ભુલ કરવી, પ્રયોગ કરતાં રહેવું, એ જ વીજ્ઞાનનો શ્વાસોચ્છ્વાસ છે

–ચન્દ્રકાન્ત બક્ષી

જે જોષી એવો દાવો કરતો રહે છે કે એ હમ્મેશાં સાચો પડે છે એ જોષીમાં મને જોષી તરીકે નહીં; પણ માણસ તરીકે પણ વીશ્વાસ નથી. જેને ભુલ કરવાનો આટલો ભય છે અથવા જેનામાં ભુલ કરવાની પણ હીમ્મત નથી, એ પુર્ણ મનુષ્ય નથી. જુઠું બોલવું અને ખોટા પડવું એ બે વચ્ચે માણસે સ્વયં પસન્દગી કરવાની હોય છે. પોતે હમ્મેશાં સાચું બોલે છે એવું કહેનારા માણસનું જુઠ એક રોગની અધોસ્થીતી પર પહોંચી ગયું છે. સાચા હોવાનો દાવો એ એક હીન્દુસ્તાની બીમારી છે, ભુલ કરવાની તૈયારી કે બહાદુરી કે નીશ્ચીતતા એ અમેરીકન ગુણ છે. અમેરીકામાં નોકરી માટેના બે ઉમેદવારો, એક જવાન અને એક મધ્યવયસ્ક હોય તો ત્યાં જવાનને તક આપવામાં આવે છે. કારણ ? એનામાં ભુલો કરવાની હીમ્મત છે, એ નવું કરવા તૈયાર છે. એ પ્રયોગ કરીને ભુલ સ્વીકાર કરે એટલો ઈમાનદાર છે. જુનો માણસ એની જડ, કલ્પીત, હોશીયાર, અનુભવી, સચ્ચાઈના વર્તુળમાં બેસીને એવો મુડદાલ થઈ ગયો છે કે એનામાં નવી ભુલ કરવાની ‘આગ’ રહી નથી. પાળેલા કુતરાને જ બગાઈઓ કરડતી રહેતી હોય છે. શીકારી કુતરાને બગાઈઓ થતી નથી. ભુલ કરવી, પ્રયોગ કરતા રહેવું, જુની ભુલ સુધારતા રહેવું એ જ વીજ્ઞાનનો શ્વાસોચ્છવાસ છે. જોષી અને વૈજ્ઞાનીકનો મારી દૃષ્ટીએ ફરક એક જ છે. જોષી ક્યારેય ભુલ કરતો નથી, વૈજ્ઞાનીક ભુલો કરતો રહે છે અને આસમાનના ગ્રહોને સ્પર્શી આવે છે. જોષી કાગળ ઉપર ચોકડીઓ કરીને આકાશના ગ્રહો સાથે રમ્યા કરે છે ! શુન્ય ચોકડીની રમત કદાચ જન્મકુંડળીઓ પરથી જ આવી હશે, નવરા જોષીઓની સામે પડેલી જન્મકુંડળીઓમાંથી…..

અજ્ઞાતના ક્ષેત્રમાં ચરણ મુકનારે ભુલા પડવું પડે છે અને ભુલ પણ કરવી પડે છે. ક્યારેક આ ભુલોએ જગતની પ્રગતી અટકાવી દીધી છે. ક્યારેક ભુલના અકસ્માતે જગતને શતકો આગળ ફેંકી દીધું છે. વૈજ્ઞાનીક પ્રગતીના બે માર્ગો છે. એક સ્ટીમ એન્જીનનો, જેમાં પ્રગતી ધીરે ધીરે, કદમ–બ–કદમ, એક એક પગથીયું ચડીને, સંજોગો પ્રમાણે ફેરફારો કરતા રહીને થઈ છે. 1775માં જેમ્સ વૉટના આવવા સુધીમાં તો આગળ કેટલાય માણસો કામ કરી ગયા હતા. પશુશક્તી, પાણીશક્તી, પવનશક્તી અને અન્તે ડચ વૈજ્ઞાનીક ક્રીશ્ટીઅન હ્યુજેન્સે દારુગોળાની શક્તીથી એન્જીન ચલાવવાની કોશીશ કરી હતી, પછી હ્યુજેન્સના સાથી ડેનીસ પેપીને પાણી ઉકાળીને, વરાળ ઠંડી કરીને એંજીન ચલાવવાનો યત્ન કર્યો હતો. આઠ વર્ષ પછી થોમસ સેવરીએ કોશીશ કરી, પછી થોમસ ન્યુકોમેન નામના પ્લમ્બરે પ્રયાસ કર્યો. ન્યુકોમેનના એન્જીનથી કોલસાની ખાણોમાં ભરાતું પાણી બહાર કાઢી શકાયું. પછી જોન સ્મીટને એન્જીન બનાવ્યું પણ એના એન્જીનમાંથી ઘણી ખરી વરાળ બહાર છુટી જતી હતી. છેવટે જેમ્સ વૉટનું એન્જીન આવ્યું જે વરાળથી ચાલતું હતું. આપણી સ્કુલોમાં એક બનાવટી વાર્તા શીખવવામાં આવે છે કે જેમ્સ વૉટ અંગ્રેજ સાહસીક હતો. એણે એની માતાના ચુલા પર પડેલી કીટલીને વરાળથી હાલતી જોઈ અને એને વરાળ સંચાલીત એન્જીન બનાવવાનો વીચાર આવ્યો અને એણે એન્જીન બનાવ્યું. આ બકવાસ છે. જેમ્સ વૉટને કીટલી સાથે કોઈ સમ્બન્ધ ન હતો.

steam engine inventors        સ્ટીમ એન્જીનની શોધ માટે મશક્કત કરનારા સંશોધકો : (ડાબેથી)

ક્રીશ્ટીઅન હ્યુજેન્સ, ડેનીસ પેપીન, થોમસ સેવરી, થોમસ ન્યોકોમેન અને જૉન સ્મીટન અન્તે જેમ્સ વૉટ (છેલ્લે)ને સફળતા મળી)

વૈજ્ઞાનીક પ્રગતીનો બીજો માર્ગ છે : બ્રેક થ્રુ ! અથવા એકાએક સીદ્ધી, એક જ ધડાકે રહસ્ય ખુલી જવું, કંઈક નવી સામગ્રી અનાયાસ હાથ આવી જવી. અકસ્માત, ભુલ ! ટ્રાન્ઝીસ્ટર એવી જ એક શોધ છે. શરુમાં ટ્રાન્ઝીસ્ટરમાં મુખ્ય પદાર્થ તરીકે જર્મેનીયમ વપરાતું હતું, જે ઈલેક્ટ્રોનને ત્વરાથી ફરવા માટે સારું માધ્યમ હતું. એ સીલીકોન કરતાં વધારે યોગ્ય માધ્યમ પણ હતું. પણ સીલીકોનનો ઉપયોગ કરતાં એક ફાયદો એ જોવા મળ્યો કે એને કારણે મુખ્ય અંગ અથવા ચીપના ઉપર ઓક્સાઈડનો થર જામી જતો હતો, જેનાથી ચીપની રક્ષા થતી હતી ! આજે સીલીકોનનું તન્ત્રજ્ઞાન વીશ્વભરમાં ફેલાઈ ગયું છે. કમ્પ્યુટર ક્ષેત્રના બે પ્રસીદ્ધ નામો માઈક્રોપ્રોસેસર અને સુપર કન્ડક્ટર પણ આ જ રીતે બ્રેક થ્રુ દ્વારા એટલે કે પ્રેરણાગત, અકસ્માત ઉપલબ્ધ થયેલી સીદ્ધીઓ છે. જો કે ભુલથી થઈ ગયેલા અકસ્માતો કે એ પ્રકારની સીદ્ધીઓ પ્રમાણમાં બહુ જ ઓછી હોય છે.

વીચીત્ર પરીસ્થીતીઓ સરજાવી કે વર્ષો સુધી ભુલભરેલી માન્યતાઓ સ્વીકારાવી વીજ્ઞાનવીશ્વમાં સ્વાભાવીક છે અને ક્ષમ્ય પણ છે; કારણ કે વૈજ્ઞાનીક અજ્ઞાતભુમીનો સંશોધક છે. મહાન ન્યુટને એના સમયમાં આગાહી કરી હતી કે સુર્યમાં મનુષ્યવસતી જરુર છે ! અને જગતે ન્યુટનને એની ભુલ માટે ક્ષમા પણ આપી દીધી છે. ન્યુટન એના અમીટ યોગદાન માટે વીજ્ઞાનના ઈતીહાસમાં અમર છે. ઘણી વાર માણસ ખોટો પણ પડે છે. ભુલ પણ કરે છે, ઘણીવાર એ એના દેશકાળ કરતા ઘણો આગળ નીકળી ગયેલો દ્રષ્ટા કે મનીષી હોય છે. એને ખોટો સમજનાર દુનીયા ખોટી હોય છે અને એના મરી ગયા પછી એની ભુલ સત્ય બનીને મનુષ્યજાતી માટે પથપ્રદર્શક બને છે.

Astrophysicists(આઈઝેક ન્યુટન, ટૉલેમી, નીકોલસ કોપરનીકસ અને યોહાનેસ કૅપલર)

ટોલેમીનું નામ સર્વકાલીન મહાન ખગોળશાસ્ત્રીઓમાં ગણાય છે. એણે કહ્યું હતું કે આ પુરા બ્રહ્માંડનું કેન્દ્રબીન્દુ પૃથ્વી છે અને આ ભુલ જગતે 1500 વર્ષ સુધી સ્વીકારી ! જગતની પ્રગતી 1500 વર્ષો સુધી ટોલેમીના આ એક વીધાને અટકાવી દીધી. પછી કોપરનીકસે આવીને કહ્યું કે એવું નથી; પણ પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે. સુર્ય પૃથ્વીની આસપાસ ફરતો નથી. બ્રહ્માંડનું કેન્દ્રબીન્દુ પૃથ્વી નથી; પણ સુર્ય છે. ટોલેમીની ભુલ સુધારવાનું પાપ કરવા માટે કોપરનીક્સને ભયંકર સહન કરવું પડ્યું. કેથલીક ચર્ચે કોપરનીક્સના પુસ્તકની સખત બદનામી કરી. માર્ટીન લ્યુથર જેવા ક્રાંતીકારી ધર્મપ્રવર્તકે કહ્યું : ‘બેવકુફ પોલ !’ (પોલ એટલે પોલેન્ડનો નાગરીક એ અર્થમાં.) કેલ્વીન અને બેકન જેવા વીચારકોએ કોપરનીક્સની મજાક ઉડાવી. અન્તે યોહાનેસ કેપલર અને ચાર્લ્સ ન્યુટને કોપરનીક્સના સીદ્ધાન્તને અનુમોદન આપ્યું અને સત્ય સ્વીકારાયું. આજે કોપરનીકસ આધુનીક ખગોળશાસ્ત્રનો પીતા ગણાય છે.

કેપલરને પણ એ જ તકલીફ પડી. એ હાઈ સ્કુલમાં ગણીતનો શીક્ષક હતો. ઈશ્વર એને એક સજારુપ લાગતો હતો. ‘જ્ઞાન ભયથી પ્રાપ્ત થતું નથી; જીજ્ઞાસાથી પ્રાપ્ત થાય છે’ એ કેપલરનું સ્પષ્ટ મંતવ્ય હતું. આજથી બરાબર 400 વર્ષ પહેલાં કેપલરે 1589માં માલર્બન છોડ્યું. પહેલે વર્ષે સ્કુલમાં એના વર્ગમાં થોડા વીદ્યાર્થીઓ હતા. બીજે વર્ષે એક પણ વીદ્યાર્થી આવ્યો નહીં. એ સારો શીક્ષક પણ ન હતો. કેપલરનો એ જમાનો હતો જ્યારે દુરબીન હજી શોધાયું ન હતું અને જગત એમ જ માનતું હતું કે આકાશમાં છ ગ્રહો છે. કેપલરનું કહેવું હતું : ‘શા માટે ફક્ત છ જ ગ્રહો ? શા માટે, આઠ, દસ, પંદર, વીસ નહીં ?’ આવા વીચારો માટે કેપલરને દેશનીકાલ કરવામાં આવ્યો. યોહાનેસ કેપલરે એક જ વાક્ય કહ્યું : ‘હું દંભ ક્યારેય શીખી શક્યો નથી…’

ભુલ કોણ કરે છે, શોધક કે જગત ?  વૈજ્ઞાનીક પોતાની ભુલ તરત જ સ્વીકારી શકે છે; પણ જગત એટલું જલદી પોતાની ભુલ પણ સ્વીકારી શકતું નથી. અને એટલું જલદી ભુલી પણ શકતું નથી.સત્યમેવ જયતે નામનો મુદ્રાલેખ જગતને બહુ મોડો સમજાય છે પણ અન્ય દુનીયાઓની જેમ, વીજ્ઞાનની દુનીયામાં પણ સત્યનો જ જય થાય છે. જો કે પોતાના જીવનકાળ દરમીયાન જ તે માણસના સત્યનો જય થવો જરુરી નથી. ઘણી વાર માણસનું સત્ય જગત એના મૃત્યુ પછી સ્વીકારતું હોય છે.

જ્યોર્જ સાઈમન ઓહ્મ એક જર્મન સ્કુલ શીક્ષક હતો. વીદ્યુતના ક્ષેત્રમાં ઓહ્મ શબ્દ આજે એક માપ કે સંજ્ઞારુપે વપરાય છે. ઓહ્મે કહ્યું કે, ‘વીદ્યુતનો પ્રવાહ વીજળીના તાર સાથેના આંતરીક ઘર્ષણ પર આધાર રાખે છે.’ આને ઓહ્મના નીયમ તરીકે વીદ્યુતશાસ્ત્રમાં સ્થાન મળ્યું છે: બૅટરીના વૉલ્ટેજ પ્રમાણે પ્રવાહની વધઘટ થાય છે અને તાર સાથેના આન્તરીક ઘર્ષણ સાથે ઉંધા અનુપાતમાં એ પ્રવાહની વધઘટ થતી રહે છે. 1826માં ઓહ્મનો નીયમ પ્રકટ થયો અને એના માથા પર આસમાન તુટી પડ્યું. એનો ઉપહાસ કરવામાં આવ્યો. જ્ઞાનીઓએ એના વીચારને તોડીફોડી નાખ્યા અને કોલોન નગરમાં ઓહ્મ જ્યાં નોકરી કરતો હતો ત્યાંથી એને રાજીનામું આપી દેવું પડ્યું.

વર્ષો સુધી ઉપહાસ અને અવહેલના સહન કર્યા પછી ઓહ્મને પોતાનું સ્થાન પુન:પ્રાપ્ત થયું. એ સાચો હતો, એની ભુલ જ સત્ય હતી, એને ઉતારી પાડનાર વીદ્વાનો ખોટા હતા. ઓહ્મ એટલો ખુશકીસ્મત હતો કે એના જીવનકાળ દરમીયાન જ; પણ વર્ષો પછી 1849માં, એને ભૌતીકશાસ્ત્રનો પ્રૉફેસર બનાવવામાં આવ્યો.

વીજ્ઞાન અને તન્ત્રજ્ઞાનમાં દરેક અન્વેષક જ્યૉર્જ ઓહ્મ જેટલો સૌભાગ્યવાન હોતો નથી. કેટલીય શોધો ઘણી પહેલાં થઈ ચુકી હતી પણ તત્કાલીન સમાજ એ સ્વીકારવા તૈયાર ન હતો એવું મનાય છે કે આજનાં લેસર કીરણો જેવાં જ કીરણો મેક્સીકોની આઝટેક પ્રજાએ વાપર્યાં હતાં. દીલ્હીમાં ઉભેલો લોહસ્તંભ સેંકડો વર્ષોથી વરસાદ અને તડકામાં ઉભો જ છે અને એને કાટ લાગ્યો નથી. લોખંડને શુદ્ધ કરવાની કોઈક કલા કારીગરી આપણી પાસે હતી, જે કાલની ગર્તામાં ખોવાઈ ગઈ છે. પ્રાચીન ઈજીપ્તમાં જ્યારે ટોલેમીનું રાજ્ય હતું ત્યારે એક સ્ટીમ એન્જીન શોધાયું હતું અને એનું કામ હતું, દીવાદાંડી પર પાણી ચડાવવાનું. બહુ જ આરંભીક યાન્ત્રીક પમ્પ એમાં જોડવામાં આવ્યો હતો અને આ દીવાદાંડી ફારોસના ટાપુ પર હતી. પણ એના ઉપયોગ પર પ્રતીબન્ધ મુકી દેવામાં આવ્યો. રાજાને થયું કે જો પમ્પ હશે તો મજુરો કામ નહીં કરે. મધ્યકાલીન બગદાદમાં એક ઈલેક્ટ્રીક બૅટરી બનાવવામાં આવી હતી; પણ એમાં આગળ સંશોધન કરવા પર મનાઈ ફરમાવવામાં આવી. એવો ભય હતો કે હસ્તઉદ્યોગો આવી શયતાની શોધથી નાશ પામશે. પોપોવ નામના શોધકે પ્રથમ રેડીયો–સેટ બનાવ્યો, ત્યારે લોકોને થયું કે આ એક મનહુસ યન્ત્ર છે અને એમણે રોષમાં આવીને એ સેટ તોડી નાખ્યો. ઘઉં દળવા માટે રોમમાં એક પાણી દ્વારા ચાલતી મીલ બનાવવામાં આવી હતી. આ દૃષ્ટાન્તમાં પણ રાજાએ નીષેધ ફરમાવ્યો; કારણ કે એને લાગ્યું કે ગુલામો નકામા થઈ જશે. જો આવાં મશીનો કામ કરવા માંડશે તો માણસોનું શું કરીશું ?

વીજ્ઞાન અને કલાનો એક ફરક છે. કલામાં મારા પુર્વજ અને મારી વચ્ચે માત્ર એક ભાવનાત્મક સમ્બન્ધ છે, જે બીન્દુ પર અટકે છે ત્યાંથી મારે શરુ કરવાનું નથી. મારું આરમ્ભબીન્દુ અને મારું અન્તબીન્દુ મારા જીવનની જેમ મારાં પોતાનાં છે. વીજ્ઞાનની દુનીયામાં એક આઈનસ્ટાઈનની પાછળ એક ન્યુટન જરુર રહેલો છે. ન્યુક્લીઅર પાવર કે સૌરઉર્જા કે વીદ્યુતની પાછળ કોલસો છે અને કોલસાના પહેલાં લાકડું ઉર્જાનો સ્રોત હતું. વીજ્ઞાન એક પરમ્પરા છે, કલાઅંશત: એક પ્રણાલીકાનું ભંજન છે. કલામાં ભુલ નામનો શબ્દ બાહ્ય છે; બહુ સાન્દર્ભીક પણ નથી. વીજ્ઞાનમાં ભુલ એ બુનીયાદ છે અને ગુંબજ છે. ભુલ એક સહાયક શબ્દ છે.

ક્લોઝ અપ

દવા મારી ધર્મપત્ની છે; પણ સાહીત્ય મારી પ્રીયા છે.

જ્યારે હું એકથી થાકી જઉં છું, ત્યારે જઈને બીજી સાથે સુઈ જઉં છું.

…એન્ટન ચેખોવ…

(મહાન રશીયન નાટ્યકાર–વાર્તાકાર, જે વ્યવસાયે ડૉક્ટર હતો).

‘Medicine is my lawful wife and literature my mistress; when I get tired of one, I spend the night with the other.’ (સમકાલીન : જુન 11, 1989)

–ચન્દ્રકાન્ત બક્ષી

મશહુર ગુજરાતી ચીન્તક–લેખક શ્રી. ચન્દ્રકાન્ત બક્ષીના અનગીનત વીષયો પરના વૈવીધ્યસભર લેખોનું સંકલન ‘બાકાયદા બક્ષી – ChandrakantBakshiના 31 માર્ચ, 2013ના અંકમાં પ્રકાશીત થયેલો આ લેખ, લેખકના અને બ્લોગના સૌજન્યથી સાભાર…

અભીવ્યક્તી.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads  વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાના નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…  ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : +91 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  – uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 03/06/2016

Advertisements

દરેક બીજી સ્ત્રી અને ત્રીજો પુરુષ માને છે એ શાસ્ત્ર : જ્યોતીષ !

–ચન્દ્રકાન્ત બક્ષી

જ્યોતીષ વીશે લખવામાં વ્યાવહારીક જોખમ છે. દરેક બીજી સ્ત્રી અને દરેક ત્રીજો પુરુષ જ્યોતીષમાં માને છે. ભવીષ્ય વેત્તાના દરેક લખેલા શબ્દ પર લોકોને જે વીશ્વાસ છે એ અદ્ ભુતથી પણ વધારે છે ! જ્યોતીષી કે ભવીષ્યવેત્તાનું નામ ન હોય, એડ્રેસ ન હોય, ગોત્ર ન હોય; છતાં પણ ભણેલાગણેલા માણસોને એમની વાતોમાં, એમના અક્ષરેઅક્ષરમાં જે આસ્થા છે એ અન્ધશ્રદ્ધાથી જરા પણ ઓછી નથી. ભવીષ્ય વીશે જાણવું એ માણસની કમજોરી છે અને રહેશે. જ્યોતીષ જેવો ધમધોકાર ધંધો બીજો નથી. મુહુર્ત જોયા વીના પરણવા નીકળનારા કે પુજા કર્યા વીના ગૃહપ્રવેશ કરનારા ભાગ્યે જ મળશે ! ભારતમાં જ્યોતીષ હતું, છે અને રહેશે…

1985ના સપ્ટેમ્બરની પહેલી તારીખે દેશના પ્રથમકક્ષાના અંગ્રેજી સમાચારપત્રમાં આ પ્રકારની જાહેરખબર વાંચવા મળે છે : ‘27/155, બીઝનેસમેન, જે દુબઈમાં સ્થાયી છે, એને માટે 20થી 25 વર્ષની ખુબસુરત ગ્રેજ્યુએટ સુન્ની મુસ્લીમ કન્યાએ જન્મકુંડળી (હોરોસ્કોપ) સાથે પત્રવ્યવહાર કરવો.’ ચારેક વર્ષ પહેલાં પાકીસ્તાનમાં અંગ્રેજી દૈનીકમાં સાપ્તાહીક ભવીષ્યના મકર અને વૃશ્ચીક અને તુલા જોઈને ખુબ જ આશ્ચર્ય થયેલું  ! મુસ્લીમ પાકીસ્તાનમાં ઉર્દુ અખબારો પણ ભવીષ્યવાણીની કૉલમો ચલાવે છે એવું ત્યાંના દોસ્તોએ કહ્યું છે. સોવીયેત યુનીયન જેવા કમ્યુનીસ્ટ દેશમાં પણ ટ્રેડ યુનીયન પત્ર ‘ત્રુદ‘ સતત શીકાયત કરતું રહે છે કે ભવીષ્યવાણી કહેવી એ સામાજીક દુષણ બની ગયું છે અને એને કારણે કેટલીય જીન્દગીઓ ખોટી આશા–નીરાશાઓમાં બરબાદ થઈ જાય છે. એટલે રશીયામાં પણ જ્યોતીષનો ‘રોગ‘ તો છે જ  !

જ્યોતીષ મહાન શાસ્ત્ર હશે; પણ એ પ્રેક્ટીસ કરનારા એટલા મહાન નથી. જ્યોતીષની શેરબજાર જેવી એક દ્વીઅર્થી ભાષા છે. દરેક અનુમાનશાસ્ત્રે પોતાની એક ભાષા પેદા કરી લેવી પડે છે. કોઈ પણ આગાહી મુળભુત બે જ પ્રકારની હોઈ શકે છે – ક્રીકેટ ટીમ જીતશે અથવા નહીં જીતે ! રાજીવ ગાંધી સફળ થશે કે નહીં થાય. પણ આટલી સ્પષ્ટતાથી આગાહી કરવામાં આવતી નથી. મહાત્મા ગાંધીની હત્યાની એક ભવીષ્યવેત્તાએ જરુર આગાહી કરી હતી !

જ્યોતીષનું સૌથી ખરાબ પરીણામ એ છે કે એ અસ્થીર માણસને કમજોર બનાવી નાંખે છે. આન્ધ્રમાં વીધાનસભાની ચુંટણી હતી. કોંગ્રેસની પાંત્રીસ વર્ષોથી બહુમતી હતી. દીલ્હીમાં ઉમેદવારો ભેગા થયા હતા. કોંગ્રેસી ઉમેદવારોએ શુભમુહુર્ત કાઢીને પત્રકો ભર્યાં. પણ એ શુભમુહુર્ત સાચવવા માટે દીલ્હીથી ખાસ ચાર્ટર કરેલું ઈન્ડીયન એરલાઈન્સનું હવાઈ જહાજ ખાસ શુભમુહુર્ત કાઢીને દીલ્હીથી હૈદરાબાદ માટે ઉડ્યું. સરકારી હવાઈ જહાજ મુહુર્ત પ્રમાણે આ રીતે ઉપડતું નથી; પણ દેશના ‘ભવીષ્ય‘નો પ્રશ્ન હતો અને પ્લેન ચાર્ટર કરેલું હતું ! બધાં જ શુભમુહુર્તો સચવાયાં, કોંગ્રેસીઆ ઉમેદવારોએ કોંગ્રેસની જન્મકુંડળીના બધા જ ગ્રહો સાચવ્યા પણ જનતાનું ગૃહ ભુલી ગયા ! આન્ધ્રના રામારાવે કોંગ્રેસને સખત પરાજય આપ્યો. મુહુર્તો ખોટાં કાઢવાનો પ્રશ્ન હતો જ નહીં. ઘણા બધા જોશીઓએ એકથી વધારે મુહુર્તો સાચવ્યાં હતાં અને એમનું સમ્પુર્ણ મતૈક્ય હતું – પણ જોશીઓ ખોટા પડ્યા.

1761માં પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું. મરાઠા સેનાઓના સેનાપતી હતા સદાશીવરાવ ભાઉ અને સામે અફઘાન અહમદશાહ અબ્દાલી હતો. અફઘાનો શક્તી વગરના, સંગઠન વીનાના હતા, મરાઠાઓ તૈયાર હતા. મૌસમ આક્રમણ માટે ઉપયુક્ત હતી; પણ ભાઉસાહબ પ્રખર જ્યોતીષી હતા. હમણાં ગ્રહો બરાબર ન હતા, એમનું કહેવું હતું.

મરાઠી સેનાના મુખ્ય તોપચી ઈબ્રાહીમખાને કહ્યું કે આ મોકો છે હુમલો કરી દેવાનો; પણ ગ્રહો ઠીક ન હતા. મરાઠા વીલમ્બ કરતા રહ્યા, વરસાદ આવ્યો, નદીઓ ઉભરાઈ ગઈ. ચોમાસું ગયું. પણ હજી ગ્રહો બરાબર ન હતા. અન્તે એક દીવસ યુદ્ધ થઈ ગયું, યુદ્ધ કરવું જ પડ્યું. છેલ્લે દીવસે મરાઠા સૈનીકો એમનું છેલ્લું ભોજન અને ઘોડાઓની છેલ્લી રસદ ખતમ કરીને યુદ્ધમાં ઉતર્યા. ભાઉસાહેબે કહ્યું, હવે ગ્રહો બરાબર છે…

નવેક માસના વીલમ્બ પછી મરાઠા–અફઘાન યુદ્ધ થયું. ગ્રહો સારા હતા–પણ અફઘાનો માટે ! 1761માં જે યુદ્ધ થયું એણે ભારતનું ભાવી શેષ કરી દીધું અને એમાં પરાજયનું એક કારણ હતું સદાશીવરાવ ભાઉનો જ્યોતીષમાં અડગ અન્ધવીશ્વાસ.

કથાકાર મધુરાયની એક વાર્તામાં એક પાત્ર રમુજમાં કહે છે કે : ‘મારી મમ્મીને મંગળ હતો અને મારા પપ્પાને મંગળ હતો એટલે મારો જન્મ થયો !’ ભારતમાં પહેલાં બે જન્મકુંડળીઓના મંગળ પ્રેમ કરી લે છે, પછી મનુષ્યો પ્રેમ કરે છે. મજાકમાં કહીએ તો ‘લગ્ન કાગળના બે ટુકડાઓ વચ્ચે નક્કી થાય છે.’

જ્યોતીષ પાસે ઘણા પ્રશ્નો અનુત્તર છે. તરત જન્મેલા મૃત બાળકને પણ સામાન્ય મનુષ્ય જેટલી લાંબી જીવનરેખા હોય છે  ! બન્દરની હથેળી પર પણ આપણા જેવી જ રેખાઓ હોય છે. સામુદ્રીક વીદ્યા એ હથેળીઓ વીશે કંઈ કહી શકે છે  ? ખગોળશાસ્ત્ર (એસ્ટ્રોનોમી) ચોક્કસ શાસ્ત્ર છે, જ્યારે જ્યોતીષ (એસ્ટ્રોલોજી) હજી અનુમાનની વસ્તુ છે. જન્મની ક્ષણને ભવીષ્ય સાથે સમ્બન્ધ છે  ?

હીન્દુસ્તાનમાં એક જ ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે. અમેરીકામાં ત્રણ સમયો છે. આસામ અને ગુજરાતમાં એક જ સમય હોઈ શકે ? બે ઘડીયાળો એક સ્થળે પણ સરખો સમય બતાવતી નથી ! હોસ્પીટલની ઘડીયાળ પણ સાચી જ હોય એ જરુરી નથી. ચોક્કસ કે એક્ઝેક્ટ સમય ઘડીયાળો પર નીર્ભર નથી; પણ તમે કયા ચોક્કસ અક્ષાંશ–રેખાંશ પર જન્મ્યા છો એના પર આધારીત છે. કદાચ જ્યોતીષીઓ આ વીશે ક્યારેય સાવધાન નથી હોતા. શીયાળા–ઉનાળાના જગતના ઘણા દેશોમાં જુદા જુદા સમય હોય છે. અક્ષાંશ–રેખાંશની દૃષ્ટીએ ભારતવર્ષમાં પુર્વતમથી પશ્ચીમતમ બે સ્થાનો વચ્ચે વૈજ્ઞાનીક રીતે લગભગ બે કલાકનો ફર્ક હોવો જોઈએ. સ્થાનીક સમય અને ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઈમ વચ્ચે પણ ફરક હોય છે. દૃષ્ટાંતરુપે જોઈએ તો અમદાવાદના સ્થાનીક સમયમાં 40 મીનીટ ઉમેરો તો ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઈમ આવે; પણ આસામના ગુવાહાટીમાં 37 મીનીટ બાદ કરો તો આઈએસટી આવે  !

ગ્રીક ‘હોરોસ્કોપ’ પરથી ભારતીય ‘હોડાચક્ર’ આવ્યું. આપણે ત્યાં જન્મકુંડળી જુની વસ્તુ છે. કહેવાય છે કે રાવણની કુંડળીમાં સુર્ય સાતમા ઘરમાં હતો. રામાયણમાં રામનાં લગ્ન પછી દશરથ અયોધ્યા પાછા ફરી રહ્યા છે, ત્યારે વનમાં પક્ષીઓનો તીવ્ર કાકારવ સાંભળે છે; પણ હીંસક પશુઓ પાળેલાં જાનવરોની જેમ પાસે આવીને આસપાસ ફરે છે. દશરથને અપાર આશ્ચર્ય થાય છે ત્યારે વશીષ્ઠ આ લીલા સમજાવે છે. પક્ષીઓનો કાકારવ આવનારી આપત્તીઓનો દ્યોતક છે જ્યારે હીંસક પશુઓનું શરણ બતાવે છે કે એ આપત્તીઓ પસાર થઈ જશે ! ઋષી વશીષ્ઠની ભવીષ્યવાણી અક્ષરશ: સાચી પડે છે.

એ જ જુનો પ્રશ્ન આવે છે : જોશી જોષ જુએ છે તો એની છોકરી કેમ રંડાય છે ?

જ્યોતીષ અંગત વીશ્વાસનો પ્રશ્ન છે. વહેમ એ, જ્યોતીષનો અનૌરસ પુત્ર છે. નીર્દોષ આનન્દ માટે જ્યોતીષ બહુ સરસ વીષય છે અને સાપ્તાહીક ભવીષ્ય એમાં ઉત્તમ છે  !

તમે જો નીયમીત સાપ્તાહીક ભવીષ્ય વાચવાના બન્ધાણી હો તો તમારે માટે થોડી સુચનાઓ અને ભવીષ્યવાણી નીચે મુજબ છે :

“……પાડોશમાં પોપટ હોય તો સંભાળશો. ઑક્ટોબરમાં તમે પ્રાણીબાગમાં જાઓ એવા સંજોગો છે. આ જુન સુધીમાં તમને ફક્ત બે જ સ્ત્રીઓ પ્રેમ કરે એવા યોગ છે. દીવાળી સમયે એક બંગાળી તમને તમારો વીમો ઉતરાવવા માટે ચેષ્ટાઓ કરશે; પણ તમે એમાંથી છટકી જશો. પ્રથમ છ માસ તમને તમારા ટેલીફોન તરફથી કોઈ તકલીફ નહીં રહે. વરસાદના દીવસોમાં તમારી વર્ષો જુની એક પ્રીયા તમને યાદ કરશે અને બેએક વાર ગુંડા મોકલશે; પણ તમારો સુર્ય તપી રહ્યો છે. આપઘાત કરવા માટે આ અઠવાડીયું સારું નથી. રેસકોર્સમાં ‘યુ’ કે ‘ડબલ્યુ’ નામથી શરુ થતા ઘોડા પર જુગાર રમવાથી ફાયદો થશે. જેના પીતાનું નામ મુળજી કે હરીદાસ કે ચમનલાલ હોય એવા શખ્સથી દુર રહેજો. જુલાઈમાં વાળ કપાવશો નહીં અને નવું ટી.વી. ખરીદશો નહીં. સપ્ટેમ્બરમાં પેન્ટ સીવડાવશો તો સીટમાંથી ટાઈટ થઈ જશે. આ વર્ષે અત્તરની શીશીઓ લેવી નહીં અને લેશો તો ખોલતી વખતે એના બુચ તુટીને અંદર ચાલ્યા જશે. આ વર્ષે પાંચ ફીટ સાડા ત્રણ ઈંચ ઉંચી એક સ્ત્રીથી તમને સન્તાપ છે; પણ શીયાળામાં એને લગભગ પરણી જવાનો યોગ ઉભો થશે. વૃશ્ચીક રાશીમાં જન્મેલા એક જાડા બેંક મેનેજર સાથે બોલાચાલી થશે. તમને ટેબલ ટેનીસના બૉલની ઘાત છે માટે એનાથી સંભાળશો. આ વર્ષે તમારે એકન્દરે સન્તાનયોગ નથી.”

અને હા,  હું જ્યોતીષમાં માનતો નથી.

ક્લોઝ અપ

ગ્રાહકોને વીનન્તી છે કે વચ્ચે વચ્ચે એમણે સીલીંગના પંખાઓ તરફ તાકતા રહેવું, જ્યારે પંખાઓ ફરતા દેખાય (અમારા પંખાઓ તો ચાલતા જ નથી !) ત્યારે સમજવું કે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. [કલકત્તામાં એક શરાબના બારમાં લટકાવેલી સુચના] (પુસ્તક : અતીક્રમ)

–ચન્દ્રકાન્ત બક્ષી

મશહુર ગુજરાતી લેખક શ્રી. ચન્દ્રકાન્ત બક્ષીના અનગીનત વીષયો પરના વૈવીધ્યસભર લેખોનું સંકલન ‘બાકાયદા બક્ષી Chandrakant Bakshiના 26 સપ્ટેમ્બર, 2013ના અંકમાં પ્રકાશીત થયેલો આ લેખ, લેખકના અને બ્લોગના સૌજન્યથી સાભાર…

અભીવ્યક્તી.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અક્ષરનાદ http://aksharnaad.com/downloads વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/ પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને  govindmaru@yahoo.co.in પર, પોતાના નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…  ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : +91 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 19/02/2016

 

અન્ધશ્રદ્ધા અને કાયરો : શુભ–અશુભનું અનુમાનશાસ્ત્ર

–ચન્દ્રકાન્ત બક્ષી

જુલાઈ 26, 1987ને દીવસે જયપુરની પાસે જારખંડ મહાદેવ મન્દીરમાં જોધપુર જીલ્લાના ફલોદ ગામના 151 પંડીતો ભેગા થયા અને મહારુદ્રાભીષેક યજ્ઞ કરવામાં આવ્યો. આ યજ્ઞનો આશય વરુણ દેવતાને રીઝવવાનો હતો કે જેથી અકાલગ્રસ્ત રાજસ્થાનમાં વરસાદ પડે. એની સામે કોંગ્રેસી વીરોધીઓએ એ જ મન્દીરમાં જુલાઈ 30 થી ઓગસ્ટ 1 સુધી પ્રતી–યજ્ઞ કર્યો જેનું નામ મહાપર્જન્ય યજ્ઞ હતું. આ યજ્ઞનું પ્રયોજન એ હતું કે રાજસ્થાનના મુખ્ય મન્ત્રી હરીદેવ જોષી અને એમના પરીવારે કરેલા યજ્ઞની અસર ખલાસ થઈ જાય  !

ઑગસ્ટ 17, 1987ને દીવસે લોકસભામાં કૃષી મન્ત્રી ગુરદયાલસીંહ ધીલ્લોંએ કહ્યું કે હું હમણાં જયપુર ગયો હતો અને મારો આશય એક હવનમાં ભાગ લેવાનો હતો. આ હવન જયપુરમાં આયોજીત કરવામાં આવ્યો હતો, અને આ હવનનો આશય વરસાદના દેવતાને રીઝવવાનો હતો.

ડીસેમ્બર 1986માં તામીલનાડુના પશ્ચીમ મમ્બલમ પ્રદેશમાં અશ્વમેધ મંડપમમાં અતીરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમાં 121 વૈદીક વીદ્વાનો 11 દીવસ સુધી 11 વાર પંચાક્ષરી મન્ત્રોનું ઉચ્ચારણ કરવાના હતા. ડીસેમ્બર 18થી ડીસેમ્બર 28 સુધી આ મહાયજ્ઞ ચાલ્યો હતો. હોમહવન સાથે શ્રીરુદ્રમ મન્ત્ર 14,641 વાર બોલાયો હતો. દસ દીવસ સુધી ચંડી–હોમ થયો હતો. મનુષ્યજાતીને આ હોમહવનથી ખાસ લાભ થવાનો હતો. આ મહાયજ્ઞથી સુખશાન્તી અને સમૃદ્ધીનો યોગ થવાનો હતો.

રાજકોટમાં વરસાદના દેવતાને પ્રસન્ન કરવા માટે એક દીવસનો બંધ પાળવામાં આવ્યો હતો.

મધ્ય પ્રદેશમાં વૃષ્ટીના દેવતાને પ્રસન્ન કરવા માટે એક લાખ પચીસ હજાર લીંગમ બનાવવામાં આવ્યા હતાં કે જેથી વરસાદ પડે. આ સીવાય ગધેડાઓને વીધીવત સમાગમ કરાવવામાં આવ્યો હતો કે જેથી વરસાદ પડે. એક માણસ ઘસડાતો ઘસડાતો 22 કીલોમીટર દુરના એક મન્દીર સુધી ગયો હતો કે જેથી વરસાદ પડે !

જપ–જાપ અને હોમહવન અને તાન્ત્રીક દાવપેચ માત્ર દીલ્હીમાં જ નહીં; આખા દેશમાં જોર પર છે. રાજીવ ગાંધીની સરકાર સ્થાયી રહે એ માટે દીલ્હીમાં યજ્ઞ થાય છે અને રાજીવ ગાંધી એમાં પધારે પણ છે. એ વીદેશયાત્રા પર હતા, ત્યારે શુક્રવારની નમાઝ પછી મસ્જીદની બહાર લાઈનસર યતીમો ઉભા રહી ગયા હોય એમ, મન્ત્રીઓ ઉભા રહી જાય એ જુગુપ્સાપ્રેરક ચીત્ર ઓછું હોય એમ 21મી સદીના કમ્પ્યુટર વ્હીઝકીડ રાજીવ ગાંધી જમણા બાવડા પર રેશમી લાલ કપડું બંધાવતા, જે તાવીજ હતું ! મુસ્લીમોમાં જમણા બાવડા પર આ રીતે તાવીજ બંધાય છે ! આ દેશમાં કમ્પ્યુટરોને પણ રાખડીઓ અને તાવીજો બાંધવામાં આવે છે.

વી. કે. કૃષ્ણમેનન 1950ના દશકમાં કહેતા હતા કે આ દેશમાં બે જાતના માણસો જીવે છે : એક જે ‘ફર્ટીલાઈઝર્સ’ (ખાતર)માં માને છે અને બીજા જે ‘એસ્ટ્રોલોજર્સ’ (જોષીબાવા)માં માને છે ! પણ 1980 આવતાં સુધીમાં જોષીબાવાઓના અનુયાયીઓ વધી ગયા છે. જ્યોતીષ જે ખગોળ અને ગણીતના સમ્બન્ધો સમજવાનો એક બૌદ્ધીક વીષય છે, એ ફળાદેશથી દૈનીક ભવીષ્ય સુધી આવી ગયો છે. પહેલાં અભણ માણસો અન્ધશ્રદ્ધામાં ડુબેલા હતા, હવે ભણીગણીને માણસ અન્ધશ્રદ્ધામાં ડુબી ગયો છે. આ જ કદાચ આધુનીક ભારતીય સમાજનો ફળાદેશ છે….

કોઈપણ વીકાસશીલ દેશ પ્રજાને નાહીમ્મત કરી નાખનારી આટલી મોટી જ્યોતીષીઓની ફૌજ નીભાવતો નથી. એક અનુમાન પ્રમાણે ભારતવર્ષમાં પ્રેક્ટીસીંગ અને જાણકાર જ્યોતીષીઓનો જુમલો છ લાખ સુધી પહોંચે છે. ભીખારી જ ભવીષ્યની વધારે ચીન્તા કરે છે. એ પછી ભીરુ અને કાયર ભવીષ્યની વધારે ચીન્તા કરે છે. આ દેશમાં ચારસો જેટલાં જ્યોતીષ–પંચાગો પ્રતીવર્ષે પ્રકટ થતાં રહે છે એવું પણ એક અનુમાન છે. સરકારી ઑફીસમાં નાનીમોટી ખુરશીઓમાં ચોંટી પડેલા સરકારી નોકરો પણ રાશી, ગ્રહ, રાહુ–કેતુ, દશા–મહાદશા, મંગળ, શની, શુકન, ચોઘડીયું, દીશાશુળ જેવા ટૅકનીકલ શબ્દો વાતવાતમાં વાપરી શકતા હોય છે. અને આ જ્યોતીષબાજી ઑફીસ–ટાઈમનો ફુલ–ટાઈમ જૉબ હોય છે.

જ્યોતીષમાં આંધળો વીશ્વાસ એક પ્રકારની ભીરુ અન્ધશ્રદ્ધા છે. અને આજે દેશના પ્રથમ અને દ્વીતીય નાગરીકોમાં પણ અન્ધશ્રદ્ધા છલોછલ ભરેલી છે. રાષ્ટ્રપતી ઝૈલસીંહની અવધી સમાપ્ત થતી હતી એનાથી એક દીવસ લંબાવવામાં આવી (આ પણ કેટલું કાયદેસર ગણાય ?) આનું કારણ ? નવાગંતુક રાષ્ટ્રપતી રામસ્વામી વ્યંકટરમણનો દુરાગ્રહ કે સત્યાગ્રહ કે આગ્રહ હતો કે અમુક જ શુભ દીવસે એમની શપથવીધી થાય ! એ કાળી શેરવાણી પહેરીને શપથગ્રહણ કરવા આવ્યા હતા; કારણ કે એમના જ્યોતીષીઓએ ખાસ સલાહ આપી હતી કે આ શુભ દીને કાળું જ પહેરવું કે જેથી વીનાશક તત્ત્વોનો નાશ થશે !

મને લાગે છે કે જગતના કોઈ જ આધુનીક દેશમાં આવું બવન્ડર ચાલતું નથી. જે લોકો મનથી આટલા બધા કમજોર છે એમના હાથોમાં સત્તાની ધુરા કેટલી સલામત રહી શકે ? પણ મુહુર્ત, ચોઘડીયું, કુંડળી એ રાજકારણનું સત્ય છે.

હું ક્યારેક વીચાર કરું છું, રામ અને સીતાની જન્મકુંડળી મેળવી હશે અને જો જન્મકુંડળીના ગ્રહો મળતા હોત તો શીવધનુષ્યવાળા નાટકની શી જરુર હતી ? રામના રાજ્યાભીષેકનું મુહુર્ત વશીષ્ઠ ઋષીએ કાઢ્યું હતું? જે રાજ્યાભીષેક થયો જ નહીં; એનું મુહુર્ત ખોટું કાઢ્યું હતું ? સીતા અને રામનું લગ્નજીવન સુખી હતું કે દુ:ખી ? દ્રૌપદી પાંચ પાંડવોને પરણી ત્યારે છ કુંડળીઓ જોવામાં આવી હતી ? મંગળનો શબ્દાર્થ ‘શુભ’ છે; પણ કુંડળીમાં મંગળના ગ્રહ શા માટે અશુભ થઈ જાય છે ? કદાચ જ્યોતીષશાસ્ત્ર વીજ્ઞાન નથી, અનુમાન છે અથવા અનુમાનની વીશેષ નીકટ છે.

જ્યોતીષ કરતાં પણ વધારે જટીલ અને પેચીદો પ્રશ્ન છે અન્ધશ્રદ્ધાનો, વહેમનો, સુપરસ્ટીશનનો, પુર્વગ્રહનો. વરસાદ જોઈએ છે અને એ માટે એ પ્રશ્નને બુદ્ધી, વીજ્ઞાન અને શ્રમથી સમજવો પડશે, સુલઝાવવો પડશે. વરસાદ નથી, વરસાદ ઓછો થતો જાય છે, દુકાળની સ્થીતી સ્વાભાવીક થતી જાય છે. માટે એ વીશે દેશના બુદ્ધીમાનોએ ભેગા થઈને દુરદર્શી અને દુરગામી આયોજન માટે સુઝાવ આપવા પડશે, શાસને નીષ્ઠુર થઈને ભ્રષ્ટને શેષ કરવો પડશે અને ન્યાયી વીતરણવ્યવસ્થા ગોઠવવી પડશે. પણ આપણને હોમહવન કરીને વરુણ દેવતાને પ્રસન્ન કરવામાંથી અવકાશ મળતો નથી. આ એક નેગેટીવ હતાશાપ્રેરક, ભીરુ વીચારકોણ છે. કદાચ ભારતમાં ઉપર બેઠેલા કે બેસી ગયેલા માણસની ક્વોલીટી જ હલકી છે, અને ડરપોક છે.

 ક્લોઝ અપ 

સુદ્ધી અસુદ્ધી પરચતં નાન્ગો અન્ગં વીસોધયે.

(શુદ્ધી અને અશુદ્ધી વ્યક્તીના પોતાના ઉપર નીર્ભર કરે છે. કોઈ માણસ બીજાને શુદ્ધ કરી શકતો નથી.)

ધમ્મપદ, બૌદ્ધ ધર્મગ્રંથ

–ચન્દ્રકાન્ત બક્ષી

મશહુર ગુજરાતી લેખક શ્રી. ચન્દ્રકાન્ત બક્ષીના, અગણીત વીષયો પરના વૈવીધ્યસભર લેખોનું સંકલન બ્લોગ http://bakshinama.blogspot.in/ માં થયું છે. તે બ્લોગમાં તા. 26 સપ્ટેમ્બર, 2013ની પોસ્ટમાં પ્રકાશીત થયેલો આ લેખ, બ્લોગસંચાલકશ્રીના સૌજન્યથી સાભાર…

 ‘અભીવ્યક્તી.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અક્ષરનાદ http://aksharnaad.com/downloads  વેબસાઈટ તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન  http://www.gujaratilexicon.com/ebooks/  પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાના નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 05/12/2015

ચાણક્ય અને ચાર્વાક

ચન્દ્રકાન્ત બક્ષી

             હીન્દુ વીચારધારામાં વીરોધને સમ્પુર્ણ અવકાશ છે. તર્કની સામે પ્રતીતર્ક કે વીતર્ક, વાદની સામે પ્રતીવાદ, સાદની સામે પ્રતીસાદ, પક્ષની સામે વીપક્ષ, સંકલ્પની સામે વીકલ્પ, જેવા શબ્દો છે. માતાનો વીરોધી શબ્દ કુમાતા કે પુરુષનો વીરોધી શબ્દ કાપુરુષ કદાચ સંસ્કૃત સીવાય અન્ય પ્રમુખ ભાષાઓમાં આયાસ કરીને શોધવા પડે. આપણી સંસ્કૃતી માટે અપસંસ્કૃતી શબ્દ આપણે વાપરતા નથી. તર્કની સામે વીતર્ક કરનારને પણ આપણે સ્થાન આપ્યું છે અને એ જ આપણી શક્તી પણ છે અને અશક્તી પણ છે. ઈસ્લામમાં કુરાનની ખીલાફ કંઈ નથી, કંઈ થઈ શકે નહીં. કેથલીક વીચારધારા એટલી જ જલદ છે. સ્પેનમાં ૭૦૦ વર્ષો સુધી મુળ આરબોએ રાજ કર્યું; પણ સ્પેનમાંથી મુસ્લીમોને કાઢી મુકાયા; કારણ કે કેથલીક ધર્મ પણ સખત કટ્ટર હતો. પુરા દક્ષીણ અમેરીકાની પ્રજા લગભગ કેથલીક છે, સ્પેનીશભાષી છે; (માત્ર બ્રાઝીલ પોર્ટુગીઝ બોલે છે) પણ ત્યાં એ પુરા ખંડમાં, મુસ્લીમો નથી ! પશ્ચીમ અને ભારતવર્ષના ફરક વીશે એક વાર મારે ઈતીહાસકાર ડૉ. મોરાએસ સાથે ચર્ચા થતી હતી. મેં કહ્યું કે જોન ઓફ આર્કથી જ્યોર્ડાનો બ્રુનો સુધી, એ પહેલાં અને પછી પણ હજારો માણસોને પશ્ચીમે વીરોધ, વીતર્કી વીચારધારા માટે જીવતા સળગાવી મુક્યા છે. (એક કીસ્સામાં લોહી ન પડવું જોઈએ એ ‘દયાભાવ’ રાખીને એ ચીન્તકને જીવતો સળગાવ્યો હતો ! એ વખતે સ્પેનમાં ઈન્ક્વીઝીશન ચાલતું હતું.) હીન્દુઓએ વીતર્ક માટે કોઈને જીવતો સળગાવ્યો હોય એવું ઈતીહાસમાં પ્રમાણ મળતું નથી. પછી ઈતીહાસકાર ડૉ. એલ. બી. કેણી સાથે આ વાત કરતો હતો ત્યારે ડૉ. કેણીએ કહ્યું કે આપણે ત્યાં ચાર્વાકને જીવતો સળગાવ્યો હતો એવી કથા છે! ચીન્તક ચાર્વાક હીન્દુ પારમ્પરીક વીચારધારાથી બીલકુલ વીરોધી વીચારો ધરાવતો હતો. એના વીશે ચુપ રહેવાનું ષડ્યંત્ર આપણા આધ્યાત્મીકોએ સદીઓથી અપનાવેલું છે. ચાણક્ય બીજો એક ચીન્તક હતો; પણ તેની વીરોધીતા જરા નમ્ર પ્રકારની હતી, ચાર્વાક જેટલી ઉદ્દીપક ન હતી. ચાણક્યનાં ઘણાં કથનો આપણી પ્રણાલીકા માટે ખંડનાત્મક હતાં. આપણે ખંડનના નહીં; પણ મંડનના સંસ્કાર શીખ્યા છીએ અથવા આપણને પાવામાં આવ્યા છે. ચાણક્યને પ્રમાણમાં ઓછો અન્યાય થયો છે, ચાર્વાકને સમ્પુર્ણ અન્યાય કરવામાં આવ્યો છે.

                શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને પુરી ગીતા સંભળાવ્યા પછી કહે છે કે, ‘‘મેં તને ગુહ્યથી ગુહ્યતમ વાતો સમજાવી છે; પણ હવે તને યોગ્ય લાગે એમ જ કર(યથેચ્છસી કુરુ).’’ અન્ય ધર્મોમાં આ પ્રકારનું વ્યક્તી સ્વાતન્ત્ર્ય ઓછું અથવા નહીંવત્ જોવા મળે છે. આપણા ધર્મગ્રન્થો હમ્મેશાં નીર્વીકલ્પ સત્ય જ કહેતાં હોય એવી ધર્માચાર્યોની પ્રસ્તુતી હોય છે. એમાં ક્યારેક અપવાદ સ્વરુપ વીધાનો પણ મળતાં રહે છે, જે વીતર્કના પ્રાન્તમાં આવે છે. ચાણક્ય કહે છે કે જેને પોતાની બુદ્ધી નથી, એને શાસ્ત્ર પણ શું કરી શકે  (યસ્ય નાસ્તી સ્વયમ્ પ્રજ્ઞા શાસ્ત્રમ્ તસ્ય કરોતી કીમ્) ? સન ૬૦૦ની આસપાસ ધર્મકીર્તી નામક દાર્શનીક થઈ ગયા, એમનો એક શ્લોક મહાપંડીત રાહુલ સાંકૃત્યાયને એમના પુસ્તક ‘દોર્જેલીંગ પરીચય’માં મુક્યો છે : ‘વેદને અથવા કોઈ ગ્રન્થને પ્રમાણ માનવો, કોઈ ઈશ્વરને જગતનો સર્જનહાર માનવો, સ્નાનને ધર્મ માનવો, જાતીભેદને માનવો અને પાપમાંથી મુક્તી માટે ઉપવાસ આદી કરવા એ અક્કલ વગરના લોકોની જડતાનાં પાંચ લક્ષણો છે.’  જ્યાં સ્ત્રીઓનો આદર થતો હોય ત્યાં દેવતાઓનો નીવાસ હોય છે, એવું મનુસ્મૃતીમાં લખ્યું છે; પણ ચાણક્યનીતી કહે છે છળ તો સ્ત્રીઓ પાસેથી જ શીખવું (સ્ત્રીભ્ય: શીક્ષેત્ કૈવતમ્) સંસ્કૃત સુભાષીતો ક્યારેક યથાર્થવાદી બની જતાં  હોય છે.  દૃષ્ટાન્ત રુપે : ‘દૈન્યે, વીસ્મૃતીભોજન:’  એટલે કે દુ:ખી હાલત આવી પડતાં; જે ખાવું–પીવું ભુલી જાય છે એ મુર્ખ છે…

                ચાણક્યનીતીના કેટલાય શ્લોકો પ્રવાત બની ગયા છે અને સામાન્ય સ્વીકૃત જનમાન્ય સત્યથી વીપરીત છે. ચાણક્ય કહે છે :  ‘કુળના બચાવને માટે એકને, ગામના બચાવને માટે કુળને, દેશના બચાવને માટે ગામને અને પોતાના બચાવને માટે પૃથ્વીને પણ જરુર પડે તો ત્યજી દેવાં. વીદ્યાથી શોભતો હોય એવા દુર્જનનો પણ ત્યાગ કરવો; કારણ કે મણીથી શોભતો નાગ ભયંકર નથી ?… લોભીયાને ધનથી, અક્કડને હાથ જોડીને, મુર્ખને તેની મરજી પ્રમાણે ચાલીને અને પંડીતને યથાર્થપણાથી વશ કરાવા… બહુ લામ્બું ખેંચનારો નાશ પામે છે (દીર્ઘ સુત્રી વીનશ્યતી)… ધન, મીત્ર, પત્ની તથા પૃથ્વી એ બધું ફરીથી મળી શકે છે; પણ શરીર ફરીથી મળતું નથી… લોકો હમ્મેશાં ગતાનુગતીક એટલે એકની પાછળ બીજો એમ ચાલનારા હોય છે, વીચાર કરનારા નથી… રાજા સદાચારી હોય તો પ્રજા સદાચારી હોય છે અને રાજા પાપી હોય તો પ્રજા પાપ કરનારી બને છે. પ્રજા રાજાને જ અનુસરે છે, જેવો રાજા તેવી પ્રજા. (યથા રાજા તથા પ્રજા) !’

                વીતર્ક અને ભેદ લગભગ સગોત્ર છે. વીચારભેદ, રુચીભેદ, રસભેદ, મતભેદ, મનભેદ,  દૃષ્ટીભેદ જેવા વ્યક્તી અને વ્યક્તીની વચ્ચે ભેદો હોઈ શકે છે અને એ માટે ભારતીય સંસ્કૃતીમાં વ્યક્તીનું હનન કરવામાં આવતું નથી, આવ્યું નથી. મતભેદ છે એટલે આધુનીક લોકશાહી ઉભી છે, મતભેદ જ લોકશાહીની બુનીયાદ છે, લોકશાહીનો મુલાધાર છે. દરેક પ્રશ્નનો એકમાત્ર ઉત્તર જ હોવો જરુરી નથી, વીકલ્પ હોઈ શકે છે. તો જ નવા વીચારો પ્રગટી શકે છે. પશ્ચીમના ગમ્ભીર વીચારકો માને છે કે ઈસ્લામમાં માનનારાઓની 1૦૦ કરોડની આબાદી પૃથ્વી પર છે. મોરોક્કોથી અફઘાનીસ્તાન સુધીના ઈસ્લામી વીશ્વની સમ્પત્તી પુરા વીશ્વની સમ્પત્તી કરતાં વધી શકે છે; પણ એવું થયું નથી અને સૌથી પછાત આ ઈસ્લામી વીશ્વના દેશોના સમાજો છે, અશીક્ષીત, મુફલીસ, શોષીત, દીશાહારા, વસ્તુહારા. સ્ત્રીઓની પરતન્ત્રતા પણ એક પ્રમુખ નકારાત્મક આયામ છે, એવું ચીન્તકો માને છે. લગભગ બધા જ ઈસ્લામી દેશોમાં વીરોધપક્ષો કે વીરોધવીચારો લગભગ નગણ્ય છે. તર્કની સામે વીતર્ક નથી. એકતા છે; પણ અનેકતાને દબાવી દેવામાં આવે છે.

                ચાર્વાક વીશે બહુ સાહીત્ય પણ લભ્ય નથી. જ્યારે જ્યારે ચાર્વાકના નામનો ઉલ્લેખ આવે છે ત્યારે એક વાક્ય સાથે સાથે જ બોલાય છે, જે ચાર્વાકે કહ્યું હતું : ‘દેવું કરીને પણ ઘી પીવું !’ ચાર્વાક હેડોનીસ્ટ છે, એપીક્યુરીયન છે, આજની ભાષામાં કહીએ તો અંશત: એક્ઝીસ્ટેન્સીએલીસ્ટ અથવા અસ્તીત્વવાદી છે. જુના સન્દર્ભ પ્રમાણે કહેવું હોય તો સ્થાપીત મુલ્યો સામે નવાં વીપ્લાવક અને ક્રાન્તીકારક મુલ્યોની મશાલ પ્રગટાવનાર વીચારક છે. એ આવતી કાલ કે અનાગતમાં માનતો નથી, એનો અભીગમ જીવનવાદી છે. પ્રાચીન કાળમાં આવા વીચારો પ્રગટ કરતા રહેવાનું દુ:સાહસ ચાર્વાક માટે કુપરીણામ બની ગયું. કીમ્વદન્તી એવી છે કે ચાર્વાકને એના વીચારો માટે જીવતો સળગાવી દેવામાં આવ્યો. એનું સર્જન પણ ખાસ ઉપલબ્ધ નથી. શક્ય છે કે નાશ કરી નાખવામાં આવ્યું હોય; પણ જે પ્રાપ્ત છે એ સ્ફોટક છે. ચાર્વાકના સમય વીશે મતાન્તર છે. ડૉ. રાધાકૃષ્ણનના મતાનુસાર ચાર્વાકનો સમય ઈસા પુર્વ ૩૦૦થી ૨૦૦નો હોવો જોઈએ; પણ કેટલાક વીદ્વાનો આનાથી વીપરીત અભીપ્રાય આપે છે. અનાચાર, કામાચાર, વામાચાર ચાર્વાકના વીચારોમાંથી જન્મેલી વીરાસત છે એવો એક મત છે. ચાર્વાકની ફીલસુફીને સંપુણત: ચરીતાર્થ કરે એવો અતી પ્રસીદ્ધ શ્લોક છે. એ શ્લોકનો ભાવાર્થ : ‘જ્યાં સુધી જીવતા રહો, સુખથી જીવતા રહો. દેવું કરીને પણ ઘી પીઓ; કારણ કે ભસ્મ થઈ ગયેલા દેહનું ફરીથી આગમન કેવી રીતે થઈ શકે ?’ ચાર્વાકના વીચારો આજના યુગમાં પણ ક્રાંતીકારી અને ધારદાર મૌલીક લાગે છે તો એ ૨૨૦૦ કે ૨૩૦૦ વર્ષો પહેલાં કેટલા વીસ્ફોટક લાગતા હશે ?

                ચાર્વાકના કેટલાક વીચારોની સુચી એકત્ર થઈ શકી છે : ‘સ્વર્ગ નથી અને નર્ક નથી, પરલોકથી સમ્પર્ક કરી શકે એવો કોઈ આત્મા નથી. વર્ણાશ્રમ સમ્બન્ધીત ક્રીયાઓ પણ ફલપ્રદ નથી. અગ્નીહોત્ર, ત્રણ વેદો, ત્રીદંડ ધારણ કરવું, ભસ્મનો લેપ કરવો, આ બધું બુદ્ધીહીન અને પૌરુષહીન લોકોની આજીવીકા માટેનાં સાધનો છે. જો યજ્ઞમાં મારી નાખેલું પશુ સ્વર્ગમાં જતું હોય તો યજમાન પોતાના પીતાને જ યજ્ઞમાં મારીને સ્વર્ગમાં કેમ મોકલતો નથી ? શ્રાદ્ધ મૃતકોને તૃપ્તી પહોંચાડતું હોય તો બુઝાઈ રહેલા દીપકને કેમ પ્રજ્વલીત કરી શકતું નથી ? અહીં કરેલું દાન જો સ્વર્ગસ્થ વ્યક્તીને મળી શકતું હોય તો મકાનના ભોંયતળીયે અપાયેલું દાન મકાનની અગાશીમાં બેઠેલાને કેમ પહોંચતું નથી ? મૃતકની પાછળ શ્રાદ્ધ એ બ્રાહ્મણોએ પોતાની આજીવીકા માટે ગોઠવેલું આયોજન છે. વેદની અન્દર જ એવું કહેવાયું છે કે અશ્વમેધીય અશ્વ–શીશ્ન યજમાનની પત્ની દ્વારા ગ્રાહ્ય છે.’ આવી ઘણી વાતો કહી છે.

                ચાર્વાકનું કહેવું છે કે : ‘પ્રત્યક્ષ એ જ પ્રમાણ છે. આત્મા નથી, શરીર એ જ આત્મા છે, સ્વર્ગ આદી પરલોક નથી. પુણ્ય અને પાપ જેવા શબ્દો પણ માન્ય નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર ઘટકો પુરુષાર્થના નથી. પુરુષાર્થના બે જ ઘટકો છે, અર્થ અને કામ. વીષયસુખ અને મરણ એ બે જ મોક્ષ છે. મન એક જ ઈન્દ્રીય છે. જ્ઞાન પણ તત્વત: એક પ્રકારની ક્રીયા જ છે.’ ચાર્વાકના તત્કાલીન વીચારો આજની અસ્તીત્વવાદી વીચારધારાની બહુ નીકટ આવી જાય છે. ચાર્વાક વીશે આપણી પાસે બહુ માહીતી નથી; પણ એ કદાચ આપણો સોક્રેટીસ હતો… !

: ક્લોઝ અપ:

શક્કર ઘોલે જુઠ કી, ઐસે મીત્ર હજાર,

ઝેર પીલાવે સાંચ કો, એ વીરલા સંસાર

(પ્રાચીન દુહો)

–ચન્દ્રકાન્ત બક્ષી

રવીવાર તા. 19 ફેબ્રુઆરીના 2005ના ‘દીવ્ય ભાસ્કર’ દૈનીકની રવીવારીય પુર્તી ‘રસરંગ’માંથી સાભાર..

આ દૈનીકના પહેલા અંકના પ્રકાશનથી જ બક્ષી બાબુ એના કટાર લેખક છે. આજે તો હવે એમ લખવું પડે છે કે હતા…..

(છેલ્લે છેલ્લે લખાયેલા અને હજી ગ્રંથસ્થ નહીં થવા પામેલા એમના કેટલાક લેખો આપવાની ઉમેદ છે. એક લેખ એટલે જાણે પાસાદાર અણમોલ હીરો ! હવે એમની પાસેથી થોડું કશું કંઈ મળવાનું છે ! જે છે તે જાણીએ–માણીએ..ઉત્તમ ગજ્જર..

સન્ડે ઈમહેફીલ વર્ષ: પહેલું – અંક: 049 –May 16, 2006ઉંઝાજોડણીમાં અક્ષરાંકન: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

()()()

 સન્ડે ઈ–મહેફીલના સમ્પાદકોની પરવાનગીથી સાભાર ….

♦  દર પન્દર દીવસે મોકલાતી ‘સન્ડે ઈ–મહેફીલ’ની  પીડીએફ મેળવવા લખો: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ ‘અભીવ્યક્તી’ :  https://govindmaru.wordpress.com/

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હાઉસીંગ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી.396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 29–122011

()()()()()