Feeds:
Posts
Comments

Archive for the ‘દીનેશ પાંચાલ’ Category

18

સાચો આસ્‍તીક કોણ…?

       –દીનેશ પાંચાલ

આસ્‍તીક નાસ્‍તીકની ચર્ચા નીકળે છે ત્‍યારે એક પ્રશ્ન ઉદ્‌ભવે છે–  આપણે કોને આસ્‍તીક અને કોને નાસ્‍તીક ગણીએ છીએ? એ શબ્‍દોના પ્રચલીત અર્થ મુજબ આસ્‍તીક એટલે ઈશ્વરમાં માનનાર, અને નાસ્‍તીક એટલે ઈશ્વરમાં ન માનનાર; પરન્તુ એ શબ્‍દોનું આટલું સીમીત અર્થઘટન ન હોવું જોઈએ. મારા નમ્ર મતાનુસાર આસ્‍તીક તેને કહેવો જોઈએ જે આધ્‍યાત્‍મીક્‍તા કરતાં માનવતામાં વધુ માનતો હોય. જે મન્દીરના ઈશ્વર કરતાં સૃષ્ટીમાં વ્‍યાપેલ ઐશ્વર્યમાં વધુ શ્રદ્ધા ધરાવતો હોય. સમગ્ર સૃષ્ટીના કણકણમાં ઐશ્વર્ય વ્‍યાપેલું છે; પણ માણસની વીચીત્રતા એ છે કે તે પથ્‍થરની મુર્તી પર ફુલ ચઢાવે છે અને જીવતા માણસના માથા પર પથ્‍થર અફાળે છે. મોરારીબાપુ સહીત ઘણાં સંતો સ્‍વીકારે છે– ‘જનસેવા એ જ પ્રભુ સેવા!’ આ દશ અક્ષરો, દશ સેલની બૅટરી કરતાં વધુ શક્‍તીશાળી છે.

માણસે ધર્મના સદીઓ જુના આદર્શોનું પાલન કરતાં રહેવાને બદલે નવો (રીવાઈઝ) માનવ ધર્મ  ઘડી કાઢવો જોઈએ. જેમાં હર હાલમાં માણસનું ભલું જ થાય. દાખલા તરીકે હીન્‍દુઓને ભુખ લાગે છે– તરસ લાગે છે અને મુસ્‍લીમોને પણ ભુખ અને તરસ લાગે છે. તો ભુખ્‍યાને રોટી આપવી અને તરસ્‍યાને પાણી પાવું એ ધર્મ બની રહેવો જોઈએ. દરદીનો જીવ જવા બેઠો હોય ત્‍યારે કોઈ પણ ધર્મ યા કોમના માણસને એક જ પ્રકારના દવા ઈંજેક્‍શનોથી બચાવી શકાય છે. તમે ક્‍યારેય હીન્‍દુઓના અલગ ઈંજેક્‍શનો અને મુસ્‍લીમોના અલગ ઈંજેક્‍શનો એવું જોયું છે? જીવન મરણ વચ્‍ચે ઝોલા ખાતાં દરદીને સારવાર આપતી વેળા ડૉક્‍ટર કદી એ વીચારતો નથી કે દરદી હીન્‍દુ છે કે મુસ્‍લીમ? હીન્‍દુને ત્‍યાં મૈયત ટાણે જે આઘાત લાગે છે તેવો જ આઘાત મુસ્‍લીમોના મૈયત ટાણે લાગે છે.

વારંવાર એક વાત અનુભવાય છે. દરેક માણસમાં એક સરખું લોહી વહે છે. દરેક માણસની વૃત્તીપ્રકૃતી સરખી છે. તેની કમજોરી કે સ્‍ખલનો સરખાં છે. તેની પાયાની જરુરીયાતો અને દુઃખો પણ સરખા છે ત્‍યારે તેને જુદા જુદા ધર્મના ત્રાજવે તોળીને અલગ વ્‍યવસ્‍થાનું આયોજન કરવાને બદલે એક સમાન માનવધર્મનો ઉદય કેમ ન થવો જોઈએ? દુઃખ એક હોય… આઘાતો સરખા હોય… આંસુઓમાં પણ કોઈ ફરક ના હોય તો માણસો કેમ જુદાં હોવા જોઈએ?

સમાજમાં માનવતાવાદી પ્રવૃત્તી કરનારને જ સાચો આસ્‍તીક ગણવાનો સમય પાકી ગયો છે. બાઈબલમાં એક વાત કહેવામાં આવી છે. ‘તે વ્‍યક્‍તી પરમ સુખી છે જેનામાં સદ્‌બુદ્ધી અને વીવેક છે!’ એમ નથી કહેવાયું કે જેનામાં ઈશ્વર પ્રત્‍યે શ્રદ્ધા છે. ઈશ્વર પ્રત્‍યે શ્રદ્ધા તો ગુંડાઓને ય હોય શકે. બહારવટીયાઓ ધાડ પાડવા નીકળે તે પહેલાં બ્રાહ્મણ પાસે ભગવાનની પુજા કરાવતાં એવું કોક ફીલ્‍મમાં જોવામાં આવ્‍યું છે.

તાત્‍પર્ય એટલું જ કે સમગ્ર માનવજાતની સુખશાંતી માટે જેને હૈયે હીત વસેલું હોય, સારા નરસાની જેને વીવેકબુદ્ધી હોય અને જે ન્‍યાત–જાત, ઉંચ–નીચ, કે મન્દીર–મસ્‍જીદના ઝઘડાથી પર બની કેવળ માનવધર્મને અનુસરતો હોય એવાં માણસને સાચો આસ્‍તીક ગણી શકાય. એ પ્રકારના માણસોથી જ દુનીયાનું ભલુ થઈ શકે. ભલે તે પુજા પાઠ ન કરતો  હોય, મન્દીરમાં ન જતો હોય, ધાર્મીક કર્મકાંડો માટે દાન ન આપતો હોય. દુર્ભાગ્‍યે આપણે ત્‍યાં એવી વ્‍યક્‍તીને નાસ્‍તીક કહી ધુત્‍કારી કાઢવામાં આવે છે. અને ગુંડા, સ્‍મગ્‍લરો, ભ્રષ્‍ટાચારીઓ અગર ટીલાં ટપકાં કરે કે હજારોનું ધાર્મીક દાન કરે તો તેને પરમ ધર્માત્‍મા ગણી લેવામાં આવે છે. મને સ્‍મરણ છે 1994માં અશ્વમેધ યજ્ઞ થવાનો હતો. તેનો ફાળો લેવા મારે ત્‍યાં બે બહેનો આવી હતી. મેં તેમને ફાળો આપવાને બદલે એ યજ્ઞનો નમ્રતાપુર્વક વીરોધ કર્યો હતો. એ બહેન મારા મોઢા પર મને નાસ્‍તીક કહીને ચાલી ગઈ હતી. કલ્‍પના કરો, હું નીવડેલો ભ્રષ્‍ટાચારી કે સ્‍મગ્‍લર હોત; પણ મેં અશ્વમેધ યજ્ઞ માટે ચાર પાંચ હજાર રુપીયાનો ફાળો આપ્‍યો હોત તો પેલી બહેનોની નજરમાં હું બહુ મોટો ધર્માત્‍મા ગણાયો હોત.

એક અન્‍ય મુદ્દો વીચારણીય છે. આપણે ત્‍યાં આસ્‍તીક નાસ્‍તીક બન્‍ને વચ્‍ચે તીવ્ર મતભેદો રહેતા આવ્‍યા છે. આસ્‍તીકો નાસ્‍તીકોને ધીક્કારે છે. અને નાસ્‍તીકો ધર્મના નામે ચાલતા કર્મકાંડોને ઝનુનપુર્વક વખોડી કાઢે છે. બન્‍ને પક્ષે કટ્ટરતાવાદી વલણ જોવા મળે છે. એવા અન્તીમવાદ કે ઉગ્રવાદથી કોઈને ફાયદો નથી. આવા વૈચારીક ઝનુનને બદલે શાંતીથી દરેકે પોતાની વાતનું વાજબીપણું સમજાવવા પ્રયત્‍ન કરવો જોઈએ. દેશભરના બધાં જ ધર્મોને બાળી નાખો, કાપી નાખો એવી વાતો કરીને આસ્‍તીકોની લાગણી દુભાવવાને બદલે નાસ્‍તીકોએ ધર્મમાં ઘુસેલી પાર વીનાની અન્ધશ્રદ્ધા, વહેમો, દુષણો, વીકૃતીઓ, આડમ્બરો અને ધર્મના વ્‍યાપારીકરણનો જ વીરોધ કરવો જોઈએ.

વારંવાર સીદ્ધ થયું છે કે ધર્મને નામે થતાં કર્મકાંડોનો કોઈ અર્થ નથી. કરોડો રુપીયાના ખર્ચે અગાઉ અશ્વમેધ યજ્ઞ કરવામાં આવ્‍યો હતો. દેશના કોઈને કોઈ ખુણે ‘વીશ્વશાંતી યજ્ઞો’ તો  હમ્મેશાં થતાં રહે છે. એ યજ્ઞોથી આ દેશની એકાદ સમ ખાવા જેટલી સમસ્‍યા પણ હલ થઈ શકી નથી. થોડા સમય બાદ ફરીથી રાજકોટમાં એ પ્રકારના બીજા યજ્ઞમાં પૈસા અને ચીજવસ્‍તુઓનો ધુમાડો કરવાનું આયોજન થયું હતું. ધર્મના નામે આ બધું થતું હોય અને યજ્ઞની કહેવાતી શ્રેયકરતાનો અન્ધશ્રદ્ધાયુક્‍ત પ્રચાર થતો હોય તો એ બધાનો વીરોધ અવશ્‍ય થવો જોઈએ; પણ એમાં ઉગ્રતા કે પુર્વગ્રહયુક્‍ત ડંખ ન હોવો જોઈએ. વીરોધ વ્‍યક્‍તીલક્ષી નહીં, વસ્‍તુલક્ષી હોવો ઘટે.

–દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395 003 ફોન : 0261–2591449 .મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/–)માંનો આ 18મો લેખ, પુસ્તકનાં પાન 64થી 65 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 15–01–2018

Advertisements

Read Full Post »

17

અમરનાથનો એ નગ્ન બાવો..!

–દીનેશ પાંચાલ

એક શહેરમાં વીજ્ઞાન શીબીર યોજાઈ હતી. એમાં એક રૅશનાલીસ્‍ટમીત્ર ચમત્‍કારો શી રીતે બને છે તેની ટ્રીક શીખવી રહ્યા હતા. વીજ્ઞાનની અવનવી તરકીબો શીખી રહેલા બાળકોને જોઈને એક વડીલ બોલ્‍યા : ‘આ બાળકો ઉગમણા આકાશના તારાઓ છે. આવતી કાલનો સમાજ એમનાથી ભરેલો હશે. એઓ ગળથુથીમાંથી જ વૈજ્ઞાનીક અભીગમ કેળવે તે જરુરી છે. જુની પેઢીના લોકો વારંવાર ચમત્‍કારોથી છેતરાતા આવ્‍યા છે. ભવીષ્‍યમાં આ બાળકોને ચમત્‍કાર દ્વારા કોઈ છેતરી શકશે નહીં. એ બાળકો ગમે તેવા પછાત ઈલાકાના હશે તો પણ નારીયેળમાંથી ચુંદડી નીકળતી જોઈને અંજાઈ જશે નહીં. એકમાંથી ડબલ કરી આપતા ગઠીયાઓ એમની સામે ફાવી શકશે નહીં. વીના અગ્‍નીએ આગ પેટાવતા ધુતારાઓના પણ આ બાળકો કાન આમળી શકશે!’

એ શીબીરમાં બીજા મીત્ર પણ મળી ગયા. તેમણે એક અનુભવ સમ્ભળાવ્‍યો : ‘એકવાર અમે અમરનાથ ગયા હતા. ત્‍યાં એક બહુ ઉંડી ગુફામાં નગ્ન બાવા સાથે મુલાકાત થઈ. બાવાએ થોડી મીનીટો માટે આંખો ખોલી કહ્યું : ‘બોલ બચ્‍ચા, ક્‍યા ખ્‍વાહીશ હૈ? કુછ ઈચ્‍છા હૈ તો બોલો!’ અમે કહ્યું : ‘કોઈ ઈચ્‍છા નહીં હૈ… હમ તો સીર્ફ દેખને આયે હૈં!’

‘દેખને હી આયે હો તો ફીર દેખો…’ કહી એમણે એક સાધનમાં પાણી ભર્યું અને પોતાનું લીંગ તેમાં બોળ્‍યું. થોડી જ વારમાં અન્દરનું બધું પાણી શોષાઈ ગયું. એ જોઈ આશ્ચર્ય તો થયું, પણ મન જરા જુદા વીચારે ચઢી ગયું. એ બાવાએ કંઈક એવી અપેક્ષા રાખી હશે કે એ ચમત્‍કારથી આશ્ચર્ય વીભોર થઈ હું એના ચરણોમાં આળોટી પડીશ; પણ તેમ કરવાને બદલે અમે બાબાને પ્રશ્ન પુછ્યો : બાબા, એક બાત બતાઓ… કુદરતને પાની પીનેકે લીયે હમકો પહેલે સે હી મુહ દીયા હુઆ હૈ તો ઈસ તરહ લીંગસે પાની પીનેસે ક્‍યા ફાયદા?’

બાવો ગુસ્‍સે થઈ બોલી ઉઠ્યો : ‘મુર્ખ…! યે મેરી 25 સાલ કી સાધના કા ફલ હૈ ઔર તુમ્‍હે ઈસમેં કોઈ ફાયદા નજર નહીં આતા…?’ અમે કહ્યું : ‘બતાઓ તો સહી ક્‍યા ફાયદા હૈ…?  મુંહસે પાની પીને કી બજાય આપ લીંગસે પાની પીતે હૈ… જ્‍યાદા સે જ્‍યાદા યે આશ્ચર્ય કી બાત હો સકતી હૈ, લેકીન ઈસસે આખીર ફાયદા ક્‍યા હૈ?’ અમે થોડી વધુ દલીલો કરી તો બાવાનો પ્રકોપ વધુ પ્રજ્વલીત થઈ ઉઠ્યો. અમારે ત્‍યાંથી ભાગી છુટવું પડ્યું.

એ મીત્રને સ્‍થાને અમે હોત તો બાવાને પ્રશ્ન કર્યો હોત : ‘વર્ષો સુધી પ્રેકટીશ કરો તો  તમે હાથને બદલે પગથી ખાઈ શકો અથવા નાકથી પાણી પી શકો. સરકસના જૉકરની જેમ ડોલ ભરીને પાણી પીધા પછી તે બધું પાછું કાઢી પણ શકો; પરન્તુ તેમ થવાથી સરવાળે માણસજાતને ફાયદો શો થાય?

વીચાર આવે છે માણસ પચ્‍ચીસ સાલ સુધી એકાંતમાં સાધના કરે તો કંઈક એવી સીદ્ધી કેમ ન હાંસલ કરે કે તે હવામાં પક્ષીની જેમ ઉડી શકે. કોઈને સ્‍પર્શ કરતાં જ તેનો અસાધ્‍ય રોગ મટી જાય… અરે! હાથ લગાડોને પથ્‍થર સોનુ થઈ જાય. એવું કંઈક થાય તો આ દેશનું દારીદ્રય ટળે. બાકી આવી અર્થહીન ઉપલબ્‍ધીઓ માટે પચ્‍ચીશ શું પાંચસો વર્ષ ગુમાવો તો ય માણસ જાતનો કોઈ શુક્કરવાર વળતો નથી.

સૌ પ્રથમવાર અમે નારીયેળમાંથી ચુંદડી, ફોટામાંથી ભસ્‍મ કે હાથમાંથી કંકુ કાઢતા લોકોની વાત સાંભળેલી ત્‍યારે તે પાછળની ટ્રીક અમે જાણતા નહોતો; પણ પહેલો પ્રશ્ન એ થયેલો :  નારીયેળમાંથી ચુંદડી કાઢવાથી શો દહાડો વળે? કાઢી શકો તો નારીયેળમાંથી ઘઉં, ચોખા ને જુવાર કાઢો… તો ભુખનું દુઃખ દુર થઈ શકે. વીચાર આવે છે અગ્ની વીના આગ પેટાવતા લોકોથી પ્રભાવીત થઈ જવાને બદલે તેમને કોઈ એમ કેમ નથી પુછતું : દોસ્‍ત, પ્રાચીન યુગમાં આદી માનવો બે પથ્‍થરો કે બે લાકડા ઘસીને અગ્ની પેટાવી શકતા હતા. હવે આ એકવીશમી સદીમાં કરો તો કોઈ એવો કરીશ્‍મો કરો કે ફુંક મારો ને ગમે તેટલી મોટી આગની જ્‍વાળા હોલવાઈ શકે. અથવા પેટ્રોલ વીના સ્‍કુટર દોડી શકે. અરે! બીજું કાંઈ નહીં તો અનાજ વીના પેટની આગ ઠારી શકાય એવી કોઈ જડીબુટી શોધો! એમ થઈ શકે તો ભુખથી ટળવળતા લાખો લોકોના આશીર્વાદ મળે! બાકી હાથમાંથી કંકુ કે ફોટામાંથી ભસ્‍મ કાઢવાથી ક્‍યાં કોઈનું ભલુ થઈ શક્‍યું છે? અમારા બચુભાઈ કહે છે : ‘એ ભસ્‍મ કે કંકુથી કેન્‍સર મટી જાય તો સૌથી પહેલો હું એ બાવાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું…!’

(બન્ધુ ત્રીપુટીમાંના એક જૈનમુનીએ કહેલું : ‘અમારા ધર્મમાં લોકો ચાલ ચાલ બહુ કરે છે; પણ ચાલવાથી જો મોક્ષ મળતો હોય તો આપણાં કરતાં બળદને પહેલા મોક્ષ મળે!’)

સમજો તો સાવ સરળ વાત છે. માણસ ચમત્‍કારને નમસ્‍કાર કરે છે. આપણને સાચા ચમત્‍કારોમાં ક્‍યારેય રસ પડતો નથી. એકના ડબલ શું હજારો થઈ શકે છે. ખેતરના એક બીજમાંથી ઉગતા હજારો દાણાની જ વાત નથી, જીવનમાં સખત મહેનત કરીને માણસ એકમાંથી લાખો બનાવી શકે છે. મહેનત કરો તો એવું કયું ક્ષેત્ર છે જ્‍યાં એકના ડબલ નથી થઈ શકતાં? નારીયેળમાંથી ચુંદડી શું ચુંદડી પહેરનારીય નીકળી શકે છે. જાણવું છે કેવી રીતે? અમને બરાબર યાદ છે થોડા વર્ષો પુર્વે ટીવીના કાર્યક્રમમાં કર્ણાટકના એક યુવાન કલાકારનો ઈન્‍ટરવ્‍યુ રજુ થયો હતો. નારીયેળની કાચલી અને રેસામાંથી એ ભાતભાતના રમકડાં અને જીવન જરુરીયાતની ચીજ વસ્‍તુઓ બનાવતો હતો. એ માટે એને દેશ પરદેશના અસંખ્‍ય ઍવોર્ડ મળ્‍યા હતા. એ માણસ એમાંથી એટલું કમાયો કે એણે ઘર જ નહીં ઘરવાળીય વસાવી હતી. બોલો કાંઈ કહેવું છે…?

        ચમત્‍કારો આજે પણ થાય છે!

–દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395 003 ફોન : 0261–2591449 .મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો 9મો લેખ, પુસ્તકનાં પાન 35થી 37 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 ગુજરાત(ભારત) સેલફોન : 94281 60508 .મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ  મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 08–01–2018

Read Full Post »

16

દરેક માણસ પાસે સદ્‌કર્મોનો રેશનકાર્ડ હોવો જોઈએ!

– દીનેશ પાંચાલ

ગીતામાં શ્રી કૃષ્‍ણે કર્મ અને ધર્મનો મર્મ સમજાવતાં કહ્યું છે– ‘જેવા કર્મ કરશો તેવા ફળ પામશો!’ એમ કહીને તેમણે સુખી જીન્દગી માટે સદ્‌કર્મોની આવશ્‍યક્‍તા ઉપર ભાર મુક્‍યો છે.  કુરાનમાં શ્રી મહમદ પયગમ્બર સાહેબે  કહ્યું છે– ‘તમારા ઘરની ચારે દીશામાં દસ દસ ઘરવાળા તમારા પાડોશીઓ છે. તેઓ ભુખ્‍યા હશે ને તમે જમશો તો તે પાપ ગણાશે. બીજા ધર્મોના અનુયાયીઓ પ્રત્‍યે સદ્‌વ્‍યવહાર રાખવો. અન્‍ય ધર્મો સાથે જબરજસ્‍તી ન કરવી. (કુરનાઃ સુરે બકરહઃ 256) આપણા બહુધા ધર્મોમાં આવા કીમતી ઉપદેશો રહેલા છે; પરન્તુ આપણે અખરોટની મીંજ ત્‍યજી દઈ તેના ફોતરા ખાવા ની ભુલ કરીએ છીએ. કેવળ કર્મકાંડોને આપણે ધર્મ સમજી બેઠા છીએ અને ધર્મના ઉપયોગી મર્મને વીસારી બેઠા છીએ.

હમણાં એક ધાર્મીક માણસની વાત જાણવા મળી. એ વ્‍યક્‍તી વર્ષમાં સત્‍યનારાયણની ચાર કથા કરાવે. વર્ષમાં બાર સાધુસંતોને જમાડે. અને પ્રતીવર્ષ ધાર્મીક પ્રવાસનું આયોજન કરે; પણ એની ઘરડી માતાના ચશ્‍માની તુટેલી ફ્રેમ બદલાવવાનો એની પાસે સમય નથી. ચશ્‍મા પડી ન જાય તે માટે માતા એક હાથે ચશ્‍મા પકડી રાખે છે. જો હું ભગવાન હોંઉ તો એવા માણસોને સ્‍વપ્‍નમાં આવી કહું– પ્રથમ તમારા માતા પીતાની સેવા કર… પછી મારી ભક્‍તી કર!’

કેટલાંક સુખો વૈશ્વીક હોય છે. ધનવાનો પણ એ સુખના એકલા માલીક બની શકતા નથી. સુરજના પ્રકાશનું ખાનગીકરણ થઈ શકે ખરું? દુનીયાભરના હવા પાણીને માલેતુજારો પોતાના ગોડાઉનમાં ભરી લઈ શકે ખરાં? કુદરતી સુખોની પ્રકૃતી તળાવ જેવી બંધીયાર નહીં સમુદ્ર જેવી વીશાળ હોય છે. સુખ જે શરતે આપણી વચ્‍ચે ટકી શકતું હોય તે શરતે તેનું લાલન પાલન કરવું જોઈએ. એ માટે સુખની બધી શરતોનો બુદ્ધીપુર્વક અભ્‍યાસ કરવો અનીવાર્ય છે.

ઠંડી લાગે તો માણસ ધાબળો ઓઢે છે. ગરમી લાગે તો પંખો ચલાવે છે. ધાબળો અને પંખો એ માનવ સર્જીત સુવીધાઓ છે. પણ તે સાધનોને કદી કુદરતની કૃપા ગણાવી શકાય નહીં. માણસની બુદ્ધી એ કુદરતની સાચી કૃપા છે. બુદ્ધીના શસ્‍ત્ર દ્વારા માનવીએ દુનીયામાં સુખનું સામ્રાજ્‍ય સ્‍થાપ્‍યું છે. અજીબો ગરીબ વીકાસ સાધ્‍યો છે. 

માનવીના દીમાગમાં ઝળહળતા બુદ્ધીના બલ્‍બ ઝાંખા થશે તે ક્ષણથી એની સુખ શાંતી તરફની ગતી મંદ પડવા લાગશે. માણસ બુદ્ધીને બદલે કહેવાતા ધર્મને શરણે ગયો ત્‍યારથી તેની દશા પથ ભુલ્‍યા પથીક જેવી થઈ ગઈ છે. કંઈક એવું સમજાય છે કે માણસે પોતાની ઈશ્વરભક્‍તીમાં થોડું મોડીફીકેશન લાવવાની જરુર છે. પોતાની તમામ શ્રદ્ધા, ભક્‍તી કે ધર્મને તેણે માનવતા સાથે જોડવા પડશે. ઈશ્વરની સ્‍થુળ ભક્‍તી કે કર્મકાંડોમાં રચ્‍યા પચ્‍યા રહેવાને બદલે સદ્‌કર્મોને સાચી પ્રભુભક્‍તી ગણવી પડશે. થોડાંક કરવા જેવા પરીવર્તનો કંઈક આવા હોઈ શકે.

સમાજના દરેક લગ્ન ટાણે એક રક્‍તદાનનો કેમ્‍પ યોજાવો જોઈએ. વરકન્‍યા સહીત પ્રત્‍યેક જાનૈયાઓએ ચક્ષુદાનની પ્રતીજ્ઞા લેવી જોઈએ. બધી જ્ઞાતીના લોકોએ પોતાના સમાજના વીકાસ અર્થે ચીંતનશાળાનું આયોજન કરવું જોઈએ. જેમાં નીયમીત વીદ્વાનોના પ્રવચનો કે ગોષ્‍ઠી થવી જોઈએ. એમ થવાથી લોકોને વીચારવાની ટેવ પડી શકે. તેઓ સમાજની સમસ્‍યા અંગે વીચારતાં થાય. તેમનો બૌદ્ધીક વીકાસ થઈ શકે. દહેજ, વાંકડો, પહેરામણી, જનોઈ, મોસાળું જેવાં તમામ કુરીવાજો પર ખુલ્લા મને ચર્ચા વીચારણા થવી જોઈએ. અને બને તો તેને તીલાંજલી આપવી જોઈએ. એક ભાગવદ્‌ સપ્‍તાહમાં બેસવા કરતાં ‘વાંકડા વીરોધી મંચમાં હાજરી આપવી એ સાચી ધાર્મીક્‍તા ગણાવી જોઈએ. યાદ રહે એક રામકથા કરતાં એક ચક્ષુદાન કેમ્‍પ સમાજને વધુ ઉપયોગી છે. એથી રામકથા સાથે ચક્ષુદાન કે રક્‍તદાન જેવા માનવઉપયોગી સદ્‌કર્મોને  જોડી દેવા જોઈએ. 

આરતી ઉતારવાના કે કથામાં બેસવાના અમુક તમુક રુપીયા આપવાની પ્રથા આપણે જોતાં આવ્‍યા છીએ. એ કુરીવાજને સદ્‌કર્મ બનાવી શકાય તે માટે પ્રત્‍યેક ધાર્મીક તહેવાર ટાણે એવો નીયમ બનાવવો રહ્યો કે જેઓ ગરીબ વીદ્યાર્થીઓના શીક્ષણ માટે હમ્મેશાં પોતાની આવકનો અમુક હીસ્‍સો ખર્ચશે તેને જ મન્દીરમાં પ્રવેશ મળશે. અથવા તેને જ આરતી કરવા દેવામાં આવશે. (આ નીયમથી બે ફાયદા થશે. જેમને ઈશ્વર પ્રત્‍યે સાચી શ્રદ્ધા હશે તેઓ ગમે તેવા આકરા નીયમોનું પાલન કરીને ય સદ્‌કર્મો કરશે. અને જેમની શ્રદ્ધા ઓછી હશે તેમની મન્દીરમાં નીરર્થક ગીરદી અટકશે.) પ્રત્‍યેક શ્રાવણ માસમાં મન્દીરોમાં શ્રદ્ધાળુઓના મેળા રહે છે. બહેનો વ્રત, ઉપવાસ, ભજન– કીર્તન, પુજા–પાઠ વગેરેમાં ગળાડુબ રહે છે. બહેનોએ આ બધી પ્રવૃત્તી કરતાં વાંકડા, દહેજ જેવા સ્‍ત્રી શોષણના અનીષ્ટોને નાબુદ કરવા નક્કર પ્રવૃત્તીઓ હાથ ધરવી જોઈએ. પુરુષોના અત્‍યાચારો સામે વૈચારીક ક્રાંતી દ્વારા સ્‍ત્રી જાગૃતી લાવવા શીક્ષીત બહેનોએ આગળ આવવું જોઈએ.

પ્રત્‍યેક ધર્મ યા કોમના માણસો સમાજના દુઃખી માણસોને મદદ કરે  એ તેની સાચી ભક્‍તી ગણાવી જોઈએ. પોતાની જ્ઞાતીનો એક પણ માણસ દુઃખી ના હોય એ બાબત જ્ઞાતીની સાચી પ્રતીષ્‍ઠા ગણાવી જોઈએ. જ્ઞાતી તરફથી મન્દીરો બાંધવાને બદલે શાળા, કૉલેજ, અનાથાશ્રમ, છાત્રાલય, ઘરડાઘર, દવાખાના, હૉસ્‍પીટલો વગેરેની ભેટ સમાજને આપવી જોઈએ. (શાળાઓ બાંધવાથી પ્રતીવર્ષ ઉદ્‌ભવતો પ્રવેશવંચીત વીદ્યાર્થીઓનો પ્રશ્ન હલ થઈ શકે.)

કંટ્રોલના રેશનકાર્ડની જેમ દરેક નાગરીક પાસે પોતાની આસ્‍તીક્‍તાની સાબીતી માટે સદ્‌કર્મોનો રેશનકાર્ડ હોવો જોઈએ. એ રેશનકાર્ડમાં તેના બધાં સદ્‌કર્મો નોંધાયેલા હોવા જોઈએ. એવા રેશનકાર્ડનું મુલ્‍ય પરદેશના ગ્રીનકાર્ડ કરતાંય અધીક હોવું જોઈએ. આવો રેશનકાર્ડ પ્રાપ્‍ત કરવા માટે કેવળ પ્રભુભક્‍તી નહીં, સાચા અર્થમાં નક્કર માનવસેવા કરેલી હોવી જોઈએ. એ રેશનકાર્ડ પ્રાપ્‍તીના નીયમો અતી ચુસ્‍ત હોવા જોઈએ. એ ચકાસણીમાં ખુદ મોરારીબાપુ ય નાપાસ થાય તો તેમને કાર્ડ પ્રાપ્‍ત ન થઈ શકે એવી કડક જોગવાઈ હોવી જોઈએ. યાદ રહે ધર્મ ક્‍યારેય નાબુદ થઈ શકવાનો નથી. એ સંજોગોમાં લોકોની ધાર્મીક ભાવનાને માનવતાના કામો સાથે જોડવાથી સમાજને ફાયદો થઈ શકશે.

માણસની પ્રભુભક્‍તીને સદ્‌કર્મો સાથે જોડવાની વાતને આપણાં મન્દીરો ખુબ સારી રીતે અપનાવી શકે એમ છે. આવું એક પુનીત કાર્ય બીલીમોરા સ્‍થીત જલારામ મન્દીરે અપનાવ્‍યું છે. આ મન્દીરે ‘જલારામ માનવસેવા ટ્રસ્‍ટ‘ના બેનર હેઠળ જે સુંદર કાર્યો કર્યા છે તે અન્‍ય મન્દીરોએ કે ધાર્મીક ટ્રસ્‍ટો માટે પ્રેરણાદાયી છે. એ કામોની યાદી પર એક નજર નાખીએ :

        – જલારામ મન્દીર તરફથી બીલીમોરાના રેલ્‍વે સ્‍ટેશનના પ્‍લેટફોર્મ પર નીયમીત ઠંડા પાણીની જલારામ જલધારા ચાલે છે. જેથી પ્રવાસીઓને ઠંડુ પાણી મળી શકે છે.

        – ગરીબ અને મધ્‍યમ વર્ગના દરદીઓને મફત દવા, લોહી, ઈંજેક્‍શનો, ફળો વગેરે આપવામાં આવે છે.

        – એ સીવાય અપંગ નીરાધાર માણસોને મફત ડૉક્‍ટરી સહાય આપવામાં આવે છે.

      – ગરીબ અને મધ્‍યમ વર્ગના વીદ્યાર્થીઓને સ્‍કૉલરશીપ, પાઠયપુસ્‍તકો વગેરે વીનામુલ્‍યે આપવામાં આવે છે.

       – નીરાધાર અપંગોને વીના મુલ્‍યે ટ્રાઈસીકલોની વહેચણી કરવામાં આવે છે.

        – અતીવૃષ્ટી, અનાવૃષ્ટી, વાવાઝોડું, કે ભુકમ્પ જેવાં કુદરતી પ્રકોપમાં દરેક પ્રકારની સેવા કરવા માટે  ‘જલારામ ટ્રસ્‍ટ’ સરકારી દફતરે નોંધાયેલું છે. ટ્રસ્‍ટ તરફથી મોતીયાના ઑપરેશનનો કેમ્‍પ પણ વીના મુલ્‍યે રાખવામાં આવે છે.

        – ગરીબ લોકોના બાળકોની ફી, પાઠયપુસ્‍તકો, તેમજ અન્‍ય જરુરી સગવડો માટે ટ્રસ્‍ટ વીના મુલ્‍યે તમામ સહકાર સુવીધા આપે છે. આજપર્યંત અનેક માનવસેવાના કાર્યો માટે ‘જલારામ ટ્રસ્‍ટે‘ ખાસ્‍સી એવી મોટી રકમ ખર્ચી છે.

નવસારીનું આશાપુરી મન્દીર પણ ગરીબ દરદીઓને કાર્ડીયોગ્રામ સહીતના અનેક મેડીકલ રીપોર્ટ વીના મુલ્‍યે કાઢી આપે છે. એ સીવાય જરુરતમન્દોને મફત દવા, ભોજન, કપડાં વગેરેની પણ સહાય કરે છે.

તાત્‍પર્ય એટલું જ કે પુજા–પાઠ જેવાં સ્‍થુળ કર્મકાંડોને માનવસેવા જોડે સાંકળીને દેશનાં દરેક મન્દીર, મસ્‍જીદો કે ગીરજાઘરો આ રીતે માનવસેવાના ટ્રસ્‍ટ બની રહે એવો સમય પાકી ગયો છે. શ્રદ્ધાળુઓ આખું વર્ષ માળા ફેરવે છે; પણ માળામાં જેટલાં મણકા હોય તેટલા સદ્‌કર્મો એક વર્ષમાં કરવાની ટેક રાખે તો ભગવાનના અવતર્યા વીનાય આ સૃષ્‍ટીનો ઉદ્ધાર થઈ શકે. દેશનો પ્રત્‍યેક નાગરીક એક વર્ષમાં કેવળ એક જ સદ્‌કર્મ કરવાની પ્રતીજ્ઞા લે તો એક વર્ષમાં પુરા સો કરોડ સદ્‌કર્મો થઈ શકે! ધર્મની આનાથી સુંદર ફલશ્રુતી અન્‍ય કઈ હોઈ શકે? સરકાર અને ધર્મસંપ્રદાયો પણ ના કરી શકે એવાં સુંદર કામો આવા આયોજનથી થઈ શકે.

– દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395 003 ફોન : 0261–2591449 .મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ 16મો લેખ, પુસ્તકનાં પાન 57થી 60 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 ગુજરાત સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 01–01–2018

Read Full Post »

15

ટ્રાંસપ્‍લાન્‍ટેશન ઓફ વરચ્‍યુઝ…!

(સદ્‌ગુણોનું પ્રત્‍યારોપણ)

– દીનેશ પાંચાલ

જમીન અને હવામાં કરોડોની સંખ્‍યામાં તરેહ તરેહના જીવજંતુઓનું અસ્‍તીત્‍વ રહેલું છે. સાધારણ માણસ તે અંગે ઉંડી જાણકારી ધરાવતો નથી. વસ્‍તુને હજાર ગણી મોટી દેખાડતા મેગ્નીફાઈંગ ગ્‍લાસ વડે જ જોઈ શકાય એવા સુક્ષ્મ જંતુઓ પેદા કરવાનું કુદરત પાસે કયું કારણ હશે તે આપણે જાણતા નથી; પરન્તુ  ટીવીની ‘ડીસ્‍કવરી’ ચેનલ જોતાં ખ્‍યાલ આવે છે કે કુદરતની અદ્‌ભુત લીલાઓ વીશે આપણે બહું ઓછું જાણીએ છીએ.

સદીઓ પુર્વે માનવી અળસીયાં, પતંગીયા, જેવાં નાના જીવોની ઉપયોગીતા વીશે જાણતો નહોતો. હવે માણસને એવાં અનેક જીવોની ઉપયોગીતા સમજાઈ છે. જેમ કે અળસીયાં જમીનને ફળદ્રુપ બનાવવાના કામમાં આવે છે. (કેટલીક જગ્‍યાએ તો અળસીયાંની ખેતી કરવામાં આવે છે.) પતંગીયા ફુલોના ફલીકરણ માટે પરાગરજ વહન કરવાના કામમાં આવે છે. પૃથ્‍વી પર સાપના અસ્‍તીત્‍વનું શું પ્રયોજન એવો પ્રશ્ન થઈ શકે; પણ સાપ ખેડુતનો ગુરખો ગણાય છે. પાકને ભયંકર નુકસાન પહોંચાડતા ઉન્દરને ખાઈ જઈ તે ખેડુતોને ખેતીમાં રક્ષણ આપે છે.

જીવસૃષ્‍ટીનાં આવા સેંકડો રહસ્‍યો માણસે શોધ્‍યા છે. એટલું જ નહીં, તેનું રક્ષણ અને સંવર્ધન પણ કર્યું છે. ઈન્‍સાન અને કુદરતના કોલોબોરેશનથી એવી ઘણી સીદ્ધીઓ પ્રાપ્‍ત થઈ શકી છે. માણસના કે ઢોરના મળમુત્ર જેવી સર્વથા ત્‍યાજ્‍ય ચીજોમાંથી ગોબર ગૅસ જેવી અતી ઉપયોગી ઉર્જા માણસે પેદા કરી છે. સો દોઢસો વર્ષ પુર્વે કોઈએ કહ્યું હોત કે મળમુત્રમાંથી ગૅસ જેવી કીંમતી ઉર્જા પેદા કરી શકાશે તો માની શકાયું ના હોત.. અને વળી આ કોમ્‍પ્‍યુટર..? અલ્લાઉદીનના જાદુઈ ચીરાગ જેવા કોમ્‍પ્‍યુટરે જે હેરતંગેજ કારનામા કર્યા છે તેની તો વાત જ નીરાળી છે.

આ બધી સીદ્ધીઓનું સરવૈયું માનવજીવનની શ્રેષ્‍ઠતમ સુખાકારીઓ વીશે આશાવાદી બનાવે છે. આજે કોઈ સમસ્‍યા યા કોઈ પ્રશ્નોનો જવાબ વીજ્ઞાન પાસે ના હોય તો હાલ પુરતું તેને વીજ્ઞાનની પહોંચ બહારની વાત ગણાવી શકાય. શક્‍ય છે આવતી કાલે તે માણસને પ્રાપ્‍ત થઈ શકે. આજપર્યંત વીકસતા વીજ્ઞાનના સથવારે માણસે પ્રકૃતીના સેંકડો રહસ્‍યો હસ્‍તગત કર્યાં છે. આજે અસાધ્‍ય લાગતા કેટલાંક અકબંધ રહસ્‍યો ભવીષ્‍યમાં માણસની મુઠીમાં આવી શકશે. આજે લોહી બનાવી શકાતું નથી. કાળક્રમે તેય શક્‍ય બનશે. કૃત્રીમ ફેફસા અને હૃદય–(‘પેસમેકર’) બનાવવામાં માણસને  સમ્પુર્ણ સફળતા મળી શકી છે.

અત્રે એક આગાહી કરીએ, જે હાલ તો ગપ્‍પા જેવી લાગવા સમ્ભવ છે, પરન્તુ વૈજ્ઞાનીક શોધખોળોની તેજ રફતાર જોતાં ભવીષ્‍યમાં તે અવશ્‍ય શક્‍ય બનશે. અફસોસ એટલો જ કે ત્‍યારે આ લખનાર અને વાંચનાર બન્‍ને હયાત નહીં હોય! એ સીદ્ધી છે ટ્રાંસપ્‍લાન્‍ટેશન ઓફ વરચ્‍યુઝની! અર્થાત્‌ ભવીષ્‍યમાં વીજ્ઞાનની મદદથી માણસને સજ્જન બનાવી શકાશે. પ્રેમ, માનવતા, કરુણતા, સજ્જનતા જેવાં તમામ સદ્‌ગુણો, લોહીની જેમ માનવીના મગજમાં રોપી શકાશે. એ રીતે દુષ્ટ માણસને થોડો સજ્જન બનાવી શકાશે. એમ કહો કે દાઉદ ઈબ્રાહીમના દીમાગમાં કોઈ સંતના સદ્‌ગુણો દાખલ કરીને તેને સજ્જન બનાવી શકાશે. બ્‍લડ બેંકોની જેમ ભવીષ્‍યમાં સદ્‌ગુણોની બેંકો અસ્‍તીત્‍વમાં આવશે. 

મૃત માનવીનો આજે અગ્નીસંસ્‍કાર કરવામાં આવે છે. કેમકે કુદરતે માનવીના હૃદયમાં મુકેલી ધબકારાની કરામત હજી માણસને હાથ લાગી નથી. માણસને હૃદયની ઘડીયાળ રીપેર કરતાં આવડી જશે ત્‍યારે માણસનું મરણપ્રમાણ શુન્‍ય થઈ જશે. વર્ષો પુર્વે કૃત્રીમ હૃદયથી માણસને જીવાડવાની વાત ગપગોળા જેવી જણાતી હતી. આજે વીજ્ઞાને એ કરીશ્‍મો સીદ્ધ કરી બતાવ્‍યો છે. ભવીષ્‍યમાં વીજ્ઞાન એવું સંશોધન કરશે કે હોલવાઈ ગયેલી સગડી ગૅસનું સીલીન્‍ડર બદલવાથી પુનઃ ચાલુ થઈ શકે છે. (અથવા ઘડીયાળમાં સેલ બદલવાથી તે ફરી એકાદ વર્ષ સુધી જવાબ આપે છે) તેમ માણસના બંધ પડી ગયેલા હૃદયમાં આયુષ્‍યનો ગૅસ પુરવાથી તે બીજા થોડાંક વર્ષો સુધી ફરી જીવી શકશે. અર્થાત્‌ હૃદયની બેટરી રીચાર્જ થઈ શકશે. શરીર પરનું વસ્‍ત્ર જે સહજતાથી તે બદલી શકાય છે તેટલી સહજતાથી શરીર આખાની ચામડી બદલી શકાય એવું મેડીકલ સંશોધન તો હાલ થયું જ છે. એ સીવાય પણ મેડીકલ સાયન્‍સે સેંકડો સંશોધનો કર્યાં છે. આજે કાળા, કદરુપા માણસને પ્‍લાસ્‍ટીક સર્જરી વડે રુપાળા બનાવી શકાય છે. અન્ધજનોને દેખતાં કરી શકાય છે. બહેરાને સાંભળતા કરી શકાય છે. લુલા, લંગડા અપંગોને ચાલતાં કરી શકાય છે. સ્‍ત્રીની મદદ વીના બાળકને ટેસ્‍ટટયુબમાં વીકસાવી શકાય છે. અરે! સ્‍ત્રીને પુરુષ અને પુરુષને સ્‍ત્રી બનાવવા સુધીની તરક્કી મેડીકલ સાયન્‍સે કરી છે. લોહીનું કેન્‍સર (લ્‍યુકેમીયા) થયું હોય એવા દરદીનું બધું લોહી કાઢી લઈ નવું લોહી આપી તેનો જીવ બચાવવામાં પણ માણસને સફળતા મળી છે.

આ ઉપરાંત ભવીષ્‍યમાં એક માણસનું મગજ બીજા માણસમાં ટ્રાન્‍સપ્‍લાન્‍ટ (પ્રત્‍યારોપીત) કરી શકાશે. (ભુલતો ના હોઉં તો હૃદયસ્થ કાંતી મડીયાના એક નાટક ‘કોઈ ભીંતેથી આયના ઉતારો‘માં મગજના ટ્રાંસપ્‍લાન્‍ટેશનનો આવો જ પ્‍લૉટ રજુ થયો હતો.) બચુભાઈ કહે છે– ‘અગર એવું શક્‍ય બનશે તો કોંગ્રેસીનું મગજ ભાજપવાળામાં નાખવામાં આવશે તો વટલાયેલો ભાજપીયો અડવાણી કે બાજપેયીની અદબ જાળવવાને બદલે છુટે મોઢે ગાળો ભાંડવા લાગશે!’) ‘પેસમેકર’ દ્વારા ખોટકાયેલા હૃદયને કાર્યરત કરવા સુધી માણસ પહોંચી શક્‍યો છે; પરન્તુ સમ્પુર્ણ બંધ પડી ગયેલા  હૃદયને પુનઃ ચાલુ કરવામાં તેને સફળતા મળશે તો વીજ્ઞાનની તે અજીબોગરીબ સીદ્ધી હશે. આપણે ભવીષ્‍યના ગાંધી, ડૉ. આંબેડકર, સરદાર કે શાસ્‍ત્રીજીને ગુમાવવા નહીં પડે. માનવ વસતીમાં મૃત્‍યુનો મૃત્‍યુઘંટ વાગી જશે. સ્‍મશાનો ખંડેર બની જશે. નનામીઓ મ્‍યુઝીયમમાં મુકાશે. વીજ્ઞાન નામના દેવતાના આશીર્વાદથી માણસ અમરત્‍વ પ્રાપ્‍ત કરી લેશે. એક જમાનામાં આકાશમાં ઉડવાની વાતો કે સમુદ્રના તળીયે પહોંચવાની વાતો પરીકથા જેવી લાગતી હતી. આજે વીજ્ઞાને તે શક્‍ય બનાવ્‍યું છે.

ઉપર્યુક્‍ત આગાહીઓ આજે ગપગોળા જેવી લાગે છે પણ તે સાચી પડશે ત્‍યારે પૃથ્‍વીલોક પર ફરી દેવયુગની સ્‍થાપના થશે. જેમાં વીજ્ઞાનની મદદથી દુર્જનોને સજ્જન બનાવી શકાશે. મોરારીબાપુની રામકથા માણસને સજ્જન બનાવવાની કોઈ ગેરન્‍ટી આપી શકતી નથી. પરન્તુ વીજ્ઞાન માણસને સજ્જન બનાવવાની સો ટકા ગેરન્‍ટી આપશે. હા, એ સીદ્ધીના કેટલાંક ભયસ્‍થાનો પણ હશે. જે રીતે અણુબોમ્‍બ માનવ કલ્યાણને બદલે માનવ વસતીને નષ્ટ કરવા માટે પણ વાપરી શકાય છે તેમ માણસના મગજમાં સજ્જનને બદલે દુષ્ટ માણસના વાયરસ દાખલ કરવાથી તે રાક્ષસ બની જાય એવું પણ બનશે! (પાકીસ્‍તાનવાળા એ શોધ વડે લાખોની સંખ્‍યામાં દાઉદ ઈબ્રાહીમો કે ઓસામા–બીન–લાદેનો પેદા કરી ભારતમાં છુપા માર્ગે ઘુસાડશે. પછી કદાચ તેમણે ભારત સાથે યુદ્ધ કરવાની જરુર નહીં રહે!)

– દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત 395 003 ફોન : 0261–2591449 .મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ 15મો લેખ, પુસ્તકનાં પાન 54થી 56 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 ગુજરાત સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 25–12–201

Read Full Post »

14

કેટલીક અન્ધશ્રદ્ધાની કૉસ્ટ ઑફ પ્રોડક્શન

બહુ ઉંચી હોય છે!

–દીનેશ પાંચાલ

માણસના દેહમાં ફેફસાં, મગજ, હૃદય વગેરેનું સ્થાન જાણી શકાય છે; પરન્તુ બુદ્ધી મગજના ચોક્કસ કયા ભાગમાં આવેલી છે તે જાણી શકાતું નથી. કાળક્રમે દુન્યવી વીકાસ થતાં માણસની બુદ્ધીનું અનેક વીદ્યાઓમાં રુપાન્તર થયું. એ વીદ્યા એટલે વીજ્ઞાન! જીવવીજ્ઞાન, ખગોળવીજ્ઞાન, શરીરવીજ્ઞાન, રસાયણવીજ્ઞાન જેવાં વીવીધ નામોથી એ ઓળખાય છે. માણસ ધીમે ધીમે અનેક વીદ્યાઓમાં મહારત હાંસલ કરતો ગયો અને એ રીતે એને જીવનનું વીજ્ઞાન આવડી ગયું. માણસનું સર્વોત્ત્તમ જીવવીજ્ઞાન એટલે રૅશનાલીઝમ!

સુરતમાં વર્ષો પહેલાં શ્રી. રાવ નામના કમીશ્નર પદે સુરતને ‘સ્વચ્છનગરી’નો ઍવોર્ડ મળ્યો હતો; પરન્તુ તે એક અલગ સીદ્ધી હતી. આપણી પાર વીનાની અન્ધશ્રદ્ધાઓ, વહેમો, કુરીવાજો, વધુ પડતા કર્મકાંડો જેવી ટનબંધી વૈચારીક ગંદકીનો પ્રશ્ન હજી ઉભો છે. ઘરનાં બારીબારણા ચોખ્ખાં રહે એટલું પુરતું નથી; એ બારણે મરચું અને લીંબુ લટકાવેલું હોય ત્યાં સુધી એ સ્વચ્છતા અભીયાન અધુરું લેખાય. સંભવત: વર્ષો પુર્વે સુરતની ‘સત્યશોધક સભા’એ સુરતમાં અન્ધશ્રદ્ધાનું ડીમોલીશન આરંભ્યું હતું; પરન્તુ એ મનોશુદ્ધી અભીયાનને કમીશ્નર રાવ જેટલી સફળતા પ્રાપ્ત થઈ શકી નથી.

શ્રી. રાવનું લક્ષ્યાંક શહેરને સ્વચ્છ બનાવવાનું હતું. પ્રમાણમાં તે સહેલું હતું. ‘તમારી ગલી સ્વચ્છ રાખો’ એવું લોકોને કહેવાનું સહેલું છે; પરન્તુ ‘ગલીગલીમાં ગણપતી ના માંડો’ એમ કહેવાનું અઘરું છે. ગણેશવીસર્જન કે તાજીયાના જુલુસથી કલાકો સુધી મેઈન રોડનો ટ્રાફીક જામ થઈ જાય છે તે આજની દુ:ખદ વાસ્તવીકતા છે. ‘જાહેર માર્ગો પર એવા સરઘસ ના કાઢો’ – એવું કહી શકે એવો કોઈ ‘રાવ’ હજી પાક્યો નથી. લોકો અન્ધશ્રદ્ધાને બાપદાદાની મીલકત સમી ગૌરવશાળી અને જતનતુલ્ય સમજે છે.

માણસ રોજ સવારે ઉમ્બર ધુએ છે, ઠાકોરજીની મુર્તી ધુએ છે, શીવલીંગ ધુએ છે, હમામ સાબુથી કપાળ ધુએ છે અને ત્યાર બાદ ખરો ખેલ શરુ થાય છે. કપાળ કંકુથી ગંદું કરે છે. મુર્તી જો હનુમાનની હોય તો તેને તેલસીંદુરથી ખરડે છે. શંકરની હોય તો તે પર દુધ, દહીં, મધ વગેરેની રેલમછેલ કરે છે. આટલી ભક્તી પછી પણ માણસનો કપટનો ખેલ અને મનનો મેલ અકબંધ રહે છે. લાખો કરોડોનો લાભ થઈ શકે એમ હોય તો માણસ એ મુર્તીના તમે કહો તેટલા ટુકડા કરી આપવા તૈયાર થઈ જાય છે. નવસારીમાં કોઈકે હનુમાનજીની આંખો ફોડી નાખી હતી. હું ધન્યવાદ આપું છું નવસારીની શાણી પ્રજાને કે એ કામ મુસ્લીમોનું છે એમ માની કોમી રમખાણો ન ફાટી નીકળ્યાં!

મેં ઘણા એવા વડીલો જોયા છે જેઓ સન્તાનોને ધાર્મીક પુસ્તકો નીયમીત વાંચવાની કડકાઈપુર્વક ફરજ પાડે છે. પરન્તુ તેમનો સંસ્કારમય ઉછેર કરવા અંગે લગીરે ધ્યાન આપતા નથી. કોઈ દીકરો ગીતાના બે અધ્યાય નીયમીત વાંચતો હોય; પણ રોજ ગુટકાની એકવીશ પડીકી આરોગી જતો હોય તો તેના ગીતાપાઠથી હરખાવા જેવું ખરું? નાનપણથી જ અનેક લુચ્ચાઈઓથી ઘેરાયેલો કોઈ માણસ વેપારમાં પડે એટલે સમજો કે ‘કડવી તુમડી લીમડે ચઢી’! બચુભાઈનો ભત્રીજો એ જ પ્રકારનો સર્વદુર્ગુણ સમ્પન્ન માણસ છે. એણે વેપારમાં ઝુકાવ્યું ત્યારે બચુભાઈ એક કહેવત બોલેલા– ‘મુળે કલ્લુભાઈ કાળા અને વેપલો શરુ કર્યો કોલસાનો!’ ગલ્લા પર બેસીને ગ્રાહકોને બેફામ લુંટતા કોઈ શ્રદ્ધાળુ શેઠીયા કરતાં ભગવાનના માથા પરનો સુવર્ણ મુકુટ ચોરનાર કોઈ ગરીબ ચોરમને ઓછો ગુનેગાર લાગે છે.

એક દુકાનદારનો મને પરીચય છે. એ પોતાની દુકાનમાં નોકરો પાસે આખો દીવસ સખત હાથે કામ લીધા પછી તેને સાંજે મજુરીના પૈસા ચુકવવામાં ઈરાદાપુર્વકનો વીલમ્બ કરીને તેની પાસે એકાદ કલાક વધુ કામ કરાવી લે છે. એ વેપારી દર મહીને સવા એકાવન રુપીયાનો મનીઓર્ડર ગોંડલ – ભુવનેશ્વરીમાતાને મોકલે છે. માણસે આવા અન્ધશ્રદ્ધાભર્યા દમ્ભથી બચવાનું છે. તેમાં શ્રી. રાવ જેવા કોઈ મ્યુનીસીપલ કમીશ્નર આપણી કોઈ મદદ કરી શકે તેમ નથી.

દર સોમવારે અને વીશેષત: શ્રાવણ માસમાં ગુજરાતભરમાં શંકર ભગવાનના શીવલીંગ પર દુધનો અભીષેક કરવામાં આવે છે. આ અભીષેક એટલા મોટા પ્રમાણમાં થાય છે કે એ સઘળું દુધ ભેગું કરી ગરીબોનાં બાળકોને આપવામાં આવે તો લાખો ભુખ્યાં બાળકોનાં પેટનો જઠરાગ્ની તૃપ્ત થઈ શકે અને શંકર ભગવાનનેય સાચો આનન્દ થાય! પરન્તુ એવું થતું નથી. થશે પણ નહીં. ક્યારેક તો પુરા કદની આખી જીન્દગી વીતી જાય છે; તોય માણસને સાવ સીધી વાત નથી સમજાતી કેશીવને નહીં ‘જીવ’ને દુધની સાચી જરુર હોય છે.

સમગ્ર દેશમાં મન્ત્રતન્ત્રમાં વપરાતા દોરા–ધાગાઓ, ધાર્મીક કર્મકાંડોમાં વપરાતી કંઠીઓ કે નાડાછડીઓ, તથા વટસાવીત્રી જેવા વ્રતોમાં વેડફાતું બધું સુતર ભેગું કરવામાં આવે તો સેંકડો ગરીબોનાં નગ્ન બાળકો પહેરી શકે એટલી ચડ્ડીઓ બની શકે. દર શનીવારે હનુમાનજીના મન્દીરે તેલ ચઢાવવામાં આવે છે તે સઘળું તેલ એકત્ર કરવામાં આવે તો કરોડો ભુખપીડીત ગરીબોને એક ટાઈમ ફાફડા ખવડાવી શકાય! પરન્તુ આપણે અબીલ, ગુલાલ અને કંકુમાંથી ઉંચા નથી આવતા. ક્યારેક વીચાર આવે છે : આ અબીલ, ગુલાલ, કંકુ, સીંદુર વગેરેનો ધાર્મીક વીધીઓ સીવાય અન્ય શો ઉપયોગ થતો હશે? ઓસ્ટ્રેલીયા, જાપાન કે અમેરીકામાં કંકુનાં કારખાનાં હશે ખરાં? ત્યાં તો વૈજ્ઞાનીક શોધોય વધુ વાસી થાય તો ફગાવી દેવામાં આવે છે!

બચુભાઈ કહે છે : ‘મારું ચાલે તો દેશભરમાં બારસાખે લટકતાં લીંબુઓ ભેગાં કરી સીવીલ હૉસ્પીટલના ગરીબ દરદીઓને લીંબુનું સરબત પાઉં! બલકે હું ખુદ લીંબુ હોઉં તો મને બારસાખે નીરર્થક લટકી રહેવા કરતાં ગરીબોની તૃષાતૃપ્તી ખાતર નીચોવાઈ જવાનું જ વધુ ગમે!’ શ્રી. ગુણવંત શાહે સુરતમાં કહ્યું હતું : ‘મદ્રાસમાં કોઈ ઠેકાણે ચોખામાં ભેળવવાની કાંકરીનું આખું કારખાનું ચાલે છે!’ મને ખાતરી છે આપણે ત્યાં પણ કો’ક ઠેકાણે માંદળીયાં કે તાવીજ બનાવવાની બહુ મોટી ફેક્ટરીઓ ચાલતી હશે. લોબાન શબ્દ હું માંદળીયાં સાથે જ સાંભળતો આવ્યો છું. એની સુગંધ મને ગમે છે. પરન્તુ એ જન્તરમન્તર, ભગત–ભુવા કે મેલીવીદ્યાની સાધનામાં જ ખાસ વપરાય છે એવું જાણ્યું ત્યારે અત્તરની બોટલ જાજરુના ટબમાં ઠાલવવામાં આવતી હોય એવું લાગ્યું.

લોબાન અને માંદળીયાંનાં ગોત્રનો જ એક અન્ય પદાર્થ છે – પીંછી! ગામડાંમાં આજેય બાળકને કોઈ રોગ થયો હોય તો તેને બહારનો વળગાડ છે માની પીંછી નંખાવવા ભગત પાસે લઈ જવામાં આવે છે. એ પીંછીમાં મોરનાં રંગબેરંગી પીંછાંનો ઉપયોગ કરવામાં આવે છે. એ પીંછીઓ ભગતભુવાઓ સીવાય અન્ય કોઈને કામ આવતી નથી. એક વાર એક મેળામાં પીંછીઓ વેચતા એક માણસને પુછતા તેણે જવાબ આપ્યો હતો : ‘હું ચાલીસ વર્ષોથી પીંછીઓ વેચવાનો ધંધો કરું છું. મારા દીકરાઓ મોર મારે છે અને તેનાં પીંછાંઓમાંથી હું પીંછીઓ બનાવી વેચું છું!’ કલ્પી શકાય એવી બાબત છે. આજપર્યન્ત કેટલા મોર મર્યા હશે ત્યારે એક અન્ધશ્રદ્ધા જીવીત રહી શકી હશે? જોયું? આપણા રાષ્ટ્રીય પક્ષી મોર કરતાં આપણી અન્ધશ્રદ્ધાની કૉસ્ટ ઑફ પ્રોડક્શન કેટલી ઉંચી છે?

દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395 003 ફોન : 0261–2591449 .મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો 13મો લેખ, પુસ્તકનાં પાન 47થી 50 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત. સેલફોન : 94281 60508 .મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 18–12–2017

 

Read Full Post »

13

કર્મકાંડો કરતાં કમ્પ્યુટરમાં દેશનું વીશેષ કલ્યાણ છુપાયું છે !

–દીનેશ પાંચાલ

અમારી મીત્રમંડળીમાં બચુભાઈ અને ભગવાનદાસકાકા વચ્ચે સાપ નોળીયા જેવા સમ્બન્ધો રહ્યા છે. એક દીવસ બેઉ બળીયા બાથે વળગ્યા. ચર્ચાનો વીષય હતો – ‘દુનીયાને કોણ વધુ ઉપયોગી – આસ્તીકો કે નાસ્તીકો? બચુભાઈએ ભગવાનદાસકાકા તરફ તીરછી નજરે જોઈ લેતાં કહ્યું : ‘ભગવાનને તેના ભક્તો, ખુંટે બાંધેલી ગાયની જેમ ભક્તીનું નીરણ પીરસ્યા કરે છે. ભગવાન છે કે નહીં, તે ક્યાં છે, કેવો છે તે વીશે તેમને કશું જ્ઞાન હોતું નથી.’

ભગવાનદાસકાકાએ હોઠ ભીંસી કહ્યું : ‘દીનેશભાઈ, આ બચીયાને પુછો કે એ શ્વાસમાં હવા લે છે એ હવા કોણે બનાવી? પાણી કોણે બનાવ્યું? આ ઘરતી, સુરજ, ચન્દ્ર, તારા, નદી, પહાડ, હવા, અગ્ની કોણે મુળશંકરે બનાવ્યાં? (મુળશંકર બચુભાઈના પીતાજીનું નામ!) વૃક્ષમાંથી પ્રાણવાયુ મળે અને તે વડે આપણે જીવીએ એ કરામત કોણે કરી? અરે! દુનીયાનો વીકાસ કરી શકાય તે માટેની બુદ્ધી એને કોણે આપી? પણ જવા દો વાત… આ લોકોની તકલીફ એ છે કે સાબીતી ના મળે તો એ લોકો સગા બાપને ય બાપ માનવા તૈયાર થતા નથી. ભગવાનની કૃપાથી જીવતો માણસ ભગવાન નથી એવું કહે છે ત્યારે એવું લાગે છે– માનો માછલી પાણીમાંથી ડોકું ઉંચુ કરીને કહેતી હોય– ‘પાણી જેવી કોઈ વસ્તુ જ નથી !’

એમનો વીવાદ અત્રે અપ્રસ્તુત છે; પરન્તુ સત્ય એ બે વચ્ચે ક્યાંક પડેલું છે. એમની તકરારમાં મને એક સત્ય સાંપડ્યું અને તે એ કે આ દુનીયા આસ્તીકોની શ્રદ્ધાથી નથી ચાલતી. નાસ્તીકોના નીરીશ્વરવાદ વડેય નથી ચાલતી. ચાલે છે કામ કરનારા કર્મયોગીઓ વડે. રસ્તા વચ્ચે પથ્થર પડ્યો છે એવી ફરીયાદ કરનારાઓ કરતાં એ પથ્થરને ઉંચકીને ફેંકી દે એવા માણસની આજે દુનીયાને વીશેષ જરુર છે. પાણી પર પીએચ.ડી. કરનારા કરતાં, કુવો ખોદીને પાણી કાઢનારો વધુ ઉપયોગી નીવડે છે. જીવવા માટે ખોરાક બહુ જરુરી છે એવું ભાષણ કરનારા કરતાં ખેતી કરીને અનાજ પકવનારાઓની ખાસ જરુર છે. ઍરોપ્લેનમાં શ્રીમન્તો માટે કથા કરનારા શ્રી. મોરારીબાપુ કરતાં રોડ પર લારી ચલાવતો એક મજુર દેશના વીકાસમાં વધુ નક્કર યોગદાન આપે છે. કર્મકાંડો કરતાં કમ્પ્યુટરમાં આ દેશનું વીશેષ કલ્યાણ છુપાયું છે.

પેટની આગ માણસની પ્રાથમીક સમસ્યા છે; પરન્તુ કુદરતે માણસને કેવળ ભુખ નથી આપી. ભુખની સાથે ધરતી આપી, જળ આપ્યું, બીજ આપ્યું. એ બીજમાંથી અનાજ પકવવાની સમજણ પણ એણે જ આપી. એ માટે આપણે કુદરતને થેંક્યુ કહેવું જોઈએ.

સમજો તો એ ‘થેંક્યુ’થી ચડીયાતી પ્રાર્થના બીજી એકે નથી. એ માટે માણસે મન્દીરમાં જવાની કે નવ દીવસ કામધન્ધો છોડી રામકથા સાંભળવાની જરુર નથી. કોઈ કવીની કવીતા ઉપર આપણે ઝુમી ઉઠીએ ત્યારે શું કરીએ છીએ? દીલથી ‘વાહ, વાહ! બોલી ઉઠીએ છીએ. કવી સામે અગરબત્ત્તી કે દીવો સળગાવી નારીયેળ ફોડતા નથી. કવીની જેમ કુદરતનેય કેવળ થેંક્યુ કે વાહ વાહની જરુર છે. લાંબાલચ કર્મકાંડો કે ટીલાં–ટપકાંની જરુર હોતી નથી. માણસની ભક્તીમાં કાળક્રમે કૃતજ્ઞતાનો અતીરેક ભળતો ગયો. સાચી જુઠી માન્યતાઓથી ભક્તી વીકૃત થઈ. ધર્મગુરુઓએ ધર્મના કલ્યાણકારી મુળ સ્વરુપમાં મનસ્વીપણે ફેરફારો કર્યા. મનફાવતાં અર્થઘટનો કર્યાં. કાળક્રમે મુળ ધર્મ બાજુએ રહી ગયો ને ધર્મના નામે કર્મકાંડોનો અતીરેક થવા લાગ્યો. એમ કહો કે મધના નામે ખાંડની ચાસણીનો વેપાર થવા લાગ્યો.

આ બધી વરવી ધાર્મીક પ્રક્રીયાઓમાંથી જનમ્યો એક વર્ણસંકર રાક્ષસ…!રાક્ષસ તે આજનો કહેવાતો ધર્મ! સમગ્ર દુનીયામાં માત્ર માનવધર્મ જ સાચો એમ માનવાને બદલે, આ મેનમેઈડ ધર્મે માણસોને અનેક ટોળાંમાં વહેંચી નાખ્યા. જેટલાં દેવ એટલાં ટોળાં થયાં. કોના દેવ સાચા અને વધારે પાવરફુલ તે મુદ્દા પર ક્યારેક ટોળાં વચ્ચે જુથઅથડામણ થાય છે. દરેક માથું પોતાના દેવ ખાતર ખપી જવા જંગે ચઢે છે. જોતજોતામાં લોહીનાં ખાબોચીયાં છલકાઈ જાય છે. ઘણીવાર ધાર્મીક સરઘસોમાં ગુપ્તી, હોકી સ્ટીક, સોડાવોટરની બાટલીઓ, ખંજર કે તલવારો મળી આવ્યાની ઘટનાઓ પણ બની છે.

માણસનો આ કહેવાતો ધર્મ, કમળામાંથી કમળી થઈ ગયા જેવી દુર્ઘટના છે. નહીંતર શ્રદ્ધા અને સોડાવોટરની બાટલીઓનો મેળ શી રીતે ખાય? તલવાર અને ધર્મ એક મ્યાનમાં શી રીતે રહી શકે? પેટ્રોલના પીપડામાં સળગતી મશાલ ખોસવા જેવી એ મુર્ખતા ગણાય! વધારે આઘાતની બાબત એ છે કે એ ધર્મપંડીતો વીજ્ઞાનનો વીરોધ કરે છે અને ગળુ ફાડીને ભક્તોને સમજાવે છે કે તમે દીનરાત ભગવાનના ચરણોમાં મંજીરાં વગાડતાં રહો! દયાના સાગરને નામે દેહને કષ્ટ આપતાં રહો. સંસારની મોહમાયા ત્યજો અને મોક્ષપ્રાપ્તી માટે મંડ્યા રહો! આત્માના કલ્યાણ માટે તરેહ તરેહના ટીલાં–ટપકાં ને કર્મકાંડો કરતા રહો. સાધુસન્યાસીઓ, ગુરુઓ કે સ્વામીઓના ચરણોમાં આળોટતા રહો અને એવા કેશવાનન્દોની સેવામાં ઘરની બહેન–દીકરીઓને મોકલતા રહો. આટલું કરો તો તમારા મોક્ષનો વીઝા પાકો! તમારું કલ્યાણ નક્કી! પણ આટલું કરવા છતાં તમારું કલ્યાણ ન થઈ શકે તો નક્કી માનજો કે તમારી શ્રદ્ધા ઓછી, તમારી ભક્તી કાચી ને તમારી નીષ્ઠા નકામી!

આપણો મુળ પ્રશ્ન છે – માણસ માટે કઈ શાન્તી વધુ જરુરી – મનની શાન્તી કે પેટની? આ પ્રશ્ન, માણસ માટે શું વધુ જરુરી – શર્ટ કે નેકટાઈ જેવો ગણાય! ઉઘાડા શરીરે ગળામાં માત્ર ટાઈ પહેરી ફરનારો માણસ ભુંડો લાગે છે. તેને પાગલ કહી શકાય; પણ એવા માણસને શું કહીશું, જેઓ પોતાનાં સન્તાનોને પુરું ખાવાનું આપી શકતાં નથી; છતાં દર મહીનાના પગારમાંથી રુપીયા એકાવનનો મનીઓર્ડર અમુકતમુક મન્દીરમાં મોકલે છે!

પેટની આગ ઠારવા માટે માણસ ખેતરમાં જઈ અનાજ પકવવાને બદલે મન્દીરમાં જઈ મંજીરાં વગાડશે તો એની ભુખ મટશે ખરી? માણસની આધ્યાત્મીક આવશ્યકતાઓ કરતાં પ્રાથમીક જરુરીયાતો વીશે વીચારવાની તાતી જરુર છે. ગામડાંઓમાં લાખો લોકો પાસે જાજરુની સુવીધા હોતી નથી; છતાં એ લોકોને પૈસા ભેગા કરી મન્દીર બાંધવાનું સુઝે છે; પણ જાજરુ બાંધવાનું સુઝતું નથી. આજના તણાવયુક્ત વાતાવરણમાં પ્રભુભજન કે દેવદર્શનથી માણસના મનને કોઈ મનોવૈજ્ઞાનીક રાહત મળતી હોય તો ભલે મન્દીરો બંધાતાં; પણ તેનો ક્રમ જાજરુથી અગ્રક્રમે કદી ન હોવો જોઈએ. તવંગર માણસ તીરુપત્તી જઈ ભગવાનના ચરણોમાં સોનું ચઢાવી આવે છે. એવી લક્ઝુરીયસ અન્ધશ્રદ્ધા અમીરો ઍફોર્ડ કરી શકે છે. ગરીબો પોતાની કાળી મજુરીના પૈસા પરીવાર પાછળ ખર્ચવાને બદલે ભગવાન પાછળ ખર્ચે છે, તે લંગોટી વેચીને પાઘડી ખરીદવા જેવી ભુલ ગણાય.

આપણે ત્યાં આઠમા ઘોરણના પ્રવેશવંચીત વીદ્યાર્થીઓ માટે પ્રતીવર્ષ આંદોલન થાય છે. એવું આંદોલન પ્રજાએ ક્યારેય ‘મન્દીરને બદલે શાળા કૉલેજો બાંધવી જોઈએ’ એવા મુદ્દા પર કર્યું છે? થોડાં વર્ષો પર અશ્વમેધયજ્ઞમાં કરોડો રુપીયાનો ધુમાડો કરવામાં આવ્યો હતો. જરા મનના કેલ્ક્યુલેટર પર હીસાબ માંડીને કહો– એક અશ્વમેધયજ્ઞ પાછળ થતા કરોડો રુપીયાના ધુમાડામાંથી કેટલી શાળાઓ બાંધી શકાઈ હોત? પણ જવા દો એ વાત… અશ્વમેધયજ્ઞ એ આપણા અન્ધશ્રદ્ધાળુ સમાજનું સીનેમાસ્કૉપ પ્રતીક છે. જ્યાં દશમાંથી નવ માણસો એવાં યજ્ઞોની તરફેણ કરતા હોય, ત્યારે તેને અટકાવવાનું કામ ગાંડા હાથીના પગમાં સાંકળ બાંધવા સમુ કપરું છે.

તાત્પર્ય એટલું જ, સાચી જરુરીયાત મનની શાન્તી કરતાં પેટની શાન્તીની છે. ભુખ્યા ભીખારીને ધ્યાન લાગે ખરું? આધ્યાત્મીક શાન્તી મળે ખરી? મનની શાન્તી ભોજન પછીના પાનબીડાં જેવી છે. પેટ ભોજનથી તૃપ્ત થયું હોય તો જ પાનની મઝા આવે. જીવનમાં ભોજનનું મહત્ત્વ પાનબીડાં કરતાં હમ્મેશાં વધારે રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો જીવન માટે શું વધારે જરુરી પાણી કે શરબત? જવાબ પાણી જ હોય શકે શરબત નહીં! કેવળ ઈશ્વરનાં મંજીરાં વગાડ્યા કરવાથી માણસનું પેટ ભરાઈ શકતું નથી અને ઈશ્વરના અસ્તીત્વને સતત ઈન્કારવાથીય માણસનો દહાડો વળતો નથી.

આસ્તીકો–નાસ્તીકો બન્ને માટે રોકડું સત્ય એ જ કે ‘ઈશ્વર છે કે નહીં’ તેની ચીંતા કર્યા વીના કામે લાગો. કામ એ જ પુજા છે. કામ એ જ ઉર્જા છે. માનવદેહને ટકાવવા પહેલી જરુરીયાત રોટીની છે. શ્રમ કર્યા વીના કોઈને રોટી મળતી નથી. જો કે કેવળ રોટીનું નહીં– ઈજ્જતની રોટીનું મુલ્ય છે. રોટી તો દાઉદ ઈબ્રાહીમનેય મળે છે અને સ્વામી સચ્ચીદાનન્દજીનેય મળે છે. પણ એક રોટી, શબરીના બોર, વીદુરજીની ભાજી કે સુદામાના તાંદુલની જેમ દરેક ધર્મના રામ અને કૃષ્ણને વહાલી હોય છે. મુળ વાત એટલી જ, બેઈમાનીની બાસુંદી કરતા ઈજ્જતની ભડકી સારી!

દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ 13મો લેખ, પુસ્તકનાં પાન 47થી 50 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 ગુજરાત સેલફોન : 94281 60508 .મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 11–12–2017

Read Full Post »

12

શ્રદ્ધાવાદ વર્સીસ બુદ્ધીવાદ…!

– દીનેશ પાંચાલ

એક રૅશનાલીસ્‍ટ મીત્ર દાઢી વધારી ફરતા હતા. એક બહેને તેમને કારણ પુછ્યું. પેલા મીત્રે કહ્યું– ‘મારી નાની દીકરીને મહારાજ આવ્‍યા છે!’ વાત સાંભળી પેલા બહેન ચોંકી ઉઠયા– ‘અરે…! શું વાત કરો છો…? તમે અને મહારાજ? તમે આવી અન્ધશ્રદ્ધામાં માનતા ક્‍યારથી થઈ ગયા? તમે તો પાક્કા નાસ્‍તીક છો!’ મીત્રે સ્‍પષ્ટતા કરી– ‘બહેનજી, હું અન્ધશ્રદ્ધામાં નથી માનતો પણ માની મમતામાં માનું છું. પત્‍નીની લાગણીમાં માનું છું. પીતાજીનો પ્રેમ સમજું છું. કેવળ બે દીવસ દાઢી ન કરવાથી મારા સ્‍વજનોની લાગણી સચવાતી હોય તો અન્ધશ્રદ્ધાળુમાં ખપી જવાની મારી પુરી તૈયારી છે. બાકી અમેરીકા, જાપાન કે લંડનમાં કોઈને મહારાજ નથી આવતા ને આપણે ત્‍યાં જ કેમ આવે છે? એવી દલીલો કરીને મેં દાઢી કરી હોત તો તેઓ મન દુભવીને બેસી રહ્યાં હોત; પણ કદાચ દીકરીનું મોત થાય તો તેનું સાચું કારણ ગમે તે હોય; પણ મારા શીરે જીન્દગીભરનો બટ્ટો લાગ્‍યા વીના ના રહે…! અને તેમનો વહેમ વધુ દૃઢ બને તે વધારાનું નુકસાન. બહેનજી, જીવનમાં બુદ્ધી કરતાં લાગણીનું સ્‍થાન મુઠી ઉંચેરું હોય છે!’

મીત્રની વાત સાચી છે. શ્રી. ભગવતીકુમાર શર્મા કૃત– ‘નખદર્પણ’ની એક પંક્‍તીમાં લાગણીની વાત સુપેરે વ્‍યક્‍ત થઈ છે–

                                        લાગણી લખાવે તો લાખ વાર લખવું છે,

                                        બુદ્ધી બુમ પાડે તો પણ ધરાર લખવું છે.

એ મીત્રે આગળ કહ્યું– ‘પત્‍નીને કંઈકે સમજાવી શકાય, પણ 80ની આસપાસ પહોંચેલા મારા માબાપને હું આ ઉમ્મરે રૅશનાલીઝમના પાઠો ક્‍યાં ભણાવવા બેસું? એ તો સાઈકલ ભાંગીને તેમાંથી ઍરોપ્‍લેન બનાવવાની કામગીરી હાથ ધરવા જેવી ભુલ ગણાય. આ ધરમકરમવાળા દેશમાં ભણેલા ગણેલાઓ પણ દોરા ધાગા કે માદળીયાં બાંધીને ફરે છે, અરે! ખુદ ડૉક્‍ટરોના ક્‍લીનીક પર લીંબુ અને મરચું બાંધેલા હોય છે ત્‍યાં ચાર ચોપડીય નહીં ભણેલા મારા માબાપની અન્ધશ્રદ્ધાને વખોડવા બેસું તો મારું રૅશનાલીઝમ લાજે. જડપણે રૅશનાલીઝમને વળગી રહેવા કરતાં સમજદારીપુર્વક થોડીક અન્ધશ્રદ્ધાને નભાવી લેવી એ વધુ ઉચીત ગણાય એમ હું માનું છું.’

વાત અન્ધશ્રદ્ધાની નીકળી છે ત્‍યારે થોડી અંતરંગ વાતોય કરી લઉં. કેવળ લખવા ખાતર લખતો નથી. સમાજમાં વીરોધ કે વીસ્‍ફોટ જગાવવાય લખતો નથી. મારા લખાણને કેટલાંક સ્‍વાનુભવોનું સમર્થન છે. નાના છોકરાની બાબરી, વાસ્‍તુપુજા, શ્રાદ્ધ, હોમહવન, યજ્ઞ, જપ–તપ, માળા, પુજાપાઠ કે મન્દીરમાં જઈ દેવદર્શન જેવું કાંઈ જ કરતો નથી; છતાં અમે અત્યન્તત સુખી છીએ. સ્‍વજનોની લાગણી જાળવવા એકાદ વાર સત્‍યનારાયણની કથા જેવાં કેટલાંક કર્મકાંડ કરાવવા પડ્યા હતાં, પણ એ માબાપનું મન જાળવવા માટે જ… બાકી જીવનની અમુક મહેચ્‍છાઓ પુર્ણ થાય તે માટે બાધા આખડી કે દોરા ધાગામાં ક્‍યારેય પડ્યો નથી.

સેંકડો લોકો આ પ્રકારનું જીવન જીવે છે. તે સર્વના કોઈ કામ અટક્‍યાં નથી. કેટલાંક મુસ્‍લીમ મીત્રો વર્ષોથી નમાઝ નથી પઢતા છતાં તેઓ સુખી છે. આટલા અનુભવ બાદ સમજાયું છે કે મન્દીરમાં ન જાઓ, દીવા દીવેટ ના કરો, માળા ના કરો તો કશું જ અટકતું નથી; પણ જીવનમાં ડગલેને પગલે ખોટાં કામો કરો, અપ્રમાણીક્‍તા આચરો કે બીજા જોડે દુષ્ટતાથી વર્તો તો આખો સમાજ દુઃખી થાય છે. છેલ્લા ચાળીશ વર્ષોથી મારો બુદ્ધીવાદ અને પત્‍નીનો શ્રદ્ધાવાદ એક છત તળે સમ્પીને રહે છે. કારણ એટલું જ કે પત્‍નીએ કદી મારા રૅશનાલીઝમને અવગણ્‍યો નથી. અને મેંય  તેના શ્રદ્ધાવાદને પુરો આદર આપ્‍યો છે. ઘરમાં એક નાનું મન્દીરીયું છે. જે વળી મેં જ પત્‍નીને ભેટમાં આપ્‍યું છે. મજાકમાં હું તેને ભગવાન જોડે વાતો કરવાનું ટેલીફોન બુથ કહું છું. પત્‍નીના આગ્રહથી હુંય ક્‍યારેક મુકપણે એ મન્દીરીયા સામે હાથ જોડી ઉભો રહું છું. ભગવાનની આંખોમાં આંખ પરોવી પ્રશ્નોની ઝડી વરસાવું છું– ‘બૉસ, તારી આ દુનીયામાં આટલા દુઃખદર્દો અને રડારોળ કેમ છે? તારી ભક્‍તીમાં રાતદહાડો મગ્ન રહેતાં ભક્‍તોને અહીં ચોધાર આંસુડે રડવું પડે છે અને તને કદી ન ભજનારા મારા જેવા માણસો આટલાં સુખી કેમ છે? તારી કાર્યપદ્ધતી સમજાતી નથી. ક્‍યાંક તું ઉંધુ તો નથી વેતરી રહ્યો ને? ‘

એક ખાસ ઘટના કહું તે સાંભળો. ‘બોલો, ઈશ્વર છે કે નથી?’નામના મારા પુસ્‍તકમાં મેં એ લખી છે. એક ગામમાં થોડાંક આસ્‍તીકો અને નાસ્‍તીકો વચ્‍ચે ઈશ્વરના અસ્‍તીત્‍વ વીશે ઉગ્ર ચર્ચા થઈ રહી હતી. તેવામાં ત્‍યાંથી પસાર થતું કુંભારનું એક બળદગાડું ઉંડી ગટરમાં ઉથલી પડ્યું. આની જાણ થતાં આસ્‍તીકો અને નાસ્‍તીકો ત્‍યાં દોડી ગયા. સૌએ ધક્કો મારી ગાડું બહાર કાઢ્યું. કુંભારના બધાં જ માટલાં ભાંગી ગયા હતા. નુકસાન જોઈ ગરીબ કુંભારની આંખોમાં આંસુ આવી ગયા. આસ્‍તીક નાસ્‍તીકોએ થોડા થોડા પૈસાનો ફાળો એકત્ર કરી તેનું નુકસાન ભરપાઈ કરી આપ્‍યું.

કુંભારે સૌનો આભાર માન્‍યો. પછી જીજ્ઞાસા ખાતર પુછ્યું– ‘તમે સૌ અહીં શા માટે ભેગા થયા છો?’ બધાએ જવાબ આપ્‍યો– ‘અમે અહીં ઈશ્વર છે કે નહીં તે નક્કી કરવા ભેગા થયા છીએ.’ કુંભારે પુછ્યું– ‘પછી શું થયું? કોઈ નીવેડો આવ્‍યો?’ જવાબ મળ્‍યો : ‘ના… ચર્ચા હજુ ચાલુ છે!’ કુંભારે સંકોચપુર્વક કહ્યું– ‘તમે બધાં વીદ્વાન છો. હું તો બહું નાનો માણસ છું પણ મને એક પ્રશ્નનો જવાબ આપો.’ કહી કુંભારે આસ્‍તીકોને પ્રશ્ન કર્યો– ‘તમે મારી મદદે આવ્‍યા તે શું વીચારીને આવ્‍યા?’ આસ્‍તીકોએ કહ્યું– ‘અમે એવો વીચાર કર્યો કે મુશ્‍કેલીમાં આવી પડેલા માણસને મદદ નહીં કરીએ તો એક દીવસ ભગવાનના દરબારમાં હાજર થવાનું છે ત્‍યાં શો જવાબ આપીશું?’

કુંભારે નાસ્‍તીકોને પ્રશ્ન કર્યો– ‘તમે તો ભગવાનમાં નથી માનતા. તમે કેમ મારી મદદે આવ્‍યા?’ નાસ્‍તીકોએ કહ્યું– ‘ભાઈ, તું સાચું કહે છે. અમે માનીએ છીએ કે માણસ જ્‍યારે મુશ્‍કેલીમાં આવી પડે છે ત્‍યારે એને મદદ કરવા આકાશમાંથી કોઈ ભગવાન આવવાનો નથી. માનવતાના નાતે માણસે જ માણસને મદદ કરવી જોઈએ!’ કુંભારે આગળ કહ્યું– ‘તમે તમારી ચર્ચા અટકાવી મારી મદદે દોડી આવ્‍યા, મને આર્થીક મદદ પણ કરી. હું માનું છું કે મારે માટે તમે જ મારા ભગવાન છો. આવું માનવતાનું કામ કર્યા બાદ તમે ઈશ્વરના અસ્‍તીત્‍વને સ્‍વીકારો કે નકારો કોઈ ફરક પડતો નથી. ભાઈઓ, હું તો કહીશ જેઓ આસ્‍તીક છે તેમણે ભગવાનને નજરમાં રાખીને માનવતાના કામો કરવા જોઈએ. અને જે લોકો નાસ્‍તીક છે તેમણે– ભગવાન નથી, એથી આ આપણી ફરજ છે એમ માની માનવતાના કામો કરવા જોઈએ!’ કહી કુંભાર રસ્‍તે પડ્યો.

કુંભારની વાત પેલા આસ્‍તીક નાસ્‍તીક સમજ્‍યાં હોય કે નહીં; પણ આપણને એક વાત સમજાય છે. અને તે એકે ઈશ્વર છે કે નહીં તેની ચીંતા કર્યા વીના માણસે દુનીયામાં ભલાઈના કામો કરવા જોઈએ. કોઈકે સાચું કહ્યું છે–

‘અલ્લાહકો નમાઝકી જરુરત નહીં

ભગવાનકો પુજાકી જરુરત નહીં,

રામ રહીમ ગલે મીલ જાય તો

ઈન્‍સાનકો મજહબકી જરુરત નહીં…!

આપણે એક વાત સમજવાની છે. ભગવાન હોય તો તેને પણ એવાં જ આસ્‍તીકો ગમશે જે માણસના ઘોંચમાં પડેલા ગાડાને ધક્કો મારીને બહાર કાઢી આપે. અને ભગવાન છે જ નહીં એવું માનતા નાસ્‍તીકો પ્રત્‍યે પણ ઈશ્વરને કોઈ જ ફરીયાદ નહીં રહે જો તેઓ લોકોના ડુબતાં વહાણ તારશે. દુઃખીઓના આંસુ લુછશે. આસ્‍તીક્‍તા કે નાસ્‍તીક્‍તા કરતાં માનવતા મહાન છે. આવો આપણે પેલા કુંભારની જેમ માનવતામાં જ સાચી પ્રભુતા છે, એવી સમજ આપણે કેળવીએ!

– દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ 12મો લેખ, પુસ્તકનાં પાન 44થી 46 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 ગુજરાત. સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 04–12–2017

Read Full Post »

10

પરમેશ્વર જોડે પંજો લડાવતો માણસ

                                – દીનેશ પાંચાલ

દુનીયાનું સૌથી હીંસક પ્રાણી કયું?

દુનીયાનું સૌથી લુચ્‍ચું પ્રાણી કયું?

દુનીયાનું સૌથી સુંદર અને બુદ્ધીશાળી પ્રાણી કયું? માનો યા ના માનો પણ આ ત્રણે પ્રશ્નોનો જવાબ એક જ છે માણસ! આ પૃથ્‍વીલોકમાં હેવાનીયત અને ઈન્‍સાનીયતના બધાં ઍવોર્ડ માણસે અંકે કરી લીધાં છે. માણસ સાડા પાંચ ફુટનો જટીલ કુટપ્રશ્ન છે, અને માણસ જ એ કુટપ્રશ્નોનો જવાબ છે. (બચુભાઈના મત મુજબ માણસ આ દુનીયાનો મેનેજીંગ ડીરેક્‍ટર છે. માણસે અવનવી શોધખોળો દ્વારા જે કુનેહથી દરેક કુદરતી રહસ્‍યોની બાંધી મુઠી ખોલવા માંડી છે તે નીહાળી મને હીન્‍દી ફીલ્‍મના વીલનનું સ્‍મરણ થાય છે. એ વીલન પ્રારંભમાં તેના માલીકના દરેક ધંધાકીય રહસ્‍યો જાણી લે છે. પછી ચાલાકી પુર્વક માલીક પાસેથી તેની સમગ્ર મીલકત પડાવી લે છે. માણસે પણ કુદરત જોડે એવી દગાબાજી કરી હોય એવો વહેમ પડે છે.)

અલબત્‌ જીવન અને મૃત્‍યુ જેવી કેટલીક મહત્‍વની મેઈન સ્‍વીચો હજી કુદરતે પોતાના હસ્‍તક રાખી છે. જો કે એમ કહેવું ય સમ્પુર્ણ સાચું નથી. જન્‍મની ચાવી માનવીએ કુદરતના જુડામાંથી સેરવી લઈ કુટુંબનીયોજનની ખીંટીએ લટકાવી દીધી છે. આ પૃથ્‍વીલોકમાં મૃત્‍યુની અસલના કોઈ જુલ્‍મખોર જાગીરદાર જેવી દાદાગીરી હતી. પરન્તુ ‘પેસમેકર’ (કૃત્રીમ હૃદય)ની શોધ પછી હવે માણસે મૃત્‍યુના ગઢમાં ય ગાબડું પાડી દીધું છે. એટલેથી જ એ અટક્‍યો હોત તો ધુળ નાખી; પણ એણે કહેવાતા ભગવાનનેય મન્દીરની જેલમાં એવો પુરી દીધો છે કે બીચારો પેરોલ પર પણ છુટી શકતો નથી. અને એથી જ મૃત્‍યુ બાદ ભગવાન પોતાના ગુનાનો શો ફેંસલો કરશે તે વાતની માણસને ચીંતા સતાવે છે. પણ માણસ જેનું નામ… મૃત્‍યુ બાદ ભગવાનને લાંચ આપી કેવી રીતે ફોડી કાઢવો તે ઉપાય પણ એણે વીચારી રાખ્‍યો છે. આ રહ્યો એ ઉપાય

‘લે ચલ છુપાકે કફનમેં બોતલ

કબ્રપે બેઠકે પીયા કરેંગે…

ઔર જબ ખુદા કરેગા ગુનાહોંકા ફેંસલા…

તો દો દો જામ ઉસે ભી દીયા કરેંગે…!’

ક્‍યારેક માણસ એવો દુષ્ટ બની રહે છે કે એને માથે હથોડો ઝીંકવાનું મન થાય છે. ક્‍યારેક એ એટલા સારા કામો કરે છે કે ગદ્‌ગદ્‌ બની વીચારી રહીએ છીએ– ભગવાન તે વળી આનાથી જુદો કેવોક હોતો હશે? ટુંકમાં માણસ જ મધર ટેરેસા અને માણસ જ મેમણ બ્રધર્સ…! સમુદ્રમંથનમાંથી નીકળેલું ઝેર એટલે માણસ…! અને શંકરની જટામાંથી પ્રગટતી પ્રેમની ગંગોત્રી એટલે માણસ…! માણસ નામનું કોડીયું, પુરુષાર્થનું તેલ અને બુદ્ધીની જ્‍યોત આ ત્રણેના ત્રીવેણી સંગમથી દુનીયાનો ચોક પ્રગતીના પ્રકાશથી ઝળહળી ઉઠયો છે. માની લીધેલા ભગવાનને ખોટું ના લાગે તે માટે માણસ કહેતો ફરે છે ઈશ્વરની ઈચ્‍છા વીના એક પાંદડુંય હાલતું નથી; પણ બીજી તરફ એણે જ્ઞાન વીજ્ઞાનના અને ટૅક્‍નોલોજીના વીકાસ વડે દુનીયામાં એવું ચક્રવર્તી સામ્રાજ્‍ય સ્‍થાપ્‍યું છે કે એ(માણસ)ની ઈચ્‍છા વીના એક પાંદડુંય ઉગી શકતું નથી.

ધુળમાં ગબડી પડેલું બાળક ધુળ ખંખેરીને બેઠું થઈ જાય એમ વીક્રમ સર્જક ભુકંપમાંથીય માણસ ઝડપથી બેઠો થઈ ગયો છે. અભુતપુર્વ જળસંકટ હોય, કારમો દુષ્‍કાળ હોય કે ભયંકર રોગચાળો હોય… માણસને હવે મચ્‍છરની જેમ મસળી નાખવાનું સહેલું રહ્યું નથી. ભલું થજો માણસનું કે એણે કુદરતરુપી ઉંટના ઢેકા પર બુદ્ધીપુર્વકના કાંઠા કર્યા છે. પુનરોક્‍તીનો ભય વહોરીનેય કહું કે માણસને સો વર્ષનું આયુષ્‍ય આપીને કુદરતે 42 વર્ષે જ એને આંખે આંધળો બનાવી દીધો. માણસે ચશ્‍મા ના શોધ્‍યા હોત તો અડધી દુનીયા હાથમાં લાકડી લઈ સુરદાસ બની ઘુમતી હોત. બે વર્ષની બેબીની બન્‍ને આંખોમાં મોતીયો હોય એવું નજરે જોઈએ ત્‍યારે વીચાર આવે છે આ તે ઈશ્વર છે કે આતંકવાદી? (માણસની આંખનો મોતીયો કાઢી આપતો ડૉક્‍ટર એટલે મારે મન કુદરતે રચેલી અન્ધાપાની જેલમાંથી માણસને જામીન પર છોડાવતો ફરીસ્‍તો?)

કુદરતે માણસને બહેરો બનાવ્‍યો તો માણસે ઈયરફોન બનાવ્‍યું. કુદરતે માણસને લંગડો બનાવ્‍યો તો માણસે કૃત્રીમ પગ બનાવ્‍યો. દેહની નાની મોટી બીમારીથી માંડી હૃદય અને મગજ જેવાં નાજુક અવયવોના ઑપરેશનો કરવાની ત્રેવડ હાંસલ કરીને માણસે માણસની લાજ રાખી છે. કુદરત ડાળે ડાળે ચાલે તો માણસ પાંદડે પાંદડે ચાલ્‍યો! કલ્‍પના કરી જુઓ પેટમાં ઍપેન્‍ડીક્‍સનો દુઃખાવો ઉપડ્યો હોય તે ટાણે રામનામના મંજીરા વગાડવાથી દુઃખાવો દુર થઈ શકે ખરો? માણસે શસ્‍ત્રક્રીયાની શોધ કરવાને બદલે જીવનભર પ્રભુભજન જ કર્યા કર્યું હોત તો વધેરાતાં બકરા જેવી ચીસો પાડતા માણસને શી રીતે દર્દમુક્‍ત કરી શકાયો હોત? કુદરત આડી ફાટે અને સ્‍ત્રીનાં ગર્ભમાં બાળક આડું થઈ જાય અથવા કોઈ કારણસર બાળક નોર્મલ રીતે ન અવતરી શકે ત્‍યારે શું કરી શકાય? સીઝેરીયન ઑપરેશનની શોધ નહોતી થઈ તે જમાનામાં એવી સ્‍ત્રીઓએ તો એડી રગડી રગડીને મરવું જ પડતું હશેને?

અમારા બચુભાઈ અને કહેવાતા ભગવાન વચ્‍ચે કૉંગ્રેસ અને ભાજપ જેવું ચાલે છે. તેઓ ભગવાન વીશે બહુધા હળવાશમાં તો ક્‍યારેક ગમ્ભીરપણે વાતો કરતા રહે છે. તેઓ કહે છે ‘લાખ વાર કબુલ કે માણસને એ બધી શોધખોળ કરવાની બુદ્ધી ભગવાને આપી છે પણ કોઈ મને એ સમજાવો કે ભગવાનની એ કેવી વીચીત્ર નીતી કે પહેલાં તે સ્‍ત્રીના પેટમાં બાળકને આડું કરી દે છે અને પછી માણસને સીઝેરીયન કરવાની બુદ્ધી આપે છે. એ મહાશયનું ટીખળ તો જુઓ પ્રથમ માણસને દાઢનો દુઃખાવો આપે છે પછી શાનમાં સમજાવે છે ‘હવે લવીંગનું તેલ ઘસ અને ફટકડીના કોગળા કર!’ એમ સમજો કે ચોરને એ ચોરી કરવા ઉશ્‍કેરે છે અને શાહુકારને એ જાગતા રહેવાની સલાહ આપે છે. સાચું કહું મને ચશ્‍માની શોધથી એટલો આનન્દ થતો નથી, જેટલું  દુઃખ 45 વર્ષે માણસની આંખ નબળી થઈ જાય તે વાતથી થાય છે!’

હમણાં ડૉક્‍ટર મીત્રે એક વીચીત્ર કીસ્‍સો કહી સંભળાવ્‍યો. એમની પાસે લગભગ વ્‍યંઢળ પ્રકારનો એક દરદી આવ્‍યો. એ ભયંકર જાતીય આવેગથી પીડાતો હતો. જે શક્‍ય નહોતું તેની તીવ્ર તલબ જાગી હતી. એમ સમજો કે જેનું ગર્ભાશય કાઢી નાંખવામાં આવ્‍યું હોય એવી સ્‍ત્રીને માતૃત્‍વ ધારણ કરવાની ઈચ્‍છા જન્‍મે તેવો ઘાટ થયો હતો. પગ વીનાના પુરુષને કુદરતે પર્વત ચઢવા ઉશ્‍કેર્યો હતો. ફાંટાબાજ કુદરતનું આ કેવું કરુણ ટીખળ? બચુભાઈ કહે છેઃ ‘કુદરત માણસને ક્‍યારેક એવી હાસ્‍યાસ્‍પદ સ્‍થીતીમાં મુકી દે છે માનો કોઈ વ્‍યક્‍તીને જુલાબની દશબાર ગોળીઓ ખવડાવી દીધા પછી તેના જાજરુમાં પાણીનો પુરવઠો બંધ કરી દેવામાં આવે!’

જરા વીચારો, ભગવાનની એ કેવી મેન્‍યુફેક્‍ચરીંગ ડીફેક્‍ટ કે એણે માણસને પુરાં સો વર્ષનું આયુષ્‍ય આપ્‍યું હોય અને બેતાલીશ વર્ષે જ આંખે બેતાલા આવી જાય! ઍરોપ્‍લેનની ટાંકીમાં એક જ લીટર પેટ્રોલ સમાઈ શકે એવી ટુંકી બુદ્ધીની વ્‍યવસ્‍થા કરનાર એન્‍જીનીયરને આપણે કહીએ તો શું કહીએ? માણસ કોઈ વાહન બનાવે છે ત્‍યારે તેના વારંવારના પરીક્ષણ બાદ તેને અદ્યતન અને સંપુર્ણ ક્ષતીરહીત બનાવીને રોડ પર દોડતું કરે છે; પણ ઉપરવાળા એન્‍જીનીયરે માણસની ડીઝાઈન એવી નબળી ઘડી છે કે પચાસ સાંઠ વર્ષે જ તે પેટ્રોલ વીનાના સ્‍કુટરની જેમ ડચકા ખાવા લાગે છે. ભગવાન જેવો ભગવાન થઈ આવી નબળી ક્‍વૉલીટીનો માલ પૃથ્‍વીલોકમાં સપ્‍લાય કરે એમાં ભલે એના ધંધાને ખોટ ના જતી હોય, પણ જેઓ એનો ભોગ બને છે તેનું જીવન તો સો ટકા બરબાદ થાય છે. નબળી આંખવાળા, નબળા હૃદયવાળા કે નબળા મગજવાળા કેટલાંય કમનસીબ માણસો કુદરત સામે ગ્રાહક સુરક્ષા ધારામાં જઈ શકતાં નથી. મૃત્‍યુલોકની અદાલતમાં ઈશ્વર અપરાધી ઠરે તોય પ્રશ્ન એ છે કે એને કયે સરનામે સમન્‍સ મોકલવો? શી રીતે એની ધરપકડ કરવી? આરોપી સદીઓથી ફરાર છે…!!

– દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ 10મો લેખ, પુસ્તકનાં પાન 38થી 40 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત. સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 27–11–2017

 

Read Full Post »

9

સોનુ જોઈએ કસીને… માણસ જોઈએ ફસીને!

ચારેક વર્ષ પુર્વેની એક ઘટનાનું સ્‍મરણ થાય છે. એક સુંદર યુવાન રોજ અમારા મીત્ર અરવીંદભાઈ જોડે બસમાં આવજા કરતો. યુવાન શાંત, ઠરેલ અને વીનમ્ર હતો. અરવીંદભાઈ જોડે તેને કોઈ વીશેષ પરીચય નહીં; પણ તે અરવીંદભાઈ માટે બસમાં જગ્‍યા રાખતો. તેના હાથમાં હમ્મેશાં કોઈ પુસ્‍તક રહેતું. કૉલેજની યુવતીઓ પણ એ બસમાં મુસાફરી કરતી; પરન્તુ યુવાન પુસ્‍તકમાં જ મગ્ન રહેતો. ભાગ્‍યે જ  છોકરીઓ તરફ તેનું ધ્‍યાન જતું. અરવીંદભાઈ મનોમન તેની પ્રતીભાથી પ્રભાવીત થયા હતા.

ત્‍યાર બાદ બન્‍યું એવું કે અરવીંદભાઈની બદલી થતાં યુવાન જોડેની મુલાકાતો બન્ધ થઈ. ચારેક વર્ષ બાદ અરવીંદભાઈની દીકરી શ્વેતાના લગ્ન માટે મુરતીયાઓ આવવા લાગ્‍યા. એક દીવસ અરવીંદભાઈના એક દુરના સમ્બન્ધી શ્વેતા માટે પેલા જ મુરતીયાને લઈને આવી ચડ્યા. અરવીંદભાઈને આશ્ચર્ય કરતાં સન્તોષ વધુ થયો. જોયેલો જાણેલો અને અનુભવેલો યુવાન હતો. થોડીક લગ્નવીષયક પુછપરછ કરી અરવીંદભાઈએ દીકરીના લગ્ન કરી દીધાં.

પણ લગ્ન બાદ સાસરેથી આવેલી શ્વેતાએ એવી એવી ફરીયાદો કરી કે અરવીંદભાઈ આઘાતના માર્યા દંગ રહી ગયા. છોકરાને રોજ રાત્રે ડ્રીંક કરવાની આદત હતી. ખાસ્‍સું દેવું થઈ ગયું હતું. ઘર ગીરવે હતું. થોડા ઉંડા ઉતર્યા તો એય જાણવા મળ્‍યું કે જુગારમાં એક બેવાર એ પોલીસ થાણે પણ બેસી આવ્‍યો હતો. સામા માણસને ઓળખવામાં ક્‍યારેક કેવી થાપ ખાઈ જવાય છે તેનું આ ઉદાહરણ છે.

આ કીસ્‍સો એ વીચારવા મજબુર કરે છે કે એકાદ સદ્‌ગુણથી જીવનની એકાદ ક્ષણ ઉજળી બની શકે છે. સમગ્ર જીવનને ઉજળું બનાવવા માટે સદ્‌ગુણોનો આખો ગુલદસ્‍તો જોઈએ. બસ પ્રવાસની થોડી મીનીટોમાં માણસ ડાહ્યો ડમરો જણાય તે બાબત તેના ફુલટાઈમ સજ્જન હોવાની સાબીતી હોતી નથી. અમારા એક દુરના માસી કહેતાં– ‘કાકડી ખરીદતી વેળા ચાખીને જાણી શકાય તે કડવી છે કે મીઠી; પણ મુરતીયાને ન ચાખી શકાય, ન માપી શકાય. એ તો નીવડ્યે જ વખાણ…!’ વાત ખોટી નથી. મુરતીયાના મામલામાં ગમે તેટલી છાનબીન કરીએ તોય તે કેવળ સપાટી પરનું ક્ષુલ્લક પરીક્ષણ બની રહે છે. કેરીની ભીતર જીવડું હોય તો તે કાપ્‍યા પછી જ ખબર પડે છે. મુરતીયાની અન્દર અપલક્ષણોના જીવડાં હોય તો તે કન્‍યાના વધેરાઈ ગયા પછી જ ખબર પડે છે.

‘સોનુ જોઈએ કસીને અને માણસ જોઈએ વસીનેએવી એક કહેવત છે. અમારા બચુભાઈ એને આ રીતે ઉચ્‍ચારે છે. ‘સોનુ જોઈએ કસીને અને માણસ જોઈએ ફસીને!’ જ્‍યાં સુધી પેલા મુરતીયાની જેમ માણસના દુર્ગણોનો પરચો ના મળે ત્‍યાં સુધી તેના વીશેની અસલી સચ્‍ચાઈ જાણવા મળતી નથી. સોનાનો હાર ગમે તે ગળામાં પહેરાય તેના કૅરેટ બદલાતાં નથી. માણસનું ચારીત્ર્ય  સંજોગો પ્રમાણે બદલાતું રહે છે. કૉલેજના એક ભુતપુર્વ વીદ્યાર્થીને નોકરી માટે સારી ચાલચલગતના સર્ટીફીકેટની જરુર પડી. તે કૉલેજના આચાર્ય પાસે ગયો. આચાર્યએ હળવાશમાં કહ્યું– ‘તું કૉલેજમાં હતો ત્‍યારે તારી ચાલચલગત સારી હતી; પરન્તુ કૉલેજ છોડ્યા પછી તેમાં કોઈ દુઃખદ પરીવર્તન આવ્‍યું હોય તો મને તેની શી રીતે ખબર પડે?’

વાત ભલે હળવાશમાં કહેવાઈ હોય પણ સાચી  છે. શૅરબજારમાં શૅરના ભાવ ગગડી ગયા હોય તે છાપા દ્વારા જાણી શકાય છે. માણસના ચારીત્ર્યમાં પરીવર્તન આવે તે ઝટ જાણી શકાતું નથી. હા, ક્‍યારેક દીકરાના ગગડેલા ભાવની જાહેરાત તેના બાપે છાપામાં આ રીતે આપવી પડે છે. ‘મારો દીકરો મારા કહ્યામાં નથી. તેની જોડે કોઈએ અમારા નામે લેવડદેવડ કરવી નહીં!’

અભ્‍યાસકાળ દરમીયાન ‘રામલીલા’ નામની એક હીન્‍દી વાર્તા વાંચવા મળી હતી. વર્ષો પુર્વે રામના પાત્રમાં જે કલાકારે ધુમ મચાવી હતી તે જ કલાકારે અમુક વર્ષો બાદ રાવણના પાત્રમાં અભુતપુર્વ વીક્રમ સ્‍થાપ્‍યો હતો. ‘જૅકીલ એન્‍ડ હાઈડ’ નામની અંગ્રેજી નવલકથા પરથી ‘ચહેરે પે ચહેરા’ નામનું એક હીન્‍દી ચલચીત્ર બન્‍યું હતું. તેનો સાર કંઈક ઉપર મુજબનો હતો. દીવસ દરમીયાન સજ્જન બની રહેતો માણસ રાત્રીના સમયે હેવાન બની અનેક ખુનો કરે છે.

ઘણીવાર સાંભળવા મળે છે– માણસમાં ફલાણો સદ્‌ગુણ હોવો જોઈએ. ઢીકણો સદ્‌ગુણ હોવો જોઈએ. એ માપદંડ અધુરો જણાય છે. થોડાં ઉદાહરણો જોઈએ. મને રૅશનલ વીચારધારાવાળા માણસો ગમે છે; પરન્તુ દુર્ભાગ્‍યે રૅશનાલીઝમ સાથે નમ્રતા, વીવેક વગેરે અભીન્‍નપણે સંકળાયેલા હોતા નથી. કોઈ રૅશનાલીસ્‍ટ અવીવેકી હોય, તોછડો હોય, વૈચારીક રીતે આતંકવાદી હોય તો તેનું રૅશનાલીઝમ શા ખપનું?  ઈશ્વરમાં શ્રદ્ધા રાખવામાં એટલો મોટો અનર્થ નથી જેટલો રૅશનલ હોવાનો દાવો કરીને ઝનુન દાખવવામાં થાય છે.

માણસ પાસે એકાદ સદ્‌ગુણ હોય તે પુરતું નથી. સદ્‌ગુણોનો ગુલદસ્‍તો હોવો જરુરી છે. લીંબુના રસનું એક ટીપું આખી તપેલીના દુધને દહીંમાં ફેરવી નાખે છે તે રીતે એક નાનો દુર્ગુણ માણસના સો સદ્‌ગુણો પર પાણી ફેરવી દે છે. દરેક સદ્‌ગુણની એક સરહદ હોય છે. એ સરહદની વીસ્‍તાર મર્યાદામાં જ તેની અસર થાય છે. તે પછી થતી નથી.

આસ્‍તીક્‍તા એ સદ્‌ગુણ છે એમ કલ્‍પી લઈએ. પણ આસ્‍તીક માણસ સ્‍વભાવે લુચ્‍ચો હોય, જુઠાબોલો હોય, દગાખોર હોય તો તેની આસ્‍તીક્‍તાની કોઈ કીમ્મત રહેતી નથી. કોઈ માણસ પ્રેમાળ હોય, નમ્ર અને વીવેકી હોય તો તે સારી બાબત લેખાય; પરન્તુ તેનામાં બુદ્ધીનો અભાવ હોય તેને જીવન વ્‍યવહારની કશી ગતાગમ ના હોય તો તેની નમ્રતા કે પ્રેમાળતાની કોઈ શ્રેયકર ફલશ્રુતી પ્રાપ્‍ત થતી નથી. માણસ બુદ્ધીશાળી હોય પણ તે દુષ્ટ હોય, ખંધો હોય, મનનો મેલો હોય, હેવાન જેવી મનોવૃત્તી ધરાવતો હોય તો બુદ્ધી બાપડી એકલી શું કરે? કાગડાની ટોળી વચ્‍ચે એક કબુતર દુઃખી થઈ જાય છે તેમ ઘણાં દુર્ગુણો વચ્‍ચે એકાદ સદ્‌ગુણ પુરના તણખલાની જેમ તણાઈ જાય છે.

તાત્‍પર્ય એટલું જ માણસ ભલે ‘માસ્‍ટર ઓફ ઑલ’ ના હોય શકે. તેનું ‘જેક ઓફ ઑલ’ હોવું જરુરી છે. ફરીથી એક જ વાત સામે આવે છે. માણસમાં સદ્‌ગુણોનું ગોડાઉન ભલે ના ભર્યું હોય, થોડાંક સદ્‌ગુણોનો નાનકડો ગુલદસ્‍તો જરુર હોવો જોઈએ.

દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત 395 003 ફોન : 0261–2591449 .મેઈલ : sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ 9મો લેખ, પુસ્તકનાં પાન 35થી 37 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી – 12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 ગુજરાત. સેલફોન : 94281 60508 .મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 20–11–2017

Read Full Post »

8

કંકુવરણા કાવતરા

ભારતીય પ્રજાને ત્રણ વર્ગોમાં વહેંચી શકાય. પ્રથમ વર્ગ આસ્‍તીકોનો છે. તેઓ માને છે– આ સૃષ્ટીનું સ્‍કુટર પ્રભુ નામના પેટ્રોલથી ચાલે છે. બીજો વર્ગ નાસ્‍તીકનો છે. તેઓ માને છે–  એ સ્‍કુટર સ્‍વયં સંચાલીત છે. તેની તમામ ગતીવીધીમાં ભગવાનનો કોઈ હાથ નથી. અને ત્રીજો વર્ગ તટસ્‍થ લોકોનો છે. તેઓનું કહેવું છે– ‘ઈશ્વર હોઈ પણ શકે… ન પણ હોય! પણ માણસના હોવા ન હોવા વીશે બે મત નથી. એથી ઈશ્વરની વાત છોડી મનુષ્‍યોની સેંકડો સમસ્‍યાઓ અને તેના સુખદુઃખ વીશે જ વીચારો!’

માણસની સમસ્‍યા એ છે કે ઈશ્વરના રુપ– સ્‍વરુપ અને તેની કામગીરીની એની પાસે કોઈ ઠોસ સાબીતી નથી. દુધમાં પાણી ભેળવ્‍યું હોય તો મીટર દ્વારા જાણી શકાય છે. પણ ઈશ્વરના સ્‍વરુપને પારખવા માટે બુદ્ધી સીવાયની કોઈ ચકાસણી ઉપલબ્‍ધ નથી. ઈશ્વર વીશેના અનેક પ્રશ્નો અનુત્તર છે. ઈશ્વરની સાચી ભક્‍તી ક્‍યારે થઈ કહેવાય? ઈશ્વર માણસની ભક્‍તીની નોંધ લે છે કે નહીં?  લેતો હોય તો માણસને તેની જાણ શી રીતે થઈ શકે? ઈશ્વરની કૃપા– અવકૃપા માપવાનો  આધારભુત માપદંડ કયો? ઈશ્વરના સ્‍વરુપ વીશે પણ માણસ સ્‍પષ્ટ નથી. પુરાણો અથવા ધર્મગ્રંથોમાં ચીતર્યા મુજબનો ભગવાન તેના મનમાં વસેલો છે.

ઈશ્વરભક્‍તી એવી પરીક્ષા છે જેનું રીઝલ્‍ટ જાહેર થતું નથી. ઈશ્વરભક્‍તી એવો પ્રેમપત્ર છે જેનો વળતો જવાબ મળતો નથી. ઈશ્વરને ચુંટણીના ઉમેદવાર તરીકે કલ્‍પી લઈએ તો દુનીયાના સઘળા આસ્‍તીકોને મતદાતા ગણવા રહ્યાં. કમનસીબે તેઓ એવા મતદાતા છે જેમનો મત કેન્‍સલ થઈ જાય છે તેની તેમને ખબર પડતી નથી. સંક્ષીપ્‍તમાં ઈશ્વર ભક્‍તી એટલે આકાશની દીશામાં ઉંચે ફેંકવામાં આવતો ટોર્ચનો પ્રકાશ! આકાશમાં એ ક્‍યાં અંકીત થાય છે તેનું કોઈ પ્રમાણ  મળતું નથી. ઈશ્વર ઝાંઝવાનું જળ છે. તે જીન્દગીભર પાછળ દોડવા પ્રેરે છે; પણ તેનાથી માણસની પ્‍યાસ બુઝાતી નથી. પ્રશ્ન થાય છે– ઈશ્વરના ચોપડામાં આખું વર્ષ જમા કરાવેલું પુજાપાઠનું પ્રોવીડન્‍ટ ફંડ ઘડપણમાં ડબલ થઈને પાછું મળે છે ખરું? ઘડપણનું છોડો મર્યા પછી તેમાંથી બીજા ભવમાં પુણ્‍યનું કોઈ પેન્‍શન મળે છે ખરું? આ પ્રશ્નોના જવાબ હકારમાં આપનારાઓની સંખ્‍યા મોટી છે. પરન્તુ  સૃષ્‍ટી પરના ઈશ્વરના અનેક અટપટા આયોજન વીશે ઉંડાણથી વીચારનારા બૌદ્ધીકોને અનેક પ્રશ્નો ઉદ્‌ભવે  છે.

જેમકે– ‘હરીને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે…’ એવું ભજનમાં ગવાયું છે પરન્તુ મન્દીરમાં જીન્દગીભર પુજાપાઠ કરનારા પુજારીને ત્‍યાં આંધળા લુલાં સંતાનો કેમ અવતરે છે? શું ઈશ્વરની ઑફીસમાં પી.એફ., ગ્રેજ્‍યુટી વગેરેમાં આવું અન્ધેર ચાલે છે? ખુદ કૃષ્‍ણભગવાનનો મીત્ર સુદામા ગરીબ કેમ હતો? સુખદુઃખનો આધાર પરભવના સારા નરસા કર્મો પર જ રહેતો હોય તો એમ નથી લાગતું કે ભગવાનનો કેડો મુકી દઈ માણસે કર્મો જ સારા કરવા જોઈએ, જેના મીઠાં ફળ આ જન્‍મે જ પ્રાપ્‍ત થઈ શકે!

ઈશ્વરની ચર્ચા નીકળે છે ત્‍યારે પુર્વજન્‍મ અને તેના કર્મફળની વાત ખાસ ચર્ચાય છે. પ્રશ્ન ઉદ્‌ભવે છે– પુર્વજન્‍મ કે તેના કર્મફળની સાબીતી કઈ છે? કીડી તેના આખા અવતારમાં કોઈ પાપ કે પુણ્‍ય કરતી નથી. તેને બીજો અવતાર શેનો મળતો હશે? ભ્રષ્ટ રાજકારણીઓ, દાણચોરો, કે ગુંડાઓ આ જન્‍મે જ દુનીયાભરનો તમામ સુખવૈભવ ભોગવતાં હોય છે. બાકીના કરોડો લોકોને એવું સુખ મળતું નથી. શું એમ માનવું કે એ કરોડો લોકો પુર્વજન્‍મના પાપીઓ હશે? વર્ષો પુર્વે જયલલીતાના ઘરમાંથી હજારો સાડીઓ, સેન્‍ડલો અને હજારો  સોના–ચાંદીના ઘરેણાં નીકળ્‍યાં હતાં. કોઈ ધર્મપંડીતને પુછીએ, એટલું ભવ્‍ય સુખ મેળવવા જયલલીતાએ રોજ કેટલીવાર માળા ફેરવી હતી? કેટલાં યજ્ઞો કરાવ્‍યાં હતાં? કયા કયા પુણ્‍યો કર્યાં હતાં?

જગતભરના સંતો કે  ધર્મગુરુઓ ભેગાં મળી ઈશ્વરના અસ્‍તીત્‍વનો કુટપ્રશ્ન હલ કરવા ધારે તોય કરી શકે એમ નથી. ઈશ્વરના પ્રશ્નો ઈશ્વરથીય અધીક પેચીદા છે. પૃથ્‍વીલોકની યુનીવર્સીટીમાં ઈશ્વર અંગેનો કોઈ માન્‍ય અભ્‍યાસક્રમ નથી. એની પરીક્ષા નથી અને પરીણામ પણ નથી. એથી ઈશ્વરને ભજવાનું કામ દુનીયાનું સૌથી સહેલું કામ છે. બચુભાઈ કહે છે– ‘ઈશ્વર અને તેની કૃપા એટલે હવાનો ગોળો હવાના હાથમાં ઉછાળવા જેવી ઘટના! હાથ ક્‍યાં છે, હવા ક્‍યાં છે, ગોળો ક્‍યાં છે– કશું જ દેખાતું નથી. આખી પ્રક્રીયા માનસીક રીતે કલ્‍પી લેવાતી હોય છે. ચીત્રકાર નથી દેખાતો. પીંછી, રંગ  અને  કેનવાસ પણ નજરે પડતાં નથી; છતાં માણસ કહે છે– ‘ચીત્ર ખુબ સુન્દર છે!’ ભગવાન કરતાં માણસે ભગવાન વીશે વધુ ગુંચવાડા ઉભા કર્યા છે. માણસના દીમાગમાં ભગવાનના હજારો ચીત્રો અંકીત થયેલાં છે. દુર્ભાગ્‍યે એક ચીત્રનો બીજા ચીત્ર સાથે મેળ ખાતો નથી. દુનીયાના બધાં શ્રદ્ધાળુઓ ઈશ્વર વીશે એક મત થઈ શકતાં નથી.

મદ્રાસીઓ પેન્‍ટને બદલે લુંગી શા માટે પહેરે છે? કદાચ એનું કોઈ ઠોસ કારણ હોય તો  એટલું જ કે તેમના પીતા અને દાદા, પરદાદાઓ લુંગી પહેરતા હતાં. ઈશ્વરપુજા પણ માણસ માટે મદ્રાસીઓની લુંગી જેવી ઘટના છે. સદીઓથી માણસના પુર્વજો ઈશ્વરની પુજા કરતાં હતાં એથી આજનો માણસ પણ કરે છે. ઈશ્વર એ માણસની બાપુકી મીલકત છે. માણસને બાપદાદાની મીલકત વહાલી હોય છે. આસ્‍તીક્‍તા માણસનો આધ્‍યાત્‍મીક વારસો છે. સોનાનો બંગલો ખરીદી શકે એવો ધનાઢય માણસ પણ બાપુકી ઝુંપડી માટે મરી ફીટે છે.

મુલતઃ માણસ લાગણીશીલ પ્રાણી છે. તેની લાગણીશીલતા તેને ઈશ્વરના અસ્‍તીત્‍વ તરફ દોરી જાય છે. તેને જીવનમાં સુખ મળે છે, સીદ્ધી મળે છે, ત્‍યારે તે વીચારે છે– ઈશ્વર સીવાય આવું સુખ કોણ આપી શકે? બાળપણથી માણસને શીખવવામાં આવે છે– દુનીયામાં બધું ભગવાનની કૃપાથી થાય છે. તેની ઈચ્‍છા વીના એક પાંદડુંય હાલતું નથી.

પરન્તુ નાસ્‍તીકોના વીચારો સામા છેડાના છે. તેઓ કહે છે– ‘જેના નામનો આ પૃથ્‍વી પર જબરજસ્‍ત હાઉ ઉભો કરાયો છે એ ઈશ્વર અસલમાં ખેતરના ચાડીયા જેવો છે. ચાડીયો પક્ષીઓ માટે ઉભો કરેલો હાઉ માત્ર છે. વાસ્‍તવમાં તે નીરુપદ્રવી પુતળું છે. ચાડીયાની અસલીયત જાણી ચુકેલાં ચતુર પક્ષીઓ ચાડીયાના માથે બેસી દાણા ચણે છે. ઘણાં ધાર્મીક ધુતારાઓ પણ ભગવાનના નામે લુંટ ચલાવે છે. કાશી, મથુરા કે દ્વારકા જેવા ઘણાં તીર્થસ્‍થળોએ ભગવાનની પુજા કરાવનારા પંડાઓ ભગવાનના નામે ભક્‍તોને ઠગી લેતાં હોય છે. અમારા બચુભાઈ તેમના વ્‍યવસાયને ‘કંકુવરણા કાવતરા‘ કહે છે.

ભગવાનના નામે એવી ચાંચીયાગીરી ચલાવતાં ભગવાધારી ઠગોને પ્રમોશન મળે ત્‍યારે સમાજને એક સ્‍વામી પ્રાપ્‍ત થાય છે. આપણા સમાજને ધર્મ અને ભગવાનના નામે લુંટાવાનો ભારે ઉમળકો હોય છે. બદ્‌કીસ્‍મતે એવા સમાજની રચના ઉજ્જવળ સંસ્‍કૃતીમાં થાય છે. ચાડીયાની અસલીયત જાણી ચુકેલાં પક્ષીઓની જેમ ઘણાં માણસોને સમજાઈ ચુક્‍યું છે કે અહીં લુંટ કરો કે લુંટાવી દો, ભગવાન ખુશ થતો નથી અને ખફાય થતો નથી. તેમને ખાતરી થઈ ચુકી છે કે ભગવાન ડેડબોડી જેવો છે. ડેડબોડી સાથે જીવીત વ્‍યક્‍તી કેવળ લાગણીથી જોડાયેલી હોય છે. માણસના પ્રેમ કે નફરતની મૃતદેહને કોઈ અસર થતી નથી. માણસ અને મૃતદેહ વચ્‍ચે લાગણીનો વનવે ટ્રાફીક હોય છે તેવો ઈશ્વર અને માણસ વચ્‍ચે હોય છે.

બૌદ્ધીક કક્ષાના શ્રદ્ધાળુઓને પણ પ્રશ્ન થયા વીના નથી રહેતા. આપણે ત્‍યાં નીત નવાં મન્દીરો બંધાય છે. સતત રથયાત્રાઓ કે ભગવાનના વરઘોડાઓ નીકળતા રહે છે. રામકથાઓ કે ભાગવત સપ્‍તાહો યોજાતી રહે છે. એ સીવાય આખું વર્ષ ઢગલેબન્ધ ધાર્મીક તહેવારો ઉજવાતાં રહે છે. અરે! અહીં વીશ્વશાંતી યજ્ઞો પણ થતાં રહે છે…! છતાં આ દેશ પર ઈશ્વરકૃપા કેમ વરસતી નથી. સમ્ભવતઃ ભારત વીશ્વનો સૌથી દુઃખી દેશ હશે. જ્‍યાં તેત્રીશ કરોડ દેવી દેવતાઓ જન્‍મ્‍યાં છે, જ્‍યાં રાત દહાડો માણસ ભગવાનને ભજે છે ત્‍યાં સુખશાંતી અને પ્રગતીના નામે આવું અંધારું શા માટે? શું ઈશ્વરને માણસના સુખદુઃખની કશી પરવા નથી? પશ્ચીમીના દેશોમાં ભગવાનની આટલી ગાઢ ભક્‍તી થતી નથી છતાં તે પ્રજા આપણાં કરતાં વધુ સુખી અને સમૃદ્ધ કેમ છે? આપણે નવેસરથી વીચારીને એ નક્કી કરવું પડશે કે માણસનું કલ્‍યાણ શેમાં છે? નરસીંહ મહેતાની જેમ દીનરાત ભક્‍તીનો તંબુરો વગાડ્યા કરવામાં કે સખત પરીશ્રમ કરી દેશનો વીકાસ કરવામાં? આ બધા પ્રશ્નોમાં કેટલું વાજબીપણુ છે તે વીશે વીચારાવું જોઈએ.

દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત 395 003 ફોન : 0261–2591449 .મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ 8મો લેખ, પુસ્તકનાં પાન 32થી 34 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત સેલફોન : 94281 60508 .મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 13–11–2017

 

Read Full Post »

Older Posts »