કલ્ચર કેન કીલ (Culture Can Kill)

ભુતકાળનું ભુત

ભુતકાળનું ભુત

– સુબોધ શાહ

આપણી પ્રજાના માનસ ઉપર ભારતના ભવ્ય ભુતકાળનું ભુત સદીઓથી સવાર થઈને બેઠું છે – જાણે કે વીર વીક્રમની કાંધ પર વેતાલ! આખી દુનીયા જંગલી દશામાં હતી ત્યારે આપણા વડવાઓ સર્વાધીક સુસંસ્કૃત ને ખુબ આગળ વધેલા હતા, એવો પ્રામાણીક પણ ખોટો ભ્રમ, ઘણા બધા ભારતીયો ધરાવે છે. આપણે આપણી જાતને કહ્યે રાખીએ છીએ કે: ‘આપણે મહાન છીએ, અનન્ય છીએ.’ હીટલરે આંચકો આપ્યો એ પહેલાં યહુદી પ્રજા પણ પોતાના વીશે એમ જ માનતી હતી ! અર્ધસત્યોની દુનીયામાં તટસ્થ સત્યો હમેશાં કડવાં લાગવાનાં; છતાં આ લોકપ્રીય માન્યતાની બીજી બાજુને નીરપેક્ષ ઐતીહાસીક ને વૈજ્ઞાનીક હકીકતો દ્વારા ચકાસવાનો અહીં એક નમ્ર પ્રયાસ છે.

આપણો ભુતકાળ કીર્તીવન્ત હતો, એ બાબતમાં કોઈ બેમત નથી; પણ એ દોઢબે હજાર કે એથીય વધારે વર્ષ પહેલાંના અત્યન્ત પુરાતન ભુતકાળની વાત છે. વૈદીક સાહીત્ય અતી પ્રાચીન છે. ઉપનીષદ અને છ દર્શનશાસ્ત્રો એ કાળના વીચારોનાં મ્યુઝીયમ છે, પેઢી દર પેઢી મૌખીક વારસામાં ઉતરી આવેલાં આશ્ચર્યો છે. વ્યાકરણ, ગણીત, ખગોળ, તર્ક અને ઔષધ, એ વીષયોમાં હીન્દુ સમાજની પ્રગતી એ જમાનાના પ્રમાણમાં પ્રશંસનીય હતી. પરન્તુ ઘણા હોશીયાર ભારતીયો સુધ્ધાં નીચેની બાબતોમાં થાપ ખાઈ જતા જોવામાં આવે છે: આપણે ભુલી જઈએ છીએ કે :

1.

માત્ર પ્રાચીનતા એ જ પ્રગતી કે મહાનતાનો માપદંડ નથી.

2.

આપણા પ્રાચીન ઈતીહાસનો ઘણો મોટો ભાગ કોઈ જાણતું નથી, જાણી શકે એમ નથી અને જે કાંઈ જાણીતું છે તેમાં ઘણુંબધું સુધારેલું, પાછળથી ઉમેરેલું ને અનધીકૃત છે. પુરાણો એ ઈતીહાસ નથી. રસાત્મક કાવ્યમાં વીંટાળેલી એ લોકભોગ્ય વાર્તાઓ છે, સત્યના સુક્ષ્મ બીજની આસપાસ ઉભારેલાં સ્વાદીષ્ટ ફળ છે.

3.

આજકાલ કેટલાક સજ્જનો મનાવવા માગે છે કે આર્યો બહારથી આવ્યા જ નથી. પરન્તુ (ટોઈન્બી જેવા) બધા જ પરદેશી અને લોકમાન્ય તીલક જેવા ઘણામોટા ભાગના હીન્દુ ઈતીહાસકારો સુધ્ધાં આવા સહેતુક પ્રચારને ભારપુર્વક નકારી કાઢે છે.

4.

જેમને નૃવંશશાસ્ત્ર, ભુસ્તરશાસ્ત્ર કે પુરાતત્ત્વશાસ્ત્ર એ કઈ જાતની બલા છે એની કલ્પના સુધ્ધાં નથી, એ લોકો આજે ભારતમાં કેટલાં લાખ વર્ષો પુર્વે સત્ય, દ્વાપર ને ત્રેતા યુગો હતા; અને એ કેવા ભવ્ય હતા; એ શીખવે છે ! આને કહેવાય આજની કરુણતાઓ ભુલવા, ગઈકાલ વીશેના ઝુરાપા (Nostalgia)નો ઉપયોગ.

આપણે બીજી પ્રજાઓના ઈતીહાસનું વાચન બહુ કરતા નથી; આપણા પુર્વજોએ ઈતીહાસનું લેખન નહીંવત્‌ કર્યું છે. આપણા પ્રાચીન સુપ્રસીદ્ધ મહાપુરુષોની અને બનાવોની તારીખો સો–બસો વરસ આમ કે તેમ – કોઈક વાર એથીય વધારે – ચર્ચાસ્પદ હોય છે. ભગવાન રામ અને કૃષ્ણના જન્મદીવસો આપણે જરુર ઉજવીએ છીએ; પણ જન્મનાં વર્ષો તો ઠીક, કઈ સદીમાં એ જનમ્યા હતા એ પણ કોઈને ખબર નથી ! આપણી સાચી ને ખાતરીલાયક તવારીખ ગૌતમ બુદ્ધ, અશોકના શીલાલેખ અને ગ્રીક આક્રમણથી શરુ થાય છે. દુનીયાના ઈતીહાસની પુરી સાબીત થયેલી નીચેની ટુંકી તવારીખ તપાસી જવા જેવી છે :

()

ભારતમાં (અનાર્ય સમયની) સીન્ધુ સંસ્કૃતી મોહન–જો–ડેરો (ઈ.સ.પુર્વે 2500) સૌથી પ્રાચીન છે. એનાથીય પહેલાં, ઈ.સ. પુર્વે 2613 થી 2494 દરમીયાન ઈજીપ્તના પીરામીડો બન્ધાયા હતા. એનાથી અનેક સદીઓ પહેલાં સુમેરીયન (ઈ.સ.પુર્વે 4300–3100) અને એસીરીયન સંસ્કૃતીઓ દરમીયાન ભાષા–લેખનની શરુઆત થઈ હતી.

()

ઈ.સ.પુર્વે 1500 આસપાસ આર્યો મધ્ય એશીયાથી ભારતમાં આવ્યા. આજે પ્રવર્તે છે તે પૌરાણીક હીન્દુ ધર્મનું સમગ્ર સાહીત્ય એ પછીનું છે. ભારતમાં રામાયણ અને મહાભારત (ઈ.સ.પુર્વે 1400—1000) એ પછી રચાયાં. હોમર અને ગ્રીક મહાકાવ્યોનો યુગ એના નજીકના સમયગાળામાં આવે છે. આપણો ઈતીહાસ તો એ પછીની અનેક સદીઓ પછી રચાતો થયો. ચીનની સંસ્કૃતીના ઉદયનો સમય (ઈ.સ.પુર્વે 1500–1027) પણ લગભગ એ જ છે. એ બધાંનીય પહેલાં ઈ.સ.પુર્વે 1792 થી 1750માં બેબીલોનનો જાણીતો સેનાપતી હમ્મુરાબી થયો હતો.

()

ભારતમાં ઈ.સ. પુર્વે 550–480 બુદ્ધ અને મહાવીરનો સમય છે. ઈરાનમાં થયેલા અષો જરથુષ્ટ્ર (ઈ.સ. પુર્વે 628–521)નો અગ્નીપુજક પારસી ધર્મ એ બન્ને કરતાં જુનો છે. ચીનમાં કોન્ફ્યુશીયસ (ઈ.સ.પુર્વે 551–479) અને લાઓ–ત્સે (ઈ.સ.પુર્વે 570–517) સહીત આ બધા ધર્મસંસ્થાપકો લગભગ સમકાલીનો હતા.

()

ભારતનું પ્રથમ મહાન સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્ય (ઈ.સ.પુર્વે 323–185) હતું. એ વીશ્વવીજેતા સીકંદરની ચડાઈ પછી સ્થપાયું. પણ એસીરીયન સામ્રાજ્ય (ઈ.સ.પુર્વે 744–609) અને ઈરાનમાં સમ્રાટ દરાયસ ચન્દ્રગુપ્ત મૌર્યથી ઘણા વહેલા હતા. ઈ.સ.પુર્વે 800–700નાં ગ્રીસનાં શહેરી ગણરાજ્યો, આપણા વૈશાલીથી ઘણાં પહેલાં થયાં હતાં

()

ભારતના ઈતીહાસનો સર્વશ્રેષ્ઠ (‘સુવર્ણયુગ’) તે ગુપ્ત વંશના રાજાઓનો સમય (ઈ.સ. 320–520) હતો. મહાન રોમન સામ્રાજ્ય એનાથી ત્રણસો–ચારસો વર્ષ પહેલાં થઈ ગયું. ચીનનું વીખ્યાત હાન સામ્રાજ્ય પણ ઈ.સ. પુર્વે 202ની આસપાસ વીસ્તર્યું હતું. આપણા મહાન દીગ્ગજ વીદ્વાનો આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, વરાહમીહીર અને ભાસ્કરાચાર્ય ગુપ્તકાલીન હતા. પાયથાગોરસ, સોક્રેટીસ (ઈ.સ.પુર્વે 570), પ્લેટો (ઈ.સ.પુર્વે 427–347), એરીસ્ટોટલ (ઈ.સ.પુર્વે 384–322) ને આર્કીમીડીસ (ઈ. સ. પુર્વે 287–212 – એ બધા જ આપણા આ વીદ્વાનો કરતાં હજારેક વર્ષો પહેલાં થઈ ગયા.

વાત દીવા જેવી સ્પષ્ટ છે કે આપણે એક, અદ્વીતીય કે પ્રથમ ન હતા. ઘણીબધી પ્રજાઓએ આપણા જેવી જ અથવા તેથીય ઉંચી સીદ્ધીઓ જુદાં જુદાં ક્ષેત્રોમાં હાંસલ કરી હતી. પ્રાચીન યુગમાં જ્યાં જ્યાં સરીતા–સંસ્કૃતીઓનો ઉદય થયો હતો ત્યાં ત્યાં સમાન સમયે સમાંતર કક્ષામાં માનવજાતીએ પ્રગતી કરી હતી.

ગ્રીસ, રોમ, ઈજીપ્ત, ચીન, ભારત, બધી જ પ્રજાઓ પ્રાચીન સમયમાં અનેક દેવોમાં માનતી હતી. એમની પુરાણકથાઓમાં આશ્ચર્ય પમાડે એટલું અપરમ્પાર સામ્ય છે. હીન્દુઓનો દેવ ઈન્દ્ર, રોમન દેવ જ્યુપીટર અને ગ્રીક દેવ ઝીયસ, ત્રણે સરખા લાગે. આપણા પ્રેમના દેવ કામદેવની જેમ જ રોમન દેવ ક્યુપીડ ધનુષ્યબાણ ધરાવે છે. જેમ આપણા રામ દસ માથાંવાળા રાક્ષસ રાવણને મારે છે, તેમ એમનો દૈવી વીરપુરુષ હરક્યુલીસ નવ માથાળા હાઈડ્રા નામના રાક્ષસને મારે છે. કુંતીએ પોતાના નવા જન્મેલા પુત્ર કર્ણને નદીમાં તરતો છોડી દીધો હતો; મોઝીઝને એની માતાએ એમ જ કર્યું હતું. એમનો સેતાન, આપણો કલી; તેમના નોઆહની આર્ક બોટ, આપણા મનુની હોડી.

ફીલસુફીઓમાં પણ એવું જ છે. આત્માના કલ્યાણ માટે દેહદમન કે તપશ્ચર્યાની વાત ફક્ત જૈન લોકોનો આગવો વીચાર નથી, Stoics નામના પંથને પશ્ચીમની ફીલસુફીમાં (આપણા સીવાય!) બધા જાણે છે. સાહીત્યમાં એક બાજુ કાલીદાસ ને ભવભુતી, તો બીજી બાજુ ગ્રીક સોફોક્લીસ, યુરીપીડીસ, એશ્ચીલસ, વગેરે બધા એમનાથી વહેલા. ગણીતમાં એક બાજુ આર્યભટ્ટ ને ભાસ્કરાચાર્ય, બીજી બાજુ યુક્લીડ ને પાયથાગોરસ, બન્ને એમનાથી પહેલાં. ઔષધમાં આપણા ચરક–સુશ્રુત, એમના હીપોક્રેટીસ. એમના ઈતીહાસકારો પ્લીની ને હીરોડોટસ, આપણામાં કોઈ નહીં. વીજ્ઞાનમાં એમનો આર્કીમીડીસ, આપણામાં નામ દેવા ખાતર પણ કોઈ નહીં !

મધ્યયુગમાં આપણને હરાવનાર મુસ્લીમ હુમલાખોરો કરતાં આપણે આગળ વધેલા હતા એવું માનવા માટે કોઈ કારણ નથી. એક બે ઉદાહરણો તપાસો: ચીની પ્રજા પાસેથી કાગળ અને દારુગોળો બનાવવાની કળાઓ શીખીને મુસ્લીમો આપણા દેશમાં લઈ આવ્યા હતા. બાબર પોતે કવી ને લેખક હતો. મહમદ ગઝનવી ફીરદૌસી અને અલ–બેરુની જેવા અનેક વીદ્વાનોનો આશ્રયદાતા હતો. આપણે ફા–હીયાન અને હ્યુ–એન–ત્સંગ વીશે જેટલું જાણીએ છીએ એટલું અલ–બેરુની કે ઈબ્ન બતુતા વીશે જાણીએ છીએ? દુનીયાના ઈતીહાસની આવી બધી વીગતો આપણે સામાન્ય ભારતીયો જાણતા હોતા નથી; એટલે એનું સ્વાભાવીક પરીણામ શું આવે છે? આપણી મહાન પરમ્પરા વીશેની અનેક કપોળકલ્પીત વાતો ગળચટી લાગે છે, એટલે તરત આપણને સૌને ગળે ઉતરી જાય છે.

‘ભવ્ય ભુતકાળ’? અલબત્ત, જો 2000 વર્ષ પહેલાંના જમાનાને જ યાદ રાખીએ અને છેલ્લાં 1000 વર્ષની ગુલામી ભુલવા માગીએ, તો આપણો ભુતકાળ જરુર ભવ્ય હતો. આપણને જુનું યાદ છે, તાજું ભુલાય છે. ભુતકાળનું ભુત સુરાપાન કરાવી આપણને ભરમાવે છે – દારુ જેટલો જુનો તેટલો સારો. આપણાં વીચીત્ર ચશ્માં બહુ દુરનો ભવ્ય ભુતકાળ સ્પષ્ટ રીતે જોઈ શકે છે; પણ પગ નીચેની પૃથ્વી એને દેખાતી નથી. એક પ્રકારના સામુહીક આલ્ઝ્હેઈમર (Alzheimer) રોગ જેવું તો કંઈક નહીં હોય આ? જુની યાદદાસ્તને ચાળણીમાં ચાળી સહન થાય તેટલી જ યાદોને આપણે જુદી પાડીએ છીએ, એમને મનગમતો સોનેરી ઢોળ ચઢાવીએ છીએ; અને પછી એને ‘ઈતીહાસ’ ગણીએ છીએ.

આપણે આપણી જાતને કહ્યે રાખીએ છીએ કે ગ્રીસ ને રોમ નાશ પામ્યાં છે, જ્યારે આપણે હજી જીવન્ત છીએ. ‘નાશ પામ્યાં’ એટલે શું? એ દેશો હયાત છે, એમનો વારસો જીવે છે. એરીસ્ટોટલ ને પ્લેટોની સર્વદેશીય વીચારધારાઓના પાયા ઉપર તો પશ્ચીમની સમસ્ત આધુનીક ઈમારતો રચાયેલી છે. આ બધા વીશેનું ભારોભાર અજ્ઞાન ‘સારે જહાં સે અચ્છા, હીન્દોસ્તાં હમારા’ જેવાં ગાંડાંઘેલાં કથનોના મુળમાં ભર્યું છે. અને આપણા અતીડાહ્યા પંડીતો એ કથનોને દોહરાવ્યે જાય છે. ખરેખર તો આપણને એ વાત અભીપ્રેત છે કે હીન્દુ ધર્મ સંસ્કાર હજી જીવન્ત છે. પરન્તુ જેમ હીન્દુ, તેમ યહુદી ધર્મ સંસ્કાર પણ જીવે છે. ખ્રીસ્તી સમાજ અને સંસ્કૃતી બે હજાર વર્ષથી જીવે છે ને આખી દુનીયામાં પ્રસરેલાં છે. ઈસ્લામ આજે પણ પ્રસરી રહ્યો છે. જે લોકો માત્ર આપણા જીવતા રહેવા માટે જ અભીમાન લે છે તેઓ ભુલી જાય છે કે આપણે 1000 વર્ષ પરતન્ત્ર અને નીર્ધન થઈ મરવાને વાંકે જીવતા રહ્યા; પીઝા આરોગી, જીન્સ પહેરી, પશ્ચીમની કેળવણી પામી, એમનું અનુકરણ કરતા થયા; એ સ્વમાન, સદ્‌ગુણ કે ડહાપણની સાબીતી તો નથી જ. પુરાતન ભારતીયતાનો શ્વાસોચ્છ્વાસ જરુર ચાલુ છે, પણ એ ક્યારનોય અર્ધમૃત દશામાં છે.

આજના હીન્દુ સમાજનાં બે વર્તનો તપાસો :

1.

કોઈ પરદેશી વ્યક્તી હીન્દુઓ વીશે સાવ સાચી તોય અણગમતી વાત તરફ ધ્યાન ખેંચે ત્યારે આપણે કેવા ઉકળી ઉઠીએ છીએ?

2.

ભારતના ઈતીહાસને સાફસુથરો (white washed) બનાવી દેખાડવા આપણે ત્યાં કેવા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે? આ બન્ને પ્રકારનાં વર્તનનાં મુળ આપણી ઐતીહાસીક ગુલામીથી ઘડાયેલી ગુપ્ત માનસ ગ્રંથીઓમાં મળશે.

આપણે બીજા સમાજો સાથે મેરેથોન દોડવાની હરીફાઈમાં છીએ, પણ પગમાં ભુતકાળની સાંકળ બાંધેલી છે. નજર સામે નથી, પાછળ છે; અને દીલ ચોંટેલું છે એવા જરીપુરાણા જગતમાં, જેને આખી દુનીયા ક્યારનીય વટાવીને આગળ નીકળી ચુકી છે. મુળીયાંમાંથી સાવ ઉખડી ગયેલ સમાજ સ્થીર ન હોય. પણ માત્ર મુળને જ ચપોચપ વળગી રહે, એના સાંકડા વર્તુળને છોડી જ ન શકે, એવો સમાજ પુખ્ત કે પરીપક્વ બનીને પ્રગતી કરી શકે નહીં. કોણ કયા મુળનો માલીક છે એના વીતંડાવાદમાં કાયમ અટવાતો રહેતો સમાજ સુર્યપ્રકાશને ચુકી જશે. ભુતને ભવીષ્ય તરીકે જોવાથી નહીં; કેવા હતા એ પરથી નહીં; પણ કેવા છીએ, એ પરથી આપણી ઓળખ બન્ધાવી જોઈએ. સત્ય તો એ છે કે દુનીયા શબ્દોથી, ભાવનાઓથી, ધારણાઓથી નહીં; આપણાં કાર્યોથી આપણને ઓળખે છે. પરન્તુ, આપણે હવે એ નક્કી કરવાનું છે કે ભુતના ભવ્ય વારસાનો ગર્વ જોઈએ છે, કે સ્વશક્તી નીર્મીત ભાવીનું સન્માન? ભુતકાળની મુડી પર જીવ્યા કરવું એના કરતાં વધારે સારું ધ્યેય એ છે કે ઉજ્જ્વળ ભવીષ્યનું સ્વયં નીર્માણ કરવું. ભુતકાળને અતીક્રમીને એને ઝાંખો પાડી બતાવવો એ જ એને અર્પેલી આપણી શ્રેષ્ઠ અંજલી હોય.

ભારતીય માનસને પ્રાચીનતાનો પ્રેમ, લગાવ કે વળગાડ, જે કહો તે, ઘણોબધો છે. જેટલું વધુ પ્રાચીન એટલું વધુ સારું. આપણા વીદ્વાનો એક પુરાણા શબ્દને પકડીને, તરડીને, મચડીને, માંજીને, મઠારીને, ગમે તે રીતે એમ સાબીત કરવા પ્રયત્ન કરે છે કે આપણે ધારવા કરતાં વધુ પુરાતન છીએ. અનીશ્ચીતતા, અડસટ્ટો અને અન્દાજ સીવાયનો બીજો કોઈ પુરાવો જ્યાં હોય જ નહીં, ત્યાં થોડીક વધુ પ્રાચીનતાનો દાવો કરવો એ વીદ્વત્તા નથી, બીજું કંઈક છે. સ્વદેશપ્રેમના નામે સ્વપ્રશંસાના દાવાઓ બધા દેશો કરે છે. હારેલા હોય તે વધારે ને વધુ મોટા અવાજથી કરે છે. મહાનતા સાબીત કરવા આપણે શું શું નથી કરતા? જે હકીકત માટે આપણને શરમ આવવી જોઈએ, એ હકીકત માટે પણ આપણે બડાઈઓ હાંકીએ છીએ. દાખલા તરીકે: લાંબી ગુલામીની શરમ પર ઢાંકપીછોડો કરવા આપણે કહીએ છીએ કે ‘અમે કદી કોઈના ઉપર આક્રમણ કર્યું નથી’. પોતાનાં દુષ્કૃત્યનો પસ્તાવો થાય છે ત્યારે શેક્સપીયરમાં લેડી મૅકબેથ બોલે છે: “આખાય અરબસ્તાનનાં અત્તરો મારા આ નાનકડા હાથની દુર્ગંન્ધ હટાવી નહીં શકે”. પ્રાચીનતાનાં પુષ્પોની આપણી બધીય બડાઈઓ આજની દરીદ્રતાની દુર્ગંન્ધને ઢાંકી નહીં શકે. એ પુષ્પોને ઈતીહાસની અભરાઈ પર ચડાવી દઈ, વર્તમાનના વૃક્ષને આપણા પ્રસ્વેદનું થોડુંક પણ સીંચન કરીએ, તો ભારતના ભાવીમાં તે વીશેષ ફળદાયી ન બને?

–સુબોધ શાહ

અમેરીકામાં 28 વર્ષથી પ્રખ્યાત સાહીત્યીક ત્રીમાસીક ગુર્જરી ડાઈજેસ્ટના એપ્રીલ, 2016ના અંકમાં તેમ જ શ્રી. દીપક ધોળકીયાના બ્લોગ મારી બારીના 20 મે, 2016ના અંકમાં પણ આ લેખ પ્રકાશીત થયો હતો. આ લેખ, લેખકશ્રી, ‘ગુર્જરી ડાઈજેસ્ટ’ અને ‘મારી બારી’ના સૌજન્યથી સાભાર…

લેખકસમ્પર્ક :

Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ – 08831. USA

Ph : 1-732-392-6689   eMail : ssubodh@yahoo.com

પુસ્તક માટે સમ્પર્ક : www.AuthorHouse.com  (Publisher)   or

http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586

અભીવ્યક્તી.બુક્સ

 રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અક્ષરનાદhttp://aksharnaad.com/downloads વેબસાઈટ, ગુજરાતી–ભાષાનુંજતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  તેમ જ વીશ્વભરની વીવીધ ભાષાઓમાં 25 મીલીયનથી વધુ પુસ્તકો અને મેગેઝીનો ધરાવતી ઈસુ  https://issuu.com/ વેબસાઈટ પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાના નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભસંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450  જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 28/10/2016

 

કલ્ચર કેન કીલ (Culture Can Kill)

નસીબવાદ

11

પ્રગતીરોધક માન્યતાઓ – 3

નસીબવાદ

                                                                           –સુબોધ શાહ

(ગત લેખાંક : 10 https://govindmaru.wordpress.com/2015/10/30/culture-can-kill-10/ ના અનુસન્ધાનમાં)

પ્રગતીરોધક માન્યતાનું ત્રીજું પાસું છે એની સાથે જોડાયેલો પ્રારબ્ધવાદ. ‘નસીબમાં હશે તે થશે’, ‘લખ્યા લેખ કોણ ટાળી શકે?’, ‘પુર્વ જન્મનાં જેવાં કરમ’ આવી વાતો આપણે બધા નાનપણથી વારમ્વાર એટલી બધી વાર સાંભળીએ છીએ કે જાણ્યે અજાણ્યે એને ચીરકાલીન વીશ્વ–સીદ્ધાન્ત માની લઈએ છીએ. ભારતીઓને મન પુરુષાર્થ વ્યર્થ છે; કારણ કે આપણે કશું કરી શકતા નથી, બધું આગળથી નક્કી થયેલું હોય તે જ થાય છે. ગીતામાં ભગવાને જાતે કહ્યું છે તે કંઈ ખોટું હોય ? પરીશ્રમ કે પુરુષાર્થ કરવાની કોઈ પ્રેરણા; ઉદ્યમ કરવાનો કોઈ હેતુ; પ્રયત્ન જારી રાખવાનું કારણ કે પ્રેરકબળ (Motivation) ભારતીય માનસમાં જન્મતું નથી, કદાચ જન્મે તો પોષાતું નથી. પરન્તુ પરદેશી આક્રમણો સામે કે મુશ્કેલ પ્રશ્નો સામે તો Motivationની જ જરુર સૌથી વધારે હોવાની. ગીઝની જેવો મોટો શત્રુ આવ્યો ત્યારે આપણે શરુઆતમાં માન્યું કે સોમનાથ ભગવાન એને નષ્ટ કરશે. એથી ઉલટું જ કંઈ થયું; ત્યારે માન્યું કે આપણું નસીબ જ એવું હશે. આપણાં આ કે તે જનમનાં પાપોની આ શીક્ષા હશે, એનો કાંઈ ઉપાય નથી. આ પ્રકારની માન્યતાઓ ખોટી તો છે જ; પણ વધુ ગંભીર પરીણામ એ છે કે એના લીધે આપણે આગળ વીચાર કરતા અટકી જઈએ છીએ કે આપણા પરાજયનાં સાચાં કારણો શાં હતાં? હથીયારોની ખામી હતી? સૈનીકો ઓછા પડ્યા? શીસ્ત તુટી? વ્યુહરચના ખોટી હતી? કે પછી એ બધું જ? આવા પ્રારબ્ધવાદની સામે ખ્રીસ્તી ધર્મની પસન્દગી કરવાની છુટ (Free Will) ની માન્યતાની સરખામણી કરો. ‘તમે ચાહે તે રસ્તો લેવા મુક્ત છો’ The choice is yours.’ ઉપરાંત, ઈસ્લામની આક્રમક ફીલસુફી અને મહમદ પયગમ્બરનું જીવન સરખાવો. એ બન્ને સામે ભારતીય સમાજ કેમ નમી પડ્યો એ સ્પષ્ટ થઈ જશે.

નાની વયમાં મારી તન્દુરસ્તી વીષયક કોઈક બાબતમાં શ્રદ્ધાળુ માતાપીતાએ ધર્મગુરુની સલાહ માગી. નીદાન મળ્યું કે મેં પુર્વજન્મમાં કોઈ ગુરુની નીન્દા કરી હશે, એનું જ આ પરીણામ હોય. ઉપાય ? કોઈ નહી. કર્મનું ફળ ભોગવ્યે જ છુટકો. જેવું જેનું નસીબ ! પ્રાયશ્ચીત્ત થાય ? હા, ભગવાનની મુર્તીના અભીષેકનું જલ પુરી શ્રદ્ધાથી દવા તરીકે વાપરો. આ દવાથી બે ફાયદા થાય : રોગ મટે તો ધર્મમાં શ્રદ્ધાભક્તી વધે; ના મટે તો શ્રદ્ધા ઓછી હતી એમ સાબીત થાય !

નીષ્ક્રીયતા કે આળસ કરતાં નસીબવાદ વધારે હાનીકારક છે. આપણી આળસ કે નીષ્ફળતાને સૈદ્ધાન્તીક પીઠબળ પુરું પાડીને એ વાજબી ઠરાવે છે; નીષ્ક્રીયતાને એ ઉચ્ચ દરજ્જો પ્રદાન કરે છે; અને આપણને ઉદ્યમ કરવાથી દુર રાખે છે. ‘મારી જીન્દગી જો મારા હાથમાં જ ના હોય તો ઉદ્યોગ, મજુરી, મહેનત, એ બધી ઝંઝટમાં પડવાની શી જરુર? એવું કરીને પણ ફાયદો થશે ખરો ?’ જે સમાજનું કલ્ચર આ જાતની વીચારસરણીનો પુરસ્કાર કરે, એ સમાજ પ્રગતી, ધ્યેય કે વીજય ખાતર મરી ફીટવાની તમન્ના પ્રગટાવી શકે ખરો ?

કુદરત આગળ મનુષ્ય નીર્બળ છે. આકસ્મીક અને અણધાર્યું પણ બને જ છે. હકારાત્મક વલણ, યોગ્ય અભીગમ અને ઉદ્યમ દાખવીને આ બધામાં સુધારો કરી શકાય છે. માનવજીવનની ચડતીપડતીમાંથી છુટકારો નથી એ નસીબવાદને શરણે જવાનું કારણ ન બનવું જોઈએ. આપણા ભવીષ્યનું ઘડતર આપણે ત્યારે જ કરી શકીએ, જ્યારે આપણી જાતને નસીબનો શીકાર કે રમકડું કલ્પવાનું છોડી દઈએ. બધી બાબતોમાં આપણુ જ ચાલવાનું નથી, એનો અર્થ એવો તો નથી જ કે કોઈ પણ બાબતમાં આપણું ચાલવાનું નથી; એટલે આપણે એને છોડી દઈએ. સંપુર્ણ નીયન્ત્રણ આપણા હાથમાં ના હોય છતાં; વધુ સારાં પરીણામોની શક્યતા વધારવા ખાતર આપણે ઘણું બધું કરી શકતા હોઈએ છીએ. સક્રીયતા ને સુધારણા, ફરી કાર્ય, ફરી વધુ સુધારણા, એ જ યોગ્ય રીતી છે. અગમચેતી લીધા પછી પણ નીષ્ફળતા મળે, તો એનો નીર્ણાયક પ્રત્યુત્તર એ જ શ્રેષ્ઠ નીતી છે. આપણો પ્રબળ પ્રારબ્ધવાદી સમાજ આ વ્યવહારુ સીદ્ધાન્ત કદી સમજ્યો નથી.

પ્રારબ્ધવાદ વીશે ત્રણ વાતો નોંધવા લાયક છે :

 1. તમે એને કદી ખોટો ઠરાવી ના શકો : જે કાંઈ થાય તે જ થવા નીર્માયું હતું ! તમે ક્યાં જઈ રહ્યા છો એ તમને ખબર ન હોય, ત્યારે બધા રસ્તા તમને ત્યાં જ પહોંચાડે.
 2. પ્રારબ્ધવાદ સ્વનીર્મીત ભાવી ( Self–fulfilling prophecy) ભાખે છે; શેરબજારની જેમ. એમાં બધાનો ઝોક મન્દી તરફ હોય ત્યારે મન્દી જ થવાની.
 3. પ્રારબ્ધવાદ સાચો હોય તો નીતીની કે ઈશ્વરની કૃપાની કે સ્વ-પસન્દગી (Free Will)ની જરુર જ નથી. જે થવાનું હતું તે જ થઈને રહેવાનું હોય, તો આ ત્રણેય નીરર્થક છે. આ તો તદ્દન સહેલું તર્કશાસ્ત્ર છે.

વીચારશુન્યતા :

અધ્યાત્મ અને પુનર્જન્મ વીશેની માન્યતાઓ એટલી બધી શ્રદ્ધા માગી લે છે કે ઘણીવાર એ વીચારશુન્યતાની હદમાં પહોંચી જાય છે. મારા એક સુશીક્ષીત મીત્ર કહે, ‘ત્રણ જન્મો પુર્વે હું ફીન્લેન્ડમાં માછીમાર હતો એમ એક જ્યોતીષીએ મને કહેલું’. એમને કોઈ કહે કે મારા ગામમાં સાતમાળી મકાન છે, તો એ નહીં માને. પરન્તુ સાત સ્વર્ગ અને સાત નરકના અસ્તીત્વ વીશે એમને કોઈ શંકા નથી. એ દરેકનાં નામ સુધ્ધાં એ જાણે છે. વીચારશક્તીને ઘેર મુકીને જાઓ તો જ આપણાં મન્દીરોમાં પ્રવેશીને વાર્તાઓને માણી શકો. ગયા જન્મનાં કે આવતા જન્મનાં રંગીન સપનાં ગુરુ તમને ખાતરીપુર્વક બતાવી શકે; કારણ એની ખાતરી કરવા કોઈ જવાનું નથી એની ગુરુજીને ખાતરી છે. ખાતામા બીલકુલ બેલેન્સ ન હોય તો પણ; 1૦૦ વરસ પછી જ વટાવી શકાય એવો એક કરોડ રુપીયાનો ચેક આજે કોઈ પણ તમને આપી શકે છે.

ધર્મમાં શ્રદ્ધા હોવી એમાં કંઈ ખોટું નથી, પરન્તુ યાદ રહે કે એ શ્રદ્ધા ફક્ત ઈશ્વરમાં નહીં; પણ એના નામે ધંધો કરનારા ભક્તોમાં, સાધુઓમાં, પુરાણોમાં, પુનર્જન્મમાં, ચમત્કારીક વાર્તાઓમાં અને વીધીઓ ને રીવાજોના બખડજન્તરમાં તમને દોરી જાય છે. આ બધાંમાં સારાપણાના અલ્પાંશ સાથે મુર્ખતાનો અધીકાંશ હોય છે. શ્રદ્ધાનો સુતરનો તાંતણો સામાન્ય સમજથી દુર દુર માઈલો જેટલો ખેંચો ત્યારે તે તુટી જશે. તુટશે નહીં તો દરેક પ્રકારની વીચારશુન્યતા અપનાવી લેવાની ટેવ પાડશે. પરંતુ દુન્યવી વાસ્તવીકતા હજી સુધી ઘણાના માનસમાં પ્રવેશી શકી નથી.

કેટલીક હાનીકારક ને સુપ્રચલીત એવી માન્યતાઓની આ નાનકડી અને અપુર્ણ યાદી હતી, જેણે ભારતીય સમાજને સદીઓથી જકડી રાખ્યો છે. એમનો પ્રચાર–પ્રસાર કરનાર હજારો કથાઓ, પુરાણો, ફીલ્મો, ગુરુઓ, આશ્રમો, દેશમાં ઠેરઠેર પથરાયેલાં છે. એમની રુઢીગ્રસ્ત કથાઓ, ચીલાચાલુ વાતો, બીબાંઢાળ સુત્રોચ્ચારો, એ બધાં જનતાનાં રોજનાં ખોરાક–પાણી બની ગયાં છે. આ બધાંના તાણાવાણા વણાઈને આપણા સંસ્કારોનું પોત પ્રગટ્યું છે. એ વસ્ત્રની મજબુતી ને ગુણવત્તા તપાસીને એને માપવા ને મુલવવાની આજે તાતી જરુર છે.

–સુબોધ શાહ

શ્રી. સુબોધ શાહનું અંગ્રેજીમાં લખાયેલું ‘Culture Can Kill’ પુસ્તકના એક પ્રકરણ ઉપરથી, ઉપરોક્ત લેખ, કચ્છી જૈન સમાજ, અમદાવાદના મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2014ના જુલાઈ માસના અંકમાં પ્રકાશીત થયો હતો. આ લેખ, લેખકશ્રી અને ‘મંગલ મન્દીર’ની પરવાનગીથી સાભાર…

લેખકસમ્પર્ક :

Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ – 08831. USA

Ph : 1-732-392-6689   eMail : ssubodh@yahoo.com

પુસ્તક માટે સમ્પર્ક : www.AuthorHouse.com (Publisher)   or

http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586

અભીવ્યક્તી.બુક્સ

 રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અક્ષરનાદ http://aksharnaad.com/downloads  વેબસાઈટ તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/ પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાના નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450  જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 27/11/2015

કલ્ચર કેન કીલ (Culture Can Kill)

પુનર્જન્મ અને અધ્યાત્મનો અતીરેક

‘અભીવ્યક્તી’ બ્લોગના ચાહકો–વાચકોને એક વીનંતી

છેલ્લાં આઠ વર્ષથી ‘અભીવ્યક્તી’ બ્લોગ પર નવી પોસ્ટ મુકાયાની જાણ દર સપ્તાહે મેઈલ દ્વારા આપ સર્વ 4000 મીત્રોને અંગત મેલ લખી કરું છું. હવે એ કામ મારે માટે મુશ્કેલ બનતું જતું જણાય છે. મોકલાયેલી મેલમાંથી અડધોઅડધ બાઉન્સ થાય–પરત આવે. કશીક ગરબડ ચાલે છે. મારી જેમ જ ઘણાનો આ અનુભવ છે. બનવા જોગ છે કે, દર શુક્રવારે અચુક નવી પોસ્ટ મુકાય જ છે છતાં પણ; હવેથી હું મેલથી તમને આ વીશેની જાણ ન કરી શકું.

હા, એનો એક ઉપાય છે.

આપને ‘અભીવ્યક્તી’ બ્લોગના લેખ વાંચવા ગમતાં હોય તો, બ્લોગની જમણી બાજુએ ‘સભ્ય પદ’ વીભાગમાં Join 1,294 other followersની નીચે આપેલા ‘નોંધણી કરો’ બટનની ઉપર ખાલી જગ્યામાં (Enter your email address)માં આપની ઈ.મેઈલ આઈડી લખી ‘નોંધણી કરો’વાળા બટન પર ક્લીક કરી દો. ત્યાર બાદ મારા બ્લોગની વેબસાઈટ ‘વર્ડપ્રેસ.કોમ’ તરફથી આપને કન્ફર્મેશન માટે એક મેલ મળશે. આપ કન્ફર્મેશન આપશો તો મારા બ્લોગના વાચકમીત્ર તરીકે આપ કાયમના રજીસ્ટર્ડ થઈ જશો.

ત્યાર પછીના દર શુક્રવારે ‘અભીવ્યક્તી’ પર નવી પોસ્ટ મુકાયાની જાણ વેબસાઈટ તરફથી જ મેઈલ દ્વારા આપને આપોઆપ કરવામાં આવશે. આ અગાઉ 1,294 વાચકમીત્રોએ રજીસ્ટ્રેશ કરાવ્યું છે. તેમને મારે મેલ મોકલવી પડતી નથી. 

આ એક જ સરળ માર્ગ અપનાવીને મારા બ્લોગના ‘સભ્ય પદ’ વીભાગમાં નોંધણી કરવા બાકી રહેલા સર્વ વાચકમીત્રોને વીનન્તી છે.

ધન્યવાદ..

..ગો.મારુ..

લો, હવે વાંચો આજની પોસ્ટ શ્રી. સુબોધ શાહ નો લેખ ‘પુનર્જન્મ અને અધ્યાત્મનો અતીરેક’ લેખ માણી, મમળાવી, નીચે કૉમેન્ટ મુકવાનું ચુકશો નહીં. આભાર….

10

પ્રગતીની અવરોધક માન્યતાઓ – 2

પુનર્જન્મ અને અધ્યાત્મનો અતીરેક

લેખક : સુબોધ શાહ

(ગત લેખાંક : 9 https://govindmaru.wordpress.com/2015/09/25/culture-can-kill-9/  ના અનુસન્ધાનમાં.. )

પુનર્જન્મની માન્યતામાં પશ્ચીમના ધર્મો કરતાં ભારતના હીન્દુ, જૈન, બૌદ્ધ ધર્મ જુદા તરી આવે છે. કર્મફળનો સીદ્ધાન્ત એ જ સીક્કાની બીજી બાજુ છે, જે પુનર્જન્મની સાથેસાથે જાય છે. જીન્દગી જ્યારે દુઃખથી ભરેલી હોય ત્યારે આ સીદ્ધાન્ત સાન્ત્વન, શાતા, આશા આપે છે. સારું વર્તન કરવા માટે એ હેતુ પુરો પાડે છે. કારણ એ જ કે સારાં કામનું ફળ સારું મળે અને ખોટાં કામનું ફળ ખોટું મળે. આ જન્મે નહીં; તો આવતા જન્મે એમ મનાય છે. આ એનું હકારાત્મક અને પ્રેરણાદાયક પાસું છે. હવે એની બીજી બાજુઓ તરફ નજર કરીએ, જેનાથી સમાજને અત્યન્ત ગંભીર હાની પહોંચી છે :

કર્મફળ ને પુનર્જન્મમાં શ્રદ્ધા સર્વમાન્ય બની એટલે દેવદર્શન, ક્રીયાકાંડ, તપ, વગેરેને તો ઉત્તેજન મળ્યું જ; પણ સાથેસાથે પ્રબળ પ્રારબ્ધવાદ અને નીષ્ક્રીય નસીબવાદે સમાજમાં ઘર ઘાલ્યું. આપણે નકારાત્મક ને નીરાશાવાદી બન્યા અને નીષ્ફળતાને સ્વાભાવીક માની સ્વીકારતા થઈ ગયા. જેમ સ્પર્ધા, પુરુષાર્થ, મહત્ત્વાકાંક્ષા, ધ્યેયપ્રાપ્તી, વગેરેનું મહત્ત્વ ઘટતું ગયું, તેમ સમાજની પ્રગતી રુંધાતી ગઈ. અધ્યાત્મનું નીરન્તર ચીન્તન, મનન, રટણ કરવાથી આ લોકની વાસ્તવીકતાઓ બાજુ પર રાખી, પરલોકની રંગદર્શી કલ્પનાઓ તરફ સમાજની દીલચશ્પી વધી ગઈ. સમાજનાં ધન અને બુદ્ધીધન બન્ને બીજી દીશામાં વળી ગયાં. આકાશમાં મીટ માંડીને રસ્તે ચાલતો માણસ ઠોકર ખાય એ સ્વાભાવીક વાત છે. આત્માની દરકારમાં દેહ દુબળો પડે, એ પણ એટલું જ સ્વાભાવીક છે. જીવનસફરમાં જે સમાજનું ધ્યેય અસ્પષ્ટ હોય, ધ્યાન બે તરફ હોય, લક્ષ્ય આકાશ હોય, તે સમાજ ક્યાંક અટવાઈ જાય, અથડાઈ જાય, કે કુટાઈ જાય, એમાં આશ્ચર્ય શું ?

પુનર્જન્મની માન્યતાનું બીજું સીધું પરીણામ એ આવ્યું કે આપણે ત્યાં અધ્યાત્મનો અતીરેક થયો. એ માન્યતા સાચી હોય કે ખોટી હોય તો પણ; અધ્યાત્મની એકસરખી આરાધનાથી, કહો કે વળગાડથી, એવો સમાજ નીર્માણ થયો કે જેને ભાષા ને તત્ત્વજ્ઞાનના વીષયમાં કદાચ ફાયદો થયો હોય; તો પણ ભૌતીક ને સ્વરક્ષણ ક્ષેત્રે એ નીર્માલ્ય બન્યો. પ્રત્યક્ષ જીવન સાથે કોઈ સમ્બન્ધ ન હોય એવી દુનીયાની શોધમાં સમાજમાં કરોડો લોકો નીકળી પડ્યા. એમની પરલોકની શોધ કદી પુરી થતી નથી, તેમ જ આ લોકના પ્રશ્નોના ઉકેલની શોધ કદી શરુ થતી નથી. એમની અમુલ્ય જીન્દગી જ્યારે ભાવી સ્વર્ગની લાલચે તેઓ હોડમાં મુકે છે, ત્યારે તેઓ આભાસી સત્ય પામે છે. જીન્દગી સત્ય છે; જ્યારે સ્વર્ગ આભાસી છે.

અધ્યાત્મનું આક્રમણ ખાળવું આપણા દેશમાં અશક્ય છે. એ અતીશય નફાકારક ઉદ્યોગ બન્યો છે. કરોડો લોકો વ્યાખ્યાનો, શીબીરો, સેમીનારોમાં ઉભરાય છે. મન્દીરમાં, આશ્રમમાં, ખુલ્લાં મેદાનોમાં, અને હવે વીમાનમાં, એનાં માઈકોનો અવાજ કાનના પરદા ચીરે છે અને સામાન્ય બુદ્ધીને હણે છે. ‘દુનીયા દુઃખથી ભરેલી છે, દુનીયા ભ્રમ છે, બ્રહ્મ એ જ સત્ય છે, મોક્ષ એ જ ઉપાય છે’, એમ સર્વ સન્તો, શાસ્ત્રો, સુજ્ઞ પુરુષો કહે છે. સન્તો આપણને આકર્ષક વાણીમાં દુન્યવી જીવનની નીરર્થકતા અને અમર આત્માની તેજસ્વીતા, અદ્‌ભુત વીગતે સમજાવે છે ! એમણે શોધી કાઢ્યું છે કે આત્મા એ પ્રકાશ છે, શક્તીનો સ્રોત છે, અનાદી, અનન્ત, અમર્ત્ય, અજ્ઞેય છે. એ દરેક જીવન, જીવાણુ, બધામાં વાસ કરે છે. એના વીશેનું જ્ઞાન એ એક જ જ્ઞાન પામવા યોગ્ય છે, બીજું બધું વ્યર્થ છે.

અજ્ઞાનીઓ ઉપર દયા કરીને આ બધું જ્ઞાન આપવા બેઠેલા સાધુઓ, સન્તો, સ્વામીઓ, મહાત્માઓ, ગુરુ, બાપુ, દાદા, એ બધાની ગણતરી રાખવી એ ભારતમાં દુષ્કર કાર્ય છે. એમને અપાતાં સુન્દર વીશેષણો – શ્રી. શ્રી., સદ્‌ગુરુ, સર્વજ્ઞ, આત્મજ્ઞ, જગદ્‌ગુરુ, 108, 1008, ભગવાન, ભગવન્ત – એ કોઈવાર આપણા ભાષા જ્ઞાનની કસોટી કરે એવાં હોય છે. દર વર્ષે વીશ્વશાન્તી પ્રચારાર્થે સંખ્યાબન્ધ આત્મજ્ઞ કે સર્વજ્ઞ ગુરુઓની પધરામણી અમેરીકામાં થાય છે; કશ્મીર કે પેલેસ્ટાઈન જેવા પ્રદેશોમાં કદી નથી થતી. અને તે પણ હુંફાળા ઉનાળામાં જ થાય છે, ઠારી નાંખતા શીયાળામાં નહીં. આવું કેમ? ભગવાં વસ્ત્રધારી કોઈ પણ સ્વામી આજકાલ અમેરીકાની યાત્રા કરીને શીષ્યગણ સમ્પાદન ન કરે તો ભારતમાં એમની કીંમત ઓછી ગણાય છે.

એક વ્યાપારી કમ્પની જ્યારે સમય, શક્તી, નાણાં, બુદ્ધીધન, વગેરે અમુક ક્ષેત્રમાં રોકે છે, ત્યારે એ નવું કંઈક શોધી શકે છે, અને વધુ કમાય છે. 1960 પછીના દાયકામાં અમેરીકાએ અવકાશસંશોધન ક્ષેત્રે મોટું મુડીરોકાણ કર્યું અને એ ચન્દ્ર પર પહોંચ્યું. જેમાં રોકાણ કરો એમાં પ્રગતી થાય. એક સમાજ જ્યારે પરલોક માટે પુણ્ય કમાવવામાં રોકાણ કરે, ત્યારે એ કદાચ પરલોક સારો પ્રાપ્ત કરે પણ ખરો; પણ આ લોકમાં તો જરુર પાછળ રહેવાનો. આ જન્મમાં પ્રગતી કરવી હોય તો આ જન્મ ઉપર લક્ષ્ય કેન્દ્રીત કરવું પડે; મૃત્યુ પછીના જન્મ ઉપર નહીં. ઉદ્યમ અને ઉદ્દેશ સંલગ્ન થાય તો જ સફળતા જન્મે. પરન્તુ ભારતીય સમાજે હજારો વર્ષો સુધી પથ્થર પાછળ પૈસા ખર્ચ્યા છે. આજે પણ જ્યારે સ્કુલો ને હૉસ્પીટલો ગરીબીમાં સબડે છે, ત્યારે સાંઈબાબાને સોનાનો મુગટ ચડવાય છે. મન્દીરોનાં ટ્રસ્ટો મીલકત માટે બાખડે છે. ગુરુઓને રુપીયાની ખોટ નથી.

જીવનના ભીષણ સંગ્રામમાં ભારતીય સમાજને શત્રુઓની જરુર ના પડી; એની પાસે તો એના ગુરુઓ જ બસ હતા. આટઆટલા બુદ્ધીશાળી ભારતીઓનું બૌદ્ધીક ક્ષેત્રોમાં આટલું ઓછું પ્રદાન શા માટે છે ? તેઓ બે વખત લુંટાય છે. ગરીબી જે યુવાનીને ચોરી જાય છે અને અધ્યાત્મ જે ઘડપણને લુંટે છે. યુવાનીમાં કમાવું પડે, ઘડપણમાં દર્શન, યાત્રા, પુજા, વ્યાખ્યાન, ભજન કરવાનાં. બૌદ્ધીક બાબતોમાં પડવાનો એમની પાસે સમય જ ક્યાં છે ? એકંદરે ખોટ જાય છે સમાજને. બુદ્ધીપ્રતીભાનો ઉપયોગ આધ્યાત્મીક પીષ્ટપેષણમાં થાય છે, સમાજને આગળ લઈ જવામાં નહીં. જ્યારે આપણું અર્ધું બુદ્ધીધન અધ્યાત્મમાં વેડફાઈ જાય અને બાકીનું અર્ધું ક્ષુદ્ર કૌટુમ્બીક પળોજણોમાં પરોવાઈ જાય, ત્યારે દેશની પ્રગતી માટે શું બચે ?

મહર્ષી અરવીન્દ જેવી અનેક પ્રખર બુદ્ધીમાન હસ્તીઓને ધર્મ અને અધ્યાત્મએ આપણી પાસેથી આંચકી લીધા છે. એમની નીઃશંક તેજસ્વીતાનો લાભ પોંડીચેરીને કે પરલોકને ભલે મળ્યો હોય; દેશને ના મળ્યો. દેશના સારા નસીબે, સુભાષચન્દ્ર બોઝ હીમાલયથી જરીકમાં પાછા આવ્યા અને પછી તો કેટલા અદ્‌ભુત નેતા બન્યા ! અરવીન્દ પણ એવા થઈ શક્યા હોત; પણ પલાંઠી વાળીને બેસી ગયા ! ગુજરાતી ભાષાના સમર્થ કવીઓ સુન્દરમ્ અને પુજાલાલ બન્ને પોંડીચેરી સીધાવ્યા અને એમનામાંથી કવીતા ઉડી ગઈ. આપણે ઉદાર દીલથી દેશની બુદ્ધીશક્તીનો દુર્વ્યય કરીએ છીએ, જ્યારે એની ટંચઈ(shortage)ની ચીન્તા રોજેરોજ કરતા હોઈએ છીએ

આપણે પરલોક ઉપર બધું લક્ષ કેન્દ્રીત કર્યું એનું પરીણામ શું આવ્યું ? આ દુનીયા આપણને ના ગમી એટલે આપણે તે ગુમાવી, બીજાઓએ તે જીતી લીધી. આપણે સ્પર્ધામાં ઉતરવાની જ ના પાડી દીધી ! પછી એને જીતવાની તો વાત જ ક્યાં ? તો પછી, આપણા પછાતપણા માટે પસ્તાવો કરવાનું કારણ ના જ હોય. આ લોક ગુમાવવા ઉપરાન્ત પરલોક જીતવાની મહેનત કરવી તો આપણે માટે બાકી રહી જ. દુનીયા આખી અધ્યાત્મના આપણા ભવ્ય વળગાડથી ચકીત થાય છે. આપણા અધ્યાત્મની નીતી છે, આજે ઉધાર; કાલે રોકડા. આપણે આપણી જાતને પુછવાની જરુર છે : મોક્ષ મેળવવો એ જ શું આપણું સૌથી મોટું ધ્યેય છે, એકમેવ આવશ્યકતા છે ?’

‘આત્મા સર્વશ્રેષ્ઠ અને દેહ ક્ષુદ્ર’ એ માન્યતાનાં દુષ્પરીણામો ભારત માટે ભયંકર આવ્યાં છે : શરુથી જ ભુખે મરતા લોકોને ઉપવાસ અને અપોષણનો ઉપદેશ; અનારોગ્ય અને શરીરની ઉપેક્ષા; રોગોની ભરમાર. આપણા સાધુસન્તો લાખો લોકોને પોતાનાં પાપ ધોવાનું શીખવે છે. એને બદલે રોજ સાબુથી નહાવાનું અને જમતાં પહેલા હાથ ધોવાનું શીખવે તો ચેપી રોગો ઓછા પ્રસરે. પોતાના આત્માના કલ્યાણ માટે ઉપવાસ કરવા કરતાં ગરીબોની સહાનુભુતીમાં ઉપવાસ કરવા વધારે સારા. આજુબાજુ લોકો ભુખે મરતા હોય ત્યારે પોતાના જ આત્માના મોક્ષનું ધ્યાન ધરવું એ મોટું પાપ છે; કારણ બધા ધર્મો પરમાર્થનો પુરસ્કાર કરે છે; સ્વાર્થનો નહીં. આપણું સ્વકેન્દ્રીત વર્તન સ્વવીનાશક બનીને આજે જાહેરમાં સર્વ સ્થાને દેખાય છે.

સામાજીક, આર્થીક અને રાજકીય ક્ષેત્રોમાં આપણી ભયાનક નીષ્ફળતાઓનું એક મહત્ત્વનું કારણ તે આધ્યાત્મીક ક્ષેત્રમાં આપણે મેળવેલી અનેરી સફળતા છે. આપણે યુદ્ધો પાણીપતના મેદાનપર નહીં; બલકે ગંગાના પવીત્ર ઘાટ ઉપર હાર્યા છીએ. પંડીતોના પવીત્ર મન્ત્રોચ્ચારોથી ઉભરેલા આધ્યાત્મીકતાના મહાપુરમાં આપણી યુદ્ધક્ષમતા તણાઈ ગઈ હતી. આપણા પોતાના અન્તીમ લક્ષ્યના જ આપણે ભક્ષ્ય બન્યા. ભુલી જ ગયા કે આત્માની મુક્તીના જેટલી જ દેશની, સમાજની મુક્તી આવશ્યક ને ઈચ્છનીય છે. આપણે તો જીવનમાં સામે દેખાતા દુશ્મનોને છોડીને, કાલ્પનીક દુશ્મનો સામે ઝુકાવ્યું ! દૈનીક જીવન જો અસ્તીત્વ ટકાવી રાખવાનો એક સંગ્રામ હોય, સ્પર્ધા હોય; તો આત્માનું નીત્ય ચીન્તન, મનન, શ્રવણ, એ કોઈ માર્ગ નથી. કયો ઉપવાસ દેહને પુષ્ટ કરશે? કયા મન્દીરનો ઘંટનાદ મારા મરતાં બાળકને જીવાડશે? કયું ભજન ભુખ્યાને ભોજન પુરું પાડશે ? ‘આત્મા પ્રકાશી પુંજ છે’ એવું રટણ રોજેરોજ કરવાથી જીવનનાં અન્ધારાં હટશે નહીં; એ તો પુરુષાર્થથી જ હટશે.

આજે, ‘અધ્યાત્મ–દ્વારા’ મુક્તી નહીં; પણ ‘અધ્યાત્મ–માંથી’ મુક્તીની જરુર છે. અધ્યાત્મના અતીરેકમાંથી છુટવાની જરુર છે. બ્રહ્મ સત્ય હોય અને જીવન સ્વપ્ન હોય તો ભલે હોય. એ સ્વપ્ન જો 70–80 વરસ સુધી ચાલવાનું હોય, તો એને સુખી જોવાનું કેમ ના ઈચ્છવું ?

 –સુબોધ શાહ

શ્રી.સુબોધ શાહનું અંગ્રેજીમાં લખાયેલું ‘Culture Can Kill’ પુસ્તકના એક પ્રકરણ ઉપરથી, ઉપરોક્ત લેખ, કચ્છી જૈન સમાજ, અમદાવાદના મુખપત્ર મંગલ મન્દીર માસીકના 2014ના જુન માસના અંકમાં પ્રકાશીત થયો હતો. આ લેખ, લેખકશ્રી અને મંગલ મન્દીરની પરવાનગીથી સાભાર…

લેખકસમ્પર્ક :

Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ – 08831. USA

Ph : 1-732-392-6689   eMail : ssubodh@yahoo.com

પુસ્તક માટે સમ્પર્ક : www.AuthorHouse.com (Publisher)   or

http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586

અભીવ્યક્તી.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અક્ષરનાદ http://aksharnaad.com/downloads વેબસાઈટ તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાના નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…  ..ગોવીન્દ મારુ..

‘રૅશનલ–વાચનયાત્રા’ માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 30/10/2015

કલ્ચર કેન કીલ (Culture Can Kill)

ગરીબીનો મહીમા, ગુરુપરમ્પરા અને સદગુણનો અતીરેક

9

પ્રગતીની અવરોધક માન્યતાઓ – 1

ગરીબીનો મહીમા, ગુરુપરમ્પરા અને સદગુણનો અતીરેક

                                મુળ લેખક : સુબોધ શાહ

રજુઆતકર્તા : મુરજી ગડા

(ગત લેખાંક : 8 https://govindmaru.wordpress.com/2015/08/28/culture-can-kill-8/ ના અનુસન્ધાનમાં.. )

દરેક સમાજમાં પ્રચલીત એની પોતાની વીશીષ્ટ માન્યતાઓ હોય છે. એ માન્યતાઓથી પ્રેરાયેલાં આદર્શો, ધ્યેયો, રીતરીવાજો, વલણો, વગેરેને અનુસરીને સમાજ જીવતો હોય છે; અને આ બધું એનાં સંસ્કાર–સંસ્કૃતીનાં અનીવાર્ય અંગો બની જાય છે. સંસ્કારો (Culture) તારક બને, અવરોધક બને કે સંહારક પણ બની શકે છે. માનવ સંસ્કૃતીની શરુઆતમાં તારક બનેલા સંસ્કાર, ઈતીહાસના અંધારયુગ અને મધ્યયુગમાં કાળક્રમે આપણા સંહારક બન્યા છે. એ સંસ્કારો એટલે માન્યતાઓ, રીવાજો, પરમ્પરાઓ, આદર્શો. એ બધું આજે પુનર્વીચારણા અને નવનીર્માણ માગે છે. ભારતીય સમાજમાં લગભગ બધાએ સ્વીકારી લીધેલી આવી કેટલીક માન્યતાઓથી સમાજને કદીક થોડો ફાયદો થયો હોય; પણ સાથે સાથે લાંબા ગાળાનું અત્યન્ત ગંભીર નુકસાન પણ થયું છે. એની વાત ત્રણ લેખની આ લેખમાળામાં કરી છે.

 1. ગરીબીનો મહીમા અને સમ્પત્તીનો વીરોધ :

ધનદોલત કે પૈસાને અનીષ્ટ ગણી–ગણાવીને આપણે ગરીબાઈને વધુ પડતું ગૌરવ આપ્યું છે અને આડમ્બરને આડકતરું ઉત્તેજન આપ્યું છે. ‘સંતોષ શ્રેષ્ઠ, પૈસો અનીષ્ટ; ગરીબ સદ્‌ગુણી, ધનીક ધુતારો; પૈસો એટલે હાથનો મેલ; પૈસાને તો કુતરાંય સુંઘતાં નથી’; આવી આવી ભ્રામક કહેવતો, માન્યતાઓ ને આદર્શો નાનપણથી ધર્મગુરુઓ, સાધુઓ, ચલચીત્રો અને સમાજ તરફથી આપણને મળે છે.

મહાન દાર્શનીક શંકરાચાર્ય એમના ‘ભજ ગોવીન્દમ્‌’ કે ‘ચર્પટપંજરીકા’ નામના વીખ્યાત સ્તોત્ર (શ્લોક 29)માં કહે છે: ‘પૈસાને હમેશાં અનીષ્ટ ગણજે. સત્ય એ છે કે એનાથી સહેજ પણ સુખ મળતું નથી. ધનવાન માણસોને એમના પુત્ર તરફથી પણ ભય હોય છે. બધી જગ્યાએ આવી જ રીતી છે.’

આપણે બધા જ જાણીએ છીએ કે જીવનમાં પૈસો એ જરુરી જ નહીં; અનીવાર્ય છે. ધર્મ કરવો હોય તોય પૈસો તો જોઈએ જ. પૈસાની ગુલામી ખરાબ હોઈ શકે; પૈસો ખરાબ નથી.  નમ્રતાપુર્વક અને સન્માન સાથે હું કહીશ કે આ શ્લોકમાંનું વીધાન સ્પષ્ટ રીતે, આત્યન્તીક અને ગેરમાર્ગે દોરનારું છે. છતાં હીન્દુઓ જેમને સાક્ષાત ભગવાનના અવતાર સમાન માને છે એ સંતનું આ વચન છે. એકદમ સીધીસાદી સ્પષ્ટ સંસ્કૃત ભાષામાં આ શ્લોક છે અને કોઈ પણ એ વાંચીને સમજી શકે એમ છે. આ અર્થના બીજા શ્લોકો પણ છે. આ સ્તોત્ર ફક્ત સન્યાસીઓ માટે છે એવો કોઈ ઉલ્લેખ એમાં નથી; એથી ઉલટું, ગૃહસ્થોને સમ્બોધીને લખાયેલો ઉપદેશ એમના જ અનેક શ્લોકોમાં જોવા મળે છે.

હવે જરાક વીચાર કરીએ. પૈસા વીશે આ પ્રકારની માન્યતા સદીઓ સુધી જેણે ધરાવી હોય, પચાવી હોય, એ પ્રજા ગરીબ રહે એ બાબતમાં આશ્ચર્ય ન હોય. ધર્મ ગરીબીને વખોડતો નથી; વખાણે છે. પરીણામે, નીર્ધન માણસ ઘણીવાર ખોટાં મુલ્યો ધરાવે છે; અને હાનીકારક વલણોમાં વીંટળાઈ રહીને પોતે જ પોતાની જાતને નુકસાન કરતો હોય છે. નીર્ધનતાની ચુંગાલમાંથી છુટવાનું મુશ્કેલ કામ આપણી માન્યતાઓને કારણે વધુ મુશ્કેલ બને છે. આના જેવી બીજી અનેક જડબેસલાક માન્યતાઓ સમાજમાં ધર્મ દ્વારા પ્રચલીત થઈ છે.

 1. ગુરુપરંપરા :

આપણી બીજી એક માન્યતા છે ગુરુને દેવ ગણવાની. ગુરુને દેવ ગણવાથી સ્વતન્ત્ર વીચારશક્તી, મૌલીકતા ને સર્જનશીલતાનું અવમુલ્યન થયું છે. ‘બ્રહ્મા કહો, વીષ્ણુ કહો, મહેશ્વર કહો, જે કહો તે; પણ ગુરુ એ સાક્ષાત પરમ બ્રહ્મ છે’. એવું કોણે કહ્યું?  ગુરુઓએ પોતે ! એમાં કોઈ શક નથી કે શીક્ષક માટે સન્માન જરુરી ને આવશ્યક છે. પણ સન્માન એટલે સમ્મતી નહીં; સ્વતન્ત્ર વીચારશક્તીનો ત્યાગ નહીં. સન્માન એટલે આન્ધળો વીશ્વાસ કે અણછાજતો અહોભાવ પણ નહીં. માન–સન્માન, આજ્ઞાંકીતપણું, વીશ્વાસ, શ્રદ્ધા, અન્ધશ્રદ્ધા, આ બધાંની વચ્ચે સુક્ષ્મ ભેદ રેખાઓ છે. ગુરુને ભગવાન ગણવાથી આપણાં માનસમાંથી તે ભેદ રેખાઓ ભુંસાઈ ગઈ છે. ગુરુનો કોઈ વીચાર કુવીચાર હોય, તો એ સમજવા છતાં એની વાત કરતાં આપણા સંસ્કારો આપણી જનતાને અટકાવે છે; કારણ કે ગુરુ તો દેવસ્વરુપ છે ! ગુરુના કથનમાં ખુલ્લો વીરોધાભાસ હોય, નરી ગેરસમજ હોય, ઉપદેશ અનીષ્ટ પણ હોય; એ જાણવા છતાં પોતાની સમજશક્તીને બાજુએ રાખી દેવા આપણી જનતા ટેવાયેલી છે. શીક્ષક સારો હોય તેમ ખરાબ પણ હોઈ શકે છે. કોઈ પણ માણસની ઉંમર, દાઢી, ભગવાં/શ્વેત કપડાં કે જાતી જોઈને એને કે એના પદને સન્માનપાત્ર ગણવાનો કે ઉતરતો ગણવાનો રીવાજ યોગ્ય નથી. સન્માન માગવાનું ના હોય; સ્વયં એને લાયક બનવાનું હોય છે. શીષ્યોના પ્રશ્નોથી જેમનું સ્વમાન ઘવાતું હોય એવા ગુરુઓ શીષ્યોને આજ્ઞાંકીત થવાનો ઉપદેશ આપે એ સ્વાભાવીક છે. વીવેકશુન્ય વીચારો અને ઉટપટાંગ આદર્શોનો શીષ્યો પાસે મુંગો સ્વીકાર કરાવવાનાં ફાયદા બધા ઉપદેશકો જાણતા હોય છે. જ્યારે શાળાઓ કે પુસ્તકો સુધ્ધાં ન હતાં, ત્યારે ગુરુમાં વીશ્વાસ રાખવા સીવાય બીજો વીકલ્પ નહોતો. આધુનીક જગતની આવશ્યકતાઓ જુદી છે. જુની પેઢીનું આંધળું અનુકરણ આપણી વીચારશક્તીને રુંધે છે, ઘેટાંશાહી માનસ જન્માવે છે અને મૌલીકતાને વીકસવા દેતી નથી. એવું હવે ચાલે એમ નથી. ગુરુમાં શ્રદ્ધા વીના બાળક શીખી શકે નહીં, એ સાચું છે; પણ કોઈનેય આખી જીન્દગી બાળક સમજવું ન જોઈએ. પુખ્ત વયના માણસમાં ગુરુના વીચારોને પડકારવાની તેમ જ જરુર પડ્યે વીરોધ કરવાની હીમ્મત હોવી જોઈએ, તેમ જ ગુરુથી આગળ જવાની, કંઈક નવું કરવાની ક્ષમતા પણ હોવી જરુરી છે. ગુરુ, માબાપ, વૃદ્ધ, પદવીધારી બધાંની સામે સન્માનનાં ઓઠાં હેઠળ ડોકું નમાવી રાખવાની આદતવાળો સમાજ સ્વતન્ત્ર વીચારશક્તીવાળો સર્જનશીલ ન બની શકે. સજ્જડ શ્રદ્ધાવાળાં જડ માનસ દરેક સમાજ માટે ભયજનક હોય છે.

‘શ્રદ્ધા એ શ્રેષ્ઠ’ અને ‘સંશયાત્મા વીનશ્યતી’ (ગીતા 4–40) એ વચન માત્ર વીવાદાસ્પદ નહીં;  વીનાશાત્મક વીચાર છે. સંશય નહીં, વીકલ્પ નહીં; તો સત્યનાં વીવીધ પાસાંઓ કેમ જોઈ, જાણી કે તપાસી શકાય? ગુરુએ શીખવેલા સત્યને પ્રશ્ન કર્યા વીના એકમેવ સત્ય તરીકે સ્વીકારી લેવાનું હોય, તો સત્યને પામવાની આશા વ્યર્થ છે. સક્ષમ અને તન્દુરસ્ત વીકલ્પવાદ–પ્રશ્નશીલતા એ તો નવસર્જન અને પ્રગતીનો પીતા છે. યુદ્ધ જેવા કોઈક અસાધારણ સંજોગોમાં ઉપરીના નીર્ણય સામે પ્રશ્ન કરવો કદાચ ખોટો હોઈ શકે; પણ એ સીવાય બીજે બધે જ સંશય સારી ચીજ છે. સંશયને આવકારવો જોઈએ. સમાજનાં બૌદ્ધીક ધોરણો નીચી પાયરીએ જાળવી રાખવાં હોય, નીર્વીવાદ પરમ્પરા ટકાવી રાખવી હોય, તો એમ કરવાનું શ્રેષ્ઠ સાધન પ્રશ્નવીહીન ગુરુપુજન છે. મૌલીક વીચારશક્તી ઉપર આવો પ્રતીબન્ધ, આવી ચતુરાઈથી, દરેક ધર્મે લાદ્યો છે.

આધ્યાત્મીક ચર્ચા માટે સંસ્કૃત ભાષામાં શબ્દ છે ‘શાસ્ત્રાર્થ’, એટલે કે ‘શાસ્ત્રનો અર્થ’. માત્ર અર્થ જ કરવાનો કે પછી સમજવાનો ? ચર્ચા નહીં, શંકા નહીં, પ્રશ્ન નહીં; સંશય તો નહીં જ નહીં. સમજવા સીવાય બીજી કોઈ ચેષ્ટા કરો તો અવીનય કે નાસ્તીકતા ગણાય. શાસ્ત્રમાં શંકા થાય જ નહીં. માન્યતા અને શ્રદ્ધાને ગૃહીત ધરીને જ ચાલવાનું. સન્ત, મહન્ત, ભગવાન, ઉપદેશક અને યોગી, જે મળે તે બધા જ બુદ્ધીને બાજુએ મુકી શ્રદ્ધા શીખવવાનો ઉદ્યોગ આદરે છે. કહેવાય છે કે નવા પ્રશ્નો તરફ દોરી જાય નહીં તેવું જ્ઞાન, જલદીથી નાશ પામે છે. જીવનને પોષણ આપવા માટે આવશ્યક એટલું વાતાવરણ એ જાળવી શકતું નથી.

 1. સદગુણનો અતીરેક અને શક્તીની અવહેલના :

ભારતીય સમાજ દૃઢતાપુર્વક માને છે કે જ્યાં ધર્મ છે ત્યાં વીજય છે (ગીતા);  એટલે કે સદ્‌ગુણનો હમ્મેશાં વીજય થાય,  ધર્મ કરવાથી બીજો જન્મ સારો મળશે એવી માન્યતાથી સદ્‌ગુણ કે નીતીનો વીકાસ થયો; પણ સાથે ક્રીયાશીલતાનો હ્રાસ થયો. નીતીને સીદ્ધાન્તનો ટેકો મળ્યો; પણ જીન્દગીની હરીફાઈમાં જીતવા માટે જરુરી એવાં હેતુ, પ્રેરણા કે પીઠબળ ન મળ્યાં. જીવનમાં નીતી તો જોઈએ જ; પણ નીતી એ અથથી ઈતી નથી, સર્વસ્વ નથી. નીતી એ મુલ્ય છે, આદર્શ છે;  સીદ્ધી નથી. એ બન્ને જુદાં છે. સારા થયા એટલે સફળ થયા, એવું નથી હોતું. ખેલના મેદાનમાં, યુદ્ધમાં, જીવનમાં, સફળ થવા શક્તી પણ જોઈએ જ, એકલી નીતીથી કામ ના ચાલે. રોજ રોજ નીતીની ચીન્તા કરતાં કરતાં શક્તીને આપણે ભુલી ગયા. ભલા થવાનું યાદ રહ્યું, જીતવાનું ભુલાઈ ગયું. એટલે સુધી જીવન હારતા રહ્યા કે જીવનની નીરર્થકતા ઉપદેશતા થયા.

જીવનની લાંબી દોડમાં, અસ્તીત્વના અવીરત યુદ્ધમાં, ભલા માણસો હમ્મેશાં જીતતા નથી. આપણે માનીએ અને ઈચ્છીએ કે તેઓ જીતે તો સારું. એ પણ આ જ જન્મમાં,  બીજા જન્મમાં નહીં. ઉત્ક્રાન્તીનો નીયમ સમર્થને જીતાડે છે, સદ્‌ગુણીને નહીં;  શક્તીને જીતાડે છે, શીલને નહીં. હીટલર દારુ પીતો નહીં, માંસ ખાતો નહીં; છતાં હારી ગયો. એને હરાવનાર વીન્સ્ટન ચર્ચીલ ચીરુટનો બંધાણી ને દારુડીયો હતો. નેપોલીયનને હરાવનાર ડ્યુક ઓફ વેલીન્ગટન દારુ, જુગાર ને સ્ત્રીઓનો શોખીન હતો. આપણે ભારતીયો જેને નીતીમાન સદ્‌ગુણી ગણીએ એવો તો નહીં જ. બીજી બાજુ જુઓ તો આપણા દેશમાં ઘણા હારી ગયેલા રાજપુરુષો, ધર્મશાસ્ત્રોના જાણકાર ડાહ્યાડમરા પંડીતો હતા. આખા દેશોની વાત કરીએ તો, પશ્ચીમના દેશોના દારુ પીનારા, ગોમાંસભક્ષી, આપણી દૃષ્ટીએ પાપી, દુર્જન એવા લોકો આજે સમૃદ્ધ ને સુખી છે; તેઓ બધા નરકમાં જશે કે નહીં એ તો ખબર નથી. પરન્તુ એક વાત બધા જાણે છે કે સારા, સદ્‌ગુણી, પુણ્યપવીત્ર, ભારતીયો આજે ભુખમરો, રોગ, ને પ્રદુષણોનાં નરકથી બહુ દુર નથી.

કમનસીબીની વાત છે કે દુન્યવી સફળતાને નૈતીક મહાનતા સાથે સીધો સમ્બન્ધ નથી. અહીં અનીતીનો પુરસ્કાર થાય છે એવુ નથી. આટલું જ કહેવાનું છે કે જીન્દગીમાં જીવવા માટે, જીતવા માટે, નીતી ઉપરાન્ત ઘણું બધું જોઈએ છે. આ વાત વ્યક્તી અને સમાજ બન્નેને લાગુ પડે છે. લોકોમાં રુઢ થયેલી આપણી માન્યતા કે ‘ધર્મ જ હમ્મેશાં જીતે છે’, તે આપણા અનુભવ ઉપર થયેલી આશાની જીત છે; અનુભવ તો સાવ જુદો જ છે. જીવનની દોડમાં હમ્મેશાં દોડવીર જ જીતે છે એવું નથી; તાકાતથી જ યુદ્ધ જીતાય એવું પણ નથી; ડાહ્યા માણસને રોટલો કે સારા માણસને દોલત મળે જ એમ પણ નથી; હોશીયારને ફાયદો થાય જ એવું પણ નથી. એની પાછળ ઘણાં પરીબળો કામ કરે છે.

પવીત્ર કે પુણ્યશાળી થવા ખાતર આપણે મરવાની જરુર નથી. ઘણા સારા લોકોએ પણ સમયે સમયે નીતી સાથે બાંધછોડ કરી હતી. આ અનૈતીકતા નથી; વ્યાવહારીક વાસ્તવીકતા છે. અમુક પ્રકારના લોકો સામે અહીંસા ચાલે નહીં. શક્ય છે કે હીંસા સામે બીજો ગાલ ધરવાથી શાન્તીપ્રીય સજ્જનોને સ્વર્ગ મળે. બીજી બાજુ અલ્લાહના નામે બીજાને કાફીર કહીને કાપી નાખનારા સ્વર્ગે જાય એવું પણ મનાવવામા આવે છે. વાસ્તવીકતા છે કે એ બધાય સ્વર્ગે સીધાવે એ પહેલાં, બીજા પ્રકારના લોકો આ દુનીયાનું રાજ મેળવે છે, જ્યારે પહેલા પ્રકારના લોકો માથું ગુમાવે છે. સજ્જનતા એ ઈચ્છનીય મુલ્ય છે; પણ વાસ્તવીકતા અમુલ્ય વ્યવહાર છે.

ગીતાનું મહાવાક્ય છે : જ્યાં ધર્મ અને તાકાત બન્ને સાથે હોય, ત્યાં તો વીજય હોય જ, એમાં પ્રશ્ન નથી. પણ માનો કે એ બેમાંથી એક કદાચ ગેરહાજર હોય, તો શું થાય એનો ઉલ્લેખ નથી. બીજી રીતે વીચારો : ધર્મ(રાજ) એટલે યુધીષ્ઠીર અને શક્તી(માન) એટલે અર્જુન, બન્ને સાથે રહી યુદ્ધ જીત્યા. અર્જુન ન હોત તો યુદ્ધ જીતી શકાત ? ના. યુધીષ્ઠીર ન હોત તો યુદ્ધ જીતી શકાત ?  હા. શક્તી વીના જીતાય નહીં એ સામાન્ય સમજની વાત છે.

મહમદ ગીઝની પાસે સોમનાથનું મન્દીર તોડવાની તાકાત હોય ત્યારે શું થાય છે ? એની તાકાત જીતે છે અને આપણા મહાદેવ હારે છે. દેવની સંજ્ઞા, એની મુર્તી, ગીઝનીના મહેલનાં પગથીયાં બને છે.  ધર્મ ધુરન્ધર, પવીત્ર પંડીતો ગીઝનીની શેરીઓમાં ગુલામ થઈને વેચાય છે કે તૈમુરલંગ–નાદીર શાહ જેવાના હસ્તે કપાઈ મરે. મોટી માછલી નાનીને ગળી જાય છે. પ્રકૃતી રક્તરંજીતા છે. કોઈ એને બદલી શકવાનું નથી, તો રોચક કલ્પનાઓ શા કામની ? સત્યને સ્વીકારવું તો પડશે જ.

બે જુગારીઓ જુગાર રમતા હતા. એક કહે : “હું જીતું છું, મારી પાસે ત્રણ એક્કા છે.” બીજો કહે : “ના, હું જીતું છું, મારી પાસે બે નવ્વા છે અને એક પીસ્તોલ પણ છે.” તાકાતવાન રાષ્ટ્રો એ કરે છે, જે કરવાની એમનામાં તાકાત હોય છે. નબળાં રાષ્ટ્રો એ સ્વીકારે છે, જે એમણે સ્વીકારી લેવું પડે છે. આતંકવાદીઓ તો એ જ છે, પણ શક્તીશાળી અમેરીકા એમને શીક્ષા કરે છે, નબળું ભારત એમને સ્વીકારી લે છે. આ વાસ્તવીક જીવન છે. વીજેતાઓ જ ઈતીહાસ રચે છે અને લખે પણ છે.

જીવનમાં ધર્મ જરુરી હોય તો પણ; પર્યાપ્ત નથી. નીતીનો અભાવ ટીકાપાત્ર છે; પણ નીતીની હાજરી જ માત્ર પુરતી નથી. અસ્તીત્વને ટકાવી રાખવા, બીજા દેશો સામે સરસાઈ મેળવવા, પ્રગતી કરવા, ધર્મ કે નીતી સીવાય બીજું ઘણું જરુરી હોય છે. આપણે હમ્મેશાં માની લીધું છે કે એટલું જ પુરતું છે. એમ પણ માની લીધું કે એ એક જ જોઈએ; બીજું કશું જ નહીં. આ છે આપણી એકપક્ષી આદર્શઘેલછાનાં, નરી નીષ્ફળતાઓનાં અને રાજકીય નીર્બળતાઓનાં મુળીયાં..

 –સુબોધ શાહ

શ્રી. સુબોધ શાહનું અંગ્રેજીમાં લખાયેલું ‘Culture Can Kill’ પુસ્તકના એક પ્રકરણ ઉપરથી, ઉપરોક્ત લેખ, કચ્છી જૈન સમાજ, અમદાવાદના મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2014ના મે માસના અંકમાં પ્રકાશીત થયો હતો. આ લેખ, લેખકશ્રી અને રજુઆતકર્તાશ્રીની પરવાનગીથી સાભાર…

લેખકસમ્પર્ક :

Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ – 08831. USA

Ph : 1-732-392-6689   eMail : ssubodh@yahoo.com

પુસ્તક માટે સમ્પર્ક : www.AuthorHouse.com  (Publisher)   or

http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586

રજુઆતકર્તા : શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન : 972 679 9009 ઈ–મેલ : mggada@gmail.com

અભીવ્યક્તી.બુક્સ

અભીવ્યક્તી.બુક્સ વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મારા બ્લોગના મથાળે, અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી પાંચ ઈ.બુક્સ મુકી છે. 2nd ઓગસ્ટ, 2015 દીવસે પ્રકાશીત થયેલી બે ઈ.બુક્સ ‘વીવેકવલ્લભ’ અને ‘વીજયવીવેક’ પણ ત્યાં છે જ..  સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાના નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 25/09/2015

કલ્ચર કેન કીલ (Culture Can Kill)

આત્મા  અને  અધ્યાત્મ

8

મુળ લેખક : સુબોધ શાહ

રજુઆતકર્તા : મુરજી ગડા

(ગત લેખાંક : 7 https://govindmaru.wordpress.com/2015/07/31/culture-can-kill-7/  ના અનુસન્ધાનમાં.. )

અધ્યાત્મ એટલે આત્મા વીશેનું જ્ઞાન. આત્મા નથી તો અધ્યાત્મ નથી, અને પરમ–આત્મા પણ નથી. તાત્પર્ય કે ઈશ્વર વીશેની બધી ફીલસુફીઓમાં આત્માનું અસ્તીત્વ માની લીધેલું હોય છે. વીચારવન્ત મનુષ્ય આત્માના અસ્તીત્વને કેટલી હદ સુધી સ્વીકારી શકે તે બન્ને બાજુઓ, ટુંકમાં તપાસી જોઈએ.

આત્મા છે એમ માનવા માટે બે દલીલો કરાય છે :

1. ફીરસ્તાઓ અને મહાપુરુષોએ કહ્યું છે એટલે માનો, શ્રદ્ધા રાખો; પ્રશ્નો ન પુછાય.

2. આત્મા એટલે ચેતન, ચૈતન્ય, જીવ. મૃત્યુનો અર્થ એ જ કે આત્મા વીદાય થયો. જીવતા માણસમાં આત્મા હોય, એના મડદામાં નહીં; સજીવમાં આત્મા હોય, જડમાં નહીં. આત્મા ન હોય તો જીવન ના હોય.

આમાંની પહેલી દલીલ શ્રદ્ધા વીશે છે. આ ગુઢત્વ કે રહસ્યવાદ છે. એ બુદ્ધીને બાજુએ રાખવાનો અભીગમ છે, એટલે ચર્ચાને ટાળવાની વાત છે. મગજના ઉપયોગ પર પ્રતીબન્ધ મુકો એટલે વાતચીત જ બન્ધ. આ અભીગમ Reason, Rationality, Science, Objectivity આ બધા કરતાં તદ્દન અલગ પ્રકારનો છે.

બીજી દલીલમાં જીવન શું છે, મૃત્યુ શું છે, એ જગજુનો મહાપ્રશ્ન સમાયેલો છે ને એમાં નીચેના મુદ્દાઓ અત્યંત વીચારણીય છે :

1. સજીવ અને નીર્જીવ વચ્ચેની ભેદરેખા ખુબ જ પાતળી છે. જીવનનું એક લક્ષણ એવી, પ્રજોત્પત્તી કરવાની ક્ષમતા, વાયરસમાં નથી. અન્ય જીવંત પ્રજાતીના આધાર વીના બીજું વાયરસ જન્મી શકતું નથી. તો પછી વાયરસને સજીવ કહેવાય કે નીર્જીવ ? એનામાં આત્મા હોય ? સજીવ–નીર્જીવની ભેદરખા ઉપર એ જીવે છે. વાયરસ અને બેક્ટીરીયા એ બન્નેમાં Mutation થાય આખી પ્રજાતી બદલાઈ જાય, એટલે આત્મા એનો એ જ રહ્યો કે બદલાઈ ગયો કહેવાય ? એકકોષી જીવ વીભાજીત થઈ બે જીવ બને ત્યારે એક આત્મામાંથી બીજો ઉત્પન્ન થયો કહેવાય ? આવા પ્રકારના બધા પ્રશ્નોના જવાબમાં ધર્મના પંડીતો કહે છે, ‘ખબર નથી.’ આ બે શબ્દો આસ્તીકોનો બચાવ કરવા સાથે તેમને વીનયી ને નમ્ર પણ દેખાડે છે. સત્ય એ છે કે કોઈ ધર્મના ફીરસ્તાના યુગમાં સુક્ષ્મદર્શક યંત્રો (Microscope) શોધાયાં ન હતાં, ને આ સુક્ષ્મ જીવો કોઈએ જાણ્યા કે કલ્પ્યા પણ ન હતા.

2. માણસ કે પ્રાણીની મૃત્યુની ચોક્કસ ક્ષણ ક્યારે, એ આપણે ધારીએ છીએ એવું સ્પષ્ટ નથી. માણસનું હૃદય બન્ધ પડ્યા પછી એને ફરી કામ કરતું કરી શકાય છે. મગજથી મરેલો (Brain-dead) માણસ પણ જીવે છે. તો પછી માણસ મર્યો ક્યારે ? એનો આત્મા ક્યાં હતો ? કઈ ક્ષણે એને છોડીને ગયો ? અવયવોમાં અર્ધોપર્ધો જીવન્ત હતો ? હજી છે ? બીજા અવતારના ગર્ભમાં પ્રવેશવાની રાહ જોતો હતો ? ઘણાં જન્તુઓ માથું કપાયા પછી પણ જીવે છે. અનેકને મગજ હોતું જ નથી. અનેકને હૃદય નથી. પ્રાણીશાસ્ત્રનું આવું જ્ઞાન કેટલાને હોય છે ?

3. શરીરમાં આત્મા ક્યારે પ્રવેશ કરે ? ચેતન કે જીવ એ જ આત્મા હોય તો ગર્ભધારણની ક્ષણને જ જન્મ કહેવો પડે; કારણ ગર્ભમાં જીવ છે જ. સ્ત્રીનો અંડકોષ ને પુરુષનો શુક્રાણુ બન્નેમાં આત્મા હોય ? ફલીકરણ સમયે બે આત્મામાંથી એક જ થયો, તો બીજાનું શું થયું ? આ ક્ષણે પ્રકૃતી કરોડો શુક્રાણુઓનો નાશ કરે છે, એટલે આત્માઓનો નાશ થયો કહેવાય ? આ બધા પ્રશ્નો ધારીએ એટલા ઉપલક નથી, ગમ્ભીર છે. ગર્ભપાત (Abortion)ના કાયદા વીશેની ચર્ચામાં અમેરીકામાં આ પ્રશ્નો ચર્ચવા પડે છે. જન્મ અને મૃત્યુની ચોક્કસ ક્ષણ ક્યારે એ વીશે કોર્ટોમાં અનેક યુદ્ધો ચાલે છે. આજે તો માબાપ બન્ને મરી ગયાં હોય તો પણ; એમનું બાળક જન્મી શકે છે. એટલે કે શીતાગારમાં સંગ્રહ કરેલા શુક્રાણુમાં માણસનું અમરત્વ સુરક્ષીત છે. આંબાને કલમ થાય છે. કપાયેલી ડાળ વાવવાથી નવો છોડ ઉગે છે. આત્માના પુરસ્કર્તાઓને વનસ્પતીશાસ્ત્ર અને જીવશાસ્ત્ર કેટલું આવડે છે ?

4. દરેક માણસના દેહમાં ત્રણ લાખ અબજ જેટલા કોષો છે. દરેક કોષ જીવન્ત છે, એનું પોતાનું જન્મ, જીવન, મૃત્યુનું ચક્ર છે. એક બીજમાંથી વીશાળ વૃક્ષ વીકસે છે. દરેક કોષ, દરેક બીજને પોતાનો અલગ આત્મા હોય ? હોય તો એક વૃક્ષમાં કેટલા આત્મા થયા ? ન હોય તો બીજમાંથી વૃક્ષ કેમ જન્મ્યું ?

5. આત્માની કલ્પના દરેક ધર્મમાં અલગ પ્રકારની છે. ખ્રીસ્તીઓ માને છે કે પ્રાણીઓમાં આત્મા ન હોય. હીન્દુઓ માને છે કે દરેક જીવમાં આત્મા હોય. પ્રાણીઓને ખાવાં જોઈએ? સજીવ વનસ્પતીને ખવાય ? દહીંમાં જીવન્ત બેક્ટેરીયા હોય છે; તો દહીં ખવાય? સમ્પુર્ણ અહીંસક બનીને કોઈ પણ જીવી શકે ? સુક્ષ્મ જીવાણુઓ જીવન્ત છે ને એ તો સર્વત્ર છે.

6. અજર, અમર, અનન્ત માનવામાં આવતો આત્મા પહેલવહેલો ક્યાંથી અને ક્યારે આવ્યો ? આત્મા તેજોબીન્દુ માત્ર હોય, અ–શરીરી હોય, સ્વતન્ત્ર હોય, સુખદુઃખ એને લાગતાં જ ન હોય; તો એને મોક્ષ શામાંથી જોઈએ છે ? ‘જે જેલમાં નથી એને જેલમાંથી છુટવું છે’, એમ શા માટે ?

7. અવયવોની અદલાબદલી (Organ transplant), કૃત્રીમ પ્રાણીઓ (Cloning), નવગર્ભકોષો (Stem Cells) વીશેનું સંશોધન, વગેરે પ્રયોગોથી વાકેફ હોય એવી કોઈપણ વીચારવન્ત વ્યક્તી આત્માના અસ્તીત્વમાં માની શકે એ આજે સંભવીત નથી, સીવાય કે વીજ્ઞાનપુર્વેના કાળના પુરાતન સંસ્કારોને કોઈ પણ ભોગે એ વળગી રહેવા માગતી હોય; અગમનીગમ ને ગુઢવાદ (Mysticism) ને છોડી શકતી ન હોય. કાર્બન નામના મુળ તત્ત્વ વીના કોઈ જીવ બન્યો નથી. એમ મનાતું કે એનાં સંયોજનોને ભગવાન સીવાય કોઈ બનાવી શકે નહીં. 1848માં પ્રયોગશાળામાં રસાયણશાસ્ત્રીઓએ કાર્બનનું સંયોજન એવું યુરીઆ પહેલવહેલું બનાવીને એ માન્યતા ખોટી પાડી. આજે તો પ્રોટીન પણ બને છે, હજારો જૈવીક પદાર્થો બને છે અને જનીન દ્રવ્ય વીશે અદ્ભુત સંશોધનો થઈ રહ્યાં છે. કાલે ઉઠીને વૈજ્ઞાનીકો સ્વયં સંયોજાતા અણુઓ (Self-Duplicating Molecules) બનાવશે, ત્યારે આત્માના આ વીશેષજ્ઞો શું કહેશે ? આત્માનો જન્મદીન ઉજવશે ?

પ્રશ્નોનો પાર નથી, કલ્પના સીવાય કશાનો આધાર નથી; છતાં આત્મા આવો છે, તેવો છે, પામવો છે, તારવો છે, એવી ઝંખનાઓ અપાર છે.

વીજ્ઞાનના ત્રણસો વર્ષના એકધારા પ્રહારોથી બધા ધર્મોને તાર્કીક રીતે ગમ્ભીર માર પડ્યો છે. એમના ફીલસુફોએ જવાબો આપવાના નીષ્ફળ યત્ન કર્યા છે; પણ એક ધર્મના જવાબને બીજાનો જવાબ નકારે છે. છેવટે બાકી રહે છે એમનો એક જ આશરો અને તે છે : ‘શ્રદ્ધા રાખો.’

બુદ્ધી કે સામાન્ય સમજ ધાર્મીક માન્યતાઓની સાબીતી આપી શકતી નથી; એમને અસંગત  થતાં અટકાવી શકતી નથી; શક્ય, સમ્ભવીત કે સમજી શકાય તેવી પણ બનાવી શકતી નથી; છતાં અનેક બુદ્ધીશાળી વ્યક્તીઓ ધર્મને છોડી શકતી નથી. એનાં કારણો અતીમાનુષી (Superhuman) નહીં, માનસીક અને સામાજીક છે :

નીતીશાસ્ત્ર (Ethics) અને ધર્મ વચ્ચેના સમ્બન્ધ વીશેના સામાજીક ખ્યાલો ભુલાવામાં નાખે છે. નાનપણથી મેળવેલ કેળવણી કે સંસ્કારો સહેલાઈથી છોડી શકાતા નથી. કોઈ ધર્મગુરુના વ્યક્તીત્વનું આકર્ષણ ચુમ્બક જેવું કામ કરે છે. ઉત્ક્રાન્તીના ક્રમમાં બુદ્ધીશક્તી નવી છે ને મુખ્યત્વે માણસમાં જ છે; લાગણી તંત્ર (Emotion) મગજમાં સર્વવ્યાપી છે ને સર્વ પ્રાણીઓમાં છે; પરન્તુ બુદ્ધીશક્તી (Reason) મગજના ઉપરના જમણા ભાગ (Cerebral cortex)માં કેન્દ્રીત થયેલ હોય છે; તેથી લાગણીનું જોર વધુ હોય એ સ્વાભાવીક છે. બીજાં થોડાંક મનોવૈજ્ઞાનીક કારણો પણ ભાગ ભજવે છે. દા.ત., અત્યન્ત બુદ્ધીમાન પુરુષ પણ જીવનમાં પ્રત્યેક ક્ષણે રૅશનલ રહી શકતો નથી. એ પણ છેવટે તો માનવી છે ને ! માનસીક ભુખ, તાણ, તૃષા, અંદેશા, અનીશ્ચીતતા, ભય, બધું આપણને બધાંને અસર કરે છે.  માણસ કોઈ આદર્શને અત્યન્ત અગત્યનો ગણતો હોય ત્યારે એનો બચાવ કરવા બેહદ પ્રયત્ન કરે છે. કેટલાક અધ્યાત્મવાદી બુદ્ધીશાળી હોવા છતાં અધ્યાત્મની બીજી બાજુને જોવાની અનીચ્છા ધરાવે છે. કેટલાકને ચીન્તા છે કે અધ્યાત્મને છોડવાથી જીવનમાં શુન્યાવકાશ પેદા થશે. બર્ટ્રાન્ડ રસેલ જેવા ઘણા જાણીતા–અણજાણ્યા મનુષ્યોનાં જીવનવૃત્તાન્તોથી એ સાબીત થયેલું છે કે આ અંદેશો તદ્દન પાયાવીહીન છે. મારો અને મારા ઘણા અંગત મીત્રોનો આ જ અનુભવ છે.

ઉપરનાં બધાં કારણોથી માણસને અધ્યાત્મ સ્વાભાવીક રીતે મળે છે; અનધ્યાત્મ અપવાદ બને છે. એક કે વધારે કારણો સર લાગણીતન્ત્રનો કબજો જમાવીને મગજમાં ઉંડે ઉંડે બેઠેલા અગમ્યવાદ (Mysticism) ને છોડવો મુશ્કેલ બને છે. બુદ્ધીવાદને સ્વીકારવાનું તો ઠીક, યથાર્થ સમજવાનું સુદ્ધાં સહેલું નથી. અજ્ઞેયવાદી (Agnostic), વીવેકવાદી (Rationalist) કે નાસ્તીક (Atheist) જેવા લોકોએ પણ ઉપરનાં કારણોની પ્રબળતા લક્ષમાં લઈને ધાર્મીક લાગણી સાથે યોગ્ય ધીરજ, સન્માન ને સમભાવથી વર્તવું જોઈએ.

 (ક્રમશઃ)

 –સુબોધ શાહ

શ્રી. સુબોધ શાહનું અંગ્રેજીમાં લખાયેલું ‘Culture Can Kill’ પુસ્તકના એક પ્રકરણ ઉપરથી, ઉપરોક્ત લેખ, કચ્છી જૈન સમાજ, અમદાવાદના મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2014ના એપ્રીલ માસના અંકમાં પ્રકાશીત થયો હતો. આ લેખ, લેખકશ્રી અને રજુઆતકર્તાશ્રીની પરવાનગીથી સાભાર…

લેખકસમ્પર્ક :

Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ – 08831. USA

Ph : 1-732-392-6689   eMail : ssubodh@yahoo.com

પુસ્તક માટે સમ્પર્ક : www.AuthorHouse.com  (Publisher)   or

http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586

રજુઆતકર્તા : શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન : 972 679 9009 ઈ–મેલ : mggada@gmail.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ

મારા બ્લોગના મથાળે  ‘અભીવ્યક્તીઈ.બુક્સ વીભાગ  https://govindmaru.wordpress.com/e-books/  માં અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી પાંચ ઈ.બુક્સ મુકી છે. 2nd ઓગસ્ટ, 2015 દીવસે પ્રકાશીત થયેલી બે ઈ.બુક્સ ‘વીવેકવલ્લભ’ અને ‘વીજયવીવેક’ પણ ત્યાં છે જ..  સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાના નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 28/08/2015

કલ્ચર કેન કીલ (Culture Can Kill)

ઈશ્વરની  આવશ્યકતા

7

મુળ લેખક : સુબોધ શાહ

રજુઆતકર્તા : મુરજી ગડા

(ગત લેખાંક : 6 https://govindmaru.wordpress.com/2015/06/26/culture-can-kill-6/ ના અનુસન્ધાનમાં.. )

ઈશ્વર છે કે નથી એ વીશેની સૈદ્ધાન્તીક ચર્ચાઓનો સાગર, એક લેખની ગાગરમાં સમાય નહીં. સદ્ભાગ્યે એની અહીં જરુર પણ નથી; કારણ કોઈ એકની વ્યક્તીગત માન્યતાનું મહત્ત્વ નજીવું છે. એથી ઉલટું, ઈશ્વર હોય તો એના, અને ન હોય તો એની કલ્પનાના, ફાયદા/ ગેરફાયદા શા છે; એ વ્યાવહારીક પ્રશ્ન વધુ મહત્ત્વનો છે. કારણ કે સમાજ ઉપર એની દુરગામી અસરો પડી છે અને પડે છે. રસાયણશાસ્ત્રમાં દરેક પદાર્થનો અભ્યાસ કરવાની પદ્ધતી એને બનાવવાની રીત, ગુણધર્મો અને ઉપયોગો જાણવાની છે. જ્યારે ઈશ્વરના ગુણધર્મો નક્કી કરવા અશક્ય છે. સદ્ ભાગ્યે, ઈશ્વરના ઉપયોગ, અનુપયોગ કે દુરુપયોગ જાણવા પ્રમાણમાં સહેલા છે અને એ જ આપણો અહીં વીષય છે.

કોઈએ સાચું જ કહ્યું છે કે ઈશ્વર ન હોય તો આપણે એનું સર્જન કરવું જોઈએ. કારણ વ્યક્તીગત અને સામાજીક, બન્ને રીતે ઈશ્વર ઉપયોગી કલ્પના છે. ઘણા મનુષ્યો માટે ઈશ્વર અંગત કે વ્યક્તીગત જરુરીયાત હોય છે.

એનાં કારણો જોઈએ :

માણસ જન્મજાત રીતે શરીર અને મનથી નબળો છે. પ્રાણીઓ સામે, કુદરત સામે, સમાજ સામે, માણસનું કાંઈ ચાલતું નથી. એને માનસીક રીતે ટેકો જોઈએ છે. માણસ નીશ્ચીતતાને ઝંખે છે. જ્યારે એની જીન્દગી અનીશ્ચીતતાઓ, અચાનક બનતા બનાવો, અકસ્માતો વગેરેથી ભરેલી છે. રોગ, ઘડપણ ને મૃત્યુ અનીવાર્ય છે અને એનો ભય બધાને ડરાવે છે. એ બધા સામે માણસને આશ્વાસન જોઈએ છે. જીવનનો અર્થ, એનો હેતુ, એનું ધ્યેય, એવા પ્રશ્નો વીચારવાન માણસોને સતાવે છે. એના સાચાખોટા કે કલ્પીત ઉત્તરો પણ એને આકર્ષે છે. એકધારી જીન્દગીમાં કંઈક નવીનતા લાવવા, કંટાળાને દુર કરવા, પ્રવૃત્તીમય રહેવા, વીચાર કરવાની મહેનત ટાળવા, મનુષ્યો ઈશ્વર અને ધર્મનો ઉપયોગ કરે છે.

ઈશ્વરની  સામાજીક જરુરતનાં કારણો જોઈએ :

માણસ સામાજીક પ્રાણી છે. એને પોતાના નાના સમુહ બનાવવા ગમે છે. એ સમુહો પોતપોતાના કલ્પેલા કે સ્વીકારેલા ઈશ્વરના નામે એકતા, અંગતતા, સહકાર, મીત્રતા, વગેરે સ્થાપી શકે છે. સમુહમાં રહેવા માટે શીસ્ત, નીયમો, નીતીરીતી વીના ચાલે નહીં. નીતીનીયમો અને કાયદા વીના સંસ્કૃતી વીકસે નહીં. નીતી–નીયમોને સ્થાપીત કરવા, એમનું પાલન કરાવવા, પાલન ન કરે તેને શીક્ષા કરવા વગેરે માટે દેશમાં જેમ સર્વસત્તાધીશ રાજા હોય, તેમ વીશ્વમાં ઈશ્વર હોય એ કલ્પના બહુ સ્વાભાવીક રીતે ઉદ્ભવે છે. સ્વજનો કે ટોળીના દુશ્મનોને ઓળખવા અને જરુર પડે એમની સામે લડવા, ઈશ્વરના નામના ઉપયોગથી ઘણું કામ સહેલું થઈ જાય છે. મોટા સમુહોને કે જાતીઓને પ્રેરણા આપવા, દોરવણી આપવા કે કેટલાક સ્વાર્થપ્રેરીત હેતુઓસર એમનો ઉપયોગ કરી લેવા ઈશ્વરના નામનો ઉપયોગ થઈ શકે છે.

ઉપર કહ્યું તેમ ઈશ્વર છે કે નહીં એની ઉંડી ચર્ચા આપણે અહીં કરવી નથી; છતાં થોડાક બુદ્ધીગમ્ય ને બુદ્ધીગ્રાહ્ય વીચારો નીચે રજુ કર્યાં છે; જે સ્વીકાર–અસ્વીકાર કરતાં વધુ તો વાચકમીત્રોની વીચારણા માટે છે.

‘ઈશ્વર નથી’ એ કથન નીરપેક્ષ સત્યનો ઉલ્લેખ કરે છે. ‘ઈશ્વર એ આવશ્યક કલ્પના છે’ એ કથન ઉપયોગી મુલ્ય વીશે છે. આટલું જ માત્ર સ્વીકારી શકીએ તો આસ્તીક–નાસ્તીકનો સનાતન ગજગ્રાહ મટી જાય. અર્થ એટલો જ થાય, કે ઈશ્વર સત્ય નથી; પણ મુલ્ય છે. તે સાન્તા ક્લોઝ જેવો છે : બાળક માટે આનંદદાયક ને ઉપયોગી હોય; પણ વાસ્તવીકતામાં અસત્ય હોય. તે એક રોમાંચક કલ્પના છે. સાચે જ ના હોય; પણ હોય તો સારું લાગે. ઈતીહાસમાં આવાં ઘણાં ઉદાહરણો છે, જે અસત્ય છતાં જે તે સમયે આવશ્યક હતાં : ઉપરાંત, ઈશ્વરને એક સત્ય તરીકે નકારીને પણ, એક ઉપયોગી મુલ્ય તરીકે સ્વીકારવો એ બૌદ્ધીકો માટે દુષ્કર કાર્ય નથી. અસ્તીત્વ નકારવાથી ચીલાચાલુ ધર્મનાં દુષણો દુર રાખી શકાય; મુલ્ય તરીકે  સ્વીકારવાથી એની ઉપયોગીતા જળવાય.

ઈશ્વરના સમ્બન્ધમાં જેટલાં માથાં તેટલી મતી. દરેક વ્યક્તીની કલ્પના જુદી હોય છે. શાને શોધીએ છીએ એ જ ખબર ન હોય તો એને શોધાય કેવી રીતે? બુદ્ધીથી પર એવું કંઈક છે એમ કહીએ છીએ તે પુર્વધારણા (Assumption) છે; સાબીતી નથી. ઈશ્વર બુદ્ધીથી પર હોય તો પણ, આપણી પાસે તો જે છે તે બુદ્ધી જ છે; બીજું કંઈ નથી ! તો એને વાપરવી કેમ નહીં?  મનુષ્યની બુદ્ધી મર્યાદીત છે, અધુરી છે, અપુર્ણ છે, એ તો ચોક્કસ; પણ જે કાંઈ સર્વાંગસમ્પુર્ણ હોય તેનો જ ઉપયોગ થાય, બીજું બધું ફેંકી દેવાય ? અધ્યાત્મના અભ્યાસીઓને પ્રચારકોએ પણ બુદ્ધી–પ્રજ્ઞા–તર્ક વાપર્યાં છે. બુદ્ધી ઓછી પડે છે તેથી શું ગુફાવાસી મનુષ્યોના જેવી કલ્પનાનો આશરો શોધવો? ચન્દ્ર પર પહોંચવા જેટ વીમાન ન ચાલે એટલે હોમ–હવન કરીએ કે આગળ વધી રૉકેટની શોધ ચાલુ રાખીએ ?  આ બાબતમાં ગણીત કે વીજ્ઞાનના જેવી સાબીતીઓ ન જ હોય; પણ ન્યાય, તર્ક (Logic) કે સામાન્ય બુદ્ધીનાં પ્રમાણ હોવાં જોઈએ. તર્કની વીસંગતતા (Inconsistency) શા માટે ચલાવી લેવાય ?

બુદ્ધીમાં જો અપુર્ણતા છે તો શ્રદ્ધામાં તો એથીય વધારે અપુર્ણતાઓ છે, વીરોધાભાસ છે, વીચીત્રતાઓ છે. અન્ય કોઈનો અનુભવ તુક્કા હોઈ શકે છે. કોન્ક્રીટની તોતીંગ દીવાલ સામે ઉભા હોઈએ ત્યારે એની પેલી બાજુ શું છે એ વીશે ધારણાઓ બાંધ્યા કરવી એ વ્યર્થ પ્રવૃત્તી છે. ત્યાં માણસ હોય, મચ્છર હોય, મર્કટ હોય કે કશુંય ના હોય એવું બને. કોઈ વસ્તુ જાણવાની અશક્તી એટલે ગમે તે ધારી લેવાનો પરવાનો તો નથી જ..

શ્રદ્ધા કદી વીચારશક્તી કે વીવેકબુદ્ધી (Reason)નું સ્થાન ન લઈ શકે. શ્રદ્ધા એટલે નીષ્ઠા, વીશ્વાસ, દૃઢ માન્યતા, ગમે તે; પણ વીચારવીવેક તો નહીં જ. શ્રદ્ધા પરાવલમ્બી છે, જ્ઞાનનું કે નીર્ણયશક્તીનું સ્વયંનીર્ભર કે સ્વયંસીદ્ધ સાધન નથી. ધર્મ કે અધ્યાત્મને વીચાર–વીવેકના કાર્યક્ષેત્રની બહાર મુકી દઈએ એટલે જીન્દગીના અતી મોટા ને મહત્ત્વના વીષયને આપણે દેશવટો આપ્યો કહેવાય. કદાચ એમ કરીએ તો પણ ધર્મની વીધીઓ, એના નીષેધો, તેનાં વ્યક્તીવીશેષને સમજમાંથી બાકાત રાખવાનું કોઈ જ કારણ ન હોઈ શકે. આપણે જાણીએ છીએ કે આ બધાં વીના કોઈ ધર્મ ઉભો રહી ન શકે. વીચારી જુઓ : યાત્રા, ખોરાકપાણીના નીયમો, મૃત્યુદંડનો કાયદો, આવી આવી સેંકડો ચીજોમાં બુદ્ધી વાપર્યા વીના ચાલી શકે ખરું? ઋષી–મુની–સન્ત પોતે જ કહે છે કે અમે તો આંગળી ચીંધીએ, નીર્ણય તો દરેક વ્યક્તીએ પોતે જ કરવાનો હોય છે. આ સન્તો એકમતના હોય છે ખરા? ભાગ્યે જ ! બુદ્ધ અને મહાવીર – ભગવાનમાં માનતા નથી; જીસસનો ભગવાન – ક્ષમા ને પ્રેમ છે; મહમ્મદનો ભગવાન – બીન–મુસ્લીમને કડક શીક્ષા કરે છે; હીન્દુઓમાં ભગવાનોની કક્ષાઓ, પાયરીઓ, અવતારો હોય છે. મારે માટે આ બધા પુજ્ય હોય તો હું કોની વાત સાચી માનું ? શ્રદ્ધા કે વીશ્વાસ રાખવો હોય, તો પણ કોનામાં ? જે કોમમાં જન્મ્યા હોય એમાં જ ? એ તો બાળપણની કેળવણી સુચવે છે; કોઈ વૈશ્વીક નીયમો નહીં.

ઉપરના બધામાં જ્યારે શ્રદ્ધા કામ ન કરે, ત્યારે  રીઝ્ન (Reason) કેમ ન વાપરી શકાય? આમેય તે Reason વીના માણસનો છુટકો તો છે જ નહીં. વીરોધી મુલ્યો વચ્ચે સરખામણી કરીને પસંદગી કરવા, સમતોલન જાળવી રાખવા, સારા–નરસાનો ભેદ પારખવા, એ માટે તો આપણે Reasonનો ઉપયોગ રોજેરોજ કરીએ જ છીએ; કરવો જ પડે છે. કુદરતમાં માણસ સર્વશ્રેષ્ઠ થયો એ એની ઉચ્ચ બુદ્ધીશક્તી (Reasoning Power)થી જ થયો છે. શરીરથી તો એ ક્ષુદ્ર પ્રાણી છે. તો પછી  Reasonને ઉતારી પાડવાની શી જરુર ? ઈશ્વરની ભૌતીક સાબીતી ન હોય, પણ વૈચારીક સાબીતીનો આગ્રહ તો આપણે રાખવો જ જોઈએ. આધુનીક ભૌતીકશાસ્ત્ર જુઓ તો આખું એમ જ છે ને ? સીદ્ધાન્તો, સમીકરણો, ને ગણીતથી ભરપુર છે. પણ એકેએક તાર્કીક રીતે સાબીત કરી શકાય તેવાં છે; માની લીધેલાં સત્યો નથી. અધ્યાત્મમાં આથી તદ્દન ઉલટું છે. મહાપુરુષે કહ્યું એટલે માની લો.. મોટો ફરક એ કે આઈન્સ્ટાઈનને ખોટો કહેવાય; પણ રામ કે મહમદને ખોટો કહો તો માથું જાય.

ઈશ્વર બાબત સેંકડો પ્રશ્નો લાખો લોકોએ આજસુધીમાં ઉઠાવ્યા છે. તર્કની અને ભાષાની સંખ્યાબંધ ગુલાંટો મારીને પંડીતોએ જવાબ આપવાના પ્રયત્નો કર્યાં છે. છતાં એકેયનો સંતોષકારક જવાબ મળતો નથી.  દયાળુ ઈશ્વર ધરતીકમ્પ કેમ મોકલે છે ? એમાં મરે એ બધા તો પાપીઓ નહીં જ હોય ! સારા માણસો દુઃખી થાય ને દુર્જનો મજા કરે એવું કેમ ? ઈતીહાસમાં સૌથી સદ્ ગુણી સ્ત્રી સીતા. એણે એવાં કયાં પાપ કરેલાં કે જીન્દગીભર આટઆટલાં દુઃખ એને વેઠવાં પડ્યાં ? ઈશ્વર સર્વશક્તીમાન હોય તો સેતાનને કેમ સંહારી શકતો નથી, નરકનો નાશ કરી શકતો નથી કે દુષ્કૃત્યોને અટકાવી શકતો નથી ? અથવા તો, પોતે દયાળુ છે છતાં એમ કરવા જ માગતો નથી ?  વીશ્વનો સર્જનહાર હોવો જ જોઈએ એવો જો નીયમ હોય, તો સર્જકનું સર્જન કોણે કર્યું ? સર્જન કરતાં પહેલાં એ શું કરતો હતો ? ક્યાં રહેતો હતો ?

દુનીયાના ચાર મોટા ધર્મોમાં ઈસ્લામ સૌથી નવો ધર્મ છે. એ પણ આજથી 1400 વરસ પહેલાં સ્થપાયો હતો. કોપરનીકસ ને કેપ્લરે ફક્ત 500 વરસ પહેલાં સાબીત કર્યું કે સુર્ય પૃથ્વીની આસપાસ ફરતો નથી; પણ પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે. એ પછી ગેલીલીયો જેવા વૈજ્ઞાનીકોથી આધુનીક વીજ્ઞાન શરુ થયું. બધા જ મહાન ધર્મો એવા પ્રાચીન અજ્ઞાની યુગમાં જન્મેલા છે જ્યારે કમ્પ્યુટર કે કાગળ, માઈક્રોસ્કોપ કે મોટર, વીમાન કે વીજળી, કશું જ નહોતું. ત્યારે ચન્દ્રસુર્ય તો ઠીક; પણ પૃથ્વીય પુરી શોધાઈ–જોવાઈ ન હતી. ઓક્સીજન કે ઉત્ક્રાન્તી નામના શબ્દોય કોઈએ સાંભળ્યા નહોતા. જ્યારે ધર્મશાસ્ત્રમાં જ બધાં શાસ્ત્રોનો આદી ને અન્ત હતો. એ યુગોમાં શાપ, વરદાન કે પ્રાર્થના સીવાય કોઈ બનાવ યથાર્થ સમજવો શક્ય જ ન હતો. આ પરીસ્થીતીમાં માણસ શ્રદ્ધા ન રાખે તો શું કરે? પરન્તુ આજે જ્યારે વીજ્ઞાન ને તર્કશાસ્ત્ર જેવાં ઉપકરણો ઉપલબ્ધ છે, ત્યારે પણ માણસ શ્રદ્ધાને જ પકડી રાખે તો અર્ધો આંધળો માણસ ચશ્માં કે લાકડી હાથવગાં હોવા છતાં; અંદાજથી અથડાયા કરે એના જેવું થાય. મનુષ્યજાતીના અનીવાર્યપણે અપુર્ણ એવા જ્ઞાનને સમ્પુર્ણ સાબીત કરવા પંડીતોએ શબ્દોના સુશોભીત સાથીયા પુર્યા છે અને શાસ્ત્રોમાં સ્વપ્નો સજાવ્યાં છે. એવા વ્યર્થ પ્રયત્નો છોડીને આપણી મર્યાદાઓની વાસ્તવીકતા સ્વીકારી લેવી એ જ ડહાપણનો માર્ગ છે. ઘણાં સ્વપ્નોને સનેપાત બનવાની કુટેવ હોય છે.

ઈશ્વરની કલ્પનાએ માણસની ઘણી બધી માનસીક જરુરીયાતો પુરી કરી છે. દુનીયાનાં સુખદુ:ખ, હર્ષશોક, અનીશ્ચીતતા, અજ્ઞાન, બધું ઈશ્વર નામની વળગણી પર લટકાવી નચીન્ત થઈ સુવાનું માણસને ફાવી ગયું છે. તેને અદૃશ્ય અને અગમ્ય ગણ્યો એટલે બહુ સગવડ થઈ ગઈ. આ, તે, પેલું, બધું જ એને નામે ચડાવી દેવાય ને કોઈ શંકા કરી જ ન શકે. આ એક કલ્પના સ્વીકારો એટલે સત્યની શોધ, જીવનની જીજ્ઞાસાઓ, જન્મ, જરા, મૃત્યુના પ્રશ્નો, બધું બાજુએ મુકી દેવાનું સહેલું થઈ જાય. વસ્તુનો હોવાનો પુરાવો મળે; વસ્તુના અભાવનો પુરાવો કેમ મળે ? એટલે માણસના મગજમાં ઈશ્વર હમેશાં જીવે છે. અજ્ઞાતનું આકર્ષણ હમેશાં અદ્ ભુત હોય છે. સ્વર્ગનાં સુખો, નરકની યાતના, મૃત્યુ પછીનું જીવન, આ બધાંનું આકર્ષણ આપણને જાણીતું જ છે.

માણસની રચેલી સૌથી માયાવી ને મૌલીક સંકલ્પના એ ઈશ્વર છે. અસત્ય છતાં ઉપયોગી, કાલ્પનીક તોય કમનીય. કલ્પના ગમે તેટલી રંગીન (Romantic), સુંદર કે ઉપયોગી હોય, તોય એ કલ્પના જ રહે છે. પરન્તુ દેવ–દાનવ, ભુત–પલીત, ચુડેલ–ડાકણ, આત્મા–પરમાત્મા, પરીઓ, દેવદુતો જેવી ભ્રામક માન્યતાઓની માયાવી સૃષ્ટી રચ્યા વીના પણ માનવજીવન સમજી ને સ્વીકારી શકાય એવું છે. પ્રત્યેક બનાવનો પુર્ણ અર્થ સમજી શકવાની મથામણ કરીને પારલૌકીક પરપોટાઓ ઉડાવ્યા વીના પણ માણસ આનન્દથી જીવન માણી શકે છે, જો એ પોતાની અપુર્ણતાઓ, અશક્તીઓ અને અનીશ્ચીતતાઓને સ્વીકારી શકે તો ! કૃતીના બંધારણથી જો એનું કાર્ય નીશ્ચીત થતું હોય, તો જીવન નામની કાર્યરત કૃતીનાં કારણો કલ્પવાની કડાકુટમાં શા માટે પડવું ? પણ શુન્ય સીવાય જ્યાં કંઈ નથી, ત્યાં અનન્ત સૃષ્ટી શોધવા ઝંખતો માણસ શ્રદ્ધાના સુક્ષ્મતમ બીન્દુને વીસ્તારીને આકાશગંગા બનાવી દે છે. અને એમ કરતાં એ માન્યતાને ખેંચી ખેંચીને મનસ્વી મમતની હદમાં પહોંચાડી દે છે.

ધર્મ કે ઈશ્વર કેટલાક મનુષ્યોને જીવવાનો હેતુ, અર્થ કે પ્રયોજન આપી શકે છે; પણ એવું કામ તો કલા પણ કરે છે, લેખન પણ કરે છે, યુદ્ધો પણ કરે છે, બીજા અનેક ઉત્કટ આચારો ને વીચારો પણ કરે છે. કેટલીક વાર જ્યોતીષ, તાન્ત્રીકવીદ્યા વગેરેમાં શ્રદ્ધા રાખવી બીનજરુરી કે અત્યન્ત હાનીકારક નીવડે છે. આવી પરીસ્થીતીઓમાં શ્રદ્ધા કરતાં પ્રશ્નશીલતા (Skepticism) કે અજ્ઞાન સુધ્ધાં વરદાનરુપ થાય છે. કવી યીટ્સ કહે છે તેમ ‘શ્રેષ્ઠ મનુષ્યો કટ્ટર માન્યતાઓથી દુર રહેતા હોય છે; કનીષ્ઠો ઉત્કટ ઝનુનથી ભારોભાર ભરેલા હોય છે.’ થોમસ હક્સલીએ લખ્યું છે : ‘વીચારપુર્વક કરેલી ભુલો કરતાં; અવીચારે ગ્રહેલાં સત્યો વધુ હાનીકારક હોઈ શકે છે.’

વીજ્ઞાનની ભવ્ય પ્રગતી પછી પણ કેટલાક પ્રશ્નો કાયમ ઉભા રહેવાના જ. એ પ્રશ્નો અઘરા છે એ કારણે નહીં; પણ એ પુછવાની આપણી રીતને કારણે. મનુષ્યનાં મગજ ને શરીર લાખો વર્ષોના ઉત્ક્રાન્તીજન્ય ફેરફારોનું પરીણામ છે. એવા ફેરફારો બદલી શકાય, ઉલટાવી શકાય કે આગાહી કરી શકાય એવા હોતા નથી. વીશાળ વીશ્વોની અનન્તતામાં માત્ર એક રજકણ, અનન્ત સમયની અવધીમાં માત્ર એક પળ – એ છે આ ક્ષુદ્ર માનવ જીવન. તેમ છતાં એની પોતાની જ આકૃતીમાં ઈશ્વર નામની કલ્પનાને કંડારવાની ધૃષ્ટતા કરતાં એ અચકાતું નથી. વીવેકશીલતા (Rationality) વીકસ્યા પછી એક દીવસ તો એ સમજશે..

(ક્રમશઃ)

 –સુબોધ શાહ

શ્રી. સુબોધ શાહનું અંગ્રેજીમાં લખાયેલું ‘Culture Can Kill’ પુસ્તકના એક પ્રકરણ ઉપરથી લખાયેલો ઉપરોક્ત લેખ, કચ્છી જૈન સમાજ, અમદાવાદના મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2014ના માર્ચ માસના અંકમાં પ્રકાશીત થયો હતો. આ લેખ, લેખકશ્રી અને રજુઆતકર્તાશ્રીની પરવાનગીથી સાભાર…

લેખકસમ્પર્ક : Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ – 08831. USA Ph : 1-732-392-6689   eMail : ssubodh@yahoo.com

પુસ્તક માટે સમ્પર્ક : www.AuthorHouse.com  (Publisher)   or

http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586

રજુઆતકર્તા : શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન : 972 679 9009 ઈ–મેલ : mggada@gmail.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તી–ઈ.બુક્સમારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 31/07/2015

કલ્ચર કેન કીલ (Culture Can Kill)

ધર્મ અને શ્રદ્ધાની શક્તી

6

મુળ લેખક : સુબોધ શાહ

રજુઆતકર્તા : મુરજી ગડા

(ગત અંક : 05 ( https://govindmaru.wordpress.com/2015/05/29/culture-can-kill-5/ )ના અનુસન્ધાનમાં..)

પ્રાચીન સમાજોમાં ધર્મ અને શ્રદ્ધા બન્ને, શક્તીનાં અતીશય પ્રભાવી સ્રોત હતાં. ધર્મના નામે એકઠી થયેલી લાખો લોકોની મેદનીઓ પ્રવચન સાંભળતી, મન્ત્ર રટતી, તાળી પાડતી, ગાતી, નાચતી, કોઈ વાર રડતી સુધ્ધાં. શ્રદ્ધા પોતે પ્રસરે છે, બીજાને પ્રેરે છે, સમાજને પ્રતીબદ્ધતા પ્રદાન કરે છે અને સમુહને સાથે રાખી બાંધે છે. ધ્યેય કે હેતુ અર્પણ કરવાનું સૌથી વધુ પ્રભાવક એવું એ સાધન છે. અચંબો પમાડે એટલી હદે માણસને એ બદલી શકે છે. લોકો પૈસા ખાતર કામ કરશે; પણ ધર્મ ખાતર પ્રાણ દેશે. જીન્દગીમાં અર્થ શોધવા, જીન્દગી–નો અર્થ શોધવા, કલ્પના–નાં કલ્પવૃક્ષ વાવવા, કલ્પના–નું કલ્પવૃક્ષ પામવા, ભાવીનો ભ્રમ તાગવા, માણસ શું શું નથી કરતો?

જીવનમાં સો ટકા સારું કે સો ટકા ખરાબ એવું કદી કાંઈ હોતું નથી. સારા માનવીઓ મરે છે, સદ્‌ગુણો રડે છે, સારી સંસ્થાઓ સડે છે. શ્રદ્ધા જેવી સમર્થ શક્તીની અસરો પણ લાંબા ગાળે અનીચ્છનીય કે અણધારેલી થઈ શકે છે. દૃઢ માન્યતા કે શ્રદ્ધા મદદ પણ કરે છે તેમ જ ભ્રામક પણ સાબીત થાય. ભ્રામક કે હાનીકારક એટલા માટે કે એ વ્યક્તીનીષ્ઠ કે સાપેક્ષ (Subjective) હોય છે; વસ્તુનીષ્ઠ કે નીરપેક્ષ (Objective) હોતી નથી. ઈતીહાસમાં સૌથી વધુ ભયાનક યુદ્ધો ધર્મ અને શ્રદ્ધામાંથી જનમ્યાં છે. હીટલર શ્રદ્ધાળુ ખ્રીસ્તી હતો; સંત નહોતો. એ શ્રદ્ધાપુર્વક માનતો હતો કે એનું વર્તન પરમ કૃપાળુ પરમાત્માની ઈચ્છા મુજબનું જ છે. એટલે, કોઈ પણ ધાર્મીક માન્યતા સાચી છે કે ખોટી, સારી છે કે ખરાબ, એની ચીન્તા કર્યા વીના, એનાં પરીણામો કેવાં નીપજ્યાં, એ જ એનો માપદંડ હોવો જોઈએ. પછી ભલે એની વાત ભવ્ય ભાષામાં ચાલતી હોય કે ધર્મ અને નીતીના નામે ચાલતી હોય. ધર્મ દોરે પણ ખરો; દઝાડે પણ ખરો. શ્રદ્ધા પ્રેરણા પણ આપે, આંધળા પણ બનાવે. સદ્‌ગુણોમાં અને સારી વાતમાં સુધ્ધાં અતીશયતા કરીએ તો નુકસાન જ થાય, પછી એ સારી વસ્તુ ખોરાક હોય, લાગણી હોય, ઔષધ હોય કે અધ્યાત્મ હોય.

તમે ભલેને કોઈ પણ ધર્મમાં શ્રદ્ધા ધરાવતા હો; ધર્મની બીજી બાજુ તપાસવાની તમારી તૈયારી  હોવી જોઈયે.  બીજા માટે અને બીજાના ધર્મ માટે સમ્પુર્ણ સન્માન સાથે, ધર્મની બીજી બાજુ તરફ, જુદા દૃષ્ટીકોણથી  નજર કરવી જોઈએ. કોઈના ધર્મની અવમાનના કરવા ખાતર નહીં; પણ એટલું દર્શાવવા ખાતર કે બીજા જુદા દૃષ્ટીકોણ શક્ય છે. શક્ય જ નહીં; સંભવીત પણ છે અને ઈચ્છનીય પણ છે. આપણી માન્યતાઓ જે કાંઈ પણ હોય, તેને અનુલક્ષીને આપણે તો ફક્ત તપાસવાનું જ હોય કે એ માન્યતાઓનાં પરીણામો કેવાં આવ્યાં છે.

 શ્રદ્ધા અને અધ્યાત્મનાં દુષ્પરીણામોના થોડા દાખલઓ :

 1. કેટલીક ધાર્મીક શ્રદ્ધાઓઅમુક  સંજોગોમાં ખોટી, ખરાબ કે અનીચ્છનીય હોય છે; પરન્તુ એ એમનું સૌથી વધારે હાનીકારક પાસું નથી. શ્રદ્ધાનું સૌથી વધારે હાનીકારક પાસું એ છે કે શ્રદ્ધા માણસની વીચારશુન્યતાને પોષે છે. વીચારશુન્યતા એટલે વીચારનો અભાવ, સામાન્ય બુદ્ધીથી વીરુદ્ધનો વીચાર. એ અતાર્કીક, અવીવેકી કે કુદરતના નીયમોથી વીરુદ્ધ હોઈ શકે. શંકર અને ગણપતીમાં મને શ્રદ્ધા હોય એનાથી મને લાભ થાય કે ન થાય; દેખીતું ખાસ કોઈ નુકસાન પણ ન થાય; કેટલાક લોકોને ફાયદો પણ થાય. પરન્તુ મૃત વ્યક્તીના શરીર ઉપર હાથીનું મસ્તક બેસાડી એને ફરી જીવતી કરી શકાય એ વીચારશુન્યતા (Non-Reason) છે. ઈશ્વર, અધ્યાત્મ કે શ્રદ્ધાના નામે એને પોષવામાં આવે છે એ એનાથીય મોટો અવીચાર છે. શીક્ષણ, શીખામણ કે વાર્તા તરીકે એ અનાવશ્યક ને હાસ્યાસ્પદ છે. સીધી કે આડકતરી રીતે શ્રદ્ધા એવા હજારો અવીચારોને જન્મ આપે છે, સ્વીકારે છે, પોષે છે, એનો પ્રચાર કરે છે, એનાથી ટેવાઈ જાય છે અને ટેવાઈ જવાની આપણને ટેવ પાડે છે. વ્યક્તી અને સમાજ અતાર્કીક (Non-logical) બને છે. શ્રદ્ધા નુકસાન કરે એના કરતાં શ્રદ્ધાથી દરેક વાત માની લેવાની ટેવ કેળવાય એ વધુ નુકસાન કરે છે. એનાથી મનુષ્ય અને એની સામાન્ય સમજની વચ્ચે એક દીવાલ બંધાઈ જાય છે. આધ્યાત્મીક શ્રદ્ધા ઉપર વધુ પડતો ભાર મુકવાથી વસ્તુલક્ષીતા (Objectivity) વંકાઈ જાય; વીચારશક્તી પર વ્યાઘાત થાય; અને સંસાર વીશે ઉપેક્ષા પોષાય. બુદ્ધીને બાજુએ મુકી, તર્કશક્તીને તીલાંજલી આપી, આભાસી ભાવનાઓને અબાધીત સત્ય માની લેવાનો ઉપદેશ કાયમ માટે કાને પડતો રહે, ત્યારે સ્વાભાવીક રીતે જ માણસમાં ઉભડક વાતને આધાર વીના માની લેવાનું ભોળપણ કેળવાય છે. માણસના મગજમાં દીવાલો બાંધી શકાતી નથી. તેથી આધ્યાત્મીક વીષયમાં પડેલી આવી ટેવો દુન્યવી વીષયોમાં આવવાની જ. શ્રદ્ધાનું સતત સેવન કરતો સમાજ જાણ્યે–અજાણ્યે અવીચારીપણામાં સરકી પડે છે. ઘણા સમાજમાં આમ બન્યું છે. આ મુદ્દો અત્યન્ત ઉપેક્ષીત, કદાચ નવો છે; છતાં એટલો મહત્ત્વનો છે કે એની વીસ્તૃત ચર્ચા આવશ્યક છે.
 2. આધ્યાત્મીકતાએ આપણી ઘણી તેજસ્વી માનવ સમ્પત્તીનું અને ભૌતીક સાધનસામગ્રીનું અપહરણ કર્યું છે. પરલોક તરફનું વલણ પ્રબળ બનવાથી દુન્યવી બાબતોમાં દેશ દરીદ્ર રહ્યો. પંડીતો પાક્યા, કારીગરો કરમાયા. શાસ્ત્રો વીકસ્યાં, શસ્ત્રો કટાઈ ગયાં. મંદીરો વધતાં રહ્યાં, શાળાઓ ઘટતી રહી. શૌચાલયો બાંધ્યા જ નહીં..
 3. વ્યક્તીની અંગત આધ્યાત્મીકતા અને સમાજની સામુહીક નીતીમત્તા એ બે તદ્દન જુદી બાબતો છે, એ વાત તરફ દુર્લક્ષ થયું.સંન્યાસી અને ગૃહસ્થાશ્રમીના આચાર–વીચાર વીશે એમ જ બન્યું. તત્ત્વજ્ઞાનની તર્કશુદ્ધતા અને કાવ્યસાહીત્યની પ્રેરણા વચ્ચેનો તફાવત ભુલાઈ ગયો.
 4. આધ્યાત્મીકતા ઈચ્છનીય હોઈ શકે; પરન્તુ જીવનમાં એ એક જ બાબત ઈચ્છનીય છે એવું નથી. બીજી ઘણી બાબતો સારી ને ઈચ્છનીય હોય છે : જેમ કે સર્વધર્મ સમભાવ, વીવેકબુદ્ધી, પ્રેમ, દેશભક્તી, વગેરે. એક બાજુ આ બાબતો અને બીજી બાજુ આધ્યાત્મીકતા, એ બે વચ્ચે વીરોધ હોય ત્યારે જીવનમાં આવશ્યક સમતુલન ન થાય. એવુ થાય ત્યારે સમાજ અન્તીમવાદ  તરફ સરકી જાય છે.
 5. શ્રદ્ધાનો અતીરેક અનર્થ કરે છે. વહેમ, અન્ધશ્રદ્ધા અને આધ્યાત્મીકતા ત્રણેય સહપ્રવાસી છે. જ્યોતીષ, વીધીવીધાન, પુરાણકથાઓ અને પુરાતન શાસ્ત્રોમાં દરેક વ્યક્તી ઓછીવત્તી શ્રદ્ધા કે અન્ધશ્રદ્ધાથી માનતો હોય છે. શ્રદ્ધામાં પ્રમાણ અને પાયરીના ફરક હોય છે. દરેક ભક્તે આ સવાલ પોતાની જાતને પુછવો જોઈએ કે શ્રદ્ધાની કઈ પાયરીએ પહોંચીએ ત્યારે સામાન્ય બુદ્ધીને તીલાંજલી અપાય? ધાર્મીક આસ્થા કઈ પાયરીએ પહોંચી હોય ત્યારે મન્દીરના મહન્તને ભગવાન ગણીને પરીણીતા સ્ત્રી સ્વેચ્છાથી જાતીય સમર્પણ કરે? આવી અને બીજી અનેક દેવદાસી જેવી વીકૃતીઓ જરાય અજાણી નથી; નવી પણ નથી. એમના ઉપર સભ્ય સમાજે ઢાંકપીછોડો કરવો એ ઢોંગની પરાકાષ્ઠા છે.
 6. અનેક બુદ્ધીમાન લોકો સુ–શ્રદ્ધા અને અન્ધશ્રદ્ધા વચ્ચેનો તફાવત સમજી કે સ્વીકારી શકતા નથી. મોટા ભાગના ઉપેક્ષા કરે, કેટલાક ચલાવી લે, ભાગ્યે જ કોઈ વીરોધ કરે; પણ સમાજનું અધઃપતન ચાલુ રહે. મારા પરીચીત એવા અનેક અતીવીદ્વાન સજ્જનો ધર્મની સૌથી હાસ્યાસ્પદ વાર્તાઓમાં પ્રામાણીકપણે શ્રદ્ધા ધરાવે છે. (અહલ્યા પથ્થર બની, ત્રીશંકુ આકાશમાં લટક્યો, શાપ–વરદાન સાચાં પડ્યાં, પર્વત ઉંચકાયો, સોનું ઘાસ બની ગયું વગેરે વગેરે. ધર્મમાં શ્રદ્ધા છે એટલે બાળકબુદ્ધીની વાર્તાઓ સાચી ઠરાવાય; વાર્તા સાચી એટલે ચમત્કાર સાચા ઠર્યા; ચમત્કાર સાચા એટલે ગમે તેટલી હાસ્યાસ્પદ વાર્તા પણ સાચી મનાય અને મનાવાય. વીર વીક્રમની કાંધ પર વેતાલ; વેતાલની કાંધ પર ભુત; ભુતને માથે પલીત. વીર વીક્રમ સાચો એટલો પલીત પણ સાચો? આ દુશ્ચક્ર કેમ અટકે? વાર્તાઓ દરેક ધર્મમાં છે; પરન્તુ પ્રભુપ્રેમનું અધઃપતન આટલી હદ સુધી બીજા કોઈ ધર્મમાં થયું નથી. શ્રદ્ધાના નામે અક્કલમંદતાને પ્રભુપ્રેમની કક્ષાએ બીજા કોઈએ મુકી નથી. મુર્ખતાની આલોચનાને જો ધર્મની આલોચના ગણવામાં આવે; એને ધર્મનું અપમાન, ગર્વીષ્ઠતા કે અસંસ્કારીતા કહેવાય; તો પછી અક્કલમંદતામાં ને અન્ધશ્રદ્ધામાં મંદી કેમ આવે?
 7. શ્રદ્ધા અને બુદ્ધીમંદતા  વચ્ચે ક્યારેક સીધો તો ક્યારેક આડકતરો સમ્બન્ધ હોય છે. શ્રદ્ધાથી અગમ્યતા (Mysticism) પોષાય; અગમ્યતાથી પૌરાણીક બાલીશ વાર્તાઓ પોષાય; બાલીશ પૌરાણીક વાર્તાઓથી મંદબુદ્ધી પોષાય. પ્રશ્ન કર્યા વીના આવી ચમત્કારીક વાર્તાઓને માની લેતાં શીખવવું, એ બુદ્ધીથી વીરુદ્ધનું કામ છે. એવા માનસને સંસ્કારી કે શ્રદ્ધાવાન ગણાવી ઉત્તેજન આપવું એ અનીચ્છનીય જીવનમુલ્યો ને સ્વીકારી લેવાનું કામ છે. આ પ્રકારનાં મુલ્યો કોઈ પણ સમાજને લાંબા ગાળે પુષ્કળ હાની કરે છે.
 8. પ્રચલીત માન્યતા કે શ્રદ્ધા લોકોને સહેલાઈથી આકર્ષે છે, કારણ એને માનવા ભેજું કસવું પડતું નથી. માન્યતા સાચી હોય કે ખોટી; પણ લોકો ચીલાચાલુ પદ્ધતીથી વીચારવા ટેવાઈ જાય છે. લાંબા સમય પછી એ માન્યતા રુઢ થઈને સામાજીક રુઢી બની જાય છે. આ રુઢીને તોડવી એ અત્યન્ત મુશ્કેલ કામ બને છે. ઉદાહરણ તરીકે, વર્ણાશ્રમ ધર્મ ગમે તે કારણથી પ્રાચીન કાળમાં જનમ્યો હોય, એને ભગવાને પોતે બનાવ્યો છે એ માન્યતા પ્રચલીત થઈને સામાજીક રુઢી બની ગઈ. કાળક્રમે એનું માળખું એવું લોખંડી થઈ ગયું કે અસ્પૃશ્યતાની રાક્ષસી પ્રથાને એણે સંરક્ષણ પુરું પાડ્યું. હવે આ માન્યતાનું મુળ તપાસો : ઋગ્વેદનું પુરુષસુક્ત કહે છે : બ્રહ્માના મસ્તકમાંથી બ્રાહ્મણો જન્મ્યા, છાતીમાંથી ક્ષત્રીયો, પેટમાંથી વૈશ્યો, અને  પગમાંથી શુદ્રો જનમ્યા. આ જન્મપત્રીકાને ભાગ્યે જ કોઈ માને; પણ વર્ણાશ્રમ ધર્મને બધા હીન્દુઓએ 2,000 વર્ષોથી માન્યો જ છે ને? આ પ્રકારની પરંપરા આપણી અનેક માન્યતાઓ અને રુઢીઓનો ઈતીહાસ છે.

જીવનવ્યવહારના ઘણા બધા પ્રશ્નો કો’ક પ્રકારની માન્યતાઓનું માળખું સ્વીકાર્યા વીના ઉકેલી શકાય એવા હોતા નથી. મૃત્યુ, હીંસા, ગર્ભપાત, ગર્ભના આદીકોષો (Stem Cells) વીશેનું સંશોધન, ગુન્હેગારી વીશેના કાયદા, વગેરે આનાં ઉદાહરણો છે. તેથી નીતી, ધર્મ ને અધ્યાત્મ, એ સાંસારીક વ્યવહારના વીષયો બને છે; અને ઈશ્વર છે કે નહીં એ માત્ર કુતુહલનો, નવરાશનો, તુક્કા દોડાવવાનો કે ફીલસુફોનો નહીં; પણ દરેક વ્યક્તીની અંગત માન્યતાનો ગંભીર પ્રશ્ન બને છે. સમાજની વીચારશીલ વ્યક્તીઓ આ બાબતમાં સ્પષ્ટ ખ્યાલો ધરાવતી થાય તો જાહેર જીવનનું ધોરણ ઉંચું આવે. ધર્મ કે અધ્યાત્મ વીશેના ખ્યાલો અસ્પષ્ટ, અટપટા અને વીરોધાભાસી હોય, તર્કશુદ્ધ ન હોય, એ સમાજ કાયમ વીતંડાવાદમાં અથડાયા કરે છે, કારણ બહુમતીથી ચાલતી લોકશાહીમાં ઉપરના પ્રશ્નો વ્યક્તીગત ન રહેતાં સામાજીક મહત્ત્વ ધારણ કરે છે.

(ક્રમશઃ)

 –સુબોધ શાહ

શ્રી. સુબોધ શાહનું અંગ્રેજીમાં લખાયેલું ‘Culture Can Kill’ પુસ્તકના એક પ્રકરણ ઉપરથી, ઉપરોક્ત લેખ, કચ્છી જૈન સમાજ, અમદાવાદના મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2014ના જાન્યુઆરી માસના અંકમાં પ્રકાશીત થયો હતો. આ લેખ, લેખકશ્રી અને રજુઆતકર્તાશ્રીની પરવાનગીથી સાભાર…

લેખકસમ્પર્ક:

Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ – 08831. USA

Ph : 1-732-392-6689   eMail : ssubodh@yahoo.com

પુસ્તક માટે સમ્પર્ક : www.AuthorHouse.com  (Publisher)   or

http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586

રજુઆતકર્તા : શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા–390007 સેલફોન : 972 679 9009 ઈ–મેલ : mggada@gmail.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તીઈ.બુક્સમારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

♦●♦●♦‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ :  26/06/2015

કલ્ચર કેન કીલ (Culture Can Kill)

અધ્યાત્મનો  અનુબન્ધ

5

   મુળ લેખક : સુબોધ શાહ

રજુઆતકર્તા : મુરજી ગડા

(ગત અંક 04 ( https://govindmaru.wordpress.com/2015/04/17/culture-can-kill-4/  )ના અનુસન્ધાનમાં..)

‘આપણા પછાતપણાનું સૌથી મહત્ત્વનું કારણ આપણી પ્રાચીન માન્યતાઓમાં રહેલું છે. મનુષ્યો એમની માન્યતાઓ અનુસાર વર્તન કરે છે અને માન્યતાઓ બાળપણમાં મળેલા સંસ્કારોથી ઘડાય છે. આપણી માન્યતાઓ, આપણાં વલણો, રીતરીવાજો, રુઢીઓ, એ સર્વ ભારતીય સંસ્કારોનો એક ભાગ છે; અને એ સંસ્કારોનાં મુળ અતી પ્રાચીન કાળથી ધર્મમાં રહેલાં છે. તેથી ભારતીય સંસ્કારોને યથાયોગ્ય રીતે વર્ણવવા કે બદલવા હોય, તો સૌથી પહેલાં ધર્મ અને અધ્યાત્મની વાત કરવી પડે.’    –સ્વામીવીવેકાનંદ.

આ લેખનો વીષય ‘ધર્મ કે અધ્યાત્મ’ નથી. પણ એમના વીના જો આપણા કુટપ્રશ્નો સમજી શકાતા ન હોય, તો સૌ પ્રથમ એ બન્ને સમજવાં પડે. અધ્યાત્મના ગંભીર અને વ્યાપક વીષયમાં બહુ ઉંડી ડુબકી માર્યા વીના આ પ્રકરણમાં એની થોડીક કામ પુરતી વાતો જ કરીશું.

શ્રદ્ધા બદલવી સહેલ નથી. શીક્ષણ કે તર્કશક્તી, બુદ્ધી કે પંડીતાઈ, વીચાર કે વીવેક, એમાંનું કાંઈ ધર્મ અને શ્રદ્ધા સામે કામ કરતું નથી. છતાં કો’ક આંચકો, કૈંક ઉથલપાથલ, કો’ક મરણ જેવો પ્રસંગ, આવું કંઈક બને અને માણસની માન્યતાને એક જ ક્ષણમાં પલટી નાખે એ શક્ય છે. હજાર દલીલો જે કામ ના કરી શકે તે કામ એક અકસ્માત કરે છે. આવી શ્રદ્ધા માણસના સમગ્ર અભીગમને, સમસ્ત વર્તનને બદલી શકે છે. અધ્યાત્મ એ માણસને બદલનાર સૌથી મોટી શક્તી છે.

♦ માન્યતા (Belief) અને શ્રદ્ધા (Faith) :

પ્રશ્ન, પુરાવો, તર્ક કે શંકા વીના કોઈ માન્યતા સ્વીકારીને એને દૃઢતાથી વળગી રહીએ ત્યારે, વ્યાવહારીક વીષયમાં એને નીષ્ઠા કે વીશ્વાસ, અને આધ્યાત્મીક વીષયમાં એને શ્રદ્ધા કહેવાય છે. સમાજમાંથી, કુટુમ્બમાંથી અને ધર્મમાંથી ગ્રહણ કરીને ઉંડી માન્યતાઓને આપણે સ્વીકારી લઈએ છીએ. વીચારશક્તી પુરી વીકાસ પામેલી ન હોય એટલી નાની ઉંમરમાં આ બનતું હોય છે. મોટા થયા પછી એમને બદલવાનું તો દુર રહ્યું; એ વીશે પ્રશ્ન કરવાનાં બુદ્ધી, શક્તી, જ્ઞાન, રસ, રુચી, હીમ્મત કે સમય સુધ્ધાં, બહુ ઓછા લોકો પાસે જોવા મળે છે. પરીણામે રુઢીગત માન્યતાઓ ચીલાચાલુ સ્વરુપમાં સર્વસ્વીકૃત બનતી જાય છે. જેની પાસે શક્તી ને જ્ઞાન હોય તેવા અનેક પાસે રસ, રુચી કે હીમ્મત હોય જ એ હમ્મેશાં શક્ય નથી. તેઓ પોતાની રુઢ માન્યતાઓને બુદ્ધીથી સાચી (Rational) ઠેરવવા પ્રયત્નશીલ રહેતા હોય છે. શ્રદ્ધા એ રંગીન કાચનાં ચશ્માં જેવી છે. વાસ્તવીક હકીકતને જે રંગનાં ચશ્માંમાંથી જોઈએ એ જ રંગની એ દેખાય; બીજા બધા રંગ એમાંથી બાદ થઈ જાય. પછી એ જ રંગ સાચો એમ સાબીત કરવાનાં કારણો આપણે બુદ્ધી વાપરીને શોધી કાઢીએ, ને આપણી માન્યતાને સાચી ઠેરવીએ. ઈશ્વરમાં ઉંડી શ્રદ્ધાવાળો માણસ ગમે તેટલો ભયાનક ધરતીકંપ જોયા પછી પણ ‘હે ઈશ્વર, તું દયાળુ છે’, એવું બોલવાનું ભાગ્યે જ બંધ કરે છે. માન્યતા કરતાં સત્ય હકીકત સાવ જુદી હોય ત્યારે માણસ શબ્દોની રમતથી, ચબરાકી ભરેલી દલીલોથી, કે અપ્રામાણીક છટકબારીઓ શોધીને પોતાની માન્યતાનો બચાવ કરે છે. અનેક ડાહ્યા ને પ્રામાણીક સજ્જનોએ ગુલામીની અને અસ્પૃશ્યતાની ઘૃણાજનક પ્રથાને સારી ને સાચી ઠેરવવા દલીલો કરી છે. એ જ રીતે જીહાદ, ક્રુરતા, ક્રુઝેડ, ડાકણો, પૃથ્વીકેન્દ્રીય વીશ્વ, આ બધું એક સમયે તર્કસંગત (Rationalize) કરવામાં આવતું હતું એ ઈતીહાસ–સીદ્ધ હકીકત છે. હીન્દુ સમાજની મુર્તીપુજા, વીધીવીધાન, વીધવાઓનાં પુનર્લગ્નનો વીરોધ, વગેરે ઘણી બધી માન્યતાઓ આ વર્ગમાં આવે છે. ખ્રીસ્તી ધર્મમાં જીસસના પુનરુત્થાન વીશે, જૈનોમાં કંદમુળ ન ખાવા વીશે, આવી જ પરીસ્થીતી છે.

ધાર્મીક માન્યતા એ શ્રદ્ધાનો વીષય છે; બુદ્ધીનો નહીં, એમ કહેવાય છે. સીક્કાની સારી બાજુને શ્રદ્ધા કહીએ તો એ જ સીક્કાની બીજી બાજુને અન્તીમવાદ કે ધર્માંધતા કહેવી પડે. ‘મારા સત્યમાં મારી અડગ અને અનન્ય શ્રદ્ધા છે; મારું સત્ય જ સાચું, પુરેપુરું સાચું અને એમાં સત્ય સીવાય બીજું કંઈ જ નહીં.’ ડાહ્યા માણસો આમ બોલે કે નહીં તો પણ, એમની આવી શ્રદ્ધાનો અર્થ સામેવાળાના સત્યમાં અશ્રદ્ધા જ થયો. અન્તીમવાદીઓ, માર્ગ ભુલેલા મુર્ખાઓ ભાગ્યે જ હોય છે; મોટા ભાગના પોતાના ધર્મની માન્યતાઓમાં અડગ અને અનન્ય શ્રદ્ધાવાન એવા ઈશ્વરભક્ત હોય છે. બીન લાદેન અને અલ–કાએદાને તો બધા જાણે છે. અમેરીકામાં ‘Solar Temple’  નામના વ્યક્તીપુજક સમ્પ્રદાયથી 74 માણસો માર્યા ગયા હતા; જીમ જોન્સ નામના ગુરુએ આત્મઘાતી ‘People’s Temple’ સ્થાપ્યું હતું. અમેરીકન સમાજમાં જો આવું બની શકે, તો ભારતમાં ભગવાનો છાશવારે ઉગી નીકળે એમાં આશ્ચર્ય શાનું? ધર્મોના ચુસ્ત અનુયાયીઓને સહીષ્ણુતા દાખવવાનું કામ બહુ આકરું પડે છે. દરેક ધર્મ બીજા ધર્મને માર્ગ ભુલેલો ગણે છે. આપણી માન્યતા સત્ય પર નહીં; શ્રદ્ધા પર આધારીત હોય; છતાં આખી દુનીયાને આપણે મનાવવાની કોશીશ કરીએ છીએ કે અમારું અર્ધસત્ય એ જ એકમેવ પુર્ણ સત્ય છે.

અનેક માણસો સામાન્ય બુદ્ધીને બાજુએ રાખી લોજીક સામે લડવા ઈશ્વરનો ઉપયોગ કરે છે. યાત્રાએ જતાં જ મારા મીત્રને ગમ્ભીર કાર અકસ્માત થયો. એને સો ટકા ખાતરી થઈ ગઈ કે ઈશ્વરની દયાએ જ એને બચાવ્યો. પણ યાત્રા જ અટકી પડી; લાખોનો ખર્ચ, ભયંકર વેદના અને કાયમી અપંગ દશા. આ બધાં માટે કયો શયતાન જવાબદાર? કારનો ડ્રાઈવર? ખરાબ રસ્તો ? ધોધમાર વરસાદ, હૉસ્પીટલની બેદરકારી, પોતાની કમનસીબી, ગયા જનમનાં પાપ કે કલીયુગ? કોર્ટમાં વીમા કંપનીના કેસમાં વીદ્વાન જજ સાહેબે આ બધાંની જવાબદારી ટકાવાર ઠરાવી આપી તેમ છતાં; એ બાબતમાં એના મનમાં થોડીક શંકા રહી ગઈ ખરી!  જોશીએ ભાખેલું ભવીષ્ય સાચું પડે ત્યારે જ્યોતીષશાસ્ત્રમાં લોકોની શ્રદ્ધા દૃઢ થાય છે; પણ ખોટું પડે ત્યારે ભાગ્યે જ શ્રદ્ધાને લોકો દુર કરી શકે છે. આપણે હીન્દુઓ યુદ્ધોમાં જતાં પહેલાં ગુરુના આશીર્વાદ લેતા, પુજાઓ કરતા, શુકન જોઈને નીકળતા; આપણા દુશ્મનો એવું કાંઈ કરતા નહીં. હજાર વરસના પરાજયો પછી આપણી આ માન્યતાઓ બદલાઈ ખરી ? ‘જ્યાં ધર્મ, ત્યાં જ વીજય’ એ માન્યતાની ચકાસણી તો ઠીક; એ વીશે જરાક સંશય સુધ્ધાં આપણામાં પેદા થયો ? માન્યતાની પુનર્વીચારણા કરવાને બદલે માણસો હમ્મેશાં નવી નવી વ્યાખ્યાઓ શોધીને પોતાની માન્યતાઓને હકીકત જોડે બન્ધબેસતી કરે છે. અને પછી એ સાબીત કરવા પંડીતાઈપુર્ણ શાસ્ત્રો લખે છે. શ્રદ્ધા સાચી પડે તો દૃઢ થાય; ખોટી પડે તો વધારે દૃઢ થાય! શ્રદ્ધાનો આ અજબ જાદુ છે.

માન્યતા કે શ્રદ્ધા માનવજીવનનો પ્રેરણાસ્રોત છે. માણસની માન્યતાઓ એના જાગૃત કે અજાગૃત માનસમાં રહેલી હોઈ શકે; એના શબ્દો, રીતીનીતી, વીગતો કે વાર્તાઓ બદલાતાં રહે; પણ પોતાની માન્યતાઓને અનુસરીને જ માણસો કામ કરતા રહે છે. માણસ કેવો છે, શું કરે છે, કેવી રીતે એ કરે છે, એ બધાનો આધાર એની માન્યતાઓ પર હોય છે. મહાવીર કે મહમદમાં શ્રદ્ધા ધરાવતા માણસો વીચાર – વાણી – વર્તનમાં તદ્દન જુદા હોય છે, એ તો સહેલાઈથી ધ્યાનમાં આવે એવી વાત છે. તેથી વ્યક્તી અને સમાજ ઉપર કોઈપણ પ્રકારની માન્યતાની સારી–નરસી અસરો શી થાય છે એનો તલસ્પર્શી અભ્યાસ અતી આવશ્યક છે. અભ્યાસ કર્યા પછી એની નીખાલસ ચર્ચા–વીચારણા કરવામાં કોઈ બંધન હોવું જરુરી નથી. વ્યક્તીગત રીતે અને સમુહમાં, એમ બન્ને રીતે ધર્મ આચરવામાં આવે છે અને ધર્મ એ આધ્યાત્મીક ઉપરાન્ત એક સામાજીક સંસ્થા પણ છે; જેમ શાસનતન્ત્ર છે; જેમ આર્થીક વ્યવસ્થાપન–તન્ત્ર છે; જેમ વીજ્ઞાન છે. આ બધી સંસ્થાઓનો ઉંડો પ્રભાવ સમાજ પર પડતો હોય છે અને તેમની ચર્ચાઓ આપણે કાયમ કરીએ જ છીએ. તો પછી શુભ આશયથી ધર્મની યથાયોગ્ય ચર્ચા શા માટે ટાળવી જોઈએ?

(ક્રમશ:)

 –સુબોધ શાહ

શ્રી. સુબોધ શાહનું અંગ્રેજીમાં લખાયેલું ‘Culture Can Kill’ પુસ્તકના એક પ્રકરણ ઉપરથી, ઉપરોક્ત લેખ, કચ્છી જૈન સમાજ, અમદાવાદના મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2013ના ડીસેમ્બર માસના અંકમાં પ્રકાશીત થયો હતો. આ લેખ, લેખકશ્રી અને રજુઆતકર્તાશ્રીની પરવાનગીથી સાભાર…

લેખકસમ્પર્ક:

Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ – 08831. USA

Ph : 1-732-392-6689   eMail : ssubodh@yahoo.com

પુસ્તક માટે સમ્પર્ક: www.AuthorHouse.com  (Publisher)   or

http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586

રજુઆતકર્તા : શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા–390007 સેલફોન: 972 679 9009 ઈ–મેલ: mggada@gmail.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તીઈ.બુક્સ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…  ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશી બાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર, નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66  ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 29/05/2015

કલ્ચર કેન કીલ (Culture Can Kill)

એક સ્થગીત સમાજ–2

04

એક સ્થગીત સમાજ–2

– આપણે કેમ હારતા રહ્યા ?

મુળ લેખક : સુબોધ શાહ

રજુઆતકર્તા : મુરજી ગડા

ગત અંક 03 ( https://govindmaru.wordpress.com/2015/03/27/culture-can-kill-3/ )માં આપણે ત્રણ મોટા ને મહત્ત્વના તફાવતોની વાત કરી જેને આપણાં પરાજયો અને પછાતપણા સાથે સીધો સમ્બન્ધ છે હવે પરાજયનાં કારણો જોઈએ.

કેટલાક લોકોમાં એક ખોટી માન્યતા છે કે ભારતીયો શારીરીક રીતે પડછન્દ કે મજબુત ન હોવાથી યુદ્ધમાં પાછા પડે છે. વાસ્તવીકતા છે કે: . નેપાલના ગુરખાઓ ઠીંગણા હોવા છતાં ખ્યાતી પામેલા સૈનીકો છે. વાયવ્ય ભારતની પંજાબી, જાટ, રાજપુત, વગેરે કોમો આક્રમણખોર પ્રજાઓ કરતાં કોઈ રીતે ઉતરતી ન હતી, એમની સામે સદીઓ સુધી પ્રાચીન યુગમાં એમણે ટક્કર ઝીલી હતી. દક્ષીણ ભારતની કેટલીક કોમો લડાયક છે; મરાઠા કોમે સર્જેલો ઈતીહાસ તો આપણે બધા જાણીએ જ છીએ. ઠીંગણા જાપાનીઝોએ ઉંચા રશીયન/કોકેસીયનને પરાભુત કરેલા છે. મજબુત બાંધાના ફ્રેન્ચ અને અમેરીકન લોકોને ઠીંગણા વીએટનામીઝ સામે મુશ્કેલી પડી હતી. દેહબળ કરતાં બુદ્ધીબળ, શસ્ત્રબળ, જુસ્સો, વ્યુહરચના, એવી એવી બાબતો આધુનીક સમયમાં વધુ નીર્ણાયક નીવડે છે. સત્ય એ છે કે આપણા પરાજયનાં કારણો શારીરીક નથી, બૌદ્ધીક છે; ભૌતીક કરતાં સામાજીક વધારે છે, ને વધુ ઉંડાં છે.

1.   એકતાનો અભાવ :

ઈતીહાસકારોએ અંદર અંદરના કુસમ્પને આપણા પરાજયોનું મોટું કારણ ગણાવ્યું છે. લગભગ બધા ભારતીયો એ જાણે છે, માને છે, તેથી એમાં થોડા ઉંડા ઉતરવાની જરુર છે.

રાજપુત કોમના હાથમાં દેશના રક્ષણની જવાબદારી હતી. આ કોમ બહાદુર, ઉદાત્ત ને આદર્શઘેલી હતી. છતાં ઘણાબધા રાજપુત રાજાઓ હંમેશાં ક્ષુદ્ર, ક્ષણીક અને સ્થાનીક બાબતોમાં એકબીજા સાથે ચડસાચડસીમાં અટવાયેલા રહેતા. તેઓ અંગત વફાદારીના, ખાનદાનીના ને ટેકીલાપણાના ખોટા ખ્યાલોમાં રાચતા. કાનપુરનો જયચન્દ રાઠોડ એના માસીઆઈ ભાઈ પૃથ્વીરાજ ચૌહાણ સામે લડ્યો ને એ બન્નેનો મહમદ ઘોરી સામે પરાજય થયો. જયપુરનો રાજા માનસીંહ, ઉદયપુરના રાણા પ્રતાપ સામે અકબર તરફથી લડ્યો. મીરઝા રાજા જયસીંહ શીવાજીની સામે ઔરંગઝેબના પક્ષમાં મોગલોને વફાદાર હતો. દક્ષીણ ભારતનાં પાંચ નાનાં મુસ્લીમ રાજ્યોએ એકઠાં થઈ, મુખ્યત્વે હીન્દુ એવાં સૈન્યોની મદદથી વીજયનગરના મહાન સામ્રાજ્યનો નાશ કર્યો. 1857માં મોટા ભાગની આમપ્રજા અને ભારતના રાજા–મહારાજાઓ અંગ્રેજો સામે લડવામાંથી અલીપ્ત રહ્યાં.

આટલા બધા કુસમ્પનું કારણ શું? આપણા સામાજીક અને જાહેર જીવનમાં એકતાનો અભાવ કાયમથી એટલો બધો દેખાય છે કે કુસમ્પ એ આપણા ‘કલ્ચર કે સંસ્કારો’નું અવીભાજ્ય અંગ બની ગયેલો લાગે છે. ભારતમાં આજે જોઈએ છીએ એવા વીખવાદો મુળભુત રીતે ઉપરના ઐતીહાસીક બનાવો કરતાં બહુ જુદા નથી. બે રાજ્યો વચ્ચે નદીનું પાણી તો ઠીક; પણ નાનકડા કો’ક ગામની સરહદો વીશેના વીવાદ દસકાઓ સુધી ઉકેલી શકાતા નથી. કેબીનેટની જવાબદારી સામુહીક ગણાય છે; છતાં કેબીનેટના પ્રધાનો ખાનગીમાં નહીં; જાહેરમાં ઝઘડે છે. ધાર્મીક કે ’સાંસ્કારીક’ પ્રવૃત્તીઓના પ્રચાર માટે રચાયેલી ભારતીય સંસ્થાઓના હોદ્દેદારો, માત્ર વ્યક્તીઓના અહમ્ ને પોષવા ખાતર જ, અતી અસંસ્કારી રીતે ઝઘડીને છુટા પડે છે. ’કૉ–ઓપરેટીવ’ હાઉસીંગ સોસાયટી, એક પણ મીટીંગનું સંચાલન સહકારથી કરી શકતી નથી. કુટુંબોમાં ક્ષુલ્લક કારણથી જામેલા ઝઘડા પેઢી દર પેઢી ચાલુ રહેતા આપણે બધાએ જોયા છે. આ બધાને શું કહેશો ? સંકુચીત માનસ ? અહંકાર ? ટુંકી દૃષ્ટી  ? ગમે તે કહો; પણ બહુમતીના હીત ખાતર એક્બીજા સાથે રહી સહકારથી કામ કરવાની અશક્તી આપણામાં ઉડીને આંખે વળગે તેવી છે.

 2.   સાધનસમ્પત્તીનો અયોગ્ય વીનીયોગ :

માનવીય શક્તીઓ અને દુન્યવી સામગ્રીને એકત્ર કરી યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય નહીં, તો કોઈ યુદ્ધ કદી જીતાય નહીં. આ બાબતમાં આપણી નબળાઈ જાણીતી છે. પ્રાચીન સમયમાં વાહન અને સંદેશ વ્યવહારનાં સાધનો ટાંચાં હતાં ત્યારે ભારતને ઉત્તરમાં હીમાલયનું અને બાકીની ત્રણે દીશાઓમાં દરીયાનું કુદરતી રક્ષણ હતું. શસ્ત્રસામગ્રી સાથે મોટાં લશ્કરો વહન કરવામાં માનવજાત જેમ જેમ પ્રગતી કરતી ગઈ, તેમ તેમ આ સંરક્ષણનું મહત્ત્વ ઓછું થતું ગયું ને ભારતના વાયવ્ય દીશાના દરવાજા કાયમ માટે ખુલી ગયા. મહત્ત્વનો પ્રશ્ન આ છે : હજારો માઈલ દુરની આછી વસ્તીવાળા પ્રદેશોમાંથી આવેલા આ આક્રમકો હતા; એમને અજાણ્યા દુશ્મન દેશમાં પર્વતો ને રણ ઓળંગીને આવવાનું હતું; દરીયા જેવડાં લશ્કરોને કુચ કરવાની હતી; મહીનાઓ ને વર્ષો સુધી એમને પુરવઠો પુરો પાડવાનો હતો; તેઓ એ બધું જ કરી શક્યા. બીજી બાજુ, આપણો દેશ ગીચ વસ્તીવાળો હતો; પ્રદેશ આપણો જ ને જાણીતો હતો; દેશ સમૃદ્ધ હતો; તો પછી આવી સાધનસામગ્રી આપણે કેમ ઉભી કરી, વસાવી, વાપરી ન શક્યા ?

બન્ને વીશ્વયુ્દ્ધોમાં બ્રીટન અને અમેરીકાએ માનવશક્તીનું સંચાલન અને સાધનસામગ્રીનો વીનીયોગ કેવી અદ્ભુત કુશળતાથી ને ઘનીષ્ઠતાથી કર્યો એની કલ્પના ભારતમાં બહુ ઓછા લોકોને છે. પુરુષોનાં અનેક નાગરીક કામો સ્ત્રીઓએ ઉપાડી લીધાં. યુદ્ધમાં જોડાવાની પણ અમેરીકન સ્ત્રીઓએ શરુઆત કરી. જર્મનો બહાદુર હતા; પણ અમેરીકાની સાધનસર્વોપરીતાને તેઓ આંબી શક્યા નહીં. જાપાને કામીકાઝી નામે ઓળખાતા આત્મઘાતી સમર્પણનો આશરો લીધો હતો. યુદ્ધના દેવને એ જાતની આહુતીઓ ધરાવવી પડે છે અને એ સુધ્ધાં ઘણીવાર ઓછી પડે છે.

આપણું યુદ્ધ સંચાલન આ બધાંની સાથે સરખાવવા જેવું છે. આપણી સંરક્ષણ વ્યવસ્થા ઉલટા કરેલા પીરામીડ આકારની હતી–સાંકડા પાયા ઉપર પહોળી ટોચ. ક્ષત્રીયો વસ્તીના પાંચેક ટકા જેટલા, એ કેટલું ટકી શકે? સમાજ એના અર્ધા હીસ્સા (સ્ત્રીશક્તી)ને તથા વીશાળ બહુમતી (બીન–ક્ષત્રીય) પ્રજાને જ્યારે સંરક્ષણ કાર્યથી દુર રાખે, ત્યારે તે સ્વરક્ષણ કેવી રીતે કરી શકે? વર્ણભેદથી સડેલા આપણા સમાજમાં બ્રાહ્મણો રાજનીતી ઘડે; રજપુતો લડે; સ્ત્રીઓ રડે કે બળી મળે; બીજા બધા તમાશો જુએ ને ટીકા કરે. વીચારે તે લડે નહીં; લડે તે વીચારે નહીં. અલબત્ત, કો’ક ભવ્ય અપવાદો જરુર હતા જ; પણ યુદ્ધમાં અપવાદો નહીં, સમગ્ર પ્રજાનું હીર નીર્ણાયક ઠરે છે. ઝાંસીની રાણી જેવા અપવાદો બહુ બહુ તો બાવલાં બનીને પુજાય છે. હલદીઘાટના યુદ્ધમાં અકબરના 75,000 સૈનીકો સામે વીરશીરોમણી રાણા પ્રતાપ પાસે ફક્ત 22,000 સૈનીકો હતા, જેમાંના ઘણાબધા તીરકામઠાંથી લડવાવાળા આદીવાસી ભીલ લોકો હતા. મોગલ સૈનીકના લોખંડના બખ્તરને ભાગ્યે જ જુનાં તીરો ભેદી શકે. આવાં કામચલાઉ લશ્કરો જમાવતાં પણ રજપુતોને મુશ્કેલી પડતી. આપણાં મોટા ભાગનાં રાજ્યોને નાણાંની ને શસ્ત્રસરંજામની સખત તંગી ભોગવવી પડતી હતી. મરાઠાઓ જ્યાં જીતે ત્યાં ચોથ ને સરદેશમુખી ઉઘરાવે, સુરત શહેર લુંટે, પણ કાયમી આવક ક્યાં ? આર્થીક વ્યવસ્થાપન નહીં, કરવેરાનું આધારભુત માળખું નહીં, કાયમી આવકનાં સાધનો નહીં. પરીણામે, લશ્કરોનો મોટો ભાગ ઉતાવળે જમા કરેલા સ્વયંસેવક સૈનીકોનો હોય. શીસ્ત, તાલીમ, લાંબી યોજના કે પ્રેરક ધ્યેય મળે નહીં. અને આ બધું કેવા જમાનામાં ? જ્યારે દુશ્મનો ધંધાદારી પગારદાર સૈન્યો રાખતા; જ્યારે વફાદારીથી કામ થતાં; જ્યારે સત્તા, સંપત્તી કે માન મરતબો મેળવવા ખાતર જ યુદ્ધો લડાતાં, રાષ્ટ્રપ્રેમ ખાતર નહીં.

3.   બૌદ્ધીક ને સાંસ્કારીક વલણો :

ઉપર વર્ણવી છે તેવી અનેક નબળાઈઓ સમજવા ખાતર જરુરી એવી બુદ્ધીમત્તા, એવી માન્યતાઓ અને એવાં વલણો આપણા સમાજમા હતાં ખરાં? યુદ્ધ જીતવા રાજકીય મુત્સદ્દીગીરી જોઈએ; લાંબા ગાળાની નીતી નક્કી કરીને યોજનાઓ ઘડવી પડે; એનો અમલ કરવા સંસ્થાકીય માળખું ઉભું કરવું પડે; માનવીય સંગઠન ને શસ્ત્રાસ્ત્રોની પુરતી તૈયારીઓ જોઈએ. આમાંનું કશું જ કરી શકવા આપણે અશક્ત નીવડ્યા. જીતવા માટે સૌથી પ્રથમ તો વૈચારીક સ્પષ્ટતા જોઈએ; પણ આપણે તો દ્વીધાઓમાં કાયમ અટવાયેલા હતા! હીંસા કે અહીંસા ? આ લોક કે પરલોક ? શત્રુને ક્ષમા કે શીક્ષા ? પહેલાં થડ કાપવું કે ડાળીઓ? ફક્ત સંરક્ષણ કરાય, કે સંરક્ષણના હેતુથી આક્રમણ યોગ્ય ગણાય? આપણી ફીલસુફીમાં જ પાર વગરની ખાંચખુંચ. પ્રશ્નોનો પાર નહીં, તર્કનો પાયો નહીં, બુદ્ધીનો આધાર નહીં અને શ્રદ્ધા તો અનરાધાર !

થોડી વીગતો તપાસીએ. આપણા યોદ્ધાઓ બહાદુર, પણ એકલવીર હતા. એકલા ગીત ગાવું અને ઓર્કેસ્ટ્રામાં સમુહગાન ગાવું, એ બે તદ્દન જુદા પ્રકારની આવડત માગી લે છે. આપણાં સૈન્યોમાં શીસ્તના કાયમના અભાવ વીશે, અંધાધુંધી ને અવ્યવસ્થા વીશે, કોઈ બેમત નથી. વ્યક્તીગત બહાદુરી માત્રથી યુદ્ધો જીતવાનો જમાનો મહાભારત કાળમાં હશે; હવે નથી. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કેડમાં બાળકને બાંધીને લડી હતી, એવી વાતોનું ગૌરવથી રટણ કરનાર પ્રજા ફક્ત વીરપુજક જ નહીં; પણ બાલીશતાની પુજક પણ ગણાવી જોઈએ. શુરવીરતા ગમે તેટલી હોય પણ શીસ્ત અને શસ્ત્ર સામે લાચાર બને છે. નવાં કે સુધારેલાં શસ્ત્રો સામે એનું બહુ ઉપજતું નથી. સીકંદરની ઝડપી અશ્વારોહી સેનાએ વરસાદમાં જેલમનું પુર ઓળંગી વીર પોરસની હાથીસેના પર સરસાઈ સીદ્ધ કરી હતી. બાબર પહેલી વાર દારુગોળો લઈ આવ્યો હતો. આપણે તીર ને તલવારને વળગી રહ્યા. મોગલ સામ્રાજયની સ્થાપનાનાં બે જ વર્ષ પછી જ્યારે એ ડગમગતું હતું ત્યારે મેવાડના રાણા સંગની સરદારી હેઠળ રજપુતો એકત્ર થયા. બહાદુર રાણા સંગના શરીર પર 80 તો ઘા હતા ! એની વીશાળ રજપુત સેના બાબરના નાના સૈન્ય સામે હારી ગઈ. બાબર પાસે તોપ હતી; રજપુતો પાસે ભાલા, તલવાર ને તીર હતાં. આપણાં નાજુક મગજ યુદ્ધકળાની બદલાતી આવશ્યકતાઓ સમજી ન શક્યાં. નાનકડાં પણ શીસ્તબદ્ધ યુરોપીયન સૈન્યો આપણાં લશ્કર નામે ઓળખાતાં ટોળાંઓને સહેલાઈથી હરાવવા માંડ્યાં ત્યાર પછી જ આપણા સુલતાનો જાગ્યા. આપણાં લશ્કરોને તાલીમ આપવા ટીપુ, સીંધીયા અને રણજીતસીંહ જેવાઓએ યુરોપીયન લોકોને રોકવા માંડ્યા ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હતું. આવા યોદ્ધાઓની નીઃશંક મહાનતા બ્રીટીશ પુરને ખાળી શકી નહીં.

ઘણા બધા વીદ્વાન પુરુષો સુધ્ધાં સમજ્યા નથી કે અઢારમી સદીનું ભારત એક પાકા ફળ જેવું હતું, જે માત્ર હાથ અડાડવાથી જ તુટી પડવાની રાહ જોતું હતું. એક અંગ્રેજ કહે છે: ‘અર્ધા જાગતા–અર્ધા ઘેનમાં જ અમે સામ્રાજ્ય જીતી બેઠા’. જે યુદ્ધથી ભારતમાં બ્રીટીશ સત્તાનો પાયો નખાયો, તે પ્લાસીના નીર્ણાયક યુદ્ધ (1757)નો દાખલો જુઓ : લગભગ એક લાખના હીન્દી લશ્કરને હરાવ્યું ત્યારે બ્રીટીશ ખુવારી કેટલી થઈ? ફક્ત 150 માણસો. મરાઠી સત્તાનાં અન્તીમ વર્ષોમાં અંગ્રેજોએ યુદ્ધગીરી કરતાં વધારે તો મુત્સદ્દીગીરીમાં મરાઠા સરદારોને હરાવ્યા હતા. પશ્ચીમીયા પવનનું એક જ મોજું આવ્યું ને આપણા સ્નો–મેન(બર્ફીલા) સુલતાનો પળવારમાં પીગળી ગયા. સરખાવો આની સાથે: અમેરીકામાં સોળમી સદીની શરુઆતમાં કોર્તેઝ ને પીઝારો જેવા સ્પેનીશ વીજેતાઓએ શું કર્યું? રેડ ઈન્ડીયનોનાં આઝટેક અને માયા સામ્રાજ્યોનાં અર્ધો–પોણો લાખનાં લશ્કરોને પાંચસો હજાર યુરોપીયનોએ સર કર્યાં. વીજેતા પ્રજા એક જ (યુરોપીયન). હારનારી બન્ને પ્રજાઓ ‘ઈન્ડીયન–એક રેડ ઈન્ડીયન, બીજા આપણે.’ સરખામણી આપણે માટે બહુ શોભાસ્પદ તો નથી જ.

યુરોપમાં 1756 થી 1763 ના સપ્તવાર્ષીક વીગ્રહ પછી 1815ના વોટર્લુના યુદ્ધ સુધીના સમયગાળામાં બ્રીટીશરો આખી દુનીયામાં ભારે ભીડમાં હતા. અમેરીકન કોલોનીઓમાં બળવો થયો. ફ્રાન્સમાં નેપોલીયન જાગ્યો. ભારતમાં નાના ફડનવીસે મરાઠા રાજ્યને પાણીપત પછી ફરી ઉભું કરેલું. સીંધીયા, ટીપુ, નીઝામ, ત્રણે મજબુત હતા અને ફ્રેન્ચ સત્તાનો એમને પુરો ટેકો હતો. ફ્રેન્ચોના ટેકાનો પુરેપુરો ફાયદો અમેરીકન લોકોએ લીધો (1776 થી 1783) અને બ્રીટીશ સત્તાને પાણીચું આપ્યું. આપણે આ બધી પરીસ્થીતીનો કોઈ લાભ લઈ ન શક્યા. સામ, દામ, ભેદ અને દંડથી, વ્યુહરચના અને મુત્સદ્દીગીરી વાપરી, થોડાક અંગ્રેજોએ આપણા રાજકર્તાઓને વશ કર્યા. કૅનેડા, યુરોપ ને ભારત, ત્રણેય ખંડોમાં તેઓ લડ્યા ને જીત્યા. ભારતમાં તો અંગ્રેજ રાજાએ નહીં; એની વ્યાપારી પેઢી (ઈસ્ટ ઈન્ડીયા કંપની)એ આપણા રાજાઓ પર વીજય મેળવ્યો.

વ્યક્તીઓની વાત કરીએ તો, એક બાજુ થોમસ જેફરસન, બેન્જામીન ફ્રેંકલીન અને વીલીયમ પીટ (બ્રીટીશ વડાપ્રધાન) જેવી પશ્ચીમની વીભુતીઓ; અને બીજી બાજુ આપણા જાણીતા પુરુષો નાના ફડનવીસ, બાજીરાવ પેશ્વા અને ગંગાધર શાસ્ત્રી કે રામશાસ્ત્રીને મુકી જુઓ, કારણ તેઓ બધા સમકાલીનો હતા. કયા પક્ષે બુદ્ધી કે શક્તી વધુ જણાય છે ? આપણા મહાપુરુષો પ્રત્યે માથું નમાવીને પણ સ્વીકારવું જ પડે કે તેઓ અતીશય વામણા હતા. એ દીવા જેવી સ્પષ્ટ હકીકત છે. બધાનાં જીવનચરીત્રો હાથવગાં છે. પાણીપતની ત્રીજી લડાઈ પહેલાં જ મરાઠા સેનાપતી સદાશીવરાવ ભાઉના દુર્વર્તનથી જાટ રાજા પોતાની સેના લઈ જતો રહ્યો ને મરાઠાઓને જીવલેણ ફટકો પડ્યો એ જાણીતી વાત છે. મરાઠી સત્તાના સુર્યાસ્ત સમયે પેશ્વાના ધર્મચુસ્ત બ્રાહ્મણ વર્તુળ તરફથી એક પ્રશ્નમાં ગરમાગરમ વીવાદ થયો : ચન્દ્રસેન કાયસ્થ પ્રભુ (CKP) નામે ઓળખાતી ઉપજ્ઞાતી એ બ્રાહ્મણ કહેવાય કે ના કહેવાય ? પેશ્વાનો જ એક મોટો સરદાર એટલે ઈન્દોરનો હોલ્કર, ને એના ઉપર એ જ્ઞાતીનો પુર્ણ પ્રભાવ. પરીણામ ભયાનક આવ્યું. હોલ્કરે પેશ્વાની રાજધાની પુનામાં આવી એને લુંટ્યું.

સાફ પરીપ્રેક્ષ્ય (Prospective)માં મુકીને સાદી, સીધી ને સાચી વાત કહેવી હોય તો તે એક જ છે: આપણા કરતાં આપણા શત્રુઓમાં ઘણાં વધારે બુદ્ધી, કુનેહ અને સમજ હતાં. આ એક જ વાત આપણા ડહાપણની ડાહી ડાહી વાતોને બાજુએ મુકીને આત્મનીરીક્ષણ પ્રેરવા માટે બસ છે. આપણી પ્રજામાં લોકપ્રીય થયેલા કુસમ્પના બહાના કરતાં આ હકીકતમાં સત્યનો અંશ ઘણો વધુ છે. આપણા કુસમ્પનો લાભ તેઓ લઈ શક્યા; એમના કુસમ્પનો લાભ આપણે ન લઈ શક્યા. વામન બુદ્ધીની વ્યક્તીઓનો અતી સંકુચીત દૃષ્ટીવાળો આપણો સમાજ હતો. પરદેશીઓએ તોડ્યો એ પહેલાં જ અંદરથી એ તુટવા માંડ્યો હતો. બૌદ્ધ, જૈન, શૈવ, વૈશ્ણવ ધર્મના ઝઘડાઓ અનેક હતા. અહીંસાના ઉપદેશથી સમાજ બીન–લડાયક વલણવાળો બન્યો હતો. સંતોષના ઉપદેશથી સાહસ ને સીદ્ધીની અભીલાષા ઉડી ગઈ હતી. જૌહર, સતીપ્રથા, શુકન–અપશુકન, નસીબ ને ભવીષ્યકથન જેવા વહેમોએ સમાજને અંદરથી કોરી ખાધો હતો. તપ, ત્યાગ, બ્રહ્મચર્ય, નીર્મોહી જીવન, નીષ્કામ કર્મ, આ બધી માન્યતાઓએ લાંબા ગાળે આપણા દુશ્મનોને જ મદદ કરી.

♦    ગીતા અને યુદ્ધનું તત્ત્વજ્ઞાન :

નીર્મોહી જીવન અને નીષ્કામ કર્મ એ ગીતાનું હાર્દ છે અને ગીતા એ હીન્દુત્વનું હાર્દ છે. ગીતા એ સાધારણ પુસ્તક નથી; સદીઓથી એણે આપણા સંસ્કારોનું ને જીવનનું ઘડતર કર્યું છે. તેથી થોડાક સામાન્ય બુદ્ધીના વાસ્તવીક સવાલો પુછવા જરુરી છે. નીર્મોહી જીવન અને નીષ્કામ કર્મના આદર્શો વ્યક્તીગત જીવનમાં અવશ્ય ઉપયોગી થઈ શકે; પણ એક કલ્પના કરો : મારો શત્રુ એના ધર્મમાં ને ધ્યેયમાં કટ્ટર રીતે પ્રતીબદ્ધ છે. કોઈ પણ રીતે જીતવાના એકમેવ હેતુથી તે મરણીયો થઈ લડે છે. બીજી બાજુ હું, નીર્મોહી ને નીષ્કામ છું. હાર કે જીત બન્નેને હું સરખાં ગણું છું. મારી ફરજ છે એમ માનીને લાગણી વીના હું લડું છું. ધારો કે બીજી બધી પરીસ્થીતીઓ સમાન હોય, તો કોનો જીતવાનો સંભવ વધારે છે? મારો કે મારા શત્રુનો ? જવાબમાં જરાય શંકા નથી; ને આ કલ્પના પણ નથી. આવી પરીસ્થીતીમાં શત્રુ જ જીતે –મુસ્લીમો મધ્ય યુગમાં આ રીતે જ હીન્દુઓ સામે જીત્યા છે ને જીતતા આવ્યા છે. આપણે જોઈએ, વીચારીએ, શત્રુને પણ ચાહીએ; કારણ આત્મા એક છે ને અમર છે. શત્રુ કાંઈ ના વીચારે, ફક્ત તલવાર ચલાવે. કૃષ્ણએ અર્જુનને લડવા પ્રેર્યો, એ શા માટે? એ તારી ફરજ છે માટે; અને આમેય તે કોઈ કોઈને મારતું નથી; કારણ આત્મા અમર છે’. ભાર છે ફીલસુફી ઉપર; વ્યવહાર ઉપર નહીં – લડવું તે સ્વબચાવ માટે નહીં, શત્રુ ખરાબ છે માટે નહીં, એને ધીક્કારવા માટે નહીં – ભીષ્મને કેમ ધીક્કારાય? મધ્યયુગમાં મુસ્લીમ જીહાદ માનીને લડતો હોય અને હીન્દુ ધર્મયુદ્ધ માનીને લડતો હોય, એટલે બન્ને પોતપોતાના ધર્મ માટે લડે છે એ તો સરખું જ થયું ! ફરક માત્ર એટલો જ કે એક માણસ ‘કાફીર’ને દીલથી ધીક્કારે છે; બીજો શત્રુમાં પણ અમર આત્મા નીહાળે છે. કોણ જીતશે? હીન્દુ એની ફીલસુફીમાં જીતશે; મુસ્લીમ એની જીહાદમાં. સંતોષ અને સફળતામાં શો ફરક? એ જ કે આપણને સંતોષ મળ્યો; શત્રુને સફળતા. દુનીયામાં બધી જાતના લોકો હોય, ને તૈયાર પણ હોય – કેટલાક મરવા માટે, કેટલાક એમ કરવામાં એમને મદદ કરવા માટે. બીજા વીશ્વયુદ્ધનો નામાંકીત અમેરીકન જનરલ પેટ્ટન એના સૈનીકોને શું કહેતો હતો તે સાંભળો : ‘આપણે દેશ માટે યુદ્ધમાં મરી ફીટવા આવ્યા નથી. આપણે તો પેલો હરામી શયતાન (શત્રુ) એના દેશ માટે મરી ફીટે એવું કરવા આવ્યા છીએ.’

આપણો આદર્શ વીર અર્જુન છે. યુદ્ધ પહેલાં જ એ પાણીમાં બેસી જાય છે. મહાયુદ્ધ તો ઘણા સમયથી નક્કી થયેલું ને ચર્ચાતું હતું. બધાને રુબરુ સામે ઉભેલા જોયા પછી જ એને ખ્યાલ આવ્યો કે એને પ્રીય કુટુમ્બીજનો સામે લડવાનું છે ? યુદ્ધની પુર્વતૈયારીઓ દરમીયાન શંકાઓ હોય તે સારું હોઈ શકે; પરન્તુ એકવાર નીર્ણય લેવાઈ ગયા પછી યુદ્ધ જાહેર થાય, સેનાઓ સામસામે આવી જાય, ત્યારે યુદ્ધભુમી ઉપર જ સેનાપતી આનાકાની કરે, એ પરીસ્થીતી માત્ર અયોગ્ય જ નહીં; અત્યંત હાનીકારક પણ છે. દ્વીધાગ્રસ્ત વીર યુદ્ધ જીતી શકે એવો સંભવ ઓછો; કદાચ જીતે તો પણ અંતે તો કરુણાન્તીકા જ સર્જાય – પછી એ હીરો હેમ્લેટ હોય કે અર્જુન; વ્યક્તી હોય કે સમાજ. ભાવનાઓની ભુલભુલામણીમાં ફસાયેલો એ સેનાપતી છે. શેક્સપીયરનો હેમ્લેટ જ જોઈ લો : ‘To be or not to be, that is the question.’ દુશ્મનને ચાહતો અર્જુન આપણો નેતા છે – શ્રેષ્ઠ અને શુરવીર; પણ આદર્શો વીશે દ્વીધાગ્રસ્ત (Split Personality). હીન્દુઓ લડે છે ખરા; પણ ખોટા કારણથી, ખોટાં ધ્યેયો ને ખોટા આદર્શો માટે. બીજાઓ જીતવા માટે લડે છે; આપણે ફરજ બજાવવા લડીએ છીએ. બીજાને જોઈએ છે સફળતા; આપણને જોઈતું કાંઈ નથી. બીજાઓ નીષ્ફળતા વેઠી નહીં લે; આપણે બધું વેઠી લઈશું. અરે, કોક વાર સફળતા પણ વેઠી લઈશું, જો એ ભાગ્યમાં ભટકાઈ જાય તો ! આપણે શત્રુને ધીક્કારતા નથી, એ આપણને છોડતા નથી. આપણને ‘આ લોક’ ગમતો નથી; તેઓ આપણને ‘પરલોક’ મોકલે છે. આપણે આપણને બચાવી શકતા નથી; પણ અમર આત્માને તો બચાવીએ છીએ ને ? ધારો છો કે, પ્રાચીન કાળની આ ફીલસુફી વર્તમાનમાં હીન્દુ સમાજને બચાવી શકે ?

કોઈપણ યુદ્ધનાં ધ્યેય અને હેતુઓ શા છે ? એમની માંડણી ને રજુઆત કેવી રીતે થાય છે? એના ઉપર એ યુદ્ધનાં પરીણામનો ઘણો આધાર હોય છે. જુના સમયમાં રાજા, દેશ ને સન્માન માટે લોકો લડતા; મુસ્લીમો જીહાદ માટે લડ્યા; ક્રુઝેડો ધર્મ માટે લડાઈ; બે વીશ્વયુદ્ધો લોકશાહી બચાવવા લડાયાં. સારાં કે ખોટાં પણ ધ્યેય અને હેતુઓ સ્પષ્ટ હતાં. દુધ–દહીંમાં પગ રાખીને લડાય નહીં; લડાય તો જીતાય નહીં. દ્વીધા અને અનાસક્તીનો યોગ યુદ્ધમાં અશક્તી ઉત્પન્ન કરે. ધ્યેયબદ્ધતા, એકમેવ લક્ષ્ય, નીર્ણયાત્મક નેતૃત્વ, પ્રતીબદ્ધ પ્રજાશક્તી, આમાંનું કંઈ પણ ખુટતું હોય તો યુદ્ધ જીતાય નહીં. આ પ્રકારના ગુણો હીન્દુ માનસમાં કેળવાયા જ નહીં એ એમના સદીઓ જુના પરાજયોનું મહત્ત્વનું ને મુળભુત કારણ છે.

લડાઈમાં હાર થાય એ લાંબા ગાળે ખરેખર મોટી આપત્તી હોય પણ ખરી; ના પણ હોય. પરન્તુ તાર્કીક તારણો કાઢીને હારને અનીવાર્ય ગણવી, વાજબી ઠરાવવી –Rationalize કરવી – એનાથી એ હાર ખરેખરી ને કાયમી આપત્તી બને છે. નસીબવાદ, માયાવાદ અને અનાસક્તીયોગ જેવાં તત્ત્વજ્ઞાનનાં તોરણો બાંધીને ભારતમાં આ કામ થયું છે અને તેથી જ બીન–વ્યાવહારીક ને નકારાત્મક અભીગમ આપણાં માનસતન્ત્રમાં જામી ગયેલ છે. આવાં વલણોથી પરલોક કદાચ જીતાય; આ લોકનાં યુદ્ધો જીતાય નહીં. યુદ્ધમાં તો વીજયાકાંક્ષા અનીવાર્ય છે, ધ્યેયનીષ્ઠા વીધાયક છે, સુસજ્જતા નીર્ણાયક છે. આપણામાં એકેય નહોતાં. આપણામાં તો હતી એક અદમ્ય ઈચ્છા આ અસાર સંસારથી છુટવાની. એમાં આપણા શત્રુઓએ સહાય કરી. આપણે શાસ્ત્રો ટાંક્યાં; એમણે શસ્ત્રો તાક્યાં. આપણે તપ આદર્યાં; એમણે તલવાર ચલાવી. શું વધુ કારગત નીવડ્યું એની સાક્ષી ઈતીહાસ પુરે છે.

♦   ફક્ત સો વર્ષ પહેલાંના ભારતની વાસ્તવીકતાઓ :

ચોખ્ખી ચણાક વાત છે કે આપણી સમાજવ્યવસ્થા પરદેશીઓના પડકાર સામે ઉભી રહી શકી નહીં. પુનરપી પરાજય, પુનરપી પરાજય, એ કદી અકસ્માત ન હોઈ શકે. આપણી હાર માત્ર એક નબળાઈ ન હતી; એ તો રાજકીય, નૈતીક, ધાર્મીક, સામાજીક, સમગ્ર તન્ત્રવ્યવસ્થાની નીષ્ફળતા હતી. કોઈને આ વીશે હજી પણ શંકા હોય તો માત્ર સોએક વરસ પુર્વેના (1850 થી 1900) ભારતની પરીસ્થીતી પર નજર ફેંકવાથી ખાતરી થશે. એના સાક્ષીપુરાવા હાજર છે, અંદાજો બાંધવાની કે કલ્પના કરવાની જરુર નથી.

એ સમયે અંગ્રેજી શીક્ષણની શરુઆત થયેલી. પણ પ્રચાર નહીં; વીજળી કે વીમાન ન હતાં, મોટરગાડી કે ફોન પણ નહીં; એટલે સમાજ ઉપર આજના જેવી પાશ્ચાત્ય અસરો નહીંવત્ હતી. તેથી જુનું ભારત આધુનીકતાથી લગભગ અસ્પૃષ્ટ દશામાં જોવાની તક અહીં મળે છે. આજે પણ આપણાં ગામડાંમાં આમાંનું ઘણુંબધું દૃષ્ટીએ ચડે છે.

કેવું હતું એ ભારત ? 85 ટકાથી વધારે વસ્તી ગામડાંમાં રહેતી, અંગુઠાછાપ અભણ, શ્રદ્ધાળુ. પુરાતન પદ્ધતીથી ખેતી કરતી. પીવાના પાણી માટે ગામમાં એક કુવો ઉપલાં વર્ણો માટે, બીજો નીચલાં વર્ણો માટે, ત્રીજો અસ્પૃશ્યો માટે. દરેક જ્ઞાતી પોતપોતાના અલગ લત્તાઓમાં રહે. ક્યાંય પણ જવું હોય તો કાચા રસ્તા પર કાદવ–કીચડમાં ચાલતા જવાનું. ઉપલા વર્ગનાં બેચાર પૈસાવાળાં કુટુમ્બો કે દરબાર જેવા પાસે ઘોડો હોય. મોટા ખેડુતો બળદગાડાં રાખે. સુથાર, લુહાર, મોચી ને કુંભાર જેવા વંશપરમ્પરાના જુના ધંધાઓ ઉપર ગામડાં નભે જાય. ઔદ્યોગીકરણનું નામ નહીં. અસ્પૃશ્યતા સર્વત્ર ને સ્વાભાવીક. દવાખાનું ભાગ્યે જ હોય, હોય તો પોસાય નહીં; એટલે ડોશીમાનું વૈદું ને આયુર્વેદ વનસ્પતીઓ એ દરેક રોગની દવા. ચેપી રોગોની ભરમાર, વહેમો બેસુમાર. બાળજન્મ ને બાળમરણ બન્ને ઉંચાં, આયુમર્યાદા અતીશય નીચી. પીંઢારા ને ઠગોની ટોળીઓ અંગ્રેજ સત્તાએ હમણાં હમણાં જ જેર કરેલી; પણ બહારવટીયા ને લુંટારાનો કાયમનો ત્રાસ. તેથી ડાહ્યા માણસો ઘરમાં ખાડા ખોદી પૈસા દાટે. ગાયભેંસનું છાણ ભેગું કરવું એ સ્ત્રીઓની રોજની ઉપયોગી આર્થીક પ્રવૃત્તી; કારણ છાણાં કે લાકડું એ જ બળતણ હતું. કુવેથી પાણી ભરી લાવવું, ઢોર સાચવવાં, રસોઈ કરવી, એ સ્ત્રીઓની મુખ્ય પ્રવૃત્તીઓ. બાળકો ખેતી ને પશુપાલનમાં મદદ કરે. ગામમાં શાળા જો હોય તો પ્રાથમીક ચારેક ધોરણ પુરતી; પણ હાજરી પાંખી. શાળાએ જવું ન ગમતું હોય એવા કોઈ છોકરાને બેચાર મોટા છોકરાઓ ટાંગાટોળી કરી ઉંચકીને શાળાએ લઈ આવે; ને માસ્તર સાહેબ નેતરની સોટીથી એની બરાબર ખબર લે. સ્ત્રીશીક્ષણની શરુઆત હજી થઈ ન હતી. વીધવાવીવાહ નીચલી નાતોમાં ખરો; ઉપલી નાતોમાં અકલ્પ્ય. વીધવાઓની સ્થીતી દયનીય. બાળલગ્નો બહુ જ સામાન્ય ને પ્રચલીત. મારી માતાનું લગ્ન એની 13 વર્ષની ઉંમરે થયેલું. લોકમાન્ય ટીળકની એક નાની સરખી વાત જુઓ : 12 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રીઓનાં લગ્નો ઉપર પ્રતીબન્ધ મુકતા કાયદાને એમણે ટેકો આપવાની ના પાડી. તેથી સુધારક મીત્ર આગરકરથી એ છુટા પડ્યા. અને ટીળક તો એ જમાનામાં ક્રાન્તીકારી નેતા ને સમાજસુધારક કહેવાતા !

મેં પોતે બીજા વીશ્વયુદ્ધ પહેલાં આમાંનું લગભગ બધું નાનપણમાં નજરોનજર જોયેલું છે, અને આ તો આપણી અવદશાનું એક આછું એવું જ રેખાચીત્ર છે. આજના ઘણા શીક્ષીત યુવાનોએ ગામડું જોયેલું હોતું નથી. એમને આવી હકીકતોથી આશ્ચર્ય સાથે આંચકો લાગે છે. વધુ વીગતો વધુ આઘાતજનક થશે. આ જ સમયના યુરોપ કે અમેરીકાની આધુનીક પ્રગતીની જરાક પણ કલ્પના જેને હોય એને શું થશે એ મને ખબર નથી.

આવા અતીશય નીરાશાજનક સમાજતન્ત્રમાં આપણે સદીઓ સુધી શાથી સપડાયા? અને હજી કેમ છીએ? એનાં કારણો આપણી પરમ્પરાગત માન્યતાઓ-સંસ્કારોમાં ઉંડાં દટાયેલાં છે. એની વાત હવે પછીના પ્રકરણમાં જોઈશું.

–સુબોધ શાહ

શ્રી.સુબોધ શાહનું અંગ્રેજીમાં લખાયેલું ‘Culture Can Kill’ પુસ્તકના એક પ્રકરણમાંથી ઉપરોક્ત લેખ, કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2013ના ઓક્ટોબર માસના અંકમાં પ્રકાશીત થયો હતો. આ લેખ, લેખકશ્રી અને રજુઆતકર્તાશ્રીની પરવાનગીથી સાભાર…

લેખકસમ્પર્ક:

Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ – 08831. USA

Ph : 1-732-392-6689   eMail : ssubodh@yahoo.com

પુસ્તક માટે સમ્પર્ક : www.AuthorHouse.com  (Publisher)   or

http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586

રજુઆતકર્તા : શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા –390007 સેલફોન: 972 679 9009 ઈ–મેલ: mggada@gmail.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

 ‘રૅશનલ–વાચનયાત્રા’ માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66  ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 17/04/2015

કલ્ચર કેન કીલ (Culture Can Kill)

એક સ્થગીત સમાજ

3

મુળ લેખક : સુબોધ શાહ

રજુઆતકર્તા : મુરજી ગડા

પશ્ચીમના પ્રગતીશીલ સમાજોના સંસ્કારો આપણા કરતાં સાવ જુદા છે તે આપણે ‘સંસ્કારભેદઅમેરીકા અને ભારતનો…’ લેખ ( https://govindmaru.wordpress.com/2015/01/23/culture-can-kill/ ) માં જોયું. એથી ઉલટા, સદીઓથી પછાત રહેલા આપણા સમાજની વીશીષ્ટતાઓ શી છે? ફક્ત ત્રણ જ મોટા ને મહત્ત્વના તફાવતોની વાત અહીં કરીશું; કારણ કે આપણા પરાજયો અને પછાતપણા સાથે એમનો સીધો સમ્બન્ધ છે :

 1. સમાજમાં સ્ત્રીનું નીચું સ્થાન :

સામાજીક સ્થાન અને કેળવણીની બાબતમાં હીન્દુ સમાજની સ્ત્રીઓ સદીઓ સુધી ખુબ પછાત હતી એનાં પરીણામો અતી ગંભીર આવ્યાં છે: બાળ-ઉછેરની ખોટી રીતો, કુટુંબોમાં અનારોગ્ય, પોષણની ખામી, ચેપી રોગોનો ફેલાવો— એનાં, આવાં આવાં અનેક દુષ્પરીણામો આપણે ભોગવ્યાં છે.

હીન્દુ સમાજમાં સ્ત્રીનાં બે જ સ્થાન હતાં: ચાર દીવાલની વચ્ચે અથવા મૃત પતીની સળગતી ચીતા ઉપર. પતીને દેવ માની એની પુજા કરતી સ્ત્રી એ જ આદર્શ પત્ની કહેવાય, એવા આપણા સંસ્કારો છે. છોકરો જન્મે તો પેંડા વહેંચાય; છોકરી જન્મે તો ઉપેક્ષા, રડારોળ કે દુધ પીતી કરાય (મારી નંખાય), એવો આપણો રીવાજ. કન્યાનું ‘દાન’ થાય. ગૃહકંકાસમાં એને બાળી મુકાય. વીધવાઓની કરુણ કથનીઓ ઘેર ઘેર જોવા મળે. સ્ત્રી અભણ એટલે કાં તો પશુસમ મજુરી કરે; કાં તો નવરીધુપ હોઈ પારકી પંચાતો કરે. સંસારની ઝીણી ઝીણી ક્ષુદ્ર બાબતો સીવાય બીજા કશામાં જરાય રસ નહીં. રુઢી, વહેમ, તકરારો, વાંધાવચકા, બધાંથી ભરપુર. ભારતમાં પુરુષ પીએચ.ડી. અને પત્ની તદ્દન નીરક્ષર, એ બહુ સામાન્ય વાત હતી. અનેક તેજસ્વી પુરુષોની પ્રગતી અભણ પત્નીઓએ અટકાવી હોય, એવાં ઉદાહરણો ગત પેઢીઓમાં ઓછાં નથી. સાહીત્યસમ્રાટ કનૈયાલાલ મુનશી પોતાની આત્મકથામાં લખે છે (1930): ‘હું લખતો હોઉં ત્યારે મારી પત્ની ગુપચુપ આવે ને મારા ખડીયામાં શાહી ભરી જાય. અમારી આખી જીન્દગી દરમીયાન કોઈપણ પ્રકારના સાહીત્ય સાથે આટલો જ એનો સમ્બન્ધ !’

આ જ સમયગાળામાં પશ્ચીમમાં ક્યુરી દમ્પતી જેવાં અનેક ઉદાહરણો યાદ કરો, બન્ને રસાયણશાસ્ત્રમાં નોબેલ વીજેતા હતાં. સ્ત્રીનું સશક્તીકરણ (Empowerment) કરવાથી સમાજમાં આશ્ચર્યજનક પ્રગતી થાય છે. દા.ત. અમેરીકામાં શું થયું? એલીનોર રુઝવેલ્ટ તરત યાદ આવે. સ્ત્રીજાગૃતીની ચળવળના પરીણામે, કીન્ડરગાર્ટન, બાલ આરોગ્યસેવાઓ, બાળકો માટેની જુદી ન્યાયપદ્ધતી, વગેરે શરુ થયાં; અને તે પણ સ્ત્રીઓને મતાધીકાર મળ્યો એના પહેલાં. દારુ પીધેલા ડ્રાઈવરો ને બન્દુકધારી નાગરીકો વીરુદ્ધ મજબુત સંગઠનો સ્ત્રીઓએ ઉભાં કર્યાં. બીજા વીશ્વયુદ્ધમાં સ્ત્રીઓએ મહત્ત્વનો ફાળો આપ્યો.

બ્રીટીશરોએ બનાવેલા કાયદા, પશ્ચીમી કેળવણી અને સામાજીક ચળવળો પછી, આજે પરીસ્થીતી થોડી સુધરી છે; પણ મુખ્યત્વે શહેરોમાં જ. આજે પણ પુરુષોના 76 ટકા સામે ફક્ત 52 ટકા સ્ત્રીઓ જ શીક્ષીત છે. આર્થીક સ્વતન્ત્રતા હજી દુર છે, સલામતી શંકાસ્પદ છે, સમાનતા સ્વપ્નવત્‌ છે. કોઈ પણ સમાજ એના અરધોઅરધ ભાગની ઉપેક્ષા કરે, એને હડધુત કરે, એને પ્રગતી કરવાની તક ન આપે, એની જન્મજાત શક્તીઓને વેડફી નાખે, તો એ સમાજ પ્રગતી કેવી રીતે કરી શકે? આપણી અનેક પેઢીઓને અભણ, અજ્ઞાની, જુનવાણી, બીન–તંદુરસ્ત માતાઓએ જ ઉછેરીને મોટી કરી છે; આપણે પ્રગતી કરી ન શક્યા એમાં આશ્ચર્ય શું ?

2. શીક્ષણની મર્યાદાઓ :

ઓગણીસમી સદીમાં આધુનીક અંગ્રેજી શીક્ષણની શરુઆત થઈ એ પહેલાં આપણે ત્યાં ગુરુકુલો, પાઠશાળાઓ અને મદ્રેસાઓ હતાં. એમની સંખ્યા અલ્પ, સાધનો ટાંચાં અને વીષયો તદ્દન મર્યાદીત. ટુંકમાં, સાવ ભંગાર. (નાલન્દા ને તક્ષશીલા ભુલી જાઓ, એ તો પ્રાચીન કાળની વાતો છે); આપણે તો અહીં છેલ્લાં 1000 વરસની વાત કરી રહ્યા છીએ. 1947માં ભારતમાં નીરક્ષરતા 82 ટકા હતી ! સરખામણી કરવા ખાતર જુઓ કે ઉત્તર અમેરીકાના શ્વેતવર્ણ લોકોમાં છેક 1820માં પણ નીરક્ષરતા ફક્ત 10 ટકા જ હતી. વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પન્દર–સોળની ઉંમરે કોઈવાર નદીમાં તરીને સ્કુલમાં જવું પડતું હતું. ઘણાં ગામડામાં નાનકડી ભંગાર સ્કુલ પણ ફક્ત ચાર ધોરણ સુધીની, એટલે લગભગ આખું ગામ નીરક્ષર. ઓછી સંખ્યા કરતાં પણ વધારે ગંભીર બાબત એ કે આપણાં આ મોટા ભાગનાં ગુરુકુલો સંસ્કૃતમાં ધાર્મીક શીક્ષણ આપે. આયુર્વેદ ખરું, વ્યાવહારીક કામ પુરતું ગણીત ખરું; પણ વીજ્ઞાન નહીં, ભુગોળ નહીં, ટૅકનીકલ શીક્ષણ તો નામ પુરતુંય નહીં ! બાપ પોતાના દીકરાને શીખવી શકે તેટલા પુરતું જ ધન્ધાદારી શીક્ષણ. આપણા પંડીતોનો દૃઢ મત એવો કે મેળવવા યોગ્ય જ્ઞાન માત્ર આધ્યાત્મીક જ હોય. એ સારી રીતે અપાતું હતું; પણ કેટલા લોકો હરદ્વાર ને ઋષીકેશ જઈ શકે? ઉપરાંત, થોડુંઘણું જે કાંઈ શીક્ષણ હતું તે ફક્ત પુરુષો માટે અને ઉપલા વર્ણોના – ખાસ કરીને બ્રાહ્મણોના – પુરતું મર્યાદીત હતું. સ્ત્રીશીક્ષણની અવગણના જ નહીં; એનો વીરોધ સુધ્ધાં વ્યાપક હતો. દુનીયા જ્યારે વીજ્ઞાનમાં કુદકે ને ભુસકે આગળ વધી રહી હતી ત્યારે, ભારતમાં સેંકડો વર્ષો સુધી શીક્ષણની પરીસ્થીતી જો આવી હોય, તો આપણી દશા કેવી થાય એની કલ્પના કરો.

છેક 1947માં, સ્વાતન્ત્ર્ય પછી, આપણે પ્રાથમીક શીક્ષણને ફરજીયાત અને મફત બનાવ્યું. એના અમલમાં અનેક ખામીઓ છે; છતાં એ ડહાપણનું મોટું પગલું હતું. ઉચ્ચ ટૅકનીકલ શીક્ષણની IIT જેવી સંસ્થાઓ સ્થાપી એ એનાથી પણ વધુ દુરંદેશીનું પગલું છે. યાદ રાખવું જરુરી છે કે આ બધાં સારાં પગલાં પશ્ચીમનું શીક્ષણ પામેલા આધુનીક નેતાઓએ લીધાં છે; આપણી જુની સંસ્કૃતીના પુરસ્કર્તાઓએ નહીં.

 3. વર્ણવ્યવસ્થા :

હીન્દુની ઓળખ કે એનું વર્તુળ, એની પહોંચ કહો કે પરીઘ, એ એની જ્ઞાતી છે. હીન્દુ વ્યક્તીની ક્લબ, એનો ધર્મ, એની જાતપાત, એનું બધું જ; એની ન્યાતમાં સમાઈ જાય. હીન્દુને સૌથી કડક સજા કરવી હોય તો એને નાત બહાર મુકો. અભ્યાસ કરવા પરદેશ જવાના ગુનાસર ગાંધીને એનું પ્રાયશ્ચીત્ત કરવું પડેલું. હજાર વરસમાં હીન્દુ સમાજનું સર્વશ્રેષ્ઠ (!) કામ કદાચ એ હશે કે એણે ટાગોર અને ગાંધી બન્નેને ન્યાત બહાર મુકેલા! આપણે ત્યાં ફક્ત અસ્પૃશ્ય જ્ઞાતીઓ જ નથી; અસ્પૃશ્ય જ્ઞાતીઓમાં સુધ્ધાં ઉંચીનીચી ઉપજ્ઞાતીઓ છે. સીદ્ધાન્તમાં કાયદાએ તો એને ભુંસી નાખી છે; પણ એમ કાંઈ એ જાય !

આપણી જનતાના સામન્તશાહી યુગનાં આજનાં વલણોનાં મુળમાં જ્ઞાતીપ્રથા છે, જેને પ્રાચીન વર્ણાશ્રમ ધર્મ કહે છે. આ ધર્મમાં માણસનો ઉદ્યોગ કે ધન્ધો કુટુમ્બ સાથે જાય છે. સુથારનો દીકરો સુથાર થાય, વાણીયાનો દીકરો વેપારી થાય, ગુરુનો દીકરો ઉપદેશક થાય, મુખ્ય પ્રધાનનાં પત્ની–પુત્ર–સગાંવહાલાં મુખ્ય પ્રધાન થાય. અને એ બધાં જ એકબીજાંને ભ્રષ્ટાચાર માટે, ગાદી પચાવી પાડવા માટે, અનૈતીકતા માટે, દોષ દેતા ફરે ! દરજ્જા ને મોભા વીષયે અતી જાગરુક આ સમાજ છે. પદ, પદવી કે પૈસા; જન્મ, કુટુમ્બ કે હોદ્દો; કશાથી પણ પ્રાપ્ત થયેલા સ્થાનને બરાબર સમજી ગયેલો આ સમાજ છે. કેટલાક ભારતીયો વાત કરતા હોય ત્યારે તરત ખ્યાલ આવી જાય કે પોતાના સ્થાનનો, સમૃદ્ધીનો, ઉચ્ચ કક્ષાનો અણસાર તેઓ સફાઈદાર રીતે આપી શકે છે, આપવા માગે છે, ને આપતા ફરે છે.

જ્ઞાતીપ્રથાનો ઝોક બીજ પર હોય, ચીજ પર નહીં; ગુણવત્તા એમાં ગૃહીત ધરી લેવાય, ગણતરીમાં ન લેવાય; વ્યક્તી એના જન્મથી મપાય, ચારીત્ર્યથી નહીં. હજારો વર્ષોથી આપણે આ કર્યું છે; ઉચ્ચવર્ણમાં જન્મ લેવાની દીર્ઘદૃષ્ટી બતાવી હોય એને જ આપણે આગળ કર્યા છે. સત્તા કે સમૃદ્ધીના ઈજારા કરતાં જ્ઞાન કે શીક્ષણની ઈજારાશાહી સમાજને વધુ નુકસાન કરે છે. પ્રગતીનો ઘણો આધાર રાજકર્તાઓની ગુણવત્તા ઉપર હોય છે અને શીક્ષણમાં એક જ વર્ગનો ઈજારો હોય, તે એમની ગુણવત્તાને પોષક નહીં; બાધક બને છે. સમાનતાવાળા સમાજોમાં લોકશાહી વધુ સફળ થાય છે; ભેદભાવવાળા સમાજોમાં ઓછી. ભારતમાં લોકશાહી ચલાવવી બહુ મુશ્કેલ પડે છે એનું એક કારણ એ છે કે લોકો સીદ્ધાન્તો કરતાં જ્ઞાતીને વધુ વફાદાર હોય છે. Democracy gives Inspiration. Meritocracy provides Motivation. આ ચારેય ઉપર જ્ઞાતીપ્રથાએ પ્રબળ પ્રહાર કર્યા છે.

અસમાનતાના આ સંસ્કારો આપણે યુગોથી વારસામાં મેળવ્યા છે, સર્વત્ર અપનાવ્યા છે, હંમેશાં આદર્યા છે; અને છતાં નીર્લજ્જપણે એમને નાકબુલ કરીએ છીએ. કેટલાય વીદ્વાનો વર્ણાશ્રમ ધર્મનો આજે પણ બચાવ કરે છે, એને અસમાનતા કહેતા નથી, એનું મહત્ત્વ ઓછું આંકે છે ને બચાવનાં બહાનાં શોધવા તત્પર હોય છે. પ્રાચીન પોથીઓમાંનાં બેચાર રીંગણાં તરફ આંગળી ચીંધે છે ને વાસ્તવીક વર્તન તરફ આંખ આડા કાન ધરે છે. વાણી ને વર્તન વચ્ચેના વીપુલ વીરોધની ટેવ ઉપરાંત, તેઓ નીચેનાં પોથીપ્રથીત ઉદાહરણો સગવડપુર્વક ભુલી જાય છે: [1.] તપ કરતો શમ્બુક નીચા વર્ણનો હતો તેથી શ્રી. રામચન્દ્રજીએ એનો વધ કર્યો. [2.] તેજસ્વી કર્ણ બ્રાહ્મણ ન હતો એટલે પરશુરામે એને શાપ આપ્યો; એ આખી જીન્દગી હડધુત થયો. [3.] ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે એમણે પોતે ‘વર્ણાશ્રમ ધર્મ’ બનાવ્યો છે. ‘વર્ણસંકર’ શબ્દ પણ ગીતામાં અહીં વપરાયો છે. [4.] ઋગ્વેદના પુરુષસુક્તમાં બ્રહ્માજીના શરીરના ચાર ભાગમાંથી ચાર વર્ણો પ્રગટ થયા એનું વર્ણન છે અને મનુસ્મૃતીમાં પણ એ જ વાત છે. [5.] વીષ્ણુના અવતાર પરશુરામે 21 વાર પૃથ્વી નક્ષત્રી કરી એની વાત બહુ જાણીતી છે.

જ્ઞાતીપ્રથાથી ભારતવર્ષને પારાવાર નુકસાન થયું છે. એનાથી દ્વેષ, કુસંપ, ભેદભાવ અને અનેક ખોટાં વલણો સમાજમાં વીકસ્યાં. આ સમાજ પહેલેથી જ ભાષા, ધર્મ, પ્રાંત અને પ્રદેશમાં વહેંચાયેલો હતો. ઉંચનીચના ભેદભાવથી એના વધારે ટુકડા થઈ ગયા. જન્મના અકસ્માતને કારણે જ બ્રાહ્મણ વર્ગ સમાજ ઉપર કાયમ વર્ચસ્વ ભોગવી શકે એવી સગવડ જ્ઞાતીપ્રથાએ કરી આપી. સગવડ જ નહીં; ગેરન્ટી કરી આપી. દેશનું રક્ષણ કરનાર ક્ષત્રીયો કરતાં બ્રાહ્મણ વર્ગનું સ્થાન ઉંચું હતું; પણ રક્ષણ માટે બ્રાહ્મણોની જવાબદારી નહીં. સત્તા પુરેપુરી; ઉત્તરદાયીત્વ કાંઈ નહીં ! કોઈ પણ દેશમાં એક વર્ગ જ્યારે આવી અબાધીત સત્તા હાંસલ કરે છે, ત્યારે એ દેશની પડતી દશા શરુ થાય છે. બ્રાહ્મણ વર્ગે ફક્ત જ્ઞાન ને શીક્ષણ ઉપર નહીં; પણ સત્તા, સ્થાન ને જનસન્માન ઉપર, ધર્મની આડશ લઈ, એકાધીકાર (Monopoly) પ્રસ્થાપીત કર્યો. લઘુમતી બ્રાહ્મણ વર્ગના એકહથ્થુ ચલણથી બહુમતી લોકો રાજકીય બાબતોમાં રસ લેતા બન્ધ થયા. તાત્ત્વીક જીવનથી વાસ્તવીક જીવન વીખુટું પડ્યું. રાજ્યને નુકસાન થયું. સમાજ કરમાયો. દેશ શરમાયો, ધર્મ ફુલ્યોફાલ્યો.

જ્ઞાતીપ્રથાનું એક અતીગમ્ભીર પરીણામ એ આવ્યું કે કારીગર વર્ગને સમાજમાં નીચો ગણવામાં આવ્યો. સુથારીકામ, લુહારીકામ, વગેરે અત્યન્ત મહત્ત્વના ધન્ધાઓની હદ બહારની ઉપેક્ષા થઈ. કાવ્ય, ભાષાશાસ્ત્ર, અધ્યાત્મ, ફીલસુફી, વગેરેનું શીક્ષણ ચાલુ રહ્યું. તેજસ્વી વ્યક્તીઓ ભાષા જેવા વીષયો તરફ ખેંચાઈ ગઈ. ટેકનીકલ શીક્ષણ અને ઉપયોગી લૌકીક પ્રગતી બન્ધ થયાં. મહેનતનું મુલ્ય હીન્દુ સમાજમાં સ્થપાયું નહીં, ઉત્પાદનશીલ માનસ વીકસ્યું જ નહીં. જ્ઞાતીપ્રથાનું બીજું અનીચ્છનીય પરીણામ એ હતું કે જ્ઞાતી, પેટાજ્ઞાતી, ઉપજ્ઞાતી, ગોત્ર, વગેરેની અન્દરોઅન્દર જ લગ્નો થવા લાગ્યાં. એનાથી જનીન(Genes)નું આદાનપ્રદાન (Cross fertilization) સાંકડી વાડાબન્ધીઓમાં સીમીત થઈ ગયું. જીવવીજ્ઞાન કહે છે કે આ પરીસ્થીતી આવકારદાયક નથી. ફક્ત જીન્સનું જ નહીં; પણ માન્યતાઓ, સંસ્કારો, વીચારોનું પણ આદાનપ્રદાન અટકી ગયું.

હવે, ઉપર જણાવેલી ત્રણ વીશીષ્ઠતાઓ : સ્ત્રીની અવદશા, શીક્ષણપ્રથામાં ખામી અને વર્ણવ્યવસ્થાની સમગ્ર અસરનો વીચાર કરો: જે સમાજ આવી ગમ્ભીર બાબતોના ભાર નીચે હજાર વર્ષોથી દબાયેલો હોય, એની પ્રગતી ક્યાંથી થાય? એ ત્રણેનાં દુષ્પરીણામો હવે પછીના લેખમાં જોઈશું.

–સુબોધ શાહ

શ્રી. સુબોધ શાહનું અંગ્રેજીમાં લખાયેલ ‘Culture Can Kill’ પુસ્તકના એક પ્રકરણમાંથી ઉપરોક્ત લેખ, કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2013ના સપ્ટેમ્બર માસના અંકમાં પ્રકાશીત થયો હતો. આ લેખ, લેખકશ્રી અને રજુઆતકર્તાશ્રીની પરવાનગીથી સાભાર

લેખકસમ્પર્ક:

Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ – 08831.  USA

Ph: 1-732-392-6689   eMail: ssubodh@yahoo.com

પુસ્તક માટે સમ્પર્ક: www.AuthorHouse.com   (Publisher)   or

http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586

રજુઆતકર્તા : શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન: 972 679 9009 ઈ–મેલ: mggada@gmail.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તી–ઈ.બુક્સમારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર, નવસારી. પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી સેલફોન: +919537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 27/03/2015