અંગદાનથી નવજીવન

સોનાની બે લગડી

સોનાની બે લગડી

ઘણાં લોકો એવું માને છે કે આંખો કાઢી લેવામાં આવે તો બીજા જન્‍મે માણસ અન્ધ જન્‍મે છે. અમુક કોમના લોકો કહે છે કે અમારા ધર્મમાં ચક્ષુદાન કરવા પર પાબન્દી છે. આપણે નથી જાણતા સાચું શું હશે; પણ ધર્મ અસ્‍તીત્‍વમાં આવ્‍યો ત્‍યારે ચક્ષુદાનનું સંશોધન થયું ન હતું. એથી ધર્મમાં ચક્ષુદાનના ઉલ્લેખની વાત કેટલી સાચી એ સંશોધનનો વીષય છે. વળી અમારો અનુભવ એવો છે કે જેઓ કહે છે કે અમારો ધર્મ ચક્ષુદાન કરવાની ના પાડે છે તેમને બીજાની આંખ વડે દેખતા થવામાં ધર્મનો કોઈ બાધ નડતો નથી.

Continue reading “સોનાની બે લગડી”

અંગદાનથી નવજીવન

‘અંગદાન’ના છ કીસ્સા

મીનાબહેને લોકોની દીવાળી સુધારી

મેઘવાળ સમાજના 44 વર્ષના મીનાબહેન સોંદરવાને ડૉક્ટરોએ બ્રેઈન–ડેડ જાહેર કરતાં, તેમના પતી ભાણજીભાઈ સોંદરવામીનાબહેનનાં હાર્ટ, લીવર, કીડની, આંખો અને સ્કીન ડોનેટ કરીને માનવતાનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત પુરું પાડ્યું હતું.

મુમ્બઈના લોઅર પરેલમાં રહેતાં અને જસલોક હૉસ્પીટલના કર્મચારી મીનાબહેનને બે વર્ષ પહેલાંથી તેમના પેટમાં જમવાનું ટકતું ન હતું, ઉલટીઓ થવી, શરીરમાં અશક્તી લાગવી જેવી તકલીફો થતી હતી. તેઓ મુમ્બઈની જસલોક હૉસ્પીટલમાં ડૉકટર સુધીર આંબેકરની સારવાર હેઠળ હતા. તબીબી તપાસમાં ખબર પડી કે તેમને ‘મોયામોયા’ થયો છે.

ચીત્ર સૌજન્ય : ગુગલ વેબસાઈટ

‘મોયામોયા’ રોગમાં માણસનાં બે મગજને જોડતી નસોમાં બ્લૉકેજ થઈ જાય છે. મગજમાં લોહીની ગાંઠ જામી જાય છે. આ પરીસ્થીતીને લીધે દરદી ઍબ્નોર્મલ બની જાય છે. આ રોગ પાંચ લાખ લોકોમાંથી માંડ એક વ્યક્તીને થતો હોય છે. જપાનમાં 1960માં આ રોગની શોધ થઈ હતી. આ રોગના દરદીઓ એશીયન દેશોમાં વધુ જોવા મળે છે. ‘મોયામોયા’ અર્થાત્ ‘પફ ઑફ સ્મોક’. આ રોગના દરદીની નસનું બ્લૉકેજ ખોલી કાઢવામાં આવે અને જો લોહીનો પ્રવાહ રુટીનમાં કામ કરતો થઈ જાય તો એ દરદી ફરીથી નૉર્મલ બની જાય છે. નાની ઉમ્મરનાં બાળકો આ રોગમાં જલદી સાજાં થઈ જતાં હોવાનું નોંધાયું છે.

મીનાબહેનને ‘મોયામોયા’ રોગમાંથી મુક્તી મળે તે માટે તેમનાં જમણી બાજુંનાં મગજનું ઑપરેશન કરવામાં આવ્યું હતું. તેમાં સફળતા મળતાં, ડૉક્ટરે ડાબી બાજુના મગજનું ઑપરેશન બે મહીના પછી કરવાનો નીર્ણય લીધો હતો. બીજું ઑપરેશન કરવાના સમય પહેલાં જ તેમનાં મગજમાં ઈન્ફેક્શન થવાથી ડૉક્ટરે ઑપરેશનની તૈયારી કરી હતી. તે પહેલાં 23 ઑક્ટોબરે મીનાબહેનની તબીયત બગડી, એટલે તેમને હૉસ્પીટલમાં ઍડ્મીટ કર્યાં હતી. તપાસ કરતાં ખબર પડી કે મગજની નસો ફાટી ગઈ છે અને તેમનું બ્રેઈન–ડેડ થઈ ગયું છે.

ડૉક્ટરોએ મીનાબહેનને બ્રેઈન–ડેડ જાહેર કર્યાં. હવે બીજી કોઈ સારવાર કરવાની રહેતી જ નથી. તેમનાં હાર્ટ, લીવર, કીડની, ચક્ષુઓ, સ્કીન બરાબર કામ કરે છે એટલે તેમનાં પતીએ ‘અંગદાન’ કરવાનો નીર્ણય લીધો. મીનાબહેન અને ભાણજીભાઈને ત્રણ દીકરી અને એક દીકરો છે. એમાંથી એક દીકરી પરણી ગઈ છે. આ ચારેય તથા અન્ય પરીવારજનો સાથે ‘અંગદાન’ અંગે ભાણજીભાઈએ ચર્ચા કરી, પરીવારજનોએ ‘અંગદાન’ કરવાના નીર્ણયને આવકાર્યો.

‘અંગદાન’ની સમ્મતી મળતા જ ડૉક્ટરોએ એક પછી એક ઑર્ગન ચેક કરવાનું શરૂ કર્યું. ચેકઅપમાં તેમણે જોયું કે નાની ઉમ્મરને લીધે મીનાબહેનના બધાં જ ઑર્ગન મજબુત છે. તેમણે તરત જ તરત જ મુલુંડની ફોર્ટીસ હૉસ્પીટલનો સમ્પર્ક કરીને ‘અંગદાન’ની તૈયારી શરુ કરી અને રાતના બાર વાગ્યા સુધીમાં હાર્ટ, લીવર, કીડની, આંખો અને સ્કીન જરુરીયાતમંદ દરદીઓને ટ્રાન્સપ્લાન્ટ કર્યાં મીનાબહેન કેટલાયની દીવાળી હૅપી કરી ગયા.

મીનાબહેનના પતીએ કહ્યું હતું કે, મીનાના ‘અંગદાન’થી જસલોક હૉસ્પીટલ અને ફોર્ટીસ હૉસ્પીટલ વચ્ચે એક નવો સમ્બન્ધસેતુ રચાયો હતો. ડૉક્ટરોની ટીમ ખુબ જ ખુશ હતી. મૅનેજમેન્ટે પણ મને ખુબ ધન્યવાદ આપ્યાં હતાં. મીનાબહેને છથી વધુ લોકોને જીવનદાન આપ્યું એનો મને આનન્દ છે. એક હૉસ્પીટલના કર્મચારીએ તેની જ હૉસ્પીટલ દ્વારા ઑર્ગન ડોનેટ કર્યાનો આ પહેલો પ્રસંગ હતો.’

સાડા ત્રણ વર્ષની દીઝા અને ‘અંગદાન

સુરતના શ્રી. ઉર્વીશભાઈ ગોળવાળા અને તેમના પત્ની વીશ્વાબહેનની સાડા ત્રણ વર્ષની દીકરી દીઝાને 10 માર્ચ, 2017ને શુક્રવારે સવારે ઉલટી થઈ ખેંચ આવી હતી. તેના મગજમાં પાણીના ભરાવાને કારણે નાના મગજને ભારે નુકશાન થયું હોવાથી ન્યુરોસર્જને દીઝાને બ્રેન–ડેડ જાહેર કરી હતી. ડોનેટ લાઈફ, સુરતને તેની જાણ થતાં જ પ્રમુખશ્રી નીલેશ માંડલેવાલા અને તેમની ટીમે દીઝાના પીતા ઉર્વીશભાઈ, માતુશ્રી વીશ્વાબહેન તથા ઉપસ્થીત પરીવારજનોને ‘અંગદાન’ અંગેની જાણકારી આપી, તેનું મહત્ત્વ સમજાવ્યું. દીઝાના જાગૃત માતા–પીતાએ મનોબળ મજબુત કરીને, પોતાની એકનીએક લાડકવાયી દીકરીના અંગોનું દાન કરવાનો કપરો નીર્ણય લઈ, ‘અંગદાન’ કરવાની સમ્મતી આપી હતી.

અમદાવાદની ઈન્સ્ટીટ્યુટ ઑફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર(IKDRC)ના ડો. વીકાસ પટેલ અને તેમની ટીમે સુરત આવીને કીડની અને લીવરનું દાન સ્વીકાર્યું તથા લોકદ્રષ્ટી ચક્ષુબેંક, સુરતના ડૉ. પ્રફુલ શીરોયા‘નેત્રદાન’ સ્વીકાર્યું હતું.

દાનમાં મળેલી એક કીડની પોરબન્દરના ગોકુલેશ મોહનભાઈ ઓડેદરા(ઉ.વ. 8) અને બીજી કીડની અમદાવાદની રીતીકા કમલેશભાઈ દેસાઈ(ઉ.વ. 6)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. જ્યારે લીવર વીસનગરના શ્રેય પટેલ(ઉ.વ. 5)માં ટ્રાન્સપ્લાન્ટ કરીને આ ત્રણેય બાળકોને નવજીવન અને અન્ય બે વ્યક્તીઓને રોશની પ્રાપ્ત થઈ હતી.

––––––––––––––––––––––––

ખુશ ખબર

‘અંગદાન’ અંગેના 5 લેખો, 14 સાચા કીસ્સા, દેહદાન’નું વીલ અને એક કવીતા સહીત 102 પેજની નાનકડી અને રુપકડી ઈ.બુક અંગદાનથી જીવનદાન’નો ‘મણી મારુ પ્રકાશન’ દ્વારા આજે ચારુસેટ, ચાંગા, આણંદમાં લોકાર્પણ યોજાઈ ગયો.

મારા બ્લૉગ ‘અભીવ્યક્તી’ના  મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ  https://govindmaru.wordpress.com/e-books  પરથી વાચકમીત્રોને તે ડાઉનલોડ કરવા વીનન્તી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો પોતાનાં નામ–સરનામા સાથે મને  લખશે તો હું તે વાચકમીત્રને તે ઈ.બુક સપ્રેમ મોકલી આપીશ.

–ગોવીન્દ મારુ

––––––––––––––––––––––––

હળપતી પરીવાર અને ‘અંગદાન

તા. 8 જુલાઈના રોજ અમીત રમણભાઈ હળપતી (ઉ. વ. 21) પોતાના ગામ ખાપરીયાથી બીલીમોરા બાઈક ઉપર પસાર થતો હતો. ચાંગા ગામ પાસે તેને અકસ્માત થવાથી અમીત બાઈક ઉપરથી નીચે પડી ગયો. તેમનાં માથામાં ગંભીર ઈજાઓ થવાથી અમીતભાઈ બેભાન થઈ ગયો. તેમને તાત્કાલીક 108 એમ્બ્યુલન્સમાં ખારેલમાં આવેલ ‘ગ્રામ સેવા ટ્રસ્ટ સંચાલીત સાર્વજનીક હૉસ્પીટલ’માં દાખલ કર્યો. ત્યાં પ્રાથમીક સારવાર આપવામાં આવી; પરન્તુ વધુ સારવારની જરુર જણાતાં સુરત નવી સીવીલ હોસ્પીટલમાં ડૉ. જીગ્નેશ શાહ અને ડૉ. મેહુલ મોદીની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો. ન્યુરોસર્જન ડૉ. મેહુલ મોદીએ ક્રેનીયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. તા. 12 જુલાઈ, બુધવારે ન્યુરોફીઝીશ્યન ડૉ. પરેશ ઝાંઝમેરા અને ન્યુરોસર્જન ડૉ. મેહુલ મોદીઅમીતભાઈને બ્રેન–ડેડ જાહેર કર્યો.

‘ડોનેટ લાઈફ’, સુરતને જાણ થતાં પ્રમુખશ્રી નીલેશ માંડલેવાલા અને તેમની ટીમે ICU ના રેસીડન્ટ ડૉ. નીલેશ કાછડીયા સાથે રહીને અમીતભાઈના માતૃશ્રી ઉકીબેન, ભાઈ અજયભાઈ, બનેવી રાકેશભાઈ અને ઉપસ્થીત ગ્રામજનોને ‘અંગદાન’ અંગેની જાણકારી આપી, તેનું મહત્ત્વ સમજાવ્યું. અમીતના માતૃશ્રી ઉકીબેન તથા સ્વજનોએ જણાવ્યું કે, ‘અમે ગરીબ પરીવારના છીએ. જીવનમાં બીજું કંઈ દાન કરી શકીએ તેમ નથી. જેથી અમારા બ્રેઈન–ડેડ સ્વજનના અંગોનું દાન કરીને ચાર–પાંચ વ્યક્તીને નવું જીવન મળતું હોય તો ‘અંગદાન’ કરવા સમ્મતી આપી.’ ‘અંગદાન’ કરવાની સમ્મતી આપીને એક ગરીબ પરીવારે, સુશીક્ષીત સમાજને નવી દીશા બતાવી માનવતાની મહેક પ્રસારી હતી.

અમદાવાદની સીમ્સ હોસ્પીટલના ડૉ. ધવલ નાયક અને તેમની ટીમે આવી હૃદયનું દાન સ્વીકાર્યું. કીડની, લીવર અને પેન્ક્રીઆસનું દાન અમદાવાદની ઈન્સ્ટીટ્યુટ ઑફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર(IKDRC)ના ડો. જમાલ રીઝવી અને તેમની ટીમે સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન નવી સીવીલ હોસ્પીટલ, સુરતના ડૉક્ટરોએ સ્વીકાર્યું.

દાનમાં પ્રાપ્ત થયેલું હૃદય આણંદના સોહેલ વહોરા (ઉ.વ. 36)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. એક કીડની અને પેન્ક્રીઆસ અમદાવાદની રીતીકા નીલેશ ભટ્ટ (ઉ.વ. 42) અને બીજી કીડની ગાઝીયાબાદ ઉત્તરપ્રદેશના હીતેશ ગોયલ (ઉ.વ. 49)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. જયારે લીવર સુરતના ભૌતીક કીશોરભાઈ પટેલ (ઉ.વ. 36)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

રંગારા ગુલાબચંદ અને ‘અંગદાન

સુરતના ડીંડોલીમાં રહીને ગુલાબચંદ નોખું મલ્લા કલરકામ કરી પરીવારનું ગુજરાન ચલાવી રહ્યાં હતાં. 22 જુલાઈ, 2018ના રોજ ગુલાબચંદ સાંજે 6.00 કલાકે ત્રીજા માળેથી નીચે પડી જતા માથામાં ગમ્ભીર ઈજાઓ થવાથી બેભાન થઈ ગયા હતાં. તેમને તાત્કાલીક 108 એમ્બ્યુલન્સમાં સુરતની નવી સીવીલ હોસ્પીટલમાં સર્જીકલ વીભાગ–5ના વડા ડૉ. સંદીપ કંસલે સારવાર શરુ કરી હતી.

તા. 26 જુલાઈના રોજ ડૉ. સંદીપ કંસલ તેમ જ ન્યુરોફીજીશ્યન ડૉ. પરેશ ઝાંઝમેરાગુલાબચંદને બ્રેઈન–ડેડ જાહેર કર્યાં. ‘ડોનેટ લાઈફ’ને ખબર મળતાં જ તેના પ્રમુખશ્રી નીલેશ માંડલેવાલા અને તેમની ટીમે ગુલાબચંદના પત્ની રમાવત, પીતાજી નોખું તેમજ પરીવારના અન્ય સભ્યોને ‘અંગદાન’ની જાણકારી આપી, ‘અંગદાન’નું મહત્ત્વ સમજાવ્યું.

પરીવારના સભ્યોએ જણાવ્યું કે, ‘લગભગ દસેક વર્ષ પહેલા રેલ્વે અકસ્માતમાં ગુલાબચંદનો એક પગ કપાઈ ગયો હતો. તેથી શરીરનું એક અંગ ન હોવાની પીડા અમે સમજીએ છીએ. અમારું સ્વજનનું બ્રેઈન–ડેડ થવાથી તેનું મૃત્યુ નીશ્વીત જ છે. ત્યારે તેના અંગોનું દાન થકી કોઈના લાડકવાયાને નવજીવન મળતું હોય તો ‘અંગદાન’ કરવા અમે સમ્મત છીએ. આમ, બ્રેઈન–ડેડ ગુલાબચંદ નોખું મલ્લાના પરીવારે કીડનીઓનું દાન કરીને માનવતાની મહેક પ્રસરાવી હતી.

દાનમાં મળેલ કીડનીમાંથી એક કીડની ભાવનગરના રહેવાસી રાકેશ હીમ્મ્તભાઈ ધાપા (ઉ.વ. : 26)ને નવજીવન આપ્યું.

પ્રા. નટવર પટેલ અને ‘અંગદાન

બાગાયત પોલીટૅકનીક, નવસારીના માજી પ્રીન્સીપાલ અને ઉત્તરાવસ્થામાં અસ્પી બાગાયત –વ– વનીય મહાવીદ્યાલયના નીવૃત્ત પ્રો. નટવરભાઈ પટેલ પોતાના રોજીન્દા ક્રમ પ્રમાણે તા. 19 જાન્યુઆરી, 2017ના રોજ સાંજે 6.00 કલાકે વૉક પર ગયા હતા. તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સાંજે 7.00 કલાકે એક કારચાલકે તેમને ટક્કર મારતાં માથામાં ગમ્ભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલીક નવસારીની કે. ડી. એન. હૉસ્પીટલમાં દાખલ કર્યાં હતા. ત્યાં તેમનાં મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને બ્રેઈન હેમરેજ થયાનું નીદાન થયું. વધુ સારવારની જરુર જણાતાં એ જ રાતે એપલ હૉસ્પીટલ, સુરતમાં ન્યુરોસર્જન ડૉ. કે. સી. જૈનની સારવાર હેઠળ દાખલ કર્યાં.

તા. 21 જાન્યુઆરી, 2017ના રોજ ન્યુરોસર્જન ડૉ. કે. સી. જૈન, ડૉ. અશોક પટેલ અને ન્યુરોફીઝીશીયન ડૉ. પરેશ ઝાંઝમેરાએ તેમને બ્રેઈન–ડેડ જાહેર કર્યાં હતા. ‘ડોનેટ લાઈફ’, સુરતને જાણ થતાં જ પ્રમુખશ્રી નીલેશ માંડલેવાલા અને તેમની ટીમે નટવરભાઈના પત્ની રમીલાબહેન, પુત્ર કીંજલ, ભત્રીજા મીહીર અને  અને ઉપસ્થીત પરીવારના સર્વ સભ્યોને ‘અંગદાન’ અંગેની જાણકારી આપી, તેનું મહત્ત્વ સમજાવ્યું. પરીવારના સૌ સભ્યોએ નક્કી કર્યું કે, અમારું સ્વજન બ્રેઈન–ડેડ છે અને મૃત્યુ નીશ્ચીત જ છે, ત્યારે તેમના અંગો બળીને રાખ થઈ જાય તેના કરતાં કીડની અને લીવર ફેલ થઈ ગયા હોય તેવા દરદીઓને નવજીવન મળતું હોય તો નટવરભાઈના અંગોનું દાન કરવાની સમ્મતી આપી હતી.

લોકદ્રષ્ટી ચક્ષુબેંક, સુરતના ડૉ. પ્રફુલ શીરોયા ‘નેત્રદાન’ સ્વીકાર્યું હતું.

અમદાવાદની ઈન્સ્ટીટ્યુટ ઑફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર(IKDRC)ના ડો. સુરેશકુમાર અને તેમની ટીમે બે કીડની અને લીવરનું દાન સ્વીકાર્યું હતું. IKDRCના ડૉ. જમાલ રીઝવી, ડૉ. પ્રાંજલ મોદી અને તેમની ટીમે લીવર અને બન્ને કીડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદમાં કર્યું હતું.

દાનમાં મળેલી કીડની પંચમહાલના અમીતકુમાર સોમાલાલ શ્રીમાળી (ઉ.વ. 29) અને કચ્છના નીમેશ કીશોરચન્દ્ર મહેતા (ઉ.વ. 29)ને તેમ જ લીવર છોટાઉદેપુરના હરકીશન અશોકભાઈ મોદી (ઉ.વ. 48)માં ટ્રાન્સપ્લાન્ટ કરીને આ ત્રણેય વ્યક્તીઓને નવજીવન અને અન્ય બે વ્યક્તીઓને રોશની પ્રાપ્ત થઈ હતી.

બ્રેઈન–ડેડ વીદ્યાર્થી અને ‘અંગદાન

સુરતના ભેંસાણનો ધવલ નરેશભાઈ પટેલ (ઉ.વ. 20) મજુરાગેટની આઈટીઆઈનાં પહેલાં વર્ષમાં અભ્યાસ કરતો હતો. તા. 2 ઓગસ્ટ, 2018ની બપોરે ધવલ આઈટીઆઈમાંથી ઘરે જવા બાઈક પર નીકળ્યો ત્યારે સરદાર બ્રીજના ટર્નીંગ પાસે અન્ય બાઈકસવાર સાથે અકસ્માત થયો અને તે બેભાન થઈ જતાં પ્રમુખ સ્વામી હૉસ્પીટલમાં દાખલ કર્યો હતો. તા. 2 ઓગસ્ટે ન્યુરોસર્જન ડૉ. રોશન પટેલ અને ડૉ. પરાગ પંડ્યાધવલને બ્રેઈન–ડેડ જાહેર કર્યો.

‘ડોનેટ લાઈફ’ના પ્રમુખ નીલેશ માંડલેવાલા અને તેમની ટીમે ધવલના માતુશ્રી હંસાબહેન, દાદા પીયુષભાઈ તેમ જ પરીવારના અન્ય સભ્યોને ઓર્ગન ડોનેશનની માહીતી આપી તેનું મહત્ત્વ સમજાવ્યું. હૉસ્પીટલમાં હાજર પરીવારજનોએ તેમના લાડકવાયાના ‘અંગદાન’ થકી કોઈના લાડકવાયાને નવજીવન મળતું હોય તો ધવલના અંગોનું દાન કરવાનો નીર્ણય લઈને સમ્મતી આપી.

પરીવારની સમ્મતી મળતાં જ ‘ડોનેટ લાઈફે’ જરુરી સમ્પર્ક અને કાર્યવાહી શરુ કરી. ગુજરાતની હૉસ્પીટલોમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન મળતા, ગુજરાતના ટ્રાન્સપોર્ટ ઑથોરાઈઝેશન કમીટીના ચેરમેનનો સમ્પર્ક કર્યો. ROTTO મુમ્બઈ મારફતે મુમ્બઈની ફોર્ટીસ હોસ્પીટલે હૃદય સ્વીકાર્યું. અમદાવાદની ઈન્સ્ટીટ્યુટ ઑફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર(IKDRC)ની ટીમે કીડની, લીવર અને પેન્ક્રીઆસનું દાન સ્વીકાર્યું. જયારે લોકદ્રષ્ટી ચક્ષુબેંક, સુરતના ડૉ. પ્રફુલ શીરોયા ‘નેત્રદાન’ સ્વીકાર્યું હતું.

પ્રમુખ સ્વામી હૉસ્પીટલ, સુરતથી મુમ્બઈની ફોર્ટીસ હોસ્પીટલ સુધીનું 277 કી.મી.નું અંતર 109 મીનીટમાં કાપીને દાનમાં પ્રાપ્ત થયેલું હૃદય મુમ્બઈના મહાદેવ પટેલ(ઉ.વ. 54)માં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.

દાનમાં પ્રાપ્ત થયેલી કીડનીઓ પૈકી એક કીડની ધંધુકાના નીતાબેન મકવાણા(ઉ.વ. 38)માં અને બીજી કીડની અમદાવાદના રીનાબેન વ્રજેશભાઈ ચોક્સી(ઉ.વ. 42)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આ‌વી હતી. તેમ જ લીવર અને પેનક્રીઆસ રીસર્ચ માટે રાખવામાં આવ્યા છે.

સુરત અને દક્ષીણ ગુજરાતમાંથી 5 ઓગસ્ટ, 2018 સુધીમાં બ્રેઈન–ડેડ વ્યક્તીઓના પરીવારજનોને ‘ડોનેટ લાઈફ’, સુરતે ‘અંગદાન’ અંગે માર્ગદર્શન અને તેનું મહત્ત્વ સમજાવીને ભારતભરમાં અને વૈશ્વીકસ્તરે 624 (છસ્સો ચોવીસ) દરદીઓને નવજીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

–ગોવીન્દ મારુ

પ્રથમ કીસ્સો શ્રી. રોહીત પરીખ .મેલ : rohit.parikh.1107@gmail.com, મુમ્બઈના મીડડે દૈનીક માંથી ટુંકાવીને.. અન્ય પાંચ કીસ્સા આ બ્લૉગરે ‘ડોનેટ લાઈફ’, સુરતની પ્રેસનોટમાંથી ટુંકાવીને.. શ્રી. રોહીત પરીખ, મીડડે તેમ જ ‘ડોનેટ લાઈફ’ સુરત અને તેના પ્રમુખશ્રીના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 10–08–2018

અંગદાનથી નવજીવન

જીવનદાન (Donate Life)

જીવનદાન (Donate Life)

લોકોને જીવવા યોગ્ય અને બહેતર વીશ્વ બનાવવાના દૃઢ નીર્ધાર સાથે ડીસેમ્બર 4, 2014ના રોજ સુરતમાં ‘ડોનેટ લાઈફ’ની સ્થાપના કરવામાં આવી છે. આ બીન નફાકારક સ્વૈચ્છીક સંસ્થાના મુખ્ય બે હેતુઓ જોઈએ :

(1) કેડેવર ઓર્ગન ડોનેશન(બ્રેઈનડેડ વ્યક્તીના અંગદાન)ની આખી પ્રક્રીયાને સરળતાથી સમજાવીને ‘અંગદાન’ અંગે લોકજાગૃતી ફેલાવવી.

(2) ભારતભરમાં કીડની અને યકૃત જેવા અંગોના દરદીઓની નીષ્ફળતાની સંખ્યા અને ‘અંગદાન–દાતા’ઓની સંખ્યા વચ્ચેનો તફાવત ઓછો કરી, વધુમાં વધુ દરદીઓને નવજીવન અપાવવું.

ભારતમાં 20 લાખથી વધુ દર્દીઓ કીડનીની બીમારીથી પીડાય છે અને તેઓ કીડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે. જેમાં દર વર્ષે 2 લાખ દર્દીઓનો ઉમેરો થાય છે. એની સામે વર્ષ દરમીયાન 4,000 કીડનીઓ ટ્રાન્સપ્લાન્ટ થાય છે. એ પૈકી માત્ર 1 ટકોકેડેવેર ટ્રાન્સપ્લાન્ટ થાય છે. હૃદય, લીવર, સ્વાદુપીંડ અને  નેત્ર સમ્બન્ધીત રોગોની સંખ્યા પણ આઘાતજનક છે. દર વર્ષે પાંચ લાખ લોકો ‘અંગદાન’ના અભાવે મૃત્યુ પામે છે. આ ચીન્તાજનક પરીસ્થીતીમાંથી વધુમાં વધુ દરદીઓની જીન્દગી બચાવીને નવજીવન બક્ષવાના દૃઢ નીર્ધાર સાથે ‘ડોનેટ લાઈફ’ના સ્થાપક શ્રી. નીલેશ માંડલેવાલાએ 2005થી આ ઉમદા કાર્ય માટે જીવન સમર્પીત કર્યું છે. પાંચ આંગળીઓ ભેગી મળીને જે કામ કરી શકે છે તે એક આંગળી કરી શકતી નથી. તે સુત્રને ધ્યાનમાં રાખીને તેઓએ ‘ડોનેટ લાઈફ’ના સ્થાપક ટ્રસ્ટીઓ અને સ્વયંસેવકોના સહયોગ, સહકાર અને ટીમવર્કથી માનવતાનું આ શ્રેષ્ઠ કાર્ય શરુ કરી, તેઓએ  સફળતાના અનેક શીખરો સર કર્યા છે.

વૉકથોન ફોર ઓર્ગન ડોનેશન  

સુરત અને સમગ્ર દક્ષીણ ગુજરાતમાંથી 05 ઓગસ્ટ, 2018 સુધીમાં ‘ડોનેટ લાઈફ’, સુરતે બ્રેઈન–ડેડ વ્યક્તીઓના પરીવારજનોને ‘અંગદાન’ અંગે માર્ગદર્શન અને તેનું મહત્ત્વ સમજાવી, ‘અંગદાન’ મેળવીને, ‘ડોનેટ લાઈફે’ અત્યાર સુધીમાં 18 (અઢાર) હૃદયના દાન કરાવ્યા છે. તેમાંથી મુમ્બઈની વીવીધ હૉસ્પીટલોમાં 13 હૃદય (ઈન્ટર નેશનલ રજીસ્ટ્રેશનને કારણે સુરતના બે દીલ મુમ્બઈમાં ટ્રાન્સપ્લાન્ટ થઈને યુએઈ તથા યુક્રેઈનની દીકરીઓમાં ધબકે છે), અમદાવાદની કેર ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડીકલ સાયન્સ(CIMS)માં 3 હૃદય, ચેન્નઈની હૉસ્પીટલમાં 1 હૃદય અને ઈન્દોરની હૉસ્પીટલમાં 1 હૃદય પ્રત્યારોપણ કરાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.ભારતભરમાં અને વૈશ્વીકસ્તરે 624 (છસ્સો ચોવીસ) દરદીઓને નવજીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

ઈન્સ્ટીટયુટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદમાં જે કેડેવરીક ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થાય છે તેમાંથી પચાસ ટકાથી વધુ અંગદાન ‘ડોનેટ લાઈફ’, સુરતે કરાવ્યા છે. મુમ્બઈની ફોર્ટીસ હૉસ્પીટલમાં થયેલ ટ્રાન્સપ્લાન્ટના 20% હૃદય–પ્રત્યારોપણ ‘ડોનેટ લાઈફ’ સુરતે સાકાર કર્યાં છે. સત્તાવાર રીતે આ આંકડાઓ જોઈએ તો ગુજરાત રાજ્યમાં સુરત જેવી નહીં; પણ સુરતના આંકડાઓની નજીકની કામગીરી અન્ય કોઈ શહેર કે મહાનગર કરી શક્યું નથી.

હેલીકોપ્ટર દ્વારા હૃદયનું પરીવહન

ગુજરાતભરમાં પહેલી વખત સુરત શહેરમાં 18 (અઢાર) વખત હૉસ્પીટલથી ઍરપોર્ટ સુધીના માર્ગનો ‘ગ્રીન કૉરીડોર’ રચવામાં આવ્યો હતો. સુરત શહેર પોલીસે તે અંગે ખાસ જાહેરનામું પણ પ્રસીદ્ધ કર્યું છે. પશ્ચીમ ભારતમાં સૌ પ્રથમ વખત ‘ડોનેટ લાઈફ’ દ્વારા સુરતથી આંતરરાજ્ય કક્ષાએ હૃદયવહન કરીને મુમ્બઈની હૉસ્પીટલોમાં સફળ પ્રત્યારોપણ કરવાની પહેલ કરી હતી.

ગુજરાત રાજ્યમાં હાડકાઓનું દાન મેળવવામાં પણ ‘ડોનેટ લાઈફ’, સુરતને સૌ પ્રથમ સફળતા મળી છે.

ટ્રાફીક સીગ્નલ પર ‘અંગદાન’ ઝુમ્બેશ

‘ડોનેટ લાઈફ’ની પ્રસંશનીય કામગીરીથી પ્રેરાયને બ્રીટીશ ડેપ્યુટી હાઈ કમીશ્નર જ્યોફ વેઈને સુરત શહેરને ગુજરાતનું ઓર્ગન ડોનેશનનું કેપીટલ ગણાવ્યું હતું.

અંગદાતાના સ્વજનોના સન્માન પ્રસંગે મહામહીમ રાષ્ટ્રપતી શ્રી. રામનાથ  કોવીંદ, મહામહીમ રાજ્યપાલ શ્રી. ઓમ પ્રકાશ કોહલી, મુખ્યમન્ત્રી શ્રી. વીજય રુપાણી‘ડોનેટ લાઈફ’ના સ્થાપક શ્રી. નીલેશ માંડલેવાલા અને અંગદાતાના સ્વજનો

 ‘ડોનેટ લાઈફ’ સુરત મારફત છેલ્લા એક વર્ષમાં બ્રેઈન–ડેડ વ્યક્તીઓના અંગોનું દાન મેળવ્યું હતું, તેમના સ્વજનોનું સન્માન તા. 29 મે, 2018ના રોજ સુરતમાં મહામહીમ રાષ્ટ્રપતી શ્રી. રામનાથ કોવીંદે કર્યું હતું. આ સમારોહમાં ગુજરાતના મહામહીમ રાજ્યપાલ શ્રી. ઓમ પ્રકાશ કોહલી તેમ જ મુખ્યમન્ત્રી શ્રી. વીજય રુપાણી પણ ઉપસ્થીત રહ્યા હતા. આ સર્વ મહાનુભવોએ અંગદાતાના સ્વજનોની તથા ‘ડોનેટ લાઈફ’ સુરતની પ્રસંશા કરીને સર્વને બીરદાવ્યા હતા. ‘અંગદાતા’ મૃતકના ગરીબ બાળકોના શીક્ષણની ચીંતાય ‘ડોનેટ લાઈફ’ કરે છે તેની ખાસ નોંધ લઈને સમાજના વધુને વધુ લોકોને આ કાર્યમાં તન–મન–ધનથી સહભાગી થવા તેઓએ અપીલ પણ કરી હતી.

‘ડોનેટ લાઈફ’ સુરત શહેર અને દક્ષીણ ગુજરાતમાં ‘અંગદાન’ અંગે જાગૃતી ફેલાવવા શાળા/ કોલેજોના કાર્યક્રમો, જ્ઞાતીના મેળાવડાઓ, જાહેર કાર્યક્રમો, જાહેર પ્રદર્શનો, શેરી નાટકો, વૉક ફોર ઓર્ગન ડોનેશન, પતંગ ઉત્સવ યોજીને તેમ જ સુરતના ટ્રાફીક સીગ્નલ પર ‘ડોનેટ લાઈફ’ના પદાધીકારીઓ અને સ્વયંસેવકો પહોંચી જઈને સર્વને માર્ગદર્શન આપે છે.

સુરતની ‘ડોનેટ લાઈફ’ સંસ્થા ચૅરીટી કમીશ્નરશ્રી, સુરતમાં નોંધણી નં. E–7652થી નોંધાયેલી સંસ્થા છે. આ સંસ્થાને મળેલું દાન ‘આવકવેરા અધીનીયમ 1961’ની કલમ : 80 (જી) (5) હેઠળ કરમુક્ત છે.

‘ડોનેટ લાઈફ’, સંસ્થાના પદાધીકારીઓ અને સ્વયંસેવકો

‘ડોનેટ લાઈફે’ તા. 6–12 ઓગસ્ટ, 2018 દરમીયાન‘વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે’ નીમીત્તે  આણંદ શહેર તેમ જ આજુબાજુના વીસ્તારોમાં ‘અંગદાન’ અંગે લોકજાગૃતી ફેલાવવા દીવસમાં બે વખત સેમીનારો અને કાર્યક્રમો યોજાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત તા. 10 ઓગસ્ટ, 2018ની સવારે 10.00 કલાકે આણંદના ચારુ સેટ કૅમ્પસ, ચાંગા–388 421 ખાતે યોજાનાર સેમીનારમાં ‘અંગદાન’ અંગેના લેખો અને પ્રેરણાદાયી સાચા કીસ્સાઓની સચીત્ર અને રુપકડી ‘ઈ.બુક’ અંગદાનથી નવજીવનનો લોકાર્પણ થશે. લોકાર્પણ બાદ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ પરથી, તે ડાઉનલોડ કરવાની સુવીધા ઉપલબ્ધ થશે.

ધર્મ, જ્ઞાતી–જાતી, ઉચ્ચતા–શુદ્રતા, અમીર–ગરીબના ભેદભાવ ત્યજીને લોકો ‘અંગદાન’ કરશે તો પ્રત્યારોપણની રાહ જોતા દરદીઓને નવજીવન અને નવી રોશની પ્રાપ્ત થશે. ‘ડોનેટ લાઈફ’ સંસ્થા, આઈ.ડી.બી.આઈ. બેંક સામે, કાસા નગર, કતારગામ, સુરત–395 004 સેલફોન : +91 75730 11101/ 75730 11103 સરનામે સમ્પર્ક કરી, અથવા વેબસાઈટ : http://www.donatelife.org.in/ ની મુલાકાત લઈને વધુને વધુ ‘અંગદાન’ કરવા સૌને વીનન્તી છે.

–ગોવીન્દ મારુ

લેખકસમ્પર્ક : ગોવીન્દ મારુ, 405, સરગમ કો – ઓ હાઉસીંગ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, પોસ્ટ :  એરુ એગ્રીકલ્ચર કોલેજ  – 396 450. વીજલપોર. જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 મેઈલ : govindmaru@gmail.com

‘ડોનેટ લાઈફ’, સુરતના પ્રમુખશ્રી નીલેશ માંડલેવાલા સાથે થયેલ વાર્તાલાપમાંથી, ‘ડોનેટ લાઈફ’, સંસ્થા અને તેના પ્રમુખશ્રીના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 06–08–2018

અંગદાનથી નવજીવન

દીકરીએ ‘મા’ને આપ્યું જીવનદાન

વર્ષાબહેન અને તન્વી મહેતા

દીકરીએ ‘મા’ને આપ્યું જીવનદાન

–જીગીષા જૈન

મા’ બાળકને જન્મ આપતી હોય છે, તેનું પાલનપોષણ કરતી હોય છે, પોતાની મમતાથી તેનું સીંચન કરતી હોય છે. ‘મા’ની આ મમતા અને ત્યાગનું ઋણ ચુકવવું અઘરું છે; પણ મારા જેવાને ‘મા’નું ઋણ ચુકવવાનો મોકો મળતો હોય છે. ‘મા’નું સ્થાન દરેક બાળકના જીવનમાં ખાસ હોય છે. હું ખુશ છું કે મારા ‘અંગદાન’થી આજે મારી ‘મા’ મારી સાથે છે. તે ન હોય એ કલ્પના પણ મારા માટે અસહ્ય છે.

આ શબ્દો છે ૩૦ વર્ષની તન્વી મહેતાના, જેણે 2015ના જુનમાં પોતાની મમ્મી વર્ષા મહેતાને પોતાના લીવરનો એક ભાગ દાનમાં આપીને તેમને નવજીવન આપ્યું હતું. આજે વર્ષાબહેન એક નૉર્મલ વ્યક્તીની જેમ તન્દુરસ્ત જીવન જીવી રહ્યાં છે.

2007માં વર્ષાબહેનના ઝાડામાં લોહી પડતું હતું, જેને લીધે ડૉક્ટરે ટેસ્ટ કરાવવા કહ્યું ત્યારે ખબર પડી કે વર્ષાબહેનને લીવરની બીમારી ‘હેપેટાઈટીસ C’ છે. આ બીમારીનું કારણ ‘હેપેટાઈટીસ C’ નામનો વાઈરસ છે, જે લોહી દ્વારા ફેલાતો હોય છે. પોતાના આ રોગનું કારણ સમજાવતાં વર્ષાબહેન કહે છે, ‘મારે બે દીકરીઓ છે. બીજી દીકરી એટલે કે તન્વીના જન્મ વખતે મને બે બૉટલ લોહી ચડાવવામાં આવી હતી. એક બૉટલ લોહી મારા ઘરની વ્યક્તીએ જ આપેલું અને બીજી બૉટલ બહારથી લાવ્યા હતા. જે બ્લડ દાનમાં આપવામાં આવે એ બ્લડમાં હેપેટાઈટીસના વાઈરસ છે કે નહીં એ ચકાસીને પછી જ લોહી ચડાવવાનો નીયમ 1985માં નહોતો. સન 2002થી બ્લડમાં હેપેટાઈટીસ ચકાસીને જ દરદીને લોહી ચડાવવું એવા નીયમ અમલમાં આવ્યો છે. વળી આ વાઈરસ તમારા શરીરમાં જાય એટલે તરત અસર કરે એવું નથી હોતું. વર્ષો પછી એ સામે આવે છે અને એવું જ મારી સાથે થયું.’

લગભગ આજથી નવ વર્ષ પહેલાંની પોતાની ભાવના વ્યક્ત કરતાં તન્વી કહે છે, ‘જ્યારે મને ખબર પડી કે મમ્મીને મારા જન્મ વખતે ચડેલા લોહીથી આ પ્રૉબ્લેમ થયો છે ત્યારે તે માટે ક્યાંક ને ક્યાંક હું જવાબદાર છું તેવું મને લાગતું હતું. હૉસ્પીટલનાં ચક્કર, આર્થીક પ્રૉબ્લેમ્સ, મારી મમ્મીને આટલી બધી પીડા ભોગવવી પડે છે આ બધા માટે હું અપરાધભાવથી ભરાઈ ગઈ હતી.. મને સતત લાગતું કે હું એવું શું કરું કે જેથી મમ્મીની આ પીડાને દુર કરી શકું.’

––––––––––––––––––––––––

ખુશ ખબર

ફીલસુફી, તર્કવીજ્ઞાન, મનોવીજ્ઞાન, વૈજ્ઞાનીક પદ્ધતીના અભ્યાસી અને અધ્યાપક ડૉ. બી. એ. પરીખનું રૅશનલ પુસ્તક ‘મન્ત્ર–યન્ત્ર–તન્ત્રનું અવીજ્ઞાન’ની ઈ.બુક ‘મણી મારુ પ્રકાશન’ દ્વારા આજે પ્રકાશીત કરવામાં આવી છે.

મારા બ્લૉગ ‘અભીવ્યક્તી’ના  મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ  https://govindmaru.wordpress.com/e-books પરથી વાચકમીત્રોને તે ડાઉનલોડ કરવા વીનન્તી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો પોતાનાં નામ–સરનામા સાથે મને  લખશે તો હું તે વાચકમીત્રને તે ઈ.બુક સપ્રેમ મોકલી આપીશ.

–ગોવીન્દ મારુ

––––––––––––––––––––––––

‘હેપેટાઈટીસ C’ ને કારણે વર્ષાબહેનની તબીયત બગડતી ચાલી. હૉસ્પીટલમાં દાખલ થવાના કીસ્સાઓ વધતા ચાલ્યા. શરીરમાં ખુબ પાણી ભરાઈ જતું હતું, જે ખેંચવા માટે હૉસ્પીટલમાં દાખલ થવું પડતું. ઘરની તમામ જવાબદારી તન્વી પર આવી ગઈ અને તેણે એ ખુબ સારી રીતે નીભાવી. વર્ષાબહેનને ‘હેપેટાઈટીસ C’ની તકલીફ વધતાં લીવર વધુ બગડતું ચાલ્યું અને સીરૉસીસની બીમારી પણ આવી પડી એટલે કે લીવર ફેલ થવાની અણી પર આવી ગયું. ડૉક્ટર્સ દ્વારા જણાવવામાં આવ્યું કે જો લીવર ટ્રાન્સપ્લાન્ટ ન થયું તો વર્ષાબહેન નહીં બચે. વળી ડૉક્ટરે આ માટે નીર્ણય જલદી લેવાનું પણ કહ્યું હતું; કારણ કે જો વાર લગાડશો તો વર્ષાબહેનનો જીવ જોખમમાં હતો. કોઈ મૃત વ્યક્તી જીવીત હતી ત્યારે પોતાની સ્વેચ્છાએ અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી હોય  અથવા ઘરના લોકો જ દરદીને લીવર દાનમાં આપી શકે છે એવો નીયમ છે. બહારથી દાન મળે એની રાહ જોવા જેટલો સમય નહોતો. વર્ષાબહેનની ફૅમીલીમાં તેમના પતીને ડાયાબીટીઝ અને બ્લડ–પ્રેશર છે એટલે ડૉક્ટરે તેમનું લીવર લેવાની ના પાડી. તેમની મોટી દીકરીનું લીવર મૅચ ન થયું અને તન્વીનું લીવર મૅચ થઈ ગયું. વર્ષાબહેના જમાઈ પણ પોતાનું લીવર આપવા તૈયાર હતા; પરન્તુ તન્વીનું લીવર મૅચ થયું એટલે તન્વીએ નીર્ણય લીધો કે મમ્મીને હું જ લીવર આપીશ.

જીવનનું સૌથી પહેલું ઑપરેશન અને એ પણ આટલું મોટું હોય ત્યારે ડર ન લાગ્યો? આ પ્રશ્નનો જવાબ આપતાં તન્વી કહે છે, ‘મને એક પણ વાર એવું નથી લાગ્યું કે મારે આવું ન કરવું જોઈએ. પહેલી વાત એ કે મારા અંગદાનથી મારી મમ્મીનો જીવ બચવાનો હતો. બીજી વાત એ કે ઑપરેશન પહેલાં ડૉક્ટરે અમને આખી પ્રોસેસ સમજાવી હતી. મારા લીવરનો એક ભાગ મમ્મીને દાનમાં આપવાથી મારા શરીરમાં કોઈ અસર થવાની નહોતી. મારા અંગત જીવનમાં પણ એનાથી કોઈ ફરક પડવાનો નહોતો. આ ખુબ સેફ હતું. ડૉક્ટરની વાત પર મને પુરો વીશ્વાસ બેઠો હતો અને એટલે જ મને કોઈ ડર નહોતો. ડરની વાત તો જવા દો, હું તો ખુબ ખુશ હતી; કારણ કે મારો જે અપરાધભાવ હતો કે મારે લીધે મમ્મીને આ રોગ થયો એ પણ આ ઘટનાથી જતો રહ્યો હતો.’

તન્વીના અંગદાન વીશે ગર્વ અનુભવતાં વર્ષાબહેન કહે છે, ‘મને ખુબ ગર્વ છે કે તન્વી મારી દીકરી છે. તે હજી અપરીણીત છે છતાં તેણે એક વાર પણ એવો વીચાર ન કર્યો કે તેના આ પગલાથી જો તેને છોકરો મળવામાં તકલીફ થશે તો શું થશે? બને કે લોકો તેના સ્વાસ્થ્યને લઈને શંકા કરે તો તે કેટલા લોકોને સમજાવતી ફરશે કે તે સાવ નૉર્મલ છે? હજી આજે પણ લોકો દીકરીને બોજ સમજતા હોય છે, પરન્તુ એવા લોકોને હું સમજાવવા માગું છું કે દીકરી હમ્મેશાં નીસ્વાર્થભાવે માતા–પીતાને પ્રેમ કરતી હોય છે અને જરુરતના સમયે તે કોઈ પણ પ્રકારનો ત્યાગ કરવા તૈયાર રહે છે.

વર્ષાબહેનની ચીંતા વીશે તન્વી કહે છે, ‘જે લોકો ભણેલા–ગણેલા છે અને સમજુ છે તેમને ખબર છે કે લીવરદાન કરવાથી વ્યક્તીના જીવન પર કોઈ અસર થતી નથી. મારા જીવનસાથીમાં હું આટલી સમજણ હોવાની અપેક્ષા રાખું છું અને જો એ કોઈ છોકરો ન સમજી શકે તો હું સમજીશ કે તે મારે લાયક જ નથી. ઉલટું જેટલા પણ લોકો જાણે છે કે મેં આ કર્યું છે તે મારી કર્તવ્યનીષ્ઠાને બીરદાવી રહ્યા છે. વ્યક્તી પોતાનાં માતા–પીતા માટે નહીં કરે તો બીજા કોના માટે કરી શકે? મેં જે કર્યું છે એ મારી ફરજ સમજીને કર્યું છે અને મને ખુશી છે કે મેં મારી ‘મા’ને બચાવી લીધી છે.’ 

–જીગીષા જૈન

લેખીકા સમ્પર્ક : jigishadoshi@gmail.com

મુમ્બઈના મીડડે દૈનીકે તા. 13 જાન્યુઆરી, 2016ના રોજ ‘પીપલ-લાઈવ’ કૉલમમાં પ્રગટ થયેલ લેખ. આ લેખના લેખીકા અને મીડડેના સૌજન્યથી સાભાર…

દર વર્ષે હજારો બ્રેઈન–ડેડ કે એક્સીડેન્ટના કારણે મૃત્યુ પામ્યા હોય તેવા મૃતદેહને સ્મશાન કે કબ્રસ્તાનમાં અનુક્રમે અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર કરવામાં આવે છે. તેમ કરવાથી મૃતકનાં અંગો રાખ થઈ જાય છે કે માટીમાં ભળી જાય છે. આ મૃતકનાં અંગો મૃત્યુની રાહ જોતા અને રીબાતા દરદીઓને દાન કરી, સમયસર અંગોનું પ્રત્યારોપણ કરી; અનેક લોકોને નવજીવન આપી શકાય છે. તારીખ 2 જુલાઈથી દર સોમવારે સાંજે 7.00 વાગ્યે પ્રગટ થતી આ લેખમાળા વાંચીને વાચકમીત્રો શરીરનાં અંગદાન કરવાનો નીર્ણય કરશે તો લોકજાગૃતીનો મારો આ પ્રયાસ સાર્થક થશે.

–ગોવીન્દ મારુ

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 03/08/2018

અંગદાનથી નવજીવન

‘અંગદાન’ના ચાર સાચા કીસ્સા

કીડનીદાન મહાદાન

– અલ્પા નીર્મલ

જીતુ અને રક્ષા શાહ

પત્નીની કીડની સાથે એક જ ટકો મૅચ થતી હોવા છતાં પત્નીને ધરાર પોતાની એક કીડની ડોનેટ કર્યા પછીયે નૉર્મલ અને હેલ્ધી જીવન જીવી રહેલા પતીને મળીએ. ‘સપ્તપદી’ના ફેરા ફરતી વખતે યુગલ એકબીજાનું પોષણ કરીશું, વીકાસ–વૃદ્ધીમાં પરસ્પર મદદગાર રહીશું, સમૃદ્ધી વધારીશું અને સાચવીશું, સંવાદીતા–સમજણ સાથે સહજીવન ગાળીશું, એકબીજાની જવાબદારી નીભાવવામાં સહકાર આપીશું, સન્તાનોનો સારો ઉછેર કરીશું અને દરેક પરીસ્થીતીમાં એકબીજાને સાથ આપીશું જેવાં વચનોથી બન્ધાય છે. જો કે સાંતાક્રુઝમાં રહેતા જીતુ શાહ સપ્તપદીથી એક સ્ટેપ આગળ વધ્યા છે. તેમણે પોતાનાં ધર્મપત્નીને પોતાની કીડની આપીને તન્દુરસ્ત અને આરોગ્યમય જીવન આપવાનું આઠમું વચન નીભાવ્યું છે.

મુમ્બઈ યુનીવર્સીટીમાં જૈનોલૉજીનાં લેક્ચરર અને મેક્સીકો, સ્પેન, ઑસ્ટ્રેલીયામાં પાર્લમેન્ટ ઑફ વર્લ્ડ રીલીજીયનમાં જૈન ધર્મના પ્રતીનીધી તરીકે જઈ આવનારાં રક્ષાબહેન કહે છે, ‘1994માં રુટીન બૉડી ચેકઅપમાં મને ખબર પડી કે મારું ક્રીએટીન–લેવલ હાઈ છે. ડૉક્ટરોએ કહ્યું કે બે–ત્રણ વર્ષમાં કીડની–ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે, પણ બીઈંગ અ નેચરોપૅથ, મને થયું કે હું કુદરતી ઉપચાર વડે આ સમસ્યાનો નીકાલ કરીશ અને મેં કુદરતી ચીકીત્સાપદ્ધતી અનુસાર ડાયટ કન્ટ્રોલ કર્યો અને તુલસીનો રસ ચાલુ કર્યો.’

આ ઉપચાર દ્વારા રક્ષાબહેને કીડની–ટ્રાન્સપ્લાન્ટનો પ્લાન પુરાં 18 વર્ષ પાછળ ઠેલ્યો. 61 વર્ષનાં રક્ષાબહેન કહે છે, ‘જ્યારે કીડની–પ્રૉબ્લેમ ઍક્યુટ લેવલ પર હોય તો એ રીવર્ટ થવાના ચાન્સ હોય છે. યોગ્ય ખોરાક, કસરત, કુદરતી ઉપચારો અને અન્ય પથી અપનાવતાં કીડની–ટ્રાન્સપ્લાન્ટને લમ્બાવી શકાય છે; પણ ક્રોનીક લેવલ આવતાં કીડનીનું પ્રત્યારોપણ જ એકમાત્ર ઈલાજ બની રહે છે.

18 વર્ષ સુધી હેલ્ધી લાઈફ–સ્ટાઈલ અપનાવી વીશ્વના અનેક દેશોમાં જૈનોલૉજીનો પ્રચાર કરનારાં રક્ષાબહેનની તન્દુરસ્તી ટકાટક હતી; પણ અચાનક 2012માં તેમને હેલ્થમાં તકલીફ થઈ અને ડૉક્ટરોએ અલ્ટીમેટમ આપી દીધું કે હવે 10 દીવસમાં કીડની–ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જ પડશે. રક્ષાબહેન કહે છે, ‘એ સાંભળતાં જ મારાં દીકરા–દીકરીએ કહી દીધું કે અમે તને કીડની આપીશું. જો કે મારે કોઈને તકલીફ નહોતી આપવી એટલે હું ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર નહોતી થતી; પણ એ દરમ્યાન મારા હસબન્ડે કહ્યું કે હું જ તને કીડની આપીશ.’

આમ તો કીડની–ફેલ્યૉરના પેશન્ટ માટે ડૉક્ટરો ફસ્ટ પ્રેફરન્સ સગાં ભાઈ–બહેન કે મમ્મી–પપ્પાની કીડનીને આપે છે; કારણ કે દરદીને તેમની કીડની મૅચ થવાના ચાન્સીસ સૌથી વધુ છે; પણ જીતુભાઈની મમતે ડૉક્ટરોએ તેમના બધા ટેસ્ટ કર્યા. જીતુભાઈનું માનવું હતું કે ઘણા પેશન્ટને અજાણ્યા મૃત માનવીઓની કીડની અપાય જ છે, તો મારી પણ આપી જ શકાશે. જીતુભાઈની કીડની રક્ષાબહેનની કીડની સાથે ફક્ત એક ટકો મૅચીંગ હતી; પણ ડૉક્ટરોએ જીતુભાઈનો પત્ની પ્રત્યેનો પ્રેમ જોઈને તેમની કીડની રક્ષાબહેનમાં ટ્રાન્સપ્લાન્ટ કરી આપી.

રાઈડીંગ, રાઈફલ–શુટીંગ, પૅરાસેઈલીંગ જેવી અનેક રમતોના શોખીન જીતુભાઈ કહે છે, 2012ના માર્ચ મહીનામાં મેં કીડની ડોનેટ કરી અને જસ્ટ આઠ દીવસના નૉર્મલ આરામ બાદ હું ફરી પાછો સમ્પુર્ણ સક્રીય થઈ ગયો. એક મહીનામાં તો મેં મને ગમતી બધી ઍડ્વેન્ચર–ઍક્ટીવીટી પણ ચાલુ કરી દીધી. આજે 63 વર્ષની ઉમ્મરે હું ફીટ એન્ડ ફાઈન છું. કીડની આપવાથી મારી હેલ્થ જરા પણ લથડી નથી.’

ઘણી વાર જોવામાં આવ્યું છે કે અમુક વર્ષોના સહવાસ પછી પતી–પત્નીના ગમા–અણગમા, આદતો, – ઈવન દેખાવ પણ; એકસરખો થતો જાય છે ત્યારે શાહદમ્પતીના કેસમાં તો તેમની કીડની પણ એક જ છે. જીતુભાઈ કહે છે, ‘હું ઘણી વખત મજાકમાં કહું છું કે મારી અને રક્ષાની કીડની ટ્વીન્સ છે.’

લેખીકા : અલ્પા નીર્મલ સમ્પર્ક :  alpanirmal@gmail.com

સંજોગો સામે શરણાગતી ન સ્વીકારો,

પૉઝીટીવ રહો

–શર્મીષ્ઠા શાહ

જયા શાહ

પાર્લા (ઈસ્ટ)માં રહેતાં 58 વર્ષનાં જયાબહેન શાહે લીવર–ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યાને સાડાત્રણ વર્ષ થઈ ગયાં છે અને એ પહેલાં ત્રણ વર્ષ સુધી તેમણે આ બીમારીનો સામનો કર્યો હતો. જયાબહેનને હેપેટાઈટીસ થયો હતો અને એને કારણે તેમનું લીવર સીત્તેર ટકા જેટલું બગડી ગયું હતું. જયાબહેને સંજોગો સામે લડી લેવાનું નક્કી કર્યું અને એમ જ બીજો થોડો સમય નીકળી ગયો. જયાબહેનને ફરીથી તકલીફ શરુ થઈ ગઈ. ડૉક્ટરોએ તેમના પેટમાંથી દસ લીટર પાણી કાઢ્યું. આખરે ડૉક્ટરોએ તેમને જણાવ્યું કે હવે ટ્રાન્સપ્લાન્ટ સીવાય કોઈ ઉપાય નથી. મુમ્બઈમાં કૅડેવર લીવર–ટ્રાન્સપ્લાન્ટ થતા નથી. તેથી તેઓ ચેન્નઈની અપોલો હૉસ્પીટલના ડૉક્ટર આનન્દ ખખ્ખર મુમ્બઈમાં આવ્યા ત્યારે તેમને મળ્યાં અને ડૉક્ટરે તેમને ચેન્નઈ બોલાવ્યાં. ત્યાં તેમનું ચેકીંગ થયું અને તેઓ ઑપરેશન માટે ફીટ છે એ નક્કી થયું. તેમણે ત્યાં રજીસ્ટ્રેશન કરાવ્યું. ચેન્નઈમાં બ્રેઈન–ડેડ પેશન્ટનું લીવર મળ્યું એટલે જયાબહેનને છ કલાકની અન્દર ત્યાં પહોંચવા માટે જણાવવામાં આવ્યું અને જ્યાબહેન ત્યાં પહોંચ્યાં. તેમનું ઑપરેશન પન્દરથી સોળ કલાક સુધી ચાલ્યું અને સફળ રહ્યું.

ઑપરેશન પછી શું કાળજી રાખી? એ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે ‘દોઢ વર્ષ સુધી સખત કાળજી રાખ્યા બાદ હવે તેઓ નૉર્મલ બન્યાં છે; પરન્તુ અત્યારે પણ કોઈ જાતનું ઈન્ફેક્શન ન લાગે એની કાળજી તેમણે રાખવી પડે છે.’

જયાબહેન અત્યારે એકદમ નૉર્મલ લાઈફ જીવી રહ્યાં છે. તેઓ કહે છે, ‘કોઈ પણ સંજોગોમાં હીમ્મત ન હારવી અને પૉઝીટીવ રહેવું જરુરી છે. નેગેટીવ વીચારોથી દુર રહેવું જોઈએ અને પરીવારનો સહકાર હોય તો ગમે તેટલી મુસીબત સામે ઝઝુમી શકાય છે.’

લેખીકા : શર્મીષ્ઠા શાહ સમ્પર્ક :  scshah8270@gmail.com

મમ્મીએ દીકરીને કીડની આપીને નવજીવન આપ્યું

– હેતા ભુષણ

કાંદીવલીની ઈરાની વાડીમાં રહેતાં પંચાવન વર્ષનાં ઈન્દુબહેન સાગરે પાંચ વર્ષ પહેલાં 2011ની 26 નવેમ્બરે પવઈની હીરાનન્દાની હૉસ્પીટલમાં કીડની–ટ્રાન્સપ્લાન્ટ ઑપરેશનમાં પોતાની કીડની પરીણીત દીકરી પુનમ સલ્લાને આપી તેના જીવનને બચાવ્યું છે.

એક માએ દીકરીને જાણે ફરી જન્મ આપ્યો. લગ્નનાં ત્રણ વર્ષ બાદ પુનમની તબીયત ખરાબ થઈ. સામાન્ય તકલીફ જણાતાં ફૅમીલી–ડૉક્ટરની દવા લીધી. તકલીફ વધતી ગઈ. પુનમ ન બેસી શકે, ન સુઈ શકે. છેવટે હીન્દુજા હૉસ્પીટલમાં નીદાન થયું કે તેની બન્ને કીડની ખરાબ થઈ ગઈ છે. કારણ ખબર જ ન પડી. ઘણી દવાઓ કરવામાં આવી. એક વર્ષ પુનમે ડાયાલીસીસ પર વીતાવ્યું. પછી કીડની–ટ્રાન્સપ્લાન્ટ એક જ વીકલ્પ બચ્યો. બહારથી ડોનર મેળવવાની કોશીશ કરવામાં આવી; પણ ન મળતાં ડૉક્ટરોએ સલાહ આપી ઘરના જ કોઈ કીડની આપો. એ દીવસોને યાદ કરતાં ઈન્દુબહેન કહે છે, મા પોતાના બાળક માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય. હું પણ દીકરીનું જીવન બચાવવા અને પુનમની નાનકડી બે વર્ષની દીકરી દીયા નમાયી ન થઈ જાય એ માટે કીડની આપવા તૈયાર થઈ ગઈ.’

ઈન્દુબહેન એક ગોળી લેતાં પણ ડરે. ડૉક્ટર, ઈન્જેક્શન, હૉસ્પીટલથી તેઓ હમ્મેશાં દુર જ રહેવા ઈચ્છે. પોતાની સુવાવડ બાદ પહેલી વાર હૉસ્પીટલમાં દાખલ થયાં. 2011ની 26 નવેમ્બરે ઈન્દુબહેને કીડની ડોનેટ કરીને દીકરીનો જીવ બચાવ્યો. તેઓ કહે છે, ‘મારી દીકરીના સાસરાવાળા અને જમાઈ દીપકકુમારે રાત–દીવસ એક કરી દીકરીનું ધ્યાન રાખ્યું, હજી પણ રોજેરોજ દવા–રીપોર્ટનું ધ્યાન રાખે છે.’

આજે પાંચ વર્ષ બાદ પુનમ એકદમ સ્વસ્થ છે. માએ આપેલી કીડની પર સમ્પુર્ણ સ્વસ્થ જીવન જીવે છે. પંચાવન વર્ષનાં ઈન્દુબહેન સ્કુટર પણ ચલાવે છે, ગાડી ચલાવતાં શીખ્યાં છે. ગરબા રમે છે, ડાન્સ પણ કરી જાણે છે અને આરામથી સ્વસ્થ જીવન જીવી રહ્યાં છે.

ઈન્દુબહેન ખાસ જણાવે છે, ‘હું ખુબ જ ડરપોક હતી… મને અમારા ફૅમીલી ડૉક્ટર–પાડોશી ડૉ. દીલીપ રાઈચુરાએ હીમ્મત આપી. હું એક કીડની પર પાંચ વર્ષથી આરામથી જીવી રહી છું એથી જો જીવનમાં આવી વીકટ પરીસ્થીતી આવે તો ડરવું નહીં. મને કુદરતે ખુબ શક્તી આપી.’

પુનમ કહે છે, ‘માતાનું ઋણ તો આમ પણ ન ભુલી શકાય. મમ્મીએ મને ફરી એક વાર જન્મ આપ્યો છે. હું એક કીડની પર આરામથી જીવી રહી છું. મમ્મીના આર્શીવાદ છે.’

લેખીકા : હેતા ભુષણ સમ્પર્ક : hetabvayeda@gmail.com

અંગદાન વીશે શાહદમ્પતીની ઝુમ્બેશ

–જયેશ શાહ

કલ્પેશ શાહ અને હેમીના શાહ

માનવદેહના અવયવોનો મૃત્યુ બાદ કઈ રીતે ઉપયોગ કરીને અનેક લોકોની જીન્દગી બચાવી શકાય એ અંગેની જાગૃતી લાવવા બોરીવલીમાં રહેતા એક કચ્છી દમ્પતીએ બીડું ઝડપ્યું છે. કઈ રીતે, કયા અને કેવા સંજોગોમાં માનવશરીરનાં કેટલાં અંગદાન કરી શકાય એની આ દમ્પતી રોડ–શૉ કરીને, રેલવે–સ્ટેશનોની આસપાસ ફરીને અને સેમીનારો યોજીને લોકોને સમજણ આપી રહ્યું છે. આ ઝુંબેશ અસરકારક બની રહે એ માટે તેમણે વડા પ્રધાનને એક પત્ર લખીને અપીલ કરી હતી અને રેડીયો પર આવતા ‘મન કી બાત’ના એક એપીસોડમાં લોકોને અંગદાન માટે આગળ આવવા નરેન્દ્ર મોદીએ અપીલ પણ કરી હતી. કોઈ પણ સારા કાર્યની શરુઆત પહેલાં આપણાથી કરવી જોઈએ એ કહેવત મુજબ આ કચ્છી દમ્પતીએ પોતે પણ ઑર્ગન અને ટીશ્યુ ડોનેશન અંગેનું ફૉર્મ ભર્યું છે અને ડોનર–કાર્ડ મેળવીને આ જ પ્રકારે અન્ય લોકોને ફૉર્મ ભરવા અને ડોનર–કાર્ડ અપાવવા માટે જરુરી માર્ગદર્શન આપી રહ્યું છે.

કઈ રીતે પ્રેરણા મળી?

પ્રાઈવેટ કમ્પનીમાં એક્સાઈઝ–મૅનેજરની જૉબ કરતા 41 વર્ષના કમલેશ શાહ અંગદાનની ઝુમ્બેશ ચલાવવાની પ્રેરણા કઈ રીતે મળી એ વીશે વાત કરતાં ‘મીડ–ડે’ને કહે છે, ‘કાંદીવલીમાં રહેતી મારી કઝીન ભાવી દીપેશ શાહને એપ્રીલ 2015માં હાર્ટ બદલવાની જરુર ઉભી થઈ. અમે હાર્ટ મેળવવા માટે કોશીશ શરુ કરી દીધી. થાણેની એક હૉસ્પીટલમાં બ્રેઈન–ડેડ મહીલાનું હાર્ટ મળ્યું; પરન્તુ એ નબળું હોવાનું ડૉક્ટરે જણાવ્યું એટલે પરીવારમાં નીરાશા વ્યાપી ગઈ. જો કે અમે કૅડેવર ડોનેશન માટે હૉસ્પીટલ દ્વારા પ્રયત્નો ચાલુ રાખ્યા. ચેન્નઈની એક હૉસ્પીટલમાં હાર્ટ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું એટલે અમને ફરી આશા બંધાઈ. હાર્ટને માનવશરીરમાંથી કાઢ્યા બાદ ચાર કલાકમાં જરુરીયાતવાળા દરદીને બેસાડવું પડે છે. એટલે અમે આ હાર્ટને ચેન્નઈથી મુમ્બઈ ઍર–ઍમ્બ્યુલન્સમાં લાવવા તૈયાર થયા; પરન્તુ આ વખતે અમને ઍર–ટ્રાફીક કન્ટ્રોલે રાતના સમયે સ્પેશ્યલ ઍર–ટ્રાફીકની વ્યવસ્થા કરવાનો નનૈયો ભણી દીધો. ફરી એક વખત અમને હાર્ટ મળવા છતાં મેળવવામાં નીષ્ફળતા સાંપડી હતી.

20 દીવસનો કીમતી સમય વીતી ગયો હતો. ડૉક્ટરના કહેવા મુજબ ભાવીની તબીયત વધુ લથડે એ પહેલાં અમારે કંઈક નીર્ણય કરવાનો હતો. એથી પરીવારે લેફ્ટ વેન્ટ્રીક્યુલર અસીસ્ટ ડીવાઈસ (LVAD) બેસાડવાનું નક્કી કર્યું અને એ માટે ઑપરેશનની તારીખ 2015ની 9 મે નક્કી કરી. જો કે કુદરતને કંઈક અલગ જ મંજુર હશે. ભાવીનું આગલી રાતે જ મોત થયું. પરીવારમાં ગમગીની છવાઈ ગઈ. ભાવીનાં બે ટ્વીન્સ બાળકો નવ વર્ષનો એક દીકરો અને એક દીકરી છે. એથી સમગ્ર પરીવાર આઘાતમાં સરી પડ્યો હતો. મુમ્બઈમાં ભાવીની હાર્ટ–ટ્રાન્સપ્લાન્ટની પહેલી સર્જરી યેનકેન રીતે સફળ ન થઈ એટલે મેં અને પત્ની હેમીનાએ નક્કી કર્યું કે સમાજમાં અંગદાન વીશે અવેરનેસની ઝુમ્બેશ ચલાવવી, જેથી સરળતાથી માનવજીન્દગી બચી શકે અને અનેક પરીવારોનો માળો તુટતો બચી શકે.

કઈ રીતે જાગૃતી?

અવયવદાન વીશે જાગૃતી લાવવા વીશે હેમીના શાહ ‘મીડ–ડે’ને કહે છે, ‘અમે બોરીવલી, કાંદીવલી અને આસપાસનાં રેલવે–સ્ટેશનો તેમ જ શહેરની વીવીધ હૉસ્પીટલોની બહાર અને કચ્છ યુવક સંઘના કાર્યક્રમમાં બૅનરો સાથે લોકોને કઈ રીતે, કેવા સંજોગોમાં ઑર્ગન અને ટીશ્યુ ડોનેટ કરી શકાય છે એની સમજણ આપીએ છીએ અને લોકોએ આપેલાં ઑર્ગન અને ટીશ્યુથી કઈ રીતે માનવજીન્દગી બચી શકે છે એ વીશે જાગૃતી લાવવાનું કામ કરીએ છીએ. સાથોસાથ ઑર્ગન અને ટીશ્યુ ડોનેશન જાહેર કરવા માટે ‘ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કો–ઑર્ડીનેશન સેન્ટર’ નામની સરકારી સંસ્થાનું ફૉર્મ લાવી લોકો પાસે ભરાવીને ડોનર–કાર્ડ લાવી આપીએ છીએ. અમે લોકોને એ વાત પણ સમજાવી રહ્યા છીએ કે કયું ઑર્ગન કેટલા સમયમાં માનવીના મોત બાદ કાઢીને ડોનેટ કરવું જરુરી છે. કેટલીક જ્ઞાતીમાં અન્ધવીશ્વાસના કારણે અંગદાન વીશે પુરતી જાણકારી ન હોવાથી એ વીશે ફેલાતો ભ્રમ દુર કરીએ છીએ. અંગદાન આપ્યા બાદ માનવીનો દેહ પાછો મળે છે એ વાત અમે લોકોને સમજાવીએ છીએ.

લોકોને અંગદાન કઈ રીતે કરવું એની પ્રૉપર ચૅનલ ખબર હોતી નથી એટલે અમે સમાજની વીવીધ જ્ઞાતીમાં સેમીનાર દ્વારા લોકોને સમજણ આપીએ છીએ. અમારા આ પ્રયત્નોથી કેટલાક લોકોએ ઑર્ગન અને ટીશ્યુ ડોનેશનનાં ફૉર્મ ભરીને અમને આપ્યાં છે.’

લેખક : જયેશ શાહ સમ્પર્ક : Jayin2020@gmail.Com

મુમ્બઈના મીડડે દૈનીકે તા. 13 ઓગસ્ટ, 2016ના રોજ ‘ઓર્ગન ડોનેશન ડે’ નીમેત્તે ખાસ પુર્તી પ્રગટ કરી હતી. આ લેખના લેખક/લેખીકા અને મીડડેના સૌજન્યથી સાભાર…

દર વર્ષે હજારો બ્રેઈન–ડેડ કે એક્સીડેન્ટના કારણે મૃત્યુ પામ્યા હોય તેવા મૃતદેહને સ્મશાન કે કબ્રસ્તાનમાં અનુક્રમે અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર કરવામાં આવે છે. તેમ કરવાથી મૃતકનાં અંગો રાખ થઈ જાય છે કે માટીમાં ભળી જાય છે. આ મૃતકનાં અંગો મૃત્યુની રાહ જોતા અને રીબાતા દરદીઓને દાન કરી, સમયસર અંગોનું પ્રત્યારોપણ કરી; અનેક લોકોને નવજીવન આપી શકાય છે. તારીખ 2 જુલાઈથી દર સોમવારે સાંજે 7.00 વાગ્યે પ્રગટ થતી આ લેખમાળા વાંચીને વાચકમીત્રો શરીરનાં અંગદાન કરવાનો નીર્ણય કરશે તો લોકજાગૃતીનો મારો આ પ્રયાસ સાર્થક થશે.

–ગોવીન્દ મારુ

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 30/07/2018

 

 

રચના નાગરીક

સદ્ ગુણ અને પુરુષાર્થ વીના ઉદ્ધાર કે મુક્તી શક્ય નથી

કેદારનાથજી

ભારતભુમીમાં જ ફરીફરીને ઈશ્વરના અવતારો કેમ થતા આવ્યા છે? પાપ વધી જાય એટલે ઈશ્વર અવતાર લે છે એવું મોટા મોટા ગ્રંથોમાં લખેલું છે. તો ભારતભુમીમાં જ ફરીફરીને પાપની વૃધ્ધી કેમ થતી હોય છે? અને ફરીફરીને ઈશ્વરના અવતાર આ ભુમીમાં થયા છતાંય આપણી પ્રજા આજે પણ આવી અવનત સ્થીતીમાં કેમ હોય?

જ્ઞાનથી ભરેલા આપણા બહુમુલ્ય ગ્રંથો, આપણી પ્રાચીન ઉચ્ચ સંસ્કૃતી, મહાન પુરુષોની અખંડ પરમ્પરા, એ બધું આપણા ભાગમાં આવેલું હોવા છતાં આજે આપણી આટલી ઘોર અવનતી કેમ થઈ છે? આજે આપણે આપણા જુના ધર્મ પ્રમાણે વર્તતા નથી એમ માનીએ તો પણ હજાર વર્ષ પહેલાં કે તે પહેલાંય આપણે આપણા ધર્મ પ્રમાણે વર્તતા હતા ત્યારે પણ દરેક પરદેશી આક્રમણ સામે ઘણે પ્રસંગે આપણે હાર જ કેમ ખાવી પડી હતી? પરદેશથી આવેલા કેવળ પેટભરા કે લુંટારુઓ પણ હીન્દુસ્તાનમાં સત્તાધીશ અને સમ્રાટ બન્યાનું ઈતીહાસ પરથી જણાઈ આવે છે. આપણે પરસ્પર લડવામાં શુર; પરન્તુ પરદેશી લોકો આગળ ગુલામ અને દીનહીન ગણાતા આવ્યા એનાં કારણો શાં?

દુનીયાના બીજા લોકો કરતાં આપણે વધારે ધાર્મીક અને સુસંસ્કૃત છીએ, તત્ત્વજ્ઞાનનો વીકાસ આપણા દેશમાં સૌથી વધારે થયો છે એમ આપણે સમજીએ છીએ. આ બધી બાબતો ખરી માનીએ, તો બીજા દેશોના લોકો કરતાં આપણે વ્યવહારમાં વધારે અપ્રામાણીક અને સ્વાર્થી કેમ? આપણા દેશબાંધવોને લુંટીને, તેમને નીચોવીને, તેમનું શોષણ કરીને પોતે સુખી થવાની સમાજઘાતક વૃત્તી આપણામાં મોટા ભાગે સર્વત્ર દેખાય છે, તે કેમ?

પુનર્જન્મ અને પરલોક પર શ્રદ્ધા રાખનારા, મોક્ષ, ઈશ્વર વગેરે વીશે આસ્તીક બુદ્ધી ધરાવનારા આપણે પ્રત્યક્ષ ચાલુ જીવનમાં સત્ય છોડીને કેમ વર્તીએ છીએ? ધર્મ વીશે અભીમાન રાખનારા આપણામાં રાષ્ટ્રપ્રેમ અને બંધુપ્રેમનો આટલો અભાવ કેમ જણાઈ આવે છે? રાષ્ટ્ર વીશેના કર્તવ્યની આપણી ઉદાસીનતા રાષ્ટ્રદ્રોહ, પંગુતા, ભીરુતા વગેરે દોષો અને દુર્ગુણમાં કેમ પરીણમે છે? આપણું રાષ્ટ્રીય, સામાજીક, આર્થીક અને કૌટુમ્બીક જીવન બધી બાજુએથી છીન્નભીન્ન થવાનાં શાં કારણો હશે? શરીર અને બુદ્ધીના સામર્થ્યે અને માનસીક પવીત્રતા વીશે આપણી આવી દીનદશા કેમ?

આજ આ ભારતવર્ષમાં લાખો નહીં; પણ કરોડો લોકો એવા છે કે જેમને ખાવાનું પુરું અન્ન મળતું નથી, પહેરવાને પુરતાં વસ્ત્ર નથી, રહેવાને ઘર કે ઝુંપડા નથી. કરોડો બાળકો આજે દુધ વગર જીવન કાઢે છે, જેમ તેમ જીવે છે અને મોટા થાય છે; સૌથી દુ:ખની વાત તો એ કે મહેનત–મજુરી કરવાને તૈયાર એવા હજારો લોકોને કામ મળતું ન હોવાથી ભુખમરો વેઠવો પડે છે. મનુષ્ય–આકારે કેવળ જીવ જ તેમનામાં ટકી રહ્યો છે! આ સ્થીતી દેશમાં વધતી ચાલી છે. આ ઉદ્વેગજનક સ્થીતી છે. આ સ્થીતીમાંયે બંધુદ્રોહી અને દેશદ્રોહી અથવા કોઈ પણ પાપ કરવા માટે પાછું ન જોનારા લાખોપતી કરોડપતી બને છે. કાળાં બજાર કરનારા, લાંચરુશ્વત લેનારા અને આપનારા, માલમાં સેળભેળ કરનારા, યોગ્ય કર ભરવામાં ચોરી કરનારા ધન સાથે માન–પ્રતીષ્ઠા પણ મેળવે છે! આ બધી બાબતોનાં કારણો અને તેના પ્રશ્નોના ઉત્તરો આપણે શોધી કાઢવા જોઈએ.

આપણી ઉન્નતી, ઉદ્ધાર, ગતી, મુક્તી, સાર્થકતા, દીવ્યજીવન કે શુદ્ધજીવન ગમે તે કહો, એ બધું માનવધર્મથી જ પ્રાપ્ત થવું શક્ય છે. તે માટે આપણે શુદ્ધી, સદ્ ગુણ અને પુરુષાર્થ વધારવા જોઈએ. આ પ્રમાણે આપણે વર્તીએ તો આપણા ઉદ્ધાર માટે પરમેશ્વરના અવતારની રાહ જોતા રહેવાની જરુર જણાશે નહીં.

– કેદારનાથજી

લેખીકા રચના નાગરીકના કંઠીમુક્ત વીચારલેખોની પુસ્તીકા બૈઠ પથ્થર કી નાવ (પ્રકાશક : [1] માનવવીકાસ ટ્રસ્ટ, 9, મહાકાન્ત કૉમ્પલેક્ષ, વી. એસ. હૉસ્પીટલ સામે, એલીસબ્રીજ, અમદાવાદ 380 006, [2] વૈશ્વીક માનવવાદ, 1–એ, કલ્પના સોસાયટી, મહેમદાવાદ 387 130 જીલ્લો : નડીયાદ અને [3] નયા માર્ગ, ખેત ભવન, હરીજન આશ્રમની પાસે, અમદાવાદ 380 027 પાનાં : 64, મુલ્ય : રુ. 40/)માંની આ અંતીમ પ્રસ્તાવના, પુસ્તીકાનાં પાન 16થી 18 ઉપરથી, લેખીકા અને પ્રકાશકોના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 27–07–2018

અંગદાનથી નવજીવન

દીલ દે કે દેખો

દીલ દે કે દેખો

–જીગીષા જૈન

અહીં કોઈ વ્યક્તી પર દીલ વારી જવાની વાત નથી; પરન્તુ કોઈ વ્યક્તીને દીલ દાનમાં આપી તેને નવજીવન બક્ષવાની વાત છે. 1994માં ભારતમાં પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ (હૃદયનું પ્રત્યારોપણ) કરવામાં આવ્યું હતું. એના પછી અઢળક પ્રયત્નોના ફળ સ્વરુપે વર્ષમાં એવરેજ 150 જેટલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય છે; પરન્તુ એક સર્વે મુજબ ભારતમાં 50,000 લોકોને હૃદયના પ્રત્યારોપણની જરુર છે. આ જરુરતને પહોંચી વળવા માટે આપણે શું કરી શકીએ તે જાણીએ.

વીશ્વભરમાં દર વર્ષે લગભગ 3500–4000 હાર્ટ–ટ્રાન્સપ્લાન્ટ ઑપરેશન થાય છે. ડૉ. પી. વેણુગોપાલ અને તેમની ટીમે 3 ઓગસ્ટ, 1994માં ભારતમાં પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું ઑપરેશન કર્યું હતું. ત્યારથી લઈને નવેમ્બર 2015 સુધીમાં ફક્ત 350 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઈ હતી. 2015 સુધી પરીસ્થીતી એવી હતી કે મુમ્બઈ જેવા શહેરમાં પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ શક્ય બનતું ન હતું. 47 વર્ષ પછી ઓગસ્ટ, 2015માં મુમ્બઈ ખાતે હૃદયનું સફળ પ્રત્યારોપણ થયું હતું. ત્યાર પછી તો ઘણા ટ્રાન્સપ્લાન્ટ થઈ ચુક્યા અને થઈ રહ્યા છે. મુમ્બઈ પછી મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં પણ હૃદયનાં સફળ પ્રત્યારોપણો થવા લાગ્યા છે. ડીસેમ્બર 2016માં અમદાવાદમાં પણ સૌ પ્રથમ હૃદયનું સફળ પ્રત્યારોપણ થયું હતું.

હૃદયદાનથી પ્રત્યારોપણ સુધીની સફરને સફળ બનાવવા માટેના હેલ્થ પ્રૉફેશનલ્સ અને સરકારના યથાર્થ પ્રયત્નોને કારણે 2016 કરતાં 2018 સુધીમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનમાં 10 ગણો વધારો જોવા મળ્યો છે. કેડેવરીક ઓર્ગન ડોનેશનનું કો–ઓર્ડીનેશન સમ્ભાળતી રાષ્ટ્રીયસ્તરની સંસ્થા ‘નેશનલ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઈઝેશન’ના જણાવ્યા મુજબ આ બે વર્ષની અન્દર ભારતમાં 300થી પણ વધુ હૃદયનાં સફળ પ્રત્યારોપણો થયા છે. જે ઘણી મોટી સીદ્ધી ગણાવી શકાય. જો કે સાગર જેવડી મસમોટી જરુરીયાતની સામે આપણે હાંસલ કરેલી આ સીદ્ધી એક ટીપુંની ગરજ સારે છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં આજે 50,000 લોકોને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરુર છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની આ જરુરીયાતને પહોંચી વળવા માટે ટ્રાન્સપ્લાન્ટની સુવીધાઓ, ઍડવાન્સ ટૅકનોલૉજી, આરોગ્ય તન્ત્રનું ઝડપી કામકાજ વગેરે પરીબળો પ્રત્યે આપણે પ્રતીબદ્ધ થવાની જરુર છે. તેમાય સૌથી વધુ મહત્વનું છે હૃદયદાતાઓની સંખ્યા વધારવી. નીષ્ણાતના મત મુજબ આજે પણ લોકો હૃદયદાન પ્રત્યે ઉદાસીનતા સેવે છે. એવા ઘણા લોકો છે જે કીડદાનની અને લીવરદાન કરે છે; પરન્તુ હૃદયદાન કરતાં નથી. અંગદાન કરવાથી આપણે બીજી વ્યક્તીને નવજીવન બક્ષી શકીએ છીએ તે ધ્યાનમાં રાખવું જરુરી છે. જયારે દાન થશે ત્યારે જ ટ્રાન્સપ્લાન્ટ શક્ય બનશે તે ભુલવું જોઈએ નહીં.

રજીસ્ટ્રેશન કરાવવું :

મુમ્બઈમાં ત્રણ હૉસ્પીટલો પાસે હૃદયનું પ્રત્યારોપણ કરવાની પરવાનગી છે. (1) ફોર્ટીસ હૉસ્પીટલ (2) એશીયન હાર્ટ હૉસ્પીટલ અને (3) જસલોક હૉસ્પીટલ. રજીસ્ટ્રેશન અને બીજી જરુરી બાબતો વીશે જણાવતાં કાર્ડીઍક સર્જન ડૉ. નીલેશ મારુ કહે છે, ‘જેમના પર એક પણ પ્રકારની સર્જીકલ પ્રોસેસ કરીને તેમના હાર્ટનો પ્રૉબ્લેમ સૉલ્વ થઈ શકતો ન હોય એવા લોકોને જ હૃદયનું પ્રત્યારોપણ કરવાની જરુર પડે છે. મોટા ભાગે કાર્ડીયોમાયોપથી એટલે કે જેમનું હાર્ટફેઈલ થઈ ગયું હોય તેવા લોકોને હાર્ટ–ટ્રાન્સપ્લાન્ટની જરુર રહે છે. ટ્રાન્સપ્લાન્ટના ઑપરેશનના ખર્ચા સીવાય સર્જરી પછી દર મહીને પણ દવાઓ અને ફૉલો–અપ્સના ખર્ચાઓને મેળવીને જોઈએ તો રુપીયા 20–25 લાખ જેટલી રકમ થાય છે. લગભગ લીવર–ટ્રાન્સપ્લાન્ટ જેટલો જ ખર્ચ એનો ગણી શકાય. મહત્વની વસ્તુ એ છે કે દરેક હૉસ્પીટલમાં જે દરદીઓને હૃદયનું પ્રત્યારોપણની જરુર છે એ દરદીઓએ રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ. બધી હૉસ્પીટલમાંથી આ નામો ભેગાં થઈ એનું લીસ્ટ શહેરની રજીસ્ટ્રેશન ઑફીસમાં જાય છે. આ રજીસ્ટ્રેશન અત્યન્ત ઉપયોગી બાબત છે. જેવું એક વ્યક્તીનું હૃદયનું દાન થયું કે તરત જ લીસ્ટ મુજબ એ હાર્ટનું મૅચીંગ શોધી કાઢવામાં સરળતા રહે છે અને દાનમાં મળેલ હૃદય વેડફાઈ જતું અટકાવી શકાય છે.

પ્રોસેસ :

એક હાર્ટ–ટ્રાન્સપ્લાન્ટમાં શું–શું વસ્તુઓ ધ્યાનમાં રાખવી જરુરી છે એ વીશે વાત કરતાં ફોર્ટીસ હૉસ્પીટલ, મુલુંડના ફૅસીલીટી ડીરેક્ટર ડૉ. એસ. નારાયણી કહે છે, ‘હાર્ટ– ટ્રાન્સપ્લાન્ટ માટે અત્યન્ત જરુરી ફૅક્ટર છે કોઈ હૃદયદાતા મળી આવે; કારણ કે કોઈ જીવીત વ્યક્તી હૃદયનું દાન કરી શકતી નથી. એક બ્રેઈન–ડેડ વ્યક્તીના પરીવારજનો જ હૃદયનું દાન કરી શકે છે. વળી એ હૃદય તન્દુરસ્ત હોવું જરુરી છે. એની સાથે જે દરદીને આ હૃદયની જરુર છે તે દરદી સાથે એ હાર્ટ મૅચ થવું જોઈએ. હાર્ટ મૅચ થવા માટેના અમુક પૅરામીટર્સ છે જેમાં લોહીનાં ઘણાંબધાં તત્ત્વો છે જે મૅચ થવાં જોઈએ. જો હાર્ટ મૅચ થઈ ગયું તો દાતાના શરીરમાંથી હૃદયને કાઢીને દરદીના શરીરમાં લગાવવા માટે ફક્ત ચાર કલાક જેટલો ઓછો સમય હોય છે, જેમાં ટ્રાન્સપ્લાન્ટ કરી નાખવું જ જરુરી છે. આમ, કોઈ વ્યક્તી એક શહેરમાંથી બીજા શહેરના દરદીને દાન કરે એ થોડું અઘરું કામ થઈ જાય છે. હૃદયદાતા અને દરદી બન્ને એક જ શહેરમાં હોય એ જરુરી બની જાય છે. વળી ઑપરેશન પછી પણ દર મહીને અમુક પ્રકારનાં ચેક–અપ્સ અને ફૉલો–અપ માટે દરદીએ સતત આવવું પડે છે.’

હૃદયદીલ સેક્યુલર છે. ધર્મ, જાતી, રંગ–રુપના ભેદ વીના એકનું દીલ, બીજાના દીલની જગ્યાએ ઉગાડી–ઉછેરી શકાય છે. માનવવાદીઓ પોતાના દીલનું પ્રત્યારોપણ કરવાની મંજુરી આપીને વધુ સમય સુધી મહોરીને જીવનાનન્દ માણી શકે છે. જ્યારે રુઢીચુસ્ત લોકો પોતાનું દીલ સડી જાય, બળી જાય તેવું વીચારે છે.

દીલને ખીલવા દો. તે સડે કે બળે તેના કરતા બીજી વ્યક્તીને ઉછળતી–કુદતી કરી મુકે, એમાં ખોટું શું? કુદરતી અંગો નવી જગ્યાએ ખીલે, મહોરી ઉઠે એનાથી મોટો ચમત્કાર હોઈ શકે નહીં.

–જીગીષા જૈન ઈ–મેલ : jigishadoshi@gmail.com

મુમ્બઈના મીડડે દૈનીકે તા. 30 એપ્રીલ, ઓગસ્ટ, 2015ના રોજ પ્રગટ થયેલો લેખ, આ લેખના લેખીકા અને મીડડેના સૌજન્યથી સાભાર…

દર વર્ષે હજારો બ્રેઈન–ડેડ કે એક્સીડેન્ટના કારણે મૃત્યુ પામ્યા હોય તેવા મૃતદેહને સ્મશાન કે કબ્રસ્તાનમાં અનુક્રમે અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર કરવામાં આવે છે. તેમ કરવાથી મૃતકનાં અંગો રાખ થઈ જાય છે કે માટીમાં ભળી જાય છે. આ મૃતકનાં અંગો મૃત્યુની રાહ જોતા અને રીબાતા દરદીઓને દાન કરી, સમયસર અંગોનું પ્રત્યારોપણ કરી; અનેક લોકોને નવજીવન આપી શકાય છે. તારીખ 2 જુલાઈથી દર સોમવારે સાંજે 7.00 વાગ્યે પ્રગટ થતી આ લેખમાળા વાંચીને વાચકમીત્રો શરીરનાં અંગદાન કરવાનો નીર્ણય કરશે તો લોકજાગૃતીનો મારો આ પ્રયાસ સાર્થક થશે.

–ગોવીન્દ મારુ

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ .મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 23/07/2018

મીત્રોનાં લેખો / કાવ્યો

નૉબેલ પારીતોષીક પ્રાપ્ત કરનારા વીરલાઓ ભારતમાં પેદા થશે?

–ડૉ. અરવીંદ અરહંત

ભારતીય સમાજ નીત્શે, બર્ટાન્ડ રસેલ, કાર્લ માર્કસ્, કૉપરનીક્સ, ગેલીલીયો, હ્યુમ, ચાર્લસ્ ડાર્વીન, આઈન્સટાઈન, ચાર્લસ્ ડીક્નસ્ અને હીચીન્સ પેદા કરી શકે છે? અથવા પોતાની આવનારી પેઢીને નીર્મલબાબા, રામરહીમ, આસારામ જેવા સાધુ–બાવાના ચરણે ધરીને ગુલામીની ઉંડી ખાઈમાં ગર્ત કરતો રહેશે? આ પ્રશ્નનો ઉત્તર ભારતીય સમાજ કેવા પ્રકારની સભ્યતા અપનાવે છે તેના પર છે.

અંગ્રેજોના સમ્પર્કમાં આવવાથી યુરોપીય સાહીત્ય, સંસ્કૃતી અને દર્શનશાસ્ત્રના દરવાજા ભારતીયો માટે ખુલ્યાં ત્યારે રાજારામ મોહન રાય અને સ્વામી વીવેકાનન્દે ખુબ જ શરમ અને દુ:ખ અનુભવેલું. એટલું જ નહીં ત્યારે જ તેઓને થયું કે આપણો ભારતીય સમાજ કેવો છે? તેના પરીણામ સ્વરુપે સતીપ્રથા જેવી સામાજીક કુપ્રથા સામે આંદોલનની જ્વાળા સળગી ઉઠી હતી. ત્યારબાદ ઘણા સમયે રવીનદ્રનાથ ટાગોર અને મુન્સી પ્રેમચન્દના સાહીત્ય અને સૌંદર્યશાસ્ત્રએ અન્ધવીશ્વાસને લલકાર્યું હતું. યુરોપના આ જ્ઞાનના બીજ જ્યોતીબા ફુલે, મોહનદાસ ગાંધી અને ડૉ. બી. આર આંબેડકરના બુલન્દ અવાજ થકી ભારતને નવપલ્લવીત કરતાં રહ્યાં. આજે આપણે જે કાંઈ પણ સુધારા જોઈ રહ્યા છીએ એનો સીધે સીધો સ્રોત યુરોપની પુન:જાગરણ ચળવળ અને સામાજીક ક્રાંતી સાથે જોડાયેલો છે.

આ દરમીયાન ભારતીય પંડીતો શું કરી રહ્યા હતા? આ બદલાવ પર માટી નાખવા માટે નવા નવા મીથક, જુઠ, અલૌકીક કથાઓ અને અફવાઓ ઉભી કરવામાં આવી. ઘ્યાન, સમાધી અને અધ્યાત્મના નામે લોકોને છેતરીને ઘર્મનું અફીણ પીવડાવવામાં આવ્યું. પરીણામ તમારી સામે છે ટૅકનોલૉજી અને વીજ્ઞાનના ક્ષેત્રમાં આપણે ઘણા પાછળ રહી ગયા. દુનીયાના દેશોએ બીજી પૃથ્વીની શોધ કરી દીધી છે જ્યારે આપણે હજુ પણ મુળભુત જરુરીયાતો પુરી પાડવા માટે અશક્તીમાન છીએ..

ભારતમાં હરીશંકર પરસાઈ જેવા આલોચક, ડૉ. નરેન્દ્ર દાભોલકર જેવા રૅશનાલીસ્ટ અને પ્રાચીન ચાર્વાક જેવા તાર્કીક ભૌતીકવાદીની પરમ્પરા બની જ નથી શકતી; કારણ કે દરેક પેઢીમાં આસારામ, નીર્મલબાબા અને રામરહીમ જેવા સાધુબાવા–બાપુઓ ઉભા થઈ જાય છે અને બુધ્ધ, ચાર્વાક અને લોકાયતની ક્રાંતી પર ધુળ નાંખે છે. યુરોપ આ બાબતમાં ભાગ્યશાળી રહ્યું;  કારણ કે ત્યાં શરુઆતથી જ ભૌતીકવાદી અને તાર્કીક નાસ્તીકોની સમૃદ્ધ અને લાંબી પરમ્પરા રહી છે. એના પરીણામ સ્વરુપે યુરોપમાં પુન:જાગરણ અને વીજ્ઞાનવાદની સાથે આધુનીકતા આવી જેનો લાભ ભારતને પણ મળ્યો; પરન્તુ તેનો સ્વીકાર કરવામાં આપણે સંકોચ અનુભવીએ છીએ. વીજ્ઞાન, ટૅકનોલૉજી, શીક્ષા, ચીકીત્સા, શાસન–પ્રશાસન, લોકતન્ત્ર, સભ્યતા, ભાષા, નૈતીકતા દરેક ચીજ આપણે યુરોપ પાસેથી શીખ્યા; છતાં પણ આ બાબતનો સ્વીકાર કરાવાની આપણામાં નૈતીક હીમ્મત નથી. સ્વીકારવાની વાત તો દુર પણ વીજ્ઞાન અને ટૅકનોલૉજીનો ઉપયોગ કરીને આજે આપણે વીજ્ઞાન અને સભ્યતાનો વીરોધ કરીએ છીએ.

બાળકોને જે ચીકીત્સા, શીક્ષા અને સુવીધાને સહારે પેદા કરીને ઉછેર કરવામાં આવે છે એના વીરોધની સાથે બાળકોને આજે વીજ્ઞાનની વીરુદ્ધ ઉભા કરવામાં આવે છે. બચપણથી જ બાળકોને પુજાપાઠ, યજ્ઞ, કથાઓ એમના દીલો–દીમાગ પર બેસાડી દેવામાં આવે છે. એટલા માટે જ આપણે કાંઈક મૌલીક શોધખોળ કરી શકતા નથી અને આપણે યુરોપના આજ્ઞાપાલક બનીને રહી જઈએ છીએ.

ભારતીય સમાજની દુર્ભાગ્યતા છે કે આવા લોકો બહુ ઓછા થયા અને થયા તો પણ સામાન્ય નાગરીક સાથે એનો ઘરોબો અને સમ્બન્ધ વીકસવા દીધો નહીં. ભારતીય સમાજનો સામાન્ય નાગરીક એટલો બધો અન્ધવીશ્વાસુ અને અજ્ઞાની છે કે એને બુઘ્ઘી, જ્ઞાન અને નવી સોચથી ડર લાગે છે. જુના અન્ધવીશ્વાસ અને કર્મકાંડના ખોળામાં લપેટાઈ રહીને ભવીષ્યને અતીતની રાખમાં દબાવી રાખવી એ એની વીશેષતા છે.

યુરોપનો બુધ્ધીજીવી વર્ગ બહુ પહેલાં જ બાબાઓ, ગુરુઓ અને ઘાર્મીક પ્રવચનોના ચકકરમાંથી મુક્ત થઈ ચુકયો છે.

શું આ પરીસ્થીતીને બદલી શકાય?

શું આને રોકી ના શકાય?

શું ભવીષ્યને બદલી શકાય છે?

જરુર બદલાવ આવી શકે છે. જો આપણે આપણા બાળકો અને સ્ત્રીઓને આવા કહેવાતા ધાર્મીક સાધુ–બાવાઓ, યોગીઓ, કથાકારોની અલૌકીક વાતોથી દુર રાખીએ તો આપણે પણ આવનારી બે પેઢી સુધીમાં ભારતમાં સભ્યતા, નૈતીકતા, સંસ્કૃતી અને સાચા લોકતંત્રની સાથે વીજ્ઞાનની દીશામાં ખુબ ઉપર ઉઠી શકીશું; પરન્તુ આ દેશનું દુર્ભાગ્ય જ કહો કે આવા નવા વીચારની હત્યા કરનારા કેટલાક બાબાઓ, સાધુઓ, કથાકારો અને યોગીઓ જેવા રજીસ્ટર્ડ ભગવાન એટલા બઘા ધુર્ત અને હોશીયાર થઈ ગયા છે કે ક્રાંતીના નામ પર અન્ધવીશ્વાસ જ શીખવાડે છે. ઝેરને દવા બનાવીને પીવડાવે છે અને આ દેશના ભોળા લોકો આ ઝેરીલા ખોરાકને પેઢી દર પેઢી આગળ વઘારતા રહે છે..

તો જાગો.. સાધુ–બાબાઓ, બાપુઓ, ગુરુઓ, કથાકારોના ઘાર્મીક પ્રવચનોના ચકકરમાંથી મુક્ત થશું તો જ ભારતમાં નૉબેલ પારીતોષીક પ્રાપ્ત કરનારા વીરલાઓ પેદા કરી શકીશું.

 –ડૉ. અરવીંદ અરહંત

લેખક સંપર્ક :

ડૉ. અરવીંદ અરહંત, મદદનીશ પ્રાધ્યાપક, કૃષી અર્થશાસ્ત્ર વીભાગ, કૃષી મહાવીદ્યાલય, નવસારી કૃષી વીશ્વવીદ્યાલય, વઘઈ. જીલ્લો : ડાંગ (ગુજરાત) સેલફોન : 94282 00197 –મેઈલ : aprathod@nau.in

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ :  govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ :  20/07/2018

અંગદાનથી નવજીવન

ઈસ્લામ અનુસાર અવયવોનું દાન

–કાસીમ અબ્બાસ

આ જગતમાં સમાજમાં અતી મહત્ત્વના સભ્ય તરીકે રહેતો માનવી પોતાનું ટુંકું જગતજીવન વીતાવ્યા પછી તેનો એક નક્કી કરેલો ચોક્કસ સમયનો ગાળો પુર્ણ કર્યા પછી આ પામર જગતમાંથી વીદાય લે છે. પોતાના જગતજીવન દરમીયાન તે એક મનુષ્ય હોવાના કારણે પોતાના જેવા અન્ય મનુષ્યોના કલ્યાણ તથા ઉત્કર્ષ કાજે તથા તેમને સહાય કરવાના હેતુથી ઘણાં સુકર્મો કરે છે. અને આ અનુસાર તે પોતાના મૃત્યુ પછી પણ જગતમાં પોતાનું નામ, પોતાની સારી શાખ, પોતાની ઓળખ અને પોતે કરેલ ભલાં કાર્યોની યાદ છોડી જાય છે.

આ પ્રકારનો પરદુ:ખભંજન માનવી પોતાના મૃત્યુ પછી પણ શું અન્ય માનવીઓને કામ આવી શકે કે કેમ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે અવશ્ય તે પોતાના મૃત્યુ પછી પણ અન્ય માનવીઓને કામ આવી શકે છે. એક રીત એ કે તે પોતાના જીવન દરમીયાન એવી સંસ્થા કે સંસ્થાઓ સ્થાપીત કરી જાય અને એવો બન્દોબસ્ત કરી જાય કે તે સંસ્થાઓનાં કાર્યો થકી તેના મૃત્યુ પછી પણ અન્ય માનવીઓને ફાયદો પહોંચતો રહે. બીજી રીત એ કે તે પોતાના મૃત્યુ પછી પોતાની લેખીત ઈચ્છા અનુસાર પોતાના શરીરનાં અંગો એટલે કે પોતાના અવયવો(ઈન્દ્રીઓ)નું અથવા તો પોતાના પુરા શરીરનું અન્ય જીવન્ત માનવીઓના ફાયદા માટે દાન કરી જાય. આનો અર્થ એ થયો કે તેના મૃત્યુ પછી તેના શરીરના અવયવો અન્ય જીવન્ત માનવીઓ, જેઓ આ અવયવોથી વન્ચીત છે, તેમના માટે છોડી જાય, જેથી આ માનવીઓ તે અવયવો થકી ફાયદો ઉપાડી શકે. આ કાર્યનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ એ છે કે એક માનવી પોતાની લેખીત ઈચ્છાથી પોતાના મૃત્યુ પછી પોતાના ચક્ષુઓ (આંખો)નું દાન કરી જાય છે. આ ચક્ષુઓ તેના મૃત્યુ પછી તેની ઈચ્છા અનુસાર તરત જ તબીબી નીષ્ણાતો દ્વારા કાઢી નાંખવામાં આવે છે. અને મૃત્યુ પામેલા માનવીના દાન કરેલાં ચક્ષુઓ બીજા કોઈ ચક્ષુહીન જીવન્ત માનવીઓને વાઢકાપ (ઑપરેશન) દ્વારા લગાવી દેવામાં આવે છે. અને તે બન્ને માનવીઓ આ દાન કરેલા ચક્ષુઓથી જગતની વસ્તુઓને જોઈ શકે છે. આ રીતે એક માનવી પોતાના મૃત્યુ પછી પણ અન્ય માનવીઓને ફાયદો પહોંચાડી શકે છે.

અહીં પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે શું આ રીતે માનવી પોતાની ઈચ્છા અનુસાર પોતાના મૃત્યુ પછી પોતાના શરીરના અવયવો કે પુરેપુરું શરીર માનવજાતના કલ્યાણ તથા ફાયદા કાજે દાન કરી શકે છે? સમાજ, કાયદો, સરકાર તથા ધર્મશાસ્ત્રો આ વીષે શું કહે છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલાં આપણે સમાજ, કાયદો તથા સરકારના સન્દર્ભમાં વાસ્તવીકતા જોઈએ.

સમાજના નીતીનીયમો અનુસાર અવયવોના દાનનું આ કાર્ય એક બીજા જીવન્ત માનવીના કલ્યાણ તથા ફાયદા કાજે થઈ રહ્યું હોવાથી સેવાના કાર્યમાં સામાજીક રીતે કોઈ બાધ નથી આવતો. કાયદા અને સરકાર વીષે એ સત્ય છે કે અત્યારે જગતના અસંખ્ય દેશોમાં માનવજાતના કલ્યાણ તથા ફાયદા કાજે મૃત્યુ પછી માનવીની પોતાની ઈચ્છા અનુસાર તેના અવયવોના દાન પર કોઈ પ્રતીબન્ધ કે અવરોધ નથી. ઘણા દેશોમાં તો મૃત્યુ પછી અવયવોના દાન માટે સરકારી કે ખાનગી ધોરણે ઝુમ્બેશ પણ ચલાવવામાં આવે છે. આનું એક ઉદાહરણ એ છે કે ઘણા દેશોમાં, જેમાં યુરોપ, અમેરીકા, કૅનેડા વગેરેનો પણ સમાવેશ થાય છે, વાહન ચલાવવાના પરવાના (ડ્રાઈવીંગ લાઈસન્સ)ના નવીનીકરણ (રીન્યુઅલ) માટેની અરજીની સાથે મૃત્યુ પછી પોતાના અવયવોનું દાન આપવા માટે ઈકરારનામું (ફોર્મ) પણ હોય છે, જેમાં માનવી આ કાર્ય માટે પોતાની સહી કરીને અનુમતી આપી શકે છે.

હવે આપણે માનવીની પોતાની ઈચ્છાનુસાર મૃત્યુ પછી પોતાના શરીરના અવયવો કે પુરા શરીરના દાનને ધર્મશાસ્ત્રો અનુસાર જોઈએ. સામાન્ય રીતે જગતના કોઈ પણ ધર્મના ધર્મશાસ્ત્રમાં આ પ્રકારના દાન વીષે કોઈ ચોક્કસ રીતે ચોખવટ નથી કરવામાં આવી. મુસ્લીમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદમાં પણ આ વીષે કોઈ ચોક્કસ પ્રકારની ચોખવટ કરતાં બોધવચનો નથી આપવામાં આવ્યાં; પરન્તુ માનવજાતના જીવ બચાવવા માટેનાં બોધવચનો અવશ્ય આપવામાં આવેલ છે અને એક બોધવચનમાં તો એક માનવીના જીવને બચાવવાને સમસ્ત માનવજાતના જીવ બચાવવા સમાન લેખવામાં આવેલ છે.

સૌ પ્રથમ આપણે વીસમી સદી તથા એકવીસમી સદીના મુસ્લીમ ધર્મગુરુઓનાં મન્તવ્યો જોઈએ કે તેઓ આ વીષે શું કહે છે? આ વીષેની લમ્બાણપુર્વક છણાવટ કરતું 100 પૃષ્ઠનું એક પુસ્તક ‘ઈસ્લામી દૃષ્ટીએ આંખોનું દાન’ ગુજરાતી ભાષામાં 1986માં પાકીસ્તાનના શહેર કરાચીમાં પ્રગટ થયું હતું. તે પુસ્તકમાં અસંખ્ય મુસ્લીમ ધર્મગુરુઓના ‘ફતવાઓ’ (રાજાજ્ઞા – સત્તાધીશનો આદેશ) આપવામાં આવેલ છે. અહીં આ લેખમાં એ સર્વે ‘ફતવાઓ’ પ્રગટ કરવાનો અવકાશ તથા ઉદ્દેશ નથી; પરન્તુ અહીં આ ટુંકા લેખમાં તેના ખુલાસાઓ અને એ શરતો આપવામાં આવેલ છે, જે શરતોને આધીન ઈસ્લામ ધર્મ અનુસાર એક મુસ્લીમ પોતાની મરજીથી અને પોતાની ઈચ્છા અનુસાર પોતાના મૃત્યુ પછી પોતાના શરીરના અવયવોનું દાન માનવજાતના કલ્યાણ તથા ફાયદા કાજે કરી શકે છે.

આ વીષેના જુદા જુદા દેશોના મુસ્લીમ ધર્મગુરુઓના ફતવાઓનો સાર આ પ્રમાણે છે :

  • ઈસ્લામી દેશો સઉદી અરેબીયા, મીસર તથા જોર્ડનની સરકારના ઉચ્ચ ધાર્મીક અભ્યાસીઓ અને ધર્મગુરુઓએ માનવીના મૃત્યુ પછી તેની મરજી અને ઈચ્છા અનુસાર માનવજાતના કલ્યાણ, ફાયદા તથા અન્ય માનવીનો જીવ બચાવવા કાજે તેના શરીરના અવયવોના દાનને અમુક શરતોને આધીન ઈસ્લામ ધર્મ અનુસાર કાયદેસર ગણાવેલ છે.
  • પાકીસ્તાનની ઘણી ધાર્મીક સંસ્થાઓ જેને ‘દારુલ ઉલુમ’ (જ્ઞાનનું રહેઠાણ) કહેવામાં આવે છે, તેમના મોવડીઓનો પણ ઉપર પ્રમાણેનો અભીપ્રાય છે.
  • પાકીસ્તાન દેશની સરકારી ‘ઈસ્લામી રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ’ (ઈસ્લામી સંશોધન સંસ્થા)નો પણ ઉપર પ્રમાણેનો અભીપ્રાય છે.
  • પાકીસ્તાન તથા ભારતના અન્ય ધાર્મીક અભ્યાસીઓ તથા ધર્મગુરુઓનો પણ ઉપર પ્રમાણેનો અભીપ્રાય છે.

આ વીષેની શરતો, જે સર્વે ધર્મગુરુઓએ ગણાવેલ છે, તે આ પ્રમાણે છે :

  1. માનવી પોતાની મરજી અને ઈચ્છા અનુસાર તથા કોઈ પણ પ્રકારના દબાણ વીના પોતે લેખીત પરવાનગી આપતો હોય કે તેના મૃત્યુ પછી તેના શરીરના અવયવોનો ઉપયોગ માનવજાતના કલ્યાણ તથા ફાયદા કાજે કરવામાં આવે. તે ઉપરાંત તેના વાલીની, અગર તેનો કોઈ વાલી ન હોય, તો સત્તાધીશ અધીકારીની મંજુરી પણ જરુરી છે.
  2. માનવીના મૃત્યુ પછી તેની લેખીત ઈચ્છા અનુસાર તેના મૃત શરીરમાંથી તેના અવયવો કાઢવાનું કાર્ય તબીબી ક્ષેત્રના નીષ્ણાતો દ્વારા થાય, અને આ કાર્યનો ઉદ્દેશ જરુરતની ભુમીકાએ જ માનવજાતના કલ્યાણ અને ફાયદા કાજે જ હોવો જોઈએ. એટલે કે આ અવયવોને આવા અવયવોથી વંચીત માનવીને લગાડવામાં આવે, અથવા તો આ અવયવો તબીબી જ્ઞાનના વીદ્યાર્થીઓને અભ્યાસ માટે આપવામાં આવે એ ધ્યાનમાં રાખતાં કે માનવજાતના કલ્યાણ કાજે તબીબી જ્ઞાન મેળવવાનો આ એક જ વ્યવહારુ માર્ગ છે, અને માનવના શરીરના અવયવોના અભ્યાસ વગર તબીબી જ્ઞાન ખરા અર્થમાં મેળવવું શક્ય નથી.
  3. જે જીવન્ત માનવીને મૃત્યુ પામેલા માનવીના શરીરના અવયવો તેની લેખીત પરવાનગીથી લગાડવામાં આવે, તે જીવન્ત માનવી ખરેખર તે અવયવોનો જરુરતમન્દ હોય અને તેની શારીરીક વહીવટ ક્રીયાની સલામતીનો આધાર તે અવયવો મેળવવા પર હોય.
  4. મૃત્યુ પામેલા માનવીના શરીરના અવયવો કાઢતી સમયે તે વાતને લક્ષમાં રાખવી જરુરી છે કે તેના શરીર પર કોઈ અસામાન્ય કુરુપતા ઉત્પન્ન ન થાય.
  5. મૃત્યુ પામેલા માનવીના શરીરના અવયવો માટે કોઈ ભૌતીક વળતર ન લેવામાં આવે તથા અન્ય કોઈ ભૌતીક લાભ દૃષ્ટી સમક્ષ ન હોય.
  6. આ કાર્યને ‘જરુરત’ની સીમા સુધી જ મર્યાદીત રાખવું જોઈએ.

ઈસ્લામ ધર્મ એક વ્યવહારીક અને વાસ્તવીક એટલે કે પ્રેક્ટીકલ ધર્મ હોવાના કારણે તેમાં અન્ધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી. માનવજાતના કલ્યાણ વીષેની તથા અન્ય એવી દરેક બાબતને પાલનહાર અલ્લાહના આદેશો, તેના અન્તીમ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)નાં અધીકૃત કથનો (હદીસો) તથા આજના સમયને અનુલક્ષીને સાચી અને સચોટ દલીલો, બુદ્ધી અને તર્કશાસ્ત્ર(લૉજીક) દ્વારા પરખવામાં આવે છે.

––––––––––––––––––––––––––––––––––––––––

દર વર્ષે હજારો બ્રેઈન–ડેડ કે એક્સીડેન્ટના કારણે મૃત્યુ પામ્યા હોય તેવા મૃતદેહને સ્મશાન કે કબ્રસ્તાનમાં અનુક્રમે અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર કરવામાં આવે છે. તેમ કરવાથી મૃતકનાં અંગો રાખ થઈ જાય છે કે માટીમાં ભળી જાય છે. આ મૃતકનાં અંગો મૃત્યુની રાહ જોતા અને રીબાતા દરદીઓને દાન કરી, સમયસર અંગોનું પ્રત્યારોપણ કરી; અનેક લોકોને નવજીવન આપી શકાય છે. તારીખ 2 જુલાઈથી દર સોમવારે સાંજે 7.00 વાગ્યે પ્રગટ થતી આ લેખમાળા વાંચીને વાચકમીત્રો અંગદાન કરવાનો નીર્ણય કરશે તો લોકજાગૃતીનો મારો આ પ્રયાસ સાર્થક થશે.

–ગોવીન્દ મારુ

––––––––––––––––––––––––––––––––––––––––

આ અનુસાર ઉપસંહારમાં એ જરુર કહી શકાય કે કોઈ માનવી પોતાના જીવન દરમીયાન માનવજાતના કલ્યાણ કાજે તથા અન્ય જીવન્ત માનવીને સહાય કરવા માટે અથવા તેનો જીવ બચાવવા માટે અથવા તેના અન્ધકારમય કે દુ:ખી જીવનને સુધારવા માટે પોતાની લેખીત પરવાનગીથી પોતાના મૃત્યુ પછી, અમુક શરતોને આધીન, પોતાના શરીરના અવયવોનું દાન કરે છે, તો તે સદ્કાર્ય અસંખ્ય મુસ્લીમ ધર્મગુરુઓના મંતવ્યો અનુસાર તથા પાલનહાર અલ્લાહના માનવજીવનની અગત્યતા વીષેના આદેશો અનુસાર ઈસ્લામ ધર્મમાં કાયદેસર ગણવામાં આવેલ છે, જેનું અમલીકરણ અસંખ્ય ઈસ્લામી દેશો તથા ગેરઈસ્લામી દેશો યુરોપ, અમેરીકા, કૅનેડા વગેરેમાં થઈ રહ્યું છે.

–કાસીમ અબ્બાસ

ગુજરાતી, ઉર્દુ, અંગ્રેજી અને અરબી ભાષા પર સારું પ્રભુત્વ ધરાવતા અને સ્પષ્ટ વક્તા જનાબ કાસીમ અબ્બાસ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ટોરંટો (કેનેડા)ના ગુજરાતી સાપ્તાહીક ‘સ્વદેશ’માં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર ‘ઈસ્લામની આરસી’ (22 ઓગસ્ટ, 2016)માંથી ટુંકાવીને.. લેખકના અને સ્વદેશના સૌજન્યથી સાભાર…

લેખકસમ્પર્ક : 

Qasim Abbas, Toronto, Canada
E-mail: qasimabbas15@hotmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 09–07–2018

રમેશ સવાણી, I.P.S.

યુદ્ધ ફાટી નીકળશે!

–રમેશ સવાણી

“જગદીશભાઈ, મને હસબન્ડ કેવો મળશે? હેન્ડસમ હશે? બુદ્ધીશાળી હશે? મોટો પગાર હશે?”

“તમારું નામ?”

“મારું નામ શીલ્પા છે. ઉમ્મર : 28. એમ. કૉમ. કર્યું છે. વરાછામાં રહું છું!”

“શીલ્પાજી! તમારી કલ્પના કરતાંય ચડીયાતો હસબન્ડ તમને મળવાનો છે! આ હું નથી કહેતો, મારા નાના ભાઈ અશોકનો આત્મા કહી રહ્યો છે!”

શીલ્પા પછી પન્દર છોકરીઓ વેઈટીંગમાં હતી. દરેક છોકરીએ ભાવી હસબન્ડ અંગે જ પ્રશ્નો પુછ્યા. જવાબો સાંભળીને દરેક યુવતી ખુશખુશ થઈ ગઈ! રોજે પ્રશ્નો પુછનાર યુવતીઓની લાઈન લાગતી હતી. મૃત્યુ પામનારનો આત્મા જવાબ આપે. તે ઘટના જ રોમાંચ ઉભો કરતી હતી. સુરતમાં લોકમુખે આ ઘટનાની જ ચર્ચા ચાલતી હતી.

ગોપીપુરા પોલીસ ચોકી સામે જગદીશભાઈ શાહ (ઉમ્મર : 40) રહેતા હતા. તેના નાના ભાઈ અશોક(ઉમ્મર : 35)નું તારીખ 26 જાન્યુઆરી, 2001ના રોજ, ભુકમ્પના કારણે અવસાન થયું હતું. જગદીશભાઈને મોટો આઘાત લાગ્યો હતો; પરન્તુ થોડી રાહત એ વાતની હતી કે જગદીશભાઈ ઈચ્છે ત્યારે અશોકના આત્માને બોલાવી શક્તા હતા.

જગદીશભાઈએ પોતાના ઘરમાં, એક રુમમાં વચ્ચે ચટ્ટાઈ પાથરી હતી. ચટ્ટાઈની વચ્ચે એક ચોરસ બાજઠ મુક્યો હતો. બાજઠ ઉપર કાગળની નાની–નાની કાપલીઓ મુકી હતી, જેમાં અંગ્રેજી ભાષાના છવ્વીસ મુળાક્ષરો 1 ટુ 10 નમ્બર અને અંગ્રેજીમાં Yes–No શબ્દો લખ્યાં હતાં. પ્રશ્નો પુછનારે ઉંધી વાટકી ઉપર આંગળી મુકી પ્રશ્નો પુછવાના હતા અને વાટકી ઉપર એક આંગળી જગદીશભાઈ રાખતા હતા. આ વાટકી ખસતી–ખસતી ગમે તે એક કાપલી–ચીઠ્ઠી આગળ ઉભી રહી જતી હતી. વાટકી ખસેડવાનું કામ અશોકનો આત્મા કરે છે, તેમ જગદીશભાઈ કહેતા હતા.

ન્યુયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો થયાને હજુ થોડા દીવસ જ થયા હતા. તે સમયે જગદીશભાઈએ આગાહી કરી : “ઓસામા બીન લાદેન મુમ્બઈ પોલીસના હાથે ઠાર થશે!”

આ આગાહીના કારણે જગદીશભાઈ સમાચારનું કેન્દ્ર બની ગયા. અખબારોમાં અશોકનો આત્મા જવાબ આપે છે, એવા સમાચારો પ્રસીદ્ધ થતાં જ ચકચાર મચી ગઈ. જગદીશભાઈના ઘર સામે લાંબી લાઈન થવા લાગી. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી લોકો પ્રશ્નો પુછવા આવવા લાગ્યા. કેટલાક લોકોએ આત્માનું પગેરું મેળવવા સત્યશોધક સભા’, સુરતનો સમ્પર્ક કર્યો.

તારીખ 27 ડીસેમ્બર, 2001ને ગુરુવાર. બપોરના બે વાગ્યે, જગદીશભાઈએ ખળભળાટ મચાવી મુકે એવી આગાહી કરી : “તારીખ 8 જાન્યુઆરી, 2002 પહેલાં ભારત–પાકીસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે!

દસ–બાર દીવસમાં યુદ્ધ ફાટી નીકળશે, એ સમાચારથી લોકોમાં ડર ઘુસી ગયો. સંગ્રહખોરોએ સંગ્રહખોરી શરુ કરી દીધી! પોલીસતન્ત્રએ આવી ચોંકાવનારી આગાહી નહીં કરવા જગદીશભાઈને સુચના કરી. જગદીશભાઈનો જવાબ હતો : “મારી આગાહી નથી, અશોકનો આત્મા કહે છે!”

પોલીસે, ઈન્ડીયન પીનલ કૉડ, ક્રીમીનલ પ્રોસીજર કૉડ અને બીજા લોક્લ ઍક્ટ ઉથલાવી નાંખ્યા; આત્મા ઉપર પગલાં ભરી શકાય તેવી કોઈ જોગવાઈ જ ન હતી! સુરત શહેરની પોલીસ હોશીયાર હતી. તેણે ચાર લોકોની એક ટીમને, જગદીશભાઈના ઘરમાં પ્રવેશ કરાવી દીધો.

જગદીશભાઈએ પુછ્યું : “તમે કોણ?”

“મારું નામ સુર્યકાંત શાહ છે.

મારી સાથે મુમ્બઈના સીદ્ધાર્થભાઈ, મધુભાઈ અને ગુણવંતભાઈ છે. હું પણ મુમ્બઈ રહું છું! અમારે બસ, થોડા પ્રશ્નો પુછવા છે!”

“પુછો. અવશ્ય પુછો!”

“જગદીશભાઈ! તમે જે આગાહીઓ કરો છો, જે જવાબો આપો છો, તેની પાછળ અશોકનો આત્મા છે?”

“બીલકુલ. સુર્યકાંતભાઈ!”

“અશોકનો આત્મા માણસનું રુપ લઈને આવે છે? આત્મા માણસની માફક બોલી શકે? જો બોલી શકે છે તો આત્મા કઈ ભાષામાં બોલે? આત્માનો અવાજ સાંભળી શકાય? આત્મા વસ્ત્રહીન સ્થીતીમાં હોય છે કે કપડાં પહેરીને આવે છે? કેવા કપડાં પહેરે છે? આત્મા અદૃશ્ય થાય તેની સાથે તેના કપડાં પણ અદૃશ્ય થઈ જાય છે? આત્માનો કોઈ આકાર હોય છે કે પછી તે આકારહીન હોય છે? આત્મા શાંત કે અશાંત થઈ શકે? આત્મા કોઈને મદદ કે નુકસાન કરી શકે? આત્માને બાંધી શકાય? તેને મુક્ત કરી શકાય? આત્મા કોઈની લાગણી સમજી શકે?”

“સુર્યકાંતભાઈ, તમારા પ્રશ્નોના જવાબ મારી પાસે નથી!”

 “જગદીશભાઈ, તમે જ અશોકના આત્માને આ પ્રશ્નો પુછી જુઓ!”

“આવા પ્રશ્નો અશોકના આત્માને પુછું તો તે નારાજ થઈ જાય!”

“જગદીશભાઈ, આત્મા નારાજ પણ થાય?”

“બીજા પ્રશ્નો પુછો!”

“જગદીશભાઈ, અશોકનો આત્મા અહીં કેમ રોકાઈ ગયો છે? દેહત્યાગ પછી મુક્ત થયેલો આત્મા ગાય ઉપર સવારી કરીને, વૈતરણી જેવી ભયાનક નદી પાર કરીને, મોક્ષના દ્વારે પહોંચે છે, તેવી માન્યતા છે. આ માન્યતા સાચી છે કે ખોટી?”

“આ માન્યતા સાચી છે!”

“જગદીશભાઈ, તો અશોકનો આત્મા અહીં જવાબ આપવા કેમ રોકાઈ ગયો? આ પ્રશ્ન તમે અશોકના આત્માને પુછો!”

“સુર્યકાંતભાઈ, આવા પ્રશ્નનો જવાબ આત્મા નહીં આપે!”

“એનો અર્થ એ થયો કે કયા પ્રશ્નનો જવાબ આપવો અને કયા પ્રશ્નનો જવાબ ન આપવો, તે આત્મા નક્કી કરી શકે?”

“બીલકુલ, કરી શકે!”

“જગદીશભાઈ, આત્માને માઈન્ડ હોય છે? જવાબ આપવો કે ન આપવો તે પ્રક્રીયા, આત્મા કઈ જગ્યાએ કરે છે? આત્માને શરીર હોતું નથી, વજન હોતું નથી. તો શરીરહીન આત્માને મોક્ષ દ્વારે પહોંચવા શરીરધારી પ્રાણી એટલે કે ગાયની જરુર પડે ખરી? આ પ્રશ્નો અમે અશોકના આત્માને પુછવા માંગીએ છીએ!”

સુર્યકાંતભાઈ, આવા પ્રશ્નો તમે સાધુ–સંત, ભગત–ભુવાજીને પુછો. કથાકારોને પુછો. એ જવાબ આપશે. અશોકનો આત્મા આવા પ્રશ્નોથી કંટાળી ગયો છે!”

“વાહ! આત્માને કંટાળો પણ ચડે!”

સુર્યકાંતભાઈ, હવે તમે અહીંથી જતા રહો! અશોકનો આત્મા છંછેડાઈ જશે તો તમારું ધનોતપનોત કાઢી નાખશે!”

“આત્મા છંછેડાઈ જાય? કોઈનું ખરાબ કરે? જગદીશભાઈ! મહેરબાની કરી તરકટ બંધ કરો. ઢોંગ બંધ કરો! અમે કોણ છીએ, તે તમે કે અશોકનો આત્મા ઓળખી શક્યો નહીં! જો અશોકનો આત્મા વાટકી હલાવતો હોય તો, અમને ઓળખે પણ નહીં? અમે સત્યશોધક સભાના સભ્યો છીએ. મારી સાથે મધુભાઈ કાકડીયા(સેલફોન : 98255 32234), સીદ્ધાર્થ દેગામી(સેલફોન : 94268 06446) અને ગુણવંત ચૌધરી(સેલફોન : 98251 46374) છે. અમે મુમ્બઈથી નથી આવ્યા. સુરતમાં જ રહીએ છીએ! જગદીશભાઈ, ભ્રમજાળ ફેલાવવાનું બંધ કરો!”

જગદીશભાઈ થોડીવાર સત્યશોધક સભાની ટીમને તાકી રહ્યા, પછી હાથ જોડી કહ્યું : “મને માફ કરો! મારી ભુલ છે. વાટકીવાળા પ્રયોગમાં આત્મા આવે છે, તે વાત મેં ઉપજાવી કાઢી હતી. લોકોનું ધ્યાન ખેંચાય તે માટે હું ચોંકાવનારી આગાહીઓ કરતો હતો!”

મધુભાઈ કાકડીયાએ પુછયું : “જગદીશભાઈ, વાટકીવાળો પ્રયોગ કરવાની જરુર કેમ પડી?”

મધુભાઈ! મને કહેતાં શરમ આવે છે! મારી વીકૃત ઈચ્છાઓ સંતોષાતી હતી! પોતાના પ્રશ્નો લઈને ઘણીબધી યુવતીઓ મારી પાસે આવતી. વાટકી ઉપર આંગળી મુકી પ્રશ્નો પુછે, મારી આંગળી પણ તેની આંગળી સાથે જોડાય! મને રોમાંચ થતો! યુવતીઓ પ્રફુલ્લીત થઈ જાય તેવા જવાબો હું આપતો, એટલે તે રોમાંચીત થઈ જતી, હું એનો ચહેરો તાકીતાકીને નીરખતો!”

“વાટકીને હલાવતું કોણ?”

મધુભાઈ, વાટકીને મારી ઈચ્છા મુજબ હું ધીમેધીમે ખસેડતો! કોઈને ખ્યાલ પણ નહોતો આવતો!”

––––––––––––––––––––––––––––––––––––––––

આવી છેતરામણ થઈ હોય તો, પુરતા પુરાવા સાથે, અભીવ્યક્તી’ બ્લૉગના https://govindmaru.wordpress.com/cck/ પેજ પર ગુજરાત રાજ્યના 12 ચમત્કાર ચકાસણી કેન્દ્રો’ અને તેના કાર્યકરોના સેલફોન નમ્બર આપવામાં આવ્યા છે તેઓનો સમ્પર્ક કરવા જણાવાય છે.

––––––––––––––––––––––––––––––––––––––––

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર પગેરું’ (15, ફેબ્રુઆરી, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી ઈ.મેઈલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 13–07–2018