યાસીન દલાલ

સમાન નાગરીક ધારાનો વીકલ્પ

સમાન નાગરીક ધારાનો વીકલ્પ

–યાસીન દલાલ

આપણા દેશમાં જુદા જુદા ધર્મ પાળતા લોકો માટે અલગ કાયદો છે. આ બધા કાયદાઓ નાબુદ કરીને એક સમાન નાગરીક ધારો લાગુ કરવાની હીલચાલ શરુ થઈ છે. કૉન્ગ્રેસ પક્ષે એવું કહ્યું છે કે આમાં ઉતાવળ કરવાને બદલે સર્વપક્ષી સમ્મેલન બોલાવીને એમના અભીપ્રાયો લેવા જોઈએ. એ જ રીતે બધા ધર્મના નીષ્ણાતોને બોલાવીને એમના અભીપ્રાયો પણ લઈ શકાય. આપણા દેશમાં ચાર હજારથી વધુ જ્ઞાતીઓ છે અને દુનીયામાં જેટલા ધર્મ છે એ બધાના અનુયાયીઓ ભારતમાં વસે છે. આ જોતા સમાન નાગરીક ધારો લાગુ કરવો એ બહુ મુશ્કેલ વાત છે. ભારતમાં ક્યાંક દુર્યોધનનું મન્દીર છે; તો ઝાંરખંડમાં રાવણની પુજા થાય છે. દક્ષીણમાં તામીલનાડુમાં અમુક લોકો રાવણને નાયક માને છે અને રામને ખલનાયક માને છે. એ જ રીતે મુસ્લીમોમાં સીયા અને સુન્ની ઉપરાન્ત વહાબી પંથ આવેલો છે. પાકીસ્તાનમાં એક વધુ પંથ એહમદીયા એટલે કે કાદીયાની તરીકે ઓળખાય છે.

અમેરીકાની બફેલો યુનીવર્સીટીના પ્રો. કુપ્સે માનવકેન્દ્રી ધર્મનો એક ઢંઢેરો તૈયાર કર્યો છે, જેમાં આજના ક્રીયાકાંડ કેન્દ્રી સંગઠીત ધર્મોથી અલગ પડીને માનવધર્મની વાત કહેવામાં આવી છે અને એ માનવધર્મના પાયાના નીયમો મુકવામાં આવ્યા છે. આ લેખનો અનુવાદ બીપીન શ્રોફે આ સામયીકમાં રજુ કર્યો છે.

એમ. એન. રોયના ગતીશીલ માનવવાદને મળતી આવતી આ વીચારધારા છે; છતાં એમાં કેટલાક મુદ્દા અલગ પડે છે. હાલ જે બીનસામ્પ્રદાયીકતાના સીદ્ધાન્તની આસપાસ આપણે ત્યાં આટલો વીવાદ ચાલે છે, એના પાયામાં પણ આમ તો આજ વાત કહેવામાં આવી છે. પણ અહીં પણ એક મુળભુત ફરક એ છે કે સંગઠીત ધર્મો ઈશ્વર અને દૈવી શક્તીઓને જ કેન્દ્રમાં રાખીને ચાલે છે અને એના અતીરેકમાં માણસ જ ભુલાઈ જાય છે, ગૌણ બની જાય છે એમ જ બીનસામ્પ્રદાયીકતાના ખ્યાલમાં એથી વીરુદ્ધ વૈજ્ઞાનીક વીચારધારાને મુખ્ય બનાવીને ધર્મને માણસના અંગત જીવનનો પ્રશ્ન બનાવાયો છે.

આ માનવકેન્દ્રી ધર્મમાં પણ એના ઢંઢેરાની પ્રથમ જ કલમાં વીજ્ઞાન અને તર્કને ટોચનું પ્રાધાન્ય અપાયું છે. એમાં કહેવાયું છે, ‘અમે સ્પષ્ટ રીતે માનીએ છીએ કે વીજ્ઞાન અને કાર્યકારણથી આ વીશ્વ અને બ્રહ્માંડને સમજી શકાય છે અને માનવજાતના પ્રશ્નો તેના દ્વારા જ ઉકેલી શકાય તેમ છે.’ એની બીજી કલમમાં આગળ વધીને કહેવાયું છે કે આ વીચારધારામાં મૃત્યુ પછીના જીવનના ખ્યાલનું કોઈ સ્થાન નથી. બધો ઝોક આ જગત, આ જન્મ અને આ વીશ્વ ઉપર જ છે. જગતની ઉત્પત્તીની આધીભૌતીક અને ઈન્દ્રીયાતીત કલ્પનાઓને એ નકારી કાઢે છે.

આ ઢંઢેરાની ચોથી કલમ ધાર્મીક કટ્ટરવાદીઓને ખુલ્લા પડકાર સમાન છે. અત્યારે ઘણા દેશો અને ઘણી પ્રજાઓમાં ધાર્મીક અસહીષ્ણુતા જોવા મળે છે અને પ્રચલીત ધર્મની માન્યતાને પડકારનાર વ્યક્તીને પરેશાન કરાય છે. (તસલીમા નસરીન એનો તાજો દાખલો છે.) ત્યારે માનવધર્મની આ કલમ કહે છે કે, ‘ખુલ્લો અને વીવીધ મતમતાન્તરવાળો સમાજ મહત્તમ લોકોને સ્વાતન્ત્ર્ય અને વીકાસની તકો પુરી પાડે છે તેમ જ આવી સમાજરચના જ આપખુદશાહી અને સરમુખત્યાહશાહીની ઢાલ છે.’

આપખુદશાહી માત્ર રાજકીય હોતી નથી. ધાર્મીક આપખુદશાહી તો એનાથી બદતર છે. એ તો વ્યક્તીનું સ્વતન્ત્ર વ્યક્તીત્વ જ હણી લે છે અને એને ધર્મના આદેશોનું પાલન કરનાર એક કઠપુતળી બનાવી દે છે. એકબાજુ દેશમાં લોકશાહી રાજ્યવ્યવસ્થા હોય અને બીજી બાજુ પ્રજાના છીન્નભીન્ન વર્ગો ધાર્મીક આદેશોને પડકારનાર વ્યક્તી સામે અસહીષ્ણુ બનીને એની સામે આપખુદશાહી ચલાવે એમાં મોટો વીરોધાભાસ છે. કાગળ ઉપર રાજ્યસત્તા ઉપર ધર્મનું કોઈ વર્ચસ્વ ન હોય; પણ વ્યવહારમાં જરીપુરાણા ધાર્મીક આદેશોને પડકારનારને શીક્ષા કરવામાં આવતી હોય, ત્યારે એ લોકશાહી નીરર્થક બની જાય છે. ખરેખર તો અલગ અલગ ધાર્મીક માન્યતાવાળા લોકોએ એકબીજા પ્રત્યે સહીષ્ણુ બનીને આ જગતને વધુ જીવવા જેવું બનાવવું જોઈએ. આ ધાર્મીક ક્રીયાકાંડોથી ઉપર સત્ય અને ન્યાયના ઉચ્ચતમ સીદ્ધાન્તો રહેલા છે.

ધાર્મીક કટ્ટરવાદ બળ અને હીંસાને ઉત્તેજન આપે છે ત્યારે માનવવાદ પ્રેમ અને સહીષ્ણુતા પ્રેરે છે. ધર્મના બધા આદેશોનું અર્થઘટન એકસરખું થઈ શકતું નથી. અલગ અલગ વીદ્વાનો એનું અલગ અલગ અર્થઘટન કરતા હોય છે. એનું નીરાકરણ શાન્તીમય ચર્ચા અને વીચારવીમર્શ દ્વારા જ આવે. બધાં જુથો એમ કહે છે કે અમે કહીએ એ જ અર્થઘટન સાચું, તો ઝઘડાનું નીરાકરણ થાય જ નહીં અને કડવાશ તથા વેરવૃત્તી જ વધે.

મનુષ્યમાં અપ્રતીમ સર્જનશક્તી અને મૌલીક આવીષ્કાર રહેલાં હોય છે. પણ ક્યારેક જડ ધાર્મીક આદેશો એની વીકાસયાત્રામાં અવરોધરુપ બને છે. વીજ્ઞાને જ્યારે હરણફાળ ભરી અને બ્રહ્માંડના અનેક કોયડાને ઉકેલી આપ્યા, ત્યારે ખબર પડી કે ધર્મગ્રંથોમાં જે લખેલું હતું, તે બધું સાચું નહોતું, બલકે અમુક વાતો તો મુળથી જ ખોટી હતી. ધાર્મીક વડાઓએ આ નવાં સત્યો અને તથ્યોને ખુલ્લા દીલે સ્વીકારી લેવાં જોઈતાં હતાં; પણ એમણે તો સંઘર્ષનો માર્ગ અપનાવીને વૈજ્ઞાનીકોને પરેશાન કર્યા. સદીઓ પછી, પોપ પોલે સ્વીકાર્યું કે વીજ્ઞાનની શોધખોળો બદલ ગેલીલીયો જેવા વીદ્વાનને જે સજા થઈ એ પગલું ખોટું હતું. જે ખેલદીલી ખ્રીસ્તી વડાએ બતાવી એ બીજા ધર્મોના વડાઓ બતાવી શકતા નથી.

કોઈપણ વીચારધારા જડ અને બન્ધીયાર બની જાય, ત્યારે એનો વીકાસ અટકી જાય છે, અને સ્થગીત બની જાય છે. જ્ઞાન અને સંશોધન કદી કોઈ જગ્યાએ અટકી જતાં નથી; પણ એમની યાત્રા સતત ચાલતી રહે છે. માનવવાદના ઢંઢેરામાં કહેવાયું છે તેમ, ‘અમે નવા વીચારો માટે મનને ખુલ્લું રાખીએ છીએ અને અમારી વીચારપ્રક્રીયામાં નવાં પ્રસ્થાનો અને વલણોને આવકારીએ છીએ.’

સંગઠીત ધર્મોએ કદી નવા વીચારો અને નવાં મુલ્યોને ખેલદીલીથી આવકાર્યા નથી બલકે હીંસક બનીને એનો વીરોધ કર્યો છે. એક ધર્મ બીજા ધર્મ પ્રત્યેના વલણમાં પણ આવો જ અસહીષ્ણુ રહ્યો છે. પરીણામે ધાર્મીક પ્રચાર વડે લોકોમાં વટાળવૃત્તી ચલાવવામાં આવે છે અને સમ્પ્રદાયનું સામ્રાજ્ય વીસ્તારવા માટે નાણાં અને બીજી લાલચો પણ અપાય છે. આ ધાર્મીક બર્બરતાએ જ ભારત–પાકીસ્તાનથી માંડીને બોસાનીયા અને આરબ–ઈઝરાયલ જેવી સમસ્યાઓ સર્જી, જેમાં લાખો નીર્દોષ માણસો હોમાઈ ગયા. એને બદલે માનવજાતે આ માનવકેન્દ્રી વીચાર અને માનવધર્મ અપનાવી લીધો હોત તો અત્યારની દુનીયા જેટલી સુખી છે એનાથી અનેકગણી વધુ સુખી હોત એમાં શંકા નથી.

અત્યારે માણસ સંગઠીત ધર્મોનું પાલન કરે છે તે ભય અને લાલચથી કરે છે કે આત્મપ્રતીતીથી તે પ્રશ્ન મહત્ત્વનો છે. એના મનમાં ઠસાવી દેવાયું છે કે આ ઈશ્વરી આદેશ છે. એમાં શંકા કરશો તો નરકમાં જશો. ઈશ્વરનો કોપ તમારી ઉપર ઉતરશે. આ ભયનો પ્રેર્યો માણસ વીધીઓ સહીત ધર્મોના બધા આદેશોને સ્વીકારી લે છે. બીજી બાજુ આ વીધી ધર્મના અનુયાયીઓ જ મોટા પાયે કરચોરી કરે છે. દાણચોરી કરે છે, શસ્ત્રોની હેરાફેરી કરે છે, હત્યાઓ પણ કરે છે.

મતલબ કે સંગઠીત ધર્મ માણસને સારો માણસ બનાવવામાં સદન્તર નીષ્ફળ ગયો છે. મોટા ભાગના દાણચોરો અને માફીયા સરદારો પણ ઘરમાં પુજાપાઠ અને પ્રાર્થના કરતા હોય છે એ હકીકત જ બતાવે છે કે એમને માટે ધર્મ એ એક માત્ર ક્રીયાકાંડ છે, દમ્ભ છે, એમનાં કૃત્યોને ઢાંકવાનું આવરણ છે. એમને દેશવીરોધી અને સમાજવીરોધી કૃત્યો કરવામાં કોઈ અધર્મ દેખાતો નથી. ભ્રષ્ટાચારી લોકો પણ દેવદેવીઓની માનતા કરતા હોય છે. આ ધાર્મીક આડમ્બર સારો કે માનવકેન્દ્રી બુદ્ધીવાદ સારો એ નક્કી કરી લેવાનો સમય છે. માણસજાત જો આ વીધી ધર્મોના સકંજામાં જ સપડાયેલી રહેશે તો બધી બાજુએથી એનું પતન ચાલુ જ રહેવાનું છે.

આ ઢંઢેરાની બારમી કલમ વ્યક્તીના ખાનગી જીવનના અધીકાર ઉપર ભાર મુકે છે. દરેક પુખ્ત ઉમ્મરની વ્યક્તીને તેની ઈચ્છાઓ મુજબનું જીવન જીવવાની સ્વતન્ત્રતા હોવી જોઈએ. અલબત, એ જીવન કોઈ બીજી વ્યક્તીના સ્વાતન્ત્ર્ય કે સમાજના કોઈ વર્ગ માટે અંતરાયરુપ ન હોવું જોઈએ, પણ ધાર્મીક આદેશો કે ખોટાં સામાજીક મુલ્યોને નામે વ્યક્તીના વ્યક્તીગત સ્વાતન્ત્ર્યને કચડી નાખવાનો પ્રયત્ન પણ ન જ થવો જોઈએ. જાતીય સમ્બન્ધોની બાબતમાં આપણે જે કૃત્રીમ બન્ધનો અને જડ વ્યવસ્થા લાદી છે, એનો અહીં વીરોધ કરાયો છે અને બે વ્યક્તીના પરસ્પર પ્રેમ સમ્બન્ધમાં અન્તરાયરુપ બનવાનો કોઈને અધીકાર નથી એવું પ્રતીપાદીત કરાયું છે.

માણસને ગૌરવરુપ જીવવાની તેમ જ ગૌરવરુપ અને ઈચ્છા મુજબ મરવાની પણ છુટ હોવી જોઈએ એવો સીદ્ધાન્ત પણ બીલકુલ યોગ્ય રીતે જ આ માનવ ઢંઢેરામાં વણી લેવાયો છે. એ વીધી ધર્મોએ ચીંધેલા કૃત્રીમ નૈતીક મુલ્યોને બદલે બન્ધુત્વ, જવાબદારી અને વીવેક ઉપર ભાર મુકે છે. નીતી એ કોઈ ઈશ્વરી કે ધાર્મીક ભેટ નથી; પણ માણસે પુરી વીચારણા પછી વીકસાવેલાં સામુહીક મુલ્ય છે. માણસ પરસ્પર વ્યવહારમાં સરળતાથી ટકી શકે એ માટે નીતીમત્તા ઘડાઈ છે.

પ્રો. પોલ કુપ્સના આ નવા માનવધર્મમાં માણસને એના સંકુચીત વાડાઓમાં બહાર નીકળીને બ્રહ્માંડના નાગરીક બનવા માટે આહ્વાન કરાયું છે. માણસે અણુ અને પરમાણુનું પૃથક્કરણ કરીને બ્રહ્માંડના ઉદભવ અને વીકાસનાં ઘણાં રહસ્યો ઉકેલ્યાં છે. ચન્દ્ર અને તારાઓ વીશે પણ જાણકારી મેળવી છે. દુર રહેલી આકાશગંગા અને ગ્રહો વીશેની જાણકારી ચરમસીમાએ પહોંચી છે ત્યારે મન્ત્રતન્ત્ર, જ્યોતીષ કે ધાર્મીક ક્રીયાકાંડનું કોઈ ઔચીત્ય જ રહેતું નથી. છતાં માણસને સ્થાપીત હીતો દ્વારા ગુમરાહ કરવામાં આવે છે, જેથી એ આત્મવીશ્વાસ ગુમાવીને સાધુબાવાઓ કે ધર્મગુરુઓ કહે એમ કરતો રહે.

અત્યારે આપણી પાસે જાત જાતના સંગઠીત ધર્મો છે જે કાગળ ઉપર તો ઉચ્ચ આદર્શો, માનવતા, કરુણા અને પ્રેમની હીમાયત કરે છે. પણ એમના અનુયાયીઓ સદીઓથી અસહીષ્ણુ બનીને વેરઝેર, ઈર્ષ્યા અને હીંસાનું જ આચરણ કરતા આવ્યા છે. પરીણામે વીરોધનો સ્વર જ દબાઈ જાય એવી સ્થીતી નીર્માણ પામી છે. આ સંગઠીત ધર્મો મોટું સ્થાપીત હીત બની ચુક્યા છે. એમણે જંગી સમ્પત્તી એકઠી કરી છે અને વીરોધી સ્વરને દબાવી દેવાની તાકાત પણ એમની પાસે છે. આ ભય અને દબાણનું વાતાવરણ વધુ તો એશીયન અને આફ્રીકન તથા આરબ પ્રજાઓમાં જોવા મળે છે. આ દેશોની ગરીબી અને પછાતપણાનું એક મોટું કારણ આ ધાર્મીક કટ્ટરતાનું જ છે. આપણે પણ બીનસામ્પ્રદાયીક લોકશાહી દેશ હોવા છતાં એમાંથી મુક્ત રહી શક્યા નથી.

આ કલુષીતતા અને ધાર્મીક બળપ્રદર્શનનો વીકલ્પ આ નવો માનવધર્મ છે. એનો ઢંઢેરો સ્પષ્ટ કરે છે તેમ એમાં ક્યાંય માણસને ભોગે ધાર્મીક માન્યતાઓને પોષવાની વાત નથી. ધર્મોનું મુળ ધ્યેય પણ માનવના કલ્યાણનું જ હતું. પણ એ મુળ ધ્યેય ભુલાઈ ગયું અને દેવ–દેવીઓની આરતી ઉતારવામાં જ માણસનું શ્રેય છે એવી ખોટી માન્યતા ઠોકી બેસાડાઈ.

યાસીન દલાલ

‘ગુજરાત સમાચાર, દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીન દલાલની વીચાર વીહાર નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા. 23 જુલાઈ, 2014ના અંકમાંથી ડૉ. યાસીન દલાલ અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5,સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી, રાજકોટ – 360 007 ફોન : (0281) 257 5327  .મેઈલ : yasindalal@gmail.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અક્ષરનાદhttp://aksharnaad.com/downloads વેબસાઈટ, ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  તેમ જ વીશ્વભરની વીવીધ ભાષાઓમાં 25 મીલીયનથી વધુ પુસ્તકો અને મેગેઝીનો ધરાવતી ઈસુhttps://issuu.com/ વેબસાઈટ પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સમુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 05/05/2017

 

Advertisements
યાસીન દલાલ

મનની શાન્તી કઈ રીતે મળે ?

–યાસીન દલાલ

હમણાં હમણાં અધ્યાત્મ અને આધ્યાત્મીકતા, એ બે શબ્દો વારમ્વાર કાને અથડાય છે. ઠેરઠેર જાતજાતની અધ્યાત્મીક શીબીરો યોજાઈ રહી છે અને એમાં સેંકડો લોકો ભાગ લે છે. આત્માની ઉન્નતી અને મનની શાન્તી માટે લોકો જાણે એકાએક તલપાપડ બની ગયા છે. કેટલીક શીબીરોમાં તો કૉલેજના અભ્યાસના જે ત્રણ–ચાર તબક્કા હોય અને પહેલાં સ્નાતક અને પછી અનુસ્નાતકની ડીગ્રી મળે, એમ આત્માની ઉન્નતીના પણ તબક્કા પાડવામાં આવે છે અને એક શીબીર પુરી કર્યા બાદ બીજી ઉંચી કક્ષાની શીબીર યોજાય છે. આવા આધ્યાત્મીક સંવાદના અંગ્રેજી નામો અપાય છે અને એના વીષયે લોકો જાતજાતની વાતો સાંભળીને ‘ઈન્સ્ટન્ટ રીલીફ’ માટે એમાં જોડાવા ઉત્સુક બની જાય છે. પ્રશ્ન એ થાય કે, આ અધ્યાત્મ એ વાસ્તવમાં શું છે ? વીનોબા ભાવેએ એકવાર કહ્યું હતું, ‘આ વાતને જરા ઉંડાણથી સમજી લેવાની જરુર છે અને તેમાંયે હીન્દુસ્તાનમાં તો ખાસ. કેમકે અહીં અધ્યાત્મ વીશે જાતજાતના ખ્યાલો દૃઢ થઈ ગયેલા છે.’

અધ્યાત્મની વાત આવે એટલે તરત ધ્યાનની વાત આવે. વળી પ્રશ્ન થાય કે ધ્યાન એટલે શું ? વીનોબા ભાવેનો જ વીચાર જોઈએ, ‘એકવાર એક ભાઈએ મને કહ્યું કે, હું આધ્યાત્મીક માર્ગે આગળ વધવા માંગું છું, એટલા વાસ્તે હમણાં બસ ધ્યાન કરી રહ્યો છું. મેં એમને કહ્યું કે, ધ્યાનનો અધ્યાત્મ સાથે કોઈ ખાસ સમ્બન્ધ છે એવું હું નથી માનતો. કર્મ એક શક્તી છે, જે સારા–ખરાબ સ્વાર્થ, સારા–ખરાબ પરાર્થ અને પરમાર્થ એમ પાંચમાંથી કોઈપણ કામમાં આવી શકે છે. એવી જ રીતે ધ્યાન પણ એક શક્તી છે, જે આવાં પાંચેય કામોમાં આવી શકે છે. જેમ કર્મ સ્વયમેવ કોઈ આધ્યાત્મીક શક્તી નથી, એમ ધ્યાન પણ સ્વયમેવ કોઈ આધ્યાત્મીક શક્તી નથી.’

પણ, આપણે તો આ કહેવાતા ધ્યાનને આધ્યાત્મીકતા સાથે એવું જોડી દીધું કે બન્ને એકબીજાના પર્યાય જેવા બની ગયા. ગામેગામ ધ્યાનશીબીરો યોજાવા લાગી. જો ધ્યાન જ ધરવાનું હોય તો એની શીબીરમાં જવાની શી જરુર છે ? ઘરેબેઠાં પણ એ કરી શકાય ! મનની એકાગ્રતા કે શાન્તચીત્તે, મનને કેન્દ્રીત કરીને શુદ્ધ કરવાની પ્રક્રીયાને ધ્યાન ગણીએ તો એ વ્યક્તી પોતે પણ આપમેળે કરી શકે છે.

આજનો સરેરાશ નાગરીક સતત બેચેની અને અજમ્પો અનુભવે છે. આ અજમ્પાનાં કારણો અનેક હોઈ શકે. કોઈને નોકરીમાં મજા આવતી નથી. કોઈને ધંધો ફાવતો નથી. કોઈને ઘરમાં પત્ની સાથે મેળ પડતો નથી, તો કોઈને સન્તાનો સાથે અન્તર પડી જાય છે. કોઈ રાજકારણી તો વળી ઈચ્છીત પદ કે હોદ્દો ન મળે એનાથી બેચેન થઈ જાય છે. મનગમતો મીત્ર કે મનગમતું પ્રેમપાત્ર ન મળે એ પણ અજમ્પાનું મોટું કારણ હોઈ શકે. આવા લોકો બેચેનીનો ઈલાજ પોતે શોધી શકતા નથી અને પરીણામે આધ્યાત્મીક ગુરુઓને ચરણે જઈને આળોટે છે. આટલી મોટી સંખ્યામાં મનની શાન્તીની માંગ હોય તો પુરવઠો પણ મોટો જ હોવો જોઈએ. પરીણામે આજે તો ધર્મ અને અધ્યાત્મ પણ ધંધો બની ગયા છે. જાતજાતના ગુરુઓ જાતજાતની શીબીરો ગોઠવે છે અને જાતજાતના નુસખાનો પ્રચાર કરે છે. મારા એક મીત્ર એવા છે જેનો ક્યાંય પત્તો ન લાગે તો આવી એકાદ શીબીરમાંથી એ જરુર મળી આવે! પણ, આટલી બધી શીબીરોમાં ગયા પછી એમનો માનસીક અજમ્પો હતો ત્યાં ને ત્યાં જ છે. ઘણા લોકોને પોતાની મુશ્કેલીઓનું કાળજીપુર્વક જતન કરીને ઉછેરવાની ટેવ હોય છે. આવી રીતે જ્યાં ત્યાં મનની શાન્તી માટે ભટકવાથી એ મળી જતી નથી. ઉલટું, મનના ગુંચવાડામાં વધારો જ કરે છે.

આપણે કદાચ કર્મ તરફથી ફંટાવા માટે અકર્મણ્યતાને અધ્યાત્મ કે ધ્યાનનું રુપાળું નામ આપી દીધું છે. કોઈપણ કામ કરવું હોય તો શરીર અને મન બન્નેને કષ્ટ આપવું પડે છે. કારખાનામાં કોઈ માણસ મશીન પર બેઠો હોય તો એણે મશીનના જુદા જુદા ભાગો તરફ નજર કરવી પડે, પોતાનો હાથ મશીનમાં આવી ન જાય એની કાળજી રાખવી પડે અને મશીનમાં જે વસ્તુ તૈયાર થતી હોય એ બરોબર થઈ રહી છે કે નહીં એ પણ જોવું પડે. આમ, તન અને મન બન્નેને કાર્યરત રાખવાં પડે. ઑફીસમાં કામ કરવું હોય તો પણ વહીવટની બાબતમાં પણ અનેક મુદ્દાઓ તરફ ધ્યાન આપવું પડે. સન્દર્ભો જોવા પડે, કોઈને પત્રનો જવાબ આપવો હોય તો પણ જે પત્રનો જવાબ આપવાનો છે, એના સન્દર્ભ નંબર ટાંકવા પડે, એનો વીષય અને એની વીગત જોઈ જવી પડે, કવર બનાવવું પડે, એની ઉપર ટીકીટ ચોંટાડવી પડે. આ બધાં કામો કરવામાં જેને આળસ થતી હોય અને કોઈપણ કામ કરવામાં જ મન ન ચોંટતું હોય તો આસાન રસ્તો આધ્યાત્મીક બની જવાનો છે. નીષ્ક્રીય બનીને ધાર્મીક દૃષ્ટાન્ત કથાઓ સાંભળ્યા કરવી અને આંખો મીંચીને ધ્યાન ધરતા રહેવું, એમાં આપણને જીવનની સાર્થકતા દેખાય છે અને ખેતરમાં કામ કરવું, રસ્તા બનાવવા, ઘરને સાફ કરવું એ બધામાં આળસ થાય છે. વીનોબા નાના હતા ત્યારે ખેતરમાં કોદાળી ચલાવતા, કાંતણ, વણાટની સાથે રસોઈ કરતા અને ઘરમાં દીવાલ રંગવાનું કામ પણ કરતા. વીનોબાજી લખે છે ; ‘પણ, એ બધાં કામ કરતી વખતે મારી એ જ ભાવના હતી કે, હું ઉપાસના કરી રહ્યો છું…’ આમ, જીવનમાં ઘરના, ઑફીસના નાનાં–મોટાં કામ કરવાને વીનોબા જેવા લોકો ‘ઉપાસના’નો દરજ્જો આપે છે, ત્યારે આપણે આવાં કામોને તુચ્છ ગણી, એમાં નાનમ અનુભવીને આપણી એ આળસ કે અભીમાનને છુપાવવા માટે કહેવાતી આધ્યાત્મીકતા અપનાવી લઈએ છીએ. વીનોબા ચરખો કાંતવાને કે ખેતરમાં કામ કરવાને ‘આધ્યાત્મીક કર્મ’ કહે છે.

આપણું જીવન બહુ સંકુલ છે. જીન્દગી એટલે બે અને બે ચારનો સરવાળો નથી. જીવનની ગાડીમાં ઘણા ફાંટા આવે છે. જીવન ગુંચવાડા ભર્યું છે. આ ગુંચવાડામાંથી માર્ગ કાઢવા માટે આત્મવીશ્વાસ અને દૃઢ મનોબળ જેવી કોઈ બીજી દવા નથી. પણ, દર્દીને ખબર જ નથી કે એને શો રોગ થયો છે, પરીણામે રસ્તા પર બેઠેલા ઉંટવૈદો એને ભરમાવે છે. ધર્મને નામે, અધ્યાત્મને નામે, ત્યાગ અને બલીદાનને નામે, મોક્ષને નામે એને અવળે રસ્તે ચડાવે છે. એક ભાઈ એક મનોવીજ્ઞાની ડૉક્ટર પાસે ગયા. ફરીયાદ એ હતી કે, આખો દીવસ ખોટા વીચારો આવે છે, મનને શાન્તી મળતી નથી, મન ભટકે છે, ઉંઘમાં સપનાં આવે છે. ડૉક્ટરે પુછ્યું કે, ‘કામ શું કરો છો?’ ત્યારે ખબર પડી કે કોઈ સરકારી ખાતામાં નોકરી કરે છે. ડૉક્ટરે પુછ્યું, ‘અત્યારે તો તમારી નોકરીનો સમય છે; તો પછી અહીં કઈ રીતે આવ્યા?’ જવાબ મળ્યો, ‘સરકારી નોકરી છે. સમયસર જવું જરુરી નથી. ન જઈએ તો કોઈ પુછતું નથી. ઑફીસમાં બધા આમ જ કરે છે.’ ડૉક્ટરને જવાબ મળી ગયો. એણે કહ્યું, ‘તમે ઑફીસમાં બરોબર હાજરી આપો. તમારી ફરજ પુરી નીષ્ઠાથી બજાવો. અરજદારોના કામ પતાવો. આવા એક અરજદારનું કામ તત્પરતાથી પતાવ્યા પછી જે માનસીક સન્તોષ મળશે એ જ તમારી દવા છે. પછી તમારું મન ક્યાંય નહીં ભટકે…’

ઉર્દુમાં એક સરસ શેર છે, ‘કભી કીસી કો મુકમ્મીલ જહાં નહીં મીલતા, કહીં જમીં તો કહીં આસમાં નહીં મીલતા’… દરેક માણસને એની ઈચ્છીત વસ્તુ મળી જતી નથી. દરેકના જીવનમાં કશુંક ખુટે છે એ જ આપણે મેળવવું છે. અધુરપ પુરવાની આ ઝંખનામાં માણસ મનની સમતુલા ગુમાવી બેસે છે અને પછી અહીંતહીં ભટકવા માંડે છે. કહેવાતા ‘ગુરુઓ’ આવા ગુમરાહ લોકોની જ રાહ જોતા હોય છે. કોઈ મઠ કે આશ્રમમાં લઈ જઈને એમને આધ્યાત્મીકતાનાં ઈંજેક્શન આપવાનું શરુ થઈ જાય છે. આવા ગુમરાહ લોકોમાં આજકાલ બહુ પૈસાદાર લોકો વધુ જોવા મળે છે. સાચાખોટા માર્ગે પૈસો ખુબ બનાવી લીધો, પણ પછી અન્દરનો ખાલીપો ખખડવા માંડે ત્યારે સમજાય છે કે પૈસો એ પરમેશ્વર નથી. ગુજરાતીઓ પાસે પૈસો વધી ગયો એટલે આધ્યાત્મીકતાની દુકાનોમાં એમની ઘરાકી વધી ગઈ છે. આવા લોકો કોઈ ગુરુ પાસે દોડી જવાને બદલે થોડો સમય પોતાની જાત સાથે સંવાદ કરેતો ઘણા પ્રશ્નોના જવાબો આપોઆપ જ મળી જાય.

ધર્મ અને અધ્યાત્મની વ્યાખ્યા જ બદલવી પડે એવો માહોલ સર્જાયો છે. વ્યવસાયમાં છેતરપીંડી ન કરે, કરચોરી ન કરે, ભેળસેળ ન કરે એવા વેપારીને દર્દીને લુંટે નહીં એવા ડૉક્ટરોને કે ઑફીસમાં આવેલ ફરીયાદીનું અપમાન ન કરે એવા સરકારી કર્મચારીને હવે આધ્યાત્મીક કહેવો પડશે. આપણા એક ચીન્તક તો એવું કહી ગયા કે મનને એટલી હદે એકાગ્ર કરી નાખવું કે એ વીચારહીન સ્થીતીમાં આવી જાય! વીચાર જ જતા રહે અને માણસ વીચારહીન બની જાય તો એના જીવનનો શો અર્થ? પછી તો જીવનની દરેક પ્રવૃત્તી જ નીરર્થક બની રહે ! પણ, આપણે ત્યાં એવો ખોટો ખ્યાલ ઘુસી ગયો છે કે કામ તો સંસારની હાયવોય જેને હોય એ કરે, અને એ હાયવોય છોડીને આંખો મીંચીને બેઠો રહે એ માણસ આધ્યાત્મીક કહેવાય. કેટલાક માણસો એકસાથે અનેક ચીજો તરફ ધ્યાન આપી શકતા હોય છે અને સફળતાપુર્વક આપી શકતા હોય છે. આવા માણસોને એકાગ્ર બનીને એક જ મુદ્દા પર ચીત્તને કેન્દ્રીત કરવાની જરુર જ નથી. આવી તીક્ષ્ણ બુદ્ધી વીકસાવી શકાય છે. સફળ ઉદ્યોગપતી કે સફળ વહીવટકર્તામાં આ ગુણ હોય છે.

આપણને આજે સૌથી વધુ જરુર ઉત્પાદકતા અને શ્રમની છે. એ ભુલીને આપણે આળસ અને અકર્મણ્યતા ઉપર પડી ગયા છીએ. આધ્યાત્મીકને જો ચીન્તન અને મનન ગણીએ તો એ માણસ માટે જરુરી છે. માણસના જીવનમાં કોઈ ધ્યેય હોવું જોઈએ, કોઈ ફીલસુફી હોવી જોઈએ. વીશ્વના શ્રેષ્ઠ વીચારકોનું ચીન્તન એણે ભણવું જ જોઈએ. પોતાના જીવનમાં પ્રગતી અને સફળતામાં એ ખુબ ઉપયોગી અને માર્ગદર્શક બની શકે. પણ, આધ્યાત્મીકતાને નામે આત્મા, પરમાત્મા અને સ્વર્ગ-નર્ક જેવી અગમ્ય બાબતોમાં એ પડી જાય તો એ માણસ પછી કામ કરતો જ બંધ થઈ જશે અને પરાવલમ્બી બની જશે. આર્થીક ઉન્નતી માટે સાહસ અને કુશળતા જોઈએ અને સખત પરીશ્રમ જોઈએ. જે માણસ જીવનને મીથ્યા માનશે એની મહત્ત્વાકાંક્ષા મરી જશે અને એ કામ કરવા જ નહીં પ્રેરાય. માણસમાં મહત્ત્વાકાંક્ષા હશે તો એ પુરી કરવા માટે મથશે. પણ જો અગમનીગમની માયાજાળમાં પડી જશે તો જીવનમાં એને રસ જ નહીં રહે. માણસ બધું મેળવ્યા પછી સાદાઈ અપનાવે એ એક વાત છે અને પોતાની પાસે કંઈ હોય જ નહીં એટલે સાદાઈ અપનાવવી પડે એ બીજી જ વાત છે. જે માણસની પાસે વીચારનો આન્તરીક વૈભવ છે, એણે મનની શાન્તીની શોધમાં અહીંતહીં ભટકવું પડતું નથી.

યાસીન દલાલ

‘ગુજરાત સમાચાર’, દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીન દલાલની વીચાર વીહાર નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા. 30મે, 2014ના અંકમાંથી ડૉ. યાસીન દલાલ અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના સૌજન્યથી સાભાર…

સમ્પર્ક : ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ – 360 007 ફોન : (0281) 257 5327 .મેઈલ : yasindalal@gmail.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads  વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/ પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી.  પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 20/05/2016 

 

યાસીન દલાલ

સ્વર્ગ અને નરક ક્યાં છે ?

ખુશ ખબર

છેલ્લાં સાડા સાત વરસથી રૅશનલ વીચારોને પ્રસારવા મથતા મારા બ્લોગ ‘અભીવ્યક્તી’માં, જે લેખકના 25 લેખો મુકાયા હોય તેવા લેખકોની ‘ઈ.બુક’ પ્રકાશીત કરવાનું નક્કી કર્યું છે. તે મુજબ ‘અભીવ્યક્તી’ ઈ.બુક 01, 02 અને 03 પ્રકાશીત થઈ ગઈ. મુમ્બઈના પ્રતીષ્ઠીત ગુજરાતી દૈનીક ‘મીડ–ડે’માં અત્યન્ત લોકપ્રીય થયેલા શ્રી. રોહીત શાહના 25 લેખોની ‘અભીવ્યક્તી’ ઈ.બુક 04 અધ્યાત્મના આટાપાટાનું પ્રકાશન ભારતીય બંધારણના શીલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયન્તી નીમીત્તે આજે સવારે 07.00 કલાકે કરવામાં આવ્યું…

‘અભીવ્યક્તી’ ઈ.બુક 04 અધ્યાત્મના આટાપાટા મારા બ્લોગના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ ( https://govindmaru.wordpress.com/e-books ) પરથી વાચકમીત્રોને ડાઉનલોડ કરવા વીનન્તી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને  govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું આ ઈ.બુક સપ્રેમ મોકલી આપીશ.

 

લો, હવે વાંચો આજની પોસ્ટ શ્રી. યાસીન દલાલનો લેખ ‘સ્વર્ગ અને નરક ક્યાં છે ?’ લેખ માણી, મમળાવી, નીચે કૉમેન્ટ મુકવાનું ચુકશો નહીં. આભાર….

 

સ્વર્ગ અને નરક ક્યાં છે ?

–યાસીન દલાલ

બાળપણથી આપણે જે કેટલીક વસ્તુઓ વીશે સતત વાંચતા, સાંભળતા આવ્યા છીએ, એમાંની એક છે સ્વર્ગ અને નરકની. સ્વર્ગની વાત આવે એટલે આપોઆપ નરક તો આવી જ જાય. સ્વર્ગ અને નર્કની કલ્પના પ્રથમ વાર કયા મનુષ્યે, કયા સમયે કરી એનું કોઈ ચોક્કસ સંશોધન કોઈએ કર્યું હોય તે ખ્યાલમાં નથી. પણ એક વીસ્મયજનક યોગાનુયોગરુપે દુનીયાના લગભગ દરેક ધર્મમાં સ્વર્ગ અને નર્કની વાત ઉચ્ચારવામાં આવી છે અને એનાં વર્ણનો પણ આપવામાં આવ્યાં છે. માણસ આમ કરે તો સ્વર્ગમાં જાય, અને આમ કરે તો નર્કમાં જાય. મતલબ કે માણસ નામના પ્રાણીની મનોવૈજ્ઞાનીક નબળાઈ દરેક ધર્મના સંસ્થાપકો સારી રીતે જાણતા હતા. અને એનો એમણે પુરેપુરો લાભ લીધો.

માર્ક ટ્વેઈને કહ્યું હતું, ‘સ્વર્ગમાં પણ લાગવગથી પ્રવેશ મળે છે. જો ત્યાં ગુણદોષથી પ્રવેશ મળતો હોત તો માણસ બહાર રહી જાય.’ ડોન માર્કીસે કહ્યું છે, ‘લોકોને ખબર જ નથી હોતી કે એમને શું જોઈએ છે ? તદ્દન નકામી વસ્તુ માટે માણસ નર્કની યાતનામાંથી પસાર થવા તૈયાર થઈ જાય છે.’ માણસ જીવનભર, મૃત્યુ પછીની દુનીયાની ચીન્તા કરવામાં જ બુઢ્ઢો થઈ જાય છે માણસની મુંઝવણ પણ અજબ છે. એને કાળાંબજાર, નફાખોરી, કાવાદાવા, ખટપટ, આ બધું જ કરવું હોય છે અને સાથે સાથે સ્વર્ગમાં જવાની પેરવી પણ પાકી કરવી હોય છે. આ બેય ઘોડે ચડવા જતાં એ ગબડી પડે છે. ક્યારેક એ વીચીત્ર પ્રકારનાં સમાધાન અને સમજુતી કરે છે, પોતે કરેલાં ખોટાં કામોને સરભર કરવા માટે પુજા, પ્રાર્થના કરે છે, તીર્થયાત્રાએ જાય છે, માનતાઓ કરે છે. છતાં પેલો ભય તો એને સતત સતાવે છે. મૃત્યુ પછી સ્વર્ગ નહીં મળે તો ? જીવ અવગતીએ જશે તો ? આત્માને શાન્તી નહીં મળે તો ? નર્કમાં જવું પડશે તો ?

આખી જીન્દગી ઢસરડો કરી, યાતનાઓ સહન કરી, દુઃખી દુઃખી થઈને માણસ મરી જાય ત્યારે આપણે એને ‘સ્વર્ગવાસી’ કહીએ છીએ ! મરનાર માણસના નામની આગળ ‘સ્વ.’ લગાડવાનું સામાન્ય છે; પછી ભલે મરનાર સંત હોય કે ડાકુ હોય. મર્યા પછી માણસ એક જ પંગતમાં આવી જાય છે.

એક પ્રશ્ન ઉપર જ સ્વર્ગ અને નર્ક બન્નેનાં મોડલો પ્રાપ્ય હોવા છતાં માણસ એની કલ્પના કથાઓમાંથી ઉંચો આવતો નથી. જર્મની કે સ્વીટ્ઝર્લેન્ડનું એક નાનકડું, નદીકાંઠે વસેલું ગામ જોઈએ એટલે પ્રશ્ન થાય, સ્વર્ગ શું આનાથી પણ વધુ સુન્દર હશે ? ફ્રેન્કફર્ટની પાસે એક ગામ છે, જેનું નામ મનહાઈમ. આવું એક ગામ એટલે સ્વર્ગનો એક નાનકડો નમુનો અને આપણા વીદર્ભ કે બીહારનું એકાદ ગામ કે શહેર જોઈએ એટલે પ્રશ્ન ઉઠે; શું નર્ક આનાથી ખરાબ હોઈ શકે ? પૃથ્વી ઉપર સ્વર્ગ ઉભું કરવું કે નર્ક, એ માણસના જ હાથમાં છે.

સ્વર્ગ એ પણ એક વીચીત્ર અને વીશીષ્ટ વસ્તુ છે. એ જોઈ ન શકાય અને છતાં; રાતદીવસ એની કલ્પનાનાં ચીત્રો ઉપસતાં રહે ! સ્વર્ગ જોવા માટે મરવું પડે. પણ મર્યા પછી ફરીથી જીવતા થઈ ન શકાય. કવીઓ, લેખકો, ચીત્રકારો અને ફીલ્મસર્જકોએ પોતપોતાના ખ્યાલ મુજબ સ્વર્ગ અને નર્કનાં ચીત્રો દોર્યાં છે. દાંતેએ દોરેલાં સ્વર્ગ અને નરકનાં ચીત્રો બેનમુન છે. હજારો વર્ષો પછી પણ એ ચીત્રોમાં માનવજાતનો રસ ચાલુ છે. દાંતેના ‘ઈન્ફર્નો’નાં બીહામણાં ચીત્રો, યુરોપ આખામાં જોવા મળશે. આ નરકનાં વર્ણનો વાંચ્યાં પછી માણસ એની કલ્પનાથી જ ધ્રુજી જાય. પણ, પછી વીચાર આવે છે કે, આ પૃથ્વી, આ દેશ, આ સમાજ, એ નરકથી કંઈ કમ છે ? પૃથ્વી ઉપરનું જીવતું નર્ક જોવું હોય તો મુંબઈ જેવા આપણા એક મહાનગરમાં આંટો મારી આવવો જોઈએ. આટલો ત્રાસ, આટલાં જુલ્મો, નરકમાં પણ હશે ખરાં ?

સ્વર્ગ અને નર્ક એ તો નરી કલ્પના છે અને જીવન એ વાસ્તવીક સત્ય છે. પણ, કલ્પનામાં રાચતા આપણે વાસ્તવીકતાથી દુર ભાગીએ છીએ અને અનેક ભૌતીક સુખોથી વંચીત રહીએ છીએ. પરભવ સુધારવાની ચીન્તામાં આ ભવ પણ આપણે ભોગવી શકતા નથી.

સ્વર્ગ વીશે લખવામાં, કે સ્વર્ગનું ચીત્રણ કરવામાં એક લાભ છે. સ્વર્ગ કોઈએ જોયું નથી અને કોઈ જોવાનું પણ નથી. માટે એનું ચીત્રણ આપણી કલ્પના મુજબ, ગમે તે રીતે કરી શકાય છે. આપણાં મનનાં બધાં તરંગોનું અવતરણ સ્વર્ગનાં ચીત્રણમાં કરી શકાય. અને મોટાભાગના માનવીઓએ જીવનમાં એકાદ વાર તો, સપનામાં સ્વર્ગ જોયું જ હોય છે. આ વાતને આગળ વધારીને, હીન્દી ફીલ્મોના નીર્દેશકોએ સ્વપ્નદૃશ્યનું આયોજન કર્યું અને મોટાભાગનાં સ્વપ્નદૃશ્યોમાં સ્વર્ગ કે નર્કની સફર પ્રેક્ષકને કરાવી આપી ! રાજ કપુરની ‘આવારા’ હોય કે, ગુરુ દત્તની ‘પ્યાસા’ હોય, સ્વર્ગ-નર્કનાં દૃશ્યો અને સ્વપ્નદૃશ્યો આવતાં જ રહે છે. દીલીપકુમારની ‘લીડર’માં સ્વર્ગની મહારાણી અને પૃથ્વીલોકની એક સ્ત્રી વચ્ચે, નાયકના કબજા માટે શાબ્દીક ઘર્ષણ થાય છે ! સ્વર્ગમાં પણ બે સ્ત્રીઓ એકઠી થાય, એટલે એક પુરુષ એમના વીવાદનું કેન્દ્ર બની શકે છે. મહીપાલ અને નીરુપારોયની સંખ્યાબંધ ધાર્મીક ફીલ્મમાં ઈન્દ્રલોક અને પાતાળલોકના અત્યંત કઢંગા અને હાસ્યાસ્પદ પ્રસંગો બતાવાયા છે. ફીલ્મી દૃશ્યમાં સ્વર્ગ આવે, એટલે દુનીયાભરની અવાસ્તવીકતા એકઠી થઈને સામે આવે. સ્વર્ગદૃશ્ય કે સ્વપ્નદૃશ્યમાં ગેસ ઉડતો હોય, અને ધુમાડાઓની વચ્ચે નાયક–નાયીકા એકબીજાને શોધતાં અથડાતાં હોય. કે આસીફે પોતાની ફીલ્મમાં પૃથ્વી ઉપરનું ઉત્તમ સ્વર્ગ બતાવવાનું બીડું ઝડપેલું અને એને માટે વીશ્વના ઉત્તમ ટૅક્નીશીયનોની મદદ લીધી. પણ એ કચકડા ઉપરનું સ્વર્ગ લોકો જોઈ શકે, એ પહેલાં આસીફસાહેબ જ સ્વર્ગસ્થ થયા ! પડદા ઉપર સ્વર્ગ જોવામાં કે પુસ્તકનાં વર્ણનો વાંચવામાં એક પ્રકારનું મનોરંજન છે અને ક્ષણીક મનોરંજન ખાતર આ બધું માણવામાં વાંધો નથી. પણ એ સીવાય એને ગમ્ભીર રીતે લેવામાં આવે છે. પૃથ્વી અને સ્વર્ગ અને નરક એ ધર્મગુરુઓનાં સ્થાપીત હીતો છે. આવી બીકની લાકડીઓ અને સુખની લાલચો વડે લોકોને સહેલાઈથી મુર્ખ બનાવી શકાય છે. માણસ જ્યારે બૌદ્ધીક રીતે પુર્ણ રીતે વીકસ્યો નહોતો ત્યારે આ બધી કરામતો એને ગુનાઓ કરતા રોકવામાં અને સારે માર્ગે વાળવામાં મદદરુપ થતી હતી. આમ, સ્વર્ગ નર્કનું ઐતીહાસીક મહત્ત્વ છે; પણ આજના યુગમાં એમાં કાળવીપર્યય જણાય છે. આજના કમ્પ્યુટર યુગનું બાળક પૃથ્વીનો નકશો હાથમાં લઈને માબાપને પુછશે : ‘બતાવો, આમાં સ્વર્ગ ક્યાં છે?’ ભીષણ ગરીબી અને બેહાલીમાં સબડતા માણસને તેની કોણીએ સ્વર્ગનો ગોળ ચોંટાડી દઈએ એટલે પરભવના સુખની લાલચમાં અભાવની યાતના આનંદપુર્વક ઉઠાવી લે. સ્વર્ગ–નર્ક ધાર્મીક કલ્પનાઓ ન હોત તો સામ્યવાદની ક્રાંતી સેંકડો વર્ષ પહેલાં થઈ ગઈ હોત. માણસને વૈચારીક રીતે પછાત રાખવામાં પુરી કલ્પનાઓ કામ લાગે છે.

મર્યા પછી સ્વર્ગમાં જ પ્રવેશ મળે, એની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા ખરી ? પાપ અને પુણ્યના ખ્યાલ પણ કેટલા સાપેક્ષ છે ! પ્રદેશપ્રદેશ અને પ્રજાપ્રજાએ આ બધા વીચારો બદલતા રહે છે. એક ધર્મમાં શરાબનું સેવન પાપ છે અને બીજામાં પુણ્ય છે. એકમાં માંસાહાર પાપ છે અને બીજામાં પુણ્ય છે. એકમાં બહુપત્નીત્વ પાપ છે, બીજામાં સામાન્ય છે. એક જ પ્રદેશમાં એક જ ધર્મ પાળતી પ્રજામાં પણ મોટો તફાવત જોવા મળે છે. માર્ટીન લ્યુથર એક જમાનામાં યુરોપના લોકોને સ્વર્ગમાં જવા માટેના પરવાના આપતો હતો ! ધર્મને નામે, પાપ–પુણ્યનાં નામે, સ્વર્ગ–નર્કનાં નામે માનવજાત સાથે બહુ મોટી છેતરપીંડીઓ થઈ છે. દુનીયાની બધી પ્રજાઓ સ્વર્ગ–નર્કને એકસરખું મહત્ત્વ નથી આપતી. કદાચ, આપણા ભારતીઓને સ્વર્ગનું વળગણ છે. સ્વર્ગમાં રીઝર્વેશન પાકું કરાવવા માટે આપણે જાતજાતના કીમીયા કરીએ છીએ. લોકો આને માટે પુજાપાઠ કરે છે, હોમ–હવન કરે છે અને યજ્ઞો કરે છે. મૃત્યુ પામેલાં સગાવહાલાં માટે જાતજાતની વીધીઓ કરે છે. કાગવાસ કરે છે, આત્માની શાન્તી માટે કેટકેટલાં ઉપાધાનો કરે છે. માણસ મરી જાય, પછી એનો આત્મા શરીરમાંથી નીકળીને ઉંચે આકાશમાં જાય છે, એ સાબીત કરવા માટે લોકોએ પ્રયોગો કર્યા છે; પણ માણસની જેમ કીડી, મંકોડા, વંદાને આત્મા નહીં હોય ? અનેક નીર્દોષ શ્વાનો ખાઈ જનાર સીંહ કે વાઘ સ્વર્ગમાં જતા હશે કે નર્કમાં ?

અરેબીયન નાઈટ્સની ઘણી વાર્તાઓમાં જન્નતનાં ચીત્રો આપવામાં આવ્યાં છે. સ્વર્ગમાં શું હશે ? સ્વર્ગમાં ઉત્તમ બાગ–બગીચા છે, ફુવારા છે, સ્વર્ગમાં પરીઓ હોય છે અને હુરો હોય છે. જન્નતની હુરની કલ્પના આજના સ્ત્રીસ્વાતંત્ર્યની ચળવળની સાથે બંધબેસતી નથી. સ્વર્ગમાં ઉત્તમ ફળ, ઉત્તમ ફુલ, ઉત્તમ ભોજન હોય છે અને આપણી ચાકરીમાં હજારો પરીઓ અને ફરીસ્તાઓ હાજર હોય છે.

માણસે દુન્યવી બાબતોમાં કેટલો રસ લેવો અને અદુન્યવી ચીજોનું કેટલું મહત્ત્વ આંકવું ? આ ગડમથલમાં માણસજાત ગોથાં ખાય છે. વાસ્તવમાં, બીનસામ્પ્રદાયીકતાના સમગ્ર ખ્યાલની સાચી ભાવના જ આ છે. સાચો બીનસામ્પ્રદાયીક એ, કે જે દુન્યવી બાબતો ઉપર ભાર મુકે અને અદુન્યવી કે આધીભૌતીક શક્તીઓ, ચમત્કારો વગેરેમાં વીશ્વાસ ન રાખે, હેલીયોકથી માંડીને માર્ક્સ સુધીના ફીલસુફો આ જ વાત સમજાવી ગયા છે. સ્વર્ગ–નર્ક અને પાપ–પુણ્યને નામે આપણને સદીઓથી બનાવવામાં આવ્યા છે. આપણા દુઃખી પડોશીને મદદરુપ થઈને એના જીવનમાં ઉજાસ પ્રગટાવીએ એટલે એના ઘરની સાથે આપણા ઘરમાં પણ સ્વર્ગનું અવતરણ થાય.

સ્વર્ગ અને નર્ક એ માત્ર કલ્પનાવીહાર છે કે સચ્ચાઈ છે ? ઉર્દુમાં એક શેર છે, ‘યું તો હમને દેખી નહીં જન્નતકી હકીકત લેકીન; દીલકો બહલાને કે લીયે યે ખયાલ અચ્છા હૈ’, સ્વર્ગ–નર્કની આખી વાત શું દીલ બહેલાવવા માટે ઉપજાવી કાઢેલી છે ? સ્વર્ગ અને નર્ક સાચેસાચ હોય તો આપણને દેખાતાં કેમ નથી ? એની આસપાસ રહસ્યનું આખું આવરણ શા માટે વીંટાળી દેવાયું છે ?

સ્વર્ગ–નર્ક જેવા આકાશી ખ્યાલોને છોડીને આપણે આપણી પૃથ્વીને, આપણા દેશને અને આપણા ઘરને જ સ્વર્ગ બનાવવાના પ્રયત્નમાં આપણી શક્તી ખર્ચીએ તો કેમ ? અને આવું સ્વર્ગ પૃથ્વી પર જ ઉભું કરવા માટે વૈરાગી થવાની પણ જરુર નથી. જીવનને રાગદ્વેષ, ખટપટ અને વેરઝેરથી મુક્ત કરીને સમ્પુર્ણ આનન્દમય બનાવીએ અને એને પુર્ણસ્વરુપે માણીએ એનું જ નામ સ્વર્ગ.

યાસીન દલાલ

‘ગુજરાત સમાચાર’, દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીન દલાલની વીચાર વીહાર નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા. 16 જાન્યુઆરી, 2016ના અંકમાંથી ડૉ. યાસીન દલાલ અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના  સૌજન્યથી સાભાર…

સમ્પર્ક : ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ – 360 007 ફોન : (0281) 257 5327 .મેઈલ : yasindalal@gmail.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન :  9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ : 14/04/2016 

યાસીન દલાલ

મનુષ્યને મળેલી ઉત્તમ ભેટ : વીવેકબુદ્ધી

ડૉ. શશીકાંત શાહનાં પુસ્તકોની વીજાણુ આવૃત્તીનું લોકાર્પણ કરાયું

        જાણીતા શીક્ષણવીદ્ અને કટારલેખક ડૉ. શશીકાંત શાહની બે પુસ્તીકાઓ (1) ‘આનંદની ખોજ’ અને (2) ‘ટીન–એજમાં બૉયફ્રેન્ડથી સાવધાન’ની વીજાણુ આવૃત્તી (ઈ.બુક્સ) ‘મણી મારુ પ્રકાશન’ દ્વારા ઈ.બુક્સ તૈયાર કરાઈ હતી. જેની લોકાર્પણ વીધી તા. 4-10-2015ને રવીવારે ‘હરીકૃષ્ણ કૉમ્યુનીટી સેન્ટર’, ગોતાલાવાડી, કતારગામ, સુરત ખાતે, નીવૃત્ત શીક્ષક, ‘ઉંઝા જોડણી’ના સમર્થક અને ‘સન્ડે ઈ.મહેફીલ’ના પ્રણેતા આદરણીય શ્રી. ઉત્તમભાઈ ગજ્જરના હસ્તે કરવામાં આવી હતી. ડૉ. શશીકાંતભાઈ શાહે સૌને આવકાર આપી, શ્રી. ગોવીન્દભાઈ મારુએ તૈયાર કરેલી ઈ.બુક્સ બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો. ‘હરીકૃષ્ણ એક્સપોર્ટ’ના શ્રી. હીમ્મતભાઈ ધોળકીયાના પ્રમુખસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં, શ્રી. ગોવીન્દભાઈ મારુએ ઈ.બુક્સની વીશેષતાઓ પર વીસ્તૃત માહીતી આપી હતી. આદરણીયશ્રી ઉત્તમભાઈ ગજ્જરે વીદેશોનાં પરમ્પરાગત પુસ્તકાલયોનું રુપાંતર ઈ.પુસ્તકાલયોમાં થઈ રહ્યું હોવાની માહીતી સાથે, સમગ્ર વીશ્વ નવી ટૅકનોલૉજીના ઉપયોગથી સમય, જગ્યા, ખર્ચ, પરીશ્રમ વગેરે કઈ રીતે ઘટાડી રહી છે તેની ચર્ચા કરી હતી. શ્રી. ગોવીન્દ મારુએ બન્ને ઈ.બુક્સને વાંચવાની સહુલીયત બાબતે વીશાળ સ્ક્રીન પર જીવન્ત નીદર્શન કર્યું હતું.

અહેવાલલેખન : આચાર્યશ્રી સુનીલ શાહ sunilshah101@gmail.com   2015-10-05

4

(ડાબેથી સર્વશ્રી ગોવીન્દ મારુ, ઉત્તમ ગજ્જર, હીમ્મતભાઈ ધોળકીયા

અને ડૉ.શશીકાંતભાઈ શાહ)

(શીક્ષણવીદ્ અને કટારલેખક ડૉ. શશીકાંત શાહ)

(‘અભીવ્યક્તી’ બ્લોગર ગોવીન્દ મારુ)

(‘ઉંઝા જોડણી’ના સમર્થક અને ‘સન્ડે ઈ.મહેફીલ’ના

પ્રણેતા આદરણીય શ્રી. ઉત્તમભાઈ ગજ્જર)

(સુજ્ઞ સાહીત્યપ્રેમી મીત્રો)

લો, હવે વાંચો આજની પોસ્ટ શ્રી. યાસીન દલાલનો લેખ ‘મનુષ્યને મળેલી ઉત્તમ ભેટ : વીવેકબુદ્ધી’ લેખ માણી, મમળાવી, નીચે કૉમેન્ટ મુકવાનું ચુકશો નહીં. આભાર….

મનુષ્યને મળેલી ઉત્તમ ભેટ : વીવેકબુદ્ધી

–યાસીન દલાલ

આપણે સતત, રાત–દીવસ, ઉઠતાં બેસતાં, સંસ્કૃતીનાં ગુણગાન ગાતાં રહીએ છીએ, આપણી કહેવાતી સીદ્ધીઓ વીશે વારંવાર આપણે આપણી પીઠ થાબડીએ છીએ અને આપણી જાતને પ્રમાણપત્ર આપતા રહીએ છીએ. પશ્ચીમી સંસ્કૃતી પતીત છે ત્યાં નૈતીક મુલ્યો નથી, આધ્યાત્મીક સુખ નથી, મનની શાન્તી નથી અને આપણે ત્યાં ધર્મ છે, આધ્યાત્મીકતા છે, મનની શાંતી છે, એવીથીયરીનો પ્રચાર આપણે ઢોલ વગાડીને વર્ષોથી કરતા આવ્યા છીએ. આપણા ગામો અને શહેરોમાં સતત નવાં નવાં મન્દીરો, દેરાસરો ઉભાં થતાં રહે છે, એના ઉદ્ધાટન સમારંભો યોજાય છે એના ઉપર વીમાનોમાંથી પુષ્પવૃષ્ટી કરવામાં આવે છે. ધાર્મીક શોભાયાત્રાઓ અને શતાબ્દીઓ અને દ્વીશતાબ્દીઓ પાછળ પણ અઢળક ધન ખર્ચાય છે અને હવે તો સરકાર પણ એમાં જાહેર તન્ત્ર અને સગવડો આપે છે.

આવી ધાર્મીકતાના જાહેર પ્રદર્શનના પડદા પાછળ આપણે ત્યાં કેવો અધર્મ સતત, બીનરોકટોક, બેશરમ રીતે ચાલે છે ? કુરીવાજો ક્રુરતા, બર્બરતાને ધર્મના નામે આપણે રક્ષણ આપીએ છીએ. દરેક પ્રકારની કુરુઢીને પરમ્પરા અને ધર્મના આદેશનું કવચ ઓઢાડી દઈએ છીએ. કોઈ સ્ત્રીના પતીના મૃત્યુ સાથે ધાર્મીક આસ્થાને જોડી દેવાય એટલે પત્યું ! કોઈ સ્ત્રીને એનો પતી ત્યજી દે છતાં એને ભરણપોષણ મળતું હોય તે અમાનવીય રીતે બંધ કરી દેવામાં આવે અને એથી પાછળ ધર્મના આદેશનું બહાનું ધરવામાં આવે. ધર્મને નામે જાહેર જમીન મીલકતો ઉપર પેશકદમી કરવાની છુટ. ધર્મના નામે રસ્તાની વચ્ચે બધાને નડે એ રીતે કોઈ ધર્મસ્થાન ઉભું કરી શકાય. ધાર્મીક પર્વોની ઉજવણીના નામે ઘોંઘાટ અને કોલાહલ સર્જી શકાય. ઉત્સવોને નીમીત્ત બનાવીને અમુલ્ય લાકડું અને બળતણનો વ્યય કરી શકાય. આખા રસ્તાઓ બંધ કરી શકાય. એક ધર્મસ્થાનમાં એક મોટા વાસણમાં પકવેલું ભોજન ખાવા લોકો એ વાસણમાં આખા અન્દર ઉતરી જાય છે !

આપણે માણસ સીવાય દરેક પ્રાણીને પુજીએ છીએ. પથ્થરને પણ પુજીએ છીએ. એક પશુની હત્યા થાય એટલે ગામ આખામાં તંગદીલી ફેલાય એને પગલે જે તોફાનો ફાટી નીકળે એમાં થોડા માણસો મરે ત્યારે એ તંગદીલી હળવી થાય ! ધર્મ પ્રગટ્યો ત્યારે એક વીધાયક ઘટના તરીકે પ્રગટ્યો હતો. આજના વીશ્વમાં ધર્મ જેવી નકારાત્મક ઘટના કોઈ નથી. ધર્મે માણસમાં રહેલા એના પોતીકા વ્યક્તીત્વને મારી નાખ્યો. એના સ્વત્વને હણી લીધું. એની ખુદ્દારી અને ખુમારીને ખતમ કરી નાખી. કદાચ એટલે જ ગાલીબે કહ્યું હતું, ‘બંદગી મેં મેરા ભલા ન હુઆ.

આપણે આપણા પડોશીના ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં એનો ધર્મ, જ્ઞાતી, પ્રદેશ, બધું બરાબર જાણી લઈએ છીએ. એના ઘરનું પાણી પીવાય એમ છે કે નહીં, એને ધર્મની સરાણ ઉપર ચડાવીને નક્કી કરી લઈએ છીએ. આવા પરીચય, આવા મીલનમાં માત્ર ઔપચારીકતા અને દમ્ભ સીવાય કશું હોતું નથી. ધર્મ માણસને જોડે કે જુદા પાડે ? ધર્મ માણસને એના પછાતપણા અને પ્રાકૃતપણાની કેદમાંથી બહાર આવવા દેતો નથી.

જે દેશમાં દરરોજ ક્યાંક ને ક્યાંક ધર્મને નામે બે પાંચ માણસોને મારી નાખવામાં આવે, એ દેશને ધાર્મીક કહેવડાવાનો અધીકાર ખરો ? જે દેશમાં દરરોજ કોઈને કોઈ ખુણે પોલીસ ગોળીબારમાં બે–પાંચ માણસો મરી જતા હોય એ પ્રજાને પોતાને શાન્તીપ્રીય તરીકે ઓળખાવવાનો અધીકાર ખરો ? આપણી કહેવાતી આધ્યાત્મીકતા તો હવે મશ્કરીનો વીષય બની ગઈ છે. ભારતના લોકો લાખોની સંખ્યામાં અમેરીકા અને અખાતના દેશોમાં જાય એને ભુલાવી દઈને ત્યાંથી બે–પાંચ માથા ફરેલા લોકો આપણા દેશમાં આવીને કોઈ ધર્મગુરુના ચેલા બને ત્યારે આપણે આપણી આધ્યાત્મીકતાનો ગર્વ લેવા માંડીએ છીએ ! પણ એ ધર્મગુરુ પોતે એરકન્ડીશન મશીન, રેફ્રીજરેટર અને ટેલીવીઝનની સંસ્કૃતીમાં રાચતા હોય છે ! એમને ધર્મનો પ્રચાર કરવા માટે પશ્ચીમનાં બધાં ભૌતીક સાધનસગવડોની ગરજ રહે છે ! વીડીયો ઉપર કથા સાંભળીને મેળવેલું પુણ્ય કેટલું તકલાદી ગણાય !

દરેક ચીજનો વેપાર કરનાર આપણી પ્રજાએ ધર્મને પણ નથી છોડયો. મન્દીરોમાં પ્રભુની આરતી અને પ્રસાદના પણ જુદા જુદા ભાવ નક્કી કરીને એનું પાટીયું મારવામાં આવે છે ! પ્રભુના ઘરમાં પણ પૈસાની બોલબાલા ! પુણ્યનો પણ ચડાવો થાય અને પૈસાદાર વધુ પૈસા ખરચીને વધુ પુણ્ય ખરીદે. આજના ધાર્મીકસ્થાનો પણ મોટાં સ્થાપીત હીતો બની ગયાં છે. એમની આવક અને મીલકત ઉપરથી એમની મહત્તા નક્કી થાય છે. માણસ માણસ વચ્ચે ધર્મની દીવાલ આવીને ઉભી રહી ગઈ છે. ધર્મનાં સ્થાનો ઉપર અધર્મીઓએ અડ્ડો જમાવ્યો છે. આજના ધર્મ ઉપદેશકો પણ જનસમ્પર્ક અને પ્રચારના આધુનીક કીમીયા અજમાવે છે અને ધર્મસ્થાનોને ફીલ્મી મનોરંજનની કક્ષાએ લઈ જઈને લોકરંજન કરે છે. આવી કથાઓ સાંભળવા જવું એ ફેશન બન્યું છે. બધા પયગમ્બરો આજના ધર્મની અવદશા જોઈ શકત તો એકસામટા પોતાના ધર્મગ્રન્થોને પાછા ખેંચી લેત. ‘આપણાં દુઃખ–દર્દોનું ઓસડ ધર્મના એજન્ટો પાસે નથી’; એ સત્ય આપણને ક્યારે સમજાશે ?

જો ધર્મસ્થાનો, પુજાપાઠ અને હોમહવનોથી કલ્યાણ થતું હોય તો આપણા દેશમાં તો સ્વર્ગ ઉતર્યું હોત. સેંકડો સમ્પ્રદાયો અને પંથોવાળા દેશમાં શેરીએ શેરીએ ધર્મગુરુઓ, સાધુઓ, ફકીરો જોવા મળે છે. ડગલે ને પગલે મન્દીર, મસ્જીદ જોવા મળે છે. નીતનવા સ્થળોએ ધુન–ભજનો થાય છે, કથા થાય છે. દરેક નવું કામ ધાર્મીક વીધીથી થાય છે. ભુમીપુજનની સાથે આપણે ચોપડાનું પણ પુજન કરીએ છીએ ! આવા દેશમાં ગરીબી અને ભુખમરો શા માટે હોય ? આવા દેશમાં શા માટે વરસાદ જ ન પડે ? શા માટે કુદરત આપણા ઉપર જ રુઠે ? આવા સામાન્ય સવાલો આપણે આપણી જાતને પુછતા નથી અને જેમ હતાશ થઈએ તેમ વધુ ને વધુ ધાર્મીક ક્રીયાકાંડોને શરણે જઈએ છીએ. મોરબીનાં બધાં ઘરોમાં પ્રવેશતાં પહેલાં લોકોએ ભુમીપુજન કર્યું હતું અને ભોપાલમાં ગેસ દુર્ઘટના સર્જાઈ એ દીવસે દોઢસો લગ્નનું મુહુર્ત નક્કી થયું હતું ! જન્મકુંડળી મેળવીને થતાં લગ્નો પણ છ માસમાં તુટી જાય છે !

સ્વતંત્ર વીચારશક્તી અને વીવેકબુદ્ધી એ મનુષ્યને મળેલ ઉત્તમ ભેટ છે; પણ આપણે સ્વેચ્છાએ આપણી વીવેકબુદ્ધી અને વ્યક્તીતાને ધર્મને ચરણે ધરી દઈએ છીએ. ગેલેલીયો અને કોપરનીક્સે પોતાની વીવેકબુદ્ધી અધર્મને ચરણે ધરી દીધી નહોતી. એમ હોત તો ઔદ્યોગીક ક્રાન્તીનો પાયો જ ન મંડાત અને આપણે કમ્પ્યુટર યુગમાં પ્રવેશ્યા ન હોત. ધર્મ કશુંક પ્રાપ્ત કરવાનું સાધન કે માધ્યમ બની શકે; પણ એ સાધ્ય કદી બની શકે નહીં.

રામજન્મભુમી અને બાબરી મસ્જીદની ચીન્તા અયોધ્યાવાસીઓને નથી એટલી બહારના લોકોને છે ! જ્યારે આ પ્રશ્ને કેટલાંક શહેરોમાં ‘ધર્મયુદ્ધ‘ ખેલાઈ રહ્યું હતું ત્યારે અયોધ્યામાં સમ્પુર્ણ શાન્તી પ્રવર્તતી હતી ! મસ્જીદ અને મન્દીરમાં એકસરખો પથ્થર, સીમેન્ટ અને પાણી વપરાય છે… પણ ધર્મના ટેકેદારો જ તે દહાડે મુસ્લીમ પથ્થર અને હીન્દુ પથ્થરનું નીર્માણ કરશે ! ડૉક્ટરને ત્યાં આવતા દર્દીઓમાં મુસ્લીમ કેન્સર અને હીન્દુ કેન્સરનું વર્ગીકરણ હોતું નથી ! છતાં, આપણે ‘પારસી મરણ‘ અને ‘હીંદુ મરણજેવા લેબલ વડે મરણને પણ ધર્મયુદ્ધ બનાવ્યું છે !

દુષ્કાળગ્રસ્ત દેશમાં 21 લાખ રુપીયાની રકમ હોમહવનમાં વાપરી શકાય છે અને વડાપ્રધાન જેવી વ્યક્તી પણ એનો આશ્રય લઈ શકે છે ! સુપર કમ્પ્યુટરનો ઉપયોગ કદાચ આવા યજ્ઞો કઈ જગ્યાએ કરવા અને ક્યારે કરવા જોઈએ એ જાણવા માટે થશે. ધર્મનું વીજ્ઞાન અને યજ્ઞની ટૅકનોલૉજી ! આપણે દુનીયાને ઘણું નવું આપી શકીએ તેમ છીએ.

દુનીયાના બે ધાર્મીક દેશો ધર્મના રક્ષણ માટે દસેક વર્ષથી લડાઈ ખેલી ચુક્યા છે અને લાખો નીર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલી ચુક્યા છે. કરસનદાસ મુળજીએકવાર ધર્મને નામે સ્ત્રીના શીયળ ઉપર થતું આક્રમણ રોકવા માટે જેહાદ જગાવવી પડી હતી. પોતાના દમ્ભને ન્યાયી ઠેરવવા માટે ધર્માચાર્યોએ ખોટા શ્લોકો ઘડી કાઢ્યા હતા !

લોકો આવકવેરામાંથી મુક્તી મેળવવા માટે ધર્મસ્થાનોને દાન આપે છે. પૈસા આપીને પુણ્ય ખરીદીએ એની પાકી પહોંચ મળે છે. ધર્મ ગમે તેવું શક્તીશાળી દુરબીન બનાવે તો પણ; એમાં સ્વર્ગ અને નરક દેખાવાનાં નથી એને માટે તો પરીકથાઓ અને દન્તકથાઓનો જ આશરો લેવો પડે. રોજના નીત્યક્રમમાં ઘડીયાળના કાંટાની સાથે આપણે ત્યાં ધર્મના ક્રીયાકાંડોનું પણ સાયુજ્ય રહ્યું છે. આટલાથી આટલા વાગ્યે પુજા કરવાની, બરાબર આટલા વાગ્યે આરતી ઉતારવાની. ધર્મ અને આધ્યાત્મીકતા એ સમયના ચોકઠામાં ગોઠવવાની વસ્તુ છે ? એને મનુષ્યનાં મન અને મગજની સ્થીતી સાથે કોઈ સમ્બન્ધ નથી ? એ ઓફીસમાં હાજરી આપવા અને સીનેમાનો શૉ શરુ કરવા જેટલી કૃત્રીમ ચીજ છે ?

ધર્મને નામે આપણે કેટલી મોટી માત્રામાં અધર્મ આચરીએ છીએ ? બધાં પાપ ધર્મની શેતરંજની હેઠળ છુપાઈને પડ્યાં છે. આપણી શેતરંજી ઉપરથી બરોબર સાફ–સુથરી અને ચળકાટવાળી રહે એની આપણને સતત ચીન્તા છે. ધર્મના આવા વરવા અસ્તીત્વ છતાં સમાજ ટકી રહ્યો છે એ જ આશ્ચર્ય છે. જુના મળને સાફ કરવા માટે આંતરડાં સંપુર્ણ સાફ કરવાં પડે છે. બૌદ્ધીકતા રુપી એનીમા લઈશું તો વૈચારીક સડો દુર કરી શકીશું.

યાસીન દલાલ

‘ગુજરાત સમાચાર’, દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીન દલાલની વીચાર વીહાર નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા. 27 ડીસેમ્બર, 2014ના અંકમાંથી ડૉ. યાસીન દલાલ અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના  સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : 

ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ – 360 007 ફોન : (0281) 257 5327 .મેઈલ : yasindalal@gmail.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તીઈ.બુક્સ મારા બ્લોગના મથાળે  ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ : 9/10/2015 

યાસીન દલાલ

કેટલાક ચીંતકો–જેમણે દુનીયા બદલી નાંખી

–યાસીન દલાલ

સ્ટીફન હોકીન્સ આધુનીક યુગના એક મહાન વૈજ્ઞાનીક છે. હમણાં એમણે એવી આગાહી કરી કે માણસજાત જો રૉબો(ટ) બનાવવામાં આગળ વધતો રહેશે તો માણસ જ માણસનો નાશ કરશે. એમણે અવકાશયાત્રાનો પણ વીરોધ કરેલો. એમણે આપેલી બ્લેક હોલની થીયરી જાણીતી છે. યુરોપમાં એક મોટો વૈજ્ઞાનીક પ્રયોગ થયો ત્યારે પૃથ્વીના ઉદ્ભવની એક નવી જ થીયરી બહાર આવી. બેઠા રહે છે અને ચીન્તન કરતા રહે છે.

છેલ્લી દોઢ–બે સદીમાં દુનીયામાં ચારથી પાંચ એવા વીચારકો થઈ ગયા. જેમણે દુનીયાનો નકશો બદલી નાંખ્યો. આ વીચારકોમાં કાર્લ માર્ક્સનું નામ પહેલું આવે. એણે 40 વરસ હાઈડલ બર્ગની યુનીવર્સીટીના પુસ્તકાલયમાં બેઠા રહીને દુનીયાભરનાં થોથાં વીંખી નાખ્યાં. એને સમજાતું નહોતું કે લાખો વરસ પછી પણ દુનીયામાં આટલી બધી ગરીબી અને બેરોજગારી કેમ છે ? દુનીયામાં આટલી લડાઈઓ કેમ થાય છે અને આટલું બધું શોષણ કેમ થાય છે ? એણે બધા ધર્મગ્રંથો વાચી નાખ્યાં અને એવો નીષ્કર્ષ કાઢ્યો કે ‘ધર્મ એ માણસને પાવામાં આવેલું અફીણ છે. રીલીજીયન ઈઝ ધી ઓપીયમ ઓફ ધી પીપલ.’ એણે ‘દાસ કૅપીટલ’ નામનું પુસ્તક લખ્યું જે દુનીયાભરની લાઈબ્રેરીઓમાં પહોંચી ગયું. એણે લખ્યું કે ‘ધર્મો એ માનવના શોષણનું મોટામાં મોટું સાધન છે. ધર્મોએ જ પાપ–પુણ્યની વીચારધારા ઉપજાવી કાઢી. ધર્મે જ જન્મ અને પુનર્જન્મની તદ્દન અતાર્કીક વીચારધારા ઉપજાવી કાઢી.’ માણસનો સાચો દુશ્મન એની મુડી છે. મુડીનું યોગ્ય વીતરણ થાય તો શોષણનો પ્રશ્ન જ ન રહે. આમાંથી જ સામ્યવાદનો ઉદય થયો. ખુબી એ થઈ કે સામ્યવાદનો ઉદ્ભવ જર્મનીમાં થયો અને માર્ક્સની વીચારધારાનો અમલ લેનીને રશીયામાં કર્યો. રશીયા પછી ચીન પણ સામ્યવાદના માર્ગે થયું. પુર્વ યુરોપના બલ્ગેરીયા, ચેકોસ્લેવીકીયા, પોલેન્ડ અને હંગેરી જેવા દેશો પણ સામ્યવાદના રંગે રંગાયા.

એ પછી યુરોપમાં ફ્રોઈડની વીચારધારા આવી. ત્યાં સુધી યુરોપની ખ્રીસ્તી વસ્તીમાં સેક્સ એટલે કે જાતીયતા તરફ ભારે સુગ પ્રવર્તતી હતી. લોકો સેક્સની ચર્ચા કરતાં પણ અચકાતા હતા. ખ્રીસ્તી સાધ્વીઓને પરણવાની મનાઈ હતી. ફ્રોઈડે પહેલી વાર કહ્યું કે ‘જાતીયતા મનુષ્યની સ્વાભાવીક વૃત્તી છે. જેમ માણસને પીવા માટે પાણી જોઈએ, ભુખ છીપાવવા માટે ખોરાક જોઈએ તેમ જ શારીરીક સુખ માટે સેક્સ જોઈએ. જો સેક્સ જ ન હોત તો મનુષ્યની ઉત્પત્તી ન થઈ હોત.’ પ્રારંભમાં ફ્રોઈડની આ વીચારધારા સામે ભારે વીરોધ થયો. પણ પછી ધીમે ધીમે દુનીયાએ આ વીચારધારા સ્વીકારી લીધી. ફ્રોઈડે બીજું મહત્ત્વનું કામ સ્વપ્નોના અર્થઘટનનું કર્યું. કયા પ્રકારનું સ્વપ્ન આવે અને શા કારણે આવે એની તલસ્પર્શી સમીક્ષા એણે કરી. આજે દુનીયાભરની યુનીવર્સીટીઓમાં, ‘મનોવીજ્ઞાન ભવનો’માં ફ્રોઈડની વીચારધારા ભણાવાય છે.

આવા જ ત્રીજા મહાન વીચારક આદમ સ્મીથ નામના અર્થશાસ્ત્રી હતા, એમણે દુનીયાને મુક્ત વેપાર અને ફ્રી માર્કેટ ઈકોનોમીક નામની સ્વતંત્રતાની વીચારધારા આપી. એનો આશ્રય લઈને આદમ સ્મીથે પુછ્યું કે, ‘જો વાણીસ્વાતંત્ર્ય હોય તો વેપારમાં અંકુશ શા માટે ?’ એણે સાબીત કર્યું કે અંકુશ હટાવી લેવાય તો વેપારધંધા વીકસે. અમેરીકાએ અને યુરોપના ઘણા દેશોએ આ વીચારધારા અપનાવી. જોકે બ્રીટને મીશ્ર અર્થતંત્ર એટલે કે સમાજવાદ અપનાવ્યો.

આવા એક મહાન વૈજ્ઞાનીક ન્યુટને ગુરુત્વાકર્ષણનો સીદ્ધાન્ત આપીને દુનીયાભરમાં ખળભળાટ મચાવી દીધો. એણે સાબીત કર્યું કે ‘ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે અને પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે. એ ગુરુત્વાકર્ષણના નીયમને કારણે ફરે છે.’ આજે માણસજાતે સંખ્યાબંધ ઉપગ્રહો બ્રહ્માંડમાં ફરતા મુક્યા છે એને કારણે જ આપણે ઘરે બેઠા ટી.વી. ઉપર સંખ્યાબંધ ચેનલો જોઈ શકીએ છીએ. અમેરીકાએ તાજેતરમાં એક નવો ઉપગ્રહ તરતો મુક્યો છે. જેનો ઉદ્દેશ બ્રહ્માંડમાં પૃથ્વી જેવો એક નવો ગ્રહ શોધવાનો છે. આઈન્સ્ટાઈનની સાપેક્ષતાની વીચારધારાએ પણ જ્ઞાનવીજ્ઞાન વીકસાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. એ જ રીતે ચાર્લ્સ ડાર્વીને ઉત્ક્રાંતીવાદનો સીદ્ધાન્ત આપ્યો. એણે શોધ કરી કે ‘મનુષ્યની ઉત્પત્તી વાનરમાંથી થઈ છે. પછી કાળક્રમે વાનરની પુંછડી નાબુદ થઈ અને ધીમે ધીમે આજના મનુષ્યનો ઉદ્ ભવ થયો.’ દુનીયાભરના પ્રચલીત ધર્મો કહે છે કે મનુષ્યની ઉત્પત્તી બેથી પાંચ હજાર વર્ષ પહેલાં થઈ હતી. પરીણામે ધર્મ અને વીજ્ઞાન વચ્ચે જબરું ઘર્ષણ થયું. કેટલાક વૈજ્ઞાનીકોને જેલમાં પુરવામાં આવ્યા અને કેટલાકને જીવતા સળગાવી દેવાયા. અન્તે આ ઘર્ષણમાંથી સેક્યુલારીઝમના સીદ્ધાન્તનો જન્મ થયો. આ સીદ્ધાન્તનો મર્મ એ છે કે ‘ધર્મ એ માણસની અંગત વસ્તુ છે. કેળવણી, અર્થતંત્ર અને કાયદા સાથે એનું મીશ્રણ ન કરવું જોઈએ.’ ડાર્વીને જુદાં જુદાં પ્રાણીઓની ઓળખ કરી આપી અને સાબીત કર્યું કે ‘સમાનતા અને અસમાનતાને સમજાવવી કઠીન નથી. ઘણા દ્વીપોમાં રહેનારાઓના પુર્વજો એક હતા. જેઓ વીકસીત થતાં થતાં ધીરે ધીરે પરીવર્તન આવવા લાગ્યું. આ પરીવર્તનનું ચક્ર નીરન્તર છે. જીવન માટે જે ઉપયોગી હોય એ રહેશે અને નકામું હશે એ નષ્ટ થશે. પરીણામે અત્યારે છે એના કરતાં પણ ભવીષ્યનો મનુષ્ય જુદો હશે.’

1860માં બ્રીટીશ સામયીકોમાં અનેક લેખો છપાયા. જે ડાર્વીનના સીદ્ધાન્તો ઉપર હુમલો કરતા હતા. પણ હક્સ્લીએ ડાર્વીનને ટેકો આપ્યો. એમણે મજાકમાં પુછ્યું કે ‘તમારા દાદાઓ વાનર હતા ?’ ડાર્વીને જવાબ આપ્યો કે, ‘પસંદગી કરવાની હોય તો હું એક વાનરને દાદા સમજુ; નહીં કે કોઈ ચર્ચના બીશપને.’

બીજી બાજુ કેટલાક ધર્મના અનુયાયીઓ હજી પણ એમ જ કહે છે કે વીશ્વનું સર્જન ઈશ્વરે કર્યું છે અને એ બેથી ચાર હજાર વરસ પહેલાં થયું છે. એની સામે ડાર્વીનની થીયરી સાચી હોય એના અનેક પુરાવા મળી આવ્યા છે. અમેરીકા અને કેનેડામાં ડાયનોસોર બનાવવામાં આવ્યા છે. પણ કેટલાક ધર્મચુસ્તો હજી વીજ્ઞાનનાં તથ્યોને માનવા તૈયાર નથી. આ ધર્મચુસ્તો એમ પણ માને છે કે માણસ ચન્દ્ર ઉપર ગયો જ નથી. અમેરીકી વીજ્ઞાન સંસ્થા નાસાની પ્રયોગશાળામાં આ નાટક ભજવાયું હતું એમ પણ લોકો કહે છે; પણ કેટલાક લોકોની અન્ધશ્રદ્ધાથી વૈજ્ઞાનીક તથ્યો ખોટાં ઠરતાં નથી. અમેરીકામાં એક જુથે ઈન્ટેલીજન્ટ ડીઝાઈન નામની થીયરી વીકસાવી કાઢી છે. ત્યાંની અદાલતે જણાવ્યું કે આ થીયરી વૈજ્ઞાનીક રીતે ખોટી છે. વૈજ્ઞાનીક અભીગમ કહે છે કે તથ્યો કસોટી અને અનુભવની એરણ ઉપર સાચાં સાબીત ન થાય ત્યાં સુધી તે માની શકાય નહીં. જે તત્ત્વો ઈન્દ્રીયાતીત છે તેને વીજ્ઞાન સ્વીકારતું નથી. આને કારણે ધર્મ અને વીજ્ઞાનનાં કાર્યક્ષેત્રોને જુદાં પાડી દીધાં છે.

આવો જ એક વધુ વીચારક માર્સલ મેક્લુહાન નામે થઈ ગયો. એનો જન્મ કેનેડામાં એડમન્ટન ખાતે થયો હતો. 51–52માં એણે ‘ગ્લોબલ વીલેજ’ એટલે કે ‘વૈશ્વીક ગામડા’(વીશ્વગ્રામ)ની કલ્પના કરી. એણે કહ્યું કે ‘એક દીવસ એવો આવશે કે દુનીયા ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનીકેશનની દૃષ્ટીએ એકદમ સાંકડી થઈ જશે.’ રાબેતા મુજબ એ જમાનામાં લોકોએ ગાંડો કહીને એને હસી કાઢ્યો. પણ આજે એને ‘મીડીયા પ્રોફેટ’ કહીને એની પુજા કરવામાં આવે છે. સુપરસોનીક વીમાન મુંબઈથી લંડન ચાર કલાકમાં પહોંચાડી દેશે. આ ટ્રાન્સપોર્ટની ક્રાન્તી કહેવાય. ઈન્ટરનેટની મદદથી દુનીયાની કોઈ પણ માહીતી ઘરે બેઠાં મળી શકે છે. લંડન કે ન્યુયોર્કનો કયો વીસ્તાર ક્યાં આવેલો છે એ બટનની ચાંપ દાબતાં તમને ખબર પડી જાય છે. ફેક્સની મદદથી કોઈ પણ લખાણ કે તસવીર કે ચીત્ર ઘડીના છઠ્ઠા ભાગમાં દુનીયાના એક ખુણેથી બીજા ખુણે પહોંચી જાય છે. મોબાઈલ ફોનમાં વીડીયો કેમેરા પણ આવી ગયા છે. વીડીયો કેસેટમાંથી સીડી અને ડીવીડી સુધીની યાત્રા આપણે પાર કરી. હવે તો આઈપોડ ઉપર પાંચસોથી છસો જેટલાં ગીતો એકસાથે ઉતરી શકે છે.

સ્ટીવન્સન અને આઈન્સ્ટાઈન પણ દુનીયાને આગળ લઈ જવામાં મદદરુપ થયા. આઈન્સ્ટાઈને સાપેક્ષવાદની થીયરી આપી. તો સ્ટીવન્સને ચાની કીટલીનું ઢાંકણું ઉછળતું હતું તે જોઈને વરાળની શક્તી પારખીને આગગાડીની શોધ કરી. તો રાઈટ બ્રધર્સે ઉડતું પંખી જોઈને વીમાન બનાવ્યું. હજી વીજ્ઞાનની શોધખોળો એટલી ઝડપથી આગળ વધી રહી છે કે આવતીકાલે કઈ શોધ થશે એ કોઈ કહી શકતું નથી. આમ, આ ડાર્વીનની 200મી જન્મજયન્તી નહીં; પણ ધર્મ અને વીજ્ઞાનના ઘર્ષણની જન્મજયન્તી છે. આપણે યુરોપની જેમ અન્ધશ્રદ્ધા અને વહેમોમાંથી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી 21મી સદીમાં પ્રવેશી ગયાની વાતો માત્ર ટૅકનીકલ રહેશે. હજી દેશમાં ઠેર ઠેર અન્ધશ્રદ્ધા, વળગાડ અને ભુતપ્રેતમાં લોકો માને છે. આપણે સમજવું જોઈએ કે દુનીયામાં સાચો ધર્મ એ માનવધર્મ છે. વીધી ધર્મ પણ જ્યાં સુધી નીતીમત્તામાં માનતો હોય ત્યાં સુધી વાંધો નથી. પણ વીધી ધર્મ એમ.એમ. રોયની થીયરી મુજબ સામુહીક અહમ્ માં ફેરવાય ત્યારે મુસીબત સર્જાય છે. આપણો એક પગ અણુયુગમાં અને બીજો પગ છાણયુગમાં છે. ડાર્વીનને આપણે માત્ર યાદ કરવાની ઔપચારીકતા ન કરવી હોય તો આપણે વૈજ્ઞાનીક અભીગમ અપનાવીશું તો જ એને સાચી અંજલી આપી ગણાશે. આપણી સરકારે અબજોના ખર્ચે ચન્દ્ર ઉપર યાન મોકલ્યું; પણ આપણે માત્ર વીજ્ઞાન અપનાવીએ અને વૈજ્ઞાનીક અભીગમ ન અપનાવીએ તો એ અર્થહીન છે.

–યાસીન દલાલ

‘ગુજરાત સમાચાર’, દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીન દલાલની વીચારવીહાર નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા. 10 જાન્યુઆરી, 2015ના અંકમાંથી ડૉ. યાસીન દલાલ અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના  સૌજન્યથી સાભાર…

સમ્પર્ક: ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ-360 007 ફોન: (0281) 257 5327 .મેઈલ: yasindalal@gmail.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તીઈ.બુક્સ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 .મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ: 13/02/2015

યાસીન દલાલ

સામાજીકતા વળગણ બને ત્યારે…

–યાસીન દલાલ

એક મીત્રને કોઈ કામસર ફોન કર્યો. એમનું નામ રમેશભાઈ ધારી લઈએ. સામે છેડેથી જવાબ મળ્યો કે નજીકના કોઈ સગાના લગ્નપ્રસંગે મુમ્બઈ ગયા છે. બે દીવસમાં આવી જશે. ત્રણેક દીવસ પછી ફરીથી ફોન કર્યો તો ફરીથી જવાબ મળ્યો કે બહારગામ ગયા છે. મુમ્બઈથી તો એ મીત્ર બે દીવસમાં આવી જવાના હતા. તો આવીને ફરી ક્યાં ઉપડી ગયા? પુછપરછ કરી. જવાબમાં જાણવા મળ્યું કે મુમ્બઈથી આવ્યા પછી એક સમ્બન્ધીનું અવસાન થયાના સમાચાર મળતાં એ પાલનપુર ગયા છે.

આવો અનુભવ મને, તમને સૌને અવારનવાર થાય છે. લોકો સતત કોઈ ને કોઈ સામાજીક કામ માટે ટ્રેઈન કે બસનો પ્રવાસ ખેડીને દુર દુર જાય છે. કોઈની સગાઈ હોય, લગ્ન હોય કે કોઈ માંદુ હોય તો ખબર કાઢવા પણ જવું પડે. હવે તો લોકો કોઈ સગાંસમ્બન્ધી કે મીત્રને ત્યાં ધાર્મીક કથાનો પ્રસંગ હોય તો પણ પ્રવાસ કરીને એમાં હાજરી પુરાવવા જતા હોય છે. પરીણામે ટ્રેઈન, બસમાં ચીક્કાર ગીરદી જામેલી રહે છે. પ્રવાસનું કારણ પુછીએ તો મોટા ભાગના જવાબો આવા જ મળે.

વાહનવ્યવહારમાં સાધનો વધ્યાં અને એ ઝડપી બન્યાં, એનો આ એક લાભ થયો છે કે લોકો આવાં સારાં-નરસાં કામે ઝડપથી અને સહેલાઈથી જઈ શકે છે. કોઈનાં સુખ-દુઃખમાં ભાગીદાર બની શકે છે. લગ્ન હોય, સગાઈ હોય કે મરણ હોય, એ પોતાની પ્રત્યક્ષ હાજરી વડે એમાં સામેલ થઈ શકે છે. પેલી વ્યક્તીને લાગે છે કે એના પ્રસંગમાં ઘણા લોકો એના ભાગીદાર છે. લગ્નપ્રસંગની ખુશાલીમાં પણ એ એકલા નથી અને સ્વજનના મૃત્યુથી લાગેલા આઘાતમાં પણ એકલા નથી. આ સધીયારો અને આ આશ્વાસન માનસીક રીતે માણસને હુંફ આપે છે અને ખાસ કરીને માઠા પ્રસંગના આઘાતને હળવો કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.

પણ આવી સામાજીકતા એ માત્ર દેખાડો બની રહે, ક્રીયાકાંડ બની રહે અને એનો પણ અતીરેક થઈ જાય ત્યારે એ ઉપયોગી બનવાને બદલે બધાની મુશ્કેલીમાં વધારો કરનારી ક્રીયા બની જાય છે. આપણે હવે આ સામાજીકતાના અતીરેકના યુગમાં આવી પહોંચ્યા છીએ, જ્યાં દરરોજ હજારો લોકો આવા સામાજીક પ્રસંગોને નીમીત્ત બનાવીને પોતાનો સમય અને નાણાં બગાડે છે, એટલું જ નહીં, સામી વ્યક્તીને માટે પણ ભારે અગવડ અને મુશ્કેલી સર્જે છે અને સૌથી વધુ તો ગરીબ દેશની જાહેર વાહનવ્યવહાર સેવા ઉપર તો અતીશય ભારે બોજ એનાથી પડે છે.

એક કુટુમ્બમાં કોઈ વ્યક્તી માંદી પડી. માંદગી વધી એટલે એમને હૉસ્પીટલમાં દાખલ કરવા પડયા. કુટુંબ બહુ વીસ્તરેલું છે એટલે દીકરા, દીકરી, ભાઈઓ, કાકા, મામા, પીતરાઈ ભાઈ, બહેન એમ જાતજાતનાં સગાં અને સમ્બન્ધીઓની જાળ ફેલાયેલી છે અને એ બધાં જુદે જુદે સ્થળોએ પોતપોતાનાં નોકરી-ધંધામાં પડેલાં છે. એ બધા માંદગીની ખબર પડતાં જ દોડ્યાં આવે છે અને માંદી વ્યક્તી હૉસ્પીટલમાં જનરલ વોર્ડમાં હોય તો એમની સાથે બીજા અનેક દર્દીઓના ખાટલા હોય. એમાંથી પણ કેટલાક દર્દીઓને તો બીલકુલ શાન્તી અને આરામની જરુર હોય. પણ આ સગાંવહાલાં આવીને શોરબકોર કરે, વાતો કરે, પુછપરછ કરે એટલે બધાની શાન્તીમાં ખલેલ પડે. પેલા દર્દીની માંદગી ઘટવાને બદલે આવા ઘોંઘાટથી વધી પણ જાય. હૉસ્પીટલમાં ઠેર ઠેર શાન્તી જાળવવાની સુચના લખી હોય, પણ આ બધું ગાંઠે કોણ ? ઉપરથી હૉસ્પીટલમાં પણ આપણી કેટલીક કુટેવોનું પ્રદર્શન કરતા જાય અને લોબીમાં કે સીડી પર પાનની પીચકારીઓ મારી આવે કે બીડી-સીગારેટનાં ઠુંઠાં મુકતાં આવે. હૉસ્પીટલમાં હવે દર્દીઓને મળવા માટેનો સમય નીશ્ચીત કરી દીધો હોય છે. પણ આવી સુચનાઓનું પાલન કરવાની આપણે ત્યાં તો ટેવ જ નથી. પરીણામે ગમે ત્યારે, હૉસ્પીટલ પણ ગામના ચોરામાં ફેરવાઈ જાય છે. આપણી કોઈ પણ હૉસ્પીટલમાં જઈ ચડીએ તો દર્દી કરતાં એમના આ સ્નેહીઓનાં ટોળાં જ વધારે દેખાવાનાં !

આવી સામાજીકતાનું પ્રદર્શન ન કરવું હોય તો પણ આપણા સામાજીક નીયમો અને દેખાદેખી માણસને છોડતાં નથી. નાનકડા ગામમાંથી કોઈ માણસ શહેરની હૉસ્પીટલમાં દાખલ થયું હોય અને કોઈ નજીકના સમ્બન્ધી જોવા ન જાય તો તરત ગામમાં ટીકા થવા માંડે અને ‘નહીં જઈએ તો ગામલોકો વાતો કરશે’ એવી બીકથી પણ નાછુટકે ખબર પુછવા જવું પડે છે. વાસ્તવમાં દર્દીની સ્થીતી તો જે છે તે જ રહેવાની છે, એમાં કોઈના જોવા જવાથી કે ન જવાથી કોઈ તફાવત પડતો નથી. ક્યારેક તો હૃદયરોગનો હુમલો આવ્યો હોય તો દર્દીને ઘનીષ્ઠ કાળજી હેઠળ રાખવો પડે છે, જ્યાં અન્દર જવાની પણ કોઈને છુટ હોતી નથી. આમ, ઘણીવાર તો દર્દીને મળવાની કે જોવાની પણ તક મળે નહીં; પણ માત્ર ‘અમે પણ તબીયત જોવા આવ્યા હતા’ એવી નોંધણી કરાવવા જ લોકો હૉસ્પીટલમાં દોડી જતા હોય છે. બહારગામથી આવા પુછપરછ કરનારા આવે એટલે એમને ઘરમાં રાખવા પડે, જમાડવા પડે અને સાચવવા પડે. ઘરના લોકો એક તો દર્દીની સારવારમાં જ ઉજાગરા કરીને અને દોડાદોડીથી થાક્યા હોય, ત્યાં આ તબીયતની ખબર કાઢનારાઓ આવે એટલે એમની સેવામાં લાગવું પડે.

આવી સામાજીક દેખાદેખીનાં માઠાં પરીણામ અનેક પ્રકારે આવી શકે છે. એનાથી આપણી ઑફીસોમાં કાર્યક્ષમતા ઉપર પણ અસર થાય છે. કોઈ મોટી ઑફીસમાં પાંચસો-સાતસો કર્મચારીઓ કામ કરતા હોય, ત્યારે સ્વાભાવીકપણે અવારનવાર કોઈ ને કોઈ કર્મચારીના સગાં-સમ્બન્ધીના સારા-માઠા પ્રસંગો આવ્યા કરે. પરીણામે બીજા અનેક કર્મચારીઓ ઑફીસેથી વહેલા નીકળીને પેલા કર્મચારીને ઘેર પહોંચી જાય. ઘણા કર્મચારીઓ જતા હોય એટલે કોઈને ઑફીસના સમયમાં જવાની મરજી ન હોય તો પણ ઘસડાવું પડે. કોઈ ગુજરી જાય તો ઉઠમણામાં જવું પડે છે, કોઈ માંદુ હોય તો ખબર કાઢવા જવું પડે, કોઈને ત્યાં લગ્નપ્રસંગ હોય તો જમણવારમાં જવું પડે, ઘણીવાર તો લગ્નનો જમણવાર ચાલુ દીવસોએ બપોરના સમયે હોય તો સંખ્યાબંધ કર્મચારીઓ અડધો દીવસ ગાપચી મારીને છેક બપોરે ઑફીસમાં હાજર થાય ! સામાજીક પ્રસંગના નામે કોઈને કંઈ કહી શકાય પણ નહીં. ઘણા કર્મચારીઓ સતત મોડા આવતા હોય, એમને કારણ પુછો તો જવાબ મળે કે ઘરે મહેમાન આવ્યા છે !

કોઈ સમ્બન્ધીનું અવસાન થાય એટલે દુરદુરથી લોકો દીલસોજી વ્યક્ત કરવા માટે જાય છે. આવી દીલસોજીની અભીવ્યક્તી તો થોડી મીનીટોમાં પુરી થઈ જાય છે; પણ એટલા ક્રીયાકાંડ માટે લોકો મુમ્બઈથી કલકત્તા જાય કે રાજકોટથી પાલનપુર જેવાં સ્થાને નીકળી જાય અને પાંચસો-સાતસોનું ખર્ચ થાય એ વધારામાં. આના કરતા દીલસોજીનો એક પત્ર લખી નાખ્યો હોય કે ટેલીફોન કરી દીધો હોય તો ચાલી શકે. પણ આપણી કહેવાતી સામાજીકતા એનાથી સંતોષ પામતી નથી.

આપણા લોકો ઈંગ્લેન્ડ-અમેરીકા જાય ત્યારે ત્યાંના જીવન વીશે એક મોટી ફરીયાદ એ કરતા હોય છે કે ત્યાં ‘સોશીયલ લાઈફ’ નથી. પરીણામે માણસ એકલો પડી જાય છે. ઘણા તો કહે છે કે ત્યાં લોકો સ્વાર્થી છે, ભૌતીકવાદી છે, બધા પોતપોતાના ધંધામાં જ રચ્યાપચ્યા હોય છે, કોઈ કોઈનો ભાવ પુછતું નથી વગેરે… પણ વાસ્તવમાં જોવા જઈએ તો ત્યાંની પ્રજા સામાજીકતાના નામે ચાલતાં આવાં કૃત્રીમ પ્રદર્શનોથી મુક્ત બની છે અને પ્રગતી, વીકાસ તથા કાર્યક્ષમતાને જ એમણે ટોચની અગ્રતા આપી છે. એટલે ત્યાં લોકો ઑફીસ, નોકરી કે ધંધાના ભોગે સામાજીક લાગણીનું પ્રદર્શન કરવા દોડી જતા નથી.

ઈંગ્લેન્ડમાં લાખો ગુજરાતીઓ રહે છે. ત્યાં જઈ આવેલા લોકોને ખ્યાલ હશે કે લંડનમાં કોઈનું અવસાન થાય તો અવસાન ગમે તે દીવસે થાય પણ એના મૃતદેહને આધુનીક ટૅકનીકથી ત્રણ-ચાર દીવસ સાચવી રાખવામાં આવે અને પછી શની-રવી દરમીયાન અન્તીમ સંસ્કાર કરવામાં આવે છે. પશ્ચીમની પ્રજામાં દુરદુરનાં સગાંવહાલાં ક્યાં છે, શું કરે છે એની પણ ઘણા લોકોને ખબર હોતી નથી. અલબત્ત, એ લોકો પણ ક્યારેક અન્તીમ છેડે પહોંચી જતા હશે અને માનવીય સમ્બન્ધોની બાબતમાં અતીરેક પણ કરતા હશે; પણ આપણી સામાજીકતા તો હવે લગભગ લાગણીવેડા અને વેવલાવેડાની હદે પહોંચી ગઈ છે, એમ જ સ્વીકારવું પડે.

આપણા લગ્નપ્રસંગોની જ વાત કરીએ. અગાઉ બસો-પાંચસોની હાજરીમાં લગ્ન થતાં, એને સ્થાને હવે લગ્નસમારંભોમાં હજારો લોકોની ભીડ ઉમટે છે. એમાં પણ આપણે પરમ્પરાવાદી પ્રજા એટલે શુભમુહુર્ત જોઈને જ લગ્ન કરીએ; પરીણામે અમુક ચોક્કસ દીવસોમાં તો એક જ શહેરમાં સેંકડો લગ્ન પ્રસંગો ઉજવાય. ક્યાંય લગ્ન માટેના હૉલ કે વાડી મળે નહીં. ટ્રેઈન કે બસમાં ટીકીટ મળે નહીં. એક દીવસે ક્યારેક આઠ-દસ કંકોતરી એક સાથે મળે. સમ્બન્ધ સાચવવા માટે બધે હાજરી આપવી પડે, એટલે એક પ્રકારનો મીથ્યા ક્રીયાકાંડ જ બની રહે. એક જ મોટા પાર્ટી પ્લોટમાં ઘણીવાર એક સાથે ચાર-પાંચ લગ્નો ઉજવાતાં હોય. આટલા બધા લોકો એકસાથે એકઠા થાય એટલે ટ્રાફીક જામ થાય, પેટ્રોલ-ડીઝલનો વ્યય થાય. અનાજની તંગીવાળા દેશનાં અનાજ, તેલ, ઘીનો વેડફાટ થાય, એના કરતાં સાદાઈથી, અત્યન્ત નીકટનાં ૨૫-૫૦ લોકોની હાજરીમાં લગ્ન આટોપાય તો આખા દેશની ઉર્જા, નાણાં અને સમય બચે.

સામાજીકતા એ મનુષ્ય સંસ્કૃતી અને સભ્યતાનું લક્ષણ છે. માણસ એ સમાજનું જ અંગ છે, ઘટક છે. માણસ ઈચ્છે તો પણ સમાજને છોડી શકતો નથી. પણ સામાજીકતા જ્યારે વળગણ બને છે અને મીથ્યા ક્રીયાકાંડમાં સરી પડે છે ત્યારે એ એક ત્રાસ બની જાય છે. માણસ એકલતા અને અટુલાપણું ન અનુભવે એટલે સમાજની રચના થઈ છે; પણ સમાજ ટોળું બનીને વ્યક્તીને સતત ઘેરીને બેસી જાય તો વ્યક્તીની વ્યક્તીમત્તા જ નહીં; એનું અંગત વીશ્વ, એની પોતાની આગવી દુનીયા એ ગુમાવી બેસે છે. સમાજ વ્યક્તી પર સવાર થઈ જાય ત્યારે વ્યક્તી એના બોજ હેઠળ કચડાઈ જ જાય.

–યાસીન દલાલ

‘ગુજરાત સમાચાર’, દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીન દલાલની વીચાર વીહાર નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. ‘ગુજરાત સમાચાર’ દૈનીક અને ડૉ. યાસીન દલાલના સૌજન્યથી સાભાર…

સમ્પર્ક: ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક,‘આશીયાના’,  5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ – 360 007 ફોન: (0281) 257 5327 .મેઈલ: yasindalal@gmail.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તી–ઈ.બુક્સ મારા બ્લોગના મથાળે  ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચકબંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…       ..ગોવીન્દ મારુ..

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537  88 00 66 .મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 09/01/2015 

યાસીન દલાલ

વીચારની સાથે વીવેક ભળે તો સોનામાં સુગંધ ભળે

– યાસીન દલાલ

કોઈ પણ વીચારની સાથે વીવેક હોય તો જ એ વીચારનો અમલ ખીલી ઉઠે છે. વીચાર કરવાની તસ્દી નહીં લેનારાઓની સંખ્યા દીવસે દીવસે વધતી જાય છે. વીચારવાનું છોડી પરમ્પરાનું વધુ પડતું પાલન માણસના વ્યક્તીત્વને ખોરવી નાખે છે. વીચારશીલ માણસ બુદ્ધી અને તર્કથી કામ લે છે. શ્રદ્ધા કરતાં તર્ક વધુ આવકાર્ય છે. શ્રદ્ધા અન્તે અન્ધશ્રદ્ધામાં ફેરવાઈ જાય છે.

કેટલાક લોકો માને છે કે વીજ્ઞાન અને ધર્મ એકબીજાના વીરોધી છે. ધર્મનો જો વીશાળ અર્થ કાઢવામાં આવે તો આ વીરોધ તરત જ ખરી પડે. ધર્મને જો સમ્પ્રદાયના સાંકડા ચોકઠામાં પુરી દેવામાં આવે તો બહુ મોટો વીરોધાભાસ સર્જાય.

માણસજાત હવે 21મી સદીમાં પ્રવેશી ચુકી છે. આ સદી વીચારોની વીશાળતાની છે. પુર્વ અને પશ્ચીમનો વીરોધાભાસ હવે ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો છે. એ જ રીતે જુદા જુદા ધર્મો વચ્ચેનો વીરોધાભાસ પણ ઓગળી જવો જોઈએ. અત્યારના સમયનો આ જ તકાદો છે.

છેલ્લી બે-ત્રણ સદીઓના મનુષ્યનો ઈતીહાસ એ પરીવર્તનનો અને બદલાવનો ઈતીહાસ છે. આ પરીવર્તનની પ્રક્રીયા હજી ચાલી રહી છે. જેમ જેમ નવી નવી શોધખોળો થાય છે, તેમ તેમ માણસનું બાહ્ય જીવન બદલાય છે અને જેમ જ્ઞાનનાં નવાં ક્ષેત્રો ખુલતાં જાય છે તેમ એનું આન્તરીક જીવન પણ બદલાઈ રહ્યું છે. કીરણ બેદી જ્યારે તીહાર જેલના કેદીઓનું જીવન સુધારવાનો પ્રયોગ કરીને એવોર્ડ મેળવે છે ત્યારે એ વાત સમજવી જોઈએ કે, મનોવીજ્ઞાન તથા મનુષ્ય સ્વભાવ તથા એનાં વલણોને ફ્રોઈડ જેવા વૈજ્ઞાનીકોએ સમજાવ્યાં ન હોત તો જેલસુધારણા શક્ય જ નહોતી. આજથી દોઢ-બે હજાર વર્ષો પહેલાં તો માણસ ‘ખુન કા બદલા ખુન’ના સીદ્ધાન્તમાં માનતો હતો. માણસ ગુનાખોરી તરફ કેમ વળે છે તે મનોવલણો જાણવાનું કોઈ શાસ્ત્ર જ વીકસ્યુ નહોતું. હવે માણસ સાચું બોલે છે કે ખોટું એ જાણવા માટે ‘લાઈ ડીટેક્ટર’ નામના મશીનનો પણ ઉપયોગ થાય છે.

માણસના જીવન પર કેટલાંક પરીબળો સતત પ્રભાવ પાડે છે. એમાં કુટુમ્બ, શાળા, જ્ઞાતી ઉપરાન્ત ધર્મનો સમાવેશ થાય છે. કુટુમ્બપ્રથા બદલાઈ ગઈ, શીક્ષણની પ્રદ્ધતીમાં સંખ્યાબંધ ફેરફારો થઈ ગયા, પહેરવેશ બદલાયો, પણ ધર્મ હજી બદલાતો નથી; એ સ્થગીત થઈ ગયો છે.

એમ. એન. રોયે સંગઠીત ધર્મોની એક મોટી મર્યાદા તરફ નીર્દેશ કર્યો હતો. અહમ્, અભીમાન એ મનુષ્યની એક નબળાઈ છે અને ધર્મ માણસમાં સામુહીક અહમ્ પ્રેરે છે. દરેક માણસને પોતાના વતન પ્રત્યે પ્રેમ હોય, પોતાની જ્ઞાતી, કોમનું ગૌરવ હોય એ સમજી શકાય; પણ ધર્મ તો એની બધી મર્યાદાઓને વટાવીને સામુહીક અહમ્ ની લાગણી જન્માવે છે. પરીણામે ‘મારો ધર્મ મહાન’થી શરુ કર્યા પછી માણસ એમ માનતો થઈ જાય છે કે બીજા ધર્મો તુચ્છ છે, ઉતરતા છે. વાસ્તવમાં ચોક્કસ ધર્મ પાળતા લોકોની સંખ્યા વધારતા જવાથી કોઈ ધર્મનો ઉદ્ધાર થઈ જતો નથી કે કોઈ પ્રજાનો ઉદ્ધાર થઈ જતો નથી. ધર્મ એ આન્તરપ્રતીતી સાથે સમ્બન્ધ ધરાવે છે. માણસને જે ધર્મના સીદ્ધાન્તો પ્રત્યે આકર્ષણ થાય એ ધર્મ એ અપનાવી શકે; પણ બાહ્ય આકર્ષણ કે બાહ્ય પ્રચારથી અંજાઈને ધર્મપરીવર્તનો થાય, ત્યારે એનો પાયો જ નબળો હોય છે. આવી ધાર્મીકતા પોકળ અને ખોખલી હોય છે. ધર્મનું લેબલ બદલવાથી અન્દરનો માણસ બદલાઈ જતો નથી.

માણસ કરોડો વર્ષો સુધી અસંસ્કારી અને સભ્યતા વગરનો રહ્યો. એને સભ્યતા અને સંસ્કાર શીખવનાર ધર્મ નથી. એમ હોય તો માણસનો જન્મ થયો, ત્યારથી એ સંસ્કારી બની ગયો હોત. હકીકતે, આજના મનુષ્યની બધી સભ્યતા અને બધી સંસ્કારીતા માત્ર પાંચ હજાર વર્ષ પુરાણી છે. માણસે ચીત્રકળા વીકસાવી એમાંથી લેખીત ભાષાનો ઉદ્ ભવ થયો. પહેલાં માણસને બોલચાલની ભાષાનું પ્રબળ માધ્યમ હાથ લાગ્યું અને એણે એનું સમગ્ર જીવન બદલી નાખ્યું. હસ્તલીખીત ભાષાની મદદથી માણસે જ્ઞાન અને માહીતીનો ધીમોધીમો પ્રસાર શરુ કર્યો. આજે જીવનમાં સંખ્યાબન્ધ ક્ષેત્રોમાં માહીતી અને જ્ઞાનનું જે ખેડાણ થયું છે, એની પાછળ ભાષાનો પાયો પડેલો છે. ભાષા ન જાણનાર માણસ વીચારી પણ શકતો નથી. વીચારવા માટે પણ ભાષા જરુરી છે. ગુટેનબર્ગે જ્યારે સોળમી સદીના મધ્યમાં મુદ્રણની કળા વીકસાવી ત્યારે આ ભાષાને જાણે એક નવું હથીયાર સાંપડી ગયું. પ્રીન્ટીંગ પ્રેસની સ્થાપનાએ મનુષ્ય સંસ્કૃતીમાં ક્રાન્તી કરી નાખી. વીશ્વનો પ્રથમ છપાયેલો ગ્રંથ બાઈબલ હતો. મનુષ્યની કળાનો વીકાસ થયો અને ધર્મગ્રંથોની લાખો નકલો છપાઈને ઘેર ઘેર પહોંચી ગઈ. આમ, ધર્મ એ વીજ્ઞાન અને ટૅકનૉલૉજીની મદદથી ફેલાયો છે. આજે તો અખબાર, પુસ્તક, રેડીયો, વીડીયો, ટેલીફોન કે માઈક્રોફોન વીના કોઈ ધાર્મીક વીધી કે કથા પણ શક્ય નથી; પણ એક જ્યારે આ બધું નહોતું ત્યારે પણ ભાષા હતી અને કોતરણી કામ હતું, પાંદડાં પર લખવાની કળા હતી, જ્યાંથી શીલાલેખોનું નીર્માણ થયું. આમ, મનુષ્યની આધુનીક સંસ્કૃતીનો વીકાસ સદીઓ અને દાયકાઓથી મહેનત અને શોધખોળથી થયો છે. આ વીકાસ રાતોરાત થયો નથી અને કોઈ દૈવી ચમત્કારથી થયો નથી. ઔદ્યોગીક ક્રાન્તી અને વૈજ્ઞાનીક પ્રગતીએ માણસના કરોડો વર્ષોના પછાતપણાને દુર કરીને એના જીવનને સુખ, સગવડથી ભરી દીધું. એ ઝડપથી પ્રવાસ કરવા લાગ્યો, હજારો માઈલ દુર બેઠેલા મીત્ર કે સમ્બન્ધી સાથે વાત કરવા લાગ્યો. એ ગાડામાં બેસીને કે ઘોડા પર સવાર થઈને પ્રવાસ કરતો હતો અને બદલે જમ્બો વીમાનમાં ઉડવા લાગ્યો. સદીઓ પહેલાનો આદીમાનવ આમ, ગુફામાંથી બહાર આવીને એરકન્ડીશન્ડ ઈમારતમાં મહાલવા માંડ્યો. આ સમૃદ્ધી, આ સગવડો અને આ અનુકુળતાઓ ટૅકનૉલૉજીથી આવી, વીજ્ઞાનથી આવી, મતલબ કે પ્રચંડ પુરુષાર્થ અને મગજશક્તીથી આવી.

જે પ્રજા પોતાની સમાજવ્યવસ્થા, કુટુમ્બવ્યવસ્થા, અર્થવ્યવસ્થા કે શીક્ષણ પદ્ધતીમાં જમાના પ્રમાણે પરીવર્તન નથી કરતી એ પ્રજાનું માનસ બંધીયાર થઈ જાય છે. નદીનું પાણી વહેતું હોય છે તેથી ચોખ્ખું હોય છે અને ખાબોચીયાનું પાણી બંધીયાર બનીને ગંધાવા માંડે છે. એ જ રીતે જે પ્રજા ધર્મનાં બાહ્ય પ્રતીકો, બાહ્ય આદેશો અને બાહ્ય ક્રીયાકાંડોને સર્વસ્વ સમજીને એને જડતાથી વળગી રહે છે એ પ્રજા પણ સંકુચીત અને સંકીર્ણ બની જાય છે.

સંગઠીત ધર્મથી ઉદ્ધાર થતો હોત તો બે દેશો, એક જ ધર્મની પ્રજા ધરાવતા હોવા છતાં; વર્ષો સુધી લોહીયાળ યુદ્ધ ન ખેલત. ધર્મને નામે લોહીની નદીઓ વહેત નહીં અને ધર્મને નામે નફરત તથા વેરઝેરનો ફેલાવો થાત નહીં. ધર્મ આખર શું છે ? એ માનવકલ્યાણનું સાધન છે કે સાધ્ય છે ? જો મનુષ્યનો ઉદ્ધાર કરવાને બદલે એ પીછેહઠ અને બંધીયારપણું લાવતો હોય તો સમજવું જોઈએ કે આપણા સાધનમાં ખામી છે. એમાં વીકૃતીઓ ઘુસી ગઈ છે. આપણે ધાર્મીક વીધીઓને જ સાધ્ય ગણીને એમાં જ ડુબી ગયા. પરીણામે મનુષ્ય સ્વભાવની બધી બુરાઈઓ એક બાજુ ચાલે છે અને બીજી બાજુ ધાર્મીક ઉત્સવોનો ઝમેલો ચાલતો રહે છે.

કહેવાનો અર્થ એ નથી કે ધર્મોએ માણસના વીકાસમાં કોઈ ભાગ ભજવ્યો નથી કે એણે માત્ર નુકસાન જ નુકસાન કર્યુ છે. માણસ જ્યારે પશુપંખીની જેમ જંગલોમાં ભટકતો હતો અને પ્રાકૃત અવસ્થામાં હતો ત્યારે ધર્મે બતાવેલાં નીતીનીયમોએ એને સંસ્કારી બનાવવામાં ફાળો આપ્યો હતો.

પ્રશ્ન એ છે કે વૈજ્ઞાનીક ક્રાન્તી થઈ અને માણસ જાતે જ પોતાનું હીત-અહીત સમજવા લાગ્યો, એ પછી ધર્મની આખી ભુમીકા એનો સન્દર્ભ જ બદલાઈ ગયો.

યુરોપની પ્રજાએ તો આ સત્ય તરત જાણી લીધું અને ધર્મ અને વીજ્ઞાનની ટક્કરમાંથી માર્ગ કાઢી લીધો. આ માર્ગનું નામ એટલે બીનસામ્પ્રદાયીકતા. યુરોપમાં હોલીયોક જેવા વીચારકોએ સમજાવ્યું કે ધર્મગ્રંથો હજારો વર્ષ પહેલાં જે તે સમયની જરુરીયાત મુજબ લખાયા હતા. એમાં લખેલી ઘણી વાતો આજે વીજ્ઞાનની કસોટીએ ચડાવતાં ખોટી પુરવાર થાય છે. આથી બે બાબતો અને મુદ્દાઓને કાઢી લઈને ધર્મના નૈતીક સીદ્ધાન્તો અને મુલ્યોના પ્લાન પર ભાર મુકવો જોઈએ. ગેલીલીયો કે કોપરનીકસ જેવા વૈજ્ઞાનીકોને ધર્મગુરુઓએ પ્રારમ્ભમાં પરેશાન કર્યા; પણ વીજ્ઞાનના ઘોડાપુર સામે ધર્મની અન્ધશ્રદ્ધા અને જડતા ટક્યાં નહીં. પરીણામે પશ્ચીમના લોકજીવનમાં ધર્મનું સ્થાન મર્યાદીત બની ગયું છે. એ લોકોએ ધર્મને શેરીઓમાં લાવવાને બદલે, શીક્ષણ કે અર્થકારણમાં ઘુસાડવાને બદલે, એને અંગત માન્યતાનો મુદ્દો બનાવી દીધો. પરીણામે વૈજ્ઞાનીક શોધખોળો અને ટૅક્નૉલૉજીની આગેકુચ ચાલુ રહી અને મનુષ્યજીવન વધુ સુખી અને સમૃદ્ધ બનતું જ ગયું.

પણ, આપણે એશીયાના લોકો, હજી ધર્મના બાહ્ય ક્રીયાકાંડો અને વીધીવીધાનોમાંથી બહાર આવતા નથી. પરીણામે ધર્મનાં આવાં તત્ત્વો અદૃશ્ય થયાં અને આપણી બધી શક્તી ધાર્મીક જુલુસો, શોભાયાત્રાઓ અને યજ્ઞોમાં વેડફાઈ રહી છે. લોકો ધર્મ-અધર્મ વચ્ચે ભેદ જ કરી શકતા નથી. પાખંડી સાધુઓ અને મૌલવીઓને ધાર્મીકતાનું પ્રતીક માને છે, એમનાથી છેતરાય છે અને પ્રામાણીક, નીષ્ઠાવાન માણસ મન્દીર કે મસ્જીદમાં ન જાય એટલે એની ઉપેક્ષા કરે છે.

આજના યુગમાં નીતીનીયમો અને મુલ્યોનું ચોક્કસ મહત્ત્વ છે; પણ સદીઓ જુના ધાર્મીક ક્રીયાકાંડોનું હવે કોઈ સ્થાન નથી. માણસ ધર્મને એના વ્યાપક પરીપ્રેક્ષ્યમાં સમજે અને ધાર્મીકતાની વ્યાખ્યા બદલે તો જ આ સ્થીતીમાંથી બહાર આવી શકાશે. વૈજ્ઞાનીક કોઈ જીવલેણ રોગની રસી બનાવે છે કે મનુષ્યને યાતના આપતાં દર્દોની દવા શોધે એ વૈજ્ઞાનીક, ધાર્મીક પયગમ્બર કે ધર્મગુરુથી બીલકુલ ઉતરતો નથી અને જે કહેવાતો ધર્મગુરુ ધાર્મીકતાના આંચળા હેઠળ લોકો સાથે ઠગબાજી કરે છે એ આજના માફીયા સરદારોથી બીલકુલ ઓછો ખતરનાક નથી.

સામ્પ્રદાયીકતાથી ભારતીયતા અને રાષ્ટ્રીયતાના ટુકડા થઈ જાય છે. બંધારણે નાગરીકતાને જ મહત્ત્વ આપ્યું છે. તે ધર્મ પર આધારીત નથી તેમ પ્રદેશ અને જાતી પર પણ આધારીત નથી. પ્રેમ એ જ ધર્મ. ધર્માન્ધતા માણસને બેહોશ બનાવે છે. જે દીવસે માનવજાત સચેત અને સભાન થઈ જશે તે દીવસથી એ ધર્મને નામે લડાતી લડાઈઓ બંધ થઈ જશે. આજે નુતનવીજ્ઞાન અને ટૅક્નૉલૉજીનો યુગ છે એ સત્ય સ્વીકારીને જ ચાલવું પડશે. તો જ આપણી મીશ્ર સંસ્કૃતીની ગૌરવશાળી પરમ્પરાની ગરીમા જળવાશે.

–યાસીન દલાલ

‘ગુજરાત સમાચાર’, દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીન દલાલની ‘વીચાર વીહાર’ નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા. 06 ઓક્ટોબર, 2012ના અંકમાંથી ડૉ. યાસીન દલાલના અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના સૌજન્યથી સાભાર…

સમ્પર્ક: ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ-360 007 ફોન: (0281) -257 5327 ઈ.મેઈલ: yasindalal@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 00/04/2014

યાસીન દલાલ

નથી, નથી મુજ તત્વો વીશ્વથી મેળ ખાતાં

…યાસીન દલાલ

હમણાં ચોથી જાન્યુઆરીએ વીશ્વવીખ્યાત ફ્રેંચ સાહીત્યકાર આલ્બેર કામુની જન્મજયન્તી હતી. કામુ, સાર્ત્ર અને નીત્શેનો એક યુગ હતો. યુરોપની પ્રજા ઉપર આ બધા લેખકોએ ખુબ ગાઢ અસર કરી. એમનાં મનમાં અનેક આંદોલનો ઉભાં કર્યાં; એમનાં ચીત્તને ખળભળાવી નાખ્યાં. આજે પણ પુરી દુનીયા એમની કૃતીઓને યાદ કરે છે અને વંદન કરે છે.

કામુની અમુક કૃતીઓ હમ્મેશ માટે યાદગાર બની ગઈ છે. ખાસ કરીને ‘આઉટ સાઈડર’ અને ‘પ્લેગ’ ઉપરાન્ત એ ‘હેપ્પી ડેથ’. એક પછી એક નવલકથામાં કામુએ માણસના મનમાં એવી ડુબકીઓ લગાવી છે કે વાચકનું ચીત્ત ખળભળી જાય અને ઝંકૃત થઈ જાય. એણે ઉઠાવેલા પ્રશ્નોનો જવાબ હજી માનવજાત શોધવા માટે ફાંફાં મારી રહી છે. કામુ માનતો કે : ‘જીન્દગી નીરર્થક છે એનો કોઈ અર્થ જ નથી.’  આવી નીરર્થકતાની અનુભુતી આપણને સહુને ક્યારેક તો થાય જ છે. આધુનીક સમાજનો ઢાંચો જ એવો કૃત્રીમ રીતે ગોઠવાયેલો છે કે એમાંથી માણસને હતાશા જ મળે. અત્યારના વીશ્વમાં ક્યાંય સમાનતા નથી, ક્યાંય શાન્તી નથી અને ક્યાંય ન્યાય નથી. અમીર વધુ અમીર બને છે અને ગરીબ વધુ ગરીબ બને છે. લોકો અનૈતીક બને તો પણ એમની પુજા થાય છે. માલદાર માણસ વગદાર હોય છે. આવા ઢાંચા સામે કોઈ બળવો પોકારે ત્યારે ટોચ ઉપર બેઠેલી પેલી મંડળી એને ચુપ કરી દે છે અને કાયદાની અદાલત પણ એને મદદ કરતી નથી. પરીણામે માણસ અન્તે ઉદાસીન બની જાય છે. સમાજ અને ‘સંસ્કૃતી’ એને ‘રોગ’ લાગવા માંડે છે. એનાથી એ છેટો ભાગે છે અને ‘આઉટ સાઈડર’ કે અજનબી બનીને જીવ્યે જાય છે. અંગત રીતે આ નીરર્થકતાની એના ઉપર વ્યાપક અસર પડે છે. કામુએ આવી નીર્લેપતા ધરાવતા માણસની કલ્પના કરીને એના સાહીત્યનું સર્જન કરેલું.

 ‘આઉટ સાઈડર’નો હીરો મ્યુરસોલ્ટ છે એ સાચો માણસ છે, મહોરા વગરનો માણસ છે. મા મરી જાય છે તો પણ; એને દુઃખ નથી થતું. એટલું જ નહીં; પણ એ કૃત્રીમ રીતે દુઃખ દર્શાવતો પણ નથી. આજની દુનીયામાં માણસ હરખ દર્શાવે છે એ પણ કૃત્રીમ રીતે અને શોક દર્શાવે છે એ પણ કૃત્રીમ રીતે. આ નાયકને કૃત્રીમતા આવડતી જ નથી. એને દુનીયાના નીયમો, કાનુન, કે રીતીરીવાજો સ્પર્શતા જ નથી. એને ફક્ત તડકો, ઠંડી, ખોરાક અને સેક્સ જેવા કુદરતી આવેગો જ સ્પર્શે છે. એ સંવેદનશીલ છે; પણ દુન્યવી રીતે નહીં. એક વખત દરીયાકાંઠે બેઠાં બેઠાં એનાથી એક આરબનું ખુન થઈ જાય છે; પણ અદાલતમાં એ પસ્તાવો વ્યક્ત કરતો નથી. બીજા માણસો જેવો એ ‘સમજુ’ નથી. સમજુ માણસ હોય તો અદાલતમાં સ્વીકારી લેત; પણ મ્યુસોલ્ટ એવો ‘સમજુ’ માણસ નથી. એ એવો માણસ છે જે હીરો હોવાના કોઈ દેખાડા વીના સત્ય ખાતર મરવાનું પસંદ કરે છે. એ એટલો સાચો માણસ છે કે જે લાગણી એણે અનુભવી નથી, એનો દેખાડો કરવા પણ એ તૈયાર નથી. અમથેઅમથી દુનીયામાં, અમથેઅમથું જીવન જીવતો માણસ, નીયમો અને નૈતીકતાના વર્તુળની બહાર નીકળીને સાચેસાચું જીવે તો એનું જીવન કેવું હોય એની આ નવલકથામાં અદ્ ભુત વાત છે.

કામુ 30 વરસની ઉંમરે જ પોતાની કલમના જોરે સમગ્ર યુરોપમાં મશહુર થઈ ગયા; પણ એમને 34 વરસની ઉમ્મરે જ કેટલાક વીવેચકો ફાડી ખાવા માટે ટાંપીને બેઠા હતા. એમણે ‘આઉટ સાઈડર’ પછી ‘પ્લેગ’ નામની નવલકથા લખી. બીજા વીશ્વયુદ્ધમાં જર્મનીએ ફ્રાંસ જીતી લીધું અને પેરીસ પણ જર્મન તાબા હેઠળ આવ્યું. કામુ ત્યારે પેરીસમાં રહેતા હતા. એમણે જર્મનીનો જુસ્સાથી પ્રતીકાર કર્યો. જીવના જોખમે આમ કર્યું. ત્યારે બળવાખોરોનું ‘કોમ્બેટ’ નામનું સામયીક હતું. કામુ એના સહતંત્રી હતા. સાર્ત્ર અને કામુ ખભેખભા મીલાવીને કામ કરતા; પણ ધીમે ધીમે બન્ને સમજી ગયા કે એમના અભીગમ જુદા પડે છે. ન્યુયોર્ક શહેર વીશે સાર્ત્રનો અભીગમ જુદો હતો અને કામુનો જુદો હતો. સાર્ત્રે એમ કહ્યું કે : ‘અમેરીકા રંગભેદી છે અને ભાગલાવાદી છે. ત્યાંનો માણસ યાંત્રીક બની ગયો છે. ત્યાં માણસને નીર્જીવ વસ્તુ ગણવામાં આવી છે.’ કામુ પણ અમેરીકાની મુલાકાતે ગયા. એમને ન્યુયોર્ક ગમ્યું, ત્યાંની ગગનચુંબી ઈમારતો વીશે એમને કાંઈ વાંધાજનક લાગ્યું નહીં. ઉલટું ન્યુયોર્કના ખોરાક, આઈસક્રીમ, બ્રોડવેની રોશની, ત્યાંના ઝાઝબાર  તેમ જ સીગરેટની જાહેરાતમાં મોંમાંથી ધુમાડો કાઢતા અમેરીકી સૈનીકનાં કામુએ વખાણ કર્યાં. ત્યાંથી સાર્ત્રને કામુ સામે વાંધો પડ્યો. એમણે ટીકા કરી કે કામુ કોઈ મુદ્દે સ્પષ્ટ બનવાને બદલે ગોળગોળ વાત કરીને છટકી જાય છે. સાર્ત્ર એ દીવસોમાં બીજા વીશ્વયુદ્ધ અંગે ધડાધડ લખતા હતા અને ખોંખારીને બોલતા હતા ત્યારે કામુ કહેતા કે હું કોઈપણ જાતની જાહેર અભીવ્યક્તી બાબતે કંટાળો અનુભવી રહ્યો છું. અન્યાય અને શોષણ સામે બન્ને લડવા માંગતા હતા; પણ સાર્ત્રનો ઝુકાવ ડાબેરી હતો. કામુએ તમામ રાજકીય વીચારધારાથી પોતાની જાતને દુર રાખી હતી. એક તબક્કે એમણે એમ કહ્યું કે આ માટે હું હજુ નાનો છું; પણ કામુ એક વાતમાં સ્પષ્ટ હતા કે કોઈપણ જાતની ક્રાન્તી પાછળનો હેતુ ગમે તેટલો ઉંચો હોય તો પણ; એના પાયામાં તો નીતીમત્તા હોવી જ જોઈએ. આદર્શ સમાજની રચના માટે હીંસાનો આશરો લઈ શકાય નહીં. સાધ્ય ઉમદા હોય, તો શું સાધનશુદ્ધી ગૌણ બની જાય છે ? કામુનું કહેવું ‘ના’ હતું; સાર્ત્રનું કહેવું ‘હા’ હતું. કામુ ભારપુર્વક કહેતા કે સાધન શુદ્ધ હોવું જ જોઈએ. જો કે એટલું સ્વીકારતા કે શોષણ અસહ્ય બની જાય ત્યારે હીંસક વીરોધ જરુરી હોય છે; પણ એમાં પણ બળવાખોરોએ સંયમ રાખવો જોઈએ. પોતાની જ વાત સાચી છે એમ જડતાથી માનવું ન જોઈએ. એણે વીચારવું જોઈએ કે હીંસાથી કોઈનું ભલું નથી થતું.
પોતાની આ વીચારધારા કામુએ 1951માં ‘ધ રીબેલ’ નામની નવલકથામાં લખી. ટીકાકારો તરત એમના ઉપર તુટી પડ્યા. સાર્ત્રને લાગ્યું કે કામુ કોઈ લેખક નહીં; પણ સંત છે. એમના તંત્રીપદે પ્રકાશીત થતા સામયીકમાં સમીક્ષકે કહ્યું કે કામુને જે પ્રસીદ્ધી મળી છે એને માટે એ લાયક નથી અને એમ પણ કહ્યું કે આદર્શોની આડશમાં કામુ પોતાનો પલાયનવાદ છુપાવી રહ્યા છે. જવાબમાં કામુએ 16 પાનાંનો પત્ર લખ્યો. એમાં એ સમીક્ષકનું નામ ન લખ્યું. સાર્ત્રને સંબોધન કર્યું અને એમ લખ્યું કે તમે એમ માનો છો કે માત્ર ડાબેરી વીચારધારા જ સાચી છે; પણ એ ખોટું છે. એમણે એમ પણ કહ્યું કે પ્રતીકાર વખતે જીવનું જોખમ લેવું પડે છે. સાર્ત્ર ભડકી ગયા અને કામુ પર સીધો હુમલો કર્યો અને કહ્યું કે બધા જાણે છે કે આપણે 10 વરસથી મીત્રો છીએ મને લાગે છે કે તેં મજાકમાં લખ્યું છે; પણ હું તને પુછું છું કે દુર ઉભા ઉભા વાતો કરનાર તું છો કોણ ? તું સ્વાતંત્ર્યનો મુદ્દો બરાબર સમજ્યો નથી. એક વખતે તું અમને કેટલો પ્યારો હતો !

કામુની પ્રસીદ્ધ નવલકથાઓમાં ‘ધ પ્લેગ’નો પણ સમાવેશ થાય છે. કામુ માત્ર આરામખુરશીમાં બેસીને લખનારા લેખક જ નહોતા; પણ કર્મશીલ પણ હતા. એમણે અલ્જીરીયામાં રહીને ઘણી ચળવળોમાં સક્રીય ભાગ લીધો હોઈ વીરોધીઓએ તેઓને સમગ્ર માનવજાત ઉપર આક્રમણ કરનાર શેતાન ગણાવ્યા. એક શહેરમાં મરેલા ઉંદર ચારે તરફ દેખાય છે. તાવ અને ચાંઠાંથી પીડાતા માણસોની સંખ્યામાં પણ વધારો થતો રહે છે. થોડાક ખચકાટ બાદ ડૉક્ટરો પ્લેગનો સ્વીકાર કરે છે અને એ શહેરને બહારથી વીખુટું પાડી દેવાય છે. કોઈ અંદર ન આવી શકે અને કોઈ બહાર પણ ન જઈ શકે. બહારગામ ગયેલા લોકો બહાર જ અટવાઈ જાય છે અને શહેરમાં આવેલા મુલાકાતીઓ શહેરમાં જ ફસાઈ જાય છે. ગામમાં અંધાધુંધી ફાટી નીકળે છે. ચીજવસ્તુઓની આયાત–નીકાસ પર પ્રતીબંધને લીધે લોકો ચીજવસ્તુઓ ખરીદીને સંઘરો કરવા માંડે છે. વેપારીઓ ભાવ વધારી દે છે. કાળાબજાર ફાટી નીકળે છે, લોકોનો ડૉક્ટરો પરથી પણ વીશ્વાસ ઉઠી જાય છે, આખી નવલકથા એક ડૉક્ટરની ડાયરીરુપે લખવામાં આવી છે. એક પાદરી આને ‘માણસના પાપની ઈશ્વરે કરેલી સજા’ કરીને ગણાવે છે ત્યારે ડૉક્ટર સવાલ કરે છે કે, ‘બાળકો આ રોગનો આસાનીથી ભોગ બને છે. પાપ કરવા જેટલાં મોટાં પણ નથી થયાં; તો પછી ઈશ્વર એમને કયાં પાપની સજા કરે છે ?’ ડૉક્ટર નીરુત્તર રહે છે અને એ પણ માંદા પડે છે. એમને પ્લેગ નથી; છતાં મરી જાય છે. લેખક કહેવા લાગે છે કે એમનું મોત શ્રદ્ધાથી થયું છે. અહીં ટેરો નામનો માણસ ફરવા આવ્યો છે એ નાસ્તીક છે; છતાં નૈતીકતા અને આદર્શોનો આગ્રહ રાખે છે. એમને નવાઈ લાગે છે કે ડૉક્ટર પણ આસ્તીક નથી; છતાં દર્દીઓની સારવારમાં ડુબેલા કેમ છે ? ડૉક્ટરને પ્રશ્ન પુછે છે. એ માને છે કે ઈશ્વરીય આદેશને નામે માણસને પ્રલોભન આપવામાં આવે છે. એ એમ પણ માને છે કે ધર્મને વચ્ચે લાવ્યા વીના સમાજમાં નૈતીકતા જાળવી શકાય છે. એ પ્રશ્ન પુછે કે : ‘શું ઈશ્વર વીના માણસ સંત બની ન શકે ?’ ભલાઈ ખાતર ભલાઈ શક્ય છે. ઈશ્વરના ડરથી કે સ્વર્ગની લાલચ વીના પણ માણસ સારો બની શકે છે.

કામુ નીત્શેથી પ્રભાવીત હતા. નીત્શે નીરીશ્વરવાદી હતા. બીજા વીશ્વયુદ્ધ સમયે એમણે પેરીસનાં અખબારોમાં એક જાહેરાત આપેલી. જેનું શીર્ષક હતું : ‘ઈશ્વરનું અવસાન થયું છે એમનું ઉઠમણું ફલાણા સ્થળે અને આટલા વાગ્યે રાખ્યું છે.’ એ દીવસે 50 હજાર માણસો એકઠા થયા. એમની સમક્ષ નીત્શેએ જે ભાષણ કર્યું એ નીરીશ્વરવાદીઓનું બાઈબલ ગણાય છે. એમણે પ્રશ્નો પુછ્યા કે : ‘ઈશ્વર હોય તો હીટલર જેવા ક્રુર માણસને પેદા શા માટે કરે ? અને વીશ્વયુદ્ધમાં જે કરોડો માણસો મર્યા એની જવાબદારી કોની ? માર્યા ગયેલાઓમાં પાદરીઓ પણ હતા, બાળકો પણ હતાં, મહીલાઓ પણ હતી અને વૃદ્ધો પણ હતા. આ બધાં નીર્દોષ જીવોની હત્યા કોણે કરી ?’ કામુએ શક્યતા બતાવી કે ઈશ્વર વીના પણ સારા માણસ બની શકાય છે. સારા બનવા માટે શ્રદ્ધા જરુરી નથી. કોઈપણ માણસ નીષ્ઠાપુર્વક પોતાની ફરજ બજાવે એ સાચો શ્રદ્ધાળુ કહેવાય. પછી એ ડૉક્ટર હોય કે વકીલ હોય, કે પછી સાધારણ ખેડુત હોય અથવા સરકારી કર્મચારી હોય, મુળ મુદ્દો પ્રામાણીકતા અને નીષ્ઠાનો છે. એમાં ઈશ્વરને વચ્ચે લાવવાની કોઈ જરુર નથી.

કામુ અને સાર્ત્ર સાહીત્યકારો હતા. ફ્રાંસ, જર્મની અને ઈંગ્લેન્ડના સાહીત્યકારોએ પોતાની કૃતીઓમાં વીશ્વયુદ્ધની અસરોને બરાબર ઝીલી હતી અને સાબીત કર્યું હતું કે ‘સાહીત્ય એ જીવાતા જીવનનો અને સમાજનો અરીસો છે.’ બીજા વીશ્વયુદ્ધ પછી યુરોપની પ્રજામાં વ્યાપેલી ઘેરી હતાશા એમણે બરાબર સાહીત્યમાં ઝીલી બતાવી ત્યારે પ્રશ્ન થાય છે કે ગુજરાતી સાહીત્યમાં આવું કેમ જોવા મળતું નથી ? આજનો ગુજરાતી લેખક જમીન ઉપર પગ રાખવાને બદલે હવામાં ઉડે છે. એવું કેટલાક તટસ્થ નીરીક્ષકોને લાગે છે. ગુજરાતના ગોઝારા રમખાણો વીશે ભાગ્યે જ કોઈ નવલકથા લખાઈ છે. કવીતા કે વાર્તામાં પણ એના પડઘા બહુ ઓછા પડ્યા છે. શું આ ‘પ્રો–એસ્ટાબ્લીસમેન્ટ’ વલણ કહી શકાય ?

…યાસીન દલાલ

‘ગુજરાત સમાચાર’, દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીન દલાલની વીચાર વીહાર નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા.13 જાન્યુઆરી, 2013ના અંકમાંથી ડૉ. યાસીન દલાલના અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના સૌજન્યથી સાભાર…

સમ્પર્ક: ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ-360 007 ફોન: (0281-257 5327) .મેઈલ: yasindalal@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન: GOVIND MARU, 405, Krishna Apartments, Wing – B,  Opp. Balaji Garden, BONKODE, KOPEKHAIRNE, Navi Mumbai – 400709 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

 પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ: 24/01/2014      

યાસીન દલાલ

ધર્મને નામે ધતીંગ ક્યાં સુધી ?

-યાસીન દલાલ

દરરોજ દેશમાં એવી ઘટનાઓ બને છે જે વાંચીને રુવાડાં ખડાં થઈ જાય છે. દેશમાં ચારેબાજુ બળાત્કારની ઘટનાઓ દરરોજ બને છે. દીલ્હીથી માંડીને રાજકોટ સુધી આવી ઘટનાઓ બન્યા જ કરે છે. એમાં પણ ચાર-પાંચ વરસની કુમળીવયની બાળકીઓ આનો ભોગ બને છે અને પછી પીડીતાની હત્યા કરી નાંખે છે.

આ બધું કહેવાતા ધાર્મીક અને આધ્યાત્મીક દેશમાં બને છે. સમાજસુરક્ષાની વાત આમાં ક્યાં આવે છે ? અંગ્રેજો હતા ત્યારે આવી બાબતોમાં કાયદો કે ખરડો ઘડાવાની રાહ જોતા નહોતા. પીંઢારાઓને એમણે બહુ ઝડપથી ખતમ કરી નાંખ્યા. અત્યારે દેશ આઝાદ છે. 65થી વધુ વરસ થઈ ગયાં. નીયત સમયે ચુંટણીઓ યોજાય છે. દરરોજ નવા કાયદાઓ પસાર થાય છે; પણ છતાં દેશ અને સમાજ બગડતાં જ જાય છે.

હવે તો આપણે એ કક્ષાએ પહોંચ્યા છીએ કે બળાત્કારીઓને સાધુ કે બાપુ તરીકે બોલાવવા પડે છે. આસારામ (બાપુ ?) એનો જીવતો જાગતો દાખલો છે. આમ તો ચાર વરસ પહેલાં એમનાં કુકર્મોની વાત જાહેર થયેલી.

એમના પુત્ર નારાયણ સાંઈ ઉપર બે બાળકોની હત્યાનો આરોપ લાગેલો; પણ ગુજરાત સરકારે કાર્યવાહી કરવાને બદલે એક પંચની રચના કરી લીધી. નારાયણ સાંઈ વરસો સુધી એ પંચ સમક્ષ હાજર ન થયા. આખરે હાજર થયા અને પંચે રીપોર્ટ આપી દીધો; પણ એ રીપોર્ટ હજી જાહેર થયો નથી. બીજા અનેક અહેવાલોની જેમ આ અહેવાલ પણ સરકારી ફાઈલોમાં દટાઈ ગયો છે. દરમ્યાન જોધપુરમાં એમની વીરુદ્ધ બળાત્કારની એક ફરીયાદ નોંધાઈ. રાજસ્થાન સરકાર હોવાથી ચાર દીવસ પછી એમની ધરપકડ થઈ હવે જેલની હવા ખાધા પછી એમની વીરુદ્ધ નીતનવા કૌભાંડો બહાર આવવા માંડ્યા છે. અત્યાર સુધી એમના કહેવાતા સાધકો લોકોને ભયભીત કરીને ફરીયાદ નોંધાવતા રોકતા હતા. હવે એ બીક ચાલી ગઈ છે. સુરતમાં એમના પુત્ર નારાયણ સાંઈ સામે ફરીયાદ નોંધાતાં નારાયણ સાંઈ ભાગી ગયા છે અને આ ઘટના અમદાવાદમાં બની હોવાથી આસારામને અમદાવાદ લાવવામાં આવ્યા છે.

આસારામના દેશભરમાં ચારસોથી વધુ આશ્રમો આવેલા છે. આમ, એમની કપટલીલા દેશભરમાં વીસ્તરી ચુકી છે. એક રીતે જોઈએ તો આમાં એમનો વાંક ઓછો અને આપણી શ્રદ્ધાળુ પ્રજાનો વાંક વધુ છે. જોધપુરના સાધકની દીકરીએ હીમ્મતથી ફરીયાદ નોંધાવી; છતાં એ સાધકને એમના અનુયાયીઓ દ્વારા સતત ધમકીઓ મળવાનું ચાલુ જ હતું. એટલી હદ સુધી કે કોર્ટના કમ્પાઉન્ડમાં પણ સાધકને એમના માણસો દ્વારા ધમકી અપાતી. આ બતાવે છે કે આવા ધાર્મીક માફીયાઓ કઈ હદ સુધી જવા તૈયાર છે. ઉપરથી રામ જેઠમલાણી જેવા જાણીતા ધારાશાસ્ત્રીએ એમનો કેસ લીધો. આવા જાણીતા ગુનેગારોનો કેસ કોઈ પણ વકીલે લેવો જ ન જોઈએ. એમાં પણ જેઠમલાણી જેવા જાણીતા ધારાશાસ્ત્રીથી તો લેવાય જ નહીં; પણ જેઠમલાણી આવા મામલે આચારસંહીતા પાળતા જ નથી. શ્રીમતી ગાંધીના હત્યારાનો કેસ પણ તેઓ લડ્યા હતા. સંસદ ઉપર હુમલો કરાવનાર અફઝલ ગુરુનો કેસ પણ તેઓ લડ્યા અને એમની ફાંસી ન આપવી જોઈએ એવું જાહેરમાં કહ્યું. આ કેસમાં એમણે વીવાદાસ્પદ દલીલ કરી કે, ‘એ છોકરી પુરુષને લલચાવવા માટે જાણીતી છે.’ આ દલીલથી તેઓ શું સાબીત કરવા માંગે છે એ કોઈને સમજાયું નહીં.

હાલ દેશમાં આવા ઢોંગી બાવાઓની જમાત ફુટી નીકળી છે. આવા એક બાબા દીલ્હીના નીર્મલ બાબા છે. ટીવી ઉપર એમના કાર્યક્રમો દરરોજ આવે છે. આ બાબાનો ભુતકાળ અત્યંત ખરાબ છે. દીલ્હીના એક ખુણામાં તેઓ ભંગાર વેચતા હતા. આવા અનેક ધંધાઓ બદલતાં બદલતાં એમને આ ધંધો હાથ લાગ્યો અને એમાં જોરદાર સફળ થયા. હકીકત એવી છે કે એમના દરબારમાં આવતા મોટાભાગના લોકો ભાડુતી છે. એમની પાસે અગાઉથી જ બે હજાર રુપીયા પડાવી લેવાય છે. તેઓ જે જવાબો આપે છે એ અત્યન્ત રમુજી હોય છે; છતાં એમની ભક્તી ચાલે છે. આ બાબાની સામે દેશભરમાંથી એકસોથી વધુ કેસ નોંધાયા છે. છતાં પોલીસ એમની ધરપકડ કરતી નથી. આમાં ક્યું રહસ્ય છે એ જાણવા માટે કલ્પના કરવાની જરુર નથી. આ બધો પૈસાનો ખેલ છે. દક્ષીણમાં એક બાબા છે જેમનું નામ નીત્યાનન્દ બાબા છે. એમની સેક્સલીલાઓ અખબારો અને ટીવી ઉપર ચમકી ગઈ છે. દક્ષીણની એક અભીનેત્રી પણ એમની મોહજાળમાં ફસાઈ ચુકી છે. એમની ધરપકડ થઈ ચુકી છે અને અત્યારે જામીન ઉપર છુટ્યા છે. પણ આવા બાબાઓની કપટલીલા ચાલતી જ રહે છે. આસારામના સાધકો એમ કહેતા કે આસારામ (બાપુ ?) યુવતીઓ સાથે કંઈ પણ કરે છે તે કૃષ્ણ ભગવાનની લીલા છે અને બાપુ તો કૃષ્ણ ભગવાનનો અવતાર છે.

ભુતકાળમાં ભાદરણના એક સ્વામી થઈ ગયા, જેમનું નામ કૃષ્ણાનંદ હતું. તેમણે ‘સેન્ડલ એન્ડ પેબલ્સ’ નામના પુસ્તકમાં અનેક વાતો લખી છે અને કહ્યું છે કે : ‘દુનીયામાં ચમત્કાર જેવું કશું જ છે જ નહીં.’ તેઓ એક વખત પદયાત્રા કરતાં કરતાં એક ખેતરમાં આવી પહોંચ્યા. ખેડુતે એમનો સત્કાર કર્યો. સ્વામી ત્યાંથી ગયા એ પછી ખેડુતે ખેતરમાં નક્કી કર્યું હતું એમ ખોદકામ કર્યું. કુદરતી રીતે ત્યાંથી પાણી નીકળ્યું અને લોકવાયકા ફેલાઈ ગઈ કે સ્વામીજી જ્યાં જાય છે અને બેસે છે ત્યાં પાણી નીકળે છે. એમને સંખ્યાબંધ આમંત્રણો મળવા માંડ્યાં; પણ એ આમંત્રણો સ્વીકારવા છતાં બધે પાણી નીકળ્યું હોય એમ ન બન્યું. સ્વામીજીએ સમજાવ્યું કે મને એવો ચમત્કાર આવડતો હોત તો હું દેશભરના બધા ખેતરોની મુલાકાત ન લઉં ? અને ચમત્કારથી વરસાદ ન વરસાવું ? આવો જ બીજો બનાવ બન્યો. એક ગામમાં તેઓ ગયા. ગામના મામલતદારે એમને ઘરે જમવા બોલાવ્યા. એ દીવસ સોમવાર હતો. સ્વામીજી ત્યાં ગયા. બીજા દીવસે મંગળવારે ગામના એક શેઠને ત્યાં ગયા. કુદરતી રીતે થોડા દીવસ પછી પેલા શેઠ અને મામલતદાર એક સમારંભમાં ભેગા થઈ ગયા. બન્નેએ વટથી કહ્યું કે સ્વામીજી મારે ઘરે જમી ગયા છે. બન્નેએ સોમવારે જમી ગયા એવો દાવો કર્યો. અન્તે બન્નેએ નક્કી કર્યું કે સ્વામીજીનાં અનેક રુપ છે. પરીણામે તેઓ એક જ દીવસે અનેક રુપે અનેક સ્થળે પ્રગટ થઈ શકે છે. સ્વામીજીએ પુસ્તકમાં લખ્યું છે કે આ શક્ય જ નથી; પણ આપણી શ્રદ્ધાળુ પ્રજા આવા ગપાટા ફેલાવતી રહે છે.

આવી પ્રજામાંથી અન્ધવીશ્વાસ ધરાવતાં ભક્તોને વીણી વીણીને આસારામ અને નીર્મલ બાબા જેવા લોકો છેતરતા જ રહે છે અને આવા બાબાઓની દુકાન ચાલતી રહે છે. આસારામના કીસ્સામાં સહુથી આઘાતજનક વાત એ છે કે એમણે હજારો યુવતીઓનું શીયળ લુંટ્યું છે અને ધાકધમકીને કારણે બધાનાં મોઢાં ઉપર તાળાં મારી દીધાં છે. હવે પોતે જેલમાં ગયા છે, એટલે એ ભયનું સામ્રાજ્ય ઓસરી ગયું છે. પરીણામે ભુતકાળની ફરીયાદો હવે થવા લાગી છે. લોકોની અન્ધશ્રદ્ધાનો આવા કહેવાતા બાપુઓ ભરપુર ગેરલાભ લે છે. પોતાની તીજોરી ભરે છે અને વાસના સંતોષે છે. આમ આ દુષ્ચક્ર ચાલતું જ રહે છે.

આવા કહેવાતા બાબાઓ એક તરફ વેદો અને પુરાણો વીશે કથાઓ કરે છે અને બીજી બાજુ મંત્રતંત્ર અને ચમત્કારોના નામે છોકરીઓને ફસાવે છે. છોકરીઓ ફસાય એ તો બરોબર; પણ એમનાં માબાપો પણ આ લોકોની જાળમાં આવી જાય છે ! ઉપરથી સત્તાવાળાઓ એમની ઉપર પગલાં લેવાને બદલે એમને બચાવતા ફરે છે. હવે રાજસ્થાનના જોધપુરમાં ફરીયાદ થઈ, એટલે મોડેમોડે પગલાં લેવાયાં; પણ સુરતની ફરીયાદના આધારે એમને વીમાન માર્ગે અમદાવાદ લવાયા અને એમની શાહી સરભરા થઈ. પાંચસો પોલીસો એમની તહેનાતમાં ઉભા રહી ગયા.  ગુજરાત પોલીસ રાજસ્થાન જેવી કડક અને તટસ્થ રહી શકશે કે કેમ એ અંગે શંકા છે. એમના એક ભક્ત શીવાએ પોલીસ સમક્ષ બધું જ રહસ્ય ખોલી નાંખ્યું અને કહ્યું કે રોજ રાત્રે આઠ વાગ્યા પછી આશ્રમની પાછળ ખાસ બનાવેલા ઓરડામાં છોકરીઓને બોલાવાતી.

આસારામ પાસે અઢળક મીલકત છે. કેન્દ્રના બજેટ કરતાં વધુ પૈસો છે. આનાથી બધાને ખરીદી લેવાનો એ પ્રયત્ન કરશે.

આસારામ આધુનીક સાધુ છે. રાજા મહારાજા કરતાં વધુ વૈભવમાં રહે છે. મન્ત્રતન્ત્રમાં લોકોને ફસાવે છે. ચીન્તાની વાત એ છે કે એમના હજારો સાધકો હજી એમની આસપાસ વીંટળાયેલા રહે છે. પત્રકારો પર એ લોકો હુમલા કરે છે અને કેમેરા ઝુંટવી લે છે. જોધપુરથી વીમાન માર્ગે આસારામ અમદાવાદ આવ્યા ત્યારે એ વીમાનમાં સેંકડો સાધકો ઘુસી ગયા હતા. આ સાધકો લોકોને ધાકધમકી આપે છે. એમના મોટાભાગના આશ્રમો સરકારી જમીન ઉપર ગેરકાયદે ચણાયેલા છે. આ આશ્રમોના હીસાબો ઓડીટ થતા નથી અને એને મળતા પૈસાની પહોંચ પણ અપાતી નથી. આશ્રમનો વહીવટ પારદર્શક હોવો જોઈએ; પણ એ નથી.

સરકારે અને સ્વૈચ્છીક સંસ્થાઓએ સવેળા જાગીને આ ગંભીર પ્રશ્ને જાગૃત થઈને આગળ આવવું જોઈએ. દેશભરમાં આ વીષચક્ર ફેલાયેલું છે. દીલ્હીથી માંડીને રાજસ્થાન અને તામીલનાડુ સુધી આ દુષણ ફેલાઈ ગયું છે. આ દુષણ સવેળા રોકીશું નહીં, તો આપણે 21મી સદીમાં જવાને બદલે ફરી પાછા 14મી સદીમાં પહોંચી જઈશું. એ સદી આખી દુનીયા માટે અન્ધકારની સદી હતી. સદીઓ પહેલાં ગુજરાતમાં ‘મા’રાજો’ની કપટલીલા સામે નર્મદ અને દુર્ગારામ જેવા સુધારકોએ મોરચો માંડ્યો હતો અને ‘મહારાજ લાઈબલ કેસ’ જીતીને સનસનાટી ફેલાવી હતી. ત્યારે નર્મદ અને કરસનદાસ મુળજીને જાતજાતની ધમકીઓ મળતી પણ એનાથી ડર્યા વીના એમણે સમાજસુધારાનો યજ્ઞ ચાલુ જ રાખ્યો હતો. હવે જો આપણે ઈચ્છતા હોઈએ કે ફરીથી 14મી સદીમાં નથી જવું તો સમાજસુધારાની મશાલ ફરીથી જલાવવી પડશે.

-યાસીન દલાલ

‘ગુજરાત સમાચાર’, દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીન દલાલની ‘વીચાર વીહાર’ નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા.26 ઓક્ટોબર, 2013ના અંકમાંથી ડૉ. યાસીન દલાલના અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના સૌજન્યથી સાભાર…

સમ્પર્ક: ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ  – 360 007 ફોન: (0281 – 257 5327) ઈ.મેઈલ: yasindalal@gmail.com

 ‘રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભસંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે,આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna Apartments (Wing – B), Opp. Ayyappa Temple, Bonkode, KOPERKHERNE, Navi  Mumbai – 400 709  સેલફોન:  8097 550 222  ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 30–11–2013

યાસીન દલાલ

જ્યારે અન્ધવીશ્વાસ એક આખા કુટુમ્બનો ભોગ લે છે

-યાસીન દલાલ

જો લોકો ધર્મનો સાચો અર્થ સમજતા થાય અને એમાંથી અન્ધશ્રદ્ધા કાઢી નાખે તો કોઈ વાંધો જ ન રહે !

Mid-day

રાજસ્થાનના સવાઈ માધોપુર જીલ્લાનાં ગંગાપુર ગામમાં બનેલી એક ઘટનાએ સમગ્ર દેશનું ધ્યાન ખેચ્યું છે. ત્યાં કંચનસીંહ રાજપુતનું કુટુમ્બ રહેતું હતું. કુટુમ્બમાં નવ સભ્યો હતા. કંચનસીંહને આપણાં પૌરાણીક પાત્રો રામ અને શંકરમાં અપાર શ્રદ્ધા હતી. આમ તો આપણા દેશમાં મોટાભાગના લોકો શ્રદ્ધાળુ છે; પણ શ્રદ્ધા ક્યારેક અન્ધશ્રદ્ધામાં ફેરવાઈ જાય છે. તેઓ રાત દીવસ શંકર ભગવાનને મળવાનાં સ્વપ્નાં જોતા હતા. આ સ્વપ્નું ધીમે ધીમે દીવાસ્વપ્ન બની ગયું અને દીવસના પણ જાગૃત અવસ્થામાં કંચનસીંહ શંકર ભગવાનને જોતા થઈ ગયા. એમના કુટુમ્બ સમક્ષ એ આખો દીવસ શંકર-પાર્વતીની જ વાતો કરતા. એવામાં ટી.વી. ઉપર ‘મહાદેવ’ ટી.વી. શ્રેણી શરુ થઈ અને કંચનસીંહને ભાવતું મળી ગયું, એમનું આખું કુટુમ્બ દરરોજ રાત્રે આ સીરીયલ જોવા માંડ્યા. સીરીયલમાં પાર્વતી શંકરને આજીજી કરે છે. શંકર પહેલાં તો પાર્વતીને ધુત્કારી કાઢે છે; પણ પાર્વતી સાચા દીલથી શંકર ભગવાનની આરાધના કરે છે અને તપ કરે છે. અન્તે શંકર ભગવાન પ્રસન્ન થયા અને પાર્વતીને અપનાવી લીધી. બન્નેનાં લગ્ન થાય છે.

કંચનસીંહનું કુટુમ્બ પણ અન્ધશ્રદ્ધાળુ છે એનાં વૃદ્ધા બાથી માંડીને એની પત્ની તથા બાળકો એનો પડ્યો બોલ ઝીલે છે. એના બા કહે છે કે હું મરી જાઉં તો શંકર ભગવાનની સાથે તારા પીતાને પણ મળી શકું. એટલે આ નીર્વાણમાં મનેય સાથે રાખજે. પુત્રી પણ કહે છે કે મારે પણ પાર્વતીજીનાં દર્શન કરવાં છે; એટલે આપણે સામુહીક રીતે સ્વર્ગે સીધાવવાનું છે. કંચનસીંહ કહે છે કે મેં ત્રણ વખત આપઘાતની કોશીશ કરી; પણ એમાં નીષ્ફળ ગયો. એક વખત તો શંકરના મન્દીરમાં જઈને શીવલીંગ ઉપર મારા રક્તનો અભીષેક કર્યો; પણ તોય હું જીવતો રહ્યો. એકવાર મેં ઈન્જેક્શનમાં હવા ભેળવી લીધી; છતાં હું મર્યો નહીં. હવે નક્કી આપણે સૌએ સામુહીક પુરુષાર્થ કરવો જ પડશે. આમ તો દરરોજ સ્વપ્નામાં હું શંકર-પાર્વતીને જોતો જ હોઉં છું. હવે આપણે એમના પ્રત્યક્ષ દર્શન કરવા છે. કંચનસીંહે સ્વપ્નામાં શંકર ભગવાન સાથે થયેલી વાતચીતનું વર્ણન પણ કર્યું.

આ પછી કુટુમ્બે હવન શરુ કર્યો. એમાં ઘી, જવ, તલ ઉપરાન્ત જાતજાતની વસ્તુઓ હોમી દીધી. કંચનસીંહ ક્યાંકથી તાન્ત્રીક વીધી શીખી આવેલા. એ પણ અજમાવી જોઈ; પણ એની પણ કોઈ અસર ન થઈ. અન્તે એમણે તૈયાર કરાવેલા લાડુ લાવવાનું કહ્યું એમણે ખુલાસો કર્યો કે આ લાડુમાં સાઈનાઈડ ભેળવ્યું છે, એ ખાઈને જરુર આપણે મોક્ષ મેળવીશું. લાડુ પીરસાયા, બધાએ એ ખાધા અને એક પછી એક પાંચેય જણાં ઢળી પડ્યાં. ત્રણ જણાં બચી ગયાં. એમણે ત્રણેયને તાત્કાલીક હૉસ્પીટલમાં ખસેડ્યા. અત્યારે એ ત્રણેય જણા હૉસ્પીટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે. દરમ્યાન કંચનસીંહનો મનસુબો પામી ગયેલો એનો ભાઈ ઘરેથી ભાગી ગયો. કંચનસીંહ એને સ્ટેશને ગાડીમાં બેસાડીને પાછા આવી ગયા.

આ સમગ્ર કીસ્સો ચોંકાવનારો છે. આ કીસ્સો ટી.વી. ઉપરની સીરીયલ જોઈને બન્યો. મતલબ કે ટી.વી. ૨૧મી સદીનું પ્રબળ અસરકારક માધ્યમ છે. તો પછી પ્રશ્ન એ છે કે અન્ધકાર યુગને યાદ કરાવે એવો આ કીસ્સો કેમ બન્યો ? પડોશીઓના કહેવા મુજબ કંચનસીંહ છેલ્લા કેટલાક સમયથી અલુફ એટલે કે એકલા પડી ગયેલા. સમાજ સાથેનો સમ્બન્ધ એમણે તોડી નાંખેલો. આખો દીવસ કુટુંબ સાથે જ ગાળતા. આ સમગ્ર ઘટના એટલા માટે બહાર આવી કે એમણે પોતે એક વીડીયો કૅમેરો મુકીને એનું રેકૉર્ડીંગ કરેલું. ઘટના પછી આ રેકૉર્ડીંગ પોલીસના હાથમાં આવ્યું અને પોલીસના હાથમાંથી એક ટી.વી. ચેનલના હાથમાં આવી ગયું. ટી.વી. ચેનલે આ રેકૉર્ડીંગ સતત બે કલાક બતાવ્યું અને પરીણામે દેશભરમાં એની ખબર પડી ગઈ. એ દીવસે તો બીજી કોઈ ચેનલ ઉપર એની નોંધ ન લેવાઈ; પણ બીજે દીવસે બધી ચેનલોએ એ સમાચારને ચમકાવ્યા.

ચેનલે બે કલાક ચર્ચા ચલાવી એમાં ચાર સાધુસન્તોને હાજર રાખેલા. ઉપરાન્ત જબલપુરના દેશમુખ નામના એક રૅશનાલીસ્ટ મીત્રનો પણ વારંવાર અભીપ્રાય લેતા. દેશમુખે સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે : ‘આવી ઘટનાઓ ધર્મને લીધે જ બને છે. આપણા દેશમાંથી ધર્મ નાબુદ થાય અને આપણે વૈજ્ઞાનીક અભીગમ અપનાવીએ તો આવું બને જ નહીં.’ સાધુઓનું કહેવું હતું કે : ‘આવી ઘટનાઓ ધર્મને લીધે નહીં; પણ ધર્મના ખોટા અર્થઘટનને કારણે બનતી હોય છે.’ એક સાધુએ તો ત્યાં સુધી કહ્યું કે : ‘આજના કેટલાક કથાકારો પોતાની કથાઓમાં ચમત્કારને જોડી દે છે.’ એક સાધુએ તો કથામાં ત્યાં સુધી કહેલું કે : ‘શંકર-પાર્વતીના વીવાહ વખતે હું ત્યાં હાજર હતો.’ દરેક વખતે રૅશનાલીસ્ટ મીત્રનું કહેવું હતું કે : ‘ધાર્મીક કથાઓ થાય છે એટલે જ એના સાચા કે ખોટા અર્થઘટનનો પ્રશ્ન ઉદ્ ભવે છે. ટી.વી. ઉપર પણ આવી ધાર્મીક સીરીયલો બંધ કરવી જોઈએ અને કથાકારોને પણ ફરજ પાડવી જોઈએ કે ધાર્મીક કથાઓમાં વૈજ્ઞાનીક અભીગમ અપનાવો.’ મોરારીબાપુ છેલ્લે છેલ્લે આમ કરતા થયા છે એની પણ નોંધ લેવી ઘટે.

પાછળથી પોલીસે જણાવ્યું હતું કે પરીવારના વડા કંચનસીંહ અન્ધશ્રદ્ધામાં ખુબ જ વીશ્વાસ ધરાવતા હતા. ગંગાપુરમાં નાગીયા કોલોની ખાતે એમનું મકાન છે. કંચનસીંહ અવારનવાર પોતાના ઘરમાં હવન કરાવતા હતા. એમને શીવજીમાં અતુટ શ્રદ્ધા હતી. મહાદેવ સીરીયલ જોઈને એમની શ્રદ્ધા મજબુત બની. એમણે બધાએ શીવજી પ્રગટ થાય એ માટે લોહીથી સ્નાન પણ કર્યું હતું અને ભગવાનને આહુતી આપી હતી. એમણે લોહીથી પાંચસો વાર અભીષેક કર્યો અને એકત્રીસસો તીલક કર્યાં; છતાં શીવજી પ્રગટ ન થયા એટલે ઝેર ગટગટાવ્યું. હવનમાં એમનાં પત્ની નીલમ, માતા ભગવતીદેવી, પુત્ર પ્રદ્યુમ્ન, દીપસીંહ અને દીપસીંહના પુત્ર લવસીંહનો ભોગ લેવાઈ ગયો. દીપસીંહ દીલ્હીથી હવનમાં ભાગ લેવા ખાસ આવેલા. તેઓ દીલ્હી એમ.એન.સી.માં નોકરી કરે છે. રશ્મી પોતે દીલ્હીમાં બી.એ.માં ભણે છે; પણ આવી અન્ધશ્રદ્ધામાં માનતી ન હોવાથી હવનના થોડા દીવસ પહેલાં જ દીલ્હી જતી રહી હતી એની સાથે એનો ભાઈ પ્રદીપ પણ દીલ્હી જતો રહ્યો.

છેલ્લાં ઘણાં વરસોથી આપણે ત્યાં ધાર્મીક કથાકારો પણ વધી ગયા છે. આ કથાકારો જાહેરમાં સરકારને પડકાર ફેંકે છે. અત્યારે મહારાષ્ટ્રમાં મરાઠવાડા વીસ્તારમાં ભીષણ દુષ્કાળ પ્રવર્તે છે અને પાણીની કારમી તંગી વર્તાય છે. આમ છતાં આશારામ બાપુએ નાગપુરમાં હજારો લીટર પાણીથી હોળી ખેલી. જ્યારે મહારાષ્ટ્ર સરકારે આની સામે લાલ આંખ કરી ત્યારે આશારામ બાપુએ ગર્જના કરી કે હું ગમે ત્યારે અને ગમે ત્યાં ચમત્કાર કરીને ભારે વરસાદ વરસાવી શકું છું. આપણે એમને પુછી શકીએ કે જો આમ જ હોય તો તમે મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની કારમી તંગી છે ત્યાં વરસાદ કેમ વરસાવતા નથી ?

 ન્યુટન ઉપરાંત આઈનસ્ટાઈન જેવા વૈજ્ઞાનીકોએ કરેલા પુરુષાર્થને પરીણામે પશ્ચીમની પ્રજામાં વૈજ્ઞાનીક અભીગમ આવી ગયો છે. એની શરુઆત ગેલીલીયો, કોપરનીક્સ, સ્પીનોઝા જેવા વૈજ્ઞાનીકોએ કરેલી એમણે અનેક મહાન સત્યો શોધી કાઢ્યાં અને દર્શાવ્યું કે પૃથ્વી ચોરસ નહીં; પણ ગોળ છે. બીજુ સત્ય એ બહાર આવ્યું કે સુર્ય પૃથ્વીની આસપાસ નહીં; પણ પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે. આ નવાં સત્યો શોધવા બદલ આ વૈજ્ઞાનીકોને જેલમાં પુરવામાં આવ્યા. કોઈની આંખો ફોડી નાંખવામાં આવી, તો કોઈને જીવતાં બાળી નાંખવામાં આવ્યા; પણ યુરોપની પ્રજાની ખુબી જુઓ કે પોપ પોલે અનેક વખત એ વૈજ્ઞાનીકો ઉપર થયેલાં જુલમો બદલ પ્રજાની માફી માંગી છે. ગ્રહો અને ઉપગ્રહોની તથા આકાશગંગાની શોધખોળ પણ ચાલુ જ છે. નેપચ્યુન અને પ્લુટો પછી બીજા અનેક ગ્રહો શોધાઈ ચુક્યા છે. આમ જ્યોતીષશાસ્ત્રનો પાયો જ ખળભળી ઉઠ્યો છે. છતાં આપણે બધાં કામ મુહુર્ત જોઈને જ કરીએ છીએ. મોટાભાગનાં લગ્નો પણ કુંડળી અને ગ્રહો મુજબ થાય છે. કોઈને સુઝતું નથી કે જો કુંડળી મુજબ લગ્નો થતાં હોય અને સાચી રીતે થતાં હોય તો દેશમાં એક પણ છુટાછેડાનો કીસ્સો બનવો જ ન જોઈએ; પણ આપણે ત્યાં આવા કીસ્સા બને છે. આપણે સમજવું જોઈએ કે સુર્ય, ચંદ્ર અને બીજા ગ્રહો અને ઉપગ્રહો ધુળ અને ખડકો સીવાય કાંઈ નથી. એમની ગતી અને પરીભ્રમણ ગુરુત્વાકર્ષણના આધારે ચાલે છે. આપણા ભવીષ્ય ઉપર એની કોઈ અસર નથી. લગ્નના રીવાજ દેશે દેશે જુદા જુદા હોય છે. પશ્ચીમના દેશોમાં છુટાછેડાનું ચલણ સામાન્ય થઈ ગયું છે. ત્યારે આપણે ત્યાં એવું નથી. આમાં ગ્રહોનો પ્રશ્ન ક્યાં આવ્યો ? આપણે ગ્રહોને દૈવીક તત્ત્વ સાથે જોડી દઈએ છીએ. હજારો વર્ષ પહેલાં આ સાચું હતું; પણ આજના જમાનામાં નાગને દેવ માનીને એની પુજા કરીએ એ એક જાતનો વહેમ જ છે.

બ્રહ્માંડમાં દીશા નથી કે સમય પણ નથી. આ બધું પૃથ્વી, ચંદ્ર અને સુર્યની ગતી મુજબ નક્કી થાય છે. ભારતમાં દીવસ હોય છે ત્યારે અમેરીકામાં રાત હોય છે. સમય અને દીશા તો માણસે પોતાની અનુકુળતા માટે શોધી કાઢ્યાં છે.
જો લોકો ધર્મનો સાચો અર્થ સમજતા થાય અને એમાંથી અન્ધશ્રદ્ધા કાઢી નાખે તો કોઈ વાંધો જ ન રહે. પૌરાણીક કથાઓમાંથી પણ એનો મર્મ સમજીને ચમત્કારો કાઢી નાખવા જોઈએ. ચમત્કારો એ પ્રતીક છે. શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર હોય કે શ્રીરામનું બાણ હોય; આ બધાં એમની શક્તીનાં પ્રતીક હતાં. એને એ રીતે જ સમજવાં જોઈએ. ગુલઝારે મીરાંબાઈના જીવન ઉપરથી ‘મીરાં’ નામનું ચલચીત્ર બનાવ્યું ત્યારે સીફતથી મીરાંના જીવનના બધા ચમત્કારોને કાઢી નાખ્યા હતા. મોટાભાગની ગુજરાતી ફીલ્મો ચમત્કારોથી ભરેલી હોય છે. એને લીધે સૌરાષ્ટ્રનો સમાજ અન્ધશ્રદ્ધામાં વીશ્વાસ રાખતો થઈ ગયો છે. સૌરાષ્ટ્રની અઢળક લોકકથાઓમાં ચમત્કારોના અનેક પ્રસંગો પડેલા છે. એને રૅશનાલીઝમની ચાળણીમાંથી ચાળીને પથ્ય બનાવવી જોઈએ. અત્યારે આપણો મહાપ્રશ્ન વીજ્ઞાન અને ટેકનૉલૉજીની પ્રગતીનો છે. દેશના ૭૦ ટકા લોકો ગામડાંમાં વસે છે. ગામડાંની પ્રજામાં જાગૃતી લાવીએ તો અનેક જીન્દગીઓ બચી જાય.

-યાસીન દલાલ

‘ગુજરાત સમાચાર’, દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીન દલાલની વીચાર વીહાર નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા.06 એપ્રીલ, 2013ના અંકમાંથી ડૉ. યાસીન દલાલના અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના સૌજન્યથી સાભાર…

સમ્પર્ક: ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ – 360 007 ફોન: (0281-257 5327) .મેઈલ: yasindalal@gmail.com

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભસંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન: Govind Maru, 405, Evaz Apparel (Krishna) Apartments, B Wing, Opp. Ayyappa Temple, Sector 12 A, Bonkode, KOPARKHAIRNE. Navi Mumbai – 400709 સેલફોન: 8097 550 222 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 12042013