Feeds:
Posts
Comments

Archive for the ‘કલ્પના દેસાઈ’ Category

જે આ લેખ વાંચશે તે….

–કલ્પના દેસાઈ

મથાળું વાંચીને વીચારમાં પડી ગયા ને ? અને…. જાતને જ સવાલ પુછવા માંડ્યા ને ? કે, જે આ લેખ વાંચશે તે શું ? તે પાગલ થઈ જશે ? મુંગો–બહેરો બની જશે ? લેખ વાંચીને પેપર ફાડી નાંખશે ? કે લેખ વાંચીને પેટ પકડીને હસ્યા જ કરશે ? (આવું વીચારવાની મને છુટ આપો !) સીધો છાપાની ઑફીસે ફોન કરશે ? ને બરાડા પાડીને પુછશે કે, કેમ આવા લેખ છાપો છો ? ઘરમાં હશે તો ઘરની બહાર દોડી જશે ને રસ્તા પર કે બીજી કોઈ જગ્યાએ હશે તો સીધો ઘરની વાટ પકડીને ઘરમાં ભરાઈ જશે ? બધું બહુ જાતજાતનું વીચારી વીચારીને પાગલ થવા કરતાં મને પુછો અથવા લેખ જ આગળ વાંચી લો ને, ભાઈ !

‘જે આ લેખ વાંચશે તેનું કલ્યાણ થશે ને નહીં વાંચે તેને અમ્બે માના સોગન છે ! કાળકા માના સોગન છે ! બાકી બધી માતાના પણ સોગન છે !’

‘અરે ભાઈ, કેમ પણ ? મેં શું કર્યું કે આમ બધાને સોગન આપવા પડે ?’

‘બસ કંઈ નહીં. આ લેખની હજાર કૉપી કાઢીને બધે વહેંચી દો નહીં તો….’

‘હેં ? નહીં તો શું ?’

‘નહીં તો, તમારા પર આ બધી માતાનો કોપ ઉતરશે ને તમારું ધનોતપનોત નીકળી જશે. તમારા બધા પૈસા તમારી પત્ની ને બાળકો ઉડાવી મારશે. તમારા સાસરાવાળા તમારે ત્યાં ધામા નાંખી દેશે. તમારે ત્યાં કામ કરવાવાળા રજા પર ઉતરી પડશે. તમારે ઑફીસમાં ઓવરટાઈમ કરવો પડશે. સમજી લો ને કે, દુનીયામાં જેટલાં દુ:ખ ને જેટલી તકલીફો છે તે બધી તમારા પર તુટી પડશે, જો…..’

‘હા હા બાપા, સમજી ગયો. વાંચ્યા પહેલાં જ આ લેખની હજાર કૉપી કાઢીને મારે વહેંચી દેવાની છે, એમ ને ? પણ મારે જ શું કામ ? કેમ, પ્રેસમાંથી કૉપી કાઢવાની ના પાડી ? ને ફક્ત આ જ લેખની કે પછી આખા ને આખા છાપાની જ હજાર કૉપી દરેક વાચકે કાઢવાની છે ? છાપું વેચવાનું કે છાપવાનું આ નવું ગતકડું કાઢ્યું છાપાવાળાએ ? ભાઈ, એ અમને કેવી રીતે પોસાય ? ને આમ છાપાની કૉપીઓ કાઢવાનું કામ અમારું છે ? જાઓ ભાઈ, એ દમદાટી કે ધમકી બીજાને આપજો. અમારે તો છાપું વાંચવા સાથે મતલબ. અમને જે ગમે તે લેખ પણ વાંચશું ને નહીં ગમે તો છાપાનો ડુચો પણ વાળી દઈશું, અમારી મરજી. આમ ભગવાનનું નામ આપીને ધમકાવો નહીં.’

‘ચાલો રહેવા દો. જોઈ લીધા તમને. તમે તો કહેલું માનવાને બદલે માથું ખાવા મંડ્યા ને જીદે ચડી ગયા ! કેટલા સવાલ પુછી માર્યા ! રહેવા દો, એ તમારું કામ નહીં. જો હમણાં તમને એવું કહીએ કે, ‘જે આ લેખ વાંચશે તેના પર અંબે માની કૃપા થશે. કાળકામાતા ને બહુચરમાતા ને બાકીની બધી માતાઓ પણ તમારા ઉપર આશીર્વાદ વરસાવવા ધક્કામુક્કી કરશે, તો ? તો તમને ગમશે, કેમ ? તો પછી આ લેખની શું, આખા ને આખા છાપાની હજારો કૉપીઓ કઢાવવા તમે દોડી વળશો, એમાં ના નહીં. જે આ લેખ વાંચશે તેના ઘરે કોઈ દીવસ ડૉક્ટર કે વકીલ મહેમાન પણ નહીં બને. તેને ફટાફટ નોકરીમાં પ્રમોશન મળી જશે. કુંવારા હશે તો ચોકઠું ગોઠવાઈ જશે ને પરણેલા હશે તો કંઈ કહેવાનું નથી… (ચોકઠું વહેલું આવી જશે !)’

જેણે જેણે આ લેખ વાંચ્યો છે, તેને કોઈ દીવસ પેટમાં નથી દુ:ખ્યું. કેમ ? કારણ કે, હસતી વખતે દર વખતે એણે પોતાનું પેટ પકડી રાખેલું. જેણે આ લેખ વાંચ્યો, તેને તે દીવસે ભુખ નહોતી લાગી. કેમ ? હસી હસીને એનું પેટ ભરાઈ ગયેલું. જેણે આ લેખ વાંચ્યો, તેના પુણ્યના ખાતામાં, જમાનું ખાતું ઉભરાઈ ગયેલું. કેમ ? એણે એ લેખ બીજા દસ જણને વંચાવેલો. જેણે આ લેખ વાંચ્યો, તેના ઘરમાં તે દીવસે પરમ શાન્તીનો મહોલ હતો. કેમ ? લેખ વાંચ્યા પછી કંકાસ કરવાનો કે ઝઘડવાનો એનો બીલકુલ મુડ નહોતો. કોઈએ લેખ વાંચ્યો તો તેનું બ્લડ પ્રેશર નોર્મલ થઈ ગયેલું અને શુગર પણ કંટ્રોલમાં થઈ ગયેલી. કેમ ? તો લેખ વાંચીને એણે પ્રસન્ન ચીત્તે ભોજન કરેલું અને પ્રમાણસર ખાધેલું. બીજા એક જણે આ લેખ વાંચેલો, તો તેને શાન્તીથી ઉંઘ આવી ગયેલી. કેમ ? ભઈ, આનો જવાબ તમે જ આપી દો ને, બધા જ જવાબ મારે આપવાના ? ચાલો તો પછી, માની ગયાને લેખના પરચાને ? હવે તો છપાવશો ને આ લેખની હજાર કૉપી ?’

‘ભઈ, આ લેખની હજારો કૉપીઓ એમ પણ નીકળી જ ચુકી છે. તો હવે મારે શું કામ ?’

‘સારું ત્યારે લેખ વાંચજો ને વંચાવજો. બીજું શું ?’

‘પણ લેખ બધાને સમજાશે ?’

‘એક જણે લેખ વાંચવાની ના પાડી, તો એના ઘરની દીવાલો હાલવા માંડેલી ને ભીંતેથી પોપડા ખરવા માંડેલા. તરત જ એણે લેખ ગોખી મારેલો ને એના ઘરની દીવાલોને તરત જ નવો રંગ લાગી ગયેલો !’

‘એક જણે લેખ વાંચવામાં આળસ કરી, તો એના બૅંકના લૉકરમાંથી અચાનક જ ઘરેણાં ગાયબ થઈ ગયેલાં ! બીજે દીવસે એણે પચાસ વખત લેખ વાંચ્યો, તો એના ઘરેણાં પાછાં મુળ સ્થાને પહોંચી ગયેલાં !’

‘વાહ ભઈ, વાહ ! લો, હમણાં જ લેખ પણ વાંચી લઉં ને બધે મોકલી પણ દઉં, ખુશ ? હે લેખ, તારા પરચા અપરમ્પાર ! જય હો ! જય હો !’

–કલ્પના દેસાઈ

સુરતના ‘ગુજરાત ગાર્ડીયન’ દૈનીકની ‘સન્ડે ગાર્ડીયન’ પુર્તીમાં કલ્પના દેસાઈની લોકપ્રીય હાસ્ય–કટાર ‘સ્માઈલ પ્લીઝ’ પ્રગટ થતી રહે છે. એમના તારીખ : 21 જુન, 2015ના અંકમાંથી, લેખીકા અને ‘ગુજરાત ગાર્ડીયન’ના સૌજન્યથી સાભાર….

લેખીકા સમ્પર્ક : કલ્પના દેસાઈ, ‘ગુલમહોર’, ઉચ્છલ– 394 375 જીલ્લો : તાપી. ફોન : (02628) 231 123 સેલફોન : 99094 28199 ઈ–મેલ : kalpanadesai.in@gmail.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ’ વીશે :

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી વેબસાઈટ ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads પર, ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/ તેમ જ વીશ્વભરની વીવીધ ભાષાઓમાં 25 મીલીયનથી વધુ પુસ્તકો અને મેગેઝીનો ધરાવતી ઈસુ https://issuu.com/ વેબસાઈટ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે.

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારીપોસ્ટ : એરુ એ.સી . – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ–મેલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 11/11/2016

Read Full Post »

–કલ્પના દેસાઈ

આ કૉલમ શરુ કરતી વખતે મેં તંત્રીશ્રીને સૌથી અગત્યનો પહેલો જ સવાલ પુછેલો, ‘હું લેખ લખું તો ખરી; પણ મારા લેખને કે મારી કૉલમને ‘નજર લાગી જાય’ તો મારે શું કરવું ?’ મનમાં હસતાં તંત્રીશ્રીએ મને ધરપત આપેલી કે, ‘એવું કંઈ થશે નહીં. તમે તમારી મેળે લખો તો ખરાં ! વાચકોની નજર તમારા લેખ પર પડશે ત્યારે જોઈશું. તમારે ફક્ત એટલું ધ્યાન રાખવાનું કે, તમારા લેખ તરફથી વાચકો ‘નજર ન ફેરવી લે’ અથવા ‘નજર ન હટાવી લે’. બધાની નજરમાં સમાય એવો લેખ હશે ત્યારે તમારા ધ્યાનમાં લાવીશું ને ત્યારે તમારે લેખની ‘નજર ઉતારવી’ હોય તો ઉતારી લેશો.

મને પણ તંત્રીશ્રીની વાતમાં દમ લાગવાથી મેં થોડો દમ ભર્યો ને વીચાર્યું કે, વાત તો સાચી છે. મારે જ હવે નજર રાખવી પડશે કે, કયો લેખ નજર લાગે એવો લખવો ? કયો લેખ નજર ફરી જાય એવો લખવો? ને કયો લેખ નજરબંધ કરી દેવાય (આંખ બંધ કરી દેવાય) એવો લખવો ? પણ મને કેવી રીતે ખબર પડશે કે કયા લેખ પર વાચકોની રહેમ નજર પડી છે ને કયા લેખ પર બુરી નજર ! એટલે મેં ફરીથી તંત્રીશ્રીને તકલીફ આપી. ‘તમે એવું કરો ને કે, મારી કૉલમ જે પાના પર આવે છે, તેના એક ખુણે લીંબું–મરચાં ટાંગેલાં હોય એવું એક નાનકડું ચીત્ર દોરી રખાવોને કાયમને માટે ! પછી મને કોઈ ચીન્તા નહીં, કે ફલાણો લેખ વાચકોને ગમ્યો હશે તો ? કોઈ નજર લગાવી બેસશે તો ?’

‘એવું છે ને કે, જેમ માને પોતાનું બાળક વહાલું હોય તેમ દરેકને પોતાનું કામ વહાલું હોય. કલાકારને પોતાની કૃતી ને લેખકને લેખ ને કવીને કવીતા ને… બાકી જે ઉમેરવું હોય તે.’ તંત્રીશ્રીએ કહ્યું, ‘અમે કોઈ નવી પરમ્પરા શરુ કરવા નથી માંગતા. એટલે લેખને ખુણેખાંચરે કંઈ મુકીશું નહીં.’ મને થયું કે લીંબું મોંઘાં છે. દર શનીવારે સવારના પહોરમાં સ્ત્રીઓનો જીવ બાળવાનું પાપ તંત્રીશ્રી શી રીતે કરી શકે ? ચાલો, કંઈ વાંધો નહીં. પણ આ નજર લાગતી બચાવવાનું કંઈ વીચારવું તો પડશે જ.

લીધેલી વાતની પાછળ પડી જવાના મુળ સ્વભાવને કારણે, લેખને નજર લાગી જવાના મુદ્દે મારી નજર સતત ચકળવકળ થતી બધે શોધ્યા કરતી કે, એવી કઈ વસ્તુ તંત્રીશ્રીના મનમાં ઠસાવી શકું જેનો ફોટો મુકવા એ તૈયાર થઈ જાય. ને આખરે ‘લેખ રક્ષાકવચ’ મારી નજરમાં આવ્યું. મેં એકાદ જગ્યાએ એના વીશે વાંચેલું કે, જે લેખકને એવી બીક હોય કે એનો (ભુલમાં) લેખ ચોરાઈ જશે કે (ભુલમાં) એનો કોઈ અનુવાદ કરી લેશે અથવા (ભુલમાં) કોઈ પોતાના નામે છાપી મારશે તેવા લેખને બચાવવા માટે ને એના તરફ કોઈ ભુલમાંય નજર ઉઠાવીને પણ જોઈ ન શકે તે માટે ‘લેખ રક્ષાકવચ’, અમુક–તમુક જગ્યાએ, અમુક હજાર ભરવાથી મળી જશે. લેખને કોઈ દીવસ કોઈની નજર પણ નહીં લાગે.

હવે, બીજા લેખકોની નજરમાં પણ જો એ ‘લેખ રક્ષાકવચ’ આવી ગયું અને હું લેવા પહોંચું તે પહેલાં બધાં વેચાઈ ગયાં હોય, તો પછી મારા લેખને નજર લાગતાં કોઈ બચાવી નહીં શકે. મારી બીક સાચી જ પડી. હું પહોંચી ત્યારે તો ત્યાં કાગડા પણ નહોતા ઉડતા. મેં ચારે બાજુ નજર ફેરવીને જોયું, એક જગ્યાએ મને લાગ્યું કે, અહીં કંઈક કામ થાય એવું છે. એક નાનકડી દુકાનમાં જાતજાતની માળાઓ લટકાવેલી ને શો–કેસમાં લૉકેટ/લૉકીટ સજાવેલાં. બહાર દુકાન કરતાં મોટ્ટું બોર્ડ લટકાવેલું. ‘ખાસ ઓફર. ત્રણ દીવસ માટે જ.’ લેખકો અને કવીઓને એમના લેખો અને કવીતાઓને લોકોની નજરથી બચાવવા ખાસ સોનાના તારમાં પરોવેલાં, અસ્સલ ચીની મણકાઓની બનેલી માળામાં બાંધેલાં, મંત્રેલાં લૉકીટ મળશે. પહેલાં સો ગ્રાહકોને 50% ઓછા ભાવે અને પછીના સો ગ્રાહકોને 25% ઓછા ભાવે લૉકીટ મળશે. વહેલાં તે પહેલાંના ધોરણે દુકાન ખાલી કરવાની છે. ત્રણ દીવસ પછી દુકાન, બીજા શહેરોમાં બીજા લેખકો ને કવીઓનું કલ્યાણ કરવાનું હોવાથી બંધ થઈ જશે. દોડો… દોડો… દોડો…’

મેં તો દુકાનમાં બધે નજર દોડાવીને એક પછી એક લૉકીટ હાથમાં લઈને હાથમાં જોતાં જોતાં આખરે એક લૉકીટ પસંદ કર્યું. લેખ કરતાં પણ લૉકીટ પર નજર બગડે એટલું સુંદર લૉકીટ હતું. મેં ભાવ પુછ્યો, ‘પાંચ હજાર રુપીયા.’ જવાબ સાંભળીને જ મારી આંખો પહોળી થઈ ગઈ ! પણ લેખને બચાવવા હોય તો બે વાત નહીં ચાલે, એવું વીચારીને મનમાં નક્કી કર્યું કે, ‘એક લૉકીટવાળી માળા લઈ જ લઉં. હવે પછીના લેખને નજર નહીં લાગે એટલું તો નક્કી.’ દુકાનવાળા પાસેથી માળા લઈને ગળામાં પહેરી લીધી. પૈસા આપવા જાઉં તે પહેલાં જ મારી આંખ ફરકવા માંડી ! આટલો મોટો ચમત્કાર ? કંઈ શુભ બનવાનું કે અશુભ બનવાનું ? બન્ને આંખ ફરકતાં મારે શું સમજવું ? મને લાગ્યું કે, મને જાણે અંદરથી કોઈ આદેશ કરે છે, ‘તારો લેખ છાપામાં ક્યાં છપાય ને તું એનાથી કેટલે દુર ગળામાં લૉકીટ સોહાવીને બેસે, તેનો કેટલોક પ્રભાવ તારા લેખ પર પડવાનો ? એના કરતાં આ પૈસા સાચવીને મુકી રાખ. મોંઘવારીમાં કાગળ–પેન લેવા કામ આવશે. લેખને નજર લાગે કે ન લાગે એ બધી ખટખટમાં પડવા કરતાં, લોકોની નજર લેખ પર પડે ને પછી ઠરે ને પછી નજરમાં વસે એવું કંઈક કર !’

દુકાનવાળાની નજર સામે જ મેં મારા ગળામાંથી માળા કાઢીને બાજુએ મુકી દેતાં એની નજર ફરી ગઈ. ‘કેમ બહેન ? શું થયું ? બીજી માળા પણ છે, એનાથી અડધા ભાવની. આટલી જ ગેરંટીથી તમારું કામ કરશે. લઈ જાઓ.’ પણ હવે મારે કોઈની નજરથી લેખને બચાવવાનો નહોતો. ‘લેખ રક્ષા–મંત્ર’ તો મને મળી ચુક્યો હતો.

–કલ્પના દેસાઈ

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકની ‘સન્નારી’ પુર્તીમાં વર્ષોથી કલ્પના દેસાઈની લોકપ્રીય હાસ્ય–કટાર ‘જીન્દગી તડકા મારકે’ પ્રગટ થતી રહે છે. તેમાંથી કેટલાક ચુંટેલા લેખોના સંગ્રહ ‘Punch ત્યાં પરમેશ્વર(પ્રકાશક : હર્ષ પ્રકાશન, 403, ઓમદર્શન ફ્લૅટ્સ, મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી, અમદાવાદ –380 007 આવૃત્તી : પ્રથમ જુલાઈ, 2013 પૃષ્ઠસંખ્યા : 8 + 176 = 184 મુલ્ય : 125/- રુપીયા) માંથી લેખીકા અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર….

લેખીકા સંપર્ક: કલ્પના દેસાઈ ‘ગુલમહોર’, ઉચ્છલ – 394 375 જીલ્લો: તાપી ફોન: (૦2628) 231 123 સેલફોન: 99094 28199 ઈ–મેલ : kalpanadesai.in@gmail.com

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: Govind Maru, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો:નવસારી. સેલફોન: +91 80975 50222+91 80975 50222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ:  4/04/2014

Read Full Post »

–કલ્પના દેસાઈ

એક છાપામાં ભગવાન ઘર બદલે છે એવા સમાચાર વાંચી મને ફાળ પડી. અરેરે ! ભગવાનને ઘર બદલવાની જરુર પડી ? શું ભગવાનને સગવડો ઓછી પડી ? છપ્પન ભોગના બદલે ચાલીસ–પચાસ ભોગમાં સમજાવી દેવાયા ? નદીઓનાં નીર ઓછાં પડ્યાં ? (આ વખતે તો બાકી પાણીની રેલમછેલ છે !) દુધ, દહીં, ઘી, પંચામૃત કે પછી ચન્દનના લેપમાં ભેળસેળથી કંટાળ્યા ? સોનાના હીરાજડીત છત્તર અને ચાંદીનાં પારણાં કે સીંહાસન જોઈ જોઈને આંખે અંધારાં આવવા માંડ્યાં ? કે પછી, ઝગારાથી આંખો મીંચાયેલી રહેવા માંડી ? ભક્તોના ભાવમાં ક્યાં ખોટ પડી કે ભગવાને ઘર બદલવાનો નીર્ણય કર્યો !

એ તો પછીથી ખબર પડી કે, ભગવાન તો ‘ભાવ’ના જ ભુખ્યા હોય એ વાત ભક્તો વીસરી ગયા, એટલે ભગવાન મોંઘા ભાવની ચીજવસ્તુઓના ઢગલામાં ભક્તોનો ‘ભાવ’ શોધતા રહી જાય અને નારાજ થાય તે પહેલાં એમની ટ્રાન્સ્ફર કરી નાંખો ! ભગવાનને પુછવાની તો જરુર જ શી ? એમ પણ ‘ટ્રાન્સ્ફર’ શબ્દમાં ‘સફર’ છે. એટલે જેની ટ્રાન્સ્ફર થાય તેણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ‘સફર’ કરવાની ને જગ્યા બદલવાથી જે કંઈ માથે પડે તે ચુપચાપ ‘સફર’ કરવાનું – ફેમીલી સહીત. ભગવાનને તો ફેમીલી જેવું કંઈ હોય નહીં ! એમને તો ભક્તો જ્યાં અને જેમ રાખે તેમ રહેવાનું ! (‘રામ’ રાખે તેમ રહીએ, એ વાત ભુલી જવાની.)

ભક્તો બીચારા ભોળા ને ભાવુક તો ખરા જ ! જ્યાં મન થયું ત્યાં નાનકડું દેરું ઉભું કરી દે. એટલે થોડા દીવસોમાં ત્યાં ભક્તોની ભીડ જામવા માંડે. જાણ્યા–મુક્યા વગર ને સમજ્યા વગર : ‘આ શેનું દે’રું છે ને અચાનક જ ભગવાન અહીં ક્યાંથી પ્રગટ થયા !’ તે કંઈ નહીં; બસ, બધા જાય છે માટે આપણે પણ ચાલો. બધા નાળીયેર ફોડે છે; આપણે પણ રસ્તાની કોરે કે ફુટપાથ પર કચરાના ઢગમાં વધારો કરો. ટ્રાફીક અટકે છે; કંઈ વાંધો નહીં. ‘જોતાં નથી, ભક્તો વાંકા વળીને પગે લાગે છે ? બીજી ગલીમાંથી નીકળી જાઓ. નહીં તો, આરતી થાય ત્યાં સુધી રોકાઈ જાઓ.’ આખા ગામમાં એક મન્દીર બહુ થઈ ગયું. ગલીએ ગલીએ અને ફુટપાથે ફુટપાથે, ભગવાનને સતત ટ્રાફીકના ઘોંઘાટમાં કેમ હેરાન કરવાના ? ‘ભઈ, શ્રદ્ધાની વાત છે. જ્યાં પ્રભુ પ્રગટે ત્યાં નાનકડું તો નાનકડું પણ મન્દીર બનાવીએ તો જ આ દુનીયા ટકી જશે. તમે શું સમજો ?’

પ્રભુ વધારેમાં વધારે દર્શન પણ શ્રાવણ મહીનામાં જ આપે, બોલો ! ભલે મોંઘાં તો મોંઘાં; પણ લોકો શાકભાજી તો લાવશે જ. લાવશે તે ખાવા માટે નહીં; પણ સાચવીને કાપવા માટે ! નસીબ જો જોર કરી જાય તો, કોઈકના ઘરે ટામેટાંનાં બીમાં કે વેંગણનાં બીમાં અથવા કંદ–સુરણ કે બટાકાના કોઈક આકારમાં ભગવાનના દર્શન થઈ જાય, શી ખબર ? ગયા સોમવારની જ વાત છે. મારી પાડોશણ અચાનક મારા ઘરે આવી ચડી.

‘આ જુઓ, શું છે?’

‘વેંગણ.’

‘ના, બરાબર જુઓ.’

‘વેંગણનું ફાડચું.’

‘એમ નહીં; ધારીને જુઓ.’

વેંગણના ફાડચામાં ઈયળ ફરતી હશે અને કોઈક નવી જાતની ઈયળ હશે, કે પછી ઈયળનાં ઈંડાં દેખાતાં હશે અથવા તો કોઈ નવી જાતનું જ કંઈ જીવડું–બીવડું નીકળ્યું હશે તે બતાવવા મને આવી હશે, એમ સમજીને મેં એક જુનો પુરાણો, સંઘરી રાખેલો બીલોરી કાચ કાઢીને ધારીને જોયું. વેંગણે એનો સફેદ રંગ છોડવા માંડેલો અને આછો કથ્થઈ રંગ પકડવા માંડેલો એટલું મને તો સમજાયું.

મેં કહ્યું, ‘વેંગણ હવે કથ્થઈ થવા માંડ્યું છે, એમ જ ને ?’

‘ભગવાન.. ભગવાન ! તમને આમાં નાગ નથી દેખાતો ?’

‘આમાં ? વેંગણમાં નાગ ! ક્યાં છે ?’

‘જુઓ, આ બીયાં છે ને તેને ધારીને જુઓ. નાગનો આકાર છે કે નહીં ?’

મેં બીયાંને ધારી ધારીને જોયાં. મને તો ક્યાંય પણ નાગ તો શું, અળસીયું પણ દેખાયું નહીં. મેં નીરાશાથી એમની સામે જોયું. એ નારાજ થઈને ઉઠીને મારે ત્યાંથી જતાં રહ્યાં. બીજા દીવસે મેં છાપામાં મારી પાડોશણનો ફોટો જોયો. હાથમાં ટ્રૉફીની જેમ વેંગણનું ફાડચું બધાંને બતાવતાં હોય એમ ઉભાં રહીને ફોટો પડાવેલો ! એમની સામે લાઈનમાં પંદર–વીસ ભક્તો હાથ જોડીને ઉભેલા ! પાડોશણ ખુશ હતી કે, એનો છાપામાં ફોટો આવ્યો અને એના ઘરે વેંગણમાં નાગદેવતાનાં દર્શન થઈ ગયાં. હવે નાગદેવતા પ્રસન્ન થઈને શું કરશે ? કોણ જાણે ! હું ખુશ હતી કે, ચાલો આ બહાને પાડોશણ ખુશ હતી. બીજાના સુખે સુખી રહેવાનું, ભાઈ !

આ ભગવાન પણ અજબ છે ! ક્યાંથી ક્યાં ને કેવાં કેવાં સ્વરુપે દર્શન આપ્યે રાખે છે ! જો શાકભાજીમાં ને ફળોમાં જ દર્શન આપવાના હોય તો આ મન્દીરો–મસ્જીદો–ગુરુદ્વારા અને ચર્ચોના ભગવાન ક્યાં જશે ? સાંભળ્યું છે કે, પરદેશમાં તો ભગવાન ઈસુ મન્દીર માટે થઈને પોતાનું ઘર ખાલી કરી આપે છે ! ભગવાનોમાં પણ અન્દર અન્દર કેટલો સમ્પ છે ! એમની ત્યાગભાવના કેટલી વીશાળ છે ! શું એ વાત માનવામાં આવે કે, ભગવાનને સોના–ચાંદી અને રુપીયા કે હીરામોતી જ પ્રીય છે ? મોટા મોટા મહેલો અને પ્રાસાદો સીવાય પ્રભુને ગમે નહીં ? ભગવાન જો બોલતા હોત તો, એમના ઘરને બદલે સ્કુલો, હૉસ્પીટલો અને ગરીબોનાં નીવાસસ્થાનો ના બંધાયાં હોત ? પણ એ ભગવાને સમજવાનું છે કે આપણે ? તમે વીચાર કરતા થાઓ એટલે હું જરા આ મન્દીરના ડોનેશનમાં મારા તરફથી પાંચસો ને એક લખાવી દઉં. બધા આપે છે ને હું ના આપું, તો કેટલું ખરાબ દેખાય ?

                           –કલ્પના દેસાઈ

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકની ‘સન્નારી’ પુર્તીમાં વર્ષોથી કલ્પના દેસાઈની લોકપ્રીય હાસ્ય–કટારજીન્દગી તડકા મારકે’ પ્રગટ થતી રહે છે. તેમાં શનીવાર, 24 ઓગસ્ટ, 2013ના અંકમાં પ્રકાશીત થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

(‘લપ્પન–છપ્પન’, ‘ચાલતાં ચાલતાં સીંગાપોર’ અને ‘હાસ્યાત્ સદા મંગલમ્’ જેવાં પુસ્તકોનાં આ લેખીકાનું, હાલ જ એક નવું પુસ્તક પ્રકાશીત થયું : ‘Punch ત્યાં પરમેશ્વર’ (પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદgoorjar@gmail.com  મુલ્ય : રુપીયા –૧૨૫/– )

લેખીકા સંપર્ક:  કલ્પના દેસાઈ ‘ગુલમહોર’, ઉચ્છલ – 394 375 જીલ્લો: તાપી ફોન: (૦2628) 231123 સેલફોન: 99094 28199 ઈ–મેલ : kalpanadesai.in@gmail.com

 ‘રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12 E, KOPARKHAIRNE, Navi Mumbai – 400709 સેલફોન: 80975 50222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 11/10/2013

 

Read Full Post »