Feeds:
Posts
Comments

Archive for the ‘પ્રા. ઘવલ મહેતા’ Category

છેલ્લાં ત્રીસ વર્ષમાં ધર્મનો

રાજકીય પરીબળ તરીકેનો

ઉદ્‌ભવ માનવજાતને ખતમ કરી શકે તેમ છે

– ધવલ મહેતા

રાજકારણમાં ધર્મસત્તા :

ધર્મ એક રાજકીય પરીબળ તરીકે જગતમાં છેલ્લાં ત્રીસ વર્ષથી ઉભરી રહ્યો છે. તે જગત માટે વીનાશક સાબીત થઈ શકે તેમ છે. અમેરીકા, ભારત અને મોટા ભાગના મુસ્લીમ દેશોમાં તેમ બની રહ્યું છે. દુનીયાના દરેક ધર્મની મર્યાદા એ છે કે તેના અનુયાયીઓ એમ માને છે કે તેમનો ધર્મ દુનીયાનો શ્રેષ્ઠ ધર્મ છે, તેઓ જે માન્યતાઓ ધરાવે છે તે જ આખરી સત્ય છે અને ઈશ્વર પર તેમનો એકલાનો અધીકાર છે. તેમના મતે જે ગીતામાં, વેદોમાં, બાઈબલમાં, કુરાનમાં કે અવેસ્તામાં કે ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં કે અન્ય ધર્મગ્રંથોમાં લખ્યું છે તે ભગવાનનો કે ભગવાનના પયગમ્બરનો સંદેશો છે. દરેક ધર્મ જયારે એમ માને કે સત્ય માત્ર તેની પાસે છે અને અન્ય ધર્મો પાસે સત્ય નથી કે અર્ધસત્ય છે; તેમાંથી સંઘર્ષ થાય જ. આમ અસહીષ્ણુતા દરેક ધર્મમાં અંતર્ગત (ઈન-બીલ્ટ) છે. વળી જુદા જુદા ધર્મના અનુયાયીઓ પાસે (કે તેમની સરકારો પાસે) જગતનો નાશ કરે તેવાં અણુ શસ્ત્રો આવી ગયાં છે; એટલે ધર્મની બાબત માનવજાત માટે ગંભીર બની ગઈ છે. ધર્મમાં શ્રદ્ધા રાખવી એ અનીવાર્ય છે અને આ શ્રદ્ધા માટે કોઈ સાબીતીની જરુર નથી. ધાર્મીક શ્રદ્ધાને સૌ કોઈએ સ્વીકારવી અને તેને પડકાર ના ફેંકવો આ માન્યતા જગતમાં હીંસા ફેલાવે છે – અલબત્ત, જગતમાં હીંસા અને સંઘર્ષ માટે ધર્મ સીવાયનાં (દા.ત., આર્થીક) બીજાં અનેક કારણો પણ છે; પરંતુ તેની અહીં ચર્ચા કરી નથી.

મધ્યમમાર્ગી (મોડરેટ) ધાર્મીકો પણ ભયજનક :

સામ હેરીસ તેમના ‘The End of Faith’ નામના પુસ્તકમાં કહે છે કે : આજના જગતમાં ધાર્મીક ઝનુનીઓ ઉપરાન્ત ધર્મમાં માનનારા સહીષ્ણુ ગણાતા ધાર્મીકો પણ વીનાશક ભુમીકા ભજવી રહ્યા છે. તેઓ આત્યન્તીક નથી; છતાં તેઓ ભયજનક છે. કારણ કે તેમણે ધાર્મીક શ્રદ્ધાને માન્યતા (લેજીટીમસી) આપીને એવી આબોહવા ઉભી કરી છે. જેથી ધાર્મીક હીંસા અને ધાર્મીક પુસ્તકનાં લખાણો સામે લડવાનું મુશ્કેલ બની ગયું છે. તેઓ છુપા દુશ્મનો છે.

ધાર્મીક માન્યતા ભ્રમણાજનક :

વીશાળ બહુમતી ધરાવતા ઉદારમતવાદીઓ પોતે (અન્ધ)શ્રદ્ધાયુકત હોવાથી આતંકવાદીઓને પડકારી શકતા નથી.

જગતના તમામ ધાર્મીકો એમ માને છે કે આ સૃષ્ટીના સર્જક તેમની પ્રાર્થના સાંભળે છે અને તેનો લાભદાયક પ્રતીભાવ પણ આપે છે.

આ માન્યતા જો જગતના કરોડો લોકો ધરાવતા ના હોત તો તે માન્યતા પાગલપણાનો કે ભ્રમણાનો એક પ્રકાર ગણાત. પરન્તુ કરોડો લોકો પુજા અને પ્રાર્થનામાં શ્રદ્ધા ધરાવતા હોવાથી તેને સાચી માનવામાં આવે છે. એકલદોકલ માનવી આવી માન્યતાઓ ધરાવતો હોય (પૃથ્વી શેષનાગ પર ઉભી છે) તો કદાચ પાગલ ગણાય. ધાર્મીક માન્યતાઓને ચકાસી શકાતી નથી. તે પુરાવા આધારીત હોતી નથી તે તેની એક મોટી મર્યાદા છે. ન્યુટનનો ગુરુત્વાકર્ષણનો સીદ્ધાન્ત કે આઈનસ્ટાઈનની થીયરી ઓફ રીલેટીવીટી, તેની સાબીતીને આધારે સાચી મનાય છે, કોઈ સાધુ સન્તના કથનને આધારે નહીં.

આજનો યુગધર્મ :

વીનોબાજી ‘આજના યુગની ધર્મભાવ’ના નામની પુસ્તીકામાં કોઈપણ પુરાવા વીના, માત્ર (અન્ધ)શ્રદ્ધાને આધારે નીચેનાં વીધાનો કરે છે. તેમના શબ્દોમાં : ‘બાકી દરેક જણ આત્માની અનુભુતી તો કરી જ શકે છે અને આત્મા કરતાં વધારે સારી ઈશ્વરની નીશાની આપણે માટે હોઈ ન શકે. આપણા દેહમાં દેહથી ભીન્ન અને સાક્ષીરુપે આત્મા છે તેના પરથી સૃષ્ટીમાં પરમાત્મા છે તે સીદ્ધ થશે. પીંડ અને બ્રહ્માંડની એકતાનો અનુભવ આપણે ડગલે ને પગલે કરીએ છીએ. જે પીંડમાં છે તે બ્રહ્માંડમાં છે. ‘યથા પીંડે તથા બ્રહ્માંડે’. અહીં મારી પાસે આંખ છે તો સૃષ્ટીમાં સુર્ય છે. મારામાં પ્રાણ છે તો સૃષ્ટીમાં વાયુ છે. આ રીતે બીંબરુપ બ્રહ્માંડમાં જે તત્ત્વ છે તેના પ્રતીબીંબરુપ શરીરમાં અને પીંડમાં છે. પીંડમાં આત્મતત્ત્વ છે તે પ્રતીબીંબરુપ સૃષ્ટીમાંય કોઈ તત્ત્વ હોવું જોઈએ અને તેને પરમ તત્ત્વ કહે છે.’

વીજ્ઞાન અને લૉજીકની દૃષ્ટીએ ઉપરનું દરેક વીધાન જો બહુ જ ઉદારતા દાખવીએ તો તેને કાલ્પનીક (સ્પેક્યુલેટીવ) ગણી શકાય. ‘મારામાં જે ચેતના છે તેવી જ બ્રહ્માંડમાં ચેતના છે જેને ઈશ્વર કહેવાય’ આવા વીધાનની વીશ્વસનીયતા (ક્રેડીબીલીટી) લગભગ શુન્ય ગણાય. ગંભીર ફીલોસોફીકલ ચર્ચામાં ભાષાકીય ચાતુરી (લીજીવીસ્ટીક) કે યુકતીઓ ના ચાલે. ‘આત્મા કરતાં વધારે સારી ઈશ્વરની નીશાની આપણે માટે હોઈ ના શકે’ તે વીધાન શ્રદ્ધાજન્ય છે; પરન્તુ તેની અનુભવજન્ય (એમ્પીરીકલ) સાબીતી નથી. જે વીધાનમાં આધ્યાત્મીક શબ્દ હોય અને આવો એક શબ્દ પણ હોય જેનો અર્થ સ્પષ્ટ ના હોય, સંદેહાત્મક હોય, તો તે વીધાનને અર્થહીન (મીનીંગલેસ) ગણવું. આ દલીલ વીનોબાજીનાં શ્રદ્ધાજન્ય વીધાનોને પણ લાગુ પડે છે. આવાં વીધાનો પર માનવ સમાજની નૈતીક (એથીકલ) સીસ્ટમ ઉભી ના કરાય.

નૈતીકતાના ઘડતરમાં ધર્મ ના ચાલે :

ધર્મને આધારે જે ધાર્મીક નૈતીકતા (રીલીજીઅલ એથીકસ)નું ધોરણ ઉભુ થયું તેણે માનવજાતનું (ખાસ કરીને સ્ત્રીઓ, દલીતો અને મુળ નીવાસીઓનું) દમન કર્યું છે. આને બદલે ધર્મનીરપેક્ષનીતી (સેક્યુલર એથીક્સ) ફ્રેંચ ક્રાન્તીનાં મુલ્યો – લીર્બટી, ઈક્વોલીટી અને ફ્રેટર્નીટી પર ઉભુ થયું છે. તેને હજુ બહુ સમય થયો નથી; પરંતુ પશ્ચીમ જગતમાં ઉદારમતવાદી, સમાજવાદી અને સમાજવાદ (માર્કીસ્ટ) વીચારસરણીઓ પાછળ ફ્રેંચ ક્રાન્તી તથા અમેરીકન ક્રાન્તીનાં મુલ્યો હતાં. તેમાં જાતીવાદ કે વૈદીક બ્રાહ્મણીઝમ નથી કે તેમાં ઈસ્લામીક શરીયતના નીયમો પણ સામેલ કરવામાં આવ્યા ન હતા. આ નવા વાદો સેક્યુલર એથીકલની દીશાનાં પગલાં છે – ભલે તેમાં બહુ મોટી સફળતા મળી નથી; પણ દીશા સાચી છે. ધાર્મીક માન્યતાઓનો એપીસ્ટેમીક એટલે કે જ્ઞાનને લગતો પાયો નબળો હોવાથી અજ્ઞાનને આધારે નૈતીકતા ના ઘડી શકાય; પણ વીજ્ઞાનને આધારે ઘડી શકાય.

અહીં એક બાબત યાદ રાખવી જરુરી છે. વીનોબા સહીત ભારતના અને જગતમાં મોટાભાગના ધાર્મીક ચીન્તકો એમ માને છે કે નૈતીકતાનો આધાર ધર્મ છે. ધર્મને કારણે માણસ ખરાબ કૃત્યો કરતો અટકે છે, હીંસાને ત્યાગે છે અને અન્ય વ્યક્તીઓને મદદ કરે છે. પરંતુ એકબીજાને મદદ કરવી, કુટુમ્બ ઉભું કરવું અને સન્તાનોને ઉછેરવાં, મીત્રોની સહાય લેવી અને તેમને સહાય કરવી, ભાઈભાંડુઓને પ્રેમ કરવો, પરોપકાર વગેરે માનવતા, જેનેટીક વારસામાં પ્રોગ્રામ્ડ છે. તે વીના માનવજાત ટકી શકી જ ન હોત. દા.ત., ભ્રાતૃભાવના વીના માણસ ગ્રુપ્સ જ ઉભાં ના કરી શકે અને ગ્રુપ્સ કે જુથો ઉભાં કર્યા વીના માનવજાત નાશ પામત. ટુંકમાં, એકબીજાને મદદ કરવી, પ્રેમ દાખવવો, દુઃખી લોકો માટેની અનુકંપા અને સહાનુભુતી દાખવવી તે કોઈ ધર્મનો ઈજારો નથી. ધર્મ તો બહુ પાછળથી આવ્યો. તે પહેલાં ઉપરના ગુણોને કારણે જ માનવજાત ટકી રહી. આવી નૈતીકતાના પાયામાં ધર્મ ના રહે તો પૃથ્વી કે માનવસમાજ રસાતાળ થઈ જશે તેમ માનવાની જરુર નથી. ઉલટાની માનવજાત જેના પરોપકારવૃત્તી અને પરસ્પર સહાય પ્રોગ્રામ્ડ છે તે સેક્યુલર સમાજમાં વધુ સુખી થાય તેવો સંભવ છે. નજીકના ભુતકાળમાં ધર્મસંસ્થાએ લોકોને ત્રાસ આપનારા રાજયકર્તાઓમાંથી ઉગાર્યા પણ છે. પોલૅન્ડમાં સામ્યવાદના લોખંડી શાસન સામે ત્યાંના કેથોલીક ચર્ચે અવાજ ઉપાડ્યો હતો. દુષ્ટ અમેરીકાએ ઈરાનના ત્રાસવાદી શાહને ગાદી પર બેસાડી દીધો હતો તેને દુર કરવા ખોમીની અને તેની મુસ્લીમ સંસ્થાઓએ મદદ કરી હતી.

પરન્તુ સામાન્ય રીતે ધર્મ અને ધાર્મીક સંસ્થાઓ સમાજમાં જે હીતધારકો છે અને શોષણકર્તા છે તેમને જ બહુધા મદદ કરતી હોય છે.

ધર્મનીરપેક્ષ માનવવાદીઓએ ઈસ્લામ સામે પડકાર ફેંક્યો છે અને તેના જવાબ રુપે જગતના મુસ્લીમોના એક નાનકડા વર્ગે જેહાદનો મન્ત્ર ફુંક્યો છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે ઈસ્લામમાં માનનારો અતી વીશાળ વર્ગ ‘મોડરેટ’ એટલે કે ઉદારમતવાદી છે. બહુ જ નાનો વર્ગ કે નાનાં નાનાં જુથો જ આતંકવાદી છે અને તેઓ જગતને ભયમાં મુકી રહ્યાં છે. વળી જેમ હીન્દુ ધર્મનો માનવજાતના ઈતીહાસમાં મોટો ફાળો છે (વીજ્ઞાન કળા, આર્કીટેક્ચર, સંગીત વગેરેમાં) તેવો જ ઈસ્લામનો જગતમાં ફાળો છે. પરંતુ ઈસ્લામ અને ખ્રીસ્તી ધર્મ પોતાના પ્રસારમાં માને છે તે ભુલવું ના જોઈએ. વળી, પાકીસ્તાન અને સાઉદી અરેબીયામાં જે લોકો ઈસ્લામની નીન્દા કરે તેને માટે મોતની સજા છે અને બન્ને ધર્મો પોતાનાં પુસ્તકોને ભગવાનનો અવાજ ગણે છે. હીન્દુ ધર્મમાં કોઈ એક આધારભુત (સ્ટેન્ડર્ડ) સર્વમાન્ય ધાર્મીક ગ્રંથ નહીં હોવાથી હીન્દુ ધર્મ વધારે લવચીક (ફ્લેક્સીબલ) રહ્યો છે.

ભાષાચાતુરી :

ઉપર્યુક્ત પુસ્તકમાં વીનોબા લખે છે, ‘હું કહીશ કે આ જ છે આજના યુગનો ધર્મસંદેશ. હવે એવું નહીં ચાલે કે આપણે ભગવાનને મન્દીરમાં પુરી રાખીએ અને બાકીની આખી દુનીયાને ઈશ્વરશુન્ય સમજીએ. આપણે તો હવે એવું કરવાનું છે કે દરેકે દરેક મનુષ્યના હૃદયમાં જે ભગવાન છે તેની ઉપાસના કરવાની છે અને ગામ આખાને મન્દીર બનાવવાનું છે’ આ કટાર લેખકને દરેકે દરેક મનુષ્યના હૃદયમાં ઈશ્વર દેખાતો નથી. તેમાં તો દરેકે દરેક મનુષ્યના હૃદયમાં ઈશ્વર હોય કે ના હોય; પરંતુ તેમને તો શીક્ષણ, રોજગાર, આરોગ્ય અને સુખસગવડવાળું દીર્ધ જીવન મળે તેની ખેવના છે. તે માટે વીજ્ઞાન અને ટૅકનોલૉજી જોઈએ. તેમને મન ફ્રેંચ ક્રાન્તીના આદર્શો (લીબર્ટી, ઈક્વોલીટી, ફ્રેટર્નીટી) ધાર્મીક આદર્શો કરતાં વધુ મહત્ત્વના જણાય છે. તેથી તેઓ ઈશ્વરશુન્ય સૃષ્ટીને ઈશ્વરથી ભરી દેવા માંગતા નથી. કોઈપણ સેક્યુલર વીચારધારામાં ઈશ્વર કે ધર્મ કે સમ્પ્રદાયનો પ્રવેશ થાય તો તેનાથી અનીષ્ટ થયા વીના રહેતું નથી. રાજકારણમાં કે વીચારસરણીમાં ધર્મ બીલકુલ ના જોઈએ તેવું આ લેખક માને છે. વળી ધાર્મીક ઉદારમતવાદીઓ પણ સર્વધર્મ સહીષ્ણુતાના નામે શ્રદ્ધાજન્ય માન્યતા ધરાવીને આતંકવાદ માટે અનુકુળ આબોહવા ઉભી કરે છે.

ઉપસંહાર :

કોઈની પણ ધાર્મીક લાગણી દુભાવ્યા વીના અને કોઈપણ ધર્મની પ્રત્યક્ષ ટીકા કર્યા વીના એવું પ્રતીપાદન કરવાનો પ્રયત્ન આ લેખમાં થયો છે કે રાજકારણમાં ધર્મના પ્રવેશે ધીમે ધીમે આતંકવાદને જન્મ આપ્યો છે. આતંકવાદીઓના હાથમાં અણુશસ્ત્રો આવી જાય તો તેમના ધાર્મીક ઝનુનને કારણે તેઓ પૃથ્વીનો નાશ કરી શકે તેમ છે. વળી ધાર્મીક વીધાનોને શ્રદ્ધાપુર્વક સાચાં માની લેવાને બદલે તેના પુરાવા છે કે નહીં, તેનો આગ્રહ રાખવો જોઈએ. જે વીધાનો અટકળવાળાં હોય તેના પર શાણો સમાજ નૈતીક સીસ્ટમ રચી શકે નહીં. વળી વીનોબાની જેમ એવું ના માનવું કે માનવીની નૈતીકતાનો પાયો ધર્મ છે. તે આનુવંશીક (જેનેટીક) છે. ઉલટાનું સેક્યુલર પાયા પર રચાયેલી નૈતીકતા લોકો માટે વધુ કલ્યાણકારી હોવાનો સંભવ છે. તે માટે ઈશ્વર અને ધર્મ અપ્રસ્તુત (ઈર્રેલેવન્ટ) છે.

– ધવલ મહેતા

મહેમદાવાદથી પ્રકાશીત થતું  રૅશનલ માસીક માનવવાદ (જુલાઈ, 2014)નો આ લેખ માનવવાદના તંત્રીશ્રી તેમ  લેખકશ્રીની પરવાનગી અને સૌજન્યથી સાભાર…

લેખકસંપર્ક :

પ્રા. ધવલ મહેતા, બી-13, કોણાર્ક – કરીશ્મા એપાર્ટમેન્ટ, રેણુકા હૉલ સામે, વસ્ત્રાપુર, અમદાવાદ380 015 ફોન નંબર : 079 2675 4549 ઈમેઈલ : dhawalanjali48@yahoo.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી વેબસાઈટ ‘અક્ષરનાદ’ ના ‘ઈ–પુસ્તકો’ વીભાગ ( http://aksharnaad.com/downloads ) પર તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ ‘લેક્સિકોન’ના ‘GL eBooks’ વીભાગ ( http://www.gujaratilexicon.com/ebooks/ ) પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. રસ ધરાવતા વાચકમીત્રોને આ બન્ને વેબસાઈટ પરથી ‘અભીવ્યક્તી’ની ‘ઈ.બુક્સ’ ડાઉનલોડ કરવાની સગવડનો લાભ લેવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 ‘રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ એપાર્ટમેન્ટ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી.  પોસ્ટ :  એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ : 15/01/2016

 

Read Full Post »

–ધવલ મહેતા

રૅશનાલીસ્ટ સમાજની સ્થાપના માટે અવરીત ઝઝુમનારા એક પ્રખર બૌદ્ધીક ડૉ. બી. એ. પરીખની આ લઘુપુસ્તીકા રૅશનાલીસ્ટો માટે એક પાઠ્યપુસ્તકની ગરજ સારે તેવી છે. ડૉ. બી. એ. પરીખ પોતે પ્રતીષ્ઠીત માનસશાસ્ત્રી છે અને તેમણે માનવમનનો ઉંડો અભ્યાસ કર્યો હોવાથી આ લઘુપુસ્તીકામાં તેમની મનોવૈજ્ઞાનીક તરીકેની સુઝ ઉપસી આવે છે. વળી, તે એક રૅશનાલીસ્ટ ચીન્તક હોવાથી તેમણે આધ્યાત્મીકતા એટલે શું, અધ્યાત્મવાદ કોને કહેવાય, અધ્યાત્મવાદ અને વીજ્ઞાન વચ્ચે કયા તફાવતો છે, માત્ર અન્તર્જ્ઞાન અને અન્તરસ્ફુરણાથી પ્રગટતા જ્ઞાનને પ્રમાણભુત ગણી શકાય કે નહીં… તેવા વીવીધ પ્રશ્નો ઉભા કર્યા છે અને તે સમજાવ્યા છે. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આધ્યાત્મીક જ્ઞાન, વીજ્ઞાનના સ્થાપીત માપદંડોમાંથી એક પણ માપદંડની કસોટીમાં પાર ઉતરતું નથી. તેથી આધ્યાત્મીક અનુભુતી અને તે અંગેના દાવાઓ સાવ ગપ્પાબાજી, જુઠાણું, ઢોંગ, માનસીક ભ્રમણા, માનસીક માંદગી કે માનસીક વીકૃતી જ કહેવાય. આધ્યાત્મીક જ્ઞાન અને આધ્યાત્મીક અનુભુતી માટેનો આવો સ્પષ્ટ અને બીલકુલ નીખાલસ અભીપ્રાય બહુ જ ઓછા ચીન્તકોમાં જોવા મળે છે. વળી, આધ્યાત્મીક શક્તી હોવાનો દાવો કરનારા યોગીઓ કે સાધકો માત્ર તે પુરતો દાવો કરીને બેસી રહે તો તેમને આપણે સ્વકેન્દ્રી ગણીને નજરઅંદાજ કરીએ. પરન્તુ લેખકે બહુ જ સ્પષ્ટતાથી રજુઆત કરી છે કે આધ્યાત્મીક શક્તીનો એક બીજો પ્રવાહ રોગોપચારની પદ્ધતીઓમાં પ્રગટ થતો દેખાય છે, જેમાં હસ્તસ્પર્શથી કે આશીર્વાદથી કે માત્ર દર્શનથી રોગો મટાડવાનો દાવો આધ્યાત્મીકો કરે છે. આ જુઠાણાનું સમર્થન કેટલાક હતાશ થયેલા અન્ધશ્રદ્ધાળુ રોગીઓ પણ કરે છે. તેઓ એમ ગદ્ગદ થઈને જણાવે છે કે અમુક મહાત્માના સ્પર્શથી, દર્શનથી કે ભભુતીથી અમારા રોગો દુર થઈ ગયા છે. આવા દાવાઓની વૈજ્ઞાનીક પદ્ધતીથી ચકાસણી થતી નથી. તેથી આ જુઠાણું સમાજમાં વાયુગતીથી ફેલાય છે. આ લઘુપુસ્તીકાના લેખક આ અંગે અન્ધશ્રદ્ધાળુઓને તેમ જ ભક્તજનોને ગમ્ભીર ચેતવણી આપે છે અને કહે છે કે આવા ઉપચારોની સફળતાના કોઈ વૈજ્ઞાનીક પુરાવા નથી. વળી, આવા લોકોને છેતરવાની નવીનવી પદ્ધતીઓ ઉભરતી જ જાય છે. જેમાં વીદ્વાન લેખકે રેકી પદ્ધતીની આલોચનાત્મક ચર્ચા કરી છે. લેખકે બહુ સાચી રીતે જ જણાવ્યું છે કે યોગ–પ્રાણાયામ દ્વારા કુંડલીનીને જાગ્રત કરીને માનસીક કે શારીરીક સુખ કે આધ્યાત્મીક ઉંચાઈ પ્રાપ્ત કરવાનો ભારતમાં હજારો વર્ષોથી જે પ્રચાર થઈ રહ્યો છે તેમાં કુંડલીની શું છે, તે હોય તો ક્યાં છે અને તે જાગ્રત થાય તેનો શો અર્થ કરવો તેની કોઈએ તે વીજ્ઞાનની કસોટીમાંથી પાર થાય તેવી વ્યાખ્યા આપી નથી કે નથી સાબીતી આપી. એટલે યોગસાધના દ્વારા કુંડલીની જાગૃતીની વાતોને મનોરંજનના એક સાધન કે આધ્યાત્મીક ગપ્પાબાજીનો એક પ્રકાર તરીકે ગણાવી શકાય. ભારતના આધ્યાત્મીક ચીન્તકો એવું માને છે કે પશ્વીમનું જીવન ભોગવાદી છે અને આપણું જીવન ત્યાગવાદી કે આધ્યાત્મીક છે અને તેથી આપણે પશ્વીમના જગતને અધ્યાત્મનો સંદેશો આપીને તેને નૈતીક પતનમાંથી ઉગારવાનું છે. આ એક સરાસર આત્મશ્લાઘા અને મીથ્યાભીમાન છે. કારણ કે ભારતદેશ તો પોતે અનૈતીકતાથી ભરપુર જણાય છે અને આધ્યાત્મીક ગુરુઓનાં નૈતીક સ્ખલનો અને ખાસ કરીને અપ્રામાણીકતાથી મેળવેલા ધનના ઢગલા ભારતમાં સૌથી વધારે જોવા મળે છે. પશ્વીમ ભોગવીલાસવાળું જીવન જીવતું હોય તો તેઓની સરાસરી આવરદા નીચી હોવી જોઈએ. ત્યારે સરખામણીએ ત્યાગવાદી ભારતના લોકોની સરાસરી આવરદા તો બહુ નીચી છે અને ગંદકીજન્ય રોગોનું પ્રમાણ ભારતમાં સૌથી વધારે છે. આ પ્રકારની આધ્યાત્મીક ઉંચાઈ વીશેની દલીલો દ્વારા વીજ્ઞાન અને ટૅકનૉલૉજી, જેણે સામાન્ય માનવીનાં સુખસગવડો વધાર્યાં છે અને સરાસરી જીવન આવરદા વધારી છે, તેની ટીકા કરનારાઓને ડૉ. બી. એ. પરીખે બહુ જ અસરકારક જવાબ આપ્યો છે. વળી, તેમણે બહુ જ સચોટ ભાષામાં જણાવ્યું છે કે ભારતીય અધ્યાત્મ જે આત્માની અમરતા અને આત્માના ગુઢ ખ્યાલ પર ઉભો થયો છે તેને કોઈ વૈજ્ઞાનીક સમર્થન નથી. વળી આત્મા અને તેના પુનર્જન્મના ખ્યાલો ઉપર ઉભો થયેલો ગુઢવાદ ભલે અન્ધશ્રદ્ધાળુઓને ઈશ્વર–સ્વર્ગનો અનુભવ કરાવનાર તત્ત્વ લાગે; પરન્તુ આવો અનુભવ એક આભાસ સીવાય કંઈ નથી. અતી રાષ્ટ્રવાદથી પીડાતા અન્ધશ્રદ્ધાળુઓ અને નાગરીકો જેઓ હીન્દુ સંસ્કૃતીને જગતની સર્વશ્રેષ્ઠ સંસ્કૃતી ગણે છે તેમને લેખકે પડકાર્યા છે. કારણ કે તેઓના આ દાવામાં કોઈ વજુદ લેખકને જણાયું નથી. લેખક વીજ્ઞાન શું છે તે, તેના પાયા કયા છે, તેની ચકાસણીની પદ્ધતીઓ શી છે તેની ઉંડી સમજ ધરાવતા હોવાથી આ પુસ્તક ઘણું સમૃદ્ધ બન્યું છે.

આ લઘુપુસ્તીકા દ્વારા લેખકે, રૅશનાલીસ્ટ માનવીએ રૅશનાલીસ્ટ સમાજના ઘડતરની દીશામાં મોટો ફાળો નોંધાવ્યો છે. લેખકની મર્મસ્થ કુશળતા, પોતાની દલીલો સાદી ભાષામાં અનેક દૃષ્ટાંતો આપીને સમજાવવાની છે, વળી તેઓ પોતાના મુદ્દાઓ નંબર ૧, ૨, ૩ વગેરે આપીને દરેક મુદ્દા ઉપર ધ્યાન આપવાની વાચકને ફરજ પાડે છે. લેખક ડૉ. પરીખને આ લઘુપુસ્તીકા લખવા બદલ હું ધન્યવાદ આપું છું. આ લઘુપુસ્તીકા એટલી તો સર્વસમાવેશક અને પ્રસ્તુત છે કે નાની નાની ‘રૅશનાલીસ્ટોની કાર્યશાળા’ઓમાં તેને પાઠ્યપુસ્તક તરીકે રાખીને ભવીષ્યના રૅશનાલીસ્ટો તૈયાર કરવામાં ઘણી મદદરુપ થાય તેમ છે.

– ધવલ મહેતા

ડૉ. બી. એ. પરીખની પુસ્તીકા ‘અધ્યાત્મવાદ વીશે વૈજ્ઞાનીક સમજ’ માટે ગુજરાત યુનીવર્સીટીના મેનેજમેન્ટ વીભાગના ભુતપુર્વ વડા અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના કટારલેખક પ્રા. ધવલ મહેતાએ ઉપરોક્ત ‘પ્રાસ્તાવીકા’ લખી છે. ‘પ્રાસ્તાવીકા’ના લેખક પ્રા. ધવલ મહેતા, આ પુસ્તીકાના લેખક ડૉ. બી. એ. પરીખ તેમ જ પ્રકાશક (સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત395 001 ફોન: (0261) 259 7882, (0261) 259 2563 ઈ–મેઈલ: sahityasangamnjk@gmail.com પ્રથમ આવૃત્તી: 2014, પૃષ્ઠસંખ્યા: 96 + 4 = 100, કીંમત: 60/– ) ના સૌજન્યથી સાભાર..

પ્રાસ્તાવીકા–લેખકનો સમ્પર્ક :

પ્રા. ધવલ મહેતા, બી-13, કોણાર્ક – કરીશ્મા એપાર્ટમેન્ટ, રેણુકા હૉલ સામે, વસ્ત્રાપુર, અમદાવાદ-15 ફોન નંબર: (0261) 225 2190 સેલફોન નંબર: 079 2675 4549 ઈમેઈલ: dhawalanjali48@yahoo.com

પુસ્તીકા–લેખકનો સમ્પર્ક :

ડૉ. બી. એ. પરીખ, 154, સર્જન સોસાયટી, પાર્લે પૉઈન્ટ, અઠવા લાઈન્સ, સુરત–395 007 સેલફોન: 99241 25201 ઈ–મેઈલ: bhanuprasadparikh@yahoo.com

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 .મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ:  05/09/2014

 

Read Full Post »

હીન્દુ કલ્ચરે રૅશનાલીઝમને અપનાવ્યા વીના છુટકો નથી

પ્રા. ધવલ મહેતા

 ‘Culture Can Kill’ પુસ્તકની સમીક્ષાનો આ બીજો – અન્તીમ ભાગ છે. આ પુસ્તકના લેખક શ્રી. સુબોધ શાહ ગુજરાતી છે અને વર્ષોથી અમેરીકાના ન્યુ જર્સી સ્ટેટમાં રહે છે. તેઓ પ્રખર રૅશનાલીસ્ટ છે. આ પુસ્તકમાં તેમણે ધર્મ અને ધાર્મીક વીધીઓથી તથા રુઢીઓથી લથપથ હીન્દુ કલ્ચરની સખત આલોચના કરી છે. લેખકે ન્યુ જર્સીમાં રૅશનાલીસ્ટ મીત્રવર્તુળ ઉભું કર્યું છે. લેખકનું તારણ એ છે કે ભારતીય કલ્ચરે ખાસ કરીને હીન્દુ ધર્મે તેની જડતા અને અન્તર્મુખતાને કારણે વીદેશી આક્રમકો અને શાસકો સામે સતત હાર ખાધી છે; છતાંય દમ્ભ છોડ્યો નથી.

માત્ર હારનો જ ઈતીહાસ :

‘હીન્દુ સંસ્કૃતીને જગતની શ્રેષ્ઠ સંસ્કૃતી અને હીન્દુ ધર્મને જગતનો શ્રેષ્ઠ ધર્મ’ એવું સમજનારને લેખક એક પ્રશ્ન કરે છે : ઈ.સ. 1198માં વીદેશી મુસ્લીમ (મહમ્મદ ઘોરી)ને હાથે પૃથ્વીરાજ હારી ગયા પછીનાં લગભગ 800 વર્ષ કેમ વીદેશીઓએ સતત આપણા પર રાજ કર્યું ? છેક ઈ.સ. 1947 સુધી કેમ આપણે પરદેશીઓને રાજ કરવા દીધું ? આપણને ગઝની, તૈમુર, ચંગીઝખાન, નાદીરશાહ તથા હુણો લુંટી ગયા, આપણા લોકોની કત્લેઆમ ચલાવી અને આપણે કોઈપણ પ્રતીકાર વીના બેસી રહ્યા તે શું હીન્દુ ધર્મ અને હીન્દુ કલ્ચરની શ્રેષ્ઠતા બતાવે છે ? કેમ આપણે પરદેશીઓ સામે (ઈ.સ. પુર્વે 300થી પહેલા એલેક્ઝાંડર નામના ગ્રીક સેનાપતીએ આપણને  હરાવી દીધા હતા) હમ્મેશાં માર ખાધો છે ! (અહીં એક આડ વાત કરી લઈએ કે ભારતના હજારો વર્ષના ઈતીહાસમાં માત્ર પહેલી જ વાર ઈન્દીરા ગાંધીએ વીદેશી રાષ્ટ્ર(પાકીસ્તાન)ને નીર્ણાયક પરાજય આપ્યો હતો.) હજી પણ આપણે એ સવાલ કરતા નથી કે છેલ્લાં પાંચસો વર્ષોથી ભારતે કે ચીને કેમ દુનીયાનું આર્થીક, બૌદ્ધીક કે સાંસ્કૃતીક નેતૃત્વ ગ્રહણ કર્યું નથી ? કેમ પશ્ચીમ જગતના યુરોપ અને અમેરીકાએ દુનીયાનું નેતૃત્વ લીધું છે ? યુરોપના એક દેશ પોર્ચુગલના વાસ્કો–ડી–ગામાએ કેમ ભારત ખોળ્યું અને ભારતે કેમ પોર્ચુગલ કે સ્પેન કે અમેરીકાને ના ખોળ્યા ? વળી, પશ્ચીમી જગતે મુડીવાદ, સામ્યવાદ, સમાજવાદ, ડેમોક્રસી, ઉદ્યોગવાદ જેવી માનવકેન્દ્રી, સેક્યુલર વીચારસરણીઓ ખોળી અને ભારતે તે કેમ ના ખોળી ? વળી ભારતમાં આર્યભટ્ટ, વરાહમીહીર, ભાસ્કરાચાર્ય જેવા વૈજ્ઞાનીકો થઈ ગયા; પરન્તુ પશ્ચીમી જગતની જેમ ભારતે વૈજ્ઞાનીક પદ્ધતી (સાયન્ટીફીક મેથડ)ની ખોળ કેમ ના કરી ? તેણે બ્રહ્મન્, આત્મન્, જીવ, માયા, મનોભયકોષ જેવી ફીલોસોફી કેમ વાગોળ્યા કરી ? ચાર્વાક અને કણાદની તથા તેના અનુયાયીઓની વીજ્ઞાનને જન્મ આપે તેવી ભૌતીકવાદી ફીલોસોફીનો ભારતીય બ્રાહ્મણવર્ગે નાશ કર્યો. ટુંકમાં, પશ્ચીમી જગતે એશીયાને ખોળ્યું અને ખુંદ્યું; પરન્તુ ભારતે તેમ ના કર્યું. આ સવાલ આપણને ભારતીય કલ્ચરનાં મુલ્યોની ચકાસણી કરવાનું સુચવે છે. એક બાબત સ્પષ્ટ છે – જ્યારે પશ્વીમી જગત ઈ.સ. 1450 અને તે પછી રેનેસાં (પુનર્જાગરણ) અને રેફર્મેશન (એટલે કે પોપની સત્તા અને કેથલીક ધર્મ સામે પ્રચંડ વીરોધ)માંથી તથા વૈજ્ઞાનીક પદ્ધતીની સ્થાપનામાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે સમગ્ર ભારત ભક્તીયુગમાંથી પસાર થઈ રહ્યું હતું. સાધુ, સન્તો, પ્રાર્થના, ગુરુપુજન, ભજનો, પદો, પુજા વગેરેમાં તે લથપથ હતું. હજી પણ તે ચાલુ છે. ભારતના અને ગુજરાતના મધ્યમવર્ગમાં (ખાસ કરીને નવા ધનીક બનેલા વર્ગમાં) તો ભક્તીનું જાણે પુર ઉમટ્યું છે ! નવધનીક લોકોમાં ગુરુઓની કે સ્વામીજીઓની, કથાકારોની સેવા કરવાની કે તેમને હાથે ઉદ્ ઘાટન કરાવવાની તીવ્ર હરીફાઈ જામી છે ! આ પુસ્તકના લેખક હીન્દુ ધર્મની આલોચના કરતા કહે છે કે દુનીયાના દરેક ધર્મમાં રીતરીવાજો કે વીધીઓ (Rituals) હોય છે; પરન્તુ હીન્દુ ધર્મે વીધીઓની બાબતમાં હદ વટાવી દીધી છે. ઘરમાં, મન્દીરમાં, મેળાવડાઓમાં, (નદી પર–ધર્મસ્થળો પરના વીધી) સ્નાનવીધી, મન્ત્રોચ્ચારવીધી, પુજાવીધી, વાળ ઉતરાવવાનો વીધી, તર્પણવીધી, નદીમાં અસ્થી પધરાવવાનો વીધી, મોટા મોટા ઘાંટા પાડીને ભજનો ગાવાનો વીધી, સત્યનારાયણની કથાનો વીધી, મન્દીરોના ફેરા ફરવાનો વીધી, જનોઈવીધી, લગ્નવીધી, મૃત્યુવીધી, નાગપુજા, વડપુજા, પીપળાની પુજા વગેરે વીધીઓનો હીન્દુ ધર્મમાં પાર નથી. હવે ગુજરાતના સોફીસ્ટીકેટેડ ધનીકજનોમાં અને મધ્યમવર્ગમાં સત્યનારાયણની કથાને બદલે ‘સુન્દર કાંડ’ના પઠનનો વીધી વધુ લોકપ્રીય બન્યો છે; કારણ કે હનુમાન વધુ આક્રમક છે. વળી, ગુજરાતમાં પતીના આયુષ્ય માટે કડવા ચોથનું વ્રત કે વીધી ન હતાં; પરંતુ હીન્દીભાષી પ્રદેશોમાંથી આયાત થયેલું કડવા ચોથનું વ્રત ગુજરાતી મહીલાઓએ ઉત્સાહપુર્વક અપનાવી લીધું છે. ચાર્વાક અને બુદ્ધ સીવાય અહીં હીન્દુ ધર્મ, તેની માન્યતાઓ તથા બ્રાહ્મણો અને પુરોહીતો સામે કદાચ રીબેલ–બળવો થયો નથી. માત્ર બાબાસાહેબ ડૉ. આમ્બેડકરે આ રીબેલ શરુ કર્યો હતો.

ભારતીય (હીન્દુ) સંસ્કૃતી: કશું ગમ્યું તો મર્યા જ સમજો

હીન્દુ સંસ્કૃતીનાં અનેક પાસાં છે. તે કુદરતનાં તત્ત્વોને ઉલ્લાસમય રીતે સ્વીકારે છે. તે અંગે નાચ કે નૃત્યો કરે છે, સમુહમાં એકબીજા પર રંગ છાંટે છે, પીચકારીનું પાણી છોડે છે, રાસ કરે છે વગેરે. પરન્તુ તેની બીજી બાજુ પણ છે. તમે કોઈ સાધુ, સંત, મહાત્માનો ઉપદેશ સાંભળવા ગયા તો તેમાં, ‘આ સંસાર અસાર છે, માનવીનું ખરું ધ્યેય પ્રભુની ભક્તીનું છે અને સંસારના મોહમાયાથી અળગા થવાનું છે.’ તેવા જ વ્યર્થ ઉપદેશો સાંભળવા મળશે. તમને સારું ખાવા–પીવામાં મઝા પડે છે ? ના, તેનાથી તમે  જીભને લાડ લડાવો છે અને તેનાથી શરીર બગડે, માટે દેહશુદ્ધી માટે ઉપવાસ કરો. તમને આઈસક્રીમ કે ચોકલેટ ભાવે છે ? ના ખાશો – તેનાથી દાંત બગડે. તમને ચા ભાવે છે ? ચા – કોફી છોડી દો. તમને પૈસા કમાવાનું ગમે છે ? ‘પૈસો તો હાથનો મેલ  છે’ – તેને છોડી દો. તેવું બોલતો કથાકાર, સાધુ, સન્ત કે સ્વામીજી પોતે તો પુષ્કળ ધન એકઠું કરે છે. શું તમને SEX ગમે છે ? છીછીછી… તે અધ:પતનની નીશાની છે. શું તમને શીયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું ગમે છે ? તેવું ના કરતા; કારણ કે તમે ઈન્દ્રીયસુખને વશ થઈ જશો. રેફ્રીજરેટરનું  ઠંડું પાણી પીવાનું ગમે છે ? ના પીતા; તેનાથી શરદી થઈ જશે. શું મીઠાઈઓ ખાવાની ગમે છે કે રુની પોચી પથારીમાં સુવાનું ગમે છે ? એમ ના કરતા. ઈન્દ્રીયોને વશમાં રાખો. ચટાઈ કે શેતરંજી પર સુઓ. હૉટેલમાં શું કામ ખાઓ છો ? માંદા પડશો. ચા કે કોફી ના પીતા. સીનેમા જોવા કેમ જાઓ છો ? તમારો કીમતી સમય બગડે છે. જે કોઈ પણ પ્રવૃત્તી આનન્દ પમાડે તેનાથી દુર રહો. એક વૃદ્ધ અને બહુ વંચાતા પત્રકાર દર થોડે થોડે દીવસે નવો વીષય ના જડતાં, જગતના તમામ લોકોને ખબર છે તેવી વાત લખ્યે રાખે છે: દા.ત. જંકફુડ ના ખાતા, ચરબીયુક્ત ખોરાક ના ખાતા. ફણગાવેલાં કઠોળ, ફળફળાદી, શાકભાજી અને ફળોનાં રસ ખાઓ–પીઓ. વળી શું ખાવાથી કેન્સર મટી જાય કે કેન્સર ના થાય તેની જગતના નીષ્ણાતોને  પુરેપુરી ખબર નથી; પરન્તુ કોઈપણ સાબીતીના આધાર વીના તેમને કેન્સર મટાડતાં આહાર-વીહારનું પુર્ણ અંતરજ્ઞાન કે સ્ફુરીત જ્ઞાન છે ! કોઈપણ વીધાન માટે કે દાવા માટે વૈજ્ઞાનીક સાબીતી જોઈએ તેની ભારતના લોકોને ખબર નથી. આ પ્રકારના ઈર્–રૅશનલ વલણ સામે પણ આ લેખક લાલબત્તી ધરે છે. બધું જ કુદરતી સારું અને માનવકૃત ક્રીયાઓ, ચીજો કે પદાર્થો (દવાઓ, ઈન્જેક્શન્સ, ફીલ્મો વગેરે) ખરાબ કે નુકસાનકારક એવું ગાંધીજી અને વીનોબામાં તથા તેમના અનુયાયીઓમાં વધુ જોવા મળે છે. આ વીચારધારા નેગેટીવ છે. સામાજીક કે કલ્ચરલ ક્રાન્તી માટે આવાં વળગણો (ઓબસેશન્સ)ની કોઈ જરુર નથી. અબ્રાહમ લીંકન, માર્ક્સ, એન્જલસ, કાસ્ટ્રો, માઓ, માર્ટીન લ્યુથર કીંગ, દક્ષીણ આફ્રીકાના તારણહાર મેન્ડેલા વગેરેએ જબરજસ્ત બૌદ્ધીક રાજકીય ક્રાન્તી આવાં વળગણો વીના કરી છે. જગતને બદલી નાખનાર પ્રખર વૈજ્ઞાનીકો પણ ઉપરોક્ત પ્રકારના ગાંડપણભર્યા નીષેધોમાં માનતા નથી. તેઓ વારમ્વાર ઉપવાસ કરતા નથી કે ચટાઈ પર સુતા નથી કે બ્રહ્મચર્ય પાળતા નથી. પરન્તુ જગતને બદલી નાખે તેવી જબરદસ્ત શોધો કરે છે. સ્ટીવ જોબ્સ, માર્ક ઝુકરબર્ગ કે આઈનસ્ટાઈન કે ન્યુટન આનાં ઉદાહરણો છે. ઈન્દ્રીયો પર સંયમ જરુર જોઈએ; પરન્તુ તેની કોઈ આત્યન્તીક ઘેલછામાં જગતના ચીન્તકો અને ક્રાન્તીકારો જીવતા નથી. તેમનું જીવન બહુધા ‘બેલેન્સ્ડ’ (સંતુલીત) હોય છે. તમારે વહેલા સુઈને વહેલા ઉઠવું કે સ્નાન કરીને જ જમવું, સાંજ પહેલાં સાદું ભોજન લેવું, ભગવાનમાં મન પરોવવું – આ અર્થહીન ઉપદેશો છે. તેને વ્યર્થ ગણવા.

આ પુસ્તકના લેખક ગીતામાં પ્રબોધેલા નીષ્કામ કર્મ અને સ્થીતપ્રજ્ઞના વીચારોની વીરુદ્ધ છે. ફળની આશા વીના કોઈ પણ કામમાં ‘મોટીવેશન’ જ કેવી રીતે ઉભું થાય ? વળી, માણસ સુખ દુ:ખમાં સન્તુલન જાળવે તે સ્થીતપ્રજ્ઞતાનો વીચાર ઠીક છે; પરન્તુ  આનન્દમાં કે સુખમાં કે દુ:ખમાં લાગણીઓ જ ના અનુભવવી કે તેની અભીવ્યક્તી ના કરવી તેવો સ્થીતપ્રજ્ઞતાનો વીચાર અવ્યવહારુ છે. સમાજમાં આટલો બધો અન્યાય હોય અને મન ખળભળી ના ઉઠે તેવું સ્થીતપ્રજ્ઞતાનું લક્ષણ, જડત્વભર્યું ને અરુચીકર છે.

ધર્મની વીરુદ્ધ:

લેખક ધર્મની વીરુદ્ધમાં છે; કારણ કે દુનીયાનો દરેક ધર્મ એવો દાવો કરે છે કે તે સર્વશ્રેષ્ઠ છે. જો દરેક ધર્મ પોતાને શ્રેષ્ઠ માને તો ધર્મને નામે યુદ્ધો થવાનાં જ છે. દુનીયામાં અસંખ્ય ધર્મયુદ્ધો થઈ ચુક્યાં છે. દરેક ધર્મ ઈર્–રૅશનલ છે અને નાનપણથી જ વ્યક્તીનું તેના ધર્મમાં બ્રેઈનવૉશીંગ કરવામાં આવે છે; જેથી તે તેના ધર્મને શ્રેષ્ઠ માને. અમેરીકામાં સાધુ, સન્તો, મહાત્માઓ, મહન્તો, ગુરુઓની પધરામણીને તથા તેમની પધરામણીઓ કરાવનાર લોકો માટે લેખક સખત નારાજગી પ્રગટ કરે છે. લેખક કટાક્ષ કરી કહે છે કે પહેલાં એવું મનાતું જે કોઈ સાધુ, સન્ત કે યોગીએ હીમાલયમાં તપસ્યા કરી ના હોય, તેઓને સાચા યોગી કે મહાત્મા ગણવામાં આવતા ન હતા. હવે ભારતના લોકો, જે યોગીઓ, સન્તો કે સ્વામીઓના, પશ્ચીમ જગતની ધોળી પ્રજાના ભક્તજનો ના હોય તેમને સાચા સન્ત કે મહાત્મા ગણતા નથી. એવું જણાય છે કે આવતા સો કે બસો વર્ષ પછી હીન્દુ ધર્મના વ્રતો, ફીલોસોફી અને રીતરીવાજો માત્ર પશ્ચીમ જગતમાં જ બચ્યા હશે !! લેખક આ પુસ્તકના સાર રુપે મુદ્દાને રજુ કરતા કહે છે કે જ્યાં સુધી ભારતમાં હીન્દુ ધર્મ અને તેની ફીલોસોફી તથા સાધુસન્તોની સત્તા સામે રીબેલ–બળવો નહીં થાય ત્યાં સુધી આપણે પછાત જ રહીશું.

શોધોનો વીરોધ:

     ભારતનું કલ્ચર નવી ચીજવસ્તુઓ કે નવા વીચારોની શોધ (ઈનોવેશન્સ) અને સ્વતંત્ર વીચારશક્તીને રુંધે છે. અંગ્રેજ પ્રજાએ જગતને બદલી નાખનાર નવી નવી શોધો દ્વારા ઔદ્યોગીક ક્રાન્તી કરી. ઈંગ્લેંડના જેમ્સ વૉટે સ્ટીમ એન્જીન ખોળ્યું. આપણે કેમ ના ખોળ્યું ? આપણે તો માત્ર ઈન્દ્રીયજન્ય સુખો પર કાબુ મેળવવામાં  જ આપણી તાકાત વેડફી નાંખી. હીન્દુ રાજા પુષ્યમીત્ર શૃંગે (ઈ.સ. પુર્વે 187 થી ઈ.સ. પુર્વે 157) જે કોઈ બૌદ્ધ ધર્મના અનુયાયીનું માથું રજુ કરે તેને સોનું આપવાની જાહેરાત કરી હતી. બૌદ્ધ ધર્મ શું કોઈ હીંસા વીના એકાએક ભારતમાંથી અદૃશ્ય થઈ ગયો ? વળી, લેખક કહે છે કે આપણે બહુ બધી વીદેશી પ્રજાઓને હાથે પરાજયનો સ્વાદ ચાખ્યો છે અને તેવી હારેલી પ્રજાએ તો સહીષ્ણુ બનવું જ પડે છે. (જેમ અત્યાર સુધી દલીતોને ગામડાઓમાં ફરજીયાત સહીષ્ણુ બનવું પડ્યું હતું અને બનવું પડે છે.)

ટુંકમાં, લેખકના મતે ધાર્મીક માન્યતાઓ પ્રજાના પગની બેડીઓ છે. વળી હીન્દુધર્મીઓ હીન્દુ–મુસ્લીમ હુલ્લડો દરમીયાન  બહુ સહીષ્ણુ હોય તેમ જણાતું નથી. બન્ને પક્ષો અસહીષ્ણુ હોય છે. ‘હીન્દુ ધર્મ શ્રેષ્ઠ છે અને જગતે તેના શરણે આવવું પડશે’ તેવી કપોળ કલ્પના હેઠળ ઘણા લોકો જીવે છે. લેખક ભારપુર્વક માને છે કે આપણી ગરીબીનું  કારણ બાહ્ય પરીબળો નથી. આપણે બહારના વીલનો એટલે કે ખલનાયકો (બ્રીટન, અમેરીકા, પાકીસ્તાન)ને શોધવાની જરુર નથી. અંગ્રેજોની હકુમત પહેલાં પણ આપણે ગરીબ હતા. આપણો અંદરોઅંદરનો કુસંપ અને ધાર્મીક માન્યતાઓ તથા તદ્દન નબળું રાજ્ય (સોફ્ટ સ્ટેટ) આપણી ગરીબી માટે જવાબદાર છે.

પ્રા. ધવલ મહેતા

(બે હપ્તે આ લખાણ અહીં સમાપ્ત થાય છે.. ગયા સપ્તાહનો આગલો ભાગ અને તેને મળેલા વાચકોના રસપ્રદ પ્રતીભાવો માણવા  https://govindmaru.wordpress.com/2012/03/22/dhawal-mehta-3/ આ લીંક પર ક્લીક કરશો. ગોવીન્દ મારુ)

તા. 21 ડીસેમ્બર, 2011 ના ગુજરાત સમાચાર દૈનીકમાં પ્રકાશીત થયેલી લેખકની કટાર ‘નવું વાચન–નવા વીચાર’માંથી, લેખક અને ’ગુજરાત સમાચાર’ના સૌજન્યથી સાભાર..

પુસ્તકલેખક–સંપર્ક :

Subodh Shah,

7 Nightfall court, OFALLON, MO – 63368 – USA

Ph : 001-636-240-5230   eMailssubodh@yahoo.com

પુસ્તકમાહીતી:

The title of the book is ‘Culture Can Kill’.  It is divided in 27 Chapters  & has 167 Pages. The Book is Published BY  http://www.authorhouse.com/  Price 12 dollars.

Books are available at http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586   Price 18 dollars.

The book is also published in INDIA  by Lokvangmaya Grih, 85- Sayani Road, Prabhadevi, Mumbai – 400 025. But now there is no stock so these books are not available in India.

પુસ્તકપરીચય આપનાર:

પ્રા. ધવલ મહેતા, બી-13, કોણાર્ક – કરીશ્મા એપાર્ટમેન્ટ, રેણુકા હૉલ સામે, વસ્ત્રાપુર, અમદાવાદ-15 ફોન નંબર: (079) 2675 4549 ઈમેઈલ: dhawalanjali48@yahoo.com

@@@

રૅશનાલીઝમ – મુક્તકો

(૧)

અર્થ વગરના રીતરીવાજો સ્વીકારો છો શા માટે ?

સમજ વગરની વાત હૃદયમાં ઉતારો છો શા માટે ?

સાચુ શું ને ખોટું શું છે ? આધારોથી શોધ કરો–

બીજાના મત મુજબ કાયમ વીચારો છો શા માટે ?

(૨)

હજુ કેમ લોકો કથા સાંભળે છે !

વીતેલા સમયની વ્યથા સાંભળે છે.

ગયું તે ભુલી જા, થયું તે ભુલી જા.

જીવન તો વહેતા સમયમાં મળે છે.

– મનસુખ નારીયા,

આચાર્ય, એમ.વી. પટેલ હાઈ સ્કુલ, માતા વાડી, વર્ષા સોસાયટી, વરાછા રોડ, સુરત– 395 006

ફોન: (0261) 254 5772 મોબાઈલ: 94268 12273

ઈ–મેઈલ: vu2mnariya@gmail.com

@@@@@

 

સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.

વળી, જે મીત્રોને બ્લોગ પરથી આમ પીડીએફ ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તેવા મીત્રો માટે મેં ઝીપફાઈલો પણ બનાવી છે. દરેક ઝીપફાઈલમાં વીસ પીડીએફ છે. મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, એક મેઈલ લખી તે ઝીપ ફાઈલો મેળવી શકાય છે. નવીન વીચારો તો વહેંચાયેલા અને વાગોળાયેલા જ સારા એમ મને લાગે છે..

દર સપ્તાહે મુકાતારૅશનલ વીચારો માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર –  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 29–03–2012

@@@@@

Read Full Post »

અમેરીકાના લેખક શ્રી. સુબોધ શાહ લીખીત પુસ્તક ‘Culture Can Kill’નો

પરીચય : સમીક્ષકપ્રા. ધવલ મહેતા

@@@

તસ્વીરસૌજન્ય:  મીત્ર આચાર્ય શ્રી. સુનીલ શાહ – સુરત

તસ્વીરસૌજન્ય:  http://www.amazon.com

     અમેરીકામાં વર્ષોથી રહેતા ભારતીઓને વતનનો ઝુરાપો તથા આઈડેન્ટીટી–પ્રશ્ન સતાવતો હોવાથી તેમાં ઘણાં ઝનુની હીન્દુત્વનો ભોગ બનતા રહે છે. પરન્તુ અમેરીકામાં વર્ષોથી સ્થાયી થયેલા સુબોધ શાહનું આ પુસ્તક કલ્ચર કેન કીલ રૅશનાલીઝમ અને રૅશનાલીસ્ટ થીંકીંગની દીશામાં એક તાજગીભરી વસંતઋતુનો અનુભવ કરાવે છે. 167 પાનાંના આ પુસ્તકમાં લેખકે ભારતીય પ્રગતીને બાધક એવા સામાજીક અને સાંસ્કૃતીક અવરોધોને ખુબ જ સરળ અને સચોટ ભાષામાં રજુ કર્યાં છે. લેખકે ભારતીય સમાજ અને સંસ્કૃતી પર ખુબ ઉંડું ચીન્તન કર્યું છે અને લેખકનું એવું દૃઢ માનવું છે કે ભારતે જો હજી વધુ પ્રગતી કરવી હશે તો તેણે સામાજીક અને સાંસ્કૃતીક બાબતોમાં રૅશનાલીસ્ટ દૃષ્ટીબીન્દુ અપનાવ્યા વીના છુટકો નથી. આ બાધક પરીબળો કયાં કયાં છે ?

     ‘જગદગુરુ ભારતે’, જગતને આધ્યાત્મીક સંદેશો આપવાનો છે અને જગતને મુક્ત થવા માટે તેને ‘અહીંસક’ ભારતને જ શરણે જવું પડશે તેવી હીન્દુત્વ અને ગાંધીજનોની તથા સર્વોદયવાળાઓની ગાંડી ગાંડી વાતોને લેખક ભાવ આપતા નથી. તેઓ તો પ્રથમ એ જ સવાલ પુછે છે કે આપણે છેલ્લાં હજાર વર્ષથી વીદેશીઓના હાથે કેમ પરાજીત થતા રહ્યા ? મહમ્મદ ગઝની લગભગ હજાર વર્ષ પહેલાં ભારતમાં આવ્યો અને એવું તે શું બન્યું કે તેણે 17 વખત ભારતમાં ચઢાઈ કરી અને ઈ.સ. 1024માં પ્રભાસ–પાટણ લુંટ્યું ? ત્યાર પછી મહમ્મદ ઘોરીએ નાલંદા વીશ્વવીદ્યાલયનો નાશ કર્યો અને ઈ.સ. 1198માં ભારતના પૃથ્વીરાજ ચૌહાણને હરાવી દીલ્હીની ગાદી પર કુત્બુદ્દીન ઐબકને મુક્યો. ઈ.સ. 1311માં અલાઉદ્દીન ખીલજીએ લગભગ આખા હીન્દુસ્તાનને જીતી લીધું. ચંગીઝખાન (1221), તૈમુર (1398), નાદીર શાહ (1739) અને અહમદશાહ અબ્દાલ્લી (1761)એ લુંટ્યું. બે સદી સુધી મુઘલોએ રાજ્ય કર્યું અને પછી લગભગ બસ્સો વર્ષ અંગ્રેજોએ રાજ્ય કર્યું ભારતની એવી કઈ કઈ નબળાઈઓ હતી કે તે સતત હારતું રહ્યું ?

       આના જવાબરુપે ભારતના ચુસ્ત રાષ્ટ્રવાદીઓ એવો જવાબ આપે છે કે (1) જ્યારે આખું જગત જંગલી અવસ્થામાં હતું ત્યારે ભારતમાં અજોડ સંસ્કૃતી હતી. (2) બીજી સંસ્કૃતીઓ કે પ્રજા નાશ પામી ત્યારે આપણી પ્રજા ટકી રહી. આમાં ત્રીજો મુદ્દો પણ ઉમેરવામાં આવે છે કે ભારતની તમામ સમૃદ્ધી વીદેશીઓ (મુસ્લીમો અને અંગ્રજો) લુંટી ગયા તેથી આપણે ગરીબ રહ્યા છીએ. તો પછી સ્વતંત્રતાના 60 વર્ષ બાદ ભારતમાં આટલી દારુણ ગરીબી કેમ છે ? કેમ સમાજમાં આટલી બધી અરાજકતા છે ? જગતના સૌથી વધુ દારુણ ગરીબોની સંખ્યા કેમ ભારતમાં છે ? કેમ આટલી બધી ગંદકી અને પારાવાર અવ્યવસ્થા છે ? હવે તો ભારતને લુંટવા કોઈ આવ્યું નથી ને ? ખરેખર તો ભારતની ગંદકી, ગરીબી અને અવ્યવસ્થા માટે આપણે આંતરીક દર્શન (ઈન્સ્ટ્રોસ્પેક્ શન) કરવાની જરુર છે. ભારતનો ભવ્ય ભુતકાળ તો હજાર વર્ષ પહેલાં ખતમ થઈ ગયો; તેનું હવે શું છે ? ભારતમાં ઓરીજીનલ ચીન્તન પરમ્પરા હતી; પણ હવે તેનું શું છે ? ભુતકાળની મુડી પર જીવી શકાય તેમ જ નથી. મીથ્યા રાષ્ટ્રાભીમાન– જેનો હકીકતનો પાયો તદ્દન નીર્બળ છે– તેનાથી ‘પાનો’ તો ચઢે; પણ ‘આભાસી’. મહાનતાના આધારે રાષ્ટ્રની ગરીબી દુર ના થાય દા.ત. અત્યારે શોધાયેલા તમામ વૈજ્ઞાનીક નીયમો ભારતના ઋષીઓ દ્વારા ખોળાઈ ચુક્યા હતા અને તેઓ હજી પણ આપણા ધર્મગ્રંથોની ભાષાકીય સંજ્ઞામાં તથા સંકેતો(કોડવર્ડ)માં છુપાયેલા છે; તે માન્યતાને હકીકતનો કોઈ આધાર નથી. આ એક જુઠાણું છે. આ ગ્રંથના લેખક ભારતીય સંસ્કૃતી અને સમાજને બાધક પરીબળોમાં; પુષ્કળ અન્ધશ્રદ્ધાઓ, ખોટી માન્યતાઓ અને ખોટી રુઢીઓનો ઉલ્લેખ કરે છે. તેમાંની કેટલીક અન્ધશ્રદ્ધાઓ અને ખોટી માન્યતાઓ કે વ્યવહારોને જોઈએ. (1) ભારતના ઘણા લોકો પુષ્કળ પદાર્થોને પવીત્ર માનીને તેની પુજા કરે છે. નદીઓ, વૃક્ષો (વડ–પીપળો), ગાય, હાથી, કપીરાજ (વાંદરું), ગરુડ, ઉંદર, મુર્તીઓ, શંખ, તુલસી વગેરે… આ યાદી ઘણી લમ્બાવી શકાય. ઘણા હીન્દુ ધર્મરક્ષકો એમ કહે છે કે આ બધી ચીજોને પવીત્ર માનવાથી આપણે કુદરતના પદાર્થો અને પર્યાવરણનું રક્ષણ કરીએ છીએ અને દરેક પદાર્થમાં ઈશ્વર જોઈએ છીએ. આ વાત સાચી જણાતી નથી.

       ઉપરની બધી બાબતો પવીત્ર હોય તો આપણી નદીઓ કેમ આટલી ગંદી છે ? આપણી ગાયો કેમ શહેરમાં છુટથી ફરે છે અને કાગળો તેમ જ પ્લાસ્ટીકની થેલીઓ ખાઈને મરી જાય છે ? આપણાં વાંદરાં કેમ લોકોને આટલા બધા પજવે છે ? આપણે છોડવાઓ કે વૃક્ષોની કેમ માવજત કરતા નથી ? ઉલટાની જે પ્રજા આ બધાને પવીત્ર માનતી નથી તે, પોતાનાં વૃક્ષો, નદીઓ, ગાયો વગેરેની વધારે સારી સમ્ભાળ લે છે. લેખક નીરાશ થઈને કહે છે કે ભારતીય લોકોના માનસમાં રૅશનાલીટીના દર્શન કરવા તે ન્યુયોર્કના ટાપુ પર રોબીન્સન ક્રુઝોને ખોળવા જેવું છે. (2) આપણી માન્યતાઓ અને આપણે પોતે પણ વીરોધોથી ભરપુર છીએ. આપણો ધર્મ ત્યાગ, વૈરાગ્ય, ઈન્દ્રીય–નીગ્રહ, સંયમ વગેરેની વાતો કરે છે. આપણો ધર્મ આપણે ચુસ્ત રીતે પાળીએ તો આપણને સમૃદ્ધી, સુખ, સત્ત્તા તથા સન્તાનોની પ્રાપ્તી થશે તેવાં આશીર્વચનો આપવામાં આવે છે. ભારત જગતના સૌથી ભ્રષ્ટ દેશોમાંનો એક છે. ટુંકમાં, આપણા ધર્મપાલનની પાછળ લાભ અને લોભની આપણી વૃત્ત્તીઓ રહેલી છે ત્યાગની નહીં.

     લેખક જણાવે છે કે આપણી માન્યતાઓ અને કલ્ચરલ મુલ્યોને ધરમુળથી બદલ્યા વીના આપણી પ્રગતી શક્ય નથી પશ્ચીમના દેશોની પ્રગતીનું રહસ્ય તેમના કલ્ચરમાં છે.

(બે ભાગમાં પ્રકાશીત થયેલી પુસ્તકસમીક્ષાનો આ પહેલો ભાગ છે. બીજો ભાગ આવતા સપ્તાહે. –ગોવીન્દ મારુ)

પ્રા. ધવલ મહેતા

@@@

તા.11 માર્ચ, 2009ના ગુજરાત સમાચાર દૈનીકમાં પ્રકાશીત થયેલી લેખકની કટાર ‘નવું વાચન–નવા વીચાર’માંથી, લેખક અને ‘ગુજરાત સમાચાર’ના સૌજન્યથી સાભાર..

પુસ્તકલેખક–સંપર્ક :

SUBODH SHAH,

7 Nightfall court, OFALLON, MO – 63368 – USA

Phone : 001-636-240-5230

eMail : ssubodh@yahoo.com

પુસ્તકમાહીતી:

The title of the book is ‘Culture Can Kill’.  It is divided in 27 Chapters  & has 167 Pages. The Book is Published BY  http://www.authorhouse.com/  Price 12 dollars.

Books are also available at http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586   Price 18 dollars.

The book is also published in INDIA  by Lokvangmaya Grih, 85- Sayani Road, Prabhadevi, Mumbai – 400 025. But now there is no stock. So the book is not available in India.

પુસ્તકપરીચયકાર–સમ્પર્ક:

પ્રા. ધવલ મહેતા, બી-13, કોણાર્ક – કરીશ્મા એપાર્ટમેન્ટ, રેણુકા હૉલ સામે, વસ્ત્રાપુર, અમદાવાદ-15 ફોન નંબર: 079 2675 4549  ઈમેઈલ: dhawalanjali48@yahoo.com

‘વીચાર–પુર્તી’

વરસાદ પર આપણો અંકુશ નથી. સમુદ્ર ભરપુર લહેરાય છે; પણ માણસે ઠાલવેલી ગંદકી અને રસાયણોનાં પ્રદુષણ, માણસ જાતને ક્યાં પહોંચાડશે તે કહી શકાય નહીં. ભારતમાં અને ખાસ કરીને શહેરી વીસ્તારોમાં પાણીનો ભયંકર બગાડ થાય છે. વપરાયેલાં પાણીને શુદ્ધ કરીને ફરી ફરી વાપરવાની જેટલી સગવડ અને સમ્ભાળ અમેરીકા જેવા સમૃદ્ધ દેશોમાં લેવાય છે તેમાંથી દસમાં ભાગનું કામ આપણે ત્યાં થતું નથી.

પરદેશનાં દુષણ અપનાવી લેવામાં શુરાપુરા આપણા ભણેશરીઓ અને ભદ્રવર્ગ તેમના સદ્ ગુણોનું અનુકરણ કદી કરતા નથી. પરદેશીઓની પ્રામાણીકતા અને કાર્યનીષ્ઠા આપણી નજરે ચડતાં નથી. આધ્યાત્મીક અને પવીત્ર હોવાનો અહંકાર આપણા સમાજને પછાત પાડી દે છે. મહમ્મદ ગઝની જોડે આવેલા આરબ મહાપંડીત અલ બરુનીએ નોંધ્યું છે તેમ ‘આ હીન્દુઓ એવા અહંકારી છે કે પરદેશીઓમાં પણ વીદ્વતા, પવીત્રતા અને તત્ત્વજ્ઞાન હોય છે તેવું માનવા તૈયાર નથી.’

અલ બરુની એક હજાર વરસ પહેલાં થઈ ગયા; પણ આપણે હજુ એ જ ઠેકાણે ઠેરના ઠેર ઉભા છીએ, એમાં લેશમાત્ર પરીવર્તન આવ્યું નથી.

 (તા.14 માર્ચ, 2012ના દીવ્ય ભાસ્કર દૈનીકની બુધવારીય પુર્તી ‘કળશ’માં પ્રકાશીત થયેલી, શ્રી. નગીનદાસ સંઘવી [ nagingujarat@gmail.com ]ની અતીલોકપ્રીય કટાર ‘તડ ને ફડ’માંથી, લેખક અને દીવ્ય ભાસ્કરના સૌજન્યથી સાભાર.. ..ગોવીન્દ મારુ)

@@@

સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.

વળી, જે મીત્રોને બ્લોગ પરથી આમ પીડીએફ ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તેવા મીત્રો માટે મેં ઝીપફાઈલો પણ બનાવી છે. દરેક ઝીપફાઈલમાં વીસ પીડીએફ છે. મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, એક મેઈલ લખી તે ઝીપ ફાઈલો મેળવી શકાય છે. નવીન વીચારો તો વહેંચાયેલા અને વાગોળાયેલા જ સારા એમ મને લાગે છે..

દર સપ્તાહે મુકાતારૅશનલ વીચાર માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com

 અક્ષરાંકન:ગોવીન્દ મારુ

 પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

 પોસ્ટ કર્યા તારીખ: 22–03–2012

Read Full Post »

શું ધર્મ માનવને નીતીવાન બનાવે છે ?

‘ધ ઓક્સફર્ડ હેંડ બુક ઓફ રીલીજીયન’: ઓક્સફર્ડ યુનીવર્સીટી 2005 (એડીટર: વીલીયમ જે. વેનરાઈટ)

દુનીયાનો દરેક ધર્મ નૈતીકતા પર ભાર મુકે છે; પરન્તુ નૈતીકતા (મોરાલીટી)ની વ્યાખ્યા તો તે પોતે જ કરે છે. હીન્દુ મોરાલીટી, ક્રીશ્વીયન મોરાલીટી, મુસ્લીમ મોરાલીટીમાં તફાવતો છે. ધર્મ પોતાના અનુયાયીઓ માટે ‘ઈન ગૃપ’ અને બહારના માટે ‘આઉટગૃપ’ ઉભું કરે છે. દરેક  ધર્મ  એમ માને છે કે સાચી નૈતીકતાના નીયમો માત્ર તેનામાં જ છે અને સામાનો ધર્મ ઉતરતી કક્ષાનો છે. પરન્તુ ધર્મે નૈતીકતાના જે નીયમો ઘડ્યા છે તેમાંના કેટલાક આઉટડેટેડ થઈ ગયા છે. કોઈ ધર્મ ‘સનાતન’ નથી. આથી સામુહીક જમાનામાં નૈતીકતાનો આધાર ધાર્મીક મુલ્યો હોઈ શકે નહીં તેમ પશ્વીમના બૌદ્ધીકો માને છે. દરેક ધર્મમાં અલૌકીક (સુપરનેચરલ) તત્ત્વ હોય છે અને રૅશનાલીસ્ટોને અલૌકીક તત્ત્વમાં વીશ્વાસ નથી. સર્વધર્મ સમાનતામાં માનનારા શ્રદ્ધાળુઓ આવા દરેક ધર્મનાં અલૌકીક તત્ત્વોને માન્ય રાખતા હોવાથી તેમને રૅશનાલીસ્ટ ગણવાનું મુશ્કેલ છે.

તેઓમાં ધાર્મીક મુલ્યો સામેના ‘રીબેલનું તત્ત્વ ખુટે છે. તેઓની સદ્ ભાવના પાછળ રૅશનાલીટી નહીં; પરન્તુ વીશફુલ થીંકીંગ હોય છે. જો મોરાલીટી (નૈતીકતા)નો આધાર ધર્મ નહીં હોય તો, તેનો આધાર શો હોઈ શકે તે બાબતનું ઉંડું ચીન્તન બૌદ્ધીકોમાં ચાલી રહ્યું છે. સારા આચરણ માટે  ધર્મ પાપનો ડર અને મોક્ષ અથવા સાલ્વેશન કે પુણ્યનો જે લોભ દર્શાવે છે તેવો આભાસી ડર કે લોભ (કે લાભ) સેક્યુલર એથીક્સના માનનારા બતાવી શકતા નથી. તેથી સેક્યુલર એથીક્સનું લોકોને નૈતીકતા તરફ લઈ જવાનું મોટીવેટીંગ પરીબળ ફીક્કું જણાય છે. તેમાં ‘જોસ્સો’ નથી. તેમ છતાં કોઈપણ સમાજને ધર્મ વીના ચાલે; પરન્તુ મોરાલીટી વીના ચાલી શકતું નથી. મોરાલીટીનાં લઘુત્તમ ધોરણો જો નહીં સચવાય તો માનવજાતી નાશ પામે. કારણ કે લોકો એકબીજાને મારી નાંખે કે દરેક જણ બીજાને લુંટી લે કે છેતરે. આવો સમાજ નાશ પામે, આથી સેક્યુલર એથીક્સમાં માનનારા ‘મોરાલીટી’નો આધાર માનવ સ્વભાવમાં જ મુકે છે – ઈશ્વરમાં નહીં.

આને આપણે ‘નેચરાલીસ્ટીક થીયરી’ કહી શકીએ છીએ. માનવ સમાજ ટકી રહ્યો છે; કારણ કે લઘુત્તમ નૈતીકતાના નીયમો તેના મગજમાં જ પ્રોગ્રામ્ડ છે. પરન્તુ સમાજમાં પણ મોરાલીટીના નીયમો હોય છે. એક જ પ્રજાતીના પશુઓ કે પંખીઓ ભાગ્યે જ એકબીજાને મારી નાખે છે. પોતાની ટેરીટરીમાં આવેલા પશુને તે મારી નાંખવાને બદલે  ભગાડી મુકે છે. માદા માટે લડતાં પશુઓ પણ એકબીજાને મારી નાંખતાં નથી. હારેલું પશુ નાસી જાય છે.

કૉસ્મીક જસ્ટીસ: ધાર્મીકો નૈતીકતાના આધાર માટે ભગવાનને ત્યાં ‘દેર છે પણ અંધેર નથી’ અથવા તો ‘બદલો ભલા–બુરાનો અહીંનો અહીં મળે છે’ તેમ કહી, દૈવી કે ઈશ્વરના ન્યાયનો સીદ્ધાંત મુકે છે. પરન્તુ માનવસમાજમાં બદલો ભલા–બુરાનો અહીંનો અહીં મળે છે તેવું સર્વદા જોવા મળતું નથી. વળી, ‘દયા ધરમકા મુલ હૈ, પાપ મુલ અભીમાન’માં પણ અભીમાનને (ભ્રષ્ટાચારને નહીં) પાપનાં મુળ તરીકે જોવાનું વીચીત્ર છે. અપ્રામાણીકને કે આતતાયીને, કોઈ ધર્મ પાપનાં મુળમાં જોતો નથી તે બેહુદું લાગે છે. વળી ધરમનાં મુળમાં દયા નહીં; પરન્તુ શ્રદ્ધા છે અને શ્રદ્ધાવાનોમાં બહુ ઓછા લોકો દયાળુ જોવા મળે છે. દરેક ધર્મ વ્યક્તીને બદલવાનું કહે છે. વ્યસનમુક્તી અને ઉપવાસ, મૌન, પુજા, ભજનની વાત કરે છે પરન્તુ સમાજને બદલવાની વાત કરતો નથી.

ગ્રીકો એમ માનતા હતા કે સદ્ ગુણો (વર્ચ્યુઅલ) જીવન સુખી જીવન છે અને દરેક વ્યક્તી સુખી જીવન ઈચ્છે છે. પરન્તુ સદ્ ગુણોવાળું જીવન સુખી જ હોય તેની કોઈ સાબીતી નથી. એમ. એન. રૉય એવું માનતા હતા કે માણસ રૅશનલ હોવાથી તે મોરલ (નૈતીક) છે. આ એક આધાર વીનાનું વીધાન છે. તેમાં  એમ. એન. રૉયનું વીશફુલ થીંકીંગ કામ કરે છે તેમ કહી શકાય. બટ્રાન્ડ રસેલ પુરા રૅશનાલીસ્ટ હતા; પરન્તુ વુમનાઈઝર હતા તેમ તેમની આત્મકથાના વાચનમાંથી ફલીત થાય છે.

અત્યારના જગતમાં ધર્મ આધારીત નૈતીક્તા ચાલી શકે તેમ નથી. કારણ કે ધર્મને નામે પારાવાર હીંસા થાય છે. ધર્મ નહીં પરન્તુ ધર્માંધતા તેને માટે જવાબદાર છે એવો જવાબ ધર્મના રક્ષકો આપે છે.

પરન્તુ તમારો ધર્મ એવો કેવો છે કે તેનાથી ધર્માંધતા ઉભી થાય છે ! તેનો જવાબ તેઓ આપી શકતા નથી. ધર્મ નહીં; પરન્તુ દરેક રાજકીય કે આર્થીક વીચારસરણી પણ જો બંધીયાર થઈ જાય તો તે ઈર્રૅશનલ અથવા હીંસક બની જાય છે ! (જેમ કે ફાસીઝમ, નાઝીઝમ, સામ્યવાદ, નીઓ ક્લાસીકલ, લીબરાલીઝમ કે બજારવાદ કે સર્વોદયવાદ અને ગાંધીની સંસ્થાઓમાં કેદ થઈ ગયેલો ગાંધીવાદ) ધર્મ કે ‘વાદ’ને બચાવવા વધુ હીંસા થાય છે. માનવજાત માટે અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે યુનીવર્સલ (સાર્વત્રીક) નૈતીક વર્તણુકનાં ધોરણો કેવી રીતે ઘડવાં અને સમગ્ર માનવજાત માટે નૈતીકતાના આધારરુપ સેક્યુલર (ધાર્મીક નહીં) એથીક્સની કેવી રીતે રચના કરવી.

પ્રા. ધવલ મહેતા

તા.12 મે, 2010 ના ’ગુજરાત સમાચાર’ દૈનીકમાં પ્રકાશીત થયેલી લેખકની કટાર નવું વાચન–નવા વીચારમાંથી, લેખક અને ’ગુજરાત સમાચાર’ના સૌજન્યથી સાભાર..

●● લેખકસંપર્ક

પ્રા. ધવલ મહેતા

બી-13, કોણાર્ક કરીશ્મા એપાર્ટમેન્ટ, રેણુકા હૉલ સામે, વસ્ત્રાપુર, અમદાવાદ-15 ફોન નંબર: 079 2675 4549

ઈમેઈલ: dhawalanjali48@yahoo.com

લેખક પરીચય

વીદ્વતા જ જેનું વ્યક્તીત્વ છે તેવા સમન્વયકારી પ્રાધ્યાપક ધવલ મહેતાને વાંચવા અને સાંભળવા તો ઠીક; પણ સમજવા માટે એક વીશીષ્ટ દૃષ્ટી જોઈએ. તેમનું લેખન અને વક્તવ્ય એટલું આધારભુત હોય છે કે જેને પડકારવું લગભગ અશક્ય. પુરાવા વીનાની કોઈ વાત કદી લખે પણ નહીં અને બોલે પણ નહીં. આપણે એમને પ્રખર પંડીત કહી શકીએ. લેખક એમ. કોમ. ફર્સ્ટક્લાસ, એમ. એ. (ઈકોનોમીક્સ) અને એમ. બી. એ. (યુનીવર્સીટી ઓફ મીનેસોટા, યુ.એસ.એ.), પોસ્ટ ગ્રેજ્યુએટ આઈ.ટી.પી. (હાવર્ડ યુનીવર્સીટી) અમેરીકામાં ત્રણ વર્ષ અધ્યયન (જ્યોર્જ વૉશીંગ્ટન યુનીવર્સીટી અને હેમ્પટન યુનીવર્સીટી), વર્જીનીયા યુ. એસ. એ., મેથડ્ઝ એન્ડ પ્રોસીજર્સ એડવાઈઝર-શીકાગો-રીડ હોસ્પીટલ શીકાગો, એમ. એસ. યુનીવર્સીટીમાં કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં હેડ ઓફ ડીપાર્ટમેન્ટ, ડાયરેક્ટર અને પ્રૉફેસર બી. કે. સ્કુલ ઓફ બીઝનેસ મેનેજમેન્ટ, સીન્ડીકેટ મેમ્બર : બરોડા યુનીવર્સીટી ટીચર્સ એસોસીએશન અને ગુજરાત યુનીવર્સીટી ટીચર્સ એસોસીએશનના પ્રમુખ. જો તમે સંગીતરસીયા હો તો આ મહાવીદ્વાન પાસે પંકજ મલીકનાં જુનાં ગીતો સાંભળવાનો લાભ પણ લેવા જેવો છે. ધવલ મહેતા અને વીદુષી પત્ની અંજલીબહેન ખરેખરું રૅશનલ જીવન પુર્ણ સ્વસ્થ જીવન, સ્વતંત્રતા, સ્વસ્થતા અને સુવ્યવસ્થામાં જીવી રહ્યાં છે. એ દમ્પતીને આદર્શ રૅશનાલીસ્ટ દમ્પતી તરીકે જરુર આગળ કરી શકાય. તે આપણા માટે ગૌરવની વાત છે.

ગુલાબ ભેડા

(તારીખ ૧૨૧૩ જુન ૨૦૧૦ના દીનોમાં મુમ્બઈમાં મળેલા રૅશનાલીસ્ટ સમ્મેલનમાં વક્તાઓના પરીચય આપવામાં જ ઘણો સમય ન વપરાય અને બચેલો સમય વક્તાને સાંભળવાસમજવામાં જ વપરાય તે હેતુસર તૈયાર કરેલી અને સમ્મેલનમાં સૌને આગોતરી આપેલી પરીચય પુસ્તીકામાંથી..સાભાર

અક્ષરાંકન: ગોવીન્દ મારુ govindmaru@yahoo.co.in

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુ નવસારી

પોસ્ટ કર્યા તારીખ 20/08/2010

Read Full Post »

અસાધારણ બનાવો માટે અસાધારણ પુરાવા જોઈએ

પ્રા. ધવલ મહેતા

જગતમાં મોટા ભાગના લોકો દૈવી કે પારલૌકીક શક્તીમાં વીશ્વાસ ધરાવે છે. ભારતમાં આમ ખાસ બની રહ્યું છે. લાખો લોકો ગુજરાતમાં અમ્બાજીનો પગપાળો પ્રવાસ કરે છે તેને આપણે ‘રીલીજીયસ ટુરીઝમ’ કહી શકીએ. ઘણા લોકો માતાજી ઉપરાન્ત ગણપતી કે નાગદેવતાની પણ ગુઢ શક્તીમાં વીશ્વાસ ધરાવે છે. ગણપતી ઉત્સવ મહારાષ્ટ્રના નેતા બાળગંગાધર તીલકનું ‘રાજકીય ઈનોવેશન’ હતું. વીજ્ઞાન માનવજાતને જે તાકાત આપે છે તેનાથી આ ગુઢ તાકાત વધુ પવીત્ર અને આધ્યાત્મીક ગણાય છે. વીજ્ઞાનની શક્તી આસુરી ગણાય છે. તે માત્ર કાર્યકારણના સીદ્ધાન્તને આધારે જ તાકાત ઉભી કરી શકે છે. જ્યારે ગણપતી, સાંઈબાબા, શંકર, રામ કે કૃષ્ણની પુજા દ્વારા આધ્યાત્મીક તાકાત ભક્તજનોમાં ઉભી કરાય છે તેવો ઘણા દાવો કરે છે. વીજ્ઞાનની આસુરી તાકાત  કરતાં આધ્યાત્મીક તાકાત ચઢીયાતી ગણાય છે. ફરક માત્ર એટલો જ કે  વીજ્ઞાનની તાકાત માપી શકાય છે, જ્યારે આધ્યાત્મીક તાકાતને માપી શકાતી નથી અને તેને અનુભવનારા તે ગુઢ તાકાત હોવાનો દાવો કરે તો તે માન્ય રાખવો પડે છે.

મન્ત્રના જપ જપવાથી ગુઢ તાકાત ઉભી થાય છે અને ભક્તજન તે અનુભવે છે તે દાવામાં કેટલું સત્ય છે તે જાણી શકાયું નથી. મન્ત્ર એક પ્રકારનું ‘ઓટો સજેશન’ છે અને વારંવાર એક જ શબ્દોનું રટણ કરવાથી મન કોઈ પણ ‘સજેશન’ માટે તૈયાર થઈ જાય તેવી એક શક્યતા છે. મોટા ભાગની ધાર્મીક માન્યતાઓમાં ભગવાનનું રટણ કરવું તેવી સુચનાઓ અપાય છે. દુનીયાના દરેક ધર્મના પાયામાં ચમત્કારો રહેલા છે. ઈસુ ખ્રીસ્ત મૃત્યુ પામેલા તે સજીવન થયા અને કૃષ્ણે અર્જુનને વીશ્વરુપ દર્શન કરાવ્યું કે  કૃષ્ણે  મોં ખોલ્યું અને માતા જશોદાને તેમાં સમગ્ર વીશ્વ દેખાયું એવી ઘણી ચમત્કારીક માન્યતાઓ પ્રસીદ્ધ છે અને તે લોકોએ સ્વીકારી છે તે પણ એક ચમત્કારીક ઘટના ગણી શકાય. ઈસ્લામ અને બૌદ્ધ ધર્મમાં પણ અનેક ચમત્કારો છે અને આદીવાસીઓની માન્યતાઓ તો ચમત્કારો– ખાસ કરીને ભુત-પ્રેત, ડાકણ વગેરેના ચમત્કારો કે ભયોથી ભરપુર છે. દુનીયાના દરેક ધર્મના સંતો, સાધુઓ, યોગીઓ, ઓલીયા, પાદરીઓ, લામાઓ, ફકીરો વગેરે પાસે ચમત્કારીક શક્તી હોય છે તેવું સામાન્ય જનતા દૃઢપણે માને છે, તેઓ આ શક્તી ભગવાનની ભક્તી દ્વારા કે ઈશ્વરના વરદાન દ્વારા પ્રાપ્ત કરે છે.

યોગીઓ અને તાંત્રીકો  કહેવાતી આ શક્તી ઈશ્વરના વરદાન દ્વારા નહીં; પરંતુ યૌગીક સાધના દ્વારા કે તંત્રમંત્ર દ્વારા પ્રાપ્ત કરે છે તેમ મનાય છે. શ્રદ્ધાળુઓના કમભાગ્યે આવી એક પણ શક્તીની વૈજ્ઞાનીક સાબીતી નથી અથવા તો તે વૈજ્ઞાનીક કસોટીમાંથી પાર ઉતરતી નથી. ચૌદમી, પંદરમી અને સોળમી સદીના યુરોપમાં પણ ડાકણો(વીચક્રાફ્ટ)ની માન્યતા હતી અને તેઓ પ્લેગ, શીતળા, બળીયા જેવા રોગો દ્વારા કરોડો લોકોનો નાશ કરે છે, પ્રજાજનોના તથા પશુઓના અકાળે મૃત્યુ લાવે છે, માણસોને બીજી રીતે પણ પાયમાલ કરી નાખે છે તેવી માન્યતાને લીધે લાખો ‘ડાકણો’નો નાશ કરવામાં આવ્યો. યુરોપમાં અને દુનીયામાં સર્વત્ર  માત્ર સ્ત્રીઓ જ કેમ ડાકણો હોય અને પુરુષો કેમ ના હોય તે માન્યતાનો જવાબ મળતો નથી. અલબત્ત, પુરુષો ભુત કે પીશાચ થઈ શકે છે; પરન્તુ તેઓ ડાકણો જેટલા વીનાશકારી હોતા નથી તેવી માન્યતા છે. સોળમી અને સત્તરમી સદીમાં વીજ્ઞાનનો ઉદય થયો અને તે પછી ગામડાંઓ, નગરો અને શહેરોમાં વીજળી (તે પહેલાં મીણબત્તી અને ગેસલાઈટ) આવી તે પછી ભુત-ડાકણોનો ઉપદ્રવ ઓછો થયો જણાય છે.

વીજ્ઞાનની પહેલાં સમગ્ર માનવજાત જેને આપણે ‘મેજીકલ બીલીફ્સ’ કહીએ તેનાથી પીડાતી હતી. હજી પણ ભારતના કરોડો લોકો યજ્ઞો દ્વારા વરસાદ લાવવા મથે છે, પ્રાર્થના દ્વારા રોગો મટાડવા માગે છે અને ‘સીદ્ધીવીનાયક’ની પુજા દ્વારા સમૃદ્ધી લાવવા પ્રયત્ન કરે છે તેને આપણે આપણી પ્રાથમીક (પ્રીમીટીવ) અવસ્થામાં ઉભી થયેલી  ‘મેજીકલ બીલીફ્સ’ ગણી શકીએ. અમુક શ્રદ્ધાળુઓ તો પાણી ભરેલા કુંડામાં બેસીને વરસાદ લાવવા મન્ત્રોચ્ચાર કરે છે અને કાગડાને અણધારી ‘ફીસ્ટની મોજ’ કરાવવાથી તે પુર્વજોને પહોંચશે એમ માને છે તેને પણ આપણે ‘મેજીકલ થીંકીંગ’નો એક ભાગ ગણી શકીએ. મેજીકલ થીંકીંગ એટલે  કુદરતના કાર્યકારણના નીયમોથી કંઈક જુદા જ બનાવો ઉભા કરવાનું ચીંતન અને તેમાંથી ઉભું થતું ઍકશન, શહેરી કલ્ચર, લાંબાગાળાનું શાળા-કોલેજજીવન, છાપાંઓ અને મેગેઝીનો, ટેલીફોન, ઈન્ટરનેટ અને આધુનીક પ્રકાશ–વ્યવસ્થા (લાઈટીંગ) વગેરેને લીધે મેજીકલ થીંકીંગ થોડુંક ઘટ્યું છે; પરંતુ આફ્રીકાની ઘણી જાતીઓમાં અને જંગલની અંદરના ભાગમાં રહેતા ભારતના આદીવાસીઓમાં તે હજી ચાલુ છે. તેમ છતાં ભારતનો લગભગ દરેકેદરેક નાગરીક એમ માને છે કે આ દેખાતી વાસ્તવીકતા પાછળ કોઈ ઉંડી વાસ્તવીકતા છે, તેની તાકાત જોઈ શકાતી નથી, તે આધ્યાત્મીક છે અને પછી દરેક જણ ઉમેરે છે કે તમે એને કુદરત કહો અમે એને ઈશ્વર કહીએ- તે બધું એક જ કહેવાય. કુદરતને નીયમો હોય છે અને તે માનવ પ્રયત્નો અને પ્રયોગોથી જાણી શકાય છે.  અત્યાર સુધી જે શક્તીઓ ગુઢ ગણાતી હતી. (લોહચુંબક, વીજળી, ગુરુત્વાકર્ષણ, અણુના પાર્ટીકલ્સને બાંધી રાખતો સ્ટ્રોંગ ફોર્સ તથા રેડીયોએક્ટીવ વીઘટન કરતો વીક ફોર્સ) તેને વીજ્ઞાન જાણી શક્યું છે અને તેમાં એને કશું આધ્યાત્મીક તત્ત્વ જડ્યું નથી. આ આધ્યાત્મ બહું જ ઉંડે કદાચ માનવીની અંદર તેની કલ્પનામાં છુપાયેલું હોવું જોઈએ !!

પરન્તુ જેને આપણે પેરાનોર્મલ એટલે કે કશી અસાધારણ શકતી વીશેની માન્યતાઓ કહીએ છીએ તે દુનીયાના દરેક સમાજમાં જોવા મળે છે. કદાચ માનવ સર્વાઈવલ માટે માનવના મગજમાં જ આધ્યાત્મનું વાયરીંગ થઈ ગયું હોય તે સંભવ છે, પરન્તુ આધ્યાત્મનું વાયરીંગ થવાનો શો અર્થ કરવો તે સ્પષ્ટ નથી. માણસમાત્રને ઉંઘ આવે અને તેમાં સ્વપ્નો પણ આવે અને સ્વપ્નામાં મૃત સમ્બન્ધીઓ પણ દેખાય. આ કારણે કદાચ માનવજાતમાં ‘સ્પીરીટ’ એટલે કે કોઈ પ્રકારના આત્માનો ખ્યાલ ઉભો થયો હોય તેમ જણાય છે. માણસે જીવન્ત શરીર જોયું હોય અને તે પછી મૃત શરીર જોયું હોય અને બન્ને વચ્ચેનો તફાવત જોયા પછી શરીરમાં કોઈ ચૈતન્યતત્ત્વ છે તેવો ખ્યાલ પણ ઉભો થયો હોય. એક શાયરે લખ્યું છે કે,  “શ્રદ્ધા હો તો પુરાવાની શી જરુર છે. કોઈ એક ધાર્મીક ગ્રંથમાં ક્યાં ઈશ્વરની સહી છે ?” આ શાયર આપણને મધ્યયુગમાં લઈ જવા માગે છે !!

વળી, કેટલાક લોકો પાસે પેરાનોર્મલ શક્તી એટલે કે અલૌકીક શક્તીઓ હોય તેવા દાવા વારંવાર થાય છે. કેટલાક સાધુઓ કે યોગીઓ પરકાયાપ્રવેશ કરી શકે છે અને ભવીષ્યમાં શું થશે તેની આગાહી કરી શકે છે, હવામાં ઉડી શકે છે કે પાણી ઉપર ચાલી શકે છે કે સામાના મનની ઈચ્છા પુરી કરી શકે છે કે હાથના સ્પર્શથી રોગ મટાડી શકે છે તેવું સામાન્ય માનવી માને છે. આમાંની કોઈ પણ માન્યતાના વૈજ્ઞાનીક પુરાવા નથી તેના પુરાવા નક્કર આધાર વીનાના તેમને ‘કલ્પના’ કે ‘ફેન્ટસી’ ગણવી જોઈએ. પશ્વીમ જગતની વાત કરીએ તો રશીયાના રાસ્પુટીન પાસે કેટલીક અલૌકીક શક્તી હતી, જેની કોઈ સાબીતી નથી. પશ્વીમ જગતમાં એક માન્યતાએ પચાસ વર્ષ પહેલાં ચકચાર જગાવી હતી તે યુએફઓની હતી. જેમાં બ્રહ્માંડમાંથી કોઈ સ્થળે ત્યાંના રહેવાસીઓ પૃથ્વીની મુલાકાત લે છે તે અંગેની માન્યતા હતી. આ માન્યતા અંગે કોઈ નક્કર પુરાવા પ્રાપ્ત થયા નથી. પ્લાન્ટેચ કે અન્ય રીતે મૃતાત્માઓને બોલાવવાની કે તેમની સાથે વાત કરવાની માન્યતાઓ હવે મરી ચુકી છે. જ્યોતીષ એક નકરું જુઠાણું હોવા છતાં તેમાં કરોડો લોકો માને છે તે માનવજાતની વીચીત્રતા દર્શાવે છે. નવયુગ નવી (ખોટી) માન્યતાઓ ઉભી કરે છે, જેમ કે વાસ્તુશાસ્ત્ર કે ફેંગશુઈ. આ બધી ખોટી માન્યતાઓ માટે એક જ સીદ્ધાંત યાદ રાખવો: ‘એકસ્ટ્રા ઓર્ડીનરી ઈવેન્ટ્સ રીક્વાયર એકસ્ટ્રા ઓર્ડીનરી એવીડન્સ’ અસાધારણ બનાવો (કે શક્તીઓ) માટે અસાધારણ રીતે નક્કર પુરાવા જોઈએ. પરન્તુ કોઈ ચમત્કારો વૈજ્ઞાનીક ચકાસણીમાંથી પસાર થયા નથી.

પ્રા. ધવલ મહેતા

મે, 2010ના પ્રકાશીત થયેલા ‘વીવેકપંથી’, મુમ્બઈ (તન્ત્રી ગુલાબ ભેડા – 2/C/1-Asmita Mogra, Dutta Jagdamba Marg, Sher-e-Punjab Colony, Andheri(East) Mumbai-400 093 Phone- 022-2838 8891)ના 99મા અંકમાંનોઆ લેખ વીવેકપંથી’ની તેમજ લેખકની પરવાનગી અને સૌજન્યથી સાભાર

●● લેખક–સંપર્ક

પ્રા. ધવલ મહેતા

બી-13, કોનાર્ક – કરીસ્મા એપાર્ટમેન્ટ, રેણુકા હોલ સામે, વસ્ત્રાપુર, અમદાવાદ-15 ફોન નંબર: 079 2675 4549

ઈમેઈલ: dhawalanjali@yahoo.com

●●●●●●લેખક પરીચય

વીદ્વતા જ જેનું વ્યક્તીત્વ છે તેવા સમન્વયકારી પ્રાધ્યાપક  ધવલ મહેતાને વાંચવા અને સાંભળવા તો ઠીક; પણ સમજવા માટે એક વીશીષ્ટ દૃષ્ટી જોઈએ. તેમનું લેખન અને વક્તવ્ય એટલું આધારભુત હોય છે કે જેને પડકારવું લગભગ અશક્ય. પુરાવા વીનાની કોઈ વાત કદી લખે પણ નહીં અને બોલે પણ નહીં. આપણે એમને પ્રખર પંડીત કહી શકીએ. લેખક એમ. કોમ. ફર્સ્ટક્લાસ, એમ. એ. (ઈકોનોમીક્સ) અને એમ. બી. એ. (યુનીવર્સીટી ઓફ મીનેસોટા, યુ.એસ.એ.), પોસ્ટ ગ્રેજ્યુએટ આઈ.ટી.પી. (હાવર્ડ યુનીવર્સીટી) અમેરીકામાં ત્રણ વર્ષ અધ્યયન (જ્યોર્જ વૉશીંગ્ટન યુનીવર્સીટી અને હેમ્પટન યુનીવર્સીટી), વર્જીનીયા યુ. એસ. એ., મેથડ્ઝ એન્ડ પ્રોસીજર્સ એડવાઈઝર-શીકાગો-રીડ હોસ્પીટલ શીકાગો, એમ. એસ. યુનીવર્સીટીમાં કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં હેડ ઓફ ડીપાર્ટમેન્ટ, ડાયરેક્ટર અને પ્રૉફેસર બી. કે. સ્કુલ ઓફ બીઝનેસ મેનેજમેન્ટ, સીન્ડીકેટ મેમ્બર : બરોડા યુનીવર્સીટી ટીચર્સ એસોસીએશન અને ગુજરાત યુનીવર્સીટી  ટીચર્સ એસોસીએશનના પ્રમુખ. જો તમે સંગીતરસીયા હો તો આ મહાવીદ્વાન પાસે પંકજ મલીકનાં જુનાં ગીતો સાંભળવાનો લાભ પણ લેવા જેવો છે. ધવલ મહેતા અને વીદુષી પત્ની અંજલીબહેન ખરેખરું રૅશનલ જીવન – પુર્ણ સ્વસ્થ જીવન, સ્વતંત્રતા, સ્વસ્થતા અને સુવ્યવસ્થામાં જીવી રહ્યાં છે. એ દમ્પતીને આદર્શ રૅશનાલીસ્ટ દમ્પતી તરીકે જરુર આગળ કરી શકાય. તે આપણા માટે ગૌરવની વાત છે.

ગુલાબ ભેડા

●●●●(તારીખ ૧૨–૧૩ જુન ૨૦૧૦ના દીનોમાં મુમ્બઈમાં મળેલા રૅશનાલીસ્ટ સમ્મેલન’માં વક્તાઓના પરીચય આપવામાં જ ઘણો સમય ન વપરાય અને બચેલો સમય વક્તાને સાંભળવા–સમજવામાં જ વપરાય તે હેતુસર તૈયાર કરેલી અને સમ્મેલનમાં સૌને આગોતરી આપેલી ‘પરીચય પુસ્તીકા’માંથી..સાભાર

વીવેકપંથી’ રૅશનલ વીચારોનું માસીક (વાર્ષીક લવાજમ માત્ર રુપીયા 100/-) હવે વેબસાઈટ પર વાંચવા માટે પણ ઉપલબ્ધ છે. જેની લીન્ક નીચે મુજબ છે:

http://sites.google.com/site/vivekpanthi/home

http://sites.google.com/site/vivekpanthi/

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા, જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને નીરાન્તે મમળાવવા મન થાય કે મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર એક મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુનવસારી

પોસ્ટ તારીખ 19/06/2010

Read Full Post »