ભક્તી અને શ્રદ્ધા

ભક્તી અને શ્રદ્ધા

–રશ્મીકાન્ત ચ. દેસાઈ

ભક્તી અને પ્રાર્થના પવીત્ર અને સાત્ત્વીક પ્રવૃત્તીઓ મનાય છે; પણ શું આપણે તેમનું હાર્દ સમજ્યા છીએ ખરાં?

માણસાઈના દીવા પ્રગટાવનાર હૃદયસ્થ રવીશંકર મહારાજે ભક્તીને વરાળની ઉપમા આપી હતી. વરાળ તો બધે જ હોય. રણમાં, અલ્પ માત્રામાં ભલે હોય; પણ છે ખરી. તે સર્વવ્યાપી વરાળ એટલી બધી ઉપયોગી નથી નીવડતી. જ્યારે બૉઈલરમાં પુરાયેલી વરાળ તો લાંબી લાંબી આગગાડીઓને તેમજ મોટા મોટા જહાજોને કે કારખાનાઓને ચલાવી શકે છે. શરત એટલી જ કે બોઈલરમાં છીદ્ર ન હોવું જોઈએ. નહીં તો જરુરી દબાણ પેદા ન થાય. તેવી જ રીતે ભક્તીરુપી વરાળની શક્તી પેદા કરવા માટે આપણા મનના બોઈલરમાં છીદ્ર ન હોવું જોઈએ. રવીશંકર મહારાજ અનુસાર આ છીદ્ર હતા– ગાયન, નર્તન અને પ્રદર્શન; કારણ કે ધ્યાન તેમાં ફંટાઈ જાય છે.

ભક્તી એટલે જીવાત્મારુપી પત્નીનો પરમાત્મારુપી પતી માટેનો ઉત્કટ પ્રેમભાવ. તે જાહેરમાં કે સમુહમાં કરવાની ના હોય; છતાં તેને માટે કેટકેટલાં મન્દીરો, ચર્ચો, સીનાગોગો, મસ્જીદો, ગુરુદ્વારાઓ વગેરે બાંધવા અને નીભાવવામાં આવે છે! આ બધા સામાજીક જીવન માટે જરુરી ખરાં; પણ ભક્તી કરવા માટે નહીં. ત્યાં ન જનારી બધી વ્યક્તીઓને દુષ્ટ કે નાસ્તીક ન ગણી શકાય.

કેટલાક મીત્રો ભક્તી કરવા માટે બીજાઓને પ્રોત્સાહીત કરવાની પ્રવૃત્તી કરે છે; પણ ભુલી જાય છે કે ભક્તી તો થઈ જાય, કરવાની ન હોય. ખાસ તો તેને માટે અગાઉથી સ્થળ સમય નક્કી ન કરી શકાય. વળી કોણે ક્યાં, કઈ ભાષામાં, કયા શબ્દોમાં, ક્યારે, કેવી રીતે પ્રાર્થના કરવી તે જે તે વ્યક્તીની પસન્દગી પર છોડવું જોઈએ. તેને બદલે ગુરુઓ તેમના અનુયાયીઓની પ્રાર્થનાનું નીયન્ત્રણ કરતા હોય છે તે કેટલે અંશે યોગ્ય છે?

શ્રદ્ધા વીના ભક્તી ન થઈ શકે; પણ શ્રદ્ધા એટલે શું? જે માન્યતા સાચી કે ખોટી સાબીત ન થઈ શકે તેને સાચી માનવી તેનું નામ શ્રદ્ધા. કોઈ વાત માનવા માટે કારણ આપીએ તો તે શ્રદ્ધાની વાત નથી રહેતી. જેમ કે કોઈ ધર્મપુસ્તકમાં લખ્યું હોય કે પૃથ્વી સપાટ છે તો તે વાતને,  ધર્મપુસ્તકમાં લખ્યું છે તેથી જ સાચી માનવી તે શ્રદ્ધા નથી.

આવો, થોડા દાખલા વડે સ્પષ્ટ કરીએ. નીચે લખેલા પ્રસંગો ખરેખર બનેલા છે, આ લખનારે ઉપજાવી કાઢેલા નથી.

એક સજ્જનને તેમના ગુરુ પ્રત્યે ઘણી શ્રદ્ધા છે. તેમના કહેવા પ્રમાણે તેમના ગુરુએ તેમને બઢતી અપાવી હતી. તેમની સરકારી નોકરીમાં તો વરીષ્ઠતા (સીનીઓરીટી) પ્રમાણે જ બઢતી મળતી હતી. હવે જો તેમનો વારો હતો જ તો ગુરુકૃપા વીના પણ બઢતી મળી હોત. અને વારો ન હોવા છતાં ગુરુકૃપાને લીધે તે બઢતી મળી હોય તો બીજા કોઈને અન્યાય થયો. ગુરુજીએ કોઈ વીદ્યા શીખવી હોય જેને લીધે તેમની આવડત વધી હોય અને વધુ સારી નોકરી મળી હોય તો તે સાચી અને સારી ગુરુકૃપા ગણી શકાય.

એક ખુબ ધાર્મીક વડીલે કહેલું, ‘તલાટીની નોકરીમાં તો શું પુરું થાય; પણ ઈશ્વરકૃપાથી ઉપરની આવક સારી છે તેથી ગાડું ગબડે છે.’ ઈશ્વર જો કૃપા જ કરવાનો હતો તો તેમને ભણવામાં મદદ કરી સારી નોકરી ના અપાવત?

એક સામયીકમાં એક લેખ હતો કે કોઈ ખાસ મન્ત્રના જાપ કરવાથી એક પરીવારને કોર્ટ કેસમાં જીત મળી હતી. જરા વીચારીએ. જો સત્ય તેમને પક્ષે હતું તો જાપ વગર પણ જીત થવી જોઈતી હતી. અને નહોતું તો જાપને લીધે બેવડો અન્યાય થયો. મન્ત્રના જાપથી સામા પક્ષે, કોર્ટમાં ગયા વગર, સમાધાન કર્યું હોત તો જુદી વાત હતી.

એક બીજા ભક્ત એક વીખ્યાત ઐતીહાસીક સંતને તેમના ઈષ્ટદેવ માને. તેમની પુત્રીનું વેવીશાળ તે જ સંતના એક બીજા ભક્તના પુત્ર સાથે થયું. વરના કુટુમ્બની ઈચ્છા તે વરસે લગ્ન લેવાની હતી. આ ભાઈ પાસે પૈસા નહોતા. કહે, ‘મેં તો મારી સમસ્યા મારા ઈષ્ટદેવને સોંપી દીધી.  મારા વેવાઈના જમાઈનું અકસ્માતમાં મરણ થવાથી લગ્ન મુલતવી રહ્યા. જોયો મારા ઈષ્ટદેવનો  પ્રભાવ?’ ઈષ્ટદેવ શું એવા નાદાન હોઈ શકે કે એક ભક્તને સહાય કરવા તેમના જ બીજા ભક્તનું ઘોર અહીત કરે? જુની ઉઘરાણી અણધારી વસુલ થવાથી કે બીજી કોઈ નૈતીક રીતે પૈસા મળી ગયા હોય તો તે ઈષ્ટદેવનો પ્રભાવ.

એક​ મીત્રે​ કહ્યું કે તેમના ગુરુના ગુરુ પાંચસો વરસથી જીવતા હતા. શું તે ગુરુવરને પોતાનો નશ્વર દેહ એટલો બધો વ્હાલો હતો કે ચારસો વરસથી પકડી રાખ્યો હતો? તો કહે કે હીન્દુ ધર્મની રક્ષા માટે હીમાલયમાં તપ કરતા હતા. છેલ્લા ચારસો વરસોમાં હીન્દુ ધર્મ પર વારંવાર આપ​ત્તીઓ આવી હતી ત્યારે તેઓ ક્યાં હતા? ધર્મનું રક્ષણ ક્યારે ક્યારે અને કેવી રીતે કર્યું? જવાબ નથી.

આવી શ્રદ્ધાને આપણે શું કહી શકીએ? તેને ખોટી અથવા અન્ધશ્રદ્ધા ન કહીએ તો પણ કાચી તો કહી શકાય. આપણી શ્રદ્ધા એવી તો ન જ હોવી જોઈએ કે જેથી બીજાનું અહીત થાય.

કોઈ તહેવારના દીવસે એક સજ્જન ગરીબોને લાડવા વહેંચતા હતા. એક ખુબ ગરીબબાઈ સાથે તેનું નાનું બાળક હતું તે જોઈને તેમણે તેને ત્રણ લાડવા આપ્યા. તે બાઈએ કહ્યું, ‘સાહેબ મને બે જ લાડવા આપો.’ સજ્જને કહ્યું કે ત્રીજો લાડવો તેના બાળકને સાંજે ખાવા માટે આપ્યો હતો. તો કહે, ‘સાંજે તો __મા અમને પહોંચાડશે. અત્યારે તો બીજા ઘણા ભુખ્યા પાછળ છે તેમને આપો.’ (આ પણ બનેલી વાત છે, કાલ્પનીક નથી.)

ટુંકમાં કહીએ તો જે વીચારસરણી ખોટું કે ખરાબ કામ કરતાં પહેલા ચેતવે અને અટકાવે તથા ભુલથી થઈ ગયું હોય તો પસ્તાવો કરાવે અને સારું સાચું કામ કરવાની પ્રેરણા તથા હીમ્મત આપે તેને સાચી શ્રદ્ધા કહી શકાય.

પરન્તુ શીતળામા અને બળીયાબાપા જેવા દેવ–દેવીઓની પુજાને અન્ધશ્રદ્ધા ન કહેવાથી શ્રદ્ધાની વીભાવનાનું ઘોર અપમાન થાય છે. વીમો લઈને પ્રીમીયમ ભરીને પોતાની ગેરહાજરીમાં પોતાના કુટુમ્બના યોગક્ષેમની જવાબદારી વીમા કમ્પનીને સોંપવાને બદલે પરમેશ્વર પર ઢોળવી તે સાચી શ્રદ્ધા નથી, નીષ્કાળજી છે, પરાવલમ્બી મનોવૃત્તીનું લક્ષણ છે. બીમાર સ્વજનની દાકતરી સારવાર કરાવવાને બદલે પાણીના કે કાળી માટીના પોતા મુકવા અને પ્રાર્થના કર્યે રાખવી તે પણ બીનજવાબદાર પગલું છે, શ્રદ્ધા નથી.

વીશ્વાસ એ શ્રદ્ધા નથી. વીશ્વાસ જીવન્ત વ્યક્તી પરત્વે હોય, શ્રદ્ધા માટે તેવું કશું બન્ધન નથી. વીશ્વાસ મેળવવો પડે, તેમાં આદાન–પ્રદાન (quid pro quo) હોય પછી ભલે તે મૌખીક અથવા અવ્યક્ત હોય. શ્રદ્ધા એકતરફી હોય, વીશ્વાસ પરસ્પર હોય. સાચા શીષ્યને સાચા ગુરુ પ્રત્યે શ્રદ્ધા હોય, ગુરુને તો શીષ્ય માટે વીશ્વાસ જ હોઈ શકે, શ્રદ્ધા નહીં. વીશ્વાસઘાત કરી શકાય, શ્રદ્ધાઘાત નહીં. વીશ્વાસ વીના શ્રદ્ધા શક્ય નથી, શ્રદ્ધા વીના વીશ્વાસ સંજોગવશાત રાખવો પણ પડે.   જેમ કે પ્રવાસ દરમ્યાન વાહન ચાલક આપણને લક્ષ્ય પર સહીસલામત અને સમયસર પહોચાડશે તેવો વીશ્વાસ (શ્રદ્ધા નહીં) રાખીએ છીએ. તેનો બીજો કશો વીકલ્પ નથી હોતો અને ચાલકને સીધેસીધું અથવા આડકતરી રીતે મહેનતાણું આપેલું હોય છે. ચાલકે જરુરી તાલીમ લીધી હશે અને કસોટી પસાર કરીને પરવાનો લીધો હશે એમ માની લેવું પડે. અમેરીકન પ્રમુખ રોનાલ્ડ રેગન કહેતા ‘Trust, but verify વીશ્વાસ કરો; પણ ચકાસણી કરતા રહો.’ વીશ્વાસની ચકાસણી કરી શકાય, શ્રદ્ધાનો તો અખતરો જ કરી શકાય. સોદાબાજી માટે વીશ્વાસમાં અવકાશ હોઈ શકે, શ્રદ્ધા અંગે નહીં. બાધા આખડી, માનતા, કથા જેવી ફળનો લાભ મેળવવા કરેલી વ્યાપારી ભક્તીને શ્રદ્ધા ન કહી શકાય; કારણ કે તેમાં લેવડદેવડ આવી જાય છે. ફળ મળ્યા પછી જ પુજા કરવાની હોય તો તેનો અર્થ એમ કે જેની માનતા માની હોય તે દેવ કે દેવી વાંછીત ફળ ન પણ આપે એવો ભય ‘ભક્ત’ના મનમાં સુતેલો છે. આને તમે શ્રદ્ધા કહેશો?

કોઈ વ્યક્તી શ્રદ્ધાને પાત્ર ન હોય એવું બને જેમકે શ્રીકૃષ્ણ. અર્જુન સદેહે સ્વર્ગમાં જઈ આવ્યો હતો. ત્યાર બાદ ગીતા સાંભળી. શ્રીકૃષ્ણે કહ્યું : ‘અહમ્ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયીષ્યામી’ (હું તને બધા પાપમાંથી મુક્ત કરીશ.) છતાં તેને સ્વર્ગમાં પ્રવેશ ન મળ્યો (કુતરાને મળ્યો). યુધીષ્ઠીરે સમજાવ્યું કે તેના થોડા પાપ રહી ગયા હતા. શ્રીકૃષ્ણનો આશય વચનભંગ કરવાનો નહીં હશે, આપત્તી સમયે અર્જુનને આદેશ અને સધ્યારો આપવા ખાતર આવું કહેવું પડ્યું હશે. તેઓ એક અત્યન્ત મહાન લોકહીતેચ્છુ રાજપુરુષ (statesman) હતા; પણ પરમેશ્વર તો નહીં જ. કોઈના પાપ માફ કરવાની સત્તા તેમને નહોતી.  તેમને ભગવાન માનવાથી ક્યારેક અર્જુનની જેમ પસ્તાવું પણ પડે. માટે શ્રદ્ધા સીદ્ધાન્ત પર જ રાખવી જોઈએ, કોઈ વ્યક્તી પર નહીં.

શ્રદ્ધા કોનામાં કે શાનામાં રાખવી જોઈએ? આપમેળે આવી મળતી શ્રદ્ધા અંગે પસન્દગીનો અવકાશ ના હોય. છતાં જો શક્ય હોય તો વીચારવું જોઈએ કે પોતાની શ્રદ્ધા ખરેખર શ્રદ્ધા છે?  હોય તો તે પરમેશ્વરમાં કે બીજા કોઈ કે બીજા કશામાં? આપણે કશે જવા માટે કોઈ વાહનમાં બેસીએ, આંખ મીંચીને પડી રહીએ કે ઉંઘી જઈએ તેનો ઉપયોગ ધર્મપ્રચારકો શ્રદ્ધાના ઉદાહરણ તરીકે કરતા હોય છે. તે કાંઈ ચાલક પ્રત્યેની આપણી શ્રદ્ધાને લીધે નહીં; પણ લાચારીને લીધે હોય છે. આને શ્રદ્ધા ના કહેવાય. જુઠું બોલવાથી લાભ થતો હોય; છતાં તે ના બોલીએ તો તે સત્ય પરની સાચી શ્રદ્ધા કહી શકાય.

ઘણી વાર એવું પણ બને છે કે જેને આપણે પરમેશ્વર પ્રત્યેની શ્રદ્ધા માનતા હોઈએ તે તેમ નથી હોતું. દાખલા તરીકે ઘણા લોકો કોઈને કોઈ એક પુસ્તકને, પછી ભલે તે વેદ, ગીતા, બાઈબલ, કુરાન, ગ્રંથસાહેબ કે તે કક્ષાનું બીજું કોઈ પુસ્તક હોય તેને, ઈશ્વરનો શબ્દ માનતા હોય છે. તેમને તો કોઈ વડીલ, પીતા, માતા, શીક્ષક અથવા ધર્મગુરુએ કહ્યું હોય કે તે પુસ્તક ઈશ્વરનો શબ્દ છે. તે કહેનાર પ્રત્યેના વીશ્વાસને લીધે લોકો માની લેતા હોય છે; પણ આ વીશ્વાસ કંઈ ઈશ્વર પ્રત્યેની  શ્રદ્ધા નથી હોતી. આમ કહેનારને પણ બીજા કોઈએ કહ્યું હોય તે માની લીધું હોય. આવી રીતે આગળથી ચાલી આવતી માન્યતાને શ્રદ્ધાનું નામ ન આપવું જોઈએ.

બીજા કેટલાક ભક્તોની શ્રદ્ધા ચમત્કાર અથવા વ્યક્તીગત ઉપકારને લીધે ઉત્પન્ન થયેલી હોય છે. તે પણ કાચી શ્રધ્દ્ધા ગણી શકાય. આવી શ્રદ્ધાને બદલે આપણે ઈશ્વર અને સત્ય, ન્યાય, પ્રેમ જેવા ઈશ્વરીય ગુણો પર શ્રદ્ધા રાખીએ તો સારું.

આપણે આપણા સંતાનોને સારા સંસ્કાર આપવાને નામે પ્રાર્થના કરતાં શીખવીએ છીએ.  સારી વાત છે; પણ તે પ્રાર્થના સમજ્યા વગર યન્ત્રવત ના કરે તેનું ધ્યાન રાખવું જોઈએ.

–રશ્મીકાન્ત ચ. દેસાઈ

લેખક : Rashmikant C Desai

35 Raleigh Road, Kendall Park, NJ 08824–1040 USA

ફોન : 732 422 9766 (Home) .મેઈલ : tatoodi@gmail.com

વેબસાઈટ : https://sites.google.com/site/tatoodi/  લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ .મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 20/04/2018

Advertisements

વૈજ્ઞાનીક અભીગમ પ્રત્યે ઉપેક્ષા ગેરલાભકર્તા જ નહીં, ગેરબંધારણીય પણ છે

વૈજ્ઞાનીક અભીગમ પ્રત્યે ઉપેક્ષા ગેરલાભકર્તા જ નહીં,

ગેરબંધારણીય પણ છે

–બીરેન કોઠારી

વીજ્ઞાન, વીજ્ઞાની અને વૈજ્ઞાનીક અભીગમ સામાન્યપણે આપણા દેશમાં હાંસીપાત્ર બનતાં આવ્યાં છે. કોઈ પણ મુદ્દે જેને ફટકારી શકાય એવી હાથવગી ‘પંચીંગ બૅગ’ અથવા દેશી ઉપમા વાપરીને કહીએ તો રસ્તે પડેલા ગલુડીયા જેવી તેની હાલત છે. જતુંઆવતું કોઈ પણ તને અડફેટે લઈ લે. વીજ્ઞાન થકી મળતા લાભ બધાને લેવા છે; પણ તેના થકી વૈજ્ઞાનીક અભીગમ કેળવવાને બદલે આખરે અન્ધશ્રદ્ધાનો કે જડ વીચારધારાઓનો જ પ્રચાર કરતા રહેવું છે. આજના યુગમાં મોબાઈલ ફોન એવું ઉપકરણ છે કે જે ગરીબ–અમીર, સાક્ષર–નીરક્ષર સહીતના તમામ અન્તીમવાળા લોકોના જીવનને રોજબરોજ સ્પર્શે છે. તેનો સદુપયોગ જીવનને ઘણે અંશે સરળ બનાવી શકે છે; પણ તેના થકી સુવીધા કરતાં ત્રાસ થતો હોય એવું વધુ જોવા મળે છે. વીજ્ઞાન કે વૈજ્ઞાનીક અભીગમ સાથે આ ઉપકરણના વપરાશકર્તાને કશી લેવાદેવા હોતી નથી. આનું એક કારણ એ કે વૈજ્ઞાનીક અભીગમ અપનાવવામાં આવે તો ઘણી બધી અન્ય બાબતોનો સ્વીકાર કરવો પડે, જે આપણી પરમ્પરા સાથે કે બહુમતી સમાજના અભીગમ સાથે સુસંગત ન હોય. તેને બદલે આભાસી સલામતીના કોચલામાં પુરાઈને પોતાની માન્યતાઓને વળગી રહીને સન્તોષ માનતા રહેવું વધુ સુવીધાજનક છે. આ લક્ષણ કેવળ વ્યક્તીગત સ્તરે નહીં, વ્યાપક સામાજીક સ્તરે તેમ જ શાસકીય સ્તરે પણ જોવા મળે છે.

શાસકો આપણી વૈજ્ઞાનીક સીદ્ધીઓને ગમે એટલી બીરદાવે, તેઓ હૈયેથી સાંસ્કૃતીક કટ્ટરવાદનું જ સમર્થન કરતા હોય છે. આ કોઈ વ્યક્તીગત માન્યતા નથી; પણ દેશભરના વીજ્ઞાનીઓ દ્વારા અનુભવાઈ રહેલું સત્ય છે. આ મહીનાની નવમી તારીખે દીલ્હી, મુમ્બઈ, હૈદરાબાદ, કોલકાતા સહીત પચીસેક શહેરોમાં વીજ્ઞાનીઓએ રેલી કાઢી. શી હતી તેમની માગણીઓ?

તેમની પ્રાથમીક માગણી એ હતી કે બન્ધારણના પરીચ્છેદ 51 A (h)નો સુયોગ્ય ઢબે પ્રચાર કરવામાં આવે. તેમાં જણાવાયા મુજબ પ્રત્યેક નાગરીકની એ મુળભુત ફરજ છે કે તે વૈજ્ઞાનીક અભીગમ, માનવવાદ, જીજ્ઞાસા તેમજ સુધારાવૃત્તી કેળવે. નાગરીકો કંઈ આપમેળે આ કરવાના નથી, એટલે સરકારે તેનો યોગ્ય પ્રચારપ્રસાર અને અમલ થાય એ મુજબ કાર્યક્રમો ઘડવા જોઈએ. વીજ્ઞાન અને ટેકનોલોજીને વીકસાવવાની વાતો જોરશોરથી થાય છે; પણ તેની વાસ્તવીકતા શી છે?

2015માં તીરુપતી સાયન્‍સ કોંગ્રેસના આરમ્ભીક ઉદ્‍બોધનમાં આપણા વડાપ્રધાને જણાવ્યું હતું કે વીકાસની તત્કાળ આવશ્યકતા માટે વીજ્ઞાન અને ટેકનોલોજી હાથવગાં હોવાં જોઈએ અને કોર્પોરેટ સોશીયલ રીસ્પોન્‍સીબીલીટી (સી.એસ.આર.)નું ભંડોળ વૈજ્ઞાનીક શોધના ઉત્તેજન તરફ વળવું જોઈએ. ત્યાર પછી દહેરાદુનમાં યોજાયેલી ચીંતન શીબીરમાં જાહેરનામું રજુ કરવામાં આવ્યું કે લૅબ એટલે કે સંશોધનલક્ષી પ્રયોગશાળાઓ વીકાસલક્ષી બનાવવી જોઈએ, જે 2017 સુધીમાં અંશત: નફાલક્ષી પણ બને તેમજ અંશત: તે નાણાકીય રીતે સ્વનીર્ભર બને એમ થવું જોઈએ. આ જાહેરનામાને પગલે વીજ્ઞાન અને પ્રૌદ્યોગીકી મન્ત્રાલયના તાબામાં કામ કરતી સંસ્થા ‘કાઉન્‍સીલ ઑફ સાયન્‍ટીફીક એન્‍ડ ઈન્‍ડસ્ટ્રીઅલ રીસર્ચ’ (સી.એસ.આઈ.આર.)ને જણાવવામાં આવ્યું કે તેઓ પોતાના દ્વારા વીવીધ લેબોરેટરીને ફાળવવામાં આવતા ફંડની રકમમાં અડધોઅડધ વધારો કરે. આ સંસ્થા અંતર્ગત કુલ 38 લેબોરેટરી રાષ્ટ્રભરમાં કાર્યરત છે. સામે પક્ષે લેબોરેટરીઓને પણ સુચના આપવામાં આવી કે તેઓ વખતોવખત નીયમીતપણે જાણકારી આપતી રહે કે તેમના દ્વારા કરાયેલાં સંશોધનો શી રીતે વર્તમાન સરકારનાં આર્થીક તેમજ સામાજીક ધ્યેયને આગળ વધારે છે. પહેલી નજરે આ આખું ચીત્ર એકદમ સંપુર્ણ લાગે અને એમ પણ થાય કે આમ જ હોવું જોઈએ.

પાયાની સમસ્યા વીજ્ઞાન સાથે સરકારી કાર્યક્રમની ભેળસેળની છે. વૈજ્ઞાનીક શોધ લાંબા ગાળાની પ્રક્રીયા છે. એ તત્કાળ તેમજ ઈચ્છા મુજબ ફળ આપતું કોઈ કલ્પવૃક્ષ નથી. શાળાના વીદ્યાર્થીઓની પ્રગતીનો વખતોવખત અહેવાલ મેળવી શકાય, વીજ્ઞાનીઓ દ્વારા હાથ ધરાયેલા કાર્યનો નહીં. કેમ કે, દરેક પ્રયોગ સફળ થશે જ તેની કોઈ ખાતરી હોતી નથી. અનેક અખતરાઓ નીષ્ફળ જાય ત્યારે સફળતા મળે તો મળે. આજે ગૌરવભેર આપણે જે ઉપગ્રહો તૈયાર કરીને અવકાશમાં સફળતાપુર્વક તરતા મુકી રહ્યા છીએ, તે રાતોરાત નહીં, પણ કેટલાય દાયકાઓની જહેમત પછી પ્રાપ્ત થયેલું ફળ છે.

ઉદ્યોગો સાથે વૈજ્ઞાનીક શોધને સાંકળવાની દરખાસ્ત પહેલી નજરે આકર્ષક લાગે; પણ તેમાં મુળભુત સંશોધનો હડસેલાઈ જાય એ શક્યતા રહેલી છે. એટલે કે ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલાં સંશોધનોનું વ્યાપારીકરણ થાય અને તેનો સીધો લાભ જે તે ઉદ્યોગો કે ઉદ્યોગગૃહોને જ મળે. રાષ્ટ્રને તેનો સીધો લાભ ભાગ્યે જ મળે. બીજી રીતે કહીએ તો રાષ્ટ્રે પોતે જ સ્વતન્ત્રપણે વૈજ્ઞાનીક સંશોધનને ઉત્તેજન મળે એ રીતે અંદાજપત્રમાં નાણાંની ફાળવણી વધારવી રહી.

દેશના અલગ અલગ પચીસેક શહેરોમાં રેલી કાઢવા પાછળ વીજ્ઞાનીઓનો આશય આ હકીકત પ્રત્યે સૌનું ધ્યાન દોરવાનો હતો. તેમની માગણી હતી કે ભારતની જી.ડી.પી.ના ઓછામાં ઓછા ત્રણ ટકા વૈજ્ઞાનીક તેમજ પ્રૌદ્યોગીકી સંશોધન પાછળ અને દસ ટકા શીક્ષણ માટે ફાળવવામાં આવે. એ જાણવું જરુરી છે કે અંદાજપત્રમાં છેલ્લાં ત્રણ વર્ષથી શીક્ષણ માટેનાં નાણાંની ફાળવણીનું પ્રમાણ સતત ઘટતું રહ્યું છે, જે 2016–17ના વર્ષમાં માત્ર 3.65 ટકા જ હતું. છેલ્લા બજેટમાં વીજ્ઞાન અને પ્રૌદ્યોગીકી માટે અંદાજપત્રની કુલ રકમના 0.52 ટકા જ ફાળવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત લેખના આરંભે જણાવ્યું એમ બંધારણના ઉક્ત પરીચ્છેદને સુસંગત અવૈજ્ઞાનીક, પ્રગતીવીરોધી તેમજ ધાર્મીક અસહીષ્ણુતાને સમર્થન આપે એવો પ્રચાર બન્ધ કરવાની આ વીજ્ઞાનીઓની માગણી છે. આ ઉપરાંત શૈક્ષણીક પ્રણાલીમાં તેઓ એવું શીક્ષણ દાખલ કરવા ઈચ્છે છે કે જે વૈજ્ઞાનીક પુરાવાઓ પર આધારીત હોય. સાથે સાથે નીતીઓ પણ એવી રીતની હોય જે વૈજ્ઞાનીક પ્રમાણને અનુરુપ હોય.

સરકાર દ્વારા વીવીધ પાઠ્યપુસ્તકોમાં પોતાની વીચારધારાને અનુકુળ તથ્યોના તોડમરોડની નવાઈ રહી નથી. ઈતીહાસ તો ઠીક, સાહીત્ય અને વીજ્ઞાનના ક્ષેત્રોમાં પણ તેમની દખલગીરી વધી રહી છે. વીજ્ઞાનીઓ એક થઈને આ બધાં અનીષ્ટોની સામે દેખાવો યોજે તો આગામી અંદાજપત્રમાં નાણાંની ફાળવણી પર તેની થોડીઘણી માત્રામાં હકારાત્મક અસર થઈ શકે એ શક્યતા નકારી શકાય નહીં. પણ એ સીવાયની બાબતો અમલમાં અઘરી છે.

એક પ્રજા તરીકે આપણે જ ધર્મ, સંસ્કૃતી, નાતજાત અંગેની અનેક ગેરમાન્યતાઓ અને ગેરસમજણોથી પીડાઈએ છીએ. રાજકારણીઓ પોતાના મતના સ્વાર્થ ખાતર આ ખાઈને વધુ ને વધુ પહોળી કરી રહ્યા છે. તેમને મળી રહેલી સફળતા હકીકતમાં પ્રજા તરીકે આપણી વ્યાપક નીષ્ફળતા સુચવે છે. હજી આપણને વૈજ્ઞાનીક અભીગમ અપનાવવાનું જચતું નથી. બંધારણમાં ભલે ગમે તે લખાયું હોય, તેનો અમલ આખરે આપણા હાથમાં છે. વીજ્ઞાનનો ઉપયોગ અને વૈજ્ઞાનીક અભીગમ બન્ને અલગ બાબતો છે. ઉલ્લેખનીય છે કે આ અખબારમાં, આ જ સ્થાન હૃદયસ્થ રમણ પાઠકવાચસ્પતી’એ સતત 38 વર્ષ સુધી પોતાની સાપ્તાહીક કટાર ‘રમણભ્રમણ’ દ્વારા વૈજ્ઞાનીક અભીગમ કેળવવાનો નોંધપાત્ર પ્રયાસ કર્યો હતો, જેનાં ફળ અનેકને મળી રહ્યાં હશે. આ એક સતત ચાલતી પ્રક્રીયા છે, અને એક વાર શરુ થયા પછી આજીવન રહે છે. વ્યક્તીગત ધોરણે વૈજ્ઞાનીક અભીગમ કેળવાય એ પ્રશંસનીય છે, પણ તેનો વ્યાપક પ્રસાર થાય એ વધુ જરુરી છે. વીજ્ઞાનીઓએ ત્યાર પછી રેલી કાઢવાની જરુર નહીં રહે.

–બીરેન કોઠારી

‘ગુજરાતમીત્ર’, દૈનીકમાં દર ગુરુવારે ચીન્તક–લેખક શ્રી. બીરેન કોઠારીની લોકપ્રીય કટાર ફીર દેખો યારોંનીયમીત પ્રગટ થાય છે. તા. 17 ઓગસ્ટ, 2017ની એમની કટારમાંનો એમનો આ લેખ, લેખકશ્રીના અને ગુજરાતમીત્રના સૌજન્યથી સાભાર…

લેખકસમ્પર્ક : શ્રી. બીરેન કોઠારી, બ્લૉગ :  Palette (અનેક રંગોની અનાયાસ મેળવણીhttp://birenkothari.blogspot.in ઈ.મેલ : bakothari@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 16–02–2018

અઠંગ બાબાના ફોલોઅર્સ છો તો તમારા જેવો કમનસીબ બીજો કોઈ નથી

(તસવીર સૌજન્ય : સંદેશ દૈનીક)

અઠંગ બાબાના ફોલોઅર્સ છો

તો તમારા જેવો કમનસીબ બીજો કોઈ નથી

– ડૉ. સન્તોષ દેવકર

 ‘પેલો સાયન્ટીસ્ટ આજકાલ શું કરે છે?’

તમે સુજલની વાત તો નથી કરતાં ને?

‘હા…. હા… એ જ.’

અને આખા હોલમાં સોંપો પડી ગયો હતો. સેમીનાર હોલમાં ઉપસ્થીત સૌ સુજલનું નામ સાંભળીને શોકમાં ગરકાવ થઈ ગયા હતા. કેમ આમ થયું હતું? વાતાવરણ એકાએક બદલાઈ કેમ ગયું? કંઈ સમજી શકાય તેમ નહોતું.

‘કેમ શું થયું, સુજલને?’ પ્રશ્ન પડઘાતો રહ્યો.

સુજલ એનું નામ. સૌરાષ્ટ્રના ઉંડાણના ગામડામાંથી આવેલો. અમદાવાદમાં હોસ્ટેલમાં રહેતો. ભણવામાં અતી તેજસ્વી. એમ.એસસી.માં યુનીવર્સીટીમાં ર્ફ્સ્ટ. બધા એને સુજલ નહીં; પણ સાયન્ટીસ્ટ કહેતા. લાઈબ્રેરીને લેબોરેટરીમાં વધુ સમય પસાર કરતો. પોતાના સહાધ્યાયીઓને સાયન્સના પ્રેક્ટીકલ શીખવાડતો. હમ્મેશાં નીતનવા પ્રયોગો કરતો. જે સમીકરણો પ્રૉફેસરથી ન બેસે તેનો ઉકેલ સુજલ લાવતો. ગુરુજનોમાં પણ તે સૌનો માનીતો. સુજલ–સાયન્ટીસ્ટ વીશે પૃચ્છા થતી હતી.

‘સર, હવે એ સાયન્ટીસ્ટ નથી રહ્યો.’

‘વોટ? સરે આશ્ચર્ય વ્યકત કરતાં કહ્યું.’

‘સર, એણે રસ્તો બદલી નાખ્યો છે. એ ‘અનુયાયી’ બની ગયો છે.’

‘શું વાત કરે છે? સાયન્ટીસ્ટ ‘અનુયાયી’ બની ગયો?

કેમ? શા માટે? ‘સહાધ્યાયીએ માંડીને વાત કરી,’ સર, તે દીવસે તેના ઘરે કોઈ બાબા આવેલા અને સુજલને આશીર્વાદ રુપે કોઈક ફ્ળ ખાવા આપેલું. બસ. ત્યારથી સુજલ બાબાના રવાડે ચઢી ગયો છે. દવા બનાવતી મોટી કમ્પનીમાં સીઈઓની મોટી સેલરીવાળી ઓફરને તેણે ઠુકરાવી દીધી. તેને લાગે છે કે આ વીશ્વમાં બાબા જ સર્વસ્વ છે. સુજલના મા–બાપે એકનો એક દીકરો ગુમાવી દીધો છે. છેલ્લા કેટલાય વર્ષોથી ઘરે પાછો આવ્યો નથી.’ આ સાંભળીને સર સ્તબ્ધ થઈ ગયા. ચા–પાણી માટે ગોળ રાઉન્ડમાં ઉભા રહેલાં સુજલના મીત્રોને સરે ગમ્ભીરતાપુર્વક કહ્યું : ‘‘દોસ્તો, શ્રદ્ધા પર જયારે અન્ધશ્રદ્ધા પર હાવી થઈ જાય અને પોતાનો આત્મવીશ્વાસ ડગમગવા માંડે ત્યારે આવી દુર્ઘટનાઓ બનતી હોય છે. આ બાબાઓ તો લાગ જોઈને બેઠા જ હોય છે. દરેકને પોતાની દુકાન ચલાવવી છે. જો તમે કોઈ સાચા સન્તના અનુયાયી છો તો ઠીક છે; પણ જો કોઈ અઠંગબાબા ના ફોલોઅર્સ છો તો તમારા જેવો કમનસીબ બીજો કોઈ નથી.’’

કોઈ મહન્ત, પાદરી કે મુલ્લા આપણું નસીબ ચમકાવી શકે નહીં. પરીશ્રમનો કોઈ વીકલ્પ નથી. સાહસ ખેડવાની વૃત્તીના અભાવે લોકો ઢોંગી બાબાના ચરણોમાં પડે છે. સન્તતી અને સમ્પત્તીનો અભાવ, નોકરી ન મળવી, લગ્ન ન થવા, ધન્ધો ન ચાલવો વગેરે પ્રશ્નો તો સંસારમાં રહેવાના જ. અને આ સમસ્યાનું સમાધાન ‘બાબા’ પાસે નથી જ નથી. આજની વોટ્સએપ પેઢીએ કહેવાતા બાબા’ઓ વીશે ચીંતા અને ચીન્તન કરવાની જરુર છે.

માત્ર માર્કશીટના ઉંચા ગુણ જીવન જીવવાની પદ્ધતી શીખવતા નથી. આત્મવીશ્વાસુ, શ્રદ્ધાવાન અને સાહસી બનવા માટે જીવનની કેળવણી મેળવવી પડે. ત્યારે સંસ્કારોની પાઠશાળા ઉપયોગી થઈ પડે છે. સમ્પત્તી કરતાં સંસ્કાર ચઢીયાતા છે. સમ્પત્તીથી ‘વીલ’ બને અને સંસ્કારથી ‘ગુડવીલ’ બને. મા–બાપથી મોટા કોઈ ગુરુ નથી. અને સ્વયંના આત્મવીશ્વાસ જેવો બીજો કોઈ ગુણ નથી. ઉમાશંકર જોશીએ લખ્યું છે કેજગતની તમામ સમસ્યાઓનું મુળ કેળવણીમાં રહેલું છે.

મીસરી

“વેદનાને ભીંત પર દોરી અમે

આ તીરાડો એ રીતે જોડી અમે”

ધ્વનીલ પારેખ

– ડૉ. સન્તોષ દેવકર

લેખક સમ્પર્ક : Dr. Santosh Devkar, 

Latiwala D. El. Ed. College, College Campus,  MODASA – 383 315 Dist.: Arvalli (North Gujarat) eMail: santoshdevkar03@gmail.com  Mobile: 94265 60402 FaceBook:  https://www.facebook.com/santosh.devkar.90

‘સંદેશ’, દૈનીકમાં વર્ષોથી ડૉ. સન્તોષ દેવકરની ‘મધુવનની મહેક’ નામે લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા. 10 સપ્ટેમ્બર, 2017ના અંકમાંથી લેખકશ્રી અને ‘સંદેશ’ દૈનીકના  સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, .મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 5/01/2018

માસીકસ્રાવ પાછળનું વીજ્ઞાન સમજીએ… પરમ્પરાગત અન્ધશ્રદ્ધા દુર કરીએ…

માસીકસ્રાવ પાછળનું વીજ્ઞાન સમજીએ…

પરમ્પરાગત અન્ધશ્રદ્ધા દુર કરીએ…

–સુનીલ શાહ

માસીકસ્રાવ, માસીકધર્મ, ઋતુસ્રાવ, રજોદર્શન, માસીક આવવું, માસીકમાં બેસવું, રજસ્વલા, ઋતુચક્ર જેવા જાતજાતના શબ્દો સ્ત્રીના જાતીય જીવન સાથે સમ્બન્ધ ધરાવે છે. ઉપર જણાવેલા તમામ શબ્દો સ્ત્રીના શરીરમાં થતી એક પ્રક્રીયા દર્શાવે છે. જેનાથી આપણે સહુ પરીચીત તો છીએ જ; પણ આ પ્રક્રીયા પાછળનું વીજ્ઞાન જાણવાની બેદરકારીથી કેટલીક અન્ધશ્રદ્ધા અને વહેમો પ્રચલીત થયા છે.

સામાન્ય તરુણ કે યુવાનને જાણ હોય છે કે, ઘરમાં માતા કે બહેનને અથવા કુટુમ્બની કોઈ સ્ત્રીને દર મહીને યોનીમાંથી રક્તસ્રાવ થાય છે. ત્રણ–ચાર દીવસ આ પ્રક્રીયા ચાલે છે. મોટે ભાગે ધાર્મીક અને પરમ્પરાગત માન્યતા મુજબ આ દીવસો દરમીયાન તે સ્ત્રી ધાર્મીક પ્રસંગોમાં ભાગ લઈ શકતી નથી. ઈશ્વરના દર્શન કરી શકતી નથી કે પ્રસાદ ખાઈ શકતી નથી! સાથે સાથે ઘરમાં રસોડે કે પાણીના માટલે તેને અડકવા પર ચુસ્ત ધાર્મીક કુટુમ્બોમાં મનાઈ હોય છે. જો માસીકસ્રાવ દરમીયાન સ્ત્રી રસોડે અડકે (રસોઈ બનાવે) કે અન્ય સ્ત્રી કે પુરુષને અડકે તો ‘પાપ’ લાગે!

વર્ષો પૂર્વે કેટલાંક કુટુંબોમાં માસીકસ્રાવના ચાર દીવસ દરમીયાન સ્ત્રીએ કંતાનના ગોદડા પર કે જુની ફાટેલી, ગંધાતી ગોદડી પર સુવું પડતું હતું. તેની પાસેથી કોઈ વસ્તુ લેવી હોય કે આપવી હોય તો સીધો સ્પર્શ કરી શકાતો નહોતો. તે વસ્તુ નીચે મુકી દે પછી આપણે તેને લઈ શકીએ, આપણા હાથમાંની વસ્તુ કોઈ ઠેકાણે મુકીએ પછી જ તે લઈ શકે..!! (જો કે, સમય બદલાંતા હવે થોડીક જાગૃતી આવી છે; પણ કેટલાંક સમાજમાં હજી અમુક જડ માન્યતાઓ અસ્તીત્વ ધરાવે છે, જે દુ:ખદ છે..)

માસીકસ્રાવના દીવસોમાં સ્ત્રીનું સ્થાન એક અસ્પૃશ્ય જેવું જ હોય છે. તે અન્યની સાથે સોફા પર, હીંચકા પર બેસી શકે નહીં. તેના શરીરમાંના અદૃશ્ય કીરણો જાણે અન્યને હાની પહોંચાડવાના હોય તેટલી હદે તેને અસ્પૃશ્ય ગણવામાં આવે છે! અથાણા જેવી બારમાસીક વસ્તુ તેની હાજરીમાં ન કાઢી શકાય કે પાપડ પણ ન વણી શકાય; કારણ કે તેનાથી અથાણા–પાપડ બગડી જાય! આવી સ્ત્રીઓનો છાંયો (પડછાયો!) યા તેના શરીરમાંનાં કોઈ ચમત્કારીક કીરણો અથાણાને બગાડતાં હશે!?

જેને અપવીત્ર ઘટના ગણવામાં આવે છે એ ‘માસીકસ્રાવ’ ખરેખર તો સ્ત્રીત્વની નીશાની છે. આ અંગેની વૈજ્ઞાનીક સમજ અને સ્ત્રી સાથે અસ્પૃશ્ય વ્યવહાર કરવા પાછળનું કારણ સમજી લઈએ.

છોકરો કે છોકરી તરુણાવસ્થામાં પ્રવેશે ત્યારે તેના શરીરમાં કેટલાંક અંત:સ્રાવો (હોરમોન્સ) સક્રીય થાય છે. છોકરાને દાઢી–મુછ ઉગવાની શરુઆત થાય, વીર્ય પેદા થવાની શરુઆત થાય છે. તો સ્ત્રીનો છાતીનો ભાગ વીકસવાની અને ઋતુસ્રાવની શરુઆત થાય છે. સામાન્ય રીતે 13–14 વર્ષની છોકરીને ઋતુસ્રાવની શરુઆત થાય છે જે દર મહીને(અમુક સંજોગો સીવાય) ચાલુ રહે છે. લગભગ 40–45 વર્ષની ઉમ્મર સુધી માસીક સ્ત્રાવ ચાલુ રહે છે.

સ્ત્રીના જાતીય અવયવોમાં યોનીમાર્ગ, અંડાશય, અંડવાહીની, ગર્ભાશયનો સમાવેશ થાય છે. અંડાશય (ઓવરી)માં લગભગ દર 28 દીવસે એક અંડકોશ પરીપકવ થવાની શરુઆત સાથે જ ગર્ભાશયમાં લોહીના કોષો ભરાવાની શરુઆત થાય છે. આ દીવસો દરમીયાન સંભોગ વડે યોનીમાં વીર્ય દાખલ થાય અને તેમાં રહેલા લાખો શુક્ર કોષો પૈકી કોઈ એક શુક્રકોષ અમુક સંયોગોમાં પેલા અંડકોષ સાથે જોડાણ કરે અને અંડકોષને ફળદ્રુપ કરે તો તેનો વીકાસ થાય અને ગર્ભ બને.

અહીં અંત:સ્રાવની કામગીરી સમજવાની જરુર છે. અંડકોષ ઓવરીમાં તૈયાર થાય ત્યારે તે ફળદ્રુપ થવાનો એમ માનીને જ અંત:સ્રાવની કામગીરી શરુ થાય છે. અંડકોષ ફળદ્રુપ થાય તો તેને પોષણની જરુર પડે તે માટે ગર્ભાશયના પાતળા પડ (કોષો)માં રુધીર ભરાવાની કામગીરી શરુ થાઈ જાય છે. પરન્તુ શુક્રકોષ સાથે મીલન ન થાય કે અન્ય કારણોસર અંડકોષનું ફલન ન થાય તો તે યોનીમાર્ગ દ્વારા બહાર નીકળી જાય છે. તેના માટે ગર્ભાશયમાં તૈયાર કરેલી વ્યવસ્થા નકામી જાય છે.

ધીમે ધીમે વ્યવસ્થા તુટવા માંડે છે અને ગર્ભાશયમાં ભરાયેલું લોહી કચરારુપે ગર્ભાશયમાંથી યોનીમાર્ગમાં અને ત્યાંથી સ્ત્રીના દેહમાંથી બહાર નીકળે છે. લોહી બહાર નીકળે તે ‘રજોદર્શન’ કે ‘માસીકસ્રાવ’ તરીકે ઓળખાય છે. લગભગ ત્રણેક દીવસ છુટક છુટક યોની વાટે રુધીર બહાર આવે છે. જે વખતે શુક્રકોષ અને અંડકોષનું મીલન થઈ ફલન થાય, ગર્ભ બને ત્યાથી પ્રસવ થાય ત્યાં સુધી સ્ત્રીને માસીક આવતું નથી. ગર્ભાશયમાં પોષણની કામગીરી બજાવતા અંત:સ્રાવો ગર્ભ રહેતાં જ ધાવણ બનાવવાની કામગીરીમાં લાગી જાય છે. તેથી બાળક ધાવતું હોય ત્યાં સુધી સ્ત્રીને માસીક આવવાની શક્યતા નહીવત્ થઈ જાય છે.

આમ, શુક્રકોષ દ્વારા ફળદ્રુપ થવાની રાહ જોતો અંડકોષ ફળદ્રુપ ન થવાથી યોની વાટે બહાર નીકળી જાય અને તેને માટેની તૈયારી રુપે ગર્ભાશયમાં જે લોહી ભરાયું હોય તે અંડકોષમાં જવાથી યોની વાટે બહાર આવી જાય તે પ્રક્રીયા માસીકસ્રાવ (મેન્સીસ ટાઈમ) તરીકે ઓળખાય છે. આમ, આ એક શારીરીક, કુદરતી પ્રક્રીયા જ માત્ર છે.

સાદી ભાષામાં આટલી વૈજ્ઞાનીક સમજ પછી માસીકમાં બેઠેલી સ્ત્રી સાથે જોડાયેલી (આ લેખની શરુઆતમાં જણાવેલી) ખોટી માન્યતાઓ ચર્ચીએ :

માસીકસ્રાવ ત્રણ–ચાર દીવસ દરમીયાન લોહી બહાર નીકળવાની પ્રક્રીયાથી સ્ત્રી બેચેની અનુભવે છે. કમર અને પેટની નીચે (ગર્ભાશયમાં) સતત દુ:ખાવો શરુ થાય છે. શારીરીક અને માનસીક કમજોરી અનુભવાય છે. કોઈ કામમાં સ્ત્રીની રુચી રહેતી નથી. એટલે સુધી કે તે પુરુષ સાથે જાતીય સમ્પર્ક પણ ટાળે છે. સ્ત્રીની આ અવસ્થા સમજવાની કુટુમ્બની દરેક વ્યક્તીની ફરજ છે. તે બરાબર બજાવાય તે હેતુથી ધર્મમાં આવી સ્ત્રીઓને આ ત્રણ–ચાર દીવસ દરમીયાન રસોડે કે પાણીના માટલાને અડકવા પર પ્રતીબન્ધ મુકી દીધો. તેની સાથે ‘પાપ લાગે..’ની વાત જોડી દીધી તેથી કોઈ સાસુ, નણન્દ કે પતી પાપ વહોરવાને બદલે સ્ત્રીને આરામ જ આપે ને? પણ નહીં; એવું બન્યું નહીં. માત્ર રસોઈ જ નહીં કરવાની, બાકી વાસણ, કપડાં–પોતાં કરવાના… વગેરે કપરાં શારીરીક શ્રમ માંગતા કાર્યો તેને કરવાના રહ્યાં. આમ ઉલટું થતાં મુળભુત હેતુ ન સર્યો. કોઈ પણ વાતને સાચી વૈજ્ઞાનીક રીતે સમજ્યા વગર ધર્માચાર સાથે ભેળવી દેવાય ત્યારે આમ જ થાય. એટલું જ નહીં; આનાથી અન્ધશ્રદ્ધા પણ ફેલાય છે. સ્ત્રીની રુચી ન હોય તે બરાબર; પણ રુચી થાય તો તેને કામ કરવા પર કે અન્ય પ્રવૃત્તી પર પ્રતીબન્ધ ન જ હોવો જોઈએ. ઘરમાં અન્ય કોઈ રસોઈ કરનાર હોય જ નહીં તો ધાર્મીક માન્યતાને પકડી રાખીને ભુખ્યા રહેવાનું કે પડોશીને ત્યાંથી કોઈ સ્ત્રીને રાંધવા બોલાવવાની બાબત વીચારણા માંગી લે છે.

રજસ્વલા સ્ત્રીની હાજરીમાં પાપડ–અથાણાં બગડી જવાની વાતમાં કશું તથ્ય નથી. વળી સ્ત્રીને કંતાનના કે ગાભાના ફાટેલા, ગંધાતા ગોદડા પર સુવાની ફરજ પડાય તે ક્યાંનો ન્યાય? તેમાં કયું ધર્માચરણ કહેવાય?

ટુંકમાં, માસીકસ્રાવ દરમીયાન શક્ય હોય ત્યાં સુધી સ્ત્રીને આરામ આપવાની મુળ વાત છે તેને પાપ–પુણ્ય સાથે જોડાવાની કે તેનાથી રસોડે અડકાઈ જાય તો બુમ–બરાડા પાડવાની કે, પ્રાયશ્ચીતરુપે ઉપવાસ કરવા–કરાવવાની કશી જરુર નથી.

વૈજ્ઞાનીક અને માનવીય દૃષ્ટીએ યોગ્ય હોય એવી બાબતોનું ધર્મ દ્વારા પાલન કરાવી શકાય છે; પણ તેમાં અન્ધશ્રદ્ધા ફેલાવાનું પુરુ જોખમ રહેલું છે. પ્રજાને સીધી વૈજ્ઞાનીક સમજ અપાય અને ધર્મની અવૈજ્ઞાનીક દખલગીરી બંધ થાય તો જ માનસ પરીવર્તન તરફ આગળ વધી શકાય.

– સુનીલ શાહ

નીવૃત્ત આચાર્ય, વીજ્ઞાનશીક્ષકકવીશ્રી સુનીલ શાહનો લેખ નવગુજરાત ટાઈમ્સ દૈનીકમાં તા. 14, જુન, 1992ના રોજ પ્રગટ થયો હતો. લેખકશ્રીના અને નવગુજરાત ટાઈમ્સ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખકસમ્પર્ક : શ્રી. સુનીલ શાહ, નોર્થ–101, ન્યુઝ એવન્યુ એપાર્ટમૅન્ટ, આનન્દમહલ રોડ, અડાજણ, સુરત – 395009 સેલફોન : 94268 91670 .મેઈલ : sunilshah101@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 29–12–2017

સત્ય

સત્ય

–રશ્મીકાન્ત દેસાઈ

સત્યનું મુખ હીરણ્યમય પાત્ર વડે ઢંકાયેલું છે એમ ઉપનીષદો કહે છે. કયું સત્ય અને કયું પાત્ર એવો પ્રશ્ન પુછી શકાય.

સત્ય એટલે શું? કોઈ કોઈ વાર વીજેતાના પ્રચારને સત્ય માનવામાં કે મનાવવામાં આવતું હોય છે. બીજી કેટલીક વાર અસત્યને ચાલાકીપુર્વક ઢાંકી દેવામાં આવે છે. થોડું થોડું જુઠાણું મોટા સત્યમાં ભેળવી દઈ એવી ચતુરાઈથી રજુ કરવામાં આવે છે કે અસત્ય જ સત્ય હોય તેવું જણાય છે.

ઘણાં ઢાંકણાંઓ પૈકી કયું ખોલવું ? પાત્ર પણ કાંઈ જેવું તેવું નથી હોતું. સોનેરી હોવાથી તે આકર્ષક અને મોહક હોય છે અને જોનારને મુલ્યવાન પણ જણાય છે. પરીણામે સત્યને છુપાવવાનું અત્યંત સરળ થઈ જાય છે. કોઈકોઈ વાર કડવા સત્યને ‘સાત્ત્વીક’ અથવા સ્વીકાર્ય બનાવવા તેને મીઠા શબ્દોમાં રજુ કરવામાં આવે છે. શાબ્દીક મીઠાશ પણ એક પ્રકારનું હીરણ્યમય પાત્ર બની જાય છે. ઘણી વાર પ્રવચનકારોની વાગ્છટામાં કે લેખકોના ભારેખમ આધ્યાત્મીક જણાતા પણ ખરેખર તો પોલેપોલા શબ્દોમાં સત્યને છુપાવવાનું ખુબ જ સહેલું થઈ જાય છે.

સત્યનું મુખ શું કાયમ માટે ઢંકાયેલું રહી શકે ખરું? હીરણ્યમય પાત્ર શું એવું સ્વયંસંચાલીત બનેલું છે કે કોઈએ ખસેડ્યું હોય તો તે આપમેળે જઈને સત્યને ફરીથી ઢાંકી દે? સત્ય તો સદૈવ ઉઘાડું જ હોઈ શકે. કેવળ એટલું જ કે આપણે તેને જોઈ શકતા નથી કારણ કે આપણે હકીકતોને પુર્વગ્રહોનાં ચશ્માંઓમાંથી જોતા હોઈએ છીએ. આપણી આંખો પર પડળ જામી જાય છે.

આ પડળો વીવીધ પ્રકારનાં હોય છે. કેટલાક પડળો આપણી વીચારસરણી સંબંધીત હોય છે, જેવી કે મુડીવાદી, સમાજવાદી, ઈત્યાદી. બીજા કેટલાક પડળો આપણા સ્વાર્થમાંથી ઉપજે છે. વળી આપણું મમત્વ પણ સત્ય દર્શન રુન્ધે છે. આપણી સંસ્કૃતી, ધર્મ કે પરમ્પરાથી પ્રતીકુળ હોય તેવું કોઈ પણ સત્ય જોવા આપણે તૈયાર નથી હોતા. પણ સૌથી પ્રબળ અવરોધ હોય છે આપણી શ્રદ્ધાનો.

શ્રદ્ધા અને ભક્તીભાવના રુપાળા અંચળા હેઠળ આપણે ઘણા અસત્યો અને અન્યાયોને ધરબી દીધા છે.

બુદ્ધી અને તર્કની મર્યાદા તો જાણવી જ જોઈએ પણ શ્રદ્ધા તેમ જ અશ્રદ્ધા બંનેની મર્યાદા જાણવી પણ જરુરી છે.

સૌથી વધુ દુરુપયોગ શ્રદ્ધાની વીભાવના (concept) નો થયો છે. ‘શ્રદ્ધા’ને નામે આપણે અનેક બેહુદી માન્યતાઓ (જેવી કે શીતળામા અને બળીયાબાપાની પુજા) ને સ્વીકારી લઈએ છીએ. કારણ કે સાચી શ્રદ્ધા શું છે તે આપણે સમજ્યા જ નથી. ઘણી વાર તો એમ પણ લાગે કે ક્યાંક શ્રદ્ધા એટલે ઈશ્વર તરીકે પોતાની પુજા કરાવવા માટે ગુરુઓએ ઉભી કરેલી ભ્રમણા તો નથી ને? કે પછી ‘શ્રદ્ધા’ એટલે ઈશ્વરે આપેલી બુધ્ધી ન વાપરવા માટેનું બહાનું માત્ર?

શ્રદ્ધા એટલે એવી વાત કે જે ન તો સાચી પુરવાર થઈ શકે ન તો ખોટી. દાખલા તરીકે ‘સત્યનો સદા જય’ જેવા સુત્રોના સમર્થન માટે અનેક પ્રસંગો રજુ કરી શકાય તેમ જ તેમના ખંડન માટે પણ કરી શકાય.  તેથી તે માનવા કે ન માનવા તે વ્યક્તીગત શ્રદ્ધા પર આધાર રાખે છે.  જે વાત સાચી કે ખોટી સાબીત થઈ શકે તે વાત શ્રદ્ધાનો વીષય રહેતી નથી. કોઈ વાત આપણે અત્યાર સુધી શ્રદ્ધાપુર્વક સાચી માનતા આવ્યા હોઈએ, પણ નવા મળી આવેલા પુરાવા પ્રમાણે તે ખોટી ઠરતી હોય તો તેને ‘શ્રદ્ધા’ને નામે વળગી રહેવું ન જોઈએ.

કોઈ એક વ્યક્તી, પુસ્તક કે વ્યવસ્થામાં શ્રદ્ધા રાખવી તે કાંઈ સાચી શ્રદ્ધા નથી. ઈશ્વર અને ઈશ્વરીય સીદ્ધાન્તો અને ગુણો જેવા કે સત્ય, અહીંસા, ન્યાય, પ્રેમ ઈત્યાદીમાં રાખીએ તે જ સાચી શ્રદ્ધા ગણી શકાય. ઘણું ખરું તો જેને આપણે ઈશ્વર પરની શ્રદ્ધા માનતા હોઈએ છીએ તે ખરેખર તો બીજા કોઈ પરની જ શ્રદ્ધા હોય છે. આપણે હીન્દુઓ વેદને ઈશ્વરવચન માનીએ છીએ અને તેથી વીષ્ણુ ઈત્યાદીને પરમેશ્વર તથા દેવો માનીએ છીએ. તેનું કારણ એ જ કે આપણા બચપણથી જ આપણા વડીલોએ શીખવ્યું હોય છે. વેદ પરની આપણી શ્રદ્ધા આમ ખરેખર તો આપણા વડીલો પરની શ્રદ્ધા જ હોય છે. હવે તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી હેઠળ શેષનાગ નથી. તેથી તેના ખોળામાં સુતેલા વીષ્ણુ નથી. દશાવતાર તો થયા જ ક્યાંથી હોય ? અર્થાત વેદપુરાણોની વાર્તાઓ કેવળ કાલ્પનીક વાર્તાઓ જ છે, ઈતીહાસ નહીં, પછી ભલે તે ઘણી જ કુશળતાપુર્વક લખાઈ હોય.

પરન્તુ આટલું સ્પષ્ટ સત્ય પણ આપણે સ્વીકારી શકીશું નહીં કારણ કે તેમ કરવામાં આપણું ‘વયમ્’ (સામુહીક અહમ્) નડશે. આપણા ‘અત્યંત મહાન’ ઋષીમુનીઓ તો કોઈ ભુલ કરી શકે નહીં તેથી તેમણે કહેલી કે લખેલી બધી વાતોને આપણે માનવી જ રહી એવું આપણું મમત્વ સત્યનો સ્વીકાર થતો અટકાવશે એટલું જ નહીં પણ હજારો વર્ષોથી મનાતા આવેલા અસત્યોને સત્ય પુરવાર કરવા બધા જ પ્રયત્નો કરાવશે.

એક મુદ્દો એવો ઉભો કરવામાં આવશે કે શ્રદ્ધાના વીષયમાં તર્કનો ઉપયોગ ન કરી શકાય. આ પણ અણસમજનું જ પરીણામ છે. જો તે સાચું હોય તો બે વ્યક્તીઓ કેવળ પોતપોતાની શ્રદ્ધા જણાવી જ શકે, કોઈ પ્રકારનો વીચારવીમર્શ કરી ન શકે; પ્રજાના જુદા જુદા સમુહો પોતપોતાની શ્રદ્ધા–અન્ધશ્રદ્ધાઓમાં રાચ્યા કરે. આમ હોત તો શંકરાચાર્ય અને મંડનમીશ્ર વચ્ચે વીવાદ થઈ શક્યો ન હોત. તે સીવાય પણ ઘણા પ્રસંગે ચર્ચા વીચારણાઓ થઈ છે અને થાય છે તે પણ નીરાધાર બની જાય.

શ્રદ્ધા અને તર્ક એક બીજાના પર્યાય નથી પણ પુરક છે, એકબીજા પર આધાર રાખે છે. ચમત્કાર કરનાર કોઈ ગુરુ અથવા ઈસુ ને ઈશ્વરીય વીભુતી કે પછી સ્વયં ઈશ્વરપુત્ર માનવા તે શ્રદ્ધા નથી, કારણકે તે માન્યતા ચમત્કાર કરવાની તેમની શક્તી કે આવડત પર જ નીર્ભર હોય છે. આધુનીક વીજ્ઞાન જતે દીવસે બધા પ્રશ્નોના જવાબ આપી શકશે એવી માન્યતા પણ એક પ્રકારની શ્રદ્ધા જ છે તર્ક નહીં કારણ કે તે કશા પર આધારીત નથી.

વસ્તુત: તર્કના પાયામાં શ્રદ્ધા જ હોય છે. તર્કની શરુઆત કરતા પહેલાં કેટલાક તથ્યો ગૃહીત કરવા પડે એટલે કે સાબીતી આપ્યા વગર સ્વીકારવા પડે જાણે કે તે સ્વયંસીદ્ધ સત્ય (axiomatic, self-evident truth) હોય. આને અંગ્રેજીમાં પોસ્ટ્યુલેઈટ્સ (postulates) કહે છે. કયા મુલ્યોને ગૃહીત કરવા અને કયાને નહીં તે જે તે તાર્કીકની વ્યક્તીગત શ્રદ્ધા પર નીર્ભર કરે છે. દાખલા તરીકે આ લખનારની શ્રદ્ધા એવી છે કે પરમેશ્વર હમેશાં સત્ય અને ન્યાયનું સમર્થન કરે, તેથી વીપરીત વર્તન ન જ કરે, ને કોઈએ કર્યું હોય તો તેને માફ પણ ન જ કરે. કોઈને જો આ તથ્ય સ્વીકાર્ય ન હોય તો તે જુદા જ નીષ્કર્ષ પર આવી શકે.

તો પછી પ્રશ્ન એ થાય છે કે દરેક સમુહ પોતપોતાના ગૃહીતોને આધારે જુદાજુદા દેવોની પુજા કરે તો તેમાંથી એકેયને અન્ધશ્રદ્ધા કેમ ગણી શકાય ? ઉત્તર એ છે કે તર્કનું પરીણામ મુળભુત ગૃહીતને અનુરુપ હોવું જોઈએ. તેમ ના થાય તો ક્યાં તો આપણું ગૃહીત ખોટું હોવું જોઈએ અથવા પરમેશ્વરના નામે ઉપજાવેલી વાર્તા ખોટી હોવી જોઈએ. છતાં કોઈ તે વાર્તાને સાચી માને તો તેમની ‘શ્રદ્ધા’ ખરેખર તો અન્ધશ્રદ્ધા જ ગણી શકાય. આપણા જ ધર્મનાં આવાં એકબે ઉદાહરણો જુઓ :

ભગવાન શ્રી વીષ્ણુનો છઠ્ઠો અવતાર પુરો થાય તે પહેલાં જ રાવણનો વધ કરવા માટે સાતમા માનવ અવતારની જરુર પડી. છઠ્ઠો અવતાર પૃથ્વી પર જ વીચરતો હોવા છતાં રાવણનો વધ કેમ ન કરી શક્યો? કૃષ્ણએ કંસનો વધ કર્યો પણ કંસત્વનો કેમ નહીં? આવી તો અનેક વીસંગતતાઓ અને મુલ્યદ્રોહના પુષ્કળ પ્રસંગો આપણા ધાર્મીક સાહીત્યમાંથી સાંપડે છે. વીષયાન્તર ટાળવા તેમનું સવીસ્તર વર્ણન અહીં ન કરતાં એક બીજા લખાણ (અસત્યો અને અન્યાયો https://sites.google.com/site/tatoodi/liesandinjustices%28guj%29 )માં કર્યું છે.

લગભગ બધા જ ધર્મો એમ માને છે કે પરમેશ્વર સર્વવ્યાપી, સર્વશક્તીમાન, સર્વજ્ઞ, દયાળુ અને ક્ષમાવાન ઈત્યાદી છે. છતાં બધા જ ધર્મોના કેટલાક નીયમો એવા હોય છે કે તે ઉપરોક્ત વર્ણનની અવગણના કરતા હોય છે અને અનુયાયીઓ તેમનો વગર વીચાર્યે અમલ કરતા હોય છે. અને તે પણ શ્રદ્ધાને નામે.

તર્કની શરુઆત શ્રદ્ધાથી થાય છે, તો તર્કના બીજા છેડે પણ શ્રદ્ધા હોય છે. જે પશ્નોના જવાબ આપણે તર્કથી નથી આપી શકતા તેમના ઉત્તર માટે આપણે શ્રદ્ધાની સહાય લેવી પડે છે. કેટલાક સંજોગોમાં તે ખોટું પણ નથી. પરંતુ જે બાબતો બુધ્ધીથી વીચારી શકાય તેમને માટે શ્રદ્ધાનો સહારો લેવો યોગ્ય નથી. વળી જેમ જેમ માનવજાતનું સામુહીક જ્ઞાન વધતું જાય તેમ તેમ તર્કનો આધાર વધારતા જવું જોઈએ. જેમ કે ઋષીઓએ ભલે એમ કહ્યું હોય કે પૃથ્વી શેષનાગ પર આધારીત છે હવે તો આપણે એ માન્યતા ફગાવવી જ રહી.

સત્યની શોધ સમયે એક મુદ્દો યાદ રાખવા જેવો છે.  જમીનમોજણીમાં એક નીયમ છે કે જે કંઈ માપ લો તેની ફેરચકાસણી કરો. ધારો કે જમીનના ઉંચાણ–નીચાણ (Level) માપવા છે.  એક સ્થળેથી બીજું સ્થળ કેટલું ઉંચું કે નીચું છે તે માપ્યું હોય તો તે બીજા સ્થળે જઈને અગાઉવાળું સ્થળ તેટલું જ નીચું કે ઉંચું છે તે માપી લો.  બંને માપ સરખા ન હોય તો એકમાં કે બંનેમાં ભુલ હોય તે સુધારવી જ પડે. તેવી જ રીતે કોઈ વાત લોકમાનસમાં રુઢ થઈ ગઈ હોય તેથી જ તે સાચી કે સારી છે તેમ માનવું જ જોઈએ એવું નથી.  ધારો કે તે ખોટી કે ખરાબ હોય તો શું એવો વીચાર કરવો જોઈએ. આપણા ધર્મની વાત જેવી બીજા કોઈ ધર્મની વાત હોય તો તે આપણે માનીએ ખરાં?  આપણી વાત પરધર્મીઓ સ્વીકારે એવી આશા આપણે રાખી શકીએ ખરાં?  જો ના, તો પછી આપણે કેમ તે માનીએ છીએ?  અન્ય ધર્મોની વાહીયાત વાતો આપણે નકારીએ છીએ તો આપણા ધર્મની કેમ નહીં?

તર્ક તેમજ શ્રદ્ધાની પારના પણ કેટલાક વીષયો છે. સૌથી મોટી ભુલ (આપણો અને) લગભગ બધા જ ધર્મો કરે છે: જન્મ પહેલાં અને મૃત્યુ પછીની આત્માની સ્થીતી અને ગતી જેવી બાબતો કે તે અંગેના પ્રશ્નોના જવાબ તેઓ આપે છે. આ જવાબો ન તો શ્રદ્ધા પર કે ન તો તર્ક પર આધારીત હોય છે. તે તો કાલ્પનીક અનુમાનો હોય છે. એક વાર કોઈએ કલ્પના કરી એટલે ‘અહો રુપં અહો ધ્વની:’ની જેમ તેમના સાથીઓએ અને શીષ્યોએ સ્વીકારી લીધી અને પ્રચલીત થતી ગઈ. તે કલ્પના ઈશ્વરના વર્ણનને અનુરુપ છે કે નહીં તે વીચારવાની તસ્દી કોણ લે?

લગભગ બધા જ ધાર્મીક લેખકો પોતાની વાતના સમર્થન માટે બીજાના લખાણ કે વક્તવ્યનો આધાર લેતા હોય છે.  એકાદ ‘મહામુની’ એ કશું કહ્યું કે તે પરમ્પરા ચાલુ થઈ ગઈ. કર્ણોપકર્ણ તે વાત સાચી મનાતી ગઈ. તેની યથાર્થતા ચકાસવાની હીંમત કે દરકાર કોઈનાથી ના કરાઈ. જેમ કે ચોર્યાસી લાખ જન્મો લીધા પછી માનવ અવતાર મળે તે માન્યતા ચકાસવી હોય તો પણ કેવી રીતે ? પ્રત્યેક અવતાર સરેરાશ એક દીવસ જીવે, અને બે અવતાર વચ્ચે જરા પણ વીલમ્બ ના થાય એમ ગણીએ તો પણ તે પુરા કરવા માટે 23,333 વરસ લાગે.  કોઈ એક જીવાત્માની 83,99,999 જન્મોની યાત્રા જોવા માટે કયા મહામુની જીવ્યા હોય?  અને બીજા કયા મુની જીવવાના હોય કે તે પેલા મહામુનીના કથનને સમર્થન આપી શકે કે તેનું ખંડન કરી શકે. માટે ‘ચાલવા દો ને, આપણું શું જાય છે?’ એવા ભાવ સાથે આ ગપગોળો ચાલવા દીધો એટલું જ નહીં પણ તેનો લાભ ઉઠાવ્યો, ભોળી જનતાને વધારે ભોળવીને.

આપણા ધર્મગુરુઓ કહે છે કે ‘બ્રહ્મં સત્યં જગન્મીથ્યા’. બ્રહ્મ કદાચ સત્ય હશે, પરંતુ જગત જો મીથ્યા હોય તો પછી કૃષ્ણ પણ મીથ્યાગુરુ જ ગણાવા ન જોઈએ? શંકરાચાર્ય અને અન્ય જગદગુરુઓ પણ મીથ્યાગુરુઓ જ હોય ને? આ સુત્રનું વીવેચન પણ તર્ક પર જ આધારીત હોય છે. જગતની બધી વસ્તુઓ બદલાયા કરે છે તેથી તે મીથ્યા છે અને બ્રહ્મ બદલાતું નથી તેથી સત્ય છે એમ આપણને સમજાવવામાં આવે છે. એટલે ખરેખર તો એમ કહેવું જોઈએ કે ‘બ્રહ્મં નીત્યં જગત્ અન્યથા’. પણ બદલાયા કરે તેથી જ કાંઈ જગત મીથ્યા નથી થઈ જતું.

સત્ય અને ન્યાય પરસ્પર આધાર રાખે છે. ન્યાય વીનાનું સત્ય નકામું છે, સત્ય વીના ન્યાય અશક્ય છે. એટલે જો કોઈ વાત બેમાંથી એક્નું સમર્થન કરતી ન હોય તો તે સમાજને માટે નીરુપયોગી તો ખરી જ પણ હાનીકારક પણ હોઈ શકે છે. તેથી જે અસત્યો અને અન્યાયોને આપણે અત્યાર સુધી સ્વીકારી અને ચલાવી લીધા છે તેમને ઉઘાડા પાડવા જોઈએ કે જેથી તેમણે કરેલા નુકસાનને અટકાવી અને સુધારી શકાય.

–રશ્મીકાન્ત ચ. દેસાઈ

લેખક : Rashmikant C. Desai

35 Raleigh Road, Kendall Park, NJ 08824-1040 USA

ફોન : 732 422 9766 (Home)  ઈ.મેઈલ : tatoodi@gmail.com  

વેબસાઈટ : https://sites.google.com/site/tatoodi/  લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈમેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 15–12–2017

 

 

હવે તો કોઈના ય નામે પથરા તરી જતા હોય છે!

હવે તો કોઈના ય નામે પથરા તરી જતા હોય છે!

–ખલીલ ધનતેજવી

તદન રગડા જેવી ભરપુર ઉંઘમાં મચ્છરના એક ચટકે આપણી આંખ ઉઘડી જાય છે. અને બીજી તરફ આપણા આ નેતાઓ પાંસઠ પાંસઠ વર્ષથી આપણને બચકાં ભરે છે! આંચકા પર આંચકા આપે છે છતાં આપણી પાંપણ સુધ્ધાં હાલતી નથી! એવું કેમ?

કોઈ પણ પક્ષને ચીક્કાર મત આપીને સત્તાની ટોચ પહોંચાડી દેતી પ્રજાને ઓળખવી તો દુરની વાત– સમજવી પણ મુશ્કેલ છે. સત્તાની ટોચ પર પહોંચી જનાર જો એમ માનતા હોય કે, પ્રજા હવે આપણી મુઠ્ઠીમાં છે, ત્યારે એ માનસીક ગડથોલું ખાઈ જતા હોય છે! સત્તાવીસ સત્તાવીસ વર્ષ સુધી જેના ગઢ ઉપરથી એક કાંકરી ગબડાવી પાડવાનું મુશ્કેલ જ નહીં અશક્ય લાગતું હતું એવી ઘરખમ કોંગ્રેસને ઈન્દીરા ગાંધી દ્વારા અંગત સ્વાર્થ ખાતર લાદી દેવાયેલી કટોકટીના વીરોધમાં મતદાન કરીને ઘરભેગી કરી દેનાર પ્રજાએ ઈન્દીરા ગાંધીને જે બોધપાઠ આપ્યો હતો તે સર્વલક્ષી હોવા છતાં જનતા મોરચાએ નજર અન્દાઝ કર્યો ત્યારે એ જ પ્રજાએ માત્ર અઢી વર્ષ પછી ઈન્દીરા ગાંધી સહીતની કોંગ્રેસને પુનઃ માનભેર સત્તારુઢ કરી આપી. એટલે પ્રજાનો મીજાજ સમજવાને બદલે પ્રજાને આપણા વગર ચાલતું નથી એવું માનતી કોંગ્રેસ તોરમાં આવી ગઈ! એ પછી એ જ તોરાઈ ભાજપને ભરખી જાય છે. ભુતકાળમાં માત્ર બે જ સાંસદો લઈને પાર્લામેન્ટમાં પ્રવેશનાર ભાજપ ઝાઝેરા રુમ સાથે સત્તારુઢ થયો, એ કોઈને ગમ્યું કે ના ગમ્યું, પણ વાજપેયી વડાપ્રધાન બન્યા એ અડવાણી સીવાય બધાને ગમ્યું હતું. વાજપેયી વડાપ્રધાન થયા અને અડવાણી સવાયા વડાપ્રધાનની ભુમીકામાં રચ્યા પચ્યા રહ્યા, પરીણામે વાજપેયી વપરાયા કરતા વેડફાયા વધુ. એ વેડફાટ જ ભાજપને ભરખી ગયો!

આટલી વાત પરથી પ્રજાની જાગરુકતાનો પુરાવો આપણને મળે છે. 51નું સર્વાંગી જાગૃતતા ક્યાં છે. ઉપર મુજબની તમામ પ્રજાકીય ઘટનાઓ ચુંટણીલક્ષી હતી અને મતદાન પુરતી જ સીમીત રહી છે. ચુંટણીમાં દેખાતી જાગરુકતા ચુંટણી પુર્વે કેમ ક્યાંય વર્તાતી નથી. પક્ષ તમારી પસન્દગીનો હોય પણ એ પક્ષનો ઉમેદવાર તમારી પસન્દગીનો નથી હોતો! તમે પક્ષને ઓળખો છો. પક્ષની નીતી વીશે પણ થોડું–ઘણું તમે જાણો છો; પણ ઉમેદવાર વીશે તમે કશું જાણતા નથી. આપણે ઑફીસમાં સામાન્ય કારકુન અથવા ડ્રાઈવર રાખીએ છીએ ત્યારે એનો બાયોડેટા જોવાનો આગ્રહ રાખીએ છીએ! એ તો ઠીક, ઘરે કામવાળી બાઈ રાખવાની હોય ત્યારે એને પુછીએ છીએ કે અગાઉ કોને ત્યાં કામ કરતી હતી? ત્યાંનું કામ શા માટે છોડી દીધું? વગેરે પ્રશ્નો પુછીએ છીએ  એક કામવાળી રાખવામાં આપણે આટલી સજાગતા દાખવીએ છીએ. પરન્તુ જેને પાંચ વર્ષ સુધી સત્તા અને પાવર સોંપવા જાવ છો. એ ઉમેદવારનો બાયોડેટા તમારી પાસે નથી હોતો છતાં મત આપી આવો છો! જેને રાષ્ટ્રની પરીભાષાનું જ્ઞાન નથી! લોકશાહીના મીજાજથી અજાણ હોય છે! સમાનતા અને બીન સામ્પ્રદાયીકતાની સંવૈધાનીક લાક્ષણીકતાનું સરનામુ જેની પાસે નથી એવા બુડથલ લોકોને મત આપીને પાંચ વર્ષ માટે આપણા પર રાજ કરવા મોકલી આપીએ છીએ! બધા ખરાબ નથી હોતા. પણ રામના નામે પથરા તર્યા ત્યારથી આજદીન સુધી કોઈનાને કોઈના નામે પથરા ભરીને પાર્લામેન્ટમાં પહોંચી જાય છે. એ પગમાં અથડાય છે. ઠોકરો ખવડાવે છે અને પગના અંગુઠાના નખ ઉખાડી નાંખે છે! ત્યારે આપણે ઉંઘી જતાં હોઈએ છીએ! કારણ કે નખ ઉખડે કે પગ મચકોડાય તો એ જવાબદારી આપણી નથી! મતદાન આપણી  જવાબદારી હતી તે મત આપીને પુરી કરી, હવે શું?

તાજેતરમાં એક વીધાનસભ્યે, પોતે શા માટે પાટલી બદલી, એ વીશે જાહેરમાં ફોડ પાડતા જણાવ્યું કે કોંગ્રેસ પ્રત્યે મને કોઈ રાગદ્વેષ નહોતો ને ભાજપમાં જવાનો મોહ પણ નહોતો. પણ મને એક જયોતીષીએ કહ્યું કે તમારુ ભાગ્ય બહુ ઉજળવું છે. પણ તમે કોંગ્રેસમાં પડયા રહેશો તો ઉજાસ પામી શકશો નહીં! તમે ભાજપમાં જતા રહો! જ્યોતીષીના કહેવાથી હું કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યો! હવે તમે જ કહો કે આવા નેતા કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય, ચુંટીને મોકલવાને લાયક છે ખરા? જે માણસ પોતાનું ભાગ્ય અને ભવીષ્ય જ્યોતીષીને સોંપીને બેઠો હોય એ પ્રજાનું ભવીષ્ય કઈ રીતે સુધારી શકે? જે માણસ પોતેપોતાનું ભાગ્યનીર્માણ કરી શકતો ન હોય એ રાષ્ટ્રનું કે પ્રજાનું ઘડતર કઈ રીતે કરી શકે? જે માણસને પ્રજાને દોરવણી આપવાની જવાબદારી સોંપવામાં આવે એ જ માણસ અન્ધશ્રધ્ધાના અન્ધકારમાં અટવાયો હોય તો એ તમારા જીવનમાં ચપટી અજવાળું પણ કઈ રીતે પાથરી શકવાનો હતો? આ પરીસ્થીતીના મુળ બહુ ઉંડા છે! સ્વાઈન ફલુ કે દુષ્કાળ જેવી આફતોના નીવારણ માટે વૈજ્ઞાનીકઢબે પગલા લેવાને બદલે કથાઓ અને હવન કરાવતા રહીશું ત્યાં સુધી આ જ પરીસ્થીતી રહેશે!

આપણો નેતા ભલે કાર્યરત ઓછો હોય પણ ઈન્ટેલેકચ્યુઅલ તો હોવો જ જોઈએ. એમ.એલ.એ. જેવી વ્યક્તી જ્યોતીષીનો ઓશીયાળો થઈ જતો હોય તો એસ.ટી. બસમાં માતાજીનો કે દરગાહનો ફોટો રાખતા અલ્પ શીક્ષીત ડ્રાઈવર અને કંડકટરની ગળચી આપણે કઈ રીતે પકડવાના હતા? અડવાણી દરગાહ પર જઈને લીલા રંગની પાઘડી બંધાવી અને સોનીયા ગાંધી ચાદર ચડાવીને ફોટા પડાવવા અને છપાવવામાં ગૌરવ અનુભવતા હોય તો બસના ડ્રાઈવર–કંડકટર શા માટે એવો ગૌરવના અનુભવે? એ પણ આસ્થાની જ વાત છે ને?

આસ્થા અને અન્ધશ્રધ્ધા વચ્ચે ઝાઝું છેટુ નથી! આસ્થા અને અન્ધશ્રધ્ધા વચ્ચે એક ત્રીજુ રાજકીય તત્વ પ્રવેશ્યું છે. અડવાણી દરગાહ પર જઈને લીલારંગની પાઘડી બંધાવે કે સોનીયા ગાંધી ચાદર ચડાવે, એમાં નથી આસ્થા કે નથી અન્ધશ્રધ્ધા! એમાં માત્ર વોટબેન્કનું બેલેન્સ વધારવાની છેતરપીંડી સીવાય બીજુ કંઈ નથી !

રાહ કે પેડોં સે જબ વો આશના હો જાયેગા,

ઈક અકેલા આદમી ભી કાફલા હો જાયેગા!

–ખલીલ ધનતેજવી

‘ગુજરાત સમાચાર’ દૈનીકમાં દર રવીવારે પ્રકાશીત થતી રવીપુર્તીની લોકપ્રીય કટાર ‘ખુલ્લા બારણે ટકોરા!’માંથી (તારીખ 15 માર્ચ, 2015ના અંકમાંથી) ‘ગુજરાત સમાચાર’ અને લેખકશ્રીના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી. ખલીલ ધનતેજવી, પટેલ ફળીયું, યાકુતપુરા, વડોદરા – 390 006 ફોન : (0265) 251 0600 સેલફોન : 98982 15767 ઈ.મેઈલ : khalil_dhantejvi@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 01–12–2017

સાધુ વાણીયો બીજા જન્મે અમેરીકામાં

સાધુ વાણીયો બીજા જન્મે અમેરીકામાં

–નવીન બેન્કર

એક વખતે, અયોધ્યાની નજીક આવેલા, નૈમીષારણ્યમાં રહેનારા શૌનકાદી ઋષી, સમ્પુર્ણ પુરાણોના જાણકાર એવા સુત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા કે ‘શ્રુતેન! ‘તમસા કીં વા પ્રાપ્યતે વાંચ્છીતં ફલમ્’ એટલે કે વાંછીત ફળ મેળવવા ઝાઝી મહેનત કર્યા વગર, અમેરીકામાં મીલીયન્સ ડૉલરના સ્વામી કેવી રીતે બની શકાય એ અંગે અમને માર્ગદર્શન આપો’.

શૌનકાદીનો પ્રશ્ન સાંભળીને સુતમુનીએ કહ્યું કે કોઈ કાળના વીષે, દેવ ઋષી નારદજીએ પણ વૈકુંઠમાં શ્રીકૃષ્ણ ભગવાનને એવો જ પ્રશ્ન કરેલો ત્યારે ભગવાને તેમને આ અંગે, ભારતવર્ષના નૈમીષાનન્દ ભારતી પાસેથી આ પ્રશ્નનો ઉત્તર મેળવવાની આજ્ઞા કરી હતી. દેવર્ષી નારદે, આ નૈમીષાનન્દ ભારતી ક્યાં મળશે એમ પૃચ્છા કરતાં, ભગવાને તેમને અમેરીકાના ટેક્સાસ રાજ્યના,  હ્યુસ્ટન શહેરની હવેલીના બાંકડા પર કોઈને પણ પુછવાથી આ નૈમીષાનન્દ ઉર્ફે નીત્યાનન્દ ભારતી ઉર્ફે નીત્યસહસ્ત્રલીલાનન્દ એવા અનેકવીધ નામે ઓળખાતા  N.B. ને મળવાનું કહ્યું.

દેવર્ષી નારદ અને સુત મુનીને આ પ્રશ્નનો જે જવાબ મળ્યો હતો એ હું તમને કહું છું તો તમે બધા સાવધાન થઈને, સાંભળો.

સત્યનારાયણ ભગવાનની કથામાં પેલી કલાવતી અને લીલાવતીવાળા સાધુ વાણીયાની વાત આવે છે તે સાધુ વાણીયો બીજા જન્મમાં, ડૉલર કમાવા માટે અમેરીકાના એક શહેરમાં આવ્યો હતો. કઈ રીતે આવ્યો હતો એની વાત એક નવલકથા જેટલી લાંબી છે એટલે અહીં અસ્થાને ગણાશે.

આ બીજા જન્મમાં, સાધુ વાણીયો, ડાકોરના રણછોડરાયજીના મન્દીરમાં સેવકના ઘરમાં જન્મ્યો હતો.

કામધંધો નહીં હોવાના કારણે, ગામમાં જે કોઈ કથાકાર કથા કહેવા આવે કે મોરારીબાપુ જેવા રામકથા સમ્ભળાવે એ બધું સાંભળી સાંભળીને એને એ બધી વાતોની મીમીક્રી કરવાની ફાવટ આવી ગયેલી. થોડું સંસ્કૃત પણ ગામની શાળામાં ભણેલો એટલે રામચન્દ્ર જાગુષ્ટેની ધાર્મીક ચોપડીઓ વાંચીને તથા દાદીમાની વાર્તાઓ સાંભળીને ધાર્મીક ગનાન (જ્ઞાન નહીં) તો હતું જ.

કોમર્શીયલ એરીઆમાં, ઑફીસો ભાડે આપેલ એવી એક નાનકડી ઓરડીમાં, એક વીદ્વાન આચાર્ય, એક કાળા પથ્થરને શીવજીનું લીંગ દર્શાવીને પુજાપાઠ કરતા હતા અને ભારતના ગામડાઓમાંથી આવેલા અર્ધદગ્ધ અને અન્ધશ્રદ્ધાળુઓ ઘંટ વગાડીને પુજા કરવા આવતા. તેમની સાથે, આપણો સાધુ પણ સાફસુફી અને વાસણો ધોવા તથા મન્દીરની દેખરેખ રાખવાનું કામ કરવા લાગ્યો. વીદ્વાન આચાર્ય બહારના શ્રદ્ધાળુને ત્યાં પુજાપાઠ કરવા જાય ત્યારે સાધુ દર્શનાર્થે આવતા લોકોને પુજા કરાવતો અને બે પૈસા દક્ષીણા મેળવતો. મન્દીરમાં ગાર્બેજ ઉપાડવા અને સાફસુફી કરવા આવતી એક મેક્સીકન સીટીઝન યુવતી સાથે આંખ લડી જતાં, તેની સાથે લગ્ન કરી લીધા અને ગ્રીનકાર્ડ પણ મેળવી લીધું.

હવે અનુભવે સાધુ પણ સત્યનારાયણની પુજા કરાવતો થઈ ગયેલો. ગાયત્રી હવન, સીમન્ત સંસ્કાર, વાસ્તુપુજન, મુંડન વીધી, જેવી પુજાઓ સ્વતન્ત્રપણે કરાવતો થઈ ગયેલો. પેલા વીદ્વાન આચાર્ય કરતાં સાધુ વધુ ભણેલો અને અને એગ્રેસીવ હતો એટલે એણે બાજુની બીજી દુકાનની જગ્યા પણ લઈ લીધી અને પોતાની ‘દુકાન’ શરુ કરી દીધી. મુળ તો ડાકોરના રણછોડરાયજીનો સેવક એટલે પ્રથમ મુર્તી તો રણછોડરાયજીની જ પાણપ્રતીષ્ઠા કરીને મુકી.. પછી, ભારતથી બીજા અનેક ભગવાનોની મુર્તીઓ લઈ આવ્યો. મહાદેવજીની બાજુમાં જ, ચુન્દડી ઓઢાડેલા માતાજી, ગણેશજી, સાંઈબાબા, જલારામબાપા, શનીમહારાજ વગેરે વગેરેની મુર્તીઓની ધામધુમથી પ્રાણપ્રતીષ્ઠા કરી, ભક્તજનોને જમાડ્યા, ઉઘરાણું કરીને પૈસા ભેગા કર્યા અને સ્મશાનની જગ્યા ખરીદી લઈને, ત્યાં મન્દીર બાંધી દીધું. મન્દીરની કમીટીનું ટ્રસ્ટ બનાવીને એક વાન, એક ટ્રક તથા એક કાર ખરીદી લીધી. મન્દીરમાં જ રહેઠાણ માટે જગ્યા બનાવી દીધી. ચરોતરના ગામડામાંથી બીજા ત્રણ પુજારીઓને સ્પોન્સર કરીને બોલાવી લીધા.

અમેરીકામાં જન્મેલી અને ઉછરેલી છોકરીઓ પણ, સારો વર મેળવવા, ગોર માનું વ્રત રાખે અને પાંચ દીવસ અલુણું ભોજન કરે, સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ જયા–પાર્વતીનું વ્રત રાખે એવા અન્ધશ્રદ્ધાળુ લોકોથી ઉભરાતા કે ખદબદતા આ દેશમાં પણ મન્દીરોનો ઉદ્યોગ સારો ચાલે છે એટલે વત્સ, અમેરીકામાં મીલીયોનેર થવા માટે કાં તો મન્દીર ખોલો અથવા જાહેરાતો પર ચાલતું કોઈ વર્તમાન પત્ર શરુ કરી દઈને, સાહીત્યસેવાનો ઝંડો હાથમાં લઈને સમાજના અગ્રણી નેતા કે જેને કમ્યુનીટી લીડર કહે છે તે બની જાવ. વેપારીઓના નાક દબાવીને જાહેરાતો મેળવો અને તમે જે સભામાં ગયા હોવ એ સભાની કાર્યવાહીના અહેવાલો ફોટાઓ સહીત છાપ્યે જાવ. લોકો તમને હારતોરા પહેરાવશે અને સાહીત્યની સભાઓમાં પ્રમુખસ્થાને બેસાડશે. પબ્લીક રીલેશન્સના જોરે, તમને પદ્મશ્રી કે પદ્મભુષણ પણ બનાવી દેશે. ભલે ને તમે ગુજરાતી ભાષામાં પ્રવચન ન આપી શકો. એ જરુરી પણ નથી. 

કોઈ પણ વાર–તહેવારની ઉજવણી કરવાની, પુજામાં દાતાઓને બેસાડીને શ્લોકો બોલીને, સ્વાદીષ્ટ ભોજન ખવડાવવાનું અને રાત પડે ભેટપેટીઓ ખોલીને દાનમાં આવેલી રકમને રબ્બરબેન્ડથી બાંધીને મુકી દેવાની. ચેકથી આવેલી કે ક્રેડીટ કાર્ડથી મળેલી રકમ બેન્કમાં જાય અને રોકડની અડધી રકમ પણ બીજે દીવસે બેન્કમાં જમા કરાવી આવવાની.. લાઈટબીલ, ગેસબીલ, કાર અને ટ્રકનું મેઈન્ટેનન્સ વગેરેનો ખર્ચ પણ ટ્રસ્ટને ખાતે. ઉપરાંત સમારકામ જેવા ખર્ચા પણ ટ્રસ્ટને ખાતે. સરકાર પાસેથી મેડીકેઈડ અને ફુડકુપનો તો લેવાની જ.

ભારતમાં કલાવતી કન્યા અને લીલાવતી માટે પાંચ માળની હવેલી બનાવડાવી દીધી. કલાવતી–લીલાવતી હજુ દર મહીને સત્યનારાયણ ભગવાનનું વ્રત રાખે છે અને ઘીમાં લસલસતો શીરો બનાવીને  ગામના  લોકોને વહેંચે છે. તથા સાધુના પાછા આવવાની રાહ જુએ છે.

બોલો… શ્રી. સત્યનારાયણ ભગવાનની જય…

આ કથા અંગે જે કોઈ સંશય કરશે તે અઘોર પાપનો અધીકારી બનશે. કોઈ પ્રશ્ન થાય તો પેલા ઋષીમુની, સુતજી કે નારદમુનીને જ પુછવા. છેવટના ઉપાય તરીકે હ્યુસ્ટનના નૈમીષાનન્દ ભારતી, નીત્યાનન્દભારતી કે નીત્યસહસ્ત્રલીલાનન્દ સ્વામીજીને ઈ–મેઈલથી જ પ્રશ્ન પુછવો. તેઓશ્રી સ્માર્ટફોન કે વોટ્સએપથી પરીચીત નથી.

–નવીન બેન્કર

લેખક સમ્પર્ક : 

NAVIN BANKER, HOUSTON, TX – 77001 – USA  

E-Mail: navinbanker@yahoo.com

Phone: 001-713-818-4239  લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, .મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 17/11/2017 

 

નેહુ મેરા પ્યાર હૈ…

(તસવીર સૌજન્ય : ‘મીડ ડે’ દૈનીક)

 

નેહુ મેરા પ્યાર હૈ…

–રશ્મીન શાહ

સોની ટીવી પર એક સીરીયલ શરુ થઈ હતી. ‘પેહરેદાર પીયા કી’. 19 વર્ષની એક બાળા 09 વર્ષના એક છોકરા સાથે મૅરેજ કરે છે એ સન્દર્ભની આ સીરીયલના ડાયલૉગ્સ રાઈટર–ફ્રેન્ડ નીરંજન આયંગર લખતો હોવાથી એ જોવાનું બન્યું અને જોયા પછી ખરેખર અફસોસ થયો. સીરીયલની શરુઆતમાં મસ્ત મજાનું ડીસ્ક્લેમર હતું. સીરીયલ આ પ્રકારનાં લગ્નના રીવાજની સાથે સહમત નથી અને આવું જ સીરીયલના પ્રોડ્યુસર પણ કહેતા રહ્યા. છેક ત્યાં સુધી જ્યાં સુધી સીરીયલ પર બૅન મુકવાનો નીર્ણય લેવામાં ન આવ્યો અને જ્યાં સુધી સીરીયલનું ટેલીકાસ્ટ અટકાવવામાં ન આવ્યું ત્યાં સુધી. મુદ્દો સીરીયલની વાર્તાનો નથી, મુદ્દો બાળમાનસનો છે અને બાળકના નામે કરવામાં આવી રહેલા તુતનો છે. બાળક જોવાય છે એટલે બાળક વેચાય છે. બાળકોની લાગણીઓને ધ્યાનથી લેવામાં આવે છે એટલે એ લાગણીને મૅક્સીમમ ખરીદવામાં આવે છે. અને કાં તો એ ઉભી કરવામાં આવે છે. શરમજનક અવસ્થા આવી ગઈ છે. TRM (હવે TRP નથી રહ્યું; પણ એની જગ્યાએ TRM આવી ગયું છે એ સહેજ જાણ ખાતર) માટે ચાલી રહેલી આ દોટમાં જેન્યુઈન કહેવાય એવાં પ્રોડક્શન–હાઉસ અને ટીવી–ચૅનલો પણ ઉતરી ગયાં છે ત્યારે કહેવાનું મન થઈ આવે કે કુકરી ખરેખર ગાંડી થઈ છે. ચોપાટ રમ્યા હોય કે ચોપાટનું નૉલેજ હશે તેને આ વાત બરાબરની સમજાઈ જશે. ‘ઝી ટીવી’ પર આવતાં રીયલીટી શૉ ‘સા રે ગા મા પા લીટલ ચૅમ્પ્સ’માં તો જે થઈ રહ્યું છે એ જોઈને ખરેખર ક્યારેક રુંવાડાં ઉભાં થઈ જાય, મગજની નસ ખેંચાઈ જાય, આંખનાં ભવાં તણાઈ જાય અને હૈયાની ધડકનનો સ્તર અપસેટ થઈ જાય. પાંચ વર્ષના જયસ કુમાર નામના દુધમાં કાંકરી એવા એક કન્ટેસ્ટન્ટને આ શૉમાં નેહા કક્કરનો પ્રેમી બનાવી દેવામાં આવ્યો છે અને જે ઉમ્મરે બાળકના સપનામાં ચૉકલેટ અને આઈસક્રીમનો વરસાદ ચાલુ હોય એ ઉમ્મરના બાળકની પાસે સ્ટાર–જજ ‘નેહુ મેરા પ્યાર હૈ’ અને ‘નેહુ કે લીએ મૈં કુછ ભી કરુંગા’ જેવા ડાયલૉગ્સ બોલાવડાવે. નીર્દોષતા વચ્ચે બાળક બીચારો બોલે પણ ખરો અને સામેથી ફ્લાઈંગ કીસ આપવામાં આવે એટલે એ બચ્ચુ પણ બીચારું એવી જ નીર્દોષતા વચ્ચે કીસ આપી દે. આ બચ્ચાઓના નસીબમાંથી ડોરેમોન, પોકેમોન કે છોટા ભીમ છીનવી લેવાનું પાપ કરનારાઓ મનોરંજન માટે આ હદે ઉતરી જાય એ ખરેખર અયોગ્ય છે. પેલા બૅન થઈ ગયેલા શૉ ‘પેહરેદાર પીયા કી’માં નવ વર્ષના બચ્ચાનો અને સ્ક્રીન પર 19 વર્ષની ઉમ્મરનો રોલ કરતી ઍક્ટ્રેસની ફર્સ્ટ નાઈટનો સીન પણ આવે અને એ પછી પણ ડીસ્ક્લેમર તો એવું જ આવે કે અમે આ બધું માનવા તૈયાર નથી.

વૉટ નૉન્સેન્સ.

જે માનવા રાજી નથી, જેને સ્વીકારવા તૈયાર નથી અને જે વાત સાથે તમારી સહમતી નથી એનું પ્રદર્શન શું કામ કરવું છે અને એ પણ બાળકની ઓથમાં? આવી વાર્તા કે પછી આ પ્રકારના શૉની સ્ક્રીપ્ટ લખનારા, શૉની સ્ક્રીન પર અને ઑફ–સ્ક્રીન પર જોડાયેલા સૌકોઈને એ ખબર હોવી જોઈએ કે સમાજ પ્રત્યે તેમનું દાયીત્વ છે અને એ દાયીત્વ ક્યારેય ચુકવું ન જોઈએ. વાર્તાના નામે મનમાં આવે એ કે પછી TRM મેળવવા માટે પાંચ વર્ષના બચ્ચા પાસે લવવેડાં કરાવવાની જે નૌટંકી છે એ ગેરવાજબી જ છે અને એને તમે ગમે એવી તર્કબાજી સાથે પણ સુધારી નથી શકતા. ગ્લૅમર ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અને આજની દુનીયાનાં બાળકો પર ‘મીડ–ડે’ આ વર્ષના ઍન્યુઅલ ઈશ્યુમાં એક ખાસ સપ્લીમેન્ટ ઑલરેડી કરી ચુક્યું છે. એ સપ્લીમેન્ટ અને ખાસ તો એ આર્ટીકલમાં તમામ ભયસ્થાન પણ વર્ણવવામાં આવ્યાં હતાં. માત્ર આંખ જ નહીં, દીમાગ પણ ખોલી નાખે એવી એ સપ્લીમેન્ટ એકેક પ્રોડક્શન–હાઉસ અને ટીવી–ચૅનલે વાંચવી જોઈએ અને એની કૉપી સીરીયલ કે રીયલીટી શૉના રાઈટરના ઘરે મોકલવી જોઈએ. મોકલ્યા પછી પુછવું પણ જોઈએ કે દરેક ઉમ્મરની એક મજા છે, દરેક ઉમ્મરનો એક ચોક્કસ આનન્દ છે તો પછી ઉમ્મર પહેલાંની એ મજા કે પછી એ આનન્દને તોડવાનો કે એને બદલાવવાનો હક તમને કોણે આપ્યો અને કેવી રીતે તમે લઈ પણ લીધો?

માન્યું કે ટીવી મફતનું મનોરંજન છે અને એટલે જ એમાં જે કંઈ દેખાડવામાં આવે છે એ જોવામાં આવે છે, પણ હવે આંખ ખોલીને વીચારવાનો સમય આવી ગયો છે કે ઘરમાં ટીવી પર જે કંઈ આવી રહ્યું છે એમાંથી કેટલું જોવું અને કેટલું અવગણવું. પાંચ વર્ષનું બચ્ચુ અભાન અવસ્થામાં કે પછી બધા પોતાને જોઈને ખુશ થઈ રહ્યા છે એટલે અમુક અંશે આંખો ખેંચી રાખવાની લાલચમાં ‘નેહુ, આઈ લવ યુ’ બકી પણ દેશે અને બધા તેની નીર્દોષતા પર હસી પણ પડશે; પણ યાદ રહે, એ બચ્ચાની આવી નીર્દોષતાને તમાશો બનાવીને TRM કમાવાનું દુષ્કૃત્ય ખરેખર તો સૃષ્ટી વીરુદ્ધના કૃત્ય સમાન છે. જો સમલીંગી સમ્બન્ધ અયોગ્ય હોય તો પછી ઉમ્મર પહેલાંની લાગણીઓ જગાડવી એ પણ અયોગ્ય જ છે. નવ વર્ષની ઉમ્મરે સોસાયટીમાં થતી પ્રાચીન નવરાત્રીમાં ગરબા લેવા જવું જ શોભે અને પાંચ વર્ષની ઉમ્મરે એક હાથમાં પેંડો અને બીજા હાથમાં પીપુડી જ સારી લાગે. બને કે બાળકમાં ટૅલન્ટ છે એટલે પીપુડીને બદલે તેને માઈક મળી ગયું, પણ એ માઈકની લાલચમાં નહીં પડીને બાળકના માનસ સાથે થઈ રહેલા આવા ખતરનાક અખતરાઓને અટકાવવા એ માબાપનો ધર્મ છે. અગાઉ કહ્યું છે અને ભવીષ્યમાં પણ કહેતા રહેવું પડશે. એવું લાગે છે કે માબાપ બનવું એ પાંચ મીનીટનું, રોકડી પાંચ મીનીટની કામ છે અને આટલી જ અમસ્તી પ્રક્રીયા પછી નવ કે સવાનવ મહીનાના અન્તરે તમારા ઘરે પારણું બન્ધાઈ જાય છે, પણ સારાં માબાપ બનવાની પ્રક્રીયા કદાચ આખી જીન્દગી કરો તો પણ ન બની શકો એવું બની શકે. નવ વર્ષનું બચ્ચું આવીને જો સેક્સની વાત કરે કે પ્રેમની વાત કરે તો એ માટે આંખમાં રતાશ આંજવી જ પડે; કારણ કે આ ઓગણીસમા વર્ષે બોલવાના શબ્દો છે અને એવું જ પાંચ વર્ષની ઉમ્મરના બાળકની વાતમાં પણ લાગુ પડે. એવા સમયે સેટ પર બેસીને તમે મમ્મીપણું ભુલીને ખીખીયાટા કરો તો ઘેલસાગરા લાગો, બીજું કંઈ નહીં. તમે ક્યારેય આવી રીતે ખીખીયાટા કરીને તમારું નામ ઘેલસાગરાની યાદીમાં લખાવો છો કે નહીં એ જોવાનું કામ તમારું છે. માત્ર અને માત્ર તમારું. બાકી વાત રહી અત્યારે ચાલી રહેલા અને બાળકોના નામે TRMની ભીખ એકઠી કરી રહેલા શૉને તો કહેવાનું માત્ર એટલું કે આપણા વડાપ્રધાનશ્રી મોદીજી એક વાર આ બાજુ જોવે એટલી વાર. ત્યાં સુધી તમતમારે કરી લો ઝીંકમઝીંક.

– રશ્મીન શાહ

લેખકસમ્પર્ક : 

શ્રી. રશ્મીન શાહ, સેલફોન : 98255 48882 મેઈલ : caketalk@gmail.com

મુમ્બઈના મીડડેદૈનીકમાં પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘સોશ્યલ સાયન્સ’ (8 સપ્ટેમ્બર, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘મીડ–ડે’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે બપોરે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ  –મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 27–10–2017

 

રુપાલની પલ્લી (ઘી ઢોળવું કે વાપરવું?)

રુપાલની પલ્લી

(ઘી ઢોળવું કે વાપરવું?)

(તસવીર સૌજન્ય : https://www.facebook.com/ActionsOfAhmedabad/)

–ડૉ. જેરામ જે. દેસાઈ

પીવાનું પાણી ભલે ન મળે, પરન્તુ;

અન્ધશ્રદ્ધાઓ ઘીની નદીઓ વહાવે છે.

       ગાંધી રંગે રંગાયેલા સ્વામી આનન્દ તેમના મરણોત્તરી પ્રકાશન ‘ઉત્તરપથયાત્રા’માં લખે છે :

‘આજનો આધુનીક હીન્દુ લંડન, ન્યુયોર્ક અને મોસ્કોની ખબરો રોજ સવાર–સાંજ વાંચે–સાંભળે છે. અમેરીકન તેમ જ યુરોપના દેશોની પ્રજાઓના પહેરવેશ, રીતરીવાજ, સામાજીક એટીકેટ તેમ જ તેમની ખામીઓ અને ખુબીઓનું અપ–ટુ–ડેટ જ્ઞાન ધરાવે છે. આજનો રાજકીય–શ્રેષ્ઠી કે સેવક રોજેરોજ પ્રજાકીય ઉત્થાનની મસમોટી યોજનાઓ ઘડે છે અને દુનીયાની પ્રજાઓનાં મહાજન મંડળોમાંને એલચી, પ્રતીનીધીઓ સમક્ષ આઝાદ હીન્દની શાન અને વટ સાચવવા સારું આંખમાં તેલ આંજી જાગતો રહે છે; પણ ઘર આંગણાના આપણા પ્રાંતો, પ્રદેશો, જાતીઓ અને કોમોની સામાજીક દુરવસ્થાનું, તેમના રીતરીવાજોનું કે તેમના દુ:ખદર્દોનું જ્ઞાન આપણામાંથી કેટલાંકને હશે? (પેજ : 169, પહેલી આવૃત્તી, 1980)

નવરાત્રી હોય કે ગણેશમહોત્સવ, હવે આ ઉત્સવોમાંથી સંસ્કૃતીનું તત્ત્વ ગોચર થતું નથી; પરન્તુ સંસ્કૃતીની જે કંઈ વીકૃતીઓ છે, તે નજરે પડે છે. ઉત્સવોનું વ્યાપારીકરણ થયું છે. ખોટા માણસો ધાર્મીકતાનો આંચળો ઓઢવા આવા આયોજનો ઉત્સાહથી હાથ પર લે છે અને આખું વર્ષ પોતાની અનૈતીક–અસામાજીક પ્રવૃત્તીઓ કરતા રહે છે. ધર્મમાં બેલેન્સનો ખ્યાલ લોકમાનસમાં ઘર કરી ગયો છે. તેથી ઘણું ખોટું કર્યા પછી યાત્રા કરવી, દાન કરવાં અને ધર્મશાળાઓ ખોલવી, એવું બધું કરે છે, જે સમાજની સ્વીકૃતી પણ પામે છે. કેટલાંક કેમીકલ્સ સાથેના રંગો આ મુર્તીઓ પર ચઢે છે અને તે મુર્તીઓ આપણી પ્રદુષીત થઈ ચુકેલી નદીઓને વધુ માત્રામાં પ્રદુષીત કરે છે. ધર્મના આતંકથી ડરીને, પર્યાવરણવાદીઓ પણ કદાચ કશું જ બોલતા નથી. પ્રત્યેક વર્ષે મુર્તી વીસર્જનમાં કેટલાંક માણસો પણ ધક્કામુક્કીમાં વીસર્જીત થઈ જાય છે.

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરથી માત્ર 15 કીલોમીટરના અન્તરે આવેલુ રુપાલ ગામ, પલ્લીને કારણે બધે જાણીતું છે. આ ગામમાં દર વર્ષે વરદાયીની માતાજીની પલ્લી પર નવરાત્રીની નોમની રાત્રે, લગભગ 15,000 (હાલ : 50,000) કીલો શુદ્ધ ઘી જમીન પર ઢોળી દેવાય છે. પ્રતી વર્ષની પરમ્પરા નહીં નહીં તોય પાંચસો સાતસો વરસોથી ચાલી આવતી હોવાનું લોકો જ કહે છે. રજવાડાં ગયા અને આઝાદ ભારતની લોકશાહી સરકારો આવી; પણ કોઈ આ ધર્મને નામે થતો ભયંકર બગાડ અટકાવવા શક્તીમાન બન્યું નથી.

આ બધું ધર્મને નામે થાય છે. રુપાલ ગામના પાદરમાં બીરાજેલા વરદાયીની માતાની તમે માનતા માનો ને તે પુરી થઈને જ રહે, એટલાં સક્રીય અને સાક્ષાત છે. દીકરો માગો તો તે મળે, વાંઝીયામહેણું ટળે, દીકરીના લગ્ન થઈ જાય, વેપારમાં આગળ વધી જવાય, સરકારી નોકરી મળી જાય, વરસો જુનાં વેર અને કજીયો કંકાસ ટળી જાય – આવું ગમે તેટલું માંગો અને વરદાયીની માતાનું વરદાન તમને ફળે જ ફળે…!!!

નોકરી માટે ફાંફાં મારવાના હોય, દીકરીઓનું કંઈ ગોઠવાતું ના હોય અને વરદાયીનીનો વરદ હસ્ત આપણા પર ફરતાં જ કલ્યાણ થઈ જતું હોય તો ‘હે મા તને સો ડબ્બા ઘી ચઢાવીશ’ એવું કહેનારા તો મળી જ આવવાના. હા, તો આવા સફળ થયેલા ભાવીક ભક્તજનો પાશેર કે પાંચસો ડબ્બા ઘી પોતાની યથાશક્તી–મતી પ્રમાણે માતાને ઘેર મોકલી આપે છે. માતાજી પાસે આના નીકાલની કોઈ વ્યવસ્થા નથી. તેથી ગામના પટેલો–બ્રાહ્મણો, વાળંદો–વાણીયા, ઠાકોરો બધાએ પલ્લી કહેતાં માતાજીની પાલખી કાઢવાનો સહીયારો પુરુષાર્થ ઉપાડી લીધો છે. ગામના સત્તાવીસ જેટલાં કેન્દ્રો પર હકડેઠઠ ભેગું ઘી કરીને માતાની મુર્તી વીનાની પલ્લી પર બે–ચાર ઘડીનો સમય મળે તેટલામાં ડોલે–ડોલે, ડબ્બે–ડબ્બે રીતસર ઘી ઢોળવામાં આવે છે.

રુપાલ ગામની પલ્લી વીશે સહેજ ડોકીયું કરીએ… આ ઉત્સવ ગામના દરેક વર્ગના પ્રજાજનો સાથે મળીને પલ્લીનું સર્જન કરે છે. ગામમાંથી કોઈ ખીજડાના ઝાડનાં લાકડાં લઈ આવે છે. પલ્લીના સીધા આકાર પડે છે, જેમાં કોઈ આકર્ષક કલાકૃતીનું સર્જન હોતું નથી. એકદમ સામાન્ય આકાર લઈ ચાર તરફ ગોઠવાયેલા ચાહકોને લોકો પલ્લી તરીકે ઓળખાવે છે.

આશ્ચર્ય એ પણ થાય છે કે આ પલ્લીમાં માતાજીની કોઈ મુર્તી, ફોટો કે પ્રતીક સુધ્ધાં હોતા નથી. પલ્લીને મધરાત પછી ગામના મુખ્ય માર્ગે, લાખો ભાવીક ભક્તોના જનસમુદાયમાં મન્દીર સુધી આનન્દોત્સવભેર લઈ જવામાં આવે છે.

દેશના કરોડો લોકોને પીવા માટે પાણી ન મળતું હોય ત્યારે આ કારમી મોંઘવારીમાં રુપીયા 250/ના (હાલ : 500/-) કીલોના ભાવે મળતું આટલું બધું ઘી માતાજીની પલ્લી ઉપર દર વર્ષે ઢોળાતું જ રહે છે. જ્યારે ગામના રસ્તાઓ બીમાર છે, ગામમાં ગન્દગી છે. બેકારી છે, ગરીબી છે, તેને દુર કરવામાં માતાજીની પલ્લી કે ઘી ઢોળવાની પ્રવૃત્તી કશા જ કામમાં આવતી નથી. લાખો રુપીયાની કીમ્મતનું ઘી આમ રસ્તા ઉપર ઢોળાઈ કે વેડફાઈ જાય, તે કેટલે અંશે યોગ્ય ગણાય?! આપણે ત્યાં કહેવત છે કે, ‘ઘરનાં છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો’. આપણે પોતે ઘરમાં ઘી નહીં ખાઈને, પલ્લી પર ચઢાવીએ છીએ! તે આશરે 500/- રુપીયે કીલોનું ઘી માતાજીના મન્દીરે પહોચવાને બદલે ધુળમાં રગદોળાય છે અને ભાગ્યે જ કોઈના પેટમાં પહોંચે છે. ગામમાં શું કોઈ વીચારશીલ મનુષ્ય નથી, જે આવા મીથ્યા કર્મકાંડ વીરુદ્ધ અવાજ ઉઠાવે?

આ શુદ્ધ ઘી અહીં આટલા મોટા જથ્થામાં કેવી રીતે આવે છે? – ગ્રામજનો તેમ જ દુર દુર વસતો માનવમહેરામણ રોજીન્દા જીવનમાં અણઘટતી બનતી ઘટનાઓ વીશે અજાણ હોય છે. તેમાંથી બચવા, રુપાલ ગામે આવેલ વરદાયીની માતાની બાધા આખડીઓ રાખે છે. અમારાં અમુક કાર્યો સીદ્ધ થશે, તો અમે નવરાત્રીમાં માતાજીની પલ્લીને શુદ્ધ ઘી ચઢાવીશું એવી ધન્ધાદારી માન્યતાઓ ચારે તરફના લોકો રાખતા હોય છે. અને તે દીવસે બાધામાં માને શુદ્ધ ઘી શેર, બશેર, પાંચશેર, દશશેર વગેરે વગેરે… અહીં ગામના ચૌરે ચૌટે ગોઠવાયેલા મોટાં પીપડાં, કઠા અને અન્ય સાધનો ઘી એકત્ર કરવા માટે ગોઠવી દેવામાં આવે છે. દીવસ દરમીયાન દુર દુરથી લોકો આવીને ગોઠવાયેલાં, ખુલ્લે આમ પડેલાં, સાધનોમાં ઘી રેડે છે. સાધનો ખુટે પછી ઘીના પેક ડબ્બા તોડીને મુકાય છે. અને તેમની વર્ષ દરમીયાન રાખેલ આડી અવળી બાધાઓ–માન્યતાઓને પુરી કરે છે. મધરાત થતાં પલ્લી અને શુદ્ધ ઘી ભરેલા કઢા, પીપડાં તૈયાર કરી દેવામાં આવે છે.

લાકડાની નીચે ખુલ્લી પલ્લી પર લોકો રીતસર ઘીના પીપડાં ખાલી કરતા જાય છે. રસ્તા પર અઢળક વહેતા ઘીમાં ધુળ, કચરો, પક્ષીઓની અગાર, પશુઓનાં છાણ, માણસના મળ વગેરે મળી ગંદો કાદવ કીચડ બને છે. ઘુળમાં મળેલું ઘી વળી ગામના દલીતોને એકઠું કરવાની પરમ્પરાથી છુટ અપાયેલી છે. આ દુ:ખીયારાઓ પ્રતીવર્ષ તે એકઠું કરી, ઉકાળી–ગાળીને ખાય છે અને વેચે પણ છે. મધ્યરાત્રીથી સવારના સાત વાગ્યા સુધી આમ વેડફાતા શુદ્ધ ઘીના બગાડથી કોઈને અચરજ થતું નથી; પરન્તુ એ લોકોને તો માતાજીની કૃપા જ પોતાના પર વરસી હોય એમ લાગે છે. તેમના જીવનમાં માતાજી સર્વસ્વ હોય તેવું પાગલપન તેઓ કરતા રહે છે. દુષ્કાળ હોય ચીજવસ્તુઓનો અભાવ હોય, બેહદ મોંઘવારી હોય; છતાં અહીં ધુળીયા રસ્તા પર ચોખ્ખા ઘીનો વરસાદ વરસે છે. રસ્તાપરની ધુળમાં ઘીની નદીઓ વહે છે! ગ્રામજનો તેને મતાજીની ભક્તી માને છે!

બાધાને કારણે પ્રાપ્ત થયેલાં બાળકોનાં મા–બાપ, તેમના માટે રાખેલ બાધાઓ પુર્ણ કરવા, બાળકને પલ્લી સુધી લઈ જાય છે અને પલ્લી પર સળગતી જ્યોત સાથે કુમળાં બાળકોને ધુપ અપાય, જેને ‘જોર આપવું’ કહેવાય. હા, આ વર્ણવવું કેટલું સહેલું છે; પણ વાસ્તવીક દૃશ્ય નીહાળતા કમકમા છુટી જાય તેવું દૃશ્ય હોય છે. જેને દુનીયા વીશે કશું ભાન–જ્ઞાન નથી, તે વળી કયા અવગુણોએ કરી, અવતરતું હશે, જે કારણ એમનાં મા–બાપો નીષ્ઠુર થઈ, ભયાનક માનવગીચતામાં, અજાણ્યા વ્યક્તીઓના હાથે ભડભડતી જ્યોતમાંથી ધુપરુપે આશીર્વાદ અપાવે એ નીષ્ઠુર મા–બાપો પોતાનાં બાળકોને અજાણી વ્યક્તીઓના હાથમાં ‘જોર’ આપવા છુટા મુકી દે છે. માનવ મહેરામણની ભીડ, ગીચતા, ઘોંઘાટ અને એક જ બાવડેથી બીજાને અને ત્રીજાને એમ અનેક વ્યક્તીઓના હાથે તડફતું બાળક રડે છે. તે બાળકોના રુદન અને ચીચીયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠે છે. પલ્લી પરની જ્યોત સાથે અડકાવવાથી બાળકને બેહદ વેદના થાય છે, જેની કોઈને પરવા હોતી નથી. બાળકો મુળ સ્થાને પરત ફરતા તો તે બેહાલ અને અધમુઆ થઈ જતાં હોય છે.

પ્રથમ તબક્કે તો એમ જ થાય છે કે, અહીંના લોકો અજ્ઞાન અને અશીક્ષીત હશે; પરન્તુ એવું નથી; અહીંના લોકો ભણેલા–ગણેલા અને મોટી નોકરી–ધન્ધાએ વળગેલા છે. કેટલાક તો પાટનગરમાં સરકારી કચેરીમાં સારા હોદ્દા પર ફરજ બજાવે છે. આ રુપાલ ‘રંગતરંગ’ના તન્ત્રી નરેન્દ્ર ત્રીવેદીનું ગામ છે, ગુજરાતી સાહીત્યના વીવેચક અને અક્રમવીજ્ઞાની રાધેશ્યામ શર્માનું ગામ છે; નવલકથાકાર પીનાકીન દવેનું ગામ છે. પન્દર કીલોમીટર દુર રાજ્યનું પાટનગર ગાંધીનગર છે. ત્રીસ–પાત્રીસ કીલોમીટરના અન્તરે કોબામાં સ્વામી સચ્ચીદાનન્દનો આશ્રમ પણ છે! આમ છતાં કોઈએ આ બેહુદી બાબત પરત્વે ભાગ્યે જ વીરોધનો એક શબ્દ પણ ઉચ્ચાર્યો હશે. દુ:ખ એ વાતનું છે કે તેઓ તેમની જુની પુરાણી અર્થહીન માન્યતાઓને આજેય ટકાવી રાખવા ઉત્સુક છે. એકાદ વર્ષનું એકઠું થયેલું ઘી સહકારી રીતે ત્યાંની ગ્રામપંચાયત ઢોળાવા ન દે અને વેચી દે, અને તેમાંથી થયેલ આવકને ગ્રામ સુધારણા માટે વાપરે તો રુપાલ ગામ રુડું રુપાળું બની જાય!

ધર્મ અને સંસ્કૃતી વીકાસનાં સોપાનો છે. રુપાલ આજે છેલ્લા પગથીયે છે. ધર્મ, સંસ્કૃતી, શીક્ષણ, સેવા એવા કોઈ પણ ક્ષેત્રે બેઠેલા સૌ કોઈની ફરજ છે કે, આ જાહેર બગાડ થતો અટકાવે. કાયદાથી નહીં, સમજાવટથી. રુપાલની પ્રજા કંઈ ન માને એવી નથી. પહેલાં રુપાલની ગ્રામપંચાયતના ચુંટાયેલા સભ્યોને સમ્બોધો, પછી ગામને; પણ આ બગાડ થતો અટકાવો. શ્રી. અરવીન્દ ત્રીવેદી, લંકેશ ચક્રવર્તીએ તેને અટકાવવા માટે પ્રથમ પ્રયાસ કર્યો હતો. બીજા મીત્રો જેવા કે ડંકેશ ઓઝા, ચન્દુ મહેરીયા, ડી. કે. રાઠોડ, કીરણ નાણાવટી વગેરેએ તેમાં સાથ આપ્યો હતો. શ્રી. ડંકેશ ઓઝાએ તો ‘સત્યાન્વેષણ’, ‘એવરેસ્ટ’ વગેરેમાં લેખો પણ લખ્યા હતા; પરન્તુ સામાજીક કાર્યકર્તાઓ, રાજકીય નેતાઓ, પર્યાવરણવાદીઓ, ગુજરાતના બીજા આગેવાનો વગેરેનો સાથ સાંપડ્યો ન હતો. તેમ છતાં આ લોકો પોતે જનસેવા કરે છે એવું ડીમડીમ રાતદીવસ વગાડતા રહ્યા છે!

રુપાલના વરદાયીની માતાજીની પલ્લીમાં વેડફાતા ઘીની સત્ય ઘટનાને નીહાળતા વૈજ્ઞાનીક સંશોધનની સીદ્ધીઓ પણ જાણે અસ્ત થતી હોય એમ લાગે છે. વર્ષો વર્ષ આ દેશમાં મોંઘવારીનું ખપ્પર વારંવાર રજુ થતું રહે છે. જુદા જુદા ધર્મો, સમ્પ્રદાયો અને ધર્મોના જુદા જુદા દેવતાઓ એ આપણા દેશની સૌથી મોટી નબળી નસ છે. તેમાંથી ઉદ્ભવતી જ્ઞાતીપ્રથાના વાડાઓ અને માનવ માનવ વચ્ચે અસમાનતા.. આ બધું ક્યાં સુધી ચાલશે..! વર્ષો વીત્યા, વીશ્વના દેશો વીકાસ ક્ષેત્રે એકવીસમીમાં હરણફાળ ભરતા રહે છે, જ્યારે આપણો દેશ કાલગ્રસ્ત ભુતકાલીન ધર્મગ્રંથોને વાગોળવા પન્દરમી સદી તરફ મીટ માંડીને ગૌરવ અનુભવે છે.

આ દેશમાં ધર્મના દેવતાઓની વસ્તી માનવ સમુદાયને ગળી જાય તેવી છે. ભારત દેશની વસ્તી એક અબજ (1,349,707,628 (1.34 billion) As of September 10, 2017 http://www.indiaonlinepages.com/population/india-current-population.html  ) ઉપર પહોંચી છે, જ્યારે કહેવાતા ભારતીય દેવોની વસ્તી જોઈએ તો… 33 કરોડ દેવ અને 64 કરોડ દેવીઓની! આ બખડજન્તરને શી રીતે સુધારવું?

(સન્દર્ભ : ડંકેશ ઓઝા, ‘સત્યાન્વેષણ’, નવેમ્બર–ડીસેમ્બર, 1992 અને ‘એવરેસ્ટ’, 16 જાન્યુઆરી, 1992)

ડૉ. જેરામ જે. દેસાઈ

લેખક ડૉ. જેરામ જે. દેસાઈનું પુસ્તકવહેમ–અન્ધશ્રદ્ધા ખંડન(પ્રકાશક : વહેમઅન્ધશ્રદ્ધા નીવારણ કેન્દ્ર, ‘બાસ્કેટબૉલ’, 9, ઉમેદનગર સોસાયટી, નાનાકુમ્ભનાથ રોડ, નડીયાદ 387 001 જીલ્લો : ખેડા ફોન : 0268–87803 85795, 99259 24816 પાનાં : 126, મુલ્ય : રુ. 90/–)માંનો આ 30મો લેખ, પુસ્તકનાં પાન 335થી 341 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : ડૉ. જેરામ જે. દેસાઈ, ‘આરોહી’, સરગમ સોસાયટી, વીવેકાનન્દ માર્ગ, વાણીયા વાડ, નડીયાદ – 387 001 ગુજરાત(ભારત) સેલફોન : 87803 85795, 99259 24816

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 6.00 અને દર સોમવારે બપોરે 2.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુમેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 25–09–2017

‘ગણપતી ઉત્સવ’ – બળે છે મારું કાળજું

‘ગણપતી ઉત્સવ’ – બળે છે મારું કાળજું

– સાંઈરામ દવે

હે મારા પ્રીય ગણપતીપ્રેમી ભકતો,

હું આજે તમને વૉટ્સએપ અને ઈ.મેલ કરવા બેઠો છું. તમારા સુધી કોઈક તો પહોંચાડશે જ એવી આશા સાથે. તમે લોકો છેલ્લાં ઘણાં વર્ષોથી ‘ગણપતી ઉત્સવ‘ ઉજવો છો એનાથી હું આમ તો ખુબ રાજી છું; પરન્તુ છેલ્લાં 10 વરસના ઑવરડોઝથી મારું કાળજું બળે છે. માટે જ આ લખવા પ્રેરાયો છું. તમને યાદ તો છે ને કે ઈ.સ. 14મી સદીમાં સન્ત મોર્ય ગોસાવીએ પુણે પાસે મોરગાવમાં મારું પ્રથમ મન્દીર ‘મોર્યેશ્વર‘ બનાવ્યું હતું. ત્યારથી લોકો ગણપતીબાપા મોર્યને બદલે ‘મોરીયા’ બોલતા થયા. તમે ભુલી ગયા કે મુગલો સામે હીન્દુત્વને એકઠું કરવા ઈ.સ. 1749માં શીવાજી મહારાજે કુળદેવતા તરીકે ગણપતીને સ્થાપી પુજા શરુ કરાવી. તમને યાદ જ હશે કે ઈ.સ. 1893માં બાળ ગંગાધર તીલકે મુમ્બઈના ગીરગાંવમાં સાર્વજનીક ગણેશ ઉત્સવથી અંગ્રેજો સામે ભારતને સંગઠીત કરવા આ ઉત્સવને ગરીમા બક્ષી. વળી, પુણેમાં દગડુ શેઠે ઘરમાં મારી પધરામણી કરાવી, ત્યારથી દગડુશેઠ તરીકે મને પ્રસીદ્ધી મળી.

મારા આ ઉત્સવ સાથે ભારતને એક કરીને જગાડવાના કામના શ્રી ગણેશ ટીળકજીએ માંડ્યા’તા; પણ તમે લોકોએ હવે મારો તમાશો કરી નાંખ્યો છે. અરે યાર, શેરીએ–શેરીએ ગણપતીની પધરામણી કરો છો, તમારી શ્રદ્ધાને વન્દન; પરન્તુ એકબીજાને બતાવી દેવા, સ્પર્ધા કરવા? તમે લોકો તો મારા નામે ‘શક્તી–પ્રદર્શન‘ કરવા લાગ્યા છો. આ ઉત્સવથી ભારતનું ભલું થાય એમ હતું. એટલે આજ સુધી મેં આ બધું ચાલવા દીધું છે. આ ગણપતી ઉત્સવનો સોસાયટીઓની ડૅકોરેશન કે જમણવારની હરીફાઈઓ માટે હરગીજ નથી. જેમને ખુરશી સીવાય બીજા એક પણ દેવતા સાથે લેવા–દેવા નથી તેઓ મારા ઉત્સવો શા માટે ઉજવી રહ્યા છે? આઈ એમ હર્ટ પ્લીઝ, મારા વહાલા ભકતો, સમ્પતીનો આ વ્યય મારાથી જોવાતો નથી.

આખા દેશમાં ગણપતી ઉત્સવ દરમ્યાન અગરબત્તીની દુકાનમાં લાઈન, મીઠાઈની દુકાનમાં લાઈન, ફુલવાળાને ત્યાં લાઈન અરે યાર, આ બધું શું જરુરી છે? માર્કેટની ડીમાન્ડને પહોંચી વળવા નકલી દુધ કે માવાની મીઠાઈઓ ડેરીવાળા પબ્લીકને ભટકાવે છે અને પબ્લીક મને પધરાવે છે. હવે મારે ઈ ડુપ્લીકેટ લાડુ ખાઈને આશીર્વાદ કોને આપવા અને શ્રાપ કોને આપવા, કહો મને?

શ્રદ્ધાના આ અતીરેકથી હું ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું. એક ગામ કે શહેરમાં 50 કે 100 ગણપતી ઉજવાય એના કરતાં આખું ગામ કે શહેર કે બધી સોસાયટીઓ ભેગા મળીને એક ગણપતી ઉજવો તો સંત મોર્ય ગોસાવીનો, બાળ ગંગાધર ટીળકનો કે દગડુશેઠ અને શીવાજી મહારાજનો હેતુ સાર્થક થશે અને હું પણ રાજી..

હે… વહાલા ગણેશભકતો, હું તમારું ઍન્ટરટેઈનમેન્ટ નથી, હું તમારા દરેક શુભ કાર્યની શરુઆતનો નીમીત્ત છું, અને તમે મારા ઉત્સવોથી મને જ ગોટે ચડાવી દીધો છે. હું દરેક ભક્તની વાત અને સુખ–દુઃખને ‘સાગરપેટો‘ બનીને સાચવી શકું તે માટે મેં મોટું પેટ રાખ્યું છે; પરન્તુ તમે તો મોટા પેટનું કારણ ભુખ સમજીને મારા નામે તમે લોકો લાડવા દાબવા માંડ્યા. મેં મોટા કાન રાખ્યા જેથી હું દરેક ભકતની ઝીણામાં ઝીણી વાત પણ સાંભળી શકું; પરન્તુ તમે લોકો તો 40000 વૉટની ડી. જે. સીસ્ટમ લગાડીને મારા કાન પકાવવા લાગ્યા છો. મેં ઝીણી આંખો રાખી જેથી હું ઝીણા ભ્રષ્ટાચાર કે અનીષ્ટને પણ જોઈ શકું; પરન્તુ તમે તો તે ભ્રષ્ટાચારીઓ પાસેથી જ ફાળો ઉઘરાવાને મારી આરતી ઉતરાવો છો.

નવરાત્રીને તો તમે અભડાવી નાખી, હવે ગણેશ ઉત્સવને ડાન્સ કે ડીસ્કો પાર્ટી ન બનાવો તો સારું. માતાજીએ તમને માફ કર્યા હશે; પણ મને ગુસ્સો આવશે ને તો સુંઢભેગા સાગમટે પાડી દઈશ. ઈટસ અ વોર્નીંગ. કંઈક તો વીચાર કરો. ચીક્કાર દારુ પીને મારી યાત્રામાં ડીસ્કો કરતાં તમને શરમ નથી આવતી? વ્યસનીઓએ ગણપતીબાપા મોરીયા નહીં; પણ ગણપતીબાપા નો–રીયા બોલવું જોઈએ.

કરોડો રુપીયામાં મારા ઘરેણાંની હરાજી કરી લેવાથી હું પ્રસન્ન થઈ જાઉં એમ? હું કાંઈ ફુલણશી છું કે લાખોની મેદની જોઈને હરખઘેલો થઈ જાઉં? અરે, મારા ચરણે એક લાખ ભકતો ભલે ન આવે; પણ એકાદ સાચો ભકત દીલમાં સાચી શ્રદ્ધા લઈને આવશે ને તો ય હું રાજી થઈ જઈશ. લાડુના ઢગલા મારી સામે કરીને અન્નનો અતીરેક કરવા કરતાં ઝુંપડપટ્ટીના કોઈ ભુખ્યા બાળકને જમાડી દો, મને પહોંચી જશે. મારા નામે આ દેખાડો થોડો ઓછો કરો. વહાલા ભક્તો, જે દરીયાએ અનેક ઔષધીઓ અને સમ્પત્તી તમને આપી છે એમાં જ મને પધરાવી દઈને પર્યાવરણનો કચ્ચરઘાણ વાળતાં સહેજ પણ વીચાર નથી કરતાં? ઈકોફ્રેન્ડલી ગણપતી બનાવવામાં તમને વાંધો શું છે? મારું વીસર્જન પણ કોઈ ગરીબના ઝુંપડાનું અજવાળું થાય એવું ન કરી શકો?

આ ગણપતી ઉત્સવે મારી છેલ્લી એક વાત માનશો? મારા નામે દાન કરવાની નક્કી કરેલી રકમનો એક નાનકડા ભાગથી કોઈ ગરીબનાં છોકરા–છોકરીની સ્કુલની ફી ભરી દો તો મારું અન્તર રાજી થશે. આ સમ્પત્તીનો વીવેકપુર્વક ઉપયોગ કરો. ભારતમાં જન્મેલો પ્રત્યેક નાગરીક આ ગણપતી ઉત્સવે ભારતને વફાદાર રહેવાના સોગંદ લે અને ભારતનો દરેક યુવાન, માવા, ફાકી, ગુટખા, દારુ અને તીનપત્તીમાંથી બહાર નીકળવાની કસમ ખાય અને દરેક દીકરીઓ ફેશનના સફોકેશનમાંથી બહાર નીકળવાની પ્રતીજ્ઞા લે તો જ આવતા વર્ષે આવીશ. બાકી મારા નામે છુટા પાડવાનું છેતરવાનું અને દેવી–દેવતાઓને ઈમોશનલી બ્લેક મેઈલીંગ કરવાનું બન્ધ કરો.

કદાચ છેલ્લીવાર ભારત આવેલો તમારો જ,

લી. ગણેશ

મહાદેવકૈલાશ પર્વત, સ્વર્ગલોકની બાજુમાં.

લેખક સમ્પર્ક :  

શ્રી. સાંઈરામ દવેલોક સાહીત્યકાર અને હાસ્યકલાકાર

સેલફોન : 97277 18950  ઈ.મેલ : sairamdave@gmail.com

અકીલા ન્યુઝ.કોમ દૈનીકમાં તા. 02 સપ્ટેમ્બર, 2014ના રોજ અંકમાં પ્રકાશીત થયેલો એમનો આ લેખ.. લેખકશ્રીના અને ‘અકીલા ન્યુઝ.કોમ’  દૈનીકના સૌજન્યથી સાભાર…

 અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પ્રુફવાચન :  ઉત્તમ ગજ્જર     મેઈલ : uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 18–08–2017