Feeds:
Posts
Comments

Archive for the ‘ગો. મારુ (રૅશનલ)’ Category

મા – બાપની વન્દના

તા.02/06/2011ના રોજ સરદાર સ્મૃતીભવન, સુરત ખાતે ‘પુર્વાન્ત સ્નેહમીલન સમારોહ’ યોજાઈ ગયો. નવા યુગનો નવો સંદેશ આપતા કાર્યક્રમમાં પુજ્ય શામજીદાદાના સુપુત્ર, ચીન્તક, લેખક અને રૅશનાલીસ્ટ શ્રી વલ્લભભાઈ ઈટાલીયાઆપેલા પ્રભાવક પ્રવચનની ત્રણ વીડીયો આજે અહીં યુ–ટ્યુબના સૌજન્યથી પ્રસ્તુ કરું છું.. 

આશા છે કે ‘માવતરને જ જીવતા ભગવાન’ માનનાર સૌને તે ગમશે..

–ગોવીન્દ મારુ

Video: 1 Curtsy:  youtube


Video: 2 Curtsy:  youtube

Video: 3 Curtsy:  youtube


વક્તાસંપર્ક:

શ્રી વલ્લભભાઈ ઈટાલીયા, 74–બી, હંસ સોસાયટી, વરાછા રોડ, સુરત – 395 006, મોબાઈલ : 98258 85900 ઈ–મેઈલ: vallabhitaliya@gmail.com

  દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/

જીજ્ઞાસુઓ માટે અને આ રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

 ♦ ગોવીન્દ મારુનવસારી – govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

June 30, 2011

Advertisements

Read Full Post »

‘માનવીને તેનું જીવન માત્ર એક જ વાર મળે છે – તો તેણે  તેની જીન્દગી એવી રીતે જીવવી જોઈએ કે તે મરતાં મરતાં સંતોષપુર્વક કહી શકે કે ‘મેં મારું સમગ્ર જીવન ઉદાત્તમાં ઉદાત્ત ધ્યેય પાછળ ખર્ચ્યું છે – અને તે છે સમસ્ત માનવજાતની મુક્તી’

–લેનીન


લેનીન ભૌતીકવાદી હતો, નાસ્તીક હતો, નીરીશ્વરવાદી હતો અને છતાં તેણે દુનીયાનાં તમામ ભૌતીક સુખ અને સગવડને ત્યાગી માનવજાતની મુક્તી અર્થે તેનું સમગ્ર જીવન અર્પ્યું હતું. બુદ્ધ નાસ્તીક હતા, નીરીશ્વરવાદી હતા, આત્મા પરમાત્માની ફીલસુફીમાં માનતા નહોતા અને છતાં તેઓએ સમગ્ર જીવન સમર્પીત કર્યું.

ભૌતીકવાદી સંપુર્ણપણે નૈતીક હોય છે, હોઈ શકે છે. તેને નૈતીક મુલ્યોનાં આચરણ માટે સ્વર્ગ, નર્ક, પાપ, પુણ્ય, આત્મા, પરમાત્મા, ધર્મ ઈત્યાદીનો આશરો લેવો પડતો નથી. તે નૈતીક મુલ્યોનું હાર્દ બુદ્ધીથી અને તર્કથી બરાબર સમજે છે અને તેથી તેના માટે નૈતીક આચરણ સહજ બની જાય છે.

ઈશ્વરવાદીઓ, આત્મા-પરમાત્મા અને પરલોકની ફીલસુફીમાં રાચનારાઓ અને ધર્મમાં શ્રદ્ધા ધરાવનારાઓ, કેવળ પોતાના જ આત્માના શ્રેય માટે મોટાભાગે સ્વકેન્દ્રી બની જાય છે. તેમને રહેવું છે આ લોકમાં, અને વાતો કરવી છે પરલોકની ! પરીણામે તેમના આચાર-વીચારમાં વીસંગતતા આવી જાય છે. તેમની આ વીસંગતતા નૈતીક મુલ્યોનાં આચરણમાં દંભના રુપે દેખા દે છે. ખાવું, પીવું ને પ્રસન્ન રહેવું એ આલોકવાદી માનવીની મુળભુત પ્રકૃતી છે. ભૌતીકવાદીઓ, માનવીની આ મુળભુત પ્રકૃતીનો સ્વીકાર કરે છે. તેનું અકુદરતી રીતે દમન કરતો નથી અને છતાં તે જ જીવનનું અંતીમ ધ્યેય છે એમ તે કદાપી માનતો નથી. તેનું અંતીમ ધ્યેય માનવજાતીની કષ્ટમુક્તી છે અને સર્વાંગી સુખાકારી જ છે. આ ધ્યેયની એરણ પર તેની દરેક પ્રવૃત્તી-ચીન્તનને તે વારંવાર ચકાસે છે. તેને તેની ખાવા-પીવા અને મોજ કરોની પ્રકૃતીને મારવા – મચકોડવાની આવશ્યક્તા રહેતી નથી. ઈશ્વરવાદીઓ, ધાર્મીક નેતાઓ, આધ્યાત્મવાદીઓ વગેરે માનવસહજ મુળભુત પ્રકૃતીથી પર તો નથી જ. તેઓ પણ  આ પ્રકૃતીને સંપુર્ણપણે આધીન હોય છે. પણ તેમની  પરલોકવાદી વીચારસરણી તેમને આ જીવનમાં તેમની આ મુળભુત પ્રકૃતીનો કુદરતી અને સહજ સ્વરુપે સ્વીકાર કરવામાં બાધારુપ બની જાય છે. પરીણામે મોટાભાગે તેઓ દંભનો આશરો લે છે. તેમની સ્વકેન્દ્રીય વીચારસરણીના પ્રતાપે તેઓ સમાજાભીમુખ નથી રહી શકતા. તેથી તેનો પડઘો તેમના દ્વારા રચાતા સાહીત્ય, સંગીત, કલા, સમાજશાસ્ત્ર, ફીલસુફી ઈત્યાદીમાં પડે છે.

સવાલ એ થાય છે કે ભૌતીકવાદ એટલે શું ? ‘ખાવું, પીવું અને મોજ કરવું’ એ ભૌતીકવાદ છે ? ના જી. ભૌતીકવાદ એટલે આ જગત જે છે તે સત્ય છે, મીથ્યા નથી – બલકે એ જ સત્ય છે.  અને બ્રહ્મ મીથ્યા છે – એક કલ્પના માત્ર છે.  આ જગત કોઈ પરમાત્મા – બ્રહ્માનું સર્જન નથી. ચાર્વાકની આવી ફીલસુફીએ તત્કાલીન વેદ, વેદાંત, ઉપનીષદની બ્રહ્મ, આત્મા, પરમાત્મા, ઈશ્વર, પુનર્જન્મ, પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક, જ્યોતીષની વીચારસરણીનું ખંડન કર્યું. ચાર્વાકની ભૌતીકવાદની ફીલસુફીએ તત્કાલીન બ્રાહ્મણો, પુરોહીતો, ક્ષત્રીયોનાં સ્થાપીત હીતો પર સીધો ઘા કર્યો, જેના પ્રત્યાઘાત રુપે આ સ્થાપીત હીતોએ ચાર્વાકનાં પુસ્તકોનો નાશ કર્યો અને ‘ઋણ કરીને પણ ઘી પીઓ’ની ચાર્વાકની ઉક્તીનો મનઘડંત અર્થ તારવી ચાર્વાકની ફીલસુફીની ઠેકડી ઉડાડી.

જો આપણે ચાર્વાકની ફીલસુફી ‘ભૌતીકવાદ’નું યથાર્થ મુલ્યાંકન કરી તેને અનુસર્યા હોત, તો ભારત આજે  જ્ઞાન-વીજ્ઞાન-ટેકનોલૉજીમાં મોખરે હોત; પણ ‘જગત મીથ્યા છે. બ્રહ્મ સત્ય છે’ એવી અવળી–ઉલટી ફીલસુફીથી આપણો સમાજ સ્થગીત થઈ ગયો – નીજકેન્દ્રી થઈ ગયો. પરદેશીઓનાં આક્રમણનો સફળતાપુર્વક સામનો આપણો સમાજ કરી શક્યો નહીં. આજના  સંદર્ભમાં પણ ચાર્વાકની ભૌતીકવાદની ફીલસુફીની એટલી જ આવશ્યકતા છે. પરલોકની કલ્પના ત્યાગી, આજનું અહીંનું જીવન કેમ સ્વચ્છ, આરોગ્યપ્રદ, અભાવમુક્ત, સમરસ બને અને છેવાડાના માણસ સુધી સૌ સુવીધા અને સુખ સમાન રીતે પહોંચે તે જ આપણી નીસ્બત હોવી ઘટે. આપણે જો દુનીયાના વીકસીત દેશોની હરોળમા સ્વમાનભેર ઉભું રહેવું હોય તો ચાર્વાકની ભૌતીકવાદની ફીલસુફી આધારીત જ્ઞાન-વીજ્ઞાન અને ટેકનોલૉજીનો સમુચીત વીનીયોગ અત્યંત આવશ્ય છે, અનીવાર્ય છે.

ગોવીન્દ મારુ નવસારી govindmaru@yahoo.co.in


ગુજરાતમીત્ર દૈનીક, સુરતના ચર્ચાપત્રવીભાગમાં પ્રકાશીત થયેલો મારો એક ચર્ચાપત્ર


દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

ફેબુઆરી 27, 2010

Read Full Post »

વાસ્તવમાં શરીરથી અલગ કોઈ આત્મા નામના તત્ત્વની કલ્પના જ બધી મુસીબતોનું મુળ છે. જીવવીજ્ઞાન (બાયોલોજી)ની શોધો થવા અગાઉ આપણા શરીરમાં કેટલી નસ-નાડીઓ છે, તેમાં કેટકેટલાં અને કયાં કયાં પ્રકારનાં જીવાણુંઓ દરેક સમયે અસ્તીત્વ ધરાવે છે તેનું આપણને જ્ઞાન ન હતું. તો પછી આધ્યત્મવાદીઓએ કયાં એક્સ-રે મશીનથી શરીરની અંદર આત્મા નામની અદૃશ્ય ચીજને જોઈ ? પદાર્થની સ્વયં સંચાલીત પ્રક્રીયાને સમજવાના અભાવે જ આત્માની કલ્પના કરવામાં આવી હશે અને કોઈક માયાવી શક્તીની સાથે જોડી દેવામાં આવેલ હશે. આમ, જ્ઞાનના અભાવે લોકોએ શોર્ટકટ શોધી કાઢ્યો. અસલમાં સ્વત: સંચાલન સમજવાને બદલે આજ્ઞાપાલન વધારે સરળ લાગે છે. એટલે જ પોતાની બહારના કોઈ નીયંતાની તલાશ કરી લે છે. એ જ તો તેઓના વ્યવહાર નીર્દીષ્ટ કરે છે. આ નાયક અથવા હીરો તેઓના આદર્શોને અમલી કરે છે. જેને લઈને તમામ જહેમત અને તવાઈથી બચી જઈ પોતાના આદર્શોનો જાતે અમલ કરવાની મહેત કરવી ન પડે. નાયકપુજા (હીરોવરશીપ)ની પાછળ આ જ મનોવૈજ્ઞાનીક નબળાઈ કામ કરે છે. એ જ માનવીની આદીમ અવસ્થાની પરીચાયક છે.

આ જ નબળાઈના કારણે વ્યક્તી પોતાના વીવેક દ્વારા નીજને સંચાલીત કરીને વર્તવાનું જોખમ ખાસ કરીને ટાળે છે. વીકલ્પના સ્વરુપે ક્યારેક તો તે પોતાના સંચાલનની જવાબદારી કોઈ ધર્મગુરુના હાથમાં સોંપી દે છે, ક્યારેક કોઈ ડીક્ટેટરના હાથોમાં સોંપે છે. ‘મૅન, મૉરલ એન્ડ સોસાયટી’ પુસ્તકના મનોવૈજ્ઞાનીક લેખક મી. ફ્લુગલે ઉંડાણમાં ઉતરી ચર્ચા કરીને નીષ્કર્ષરુપે સીદ્ધ કર્યુ છે કે, આ રીતે પોતાના વીવેકનો આધાર લઈને વ્યક્તીએ પોતાની સમીક્ષાશક્તી જ ખોઈ નાંખી છે. વ્યકતીગત દાયીત્વબોધનો પણ લોપ થઈ જાય છે. અને વ્યક્તી એવા આદીમ વ્યવહારની કક્ષામાં પહોંચી જાય છે કે જેને વીવેકની કસોટી પર કસવામાં આવે તો માનવીનું મસ્તક શરમથી ઝુકી જાય છે. પ્રતીક જો ઝંડો હોય, કોઈ રંગ હોય કે પછી આદર્શ વાક્ય હોય અથવા પથ્થરનો કોઈ ટુકડો હોય આ ઠોસ પ્રતીકમાં જ વીવેકનું પ્રલંબન થઈ જાય. આ જ મનોવૈજ્ઞાનીક નબળાઈનો અનુચીત લાભ રાજકારણીઓ અને ધર્મગુરુઓ ઉઠાવી પોતનો સ્વાર્થ સીદ્ધ કરે છે ! વળી, કોઈક ગુરુથી પણ ઉપર કોઈ પારલૌકીક કાલ્પનીક આકૃતીનું સ્થાન આવી જાય છે. કારણ કે સાંસારીક યા લૌકીક ચીજોની તો સીમા પણ હોય છે. જેને જાણીને પણ નીરાશ થઈ શકાય છે. પરંતુ અંતીમ આશરો તરીકે માની લીધેલા ભગવાનના શરણમાં પહોંચીને સુરક્ષીતતા અનુભવવાનો વહેમ ઓઢી લે છે. આ રીતે કહેવાતા ભગવાનના હાથમાં લોકો વીવેકની સત્તા સોંપીને ધાર્મીક વ્યક્તી પોતાના નૈતીક કર્તૃત્વમાંથી છુટકારો મેળવી લે છે.

ગોવીન્દ મારુ નવસારી

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.14 જાન્યુઆરી, 2005ના રોજ પ્રકાશીત થયેલ મારું એક ચર્ચાપત્ર

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/


Read Full Post »

અતીતને વાગોળવામાં શો ભલીવાર ?

‘જ્યાં ન પહોંચે રવી ત્યાં પહોંચે કવી’– એ ન્યાયે મહર્ષી વાલ્મીકી અને વ્યાસે અનુક્રમે રામાયણ તથા મહાભારતની રચના કરેલી. રામાયણ તથા મહાભારતની રચના કરવામાં તેઓએ કલ્પનાને બહેલાવી છુટો દોર આપ્યો. પૌરાણીક પરી–કથાઓમાં કલ્પીત વાતોનું પ્રમાણ સવીશેષ હોય તે સ્વાભાવીક છે. હા, સાહીત્યની દૃષ્ટીએ મહાભારત અને રામાયણ ઉત્ત્તમોત્ત્તમ મહાગ્રંથો છે, તેનો કોઈ ઈનકાર કરી શકે તેમ નથી; પરંતુ આ આધાર પર એમ તારવવું કે, એ જમાનામાં આપણી પાસે આજના જેવાં જ શસ્ત્રો તથા વીમાનો હતાં અને તેનાં ઉડ્ડયનો/નીર્માણ આપણે કરી શકતા હતા, તે તો કેવળ મનને મનાવવાનું અને પોરસાવાનું બહાનું માત્ર જ છે. આ પ્રામાણીક/ વાસ્તવીક હકીકત નથી.

વળી કેટલાક તો લુલો બચાવ પણ કરે છે કે, ‘અંગ્રેજો અને જર્મનોએ આપણાં શાસ્ત્રો અહીંથી લઈ જઈ, તેનો અભ્યાસ કરીને તેઓએ આધુનીક વૈજ્ઞાનીક શોધો કરેલી છે, જે અસલમાં આપણી જ છે.’ ત્યારે પુછવાનું મન થાય છે કે, જે શાસ્ત્રો આપણી પાસે હજારો વર્ષથી હતાં, તો તે શાસ્ત્રોમાંથી આપણે કેમ કંઈ જ કરી ન શક્યા ? તે જ શાસ્ત્રોમાંથી અંગ્રેજ/જર્મન વગેરે પ્રજાએ ફક્ત બસો વર્ષમાં માનવને રાહતપુર્ણ જીવન બક્ષનારી સેંકડો/હજારો આધુનીક શોધો કરી જગતને ખોળે કેવી રીતે ધરી ? આ વાતે આપણે ગૌરવ લેવું જોઈએ કે શરમાવું જોઈએ ? હજારો વર્ષથી આપણી પાસે જો આજના જેવાં જ વીમાનો અને શસ્ત્રો આપણી પાસે હતાં પછી આપણે આ વીમાનો અને તે શસ્ત્રોનો ઉપયોગ કરીને, દેશ આખાને સદીઓ સુધી ગુલામ બનાવનાર પ્રજાઓ સામે ઝઝુમ્યા કેમ નહીં ? બસો વર્ષ સુધી મુઠ્ઠીભર અંગ્રેજોની ગુલામી આપણે શા માટે વેઠી હતી ? આપણા સાહીત્યમાં નીરુપાયેલા કલ્પનાના તોખાર સમું કશુંક નક્કર સ્વરુપનું આપણી પાસે હોત તો આજે આપણે ‘સુપર પાવર’ તરીકે દુનીયા પર આધીપત્ય ભોગવતા ના હોત ?

ગોવીન્દ મારુ નવસારી

24 December 2009

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.5/10/1992ના રોજ પ્રકાશીત થયેલ મારું એક ચર્ચાપત્ર …

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

Read Full Post »

શ્રી બી. જી. નાયક અને શ્રી આર. કે. મહેતા જેવા વીદ્વાનો રૅશનાલીઝમ વીશે પુર્ણતઃ સ્પષ્ટ ન થઈ શકે, ત્યાં આમજનતાને રૅશનાલીઝમ વીશે કૌતુક થાય, તેમાં શી નવાઈ ! જ્યારે કોઈ શબ્દ વીશે સ્પષ્ટ વ્યાખ્યા ન આપી શકાય ત્યારે તે શબ્દ ‘ઉછળતા દડા’ જેવો બની જાય છે. આવા શબ્દનો જેને જેમ ફાવે તેમ ઉપયોગ કરે છે. ધર્મ, અધ્યાત્મ, ભગવાન વગેરે આવા ઉછળતા રહેતા ‘દડા’ શબ્દો છે. પરન્તુ રૅશનાલીઝમ એ ‘દડા’ શબ્દ નથી. તેની ચોક્કસ વ્યાખ્યા ન જાણનારા અને ન સમજનારાઓ તેના વીશે ધુંધળુ વાતાવરણ ખડું કરવાની કોશીશ કરે છે.

રૅશનાલીઝમની વ્યાખ્યા સુસ્પષ્ટ છે. રૅશનાલીઝમ એક એવો અભીગમ છે, જેમાં ‘રીઝન’ની સર્વોપરીતાનો બીનશરતી સ્વીકાર કરવામાં આવે છે અને જેનો હેતુ ફીલસુફી તથા નીતીશાસ્ત્રની એક એવી તરાહ સ્થાપવાનો છે કે જે કોઈ અધીકારી ગણાતી તમામ એક પક્ષીય ધારણાઓથી મુક્ત હોય અને વાસ્તવીક અનુભવ દ્વારા એ ચકાસી શકાતી હોય.

મનુષ્યના મગજમાં આવેલીરીઝન’ની શાખા (Faculty)ને લીધે જ તે અન્ય પ્રાણીઓથી જુદો પડે છે. ઉત્ક્રાન્તીની લાખો વર્ષોની કોશીશ અને ભુલ સુધારતા જવાની પદ્ધતી દરમ્યાન આ શાખાનો ઉદય થયો છે. પરન્તુ  આવી મહામુલી શાખાના (રીઝન)નો ઉપયોગ કરવો કે નહીં તે દરેક વ્યક્તીની મુનસફીની વાત છે. બીજા અર્થમાં માનવપ્રાણીએ મનુષ્ય તરીકે જીવવું કે પ્રાણી તરીકે જીવવું તે તેણે જ પસંદ કરવાનું હોય છે. આજના બહુમતી મનુષ્યપ્રાણીએ કોની પસન્દગી કરી છે તે આપણે જોઈ શકીએ છીએ.

માટીનો ઢગલો વર્ષોથી ગામના ખુણે પડેલો છે. પરન્તુ એક કુમ્ભકાર (કુંભાર) તેના પ્રયત્નો થકી તેમાંથી ઘડાઓ તથા જુદી જુદી વસ્તુઓ બનાવે છે. તેવી જ રીતે આપણી રીઝનની શાખા તો વર્ષોથી આપણા ભેજામાં પડેલી છે. તેને વીકસાવવાનું ભગીરથ કાર્ય આપણે કરવાનું છે. તેના વડે જ આપણો ઉત્કર્ષ સાધી શકીશું. આ રીઝનની શાખા વીકસાવવાનું કાર્ય આપોઆપ નથી થઈ જતું. પોતાના દરેકે દરેક અનુભવોને વાસ્તવીકતાની ચાળણીમાં ચાળવાના છે–કસોટીના પથ્થરે ચકાસવાના છે. એને માટે સક્રીય વીચાર–પ્રકીયાની જરુર પડે. એ પ્રક્રીયા નીર્દયતાથી, બીનપક્ષપાતી બની અને કડકાઈથી તર્કના ઉપયોગ વડે ચાલતી હોય. મતલબ કે સૌ પ્રથમ તો વ્યક્તીએ તર્કનો નીયમ શીખવો પડે. (અભણ વ્યક્તી પણ પોતાના તથા બીજાના અનુભવોને, વાસ્તવીકતાની ફુટપટ્ટી વડે માપવાનું શરુ કરે એટલે તે તર્કના નીયમો શીખતા જાય. આના માટે સ્કુલ-કૉલેજમાં જવાની જરુર નથી) અને ત્યાર બાદ દરેકે દરેક મુદ્દામાં તથા પસન્દગીઓમાં પોતાના જાગૃત કલાકો દરમ્યાન સમ્પુર્ણ માનસીક એકાગ્રતા રાખે.

ઘણી ખરી વ્યક્તીઓ અમુક ક્ષણો માટે કે અમુક મુદ્દાઓ પુરતો કે ચોક્કસ કટોકટીના સંજોગોમાં, સભાનતાથી રીઝનનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ ક્ષણો, મુદ્દાઓ કે કટોકટી પસાર થઈ ગયા પછી તેઓ પોતાની સભાનતા (રીઝનની શાખા)ને કેઝ્યુઅલ લીવ પર ઉતારી મુકે છે ! આ કોઈ આંધળાપણું નથી. પરન્તુ ન જોવાનો અધીકાર છે. અજ્ઞાનતાથી પણ જાણવાનો ઈનકાર છે. મનુષ્યનો મુળભુત દુર્ગુણ જ આ છે. પોતાના મગજને ધુંધળું-અસ્પષ્ટ થવા દેવું અને ચાલુ પ્રવાહ જ્યાં પછાડે ત્યાં પછડાતા રહેવું એને બીનરૅશનાલીટી જ કહી શકાય. જ્યારે આનાથી વીરુદ્ધ, રૅશનાલીટી એ વ્યક્તીનો મુળભુત સદ્ ગુણ છે. જેમાંથી બીજા સદ્ ગુણો ઉદ્ ભવે છે. સદ્ ગુણો જન્મજાત કે વંશપરમ્પરાગત રીતે મળતા નથી તેને કેળવવા પડે, શીખવા પડે છે. રૅશનાલીટીનો સદ્ ગુણ પણ મનુષ્યે કેળવવો પડે છે.

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.14/04/1993ના રોજ પ્રકાશીત થયેલ  આ  ચર્ચાપત્ર …

Read Full Post »

માનવ સમાજ માટે હાનીકારક એવા શુકન-અપશુકનના ખ્યાલે જનમાનસમાં અંધશ્રદ્ધાનું વ્યાપક સ્વરુપ પકડ્યું છે. ગાય, કુંવારી કન્યા વગેરે સામે મળે તો શુકન ગણાય; જ્યારે બીલાડી, વીધવા સ્ત્રી કે પછી કુદરતી હાજતેથી પાછી ફરતી કોઈ વ્યક્તી સામે મળે તો અપશુકન ગણાય. એવી આમજનતામાં અંધશ્રદ્ધા છે. આવી અંધશ્રદ્ધાએ ભારત સીવાયના અન્ય દેશોમાં પણ વ્યાપક સ્વરુપ પકડ્યું છે. જેમ કે બ્રીટનવાસીઓ 13ના આંકડાને શુભ માને છે; જ્યારે 87ના સ્કોરને તેઓ અશુભ ગણે છે. જાપાનમાં લોકો યાત્રા પર જતાં પહેલાં નખ નથી કાપતા. ક્યુબા નીવાસીઓ ચાંદનીને ખરાબ માને છે અને તેથી ચાંદની રાતોમાં ખુલ્લાં માથે નથી નીકળતા. એસ્કીમો હવાની દીશા બદલવા માટે ઢોલ વગાડે છે. પેરુમાં વરસાદ લાવવા માટે કાળા ઘેટાને મેદાનમાં ઉભું રાખી દેવાય છે અને જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી ઘેટાને ખોરાક આપવામાં નથી આવતો… વગેરે વગેરે.

શુકન-અપશુકન માટે મુહુર્ત જોવામાં આવે છે. પુરોહીતો અપશુકન નીવારણ માટે વીધી કરવાના ઓઠા હેઠળ રોકડી કરી લે છે. શુકન-અપશુકનના ખ્યાલને લીધે વીધવા સ્ત્રીઓ, દલીતો વગેરેને સામાજીક તીરસ્કાર મળે છે. અંધશ્રદ્ધાળુઓ સારા શુકન માટે દીવસો સુધી તકના ભોગે રાહ જોઈ બેસી રહે છે. શુકન-મુહુર્ત કે અન્ય ધાર્મીક વીધીઓ માટે બેફામ ખર્ચાઓ કરવામાં આવે છે. જે ખર્ચાઓ દેશની વીકટ સમસ્યાઓ નીવારવાને બદલે તેમાં વધારો જ કરે છે. આમ આર્થીક, સામાજીક, શારીરીક શક્તીઓનો દુર્વ્યય થવાને કારણે છેવટે તો માનવ સમાજનો સર્વાંગી વીકાસ અવરોધાય છે.

જે વસ્તુ પ્રીય લાગે તે શુકન અને જે વસ્તુ અપ્રીય લાગે તેને અપશુકન કહેવું/માનવું એ માનસીક અસ્વસ્થતા છે, તેનો પ્રભાવ હાનીકારક છે. જો શુકન-અપશુકનના ખ્યાલને સત્યની એરણ પર ચડાવવામાં આવે તો સ્પષ્ટ થશે કે આવા ખ્યાલો ઉપજાવી કાઢેલા છે, વાહીયાત છે. માનવ સમાજમાં આ પ્રકારનો અંધવીશ્વાસ આદીકાળથી જ પ્રચલીત છે. જેને જડમુળથી ઉખેડી કાઢવા માટે અવીરત પ્રયત્નો કરવા જરુરી છે.

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.19/12/1992ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …

Read Full Post »

છેંતાળીસ વર્ષીય આપણા યુવાન વીજ્ઞાનશીક્ષક અને ઉગતા ગઝલકાર (કવીતાનો ‘ક’) મીત્ર, શ્રી. સુનીલ શાહ એમ. ટી. બૉઈઝ ટૅકનીકલ હાઈ સ્કુલ, સુરતમાં સેવા કરતા હતા, તે જ હાઈ સ્કુલમાં તા. ૬ અક્ટોબર ૨૦૦૯ને મંગળવારથી આચાર્યનો હોદ્દો સ્વીકારશે.. આપણા સૌના એમને ખુબ ખુબ અભીનન્દન..

આજની આ પોષ્ટ આચાર્ય શ્રી સુનીલભાઈ શાહને અર્પણ કરું છું.

ગોવીન્દ મારુ


અતીધાર્મીકતા અને અતીહીંસા

‘દીકરા, તું ચેતન તરીકે ઓળખાતો હતો અને અનેક આસુરી તત્ત્વોને મારવાને બદલે, માતાજીના આ ભક્તોએ તને જ મારી નાંખ્યો…! અરેરેરે…!!’ કોઈ એક નામ માત્રથી ઓળખાવા બદલ, કોઈ પણ વાંકગુના વીના પાલરોડ, સુરતના એક કૉલેજ યુવાનનું ઢીમ ઢાળી દીધું. થોડા મહીના પહેલાં સીટીલાઈટ રોડ, સુરત પર અભણ, ગરીબ વૉચમેનનો,  શીક્ષીત-સંસ્કારી ગણાતા ઘોડદોડ રોડ, સુરતના નબીરાઓ કથીત અપમાન બદલ જીવ કાઢીને જ જંપ્યા ! શરમ, સંસ્કાર, પોલીસ અને કાયદા-વ્યવસ્થાની ઐસીકી તૈસી…!!

કોઈનો લાડકવાયો ચાલ્યો ગયો, કેટકેટલી આશા-અપેક્ષાએ ઉછેરેલાં સંતાનો !… આ સંસ્કારી-શીક્ષીત નગરી, જ્યાં મુલ્યો, વ્રતો, ઉપવાસો, વરઘોડા અને આધ્યાત્મીકતાની વાતો કરતા કોઈ થાકતું નથી. એક ખુબ મોટી યુનીવર્સીટી અને સેંકડો સ્કુલો-કૉલેજો, સંસ્કારભવનો અહીં છે; છતાં આ શું ?!

હમણાં જ તો શ્રાવણ-રમઝાન માસમાં ધાર્મીકતાનું પુર આવી ગયું. મળસ્કેથી જ અલ્લાહની સાથે ડાયરેક્ટ સંપર્ક કરતા અવાજોએ બધાની ઉંઘ હરામ કરી. ઉપવાસ કરવાના, વળી આત્મા અને મોક્ષ માટે અપાસરા ગમી દોડાદોડી અને પવીત્ર થવા ઉપવાસની, યાચનાના ફોટાઓ, દશેરાને દીવસે રામાયણના દૃશ્યો ભજવાયાં અને શૈતાન ગણાતા રાવણનું પુતળાદહન ટોળેટોળાંની હાજરીમાં જ થયું ! ‘અવેરે જ શમે વેર’ની રામાયણની શીખ તો પોથીમાંનાં રીંગણાં જ ને ! મારા, મારા મહોલ્લાના, મારી જ્ઞાતી-પેટા જ્ઞાતીના, મારા ધર્મના કહેવાતા અપમાન બદલ, ચામડાના પટ્ટા, દોરડાં, ચપ્પાં, દંડા અને તલવારો લઈને યુવકો બહાર નીકળી પડે અને કોઈને મોતથી જરા પણ ઓછી સજા તેઓ કરતા નથી ! ચપટી વગાડતાં જ બધા તૈયાર ! હીંસા આચરવામાં કોઈ પાછું વળીને જોતું નથી.

અરે, સુધારાવાદી વીર નર્મદના ઘરની નજીક જ, ચાર દીવસ પર, ગોપીપરા, સુરતમાં એક ટોળામાંથી પુરુષો પોતે આગળ આવી, કેડ પર દોરડા વીંઝાવી પોતાની બાધા મુકે છે !

સવાલ એ થાય છે કે અતીધાર્મીકતા અને અતીહીંસા આટલી બધી જોડાજોડ કેવી રીતે નભતી હશે ? આખા ગુજરાતની બધી બહેનો નવરાત્રી દરમીયાન ઉપવાસ કરીને માતાજીની ભક્તી કરવા હીલોળે ચડે છે, તો બીજી તરફ એ જ ગુજરાતમાં વધતા જતા બળત્કાર, સ્ત્રીઓનાં અગ્નીસ્નાન, આપઘાત, કૌટુંબીક હીંસા અને વીવીધ પ્રકારની અવમાનના ! આ અતીશક્તીમાન માતાજીના આટલા બધા ભક્તીભાવ પછી પણ હીંસા સામે સ્ત્રી સાવ ની:સહાય કેમ?

આપણા જાહેર અને સામાજીક જીવનમાં હીંસા રગેરગમાં પેસી ગયેલી જણાય છે. સંસ્કાર, નીતી, શીક્ષણ, મુલ્યો વગેરેની બધી વાતો બકવાસ પુરવાર થઈ રહી છે. માનવતાનો સહેજ પણ છાંટો હોત તો ચેતન ઉર્ફે દીનેશ કે પેલા વૉચમેનભાઈ કે પૈસા વાંકે પોલીસે ન છોડેલા પાંડેસરા, સુરતના રાજેશ પાટીલ જીવ ગુમાવત નહીં, અને આ સમાચાર વાંચી સાવ મુંગામંતર, ચુપ, નીષ્ઠુર અને સંવેદનશુન્ય શીક્ષીતોને અને કટારલેખકોને શું કહીશું ?!

પ્રા. બાબુભાઈ ધી. દેસાઈ, સુરત

(અંધશ્રદ્ધા, વહેમ અને ચમત્કારોનો પર્દાફાશ કરતી સંસ્થા ‘સત્યશોધક સભા’, સુરતના મંત્રી અને નીવૃત્ત પ્રાધ્યાપક છે. આ જ સંસ્થાનું રૅશનલ સામયીક ‘સત્યાન્વેષણ’ ના સહતંત્રી/સહસંપાદક પણ.)

સંપર્ક: 3–અભીનવ પાર્ક, ઘોડદોડ રોડ, સુરત– 395 001

Mobile – 92279 06656 ઈ મેઈલ: professorbddesai@yahoo.com

સુરતના દૈનીક “ગુજરાતમીત્ર”ના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.3/10/09ના રોજ પ્રકાશીત થયેલ આ ચર્ચાપત્ર; ચર્ચાપત્રી–લેખક તેમ જ ‘ગુજરાતમીત્ર’ દૈનીકના સૌજન્યથી સાભાર…

Read Full Post »

‘ભગવાન કેવો દયાળુ છે કે તેણે પૃથ્વીને સુર્યથી બરાબર સાડા આઠ કરોડ માઈલ દુર ગોઠવી છે. જો થોડીક નજીક હોત તો આપણે બળીને ભસ્મ થઈ ગયા હોત’ એમ કોઈ સ્વામીજીએ તેમના પ્રવચનમાં ભાવીકજનોને કહ્યું, અને પ્રા. રમણભાઈ પાઠકે કાનોકાન સાંભળ્યું. (સંદર્ભ: ‘રમણભ્રમણ’ “ગુજરાતમીત્ર” દૈનીક, સુરત તા. ૧/૦૮/૧૯૯૨) આ સ્વામીજીને વીજ્ઞાનનો કક્કો કદાચ નહીં આવડતો હોય, પણ નામાંકીત વીજ્ઞાનીઓ પણ આવી વાતો કરે ત્યારે તેમને શું કહેવું ?

બ્રીટીશ વીજ્ઞાનીઓ પૌલ ડેવીસ (જેનો ઉલ્લેખ ડૉ. ગુણવંત શાહે તેમના પુસ્તક ‘અસ્તીત્વનો ઉત્સવ’માં કરેલો છે) તેમના પુસ્તક ‘એક્સીડન્ટ યુનીવર્સ’માં લખે છે કે, ‘‘જો ગુરુત્વાકર્ષણનો આંક જરા ઓછો વત્તો હોત તો વીશ્વનું સર્જન જ ન થયું હોત. એ જ રીતે બીજા ભૌતીક આંકો (Physical Constants- આવા આંકો 25 જેટલાં છે. તેમનું મુલ્ય વીશ્વની ઉત્પત્તી થઈ ત્યારે જે હતું, તે આજે પણ છે- અને ભવીષ્યમાં પણ તે જ રહેશે- એટલે આ અંકો અચળ- Constants કહેવાય છે)નાં મુલ્યોમાં જરા સરખી વધઘટ થઈ હોત, તો વીશ્વનું સર્જન જ ન થયું હોત’’ તેમની ગણતરી સાંગોપાંગ સત્ય છે; પણ છેવટે જ્યારે તે વીજ્ઞાની મટી ફીલસુફી કરવા બેસે છે ત્યારે તે આવું તારણ કાઢે છે કે, “ભગવાન કેટલો બુદ્ધીશાળી છે કે તેણે આ બધા આંકોનું ગણતરીપુર્વક નીર્માણ કર્યું છે કે જેથી વીશ્વની ઉત્પત્તી થાય” (ઉપરોક્ત સ્વામીજીની જેમ)

વીશ્વની ઉત્પત્તી થઈ ત્યાર પછી ગુરુત્વાકર્ષણ અસ્તીત્વમાં આવ્યું, એટલે તેના આંકનું નીર્માણ વીશ્વના અસ્તીત્વની સાથે સુસંગત હોવું જોઈએ. ધારો કે તેનું મુલ્ય ‘ક્ષ’ છે- તો ‘ક્ષ’ના મુલ્યમાં જરાસરખી વધઘટ થાય તો વીશ્વનું સર્જન ન થાય એ દેખીતું છે. એ જ પ્રમાણે સઘળા ભૌતીક આંકો વીશે કહી શકાય.

જેમ્સ જીન્સ બહુ મોટા ગજાનો બ્રીટીશ ખગોળવીજ્ઞાની હતો. તેમણે તેમના પુસ્તક “Mysterious Universe” ના છેલ્લા પ્રકરણમાં એવું તાત્ત્વીક (Philosophical) તારણ કાઢ્યું કે ‘ભગવાન સર્વ શ્રેષ્ઠ ગણીતજ્ઞ છે. શા માટે ? ૧૯મી સદીના વીજ્ઞાનીઓ તેમની થીયરી સમજાવવા માટે Physical Models રજુ કરી શકતા; પણ વીસમી સદીના વીજ્ઞાનને સમજાવવા આવા Physical Models શક્ય નથી. સમય અને અવકાશ સંકલીત છે, પ્રકાશ તરંગમય અને કણમય છે, ઈલેક્ટ્રોન કણમય છે તો તરંગમય પણ છે.’ આવી આધુનીક વીજ્ઞાનની વાતો ઉચ્ચતમ ગણીતથી જ સમજી શકાય. એટલે જેમ્સ જીન્સ કહે છે કે, વીશ્વની ગતીવીધીનું સંચાલન સર્વશ્રેષ્ઠ ગણીતજ્ઞ કરતો હોવો જોઈએ.

વીજ્ઞાનમાં પુર્વગ્રથીત માન્યતાને કોઈ સ્થાન નથી. કારણ કે વીજ્ઞાન જ્ઞાતના આધાર પરથી ‘અજ્ઞાત’ને પામવા મથે છે. તે ‘અજ્ઞાત’ને કોઈપણ પાયા વગર સ્વીકારી લેતા નથી. હા, તેઓ  ‘Hypothesis’ અવશ્ય ઘડે છે, તેની ચકાસણી કરે છે, તેમાં જરા સરખો અપવાદ નીકળે તો તેઓ તરત જ એ ‘Hypothesis’ને તીલાંજલી આપે છે.

પૌલ ડેવીસ કે જેમ્સ જીન્સ આ બધું જાણવા છતાં શા માટે ભગવાન સર્વ શ્રેષ્ઠ બુદ્ધીશાળી છે, ગણીતજ્ઞ છે એવી પાયા વગરની વાતો કરતા હશે ? આર્થર એડીંગટન, વ્હાઈટહેડ, ટયલર કે કાપ્રાનાં લખાણોનું વીશ્લેષણ કરવામાં આવે તો તેમનાં લખાણોમાં કાં તો આવી પુર્વગ્રથીત માન્યતા હોય છે, અથવા વીજ્ઞાનનું પ્રયત્નપુર્વક અવળું અર્થઘટન કરવામાં આવેલ હોય છે. દા.ત.: કાપ્રાએ અણુ પરમાણુમાં Consciousness સભાનતા છે, એવી વાતો કરેલ છે, જેનું કોઈ પ્રમાણ નથી એટલે કે આ પ્રમાણ વગરની વાત થઈ- અર્થાત્ વીજ્ઞાનનું અવળું અર્થઘટન છે.

સંસ્કૃતીના ઉદયકાળથી તે આજ સુધી બહુજન સમાજને ઈશ્વર, આત્મા, પરમાત્મા, પુર્વજન્મ, પુનર્જન્મ, પાપ, પુણ્ય, સ્વર્ગ, નરક, જ્યોતીષ જેવી તદ્દન કપોળકલ્પીત વાતોથી ઘેનમાં રાખવાનો પ્રયાસ એક યા બીજા સ્વરુપે કરવામાં આવે છે. આ વીજ્ઞાનનો યુગ છે. વીજ્ઞાનીઓ પણ જાણ્યે–અજાણ્યે બહુજન સમાજનએ ‘ઈશ્વર’ની વાતો વીજ્ઞાન દ્વારા ઠસાવવાનો પ્રયત્ન કરે છે. આપણા બૌદ્ધીકો પણ તેમના પ્રચારથી ભરમાઈ જાય છે. બૌદ્ધીકો વીચારશે ખરા ???

આર. કે. મહેતા અને ગોવીન્દ મારુ

સુરતના દૈનીક “ગુજરાતમીત્ર”ના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૧૪/૦૮/ ૧૯૯૨ના રોજ પ્રકાશીત થયેલો આ એક ચર્ચાપત્ર.

Read Full Post »

‘સારાં કાર્યો કરીશું તો સ્વર્ગમાં જવાશે અને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થશે. પણ સ્વર્ગમાં જઈને મળશે શું ? સ્વર્ગીય સુખ એટલે શું ? સ્વર્ગીય સુખ એટલે હર્ષોલ્લાસ, દુ:ખ વીનાનું – યાતનારહીત જીવન. સ્વર્ગમાં અપ્સરાઓ સેવા માટે હાજર રહેશે. કલ્પવૃક્ષ હશે જેની નીચે બેસવાથી દરેક મનોકામના પુર્ણ થશે. બેસીને ઈચ્છા માત્ર કરો અને તે વણમાંગ્યું મળી જશે. પૃથ્વી પરના ક્ષણભંગુર જીવન દરમ્યાન દાન કરો – ત્યાં કરોડગણું પરત મળશે.’

ઉત્તમ, અતીઉત્તમ ! સોદો ઘણો સસ્તો પડે છે. ગમતી ચીજ દાનમાં આપવી પડે તો વાંધો નહીં, સ્વર્ગમાં જઈને તો આ બધું જ ચક્રવૃદ્ધી વ્યાજ સહીત મળવાનું જ છે; એટલું જ નહીં દરેક ઈચ્છાની પુર્તી પણ થશે !

આ બોધપાઠમાંથી તો સાધુ – સંન્યાસીઓની અતૃપ્ત ઈચ્છાઓ જ પુર્ણ થતી દેખાય છે. અહીં તેઓએ જે  ત્યજ્યું છે તે સર્વ કુદરતી આનંદને સ્વર્ગના સુખ તરીકે પ્રાપ્ત થવાનાં શમણાં તેઓ તો જોઈ જ રહ્યા છે અને અનુયાયીઓને દેખાડી પણ રહ્યા છે. સ્વર્ગ, જન્નત, હેવન- જેવી અલૌકીક કલ્પનાસભર માન્યતાઓ દરેક ધર્મમાં છે. જીવન દરમ્યાન માણસ ધાર્મીક નીયમોને અનુસરે – ત્યાગ કરે, ઈચ્છા દબાવીને જીવે તો તેને મૃત્યુ બાદ સ્વર્ગ પ્રાપ્ત થાય અને તે સ્વર્ગીય સુખનો હક્કદાર બને. વળી, સ્વર્ગનું સુખ મેળવવા માટેના નીયમો દરેક ધર્મમાં ભીન્ન હોવા છતાં; તેનો મુદ્રાલેખ તો એક સમાન જ છે કે, ‘પૃથ્વી પર ત્યાગ કરો અને તેનાથી અનેકગણું સ્વર્ગમાં પ્રાપ્ત કરો’.

સ્વર્ગના સુખની વ્યાખ્યા જ એવી છે કે આપણી દરેક ઈચ્છા ત્યાં સંતોષાય. વાસના તૃપ્ત થવી, આશા-આકાંક્ષા પાર પડવી, જે અહીં ત્યાગ્યાં તે યથેચ્છ સુખોની પ્રાપ્તી થવી વગેરે. પરંતુ આવુ સુખ તો અહીં જ પ્રાપ્ત થઈ શકે તેમ છે ! એની પ્રાપ્તી માટે મૃત્યુ સુધીની અને તે પછીની અવસ્થાની રાહ જોયા કરવી અને તે પણ ઈચ્છા વીરુદ્ધનું અકુદરતી જીવન જીવીને..! આ તો નરી મુર્ખાઈ નથી લાગતી ? જેનું અસ્તીત્વ જ સીદ્ધ નથી થઈ શક્યું નથી તેવા સ્થળે, ભવીષ્યમાં મળનારાં કાલ્પનીક સુખમાં રાચવામાં આજનું એ જ પ્રકારનું હાથવગું સુખ ત્યજવું એમા કયું શાણપણ છે ?

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૭/૦૮/૧૯૯૫ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …

Read Full Post »

સરદાર સ્મૃતી કેન્દ્ર, નવસારી.

સરદાર સ્મૃતી કેન્દ્ર, નવસારી

ભગવાનને કર્તાહર્તા માનનારા લોકો જાતજાતના માનસીક તનાવ લઈને એ વીચારથી મંદીરમાં જતાં હોય છે કે ભગવાન તેઓનાં દુ:ખ દુર કરી દેશે. મોટા ભાગના લોકો મંદીરમાં ભગવાનને પગે લાગવાથી જ શાંતી મળે એવી અંધશ્રદ્ધા ધરાવે છે. પણ એ લોકો ક્યારેય એવો વીચાર કરતાં નથી કે બીજે ક્યાંય નહીં પણ મંદીરમાં જ જવાથી શાંતી મળે એનું કારણ શું છે ? એનાં ઘણાં કારણો પૈકી મંદીરનું બાંધકામ મહદ્ અંશે  આરસપહાણના પથ્થરનું બનાવવાથી ઠંડક અને શાંતી મળે છે, અગરબત્તીની સુવાસ મનને પ્રફુલ્લીત કરે છે, ઘોંઘાટ અને પ્રદુષણ વીનાના પર્યાવરણમય વાતાવરણથી પણ શાંતી મળે છે જે ઘરમાં નથી હોતી.

જો આ રીતનું બાંધકામ અને વાતાવરણ આપણા ઘરમાં કે મંદીર સીવાયના અન્ય કોઈ સ્થળે કરીએ તો ત્યાં પણ અવશ્ય શાંતી મળે જ.

ઉદાહરણ રુપે [૧] સરદાર સ્મૃતી કેન્દ્ર, નવસારી કૃષી યુનીવર્સીટી, દાંડી રોડ, નવસારી. [૨] શ્રી પ્રવીણચંદ્ર સવજીભાઈ કોઠારી બહેરા-મુંગા વીવીધલક્ષી વીદ્યાલય (મમતા મંદીર), દાંડી રોડ, નવસારી. [૩] ગાંધી સ્મૃતી કેન્દ્ર, કરાડી તા. જલાલપોર જી. નવસારી. ઈત્યાદી ‘ભગવાનની મુર્તી વીનાનાં મંદીર’ જેવાં સ્થળોમાં પણ અપાર શાંતીનો અનેરો આનંદ મળે છે. મોટા ભાગનાં મંદીરોમાં ગંદકી હોય છે. જ્યારે ગંદકી વીનાના આ સ્વચ્છ અને સુંદર સ્થળોએ મલીન વીચારો, માનસીક તનાવ કે દુ:ખ સાથે જનારો માનવી આમાનું સઘળું ભુલીને શાંતીનો જરુર અનુભવ કરે છે. અર્થાત્ જીવનને સમજવામાં અને સમાજને ઉપકારક બનવાનું શીખવા મળે યા ઉન્નતીકારક વીચાર મળે તે જ સ્થળ મંદીર છે.

મંદીરમાં ન જનારા અને ભગવાનમાં ન માનનારાઓ કોઈ સમસ્યા/દુ:ખ આવે તો સારાં પુસ્તકો, સારા મીત્રોનો સંગાથ, મનને રુચે એવી રચનાત્મક પ્રવૃત્તીઓ, નયનરમ્ય વાતાવરણમાં હરવું– ફરવું, સંગીત અને કળામાં મન પરોવી શાંતી મેળવે છે.દુ:ખ/સમસ્યાને સમજીને હલ કરવામાં આવે તો તેમાંથી કાયમને માટે છુટકારો અને શાંતી અવશ્ય મળે જ.

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૨૨/૦૩/૧૯૯૫ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …

Mukbadhirમમતા મંદીર, નવસારી.

Read Full Post »

Older Posts »