દીનેશ પાંચાલ

લાગણી એટલે જીવનરુપી જલેબીની ચાસણી

03

લાગણી એટલે જીવનરુપી જલેબીની ચાસણી

         – દીનેશ પાંચાલ

કોઈ દીકરો પોતાના માતાપીતાનું શ્રાદ્ધ કરાવે એ ઘટના રૅશનાલીઝમ મુજબ અન્ધશ્રદ્ધામાં ખપે છે. જો કે પ્રેમ અને લાગણી એ જીવનની નક્કર સચ્ચાઈ છે. જીવનમાં તેનું પણ ખાસ્સું મહત્વ રહ્યું છે. બીજી બાજુ રૅશનાલીઝમ જીવનની કેવળ એક તરાહ છે. જીવન જીવવાનો એક બૌદ્ધીક અભીગમ છે– પુરું જીવન નથી. લાગણી જેવી પ્રચંડ માનવીય સંવેદનાને કદી રૅશનાલીઝમથી અવગણી શકાતી નથી. પ્રખર રૅશનાલીસ્ટોએ પણ ક્યારેક લાગણી ખાતર કહેવાતી અન્ધશ્રદ્ધાને શરણે જવું પડતું હોય છે. ક્યારેક નીકટતમ સ્વજનોની લાગણી ખાતર બુદ્ધીનું વૉલ્યુમ ધીમું કરીને લાગણીના લય સાથે થોડું વહી જવું પડતું હોય છે. જીવનનું બીજું નામ અનુકુલન છે. અનુકુલન દ્વારા સ્વજનોના મન જાળવીને જીવવા માટે ક્યારેક નીજી માન્યતા જોડે થોડી બાંધછોડ કરવી પડે તો તેમ કરવામાં કશું ખોટું નથી. આપણે ત્યાં હોળી સળગાવવામાં પ્રતીવર્ષ ટનબંધી લાકડાં સાવ નીરર્થક બળી જાય છે. તે અંગે આપણો સખત વીરોધ હોય છે છતાં મહોલ્લાના જુવાનો હોળીનો ફાળો ઉઘરાવવા આવે છે ત્યારે તેમને ના નથી પાડી શકાતી. (અમારા બચુભાઈ હોળી સળગાવવાના સખત વીરોધી છે; પણ તેઓ પણ મહોલ્લાના જુવાનીયાઓને હોળીનો ફાળો આપે છે. કારણમાં તેઓ તેમની રમુજી શૈલીમાં જણાવે છે કે, ‘તેઓ સૌ ભેગાં મળીને મારું ઘર સળગાવે તેના કરતાં હોળી સળગાવે તેમાં મને નુકસાન થવાનું નથી!’) સમાજમાં એવી ઘણી અબૌદ્ધીક પ્રવૃત્તીઓ થતી રહે છે તે આપણી ઈચ્છાના એક ઝાટકે સુધારી દઈ શકાતી નથી. ગમે તેવા ચુસ્ત રૅશનાલીસ્ટે પણ પીતાનું મૃત્યુ થાય ત્યારે ઘરડી માની લાગણી ના દુભાય તે માટે મરણોત્તર કર્મકાંડ કરાવવા પડે છે. એમ કરવું ખોટું પણ નથી. એકાદ અંગત માન્યતા ખાતર સ્વજનોની લીલીછમ લાગણીમાં ભડભડતો દેવતા ચાંપવો એને નરી ઍન્ટી–રૅશનલ ઍક્ટીવીટી કહી શકાય. જીવનમાં બુદ્ધી અને લાગણીના યુદ્ધો હમ્મેશાં થતાં રહે છે. બહુધા તેમાં લાગણીનો વીજય થાય છે. જીવન નામની ફીલ્મની મુખ્ય હીરોઈનનું નામ લાગણી છે. બુદ્ધીનું સ્થાન સાઈડ હીરોઈનનું  છે. યાદ રહે લાગણીનો વીજય એ જીવનની જીત છે; પણ રૅશનાલીઝમની હાર નથી. જીવનમાં જ્યાં લાગણી પ્રગાઢપણે સંકળાયેલી છે ત્યાં દીમાગથી નહીં દીલથી વીચારવું પડે છે. માનવીય લાગણીઓને ઉચીત મહત્વ આપીને રૅશનાલીઝમ વધુ રળીયાત બને છે.

અન્ધશ્રદ્ધા સમ્બન્ધે એક અન્ય મનોવૈજ્ઞાનીક મુદ્દો વીચારવાનું આપણે ચુકી જઈએ છીએ. માનવમનની લીલા અપાર છે. માણસનું મુઠી સરખું દીમાગ સૃષ્ટીનું શ્રેષ્ઠ કૉમ્પ્યુટર છે. માનવ જીવનમાં જીવ કરતાંય દીમાગનું પ્રદાન વીશેષ છે. જીવની જવાબદારી મર્યાદીત છે. બુદ્ધીની જવાબદારીનો પાર નથી. સૃષ્ટીનો વીકાસ માનવીના દીમાગને આભારી છે. કુદરત અને માણસના સંયુક્ત ઉપક્રમે આ દુનીયાનો કારોબાર ચાલે છે. જીવ માણસને કેવળ જીવાડી જાણે છે. દીમાગ માણસને અમર બનાવે છે. જીવ માણસને જીવીત વ્યક્તી તરીકેનું સર્ટીફીકેટ આપે છે. બુદ્ધીના પ્રતાપે માણસમાંથી મહાન વીભુતી  પ્રગટી શકે છે.

કુદરતે મનની જે અદ્ ભુત, ગુઢ શક્તીઓ આપી છે તે વીશે માણસ બહું ઓછું જાણે છે. મનોવીજ્ઞાનીઓ ઘણીવાર કહે છે : ‘સુખ અને દુઃખ મનના કારણો છે. માણસ જેવું વીચારે તેવું થાય છે.’ આવા કથનો પ્રથમ નજરે અતાર્કીક જણાય છે; પરન્તુ તેમાં મનોવૈજ્ઞાનીક સત્ય રહેલું છે. ઉપર્યુક્ત કથનોમાં મનની અપાર ક્ષમતાનો સ્વીકાર રહેલો છે. ડૉ. જીતેન્દ્ર અઢીયા કહે છે– ‘મન પાસેથી કામ લેતાં આવડે તો તમારી તમામ ઈચ્છાઓ પુર્ણ થઈ શકે છે.’ એમ કહીને તેમણે મનની શક્તીનું યશોગાન કર્યું  છે. મનની કેટલીક લીલાઓ મનોવૈજ્ઞાનીકોને પણ મુંઝવે એવી અટપટી હોય છે. મનમાં સાચી જુઠી કોઈ માન્યતા જડાઈ ગઈ હોય તો કાળક્રમે મનની ભીતર તેના અજીબોગરીબ, ચમત્કારીક પરીણામો ઉદ્ભવે છે. એ સન્દર્ભે નવલકથાકાર મોંપાસાની એક વાર્તાનું સ્મરણ થાય છે. એક અન્ધ સ્ત્રીનો પતી મૃત્યુ પામે છે. સ્ત્રી પાસે તેના પતીની એક તસવીર હતી. પતી હયાત હતો ત્યારે કોઈ કારણોસર તેના મનમાં એવું ઠસી ગયું હતું કે એના પતી પાસે કોઈ અલૌકીક શક્તી છે. જે કારણે તેમના બધાં દુઃખો દુર થઈ જાય છે. સ્ત્રીને વર્ષો સુધી લાગ્યું કે પતીની તસવીરમાંથી છુપી રીતે પેલી ગેબી શક્તી તેને સાથ આપી રહી છે. એ માન્યતાના સહારે તેણે પોતાના વૈધવ્યના દશ વર્ષ સુખમાં ખેંચી કાઢયાં. એક દીવસ તેના મકાનમાલીકે ઘરભાડાંની તકરારમાં સ્ત્રીનો બધો સામાન બહાર ફેંકી દીધો. સામાન ભેગી પેલી તસવીર પણ રસ્તા પર ફેંકાઈ ગઈ. સ્ત્રીને તસવીર ના મળતાં તેના દુઃખનો પાર ના રહ્યો. ઘર ઝુંટવાઈ ગયું તેનાથી ય અધીક તસવીર ગુમ થઈ ગઈ તેનો સ્ત્રીને વીશેષ આઘાત લાગ્યો. તેને લાગ્યું કે પતીના મૃત્યુ બાદ દશ વર્ષ પછી તે વીધવા થઈ ગઈ છે. તે રોડ પર તસવીર ફંફોસી રહી હતી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક પ્રૉફેસરે તેને શું શોધે છે એમ પુછયું.. સ્ત્રીએ કહ્યું, ‘હું મારા પતીની તસવીર શોધું છું.’ થોડે દુર એક તસવીર પડી હતી તે ઉઠાવીને પ્રૉફેસરે સ્ત્રીને આપતાં કહ્યું, ‘આતો નહીં?’ સ્ત્રીએ તસવીર પર આંગળીનો સ્પર્શ કર્યો અને તે હર્ષપુર્વક ચીલ્લાઈ ઉઠી, ‘હા, એ જ એ જ… તમારો ખુબ ખુબ આભાર!’

વાર્તાના અન્તમાં મોંપાસા એક વાક્ય લખે છે : એ તસવીર કોઈ માણસની નહોતી. એ તો કોઈ મશીનરીની ડીઝાઈનનો નકશો હતો. વાર્તામાં ઉચીત રીતે જ એ સ્પષ્ટતા નહોતી કે પતીની તસવીરને સ્થાને મશીનરીનો ફોટો શી રીતે આવી ગયો હતો? શક્ય છે સ્ત્રીના અન્ધત્વને કારણે એવો ગોટાળો સર્જાયો હોય. (વાચકે એ કલ્પી લેવાનું હતું) મનની શક્તી કેવાં ચમત્કારી પરીણામો સર્જી શકે છે એ મનોવૈજ્ઞાનીક મુદ્દો વાર્તામાં માર્મીક રીતે રજુ કરવામાં આવ્યો હતો. તાત્પર્ય એટલું જ કે ક્યારેય કોઈ વ્યક્તીમાં અલૌકીક શક્તી હોતી નથી અને તસવીરમાંથી કદી દુઃખમુક્તીનો આશીર્વાદ પણ વરસી શકતો નથી. જે કાંઈ પ્રતાપ હતો તે તસવીરનો નહીં, મનની કોઈ અકળ લીલાનો હતો.

સમજો તો સીધી વાત છે. મનની શાંતી ન જાણે ક્યાં ક્યાંથી અને કેવી રીતે મળી શકે છે. જે આરસ ફાઈવસ્ટાર હૉટલના જાજરુમાં હોય છે તે જ આરસ મન્દીરમાં ય જડેલાં હોય છે; પણ મન્દીરના આરસમાંથી જે શાંતી પ્રગટે છે તેવી જાજરુમાંથી પ્રગટતી નથી. ભગવાનની મુર્તીમાંથી કદી પ્રભુની કૃપા વરસતી નથી; પણ મુર્તીના દર્શનથી દીલમાં એક મનોવૈજ્ઞાનીક શાંતી પ્રગટે છે. ખોટી દીશામાંથી મળતી શાંતી પણ માણસ માટે શ્રેયકર નીવડે છે. સોનાની લગડી ગટરમાં પડી જવાથી તેની કીમ્મત ઘટી જતી નથી. માણસના મનના કૉમ્પ્યુટરમાં એકવાર અમુક માન્યતાનું શોફટવેર ઈન્સ્ટોલ થઈ ગયા બાદ મનની માયાવી નગરીમાં બધું જ શક્ય બને છે. મનની લીલાઓ અપાર હોય છે.

– દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ‘ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/–)માંનો આ ત્રીજો લેખ, પુસ્તકનાં પાન 16થી 18 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત(ભારત) સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com