Feeds:
Posts
Comments

Archive for the ‘પ્રા. ગુણવન્ત શાહ’ Category

Swami-Sachidanand

સ્વામી સચ્ચીદાનન્દ લખે છે :

‘મહાભારતની જીવનકથાઓ’

ડૉ. ગુણવંત શાહ

એક કીલોગ્રામ ધર્મમાં એક ટન અન્ધશ્રદ્ધા ભળે ત્યારે ધર્મ ક્ષીણ થાય છે. જે તે ધર્મમાં પેઠેલાં હઠીલાં અનીષ્ટોની સામે એ ધર્મમાં જ એવાં સુધારક પરીબળો પેદા થવાં જોઈએ, જે વીદ્રોહ જગાડે. એ વીદ્રોહ ધર્મરક્ષક છે. હીન્દુ ધર્મમાં એટલાં અનીષ્ટો પેઠાં છે કે એક સચ્ચીદાનન્દ ઓછા પડે. ચમત્કાર, વહેમ અને અન્ધશ્રદ્ધા સામે લડવા માટે જે હીમ્મત જોઈએ તે ક્યાંથી લાવવી ? નીર્ભયતા વીનાની સાધુતા એટલે રીફીલ વીનાની બોલપેન !

જગતમાં એવો એક પણ ધર્મ નથી, જેમાં કાળક્રમે કચરો જમા ન થયો હોય. એ કચરાને પણ પવીત્ર ગણવાનો અને સાચવી રાખવાનો બોધ આપે તેવા માણસને લોકો ‘ધર્મગુરુ’ કહે છે. મહન્તમુલ્લાપાદરી’ જેવા ત્રણ ખલનાયકો સદીઓથી જામી પડેલા ‘ધાર્મીક’ કચરાનું રક્ષણ કરતા આવ્યા છે. પ્રત્યેક ધર્મમાં માર્ટીન લ્યુથર, દયાનન્દ, વીવેકાનન્દ, નર્મદ, દુર્ગારામ અને ગાંધી જેવા સુધારકો સમયાન્તરે પેદા થવા જોઈએ.

જે ધર્મમાં વીર નર્મદ કે દુર્ગારામ મહેતા કે જ્યોતીબા ફુલે કે ડૉ. આંબેડકર પાકી જ ન શકે, તે ધર્મ કાળક્રમે સડે છે અને ધર્મમાં શ્રદ્ધા રાખનારી પ્રજાને પછાત રાખવામાં સફળ થાય છે. ખ્રીસ્તી ધર્મસુધારક માર્ટીન લ્યુથરને પ્રતાપે પોપની સત્તા સામે પડકાર ઉભો થયેલો. ‘પ્રોટેસ્ટ’ પરથી ‘પ્રોટેસ્ટન્ટ’ શબ્દ બન્યો છે. લ્યુથરના વીદ્રોહને પ્રતાપે ખ્રીસ્તી પરમ્પરામાં પ્રોટેસ્ટન્ટ મીજાજ પેદા થયો. એ મીજાજ યુગપ્રવર્તક બની રહ્યો. એ મીજાજને કારણે પોપની અન્ધશ્રદ્ધાળુ માયાજાળમાંથી ખ્રીસ્તી પ્રજા તે કાળે મુક્ત બની. સ્વામી સચ્ચીદાનન્દજી હીન્દુ પરમ્પરાના ભગવાંધારી સાધુ છે અને એમનો પ્રોટેસ્ટન્ટ મીજાજ સદીઓથી જામી પડેલા એવા પવીત્ર ગણાતા કચરા સામે વીદ્રોહ જગાડનારો છે. આવો પ્રાણવાન વીદ્રોહ જ ધર્મને બચાવી લેતો હોય છે.

સ્વામીજીએ ગુજરાતને અનેક સુન્દર પુસ્તકો આપ્યાં છે. લાંબા પ્રવાસો કરીને એમણે ગુજરાતનાં દુર દુરનાં ગામોમાં જઈને સુધારાનો શંખધ્વની પહોંચાડ્યો છે. એમનાં પુસ્તકો ખુબ વંચાય છે અને વેચાય છે. સાધુવેશ ધારણ કરનારા આ સન્ત, લોકોને દમ્ભી સાધુઓ સામે નીર્ભયપણે ચેતવે છે. પંકજ ત્રીવેદીની હત્યા થઈ ત્યારે એમણે જે ઉચીત ‘ક્રોધ(મન્યુ)’ પ્રગટ કર્યો તેમાં ગાંધીજીને ગમી જાય તેવી નીર્ભયતા હતી. અહીંસા જ્યારે કાયરતા, અનીર્ણાયકતા અને મધુર છતાં જુઠા શબ્દને પનારે પડે ત્યારે એ મહાત્મા ગાંધીની કે મહાવીરની અહીંસા રહેતી નથી.

મહાવીર સ્વામીએ મેઘકુમારને ઉપદેશ આપ્યો ત્યારે કહ્યું હતું : ‘અભય વીનાની અહીંસા તો અહીંસા જ નથી.’ સાચી વાત ગોળ ગોળ વાણીમાં દબાતા સાદે કહે તે કદી પણ ‘ગાંધીજન’ ન હોઈ શકે. મધરાતે આશ્રમમાં થયેલા હુમલામાં સ્વામીજી બચી ગયા એ ગુજરાતનું સદ્ નસીબ ગણાય.

એક કીલોગ્રામ ધર્મમાં એક ટન અન્ધશ્રદ્ધા ભળે ત્યારે ધર્મ ક્ષીણ થાય છે. જે તે ધર્મમાં પેઠેલાં હઠીલાં અનીષ્ટોની સામે એ ધર્મમાં જ એવાં સુધારક પરબીળો પેદા થવાં જોઈએ, જે વીદ્રોહ જગાડે. એ વીદ્રોહ ધર્મરક્ષક છે. હીન્દુ ધર્મમાં એટલાં અનીષ્ટો પેઠાં છે કે એક સચ્ચીદાનન્દ ઓછા પડે. ચમત્કાર, વહેમ અને અન્ધશ્રદ્ધા સામે લડવા માટે જે હીમ્મત જોઈએ તે ક્યાંથી લાવવી ? નીર્ભયતા વીનાની સાધુતા એટલે રીફીલ વીનાની બોલપેન !

સ્વામીજીએ લખેલા એક એવા પુસ્તકની વાત કરવી છે, જે પ્રત્યેક ગુજરાતીએ વાંચવું જોઈએ. સાવ સરળ ભાષામાં લખાયેલી મહાભારતની કથાઓ એટલી રસપુર્ણ છે કે વાચકને પુસ્તક છોડવાનું મન ન થાય. (‘મહાભારતની જીવનકથાઓ’, સ્વામી સચ્ચીદાનંદ, ગુર્જર સાહીત્ય ભવન, અમદાવાદ1, રુપીયા : 120/-) આ કથાઓને અંતે સ્વામીજીએ જે મૌલીક ટીપ્પણી કરી છે તે કથાનો મર્મ અદ્યતન સન્દર્ભમાં પ્રગટ કરનારી છે.

અહીં માત્ર એક જ પ્રસંગકથા પ્રસ્તુત છે :

પુત્ર ઉત્પન્ન કરતાં પહેલાં (અગસ્ત્ય) ઋષીએ લોપામુદ્રાને પુછ્યું હતું : ‘તારે હજાર પુત્રો જોઈએ છે કે સો પુત્રો ?’ પછી ફરી પુછ્યું : ‘તારે સો પુત્રો જોઈએ કે દસ પુત્રો?’ ફરી પુછ્યું : ‘તારે દસ પુત્રો જોઈએ કે એક પુત્ર ?’ લોપામુદ્રાએ કહ્યું કે : ‘મારે તો હજારની બરાબરી કરે તેવો એક જ પુત્ર જોઈએ છે. કુરકુરીયાંને ભેગાં કરીને હું શું કરું ?’ આ રીતે ઋષીને એક પુત્ર ઈધ્મવાહ થયો. પીતૃઓ તૃપ્ત થયા. સન્તાનપ્રાપ્તી પણ જીવનનો લહાવો છે. તે પુરો થયો. બોધપાઠ છે : સંસારથી ભાગો નહીં. પારકાં છોકરાંને ચેલા બનાવવા તેના કરતાં પોતાનાં જ સન્તાન પેદા કરો. (મહાભારત : વનપર્વ 96–97મો અધ્યાય)

પુસ્તકને પાને પાને એકવીસમી સદીને સુપેરે સમજનારા ક્રાન્તીકારી સાધુનું જીવનદર્શન પ્રગટ થતું દીસે છે. એ જીવનદર્શન કેટલું અદ્યતન છે તેનો પરચો કરાવે તેવા પ્રાણવાન શબ્દો સાધુના સ્વમુખેથી પ્રગટ થયા છે. સાંભળો :

‘કામ સ્વયં ઉર્જા છે, મહાઉર્જા છે. તે છે તો જીવન છે. તે નથી તો જીવન નથી. પણ આ ઉર્જાને મીત્ર બનાવતાં ન આવડે, તો તે વીનાશક પણ છે. કામને મીત્ર બનાવવા માટે નીતીશાસ્ત્રો છે. તેમણે મર્યાદા બાંધી છે. ઉર્જા મર્યાદામાં રહે, તો જ મહાનીર્માણ કરી શકે. અગ્ની ચુલામાં રહે તો જ રસોઈ બને. જો ચુલા બહાર આખા ઘરમાં ફેલાઈ જાય તો મહાવીનાશ નોતરી મુકે. કામનું પણ આવું જ છે. જ્યારે જ્યારે કામ, મર્યાદા મુકીને બહાર નીકળ્યો છે, ત્યારે ત્યારે મહાવીનાશ થયો છે.’

આવા શબ્દો નવી પેઢી સુધી કોણ પહોંચાડશે ? એમાં ક્યાંય કાન પર જનોઈ ચડાવીને કે નાક બંધ કરીને દુર્ગંધથી બચવાની વાત નથી. ‘સેક્સ’ નામની પવીત્ર બાબતનો આવો તન્દુરસ્ત સ્વીકાર, સ્વસ્થ સમાજના નીર્માણ માટે જરુરી છે. બેજવાબદાર સેક્સ સુનામી સર્જે છે. આ લખાણ વાંચી રહ્યા પછી દોડીને આ પુસ્તક ખરીદવા જેવું છે.

આ પુસ્તક કોને અર્પણ થયું છે ? સાંભળો :

‘મારી દૃષ્ટીએ મહાભારતનું સૌથી વધુ વાસ્તવવાદી અને મારું પ્રીય પાત્ર, જેણે પ્રત્યેક વીપત્તીમાં પાંડવોને બચાવ્યાં છે, તેવા ગદાધારી ભીમને આ પુસ્તક અર્પણ કરું છું.’

સ્વામીજીની આ અર્પણનોંધમાં એમની આગવી જીવનદૃષ્ટી પ્રગટ થતી જણાય છે. તેઓ માનવીય દૃષ્ટીબીન્દુના સમર્થક છે; પરન્તુ કાયરતામુલક અહીંસા પ્રત્યે એમને સખત અણગમો છે. તેઓ રાવણના માનવ–અધીકારોની પણ ચીન્તા કરે તેવા મધુર મધુર અને નરમ નરમ સાધુ નથી. જે અસમર્થ હોય એની ક્ષમાનું કોઈ મુલ્ય નથી.

આતંકવાદ સામે ઝુકી પડતી પ્રજાને પણ ‘અહીંસક’ ગણે તેવું નીર્વીર્ય ભોળપણ સ્વામીજીને માન્ય નથી. બકાસુરનો વધ કરનાર ભીમ માનવ–અધીકારનો રક્ષક ગણાય કે ભક્ષક ? નીર્દોષ મનુષ્યોની સામુહીક હત્યા કરવા માટે તત્પર એવા કોઈ આતંકવાદીને હણવામાં કોઈ પાપ ખરું ? સ્વામીજી આવા કેટલાક પ્રશ્નો અંગે બીલકુલ સ્પષ્ટ છે. પોતાની વાત પુરી નીર્ભયતા સાથે રજુ કરવામાં એમની વાણી જબરી અસરકારક સાબીત થઈ છે. ગુજરાત એમનું ઋણી છે. ભીમનો આવો ઋણસ્વીકાર સ્વામીજી સીવાય કોણ કરે ?

ઓશો રજનીશ જ્યારે ભગવાન બની ગયા ન હતા અને કેવળ આચાર્ય હતા, ત્યારે એમણે એક પ્રશ્ન જાહેર પ્રવચનમાં ઉઠાવ્યો હતો : ‘યહુદી પ્રજાની નીર્દય કત્લેઆમ કરનારા હીટલરનું કોઈ મનુષ્યે શરુઆતમાં જ ખુન કરી નાખ્યું હોત, તો લગભગ પન્દર લાખ યહુદીઓ ગેસ ચેમ્બરમાં ખતમ થતાં બચી ગયા હોત. આપણે એ ખુનીને ‘પાપી’ કહેવો કે ‘પુણ્યશાળી’ ?’ રજનીશે જવાબ પણ પોતે જ આપ્યો હતો : એ ખુનીને ‘મહાત્મા’ ગણવો રહ્યો ! થોડાક પરીચયને આધારે કહેવાનું મન થાય છે કે હીન્દુ ધર્મમાં પેઠેલાં અનીષ્ટો સામે આટલી હીમ્મતથી બંડ પોકારનારા બીજા સાધુ ઝટ જડતા નથી. લોકો તેમને કાન દઈને સાંભળે છે અને આંખ દઈને વાંચે છે. એમનો સહજ સ્થાયીભાવ છે : ‘પાખંડ–ખંડન’.

પાઘડીનો વળ છેડે

‘આપણું ઘડતર એવી ભક્તીથી કરવામાં આવ્યું, જે અન્તે વેવલી થઈ ગઈ. શોષણનું માધ્યમ બની. વીરતા વીનાની વેવલી ભક્તીથી પણ પ્રજા તો દુર્બળ જ થઈ. ભગવાન અને ગુરુને નામે સદીઓથી તેનું શોષણ થઈ રહ્યું છે… ગુરુઓ સમૃદ્ધ થયા. હા, પ્રજા જ દરીદ્ર થઈ ગઈ. એકલી દરીદ્ર જ નહીં, દુર્બળ પણ થઈ ગઈ. આ વેવલી ભક્તી પણ વીરતા વીનાની, શસ્ત્રો વીનાની, પડકાર વીનાની, મોટે ભાગે સ્ત્રીઓ માટેની થઈ ગઈ, થઈ રહી છે… જો જગત્ મીથ્યા જ હોય, તો ગુલામ રહો કે આઝાદ રહો, કંગાળ–દરીદ્ર રહો કે સમૃદ્ધ રહો. શો ફરક પડે છે ? બધું સ્વપ્ન જ છે. વીરતા, શૌર્ય, કર્મઠતા, સાહસનું તો નામ જ ન રહ્યું… ફરીથી ઋષીમાર્ગનું મહત્ત્વ સમજાય તો હજી પણ નવીનર્માણ થઈ શકે છે. –સ્વામી સચ્ચીદાનંદ (‘મહાભારતની જીવનકથાઓ’)

–ડૉ. ગુણવંત શાહ

Khush_Khabar_Fotor

ગુજરાતના દૈનીક દીવ્ય ભાસ્કરમાં, ચીન્તક–લેખક ડૉ. ગુણવન્ત શાહની અતી લોકપ્રીય કટાર ‘વીચારોના વૃન્દાવન’માં વર્ષોથી પ્રકાશીત થતી રહે છે. તેમાં રવીવાર તા 11 જુલાઈ, 2010ના અંકમાં પ્રકાશીત થયેલો એમનો આ લેખ, લેખકશ્રીના અને દીવ્ય ભાસ્કરના સૌજન્યથી સાભાર..

લેખકસંપર્ક :

ડૉ. ગુણવન્તભાઈ શાહ, ‘ટહુકો’– 139,વીનાયક સોસાયટી, જે.પી. રોડ, વડોદરા  390020 બ્લોગ : http://gunvantshah.wordpress.com

 ‘અભીવ્યક્તી.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads  વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીયવેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાના નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર, નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450  જીલ્લો : નવસારી સેલફોન : +919537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgujjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 10/06/2016

 

Advertisements

Read Full Post »

–ડૉ. ગુણવન્ત શાહ

     કહેવાતા ધર્મના નામે આપણે કેવો રોગી સમાજ રચી બેઠા ? એક એવો સમાજ, જે બળાત્કારના અન્ધારીયા કુવાઓ વેઠી લે; પરન્તુ છુટાછવાયાં આકર્ષણનાં રમ્ય ઝરણાં ન વેઠી શકે. આ સમાજને મૈત્રી વગરનાં લગ્ન ખપે; પરન્તુ લગ્ન વગરની મૈત્રી ન ખપે. આ સમાજને દાબદબાણથી થયેલાં લગ્નો ખપે; પરન્તુ પરસ્પરની સમ્મતીથી થયેલા છુટાછેડા ન ખપે. આવા પાંજરાપોળીયા સમાજમાં જીવન ઓચ્છવ મટીને ઉલ્ઝન બની રહે છે. લાખો માણસો કણસે તેય છાનામાનાં !

     યહુદી સાધુઓને રબ્બાઈ કહેવામાં આવે છે. ઈઝરાયેલનો એક પણ રબ્બાઈ અપરીણીત નથી હોતો. સાધુઓ તો પરણેલા જ સારા ! સેક્સ કોઈ પણ મનુષ્યનો જન્મસીદ્ધ અધીકાર છે. એ અધીકારની વચ્ચે દુનીયાના જે ધર્મો, સમ્પ્રદાયો, પન્થો અને પેટાપન્થો આવ્યા છે, ત્યાં મઠોમાં કે ડોર્મેટરીમાં અજવાળામાં ધર્મની અને અન્ધારામાં સેક્સની બોલબાલા રહી છે. કોઈ રમણ મહર્ષી કે કોઈ વીનોબા બ્રહ્મચર્ય સેવે તે સહજ હોઈ શકે છે. આવા મહામાનવો કરોડની સંખ્યામાં એક કે બે હોઈ શકે છે. બાકીના સૌ માટે સહજપણે સેક્સમુક્ત થવાનું અશક્ય છે. સેક્સ કંઈ માનવજાતની દુશ્મન નથી. ઈશ્વર તરફથી મળેલી એ પરમ પવીત્ર અને આનંદપુર્ણ ભેટ છે. ગીતામાં કૃષ્ણ કહે છે: ‘જે સેક્સ ધર્માનુકુળ હોય તે હું છું.’

     ક્યાંક સાધુઓનું સેક્સકૌભાંડ બહાર આવે છે ત્યારે લોકોને ક્રોધ ચડે છે. લોકો બદનામ સાધુઓને ગાળો દે છે; પરન્તુ બદનામ સીસ્ટમની નીન્દા કરતા નથી. ભ્રષ્ટ સાધુઓ પ્રત્યે ભારોભાર કરુણા જાગવી જોઈએ. તેઓ બીચારા એવી અપ્રાકૃતીક, અવૈજ્ઞાનીક અને અવૈદીક ગોઠવણમાં ભરાઈ પડ્યા, જેમાં સ્ત્રીને જોવાનું પાપ ગણાયું; પણ મીડીયાના સાણસામાં ન સપડાયેલા અસંખ્ય કૌભાંડોનું શું ? ભુખ, તરસ અને સેક્સ જેવી પાયાની માનવ જરુરીયાતોનો સ્વીકાર ન કરનારા સમ્પ્રદાયો દુનીયાભરમાં સડી ચુક્યા છે. પશ્ચીમના ખ્રીસ્તી પન્થના એક વડા ધર્મગુરુ બે બાળકોના પીતા બન્યા બાદ ગયા વર્ષે અન્ય પુરુષ સાથે પરણી ગયા હતા. તન્દુરસ્ત સમાજનું નીર્માણ તન્દુરસ્ત સેક્સના સ્વીકાર વગર શક્ય જ નથી. ધર્મગુરુઓના શમણાંની વીડીયો કેસેટ જોવા મળે તો ! હીન્દુ સ્ત્રીઓ છેતરાવા માટે આતુર શા માટે ?

     સેક્સ કૌભાંડમાં પકડાયેલા સાધુઓ પ્રત્યે વળી કરુણા શા માટે ? બસ, એટલા માટે કે તેઓની જગ્યાએ કદાચ આપણે પણ એમ જ કર્યું હોત. ફળીયામાં ચોરી કરતા પકડાયેલા ચોરને જાહેરમાં તમાચા મારવામાં વધારે પડતો ઉત્સાહ દાખવનાર માણસ પ્રચ્છન્ન ચોર હોય એવી સમ્ભાવના વધારે રહે છે. ખલીલ જીબ્રાન લેબેનોનના મસીહા હતા. તેઓ મહાત્મા હતા તે સાથે સ્ત્રીઓ પાછળ દીવાના હતા. એમના પ્રેમસમ્બન્ધો એમના સાધુપણામાં ગોબો પાડનારા નહોતા. ભારતીય દૃષ્ટીએ તેઓ બ્રહ્મચારી નહોતા; તેથી જ કદાચ આવા સુન્દર શબ્દોમાં પોતાની કરુણા પ્રગટ કરી શક્યા.

     ‘અનીષ્ટ બીજું કંઈ નથી, ઈષ્ટને જ્યારે ભુખે મારવામાં આવે અને તરસે તડપાવવામાં આવે ત્યારે તે અનીષ્ટ બની જાય છે. જ્યારે ભુખ અસહ્ય બને ત્યારે ઈષ્ટ તો અન્ધારી, અવાવરુ ગુફામાં પણ ખોરાકની શોધમાં ઘુસી જાય છે. જ્યારે એ તરસે મરતું હોય ત્યારે વાસી–ગન્ધાતું પાણી પણ પી લે છે.’

     બોલો ! આ શબ્દો વાંચ્યા પછી સ્વામીનારાયણના સાધુઓના કૌભાંડ બાદ તમને કરુણાનો ભાવ જાગ્યો? શ્રદ્ધા છે કે ક્રોધ પર કરુણાનો વીજય થયો હશે.

     ભગવાન બુદ્ધ યશોધરા સાથે વાત કરી રહ્યા હતા. પુર્વામની પત્ની યશોધરા દીક્ષા લીધા પછી ભીક્ષુણી બનીને સંઘમાં જોડાઈ ચુકી હતી. કોઈ વીરલ પળે એણે બુદ્ધને પ્રશ્ન પુછ્યો: ‘‘ભગવન ! તમારી ઉત્કટ સાધનાનાં વર્ષો દરમીયાન હું તમને ક્યારેક યાદ આવતી હતી ખરી ?’’ તથાગતે સ્મીત વેરીને જવાબ આપ્યો: ‘‘હા, તું મને યાદ આવતી હતી. સરોવરનાં નીર્મળ જળ પર પુર્ણીમાની રાતે ચન્દ્રનાં કીરણો પરાવર્તન પામે ને જે ચળકતો પટો સર્જાય તેમાંથી પસાર થઈ જતી સફેદ સઢવાળી નૌકાની માફક તું મારા ચીત્તમાંથી પસાર થઈ જતી હતી.’’  આજનો કયો સાધુ આટલી નીખાલસતા બતાવી શકે ?

     સાધુજીવનમાં ખલેલ પહોંચાડે તેવી બાબતો એટલી બધી વધી પડી છે કે કોઈ સાધુ સેક્સનું ખાનગી આક્રમણ ખાળી ન શકે. એવી છાપ પડે છે કે દ્રૌપદી પોતે જ પોતાનાં વસ્ત્રાહરણ માટે તૈયાર છે. બધી જાહેરખબરોમાં સ્ત્રીનું ઢીંગલીકરણ થતું જણાય છે. સાધુ પણ માણસ છે, યન્ત્ર નથી. તેણે લંગોટમુલક બ્રહ્મચર્ય પાળવું હોય તો સૌ પ્રથમ તેણે પોતાની આંખ ફોડી નાખવી પડે. રસ્તા પર નગ્ન સ્ત્રીઓનાં ચીત્રો મોટાં મોટાં પાટીયાં પર જોવા મળે છે. શું સાધુ આંખ મીંચીને ચાલી શકે છે ? કોઈ પણ છાપું અર્ધનગ્ન સ્ત્રીના આકર્ષક ફોટા વગરનું નથી હોતું. એક પણ અંગ્રેજી કે ગુજરાતી મેગેઝીન આકર્ષક સ્ત્રીઓના ફોટા વગરનું નથી હોતું. સાધુ વાંચવાનું માંડી વાળી શકે ? એ ટી.વી. જોવાનું ટાળી શકે ? દીવસે મનમાં સંઘરાયેલી ખલેલ રાતે સાધુને પજવે છે. એ સાધુને મનોમન કોઈ સ્ત્રીને પામવાના વીચારો સતાવે છે. વીચારોની પજવણી અસહ્ય બને ત્યારે ગમે તેવી અનાકર્ષક સ્ત્રી પણ એને ગમી જાય છે. વીક્ટર હ્યુગોની વીખ્યાત નવલકથા ‘લા મીઝરેબલ’માં ભુખથી પરેશાન નાયક જ્યાં વાલ, બ્રેડની ચોરી કરતાં પકડાઈ જાય છે અને સજા પામે છે. ભારતના ઘણા ખરા હીન્દુઓ ‘લા મીઝરેબલ’ના નાયક જેવા છે. તેઓ સાધુવેશ છોડીને ગૃહસ્થ થવા ઈચ્છે તોય તેમ કરવાનું સહેલું નથી. બોલો ! તેઓ ક્યાં જાય ? જૈનસાધુ ચીત્રભાનુએ સંસાર માંડીને સુન્દર દાખલો બેસાડેલો. જે સાધુ સ્વેચ્છાએ સંસારી બને તેનું જાહેર સન્માન થવું જોઈએ બાળદીક્ષાને કોઈ બીભત્સ નથી ગણતું. ગમે ત્યાં ઉત્સર્ગ કરનારને કોઈ અસભ્ય નથી ગણતું. રુશવતખોરીને કોઈ મહાપાપ નથી ગણતું. પત્નીને ગુલામડીની જેમ રાખનારને કોઈ રાક્ષસ નથી ગણતું. બસ, એક જ બાબત બીભત્સ ગણાય છે  : પરસ્પરની સમ્મતીથી થયેલા સંયોગને પણ સમાજ વેઠી નથી શકતો ! કોઈ માને કે ન માને, ભારતીય સમાજ અન્દરખાનેથી વસન્તવીરોધી અને પાનખરપ્રેમી સમાજ છે. આ સમાજમાં લગ્નેતર સમ્બન્ધ જાળવનાર લોકસેવક પણ બ્રહ્મચર્યનો જ મહીમા ગાતો રહે છે. આ રુગ્ણ સમાજનો સ્થાયીભાવ દમ્ભ છે અને નીન્દાકુથલી એ એની હોબી છે.

      જરુર છે પ્રેમક્રાન્તીની. સેક્સ પવીત્ર ખરી; પણ ત્યાં જ અટકી જવાનું નહીં પાલવે. એની દીશા પ્રેમ ભણીની હોવી જોઈએ. પ્રેમ જેવી દીવ્ય ઉર્જા બીજી કોઈ નથી. પ્રેમક્રાન્તીના ચાર પાયા છે: .૧. તંદુરસ્ત સેક્સ .. નીર્ભય માતૃત્વ  .૩. ઉદાત્ત પ્રેમસમ્બન્ધ .૪. સ્વસ્થ પરીવાર. આકાશમાં ક્યાંક ઉગેલા મેઘ–ધનુનાં ટીપાંનું શીલ્પ રચાતું હોય છે. સમાજમાં ક્યાંક પ્રગટેલા પ્રેમધનુષની નીન્દા ન હોય. પ્રેમસમ્બન્ધની નીન્દા કરનારને કેદની સજા થતી હોત તો, સમગ્ર ભારતીય સમાજ કેદમાં હોત ! આપણે ક્યારે સુધરીશું ? આ તે મનુષ્યોનો સમાજ છે કે વીરાટ મેન્ટલ હૉસ્પીટલ ? બીચારા સાધુઓ ! તમે પકડાઈ ગયેલા ભ્રષ્ટાચારી અને જેઓ જેલની બહાર રહી ગયા તેઓ ન પકડાયેલા ભ્રષ્ટાચારી ! જે સમાજ ‘બે મળેલા જીવ’ વચ્ચે સહજપણે ઉગેલા પ્રેમને મન્દીરનો દરજ્જો નથી આપતો, તે સમાજે મન્દીરોમાં થતા ગોટાળાને ક્ષમ્ય ગણવા પડશે. વર્ષો પહેલાં આ જ કટારમાં મેં લખ્યું હતું:

      ‘શીવમન્દીરમાં જે સ્થાન બીલીપત્રનું છે, તેવું જ સ્થાન જીવનમન્દીરમાં પ્રેમપત્રનું છે.’

–ડૉ. ગુણવન્ત શાહ

ફેબ્રુઆરી ૨૭, ૨૦૦૫ના ‘સંદેશ’ની રવીવારીય સાપ્તાહીક પુર્તી ‘સંસ્કાર’માંથી લેખકશ્રીના સૌજન્યથી સાભાર… ઉત્તમ ગજ્જર…

@@@

 ‘સન્ડે ઈ–મહેફીલ’ –  વર્ષઃ પહેલું  – અંકઃ 015 – September 11, 2005માં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રી, અને ‘સન્ડે ઈ–મહેફીલ’ના સંપાદકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ http://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

  ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન અને પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ: 7/03/2014

Read Full Post »

ડૉ. ગુણવન્ત શાહ

સદ્ ગત સાહીત્યકાર યશવંત શુક્લ પાસેથી એક વાત સાંભળવા મળી હતી. વીર નર્મદના જમાનામાં શીક્ષકો વીદ્યાર્થીઓને એક વાત વારંવાર કહેતા કે: પૃથ્વી છે તો સપાટ, પરન્તુ ઈન્સપેક્ટર સાહેબ પુછે તો ગોળ કહેવાનું. રાંદેરની જે નીશાળમાં નર્મદે શીક્ષક તરીકે નોકરી કરી હતી તે જ નીશાળમાં લગભગ સો વર્ષ પછી ભણવાનું મળ્યું તેનું ગૌરવ છે. તાપી કીનારે આવેલા માંડવી ઓવારા પાસે આજે પણ એ પ્રાથમીક શાળા ઉભી છે. કહે છે કે સુરતથી હોડીમાં બેસીને સામે કાંઠે આવેલી એ નીશાળે આવતો અને તાપીમાં તરવાની મજા માણ્યા પછી આરામ કરતો. પુરતો આરામ કર્યા પછી એ નીશાળે જતો. નોકરીથી કંટાળીને નર્મદે રાજીનામું આપ્યું તેનું કાવ્ય હજી સચવાયું છે.

થોડાક દીવસ પર ઘરના માળીએ હોંશે હોંશે મારા હાથમાં ચાર–પાંચ પરવળ મુકી દીધાં. ઘરની સામે આવેલો અમારો પ્લોટ નાનકડું ખેતર બની ગયો છે. ઓર્ગેનીક ફાર્મીંગના પ્રસાદરુપે મળેલા પરવળ હાથમાં લીધાં ત્યારે કવી વડ્–ર્ઝવર્થના શબ્દો યાદ આવી ગયા:  ‘અ લીટલ પાલ્ટ્રી સમ બટર સર માઈ ઓન.’ પરવળ ભલે થોડાં; પણ ઘરનાં ખેતરનાં ! પરવળ પ્રાપ્તીનો નીર્મળ આનન્દ બીજી મીનીટે ખતમ થઈ ગયો જ્યારે માળી છત્રસીંહે કહ્યું: ‘સાહેબ, હું બહેન પાસે અગરબત્તી અને કાળો દોરો માગવાનો છું. પરવળના છોડને નજર ન લાગવી જોઈએ. ’અભીતાભ બચ્ચન અને છત્રસીંહને જોડતા અદૃશ્ય સેતુનું નામ ‘અંધશ્રદ્ધા’ છે. 

મહર્ષી દયારામ, દુર્ગારામ મહેતાજી અને વીર નર્મદ ક્યારના હારી ચુક્યા છે. અન્ધશ્રદ્ધા દુર કરવાના પ્રયત્નને કારણે બલીદાન આપનારા વીર નરેન્દ્ર દાભોળકની હત્યા એટલું સાબીત કરે છે કે અજ્ઞાનનું અંધારુ ભારે હઠીલું છે.

નાના હતા ત્યારે અમારા ફળીયામાં સામે આવેલાં બધાં ઘર બ્રાહ્મણોનાં હતાં. એક પણ ઘર યુવાન વયે થયેલી વીધવા સ્ત્રીઓ વીનાનું ન હતું. આજે પણ ઘરની સામે રહેતી વીધવા ફોઈઓ અને માસીઓનાં નામ યાદ છે. સ્વરાજ મળ્યું તે સમયગાળાની આ વાત છે. આજે 66 વર્ષ પછી વંચીત વૈધવ્ય સાથે જોડાયેલી ગંગાસ્વરુપ પીડાઓ ઓછી થવાનું નામ નથી લેતી. દહેજપ્રથા આજે પણ કાયમ છે. શીક્ષીત અને અતીશીક્ષીત પરીવારો આજે પણ દહેજ આપીને કે લઈને વીવાહનો નીર્ણય કરે છે. આજે પણ કાર્યના આરમ્ભ માટે શુભમુહર્ત જોવાય છે. આજે પણ મન્ત્રતન્ત્ર અને જાદુટોણાંમાં આંધળી શ્રદ્ધા રાખનારા ભણેલા; છતાંય અશીક્ષીત લોકોની સંખ્યા ઓછી નથી.

પુપ્પુલ જયકરે નોંધ્યું છે કે પંડીત જવાહરલાલ નહેરુની આખરી માંદગી વખતે રૅશનાલીઝમમાં માનનારા એ દર્દી માટે અન્ધશ્રદ્ધાનો આશ્રય લેવામાં આવેલો. વારાણસીમાં કોંગ્રેસી નેતા કમલાપતી ત્રીપાઠીએ ઈન્દીરા ગાંધીના કલ્યાણ માટે કેટલાક ખાસ યજ્ઞો કરાવ્યા હતા. હરીકોટા ખાતે GSLV ઉપગ્રહ લઈને રૉકેટ ઉપડે તેનું મુહુર્ત જોવાયું છે તેવું સાંભળ્યું છે. ઘણાખરા નેતાઓ, અભીનેતાઓ અને વીદ્વાનો અન્ધશ્રદ્ધાથી મુક્ત નથી. વીચારવું પડશે.

એકવીસમી સદીમાં જીવનારા મનુષ્ય પાસે એક મીજાજની અપેક્ષા રાખવામાં આવે છે: ‘મારી બુદ્ધીમાં ન ઉતરે એવી કોઈ બાબત હું નહીં સ્વીકારું. એ વાત બુદ્ધ, મહાવીર, ઈસુ, મહંમદ, કાર્લ માર્ક્સ કે ગાંધીએ કરી હોય તોય મારે ગળે ન ઉતરે ત્યાં સુધી એ નહીં સ્વીકારું.’ આવો સ્વતન્ત્ર મીજાજ શંકરાચાર્યના એક વીધાનમાં આબાદ પ્રગટ થયો:

‘અગ્નીનો સ્પર્શ શીતળ હોય છે’

એવી વાત વેદમાં થઈ હોય

તોય સ્વીકારી ન શકાય.

આવા સ્વતન્ત્ર મીજાજમાં બુદ્ધીનો જયજયકાર થતો દીસે છે. અગ્નીની શોધથી માંડીને ચક્ર, હોડી, સ્ટીમ એન્જીન, મોટરગાડી, વીમાન, રૉકેટ અને કમ્પ્યુટર સુધીની બધી શોધમાં મનુષ્યને પ્રાપ્ત થયેલી બુદ્ધીનો ફાળો રહેલો છે. બુદ્ધીનો એક પ્રવાહ તર્ક તરફ વહે છે અને બીજો પ્રવાહ જીવનની સમસ્યાઓના ઉકેલ તરફ વહે છે. બુદ્ધીના ઉપકારો અનન્ત છે. બુદ્ધીના એવરેસ્ટ પર આઈન્સ્ટાઈન વીરાજમાન છે.

શું માનવીને શ્રદ્ધા વીના ચાલે ખરું ? પ્રશાંત મહાસાગર પર કલાકો સુધી આઠ–નવ માઈલની ઉંચાઈએ એક જમ્બોજેટ લગભગ 500  માણસોને લઈને ઉડી રહ્યું છે. અન્દર બેઠેલા પેસેંજરો નીરાંતે ભોજન કર્યા પછી કઈ શ્રદ્ધાથી ઉંઘી ગયા છે ? એમને વીમાન બનાવનાર બોઈંગ કમ્પની પર અને વીમાન ચલાવનારા અજાણ્યા પાઈલટ પર ઉંડી શ્રદ્ધા છે. આવી શ્રદ્ધા વીના મનુષ્ય જીવી ન શકે. મનુષ્ય શ્રદ્ધા વીના તરી ન શકે અને અન્ધશ્રદ્ધા વીના ડુબી ન શકે. અન્ધશ્રદ્ધાને કારણે એ બળાત્કારના કેસમાં સંડોવાયેલા બાવાની પણ પુજા કરે છે ! અસ્વચ્છ બાવાઓ સામેની ઝુંબેશ હવે સ્વચ્છ સાધુજનોએ જ ઉઠાવવી પડશે. પ્રત્યેક આશ્રમના આર્થીક વહીવટનું સામાજીક ઓડીટ કરાવવાની ઉતાવળ આશ્રમના સંચાલકોને જ હોવી જોઈએ.

ગમે તેવા વ્યભીચારી ગુંડાના નામ આગળ સંત અને પાછળ બાપુ શબ્દ વળગી શકે એ તો હીન્દુ વીચારધારાની શરમ છે. શું કુંભકર્ણ હીન્દુઓનો ઈષ્ટદેવતા છે ? આપણે ત્યાં આસ્તીકતા સાથે અન્ધશ્રદ્ધા આપોઆપ જોડાઈ જાય તેવો માહોલ છે. દુનીયામાં આસ્તીકો ભારે બહુમતીમાં છે અને નાસ્તીકો લઘુમતીમાં છે. આસ્તીકના ચરમ સૌન્દર્યને ભક્તી કહે છે. ભક્તી (ગીતાના શબ્દોમાં) અવ્યભીચારીણી હોય ત્યાં સુધી જ એ સ્વચ્છ રહી શકે. વેવલી ભક્તી આસ્તીકતાને ગંદી બનાવી મુકે છે. સંત તે છે, જે પોતાની આસ્તીકતાને સ્વચ્છ શ્રદ્ધા અને વીવેકયુક્ત બુદ્ધી સાથે જોડે છે. નાસ્તીકતાની અપાર શોભા બુદ્ધ અને મહાવીર દ્વારા પ્રગટ થઈ. નાસ્તીકતાની શોભા નાબુદ કરવાનું દુષ્કર્મ સ્તાલીન અને માઓ ઝેડોંગે કર્યું.

બન્ને સેતાનોએ લાખો મનુષ્યની કતલ ક્રાન્તીના નામે કરાવી હતી. નાસ્તીકતાની શોભા સ્વચ્છ રૅશનાલીઝમ દ્વારા પ્રગટ થતી દીસે  છે. નાસ્તીક માણસને ‘અશ્રદ્ધાળુ’ કહેવાની ભુલ કરશો નહીં. ભગવાન નથી એ બાબતમાં એની શ્રદ્ધા ઉંડી હોય છે.  કોઈ રૅશનાલીસ્ટ પ્રીયજનને ‘આઈ લવ યુ કહી શકે ? લવ જેવો બીન–રૅશનલ શબ્દ બીજો નથી. રૅશનાલીસ્ટ તે છે, જેની બુદ્ધી સત્યની શોધને માર્ગે વળી ગઈ છે. જુઠાબોલો રૅશનાલીસ્ટ પોતાની નાસ્તીકતાને બદનામ કરતો રહે છે. દંભ જેમ ભક્તને ન શોભે, તેમ રૅશનાલીસ્ટને પણ ન શોભે. કાર્લ માર્ક્સ પ્રત્યે અન્ધશ્રદ્ધા રાખનાર રૅશનાલીસ્ટ વેવલા ભક્ત કરતાં ચડીયાતો નથી. પશ્વીમ બંગાળના નાસ્તીક સામ્યવાદીઓ આજે પણ પોતાના ઓરડામાં સ્તાલીનની છબી રાખે છે. આવા લોકોને ‘રૅશનાલીસ્ટ’ કહેવાનું યોગ્ય નથી. રૅશનલ હોવાનું રસ્તામાં રેઢું નથી પડ્યું.

આદરણીય મોરારીબાપુની રામકથાનું શ્રવણ કરનારા ભક્તની મશ્કરી કરશો નહીં. નમાજ પઢવા જનારા કે બેથલેહામ જનારા કોઈ ભક્તની નીન્દા કરશો નહીં. વીર નરેન્દ્ર દાભોળકર જેવા સુધારકની શહાદતને વન્દન કરવા માટે સ્વચ્છ ભક્તોએ અને સાધુજનોએ જ પહેલ કરવી પડશે. જગતના બધા ધર્મોમાં કાળક્રમે પેઠેલી ગંદકી દુર કરવા માટેનાં પરીબળો જે તે ધર્મના વીચારપુરુષોએ જ મજબુત કરવાં પડશે. પ્રત્યેક ધર્મમાં બીલ્ડરો, કોન્ટ્રાક્ટરો, દલાલો અને માફીયાતત્ત્વો હોય છે. સાવધાન ! (વીર નર્મદજયન્તી તા. 24 ઓગસ્ટ, 2013ને દીવસે મહારાષ્ટ્ર ગુજરાત સાહીત્ય અકાદમી તરફથી મુમ્બઈમાં વીર નર્મદ પારીતોષીક સ્વીકારતી વખતે કરેલા પ્રવચનમાં બોલાયેલા અને ન બોલાયેલા શબ્દોનું સંકલન).

પાઘડીનો વળ છેડે

વીજ્ઞાન અને બૌદ્ધ ધર્મ વચ્ચે ઘણું સામ્ય છે;

કારણ કે બન્ને વાસ્તવીકતાની શોધ ચલાવી રહ્યાં છે.

બન્નેનું ધ્યેય માનવજાતની પીડા ઓછી કરવાનું છે

–દલાઈ લામા

નોધ: અમેરીકાના મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (MIT) દ્વારા યોજાયેલ સેમીનારમાં (સપ્ટેમ્બર, 2003) બોલાયલા શબ્દો.

      –ડૉ. ગુણવન્ત શાહ

સમગ્ર ગુજરાતના દૈનીક ‘દીવ્ય ભાસ્કર’માં વર્ષોથી ચીંતક–લેખક ડૉ. ગુણવન્ત શાહની અતી લોકપ્રીય કટાર ‘વીચારોના વૃન્દાવન’માં પ્રકાશીત થતી રહે છે. તેમાં રવીવાર તા 01 સપ્ટેમ્બર, 2013ના અંકમાં પ્રકાશીત થયેલો એમનો આ લેખ, લેખકશ્રીના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર..

લેખકસંપર્ક :

ડૉ. ગુણવન્તભાઈ શાહ, ‘ટહુકો’ – ૧૩૯ – વીનાયક સોસાયટી, જે.પી. રોડ, વડોદરા390 020 ફોન: (0265) 234 0673 બ્લોગ: http://gunvantshah.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna Apartments (Wing – B), Opp. Ayyappa Temple, Bonkode, KOPERKHERNE, Navi  Mumbai–400 709  સેલફોન:  8097 550 222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જ  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ:  26–10–2013

Read Full Post »

[12મી જાન્યુઆરીએ સ્વામી વીવેકાનન્દની જન્મ જયન્તી છે. ભારતવર્ષ સ્વામી વીવેકાનન્દની 150મી જન્મજયન્તી ઉજવી રહ્યું છે. આ અવસરે ડૉ. ગુણવન્ત શાહનો આ લેખ, સાચા સન્તને ઓળખવાની આપણને દૃષ્ટી સાંપડે તેવી શુભેચ્છા સાથે પ્રસ્તુત છે..ગોવીન્દ મારુ]

સૌજન્ય: ગુગલ.કોમ

       મારા તાબામાં રહેલી સધળી નીખાલસતા નીચોવીને મારે કહેવું છે: ‘‘હે હીન્દુઓ ઉઠો, જાગો અને સન્તોને બગાડવાનું બન્ધ કરો.’’ અજ્ઞાની પ્રજા કદી ધાર્મીક નથી હોતી. ગમે તેવા લેભાગુ માણસને સાધુ માની લેવાની હીન્દુઓની શક્તી અપાર છે.

         કોઈ પણ માણસને સન્ત કહેતાં પહેલાં એનું કે એના આશ્રમનું બૅન્ક બૅલેન્સ તપાસી લો. હવે નવી તરકીબ શરુ થઈ છે. ઉપદેશકો સાથે વીરાટ રકમોની લેવડદેવડવાળાં ટ્રસ્ટો રચવામાં આવે છે. હીસાબો જાહેર થતા નથી અને ગોટાળા ધાર્મીક હોય છે; તેથી ઑડીટમાં પણ વાંધો આવતો નથી. ટ્રસ્ટીઓ નજીકના સ્વજનો કે પ્રીયજનો હોય છે. કહેવાતા સન્ત બહારથી અલીપ્ત હોય છે; પરન્તુ અન્દરથી સવાયા સંસારી થઈને પ્રજાના પૈસે લહેર કરતા રહે છે. એમના  પી.આર.ઓ. ઈમેજ  બીલ્ડ-અપ કરતા રહે છે. વાતો ત્યાગની અને ખાનગીમાં ભોગની બોલબાલા. આશ્રમમાં રહસ્યમય ભોંયરું હોય તો જરુર એમાં બાવાજીની લમ્પટલીલા ચાલવાની. સ્ત્રીઓ અને પુરુષ એકબીજા પ્રત્યે આકર્ષાય તેમાં અધાર્મીક કશું નથી. બાવાજીને પણ પ્રેમ કરવાનો અધીકાર છે. બાવાજી પ્રેમ નથી કરતા;  તેઓ સ્ત્રીઓને ફસાવે છે અને વળી આત્મા-પરમાત્માની વાતો કરીને ફસાવે છે. તેઓ શક્તીપાતની વાતો સાથે વીર્યપાત કરતા રહે છે. બાવાજીનું ભોંયરું, સંસારીના બેડરુમ કરતાં વધારે ખતરનાક હોય છે. ભોળી સ્ત્રીઓ માટે ફળીયાનું અંધારું, આશ્રમના અજવાસ કરતાં વધારે સલામત ગણાય. બાવાજી સ્ત્રીને પ્રેમ નથી કરતા; તેઓ સ્ત્રીઓને મુર્ખ બનાવે છે. મુર્ખ બનવા માટે હીન્દુ સ્ત્રીઓ જેટલી ઉત્સુક સ્ત્રીઓ મેં બીજા કોઈ દેશમાં જોઈ નથી.

        કોઈ કહેવાતા લોભાનન્દજી કે લમ્પટેશ્વર કે મોહાનન્દજીને પનારે પડનારી અન્ધશ્રદ્ધાળુ પ્રજા ‘રામાયણ’, ‘ગીતા’ કે ‘ઉપનીષદ’ નથી વાંચતી. હે હીન્દુ ભાઈબહેનો, એકવીસમી સદીને છાજે તેવા જીવનવ્યવહાર વગર વાસી ધર્મના ઢોલ પીટ્યે રાખીશું તો ખતમ થઈ જઈશું. ધર્મ સાથે તાજા અરમાનોનો મેળ પાડવો પડશે. અન્ધશ્રદ્ધાની આરતી ઉતારવાનું બન્ધ કરવું પડશે. અશ્વમેધ જેવા બોગસ યજ્ઞો બન્ધ કરવા પડશે. અસ્પૃશ્યતા નાબુદ કરવી પડશે. દહેજપ્રથા ખતમ કરવી પડશે. દેવદાસી પ્રથાના કલંકને દુર કરવું પડશે. વીધવાઓની અવદશા દુર કરવી પડશે. આશ્રમોનો અને મન્દીરોનો કચરો, માનસીક કચરો અને આર્થીક કચરો સાફ કરવો પડશે. સાચો પ્રેમ કેમ કરવો તે નવી પેઢીને શીખવવું પડશે. નવી સદી, વાસી ધર્મનું નવસંસ્કરણ માગે છે. નવી પેઢી બ્લુ ફીલ્મ ‘જુએ’  છે; જ્યારે બાવાજીઓ તો બ્લુ ફીલ્મ ‘જીવે’ છે !

        રામાયણ આપણું ઉદાત્ત મહાકાવ્ય છે, એ જરુર સૌએ વાંચવું જોઈએ; પરન્તુ વાંચીને પણ આપણા વીવેકને ગીરવે મુકવાનો નથી. ચરણસેવા, ચરણસ્પર્શ અને ચરણ ધોઈને પાણી પીવામાં ધર્મ છે એમ માનનારી નીર્માલ્ય પ્રજાને કેશવાનન્દ ન મળે તો શું વીવેકાનન્દ મળે ? હીન્દુઓ ક્યારે જાગશે ? એંશી ટકા પ્રજા ઉંઘતી હોય ત્યારે લઘુમતી જાગતી રહે એવું બને ખરું ? એ બીચારી મુલ્લાગ્રસ્ત છે ! બન્ને વચ્ચે હરીફાઈ જાગવાની નહીં; બેભાન રહેવાની ચાલે છે. માંજી માંજીને વાસણ ચકચકતું કરીએ તેમ ધર્મને પણ સ્વચ્છ કરીને ચક્ચક્તો કરવાનો છે.

– ગુણવન્ત શાહ

ગરવી ગુજરાત સાપ્તાહીક – ૨૦૦૨ તેમ જ ‘અક્ષરનાદ.કોમ’ (http://aksharnaad.com/2009/01/19/do-not-spoil-saints-by-gunvant-shah/)વેબસાઈટ પર જાન્યુઆરી 19, 2009ના રોજ પોસ્ટ થયેલ આ લેખ લેખકશ્રી તેમ જ ભાઈશ્રી જીજ્ઞેશ અધ્યારુના સૌજન્યથી સાભાર….

લેખકસંપર્ક : શ્રી ગુણવન્તભાઈ શાહ, ટહુકો ૧૩૯ વીનાયક સોસાયટી, જે.પી. રોડ, વડોદરા ૩૯૦ ૦૨૦

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

 અક્ષરાંકન:ગોવીન્દ મારુ govindmaru@yahoo.co.in

 પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

 પોસ્ટ કર્યા તારીખ12–01–2012

Read Full Post »

ધર્મ સાથે જીવનના છુટાછેડા

–ગુણવંત શાહ

જલાલુદ્દીન રુમીએ એક સુફી વાર્તા કહી હતી. એક વાર ભલો ઈબ્રાહીમ ગાદી પર બેઠો હતો. અચાનક એને કાને વીચીત્ર અવાજ સંભળાયો. એના મહેલના છાપરા પરથી જે અવાજ સંભળાયો એમાં ડચકારા, ઝુંટાઝુંટ અને ચડસાચડસીનો આભાસ થતો હતો.

ઈબ્રાહીમે બારીની બહાર ડોકું કાઢીને મોટા અવાજે બુમ મારી: ‘અરે! કોણ છે ત્યાં ? આ ઘોંઘાટ શેનો છે ?’ ચોકીદારો તો મુંઝવણમાં પડી ગયા ! એમણે કહ્યું:

‘જહાંપનાહ ! એ તો અમે મહેલના છાપરા પર ચોકી કરવા આંટા મારીએ છીએ’.

ઈબ્રાહીમને આશ્ચર્ય થયું ! એણે પુછયું:

‘ત્યાં તમે કોને પકડવા માગો છો ?’

ચોકીદારોએ વીનયપુર્વક કહ્યું: ‘જહાંપનાહ ! આપણાં ઉંટ ક્યાંક ખોવાઈ ગયાં છે અને અમે તેને ખોળી રહ્યા છીએ.’

ઈબ્રાહીમ કહે: ‘અરે ! શું ઉંટ છાપરા પર ચડી જાય એ શક્ય છે ?’

ચોકીદારોએ કહ્યું: ‘જહાંપનાહ ! અમે તો આપનું જ અનુકરણ કરી રહ્યા છીએ. આપ જો રાજગાદી પર બેસીને અલ્લાહની શોધ કરી શકો છો તો અમે છાપરા પર ઉંટ શોધીએ એમાં શી નવાઈ ?’

ભલો ઈબ્રાહીમ વીચારમાં પડી ગયો !

હીન્દુઓ ભગવદ્ ગીતા વાંચે છે. મુસલમાનો કુરાન વાંચે છે. ખ્રીસ્તીઓ બાઈબલ વાંચે છે. બૌદ્ધો ધમ્મપદ વાંચે છે. જૈનો સમણસુત્તં વાચે છે. એવું તે શું છે કે જે કશુંક વંચાય એની અસર જીવનનના વ્યવહાર પર પડતી નથી ? ક્યારેક તો ધર્મગ્રંથોનું વાચન માણસમાં ધાર્મીક હોવાનું મીથ્યાભીમાન જગાડનારું બની રહે છે. ગીતા વાંચનારાનું જીવન કોરું રહી જાય છે. કુરાન મોઢે હોય તોય જીવનમાં ઝનુનની બોલબાલા ! ધર્મ સાથે જીવનના કેવા છુટાછેડા !

વર્ષો પહેલાં બનેલો એક સાચો પ્રસંગ યાદ આવે છે. મારા ઘરથી થોડાક અન્તરે ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડ (જીઈબી)ની હાઉસીંગ કૉલોની છે. એક સાંજે હું ઘરના હીંચકે બેઠો હતો અને એક યુવાન એન્જીનીયર મળવા માટે આવી પહોંચ્યો. એ મારો વાચક હશે એથી અત્યન્ત વીનયપુર્વક એણે પ્રશ્ન પુછયો: ‘સર ! હું કૃષ્ણભક્ત છું અને તમને પણ વાંચું છું. મારે જીવનમાં કૃષ્ણમય બનવા માટે શું કરવું જોઈએ ?’ આવો વજનદાર પ્રશ્ન સાંભળીને હું ઝટ કશુંય બોલી ન શક્યો.

કદાચ ત્યારે મારો મુડ સાવ જુદો હતો. મેં એ યુવાનને કહ્યું: ‘ગીતા વાંચવાનું બન્ધ કરી દેવું જોઈએ.’ મારી આ વાત સાંભળીને એ યુવાન ભારે નીરાશ થયો. એણે કહ્યું: ‘સર ! હું તમારી  પાસે બહુ ઉંચી અપેક્ષા સાથે આવ્યો હતો. તમે મને નીરાશ કર્યો છે.’ એ યુવાન જવાની તૈયારીમાં હતો ત્યારે મેં એને મારા જવાબનો મર્મ સમજાવ્યો.

મે કહ્યું: ‘દોસ્ત ! તું એક કામ કર. આવતા છ મહીના સુધી ગીતા બાજુએ મુકી દે. તારી ઑફીસમાં પાંચ મીનીટ વહેલો પહોંચી જજે અને સમય પુરો થાય પછી પાંચ મીનીટ બાદ ઑફીસ છોડજે. ખુરસી પર બેઠો હોય ત્યારે દુરથી કોઈ ગામડીયો વીજળીની મુશ્કેલી અંગે તારી પાસે કામ લઈને આવે ત્યારે  તું એનું વાજબી કામ એવી રીતે કરી આપજે, જાણે એ ગામડીયો ગોકુળથી આવેલો કૃષ્ણ જ હોય ! તું આ વાતનો અમલ છ મહીના માટે કર પછી ફરીથી મને મળવા આવજે. તને જરુર સમજાશે કે ગીતા વાંચવાની જરુર નથી. જો તું આ પ્રમાણે ન કરે તો ગીતા વાંચવાનો કોઈ જ અર્થ નથી.’ વર્ષો વીતી ગયાં તોય એ યુવાન હજી મને મળવા આવ્યો નથી.

આ જગતમાં બે ગીતા છે. એક કાગળ પર છપાયેલી પોથીગીતા અને બીજી છે જીવનગીતા. આવું જ કુરાન માટે અને બાઈબલ માટે પણ કહી શકાય. જીવનગીતા’ કે ‘જીવનકુરાન’ વીના ધર્મ પોથીમાંનું રીંગણું બની રહે છે. ધર્મ અને જીવન વચ્ચેના આવા છુટાછેડા થઈ જાય પછી જે બચે છે એ કેવળ બાહ્યાચાર છે. સાધુ ગીતા જીવે છે. ફકીર કુરાન જીવે છે. ગીતા કે કુરાન કંઠસ્થ કરવામાં મીથ્યાભીમાન રહેલું છે. ધર્મગ્રન્થોનો પોપટપાઠ માણસનો અહંકાર વધારે છે.

ભારતમાં રોજે રોજ નવાં નવાં ધર્મસ્થાન બન્ધાતાં જ રહે છે. મન્દીરોની કે મસ્જીદોની સંખ્યા વધે તેમ ધર્મનું આચરણ વધે છે ખરું ? નવાં મન્દીરો બન્ધાય એ સાથે સરેરાશ પ્રામાણીકતા વધે છે ખરી ? નવી મસ્જીદો બન્ધાય એ સાથે નીતીમય જીવન ઉદય પામે છે ખરું ? કદાચ આપણે છાપરા પર ચડી ગયેલા ઉંટને શોધી રહ્યા છીએ ! ભલો ઈબ્રાહીમ હજી જીવતો છે.

એક્સ–રે

હે શીવ !

મારાં ત્રણ પાપ બદલ મને ક્ષમા કરજો:

હું તીર્થયાત્રા માટે કાશી આવ્યો ત્યારે

ભુલી ગયો કે તમે સર્વવ્યાપી છો !

હું સતત તમારો વીચાર કરું છું; કારણ કે

હું ભુલી જાઉં છું કે તમે તો વીચારથી પર છો !

હું તમને પ્રાર્થના કરું ત્યારે ભુલી જાઉં છું

કે તમે તો શબ્દથી પર છો !

–આદી શંકરાચાર્ય

–  ગુણવંતભાઈ શાહ

ચીત્રલેખા(તા. ૨૮ માર્ચ, ૨૦૧૧) સાપ્તાહીકમાં વર્ષોથી પ્રગટ થતી એમની, લોકપ્રીય કટાર કાર્ડીયોગ્રામમાંથી સાભાર.. લેખકશ્રી અને ચીત્રલેખાના સૌજન્યથી..

લેખકસંપર્ક:

શ્રી ગુણવંતભાઈ શાહ, ‘ટહુકો’ -૧૩૯-વીનાયક સોસાયટી, જે.પી. રોડ, વડોદરા – ૩૯૦ ૦૨૦ – ભારત ફોન: (0265) 2340673

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ:  https://govindmaru.wordpress.com/

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈમેઈલ આઈડી પર, પોતાનું નામસરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હાઉસીન્ગ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર (નવસારી)પોસ્ટ : એરુ એ. સી. – 396450 જીલ્લો : નવસારી. સેલફોન : 9974062600 ઈ.મેઈલ :  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 25–08–2011

()()()()()

Read Full Post »

સત્યની સ્ટ્રીટ લાઈટ્સ પર અન્ધશ્રદ્ધાનાં જાળાં

-ગુણવંત શાહ

અમીતાભ બચ્ચન જેવો મહાન અભીનેતા આટલો અન્ધશ્રદ્ધાળુ હોઈ શકે ? પુત્રવધુ ઐશ્વર્યાને મંગળ ન નડે તે માટે અભણ માણસો કરાવે તેવી ધાર્મીક વીધીઓ બચ્ચન પરીવાર કરાવે ત્યારે દેશના કરોડો માણસોને શી પ્રેરણા મળશે ? અમીતાભ છીંક ખાય તોયે સમાચાર બની જાય તેવો મોભો તે ધરાવે છે  વીજ્ઞાન અને ટેકનૉલોજી તરફથી મળતા બધા જ લાભો પામ્યા પછી પણ આપણી વીજ્ઞાનવૃત્તી ખીલવાનું નામ નથી લેતી. હીન્દુ પ્રજાની અન્ધશ્રદ્ધા શીક્ષણને ગાંઠતી નથી. અન્ધશ્રદ્ધા અને ચમત્કારના પ્રશ્ને ભણેલા અને અભણ વચ્ચે ઝાઝો તફાવત નથી. હજી આપણે સૌ માંદળીયા યુગમાં જીવીએ છીએ. સચીન તેન્ડુલકર સાંઈબાબા પાસે કૃપાની યાચના કરવા જાય છે. રૅશનલીસ્ટ કરુણાનીધીના નીવાસ ગોપાલપુરમાં સાંઈબાબાની પધરામણી થઈ ત્યારે મુખ્ય પ્રધાનની પત્ની દયાલુ અમ્માલે બાબાનાં ચરણોમાં દંડવત્ પ્રણામ કર્યાં અને સ્વજનો વચ્ચે બાબાની હથેળીમાં પ્રગટ થતી ચમત્કારી વીંટી મેળવવા માટે પડાપડી થઈ હતી.

આપણા સમાજને લક્ષચંડી યજ્ઞની નહીં, નસબંદી યજ્ઞની જરુર છે. દેશની ગરીબી બચરવાળ છે તેથી વીકાસર વીકાસરમાં ફેરવાઈ જાય છે. ખાલી પેટ અને ભરેલાં ગર્ભાશયોની સંખ્યા વીકરાળ છે. નવાં મન્દીરો બન્ધાય છે; પણ નવાં સંડાસો તૈયાર થતાં નથી. ટીવી પર બધી ચેનલો અન્ધશ્રદ્ધા પીરસતી રહે છે. ક્યારેક ગ્રહદશાની ચર્ચા થાય છે, તો ક્યારેક રુદ્રાક્ષની માળાનો મહીમા કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર, હસ્તરેખાશાસ્ત્ર, જ્યોતીષશાસ્ત્ર ફેંગશુઈ અને વળી ટેરોટનાં પાનાં પરથી ભવીષ્ય ભાખવામાં ગપ્પાંબાજીને ચાર ચાંદ લાગી જાય છે. જયલલીથા પોતાના નામમાં એક અક્ષર ઉમેરાય તેવું કરીને ન્યુમરોલોજી સાથે જોડાયેલી અન્ધશ્રદ્ધાને દૃઢ કરે છે. નવી ખરીદેલી કારની નેઈમ-પ્લેટ પર અમુક આંકડા આવે તે માટે લોકો રુશ્વત આપે છે અને રાહ જુએ છે. સીઝેરીયન ઓપરેશન શુભ દીવસે અને શુભ મુહુર્તમાં થાય તેવી ગોઠવણ કરવામાં ભણેલા લોકો અભણ લોકો કરતાં ખાસ આગળ છે.

પ્રત્યેક ક્ષણને પવીત્ર ગણે તે ખરો ભક્ત અને પ્રત્યેક ક્ષણને સરખી ગણે તે સાચો નાસ્તીક ગણાય. ૧૩નો આંકડો અશુભ ગણાય તેવું ક્યા મહામુર્ખે કહ્યું છે ? મારા દીકરાએ મુમ્બઈના બહુમાળી મકાનમાં હઠપુર્વક તેરમો માળ પસંદ કર્યો હતો. મારી દીકરીનાં લગ્ન કમુરતામાં થયાં હતાં. હીન્દુઓ શુભ મુહુર્ત જોવડાવવાનું તુત ક્યારે છોડશે ? અમાસને દીવસે ટ્રેનના ડબ્બાઓમાં ઓછી ભીડ હોય એવું શા માટે ? મારા દીકરાની લગ્નવીધી પણ મારાં (વીધવા) મોટાં બહેને કરાવી હતી. દેશી કેલેન્ડરનાં ખાનાંમાં વીચીત્ર શબ્દો વાંચીને મન વીચારે ચડી જાય છે. વીંછુડો બેસે એટલે શું ? સંકટચોથ એટલે શું ? પંચાંગ પ્રમાણે બધી તીથીઓ સાથે જોડાયેલી વીધીઓ પ્રમાણે જીવવાનું માણસ નક્કી કરે, તો એ જીવનમાં બીજું કશુંયે કરી ન શકે. આવતા એપ્રીલની ૧૪મી તારીખે બાબાસાહેબ ડૉ. આંબેડકરજયંતી અને વલ્લભાચાર્યજયંતી  છે. તે જ દીવસે ‘મીન માસનાં કમુરતાં પુરાં થાય છે’ એવું કેલેન્ડરના ખાનામાં લખાયું છે. વળી ૨૨મી  જુનના ખાનામાં લખ્યું છે: ‘જૈનોનો કેરીત્યાગ.’ ‘સત્યની સ્ટ્રીટ લાઈટ્સ પર અન્ધશ્રદ્ધાનાં કેટલાં જાળાં?’

પ્રત્યેક ધર્મમાં પડેલી સુવાસ બાજુ પર રહી જાય અને કેવળ કર્મકાંડ સાથે જોડાયેલી અન્ધશ્રદ્ધા જામી પડે ત્યારે ધર્મનો મર્મ ખતમ થાય છે. કેરી ખતમ થાય છે અને બાવાજીના આશ્રમમાં અથાણાંનું માર્કેટીંગ થતું રહે છે. અન્ધશ્રદ્ધાળુ હોવું એ ‘ધાર્મીક’ હોવાની નીશાની નથી. એ જ રીતે નાસ્તીક માણસને ‘અધાર્મીક’ ગણવાનું યોગ્ય નથી. આસ્તીક માણસની અપ્રામાણીકતાનો કોઈ બચાવ ન હોઈ શકે. તે જ રીતે જુઠા માણસની નાસ્તીકતા પણ નઠારી ગણાય. નાસ્તીક માણસ આપોઆપ રૅશનલીસ્ટ બની જાય એવો વહેમ ખાસો લોકપ્રીય છે. એ વહેમને કારણે ક્યારેક છીછરા દાવાઓ કરવાની ઉતાવળ થતી રહે છે. કોઈ રૅશનલીસ્ટ જુઠો, રુશ્વતખોર, અને કરુણાશુન્ય હોય, તો તે નાસ્તીક હોય તોયે ‘રૅશનલ’ ન ગણાય. કોઈ ધાર્મીક ગણાતો માણસ શોષણખોર, દંભી અને અંધશ્રદ્ધાળુ હોય તો તેને ‘ભગત’ ગણવામાં જોખમ છે. મુળે વાત પ્રામાણીક  જીવનશૈલીની છે. સ્તાલીન અને માઓ ઝેડોંગ નાસ્તીક હતા; પરન્તુ તેમને ‘રૅશનલ’ કહેવાનું યોગ્ય નથી. બન્ને નેતાઓએ પોતાના જ દેશના લાખો નીર્દોષ મનુષ્યોની કતલ કરાવી હતી. તેમને ‘વીવેકબુદ્ધીવાદી’ કહેવામાં ‘વીવેક’ અને ‘બુદ્ધી’ની ક્રુર મશ્કરી થાય છે. આપણી સંસ્કૃતીમાં તર્કને ૠષીનો દરજ્જો આપવામાં આવ્યો છે. શંકરાચાર્યે વીવેકને મુગટમાં જડેલો મણી (વીવેકચુડામણી) ગણાવ્યો છે. તર્ક અને વીવેકની ઉપાસના નાસ્તીક અને આસ્તીક બન્ને કરી શકે છે. રૅશનલીઝમનો સમ્બન્ધ મુળે સત્યની શોધ સાથે છે. એ શોધ પવીત્ર છે.

એક્સરે

ખાલીપણું તો એકલાથી ન થયું સહન,

પંખી નથી તો ડાળનો હીસ્સો નમી ગયો.

એક પળ જે મારાથી અળગા નથી રહ્યા,

એ કહે તારા વગર જીવી શકાય છે.

સાવ સુક્કી ભઠ નદીની રેત પણ,

બેઉ કાંઠે આજ ખળખળવા મથે.

અંકીત ત્રીવેદી (કવીના કાવ્યસંગ્રહ ‘ગઝલપુર્વક’- ઈમેજ પબ્લીકેશન, મુંબઈ – અમદાવાદ, રુપીયા : ૭૫/- મન ભરીને માણવા જેવો અને દીલભરીને પામવા જેવો સુગન્ધીદાર ગુલદસ્તો..)

-ગુણવંત શાહ

૧૯ ફેબ્રુઆરી ૨૦૦૭ના ‘અભીયાન’ના અંકમાં ઘણાં વર્ષોથી પ્રગટતી લેખકની કટાર ‘કાર્ડીયોગ્રામ’માંથી સાભાર….

સંપર્ક : શ્રી ગુણવંતભાઈ શાહ, ‘ટહુકો’ – ૧૩૯ – વીનાયક સોસાયટી, જે.પી. રોડ, વડોદરા – ૩૯૦ ૦૨૦ – ભારત ફોન: (0265) 2340673

‘સન્ડે ઈ-મહેફીલ’ – વર્ષ : બે – અંક : 97એપ્રીલ 15, 2007 માટે ‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકન : uttamgajjar@gmail.com

લેખક-પરીચય

ગુજરાતી વાચકને હવે આ નામનો પરીચય આપવો પડે એવું રહ્યું નથી. રાંદેર-સુરતમાં ૧૯૩૭માં જન્મેલા આ ‘શાહ’ભાઈ અસ્સલ પટેલ છે. ‘લોકો’ જેને વાંચવા-સાંભળવા ઉત્સુક હોય તેવા માત્ર બે-પાંચ જ લેખકો-વક્તાઓનાં નામોની યાદી તૈયાર થાય તો તેમાં ગુણવંત શાહનું નામ આગળ હોવાનું જ. એમનું કોઈ એક જ પુસ્તક પસન્દ કરવાનું અમને કોઈ કહે તો અમે એમનું ‘સ્મરણાત્મકથા’ પુસ્તક ‘બીલ્લો ટીલ્લો ટચ’ છાતીએ વળગાડીએ. જો કે પસન્દ અપની અપની..બાકી ગુણવંત શાહને જાણવા-માણવા ઈચ્છનારને તો એમનું કોઈ પણ પુસ્તક કે એક નાનકડો લેખેય પુરતો થાય. છતાં,  ટુંક સમયમાં જ જે પુસ્તકની ત્રણ આવૃત્તીઓ થઈ અને સાઉથ ગુજરાત યુનીવર્સીટીમાં જે એમ.એ.ના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે મુકરર થયું તે ‘બીલ્લો ટીલ્લો ટચ’ (પ્રકાશક: આર.આર.શેઠની કંપની, મુંબઈ -૪૦૦ ૦૦૨ અથવા અમદાવાદ – ૩૮૦ ૦૦૧) પુસ્તક વાંચવા કશાય જોખમ વીના દીલથી ભલામણ કરીએ…

-ઉત્તમ ગજ્જર (સુરત) અને બળવંત પટેલ (ગાંધીનગર)

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈમેઈલ આઈડી પર, પોતાનું નામસરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

 અક્ષરાંકન:ગોવીન્દ મારુ govindmaru@yahoo.co.in

 પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

 પોસ્ટ કર્યા તારીખ – 24–06–2011

 

Read Full Post »