ગો. મારુ (રૅશનલ)

સ્વર્ગીય સુખ માટે…

‘સારાં કાર્યો કરીશું તો સ્વર્ગમાં જવાશે અને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થશે. પણ સ્વર્ગમાં જઈને મળશે શું ? સ્વર્ગીય સુખ એટલે શું ? સ્વર્ગીય સુખ એટલે હર્ષોલ્લાસ, દુ:ખ વીનાનું – યાતનારહીત જીવન. સ્વર્ગમાં અપ્સરાઓ સેવા માટે હાજર રહેશે. કલ્પવૃક્ષ હશે જેની નીચે બેસવાથી દરેક મનોકામના પુર્ણ થશે. બેસીને ઈચ્છા માત્ર કરો અને તે વણમાંગ્યું મળી જશે. પૃથ્વી પરના ક્ષણભંગુર જીવન દરમ્યાન દાન કરો – ત્યાં કરોડગણું પરત મળશે.’

ઉત્તમ, અતીઉત્તમ ! સોદો ઘણો સસ્તો પડે છે. ગમતી ચીજ દાનમાં આપવી પડે તો વાંધો નહીં, સ્વર્ગમાં જઈને તો આ બધું જ ચક્રવૃદ્ધી વ્યાજ સહીત મળવાનું જ છે; એટલું જ નહીં દરેક ઈચ્છાની પુર્તી પણ થશે !

આ બોધપાઠમાંથી તો સાધુ – સંન્યાસીઓની અતૃપ્ત ઈચ્છાઓ જ પુર્ણ થતી દેખાય છે. અહીં તેઓએ જે  ત્યજ્યું છે તે સર્વ કુદરતી આનંદને સ્વર્ગના સુખ તરીકે પ્રાપ્ત થવાનાં શમણાં તેઓ તો જોઈ જ રહ્યા છે અને અનુયાયીઓને દેખાડી પણ રહ્યા છે. સ્વર્ગ, જન્નત, હેવન- જેવી અલૌકીક કલ્પનાસભર માન્યતાઓ દરેક ધર્મમાં છે. જીવન દરમ્યાન માણસ ધાર્મીક નીયમોને અનુસરે – ત્યાગ કરે, ઈચ્છા દબાવીને જીવે તો તેને મૃત્યુ બાદ સ્વર્ગ પ્રાપ્ત થાય અને તે સ્વર્ગીય સુખનો હક્કદાર બને. વળી, સ્વર્ગનું સુખ મેળવવા માટેના નીયમો દરેક ધર્મમાં ભીન્ન હોવા છતાં; તેનો મુદ્રાલેખ તો એક સમાન જ છે કે, ‘પૃથ્વી પર ત્યાગ કરો અને તેનાથી અનેકગણું સ્વર્ગમાં પ્રાપ્ત કરો’.

સ્વર્ગના સુખની વ્યાખ્યા જ એવી છે કે આપણી દરેક ઈચ્છા ત્યાં સંતોષાય. વાસના તૃપ્ત થવી, આશા-આકાંક્ષા પાર પડવી, જે અહીં ત્યાગ્યાં તે યથેચ્છ સુખોની પ્રાપ્તી થવી વગેરે. પરંતુ આવુ સુખ તો અહીં જ પ્રાપ્ત થઈ શકે તેમ છે ! એની પ્રાપ્તી માટે મૃત્યુ સુધીની અને તે પછીની અવસ્થાની રાહ જોયા કરવી અને તે પણ ઈચ્છા વીરુદ્ધનું અકુદરતી જીવન જીવીને..! આ તો નરી મુર્ખાઈ નથી લાગતી ? જેનું અસ્તીત્વ જ સીદ્ધ નથી થઈ શક્યું નથી તેવા સ્થળે, ભવીષ્યમાં મળનારાં કાલ્પનીક સુખમાં રાચવામાં આજનું એ જ પ્રકારનું હાથવગું સુખ ત્યજવું એમા કયું શાણપણ છે ?

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૭/૦૮/૧૯૯૫ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …

ગો. મારુ (રૅશનલ)

શાંતી મેળવવી છે ?

સરદાર સ્મૃતી કેન્દ્ર, નવસારી.

સરદાર સ્મૃતી કેન્દ્ર, નવસારી

ભગવાનને કર્તાહર્તા માનનારા લોકો જાતજાતના માનસીક તનાવ લઈને એ વીચારથી મંદીરમાં જતાં હોય છે કે ભગવાન તેઓનાં દુ:ખ દુર કરી દેશે. મોટા ભાગના લોકો મંદીરમાં ભગવાનને પગે લાગવાથી જ શાંતી મળે એવી અંધશ્રદ્ધા ધરાવે છે. પણ એ લોકો ક્યારેય એવો વીચાર કરતાં નથી કે બીજે ક્યાંય નહીં પણ મંદીરમાં જ જવાથી શાંતી મળે એનું કારણ શું છે ? એનાં ઘણાં કારણો પૈકી મંદીરનું બાંધકામ મહદ્ અંશે  આરસપહાણના પથ્થરનું બનાવવાથી ઠંડક અને શાંતી મળે છે, અગરબત્તીની સુવાસ મનને પ્રફુલ્લીત કરે છે, ઘોંઘાટ અને પ્રદુષણ વીનાના પર્યાવરણમય વાતાવરણથી પણ શાંતી મળે છે જે ઘરમાં નથી હોતી.

જો આ રીતનું બાંધકામ અને વાતાવરણ આપણા ઘરમાં કે મંદીર સીવાયના અન્ય કોઈ સ્થળે કરીએ તો ત્યાં પણ અવશ્ય શાંતી મળે જ.

ઉદાહરણ રુપે [૧] સરદાર સ્મૃતી કેન્દ્ર, નવસારી કૃષી યુનીવર્સીટી, દાંડી રોડ, નવસારી. [૨] શ્રી પ્રવીણચંદ્ર સવજીભાઈ કોઠારી બહેરા-મુંગા વીવીધલક્ષી વીદ્યાલય (મમતા મંદીર), દાંડી રોડ, નવસારી. [૩] ગાંધી સ્મૃતી કેન્દ્ર, કરાડી તા. જલાલપોર જી. નવસારી. ઈત્યાદી ‘ભગવાનની મુર્તી વીનાનાં મંદીર’ જેવાં સ્થળોમાં પણ અપાર શાંતીનો અનેરો આનંદ મળે છે. મોટા ભાગનાં મંદીરોમાં ગંદકી હોય છે. જ્યારે ગંદકી વીનાના આ સ્વચ્છ અને સુંદર સ્થળોએ મલીન વીચારો, માનસીક તનાવ કે દુ:ખ સાથે જનારો માનવી આમાનું સઘળું ભુલીને શાંતીનો જરુર અનુભવ કરે છે. અર્થાત્ જીવનને સમજવામાં અને સમાજને ઉપકારક બનવાનું શીખવા મળે યા ઉન્નતીકારક વીચાર મળે તે જ સ્થળ મંદીર છે.

મંદીરમાં ન જનારા અને ભગવાનમાં ન માનનારાઓ કોઈ સમસ્યા/દુ:ખ આવે તો સારાં પુસ્તકો, સારા મીત્રોનો સંગાથ, મનને રુચે એવી રચનાત્મક પ્રવૃત્તીઓ, નયનરમ્ય વાતાવરણમાં હરવું– ફરવું, સંગીત અને કળામાં મન પરોવી શાંતી મેળવે છે.દુ:ખ/સમસ્યાને સમજીને હલ કરવામાં આવે તો તેમાંથી કાયમને માટે છુટકારો અને શાંતી અવશ્ય મળે જ.

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૨૨/૦૩/૧૯૯૫ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …

Mukbadhirમમતા મંદીર, નવસારી.

ગો. મારુ (રૅશનલ)

ધર્મ અને નૈતીકતા

સાધારણ રીતે એવું માનવામાં આવે છે કે, ધર્મ દ્વારા મનુષ્યને નૈતીકતાનો પાઠ શીખવા મળ્યો. સ્થુળ રુપે જ્ઞાન, કર્મ અને ભક્તી આ ત્રણ ધારાઓમાં ધર્મને વીભક્ત કરવામાં આવ્યો છે. પરંતુ સર્વસાધારણને ધ્યાનમાં રાખી વીચાર કરવામાં આવે તો ભક્તીનો જ અધીક પ્રભાવ જોવા મળે છે. ધાર્મીક સ્થળોમાં ભક્તીનું જ વાતાવરણ વીશેષ હોય છે. તેની પાછળ  નૈતીકતા અને ચરીત્રશુદ્ધીની વાતોની ઉપેક્ષા થઈ રહી છે. ભક્ત પોતાના ઉપાસ્યની તરફ ઢળે એ માટે ભક્તી સાહીત્યમાં છ ભાવ સુચવ્યા છે. જેમાં મધુરભાવ સર્વોત્કૃષ્ટ છે. મધુરભાવમાં ભક્ત પોતાને સ્ત્રી માને અને ભગવાનને પતી અથવા પ્રેમી માને છે. આ ઉપરાંત એનાં બે રુપ પણ છે- પતીભાવ અને જારભાવ. પતીભાવમાં સામાજીક મર્યાદાઓ રહે છે જ્યારે  જારભાવમાં આ મર્યાદાઓ તોડવામાં આવે છે. સાધનાની દૃષ્ટીએ પતીભાવની તુલનાએ જારભાવને ઉત્કૃષ્ટ માનવામાં આવે છે- એનું બીજું નામ સખીભાવ પણ છે. જેમાં મોટા ભાગના ભક્તો, પુરુષ હોવા છતાં સાડી પહેરે છે, આંખમાં સુરમો  આંજે છે અને લલાટે ચાંદલો પણ કરે છે. એટલું જ નહીં, મહીનાના ચાર દીવસ રજસ્વલા હોવાનો ઢોંગ આદરે છે.

ભક્તીવાદી પરંપરાઓમાં અત્યારે પણ રાસલીલાનો પ્રચાર પર્યાપ્ત છે. જેમાં એક વ્યક્તી ભગવાન કૃષ્ણ અને અન્ય ગોપીઓના સ્વાંગમાં રાસલીલા અને વીવીધ પ્રકારની શૃંગારીક ચેષ્ટાઓ/અડપલાઓ પણ કરે છે. મહાકવી જયદેવ કૃત ‘ગીત–ગોવીંદ’માં તેનું સ્પષ્ટ આલેખન જોવા મળે છે. કૃષ્ણ કોઈક ગોપીને આલીંગન કરે છે, કોઈકને ચુંબન. તો વળી, કોઈકને એકાંતમાં લઈ જઈને વસ્ત્રાહરણ પણ કરે છે. શું આ જ પ્રેમનું સાચું સ્વરુપ છે ? કે પછી કોઈ સામંતની વીલાસીતતાનું આલેખન છે ? ભ્રમરને પ્રેમીની ઉપમા આપી છે જે ક્યારેક એક ફુલ ઉપર તો ક્યારે બીજા ફુલ ઉપર બેસે છે. શું આને જ સાચો પ્રેમી કહેવાય? પ્રેમીકાને પણ આવી રીતે પ્રેમી બદલવાનો અધીકાર આપવામાં આવે છે ખરો? કાવ્યોમાં અનેક સ્ત્રીઓ સાથે સંપર્ક રાખનાર પુરુષને ‘રસીક’ કહેવામાં આવે છે, જ્યારે અનેક પુરુષો સાથે સંપર્ક રાખનારી સ્ત્રીને ‘દુરાચારીણી’ કહેવામાં આવે છે.

નીર્દોષ હોવા છતાં સીતાને ઘરમાંથી કાઢી મુકનાર રામને આદર્શ પતી માનવામાં આવે છે. બીજી તરફ આ અત્યાચારની વીરુદ્ધ કોઈ અવાજ ઉઠાવ્યા વીના ચુપચાપ અત્યાચાર સહન કરવા બદલ સીતાને આદર્શ પત્ની કહેવામાં આવે છે. જો આ જ અધીકાર સીતાના હાથમાં હોત અને સીતાએ આ જ દંડ રામને આપ્યો હોત ત્યારે સીતાને શું કહેવામાં આવત? આ ઉદાહરણો દ્વારા એક પ્રશ્ન ઉપસ્થીત થાય છે કે તો પછી ધર્મનો શો આધાર છે? અનૈતીક હોવા છતાં પણ આજ્ઞાઓનું પાલન અથવા પ્રત્યેક પરંપરાનું નૈતીકતાના આધાર પર મુલ્યાંકન ? સ્વસ્થ મનોવૃત્તી કેળવવા માટે અત્રે સ્પષ્ટ થવું જરુરી છે કે, ધર્મના નામે કે પછી ભગવાનના નામે અનૈતીકતાને આપવામાં આવતું પ્રોત્સાહન ઠીક નથી.

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૨૪/૧૨/૧૯૯૪ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …


ગો. મારુ (રૅશનલ)

ભગવાન : એક ભ્રમ

ભયથી ઉત્પન્ન થયેલું

ગભરાવી નાંખે તેવું

વા વાસ્તવમાં ક્યાંય જોવા ન મળે તેવું

નકારી ન શકાય તેવો ભ્રમ

વાસ્તવમાં ક્યાંય જોવા ન મળે તેવું ભયથીઉત્પન્ન થયેલું કે

જે આજદીન સુધી માનવસમુદાય દ્વારા નકારી શકાઈ નથી

તેવી ભ્રમણા ભગવાનના નામે ઓળખાય છે.

ગોવીન્દ મારુ

ગો. મારુ (રૅશનલ)

સાચા બ્રાહ્મણ

ગુજરાતમીત્ર, સુરતના વરીષ્ઠ પત્રકારશ્રી ભગવતીકુમાર શર્માએ ‘આપણે બધા’માં તા.17/06/1992ના રોજ આજના બ્રાહ્મણના બ્રાહ્મણત્વ ઉપર શંકા કરી અને સાચા બ્રાહ્મણ બનવા માટે જે બાબતો ઉપર ભાર મુક્યો છે- તે ખુબ જ આવકાર્ય છે. પરંતુ આ બાબત મારી નજરે ભ્રમણા જ માત્ર હોય એવું લાગે છે. વ્યવહારમાં આવું બનતું નથી અને બનશે પણ નહીં. વર્ણાશ્રમ ધર્મના સર્વેસર્વા બની રહેવાનો ઉદ્દેશ ધરાવતા બ્રાહ્મણો પૈકી શ્રી શર્માએ વર્ણવેલા ગુણો પ્રમાણેના સાચા બ્રાહ્મણો તૈયાર થાય તો પણ આવા મુઠ્ઠીભર સાચા બ્રાહ્મણોથી ભારતવર્ષમાં બ્રાહ્મણોની તાસીર ભુંસાવાની નથી. હા, જો જન્મથી જ સૌને દીગ્ગજ માનીને સૌને ઉપનયન તથા વેદાધ્યયનો અધીકાર આપ્યો હોત તો ભારતવર્ષની બધી જ પ્રજા યોગ્યતા પ્રમાણે આગળ વધી શકી હોત. તો જ શ્રી શર્માની અંતીમ પંક્તી ‘બ્રાહ્મણજન એટલે ઉંચી કોટીએ પહોંચેલું માનવ્ય- બીજું કશું નહીં; ન ન્યાત, ન જાત’, વ્યવહારમાં ઉણી ઉતરી શકે !

બ્રાહ્મણોએ વર્ણાશ્રમ ધર્મના સર્વેસર્વા થવા સીવાય આ અગાઉ કશું કર્યું ન હતું અને હાલ પરીસ્થીતી બદલતા તેઓ થોડા ઢીલા પડ્યા છે. વર્તમાન પરીસ્થીતી પહેલા ભણવાનું કાર્યક્ષેત્ર બ્રાહ્મણોએ તેઓની પાસે રાખ્યું હતું. શુદ્ર (દલીત, આદીવાસી, બક્ષી-મંડલ પંચની તમામ જાતીઓ)ને જનોઈ નહીં, જનોઈ વીના વેદાધ્યયન નહીં અને વેદાધ્યયન વીના બ્રહ્મજ્ઞાન નહીં. આ રીતે જે જ્યાં જન્મ્યો ત્યાં જ પડ્યો રહ્યો. પરંતુ પાદરીઓની માફક બ્રાહ્મણોએ પણ પોતાની પાઠશાળાઓના દ્વાર સૌના માટે ખુલ્લા મુકી દીધા હોત અને સૌની સાથે માનવતાનો નાતો બાંધીને ભણાવ્યા હોત તો ભારતવર્ષની પ્રજા સાક્ષરતાથી પરીપુર્ણ થઈ હોત. બ્રાહ્મણો જેને શુદ્ર સમજીને આજે પણ તેની સાથે એક યા બીજી રીતે ઓરમાયું વર્તન દાખવે  છે. આધુનીક આભડછેટ અપનાવે છે તે જ પ્રજાને મીશનરીઓએ  સેવા કરી શીક્ષીત અને સંસ્કારી બનાવે છે. શું ખ્રીસ્તી પાદરીઓ અને તેની મીશનરી સંસ્થા જેવા બ્રાહ્મણો- ગુરુઓ અને સંસ્થાઓ શું આપણી પાસે નથી ? તો શ્રી શર્માની ઉંચી કોટીએ પહોંચેલા માનવરુપી બ્રાહ્મણની અપેક્ષા સંતોષશે ખરી ?

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૧૫/૦૭/૧૯૯૨ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …


ગો. મારુ (રૅશનલ)

આપણું ભાવી ઉજળું છે

મારા એક પાડોશી-મીત્રને ત્યાં હું ગયો ત્યારે તેઓના એક સંબંધી- તેઓની દીકરીના લગ્નની કંકોત્રી દેવા આવ્યા હતા. તે સમયે ટી.વી. પર રામાયણની સીરીઅલ ચાલતી હતી. રામ-રાવણનો યુધ્ધ-કાંડનો પ્રસંગ હતો. તેવામાં આવેલ સંબંધીએ કહ્યું, રામાયણના જમાનામાં અસલમાં બ્રહ્માસ્ત્ર એ જ હાઈડ્રોજન બોમ્બ હતો. એટલે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ ન છુટકે કરવો પડે તો જ કરવો એવો વણલખ્યો નીયમ હતો. એટલે જ રામ બીજા ત્રીજા અસ્ત્રો અજમાવે છે. પણ રાવણ બ્રહ્માસ્ત્ર વીના થોડો મરવાનો છે ?”

મારા પાડોશીના સંબંધી એક જમાનામાં ચુસ્ત આર્યસમાજવાદી હતા. તેઓની વીચારસરણી ચુસ્ત હીન્દુવાદી અને  તેઓ રાજકીય પાર્ટીના વી.આઈ.પી. હતા. તેઓના વીચારોથી હું પરીચીત અને તેઓ મારા વીચારોથી. એટલે તેનાથી કંઈક વીરોધી સુર કાઢવામાં મને અનેરો આનંદ આવતો હતો. મેં કહ્યું, ” જો રામાયણના સમયમાં આપણી પાસે અણુ અને હાઈડ્રોજન બોમ્બ હતા, તો આજે આપણે આખી દુનીયા પર રાજ કરતા હોત ! “

તમે સમજ્યા નહીં, મારા ભાઈ, પેલા જર્મનો આપણા શાસ્ત્રો ઉઠાવી ગયા, અને પછી તો તેઓએ સંસ્કૃત્તનો શો અભ્યાસ કર્યો, શો અભ્યાસ કર્યો, કે આજે આપણને આંટી દે તેવા સંસ્કૃતના પંડીતો જર્મનીમાં પડ્યા છે. આપણા શાસ્ત્રો વાંચી વાંચીને આ તમારી વીજ્ઞાનની શોધો તેમણે કરી, અસલમાં તો તે બધું આપણું જ ને ! “

” જો તેમજ હોય તો આપણે શરમાવું જોઈએ.” મેં મમરો મૂક્યો. કેમ ! કેમ ! ઉલટાનું આપણને ગર્વ થવો જોઈએ કે આપણા પુર્વજોને અણુબોમ્બ અને હાઈડ્રોજન બોમ્બનું જ્ઞાન ૫૦૦૦ વર્ષ પુર્વે હતું, ત્યારે આ લોકોને આજે તેનું ભાન થાય છે.”

” પેલા જર્મનો આપણા જ શાસ્ત્રો વાંચી વાંચીને ૧૦૦ વર્ષમાં નવી નવી શોધો કરી શક્યા, અને આપણે ! આ શાસ્ત્રો આપણી પાસે ૫૦૦૦ વર્ષ સુધી હતા, છતાં કંઈ ન કર્યું. ૨૦૦ વર્ષની અંગ્રેજોની ગુલામી કરી. બોલો, તેમાં આપણે ગૌરવ લેવું જોઈએ કે શરમાવું જોઈએ ?” મેં જરા આવેશમાં આવીને કહ્યું.

તેઓ નીરુત્તર રહ્યા. તેઓને મોડું થાતું હતું. જતાં જતાં કહે, “વાત તો તમે મુદ્દાની કરી, ચાલો ફરી ક્યારેક મળીશું ત્યારે વાત કરશું ”

તેઓતો ગયા એટલે મારા પાડોશી-મીત્રના દીકરાનો દાણો દબાવતાં મેં કહ્યું, ” તમે લોકો રામની જેમ મંત્ર ભણી શસ્ત્રો ફેંકવાનું શીખતા હો તો ! કદાચ પાકીસ્તાન સામે લડવું પડે તો તમારી વીદ્યા તો કામ લાગે.”

“અંકલ, આ તો બધી કેમેરાવાળાની કરામતછે. એવા મંત્રથી આ બધું થઈ શકતું હોય તો અમેરીકાવાળા શું ગાંડા છે કે અબજો અને ખર્વો ડોલરોનો ધુમાડો કરે !” મારા સંબંધીના દીકરાએ ફટ દઈને જવાબ આપ્યો.

આપણે આજની ઉગતી પ્રજાનો ગમે તેટલો દોષ કાઢીએ, પણ છે વાસ્તવવાદી; એમ તો જરૂર કહેવું પડે. આ પ્રજાના હાથમાં આપણું ભાવી ઊજળું છે, એમ મને થયું.

ગોવીન્દ મારુગો. મારુ (રૅશનલ)

બાળ દીક્ષા

 

કુમળી વયના નીર્દોષ બાળકો દીક્ષા ગ્રહણ કરે તેવી બીના કાને પડે કે તરત જ અંતરમન દ્રવી ઉઠે છે. સામાન્ય રીતે આ બનાવ  કોઈ વ્યક્તીગત નથી. પરંતુ સમાજ જીવન અને સામાજીક મુલ્યોને સ્પર્શતો પ્રશ્ન છે. માનવજાતના કાયદાનો ઈતીહાસ એમ તારણ કાઢે છે કે, સગીર વયના માણસે (!) કરેલો નીર્ણય તો તેના મા-બાપ જ કરતાં હોય છે. દીક્ષા લેવા માટે કુમળા બાળકના મનને એક વ્યવસાયી રીતે વ્યવસ્થીત તૈયાર કરવામાં આવે છે. આવા કુમળા મનના બાળકોને દીક્ષા અને તેના આધારીત ચમત્કારો તરફ સંમોહન ફેલાવવું તે એક વ્યવસ્થીત મનોવૈજ્ઞાનીક શીક્ષણ બની ગયું છે. દીક્ષા પ્રાપ્ત કરવા મનને તૈયાર કરવું તે એક વ્યવસ્થીત ષડયંત્રનો ભાગ બની ગયો છે. એક વખત દીક્ષા લીધા પછી તેને ટકાવી રાખવી, તે જ માર્ગ શ્રેષ્ઠ માર્ગ છે; એ માટેના પણ વ્યવસ્થીત પગથીયા ગોઠવવામાં આવ્યા છે. આ બધી પ્રક્રીયાઓને તટસ્થ અને માનવીય ગૌરવનું મુલ્યની દૅષ્ટીએ મુલ્યાંકન કરીએ તો આપણે ચોક્કસ અનુભવાય કે બાળ દીક્ષા એ બાળકની જીન્દગી ઉપરનો અમાનુષી ત્રાસ છે. જો બાળક પોતાની જાતે યોગ્ય નીર્ણય ક્યારે ય કરી શકે તેમ ન હોય, તો પછી તેની દીક્ષાનો નીર્ણય કેટલો વાજબી કહેવાય ?

કાયદાએ સ્પષ્ટ અમલી બનાવી દીધું છે, કે સગીર વયની વ્યક્તીને મતાધીકારથી માંડીને પોતાની જાતને રજુ કરવા કોઈ કાયદાકીય અધીકાર નથી. ત્યારે મા-બાપ સમાજમાં પોતાનો મોભ્ભો જાળવવા અને બાળ દીક્ષાના ઓઠા હેઠળ પુણ્ય પ્રાપ્ત કરવા બાળદીક્ષા જેવી પ્રવૃત્તી સગીર દ્વારા કરાવવામાં આવતી હોય તો તેને કાયદાએ ગુનો ગણી વહેલામાં વહેલી તકે અટકાવવી જોઈએ. ભારતમાં સામાજીક સુધારણાના ક્ષેત્રે કાયદો પ્રગતીશીલ બની આગેકદમ બઢાવે તે અનીવાર્ય છે.

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૨૪/૧૨/૧૯૯૩ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …ગો. મારુ (રૅશનલ)

સ્ત્રીઓનો સ્વૈચ્છીક અગ્નીદાહ ક્યારે અટકશે ?

વીજ્ઞાન મંચ, નવસારીના ઉપક્રમે અને આ બ્લોગરના નેતૃત્વ હેઠળ સર્વશ્રી ભુપેન્દ્ર ઝેડ., વીજય દેસાઈ અને રાજેન્દ્ર સોની સાથે બે જુથમાં ગણદેવી તાલુકાના ધનોરી ગામના પ્રખ્યાત ભગત મંગુ મહારાજના કહેવાતા ચમત્કારો ઉઘાડા પાડવાનું અભીયાન તા.૭/૦૮/૧૯૯૪ના રોજ સફળતાપુર્વક પાર પાડ્યું હતુ. આ અભીયાનનો એક કીસ્સો પ્રસ્તુત છે:

મુજ નાસ્તીકને ત્યાં બે દીકરાઓ હોવા છતાં બહુજન હીતાય જુઠાણાનો આશરો લઈ મારે ત્યાં ત્રણ દીકરીઓ છે અને હવે ભગતજીની કૃપાથી મારે કુળદીપક (દીકરો) જોઈએ છે- એવી મંગુ મહારાજને મેં અરજ ગુજારી હતી. ત્યારે એમણે ધ્યાન ધરવાનો ડોળ કરીને કહ્યું કે, ‘તમારી પત્નીને સારા દીવસો રહે પછી અહીંયા લાવી માતાજી સમક્ષ બાધા લેવડાવશો તો જરુર તમારી મનોકામના પરીપુર્ણ થશે.’ ત્યારે ફલીનીકરણની પ્રક્રીયા દરમ્યાન મારા Y રંગસુત્ર અને મારી પત્નીના X રંગસુત્ર ભેગા થવાના અભાવે અમારે ત્યાં દીકરો થતો નથી”  એવો ડૉક્ટરોના અભીપ્રાયથી તેઓને વાકેફ કરીને મુજ પાપીના ઘરે દીકરો દેવા માટે મેં મંગુ મહારાજને કાકલુદી કરી. આથી તેઓએ  ડૉક્ટરોના ભરોસે બેસી ન રહેતા માતાજીમાં શ્રદ્ધા રાખવા મને જણાવ્યું. તેઓએ કેટલાયે ડૉક્ટરો, નર્સો તેમજ પ્રોફેસરોને ત્યાં પારણાં બંધાવ્યા હોવાના નામ-સરનામા વીનાનો ઉલ્લેખ કરી મારા પત્નીને એક વખત સાથે લાવી તેણી પાસે બાધા લેવડાવવાનો આગ્રહ રાખીને તેઓના પાખંડને પરોક્ષ રીતે સ્વયં સીદ્ધ કર્યો !

આ અભીયાન અંતર્ગત ધનોરી ગામના લોકસંપર્ક દ્વારા મળેલ માહીતી મુજબ માતાજી તથા ઠાકોરજી (લાલો)ના આ કહેવાતા ભગત બાધામાં સ્ત્રીઓ પાસે સાડી, સોનાના ઘરેણા, સુકોમેવો  જેવી કીંમતી ચીજવસ્તુઓ મુકાવે છે. જેથી આ કહેવાતા ભગતનું ગુજરાન ખુબ જ ઠાઠ-માઠથી ચાલે છે. અહી વીચારણીય મુદ્દો એ છે કે, જો સ્ત્રીઓ રેશનલ હોય તો આવા ભગત-ભુવાઓ કે ધર્મના ઠેકેદારો ફાવી શકે ખરા ? લગભગ દરેક ધર્મોએ સ્ત્રીઓને હલકી ચીતરી છે. આમ છતાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ જ વધુ ધાર્મીક છે, ધર્માંધ છે. આખું વર્ષ બહેનો તરેહ તરેહના વ્રત-ઉપવાસો કરતી રહે છે, એ વળી પોતાના માટે નહીં- પરંતુ પતી કે પુત્રના કલ્યાણાર્થે. જો આ સંદર્ભે વીચારીએ તો પુરુષો દ્વારા સ્ત્રીઓની ધાર્મીકતાનું સમર્થન એટલે પોતાના સ્વાર્થનું સમર્થન ! ધર્મ સીવાય જીવનનું એવું કોઈ ક્ષેત્ર નહી હોય જ્યાં સ્ત્રીઓની આટલી પ્રધાનતા હોય ! હવે સવાલ એ પેદા થાય છે કે, ધર્મમાં જ આ વીશેષતા શામાટે ઉપલબ્ધ છે ?

સમાજને પાયમાલ કરી રહેલા દારુના દુષણ સામે અવાજ ઉઠાવવાની હીંમત દાખવનારી ‘સખી મંડળ’ની બહેનોની જેમ એકવીસમી સદીના વૈજ્ઞાનીક યુગમાં સ્ત્રીઓએ જ નક્કી કરવાનું રહે છે કે તેઓ ક્યાં સુધી કહેવાતા ધર્મ કે અંધશ્રધ્ધાની જ્વાળામાં પોતાની જાતની સ્વૈચ્છીક અગ્નીદાહ કરતી રહેશે ?

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૭/૦૮/૧૯૯૫ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …

ગો. મારુ (રૅશનલ)

ભુત-પ્રેત એ તુત છે

‘ભુત-પ્રેતની અગોચર સૃષ્ટી’ શીર્ષક હેઠળ ગુજરાતમીત્રમાં તા.૨૪/૦૬/૧૯૯૨ના રોજ પ્રસીધ્ધ થયેલ શ્રી સંજયભાઈ પટેલના ચર્ચાપત્ર પરત્વે લખવાનું કે, ભુત-પ્રેત, ડાકણ-સાકણ, જીન-ઝંડ, ચુડેલ વગેરેની વાતો અભણ-અજ્ઞાન માણસો માની લે તે સ્વાભાવીક છે. પરંતુ કહેવાતા કેટલાંક શીક્ષીતો અને વીજ્ઞાનીઓના દીલો દીમાગમાં વડીલો, ધર્માધીકારીઓ તેમજ ધાર્મીક પુસ્તકો દ્વારા બાળપણથી જ આવી મીથ્યા અંધશ્રધ્ધા ઠોકી બેસાડવામાં આવે છે. જેથી કહેવાતા શીક્ષીતો અને વીજ્ઞાનીઓ પણ ભુત-પ્રેતાદી બાબતોમાં અભણ-અજ્ઞાન લોકો જેવા જ વહેમી માનસ ધરાવતા હોય એ સ્વાભાવીક છે. જેને લઈને શીક્ષણ, સાહીત્ય પણ આવી મીથ્યા માન્યતાઓ/મીથ્યા સંસ્કારોને દુર કરવા પ્રતી ઉદાસીનતા દાખવે છે. આમ થવાને કારણે જ શ્રી સંજયભાઈના જણાવ્યા મુજબની વાર્તાઓ, નવલીકાઓ, જીવનકથાઓ કે ધાર્મીક ગ્રંથોમાં નીરુપણ કરેલ કપોળ કલ્પનાઓને લેખકો દ્વારા રજુ કર્યેથી બાળકો અને આમજનતાની વીચારશક્તી વાસ્તવીક જ્ઞાનથી બહુ ખોટી દીશામાં ધકેલાઈ જાય છે.

જે લેખકો ભુત-પ્રેત, ડાકણ-સાકણ, જીન-ઝંડ, રાક્ષસ-પીશાચ, ચુડેલ જેવા અસ્તીત્વ ન ધરાવતાં પાત્રોનું વર્ણન કરે છે તેનાથી મોટેરાઓ માટે આવી કૃતીઓનું વાંચન કદાચ રસપ્રદ હોઈ શકે ! પરંતુ બાળકોના નાજુક મગજ ઉપર તો તે ગભરાટ અને ભયની અસર ઉત્પન્ન કરી બાળકોને ખુબ જ નુકસાન પહોંચાડી રહ્યા છે.

‘ભુત સૃષ્ટીનો પ્રત્યક્ષ અનુભવ ઘણા લોકોને થયો છે.’ એવું વીધાન ટાંકીને આ માટે સંશોધન કરવા અંગે શ્રી સંજયભાઈએ  કરેલ સુચન પરત્વે વધુમાં લખવાનું કે, તાજેતરમાં ભરુચ ખાતે જુના બજાર પોલીસ ચોકી પાસે ફરજ બજાવતા બોર્ડર વીંગ બટાલીયન નં. ૨ ના જવાન તથા અન્ય એક મુસ્લીમ યુવાનના મરણ અંગે ફેલાયેલ ભુતની વાત ખોટી હોવાનું રેશનાલીસ્ટ શ્રી અબ્દુલભાઈ વકાની એ સાબીત કરી છે. શ્રી અબ્દુલભાઈ વકાની,  પ્રમુખ, સત્ય શોધક સભા, અંકલેશ્વર. જી. ભરુચ (ગુજરત) ને ધન્યવાદ…

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૫/૦૭/૧૯૯૨ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …

ગો. મારુ (રૅશનલ)

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઈન્ટરનેટી–અંધશ્રદ્ધાનો વ્યાપ !

આપણે ત્યાં દેવી-દેવતાઓના નામે પોસ્ટકાર્ડ લખવાનો અને પત્રીકાઓ કે ફોટોકૉપીઓ દ્વારા ચમત્કાર કે અંધશ્રદ્ધા ફેલાવવાનો ચાલ હતો. તેને જો કોઈ ન અનુસરે તો તેનું ધનોત-પનોત નીકળી જશે તેવી ધમકી આપી ડરાવવાની પ્રથા પણ હતી. હાલમાં પણ આ પ્રથા છે, જીવીત છે; એટલું જ નહીં, દુખની વાત એ છે કે ઈન્ટરનેટ વાપરનારા ભણેલા–ગણેલાયે આવી અંધશ્રદ્ધા ફેલાવવામાં પાછા પડતા નથી ..લખે કે ‘દસને ફોરવર્ડ કરો તો આ લાભ અને ન કરશો તો ફલાણો ગેરલાભ !!!’

સને ૧૯૯૨માં પોતાના પાંચ મીત્રોનાં નામ-સરનામાં ટાઈપ કરી, નીચે પોતાની સહી કરી નવા પાંચ પત્રો વૈશ્વીક સ્તરે ‘ગુડલક’ મેળવવા મોકલવામાં આવતા હતા. આ પત્રમાં એક સુચના આવતી કે, ‘આ પત્ર નેધરલેન્ડથી શરુ થયો છે અને આખા વીશ્વમાં લગભગ ૨૦ વાર તો તે ફરી ચુક્યો છે ! જ્યાં પણ પહોંચ્યો છે તેમને સૌને ‘ગુડલુક’ પ્રાપ્ત થયું છે. જે જે વ્યક્તીએ આ ચેઈન તોડીને પત્ર નથી લખ્યો તેનું ધનોત-પનોત નીકળી ગયું છે. આ પત્ર સાચવીને રાખશો નહીં, કોઈ પૈસા મોકલશો નહીં. તમારા સેક્રેટરી પાસે આની ચાર વધુ નકલો બનાવડાવી, તેને તમારા પાંચ મીત્રોનાં સરનામે પોસ્ટ કરી દો. જે મીત્રને આ પત્ર મળશે તેનું નસીબ ખુલી જશે તથા આજથી ચાર દીવસમાં તેમને ‘ગુડલક’ પ્રાપ્ત થશે.’ આ કોઈ ગમ્મત (Joke) નથી. તે સમયે– અર્થાત્ દોઢ દાયકા પહેલાના– સીએટ ટાયરના પ્રમુખ, સીટી બેંકના ઉપ-પ્રમુખ અને ભારત, શ્રીલંકા, નેપાળ તથા બાંગ્લાદેશના એરીયા હેડ વગેરે મોટાં માથાંઓ આવી હારમાળાને પોષવામાં તેઓનો સુર પુરાવીને સંદેશો પાઠવતાં કે, (૧) ‘હું અંધશ્રદ્ધાળુ નથી; પણ દેશની આ પરીસ્થીતીમાં આવા સારા ‘લક’નો જરુર ઉપયોગ થઈ શકે.’ (૨) ‘હું અંધશ્રદ્ધાળુ નથી, પણ ગલ્ફનું યુદ્ધ તથા ભારતના રાજકારણમાં અનીશ્ચીતતાવાળા વરસમાં આવો ચેઈન-પત્ર તોડીને મારી જાત પર ‘બેડ-લક’ આવવા નહીં દઉં.’ આમ- નસીબને સુધારવા સારુ,  હામ ભીડીને પુરુષાર્થ કરવાને બદલે નાહકના પત્રો લખવાની પ્રથા એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મુર્ખામીનો જ વ્યાપ હતો.

હાલમાં પણ કેટલાક ન્યુમરોલોજીસ્ટ-એસ્ટ્રોલોજર મીત્રો ઇ-મેઇલ દ્વારા 9-11 ની તારીખે બનેલ આતંકવાદી ઘટના તેમ જ તે 11 ના આંકડાના વીવીધ અર્થઘટનો કરી તેઓની સુચનાને અનુસરવા જણાવે છે. તમારા પરીચીત વધારેમાં વધારે વ્યક્તીઓને આવા મેઈલ મોકલશો તો 11 મીનીટમાં તમને આશ્ચર્યજનક ફાયદો થશે, જો તેમ નહીં કરો તો 11 મીનીટમાં આઘાતજનક નુકસાન થશે- તેવું જણાવીને  ધમકાવે છે. ગુજરાતી સાહીત્યને ઈન્ટરનેટ જગતમાં ગૌરવ અપાવનાર વડીલ મીત્ર સુરતના ઉત્તમ ગજ્જર પર પણ એકાદ મીત્રે આવી  મેઈલ મોકલેલ. તેને આપણા લાડીલા વડીલે પ્રત્યુત્તર પાઠવેલ કે, વહેમો અને અંધશ્રદ્ધાનાં આવાં જંગલોને ભેદવા... પ્રકારની કોઈ પણ મેઈલ હું તેના મોકલનાર સીવાય કોઈને મોકલતો નથી... તે રીતે માત્ર તમને પરત મોકલું છું અને 11 દીવસમાં કે કલાકમાં કે મીનીટમાં મને શું નુકસાન થાય તેની રાહ જોઈ બેસું છું... હવે પછી આવી મેઈલ મને મોકલો તો મને ગમશે...’ આમ અમે બન્નેને 11 મીનીટ, 11 કલાક કે 11 દીવસમાં કોઇ નુકસાન થયું નથી. ૨૧મી સદીના આ આઈટી યુગમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ સ્વતંત્ર અને નીર્ભય વીચાર–વીવેક શક્તીનો કારમો દુકાળ અને મુર્ખામીનો વ્યાપ અકબંધ છે…

સમાજમાં સફેદ લીબાશમાં અંધશ્રદ્ધા ફેલાવતા સફેદ ઠગ કે ધંધાદારી લોકોથી સાવધ રહેવાની બહુજન સમાજને જરુર છે. મનથી મજબુત રહેનારને આવા કોઇ સફેદ ધુતારા કે ઠગ ઠગી શકતા નથી.

ગોવીન્દ મારુ