કામીનીબહેન સંઘવી

નીવૃત્તી એ ઝીરો નહીં હીરો છે!

નીવૃત્તી એ ઝીરો નહીં હીરો છે!

– કામીની સંઘવી

સચીન તેંડુલકરે આખરે નીવૃત્ત લઈ લીધી. તેની લાસ્ટ સ્પીચ લોંગ તો હતી જ; પણ સાથે સાથે લોંગ લાસ્ટીંગ પણ હતી. જીન્દગીની શરુઆત એટલે કે પાપા પગલી ભરતા જ જે કામ કર્યું હોય, તે કામ આમ છોડી દેતા જીવ કળીએ કળીએ કપાય તેમાં કશું અજુગતુ તો નથી જ; પણ અજુગતી વાત તે લાગી કે સચીને કહ્યું : ‘‘તેણે જીન્દગીમાં ક્રીકેટ સીવાય કશું કર્યું કે વીચાર્યું નથી એટલે તેને ખબર નથી પડતી કે હવે શું કરવું.’’ સચીન સ્ટાર છે. લોકો તેને ક્રીકેટનો ગૉડ કહે છે. પણ આ ગૉડ ખુદ પોતાના ભવીષ્ય વીશે અન્ધકારમાં છે. એટલે કે નીવૃત્ત થઈને શું કરવું. સુનીલ ગવાસ્કરની જેમ ક્રીકેટ કૉમેન્ટર બની જવું કે પછી રવી શાસ્ત્રીની જેમ માઈક લઈને મેદાનમાં ઉતરી પીચ તપાસતા–પ્રેઝેન્ટેશન સેરેમની હેન્ડલ કરતા પ્રેઝેન્ટર–કમ–એન્કર બની જવું. નો ડાઉટ સીચનને ઘણું ઘણું કામ મળી રહેશે, કારણ કે તે ક્રીકેટનો ગૉડ છે; પણ આશ્ચર્યની વાત એ છે કે કયારેક તો તમારે નીવૃત્ત થવાનું જ છે તે નગ્ન સત્ય સ્વીકારતા ગૉડને પણ કેમ વાર લાગે છે?  છેલ્લાં બે–ચાર વર્ષથી તો મીડીયામાં પણ સચીન નીવૃત્તી લેવી જોઈએ તે વીશે ચર્ચા થતી હતી. કેમ ક્રીકેટનો ગૉડ ગણાતો સીચન પણ નીવૃત્તીના ભયથી થરથર કાંપે છે? કેમ હકીકત સામે હોવા છતાં હવાતીયા મારવાની ટેવ માનવી છોડી શકતો નથી?

કોઈ કામ અનન્તકાળ સુધી તમે કરી શકતા નથી. તેની સમજણ આમ તો કુદરત જન્મતા જ તમને આપી દે છે. બાળક જન્મે ત્યારે સો ટકા માને આધીન હોય છે. ખાવું–પીવું–નહાવું–ધોવું તેમ બધી જ ક્રીયામાં તે પરાવલમ્બી હોય છે; પણ જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ સ્વાલમ્બી થતું જાય છે. એક પછી એક વસ્તુ છુટતી જાય છે. પહેલાં બોલતાં–ખાતાં–પીતાં–હરતાં–ફરતાં તેમ ક્રમબધ્ધ બધી વસ્તુ શીખાતી જાય છે. એટલે માણસ સતત કશું પામવા માટે કશુંક ગુમાવતો રહે છે. જેમ કે સ્તનપાન કરતું બાળક બોટલથી કે ગ્લાસથી દુધ પીવે ત્યારે માની નીકટતા ગુમાવે પણ સ્વાલમ્બન બનવા માટેનું પહેલું ચરણ તે માંડી રહ્યો છે તે એટલી જ સાચી હકીકત છે. માનું દુધ ન છોડવા માટે બાળક રડે છે–ધમપછાડા કરે છે; પણ ધીરે ધીરે ટેવાઈ જાય છે, શીખી જાય છે કે હવે સ્તનપાન કરવાની ઉમ્મર ગઈ, હવે ગ્સાલથી દુધ પીવાની ઉમ્મર થઈ છે. તે જ રીતે પહેલું ડગ માંડતા બાળકને પીતા કાળજીથી ડગલું ભરતા શીખવે છે; પણ બાળક ચાલતા શીખે તે માટે થોડા ડગલાં ચલાવીને પણ પીતા તેનો હાથ છોડી દે છે. તેથી જ બાળક ચાલતા શીખે છે. પછી જીવનનો બીજો તબક્કો આવે છે. બાળકની સ્કુલે જવાની ઉમ્મર થાય છે ત્યારે ફરી બાળક ઘરનો સુરક્ષીત માહોલ છોડીને અજાણ્યા માહોલમાં જતા ગભરાય છે, રડે છે. જીવન જીવવા માટે જરુરી શીક્ષા મેળવવા માટે પણ શીક્ષણ મેળવવું જરુરી છે તે માતા–પીતા સમજે છે. એટલે જ રડતા બાળકને સ્કુલે મુકીને મન મક્કમ કરીને ઘરે પાછા જતા રહે છે. બાળક ધીરે ધીરે ટીચર્સ અને બીજા સ્ટુડન્ટ સાથે તાદાત્મીયતા કેળવે છે. સહેજ બે–ચાર વર્ષ વીતે અને પછી પ્રાથમીક શાળા છુટે છે અને મીડલ સ્કુલ શરુ થાય છે. નવા ટીચર, નવા લેશન નવા સબ્જેક્ટ. નવું શીખવાની એક નવી મંઝીલ પણ જુનું છોડીને! વળી નવા ટીચર, નવા વીષય કંઈક નવું શીખવાની પ્રીક્રીયા ચાલે છે. મીડલ સ્કુલ પછી હાઈ સ્કુલ. હવે સબ્જેક્ટની પસન્દગી સાથે તમારું ભવીષ્ય પણ જોડાય છે. પસન્દગી કરતા પહેલા તમે પ્રેકટીકલ બનો છો. અને હાઈ સ્કુલ પાસ કરી કે સ્કુલ લાઈફનો જીવનભર માટે અન્ત. ફરી શીક્ષકો, મીત્રોને છોડતા હૈયું રડે છે પણ સ્કુલની ડીસીપ્લીન્ડ લાઈફમાંથી છુટીને કૉલેજના મુક્ત વાતાવરણમાં સહચરવાનો આનન્દ સ્કુલ છોડ્યાના દુ:ખને કંઈક હળવું કરે છે; પણ આખરે તો કુછ ખોને કે લીયે કુછ પાના પડતા હે. તે હકીકત તો સતત તમને સાવચેત કરતી જ રહે છે. વળી બે–ચાર વર્ષ વીતે અને કોલેજ લાઈફ પુરી થાય. ફરી પાછો જીન્દગીનો એક નવો આયામ જ શરુ થાય. અત્યાર સુધી મૉમ–ડૅડના પૈસે જલસા કર્યા હોઈ હવે તમારી કમાણીમાંથી તેમના સપના પુરા કરવાનો સમય આવે. એટલે વળી જોબ માટે કે સપનાને હકીકત બનાવવા માટેની દોટ ચાલુ થાય ને ગામ–નગર–શહેર અને માતા–પીતાને છોડીને નવો વસવાટ શરુ થાય. સ્વને શોધવાની, પોતાના હુન્નરને ખોજવાની ખોજ આરમ્ભાઈ જાય. તેમાં પણ કાઁરવે બનતે ગયે ઓર કાફીલે ગુજરતે રહે તેવો ઘાટ ચાલ્યા જ કરે. તમારા વર્ક પ્લેસ પર પણ પ્રમોશન, ટ્રાન્સફર, રીટાયરમેન્ટ બધું ચાલ્યા જ કરે. જુના માણસો જાય, નવા આવે છે. તે બધાં સાથે તમે ફરી પાછા અનુકુલન શોધો છો. તમે ઘડી બે ઘડી તે વીશે વીચારો ન વીચારો અને આગળ વધતા રહો. તે દરમીયાન ફેમીલી બને, પછી તેને નીભાવવાની–સાચવવાની જવાબદારી વધતી જાય. જે રસ્તો પાર કરીને તમે મંઝીલે પહોંચ્યા છો તે જ રસ્તે તમારા બાળક ચાલતા થાય. તમે તે બધામાં ભાગીદાર બનો પરન્તુ તમારી મંઝીલ અન્ત તરફ ઝડપથી ધસી રહીં છે તે વાત તમે સ્વીકારી શકતા નથી કે પછી આંખમીચામણાં કરો છો. ત્યાં સુધી કે એક દીવસ અચાનક નીવૃત્તી સામે આવીને ઉભી રહે અને અસલ સચીનની જેમ તમે હેબતાઈ જાવ. નીવૃત્ત થઈને શું કરીશ? ક્યાં જઈશ? મેં તો ક્યારેય વીચાર્યું જ ન હતું કે હું નીવૃત્ત થઈશ!

જીન્દગી ખરા અર્થમાં તમારો જન્મ થતાં જ તમને કશાને કશામાંથી નીવૃત્ત થવાના પાઠ શીખવતી હોય છે; પણ આપણને આંખ આડા કાન કરવા ગમે છે. જેમ બાળકને કડવી દવા પીતા જોર આવે તેમ આપણને નીવૃત્ત થતાં કે તે વીશે વીચારતા જોર આવે છે. આખરે સાજા–નરવા રહેવા માટે જેમ કડવી દવા પીવી જરુરી બને છે તેમ જીવન ટકાવવા માટે પણ નીવૃત્ત થવું જરુરી છે. નીવૃત્તી જીન્દગીનો એક એવો હીસ્સો છે જેની કોઈ અવગણના કરી શકતું નથી. જેમ જીવન તેમ મૃત્યુ, તેમ જ જેમ પ્રવૃત્તી તેમ નીવૃત્તી. જેમ જન્મ મરણ ટાળી નથી શકાતા; તેમ પ્રવૃત્તી પછીની નીવૃત્તીને પણ ટાળી શકાતી નથી. હા પણ નીવૃત્તીમાં પણ જે પ્રવૃત્તીમય રહીં શકે તે જ સાચી નીવૃત્તી લઈ શકયો છે તેમ જાણવું. મહેશ ભટ્ટની સારાંશ ફીલ્મમાં નીવૃત્તીમાં કઈ રીતે જીવનનો સારાંશ શોધી લેવો તેનું બહુ સરસ રીતે વર્ણન થયું હતું. નીવૃત્ત શીક્ષકના એકના એક દીકરાનું અમેરીકામાં મોત થાય છે. તે હકીકતને નીવૃત્ત શીક્ષક એટલે કે તે દીકરાનો પીતા સ્વીકારી નથી શકતો. દીકરાનું મોત થયું હવે જીવન કડવું ઝેર જેવું લાગે છે. કેમ જીવવું? ત્યારે તેનો મીત્ર કહે છે, ‘મૈને જબ મેરી પત્ની કો ખોયા તબ લગા થા શેષ જીવન કૈસે બીતાઉંગા. લેકીન મૈંને રોજ ભાભી કે લીયે સુબહ મેં દુધ કા પેકેટ લાને મેં અપને જીવન કા અર્થ ઢુંઢ લીયા, તું ભી જીવન જીને કા અર્થ ઢુંઢ લે.’

જીવન હરેક રુપમાં જીવવું પડે છે. તે જીવન મેળવતા જ મળેલી પ્રકૃત્તીની પહેલી શરત છે. પછી તમે હવે દેવળ જુનું થયું છે એટલે નથી જીવવું તેમ હાથ ખંખેરી નાંખો તે ન ચાલે. શરીર–મન ઘસાઈ ગયા હોય તો પણ જીવવું પડે. અન્ત સુધી. કોઈ એસ્ક્યુઝ નથી અને કોઈ એસ્ક્યુઝડ પણ નથી. તો પછી બહેતર છે કે નીવૃત્તીને પણ સ્વીકારતા શીખો. કોઈ એવી પ્રવૃત્તી શોધી કાઢો કે જીવન– જીવન લાગે મરણ નહીં. જીવ પરોવો, એકવાર સોયમાં દોરો પરોવાઈ ગયો તો જીવન આપોઆપ સંધાતું જશે. હકીકતથી ભાગવું તે કાયરતા છે. તમે તમારી અત્યાર સુધીની લાઈફ હીરોની જેમ જીવ્યા છો તો પછી બાકીનું જીવન શું કામ ઝીરોની માફક જીવવું? હકીકતનો સ્વીકાર કરવામાં હીરોઈઝમ છે, હકીકતથી ભાગવામાં નહીં. એટલે નીવૃત્તીનો પ્લાન જયારે પ્રવૃત્ત હો ત્યારે જ કરો. જેથી કરીને નીવૃત્ત થવાના શોકમાંથી બચી શકો.

ગ્રીન ચીલી

Don’t think of retiring from the world until the world will be sorry that you retire. I hate a fellow whom pride or cowardice or laziness drive into a corner, and who does nothing when he is there but sit and growl. Let him come out as I do, and bark.  – Samuel Johnson

– કામીની સંઘવી

‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈ તા. 10 એપ્રીલ, 2014ની ‘લાડકી’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘દીલ કે ઝરોખોં સે’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘મુંબઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક :

કામીની સંધવી, D-804, New Suncity, Aptt., B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat – 395 009 સેલફોન : 94271 39563 ઈ.મેઈલ : kaminiparikh25@yahoo.in  આ લેખ,  કામીનીબહેનની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 03–11–2017

 

 

Advertisements
કામીનીબહેન સંઘવી

સમાજમાં સ્ત્રીની ભુમીકા : ઓર્થોડોક્સીઝમનું માત્ર સોફીસ્ટીકેશન?

સમાજમાં સ્ત્રીની ભુમીકા :

ઓર્થોડોક્સીઝમનું માત્ર સોફીસ્ટીકેશન?

– કામીની સંઘવી

કહેવાય છે કે કલાએ જીન્દગીનો પડઘો છે, પછી તેનું રુપ ગમે તે હોય, સંગીત, પેઈન્ટીંગ, નૃત્ય, ફીલ્મ કે સાહીત્ય જેમાં જીવન ઝીલાતું હોય. આજની એકવીસમી સદીમાં જીવનનું પ્રતીબીમ્બ ઝીલતી કલાઓના રુપનું વીસ્તરણ થયું છે, અને તે છેક ટી.વી. અને ઈન્ટરનેટ પરની સોશ્યલ સાઈટસ સુધી લમ્બાયું છે. આર્ટ્સના વીવીધ માધ્યમ દ્વારા દુનીયાનો લેટેસ્ટ ટ્રેન્ડ જાણવા મળે. આજનો માણસ શું વીચારે છે કે શું ખાય પીવે છે? તેના જીવનમુલ્યો, લાઈફસ્ટાઈલ એટ્સેટ્રા… એટ્સેટ્રા… અને આ બધાંનું કલાજગતમાં જીવનનું કેવું પ્રતીબીમ્બ ઝીલાય છે તેના એક બે એક્ઝામ્પલસ. માઈન્ડ ઈટ કલાએ આપણાં સમાજનો આયનો છે.

વોશીંગ પાવડર નીરમાની એડ્ વર્ષોથી ટી.વી પર આવે છે; પણ આજે જે એડ્ ટી.વી પર બ્રોડકાસ્ટ થાય છે અને પહેલાં જે થતી તેમાં આસમાન જમીનનો ફરક છે. આજથી બે–ત્રણ દાયકા પહેલાં આવતી જાહેરાતમાં શું દેખાડવામાં આવતું હતું? તો જુદાં–જુદાં વર્ગની જુદાં જુદાં પ્રકારની મહીલાઓનો પ્રીય કે ફેવરીટ વોશીંગ પાવડર છે નીરમા. ટુંકમાં કહેવું હોય તો હેમા, રેખા, જયા ઔર સુષ્મા સબકી પસન્દ નીરમા. લૉઅરકલાસથી શરુ કરીને હાઈસોસાયટીની મહીલાઓ વોશીંગ પાવડર બાબતે એક મત હતી, તેવું નીરમાની વીસ વર્ષ પહેલાં ટી.વી. પર આવતી એડ્થી સાબીત થતું. નોટેબલ વાત એ હતી કે દરેક વર્ગની સ્ત્રી આ જાહેરાતમાં સાડી જ પહેરીને કપડાં ધોતી કે ફીણ–ઝાંક કરતી દેખાડવામાં આવતી. અફકોર્સ વોશીંગ પાવડરની એડ્ હોય તો તેમાં કપડાં ધોવાતા જ દેખાડાય ને! તે સર્વસ્વીકાર્ય વાત છે. નથીંગ રોંગ ઈન ઈટ. પછી જરા નવા મીલેનીયમનો નવો યુગ આવ્યો. એટલે તેમાં થોડા ફેરફાર થયા. વોશીંગ પાવડર તેનો તે જ હતો; પણ તેમાંના પાત્રનો પહેરવેશ બદલાઈ ગયો. સાડીની જગ્યાએ સલવાર કમીઝ આવ્યા અને પુરુષ પાત્રનો પ્રવેશ થયો. હૅપી ફૅમીલી હોય તે નીરમા વોશીંગ પાવડર વાપરે તે ટાઈપની કંઈક ઈમેજ ઉભી કરવા કે પછી કપડાં ધોવામાં પુરુષનો પણ સહકાર હોય છે, તેવું કંઈક કે પછી પુરુષને પણ વોશીંગ પાવડરમાં રસ પડે છે; તેવું દર્શાવવાનો પ્રયત્ન હોય તેમ કહી શકાય. છેલ્લાં થોડાં મહીનાથી જે જાહેરાત ટી.વી. પર બ્રોડકાસ્ટ થાય છે તેમાં હજુ નામ તો જેમના તેમ જ છે. પણ પાત્રનો પહેરવેશથી લઈને તેમની સોશ્યલ ઈમેજનું પ્રેઝેન્ટેશન બદલાય ગયું છે. હેમા, જયા, રેખા ઔર સુષ્મા હવે વોશીંગ પાવડરની જાહેરાતમાં કપડા વોશ નથી કરતા. પણ એક ગાડી કીચડમાં ફસાઈ ગઈ છે તેને હીમ્મત, કુનેહ અને મહેનતથી બહાર કાઢતા દેખાડવામાં આવે છે. કોઈ પુરુષની મદદ વીના. કદાચ આજની સમાજવ્યવસ્થામાં સ્ત્રીની ભુમીકા બદલાઈ છે. માત્ર ઘરરખ્ખુ કામ જેમ કે રસોઈ બનાવવી, કપડાં–વાસણ ધોવા પુરતી જ નથી રહી; પણ મલ્ટીડાયમેન્શનલ બની છે. કહેવાય છે કે કલાએ આપણાં સમાજનો આયનો છે; અને તો પછી આયનામાં દેખાતી વાતને નકારવી કેટલી યોગ્ય છે? જો સ્ત્રીની ભુમીકા સમાજમાં બદલાય હોય કે બદલાઈ રહી હોય તો તેને નકારવી તે વાત કેટલી યોગ્ય કહેવાય? પણ વાકેય હકીકતમાં સ્ત્રીની ભુમીકા સમાજમાં કે પહેરવેશમાં બદલાય છે? પછી ઓર્થોડોક્સીઝમનું માત્ર સોફીસ્ટીકેશન થયું છે?

એક ડૉકટર યુવતી, ચલો તેનું નામ કૃત્તી રાખીએ. તો કૃત્તીના લગ્ન ત્રણ ચાર મહીના પહેલાં સી.એ. થયેલાં અને સરસ પ્રેકટીસ કરતા છોકરા સાથે થયા. રાજસ્થાની પરીવાર સાસુ–સસરાં મોર્ડન એટલે કોઈ વાતની રોકટોક નહીં. જે પહેરવું હોય તે પહેરો અને જે ખાવું હોય તે ખાવ. નો પ્રૉબ્લેમ; પણ આ બધું ઘર કે ઑફીસ પુરતું. કશે સોશ્યલ ગેધરીંગ કે પછી લગ્ન–મરણ જેવા મેળાવડામાં જવાનું હોય તો સાસુ વહુને ઘીરેથી કહે કપાળ પર જરા નાનકડી બીન્દી લગાવ. હેવી નહીં તો લાઈટવેઈટ મંગળસુત્ર પહેર. વહુ વીરોધ કરવા માટે નહીં; પણ આઈ ડોન્ટ લાઈક ઈટ તેવું કહે; પણ સાસુના મોં પર નારાજગી દેખાઈ એટલે વહુ કમને પણ મમ્મી જેવી મીઠાસ દેખાડતી સાસુને ખુશ રાખવા તેમ કરે. અને સાસુ રાઝી રહે તે માટે સેંથા પર પણ જરાક લીપસ્ટીકનો લાલ ટચ આપે જેથી સેંથો પુરેલો દેખાય. નાનકડું નહીં જેવું મંગળસુત્ર પણ પહેરે કારણ; તો કજીયાનું મોં કાળું. ચાલો તેમ ઍડજસ્ટ કરવાથી પણ સુખ–શાંતી ઘરમાં જળવાઈ રહે તો સારું જ ને! પણ, કોઈ પણ સ્પ્રીંગ દબાવવાથી ડબલ ફોર્સથી તે ઉછળે છે તે નીયમ વીસરાઈ ગયો. વહુ લગ્ન પછી પણ પોતાની સરનેઈમ પીયરની જ વાપરતી હતી; કારણ કે તે નામે જ તે ડૉકટર તરીકે પ્રેકટીસ કરી ચુકી હતી. વળી તે જ શહેરમાં પરણી હતી એટલે તેની ડીસ્પનેસરી પણ તે જ હતી. માત્ર ઘર બદલાયું. પણ જેવા લગ્ન થયા એટલે જે કોઈ નજીકના લોકો હતા તેમને ત્યાંથી કોઈ નીમન્ત્રણ પત્રીકા કે કંઈક ઓફીશીયલ લેટર આવે તેમાં લખ્યું હોય કૃત્તી પારેખ શાહ. શરુઆતમાં આ બાબતને તેણે નાની ગણીને અવગણના કરી પણ એક દીવસ તેના ફેમીલીફ્રેન્ડ તેવા અંકલનો ઈમેલ આવ્યો, જેમાં તેમણે કૃત્તી પારેખ શાહ લખ્યું હતુ. કૃત્તીએ નારાજ થઈ ગઈ. અંકલને ફોન કરીને નારાજગી પ્રકટ કરી કે મારી સરનેઈમ પારેખ છે તે તમે હું જન્મી ત્યારથી જાણો છો તો શા માટે હવે પાછળ શાહ લખવાનું? તો જવાબ મળ્યો, ‘પતીને માન આપવા માટે પતીની સરનેઈમ પાછળ લાગાવવી જોઈએ ને! ઐશ્વર્યા રાય બચ્ચન પણ તેમ કરે છે.’ કેમ, ઐશ્વર્યા કરે તે કાયદો બની જાય, બધાંએ તેનું પાલન કરવાનું હોય! કૃત્તીને સૌથી વધુ ગુસ્સો તે બાબતનો છે કે એરો ગેરો નથ્થુખેરો પણ તેની ખરેખર સરનેઈમ કંઈ છે તે જાણ્યા વીના કૃત્તી પારેખ શાહ કે કૃત્તી શાહ પારેખ તેમ લખીને ઓફીશીયલ કોરસ્પૉન્ડન્સ કરે; પણ તેના પતીદેવને આવા સરનેઈમના પ્રોબ્લેમ લગ્ન પછી નડતા નથી. બીકોઝ હી ઈઝ અ મેન?

લગ્ન પછી સ્ત્રી પતીની સરનેઈમને અપનાવો તો જ તમે પતીને માન આપો છો કે પ્રેમ કરો છો તે સાબીત થાય છે? ભલે નહીં જેવું પણ મંગલસુત્ર પહેરો તો જ તમે લગ્ન કર્યા છે તેનું સર્ટીફીકેટ તમને મળે? ઘણી સ્ત્રીઓ કહેતી હોય છે કે મારા પતી અને સાસરીયા ખુબ સારા છે એટલે હું તેમની સરનેઈમ મારી સરનેઈમની પાછળ લગાવું છું; પણ કોઈ પુરુષ તેમ કરે છે કે પત્ની મને ખુબ પ્રમે કરે છે કે તે ખુબ સારી છે એટલે હું તેની સરનેઈમ મારી સરનેઈમની પાછળ લગાવું? ધે ડોન્ટ નીડ ટુ શો બીકોઝ ધે આર મેન? કેમ પુરુષ કે સ્ત્રીને માપવાના માપદંડો માત્ર તેની જેન્ડર પરથી નક્કી થાય? શા માટે કોઈ વ્યક્તીને માત્ર તે માણસ છે તેમ ન માપવામાં આવે? કે પછી હવે સ્ત્રીઓ સ્વતન્ત્ર થઈ ગઈ છે અને સમાજમાં કયાંય કોઈ ભેદભાવ નથી થતા તેવું આપણે ગાઈ વગાડીને કહીએ છીએ; પણ અમલ કરવાનો આવે ત્યારે હતા ત્યાને ત્યાં જ. પેલી નીરમાની જાહેરાતમાં સ્ત્રીને પુરુષ સમોવડી કામ–કાજમાં દેખાડાય છે તેમ; પણ હજુ તેને નાનું નાનું મંગળસુત્ર પહેરવું પડે? નાની તો નાની બીંદી કરવી પડે? બબ્બે સરનેમઈ લાખવી પડે? બીકોઝ શી ઈઝ અ વુમન?

જેન્ડર ફ્રી શબ્દ તો બહુ સરસ છે પણ તેનો વાસ્તવીક અર્થ જીવનમાં ઉતારવો બહુ અઘરો છે. હજારો વર્ષથી ચાલી આવતી માનસીકતાને બદલવામાં સમય લાગે પણ ઘણીવાર સ્ત્રીને અન્યાય કરતા રીત–રીવાજોને ઘરમુળથી બદલવાના બદલે તેને સોફીસ્ટીકેશનનું નવું રુપ આપવું સમાજ માટે વધુ નુકસાનકારક સાબીત થાય તેમ બને. ખરેખર નાની બીંદી કે મગંલસુત્ર કે પછી સરનેઈમ બહુ મોટી વાત નથી; પણ મોર્ડન દેખાડાના નામે કે અમે મોર્ડન છીએ તેવું દેખાડવા માટેના ઓઠા હેઠળ આ બધું થાય તે ન ચલાવી લેવાય.

એક હાઈ એડ્યુકેટેડ–કરીયર ઓરીયેન્ટેડ યુવતી લગ્ન પછી પહેલીવાર મળવા આવી અને તેણે ઉપર મુજબનનું ડ્રેસીંગ એટલે કે નાની બીંદી, નહીં જેવું મંગલસુત્ર સાથે જીન્સ–ટી શર્ટમાં જોઈ ત્યારે નીરમાની એડ યાદ આવી. પુછયું, ‘આ બધાં શણગાર શા માટે?’ જવાબ મળ્યો, ‘મને તો બહુ ગમે છે. એટલે કરું છું.’ કેમ કોઈ પુરુષને લગ્ન પછી તેમ કરવાનું મન નથી થતું? ઈટ્સ ઑલ અબાઉટ જેન્ડર જીન્સ? કે પછી એડ્યુકેશન આપણી માનસીકતા બદલી શકયું નથી?

રેડ ચીલી

Education is an ornament in prosperity and a refuge in adversity

Aristotle

– કામીની સંઘવી

લેખીકા સમ્પર્ક :

કામીની સંધવી, D – 804, New Suncity Aptt., B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat – 395 009 સેલફોન :  94271 39563 ઈ.મેઈલ : kaminiparikh25@yahoo.in  આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર…

‘મુમ્બઈ સમાચાર’  દૈનીક, મુમ્બઈ તા. 3 એપ્રીલ, 2014ની ‘લાડકી’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘દીલ કે ઝરોખોં સે’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘મુમ્બઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે બપોરે 2.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..  ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 06/10/2017

 

કામીનીબહેન સંઘવી

સ્ત્રી છો એટલે : કુછ પાને કે લીયે કુછ દીખાના જરુરી હૈ?

સ્ત્રી છો એટલે : કુછ પાને કે લીયે કુછ દીખાના જરુરી હૈ?

– કામીની સંઘવી

એક યુવા મીત્રએ શેર કરેલો એક કીસ્સો : એન્જીન્યરીંગના સ્ટુડન્ટને તેના સેલફોનમાં સ્ક્રીનગાર્ડ કવર લગાવવું હતું, એટલે તે એક જાણીતા સેલફોન કમ્પનીના સર્વીસ સેન્ટરમાં ગયો. હજુ તો ત્યાંના શૉપકીપર સાથે વાત કરતો હતો, ત્યાં લેટેસ્ટ ડીઝાઈનના વસ્ત્રો પરીધાન કરીને ત્રણ કૉલેજ ગર્લ્સ આવી. ત્રણેય કન્યાનો લુક આંખ ઠરે તેવો હતો. કદાચ તેમને જોઈને કોઈ છોકરાની દીલની ધડકન પણ વધી જાય! પેલા કૉલેજીયન છોકરાની જેમ બીજા પણ બે ત્રણ કસ્ટમર તે સર્વીસ સેન્ટરમાં હતા; પણ તે બધાંને અવગણીને પેલી છોકરીઓ પોતે જ આ સેન્ટરમાં પધારનાર પહેલી વ્યક્તી હોય તેમ સીધી જ દુકાનદાર સાથે વાત કરવા લાગી.. ત્રણેય છોકરીઓએ મધમીઠા અવાજે શરુઆત કરી. અમારે સેલફોનમાં કવર લગાવવું છે. કવર દેખાડશો? અને પેલા સર્વીસ સેન્ટરના ત્રણેય ઍટેન્ડન્ટ પણ બીજા બધાં કસ્ટમરને ભુલીને પેલી છોકરીઓ એક્સટ્રીમ ઈમરજન્સીમાં હોય, તેમ તેમને ટ્રીટ કરવા લાગ્યા.. કયું કવર સારું, કયો કલર સારો લાગે, કેટલી ગેરેન્ટી મળે, પાણીમાં પડે તો સેલફોન ડેમેજ થાય, કેટલાં પરસેન્ટ ડીસ્કાઉન્ટ મળે કે કેમ તેવા અગણીત કામના કે નકામા સવાલ જવાબની રમત ચાલુ થઈ ગઈ. સાથે સાથે તેમનું કામ પણ થવા લાગ્યું. ફટાફટ સેલકવર્સ બોકસમાંથી ખુલી ખુલીને કાઉન્ટર પર ઠલવાયા. અને પેલી ત્રણેય છોકરીઓના સેલફોનમાં લગાવવાનું શરુ થઈ ગયું. અન્તે પેલો એન્જીન્યીરીંગ સ્ટુડન્ડ કંટાળ્યો. તેણે જરા કડક અવાજે કહ્યું કે, ભાઈ હું આ બધી છોકરીઓ આવી તે પહેલાં આવ્યો હતો. તો જરા મારો પ્રૉબ્લેમ પણ સાંભળો. જવાબમાં પેલા દુકાનદારે કહી દીધું વાર લાગશે ઉતાવળ હોય તો પછી આવ જો.

એક વાત ગમે તેટલાં લોકો નકારે પણ હકીકત એ છે કે સારી–સુન્દર દેખાતી છોકરીઓ કે સ્ત્રીઓને જોઈને પુરુષ તેની સાથે વાત કરવા આકર્ષાય છે. સહજ કહો કે નૈસર્ગીક કહો; પણ પુરુષ સુન્દર–સારા ફીગરવાળી સ્ત્રીને જોઈને તેની સાથે વાત કરવા–તેના સમ્પર્કમાં કે તેની ગુડબુકમાં આવવાનો મોકો છોડતો નથી. તેથી વધારે ફાયદો મળે તો પણ તે લાભ કે તક ગુમાવતો નથી. અને હવે તે હકીકત આજની વામા પણ જાણતી થઈ છે એટલે તે યેનકેન પ્રકારે પોતે સ્ત્રી છે તે બાબતનો ફાયદો ઉઠાવતા શીખી છે. આજકાલ આવા અનેક કીસ્સા જોવા કે સાંભળવા મળે છે જેમાં છોકરીઓ પોતે છોકરી છે અને માટે ઘણો ફાયદો મળી શકે તેમ છે તે જાણી–સમજીને ગમે તે પરીસ્થીતીમાં પોતાનો રસ્તો કાઢવામાં સામેવાળી વ્યક્તી પુરુષ છે તેથી તેની સાથે લટુડા–પટુડા કરીને તેનો ફાયદો ઉઠવવાનો મોકો છોડતી નથી. કોઈ કહેશે કે તેમાં ખોટું શું છે? સ્ત્રી થોડી કહે છે કે હું સ્ત્રી છું એટલે તમે મને વધારે મહત્વ આપો? કે હું બ્યુટીફુલ છું એટલે મારી પાછળ ભમો? એ તો પુરુષની વૃત્તી તેવી છે કે તે બ્યુટીફુલ છોકરીઓથી આકર્ષાયને ફુલ પર ભમરો ભમે તેમ ભમવા આવી જાય છે; પણ જો આજે આ નવા મીલેનીયમમાં આપણે બધામાં જ સ્ત્રી હકની, સ્ત્રી સ્વતન્ત્રતા કે સમાનતાની વાત કરતા હોઈએ તો પછી આ બાબતમાં કેમ આપણે સ્ત્રી થઈને તેવો આગ્રહ નથી રાખતા? કેમ આપણે સ્ત્રી છીએ એટલે તેનો ફાયદો ઉઠાવવાનો શોર્ટકટ શોધીએ છીએ? આમ તો આપણે સ્પેસમાં વીહરવાની વાત કરીએ છીએ. અમને એટલે કે સ્ત્રીને પણ પુરુષની જેમ સમાન હકો મળવા જોઈએ. સમાન એડ્યુકેશન, સમાન ઉછેર અને સમાન તકની વાત કરવામાં આપણે પાછા પડતા નથી, તો સમાન વ્યવહાર પણ કેમ નહીં? કે પછી આપણી સમાનતા કે આપણા સમાનતાના ધોરણો ખોખલા છે? જ્યારે જરુર પડે ત્યારે સ્ત્રી હોવાનો જેટલો ફાયદો મળે તેટલો ઉઠાવી લેવાનો અને જ્યાં દાળ ના ગળે ત્યાં સમાનતાના જાપ જપવાના? સોરી ટુ સે, જો તમે આવું કરતા હોવ એટલે કે જ્યાં જરુર પડે ત્યારે સ્ત્રી હોવાની હકીકતનો ફાયદો ઉઠાવતા હોવ તો તમને હક નથી કે તમે સમાનતાની વાત કરો. સમાનતાની પહેલી શરત બધા જ વ્યવહારમાં સમાનતા પ્રયોજવી–આચરવી તે છે; પણ ના આપણે તેમ ઈચ્છતા નથી. આપણને સગવડીયો ધર્મ ફાવે છે કે કોઠે પડી ગયો છે. કહો કે પરીસ્થીતીનો ફાયદો ઉઠવવાનું ગમે છે.

–––––––––––––––––––––––––––––––––––––––––

અભીવ્યક્તી’ સપ્તાહમાં બે વાર..!

આજથી દર શુક્રવારે સવારે 7.00 વાગ્યે રાબેતા મુજબની પોસ્ટ તેમ જ દર સોમવારે બપોરે 2.00 વાગ્યે રૅશનલ લેખકમીત્રશ્રી દીનેશ પાંચાલનું પુસ્તક : ‘ચાલો, આ રીતે વીચારીએ’ની લેખમાળા મુકાશે. આમ, સપ્તાહમાં બે પોસ્ટ માણવા વીનન્તી છે.

–ગોવીન્દ મારુ

–––––––––––––––––––––––––––––––––––––––––

સ્ત્રી થઈને તમે સ્ત્રી હોવાનો ફાયદો એક પરીસ્થીતમાં ઉઠાવશો કે તેવો પ્રયત્ન કરશો તો જરુર બીજા પણ એટલે કે પુરુષ પણ તે બાબતનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે જ. તેનુ એક એક્ઝામ્પલ. સાઉથ સુપર સ્ટાર એક્ટર કમલા હસનની સાયલન્ટ ફીલ્મ ‘પુષ્પક’માં એક દૃશ્ય ફીલ્માવાયું છે. ચાલી જેવી બીલ્ડીંગની ગેલેરીમાં એક ઘાટણ સફાઈ કરી રહી છે. તેણે ટીપીકલ નવવારી મહારાષ્ટ્રીયન સાડી પહેરી છે. તેના સાડલાનો છેડો તેણે એવી રીતે ખોસ્યો છે કે તેના બ્લાઉઝમાંથી તેની ક્લીવેઈજ દેખાય. એક મીડલએઈજ્ડ અંકલ ટાઈપ પુરુષ ગેલેરીમાં ઉભો ઉભો સ્મૉક કરી રહ્યો છે. પેલી ઘાટણ કચરો વાળે છે અને વાંકી વળે છે એટલે તેની ક્લીવેઈજ વધુ સ્પષ્ટ બને છે. પેલા અંકલ સીગારેટની રાખ જાણી જોઈને ફરસ પર ખેરવે છે. અને પેલીને ત્યાં ઝાડુ મારવા કહે છે. સૉરી કહેતા નથી ઈશારો કરે છે. કારણ કે ફીલ્મ તો સાયલન્ટ હતી. પુરુષના મનનું બહુ આબાદ ચીત્રણ તે નાનકડાં એક બે મીનીટના દૃશ્યમાં બરાબર ઝીલાયું છે. બસ દેખના હે દીખાનેવાલા ચાહીયે. પુરુષ સારો છે ખરાબ છે તેવું અનેકવાર કહી ચુકાયું છે; પણ તે વાત કેટલી સ્ત્રીઓ સ્વીકારે છે કે પુરુષને છુટો દોર આપવામાં કે તેમને પોતાના ભણી લલચાવવામાં સ્ત્રીઓનો ફાળો પણ હોય છે? કદાચ સ્ત્રીને જોઈને લટુડા પટુડા થતા પુરુષો જેટલો જ વાંક તેમને તેવા મોકો પુરા પાડવા માટે સ્ત્રીઓ પણ જીમ્મેદાર છે?

હક અને ફરજ એક સીક્કાની બે બાજુ જેવા છે તેમ સમાનતા અને સ્વતન્ત્રતા પણ સીક્કાની બે બાજુ જેવા છે. એ તો તમારા પર જ નીર્ભર રહે છે કે તમે સીક્કાની કંઈ બાજુને મહત્ત્વ આપો છો. એક યુવા છોકરીએ તેની સાથીનો કીસ્સો કહ્યો. કૉલેજના સમર વેકેશનમાં એમ.એસસી.ની બે ગર્લસ્ટુડન્ટને એક સારા સ્પેસ સેન્ટરમાં ઈન્ટર્નશીપ કરવાનો મોકો મળ્યો. રીસર્ચ સેન્ટરમાં આ બન્ને છોકરીઓના ગાઈડ તરીકે પીએચ.ડી. કરીને હજુ નવા જ દાખલ થયેલાં બે મેઈલ એમ્પલોયીની નીચે આ છોકરીઓની ઈન્ટર્ન તરીકે ગાઈડ કરવાની અને શીખવાની જવાબદારી સોંપવામાં આવી. બન્ને છોકરીઓ પોતાના ઘરેથી તૈયાર થઈને નીકળતી હતી, ત્યારે એક છોકરીએ જોયું કે તેની ફ્રેન્ડના ટ્યુનીકની નેકલાઈન થોડી વધારે લૉ છે. એટલે બીજી છોકરીએ તેને સજેસ્ટ કર્યું કે તે બીજું કશું પહેરી લે, આજે ટ્રેઈનીંગનો પહેલો દીવસ છે અને આવો ડ્રેસ પહેરીને જઈએ તો કદાચ ખરાબ ઈમ્પ્રેશન પડે. તેના જવાબમાં પેલી મોર્ડન ગર્લ બોલી, ‘લે છોકરી હોવાનો ફાયદો મળતો હોય તો કેમ ન ઉઠાવવો? થોડું દેખાડીને કામ થતું હોય તો શું વાંધો છે?’

સમાનતામાં શોર્ટકટ કયાં આવ્યો? પણ કદાચ આ નવા મીલેનીયમની નવી શોધ છે. કદાચ આટલાં વર્ષોથી પુરુષ સ્ત્રીના સ્ત્રીહોવાપણાંનો ફાયદો ઉઠાવતો આવ્યો છે તે જ રાહ પર હવે, સ્ત્રી જાતે જ સ્ત્રીહોવાપણાંનો ફાયદો ઉઠાવી રહી છે. બન્ને વાતમાં હકીકતમાં અપમાન કહો કે અવગણના તે તો સ્ત્રી માનવ અસ્વીકારની જ છે. સ્ત્રી બનવું કે પુરુષ બનવું તે નક્કી કરનાર તો કુદરત છે; પણ તમે કેવા સ્ત્રી કે પુરુષ બનશો તે તો તમારા જ હાથમાં છે. એટલે કશે પણ સ્ત્રી હોવાનો ફાયદો ઉઠાવવો કે સામાવાળાને તમારા સ્ત્રી હોવાપણાનો ફાયદો ઉઠાવવાની તક આપો તો હાર તો તમારી એક માનવ તરીકેની છે જ. જો તમે તમારું કામ કઢાવવા માટે તમારું માનવપણું પડતું મુકીને સ્ત્રીતત્વને આગળ કરતા હોવ તો તમારી એક સ્ત્રી તરીકે હાર જ હાર છે; કારણ કે આખરે કુદરતે તમને સ્ત્રી બનવાની તક આપી છે તેની સાથે સારા માનવ બનવવાની જીમ્મેદારી પણ સોંપી છે. તો તમારે માત્ર સ્ત્રી બની રહેવું છે કે માનવ પણ બનવું છે? બૉલ ઈઝ ઈન યોર કોર્ટ. તમારે કેવી સ્ત્રી બનવું છે સમાનતાની વાત કરતી કે સમાનતાનું આચરણ કરતી?

રેડ ચીલી

Women always worry about the things that men forget; men always worry about the things women remember. 

– Marjorie Kinnan Rawlings

– કામીની સંઘવી

‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈ તા. 31 મે, 2014ની ‘લાડકી’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘દીલ કે ઝરોખોં સે’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘મુમ્બઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક :

કામીની સંધવી, D-804, New Suncity, Aptt., B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat – 395 009 સેલફોન : 94271-39563 ઈ.મેઈલ : kaminiparikh25@yahoo.in  આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર…

 

કામીનીબહેન સંઘવી

સ્ત્રી કોમૉડીટી છે તેવી માનસીકતામાંથી આપણે ક્યારે બહાર આવીશું?

સ્ત્રી કોમૉડીટી છે તેવી માનસીકતામાંથી આપણે ક્યારે બહાર આવીશું?

–કામીની સંઘવી

દક્ષીણ ગુજરાતના એક નાના ટાઉન જેવા શહેરમાં એક લગ્નપ્રસંગમાં જવાનું બન્યું. અપર ક્લાસ કહેવાય તેવા ફૅમીલીમાં પ્રસંગ હતો. મોટા પાર્ટી પ્લૉટમાં બધી જ તાકઝાક–ઝાકઝમાળ હતી, જે આવા પ્રસંગે હોય. બહાર જાનૈયાઓ મનપસન્દ ફીલ્મી ધુનો પર નાચતા હતા. વડીલ વર્ગ યુવાનોને મોકળાશ આપવા અને કંઈક તો વરઘોડામાં ફરીને થાકી ગયા હતા તે બધાં, શામીયાનામાં ઢાળેલી ઈઝી ચેર પર ગોઠવાઈને ગૉસીપ કરવામાં મશગુલ હતા. અને મારા–તમારા જેવા લોકો જેમણે પર્સનલ રીલેશનને કારણે પ્રસંગમાં હાજરી પુરાવવી જરુરી હતી, તે લોકો ક્યારે માયરામાં વર–વધુ પધારે અને આશીર્વાદ–અભીનન્દન આપી ઘરે જવાય, તેની રાહ જોતાં બોર થતાં બેઠાં હતાં. બાકી સ્વાદશોખીનોને જમણવાર ક્યારે શરુ થાય તે વાતમાં જ રસ હોય તેમ, વારંવાર કેટરીંગના માણસો દોડાદોડી કરતા હતા, તેને જોતા બેઠા હતા. અને ક્વચીત્ રસોડામાંથી આવતી સોડમને શ્વાસમાં ગ્રહીને કઈ વાનગીઓ બુફે ભોજનમાં પીરસાશે તેનો ક્યાસ કાઢતા ટાઈમ પાસ કરતા હતા. જાનૈયાઓએ હવે નાચી લીધું અને તેમની અન્દર આવવાની ઘડીઓ ગણાઈ રહી હતી. ત્યાં અચાનક બે–ચાર કેટરીંગના માણસો, આઠ–દસ છોકરીઓ સાથે આવી પહોંચ્યા. જે લોકો શામીયાનામાં બેઠા હતા, તે બધા તે છોકરીઓને જોઈને સ્તબ્ધ થઈ ગયા ! બધી છોકરીઓએ એકદમ ટાઈટ અને ટુંકાં, બ્લૅક કલરનાં– વળી, ટુંકાં એટલે ઘુંટણથી એક વેંત ઉંચા સ્કર્ટ પહેર્યા હતાં. ઓછામાં પુરું આટલાં ટુંકા સ્કર્ટમાં પાછળ કટ હતો! રેડ કલરના સ્લીવલેસ ટૉપ અને હેવી મેકઅપ અને હેરસ્ટાઈલમાં સજ્જ તે છોકરીઓને પેલા કેટરીંગના મૅનેજર જેવા દેખાતા માણસે, શામીયાનામાં ઢાળવામાં આવેલી ચેર્સની આસપાસના મેઈન પૉઈન્ટ પર ગોઠવવા માંડી. બધી છોકરીઓના હાથમાં હાથ લુછવા માટેના ટીસ્યુ પેપરના થપ્પા હતા. જાનૈયાઓ આવ્યા અને તે સાથે જ બધી છોકરીઓ સાથે એક–એક કેટરીંગ સર્વીસ બૉય, ચેરની આસપાસ ગોઠવાઈ ગયાં. છોકરાઓના હાથમાં સૉફ્ટ ડ્રીંક્સથી ભરેલી ટ્રે હતી અને કેટરીંગ સર્વીસ ગર્લ્સ દરેક ગેસ્ટના હાથમાં, ટીસ્યુ પેપર સાથે સ્માઈલ આપીને, ગ્લાસ સર્વ કરવા લાગી. તેમના ટુંકા સ્કર્ટ પર દરેક પુરુષ જ નહીં; પણ સ્ત્રીઓની નજર પણ જતી હતી; કારણ કે લગ્ન જેવા પ્રસંગમાં તો કોણ આવાં ટુંકાં કપડાં પહેરીને આવે? આખરે લગ્ન જેવા સોશીયલ ફંક્શનમાં સર્વીસ–ગર્લને આવા ટુંકા સ્કર્ટ પહેરાવવાની શી જરુર? કે પછી લગ્ન જેવા ફૅમીલી ફંક્શનમાં પણ હવે આપણને ગ્લેમરની જરુર પડવા લાગી છે?

દીવસે–દીવસે સમાજમાં સ્ત્રીઓનું અંગપ્રદર્શન થાય તેવાં કપડાં પહેરવાં કે પહેરાવવાંનું ચલણ વધતું જાય છે. જ્યાં જુઓ ત્યાં પર્સનલ એસેટ્સનું વરવું પ્રદર્શન કરવા–કરાવવાની શી જરુર છે? અને તેયે લગ્ન જેવા શુભ પ્રસંગ પર સર્વીસ–ગર્લને ટુંકા સ્કર્ટ પહેરાવવાની ? કેમ તેમને સાડી કે સલવાર–સુટ ન પહેરાવી શકાય? ગરીબ છોકરીઓ આવાં કપડાં પહેરવાં એટલે જ મજબુર થાય છે કે પૈસા કમાવા તે તેમની પ્રાથમીક જરુરીયાત છે. અને કેટરીંગ સર્વીસવાળા આવી લાચાર છોકરીઓનો ગેરલાભ લે છે. કોઈ બાર કે પબ હોય તો સમજ્યા કે, તેની સર્વીસ–ગર્લ આવાં ટુંકાં કપડાં પહેરીને ડ્રીંક્સ સર્વ કરે. પણ લગ્ન જેવા ફંક્શનમાં સમથીંગ ડીફરન્ટ દેખાડવાના આવા ધખારા કેવા વરવા લાગે! એ સર્વીસ–ગર્લમાં બે–ચાર નવી હતી. તે છોકરીઓના ચહેરા પર આવાં કપડાં પહેરવાનો ક્ષોભ દેખાતો હતો. કેટલીક વારંવાર તેના સ્કર્ટને નીચે તરફ ખેંચ્યા કરતી હતી. કેમ આપણે સ્ત્રીની પૈસા કમાવાની લાચારીનો ગેરફાયદો ઉઠાવવાનું જરા પણ ચુકતા નથી? કેટરીંગ સર્વીસ જેવા સાફસુથરા બીઝનેસમાં પણ છોકરીઓનું શોષણ થશે, તો આ સમાજ ક્યાં જઈને અટકશે?

એક તરફ આપણે સ્ત્રીને માતા કે બહેન કે દેવીનું રુપ માનીએ છીએ. ઘરમાં તેમનું સમ્માન જાળવીએ છીએ. નવરાત્રી–દુર્ગા પુજામાં તેની પુજા કરીએ છીએ, અને બીજી તરફ આપણે આપણી જરુરીયાત મુજબ તેમનો કોમૉડીટી તરીકે ઉપયોગ કરતાં અચકાતાં નથી. અરે, તે વાતનો આપણને અફસોસ પણ નથી ! જો બીકતા હૈ, ઉસે બેચના ચાહીએ. સમાજમાં સ્ત્રી–શરીર વેચાય છે, તો કોઈ પણ રીતે વેચો. આવી ઘટના બને ત્યારે થાય છે કે ભારતમાં ધરમુળથી સામાજીક મુલ્યો જ બદલવાની જરુર ઉભી થઈ છે. કોઈ પણ જગ્યા પર સ્ત્રીનું અંગપ્રદર્શન થાય તેની નવાઈ જ નથી રહી; કારણ કે નાની–મોટી દરેક જગ્યા પર, સ્ત્રી–શોષણ એટલું વ્યાપકપણે વધી રહ્યું છે કે હવે ઉપર વર્ણવી તેવી ઘટના તો આપણને તુચ્છ લાગવા માંડી છે. તેના પ્રત્યે આપણે સભાન જ નથી, તો પછી રીઍક્ટ કરવાની વાત તો ક્યાંથી આવે? એક બે સાથી–મહેમાનો સાથે આ સર્વીસ ગર્લ્સના ટુંકા ડ્રેસ બાબતે વાત થઈ; તો તેમણે મને સામે પુછયું, ‘વૉટ્સ રૉંગ ઈન ઈટ? એમાં કયો મોટો ઈસ્યુ છે?’

આજે એક લગ્નપ્રસંગે આવી સર્વીસ ગર્લ્સ જોવા મળી, કાલે બીજી જગ્યા પર જોવા મળશે; કારણ કે ‘સમથીંગ ડીફરન્ટ’ કરવું તે આજે દરેક જણની માનસીકતા બની ગઈ છે. પછી ભલે ડીફરન્ટના નામે આપણે કોઈની લાચારીનો ફાયદો ઉઠાવીએ. હા, બીજા કરે ત્યારે ચોક્કસ ટીકા કરીએ કે, ‘પેલા લોકોએ તો કેવાં ટુંકાં કપડાં પહેરેલી છોકરીઓ પીરસવા માટે રાખી હતી?’ પણ આપણો વારો આવે ત્યારે તરત ભુલી જઈશું અને આપણે સહેલાઈથી હાથ ખંખેરી નાંખીશું કે આપણે ક્યાં તેમને કહેવા ગયાં હતાં કે આવાં કપડાં પહેરેલી સર્વીસ ગર્લ્સ આપજો. તે તો કેટરીંગવાળાનો પ્રશ્ન છે ને? કેટરીંગવાળા જાણે અને તેમની સર્વીસ ગર્લ્સ જાણે! અને વળી અચાનક ડહાપણની દાઢ ફુટી હોય તેમ કહે પણ કે, કોઈના અંગત મામલામાં દખલ થોડી કરાય? કયાંય પણ વીરોધ કરવાનો આવે કે સાચી વાત કહેવાનો સમય આવે ત્યારે આપણે તે જવાબદારીમાંથી છટકવાના રસ્તા શોધીએ છીએ; કારણ કે આવી બાબતમાં કચકચ કરવી કે વીરોધ નોંધાવવો તે આપણને નાની બાબત લાગે છે. હકીકત એ છે કે શરુઆતમાં નાનું દેખાતું પરીવર્તન પાછળથી વીકારળ રુપ ધારણ કરે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચુકયું હોય છે. દરેક સામાજીક સમસ્યાનો ઉકેલ શું ત્યારે જ શોધવાનો જ્યારે તે વરવુંરુપ ધારણ કરે? આગ લાગે ત્યારે જ કુવો ખોદવાની માનીસકતામાંથી આપણે ક્યારે બહાર આવીશું? શા માટે તેને ઉગતા જ ડામી દેવાની વૃત્તી આપણે કેળવતા નથી? શા માટે ખોટી વાતનો વીરોધ કરતાં આપણે અચકાઈએ છીએ?

કેમ નાનપણથી આપણે છોકરીઓને શીક્ષણ નથી આપતાં કે ખુદને કોમૉડીટી ન માનો? અને તે મુજબનું વર્તન ન કરો? પણ સ્કુલ–કૉલેજથી જ તેનો ઉપયોગ કોમૉડીટી તરીકે આપણે કરીએ છીએ. જેમ કે સ્કુલમાં કોઈ ફંક્શન હોય કે સેમીનાર હોય તો મહેમાનોનું સ્વાગત કરવા માટે આપણે સારી–સુન્દર દેખાતી છોકરીઓને સજી–ધજીને આગળ રાખીએ છીએ. તેમના દ્વારા મહેમાનોને પુષ્પગુચ્છ કે બુકે આપીને સ્વાગત કે વેલકમ કરાય છે. મહેનાનોને શાલ કે સ્મૃતીચીહ્ન અર્પણ કરવાનું હોય તો તે લેવાદેવા માટે પણ છોકરીઓને રાખવામાં આવે છે. શા માટે મહેમાનોનું સ્વાગત છોકરીઓ જ કરે? કેમ છોકરાઓ દ્વારા નહીં કરાવવાનું? એક સ્કુલના પ્રીન્સીપાલને આ પ્રશ્ન પુછ્યો તો તેમણે કહ્યું કે, ‘આવા પ્રંસગે છોકરીઓ જ શોભે. થોડી રોનક લાગે.’ બસ, આપણને બધે ‘રોનક’ કરવાની–દેખાડવાની ટેવ પડતી જાય છે. ભલે તે માટે સ્ત્રીનું શોષણ થાય કે તેની મરજી વીરુદ્ધ તેને સજવા–ધજવાની ફરજ પાડવામાં આવે. આજ સુધી આપણે ટી.વી., ફીલ્મ, મૅગેઝીન જેવા મીડીયામાં કે એડ્માં છોકરીઓને અંગ–પ્રદર્શન કરતી જોતાં હતાં. હવે આપણે તેમને આપણા લગ્ન–વીવાહ જેવા સામાજીક પ્રસંગો પર અંગ–પ્રદર્શન કરતી જોઈશું. એટલે જ હવેથી લગ્ન–પ્રસંગ પર ગેસ્ટને મેનુ સર્વ કરવા માટે આપણે સર્વીસ ગર્લ્સ મુકીએ છીએ, તે પણ ટુંકાં કપડાં પહેરેલી છોકરીઓ; કારણ કે રોનક લાગે!

સ્ત્રી કોમૉડીટી નથી તે વાત ગાઈ–વગાડીને કહ્યા પછી કબુલ કરવું પડે કે ખાટલે મોટી ખોટ એ છે કે સ્ત્રી પોતે જ પોતાને કોમૉડીટી માને છે અને તે મુજબ બીહેવ કરે છે. જ્યાં જરુર લાગે ત્યાં તે અંગપ્રદર્શન કરતા અચકાતી નથી; કારણ કે પૈસા કમાવાનો તે સહેલો રસ્તો છે. અને સહેલો રસ્તો પસન્દ કરવો તે સામાન્ય માનવીની માનસીકતા હોય છે.

કોમૉડીટીના નામ પર સ્ત્રીનું શોષણ થાય તો તે ગેરકાયદે કૃત્ય ગણાવું જોઈએ, તેવું આપણે કયારે માનતા થઈશું? જેથી કરીને સદીઓથી નાની મોટી બાબતે સ્ત્રીનું શોષણ કરવાની ટેવ ઘર કરી ગઈ છે તે છુટી શકે! ખાસ કરીને સ્ત્રીને જ જાગૃત કરવી જોઈએ કે તે આવા શોષણનો વીરોધ કરે. કમ સે કમ પ્રસંગ પર રોનક બનવાની ના પાડે, તો જ સમાજની માનસીકતામાં બદલાવ શક્ય છે અને તેથી કરીને લાંબે ગાળે સ્ત્રીને કોમૉડીટી માનતા પુરુષની માનસીકતામાં પણ બદલાવ આવે. સ્ત્રી–પુરુષનો સમાન આદર થાય તો જ સ્વસ્થ સમાજનું નીર્માણ થાય.

રેડ ચીલી

“I myself have never been able to find out precisely what feminism is : I only know that people call me a feminist whenever I express sentiments that differentiate me from a doormat or a prostitute.”

Rebecca West

–કામીની સંઘવી

મારા અભીવ્યક્તી બ્લૉગ માટે આ પુસ્તક મને હેતથી ભેટ મોકલવા બદલ બહેન કામીની સંઘવીનો દીલથી આભાર.. ગોવીન્દ મારુ

‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈની ‘લાડકી’ પુર્તીમાં વર્ષોથી પ્રગટ થતી સુશ્રી. કામીની સંઘવીની લોકપ્રીય કટાર ‘દીલ કે ઝરોખોં સે’માં પ્રગટ થયેલા સ્ત્રીને સ્પર્શતા લેખોનું સંકલન કરીને એમનું પહેલું પુસ્તક પ્રકાશીત થયું છે. (પ્રકાશક : ગુર્જર સાહીત્ય ભવન, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ – 380 001 પ્રથમ આવૃત્તી : 2015 પૃષ્ઠ : 12 + 132 = 144, મુલ્ય : રુપીયા 115/- ઈ.મેઈલ : goorjar@yahoo.com ) તે પુસ્તકના લેખીકાના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક :

કામીની સંઘવી, D-804, New Suncity, Appartment, B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat – 395 009 સેલફોન : 39563 94271 .મેઈલ :   kaminiks25@gmail.com

કામીનીબહેન સંઘવી

તમને શું જોઈએ છે : ‘રાધેમા’ કે ‘રુવેદા સલામ’ ?

ખુશ ખબર

વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનીવર્સીટી, સુરતના શીક્ષણ વીભાગના ભુતપુર્વ વડાશ્રી, શીક્ષણવીદ્ અને ‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતની મંગળવારીય કૉલમ ‘શીક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’ તેમ જ બુધવારીય કૉલમ ‘માણસ નામે ક્ષીતીજ’ ના લેખક અને ચીન્તક ડૉ. શશીકાંત શાહની બે જીવનોપયોગી પુસ્તીકાઓ ‘આનન્દની ખોજ’ તેમ જ ‘ટીન–એજ’માં બોયફ્રેન્ડથી સાવધાન’ નામની, શીર્ષકને સાર્થક કરતી વીજાણુ પુસ્તીકાઓ (ઈ.બુક્સ) ‘મણી મારુ પ્રકાશને’ પ્રગટ કરી છે.  તારીખ : 04 ઓક્ટોબર, 2015ને રવીવારની સાંજે (ચાર વાગ્યે) સુરતના કવીઓના ‘મુશાયરા’માં આ બન્ને ઈ.બુક્સના લોકાર્પણનો પણ એક નાનકડો કાર્યક્રમ ‘હરીકૃષ્ણ કોમ્યુનીટી સેન્ટર’, જુની પીપલ્સ બેન્કની પાછળ, ગોટાલાવાડી, કતારગામ રોડ, સુરત – 395 004 ખાતે યોજવામાં આવ્યો છે. રસ ધરાવનાર મીત્રોને પધારવા હાર્દીક નીમન્ત્રણ છે.

વાચકમીત્રો ઈ.બુક્સના લોકાર્પણ બાદ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ https://govindmaru.wordpress.com/e-books માંથી આ બન્ને ‘ઈ.બુક્સ’ ડાઉનલોડ કરવાની સુવીધા ઉપલબ્ધ થશે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને  govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું તે વાચકમીત્રને સપ્રેમ ઈ.બુક્સ મોકલી આપીશ.

લો, હવે વાંચો આ સપ્તાહની પોસ્ટ સુશ્રી કામીની સંઘવીનો લેખ ‘તમને શું જોઈએ છે : ‘રાધેમા’ કે ‘રુવેદા સલામ’ ?’ લેખ માણી, મમળાવી, નીચે તમારી કૉમેન્ટ મુકવાનું ચુકશો નહીં. અને હાં, મીત્રોને મોકલાનું પણ ચુકશો નહીં.. આભાર…

ધન્યવાદ..

–ગોવીન્દ મારુ 

Dr-Ruveda-Salam

તમને શું જોઈએ છે : ‘રાધેમા’ કે ‘રુવેદા સલામ?

–કામીની સંઘવી

બે તહેવારો આવતા શનીવારે છે, પંદરમી ઓગસ્ટ આપણો સ્વતન્ત્રતા દીવસ અને હીન્દુ ધર્મના પવીત્ર મહીના શ્રાવણની શુભ શરુઆત. તેની પુર્વ સંધ્યાએ આજે બે સ્ત્રીઓ વીશે વાત કરવી છે. એક તો છે છેલ્લા કેટલાય દીવસોથી ટી.વી. મીડીયા તથા સોશીયલ સાઈટ પર ધુમ મચાવતાં રાધેમા અને બીજાં છે કશ્મીર વેલીના કુપવારા જીલ્લામાંથી ભારતીય સીવીલ સર્વીસની એક્ઝામ પાસ કરનારાં પહેલાં મુસ્લીમ મહીલા રુવેદા સલામ.

પહેલાં વાત રુવેદા સલામની. જન્મે મુસ્લીમ અને છેલ્લાં કેટલાંય દસકાથી અસલામતી અને અશાન્તીથી ખદબદતી કશ્મીર વેલીમાં જન્મનાર સુશ્રી રુવેદા સલામનું નાનપણથી સપનું હતું કે ભારતીય સીવીલ સર્વીસમાં જવું. કશ્મીર વેલીના જાણીતા દુરદર્શન કેન્દ્રના ડેપ્યુટી ડીરેકટર જનરલ અને ખુલ્લી વીચારસરણી ધરાવતા પીતાના પ્રેમે, રુવેદાના સીવીલ સર્વીસમાં જવાના નીર્ણયને પ્રોત્સાહન મળ્યું. પણ યુ.પી.એસ.સી.ની એક્ઝામ પાસ કરવી તે ખાવાના ખેલ નથી. એટલા માટે રુવેદાએ સ્કુલ પછી કશ્મીરની સરકારી કૉલેજમાંથી એમ.બી.બી.એસ. કર્યું. જેથી સીવીલ સર્વીસની પરીક્ષામાં સફળ ન થાય તો પણ એક ડૉકટર તરીકેની કરીયર બની શકે. મુસ્લીમ અને સ્ત્રી હોવાના નાતે રુવેદાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કુપવારામાં જન્મેલી આ છોકરી માટે કશું સામાન્ય ન હતું. સતત કાશ્મીર વેલીમાં ચાલતા આંતકવાદી હુમલા, હડતાળ ને બન્ધના કારણે ભણવામાં સતત કોન્સન્ટ્રેશન જાળવી રાખવું અઘરું હતું. અધુરામાં પુરું મુસ્લીમ સમાજમાં છોકરીઓને બહુ નાની ઉમ્મરે પરણાવી દેવામાં આવે છે. તેથી સગાં–સમ્બન્ધીઓનાં અનેક દબાણ છતાં; રુવેદાનાં માતા આ બધી મુશ્કેલીઓ સામે અડીખમ ઉભાં રહ્યાં. જેને કારણે બીજા બધા સામાજીક કે રાજકીય પ્રશ્નોને બાજુ પર મુકીને રુવેદા પોતાની જીવનપરીક્ષામાં સફળ બન્યાં.

કશ્મીર વેલીમાં રહીને તેમને યુ.પી.એસ.સી.ની એક્ઝામ માટે જોઈએ તેવી સવલત ન હતી મળી. કારણ કે ત્યાં તેવા કોઈ કોંચીગ ક્લાસ ચાલતા ન હતા. રુવેદાએ પોતાના સ્ટડી માટે ફેસબુક (સોશ્યલ મીડીયા) અને ઈન્ટરનેટનો ભરપુર ઉપયોગ કર્યો. વળી જરુરી પુસ્તકો તેમણે દીલ્હીથી પણ મંગાવ્યાં. યુ.પી.એસ.ની એક્ઝામ આપતાં પહેલાં તેમણે જમ્મુ અને કશ્મીરની સ્ટેટ સર્વીસ એકઝામ આપી. તે સમયે તેઓ એમ.બી.બી.એસ. થઈને શ્રીનગરની સીવીલ હૉસ્પીટલમાં ઈન્ટર્નશીપ કરતાં હતાં. તેથી તે હૉસ્પીટલમાં જોબ સમયે પુસ્તકો લઈને જતાં. જે ફ્રી સમય મળે તેમાં વાંચતાં. એકવાર રાજ્ય કક્ષાની એક્ઝામ પાસ કરી પછી તેમણે મેડીકલ ફીલ્ડ છોડ્યું. છ મહીનાની ટ્રૅનીંગ પછી તેમનું પોસ્ટીંગ પણ થયું. એક વર્ષ તેમણે કે.એ.એસ. ઓફીસર તરીકે જૉબ પણ કરી. તે દરમીયાન યુ.પી.એસ.સી.ની એક્ઝામની તૈયારી તો ચાલતી જ હતી. પણ ચાલુ સર્વીસે વાંચવા માટે કેટલો સમય મળે ? તેમના સીનીયર ઓફીસરને ખબર પડી કે રુવેદા યુ.પી.એસ.સી. એક્ઝામની એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરી છે ને હવે મેઈન એક્ઝામની તૈયારી કરે છે. એટલે તેમણે રુવેદાને વીસ દીવસની રજા પાસ કરી આપી. રુવેદા કહે છે તે વીસ દીવસને કારણે જ તેમના રેન્કમાં ઘણો ફેર પડ્યો. તે પછી તેમને ટ્રેનીંગ માટે બેંગ્લોર મોકલવામાં આવ્યાં. ત્યાં ફીઝીકલ અને મેન્ટલ સખત તાલીમ લીધી. આઠ મહીના પહેલાં તેમની ચેન્નાઈ આઈ.પી.એસ. ઓફીસર તરીકે નીમણુક થઈ.

રુવેદા માને છે કે દેશદાઝ હોય તો તમે કોઈપણ પ્રોફેશનમાં હોવ, પછી તે જર્નાલીઝમ હોય કે મેડીસીન હોય કે પછી બીઝનેસમેન તમે દેશ માટે સેવા કરી શકો છો. બસ, દેશ માટે કશું કરવાની તાલાવેલી હોવી જોઈએ. રુવેદા કહે છે કે હું મારા ધર્મને દોષ નથી આપતી; પણ એ વાત સાચી છે કે મુસ્લીમ સ્ત્રીઓનાં લગ્ન બહુ નાની ઉમ્મરે કરી દેવામાં આવે છે. સત્તાવીસ વર્ષીય ડૉ. રુવેદા સલામ કહે છે કે તેઓ ત્યારે જ લગ્ન કરશે જ્યારે તેમને તેમના જેવો એડ્યુકેટેડ છોકરો મળશે. રુવેદાનો સકસેસ મંત્ર છે ‘હાર્ડ વર્ક અને ટોટલ ફોકસ ઓન ધ ગોલ’. ઘણા લોકો તેમને વીવાદાસ્પદ સવાલ પુછીને પરેશાન કરતા હોય છે, તેના માટે સલામ કહે છે કે પોતે હમ્મેશાં વીવાદાસ્પદ ટીપ્પણી કરવાનું ટાળ્યું છે. જેથી તેઓ ફોકસ ગુમાવ્યા વીના પોતે જ કરવા ઈચ્છે છે તે કરી શકે.

સ્ત્રી ધારે તો શું કરી ન શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે રુવેદા સલામ. ને સ્ત્રી ધારે તો ન કરવા જેવું પણ કેટલું કરે તેનું ઉદાહરણ, એટલે રાધેમા. પીસ્તાલીશ વર્ષ( સાચી ઉંમર રાધેમા જાણે !)ની આ સ્ત્રીનાં દર્શન માટે તેમના દરબારમાં શ્રીમન્તોની લાઈન લાગે છે. આ દેવીને મોડર્ન વસ્ત્રો કે હીન્દી ફીલ્મ આઈટેમ સોંગનો વાંધો નથી. રાધર તેમના દરબારમાં આ ગીતો પર રાધેમા અને તેમનાં બાળકો–ભાવીકો ડાન્સ કરે છે. વળી ભક્તો તેમને તેડી લે કે ઉંચકી લે કે તેમને ભેટે કે તેઓ તેમને ભેટે તેનો કોઈ બાબતનો વીરોધ તેઓ નથી કરતાં; રાધર ભક્તો તેમને તેડે ને ડાન્સ કરે કે તેમને ચુમ્બન કરે તેવું તેમના દરબારમાં સામાન્ય થઈ પડ્યું. જો કોઈને વીરોધ હોય તો તેઓ જાણે. પણ રાધેમા મોડર્ન મા છે, તેઓ હેવી મેકઅપ ને અને ડેઈલી સોપની હીરોઈન્સને પણ ટક્કર મારે તેવાં ઘરેણાં અને સેંકડો ફુલોના હારતોરા પહેરીને ફરે છે. તેમને ઓછાં કે આછાં વસ્ત્રોનો છોછ નથી. તેમની સાથે ડાયરેક્ટ ભગવાન પણ વાત કરે છે તેવો તેમનો દાવો છે. પરમ્પરાગત હીન્દુ ધર્મનાં સાધ્વી કરતાં તેમની પહેચાન અલગ છે. કારણ કે તેઓ સંસારી છે. તેમના લગ્ન સત્તર વર્ષની ઉમ્મરે થયાં હતાં. તેમને બે પુત્રો થયા ને પતી ટેલરીંગ કામ માટે દોહા જતો રહ્યો. પછી તેમણે બાવીસ વર્ષની ઉમ્મરે પરમહંસ બાગ ડેરાના મહન્ત રામદીન દાસ 1008 પાસે દીક્ષા લીધી. તે પછી મુમ્બઈના મીઠાઈની ચેઈન શૉપ ‘એમ. એમ. મીઠાઈવાલા’ના ચેરમેન મનમોહન ગુપ્તાના ઘરે મુમ્બઈ શીફ્ટ થયાં. ત્યાં તેમણે આ ‘સુખવીન્દર કૌર’ નામધારી સ્ત્રીને ‘રાધેમા’ તરીકે લોકો સામે પ્રોજેક્ટ કર્યા. રેસ્ટ ઈઝ ધ હીસ્ટ્રી ! અર્ધ શીક્ષીત અને ગામડીયણ આ બહેન, રાતોરાત દેવી બની ગયાં ! આજે તેમના દરબારમાં શ્રીમન્ત અને ફીલ્મસ્ટાર્સ, તેમની દૈવી કૃપા મળે તે માટે લાઈન લગાવે છે.

પણ નીક્કી ગુપ્તા નામની આ ગુપ્તા પરીવારની વહુએ તેના પતી નકુલ ગુપ્તા અને બીજા પાંચ સાસરીયાં તથા રાધેમા વીરુદ્ધ મુમ્બઈ પોલીસને ફરીયાદ કરી કે તે દહેજ માટે એને હેરાન કરે છે. કાલ સુધી ભક્તોના દરબારમાં રંગેચંગે ડાન્સ કરતાં રાધેમા રાતોરાત રડવા કકળવા માંડ્યાં છે કે તેઓ નીર્દોષ છે. તેમની બે વહુઓ પણ રોયલ ફેમીલીમાંથી આવે છે. જો તેમની પાસેથી તેમણે દહેજ ન માંગ્યુ હોય તો નીક્કી જેવી ગરીબ મહીલા પાસેથી તો કેમ માંગે ? ખેર, મુમ્બઈ પોલીસ એનું કામ કરશે. પણ આવાં રાધેમાને દેવી તરીકે પુજતા આપણા લોકો વીશે શું કહેવું ?

શ્રાવણ મહીનો હીન્દુ ધર્મનો પવીત્ર મહીનો ગણાય છે; પણ તેમાં આજકાલ અન્ધશ્રદ્ધાનું ભારોભાર મીશ્રણ થઈ ગયું છે અને એટલે જ આવાં રાધેમા જેવાં કીમીયાગરો સમાજમાં ફુલેફાલે છે. શ્રાવણ માસમાં હીન્દુઓનાં ઘરેઘરે ઉપવાસો, સત્યનારાયણની પુજા અને બીજાં અનેક ધાર્મીક વીધીવીધાન થતાં હોય છે. જાણે વર્ષમાં એક જ મહીનામાં દાન–ધરમ કરીને, વર્ષભર કરેલાં પાપ ધોઈને પુણ્ય કમાઈ લેવાનું હોય ! સમાજમાં આવાં રાધેમા સાધ્વી તરીકે સફળ પ્રેક્ટીસ કરી શકે છે તેને માટે આપણે જ જવાબદાર છીએ. જીવનમાં મુશ્કેલીઓ તો કોને નથી હોતી ? પણ આવાં રાધેમા જેવા ધુતારાનો સહારો લઈને શોટર્કટથી મુશ્કેલી દુર કરવાના ઉપાય કરતાં જ આપણે ભેરવાઈએ છીએ. નાનાંમોટાં બધાં મન્દીરોમાં દર્શન સમયે થતી ભાગદોડને કારણે દર વર્ષે આપણે ત્યાં અનેક લોકો ઈજા પામે છે કે મરે છે; પણ આપણી મન્દીર તરફની દોટ અટકતી નથી ! શા માટે તમે ધાર્મીક છો તેવું દેખાડવા માટે પણ મન્દીર જવું પડે ? શા માટે આપણને રાધેમાની જરુર પડે ? કારણ કે આપણને સફળતા માટે શોર્ટ કટ જોઈએ છે. બસ, જલદી સફળ તો થઈ જવું છે; પણ તેને માટે સખત તો શું જરાયે મહેનત નથી કરવી.

આપણી ગુજરાતી કહેવત છે : ‘ગામમાં લોભી હોય ત્યાં ધુતારા ભુખે ન મરે.’ તેથી રાધેમાને દોષ આપતાં પહેલાં આપણા ગરેબાનમાં ઝાંકવાની જરુર છે કે તમે ધર્મના નામે કોઈ ડામીશને તો પુજતા નથી ને ? ને શા માટે ભગવાન અને તમારી વચ્ચે આવા ‘કમીશન એજન્ટ’–વચેટીયાની જરુર તમને પડે ? કણકણમાં ઈશ્વર છે જ; તો પછી ઈશ્વરને તે કણકણમાં જ શોધી લેવો ઘટે.

આશ્ચર્ય એ છે કે વીકીપીડીયા પર પણ રાધેમા વીશે અનેક માહીતી ફોટા ઉપલબ્ધ છે; પણ દેશના કશ્મીર સ્ટેટની પહેલી યુ.પી.એસ.સી એક્ઝામ પાસ કરનાર મુસ્લીમ મહીલા રુવેદા વીશે કોઈ એક પેજ પણ નથી !

તે જ દેખાડે છે કે લોકોને શું જોઈએ છે.. ‘રાધેમા’ કે ‘સલામ રુવેદા’ !

: રેડ ચીલી :

Education is the basic tool which will empower women,

make them financially independent,

help them make the right choices

… Ruveda Salam …

–કામીની સંઘવી

‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈની તા. 13 ઓગસ્ટ, 2015ની ‘લાડકી’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘દીલ કે ઝરોખોં સે’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘મુમ્બઈ સમાચાર’ ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક :

કામીની સંધવી, D-804, New Suncity, Aptt., B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat – 395 009 સેલફોન : 94271-39563 ઈ.મેઈલ : kaminiparikh25@yahoo.in  આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર…

‘અભીવ્યક્તીઈ.બુક્સ

મારા બ્લોગના મથાળે  ‘અભીવ્યક્તીઈ.બુક્સ વીભાગ  https://govindmaru.wordpress.com/e-books/  માં અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી પાંચ ઈ.બુક્સ મુકી છે. 2nd ઓગસ્ટ, 2015 દીવસે પ્રકાશીત થયેલી બે ઈ.બુક્સ ‘વીવેકવલ્લભ’ અને વીજયવીવેક’ પણ ત્યાં છે જ..  સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાના નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 02/10/2015

કામીનીબહેન સંઘવી

અન્નપુર્ણાને હાથે અન્નનો વ્યય ?

‘વીવેકવીજય’

‘મણી ઈ.બુક્સ પ્રકાશન’ મારફત તારીખ બીજી ઓગસ્ટ, 2015ને રવીવારે ‘જીવનભારતી સભાખંડ’, નાનપરા, સુરત ખાતે ‘વીવેક–વલ્લભ’  ‘ઈ.બુક’ની સાથે જ ‘વીવેકવીજય’ ‘ઈ.બુક’નું પણ ‘લોકાર્પણ’  થયું હતું.. તે અવસરની વધુ ત્રણેક તસવીરો અહીં આપી છે. ‘અભીવ્યક્તી’ બ્લોગના વાચકમીત્રો ડાઉનલોડ કરી શકે તે માટે બ્લોગના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ ( https://govindmaru.wordpress.com/e-books/ )માં ‘વીવેકવીજય’ ગ્રંથની ઈ.બુક  મુકી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ડાઉનલોડના વીધીની ફાવટ નથી તેથી ઈ.મેઈલ સાથે પણ તે મોકલી છે…

તે દીવસના આખા કાર્યક્રમનો વીડીયો :

સૌજન્ય : યુ–ટ્યુબ

ભાઈ વીજયનું ટુંકું; પણ સામાન્ય માણસને પણ સમજાય તેવી રૅશનાલીઝમનની વ્યાખ્યા બાંધતું વક્તવ્ય; અતીથીવીશેષ યઝદી કરંજીયાનું ખડખડાટ હસાવતું મસ્તીભર્યું સમ્બોધન અને રમણભાઈના જીવનનાં અજાણ્યાં પાસાંને સ્પર્શી, તેમના વ્યક્તીત્વને સજીવ કરી આપતું વલ્લભ ઈટાલીયાનું લાગણીસભર વ્યાખ્યાન જોઈ–સાંભળી શકાશે. સરસ ઓડીયો ક્વૉલીટી ને સુન્દર પીક્ચ્યુરાઈઝેશન, તે દીવસે હાજર ન રહેવાયાનો કે મોડા પડ્યાનો તમારો રંજ પણ દુર કરશે..

એન્જૉય… 

ધન્યવાદ..

..ગોવીંદ મારુ

 

‘પ્રા. ર. પા. વ્યાખ્યાનમાળા’ના કન્વીનર અને ‘વીજયવીવેક’ના સંપાદક શ્રી. વીજય ભગત (કંસારા)

ડાબેથી સર્વશ્રી વલ્લ્ભ ઈટાલીયા, વીજય ભગત(કંસારા) અને ગોવીન્દ મારુઅભીવ્યક્તી

 

(ડાબેથી સર્વશ્રી ઉત્તમ ગજ્જર, યજદી કરંજીયા,

વલ્લ્ભ ઈટાલીયા, વીજય ભગત(કંસારા) અને ગોવીન્દ મારુ)

મંચસારથી શ્રી. પ્રેમ સુમેસરા

લો, હવે વાંચો આજની પોસ્ટ સુશ્રી. કામીની સંઘવીનો લેખ ‘અન્નપુર્ણાને હાથે અન્નનો વ્યય ?’ લેખ માણી, મમળાવી, નીચે કૉમેન્ટ મુકવાનું ચુકશો નહીં. આભાર….

 

અન્નપુર્ણાને હાથે અન્નનો વ્યય ?

–કામીની સંઘવી

છેલ્લા દસ પન્દર દીવસમાં ઘણા તહેવારો આપણે ધામધુમથી ઉજવ્યા. જેમાં જન્માષ્ટમી જેવાં ધાર્મીક તહેવારોથી લઈને રાષ્ટ્રીય તહેવાર પન્દરમી ઓગસ્ટ એટલે કે સ્વતન્ત્રતા દીવસ સુધીના તહેવારોની વાત આવી જાય. તે દરેક તહેવાર, પછી તે રાષ્ટ્રીય તહેવાર હોય કે ધાર્મીક, અલબત્ત, હર્ષોલ્લાસથી તો ઉજવાયા; પણ એક કોમન વસ્તુ તે દરેક તહેવારોની ઉજવણીમાં ઉડીને આંખે વળગી. આપણા દરેક તહેવારો સાથે અમુકતમુક પ્રકારની વાનગીઓ જોડાયેલી હોય છે. જેમ કે ઘરે માતાજીની આરતી કે સ્થાપના હોય તો ગોળપાપડી કે ખીર. ગણેશ ચતુર્થી પર લાડુ કે મોદક કે મોતીચુરના લાડુ. નવરાત્રીમાં પેંડા કે લાપસી કે પછી હવે કેટલાંક વર્ષોથી જે નવો ટ્રેન્ડ શરુ થયો તે બજારુ મીઠાઈનો. ચાલો, એ પણ ખોટું નથી. બધી મીઠાઈ બધાને બનાવતા આવડતી જ હોય તે જરુરી નથી અને દરેક વખતે ઘરે બનાવવી પણ શક્ય હોતી નથી ને ! પણ આ તહેવારોમાં જે જોયું તે ખોટું લાગ્યું અને તે હતો અન્નનો વ્યય. ખોટો બગાડ કે પછી દેખાદેખીને કારણે કરેલું અન્ન પ્રદર્શન !

ગુજરાતીઓમાં શ્રાવણ માસની વદ ચોથ, બોળચોથ તરીકે ઉજવાય છે. કુટુમ્બની વડીલ સ્ત્રી સગાં–સંબધીઓમાંથી પોતાનાથી નાની ઉમ્મરની વહુવારુઓને ઘરે બોલાવીને બોળચોથની વાર્તા કરે અને બધાં સાથે બેસીને મગ–બાજરીનો રોટલો ખાય. તે દીવસે ચપ્પુ-છરીથી કાપેલી વસ્તુ ન ખવાય તેવું વ્રત બધી જ સ્ત્રીઓ પાળે. એકટાણું કરે અને સર્વનું માંગલ્ય ઈચ્છે. બોળચોથની વાર્તામાં ભારોભાર અન્ધશ્રદ્ધા અને અવાસ્તવીકતા છલકાય છે અને તે વીશે અનેકવાર લખાઈ ગયું છે. પણ ઘઉં સીવાયના અનાજની પણ ગણના કે મહીમા થાય તે પ્લસ પોઈન્ટ. પણ બોળચોથની ઉજવણીમાં અન્નનો મહીમા કરવાના દીવસે પણ અન્નનો બગાડ ?  થયું એવું કે એક પરીવારમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવી. સહેજેય દસ–બાર, નાની–મોટી ઉમ્મરની સ્ત્રીઓ સાથે જમી. બધાં જમી રહ્યાં પછી જે કાંઈ વધ્યું તે કચરાપેટીમાં પધરાવી દેવામાં આવ્યું. કારણ ? તો યજમાન મહીલાએ જણાવ્યું અમારે ત્યાં સવારનું સાંજે કોઈ ખાય નહીં ને બહેનને તો બોળચોથનું એકટાણું છે. એટલે આ વધેલું તો કોણ ખાય ?

ચોથ પછીનો દીવસ એટલે નાગપાંચમ. બધી જ એડ્યુકેટેડ સ્ત્રીઓ જાણે છે કે નાગ કે સાપ કયારેય દુધ પીતા નથી. પણ પાંચમના દીવસે હાથમાં દુધ લઈને નાગને પીવડાવવા નીકળી પડે. વળી તે ઓછું હોય તેમ તે દીવસે પણ ઉપવાસ. જેથી ઘરનાં કોને પણ નાગ દંશે નહીં. આ વસ્તુ ખવાય ને તે ના ખવાય તેવા નીયમો ઘરેઘરે જુદા. બાજરાના લોટમાં ધી–ગોળ મેળવીને કુલર બનાવવામાં આવે ને ગામમાં નાગ દેવતાના મન્દીરમાંની મુર્તી પર કુલરનો ઢગલો થાય. અનેક માણસનું પેટ ભરાય તેટલાં બધા અન્નનો બગાડ ! હા, જે કુલર પ્રસાદ રુપે વધી હોય તે સાંજ પહેલાં ખાઈ જવાની; નહીં તો ગાયને ખવડાવી દેવાની; નહીં તો જમીનમાં દાટી દેવાની; નહીં તો નાગ દેવતા કોપાયમાન થાય !

પાંચમ પછીનો દીવસ રાંધણછઠ. ને નામ તેવા જ તે દીવસના રુપ ! એટલે સવારથી સાંજ સુધી બહેનો જાતજાતનું રાંધ્યા જ કરે. કારણ કે બીજા દીવસે શીતળા સાતમ અને તે દીવસે તો ગરમ ખવાય નહીં ને ! જાતજાતની અને ભાતભાતની વાનીઓ બને. પછી સાતમને દીવસે શીતળામાના દર્શન કરીને આખો દી’ ખવાય ને રાતે જમ્યા પછી વધે તે ફેંકી દેવાય. આફટર ઓલ, વાસી ખોરાક કેટલા દીવસ ખાવો ? વળી બીજા દીવસે તો જન્માષ્ટમી ! એટલે બધા ઉપવાસ કરે. તે દીવસે ફરી, નવી ફરાળમાં ખવાય તેવી વાનગીઓ બને કે બહારથી તૈયાર લાવવામાં આવે. નોમના દીવસે સવારે હવેલીમાં કૃષ્ણજન્મ છડીનોમના નામથી ઉજવાય. કાનુડાનાં બાળસ્વરુપને દુધ–દહીં–ઘી–મધ અને સાકરથી બનાવેલાં પંચામૃતથી સ્નાન કરવાય. પછી પંજરીનો પ્રસાદ વહેંચાય. ને નન્દઉત્સવમાં દર્શાનાર્થીઓ પર પ્રસાદની વર્ષા થાય. ગળ્યા સક્કરપારાંસાકરમીસરીમઠરીમોહનથાળબુન્દી ભક્તો પર ફેંકાય. લોકો પ્રસાદ ઝીલવા પડાપડી કરે. અડધો ઝીલાય ન ઝીલાય અને હવેલીની ફરશ પર પડે. ભક્તોના પગે કચરાય. પણ તેથી શું આ તો આપણી પરમ્પરા છે ને છડીનોમના દીવસે તો પ્રસાદનો વરસાદ થવો જ જોઈએ ને !

સુરતના એક ઔદ્યોગીક ગૃહમાં પન્દરમી ઓગસ્ટની ઉજવણી ધામધુમથી થઈ રહી હતી. ત્રીરંગાને પુરા માન–પાન અને ઠાઠથી સલામી અપાઈ. રાષ્ટ્રજોગ સારું કામ કરનારને માન–અકરામથી નવાજવામાં આવ્યા. બાળકોએ દેશપ્રેમનાં ગીતો ગાયાં. સાંસ્કૃતીક નૃત્ય અને રાસ ગરબાની રમઝટ થઈ. દીલ તો રાષ્ટ્રપ્રેમની દીલરુબા સાંભળીની દેશપ્રેમમાં ડુબાડુબ થઈ ગયું ! છેલ્લે જલપાનની વ્યવસ્થા હતી. વી.આઈ.પી. સ્ટેન્ડમાં બધા ગેસ્ટ્સને હાથોહાથ જલપાન સર્વ થયાં. પ્રોગ્રામ પુરો થયો અને મંડપો ખાલી થઈ ગયા હતા; પણ ત્યાં સર્વ થયેલી નાસ્તાની પ્લેટો ભરેલી પડી હતી. ભાગ્યે જ એકાદ પ્લેટ એવી હતી જેમાં કોઈ વસ્તુ છાંડવામાં આવી ન હતી.

આપણો દેશ વીકાસશીલ દેશ છે. હજુ આપણે વીકાસ કરવાનો છે, તેવી વાતો કરતા આપણે થાકતા નથી. અરે, ઘણીવાર તો અપચો થઈ જાય તે રીતે ગાઈ–વગાડીને વીકાસ વીકાસની રટ માંડીએ છીએ. પરંતુ જે દેશના કરોડો લોકોને બે ટંક અન્ન મેળવવાના ફાંફાં હોય, તે દેશમાં આવો અન્નનો બગાડ કેમ આપણને કઠતો નથી ? શા માટે આપણા કોઈ પણ તહેવારની ઉજવણી અન્નના દુર્વ્યય વીના શકય ન બને ? વર્ષે 44,000 કરોડ ટન અનાજ, ફળ–ફળાદી–શાકભાજીનો બગાડ આપણા દેશમાં થાય છે. તે માટે સરકાર એકલી તો જીમ્મેદાર નથી ને ? એક અન્નનો દાણો પણ વેસ્ટ જાય તો તે રાષ્ટ્રીય શરમ લેખાવી જોઈએ. કારણ કે કોઈ પણ દેશ કે રાષ્ટ્રનો વીકાસ તો જ શકય બને, જો સરકારની સાથે નાગરીક પણ ખભેખભા મીલાવીને કામ કરે. માત્ર દેશના લોકો કે સરકાર એકલા હાથે આ કામ કરી ન શકે. સહીયારી ભાગીદારી હોય તો જ વીકાસ શક્ય બને. પણ તે માટે સૌથી જરુરી છે કે આપણે કુદરતી સ્રોતનો બચાવ કરવો. આખરે અનાજના એક દાણાને ઉગવા માટે માટી–ખાતર–પાણી–પરસેવો આપવાં પડે છે. તો તમે એક દાણાનો વ્યય કરો તે કુદરતી સ્રોતનો વ્યય કરવા બરાબર છે. આ દેશમાં એવો કાનુન કેમ ના બને કે અન્નના એક દાણાને પણ વેડફે તેને ગમ્ભીર ગુનો ગણવામાં આવે ? હજુ આપણાં ઘરોમાં સ્ત્રી જ અન્નપુર્ણાનું રુપ છે; તો અન્નપુર્ણાને હાથે જ અન્નનો વ્યય તે કેટલું યોગ્ય ?

એક મીત્રએ વૉટ્સઍપ પર એક મેસેજ શેર કર્યો હતો. યુરોપ ખંડનો દેશ જર્મની વીકસીત દેશની યાદીમાં આવે છે. ત્યાં એક રેસ્ટોરન્ટમાં બે–ત્રણ ભારતીય જમવા ગયા. ઓર્ડર પ્રમાણે ડીશીસ સર્વ થઈ ગઈ. બધી જ વસ્તુ ખાઈ ન શકાઈ એટલે તેને એમ જ ટેબલ પર છોડી દીધી. તે ભારતીયની બાજુમાં ડીનર લઈ રહેલાં એક જર્મન બહેને તેમને ટોક્યા કે તમે આટલું ભોજન કેમ છોડી દીધું છે ? તે વાત પેલા ભારતીયને કઠી. તેમણે ઉદ્ધતાઈથી જવાબ આપી દીધો કે આ બાબતમાં તમારે પંચાત કરવાની જરુર નથી. એ ભોજન અમે ઓર્ડર કર્યું હતું ને બીલ અમે ચુકવવાના છીએ. ટુંકમાં કહીએ તો, ‘ઈટ્સ નન ઓફ યોર બીઝનેસ’ તેવું કંઈ સંભળાવ્યું. પેલી જર્મન લેડીએ આ વાતની જાણ રેસ્ટોરન્ટના મેનેજરને કરી. મેનેજરે તરત પોલીસને ફોન કર્યો અને પોલીસે આવીને પેલા ભારતીય ગેસ્ટ્સને સો યુરોનો દંડ કર્યો. કારણ કે જર્મનીમાં અન્ન છાંડવું કે પડતું મુકવું તે ગુનો ગણાય છે. આખરે અન્ન પણ કુદરતની દેણ છે ને ! તેથી કુદરતના કોઈપણ રીસોર્સીસનો બગાડ કે વ્યય કરવાનો અધીકાર માનવને નથી જ; કારણ કે કુદરતે આપેલાં કણકણ પર કીડીથી લઈને હાથીનો હક્ક છે, તે વાત આપણે અન્નનો વ્યય કરતી વખતે કેમ ભુલી જઈએ છીએ ? જો જર્મની જેવો વીકસીત દેશ પોતાના કુદરતી સોર્સને બચાવવાની આટલી ખેવના કરતો હોય તો ભારત જેવા વીકાસશીલ અને ગરીબ દેશને તો અન્નનો આટલો બગાડ કેમ પોસાય ? 

એક પડોશીને ત્યાં માતાજીનું સ્થાપન હતું. ખાસ ભાર આપીને કહ્યું હતું કે અમારે ત્યાં ‘ચણા ઉછળશે’ તે જોવા આવજો. દેશી ચણાને, મીઠું નાંખીને પકવીને, પ્રસાદરુપે ધરાવાયા હતા. પછી બધા આમન્ત્રીતોની હાજરીમાં તેને લીટરલી ઉછાળવામાં આવ્યા ! જે હાથમાં ઝીલી શકયા તે પોતાને અહોભાગી માનતા હતા અને તેથી તેમના ચહેરા પર વીજયી સ્મીત અને જે તેમ ન કરી શકયા તે પોતાને કમનસીબ માને ! પણ અન્ન ઉછળે છે કે તેનો બગાડ થાય છે, તે માટે કોઈના ચહેરા પર અફસોસનો ભાવ ન હતો. અન્નપુર્ણા જ અન્નનો વ્યય કરતી અટકે તો જ અન્નનો મહીમા થયો ગણાય.

–કામીની સંઘવી

‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈની તા. 21 ઓગસ્ટ, 2014ની ‘લાડકી’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘દીલ કે ઝરોખોં સે’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘મુમ્બઈ સમાચાર’ ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક :

કામીની સંધવી, D-804, New Suncity, Aptt., B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat – 395 009 સેલફોન : 94271-39563 ઈ.મેઈલ : kaminiparikh25@yahoo.in  આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર…

‘અભીવ્યક્તીઈ.બુક્સ

મારા બ્લોગના મથાળે  ‘અભીવ્યક્તીઈ.બુક્સ વીભાગ  https://govindmaru.wordpress.com/e-books/  માં અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી પાંચ ઈ.બુક્સ મુકી છે. 2nd ઓગસ્ટ, 2015 દીવસે પ્રકાશીત થયેલી બે ઈ.બુક્સ ‘વીવેકવલ્લભ’ અને ‘વીજયવીવેક’ પણ ત્યાં છે જ..  સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાના નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 14/08/2015

કામીનીબહેન સંઘવી

અન્ધશ્રદ્ધાનું મુળ ક્યાં ?

– કામીની સંઘવી

તાજેતરમાં બે–ત્રણ ઘટના બની આજે તેની વાત કરવી છે. ગુજરાતના મોટા ભાગનાં દૈનીકોમાં એક સમાચાર લગભગ પહેલાં પાને છપાયા હતા કે એક વરસની ઉંમરની નાનકડી પૌત્રી ન્યુમોનીયાથી પીડાતી હતી; તેથી તેની દાદી તેને જીદ કરીને તાન્ત્રીક પાસે લઈ ગઈ. તાન્ત્રીકે તે બાળકીને પેટ સહીત પુરા શરીર પર સો ડામ આપ્યા !!  પેપરમાં આ સમાચાર સાથે તે બાળકીનો ફોટો પણ છપાયો હતો. જે જોઈને અરેરાટી/ ગુસ્સો અને અસહાયતા સીવાય કઈ લાગણી થાય ?

ઉત્તરપ્રદેશના એક ગામમાં પચાસ વર્ષની ની:સન્તાન વીધવા સ્ત્રીને ગામની પંચાયતે તે ડાકણ છે ને ગામના છોકરાઓને ખાઈ જાય છે તેવો આરોપ તેના પર લગાવ્યો. કારણ શું ? તો કે, હમણાંથી એ ગામમાં બે–ત્રણ ટીનેજ બાળકોનાં મોત. અને તેથી પેલી ની:સન્તાન સ્ત્રીને સજારુપે તેનું મુંડન કરાવીને ગધેડાં પર બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવી.

ત્રીજા એક સમાચાર એ છે એક સમાજમાં પ્રતીષ્ઠીત ગણાતા કુટુમ્બમાં દીકરાનાં લગ્ન થવાનાં હતાં. લગ્નના થોડા દીવસ પહેલાં ખબર પડી કે જે યુવતી સાથે લગ્ન થવાનાં છે, તેની જન્મકુંડળીમાં તો મંગળ અમુકતમુક જગ્યા પર છે. તે જેને પરણે તેનું ટુંક સમયમાં મોત થશે. તેથી પહેલાં તો વીવાહ ફોક કરવાનું વીચારવામાં આવ્યું. પણ યુવકે તે જ યુવતી સાથે લગ્ન કરવાનો આગ્રહ રાખ્યો એટલે પેલી યુવતીના ભાવી પતી પરમેશ્ર્વરને બચાવવા માટે જ્યોતીષીઓએ ઉપાય સુચવ્યો. પેલા યુવાન સાથે લગ્ન થાય તે પહેલાં યુવતીને કુતરા સાથે પરણાવવામાં આવી જેથી તેના પતી પરમેશ્ર્વરને ઉની આંચ ન આવે.

અને છેલ્લે બહુ ચર્ચીત અલીગઢ મુસ્લીમ યુનીવર્સીટીની વાત, જેના ચાન્સેલરના વીચીત્ર નીર્ણયે ભારતના તંત્રીલેખોમાં આ યુનીવર્સીટીને અપજશ અપાવ્યો. આ મહાવીદ્યાલયમાં 1960માં તેમાં ભણતી મહીલાઓએ અલીગઢ યુનીવર્સીટીના ડીનને લેખીતમાં લાઈબ્રેરીમાં તેમને પ્રવેશ આપવામાં આવે તેવી અરજી કરી હતી. જેથી કરીને તેઓ લાઈબ્રેરીનાં પુસ્તકોનું અધ્યયન કરી શકે. તે જ વાતને ફરી થોડા દીવસો પહેલાં મહીલાઓએ ફરી યુનીવર્સીટીના સંચાલકો સમક્ષ મુકી; તો હાલના ત્યાંના કુલપતીએ તે દરખાસ્ત ફગાવી દીધી. કારણ તો એ આપવામાં આવ્યું કે છોકરીઓ લાઈબ્રેરીમાં આવશે તો તેમને જોવા માટે છોકરાઓની ભીડ વધશે. વળી છોકરા–છોકરીઓ સાથે બેસીને વાંચે અને કંઈ અઘટીત બન્યું તો ?

આમ જોઈએ તો ઉપરના ત્રણ સમાચારને અને છેલ્લી મુસ્લીમ અલીગઢ લાઈબ્રેરીની ઘટનાને પહેલી નજરે કશું લાગતું વળગતું નથી. અને આમ જુઓ તો આ લાઈબ્રેરીવાળી ઘટના આ બધી ઘટના સાથે ગાઢ રીતે સંકળાયેલી જ છે. અન્ધશ્રદ્ધા અને અભણપણું તે બન્ને વચ્ચે મા–દીકરી જેવો લાગણીભીનો સમ્બન્ધ છે. જ્યાં ભણતર ન હોય ત્યાં અન્ધશ્રદ્ધા આવે, આવે અને આવે જ.

આપણાં ઘરોમાં સવારની એક ઝલક જોશો તો સમજાઈ જશે. પચાસથી લઈને પાંસઠ વર્ષની સ્ત્રીની દીનચર્યા કેવી હોય છે ? તો કહો કે સવારે તેમને મીનીટનો પણ સમય ન હોય; કારણ કે તેમના દેવ–ભગવાન કે ઈશ્ર્વરને રીઝવવાના હોય. ઠાકોરજીને જાત જાતના ભોગ ધરાવવા માટે મહેનત થતી હોય. ઠાકોરજીને સ્નાન–લેપ વસ્ત્રનો વીધી ચાલતો હોય. તેમાં આ દેશ કે પરદેશમાં શું ચાલે છે તે વાંચવા–વીચારવાનો સમય કયાંથી હોય ? સમજી શકાય કે, આ બધાં ધાર્મીક વીધીવીધાન તે ટાઈમપાસ કે એકલતા દુર કરવા માટે હોય તો તો નો પ્રોબ્લેમ… પણ માત્ર ‘હું આમ કે તેમ કરીશ તો જ મારું કે મારા કુટુમ્બનું સારું થશે’ તેવી ભાવના સાથે થતું હોય તો તે અન્ધશ્રદ્ધા જ છે. અને સરવાળે આવા બધા ધાર્મીક વીધીમાં રચીપચી સ્ત્રીને દુનીયામાં શું થાય છે તેની સાથે કેટલી નીસબત હોય ?  મંગળ પર આજે યાન પહોંચ્યું છે, તો કાલે માનવ પણ પહોંચશે તે વાત તેને સમજાય જ કેવી રીતે ?

ડામ આપ્યા તે તાન્ત્રીક અને બાળકીનાં દાદી તો એક સરખા ગુનેગાર છે; પણ સૌથી મોટા ગુનેગાર તો તે નીર્દોષ બાળકીનાં માતા–પીતા છે. દાદી બાળકીને તાન્ત્રીક પાસે લઈ જવાની ગમે તેટલી જીદ કરે; પણ માતા–પીતાએ તેને પરમીશન કેમ આપી ?  બાળકીનાં માતા–પીતાને સમજ ન હતી કે તાન્ત્રીક કેવો વીધી કરશે ?  વાંક દાદી કે તે બાળકીના મમ્મીનો પણ નથી. સદીઓથી આપણે ત્યાં સ્ત્રીને ભાગ્યે જ બહારની દુનીયા સાથે સાંકળવા પ્રયત્ન કરીએ છીએ. પત્ની કે સ્ત્રી ‘ડમ્બ ઈઝ ધ બેટર’ એવું વલણ આપણા સમાજનું રહ્યું છે. એટલે એકવીસમી સદીમાં પણ આપણે ત્યાં આવી ઘટના ઘટે કે ન્યુમોનીયા જેવો રોગ થયો હોય તો પણ; બાળકને ડૉકટર પાસે લઈ જવાને બદલે તાન્ત્રીક પાસે લઈ જઈએ. જો તે દાદીને સાચી સમજણ મળી હોત કે બાળકને યોગ્ય દવા કરાવવાથી જ રોગ મટે; નહીં કે દોરા–ધાગા કે બીજા બર્બર તાન્ત્રીક વીધીથી; તો આવી ઘટના આપણા સમાજમાં બનત ખરી કે ? આજે જરુર છે માત્રને માત્ર શીક્ષણનો વ્યાપ વધારવાની. માત્ર સ્કુલીંગથી કશું સુધરે તેમ નથી; પણ જુની પેઢીને પણ વાચન કે પ્રયોગ દ્વારા શીક્ષીત કરવાનો સમય આવી ગયો છે.

આપણે ત્યાં દહેજનું દુષણ ઘટ્યું છે; પણ ધર્મને નામે થતાં પાખંડ ઘટ્યાં નથી. ઉલટાની આજની યુવા જનરેશન વધુને વધુ ‘ધાર્મીક’ (!) થતી જાય છે ને જેને પરીણામે વધુને વધુ લોકો અન્ધશ્રદ્ધા તરફ વળે છે. ડૉક્ટર–એન્જીનીયર થયેલા લોકો પણ શુકન અપશુકનમાં માનતા હોય છે. સારાં–નરસાં ચોઘડીયાં જોઈને સારાં કામનું મુહુર્ત કરતા હોય છે. અરે, દીવાળીમાં કમ્પ્યુટરની પુજા કરતો વર્ગ પણ છે. હકીકત દીવા જેવી સ્પષ્ટ છે; છતાં આપણે તે જોઈ શકતા નથી. એટલે રોજબરોજ આવી ઘટનાઓ ઘટતી રહે છે. આપણે હવે આવા બધા સમાચાર છાપામાં વાંચી વાંચીને રીઢા થઈ ગયા છીએ. એટલે આપણને પણ કશો ફરક પડતો નથી. પેપર વાંચીને બાજુમાં મુકી દીધું, એટલે પત્યું.

બીજી બાજુ આપણી ગ્રામ કે ખાપ પંચાયતોએ કાળો કેર વર્તાવ્યો છે. સ્ત્રીઓને બર્બર સજા કરવામાં તેઓ માહેર છે. આપણી અદાલતને સમાન્તર ચાલતી આ પંચાયતોની ન્યાયીક પ્રણાલીઓ તાલીબાન જેવા ત્રાસવાદીઓ દ્વારા નીર્દોષ લોકોને થતી રંજાડથી કમ નથી. શા માટે વીધવા–ની:સન્તાન સ્ત્રી જ ડાકણ કહેવાય ?  તેની જ નજર ગામનાં બાળકો પર પડે ને બાળકો મરી જાય? કેમ કોઈ ની:સન્તાન વીધુરને કદી કોઈ સજા નથી થતી ? કેમ કદી એવા સમાચાર નથી વાંચવા કે સાંભળવામાં આવતા કે વીધુરે બીજાના છોકરા પર બુરી નજર નાખી, તેથી કોઈના છોકરાનું અહીત થયું ?  જો એક વીધવાની નજર ખરાબ હોઈ શકે તો વીધુરની નજર પણ ખરાબ હોય શકે ને? તેનું એક જ કારણ કે આપણે ત્યાં સર્વ દોષ સ્ત્રીઓમાં જ હોય છે. કારણ કે આપણો સમાજ પુરુષપ્રધાન સમાજ છે ને ! સમાજનાં મહત્ત્વનાં નીર્ણયો કરવાનાં મહત્ત્વનાં સ્થાન પર પુરુષ વર્ગ બેઠો હોય છે. મોટા ભાગની ખાપ કે ગ્રામ પંચાયતોમાં સ્ત્રીઓને સ્થાન હોતું જ નથી. અને એકાદ સ્ત્રી કશે પંચાયતમાં હોય તોય તેનું સ્થાન ચાવી દીધેલા પુતળાથી વધારે નથી હોતું. એટલે પછી સ્ત્રીને આવી વીચીત્ર કે ક્રુર સજા થાય તેની શી નવાઈ ?

કશે–કદી આપણે એવું કશું વાંચતા કે સાંભળતા નથી કે પતીને ભારે મંગળ છે. માટે પત્નીના માથે ઘાત છે અને તેના માથે મોત ભમે છે. એટલે પત્નીની રક્ષા કાજે, પતીને પહેલાં કુતરી સાથે પરણાવવામાં આવે ? કે પછી પત્ની માટે કોઈ પુરુષ મંગળવાર કે શનીવાર કરે ? આવું વાંચવું પણ આપણને હાસ્યાસ્પદ લાગે. આખરે પત્ની કે સ્ત્રીની કીંમત શી? એક વાત વાંચી હતી. એક આદીવાસી પુરુષની પત્નીને કંઈ મોટો રોગ થઈ ગયો હતો. એટલે ડૉકટર પાસે પત્નીનો ઈલાજ કરાવવા ગયો. ડૉકટરે પત્નીની સાજા થવાની કીંમત બે હજાર રુપીયા કહી. પતી, પત્નીને સારવાર કરાવ્યા વીના ઘરે લઈને જતો રહ્યો. કારણ પાંચસો રુપીયામાં તો નવી મળે છે તો જુની પર બે હજાર રુપીયાનો ખર્ચ શું કામ કરવો ?

એક વાક્ય વાંચ્યું હતું કે તમે એક પુરુષને શીક્ષણ આપશો તો તમે એક વ્યક્તીને શીક્ષીત કરશો; પણ તમે એક સ્ત્રીને શીક્ષણ આપશો તો તે પુરા સમાજને શીક્ષીત કરશે. ઉપર જણાવેલી ઘટનાઓ ફરી આપણે પેપરમાં વાંચવી કે સાંભળવી ના હોય તો સ્ત્રીને શીક્ષીત કરો.

– કામીની સંઘવી

‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈની તા. 11 ડીસેમ્બર, 2014ની ‘લાડકી’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘દીલ કે ઝરોખોં સે’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘મુંબઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક:

કામીની સંધવી, D-804, New Suncity, Aptt., B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat – 395 009 સેલફોન: 94271-39563 ઈ.મેઈલ: kaminiparikh25@yahoo.in  આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર…

‘અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તી–ઈ.બુક્સ મારા બ્લોગના મથાળે  ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ... ..ગોવીન્દ મારુ..

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર, નવસારી. પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 17/07/2015

કામીનીબહેન સંઘવી

‘છોકરીઓએ વ્રત ન કરવાં’ તેવો નીયમ સ્કુલમાં ક્યારે ?

–કામીની સંઘવી

જેઠ સુદ અગીયારસ એટલે ભીમ અગીયારસ. જેઠ માસ બેસતાં જ વરસાદનાં વાદળ ઘેરાય. ખેડુતો ખેતર ખેડી ચાતક નજરે વરસાદ વરસે તેની રાહ જુએ અને વરસાદ સમયસર પડ્યો તો ચુલે લાપસીનાં આંધણ મુકાય. કારણ, ભીમ અગીયારસે વાવણી થઈ જાય તો વરસ સારું જશે તેવું સીધું ગણીત. ભીમ અગીયારસ પછી આવે જેઠ સુદ પુનમ એટલે વટસાવીત્રીનું વ્રત. પતીના લાંબા આયુષ્ય અને સમૃદ્ધી માટે થતું વ્રત. જેઠ માસથી વર્ષાઋતુનો પ્રારમ્ભ થાય તે સાથે જ જેઠ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ બહેનો માટે વ્રત–ઉપવાસ–એકટાણાની સીઝન શરુ. જેની જેટલી શ્રદ્ધા તેટલાં વધુ વ્રત–ઉપવાસ કરે. જેટલું તપ વધુ, તેટલું ફળ વધુ મળે એવી ગણતરી આ વ્રત–ઉપવાસ કરવામાં હશે ? કે પછી ટ્રાયલબેઝ પર પણ વ્રત થાય છે ? ‘વાગ્યું તો તીર નહીં તો તુક્કો !’ આજકાલની મોડર્ન વામાઓ વ્રત કરે છે તેમાં શ્રદ્ધા કેટલી અને અન્ધશ્રદ્ધા કે દેખાદેખી કેટલી ?

એક કીસ્સો જાણવા મળ્યો. એક ડૉક્ટર યુવતીને તે ટીનએજર હતી ત્યારથી જાણતી હતી. સીધીસાદી, ભણેશ્રી ટાઈપ છોકરી. બહુ ધાર્મીક પણ નહીં. રૅશનલ વીચાર ધરાવે; કારણ કે વાચન ઘણું. તે ડૉક્ટર યુવતીનાં લગ્ન હજુ ગયા વર્ષે મે માસમાં થયાં હતાં. હજુ તેનું એમ. બી. બી. એસ. પુરું જ થયું હતું અને તે આગળ પોસ્ટગ્રેજ્યુએશન કરવા માટેની એન્ટ્રન્સ એક્ઝામમાં એપીયર થવાની હતી. એટલે સ્વાભાવીક છે કે તેનું ફોકસ ભણવા પ્રત્યે જ હોય. તેનાં લગ્નનું પહેલું વર્ષ હતું; પણ સ્ટડીમાં ડીસ્ટર્બ થાય એટલે તેની સાસુની સલાહ અવગણીને પણ તેણે વ્રત–ઉપવાસ કરવાનું ગયા વર્ષે ટાળ્યું. કાળનું કરવું તે ગયા વર્ષે ડીસેમ્બરમાં તેની એન્ટ્રન્સ ટેસ્ટ લેવાઈ અને બહેનને અપેક્ષીત કોર્સમાં એડમીશન મળે તેવો સ્કોર ન થયો. જાણે બારે વહાણ ડુબી ગયાં ! સાસુને તરત કહેવા–સંભળાવવા માટે બહાનું મળી ગયું કે, ‘જોયું, આ વ્રત ન કરવાનું પરીણામ ? વ્રત કર્યું હોત તો સફળ થાત; કારણ કે ઈશ્વરના આશીર્વાદ મળત.’ ગયા વીકમાં વટસાવીત્રીનું વ્રત હતું ને તે લીફ્ટમાં મળી ગઈ. ટીપીકલ નવવધુ જેવું ડ્રેસીંગ અને બહેન તો હાથમાં પુજાની ટોપલી લઈને જતાં હતાં. પુછ્યું કે આ શું ? તો કહે કે ઘરના લોકો કહે છે કે વ્રત કરી જો; કદાચ તને એક્ઝામમાં ધારી સફળતા મળે. પુછ્યું કે તું તો આવું બધું માનતી ન હતી, તો પછી હવે આમ કેમ ? તેના જવાબમાં તે ડૉક્ટર યુવતીએ કહ્યું, ‘યસ આઈ ડોન્ટ બીલીવ ઈન ઓલ ધીસ; પણ ટ્રાય કરવામાં શું જાય છે ? વ્રત કરીને ક્યાં કંઈ ગુમાવવાનું છે ? અને તેથી પણ મનગમતી બ્રાન્ચમાં એડમીશન મળી જાય તો સારું જ ને ?’

આજકાલની સો કોલ્ડ એડ્યુકેટેડ સ્રી પણ આવું વીચારતી હોય તો ક્યાં થીંગડાં મારવાં ? સમજ્યા કે જેનું ભણતર બહુ નથી કે જેનું વાચન લીમીટેડ કે નહીંવત છે તે બહેનો આવાં બધાં ધતીંગધતુરાં કરે તો તેને સહન કરી શકાય; પણ આજની ડૉક્ટર યુવતી આવી અન્ધશ્રદ્ધામાં માને અને વ્રત કરે તો કોને શીખામણ આપવી ? કદાચ આપણું એડ્યુકેશન સ્ત્રીને વીચારોમાં સ્વાવલમ્બી બનાવી નથી શક્યું. કારણ કે હજુ પણ આપણી પ્રાથમીક શાળામાં કે હાઈ સ્કુલમાં જયા–પાર્વતી કે મોળાકતમાં છોકરીઓને વીશેષ છુટ આપવામાં આવે છે. જેમ કે વ્રત દરમીયાન યુનીફોર્મ વીના રંગીન ડ્રેસ પહેરીને સ્કુલે આવી શકાય. આપણા સમાજનો મોટો વર્ગ હજુ પણ છોકરીઓ પાસે વ્રત કરાવે છે. તેમાં ઘણી મોડર્ન મમ્મીઓ તો દીકરી હજુ તો ચાર–પાંચ વર્ષની હોય ત્યાં જ વ્રત કરવાનું શરુ કરાવી દે. કારણ કે વ્રત વહેલાં પતી જાય તો પાછળથી ઉંચા ધોરણમાં દીકરી આવે ત્યારે સ્ટડી ડીસ્ટર્બ ન થાય ! કેમ કોઈ સ્કુલ એવો નીયમ નથી લાવતી કે ‘અમારી સ્કુલની છોકરીઓ વ્રત નહીં કરે.’ તેવો નીયમ કેમ નહીં ? છોકરા વ્રત નથી કરતા; છતાં દરેક ક્ષેત્રમાં ધારી સફળતા મેળવે છે તે સત્ય બધાં માતા–પીતા કેમ નથી જોઈ શકતાં ? સ્પેસ પરી સુનીતા વીલીયમ્સ અમેરીકાથી ભારત અને તેમાં પણ ગુજરાત પધારે તો આપણે હરખપદુડા થઈને તેની આરતી ઉતારવા પહોંચી જઈએ છીએ; પણ કદી જાણો તો ખરા કે વગર વ્રત ઉપવાસે પણ કાતીલ મનોબળને કારણે જ તેણે આવી પુરુષ કરતાં પણ ચડીયાતી સફળતા મેળવી છે. તે કોઈ વટસાવીત્રી કે મોળાકત કે જયા–પાર્વતીનું નાનપણમાં કરેલ વ્રતનું ફળ નથી. વ્રત કરીને આજની સ્ત્રી પોતાને ઈન્ટેલેક્ચ્યુઅલફુલ’ સાબીત કરી રહી છે.

આજની સ્ત્રીએ ઈમોશનલ ફુલ બનવાને બદલે ‘ઈન્ટેલેક્ચ્યુઅલ ફુલ’ બનવા તરફ પ્રયાણ તો નથી કર્યું ને ? કારણ કે મુર્ખતા તો મુર્ખતા જ રહે છે. તે પછી ભણેલા કરે કે અભણ. તમે કઈ કેટેગરીમાં આવો છો ‘ઈમોશનલ ફુલ કેઈન્ટેલેક્ચ્યુઅલ ફુલ’ તે તમારે નક્કી કરવાનું છે.

–કામીની સંઘવી

‘ફુલછાબ’ દૈનીક, રાજકોટની તા. 18 જુન, 2014ની ‘ગુલમોર’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘તુલસીક્યારો’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘ફુલછાબ’ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક: કામીની સંધવી, D-804, New Suncity, Apartment, B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat – 395 009 સેલફોન: 94271 39563 ઈ.મેઈલ: kaminiparikh25@yahoo.in

‘અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તીઈ.બુક્સ મારા બ્લોગના મથાળે  ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારી. પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66  ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 22/05/2015

કામીનીબહેન સંઘવી

દીવાળી, અન્ધશ્રદ્ધા, સફાઈ અને આપણે

–કામીની સંઘવી

માતા–પીતા સીવાય બાળકના જીવનમાં બીજી કોઈ વ્યક્તી મહત્ત્વની હોય તો તે ટીચર કે શીક્ષક છે. બાળક ઘરમાં જેટલો સમય તેના પેરેન્ટ્સ સાથે વીતાવે છે તેટલો જ ક્વૉલીટી ટાઈમ તે તેની સ્કુલ કે કૉલેજના શીક્ષકો સાથે પસાર કરે છે. તેથી જ બાળકના માનસીક અને શારીરીક વીકાસમાં માતા–પીતા પછી કોઈનો સૌથી વધુ સીંહફાળો હોય તો તે ટીચરનો છે. સારી–નરસી કેળવણી બાળક શીક્ષક પાસેથી જ ગ્રહણ કરતું હોય છે. હમણાં સુરતની બે ચાર સ્કુલમાં બાળકોને ઉદાહરણરુપ જીવન અને પર્યાવરણલક્ષી પાઠ ભણાવવામાં આવ્યા. આપણે બધા જ જાણીએ છીએ કે દીવાળી એ પ્રકાશનો તહેવાર છે. તેથી આપણે સૌ યથાશક્તી તે ઉજવાતા હોઈએ છીએ. પણ કોઈ બાળક માટે દીવાળીની ઉજવણી કેવી હોય ? તો કહો કે સ્કુલ–ટ્યુશનમાં રજા એટલે ભણવામાંથી છુટી એટલે મજા જ મજા ! બીજા નંબરે આવે રજામાં મજા કરવાની વાત. તો ઘરમાં જાત જાતનાં મીઠાઈ–ફરસાણ બને અને તે મરજી થાય તેમ ખાવાની મજા. ત્રીજા નંબર પર આવે નવાં કપડાં–શુઝ વગેરે લેવાં અને પહેરવાં. રાતે દોસ્તો સાથે ફટાકડા ફોડવા. હા, બાળક નાનું હોય તો ફટાકડા ફોડીને આનંદ લે જ; કારણ કે દીવાળી હર્ષ–ઉલ્લાસ અને પ્રકાશનો તહેવાર છે. પરંતુ હાયર સેકન્ડરીમાં ભણતા સોળ–સત્તર વર્ષના ટીનેજર્સ સમજણા કહેવાય. તેની પાસેથી તેમની ઉંમર પ્રમાણેના સમજદારીભર્યા વર્તનની અપેક્ષા રખાય. તેથી જ આ શાળા સંચાલકોએ તેમની શાળામાં ભણતાં અગીયાર–બારમા ધોરણના વીદ્યાર્થીઓ પાસે શપથ કે સોગંદ લેવડાવ્યા કે તેઓ હવેથી દીવાળીમાં ફટાકડા નહીં ફોડે. જેથી કરીને પૃથ્વી પર અવાજ અને હવાનું પ્રદુષણ ઘટે. ખુબ સરસ.. આજનાં ટીનેજર્સ બાળકો આવતીકાલે દેશના નાગરીક બનશે. ત્યારે દેશ માટે કે આ જગત માટે કંઈક પોઝીટીવ કરવાની તેમની વૃત્તીને વેગ મળશે. જીવનમાં ક્યાંક સમાજ પ્રત્યેની સમજદારીનો આછો આછો દીવો પણ ટમટમતો રહે તેથી વધું રુડું શું હોય ? કદાચ દીવાળી એ પ્રકાશનો તહેવાર છે તેની સાચી ઓળખ અહીં જ પ્રસ્થાપીત થશે.

જો કે ત્યાં હાજર કેટલાક વાંકદેખા શીક્ષકો અને વાલીઓ અને પેરેન્ટ્સના મતે આ બધા સોગંદ લેવા કે લેવડાવવા એ ધતીંગ છે. છોકરાઓ તો ફટાકડા ફોડે જ ને ! છોકરા ફટાકડા નહીં ફોડે તો કોણ આપણે ફોડીશું ? કબુલ, છોકરાઓ ફટાકડા ફોડે જ; પણ તે પંદર–સોળ વર્ષની વયથી નીચેનાં હોય તો. વળી અવાજ કે હવાનું પ્રદુષણ ન ફેલાય તેવા ફટાકડા ફોડવાની કોણ ના કહે છે ? પંદર વર્ષની વયથી મોટાં બાળકો આવાં સમાજહીતનાં કામ કરે તે ઈચ્છનીય જ છે. ભલે ને તે શપથ લેનાર સો–બસોમાંથી દસ–વીસ બાળકો પણ તેનું પાલન કરે તો તે સમાજ અને માનવહીતમાં જ છે. છેલ્લાં પાંચ–સાત વર્ષથી આ પ્રથા સુરતની આ બે–ચાર સ્કુલમાં ચાલે છે.  ફટાકડા નહીં ફોડવાના સોગંદ લેનાર અને હવે યુવક–યુવતી બનેલાં તે સ્કુલના ભુતપુર્વ વીદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, તેમાંથી ઘણાંએ તે સોગંદ પાળ્યા છે. અને તેઓ દીવાળીમાં ફટાકડા ફોડતા નથી. વળી તેમનાં નાનાં ભાઈ–બહેનને પણ ફટાકડા ન ફોડવાની કસમ લેવડાવે છે. કદાચ આ નાની નાની હરકતોથી જ બાળકોનાં હૃદયમાં દેશ કે સમાજ પ્રત્યેના ઋણની રેખા આંકી શકાય.

છેલ્લાં દસ–બાર વર્ષમાં દીવાળીના દીવસોમાં સુતળી કે લક્ષ્મી બૉમ્બના તીવ્ર અવાજો મોટાં શહેરમાં માથાંનો દુ:ખાવો બનતા જાય છે. સુપ્રીમ કોર્ટે રાતે દસથી સવારે છ વાગ્યા સુધી અવાજ પ્રદુષણ પર નીષેધ ફરમાવ્યો છે; પણ દીવાળીના દીવસોમાં તે નીયમોની ઐસી કી તૈસી કરવામાં બાળકો જ નહીં; વાલીઓ પણ મોટો ભાગ ભજવે છે. વળી સપરમા દીવસોમાં ક્યાં કોઈ સાથે માથાકુટ કરવી ?  લોકોનાં એવાં વલણને કારણે જે આ ફટાકડાના અવાજથી ત્રસ્ત થાય છે તેવા સીનીયર સીટીઝન કે બીમાર કે નવજાત શીશુની માતાઓ ફટાકડા ફોડતા લોકો સાથે વાદ–વીવાદ કરવાનું ટાળે છે. જેને કારણે મોટાં શહેરોના રાજમાર્ગ ફટાકડાના અવાજથી ત્રસ્ત છે. તેથી દીવાળી કે નવા વર્ષે લોકોનાં ઘર સીવાય બધે જ ફટાકડા ફોડવાથી ઉત્પન્ન થતા ટનબંધ કચરાઓના ઠેર ઠેર ઢેર છવાયેલાં હોય છે. આપણું ઘર જેમ આપણે દીવાળીમાં વાળી–ચોળીને સાફ રાખીએ છીએ, તેમ આપણી સોસાયટી, આપણી શેરી, આપણું ગામ–શહેર અને દેશને અવાજ અને હવાના પ્રદુષણથી મુક્ત રાખવાની આપણી ફરજ નથી?

માતા એ સો શીક્ષકની ગરજ સારે છે તેવું વારંવાર આપણે કહીએ છીએ. તે જ માતા દીવાળીના તહેવારોમાં આડકતરી રીતે પોતાનું ઘર તો સાફ કરે છે, જેથી તેના ઘરમાં લક્ષ્મીજીનો પ્રવેશ અને વાસ થાય. તે બધાં માટે તે શુકન–અપશુકનના નામે અન્ધશ્રદ્ધાનું તો વહન કરે જ છે; પણ સાથે સાથે જાહેરસ્થાન પર ધર્મ કે રીતરીવાજના નામે પ્રદુષણ ચોક્કસ ફેલાવે છે.

આજકાલ એક બીજો રીવાજ પણ વધી રહ્યો છે અને તે ધનતેરસના દીવસે મુહુર્ત જોઈને સોના–ચાંદીની ખરીદી કરવાનો. વળી તેમાં પણ અમુક–તમુક નક્ષત્ર જોઈને સોના–ચાંદીની ખરીદી કરવા માટે ઝવેરીની દુકાનોમાં લાંબી લાઈન હોય. એક–બે કલાકે તમારો નંબર આવે. ભલે થાકી જવાય; પણ શું થાય ? શુકન માટે ધનતેરસના દીવસે પણ ખરીદી તો કરવી જ જોઈએ ! હવે દીવાળીના તો બધા દીવસો જ શુકનવંતા અને સપરમા ગણાય છે. તો તેમાં મુહુર્ત જોવાની વાત ક્યાં આવી ? પણ બસ, વર્ષ સારું જાય, ઘરમાં લક્ષ્મી આવે એટલે પણ આમ કરવું જોઈએ. સીમ્પ્લી, વેસ્ટ ઓફ ટાઈમ અને વેસ્ટ ઓફ મની ! ધનતેરસના દીવસે સોનાચાંદીના માર્કેટમાં તેજી હોય એટલે ભાવ ઉંચા હોય. ઉપરથી ઝવેરીઓ  ઘડામણી પણ ડબલ વસુલ કરે. છતાં આપણે બીજા દીવસોમાં ખરીદી કરવાને બદલે તે દીવસે જ ખરીદી કરીને પણ લુંટાઈએ છીએ. કારણ કે મુહુર્ત તો સાચવવું જોઈએ તેવો પરીવારની ગૃહીણીનો જ આગ્રહ હોય ! બહેનોની અન્ધશ્રદ્ધા કાળી ચૌદશે તો માઝા મુકે. ચાર રસ્તા પર ‘કકળાટ’ કાઢવા જાય અને રસ્તા પર વડાં મુકે. તમે ધાર્મીક છો અને શ્રદ્ધાથી ઘરમાં પુજન કરો તો ઓક્કે. પણ ચાર રસ્તા પર ‘કકળાટ’ના નામે વડાં મુકવાં તે આજના સમય પ્રમાણે કેટલું યોગ્ય લાગે ? મને યાદ છે અમારી સોસાયટીની બાજુમાં જ ઝુંપડપટ્ટી હતી. સોસાયટીના રહેવાસીઓ સોસાયટીના ચાર રસ્તા પર વડાં મુકવા બહેનો ઘરેથી નીકળે તે સાથે જ ઝુંપડપટ્ટીનાં બાળકો આગળ–પાછળ ચાલવા માંડે. ચાર રસ્તા પર લોકો વડાં મુકે ના મુકે ને પેલાં ગરીબ બાળકો તરત ઉઠાવી લે અને ખાઈ પણ જાય. ચાર રસ્તા પર વડાં મુક્વાથી લોકોના ઘરનો કકળાટ ઓછો થતો હશે કે નહીં તે તો રામ જાણે; પણ કોઈના પેટની આગ કે ભુખ તો જરુર મીટાવે છે. તો પછી શા માટે અન્નના ખોટા રીતીરીવાજ પાછળ વ્યય કરવો ? અન્નપુર્ણા અન્નનો વ્યય અટકાવે તો તે સમાજસેવા કહેવાય. વળી બહેનો નવા વર્ષે કે દીવાળીની રાતે ચાર રસ્તા પર ઘરના જુનાં ઝાડુ અને માટલાં મુકી આવે. એટલે નવા વર્ષે તમે ઘરની બહાર નીકળો તો બધા જ ચાર રસ્તા પર માટલામાં ઝાડુ ભેરવેલાં દેખાય. સરકાર કે નગરપાલીકા આમેય તહેવારોના દીવસોમાં માણસોની ખેંચ અનુભવતી હોય, તેમાં શહેરના દરેક ચાર રસ્તા પર ઝાડુને માટલાં ઉંચકવા તો ક્યાંથી કોઈ નવરું હોય ?

આપણા વડા પ્રધાને બહુ સરસ સુત્ર આપ્યું કે દેશને સ્વચ્છ બનાવો. તેમાં ઘણાંય મહીલામંડળો હઈશો હઈશો કરતાં જોડાઈ ગયાં, લાંબા સાવરણા લઈને રસ્તા સાફ કરવા ઉતરી પડ્યાં અને પોતાનો પ્રચાર અને પ્રસાર કરી લીધો. પણ હવે શું ? આપણો દેશ સાફ રાખવાના સોગંદ લીધા છે તે તહેવારો આવતાં આપણે ભુલી જઈએ છીએ ? દેશ કે દુનીયાને બદલવાના ખ્વાબ જોતાં પહેલાં દરેકે પોતાની જાતને બદલવી પડે તો જ બદલાવ શકય બને. કોઈ પણ સરકાર લોકોની સક્રીય ભાગીદારી વીના સફળ ન બની શકે. તે વાત પછી વીકાસની હોય કે સફાઈની કે આતંકવાદની. પાવર ઓફ ફોર્ટીનાઈન એટલે કે મહીલા મતદાનનો પ્રભાવ આપણે ગત ઈલેક્શનમાં જોયો છે. તો આ પાવર ઓફ ફોર્ટીનાઈન દેશની અન્ધશ્રદ્ધા કે ગંદકીની સફાઈ માટે યોગ્ય રીતે વપરાય તે ઈચ્છનીય નથી ?

–કામીની સંઘવી

‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈની તા. 16 ઓક્ટોબર, 2014ની ‘લાડકી’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘દીલ કે ઝરોખોં સે’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘મુંબઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક:

કામીની સંધવી, D-804, New Suncity, Aptt., B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat-395 009 સેલફોન: 94271-39563 ઈ.મેઈલ: kaminiparikh25@yahoo.in 

અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તીઈ.બુક્સ મારા બ્લોગના મથાળે  ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા મારો આ ‘રૅશનલ’ બ્લોગ ‘અભીવ્યક્તી’ નીયમીત  https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ17/10/2014

કામીનીબહેન સંઘવી

પુરુષને માટે ઈશ્વર અને સ્ત્રીને ભાગે ધર્મ?

– કામીની સંઘવી

ભારતીય સંસ્કૃતીના કેલેન્ડરમાં ચૈત્ર મહીનાનું અનોખું મહત્ત્વ છે. તેનું કારણ એક એ પણ છે કે ચૈત્ર મહીનો એ સન્ત-મહાત્મા દેવતાના જન્મનો શુભ માસ છે. રામનવમી, હનુમાન જયન્તી જૈન ધર્મના તીર્થંકર મહાવીર સ્વામીની જયન્તી, સ્વામીનારાયણ પંથના સ્થાપક સહજાનન્દસ્વામીની જયન્તી, વૈષ્ણવ સમ્પ્રદાયના વલ્લભાચાર્યની જન્મજયન્તી, રવીન્દ્રનાથ ટાગોર અને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરનો પણ જન્મદીવસ. વધુ તો ભારતીય આબોહવા મુજબ વર્ષની છ ઋતુઓમાં ગ્રીષ્મ ઋતુના બે મહીનામાંનો એક માસ એટલે પણ ચૈત્ર. આ ઉપરાન્ત સીન્ધી, મરાઠી અને તેલુગુ લોકોનું નવવર્ષ. રાજસ્થાનીઓ માટે ગણગૌર પુજા. વળી હીન્દુ માટે ચૈત્રી નવરાત્ર એટલે તપ-ઉપવાસનો મહીમા. ચારેબાજુ ઉત્સવ-ઉમંગ, પવીત્ર-પ્રસન્નતાનું વાતાવરણ. આયુર્વેદ મુજબ ચૈત્ર માસમાં નમકવીહીન ભોજનનું સુચન છે, જેથી ચૈત્રના તાપને સહન કરવા માટે શરીર તૈયાર થાય અને પીત્તપ્રકોપથી બચી શકાય. તેથી ધર્મના નામે પણ વ્રત-ઉપવાસનો મહીમા. વળી ચૈત્રમાં ઠેર ઠેર રામાયણ કે ભાગવત કથા-પારાયણનું આયોજન થાય અને ભક્તો કથાસાગરના શ્રવણ દ્વારા પાપમાંથી મુક્તી મેળવીને પુણ્ય કમાય. પણ એક વાત નોટીસ કરી કે આવા ધાર્મીક મેળાવડામાં સ્ત્રીઓ જ સૌથી મોટી સંખ્યામાં હોય છે. એવું તો નથી, કે પુરુષ કરતાં સ્ત્રી વધુ પાપ કરે છે કે પાપી છે; એટલે તેણે ભાગવત કે રામકથા સાંભળીને પોતાને પવીત્ર કરવાની જરુર ઉભી થાય. પણ શા માટે સ્ત્રી સદીઓથી વધુ ધાર્મીક છે? તેના જીન્સમાં ધાર્મીકતા છે કે પછી તેના પર તે થોપવામાં આવી છે?

આમ જોઈએ તો દુનીયાનો કોઈ પણ ધર્મ એવો નથી કે તેણે સ્ત્રીને અન્યાય ન કર્યો હોય. અને છતાં સ્ત્રી જ ધર્મનું સૌથી વધુ પાલન કરે છે કે કરતી આવી છે. છતાં સ્ત્રી એ બાબતથી અજાણ છે કે એક કે બીજાં બહાનાં હેઠળ સતત ધર્મ તેને બાંધી રાખે છે. સ્ત્રીથી આમ ન થાય કે તેમ ન થાય. તેણે આવાં કે તેવાં જ કપડાં પહેરવા પડે. તેનાથી મન્દીરના અમુક હીસ્સામાં ન જવાય કે મન્દીરમાં અમુક જગ્યા પર ન બેસાય. મસ્જીદમાં સ્ત્રી માટે પ્રવેશબંધી. ચર્ચમાં કયારેય કોઈ સ્ત્રીને ‘ફાધર’ની જેમ ‘મધર’ બનીને પ્રવચન કરતાં જોઈ છે? આટલું ઓછું હોય તેમ ઈસ્લામ ધર્મના અમુક પંથમાં સ્ત્રીને Female genital mutilation (FGM)ની સર્જરી કરવામાં આવે છે, જેથી સ્ત્રી સેક્સ્યુઅલી કન્ટ્રોલમાં રહે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા મુજબ એકસો પચીસ મીલીયન સ્ત્રીઓ આ સર્જરીની યાતનામાંથી પસાર થઈ ચુકી છે. અને હજુ પણ ધર્મના પંથના નામે બાળકી પાંચ વર્ષની થાય તે પહેલાં જ તેની ક્લીટરીસ કાપી નાંખવામાં આવે; જેથી પુખ્તવયે પણ તે સેક્સ ઓર્ગેઝમના અનુભવથી વંચીત રહે અને સરવાળે પતીના ક્ન્ટ્રોલમાં રહે. આશ્ચર્યની વાત એ છે કે એક સ્ત્રી જ, ધર્મ કે સંસ્કૃતીના નામે બીજી સ્ત્રીની FGM સર્જરી કરે અને જે સુખથી પોતે વંચીત રહી છે તેનાથી પોતાની જનરેશનને પણ દુર રાખે ! જો સેક્સમાં ઓર્ગેઝમનો આનંદ મેળવવો તે પાપ હોત તો, કુદરતે તે તત્ત્વ સ્ત્રી કે પુરુષમાં મુક્યું હોત ? જો પુરુષ ઓર્ગેનીઝમ પર પહોંચીને કુદરતી જાતીય આનંદને માણે તો તે પવીત્ર અને સ્ત્રી તેમ કરે તો તે અપવીત્ર? પુરુષ અને સ્ત્રી બન્ને સર્જન તો સર્જનહારના જ છે ને ? તો પછી એકને ન્યાય અને બીજાને અન્યાય શા માટે અને તે કેટલો યોગ્ય લેખાય?

હીન્દુ ધર્મમાં પવીત્રતાના નામ પર અમુક દીવસોમાં સ્ત્રીને ધાર્મીક પ્રવૃત્તીમાંથી બાદ રખાય. કારણ તો શરીરના અમુક અંગમાં થતો રક્તસ્ત્રાવ અપવીત્ર છે એટલે. પરન્તુ પુરુષને પણ પ્રકૃતીદત્ત અમુક સ્ત્રાવ થતો હોય છે; તો પણ તેને માટે તેવાં કોઈ બંધન નહીં ! ક્યારેય કોઈ પુરુષ મન્દીરે જવાની ના પાડે છે ખરો કારણ કે તેનું વીર્યસ્ખલન થયું છે એટલે ? વળી આ સ્ખલન તો સ્ત્રીની જેમ નીશ્ર્ચીત દીવસોમાં નહીં; ક્યારેય કે કોઈપણ સમયે થઈ જાય છે ! તેને આપણે ખુબ સ્વાભાવીક–કુદરતી ગણીએ છીએ; એટલે તે બાબતે કોઈ આભડછેટ નથી રાખતા. ઈવન વીચારતા પણ નથી કે વીર્યસ્ખલન અપવીત્ર છે એટલે પુરુષથી તે સમયે મન્દીરમાં ન જવાય – તેવું વીચારતાં પણ આપણને પાપ લાગે છે. પણ સ્ત્રી અમુક દીવસોમાં મન્દીરે જાય કે ઘરના લોકોને અડે તો બીજા અપવીત્ર થઈ જાય ! આપણા ધર્મના કોઈપણ વેદ કે ઉપનીષદમાં કશે લખ્યું નથી કે સ્ત્રી મેન્સીસમાં હોય ત્યારે તેણે ભગવાનના દર્શન ન કરવા કે ધાર્મીક ક્રીયાથી દુર રહેવું. અને છતાં આજે એકવીસમી સદી જેને આપણે માનવઉત્થાન અને સાયન્ટીફીક સેન્ચ્યુરી કહીએ છીએ તેમાં આવા ભેદભાવ આજે પણ વ્યાપક છે. હજુ પણ આપણાં ઘરોમાં સાંભળવા મળે છે : ‘બેબીની તબીયત સારી નથી; એટલે સત્યનારાયણનો પ્રસાદ લેવા એ ન આવી.’

એક ડૉક્ટર–કપલને ત્યાં નવરાત્રીના દીવસોમાં જવાનું થયું. ઘરમાં વાતાવરણ ગમ્ભીર હતું; કારણ તો ગાયનેકોલૉજીસ્ટ તેવા આ કપલની ટીનએજ દીકરી મેન્સીસમાં હતી; પણ જીદ્દ લઈને બેઠી હતી કે મારે તો દાંડીયા રમવા જ જવું જ છે ! અને તેની હાઈલી એડ્યુકેટેડ મૉમ તેને કન્વીન્સ કરવાનો પ્રયત્ન કરતી હતી કે તેનાથી આ દીવસોમાં ગરબા ન રમાય. ત્યારે દીકરીએ માને સવાલ કર્યો, ‘જો હું મેન્સીસમાં છું અને અપવીત્ર છું તો તું પણ અપવીત્ર કહેવાય. કારણ કે દીવસમાં રોજ તું કેટલી ડીલીવરી કરાવે છે અને તે સ્ત્રીઓના ચેકઅપ અને બીજા ટેસ્ટ દ્વારા તું પણ રક્તસ્ત્રાવના ટચમાં રહે છે તો અપવીત્ર તું પણ થઈ ને ?’ માને દીકરીની વાત વાજબી લાગી અને તેણે દીકરીને ગરબા રમવા જવાની પરમીશન આપી.

સ્ત્રી ગમે તેટલું ભણે તો પણ, તે મુળભુત રીતે બદલાઈ નથી તેવું ઘણી વાર તેણે શૉ ઓફ કરવા માટે પણ કરવું પડતું હોય છે. કારણ કે છોકરીને ભણાવતાં માતા-પીતાના મનમાં મોટો હાઉ એ હોય છે કે દીકરી વંઠી જશે તો ? એટલે ઘણી વાર ભણેલી સ્ત્રીઓ વ્યવહારમાં પણ ઓર્થોડૉક્સ બની રહે છે; કારણ કે તેમના પર કોઈ વંઠેલનું ટેગ ના લગાડે. પણ શા માટે સંસ્કૃતી કે ધર્મને બચાવવાની જવાબદારી સ્ત્રીના ખભા પર જ નાખવી?

આજથી એક બે સેન્ચુરી પહેલાં સ્ત્રીનું જીવન પીતા, પતી અને પુત્રને આધારીત હતું. બાળપણમાં પીતા, યુવાનીમાં પતી અને વૃદ્ધાવસ્થામાં પુત્ર સ્ત્રીનું લાલન-પાલન કરે. એટલે સ્ત્રીના મોટાભાગનાં વ્રતો પતી કે પુત્રના ક્ષેમકુશળ માટે હતાં. જો પુત્ર કે પતી કે પીતા સલામત હોય તો તેનું જીવન સલામત રહે. કદાચ ત્યારની સામાજીક પરીસ્થીતી તેવી હતી કે સ્ત્રીનો આધાર કે અસ્તીત્વ માત્ર પુરુષ પર આધારીત હતું. પણ કોણે કહ્યું કે સ્ત્રી વ્રત-તપ કરે તો જ તેનો પીતા-પતી અને પુત્રરુપી સંસાર સલામત રહે? ત્યારે પણ સમાજમાં એવા દાખલા હતા જ કે સ્ત્રીએ અમુક-તમુક વ્રત કર્યાં હોય છતાં તેના પતી-પીતા કે પુત્ર મરણને શરણ થયા હોય. એટલે એવા વહેમ કે અન્ધશ્રદ્ધાથી થતાં વ્રત કે ઉપવાસનું કોઈ મહત્ત્વ જ નથી. વળી પુત્ર કે પતી કે પીતા સલામત છે એટલે મારી જીન્દગી સલામત રહે તે માટે વ્રત કરવાં તે પણ એક પ્રકારનું સ્વાર્થીપણું નથી? આમ તો આપણે જ કહીએ છીએ કે બહેનો સ્વાર્થી નથી; છતાં આ કેવું સ્વાર્થીપણું? સ્ત્રીનું ની:સ્વાર્થપણું કેવું હોય તેનો એક દાખલો.

આપણી ભાષાના ઉત્તમ કવી અને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનીત સ્વર્ગીય કવી શ્રી રાજેન્દ્ર શાહનો એક લેખ તેમનાં માતા વીશેનો વાંચ્યો હતો. કવીનો જન્મ ઓગણીસસો તેરમાં. જન્મ પછી ટુંકા સમયમાં પીતાની છત્રછાયા ગુમાવી. વીધવા માએ એકલા હાથે તેમનો ઉછેર કર્યો હતો. એક વાત તેમણે તેમની માતા વીશે તેમના મા વીશેના નીબન્ધમાં ટાંકી હતી : ‘મારી માએ હું તેમનું એકમાત્ર સન્તાન હોવા છતાં કોઈ બાબતમાં તેમણે મને અટકાવ્યો ન હતો. જાણે નીર્ભીકતાની મુર્તી મારે મને તે જ હતી. મારી નીર્ભીકતાની દેન મારી મા છે.’ આજથી સો વર્ષ પહેલાંની વીધવામાં આટલી નીર્ભીકતા હોય તો આજની વેલ એડ્યુકેટેડ વામામાં કેમ નથી? જે થવાનું હોય તે થાય જ છે પછી તમે વ્રત કરો કે ના કરો. શા માટે આજે પણ હજુ સ્ત્રીઓ બાવા-બાપુઓના પગે પડે છે અને તેમને આશારામ કે નારાયણ સ્વામી બનવામાં આડકતરી મદદ કરે છે? કશે પણ ધાર્મીક કથા-પુજા હોય, સ્ત્રીઓનાં ટોળેટોળાં ઉમટે. જાણે પુણ્ય કમાવવાની હોડ લાગી હોય! મીરાં-ગંગા સતી કે પાનબાઈ કયારેય કોઈ સન્ત–મહાત્માના પગ દબાવવા માટે ગયાં ન હતાં. નથી તેમણે કોઈ સન્ત–મહાત્માના પગ પંપાળ્યા. ભગવાન તો તમારી ભીતર જ છે ને ? શા માટે મન્દીર-ગુરુદ્વારા-દરગાહ પર લાઈન લગાવીને ઈશ્ર્વર-અલ્લાહ કે જીસસને શોધવાના પ્રયત્ન કરવા?

ક્યાંક તમારું ધાર્મીકપણું તમને કુવામાંના દેડકા તો બનાવતું નથીને? આ ચૈત્ર માસમાં તેનું પારાયણ કરીએ તો ‘સ્ત્રી–એમ્પાવરમેન્ટ’ થયું કહેવાય?

રેડ ચીલી

God is for man and religion is for woman-

– Joseph Conrad

– કામીની સંઘવી

‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈની તા. 10એપ્રીલ, 2014ની ‘લાડકી’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘દીલ કે ઝરોખોં સે’માંપ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાનાઅને ‘મુંબઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક:

કામીની સંધવી,D-804, New Suncity,Aptt., B/H. Bhulka Bhavan School,Anand Mahal Road, Adajan, Surat-395 009 સેલફોન: 94271-39563 ઈ.મેઈલ: kaminiparikh25@yahoo.in આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર…

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા‘અભીવ્યક્તી બ્લોગનાહોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી.સેલફોન: +919537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 02/05/2014