પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

ચાર્વાક્–દર્શન (ભાગ – બે)

ચાર્વાક્–દર્શન

રમણ પાઠક (વાચસ્પતી)

ભાગબે

 ગયા સપ્તાહથી શરુ થયેલો આ લેખ, આ સપ્તાહે પુર્ણ થાય છે.

આગામી સપ્તાહે બન્ને ભાગની સળંગ પીડીએફ મોકલીશ.

હવે આગળ વાંચો

યાવત્ જીવેત્ સુખં જીવેત ઋણં કૃત્વા ઘૃતં પીબેત્ ।

ભસ્મીભુતસ્ય દેહસ્ય પુનરાગમનં કુત: ।।

જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખચેનથી જ જીવો, દેવું કરીને પણ ઘી પીઓ ! કારણ કે એક વાર ભસ્મીભુત થઈ ગયેલો આ દેહ પુન: કદાપી આ સંસારમાં આવી શકતો નથી.

-ચાર્વાક્

અગાઉ લખ્યું તેમ ચાર્વાક્ માને છે કે આ સૃષ્ટીમાં કોઈ અલગ કે સ્વતન્ત્ર એવો સજીવ–ચેતન આત્મા નથી, જે છે તે ફક્ત આ દેહ છે અને તે કદાપી મૃત્યુથી બચી શકવાનો નથી. (નાસ્તી મૃત્યોર્ ગોચર:) તો પછી આ જીવનમાં મનુષ્યે કરવાનું શું છે ? દેવું કરીને પણ ઘી પીવું એટલે કે, સુખચેનથી, આનન્દપ્રમોદમાં જીવન વ્યતીત કરવું; કારણ કે પુનર્જન્મ જેવું પણ કશું જ નથી. પ્રાણી માત્રના જીવનનું ધ્યેય ફક્ત એક જ છે અને તે સુખથી જીવવું – લાઈફ ઈઝ ફૉર લીવીંગ – જીવન જીવવા માટે જ છે એટલું જ નહીં; આનન્દથી જીવવા માટે જ છે – એવું વાસ્તવીક તથા સયુક્તીક જીવનધ્યેય આજથી ત્રણેક હજાર વર્ષ પુર્વે આ મહર્ષી યથાર્થ રીતે ચીંધી ગયો, કદાચ તેને વીશ્વનો પ્રથમ એક્ઝીસ્ટેન્શ્યાલીસ્ટ–અસ્તીત્વવાદી કહી શકાય. (જો કે એપીક્યુરસ ચાર્વાક્નીય પુર્વે થયો.)

આમ  ચાર્વાક્નીય પુર્વે સદીઓથી ભારતીય ચીન્તન ક્ષેત્રે યદૃચ્છાવાદ નામક સૃષ્ટીની ઉત્પત્તી વીશેનો એક મત પ્રચલીત હતો જ, જે અનુસાર એમ માનવામાં આવતું કે આ સમગ્ર સૃષ્ટી અકસ્માતોની હારમાળાનું જ પરીણામ છે, એ કોઈ શક્તી કે વ્યક્તીનું સભાન સહેતુક સર્જન નથી. આમ યદૃચ્છાવાદમાં પણ ઈશ્વરનો ઈનકાર કરવામાં આવ્યો છે. યદૃચ્છા એટલે અકસ્માત. આજે તો મોટા ભાગના વીદ્વાનો–વીજ્ઞાનીઓ ‘બીગ બેંગ’ના સીદ્ધાન્તનો સ્વીકાર કરે છે. ઉક્ત સીદ્ધાન્ત, ટુંકમાં નીચે મુજબ છે :

પન્દર–વીસ અબજ વર્ષો પુર્વે, અસીમ અવકાશમાં રજકણોનું જે સુવીરાટ વાદળ હતું તે સ્વકીય ગુરુત્વાકર્ષણના બળે જ નીરન્તર સંકોચાતું રહ્યું. વીજ્ઞાનના અફર નીયમાનુસાર સંકોચ ઉષ્ણતા જન્માવે છે, પરીણામે આ વાદળના કેન્દ્રભાગે પ્રચંડ ઉષ્ણતાનો ઉદ્ભવ થયો અને એના બળથી તે ફાટી પડ્યું. એ જ બીગ બેંગ, અર્થાત્ મહાવીસ્ફોટ, જેને પરીણામે અવકાશમાં ચોમેર અગણીત દ્રવ્ય પીંડો ફંગોળાયા, જે ગતીમાન હોઈ, એમાંથી વળી નાનામોટા અસંખ્ય પીંડો બંધાયા. એ જ આજના તારકો તથા ગ્રહો, ઉપગ્રહો વગેરે..

ગ્રીક ચીંતક એપીક્યુરસની જેમ જ ચાર્વાક્ પણ પરમાણુવાદમાં માને છે, અર્થાત્ અવકાશમાં ગમેતેમ (રેન્ડમ) નીરુદ્દેશ ગતી કરતા પરમાણુઓ જ આ સૃષ્ટીનું મુળ કારણ છે. કણાદ મુનીનો પરમાણુવાદ તે જુદો. ચાર્વાક્ મત મુજબ પરમાણુઓના નૈસર્ગીક સ્વભાવ અનુસાર થતાં રહેલાં સંયોજનોથી જ આ વીશ્વ રચાતું ગયું છે. ચાર્વાક્ લખે છે કે જેમ અગ્ની ઉષ્ણ છે અને જળ શીતળ છે એમ પ્રત્યેક પદાર્થને એનો કુદરતી સ્વભાવ હોય છે, જે સ્વભાવના પ્રવર્તનથી જ સતત પરીવર્તનશીલ એવું વીશ્વ સર્જાતું રહે છે. નુતન સર્જન તથા વીનાશ જેવું કશું જ નથી. દ્રવ્ય જે હતું, છે; તે જ રહેશે. જડ–ચેતન જેવા પણ કોઈ મુળભુત ભેદો નથી. એ બધી લીલા રાસાયણીક સંયોજનોની જ છે, અર્થાત્ વીવીધ દ્રવ્યોના સંઘાતને પરીણામે જ જડ પદાર્થમાં ચેતન પ્રગટે છે. એમાં કોઈ સર્જક–સ્રષ્ટા હોવો અનીવાર્ય નથી. મતલબ, આ જગતનો કર્તા એવો ઈશ્વર હોવો શક્ય નથી, તેમ આવશ્યક પણ નથી; અર્થાત્ ઈશ્વર છે જ નહીં. જે છે તે કુદરત છે, પ્રકૃતી છે, એ અન્ધ છે. મતલબ કે એનામાં કોઈ વીવેકશક્તી નથી. તે તેના સ્વભાવ મુજબ જ અફર ગતી કરતી રહી છે. વીશ્વમાં આવાં અન્ધ પરીબળોનું જ અહેતુક સર્જન છે.

આવો નીરીશ્વરવાદ એ પણ મહર્ષી ચાર્વાક્ની મૌલીક શોધ તો નહોતી જ. તેઓની પુર્વે થઈ ગયેલા કપીલ મુની નીરીશ્વરવાદના મુળ પ્રણેતા ગણાય છે. જેઓએ સંભવત: યદૃચ્છાવાદથી પ્રભાવીત થઈને સાંખ્યદર્શનની રચના કરી હોવી જોઈએ. સાંખ્ય મતમાં ઈશ્વરના અનસ્તીત્વનું પ્રતીપાદન કરેલું છે કે ઈશ્વર જેવું કોઈ તત્ત્વ જ નથી. વીશ્વમાં વીચરણ કરતાં ભીન્ન ભીન્ન તત્ત્વો જ સૃષ્ટીની જ ઉત્પત્તીના કારણરુપ છે. કપીલ મુનીએ આ તત્ત્વોની સંખ્યા દર્શાવી માટે એને ‘સાંખ્યદર્શન’ કહેવામાં આવ્યું એવો પણ એક મત છે. જો કે ‘સાંખ્ય’નો એક અર્થ ‘જ્ઞાન’ એવો થાય છે. ગીતામાં જે ‘સાંખ્ય’ની ચર્ચા છે ‘સમ્યક્ જ્ઞાન’ના અર્થમાં જ છે.

જો કે સાંખ્યદર્શનની સાથે સાથે જ કદાચ એનીય પુર્વેથી આપણા ભારતવર્ષમાં ‘લોકાયતવાદ’ નામક એક મત પણ પ્રચલીત હતો. ‘લોકાયત’ એટલે ‘ઈહલોકમાં જે પ્રવર્તમાન, વીસ્તરેલું છે તે’, અર્થાત્ આ મત મુજબ ઈહલોક એટલે કે આ સંસારથી પર એવું અન્ય કોઈ વીશ્વ કે તત્ત્વ નથી. પરીણામે ઈશ્વર પણ નથી જ. આ લોકાયતવાદના મુળ પ્રણેતા બૃહસ્પતી નામના ઋષી હોવાનું કહેવાય છે. બૃહસ્પતી વૈદીક ઋષીઓમાંના એક છે, જે અંગીરસ ઋષીના પુત્ર હતા અને મહાવીદ્વાન હતા, એથી દેવોના પણ આચાર્ય ગણાયા. એથી જ કદાચ ગુરુના ગ્રહને તેઓની સ્મૃતીમાં બૃહસ્પતી એવું નામ આપવામાં આવ્યું. મીથ્યા કર્મકાંડના કર્દમમાં ખુંપી ગયેલા ભારતીય આર્યોને, બૃહસ્પતીએ નાસ્તીકતાનો ઉપદેશ આપ્યો અને નીરીશ્વરવાદનો પ્રચાર કર્યો. એક માન્યતા મુજબ ચાર્વાક્ ઋષી બૃહસ્પતીના જ શીષ્ય હતા. એ ગમે તે હોય, ઉભય ઋષીઓ આત્માના અર્થાત્ ચૈતન્યના અલગ અસ્તીત્વને કે ઈશ્વરને સ્વીકારતા નથી એ હકીકત છે અને બૃહસ્પતી ચાર્વાકની પુર્વે થયા એથી તેને શીષ્ય અવશ્ય કહી શકાય. એક મત એવો પણ છે કે બૃહસ્પતી જ્યારે અનુમાન પ્રમાણથી ઈશ્વરનું અસ્તીત્વ સીદ્ધ કરવાનું શીખવતા : જેમ કે પ્રત્યેક વસ્તુનો કોઈ સર્જક હોય જ છે; તો પછી આ વીશ્વના સ્રષ્ટા તરીકે ઈશ્વરનું અનુમાન કરી શકાય. ત્યારે ચાર્વાકે આવા ગુરુ–ઉપદેશનો વીરોધ કરતાં દલીલ કરી કે, રાત્રે ધુળમાં કોઈએ વાઘનાં પગલાં ચીતર્યાં હોય એને આધારે એવું અનુમાન કરવું કે અહીં રાત્રે વાઘ આવ્યો જ હોવો જોઈએ, તો એ અસત્ય ઠરે છે. એ જ પ્રમાણે ઈશ્વર, સ્વર્ગ, નરક, આત્મા, પુનર્જન્મ આદી માન્યતાઓને અનુમાનને આધારે સીદ્ધ સત્ય ગણી શકાય નહીં. તેના મતે પ્રત્યક્ષ પ્રમાણ એ જ સત્ય પ્રમાણ ગણાય. કહે છે કે ગુરુ બૃહસ્પતી શીષ્યની આવી સુક્ષ્મ તર્કપ્રતીભાથી ખુબ જ પ્રભાવીત થયા હતા.

જો કે આ બધી કેવળ માન્યતાઓ યા તો કીંવદંતીઓ જ છે. ખરેખર તો ચાર્વાક્ મુનીનાં જન્મ કે જીવન વીશે કોઈ આધારભુત માહીતી મળતી નથી. તેમ તેઓના દર્શનનો મુળ ગ્રંથ પણ ઉપલબ્ધ નથી. માત્ર તેઓના દર્શનનું ખંડન કરતા ગ્રંથોને આધારે જ, એટલે કે એમાંનાં કેટલાંક વીધાનો ઉપરથી જ આપણને ચાર્વાક્ મતનો થોડોઘણો પરીચય પ્રાપ્ત થયો છે. ચાર્વાક્નો જન્મ યુધીષ્ઠીર સંવત 661માં થયો હોવાનો પણ ઉલ્લેખ છે. પરન્તુ યુધીષ્ઠીર સંવતની ગણના શંકાસ્પદ હોઈ, કદાચ એટલું જ કહી શકાય કે ચાર્વાક્ ઋષી તથાગત્ બુદ્ધની પુર્વે થઈ ગયા એ ચોક્કસ અને બુદ્ધ પણ નીરીશ્વરવાદી જ હતા એય અત્રે નોંધવું ઘટે. કીંવદંતીઓ મુજબ તો ચાર્વાક્ની માતાનું નામ સ્રગ્વીણી અને પીતાનું નામ ઈન્દુકાન્ત હતું. તેઓનો જન્મ અવંતી દેશમાં શંખોદ્વાર નગરમાં થયો વગેરે… આ બધી હકીકતોનું કોઈ ઐતીહાસીક પ્રમાણ નથી અને એની કશી જરુર પણ નથી. આપણે કેવળ ચાર્વાક્દર્શન જ જોઈએ :

તો ખુબ જ મહત્વની, આજેય અનુકરણીય એવી તેઓની વાત તો એ કે :

અગ્નીહોત્ર કરવા, ભસ્મલેપન, ત્રીદંડ તથા માળાઓ ધારણ કરવી – એ ધર્મ નથી; પરન્તુ ધર્મને નામે બુદ્ધી તથા પૌરુષ વીનાના માણસોએ શોધી કાઢેલું આજીવીકા રળી ખાવાનું ધતીંગ માત્ર છે.

(આજે પણ આપણે ભગવાધારી ત્રીપુંડ–માલામંડીત બાવાસાધુઓથી આકર્ષાઈને મીથ્યા કર્મકાંડને જ ધર્મ માની પ્રભાવીત થઈએ છીએ ત્યારે ચાર્વાક્નું ઉપર્યુક્ત દર્શન યથાર્થ સમજવા જેવું છે. આ નાનામોટા સાધુગુરુઓએ તો પોતાનો રોટલો રળી ખાવા ખાતર જ આવો નાટકીય વેશ ધારણ કર્યો હોય છે. ટુંકમાં, ગુરુ બનવું ને અધ્યાત્મનો ઉપદેશ આપવો, ધ્યાનસાધનાની શીબીરો યોજવી, પ્રવચનો કરવાં, કથાપારાયણો ચલાવવાં, યજ્ઞયાગાદીના સમારોહ પ્રયોજવા, સ્વાધ્યાય–સત્સંગની સભાઓ ભરવી – આ બધું તો અમુક માણસોના કેવળ આજીવીકા રળવાના વ્યવસાયનાં જ વીવીધ પાસાં છે. આ ધર્મ નથી, તેમ તેનાથી તમારો ઉદ્ધાર પણ થઈ જવાનો નથી.)

યજ્ઞયાગાદી ક્રીયાઓના મીથ્યા કર્મકાંડ ઉપર કટાક્ષપ્રહાર કરતાં ચાર્વાક્ લખે છે :

યજ્ઞમાં પશુની હત્યા કરીને જો એને અગ્નીમાં હોમવાથી એ સ્વર્ગે જ જતું હોય, તો યજ્ઞનો યોજક યજમાન, શા માટે પોતાના પીતાને જ યજ્ઞની વેદીમાં હોમીને સીધા સ્વર્ગમાં મોકલી દેતો નથી ?

(ચાર્વાક્ તથા બુદ્ધના કાળ દરમીયાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞાદી ક્રીયાઓનાં ધતીંગ ખુબ ફુલ્યાંફાલ્યાં હતાં અને એ નીમીત્તે ભયંકર હીંસાચાર ચાલતો, પશુઓથી માંડીને નરમેધ સુધીના યજ્ઞો થતા અને હીંસા ઉપરાન્ત વીવીધ અશ્લીલ વીધીઓ પણ એમાં કરવામાં આવતી. દા.ત., અશ્વમેધમાં અશ્વ દ્વારા યજમાનપત્ની સાથે સંભોગ કરાવવો ઈત્યાદી.. ચાર્વાક્ના મત મુજબ આ કેવળ મીથ્યાચાર છે અને એની વાત સાચી જ છે; કારણ કે ભારતવર્ષમાં આજેય યજ્ઞો થાય છે – અનેક અને વીવીધ પ્રકારના. છતાં જ્યાં યજ્ઞો મુદ્દલે નથી થતા એવા પશ્ચીમી દેશોની અપેક્ષાએ આપણે અતીદરીદ્ર, અભાવગ્રસ્ત તથા દુ:ખગ્રસ્ત પ્રજા જ છીએ. બેએક વર્ષ પુર્વે અશ્વમેધ યજ્ઞો થયા અને ત્યારે એવી હૈયાધારણા અપાઈ હતી કે એથી ભરપુર વર્ષા થશે અને સમ્બન્ધીત પ્રદેશ ધનધાન્યથી છલકાઈ ઉઠશે. પરન્તુ આજે તો ગુજરાતમાં તથા જે નગરમાં આવા યજ્ઞો થયા એવા ખુદ રાજકોટમાં તો પીવાના પાણીનાંય ફાંફાં છે. હા, અશ્વમેધ યોજનારા મબલક નાણાં કમાઈ ગયા ખરા, એ ફલશ્રુતી સાચી !)

હવે અન્તમાં, ચાર્વાક્દર્શનના કેટલાક શ્લોકોનું સીધું મુક્ત ભાષાતર જ ટાંકી વીરમું :

જો શ્રાદ્ધ કરવવાથી મૃતાત્માને અન્નાદી પહોંચતું હોય તો પ્રવાસે જનાર વાટભાથું શા માટે સાથે બાંધી જાય છે ? એનાં સ્વજનો ઘરબેઠાં જ તર્પણ કરે તો એને તે કેમ ન પહોંચી જાય ? માટે શ્રાદ્ધ, તર્પણાદી ક્રીયાકાંડો એ તો બ્રાહ્મણોએ પોતાની જ આજીવીકા પડાવી ખાવા માટે શોધી કાઢેલી ધુર્ત યોજના માત્ર છે. અશ્વનો યજમાનપત્ની સાથે સમાગમ જેવા અશ્લીલ વીધીઓ પ્રચલીત કરનારા તથા એ નીમીત્તે માંસભક્ષણ કરનારા માણસો ઋષીમુનીઓ નહીં; પરન્તુ ભાંડ, ધુર્ત કે નીશાચરો જ હોવા જોઈએ, જેઓ અગડંબગડં વીદ્યાઓની ગપ્પાંબાજી ચલાવીને લોકને લુંટતા રહ્યા છે.

ચાર્વાક્ કહે છે કે :

દુ:ખના ભયથી સુખનો ત્યાગ ન કરો ! સુખી થવું અને અન્યને સુખી કરવા એ જ પુણ્યકર્મ છે વગેરે..

(ગુજરાતમાં જ ચાર્વાક્દર્શનનો એક આશ્રમ ચાલે છે, જેનો સમ્પર્ક જીજ્ઞાસુઓ સાધી શકે : ‘સનાતન સેવાશ્રમ’, મુ. પો. હારીજ, જીલ્લો : પાટણ)

રમણ પાઠક (વાચસ્પતી)

સુરતનાગુજરાતમીત્ર દૈનીકમાં વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી (હવે બંધ) પ્રા. રમણ પાઠકની લોકપ્રીય કટાર રમણભ્રમણના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને  શ્રી. રજનીકુમાર પંડ્યા, જનાબ યાસીન દલાલ તેમ જ શ્રી. ઉત્તમ ગજ્જરે મધુપર્ક ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1993; પાનાં : 380  મુલ્ય : રુપીયા 200) તે પુસ્તક મધુપર્કના પ્રકરણ : 11માનાં પૃષ્ઠ ક્રમાંક : 223થી 230 ઉપરથી, લેખક અને સમ્પાદકોના સૌજન્યથી સાભાર ..ગોવીન્દ મારુ..

લેખકસંપર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’ હવે આપણી વચ્ચે નથી.

અભીવ્યક્તી.બુક્સ વીશે :

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અક્ષરનાદ http://aksharnaad.com/downloads વેબસાઈટ તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન  http://www.gujaratilexicon.com/ebooks/  પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત સાવધાની રાખીશ..

..ગોવીન્દ મારુ..   

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનંતી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હા. સોસાયટી, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, એરુ ચાર રસ્તા, નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 14/10/2016

 

Advertisements
પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

ચાર્વાક્–દર્શન

ચાર્વાક્–દર્શન

 

ન સ્વર્ગો નાપવર્ગો વા

નૈવાત્મા પારલૌકીક: ।

નૈવ વર્ણાશ્રમાદી ના

ક્રીયાશ્ચ ફલદાયિતા: ।।

રમણ પાઠક (વાચસ્પતી)

વીશ્વમાં કોઈ સ્વર્ગ નથી, ક્યાંય મોક્ષ નથી, આત્મા નથી, તેમ કોઈ પરલોક પણ નથી… વર્ણાશ્રમ વગેરે ક્રીયાઓ અર્થહીન છે, તેથી કોઈ લાભ થતો નથી.

–ચાર્વાક્

નાસ્તીકતા (એથીઝમ) કે વીવેકબુદ્ધીવાદ (રૅશનાલીઝમ) એ કોઈ દેશ–કાળનો ઈજારો નથી, અર્થાત્ દેશેદેશે તથા યુગેયુગે નાસ્તીકો તેમ જ વીવેકબુદ્ધીવાદીઓ પ્રગટતા જ રહે છે; કારણ કે એ તો મનુષ્યની બુદ્ધી તથા વીવેકશક્તીનો જ એક સ્વાભાવીક; છતાં અસામાન્ય વીકાસ છે. અત્રે એને ‘સ્વાભાવીક’ ગણાવવા પાછળનો હેતુ એ કે, સંશય કરવો એ માનવચીત્તનો સ્વભાવ છે, જ્યારે નાસ્તીકતા–વીવેકબુદ્ધી ‘અસામાન્ય’ ગણાવવાનું કારણ વળી એ કે, મનમાં જામેલા સ્તરો ભેદીને સત્યની જ દીશામાં પ્રગતી કરવી, એવી વ્યક્તીઓ તથા ઘટના વીરલ છે. શુદ્ધ અને સત્ય તર્કસરણી સર્વસુલભ નથી; મનુષ્ય અવળા તર્કનો ભોગ સહેલાઈથી બની જાય છે અને સરળ યા કપોળકલ્પીત તારણોથી સન્તોષ માની લે છે. દા.ત., વીશ્વનું સર્જન કોણે કર્યું ? – એવું કુતુહલ પ્રત્યેક માણસના મનમાં જાગે; પરન્તુ તે એવા સરળ–કાલ્પનીક ઉત્તરથી મન મનાવી લે કે ઈશ્વર–પરમાત્મા નામક કોઈ મહાશક્તીશાળી તત્ત્વે; પછી સન્તોષ !

હકીકતે રૅશનાલીસ્ટ થવા માટે પ્રચંડ ચીન્તનશક્તી તથા સબળ, શુદ્ધ તર્કશક્તી જોઈએ. દા.ત., આ દુનીયા જો ઈશ્વરે જ બનાવી હોય તો પછી આમ કેમ, તેમ કેમ ? – એવો સંશય જેના ચીત્તમાં પ્રગટ્યા જ કરે અને શુદ્ધ લૉજીક તથા સાક્ષાત્ અનુભવ દ્વારા પુર્ણત: સત્ય જ્યાં પ્રતીત ન થાય ત્યાં સુધી તે વીચારતો જ રહે; ત્યારે જ તેનાથી રૅશનાલીસ્ટ બની શકાય. હું આવી પ્રગતીને, સત્ય પ્રતીની ગતીને રૉકેટ–ઉડ્ડયન સાથે સરખાવું છું. પ્રથમ તો, આ પૃથ્વીનાં બન્ધન ત્યજી અવકાશને આંબી શકવા માટે ચોક્કસ વેગવાળો પ્રાથમીક ધક્કો અનીવાર્ય રહે. એ પછી વીવીધ સ્તરો ભેદતાં આગળ ને આગળ ગતી કરવી પડે, જેવા કે હવામાનના સ્તરો–સ્ટ્રેટોસ્ફીયર, આયનોસ્ફીયર વગેરે જે હોય તે. અન્તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણનુંય પડ ભેદીને જ્યારે રૉકેટ બહાર નીકળી જાય, પછી તે મુક્ત અવકાશમાં અનાયાસ ગતીપ્રગતી કરી શકે. માનવચીત્તમાં જામેલા સ્તરો તે વારસાગત સંસ્કાર, ધાર્મીક માન્યતાઓ, શ્રદ્ધા–અન્ધશ્રદ્ધાઓ, અસત્ય કેળવણી વગેરે.. એ ભેદાય તો જ સત્યની, અર્થાત્ રૅશનલ અભીગમની અવકાશી મુક્તી પ્રાપ્ત થાય.

નાસ્તીકતા યા રૅશનલ અભીગમ એ કોઈ એક જ દેશ યા ચોક્કસ વીસ્તારના દેશોનો જ ઈજારો નથી. આપણે ખોટી રીતે માની લઈએ છીએ કે, વીજ્ઞાનમાં આગળ વધેલા દેશો, જેમ કે પશ્ચીમના દેશોની પ્રજા વૈજ્ઞાનીક માનસવાળી, વીવેકબુદ્ધીવાદી જ હોય. એથી ઉલટું, જો તમે યુરોપ–અમેરીકામાં સજાગ ચીત્તે ફરો, તો જોઈ શકશો કે ત્યાં પણ આપણા જેટલી જ મુર્ખાઓની બહુમતી છે. હા, શીક્ષણાદીના પ્રસારને કારણે થોડોક ફરક પડે, જે બહુધા તો વળી જીવનરીતીનું જ પરીણામ હોય; રૅશનલ અભીગમનું નહીં. જીવનરીતીનો આવો ભેદ તે શું ? – એ વીશે વીગતે વળી ક્યારેક લખીશું; છતાં દાખલો ટાંકી લઉ : અમેરીકામાં એક બાજુ કરન્સી નોટ પર છાપવામાં આવે કે ‘અમને ઈશ્વરમાં શ્રદ્ધા છે’ અને બીજી બાજુ વળી સજાતીય સમ્બન્ધ માટે કાયદેસરની માન્યતા મેળવવાનાં આંદોલનોય ચાલતાં હોય !

કાળની વાત કરી તો ગ્રીસમાં આજથી પુરાં ત્રેવીસસો વર્ષ વહેલાં (ઈ.સ.પુ. 342–270) એપીક્યુરસ નામનો એક નાસ્તીક વીચારક થઈ ગયો, જેણે જાહેર કરેલું કે ‘જીવન ખાઈ–પીને આનન્દ કરવા માટે જ છે. દેવોની ચીન્તા ન કરો ! તેઓ કશુંય કરી શકતા નથી’ વગેરે… હજી વીસમી સદીના અન્ત ભાગેય હજી આજેય આપણે કથાપારાયણોમાં, કૃતજ્ઞતા સમારોહોમાં, ધ્યાન–શીબીરોમાં તથા લક્ષચંડી અને કોટીચંડી યજ્ઞોમાં લાખોનાં ટોળાં જમાવી, તનમનનું પ્રદુષણ ફેલાવીએ છીએ; ત્યારે છેક અઢારમી–ઓગણીસમી સદીમાં અંગ્રેજ લેખક–વીચારક એસ. ટી. કોલેરીજે ઘોષણા કરેલી કે : ‘નાસ્તીક થવા માટે મનની જ પ્રચંડ શક્તી તથા હૃદયની જે ઉદારતા જોઈએ તે હજારમાંથી ભાગ્યે જ એકાદ વ્યક્તીમાં જોવા મળે !’ એ જ પ્રમાણે આપણા ભારતવર્ષમાં જ આશરે ત્રણેક હજાર વર્ષ પુર્વે એક નાસ્તીક મહર્ષી થઈ ગયો : ચાર્વાક્; જેણે આરંભે ટાંકેલ શ્લોક અનુસારની નીરીશ્વરવાદી ફીલસુફી પ્રર્વતાવી કે ઈશ્વર નથી, આત્મા નથી, સ્વર્ગ નથી, નરક નથી… વગેરે (ચાર્વાક્ નો જીવનકાળ ચોક્કસ રીતે મને મળી શક્યો નથી, તો ક્ષમાયાચના) ટુંકમાં, નાસ્તીક તથા વીવેકનીષ્ઠ (રૅશનલ) અભીગમ એ કેવળ કાળનું, યુગબળનું જ પરીણામ નથી; ખરેખર તો મનુષ્યની વીચારશક્તી તથા તર્કશક્તીનું જ એ પરીણામ છે. અલબત્ત, વીજ્ઞાનની અદ્ભુત તથા અકલ્પ્ય શોધોએ ઈશ્વરવાદની ભ્રમણા નષ્ટ કરવામાં અતીબળવાન ફાળો આપ્યો છે, જે અર્વાચીન યુગની જ મહાન દેન છે; છતાં એ સ્વીકારનારા આજે કેટલા ઓછા ?

વીજ્ઞાનના પ્રદાનની થોડી વાત કરીએ તો ઓગણીસમી–વીસમી સદીમાં ત્રણ ભીન્ન ભીન્ન ક્ષેત્રે જે ત્રણ મહાન વીજ્ઞાનીઓ પાક્યા એમણે ઈશ્વરની મીથ (કલ્પના–પુરાણકલ્પના) લગભગ છીન્નભીન્ન કરી નાખી, એ ત્રણે મહાનુભવો તે ડાર્વીન, ફ્રૉઈડ અને માકર્સ.

ડાર્વીને મનુષ્ય ઈશ્વરનું વીશીષ્ટ, દીવ્ય સર્જન છે (ગોડ ક્રીયેટેડ મેન ઈન હીઝ ઑન ઈમેજ) એ ખ્યાલનો સદન્તર છેદ એના  ઉત્ક્રાન્તીના સીદ્ધાન્તની સ્થાપના દ્વારા ઉડાવી દીધો.

ફ્રોઈડે મનુષ્ય પણ આખરે ભીતરથી તો પશુ જેવું પશુ જ છે – લગભગ 98 ટકા એમ સુક્ષ્મ–વ્યાપક માનસ સંશોધન દ્વારા સીદ્ધ કરી આપ્યું;

જ્યારે માર્ક્સે આર્થીક મનુષ્ય તથા આ પૃથ્વીપટે માણસ જ સર્વનો કર્તાહર્તા છે, એમાં ઈશ્વરનું કોઈ સ્થાન જ નથી. ધર્મ કેવળ શોષણનું સાધન, અજ્ઞાનજનોને બેહોશ રાખવા માટેનો અફીણી નશો છે ઈત્યાદી..

એમ આ ત્રણે ભૌતીક સત્યો પ્રકાશીત કરીને, ધર્મ તથા ઈશ્વરની આવશ્યકતાનો જ બહીષ્કાર કરી દીધો. વાસ્તવમાં આ ત્રણનો ફાળો પરમ્પરાગત કઠોર ભોંય ભાંગી નુતન માર્ગ કંડારવાનો છે; બાકી અન્ય અનેક સમર્થ વીજ્ઞાનીઓનો ફાળો પણ નાનોસુનો તો નથી જ. હકીકતે છેલ્લાં પાંચસો વર્ષથી વીજ્ઞાન અને ચર્ચ (ધર્મ) વચ્ચેનું જે યુદ્ધ ચાલતું હતું, એમાં ઓગણીસમી–વીસમી સદીના વીજ્ઞાનીઓએ ચર્ચને સમ્પુર્ણ પરાજીત કરી બતાવ્યું. જો કે સમગ્ર માનવજાત એ સ્વીકારે એ માટે તો હજી પ્રલમ્બ મજલ કાપવી બાકી છે.

નીરીશ્વરવાદ તથા વીવેકબુદ્ધીવાદના પ્રચારમાં આમ વીજ્ઞાનનો પરોક્ષ ફાળો પાયાનો તથા મહાન છે; પરન્તુ એના આધાર પર આ સત્યનીષ્ઠ વીચારણાને સીદ્ધાન્તબદ્ધ કરવામાં તથા સામાન્ય જનની સમજમાં આવે એ રીતે એને પ્રસ્તુત કરવામાં તો જે નીરીશ્વરવાદી, રૅશનાલીસ્ટ તત્ત્વચીંતકોએ સમર્થ કામગીરી અદા કરી છે તેઓ જ ઘણા વધુ યશના અધીકારી છે; કારણ કે વીજ્ઞાન પણ સબળ છતાં સરળ દલીલો દ્વારા લોકમાનસમાં ઉતારવું પડે. દા.ત., હજી આજેય એવા ગાંગડું માણસો – શીક્ષીતો સુધ્ધાં – અનેકાનેક છે કે જેઓ ડાર્વીનવાદને બીલકુલ સ્વીકારતા નથી, કદાચ સમજી જ શકતા નથી ! આ સમજવું અર્થાત્ ગળે ઉતારવું કે ગ્રહણ કરવું – એ સમસ્યા જ ઘણી દુષ્કર છે; કારણ કે હજીય એવા લોકો પ્રશ્ન ઉઠાવે જ છે કે ‘જો વાંદરામાંથી જ માણસ બન્યો હોય, તો આજે કેમ એ બનતો નથી ?’ ખેર, ઉપર જણાવ્યું તેવા મહાન નાસ્તીક રૅશનાલીસ્ટ ચીંતકોનાય થોડાં નામ ગણાવી લઈએ : બર્ટ્રાન્ડ રસેલ, ડૉ. અબ્રહામ કૉવુર, ઈન્ગરસોલ, આઈન રેન્ડ, ટૉમસ પેઈન, સ્પીનોઝા, વોલ્ટેર, માર્ક ટ્વેઈન, નીત્શે વગેરે..

તો હવે, ચાર્વાક્ દર્શનની ચર્ચા પર આવતાં પુર્વે આ મહાન વીચારકોના રૅશનલ ચીંતનનાં થોડાંક અવતરણો અત્રે પ્રસ્તુત કરું; જેથી વચ્ચેના સમયગાળામાં વાચક મીત્રોનેય ચીંતન કરવાની ભુમીકા પ્રાપ્ત થાય :

રસેલ લખે છે કે ઈશ્વર જો સર્વશક્તીમાન હોય તો એણે આ સૃષ્ટીમાં સીધું જ માનવીનું સર્જન કરી દેવું જોઈતું હતું અને પછી માનવના અસ્તીત્વ માટેની તમામ અનીવાર્યતાઓ સર્જી દેવી જોઈતી હતી. સર્વશક્તીમાનનું શ્રેષ્ઠ સર્જન, જે તેના જ સ્વરુપમાં સર્જવામાં આવેલ એવો જો માનવી જ હોય તો પછી, ઉત્ક્રાન્તીના સુદીર્ઘ તથા અટપટા ક્રમની આવશ્યક્તા જ ક્યાં રહી ? અમીબા કે ડાયનાસોરથી શરુઆત કરવાની જરુર જ શી ? વળી, અનીષ્ટો અને દુષ્ટતા કેમ પ્રવેશી ગઈ ? શા માટે ? (અરવીંદવાદીઓ વળી ચેતનાની ઉત્ક્રાન્તીમાં માને છે ! અરે મીત્રો, જો તમારી જ માન્યતા મુજબ ઈશ્વરની જ આવી યોજના હોય, તો પછી એ માટે આટલી લાંબી, આડીઅવળી અને અનીષ્ટસભર યાત્રા–પ્રક્રીયા શા માટે ? વાયરસ, બૅક્ટેરીયા કે અળસીયાનું સર્જન વળી કયા હેતુસર ?)

માણસને ધીક્કારવો અને ઈશ્વરને ભજવો – એ જ સર્વ ધર્મનો સાર છે. (ઈંગરસોલ).

દીવ્ય અનુભવ અર્થે ધ્યાનની લાંબી કંટાળાજનક ક્રીયા અનીવાર્ય જ નથી. બરાબર એવી જ માનસીક ભ્રમણાઓ નશીલાં દ્રવ્યોના સેવનથી, સંગીતના ઉન્માદથી, મન્ત્રના રટણથી, નાચવાકુદવાથી તથા હોર્મોન કે વીટામીનોની ઉણપથી થતા રોગો દ્વારા પણ અનુભવી શકાય છે. (ડૉ. કૉવુર).

શું વધુ હાનીકારક છે ? ઝનુન કે નાસ્તીકતા ? જવાબ છે : ઝનુન. ઝનુન જ ખરેખર હજારોગણું જીવલેણ છે; કારણ કે નાસ્તીકતા કોઈનુંય રક્ત રેડવાની ઉત્તેજના પ્રેરતી નથી. નાસ્તીક વ્યક્તીઓ માટે ગુનાખોરી અનીવાર્ય નથી, જ્યારે ઝનુનીઓ ગુનાખોર કૃત્યોને જ નોંતરે છે (વોલ્ટેર).

હું માનું છું કે જો ઈશ્વર સર્વશક્તીમાન હોય તો પ્રજાઓને તે વીનાશક યુદ્ધો ન જ ખેલવા દે અને નીર્દોષ મનુષ્યોને મરણશરણ થતાં નીરાધાર ન જ છોડી દે… (ટૉમસ પેઈન)

ક્રમશ: – આવતા સપ્તાહે આ લેખ પુરો થશે.

આ લાંબા લેખના બે ભાગ કર્યા છે. અહીં પહેલો ભાગ પુરો થાય છે. આવતા શુક્રવારે લેખના છેલ્લા ભાગમાં લેખકે ચાર્વાક્ ના પ્રાપ્ય સુત્રોના સાર સમજાવ્યા છે.  ગો. મારુ

રમણ પાઠક (વાચસ્પતી)

સુરતના ગુજરાતમીત્ર દૈનીકમાં વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી (હવે બંધ) પ્રા. રમણ પાઠકની લોકપ્રીય કટાર રમણભ્રમણના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને  શ્રી. રજનીકુમાર પંડ્યા, જનાબ યાસીન દલાલ તેમ જ શ્રી. ઉત્તમ ગજ્જરે મધુપર્ક ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1993; પાનાં : 380  મુલ્ય : રુપીયા 200) તે પુસ્તક મધુપર્કના પ્રકરણ : 11માનાં પૃષ્ઠ ક્રમાંક : 223થી 230 ઉપરથી, લેખક અને સમ્પાદકોના સૌજન્યથી સાભારગોવીન્દ મારુ

લેખકસંપર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’ હવે આપણી વચ્ચે નથી.

અભીવ્યક્તી.બુક્સ વીશે :

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અક્ષરનાદ http://aksharnaad.com/downloads વેબસાઈટ તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સમુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત સાવધાની રાખીશ..

ગોવીન્દ મારુ

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી  બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનંતી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હા. સોસાયટી, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, એરુ ચાર રસ્તા, નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 07/10/2016

પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

સ્વર્ગ આકાશમાં નહીં; ધરતી પર જ છે

Prof-Raman-Pathak-જન્મ : 30–07–1922            અવસાન : 12–૦3–2015

31-07_Fotor

સ્વર્ગ આકાશમાં નહીં; ધરતી પર જ છે

રમણ પાઠક (વાચસ્પતી)

ન સ્વર્ગો નાપવર્ગો વા નૈવાત્મા પારલૌકીક:

–ચાર્વાક

ધર્મ, જે સામાન્ય રીતે પ્રેમ, કરુણા, સહાનુભુતી, ભાતૃભાવ જેવા માનવીય ગુણો પ્રબોધે છે, એને બદલે જો તે નફરત, ઘૃણા, તીરસ્કાર અને વેર ફેલાવતો હોય તો, દરેકે સચેત થઈ જવું જોઈએ. હીન્દુ ધર્મમાં જ સ્વામી વીવેકાનન્દ, સ્વામીશ્રી દયાનન્દ સરસ્વતી, કબીર, ગૌતમ બુદ્ધ કે ઈશ્વરચન્દ્ર વીદ્યાસાગર જેવી વીભુતીઓ અને દાર્શનીકોએ કર્મકાંડ, મુર્તીપુજા આદીનું ખંડન કર્યું જ છે. અને માનવગૌરવની પ્રતીષ્ઠા કરી છે. આ દેશમાં ગરીબી, આર્થીક અસમાનતા, શોષણ, અનારોગ્ય, અન્ધશ્રદ્ધા, વહેમો અને રુઢીજડતા સદીઓથી પ્રવર્તમાન છે. આપણે જીવનનાં ઈતર ક્ષેત્રોમાં પરીવર્તનો સહેલાઈથી સ્વીકારી લીધાં છે. પરન્તુ ધર્મ કે ધર્મગ્રંથો દ્વારા અપાયેલાં ઉપદેશ – માન્યતાઓમાં પરીવર્તન કરવા આપણે લેશમાત્ર તૈયાર થતા નથી. વાસ્તવમાં, હજારો વર્ષ અગાઉ તત્કાલીન રાજકીય, સામાજીક કે ધાર્મીક પરીપ્રેક્ષ્યમાં લખાયેલા ગ્રંથો કે એની આચારસંહીતા વર્તમાન સંજોગોમાં કેટલા સુસંગત તથા ઉપયોગી ? એ પ્રશ્ન તપાસવાની તાતી જરુર છે.

–અશ્વીન ન. કારીયા (‘સ્વર્ગ–નરકની માન્યતાઓ’ પુસ્તકમાંથી)

આપણા પુર્વજ ઋષીમુનીઓ મહાજ્ઞાની હતા, અને આજના વીજ્ઞાનની તમામ સીદ્ધીઓ તથા શોધો હજારો વર્ષો પુર્વે તેઓ કરી જ ચુક્યા હતા, જેનો અણસાર અથવા આછા કે સુચીતાર્થરુપ પુરાવા આપણા ધર્મગ્રંથોમાંથી મળે જ છે.

–એવા એવા દાવા… કેટલાક પ્રાચીનતાપ્રેમી ધર્મનીષ્ઠો યા સાધુસંતો અને ધર્માચાર્યો કરે છે, ત્યારે મને એક વીચાર આવે છે કે મહાસાગરમાં બેચાર ઘડા પાણી ઉમેરવાથી લાભ જ શો ? હીન્દુ ધર્મ અર્થાત્ પ્રાચીન આર્યધર્મ મહાન છે, અતીમહાન છે જ. એના ધર્મગ્રંથો, વેદો કે ઉપનીષદો અને પુરાણોમાં જે ઉંચું અને ઉંડું ચીન્તન છે, માનવતાનો સદુપદેશ છે, જીવન વીશેની ભવ્ય કલ્પનાઓ છે, ‘દ્યૌ: શાંતી: અંતરીક્ષં શાંતી: વનસ્પતય: શાંતી, સર્વ શાંતી:’ અથવા તો ‘અત્રૈવ વીશ્વં ભવતી એકનીડમ્’ કે પછી ‘શુની ચ એવ, શ્વપાકે ચ પંડીતા: સમદર્શીન:’ – એવી એવી ભાવનાઓ, માનવસમાજ માટે અતીમુલ્યવાન તથા પ્રેરક એવા એવા સનાતન સદબોધ આ જ ધર્મે આપેલાં છે, જો કે એ જ ધર્મ વર્ણવ્યવસ્થા, ઉંચનીચના તીવ્ર ભેદભાવ તથા અસ્પૃશ્યતાય પ્રવર્તાવ્યાં છે, એ ધર્મશાસ્ત્રમાં વીજ્ઞાનનાં સત્યો ન હોય, તોય એથી શો ફરક પડે છે ? વર્તમાન માનવીની અપેક્ષાએ આપણા પુર્વજો ઘણા અજ્ઞાન હતા, ખાસ કરીને ભૌતીક વીજ્ઞાનોમાં, એ હકીકત સ્વીકારી લેવાથી, આપણા મહાન પુર્વજોનાં કાર્યોની કે એક ભવ્ય સંસ્કૃતી તથા સમાજની મહાનતામાં લેશમાત્ર ઉણપ આવતી નથી, એમ મારું નમ્રપણે માનવું છે.

દા.ત., માનવસર્જીત પ્રથમ ઉપગ્રહ ઋષી વીશ્વામીત્રે ચઢાવ્યો હતો, અથવા પ્રથમ પ્લાસ્ટીક સર્જરી ભગવાન શંકરે કરી, ગણપતીજીના ધડ પર હાથીનું માથું બેસાડી આપ્યું હતું – એવી એવી માન્યતાઓ સેવવી યા પ્રચારવી એ અનાવશ્યક એવો હાસ્યાસ્પદ પુરુષાર્થ છે. ગણપતીદેવની પ્લાસ્ટીક સર્જરી વીશે આપણા જાણીતા ગઝલકાર, હાસ્યકાર અને વીચારક શ્રી. રતીલાલ–અનીલે કટાક્ષમય વીવરણ આપ્યું છે: કોઈ અંગ કપાય યા અન્યનું જોડાણ થાય, ત્યારે બ્લડ ગ્રુપ માણસના લોહી સાથે બરાબર મળતું આવે, એવું ‘કોસ્મોપોલીટીન’ હોય છે કે નહીં, એ તો મને ખબર નથી… વળી હાથીના મસ્તકનાં અંગોપાંગો માનવભાષા કેવી રીતે બોલી શક્યાં હશે ? એય એક પ્રશ્ન છે. દેવોના વૈદ્ય અશ્વીનીકુમારે ચોક્કસ વીદ્યા જાણી લેવા માટે કોઈ ઋષીનું મસ્તક કાપીને એને ઘોડાનું માથું ચોટાડ્યું, એ પછી એ અશ્વ મસ્તક પેલી દીવ્ય વીદ્યા માનવવાણીમાં બોલી ગયું, તો પ્રશ્ન એ રહે છે કે કોઈ માનવેતર પ્રાણીના દા.ત., બકરાના ધડ પર માનવમસ્તક ફીટ કરી દેવામાં આવે તો શું થાય ? ઈત્યાદી.

સત્ય હકીકત તો એ જ કે આવી બધી વાતો સત્ય – આધારીત નહીં; પરન્તુ માનવમનની ધર્માભીમાની મનગમતી કલ્પનાલીલા જ છે. તે જ રીતે, આપણા પુર્વજોએ આવી કપોળકલ્પનાઓ કરી, એની પાછળનું મુખ્ય કારણ એ જ કે જીજ્ઞાસા તીવ્ર હતી, ઈચ્છાઓ, આવશ્યકતાઓ અને અનીવાર્યતાઓ પણ ઉત્કટ હતી; પરન્તુ સત્ય પામવું એટલું સરળ નહોતું. એટલે એ પુર્વપેઢીઓએ અવનવીન અને અદ્ભુત કલ્પનાઓમાં રાચીને સંતોષ લેવો રહે એ સ્વાભાવીક લેખાય. આપણા પુર્વજોના વીરાટ જ્ઞાનરાશી વીશે મેં અગાઉ આ વીભાગમાં લખ્યું જ છે; પરન્તુ જ્ઞાનનાં એ સર્વ ક્ષેત્રો ઐહીક તથા માનવસાધ્ય હતાં. નરી આંખે જોઈ શકાય એવાં અને ઈન્દ્રીયગોચર હતાં, તે કરતાં અનેક ગણાં વધુ તો ‘આધ્યાત્મીક હતાં, જે શંકાસ્પદ લેખાય.’ બીજી બાજુ, આજે છે એવાં અટપટાં અનેકવીધ વૈજ્ઞાનીક સાધનોના અભાવે, આપણા પુર્વજો કેટલાંક સુક્ષ્મતમ અથવા તો વીરાટ સત્યો પામી શકેલા નહીં, એ સમજી શકાય અને સ્વીકારી શકાય એવી હકીકત છે. દા.ત., બેક્ટેરીયા કે વાયરસ અથવા તો ક્વાસાર, પલ્સાર અને બ્લેક હૉલ જેવી વસ્તુઓ કે ઘટનાઓ પારખી શકવા તેઓ શક્તીમાન નહોતા. બીજી બાજુ, સાહીત્ય, ચીત્રકલા, સંગીત, નાટ્યકલા, નૃત્યકલા, યંત્રવીદ્યા, બાણવીદ્યા, આયુર્વેદ, ભાષાવીજ્ઞાન વગેરે… વગેરે અનેકાનેક વીદ્યાશાસ્ત્રો તેઓએ વીકસાવ્યાં હતાં. છતાં પાણી એ ઓક્સીજન અને હાઈડ્રોજનનું સંયોજન છે, અથવા તો E=mc2ના સમીકરણની તેઓને લેશમાત્ર જાણ નહોતી. અને એમાં કશી નાનમ માનવાને પણ કારણ નથી. માનવજીવનની વ્યવસ્થા અને એના ધ્યેયો સન્દર્ભે એ પુર્વજો કેટલીક ઉત્તમોત્તમ વીભાવનાઓ અવશ્ય સેવતા હતા; એય તેઓની મહાનતા જ છે. આટલી પ્રાસ્તાવીક ચર્ચા તો અત્રે મેં એટલા માટે કરી કે આ લેખમાં હું ડો. અશ્વીન કારીયા લીખીત ‘સ્વર્ગ–નરકની માન્યતાઓ’ – પુસ્તકનો કેટલોક રસપ્રદ પરીચય કરાવવા પ્રવૃત્ત થયો છું. પ્રારંભે જ કહી દઉં કે સ્વર્ગ અને નરક જેવાં સ્થાનો હોવાની કલ્પના લગભગ તમામ ધર્મોમાં પ્રવર્તમાન છે, આવી માન્યતા સદંતર નીરાધાર છે; પરન્તુ એવી કલ્પનાના મુળમાં માણસની એ તીવ્ર જીજ્ઞાસા રહેલી છે કે મૃત્યુ બાદ શું હશે ? ઉપરાંત, સારાં–નરસાં કર્મોનો બદલો જો આ સંસારમાં ન મળતો હોય તો પછી તે ક્યાં મળે અને શું મળે ? જવાબમાં, માનવીએ કલ્પના કરી કે સારાં કર્મોના, પુણ્યના બદલામાં સ્વર્ગ મળે, જ્યાં બધું જ ઉત્તમ, સુખમય અને આનન્દમય છે, દેવોનું એ નીવાસસ્થાન છે, જ્યાં દુ:ખ નથી, ભુખ નથી, ત્રાસ નથી. એથી ઉલટું ત્યાં આનન્દ–આનન્દ અને મોજમસ્તી છે, ઘી–દુધની નદીઓ વહે છે, અપ્સરાઓનાં નાચગાન ચાલે છે, સુરાપાન છે, મીષ્ટાન્ન છે વગેરે… વગેરે. બીજી બાજુ, પાપના બદલામાં જે નરકની સજા થાય છે, ત્યાં બધું સ્વર્ગથી ઉલટું જ છે : ત્રાસ છે, દમન છે, પીડા છે, મારફાડ છે, આગ અને ઉકળતા તેલની સજાઓ છે, માર્ગે મલીન અને ગંધાતી એવી લોહીપરુની નદી વૈતરણી છે, ત્યાં રાક્ષસો, પીશાચો, યમદુતો વગેરે અત્યન્ત ક્રુર તત્ત્વો જીવાત્માને ઘોર પીડા આપે છે ઈત્યાદી (પૃષ્ઠ–03).

ખગોળના સત્ય જ્ઞાનના અભાવે, આપણા પુર્વજોએ પૃથ્વીપીંડની ઉપર–નીચેના વીશ્વ વીશે કેવી કેવી કલ્પનાઓ દોડાવી છે એ જાણવું ખુબ–રસપ્રદ નીવડે તેવું છે. ડૉ. કારીયા લખે છે : ‘પ્રાચીન આર્ય–હીન્દુ ધર્મ મુજબ, પૃથ્વીની ઉપર તથા નીચે એમ સાત–સાત લોક છે, જેને અનુક્રમે સ્વર્ગલોક અને પાતાળલોક કહેવામાં આવે છે : સાત સ્વર્ગ: ભુર, ભુવ: સ્વ: મહ:, જન: તપ: અને સત્યલોક. જ્યારે નીચેનાં પાતાળો છે : અતલ, વીતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ… નરકનું ભૌગોલીક સ્થાન પાતાલની નીચે, ગર્ભોદક નામક પાણીની ઉપર આવેલું છે, જેનો વીસ્તાર ત્રીસ હજાર યોજનનો જણાવાય છે. પુરાણો અનુસાર નરકની સંખ્યા અઠ્ઠાવીસ છે.’ આ નરકોની પુરી યાદી માટે જીજ્ઞાસુએ મુળ પુસ્તક જોવું (પૃષ્ઠ–05).

આર્ય–હીન્દુ ધર્મની જેમ જ અન્ય ધર્મોમાં પણ સ્વર્ગ–નરકની કલ્પનાઓ છે જ; પરન્તુ એ પરસ્પરવીરોધી છે. બૌદ્ધધર્મના નરકના ભેદ દસ જ, જ્યારે ખ્રીસ્તી, પારસી– જરથોસ્તી અને ઈસ્લામમાં સ્વર્ગ–નરક વીશેના ખ્યાલો બીજા ધર્મના તદ્વીષયક ખ્યાલો સાથે પુરેપુરા મળતા આવતા નથી. હવે સત્યનો એ અફર નીયમ છે કે તે ‘એકમેવાદ્વીતીયમ્’ જ હોય. સત્યદર્શનમાં પરસ્પર વીરોધ સંભવી શકે નહીં. તદનુસાર સ્વર્ગ–નરકનો ખ્યાલ કેવળ કપોળકલ્પના જ સીદ્ધ થાય છે (પૃષ્ઠ–11).

આજે તો માનવસર્જીત અવકાશયાનોએ દુરસુદુરના બ્રહ્માંડનેય આંબવા માંડ્યું છે, જ્યારે શક્તીશાળી ટેલીસ્કોપોએ અબજોનાં અબજો જેટલાં તારાવીશ્વોની પ્રત્યક્ષ ભાળ મેળવી આપી છે. છતાં અદ્યાપી ક્યાંય સ્વર્ગલોક, દેવલોક, સત્યલોક અથવા રસાતાલ કે પાતાલ, રૌરવ યા વીરાસન જેવા નરકધામો કાંઈ કહેતા કાંઈ જોવા મળ્યું નથી, એવા કોઈ અસ્તીત્વનો અણસાર સુધ્ધાં પ્રાપ્ત થયો નથી. મતલબ કે એવાં કોઈ સ્થાનો છે નહીં, યા હતા પણ નહીં. એ સર્વ આપણા જીજ્ઞાસુ પુર્વજોની મનગમતી તેમ જ કાવ્યમય કલ્પનાઓ હતી, ઉપરાંત લોકને સન્માર્ગે પ્રેરવાનું સાધન પણ એ હતી.

જો કે શ્રી. યશવંત મહેતા લખે છે એ પણ એટલું જ સાચું છે કે, ‘અજ્ઞાનના એજન્ટ એવા વીવીધ ધર્મોએ આ ભ્રામક માન્યતાઓના પાયા પર કેવા કેવા ખ્યાલોની સૃષ્ટી રચી…! ધર્મવાળાઓ ચીંધે તેમ, એ લોકોની સમૃદ્ધી વધારતી ક્રીયાઓ કરો, તો ‘સ્વર્ગ’ મળે એવી લાલચ તેમ જ, જો એ લોકને ન રુચતી રીતે વર્તો અથવા એમનાં પેટ ના ભરો; તો ‘નરક’માં યાતના સહેવી પડે એવો ભય– આમ લાલચ અને ભય એ બે જ તમામ ધર્મોના પાયા છે.’  

ડૉ. કારીયાએ આ પુસ્તીકામાં આવી બધી માન્યતાઓનું મુળ સુપેરે શોધી આપ્યું છે. (શ્રી. યશવંત મહેતાએ પુસ્તકના છેલ્લા ટાઈટલ પર લખેલ ‘આવકાર્ય અભ્યાસ’માંથી સાભાર..) એ ઉપરાંત, પ્રાસ્તાવીક કથનમાં, શ્રી. રમેશ સવાણી તથા શ્રી. ઈન્દુકુમાર જાની લખે છે : આપણે ત્યાં તો ‘લોકાયતદર્શન’ના પ્રસીદ્ધ ‘આચાર્ય ચાર્વાક’ના જમાનાથી જ સ્વર્ગ અને નરકની માન્યતાનું ખંડન થતું જ રહ્યું છે… ન્યાયમુર્તી ચન્દ્રશેખર ધર્માધીકારીએ કહેલી એક વાત યાદ આવે છે કે, ‘જે સ્થળે કશીય મહેનત વગર બધી સુખસગવડો મળે, સુન્દર અપ્સરાઓ તહેનાતમાં હોય, તો એને તો હરામખોરોનો અડ્ડો જ કહેવો કે બીજું કાંઈ ?’ (પ્રકાશક : અશ્વીની આર્ટ પ્રા. લી., સેન્ટર પોઈન્ટ, બસ સ્ટેશન સામે, ગોધરા – 389001)

ભરતવાક્ય

… સ્વર્ગ નથી, ભગવાન નથી, આ ધરતી પર જ સ્વર્ગ છે, સજ્જન વ્યક્તી દેવતા છે, સત્સંગ સ્વર્ગ છે માટે આ ધરતીને જ સ્વર્ગ બનાવી લો ! આકાશમાં કોઈ સ્વર્ગ નથી. માણસ સાથે આદર અને પ્રેમપુર્વક વર્તાવ કરો, દરેકમાં દેવતાનું રુપ નીહાળો, તો સર્વ સ્થળ સ્વર્ગ જ પ્રતીત થશે.  –કબીર

રમણ પાઠક (વાચસ્પતી)

ગુજરાતમીત્ર દૈનીક, સુરતમાં વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી (હવે બંધ) એમની લોકપ્રીય કટાર રમણભ્રમણના લેખોમાંના જુદા જુદા મુદ્દાઓ વીશે, જુદા જુદા વીષયોનું સંકલન કરીને સુરતના મીત્ર, કવી–ગઝલકાર અને આચાર્ય શ્રી. સુનીલ શાહે ( sunilshah101@gmail.com ) વીવેક–વલ્લભ ગ્રંથ સાકાર કર્યો.  વીવેકવલ્લભના પ્રકરણ : 18માંથી સંપાદકશ્રીના સૌજન્યથી આ લેખ સાભાર… આ જ વીવેક–વલ્લભ ગ્રંથની ઈ.બુક અભીવ્યક્તીબ્લોગના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગમાંથી તેમ જ ‘અક્ષરનાદ’ અને  ‘લેક્સિકોન’ વેબસાઈટ પરડાઉનલોડ કરવાની સુવીધા છે. તેનો લાભ લેવા વીનન્તી. ..ગોવીન્દ મારુ..

લેખકસંપર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી હવે આપણી વચ્ચે નથી.

અભીવ્યક્તી.બુક્સ વીશે :

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત સાવધાની રાખીશ..

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હા. સોસાયટી, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, એરુ ચાર રસ્તા, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450  જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 30/07/2016

 

પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

શ્રદ્ધા–અન્ધશ્રદ્ધા

રમણ પાઠક (વાચસ્પતી)

        [71.] શ્રદ્ધા સેવવી અને સંશય ન કરવો એ અત્યંત હાનીકર્તા એવી પ્રમાદી મનોદશા છે, જેણે સદીઓથી માનવજાતને ઘોર યાતનાનો ભોગ બનાવી છે. ફીલસુફી–ચીન્તનદર્શનનું ઉદભવસ્થાન જ સંશય છે: ફીલોસોફી ઈઝ ડાઉટ– સંશય એટલે જ તત્વચીન્તન. આપણા પુર્વજોએ ધર્મનાં ફરમાનો પ્રત્યે થોડોક પણ સંશય દાખવ્યો હોત, તો કેટકેટલી ઘોર નરકયાતનામાંથી માણસ બચી ગયો હોત ! દા.ત., બાઈબલનું ફરમાન છે કે ‘તું ડાકણને જીવતી જવા દેતો નહીં !’ અને ડાકણ મનાતી સ્ત્રી ઉપર પાસવી અત્યાચારો ગુજારવાનો અને એને જીવતી જલાવી દેવાનો રવૈયો મધ્યયુગમાં શરુ થયો. ભારતમાં પતી પાછળ સતી થવાના ધાર્મીક ફરમાન નીમીત્તે લાખો કોડીલી કન્યાઓ, યુવતીઓ, પ્રૌઢાઓને એમાનાં જ સ્વજનોએ જબરજસ્તી જીવતી જલાવી દીધી. આ ઉપરાંત, ધર્મપાલનને નામે માણસ તેમ જ પશુની રાક્ષસી રીબામણીનો રવૈયો ભીષણ ચાલ્યો. અને આજેય નથી ચાલતો એવું આશ્વાસન લઈ શકાય એમ તો નથી જ. ચારપાંચ હજાર વર્ષ પુરાણો ધર્મનો ઈતીહાસ ઘોર માનવયાતનાથી ભયાનક કમકમાંપ્રેરક છે, જેમાં કોઈ ધર્મ અપવાદ નથી. માટે આજે શ્રદ્ધાળુઓએ ચેતી જવા જેવું છે, કારણ કે ઈતીહાસની એ ભુંડી આદત છે કે તે કશો બોધપાઠ આપતો નથી, અને એનું પુનરાવર્તન થયા જ કરે છે !

        [72.] જે રાષ્ટ્રમાં ધોધમાર કથા–પારાયણો નીરન્તર ચાલ્યા જ કરે છે, અને સો–બસો સાધુબાવાઓ રોજ રોજ નૈતીક બોધના ધોધ અવીરામ ઝીંક્યે રાખે છે, એ પ્રજા જ આવી ચોર, નીતીરહીત અને માનવતારહીત કેમ? આપણો એક પુર્વજ મનીષી કહી ગયો છે કે, દારીદ્રદોષો ગુણરાશીનાશી ! અર્થાત્ ગરીબી એક એવો સંહારક દોષ છે કે, જે તમામ સદ્ ગુણોનો નાશ કરી નાખે છે. નીતીમત્તા કે માનવતા સદ્બોધમાંથી નથી પ્રગટતી, એ તો સમૃદ્ધીનું જ સહજ પરીણામ છે. પશ્વીમી પ્રજાઓ વધુ નીતીવાન તથા માનવતાવાદી છે, એના મુળમાં એ લોકની સમૃદ્ધી છે. ભૌતીક સમૃદ્ધી માનસીક સમૃદ્ધીની જનની છે. ભુખ્યો માણસ કયું પાપ ન કરે ? તે મજબુરીથી પણ ચોરી કરે જ. આપણે બેફામ વસતી વધારતા જઈએ છીએ, અને એમ ગરીબીને વીસ્તારતા રહીએ છીએ. ટુંકમાં, આપણાં લગભગ તમામ અનીષ્ટોનાં મુળમાં, અનહદ અને અવીચારી વસતી વધારો જ છે. એને હજીયે જો અટકાવવી શકીએ, તો કદાચ બચી જઈએ; બાકી સર્વનાશ સુનીશ્ચીત જ છે.

        [73.] હકીકતે, વરસાદ પડવો, ના પડવો કે અતીશય પડવો– એવી પ્રાકૃતીક પ્રક્રીયાને યજ્ઞ સાથે, ઈશ્વર સાથે યા માણસનાં પાપ–પુણ્ય સાથે લેશમાત્ર લેવાદેવા નથી. કુદરતના નીયમો અન્ધ અને અફર છે. આ કેવળ પછાત, અજ્ઞાન યા અભણ માણસની પરમ્પરાગત જડ મનોદશા નથી, પર્જન્યયજ્ઞ કરનારા બધા જ સુશીક્ષીત આગેવાનો હોય છે. આવાં બધાં અનીષ્ટો કે કૃત્યો આજે કોણ અટકાવી શકે ?

        [74.] વાસ્તવમાં પૃથ્વી ગોળ છે; એથી ક્ષીતીજ ગોળાકાર છે, અને પૃથ્વી ફરતે અસીમ અવકાશ છે; જ્યાં કોઈ દીશાઓ જ નથી. દીશા એ કેવળ માનવકલ્પના છે. ધારો કે કદાચ સુર્ય ઉગતો જ ના હોત, તો મનુષ્યને કદાપી દીશાઓની કલ્પના આવી જ ના હોત. પૃથ્વી ફરતેનો અવકાશ ચોરસ છે જ નહીં કે એને ચાર બાજુઓ હોય અને ચાર ખુણા હોય ! પરન્તુ સુર્યોદય– સુર્યાસ્તને પરીણામે જ માણસને દીશાની કલ્પના આવી, અને એણે તદનુસાર પુર્વ–પશ્વીમ જેવી બે દીશાઓ ગોઠવી કાઢી. પછી સ્વાભાવીક જ બાકીની બે દીશાઓ કલ્પવી રહે, તે ઉત્તર અને દક્ષીણ. આમ ચાર દીશાઓની કલ્પના ઉદ્ભવી, એટલે ચોરસ ક્ષીતીજની ભ્રમણાને પરીણામે ચાર ખુણા પણ કલ્પવા જ રહ્યા. મતલબ કે આઠ દીશા એ કેવળ કપોળકલ્પના જ છે, અને એ જ તો વાસ્તુશાસ્ત્રનો બુનીયાદી આધાર છે. માટે વાસ્તુશાસ્ત્ર પણ કપોળકલ્પના જ સીદ્ધ થાય છે. એ જ રીતે, અમુક દીશા શુભ અને અમુક અશુભ– એવી કલ્પના માણસને કેમ આવી, એ પણ સહેજે સમજી શકાય એવી વાત છે. સુર્યનો ઉદય એ સમગ્ર સજીવસૃષ્ટી માટે અને એ રીતે મનુષ્ય માટે પણ એક અત્યન્ત મંગલ, આનન્દદાયક, તથા સુખાકારી ઘટના છે; કારણ કે એથી અન્ધકાર દુર થાય, ઉષ્મા પ્રાપ્ત થાય, ઉદ્યમ થઈ શકે વગેરે અનેક સાનુકુળતાઓ ઉદ્ભવે, કલ્પના કરો કે, જ્યારે પ્રકાશનું એક પણ સાધન, દીપક આદી નહીં શોધાયું હોય, ત્યારે આદીમાનવ રાત્રીના ઘોર અન્ધકારથી કેવો અસહ્ય મુંઝાતો હશે, અને સુર્યોદયની કેવી ઉત્કટ પ્રતીક્ષા કરતો હશે ! વધુમાં વળી, આર્યો તો સુર્યપુજક હતા, અથવા તો એ જ કારણે સુર્યને લોકો પુજતા હતા. બસ, આવા મહામાનીતા સુર્યોદયને કારણે જ પુર્વ દીશા સૌથી વધુ શુભ–મંગલકારી બની ગઈ. વાસ્તુશાસ્ત્રીઓએ એને સુખ, શાન્તી, સમૃદ્ધી તથા ઐશ્વર્ય આપનારી લેખાવી. એથી ઉલટું, પશ્વીમ દીશાએ સુર્યાસ્ત થાય, ઉપરાન્ત એ બાજુ સમુદ્ર છે, અને વરસાદ પણ લગભગ એ દીશાએથી જ આવે. એટલે એ વરુણદેવનું અધીષ્ઠાન. પણ આખરે તો તે સુર્યાસ્તની જ દીશા ને ? એટલે વાસ્તુશાસ્ત્રીઓ એને ખાસ શુભ ગણાવતા નથી, જો કે અશુભ પણ નહીં. મીશ્ર ગોટાળા ચાલે છે.

        [75.] ‘શ્રદ્ધા’ શબ્દની ચોક્કસ વીભાવના નક્કી કરીએ: ‘શ્રદ્ધા એટલે કાર્ય–કારણના અફર નીયમથી પર કે મુક્ત એવું કંઈક બનવાની દૃઢ અપેક્ષા કે આશા.’ હવે બીજી બાજુ, પ્રકૃતીનો જ એ અફર નીયમ છે કે કાર્ય–કારણ ન્યાયથી ભીન્ન કદાપી કશું બની શકે જ નહીં; એ જ છે વીજ્ઞાન. દા.ત., બે પરમાણુ હાઈડ્રોજન અને એક પરમાણુ ઓક્સીજન લઈને સંયોજન કરવાથી પાણી જ બને, કદાપી સોનું બની શકે નહીં; પછી એવી ઈતર શ્રદ્ધા ગમે તેટલી ગાઢ રાખીને એવું સંયોજન કરો તો પણ. અર્થાત્ કાર્ય–કારણ ન્યાયને અતીક્રમવાની આશા તે શ્રદ્ધા, જ્યારે પ્રસ્તુત ન્યાય પર આધાર રાખવો તે વીશ્વાસ. પેરેશુટ પર વીશ્વાસ રાખીને યોગ્ય વીમાનમાંથી સલામત કુદકો મારી શકાય; પરન્તુ ભગવાન પર શ્રદ્ધા રાખીને સામાન્ય ઝાડ પરથી પણ જો તમે કુદકો લગાવો તો પગ યા માથું ભાંગે જ. શ્રદ્ધા અને વીશ્વાસ વચ્ચે આ જ ભેદ છે.

        પરન્તુ આપણા અગ્રણીઓ, કથાકરો, પ્રવચનકારો અને ગુરુઓ, ‘શ્રદ્ધા’ શબ્દનો શીથીલ (લુઝલી) પ્રયોગ કરીને, સામાન્ય જનતાને ભરમાવે છે અને છેતરે છે. દા.ત., હમણાં જ એક વીખ્યાત સ્વામીજીએ મારા અત્ર–ઘોષીત મતનો વીરોધ કરતાં દાખલો ટાંક્યો કે મધર ટેરેસામાં જો શ્રદ્ધા ન હોય તો જીવનભર આટલી અફરતાથી દીનદુ:ખીયાની આવી સેવા ન કરી શકે. જો કે મધર ટેરેસા વીરુદ્ધ તો જાતજાતની ફરીયાદોય વળી થઈ જ છે: જેમ કે ઓશો રજનીશે એક વાર ટીકા કરેલી કે મધર શા માટે બધાં જ અનાથ બાળકોને સર્વપ્રથમ ખ્રીસ્તી બનાવી દે છે ? હમણાં વળી સંતતીનીયમન કે વસતીનીયંત્રણનો વીરોધ કરવા બદલ કે ખ્રીસ્તીઓનું અન્ય બાબતે ઉપરાણું લેવા બદલ પણ મધર ટીકાપાત્ર બન્યાં; છતાં એ વાત અત્રે અપ્રસ્તુત હોઈ જવા દઈએ.

        [76.] કોઈ પણ વસ્તુ કે મુદ્દા વીશે જ્યારે આપણે વાદ–પ્રતીવાદ કરીએ ત્યારે તે વસ્તુ કે પ્રશ્નની વીભાવના આપણા ચીત્તમાં સ્પષ્ટ હોવી જોઈએ. ખાસ કરીને ‘શ્રદ્ધા’ જેવા ભાવવાચક શબ્દ કે માનસીક ગુણ–વ્યાપારની ચર્ચા કરતાં પુર્વે તો એની ચોક્કસ વીભાવના અનીવાર્ય ગણાય. કોઈ પણ બાબતની ચર્ચા એની તંતોતંત ચોક્કસ વીભાવના વીના થઈ શકે નહીં– એવો તર્કશાસ્ત્ર, લોજીકનો સીદ્ધાન્ત છે. વીભાવના એટલે વ્યાખ્યા (ડેફીનેશન). મતલબ કે મુદ્દો ડેફીનેટ, એકદમ સ્પષ્ટ તથા સમ્પુર્ણ હોવો જોઈએ. લોજીકનો અન્ય નીયમ પણ છે કે પદાર્થની વ્યાખ્યા એક જ અને સમ્પુર્ણ હોવી જોઈએ; જેથી તે બાબતે ગોટાળો કે ગુંચવાડો ન થાય અને તો જ વાદવીવાદ સાર્થક નીવડે. ભાવ કે વસ્તુના તમામ ગુણધર્મને સમાવી લેતું અને એક પણ છટકબારી વીનાનું વર્ણન તે વ્યાખ્યા કહેવાય. ચોક્કસ વસ્તુ કે ભાવના અર્થવીસ્તારમાં પછી ગમે તે યા અપ્રસ્તુત ગુણલક્ષણ સમાવી દેવામાં આવે, તો એ અતીવ્યાપ્તીનો દોષ થયો કહેવાય. મેં ઉપર ટાંકેલા દાખલાઓમાં આ જ અતીવ્યાપ્તીદોષ છે અને એથી જ ત્યાં ‘શ્રદ્ધા’ શબ્દ હાસ્યાસ્પદ પ્રતીત થાય છે.

        આપણે શ્રદ્ધા, મનોબળ, હીમ્મત, સાહસ, સહનશીલતા, વીશ્વાસ, આત્મવીશ્વાસ, સુદૃઢ આશા–અપેક્ષા એ સર્વેને માટે ઘણી વાર અચોક્કસ ભાવે–લુઝલી ‘શ્રદ્ધા’ શબ્દ પ્રયોજતા હોઈએ છીએ, અર્થાત્ ભીન્ન–ભીન્ન મન:સ્થીતીઓની આપણે ભેળસેળ કરી નાખીએ છીએ અને એથી જ હાનીકર્તા એવી ‘શ્રદ્ધા’નું કુલક્ષણ આવકાર્ય ગણાઈ જાય છે અને ભારે તારીફ, અનધીકાર છતાં; પામી જાય છે.

રમણ પાઠક (વાચસ્પતી)

 ‘ગુજરાતમીત્ર દૈનીક,સુરતમાં વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી (હવે બંધ) એમની લોકપ્રીય કટાર રમણભ્રમણના લેખોમાંના જુદા જુદા મુદ્દાઓ વીશે, જુદા જુદા વીષયોનું સંકલન કરીને સુરત શહેરના શ્રી. વીજય ભગતે : vmbhagat@gmail.com ) વીવેકવીજય (પુસ્તક માટે ભાઈ વીજય ભગતનો મેઈલ પર સમ્પર્ક સાધવા વીનન્તી) ગ્રંથ સાકાર કર્યો. રૅશનાલીઝમના પાઠ્યપુસ્તક સમા આ ગ્રંથનું ઐતીહાસીક વીમોચન પુ. મોરારીબાપુને હસ્તે સુરતના ‘રંગઉપવન’માં થયું. તે પુસ્તક  વીવેકવીજયના પ્રકરણ : 04માંના ઉપરોક્ત મુદ્દા ક્રમાંક : 71 થી 76 સુધીના આ મુદ્દા, લેખક અને સંપાદકશ્રીના સૌજન્યથી સાભાર ..ગોવીન્દ મારુ..

નીચે આપેલી લીન્ક ઉપર ક્લીક કરશો તો વીવેકવીજય ગ્રંથ વીશે વધુ જાણકારી મળશે :

https://govindmaru.wordpress.com/2010/12/17/raman-pathak-11/

લેખકસંપર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક વાચસ્પતી હવે આપણી વચ્ચે નથી.

અભીવ્યક્તી.બુક્સ વીશે :

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તી.બુક્સ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચકબંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત સાવધાની રાખીશ.. ..ગોવીન્દ મારુ..

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ : એરુ એ. સી. – 396 450  જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 10/07/2015

પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

ધર્મ–અધ્યાત્મ

–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી

[48.] દેશની વર્તમાન કરુણતાનાં મુળ જ આપણી કહેવાતી આધ્યાત્મીક પરલોકપરાયણતા છે. એક બાજુ, બે ટંકના રોટલા માટે તનતોડ શ્રમ કરી, જીવન વેંઢારતી વીરાટ જનતા છે; જેને અન્ય કશું ભાન જ નથી, તેમ એવું વીચારવાની ફુરસદ પણ નથી. તો બીજી બાજુ આ કારુણ્યને જેઓ દુર કરી શકે તેમ છે, તેઓ ત્રીજું નેત્ર ખોલવાની અને આત્મા–પરમાત્માનો સાક્ષાત્કાર કરી, કહેવાતા બ્રહ્માનન્દની ખોજમાં પડ્યા છે. અને એવી ખોજમાં ખરેખર મોજ છે; કારણ કે વીસમી સદીના આ સાધુબાવાઓ કોઈ ત્યાગ કે સેવાની વાત કરતા જ નથી. પરીણામે ઈન્દ્રીયોનો આનન્દ એ જ વાસ્તવમાં તેઓનો બ્રહ્માનન્દ બની ગયો છે. સમાજ અન્ધશ્રદ્ધાઓ, વહેમો, કુરુઢીઓથી મરણતોલ શોષાઈ રહ્યો છે ત્યારે એને ઉગારવાનું કોઈને સુઝતું નથી અને આત્મા–પરમાત્માને નામે લોકો નવી અન્ધશ્રદ્ધાઓ, નવા વહેમો ઉભા કરી, શોષણ તથા લુંટની પ્રક્રીયાને બળવત્તર બનાવી રહ્યા છે. આધ્યાત્મીક કહેવાતી પ્રવૃત્તી આખરે તો એક પ્રકારનું માનસીક આશ્વાસન છે; જે દ્વારા ‘અમે કંઈક મહાન કાર્ય કરી રહ્યા છીએ’ એવો માનવીનો અહમ્ સંતોષાય છે અને છતાં એ માટે કશો ભોગ આપવો પડતો નથી.

લગભગ અઢી હજાર વર્ષ પુર્વે તથાગત બુદ્ધે એવો ઉપદેશ આપેલો, જો આવા લોકોએ બે કાન પણ બન્ધ ન કર્યા હોય તો સાંભળવા જેવો છે કે, ‘પરમાત્માની ચીન્તા ન કરો ! એ છે યા નહીં એવી ખોજ માંડી વાળો અને આ નજર સામે જ જે સાક્ષાત્ માનવી દેખાય છે, એનાં દુ:ખદર્દોનો પાર નથી, તેની યાતનાઓ–વેદનાઓ દુર કરવામાં લાગી જાઓ !’ પરન્તુ એ કાર્ય કપરું છે અને એમાં મહાન હોવાનો લાભ તો છે નહીં, પછી આ સુખીયા, સ્વાર્થપરસ્ત લોક એમાં શા માટે પડે ? એ કરતાં સંસાર મીથ્યા છે, માયા છે, એવી એવી વાતો હાંકી, એ જ સંસારની મોજમજા માણવી શું ખોટી ? 

[49.] આપણો ધર્મ માણસને શીખવે છે કે : ‘ઈશ્વર બધું જ જાણે–જુએ છે, એના દરબારમાં ન્યાય છે, સજારુપે નરક છે, સારા બદલારુપે સ્વર્ગ છે, કર્મનો બદલો મળ્યા વીના રહેતો નથી, બીજા જન્મેય તમારે કર્યાં ભોગવવાનાં જ છે’.. ઈત્યાદી. હવે આવા ધાર્મીક શીક્ષણથી જો માણસો સદાચારી બની જતા હોત તો, આજે આ દેશમાં આટઆટલાં ભ્રષ્ટાચાર, કૌભાંડો, જુઠાણાં, શોષણ, અન્યાય, ક્રુરતા, સ્વાર્થ, લુંટાલુંટ–ઝુંટાઝુંટ તથા લોલુપતા ન જ પ્રવર્તતાં હોત. મતલબ કે, ધર્મના પ્રભાવથી બાળક સદ્વર્તન નથી સ્વીકારતું; કારણ કે ધર્મની દલીલો જ અતાર્કીક તથા અસત્યમુલક હોય છે. ભગવાનમાં માનનારો માણસ ખુદ પણ ભગવાનથી ભાગ્યે જ ડરતો હોય છે ! ટુંકમાં, અમુક સદાચાર ધાર્મીક ઉપદેશ છે – એમ કહેવાથી એનું મુલ્ય સ્થાપીત નથી જ થઈ શકતું અને સ્વીકારાતું પણ નથી. માટે સાચો તથા ઉત્તમ માર્ગ તો એ જ કે સદાચાર કે જીવનમુલ્યોનું સ્વકીય તથા વાસ્તવીક મુલ્ય જ બાળકના ચીત્તમાં પ્રગટાવવું જોઈએ. તો ઝટ દઈને એને ગળે ઉતરી જશે. શીક્ષણનો આ સીદ્ધાંત છે.

[50.] ધર્મ મનુષ્યને કેટલી હદે હૃદયહીન, બુદ્ધીહીન, મુર્ખ, તથા માનવતાહીન બનાવી દે છે એનો આવો હૃદયવેધક પુરાવો અગાઉ અન્ય ભાગ્યે જ મેં અનુભવ્યો હશે. હું લગભગ ભાંગી પડ્યો. જગવીખ્યાત લેખક–ચીન્તક ટૉલસ્ટૉયે એમની વીશ્વશ્રેષ્ઠ નવલકથા ‘યુદ્ધ અને શાન્તી’માં કંઈક એવી મતલબનું લખ્યું છે કે માનવી દુષ્ટ છે એ માનવજાત માટે કોઈ મોટી સમસ્યા નથી; પરન્તુ ખરી, ગંભીર તથા અટળ સમસ્યા તો એ છે કે માનવજાતની મોટી બહુમતી મુર્ખ છે. ટૉલસ્ટૉયનું આ તારણ સમ્પુર્ણ સત્ય છે. દુષ્ટતાની દવા શક્ય છે, વાલીયો ભીલ ક્યારેક કવી વાલ્મીકી બની જઈ શકે છે; પરન્તુ મુર્ખતા બાબતે તો આપણા પુર્વજ મનીષીઓએ પણ હતાશાભર્યા ઉદ્ગાર જ કાઢયા છે કે ‘મુર્ખસ્ય ઔષધમ્ નાસ્તી’– મુર્ખાની કોઈ દવા નથી ! આપણા કોઈ ભક્તકવીએ પણ બરાબર આવી જ બોધક પંક્તી લલકારી કે ‘મુરખને જ્ઞાન કદી નવ થાય !’ દુષ્ટને એની દુષ્ટતાનું ભાન કરાવી શકાય છે, જેથી તેની સુધરવાની તક રહે છે. દુષ્ટમાં ખુદમાંય દુષ્ટતાને સમજવા જેટલી સમજણ કે બુદ્ધી અચુક હોય જ; કારણ કે બુદ્ધી વીના દુષ્ટ કૃત્ય થઈ શકતું નથી. જ્યારે મુર્ખતા એ જ્યાં બુદ્ધીના અભાવની જ અવસ્થા છે, ત્યાં સુધારાની શક્યતા જ ક્યાં રહે ? મુર્ખ નર સમજી શકતો જ નથી કે પોતે મુર્ખ છે. એને મન તો એની મુર્ખતા એ જ દુનીયાનું શ્રેષ્ઠ ડહાપણ છે. અને ઘણા ધાર્મીક કર્મકાંડ એ દુનીયાની આવી શ્રેષ્ઠતમ મુર્ખતા છે.

 [51.] આ એકવીસમી સદીમાંય સંખ્યાબન્ધ રાષ્ટ્રો પોતાને ‘ધાર્મીક રાજ્ય’ જાહેર કરતા હોય અને અન્ય કેટલાંક વળી એવી ઉમેદ સેવી રહ્યા હોય, ત્યારે ત્યાંની પ્રજાઓની તો દયા જ ખાવી રહી. સંકુચીત, બન્ધીયાર ધર્મ પ્રજાસ્વાતંત્ર્યનો મોટામાં મોટો શત્રુ છે; કારણ કે ધર્મો સદાય સરમુખત્યારો અને ફાસીવાદને આધારે જ ફાલતાફળતા રહ્યા છે. તદનુસાર એ લોકોએ સમજવું જોઈએ કે ધર્મના મોટા ભાગના આદેશો તથા વીધીનીષેધો તત્કાલીન, કામચલાઉ તેમ જ કાલસાપેક્ષ હોય છે; કારણ કે તમામ ધર્મો પ્રાચીન કાળમાં જ ઉદ્ભવ્યા છે. એને સર્વકાલીન સત્ય માની જડવત્ વળગી રહેવાથી તે જુથની તેમ જ માનવજાતની પ્રગતીને ભારે હાની પહોંચે છે. ધર્મો બહુધા બળને આશરે ટકે છે અને ફેલાય છે; એથી ધર્મના ધુરન્ધરો સર્વપ્રથમ અનુયાયીઓની તેમ જ સમ્બન્ધીતોની જબાન કાપી નાખે છે. વાસ્તવમાં ધાર્મીક જને તો એવું આત્મગૌરવ કેળવવું જોઈએ કે એકાદ ચલચીત્રથી યા પુસ્તકથી ખંડીત કે ભયભીત થાય, એવો નીર્બળ કાંઈ અમારો સમ્પ્રદાય નથી જ !  ‘અભીવ્યક્તી સ્વાતંત્ર્ય’ પરત્વે લોકશાહી સરકારોએ સમુદાર બનવું જોઈએ અને પ્રસ્તુત સ્વાતંત્ર્યને રુંધતાં પરીબળો સામે કડક હાથે કામ લેવું જોઈએ.

[52.] કોને ધર્મ કહેવાય અને કોને અધર્મ, એની સ્પષ્ટ વ્યાખ્યા તો કમ સે કમ એક સેક્યુલર રાજ્યમાં હવે કરી દેવી જ ઘટે. ‘સેક્યુલર’ એટલે સાવ લાગણીહીન એવું ‘ધર્મનીરપેક્ષ’ શાસન નહીં; એ ‘બીનમજહબી’ રાજ્ય હોવું જોઈએ : માણસ પહેલો અને ધર્મ પછી. માણસના સુખશાન્તી ને સલામતીની આડે ધર્મ આવી શકે નહીં. ધર્મ વ્યક્તીગત હોય, જાહેર નહીં.

[53.] આપણી સામાજીક વ્યવસ્થામાં ક્યાંય લોકશાહી નથી. વર્ણાશ્રમ ધર્મ ઉપર રચાયેલ અન્યાયી સમાજરચનાએ જન્મને કારણે ઉંચનીચના ભેદ કરી, માનવી–માનવી વચ્ચે અભેદ્ય દીવાલ ઉભી કરી છે. સામાજીક સુધારાની વાત કરવાની હીમ્મત કોઈ કરે તો એ બરદાસ્ત કરવાની કોઈ સમાજની તૈયારી નથી. વધુ કરુણતા તો એ છે કે આ ધર્મના ચાલતા પાખંડો, જ્ઞાતી તથા પેટાજ્ઞાતીની પ્રથાઓ, અંદરોઅંદરની; પણ અલગતાવાદની અને ઉંચનીચની ભાવનાનાં ગુણગાન ગાતાં આપણા શીક્ષીતોય થાકતા નથી. મન્દીર, મસ્જીદ, કથાવાર્તાઓ તેમ જ ધર્મના જલસાઓ માટે લાખ્ખો રુપીયા વગરમાગ્યે મળશે; પરન્તુ કેળવણી, તબીબી, અને સાર્વજનીક સગવડો માટે આ જ લોકો સમાજસેવકોને લાચાર બનાવી દે છે. શીક્ષણકાર્ય ઉપર પણ જ્યારે ધર્મની છાપ ઠોકી બેસાડવામાં આવે છે, ત્યારે આ શીક્ષણ લેતા નવયુવાનો શી રીતે વૈજ્ઞાનીક વીચારો ઝીલતા થાય ?

[54.] સાધનસમ્પન્ન શીક્ષીતો પ્રજાને આધ્યાત્મીકતાનો વણમાગ્યો ઉપદેશ આપવા નીકળી પડે છે. ભણેલાની પાછળપાછળ અજ્ઞાન પ્રજા પણ પંડીતો, સાધુઓ, બાપુઓ પ્રત્યે આશાની મીટ માંડતી થઈ જાય છે. દરેક સ્થળે ચમત્કારનો દાવો કરનારાઓએ પ્રજાને ઘેરી લીધી છે. આવાં બધાં દુષણોમાં ઉગતા યુવાનો સીધી કે આડકતરી રીતે ફસાતા જાય છે. સ્વરાજ્ય પહેલાંની ખુમારી આજે નષ્ટ થઈ છે. શું આપણે સ્વરાજ્ય માટે લાયક જ ન હતા ? ગુલામી અને સ્વતંત્રતા વચ્ચેનો ભેદ પ્રજા ભુલવા લાગી છે. દેશ વેરાન થઈ જાય, બળીને ખાક થઈ જાય તે પહેલાં દેશના યુવકો, શીક્ષણકારો, બૌદ્ધીકો, પત્રકારો, સામાજીક કાર્યકરો આપણી આ કચડાયેલી પ્રજા તરફ નજર નાંખે, તો જ તેમાંથી જીવવાનો પ્રાણવાયુ મળશે.

રમણ પાઠક  ‘વાચસ્પતી

 ‘ગુજરાતમીત્ર દૈનીક, સુરતમાં વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી (હવે બંધ) એમની લોકપ્રીય કટાર રમણભ્રમણના લેખોમાંના જુદા જુદા મુદ્દાઓ વીશે, જુદા જુદા વીષયોનું સંકલન કરીને સુરતના રેશનાલીસ્ટમીત્ર શ્રી. વીજય ભગતે: vmbhagat@gmail.com ) વીવેકવીજય (પુસ્તક માટે ભાઈ વીજય ભગતનો ઈમેઈલ પર સમ્પર્ક સાધવા વીનન્તી) ગ્રંથ સાકાર કર્યો. રૅશનાલીઝમના પાઠ્યપુસ્તક સમા આ ગ્રંથનું ઐતીહાસીક વીમોચન પુ. મોરારીબાપુને હસ્તે સુરતના ‘રંગઉપવન’માં થયું. તે પુસ્તક  વીવેકવીજયના પ્રકરણ: 02માંથી ઉપરોક્ત મુદ્દા ક્રમાંક: 48 થી 54 સુધીના આ મુદ્દા, લેખક અને સંપાદકશ્રીના સૌજન્યથી સાભાર ..ગોવીન્દ મારુ..

નીચે આપેલી લીન્ક ઉપર ક્લીક કરશો તો વીવેકવીજય ગ્રંથ વીશે વધુ જાણકારી મળશે :

https://govindmaru.wordpress.com/2010/12/17/raman-pathak-11/

લેખકસંપર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક વાચસ્પતી હવે આપણી વચ્ચે નથી.

અભીવ્યક્તી.બુક્સ વીશે :

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તી.બુક્સ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચકબંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત સાવધાની રાખીશ..

..ગોવીન્દ મારુ..

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ : એરુ એ. સી. – 396 450  જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 11/06/2015

પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

આપનું સુખદ તથા શુભ મૃત્યુ હો !

આપનું સુખદ તથા શુભ મૃત્યુ હો !

નુતન વર્ષની શુભેચ્છા

–પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

(For ‘adults’ only)

નવા વર્ષની આવી અભીનવ શુભેચ્છા મીત્રોને પાઠવું છું એથી કેટલાક ખરે જ નારાજ થઈ જશે; પણ એવી કોઈ આવશ્યક્તા નથી. આ તો ગમે તો સ્વીકારો–જેવી જ મંગલ કામના છે. લ્યો, ઝટપટ સ્પષ્ટતા કરી દઉં: Eric Hoffer કહે છે, A great man’s greatest luck is to die at the right time.

વાચકમીત્રોમાંથી જે greatમહાન હશે તેઓ તો મારી આ શુભેચ્છાનો સાભાર સ્વીકાર જ કરશે, કારણ કે; હોફર સાચું જ કહે છે કે, ‘મહાન માણસોનું મહાનતમ સદ્ ભાગ્ય એ લેખાય કે તેઓ સુયોગ્ય સમયે આ સંસારમાંથી વીદાય લે.’

આ વીધાનનો વીચારવીસ્તાર કરી, વ્યંગાર્થ સ્પષ્ટ કરું એ પુર્વે દર્શાવું કે માનવ સહીતના આપણે સજીવો એ કુદરતનાં લાડકાં, વહાલાં કે માનીતાં સંતાનો નથી; કારણ કે; પ્રકૃતીને મન જડ–ચેતનના કોઈ ભેદ જ નથી. કુદરત અન્ધ તથા અભાન એવું કેવળ પરીબળ માત્ર છે, એથી એની સમગ્ર ગતીવીધીમાં અપવાદને કોઈ સ્થાન જ નથી. માટે જ સજીવો પ્રતી તેમ જ સજીવો માટે પ્રકૃતી બહુધા નીષ્ઠુર, નીર્મમ, લાગણીહીન, ત્રાસદાયક તત્ત્વ બની રહે છે. કુદરતની બહુવીધ ગતીવીધીઓમાંની કેટલીક આપણા અસ્તીત્વ માટે ઉપકારક નીવડે છે, તો બીજી વળી ઘાતક બની રહે છે. પ્રકૃતી પોતાની એ સમસ્ત લીલા પ્રતી સાવ જ લાપરવાહ–નીરપેક્ષ છે. એનું યથાર્થ જાણવા જેવું કારણ તો એ કે સજીવનો ઉદ્ ભવ તથા એનું અસ્તીત્વ કે એની ઉત્ક્રાંતી એ પ્રકૃતીનું સહેતુક કર્તૃત્વ નથી; એ તો કેવળ એના નીર્હેતુક અન્ધ સંચાલનોનું અનાયાસ, અનપેક્ષીત પરીણામ માત્ર છે. માણસ, વીશેષત: ધર્મના અજ્ઞાનજનીત ઉપદેશને પરીણામે પોતે વીશીષ્ટ સર્જન હોવાનું જે માની બેઠો છે એ કેવળ આત્મપ્રીતી–સ્વાભીમાનની ગલત લાગણી જ માત્ર છે, ભ્રમણા છે. માટે જ કુદરતને માનવ પ્રતી કોઈ જ મમતા નથી, જવાબદારી પણ નથી.

ઈશ્વરના અસ્તીત્વમાં માનતા ભોળા અને અજ્ઞાન આસ્તીકોને તેઓના ભ્રમનીરસન માટે એક પ્રશ્ન પુછવો બસ થશે : ‘તમારો એ કહેવાતો ઈશ્વર આટલો બધો, બેહદ નીર્દય અને ક્રુર શા માટે ?’ આ પ્રશ્નના મુળમાં સજીવની યાતનાઓ અને ખાસ તો વૃદ્ધાવસ્થાની લાચારી તથા મૃત્યુની આપત્તી જ કારણરુપે રહેલી છે : શા માટે તમારો ભગવાન પ્રાણીમાત્રને નીષ્ઠુર તથા લાગણીહીન રીતે, રીબાવી રીબાવીને જ મારે છે ? મતલબ કે તે ક્રુર તો છે જ, વધારામાં આવડતવીહોણો, અણઘડ, અશક્ત તથા અવીચારી છે એમ સીદ્ધ થાય છે. શા માટે મૃત્યુ લાચાર અવસ્થામાં અણધાર્યું, અણચીન્તવ્યું જ પ્રયોજાયું હોય ? માણસને જુઓ, બુદ્ધીશીલ, વીચારશીલ, સમજદાર તથા લાગણીસંપન્ન શક્તી તો એને કહેવાય: માનવવ્યવહારમાં સાઠમે વર્ષે નીવૃત્ત એટલે બરાબર સાઠમે વર્ષે જ, એક દીન પણ આઘો પાછો નહીં ! વળી, ખુબ પ્રેમપુર્વક, માનપુર્વક તથા ભવીષ્યની પણ પુરી યોજના અને જવાબદારી સહીત. પેલા અણઘડ સર્જનહારને એટલુંય ન આવડ્યું કે પછી એવું સુન્દર આયોજન એના ગજા બહારની વાત હતી ? મતલબ એ જ કે ભગવાન સર્વશક્તીમાન નથી, પરમ દયાળુ નથી, અર્થાત્ સત્યોનુંય પરમ સત્ય તો એ કે ભગવાન જેવું કશું છે જ નહીં. સદીઓથી એપીક્યુરસ કે ચાર્વાકના યુગથી વીવેકબુદ્ધી–સંપન્ન, તર્કપુત વીચારશીલ જનોને તો આવી પ્રતીતી થતી જ રહી છે કે કોઈ સર્જનહાર નથી. આ બધું જ સર્જન પ્રકૃતીના અન્ધ પરીબળોનાં નીર્હેતુક ગતી તથા ટકરાવનું જ પરીણામ છે.

હવે કોઈપણ જડ કે ચેતન એવા નીર્માણનો અન્ત એ પણ પ્રકૃતીના અફર અને અન્ધ નીયમને જ આધીન છે. એ પણ કોઈ વીવેકસમ્પન્ન એવા સભાન તત્ત્વ–સત્ત્વનું કર્તૃત્વ જ નથી. એક પથરો કે લોહસ્તંભ પ્રકૃતીનાં વીવીધ પરીબળોના અહેતુક સંચલનને પરીણામે જેમ ઘસાઈ–ઘસાઈને અન્તે નાશ પામે છે; એ જ રીતે સજીવો પણ ઘસારાનો જ ભોગ બની છેવટ મરણશરણ થાય છે. જડતત્ત્વોનો જ આ ગુણધર્મ છે. અને એ જ આપણા સચેતન દેહનો પણ છે. ઘસારો અને અંતે નાશ. જડ–ચેતન વચ્ચે ફરક ફક્ત એટલો જ કે સજીવ પદાર્થ એની શક્તી કે એના તંત્રની મદદથી ઘસારાનો નીરંતર સામનો કરતો રહે છે. જડ પદાર્થ કેવળ ઘસાય છે, જ્યારે સજીવ ચયાપચય (મેટાબોલીઝમ)ની ક્રીયા વડે એનો સામનો કરે છે; પરન્તુ અન્તે વીજય તો ઘસારાનો જ થાય છે. અરે, ઘસારાનો સામનો કરવામાં પણ સજીવ દેહને ઘસારો જ વેઠવો પડે છે. હવે એવો સતત ઘસારો જ્યારે દેહના ગતીશીલ અવયવોને સદાના નાકામીયાબ બનાવી દે છે, જેથી યન્ત્ર બન્ધ પડે છે ત્યારે એને આપણે મૃત્યુ કહી ઓળખીએ છીએ. ટુંકમાં, ઘસારાને પરીણામે આવતી ક્ષીણતા તે વૃદ્ધાવસ્થા અને દેહયન્ત્ર ઘસાઈ ઘસાઈને સમ્પુર્ણ નાકામીયાબ બની થંભી જાય એ મૃત્યુ. કુદરતમાં આ બધી જ યોજના અહેતુક તથા એક સરખી જ છે. વીરાટ, તારકપીંડો પણ કાળક્રમે બુઝાઈને નાશ પામે અને પૃથ્વીપટે એક કીડી–જંતુય, દેહતંત્ર ક્ષીણ અને પછી સમ્પુર્ણ નાકામીયાબ બની જતાં મૃત્યુ પામે. ક્ષીણતાને પરીણામે દેહયન્ત્રના સંચાલનમાં મુશ્કેલી અનુભવાય એ જ વૃદ્ધાવસ્થાની પીડા… ઈત્યાદી…

હવે વર્તમાન માનવીની જીવનવ્યવસ્થાના સન્દર્ભમાં વીચારીએ તો વૃદ્ધાવસ્થાની ઉપર્યુક્ત પીડા તથા મજબુરી, વ્યક્તીને પોતાને માટે ગંભીર અને તેનાં સ્વજનો માટે વળી ગંભીરતર મુશ્કેલીઓ અને આપત્તીઓ સર્જે છે. ત્યારે શાણા માણસોએ એ વીચારવું જ રહ્યું કે આવી અનીવાર્ય તથા ઘણી વાર અસહ્ય એવી પીડા–આપત્તીમાંથી પોતાની જાતને અને પોતાનાં સ્વજનોને બચાવી લેવાનો કોઈ સચોટ ઈલાજ છે ખરો ? વૃદ્ધાવસ્થાની વેદના તથા લાચારી ટાળી શકાય ખરી? અને ટાળવી જ જોઈએ કે નહીં ? એક જવાબ તો સ્પષ્ટ જ છે કે જો ટાળી શકાય તો ઉત્તમ. વૃદ્ધાવસ્થાની પીડા તથા અન્ય જનોને માથે લાચારીજનીત બોજારુપ આફતો ટાળવી જ જોઈએ અને તે ટાળી શકાય તેમ પણ છે જ. વીચાર તો કરો, સમગ્ર માનવજાતના હીતાર્થે, ભગીરથ શારીરીક–માનસીક પુરુષાર્થો ખેડનારા મહામાનવો, કોઈ ગાંધી, ટોલ્સટોય, થોરો કે રસેલ– જો કે માનવજાતના સદ્ભાગ્યે આ યાદીય ઠીક ઠીક લાંબી છે, એટલે ‘વગેરે’ મુકી દઈએ અને ઈતર તે ધરણી ધ્રુજાવનારા ને ધરતીનો નકશો પલટી નાખનારા સમર્થ મહારથીઓ એવા હીટલર, સ્ટાલીન,  સીકન્દર કે સીઝર, માઓ કે ચર્ચીલ, ચંગીઝખાનો અને નાદીરશાહો (કમનસીબે આ યાદી લાંબી જ છે) વગેરેમાંના કોઈ આજાર અને વૃદ્ધ થઈને ખાટલામાં લાચાર પડ્યા હોઈ, એમનાં મળમુત્રેય અન્યોને સંભાળવાં પડતાં હોય, એક જ હાંકે ને ફુંકે સમસ્ત અનુચર સમુહને દોડતો કરી મુકનાર એ ધીંગા ધુરીણો પરીચારકોને બે હાથ જોડીને, નજીવી સેવા માટે વીનવતા હોય, એક આંગળીને ઈશારે જગતઆખાને નચાવી દેનારા જ્યારે પોતાનો હાથપગ પણ સરખો હલાવી શકતા ન હોય ત્યારે એવી અવસ્થામાં મુત્યુથી બહેતર મુક્તી ઈતર કઈ સંભવે ? ના, એવી અવસ્થામાં નહીં,  ‘એવી અવસ્થા’ આવે એ પહેલાં જ, જીવનસીદ્ધીની પરાકાષ્ઠાની પળે, સમજદાર સજ્જને આ સંસારમાંથી ખરેખર જ વીદાઈ લઈ લેવી ઘટે. એરીક હોફર કહે છે તેમ એ ઉત્તમોત્તમ સદ્ ભાગ્ય જ નહીં; ઉત્તમોત્તમ પુરુષાર્થ પણ લેખાય કે સુયોગ્ય સમયે સદાની – final exit મતલબ કે એવો સચોટ ઈલાજ છે જ અને તે વળી આપણા હાથની વાત છે. એ છે : સ્વેચ્છામૃત્યુ, અર્થાત્ આત્મહત્યા.

આટલી ચર્ચા બાદ વીવેકસમ્પન્ન, બુદ્ધીશીલ વ્યક્તીના ચીત્તમાં તો એવી સ્પષ્ટ પ્રતીતી થઈ જ જવી જોઈએ કે આત્મહત્યા એ જરાય ખરાબ, અનીતીમય કે અધર્મી પગલું નથી જ નથી. યાદ રાખો કે સમગ્ર પ્રાણીસૃષ્ટીમાં કેવળ એક માનવપ્રાણી જ આત્મહત્યા કરી શકે છે. મતલબ કે એવી ઈચ્છા કે એનો અમલ એ માનવીય ગુણલક્ષણ છે, મનુષ્યની સમુચીત વીવેકબુદ્ધીનો નીચોડ છે, વીચાર પ્રમાણેના આચારની બહાદુરી છે, સ્વહીત તથા પરહીતની સજાગ ચીંતા યા સચીંત જાગૃતીનો પરીપાક છે, એ માનવધર્મ તથા પરમોચ્ચ પ્રકારની માનવતા છે. મુરખ લોક જે પોપટ પાઠ ભણે છે કે આત્મહત્યા એ કાયરતા છે તે ધરાર ગેરસમજ છે, અવીચારી પરમ્પરાદાસ્ય છે. હકીકતે જે લાચાર અને પરાધીન બન્યા છતાં જીવ્યા કરે, જાતે પીડા ભોગવે અને અન્યને માથે બોજરુપ બની બીજાને પીડે, કોઈને જ એની હસ્તી આવશ્યક લાગતી ન હોય અને સર્વ કોઈ છુટકારાની જ રાહ જોતાં હોય, એક કાળે અછોવાનાં કરતાં સ્વજનો–સ્નેહીઓના તીરસ્કારના પછી જે ભોગ બની ગયો હોય તેવો માણસ જો મરી ન શકે અને જીવ્યા જ કરે તો ખરો કાયર તો તે જ સીદ્ધ થાય. માટે એટલું જ યાદ રાખો, ગોખી રાખો કે, Let us die at the right time – એમાં જ ડહાપણ છે, ઉપરાંત વીરતા છે અને આપણું ભલું પણ છે. આત્મહત્યા કરી જુઓ તો ખબર પડે કે આપઘાત એ કાયરતા છે કે વીરતા ?

અશક્તી આત્મહત્યાની,

એને આશા કહે જનો !

(સુન્દરમ્)

હવે આત્મહત્યા–સ્વેચ્છામૃત્યુ આડે એક અફર શરત : જેમ તમારું સશક્ત યા લાચાર અસ્તીત્વ અન્ય કોઈનેય માટે આપત્તીરુપ કે પીડારુપ ન બનવું જોઈએ એ જ રીતે તમારું મૃત્યુ–સ્વેચ્છામૃત્યુ પણ અન્ય કોઈ પણ જીવન્ત વ્યક્તી માટે આફત કે યાતનાનું કારણ ન જ બની રહેવું જોઈએ – એટલું ધ્યાન રાખવું જ રહ્યું. સાથે સાથે એવી પેટા શરત પણ ખરી જ કે પ્રસ્તુત આપત્તી કે પીડા શુદ્ધ ભૌતીક, અર્થાત્ ઈજાકારક, દુ:ખદાયક હોવી જોઈએ. અન્યથા તો આત્મહત્યા અસંભવ બની જાય; કારણ કે પ્રેમ, માયા, મમતા, લાગણી, આત્મીય ભાવ, સખ્ય, સાંન્નીધ્યની ઝંખના ને વીરહની વેદના આદી સ્વજનત્વની સંવેદનાઓ તો પીડવાની જ, મતલબ કે કોઈ પણ મૃત્યુ પાછળ જીવનાર કોઈકને માટે તો દુ:ખકર નીવડવાનું જ, ખાસ કરીને માનસીક દુ:ખને સન્દર્ભે. કીન્તુ એ તો ગમે ત્યારે પણ એકદા અનીવાર્ય છે જ, એમ સમજી–સ્વીકારી સહી લેવાનું–સ્વજન, સ્નેહી દુર દેશાવર જઈ રહ્યું હોય એવા ભાવે અર્થાત્

ગણ્યું જે પ્યારું પ્યારાએ,

અતીપ્યારું ગણી લેજે !

(બાલાશંકર)

કાયમી વીદાય લેનાર વ્યક્તી આવી બાબતોએ જો સમાધાન કે સંમતી સાધી શકે તો એ વળી ઉત્તમ; કારણ કે થોડા વહેલા–મોડાનો જ આ સવાલ છે. ટુંકમાં, તમારા મૃત્યુથી પાછળ કોઈ ભુખે મરવાનું હોય તો તમારે જીવવાની કોશીશ કરવી જોઈએ, જ્યારે તમારા જીવનથી કોઈ દુ:ખી થતું હોય તો તમારે મરવાની કોશીશ કરવી જોઈએ. અને જો તમારી પોતાની કે અન્યની વેદના–યાતનાના સંભવને કારણે તમે સ્વેચ્છામૃત્યુ ઈચ્છો ત્યારે એથી સ્નેહીજનને થનાર વીરહની વેદના બાબતે સમાધાનની કોશીશ કરવી જોઈએ.

મારા આ વીચારો કોઈ પણ સન્દર્ભે આત્યંતીક નથી, એનોય એક સચોટ પુરાવો અન્તે આપી જ દઉં: તેરાપંથી જૈન સમ્પ્રદાયમાં ‘સંથારા’નો ધાર્મીક આદેશ છે જ, જે ધાર્મીક પુણ્યકાર્ય જ લેખાય છે. એનો સીદ્ધાન્ત છે: ‘જ્યારે તમને તમારું જીવન સંપુર્ણ કૃતકૃત્ય પ્રતીત થતું હોય, જેથી હવે પછી વધુ જીવવું એ અનાવશ્યક કે આ ધરતીને માથે બોજારુપ લાગતું હોય ત્યારે એવા નીરર્થક અસ્તીત્વનો સ્વેચ્છાએ અન્ત લાવી દેવો’ (સ્પષ્ટતા: આ અવતરણ નથી, સારાંશ–ધ્વનીરુપ વીધાન જ છે) અને સમગ્ર જૈન સમાજમાં પણ સાધુઓ માટે તો સંથારાનો ધર્માદેશ છે જ. આ ધાર્મીક રીવાજ પાછળ રહેલી ઉચ્ચ ભાવના જો માનવજાત સમજે અને સ્વીકારે તો સ્વેચ્છામૃત્યુ અનીચ્છનીય નહીં ગણાય અને આપઘાતવીરોધી કાયદાઓ રદ થશે. અરે, સમાજ તથા સરકાર કોઈપણ નાગરીકને આત્મહત્યામાં સહાયભુત બને એમ પણ બને અને બનવું જોઈએ. યાદ રાખો કે આજના આ લેખનો પ્રધાન ધ્વની તથા ખાસ અનુરોધ કેવળ સ્વેચ્છામુત્યુનો નથી, વધુ ભાર તો અત્રે ‘સુયોગ્ય કાળે મૃત્યુ’ ઉપર મુકવા ઈચ્છું છું. અર્થાત્ જીવનમાં જ્યારે તમારાં માન–સન્માન, મુલ્ય, કીર્તી, સ્થાન પ્રાપ્તી–પ્રદાન આદી સર્વોચ્ચ પરાકાષ્ઠાની ઝળહળતી અવસ્થામાં હોય ત્યારે શાન્તી–આનન્દપુર્વક વીદાય લેજો.

ભરત વાક્ય

Under the wide and starry sky,

Dig me a grave and let me die…

‘અસીમ તારાખચીત આકાશની નીચે મારી કબર ખોદો અને મને ચીરવીદાય લેવા દો. હું આનન્દપુર્વક જીવ્યો અને હવે આનન્દપુર્વક મરું છું. સમ્પુર્ણ સ્વેચ્છાએ જ હવે હું આ કબરમાં અનન્ત નીદ્રામાં પોઢી જાઉં છું.’ –સ્ટીવન્સન

પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

મુમ્બઈનું દૈનીક ‘સમકાલીન’ (હવે બંધ છે)માં, દર મંગળવારે પ્રગટ થતી રહેલી પ્રા.રમણ પાઠકની લોકપ્રીય કટાર ‘સંશયની સાધના’માં પ્રગટ થયેલા ઘણાબધા લેખોમાંથી, આપણા ગઝલકારમીત્ર વીજ્ઞાનવીદ્, રૅશનાલીસ્ટ અને  એમ. ટી. બૉઈઝ ટૅકનીકલ હાઈ સ્કુલ, સુરતના આચાર્ય શ્રી. સુનીલ શાહે પસંદ કરેલા લેખોનું, ડીસેમ્બર 2008માં, પુસ્તક ‘વીવેક–વલ્લભ’ ગ્રંથનું સમ્પાદન કર્યું. સુરતના રૅશનાલીસ્ટ ચીન્તક, વક્તા અને લેખક શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા vallabhitaliya@gmail.com )નો આર્થીક સહયોગ મળતાં તે પ્રકાશીત થયું.

‘વીવેક–વલ્લભ’ પુસ્તક (જે હાલ અપ્રાપ્ય છે.)નું આ પ્રકરણ–30, લેખકશ્રી અને સંપાદકશ્રીના સૌજન્યથી સાભાર… ..ગોવીન્દ મારુ..

‘અભીવ્યક્તી.બુક્સ’ વીશે :

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તી.બુક્સ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચકબંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

 રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત સાવધાની રાખીશ..    ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 01/05/2015

પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

‘રમણવીશેષ’

–પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

‘મેં મારું, આ મતલબનું વસીયતનામું તો બનાવ્યું જ છે; પરન્તુ લોકસ્મૃતી ખુબ ટુંકી હોય છે, એટલે અહીં અંતમાં, અગત્યનો સારાંશ દોહરાવી લઉં:

(1)  મારા મરણપ્રસંગે ઘીનો દીવો નહીં; ‘રામ બોલો ભઈ રામ’ નહીં જ, અને ગીતાપાઠ કે અન્ય કોઈ જ ધાર્મીક પુસ્તકનું વાચન નહીં; મૃતકાનમાં કશા મંત્રો ગણગણવા નહીં !

(2)  મારા મૃત્યુની તત્કાલ ખબર કોઈને આપશો નહીં; કોઈનેય નાહક દોડાવશો નહીં ! યાદ રાખો, કસોટીકારક અનુભવે જ કહું છું કે મરણપ્રસંગે યા એ પછીના દીવસોમાં ખરખરો કરવા જવાના રીવાજને કારણે, મરનારનાં કુટુમ્બીજનોને અનહદ ત્રાસ થાય છે.

(3)  શોક કરશો નહીં, રોકકળ તો નહીં જ, બેસણું પણ નહીં; અને જો આનન્દ કરી શકો તો એ ઉત્તમ ! ઘરમાં કે સ્વજનોમાં જો કોઈ મંગલપ્રસંગ હોય, તો તે જરાય મુલતવી રાખશો નહીં. અન્તીમવીધી પતાવીને તરત જ, ખુશીનો પ્રસંગ ની:શંક ઉજવી શકાય. ઉત્સવનો દીવસ કે દીવસો હોય, તો તે પણ માણજો ! અંતમાં, બે વીનન્તી ખુબ ખુબ ભારપુર્વક :

[1]    કોઈ પણ પ્રકારનો ધાર્મીક વીધી મુદ્દલે નહીં જ; બેસણું પણ નહીં ! અને શક્ય હોય તો અગ્નીદાહ ટાળશો. આપણે હવે જંગલો જાળવવાં જ રહે, અગ્નીદાહ એ મરણોત્તર હત્યાકૃત્ય છે; કારણ કે મર્યા પછી માણસ એક આખા વૃક્ષને હણતો જાય છે. લાકડું ખુબ કીમતી અને દુર્લભ ચીજ ગણાય.

[2]   મારી પાછળ દાન નહીં; સ્મૃતી–સ્મારક પણ નહીં જ ! શોકસભાઓ કે શ્રદ્ધાંજલીઓ ઔપચારીક રીતે તો અનાવશ્યક જ ગણવાં. હા, એ નીમીત્તે મારા વીચારો, અર્થાત્ રૅશનાલીઝમનો પ્રચાર થતો હોય, તો આવા કાર્યક્મો ભલે યોજાય. વધુ માટે મારું પુસ્તક ‘આનન્દની આરાધના’માંનો લેખ નં. 34 જોશો – પૃ. 180.

આવા મરણોત્તર વીધી તથા કર્મકાંડના મુળમાં સર્વપ્રથમ તો, મૃત્યુની રહસ્યમયતા, અકળતા તથા ભયાવહતા, આત્માના અસ્તીત્વનો તથા એની અમરતાનો મીથ્યા ભ્રમ, કર્મફળના અર્થહીન સીદ્ધાન્ત અને સ્વર્ગ–નરકના ખોટા ખ્યાલો, કશુંક સારું કે નરસું, ગંભીર, મંગલ કે અશુભ બને યા આચરવાનું આવે, ત્યારે અમુકતમુક વીધીથી કહેવાતા ઈશ્વરની કૃપા યાચવાની આદીમ, ‘આ સર્વનો કર્તાહર્તાભર્તા ઈશ્વર છે’ એવી મીથ્યા માન્યતા, ભુતપ્રેતના તથા ઈતર વહેમો વગેરે કારણરુપ રહેલા છે. મૃતદેહને સ્નાન, પુષ્પાંજલી, સુખડ–ભસ્માદીનાં લેપન વગેરે વીધીઓ પાછળ વળી આ દેહની ઉત્તમતા, પવીત્રતા, દુર્લભતા તથા દૈવી વરદાન જેવા ખ્યાલો કારણભુત છે; જ્યારે ધુપદીપ, ગંગાજળ વગેરે વીધીઓનો ઉદ્ ભવ સ્વચ્છતા, આરોગ્ય, શુદ્ધીકરણ જેવી આવશ્યક્તાઓ અને સમ્બન્ધીત યુગ પ્રમાણે પ્રાપ્ય સામગ્રીના અર્ધદગ્ધ ઈલાજોમાંથી થયેલો છે, જે આજે બીલકુલ આવશ્યક રહ્યા નથી જ.

મડદું એ મુળભુત રીતે તો, તત્વત: એક ખખડી ગયેલું અને બંધ પડી ગયેલું યંત્ર માત્ર છે, જેને ભંગારમાં વેચી દેવાનું જ હોય ! પરન્તુ માણસ તો હજી દફન, દહન માટેય જીવલેણ ઝઘડે છે ! કારણ એ જ કે, માનવજાત મુર્ખ છે. ઉંડાણથી, સર્વભાવે જોતાં તો, આ દેહ એકદમ ગંદો, બીભત્સ તથા ભદ્દી માલસામગ્રીવાળો તેમ જ એની રચનાવ્યવસ્થા પણ એવી જ ગંદી છે. વીચાર કરતાં તો ઘણી વાર પોતાની જાત માટેય અણગમો જન્મે છે. મીથ્યાભીમાનથી ફાટફાટ થતાં માણસોને જોઉં – મળું છું, ત્યારે ખરેખર જ એવા જણ પ્રતી નફરતભરી દયા પ્રગટે છે. ટુંકમાં, આવા કપોળકલ્પીત આત્મા અને ક્ષુદ્ર, ભંગાર દેહની ‘મુક્તી–મોક્ષ’ માટે થતાં કર્મકાંડ હવે સદન્તર બન્ધ કરીએ !’

–પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતમાં વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી (હવે બંધ) એમની લોકપ્રીય કટાર રમણભ્રમણના લેખોમાંના જુદા જુદા મુદ્દાઓ વીશે, જુદા જુદા વીષયોનું સંકલન કરીને સુરતના શ્રી. વીજય ભગતે: ( vmbhagat@gmail.com ) વીવેકવીજય (પુસ્તક માટે ભાઈ વીજય ભગતનો ઈમેઈલ પર સમ્પર્ક સાધવા વીનન્તી) ગ્રંથ સાકાર કર્યો. રૅશનાલીઝમના પાઠ્યપુસ્તક સમા આ ગ્રંથનું ઐતીહાસીક વીમોચન પુ. મોરારીબાપુને હસ્તે સુરતના ‘રંગઉપવન’માં થયું. તે પુસ્તક  વીવેકવીજયના  પ્રકરણ: 17 – ‘મૃત્યુ’માંથી ઉપરોક્ત  મુદ્દો ક્રમાંક: 200, લેખક  અને  સંપાદકશ્રીના સૌજન્યથી સાભાર   

 આમ, ‘શોકસભા’ ભરવા માટેની રમણભાઈની ચોખ્ખી ‘ના’ હોવા છતાં સુરતની ‘સત્યશોધક સભા’; ‘નર્મદ સાહીત્ય સભા’; ‘સાહીત્ય સંકુલ’ જેવી સંસ્થાઓ અને રમણભાઈના હજારો ચાહકોએ એમની વીનન્તી નહીં જ માની ને 13મી માર્ચ, 2015ના દીવસે ભાઈ જનક–નાનુબાપાના સભાખંડમાં ‘ભાવાંજલીસભા’ મળી જ.. નમુનેદાર હતી આ ‘ભાવાંજલીસભા’.. તે ‘શોકસભા’ મટી સાચા અર્થમાં ‘સ્મરણસભા’ બની રહી !

શરુઆતમાં કે છેલ્લે, ન ‘દીપ’, ન ‘પ્રાર્થના’, ‘બે મીનીટનું મૌન’ નહીં, ‘સ્વર્ગસ્થના આત્માને શાંતી મળો’ એવી મુક પ્રાર્થના પણ નહીં; અરે, ઉપસ્થીતોમાંથી કોઈ ચપટી જેટલા શોકમાંયે નહીં ! સભાખંડ આખો ખીચોખીચ..! ઉપર રમણભાઈએ લખ્યું તેમ ‘રમણભાઈના વીચારો’ અર્થાત્ ‘રૅશનાલીઝમનો પ્રચાર’ એ જ હેતુ. રમણભાઈએ હાસ્યલેખોયે બહુ લખેલા.. એક બહેને તે વાંચ્યા.. બધા મોટેમોટેથી બહુ હસ્યા, તાળીયે બહુ પડી.. પછી ઉભા થયા પારસીહાસ્ય–નાટ્યસમ્રાટ યઝદી કરંજીયા.. એમને મોકળું મેદાન મળ્યું ને તેમણે બધાને ખડખડાટ હસાવ્યા.. કો’કે રમણભાઈનું કાવ્ય વાંચ્યું, કો’કે એમનો નીબંધ વાંચ્યો.. સૌ બે કલાક રમણભાઈ અને તેમના વીચારો વાગોળવામાં રમમાણ રહ્યાં. હાજર સૌને લાગ્યું કે દરેક ક્ષેત્રમાં જુદું, અલાયદું, નોખું વીચારનારા રમણભાઈની આ ‘મરણસભા’ પણ એમના ચાહકો માટેની ખરેખરી ‘સ્મરણસભા’ બની રહી..!!  ગુજરાતમાં આનું વ્યાપક અનુસરણ થાય તેવી અભીલાષા સૌને થઈ..

નીચે તે સભામાં શ્રી. વલ્લભભાઈ ઈટાલીયાના પ્રવચનની ઓડીયો મુકી છે.. તેમાં તેમને મળેલા ગુણવંત શાહ અને  જય વસાવડાના તેમને મળેલા બે પત્રો વાંચ્યા અને એમના વક્તવ્યની પ્રાસાદીકતાથી સૌને તરબોળ કર્યા.. તેમણે કહ્યું : ‘રમણભાઈનું છ દાયકાનું આ આખું મીશન માનવજાત માટે કશુંક ઉપકારક કરવાની એમની તીવ્ર ઝંખનાનું પરીણામ છે. કોઈ પણ ચીંતક–લેખકના લેખનકર્મને ચકાસવાની ચાર કસોટી છે. [.1.]  લેખક બીજાથી કશુંક નોખું, અળગું, ઉફરાંટું, નવીનતમ લખે છે ? [.2.]  તેની વાત સમાજોપયોગી–સમાજહીતકારી છે ? [.3.]  તેમની વાત સત્ય, તટસ્થ અને વૈજ્ઞાનીક છે ? અને ચોથું [.4.]  એ વીચારો એમણે પોતાના જીવનમાં ઉતાર્યા છે ?

રમણભાઈનું વીપુલલેખનકર્મ આ ચારેય કસોટીમાંથી પાર ઉતર્યું ને તેથી તેમને જેટલો ઉમળકાભર્યો આવકાર મળતો તેટલી જ ઉગ્ર એમની આલોચના પણ થતી રહી. રમણભાઈના આખા જીવનમાંથી બે વાત હું તારવું : જગતને સત્ય સમજાવવા માટે કંઈ સાધુ થવાની જરુર નથી અને સાધુ બનવા માટે ભગવા ધારણ કરવા જરુરી નથી. રમણભાઈ સમાજમાં રહેતા આવા ભગવા વીનાના સાધુ હતા…’

13મી માર્ચ, 2015ના દીવસે રમણભાઈ પાઠકની ‘સ્મરણસભા’માં શ્રી. વલ્લભભાઈ ઈટાલીયાના પ્રવચનની ઓડીયો:

https://drive.google.com/file/d/0B91pJdhKR7UURVJpdl85OHFDcHM/view?usp=sharing

–ઉત્તમ ગજ્જર અને ગોવીન્દ મારુ

♦  પ્રા. રમણ પાઠકનો પરીચય અને વીડીયો ‘ગુજરાતી પ્રતીભા પરીચય’ બ્લોગ અને બ્લોગરમીત્ર શ્રી. સુરેશ જાનીના સૌજન્યથી પ્રસ્તુત છે:

https://sureshbjani.wordpress.com/2015/03/11/raman_pathak/

♦ ગુજરાતી સાહીત્યકાર પ્રા.રમણ પાઠકનો પરીચય ગુજરાત સાહીત્ય અકાદમીના ‘સર્જક અને સર્જન’ વીડીયોમાં…

પરીકલ્પના: શ્રી. હર્ષદ ત્રીવેદી, મહામાત્ર ગુજરાત સાહીત્ય અકાદમી, ગાંધીનગર – સંકલન : મૌલીક ભુપતાની

 @@@@@@@@@

 અભીવ્યક્તી.બુક્સ વીશે :

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તી.બુક્સ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચકબંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

 ‘રૅશનલ–વાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત સાવધાની રાખીશ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર, નવસારી. પોસ્ટ: એરુ એ. સી. – 396 450  જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 20/03/2015

પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

ધર્મકથાઓ અને પારાયણો ફક્ત રાતે જ યોજાય તો ?

raman-pathak1

સુરતના દૈનીક ‘ગુજરાતમીત્ર’માં સાપ્તાહીક કૉલમ ‘રમણભ્રમણ’ થકી દર શનીવારે લગભગ ચાર દાયકાઓ સુધી અને મુમ્બઈના તે સમયના દૈનીક ‘સમકાલીનમાં ‘સંશયની સાધના’ કૉલમ મારફત, સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં રૅશનાલીઝમનો મહીમા ઉજાગર કરનાર અને જીન્દગીભર રૅશનાલીઝમ (‘વીવેકબુદ્ધીવાદ’)ની રાહે એક સાચુકલા ‘માનવ’ જેવું જીવન જીવનાર રૅશનાલીઝમના ‘ભીષ્મપીતા’ રમણભાઈ પાઠક (વાચસ્પતી)નું તારીખ: 12 માર્ચ, 2015ના રોજ બારડોલીમાં એમના નીવાસસ્થાને દેહાવસાન થયું હતું. તે સમયે અમેરીકાસ્થીત એમનાં દીકરી શર્વરીબહેન ત્યાં હાજર હતાં. ‘અભીવ્યક્તી’ બ્લોગ, એના સર્વ લેખકમીત્રો અને સઘળા વાચકમીત્રો વતી સદ્ ગતને સાદર ભાવાંજલી..

પ્રા. રમણભાઈની ઈચ્છાનુસાર એમની સ્મશાનયાત્રાનો તો સવાલ જ નહોતો. એમણે દેહદાન કર્યું હતું. વીચારોમાં સ્પષ્ટ અને અડગ એવા પ્રા. રમણભાઈ ભલે હવે સદેહે આપણી વચ્ચે નથી રહ્યા; પરન્તુ અક્ષરદેહે એમની રૅશનલ વીચારયાત્રા ‘અભીવ્યક્તી’ બ્લોગ પર સદા જીવંત રહેશે… ‘અભીવ્યક્તી’ તરફથી એમનાં પુસ્તકો ‘વીવેક–વલ્લભ’ અને ‘વીવેક–વીજય’ ને ઈ.બુકનું રુપ આપવાનું અને એમના અક્ષરદેહને સૌ વાચકોને તે મફત ભેટરુપે ધરવાનું કામ ઝડપભેર ધપી રહ્યું છે. એમનાં અન્ય પુસ્તકોને પણ ઈ.બુકસ્વરુપ આપવાની અમારી નેમ છે.. એ જ એમના જીવનકાર્યને સાચી શ્રદ્ધાંજલી..

સદ્ ગતને ભાવભરી અંજલી..

  …ગોવીન્દ મારુ..

ધર્મકથાઓ અને પારાયણો ફક્ત રાતે જ યોજાય તો ?

પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

કીં તદ બ્રહ્મ, કીમધ્યાત્મમ,

કીં કર્મ પુરુષોત્તમ ?

અધીભુતં ચ કીં પ્રોક્તમ,

અધીદૈવં કીમુચ્યતે ?

(શ્રી–ગીતા, 8/1)

એક નીવૃત્ત વૃદ્ધે બાગમાં કહ્યું કે હું વૃદ્ધાવસ્થાનો સમય ધાર્મીક પ્રવૃત્તીમાં ગાળું છું, તો બીજાએ વળી બીજા પ્રસંગે જણાવ્યું કે મારો મોટા ભાગનો સમય આધ્યાત્મીક પ્રવૃત્તીમાં વીતે છે. એ સાંભળી સાથેના મીત્રે પ્રશ્ન કર્યો કે ‘ધાર્મીક’ અને ‘આધ્યાત્મીક’ એ બે શબ્દોનો ચોક્કસ અર્થ શો ? એ બે વચ્ચે કોઈ અર્થભેદ ખરો ?

મેં કહ્યું, આવો જ પ્રશ્ન શ્રીમદ્ભગવદગીતામાં અર્જુને શ્રી. કૃષ્ણને કર્યો છે. જોકે કૃષ્ણભગવાને સ્પષ્ટ તથા વીગતવાર ઉત્તર નથી આપ્યો, ટુંકમાં જ બધું પતાવી દીધું છે. તો ચાલો, એ પરત્વે થોડું ચીન્તન કરીએ: વળી, એ એટલા માટે પણ જરુરી છે કે આજ કાલ સારા લેખકો અને વીદ્વાનો પણ ‘આધીભૌતીક’ શબ્દ ‘અલૌકીક’ના અર્થમાં પ્રયોજે છે; કારણ કે ‘અધી’ પુર્વગ એવો આભાસ ઉત્પન્ન કરે છે. કીન્તુ ખરેખર તો, આધીભૌતીક એટલે કેવળ ભૌતીક જ, અર્થાત્ સ્થુળ, જડ પદાર્થને લગતું. આ દુનીયાને લગતું વગેરે. ‘અલૌકીક’નો અર્થ ‘ભૌતીક’ શબ્દને અર્પવો હોય તો ‘અતીભૌતીક’ થાય, અર્થાત્ ‘અતી’ પુર્વગ લગાડવો રહે. ચાલો બસ, ભાષાવીજ્ઞાનનો આટલો ઈશારો જરા જરુરી જણાયો એટલે કરી લીધો.

મીત્રને મેં દાખલા દ્વારા આધ્યાત્મીક અને ધાર્મીક વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં કહ્યું, ડૉ. ગુણવંત શાહનાં ‘ગીતાપ્રવચનો’ તે આધ્યાત્મીક પ્રવૃત્તી કહેવાય, જ્યારે પુ. મોરારીબાપુની ‘રામાયણકથા’ તે ધાર્મીક પ્રવૃત્તી કહેવાય. શ્રી. અરવીંદનું ‘ચીન્તન’ તે આધ્યાત્મીક વીષય ગણાય, જ્યારે ‘શીક્ષાપત્રી’નો ઉપદેશ એ ધાર્મીક બોધ લેખાય. અગાઉ મેં એક પ્રસંગે ધર્મની ત્રણ શાખાઓ દર્શાવેલી: (1) ચીન્તન (2) ભક્તી અને (3) વીધીનીષેધો. જોકે ધાર્મીકતામાં કર્મકાંડ પણ સમાવીષ્ટ છે; પરન્તુ અમુક કર્મકાંડને પુજા ભક્તીમાં અને અન્યને વીધીનીષેધોમાં સમાવી લઈ શકાય. દા.ત., દેવને નવડાવવા, પત્ર, પુષ્પ, સુગંધ કે ફલાદી અર્પણ કરવાં એવું કર્મકાંડ તે ભક્તીમાં આવે, જ્યારે સંધ્યાકાળ પુર્વે જમીજ લેવું યા ભોજન પુર્વે સ્નાન કરવું જ, જેવા કર્મકાંડ વીધીનીષેધોમાં સમાવી લઈ શકાય.એવું જ લગ્નવીધી, શ્રાદ્ધવીધી આદી પરત્વે સમજી લેવું.

કેટલાક પુરુષો, વીશેષત: શીક્ષીત તથા સજાગ સામાજીકો, આજકાલ ધાર્મીકતા કરતાં આધ્યાત્મીકતાને ઉંચી ગણાવે છે અને શબ્દવ્યંજના પણ એમ જ સુચવે છે કે ધર્મની અપેક્ષાએ અધ્યાત્મ કંઈક સુક્ષ્મતર વીષય કે વીભાવના છે. ધર્મ મહદંશે સામાજીક વ્યવસ્થા લેખાય, જેમાં વ્યવહાર,ફરજો, માન્યતાઓ, ઉત્સવો, લેબલો આદી અનેક જીવનલીલાઓનો સમાવેશ થાય છે. જ્યારે અધ્યાત્મ એટલે આત્મા–પરમાત્મા વીષયક જ્ઞાન તેમજ ચીંતન.

જોકે આખરે તો આ બધી જ કપોળકલ્પનાઓ છે, એટલે કેવળ મીથ્યા પ્રવૃત્તી છે. કારણ કે આત્મા યા પરમાત્મા જેવાં કોઈ તત્ત્વો–સત્ત્વો વાસ્તવીક અસ્તીત્વ ધરાવે છે કે નહીં? – એ વીજ્ઞાને હજી શોધવું અને સીદ્ધ કરવું બાકી જ છે.અત્યાર સુધીમાં પ્રાપ્ત થયેલાં જ્ઞાન તથા તર્કવીવેક વડે તો એ જ સીદ્ધ થાય છે કે આત્મા યા પરમાત્મા જેવું કશું જ અસ્તીત્વ ધરાવતું નથી, જે છે તે બધી જ પદાર્થ લીલા છે, જડના જ બધા વીવર્તો છે. સદીઓ પુર્વે ચાર્વાક મુનીએ કહેલું કે ચૈતન્ય જેવો કોઈ સ્વતંત્ર પદાર્થ છે જ નહીં, માટે આત્મા નથી; પંચમહાભુતોના સંમીશ્રણમાંથી જ ચૈતન્યભાવ ઉદ્ભવે છે. હવે આધુનીક વીજ્ઞાન પણ એ જ સીદ્ધ કરે છે કે દ્રવ્ય (પદાર્થ) અને ઉર્જા એ બે ભીન્ન ભીન્ન તત્ત્વો નથી, એક જ છે અને એકનું અન્યમાં રુપાંતર થઈ શકે છે. દા.ત., કોઈપણ સ્થુળ પદાર્થ પ્રકાશના વેગે ગતી કરે તો એ ઉર્જામાં પરીવર્તીત થઈ જાય છે વગેરે…

થોડીક આડવાત કરીએ તો, આવું સાદુંઅને સાચું સત્ય સહેજે સ્વીકારી લેવાને બદલે, લોકો આત્મા–પરમાત્માનાં કાર્યો તથા પરસ્પર સમ્બન્ધો સમજવા જીવનભર કથાપ્રવચનો સાંભળવા દોડે છે અને કેવળ મીથ્યા પ્રવૃત્તીમાં કીમતી સમય બરબાદ કરે છે. એક સરસ પ્રેરક પ્રસંગ અત્રે ટાંકવા જેવો સમજું છું: 1961ના વર્ષની આ ઘટના છે, જ્યારે ઈંગલેન્ડમાં ફ્રી–થીંકરો, એટલે કે રૅશનાલીસ્ટોની એક વીશ્વ પરીષદ મળેલી, જેમાં ભારતના જગવીખ્યાત તથા વીદ્વાન વીવેકબુદ્ધીવાદી અગ્રણી, શ્રીલંકાની રૅશનાલીસ્ટ સંસ્થાના પ્રતીનીધી તરીકે ડૉ. અબ્રાહમ કોવુર હાજરી આપવા માટે ગયા હતા. પરીષદમાં મુખ્ય વક્તા તરીકે બ્રીટનના મજુર પક્ષના તે વખતના સાંસદ લૉર્ડ ફ્રેનર બ્રોકવે પણ હતા, જેઓએ પોતાના પ્રવચનમાં કહ્યું કે, ‘પશ્ચીમના સુવીકસીત દેશોએ તથા ભૌતીકવાદી રાષ્ટ્રોએ પુર્વના ગરીબ અને અધ્યાત્મવાદી દેશોને મદદ આપવાનું બંધ કરી દેવું જોઈએ.’ આવું વીધાન સાંભળતાં ડૉ. કોવુરને તો તીવ્ર આઘાત લાગ્યો; કારણ કે લૉર્ડ બ્રોકવે ભારત, શ્રીલંકા જેવા પુર્વના દેશો પ્રતી વીશેષ સહાનુભુતી ધરાવનાર એક ઉદારમતવાદી તરીકે જાણીતા રાજપુરુષ હતા. પરીષદ બાદ ડૉ. કોવુરે, લૉર્ડ બ્રોકવેને આશ્ચર્યવત્ પ્રશ્ન કર્યો કે ‘આપ નામદાર તો અમારા હમદર્દ છો;છતાં કેમ એવું કહો છો કે સમૃદ્ધ પશ્ચીમી દેશોએ દરીદ્ર એશીયાઈ દેશોને મદદ કરવી જોઈએ નહીં ?’

જવાબમાં મંદ સ્મીત કરતાં લૉર્ડ બ્રોકવે બોલ્યા, ‘અમે પશ્ચીમી પ્રજાઓ સુખી તથા સમૃદ્ધ છીએ, એનું કારણ તો જાણો છો ને ? અમે લોકો દીનરાત કઠોર પરીશ્રમ કરીએ છીએ, વીજ્ઞાન તથા ટૅકનોલૉજીનો સમ્પુર્ણ વીનીયોગ કરીને અમે અમારી આ ધરતી પરના જ ભૌતીક જીવનને વધુ ને વધુ સુખી તથા સગવડભર્યું બનાવવાનો પુરુષાર્થ ખેડી રહ્યા છીએ, જ્યારે તમે પુર્વની ‘આધ્યાત્મીક’ પ્રજાઓ, મૃત્યુ અને મૃત્યુ પછીના બીજા ભવનું જીવન યા પછી જે હોય તે – એ અવસ્થા સુધારવા માટે કલ્પીત દેવીદેવતાઓને ખુશ કરવા પાછળ જ મોટા ભાગનાં સમય–શક્તી નીરર્થક વેડફ્યા કરો છો ! તમારા દેશોનાં કામ કરી શકે એવા સર્વ સશક્ત ને યુવાન સ્ત્રી–પુરુષો સુધ્ધાં જીવનના કેટલા બધા કલાકો કથાપારાયણો, દેવદર્શન, ભક્તીપુજા યા યાત્રાપ્રવાસો ને પદયાત્રાઓ પાછળ બરબાદ કરો છો અને કામ કરતા નથી ! ચાલુ ફરજે પણ કામ છોડી તમે લોકો ભક્તીવન્દના માટે નીકળી પડો છો ! આમ તમે તમારાં પાપે જ દુ:ખી થાઓ છો. અરે ! જ્યારે તમારો હજાર હાથવાળો ભગવાન જ તમને સહાય કરશે એવી શ્રદ્ધા તમે લોકો ધરાવો છો તો પછી શા માટે અમારી મદદ માંગો છો ? વગેરે.’

લૉર્ડ બ્રોકવેની વાત સાવ સાચી : બાવાબાપુઓનાં કથા–પારાયણોમાં આઠ–દસ દીવસો સુધી રોજના આઠદસ કલાક આપણા લાખો લોકો નવરાધુપ બેઠા જ રહે, કંઈ જ ઉત્પાદક કાર્ય ન કરે, અને વર્ષભર અનેક સ્થળે આવી વીનાશક પ્રવૃત્તી વળી અનેકાનેક રુપે ચાલ્યાં જ કરે ! પછી દેશ સમૃદ્ધ થાય જ ક્યાંથી ? અને આખર, આવાં કથા–પારાયણોથી લાભ શો ? પ્રજાનું આર્થીક ધોરણ તો કથળે જ; છતાં ધારો કે, નૈતીક ધોરણ પણ ઉંચુ આવતું હોય તોય ભલે માફ ! પરન્તુ એય કરુણ રીતે કથળ્યું જ સ્પષ્ટ રીતે સમજાય છે : આપણા જેવી ભયંકર ભ્રષ્ટાચારી તથા ઘોર અનૈતીક પ્રજા, આ દુનીયામાં બીજી બહુ થોડી જ હશે. ચાલો, તત્કાળ એક સુધારો તો કરી જ નાખીએ : કથાવાર્તા ને પાઠપારાયણો ફક્ત રાતે જ યોજી શકાય એવો કાયદો કરો ! બાપુઓ, સ્વામીઓ, મહારાજો તમેય સાંભળો છો કે ? તો જરા સહકાર આપશો !

આ થઈ ધાર્મીક પ્રવૃત્તીઓના વીનાશક પરીણામની વાત ! તો વળી, આધ્યાત્મીક પ્રવૃત્તીય એટલી જ મીથ્યા તથા મહદંશે વ્યક્તીગત અને થોડે અંશે રાષ્ટ્રીય અવનતી–હાની જન્માવનારી જ છે; કારણ કે એની પાછળ પણ નીરર્થક જ સમય–શક્તી વેડફાય છે. દા.ત., મારા એક મીત્ર મોટા વીદ્વાન તથા ઘણા સમજદાર પુરુષ છે; છતાં સંસ્કારવશ રોજ ધ્યાન કરે છે. હવે પોતાની એવી અન્ધશ્રદ્ધાનો બચાવ કરવા, એને ‘ગ્લોરીફાય’ કરવા એકદા તેઓ મને કહે, ‘હું કાંઈ પુજાભક્તીરુપે કે ચીત્તનાં શાંતીસ્વાસ્થ્ય જેવા સામાન્ય હેતુસર આ ધ્યાન નથી કરતો; હું તો વૈશ્વીક–કોસ્મીક લય સાથે મારા પોતાના લયનું અનુસંધાન સાધવા આવી આધ્યાત્મીક સાધના કરું છું.’

એ સાંભળી મેં તેઓની સમક્ષ ચાર પ્રશ્નો મુક્યા :

1. વીશ્વમાં યા બ્રહ્માંડમાં કશું લય જેવું છે ખરું ? ત્યાં તો અંધાધુંધ બળનો જ સીદ્ધાન્ત પ્રવર્તે છે, અને ઘોર અવ્યવસ્થા ચાલે છે. દા.ત., હમણાં જ એક વીરાટ ધુમકેતુને ગુરુનો ગ્રહ નીર્મમ ભાવે આખો ને આખો જ ગળી ગયો ! તો મીત્ર, બ્રહ્માંડમાં તો આવો છે કોસ્મીક લય !

2. આપણો પોતાનો લય એટલે શું ? આ દેહ તો કુદરતના સર્વ અન્ધ કાનુનને જ આધીન એવું એક જડવત્ યંત્ર માત્ર છે, વધુમાં, વળી ભદ્દું અને ગંદું ! એમાં યાંત્રીક સંચલન સીવાય કોઈ ઉચ્ચતર લય નથી દેખાતો.

3. કોસ્મીક લય સાથે આપણા લયનું, જો એવું કંઈ હોય તો; એનું અનુસન્ધાન ધ્યાન દ્વારા સીદ્ધ થાય, એવો કોઈ નીયમ છે ખરો ? એનો પુરાવો શો ?

4. અને આખર, આવી બધી અનીશ્ચીત કડાકુટો કરવાથી લાભ શો ?

આપણો આત્મા પરમાત્મારુપ પરમ વૈશ્વીક ચૈતન્યનો જ એક અંશ છે, એવી અજ્ઞાનજનીત, પુરાણી આધ્યાત્મીક માન્યતામાંથી જ આવાં બધાં કર્મકાંડ પ્રગટ્યા સમજાય છે. અને હવે આ એકવીસમી સદીના વીજ્ઞાનયુગમાં જેમ અનેક કાલગ્રસ્ત અને કાલસાપેક્ષ ધાર્મીક માન્યતાઓ, વીધીનીષેધો તથા કર્મકાંડ આમુલ પરીવર્તન માગી લે છે; એજ રીતે આધ્યાત્મીકતાના ખોટા ખ્યાલો પણ બદલાવા જોઈએ. નાનાલાલીય પરીભાષામાં અંતે ઉદ્બોધું તો : ‘આત્મા તો દીઠો હોય તે દાખવે, આપણાં માનવીનાં તો છે આ શરીર !’

ભરતવાક્ય

યોગીક ક્રીયાઓ અથવા માનસીક એકાગ્રતા કે ધ્યાનાદી વડે જેવી અલૌકીક (અવાસ્તવીક) મનોગત અનુભુતીઓ પ્રાપ્ત થઈ શકે છે, બરાબર એવી જ (દીવ્ય) અનુભુતીઓ ગાંજો, એલ.એસ.ડી., મેસ્કેલીન, હેરોઈન, અફીણ, ભાંગ ઈત્યાદી નશીલાં દ્રવ્યોના સેવન દ્વારા પણ પ્રાપ્ત થઈ શકે છે. વળી, એવો જ અનુભવ ચોક્કસ બીમારીઓ દરમીયાન પણ માણસને થાય છે. એનો અર્થ એ જ કે કેફી દ્રવ્યો, તાન્ત્રીક પ્રયોગો, સમ્મોહન અથવા આત્મસમ્મોહન તેમ જ હોર્મોન–વીટામીનોની ખામીને પરીણામે ઉદ્ભવતા માનસીક રોગો એ સર્વ દ્વારા એકસરખી જ માનસીક ભ્રમણાઓ માણસના મનમાં ઉદ્ભવે છે. પરન્તુ અન્ધશ્રદ્ધાળુ જણ એને વીશ્વચેતના, બ્રહ્મજ્ઞાન યા મુક્તાવસ્થા ગણી–ગણાવી ખોટો જ ખુશ થતો ફરે છે.

 –ડો. અબ્રામ કોવુર

       પ્રા.રમણ પાઠક (વાચસ્પતી)

મુમ્બઈનું દૈનીક સમકાલીન (હવે બંધ છે)માં, દર મંગળવારે પ્રગટ થતી રહેલી પ્રા. રમણ પાઠકની લોકપ્રીય કટાર સંશયની સાધનામાં પ્રગટ થયેલા ઘણાબધા લેખોમાંથી, આપણા ગઝલકારમીત્ર વીજ્ઞાનવીદ્, રૅશનાલીસ્ટ અને  એમ. ટી. બૉઈઝ ટૅકનીકલ હાઈ સ્કુલ, સુરતના આચાર્ય શ્રી. સુનીલ શાહે પસંદ કરેલા લેખોનું, ડીસેમ્બર 2008માં, પુસ્તક વીવેકવલ્લભ ગ્રંથનું સમ્પાદન કર્યું. સુરતના રૅશનાલીસ્ટ ચીન્તક, વક્તા અને લેખક શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા vallabhitaliya@gmail.com )નો આર્થીક સહયોગ મળતાં તે પ્રકાશીત થયું.

વીવેકવલ્લભ પુસ્તક (જે હાલ અપ્રાપ્ય છે.)નું આ પ્રકરણ–03, લેખકશ્રી અને સંપાદકશ્રીના સૌજન્યથી સાભાર… ..ગોવીન્દ મારુ..

અભીવ્યક્તી.બુક્સ વીશે :

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તી.બુક્સ’ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચકબંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત સાવધાની રાખીશ.. ..ગોવીન્દ મારુ..

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, એરુ ચાર રસ્તા, વીજલપોર પોસ્ટએરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 .મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 13/03/2015

પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

રૅશનાલીઝમ

વીવેકવીજય
વીવેકવીજય

–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી

[1.] ‘રૅશનાલીઝમ એક એવો માનસીક અભીગમ છે કે, જેમાં વીવેકશક્તી તથા તર્કશક્તી (રીઝન)ની સર્વોપરીતાનો બીનશરતી સ્વીકાર કરવામાં આવે છે અને જેનો હેતુ ફીલસુફી તથા નીતીશાસ્ત્રની એવી તરાહ સ્થાપવાનો છે કે, જે અધીકારી મનાતાં કોઈ પણ વ્યક્તી કે ગ્રંથ (ઑથોરીટી)ની એકપક્ષી માન્યતાઓથી સદંતર મુક્ત હોય અને જે તરાહને તર્ક તેમ જ વાસ્તવીક અનુભવ–પ્રયોગ દ્વારા ચકાસી સત્ય યા અસત્ય સીદ્ધ કરી શકાતી હોય.’

ઉપર્યુક્ત વ્યાખ્યા લંડનના રેશનાલીસ્ટ એસોસીએશને ઘડેલી છે અર્થાત્ અંગ્રેજીભાષીઓ વડે રચીત છે; છતાં એમાં ક્યાંય ‘બુદ્ધી’ શબ્દ (intellect કે intelligence) પ્રયોજવામાં આવ્યો નથી. એને સ્થાને  ‘વીવેક’ (રીઝન) શબ્દ જ પ્રયોજાયો છે. એનું કારણ એ જ કે માણસજાતની બધી જ સીદ્ધીઓ, તેમ બધાં જ અનીષ્ટોનું મુળ તેની બુદ્ધી જ છે; કારણ કે બુદ્ધી અવળે માર્ગે પણ ગતી કરે છે. ત્યારે તર્કવીવેકથી એને રોકવી તેમ જ ઉચીત માર્ગે વાળવી રહે છે; કારણ કે ‘વીવેક’ એટલે ‘શું સત્ય અને શું અસત્ય ?’ તેમ જ ‘શું સારું અને શું ખરાબ ?’– એ નક્કી કરનાર નીરક્ષીરવીવેકની શક્તી. બાકી તો ઈશ્વરની કલ્પનાથી માંડીને તે સત્યનારાયણની કથા, મન્દીરો–ધર્મસ્થાનોનું બાંધકામ, ભુતપ્રેતની માન્યતા અને એને કાઢવાના ઘોર ક્રુર વીધીઓ, ઉંચનીચના ભેદો અથવા આત્મા–પરમાત્માની ફીલસુફી ને કર્મકાંડ આદી તમામ માન્યતાઓ અને વીધીનીષેધો એ માણસની બુદ્ધીનું જ સર્જન–કુસર્જન છે; કારણ કે ઈતર પ્રાણીઓ તો ભગવાનને ભજતાં નથી યા તો ભુત ધુણાવતાં નથી, જેનું કારણ એ જ કે તેઓમાં બુદ્ધીનો અભાવ છે.

[2.] રૅશનાલીઝમ બાબતે જે સૌથી મોટો કે ભયંકર ભ્રમ પ્રવર્તે છે તે એ છે કે રૅશનાલીસ્ટો એટલે લાગણીન, જડસુ, જીવનના સુક્ષ્મ આનન્દો મુદ્દલે નહીં સમજનારા એવા જડભરત–પશુવત્ માણસો, જેઓ કેવળ એટલું જ સમજે છે કે ‘ફક્ત પેટ ભરવાથી જીવન પુર્ણ બની જાય.’ વાસ્તવમાં, આ હાડોહાડ જુઠી કે અવળી માન્યતા છે. કારણ કે રૅશનાલીઝમ તો જીવનના પરમ તથા એકમાત્ર ધ્યેય તરીકે આનન્દને જ પ્રસ્તુત કરે છે અને પ્રબોધે છે: ‘જીવનના તમામ આનન્દો –સુક્ષ્માતીસુક્ષ્મથી માંડીને તે સ્થુળતમ સુધીના – સમ્પુર્ણત: માણી લો. કોઈ અન્યને લેશ માત્ર હાની તથા મુશ્કેલી પહોંચાડ્યા વીના, જીવનને તેની પુર્ણતામાં માણી લેવું એ જ જીવનધ્યેય, એમ ભારપુર્વક રૅશનાલીઝમ કહે છે અને માનવીની વીવેકબુદ્ધીથી ચકાસતાં એ વાત જ સત્ય પ્રતીત થાય છે.’

[3.] ‘Rationalism may be defined as the mental attitude which unreservedly accepts the supremacy of reason and aims at establishing a system of philosophy and ethics verifiable by experience and independent of all arbitrary assumptions of authority.’

લંડનના રૅશનાલીસ્ટ એસોસીયેશને ‘રૅશનાલીઝમ’ની વ્યાખ્યા ઉપર મુજબ આપી છે. જેનો ગુજરાતી અનુવાદ પ્રારમ્ભે આપ્યો, એને આધારે ‘રૅશનાલીઝમ’ શબ્દનો ગુજરાતી પર્યાય નીશ્ચીત કરીએ. અને એ અનીવાર્ય છે; કારણ કે સુશીક્ષીતો તથા વીદ્વાનો સહીત સામાન્ય જાણકાર, બધા જ આ શબ્દનો અર્થ કરતાં, એની વીભાવનાને બુદ્ધી સાથે સાંકળે છે અને ‘બુદ્ધીવાદ’ ‘બુદ્ધીનીષ્ઠતા’ જેવા અર્થો બનાવી કાઢી, રૅશનાલીસ્ટ વ્યક્તીને ‘બુદ્ધીવાદી’ – ‘બુદ્ધીનીષ્ઠ’ કહી ઓળખાવે છે; પરન્તુ પ્રારમ્ભે ટાંકેલી વ્યાખ્યામાંથી એક સ્પષ્ટ હકીકત સીદ્ધ થાય છે કે એમાં ક્યાંય ‘બુદ્ધી’ એટલે કે ‘ઈન્ટેલીજન્સ’ શબ્દ જ પ્રયોજાયો નથી, અર્થાત્ રૅશનાલીઝમને બુદ્ધી સાથે એના ચાલકબળરુપે કોઈ નીર્ણાયક સમ્બન્ધ નથી.

સ્પષ્ટ જ છે કે રૅશનાલીઝમનો જીવાતુભુત સમ્બન્ધ બુદ્ધી સાથે નહીં; પરન્તુ ‘રીઝન’ એટલે કે ‘વીવેકશક્તી’ સાથે છે. અલબત્ત, ગુજરાતી ભાષામાં ‘વીવેક’ શબ્દનો અર્થ ‘વીનય કે વીનયી વ્યવહાર’ એવો જે કરવામાં આવે છે એ અર્થમાં અત્રે એને સમજવાનો નથી; પરન્તુ સંસ્કૃતમાં આ શબ્દનો મુળ અર્થ જે એવો છે કે ‘સત્ય–અસત્ય, સારું–ખોટું અથવા તો વસ્તુને યથાર્થ રીતે પારખવાની, પ્રમાણવાની શક્તી તે વીવેક’. દા.ત. ‘નીર–ક્ષીર–વીવેક’ એટલે પાણી અને દુધને ઓળખી, અલગ તારવવાની આવડત, ‘વીવેચન’ શબ્દને પણ આ જ અર્થમાં ‘વીવેક’ શબ્દ સાથે સમ્બન્ધ છે, મતલબ કે બન્ને શબ્દનું મુળ એક જ છે. સારાંશ એ જ કે રૅશનાલીઝમનો પાયો માણસની ‘બુદ્ધી’ (ઈન્ટેલીજન્સ) નહીં; પણ ‘વીવેકબુદ્ધી’ (રીઝન) છે. માટે જ ઓક્સફર્ડ ડીક્શનરી પણ બરાબર આવો જ અર્થ આપે છે: Theory that reason is the foundation of certainty is knowledge અર્થાત્ ‘જ્ઞાનની પ્રાપ્તીનો પાયો વીવેકબુદ્ધી છે એવો સીદ્ધાન્ત તે રૅશનાલીઝમ.’

[4.] જડ અને ચેતન એ બે ભીન્નભીન્ન પદાર્થો છે એવો ખ્યાલ આદીમ માનવને આવે એ આમ સાવ સ્વાભાવીક હતું અને એમાં ચેતન તે ઉચ્ચતર તત્ત્વ હોવું જોઈએ એમ પણ સ્વાભાવીક રીતે જ કલ્પાય; કારણ કે ચૈતન્ય વીના તમામ પદાર્થો કેવળ અર્થહીન બની રહે છે. આમ, પ્રકૃતી અને પુરુષ એવા બે સ્પષ્ટ વીભાગો પર આધારીત તત્ત્વવીચાર – ફીલસુફીનો ઉદ્ભવ થયો. શાસ્ત્રો એને અંધ–પંગુ ન્યાય પણ કહે છે. અર્થાત્ પ્રકૃતીની મદદ વીના પરુષ (એટલે કે દેહ વીના આત્મા) સ્વયમ્ કશું જ કરી શકતો નથી; એ જ રીતે પુરુષ અર્થાત્ ચૈતન્ય વીનાની પ્રકૃતી સ્વેચ્છાએ, ચોક્કસ હેતુવાળું કોઈ પણ કાર્ય કરવા અસમર્થ જ રહે છે, અને છતાં પ્રકૃતી એના પોતાના નીયમો અનુસાર તો વળી કાર્ય કરતી જ રહે છે; પણ એનામાં આવશ્યક–અનાવશ્યકનો કે સારા–નરસાનો વીવેક નથી હોતો. જેમ કે, નદી વહે, વરસાદ પડે, રેલ આવે, વીજ ત્રાટકે, સહ્ય–અસહ્ય ગરમી–ઠંડી વરસે, સમુદ્રમાં ભરતીઓટ ચાલ્યા કરે, જેનો લાભ મનુષ્ય ઉઠાવી શકે; પરન્તુ તે માનવીના લાભાર્થે જ છે એવું પુરી પ્રતીતીપુર્વક સીદ્ધ ના થાય; કારણ કે, ઘણીય વાર તે માનવીને ગમ્ભીર હાની પણ કરી જાય. આમ, પ્રકૃતી અન્ધ છે અને પુરુષ પંગુ છે એવો સીદ્ધાન્ત આદીમ મનીષીઓએ તારવ્યો. એ છે, શાસ્ત્રોક્ત ‘અન્ધ–પંગુ ન્યાય’; જે શબ્દભેદે કે અલ્પ તર્કભેદે સંસારભરના તત્ત્વવીચારમાં પ્રવર્તે છે. દા.ત., ફ્રી વીલ – માનવીની મુક્ત કાર્યેચ્છાનો સીદ્ધાન્ત વગેરે.

[5.] હકીકતે રૅશનાલીસ્ટ થવા માટે પ્રચંડ ચીન્તનશક્તી તથા સબળ, શુદ્ધ તર્કશક્તી જોઈએ. દા.ત., આ દુનીયા જો ઈશ્વરે જ બનાવી હોય તો પછી આમ કેમ, તેમ કેમ ? – એવો સંશય જેના ચીત્તમાં પ્રગટ્યા જ કરે અને શુદ્ધ લૉજીક તથા સાક્ષાત્ અનુભવ દ્વારા પુર્ણત: સત્ય જ્યાં સુધી પ્રતીત ન થાય ત્યાં સુધી તે વીચારતો જ રહે; ત્યારે જ તેનાથી રૅશનાલીસ્ટ બની શકાય. હું આવી પ્રગતીને, સત્ય પ્રતીની ગતીને ‘રૉકેટ–ઉડ્ડયન’ સાથે સરખાવું છું. પ્રથમ તો, આ પૃથ્વીના ગુરુત્વાકર્ષણનાં બન્ધન ત્યજી અવકાશને આંબી શકવા માટે ચોક્કસ વેગવાળો પ્રાથમીક ધક્કો અનીવાર્ય રહે. એ પછી વીવીધ સ્તરો ભેદતાં આગળ ને આગળ ગતી કરવી પડે, જેવા કે હવામાનના સ્તરો–સ્ટ્રેટોસ્ફીયર, આયનોસ્ફીયર વગેરે. જે હોય તે. અંતે પૃથ્વીના ગુરુત્વાકર્ષણનુંય પડ ભેદીને જ્યારે રૉકેટ બહાર નીકળી જાય, પછી તે મુક્ત અવકાશમાં અનાયાસ ગતીપ્રગતી કરી શકે. માનવચીત્તમાં જામેલા સ્તરો તે વારસાગત સંસ્કાર, ધાર્મીક માન્યતાઓ, શ્રદ્ધા–અન્ધશ્રદ્ધાઓ, અસત્ય કેળવણી વગેરે ભેદાય તો જ સત્યની, અર્થાત્ રૅશનલ અભીગમની અવકાશી મુક્તી પ્રાપ્ત થાય.

નાસ્તીક યા રૅશનલ અભીગમ એ કોઈ એક જ દેશ યા ચોક્કસ વીસ્તારના દેશનો જ ઈજારો નથી. આપણે ખોટી રીતે માની લઈએ છીએ કે વીજ્ઞાનમાં આગળ વધેલા દેશો, જેમ કે પશ્વીમના દેશોની પ્રજા વૈજ્ઞાનીક માનસવાળી, વીવેકબુદ્ધીવાદી જ હોય. એથી ઉલટું, જો તમે યુરોપ–અમેરીકામાં સજાગ ચીત્તે ફરો, તો જોઈ શકશો કે ત્યાં પણ આપણા જેટલી જ મુર્ખાઓની બહુમતી છે. હા, શીક્ષણાદી પ્રસારને કારણે થોડોક ફરક પડે, જે બહુધા તો વળી જીવનરીતીનું જ પરીણામ હોય; રૅશનલ અભીગમનું નહીં. જીવનરીતીનો આવો ભેદ તે શું ?  એક દાખલો ટાંકી લઉં: અમેરીકામાં એક બાજુ કરન્સી નોટ પર છાપવામાં આવે કે ‘અમને ઈશ્વરમાં શ્રદ્ધા છે’ અને બીજી બાજુ વળી સજાતીય સમ્બન્ધ માટે કાયદેસરની માન્યતા મેળવવાનાં આન્દોલનોય ચાલતાં હોય !

રમણ પાઠક

 ‘ગુજરાતમીત્ર દૈનીક, સુરતમાં વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી (હવે બંધ) એમની લોકપ્રીય કટાર રમણભ્રમણના લેખોમાંના જુદા જુદા મુદ્દાઓ વીશે, જુદા જુદા વીષયોનું સંકલન કરીને સુરતના શ્રી. વીજય ભગતે: vmbhagat@gmail.com ) વીવેકવીજય’ (પુસ્તક માટે ભાઈ વીજય ભગતનો ઈમેઈલ પર સમ્પર્ક સાધવા વીનન્તી) ગ્રંથ સાકાર કર્યો. રૅશનાલીઝમના પાઠ્યપુસ્તક સમા આ ગ્રંથનું ઐતીહાસીક વીમોચન પુ. મોરારીબાપુને હસ્તે સુરતના ‘રંગઉપવન’માં થયું. તે પુસ્તક  વીવેકવીજયના પ્રકરણ: 01માંથી ઉપરોક્ત મુદ્દા ક્રમાંક: 01 થી 05 સુધીના આ મુદ્દા, લેખક અને સંપાદકશ્રીના સૌજન્યથી સાભાર ..ગોવીન્દ મારુ..

નીચે આપેલી લીન્ક ઉપર ક્લીક કરશો તો વીવેકવીજય ગ્રંથ વીશે વધુ જાણકારી મળશે :

https://govindmaru.wordpress.com/2010/12/17/raman-pathak-11/

લેખકસંપર્ક: 

પ્રા. રમણ પાઠક, A-4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કૉમ્પ્લેક્સ,  બારડોલી  394 641 ફોન: (02622) – 222 176 સેલફોન: 99258 62606

અભીવ્યક્તી.બુક્સ વીશે :

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તી.બુક્સ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચકબંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત સાવધાની રાખીશ..

..ગોવીન્દ મારુ..

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450  જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 .મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 06/02/2015

પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

સાવધાન ! ‘શ્રદ્ધા’નો બીગ બેંગ !

We may define faith as a firm belief in something for which there is no evidence.

Bertrand Russell

શ્રદ્ધાની અન્ય એક વ્યાખ્યા અંગ્રેજીમાં એવી પણ છે કે, Faith may be defined, as a firm belief that something improbable will happen, by some irrelevant act.

આથી ગુજરાતીમાં આપણે ‘શ્રદ્ધા’ની વ્યાખ્યા આ પ્રમાણે કરીએ :

‘શ્રદ્ધા’ એક એવી સુદૃઢ માન્યતા છે કે, અમુક તત્ત્વ યા વ્યક્તીના પ્રભાવથી કે એની કૃપાથી, અમુક વીધી કરવાથી અથવા તો કેવળ તત્પ્રત્યેની માન્યતાના બળે, કંઈક અસમ્ભવ (improbable) એટલે કે પ્રકૃતીના કાર્યકારણ ન્યાયથી ભીન્ન અથવા ઉલટું પરીણામ સીદ્ધ કરી શકશે.

દા.ત. સત્યનારાયણની કથાની કે પછી અમુકતમુક બાબાની બાધા રાખવાથી પરીક્ષામાં પ્રથમ વર્ગ સાથે પાસ થવાશે. એવી દૃઢ માન્યતા.

આ વ્યાખ્યાની ચર્ચા કરતા પુર્વે આપણા વાદવીવાદની એક ગમ્ભીર ક્ષતી પ્રતી અંગુલીનીર્દેશ કરી લઈએ અને એ નાબુદ કરીને પછી જ ચર્ચાપ્રધાન વ્યાખ્યાન કરવું યા લેખ લખવો જોઈએ એવો અનુરોધ કરીએ. વાદપ્રધાન આવા કાર્યક્રમમાં, મુખ્ય મુદ્દાની વ્યાખ્યા તથા વીભાવના સ્પષ્ટ નીશ્વીત કર્યા વીના જ આપણે ત્યાં આડેધડ પ્રવચનો થાય છે અને પછી અસંગત તથા અર્થહીન એવી તુચ્છ દલીલોની ફેંકાફેંક ચાલે છે. આપણે શ્રદ્ધા શબ્દની કે વીષયની વ્યાખ્યા કર્યા વીના જ એની ચર્ચા કરીએ છીએ: હકીકતમાં, શ્રદ્ધાના ભાવ સાથે ‘વીશ્વાસ’, ‘મનોબળ’ તથા ‘ખાતરી’ આદી ભાવોની ભેળસેળ કરીને જ ગમે તે રીતે શ્રદ્ધાને બીરદાવવાનો હેતુ સીદ્ધ કરવાનો મીથ્યા પુરુષાર્થ કરી, સંતોષ માની લઈએ છીએ.

દા.ત. કોઈ એમ કહે કે, પતીને વીદેશ જવાનું યા અન્ય કોઈ નીમીત્તે લાંબો વખત ઘર બહાર રહેવાનું થાય, ત્યારે તે પોતાની પત્ની પર ‘શ્રદ્ધા’ રાખે જ છે ને કહે કે પોતાની ગેરહાજરીમાં કશું અનીચ્છનીય નહીં આચરે !’ હકીકતમાં અહીં ‘શ્રદ્ધા’ શબ્દ અસ્થાને જ છે, ચોકસાઈથી કહેવું હોય તો આને ‘વીશ્વાસ’ શબ્દથી જ ઓળખાવાય. (જો કે ઘણા પુરુષો આવો વીશ્વાસ પણ નથી રાખતા; છતાં જવું પડે એટલે જાય છે ! પણ એ વળી જુદો મુદ્દો છે, વહેમીલી માનસીકતાનો)… એક મીત્રે લંગડો ભક્ત કેદારનાથનાં દર્શનાર્થે મહાપ્રયાસથી પહાડ ચઢી રહ્યો હતો – એને ‘શ્રદ્ધા’નું બળ કહ્યું, ત્યારે પણ મેં સુચવેલું કે, એ શ્રદ્ધા નથી, મનોબળ છે.

       ‘શ્રદ્ધા શબ્દ એની ચોક્કસ વીભાવના મુજબ improbability – અસમ્ભવીતતા સાથે અતુટ સમ્બન્ધ ધરાવે છે અને આ અસમ્ભવીતતા એટલે જ પ્રકૃતીના કાર્યકારણના અફર તંત્રથી કશુંક ભીન્ન બને એવી ઘટના. જો કે એવું કદીય બની શકે જ નહીં. માટે જ શ્રદ્ધા માત્ર અન્ધ જ હોય છે. અર્થાત્ શ્રદ્ધાએટલે જઅન્ધશ્રદ્ધા’ ! ખુદ ગાંધીજીએ કહ્યું છે કે શ્રદ્ધા હંમેશાં આંધળી જ હોય ! ભાવનાશીલતા અર્થાત્ ભાવવીશ્વનો સમ્બન્ધ માનવીની લાગણીની તીવ્રતા સાથે છે અને લાગણી માત્રને તર્કવીવેકથી સહેલાઈથી સમજાવી શકાય છે, એમાં કશું જ રહસ્યમય યા અલૌકીક નથી. દા.ત. પોતાની પ્રેમીકાનો જીવ બચાવવા માટે પ્રીયજન પોતાના જાનનું બલીદાન આપી દે – એ પ્રેમની લાગણીની ઉત્કટતા સહેજે અને બહુ સહેલાઈથી સમજી શકાય છે. એવું જ માતાના સંતાન પ્રત્યેના નીરપેક્ષ પ્રેમ બાબત સમજાવી શકાય. મુળ હકીકત તો એ છે કે, પ્રકૃતીનાં જીવસૃષ્ટીનો તંતુ ચાલુ રાખનારાં જે અનેક પરીબળો છે, એમાંનું જ એક માનો બચ્ચાં માટેનો નીરપેક્ષ પ્રેમ છે, જેને કુદરતી વૃત્તી જ કહેવાય. અનેક પ્રાણીવર્ગમાં તો, મોટું થયા પછી બચ્ચું માને ઓળખતું સુધ્ધાં નથી હોતું. છતાં માદા પોતાના જાનના ભોગેય બચ્ચાનું રક્ષણ કરવા ઝઝુમે છે. માનવી તો કેટલીક વ્યક્તીઓ, કેવળ પ્રીયજનો જ નહીં; કોઈપણ સ્વજનન, અરે, અજાણ્યાનો પણ; જીવ બચાવવા પોતાની જીન્દગીને હોડમાં મુકી દે છે…

શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો ભેદ આપણે તાત્ત્વીક ધોરણે નહીં; પરન્તુ પ્રકાર આધારીત એટલે કે ગુણવત્તાના પાયા પર પાડીએ છીએ; જે આપણી ઉચ્ચાવચતાની મીથ્યા માન્યતાઓ જ છે. દા.ત. ઈશ્વર ઉપરની શ્રદ્ધા કહેવાય. જ્યારે ભુતપ્રેત કે ભુવા પ્રત્યેની એવી જ લાગણીને અન્ધશ્રદ્ધા કહેવાય. આ તદ્દન વાહીયાત વીભાગીકરણ લેખાય; કારણ કે તમારે મન ઈશ્વરવીષયક જેવી અને જેટલી દૃઢ માન્યતા છે, એવી અને એટલી જ સુદૃઢ એક આદીવાસીની ભુતપ્રેત બાબતની માન્યતા હોય છે. બાકી આવાં બધાં તત્ત્વ મુળભુત રીતે તો કપોળકલ્પીત જ છે. મતલબ કે શ્રદ્ધાળુ સર્વ કોઈ અન્ધશ્રદ્ધાળુ જ હોય. તમે જેટલી શ્રદ્ધાથી ઈશ્વરની મુર્તી કે છબી સમક્ષ ધુપ–દીપ યા ફુલ–પ્રસાદનો વીધી કરો છો, એટલી જ શ્રદ્ધાથી પછાત – અભણ વર્ગો યા ભુતપ્રેતમાં કે જાદુટોનામાં માનનારી બહેનો ચાર રસ્તે જઈને પાણીનું કુંડાળું કરે છે અને નાળીયેર યા વડાં ચઢાવી આવે છે. બન્નેની મનોદશા તો પુરી સરખેસરખી જ છે. સુર્ય જેવા એક જડ પીંડની ઉપાસના કરનાર અને પથ્થરના દેવના થાનકે બલી ચઢાવનાર બન્નેની મનોદશામાં કશો ભેદ કે ઉચ્ચાવચતાનો ફરક સીદ્ધ થાય છે ખરો ? બાકી તો ‘હું જ સાચો અને ઉંચો’ – એવી મીથ્યાભીમાની લાગણીની વાત જુદી છે. ખરેખર જ શ્રદ્ધા અર્થાત્ અન્ધશ્રદ્ધા અજ્ઞાનતાનું જ પરીણામ છે, બાકી સુર્ય માનવી પર કોઈ ઉપકાર કરવા આમ, એક સળગતો પીંડ નથી જ બની રહ્યો ! એ સુર્યપુજકો બાપડા પછી જ્યોતીષમાં માનનારની ટીકા તો કરી જ કેવી રીતે શકે ?

એક પુજનીય સન્ત ‘ધર્મ અને વીજ્ઞાન’ વીશે પ્રવચન કરી રહ્યા હતા. આમ તો, તેઓ પ્રખર જ્ઞાની પુરુષ છે અને કીમતી વીચારોય ધરાવે છે. પરન્તુ આવી ભુલ કરી બેઠા ! એમણે કહ્યું, ‘ભગવાને ચંદ્ર પૃથ્વીથી અઢી લાખ માઈલ દુર ગોઠવ્યો, એ જ બરાબર સહેતુક છે. બાકી એ જો થોડો નજીક મુકાયો હોત તો, એવી મોટી ભરતી આવત કે આપણે સૌ ડુબી મરત’ – એવું કંઈક અને વળી ઈશ્વરની લીલા વીશે એથીય અનેકગણું હાસ્યાસ્પદ એવુંય ઘણુંબધું તેઓશ્રીએ કહ્યું. જવાબમાં મેં લખ્યું, ‘અરે સ્વામીજી, આજની અપેક્ષાએ જો વધુ મોટી, જોખમી ભરતી આવી હોત, તો માનવી સમુદ્રકાંઠાથી થોડા વધુ દુર વસવાટ કરત; એમાં ડુબી મરવાનું તો આવે જ ક્યાંથી ? ઈતર લીલાની હાસ્યાસ્પદતાનો જવાબ મેં, આમન્યા ખાતર જાહેરમાં નહીં લખ્યો; પણ પત્રથી જણાવ્યો. તેમ છતાંય સ્વામીજી મારા પર ભયંકર રોષે ભરાયા !

આવી જ ભગવાનની લીલાના મીથ્યા વખાણ ‘બીગ બેંગ’ના લંબાણકાળ (ડ્યુરેશ) બાબતે પણ શ્રદ્ધાળુઓ કરે છે કે, ‘એ જો સેકંડના એક અબજમાં ભાગ જેટલોય લાંબો ટુંકો હોત, તો આ બ્રહ્માંડ આવું ન રચાયું હોત અને આપણેય ન હોત’ ઈત્યાદી. અરે મીત્ર, ડ્યુરેશન પ્રમાણે જેવું બ્રહ્માંડ રચાયું હોત; પછી તેવી જ સમગ્ર સૃષ્ટી વીકસી હોત અને એનો કોઈને જ કશો હરખશોક નહોત. કારણ કે આ સમગ્ર લીલા કેવળ જડ તત્ત્વોની જ છે, જેને મન જ નથી, કે એમાં પછી આપણી કે કશાનીય કશી ફીકર ચીન્તા હોય. આનો એક સાદોસીધો સચોટ પુરાવો જ એ છે કે, સુર્યના એક પૃથ્વી સીવાયના  બીજા આઠ ગ્રહો સાવે સાવ નીર્જન, અર્થહીન ઘુમ્યા જ કરે છે, અબજો વર્ષોથી ! એની પરવા કરનાર કોઈ તત્ત્વ છે ખરું ? વળી, ધુમકેતુઓ પણ અનીયમીત સફરી બનીને આવે છે અને ગુરુ જેવા વીરાટ ગ્રહો એને ગળીય જાય છે ! બ્રહ્માંડમાં આવા તો અસંખ્ય, અબજોના અબજો પીંડો છે અને અથડાઅથડીની તથા ભાંગફોડની ભયંકર ઘટનાઓ નીરન્તર બન્યા જ કરે છે, કુદરતનું સંચાલન ‘અન્ધ નીયમ’વશ પ્રવર્તે છે. પરન્તુ સમય તથા વીસ્તારની અસીમ અગાધતાને પરીણામે, આપણને હાલ તુરત એની કશી જ આપત્તી નથી, માટે જ ઈશ્વરની લીલાને વખાણીએ છીએ અને એના પર શ્રદ્ધા રાખી બેફીકર (?) લીલાલહેર કરીએ છીએ ! બાકી નજીકની એક નીહારીકા (એન્ડ્રોનેડા ?)  પ્રચંડ વેગે આપણી ગેલેક્સી તરફ ધસી રહી છે, જે અમુક અબજો વર્ષ બાદ ટકરાશે પણ ખરી જ. અને ત્યારે બધું જ હતું ન હતું થઈ જશે. ખેર, અજ્ઞાનમ્ પરમ્ સુખમ્ ! બાકી વીજ્ઞાન તો આજે માનવસર્જીત ડી.એન.એ. બનાવવા સુધી પહોંચી ગયું છે… તમારું ડી.એન.એ. બજારમાં મળતું થઈ જશે !

સમગ્ર પ્રકૃતીનું સંચલન (સંચાલન નહીં) એના અન્ધ, જડ, અફર કાર્ય–કારણના નીયમોને વશ ચાલ્યા જ કરે છે, જેમાં જડ–ચેતનનોય કશો ફરક નથી. કેદારનાથમાં પ્રચંડ પુર આવે, તો એમાં મહાન ભગવાન પણ લાચાર ! હજારો ‘ભક્તો’ ડુબી મર્યા, ત્યારે એ ઈશ્વર શું કરતો હતો ? સુરતમાંય થોડાં વર્ષ પુર્વે  આવો લાચાર હાહાકાર મચી જ ગયો હતો ને ? હકીકતમાં, કાર્ય–કારણના અફર નીયમો સમક્ષ સમ્પુર્ણ લાચારી અનુભવતા મનુષ્યે, કેવળ મીથ્યા ગૌરવ કે મોટપ અનુભવવા માટે ‘શ્રદ્ધા’ જેવો આધ્યાત્મીક શબ્દ – ભાવ ગોઠવી કાઢ્યો. બાકી એથી કોઈ લાભ નથી.

ભરતવાક્ય

અતીશયોક્તીનીય અતીશયોક્તી ઉર્ફે કોના બાપની દીવાળી ?!! સોવીયેત સર્વસત્તાધીશ સ્તાલીને (સ્ટેલીને) એક કરોડ નહીં; એક અબજ માણસો મારી નાખેલા !

–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં વર્ષોથી ચીંતક–લેખક પ્રા. રમણ પાઠકની લોકપ્રીય કટાર રમણભ્રમણ’ પ્રગટ થતી રહે છે. તેમાં શનીવાર, 7 ડીસેમ્બર, 2013ના અંકમાં પ્રકાશીત થયેલો એમનો આ લેખ, લેખકના અને ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક:  પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’, એ–4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કોમ્પલેક્ષ, બારડોલી – 394 641 સેલફોન: 99258 62606

 રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તેમને માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજપરમથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકનગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 01/08/2014