Feeds:
Posts
Comments

Archive for the ‘ભુપેન્દ્રસીંહ રાઓલ’ Category

–ભુપેન્દ્રસીંહ રાઓલ

ऐश्वर्यस्य समग्रस्य धर्मस्य यशसः श्रियः|

ज्ञान वैराग्योश्चैव षण्णां भग इतिङ्ग्ना ||

સમ્પુર્ણતા, ઐશ્વર્ય, ધર્મ, યશ, જ્ઞાન તથા વૈરાગ્ય– આ છનું નામ ‘ભગ’ કહેવાય; આ છયે જેમાં હોય તેને ‘ભગવાન’ કહેવાય.

એક તો સમ્પુર્ણ, ઐશ્વર્યવાન તો હોય જ. મતલબ પુષ્કળ રીસોર્સીસ હોય. ખુબ સમ્પત્તી હોય કોઈ કમી ના હોય. ઐશ્વર્ય શબ્દ ઉપરથી જ ઈશ્વર શબ્દ આવ્યો છે. મતલબ, ભગવાન ગરીબ ના હોય. ધર્મ એટલે જે ફરજ પુરી રીતે બજાવતો હોય. યશ એટલે આબરુવાન હોય. આબરુ સારી ક્યારે હોય ? સારો સ્વભાવ અને લોકોને મદદગાર થતો હોય ત્યારે યશ પ્રાપ્ત થાય. જ્ઞાની હોય. આટલું બધું હોય છતાં અભીમાન કે આસક્તી ના હોય તેને ભગવાન કહેવાય.

ઓશો કહેતા કે ‘ભગ’ એટલે યોની, જે યોની દ્વારા જગતમાં પ્રવેશ મેળવતા હોય તે બધા ભગવાન. મતલબ બધા મેમલીયન પ્રાણીઓ ભગવાન ? ઈંડા દ્વારા જન્મ લેતા પ્રાણીઓએ શું ગુનો કર્યો ? ઉપરનો શ્લોક વીષ્ણુ પુરાણનો છે. મતલબ ભગવાનની આ માનવીય વ્યાખ્યા છે. આપણે શું ભગવાનને અદૃશ્ય તો નથી બનાવી દીધો ને? આપણને જે શક્તી સમજાતી નથી તેને ભગવાન માનીએ છીએ. જે નીયમો કુદરતના સમજાતા નથી, તેને ભગવાન માનીને ડરતા રહીએ છીએ. ડરમાંથી ભગવાન પેદા કરીએ છીએ. અજ્ઞાત ભવીષ્યનો ડર આપણને ખુબ સતાવતો હોય છે. સર્વાઈવ થવા માટે અજ્ઞાત ભવીષ્ય હમ્મેશાં ચીન્તાતુર કરતું હોય છે. એટલા માટે કોઈ અદૃશ્ય શક્તી હમ્મેશાં સહાય કરે તેવી અભ્યર્થના રાખતા હોઈએ છીએ.

દોરડાને સાપ સમજી કુદી જવું તે ફોલ્સ પોઝીટીવ એરર છે. એવી ભુલ વારંવાર થાય તો ચાલે પણ સાપને દોરડું સમજી પકડી લેવાની ભુલ ફોલ્સ નેગેટીવ એરર કરવાની ભુલ એકવાર કરી તો ગયા જીવથી. નીર્જીવ દોરડાને જીવન્ત સાપ સમજી લેવાની વૃત્તી અને માનસીકતાએ ભગવાનને જન્મ આપ્યો છે. એટલે જે લોકો વધારે પડતા જ્ઞાની છે, દોરડામાં દોરડું અને સાપમાં સાપ દેખાય તેવા સક્ષમ, એવા અતીજ્ઞાની પુરુષોએ જ નીર્ભયતાનાં વચનો આપ્યાં છે. અભય શીખવવા મહેનત કરી છે. પણ આવા અતી સક્ષમ પુરુષો કેટલા? બસ, તો માનવ સહજ ડરનો ઉપયોગ કરી ફોલ્સ પૉઝીટીવ એરર કરતા સામાન્ય જનમાનસને ડરાવી વધારે ને વધારે ડરાવી કેટલાય આળસુ–ઠગ એમનો વગર મહેનતનો ધંધો ચલાવ્યે રાખે, તેનું નામ કહેવાતો ભારતીય સાધુસમાજ, જીવતા પ્રગટ બ્રહ્મો, દાદાઓ, બાપુઓ, સંતો મહારાજ્શ્રીઓ, બાવાશ્રીઓ અને મહંતો.

કૃષ્ણ કદાચ ઉપરની માનવીય વ્યાખ્યામાં આવરી લેવાય તેવા ભગવાન હતા. પણ આપણે એમને અદૃશ્ય ભગવાન બનાવી, એમની ચમત્કારી મદદની આશા રાખીએ છીએ હજુ પણ. હવે જે એક ભુતકાળ બની ગયા છે. એટલે સામાન્ય જન ભગવાનને માનતો રહેવાનો તે સ્વાભાવીક છે અને ઠગોનો ધંધો ચાલતો રહેવાનો તે પણ એટલું જ સ્વાભાવીક છે. એટલે જે ઐશ્વર્યવાન હોય, સમ્પત્તીવાન હોય, જે બીજાને મદદ કરી સર્વાઈવ થવામાં સાથ આપતો હોય, તેને લોકો સ્વાભાવીક ભગવાન સમજી લેતા હોય છે. માટે આ દેશમાં રાજાઓને ભગવાન માનવાનું સહજ હતું. કારણ રાજાઓ પ્રજા માટે તકલીફમાં ભગવાન જેવા હતા. પ્રાચીન સમયમાં પ્રજા જ રાજા માટે સર્વસ્વ હતી. પ્રજાનાં સુખ–દુ:ખ રાજાનાં સુખ–દુ:ખ હતાં. કૃષ્ણ આવા જ એક રાજા હતા. રામ પણ આવા જ એક રાજા હતા. રામને જુઓ, તેઓ દ્વન્દ્વથી ભરેલા હતા. માનવીય ગુણોથી પણ ભરેલા હતા. એક બાજુ શબરીનાં બોર ખાધાં અને બીજી બાજુ બ્રાહ્મણોના કહેવાથી શુદ્ર શમ્બુકને મારી નાખ્યો ! એક બાજુ પત્નીને પારાવાર પ્રેમ કરતા હતા અને ધોબીના કહેવાથી તેનો જ ત્યાગ કરી નાખ્યો ! રામને બહુ પ્રચલીત ભગવાન બનાવી દેવામાં પીતાશ્રીઓનો બહુ મોટો હાથ છે. જેથી સન્તાનો ઉપર મનમાની કરી શકાય. રામને ભગવાન બનાવી દેવામાં પતીદેવોનો પણ બહુ મોટો હાથ છે જેથી પત્નીઓ ઉપર મનમાની કરી શકાય.

ચીનમાં પણ રાજાઓ પવીત્ર અને ભગવાન ગણાતા હતા. હજુ આજે પણ જુઓને, બ્રીટન હજુ પણ રાજવંશને ક્યાં છોડે છે ? લગભગ દરેક જગ્યાએ રાજાઓ કે લીડર્સ ભગવાન જેવા ગણાતા હોય છે. કારણ ફૉલ્સ પૉઝીટીવ એરર કરતા રહેનારી, દોરડાને સાપ સમજતી રહેનારી સામાન્ય પ્રજા માટે આવા નેતાઓ, રાજાઓ અને હવે ગુરુઓ ભગવાન હોય છે. જે એમને સધીયારો આપતા હોય છે. એટલે જ્યારે કેટલાક મહાપુરુષો, જેઓ રજ્જુને રજ્જુ અને સાપને સાપ તરીકે ઓળખી લેવામાં સક્ષમ થઈ જતા હોય છે, તેઓ ભગવાનનો ઈનકાર કરી દેતા હોય છે. તેઓને ફૉલ્સ પૉઝીટીવ એરર કરવાની હવે જરુર રહી નથી. હવે તેઓને ડરવાનું કોઈ કારણ નથી. જેઓ અભયના વરદાન પામી ચુક્યા છે તેવા કોઈ બુદ્ધ અને મહાવીર ઈશ્વરને નકારી કાઢતા હોય છે. ઉપનીષદના ઋષીને ખબર છે આ મનોવીજ્ઞાન, તેઓ અભયની વાતો કરતા હોય છે. એવા કોઈ રાજા શ્રી કૃષ્ણ જેવા જાતે જ કહી દેતા હોય છે કે હું જ ભગવાન છું.

જાતે પોતાને ભગવાન કહી દેવું એના જેવો બીજો કયો મોટો ઈશ્વરનો ઈનકાર હોય ? અહમ્ બ્રહ્માસ્મી કહેનારા બીજા તમામ ભગવાનોનો ઈનકાર કરી દેતા હોય છે. મહાવીર આત્મા એ જ પરમાત્મા કહેતા.

ભગવાન એ કમજોર ભક્તોના ભેજાની કાલ્પનીક પેદાશ છે; મક્કમ મનવાળા યોગીઓની નહી. યોગમાં તો પોતાના અહંકારને એટલો ઉંચે લઈ જતા હોય છે કે એક કક્ષાએ પોતાને જ બ્રહ્મ જાહેર કરી દેતા હોય છે. એટલે જે પ્રજા કમજોર અને નીર્બળ હોય તેને ભગવાનની જરુર વધારે પડવાની. જુઓ, ભારત જેટલા ભગવાનો બીજે ક્યાંય છે ખરા ? એકાદ ભગવાન સહુ રાખતા હોય છે; બાકી પોતાના બળ ઉપર મુસ્તાક. જેમ જેમ પ્રજા કમજોર પડતી જાય છે તેમ તેમ ભગવાનોની સંખ્યા વધતી જતી હોય છે. લેભાગુઓ જાતે ભગવાન બની બેસતા હોય છે અને કમજોર લોકો એમને ભગવાન માની પણ લેતી હોય છે. એ વીચારવા જેવું છે કે ભારતમાં પણ, જે કોમ પ્રમાણમાં સ્વભાવથી ડરપોક છે તેમના ગુરુઓ તેમનું ખુબ શોષણ કરતા હોય છે, તેમની સ્ત્રીઓનું પણ જાતીય શોષણ વધારે થતું હોય છે તેવા ગુરુઓ દ્વારા. અને જે કોમો જરા આક્રમક છે તેમનું શોષણ એમના ગુરુઓ દ્વારા ઓછું થતું હોય છે, એમાં પણ એમની સ્ત્રીઓનું જાતીય શોષણ કરવાની હીંમત ગુરુ પણ ના કરે. વ્રજવાસીઓ અહીં ગુજરાત આવે છે શોષણ કરવા. અને એવી કોમને પકડે છે જે સ્વભાવથી જ ડરપોક છે. આ ડરપોકો એમની સ્ત્રીઓ પણ ધરી દેતા હોય છે.

સૌથી વધુ સન્તો અને ભક્તો મોગલોના સમયમાં થયા. આર્તનાદો થતા રહેતા કે ‘હે ભગવાન, હવે બચાવો.’ લડવાની તાકાત ગુમાવી બેઠેલી પ્રજા બીજું કરે પણ શું ? પણ ભગવાન કોઈ વ્યક્તી તો છે નહીં, કે તે આવે અને બચાવે ! પછી સ્વાભાવીક શું થવાનું ? એક ભગવાન તો આવતા નથી તો બીજાને બોલાવો. બીજો આવતો નથી તો ત્રીજાને બોલાવો. એમ ભગવાનો બદલાયે જવાના. સમયે સમયે ભગવાન બદલાઈ જતા હોય છે. એકની આસ્થા બીજા ઉપર ઢાળી દેવાતી હોય છે. રામ નથી આવતા તો કૃષ્ણને બોલાવો. પછી નવા ફુટી નીકળેલા ભગવાનને બોલાવો. ‘સન્તોષી માતા’ હવે નથી આવતાં તો હવે ‘દશામા’ને બોલાવો ! 25 કે 30 વર્ષ પહેલાં અમેરીકા આવેલાને દશામા કોણ છે તે ખબર નથી. ગણપતી તો કાયમ હાજર જ છે ! પહેલાં ખાલી મહારાષ્ટ્રમાં જ ગણપતીનાં જાહેર ઉત્સવ થતા અને ગુજરાતમાં વડોદરામાં. હવે બધે થવા લાગ્યા છે. પહેલા રથયાત્રા અમદાવાદમાં જ નીકળતી હવે ઘણી બધી જગ્યા નીકળે છે.

હનુમાનજીનાં સરઘસ એમની જયન્તી વખતે ક્યારેય જોયા નહોતા; હવે તે પણ શરુ થઈ ગયાં. પ્રજા જેમ જેમ કમજોર પડતી જાય છે તેમ તેમ બધું વધતું જવાનું. હવે દરેકની આસ્થા સાંઈબાબા ઉપર ઢળી ગઈ છે. પહેલા સાંઈબાબાને આટલું બધું કોઈ પુછતું નહોતું. એક મુસ્લીમ ફકીર એમને તો મન્દીર હોય કે મસ્જીદ, જ્યાં જગ્યા મળી ત્યાં રહી પડ્યા. તે સમયના હીન્દુ સન્તો એમને માનતા પણ નહોતા. હીન્દુઓનો દમ્ભ તો જુઓ, સાંઈબાબા માંસ ખાતા હતા તે એક વીવાદ તો છે જ, આજે માંસાહાર વીરુદ્ધ જીવ કાઢી નાખનારા દમ્ભીઓની આસ્થા સાંઈબાબા બની ચુક્યા છે. એક વકીલ મીત્ર જેસલમેર ગયા હતા. ત્યાં જૈન મન્દીરમાં વીદેશી લોકોને પ્રવેશ નથી. કેમ કે વીદેશીઓ માંસાહારી હોય છે, જૈનોનો દમ્ભ જુઓ, પાલીતાણામાં માંસાહારી દલાઈ લામાને બોલાવેલા. ધીમે ધીમે સાંઈબાબાનું પુર ઓસરતું જવાનું છે તે નક્કી છે, એમની જગ્યા બીજો કોઈ ભગવાન લેશે. માનસીકતા તો એની જે રહેવાની ને ?

જેમ જેમ ઉંમર વધતી જાય તેમ માનવ કમજોર પડતો જતો હોય છે તેમ તેમ એને ભગવાનની જરુર વધારે પડતી જતી હોય છે. યુવાનીમાં ભગવાન બહુ જામતો નથી. જે પ્રજાના યુવાનો ભગવાનમાં બહુ માનતા થઈ જાય અને ટીલાં ટપકાં કરી ફરતા થઈ જાય, તો સમજવું યુવાનોમાં બહુ દમ રહ્યો નથી. યુવાની મરવા પડી છે. યુવાની કમજોર પડી ગઈ છે. તે દેશનું ભવીષ્ય ધુંધળું રહેવાનું. આવા યુવાનો કોઈ ક્રાંતી કરી શકે નહી. મેં વર્ષોથી લેખકોને વાંચ્યા છે, જે લેખકો યુવાનીમાં દમદાર લખતા, કોઈની સાડીબાર ના રાખતા, હવે એમનામાં બાપુઓનો આત્મા પ્રવેશતો જતો હોય છે. વૃદ્ધોને ભગવાન વધારે દેખાવાનો. કારણ હવે બીજું કરવા જેવું પણ બચ્યું નથી. નીર્બળ બની ચુક્યા હોય છે, શારીરીક તાકાત પણ ઓછી થઈ ગઈ હોય છે. તો પછી બોલાવો ભગવાનને !

ભ્રષ્ટાચારથી ત્રસ્ત પ્રજાને અણ્ણા હજારેમાં કેવો ભગવાન દેખાઈ ગયો ? અણ્ણા હજારે પાસે બહુ મોટો ચાન્સ હતો, ભગવાન બની જવાનો. ચીન અને ભારત સૌથી જુની સંસ્કૃતીઓ. બન્નેની માનસીકતા લગભગ એક જેવી. બન્ને સાવ આળસુ પ્રજા ધરાવતા દેશો. ચીન તો સાવ અફીણી કહેવાતું. બન્ને માટે રાજાઓ ભગવાન, બન્ને માટે વસ્તી વધારો મોટો જીવલેણ પ્રશ્ન. પણ ચીનમાં માઓ આવ્યા. ‘રીલીજીયન ઈઝ પોઈઝન’નું સુત્ર આપ્યું. ઉંઘતી પ્રજાને બેઠી કરી દીધી. ભલે એમનો સામ્યવાદ સફળ ના થયો; પણ પ્રજાની બદલાયેલી માનસીકતા અને ખંખેરી નાખેલી આળસ, આજે એની પ્રગતીનું કારણ બની ગઈ છે. આટલી બધી વસ્તી છતાં તે પોતાની પ્રગતીથી અમેરીકાને પણ મહાત કરી રહ્યું છે. જ્યારે ભારતમાં હમ્મેશાં વૃદ્ધ નેતાગીરી જ આવે છે, જે ભગવાનની આશા રાખતી જ રહેવાની.

એક તો ભગવાન ખુબ સમ્પત્તીવાન હોવો જોઈએ, જેથી બીજાને મદદ કરી શકે. વૈરાગ્યની ભાવનાવાળો હોવો જોઈએ જેથી મદદ કરતા હીસાબ ના ગણે. પછી યશ તો એને મળવાનો જ છે. ખાસ તો ભગવાન માનવ હોય તે જરુરનું છે. કારણ કાલ્પનીક ભગવાન કોઈ રીયલ મદદ કરવાનો નથી. અને આવો કોઈ ભગવાન ના મળે તો જાતે જ ભગવાન બની બેસો ને ? અહમ્ બ્રહ્માસ્મી ! ભગવાન કદી કોઈનું શોષણ કરે ખરો ??

–ભુપેન્દ્રસીંહ રાઓલ

ગુજરાતી વેબસાઈટ ‘કુરુક્ષેત્ર’ના 20 એપ્રીલ, 2011ના અંકમાં પ્રકાશીત થયેલો લેખ, શ્રી. ભુપેન્દ્રસીંહ રાઓલના અને http://raolji.com ના સૌજન્યથી સાભાર…

લેખક/બ્લોગર સમ્પર્ક:  શ્રી. ભુપેન્દ્રસીંહ રતનસીંહ રાઓલ સેલફોન: +1 732 406 6937 ઈ.મેઈલ: brsinh@live.com

Mrugangk_Shah_Dharamna_Bharam

Mrugangk_Shah_Dharamna_Bharam

‘અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તીઈ.બુક્સ મારા બ્લોગના મથાળે  ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

 ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તેમને માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 19/12/2014

Read Full Post »

–ભુપેન્દ્રસીંહ રાઓલ

કર્મ કે કરમ બહુ વીવાદાસ્પદ વીષય છે. મને લગભગ 25 વર્ષથી નીયમીતપણે કીડની સ્ટોન થાય છે અને નીકળી જાય છે. બાવીસેક વર્ષનો હતો અને એપેન્ડીક્સનું ઓપરેશન કરાવેલું, હમણાં બે વર્ષ પહેલાં હર્નીયાનું ઓપરેશન પણ કરાવ્યું. મારા પોતાના જ દાખલા આપું છું. 26 વર્ષની ઉમ્મરે મારા વાઈફની એક કીડની ફેઈલ થઈ જવાથી 20 વર્ષ પહેલાં તેમની તે કીડની રીમુવ કરવી પડેલી. બે વર્ષ પહેલાં બીજી કીડની પણ કહે : ‘મેં એકલે હાથે 20 વર્ષ કામ કર્યું; હવે નહીં કરું,’ કહીને ધરણા પર બેસી ગઈ, સત્યાગ્રહ પર ઉતરી ગઈ ! મેં કહ્યું, ‘નો પ્રોબ્લેમ, આપણે ડાયાલીસીસ કરાવીશું !’ જો કે બે વર્ષમાં તો બીજી કીડની પણ અમેરીકાની ઉત્તમોત્તમ વ્યવસ્થાને લીધે મળી ગઈ. એટલે જ, ‘કરમ તો ભોગવવાં જ પડે’ તેવું વર્ષોથી સગાંસંબંધીઓ પાસેથી સાંભળીએ છીએ. તમે મીત્રો પણ કોઈને કોઈ આવી તકલીફોમાંથી પસાર થતા જ હશો ને આવું સાંભળતા જ હશો. મતલબ આપણા હીન્દુઓમાં કરમ એટલે એક જાતનું ‘પનીશમેન્ટ.’ કોઈ ખરાબ કામ કર્યું હશે તેની સજારુપે, એક બાહ્ય ન્યાયરુપે આજે બીમારીઓ આવે છે અને તે વળી એવાં કર્મ કે જે મને તો યાદ પણ નથી ! એક નાનું બાળક બીમાર પડે છે તે ક્યાં કોઈ કર્મ કરવા ગયું હતું ? તો કહેશે : ‘ગયા જન્મનાં કર્મ.’ પણ ગયો જનમ હતો કે નહીં તે પણ એક હાઈપો–ધારણા જ છે ! તેનાં કોઈ સાબીતી કે પુરાવા તો છે જ નહીં. આવી સમજ એક બહુ મોટું તુત છે.

કર્મ કોઈ આપણા ભુતકાળનાં કૃત્યોની સજા નથી; કર્મ એ તો આપણા ચારીત્ર્યનાં ઘડતર માટેની મહત્ત્વની ચાવી છે.

આજના ન્યુરોલોજીસ્ટના ખુબ જ પ્રીય એવા ભગવાન બુદ્ધ શું કહે છે અને શું શીખવે છે ? બુદ્ધ તમારા કર્મ પાછળના જે તે સમયના હેતુ ને જોવાનું કહે છે. કર્મનો સંસ્કૃતમાં સીધો સાદો અર્થ થાય ‘કૃત્ય’ કે ‘આચરણ’ કે ‘એક્શન.’ પણ બુદ્ધ શું કહેવાના ? બુદ્ધ કહેવાના ‘હેતુ.’

આપણે કોઈ પ્રતીજ્ઞા લેવી હોય તો મન, વચન અને કર્મ એમ ત્રણ શબ્દો વાપરીએ છીએ. આમાં શરીર, વચન મતલબ ભાષા અને મન મતલબ વીચારો કે બુદ્ધી ત્રણે સંલગ્ન થઈ જાય. કૃત્ય પાછળ શારીરીક ક્રીયા, ભાષા અને વીચારો તો હોય છે ! આમાં બુદ્ધના કહેવા પ્રમાણે એક્શન મતલબ આચરણ કે કૃત્ય પાછળ બે વસ્તુ હોય છે એક તો ઉઘાડી વર્તણુક (bare behaviour) અને તે વર્તણુક પાછળનો હેતુ. આમ સીધી વર્તણુક નહીં; પણ તે વર્તણુક કે આચરણ પાછળનો હેતુ બુદ્ધના હીસાબે કર્મ છે અને તે કર્મ તમારા ચારીત્ર્યના ઘડતરની કુંચી છે.

દાખલા તરીકે શારીરીક કૃત્ય તરીકે એક ડૉક્ટર સર્જન અને એક ચોર બંને હાથમાં છરી લેતા હોય છે. આ હાથમાં છરી લેવી  bare behavior છે; પણ સર્જન છરી ફેરવે છે કોઈને બચાવવા અને ચોર છરી ફેરવે છે કોઈને લુંટી લેવા. બંનેના આશય જુદા છે. હવે તમે કોઈને બુમ પાડો કે, ‘ઉભો રહેજે.’ અહીં ભાષાકીય વહેવાર થયો તે bare behavior છે; પણ તેની પાછળના હેતુ જુદા હોઈ શકે. કે ‘ભાઈ, ઉભો રહેજે આગળ વધીશ નહીં. આગળ ખાડો છે તું પડી જઈશ’ અથવા ‘ભાઈ, ઉભો રહેજે. તારા ખીસામાં જે હોય તે મને આપી દે, મને લુંટ ચલાવવા દે.’ આવું જ વીચારોનું પણ છે. હું વીચારું કે ભીખારીને ભીખ આપવી ના જોઈએ તે બેર બીહેવ્યર છે; પણ આ વીચાર કે ભીખારીને ભીખ આપવી ના જોઈએ તે પાછળ બે જાતના હેતુ હોઈ શકે. એક હેતુ એવો હોય કે ‘ભીખારીને ભીખ આપવી ના જોઈએ. તેને કોઈ કામ કરતા શીખવવું જોઈએ; જેથી ભવીષ્યમાં ભીખ માંગવાની ટેવ છુટે, કામ કરે ને સુખી થાય.’ આમ આ વીચાર પાછળ દયા કે કરુણા રહેલી છે. હવે ભીખારીને ભીખ ના આપવી તેની પાછળ બીજો ઈરાદો એવો પણ હોય કે, ‘છો સાલો ભુખે મરતો.’ અહીં ક્રોધ તો છે; સાથે ક્રુરતા પણ આવી ગઈ.

બુદ્ધના હીસાબે કર્મ પાછળ છ જાતનાં પ્રેરકબળ હોય છે. સદ્વર્તન અથવા સદ્ભાવ, દયા અથવા કરુણા, ઉદારતા, દુર્ભાવ અથવા ક્રોધ, ક્રુરતા અને લોભ અથવા તૃષ્ણા. કર્મ પાછળ રહેલા પહેલા ત્રણ હેતુ પોતાને અને બીજાને પણ નુકસાનકારક હોતા નથી અને પરીણામે દુઃખ દેતા નથી. જ્યારે બીજા ત્રણ બધાને નુકસાનકારક હોવાથી દુઃખદાયી હોય છે. આમ એક ડૉક્ટર સર્જન સદ્ ભાવના સાથે હાથમાં છરી લેતો હોય છે તેમાં દર્દીને બચાવવાનો હેતુ હોય છે તેની પાછળ કરુણા અને ઉદારતા પણ સમાયેલી છે. જ્યારે એક ચોર હાથમાં ક્રોધ અને દુર્ભાવ સાથે છરી લેતો હોય છે તેની પાછળ કોઈને લુંટી લેવાનો હેતુ હોય છે તેમાં ક્રુરતા અને લોભ પણ સમાયેલો હોય છે. આમ તમે બુમ પાડીને કોઈને ઉભો રાખો તેમાં આવું જ વીશ્લેષણ કરી શકો છો. તેવી જ રીતે તમે કોઈને ભીખ ના આપવી જોઈએ તે વીચાર પાછળ સદ્ ભાવ, દયા, ઉદારતા, ક્રોધ, ક્રુરતા અને લોભ પણ છુપાયેલા હોઈ શકે છે.

હવે તમે સમજી શકો છો કે ધર્મોની નીન્દા પાછળ કે સામાજીક અને ધાર્મીક પાખંડોની નીન્દા પાછળ અને એવા લેખો લખવા પાછળ મારો શો હેતુ હોય છે ?

હવે જો તમારા કર્મ પાછળ કોઈને નુકસાન ના કરે તેવા હેતુઓ જેવા કે ઉદારતા, સદ્ ભાવ અને કરુણા વરસતા હોય તો આ કર્મો તમારા પ્રેમાળ, સમજદાર, કાળજી રાખનાર તરીકેના વીકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એક સરસ ઉમદા વર્તણુકનું બીજ વવાઈ જાય જે ભવીષ્યમાં વૃક્ષ બનીને મહોરી ઉઠે. સારાં કર્મો એક આદત બની જતી હોય છે. વારંવાર તમે આવાં કર્મો કરવા પ્રેરાતા હોવ છો. તમારું વલણ જ લાંબે ગાળે બદલાઈ જતું હોય છે. આપણાં કર્મો પાછળનો હેતુ જો બધાને નુકશાનકારક એવા ક્રોધ, ક્રુરતા અને લોભ જ હોય અને વારંવાર તેવું કરવા પ્રેરાતા હોઈએ તો આપણું આચરણ કાયમ માટે એવું બનતા વાર લાગે નહીં.

આપણી ક્રીયાઓ અને પ્રતીક્રીયાઓ સદ્ ભાવ, કરુણા અને ઉદાત્તતા ભરેલી હોય તો તે આપણને દયાળુ, કરુણામય અને ઉદાર વ્યક્તીમાં પરીવર્તીત કરી નાખશે. આવી જ રીતે આપણે ક્રોધી, ક્રુર અને લોભીયા પણ બની શકીએ. અહીં માઈન્ડફુલનેસ–ધ્યાન ખુબ મદદરુપ થઈ શકે છે. આપણી ક્રીયાપ્રતીક્રીયા મેમલ બ્રેન ઓટોમેટીક આદતવશ આપતું હોય છે. ત્યાં ધ્યાનને લીધે આપણે આપણી પ્રતીક્રીયાઓ પ્રત્યે વધુને વધુ જાગરુક બની શકીએ છીએ. અને વધુ ને વધુ પોઝીટીવ બનતા જઈ શકીએ છીએ. આપણે આદતવશ આચરણ કરવાને બદલે આપણાં કર્મો પાછળ રહેલા હેતુને ઓળખી શકીએ છીએ તો આદતને બદલી પણ શકીએ. મુળ સવાલ છે આપણું વલણ બદલવાનો.

હવે ઈવોલ્યુશનરી સાયકોલોજીને ધ્યાનમાં લઈએ તો માનવી સમુહમાં રહી ઉત્ક્રાંતી પામેલો છે તે હકીકત છે. આપણા પોતાના ભલા સાથે સમુહનું ભલું પણ ઈચ્છવું પડતું હોય છે. કારણ સમુહ કહો કે સમાજ કહો સમાજના ફાયદામાં જ આપણો ફાયદો છે. હવે કોઈને નુકસાન થાય નહીં તેવો હેતુ કાયમ રાખીએ અને કર્મ કરીએ તો સમુહના સભ્યોને કોઈ વાંધો હોય ખરો ? સમુહના ભલા માટે સમુહની ગાડી બરોબર ચાલે તે માટે સમુહે થોડા નીયમ જે તે સમય અને સંજોગોને ધ્યાનમાં રાખી બનાવ્યા હોય છે, કોઈને નુકસાન થાય તેવા હેતુ લઈને કર્મ કરીએ તો પેલો નારાજ તો થવાનો જ છે. અને એવા કર્મને લીધે સમુહ વડે અપાતી સજા પણ ભોગવવી પડે તો બધા દુ:ખી થવાના. નુકસાન આપનાર અને પામનાર બધા દુ:ખી થવાના. લાંબા ગાળે આપણો પોતાનો સમુહ આખો આપણાથી નારાજ રહે તો કોને ફાયદો ? સામાજીક અસ્વીકાર તો મેમલ બ્રેન માટે બહુ મોટી દુઃખદાયક સજા છે. પરંતુ સમાજ પણ ઘણીવાર સમયના તકાજાને ઓળખતો હોતો નથી અને જડસુ બની પરમ્પરાગત નીયમો જકડી રાખતો હોય ત્યારે સમાજના ભવીષ્યના ફાયદા માટે નીયમો તોડવા પડતા હોય છે. ત્યારે ગાંધી અને દયાનન્દ જેવા સજા પામી જીવ ગુમાવતા હોય છે; પણ તેમના આ કર્મ પાછળ ડૉક્ટર સર્જનની છરી હોય છે; ચોરનું ચાકુ નહીં.

હવે હું બીમાર પડું છું; કારણ હું આ શરીરમાં છું અથવા આ શરીર છું અને તેના અલગ નીયમો છે. શરીર બીમાર પડે છે તેનાં અનેક કારણો હોય છે. શરીર ઈજા પણ પામતું હોય છે અને ઘરડું પણ થતું હોય છે. હમણા હીમાચલ પ્રદેશમાં 26 છોકરાઓ સાથે ડુબી ગયા તો આ 26 છોકરાઓ સામટા કોઈનું મર્ડર કરવા ગયા હશે ? એમની ભુલ કે એમના શીક્ષકોની ભુલ કે અજાણી નદીમાં આમ તરવા ના પડાય તેવું કોઈએ શીખવ્યું નહીં. પ્રકૃતી પોતે ન તો ક્રુર છે; કે ન તો દયાળુ. એના નીયમ તોડો તો તે કોઈનીય દયા રાખે નહીં. પરમાત્માને પરમ કૃપાળુ કહેનારાઓને મોઢે આ જબરદસ્ત તમાચો છે કે 26 યુવકો એકસાથે તણાઈ ગયા. એટલે હું કહું છું જો તમે પરમાત્માને માનો તો એને ખરાં અર્થમાં માનો કે તે ના ક્રુર છે; ના દયાળુ.

આજે તમે બીમાર પડો છો તે કોઈ તમારા કરમની સજા નથી; શરીરનો ધરમ જ છે. બુદ્ધના હીસાબે સારાં કર્મ જીવનઘડતર, ચારીત્ર્યઘડતરની ચાવી છે. સારાં કરમ આપણને હકારાત્મક લાગણીઓ સાથે જીવવાનું શીખવે છે. જેથી આપણે હંમેશાં આનંદીત રહી શકીએ. કારણ ખરાબ કરમ તમને અને આખા સમાજને હાનીકારક છે અને તે બ્રેનમાં સ્ટ્રેસ કેમીકલ્સ છોડતા હોવાથી તમને કાયમી હાની કરી શકે છે.

–ભુપેન્દ્રસીંહ રાઓલ

ગુજરાતી વેબસાઈટ ‘કુરુક્ષેત્ર’ના 11 જુન, 2014ના અંકમાં પ્રકાશીત થયેલો લેખ, શ્રી. ભુપેન્દ્રસીંહ રાઓલના ના અને http://raolji.com ના સૌજન્યથી સાભાર…

લેખક/બ્લોગર સમ્પર્ક: શ્રી. ભુપેન્દ્રસીંહ રતનસીંહ રાઓલ–(અમેરીકા) સેલફોન: +1 732 406 6937 ઈ.મેઈલ: brsinh@live.com

અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તીઈ.બુક્સ મારા બ્લોગના મથાળે  ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને  govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તેમને માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66  ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 14/11/2014

Read Full Post »

–ભુપેન્દ્રસીંહ રાઓલ

જો હું મારી જાતને નાસ્તીક કહીશ, તો અમુક મીત્રો કહેશે ખોટી વાત છે. તમને તો તમારી જાતમાં ખુબ વીશ્વાસ છે–શ્રદ્ધા છે માટે આસ્તીક કહેવાઓ. હવે આસ્તીક કહીશ, તો અમુક મીત્રો કહેશે ખોટી વાત છે તમને ક્યાં ઈશ્વરમાં શ્રદ્ધા છે ? કે તમે ક્યાં નીસર્ગાતીત (સુપર્સ્ટીશન) વસ્તુઓમાં માનો છો ? એટલે તમે નાસ્તીક કહેવાઓ. હવે વીવેકાનન્દ કહેતા કે જેને પોતાનામાં શ્રદ્ધા નથી તે નાસ્તીક કહેવાય. તો પછી હું આસ્તીક થયો કે નહીં ? ઘણા કહેશે જે ઈશ્વરમાં નથી માનતો તે નાસ્તીક કહેવાય અને માને તે આસ્તીક. હવે મને પોતાનામાં શ્રદ્ધા છે અને ઈશ્વરમાં નથી તો પછી મને શું કહેવો ? આસ્તીક અને નાસ્તીક બન્ને ? પ્રાચીન સમયમાં ભારતમાં જે વેદોને ના માને તે નાસ્તીક કહેવાતો. હવે વેદોમાં માનતા હોય; પણ સાંખ્યના કપીલ મુની જેવા ઈશ્વરમાં નહોતા માનતા; છતાં તે આસ્તીક કહેવાતા ! એટલે તે સમયમાં ઈશ્વરમાં માનો કે ના માનો તેનો કોઈ ફરક નહોતો પડતો. ખાલી વેદોમાં માનતા હોવા જોઈએ તે આસ્તીક કહેવાતા. વાંચનાર પણ ગોટે ચડી ગયા ને ?

આમ તો હું કોઈને કહેવા જતો નથી કે હું આસ્તીક છું કે નાસ્તીક છું; પણ આપણે અન્ધશ્રદ્ધામાં ના માનતા હોઈએ, એટલે તરત મીત્રોને લાગે કે આ તો નાસ્તીક છે ! એવા તો કેટલાય મીત્રો હશે કે જેઓ અમુક બાબતોમાં અન્ધશ્રદ્ધાળુ હોતા નથી; છતાં ઈશ્વરમાં માનતા હોય છે. પણ જનરલી તમે અન્ધવીશ્વાસુ ના હો, પુજાપાઠ વગેરેમાં માનતા ના હો, એટલે તરત મીત્રોને લાગશે કે આ તો નાસ્તીક છે ! થોડી બુદ્ધી કે તર્ક વડે વાત કરો તો પણ ભારતમાં તો લાગે કે આ નાસ્તીક છે. બુદ્ધી અને તર્ક વાપરવાં એ, અહીં તો ગાળ જેવું છે. ઘણા મીત્રોને એવું થતું હોય છે કે તમને કોઈ ફરીયાદ હશે, એટલે ઈશ્વરમાં નહીં માનતા હો. ઘણા તો તરત પુછી પણ લે કે, ‘તમારી સાથે એવું શું બન્યું કે તમે નાસ્તીક (પ્રચલીત અર્થમાં) બની ગયા?’ એ પુછનાર મીત્રના મોઢા ઉપર તે સમયે એવા ભાવ હતા કે જાણે હું ઈશ્વરને અળખામણો હોઈશ, તેણે મને કોઈ ભુલની સજા કરી હશે અને તેઓ પોતે તો જાણે ઈશ્વરના વહાલા ! ત્યારે મને હસવું આવે અને કહેવાનું મન થાય કે ભાઈ કશું બન્યું નથી, માટે નથી માનતો.

એક સહૃદયી મીત્રે તો માની લીધું કે હું ફરીયાદ કરતાં કરતાં જ નાસ્તીક બની ગયો હોઈશ. એમાં એમનો વાંક નથી. કોની આગળ ફરીયાદ કરવાની ? કોઈ વ્યક્તી આગળ ફરીયાદ કરી શકો, ‘સમસ્ત’ આગળ કઈ રીતે ફરીયાદ કરી શકો ? સમસ્ત તો સમસ્તનું હોય, સર્વનું હોય ત્યાં ફરીયાદ કોની કરવાની ? પણ તમે નાસ્તીક કેમ બની ગયા તેવું પુછનાર અમુક વ્યક્તીઓ, પોતે એક સ્ટેપ ઉંચા ઉભા હોય અને ભગવાનને ખુબ વહાલા હોય, તેવા ભાવ સાથે પુછતા હોય છે. સામેવાળો નાસ્તીક જાણે કોઈ હીન વ્યક્તી હોય, ગુનેગાર હોય, ભગવાનને હાથે સજા પામેલો હોય, માટે ફરીયાદ સ્વરુપે નાસ્તીક બન્યો હશે તેમ માનતા હોય છે. જો કે ઘણા લોકો તે રીતે નાસ્તીક બન્યા પણ હોય છે. એમનું ધાર્યું ના થયું હોય કે ઘરમાં એવા દુઃખદ બનાવો બન્યા હોય તેમાં ઈશ્વર પ્રત્યેની આસ્થા ડગી હોય.

હવે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાથી પોતાનું કામ થઈ જાય છે તેવું માનવાવાળા અને કામ નહીં થવાથી ઈશ્વરમાં નહીં માનનારા બન્નેની બ્રેન સર્કીટ સરખી જ કહેવાય – બન્નેની માનસીકતા સરખી જ કહેવાય. કારણ બન્નેના અચેતનમાં ઈશ્વર તો છે જ. એકનું કામ થાય છે અને બીજાનું નથી થતું. એટલે કામ તો કોઈ કરે છે. ભલે દેખાતો નથી; પણ કોઈ સુપ્રીમ પાવર (ભગવાન) છે જે વહાલાદવલાની નીતી અપનાવી રહ્યો છે. એટલે વહાલા હોય તે ભજે છે અને દવલા હોય તે ગાળો દેતા હોય છે. એક ધનસુખભાઈ હતા તે મન્દીરમાં જતા અને મુર્તી આગળ અવળા ફરીને ઉભા રહેતા. મતલબ અવળા ફરીને પણ ઉભા રહેવા, કારણરુપ કોઈ છે તો ખરું જ ! સામે કોઈ હોય જ નહીં, તો અવળા ફરી ઉભા રહેવાનો શો અર્થ? અને આવા બોગસ નાસ્તીકોને લીધે જે જેન્યુઈન નાસ્તીકો છે તેમને લોકો ઓળખી શકતા નથી.

હવે બીમારી કોના ઘરે નથી આવતી ? દરેકના ઘરે કોઈ ને કોઈ સભ્યને જીવલેણ બીમારી તો આવતી જ હોય છે. હું અહીં ડાયાલીસીસ સેન્ટર ઉપર જાઉં છું – વાઈફને મુકવા. ત્યાં આખા સેન્ટરમાં મારા વાઈફ એકલાં આવતાં હોય એવું નથી; આખું સેન્ટર ભરેલું હોય છે. દરેકના ઘરે સારા પ્રસંગો આવતા હોય; તેમ ખરાબ પણ આવતા જ હોય છે. આ તો જીવનના એક ભાગરુપ છે. તો મારા ઘરે કોઈ બીમાર પડે, કોઈ મરી જાય કે ખરાબ પ્રસંગ આવે, તો એવું ભોગવનાર હું એકલો તો હોતો જ નથી ! દરેકના ઘરે આવું બનતું જ હોય છે એમાં મારે ઈશ્વર હોય તો એને શું કામ દોષ દેવો ? જે કંઈ મારે ભોગવવાનું આવે, તેમાં મારા સમય, સંજોગો, વાતાવરણ, ખાનપાન, વારસાગત જીન્સ વગેરે વગેરે જવાબદાર હોય; એમાં ભગવાનનો શો દોષ ? મારી ભુલો હશે, તો જવાબદારી મારી હોય; માટે હું કદી ક્યાંય ફરીયાદ કરતો નથી. ફરીયાદ કરવાનું કોઈ કારણ જ હોતું નથી. અને કરું તો કોની સામે કરું ? જે દેખાતો નથી એની સામે ? માટે મને ફરીયાદ કરવા કોઈ કારણ જડતું નથી; તેમ જ પ્રાર્થના કરવા માટે પણ કોઈ કારણ જડતું નથી, માટે હું કદી પ્રાર્થના પણ કરતો નથી કે મને ઉગારો કે બચાવો. અને હું પ્રાર્થના કરીશ તો કોઈ ફરક ક્યાં પડવાનો છે ? લાખો લોકો પ્રાર્થના કરતા જ હોય છે; છતાં બીમાર પડતા જ હોય છે અને મરતાં પણ હોય જ છે ને !

પ્રાર્થના ક્યાં હોય ને ક્યારે હોય ? જ્યાં ફરીયાદ હોય ત્યાં પ્રાર્થના હોય. અથવા ભવીષ્યમાં ફરીયાદ ના કરવી પડે તેના આયોજનરુપે પ્રાર્થના હોય. હવે મારે ન તો કોઈ ફરીયાદ કરવી હોય; ન તો પ્રાર્થના કરવી હોય, તો ઈશ્વરની શી જરુર ? ઘણાને પ્રાર્થનામાં પ્રચંડ શક્તી દેખાતી હોય છે. એ શક્તી તમારી પોતાની જ હોય છે; બીજે કશેથી આવતી નથી. કારણ તમને પ્રાર્થનારુપી ‘પ્લેસીબો’ની આદત પડી ગઈ છે. પ્રાર્થના એક ડ્રગ જેવી છે; તેના વગર ટાંટીયા ચાલે નહીં. અફીણનો અમલ કરનારને અનુભવ હોય છે કે અમલ ઉતરી જાય ત્યારે એક ડગલું ચાલવાની શક્તી રહેતી નથી. થોડું અફીણ પેટમાં ગયું કે બાપુ મીલ્ખાસીંગ બની દોટ મુકવાના ! મહમ્મદ ગઝની બન્દગી કરશે : ‘હે અલ્લાહ, મને સોમનાથ પર જીત મેળવવાની શક્તી આપજે’ અને હીન્દુઓ કહેશે : ‘હે સોમનાથદાદા, ત્રીજું નેત્ર ખોલી યવનને ભસ્મ કરી દેજો.’ હવે સમસ્ત(સુપ્રી પાવર) કોની પ્રાર્થના સાંભળશે ? કોઈની જ નહીં ને ! જેનામાં તાકાત હશે તે જીતશે ! એટલે જ નબળા, કાયર, કમજોર હીન્દુઓની પ્રાર્થના સાંભળવાને બદલે મહાદેવે પોતે ગઝનીના મહેલના ત્રણ પગથીયે ચણાઈ જવાનું પસંદ કર્યું.

ફરીયાદરુપે કે મદદ માટે પ્રાર્થના કરો એનો મતલબ તમે કુદરતના નીયમોમાં દખલ કરો છો. તમે કુદરતના નીયમોમાં માનતા નથી, તેમાં તમને વીશ્વાસ નથી. કુદરતને એના નીયમો તોડવા માટે વીનન્તી કરો છો. કુદરત એના નીયમો ફક્ત તમારા માટે તોડે, એના માટે વીનન્તી અને પ્રસાદરુપે લાંચ પણ આપો છો. તમારું કામ થાય છે તે કુદરતના નીયમ આધીન થતું હોય છે; પણ તમને લાગે છે તમારી પ્રાર્થના સંભળાઈ. અને કામ નથી થતું ત્યારે પણ કુદરતના નીયમ આધીન નથી થતું. લાખો લોકો એક્સીડન્ટમાં બચી જતા હોય છે; તેમ લાખો લોકો મરી પણ જતા હોય છે. હવે જે મરી જતા હશે, તે શું પ્રાર્થના નહીં કરતા હોય ?

કેદારનાથ ભગવાનને મળવા ગયેલા હજારો મરી ગયા અને હજારો સમયસર મદદ મળતા બચી પણ ગયા. બચી ગયેલાને ભગવાને બચાવ્યા, તો મરી ગયા તેમને ભગવાને જ મારી નાખ્યા એમ ને ? કુદરત કુદરતનું કામ કરે છે તેના માટે પ્રાર્થના કરનાર અને નહીં કરનાર બન્ને સરખા જ છે. બચાવે તો ભગવાનની કૃપા અને ના બચાવે તો નસીબ અને કર્મનો દોષ ! સગવડીયાં બહાનાં શોધવામાં આપણે માહેર છીએ. ભગવાનમાં માનવું બહુ સરળ છે, સહેલું છે, એમાં કોઈ બુદ્ધીની કે હીમ્મતની જરુર નથી હોતી. પણ ભગવાનમાં માન્યા વગર જીવવું એમાં દીલ અને દીમાગની ઠંડી તાકાત જોઈએ. ભગવાનમાં માનીને જીવનાર માટે ભગવાન એક બહુ મોટો સહારો છે. એવા સહારા વગર જીવવા માટે દૃઢ મનોબળ જોઈએ; કારણ જે પણ કરીએ અને ભોગવીએ તેની તમામ જવાબદારી જાતે ઉઠાવવાની હોય છે. કહેવાતા આસ્તીકોની જેમ બધું ભગવાનને માથે, નસીબને માથે, પુર્વજન્મને માથે થોપવાનું હોતું નથી.

–ભુપેન્દ્રસીંહ રાઓલ

લેખકની ગુજરાતી વેબસાઈટ ‘કુરુક્ષેત્ર’ ( http://raolji.com/ )ના 31 ઓક્ટોબર, 2013ના અંકમાં પ્રકાશીત થયેલો આ લેખ, શ્રી. ભુપેન્દ્રસીંહ રાઓલના સૌજન્યથી સાભાર…  ..ગોવીન્દ મારુ

આ વીષયના અનુસન્ધાને અક મઝેનો લેખ માણવા માટે નીચે આપેલી લીન્ક પર ક્લીક કરશો :

https://govindmaru.files.wordpress.com/2012/01/197-2012-02-10-late-anil-shah-naastik-ni-tapasyaa-anil-shah.pdf

લેખક/બ્લોગર સમ્પર્ક: શ્રી. ભુપેન્દ્રસીંહ રતનસીંહ રાઓલ, અમેરીકા સેલફોન: +1 732 406 6937 ઈ.મેઈલ: brsinh@live.com

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તેમને માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. (હાલ અમેરીકાના પ્રવાસે..) સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 10/10/2014

Read Full Post »