મીત્રોનાં લેખો / કાવ્યો

ઈશ્વરનું અસ્તીત્વ માનવતામાં છે

અત્યાર સુધીનાં મારાં ગુજરાતી લખાણો કરતાં કાંઈક જુદા પ્રકારનું જ લખાણ લખવાની મને ઘણા સમયથી અંતરના ઉંડાણમાં તમન્ના હતી. તેને ન્યાય આપવા અને એક સામાજીક પ્રદુષણનો નાશ કરવા મારે આજે આંતરમનોવેદના, આસ્થા, શ્રદ્ધા અને ઈશ્વર અંગેનો મારો પોતાનો સ્વતંત્ર સ્પષ્ટ અભીપ્રાય પ્રસ્તુત કરવો છે. જોરાવરનગરના ભાઈશ્રી. જમનાદાસ કોટેચાએ તે માટે મને ઈજન અને તક આપ્યાં છે તેને વધાવી લઈ મારી વાત કરું છું. જીવનની સત્ય અનુભવેલી સ્થીતી–પરીસ્થીતીનું મારું આ તારણ છે.

ભગવાન, પરમેશ્વર, ઈશ્વર અંગે માનવસમાજના બે ભાગ આદીકાળથી જ પડેલા છે. એમાં ત્રીજો એક વીભાગ છેલ્લા ૫૦૦ વરસથી ઉમેરાયો છે. તે છે ‘ઈશ્વર છે અને નથી…’ ઈશ્વર નથી; છતાં છે પર પરમ્પરાગત માન્યતાઓને સ્વીકારી જીવનારો ત્રીજો વર્ગ. ‘ધોબીનો કુતરો ન ઘરનો; ન ઘાટનો’ એવી દશામાં તેઓ જીવે છે; છતાં દમ્ભ અન્તરને સુખ લેવા દેતો નથી એટલે આસ્તીક અને નાસ્તીક એ બન્ને પ્રકારના લોકોને અવગણે છે, તીરસ્કારે છે, સતત અસન્તોષની આગમાં બળતા રહે છે.

તો મારે એ બાબત કાંઈક અલગ જ કહેવું છે. મેં ગુજરાતી, હીન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં ઘણા ઉત્તમ ગ્રંથો વાંચ્યા છે. વેદોનો તલસ્પર્શી અભ્યાસ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. વીશ્વના ૧૨ મોટા સમ્પ્રદાયો કહેવાય છે તેના દરેક પવીત્ર ગ્રંથનો અભ્યાસ – અનુવાદ કરાવીને પણ – કર્યો છે. ક્યાંય ઈશ્વર કોઈને પ્રત્યક્ષ મળ્યો હોય તેવો એક પણ દાખલો નથી, પુરાવો નથી. હા, જીવ ઈશ્વરનો અંશ છે, જીવમાત્ર સમાન ગુણધર્મ ધરાવે છે, તે વૈજ્ઞાનીક સીદ્ધાન્તો દ્વારા જીવશાસ્ત્રીઓએ સાબીત કર્યું છે. માનવ કે અન્ય જીવની ઉત્પત્તી એ શરીરવીજ્ઞાનની એક ક્રીયાનું જ પરીણામ છે. તેમાં ઈશ્વર કાંઈ કરતો જ નથી. છતાં આપણે ઈશ્વરના ફોટા, મુર્તી, છબીઓ, ધુપ–દીપ, માળા, પુજા, મંદીર, આરતી વગેરે ઈશ્વર વીશે માત્ર ને માત્ર કલ્પનાથી લખાયેલી વાર્તાઓ કે ધર્મગ્રંથોની પુરાણી દૃષ્ટાન્ત કથાઓને આધારે જ કર્યા કરીએ છીએ. આપણે આગળની વાત પછી કરીએ. પૃથ્વીની રચના થયા પછી માનવની ઉત્પત્તીનો ઈતીહાસ આજે સૌ જાણે છે. શેવાળથી માંડી આજ સુધીના માનવપ્રગતીના ઈતીહાસમાં ઈશ્વરે કોઈ કામ કર્યું હોય અથવા કોઈપણ માનવને કે જીવને તે રુબરુ મળ્યા હોય તેવું બન્યું નથી, બનવાનું પણ નથી; છતાં જે અન્ધશ્રદ્ધાપુર્ણ માન્યતાઓ જ છે તેને સત્ય માની, આપણે જીવનનો ઘણો કીમતી સમય કર્મકાંડ, દોરા–ધાગા, પુજા–જાપ, મંત્ર–તંત્ર, ભુત–ભુવા, ગ્રહોની પીડા વગેરેમાં વેડફી રહ્યા છીએ. આ બધું ખોટું છે, સત્યથી વેગળું છે. જેને તમે ભગવાન, ઈશ્વર કે પરમેશ્વર માનો છો તે તત્ત્વ નીર્મળ સત્ય છે. આ નીરંજન–નીરાકાર પરમ તત્ત્વ સાથે આજની આપણી ઘોર અન્ધશ્રદ્ધા–ગેરસમજોને કોઈ નાતો નથી અને આપણે કાળા દોરડાને અન્ધારામાં સાપ માની ડરીને, અજ્ઞાનતાથી કાંઈ પણ વીચાર કર્યા વગર, આંખો મીંચી ઈશ્વરને નામે થતાં પાખંડો, ભ્રષ્ટાચારો, વ્યભીચારોને પોષણ આપીએ છીએ એ ભયંકર પાપ છે. આ આપણું સામાજીક પ્રદુષણ છે જે કેન્સર ટી.બી. કે અસાધ્ય રોગ બની માનવજાતને ભયંકર નુકસાન કરી રહ્યું છે.

અનુભવ અને અભ્યાસને આધારે મારી સ્પષ્ટ માન્યતા છે કે જ્યોતીષ, ગ્રહો, દોરા, જાપ અને કર્મકાંડી વીધીવીધાનથી સુખ, સન્તોષ, સમ્પત્તી, સન્તાન મળે છે તે હળાહળ ખોટું છે. માત્ર ભ્રમ ઉભો કરી કહેવાતા ‘પાખંડી લોકોને પેટ ભરવાનો જાહેર ધંધો’ છે જે ખુલ્લેઆમ લુંટ સીવાય બીજું કશું નથી. મારા પીતા અમને વારસામાં જે આપી ગયા છે તેને અણમોલ શીખામણ કહો કે ઈશ્વર વીશેની સત્ય વ્યાખ્યા કહો, તે પ્રમાણે આજે ૭૫ વરસે હું નીડરપણે મારો સત્ય અભીપ્રાય જાહેરમાં આપવા સક્ષમ છું. કારણ બહુ જ સ્પષ્ટ છે, મને ધર્મગ્રંથો, સાહીત્યની ઉત્તમ કૃતીઓ, મહાન ગણાતા સન્તો–મહન્તો, આચાર્યો, પંડીતોની વાણી તેમ જ ૭૫ વરસની લાંબી જીવનયાત્રામાં ઈશ્વરનો સાક્ષાત્કાર, પ્રત્યક્ષ અનુભવ કરેલ હોય એવું કોઈ જ મળ્યું નથી. તેમ જ અગાઉ કોઈને મળ્યા હોય તેવો એક પણ દાખલો જગતભરમાં નથી તે સાબીત કરવાની મારી તૈયારી છે.

હવે વાંચો મારી વાત :

છેલ્લી સાત પેઢીથી અમારા પરીવારનો કર્મકાંડનો તદ્દન બનાવટનો, લોકોને લુંટવાનો, લોકોને જાહેરમાં મુર્ખ બનાવી રોટલો રળવાનો ધંધો રહ્યો. એ કરનાર અમારા વડીલોએ જે મરતાં મરતાં અમને કહ્યું છે તે આપને કહેવા માંગુ છું. તેમણે કહ્યું, ‘‘અમે ઓછું ભણેલા બ્રાહ્મણના દીકરા એટલે બીજી કોઈ મહેનત – મજુરી કરી ન શકવાને કારણે કથા, વાર્તા, જ્યોતીષ, યજ્ઞ, દોરા–ધાગા, સરવણી વગેરે વીધી કરવાના થોડાક ચાલુ મંત્રો પુસ્તકોમાંથી ગોખીને શીખી લીધા. પછી ગાડું ચાલ્યું. નાણાં, માન, વસ્ત્રો અને સારાં મકાન પણ અમે આ કર્મકાંડના ગોરખધંધા વડે પ્રાપ્ત કરી જીવ્યા છીએ.  

‘‘પણ આપણી પુત્રીઓ, પુત્રો, વહુઓ, બાળકો આ અનીતીભરી આવકને કારણે સુખી થયાં નથી. રોગ, ગાંડપણ કુસંસ્કારના ભોગ બન્યાં છે. અમારા વડવાઓ પણ છેલ્લે દુ:ખી થઈને મર્યા છે. કારણ કે માનવજાતને અમે માનવ થઈને છેતરી છે. દગો દીધો છે. માનવમાત્ર ઈશ્વરનો અંશ છે. દરેક જીવમાં ઈશ્વરનું અસ્તીત્વ અનુભવી શકાય છે. જો વેદના – સમ્વેદના કે હૃદયમાં થતી લાગણીનો અનુભવ થાય તો એ જ ઈશ્વર છે એમ માની કરુણા, સ્નેહ, પ્રેમ, હુંફ આપી માનવમાં રહેલા ઈશ્વરને રાજી કરજો. એ સીવાય મફતનું ખાવું, મફતનું લેવું, બ્રાહ્મણ છીએ માટે મફત ભોજન, દાન–દક્ષીણા લેવાનો હક્ક કાયમ માટે ત્યાગીને નાત–જાત છોડીને સમગ્ર માનવ પ્રત્યે સમજણપુર્વક સમાન વાણી અને વહેવાર રાખી વર્તન કરજો એ ઈશ્વરની ખરી પુજા છે.’’

છેલ્લે મરણની છેલ્લી પળે મારા સ્વ. પીતાજીએ મારા માતુશ્રીને હાથમાં પાણી લેવડાવી પ્રતીજ્ઞા કરાવી હતી કે, ‘‘આપણાં સન્તાનોને આ કર્મકાંડનો ધન્ધો નહીં કરાવીશ. ભીક્ષાવૃત્તીનો ત્યાગ કરાવીશ. મફતનું ભોજન, અન્ન, વસ્તુ– સીધુંસામાન–દાનદક્ષીણા કદાપી લેવા દઈશ નહીં. પેટ ન ભરાય તો ફોડી નાખજો.’’

 મારા સ્વ. માતુશ્રી ૨૬ વરસની ઉમ્મરે વીધવા થયાં. અમે ચાર સન્તાનો અને પોતે એમ પાંચનું ભરણપોષણ, ખડ વાઢીને, જીવનભર અજાચક બની જીવવાના ઉત્તમ સંસ્કારો અમને આપ્યા. આજ સુધીમાં મન્ત્ર, તન્ત્ર, જન્માક્ષર, સમય–વાર, ચોઘડીયાં કે ગ્રહો કોઈ ક્યાંય અમને નડ્યાં નથી. દરેક સન્તાન ૧૮ વર્ષની ઉમ્મરે કામે લાગી જાય. અને આપ સૌને નવાઈ લાગશે કે ૮૧ વરસની ઉમ્મરે મારાં પુજ્ય માતુશ્રી સ્વર્ગવાસી થયાં ત્યારે શીક્ષણ, સંસ્કાર, સમ્પત્તી અને સાચી સમજણ સાથે અમને જીવતા જોઈને પરમ સન્તોષ સાથે આશીર્વાદ આપીને ગયાં. તેઓએ એ જ કહ્યું કે, ‘આપણી અજાચકવ્રતની વારસાગત મુડી સાચવજો. માનવમન્દીરમાં રહેલ ઈશ્વરને વન્દન કરી નમ્રતા, સરળતા અને સહજ જીવન જીવજો…’

આ સત્ય હકીકત મેં એટલા માટે રજુ કરી છે કે સમાજમાં અત્યારે વ્યાપી રહેલી અન્ધશ્રદ્ધા, ભુત, ભારાડી, ધર્મને નામે ચાલતાં આશ્રમો, મંદીરો કે જેનો માત્ર નાણાં કમાવા સીવાય કોઈ હેતુ નથી તેમાં પડવું નહીં. કદાચ તેને પડકાર કરવા કે તે ખોટું છે તેમ કહેવાની હીમ્મત, છાતી, તાકાત ન હોય તો ભલે; પણ તેનાથી દુર તો રહેવાય ને ? મારે પણ આસ્તીક, નાસ્તીક કે વચ્ચેના કોઈ માનવસમાજની પ્રવૃત્તીઓ–ધન્ધા, સાચા, ખોટામાં પડવું નથી; પણ આ બધાથી દુર રહીને ખુબ સારી રીતે જીવાય છે તેવો મારો પોતાનો જાતઅનુભવ છે. હું શીક્ષણનો માણસ છું. માણસ બનીને જ માનવ તૈયાર કરવાનનું કામ મેં અને મારાં પત્નીએ ૩૫ વરસ કર્યું છે. ગામડાંમાં, શહેરમાં, ગલી, પોળમાં કે દુનીયાના અન્ય દેશોમાં ક્યાંય અમે માનવતા ચુકતાં નથી. અન્ધશ્રદ્ધા કે દમ્ભી દેવદર્શન કરી દાન–દક્ષીણા લેતા તો નથી જ; પણ ક્યારેય એક પણ પૈસો મન્દીરમાં, સન્તને કે તેના આશ્રમને આપતા નથી. મન્દીર, હવેલી કે અન્ય ધર્મસ્થળોની આજુબાજુ જે ગરીબ, ભુખ્યાં લોકો ટળવળતા હોય તેની તપાસ કરી, તેમને ઘરે બોલાવીએ છીએ. તેમનાં ઝુંપડાંઓમાં જઈને કપડાં, અનાજ, રુપીયા, પુસ્તકો, બાળકોને ભણવાની ફી આપીએ છીએ. અમારાં પેન્શનની રકમ દર મહીને ૨૦ થી ૨૫ હજાર આવે છે. કોઈ પણ જાતની પ્રસીદ્ધી કર્યા વીના છેલ્લાં ૧૦ વરસથી વડોદરા શહેરમાં રહીને આવી મદદ આપ્યા જ કરીએ છીએ. અમે બન્ને પ્રાથમીક શાળાના નીવૃત્ત શીક્ષક–દમ્પતી છીએ. ઈશ્વરનું અસ્તીત્વ અમે માનવમાં જોયું છે. અને માનવસેવા એ જ ઈશ્વરસેવા છે તેમ દૃઢપણે માનીએ છીએ. બાકી બધો દમ્ભ છે, ધતીંગ છે, ખોટું છે, છેતરવાના ગોરખધંધા છે. લોકોની લાચારી, ગરીબી, નીરક્ષરતા, બેકારીનો લાભ લેતી આવી વ્યક્તીઓ, સંસ્થાઓ કે આશ્રમોને ખુલ્લાં પાડી સત્ય સમજાય તેવું સામાજીક પરીવર્તન કોઈએ તો કરવું જ પડશે.

છેલ્લે એટલું કહું કે કાદવના ખાડાને તમે પુરી શકો તેમ ન હો; તો પણ તેનાથી દુર તો રહી શકાય છે ને ?

શીક્ષીત વ્યક્તી આટલું સમજી પોતાના પુરતો નીર્ણય કરી જીવે તો પણ ઘણું બધું કામ થાય…’

લેખક સમ્પર્ક: ડૉ. પ્રતાપ પંડ્યા, ‘ઘર’ – એ-1/1 સામ્રાજ્ય –2, મુંજ મહુડા, વડોદરા – 390 020 ફોન : 0265- 231 2793 મોબાઈલ : 98253 23617 ઈ–મેઈલ : pratapbhai@gmail.com 

અમેરીકાનો સેલફોન નંબર :  949 340 7533

(લેખક હાલ અમેરીકાના પ્રવાસે છે. એક મહીના પછી સ્વગૃહે વડોદરા પરત થશે.)

‘જમનાદાસ કોટેચા અને વીવેકબુદ્ધીવાદ’ પુસ્તક (પ્રકાશકઃ શ્રી. જમનાદાસ કોટેચા, માનસ પ્રદુષણ નીવારણ કેન્દ્ર,જોરાવરનગર363 020, જીલ્લો : સુરેન્દ્રનગર,સેલફોન: 98981 15976 પૃષ્ઠ: 304; કીમ્મત:150/–)માં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખક, પ્રકાશક અને પુસ્તકના સંપાદકશ્રીની પરવાનગીથી સાભાર…

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ:  https://govindmaru.wordpress.com

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 27–09–2012

 ●

 

Advertisements
દીનેશ પાંચાલ

સન્તો અને બુદ્ધીવાદ

દરેક માણસના મસ્તકમાં વીચારબૅંક આવેલી છે. દેહવીજ્ઞાનની ભાષામાં એને દીમાગ કહેવામાં આવે છે. બૅંકોમાં ઉજળાં નાણાં ભેગું કાળું નાણું પણ હોય તેમ માણસના દીમાગમાં સાચા ભેગી જુઠી વાતો પણ હોય. કહે છે કે એક કરોડ ઘુવડો ભેગા મળે તો છતાં સુરજે અંધારું થઈ જાય. અહીં એક વાત ધ્યાન બહાર ન રહી જવી જોઈએ. કરોડો ઘુવડો ખોટા છે એવું આપણે આપણી આંખની ક્ષમતાને કારણે કહી શકીએ છીએ. ઘણીવાર બે માણસનાં સત્ય વચ્ચે ઘુવડ અને માણસની આંખ જેટલું છેટું પડી જાય છે. ઘુવડો બોલી શકતા હોત તો માણસ સાથે તેનો જરુર વીવાદ થયો હોત. સમાજમાં અસત્ય વકરે ત્યારે વાદવીવાદનો કોલાહલ સર્જાય છે. અને સત્ય વકરે ત્યારે ‘સત્યશોધક સભા’ની સ્થાપના થાય છે. સત્ય અને અસત્યની દોરડાખેંચ નર્મદના જમાનાથી ચાલતી આવી છે. એ ગજગ્રાહમાંથી એક સત્યવાદ જન્મ્યો તે ‘વીવેકબુદ્ધીવાદ’. એને વીજ્ઞાનપ્રમાણીત ‘સત્યનો ધરમકાંટો’ કહી શકાય. સત્યનાં એ ત્રાજવાંમાં પણ ક્યારેક બે પલ્લાં વચ્ચે ધડાનો ફેર પડી જાય છે. એક જણ જુદું માને; બીજો જુદું માને !

ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતા કથાકારોએ નાસ્તીકોના ફંક્શનમાં હાજરી ન આપવી જોઈએ એમ ઘણા માને છે. બીજી તરફ ઘણાનું કહેવું છે કે નાસ્તીકોએ તેમના ફંક્શનમાં કથાકારને બોલાવવા જ ન જોઈએ. (અમારા બચુભાઈ માને છે કે નાસ્તીકોના સંમેલનમાં કથાકારને મંચ પર બેસાડવામાં આવે તે એવી વીચીત્રતા છે માનો, કોઈ ભુવા પાસે વીજ્ઞાનમેળાનું ઉદ્ ઘાટન કરાવવામાં આવતું હોય !) વીવાદનો કોઈ અંત નથી. એક દોરડાને બે માણસો ખેંચે ત્યારે ત્રણ વાત બને છે. (1) જે મજબુત હોય તે પોતાના તરફ દોરડું ખેંચી જાય છે. (2) બન્ને સરખા મજબુત હોય તો દોરડું સ્થીર રહે છે અને (3) બન્ને બેહદ જોર લગાવે તો દોરડું તુટી જાય છે. સમાજમાં ઘણા વૈચારીક ગજગ્રાહોનાં દોરડાં તંગ રહેતાં આવ્યાં છે. મોટેભાગે આવા ગજગ્રાહોમાં સત્યની નહીં; બળની જીત થાય છે.

માણસ ચા બનાવે કે કોફી, બન્નેમાં તપેલીની જરુર પડે છે તેમ ચર્ચા શ્રદ્ધાની થાય કે અશ્રદ્ધાની એમાં વીચારશક્તી અનીવાર્ય હોય છે. પ્રયત્ન કરીએ તો પણ મુળ સત્યને કોઈથી મરોડી શકાતું નથી. જો કે હવે સત્યનો પણ ‘મેકઓવર’ થાય છે. કાગડા કાળા જ હોય. એને ધોળા રંગથી રંગવો એ સત્યનું રીનોવેશન કરેલું ગણાય. શાક માર્કેટમાં કેપ્સીકમ મરચાં પહેલાં લીલાં જ જોવા મળતાં. હવે લાલ અને પીળા રંગનાં પણ મળે છે. કાળક્રમે સત્યો પણ કેપ્સીકમની જેમ રંગ બદલે છે. ચર્ચા, દલીલ, તર્ક, વીતર્ક એ બધાંને ધારેલી દીશામાં મરોડી શકાય છે. આવું થાય ત્યારે મુળ ચર્ચા વંટોળીયાની જેમ સત્યના એપી સેન્ટરથી ધમરોળાઈને દુર નીકળી જાય છે. જીદ, મમત, હઠાગ્રહ કે હમસચ્ચાઈ એ ચાર બાબતો રૅશનાલીઝમ માટે ચાર ડાઘુ જેવી કામગીરી બજાવે છે. બધી સ્મશાનયાત્રાઓની નનામી રોડ પર નીકળતી નથી. બધા મૃત્યુની શોકસભા યોજાતી નથી.

સન્તોને નાસ્તીકોના ફંક્શનમાં બોલાવવા જોઈએ કે નહીં; એ મુદ્દો ઘણો ચર્ચાયો. એક વાત નીર્વીવાદ સ્વીકારવી પડશે. સત્યને જુથબંધી ન હોવી જોઈએ. આખા વીશ્વ માટે સત્યનું ભોજન તૈયાર થયું હોય તેમાં આસ્તીક–નાસ્તીકનો ભેદભાવ ન હોઈ શકે. ભુખ પેટની હોય કે દીમાગની, માણસ માત્ર માટે જ્ઞાનનો ખોરાક જરુરી છે. રૅશનાલીઝમમાં કોઈ ઉપયોગી બાબત હોય તો કોઈ પણ સંત તેમાં સુર પુરાવે તે આવકારદાયક લેખાય. સત્ય કોઈ એકની જાગીર નથી. યાદ રહે જે સત્ય નાસ્તીકોની દુકાને નથી ખપી શકતું તે રામકથાના દરબારમાં રમતાં રમતાં વેચાઈ શકે છે. રામના નામે પથરા તર્યા હશે કે ન હશે; પણ રામના નામે રૅશનાલીઝમ અવશ્ય તરી જશે. સંતો પાસે ધર્મનું શક્તીશાળી માધ્યમ છે. ધર્મના માઈક્રોફોનમાંથી નીકળતા ઉપદેશો સાંભળવા કરોડો કાન તત્પર હોય છે.  રૅશનાલીઝમ માટે તો રૅશનાલીસ્ટોને પણ શ્રદ્ધાળુઓ જેટલો ઉમળકો નથી ! એક સત્ય દીવાદાંડી બની ચારે દીશાનું અંધારુ દુર કરે એ સમાજોપયોગી બાબત છે. એમાં સાધુ–સંતો કે આસ્તીક–નાસ્તીકના ભેદભાવો ન હોવા જોઈએ.

બીજી નક્કર વાત સાંભળો. જો રૅશનાલીઝમમાં રોજબરોજ જીવાતા જીવનનાં નક્કર સત્યો હશે તો કોઈ સાધુ–સંતો કે ભગતો તેના મુળીયાં ઉખેડી શકશે નહીં. કોણ બોલે છે તેનું નહીં; તે શું બોલે છે તેનું મહત્ત્વ હોય છે. આપણી અંદરના ત્રાજવે તોળીને એ સમજવાનું છે કે મોરારજી દેસાઈ દારુ પીવાની ભલામણ કરે તેથી દારુની હાનીકારકતા નષ્ટ થઈ જવાની નથી. બીજી તરફ ઓસામા બીન લાદેન શાન્તીની હીમાયત કરે તો તેને એક આતંકવાદીની હીમાયત ગણીને ફગાવી દેવાની જરુર નથી. કેટલાંક સત્યો વીવેકબુદ્ધીના બેરોમીટરથી તપાસતાં પોકળ જણાય છે. પરન્તુ રૅશનાલીઝમ અને જીવન એ બેનો હમ્મેશાં મેળ ખાતો નથી. જીવનમાં જીવાતાં વ્યવહારુ સત્યો જુદાં હોય છે અને વાસ્તવમાં જે અસલ સત્યો છે તે જુદાં છે. આ બન્ને સત્યોનો સમન્વય કર્યા પછી જન્મતું ‘વ્યવહારુ–રેશનાલીઝમ’ સમાજનું કલ્યાણ કરી શકે છે.

એક બે દાખલા જોઈએ. લાખો શ્રદ્ધાળુઓ (શીક્ષીતો) પણ સવારે સુર્યવંદના કરે છે. એ અન્ધશ્રદ્ધા હોય તોય તેનાથી સમાજનું ધનોતપનોત નીકળી જતું નથી. યાદ રહે અન્ધશ્રદ્ધાનો આનંદ પણ મદીરાપાન જેવો છે. દારુ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે છતાં;  નાસ્તીકો પણ તે પીએ છે. કેમ…? આનંદ મળે છે માટે ! (સંભવત: ‘બેફામ’ સાહેબે સાચું જ લખ્યું છે– ‘પુરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા… મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ…!) જીવનના પ્રત્યેક આનંદને ન્યાય, નીતી અને સત્યના ત્રાજવે તોલી શકાતો નથી. ચીનનો બ્રાહ્મણ સાપ, દેડકાં, ઉંદર વગેરે આરોગે છે. કહો જોઉં, એ સારુ છે કે ખરાબ તે કોણ અને શાના આધારે નક્કી કરશે?

બીજો મુદ્દો જોઈએ. માન્યું કે દીશાઓ માણસે શોધી છે. બ્રહ્માંડમાં દીશાઓ જેવું કશું છે જ નહીં. વાત સો ટકા સાચી. પણ શું દીશાઓ વીના માણસને ચાલશે ખરું ? (ડુંગરો કદી પગથીયાં વાળા હોતા જ નથી. પગથીયાં માણસ પોતે બનાવે છે. પણ પગથીયાં વીના ચાલે ખરું ?) દીશાઓ પણ ડુંગરના પગથીયાં જેવી છે. તે દરીયામાં, આકાશમાં, ધરતી પર કે રણમાં પ્રવાસ કરતી વેળા અનેક રીતે ઉપયોગી થાય છે. અમદાવાદ કઈ દીશામાં આવ્યું તે વાત કોઈને સમજાવવા માટે માણસે શોધી કાઢેલી તરકીબને દીશા કહી શકાય. તે અન્ધશ્રદ્ધા હોય તો પણ ઉપયોગી અને અનીવાર્ય અન્ધશ્રદ્ધા છે. ખરી વાત એટલી જ કે જીવનામાં સુખશાન્તીથી જીવી જવા માટે માણસ પોતાની રીતે જે વ્યવસ્થા ગોઠવે તેમાં ક્યાંક ખોટું પણ થતું હોય છે. પણ અસલી મુદ્દો એ છે કે જીવન કદી વ્યાખ્યાઓ અને વીજ્ઞાન વડે જીવી શકાતું જ નથી. સંજોગના પવન પ્રમાણે માણસે સુપડું ફેરવવું પડે છે. માણસ આસ્તીક હોય કે નાસ્તીક, વન વેમાં ટ્રીપલ સીટે સ્કુટર લઈને ઘુસી જાય પછી પોલીસ મેમો ફાડે તે પહેલાં પોલીસના ખીસ્સામાં સોની નોટ સરકાવી દે છે. આજપર્યંત એક પણ નાસ્તીક માણસે (રીપીટ એક પણ નાસ્તીકે…) પકડાયા પછી પોલીસ સામે એવી જીદ પકડી નથી કે મેં ગુનો કર્યો છે માટે કાયદા પ્રમાણે તેની સજા થવી જોઈએ.

ધુપછાંવ

માણસ સુરજને નમસ્કાર કરી લીધા પછી સુર્યપ્રકાશમાંથી વીજળી પેદા કરવાના સંશોધનમાં લાગી જતો હોય તો તેની અંગત શ્રદ્ધાનું સમાજને કોઈ નુકસાન નથી. માણસે તેમ કર્યું પણ છે. ઉંદરને ગણપતીનું વાહન માનતો માણસ પ્રયોગશાળામાં ઉંદરો પર પ્રયોગો કરીને અનેક દવાઓ શોધે છે. સવારે સુરજને વંદન કર્યા પછી તે સોલર–કુકર વડે તેની પાસે ખીચડી રંધાવી લે છે. નાગપાંચમને દીને નાગની પુજા કર્યા પછી તેના ઝેરમાંથી જ તે ઝેરમારણના ઈંજેક્શન બનાવે છે.

દીનેશ પાંચાલ

ગુજરાતમીત્ર,દૈનીક, સુરતની તા. 6 મે, 2011ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટારજીવન સરીતાના તીરેમાંથી..લેખકનાઅનેગુજરાત મીત્રના સૌજન્યથી સાભાર…

સંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ,સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી396 445 ફોન:02637 242 098 સેલફોન:94281 60508

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભસંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન:ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 20–09–2011

 

♦●

 

 

ગો. મારુ (જનરલ)

‘નાસા’ના વૈજ્ઞાનીકો અને ઈજનેરોનો ‘ઈજનેરી ચમત્કાર’

       મંગળ પર જીવનની શક્યતાઓની તપાસ, તેની આબોહવા, ભુસ્તરશાસ્ત્રનો અભ્યાસ અને મંગળ પર માનવ મીશન માટેની માહીતી એકત્ર કરવા માટે તા. ૫ ઓગષ્ટ, ૨૦૧૨ના રોજ મંગળ પર ‘ક્યુરીયોસીટી રોવર’એ ક્ષતી રહીત સફળ ઉતરાણ કરીને પ્રારંભીક તસવીરો મોકલી હતી. નાસાના વૈજ્ઞાનીકો અને ઈજનેરોનું આ પરાક્રમ રોબોટીક અવકાશયાનના ઈતીહાસમાં એક સૌથી પડકારરરુપ સીદ્ધી છે, અને ગ્રહીય સંશોધનના નવા યુગ માટે દ્વાર ખોલ્યું છે. આવો ‘ક્યુરીયોસીટી રોવર’ના બે વીડીઓ માણીએ અને ‘નાસા’ના વૈજ્ઞાનીકો અને ઈજનેરોને અઢળક અભીનન્દન આપીએ….

ધન્યવાદ.

–ગોવીન્દ મારુ

Click Here for How to get to Mars. Very Cool:

(1)

http://www.youtube.com/embed/XRCIzZHpFtY?rel=0

(2)

http://www.youtube.com/watch?v=4ddtoZNidIM&feature=player_embedded

ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ:  https://govindmaru.wordpress.com

પોસ્ટ કર્યા તારીખ: 14–09–2012

મુરજી ગડા

અવગણાયેલા મહામાનવો

–મુરજી ગડા

મહાકાવ્યો લખનાર ઋષી–કવી લોકમાનસમાં અમર થઈ ગયા છે. એમનાં માનસ પુત્રો અને પુત્રીઓ (પાત્રો) એમના કરતાં પણ વધારે અમર થઈ ગયાં છે. ઘણા રાજાઓ, સેનાપતીઓ, તત્ત્વજ્ઞાનીઓ, દાર્શનીકો ઈત્યાદી પણ વત્તેઓછે અંશે અમર થઈ ગયા છે. વાર્તાકાર અને એમનાં વાસ્તવીક તેમ જ કાલ્પનીક પાત્રો (ટારઝન, સુપરમેન, શેરલોક હોમ્સ વગેરે) પણ અમર થઈ ગયાં છે. વર્તમાનમાં પ્રસીદ્ધીની ટોચ પર પહોંચેલી રમતગમત અને મનોરંજન ક્ષેત્રની થોડી વ્યક્તીઓ પણ આગળ જતાં અમર થઈ જશે.

આ બધાં ક્ષેત્રની વ્યક્તીઓ કરતાં માનવજીવનને પ્રત્યક્ષ રીતે વધારે સ્પર્શી ગયેલી વ્યક્તીઓ પાઠ્યપુસ્તકો સીવાય સદંતર વીસરાઈ ગઈ છે. આ અવગણાયેલ વ્યક્તીઓ છે : વૈજ્ઞાનીકો અને સંશોધકો. આપણી આસપાસ માનવસર્જીત જે પણ દેખાય છે તે તમામ આ લોકોની સાધના અને મહેનતનું ફળ છે. આ લોકોએ પોતાનું કાર્ય ન કર્યું હોત તો આજે પણ આપણે ગુફાઓમાં રહેતા હોત, ઝાડનાં પાનફળ ખાતા હોત અને શરીરે ચામડું લપેટતા હોત.

ગુફામાંથી બેઠાં ઘરો અને પછી બહુમાળી ઈમારતો સુધી આપણને પહોંચાડનાર બધા લોકો ભુલાઈ ગયા છે. આજ રીતે પહેરવેશ, ખોરાક અને અન્ય જીવન જરુરીયાતની પાયાની ચીજો પાછળ પણ આવા જ અગણીત ગુમનામ લોકો રહેલા છે.

વીસરાઈ ગયેલા આવા અસંખ્ય લોકોમાંથી હજી કંઈક યાદ હોય એવા નજીકના ભુતકાળમાં થઈ ગયેલા થોડા લોકો અને એમના કાર્ય વીશે જાણીએ.

વૈજ્ઞાનીકોની વાત આવે એટલે સૌથી પહેલાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું નામ લેવાય છે. એમની શોધોએ પ્રત્યક્ષ રીતે આપણી જીન્દગી પર હજી સુધી ખાસ અસર કરી નથી. એ થવાની હજી બાકી છે.

આધુનીક શોધખોળોના પાયામાં સૌથી વધારે યોગદાન રહ્યું છે આઈઝેક ન્યુટનનું. એમનું નામ જેમણે સાંભળ્યું છે તેઓ એમને  ગુરુત્વાકર્ષણના શોધક તરીકે ઓળખે છે. તે એમની એક મહત્ત્વની શોધ ખરી; પણ તે સીવાય એમણે ભૌતીકશાસ્ત્ર, યન્ત્રશાસ્ત્ર, ગણીત, ખગોળ વગેરે વીષયોમાં ખુબ ઉપયોગી કામ કર્યું છે. પાછળથી થયેલી ઘણી શોધો એમના  સ્થાપીત સીદ્ધાન્તો પર રચાયેલી છે. કહેવાય છે કે ત્રણસો વરસ પહેલાં થઈ ગયેલ આ યુગપુરુષ દુનીયામાં આજ સુધી થઈ ગયેલા લોકોમાં સૌથી વધુ બુદ્ધીશાળી હતા.

કાગળની શોધ આશરે બે હજાર વરસ પહેલાં ચીનમાં થઈ હતી. બીજા દેશોમાં પહોંચતાં એને કેટલીક સદીઓ લાગી. આ અગત્યની શોધનો ખરો લાભ છાપખાનું શોધાયું ત્યારે જણાયો. છાપખાનાની શોધનો યશ આશરે છસો વર્ષ પહેલાં થઈ ગયેલ જોહાનીસ ગુટેનબર્ગને ફાળે જાય છે. આને લીધે જ્ઞાન અને માહીતી વધુ લોકો પાસે ઝડપથી પહોંચવા લાગી. એના લીધે સાક્ષરતામાં વધારો થયો. ભારતમાં એનો ખરો લાભ સદીઓ પછી અંગ્રજોના વખતથી થયો છે. એ સાથે, ભારતના સન્દર્ભમાં, લખવા વાંચવાનો બ્રાહ્મણોનો ઈજારો જતો રહ્યો. જનસમુદાયને પોતાની રીતે જ્ઞાન મેળવવું શક્ય બન્યું.

આજના સમયમાં થોડીવાર માટે પણ વીજળી જતી રહે તો આપણો બધો વ્યવહાર અને વ્યવસ્થા ખોરવાઈ જાય છે. આ વીજળીની શોધ અને એના જુદાં જુદાં ક્ષેત્રોના ઉપયોગ પાછળ પચાસ જેટલા મુખ્ય સંશોધકોનું યોગદાન છે. વીજળીના અગણીત ઉપયોગમાંથી મુખ્ય છે પ્રકાશ, ઈલેક્ટ્રીક મોટર, ટેલીફોન વગેરે.

વીજળીની લાઈટ શોધનાર થોમસ એડીસનનું નામ પ્રમાણમાં વધુ જાણીતું છે. એમણે રાતના અંધારાનું વર્ચસ્વ ઘટાડી નાખ્યું અને કામના કલાકો વધારી આપ્યા. ચોવીસે કલાક ચાલુ રાખવી પડે એવી જીવન જરુરીયાતની પ્રવૃત્તી વીજળીને લીધે શક્ય બની છે.

કોઈપણ મશીન ચલાવવા માટે ઈલેક્ટ્રીક મોટરની જરુર પડે છે. એના વગર આપણાં બધાં કારખાનાંનાં યંત્રો ચાલી ન જ શકે. તેમ જ ઘરમાં વપરાતાં સાધનો પણ શક્ય ન બને. આ મોટરની શોધનો યશ મુખ્યત્વે માઈકલ ફેરાડેના નામે જાય છે. મોટરથી ચાલનાર દરેક યન્ત્ર પાછળ વળી બીજા જ કોઈ વૈજ્ઞાનીકનો ફાળો છે.

દુનીયાને ટેલીફોન આપનાર એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલનું નામ પણ કંઈક જાણીતું છે. એના લીધે દુર બેઠેલી વ્યક્તીઓ વચ્ચે તાત્કાલીક વાતચીત શક્ય બની. સંદેશવ્યવહાર ખુબ સરળ અને કાર્યદક્ષ બન્યો.

ટી.વી.ના આગમન પહેલાં લાંબા સમય માટે રેડીયોની બોલબાલા હતી. એની શોધનો યશ માર્કોનીના ફાળે જાય છે. રેડીયોએ હવે ભલે એનું મહત્ત્વ ગુમાવ્યું હોય; પણ ત્યાર પછીનો બધો વાયરલેસ સંદેશ વ્યવહાર માર્કોનીની શોધ પર આધારીત છે.

બધાં વાહનોમાં વપરાતાં પેટ્રોલ અને ડીઝલ એન્જીનના શોધક નીકોલસ ઓટો અને વરાળથી ચાલતા એન્જીન શોધનાર જેમ્સ વૉટ.  આ બે જણાએ વાહનવ્યવહાર બદલાવી દીધો છે. ત્યાર પછી રાઈટ બંધુઓએ વીમાનની શોધ કરી દુનીયાને નાની બનાવવામાં મોટી હરણફાળ ભરી છે.

આ થોડી રોજબરોજના વપરાશની મુખ્ય શોધોની વાત થઈ. આ બધી શોધખોળો આજથી સો અને બસો વરસ પહેલાંના સમયગાળામાં થઈ છે. ભારતના સૌથી વીશાળ એવા મોગલ સામ્રાજ્યના શક્તીશાળી સમ્રાટોએ પણ આમાંના કોઈપણ સાધન વીશે સાંભળ્યું સુધ્ધાં નહોતું!

આ ઉપરાંત આરોગ્ય અને ચીકીત્સા ક્ષેત્રે પણ આજ સમય દરમીયાન ખુબ અગત્યની શોધો થઈ છે. એલેકઝાંડર ફ્લેમીંગે શોધેલ પેનેસીલીનને લીધે જાતજાતના ચેપ સામે રક્ષણ મળ્યું છે. વીલીયમ મોર્ટને શોધેલ એનેસ્થેસીયાને લીધે શસ્ત્રક્રીયા શક્ય અને સહ્ય બની છે. તે ઉપરાંત વીવીધ ચેપી રોગો સામે રક્ષણ આપતી રસીઓ, ટીસ્યુ કલ્ચર, જર્મ થીયરી, ડી.એન.એ., એક્સ–રે, એન્ટીબાયોટીક વગેરે શોધોએ ચીકીત્સાક્ષેત્રને સમુળગું બદલાવી દીધું છે.

આ શોધોના પરીણામે ચેપી રોગથી મરતા લાખો લોકો બચી ગયા છે. શીતળા જેવો રોગ દુનીયામાંથી સદન્તર નાબુદ થઈ ગયો છે. અને બીજા બધા રોગોના ઉપચાર શક્ય બન્યા છે. બાળમૃત્યુનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે અને માણસોની સરેરાશ આવરદા બમણી થઈ ગઈ છે.

આ બધાનાં પરીણામ સ્વરુપ થયેલ વસતીવીસ્ફોટનું નીવારણ પણ શોધી કઢાયું છે. ગર્ભનીરોધક ગોળીઓ અને અન્ય સાધનોએ વસતી નીયન્ત્રણ ઉપરાન્ત સ્ત્રીઓનો પ્રસુતી આધારીત ઉંચો મૃત્યુદર ઘટાડી એમનાં સ્વાસ્થ્ય અને આવરદાને ઘણી વધારી છે.

આપણને પ્રત્યક્ષ અસર કરતા આ થોડાં ઉદાહરણ છે. પરોક્ષ રીતે અસર કરતી શોધો આનાથી અનેકગણી વધારે છે. દરેક વસ્તુને વધારે અસરકારક અને કાર્યક્ષમ બનાવવાના પ્રયાસો સતત થઈ રહ્યા છે. જો બધા વૈજ્ઞાનીકો અને સંશોધકોનું લીસ્ટ બનાવવા જઈએ તો એક દળદાર પુસ્તક બની જાય. એ ઉપરાન્ત કેટલાયે એવા સંશોધકો છે જેમનાં નામની દુનીયાને ખબર સુધ્ધાં નથી.

વળી, આ ભૌતીક ઉપકરણોની શોધ જે પાયાના સીદ્ધાન્તો પર રચાયેલી છે તે સીદ્ધાન્તો ઘડનારા વૈજ્ઞાનીકોનું યોગદાન પણ એટલું જ મહત્ત્વનું છે. એમની નામાવલીમાં જવાનું હમણાં ટાળીએ.

આપણી જીવનશૈલીમાં બધું જ માનવસર્જીત છે. ખાવાનું અનાજ સુધ્ધાં. આ વીકાસ–પ્રગતીને ભૌતીકવાદ કહેતા લોકો પોતે એનો જેટલો પણ લાભ મળે એટલો લેવાનું ચુકતા નથી !

આ બધા ઉપરાંત ગેલીલીયો, કોપરનીકસ, હબલ, ચાર્લ્સ ડાર્વીન, સીગમંડ ફ્રોઈડ વગેરે જેવાઓએ આપણી બાહ્ય દુનીયા અને આંતરમન વીશેની પ્રચલીત માન્યતાઓને ધરમુળથી બદલાવી દીધી છે.

તાજેતરમાં શોધાયેલી કમ્પ્યુટર, ઈન્ટરનેટ અને સ્ટેમ સેલ જેવી શોધોનો પુરો વ્યાપ હજી હવે ખબર પડવાનો છે. નીત નવી શોધોનો અહીં અન્ત નથી આવતો. બધું ક્યાં પહોંચશે એની કોઈને ખબર નથી. ભવીષ્યની કલ્પના કરતા ઘણાં પુસ્તકો લખાયાં છે, ફીલ્મો બની છે ને બનતી રહેવાની છે. એ બધી અત્યારે કોઈકની કલ્પનાઓ છે, આજની વાસ્તવીકતા નથી; પણ એવું ભવીષ્યમાં થઈ શકે છે અને ન પણ થઈ શકે.

એ જ રીતે ભુતકાળમાં ત્યારના ભવીષ્ય વીશે જે પણ લખાયું છે એમાંની ઘણી બાબતો તે વખતની વાસ્તવીકતા નહીં; પણ કવીકલ્પના હોવાની શક્યતા ઘણી વધારે છે. આના અનુમોદનમાં પુષ્પક વીમાન, પવન પાવડી, સંજય દૃષ્ટી જેવા ઘણા દાખલા આપી શકાય.

આગળ વર્ણવેલા બધા લોકો વૈજ્ઞાનીકો અને સંશોધકો ઉપરાન્ત સાધક અને તપસ્વી પણ હતા. આ સીદ્ધીઓ એમને કોઈ મન્ત્રનો જાપ જપવાથી નથી મળી, કે કોઈ મંદીરના ઘંટ વગાડવાથી નથી મળી. પુજાપાઠ કરવાથી, જાત્રાઓ કરવાથી, શીબીરોમાં જવાથી કે બાધા–આખડીઓ રાખવાથી પણ નથી મળી.

આવી શોધો કરવા માટે રાત દીવસ જોયા વગર અભ્યાસ ખંડમાં અને પ્રયોગશાળામાં જાત ઘસી નાંખવી પડે છે. એ માર્ગે કેટલીયે નીષ્ફળતાઓને પચાવવી પડે છે. એમાં કૌટુમ્બીક જીવનનો ભોગ દેવાય છે અને ઘણી વખત આર્થીક પાયમાલી પણ નોતરવી પડે છે. ફક્ત પોતાના આત્માના ઉદ્ધાર માટે નહીં; પણ સમસ્ત માનવજાતના લાભ માટે કરેલી આ એમની સાધના અને તપસ્યા છે.

એક માન્યતા એવી છે કે બધાનું ભવીષ્ય જન્મ સાથે જ નક્કી થયેલું હોય છે અને એ બદલી શકાતું નથી. આ મહામાનવોએ ફક્ત પોતાનું જ નહીં; પણ સમગ્ર માનવજાતનું ભવીષ્ય બદલાવ્યું છે. પોતાની મહેનતનો લાભ પોતા પુરતો મર્યાદીત રાખવાનો સ્વાર્થ નથી દાખવ્યો.

આ શોધખોળોની વીશેષતા એ છે કે –એક ચીનના અપવાદ સીવાય– એ બધી જ પશ્વીમના દેશોમાં થઈ છે. આની પાછળ એમની સવાલો કરી, એના ઉત્તર મેળવવા માટે જાતમહેનત અને પ્રયોગો કરવાની વૃત્તી રહેલી છે. રાજકીય કારણોસર અંગ્રેજો સાથેના દ્વેષથી પ્રેરાઈને આપણે વીચાર્યા વગર પશ્વીમના દેશોની બધી બાબતોનો આંધળો વીરોધ કરતા આવ્યા છીએ.  જ્યારે એમની મહેનતનું ફળ ભોગવવામાં જરાય સંકોચ કરતા નથી.

સદીઓથી અવગણાયેલ આ વર્ગનું છેલ્લાં સો વરસથી જાહેર સન્માન થવા લાગ્યું છે. આવા સન્માનોમાં સૌથી પ્રતીષ્ઠીત છે, દર વર્ષે અપાતું નોબલ પ્રાઈઝ. એનાથી એમને કદર અને કલદાર બન્ને મળે છે. હવે સંશોધકોને આપવો પડતો ભોગ ઘણો ઓછો થયો છે અને મળતું વળતર પણ વધ્યું છે. આ સ્વીકાર–સન્માન હજીયે મર્યાદીત વર્તુળમાં સીમીત છે. જનસમુદાય હજી એમના પ્રત્યે ઘણો ઉદાસીન છે.

ભુતકાળમાં સ્વીકાર–સન્માન તો દુર રહ્યાં; સર્વસ્વીકૃત માન્યતાથી અલગ કહેનારને પણ ઘણું સહન કરવું પડતું હતું. એવું કહેનારને ક્યારેક જેલવાસ તો કયારેક દેહાન્ત દંડ પણ મળ્યો છે. આજે પણ જુનવાણી સમાજોમાં રુઢીગત માન્યતાથી અલગ વીચારનારને દંડાય છે.

ઘણી વખત  સાંભળ્યું અને વાચ્યું છે કે પ્રથમ જૈન તીર્થંકર ઋષભદેવે માણસોને ખેતી કરતા શીખવાડ્યું છે. ખોરાક પાછળ ભટકવા કરતાં સ્થાયી થઈ ખેતી કરવી એ માનવ ઉત્ક્રાન્તીનું ખુબ અગત્યનું પગથીયું હતું. આગળના કથનને બીજી રીતે પણ જોઈ શકાય જૈન વીચારધારાએ એક સંશોધક–વૈજ્ઞાનીક તપસ્વીને તીર્થંકર ગણ્યા છે. આ ગૌરવની વાત છે. કોઈ પ્રગતીશીલ વાસ્તવવાદી ધર્માચાર્ય આ પરમ્પરાને આગળ ચલાવવા ઈચ્છે તો એમને એવા ઘણા સંશોધકો, વૈજ્ઞાનીકો, તપસ્વીઓ મળી આવે. ફરક એટલો છે કે એ ભારતની ભુમી પર ઓછા અને અન્ય દેશોમાં ઘણા વધુ મળશે.

મુળ સવાલ તરફ પાછા ફરીએ. ગીત ગાતા, ક્ષણીક મનોરંજન કરાવતા, ધનનો ઢગલો ભેગો કરતા, કથા–વાર્તા કરતા વગેરે લોકો લોકજીભે રહે છે અને એમનું સન્માન થાય છે. ક્યાંકથી મળી આવેલી અજાણી પથ્થરની મુર્તીને નવું નામ આપી એને પુજાય છે. જ્યારે આપણી રોજબરોજની પ્રવૃત્તીઓને આટલી આસાન અને સગવડભરી બનાવી આપણી જીન્દગી ધરમુળથી બદલી નાંખનારાઓનાં નામ સુધ્ધાં કોઈને ખબર નથી કે જાણવાની દરકાર પણ નથી !

રાજકીય, સામાજીક, ધાર્મીક વગેરે બધી જ વીચારધારાઓએ માનવ સમુદાયના મર્યાદીત વર્ગને પ્રભાવીત કર્યા છે. ઘણી વખત એકબીજા સાથે લડાવ્યા પણ છે. અવગણાયેલ મહામાનવોની મહેનતનું ફળ સમસ્ત માનવજાત ભોગવી રહી છે. બધા જ એમના ઋણી છે. એમનું યથાયોગ્ય સન્માન સૌની નૈતીક ફરજ બની જાય છે.

જે લોકોને હજી આવી સગવડો ભોગવવાથી વંચીત રાખવામાં આવ્યા છે, એને માટે એમના રાજકારણીઓ અને ધર્મગુરુઓ જવાબદાર છે. આ વાસ્તવીકતા સ્વીકારવી આપણા હીતમાં છે.

લેખક સમ્પર્ક:

શ્રી મુરજી ગડા, 1–શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009 ઈ–મેઈલ: mggada@gmail.com

કચ્છી વીશા ઓસવાળ સમાજના મુખપત્રપગદંડી માસીકના ૨૦૦૭ના એપ્રીલ માસના અંકમાં અને કચ્છી જૈન સમાજ, અમદાવાદના મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના ૨૦૦૯ (http://www.kutchijainahd.org/mangal_mandir.htm) ના સપ્ટેમ્બર માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ:  https://govindmaru.wordpress.com

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 07–09–2012