મુરજી ગડા

આપણી આસપાસની દુનીયા કુદરતી કે માનવસર્જીત ?

આપણી આસપાસની દુનીયા

કુદરતી કે માનવસર્જીત ?

–મુરજી ગડા

આપણા જીવનમાં કુદરતી કેટલું છે અને માનવસર્જીત કેટલું છે એની વાત કરીએ તે પહેલાં કુદરત વીશે થોડું જાણવું જરુરી છે. અહીં કુદરત એટલે ભૌતીક જગતની ચર્ચા કરવામાં આવી છે. આધીભૌતીક (Metaphysical) એટલે કે ભૌતીક ન હોય એવા આધ્યાત્મીક જગતની ચર્ચા કરવામાં આવી નથી.

સાવ સાદી ભાષામાં કહેવું હોય તો, આપણી આસપાસ જે પણ કઈં દેખાય છે એમાંથી જે માનવસર્જીત નથી તે બધું કુદરતી છે. કુદરતને આપણે ઓછામાં ઓછા ચાર સ્વરુપે તો જાણીએ અને અનુભવીએ છીએ. પહેલું સ્વરુપ પદાર્થનું છે. એમાંથી ઘણું આપણને દેખાય છે અને ઘણું દેખાતું નથી. ન દેખાવાનું કારણ આપણી દૃષ્ટીમર્યાદા છે. અતી સુક્ષ્મ હોય કે અતી દુર હોય તે પદાર્થ આપણી દૃષ્ટીમર્યાદાની બહાર હોવાથી આપણા માટે તે અદૃશ્ય બની જાય છે. જો કે નવા શોધાયેલા યંત્રો વડે ઘણી અદૃશ્ય વસ્તુઓ હવે દૃશ્ય બની રહી છે, છતાં ઘણી વસ્તુઓ આપણા માટે હજી પણ અદૃશ્ય છે. બીજું સ્વરુપ ઉર્જાનું છે. એમાંથી એક પ્રકાશ દૃશ્ય છે. ગરમી, અવાજ, વીજ–ચુમ્બકીય વગેરે બીજા ઉર્જાના સ્વરુપ છે જે દૃશ્ય નથી; પણ અનુભવી શકાય છે. જનસામાન્યમાં ઓછાં જાણીતાં કુદરતનાં બીજા સ્વરુપો છે, પદાર્થો અને ઉર્જાના ગુણધર્મ,  કુદરતના નીયમો, એને લીધે સર્જાતાં બળ વગેરે. આ બધું ભૌતીક જગત છે. આ સીવાય હજી થોડાં કુદરતી તત્ત્વો અને શક્તીઓ છે એમાં આપણે અત્યારે ન જઈએ.

ભારતમાં ઘર કરી ગયેલી બેહદ અન્ધશ્રદ્ધા પાછળનું મુખ્ય કારણ વૈજ્ઞાનીક માહીતી અને એને લીધે આવતી વૈજ્ઞાનીક વીચારસરણીનો અભાવ છે. વીજ્ઞાન એ કુદરતને, એમાં નીયમીત, અવારનવાર તેમ જ ક્વચીત બનતી કુદરતી ઘટનાઓને, તેમ જ એમની પાછળના કારણોને, એની શક્તીને, એના અનાદરના પરીણામોને સમજવાનું શાસ્ત્ર છે. એ બધું જ્યારે બરાબર સમજાઈને મગજમાં ઉતરવા લાગે છે ત્યારે આપણામાં વૈજ્ઞાનીક અભીગમ આવ્યો એમ કહેવાય. એવું જ્યારે થાય ત્યારે અન્ધશ્રદ્ધા આપોઆપ ઓછી થતી જાય છે. અને આપણી આસપાસની ભૌતીક દુનીયા સાચે જ કેવી છે, શું છે વગેરે સમજાવા લાગે છે. એનું સૌથી પહેલું એક સારું પરીણામ એ આવે છે કે દૈવી શક્તીઓ ધરાવવાના દાવા કરતા લેભાગુઓથી આવી વ્યક્તી પોતાને બચાવી શકાય છે.

પ્રાચીન અને મધ્યયુગમાં આ ભૌતીક જગત વીષે બહુ ઓછી જાણકારી હતી. જે નરી આંખે દેખાતું હતું તેના પરથી જે દેખાતું નહોતું એના વીશે જાતજાતની, સાચી ઓછી અને ખોટી વધુ, એવી કલ્પનાઓ કરવામાં આવી હતી. બ્રહ્માંડની વીશાળતાનો ખ્યાલ ન હોવાથી એ બધી કલ્પનાઓ માણસની ત્યારની સમજ પુરતી મર્યાદીત હતી. વીજ્ઞાનના વીકાસ પછી આ બધું બદલાવા લાગ્યું છે. ખાસ કરીને છેલ્લા સો વરસમાં ભૌતીક જગત વીષે ઘણું વધારે જાણવા મળ્યું છે.

આપણા જીવનમાં કુદરતી અને માનવસર્જીત કેટલું છે અને શું છે એને થોડા ઉંડાણમાં તપાસીએ. મોટા શહેરોમાં નજર ફેરવો ત્યાં બધુ જ માનવસર્જીત હોય એવું જણાય છે. આપણા ઘરો, ઘરમાંના સાધનો, રસ્તાઓ, વાહનો વગેરે લગભગ બધુ જ માનવસર્જીત છે એ ખરું. જો કે એ સર્જન કુદરતી તત્ત્વો અને પદાર્થોમાંથી કરવામાં આવ્યું છે. એ બનાવવા માટેની જરુરી ઉર્જા પણ કુદરતી છે. એના ઉપભોગમાંથી થતો કચરો કુદરતી રચનાઓમાં ઠલવાય છે. આ બધુ જ કુદરતી છે તો પછી માનવસર્જીત શું છે?

આપણી આસપાસ જે પણ માનવસર્જીત છે એની શરુઆત માનવમગજમાં આવેલા વીચારથી થાય છે. માણસે પોતાની બુદ્ધી વાપરીને આ બધા કુદરતી તત્ત્વોનો ઉપયોગ કરી પોતાનું જીવન વધુ સગવડવાળું કર્યું છે. આગળ જણાવેલી બધી વસ્તુઓ મુર્ત છે, એ વાસ્તવીક છે એટલે સત્ય પણ છે.

માનવ માત્ર મુર્ત વસ્તુઓ માટે જ પોતાનું મગજ વાપરે છે એટલું નથી. આપણા જીવન સાથે વણાયેલી કેટલીયે અમુર્ત બાબતો, દેખાતી ન હોય એવી બાબતો પણ માનવ મગજની જ પેદાશ છે. એમાંથી કેટલીક જરુરી છે, કેટલીક બીનજરુરી છે અને કેટલીક ચર્ચાસ્પદ છે.

અમુર્ત એવી જરુરી બાબતોની વાત કરીએ તો આપણા માટે ખુબ જરુરી એવી પૃથ્વી પરની સમયગણના, દીશાઓ વગેરે માનવ મગજનું જરુરી સર્જન છે, તે ઉપયોગી છે અને તેમાં કુદરતી પદાર્થ, ઉર્જા વગેરે કઈં વપરાયું પણ નથી. આ ઉપરાન્ત આપણા નૈતીક મુલ્યો, સમાજરચનાના નીયમ વગેરે ઘણુ બધુ અમુર્ત અને જરુરી સર્જન છે. આ બધુ કરનાર માણસોના આપણે ઋણી છીએ. જ્યારે બીજી બાજુ ઉંચનીચના ભેદભાવ, રંગ, જાતી, ધર્મ પર આધારીત ભેદભાવ સાવ બીનજરુરી છે. આ બધુ પોતાનો સ્વાર્થ સાધનાર લોકોની કરણી છે. તે સીવાય ઘણી વધારે બાબતો એવી છે જે ચોક્કસપણે જરુરી કે બીનજરુરી કહી શકાય એમ નથી. એમા આવે છે આપણી કેટલીક પરમ્પરાઓ, માન્યતાઓ, કલ્પનાઓ વગેરે વગેરે.

કુદરતના નીયમ અફર છે. કોઈની ઈચ્છા પ્રમાણે પોતાના કે અન્ય કોઈના લાભ માટે તે જાદુ, મન્ત્ર, શ્રાપ કે આશીર્વાદથી બદલાવી શકાતા નથી. કુદરતના નીયમો સમજવાના શાસ્ત્રને વીજ્ઞાન કહે છે. એટલે વીજ્ઞાન એક સ્વતન્ત્ર વીષય બને છે. વીજ્ઞાનને બીજા કોઈ વીષય સાથે વીવાદ નથી. વીજ્ઞાન વીષે જે પણ વીવાદ ઉભા થયેલા છે તે અન્ય ક્ષેત્રના લોકો દ્વારા સમાજમા પોતાનું વીશીષ્ટ સ્થાન જાળવી રાખવાના હેતુથી ઉભા કરાયેલા વીવાદ છે.

વૈજ્ઞાનીક શોધખોળોમાં કેટલાંક ની:શક સાબીત થયેલાં તથ્યો અને નીયમો છે, જ્યારે થોડા હાયપોથીસીસ/અનુમાન પણ છે. જે અત્યાર સુધી મળેલી માહીતીના આધારે બાંધવામાં આવેલું અનુમાન છે. એમાં ક્યારેય પણ તુક્કા કે ગપગોળા નથી હોતા. વીજ્ઞાન પણ ઉત્ક્રાંતી પામી રહ્યું છે. એની પાસે દરેક વીષયનું સમ્પુર્ણ જ્ઞાન હોવાનો દાવો કોઈ કરતું નથી. જ્યારે નવી અને વધારે ચોક્કસ માહીતી મળે છે ત્યારે વૈજ્ઞાનીક જગત ખુલ્લા મને તેનો સ્વીકારે છે અને પોતાની જુની થીયરીમાં જરુરી ફેરફાર પણ કરે છે. સાથે એ રજુ કરનારનું યોગ્ય સન્માન થાય છે, એમનો વીરોધ નથી થતો. સત્યશોધનના રસ્તે જરુર પડ્યે જુની માન્યતાઓ છોડતાં જવું પડે છે. તો જ સાચું  જ્ઞાન પ્રાપ્ત થાય. એ તો એરણ પર ઘડાઈ સતત તીક્ષ્ણ થતું ઓજાર છે. એ નવા પ્રવાહોને પોતામાં સમાવતું વહેતું પાણી છે. બન્ધીયાર પાણી કરતાં કુદરતી રીતે વહેતું પાણી હમ્મેશાં વધારે શુદ્ધ હોય છે.

વીજ્ઞાનના નીયમોનો ઉપયોગ કરી આપણું જીવન સગવડભર્યું કરનારા સાધન બનાવવાની પ્રક્રીયાને ટૅકનોલોજી કહે છે. એનો લાભ આપણે સતત મેળવી રહ્યા છીએ છતાં પણ વીજ્ઞાનનો વીરોધ થતો રહે છે. આ એક દુ:ખદ બાબત છે.

–મુરજી ગડા

વડીલ શ્રી. મુરજી ગડાએ મારા અભીવ્યક્તી બ્લોગ માટે ખાસ આ લેખ મને મોકલ્યો તે બદલ હું એમનો ખુબ ખુબ આભાર માનું છું.   ..ગોવીન્દ મારુ..

લેખક સમ્પર્ક :  

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન : 972 679 9009  ઈ–મેલ : mggada@gmail.com

અભીવ્યક્તીઈ.બુક્સ વીશે :

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી વેબસાઈટ ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads પર, ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ ‘લેક્સિકોન’ http://www.gujaratilexicon.com/ebooks/ તેમ જ વીશ્વભરની વીવીધ ભાષાઓમાં 25 મીલીયનથી વધુ પુસ્તકો અને મેગેઝીનો ધરાવતી ‘ઈસુ’ https://issuu.com/ વેબસાઈટ પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે.

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ…

 

મુરજી ગડા

શોધ કોને કહેવાય ?

–મુરજી ગડા

થોડા સમયથી ભારતના પ્રાચીન કાળની વૈજ્ઞાનીક સીદ્ધીઓ વીશે ઘણુ સાંભળવા અને વાંચવા મળે છે. એમાનું કેટલું સાચું હોઈ શકે અને કેટલું ઉપજાવી કાઢેલું હોઈ શકે એ જાણવું અને સમજવું જરુરી છે. એના માટે સૌથી પહેલાં વૈજ્ઞાનીક જગત શોધ કોને ગણે છે તે સમજીએ. આપણને શોધ લાગતી કોઈ બાબત વૈજ્ઞાનીકજગતને શોધ ન પણ લાગતી હોય. એક ચોખવટ કરવી છે કે, આ લેખમાં વૈજ્ઞાનીક સીદ્ધીઓની વાત પર ભાર મુકવામાં આવ્યો છે. અન્ય ક્ષેત્રની સીદ્ધીઓનો માત્ર અછડતો ઉલ્લેખ કર્યો છે. એમની શોધ બાબત આટલાં ચોક્કસ માપદંડ નથી હોતાં.

અંગ્રેજીમાં બે શબ્દો છે; ડીસ્કવરી (Discovery) અને ઈન્વેન્શન (Invention). આ શબ્દોના ચોક્કસ અર્થ થાય છે. જે મોજુદ છે પણ આપણી જાણમાં નથી તે ખોળી કાઢવાની કે શોધવાની ક્રીયાને ‘ડીસ્કવરી’ કહે છે. જે વસ્તુનું અસ્તીત્વ જ નથી તેને બનાવવાની ક્રીયાને ‘ઈન્વેન્શન’ કહેવાય છે. ગુજરાતીમાં આ બન્ને ક્રીયાઓ માટે એક જ શબ્દ છે. તે છે શોધ. આ લેખના સન્દર્ભમાં બીજો એક અગત્યનો શબ્દ સમજવો પણ જરુરી છે. તે છે ‘અવલોકન’ (Observation). આ ત્રણેય શબ્દોને ધ્યાનમાં રાખીને આપણે શોધ કોને કહેવાય અને ક્યારે થઈ કહેવાય, એ વાત જુદાં જુદાં ક્ષેત્રના દાખલા વડે સમજવાની કોશીશ કરીએ.

આપણી જાણમાં છે એવી દુનીયાની બધી સંસ્કૃતીઓ 12,000–13,000 વરસથી વધારે પુરાણી નથી. ત્યારે છેલ્લા હીમયુગનો અન્ત આવ્યો હતો. માણસ સારા અને ફળદ્રુપ વસવાટની શોધમાં વીષુવવૃત્તથી દુર જવા લાગ્યો હતો. એટલે સ્થાયી સંસ્કૃતીની શરુઆત વધુમાં વધુ 10,000 વરસ પહેલાં થયેલી મનાય છે. હીમયુગ પહેલાંની સંસ્કૃતીઓના નામના જ અવશેષ જોવા મળે છે.

સંસ્કૃતીઓના શરુઆતના વર્ષોમાં માણસને કુદરતી ઘટનાઓની ખાસ સમજ નહોતી. જો કે એનું મગજ વીકસ્યું હોવાથી એ એનો ભરપુર ઉપયોગ કરવા લાગ્યો હતો. ત્યારની માણસની બધી પ્રવૃત્તીઓ દીવસના અજવાળામાં થતી હતી. અંધારું થયા પછી એના માટે માત્ર એક જ પ્રવૃત્તી શક્ય હતી – આકાશદર્શનની. આ વીષય એના માટે ખુબ કુતુહલનો હોવાથી શોધખોળોની બાબતમાં અગ્રીમ હતો.

આકાશદર્શનમાં સૌથી જુદી તરી આવતી ઘટના એટલે ચન્દ્રની વધતી–ઘટતી કળા, એના ઉગવા આથમવાનો ચોક્કસ રીતે બદલાતો સમય વગેરેને જાહેર અવલોકન કહેવાય. અનાયાસે થતા કે પછી જાહેર અવલોકનને શોધ ન કહેવાય; કારણ કે તે બધાને જ દેખાય છે, સમજાય છે અને જાણીતી છે. એમાં કંઈ નવું નથી કહ્યું. વધારે ધીરજવાળા લોકોએ તારાઓનું નીરક્ષણ કરીને જાણ્યું કે તારાઓ પણ આકાશમાં રોજ થોડા મોડા ઉગે છે(આજની ચાર મીનીટ જેટલા); પણ એકબીજાની સરખામણીએ પોતાનું સ્થાન જાળવી રાખે છે. શરુઆતમાં એમણે જુદાજુદા તારાઓના સમુહોને એમની આછીપાતળી આકૃતી પ્રમાણે નામ આપ્યાં(જેને આજે આપણે રાશીઓ કહીએ છીએ). દરેક પ્રાચીન સંસ્કૃતીના લોકોએ એમની ત્યારની સમાજવ્યવસ્થાના આધારે એ નામ પસન્દ કર્યાં હતાં. આજે જો કોઈને આ તારાવૃન્દોનાં નામ પાડવાનું કહેવામાં આવે તો એને ‘હરણ’ કે ‘આખલા’ને બદલે ‘મોટરસાયકલ’ દેખાશે અને ‘સપ્તર્શીના પતંગ’ને બદલે કદાચ ‘ટીવી’ કે ‘મોબાઈલ’ દેખાશે.

આપણી આસપાસ માનવસર્જીત જે પણ દેખાય છે તેની શરુઆત માણસના મગજમાં આવેલા વીચારથી થઈ છે. વીચાર અવલોકનને પ્રેરે છે. માનવસમાજનું બધું જ્ઞાન ત્યાંથી શરુ થાય છે અને થયું છે; પણ ત્યાં પુરું થતું નથી. જેણે વધુ બારીકાઈથી આકાશનું અવલોકન કર્યું એને પાંચ અવકાશી પુંજોની ભ્રમણકક્ષામાં કંઈક અનીયમીતતા દેખાઈ. એમનું આકાશમાં સ્થાન નીયમીતપણે બદલાતું હતુ. એમણે એમને તારાને બદલે ગ્રહ/ પ્લાનેટ કહ્યા. (ગ્રીક ભાષામાં પ્લાનેટ એટલે રખડુ.)   અવકાશ વીશેની આનાથી વધુ સમજ ત્યારે કોઈને નહોતી. તારા અને ગ્રહો વચ્ચે માત્ર એટલો જ ફરક ગણાતો. આને ગ્રહોની શોધ કરી એમ કહી શકાય ? જો એને શોધ ગણીએ તો એનો યશ કોને અપાય ? એ તો બધી જ સંસ્કૃતીઓએ સ્વતન્ત્ર રીતે ગ્રહોને ઓળખીને પોતાનાં મનગમતાં નામ પણ આપ્યાં હતાં. કોઈ એકને તો એનો યશ ન જ અપાય. (છેલ્લા બે ગ્રહ તો નરી આંખે દેખાતા પણ નથી.)

ગ્રહો સાચે જ શું છે એની ખબર તો ઠેઠ સોળમી સદીમાં પડી છે. પૃથ્વી પણ એક ગ્રહ માત્ર હોવાની ખબર પણ ત્યારે જ પડી. ગ્રહોની શોધનું શ્રેય નીકોલસ કોપર્નીકસ, જોહનીસ કેપલર, ટાઈકો બ્રાહા અને ગેલેલીઓ ગેલેલાઈને સયુંકત રીતે અપાય છે. જો કે દરેકનું યોગદાન અલગ અલગ કારણોસર છે. એના ઉંડાણમાં ન જઈએ.

1)  આજે આપણને ખબર છે કે તારા અને ગ્રહ સાવ અલગ પદાર્થ છે. તારા સ્વયંપ્રકાશીત છે જ્યારે ગ્રહો સ્વયંપ્રકાશીત નથી. તારાઓ કરતાં ગ્રહો ઘણા નાના છે. તેઓ કોઈ એક તારાની પ્રદક્ષીણા કરતા હોય છે વગેરે વગેરે. આપણને દેખાતી ગ્રહોની વીશીષ્ટ ભ્રમણકક્ષાનું સાચું કારણ પણ ખબર છે. સુર્યમંડળના ગ્રહોનું બંધારણ, કદ, સુર્યથી અન્તર વગેરે બધી માહીતી એમનું અવલોકન તેમ જ ગણીતની મદદથી શક્ય બની છે. આમાંની કેટલીક માહીતી ઠેઠ વીસમી સદીમાં મળી છે. ગ્રહો પરનું સંશોધન હજી ચાલુ જ છે. એટલે આવી ઉંડાણભરી શોધનું શ્રેય ચોક્કસ વ્યક્તીને આપી શકાય છે.

2)  ઘણી જાણીતી અને ચર્ચાયેલી લાઈટ બલ્બની શોધને તપાસીએ. કહેવાય છે કે લાઈટ બલ્બ શોધવા માટે થોમસ એડીસનને એક હજારથી વધારે પ્રકારના પ્રયોગ કરવા પડ્યા હતા. એના એક મીત્રે પુછ્યું પણ હતું કે આટલી બધી નીષ્ફળતાઓ છતાંય તે કેમ હજી હાર સ્વીકારતો નથી ?  એડીસનનો જવાબ પણ પ્રખ્યાત થયો છે. એના શબ્દો હતા : “આ નીષ્ફળતાઓ નકામી નથી. હવે મને અને જગતને ખબર પડી છે કે આ જુદી જુદી હજાર રીતે લાઈટ બલ્બ બનાવી ન શકાય”. અન્તે તે માત્ર લાઈટ બલ્બ જ નહીં; પણ બીજી 2,000 જેટલી નાનીમોટી શોધો કરે છે અને એના પરીણામે દુનીયા બદલાઈ ગઈ છે.

3)  આપણા શરીરની અન્દર કયા અવયવો છે, ક્યાં છે, અન્ય પ્રાણીઓ કરતાં કેટલા જુદા છે, તે કયું કામ કરે છે, કેવી રીતે કરે છે, વગેરે બધી બાબતે માણસ અજાણ હતો. મૃત્યુ પછી મૃતદેહને કાં તો બાળી નાખવામાં આવતો હતો કાં તો જમીનમાં દાટી દેવાતો હતો. માનવ શરીરની ચીરફાડ કરવી ધાર્મીક માન્યતાઓની વીરુદ્ધ હતુ. એવું કરનારને ધર્મગુરુ દ્વારા ખુબ આકરી સજા કરવામાં આવતી.

શરીરની અન્દરના અવયવોનો અભ્યાસ કર્યા વગર ચીકીત્સાક્ષેત્ર અધુરું રહેતું હતું.  એટલે બધાં જોખમો ખેડીને પણ, અઢારમી સદીમાં ઈંગ્લેંડના જાંબાઝ ડૉકટરોએ રાતના અંધારામાં કબરો ખોદીને, મડદાઓના શરીર ચીરીને, માનવ શરીરનો અભ્યાસ કર્યો હતો. એમના પ્રતાપે આજે શરીરના દરેક અવયવનું કાર્ય સમજાય છે, ઑપરેશન શક્ય બન્યાં છે અને પરીણામે ઘણી જીન્દગીઓ બચાવી શકાઈ છે. અત્રે ખાસ ઉમેરવાનું કે ઑપરેશન માટે બીજાં કેટલાંય સાધનો, યન્ત્રો, દવાઓ, ઍનેસ્થેસીયા, ઍન્ટીબાયોટીક્સ વગેરે જોઈએ છે જેમનો ફાળો પણ એટલો જ અગત્યનો છે. એને અવગણાય નહીં; છતાંય એની ચર્ચા કરી નથી; કારણ કે આ લેખનો વીષય અલગ છે.

4)   પ્રાચીનકાળ તો શું પણ મધ્યયુગ અને ઠેઠ મોગલયુગ સુધી મોટી બહુમાળી ઈમારતો બંધાતી, સુન્દર કોતરકામ થતું, પણ મોટી બહુમાળી ઈમારતો બનતી નહોતી; કારણ કે ત્યારે છત/ સ્લેબ (slab) બનાવવાની તકનીક શોધાઈ નહોતી. ઈમારતો બાંધવાની અલગ જાતની સીમેન્ટ હતી, ધાતુઓ બનાવવાની આવડતેય હતી; પણ આર. સી. (Reinforced Concrete) બનાવવાની શોધ કોઈએ કરી નહોતી. એના વગર મોટી સાઈઝની સમતળ છત બની શકે નહીં. પુરાણી બધી ઈમારતોને ગુમ્બજ હોય છે(મુસ્લીમ ઈમારતો) કે પછી શીખરો હોય છે(હીન્દુ અને જૈન મન્દીરો). ગુમ્બજ કે શીખર (Self Supporting Structure) પોતાનો ભાર પોતે ઉપાડનાર બાંધકામ છે. જ્યાં છત બનાવવાની જરુર પડી છે ત્યાં પુષ્કળ થાંભલા અને પથ્થરના બીમ લગાવવા પડ્યા છે (ગુજરાતની વાવ). કારણ કે પથ્થરની લંબાઈની મર્યાદા હોય છે અને લાકડાના ટકાઉપણાની પણ મર્યાદા હોય છે. આર. સી.ના સ્લેબ બનાવવા એ પ્રાથમીક તકનીક ગણાય, જે ઠેઠ ઓગણીસમી સદીમાં પશ્ચીમમાં શોધાઈ છે. આજે વપરાતી સીમેન્ટ પણ એ જ અરસામાં શોધાઈ છે.

અત્રે પ્રસ્તુત કરાયેલી ચાર શોધોમાંથી પહેલી શોધ ‘ડીસ્કવરી’ હતી. એના માટે માત્ર અવલોકન અને ગણીતના સમીકરણો પુરતાં હતાં. (આમેય અવકાશી પદાર્થો પર પ્રયોગ શક્ય નથી.) એ શોધાઈ ત્યારે એનું ખાસ કંઈ મહત્ત્વ પણ નહોતું.  જ્યારે બીજી શોધ ‘ઈન્વેન્શન’ બને છે.  એના માટે પુષ્કળ પ્રયોગો કરવામાં આવ્યા હતા. તે ખાસ હેતુસર કરવામાં આવી હતી. ત્રીજી શોધ જેના માટે એ લોકો પોતાની જાનનું જોખમ ખેડતા હતા, તેની શરુઆત ડીસ્કવરીથી થઈ હતી પણ એના ઉપયોગને ‘ઈન્વેન્શન’ કહેવું પડે. ચોથી શોધ વૈજ્ઞાનીક રીતે સામાન્ય ગણાય. એના માટે ખાસ પ્રયોગો કરવાની કે જોખમ ખેડવાની પણ જરુર નહોતી. માત્ર થોડુંક આગળ વીચારવાની જરુર હતી.

કોઈ એક શોધ થાય એટલે એ બાબતનું કામ પુરું થઈ નથી જતું. એક જ ક્ષેત્રની કે યન્ત્રની શોધ તબક્કાવાર પણ થાય છે. કોઈ એક વૈજ્ઞાનીકને પાયાના સીદ્ધાન્તો સમજાયા પછી, અન્ય કોઈ વૈજ્ઞાનીક વધારાના કે વધારે ચોક્કસ સીદ્ધાન્તો શોધે છે. યન્ત્ર હોય તો એને વધારે કાર્યક્ષમ બનાવાય છે. આ ક્રીયા લાંબો વખત ચાલી શકે છે. આજકાલ રોજ બજારમાં આવતા નવા મોબાઈલ આનો શ્રેષ્ઠ દાખલો છે. આટલી ઝડપથી આજ સુધી કોઈ પણ વસ્તુ બદલાઈ નથી.

વૈજ્ઞાનીક શોધો તો હજારો થઈ છે અને સતત થઈ રહી છે. પહેલાના વખતમાં અને અત્યારની શોધોમાં એક મુખ્ય તફાવત એ છે કે ત્યારે એકલદોકલ વ્યક્તીએ શોધો કરી હતી. હજી પણ વ્યક્તીઓજ કરે છે; જો કે તે બધી વ્યક્તીઓ યુનીવર્સીટી અથવા કોર્પોરેશન સાથે સંકળાયેલી હોય છે. સ્વતન્ત્ર રીતે નવી શોધ કરવી એક વ્યક્તી માટે ખુબ અઘરું અને ખર્ચાળ બની ગયું છે.

આ બધી વૈજ્ઞાનીક શોધોનાં દૃષ્ટાંત આપવાનો હેતુ શોધ કોને કહેવાય, કેટલી રીતે થઈ શકે વગેરે દર્શાવવાનો છે. એનું કારણ આપણામાં ઘર કરી ગયેલી એક આદત છે. જ્યારે પણ વીકસીત દેશોમાં કોઈ નવી શોધ થાય છે, ત્યારે છાપામાં અવશ્ય વાંચવા મળે છે કે, ‘આ બધું તો પ્રાચીન ભારતમાં હતું જ. પ્રાચીન ઋષી મુનીઓએ અધ્યાત્મ, ધ્યાન અને તપથી બધું જાણી લીધું હતું. પશ્ચીમના લોકોએ આપણા ગ્રન્થોમાંથી બધું ઉપાડ્યું છે, વગેરે વગેરે..’ મોટા ભાગના લોકો કંઈ પણ વીચાર્યા વગર આ બધું સાચું માની લે છે. આવા ઠાલા પ્રચારથી ભોળવાયા વગર વાસ્તવીકતા શું છે કે શું હોઈ શકે છે તે સમજવાની કોશીશ કરીએ.

વીજ્ઞાન એ કુદરતના નીયમ સમજવાનું શાસ્ત્ર છે. એ સ્થળ અને કાળથી પર છે. કુદરતના નીયમ માત્ર અનાયાસ અવલોકનથી નથી સમજાઈ જતા. અવલોકન એ કુદરતને સમજવાની શરુઆત માત્ર છે. એનો અન્ત નથી. જો કે કોઈ ખાસ કારણસર કરવામાં આવતું અવલોકન કેટલાક સંજોગોમાં શોધ બની શકે છે; પણ દરેક અવલોકન એ શોધ નથી બનતું. મોટા ભાગની કુદરતના નીયમ જાણવાની પ્રક્રીયા ઘણી લાંબી છે. એના માટે અવલોકન (observation), જીજ્ઞાસા (Curiosity), અર્થઘટન (interpretation), વીશ્લેષણ (analysis), ચીન્તન (thinking), પ્રયોગ (experimentation) અને ક્યારેક વીસ્તૃતીકરણ (extrapolation)નો આશરો લેવો પડે છે. માત્ર અવલોકન કરવાથી કે ધ્યાન ધરવાથી બધું જ્ઞાન, ખાસ કરીને કુદરતના નીયમોનું, આવી જતું નથી. પ્રાર્થના, ભક્તી, તપ વગેરેથી સમજવાનો તો કોઈ સવાલ જ નથી. કહેવાતાં દાર્શનીક સત્યો કુદરતના નીયમ સમજવા બાબતમાં ખોટા પડ્યા હોય એવા ઘણા દાખલા મોજુદ છે. વ્યક્તીગત જુજ અપવાદ બાદ કરતાં, પ્રયોગો કરવા જેટલો વીકાસ ભારતીય કે અન્ય કોઈ પણ પ્રાચીન સંસ્કૃતીનો થયો નહોતો. એટલે ભારતના જ નહીં; અન્ય કોઈ દેશના લોકો પોતાની પ્રાચીનતાના મોટા મોટા દાવાઓ કરતા હોય તો તેમને પણ આ વાત લાગુ પડે છે.

ભારતના સન્દર્ભમાં કહીએ તો પ્રાચીનકાળથી મધ્યયુગ સુધીના જીજ્ઞાસુઓ/ વીશારદો/ ચીન્તકો ગણીતમાં આગળ હતા; પણ પદાર્થ વીજ્ઞાન વગેરેમાં અવલોકનથી આગળ વધતા નહોતા. ચીકીત્સાશાસ્ત્ર વીકસ્યું હતું, હાથપગના હાડકા સંધાતા હતા, ઉપરછલ્લી શસ્ત્રક્રીયાયે થતી હતી.  પણ શરીરના અન્દરના અવયવોની સર્જરી શક્ય નહોતી. શરીરથી કપાયેલો કોઈ ભાગ પાછો જોડી શકાય એટલી સર્જરી વીકસી નહોતી. આજે ઘણા અવયવ બદલી શકાય છે, કપાયેલી આંગળી પાછી જોડી શકાય છે; પણ માથું છુટું થઈ ગયું હોય તો એને પાછું જોડી શકાય એટલી હદે હજી પણ સર્જરી વીકસી નથી. ભવીષ્યમાં એવું શક્ય બનવાની શક્યતા પણ ના બરાબર છે. એના માટે જટીલતા અને સમયની મર્યાદા કારણભુત છે.

ભુતકાળમાં ઘણા પ્રકારનાં શસ્ત્રો બનતાં હતાં; પણ એક તીર સીવાય બન્દુક, તોપ જેવા અસ્ત્રો નહોતાં બનતાં. વાહનવ્યવહારમાં પ્રાણીઓના ઉપયોગથી આગળ વધી પાયાના યન્ત્ર જેવી સાયકલ બનાવવા સુધી પણ આગળ વધ્યા નહોતા. વીમાન માત્ર કોઈની કલ્પનામાં જ ઉડતા હતા. વાહનોને જોઈતું ઈંધણ શોધાયું નહોતું. ટુંકમાં, વાહનવ્યવહારના કે સન્દેશવ્યવહારના યાન્ત્રીક સાધનો વીકસ્યાં નહોતાં.

હવે વર્તમાનકાળની વધુ વીકસીત શોધોની વાત કરીએ. વીકસીત દેશોમાંથી ક્લોનીંગની સફળતાના સમાચાર આવ્યા એટલે બીજે જ દીવસે છાપામાં મોટા અક્ષરે સમાચાર છપાયા કે : ‘આપણા દેશમાં તો પહેલેથીજ ક્લોનીંગની જાણકારી હતી. 100 કૌરવો ક્લોનીંગથી જ બન્યા હતા.’ આવા દાવાને બાલીશતા કહેવી પડે. જો ક્લોનીંગ શક્ય હોત તો લાખોની સંખ્યામાં સૈનીકો બનાવી શક્યા હોત અને દેશ કોઈ દીવસ પરદેશી શાસન કર્તાઓના હાથમાં ન આવત.

રાજાશાહીના જમાનામાં પુરી દુનીયામાં બહુપત્નીત્વની પ્રથા હતી. રાજાઓને તો કેટલીયે પત્નીઓ હોય. થોડા સમય પહેલા જ છાપામાં ફોટા સાથે સમાચાર આવ્યા હતા કે આજની તારીખે આફ્રીકાના એક દેશના રાજાને 100થી વધારે પત્નીઓ અને 500 જેટલાં બાળકો છે. હસ્તીનાપુરના રાજા ધૃતરાષ્ટ્રને પણ ઘણી પત્નીઓ હોઈ શકે છે. મહારાણી ગાન્ધારીના દુર્યોધન અને દુ:શાસન એમ માત્ર બે પુત્રો હોવાનું ક્યાંક વાચ્યું છે. બાકીના 98 કૌરવો અન્ય રાણીઓના હોઈ શકે કે હતા. ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો જ કહેવાય. આમ તો કેટલાક લોકો મહાભારતને ઈતીહાસ નહીં; પણ માત્ર વાર્તા જ ગણે છે. આપણે એના વીવાદમાં ન જતાં એટલું જ ધ્યાન રાખવાનું જરુરી છે કે દરેક નવી શોધને પ્રાચીન કાળની વાસ્તવીકતા ગણવાને બદલે આવી વ્યવહારુ અને વધારે તર્કબદ્ધ શક્યતાઓ વીચારીએ/ તપાસીએ તો સારું.

મહાભારતના યુદ્ધ પહેલાં વેદવ્યાસ સંજયને દીવ્યદૃષ્ટી આપે છે. જે લોકો શ્રાપ, વરદાન, મન્ત્ર–તન્ત્ર શક્તી વગેરેમાં માનતા હોય એમના માટે કંઈ કહેવું નથી. જે લોકો એવો દાવો કરે છે કે  દીવ્યદૃષ્ટી એટલે ત્યારે પણ ‘ટીવી’ હતું; એમને પુછવાનું કે ટીવીની બનાવટ, એનું પ્રસારણ વગેરેમાં કેટલાં ઉપકરણો જોઈએ એનો કયારે પણ વીચાર કર્યો છે ? ટીવી તો હમણાં શોધાયું છે. સો વરસ પહેલાંના લોકોને ટીવીની કલ્પના પણ નહોતી; ત્યારે સંજયની દીવ્યદૃષ્ટીને કઈ આધુનીક શોધ સાથે સરખાવતા હશે ? કે પછી ત્યારના લોકોને પ્રાચીનકાળના ભારતની સીદ્ધીઓની વાતો કરતા નહોતા. આજે પણ આપણે  ટીવી પર જે સમાચાર જોઈએ છીએ, તે સમાચાર બનાવના સ્થળ પર ગયેલ કોઈ પત્રકાર અને કૅમેરામૅન મોકલે, ત્યારે જ આપણને દેખાય છે. આપમેળે નથી આવી જતા. બધાને રાજા સુધી જવાની પરવાનગી ન હોય, એટલે સમાચાર સંજય દ્વારા પહોંચતા હશે. રાજા પાસે તો જોઈએ એટલા નોકરચાકર હોય છે. દીવ્યદૃષ્ટીની સરખામણીએ આ વધારે તાર્કીક અર્થઘટન નથી લાગતું ?

આવા તો ઘણા દાખલા આપી શકાય. મુળ હેતુ દાખલા આપવાનો નહીં પણ વાસ્તવીકતા સ્વીકારવાનો છે. વૈજ્ઞાનીક શોધખોળોની બાબતમાં આપણા દરેક દાવાને અલગથી મુલવવો જરુરી છે. એટલે આવા અન્ય અ–વૈજ્ઞાનીક દાવાઓની છણાવટ કરી, દરેક વહેતી મુકાતી સ્વ–મહત્તાની વાતને સાચું માનવા અને મનાવવા કરતાં વ્યવહારુ અને વધુ તાર્કીક શક્યતાઓ સ્વીકારીએ એ આપણા હીતમાં છે.

શોધોની સાથે પ્રાચીનકાળની સીદ્ધીઓ સંકળાયેલી છે એટલે આપણે ત્યારની સીદ્ધીઓને પુરતો ન્યાય આપવો જરુરી બને છે. ઘણાં ક્ષેત્રોની સીદ્ધીઓ આગળ વર્ણવાઈ છે. પ્રાચીન કાળમાં કળા, સાહીત્ય, સંગીત વગેરે ક્ષેત્રોની સીદ્ધીઓ નોંધપાત્ર છે. તે ઉપરાંત  એક અગત્યનું ક્ષેત્ર બાકી રહે છે એની પણ નોંધ લઈએ. કુદરતના નીયમ ભલે અફર હોય; સમાજશાસ્ત્રના નીયમ સમ્પુર્ણપણે આપણા હાથની વાત છે. સમુહમાં શાન્તી અને સહકારથી રહેવા માટે; ધાર્મીક ભાષામાં નીતીશાસ્ત્ર કે તત્વજ્ઞાન કહેવાતા, શાસનવ્યવસ્થામાં કાયદા કહેવાતા, અને સામાજીક ક્ષેત્રે પરમ્પરા કહેવાતા; સમાજશાસ્ત્રના નીયમ/બન્ધન બનાવવા અને સમજવા પ્રમાણમાં સહેલા છે. એમને માત્ર ચર્ચા–વીચારણાથી જ બનાવી શકાય છે. સ્થળ અને કાળ પ્રમાણે તે બદલાય પણ છે. દરેક ક્ષેત્રના ઘણા લોકોએ એમાં પોતાનું યોગદાન આપ્યું છે. ભારતનાં સન્દર્ભમાં પ્રાચીનકાળમાં આ ક્ષેત્રે ઘણું કામ થયું હતું એ ની:શંક છે. આપણે એનો ગર્વ અવશ્ય લઈ શકીએ. જો કે આજના સમયમાં પ્રાચીન કાળની સમાજવ્યવસ્થાની ઉપયોગીતા કેટલી સુસંગત છે તે વળી જુદો જ વીષય છે.

–મુરજી ગડા

લેખક સમ્પર્ક :

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન : 972 679 9009  મેલ : mggada@gmail.com

વડીલ શ્રી. મુરજી ગડાએ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગ માટે ખાસ આ લેખ કરી મોકલ્યો તે બદલ હું એમનો ખુબ આભાર માનું છું. ..ગોવીન્દ મારુ..

‘અભીવ્યક્તીઈ.બુક્સ

મારા બ્લોગના મથાળે  ‘અભીવ્યક્તીઈ.બુક્સ વીભાગ  https://govindmaru.wordpress.com/e-books/   માં અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી પાંચ ઈ.બુક્સ મુકી છે. 2nd ઓગસ્ટ, 2015 દીવસે પ્રકાશીત થયેલી બે ઈ.બુક્સ ‘વીવેકવલ્લભ’ અને ‘વીજયવીવેક’ પણ ત્યાં છે જ..  સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in  પર, પોતાના નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

 ‘રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ એપાર્ટમેન્ટ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી.  પોસ્ટ :  એરુ એ. સી. – 396  450 જીલ્લો : નવસારી. .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ : 11/09/2015

મુરજી ગડા

અન્ધશ્રદ્ધા–શ્રદ્ધા–વીશ્વાસ–રૅશનાલીઝમ

–મુરજી ગડા

અભીવ્યક્તી પર શ્રદ્ધા અને અન્ધશ્રદ્ધા જેવા વીષયો પર ઘણું રજુ થઈ ચુક્યું છે. એમાં વધારો કરવો ઉચીત નથી; પણ છુટથી વપરાતા આવા કેટલાક શબ્દોના અર્થ વીશે થોડી ચોખવટ કરવી જરુરી છે.

શબ્દકોશમાં શ્રદ્ધા અને વીશ્વાસને સમાનાર્થી બતાવ્યા છે, જો કે લોકોને આ બે શબ્દો વચ્ચેના સુક્ષ્મ ભેદની ખબર છે એટલે જ વહેવારમાં બન્ને શબ્દોનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે.  ભલેને આ ભેદને તેઓ સારી રીતે સમજાવી શકતા ન હોય.

સહજ રીતે સાંભળવા મળતાં નીચેનાં બે વાક્યો પર થોડું વીચારીએ : (1) ‘અમારી કામવાળી એટલી ‘વીશ્વાસુ’ છે કે અમે બહાર જઈએ ત્યારે ઘરની ચાવી એને આપી જઈએ છીએ.’ (2) ‘અમારા શેઠને મારા પર એટલો ‘વીશ્વાસ’ છે કે તેઓ બહાર જાય ત્યારે કૅશ રજીસ્ટર/ કાઉંટર મને સંભાળવાનું કહે છે.’ અહીં માલીક અને નોકર બન્નેએ એકબીજા વચ્ચેના સમ્બન્ધના વર્ણન માટે ‘વીશ્વાસ’ શબ્દ વાપર્યો છે, કોઈએ શ્રદ્ધા શબ્દ નથી વાપર્યો. વ્યવહારમાં ખાતરી, વીશ્વાસ વગેરે શબ્દો સહજ રીતે વપરાય છે; જ્યારે ‘શ્રદ્ધા’ શબ્દ મુખ્યત્વે ધાર્મીક માન્યતાઓ માટે વપરાય છે.

શ્રદ્ધા અને વીશ્વાસમાં ફરક છે. વીશ્વાસ એ જાત અનુભવે કે જાહેર અનુભવે કેળવેલ મનોભાવ છે, જ્યારે શ્રદ્ધા એ અનુભવથી નહીં; પણ આશાવાદમાંથી જન્મતો મનોભાવ છે. ત્યાં સુધી બધું ઠીક છે. પરન્તુ માત્ર પરમ્પરાને આધારે કે પછી બીજા કોઈના કહેવાથી, જાતે વીચાર્યા વગર માત્ર શ્રદ્ધાના નામે કોઈ વાત સ્વીકારી લેવાય છે; ત્યારે અનર્થ થવાની શક્યતા ખુબ વધી જાય છે. શ્રદ્ધા એ સત્યશોધનના માર્ગમાં આવતી કાંટાળી વાડ છે. શ્રદ્ધાનો આડેધડ ઉપયોગ કરવો તે સત્ય પર ઢાંકપીછોડો કરવા જેવું છે.

શ્રદ્ધા ઉપરથી બીજો શબ્દ બન્યો છે : અન્ધશ્રદ્ધા અને વીશ્વાસ ઉપરથી બીજો શબ્દ બન્યો છે આત્મવીશ્વાસ. (આત્મશ્રદ્ધા શબ્દ ખાસ ક્યારે પણ સંભળાયો નથી).  અન્ધશ્રદ્ધા શબ્દ નકારાત્મક (નેગેટીવ) ભાવ દર્શાવે છે, જ્યારે આત્મવીશ્વાસ શબ્દ રચનાત્મક/સકારાત્મક (પોઝીટીવ) ભાવ દર્શાવે છે. આના પરથી પણ શ્રધ્ધા અને વીશ્વાસ વચ્ચેનો અર્થ ભેદ જોઈ શકાય છે.

વીશ્વાસ એ જાત અનુભવે કેળવેલ મનોભાવ હોવાથી પહેલા દીવસથી જ નોકર પર વીશ્વાસ રખાતો નથી. થોડા સારા અનુભવો પછી જ વીશ્વાસ બેસે છે. કેટલાક વીશ્વાસ આપણા પોતાના નહીં; પણ બીજાઓના તેમ જ સામુદાયીક અનુભવ પરથી પણ સ્વીકારેલા હોય છે, જેવા કે જાણીતા ડૉક્ટર પરનો વીશ્વાસ, બસ કે ટ્રેનના ડ્રાઈવરની કાબેલીયત પરનો વીશ્વાસ આ પ્રકારમાં આવે છે.

શ્રદ્ધા સાચી ઠરે અને ખોટી પણ ઠરે છે. એ જ રીતે વીશ્વાસ પણ ક્યારેક ખોટો પડે છે. એના માટે ‘વીશ્વાસઘાત’ શબ્દ વપરાય છે. શ્રદ્ધા જ્યારે ખોટી ઠરે છે ત્યારે ‘શ્રદ્ધાઘાત’ જેવો કોઈ શબ્દ સાંભળ્યો નથી; કારણ કે એ દીશામાં વીચાર કરવાની પણ મનાઈ છે. ઘણા લોકોને સાધુ, બાવા, ગુરુ, મહારાજ વગેરે પર ખુબ શ્રદ્ધા હોય છે. જ્યારે એમનામાંથી કોઈનાં કાળાં કરતુત બહાર આવે છે ત્યારે ભોળા શ્રદ્ધાળુઓને કેવી લાગણી થતી હશે એની ખબર નથી. એના માટે ‘શ્રદ્ધાઘાત’ શબ્દ હજી સુધી કેમ નથી વપરાયો એ સવાલ જરુર થાય છે.

માન્યતા અને હકીકત વચ્ચેનો ભેદ પ્રમાણમાં ઘણો સ્પષ્ટ છે એટલે એમના ઉંડાણમાં  જવાનું ટાળીએ; છતાં એટલું કહેવું જરુરી છે કે ‘શ્રદ્ધા’ સાથે ‘માન્યતા’ શબ્દ વપરાય છે, જ્યારે  ‘હકીકત’ સાથે ‘વીશ્વાસ’ શબ્દ વપરાય છે. શ્રદ્ધા શબ્દ કોઈ વાપરતા નથી.

શ્રદ્ધા અફીણ જેવી છે. તે માણસને સતત ઘેનમાં રાખે છે. જ્યારે કોઈ પ્રશ્નનો બુદ્ધીગમ્ય ઉત્તર નથી મળતો ત્યારે બહુ વપરાયેલી જુની પુરાણી શ્રદ્ધારુપી ઢાલ આગળ ધરવામાં આવે છે. એનો ગર્ભીત અર્થ થાય છે કે, ‘અમારી પાસે તાર્કીક ઉત્તર નથી; છતાં અમારી માન્યતાઓને પડકારશો નહીં.’ જ્યારે અન્ધશ્રદ્ધા તો ગળ્યું ઝેર છે. ઝેર એટલા માટે છે કે તે મનુષ્યની સત્ય જાણવાની જીજ્ઞાસાને જ મારી નાખે છે અને ગળ્યું એટલા માટે છે કે લોકો તેને હોંશેહોંશે સહેલાઈથી સ્વીકારી લે છે !

ટી. વી. પર ધાર્મીક સીરીયલો વધતી જાય છે. એ તો ઠીક, સામાજીક સીરીયલોમાં તેમ જ છાપાંઓમાં પણ ખુબ અન્ધશ્રદ્ધા પીરસવામાં આવે છે. કેટલીયે સાવ પાયા વગરની વાતો ફેલાવવામાં આવે છે અને ભોળી પ્રજા એને શ્રદ્ધાથી સ્વીકારે છે. તેમની માન્યતા એવી છે કે ટી. વી. પર જે બતાવાય છે તેમ જ છાપાંમાં જે લખાય છે તે કંઈ ખોટું થોડું હોય ! આપણને જો સાવ પલાયનવાદી બનવું ન હોય તો, અન્ધશ્રદ્ધાના આ ઘોડાપુરમાં સામા પ્રવાહે તરનારા બનવું જરુરી છે.

શ્રદ્ધા–અન્ધશ્રદ્ધાની આજ સુધીની ચર્ચાનો સાર ટુંકમાં કહેવો હોય તો એ જ કે, ‘અન્ધશ્રદ્ધા ઓછી કરવા આપણે કોશીશ કરતા રહેવું જોઈએ; પણ શ્રદ્ધાને છેડવી ના જોઈએ.’ વાત તો સાચી છે; પણ શ્રદ્ધા અને અન્ધશ્રદ્ધા વચ્ચેનો ભેદ કોણ નક્કી કરે ? અને કોઈ કરે તોય બીજા એને સ્વીકારશે એવું માની ન લેવાય.

આપણને જે નજર સામે દેખાય છે, અનુભવાય છે એને અવગણીને પરમ્પરાથી ચાલી આવતી કોઈ માન્યતાને પકડી બેઠા રહીએ, એને અન્ધશ્રદ્ધા સીવાય બીજું કંઈ ન કહેવાય. 

રેશનાલીઝમ માત્ર ધાર્મીક માન્યતાઓને જ લાગુ નથી પડતું. તે ડગલે ને પગલે લેવા પડતા નીર્ણયોમાં ખુબ ઉપયોગી થાય છે. શ્રદ્ધા, અન્ધશ્રદ્ધા અને રૅશનાલીઝમ વચ્ચેનો ભેદ આપણા બધા સાથે સંકળાયેલી એક સામાન્ય બાબતથી સારી રીતે સમજી શકાય છે. એ છે માંદગી અને એનો ઉપચાર.

રોગપ્રતીકાર કરવાની શરીરની પોતાની શક્તી હોય છે. એ જાણી, શરદી જેવી સામાન્ય માન્દગીમાં તરત ઉપચાર ન કરાવતાં, થોડીક રાહ જોવી એ જાત અનુભવે કેળવેલ ‘પોતા પરનો વીશ્વાસ’ અને ‘પ્રકૃતી પ્રત્યેની શ્રદ્ધા’ છે. બીમારી વધતાં એ મટાડવા, ભુવા પાસે દોડી જવું કે બાધા આખડી રાખવી એ શ્રદ્ધા નહીં; પણ ‘અન્ધશ્રદ્ધા’ની નીશાની છે. સારવાર કરાવવા યોગ્ય પ્રકારના ડૉક્ટર પાસે જવું એ ‘રૅશનાલીઝમ’ છે.

જેમ આરોગ્ય માટે આપણે અનુભવ આધારીત વ્યવહારુ પગલું લઈએ છીએ તો માન્યતાઓનાં બીજાં ક્ષેત્રોમાં કેમ કોશીશ નથી કરતા ?

–મુરજી ગડા

લેખક સમ્પર્ક:  

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન: 972 679 9009  મેલ: mggada@gmail.com

વડીલ શ્રી. મુરજી ગડાએ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગ માટે ખાસ આ લેખ કરી મોકલ્યો તે બદલ હું એમનો ખુબ આભાર માનું છું. ..ગોવીન્દ મારુ… લેખ લખાયો : 26  જાન્યુઆરી 2015

‘અભીવ્યક્તી–ઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તીઈ.બુક્સ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

 ♦ ‘રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના  પહેલા દરવાજા સામે, વીજલપોર  પોસ્ટ:  એરુ એ. સી. – 396  450 જીલ્લો: નવસારી. .મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ: 30/01/2015

મુરજી ગડા

ઈચ્છામૃત્યુ કે ઈચ્છાજીવન ?

–મુરજી ગડા

મહાભારતની કથામાં પીતામહ ભીષ્મને ઈચ્છામૃત્યુનું વરદાન મળેલું હોવાનુ કહેવાય છે. વર્તમાનમાં, જાતજાતનાં કારણોસર નાનામોટા ઘણા લોકોના આત્મહત્યાના સમાચાર છાપામાં અવારનવાર વાંચવામાં આવે છે. તાજેતરના અહેવાલ મુજબ 2012માં ભારતમાં કુલ 02 લાખ 58 હજાર લોકોએ આત્મહત્યા દ્વારા પોતાનું જીવન ટુંકાવ્યું હતું. એમનું મૃત્યુ કુદરતી નહીં; અકસ્માત નહીં; બલકે સ્વેચ્છાએ નોતરેલું હતું. આને સ્વેચ્છામૃત્યુ/ઈચ્છામૃત્યુ ન કહેવાય તો બીજું શું કહેવાય ? આનો મતલબ એ થયો કે ઈચ્છામૃત્યુનું ‘વરદાન’ માત્ર ભીષ્મને નહીં; બલકે બધાંને જ મળેલું છે. ભીષ્મને મળેલું વરદાન ‘ઈચ્છામૃત્યુ’નુ નહીં; પણ ‘ઈચ્છાજીવન’નું હતું એમ કહેવું વધારે યોગ્ય રહેશે. તેઓ ઈચ્છે એટલું લાંબું જીવી શકતા હતા; છતાં અમરત્વ નહોતું મળ્યું ! આ લેખમાં આપણે ઈચ્છાજીવન અને ઈચ્છામૃત્યુ બન્નેની વાત કરવી છે.

ઈચ્છીએ કે ન ઈચ્છીએ, દરેકનું મૃત્યુ ચોક્કસ છે. છતાં ઘણા લોકો એ વીશે વાત કરતા અજંપો/અકળામણ અનુભવે છે. એની ચર્ચા ટાળવાથી એને કોઈ ટાળી શકતું નથી. જો કે વૈજ્ઞાનીક શોધોને લીધે હવે એને જરુર પાછળ ઠેલી શકાય છે. એ જ્યાં સુધી નથી આવતું, ત્યાં સુધીનું જીવન આપણું છે. કેટલું અને કેવી રીતે જીવીએ તે પણ અમુક અંશે આપણા હાથમાં છે.

કોઈપણ આત્મહત્યાનો બનાવ એ કરુણ બાબત છે. સમાચારમાં આત્મહત્યા માટેનાં 5–6 મુખ્ય કારણો પણ આપ્યાં હતાં. એમાંથી યુવાનો દ્વારા કરાતી આત્મહત્યાનાં કારણ મોટેરાઓને ગૌણ લાગે છે અને નીવારી શકાય એવાં પણ હોય છે. મધ્યમ ઉંમરના કીસ્સામાં મોટેભાગે તે આર્થીક કારણોસર હોય છે અને સ્ત્રીઓના કીસ્સામાં બહુધા કૌટુંબીક કારણોસર હોય છે. લગભગ બધાને આ ખબર છે. એની ચર્ચા આ લેખનો વીષય નથી.

મોટી ઉંમરની વ્યક્તીઓ દ્વારા કરાતા આપઘાતનાં કારણ બહુદા  ‘માંદગીથી કંટાળી/જીવનથી કંટાળી’ જીવન ટુંકાવવાનાં હોય છે. મોટી ઉમરમાં ઈચ્છામૃત્યુ ઈચ્છતી દરેક વ્યક્તી માત્ર અસાધ્ય રોગ વખતે જ એવું ઈચ્છે છે એ જરુરી નથી. એમણે પોતાની વર્તમાન જીન્દગી માન્ય ન હોવાથી ટુંકાવી હોય એવી ઘટનાઓ બને જ છે. એની પાછળનાં કારણ ઘણાં હોઈ શકે છે, જે  ‘યુથનેસીયા’ની વ્યાખ્યામાં નથી આવતાં, તેમ જ કાયદાની ચર્ચામાં પણ આવતાં નથી. કાયદો આને માન્ય ન રાખે એ સમજી શકાય છે. છતાં આ એક કરુણ વાસ્તવીકતા હોવાથી એની ચર્ચા કરવી અસ્થાને નથી.

એક રીતે જોઈએ તો જીવનનો અંત ચાર તબક્કામાં આવી શકે છે. અંતની શરુઆતનો પહેલો તબક્કો છે, કૌટુંબીક અને સામાજીક જવાબદારીઓથી હાથ ઉંચા કરી દેવાનો. જો કે બધા આવું નથી કરતા; પણ ઘણા લોકો પોતાની વ્યાવસાયીક નીવૃત્તી પછીના સમયે, જ્યારે એમનાં સંતાનો પરણી જાય અને કમાતા થાય ત્યારે આવું કરતા જોયા છે. અજાણતામાં પણ તેઓ મુસીબતોને નોતરે છે.

નીવૃત્તીનો અર્થ ‘અર્થોપાર્જનમાંથી નીવૃત્તી’ છે, ‘કાર્યશીલતાનો સદંતર અભાવ’ નથી. એનો અર્થ પ્રવૃત્તીની દીશા બદલવાનો છે. શક્ય હોય તો, ‘સ્વ’ ના બદલે ‘પર’નો વીચાર કરવાનો છે. સામાન્ય રીતે વ્યાવસાયીક નીવૃત્તી 60–65 વર્ષે આવે છે. આજના સમયમાં આ ઉંમરે મોટાભાગનાં સ્ત્રી/પુરુષ શારીરીક અને માનસીક રીતે સ્વસ્થ/તંદુરસ્ત હોય છે. ત્યારે બધી જવાબદારીઓથી હાથ ઉંચા કરી દેવા એ યોગ્ય નથી. જેઓ એવું કરે છે, તેમના અંતનો પહેલો તબક્કો શરુ થાય છે એમ કહી શકાય. આ તબક્કાને ટાળવો કોઈના માટે પણ ખાસ અઘરું નથી.

વ્યક્તીના અંતનો બીજો તબક્કો ત્યારે આવે છે, જ્યારે એને એવું લાગવા માંડે છે કે હવે ઘરમાં/ કુટુંબમાં એનું પહેલા જેવું માન નથી રહ્યું; એ કુટુંબપર બોજ બની રહ્યા છે. વધુ અગત્યનું એ છે કે આ માત્ર એમની આશંકા નહીં; પણ વાસ્તવમાં સાચું હોય. કમનસીબે આવું ઘણા કીસ્સામાં બનતું હોવાનું જોયું/ જાણ્યું છે. આની પાછળ વાજબી–ગેરવાજબી જે પણ કારણ હોય; આ પરીસ્થીતીમાં સપડાયેલ વડીલ વ્યક્તીના શારીરીક અને માનસીક સ્વાસ્થ્ય પર એની અવળી અસર અવશ્ય પડે છે. આ તબક્કાનો સાવ વીકલ્પ નથી એમ પણ નથી. અમુક અંશે આ પણ નીવારી શકાય છે.

અંતનો ત્રીજો તબક્કો છે શારીરીક કે માનસીક રીતે પરવશ થઈ જવાનો. લકવો થવો, અકસ્માતને લીધે પક્ષાઘાત થવો, મોટી ઉંમરે પડી જવાથી હાડકાં ભાંગી જવાં કે પછી ઉંમરને લીધે અતીશય શારીરીક નબળાઈ આવી જવી વગેરે કેટલાંક કારણોસર વ્યક્તી મોટેભાગે પરવશ તો ક્યારેક તદ્દન પથારીવશ બની જાય છે. ચીકીત્સા ક્ષેત્રે થયેલી પ્રગતીને લીધે આવી સ્થીતીમાં પણ દરદી લાંબો સમય, ક્યારેક દાયકા સુધી પણ, જીવીત રહી શકે છે. દરદી તેમ જ સમસ્ત કુટુંબ માટે આ એક ખુબ જ કઠીન સમય હોય છે. ગમે તેટલો પ્રેમ અને સમર્પણની ભાવના હોય તોયે, સંભાળ રાખનારની ધીરજની પણ એક મર્યાદા હોય છે. અંગ્રેજીમાં એને ‘CARE GIVER’S BURNOUT’ કહે છે. આવું કોઈ સાથે ન થાય એવું આપણે ઈચ્છીએ; તોયે એને રોકવો કોઈના હાથમાં નથી. સદનસીબે બધાને આ તબક્કામાંથી પસાર થવું પડતું નથી.

આમાં વળી, હાલ એક નવા પ્રકારના સંજોગો ઉભા થયા છે. નવી પેઢીના યુવાનોને પોતાના વ્યવસાય અર્થે અન્ય શહેર કે અન્ય દેશમાં જવાનું થાય છે. પરીણામે મોટી ઉંમરના વૃદ્ધ માતાપીતા એકલાં થઈ જાય છે. એમને એકબીજાની સંભાળ લેવી પડે છે. ધંધાદારી/બહારી મદદ મળી શકે; પણ એની એક મર્યાદા હોય છે. જે લોકો પુરી જીન્દગી ખુબ સ્વમાનભેર સ્વાવલંબી જીવન જીવ્યાં હોય એમના માટે પરવશ હાલતમાં જીવ્યે રાખવું આંતરીક રીતે ખુબ પીડાદાયક બને છે. એટલું જ નહીં, એમની સંભાળ રાખનારને આપવો પડતો ભોગ પણ એમને દુ:ખી કરે છે. આવી સ્થીતી ખુબ લાંબી ચાલતી હોવા છતાં મેડીકલ ભાષામાં ‘અસાધ્ય’ નથી ગણાતી. એવામાં જો એક પાર્ટનરનું મૃત્યુ થાય તો પરીસ્થીતી વધુ વણસે છે. પાછળ રહેનાર વ્યક્તી મનથી ભાંગી પડે છે.

 અંતનો ચોથો તબક્કો મૃત્યુ પહેલાંની છેલ્લી માંદગી છે. પાછું એ જ કારણ કે ચીકીત્સા ક્ષેત્રે થયેલી પ્રગતીને લીધે હૉસ્પીટલો દુષ્કર ગણાતા કેસને પણ સારો એવો સમય જીવીત રાખી શકે છે. જુદાં જુદાં સાચાં-ખોટાં કારણોસર હૉસ્પીટલના રોકાણને લંબાવાતું હોય એવું પણ બને છે. સર્વેક્ષણોમાં એવું તારણ નીકળ્યું છે કે માણસ પોતાની પુરી જીન્દગીમાં બધા પ્રકારની સારવાર પાછળ જેટલો ખર્ચ કરે છે, એનાથી વધારે ખર્ચ એની છેલ્લી માંદગીમાં થાય છે. છેલ્લી માંદગી એને કહેવાય, કે જેમાંથી એ સાજો થઈ ઘરે પાછો નથી આવતો.

બધાને પહેલા ત્રણમાંના દરેક તબક્કામાંથી પસાર થવું પડતું નથી; પણ ચોથા તબક્કામાંથી મોટી ઉંમરના બહુધા લોકો જાય છે. સામાન્ય રીતે આ સમયે દર્દી પોતે કોઈ પણ નીર્ણય કરવા જેવી સ્થીતીમાં હોતો નથી. એના જીવનનો નીર્ણય એના કુટુંબીજનોના હાથમાં હોય છે. સરકાર ઈચ્છામૃત્યુને કાયદેસર નથી કરતી; કારણ કે અહીં કાયદાનો ગેરલાભ લેવાની શક્યતા ખુબ વધી જાય છે.  આવા સંજોગોમાં દરેક વ્યક્તી પોતાના વસીયતનામા સાથે પોતાની છેલ્લી સારવાર વીશે પણ લખી જાય તો કુટુંબીજનોપર નીર્ણયનો બોજો ઓછો થઈ શકે છે.

ગરીબ લોકો માટે પૈસાના અભાવે અઘરો નીર્ણય પણ પ્રમાણમાં સહેલો બની જાય છે. પૈસાના અભાવે તેઓ મોંઘી સારવાર લઈ શકતા નથી; એટલે હૉસ્પીટલો પણ સમજીને એમની પાસેથી એવી અપેક્ષા રાખતી નથી. સરકારી કે અમુક ખાનગી હૉસ્પીટલના જનરલ વોર્ડમાં દાખલ થનાર દર્દી ‘મરવા’ માટે આવ્યો છે એવું સમજી એની સારવારમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાના કીસ્સા સાંભળ્યા છે. જો આ સાચું હોય તો આને ‘પૅસીવ યુથનેસીયા’ કહેવાય કે નહીં ? સરકારી હૉસ્પીટલોમાં આ થતું હોય તો આજ સુધી કેટલા ડોક્ટરો/ અધીકારીઓને સજા થઈ છે ?

ધનીકો માટે પૈસાનો સવાલ નડતો ન હોવાથી એમના માટે નીર્ણય સહેલો થઈ જાય છે. માત્ર મધ્યમ વર્ગના લોકો જ અવઢવમાં મુકાય છે. એમના માટે માત્ર પૈસા જ એક સમસ્યા નથી; બલકે બહોળા કુટુંબની તેમ જ સમાજની સંભવીત ટીકાનો પણ વીચાર કરવો પડે છે. કમનસીબે આર્થીક રીતે મધ્યમ વર્ગના ગણાતા લોકો માટે એમના ખરા વારસદાર, પુત્ર/પુત્રી નહીં; પણ ‘હેલ્થ કેર ઈન્ડસ્ટી’/ ‘હૉસ્પીટલ’ બની જાય છે. આ કરુણ વાસ્તવીકતા છે.

અહીં પણ કુટુંબીજનો ઈચ્છે ત્યારે દરદીને ઘરે લઈ જઈ શકે છે. એના માટે ‘અગેન્સ્ટ મેડીકલ ઍડવાઈસ’નું ફોર્મ સાઈન કરવાનું હોય છે. આ રીતે મેડીકલ સારવાર અટકાવવી એને પણ ‘પૅસીવ યુથનેસીયા’ કહેવાય આવું તો ભારતમાં રોજ અને બધે જ બને છે. આમાં કાયદો વચ્ચે પડતો નથી.

ઈચ્છામૃત્યુની શક્યતા ત્રીજા તબક્કાના કીસ્સામાં પણ ઉભી થઈ શકે છે : ખાસ કરીને એકાકી જીવન જીવતા લોકોમાં. વૃદ્ધાવસ્થા માત્ર શારીરીક અવસ્થા નથી, એ માનસીક અવસ્થા પણ હોઈ શકે છે.  એમના આ નીર્ણય પાછળ સ્વાસ્થ્ય ઉપરાંત અન્ય કેટલાંક કારણો હોય છે. જે પણ ત્યાં પહોંચે છે તેમાંથી માનસીક રીતે સ્વસ્થ દર્દી પોતે પોતાના ભાવી વીશે નીર્ણય કરવાની પોઝીશનમાં હોય છે. વૃદ્ધાશ્રમનો વીકલ્પ એમને મંજુર નથી હોતો. તેઓ કાયદેસર નહીં તો તાર્કીક/ નૈતીક રીતે ‘માનભેર મૃત્યુના’ હકદાર ગણાય કે નહીં એ ઉંડી ચર્ચાનો વીષય છે. આ વીષય ખુબ જ સંવેદનશીલ હોવાથી એના ઉંડાણમાં જવાનું અત્યારે ટાળીએ.

પ્રવર્તમાન કાયદા પ્રમાણે આત્મહત્યા ગુનો ગણાય છે. દરેક ગુના પાછળ કોઈ ગુનેગાર હોય છે. કાયદો આત્મહત્યાની કોશીશ કરનારને ગુનેગાર ગણે છે. જો કે મોટા ભાગના કીસ્સામાં આપણી સમાજવ્યવસ્થા, પરંપરા જે તે સમાજના રીવાજો, વગેરે પણ આડકતરી રીતે ગુનેગાર હોય છે. આવા ગુનેગારોને સજા કરવી શક્ય નથી; પણ ભવીષ્યમાં આવાં કારણોને લીધે આત્મહત્યા ન થાય એના માટે પણ સરકાર કાગળ પર સુધ્ધાં કશું કરે છે ખરી ?

કાયદો તો છેલ્લી ક્ષણ સુધી શક્ય હોય તે સારવારની હીમાયત કરે છે. જે કુટુંબ એટલો ખર્ચ કરી શકવા સમર્થ ન હોય એનો ખર્ચ કોણ આપે ? અને કોઈ તાણી–ખેંચીને જાતે ખર્ચ કરે તો એમની ભવીષ્યની જરુરીયાતો પર ભારે કાપ મુકવાનો વારો આવે. સંતાનોના ભણતરના ભોગે, કે પછી પાયાની સુવીધાઓના ભોગે, વયોવૃદ્ધ વડીલોની આવરદા થોડાં અઠવાડીયાં કે થોડા મહીના લંબાવવાનો નીર્ણય મધ્યમ વર્ગના કુટુંબ માટે ખુબ અઘરો બની જાય છે. આવા સંજોગોમાં કાયદો, નૈતીકતા, પ્રેમ, ધર્મ ઉપરાંત આર્થીક સંજોગો પણ ઘણો ભાગ ભજવે છે. કાયદા બનાવનાર અને એનું પાલન કરનાર આવા પ્રશ્નોનો કેટલો વીચાર કરે છે ? કાયદો અંધ છે અને સમાજ પણ ક્રુર બની શકે છે. આવા અઘરા પ્રશ્નોના ચોખ્ખા ઉત્તર શક્ય નથી. માત્ર અંતહીન ચર્ચા કરી શકાય.

વૈદીક સમાજરચનાની વર્ણવ્યવસ્થાની કાળી બાજુ વીશે મારા લેખોમાં ઘણું કહેવાયું છે. ત્યારની ‘આશ્રમવ્યવસ્થા’ વીશે લખવાનો આજે વારો આવ્યો છે. પ્રાચીન ગ્રંથોમાં વર્ણવાયેલ ‘વાનપ્રસ્થાશ્રમ’ માનવજીવનના 50 અને 60ના દાયકાને લાગુ પડે છે, જેને આગળ વર્ણવાયેલા આપણા અંતના પહેલા અને બીજા તબક્કા સાથે સરખાવી શકાય. ત્યારનો ચોથો તબક્કો ‘સન્યસ્તાશ્રમ’ કહેવાતો. નામ તો રુડુંરુપાળું છે; પણ એનો જરા ઉંડાણમાં વીચાર કરીએ તો સાચો ખ્યાલ આવે. 70 વટાવી ચુકેલ માણસ જંગલમાં કેટલું જીવી શકે ? શું ખાય ? હીંસક પ્રાણીઓથી પોતાને કેવી રીતે બચાવી શકે ? બધા જ શીકારી નહોતા. અને હોય તોયે મોટી ઉંમરે કેટલા કાબેલ હોય ? મહાભારતના અંતમાં, હસ્તીનાપુરના મહારાજ ધૃતરાષ્ટ્રને પોતાની રાણીઓ સાથે જંગલમાં જતો બતાવાયો છે. આને ‘પૅસીવ યુથનેસીયા’ કહેવાય કે ‘ઍક્ટીવ યુથનેસિયા’ ?

આજનો કે આવનારો કાયદો ગમે તે કહે, ભારતમાં બધું પહેલાંથી ચાલતું આવ્યું છે, આજે પણ ચાલે છે, અને ભવીષ્યમાં પણ ચાલતું રહેવાનું છે. આ સત્યનો સ્વીકાર કરવો રહ્યો. હા, આની તાત્ત્વીક ચર્ચા કરવાની બધાને છુટ છે.

*   *   *  *

અંગત કેફીયત:   

ઘણા સમયથી આ વીષય પર લેખ લખવાની મારી ઈચ્છા હતી; પણ એની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતાં, એનો અમલ થયો નહીં. ‘મંગલ મંદીર’ના નવેમ્બર, 2014ના અંકના તંત્રીલેખમાં ‘ચર્ચા માટેનું આમંત્રણ’ જોતાં જાહેરમાં ચર્ચા કરવાનું વીચાર્યું છે. જો ચર્ચા આગળ વધે તો વધુ ઉંડાણમાં જઈ શકાય.

 –મુરજી ગડા

લેખક સમ્પર્ક:  

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન: 972  679 9009  મેલ: mggada@gmail.com

 ‘અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તીઈ.બુક્સ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.

  ‘રૅશનલવાચનયાત્રા’ માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના  પહેલા દરવાજા સામે, વીજલપોર  પોસ્ટ:  એરુ . સી. – 396  450 જીલ્લો: નવસારી. .મેઈલ: govindmaru@yahoo.co.in (હાલ અમેરીકાના પ્રવાસે)

પ્રુફવાચન સૌજન્યઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ: 21/11/2014

મુરજી ગડા

પરીવર્તન

–મુરજી ગડા

છેલ્લા એક દાયકામાં આપણી જીવનશૈલીમાં જેટલું પરીવર્તન આવ્યું છે એટલું, એનાથી આગલા પાંચ દાયકાઓમાં માંડ આવ્યું હશે. આ નીવેદન માત્ર આજને લાગુ નથી પડતું; પણ છેલ્લાં 60 વર્ષના દરેક દાયકા માટે પણ એટલુ જ લાગુ પડે છે. વીશેષમાં આ ચક્રમાં આપણે એકલા નથી; સારી દુનીયા ઝડપથી બદલાતી જીવનશૈલીમાંથી પસાર થઈ રહી છે.

આપણા માટે શું બદલાયું છે એના પર એક ઉડતી નજર કરીએ. છેલ્લાં 60 વર્ષમાં ખોરાક બદલાયો, પોષાક બદલાયો, બાળલગ્નો બંધ થયાં, સ્ત્રીઓનાં પુનર્લગ્નો સ્વીકારાયાં, શીક્ષણનું પ્રમાણ વધ્યું, આવરદા વધી, સ્વાસ્થ્ય સુધર્યું, સુખસગવડનાં સાધનો વધ્યાં, ધંધાનાં નવાં ક્ષેત્રો વીકસ્યાં, સંદેશાવ્યવહાર વીકસ્યો, વાહનવ્યવહાર વીકસ્યો, સરેરાશ બધાની આર્થીક પ્રગતી થઈ વગેરે, વગેરે.  આ સુચી ઘણી લાંબી થઈ શકે; પણ લેખનો એ મુખ્ય આશય નથી.  આટલા ફેરફાર તો આના આગલા 500 વરસમાં પણ નહોતા થયા !

આમાંના કેટલાક ફેરફાર સક્રીયપણે કરવામાં આવ્યા છે, જ્યારે મોટાભાગના ફેરફાર દુનીયામાં ચાલતા પરીવર્તનના પ્રવાહ સાથે અનાયાસે થતા ગયા છે. આ ઝડપી સામાજીક, સાંસ્કૃતીક, અને આર્થીક પરીવર્તન પાછળનાં સૌથી મોટાં પરીબળ રહ્યાં છે : શહેરીકરણ અને ઘેરબેઠા મળતી માહીતી. પરીવર્તન મોટાં શહેરોથી શરુ થાય છે. ત્યાં રહેતા અને આપણાથી અલગ જીવનશૈલી ધરાવતા બીજા લોકોના સમ્પર્કમાં આવવાથી, આપણને વાજબી લાગતી અને અનુકુળ આવતી જીવનશૈલી આપણે અપનાવીએ છીએ. સાથેસાથે પરીવર્તનનો વીરોધ કરતાં પરીબળોનો અંકુશ પણ શહેરોમાં ઢીલો હોય છે. જે લોકો ગામડાંઓમાં રહે છે, એમના માટે સ્વતંત્રતા અને આબાદી ઘણા ધીમાં રહ્યા છે.

પરીવર્તન તો હંમેશાં થતું રહ્યું છે. વખતોવખત એની ગતી ઓછી કે વધુ થાય છે. અત્યારના આ ઝડપી પરીવર્તનના સમયમાં બધાં જ ક્ષેત્રો ઝડપથી બદલાઈ રહ્યાં છે. પરીવર્તનનું આ વાવાઝોડું ધીમું પડવાના હાલ કોઈ એંધાણ દેખાતાં નથી. ઉલટાનું તે વેગ પકડી રહ્યું છે. આ વેગ જ્યારે પણ ધીમો પડશે, ત્યાં સુધી ઘણું બધું બદલાઈ ગયું હશે.

બીજી બધી વાતમાં ભવીષ્ય ભાખનારા જ્યોતીષીઓ આ પરીવર્તનના ભાવી વીશે કંઈ કહેતા નથી. આપણે તો આપણી કલ્પના દોડાવી શકીએ છીએ.

ભુતકાળમાં ધાર્મીક અને રાજકીય વીચારધારા આધારીત પરીવર્તનોએ લોકોને વીભાજીત કર્યા છે. વર્તમાનનું પરીવર્તન પહેલાં કરતાં જુદું છે. એની દીશા અને ધ્યેય દુનીયાના એકીકરણ તરફ છે. એ કેટલે અંશે સફળ થશે અને ક્યાં અટકશે એ તો સમય જ બતાવશે. જે વીચારધારા પ્રબળ હશે, જેનું માર્કેટીંગ જોરદાર હશે તેનું વર્ચસ્વ રહેશે.

રાજકીય ક્ષેત્રે થતાં પરીવર્તનોમાં; ગુલામી નાબુદ થઈ છે, બઘે જ ધીરે ધીરે લોકશાહી પ્રસરી રહી છે, યુરોપમાં રાષ્ટ્રીય સરહદોનું મહત્ત્વ ઝાંખુ થયું છે. બધે જ ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે, વગેરે. આઝાદી વખતે ભારતની 10% વસ્તી એટલે માત્ર 3–4 કરોડ લોકો શહેરોમાં રહેતા હતા. આજે 30% એટલે કે 35–40 કરોડ લોકો શહેરોમાં રહે છે. આવતાં પચાસ વરસમાં ભારત સહીત બધા દેશોની અડધી વસતી શહેરોમાં રહેતી હશે.

સાંસ્કૃતીક ક્ષેત્રે આવા એકીકરણમાં પુરુષોનો પોષાક મોખરે રહ્યો છે. એક જ પોષાક ધંધાદારી દુનીયામાં સર્વમાન્ય થઈ રહ્યો છે. પ્રાદેશીક પોષાકો હવે પ્રસંગોપાત્ત વપરાશના રહ્યા છે. મુખ્ય ધંધાકીય અને ટૅક્નીકલ ભાષા તરીકે અંગ્રેજી સર્વત્ર સ્વીકારાઈ રહી છે. સંગીત, નૃત્ય અને ખોરાકમાં એકીકરણ (ફ્યુઝન) થઈ એક નવું જ સ્વરુપ ઉભરાવા લાગ્યું છે. બીજાં ક્ષેત્રો પણ થોડા સમયમાં આંબી આવશે.

પ્રવાસ સહેલો અને ઝડપી બન્યો છે. લોકોનું સ્થળાન્તર અને દેશાન્તર વધ્યું છે. પરીણામે યુવા પેઢીમાં રંગભેદ, જાતીભેદ ઓછા થઈ આન્તરજાતીય અને આન્તરધર્મીય લગ્નો વધી રહ્યાં છે. આખી દુનીયાની માહીતી અને જ્ઞાન ઘેરબેઠા ઈન્ટરનેટ પર મળી શકે છે. મોબાઈલ દ્વારા ગમે ત્યાંથી સતત સમ્પર્કમાં રહી શકાય છે.

ભુતકાળમાં ઘણી સંસ્કૃતીઓ, જાતીઓ, ભાષાઓ વગેરે લુપ્ત થઈ છે જેની પાછળ કુદરતી ઘટનાઓ કે પછી આક્રમણકારોના હુમલા જવાબદાર હતા. આ વખતે જે કાંઈપણ લુપ્ત થશે તે લોકોએ સ્વેચ્છાએ છોડી દીધેલ હશે.

પરીવર્તનના આટલા જોરદાર પ્રવાહમાં હજી પણ બે ક્ષેત્રોમાં કોઈ પરીવર્તન દેખાતું નથી. એક છે આર્થીક ક્ષેત્ર. આર્થીક અસમાનતા માણસની મુળભુત પ્રકૃતી સાથે વણાયેલી છે. કોઈકે આ વાત સરસ રીતે સમજાવી છે. ‘જો દુનીયાની બધી સમ્પત્તી લોકોમાં સરખે ભાગે વહેંચવામાં આવે તો પણ બે ત્રણ વરસમાં જ ગરીબ લોકો પાછા ગરીબ થઈ જશે અને મોટા ભાગની સમ્પત્તી ઉપલા દસ ટકા લોકોના હાથમાં ભેગી થઈ જશે.’ મોટા ભાગના લોકોને પૈસા સાચવતા નથી આવડતા. ગરીબી માટે બાહ્ય કારણોની સાથે ગરીબોની પોતાની અંગત મનોવૃત્તી પણ જવાબદાર હોય છે. સામ્યવાદી દેશોએ આર્થીક સમાનતા લાવવાનો અખતરો કરી જોયો અને નીષ્ફળ ગયા.

પરીવર્તનનું બીજું વીરોધી ક્ષેત્ર છે ધાર્મીક માન્યતાઓ અને અન્ધશ્રદ્ધા. આમ તો ધાર્મીક વીચારધારાઓમાં પણ અંદરથી પરીવર્તન થયા છે. દરેક મુખ્ય ધર્મના અનેક ફાંટા અને પંથ એના પુરાવા છે. ધર્મગુરુઓ વચ્ચે અર્થઘટનના મતભેદ કે પછી અંગત પ્રતીષ્ઠા અને અનુયાયીઓ પર અંકુશ રાખવાની વૃત્તીથી એ થયું છે. આ બધાં પરીવર્તન ઉપરછલ્લાં હોઈ એનાથી અન્ધશ્રદ્ધા અને જડતા ઘટવાને બદલે વધી છે.

ચીલાચાલુ ઘરેડમાં જ ધર્મને જોવાનો અને કાલ્પનીક ભુતકાળની વાતો વાગોળવાનો અફીણીયો ધર્મપ્રચાર લોકોનું ઘેન વધારે છે. જ્યારે પ્રજા અશીક્ષીત હતી ત્યારે એને જે કહેવામાં આવતું તે સ્વીકારી લેતી. હવે શીક્ષણ અને માહીતીના સ્રોત વધ્યા છે. નજર સામે જે નવું આવે છે તેનો સ્વીકાર જરુરી છે. ધાર્મીક કથન અને જમીની વાસ્તવીકતામાં જે અંતર છે તેનું નીરાકરણ કરવાની જાગૃતી, હીમ્મત અને પહેલ ભક્તગણ તરફથી થવી જરુરી છે.  આવું કરવાનું ધર્મગુરુઓના હીતમાં ન હોવાથી તેઓ પહેલ નહીં કરે; બલકે આનો વીરોધ કરે તે શક્ય છે.

કુદરતી વાવાઝોડા સામે જે ઝુકતું નથી તે મોટાભાગે સમુળગું નાશ પામે છે. પરીવર્તનના આ જબરદસ્ત વાવાઝોડા સામે જડ અન્ધશ્રદ્ધાઓ અને અજ્ઞાન ટકી રહેશે, ઝુકશે કે સમુળગું નાશ પામશે તે તો સમય જ બતાવશે.

આ હતી માનવસર્જીત પરીવર્તનની વાતો. પરીવર્તન તો કુદરતનો અવીરત ક્રમ રહ્યો છે. કુદરતમાં બધું સતત બદલાયા કરે છે. એની ગતી આપણી સમયગણના પ્રમાણે ખુબ જ ધીમી હોવાથી આપણે તે અનુભવી શકતા નથી. કુદરતી પરીબળોથી પૃથ્વી પરની જીવસૃષ્ટીમાં થતા પરીવર્તનને ઉત્ક્રાંતી કહે છે અને એના સીદ્ધાંતોને ઉત્ક્રાન્તીવાદ. આ વીષયની ઉંડાણપુર્વકની ચર્ચા ‘ઉત્ક્રાંતી’ લેખમાં કરવામાં આવી છે.

બધાં જ પરીવર્તન સારાં કે આવકારદાયક નથી હોતાં. કેટલાંક વીનાશક પણ હોય છે. માનવ જાતીનો અતીશય વસતીવધારો, જંગલોનો નાશ, મર્યાદીત કુદરતી સમ્પત્તી સામે આપણી વધતી જરુરીયાતો, વાતાવરણનું પ્રદુષણ વગેરે દ્વારા આપણે કુદરતના નાજુક સમતોલનને છેડ્યું છે. એનાં પરીણામો ક્યારે અને કેવા આવશે એ ચોક્કસપણે કોઈ કહી શકે એમ નથી. એટલું તો ચોક્કસ છે કે તે સારાં તો નહીં જ હોય.

ભુતકાળમાં કુદરતી કારણોસર સંસ્કૃતીઓનો નાશ થયો છે. આજે પણ એવું થઈ શકે છે. કોઈ નવી જાતના બેક્ટેરીયા કે વાયરસ મોટી સંખ્યામાં માનવવસતીને ખતમ કરી શકે છે. (ખતરનાક ઈબોલા આજકાલ ચર્ચામાં છે.) ગીચ વસ્તીવાળા પ્રદેશમાં મોટો ઉલ્કાપાત, ભુકમ્પ કે સુનામી ઘણી તારાજી સર્જી શકે તેના અનુભવ તાજા જ છે. વાયુ પ્રદુષણને લીધે વધતું ઉષ્ણતામાન ધ્રુવ પ્રદેશના બરફને ઓગાળી દરીયા કાંઠાનાં શહેરોને ડુબાડી શકે છે. આ ફક્ત કલ્પનાઓ નથી; પણ વાસ્તવીક શક્યતાઓ છે.

પરીવર્તન એ કુદરતનો અફર નીયમ છે. આપણે ઈચ્છીએ કે નહીં એથી કુદરતને કોઈ ફરક પડતો નથી. આપણે જે પરીવર્તનો કરી રહ્યા છીએ તેના ફાયદા આપણને જ મળવાના છે અને સાથે એનાં માઠાં પરીણામ પણ આપણે જ ભોગવવાનાં છે.

–મુરજી ગડા

લેખક સમ્પર્ક:  

શ્રી. મુરજી ગડા,  1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન: 972 679 9009 મેલ: mggada@gmail.com

અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તીઈ.બુક્સ મારા બ્લોગના મથાળે  ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને  govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

  રૅશનલવાચનયાત્રા માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. (હાલ અમેરીકાના પ્રવાસે) ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ: 24/10/2014

 

મુરજી ગડા

સ્વપસંદગીની (ફાવતી આવતી) નૈતીકતા

– મુરજી ગડા

તારીખ 13 એપ્રીલ, 1919ના સાંજના સમયે, આબાલવૃદ્ધ, સ્ત્રી–પુરુષ મળી 5,000થી વધુ લોકો, તત્કાલીન કર્ફ્યુને અવગણીને, અમૃતસરના જલીયાંવાલા બાગમાં વૈશાખીનો તહેવાર ઉજવવા ભેગા થયા હતા.

અંગ્રેજ બ્રીગેડીયર જનરલ રેજીનાલ્ડ ડાયર (Dyer) પોતાના કમાંડ નીચેના 90 સૈનીકોનું/ પોલીસનું દળ લઈ જલીયાંવાલા બાગ પહોંચે છે. કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વગર નીઃશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવાનો હુકમ કરે છે. સૈનીકોની બધી ગોળીઓ ખુટી ગઈ ત્યાં સુધીની 10–15 મીનીટ માટે સતત ગોળીબાર થાય છે, જેમાં 1,000થી 1,500 લોકોનું મૃત્યુ થયાનો અંદાજ છે.

થોડો ઘણો ઈતીહાસ જાણનારને આટલી ખબર તો હશે જ. અંગ્રેજ સરકારે શરુઆતમાં ડાયરનો બચાવ કર્યા પછી, વધુ માહીતી મળતાં એને ઠપકો આપી, રાજીનામું આપવાની ફરજ પાડી હતી. એનું 1927માં મૃત્યુ થયું હતું.

ઈતીહાસમાં વધુ ઉંડા ઉતરતાં થોડી વધુ માહીતી મળે છે. ડાયરને ગોળીબારની પરવાનગી આપનાર તત્કાલીન પંજાબના લેફ્ટેનન્ટ (લ્યુટેનન્ટ) ગવર્નર માઈકલ ઓ’ડ્વાયરની (O’Dwyer), 21 વરસ પછી ઠેઠ 1940માં, જલીયાંવાલા હત્યાકાંડમાં બચી જનાર ઉધમસીંહે, લંડનમાં ગોળી મારી હત્યા કરી હતી. (સંદર્ભઃ વીકીપીડીયા)

હત્યાકાંડ માટે પ્રત્યક્ષ રીતે જવાબદાર આ બે વ્યક્તીઓને યોગ્ય ન્યાય થયો ગણાય ? આ હત્યાકાંડ માટે જવાબદાર ત્રીજા પક્ષનો ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી ! એ પક્ષ છે ગોળીઓ ચલાવનાર સૈનીકો પોતે. કોણ હતા આ સૈનીકો ? એ અંગ્રેજ નહોતા. એ પંજાબના પણ નહોતા. એ બધા પરપ્રાંતીય ભારતીઓ અને અંગ્રેજ રાજના નાગરીક હતા.

એ સાચું છે કે એ બધા તો ઉપરી અધીકારીના હુકમનું પાલન જ કરતા હતા. પોતાની ફરજ બજાવતા હતા. હુકમનો અનાદર કરવો તે લશ્કરમાં આકરી સજાને પાત્ર હોય છે એ પણ સાચું છે. પણ……; આ બનાવ સામાન્ય નહોતો. સામે સશસ્ત્ર સૈન્ય નહોતું કે તોફાની ટોળું પણ નહોતું. સૈનીકોને પોતાને કોઈ ખતરો નહોતો. નાનકડી જગ્યામાં સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો બધાં હતાં. એમની પાસે કોઈ હથીયાર પણ નહોતાં. એમનો એક્માત્ર ગુનો કર્ફ્યુનો અનાદર કરવાનો હતો. આવા સંજોગોમાં હુકમના પાલનના નામે અન્ધાધુન્ધ ગોળીબાર કરનાર ગુનેગાર ગણાય કે ન ગણાય ? હુકમપાલન કરતાં પણ કોઈ મોટી ફરજ ખરી કે નહીં ?

સૈનીક હોય કે કોઈ અન્ય વ્યવસાયનો હોય, સૌ પ્રથમ એ માણસ છે. માણસ તરીકેની એની થોડી ફરજો અને જવાબદારીઓ છે જે નૈતીકતાના ક્ષેત્રમાં આવે છે. આટલા સૈનીકોમાંથી એકને પણ કંઈ ખોટું થતું હોય એમ નહીં લાગ્યું હોય ? ટોળા પર ગોળીબાર કરવાને બદલે કોઈ એક સૈનીકે પોતાનું નીશાન જનરલ ડાયર પર લગાવ્યું હોત તો શું થાત? તો એને મૃત્યુદંડ થયો હોત એ નીશ્ચીત છે. પણ એના આ પગલાથી આખી બાજી પલટાઈ ગઈ હોત. કેટલાંયે નીર્દોષ બચી જાત. આજે એનું નામ આગલી હરોળના શહીદોમાં ન હોત?

બધું એટલું જલદી બની ગયું કે ત્યારે કોઈને આવો વીચાર ન આવ્યો હોય એ પણ શક્ય છે. (જો કે અણધાર્યા સંજોગોમાં ત્વરીત નીર્ણય લેવાની તાલીમ તો સૈનીકોને અપાય છે.) પાછળથી કોઈને પોતાના કર્યા/ન કર્યાનો પસ્તાવો થયો હશે ? એને પરીણામે કોઈએ ‘અંગ્રેજી રાજ’ની નોકરી છોડી હશે ?

સૈનીકોની તરફેણમાં અને વીરુદ્ધમાં હજી વધુ દલીલો કરી શકાય છે. કાયદાની દૃષ્ટીએ આ સૈનીકો ગુનેગાર ન ગણાય પણ નૈતીક ધોરણે બધા સૈનીકો ગુનેગાર બની શકે છે. સાચા ઈતીહાસકારે આની નોંધ લેવી જોઈતી હતી. માણસની દુન્યવી ફરજ સાથે વધુ ઉદાત્ત એવી માનવતાની ફરજ ટકરાય છે ત્યારે માણસની નૈતીકતાની કસોટી થાય છે.

આ એક દૃષ્ટાંત માત્ર હતું. વળી એ ઘણુ જટીલ હતું. બાકી સાવ સરળ, ગુંચવણ વગરના, સ્વાર્થથી ભરપુર, અનૈતીક, અપ્રામાણીક એવા અગણીત બનાવો પ્રાચીન કાળથી બનતા આવ્યા છે અને હજી ચાલુ છે, જેનો ક્યાંય ઉલ્લેખ નથી. એ કાળની ગર્તામાં દટાઈ ગયા છે. જે થોડા બનાવોની નોંધ લેવાઈ છે એને પણ આપણે સહજતાથી સ્વીકારી પછી ભુલી જઈએ છીએ.

પચાસ હજાર જેટલા અંગ્રેજો આટલા વીશાળ દેશ પર લાંબો સમય રાજ કરી શક્યા; કારણ કે એમને ભારતીયોનો સાથ હતો. એમણે આપણા પ્રાન્તવાદ, જાતીવાદ, સમ્પ્રદાયવાદ વગેરે જોયા અને આપણા આ આપસના મતભેદોનો આપણી સામે જ ઉપયોગ કર્યો. આજે પણ આ બધા ‘વાદો’ મોજુદ છે, જેની આપણે આકરી કીમ્મત ચુકવી રહ્યા છીએ. આ વાસ્તવીકતા સ્વીકારીએ નહીં, ત્યાં સુધી આપણા પ્રશ્નો અને તકલીફો માટે બીજાઓને દોષ દેવાની વૃત્તી બદલાવાની નથી.

આજે દરેક ક્ષેત્રમાં જે ભ્રષ્ટાચાર દેખાય છે તે નૈતીકતા અને પ્રામાણીકતાના અભાવનુ નગ્ન સ્વરુપ છે. આ નવું નથી અને બહારથી આવેલું પણ નથી. આપણી જ ઘરેલું પેદાશ છે. આજે પ્રસાર માધ્યમોને લીધે બધું જલદી પ્રકાશમાં આવે છે. પહેલાં એ શક્ય નહોતું, એટલે ઘણું ઢંકાઈ રહેતું. બાકી સત્તા અને સમ્પત્તી માટેની ખટપટ અને એને સફળ કે નીષ્ફળ બનાવનાર દગાબાજોનો ક્યારે પણ તોટો નહોતો. રામાયણ મહાભારતમાં પણ આવું જ જોવા મળે છે.

મોટા ગજાની અપ્રામાણીકતા કે અનૈતીકતા પ્રમાણમાં ઓછા લોકો કરે છે. છતાંય લગભગ બધા માણસો થોડે ઘણે અંશે અપ્રામાણીક હોય છે. બધા જ ક્યારેક અનૈતીક વ્યવહાર પણ કરતા હોય છે. કોઈની મજબુરીનો લાભ લેવો, કોઈને આપેલો વાયદો ન પાળવો, બહાનાં બનાવવાં વગેરે અનૈતીક ગણાય. જ્યારે કામચોરી, કરચોરી વગેરે અપ્રામાણીક ગણાય. બધે જ દેખાતા નૈતીકતા અને પ્રામાણીકતાના આટલા અભાવનુ કારણ શું છે ?

ગણીત, વીજ્ઞાન, ઈતીહાસ, ભુગોળ જેવા કોઈપણ વીષયને માણસની નૈતીકતા સાથે જરા પણ નીસબત નથી; કારણ કે એમનાં કાર્યક્ષેત્ર અલગ છે. પ્રામાણીકતા અને નૈતીકતાનું ક્ષેત્ર પહેલેથી જ માત્ર ધર્મ અને શાસનવ્યવસ્થા (સમાજશાસ્ત્ર) હસ્તક રહ્યું છે. ધર્મ હજારો વરસથી લોકમાનસ પર રાજ કરે છે. જુદાં જુદાં નામે અને સ્વરુપે તે આખી દુનીયામાં પ્રસરેલો છે. આટલા લાંબા એક્ચક્રી શાસન પછી પણ, ધર્મ માણસને માત્ર આંશીક રીતે જ પ્રામાણીક/નૈતીક બનાવી શક્યો છે. આ સત્યને સ્વીકારવું રહ્યું. એની પાછળનાં કારણો શોધવા તે સત્યની શોધ હશે.

ભુમીપુત્ર’ પખવાડીકના તારીખ 01 સપ્ટેમ્બર, 2010ના અંકમાં આવેલ વીનોબા ભાવેના લેખનો નાનો અંશ અત્રે રજુ કરવો યોગ્ય લાગે છે.

‘ધર્મ આજે ત્રણ પ્રકારની કેદમાં જકડાઈ ગયો છે. આપણે જો માનવધર્મને પાંગરવા દેવો હોય તો બધા જ ધર્મોને આ ત્રીવીધ કેદમાંથી છોડાવવા પડશે. માનવધર્મને ધર્મ–સંસ્થાઓના સકંજામાંથી, પાદરી–પુરોહીત–મુલ્લાઓના હાથમાંથી અને મંદીર–મસ્જીદ–ચર્ચની ચાર દીવાલોની કેદમાંથી સદન્તર મુક્ત કરી સાચી ધર્મભાવના સર્વત્ર ફેલાવવાની છે.

‘ધર્મ જોઈએ; પણ ધર્મસંસ્થા ન જોઈએ. ધર્મ સંસ્થાઓ મુળમાં ગમે તે સારા ઉદ્દેશથી ઉભી કરવામાં આવી હોય, આજે હવે તે ચાલુ રહે તેમાં સમાજને લાભને બદલે નુકસાન જ વધુ થશે. લોકોએ માની લીધું છે કે ધર્મનું જે કંઈ કાર્ય છે તેને કરવાની જવાબદારી આ ધર્મસંસ્થાના રખેવાળોની છે. ધર્મ માટે આપણે પોતે જાણે કંઈ કરવાનું જ નથી ! એક સુન્દર મન્દીર બનાવી દીધું, એના માટે જમીન–પૈસા વગેરે આપ્યાં, પુજા–અર્ચનાની વ્યવસ્થા કરી, એટલે આપણું ધર્મકાર્ય પતી ગયું ! બધું પંડ્યાને, પાદરીને, મુલ્લાને સોંપી દઈને આપણે હાથ ધોઈ નાખ્યા છે.

‘આજે ધર્મ જેમ ધર્મસંસ્થાઓના સંચાલકોના હાથમાં કેદ છે; તેમ જ ધર્મને મન્દીર–મસ્જીદ–ચર્ચમાં કેદ કરી મુક્યો છે. મન્દીર જઈ આવ્યા, એટલે ધર્મનું આચરણ થઈ ગયું સમજો. રોજબરોજના વ્યવહારમાં ધર્મની કશી જરુર નથી ! ત્યાં જુઠાણાં અને અધર્મ વચ્ચે જે ચાલતું હોય તે ભલે ચાલતું ! ધર્મ એમાં ક્યાંય આડો આવતો નથી ! બજારમાં ધર્મને તો ન લઈ ગયા; એટલું જ નહીં, બલકે, ધર્મમાં બજાર લઈ આવ્યા છીએ. બજારનો અધર્મ મન્દીરમાંય પહોંચી ગયો છે……’

–મુરજી ગડા

લેખક સમ્પર્ક:

શ્રી. મુરજી ગડા,  1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન: 972 679 9009 ઈ–મેલ: mggada@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 ♦ રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 19/09/2014

મુરજી ગડા

ગ્લોબલાઈઝેશન સમજીએ

મુરજી ગડા

ગ્લોબલાઈઝેશન એટલે વૈશ્વીકીકરણ. એ સમસ્ત દુનીયાને આવરી લેતો વર્તમાનનો એક મુખ્ય પ્રવાહ છે. તે એટલો પ્રબળ છે કે એને રોકવાનું કોઈ એક વ્યક્તી કે દેશ માટે શક્ય નથી રહ્યું. ફક્ત પોતા પુરતું કોઈ એને રોકી શકે છે. આ પ્રવાહ બહુમતીના લાભમાં હોવાથી એને રોકવા કરતાં એમાં જોડાવું આપણા હીતમાં છે.

ગ્લોબલાઈઝેશન એ ભારતમાં સરખી રીતે ન સમજાયેલી પ્રક્રીયા છે. એનો સાચો અર્થ છેઃ દેશ, જાતી, ધર્મ વગેરેના ભેદભાવ ભુલી માનવ સમાજ પરસ્પર સહકારથી અને શાન્તીપુર્વક રહે. આ ગ્લોબલાઈઝેશનનુ અન્તીમ ધ્યેય છે. અત્યારે એનો જે અર્થ કરવામાં આવે છે તે છેઃ માલસામાન, મુડી, સેવાઓ, ટૅકનૉલૉજી અને પ્રોડક્ટીવ વ્યક્તીઓ માટે રાષ્ટ્રીય સરહદોની મર્યાદાઓ ઘટાડવાની. આને મુક્ત આર્થીક નીતી પણ કહેવાય છે.

આ બધી બાબતોનો પ્રવાહ છતવાળા પ્રદેશમાંથી અછતવાળા પ્રદેશ તરફ જતો હોવાથી બધાને એનો ફાયદો થાય છે. દરેક દેશની અંદર આ પ્રક્રીયા ચાલે જ છે. હવે એને બીજા દેશો સુધી વીસ્તારવાની છે. એ વીષમતા નહીં; પણ સમાનતા લાવનારી છે. એમાં આર્થીક ગુલામી નથી, ત્યાં કાબેલીયતની કદર થાય છે.

ગ્લોબલાઈઝેશન નવું નથી. એ સદીઓ પહેલા શરુ થયું છે. છેલ્લે તે રાજકીય સામ્રાજ્યવાદના સ્વરુપમાં હતું. જે એ સમજી શક્યા નહીં એમનું ખુબ જ આર્થીક શોષણ થયું હતું. હાલમાં ગ્લોબલાઈઝેશનનો જે તબક્કો ચાલે છે તે આર્થીક અને સાંસ્કૃતીક વીચારધારાના રુપમાં ફેલાઈ રહ્યો છે. એને રાષ્ટ્રીય સરહદો રોકી શકે એમ નથી.

ઓગણીસમી સદીના સામ્રાજ્યવાદથી ગભરાયેલા લોકો હજી પણ ગ્લોબલાઈઝેશનને એ જ સ્વરુપે જુએ છે. ત્યારની અને અત્યારની પરીસ્થીતી સાવ જુદી છે. અત્યારે ભારત એક શક્તીશાળી દેશ છે. ત્યારે શક્તીશાળી તો દુર; એક દેશ પણ નહોતો. સેંકડો નાના રજવાડાઓનો સમુહ હતો.

ગ્લોબલાઈઝેશનનો લાભ બધાને એકસરખો, એકસાથે અને આપોઆપ ન મળે એ સમજવાનું અને સ્વીકારવાનું છે. પોતા માટે યોગ્ય જગ્યા બધાએ જાતે મેળવવાની છે. સામે ચાલીને કોઈ આપી દેવાનું નથી. જે એમાં જોડાતાં નથી કે જોડાઈ શકતાં નથી તે પોતાની મર્યાદાઓ માટે પદ્ધતીનો વાંક કાઢે છે.

ગ્લોબલાઈઝેશન શબ્દ પ્રચલીત થયો એના ઘણા વખત પહેલાથી આપણે એનો લાભ લેતા થયા છીએ. સાંઈઠના દાયકામાં જ્યારે શીક્ષીત વર્ગે પશ્ચીમના દેશોમાં જવાનું શરુ કર્યુ ત્યારે આપણા માટે ગ્લોબલાઈઝેશનની શરુઆત હતી. ત્યારે ‘Brain Drain’ના નામે ઘણી બુમો સંભળાતી હતી. આજે એનું જે વળતર મળી રહ્યું છે તે બધાને ગમે છે. એ જ રીતે કારીગર વર્ગ અખાતના દેશોમાં જઈ પોતાના કુટુમ્બનું આર્થીક ધોરણ ઉંચું લાવી શક્યો તે બધું ગ્લોબલાઈઝેશનને આભારી છે.

ભારત જેવો વીશાળ દેશ જ્યાં પ્રાંતો વચ્ચે ભાષા, પોશાક, ખાનપાન, રીતરીવાજ વગેરે જુદાં છે ત્યાં પરપ્રાંતમાં જવું એ વીદેશ જવા જેટલુ મોટું પગલું હતું. જે લોકોએ ત્યારે દેશમાં જ સ્થળાન્તર કર્યું તેઓએ પણ ઘણી પ્રગતી કરી હતી.

ગુજરાતીઓ ગુજરાત છોડીને અન્યત્ર ગયા એનાથી એમને ફાયદો થયો છે, ગુજરાતને ફાયદો થયો છે અને નવા વસવાટના તે પ્રદેશોને પણ ફાયદો થયો છે. એમણે એવું ન કર્યું હોત તો એમની ધંધાકીય કુનેહ બહાર ન આવી હોત. પેઢીઓ પહેલાં થયેલું આ સ્થળાન્તર ગ્લોબલાઈઝેશનની નાની આવૃત્તી જેવું હતું.

‘ઈન્ડીયા’ કહેવાતા શહેરોની હાલની આબાદીનો યશ ઘણે અંશે ગ્લોબલાઈઝેશનને આપી શકાય; પણ ‘ભારત’ કહેવાતાં ગામડાંની બરબાદી માટે તેને જવાબદાર ન બનાવાય. ગામડાંની હાલત ખરાબ છે તે ખરું; પણ તે હમણાં નથી થઈ, પહેલેથી જ થયેલી છે. એ સમજવું જરુરી છે કે પહેલાંની સ્થીતી વાજબી કે ન્યાયી હતી એમ માની લેવું યોગ્ય નથી.

ગામડાના પછાતપણાનાં કારણો આન્તરીક અને સનાતન છે. ગામડાંના ગરીબોનું શોષણ થયું છે જમીનદારો દ્વારા; ખર્ચાળ, ધાર્મીક અને સામાજીક ક્રીયાકાંડો માથે ઠોકી દેનાર બ્રાહ્મણ વર્ગ દ્વારા અને આવા પ્રસંગો માટે આકરી શરતે નાણા ધીરનાર શાહુકારો દ્વારા. આ ત્રણ વર્ગની વ્યક્તીઓએ ગામડાંની પ્રજાને ગરીબ અને પછાત રાખવામાં ખુબ મોટો ભાગ ભજવ્યો છે. ગરીબોની પાયાની જરુરીયાતો પુરી કરવા સાથે આ બાબતોનો ઉકેલ લાવવો પણ એટલો જ જરુરી છે. આ પ્રકારની માનસીક ગુલામીમાંથી બહાર નીકળ્યા વગર એમની પ્રગતી શક્ય નથી.

ચાલુ વ્યવસ્થામાં જેમને વધુ ફાયદો હોય એમના વીશીષ્ટ લાભ (Monopoly) ગ્લોબલાઈઝેશનથી જતા રહેવાના છે. આવા કીસ્સાઓમાં હમ્મેશની જેમ ગુમાવનાર વ્યક્તી કે જુથ, ગરીબો અને એમના પ્રશ્નોને આગળ ધરી વીરોધ કરવાના જ. દરેક દેશમાં સ્થાપીત હીતો દ્વારા કોઈ ખાસ બાબતમાં ગ્લોબલાઈઝેશનનો વીરોધ થઈ રહ્યો છે.

સામ્યવાદી અર્થવ્યવસ્થામાં કામદારોનુ હીત પહેલાં જોવાય છે. મુડીવાદી અર્થવ્યવસ્થામાં માલીક અને રોકાણકારોનું હીત અગ્રસ્થાને હોય છે. જ્યારે મુક્ત આર્થીક નીતીનો સૌથી વધુ લાભ ઉપભોક્તાને મળે છે. કામદારો, રોકાણકારો વગેરે સમાજનો નાનો વર્ગ છે જ્યારે કન્ઝ્યુમર તો બધા જ હોય છે.

સામ્યવાદી અર્થવ્યવસ્થા ઘણા દેશોએ અજમાવી અને તેઓ ભુંડી રીતે નીષ્ફળ ગયા. મુડીવાદ પહેલેથી ચાલતો આવ્યો છે. એનાં ખરાબ પરીણામો આપણે અંગ્રેજી શાસન દરમીયાન ભોગવ્યાં છે. જાણવા જેવી વાત એ છે કે મુડીવાદી પશ્ચીમી દેશોમાં ખેડુતો અને કામદારોની સ્થીતી બીજાઓને ઈર્ષા ઉપજાવે એટલી સારી છે, જ્યારે મજુરોના દેશ ચીનમાં એમનું ખુબ શોષણ થયું છે અને થાય છે.

મુક્ત વેપાર નીતીનો પાયો હરીફાઈ પર રચાયેલો છે. હરીફાઈમાં હમ્મેશાં ગ્રાહકોને ફાયદો થાય છે. ગ્લોબલાઈઝેશન આ હરીફાઈને સ્થાનીક સ્તરથી વૈશ્વીક સ્તરે લઈ જાય છે. હરીફાઈમાં ટકી રહેવાની અને આગળ નીકળવાની લાયકાત આપણે કેળવવાની છે.

મુક્ત આર્થીક નીતી અન્ય વ્યવસ્થાઓના પર્યાયરુપે આવી છે. આજ સુધી અજમાવેલી બધી જ અર્થવ્યવસ્થાઓ કરતાં એ પ્રમાણમાં સારી છે. એને અપનાવવી આપણા હીતમાં છે. ટેલીફોન તંત્રમાં આવેલ ક્રાન્તીનુ એકમાત્ર ઉદાહરણ એના માટે પુરતું છે. લાંબે ગાળે બહુમતી લોકો માટે જે ફાયદાકારક હોય એ નીતી જ અપનાવાય. નીતી કે વ્યવસ્થા ગમે તેટલી સારી હોય; અમુક લોકોને એનાથી ગેરલાભ થવાનો છે. એના માટે નીતીને દોષ ન દેવાય. વીશાળ જનસમુદાયના લાભ માટે જે લોકોનો વીશીષ્ટ લાભ જતો રહે એમણે બીજા વીકલ્પો શોધવા જરુરી છે. બધાનું હીત એકીસાથે જાળવવા જઈએ તો એક ડગલું પણ આગળ વધી શકાય નહીં.

રોગને મટાડવા દવા લેવી પડે છે. જો આડઅસરના ડરથી દવા ન લઈએ તો રોગ મટવાને બદલે આપણે જ મટી જઈએ. ક્યારેક આડ અસરને નભાવી લેવી પડે છે અને એને સુલટાવવાના બીજા ઉપાય શોધવા પડે છે.

દરેક વાતનો વીરોધ કરતા, વાતવાતમાં હડતાલ પાડતા લોકો વીકાસનાં કાર્યો અટકાવે છે અને પછી ‘સરકાર કશું કરતી નથી’ની ફરીયાદ પણ કરે છે. સર્વાંગી સમતોલ વીકાસની આડે સરકારની નીતી ઉપરાન્ત સાધનોની મર્યાદાઓ, વહીવટી તંત્રની જડતા, ભ્રષ્ટાચાર અને પ્રજાની બેજવાબદારી બધું જ નડે છે. માત્ર ગ્લોબલાઈઝેશનને એનો દોષ ન દેવાય. ગ્લોબલાઈઝેશન અને ઔધોગીકીકરણ એક સાથે ચાલતી પ્રક્રીયા છે. ફક્ત એકનો ઉલ્લેખ કરવાથી ચર્ચા અધુરી રહી જાય છે.

ગામડાંની આર્થીક સમસ્યાઓ પાછળનું એક મોટું કારણ છે : છેલ્લી સદીમાં ચાર ગણી વધેલી વસ્તી. આઝાદી વખતે ખેતી પર નભતી 90 % પ્રજા આજે ભલે 70% થઈ હોય; ત્યારની 90% વસ્તી 30 કરોડ જેટલી હતી. જ્યારે આજની 70% વસ્તી 80 કરોડથી પણ વધુ છે ! આ 70% વસ્તીનો રાષ્ટ્રીય ઉત્પાદનમાં માત્ર 25% જેટલો જ ફાળો છે. મર્યાદીત ખેતીની જમીન, બમણાથી વધારે લોકોને નભાવી, એમનું જીવન ધોરણ ઉંચું ન લાવી શકે. એના માટે માત્ર ખેતી પર નભતા લોકોની સંખ્યા ઘટવી જરુરી છે.

આટલી વધેલી વસ્તી છતાં આપણે અનાજની બાબતમાં સ્વાવલમ્બી બની શક્યા એ મોટી સીદ્ધી છે. આ વધેલા ઉત્પાદનનો લાભ ખેડુતો અને ખેતમજુરોને ઓછો અને જમીનદારોને વધુ મળ્યો છે. આના માટે બહારનાં કારણો નહીં; પણ માણસની શોષણખોર વૃત્તી જવાબદાર છે.

ભારતની ખેતી, દેશની વસ્તીને અનાજ પુરું પાડવાની ક્ષમતા ધરાવે છે; પણ એના પર નભતા લોકોની બધી જ પાયાની જરુરીયાતો પુરી પાડી શકતી નથી. વારસાગત રીતે મળતી જમીનના ખુબ નાના ટુકડા થઈ ગયા છે. સતત વધતા વારસદારોને આવકનાં સાધનો શોધવા શહેરમાં જવા સીવાય બીજો રસ્તો નથી.

શહેરમાં જનારને બારેમાસ કામ મળી રહે છે. ગામડાંના લોકોને અડધો વખત કામ વગર બેસી રહેવું પડે છે. ઔદ્યોગીકીકરણ સામેની હરીફાઈમાં ગ્રામોદ્યોગ ટકી ન શકે. ભુતકાળમાં જવાની વાત આવે ત્યારે વર્તમાનની વસ્તી તેમ જ પ્રજાની જરુરીયાતો અને અપેક્ષાઓ વીશે વીચારવું જરુરી બને છે. કોઈ પણ નાના ગામમાં આધુનીક ઉદ્યોગ શરુ કરવામાં આવે તો ટુંક સમયમાં એ ગામ મટી શહેર બની જવાનું છે. શહેરીકરણ એ ભવીષ્યની વાસ્તવીકતા છે. એને અટકાવવું એ પરીકલ્પના છે. શહેરોના પ્રશ્નોનો ઉકેલ શોધવો એ અગત્યનું છે; પણ તે અલગ વીષય છે.

નાનકડો દેશ જપાન, ભારત કરતાં વધુ ગીચ વસ્તી ધરાવે છે. પહેલેથી જ ઔદ્યોગીકીકરણ અને વૈશ્વીકીકરણ અપનાવી જપાને વસ્તીને દેશની પુંજી (Asset) બનાવી, એક સમૃદ્ધ રાષ્ટ બન્યું છે. કોઈપણ ખેતીપ્રધાન દેશ માટે વધુ વસ્તી એક જવાબદારી(Liability) બની જાય છે. માત્ર ઔદ્યોગીકીકરણ એને પુંજીમાં બદલી શકે છે.

આપણી સાથે આઝાદ થયેલ ચીનની વસ્તી આપણા કરતાં પણ વધુ છે. સાડા ત્રણ દાયકા પહેલા એણે સામ્યવાદી આર્થીક નીતી છોડી ઔદ્યોગીકીકરણ અને વૈશ્વીકીકરણ અપનાવ્યાં. આજે તે વીકસીત દેશોને હંફાવી રહ્યું છે. બધા જ વીકસીત દેશોએ વૈશ્વીકીકરણ અપનાવ્યું છે. એમના અનુભવમાંથી આપણે ઘણું શીખવા જેવું છે.

બધા દેશોની જેમ ભારતને પણ સમસ્યાઓનો સામનો કરવવાનો છે. તકલીફ એ છે કે આપણને આપણી સમસ્યાઓનો દોષ બીજાઓ પર ઢોળવાની આદત પડી ગઈ છે. હાલમાં ઔદ્યોગીકીકરણ અને વૈશ્વીકીકરણને બલીનો બકરો બનાવાય છે. અન્ય દેશો સાથે જે પણ કરાર કરવામાં આવે છે એમાં આપણુ હીત જાળવવા જરુરી તકેદારી રાખવામાં આવે એટલુ પુરતું છે. વધુ પડતી કડકાઈથી તક ગુમાવી શકાય છે.

આપણી ધાર્મીક વીચારધારાઓમાં પુરુષાર્થ કરતાં પ્રારબ્ધને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ‘ભાગ્ય, નસીબ, લખ્યા લેખ’ જેવી વીચારસરણી વ્યક્તીને પોતાના કાર્યોની જવાબદારીમાંથી છટકવાનું કારણ પુરું પાડે છે. આ એક પ્રકારની પલાયનવૃત્તી છે.

ગ્લોબલાઈઝેશનની આડ અસર આજે આપણે વીશ્વવ્યાપી મંદીના સ્વરુપે જોઈ રહ્યા છીએ. આમાં પણ ધીરેધીરે સુધારો આવી રહ્યો છે. વૈશ્વીક મંદી છતાં આપણી આજની આર્થીક સ્થીતી અને જીવનધોરણ, વૈશ્વીકીકરણ પહેલાંની સ્થીતી કરતાં ઘણી સારી છે. અત્યારની મંદી, વધી ગયેલ આતંકવાદ તેમ જ બીજા બધા પ્રશ્નો ઉપરાન્ત આમ જનતા માટે વર્તમાન સમય પહેલાં કરતાં વધુ સારો છે. ભવીષ્ય હજી પણ ઉજળું થવાનું છે.

         –મુરજી ગડા

લેખક સમ્પર્ક:  

શ્રી. મુરજી ગડા,  1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન: 972 679 9009 ઈ–મેલ: mggada@gmail.com

કચ્છી વીશા ઓસવાળ સમાજ, મુમ્બઈનું મુખપત્ર ‘પગદંડી’ માસીકના 2006ના નવેમ્બર માસના અંકમાં તેમ જ કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2009ના એપ્રીલ માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 ♦ ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’  બ્લોગના  હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 29/08/2014

મુરજી ગડા

આપણી બે દુનીયા

  –મુરજીગડા

આપણે બધા બે પ્રકારની દુનીયામાં જીવીએ છીએ. પહેલી દુનીયા, જે આંખો સામે દેખાય છે તે બહારની દુનીયા છે. આપણા જીવન સાથે સંકળાયેલી બધી જ વ્યક્તીઓ, પ્રાણીઓ, વસ્તુઓ અને પ્રવૃત્તીઓ બધું જ આ બહારની દુનીયામાં સમાયેલું છે. એ નક્કર છે, વાસ્તવીક છે અને સત્ય છે. બધા માટે તે સરખી છે. એના નીયમો બધાને લાગુ પડે છે. એની સાથે આપણો ભુતકાળ, વર્તમાન અને ભવીષ્ય ત્રણેય સંકળાયેલા છે.

બીજી દુનીયા, આપણા મગજની અંદર ચાલી રહેલી અંગત દુનીયા છે. એ નક્કર નથી, દેખાતી નથી; કારણ કે તે બહુધા આભાસી છે. એમાં આપણી બધી અપેક્ષાઓ, આકાંક્ષાઓ, કલ્પનાઓ, માન્યતાઓ વગેરે આવેલી છે. એ થોડી વાસ્તવીક અને મોટે ભાગે શ્રદ્ધા, ગેરસમજ, માન્યતાઓ વગેરેથી ભરેલી છે. દરેકની પોતાની એ અંગત દુનીયા હોઈ, અમુક અંશે બીજાઓથી ભીન્ન હોય છે. એને કોઈ સર્વમાન્ય નીયમો કે કાયદાઓ લાગુ પડતા નથી. માનવજાતી સીવાય બીજા કોઈને આ દુનીયા મળેલી નથી. એ વર્તમાન કરતાં આપણા ભુતકાળ અને ભવીષ્ય સાથે વધારે સમ્બન્ધ ધરાવે છે.  જુદી હોવા છતાં આપણી આ બન્ને દુનીયા એક્બીજા સાથે ગાઢ પણે સંકળાયેલી છે.

પ્રાણીજગતની બધી જ પ્રવૃત્તીઓ કુદરતી અને સ્વયંસ્ફુરીત (instinctive) હોય છે. આ સ્વયંસ્ફુરીત ઉપરાન્તની જે પણ પ્રવૃત્તી માણસ કરે છે, તેમાંની મોટાભાગની પોતાની અંગત દુનીયાથી પ્રભાવીત અને પરીણામરુપ હોય છે. એ આપણું જબરદસ્ત પ્રેરકબળ છે.

કેટલાક લોકો બહારની દુનીયા કરતાં અંદરની દુનીયામાં વધુ જીવતા હોય છે. વૈજ્ઞાનીક, તત્ત્વજ્ઞાની, કળાકાર, ચીત્રકાર, લેખક, કવી વગેરે આ પ્રકારમાં આવેછે. તેમની પ્રવૃત્તી રચનાત્મક છે. પોતાની અંગત દુનીયાનો લાભ તેઓ પોતાના સર્જન દ્વારા બીજાઓને આપે છે. આપણે એમના ઋણી છીએ.

માનસીક સંતુલન ખોઈ બેઠેલા તેમ જ નશીલા પદાર્થોના બંધાણી વગેરે જેવા પણ પોતાની અંગત દુનીયામાં વધુ જીવતા હોય છે. તેમની પ્રવૃત્તી આંશીક રીતે ખંડનાત્મક છે. તેઓ આપણી સહાનુભુતીને પાત્ર છે.

આ બે અન્તીમ વર્ગો વચ્ચે એક  એવો મોટો વર્ગ છે જે પોતાની ખાસ એવી અંગત દુનીયાનો દોર કોઈ બીજાના હાથમાં સોંપીને બેઠો છે.  મોટા ભાગના લોકોની અંગત દુનીયાનો સૌથી વધુ ભાગ એમની ધાર્મીક માન્યતાઓનો હોય છે. એ મળેલો હોય છે એમના ધર્મગુરુઓ પાસેથી,  સમ્પર્કો પાસેથી, દંતકથાઓ દ્વારા અને છેલ્લાં થોડાં વર્ષોથી ટી. વી. જેવા પ્રસાર માધ્યમો દ્વારા.

દેશના ઘડવૈયાઓએ આપણને રાજકીય સ્વતન્ત્રતા મેળવી આપી. એની સાથે નાગરીક હક્કો અને વાણીસ્વાતન્ત્ર્ય પણ આપમેળે આવી ગયાં. કમનસીબે વીચારોનું સ્વાતન્ત્ર્ય ખાસ ક્યાંય દેખાતું નથી. એ આપણને કોઈ મેળવી આપવાનું નથી. આપણે જાતે એ મેળવવાનું છે. વૈચારીક સ્વાતન્ત્ર્યનો અભાવ ટોળાશાહી અને ગાડરીયા પ્રવાહમાં પરીણમી અનર્થકારી પરીણામો લાવે છે.

મહત્ત્વાકાંક્ષી લોકો પોતાની અંગત મહત્ત્વાકાંક્ષા સંતોષવા લોકોના આવા વૈચારીક પરાવલમ્બનને લીધે સર્જાતી ટોળાશાહીનો પુરો લાભ ઉઠાવે છે.  બની બેઠેલા ધર્મગુરુઓ આમાં અગ્રસ્થાને છે.  સત્તા અને સમ્પત્તીના વધારે પડતા લોભને લીધે જેટલો વીનાશ સર્જાયો છે એટલો  જ વીનાશ ધાર્માન્ધતાને લીધે પણ થયો છે.  ધર્મ અને જાતીવાદને નામે જેટલાં યુદ્ધ અને જાનહાની થઈ છે એટલી કદાચ બીજાં કોઈ કારણસર નહીં થઈ હોય.

ચુસ્ત ધાર્મીક માન્યતાઓએ કટ્ટરપંથીઓ પેદા કરી આતંકવાદને  જન્મ આપ્યો છે.  આત્મઘાતી હુમલા હોય,  પુર્વયોજીત કાવતરાં હોય કે પછી સ્થાનીક ઘટના દેશવ્યાપી બની ગઈ હોય,  એ આચરનારા બીજા કોઈના દોરવાયા હોય છે,  જેનો ભોગ નીર્દોષ લોકો બને છે.  આવી ઘટનાઓ પાછળ ધાર્મીક, રાજકીય અને સામાજીક નેતાઓનો ફાળો હોય છે. તેમ જ એની પાછળ અનુયાયીઓની ટોળાશાહી વીચારસરણી પણ એટલી  જ જવાબદાર છે.

લોકટોળાની વીચારસરણી પર અંકુશ મેળવવાની પ્રવૃત્તી ઘણી સંસ્થાઓમાં ચાલે છે.  એમના અનુયાયીઓની બાહ્ય તેમ જ અંગત એમ બન્ને દુનીયાનું સંચાલન સંસ્થાની નેતાગીરી દ્વારા થતું હોય છે. એ સંચાલકોના કહેવાનો સાર એવો હોય છે કે, ‘જાણવા અને સમજવા જેવું અમે બધું કરી લીધું છે.  તમને વીચારવાની કઈ જરુર નથી.  માત્ર અમારા ચીંધ્યા માર્ગે ચાલો તો તમારું કલ્યાણ થઈ જશે વગેરે વગેરે’. પરીણામે એમના  ભક્તગણમાં વૈચારીક સ્વતન્ત્રતાનો સદન્તર અભાવ આવી જાયછે અને ટોળાશાહી વર્તણુક શરુ થાય છે.

એમને ક્યારેક એમ પણ કહેવામાં આવે છે કે,  ‘જે દેખાય છે તે  (બહારની દુનીયા)  બધું ભ્રમ અને માયા છે અને જે દેખાતું નથી તે સત્ય છે.  જીવનનો સાર આ અદૃશ્ય સત્યને પામવાનો છે’ વગેરે.  પરાવલમ્બી અને અન્ધશ્રદ્ધાળુ વીચારસરણી ધરાવતો આવો કમનસીબ ભક્તગણ છે જે બહારની વાસ્તવીક દુનીયા કરતાં અંદરની દુનીયામાં વધુ જીવે છે.

કહેવાતા ધર્મગુરુની દોરવણીથી,  આવતા જન્મના લાભાર્થે સેંકડો લોકોએ સામુહીક આત્મહત્યા કરી હોય એવો દાખલો થોડા દાયકાઓ પહેલા વીદેશમાં નોંધાયો હતો.  અંગત લાભ માટે પશુબલી અને ક્યારેક તો બાળ–નરબલી, ચઢાવવાના દાખલાઓ પણ અવારનવાર આપણા છાપામાં ચમકે છે.  આવા બનાવ કોઈ ચોક્કસ ધર્મ,  જાતી કે સમ્પ્રદાય પુરતા મર્યાદીત નથી; બલકે એક યા બીજા સ્વરુપે અન્ધશ્રદ્ધાળુ અને અજ્ઞાની લોકોમાં તે બધે  જ દેખાય છે.

કાપેલું કોળું,  મંત્રેલાં લીંબુ–મરચાં કે ઝાડુ–માટલાંનો ‘ઉતાર’ ચોકમાં મુકી આવવાની પ્રચલીત પ્રવૃત્તી દેખીતી રીતે ભલે હીંસક ન હોય; પણ એની પાછળની ભાવના તો એટલી જ હીન છે.  પોતાની મુસીબતો બીજાને પધરાવવાથી ઓછી થઈ શકે એ માન્યતા  જ હીંસાનું એક સ્વરુપ છે.

અહીંસામાં માનનારા ભલે એવું ન કરે પણ પોતાની અહીંસાની સમજને એટલી સુક્ષ્મ સ્તરે લઈ ગયા હોઈએ તો આપણા લીધે બીજાનું કોઈ  પણ જાતનું અહીત થાય એ સાચા અહીંસાવાદી માટે મોટું અપકૃત્ય  (પાપ) ગણાય.

આપણી બહારની દુનીયાનું સંચાલન તો રાજકીય તથા સામાજીક નેતાઓ કરવાના જ છે.  દેશ અને સમાજના શાન્તીપુર્ણ સંચાલન માટે તે જરુરી છે.  જ્યારે આપણી અંદરની દુનીયા આપણી પોતાની છે.  એનું સંચાલન કેટલી હદે બીજાઓને કરવા દેવું એ આપણા હાથમાં છે.  આપણે જો વીચારોની સ્વતન્ત્રતા નહીં કેળવીએ તો બીજાઓ અવશ્ય એનો લાભ ઉઠાવશે.  ભલે એ કોઈ નેતા હોય,  ધર્મગુરુ હોય કે પછી આપખુદ સગા–સમ્બન્ધી હોય.  સામાન્ય રીતે ‘સારા’ કહેવાતા લોકોને પણ બીજાઓ પર પોતાનો અંકુશ રાખવો ગમતો હોય છે.  સ્વતન્ત્ર વીચારસરણી આવા લોકોનું આપણા પરનુ વર્ચસ્વ ઘટાડે છે.

જ્યાં સુધી સ્વતન્ત્ર વીચારસરણી ન કેળવાય ત્યાં સુધી સાચા અર્થમાં સ્વતન્ત્ર થયા એમ ન કહેવાઈએ.  વીચારોની સ્વતન્ત્રતા કેળવવી અઘરી છે.  જે પણ થોડા લોકો એ કરી શક્યા છે એમાંથી મોટા ભાગના એના બીજા પાસામાં ઉણા ઉતરે છે. એ બીજું પાસું છે બીજાઓની સ્વતન્ત્રતાનો પણ મોકળા મને સ્વીકાર કરવાનો. સ્વતન્ત્ર વીચારસરણીવાળા ઘણા લોકો આપખુદ થઈ જાય છે.  એમની આસપાસના લોકોની સ્વતન્ત્ર વીચારસરણી એમને ગમતી નથી.

આવી ઘણી બાબતોમાં પશ્ચીમી સંસ્કૃતીના લોકો આપણા કરતાં વધુ મુક્ત છે.  આટલું ધ્યાનમાં રાખીએ તો જાણ્યા–સમજ્યા વીના એમની ટીકા કરવાની આપણી અધીરાઈ થોડીક કાબુમાં રહે.

આપણી અંગત દુનીયાના આસન પરથી બધાને હટાવીને આપણા પોતાના અંતરાત્માને બેસાડીએ એમાં  જ આપણુ ભલું છે.  બીજા બધા આપણા માર્ગદર્શક,  હીતેચ્છુ,  પુરક વગેરે હોઈ શકે; માલીક તો આપણે પોતે  જ રહેવાનું છે.

–મુરજી ગડા

લેખક સમ્પર્ક:

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન: 972 679 9009 ઈ–મેલ: mggada@gmail.com

કચ્છી જૈન સમાજ,અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2013ના એપ્રીલ માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 ♦ ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો,પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે,મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે,આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 25/07/2014

મુરજી ગડા

ધર્મ, અધ્યાત્મ અને વીજ્ઞાન

–મુરજી ગડા

દરેક ધર્મનાં ત્રણ મુખ્ય પાસાં હોય છે. પહેલું પાસું છે એ ધર્મમાં આદેશાયેલી ‘નૈતીકતા’નો. ધર્મનું આ હાર્દ છે. બીજું પાસું છે એ ધર્મના નામે કરાવાતા ‘ક્રીયાકાંડો’નું. આ ધર્મનો મુખોટો છે. ત્રીજું પાસું છે ધાર્મીક વીચારધારા પ્રમાણેના ‘અધ્યાત્મ’નું. પ્રસ્તુત લેખનો મુખ્ય મુદ્દો ધર્મના આ ત્રીજા પાસાની ચર્ચા કરવાનો છે.

વીવીધ ધર્મો વચ્ચે આ ત્રણેય પાસાંઓની સમજ, આદેશ અને આચરણમાં ઘણો ફરક રહેલો છે. આપણે એના ઉંડાણમાં નથી જવું. માત્ર એટલું કહેવું જરુરી અને પુરતું છે કે આ ફરક ધર્મોને એકબીજાથી અલગ બનાવે છે, એકબીજા સાથે લડાવે છે.

હજારો વરસથી માનવમગજ પર અધ્યાત્મનો પ્રભાવ રહ્યો છે. જ્યારે માનવજીવન પર વીજ્ઞાનનો પ્રભાવ માત્ર છેલ્લી બે–ત્રણ સદીઓથી જ થવો શરુ થયો છે. આ બન્નેનું મહત્ત્વ તેમ જ માનવજીવન અને વીકાસ પરની એની અસરનાં ઉંડાણમાં ન જતાં, આ બન્નેનાં સ્વરુપો અને કાર્યપ્રણાલીમાં જે ભેદ છે એ સમજીએ. સામાન્ય માણસો તો ઠીક; અનેક વીદ્વાનોમાં સુધ્ધાં આ બેમાં રહેલા ભેદનો સાચો ખ્યાલ નથી. આપણે થોડા મુદ્દા ટુંકમાં તપાસીએ.

(1) વીજ્ઞાન વસ્તુનીષ્ઠ છે, ઓબ્જેક્ટીવ છે. વીજ્ઞાનની વફાદારી, વીજ્ઞાનના સીદ્ધાન્ત કે એ સીદ્ધાન્તના આધારે શોધાયેલાં ઉપકરણો પ્રત્યે હોય છે; એ શોધનાર વૈજ્ઞાનીક કે ઉપકરણો બનાવનારા ઈજનેરો પ્રત્યે નહીં. એટલે જ આપણે રોજબરોજના જીવનમાં વપરાતાં વૈજ્ઞાનીક સીદ્ધાન્ત કે ઉપકરણોના શોધકનું નામ પણ જાણતા નથી.

વીજ્ઞાનની સરખામણીએ અધ્યાત્મ વ્યક્તીનીષ્ઠ છે, સબ્જેક્ટીવ છે. અધ્યાત્મમાં માનનારની નીષ્ઠા એ ‘કહેનાર’માં વધુ અને એમના ‘ઉપદેશ’માં ઓછી હોય છે. ઈસુના દૈવી સ્વરુપમાં માનનાર ખ્રીસ્તી ગણાય; પછી ભલે તે એમના ચીંધેલા માર્ગે ચાલે કે ન ચાલે. જ્યારે ઈસુના દૈવી સ્વરુપમાં ન માનનાર પરમ્પરાગત રીતે સાચો ખ્રીસ્તી નથી ગણાતો; પછી ભલે તે બધી રીતે એમના ચીંધેલા માર્ગે ચાલતો હોય. આ વાત બધા ધર્મોના અનુયાયીઓને એટલી જ લાગુ પડે છે.

(2)  વીજ્ઞાનના સીદ્ધાન્ત અફર હોય છે, તે સર્વત્ર એક સરખી રીતે લાગુ પડે છે. પાણી કરતાં ભારે હોય તે વસ્તુઓ ડુબે અને હલકી હોય તે પાણી પર તરે, આમાં અપવાદ ન હોય. અગ્નીમાં હાથ નાખનાર બધા દાઝે. પછી ભલે તે આસ્તીક હોય યા નાસ્તીક, પાપી હોય કે પુણ્યશાળી હોય. દરેકની પ્રકૃતી પ્રમાણે પીડા ઓછી વધુ થાય એ જુદી વાત છે. અગ્નીપરીક્ષા માત્ર વાર્તાઓમાં શોભે; વ્યવહારમાં નહીં. અધ્યાત્મની વાતો અફર હોતી નથી. તે ક્યારેક કામ કરે અને ક્યારેક ન પણ કરે. જેવો જેનો ભાવ, જેવી જેની ભક્તી, જેવી જેની શક્તી. સંસારસાગરમાં તરી જનારો (સુખી, સફળ) માણસ અધ્યાત્મની દૃષ્ટીએ પુણ્યશાળી હોય અને ન પણ હોય. એ જ રીતે સંસારસાગરમાં ડુબનારો (દુ:ખી, નીષ્ફળ) માણસ પાપી હોય અને ન પણ હોય. આના બચાવમાં કરવામાં આવતી દલીલો ગળે ઉતરે તેવી નથી હોતી.

(3)  વીજ્ઞાનની વાતો ખુલ્લી અને સાર્વત્રીક હોય છે. એને જ્ઞાતી, જાતી, ધર્મ કે પ્રદેશની સીમાઓ નડતી નથી. વીજ્ઞાનનું જ્ઞાન અને એના આધારે વીકસેલી ટૅક્નૉલૉજી સમ્પુર્ણ માનવજાત માટે ખુલ્લાં છે. એનો લાભ લેનારને કોઈ સાધના કે તપ કરવું પડતું નથી. અધ્યાત્મ રહસ્યમય અને ગુઢ (Mystic) હોય છે. અધ્યાત્મને રસ્તે જનાર જે પણ પામતો હોય તે એણે જાતે મેળવવાનું હોય છે. એના બધા પ્રયત્નો પછી પણ એને જેની તલાશ હતી તે સાચે જ મળ્યું કે નહીં, તે અન્ય કોઈ જાણી શકતો નથી. કરનારના કહ્યા પર વીશ્વાસ રાખવો પડે છે.

(4)  સમય, પરીસ્થીતી કે હકીકત બદલાય, નીયમ ખામીવાળો સાબીત થાય અથવા બીજા વધુ સારા પુરાવા મળે તો વીજ્ઞાનનો નીયમ સુધારી શકાય છે. મુળ શોધક ગમે તેટલો પ્રસીદ્ધ હોય તો પણ, એનું કહેલું બધું જ આંખો મીચીને સ્વીકારી લેવાતું નથી.

અધ્યાત્મ કે ધર્મનો સીદ્ધાન્ત કે આદેશ બદલી શકાતો નથી. જૈનો અહીંસાનો સીદ્ધાન્ત છોડી ન શકે. મુસ્લીમો મુર્તીપુજા સ્વીકારી ન શકે. ધર્મમાં / અધ્યાત્મમાં પાયાના ફેરફાર શક્ય નથી.

(5)  કોઈપણ વ્યક્તી નીષ્પક્ષ રીતે વીજ્ઞાનનો પ્રયોગ કરી શકે છે, પ્રસ્થાપીત નીયમને ચકાસીને ખાતરી કરી શકે છે. સંશય હોય તો જાહેર કરી શકે છે. વાસ્તવીકમાં ઘણી અલગ અલગ વ્યક્તીઓ દ્વારા આવી ચકાસણી કરાયા પછી જ કોઈ નવા સીદ્ધાન્તને સ્વીકારાય છે.

અધ્યાત્મમાં આ કરવું અશક્ય છે. જે કહેવામાં આવ્યું હોય તે માનવું જ પડે છે. એમાં સંશય કરનાર નાસ્તીક ગણાય છે.

આદીકાળથી એકબીજા સાથે સતત ઝઘડતા ધર્મો માત્ર એક બાબતે સહમત છે. એ છે વીજ્ઞાનનો વીરોધ કરવામાં.એના બે મુખ્ય કારણો છે : પહેલું કારણ છે એમની માન્યતાથી વીરુદ્ધની વીજ્ઞાનની વાતો સ્વીકારવાથી એમની પ્રતીષ્ઠા ઝંખવાય છે, એમનું મહત્ત્વ ઓછું થાય છે. બીજું કારણ છે કે આ બધાને વીજ્ઞાન શું છે એની જ સમજ પણ નથી. વીજ્ઞાન એટલે કુદરતના નીયમ સમજવાનું શાસ્ત્ર. એ સત્યની શોધ છે. વીજ્ઞાનનો વીરોધ એ કુદરતના નીયમોની અવગણના છે. વીજ્ઞાનના સીદ્ધાન્તને આધારે માનવ ઉપયોગી ઉપકરણો બનાવવાના શાસ્ત્રને ટૅક્નૉલૉજી કહેવાય છે.

ભારતમાં લોકો વીજ્ઞાનને લીધે શોધાયેલી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે. એટલે ભારતમાં વીજ્ઞાન અને ટૅક્નૉલૉજી આવ્યાં છે એમ કહેવાય. કમનસીબે બહુમતી લોકોમાં વૈજ્ઞાનીક માનસ જરા પણ આવ્યું નથી. એમની વીચાર કરવાની રીત એ જ જરીપુરાણી રહી છે.

વીજ્ઞાનના વીરોધીઓની સૌથી પહેલી દલીલ એ હોય છે કે, ‘વીજ્ઞાન તો બદલ્યે રાખે છે જ્યારે ધર્મ શાશ્વત છે.’ આ કહેવાનો મતલબ એવો થયો કે ખળખળ વહેતાં નદીનાં પાણી કરતાં સુકા પ્રદેશના જુના તળાવનું પાણી વધુ સારું છે.

વાસ્તવીકતા એ છે કે ધર્મ પણ બદલાય છે, એને બદલવું જરુરી છે. વીજ્ઞાન બદલતું નથી; પણ પ્રગતી કરે છે. શાશ્વત માત્ર એક જ છે, કુદરતના નીયમ. પણ એ બંધીયાર તળાવ કે ખાબોચીયું નથી. એ તો ઘુઘવાતો દરીયો છે, મહાસાગર છે. એનાં ઉંડાણનો કોઈ પાર નથી.

શરુઆતમાં લખ્યું છે તેમ ધર્મનું એક પાસું ક્રીયાકાંડ છે. અને એ ક્રીયાકાંડો તો સમય અને સ્થળ પ્રમાણે બદલાતા આવ્યા છે. ધર્મના નામે ધંધો કરવાવાળાઓ માટે તે લાભદાયક છે. આ સર્વવીદીત છે. એનો બચાવ કોઈ કરી ન શકે આ ઉપરાન્ત મુખ્ય ધર્મના ફાંટાઓ અને ફીરકાઓના ક્રીયાકાંડમાં જે ફરક છે તે પણ આની પુષ્ટી કરે છે.

ધર્મનું બીજું પાસું છે મુલ્યોનું, નૈતીકતાનું. દરેક ધર્મની નૈતીકતાની સમજ થોડી અલગ છે. ધર્મ જો શાશ્વત હોત તો નૈતીકતાની બાબતમાં એમની વચ્ચે જરા પણ ફરક ન હોત. કુદરતી રીતે બધા માનવ સરખા છે. એમની જરુરીયાતો પણ સરખી છે. એમનાં મુલ્યો અલગ ન હોઈ શકે. જૈન ધર્મની વાત કરીએ. પાર્શ્વનાથ ભગવાને બ્રહ્મચર્યને ખાસ મહત્ત્વ નહોતું આપ્યું, જ્યારે મહાવીર સ્વામીએ એને નૈતીકતાના પાંચ મુખ્ય આદેશોમાં સ્થાન આપ્યું છે. આને જૈન ધર્મ બદલાયો એમ કહેવાય કે ન કહેવાય ?

બુદ્ધ અને મહાવીર, બન્ને એક જ સમયગાળામાં, એક જ પ્રદેશમાં વીહાર કરતા હતા. છતાં ઘણી બાબતોમાં આ બન્ને મહાપુરુષો વચ્ચે મોટા અને મહત્ત્વના મતભેદ હતા. દેહદમન, તપશ્ચર્યા, ખાનપાનની મર્યાદા વગેરેમાં આ સ્પષ્ટ દેખાય છે. આટલો મોટો તફાવત, ધર્મ શાશ્વત હોવાની વાતને પુષ્ટી આપતો નથી.

હીન્દુ ધર્મ એ પ્રાચીન વૈદીક ધર્મનું નવું સ્વરુપ છે. આ બન્ને વીચારધારાઓના વેદ, ઉપનીષદ, મહાકાવ્યો, પુરાણ વગેરે ગ્રંથો ઘણી સદીઓના સમયગાળામાં લખાયા છે. આ ગ્રંથો વાંચ્યા હોય એવા મીત્રો પાસેથી જાણવા મળે છે કે એમાં વર્ણવાયેલા અધ્યાત્મમાં સારો એવો ફરક છે. આ ઉપરાન્ત દુનીયાના જુદા જુદા ધર્મો વચ્ચે પણ સ્વર્ગ, નરક, આત્મા, પરમાત્મા, પુર્વજન્મ, પુનર્જન્મ. બ્રહ્મનાં સ્વરુપ, ધ્યાનના પ્રકાર અને પદ્ધતી તેમ જ અધ્યાત્મનાં ઘણાં પાસાંમાં મતભેદ છે. બધા ધર્મપ્રણેતાઓ એટલા જ મહાન હોવા છતાં આટલો બધો મતભેદ શું સુચવે છે ? માત્ર આપણો જ ધર્મ સાચો અને બીજા બધા ખોટા કે અધુરા એમ કહેવાથી પ્રશ્નો ઉકેલાતા નથી બલકે ક્લેશને આમંત્રણ આપે છે.

હવે વીજ્ઞાન બદલાતું હોવાના આરોપને આપણા રોજીંદા જીવનને સ્પર્શતી એક મામુલી વાતથી સમજીએ. પાણીને ગરમ કરીએ એટલે એક ચોક્કસ તાપમાને તે ઉકળવા લાગે છે. પાણી એનાથી વધુ ગરમ ન થઈ શકે. વધુ ગરમી મળતાં એનું વરાળમાં રુપાન્તર થાય છે. આ એક જાહેર અનુભવની વાત છે. પાણી કે પછી બીજી કોઈ પણ વસ્તુ કેટલી ગરમ છે એનો માપદંડ કોઈની પાસે નહોતો. એનું તાપમાન જાણી શકાતું નહોતું.

ઠેઠ સત્તરમી સદીમાં યુરોપમાં જુદા જુદા વૈજ્ઞાનીકોએ અલગ અલગ પ્રકારનાં થર્મોમીટરો શોધ્યાં. સમયાન્તરે એમાં જરુરી ફેરફારો થતા ગયા. આજે આપણે વાપરીએ છીએ એવાં થર્મોમીટર આવતાં બીજા સો વરસ જેટલો સમય લાગી ગયો. આને વૈજ્ઞાનીક શોધ કહેવાય. વૈજ્ઞાનીકોએ ઉકળતા પાણીને 100 (એક સો) અંશ સેન્ટીગ્રેડ અને થીજતા પાણીને 0 (શુન્ય) અંશ સેન્ટીગ્રેડ ગણીને ઠંડી ગરમીનો ચોક્કસ માપદંડ શરુ કર્યો.

કોઈ પર્વતવાસીએ એના ઉકળતા પાણીમાં થર્મોમીટર રાખી તપાસ્યું તો એને 100 અંશ સેન્ટીગ્રેડ કરતાં ઓછું તાપમાન જોવા મળ્યું. એટલે થર્મોમીટરને કે એના શોધનારને ખોટા કહેવાને બદલે વૈજ્ઞાનીક માનસ ધરાવતી કોઈ વ્યક્તીએ જુદી જુદી ઉંચાઈએ જઈ ઉકળતા પાણીનું તાપમાન મેળવ્યું. કેટલાય પ્રયોગો પછી શોધી કઢાયું કે ઉંચાઈ અને ઉકળતા પાણીના તાપમાન વચ્ચે સીધો સમ્બન્ધ છે. આશરે 960 ફુટની ઉંચાઈએ 1 (એક) અંશ સેન્ટીગ્રેડ ઓછા તાપમાને પાણી ઉકળે છે. અર્થાત્ માઉન્ટ આબુ પર પાણી આશરે 96 અંશ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાને ઉકળવા લાગે છે.

એનાથી આગળ વધી, એ પણ શોધી કઢાયું કે આ તફાવત ઉંચાઈને લીધે નહીં; પણ એટલી ઉંચાઈએ હવાનું દબાણ ઓછું હોય છે એના લીધે છે. આ સીદ્ધાન્ત પ્રમાણે દબાણ વધે–ઘટે તેમ પાણી અને વરાળનું તાપમાન પણ વધે–ઘટે છે. આપણા રસોડામાં રોજ વપરાતાં કુકરથી શરુ કરી, વરાળથી ચાલતી ટ્રેન સુધી ઘણું આ સીદ્ધાન્તના આધારે કામ કરે છે.

આ એક સાવ સામાન્ય અને પાયાની શોધનો દાખલો હતો. છતાં એની પાછળ કેટલીયે વ્યક્તીઓની વરસોની મહેનત હતી, જેમનું નામ સુધ્ધાં કોઈને ખબર નથી. હવે તો આનાથી કેટલાયે વધુ અટપટા સીદ્ધાન્તો શોધાયા છે. એના આધારે નીતનવાં સાધનો બને છે. છેલ્લા થોડા દાયકાઓમાં જ વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર વગેરેમાં થયેલા ફેરફારો ઉડીને આંખે વળગે છે. આ વૈજ્ઞાનીક શોધો અને ટૅક્નૉલૉજીનો ચમત્કાર છે. એની પાછળની મહેનતનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.

દરેક વૈજ્ઞાનીક શોધની પ્રક્રીયાનું એકએક પગથીયું અગત્યનું અને જરુરી હોય છે. એટલે એને વીજ્ઞાન બદલાય છે એમ ન કહેવાય. દરેક શક્યતાને તપાસી, દરેક અપવાદને ધ્યાનમાં રાખી ચોક્કસ થાય છે, પ્રગતી કરે છે એમ કહેવું ઉચીત છે. એનાથી વધારે અગત્યની વાત એ છે કે વીજ્ઞાનની શોધનો ઉપયોગ સમસ્ત માનવસમાજના ભલા માટે થાય છે.

દરેક વસ્તુની જેમ વીજ્ઞાન અને ટૅક્નોલૉજીનો પણ દુરુપયોગ થયો છે. રસ્તા પર કોઈ પુરઝડપે વાહન ચલાવી અકસ્માત સર્જે તો એનો દોષ વાહન બનાવનાર કે એની પાછળની ટૅક્નોલૉજીને ન અપાય. એ દોષ વાહન ચલાવનારનો છે.

હજારો વર્ષો સુધી કુદરતી ઘટનાઓ વીશેનું માનવસમાજનું જ્ઞાન માત્ર અવલોકન પુરતું મર્યાદીત હતું. એની પાછળનાં કારણો શોધી એનો સદુપયોગ કરવાનો કે પછી એમની નકારાત્મક અસરોથી રક્ષણ મેળવવાનો પ્રયાસ પણ ભાગ્યે જ કોઈ કરતું હતું. બધું જ કોઈ દૈવી શક્તીને આધીન હોવાનું માની બધા એની પુજા–પ્રાર્થના કરવામાં જ વ્યસ્ત રહેતા. વીજ્ઞાને એ બધું બદલ્યું છે.

સારાંશમાં, માનવજીવનને અસર કરતા નીયમોના બે પ્રકાર છે: કુદરતી અને માનવસર્જીત. કુદરતના નીયમ શાશ્વત છે, કોઈ બનાવતું નથી, માણસ માત્ર એમને શોધે છે. એ શોધવાનું શાસ્ત્ર વીજ્ઞાન કહેવાય છે. એના નીયમ કદી બદલી કે ઉથાપી શકાતા નથી. એનો કોઈ વીકલ્પ નથી. તે માણસને ખ્યાલમાં રાખી બન્યા નથી.

જ્યારે રાજ્યનું બંધારણ, ધર્મના આદેશ, સામાજીક રીતરીવાજ વગેરે નીયમો માનવસર્જીત છે. સમાજને વ્યવસ્થીત રાખવા માટે માણસો વડે અને માણસો માટે બનાવવામાં આવ્યા છે. એટલે દેશ, કાળ અને જરુરીયાત પ્રમાણે તે બદલાય છે, એને બદલવા જરુરી છે.

દેશનું બંધારણ બદલાય છે તેમ જ ધર્મ પણ બદલાય છે. એ સારા માટે જ છે. સદીઓ પુરાણાં મુલ્યો આજના સમયમાં સુસંગત ન પણ હોય એ સ્વીકારવું અગત્યનું છે. દરીયો ન ઓળંગવાના હીન્દુ ધર્મના આદેશને લીધે ભારતને મધ્ય યુગમાં ખુબ ગુમાવવું પડ્યું હતું. યુરોપીયનોના દરીયાઈ આક્રમણ સામે લડવા માટે ભારતના રાજાઓ પાસે જરુરી નૌકાદળ નહોતું. આવા ઘણા દાખલા આપી શકાય – રુઢીચુસ્ત માનસે ભારતીય સમાજને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. જે ધર્મ સમય પ્રમાણે બદલાતા નથી એમના અનુયાયીઓ ધર્મથી વીમુખ થઈ જાય છે તો ક્યારેક ધર્માન્તર પણ કરે છે. ધર્મ સદન્તર લુપ્ત થવાના દાખલા પણ ઈતીહાસમાં છે.

અધ્યાત્મની વાતો પરલોકની માન્યતા પર આધારીત છે. એને કેટલું મહત્ત્વ આપવું એ દરેકની શ્રદ્ધા પર આધાર રાખે છે. અધ્યાત્મ જે પણ હોય તે; પણ તે સ્વકેન્દ્રી છે. એના જે પણ ફાયદા હોય તે વ્યક્તીગત છે. અને જો ફાયદા ન હોય તો એની પાછળ ખર્ચેલ સમય અને શક્તીનો વ્યય એ ગેરફાયદો જ ગણાય.

(નોંધ: આ લેખના કેટલાક મુદ્દા અમેરીકાસ્થીત લેખક શ્રી. સુબોધ શાહના અંગ્રેજી પુસ્તક ‘Culture Can Kill’માંથી લેખકની પરવાનગીથી સાભાર લીધા છે. –લેખક)

 –મુરજી ગડા

લેખક સમ્પર્ક:

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા– 390007 સેલફોન: 972 679 9009 ઈ–મેલ: mggada@gmail.com

કચ્છી જૈન સમાજ,અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2013ના એપ્રીલ માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 ♦ ‘રૅશનલવાચનયાત્રા માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો,પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે,મારા ‘અભીવ્યક્તી’બ્લોગના હોમ–પેઈજ પર મથાળે,આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 27/06/2014

મુરજી ગડા

ખોરાકની પસન્દગી : સ્વાસ્થ્ય માટે કે શાસ્ત્રોને આધારે ?

–મુરજી ગડા

જૈન મીત્રો સાથેની વાતચીતમાં એક પ્રશ્ન અવારનવાર પુછવામાં આવે છે. દુધ પ્રાણીઓનાં શરીરમાંથી આવતું હોવાથી એને હીંસક ગણાય કે અહીંસક?  આ પ્રશ્ન વ્યાપક હોવાથી એની ચર્ચા જાહેરમાં કરવી જરુરી લાગી છે. માત્ર જૈનોને જ નહીં; પણ અન્ય શાકાહારીઓને પણ તે ઉપયોગી થશે એ આશયથી આ લેખ લખ્યો છે.

જૈન વીચારધારામાં અહીંસાને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે, ખાસ કરીને ખોરાકની પસંદગીમાં. એક એવો વર્ગ છે જેણે દુધ તેમ જ દુધની બનાવટનો સદન્તર ત્યાગ કર્યો છે. તેઓ પોતાને (વેગન)વેજીટેરીયન ગણાવે છે અને આપણને લેક્ટો વેજીટેરીયન (દુધ વાપરતા શાકાહારી) કહે છે. બીજા ઘણા પ્રકારના લોકો છે, જેમની શાકાહારીની વ્યાખ્યા અને ખાનપાનની મર્યાદા આપણાથી અલગ પડે છે. એનાં ઉંડાણમાં જવું જરુરી નથી.

બાળકને શરીરના વીકાસ માટે અને પુખ્ત વયનાઓને શરીર ટકાવી રાખવા માટે સમતોલ આહારની જરુર પડે છે. દરેક પ્રદેશમાં જે સહેલાઈથી મળતું હતું તે એમનો મુખ્ય ખોરાક બન્યો. પાછળથી ધાર્મીક વીચારધારાઓને લીધે એમાં જરુરી ફેરફાર થયા.

દુધમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, કેલ્શીયમ અને જરુરી વીટામીન હોય છે. ધાર્મીક કારણથી દુધ ન લેવું હોય તો આ બધાં જરુરી તત્ત્વોનો વીકલ્પ શોધવો પડે જે શાકાહારી માટે થોડું અઘરું છે.

દુધમાંથી બનતાં દહીં, છાશના સેવનમાં સુક્ષ્મ સ્તરે અહીંસા પાળવી શક્ય નથી. દહીં બનાવવા માટે દુધમાં ઉમેરાતું ‘મેળવણ’ બેક્ટેરીયાનો સમુહ છે. દુધમાં રહેલાં પોષક તત્ત્વોને લીધે આ બેક્ટેરીયા ઝડપથી વધે છે. દહીં છાશના આ બેક્ટેરીયા આપણી પાચનક્રીયા માટે ઘણા ઉપયોગી છે. એના ત્યાગથી જરુરી પોષણ ઉપરાન્ત આ ફાયદો પણ જતો રહે છે.

કેટલીક વાનગીઓના ઘટકમાં આથો લાવવો જરુરી હોય છે. આ આથો બેક્ટેરીયાને લીધે આવે છે. ક્યારેક આથો લાવવા માટે ‘યીસ્ટ’ (કહેવાતા બેક્ટેરીયા) ઉમેરવામાં આવે છે. આટલા સુક્ષ્મ સ્તરે અહીંસાથી દુર રહેવું હોય તો આવી બધી વાનગીઓ પણ ત્યજવી પડે. શક્ય છે કે શાસ્ત્રોમાં આવી બાબતની ચોખવટ નહીં કરી હોય.

હીંસા–અહીંસાની બાબતમાં કુદરત તટસ્થ છે. આપણા શરીરમાં જ મોટી સેના છે, જે બહારના જીવાણુ સાથે યુદ્ધ કરી આપણું રક્ષણ કરે છે. એ આપણા લોહીમાંના શ્વેતકણો છે.

દહીં, છાશ તેમ જ આથાવાળી વાનગીઓમાં રહેલા બેક્ટેરીયા વીશે આ લેખ દ્વારા જેમને ખબર પડી હોય એમને એટલું કહેવાનું કે ધર્મના નામે આ બધું ત્યજી દેવાથી તેઓ પોતાના સ્વાસ્થ્ય સાથે બાંધછોડ કરી રહ્યા છે. દુનીયાની એંસી ટકા પ્રજા માંસાહારી છે. શાસ્ત્રો પ્રમાણે જીવનભર માંસાહારનુ આવું ‘ઘોર પાપ’ કરનારને પાછો મનુષ્ય અવતાર ન મળે. એ ન્યાયે દુનીયાની માનવ વસતી સતત ઘટવી જોઈતી હતી. વાસ્તવમાં એ સતત વધી રહી છે. છેલ્લાં સો વરસમાં એ બે અબજથી વધી સાત અબજ નજીક પહોંચી છે. આ કેવી રીતે શક્ય બને? આનાથી એટલું સાબીત થાય છે કે ખોરાકની પસન્દગી સાથે પુનર્જન્મનો (જો પુનર્જન્મ હોય તો) સીધો સમ્બન્ધ નથી.

આનો અર્થ એમ પણ નથી કે બધા પ્રકારની આહાર–પસન્દગી સરખી છે. બેશક, સમતોલ શાકાહારી ભોજન પણ સમ્પૂર્ણ ખોરાક બની માણસને સંસ્કારીતાના અને સ્વાસ્થ્યના ઉંચા પગથીયે લઈ જઈ શકે છે. અહીંસા ઉપરાન્ત એની તરફેણમાં બીજા ઘણા મુદ્દા છે. એટલું ખ્યાલ રાખવાનું કે માત્ર ખોરાકની પસંદગી માણસને સારો કે ખરાબ નથી બનાવતી. શાકાહારી ન હોય એવા માણસો પણ પ્રામાણીક, નીતીવાન, અપરીગ્રહી, પ્રકૃતીપ્રેમી, પ્રકૃતીરક્ષક હોઈ શકે છે. ખોરાક એવો ન હોવો જોઈએ કે એનાથી પુરતું પોષણ ન મળે, એટલો શુષ્ક ન હોવો જોઈએ કે જમવાનું અધુરું લાગે કે જમવાનો કંટાળો આવે.

અહીંસાના આધારે ખોરાકની પસંદગીની આ વાતો હતી. ખોરાક ઉપરાન્ત રોજબરોજની અન્ય બાબતોમાં પણ હીંસા–અહીંસાનો વીચાર કરવાનો હોય છે. કાંદા, બટેટા, દુધ વગેરે ત્યજતાં પહેલાં બીજું ઘણું છોડવા જેવું અને કરવા જેવું છે એની થોડી વાતો કરીએ. અત્રે ધાર્મીક માન્યતાઓની સમીક્ષાનો પ્રયાસ નથી કર્યો. બલકે આજની વાસ્તવીકતા સાથે એમની વીસંગતી પ્રકાશમાં લાવવાની કોશીશ કરી છે

હીંસાના પ્રકારને ચાર વર્ગોમાં વહેંચી શકાય : પ્રત્યક્ષ, પરોક્ષ, નીવાર્ય અને અનીવાર્ય. જૈન વીચારધારામાં માનનાર પ્રત્યક્ષ હીંસા ન આચરે એવું સ્વીકારી લઈએ. ખેતીમાં થતી જીવહીંસા અનીવાર્ય છે. આપણે એના પરોક્ષ ભાગીદાર હોવા છતાં; ખેતપેદાશનો ઉપયોગ અનીવાર્ય હોવાથી એની ચર્ચા કરવી વ્યર્થ છે. અટકાવી શકાય એવી નીવાર્ય હીંસામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાગીદાર થતા હોઈએ એવા ઘણા દાખલા છે, જે આપણે નીવારી શકીએ. અહીં એવા ચાર દૃષ્ટાંતોની વાત કરી છે.

રેશમ કેવી રીતે બને છે એની જેમને ખબર હોય તેઓ રેશમી વસ્ત્રો પહેરવાનો વીચાર સુધ્ધાં ન કરે. જેમને કદાચ ખ્યાલ ન હોય એમને જણાવવાનું કે એક મીટર રેશમનું કાપડ બનાવવામાં રેશમના લાખો કીડાઓનો નાશ કરાય છે.

કારખાનાઓમાં બનતી પ્રાણીજન્ય વસ્તુઓ માટેનો કાચો માલ સીધો કતલખાનામાંથી આવતો હોય છે. એવી વસ્તુઓના બીનજરુરી વપરાશથી પરોક્ષ રીતે હીંસાના ભાગીદાર બનીએ છીએ.

વાહનમાંથી નીકળતા ધુમાડાથી વાતાવરણ તો બગડે જ છે; સાથે સાથે હવામાંના કેટલાયે સુક્ષ્મ જીવ પણ મરે છે. જરુર વગર ગાડી લઈને નીકળી પડતા લોકો પ્રત્યક્ષ રીતે હીંસાના ભાગીદાર બને છે.

આપણા વપરાશની વસ્તુઓ બનાવવામાં જેટલી કુદરતી સમ્પત્તી વપરાય છે, જેટલી ઉર્જા વપરાય છે, જેટલું પર્યાવરણ બગડે છે, જેટલો કચરો પેદા થાય છે, જેટલા મજુરોનું શોષણ થાય છે, જેટલા બાળમજુરોનો દુરુપયોગ થાય છે; એ બધામાં એક પ્રકારની હીંસા રહેલી છે. આપણે જ્યારે પણ કોઈ વસ્તુની ખરીદી કરીએ છીએ ત્યારે પરોક્ષ રીતે આ હીંસાના ભાગીદાર બનીએ છીએ. ખાનપાન બાબતે અહીંસાને એક અન્તીમ સુધી લઈ જનાર આ બધી બાબતો પ્રત્યે સાવ ઉદાસીન રહે તો એમની અહીંસાની સમજ અધુરી કહેવાય.

બધા પ્રકારની હીંસા બને તેટલી ટાળવાનો સરળ ઉકેલ પણ જૈન વીચારધારામાં છે. એ છે ‘અપરીગ્રહ’નો. આપણે એને સગવડતાથી હાંસીયામાં ધકેલી દીધો છે. વાસ્તવમાં ‘અહીંસા’ અને ‘અપરીગ્રહ’ એકબીજા સાથે અભીન્ન રીતે સંકળાયેલાં છે. મોટો પરીગ્રહી અહીંસક ન હોઈ શકે. માણસ જેટલો અપરીગ્રહી એટલો વધુ અહીંસક ગણાય.

અહીં સંસાર છોડીને સાધુ બનવાની વાત નથી કે સ્વેચ્છાએ ગરીબી સ્વીકારવાની પણ વાત નથી. આજના સંદર્ભમાં બીનજરુરી ખરીદી ન કરવાથી અને બગાડ અટકાવવાથી પણ આ ક્ષેત્રમાં ઘણું કરી શકાય છે. કરુણતા એ વાતની છે કે, વધેલી સમ્પત્તીથી છકી ગયેલા, આડેધડ ખરીદી કરતા, વેડફાટ કરતા, કારણ વગર દોડાદોડ કરતા ઘણા લોકો પોતાને પ્રકૃતીપ્રેમી, પર્યાવરણવીદ્, જાગૃત નાગરીક વગેરે માને છે અને અપરીગ્રહી સાધુઓને નમે છે જ્યારે અપરીગ્રહી સંસારી પ્રત્યે ઉતરતી નજરે જુએ છે.

અહીંસા ઉપરાન્ત બીજી પણ એક બાબત ધ્યાનમાં લેવા જેવી છે. દરેક વસ્તુના બેફામ વપરાશથી આપણે ભાવી પ્રજા માટે દુષીત પર્યાવરણવાળી અને વપરાઈ ગયેલી કુદરતી સમ્પત્તીવાળી દુનીયા છોડી જઈએ છીએ. પૃથ્વી પર માત્ર આપણો જ અધીકાર નથી; ભાવી પેઢીઓનો પણ એટલો જ અધીકાર છે. એમના માટે આપણે કેવી દુનીયા છોડી જઈએ છીએ એના પરથી તેઓ આપણને મુલવવાના છે. આગલી પેઢીઓનો સમૃદ્ધ વારસો આવનારી પેઢીઓને કેવી સ્થીતીમાં આપવાનો છે એ વીચારણા માગી લેતો વીષય છે.

જે શાસ્ત્રોનાં લખાણને આધારે આટલી ચર્ચા થઈ છે એ શાસ્ત્રો વીશે થોડી વાત કરી લઈએ. સાદી સમજ પ્રમાણે પૌરાણીક પુસ્તકો (ગ્રંથો) શાસ્ત્રો કહેવાય છે. જો કે શાસ્ત્રનો સાચો અર્થ છે : ‘કોઈ પણ વીષયને લગતી વીસ્તૃત માહીતી આપતું પુસ્તક.’ એ વીષય જુનો કે નવો હોઈ શકે છે. એટલે જ ભૌતીકશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, સમાજશાસ્ત્ર જેવા શબ્દો વપરાય છે. એ હીસાબે ધર્મશાસ્ત્ર એક વીષય માત્ર ગણાય.

દરેક ધર્મના લોકો પોતાના શાસ્ત્રોમાં સમ્પુર્ણ સત્ય સમાયલું હોવાનું માને છે. ધર્મશાસ્ત્રો લખાયા પછી માનવસમાજનું વધેલું જ્ઞાન એમના મતે મીથ્યા છે. બદલાતા સમય પ્રમાણે સમાજની બદલાતી જરુરીયાતો એમને સ્પર્શતી નથી. આપણે વાસ્તવીક દુનીયામાં જીવીએ છીએ. જો સત્યને સ્વીકારવું હોય તો પોતાની બુદ્ધીનો ઉપયોગ કરી શાસ્ત્રોની મર્યાદા સ્વીકારવી રહી.

સદીઓ અગાઉ, તત્કાલીન રાજકીય, સામાજીક અને ધાર્મીક વાતાવરણમાં લખાયેલ શાસ્ત્રોની આચારસંહીતા વર્તમાન સંજોગોમાં કેટલી અસંગત થઈ ગઈ છે એના થોડા દાખલા અહીં આપ્યા છે.

જે શાસ્ત્ર દ્રવ્યદાનની વાત કરે; પણ રક્તદાન, ચક્ષુદાન, અવયવદાન, શરીરદાન વગેરેની વાત ન કરે એ શાસ્ત્ર આજના સંદર્ભમાં અધુરું છે.

જે શાસ્ત્ર સુક્ષ્મ સ્તરે અહીંસાની અને ક્ષમાની વાત કરે; પણ અન્યાય અને અત્યાચારનો સામનો કરવાની વાતને જરુરી મહત્ત્વ ન આપે એ શાસ્ત્ર પલાયનવાદી અને અધુરું છે.

જે શાસ્ત્ર કહેવાતા દેવદ્રવ્યનો ઉપયોગ માનવ હીતાર્થે કરવાનો નીષેધ ફરમાવે; એ શાસ્ત્ર આજના સન્દર્ભમાં (out dated) અવ્યવહારુ છે.

જે શાસ્ત્ર ક્ષત્રીયકુળને શ્રેષ્ઠ ગણી રાજાશાહીનો મહીમા કરે; જ્યારે લોકશાહીનો ઉલ્લેખ સુધ્ધાં ન કરે તે શાસ્ત્ર આજના સન્દર્ભમાં અવ્યવહારુ છે.

જે શાસ્ત્ર સ્ત્રીઓને પુરુષોથી ઉતરતી ગણે તે શાસ્ત્ર માત્ર આજના જ નહીં; હમ્મેશના સન્દર્ભમાં અવ્યવહારુ છે.

જે શાસ્ત્ર હજી પણ પૃથ્વી સપાટ હોવાની વાતો કરે; તે શાસ્ત્ર આજના સન્દર્ભમાં અવ્યવહારુ છે.

આધુનીક માણસ માત્ર બે લાખ વરસ પહેલાં જ અસ્તીત્વમાં આવ્યો છે. જે શાસ્ત્ર આદી માનવોનું આયુષ્ય કરોડો વરસ હોવાનું કહે; તે શાસ્ત્ર આજના સન્દર્ભમાં અવ્યવહારુ છે.

ધર્મશાસ્ત્રોમાં સમયાનુસાર સુધારા થવા એ નવી વાત નથી. સમય પ્રમાણે શાસ્રો બદલાતાં રહે છે. દરેક ધર્મના વીવીધ પંથોની ધર્મ વીશેની સમજમાં જે તફાવત છે તે ધર્મગુરુઓ દ્વારા શાસ્ત્રોમાં કરવામાં આવેલ ફેરફારનો પુરાવો છે. શાસ્રો લખનાર અને બદલાવનાર આપણા જેવા જ માણસો હતા. એમની મર્યાદા અહીં છતી થાય છે.

મુળ વાત ખોરાકની પસંદગીની હતી. આપણે જે પણ કરવાનું કે ત્યજવાનું વીચારીએ એનાં પરીણામોને સમજી, સ્વીકારી પછી કરીએ એ જ આ લેખનો મુખ્ય હેતુ છે. આ જીવન આનન્દથી જીવવા માટે છે. પરલોકના ખ્યાલમાં પલાયનવાદી બનવા માટે નથી કે કોઈનો પડછાયો બનીને જીવવા માટે પણ નથી. કોઈને પણ હાની પહોંચાડ્યા વગર આપણને ગમતું હોય તે કરવા માટે છે. આવી પડેલ જવાબદારીઓ નીભાવવા માટે છે. સમાજનું હીતકારક ધ્યેય રાખવા માટે છે. આખરી નીર્ણય હમ્મેશાં આપણા હાથમાં હોય છે.

                –મુરજી ગડા

લેખક સમ્પર્ક:

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા–390007 સેલફોન: 97267 99009 ઈ–મેલ: mggada@gmail.com

કચ્છી જૈન સમાજ,અમદાવાદના મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2011ના ઓગસ્ટ માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 ♦ ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો,પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે,મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે,આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી.સેલફોન: 9537 88 00 66 .મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ:30/05/2014