સ્કીમ(NSS)નો કેમ્પ હતો. ‘ઝેર તો પીધા જાણી જાણી’ના લેખક મનુભાઈ પંચોળી ‘દર્શક’ (ઉમ્મર : 76) ઉપસ્થીત હતા. ચમત્કાર ચકાસણી કેન્દ્ર, પાલીતાણાના ચતુરભાઈ ચૌહાણ (ઉમ્મર : 45) વીદ્યાર્થીઓ સમક્ષ ચમત્કારનો પર્દાફાશ કરી રહ્યા હતા. વીદ્યાર્થીઓ કુતુહલથી ચતુરભાઈના પ્રયોગો નીહાળી રહ્યા હતા. ચતુરભાઈએ વીદ્યાર્થીઓને કહ્યું : “તમારા મનમાં પ્રશ્નો ઉદ્ ભવતા હોય તો પુછો!

“ચતુરભાઈ! ચમત્કાર થાય છે કે નહીં?”

ચમત્કાર માત્ર ભણતરથી થાય! તમારામાંથી કોઈ ડૉક્ટર બનશે, એન્જીનીયર બનશે, કોઈ ઉચ્ચ અધીકારી બનશે, કોઈ મુખ્યમન્ત્રી કે પ્રધાનમન્ત્રી બનશે! ભણતર માણસને સારો નાગરીક બનાવે છે! ભણતર, માણસને જેલમાં જતા રોકે છે! આવું બને તે ચમત્કાર કહેવાય! બીજી કંઈપણ રીતે ચમત્કાર થઈ શકે નહીં.”

“ચતુરભાઈ! ભુત–પ્રેત છે કે નહીં? આત્મા ભટકતો રહે છે?”

“જુઓ. આ બધું અજ્ઞાની કે લાલચુ માણસોએ ઉભી કરેલી ભ્રમ જાળ છે. તન, મન અને ધનનું શોષણ કરવાના આ તરીકા છે! ભુવાઓ પોતાની ગરીબાઈનું ભુત કાઢી શક્તો નથી! એટલે કે પોતાની સ્થીતી સુધારી શક્તો નથી! વીંછીનું ઝેર ઉતારનારને વીંછી ડંખ મારે તો તે પોતાનું ઝેર ઉતારી શક્તો નથી! કેમકે તે જાણે છે કે પોતે ઝેર ઉતારવાનો ઢોંગ કરે છે!”

“પણ આપણે હકીકતમાં જોઈએ છીએ કે અમુકને વીંછીએ ડંખ માર્યો હોય અને ઝેર ઉતારનાર પાસે તેને લઈ જવામાં આવે તો ઝેર ઉતરી જાય છે! એવું કેમ?”

“વીંછીનું ઝેર ઉતરી જાય છે તે વાત સાચી; પરન્તુ તેમાં કોઈ મન્ત્ર–તન્ત્ર કામ કરતા નથી! સાયકોલોજી કામ કરે છે! અહીં મનુભાઈ પંચોળી બેઠા છે. કોઈ વીદ્યાર્થીને વીંછી ડંખ મારે તો તેને પહેલેથી કહેવું પડે કે મનુભાઈ ગમે તેવા વીંછીનું ઝેર ચપટી વગાડતા ઉતારી નાખે છે! પછી જ્યાં વીંછીએ ડંખ માર્યો હોય ત્યાં મનુભાઈ મન્ત્રોચ્ચારનો ઢોંગ કરતા–કરતા સ્પર્શ કરે તો વીંછીનું ઝેર ઉતરી જશે! તમે આ પ્રયોગ કરી શકો છો!”

“ચતુરભાઈ! માણસ જીવતો હોય ત્યારે પોતાનો ઉદ્ધાર કરી શક્યો ન હોય અને તેના મરણ પછી તેના આત્માનો ઉદ્ધાર થાય? તેને સ્વર્ગમાં સ્થાન મળે?”

“જુઓ, વીદ્યાર્થી મીત્રો! એવું કહેવાય છે કે સ્વર્ગમાં કશીય મહેનત કર્યા સીવાય બધી સુખ–સગવડો મળે છે. રંભા, ઉર્વશી, મેનકા, તીલોત્તમા વગેરે રુપાળી અપ્સરાઓ સેવામાં હાજર રહે છે! એને સ્વર્ગ કહેવાય કે અડ્ડો?  માણસનો ઉદ્ધાર ભણતર, વીવેકબુદ્ધી અને પરીશ્રમથી થાય, મન્ત્ર–તન્ત્રથી ન થાય! પરલોકમાં સ્વર્ગ છે કે નહીં, તેની ખબર નથી; પરન્તુ આ લોકમાં સ્વર્ગ જરુર ઉભું કરી શકાય છે!”

“ચતુરભાઈ! મૃત્યુ પછી માણસનો આત્મા ભટકતો રહે છે, એ વાત સાચી?”

“મરણ પછી આત્મા ભટકે છે કે નહીં તેની ખબર નથી; પરન્તુ ભટકતા આત્માની શાંતી માટે જે વીધીઓ આપણે કરીએ છીએ તે સાવ ખોટી છે!”

“ચતુરભાઈ! તમે ક્યા આધારે કહો છો કે મરણ પાછળની વીધીઓ ખોટી છે?’’

“ગાય અને ભેંસને આત્મા હોય કે નહીં?”

“દરેક જીવને આત્મા હોય! શરીરમાંથી આત્મા જતો રહે એટલે મૃત્યુ થાય! શરીર નાશવન્ત છે, આત્મા અમર છે! આત્મા બીજો જન્મ ધારણ ન કરે ત્યાં સુધી ભટકતો રહે છે. મનુષ્ય જેવા કર્મો કરે તેવો આત્માનો નવો જન્મ થાય. સારા કર્મો કર્યા હોય તે પુણ્યાત્મા, પાપ કર્યા હોય તે પાપાત્મા અને જેની વાસના, ઈચ્છા અધુરી રહી જાય તે પ્રેતાત્મા બને! ચોરાશી લાખ જન્મ લેવા પડે! એવું કથાકારો, શાસ્ત્રીઓ, સ્વામીઓ, બાપુઓ રટણ કર્યા કરે છે, તે સાચું છે?”

વીદ્યાર્થી મીત્રો! આ બધી ભ્રમજાળ છે. આત્માની શાંતી માટે ખર્ચાળ વીધીઓ, પુજાપાઠ, મન્ત્રજાપ, તર્પણ, શ્રાદ્ધ, નારાયણબલી વગેરેમાં ધન વેડફાય છે. ગાય અને ભેંસના મરણ પછી તેના આત્માની શાંતી માટેની કોઈ વીધી કરતું નથી! શું ગાય–ભેંસના આત્માને શાંતીની જરુર ન પડે? શું ગાય–ભેંસના આત્માના મોક્ષ માટે નહીં ને આપણા જ માટે વીધીઓ કરવી પડે? આત્માના મોક્ષ માટે આપણે જે વીધીઓ કરીએ છીએ તે આપણા સંતોષ માટે કરીએ છીએ! આત્માના સંતોષ માટે નહીં!”

“ચતુરભાઈ! માની લઈએ કે માતાજી નથી, ભગવાન નથી, પુનર્જનમ નથી, કર્મ મુજબનું ફળ મળતું નથી તો માણસે સારો વ્યવહાર શા માટે કરવો જોઈએ! નીતી મુજબ શા માટે જીવવું જોઈએ!”

“વીદ્યાર્થીઓ! તમે તમારી જાતને પુછો. તમારી ચીજવસ્તુ કોઈ ચોરી જાય તો તમને ગમે? તમારી સાથે છેતરપીંડી થાય તો તમને ગમે? તમારી ઉપર હુમલો થાય, તમારો કોઈ તીરસ્કાર કરે, તમને કોઈ ખોટું કહે તો તમને ગમે? બીલકુલ ન ગમે! જે વર્તન આપણને ગમતું નથી, તેવું વર્તન આપણે બીજા સાથે પણ કરવું ન જોઈએ. આ થઈ નીતીમત્તા! આ નીતીમત્તા એ જ ધર્મ! આ નીતીમત્તા એ જ સંસ્કાર!”

ગરીબો, વંચીતો, દલીતો(ભારતીય બંધારણ મુજબ : અનુસુચીત જાતી અને જનજાતી) તેના ગત જન્મના કર્મના કારણે દુઃખી થાય છે, એ સાચું?”

“તે બીલકુલ ખોટું છે! ગરીબો, વંચીતો, દલીતોના દુઃખનું કારણ શોષણ છે! તકનો અભાવ છે! અન્યાયી સમાજવ્યવસ્થા છે! અન્ધશ્રદ્ધા છે! ભણતરનો અભાવ છે!” ચતુરભાઈ અટક્યા; તેના કાને ડાકલાંનો અવાજ સંભળાયો! ગામમાં ડાકલાં વાગી રહ્યા હતા. વૈજ્ઞાનીક અભીગમ કેળવવાની ચર્ચા ચાલતી હતી એવા સમયે ડાકલાંનો અવાજ આવતા રમુજનું દૃશ્ય ખડું થયું!

મનુભાઈ પંચોલીએ કહ્યું : “ચતુરભાઈ! અન્ધશ્રદ્ધા આપણા ખભે ચડી ગઈ છે, એને પછાડવી જ પડશે! તમે લોકશીક્ષણનું ખરું કામ કરો છો!”

ચતુરભાઈ, થોડા વીદ્યાર્થીઓ સાથે લઈને ગામમાં જ્યાં ડાકલાં વાગતા હતા ત્યાં પહોંચ્યા. ચતુરભાઈએ પુછ્યું : “ભુવાજી! ડાકલાં કેમ વગાડો છો?”

“પવીત્ર પ્રસંગ છે! અરજણભાઈનો દીકરો ગોવીન્દ અઢાર વરસનો હતો. નવમા ધોરણમાં ભણતો હતો. કેન્સરના કારણે તેનું મરણ થયું. એની પરણવાની ઈચ્છા, અરમાનો અધુરા રહેવાથી, તેના આત્માને શાંતી મળે તે માટે લીલ પરણાવવી પડે!”

“ભુવાજી! ગોવીન્દની ઈચ્છા અધુરી રહી ગઈ છે, એની ખબર કઈ રીતે પડી?”

“ગોવીન્દનો આત્મા ભટકે છે! થોડા સમય પછી ગોવીન્દનો આત્મા કોઈના શરીરમાં પ્રવેશ કરશે. ગોવીન્દ ખુદ બોલશે!”

ચતુરભાઈ મુંઝવણમાં પડ્યા. ભુવાજીને સમજાવવાનો કોઈ અર્થ ન હતો. ચતુરભાઈએ ગોવીન્દના કુટુમ્બીજનોને સમજાવી જોયા પણ સૌએ કહ્યું : “ ભુવાજી કરે અને કહે તે સાચું!”

ભુવાજીએ ડાકલાંનો રમરમાટ શરુ કર્યો. કેટલાયના શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ! ચતુરભાઈની મુંઝવણ વધી ગઈ. ભુવાજીનો પર્દાફાશ કઈ રીતે કરવો? ગોવીન્દના કુટુમ્બીજનોને કઈ રીતે સમજાવવા?

સૌ કુતુહલથી ભુવાજીને તાકી રહ્યા હતા. ગોવીન્દના આત્મા સાથે વાત કરવાની તાલાવેલી કુટુમ્બીજનોને હતી. ડાકલાંના અવાજથી વાતાવરણમાં ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. ભુવાજીના વેશ, વાણી અને ડાકલાંને કારણે અગોચર તત્ત્વની ચર્ચા સૌ કરતાં હતા.

ત્યાં ભુવાજીએ ત્રાડ પાડી. ગોવીન્દના ભાભી કાશીબેનનું (ઉમ્મર : 30) શરીર ધ્રુજવા લાગ્યું. ભુવાજીએ કાશીબેનને પુછ્યું : “કોણ છો?”

“હું ગોવીન્દ છું!”

“ગોવીન્દ! તું કયાં હતો?”

“ભુવાજી! હું કેટલાંય લોક ફરીને આવ્યો છું!”

“અહીં કેમ આવ્યો છે?”

“ભુવાજી! હું તમારો મહેમાન છું!”

“ગોવીન્દ! તારી કોઈ ઈચ્છા છે?”

“ભુવાજી! લીલ પરણાવવી પડશે! પરણવાની મારી ઈચ્છા અધુરી રહી ગઈ છે.”

“ગોવીન્દ! ચીંતા ન કર! લીલની વીધી જ થઈ રહી છે!”

“ગોવીન્દ! તારી બીજી કોઈ ઈચ્છા અધુરી રહી ગઈ છે?”

“ના ભુવાજી ના! બીજી કોઈ ઈચ્છા અધુરી નથી રહી!”

ચતુરભાઈ અચરજ પામી ગયા. કાશીબેનના શરીરમાં ગોવીન્દના આત્માએ પ્રવેશ કર્યો હતો, અને કાશીબેન ગોવીન્દ વતી બોલી રહ્યા હતા! સૌ કુટુમ્બીજનો કાશીબેનને પગે લાગી રહ્યા હતા! ભુવાજી ડાકલાંની તમતમાટી બોલાવી રહ્યા હતા. ચતુરભાઈ મનમાં ને મનમાં મુંઝાતાં હતા. ભુવાજીનું તર્કટ કઈ રીતે ખુલ્લું કરવું. ધતીંગનું પગેરું કઈ રીતે મેળવવું તે અંગે ચતુરભાઈ વીચારી રહ્યા હતા. વીદ્યાર્થીઓ ચતુરભાઈને તાકી રહ્યા હતા!

ચતુરભાઈએ કહ્યું : “કાશીબેન! હું પુછું તેનો જવાબ આપશો?”

“હું ગોવીન્દ છું! કાશીબેન નહીં! જે પુછવું હોય તે પુછો!”

કાશીબેન સતત ધુણી રહ્યા હતા. કાશીબેન બે ચોપડી જ ભણ્યા હતા. ચતુરભાઈએ પુછ્યું : “ગોવીન્દ! તું ભણવામાં હોશીયાર હતો?”

“હા, હું પ્રથમ નમ્બરે જ પાસ થતો!”

“ગોવીન્દ! તને એ.બી.સી.ડી. આવડે છે?”

“એ તો હું પાંચમાં ધોરણમાં શીખી ગયેલો!”

“ગોવીન્દ! તારા મોઢે મારે એ.બી.સી.ડી. સાંભળવી છે! એક વખત બોલી જા! મારી પાસે પુસ્તક છે. તેમાં એ.બી.સી.ડી. છે. તું જોઈને પણ બોલી શકે છે!”

ચતુરભાઈએ કાશીબેન સામે પુસ્તક મુક્યું. કાશીબેને વાંચવાનો પ્રયત્ન કર્યો પણ તે એ.બી.સી.ડી. વાંચી શક્યા નહીં! કાશીબેનના શરીરમાંથી ધ્રુજારી તરત જ અલોપ થઈ ગઈ! ગોવીન્દનો આત્મા બોલતો બન્ધ થઈ ગયો!

ભુવાજીએ ડાકલાં બંધ કરીને ચતુરભાઈને કહ્યું : “તમારી જેવા નાસ્તીકની હાજરીના કારણે ગોવીન્દનો આત્મા નાસી ગયો!”

ચતુરભાઈએ ગોવીન્દના પરીવારજનોને સમજાવ્યા. ભુવાજીની સ્થીતી કફોડી થઈ ગઈ!

ચતુરભાઈએ કહ્યું : “ભુવાજી! ભટકતા આત્માની ચીંતા કરવાને બદલે હવે પછી તમારા શરીરમાંથી આત્મા નાસી ન જાય તેની ચીંતા કરજો!”

–––––––––––––––––––––––––––––––––––––––––

(આવી છેતરામણ થઈ હોય તો, પુરતા પુરાવા સાથે, ચતુરભાઈ ચૌહાણ (સેલફોન : 98982 16029)ચમત્કાર ચકાસણી કેન્દ્ર, ચાંદખેડા, અમદાવાદ 382 424 તેમ જ મારા ‘અભીવ્યક્તી’  બ્લોગના https://govindmaru.wordpress.com/cck/ પેજ પર ગુજરાત રાજ્યના 12 ચમત્કાર ચકાસણી કેન્દ્રો’ અને તેના કાર્યકરોના સેલફોન નમ્બર આપવામાં આવ્યા છે તેઓનો સમ્પર્ક કરવા જણાવાય છે.  …ગો. મારુ)

–––––––––––––––––––––––––––––––––––––––––

–રમેશ સવાણી

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10–Jatin Banglo, B/h–Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile : 99099 26267  e.Mail : rjsavani@gmail.com

ગામડે ગામડે અને શહેરોની લાયન્સ ક્લબ, જેસીઝ ક્લબ અને સામાજીક સંસ્થાઓ, જ્ઞાતી મંડળો, મહીલા મંડળો અને સ્કુલ–કૉલેજોમાં જઈને શ્રી. ચતુર ચૌહાણ વહેમ–અન્ધશ્રદ્ધા નીવારણના નીદર્શન–કાર્યક્મો કરે છે. તેઓનું પુસ્તક ચમત્કારથી ચેતો અથવા બે કરોડ જીતો (પ્રકાશક અને સંકલનકર્તા : પીયુષ જાદુગર, એડવોકેટ, 4/એ, અચલ રેસીડેન્સી–2, કીર્તીધામ જૈન મન્દીર પાછળ, ચાંદખેડા, અમદાવાદ382 424. સેલફોન : 94260 48351 મુખ્ય વીતરક : શ્રી. નાથુભાઈ ડોડીયા, મન્ત્રી, આર્યસમાજ, નવાડેરા, ભરુચ392 001. સેલફોન : 99988 07256 પાનાં : 90, મુલ્ય : રુપીયા 20/–)માંનો આ ચોથો લેખ, પુસ્તકનાં પાન 19થી 23 ઉપરથી, તેમ જ આ લેખ ‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી લેખકશ્રી રમેશ સવાણી, I.G.P.ની રૅશનલ કૉલમ પગેરું’(તારીખ 28, સપ્ટેમ્બર, 2016)માં પણ પ્રગટ થયો હતો. ‘સંદેશ’ દૈનીકના તેમ જ ચમત્કારથી ચેતો અથવા બે કરોડ જીતોના પ્રકાશકશ્રીઓ અને લેખકશ્રીના સૌજન્યથી સાભાર..

Read Full Post »

(તસવીર સૌજન્ય : સંદેશ દૈનીક)

અદ્ ભુત અરીસો!

–રમેશ સવાણી, I.G.P.

 “અબ્દુલભાઈ! મારા ઘરમાં ચોરી થઈ છે. કોઈ ચોર ઘરમાંથી પચાસ હજાર લઈ ગયો છે. પોલીસમાં ફરીયાદ કરી પણ પોલીસ પણ ચોર શોધી શકી નથી. મારા પૈસા કયારે પરત મળશે?”

“સરોજબહેન! તમે ચીંતા છોડો. આ સંગીતા ચોરને શોધી કાઢશે!”

“અબ્દુલભાઈ! સંગીતા તો નાની છોકરી છે. બાળક કહેવાય! એ કઈ રીતે ચોરનું પગેરું મેળવી શકે?”

“સરોજબહેન! સંગીતાએ અગાઉ કેટલાય ચોરોની માહીતી આપી છે! થોડાં સમય પહેલાં પોલીસ કમીશનર ઓફીસમાંથી બે પોલીસ અધીકારી આવ્યા હતા. તેઓ ઘરફોડીયાને શોધતાં હતા પણ એનું પગેરું મળતું ન હતું. સંગીતાએ તરત જ ઘરફોડીયાના નામ–ઠેકાણાં કહી દીધાં!”

સરોજબહેનના ચહેરા ઉપર આશાનું કીરણ ફરી વળ્યું. અબ્દુલ કાદર શેખે (ઉમ્મર : 50) સંગીતાને કહ્યું : “બેટી સંગીતા! આ સરોજબહેનના ઘરમાંથી ચોરી કરનાર કોણ છે? હાલએ કઈ જગ્યાએ છે?”

સંગીતાએ અરીસામાં જોઈને કહ્યું : “ચોર દેખાય છે! પાંચ ફુટ ઉંચાઈ છે. શરીરનો રંગ કાળો છે!”

સરોજબહેન સંગીતાને થોડીવાર તાકી રહ્યાં, પછી પુછયું : “સંગીતા! મને તો અરીસામાં કંઈ દેખાતું નથી. તને કઈ રીતે દેખાય છે?”

“સરોજબહેન! આ અરીસો ચમત્કારીક છે. અબ્દુલચાચા છ મહીના પહેલાં અજમેરથી લાવ્યા છે. આ અરીસામાં બીજા કોઈને કંઈ દેખાતું નથી. અબ્દુલચાચાને પણ કંઈ દેખાતું નથી. માત્ર મને જ બધું દેખાય છે!”

“સંગીતા! ચોરનું નામ શું છે? હાલએ કઈ જગ્યાએ છે?”

“સરોજબહેન, ચોરનું નામ છગન છાટકો છે. એની ઉમ્મર પચ્ચીસ વર્ષની છે. હાલ તે કામરેજ ચાર રસ્તાએ ઉભો છે. તેના ખીસ્સામાં ચાલીસ હજાર છે! તેણે કાળું પેન્ટ અને કાળો શર્ટ પહેરેલો છે! સરોજબહેન તમે તાત્કાલીક કામરેજ ચાર રસ્તા પર પહોંચો! ચોર ત્યાં બે કલાક રોકાવાનો છે!”

સરોજબહેન તરત જ રીક્ષામાં બેસી કામરેજ ચોકડી તરફ રવાના થયા.

પછી મીનાબહેન, દક્ષાબહેન, સમજુબહેન, યાસ્મીનબહેન, સતારભાઈ, પરેશભાઈ, ભુપતભાઈ, શંકરભાઈ, ગુલાબભાઈ વગેરેએ સંગીતાને પ્રશ્નો પુછયા. સંગીતાએ અરીસામાં જોઈને જવાબો આપ્યા! કોઈએ એક પ્રશ્ન પુછયો, તો કોઈએ પન્દર પ્રશ્નો પુછયા. પ્રશ્નદીઠ એકતાલીસ રુપીયા અરીસા પાસે  મુકવાની પ્રથા હતી. છેલ્લા પાંચ મહીનાથી અરીસા પાસે રુપીયાનો ઢગલો થતો હતો! સુરત શહેરમાં જ નહીં; પણ દુરદુર સુધી અદ્ ભુત અરીસાની ચર્ચાએ જોર પક્ડ્યું. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી લોકો અબ્દુલભાઈના ઘેર આવવા લાગ્યા. સુરતના રુદરપુરા વીસ્તારમાં, બોમ્બે કોલોનીમાં પોતાના પરીવાર સાથે અબ્દુલ શેખ રહેતા હતા. બાજુમાં બચુભાઈ શર્મા રહેતા હતા. સંગીતા (ઉમ્મર : 11) બચુભાઈની દીકરી. અબ્દુલભાઈનો અરીસો અને તેમાં માત્ર સંગીતાને ખોવાયેલ વસ્તુઓ, ખોવાયેલ વ્યક્તીઓ દેખાતી હતી, એનું અચરજ સૌને થતું હતું!

તારીખ 03 ફેબ્રુઆરી, 2002ને રવીવાર. બપોરના 12:30 થયા હતા. અબ્દુલભાઈના ઘેર એક બહેન આવ્યા. અબ્દુલભાઈએ પુછયું : “બહેન, તમારું નામ?”

“મારું નામ ઝહોરાબહેન સાયકલવાળા છે!

“શું સમસ્યા છે? આ સંગીતા અરીસામાં જોઈને સચોટ જવાબ આપશે!”

ઝહોરાબેને સંગીતા તફર જોયું. સંગીતાનો નીર્દોષ ચહેરો મરક–મરક હસતો હતો. ઝહોરાબેને પુછયું : “સંગીતા! મારી સમસ્યા જુદી છે!”

“જે હોય તે કહો. આ અરીસો અદ્ભુત છે. જે કંઈ પુછવું હોય તે પુછો તેનો ઉકેલ તે બતાવે છે!”

“સંગીતા, મારા પતીનું નામ ફીરોઝ છે. સાલો દારુડીયો છે! મને મારઝુડ કરે છે! આ મારઝુડ બન્ધ થઈ જાય એવી કોઈ તરકીબ છે?”

સંગીતા ગમ્ભીર બની અરીસાને તાકી રહી. તેના ચહેરા ઉપર હાવભાવ ફરતા રહ્યા. થોડીવારે સંગીતાએ કહ્યું : “જુઓ, ઝહોરાબહેન, ઉપાય સાવ સરળ છે. રસ્તા ઉપર હોય તેવી કોઈપણ દરગાહ ઉપર શુક્રવારે સફેદ ફુલ ચડાવશો તો મારઝુડ સાવ બન્ધ થઈ જશે!”

ઝહોરાબહેન સંગીતાને તાકી રહ્યા, પછી પુછ્યું : “સંગીતા! તારી આટલી નાની ઉમ્મરમાં તને આવું બધું કોણે શીખવ્યું છે?”

“કોઈએ મને શીખવ્યું નથી. આ તો અરીસાની કમાલ છે. મારી દૃષ્ટી અરીસા ઉપર પડે એટલે મને દેખાય છે!”

ઝહોરાબહેન વધુ પ્રશ્નો પુછવા માંગતા હતા પણ અબ્દુલભાઈએ તેમને રોક્યા અને કહ્યું : “ઝહોરાબહેન, બીજા પ્રશ્નો માટે આવતા રવીવારે આવજો. આજે ભીડ વધુ છે. બીજાનો વારો આવવા દો!”

“અબ્દુલભાઈ! હું કલાકથી બેઠો છું. હવે મારો વારો!” ગુણવંતભાઈ ચૌધરી વચ્ચે બોલી ઉઠયા.

“ગુણવંતભાઈ, બોલો તમારી સમસ્યા શું છે? “અબ્દુલભાઈએ સૌને શાંત રહેવા ઈશારો કર્યો. છ–સાત માણસો સંગીતાને તાકી રહ્યા હતા.

ગુણવંતભાઈએ સંગીતાના માથા ઉપર હાથ મુકીને પુછયું : “દીકરી સંગીતા! મારી વીસ વરસની દીકરી પાયલ છેલ્લા ચાર દીવસથી ઘેર આવી નથી. 17 ફેબ્રુઆરીના રોજ પાયલના મેરેજ છે. હું કોઈને મોઢું દેખાડી શકું તેમ નથી! પાયલ કયાં છે? કોની સાથે છે?”

સંગીતા અરીસાને તાકીને કહ્યું : “ગુણવંતકાકા! ચીંતાનો વીષય છે. પાયલ બહુ જ દુઃખી છે. રડે છે!”

“સંગીતા, મને વીશ્વાસ છે કે પાયલ કયારેય રડે નહીં! સંગીતા, તને ઝાખું તો દેખાતું નથી ને? અરીસા ઉપર કપડું ફેરવ. કદાચ સ્પષ્ટ દેખાય!”

સંગીતાએ અરીસા ઉપર કપડું ફેરવી સફાઈ કરી, પછી કહ્યું : “ગુણવંતકાકા, પાયલ બહુ જ રડે છે! એનો અવાજ મને સંભળાય છે! એની બાજુમાં પાંચ ફુટ ઉંચો યુવાન છે. યુવાન શરીરે કાળો છે. તેણે જાંબલી કલરનો શર્ટ પહેર્યો છે. સુરતના રેલવે સ્ટેશને બન્ને બેઠાં છે. મુમ્બઈ જવાની તૈયારીમાં છે! પાયલ ઘેર પરત ફરે તેવું તમે ઈચ્છતા હો તો હાલ નવસારી પહોંચો. મેઈન બજારમાં દરગાહ છે, ત્યાં કાળો દોરો ચડાવો, એક કાળો દોરો તમારા જમણા કાંડે બાંધજો, પાયલ દોડતી–દોડતી ઘરે પરત આવી જશે!’’

એ સમયે, સમસ્યા લઈને આવનારાઓમાં મધુભાઈ કાકડીયા પણ હતા, તેમણે કહ્યું : અબ્દુલભાઈ, આ અરીસો ખરેખર ચમત્કારીક છે! મને પણ અરીસામાં ઘણું બધું દેખાય છે!

“મધુભાઈ! તમને તમારું પ્રતીબીમ્બ દેખાતું હશે!”

અબ્દુલભાઈ! મને તો આ અરીસામાં તમારા તરકટનું પગેરું દેખાય છે! તમે પાડોશીની દીકરીને પૈસા આપીને, એના ભોળપણનો લાભ લઈને તમે ધતીંગ શરુ કરેલા છે. શ્રદ્ધાળુ લોકોને લુંટવાનું બન્ધ કરો!”

“મધુભાઈ! વીચારીને બોલો. હું લોકોને આમન્ત્રણ આપતો નથી. સંગીતા જે કહે છે, તે સાચું છે! એને અરીસામાં જે દેખાય છે તે કહે છે!”

અબ્દુલભાઈ, સંગીતાને અરીસામાં કંઈ જ દેખાતું નથી. તમે જે શીખવ્યું છે તે સંગીતા બોલે છે! અરીસો કે સંગીતાની દૃષ્ટી ચમત્કારીક નથી! મારા ખીસ્સામાં સો રુપીયાની નોટ છે, તેના નંબર સંગીતા અરીસામાં જોઈને કહી દે તો તમારા અને સંગીતાના પગ ધોઈને, ચરણામૃત પીશ! બોલો છે તૈયારી?

અબ્દુલભાઈ અને સંગીતા, મધુભાઈ કાકડીયા(સેલફોન : 98255 32234)ને તાકી રહ્યા. પછી બન્નેને પરસેવો વળવા લાગ્યો. મધુભાઈએ કહ્યું : “અબ્દુલભાઈ, આ ઝહોરાબહેન સાયકલવાળા(સેલફોન : 98257 05365), ગુણવંતભાઈ ચૌધરી(સેલફોન : 98251 46374), એડવોકેટ જગદીશભાઈ વક્તાણા(સેલફોન : 94261 15792), એડવોકેટ/નોટરી ભરતભાઈ શર્મા(સેલફોન : 98257 10011), અને મારી સાથેના કાર્યકરો ‘સત્યશોધક સભા, સુરતના સભ્યો છે. અમારું કામ, તરકટનો પર્દાફાશ કરવાનું છે. સરોજબેને સત્યશોધક સભા સમક્ષ ફરીયાદ કરી હતી એટલે અમે સૌ અહીં આવ્યા છીએ! તમે આ કુમળી છોકરીને અવળા રવાડે શા માટે ચડાવો છો?”

––––––––––––––––––––––––––––––

(આવી છેતરામણ થઈ હોય તો, પુરતા પુરાવા સાથે, મધુભાઈ કાકડીયા અને સત્યશોધક સભા, સુરતના ઉપરોક્ત સભ્યોને તેમ જ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના https://govindmaru.wordpress.com/cck/ પેજ પર ગુજરાત રાજ્યના 12 ‘ચમત્કાર ચકાસણી કેન્દ્રો’ અને તેના કાર્યકરોના સેલફોન નમ્બર આપવામાં આવ્યા છે તેઓનો સમ્પર્ક કરવા જણાવાય છે.  …ગો. મારુ)

––––––––––––––––––––––––––––––

અબ્દુલભાઈએ હાથ જોડયા. ઝહોરાબહેન સાયકલવાળાએ કહ્યું : “અબ્દુલભાઈ, મેં લગ્ન જ નથી કર્યા! મારઝુડનો પ્રશ્ન જ નથી. વળી આ ગુણવંતભાઈ ચૌધરીને પાયલ નામની કોઈ દીકરી જ નથી! અદ્ ભુત અરીસો આવો હોય? આવું તુત તમને કઈ રીતે સુઝયું?”

ઝહોરાબહેન! મને માફ કરો. આ તુત આજથી બન્ધ કરું છું. લેખીત ખાતરી આપું! પૈસાની લાલચમાં આવીને મેં સંગીતાને કેવા પ્રશ્નોમાં શું બોલવું તે શીખવ્યું હતું! પ્રશ્નદીઠ 41/- રુપીયા હું લેતો હતો અને તેમાંથી પ્રશ્નદીઠ દસ રુપીયા સંગીતાને આપતો હતો!

–રમેશ સવાણી, I.G.P.

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર પગેરું(01, માર્ચ, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile : 99099 26267  e.Mail : rjsavani@gmail.com

Read Full Post »

ધુણે ત્યારે બીજી ભાષા બોલે!!

–રમેશ સવાણી

પાલીતાણા નજીક ઘેટી ગામે જટાશંકર ત્રીવેદી રહેતા હતા. તે હેડ કોન્સ્ટેબલ હતા. પરીવારમાં પત્ની ઉષા, દીકરી કીરણ (ઉમ્મર : 22), દીકરા ભરત અને સુરેશ હતા. બન્ને દીકરા કીરણથી મોટા હતા, બન્ને જૈન ધર્મશાળામાં મુનીમ તરીકે નોકરી કરતા હતા. કીરણ હોંશીયાર અને સ્વરુપવાન હતી!

પરીવાર સુખી હતો પણ એક ઘટનાના કારણે પરીવાર ચીંતામાં મુકાઈ ગયો.

કીરણે એકાએક ધુણવાનું શરુ કર્યું! ધુણે ત્યારે વીચીત્ર ભાષા, કોઈને ન સમજાય તેવું, બોલતી હતી! જટાશંકર અને ઉષાબેનની ઉંઘ ઉડી ગઈ! બન્ને ભાઈઓ ભુવા તાંત્રીકો પાસે ગયા. દોરાધાગા અને માદળીયા લાવી કીરણને બાંધ્યા પણ ફેર પડયો નહીં.

પરીવારજનો કીરણને સારંગપુર હનુમાનજીના મન્દીરે લઈ ગયા. કાળો દોરો બાંધ્યો! બે–ચાર દીવસ કીરણ શાંત રહી; પણ અઠવાડીયા પછી કીરણનું શરીર ધ્રુજવા લાગ્યું. શરીર ધ્રુજે ત્યારે કીરણ વીચીત્ર ભાષા બોલતી હતી! કીરણનું આવું વર્તન કોઈને સમજાતું ન હતું.

ભરત અને સુરેશને જાણવા મળ્યું કે અમરેલીમાં ગેબનશા નામના ફકીર છે, તે આવા કેસને સાજા કરી દે છે!

બીજા અઠવાડીયે ભરત અને સુરેશ કીરણને લઈને અમરેલી ગેબનશા ફકીર પાસે પહોંચ્યા. ભરતે કહ્યું : “ફકીરજી! મારી બહેન કીરણને શું થયું છે? કોઈએ મેલીવીધા કરી છે? કોઈની નજર પડી છે?”

ફકીર ગેબનશાએ ગુગળનો ધુપ કર્યો. મન્ત્રોચ્ચાર કર્યા. મોરપીંછની સાવરણી કીરણના શરીર ઉપર ફેરવી. ફકીરે લીલા રંગના મોટા કપડાંથી કીરણનું શરીર ઢાંકી દીધું. ફકીરે પુછ્યું : “બોલ તું કોણ છે?”

“ફકીરજી! હું કીરણ છું!”

“તારા શરીરમાં કોણ આવે છે?”

“મારા શરીરમાં કોઈ આવતું નથી!”

“તું ખોટું કેમ બોલે છે?”

“ફકીરજી! હું ખોટું બોલું છું, એમ તમે કયા આધારે કહો છો?”

“કીરણ! હું ફકીર છું. હું બધું જાણું છું!”

“ફકીરજી! તમે કશુંય જાણતા નથી! તમે ઢોંગ કરો છો!”

“આ છોકરીને બોલવાનું ભાન છે કે નહીં?” ફકીર ગેબનશા, ભરત અને સુરેશ ઉપર ગુસ્સે થઈ ગયા!

ભરતે કહ્યું : “ફકીરજી! કીરણને બોલવાનું ભાન નથી રહ્યું એટલે તો તમારી પાસે એને લાવ્યા છીએ! ગુસ્સો ન કરો. ઈલાજ કરો!”

ફકીરે એલ્યુમીનીયમનો દસ પૈસાનો સીક્કો કીરણની હથેળીમાં મુક્યો અને કહ્યું : “સીક્કાને મુઠ્ઠીમાં છુપાવી દે! જો સીક્કો બે મીનીટમાં ગરમ થાય તો તારામાં જીનાત છે, એવું નક્કી થશે! જો સીક્કો ઠંડો પડવા લાગે તો તારામાં ભુત છે, એવું નક્કી થશે!”

ફકીરે મન્ત્રોચ્ચાર શરુ કર્યા. ગુગળના ધુપમાં વધારો કર્યો. મોટેથી બુમો પાડી. મોરપીંછની સાવરણી કીરણના માથા ઉપર ફેરવી. અચાનક કીરણે બુમ પાડી : “આ સીક્કો બહુ ગરમ થઈ ગયો છે!”

કીરણે સીક્કો ફેંકી દીધો. ફકીર ગેબનશાએ નીદાન કર્યું : “કીરણની પાછળ જીનાત છે! સાવચેતી રાખવી પડશે!”

ભરતે કહ્યું : “ફકીરજી! જીનાત કીરણને હેરાન ન કરે એ માટે કંઈક કરો!”

“ગીરનાર ઉપર જઈને વીધી કરવી પડશે! જીનાત સ્પાયડરમેન જેવો છે! એનું કામ જ ચોંટવાનું છે. કીરણ દેખાવડી છે, એટલે ખતરો વધુ છે! પણ તમે ચીંતા ન કરો. મારી ઉપર બધું છોડી દો! દસ હજાર રુપીયાનો ખર્ચ થશે. જીનાત પાકીસ્તાન નાસી જશે!”

“ફકીરજી! અગીયાર હજાર રુપીયા લઈ લો! પણ કીરણને જીનાત સ્પર્શી ન શકે, તેવી વીધી કરો!”

કીરણ અને તેના બન્ને ભાઈઓ ઘરે આવ્યા. થોડા દીવસ ઘરમાં શાંતી રહી. કીરણનું ખાવા–પીવાનું  ઓછું થઈ ગયું! એના વજનમાં સાત–આઠ કીલોનો ઘટાડો થઈ ગયો! એનો ચહેરો કરમાયેલો રહેતો હતો. જટાશંકર અને ઉષાબેનને ચીંતા કોરી ખાતી હતી. બન્ને ધાર્મીક અને આધ્યાત્મીક સાહીત્ય વાંચતા. અગોચર કીસ્સાઓ વાંચતા. કીરણને સારું થઈ જાય તે માટે ઠેરઠેર જતા. કીરણને સાથે લઈ જતા. ઉંઝા પાસે ઉનાવા પીર મીરાં દાતાર છે, ત્યાં કીરણને દેખાડી પણ ફેર ન પડયો. છેવટે ગીરનાર ઉપર દાતાર દરગાહે કીરણને લઈ ગયા.

મુંજાવરે કીરણને  પુછયું : “શું થાય છે તને?”

“મુંજાવરજી! મને કશુંય થતું નથી. મારી વેદના કોઈ સમજી શક્તું નથી!”

“શું છે તારી વેદના?”

“મારી વેદના તમને કહેવાનો કોઈ અર્થ નથી!”

જટાશંકરે કહ્યું : “મુંજાવરજી! કીરણનાં શરીરમાં જીનાત છે, એ જવાબ આપી રહ્યો છે!”

મુંજાવરે ગુગળનો ધુપ કર્યો. કીરણની ચારે બાજુ ધુપ ફેરવ્યો. કીરણ બેહોશ થઈ ઢળી પડી અને વીચીત્ર ભાષામાં કંઈક બોલાવા લાગી!

મુંજાવરે કહ્યું : “જટાશંકર! કીરણ જે ભાષા બોલે છે તે કુરાનની પાક આયતો છે!

“મુંજાવરજી! કીરણ બ્રાહ્મણની દીકરી છે અને કુરાનની આયાતો બોલે! નક્કી જીનાતનું આ કામ છે! કીરણે ક્યારેય કુરાન જોયું પણ નથી કે વાંચ્યું પણ નથી! એને અરબી કે ઉર્દુ ભાષા પણ આવડતી નથી!”

“જટાશંકર! તમારી આ દીકરી કુરાનની પાક આયાતો બોલે છે, તે હકીક્ત છે!”

“પણ એવું કઈ રીતે બને? “

“જટાશંકર! કીરણ પુર્વજન્મમાં મૌલવી હતી!”

જટાશંકર અને ઉષાબેનનું વીચારતન્ત્ર ખોરવાઈ ગયું. બન્ને કીરણને તાકી રહ્યા. કીરણ નીચે જોઈને મુંજાવરની વાતો સાંભળતી હતી. ભરત અને સુરેશ પણ મુંઝવણમાં મુકાઈ ગયા.

ભરત અને સુરેશ, કીરણને પાલીતાણાના ડૉકટર લાલાણી પાસે લઈ ગયા. ડૉકટરે કીરણને તપાસીને કહ્યું : “કીરણને કશું જ નથી થયું!”

“સાહેબ! કીરણ કુરાનની આયાતો બોલે છે, એનું કારણ શું? પુર્વજન્મમાં એ મુસ્લીમ હતી?”

 ભરતભાઈ! તમારા પ્રશ્નનો જવાબ હું આપી શકું તેમ નથી!”

“પણ ડૉક્ટર સાહેબ! કુરાનની આયાતો બોલવાનું કારણ જીનાત છે?’’

“આ પ્રશ્નનો જવાબ પણ હું આપી શકું તેમ નથી! તબીબીશાસ્ત્રમાં આવું કંઈ આવતું નથી!”

“ડૉક્ટર સાહેબ! કીરણ પુર્વજન્મમાં પુરુષ હોય અને આ જન્મમાં મહીલા, એવું કઈ રીતે બને?”

“ભરતભાઈ! તમારા પ્રશ્નોના જવાબ મારી પાસે નથી. મારી સલાહ છે કે તમે કીરણને મનોચીકીત્સક–સાયકીયેટ્રીસ્ટ(માનસીક રોગોના ડૉક્ટર) પાસે લઈ જાવ.”

સાહેબ! કીરણને મનોચીકીત્સક પાસે લઈ જવામાં જોખમ છે!”

“શું જોખમ છે?”

“કીરણની સગાઈ તુટી જાય! વેવાઈને ખબર પડે કે…..!!!”

ભરતભાઈ! કોઈને ખબર ન પડે, એવું તમે ઈચ્છો છો?”

“બરાબર સાહેબ!”

“જુઓ. પાલીતાણામાં ચમત્કાર ચકાસણી કેન્દ્રછે. શ્રી. ચતુરભાઈ ચૌહાણ(સેલફોન : 98982 16029) ચલાવે છે. કીરણનાં શરીરમાં પ્રવેશી ગયેલું જીનાત એ કાઢી શકશે! એમને મળો.”

તારીખ 29 ડીસેમ્બર, 1990ને શનીવાર. પરીવારજનો કીરણને લઈને શ્રી. ચતુરભાઈ ચૌહાણ (ઉમ્મર : 45) પાસે પહોંચ્યા. જટાશંકરે કહ્યું : “સાહેબ! અમે હેરાન પરેશાન થઈ ગયા છીએ! કોઈ ઉપાય બતાવો!”

ચતુરભાઈકીરણનું નીરીક્ષણ કર્યું. એનો ચહેરો વાંચ્યો અને કહ્યું : “કીરણને વળગાડ વળગ્યો હોય તેવું લાગતું નથી!”

“સાહેબ! કીરણ ગીતાના શ્લોક બોલે તે સમજાય, પણ કુરાનની પાક આયાતો!”

“જટાશંકરભાઈ! કીરણને પુરતા આરામ અને ખોરાકની જરુર છે. એનું શરીર દુબળું થઈ ગયું છે. આવી સ્થીતીમાં મગજમાં અવ્યવસ્થા સર્જાય. અજાગૃત મગજ જાગૃત થાય અને અજાગૃત મગજની સંઘરેલી જુની વાતો બહાર આવે! ચીત્તભ્રમ–સીઝોફેનીયા થાય! આ સ્થીતીમાં તેના મનમાં અને વર્તનમાં ઉન્માદ જોવા મળે. ગાંડપણનાં લક્ષણો જોવા મળે. આવી વ્યક્તી હતાશ થઈ જાય, ભાંગી પડે. છીન્નભીન્ન થઈ જાય! માનસીક ભ્રમણાઓ થાય. ભ્રમણાઓ આભાસ સર્જે. વ્યક્તીના સંસ્કાર અનુસાર ભુત દેખાય! માતાજી દેખાય! પણ કીરણનો કીસ્સો જુદો જ છે!”

“કઈ રીતે જુદો છે?” ઉષાબેને પુછયું.

“તમે સૌ પરીવારજનો થોડો સમય બહાર બેસો. હું કીરણની પુછપરછ કરવા ઈચ્છું છું.”

પરીવારજનો બહાર જઈને બેઠાં. ચતુરભાઈએ પુછયું : “કીરણ! તું વીસ વર્ષની હતી ત્યારે શું કરતી હતી? “

“કોલેજમાં ભણતી હતી.”

“તું છ–સાત વર્ષની હતી ત્યારે શું કરતી હતી?”

સાહેબ! ત્યારે મારા પપ્પા ભાવનગર પોલીસ ખાતામાં નોકરી કરતાં હતાં. અમે પોલીસ લાઈનમાં રહેતા હતા. અમારા કવાર્ટરની બાજુમાં હસનચાચા રહેતા હતા. તેમનો દીકરો નુરો મારી ઉંમ્મરનો હતો. એ રુપાળો હતો. સુંદર કપડાં પહેરે. માથે ટોપી પહેરે. સવારમાં કુરાન વાંચે. હું એને સાંભળું અને અમુક યાદ રહી જતું હતું! નુરો ઉર્દુ વાંચે તે બોલી શકું; પણ લખી કે વાંચી શકતી નથી!

“પછી શું થયું?”

“સાહેબ! મારા પપ્પાની બદલી પાલીતાણા થઈ ગઈ.”

“કીરણ! તું આ ઉમ્મરે કુરાનની આયાતો કેમ બોલે છે?”

“ સાહેબ! એવું કેમ થાય છે, એની મને ખબર નથી! પણ ઘરમાં સૌને વળગાડ વળગ્યો છે!”

“કીરણ! તું શું કહેવા માંગે છે?”

સાહેબ! હું સાચું કહું છું. મારી ઈચ્છા ન હતી છતાં મારી સગાઈ ગામડાના છોકરા સાથે કરી છે! મારે ગામડામાં જવું નથી, મારે શહેરમાં જ રહેવું છે! પરન્તુ મારી વાત કોઈએ માની નહીં. મેં ખાવા–પીવાનું ઓછું કરી નાખ્યું. ક્યારેક હું સાનભાન ગુમાવી દેતી. કદાચ એવી સ્થીતીમાં મારા અજાગૃત મનમાંથી કુરાનની આયાતો નીકળતી હશે! સાહેબ! મને ગામડામાં પરણાવવાનો વળગાડ પરીવારજનોને વળગ્યો છે, તેમાંથી મને છોડાવો!

(આવી છેતરામણ થઈ હોય તો, પુરતા પુરાવા સાથે, ચતુરભાઈ ચૌહાણ (સેલફોન : 98982 16029) ચમત્કાર ચકાસણી કેન્દ્ર, ચાંદખેડા, અમદાવાદ 382 424 (વય નીવૃત્તીથી નીવૃત થઈને તેઓ અમદાવાદમાં સ્થાઈ થયા છે.)  તેમ જ મારા ‘અભીવ્યક્તી  બ્લોગના https://govindmaru.wordpress.com/cck/ પેજ પર ગુજરાત રાજ્યના 12 ચમત્કાર ચકાસણી કેન્દ્રો’ અને તેના કાર્યકરોના સેલફોન નમ્બર આપવામાં આવ્યા છે તેઓનો સમ્પર્ક કરવા જણાવાય છે.  …ગો. મારુ)

–રમેશ સવાણી

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile : 99099 26267  e.Mail : rjsavani@gmail.com

શ્રી. ચતુરભાઈ ચૌહાણ ગામડે ગામડે અને શહેરોની લાયન્સ ક્લબ, જેસીઝ ક્લબ અને સામાજીક સંસ્થાઓ, જ્ઞાતી મંડળો, મહીલા મંડળો અને સ્કુલ–કૉલેજોમાં જઈ વહેમ–અન્ધશ્રદ્ધા નીવારણના નીદર્શન–કાર્યક્મો કરે છે. તેઓ રૅશનાલીસ્ટ ચળવળના પાયાના કાર્યકર છે. તેઓનું પુસ્તક ચમત્કારથી ચેતો અથવા બે કરોડ જીતો (પ્રકાશક અને સંકલનકર્તા : પીયુષ જાદુગર, એડવોકેટ, 4/એ, અચલ રેસીડેન્સી–2, કીર્તીધામ જૈન મન્દીર પાછળ, ચાંદખેડા, અમદાવાદ382 424. સેલફોન : 94260 48351 મુખ્ય વીતરક : શ્રી. નાથુભાઈ ડોડીયા, મન્ત્રી, આર્યસમાજ, નવાડેરા, ભરુચ392 001. સેલફોન : 99988 07256 પાનાં : 90, મુલ્ય : રુપીયા 20/-)માંનો આ પ્રથમ લેખ, પુસ્તકનાં પાન 11થી 15 ઉપરથી, તેમ જ આ લેખ તારીખ 01, નવેમ્બર, 2016ના રોજ ‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી લેખક શ્રી. રમેશ સવાણી, I.G.P.ની રૅશનલ કટાર ‘પગેરું’માં પણ પ્રગટ થયો હતો. ‘સંદેશ’ દૈનીકના તેમ જ ચમત્કારથી ચેતો અથવા બે કરોડ જીતોના પ્રકાશકશ્રીઓ અને લેખકશ્રીના સૌજન્યથી સાભાર..

Read Full Post »

બાબો કે બેબી?

–રમેશ સવાણી, I.G.P.

“તમે આ જુઓ!”

“શું છે?”

“જયોતીષાચાર્ય પંડીતની જાહેરખબર! બાબો આવશે કે બેબી તે અગાઉથી જ કહી દે છે!

“પણ પંડીતજીને કઈ રીતે ખબર પડે?”

“પતી–પત્નીની કુંડળી જોઈને! આપણે પંડીતજીને મળીએ!” રાધાબેને આગ્રહ કર્યો.

રાકેશભાઈ અને રાધાબેન બન્ને શીક્ષક હતાં. લગ્નજીવન સુખી હતું. બે દીકરીઓ હતી, ડીમ્પલ અને આશા.

પંડીતજી, હોટલમાં રોકાયા હતા. ફોન કરીને ઍપોઈન્ટમેન્ટ મેળવ્યા બાદ મળી શકાશે, તેમ જાહેરખબરમાં લખ્યું હતું. રાધાબેને ફોન કરી ઍપોઈન્ટમેન્ટ લઈ લીધી!

તારીખ 30 જાન્યુઆરી, 1977ને રવીવાર. રાકેશભાઈ અને રાધાબેન પંડીતજી પાસે પહોંચ્યા. વેઈટીંગ રુમમાં એક ભાઈ બેઠા હતા. તે ખુબ ખુશમીજાજમાં હતા. તેના હૈયામાં આનન્દ છલકાતો હતો. રાકેશભાઈ તેને તાકી રહ્યા. એ ભાઈ બોલ્યા : “પંડીતજી મહાન જયોતીષાચાર્ય છે! આજે હું એની પુજા કરવા આવ્યો છું. પંડીતજી બાબામાંથી બેબી અને બેબીમાંથી બાબો કરી શકે છે! મેં તેમને મારી જન્મ કુંડળી દેખાડી હતી. તેણે કહ્યું કે બેબી આવશે! મેં આગ્રહ કર્યો કે મારે બાબો જોઈએ છે! પંડીતજીએ રુપીયા છ હજાર લીધા અને વીધી કરી. તમે નહીં માનો, મારે ત્યાં બાબાનો જન્મ થયો!”

રાકેશભાઈ અને રાધાબેનને પંડીતજીમાં શ્રદ્ધા દૃઢ થઈ ગઈ!

થોડીવાર પછી પંડીતજીના અંગત મદદનીશે રાકેશભાઈ અને રાધાબેનને રુમમાં જવાની સુચના કરી. બન્ને રુમમાં દાખલ થયા. પંડીતજીનો ચહેરો ચમક્તો હતો. કપાળમાં અર્ધચંદ્રાકાર તીલક શોભી રહ્યું હતું. માથાના લાંબાવાળ ખભા ઉપર પથરાયેલા હતા. કાળા કપડામાં પંડીતજી તાન્ત્રીક જેવા લાગતા હતા. પંડીતજીએ પુછયું : “રાકેશભાઈ! બોલો, શું સમસ્યા છે?”

“પંડીતજી! કોઈ સમસ્યા નથી! અમને કુતુહલ થાય છે કે બાબો થશે કે બેબી?”

“રાકેશભાઈ! તમારી જે ઈચ્છા હશે તે થશે! પરન્તુ વીધી કરવી પડશે. તેનો ખર્ચ રુપીયા ત્રણ હજાર થશે!”

“પંડીતજી! ભલે ખર્ચ થાય!”

“રાકેશભાઈ! બાબામાંથી બેબી અને બેબીમાંથી બાબાની ટ્રાન્સફર કરવી હોય તો રુપીયા છ હજારનો ખર્ચ થશે!”

“પંડીતજી! અમારે એવી કોઈ ટ્રાન્સફર નથી કરાવવી! અમારે માત્ર જાણવું છે કે આ વખતે બાબો થશે કે બેબી?” રાધાબેને પુછયું.

પંડીતજીએ જન્મ કુંડળીનો અભ્યાસ કર્યો પછી કહ્યું : “રાધાબેન! ખુશ થાવ! તમારે ત્યાં બાબો આવશે!”

રાધાબેન અને રાકેશભાઈની તમન્ના પુરી થવાની હતી. બન્ને ખુશ–ખુશ થઈ ગયાં. બન્નેએ નાની પાર્ટીનું આયોજન કર્યું. સગા તથા મીત્રોને બોલાવ્યા. સૌને ઉત્સાહથી કહ્યું કે અમારે ત્યાં બાબો આવી રહ્યો છે!

બન્યું ઉલ્ટું. રાધાબેન બેબીની માતા બની! સૌએ પુછ્યું, આમ કેમ થયું? રાધાબેન અને રાકેશભાઈને આઘાત લાગ્યો. બેબી આવી તેનો વસવસો ન હતો; પરન્તુ જયોતીષાચાર્ય પંડીતજીએ પોતાની સાથે ઠગાઈ કરી હતી, એની વ્યથા હતી!

રાકેશભાઈએ, મીત્ર ડૉ. જેરામભાઈ જે. દેસાઈ(સેલફોન : 87803 85795 અને 99259 24816)ને ને સઘળી વાત કરી. જેરામભાઈ સરદાર પટેલ યુનીર્વીસટી, વલ્લભવીદ્યાનગરના ફીઝીકલ એજ્યુકેશનના ડાયરેક્ટર હતા. તેઓ નડીયાદમાં ‘વહેમ, અન્ધશ્રદ્ધા નીવારણ કેન્દ્ર’ ચલાવ છે. જેરામભાઈએ પુછયું : “રાકેશભાઈ! તમે બન્ને શીક્ષક છો, તમે જયોતીષાચાર્ય પંડીતની વાત માની કેમ લીધી?”

“જેરામભાઈ! તમે પણ એને માનવા લાગો! એવું એણે અમારી સાથે કર્યું હતું!”

“શું કર્યું હતું?”

“જેરામભાઈ! અમે પંડીતજીને મળવા ગયા. વેઈટીંગ રુમમાં એક ભાઈ બેઠા હતા. તેણે કહ્યું કે પંડીતજી બેબીમાંથી બાબો કરી દે છે!”

રાકેશભાઈ! આવા માણસો વેઈટીંગ રુમમાં જ નહીં, સમાજમાં પણ ફરતા હોય છે, એ બધાં એજન્ટ હોય છે!”

“જેરામભાઈ! અમે પંડીતજીને મહાન માનતા હતા. કેમ કે અમારી સામે તેમણે એક ચીઠ્ઠીમાં બાબો કે બેબી આવશે, એમ લખી એક કવરમાં ચીઠ્ઠી મુકી અને કવર બંધ કરી દીધું. કવરને સીલ કર્યું. કવર ઉપર અમારી બન્નેની સહી લીધી. પંડીતજીએ પણ સહી કરી અને કવર તીજોરીમાં મુકી દીધું. પછી કુંડળીનો અભ્યાસ કર્યો અને અમને કહ્યું કે બાબો આવશે! પંડીતજી અમને બનાવી ગયો! ત્રણ હજાર રુપીયા લઈ ગયો! એ ઠગને પકડવો છે!”

રાકેશભાઈ! ઠગનું પગેરું ભાગ્યે જ મળે! તમારા ત્રણ હજાર રુપીયા ગયા જ સમજો! તમે અન્ધશ્રધ્ધાનો ભોગ બન્યા છો! તમે પંડીતજી પાસે ગયા તે પહેલાં મને વાત કરી હોત તો હું તમારી સાથે આવત અને એ ઠગનો પર્દાફાશ કરત!”

“જેરામભાઈ! મારે એને સીધો કરવો છે!”

“રાકેશભાઈ! છેતરાઈ ગયા પછી, ઠગને સીધો કરવાની દરેકને તીવ્ર ઈચ્છા થતી હોય છે! ફરી કોઈ વખત વલ્લભવીદ્યાનગરમાં પંડીતજી આવે તો મને જાણ કરજો. હું તમારી સાથે આવીશ!”

તારીખ 31 જુલાઈ, 1977ને રવીવાર. અખબારમાં જયોતીષાચાર્ય પંડીતની જાહેરખબર હતી! વલ્લભ વીદ્યાનગરમાં તેમનો કેમ્પ હતો!

રાકેશભાઈ અને જેરામભાઈએ બન્ને પહોંચ્યા પંડીતજી પાસે. જેરામભાઈએ કહ્યું : “પંડીતજી! તમે આ રાકેશભાઈને બાબો આવશે, તેમ કહ્યું હતું અને આવી બેબી! આવું કેમ થયું?”

“જેરામભાઈ! કુંડળીઓ પ્રમાણે સાચું છે!”

“કેવી રીતે સાચું છે?”

“જેરામભાઈ! આ તીજોરીમાં કવર પડયું છે. આ કવર ઉપર રાકેશભાઈ અને રાધાબેનની સહી છે. મારી સહી પણ છે. કવર ઉપર સીલ છે. તમે કવર ખોલો!”

રાકેશભાઈએ કવર હાથમાં લીધું. પોતાની અને રાધાબેનની સહીની ખરાઈ કરી. સહીઓ બરાબર હતી! તેણે કવર ખોલ્યું. અંદરથી ચીઠ્ઠી નીકળી. ચીઠ્ઠીમાં લખ્યું હતું: “બેબી આવશે!”

રાકેશભાઈને વીજળીનો ઝટકો લાગ્યો હોય તેમ પંડીતજીને તાકી રહ્યા, પછી પુછ્યું : “પંડીતજી! બેબી આવશે તેવું તમે અગાઉથી જાણતા હતા તો શા માટે તમે જુઠું બોલ્યા?”

“રાકેશભાઈ! ઉગ્ર ન થાવ! મેં ચીઠ્ઠીમાં જે લખ્યું છે તે મુજબ થયું છે! મેં તો તમારા સંતોષ ખાતર બાબો આવશે, તેમ કહ્યું હતું!”

જેરામભાઈના મનમાં ગુસ્સો પ્રગટ્યો! તેણે આંખો બંધ કરીને મન્ત્રોચ્ચાર શરુ કર્યા! પંડીતજી જેરામભાઈને તાકી રહ્યા, પુછ્યું : “જેરામભાઈ! તમે શું કરી રહ્યા છો?”

પંડીતજી! હું જયોતીષવીદ્યા જાણું છું! તમારે જેલયાત્રાનો યોગ છે! સાચું બોલવું છે કે?

“પંડીતજી તરત જ જેરામભાઈના પગે પડી ગયો! રાકેશભાઈ પંડીતજીને તાકી રહ્યા. જેરામભાઈએ કહ્યું : “પંડીત! હવે ઉભો થા! રાકેશભાઈને તારી જયોતીષવીદ્યા સાચી લાગે છે! એને સમજાવ કે તેં કઈ રીતે જયોતીષ વીદ્યાનો ઉપયોગ કર્યો હતો?”

જેરામભાઈ! રાકેશભાઈ! મને માફ કરો. મારે જેલયાત્રાએ જવું નથી! સાચી હકીકત એ છે કે જ્યારે કોઈ પતી–પત્ની કુંડળીઓ જોવરાવવા આવે ત્યારે હું ચીઠ્ઠીમાં કાયમ લખતો કે બેબી આવશે! ચીઠ્ઠી કવરમાં મુકી, કવરને સીલ કરતો અને પતી–પત્નીની સહી લેતો! હું જેમનું જયોતીષ જોતો તેમાં પચાસ ટકાને બાબો આવતો! બાબાના જન્મના કારણે તેઓ ખુશખુશાલ થઈ જતા અને મારા આશીર્વાદ લેવા પડાપડી કરતા! ચીઠ્ઠીને ભુલી જતા! જેમને ત્યાં બેબી અવતરે, તેમાંથી ભાગ્યે જ કોઈ મારી પાસે આવતા! હું એમની નજર સામે જ કવર ખોલતો. ચીઠ્ઠીમાં લખ્યું હોય, બેબી આવશે! એટલે તેઓ, મને મહાન જયોતીષી માનીને મારા ચરણસ્પર્શ કરી, મને ધન્ય કરે! જયોતીષવીદ્યા બાબામાંથી બેબી કે બેબીમાંથી બાબો કરી શકે નહીં! મારે સાત દીકરીઓ છે! જયોતીષવીદ્યા મને ઉપયોગી નથી થઈ, તો બીજાને કઈ રીતે ઉપયોગી થાય?”

(પીડીતાનું નામ કાલ્પનીક છે)

(આવી છેતરામણ થઈ હોય તો, પુરતા પુરાવા સાથે, ડૉ. જેરામભાઈ જે. દેસાઈ(સેલફોન : 87803 85795 અને 99259 24816)ને તેમ જ મારા ‘અભીવ્યક્તી’  બ્લોગના https://govindmaru.wordpress.com/cck/  પેજ પર ગુજરાત રાજ્યના 12 ચમત્કાર ચકાસણી કેન્દ્રો’ અને તેના કાર્યકરોના સેલફોન નમ્બર આપવામાં આવ્યા છે તેઓનો સમ્પર્ક કરવા જણાવાય છે.  …ગો. મારુ)

–રમેશ સવાણી, I.G.P.

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર પગેરું’(17, ઓગસ્ટ, 2016)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile: 99099 26267  e.Mail: rjsavani@gmail.com

Read Full Post »

દેતે હૈં ભગવાન(!) કો ધોખા,

ઈન્સાં કો કયા છોડેંગે!

–રમેશ સવાણી

તારીખ 10 ઓક્ટોબર, 1999ને મંગળવાર. સમય સવારના આઠ. ‘સુરતથી મીનાવાડા’ સ્પેશીયલ બસમાં લોકો ભક્તી રસમાં ડુબેલાં હતા. માતાજીના ગીતો ગવાતા હતા. સૌ માતાજીના દર્શન માટે જઈ રહ્યા હતા.

વચ્ચે એક હોટલ ઉપર બસ ઊભી રહી. સૌ ફ્રેશ થયા. હોટલની બાજુમાં કેસેટની દુકાન હતી. ત્યાં મીનાવાડાના માતાજીની કેસેટ વાગતી હતી. કેટલાંક લોકોએ કેસેટ ખરીદી. બસના ડ્રાઈવર શાંતીલાલે કહ્યું : “ખોબા જેવડા ગામમાં ટોળેટોળાં એકઠાં થાય છે. માતાજીની ઉમ્મર ચૌદ વર્ષની છે; પરન્તુ પરચા ગજબ છે! આરતી વેળાએ માતાજી હવામાં બે ફુટ ઊંચા થાય છે! કાદવમાં ફસાયેલી ભેંસોને માતાજીએ બહાર કાઢી આપી હતી! માતાજીએ પોતાના ખેતરમાં વાંસ અને પતરાથી પોતાનું સ્થાનક બનાવ્યું છે. રોજે પચ્ચીસથી પચાસ હજાર શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. ટ્રેકટર, મેટાડોર, લકઝરી બસ, રીક્ષા વગેરે વાહનો મુકવાની જગ્યા હોતી નથી! માતાજીની એક ઝલક મેળવવા ધક્કા–મુક્કી થાય છે. સ્થાનકે લાઈટની પુરતી સુવીધા ન હોવાથી કેટલાય લોકો વીખુટા પડી જાય છે. ચારે બાજુ હાટડીઓના કારણે મેળા જેવો માહોલ જોવા મળે છે! દરેક હાટડી–વાળાઓ માતાજીની કૃપાથી સદ્ધર થઈ ગયા છે! તમે નહીં માનો, પરન્તુ એક વખત હું માતાજીના દર્શને ગયો. માતાજીએ મને મુઠ્ઠી વાળવાનું કહ્યું. હું મુઠ્ઠીવાળીને દસ મીનીટ બેઠો. મુઠ્ઠી ખોલી તો હથેળી લાલ થઈ ગઈ! માતાજીએ કહ્યું હથેળીમાં શેષનાગના દર્શન થાય છે? મેં કહ્યું કે દેખાય છે! માતાજી ચમત્કાર કરે છે!”

સૌ ડ્રાઈવરને તાકી રહ્યા. બસ મીનાવાડા પહોંચી. ત્યાં બીજા ડ્રાઈવર્સ પણ શેષનાગના દર્શનની વાત કરતા હતા! માનવ મહેરામણ ઉમટ્યો હતો. માતાજીના દર્શન કરવા કઈ રીતે, તે પ્રશ્ન હતો. શ્રદ્ધાળુઓ ભીંસાઈ રહ્યા હતા. માતાજીના દર્શનની તાલાવેલી, શ્રદ્ધાળુઓને બેબાકળા બનાવતી હતી. સ્વયંસેવકો વ્યવસ્થા જાળવવા માટે આડેધડ ડંડા મારતા હતા. સૌને માતાજી તરફ જવું હતું; પરન્તુ સ્વયંસેવકો શ્રદ્ધાળુઓને ઉલટી દીશામાં ધકેલી રહ્યા હતા.

સુરતની સત્યશોધક સભાના કાર્યકર સીદ્ધાર્થ દેગામી(સેલફોન : 94268 06446), મધુભાઈ કાકડીયા(સેલફોન : 98255 32234), ગુણવંત ચૌધરી(સેલફોન : 98251 46374), જયસુખ કોઠીયા અને પરેશ લાઠીયા(સેલફોન : 9825770975) માતાજીને મળવા ઉતાવળા થતા હતા પણ મેળ પડતો ન હતો.ગુજરાતમુમ્બઈ રૅશનાલીસ્ટ એસોસીએશન, અમદાવાદના કાર્યકર પીયુષ ચૌહાણ–ઍડવોકેટ(સેલફોન : 94260 48351), સુનીલ ગુપ્તા(સેલફોન : 95740 68156), લંકેશ ચક્રવર્તી(સેલફોન : 94263 75381), સુરેશ પરીખ(હાલ વીદેશમાં) અને ગીરીશ ચાવડા(સેલફોન : 99985 34646) પણ માતાજીને મળવા આતુર હતા! આ બધાં માતાજીનું પગેરું શોધવા મીનાવાડા આવ્યાં હતાં! માતાજીની મુલાકાત કઈ રીતે કરવી, તે પ્રશ્ન હતો.

મધુભાઈએ કહ્યું : પીયુષભાઈ! એક યુક્તી છે! ટોળા ઉપર ડંડા વીંઝતા સ્વયંસેવકના કાનમાં ફુંક મારો કે અમે બધાં મુમ્બઈથી આવીએ છીએ! અમારા શેઠ મોટા ઉદ્યોગપતી છે અને માતાજીના ભક્ત છે. આવતી પુનમે દર્શન કરવા આવશે. અમને શેઠે મોકલ્યા છે. માતાજીને કોઈ ચીજવસ્તુની જરુર હોય તો જાણી લાવો, એવો હુકમ અમારા શેઠે કર્યો છે! માતાજીની મુલાકાત ગોઠવી આપો!”

પીયુષભાઈએ સ્વયંસેવકના કાનમાં ફુંક મારી. સ્વયંસેવક તરત જ માતાજી પાસે ગયો. પન્દર મીનીટ પછી તેણે પરત આવીને કહ્યું : “ પીયુષભાઈ, ચાલો માતાજી બોલાવે છે!”

સૌ માતાજી પાસે પહોંચ્યા. આશીર્વાદ લીધાં. શ્રદ્ધાળુઓ રુપીયાનો વરસાદ વસાવતા હતા. થોડીવાર થાય એટલે માતાજીના સગાંઓ રુપીયાનો ઢગલો બે હાથે ભેગો કરીને સલામત જગ્યાએ મુકી આવતા હતા. ક્યારેક માતાજી પણ ભાખોડીયાભેર રુપીયા વીણવા મંડી પડતા હતા! નારીયેળ અને ચુંદડીનો મોટો ઢગલો થયો હતો.

મધુભાઈએ કહ્યું : “માતાજી! અમે મુમ્બઈથી આવીએ છીએ!”

“મધુભાઈ, તમને સૌને અહીં મોકલવા માટે મેં જ તમારા શેઠને સ્વપ્નમાં જઈને કહ્યું હતું! તમારા શેઠને કહેજો કે અમારે અહીં ભવ્ય મન્દીરનું નીર્માણ કરવું છે! શ્રદ્ધાળુઓ માટે ધર્મશાળા અને ભોજનશાળા ઊભી કરવી છે! લાઈટની વ્યવસ્થા અને પાણી માટે બૉર કરાવવો છે!”

“માતાજી! અમારા શેઠ આ બધું કરાવી દેશે! અમારી ઈચ્છા એક પરચો જોવાની છે!”

“મધુભાઈ, જમણા હાથની મુઠ્ઠી વાળો. ભીંસ આપો. પાંચ મીનીટ પછી તમારી મુઠ્ઠીમાં શેષનાગ દેખાશે!”

મધુભાઈએ પાંચ મીનીટ પછી પોતાની મુઠ્ઠી ખોલી કહ્યું : “માતાજી! મારી મુઠ્ઠીમાં શેષનાગ તો ઠીક, સાપોલીયું પણ દેખાતું નથી!”

“મધુભાઈ, શ્રદ્ધા હોય તો દેખાય!”

માતાજી! ચમત્કાર કે પરચો નાનો કે મોટો દેખાડે તેને અમદાવાદના ‘ગુજરાતમુમ્બઈ રૅશનાલીસ્ટ એસોસીએશ’ને રુપીયા ચોસઠ લાખનું ઈનામ જાહેર કર્યું છે! પરચો બતાવો અને ચોસઠ લાખ મેળવી લો!”

“મધુભાઈ, કોઈના કહેવાથી ચમત્કાર કરાય નહીં!”

“માતાજી! ચોસઠ લાખ માટે નહીં; પણ અમો શ્રદ્ધાળુઓને પરચો દેખાડો!”

“સાત મંગળવાર આવો! પરચો દેખાશે!”

માતાજી!, તમે શા માટે ઢોંગ કરો છો? તમારામાં કોઈ દીવ્ય શક્તી નથી કે પરચા–શક્તી નથી!”

“મધુભાઈ, તમે શું બકો છો? માતાજીનું અપમાન કરો છો? થોડા દીવસ પહેલાં એક અખબારમાં મીનાવાડાના માતાજી અંગે લેખ પ્રગટ થયેલો. તમે નહીં માનો, પણ એ લેખકના ખુબ હોશીયાર સંતાનનું મરણ થઈ ગયું! લેખ પ્રગટ કરનાર અખબારનું પ્રીન્ટીંગ મશીન બંધ પડી ગયું! મશીનની મરામત કરાવી તો એક કરોડનો ખર્ચ થયો!”

માતાજી! એવું કશું બન્યું નથી! એ બધાં જુઠ્ઠાણાં છે! માતાજી તમારી માથે જે મુગટ છે, તે તમોને દીવ્યશક્તીએ આપેલો નથી. પુંઠા ઉપર રંગીન કાગળો ચોંટાડીને મુગટ બનાવેલો છે. બહુરુપી પહેરે તેવો મુગટ દીવ્યશક્તી ન આપે! દીવ્યશક્તીનો મુગટ તો સોનાનો હોય, ડાયમંડનો હોય! તમે આરતી કરો છો ત્યારે તમારા ગળામાં નાગદેવ હોય છે, આરતી વેળાએ તમારા વાળ લાંબાટુંકા થાય છે, આરતી વખતે તમારા પગ બે ફુટ અધ્ધર થઈ જાય છે, દીવ્યશક્તીએ તમને ત્રીશુળ, શ્રીફળ અને ચુંદડીની ભેટ આપી છે, આ બધાં ગપ્પાં છે! તમે ત્રીકાળ જ્ઞાની છો, એ દાવો બીલકુલ પોલો છો! તમે માતાજીની ભુમીકા ભજવો છો; પણ અમે કોણ છીએ તેની તમને કોઈ જાણકારી પણ નથી! ભોળા લોકોને છેતરવાનું બંધ કરો!”

“તમે કોણ છો? હું નારાજ થઈશ તો તમે સૌ અહીં જ સળગીને મરી જશો!”

માતાજી! અમે સુરતની સત્યશોધક સભા’ના કાર્યકરો છીએ. અમારી સાથે ગુજરાતમુમ્બઈ રૅશનાલીસ્ટ એસોસીએશ’, અમદાવાદના કાર્યકરો પણ છે. અમારું કામ ઢોંગીઓને ખુલ્લા પાડવાનું છે! તમારા કહેવાથી અમે સળગી જવાના નથી. અમે જાણીએ છીએ કે તમારાથી સળીના બે ટુકડાં થઈ શકે તેમ નથી!”

“હું કોઈને આમન્ત્રણ આપતી નથી. શ્રદ્ધા હોય તે આવે! અહીં હજારો માણસો આવે છે, તે બધાના દુઃખ દુર થાય છે. ફાયદો થાય છે, તેથી સૌ આવે છે, તે બધા ખોટા અને તમે સાચા? અમે સમાજસેવા કરીએ છીએ!”

“માતાજી! લોકો કામકાજ છોડીને અહીં દર્શને આવે છે! માનતા માને છે! ખોટા વીશ્વાસમાં રહે છે કે માનતાવાળું કામ માતાજીની કૃપાથી થઈ જશે! માનતાવાળી માનસીકતાને કારણે લોકોની દુર્દશા થાય છે! સમાજની અધોગતી થાય છે! તરકટ કરનારાને ઘી–કેળાં અને મોજમઝા! ધતીંગ કરનારા સમાજસેવા કરી શકે નહીં! દેતે હૈ ભગવાન કો ધોખા, ઈનસાં કો ક્યા છોડેંગે!

સત્યશોધક ટીમ સુરત પરત જઈ રહી હતી ત્યારે બસના ડ્રાઈવરે પુછ્યું : “મધુભાઈ, આજે હથેળીમાં શેષનાગના દર્શન થયા! હું ધન્ય બની ગયો! તમને દર્શન થયા કે નહીં?”

મધુભાઈ ડ્રાઈવરને તાકી રહ્યા!

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’(26, એપ્રીલ, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile : 99099 26267  e.Mail : rjsavani@gmail.com

Read Full Post »

Older Posts »