બી. એમ. દવે

આભાસી આધ્યાત્મીકતાનું અનાવરણ

આભાસી આધ્યાત્મીકતાનું અનાવરણ

–બી. એમ. દવે

વાચકમીત્રો! આ પુસ્તીકા લખવાનું વીચારબીજ વોટ્સઍપ પર વાયરલ થયેલ એક આંખો ઉઘાડનારા મૅસેજમાંથી મળ્યું છે. આપણને સૌને જન્મતાંની સાથે જ પહેરાવી દેવામાં આવેલા ધાર્મીક ચશ્માં ઉતારીને આ મૅસેજ વાંચીએ તો આપણી તાકાત નથી કે આ મૅસેજ વાંચ્યા પછી પણ આભાસી આધ્યાત્મીકતાનાં આવરણ હેઠળ ધાર્મીક છબછબીયાં કરવાનું ચાલું રાખી શકીએ. આપણી કહેવાતી ધાર્મીકતાની ખોખલી ઈમારતનાં પાયા હચમચાવવા માટે આ મૅસેજ કાફી છે.

આ અનામી મૅસેજ જેના મગજમાં આકાર પામ્યો હોય તેમને સલામ કરી અને તેમનાં સૌજન્યથી અક્ષરશ: નીચે મુજબ રજુ કરું છું :

‘‘દુનીયાના કુલ 191 દેશોમાં પ્રામાણીક પ્રથમ 10 દેશો : (1) ન્યુઝીલૅન્ડ, (2) ડેન્માર્ક, (3) ફીનલૅન્ડ, (4) સ્વીડન, (5) સીંગાપોર, (6) નોર્વે, (7) નેધરલૅન્ડ, (8) સ્વીત્ઝરલૅન્ડ, (9) ઑસ્ટ્રેલીયા અને (10) કૅનેડા છે. ભારત 95માં નમ્બરે છે.

આ દસેય દેશોમાં ક્યાંય રામકથા કે સત્યનારાયણકથા થતી નથી, રથયાત્રા નીકળતી નથી, ગણેશચતુર્થી કે ગણેશ વીસર્જન નીમીત્તે સરઘસ નીકળતા નથી. હનુમાન મન્દીર નથી કે કોઈ હનુમાનચાલીસા વાંચતા નથી. ચોકેચોકે મન્દીરો કે ધર્મસ્થાનો નથી. કોઈ ભીખ માગતું નથી. ત્યાં બાવા, સાધુ, સંતો, મુનીઓ, પંડીતો કે પુરોહીતો છે જ નહીં; જ્યારે ભારતમાં ચોકેચોકે મન્દીર, અસંખ્ય બાવા–સાધુ, સંતો, મુનીઓ, પંડીતો, પુરીતો ફરતાં જોવા મળે છે. લોકો લસણડુંગળી, કન્દમુળ ન ખાય; પણ લાંચ જરુર ખાય! બધા જ ધર્મગુરુઓ લસણ, ડુંગળી, કન્દમુળ ન ખાવાની પ્રતીજ્ઞા લેવરાવે, પણ લાંચ ન ખાવાની પ્રતીજ્ઞા કેમ લેવરાવતા નથી? શું તેઓ દેશને સુધારવા ઈચ્છતા નથી? શું તેઓમાં દેશ પ્રત્યે પ્રેમ છે જ નહીં? બધા જ ધર્મગુરુઓ જાણે છે કે જો લોકો લાંચ લેતા બન્ધ થઈ જાય તો દેશ સુખી અને સમૃદ્ધ થઈ જાય. લોકો સુખી થઈ જાય પછી ધર્મગુરુઓનો કોઈ ભાવ પુછશે નહીં. ધર્મગુરુઓનો વેપાર લોકોના દુ:ખ ઉપર ચાલે છે. માટે જેમ ચાલે છે તેમ જ ચાલવા દો.’’

વાચકમીત્રો! ઉપરોક્ત મૅસેજ કદાચ 100 ટકા સત્ય ન હોય તો પણ સત્યની ઘણો નજીક હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આ મૅસેજ આપણી આભાસી આધ્યાત્મીકતાનું અનાવરણ કરી આપણું માથું શરમથી ઝુકાવી દે તેવો અવશ્ય ગણી શકાય. આપણાં દેશમાં પાંગરેલી ધાર્મીકતા જોતાં પ્રામાણીકતાના સન્દર્ભમાં આપણો દેશ વીશ્વમાં ટોચ ઉપર હોય તો પણ આપણને નવાઈ ન લાગવી જોઈએ; કારણ કે આપણાં દેશનો ભવ્ય ભુતકાળ, સંસ્કૃતી અને પરમ્પરાના વારસાને વાગોળતાં–વાગોળતાં આપણો ઉછેર થયો છે. તેમ જ નીતીમત્તા, ખાનદાની અને સચ્ચાઈ જેવા જન્મજાત ગુણો આપણને ગળથુથીમાં મળ્યા હોવાનો પાકો વહેમ આપણને છે. આ સંજોગોમાં ઉપરોક્ત મૅસેજ દ્વારા છતી થતી આપણી અસલીયત પચાવવી મુશ્કેલ છે, છતાં તેનો ઈન્કાર પણ કરી શકાય તેમ નથી.

આપણાં ધર્મગુરુઓ વ્યાસપીઠ ઉપરથી છાતી ફુલાવી–ફુલાવીને હજારો વર્ષોથી આપણી સંસ્કૃતીની દુહાઈ દઈને પશ્ચીમની પ્રજાને ‘મલેચ્છ’ કહીને ભાંડતા આવ્યા છે અને જન્મજન્માન્તરના પુણ્ય એકઠા થાય ત્યારે મોક્ષપ્રાપ્તી માટે ભારતમાં જન્મવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તેવી ઘેનની ગોળીઓ પીવરાવતા આવ્યા છે.

ઉપરોક્ત મૅસેજથી ધર્મગુરુઓએ પીવરાવેલ ઘેનની ગોળીઓનો નશો ઉતરી ગયો હોય તો આપણી જાતને ઝંઝેડીને નીચે મુજબનાં પ્રશ્નોનાં ઉત્તરો પ્રામાણીકપણે મેળવવા કોશીશ કરીએ અને વાસ્તવીકતાનો સ્વીકાર કરી ખાનદાની દર્શાવીએ.

 1. આપણાં દેશ જેટલી ભક્તી, સત્સંગ, અનુષ્ઠાન, યજ્ઞો, કુમ્ભમેળા, યાત્રા, ઉપવાસ, એકટાણા, હોમ–હવન, કથાઓ, સપ્તાહો જેવી જથ્થાબન્ધ ધાર્મીક પ્રવૃત્તી ન થતી હોવા છતાં આ બધા દેશો પ્રામાણીકતાની બાબતમાં આપણાં કરતા આટલા બધા આગળ કેમ હશે? અને આપણે આટલા બધા પાછળ કેમ છીએ? પ્રામાણીકતાનું આટલું ઉંચું અને નીચું સ્તર શું સાબીત કરે છે?

 2. આપણાં દેશની જેમ પ.પુ.ધ.ધુ.ઓ, આચાર્યો, ભગવન્તો, મહાત્માઓ, સાધુઓ, સંતો–મહન્તો, ગાદીપતીઓ, મઠાધીપતીઓ કથાકારો, પંડીતો અને પુરોહીતો દ્વારા ધાર્મીકતાની છડી ક્યાંય પોકારવામાં આવતી ન હોવા છતાં આ બધા દેશો શીસ્તપાલન, રાષ્ટ્રપ્રેમ અને કાયદા–કાનુનને સન્માન આપવાની બાબતમાં ચઢીયાતા કઈ રીતે હશે?

 3. આપણાં દેશમાં આટલાં બધા ધર્મો, સમ્પ્રદાયો, મન્દીરો, મસ્જીદો, ગુરુદ્વારાઓ, ઉપાશ્રયો અને દેવળો તેમ જ અસંખ્ય દેવી–દેવતાઓનાં ધર્મસ્થાનો દ્વારા ઉમટતા ભક્તીનાં ઘોડાપુરમાં આખો દેશ ભીંજાઈ જતો હોવા છતાં નીતીમત્તા, સચ્ચાઈ, ઈમાનદારી અને ન્યાયપ્રીયતાની બાબતમાં આખી દુનીયા માટે આપણો દેશ ઉદાહરણીય અને અનુકરણીય કેમ બની શકતો નથી?

 4. આપણા દેશમાં બધા જ ધર્મોનાં શ્રદ્ધાળુઓ દ્વારા ઉર્ધ્વગતી માટે વીવીધ પ્રકારની કઠીન તપશ્ચર્યાઓ દ્વારા પોતાની જાતનું શુદ્ધીકરણ કરવામાં આવે છે, તેમ છતાં કર્તવ્યપાલન, કર્તવ્યનીષ્ઠા, વફાદારી, નીખાલસતા અને પારદર્શકતાની પરીક્ષામાં અન્ય દેશોની સરખામણીમાં આપણને કેમ ઓછા માર્ક્સ મળે છે?

 5. આપણાં દેશમાં વીવીધ ધર્મોના ધર્મગુરુઓ દ્વારા સતત જ્ઞાનનો ધોધ વરસાવવામાં આવતો હોવા છતાં સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણની જાળવણીની વીકસીત દેશોની સરખામણીમાં આપણો પનો કેમ ટુંકો પડે છે?

 6. ગાયના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોવાથી માતા તરીકે પુજવાની કોઈ માન્યતા સ્વીત્ઝરલૅન્ડમાં ન હોવા છતાં ગાયને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળ્યો છે અને ગાયની ખુબ જ કાળજી લેવાય છે અને દેખભાળ થાય છે, જ્યારે આપણાં દેશમાં ‘ગાયમાતા’ તરીકે પુજાતી હોવા છતાં ગાયની હાલત દયાજનક હોવાનું કારણ શું હશે?

 7. જે દેશમાં સાપની પણ ‘નાગદેવતા’ તરીકે પુજા થતી હોય અને મન્દીરો પણ આવેલા હોય તે દેશમાં પ્રાણીક્રુરતા અને અત્યાચાર અધીનીયમ ઘડવાની અને અમલમાં મુકવાની જરુર પડે તે પરીસ્થીતી આપણી કઈ માનસીકતાની ચાડી ખાય છે?

વાચકમીત્રો! ઉપરોક્ત ચર્ચાનો સુર એ નીકળે છે કે આપણાં દેશમાં પાંગરેલી ધાર્મીકતા ખાળે ડુચા અને દરવાજા મોકળા જેવી છે. આપણી જે આધ્યાત્મીકતાનાં ગુણગાન ગાતા આપણે થાકતા નથી અને જન્મથી મૃત્યુ સુધી તેના નશામાં જીવીએ છીએ તેવી આધ્યાત્મીકતા જો આપણાં દેશને પ્રામાણીકતા, ઈમાનદારી, સચ્ચાઈ, કર્તવ્યનીષ્ઠા, રાષ્ટ્રપ્રેમ, શીસ્તપાલન વગેરેના સન્દર્ભમાં વીશ્વવશ્રેષ્ઠ ન બનાવી શકે તો આવી આભાસી આધ્યાત્મીકતાનો કાલ્પનીક સ્વૈરવીહાર છોડીને વાસ્તવીકતાની ધરતી ઉપર પગ માંડવા જોઈએ. બનાવટી ફુલોનાં રંગોનું આકર્ષણ છોડીને કુદરતી ફુલોની નૈસર્ગીક સુવાસ તરફ વળવું જોઈએ. આપણી જાત સાથેની આવી કલાત્મક છેતરપીંડી છોડવી અઘરી છે; પણ અશક્ય નથી. આ માટે નીચે મુજબની બે શરતો પરી પુર્ણ થવી જોઈએ :

(1) જે માર્ગે ચાલી રહ્યાં છીએ તે માર્ગ સાચો નથી અને ગંતવ્યસ્થાન સુધી પહોંચાડી શકે તેમ નથી.

(2) આરામદાયક પણ ખોટા માર્ગનો મોહ છોડીને કાંટાળા પણ સાચા માર્ગે મળવાની હીમ્મ્ત અને દૃઢતા કેળવવી જોઈએ.

ફળદાયી અને પરીણામલક્ષી આધ્યાત્મીકતાનો રોડમેપ નીચે મુજબ હોઈ શકે :

 1. પુજાપાઠ થાય કે ન થાય; પણ પ્રામાણીકતા ક્યારેય ન ચુકીએ.

 2. વ્રત–ઉપવાસ થાય કે ન થાય; પણ સત્યની ઉપાસના અવશ્ય કરીએ.

 3. તીર્થયાત્રા થાય કે ન થાય; પણ કર્તવ્યનીષ્ઠાનું પાલન અચુક કરીએ.

 4. લસણ–ડુંગળી ખાઈએ કે ન ખાઈએ; પણ લાંચ કદાપી ન ખાઈએ.

 5. દાન–પુણ્ય થાય કે ન થાય; પણ હરામનો એક પૈસો પણ ન લઈએ.

 6. કથા–સપ્તાહ સમ્ભળાય કે ન સમ્ભળાય; પણ ભારતીય બંધારણને વફાદાર રહી, કાયદા–કાનુનને સન્માન આપીએ.

 7. ભક્તની વ્યાખ્યામાં આવાય કે ન આવાય; પણ દેશભક્તની વ્યાખ્યામાં અવશ્ય આવીએ.

 8. પુજાને કર્મ ન બનાવીએ; પણ દરેક કર્મને પુજા બનાવીએ.

 9. ધર્મરુપી છાલ ચાટવાને બદલે ધર્મરુપી ગર્ભ ચાખીએ.

 10. ધાર્મીકતા વગરની નૈતીક્તા સ્વીકાર્ય; પણ નૈતીકતા વગરની ધાર્મીકતા અસ્વીકાર્ય.

 11. પરલોક સુધારવા કરતાં આ લોક સુધારવા કટીબદ્ધ બનીએ.

 12. ધાર્મીકતાના ભોગે માનવતા કબુલ; પણ માનવતાનાં ભોગે ધાર્મીકતા હરગીજ નહીં.

વાચકમીત્રો! બહુ જવાબદારીપુર્વક નોંધુ છું કે જો ઉપર દર્શાવેલ આચરણરુપી પાયા ઉપર આધ્યાત્મીકતાની ભવ્ય ઈમારત ચણવામાં આવે તો સાચી ધાર્મીકતાની સુવાસ આખી સૃષ્ટીમાં ફેલાય અને આપણાં દેશને તમામ સન્દર્ભોમાં વીશ્વશ્રેષ્ઠ બનતા કોઈ અટકાવી શકે નહીં. આ કામ કોઈ સરકાર, ધર્મગુરુઓ કે વહીવટીતન્ત્ર કરી શકે નહીં. એક જાગૃત નાગરીક તરીકે આપણાં અન્તરાત્માના અવાજને અનુસરીને આપણે જ કરવું રહ્યું. જો આમ ન થઈ શકે તેમ હોય તો દમ્ભી આધ્યાત્મીકતાનો મુખવટો ઉતારી આપણી અસલીયત સાથે પ્રગટ થઈ જવામાં પણ આપણું ખમીર, ખાનદાની અને ગરીમાનું જતન થશે. મારા જેવા નાના માણસના મોઢે આવી મોટી વાતો કદાચ ન શોભે તેમ લાગતું હોય તો શ્રી. ગુણવંતભાઈ શાહ જેવા મોટા ગજાના માનવી અને સમર્થ ચીન્તકના મુખે કહેવાયેલી આ વાત તેઓશ્રીનાં સૌજન્યથી મારા ટેકામાં રજુ કરું છું :

આનન્દ વગરના ભારેખમ આધ્યાત્મથી,

થોરીયાના ઠુંઠા જેવા વૈરાગ્યથી,

કાયરતાની કુખેથી જન્મેલી અહીંસાથી,

અન્ધશ્રદ્ધા ડુબકાં ખાતી ભક્તીથી,

સ્ત્રીઓથી દુર ભાગતા બ્રહ્મચર્યથી,

ગરીબીનાં ઉકરડા પર ઉગેલા અપરીગ્રહથી,

કર્માના ટેકા વગરના જ્ઞાનથી

અને

જ્ઞાનના અજવાળા વગરના કર્મથી,

હે પ્રભુ! મારા દેશને બચાવી લેજે.

ગુણવંત શાહ

વાચકમીત્રો! હું પણ મુરબ્બી શ્રી. ગુણવંતભાઈ શાહનાં સુરમાં મારો સુર પુરાવીને કહું છું કે હે પ્રભુ! મારા દેશબાંધવોને દમ્ભી આધ્યાત્મીકતાથી બચાવી લેજે અને અસલી આધ્યાત્મીકતાનો સ્વાદ ચખાડી દેજે, જેથી મારા દેશની આધ્યાત્મીક ઉંચાઈ આકાશને આંબી જાય અને દુનીયા આખી તેને જોઈને દંગ રહી જાય.

–બી. એમ. દવે

લેખક : શ્રી. બી. એમ. દવેનું પુસ્તક આભાસી આધ્યાત્મીકતા (પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લી., લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કૉર્પોરેશન સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : (0281) 223 2460/223 4602 વેબસાઈટ : https://pravinprakashan.com ઈમેલ : pravinprakashan@yahoo.com પાનાં : 64, મુલ્ય : રુપીયા 75/-)માંનો આ પ્રથમ લેખ, પુસ્તકનાં પાન 09થી 14 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : 

શ્રી. બી. એમ. દવે, પાલનપુર – 385001 સેલફોન : 94278 48224

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 19–01–2018

Advertisements
બી. એમ. દવે

ભ્રમ ભાંગ્યા પછીની ભાંજગડ

08

 

ભ્રમ ભાંગ્યા પછીની ભાંજગડ

–બી. એમ. દવે

[ગત અંક : 07 ( https://govindmaru.wordpress.com/2017/08/04/b-m-dave-9/ )ના અનુસન્ધાનમાં..]

પ્રકરણ : 07ના મુદ્દા નંબર : 07માં જણાવ્યા મુજબ શાસ્ત્રો અનુસાર મરણોત્તર સ્થીતી થી મુજબ હોય છે તેવું બધા જ શ્રદ્ધાળુઓ માને છે. મરહુમની યાદગીરી કે સ્મારક બનાવવામાં આવે તે આપત્તીજનક ન ગણાય; પરન્તુ આવા સ્થળે મરણ પામનારની કાયમી ધોરણે હાજરી સ્વીકારવાની માનસીકતા એક મોટો ભ્રમ છે. રાજસ્થાનમાં વર્ષો અગાઉ બુલેટ મોટરસાઈકલના અકસ્માતમાં મૃત્યુ પામનાર ચાલકનું અકસ્માતના સ્થળે સ્થાનક બની ગયું છે, જેને બુલેટબાબાના સ્થાનક તરીકે ઓળખવામાં આવે છે અને આ સ્થાનક ખુબ જ પ્રખ્યાત થઈ ગયું છે.

નવું મોટર સાઈકલ ખરીદવામાં આવે ત્યારે અને ત્યાંથી પસાર થતાં દ્વીચક્રી વાહનચાલકો માથું ટેકવવા અને બુલેટબાબાના આશીર્વાદ મેળવવા આવે છે, જેથી મોટરસાઈકલના અકસ્માતથી બુલેટબાબા રક્ષા કરે!

કેટલો હાસ્યાસ્પદ ભ્રમ છે! જે બાબા પાસે અકસ્માતમાંથી બચવા આશીર્વાદ માગવામાં આવે છે તે બુલેટબાબા પોતાને ખુદને અકસ્માતમાંથી બચાવી શક્યા નથી. ત્રણ વખત પરીક્ષામાં નાપાસ થયેલો ઠોઠ વીદ્યાર્થી ટ્યુશન ક્લાસ ખોલી હોશીયાર વીદ્યાર્થીઓને ભણાવે તેવું ગાંડપણ આ કીસ્સામાં લાગે છે. અસલામતી સામે હીમ્મત કેળવવા ઉભો કરેલો આ ભ્રમ પણ હમ્મેશાં બરકરાર રહેશે તેમાં કોઈ શંકા નથી.

આવી જ રીતે સુરધનના પાળીયા કે શહીદોની ખાંભીઓની પુજા કરવી તે આદરભાવ દર્શાવે છે; પણ ત્યાં કોઈની હાજરી હોવાનું માનવું એ ભ્રમ છે, જે પોતાનું રક્ષણ કરનાર કોઈ હોવાના ટેકામાં કેળવવામાં આવે છે. આવાં અન્ય સ્થાનકો પાસેથી પસાર થતાં વાહનચાલકો હૉર્ન વગાડીને હાજરી પુરાવે છે, જાણે ત્યાં કોઈ હાજરીપત્રક લઈને કેમ બેઠું હોય! આ ભ્રમની પરાકાષ્ઠા છે અને દયનીય સ્થીતી દર્શાવે છે.

આધ્યાત્મીક બાબત હોય, સામાજીક બાબત હોય, સુખ–દુ:ખની બાબત હોય કે જીવનમરણને સ્પર્શતી બાબત હોય; પણ ભ્રમ ટકાવી રાખવા માટે ખુબ જ મથામણ કરવામાં આવે છે. ભ્રમ તુટ્યા પછીની ભાંજગડનો સામનો ન કરવો પડે એટલા માટે મોટા ભાગની વ્યક્તીઓ પ્રયત્નપુર્વક ભ્રમને યથાવત્ સ્થીતીમાં જાળવી રાખવા પ્રયત્નશીલ રહે છે.

ભ્રમની ભાઈબન્ધી  ટકાવી રાખવા માટે નીચે મુજબના ઉપાયો અજમાવવામાં આવે છે :

 1. સવારે પેટ સાફ આવે તેમાં પણ પ્રભુ–કૃપા દેખાય તેવા બહુમતી વર્ગ દ્વારા પહેરાવવામાં આવતા ચશ્માં સતત પહેરી રાખવાં.

 2. ટંકારાના તેજસ્વી બાળક મુળશંકર જેવો ક્રાંતીકારી વીચાર ભુલેચુકે પણ મગજમાં ઝબકી ન જાય તેની તકેદારી રાખવી.

 3. રુઢીગત ધાર્મીક માન્યતાઓને તર્કના ત્રાજવે તોળવાની ગુસ્તાખી ક્યારેય ન કરવી. મગજનાં દરવાજા અને બારી–બારણાં સજ્જડ રીતે બન્ધ રાખવાં.

 4. આટલા બધા માણસો માનતા હોય તે ખોટું કઈ રીતે હોઈ શકે તેવી ગોળી નીયમીત રીતે ગળતા રહેવી. આવી ગોળી ગળવામાં કદાચ પોતાની બુદ્ધીપ્રતીભા નડતી હોય તો શ્રદ્ધા નામના પ્રવાહી સાથે ગળવી.

 5. ગાડરીયા પ્રવાહથી વીપરીત વીચારધારા મગજમાં ક્યાંય ડોકીયું પણ ન કરી જાય તેની સતત જાગૃતી અને તકેદારી રાખવી. ગાડરીયા વીચારધારાને સમર્થન આપી વળગી રહેવા મગજને સતત ઉશ્કેરતા રહેવું.

ઉપર મુજબના પ્રયત્નો શ્રદ્ધાળુઓ દ્વારા આજીવન ચાલુ રાખવામાં આવે છે અને ટેવ પડી ગયા પછી તો પ્રયત્ન પણ નથી કરવો પડતો. આ બધું વીચારધારામાં વણાઈ જાય છે અને તેના પરીણામસ્વરુપ દુ:ખી દીલને બહેલાવવાની, હતાશ મનને ફોસલાવવાની, નબળાઈઓને છુપાવવાની અને વાસ્તવીકતાને નજરઅંદાજ કરવાની આધ્યાત્મીક કરામત આવડી જાય છે. અને તેનાં મીઠાં ફળ ચાખવા મળે છે.

વાચકમીત્રો! ભ્રમરુપી ઝાડ ઉપર પકવેલાં કેટલાંક મીઠાં ફળનો સ્વાદ આપ સહુને પણ ચખાડું.

 1. એક દારુડીયા અને જુગારીયા પતીના ત્રાસથી તંગ આવીને તેની પત્ની, બાળકો સાથે આત્મહત્યા કરી લે છે. આવા ભયંકર બનાવને ‘પ્રભુને ગમ્યું તે ખરું’ ખપાવી કેવડી મોટી રાહત મેળવી શકાય છે! પીયરપક્ષ તરફથી આપઘાતની દુષ્પ્રેરણાની ફરીયાદ થતાં જેલમાં જતા જમાઈરાજ નફ્ટાઈથી કહેશે : ‘જેલના રોટલા ખાવાનું નસીબમાં લખ્યું હશે!’

 2. એક મધ્યમવર્ગીય વૃદ્ધ વ્યક્તી જીન્દગી–આખીની પરસેવાની કમાણીમાંથી કરેલ બચત મરણમુડી તરીકે ઉંચા વ્યાજની લાલચમાં આવી કોઈ લેભાગુ ટ્રસ્ટમાં રોકે છે. ટ્રસ્ટનું ઉઠમણું થતાં મુડી ડુબી જાય છે. આવી વ્યક્તી પોતાની લોભવૃત્તીને છાવરવા અને આઘાતને જીરવવા કહેશે : ‘બલીયસી કેવલમ્ ઈશ્વરેચ્છા.’

 3. શ્રીમન્ત માબાપનો એક વંઠેલ નબીરો ગરીબ ઘરની છોકરીને ભગાડી જાય છે અને બળાત્કારના ગુનામાં જેલમાં જાય છે. માબાપની વકીલાત સાંભળો : ‘‘બનવાકાળ બની ગયું; બાકી અમારો દીકરો કોઈ છોકરી સામે આંખ ઉંચી કરીને જુએ એવો નથી.’’

 4. એક મોટા ગજાના ગુરુ ઘંટાલ લમ્પટલીલાના આરોપસર જેલમાં જાય છે. શીષ્યસમુદાયની ગુરુદક્ષીણા સમાન પ્રતીક્રીયા સાંભળો : ‘‘ભગવાન ગુરુજીની આકરી કસોટી કરી રહ્યાં છે. કસોટી હમ્મેશાં સોનાની જ થાય છે, પીત્તળની નહીં.’’

 5. માતેલા સાંઢની જેમ બેદરકારીથી પોતાનું વાહન ચલાવી એક નીર્દોષને કચડી નાખનાર ડ્રાઈવર પોતાનું તત્ત્વજ્ઞાન ઠાલવતાં કહેશે : ‘‘મરનારના નસીબમાં આવું લખાયું જ હશે. ભગવાને મને નીમીત્ત બનાવી દીધો.’’

 6. તીર્થયાત્રાએ ગયેલી એક બસ ખીણમાં ગબડી પડવાથી 20 યાત્રાળુઓનાં કમકમાટીભર્યાં કમોત થાય છે. એક જ પરીવારની પાંચ વ્યક્તીઓ કાળનો કોળીયો બની જાય છે. સગાંવહાલાં ગદ્ગદીત અવાજે પણ ગર્વથી કહેશે : ‘‘આવા પવીત્રધામના સ્થળે ભાગ્યશાળીને જ મોત મળે. ભગવાન સીધા પોતાના ધામમાં લઈ ગયા. અહીં જેની જરુર હોય છે તેની ત્યાં પણ જરુર હોય છે.’’

  ઉપર દર્શાવ્યા મુજબનાં દૃષ્ટાંતોમાં વાસ્તવીકતા સાથે છેડખાની કરી ભ્રામક રાહત મેળવવાની કોશીશ કરી છે. આવી રાહત મેળવવાનું ત્યાં સુધી જ ચાલુ રહી શકે છે, જ્યાં સુધી ભ્રમ ટકાવી રાખવા માટે ઉપર દર્શાવેલ પાંચ પ્રકારના નુસખાઓ અજમાવવાનું ચાલુ રાખવામાં આવે.

સુજ્ઞ વાચકો! પુસ્તકના હાર્દ સમી મુળ વાત ઉપર હવે આવીએ. ભ્રમ ટકાવી રાખવાના પાંચ પ્રકારનાં નુસખાઓને અનુસરવાનું બન્ધ કરનાર અને તેનાથી વીપરીત વર્તન કરનારનો ભ્રમ ટકી શકતો નથી. ધીમેધીમે બધો ભ્રમ ભેદાતો જાય છે અને ગાડરીયા પ્રવાહને દેખાતા સાપની જગ્યાએ દોરડી દેખાવા લાગે છે. ભ્રમ ભાંગ્યા પછી રુઢીવાદી વીચારધારાની સરહદ ઓળંગાઈ જાય છે અને ઉંઘમાંથી જાગી ગયા હોય તેવો અહેસાસ થાય છે. જેવી રીતે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર નીકળી ગયા પછી વજનવીહીનતાનો અનુભવ થાય છે, તેવી જ રીતે માણસજાતે પોતાના અંગત સ્વાર્થ માટે ઉભા કરેલા ભ્રમના જંગલને ભેદ્યા પછી એક જાતની હળવાશનો અનુભવ થાય છે; પરન્તુ સાથોસાથ ભ્રમ ભાંગી ગયા પછી ઘણી ભાંજગડો ઉભી થાય છે, ઘણી વીકરાળ સમસ્યાઓ મોઢું ફાડીને ઉભેલી જણાય છે.

આ બધી જ સમસ્યાનો સામનો કરવાની નૈતીક હીમ્મ્ત કેળવવી પડે છે, નહીંતર બાવાનાં બેય બગડ્યાં જેવી સ્થીતી ઉભી થઈ શકે છે.

વાચકમીત્રો! ભ્રમ ભાંગ્યા પછીની ભાંજગડો, એટલે કે સમ્ભવીત સમસ્યાઓ નીચે મુજબ હોઈ શકે છે :

 1. સર્વપ્રથમ તો ઉપરના મુદ્દામાં જણાવ્યા મુજબ ભ્રમરુપી ઝાડ ઉપર પકાવેલાં મીઠાં ફળ ચાખવાથી વંચીત થવું પડે છે અને દરેક વાસ્તવીક પરીસ્થીતીનો મુકાબલો વન–મૅન–આર્મીની ક્ષમતાથી કરવો પડે છે અને કોઈ પણ પીઠબળ વગર એકલા હાથે ઝઝુમવું પડે છે.

 2. વીપરીત પરીસ્થીતીમાં ટકી રહેવાનો કાલ્પનીક સહારો છીનવાઈ જતાં દૃઢ મનોબળ જાળવી રાખવા લોખંડી આત્મવીશ્વાસ જરુરી બની રહે છે; અન્યથા માનસીક રીતે ભાંગી પડવાની શક્યતા રહે છે.

 3. અસામાજીક પ્રાણીની કક્ષામાં સમાજ ગણી લે છે અને અસ્પૃશ્ય હોવાનો સતત અહેસાસ કરાવતો રહે છે અને પોતાનાં પણ પારકાં થઈ જાય છે. આપણા વીચારો કોઈ સહન કરી શકતું નથી. મોઢું ખોલવું એ ઝઘડાને આમન્ત્રણ આપવા સમાન બની જાય છે. સમાન વીચારધારાવાળાનું સાન્નીધ્ય લગભગ દુર્લભ બની જાય છે.

 4. ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં અને એકલતાની સ્થીતીમાં ધાર્મીક ક્રીયાકાંડોરુપી રમકડાંથી રમીને સમય પસાર કરવાનું સાધન પણ છુટી જાય છે અને અન્ય પસન્દગીના વીકલ્પો શોધવા પડે છે અને સમાજ દયા ખાય છે.

 5. સૌથી મોટી વીડમ્બના એ થાય છે કે બહુ હીમ્મ્ત દાખવીને અને ઘણાં મોટાં જોખમોની કીમ્મત ચુકવીને હાંસલ કરેલ મુકામની અનુભુતી સ્વજનો અને સ્નેહીજનો સાથે વહેંચવાની ઝંખનાનું ગળું ઘોંટવું પડે છે; કારણ કે આ બાબતે સ્વજનો દ્વારા આપણાથી સલામત અન્તર રાખવામાં આવે છે અને ક્યારેક ધર્મસંકટ જેવું થાય તો એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખવામાં આવે છે અને આપણને રાજી રાખવા કહેવામાં આવે છે કે તમારી વાત 100 ટકા સાચી છે; પણ અનુસરી શકાય તેમ નથી. નજીકના લોકો દુર રહેવાનું પસન્દ કરે છે.

 6. ઉંડેઉંડે એક અતૃપ્ત ઈચ્છા એવી પણ રહે છે કે કાશ, તેઓ બધા પણ થોડું સાહસ બતાવીને ગાડરીયા પ્રવાહથી છુટા પડી હમસફર બને અને ક્યારેક આવું આહ્વાન કરવામાં આવે તો બુમરૅંગ સાબીત થાય છે અને ઉલટાનું આપણને બહુમતીથી અલગ અભીપ્રાયનો ભ્રમ કાઢીને ‘ઘરવાપસી’ કરવાનો આગ્રહ સેવવામાં આવે છે.

વાચકમીત્રો! પુસ્તકના સમાપનરુપે આ ‘ઘરવાપસી’ના મુદ્દાની પણ થોડી મીમાંસા કરી લઈએ :

નીખાલસ કબુલાત કરું કે ભ્રમ ભાંગ્યા પછીનો વૈચારીક ટર્નીંગ પૉઈન્ટ પણ એક ભ્રમ જ હોય એ શક્ય છે અને ‘ઘરવાપસી’નું આ એક મજબુત કારણ પણ બની શકે છે. આ પ્રક્રીયા તો માખણમાંથી ઘી બનાવવા જેટલી સહેલી છે. પરસેવો પાડીને પગથીયાં ચડ્યા પછી લીફ્ટમાં ઉતરવા જેવું કામ છે અને અન્દરખાને બધા ઈચ્છુક પણ હોય; પરન્તુ જે સમીકરણોથી અલગ ચીલો ચાતર્યો હોય તેનાથી વીપરીત પ્રકારનાં સમીકરણો સર્જાય તો થુંકેલું ચાટવામાં પણ આનન્દ અને ગૌરવની લાગણી થાય.

નીચે દર્શાવેલ સપનાં સાકાર થાય તો મુરઝાઈ ગયેલી શ્રદ્ધાનો છોડ નવપલ્લવીત થઈ ઉઠે અને ઘરવાપસીનો મનોરથ પુરો થાય.

 1. મહાભારતકાળમાં દ્રૌપદીની લાજ લુંટાતી બચાવવા શ્રીકૃષ્ણ ભગવાન વહારે આવ્યા હતા અને 999 ચીર પુરી તેણીનું રક્ષણ કર્યું હતું. આ વાતને લગભગ પાંચેક હજાર વર્ષ વીતી ગયાં છે. ત્યાર પછી ભગવાને મહીલાઓની લાજ લુંટાતી બચાવવાનો કાર્યક્રમ પડતો મુક્યો લાગે છે; કારણ કે અત્યારે તો આપણા ભારતવર્ષમાં થોડીક મીનીટોના અન્તરે એક અબળાની લાજ લુંટાય છે. નીર્ભયાઓ ઉપર ગૅંગરેપ થાય છે અને પછી ખુન પણ થાય છે તેમ જ ગુનેગારોને ભાગ્યે જ સજા થાય છે. દ્રૌપદીની લાજ લુંટાતી બચાવી હતી તે સાંભળી–સાંભળીને હવે કાન પાકી ગયા છે.

અત્યારના દુ:શાસનોને સબક શીખવવા અને નીર્ભયાની લાજ બચાવવા ભગવાન કાંઈ પરચો બતાવે તો માની શકાય કે તેઓ ખરેખર દયાળુ અને કૃપાળુ છે અને બાનાની પત રાખવાનો પ્રોગ્રામ ચાલુ જ છે. ખરું કહું, ઉંડેઉંડે ડર લાગે છે કે કોઈ શ્રદ્ધાળુ એવી વકીલાત નહીં કરે ને કે બળાત્કાર થવાનું નસીબમાં લખાયું હોય તો ભગવાન વચ્ચે ન પડે!

 1. ‘ભગવાન ભુખ્યા ઉઠાડે છે; પણ ભુખ્યા સુવરાવતા નથી’ તેમ જ ‘કીડીને કણ અને હાથીને મણ’ આપી જ રહે છે. આ શબ્દો રાત્રે ઉંઘમાં પણ પડઘાય છે. વાસ્તવમાં નગ્ન સત્ય એ છે કે દુનીયાના લગભગ 28 કરોડ ઈશ્વરનાં સંતાનો દરરોજ ભુખ્યાં ઉઠે છે અને ભુખ્યાં જ સુઈ જાય છે. આ ભુખ્યાં જનોનો જઠરાગ્ની શાંત થાય તેવો કોઈ ચમત્કાર થાય તો ઉપરોક્ત ઉક્તીઓ સાર્થક થાય અને શ્રદ્ધાની સરવાણી ફરીથી ફુટવા લાગે. બીક લાગે છે કે ફરી પાછી અહીં પણ નસીબની વાત વચ્ચે નહીં આવે ને? જો કે નસીબની વાત વચ્ચે લાવવી જ હોય તો ઉપરોક્ત બન્ને ઉક્તીઓની પાછળ કૌંસમાં લખવું જ પડે કે (નસીબમાં હોય તો જ).

 2. લગભગ એકાદ કીલોમીટરની ત્રીજ્યામાં એક લેખે શ્રદ્ધાનાં સ્થાનકો ભારતભરમાં પથરાયેલાં છે. લાખો શ્રદ્ધાળુઓ આવી જગ્યાઓને હાજરાહજુર માને છે અને પોતાની અઘરી–અઘરી બાધા–માનતાઓ ફળે તેમ કહે છે. મારી શ્રદ્ધાની બૅટરી ચાર્જ કરવા માટે કોઈ મોટી કે અઘરી માગણી નથી. આવાં ચમત્કારીક સ્થાનકો પૈકી કોઈ પણ એક જગ્યાએ મારો ડાયાબીટીસ મટી જાય એટલે શ્રદ્ધાનું ઘોડાપુર ઉમટે અને હું તેમાં તણાઈ જઉં અને ભ્રમ ભાંગી ગયાની ભાંજગડમાંથી બચી જઉં અને લીલાલહેર થઈ જાય!

 3. મીરાંબાઈનો ઝેરનો કટોરો પીવાની, નરસીંહ મહેતાની હુંડી સ્વીકારવાની, ટીટોડીનાં બચ્ચાં ઉગારવાની, ગજરાજને મગરથી બચાવવાની કથાઓ હવે ક્યાં સુધી ગાયા અને સાંભળ્યા કરવાની? સેંકડો વર્ષોથી આવા કોઈ ચમત્કાર કે પરચાની નવી અને અદ્યતન કથાઓ સાંભળવા મળતી જ નથી. આટલા લાંબા સમયથી આખી દુનીયામાં પહેલાં જેવા ભક્તો થયા જ ન હોય તેવું બની શકે કે પછી ભગવાને ભક્તોને સહાય કરવાની યોજના જ બન્ધ કરી દીધી હશે? ભક્તવત્સલ ભગવાનના કોઈ તાજા પરચા કે ચમત્કાર જોવા કે સાંભળવા મળે તો શ્રદ્ધાની ડાઉન થઈ ગયેલી બૅટરી ફરીથી ફુલ ચાર્જ થઈ જાય અને મુખ્ય ધારામાં સમાઈ જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય.

 4. આપણા ભક્તકવી શ્રી. નરસીંહ મહેતાની એક અદ્ભુત રચનાનુ સ્મરણ થાય છે :

જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઉંઘમાં અટપટા ભોગ પાસે,

ચીત્ત ચૈતન્ય વીલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.

શ્રી. નરસીંહ મહેતા જે આધ્યાત્મીક ઉંચાઈએ પહોંચ્યા હતા ત્યાંથી તેમને કદાચ આવું દેખાયું હશે અને જડ–ચેતન તમામમાં એકરુપતાનો અહેસાસ થયો હશે! અને બ્રહ્મની પાસે બ્રહ્મને લટકાં કરતું નીહાળ્યું હશે! પણ આપણા જેવા જમીન ઉપરના માણસોને તો ‘બ્રહ્મને બ્રહ્મ બટકા ભરે જેવું જ દેખાય છે. ઉન્દરને બીલાડી ખાઈ જાય, બીલાડીને કુતરો ખાઈ જાય, કુતરાને વરુ ખાઈ જાય અને વરુને દીપડો ખાઈ જાય. સમગ્ર પ્રાણીસૃષ્ટીમાં ‘જીવો જીવસ્ય ભક્ષણમ્’ એ ન્યાયે મોટો જીવ નાના જીવને ખાઈ જાય છે; અર્થાત્ મોટું બ્રહ્મ નાના બ્રહ્મને ખાઈ જાય તેવું દૃશ્ય બધે દેખાય છે. મનુષ્યમાં પણ આવું જ જોવા મળે છે.

તેમ છતાં પ્રત્યેક મનુષ્યમાં એક જ બ્રહ્મ સમાયેલું છે તેવું શ્રી. નરસીંહ મહેતાનું મન્તવ્ય સાચું ઠરે તો માનવજાતનું કલ્યાણ થઈ જાય. મોટો ગુંડો, બદમાશ, ધનપતી, રાજકારણી કે ઉચ્ચ અમલદાર તથા સામાન્ય અને ગરીબ માણસ એકબીજાને સરખા ગણે અને એકબીજાની સામે લટકાં કરે; અર્થાત્ ઉષ્માપુર્ણ વ્યવહાર કરે અને એકબીજાને અનુકુળ થઈને વર્તે અને પ્રેમ કરે – શ્રી. મહેતાજીની આ પંક્તીઓ ખરા અર્થમાં ચરીતાર્થ થાય તો પૃથ્વી સ્વર્ગ બની જાય.

ઈતીહાસ સાક્ષી છે કે શ્રી. નરસીંહ મહેતાજીના જીવનમાં ભગવાને તેમનાં ઘણાં કામો ઉકેલ્યાં હતાં. આશા રાખીએ કે આવડા મોટા ભક્તની વાણી માનવજાતને ફળે અને આપણા જેવા પામર મનુષ્યને શ્રદ્ધાનો દીપક જલતો રાખવા હવાતીયાં ન મારવા પડે. ખરેખર જો દરેક પશુ–પ્રાણીમાં રહેલ બ્રહ્મ એકબીજા સામે લટકાં કરતું દેખાઈ જાય તો ભાંગીને ભુક્કો થઈ ગયેલ ભ્રમ ફરી પાછો અસલ સ્થીતીમાં આવી જાય અને એવો વજ્ર જેવો મજબુત બની જાય કે ભવીષ્યમાં ક્યારેય ભાંગે જ નહીં.

વાચકમીત્રો! લેખકને ઉપરોક્ત સપનાંઓ સાકાર થવાની ઝંખના અને ખ્વાહીશ છે, જેથી ભ્રમ ભાંગ્યા પછીની ભાંજગડમાંથી છુટી શકાય અને ઉપર દર્શાવેલ છ પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે.

ઉપર દર્શાવેલ પાંચ અપેક્ષાઓ અવ્યવહારુ, અવાસ્તવીક કે અશક્ય નથી, ફક્ત ભુતકાળને સજીવન કરવાની માગણી છે. પરચા અને ચમત્કાર વગેરેની બન્ધ પડી ગયેલી કેટલીક ‘ભક્ત સહાય યોજના’ પુનર્જીવીત કરવાની આશા રાખવી અસ્થાને ન ગણાય.

વહાલા વાચકમીત્રો! એક ખાનગી વાત કાનમાં કહી દઉં! આપ સહુ સાચા સ્વજનો જ છો આપનાથી શું છુપાવવાનું હોય? મને 60 વર્ષ થયાં છે, એટલે ક્રીકેટની ભાષામાં કહું તો મૅન્ડેટરી ઓવર્સ શરુ થઈ ગઈ ગણાય અને ગમે ત્યારે વીકેટ પડી શકે. ઉંડેઉંડે એવી આશા ખરી કે ઉપર દર્શાવેલ મારી અપેક્ષાઓ સંતોષાય તો વીકેટ પડ્યા પહેલાં ‘ઘરવાપસી’ થાય અને મૃત્યુ પામવાને બદલે ‘ધામમાં જવાનો’ લાભ મળે. જો આમ થાય તો મારી શ્રદ્ધાંજલીનો બીજો મુસદ્દો પણ મેં તૈયાર જ રાખ્યો છે અને તેનો ઉપયોગ કરવા મારા પુત્રને સુચના આપી છે.

બદલાયેલા સંજોગોમાં બદલાયેલ શ્રદ્ધાંજલીના મુસદ્દા ઉપર એક નજર કરી મારા પુસ્તકને અહીં વીરામ આપીએ :

શ્રદ્ધાંજલી

અમારા ધર્મપ્રેમી ભાઈ શ્રી. ઘનશ્યામ ઉર્ફે ભાનુશંકર એમ. દવે    

પ્રભુસ્મરણ કરતાં–કરતાં તા. 00/00/000ના રોજ ભગવાનના ધામમાં ગયા છે.

સદ્ગતના મોક્ષાર્થે ‘શ્રીમદ્ ભાગવત’કથાનું આયોજન પણ કરેલ છે,

જેથી સર્વ ધર્મપ્રેમી ભાઈ–બહેનોને કથામૃતનું રસપાન કરવા હાર્દીક નીમન્ત્રણ છે.

દવે પરીવાર

–બી. એમ. દવે

જેલ ખાતાની દીર્ઘકાલીન સેવાઓ દરમીયાન કાજળની કોટડીમાં રહીને લેખક શ્રી. બી. એમ. દવેનું સતત વાચન, મનન તથા જેલ ખાતાનાં સ્વાનુભવોનો ગહન અભ્યાસ, ચીન્તન–મનન કરીને લખેલા પુસ્તક ભ્રમ ભાંગ્યા પછી (પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લી., લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કૉર્પોરેશન સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : (0281) 223 2460/ 223 4602  ઈમેલ : pravinprakashan@yahoo.com પાનાં : 64, મુલ્ય : રુ. 65/-)માંનો આ સાતમો લેખ, પુસ્તકનાં પાન 55થી 64 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : 

શ્રી. બી. એમ. દવે, પાલનપુર – 385001 સેલફોન : 94278 48224

બી. એમ. દવે

ભ્રમને ભેદવાનાં ભયસ્થાન

07

ભ્રમને ભેદવાનાં ભયસ્થાન

–બી. એમ. દવે

[ગત અંક : 06 ( https://govindmaru.wordpress.com/2017/06/30/b-m-dave-8/ )ના અનુસન્ધાનમાં..]

તારીખ : 12 ફેબ્રુઆરી, 1824ના રોજ મોરબી પાસેના ટંકારા ગામે જન્મેલા મુળશંકર અંબાશંકર ત્રીવેદી નામના એક બ્રાહ્મણ બાળકે શીવલીંગ ઉપર એક ઉંદરડી ફરતી જોઈ અને શીવલીંગ અંગેનો પરમ્પરાગત ભ્રમ ભાંગી ગયો. તેને વીચાર આવ્યો કે ઈશ્વરના સ્વરુપ ઉપર ઉંદરડી ફરે તેને ઈશ્વર તરીકે કેવી રીતે માની શકાય? શીવલીંગ ઉપર આ અગાઉ ઘણા શીવભક્તોએ મોટા–મોટા ઉન્દરડા ફરતા પણ જોયા જ હશે; પણ બીજા કોઈને આવો ક્રાંતીકારી વીચાર ન આવ્યો..! કારણ કે તેઓ બધા ગળથુથીમાં પીવડાવવામાં આવેલ ધાર્મીકતાના ઘેનમાં હતા; જ્યારે સામાન્ય બુદ્ધીપ્રતીભા ધરાવતા આ બાળકનો રુઢીગત ધાર્મીકતાનો ભ્રમ ભાંગી ગયો.

આપ સહુ જાણતા જ હશો કે આ મેધાવી બાળક આગળ જતાં આર્યસમાજનાં સ્થાપક મહર્ષી દયાનન્દ સરસ્વતી તરીકે વીખ્યાત થયા હતા. તેઓશ્રીએ તેમના ક્રાંતીકારી વીચારોથી હીન્દુ ધર્મમાં સદીઓથી પ્રચલીત અને સ્વીકાર્ય એવી મુર્તીપુજા અને બહુદેવવાદનો છેદ ઉડાડી દીધો હતો અને પ્રખ્યાત પુસ્તક ‘સત્યાર્થપ્રકાશ’ની રચના કરી હતી. એ સમયમાં રુઢીવાદી વીચારધારા સામે આવી વૈચારીક બગાવત કરવાથી ઘણાં સ્થાપીત હીતોનાં પેટમાં તેલ રેડાયું હતું અને ખોરાકી ઝેરની અસરથી તેમનું શંકાસ્પદ મરણ થયું હતું.

બાળક મુળશંકરની જેમ બીજાનો ભ્રમ ન ભાંગી જાય તેની ઘણી તકેદારી ધર્મના કહેવાતા રખેવાળો લેતા આવ્યા છે અને મહદંશે તેમાં સફળ પણ થયા છે. રુઢીગત માન્યતા મુજબનો ભ્રમ જળવાઈ રહે તેમાં દરેક ધર્મના રખેવાળોને તો રસ હોય જ છે અને શ્રદ્ધાળુઓને દોડવું હોય અને ઢાળ મળી જાય તેવી અનુકુળતા થઈ જાય છે. બન્ને પક્ષે ભ્રમને પંપાળવાનું વ્યવસ્થીત આયોજન સદીઓથી ચાલ્યું આવે છે. જો ક્રાંતીકારી વીચારોથી ભ્રમ ભાંગી જાય તો બન્ને પક્ષે ગેરફાયદો થવાની શક્યતા રહેલી હોય છે. ધર્મના રખેવાળો ને ભક્તોનો ભ્રમ ભાંગી જાય તો તેટલાં ઘેટાં–બકરાં તેમના ધર્મના વાડામાંથી ઓછા થઈ જવાની બીક લાગતી હોય છે. ભક્તોનો ભ્રમ ભાંગી ગયા પછી ધાર્મીકતાની શુગર–કોટેડ ટૅબ્લેટ ઉપરથી ખાંડનું પડ ઉખડી જાય છે, ત્યારે કડવાશરુપી વાસ્તવીક પરીસ્થીતીનો સામનો કરવાનું અસહ્ય બની જાય તેમ હોય છે; તેથી ભ્રમરુપી શુગર–કોટેડ ટૅબ્લેટ જ ગળી જવાનું વલણ અપનાવવામાં આવે છે.

સર્વસ્વીકૃત શાસ્ત્રોક્ત સીદ્ધાંતોની ઉપરવટ જઈ પોતાની મનપસન્દ માન્યતાઓને ભ્રમનું મહોરું પહેરાવી, આભાસી સલામતીનો આનન્દ માણવાની વ્યુહરચના સમજીએ, આ હેતુ માટે આપણને બધાને જોવા મળતી ચેષ્ટાઓનું પૃથક્કરણ કરીએ અને આવી ચેષ્ટાઓ પાછળ રહેલાં બેવડાં ધોરણોનો પર્દાફાશ કરીએ.

આ દીશામાં આગળ વધતા પહેલાં સર્વપ્રથમ ધર્મના હાર્દ તરીકે બુલન્દ અવાજે કહેવાયેલ અને શ્રદ્ધાળુઓ દ્વારા સ્વીકારાયેલ બાબતો ઉપર એક નજર કરી લઈએ :

(1)     વ્યક્તીનાં સુખ અને દુ:ખ તેમ જ જન્મ અને મરણ તેનાં કર્મફળ ઉપર આધારીત હોય છે અને તેમાં કોઈ પણ પ્રકારના ઈશ્વરીય હસ્તક્ષેપને અવકાશ નથી. શ્રીરામનો વનવાસ તથા શ્રીકૃષ્ણનો પારધીના બાણથી દેહત્યાગ એ બન્ને આ સીદ્ધાંતના સમર્થનના સચોટ ઉદાહરણ ગણાવાય છે.

(2)     પાપ અને પુણ્ય બન્નેનાં અલગઅલગ ફળ ભોગવવાનાં રહે છે. પુણ્યકર્મથી પાપકર્મ સરભર થતું નથી.

(3)     ઈશ્વર કોઈના ઉપર કૃપા કે મહેરબાની કરતા નથી અને તેથી જ તેમના પરમ ભક્તો પણ કર્મફળના કારણે ઘણી વાર ખુબ દુ:ખી દેખાય છે. ઈશ્વર સાક્ષીભાવે તટસ્થ રીતે બધું નીહાળે છે તેવું વેદોમાં પણ કહેવાયું છે. ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’માં પણ આ વાત ગાઈ–વગાડીને કહેવામાં આવી છે.

ઉપરોક્ત સર્વસ્વીકૃત હકીકતોનો સ્વીકાર કર્યા પછી પણ કોઈ વ્યક્તી તેની સાથે સુસંગત ન હોય તેવી વીરોધી માનસીકતા દાખવે તો તેને બેવડાં ધોરણ દ્વારા પંપાળીને પોષેલો ભ્રમ જ કહી શકાય ને?

વાચકમીત્રો! આપણે આવાં બેવડાં વલણ દ્વારા આચરવામાં આવતી કેટલીક ચેષ્ટાઓને ચકાસીએ :

 1.      સુવર્ણાક્ષરે કોતરાયેલ પંક્તી ‘ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે’ બધા જ શ્રદ્ધાળુને કબુલ છે. મહર્ષી વસીષ્ઠ દ્વારા જોવામાં આવેલ શુભ મુહર્ત પછી પણ જો અવતારી પુરુષ શ્રીરામ સાથે આવી ઘટના ઘટી શકતી હોય, તો આપણા જેવા પામર મનુષ્યો દ્વારા પ્રત્યેક શુભ કાર્યો માટે જોવામાં આવતાં મુહુર્તોનું ઔચીત્ય કેટલું? શુભ મુહર્ત જોયા પછી પણ ભયંકર અઘટીત ઘટનાઓ ઘટતી આપણે સૌ જોઈએ છીએ, તેમ છતાં મુહુર્તના ભ્રમમાંથી બહાર નીકળવાની હીમ્મ્ત કેળવાતી નથી; કારણ કે કાલ્પનીક સલામતીનું આશ્વાસન રહે છે. આ એક મસમોટો ભ્રમ જ છે ને?

 2.      યાત્રાએ જતાં યાત્રાળુઓનાં થતાં કમોત, ધરતીકમ્પ, સુનામી અને પુર જેવી કુદરતી આફતોમાં થતાં હજારોનાં મૃત્યુ તેમ જ ભુખમરાથી થતાં મોત જેવી ઘટનાઓ અંગે શ્રદ્ધાળુઓ ઈશ્વરીય તત્ત્વની વકીલાત કરતાં કહે છે કે આવી ઘટનાઓ કર્મફળ પર આધારીત પુર્વનીશ્ચીત હોય છે.

કોઈ પણ વ્યક્તીના કોઈ પણ પ્રકારનાં મૃત્યુ માટે ઈશ્વરની કોઈ ઈચ્છા કે ભુમીકા હોતી જ નથી, એટલે કોઈ પણ મનુષ્યના મૃત્યુ માટે ઈશ્વરને જવાબદાર ગણવાનો પ્રશ્ન જ ઉપસ્થીત થતો નથી. હવે આવું કહેનાર શ્રદ્ધાળુઓ તેમનાં સ્નેહીજનો ગુજરી જાય ત્યારે શ્રદ્ધાંજલીમાં એવું છપાવે છે કે ‘ઈશ્વરને ગમ્યું તે ખરું’. મૃત્યુની ઘટના અંગે ઈશ્વરની કોઈ ઈચ્છા કે અનીચ્છા હોતી જ નથી તેવું કહેનાર અહીં પ્રભુને ગમવાની વાત વચ્ચે કેમ લાવે છે? એમ પણ કહેવાય છે કે ફલાણા કે ફલાણીને ભગવાન પોતાના ધામમાં લઈ ગયા અને તેમનાં ચરણોમાં ચીર શાંતી આપશે. એક બાજુ એમ કહેવાનું કે મૃત્યુ માટે ઈશ્વરને ક્યાંય વચ્ચે લાવી શકાય નહીં અને બીજી બાજુ આશ્વાસન મેળવવા ઈશ્વરને વચ્ચે લાવીને ભ્રમ સેવવાનો મતલબ શો? આવાં બેવડાં ધોરણો આઘાતને પચાવવાનો બાલીશ પ્રયાસ ગણી શકાય અને ઈરાદાપુર્વક સેવવામાં આવેલો ભ્રમ ગણાય.

 1.      ગુરુજનો ગાઈ–વગાડીને કહે છે કે કોઈની ‘પાંચમની છઠ’ થતી નથી, અર્થાત્ જન્મતાંની સાથે જ મૃત્યુનાં પ્રકાર, સમય અને સ્થળ પુર્વ–નીશ્ચીત હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ વ્યક્તીના આયુષ્યમાં કોઈ પણ રીતે ફેરફારને અવકાશ જ નથી, તો બીજી તરફ બેવડું વલણ અપનાવીને ગુરુજનો અને વડીલો આશીર્વાદ આપતાં કાયમ કહે છે : ‘ભગવાન તમને સો વર્ષના કરે!’ કોઈના જન્મદીવસની શુભેચ્છામાં કહેવાય છે : ભગવાન આપને તન્દુરસ્ત અને લાંબું આયુષ્ય આપે.’ મહીલાઓને તો કાયમ ‘અખંડ સૌભાગ્યવતી ભવ’ના આશીર્વાદનો વરસાદ વરસતો હોય છે. એક બાજુ કોઈની પાંચમની છઠ નથી તેમ સ્વીકારવું અને બીજી બાજુ આવા આશીર્વાદ આપવાની ઔપચારીકતા કરવાની માનસીકતા શું દર્શાવે છે? આવા ભ્રમ સાથે જીવવાનું એકમાત્ર પ્રયોજન મૃત્યુના ભય સામે સુરક્ષાની કાલ્પનીક લાગણી અનુભવી રાહત મેળવવાનો છે.

 2.      ભાગ્યની વાત વટાવી ખાવાની માનસીકતા પણ ભ્રમનો એક પ્રકાર છે. મોટા ભાગના માણસો જીન્દગીની તમામ નાનીમોટી બાબતોને ભાગ્ય સાથે જોડી દે છે અને ‘આમ લખ્યું હશે’ અથવા ‘આમ નહીં લખ્યું હોય’ તેમ માની મન મનાવવા કોશીશ કરતા જ રહે છે. થોડી વાર શાંત અને સ્વસ્થ ચીત્તે વીચારીએ તો પણ આ ભ્રમ ભાંગી જાય. દુનીયાની લગભગ સાત અબજની વસ્તીના સમગ્ર જીવનની ક્ષણેક્ષણની તમામ ગતીવીધીઓની સ્ક્રીપ્ટ ક્યાંક અગાઉથી લખાયેલી હોય અને તે મુજબ બની રહ્યું હોય તેવી વાત ગળે ઉતારવા મગજ ઉપર અમાનુષી અત્યાચાર કરવો પડે તેમ છે. મજાની વાત એ છે કે આવી તમામ બાબતોને પણ એક ત્રાજવે તોળવામાં આવતી નથી.

એક ઉદાહરણની મદદથી મારા ખ્યાલો સ્પષ્ટ કરવાની કોશીશ કરું છું :

મગનભાઈને અગત્યના ધંધાકીય કામસર બહારગામ જવાનું હોવાથી બસની રીઝર્વેશન ટીકીટ બુક કરાવે છે. છગનભાઈને પણ તે જ દીવસે તે જ જગ્યાએ જવાનું હોય છે; પરન્તુ બસ ફુલ થઈ જતાં ટીકીટ મળતી નથી, એટલે નીરાશ થાય છે અને પ્રાર્થના કરે છે : ‘‘હે ભગવાન! મને પણ ટીકીટ મળી જાય તો મારું કામ થઈ જાય! દયા કરજો, પ્રભુ!’’

પ્રવાસના આગલા દીવસે યોગાનુયોગ મગનભાઈ અચાનક બીમાર પડી જાય છે અને પ્રવાસ રદ કરવો પડે છે. તેમની ટીકીટ કૅન્સલ કરાવે છે. આ કૅન્સલ થયેલી ટીકીટનો લાભ છગનભાઈને મળી જાય છે અને તેઓ ખુશ થઈ જાય છે અને શ્રદ્ધાળુ હોવાથી ભગવાનનો આભાર માનતાં કહે છે : ‘‘હે પ્રભુ! તમે મારી પ્રાર્થના સાંભળી ખરી!’’

હવે આ બસમાં મગનભાઈની કૅન્સલ થયેલી ટીકીટ ઉપર ફાળવવામાં આવેલ સીટ ઉપર છગનભાઈ ખુશ થતાં–થતાં મુસાફરી કરે છે અને આ બાજુ મગનભાઈ પોતાના નસીબને દોષ દેતા સમસમીને બેસી રહે છે.

હવે મુસાફરી દરમીયાન બસને ગમખ્વાર અકસ્માત નડે છે, જેમાં પાંચ મુસાફરોનાં સ્થળ ઉપર જ મૃત્યુ થાય છે. આ પાંચ માણસોમાં છગનભાઈનો સમાવેશ પણ થાય છે. હવે બદલેલી પરીસ્થીતીમાં મગનભાઈ અને છગનભાઈ બસની જેમ જ પલટી મારી દેશે અને બન્નેનાં સ્ટૅન્ડ બદલાઈ જશે. પ્રવાસ રદ થવાથી નારાજ થયેલા અને પોતાના નસીબને કોસતા મગનભાઈ એમ કહેશે : ‘‘હે પ્રભુ! તારી લીલા અકળ છે! બીમારીનું નીમીત્ત બનાવી મને અકસ્માતમાંથી ઉગારી લીધો! તારી કરુણાનો કોઈ પાર નથી!’’ આ બાજુ છગનભાઈનો પરીવાર, જે છેલ્લી ઘડીએ ટીકીટ મળી જવાથી ભગવાનનો આભાર માનતો હતો તે પલટી મારીને દોષનો ટોપલો નસીબ પર ઢોળીને કહેશે : ‘‘જે લખ્યું હોય તે મીથ્યા થતું જ નથી. આ પ્રમાણે આપણાં નસીબમાં લખ્યું હશે.’’ એમ કહીને ભગવાનને ક્લીન ચીટ આપીને, ચીત્રમાંથી ભગવાનને હટાવી દેશે.

વાચકમીત્રો! કોઈની પાંચમની છઠ થતી નથી તેવી હકીકતનો સ્વીકાર કર્યા પછી પણ શ્રદ્ધાળુઓની અડુકીયા–દડુકીયાની જેમ પોતાનું સ્ટૅન્ડ બદલતા રહેવાની માનસીકતા સ્પષ્ટપણે સાબીત કરે છે કે નક્કર વાસ્તવીકતાનો સ્વીકાર કરવાને બદલે મનને આશ્વવાસન અને સમાધાન મળી રહે તેવા ભ્રમમાં રાચવાનું વધુ ગમે છે. આ કીસસામાં મગનભાઈને બીમારીનાં કારણોસર પ્રવાસ રદ કરવો પડે છે ત્યારે ઈશ્વરને વચ્ચે લાવતા નથી અને પોતાના નસીબને દોષ આપે છે; જ્યારે પ્રવાસ રદ થવાથી બચી જાય છે ત્યારે તેનો યશ નસીબને આપવાને બદલે ઈશ્વરને આપે છે. છગનભાઈને છેલ્લી ઘડીએ ટીકીટ મળે છે ત્યારે તેનો યશ નસીબને આપવાને બદલે ઈશ્વરનો આભાર માને છે અને અકસ્માતમાં મૃત્યુ થાય છે ત્યારે તેનો અપયશ ઈશ્વરને આપવાને બદલે નસીબને આપે છે. આવાં બેવડાં ધોરણો કઈ માનસીકતા છતી કરે છે તે નક્કી કરવાનું સુજ્ઞ વાચકો ઉપર છોડી દઉં છું.

 1.     કળીયુગના શુકદેવજી તરીકે પ્રતીષ્ઠા પામેલા મહાન કથાકાર શ્રી. ડોંગરેજી મહારાજને જીભનું કૅન્સર થયું હતું. જે જીભથી આખી જીન્દગી ઈશ્વરનું નામ લીધું એ જીભે આવા મહાન પ્રભુભક્તને કૅન્સર કેવી રીતે થઈ શકે? શ્રદ્ધાળુઓનો જવાબ હોય છે કે પુર્વજન્મનાં કર્મફળ ભોગવવામાંથી ભગવાનના ગમે તેટલા મહાન ભક્તને પણ મુક્તી મળી શકે નહીં, તો પછી પ્રશ્ન થવો જોઈએ કે આપણા જેવા સાધારણ અને પામર મનુષ્યને તો કોઈ દુ:ખ–દર્દમાંથી મુક્તી મળવાનો પ્રશ્ન જ ઉપસ્થીત થતો નથી, તેમ છતાં જાતજાતની પ્રાર્થના અને બાધા–માનતા માનવાનું ભુત કેમ ઉતરતું નથી? લાગે તો તીર નહીંતર થોથું એવી ગણતરી હશે? શ્રી. ડોંગરેજી મહારાજનું દૃષ્ટાંત ધ્યાને લીધા પછી નીચે મુજબનાં ભજનકીર્તન ભાવવીભોર થઈને લલકારવાનો મતલબ શો હશે?

મગજને થોડી તસ્દી આપી વીચારજો અને કાંઈ સમજાય તો સમજાવજો.

 1.  અપરમ્પાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને મુરારી રે!

 2.  ગુના અમારા લાખો હે રાજ, બાનાની પત રાખો.

 3.  મારી નાડ તમારે હાથ, હરી સંભાળજો રે!

 4.  શામાળા લેજો સંભાળ, હોડી મારી દરીયે ઝુલે છે!

પોતાની જાત સાથે છેતરપીંડી કરવા ભ્રમ ઉભો કરવાનો કેવડો મોટો કીમીયો માણસજાતે શોધી કાઢ્યો છે! આવા નુસખાઓથી મળતી ભ્રામક સાંત્વના અર્થહીન છે. આવો વાણીવીલાસ એ મૃગજળ પાછળ દોડવા જેવું હોવા છતાં એનેસ્થેશીયા જેવું અસરકારક હોઈ છુટી શકે તેમ નથી.

 1.      અપ્રામાણીકતા, ભ્રષ્ટાચાર, છેતરપીંડી અને અનીતી આચરીને શ્રીમન્ત બની જતા શ્રદ્ધાળુઓને આ પાપકર્મની સજા અંગે જાણકારી નહીં હોય? છતાં આઘાતજનક હકીકત એ છે કે આવા લોકો પાછા એમ કહે છે કે ઈશ્વરની કૃપાથી અને પુણ્યકર્મોનો ઉદય થવાથી ભાગ્ય ફળી રહ્યું છે. હરામની કમાણી કરીને ભગવાનના નામ પર ચડાવવાની નાલાયકીને પોતાની જાતને છેતરવા માટે ઉભો કરેલો ભ્રમ જ કહીશું ને?

        ઘણા શ્રદ્ધાળુ આવી હરામની કમાણીમાંથી પ્રાયશ્ચીત કરતા હોય તેમ થોડાંઘણાં દાનપુણ્ય પણ કરી નાખે છે અને કહે છે : ‘‘આપણને તો ભગવાનની દયા છે.’’ કાળાં કામરુપી બન્દુક ભગવાનના ખભા ઉપર રાખીને ફોડવાની અને પોતે નીર્દોષ હોવાના ભ્રમમાં રહેવાની જબરી કળા ઘણા મોરલાઓ શીખી ગયા છે.

 1.      હીન્દુ ધર્મનાં શાસ્ત્રો અનુસાર મૃત્યુ પછીની ગતી નીચે મુજબ થતી હોવાનું જણાવાયું છે :

()  ખુબ જ ઉંચી આધ્યાત્મીક અવસ્થાએ પહોંચી આત્મસાક્ષાત્કાર કરેલ ભક્તો મોક્ષ પામે છે.

()   ખુબ પુણ્ય કરેલ વ્યક્તી સ્વર્ગમાં જાય છે.

()    સરેરાશ મનુષ્ય કર્મ મુજબ પુનર્જન્મ ધારણ કરે છે.

()    પાપકર્મ કરનાર નર્કમાં જાય છે અથવા નીચ યોનીમાં જાય છે.

()    તીવ્ર વાસના સાથે મૃત્યુ પામનાર વ્યક્તી ભુતપ્રેતયોનીમાં જાય છે.

ઉપરોક્ત હકીકતથી તમામ શ્રદ્ધાળુઓ વાકેફ છે અને પોતાના કુટુમ્બમાંથી મૃત્યુ પામનાર સભ્ય ઉપરોક્ત પૈકી કઈ કૅટેગરીમાં આવે છે તેની પણ જાણ હોય જ છે, તેમ છતાં આ બાબતે સમાજનો અભીગમ ભ્રમ અને દમ્ભ ભરપુર જોવા મળે છે.

વાચકમીત્રો! આપ સહુના ધ્યાનમાં હશે જ કે વર્તમાનપત્રમાં આવતી બેસણાની કે શ્રદ્ધાંજલીની જાહેરાતમાં અને મરણનોંધમાં જણાવ્યા અનુસાર મરણ પામનાર તમામ 100100 ટકા વ્યક્તીઓ ભગવાનના ધામમાં અને સ્વર્ગમાં જ જાય છે, અર્થાત્ ક, ડ અને ઈ કૅટેગરીમાં મરણ પામનાર પૈકી એક પણ વ્યક્તી જતી નથી. એનો અર્થ એ થાય કે આ બધી જગ્યાઓ બીલકુલ ખાલી અને સુમસામ હશે અને સ્વર્ગ તથા કૈલાસ, અક્ષરધામ, ગોલોક અને વૈકુંઠમાં સખત ગીરદી હશે અને પગ મુકવાની જગ્યા પણ નહીં હોય!

મરણ પામનાર દરેક વ્યક્તીની આગળ ‘સ્વર્ગસ્થ’ લખવાનો રીવાજ કેવડી મોટી આત્મવંચના ગણાય? ગુજરાતના કેટલાક વીસ્તારોમાં ફલાણા ભાઈ કે ફલાણા બહેન મરણ પામ્યાના પર્યાયવાચી શબ્દ તરીકે ‘ધામમાં ગયા’ તેવો શબ્દપ્રયોગ કરવાનો રીવાજ પડી ગયો છે. તદ્દન સાહજીકતાથી આમ બોલે છે અને મુંગેરીલાલ કે હસીન સપને જુએ છે. ખોટા–ખોટા રાજી થવા માટે કેવો ભ્રમ ઉભો કરી સાંત્વના મેળવવાની કોશીશ કરવામાં આવે છે!

વર્ષો અગાઉ એક નામચીન બદમાશ, જેનું નામ સાંભળતાં માણસો ધ્રુજતા (વીવાદ ટાળવા નામ નથી લખતો) અને જેની અર્ધી જીન્દગી જેલમાં ગઈ હતી તેવા એક ગુંડાને પ્રતીસ્પર્ધી ગૅંગ દ્વારા ઠાર મારવામાં આવ્યો હતો. ખરેખર તો પૃથ્વી ઉપરથી ભાર હળવો થયો ગણાય; છતાં આ ગુંડાના પરીવાર દ્વારા વર્તમાનપત્રમાં છપાવવામાં આવેલ શ્રદ્ધાંજલી મારી યાદદાસ્ત અનુસાર નીચે મુજબ હતી :

આપની અણધારી વીદાય કાળજું કંપાવી ગઈ!

આપની ખોટ ક્યારેય નહીં પુરી શકાય!

આપ સમગ્ર પરીવાર માટે પ્રેરણારુપ હતા.

આપ આપણી જ્ઞાતી માટે ગૌરવરુપ હતા.

આપ ગરીબોના બેલી તથા તારણહાર હતા.

હે પ્રભુ! તારે ખજાને ક્યા ખોટ હતી કે

અમારો ખજાનો લુંટી લીધો?

હે પ્રભુ! પવીત્ર અને દીવ્ય આત્માને

આપના શરણમાં લેજો અને ચીર શાંતી આપજો.

–લી. શોકાતુર પરીવાર

વર્તમાનમાં છપાતી શ્રદ્ધાંજલી વાંચવાની મને ટેવ છે. મારું અવલોકન છે કે શ્રદ્ધાંજલીમાં છપાવવામાં આવતી વીગતો વાસ્તવલક્ષી હોવાના બદલે ભાવનાત્મક અને અતીશયોક્તીભરી હોય છે. શ્રદ્ધાંજલીની જાહેરાત હું વાચું ત્યારે એમ થાય કે આપણો આખો દેશ સજ્જનો, આદર્શ વ્યક્તીઓ, દેશભક્તો, ગુણીજનો અને મુઠ્ઠી ઉંચેરા માનવીઓથી ભરેલો છે; પરન્તુ સાથેસાથે મનમાં પ્રશ્ન ઉઠે છે કે જો દેશ–આખો આટલા ખાનદાન અને ગુણીયલ લોકોથી ભરેલો છે, તો પછી વર્તમાનપત્રના પાને–પાને ચમકતા ગુનાઓ કોણ કરી જાય છે? અને દેશની જેલો કોનાથી ઉભરાય છે? ખરેખર સમજાતું નથી કે આપણને ભ્રમ વગર જીવવાની મજા કેમ નથી આવતી?

વાચકમીત્રો! નીખાલસતાપુર્વક, ગમ્ભીરતાપુર્વક અને પ્રતીજ્ઞાપુર્વક નોંધુ છું કે મારી પોતાની શ્રદ્ધાંજલીનો મુસદ્દો મેં અત્યારથી જ તૈયાર કરી રાખ્યો છે. મારા મરણ પછી આમાં એક અક્ષરનો પણ ફેરફાર કર્યા વગર વર્તમાનપત્રમાં છપાવવા મારા પુત્રને સુચના આપી રાખી છે :

શ્રદ્ધાંજલી

અમારા પરીવારના અઘરા, આકરા અને આખાબોલા,

કડવા સત્યના આગ્રહી, પ્રામાણીકતાના પુજારી તેમ જ

ઈશ્વરને નહીં માનનારા; પણ ઈશ્વરનું માનનારા એવા

ભાઈ શ્રી ઘનશ્યામ ઉર્ફે ભાનુશંકર એમ. દવેનું

અવસાન તા. 00/00/0000 ના રોજ થયેલ છે.

તેમનું દેહદાન કરેલ હોઈ અંતીમવીધી કરેલ નથી.

તેમ જ તેમની ઈચ્છા અનુસાર બેસણું કે કોઈ પણ

પ્રકારની લૌકીક કે ધાર્મીક ક્રીયા રાખેલ નથી.

…દવે પરીવાર…

મોટા ભાગના માણસોને પોતે જેવા નથી તેવા દેખાઈને જીવવાનો શોખ હોય છે અને આ મુજબનું મહોરું પહેરીને જીવ્યા હોય છે; પરન્તુ કમસે કમ વ્યક્તીની વીદાય પછી તો જેવા હોય તેવા દર્શાવવામાં શો વાંધો હોઈ શકે? જીન્દગી–આખી દમ્ભ અને મર્યા પછી પણ દમ્ભ અને ભ્રમ?

(‘ભ્રમ ભાંગ્યા પછી…’ પુસ્તકનું છેલ્લું અને સાતમું પ્રકરણ લાંબુ હોવાથી, લેખકશ્રીની અનુમતી મેળવી, સાતમાં પ્રકરણનું વીભાજન કર્યું છે. 01 સપ્ટેમ્બર, 2017ને શુક્રવારે આ સ્થળે પુસ્તકનો અન્તીમ ભાગ વાંચવાની ધીરજ ધરવા વાચકોમીત્રોને ખાસ વીનન્તી છે. આ લેખ અંગે આપના પ્રતીભાવો તો અહીં જરુર લખવા વીનન્તી છે.   ગોવીન્દ મારુ)

–બી. એમ. દવે

જેલ ખાતાની દીર્ઘકાલીન સેવાઓ દરમીયાન કાજળની કોટડીમાં રહીને લેખક શ્રી. બી. એમ. દવેનું સતત વાચન, મનન તથા જેલ ખાતાનાં સ્વાનુભવોનો ગહન અભ્યાસ, ચીન્તન–મનન કરીને લખેલા પુસ્તક ‘ભ્રમ ભાંગ્યા પછી… (પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લી., લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કૉર્પોરેશન સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : (0281) 223 2460/ 223 4602 વેબસાઈટ : https://pravinprakashan.com ઈમેલ : pravinprakashan@yahoo.com પાનાં : 64, મુલ્ય : રુ. 65/-)માંનો આ સાતમો લેખ, પુસ્તકનાં પાન 46થી 55 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક

શ્રી. બી. એમ. દવે, પાલનપુર – 385001 સેલફોન : 94278 48224

બી. એમ. દવે

ભ્રમના ભણકારા

06

ભ્રમના ભણકારા

–બી. એમ. દવે

[ગત અંક : 05 ( https://govindmaru.wordpress.com/2017/05/19/b-m-dave-7/  )ના અનુસન્ધાનમાં..]

ભ્રમ ક્યારેક અલ્પજીવી, ક્યારેક દીર્ઘજીવી અને ક્યારેક ચીરંજીવી સ્વરુપે મનુષ્ય અને પશુ–પ્રાણીઓમાં પણ દેખાય છે. દીર્ઘજીવી ભ્રમના કીસ્સાઓમાં સતત ભ્રમના ભણકારા વાગ્યા કરે છે અને ભ્રમ તેની પરાકાષ્ઠાએ પહોંચી જાય છે તેમ જ મનનો સમ્પુર્ણ કબજો લઈ લે છે. ભ્રમ ક્યારેક હકારાત્મક સ્વરુપે તો ક્યારેક નકારાત્મક સ્વરુપે સમ્ભવી શકે છે.

પ્રથમ આપણે નકારાત્મક પ્રકારના ભ્રમની સમીક્ષા કરીએ :

આવા પ્રકારના ભ્રમનું સચોટ ઉદાહરણ જંગલી બાળક ‘મોગલી’નું ગણાવી શકાય. આ વીષયવસ્તુ ઉપર બોલીવુડ અને હોલીવુડમાં અલગ–અલગ નામથી ઘણી ફીલ્મો બની છે. મનુષ્યબાળ સંજોગાવશાત્ પશુઓની સાથે જંગલમાં ઉછરે છે અને પરીણામે તે પોતે પણ પશુબાળ હોવાના ભ્રમનો શીકાર બની જાય છે અને પશુબાળ જેવું જ વર્તન કરવા લાગે છે અને આશ્ચર્યજનક રીતે મનુષ્ય હોવા છતાં પશુઓ જેવી સાહજીક જીન્દગી જીવવા ટેવાઈ જાય છે અને પોતે મનુષ્ય છે તે હકીકત પણ વીસરી જાય છે. ભ્રમના ભયાનક ભરડાનું આ ઉત્કૃષ્ટ દૃષ્ટાંત છે. જે કલ્પનાતીત ગણી શકાય.

આવા અન્ય એક ઉદાહરણ ઉપર દૃષ્ટીપાત કરીએ. તારીખ 24 જુલાઈ, 2016ની ‘દીવ્ય ભાસ્કર’ દૈનીક વર્તમાનપત્રની આવૃત્તીમાં એક સમાચાર પ્રસીદ્ધ થયા છે કે અમદાવાદની ફૅમીલી કૉર્ટમાં છુટાછેડાના ત્રણ વીચીત્ર કેસો ચાલી રહ્યા છે. છુટાછેડાના આ ત્રણ કેસોમાં પત્નીઓએ છુટાછેડાનું કારણ એવું દર્શાવ્યું છે કે તેમના પતીદેવો એકાંતમાં અને ખાસ કરીને રાત્રે મહીલાઓનાં વસ્ત્રો પહેરવાની આદત ધરાવે છે. તેઓ સ્ત્રી–શૃંગાર પણ કરે છે. પતીઓના આવા વીચીત્ર વર્તનથી ત્રાસી જઈ આ મહીલાઓએ છુટાછેડાની માગણી કૉર્ટ સમક્ષ કરી છે. નોંધપાત્ર હકીકત એ છે કે આ પતીદેવો સમ્પુર્ણ પુરુષ છે અને તેમને બાળકો પણ છે. આ ત્રણેય પતીદેવો સતત એવા ભ્રમમાં જીવી રહ્યા છે કે તેઓનું શરીર પુરુષનું છે; પણ આત્મા મહીલાનો છે. આવા ભ્રમના ચક્કરમાં આ પુરુષો સ્ત્રૈણ ન હોવા છતાં; એકાંતમાં મહીલાનાં વસ્ત્રો ધારણ કરી પોતે મહીલા હોવાના ખ્વાબમાં રાચવાનો આનન્દ મેળવે છે.

પોતાની આવી હરકતોથી દામ્પત્ય જીવન ખંડીત થઈ રહ્યું હોવાની ખાતરી હોવા છતાં આ પુરુષો પોતાના પાળેલા ભ્રમમાંથી મુક્ત થઈ શકતા નથી અને છુટાછેડાના ભોગે પણ પોતાની આવી માનસીક વીકૃતીને વળગી રહેવા માગે છે. કેટલાક પુરુષો જન્મથી સ્ત્રૈણ હોય છે અને મહીલાઓના હૉર્મોન્સ ધરાવતા હોય છે. આવા પુરુષો મેડીકલ સાયન્સના સહારે જાતીપરીવર્તન કરાવી સ્ત્રીમાં રુપાંતરીત થઈ શકે છે; પણ આ ત્રણેય કીસ્સામાં આવી હકીકત નથી. ભ્રમના ભણકારા માનવીને આ હદે પણ લઈ જઈ શકે છે તેનું આ પ્રત્યક્ષ દૃષ્ટાંત છે.

મારી વીચારધારાના સમર્થનમાં મારા વતનના ગામમાં મારા બાળપણ દરમીયાન મેં પ્રત્યક્ષ જોયેલ એક સત્યઘટના પ્રીય વાચકો સાથે વહેંચવા માગું છું.

મારા માદરેવતન સોલડીમાં કસ્તુરભા કરીને એક વીધુર વૃદ્ધ રહેતા હતા. આ કસ્તુરભાને શરુઆતમાં આખા શરીરે ખજવાળ આવવાની ચામડીની બીમારી થઈ. ડૉક્ટર પાસે લઈ જઈ યોગ્ય સારવાર કરાવી અને ડૉક્ટરે કોઈ ગમ્ભીર બીમારી ન હોવાનું કહી દવાઓ આપી; પરન્તુ ફાયદો થયો નહીં અને તકલીફ વધતી જ ગઈ. વાસ્તવમાં તેમને કોઈ પણ પ્રકારની ચામડીની શારીરીક તકલીફ હતી જ નહીં; પરન્તુ મનમાં એવો ભ્રમ પેસી ગયેલો કે મારા આખા શરીરમાં જીવાત પડી ગઈ છે. આ ભ્રમ એટલો દૃઢીભુત થઈ ગયો કે એક પ્રકારની મનોવીકૃતીમાં ફેરવાઈ ગયો.

પછી તો તેમણે દીવસ અને રાત દરમીયાન જ્યાં સુધી જાગતા હોય ત્યાં સુધી બન્ને હાથનાં નખ વડે આખા શરીરને સતત ખજવાળવાનું શરુ કરી દીધું. ખજવાળીને હાથમાં જાણે જીવાત આવી ગઈ હોય તેમ ખંખેરતા જાય. આપણે નજીક જઈએ તો ચેતવણી આપે : ‘આઘા રહેજો, નહીંતર હું ખંખેરું છું તે જીવાત તમારા શરીરે ચડી જશે.’ આખા શરીરે ખજવાળીને જીવાત ખંખેરવાનો કાર્યક્રમ નૉનસ્ટોપ ચાલુ જ રહે. તેઓ જીવ્યા ત્યાં સુધી આવી ભ્રમીત અવસ્થામાં રહ્યા.

કહેવાનું તાત્પર્ય એ છે કે નકારાત્મક ભ્રમના ભણકારા જ્યારે સતત વાગ્યા કરે તેવી અવસ્થાએ કોઈ વ્યક્તી પહોંચી જાય ત્યારે આવી મનોવીકૃતી આવી જતી હોય છે, જે ચીરકાલીન સાબીત થાય છે.

વાચકમીત્રો! આવો, હવે આપણે હકારાત્મક ભ્રમના ભણકારા વીશે વીચારીએ :

દુનીયામાં ઘણી વ્યક્તીઓને પોતપોતાના ક્ષેત્રમાં ટોચ ઉપર બીરાજેલી આપણે જોઈએ છીએ. રાજકારણમાં, સંગીત અને કલાના ક્ષેત્રમાં, રમતગમતના ક્ષેત્રમાં તેમ જ શીક્ષણજગતમાં ઘણી વ્યક્તીઓ પોતાના સમકાલીન કરતાં ઘણી આગળ નીકળી ગયેલી દેખાય છે. આમ છતાં આ મહાનુભાવોએ કંઈક ગુમાવેલું પણ હોય છે, જેની પીડા અન્દરથી અનુભવાતી હોય છે. આવી હસ્તીઓ મહાન હોવા છતાં જે સુખથી વંચીત રહી હોય તેનો અભાવ ખટકતો હોય છે.

કોઈનું વ્યક્તીગત ઉદાહરણ આપ્યા સીવાય નોંધવા માગું છું કે આપણા દેશમાં અલગઅલગ ક્ષેત્રમાં આવી કેટલીય સન્માનીય વ્યક્તીઓ છે, જેમણે જીન્દગીમાં પદ, પ્રતીષ્ઠા અને પૈસો – બધું જ હાંસલ કર્યું છે અને જીવન્ત દન્તકથા સમાન વ્યક્તીત્વ છે. આમ છતાં આવી ઘણી હસ્તીઓ દામ્પત્યજીવનના સુખથી વંચીત છે. પ્રસન્ન દામ્પત્ય જીવન ભોગવતી તદ્દન સાધારણ વ્યક્તીના દૃષ્ટીકોણથી આવી હસ્તીઓની ગમે તેવી ઝળહળતી કારકીર્દી પણ ઝાંખી ગણાઈ શકે છે.

દામ્પત્યજીવનના સુખથી વંચીત મહાનુભાવો આવું સુખ ગુમાવવાના રંજથી બચવા માટે એવા હકારાત્મક ભ્રમનું આવરણ ઓઢી લે છે કે તેઓએ જે મેળવ્યું છે તેની સરખામણીમાં જે ગુમાવ્યું છે તે તુચ્છ અને નગણ્ય છે. આવા ભ્રમના પરીણામે વંચીતતાના દુ:ખને ઉપલબ્ધીના સુખથી ઓવરટેક કરી સફળતાના નશામાં રહેવાની કળા તેમને આવડી જાય છે.

વાચકમીત્રો! આપણી ચર્ચાના મુદ્દા અન્વયે એક સત્યઘટનાનો સન્દર્ભ ટાંકી મારા મંતવ્યને વધુ સ્પષ્ટ કરવાની કોશીશ કરું છું.

કોઈ પણ યુવાન પચ્ચીસીમાં પ્રવેશે એટલે તેની જીન્દગીમાં મુખ્ય બે લક્ષ્યાંકો હોય છે : (1) સારી નોકરી  અને (2) સારી છોકરી. આપણે સૌ જાણીએ છીએ કે યુવાનની લાયકાત અનુસાર આ બન્ને લક્ષ્યાંકોની પ્રાપ્તી થાય છે.

બે યુવાન મીત્રો ઉપરોક્ત બન્ને લક્ષ્યાંકોની તલાશમાં છે. એક મીત્ર અત્યન્ત તેજસ્વી શૈક્ષણીક કારકીર્દી ધરાવે છે; પરન્તુ ફૅમીલી બૅકગ્રાઉન્ડ નબળું છે. બીજા મીત્રની શૈક્ષણીક કારકીર્દી નબળી છે; પરન્તુ ફૅમીલી બૅકગ્રાઉન્ડ તમામ રીતે ચઢીયાતું છે.

જે યુવાન તેજસ્વી શૈક્ષણીક કારકીર્દી ધરાવે છે તેને જલદી સારી નોકરી મળી જાય છે; પરન્તુ સાધારણ દેખાવ અને નબળા ફૅમીલી બૅકગ્રાઉન્ડને કારણે છોકરી મળવામાં વીલમ્બ થાય છે.

બીજો યુવાન તદ્દન સાધારણ શૈક્ષણીક કારકીર્દી ધરાવે છે, એટલે નોકરી મળી શકતી નથી; પરન્તુ પોતાની આઉટસ્ટૅન્ડીંગ પર્સનાલીટી અને સમૃદ્ધ ફૅમીલી બૅકગ્રાઉન્ડના જોરે નોકરી કરતી છોકરી મળી જાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે નોકરીના આધારે છોકરી મળવાની શક્યતા છે; પણ છોકરીના આધારે નોકરી મળવાની શક્યતા નથી. આમ છતાં આ બન્ને મીત્રોનાં કુટુમ્બો સાત્વીક ભ્રમનું સેવન કરી કેવી રીતે આશ્વાસન મેળવે છે તે રસપ્રદ છે.

જેને સારી નોકરી મળી ગઈ છે તે મીત્રનો પરીવાર એમ કહેશે કે સારી નોકરી મળી ગઈ છે એટલે આજે નહીં તો કાલે છોકરી મળવાની જ છે. લગ્નો તો સ્વર્ગમાં ગોઠવાય છે. દરેકને યોગ્ય પાત્ર મળી જ જતું હોય છે. નોકરીમાં બઢતી મળશે અને પ્રગતી થશે એટલે સારી–સારી છોકરીઓનાં માગાં સામેથી આવશે.

જેને નોકરી કરતી છોકરી મળી ગઈ છે તે મીત્રનો પરીવાર એમ કહેશે કે હવે ભાઈને નોકરીની જરુર જ ક્યાં છે? નોકરી કરતી છોકરી મળી તે ઓછું છે? આખી જીન્દગી બેઠાં–બેઠાં ખાય તો પણ ન ખુટે તેટલી મીલકતનો ભાઈ વારસદાર છે. નોકરીની ગુલામી કોણ કરે?

વાચકમીત્રો! ભારપુર્વક સ્પષ્ટતા કરવાની કે આ ઘટના કાલ્પનીક નથી; પણ વાસ્તવીક છે અને હું તેનો સાક્ષી છું. હકીકતમાં વાસ્તવીકતા શી છે તેની બન્ને કુટુમ્બોને પાકી ખબર હોવા છતાં દમ્ભી ભ્રમના ઘેનમાં રહીને ‘છે’ના પ્રભાવ હેઠળ ‘નથી’ના અભાવને અતીક્રમી જવાની આ બૌદ્ધીક બદમાશી કહી શકાય.

કોઈ પણ ચીજના અભાવના વસવસાને હળવો કરવાનો અસરકારક ઉપાય ભ્રામક ચશ્માં પહેરીને તેને નજરઅંદાજ કરવાનો છે.

‘નથી’ના અભાવ ઉપર ‘છે’નો પ્રભાવ હાવી થઈ જાય એટલે હીસાબ સરભર થઈ ગયો હોવાના ભ્રમના ભણકારા વાગવા લાગે છે, જે આશ્વાસનરુપ બની રહે છે. પ્લસ પૉઈન્ટના પ્રકાશમાં માઈનસ પૉઈન્ટને ઝાંખો પાડી દઈ રાજી રહેવાની આ કળા કાબીલેદાદ છે. આવો સાત્ત્વીક ભ્રમ હતાશાને દુર રાખી શકે છે અને આત્મવીશ્વાસની બૅટરી ચાર્જ કરતો રહે છે; પરન્તુ આવા ભ્રમનો અતીરેક થાય તો ચકલી ફુલેકે ચડી શકે છે. આવા ભ્રમનો ઢાલ તરીકે સદુપયોગ થાય ત્યાં સુધી વાંધાજનક ન ગણાય; પરન્તુ તલવાર તરીકે દુરુપયોગ થાય તો સરવાળે નુકસાનકારક સાબીત થઈ શકે છે.

આ તથ્યને ચરીતાર્થ કરતી એક હાસ્યાસ્પદ સત્યઘટના પ્રીય વાચકમીત્રોના મનોરંજન અર્થે રજુ કરું છું :

મારા બાળપણમાં એક મન્દીરમાંથી ભગવાનનાં સોનાચાંદીનાં આભુષણોની ચોરી થઈ. પોલીસે કેટલાક શકમંદોને પકડી આગવી ઢબે પુછપરછ કરી. એક ચોરે ચોરી કબુલી લીધી. પોલીસે બાકીનાને છોડી મુક્યા. પોલીસનો પ્રસાદ ખાઈને પોલીસસ્ટેશનથી બહાર નીકળેલા એક શકમંદને ગ્રામજનોએ મજાક કરીને પુછ્યું : ‘કેમ, બાકી પોલીસે કેવી સરભરા કરી?’ આ શકમંદે આપેલો જવાબ મારી વાતને કેટલી વજનદાર બનાવે છે તે જુઓ. તેણે કહ્યું : ‘ભલે માર ખાધો, પણ ફોજદાર તો ભાળ્યો ને!’

 આ ઉપરાંત વંચીતતાના વસવસામાંથી રાહત મેળવવા માટે પ્રયોજાતી પ્રખ્યાત કહેવત ‘આ દ્રાક્ષ તો ખાટી છે’નાં મુળ પણ આ પ્રકારની માનસીકતામાં રહેલાં છે. ઘણી વખત એવું લાગે છે કે માણસજાત બીજાને છેતરવા કરતાં પોતાની જાતને છેતરવાના પેંતરા વધારે કરે છે; કારણ કે મોટા ભાગનો હીસાબ–કીતાબ વ્યક્તીએ પોતાની જાત સાથે જ કરવો પડતો હોય છે. પોતાને છેતરવામાં સફળ થતી વ્યક્તી આભાસી આનન્દ માણવામાં મશગુલ રહે છે.

–બી. એમ. દવે

જેલ ખાતાની દીર્ઘકાલીન સેવાઓ દરમીયાન કાજળની કોટડીમાં રહીને લેખક શ્રી. બી. એમ. દવેનું સતત વાચન, મનન તથા જેલ ખાતાનાં સ્વાનુભવોનો ગહન અભ્યાસ, ચીન્તન–મનન કરીને લખેલા પુસ્તક ભ્રમ ભાંગ્યા પછી(પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લી., લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કૉર્પોરેશન સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : (0281) 223 2460/ 223 4602 વેબસાઈટ : https://pravinprakashan.com ઈમેલ : pravinprakashan@yahoo.com પાનાં : 64, મુલ્ય : રુ. 65/-)માંનો આ છઠ્ઠો લેખ, પુસ્તકનાં પાન 40થી 45 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : 

શ્રી. બી. એમ. દવે, પાલનપુર – 385001 સેલફોન : 94278 48224

બી. એમ. દવે

ભ્રમની ભાઈબન્ધી

05

ભ્રમની ભાઈબન્ધી

–બી. એમ. દવે

[ગત અંક : 04 ( https://govindmaru.wordpress.com/2017/04/14/b-m-dave-6/ )ના અનુસન્ધાનમાં..]

સીક્કાને બે બાજુ હોય છે તે હકીકત લગભગ દરેક બાબતને લાગુ પડે છે અને તેવી જ રીતે ભ્રમના સન્દર્ભમાં પણ આ હકીકત લાગુ પડે છે. કેટલીક બાબતો એવી પણ છે, જેને ભ્રમના હકારાત્મક પાસાં ગણી શકાય. આવી બાબતો માનવજાત માટે ઉપકારક પણ ગણી શકાય તેવી છે. આવી બાબતોમાં પ્રથમ ક્રમાંકે આવે છે વીજ્ઞાનનો દૃષ્ટીભ્રમનો નીયમ. આ નીયમ અનુસાર એક સેકન્ડમાં આપણી આંખ સામેથી અમુક સંખ્યામાં ચીત્રો પસાર કરવામાં આવે તો ચીત્રો હાલતાંચાલતાં દેખાય છે.

આ સીદ્ધાંતની શોધના આધારે જ વૈજ્ઞાનીકોએ ચલચીત્રની શોધ કરી છે. આપણે ફીલ્મો, ટેલીવીઝન અને વીડીયો જોઈ શકીએ છીએ અને તેનો આનન્દ માણી શકીએ છીએ તે આ દૃષ્ટીભ્રમના સીદ્ધાંતને આભારી છે. તમામ પ્રકારનું જીવન્ત પ્રસારણ આપણી દૃષ્ટીના ભ્રમને કારણે આપણને અનુભવાય છે. આ ભ્રમ કુદરતની દેન છે, પણ તેની શોધ કરી; આપણે તેને અનુરુપ સાધનો વીકસાવ્યાં તે માનવજાતની ઉપલબ્ધી છે. હળવા મુડમાં કહી શકાય કે આ સીદ્ધાંત સ્વરુપે માનવજાતને ભ્રમની ભાઈબન્ધી ફળી છે.

અમુક પ્રકારના ભ્રમ આજીવન જળવાઈ રહે તેમાં સમ્બન્ધકર્તાઓનું હીત હોય છે. ઘણા ની:સન્તાન દમ્પતીઓ વારસદારની ખોટ પુરી કરવા અનાથાશ્રમમાંથી બાળક દત્તક લઈ ઉછેરતાં હોય છે. સાવ નાની ઉમ્મરે દત્તક લીધેલ બાળકનો ઉછેર પોતાના સગા સન્તાનની જેમ જ કરતાં હોય છે. બાળક મોટું થતાં પાલક માબાપનાં મનમાંથી નીકળી ગયું હોય છે કે તેઓ આ બાળકને અનાથાશ્રમમાંથી લાવ્યાં છે. બાળકને તો આ અંગે કોઈ જ્ઞાન હોતું જ નથી અને પાલક માબાપને જ પોતાનાં સગાં માબાપ માને છે. પાલક માબાપની સઘળી મીલકતના વારસદાર તરીકે પણ આવું દત્તક લીધેલ સન્તાન જ હોય છે.

આમ છતાં જીવનનાં કોઈ પણ તબક્કે આ બાળકને જાણ થઈ જાય કે પોતે પોતાનાં કહેવાતાં માબાપના લોહીનું સન્તાન નથી; પરન્તુ અનાથાશ્રમમાંથી દત્તક લેવામાં આવેલ છે, તો પોતાનાં પાલક માબાપ પ્રત્યેનો તેનો અભીગમ અને વ્યવહાર થોડાઘણા પણ બદલાઈ શકે છે. પોતાનાં સાચા માબાપ હોવાનો ભ્રમ તુટતાં સમ્બન્ધોમાં ઓટ આવી શકે છે અને ક્યારેક તેની જીન્દગીમાં અનીચ્છનીય વળાંક આવવાની શક્યતા પણ રહે છે. આવા બનાવો બને છે, એટલે આ પ્રકારનો ભ્રમ જળવાઈ રહે તે બન્ને પક્ષે હીતકારી હોય છે.

અગાઉના જમાનામાં સ્ટીલનાં વાસણોનો વપરાશ શરુ થયો ન હતો ત્યારે પીત્તળનાં વાસણો વપરાતાં હતાં. પીત્તળનાં વાસણોની રાસાયણીક અસરથી બચવા માટે તેના ઉપર ક્લાઈનું પડ ચડાવવામાં આવતું હતું. આવી જ રીતે મોટા ભાગના માણસો નગ્ન વાસ્તવીક્તાની પ્રતીકુળ અસરથી બચવા માટે ભ્રમરુપી ક્લાઈનું પડ ચડાવીને રાહત મેળવતા હોય છે. દુનીયાની મોટા ભાગની પ્રજા એક યા બીજી રીતે દુ:ખી છે. અમુક દુ:ખ એવાં હોય છે, જેનો કોઈ ઈલાજ નથી હોતો અને તે સહન કરવાં જ પડે છે. આવાં દુ:ખો સામે ટક્કર લેવા અમુક પ્રકારના ભ્રમની ભાઈબન્ધી કરવી પડતી હોય છે.

થોડાં ઉદાહરણોની મદદથી મારા વીચારો વધુ સ્પષ્ટ કરું :

ચાર મીત્રો એકસાથે ગ્રૅજ્યુએટ થયા અને નોકરી માટે પ્રયત્નો કરવા લાગ્યા. અમુક મીત્રો મહત્ત્વાકાંક્ષી હતા અને વધુ મહેનત કરી ઈચ્છીત નોકરી મેળવવા કૃતનીશ્ચય હતા, જ્યારે અમુક મીત્રો આળસુ અને સંતોષી હતા. એક મીત્ર માંડમાંડ પટાવાળાની નોકરી મેળવી શક્યો. બીજો એક મીત્ર થોડી વધુ મહેનત કરીને ક્લાર્ક બન્યો. ત્રીજો મીત્ર આ બન્ને મીત્રો કરતાં વધુ સંઘર્ષ કરીને નાયબ મામલતદાર બન્યો, જ્યારે ચોથા મીત્રે ‘કરો યા મરો’નો મન્ત્ર અપનાવી અને અસાધારણ મહેનત કરી મામલતદાર બનવાનું તેનું લક્ષ્ય સીદ્ધ કર્યું.

આ ચારેય મીત્રોને તેમની મહેનત અને બુદ્ધીપ્રતીભા મુજબનું ફળ મળ્યું.

આમ છતાં માનવસહજ સ્વભાવ મુજબ અનાયાસે એકબીજા સાથે સરખામણી થઈ જાય ત્યારે અફસોસ અનુભવાય. આવા અફસોસથી બચવા વાસ્તવીકતા ઉપર ઈરાદાપુર્વક ભ્રમનું પડ ચડાવી દેવાની ચાલાકી કરવામાં આવે છે. પટાવાળાની નોકરી મેળવેલ મીત્ર એમ કહી રાહત અનુભવે છે કે મારા ઘણા મીત્રો હજી પણ બેકાર છે, જ્યારે મને પટાવાળાની તો પટાવાળાની; પણ નોકરી તો મળી ગઈ. ક્લાર્ક બનેલો મીત્ર એમ કહી સન્તોષ મેળવશે કે ભલે હું મોટો ઑફીસર ન બની શક્યો; પણ પટાવાળો તો નથી બન્યો ને? એવી જ રીતે નાયબ મામલતદાર બનેલો મીત્ર એમ કહી ખુશ રહેશે કે ભલે હું ગૅઝેટેડ ઑફીસર ન બની શક્યો; પણ ક્લાર્કથી ઉંચી પોસ્ટ તો મેળવી શક્યો ને?

ઉપરોક્ત વીગતે આ બધા મીત્રો પોતાનાથી વધુ ઉંચી જગ્યા ઉપર ગયેલા મીત્રો સાથે પોતાની સરખામણી કરીને દુ:ખી થવાને બદલે પોતાનાથી નીચેની જગ્યા ઉપર ગયેલા મીત્રો કરતાં પોતે વધુ સારી જગ્યા ઉપર ગયેલ છે તેવા ભ્રમની ભાઈબન્ધી કરી રાજી રહેવા પ્રયત્ન કરશે.

પોતાના દુ:ખને હળવું કરવાનો સચોટ ઉપાય માનવજાતે શોધી કાઢ્યો છે અને આ ઉપાય કારગત નીવડી રહ્યો છે. આ ઉપાયમાં પોતાની જાત સાથે થોડી છેતરપીંડી જ કરવાની છે અને પોતાનાથી વધુ દુ:ખી સાથે પોતાની સરખામણી કરી આશ્વાસન મેળવવાનું છે કે અન્યના પ્રમાણમાં હું સુખી છું. એક ભાઈ 60 વર્ષની ઉમ્મરે વીધુર થાય છે. પાછલી અવસ્થામાં ખંડીત થયેલ દામ્પત્યનું દુ:ખ પચાવતાં તે એમ કહીને આશ્વાસન મેળવશે કે બાળકો ભણીગણીને ઠરીઠામ થઈ ગયાં અને પરણાવવાની જવાબદારી પણ પુરી થઈ ગઈ છે, એટલે હવે કોઈ ચીંતા નથી. ફલાણા ભાઈ બીચારા 35 વર્ષે વીધુર થયા હતા અને બાળકોને ઉછેરવાની, ભણાવવાની અને પરણાવવાની બધી જવાબદારી બીચારાએ એકલાએ ઉપાડવી પડી હતી.

આમ કહી પોતાની જાતને ફોસલાવતા આ ભાઈ 80 વર્ષનાં તન્દુરસ્ત દમ્પતીને બગીચાના બાંકડે બેસી પ્રસન્નતાથી સુખ–દુ:ખની વાતો કરતાં જુએ તો અવશ્ય વીચલીત થઈ જાય અને પોતે આવા સુખથી વંચીત રહી ગયાનો વસવસો રહે; પરન્તુ આવી પીડાથી બચવા પોતાનાથી વધુ દુ:ખી સાથે સરખામણી કરી પોતે અન્ય કરતાં ઓછાં દુ:ખી છે તેવી રાહત અનુભવવા માટે વાસ્તવીકતા સાથે છેડખાની કરી ભ્રમની ચાદર ઓઢી લેવામાં આવે છે.

ભ્રમની ભાઈબન્ધી કરવાની કળાની એક સત્ય ઘટના વાચકમીત્રો સાથે શૅર કરવા માગું છું.

ધૃતરાષ્ટ્રીય મોહમાં અન્ધ એક વીધુર સીનીઅર સીટીઝનને તેમનો એકનો એક કપાતર કુળદીપક પાછલી અવસ્થાએ તેમનું સર્વસ્વ છીનવી લઈ રસ્તે રઝળતા કરી દે છે અને વૃદ્ધાશ્રમને હવાલે કરી દે છે. દયાજનક સ્થીતીમાં મુકાયેલા આ વડીલ તેમની વસમી વેદનાને છુપાવીને પોતાની વાતને જે વળાંક આપે છે તે તેમના જ શબ્દોમાં સાંભળવા જેવું છે. તેમના શબ્દે–શબ્દે ભ્રમની ભેળસેળ ઉડીને આંખે વળગે તેવી છે.

‘દીકરાના ઘરે તો કોઈ વાતની કમી નથી; પણ દીકરો આખો દીવસ નોકરીધંધા અર્થે બહાર હોય અને પુત્રવધુ ઘરે એકલી હોય, એટલે આખો દીવસ ઘરમાં મુંઝવણ થાય છે, કોઈની કમ્પની વગર અકળામણ અનુભવાય છે, એકલા–એકલા વીચારે ચડી જવાય છે, સમય પસાર થતો નથી, એટલે દીકરાને મેં જ સામેથી કહ્યું કે વૃદ્ધાશ્રમમાં મને વધુ માફક આવશે. અહીં વૃદ્ધાવસ્થામાં સમવયસ્કોની કમ્પની માણવા મળે છે. સુખ–દુ:ખની વાતો થાય છે. રહેવા–જમવાની વ્યવસ્થા પણ ઘર જેવી જ છે. સમય ક્યાં પસાર થઈ જાય છે તેની ખબર જ નથી પડતી.

બાકી મારા એકબે મીત્રો પોતાના દીકરાના ઘરે ઓશીયાળી જીન્દગી જીવી રહ્યા છે, ડગલે ને પગલે સ્વમાનભંગ થાય છે. મન મારીને દીવસો પસાર કરે છે. આવી રીતે દીકરાના ઘરે રહેવા કરતાં અહીં ઈજ્જતથી રહેવું લાખ દરજ્જે સારું છે. મારા એક અન્ય મીત્રનો દીકરો સાવ ગરીબ છે, એટલે આટલી ઉમ્મરે તેને નોકરી કરી કમાવું પડે છે, જ્યારે મેં તો જે કંઈ કમાણો હતો તે દીકરાને આપી દીધું. દીકરા માટે તો કમાયો હતો! આપણે તો ભગવાનની દયાથી જલસા છે!’

પોતે બીજા કરતાં સુખી છે તેવા ભ્રમને પોષવા માટે પોતાનાથી વધુ સુખી વ્યક્તી સાથે સરખામણી નહીં કરવાની અને પોતાનાથી ઓછા સુખી સાથે સરખામણી કરવાની, જ્યારે પોતે બીજા કરતાં ઓછા દુ:ખી છે તેવા ભ્રમને પંપાળવા માટે પોતાનાથી ઓછા દુ:ખી સાથે સરખામણી નહીં કરવાની; પણ પોતાનાથી વધુ દુ:ખી સાથે સરખામણી કરી આશ્વાસન મેળવવા ફીફાં ખાંડવાનાં! યાદ રહે, આ રીતે સુખીપણાનો કે દુ:ખીપણાનો જે અહેસાસ થાય છે તે સાપેક્ષ છે, નીરપેક્ષ નથી. વાસ્તવમાં કોઈની સરખામણી કર્યા વગર પોતે જ્યાં છે તે વાસ્તવીક સ્થીતીનો સ્વીકાર એ જ નીરપેક્ષ અહેસાસ છે; પણ આવી નીરપેક્ષ વાસ્તવીકતા પીડા આપે તેમ હોઈ, સુખ અને દુ:ખનાં આભાસી અહેસાસ માટે પોતાના મનને ભરમાવવામાં આવે છે.

પરન્તુ, વાચકમીત્રો! ભારે હૈયે નોંધવું જ રહ્યું કે ભ્રમની આવી ભાઈબન્ધી ન કરવામાં આવે તો અરધી દુનીયા ડીપ્રેશનમાં સરી પડે અને આત્મહત્યાનું પ્રમાણ અનેકગણું વધી જાય. આમ છતાં ભ્રમની આવી ભાઈબન્ધીનો ઓવરડોઝ મૃગજળનો આભાસ કરાવી હરણ જેવી હાલત કરી શકે છે તે પણ ન ભુલવું જોઈએ.

–બી. એમ. દવે

જેલ ખાતાની દીર્ઘકાલીન સેવાઓ દરમીયાન કાજળની કોટડીમાં રહીને લેખક શ્રી. બી. એમ. દવેનું સતત વાચન, મનન તથા જેલ ખાતાનાં સ્વાનુભવોનો ગહન અભ્યાસ, ચીન્તન–મનન કરીને લખેલા પુસ્તક ભ્રમ ભાંગ્યા પછી(પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લી., લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કૉર્પોરેશન સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : (0281) 223 2460/ 223 4602 વેબસાઈટ : https://pravinprakashan.com ઈમેલ : pravinprakashan@yahoo.com પાનાં : 64, મુલ્ય : રુ. 65/-)માંનો આ પાંચમો લેખ, પુસ્તકનાં પાન 35થી 39 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : 

શ્રી. બી. એમ. દવે, પાલનપુર 385 001 સેલફોન : 94278 48224

બી. એમ. દવે

ભ્રમના ભેદભરમ

04

ભ્રમના ભેદભરમ

–બી. એમ. દવે

[ગત અંક : 03 ( https://govindmaru.wordpress.com/2017/03/10/b-m-dave-5/ )ના અનુસન્ધાનમાં..]

એક પ્રચલીત કીર્તનના શબ્દો સાંભળો :

તમે નાહકના મરો બધા મથીમથી રે,

કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે !

ભારતીય પરમ્પરામાં વૈરાગ્યવાદી અને પલાયનવાદી વીચારસરણીને પોષવા માટે પહેલાથી જ ખુબ પ્રયત્નો કરવામાં આવ્યા છે અને તેમાં મહદંશે સફળતા પણ મળી છે. આ હેતુ સીદ્ધ કરવા માટે એક સૌથી અસરકારક હથીયાર ‘કોઈ કોઈનું નથી’ નામનું વન–લાઈનર છે ‘કોઈ કોઈનું નથી’ અથવા છે તે નક્કી કરવાના માપદંડો કયા? આ થીઅરીના પુરસ્કર્તાઓ પોતાના ટેકામાં ઉક્ત કીર્તનની નીચેની પંક્તીઓનો સહારો લે છે :

મુઆની સંગાથે કોઈ મરતું નથી રે, કોઈ કોઈનું નથી રે!

અર્થાત્ મરનારની સાથે કોઈ મરતું નથી, એટલે ‘કોઈ કોઈનું નથી’ તેવું અનુકુળ અર્થઘટન કરવામાં આવ્યું છે.

અરે, ભાઈ! રાજા રામમોહન રાયે કેટલી મહેનત કરીને માંડમાંડ સતીપ્રથા બન્ધ કરાવી છે તે ફરીથી ચાલુ કરાવવી છે? ‘કોઈ કોઈનું છે’ એવું સાબીત કરવા માટે મરનારની સાથે તેનાં તમામ સગાંવહાલાંઓએ મરી જવું જરુરી છે? અને દલીલ માટે માની લઈએ કે ‘કોઈ કોઈનું નથી’, તો શું કરવાનું? બધાએ બાવા બની જવાનું? ઘર છોડીને સંયાસ લઈ લેવાનો? ઈરાદાપુર્વક આવો ભ્રમ ફેલાવવામાં આવ્યો છે અને તેની ઝપટમાં હજી પણ ઘણા હૈયાફુટાઓ આવી જાય છે.

એક બાજુ શાસ્ત્રો આધારીત નીચે મુજબની વાતો વ્યાસપીઠ ઉપરથી ગાઈ–વગાડીને સતત કહેવાતી રહે છે :

 1. દરેક આત્મા સ્વતન્ત્ર અને અલગ છે, પરન્તુ પુર્વ ભવના ઋણાનુબન્ધ અનુસાર જુદાજુદા સાંસારીક સમ્બન્ધોથી જોડાય છે.

 2. ઋણાનુબન્ધ પુરો થતાં મૃત્યુના માધ્યમથી દરેક આત્મા છુટો પડે છે અને પોતાના કર્મફળ મુજબ ગતી કરે છે.

આ હકીકત સ્વીકાર્યા પછી બીજી બાજુ ‘કોઈ કોઈનું નથી’ તેવી બે મોઢાંની વાતો કરી ચકરાવે ચડાવવાનું પ્રયોજન શું હશે? આવા ભ્રમના ચક્કરમાં આવી સંસારથી વીમુખ થઈ વધુમાં વધુ માણસો મન્દીરો તરફ દોટ મુકે અને ભગવાં વસ્ત્રો તરફ વળે તેવું વાતાવરણ ઉભું કરવાનું પ્રયોજન હોવાનો વહેમ પડે છે.

મારા બાળપણના વતનના ગામમાં એક સાધુ આવતા ત્યારે આ થીઅરીના સમર્થનમાં એક દૃષ્ટાંતકથા સંભળાવતા, જે વાચકમીત્રો સાથે શૅર કરવા માગું છું.

ગામડાના ભોળા ભક્તો સમક્ષ વીજેતા યોદ્ધાની અદામાં તેઓ કહેતા કે વર્ષો અગાઉ એક ગામની બહાર વગડામાં ઝુંપડી બાંધીને તેઓ રહેતા હતા. ગામમાંથી કોઈ ભાવીક જમવાનું આપી જાય તે જમતા અને શ્રદ્ધાળુઓ ઝુંપડીએ આવે તેમને ઉપદેશ આપતા હતા. ઉપદેશમાં સંસાર અસાર છે અને ‘કોઈ કોઈનું નથી’ એ મુદ્દાઓ મુખ્ય રહેતા. શ્રદ્ધાળુઓમાં એક ત્રીસેક વર્ષની ઉમ્મરનો ભાવુક યુવાન મહારાજથી વધુ પ્રભાવીત થયો હતો. મહારાજ એ યુવાન ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરી તેમનો ઉપરોક્ત ઉપદેશ ગળે ઉતારવા બહુ મથતા અને આગ્રહપુર્વક કહેતા કે સંસારની માયાજાળમાંથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરી લેવો જોઈએ; કારણ કે આ મનુષ્યદેહ સંસાર ભોગવવા માટે નહીં, પણ ઈશ્વરપ્રાપ્ત માટે મળ્યો છે.

પેલો યુવાન પોતાનાં માતા–પીતા, ભાઈ–બહેન અને પત્ની–બાળકો સાથે સુખેથી રહી સંસાર માણતો હતો. મહારાજનો વધતો જતો હઠાગ્રહ જોઈ એક દીવસ યુવાને મહારાજને કહી દીધું : ‘‘તમોએ સંસાર જાણ્યો કે માણ્યો નથી, એટલે તમને સાચી ખબર નથી, એટલે જ સંસાર વીરુદ્ધ આટલું બધું બોલો છો. મારા સીવાય મારાં માતાપીતાનું કોઈ નથી. મારી પત્ની મારા વગરની કલ્પના પણ ન કરી શકે. મારી બહેન મારા વગર રાખડી કોને બાંધે? ‘કોઈ કોઈનું નથી’ એ વાત ખોટી છે. બધાં જ મારાં છે અને મારા વગર જીવી શકે નહીં.’’

સાધુમહારાજે દાવની સોગઠી બરાબર મારતાં જવાબ આપ્યો : ‘‘તારા પરીવાર વીશે તું જે માને છે તે ભ્રમ છે. ખરેખર ‘કોઈ કોઈનું નથી’ તેની ખાતરી કરવી હોય તો હું કહું તેમ કર. આવતી કાલે સવારે તારે હું બહારગામ જઉં છું તેમ કહી ધરેથી નીકળી જવાનું અને ઘરનાં સભ્યો આઘાંપાછાં થાય એટલે છાનામાના ઘરમાં પ્રવેશી, અનાજની કોઠીમાં સંતાઈ જવાનું અને બધો ખેલ જોવાનો.’’

આ યુવાન પોતાની માન્યતા ઉપર મુસ્તાક હતો. તેણે સાધુમહારાજની સુચના મુજબ અમલ કર્યો. તે કોઠીમાં સંતાઈ ગયો. પછી થોડી વારે સાધુમહારાજ આ યુવાનના ઘરે આવ્યા અને પરીવારને ચોંકાવનારી વાત કરી : ‘‘તમારો દીકરો મારી ઝુંપડીએ આવી રહ્યો હતો ત્યારે ખેતરમાં સર્પે દંશ દીધો છે અને ઝુંપડીએ મૃત્યુની ઘડીઓ ગણી રહ્યો છે.’’ સમગ્ર પરીવારમાં રોકકળ મચી ગઈ. બધા માથાં પછાડી કહેવા લાગ્યાં : ‘‘ગમે તે ઉપાયે દીકરાને બચાવો, નહીંતર અમે કોઈ જીવી શકીશું નહીં.’’ સાધુમહારાજે કહ્યું : ‘‘દીકરાને બચાવવાનો એક જ ઉપાય છે. તેનું આયુષ્ય પુરું થઈ ગયું છે, એટલે તમારામાંથી કોઈ એક વ્યક્તી પોતાનું આયુષ્ય તેને આપી દે તો દીકરો બેઠો થાય અને આયુષ્ય આપનારનું મરણ થાય. મારી પાસે કોઈ વ્યક્તીને આવી રીતે બચાવવાની વીદ્યા છે.’’

સમ્પુર્ણ પરીવાર મહારાજે બતાવેલ ઉપાય સાંભળી સ્તબ્ધ અને ની:શબ્દ બની ગયો. મહારાજે સહુ પહેલાં મા–બાપ સામે જોઈ કહ્યું : ‘‘તમોએ ઘણું જીવી લીધું છે, એટલે દીકરાને બાકીનું આયુષ્ય બક્ષી જીવતદાન આપો.’’ મા–બાપે માથું ખજવાળીને કહ્યું : ‘‘તમારી વાત તો સાચી છે, પણ અમારે હજી એક દીકરો અને એક દીકરી પરણાવવાનાં બાકી છે. દીકરીને અમારા વગર કન્યાદાન કોણ આપે? બીજું તમે ગમે તે કહો તે કરવા તૈયાર છીએ.’’ યુવાનનાં ભાઈ–બહેનને પુછતાં તેમણે જવાબ આપ્યો : ‘‘અમે તો હજી સંસાર માણ્યો જ નથી. અમારાં તમામ સ્વપ્ન આટલી નાની ઉમ્મરે કેવી રીતે રોળી શકીએ?’’

છેલ્લે યુવાનની પત્નીને સાધુમહારાજે પુછ્યું તો તેણે કહ્યું : ‘‘મારે નાનાંનાનાં બે બાળકો છે, તેમને મોટાં કરવાનાં છે. મા વગરનાં બાળકોનું કોણ? મા એ મા બીજા બધા વગડાના વા. માની જગ્યા બાપ ક્યારેય લઈ શકે નહીં.’’ આમ, આ રીતે યુવાનના પરીવારમાંથી તેને જીવતદાન આપવા કોઈ તૈયાર ન થયું. યુવાન કોઠીમાં સંતાઈને બધું સાંભળી રહ્યો હતો. સાધુમહારાજે તેને કોઠીમાંથી બહાર નીકળવા હાકલ કરતાં એ બહાર આવ્યો. તેને જીવતો જોઈ ઘરનાં બધાં સભ્યો ખુબ જ રાજી થઈને ભાવવીભોર બની ગયાં અને યુવાનને વળગી પડવાની કોશીશ કરવા લાગતાં, યુવાને હડસેલો મારીને બધાંને દુર કરી દીધાં અને તે બોલ્યો : ‘‘આ બધું નાટક હવે બન્ધ કરો. મેં બધું મારી સગી આંખે જોઈ લીધું છે અને મારો ભ્રમ ભાંગી ગયો છે.’’ યુવાન સાધુમહારાજના પગમાં પડી બોલ્યો : ‘‘તમે સાચા છો. સંસારમાં ‘કોઈ કોઈનું નથી’ તેની ખાતરી મને થઈ ગઈ છે અને હવે હું સંસારમાં રહેવા માગતો નથી. મને આપની સાથે લઈ ચાલો.’’

વાચકમીત્રો! આ બોધકથા ઉપરથી આપણી ચર્ચા અન્વયે શું તારણ નીકળે છે? અને શું સાબીત થાય છે? મારા વ્યક્તીગત મન્તવ્ય અનુસાર ‘કોઈ કોઈનું નથી’ એ વાક્ય ખરેખર સમ્પુર્ણ સત્ય નથી; પરન્તુ અર્ધસત્ય છે. કોઈ કોઈના વગર જીવી ન શકે તેટલી હદે કોઈ કોઈનું નથી એમ કહેવું સાચું છે, એટલે સંસાર છોડવાનો નીર્ણય કરનાર યુવાનની અપેક્ષા વધારે હોવાનો ભ્રમ ભાંગી જતાં તેને આઘાત લાગ્યો. એ પ્રશ્ન પણ થઈ શકે કે આ યુવાનને પોતાનાં સ્વજનો માટે પોતાનો જીવ આપવો પડે તેવા સંજોગો સર્જાયા હોત તો તે પોતે આવું બલીદાન આપી શક્યો હોત? સંસાર છોડતાં પહેલાં આ પ્રશ્ન યુવાને પોતાની જાતને પુછવો જોઈતો હતો. જો આમ કર્યું હોત તો તેનો ભ્રમ કદાચ અકબન્ધ રહી જાત. ‘કોઈ કોઈનું નથી’ તેમ માનનારે પોતાની જાતને પુછવું જોઈએ કે હું કોઈનો કેટલો છું? ‘કોઈ કોઈનું નથી’ એ વાક્યને અર્ધસત્ય એટલા માટે કહી શકાય કે ‘કોઈ કોઈનું નથી’ની સાથોસાથ કોઈ કોઈનું હોવાનો અહેસાસ પણ સંસારમાં અવારનવાર થતો રહે છે, એટલે કે બન્ને હકીકતોનું સહ–અસ્તીત્વ છે. જવલ્લે જ બનતા બનાવોમાં પ્રીય પાત્રની વીદાયના આઘાતમાં મૃત્યુને વહાલું કરવાના કીસ્સાઓ નોંધાય છે. તેમ જ પોતાના પ્રીયપાત્રની વીદાયના આઘાતમાં આપોઆપ જીવ નીકળી જવાના કીસ્સાઓ પણ બને છે. પોતાનાં સ્વજનોની આયુષ્યરેખા લમ્બાવવા માટે પોતાનાં અંગોનું દાન કરવાના બનાવો ઠેરઠેર બને છે.

એમ લાગે છે કે આ વન–લાઈનર દ્વારા સંસાર અસાર છે તેવો ભ્રમ ઉભો કરી, બૉર્ડરલાઈન ઉપર ઉભેલાને બૉર્ડર લાઈન ક્રોસ કરાવી ભગવા કે સફેદ વસ્ત્રો તરફ ધકેલવાનો પ્રયત્ન છે. બાળદીક્ષા જેવા મુદ્દાઓ તો હવે ન્યાયની કસોટીએ પણ ચડવા માંડ્યા છે. આ બધાના મુળમાં આ વન–લાઈનરની ભુમીકા ચાવીરુપ છે. સસાંર છોડી સંન્યાસ લીધા પછી તેનો ભ્રમ ભાંગી જવાની શક્યતા પણ રહેલી જ છે.

આ તમામ ભ્રમનું સમાધાન કરવા માટે તથાગત્ બુદ્દનું જીવનચરીત્ર ઉદાહરણીય છે. સંસારમાં સુખની સાથે દુ:ખ પણ છે તેવી પ્રતીતી થતાં દુ:ખનીવારણના ઉપાયની શોધમાં અર્ધી રાત્રે તેઓશ્રીએ પત્ની અને બાળકને ઉંઘતાં મુકી ગૃહત્યાગ કર્યો હતો. બુદ્ધત્વ પામ્યા પછી પોતાના ઘરે આવે છે ત્યારે પત્ની યશોધરા તેઓશ્રીને બે પ્રશ્નોના જવાબ આપવા વીનન્તી કરે છે :

 1. રાત્રે અમને ઉંઘતા મુકીને ગૃહત્યાગ કરવાનું કારણ શું હતું? જવાની રજા હું ન આપત એવો ભય હતો?

 2. જંગલમાં જઈને તમોએ જે કાંઈ મેળવ્યું છે તે અહીં સંસારમાં રહીને ન મેળવી શક્યા હોત?

તથાગત્ બુદ્ધે બહુ નીખાલસતાથી પ્રત્યુત્તર આપતાં જણાવ્યું : હા, મને તમે રજા ન આપત તેવો ભય હતો અને તેથી અર્ધી રાત્રે ગૃહત્યાગ કર્યો હતો. મેં જંગલમાં જઈ જે  મેળવ્યું છે તે અહીં સંસારમાં રહીને પણ મેળવી શક્યો હોત તેવું અત્યારે લાગે છે; પણ ગૃહત્યાગ કર્યો ત્યારે એવો ભ્રમ હતો કે સંસારમાં રહીને ન મેળવી શકાય.’’ ગુજરાતના ક્રાંતીકારી સન્ત તરીકે જાણીતા અને સન્માનીય એક સન્તનો ઈન્ટરવ્યુ થોડાં વર્ષો અગાઉ એક ગુજરાતી ન્યુઝ ચૅનલ ઉપર જોયેલો. જાણીતા પત્રકાર સ્વામીજીને મુલાકાતને અન્તે છેલ્લો પ્રશ્ન પુછે છે : ‘‘આટલાં વર્ષોના સંન્યાસ પછી કોઈ અહેસાસ કે અસંતોષ ખરો?’’ સ્વામીજીએ ખુબ જ નીખાલસતાપુર્વક ઉત્તર આપ્યો હતો : ‘‘સંન્યાસ લીધાનાં 55 વર્ષ પછી અત્યારે લાગે છે કે સંન્યાસ લેવાની જરુર ન હતી.’’ મીડીઆ સમક્ષ કેટલા સન્તો આવી કબુલાત કરી શકે? આ સન્તને કોટી–કોટી વન્દન!

વાચકમીત્રો! મને વીશ્વાસ છે કે મારી વીચારધારાના સમર્થનમાં કરેલ ઉપરોક્ત બે દૃષ્ટાંતો મારી દલીલોને હાથીછાપ સીમેન્ટ જેવી મજબુતાઈ બક્ષશે.

ભ્રમ ભાંગી ગયા પછી જીન્દગીમાં હકારાત્મક વળાંક હોય તેવો કીસ્સો સન્ત કવી તુલસીદાસજીના જીવનનો છે. તેઓશ્રી તેમનાં ધર્મપત્નીને અતીશય પ્રેમ કરતા હતા. તેમના વીરહમાં તેમને મળવા માટે વરસાદી રાત્રે તેમના પીયર ખાતે પહોંચી ગયા. દરવાજો બન્ધ હોઈ એક દોરડી પકડીને ઉપરના માળે ચડી ગયા. હકીકતમાં એ દોરડી નહીં; પણ સાપ હતો તેવું ઈતીહાસમાં નોંધાયું છે.

બાકી તો તુલસીદાસજીની જેમ સરપ્રાઈઝ આપવા જતાં ઘણાં દમ્પતીઓનો ભ્રમ ભાંગી જવાના અને તેને કારણે હાડકાં ભાંગી જવાના અને ઘર પણ ભાંગી જવાના સમાચારો આપણે ઘણી વખત વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ.

વાચકમીત્રો! આવો, આપણે ભેદભરમની દુનીયામાં વધુ એક ડોકીયું કરી લઈએ.

આપ સૌને જાતઅનુભવ હશે જ કે વૃદ્ધ માવતરો અને ખાસ કરીને બીમારીથી ગ્રસ્ત હોય તેવાં વૃદ્ધ માવતરો અવારનવાર એવું કહેતાં સંભળાય છે : ‘‘હવે તો ઉપરવાળો દોરી ખેંચી લે તો સારું.’’ બીજાં સમવયસ્ક પાછાં આશ્વાસન આપતાં હોય તેમ કહેશે : ‘‘ભાઈ! આપણા હાથમાં ક્યાં છે? આ બાજી તો કુદરતે પોતાના હાથમાં રાખી છે.’’ હું આવા સંવાદો સાંભળું છું ત્યારે મારા મનમાં પ્રશ્ન થાય અને પુછવાનું પણ મન થાય કે કુદરતે આ બાજી તમારા હામાં રાખી હોત તો શું કરત? ઈચ્છામૃત્યુ શક્ય બને તો કેટલા માણસો તેનો ‘લાભ’ લે? હકીકતમાં કોઈને ક્યારેય મરવું નથી હોતું, છતાં આવા ભ્રમની જબરી બોલબાલા છે.

મારા મંતવ્યના ટેકામાં એક સત્યઘટના રજુ કરું છું. એક નાના ગામડામાં વૃદ્ધ દમ્પતી રહેતાં હતાં. દાદાને વૃદ્ધાવસ્થાને લગતી ઘણી શારીરીક તકલીફો હતી; પણ દાદીની તન્દુરસ્તી પ્રમાણમાં ઘણી સારી હોવાથી દાદાની ખુબ સમ્ભાળ રાખતાં હતાં. બન્ને વચ્ચે પ્રેમભાવ પણ ખુબ જ હતો. દાદી અવારનવાર દાદાને કહેતાં : ‘‘હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મને સદાય અખંડ સૌભાગ્યવતી જ રાખે અને તમારી પહેલાં લઈ જાય.’’ દાદા આવી ભાવના જોઈ રાજી થાય અને મજાકમાં કહે : ‘‘તું જતી રહે તો મારી સેવા કોણ કરે?’’

રાત્રે દાદા અન્દરના ઓરડામાં સુએ અને દાદી બહાર ઓસરીમાં સુએ. એક રાત્રે દાદા પાણી–પેશાબ કરવા ઉભા થયા અને દાદીના ખાટલા પાસે ઉભા રહી ભાવથી નીરખવા લાગ્યા. બરાબર આ જ સમયે દાદીને ગાઢ નીદ્રામાં એવું સ્વપ્ન આવ્યું કે તેમનું આયુષ્ય પુરું થયું છે અને મૃત્યુને નજર સમક્ષ જોઈ ગભરાઈ ગયાં અને ઉન્ઘમાં જ બબડવા લાગ્યાં : ‘‘તમારી કાંઈક ભુલ થતી લાગે છે. માંદાનો ખાટલો તો અન્દર છે.’’ દાદા આ બબડાટના શબ્દો સાંભળી ગયા અને દાદીના સ્વપ્નની દુનીયાનો તાળો મેળવી લીધો અને તે સાથે જ બધો ભ્રમ ભાંગી ગયો અને આંખો ખુલી ગઈ.

ભ્રમ ભાંગી ગયા પછીની સ્થીતીને જીરવવાની ક્ષમતા વ્યક્તીએ–વ્યક્તીએ અલગ–અલગ હોય છે. સ્થીતપ્રજ્ઞ સ્વભાવ ધરાવતી વ્યક્તીઓ ગમે તેવી વીકટ પરીસ્થીતીને પણ પચાવી શકે છે; પરન્તુ અત્યન્ત સંવેદનશીલ અને ભાવુક વ્યક્તીઓ ભ્રમ ભાંગવાના સૌથી ભયાનક ભયસ્થાન, એટલે કે આત્મહત્યા સુધી પણ પહોંચી શકે છે. આવા સમાચારો અવારનવાર મીડીઆમાં પ્રસીદ્ધ થાય છે. જીવનના કોઈ પણ તબક્કે જ્યારે જીવવાનું અઘરું લાગે અને મરવાનું સહેલું લાગે ત્યારે માણસ જીવન ટુંકાવવાનું પગલું ભરે છે. મરવાના વાંકે જીવવું પડે તેવી વાસ્તવીક સ્થીતી હોય ત્યારે આવું પગલું થોડેઘણે અંશે પણ વાજબી ઠરાવી શકાય; પરન્તુ ભ્રમીત અવસ્થામાં લેવાયેલું આત્મઘાતી પગલું ગાંડપણ ગણાય. પ્રતીકુળ સંજોગોના કારણે પતીએ પીયર જવાની કે પીક્ચર જોવા જવાની ના પાડતાં પત્ની આવું અન્તીમ પગલું ભરી લે તેવા બનાવો બને છે.

જીવનમાં આવેલ અણધાર્યા અને અનપેક્ષીત વળાંકના કારણે ઉભી થયેલ ભ્રમીત અવસ્થા લાંબો સમય ચાલુ રહે તો ગમ્ભીર પ્રકારના માનસીક રોગો થવાની શક્યતા પણ રહેલી છે. યોગ્ય સમયે સારવાર ન કરાવવામાં આવે તો માનસીક સમતુલા ગુમાવવાના સંજોગો પણ ઉભા થઈ શકે છે.

આ રીતે ભ્રમના ભેદભરમ બહુ ઉંડા છે. હવે આપણે અહીં અટકી જઈએ. વધુ ઉંડી ડુબકી મારવાથી આપણો ભ્રમ પણ ભાંગી જવાની શક્યતા નકારી શકાય તેમ નથી!

–બી. એમ. દવે

જેલ ખાતાની દીર્ઘકાલીન સેવાઓ દરમીયાન કાજળની કોટડીમાં રહીને લેખક શ્રી. બી. એમ. દવેનું સતત વાચન, મનન તથા જેલ ખાતાનાં સ્વાનુભવોનો ગહન અભ્યાસ, ચીન્તન–મનન કરીને લખેલા પુસ્તક ‘ભ્રમ ભાંગ્યા પછી…’ (પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લી., લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કૉર્પોરેશન સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : (0281) 223 2460/ 223 4602 વેબસાઈટ : https://pravinprakashan.com ઈમેલ : pravinprakashan@yahoo.com પાનાં : 64, મુલ્ય : રુ. 65/-)માંનો આ પ્રથમ લેખ, પુસ્તકનાં પાન 27થી 34 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક :

શ્રી. બી. એમ. દવે, પાલનપુર – 385001 સેલફોન : 94278 48224

બી. એમ. દવે

સામુહીક ભ્રમણા

03

સામુહીક ભ્રમણા

–બી. એમ. દવે

[ગત અંક : 02 ( https://govindmaru.wordpress.com/2017/02/17/b-m-dave-4/  )ના અનુસન્ધાનમાં..]

સામુહીક ભ્રમણાને મનોવીજ્ઞાનની ભાષામાં mass-mania તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ બાબતને લગતી વ્યક્તીગત ભ્રમણા જ્યારે સામુહીક સ્વરુપ પકડે છે ત્યારે તે દાવાનળની જેમ ફેલાઈ જાય છે અને તેની ઝપટમાં અચ્છા–અચ્છાને લઈ લે છે. સામુહીક ભ્રમણાની મનોવૈજ્ઞાનીક અસર એટલી બધી તીવ્ર હોય છે કે તેના દાયરામાં ભણેલીગણેલી, બુદ્ધીશાળી અને હાઈપ્રોફાઈલ વ્યક્તીઓ પણ બાકાત રહી શકતી નથી. શ્રદ્ધાળુ વ્યક્તીઓ તો આવી સામુહીક ભ્રમણામાં દીવામાં જેમ પતંગીયું કુદી પડે તેમ કુદી પડે છે. ફક્ત રૅશનલ વીચારધારાને વરેલી વ્યક્તીઓ જ આમાંથી બાકાત રહી શકે છે. આવી ભ્રમણાના ફેલાવા વખતે તેની અસર હેઠળ આવી ગયેલ વ્યક્તી સારા–નરસાનું વીવેકભાન ગુમાવી બેસે છે. વીજ્ઞાનને તો તે લુછીને નાખી દે છે.

‘માસ–મેનીઆ’ એટલે કે સામુહીક ભ્રમણાનું સૌથી સચોટ ઉદાહરણ થોડા સમય પહેલાં ગણપતીની મુર્તીએ દુધ પીધું હોવાની ઘટના ગણાવી શકાય. આ ઘટના વખતે અનુભવાયેલ ઘેલછા અભુતપુર્વ હતી. વૈજ્ઞાનીકો અને રૅશનાલીસ્ટોએ સમજાવવાની ખુબ કોશીશ કરી હતી કે જે ઘટના ઘટી રહી છે તેની પાછળ ભૌતીકશાસ્ત્રનો જાણીતો ‘કેશાકર્ષણ’નો નીયમ કામ કરે છે; પણ આવી સામુહીક ભ્રમણા વખતે ચમત્કારના જોરશોરથી વાગતાં ઢોલ–નગારાંના અવાજમાં ભૌતીકશાસ્ત્રીઓની પીપુડીનો અવાજ દબાઈ જાય છે. લોકોમાં વીજ્ઞાનને ખોટું પાડવાની અને આ ઘટનાને ચમત્કારમાં ખપાવવાની જાણે કે હરીફાઈ ચાલતી હોય તેવો માહોલ સર્જાયો હતો.

સામુહીક ભ્રમણા ફેલાઈ રહી હોય ત્યારે મીડીઆ પણ ચાલતી ગાડીએ ચડી જાય છે અને બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. આપણા ભારતીય મીડીઆની લાચારી કહો કે પછી ધન્ધાદારી અભીગમ કહો; પણ અન્ધશ્રદ્ધાની આગને ઠારવામાં મીડીઆની ભુમીકા ‘નરો વા કુંજરો વા’ જેવી રહી છે. વ્યુઅરશીપ ઘટી જવાના કાલ્પનીક ભયથી મીડીઆ પોતાનો ધર્મ ચુકે છે તેવું લાગે છે. ક્યારેક નાછુટકે કંઈક કહેવું પડે તેવા સંજોગોમાં દબાતા અવાજે બોલે છે. જે ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવાની હોય ત્યાં બુલન્દ અવાજે બોલવાને બદલે જોખીજોખીને અને તોળીતોળીને તે બોલે છે.

ગણપતીએ દુધ પીધું હોવાની સામુહીક ભ્રમણા અગાઉ ઘણાં વર્ષો પહેલાં ઉનાવા ખાતે એક બાપુ તમામ પ્રકારનાં દુ:ખ દુર કરવા માટે પાણી મન્તરતા હોવાની બહુ ચકચારી ઘટના ઘટી હતી. લાખોની સંખ્યામાં દુરદુરથી ભ્રમીત લોકો પાણી મન્તરાવવા આવતા હતા. હજારોની સંખ્યામાં માણસોને એકીસાથે બેસાડી સાથે લાવેલ પાણીની બૉટલ ઉંચી કરવાનું કહેવામાં આવતું અને પછી બાપુ દુરથી ફુંક મારીને પાણી મન્તરતા હતા. થોડીઘણી બુદ્ધી હોય તેવી વ્યક્તીને પણ કોઈ પણ રીતે ગળે ન ઉતરે તેવી આ સામુહીક ભ્રમણાની ઘટનામાં ઉચ્ચ શીક્ષીત વર્ગના માણસો પણ સ્વેચ્છાએ શીકાર બન્યા હતા. આ ઘટનાના પડઘા એટલા બધા પડ્યા હતા કે છેવટે પોલીસ ખાતાએ હરકતમાં આવવું પડ્યું હતું.

આ પ્રકારની ‘માસ–મેનીયા’ની અન્ય એક ઘટના થોડાં વર્ષો અગાઉ ભાવનગર જીલ્લાના તળાજા ગામ પાસેની એક વાડીમાં બની હતી. આ વાડીમાં પાર્વતીમા નામનાં એક અભણ ડોશીમા ની:સન્તાન દમ્પતીઓને સન્તાનપ્રાપ્તી માટે વીધી કરી પ્રસાદ આપતાં હતાં. હજારોની સંખ્યામાં ની:સન્તાન દમ્પતીઓ સન્તાનપ્રાપ્તી અર્થે ત્યાં આવતાં હતાં. અહીં આવતાં અન્ધશ્રદ્ધાળુ મુસાફરોના ધસારાને પહોંચી વળવા એસ. ટી. નીગમે તળાજાને જોડતી ખાસ વધારાની બસો દોડાવવી પડી હતી. ગુજરાત બહારથી પણ અન્ધશ્રદ્ધાળુઓનાં મોટાં ટોળાં આવતા હતા. આ પાર્વતીમા આશીર્વાદ આપીને અને પ્રસાદ ખવડાવીને સીધુ સીમન્તનું મુહુર્ત જોવડાવી સીમન્તની વીધી કરાવી લેવાનો આગ્રહ રાખતાં હતાં તેમ જ સગર્ભાવસ્થાની ચકાસણી કોઈ ડૉક્ટર પાસે ન કરાવવા પણ ખાસ તાકીદ કરતાં હતાં.

કેટલાયે વર્ષો સુધી અભણથી માંડીને ઉચ્ચ શીક્ષીત સુધીનાં ની:સન્તાન દમ્પતીઓ હજારોની સંખ્યામાં સામે ચાલીને છેતરાતાં રહ્યાં. મારી દૃષ્ટીએ આમાં પાર્વતીમાનો કોઈ કસુર નથી. તેઓ તો દુકાન ખોલીને બેઠાં હતાં. સામે ચાલીને ગ્રાહકો મુંડાવા આવે તેમાં તેમનો શો વાંક? પાર્વતીમાના દીકરાઓએ અન્ધશ્રદ્ધાળુઓ માટે ચા–પાણી, નાસ્તો, જમવા અને રહેઠાણની સુવીધા પુરી પાડવાનો ધન્ધો ધમધોકાર ચલાવ્યો અને બે પાંદડે નહીં; પણ પન્દર–વીસ પાંદડે થઈ ગયા; એમ કહી શકાય કે પાર્વતીમાના ‘સીમન્ત’ના ગોરખધન્ધાથી તેમના દીકરાઓ ‘શ્રીમન્ત’ બની ગયા.

સ્થાનીક પોલીસે એમ કહીને હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો કે જ્યાં સુધી પોલીસ પાસે કોઈ ફરીયાદી બનીને ફરીયાદ લઈને ન આવે ત્યાં સુધી પોલીસ સ્વયમ્ભુ રીતે કોઈ પગલાં ભરી શકે નહીં. મારી જાણકારી મુજબ પછી આ પાર્વતીમાનું અવસાન થઈ ગયું હતું અને તેમના સન્તાનો પણ આ વારસો સમ્ભાળી રહ્યા હતા.

સામુહીક ભ્રમણાની અન્ય પણ ઘણી ઘટનાઓ ઈતીહાસમાં નોંધાઈ છે. પપૈયામાં, શીવલીંગમાં અને ઝાડના થડમાં દેવ–દેવીઓ દેખાવાની અનેક ઘટનાઓ ઘટી ચુકી છે. આ પ્રકારની તમામ ઘટનાઓમાં રીતસર અન્ધશ્રદ્ધાની આંધી ફુંકાય છે, જેમાં પોતાને બુદ્ધીશાળી સમજતા લોકો પણ ખેંચાઈ જાય છે અને પોતાનો બુદ્ધીવીવેક ગુમાવી બેસે છે. પોતાની તર્કશક્તી, લાયકાત, હોદ્દો અને પ્રતીષ્ઠા પણ ગીરવે મુકાઈ જાય છે.

આ પ્રકારની ઘટનાઓ ભારત જેવા દેશમાં વધુ બને છે; પરન્તુ વીદેશમાં પણ આવી સામુહીક ભ્રમણાની ઘટનાઓ નોંધાયેલી છે. મધર મેરીની આંખમાંથી આંસુ નીકળવાની ઘટના અગાઉ ઘણી વખત પ્રકાશમાં આવેલી છે. થોડાં વર્ષો અગાઉ રોમન કૅથલીક સમ્પ્રદાયના એક ધર્મગુરુના આદેશથી સ્વર્ગમાં જવા માટે આ સમ્પ્રદાયના સેંકડો અનુયાયીઓએ સામુહીક આત્મહત્યા કરી હતી. સામુહીક ભ્રમણાનું ગાંડપણ જ્યારે સવાર થાય છે ત્યારે ફક્ત રૅશનલ વીચારધારા ધરાવતી વ્યક્તી જ પોતાની જાતને તેમાંથી બચાવી શકે છે.

સામુહીક ભ્રમણાનું પ્રભાવી ક્ષેત્ર ફક્ત ધાર્મીક બાબતો પુરતું મર્યાદીત નથી, અન્ય ક્ષેત્રો જેવાં કે સામાજીક ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર અને શૈક્ષણીક ક્ષેત્રમાં પણ ‘માસ–મેનીઆ’નો પગપેસારો છે, જેને સામાન્ય ભાષામાં આપણે ‘ગાડરીયા પ્રવાહ’ તરીકે પણ ઓળખી શકીએ. આવા ગાડરીયા પ્રવાહમાં પણ અંગુઠાછાપથી માંડીને પીએચ.ડી. સુધીના શીક્ષીતો તણાઈ જાય છે.

થોડા દૃષ્ટાંતોની મદદથી ગાડરીયા પ્રવાહ ઉપર પ્રકાશ પાડવાની કોશીશ કરું છું.

ગુજરાત રાજ્યના વહીવટી તન્ત્રની કરોડરજ્જુ સમાન આઈ.એ.એસ. અને આઈ.પી.એસ. ઑફીસરો મોટા ભાગે બીનગુજરાતી જોવા મળે છે. અલબત્ત, છેલ્લાં પાંચેક વર્ષથી થોડા ગુજરાતી ઉમેદવારો યુ.પી.એસ.સી.ની આવી પરીક્ષાઓ પાસ કરે છે. આમ છતાં અન્ય રાજ્યોની સરખામણીમાં આ બન્ને કૅડરમાં ગુજરાતી અધીકારીઓની કમી ઉડીને આંખે વળગે તેવી છે. આવી પરીસ્થીતીનો અર્થ એવો ઘટાવી શકાય કે ગુજરાતના વીદ્યાર્થીઓમાં ટૅલેન્ટની કમી છે? ના, હરગીજ નહીં. ગુજરાતમાં પણ અત્યન્ત તેજસ્વી અને મેઘાવી બુદ્ધીપ્રતીભા ધરાવતા ઉમેદવારો છે જ, જેઓ યુ.પી.એસ.સી.ની આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી ગુજરાતી અધીકારી તરીકે કલેક્ટર અને જીલ્લા પોલીસ વડાની ખુરશીઓ શોભાવી શકે તેમ છે; છતાં આ બન્ને કૅડરમાં ગુજરાતી અધીકારીઓની તીવ્ર અછત પાછળ સૌથી મહત્વનું પરીબળ છે ગાડરીયા પ્રવાહની અસર.

તેજસ્વી બાળક એસ.એસ.સી.ની પરીક્ષામાં 90 ટકા જેટલા માર્ક્સ લાવે એટલે તેનાં માવતર તેને સાયન્સ પ્રવાહમાં દાખલ કરી ધોરણ 12માં મેડીકલના મેરીટમાં આવે તેટલા ટકા માર્ક્સ મેળવવા મરણીયા પ્રયાસો શરુ કરી દે બસ, એક જ લક્ષ્ય : દીકરો કે દીકરી ડૉક્ટર બની જાય. કદાચ મેડીકલના મેરીટમાં બાળક ન આવે તો નાછુટકે બીજો વીકલ્પ એન્જીનીઅરીંગ  ક્ષેત્રનો આંખ બન્ધ કરીને અપનાવવામાં આવે. આ દેખાદેખી પણ ગાડરીયા પ્રવાહની આડપેદાશ છે. જે તેજસ્વી બાળક ડૉક્ટર કે ઈજનેર બની શકે તે બાળક આઈ.એ.એસ.  કે આઈ.પી.એસ. કેમ ન બની શકે? અહીં ડૉક્ટર બનવાનો વીરોધ કરવાની વાત નથી; પણ ‘આંધળી ભેંસે મુળીયું ભાળ્યું’ એ કહેવત અનુસાર બધા જ તેજસ્વી વીદ્યાર્થીઓને ફક્ત ડૉક્ટર જ બનાવવાનો અભરખો શા માટે? આઈ.એ.એસ. કે આઈ.પી.એસ. અધીકારીઓનાં માન–મોભો ને સ્ટેટસ ડૉક્ટર જેટલાં નથી હોતાં? જો આપણાં ગુજરાતનાં તેજસ્વી બાળકોને ‘માસ–મેનીઆ’ની અસર હેઠળ ડૉક્ટર કે ઈજનેર જ બનાવી દેવાની જીદ કે માનસીકતા ન હોય તો ગુજરાતના વહીવટી તન્ત્રમાં અન્ય રાજ્યોની જેમ આ બન્ને કૅડરના અધીકારીઓમાં બહુમતી ગુજરાતી અધીકારોની જ હોય.

લગભગ 25 વર્ષ અગાઉ સુધી ગુજરાતની પી.ટી.સી. કૉલેજમાંથી દર વર્ષે અન્દાજીત 5,000 વીદ્યાર્થીઓ પી.ટી.સી. થઈને બહાર પડતા અને લગભગ તેટલી જ ખાલી જગ્યાઓ પડતી, જેમાં દરેકને વહેલી–મોડી પ્રાથમીક શીક્ષકની નોકરી ખાતરીપુર્વક મળી જતી. પી.ટી.સી.માં દાખલ થવાનું પણ સરળ હતું અને નોકરી મેળવવાનું પણ સરળ હતું. આવી અનુકુળ પરીસ્થીતીનું પરીણામ એ આવ્યું કે ગાડરીયો પ્રવાહ આંખો બન્ધ કરીને પી.ટી.સી. પાછળ પડી ગયો. બીલાડીના ટોપની જેમ પી.ટી.સી.ની કૉલેજો ખુલતી ગઈ અને અન્દાજે 50,000 જેટલા વીદ્યાર્થીઓ બહાર પડવા માંડ્યા, જેની સામે વૅકન્સી 10,000થી પણ ઓછી છે. આવી પરીસ્થીતીમાં પ્રાથમીક શીક્ષકની નોકરી મેળવવાનું અત્યન્ત અઘરું બનતું ગયું.

અને પરીણામે પી.ટી.સી. થયેલા વીદ્યાર્થીઓએ પોલીસ કોન્સ્ટેબલ, ક્લાર્ક અને તલાટી જેવી જગ્યાઓ માટે લાઈન લગાવવા માંડી. ઉપરાંત કેટલાક તેજસ્વી વીદ્યાર્થીઓ, જેઓ આગળ અભ્યાસ કરીને હાઈસ્કુલમાં શીક્ષક, કૉલેજમાં પ્રોફેસર કે ઉચ્ચ અધીકારી થવા જેટલી બુદ્ધીપ્રતીભા ધરાવતા હતા તેઓને તેમનાં માવતરોએ પ્રાથમીક શીક્ષક બનાવી ખોટનો ધન્ધો કર્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પ્રકારના ગાડરીયા પ્રવાહમાં તણાઈ જવાથી સરવાળે નુકસાન જ થાય છે; પરન્તુ ‘માસ–મેનીઆ’ની અસર એટલી તીવ્ર હોય છે કે બીજી દીશામાં વીચારવાની બારી જ બન્ધ કરી દેવામાં આવે છે. હાઈસ્કુલમાં શીક્ષક બનવા માટે જરુરી બીએડ્.ની ડીગ્રીના કીસ્સામાં પણ લગભગ આવું જ બન્યું છે.

રાજકીય ક્ષેત્રની વાત કરીએ તો રાષ્ટ્રીય કક્ષાના ઘણા નેતાઓ જેઓ પોતાના મતવીસ્તારમાં પ્રચંડ લોકપ્રીયતા ધરાવતા હોય અને લાંબા સમય સુધી આ વીસ્તારનું પ્રતીનીધીત્વ કરતા હોય તેવા નેતાઓ અચાનક ખરાબ રીતે હારી જવાના અને અમુક કીસ્સાઓમાં તો જેલમાં જવાના બનાવો પણ નોંધાયા છે. ઉપરાંત ચુંટાયેલ પ્રતીનીધીઓમાંથી લગભગ અરધોઅરધ રાજકારણીઓ ગુનાહીત બેકગ્રાઉન્ડ ધરાવે છે. આવી પરીસ્થીતી પાછળ પણ ‘માસ–મેનીઆ’ ફૅક્ટર જવાબદાર છે. ગાડરીયો પ્રવાહ જે બાજુ વળે ત્યાં સમીકરણો બદલાઈ જાય છે. ભારતમાં લોકશાહી હોવા છતાં રાજકીય ઉથલપાથલ પાછળ મતદારોની પરીપકવતા જવાબદાર નથી; પરન્તુ ગાડરીયા પ્રવાહની માનસીકતા જવાબદાર છે. લોકશાહીની તન્દુરસ્તી માટે આ ઘાતક છે; પણ ગાડરીયા પ્રવાહની જય હો !

‘માસ–મેનીઆ’ યાને ગાડરીયા પ્રવાહનું એક વધુ ઉદાહરણ વાચકમીત્રો સાથે શૅર કરવા માગું છું.

વર્ષો અગાઉ સુરેન્દ્રનગર જીલ્લ્માં એક નાનકડા શહેરમાં આયુર્વેદની ડીગ્રી ધરાવતા એક વૈદ્ય ઍલોપથીક પ્રૅક્ટીસ કરતા હતા અને ખાસ કરીને શ્વાસ અને દમના રોગના નીષ્ણાત તરીકે નામના ધરાવતા હતા. વાસ્તવમાં આ રોગની સારવાર અંગેની કોઈ વીશીષ્ટ લાયકાત તેમની પાસે ન હતી. શરુઆતમાં આસપાસના પંથકમાં અને પછી ધીમેધીમે આખા ગુજરાતમાં અફવા અને ભ્રમણા ફેલાઈ ગઈ કે શ્વાસ કે દમનો રોગ મટાડવા માટે આવો ઈલાજ ક્યાંય નથી. આખા ગુજરાતમાંથી ભ્રમીત દર્દીઓનાં ટોળેટોળાં આ નાના ગામમાં ઉભરાવા લાગ્યાં. કોઈને એટલો વીચાર પણ ન આવ્યો કે ત્યાં જે દવા આપવામાં આવે છે તેની માહીતી કે જાણકારી અન્ય કોઈ ડૉક્ટર પાસે ન હોય તેવું બની શકે? શું કોઈ ગુપ્ત ફૉર્મ્યુલાવાળી દવાઓ તેઓ જાતે બનાવતા હતા, જે બીજા કોઈ ડૉક્ટર ન જાણતા હોય?

નીષ્ણાત ફીઝીશ્યન પણ સ્ટેરોઈડનો ઉપયોગ જવલ્લે જ અને વીવેકપુર્વક કરતા હોય છે, જ્યારે આલીયા–માલીયા ટાઈપના ડૉક્ટરો સ્ટેરોઈડનો ઉપયોગ છુટથી કરતા હોય છે અને તેનું પરીણામ અક્સીર; પણ ખતરનાક આડઅસરયુક્ત હોય છે. દર્દીના જોખમે દર્દ ચપટી વગાડતાં મટાડવાનો ખોટો યશ આવા ડૉક્ટરોના નામે ચડી જતો હોય છે અને પરીણામે સામુહીક ભ્રમણામાં ભરમાયેલા દર્દીઓનો ધસારો થતો.

કેટલીક જગ્યાએ કોઈ પણ જાતની ડીગ્રી વગરના હાડવૈદ્યો હાટડી ખોલીને બેસી ગયા હોય છે. આવા હાડવૈદ્યો પાસે પણ સામુહીક ભ્રમણાનો શીકાર બનેલા દર્દીઓ પોતાની તન્દુરસ્તીના ભોગે સામે ચાલીને છેતરાવા પહોંચી જાય છે. એક આયુર્વેદીક ડૉક્ટર તો દવા અને દુવાનો સમન્વય કરીને સન્તાનપ્રાપ્તીની દુકાન ખોલીને બેઠા છે. અને દર્દીઓના ખર્ચે અને જોખમે વર્તમાનપત્રમાં અર્ધા પાનાની પોતાનાં ગુણગાન ગાતી જાહેરાત છપાવે છે. આયુર્વેદીક અભ્યાસમાં દવા અને દુવા બન્નેની ચીકીત્સા પદ્ધતી માણવામાં આવતી હશે? ‘મેરા ભારત મહાન’માં જ આવું સમ્ભવે છે.

કોઈ પણ દૃષ્ટીકોણથી વીચારતા ગળે ન ઉતરે એવી માન્યતાને ગળે વળગાડીને ભ્રમીત લોકો જાતે જ પોતાના પગ ઉપર કુહાડો મારવા ઉત્સુક હોય છે. આવાં લેભાગુ તત્ત્વો કેવી રીતે પોતાનો ઉપચાર કરી શકે તેવો વીચાર પણ કોઈને આવતો નથી અને ફેલાયેલી સામુહીક ભ્રમણાની અસર હેઠળ આવી અણઘડ વ્યક્તીઓ પાસે દર્દીઓની લાઈન લાગે છે.

આ ઉપરાંત મોટા ભાગનાં આંદોલનો પણ સામુહીક ભ્રમણાની અસર હેઠળ જ ચાલતાં હોય છે. આંદોલનમાં ભાગ લેતા લોકોને આંદોલનના વીષયવસ્તુની કે તેના વાજબીપણાની જાણ પણ ઘણી વખત હોતી નથી. આંદોલનકારીઓનો મુખ્ય હેતુ યેન–કેન–પ્રકારે તેમનો અવાજ ટોળાશાહીની મદદથી બુલન્દ બનાવવાનો જ હોય છે.

આમ, સામુહીક ભ્રમણા અલગઅલગ સ્વરુપે પ્રગટ થતી રહે છે અને પોતાના પ્રભાવનો પરચો બતાવતી રહે છે.

સામુહીક ભ્રમણાની ચર્ચામાં ચમત્કારને ભુલી જઈએ તો આ ચર્ચા અધુરી જ ગણાય. ચમત્કારમાં ન માનવું એ જ સૌથી મોટો ચમત્કાર છે. લગભગ 99 ટકા જનતા–જનાર્દન ચમત્કારમાં માને છે. ચમત્કાર વગર નમસ્કાર નથી તેવું જાણી ગયેલા જાણભેદુઓ તેનો પુરેપુરો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. રાજકોટસ્થીત સંસ્થા ‘જનવીજ્ઞાન જાથા’ અને અન્ય ઘણી રૅશનલ સંસ્થાઓ (લેખના અંતેમારી નોંધવાંચવાનું ચુકશો નહીં.) ચમત્કારનો પર્દાફાશ કરતા જાહેર કાર્યક્રમો ઠેરઠેર યોજે છે, ચમત્કારનું ભુત કાઢવા કોશીશ કરે છે. ચમત્કાર બતાવનારને આવી સંસ્થાઓ તરફથી વર્ષોથી ઈનામ જાહેર કરવામાં આવ્યું છે; પણ કોઈ ઈનામ લેવા આગળ આવતું નથી. હું પણ આ પુસ્તકના માધ્યમથી ખુલ્લો પડકાર ફેંકું છું કે કોઈ પણ વ્યક્તી મારી રુબરુ કોઈ પણ પ્રકારનો ચમત્કાર કરી બતાવે તો રુપીયા એક લાખનું ઈનામ આપીશ. મોટા ચમત્કારની વાત જવા દઈએ, કોઈ પણ વ્યક્તી મારી મુઠ્ઠીમાં કેટલા રુપીયાના સીક્કાઓ (પરચુરણ) રાખેલ છે તે કહી બતાવે તો પણ જાહેરમાં પગે લાગું અને ચમત્કારમાં માનતો થઈ જાઉં. હાથચાલાકીને ચમત્કારમાં ખપાવતા હરામીઓ હાથમાં આવે તેની રાહ જોઈને બેઠો છું.

        –બી. એમ. દવે

મારી નોંધ :

મારા ‘અભીવ્યક્તી’ બ્લૉગ https://govindmaru.wordpress.com/2017/02/24/dr-ashwin-shah/#comments  ની ગઈ તારીખ 24 ફેબ્રુઆરીની પોસ્ટમાં અમેરીકાસ્થીત મારા વીદ્વાન મીત્ર અમૃત હજારીએ સરસ કૉમેન્ટ મુકી હતી, તેઓ લખે છે :

અભિવ્યક્તિમાં જોઈએ તો…. લેખકો જુદા જુદા અને સામગ્રી પણ બઘા લેખોની એક જ સરખી, સંદેશ પણ એક જ, પરંતુ; શબ્દો અને શબ્દોનાં માળખાંઓ જુદાં જુદાં. મને તો લાગે છે કે આપણે એક ટેબલ ઉપર બેસીને આપણા વિચારોની લ્હાણી કરીએે છીએ. નક્કર કામ રસ્તા ઉપર જવાનું કામ…. ફિલ્ડમાં જવાનું કામ…. હજી ઘણું બાકી છે. રીટાયર્ડ સિનિયરોનો સાથ સહકાર લઈએે….જો આપવા રાજી હોય તો. શાળાઓમાં કુમળાંછોડને પાણી પાઈને માનસિક ખોરાક આપીને વાળવું હોય તેમ વાળીએે.

અમૃત હઝારીUSA

એ સન્દર્ભમાં જણાવું કે અમતભાઈએ કહ્યું તેવું નક્કર–જમીની કામ વર્ષોથી ગુજરાતમાં થઈ રહ્યું છે. દક્ષીણ ગુજરાતમાં વધારે; કારણ કે છેક નર્મદના સમયથી તે હૃદયસ્થ પ્રા. રમણ પાઠકની રૅશનલ કૉલમ ‘રમણભ્રમણ’નો આ પ્રદેશને લાભ મળ્યો. ત્યારથી જ સુરતની ‘સત્યશોધક સભા’ અને તેના સેંકડો કાર્યકરો આ દીશામાં કાર્યરત છે. સુરતમાં તો ‘સત્યશોધક સભા’ સુરતના કેળાયેલા અને માહેર એવા કાર્યકરોની ટીમ શાળા, મહાશાળા, કૉલેજમાં જઈ સૌને ચમત્કારો દર્શાવી તે શી રીતે થાય છે તેનું નીદર્શન કરી, પછી બડી સીફતથી તેની પાછળનાં વૈજ્ઞાનીક સીદ્ધાન્તો સમજાવી, આવી અન્ધશ્રદ્ધાથી મુક્ત થવા તેમનાં મન–હૃદયમાં તે વાતો ઉતારે. પછી વીદ્યાર્થીઓ પણ બધડક તેમાં સુર પુરાવે.. એ જ રીતે વલસાડ–નવસારી જીલ્લાનામાં વીજ્ઞાન મંચ, નવસારીના ઉપક્રમે ગોવીન્દ મારુ, ભુપેન્દ્ર ઝેડ., રાજેન્દ્ર સોની(હાલ અમેરીકા), ધર્મેશ કાપડીયા(કેમ્પસ ડાયરેક્ટરશ્રી, ભક્તાશ્રમ, નવસારી), મનીષ પટેલ(હાલ કેનેડા) અને ધનંજય પટેલ(હાલ અમદાવાદ)ની યુવાન–ટીમ શાળા, મહાશાળા, કૉલેજ તથા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) શીબીરોમાં જઈને ચમત્કારનો પર્દાફાશ કરી, તે શી રીતે થાય છે તેનું વૈજ્ઞાનીક રહસ્ય સમજાવતા હતા. વીજ્ઞાન મંચ દર વર્ષે ‘વીજ્ઞાન શીબીરો’નું સફળ આયોજન પણ કરતા હતા. અંકલેશ્વરના આચાર્યશ્રી અબ્દુલ વકાનીસાહેબ પણ એકલપંડે દક્ષીણ ગુજરાતમાં કાર્યરત હતા. હા, અમતભાઈએ સુચવ્યું તેમ મોટા ભાગના કાર્યકરો બહુ જ અનુભવી અને રીટાયર્ડ–નીવૃત્ત જ છે.. એ વાત સાચી કે આવી ટુકડી નગરેનગરે ગામડેગામડે હોવી જોઈએ.. તે માટે સેંકડો–હજારો કાર્યકરોને તૈયાર કરવાનું કામ બાકી છે..

હવે આખા ગુજરાતમાં આવું નક્કર કામ ક્યાં ક્યાં અને કોના મારફતે થાય છે તે માહીતી તેમના ફોન નંબર સાથે આપું. જેથી કોઈ પણ વીસ્તારમાં એમની સેવાનો લાભ લઈ શકાય. વળી, આ માહીતી મને મળી શકી તેટલી જ છે. મારા ‘અભીવ્યક્તી’ બ્લોગ પર નવું પેજ શરુ કરવામાં આવશે. જેથી જો કોઈ વ્યક્તી કે ગામ અને તેમનાં કામનું નામ રહી ગયું હોય તો તે માહીતી મને govindmaru@gmail.com આઈડી પર મેલ અથવા વોટ્સએપ નંબર : +91 9537 88 00 66 પર મને મોકલવા વીનન્તી કરું :

1.  જનવીજ્ઞાન જાથા, રાજકોટના જયન્ત પંડ્યાનો સેલફોન નમ્બર – 98252 16689.

2. સત્યશોધક સભા, સુરતના  સક્રીય કાર્યકરો :

નીવૃત્ત આચાર્ય સીદ્ધાર્થ દેગામી – 94268 06446,

નીવૃત્ત આચાર્ય સુનીલ શાહ – 94268 91670,

જવાંમર્દ માધુભાઈ કાકડીયા – 98255 32234 તેમ જ

કલાશીક્ષકો ગુણવન્તભાઈ અને કરુણાબહેન ચૌધરી – 98251 46374.

3.  ચમત્કાર ચકાસણી કેન્દ્ર, ચાંદખેડા, અમદાવાદના ચતુરભાઈ ચૌહાણ – 98982 16029.

4.  ગુજરાત–મુમ્બઈ રૅશનાલીસ્ટ એસોસીએશન, અમદાવાદના પીયુષ જાદુગર – 94260 48351.

5.   રુપાલની પલ્લીફેમ લંકેશ ચક્રવર્તી (ગામ : ભુવાલડી, તાલુકો : દસક્રોઈ) – 94263 75381.

6.   હ્યુમેનીસ્ટ રૅશનાલીસ્ટ સોસાયટી, ગોધરાના મુકુન્દ સીંધવ – 90332 06009.

7.  રૅશનલ સમાજગાંધીનગરના ડૉ. અનીલ પટેલ – 93278 35215.

8.   બનાસકાંઠા જીલ્લા અન્ધશ્રદ્ધા નીર્મુલન સમીતી, પાલનપુરના સક્રીય કાર્યકરો :

અશ્વીનભાઈ કારીઆ (નીવૃત્ત પ્રીન્સીપાલ, લૉ કૉલેજ) – 9374018111,

જગદીશ સુથાર (આચાર્યશ્રી, એન. એલ. ઝવેરી સાર્વજનીક હાઈસ્કુલ, ગઢ તાલુકો : પાલનપુર)  – 94281 94175,

ગીરીશ સુંઢીયા [નીવૃત્ત એન્જીનીયર (વેસ્ટર્ન રેલવે) પાલનપુર] – 94266 63821,

પરેશ રાવલ – 98257 05745 તેમ જ

દીપક આકેલીવાળા – 96383 93145.

આ સઘળાં સેન્ટર અને તેના કાર્યકરો સ્કુલો, હાઈ સ્કુલો, કૉલેજો, રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ની શીબીરો, જ્ઞાતીમંડળોના મેળાવડામાં તથા અન્ય સંસ્થાઓમાં જાહેર કાર્યક્રમોમાં જઈને કહેવાતા ચમત્કારો કે હાથચાલકીઓના પ્રયોગો કરે છે. આ કહેવાતા ચમત્કારો કે હાથચાલકીઓનું વૈજ્ઞાનીક રહસ્ય પણ સમજાવે છે. જો કોઈ તાન્ત્રીક, માન્ત્રીક, જ્યોતીષ, ભુવા, ભારાડી, બાપુ કે ઈસમ પડકાર ઝીલીને, કશી બનાવટ વગર ચમત્કાર સાબીત કરી બતાવે તો, ‘ચતુર ભવન’, ન્યુ સી. જી. રોડ, ચાંદખેડા, ખાતેનો આશરે રુપીયા એક કરોડનો બંગલો તેમ જ રુપીયા પાંચ લાખ રોકડ ઈનામ આપવામાં આવશે એવી જાહેરાત વર્ષોથી ચતુરભાઈએ આપી રાખી છે. જો ચમત્કાર સાબીત થાય તો ચમત્કારીને લાવનાર વચેટીયાને પણ શરતોને આધીન પચાસ હજાર રુપીયા રોકડ ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સીવાય ઉપરોક્ત અન્ય સંસ્થાઓએ પણ એક લાખ રુપીયાથી લઈ 15 લાખ રુપીયા સુધીના ઈનામોની જાહેરાતો કરી છે. અંકલેશ્વરના ભાઈ અબ્દુલ વાકાણીએ પણ એવી જાહેરાત કરી જ છે; પરન્તુ આજદીન સુધી કોઈએ ચમત્કાર સાબીત કર્યો નથી.

...ગોવીન્દ મારુ

17105721_1254678207961096_991017331_n

જેલ ખાતાની દીર્ઘકાલીન સેવાઓ દરમીયાન કાજળની કોટડીમાં રહીને લેખક શ્રી. બી. એમ. દવેનું સતત વાચન, મનન તથા જેલ ખાતાનાં સ્વાનુભવોનો ગહન અભ્યાસ, ચીન્તન–મનન કરીને લખેલા પુસ્તક ભ્રમ ભાંગ્યા પછી(પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લી., લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કૉર્પોરેશન સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : (0281) 223 2460/ 223 4602 વેબસાઈટ : https://pravinprakashan.com ઈમેલ : pravinprakashan@yahoo.com પાનાં : 64, મુલ્ય : રુ. 65/-)માંનો આ પ્રથમ લેખ, પુસ્તકનાં પાન 19થી 26 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક :

શ્રી. બી. એમ. દવે, પાલનપુર – 385001 સેલફોન : 94278 48224

 

 

 

 

બી. એમ. દવે

ભ્રમની ભૌતીક અસરો

asv-00102

ભ્રમની ભૌતીક અસરો

–બી. એમ. દવે

[ગત અંક : 01 https://govindmaru.wordpress.com/2016/12/23/b-m-dave/ ના અનુસન્ધાનમાં..]

ભ્રમનો જન્મ મનુષ્યના મસ્તીષ્કમાં થાય છે; પણ તેનો પગપેસારો આખા શરીરમાં થઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ભ્રમની ભૌતીક (physical) એટલે કે શારીરીક અસરો એટલી હદ સુધી થાય છે કે પ્રથમ દૃષ્ટીએ આપણા માનવામાં પણ ન આવે.

થોડાં દૃષ્ટાંતોની મદદથી આ હકીકતને સાબીત કરવાની કોશીશ કરું છું.

માનસીક ભ્રમની શારીરીક અસરોનું પરીક્ષણ કરવા વર્ષો અગાઉ રશીયન વૈજ્ઞાનીકોએ એક પ્રયોગ કર્યો હતો. કોઈ પણ દવાને બજારમાં મુકતાં પહેલાં તેની અસરકારકતાની ચકાસણી પશુ–પક્ષીઓ અને માનવશરીર ઉપર કરવામાં આવતી હોય છે. આવા પરીક્ષણ માટે સ્વેચ્છાએ માધ્યમ બનનાર (ગીની પીગ) વ્યક્તીને યોગ્ય આર્થીક વળતર ચુકવવામાં આવતું હોય છે. રશીયન વૈજ્ઞાનીકોએ વર્તમાનપત્રમાં જાહેરાત આપી કે દાઝવા ઉપર લગાવવાના નવા ઉત્પાદીત એક મલમની અસરકારકતા ચકાસવા માટે કોઈ વ્યક્તીની જરુર છે અને અમુક રુબલ(Russian currency) વળતર તરીકે ચુકવવામાં આવશે. આ જાહેરાત વાંચી એક જરુરતમન્દ વ્યક્તી પ્રયોગનું માધ્યમ બનવા તૈયાર થઈ.

વૈજ્ઞાનીકોએ આ વ્યક્તીને સમજાવ્યું કે તમારે ટેબલ ઉપર ઢાંકીને રાખવામાં આવેલ એક સ્ટીલના ગ્લાસને જમણા હાથથી પકડવાનો છે.  સ્ટીલના ગ્લાસમાં સળગતા અંગારા રાખેલા હશે, જેથી તેને પકડતાં તમારા હાથ દાઝી જશે અને ફોલ્લા પડી જશે. ત્યારબાદ કમ્પની દ્વારા ઉત્પાદીત રુઝ આવવા માટેનો મલમ લગાવવામાં આવશે અને રુઝ આવવા અંગે મલમની અસરકારકતાની ચકાસણી કરવામાં આવશે.

પ્રયોગ માટે તૈયાર થનાર વ્યક્તીએ મગજમાં ધારી જ લીધું કે, પ્રયોગ માટે ચુકવવામાં આવનાર વળતર સામે આટલી પીડા સહન કરવાની જ છે અને તે પણ મલમ લગાડવાથી મટી જશે. થોડા દીવસ માટે દાઝ્યાની પીડા સહન કરવા સામે મળનાર વળતર ધ્યાને લેતાં આ તકલીફ સામાન્ય ગણાય. પ્રયોગમાં ભાગ લેનાર વ્યક્તી આ રીતે પોતાના મનને સમજાવીને માનસીક રીતે તૈયાર થઈ ગઈ.

વૈજ્ઞાનીકોએ પ્રયોગશાળામાં બધી પુર્વતૈયારી કરી રાખી હતી. પ્રયોગમાં ભાગ લેનાર વ્યક્તીને ટેબલ પર રાખવામાં આવેલ સ્ટીલનો ગ્લાસ હાથમાં પકડવાનું કહેવામાં આવ્યું અને સમજાવવામાં આવ્યું કે ગ્લાસમાં સળગતા અંગારા હોવાથી દાઝી જવાશે. તમારે ડરવાનું કોઈ કારણ નથી; કારણ કે તરત જ નવનીર્મીત મલમ વડે તેનો ઉપચાર કરવામાં આવશે. પ્રયોગમાં ભાગ લેનાર વ્યક્તીએ દાઝી જવાની પુરી માનસીક તૈયારી સાથે ટેબલ પર રાખેલો ગ્લાસ હાથ વડે પકડ્યો અને ચીસ પાડી ઉઠ્યો. વૈજ્ઞાનીકોની સુચના અનુસાર તેણે તરત જ ગ્લાસ ટેબલ ઉપર ફરીથી મુકી દીધો.

વૈજ્ઞાનીકોએ હાથનું પરીક્ષણ કરતાં હાથમાં ફોલ્લા ઉપસી આવ્યા હતાં, તે વ્યક્તી આ પીડાથી કણસતી હતી. બધાના આશ્ચર્ય વચ્ચે વૈજ્ઞાનીકોએ સ્ટીલના ગ્લાસ ઉપરનું આવરણ હટાવી અન્દર રાખવામાં આવેલા બરફના ટુકડાઓ બતાવ્યા. પ્રયોગમાં ભાગ લેનાર વ્યક્તી સ્તબ્ધ થઈ ગઈ. તેને હજુ પણ સમજાતું ન હતું કે બરફના ટુકડાથી ભરેલો ગ્લાસ પકડવાથી કઈ રીતે દાઝી શકાય? આમ છતાં પોતે દાઝી ગયો હતો તે પણ હકીકત હતી.

વૈજ્ઞાનીકોએ પ્રયોગમાં ભાગ લેનાર વ્યક્તીને પ્રયોગ કરવા પાછળનું સાચું કારણ અને રહસ્ય સમજાવતાં કહ્યું : ‘માનસીક ભ્રમની અસર કઈ હદ સુધી શારીરીક અસરમાં પરીણમી શકે છે તે જાણવા માટેનો આ એક પ્રૅક્ટીકલ પ્રયોગ હતો અને આ પ્રયોગમાં ધારેલું પરીણામ મેળવવામાં વૈજ્ઞાનીકો સફળ થયા.’ આ પ્રયોગ દ્વારા વૈજ્ઞાનીકોએ સીદ્ધ કર્યું કે ગ્લાસમાં સળગતા અંગારા હોવાનો ભ્રમ, ધારણા અને માનસીકતા સાથે બરફના ટુકડાથી ભરેલા ગ્લાસને પકડવાથી પણ આટલી હદ સુધી શારીરીક અસર થઈ શકે છે.

આ સન્દર્ભમાં અન્ય એક વાસ્તવીક ઘટના પણ નોંધનીય છે. આપણા ગુજરાતી ભાષાના જાણીતા કવી શ્રી. દલપતરામના સુપુત્ર કવી શ્રી. નાનાલાલ વઢવાણની હાઈસ્કુલમાં ગુજરાતી ભાષાના શીક્ષક તરીકે ફરજ બજાવતા હતા. એક દીવસ એક વર્ગના વીદ્યાર્થીઓને ટીખળ કરવાનું સુઝ્યું અને બધાએ એક પ્લાન બનાવ્યો. આ પ્લાન મુજબ શીક્ષકશ્રી પીરીયડ લેવા વર્ગમાં આવે અને ભણાવવાનું શરુ કરે પછી દસેક મીનીટ બાદ પહેલી બેન્ચનો એક વીદ્યાર્થી સાહેબને પુછે : ‘સાહેબ! આજે મજા નથી કે શું? તબીયત બરાબર લાગતી નથી. તાવ આવ્યો હોય તેવું લાગે છે.’ થોડી વાર પછી ત્રીજી હરોળનો અન્ય એક વીદ્યાર્થી સાહેબને પુછે : ‘સાહેબ! આપના ચહેરા ઉપરથી લાગે છે કે આપની તબીયત બરાબર નથી. આંખો લાલ થઈ ગઈ હોય તેમ લાગે છે.’

ત્યારબાદ થોડી મીનીટો પછી પાછળની બેન્ચ ઉપરથી અન્ય એક વીદ્યાર્થી પુછે : ‘સાહેબ! આજે આપનો ઑરીજીનલ મુડ દેખાતો નથી. અવાજમાં ધ્રુજારી આવતી હોય તેવું લાગે છે. આપની તબીયત આજે નરમ તો લાગે જ છે. એવું હોય તો આજે આરામ કરો, સાહેબ!’

ઉપર મુજબનો પ્લાન બનાવી શીક્ષકશ્રી વર્ગમાં દાખલ થયા પછી દસેક મીનીટ બાદ તેનો અમલ શરુ કર્યો. પ્રથમ વીદ્યાર્થીને તો શીક્ષકશ્રીએ મક્કમતાથી જવાબ આપ્યો : ‘મારી તબીયત ઑલરાઈટ છે. કોઈ તકલીફ નથી. તમે છાનામાના ભણો.’ પણ જ્યારે બીજા વીદ્યાર્થીએ પુછ્યું ત્યારે તેઓ થોડા વીચલીત થઈ ગયા. પોતાની જાતે શરીર ઉપર હાથ ફેરવી તાવ છે કે કેમ તેની ખરાઈ કરવા લાગ્યા. થોડી માનસીક અસર થઈ કે વીદ્યાર્થીઓ કહે છે તો તેમાં કંઈ તથ્ય હશે; છતાં મન મક્કમ રાખી ભણાવવાનું ચાલુ રાખ્યું.

પરન્તુ જ્યારે ત્રીજા વીદ્યાર્થીએ પણ ટીખળના ગેમપ્લાન મુજબ પુછ્યું ત્યારે અને અન્ય વીદ્યાર્થીઓએ પણ પોતાનો સુર પુરાવ્યો ત્યારે સાહેબને આંશીક રુપે થયેલી માનસીક અસર શારીરીક અસરમાં પરીણમી અને તેઓને પોતાને તાવ આવ્યો હોવાનો અહેસાસ થવા લાગ્યો.  તેઓ એ દીશામાં વીચારવા લાગ્યા, માથું દુ:ખવા લાગ્યું અને અસુખ જેવું જણાવા લાગ્યું. પીરીયડ પુરો થયા પછી તેઓ રજા મુકીને આરામ કરવા ઘરે જતા રહ્યા. આ કીસ્સામાં ખરેખર કોઈ બીમારી ન હોવા છતાં વીદ્યાર્થીઓની ટીખળના કારણે માનસીક અસરનું શારીરીક અસરમાં રુપાન્તર થયું અને તાવ આવ્યો હોવાની અનુભુતી પણ થઈ.

બીનઝેરી સાપે કોઈ વ્યક્તીને દંશ દીધો હોય તો આવી વ્યક્તી કોઈ સારવાર ન કરે તો પણ જીન્દગીનું જોખમ ઉભું થતું નથી. આમ છતાં બીનઝેરી સાપના દંશથી કોઈ વ્યક્તીનું મરણ થયું હોય એવા કીસ્સાઓ મેડીકલ સાયન્સમાં નોંધાયા પણ છે. આવા કીસ્સાઓમાં મરણ સાપના ઝેરથી નહીં; પણ મને સાપ કરડ્યો છે એટલે હવે હું મરી જઈશ તેવા ભ્રમના કારણે હૃદય બન્ધ પડી જવાથી મરણ થાય છે. પોસ્ટમૉર્ટમ રીપૉર્ટમાં આ હકીકતની પુષ્ટી પણ થાય છે. માનસીક ભ્રમની શારીરીક અસર મૃત્યુ નીપજાવવા સુધીની પણ હોઈ શકે છે.

કેટલાંક આસ્થાનાં સ્થળો ઉપર જવાથી કે તેમની બાધા–માનતા રાખવાથી અમુક પ્રકારનાં શારીરીક દુ:ખ–દર્દ દુર થતાં હોવાની વ્યાપક માન્યતા ફેલાયેલી હોય છે. દૃઢીભુત થયેલી ભ્રમણા એટલે આસ્થા કે શ્રદ્ધા.

આવી શ્રદ્ધા રાખનાર વ્યક્તીના મનમાં આવો લાભ થવાની પાકી ભ્રમણા હોય છે. આવી ભ્રમણા એટલી હદ સુધી દૃઢીભુત થયેલી હોય છે કે તેના પરીણામસ્વરુપ હકારાત્મક માનસીક અસરો ઉદ્ભવે છે. આ માનસીક અસરો આખરે શારીરીક અસરમાં પરીણમી શકે છે. આવી આવી વશીભુત થયેલી વ્યક્તીને દુ:ખ–દર્દમાં રાહત થઈ શકે છે. આવા કીસ્સાઓમાં કોઈ દૈવી શક્તી કે ચમત્કાર નહીં; પરન્તુ દૃઢીભુત થયેલી માનસીક ભ્રમણાની શારીરીક અસરો જ હોય છે.

વાચકમીત્રો! આનાથી ઉલટું કોઈ વ્યક્તી હતાશામાં સરી પડે અને નકારાત્મકતાથી ઘેરાઈ જાય તો આવા નકારાત્મક વીચારોની માનસીક અસર પણ શારીરીક અસરમાં પરીણમી શકે છે અને દૃઢીભુત થયેલી ભ્રમણા મુજબનાં શારીરીક દુ:ખ–દર્દ ઉદ્ભવી શકે છે. દા.ત. કોઈ વ્યક્તી સવારે ઉઠતાંવેંત મને આજે માથું દુખશે તેવો ભ્રમ સતત સેવે તો માથું દુખવાનું શરુ થઈ શકે છે. તેવી જ રીતે રાત્રે પથારીમાં પડતાં આજે ઉંઘ નહીં આવે તેવા ભ્રમને કોઈ વાગોળ્યા કરે તો ખરેખર ઉંઘ ન આવે તેવું બની શકે છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાના ઘણા ક્રીકેટરો જાતજાતના ભ્રમથી પીડાતા હોવાનું ઘણી વખત બહાર આવ્યું છે. આવા ભ્રમની હકારાત્મક અને નકારાત્મક અસરો તેમની રમત ઉપર પડતી હોય છે.

વીંછી કે સાપ ઉતારવાના અને આધાશીશી મન્તરવાનાં ધતીંગો ઘણી જગ્યાએ ચાલે છે. આવાં ધતીંગોમાં પણ ક્યારેક સફળતા મળતી હોવાના દાવા થાય છે. પરન્તુ તેમાં કોઈ ચમત્કાર કે પરચો નથી હોતો; પણ આ થીયરી જ કામ કરતી હોય છે અને તેનો ખોટો યશ ધતીંગબાજોના નામે ચડી જતો હોય છે.

        –બી. એમ. દવે

જેલ ખાતાની દીર્ઘકાલીન સેવાઓ દરમીયાન કાજળની કોટડીમાં રહીને લેખક શ્રી. બી. એમ. દવેનું સતત વાચન, મનન તથા જેલ ખાતાનાં સ્વાનુભવોનો ગહન અભ્યાસ, ચીન્તન–મનન કરીને લખેલા પુસ્તક ભ્રમ ભાંગ્યા પછી (પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લી., લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કૉર્પોરેશન સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : (0281) 223 2460/ 223 4602 વેબસાઈટ : https://pravinprakashan.com ઈમેલ : pravinprakashan@yahoo.com પાનાં : 64, મુલ્ય : રુ.65/-)માંનો આ પ્રથમ લેખ, પુસ્તકનાં પાન 14થી 18 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : 

શ્રી. બી. એમ. દવે, પાલનપુર–385001 સેલફોન : 94278 48224

બી. એમ. દવે

આસ્તીકતાનું પ્રત્યારોપણ

1

આસ્તીકતાનું પ્રત્યારોપણ

–બી. એમ. દવે

કહેવાની જરુર નથી કે પૃથ્વી ઉપર જન્મે લેતું દરેક બાળક ધર્મ, સમ્પ્રદાય કે જાતીના લેબલ વગર અવતરે છે. અલબત્ત, આપણે તેને જન્મતાંની સાથે જ આવાં સ્ટીકર લગાડી દઈએ છીએ અને તે મુજબ તેની ઓળખ પ્રસ્થાપીત કરી દઈએ છીએ. હીન્દુ, મુસ્લીમ, ક્રીશ્ચીયન, શીખ કે ઈસાઈ બનાવી તે મુજબ નામકરણ કરીએ છીએ. લગભગ બાળકના નામ ઉપરથી જ આપણે તેને ધર્મ સાથે જોડી દઈએ છીએ. જો કુદરત કે ઈશ્વર કે અલ્લા કે ગૉડ આવું વર્ગીકરણ ઈચ્છતા હોત તો આવી કુદરતી વ્યવસ્થા જ ગોઠવાયેલી હોત; પણ આ કામ માણસે જાતે ઉપાડી લીધું છે. જેવી રીતે કોઈ ચીજવસ્તુનો ઉત્પાદક પોતાની બ્રાન્ડની છાપ તેના ઉત્પાદન ઉપર મારી દે છે, તેવી જ રીતે બાળકને જાતી અને ધર્મનું લેબલ લગાડીને જે–તે જાતી અને ધર્મનું બનાવી દેવામાં આવે છે, અર્થાત્ ગળથુથી જ ધર્મની પીવડાવવામાં આવે છે, જે આગળ જતાં દૃઢીભુત આસ્તીકતામાં પરીણમે છે.

બાળક સમજણું થાય ત્યારથી જે ધર્મનું લેબલ લગાવવામાં આવ્યું હોય તે ધર્મના સંસ્કાર પામતું રહે છે, ધર્મનું આચરણ જોતું અને શીખતું રહે છે. માબાપ પણ સતત પ્રયત્નશીલ હોય છે કે પોતાનું સંતાન પોતાના ધર્મનું ચુસ્ત રીતે પાલન કરે અને તેનું અનુયાયી બને. ધર્માચરણમાં ક્યાંય કચાશ ન રહી જાય તેની પુરતી તકેદારી સમગ્ર કુટુમ્બ રાખે છે અને પોતાનું બાળક પોતાના ધર્મના રંગે બરાબર રંગાઈ જાય તે માટે બધું કરી છુટે છે. આ બાબતમાં ક્યારેક તો અતીશયોક્તી થતી જોવા મળે છે અને કુમળા બાળક ઉપર ધર્મપાલનના નામે અત્યાચારની હદ સુધી અમુક માબાપ પહોંચી જાય છે અને છતાં ગૌરવ અનુભવતાં રહે છે.

બાળકના ઉછેર દરમીયાન સર્વ ધર્મસમભાવનાના પાઠ ભણાવવાને બદલે અપવાદોને બાદ કરતાં મોટા ભાગે પોતાનો ધર્મ જ સૌથી શ્રેષ્ઠ હોવા અંગેનું અફીણ પીવડાવવામાં આવે છે. બાળકના કુમળા માનસમાં ધાર્મીક અસહીષ્ણુતાનાં બીજ આ સમયે જ રોપાઈ જાય છે, જે કેટલાક કેસમાં કટ્ટરતાની હદ સુધી પહોંચી જાય છે. ચુસ્ત ધાર્મીક માબાપ પોતાના ધર્મનો એટલો પાકો રંગ બાળકો ઉપર ચડાવી દેવા ઈચ્છતાં હોય છે કે જીવનભર ઉતરે નહીં. માનવતાના પાઠ ભણાવવાને બદલે ધાર્મીક ક્રીયાકાંડોનો ઓવરડોઝ આપવામાં આવે છે. બાળકો બીચારાં સમજ્યા વીના આંધળું અનુકરણ કરવા લાગે છે અને માબાપની છાતી ફુલાતી જાય છે.

બાળકોને ધર્મ સમજાવવામાં નથી આવતો; પણ ઠોકી બેસાડવામાં આવે છે. બાળકો પોપટીયા રટણ દ્વારા પોતાના જાગૃત અને અજાગૃત મનમાં ધર્મનું પડ ચડાવી દે છે અને સ્વાભાવીક રીત જ તે મુજબનું વર્તન કરતું થઈ જાય છે. વાતાવરણ જ એવું ઉભું થયું હોય છે કે બાળકના મગજમાં ધર્મ વીશે કોઈ પ્રશ્ન જ પેદા થતો નથી. કદાચ કોઈ બાળકના મનમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો તેનું સમાધાન કરવામાં આવતું નથી અને તેને ચુપ કરી દેવામાં આવે છે. ધર્મની બાબતમાં સંશય રાખવાનાં કે તર્ક કરી અશ્રદ્ધા દાખવવાનાં કાલ્પનીક ભયસ્થાનો બતાવી બાળકનું મોં બન્ધ કરી દેવામાં આવે છે અને આ બધાના પરીણામસ્વરુપ બાળક લગભગ 99.99 ટકા ‘ધાર્મીક’ બની જાય છે અને જે–તે ધર્મની આસ્તીકતાનું આવરણ પોતાની ઉપર ચઢાવી લે છે.

બાળક જેમજેમ મોટું થતું જાય છે તેમતેમ વડીલોનું અનુકરણ કરીને તથા તેની ઉપર લાદવામાં આવેલ ધાર્મીકતા એટલે કે આસ્તીકતાના રંગે રંગાતું જાય છે અને એક નવી ઝેરોક્સ કૉપી બની જાય છે. વડીલોના આગ્રહ પણ ઑરીજનલને બદલે ઝેરોક્સનો વધુ હોય છે અને તેનું ગૌરવ પણ તેઓ અનુભવતાં હોય છે. આમ, આ રીતે રુઢીગત આસ્તીકતાનો વરખ ચડાવેલ સંતાન પોતાના પીતાની મીલકતના વારસદાર બને છે, તેવી જ રીતે આસ્તીકતા કે આધ્યાત્મીકતા પણ વારસામાં જ મળી જાય છે અને તેનું હસ્તાંતરણ પેઢી–દર–પેઢી થતું જ રહે છે.

બાળમનોવીજ્ઞાનીઓ દાવો કરે છે કે બાળક તેના જન્મ પછીનાં પ્રથમ પાંચ વર્ષમાં જેટલું શીખે છે તેટલું બાકીની આખી જીન્દગીમાં શીખી શકતું નથી. આ રીતે વીચારતાં પણ બાળકનાં શરુઆતનાં પાંચ વર્ષમાં જે પ્રકારનું ઘડતર કરવામાં આવે તેવી તેની માનસીકતા બન્ધાય છે.

મુળભુત રીતે ધર્મની સ્થાપના પાછળનો મુળભુત હેતુ દુનીયાની સમગ્ર પ્રજા વચ્ચે ભાઈચારો, સમ્પ, સહકાર, સદાચાર તથા પ્રેમની લાગણી દ્વારા ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવના જગાવવાનો છે; પરન્તુ ધર્મની સ્થાપનાના માધ્યમથી આ હેતુ સીદ્ધ થયો હોય તેમ જણાતું નથી. એમ કહેવું અસ્થાને નહીં ગણાય કે બાળકને ધર્મના સીદ્ધાંતોરુપી ગળથુથી પીવડાવવાને બદલે સહીષ્ણુતા, સચ્ચાઈ, નીતીમત્તા, સંસ્કારીતા, પ્રામાણીકતા, નીખાલસતા, નીર્મળતા, નીયમીતતા અને સ્વચ્છતા જેવા સદ્ગુણોરુપી ગળથુથી પીવડાવવાની પ્રથા અપનાવવામાં આવી હોત તો પરીણામ કદાચ જુદું હોત. કોરી સ્લેટ જેવા બાળકને આસ્તીકતાની ગળથુથી પીવડાવવાને બદલે માનવતાની ગળથુથી પીવડાવવાનો પાયો નખાયો હોત તો આજે સમાજનું ચીત્ર કાંઈક જુદું હોત!

એવું કહેવાય છે કે કુમળા છોડને જેમ વાળીએ તેમ વળે. માબાપ દ્વારા બાળકના ઉછેર દરમીયાન શરુઆતથી નીચે મુજબના સંસ્કારો સીંચવામાં આવે તો તેનાં મીઠાં ફળ બાળકને તથા સમગ્ર સમાજને ચાખવા મળે તેમાં કોઈ શંકા નથી.

 1. ધર્મશાસ્ત્રોની આજ્ઞાઓનું પાલન કરવાની સાથોસાથ આપણાં બંધારણ તથા કાયદા–કાનુનનું ચુસ્તપણે પાલન કરવાથી ઈશ્વર–અલ્લા–ગૉડ વધુ રાજી થશે.

 2. પરીક્ષામાં કોઈ પણ પ્રકારે ચોરી કે ખોટી રીતરસમ અપનાવવાથી ભગવાન નારાજ થશે.

 3. કોઈના આશીર્વાદ કે કોઈની દયા કે કૃપાથી ભણવામાં હોશીયાર થઈ શકાય નહીં કે ઉજ્જવળ કારકીર્દી બની શકે નહીં. સાચી દીશામાં સખત મહેનત કરવાથી જ ઈચ્છીત પરીણામ મળી શકે.

 4. તમને શીક્ષણ આપનાર શીક્ષક તમારા ધર્મગુરુ જેટલા જ સન્માનનીય છે.

 5. ધર્મશાસ્ત્રો અને કાયદા–કાનુનનું પાલન કર્યા વગરની ધાર્મીકતા એકડા વગરનાં મીંડાં જેવી છે. આચરણ વગરની ધાર્મીકતાનો કોઈ અર્થ નથી.

 6. ખાલી ક્રીયાકાંડ કરવાથી ઈશ્વર–અલ્લા કે ગૉડ રાજી થતા નથી. તેમને માનો અને તેમનું ન માનો તો તેઓ નારાજ થાય છે.

વડીલો દ્વારા બાળકોને ઉપરોક્ત સુચનાઓનું સીંચન કરવામાં આવે તો રુઢીચુસ્ત આસ્તીકતાને બદલે સ્થીતીસ્થાપક અને વ્યવહારય આસ્તીકતાનું સર્જન ભાવી પેઢી માટે થઈ શકે. રેડીમેડ આસ્તીકતા ખતરનાક સાબીત થઈ રહી છે. બાળકો પોતાની ઈચ્છા મુજબની અને સ્વીકાર્ય હોય તેવી આસ્તીકતાનું સ્વયં નીર્માણ કરી તેને અપનાવે તેવી સ્વતન્ત્રતા આપવાનો સમય હવે પાકી ગયો છે.

કેટલાંક ધર્માન્ધ માવતરો ધાર્મીક ક્રીયાકાંડ કરતી વખતે પોતાનાં અણસમજુ અને નીર્દોષ બાળકોને પણ ચોક્કસ વેશભુષામાં સજ્જ કરી, ધાર્મીક સ્થાનોએ પોતાની સાથે ફરજીયાત લઈ જાય છે અને તેનું ગૌરવ અનુભવે છે. આવાં દૃશ્યો મને જોવા મળે ત્યારે હસવું કે રડવું તે નક્કી થઈ શકતું નથી. અત્યાચારનો જ આ એક પ્રકાર ગણી શકાય. બાળક પોતે શું કરી રહ્યું છે તેની પણ તેને ખબર ન હોય તેવી ધાર્મીક ક્રીયામાં તેને પોતાનું અહમ્ સન્તોષવા જોતરવું કેટલું વાજબી ગણાય? આવાં દૃશ્યો ધાર્મીક સ્થાનોની આસપાસ આપ સહુએ જોયાં હશે. કુમળા બાળકોને ધાર્મીક બાબતો કંઠસ્થ કરાવી પોપટની જેમ બોલાવતાં અને મહેમાનો સમક્ષ તેનું પ્રદર્શન કરાવી છાતી ફુલાવતાં માવતરોને આપ સહુએ જોયાં હશે.

આવાં છીછરાં માવતરો એવું ગૌરવ લેતાં હોય છે કે આવા ધાર્મીક સંસ્કારો તો આપણા લોહીમાં છે. આપણા લોહીમાં પ્રામાણીકતા, સચ્ચાઈ, નીખાલસતા, નીતીમત્તા, શીસ્તપાલનવૃત્તી, સ્વચ્છતા વગેરે છે કે કેમ તેમ જ આપણાં બાળકોને આ બધા સદ્ગુણો વારસામાં મળશે કે કેમ તેની ચીંતા કેમ કરવામાં આવતી નથી? આ બધા સદ્ગુણો પોતાના બાળકમાં છે કે કેમ તે સુનીશ્ચીત કરવાને બદલે આસ્તીકતા અને ધાર્મીકતા છે કે કેમ તેની ઉપર જ બધું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. પરીણામ એ આવે છે કે આવી એકડા વગરનાં મીંડાં જેવી વારસામાં મળેલી આસ્તીકતા અને આધ્યાત્મીકતાના રવાડે ચડી બાળક આખી જીન્દગી ધાર્મીક હોવાના વહેમમાં રાચ્યા કરે છે.

આ તબક્કે એક નોંધવા જેવી બાબત એ છે કે કોઈ પણ ધર્મ કે જાતીનું બાળક જન્મતાંવેંત શ્વાસ લેવાનું આપોઆપ શરુ કરી દે છે. માણસજાત ઉપરાન્ત તમામ પશુ–પ્રાણીઓનાં બચ્ચાંઓને માનાં સ્તનમાંથી દુધ કેવી રીતે પીવું તે કુદરતી રીતે જ આવડી જાય છે. આવી જ રીતે બાળક બેસતાં, ચાલતાં, બોલતાં શીખી જાય છે. યુવાનવયે પહોંચતાં સેક્સની જરુરીયાત સંતોષતાં તેને આપોઆપ આવડી જાય છે. આ બધી જીવનલક્ષી ક્રીયાઓ સાહજીક રીતે થતી હોય તો પછી ધર્મ કે આસ્તીકતા ઠોકી બેસાડવાની જરુર કેમ રહે છે ? આસ્તીકતા કે આધ્યાત્મીકતા પણ કુદરતી ક્રીયાઓની જેમ સહજ રીતે જ ઉદ્ભવેલી હોવી જોઈએ. લાદવામાં આવેલી આસ્તીકતા અનેક અનર્થો સર્જે છે.

આસ્તીકતા કે ધાર્મીકતા જો કુદરતદત્ત હોય તો ઉપર દર્શાવેલ અન્ય જીવનલક્ષી ક્રીયાઓની જેમ આનુવંશીક રીતે બાળક પોતાની જાતે જ શીખી જાત; પણ તેમ થતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો આ બાબત અન્દરથી ઉગતી નથી; પણ બહારથી રોપવામાં આવે છે અને તેથી હું દૃઢપણે માનું છું કે આસ્તીકતા જન્મજાત નથી; પણ પ્રત્યાર્પીત (trans-planted ) છે. આસ્તીકતાના પ્રત્યારોપણથી જ દુનીયાના ધાર્મીક ટુકડા થઈ જવા પામ્યા છે અને તેનાં પરીણામ દુનીયા ભોગવતી રહી છે.

        –બી. એમ. દવે

જેલ ખાતાની દીર્ઘકાલીન સેવાઓ દરમીયાન કાજળની કોટડીમાં રહીને લેખક શ્રી. બી. એમ. દવેનું સતત વાચન, મનન તથા જેલ ખાતાનાં સ્વાનુભવોનાં પરીપાકરુપે વીચારોનું વલોણું શરુ થયું. ગહન અભ્યાસ, ચીન્તન–મનન કરીને લખેલું પુસ્તક આસ્તીકતાની પેલે પાર (પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લી., લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કૉર્પોરેશન સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : (0281) 223 2460/ 223 4602 વેબસાઈટ : https://pravinprakashan.com ઈમેલ : pravinprakashan@yahoo.com પાનાં : 48, મુલ્ય : રુપીયા 50/-)માંનો આ પ્રથમ લેખ, પુસ્તકનાં પાન 09થી 13 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : 

શ્રી. બી. એમ. દવે, પાલનપુર – 385001 સેલફોન : 94278 48224

બી. એમ. દવે

ભ્રમના ભરોસે

ભ્રમના ભરોસે

–બી. એમ. દવે

સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે ભ્રમ એટલે શું? મારી દૃષ્ટીએ ભ્રમ કે ભ્રમણા એટલે પોતાની રીતે માની લીધેલું સત્ય. આવું સત્ય અનુકુળ અર્થઘટન ઉપર આધારીત હોઈ શકે અથવા રુઢીગત માન્યતા પર આધારીત પણ હોઈ શકે. આવી રીતે માની લીધેલા સત્યને કોઈ પ્રમાણભુત, તાર્કીક, બૌદ્ધીક કે વૈજ્ઞાનીક ટેકો નથી હોતો, પણ આવું માની લીધેલું સત્ય ગળચટ્ટું અવશ્ય હોય છે. આવા માની લીધેલા સત્યને કસોટીની એરણ પર ન ચડાવવાનો અભીગમ અપનાવવામાં આવે છે, કારણ કે માની લીધેલું સત્ય ખોટું સાબીત થવાની દહેશત હોય છે અને તેથી આવા ભ્રમમાં રાચવાની ખુશી કે આનન્દ છીનવાઈ જવાની બીકે તેને યથાવત્ રાખવાનું વલણ જોવા મળે છે અને તેથી એમ કહી શકાય કે આવા ભ્રમના ભરોસે જીવવાનું પસન્દ કરનાર વર્ગ બહુ મોટો છે.

થોડાં ઉદાહરણોની મદદથી મારા વીચારોને વધુ સ્પષ્ટ કરવાની કોશીશ કરું છું. સરેરાશ વ્યક્તીમાં એક એવી માન્યતા અથવા કહો કે ભ્રમ હોય છે કે આપણને કોઈ શારીરીક તકલીફ ન જણાતી હોય તો કોઈ રોગ શરીરમાં નથી તેમ દૃઢપણે માની શકાય. કોઈ રોગનાં લક્ષણો ન દેખાતાં હોય તેવી વ્યક્તી સમ્પુર્ણપણે તન્દુરસ્ત છે તેવી માન્યતા પ્રવર્તે છે. વાસ્તવમાં આ એક મોટો ભ્રમ છે, જેનો ભોગ ઘણી વ્યક્તીઓ અવારનવાર બને છે અને જીવ ગુમાવે છે. હકીકતમાં સમ્પુર્ણ તબીબી તપાસ અને લૅબોરેટરીમાં પરીક્ષણ કરાવ્યા પછી તબીબી દૃષ્ટીએ ફલીત થાય કે ખરેખર કોઈ રોગ શરીરમાં નથી ત્યારે જ માની શકાય કે વ્યક્તી સમ્પુર્ણપણે તન્દુરસ્ત છે. કોઈ રોગનાં કોઈ બાહ્ય લક્ષણો દેખાતાં ન હોવા છતાં વ્યક્તી કોઈ ગમ્ભીર રોગથી પીડાતી હોય તેવું સમ્ભવી શકે છે. એવા ઘણા કીસસાઓ મેં જોયા છે, જેમાં વ્યક્તી સમ્પુર્ણપણે તન્દુરસ્ત દેખાતી હોય અને કોઈ રોગનાં કોઈ બાહ્ય લક્ષણો ન જણાતાં હોવા છતાં તબીબી પરીક્ષણમાં આ વ્યક્તી કોઈ ગમ્ભીર રોગથી પીડાતી હોવાનું નીદાન થાય.

મારા એક નજીકના મીત્રમાં મને ડાયાબીટીસનાં લક્ષણો જેવાં કે તરસ વધુ લાગવી, વારંવાર પેશાબ થવો, ભુખ વધુ લાગવી, પગનાં તળીયા બળવાં અને હોઠ સુકાવા વગેરે માલુમ પડયાં. મેં લોહીની તપાસ કરાવી લોહીમાં શુગરનું પ્રમાણ જાણવા સલાહ આપી, પણ મીત્રે ઈન્કાર કરતાં કહ્યું : ‘‘મને નખમાંય રોગ નથી અને કોઈ શારીરીક તકલીફ નથી, તો શા માટે સામે ચાલીને સુતા સર્પ જગાડવા? લોહીની તપાસ કરાવીએ અને ડાયાબીટીસ નીકળે તો જીવીએ ત્યાં સુધી દવાઓ લેવાની. અને કડક પરેજી પાળવાની અને આખી જીન્દગી ડાયાબીટીસનું ટેન્શન લઈને ફરવાનું. તેના કરતાં કાંઈ છે જ નહીં તેમ માની રાજી રહેવું સારું.’’

મારા મીત્રની આવી માનસીકતા શું સુચવે છે? મોટા ભાગની વ્યક્તીઓ પોતાનું શરીરનું લૅબોરેટરી–પરીક્ષણ કરાવવાનું ઈરાદાપુર્વક ટાળે છે. બીજા શબ્દોમાં કહીએ તો તબીબી પરીક્ષણ કરાવ્યા પછી પોતે સમ્પુર્ણપણે તન્દુરસ્ત છે તેવું પાકું કરવાને બદલે કાંઈ થતું નથી, એટલે પોતાને કોઈ રોગ નથી તેવા ભ્રમમાં રહેવાનું પસન્દ કરે છે, કારણ કે આવું માનનાર વ્યક્તીને ઉંડેઉંડે વહેમ હોય છે કે તપાસ કરાવ્યા પછી કંઈક નીકળે અને પોતે તન્દુરસ્ત હોવાનો ભ્રમ ભાંગી જાય તો? અર્થાત્ વગર પરીક્ષણે તન્દુરસ્ત હોવાના ભ્રમમાં રાચવાનું વધુ પસન્દ કરાય છે.

કેટલાંક ડાયાબીટીસના દર્દીઓ ગળ્યું ખાવા ઉપર નીયન્ત્રણ રાખી શકતાં નથી અને ગળ્યું ખાવા માટે ધમપછાડા કરતાં રહે છે. મારા એક પરીચીત ખાંડના બદલે બધી જગ્યાએ ગોળનો ઉપયોગ છુટથી કરે છે અને માને છે કે ડાયાબીટીસના દર્દીને ખાંડ ન ખવાય, પણ ગોળ ખાવામાં વાંધો નહીં. મેં તેમને સમજાવ્યા : ‘ગળપણને લાગેવળગે છે ત્યાં સુધી ડાયાબીટીસના દર્દી માટે ખાંડ અને ગોળ બન્ને નુકસાનકારક છે.’ તો મને દલીલ કરતાં કહે છે : ‘‘મને ફલાણા ડૉક્ટરે આવી છુટ આપી છે.’’ મેં તેમનો ભ્રમ દુર કરવા મારા એક ડૉક્ટર–મીત્ર પાસે લઈ જઈ સેકન્ડ ઑપીનીયન મેળવી ગેરસમજ દુર કરવા સમજાવ્યા, પણ તેઓ તૈયાર ન થયા અને કહેવા લાગ્યા : ‘‘એક વખત મરવાનું છે જ ને? તો પછી ભુખ્યા રહીને મરવા કરતાં ખાઈને મરવું શું ખોટું?’’

આ કીસ્સામાં સ્પષ્ટ રીતે સાબીત થાય છે કે આ ભાઈ ગળ્યું ખાવાનું બન્ધ ન થઈ જાય એ બીકે પોતાના ભ્રમના ભરોસે રહેવા માગે છે અને ભ્રમ ન ભાંગી જાય તેની પણ કાળજી રાખે છે. રોજીન્દા જીવનમાં વારંવાર વપરાતો શબ્દપ્રયોગ ‘જોયું જશે હવે’ આ પ્રકારની માનસીકતા છતી કરે છે.

વાચકમીત્રો! આવો, હવે થોડા કલ્પનાના ઘોડા દોડાવીએ.

સામાન્ય રીતે દરેક વ્યક્તીને લાંબું જીવવાની ઈચ્છા હોય છે; પરન્તુ આપણે આપણું આયુષ્ય કેટલું છે તે જાણતા નથી, પણ લાંબુ જીવવા મળે તેવી અદમ્ય ઝંખના હોય છે અને પોતાનું આયુષ્ય લાંબું હશે તેમ માનીને જ દરેક વ્યક્તી જીવતી હોય છે. હવે ધારો કે માણસ ઈચ્છે તો અધીકૃત રીતે પોતાના મૃત્યુની તારીખ જાણી શકે તેવી અનુકુળતા થાય તો કેટલી વ્યક્તીઓ મૃત્યુની તારીખ જાણવા ઈચ્છે? મારી ધારણા મુજબ લોખંડી મનોબળવાળી અપવાદરુપ વ્યક્તીઓ જ આવી કોશીશ કરી શકે, કારણ કે પોતાને લાંબુ આયુષ્ય ભોગવવા મળશે તેવો ભ્રમ કે રહસ્ય અકબન્ધ રહે તેવું જ બધા ઈચ્છતા હોય છે.

પોતાના મૃત્યુની તારીખ જાણ્યા પછી તદ્દન ટુંકું આયુષ્ય હોવાની અને નજીકના ભવીષ્યમાં મૃત્યુ થવાની શક્યતા પણ રહેલી હોય છે અને જો આવી જાણ થઈ જાય તો લાંબું આયુષ્ય ભોગવવા માટે સેવેલો ભ્રમ ભાંગી જાય. આમ, આ ઉદાહરણ પણ એ હકીકત પ્રતીપાદીત કરે છે કે લગભગ દરેક વ્યક્તીને પોતાને અનુકુળ એવા ભ્રમના ભરોસે જ જીવવાનું ગમતું હોય છે.

જ્યોતીષી કે તાન્ત્રીક પાસે ઘણા અન્ધશ્રદ્ધાળુઓ પોતાનું ભવીષ્ય જોવરાવવા જતા હોય છે; પણ મુળભુત રીતે તેમનો ઈરાદો આવી પડેલાં દુ:ખો કે પ્રતીકુળતાઓમાંથી છુટકારો મેળવવાનો જ હોય છે. જ્યોતીષી, ભુવા કે તાન્ત્રીક ફક્ત ભવીષ્ય જોઈને અટકી જતા હોય તો કોઈ તેમની પાસે જાય નહીં; પરન્તુ આ લોકોએ ભ્રમની જાળ ફેલાવી હોય છે કે તેઓ કોઈ વીધી દ્વારા દુ:ખોનું નીવારણ કરશે અને તેથી જ લોકો હોંશેહોંશે છેતરાવા જતા હોય છે. કહેવાનું તાત્પર્ય એ કે ભવીષ્ય જાણવાનું જોખમ કોઈ લેવા ઈચ્છે નહીં.

ગામડાનો એક ખેડુત પોતાના ખેતરમાં દરરોજ રાતવાસો કરે. ખુલ્લામાં ખાટલો ઢાળીને સુઈ જાય. આવી જ રીતે એક રાતે તે સુઈ ગયેલો અને સાપ આવી ચડ્યો અને ખાટલા પર ચડી ગયો. ખેડુત ભરઉંઘમાં હોઈ તેને ખ્યાલ ન હતો કે તેની સાથે સાપ પણ ખાટલામાં હાજર છે. ઉંઘમાં મજબુત બાંધાના ખેડુતે પડખું ફેરવતાં સાપ નીચે દબાઈ અને કચડાઈ ગયો અને છેવટે મરી ગયો. ખેડુતને ઉંઘમાં ભ્રમ થયો; પણ તેણે વીંટો વળી ગયેલ પોતાનું ફાળીયું હશે તેમ માની લીધું અને સવાર સુધી મરેલા સાપ ઉપર સુઈ રહ્યો.

સવારે આંખ ખુલી તો પથારીમાં ચુંથાઈ ગયેલો અને મરી ગયેલો સાપ જોયો અને તે ભડકી ગયો, પથારીમાંથી કુદકો મારીને ઉભો થઈ ગયો અને પરસેવે રેબઝેબ થઈ ગયો કે સાપ કરડ્યો હોત તો? આ ખેડુત સાપના બદલે વીંટો વળી ગયેલ પોતાનું ફાળીયું હોવાના ભ્રમમાં આખી રાત સાપ ઉપર સુઈ રહ્યો. જો રાત્રે જ ઉંઘમાંથી જાગી ગયો હોત અને ભ્રમ ભાંગી ગયો હોત તો આ ખેડુત જેવી રીતે સાપ ઉપર આખી રાત સુઈ શક્યો તેવી રીતે સુઈ શક્યો હોત?

એક સુખી–સમ્પન્ન ભાઈને સાદી બીડી પીવાનું વ્યસન હતું. પોતાની વૈભવી કારમાં બેઠાં–બેઠાં તેમને બીડી પીતા જોઈ એક અપરીચીત વ્યક્તીને આશ્ચર્ય થયું અને તેનાથી અનાયાસે જ પુછાઈ ગયું : ‘‘તમારું સ્ટેટસ જોતાં તમારા હાથમાં બીડી શોભતી નથી. તમારા હાથમાં મોંઘી સીગરેટ હોવી જોઈએ.’’ બીડી પીનાર ભાઈએ પ્રત્યુત્તરમાં આઘાત લાગે તેવો ખુલાસો કરતાં કહ્યું : ‘‘સીગરેટ પીવાથી ફેફસાંનું કૅન્સર થવાની શક્યતા વધી જાય છે અને બીડીમાં દેશી તમાકુ હોવાથી કૅન્સર થતું નથી.’’ આ કીસ્સામાં પણ આવી અવૈજ્ઞાનીક માન્યતા શું સુચવે છે? બીડી પીવાથી કૅન્સર ન થાય તેવા ભ્રમ હેઠળ વ્યસન ચાલુ રાખવું છે. બીડી કે સીગરેટની તમાકુમાં રહેલ નીકોટીન ધુમાડાસ્વરુપે ફેફસાંમાં જાય, એટલે કૅન્સર થવાની શક્યતા રહે, પણ આ ભાઈએ પોતાના મનને ફોસલાવવા ભ્રમ ઉભો કરી પોતે સુરક્ષીત હોવાનો આનન્દ માણવાનું પસન્દ કર્યું.

આવી જ રીતે તમાકુયુક્ત ગુટકા કરતાં 135નો માવો ઓછું નુકસાન કરે છે અને મોઢાનું કૅન્સર થવાની શક્યતા ઓછી છે તેવા ભ્રમમાં રાચનાર વર્ગ બહુ મોટો છે. આવા ભ્રમની આડશમાં વ્યસન ચાલુ રાખવાનો અભીગમ ધરાવનાર મીત્રો પણ આવી દલીલ કરે છે : ‘જે લોકોને વ્યસન નથી તેમને પણ કૅન્સર થાય છે, એટલે વ્યસન છોડી દઈએ તો કૅન્સર ન જ થાય તેની ગૅરંટી છે કોઈ?’

અલબત્ત, આવી દલીલ કરનારને એ પણ ખબર હોય જ છે કે વ્યસન ન હોય તેવી વ્યક્તીને કૅન્સર થવાની શક્યતાની ટકાવારી 5થી 10 ટકા જેટલી જ હોય છે, જ્યારે વ્યસનીઓના કીસ્સામાં આ ટકાવારી 80થી 90 ટકા જેટલી હોય છે. કહેવાનો મતલબ એ કે મોટા ભાગે દરેક વ્યક્તીને પોતાના પંપાળેલા ભ્રમ હેઠળ જીવવામાં મજા આવે છે અને સુરક્ષા અનુભવાય છે અને તેથી જ આવા ભ્રમના ભરોસે તે વ્યક્તી નીજાનન્દ માણતી રહે છે; પણ તેના કારણે કે પરીણામે વાસ્તવીકતા બદલાઈ જતી નથી અને ક્યારેક ને ક્યારેક ભ્રમની ભેંસ પાડો જણીને ઉભી જ રહે છે.

        –બી. એમ. દવે

જેલ ખાતાની દીર્ઘકાલીન સેવાઓ દરમીયાન કાજળની કોટડીમાં રહીને લેખક શ્રી. બી. એમ. દવેનું સતત વાચન, મનન તથા જેલ ખાતાનાં સ્વાનુભવોનાં પરીપાકરુપે વીચારોનું વલોણું શરુ થયું. ગહન અભ્યાસ, ચીન્તન–મનન કરીને લખેલું પુસ્તક ભ્રમ ભાંગ્યા પછી…’ (પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લી., લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કૉર્પોરેશન સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : (0281) 223 2460/ 223 4602 વેબસાઈટ :  https://pravinprakashan.com  ઈમેલ : pravinprakashan@yahoo.com  પાનાં : 64, મુલ્ય : રુ. 65/-)માંનો આ પ્રથમ લેખ, પુસ્તકનાં પાન 09થી 13 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : 

શ્રી. બી. એમ. દવે, પાલનપુર – 385001 સેલફોન : 94278 48224