Feeds:
Posts
Comments

5

ઈશ્વર : દુનીયાનું એક અઘરું ઉખાણુ!

ઈશ્વર વીશે દુનીયાભરના ચીંતકો સદીઓથી બૌદ્ધીક વ્‍યાયામ કરતાં આવ્‍યા છે. જેને જે સમજાય તે કહે છે. ઈશ્વર વીશેની માન્‍યતાઓ સાથે તેનો તાળો મળતો નથી. સત્‍ય જોડે એનો મેળ ખાય તોજ એ વીચારવલોણું સાર્થક થયું લેખાય. જો કે અન્તીમ સત્‍ય ક્‍યાં છે એ મુદ્દો હમ્મેશાં વીવાદાસ્‍પદ રહ્યો છે. કહેવાય છે કે માન્‍યતાઓના વાદળો ઓથે સત્‍યનો સુરજ ઝાઝીવાર સુધી છુપો રહી શકતો નથી; પણ માન્‍યતા અને સત્‍ય વચ્‍ચે ક્‍યારેક સાપ અને દોરડા જેવું સામ્‍ય હોય છે, તો ક્‍યારેક હાથી અને હરણ જેવો તફાવત! સત્‍ય એવાં વીવીધ અન્તીમો વચ્‍ચે કયાંક છુપાયેલું છે. ઈશ્વરના અસ્‍તીત્‍વ વીશે થોકબન્ધ લખાયા પછીય એ રહસ્‍ય વણઉકેલ્‍યું જ રહ્યું છે. એમ કહો કે ઈશ્વરનું અસ્‍તીત્‍વ એ આ દુનીયાનું સૌથી અઘરું ઉખાણું છે.

વીશ્વના બધાં  દેશોમાં ઈશ્વર વીષેના ચીંતન મનન થતાં રહ્યાં છે. થોડાંક વર્ષોથી આપણે ત્‍યાં રૅશનલ વીચારધારાનો વીકાસ થતાં ઈશ્વર વીશેનો નુતન દૃષ્ટીકોણ અમલમાં આવ્‍યો છે; પણ તેનું પ્રમાણ સીંધુમાં બીન્‍દુ સમુ અલ્‍પ છે. આપણું ભારતીય જનજીવન ધાર્મીક સંસ્‍કૃતીના આધ્‍યાત્‍મીક રંગે રંગાયેલું છે. અહીં ઈશ્વરની ભક્‍તી પાછળ બેહદ સમય, શક્‍તી અને નાણા વેડફવામાં આવે છે. પશ્ચીમના દેશોમાં એવું થતું નથી. ત્‍યાં રોજ મન્દીરે જઈ મુર્તીની ફરતે પ્રદક્ષીણા ફરવાનો કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનો કોઈ પાસે સમય હોતો નથી. છતાં તેઓ આપણાં કરતાં અનેક રીતે ચડીયાતી પ્રજા છે.

આસ્‍તીક્‍તા– નાસ્‍તીક્‍તા એ વૈચારીક સ્‍વાતન્ત્ર્યનો મુદ્દો છે. તે અપરાધ નથી; પરન્તુ આસ્‍તીક્‍તાનો અતીરેક જાહેર જનજીવનમાં અપરાધકીય પરીણામો સર્જતો હોય તો તેને સામાજીક અપરાધ ગણવો જોઈએ. આપણી પ્રજાના લોહીમાં વધુ પડતી આસ્‍તીક્‍તા ભળી ગઈ છે. કમળામાંથી કમળી થઈ જાય એમ અહીં ભક્‍તીમાંથી ભવાઈ થઈ ગઈ છે. શીક્ષીતોય તેમને ગળથુથીમાંથી પ્રાપ્‍ત થયેલ ભક્‍તીના સંસ્‍કારોમાં ગળાડુબ હોય છે. વીજ્ઞાન ભણાવતો શીક્ષક હનુમાનજીની ખફા દૃષ્ટી વહોરવી ન પડે તે માટે શનીવારે હજામત કરાવતો નથી. ઘણાં ડૉક્‍ટરો પોતાના દવાખાનાની બારસાખે લીંબુ અને મરચું લટકાવે છે. અરે! કૉમ્‍પ્‍યુટરની ઈન્‍સ્‍ટીટયુટમાં લીંબુ અને મરચું લટકતું મેં જોયું છે. આ દેશમાં ઉપગ્રહ છોડતી વેળા સાયન્‍ટીસ્‍ટો નારીયેળ ફોડે છે.

સરકસમાં ખેલ બતાવતો વાંદરો ખેલ પુરો થયા બાદ અન્‍ય સાધારણ વાંદરાથી અલગ વર્તન કરતો નથી. આપણો કહેવાતો શીક્ષીત માનવી એ સરકસીયા વાંદરાની પ્રતીમુર્તી છે. તેના વીચારો અને વર્તન વચ્‍ચે હાથી અને હરણ જેવો તફાવત છે. વૈચારીક રીતે તેનું સમ્પુર્ણ બૌદ્ધીક સ્‍વરુપ પ્રગટ થાય છે; પણ વાસ્‍તવીક્‍જીવનમાં તે અન્‍ય સાધારણ માનવી જેવી સેંકડો જડ વીચારધારાનો ગુલામ હોય છે.

સીનેમા હૉલમાં બે માણસો ફીલ્‍મ જોઈ રહ્યાં છે. એક માણસ શહેરી છે. તે તલ્લીન બની અઢી કલાક સુધી ફીલ્‍મની પુરી મજા માણે છે. બીજો માણસ ગામડીયો છે. તે પરદા પર દેખાતા રંગીન ચીત્રને અલૌકીક શક્‍તી માની હાથ જોડી પ્રણામ કરે છે. દુનીયાની વસ્‍તી બે પ્રકારના માણસોમાં વહેંચાઈ ગઈ છે. પ્રથમ વર્ગમાં બૌદ્ધીક માણસોનો સમાવેશ થાય છે. જેઓ દુનીયાની ફીલ્‍મ પુરી તન્‍મયતાથી માણે છે. બીજો વર્ગ એવા માણસોનો છે જેઓ દુનીયાની ફીલ્‍મ જોઈ ક્ષણે ક્ષણે એના સર્જકને યાદ કરે છે. તેની પુજા કરે છે. અને એ પ્રવૃત્તીમાં એવા ખોવાઈ જાય છે કે ન  ફીલ્‍મ માણી શકે છે ન ફીલ્‍મના સર્જકનું પગેરું શોધી શકે છે. દુનીયામાં આ બન્‍ને પ્રકારના માણસો આસ્‍તીક અને નાસ્‍તીકના મોરચામાં વહેંચાઈ ગયા છે.

એક વર્ગ માને છે – આ દુનીયાને સર્જનાર કોઈક છે. તે અદૃશ્‍યપણે કઠપુતળીની જેમ આ વીશાળ જગતનો કારોબાર ચલાવી રહ્યો છે. બીજો વર્ગ એવું વીચારે છે– ભગવાન, ઈશ્વર, ખુદા  એ બધી માનવીની મીથ્‍યા માન્‍યતાઓ છે. ઈશ્વરનું અસ્‍તીત્‍વ છે જ નહીં. આ દુનીયા કેવળ એક અકસ્‍માત છે. વીજ્ઞાનની મદદથી માણસ તેને ચલાવે છે. ઈશ્વર વીશેનું આ વૈચારીક યુદ્ધ વર્ષોથી ચાલતું આવ્‍યું છે. સત્‍ય જે હોય તે, પણ એટલું સ્‍પષ્ટ છે કે માનવીનો આ દુનીયા સાથેનો સમ્બન્ધ બુદ્ધીગમ્‍ય હોવો જરુરી છે. જગતના જનરેટરની સ્‍વીચ માનવીના દીમાગમાં આવેલી છે. યાદ રહે ફીલ્‍મના પરદાને પગે લાગતા જીવતા માણસ કરતાં ફીલ્‍મનું નીર્જીવ રીલ જગતને વધુ ઉપયોગી છે.

ભુસ્‍તરશાસ્‍ત્રીઓના મત મુજબ જાપાનની ભુગર્ભીય સ્‍થીતી એવી લાવાયુક્‍ત છે કે ત્યાં ધરતીકમ્પ વારંવાર થાય છે. જાપાનીઓએ એના ઉપાય તરીકે પુઠાંના ઘરો વીકસાવ્‍યાં છે. જે ધરાશાયી થાય ત્‍યારે કોઈની જીવહાની થતી નથી. કુદરત સાથેનું આવું બુદ્ધીગમ્‍ય તાદાત્‍મ્‍ય જ સાચી સમજ લેખાય. આપણે ત્‍યાં આવું થતું હોત તો તેને કુદરતનો પ્રકોપ માની લેવાતો હોત અને તેના ઉપાયરુપે પુજા–પાઠ, હોમ–હવન કે યજ્ઞો ચાલું થઈ જતાં હોત. સુરતમાં વર્ષો પુર્વે પ્‍લેગ ફાટી નીકળ્‍યો હતો ત્‍યારે કથા–કીર્તન, પુજા–પાઠ, હોમ–હવન વગેરે ચાલુ થઈ ગયા હતા. કદાચ મનની શાંતી માટે તેવું કરવામાં આવતું હોય તો વ્‍યક્‍તીની તે અંગત બાબત ગણી ક્ષમ્‍ય લેખાય..! પરન્તુ રોગમુક્‍તીઅર્થે જાહેરમાં આવા ધાર્મીક ક્રીયાકાંડો કરવામાં આવે છે. રમુજની વાત એ છે કે પ્‍લેગ ફાટી નીકળે એવી ચોમેરની ગન્દકી દુર કરવાનો આપણે કોઈ જાહેર પ્રયત્‍ન કરતાં નથી અને તેની નાબુદી માટે જાહેરમાં પુજા પાઠ કરાવીએ છીએ. વર્લ્‍ડકપની મૅચમાં ભારતની જીત થાય તે માટે પણ આપણે ત્‍યાં હોમ–હવન કે કથા વગેરે કરાવવામાં આવે છે. શ્રદ્ધાનો આવો અતીરેક ઉચીત નથી.

કોઈ શ્રદ્ધાળુ મન્દીરમાં બેસી ઈશ્વરભક્‍તી કરતો હોય અને મન્દીરનો ગુમ્બજ તેના મસ્‍તક પર તુટી પડે તો સૃષ્ટીનો કોઈ ભગવાન તેને લોહીલુહાણ થતાં બચાવી શકતો નથી. આપણે ત્‍યાં એવા કીસ્‍સામાં મન્દીરનું બાંધકામ કરનાર કોન્‍ટ્રાક્‍ટરને સજા કરવાને બદલે એમ માનવામાં આવે છે કે મન્દીરનું મોત કોના ભાગ્‍યમાં? ભગવાનના ચરણોમાં મર્યા એટલે સીધા સ્‍વર્ગમાં ગયા! માનવજીવનમાં ઈશ્વર પ્રત્‍યેની આસ્‍થાનું પ્રમાણ દાળમાં નમક જેટલું હોવું જોઈએ. ઈશ્વરને સમજ્‍યા વીનાની આંધળી આસ્‍તીક્‍તા અન્ધારામાં છોડાતા તીર જેવી હોય છે. શ્રદ્ધાના ગાંડપણ કક્ષાના અતીરેકથી માણસે બચવું જોઈએ. 

– દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ(પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ પાચમો લેખ, પુસ્તકનાં પાન 23થી 25 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી–396 445 ગુજરાત(ભારત) સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 23–10–2017

 

Advertisements

ચોપડાવાળા ચમત્કારી ભુવાજી!

– રમેશ સવાણી

તારીખ 02 સપ્ટેમ્બર, 2001ને રવીવાર. ભુવાજીએ મહીલાને પુછ્યું : “તમારું નામ?”

“ભુવાજી! મારું નામ બેરોઝબેન દારુવાલા!”

“બોલો! શું તકલીફ છે?”

“ભુવાજી! મારા પતી એક મહીલા પાછળ ગાંડા થઈ ગયા છે! એનું ગાંડપણ દુર થાય તે માટે હું અહીં આવી છું!”

“બેરોઝબેન! ચીંતા ન કરો. વીધી કરવી પડશે! ખર્ચ થશે!”

“ખર્ચ માટે હું તૈયાર છું; પણ મારા પતીને સારું તો થઈ જશે ને?”

“સો ટકા ગેરેન્ટી! મારી પાસે આવનાર હજુ સીધી નીરાશ થઈને પરત ગયા હોય એવું બન્યું નથી!” ભુવાજીએ એક ચોપડો ખોલ્યો અને તેમાં બેરોઝબેનની મુંઝવણ ટપકાવી લીધી, પછી કહ્યું : “બેરોઝબેન! આવતા રવીવારે આવજો. ત્યાં સુધીમાં માતાજી આ ચોપડામાં પ્રવેશ કરીને તમારી મુંઝવણ દુર કરી દેશે!”

બેરોઝબેન દારુવાલાના ચહેરા ઉપર ખુશી દોડી ગઈ! ભુવાજીનું નામ હતું અરવીંદ મોહનલાલ ભગત (ઉમ્મર : 55 વર્ષ). મુળ ભરુચના; પણ સુરત મ્યુનીસીપલ કોર્પોરેશનમાં હેલ્થ વીભાગમાં રોજમદાર હતા એટલે સુરતમાં વેડ રોડ ઉપરની બહુચરનગર સોસાયટીમાં રહેતા હતા. અભ્યાસ અગીયાર ધોરણ સુધીનો. ભુવાજીએ પોતાના ઘેર જ માતાજીની બેઠક ઉભી કરી હતી. મંગળવાર અને ગુરુવારે સાંજના છ થી આઠ અને રવીવારે સવારના આઠથી સાંજના આઠ સુધી ભુવાજીના ઘેર ધમધમાટ રહેતો હતો. 1973થી તેણે લોકોના દુઃખ દર્દ દુર કરવાનું શરુ કર્યું હતું. બહુચરનગર સોસાયટીની આજુબાજુની સોસાયટીઓમાં ભુવાજીની સેવાની સુગંધ ફેલાઈ ગઈ હતી! તેનો પહેરવેશ જોતાં જ તેનામાં દૈવી શક્તી હોય તેવું લોકોને લાગતું હતું! રેશમી સ્લીવલેસ ઝભ્ભો, નીચે પોતડી, ગળામાં માળાઓ, કપાળમાં ટીલાં ટપકાં, લાંબા વાળ, લાંબી દાઢી વગેરે ભુવાજીની આભા વધારતા હતા!

બેરોઝબેન ભુવાજીને તાકી રહ્યા. દરમીયાન એક યુવકે ભુવાજીના પગ પકડી લીધા અને કહ્યું : “ભુવાજી! મારા દસ લાખ રુપીયા ફસાઈ ગયા છે! કંઈક કરો!”

“યુવક! ઉભો થા! તારું નામ?”

“ભુવાજી! તમે બધું જાણો છો! ત્રીકાળ જ્ઞાની છો! મારા નામની તમને ખબર જ હોય! હોય કે નહીં?”

“અરે યુવક! તું નશો કરીને આવ્યો છે? માતાજીની બેઠકમાં શીસ્ત રાખવી પડે!”

“ભુવાજી! મેં નશો નથી કર્યો. અમારું કામ લોકોને, અજ્ઞાનના નશામાંથી બહાર કાઢવાનું છે!”

“યુવક! તું શું કહેવા માંગે છે?”

“ભુવાજી! મારી સાથે અહીં કોણ કોણ આવ્યા છે, તેના નામોની તમને ખબર છે!”

“યુવક! હું બધું જાણું છું! પણ એ બધું તને કહેવાનો અર્થ નથી! માતાજીને બધું જ કહીશ!”

“ભુવાજી! માતાજી તમારું સાંભળે છે?”

“બીલકુલ મને સાંભળે છે!”

“ભુવાજી! તમે ચમત્કારી છો! અમને પણ એકાદ ચમત્કાર બતાવો!”

“યુવક! ચમત્કાર જોવા માટે પાત્રતા હોવી જોઈએ! તારી પાત્રતા જણાતી નથી!”

ભુવાજી નારાજ થઈ ગયા. માતાજીની બેઠકમાં બીજા ભક્તો પણ બેઠા હતાં. એક ભક્તે કહ્યું : “યુવક! ભુવાજી ચમત્કારી છે! તું ભુવાજીની પરીક્ષા લેવા માંગે છે? ભુવાજીએ અસંખ્ય લોકોના દુઃખ–દર્દ દુર કર્યા છે! ભુવાજી લોકોના તારણહાર છે! ભુવાજીની વીધીના કારણે કેટલીય મહીલાઓને  સંતાનપ્રાપ્તી થઈ છે! ભુવાજીના ગળામાં બે રક્ષાપોટલી છે, બન્ને બાવડા ઉપર ચાર–ચાર રક્ષાપોટલીઓ છે, તે માતાજીએ બાંધેલી છે! ભુવાજી વળગાડ કાઢે છે. ભુતપ્રેત, ચુડેલ, મામાપીરને ભગાડે છે! શક્તીપાત કરે છે. કુંડલીને જાગૃત કરે છે! ભુવાજી જપ, તપ, મન્ત્ર, તન્ત્ર, ક્રીયાકાંડ, હોમહવન, ગ્રહદોષ, મેલીવીદ્યા, વાસ્તુશાસ્ત્ર, વશીકરણ વગેરેના નીષ્ણાંત છે! ભુવાજીએ અસાધ્ય રોગો દુર કર્યા છે! ભુવાજી સુરતરત્ન છે! ભુવાજીનું સન્માન કરવું જોઈએ!”

“બરાબર છે! ભુવાજી સુરતરત્ન છે!” દસબાર ભક્તો એક સાથે બોલી ઉઠયા.

ભુવાજીને ગન્ધ આવી ગઈ. યુવક સાથે બીજા માણસો હતા. સ્થાનીક ટીવી ચેનલના વીડીયોગ્રાફર પણ હતા. યુવકે કહ્યું :ભુવાજી! તમે કશું જાણતા નથી! બધું જાણો છો તેવો ઢોંગ કરો છો! મારું નામ તમે જાણી શક્યા નહીં! ભુવાજી! મારું નામ સીધ્ધાર્થ દેગામી(સેલફોન : 94268 06446) છે. મારી સાથે મધુભાઈ કાકડીયા(સેલફોન : 98255 32234),  ખીમજીભાઈ કચ્છી(સેલફોન : 98251 34692),  ગુણવંત ચૌધરી(સેલફોન : 98251 46374),  એડવોકેટ જગદીશ વક્તાણા(સેલફોન : 94261 15792 ), પરેશ લાઠીયા(સેલફોન : 98257 70975), મહેશ જોગાણી(સેલફોન : 98241 22520), અને બેરોઝબેન દારુવાલા છે! બેરોઝબેન હજુ અપરણીત છે, છતાં તેના પતીનું ગાંડપણ દુર કરવા તમે સો ટકા ગેરંટી આપો છો! ભવીષ્યમાં શું થશે, તેની વાતો કરી ભક્તોને અન્ધ બનાવો છો; પણ વર્તમાનમાં તમારી સાથે કોણ છે, એ તમે જાણી શક્તા નથી! અમે ‘સત્યશોધક સભા’, સુરતના સભ્યો છીએ તમારો પર્દાફાશ કરવા અહીં આવ્યા છીએ!

એક ભક્ત મહીલા ગુસ્સે થઈ ગઈ. તેણે કહ્યું : “ભુવાજી!સત્યશોધક સભાના સભ્યોને પાઠ ભણાવો. મુઠ મારો. ચમત્કાર કરો. બધાંને લકવો થઈ જાય, તેવું કરો!”

ભુવાજીનું શરીર ધ્રુજવા લાગ્યું. ભક્તોને લાગ્યું કે ભુવાજીના શરીરમાં માતાજીએ પ્રવેશ કર્યો છે! ભુવાજીના આખા શરીરે પરસેવો વળી ગયો. મધુભાઈ કાકડીયાએ પુછ્યું : “ભુવાજી! છેલ્લી તક આપું છું. તમે એ કહી શકશો કે પોલીસ સ્ટેશનમાં?

ભુવાજી સત્યશોધક સભાના સભ્યોના પગે પડી ગયા અને કહ્યું : “મને માફ કરો! પોલીસને બોલાવશો નહીં. હું ચમત્કારી નથી. તર્કટ કરું છું. ઘણા પોલીસ અધીકારીઓને મેં વીટીઓ આપી છે. તેમને ખબર પડશે તો મને ઝુંડી કાઢશે! અન્ધશ્રદ્ધાની ખેતી સરળ છે, અને ઉત્પાદન થોકબન્ધ ઢાળે છે! આ એવો ધન્ધો છે, જેમાં ઈન્વેસ્ટમેન્ટની જરુર નથી કે રૉ મટીરીઅલની જરુર પડતી નથી! મફ્તીયા ભક્તો શ્રમદાન કરે છે! હું માત્ર લણણી કરું છું! ઉપભોગ કરું છું! પરન્તુ આજથી અન્ધશ્રદ્ધાની ખેતી બન્ધ!

“ભુવાજી! કાયમી ધોરણે તમારું હૃદય પરીવર્તન થયું છે, એની કોઈ ખાતરી?” મધુભાઈ કાકડીયાએ પુછ્યું.

“મધુભાઈ! મારી પાસે ચાર ચોપડા છે. આ ચોપડા તમને આપું છું. આ ચોપડામાં તર્કટલીલા મેં નોંધી છે!”

“ભુવાજી! મને એ સમજાવો કે તર્કટનો હીસાબ રાખવાનું કારણ શું?”

“મધુભાઈ! મારી સેવાની ખ્યાતી એટલી ફેલાઈ ગઈ હતી કે લોકોનો ધોધ માતાજીની બેઠક તરફ વહેવા લાગ્યો. હું કેટલાં લોકોને યાદ રાખું? કોની કેવી સમસ્યા છે, એ યાદ રાખવાનું મુશ્કેલ બન્યું! મેં ચોપડામાં હીસાબ શરુ કર્યો. નામ, ઠેકાણું, સમસ્યાઓની નોંધ કરતો. ઉપાયની નોંધ કરતો, પછી રવીવારે, મંગળવારે કે ગુરુવારે લાલચુ ભક્તોને બોલાવતો અને સમસ્યાનું નીરાકરણ કરતો હતો! મધુભાઈ! પોલીસને બોલાવશો નહીં!”

“ભુવાજી! ચીંતા ન કરો. કોઈ પોલીસ ઈન્સ્પેક્ટર અહીં આવી રહ્યા નથી. મેં તો હવામાં તીર છોડ્યું હતું, વાગે તો ઠીક નહીં તો કાંઈ નહીં! એ તો અમારી યુક્તીપ્રયુક્તી હતી! ભુવાજી! તમારા ધન્ધાની સફળતાનું રહસ્ય શું છે? શા માટે લોકો તમારી પાસે આવે છે?”

મધુભાઈ! ભુવાજી પાસે સમસ્યા લઈને આવનાર માનસીક રોગી હોય છે! પછી તે રોગી મટીને ભક્ત થઈ જાય છે! રોગી ભુવાજીને તબીબ માને છે! સાચી સમસ્યામાં ભુવાજી પાસેથી ઉકેલ મેળવવાની લાલચ કે આકાંક્ષા રાખવી તે રોગ છે! મધુભાઈ! સોળ વર્ષની દીકરી ઘેરથી જતી રહી હોય તો તેને શોધવી પડે. પોલીસને જાણ કરવી પડે. પરન્તુ દીકરીના ઠેકાણા માટે ભુવાજી કે મૌલવીને ત્યાં માબાપ જાય તો તે માનસીક રોગ છે! આવા રોગી ભુવાજી પાસે આવે ત્યારે ઘણાં રોગીઓ કંઈને કંઈ જોવડાવવા આવેલા હોય તેને જુએ છે, એટલે તે એવું માનવા લાગે છે કે દીકરીને શોધવા પોલીસની મદદ માંગનારા ગાંડા છે! દીકરીને ભુલ સમજાય અને ઘેર પાછી ફરે તો ભુવાજીની સફળતાના નગારાં વાગે! દીકરી મળી ન આવે તો ભુવાજી પાસે કારણો તૈયાર હોય છે. નડતર, મુઠચોટ, વશીકરણ, ગ્રહદશા, મેલીવીદ્યા! બે ત્રણ વર્ષ સુધી આવા કારણો ઉપર ધન્ધો ચાલે, છેવટે કહેવાનું– ગત જન્મના કર્મબન્ધન! આમાં ભુવાજીની કોઈ જવાબદારી જ ન આવે! ભુવાજી પાસે લોકો મન મુકીને છેતરાય! ભુવાજી તન, મન અને ધનનો ઉપયોગ કરે, તેમ છતાં લોકો ભુવાજીના આશીર્વાદ મેળવવા તડપતા રહે! કોઈ પણ ધન્ધો આની તોલે ન આવે! સમાજ માંદો રહેવા માંગે તેથી મારા જેવા ભુવાજી, સાધુ, બાપુ, મૌલવી, સ્વામીઓ સમાજને મળી જાય છે! ટુંકમાં માંગ છે, તો પુરવઠો હાજર છે!

“ભુવાજી! તમારા આ ચોપડા અંગે સ્પષ્ટતા કરો!”

મધુભાઈ! આ ચાર ચોપડા જાન્યુઆરી, 2001થી શરુ થાય છે. આઠ મહીનાની નોંધ છે. કુલ 771 રોગીઓ મારી પાસે આવ્યા. તેમાં મહીલાઓ : 465 હતી અને પુરુષો : 306 હતા! 771 પૈકી સુરત શહેરના : 650, સુરત બહારના : 112 અને વીદેશના : 09 રોગીઓ હતા! રોજના ત્રણ નવા અને ત્રણ જુના રોગીઓ આવતા હતા. સુરત શહેરમાં 1,504 જેટલા ભુવાં, પીર, જ્યોતીષીઓ છે. રોજ 3,000 જેટલાં માણસો સુરત શહેરમાં સ્વેચ્છાએ રોગી બને છે! 771 રોગીઓમાં 675 હીન્દુ હતા, 71 મુસ્લીમ હતા, 20 જૈન અને 05 ઈસાઈ હતા! 771 પૈકી 600 રોગીઓ ઉપલા મધ્યમ વર્ગના અને શ્રીમન્ત વર્ગના હતા. તેમાં 10 એન્જીનીયર અને 05 ડૉકટર હતા! સમસ્યાઓની દૃષ્ટીએ વર્ગીકરણ કરીએ તો 771 પૈકી 307 કૌટુમ્બીક, 225 આર્થીક અને 239 શારીરીક રોગોની મુંઝવણી હતી! 771 પૈકી 77ને રાહત થઈ જાય તો તે 77 માણસો ભુવાજીની ચમત્કારીક શક્તીનો પ્રચાર કરે છે અને 694 રોગીઓ મુંગા રહે છે! રોગી દીઠ 1,000/- રુપીયાની ફી ગણીએ તો રુપીયા 7,71,000/– આવક થઈ! હું સ્વીકારું છું કે આ ઉપચાર નથી, છેતરપીંડી છે!

“ભુવાજી! લોકો કઈ કઈ સમસ્યાઓ લઈને તમારી પાસે આવતા હતા?”

“મધુભાઈ! હસવું આવે તેવી સમસ્યાઓ લઈને લોકો આવતા. કૌટુમ્બીક સમસ્યાઓમાં, દીકરીને સારું ઠેકાણું મળે, પતીની દારુ–જુગારની લત, પતીપત્ની વચ્ચે મનમેળનો અભાવ, પ્રેમીકાનું સમર્પણ, રખાતને દુર કરવી, વીરોધીને લકવો થઈ જાય, તેના ઝાડા–પેશાબ બન્ધ થઈ જાય, પતીપત્ની વચ્ચે મનમેળ તુટી જાય, પુત્રપ્રાપ્તી થાય વગેરેનો સમાવેશ થાય! જ્યારે શારીરીક રોગ અંગેની મુશ્કેલીઓ બીજા ક્રમે આવે છે. તેમાં મુખ્યત્વે સંતાનપ્રાપ્તીની ઝંખના, પેટનો દુઃખાવો, માથાનો દુઃખાવો, ઉંઘ ન આવવી, આપઘાત કરવાની ઈચ્છા વગેરેનો સમાવેશ થાય છે. આર્થીક મુંઝવણમાં મુખ્યત્વે કુટુમ્બના સભ્યો વચ્ચે મીલકતોની વહેંચણી, મકાનનું વેચાણ, ધન્ધો વધારવો, હરીફને પછાડવો, દેવું ભરપાઈ કરવું, ઉઘરાણી પતાવવી વગેરેનો સમાવેશ થાય છે! સંતાનપ્રાપ્તીની વીધીમાં મહીલાને હું એકાન્તમાં બોલાવતો હતો!”

“ભુવાજી! એવી કોઈ સમસ્યા તમારી સાથે આવી હતી કે જેમાં તમને સફળતા મળેલ ન હોય?”

“મધુભાઈ! બે સમસ્યા એવી હતી કે જેમાં મને સફળતા મળી ન હતી! એક કીસ્સામાં, એક યુવકે મારી પાસે ફરીયાદ કરેલી કે મારા ગળામાં વાયુ ભરાઈ ગયો છે, તેને કાઢી આપો! જયારે બીજા કીસ્સામાં, એક હીરાના વેપારીએ પાંચ હજાર આપીને કહેલ કે મકાન ઉપરનો પાણીનો ટાંકો રાત્રે ભર્યો હતો, જે સવારે ખાલી થઈ ગયો હતો, એનું કારણ શોધી આપો! આ ચારેય ચોપડાનો અભ્યાસ, સત્ય શોધક સભા કરશે, તો ઘણાં રહસ્યો જાણવા મળશે!”

(પીડીતાનું નામ કાલ્પનીક છે)

–રમેશ સવાણી

સંદેશ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું(24, ઓગસ્ટ, 2016)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile : 99099 26267  e.Mail : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ  મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 2010–2017

 

(તસવીર સૌજન્ય : નેટજગત)

 

દીવાળીમાં ફટાકડા : જોખમ રોકડાં…!!!

દીનેશ પાંચાલ

દીવાળીના ઉત્‍સવમય દીવસો પસાર થઈ રહ્યા છે. વાઘબારસ… કાળી ચૌદશ… ધનતેરસ… નવુ વર્ષ…! જો કે એ બધાંમાં હવે નવું કાંઈ રહ્યું નથી. છતાં એ દીવસોમાં દરેકને પોતાના જમાનાની દીવાળી યાદ આવે છે. વાઘબારસને દીવસે અમે આંગણામાં રંગોળી પુરતાં તેમાં વાઘનું ચીત્ર બનાવતા. (મોટા થયા પછી ખ્‍યાલ આવ્‍યો કે ‘વાઘ’ શબ્‍દને સ્‍થાને સાચો અર્થ ‘વાક્’ એટલે કે વાણી થાય છે) બાળપણના એવા ઘણાં અજ્ઞાનો વચ્ચે તે સમય મજેદાર રહ્યો હતો. મને યાદ છે કાળીચૌદશના દીવસે મા દરેક બાળકોની આંખ આંજતી અને કહેતી : ‘કાળી ચૌદશનો આંજીયો કોઈથી ન જાય ગાંજીયો…!’ તે દીવસે વહેલા ઉઠવું જ પડે નહીં તો કાગડો રુપ લઈ જાય…! એવું પણ મા કહેતી.

ખેર, દીવાળીમાં અમે ખુબ ફટાકડા ફોડતા. ફટાકડા બાળપણમાં મારા આનન્દનું કેન્દ્રસ્થાન રહ્યાં હતાં. પણ વયવૃદ્ધીની સાથે એ આનન્દ ઓસરતો ગયો. થોડા વર્ષો પર ફટાકડાથી એક મીત્રની દીકરીની બન્‍ને આંખો દાઝી ગઈ હતી. આજપર્યન્ત કોઈ ડૉક્‍ટર તેને પુનઃ ચક્ષુજ્‍યોતી બક્ષી શક્‍યો નથી. એને જોઉં છું ત્‍યારે વીચાર આવે છે, ફટાકડાએ એની કેવી હાલત કરી છે…???  એ જીવનભર હવે કોઈની નવવધુ બની સાસરે દીવાળીના દીવડા મુકી નહીં શકે. ફટાકડાઓ ક્‍યારેક માનવબોમ્‍બ જેવો વીનાશ સર્જે છે. પોતે ખતમ થઈ જઈને કોઈનું આખું જીવન ખતમ કરી નાખે છે.

બાળવયની એક અન્‍ય દુર્ઘટના સાંભરે છે. દીવાળી ટાણે કોઈકે સળગાવેલું રોકેટ ઉપર જવાને બદલે ત્રાંસુ થઈ ખળીમાં સીંચેલા ઘાસના કુંડવામાં ચંપાયું હતું. કોઈ હીન્‍દી ફીલ્‍મનો ગુંડો ઘરને આગ ચાંપે એ રીતે સુકું ઘાસ ભડભડ સળગી ઉઠયું હતું. ભર દીવાળીમાં હોળી થઈ ગઈ હતી. ફટાકડાને માણસની શ્રવણેન્‍દ્રીય માટેનો અણુબોમ્‍બ કહી શકાય. મારે સ્‍વીકારવું રહ્યું કે આજના ધ્‍વનીપ્રદુષણના યુગમાં મારા જેવા વધુ પડતાં શાંતીચાહક માણસો દુઃખી થયા વીના રહેતા નથી. લોકો આરતી પણ ઘાંટા પાડીને ગાય છે. મને ટીવી પર સીંહની ગર્જના પણ મૃદુસ્‍વરમાં સાંભળવાની ગમે છે!

ફટાકડાની એક બહું મોટી અગવડ એ છે કે તેના પર સાયલન્‍સર લગાડી શકાતું નથી. પ્રત્‍યેક ફટાકડો તેની પુરી વીસ્‍ફોટક્ષમતા સાથે ફુટે છે. ફટાકડો માણસની પ્રથમ એવી શોધ છે, જેમાં કશુંક ધમાકા સાથે નષ્ટ થઈ જાય છે ત્યારે તે વીનાશમાંથી માણસને આનન્દ પ્રાપ્‍ત થાય છે. કોઈ ફટાકડો માણસની માફક આળસુ કે કામચોર હોતો નથી. દરેક ફટાકડો ધ્‍વનીપ્રદુષણનો તેનો જીવનધર્મ બજાવવાનું ચુકતો નથી. બચુભાઈ કહે છે : ‘કોહી ગયેલું ઘી દીવામાંથી નથી જતું, અને નબળો ફટાકડો સુરસુરીયામાંથી નથી જતો!’

હવે ફટાકડાઓ કેવળ દીવાળીના ઓશીયાળા રહ્યાં નથી. દીવાળીથી અધીક લગ્નોમાં, જનોઈમાં, ક્રીકેટમેચ વખતે, ચુંટણીના રીઝલ્‍ટવેળા, સ્‍વામીઓના સામૈયામાં અને ધાર્મીક જુલુસો વગેરેમાં ફુટે છે. દશ હજાર ફટાકડાની લુમ જાહેર માર્ગો પર સળગાવવામાં આવે છે ત્‍યારે બન્‍ને બાજુએ થોડી મીનીટો માટે ટ્રાફીક જામ થઈ જાય છે. એવું લાગે છે જાણે કોઈ બહારવટીયાએ અમુક લત્તો બાનમાં ના લીધો હોય?

ફટાકડાની શોધ ચીનમાં થઈ હતી, પણ ત્‍યાં ફટાકડાનું  આવું ગાંડપણ નથી. આપણે ત્‍યાં ફટાકડા ફુટે તે પહેલાં લોકોની અક્કલનો ભાંડો ફુટે છે. બુટ શુટ અને ટાઈથી શોભતો કોઈ વરઘોડીયો વાહનોની કશીજ ચીંતા કર્યા વીના રસ્‍તાની વચ્‍ચે એટમબોમ્‍બ સળગાવે છે તે જોઈને દંગ રહી જવાય છે. (આ દેશમાં બેવકુફી પણ કેવી બુટેડ શુટેડ હોય છે! ભર ઉનાળામાં રસ્તા પર ઈંડુ પડે તો આમલેટ થઈ જાય એવી અગનઝાળ ગરમી પડતી હોય તેમાં પણ કેટલાંક ‘અક્કલમઠા’ઓ શુટ પહેરીને ગળે મુશ્કેટાટ ટાઈ બાંધે છે અને ભર ટ્રાફીકમાં રસ્તા વચ્ચે નાગીન ડાન્સ કરે છે!)

સમાજમાં જેણે અનેક લોકોપયોગી મૌલીક પ્રવૃત્તીઓ કરી અન્‍ય સમ્પ્રદાયો કરતાં વધુ આદરભર્યું સ્‍થાન પ્રાપ્‍ત કર્યું છે એવો સ્‍વાધ્‍યાય પરીવાર દીવાળી ટાણે ગરીબો માટે ‘નહીં નફો નહીં નુકસાન’ના ધોરણે શુદ્ધ ઘીની મીઠાઈઓનું વેચાણ કરે છે તે આવકાર્ય બાબત છે. પરન્તુ પ્રતીવર્ષ દીવાળી ટાણે તેઓ લાખો રુપીયાના ફટાકડા પણ વેચે છે તે પુનઃ વીચારણા માગી લે એવી પ્રવૃત્તી છે. (જરા વીચારો, ગરીબોની સેવાના ઉપક્રમે ભુખ્યા ગરીબોને ભોજન જમાડી શકાય, પણ તેમને દારુની આદત હોય તો દારુ વહેંચી શકાય ખરો?) ફટાકડાની જીવલેણતા સેંકડોવાર પુરવાર થઈ ચુકી છે. ફટાકડા નીર્વીવાદપણે શાંતીભક્ષક, જ્‍વલનશીલ અને જોખમી પદાર્થ છે. એક સર્વે અનુસાર આજપર્યંત ફટાકડાથી પુરા સાડા પાંચ અબજનું નુકસાન થઈ ચુક્‍યું છે. કોઈ સમ્પ્રદાય ફટાકડા નહીં વેચશે તો તેમની સામાજીક પ્રતીષ્ઠામાં ઓટ આવવાની નથી. કરવાં જ હોય તો બીજાં સેંકડો લોકકલ્યાણના કામો પડયાં છે. હા, એટલું ખરું કે તેઓ નહીં વેચે પણ વેપારીઓ તો ફટાકડા વેચશે જ. ભલે વેચતા… જેને જે કામ શોભે, તેણે તે જ કરવું જોઈએ. ગાંધીજીનો દીકરો દારુનું પીઠું ચલાવે તે કોઈને ય ગમે ખરું? મોરારજી દેસાઈનો દીકરો ભુખે મરતો હોય તો સમાજ તેને ભોજન પહોંચાડી શકે પણ તે દારુનું બાર ચલાવતો હોય તો સમાજને તેનો આનન્દ થાય ખરો?

કંઈક એવું સમજાય છે, કેવળ આતશબાજી નહીં, મનુષ્‍ય જીવનની પ્રત્‍યેક એવી બાબતો જે વીશાળ જનસમુદાયને કષ્ટરુપ નીવડતી હોય તે અંગે માણસે બૌદ્ધીક વલણ અપનાવી તેનો સત્‍વરે ત્‍યાગ કરવો જોઈએ. ખોટા રીતીરીવાજો, વહેમ, અન્ધશ્રધ્‍ધા, પછાત વીચારસરણી કે ખોટી જીવનશૈલી ભારતમાં જ નહીં અમેરીકામાંય પ્રવર્તતી હોય તો તેનો અવશ્‍ય વીરોધ થવો ઘટે. યાદ રહે, જીવનના કોઈપણ આનન્દનું મુલ્‍ય જીવનથી અધીક ના હોય શકે

થોડા સમય પુર્વે ભારતના એક લાખ બાળકોએ ફટાકડા ન ફોડવાની પ્રતીજ્ઞા લીધી હતી. ‘બચપન બચાઓ’ નામની એક સંસ્‍થાએ ફટાકડાના જોખમી ઉદ્યોગ સાથે સંકળાયેલા દોઢ કરોડ જેટલા બાળકોને એ વ્‍યવસાયમાંથી ઉગારવા ઝુમ્બેશ ચલાવી હતી. આમ છતાં આજેય હજારો બાળકો ફટાકડા ઉદ્યોગમાં બાળમજુરી કરે છે. ફટાકડાઓની ફેક્‍ટરીઓમાં આગ લાગે છે ત્‍યારે હજારો કુમળા બાળકો ફટાકડાની જેમ ફુટી જાય છે. આ નુકસાનના આંકડા પ્રતી વર્ષ વધતાં જ રહ્યાં છે. સરકાર ખુદ એ અંગે ચીંતીત છે; પરન્તુ પ્રજાના સહકાર વીના તે લાચાર છે. ફટાકડાનું નુકસાન આવું જગજાહેર અને બોલકું હોય ત્‍યારે માનવકલ્યાણના શુભ હેતુને વરેલા કોઈ પણ સમ્પ્રદાયે તેના વેચાણથી દુર રહેવું જોઈએ. ગીતામાં કહ્યું છે– ‘જે હજારોની હત્‍યા કરે છે તેનો નાશ કરવો એ સાચો ધર્મ છે. કૃષ્‍ણભક્‍તોએ ફટાકડાની હાનીકારકતાના પરીપ્રેક્ષ્યમાં એ વાત વીચારવી જોઈએ.’

એકવાર એક મીત્રે દીવાળીનો ગ્રીટીંગ્‍સ કાર્ડ મોકલ્‍યો હતો. તેમાં લખ્‍યું હતું- દીવાળીના દીવડાના પ્રકાશમાં મારી આંખોમાં બે ત્રણ સ્‍વપ્‍નો ઉભરી રહ્યાં છે :

(1) ચાલો, આપણે એકવીસમી સદીમાં એવા પરીવર્તનની પ્રતીક્ષા કરીએ, જ્‍યાં કોઈ સમ્પ્રદાય સ્‍ત્રીઓનું મોઢું ન જોવાને બદલે સ્‍ત્રીઓને માથે ગુજારાતા અત્‍યાચારોને નાબુદ કરવાનો સંકલ્‍પ લઈને આગળ આવે.

(2) સરકાર ફટાકડાનું ઉત્‍પાદન સદન્તર બન્ધ કરે અથવા બોમ્‍બ પ્રકારના ભયંકર અવાજ ઉત્‍પન્‍ન કરતાં ધડાકીયા ફટાકડાને બદલે ઓછો અવાજ કરે એવાં– નાના નીર્દોષ ફટાકડા જ વેચી શકાય એવો કાયદો કરે.

(3) ધર્મગુરુઓ દુધ, દહીં, ઘી, અનાજ, ફળો જેવી કીમતી ચીજવસ્‍તુઓ યજ્ઞમાં હોમી દેવાને બદલે તેનો બગાડ અટકાવવાનું અભીયાન શરુ કરે.

હમણાં એક મેગેઝીનમાં વાંચવા મળ્‍યું, ગુજરાતમાં જન્‍માષ્‍ટમીની રાત્રીએ મટકીફોડ નીમીત્તે નેવુ હજારથી ય વધુ માટલા ફોડી નાખવામાં આવે છે. એ મટકીઓ ફોડી નાખવાને બદલે ગરીબો, મજુરો વગેરેને વહેંચી દેવામાં આવે તો કૃષ્ણનેય સાચો આનન્દ થઈ શકે. યાદ રહે, સમય પરીવર્તનશીલ છે. ઉત્‍સવોના ઉદ્દેશો ય પરીવર્તનશીલ હોવા ઘટે!

દીનેશ પાંચાલ

લેખકસમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત(ભારત) સેલફોન : 94281 60508 .મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

લેખકનાં પુસ્તકો :

(1) ‘જીવન સરીતાને તીરે’ (2) ‘ચાલો, આ રીતે વીચારીએ!’ અને (૩) ‘ધુપછાંવ’ એ પ્રથમ ત્રણ પુસ્તકો સુરતના સાહીત્ય સંગમ, ગોપીપુરા, સુરત395 003 (સેલફોન : 98251 12481 વેબસાઈટ :  ઈ.મેઈલ  : sahitya_sankool@yahoo.com) તરફથી પ્રકાશીત થયાં છે. એક પુસ્તક ‘મનનાં મોરપીંછ’ (પુરસ્કૃત) ઈમેજ પબ્લીકેશન્સ પ્રા. લી., (199/1, ગોપાલ ભુવન, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુમ્બઈ400 002 ફોન : (022) 2200 2691 વેબસાઈટ :  http://www.imagepublications.com ઈ.મેઈલ : info@imagepublications.com) તરફથી પ્રગટ થયું છે. એક પુસ્તક ‘જીવનસરીતા’ અમદાવાદના નવભારત સાહીત્ય મંદીર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 (ફોન : (079) 2213 2921  વેબસાઈટ :  http://www.navbharatonline.com  ઈ.મેઈલ : info@navbharatonline.com )  અને બાકીનાં નવ પુસ્તકો (1) ‘શબ્દોનો સ્વયંવર’ (2) ‘ઉરે ઉગ્યો અરુણ’ (3) ‘બોલો, ઈશ્વર છે કે નથી?’ (4) ‘સ્ત્રી : સંસારલક્ષ્મી’ (5) ‘તનકતારા’ (6) ‘અંતરના ઈન્દ્રધનુષ’ (પુરસ્કૃત(7) ‘હૈયાનો હસ્તમેળાપ’ (8) ‘ધરમકાંટો’, (9) ‘સંસારની સીતાર’ અને (10) ‘મનના માયાબજારમાં’ એ તમામ પુસ્તકો ગુર્જર ગ્રંથરત્ન પ્રકાશન, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 (ફોન : (079) 2662 0472/ 2214 4663 ઈ.મેઈલ : goorjar@yahoo.com ) તરફથી પ્રગટ થયાં છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે  સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

પુજા કરવાને બદલે ધનને વહેતું રાખવાની પ્રતીજ્ઞા કરો

– રોહીત શાહ

ધન અને સમ્પત્તી આપણાથી છુટતાં નથી. કહેવાતા ત્યાગીઓ અને વીતરાગીઓ પણ બે હાથે જાહેરમાં ધન–સમ્પત્તીનો ત્યાગ કરે છે; પણ પછી ખાનગીમાં બાર હાથે ભેગું કરે છે. ધનની શક્તીનો આપણને ખ્યાલ નથી હોતો ત્યાં સુધી જ આપણને એનું વળગણ નથી રહેતું. ધનની શક્તી જાણ્યા પછી આપણે એના શરણે રહીને જીવવામાં જ સેફ્ટી અનુભવીએ છીએ.

આપણે ધન–સમ્પત્તીનું ડેડ–ઈન્વેસ્ટમેન્ટ કરનારી પ્રજા છીએ. આપણી પાસે વધારાના પૈસા હોય તો આપણે સોનું ખરીદી લઈશું, વધારાના પૈસા હશે તો જમીન ખરીદીશું. જમીન અને સોનું ખરીદ્યા પછી એના ભાવ વધતા રહે એનાં પલાખાં માંડતા રહીએ છીએ. આપણને જે ચીજની જરુર ન હોય એવી ચીજ ખરીદીને એને માત્ર મુકી જ રાખીએ તો એ ડેડ–ઈન્વેસ્ટમેન્ટ કર્યું કહેવાય. કેટલાક લોકો હીરાના પથરામાં મુડી–રોકાણ કરતા હોય છે. પૈસાનું ઈન્વેસ્ટમેન્ટ શેમાં કરવું જોઈએ? જેમાં પૈસો સતત ફરતો રહે, જેમાંથી સતત વધારે કમાણી થતી રહે એમાં ઈન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ.

ભારત દેશ ગરીબ નથી, કીન્તુ એની પાસે ધનને વહેતું રાખવાની આવડત નથી. ધનને એ પકડી રાખે છે. ફીક્સ્ડ ડીપોઝીટ કરવામાં આપણે ઉત્સાહી હોઈએ છીએ. બસ, મળ્યું એટલું ધન પકડી રાખો, બાંધી રાખો. એ છટકી ન જવું જોઈએ. તીજોરી તગડી હોવી જોઈએ.

બૅન્ક–અકાઉન્ટ છલકાતું હોવું જોઈએ. આપણી આવી દાનતને કારણે જ આપણો દેશ ગરીબ છે.

આપણા ધનની ઉત્પાદકતા પર નીયન્ત્રણ આવી જાય પછી એનું રીઝલ્ટ ગરીબી અને ભુખમરા અને બેકારી અને મોંઘવારી અને ભ્રષ્ટાચાર જ હોયને! બે નમ્બરની કમાણી વીદેશની બૅન્કોમાં દફનાવી દેવાય છે. જે માણસ ખેતી કરતો જ નથી એ માણસ જમીનો ખરીદ્યા કરે છે. સોનું–ચાંદી અને હીરા ખરીદ્યા પછી એને બૅન્કના લોકરમાં સડવા માટે પુરી રાખવામાં આવે છે.

શૅર–માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યા પછી જો શૅરના ભાવ ઘટે તો નુકસાન થાય એટલે આપણે વેચતા નથી અને જો ભાવ ઉંચકાય તો હજી ઓર ભાવ ઉંચકાશે અને આપણને વધારે બેનીફીટ થશે એવી લાલચમાં આપણે શૅરને પકડી રાખીએ છીએ. પૈસો ફરતો રહેવો જોઈએ એવું ઈકૉનૉમીક્સ કહે છે. ઈકૉનૉમીક્સ તો આગળ વધીને એમ પણ કહે છે કે જે લોકો પૈસાને ફરતો રાખતા નથી એ લોકોનો સર્વનાશ થઈ જાય છે. પ્રોગ્રેસ માટે પૈસાને વહેતો–ફરતો રાખવો કમ્પલ્સરી છે. જાડીયા (તગડા) આદમીને આપણે તન્દુરસ્ત નથી કહેતા. તન્દુરસ્ત આદમી તો એ છે જે એકીશ્વાસે બે કીલોમીટર દોડી શકે છે. અથવા તો જરાય અટક્યા–થાક્યા વગર પચાસ પગથીયાં ચડી શકે છે.

આપણા શરીરની રચના પણ આપણને આ રહસ્ય સમજાવે છે. કુદરતે દરેક બૉડીમાં બ્લડ રાખ્યું છે અને એ બ્લડને નૉન–સ્ટૉપ ફરતું રાખ્યું છે. બ્લડનું સક્યુર્લેશન ડીસ્ટર્બ થાય એ રૉન્ગ કહેવાય. જો બ્લડ–સક્યુર્લેશન અટકી જાય તો માણસ મૃત્યુ પામે છે. કુદરતે એથી પણ મહાન વ્યવસ્થા તો એ કરી છે કે શરીર પર જ્યારે કોઈ ઘા (ઈજા) થાય ત્યારે ત્યાંથી વહેતું લોહી થોડી જ સેકન્ડોમાં થંભી જાય છે. શ્વેતકણો (પ્લેટલેટ કાઉન્ટ્સ) ઘામાંથી વહેતા લોહીને રોકવા માટે ત્યાં થીજી જવાનું કામ કરે છે. બ્લડ વ્યર્થ વહી ન જાય એ માટેની એ પ્રાકૃતીક વ્યવસ્થા છે. બ્લડ વહેતું રહે કીન્તુ વ્યર્થ વેડફાઈ ન જાય એવી સુન્દર યોજના કરીને કુદરતે આપણનેય મૌન ઉપદેશ આપ્યો છે.

પાણી વહે છે, પણ જ્યારે એ થીજી જાય છે ત્યારે એનું વહન અટકી જાય છે. બરફથી ખેતી ન થઈ શકે, બરફમાં સ્ટીમરો ન દોડી શકે, બરફની નહેરો બનાવીને સીંચાઈયોજના ન કરી શકાય, બરફથી પ્યાસ પણ ન બુઝાવી શકાય. એ માટે તો વહેવાની ક્ષમતાવાળું પાણી જ જોઈએ. જે પાણી વહેતુંય નથી અને થીજી જતું પણ નથી એ પાણી બન્ધીયાર બનીને ગંધાઈ ઉઠે છે. રોગચાળો ફેલાવે છે.

પાણી અને લોહીની જેમ પૈસા પણ વહેતા રહે તો જ સમાજનું કે રાષ્ટ્રનું કલ્યાણ થાય.

કરોડો–અબજોનાં મન્દીરો બનાવવાને બદલે જો એટલું ઈન્વેસ્ટમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે થાય તો દેશનું ઉત્પાદન વધે, બેકારોને રોજી મળે, દેશની મુડી વીદેશોમાં ઘસડાઈ જતી અટકે. આ વાત એટલી સીમ્પલ અને સરળ છે કે મુરખનેય તરત સમજાઈ જાય.

આપણે ધનને વહાલ કરવા મંડી પડીએ છીએ એટલે એને વહેતું રાખવાનું ભુલી જઈએ છીએ. ધનની શક્તીને કારણે આપણે એની પુજા કરીએ છીએ. પુજા હમ્મેશાં શક્તીની અને સામર્થ્યની જ થાય. કાયરતા–નપુંસકતાની પુજા થતી ક્યાંય ભાળી છે? ઉર્જાની પુજા થાય, ઓજસની પુજા છાય, મેધાની પુજા થાય, પ્રજ્ઞાની પુજા થાય. આ બધી શક્તીઓ છે. ધન બહુ બડી શક્તી છે. આજના યુગમાં તો કહેવાય છે કે ધન–સમ્પત્તી હોય તો જગતમાં આપણે જે ઈચ્છીએ એ બધું જ કરી શકીએ!

સમ્પત્તી હોય તો તમે સમ્રાટનેય ખરીદી શકો અને સત્તાને ગુલામ બનાવી શકો. સમ્પત્તી હોય તો આજકાલ ન્યાય અને ધર્મ પણ ખરીદી શકાય છે. તમારે મન્દીરમાં પુજા–આરતી કરવાં હોય તો એ માટે ચડાવા બોલીને તગડી રકમ ચુકવવાની તાકાત હોવી જોઈએ. વીદ્યા મેળવવા માટેય ડોનેશનના નામે ભ્રષ્ટાચાર કમ્પલ્સરી આચરવો જ પડે છે. રોગ મટાડવો હોય કે યોગ કરવો હોય, ધન વગર આપણે એક ડગલુંય ચાલી શકતા નથી.

ધનની પુજા સાથે નવો સંકલ્પ

એક જમાનામાં ‘ધનતેરસ’ પર્વ ‘ધણતેરસ’ના નામે ઉજવાતું હતું (ધણ એટલે ગાયોનો સમુહ), આજે ધનની પુજા કરીને વધુ ધનવાન બનવા સૌ કોઈ ઝંખે છે. ધનની પુજા કરીને આપણે ભલે એના સામર્થ્યનો આદર કરીએ, કીન્તુ માત્ર એવા આદરથી કશું નહીં વળે. ધનને વહેતું રાખવું પડશે, એની ઉત્પાદન–ક્ષમતા વધારવી પડશે. ધનને વાપરવાનું છે. વાપરતા રહીશું તો વધારે કમાવાની જરુર પડશે. વધારે કમાવા માટે વધારે દોડીશું. એથી ઉત્પાદન વધશે અને વીકાસ થશે. ઘણા લોકોની પાસે સમ્પત્તી હોય છે પણ શારીરીક ક્ષમતા નથી હોતી. એવા લોકો તેમની સમ્પત્તી એવી જગાએ રોકે છે, જેમાંથી વ્યાજ મળતું રહે. એ વ્યાજની રકમમાંથી એ લોકોનો નીર્વાહ થતો રહે. પ્રત્યક્ષ નહીં તો પરોક્ષરુપે પણ ધનને વહેતું રાખવાની આ વ્યવસ્થા છે. ભારતની ગરીબી ટાળવી હોય તો ધનની પુજા કરવાનું છોડીને એને વહેતું રાખવા સંકલ્પબદ્ધ થવું પડશે. રુપીયો ગગડતો–રગડતો રહેશે તો એની ચમક ઓર વધશે, જો એ ગગડતો અટકી જશે તો તરત ગબડી પડશે. ગબડી પડેલો રુપીયો ગરીબી જ આપશે. ધનતેરસ આપણા સૌનું પ્રીય અને પર્મનન્ટ પર્વ છે. આ દીવસે, હવેથી આપણે ધનને વહેતું રાખવાની નીષ્ઠાથી એની પુજા કરીશું. ઈન ફૅક્ટ, જો તમે ધનને વહેતું રાખો તો એ જ એની પુજા છે, પછી તમારે કંકુ–અબીલ વડે પુજા કરવાની જરુર નહીં પડે.

–રોહીત શાહ 

લેખકસમ્પર્ક : 

શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના મીડડેદૈનીકમાં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર ‘નો પ્રૉબ્લેમ’માંથી.. લેખકશ્રીના અને મીડડેના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

03

લાગણી એટલે જીવનરુપી જલેબીની ચાસણી

         – દીનેશ પાંચાલ

કોઈ દીકરો પોતાના માતાપીતાનું શ્રાદ્ધ કરાવે એ ઘટના રૅશનાલીઝમ મુજબ અન્ધશ્રદ્ધામાં ખપે છે. જો કે પ્રેમ અને લાગણી એ જીવનની નક્કર સચ્ચાઈ છે. જીવનમાં તેનું પણ ખાસ્સું મહત્વ રહ્યું છે. બીજી બાજુ રૅશનાલીઝમ જીવનની કેવળ એક તરાહ છે. જીવન જીવવાનો એક બૌદ્ધીક અભીગમ છે– પુરું જીવન નથી. લાગણી જેવી પ્રચંડ માનવીય સંવેદનાને કદી રૅશનાલીઝમથી અવગણી શકાતી નથી. પ્રખર રૅશનાલીસ્ટોએ પણ ક્યારેક લાગણી ખાતર કહેવાતી અન્ધશ્રદ્ધાને શરણે જવું પડતું હોય છે. ક્યારેક નીકટતમ સ્વજનોની લાગણી ખાતર બુદ્ધીનું વૉલ્યુમ ધીમું કરીને લાગણીના લય સાથે થોડું વહી જવું પડતું હોય છે. જીવનનું બીજું નામ અનુકુલન છે. અનુકુલન દ્વારા સ્વજનોના મન જાળવીને જીવવા માટે ક્યારેક નીજી માન્યતા જોડે થોડી બાંધછોડ કરવી પડે તો તેમ કરવામાં કશું ખોટું નથી. આપણે ત્યાં હોળી સળગાવવામાં પ્રતીવર્ષ ટનબંધી લાકડાં સાવ નીરર્થક બળી જાય છે. તે અંગે આપણો સખત વીરોધ હોય છે છતાં મહોલ્લાના જુવાનો હોળીનો ફાળો ઉઘરાવવા આવે છે ત્યારે તેમને ના નથી પાડી શકાતી. (અમારા બચુભાઈ હોળી સળગાવવાના સખત વીરોધી છે; પણ તેઓ પણ મહોલ્લાના જુવાનીયાઓને હોળીનો ફાળો આપે છે. કારણમાં તેઓ તેમની રમુજી શૈલીમાં જણાવે છે કે, ‘તેઓ સૌ ભેગાં મળીને મારું ઘર સળગાવે તેના કરતાં હોળી સળગાવે તેમાં મને નુકસાન થવાનું નથી!’) સમાજમાં એવી ઘણી અબૌદ્ધીક પ્રવૃત્તીઓ થતી રહે છે તે આપણી ઈચ્છાના એક ઝાટકે સુધારી દઈ શકાતી નથી. ગમે તેવા ચુસ્ત રૅશનાલીસ્ટે પણ પીતાનું મૃત્યુ થાય ત્યારે ઘરડી માની લાગણી ના દુભાય તે માટે મરણોત્તર કર્મકાંડ કરાવવા પડે છે. એમ કરવું ખોટું પણ નથી. એકાદ અંગત માન્યતા ખાતર સ્વજનોની લીલીછમ લાગણીમાં ભડભડતો દેવતા ચાંપવો એને નરી ઍન્ટી–રૅશનલ ઍક્ટીવીટી કહી શકાય. જીવનમાં બુદ્ધી અને લાગણીના યુદ્ધો હમ્મેશાં થતાં રહે છે. બહુધા તેમાં લાગણીનો વીજય થાય છે. જીવન નામની ફીલ્મની મુખ્ય હીરોઈનનું નામ લાગણી છે. બુદ્ધીનું સ્થાન સાઈડ હીરોઈનનું  છે. યાદ રહે લાગણીનો વીજય એ જીવનની જીત છે; પણ રૅશનાલીઝમની હાર નથી. જીવનમાં જ્યાં લાગણી પ્રગાઢપણે સંકળાયેલી છે ત્યાં દીમાગથી નહીં દીલથી વીચારવું પડે છે. માનવીય લાગણીઓને ઉચીત મહત્વ આપીને રૅશનાલીઝમ વધુ રળીયાત બને છે.

અન્ધશ્રદ્ધા સમ્બન્ધે એક અન્ય મનોવૈજ્ઞાનીક મુદ્દો વીચારવાનું આપણે ચુકી જઈએ છીએ. માનવમનની લીલા અપાર છે. માણસનું મુઠી સરખું દીમાગ સૃષ્ટીનું શ્રેષ્ઠ કૉમ્પ્યુટર છે. માનવ જીવનમાં જીવ કરતાંય દીમાગનું પ્રદાન વીશેષ છે. જીવની જવાબદારી મર્યાદીત છે. બુદ્ધીની જવાબદારીનો પાર નથી. સૃષ્ટીનો વીકાસ માનવીના દીમાગને આભારી છે. કુદરત અને માણસના સંયુક્ત ઉપક્રમે આ દુનીયાનો કારોબાર ચાલે છે. જીવ માણસને કેવળ જીવાડી જાણે છે. દીમાગ માણસને અમર બનાવે છે. જીવ માણસને જીવીત વ્યક્તી તરીકેનું સર્ટીફીકેટ આપે છે. બુદ્ધીના પ્રતાપે માણસમાંથી મહાન વીભુતી  પ્રગટી શકે છે.

કુદરતે મનની જે અદ્ ભુત, ગુઢ શક્તીઓ આપી છે તે વીશે માણસ બહું ઓછું જાણે છે. મનોવીજ્ઞાનીઓ ઘણીવાર કહે છે : ‘સુખ અને દુઃખ મનના કારણો છે. માણસ જેવું વીચારે તેવું થાય છે.’ આવા કથનો પ્રથમ નજરે અતાર્કીક જણાય છે; પરન્તુ તેમાં મનોવૈજ્ઞાનીક સત્ય રહેલું છે. ઉપર્યુક્ત કથનોમાં મનની અપાર ક્ષમતાનો સ્વીકાર રહેલો છે. ડૉ. જીતેન્દ્ર અઢીયા કહે છે– ‘મન પાસેથી કામ લેતાં આવડે તો તમારી તમામ ઈચ્છાઓ પુર્ણ થઈ શકે છે.’ એમ કહીને તેમણે મનની શક્તીનું યશોગાન કર્યું  છે. મનની કેટલીક લીલાઓ મનોવૈજ્ઞાનીકોને પણ મુંઝવે એવી અટપટી હોય છે. મનમાં સાચી જુઠી કોઈ માન્યતા જડાઈ ગઈ હોય તો કાળક્રમે મનની ભીતર તેના અજીબોગરીબ, ચમત્કારીક પરીણામો ઉદ્ભવે છે. એ સન્દર્ભે નવલકથાકાર મોંપાસાની એક વાર્તાનું સ્મરણ થાય છે. એક અન્ધ સ્ત્રીનો પતી મૃત્યુ પામે છે. સ્ત્રી પાસે તેના પતીની એક તસવીર હતી. પતી હયાત હતો ત્યારે કોઈ કારણોસર તેના મનમાં એવું ઠસી ગયું હતું કે એના પતી પાસે કોઈ અલૌકીક શક્તી છે. જે કારણે તેમના બધાં દુઃખો દુર થઈ જાય છે. સ્ત્રીને વર્ષો સુધી લાગ્યું કે પતીની તસવીરમાંથી છુપી રીતે પેલી ગેબી શક્તી તેને સાથ આપી રહી છે. એ માન્યતાના સહારે તેણે પોતાના વૈધવ્યના દશ વર્ષ સુખમાં ખેંચી કાઢયાં. એક દીવસ તેના મકાનમાલીકે ઘરભાડાંની તકરારમાં સ્ત્રીનો બધો સામાન બહાર ફેંકી દીધો. સામાન ભેગી પેલી તસવીર પણ રસ્તા પર ફેંકાઈ ગઈ. સ્ત્રીને તસવીર ના મળતાં તેના દુઃખનો પાર ના રહ્યો. ઘર ઝુંટવાઈ ગયું તેનાથી ય અધીક તસવીર ગુમ થઈ ગઈ તેનો સ્ત્રીને વીશેષ આઘાત લાગ્યો. તેને લાગ્યું કે પતીના મૃત્યુ બાદ દશ વર્ષ પછી તે વીધવા થઈ ગઈ છે. તે રોડ પર તસવીર ફંફોસી રહી હતી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક પ્રૉફેસરે તેને શું શોધે છે એમ પુછયું.. સ્ત્રીએ કહ્યું, ‘હું મારા પતીની તસવીર શોધું છું.’ થોડે દુર એક તસવીર પડી હતી તે ઉઠાવીને પ્રૉફેસરે સ્ત્રીને આપતાં કહ્યું, ‘આતો નહીં?’ સ્ત્રીએ તસવીર પર આંગળીનો સ્પર્શ કર્યો અને તે હર્ષપુર્વક ચીલ્લાઈ ઉઠી, ‘હા, એ જ એ જ… તમારો ખુબ ખુબ આભાર!’

વાર્તાના અન્તમાં મોંપાસા એક વાક્ય લખે છે : એ તસવીર કોઈ માણસની નહોતી. એ તો કોઈ મશીનરીની ડીઝાઈનનો નકશો હતો. વાર્તામાં ઉચીત રીતે જ એ સ્પષ્ટતા નહોતી કે પતીની તસવીરને સ્થાને મશીનરીનો ફોટો શી રીતે આવી ગયો હતો? શક્ય છે સ્ત્રીના અન્ધત્વને કારણે એવો ગોટાળો સર્જાયો હોય. (વાચકે એ કલ્પી લેવાનું હતું) મનની શક્તી કેવાં ચમત્કારી પરીણામો સર્જી શકે છે એ મનોવૈજ્ઞાનીક મુદ્દો વાર્તામાં માર્મીક રીતે રજુ કરવામાં આવ્યો હતો. તાત્પર્ય એટલું જ કે ક્યારેય કોઈ વ્યક્તીમાં અલૌકીક શક્તી હોતી નથી અને તસવીરમાંથી કદી દુઃખમુક્તીનો આશીર્વાદ પણ વરસી શકતો નથી. જે કાંઈ પ્રતાપ હતો તે તસવીરનો નહીં, મનની કોઈ અકળ લીલાનો હતો.

સમજો તો સીધી વાત છે. મનની શાંતી ન જાણે ક્યાં ક્યાંથી અને કેવી રીતે મળી શકે છે. જે આરસ ફાઈવસ્ટાર હૉટલના જાજરુમાં હોય છે તે જ આરસ મન્દીરમાં ય જડેલાં હોય છે; પણ મન્દીરના આરસમાંથી જે શાંતી પ્રગટે છે તેવી જાજરુમાંથી પ્રગટતી નથી. ભગવાનની મુર્તીમાંથી કદી પ્રભુની કૃપા વરસતી નથી; પણ મુર્તીના દર્શનથી દીલમાં એક મનોવૈજ્ઞાનીક શાંતી પ્રગટે છે. ખોટી દીશામાંથી મળતી શાંતી પણ માણસ માટે શ્રેયકર નીવડે છે. સોનાની લગડી ગટરમાં પડી જવાથી તેની કીમ્મત ઘટી જતી નથી. માણસના મનના કૉમ્પ્યુટરમાં એકવાર અમુક માન્યતાનું શોફટવેર ઈન્સ્ટોલ થઈ ગયા બાદ મનની માયાવી નગરીમાં બધું જ શક્ય બને છે. મનની લીલાઓ અપાર હોય છે.

– દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ‘ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/–)માંનો આ ત્રીજો લેખ, પુસ્તકનાં પાન 16થી 18 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત(ભારત) સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

 

સમાજમાં સ્ત્રીની ભુમીકા :

ઓર્થોડોક્સીઝમનું માત્ર સોફીસ્ટીકેશન?

– કામીની સંઘવી

કહેવાય છે કે કલાએ જીન્દગીનો પડઘો છે, પછી તેનું રુપ ગમે તે હોય, સંગીત, પેઈન્ટીંગ, નૃત્ય, ફીલ્મ કે સાહીત્ય જેમાં જીવન ઝીલાતું હોય. આજની એકવીસમી સદીમાં જીવનનું પ્રતીબીમ્બ ઝીલતી કલાઓના રુપનું વીસ્તરણ થયું છે, અને તે છેક ટી.વી. અને ઈન્ટરનેટ પરની સોશ્યલ સાઈટસ સુધી લમ્બાયું છે. આર્ટ્સના વીવીધ માધ્યમ દ્વારા દુનીયાનો લેટેસ્ટ ટ્રેન્ડ જાણવા મળે. આજનો માણસ શું વીચારે છે કે શું ખાય પીવે છે? તેના જીવનમુલ્યો, લાઈફસ્ટાઈલ એટ્સેટ્રા… એટ્સેટ્રા… અને આ બધાંનું કલાજગતમાં જીવનનું કેવું પ્રતીબીમ્બ ઝીલાય છે તેના એક બે એક્ઝામ્પલસ. માઈન્ડ ઈટ કલાએ આપણાં સમાજનો આયનો છે.

વોશીંગ પાવડર નીરમાની એડ્ વર્ષોથી ટી.વી પર આવે છે; પણ આજે જે એડ્ ટી.વી પર બ્રોડકાસ્ટ થાય છે અને પહેલાં જે થતી તેમાં આસમાન જમીનનો ફરક છે. આજથી બે–ત્રણ દાયકા પહેલાં આવતી જાહેરાતમાં શું દેખાડવામાં આવતું હતું? તો જુદાં–જુદાં વર્ગની જુદાં જુદાં પ્રકારની મહીલાઓનો પ્રીય કે ફેવરીટ વોશીંગ પાવડર છે નીરમા. ટુંકમાં કહેવું હોય તો હેમા, રેખા, જયા ઔર સુષ્મા સબકી પસન્દ નીરમા. લૉઅરકલાસથી શરુ કરીને હાઈસોસાયટીની મહીલાઓ વોશીંગ પાવડર બાબતે એક મત હતી, તેવું નીરમાની વીસ વર્ષ પહેલાં ટી.વી. પર આવતી એડ્થી સાબીત થતું. નોટેબલ વાત એ હતી કે દરેક વર્ગની સ્ત્રી આ જાહેરાતમાં સાડી જ પહેરીને કપડાં ધોતી કે ફીણ–ઝાંક કરતી દેખાડવામાં આવતી. અફકોર્સ વોશીંગ પાવડરની એડ્ હોય તો તેમાં કપડાં ધોવાતા જ દેખાડાય ને! તે સર્વસ્વીકાર્ય વાત છે. નથીંગ રોંગ ઈન ઈટ. પછી જરા નવા મીલેનીયમનો નવો યુગ આવ્યો. એટલે તેમાં થોડા ફેરફાર થયા. વોશીંગ પાવડર તેનો તે જ હતો; પણ તેમાંના પાત્રનો પહેરવેશ બદલાઈ ગયો. સાડીની જગ્યાએ સલવાર કમીઝ આવ્યા અને પુરુષ પાત્રનો પ્રવેશ થયો. હૅપી ફૅમીલી હોય તે નીરમા વોશીંગ પાવડર વાપરે તે ટાઈપની કંઈક ઈમેજ ઉભી કરવા કે પછી કપડાં ધોવામાં પુરુષનો પણ સહકાર હોય છે, તેવું કંઈક કે પછી પુરુષને પણ વોશીંગ પાવડરમાં રસ પડે છે; તેવું દર્શાવવાનો પ્રયત્ન હોય તેમ કહી શકાય. છેલ્લાં થોડાં મહીનાથી જે જાહેરાત ટી.વી. પર બ્રોડકાસ્ટ થાય છે તેમાં હજુ નામ તો જેમના તેમ જ છે. પણ પાત્રનો પહેરવેશથી લઈને તેમની સોશ્યલ ઈમેજનું પ્રેઝેન્ટેશન બદલાય ગયું છે. હેમા, જયા, રેખા ઔર સુષ્મા હવે વોશીંગ પાવડરની જાહેરાતમાં કપડા વોશ નથી કરતા. પણ એક ગાડી કીચડમાં ફસાઈ ગઈ છે તેને હીમ્મત, કુનેહ અને મહેનતથી બહાર કાઢતા દેખાડવામાં આવે છે. કોઈ પુરુષની મદદ વીના. કદાચ આજની સમાજવ્યવસ્થામાં સ્ત્રીની ભુમીકા બદલાઈ છે. માત્ર ઘરરખ્ખુ કામ જેમ કે રસોઈ બનાવવી, કપડાં–વાસણ ધોવા પુરતી જ નથી રહી; પણ મલ્ટીડાયમેન્શનલ બની છે. કહેવાય છે કે કલાએ આપણાં સમાજનો આયનો છે; અને તો પછી આયનામાં દેખાતી વાતને નકારવી કેટલી યોગ્ય છે? જો સ્ત્રીની ભુમીકા સમાજમાં બદલાય હોય કે બદલાઈ રહી હોય તો તેને નકારવી તે વાત કેટલી યોગ્ય કહેવાય? પણ વાકેય હકીકતમાં સ્ત્રીની ભુમીકા સમાજમાં કે પહેરવેશમાં બદલાય છે? પછી ઓર્થોડોક્સીઝમનું માત્ર સોફીસ્ટીકેશન થયું છે?

એક ડૉકટર યુવતી, ચલો તેનું નામ કૃત્તી રાખીએ. તો કૃત્તીના લગ્ન ત્રણ ચાર મહીના પહેલાં સી.એ. થયેલાં અને સરસ પ્રેકટીસ કરતા છોકરા સાથે થયા. રાજસ્થાની પરીવાર સાસુ–સસરાં મોર્ડન એટલે કોઈ વાતની રોકટોક નહીં. જે પહેરવું હોય તે પહેરો અને જે ખાવું હોય તે ખાવ. નો પ્રૉબ્લેમ; પણ આ બધું ઘર કે ઑફીસ પુરતું. કશે સોશ્યલ ગેધરીંગ કે પછી લગ્ન–મરણ જેવા મેળાવડામાં જવાનું હોય તો સાસુ વહુને ઘીરેથી કહે કપાળ પર જરા નાનકડી બીન્દી લગાવ. હેવી નહીં તો લાઈટવેઈટ મંગળસુત્ર પહેર. વહુ વીરોધ કરવા માટે નહીં; પણ આઈ ડોન્ટ લાઈક ઈટ તેવું કહે; પણ સાસુના મોં પર નારાજગી દેખાઈ એટલે વહુ કમને પણ મમ્મી જેવી મીઠાસ દેખાડતી સાસુને ખુશ રાખવા તેમ કરે. અને સાસુ રાઝી રહે તે માટે સેંથા પર પણ જરાક લીપસ્ટીકનો લાલ ટચ આપે જેથી સેંથો પુરેલો દેખાય. નાનકડું નહીં જેવું મંગળસુત્ર પણ પહેરે કારણ; તો કજીયાનું મોં કાળું. ચાલો તેમ ઍડજસ્ટ કરવાથી પણ સુખ–શાંતી ઘરમાં જળવાઈ રહે તો સારું જ ને! પણ, કોઈ પણ સ્પ્રીંગ દબાવવાથી ડબલ ફોર્સથી તે ઉછળે છે તે નીયમ વીસરાઈ ગયો. વહુ લગ્ન પછી પણ પોતાની સરનેઈમ પીયરની જ વાપરતી હતી; કારણ કે તે નામે જ તે ડૉકટર તરીકે પ્રેકટીસ કરી ચુકી હતી. વળી તે જ શહેરમાં પરણી હતી એટલે તેની ડીસ્પનેસરી પણ તે જ હતી. માત્ર ઘર બદલાયું. પણ જેવા લગ્ન થયા એટલે જે કોઈ નજીકના લોકો હતા તેમને ત્યાંથી કોઈ નીમન્ત્રણ પત્રીકા કે કંઈક ઓફીશીયલ લેટર આવે તેમાં લખ્યું હોય કૃત્તી પારેખ શાહ. શરુઆતમાં આ બાબતને તેણે નાની ગણીને અવગણના કરી પણ એક દીવસ તેના ફેમીલીફ્રેન્ડ તેવા અંકલનો ઈમેલ આવ્યો, જેમાં તેમણે કૃત્તી પારેખ શાહ લખ્યું હતુ. કૃત્તીએ નારાજ થઈ ગઈ. અંકલને ફોન કરીને નારાજગી પ્રકટ કરી કે મારી સરનેઈમ પારેખ છે તે તમે હું જન્મી ત્યારથી જાણો છો તો શા માટે હવે પાછળ શાહ લખવાનું? તો જવાબ મળ્યો, ‘પતીને માન આપવા માટે પતીની સરનેઈમ પાછળ લાગાવવી જોઈએ ને! ઐશ્વર્યા રાય બચ્ચન પણ તેમ કરે છે.’ કેમ, ઐશ્વર્યા કરે તે કાયદો બની જાય, બધાંએ તેનું પાલન કરવાનું હોય! કૃત્તીને સૌથી વધુ ગુસ્સો તે બાબતનો છે કે એરો ગેરો નથ્થુખેરો પણ તેની ખરેખર સરનેઈમ કંઈ છે તે જાણ્યા વીના કૃત્તી પારેખ શાહ કે કૃત્તી શાહ પારેખ તેમ લખીને ઓફીશીયલ કોરસ્પૉન્ડન્સ કરે; પણ તેના પતીદેવને આવા સરનેઈમના પ્રોબ્લેમ લગ્ન પછી નડતા નથી. બીકોઝ હી ઈઝ અ મેન?

લગ્ન પછી સ્ત્રી પતીની સરનેઈમને અપનાવો તો જ તમે પતીને માન આપો છો કે પ્રેમ કરો છો તે સાબીત થાય છે? ભલે નહીં જેવું પણ મંગલસુત્ર પહેરો તો જ તમે લગ્ન કર્યા છે તેનું સર્ટીફીકેટ તમને મળે? ઘણી સ્ત્રીઓ કહેતી હોય છે કે મારા પતી અને સાસરીયા ખુબ સારા છે એટલે હું તેમની સરનેઈમ મારી સરનેઈમની પાછળ લગાવું છું; પણ કોઈ પુરુષ તેમ કરે છે કે પત્ની મને ખુબ પ્રમે કરે છે કે તે ખુબ સારી છે એટલે હું તેની સરનેઈમ મારી સરનેઈમની પાછળ લગાવું? ધે ડોન્ટ નીડ ટુ શો બીકોઝ ધે આર મેન? કેમ પુરુષ કે સ્ત્રીને માપવાના માપદંડો માત્ર તેની જેન્ડર પરથી નક્કી થાય? શા માટે કોઈ વ્યક્તીને માત્ર તે માણસ છે તેમ ન માપવામાં આવે? કે પછી હવે સ્ત્રીઓ સ્વતન્ત્ર થઈ ગઈ છે અને સમાજમાં કયાંય કોઈ ભેદભાવ નથી થતા તેવું આપણે ગાઈ વગાડીને કહીએ છીએ; પણ અમલ કરવાનો આવે ત્યારે હતા ત્યાને ત્યાં જ. પેલી નીરમાની જાહેરાતમાં સ્ત્રીને પુરુષ સમોવડી કામ–કાજમાં દેખાડાય છે તેમ; પણ હજુ તેને નાનું નાનું મંગળસુત્ર પહેરવું પડે? નાની તો નાની બીંદી કરવી પડે? બબ્બે સરનેમઈ લાખવી પડે? બીકોઝ શી ઈઝ અ વુમન?

જેન્ડર ફ્રી શબ્દ તો બહુ સરસ છે પણ તેનો વાસ્તવીક અર્થ જીવનમાં ઉતારવો બહુ અઘરો છે. હજારો વર્ષથી ચાલી આવતી માનસીકતાને બદલવામાં સમય લાગે પણ ઘણીવાર સ્ત્રીને અન્યાય કરતા રીત–રીવાજોને ઘરમુળથી બદલવાના બદલે તેને સોફીસ્ટીકેશનનું નવું રુપ આપવું સમાજ માટે વધુ નુકસાનકારક સાબીત થાય તેમ બને. ખરેખર નાની બીંદી કે મગંલસુત્ર કે પછી સરનેઈમ બહુ મોટી વાત નથી; પણ મોર્ડન દેખાડાના નામે કે અમે મોર્ડન છીએ તેવું દેખાડવા માટેના ઓઠા હેઠળ આ બધું થાય તે ન ચલાવી લેવાય.

એક હાઈ એડ્યુકેટેડ–કરીયર ઓરીયેન્ટેડ યુવતી લગ્ન પછી પહેલીવાર મળવા આવી અને તેણે ઉપર મુજબનનું ડ્રેસીંગ એટલે કે નાની બીંદી, નહીં જેવું મંગલસુત્ર સાથે જીન્સ–ટી શર્ટમાં જોઈ ત્યારે નીરમાની એડ યાદ આવી. પુછયું, ‘આ બધાં શણગાર શા માટે?’ જવાબ મળ્યો, ‘મને તો બહુ ગમે છે. એટલે કરું છું.’ કેમ કોઈ પુરુષને લગ્ન પછી તેમ કરવાનું મન નથી થતું? ઈટ્સ ઑલ અબાઉટ જેન્ડર જીન્સ? કે પછી એડ્યુકેશન આપણી માનસીકતા બદલી શકયું નથી?

રેડ ચીલી

Education is an ornament in prosperity and a refuge in adversity

Aristotle

– કામીની સંઘવી

લેખીકા સમ્પર્ક :

કામીની સંધવી, D – 804, New Suncity Aptt., B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat – 395 009 સેલફોન :  94271 39563 ઈ.મેઈલ : kaminiparikh25@yahoo.in  આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર…

‘મુમ્બઈ સમાચાર’  દૈનીક, મુમ્બઈ તા. 3 એપ્રીલ, 2014ની ‘લાડકી’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘દીલ કે ઝરોખોં સે’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘મુમ્બઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે બપોરે 2.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..  ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 06/10/2017

 

02

ઈલા હવે રડતી નથી..!

– દીનેશ પાંચાલ

આંખ રડે અને હૃદય રડે એ બે વચ્ચે ખાસ્સો  ફરક હોય છે. માણસ કાંદા કાપે ત્યારે આંખ રડે છે; પણ ઘરમાં કાંદા ખરીદવાના ય પૈસા ના હોય ત્યારે હૃદય રડે છે. હમણાં હૃદયના રુદનના સાક્ષી બનવાનું થયું. વાત ઈલા અને અરુણની છે. નામ કાલ્પનીક છે પણ ઘટના સાચી છે. એમની જીન્દગીની વાત એક લઘુકથા જેટલી ટુંકી છે. સંસાર છોડી સાધુ બની જતાં માણસોની આપણને નવાઈ નથી પણ આ કીસ્સો જરા જુદો છે. બન્નેને પ્રેમ થયો. વડીલોની સમ્મતીથી બન્ને પરણ્યા. દાંપત્યના મધુર દાયકા દરમીયાન બે મજાના બાળકો થયા. બીજાં સાતેક વર્ષ એવાંજ આનન્દમાં વીતી ગયા. સંસારમાં ક્યાંય કોઈ દુઃખ નહોતું. બધું ઠીકઠાક ચાલતું હતું; પણ સત્તરમે વર્ષે અરુણને કોણ જાણે શાથી સાધુ બનવાનું ઘેલુ લાગ્યું. એક દીવસ એણે પત્નીને કહ્યું, ‘આપણું સહજીવન પુરું થયું. હું સંસાર ત્યાગી સાધુ બનવા માગું છું. તું રજા આપ…!’ ને પત્નીએ રજા આપી.

આ– ‘તું રજા આપ’ અને ‘પત્નીએ રજા આપી’ એ બે વાક્ય વચ્ચે અહીં માત્ર એક સેન્ટીમીટરની જગ્યા છે; પણ એમના અસલી જીવનમાં પુરા છ મહીનાનું રડારોળભર્યું અન્તર હતું. છ મહીનાની એકધારી સમજાવટ, વીનન્તી, આજીજી, કાકલુદી, આક્રન્દ વગેરે પછી પણ અરુણ એકનો બે ના થયો ત્યારે ઈલાએ ના છુટકે રજા આપવી પડી. અરુણ ધામધુમીપુર્વક સાધુ બન્યો. કહે છે ઈલા ત્યારબાદ કદી રડી નથી. અરુણને પ્રણામ કરી એણે વીદાય આપી. છોકરાઓ પાસે હાથ જોડાવ્યા.

અરુણના ગયા પછી ઈલાને ઘણી તકલીફ પડી. અરુણ પાસે ખાસ મીલકત હતી નહીં. બલકે થોડું દેવું હતું. પરણીને આવી ત્યારે ઈલા પાસે પાંચ આંકડાના પગારવાળી સુંદર નોકરી હતી. લગ્ન બાદ અરુણે તે પણ છોડાવી દીધી હતી. લગ્ન પુર્વે ઈલા રંગભુમીની નમ્બર વન અભીનેત્રી રહી હતી. બેસ્ટ એક્ટીંગના કોથળો ભરીને શીલ્ડ જીતી હતી; પણ લગ્ન બાદ અરુણે કહ્યું : ‘આ નાટક ચેટક છોડી દે. એમાં આપણી શોભા નથી!’ ઈલાએ તે પણ છોડવું પડ્યું. પોપટ ઉડી જતાં પુર્વે મેનાની બન્ને પાંખો કાપી ગયો હતો. ઈલાને પોતાના કરતાં છોકરાંઓના ભવીષ્યની મોટી ચીંતા હતી; પરન્તુ દુઃખોના દરીયા વચ્ચે પણ ઈલા ભારે સંઘર્ષ કરીને કાંઠે પહોંચી શકી.

ઈલા હવે રડતી નથી. તેણે આછી પાતળી નોકરી શોધી કાઢી છે. ઘરમાં ફ્રીઝ છે. ટીવી છે. સમાજની નજરમાં ઈલા સાધનસમ્પન્ન છે; પણ અમને તે પરવલ્લીની કપાઈ ગયેલી પુંછડીની જેમ તરફડતી દેખાય છે. એક દીવસ અમે એને પુછ્યું, ‘અરુણની યાદ આવે છે ખરી? તે અત્યારે ક્યાં છે?’ ઈલાએ ડુંસકા જેવા ટુંકા વાક્યમાં કહ્યું : ‘એ ખુબ પ્રેમાળ હતો… યાદ તો આવે જ…! અત્યારે ક્યાં હશે કોણ જાણે…; પણ દીલમાં તો છે જ.’ અમે પુછ્યું : ‘પણ એકાએક એનું એવું હૃદયપરીવર્તન શી રીતે થયું?’ ઈલાએ કહ્યું : ‘એકાએક કશું થયું નહોતું. બેએક વર્ષથી એ ધર્મ તરફ ખુબ ઢળ્યો હતો. હમ્મેશાં ઋષીમુનીઓના સમ્પર્કમાં રહેતો હતો. ધન્ધો બન્ધ રાખીને કથાઓ સાંભળવા જતો. ધર્મપુસ્તકો અને સત્સંગ, એ બેના અતી સહવાસથી એનું ચીત્ત ભમી ગયું હતું. મારું માનવું છે કે ધર્મ દ્વારા ઉપદેશાતી સંસારત્યાગની વાતોથી માણસ બગડી જાય છે. પતીને તેના સ્વજનોથી અલગ કરી દે એવા ધર્મમાં હવે મારી શ્રદ્ધા રહી નથી!’

ઈલા હવે બાળકો ખાતર જીવે છે. તે જીવી જશે. ઘણીવાર લાશ પણ (જીન્દગીના કોલ્ડ સ્ટોરેજમાં) લાંબુ જીવે છે. ઈલાની આંખોમાં આંસુ નથી. આંસુઓ વચ્ચે ઈલા ગોઠવાઈ ગઈ છે. પ્રશ્ન થાય છે એના જીવનની એવી સ્થીતી માટે કોણ જવાબદાર­– એનો પતી કે ધર્મ? કંઈક એવું સમજાય છે કે ધર્મએ જ્યારે જ્યારે જીવનવીરોધી ઉપદેશો આપી માણસને જીવનવીમુખ કરવાની કોશીષ કરી છે ત્યારે ધર્મ દ્વારા સમાજની બહું મોટી કુસેવા થઈ છે. એક પરણીત વ્યક્તીનો સાચો ધર્મ તેના પરીવારનું રક્ષણ કરવાનો હોય છે. મોક્ષના મોહમાં તે ધર્મગુરુઓનો ચઢાવ્યો સંસાર છોડી દેતો હોય તો તેનાથી મોટો અધર્મ બીજો એકે નથી. માણસને ન પરણવાની છુટ હોઈ શકે પણ પછી સંસાર છોડીને ભાગી છુટવાની છુટ કદી કોઈ ધર્મે આપવી જોઈએ નહીં. ટીકીટ લીધા પછી માણસ ગાડીમાં ના બેસે તે ગુનો નથી પણ 100 કી.મી.ની ઝડપે દોડતી ટ્રેનમાંથી ભુસકો મારે એ પાગલપણું કહેવાય.

ધર્મ મોક્ષ કે ઈશ્વરપ્રાપ્તીને નામે માણસના પલાયનવાદને પંપાળે છે. પ્રભુભક્તી  સંસારમાં રહીને ય કરી શકાય છે. આપણા મોટા ભાગના પ્રાચીન ઋષીમુનીઓ પરણેલા હતાં; પણ અહીં ભુલ એ થાય છે કે માણસ પ્રેમ કરે… પરણે… બાળકો પણ પેદા કરે  અને પછી સૌને છોડીને સાધુ બની જાય એ ઠંડે કલેજે કરાયેલા ખુન જેવો કાતીલ ગુનો છે. કોઈ ભગવાને કદી એવું કહ્યું નથી કે સંસાર છોડીને સાધુ થઈ જાઓ. સાધુ થનારાઓને મોક્ષ મળતો હશે કે નહીં તે ભગવાન જાણે પણ જીવનમાં અધવચ્ચે જેમને નીરાધાર છોડી દેવામાં આવે છે એમને તો પછી જીવતાં જીવત નર્કથી ય બદતર યાતના વેઠવી પડે છે.

દારુમાં ખુવાર થઈ જનારને આખો સમાજ ધીક્કારે છે; પરન્તુ ધર્મમાં ખુવાર થઈ જનારનો જયજયકાર થાય છે. દારુડીયાને સજા થાય છે; પણ સ્વજનોનો  ઠુકરાવી જેઓ સંસાર છોડી જાય છે તેમનો ધર્મ તરફથી જયજયકાર થાય છે. હયાત પતીએ વીધવા સમુ જીવન ગુજારતી પત્ની કરતાં દારુડીયાની પત્ની વધુ સુખી ગણાય. કેમકે દારુડીયો રાત્રે ઘરે તો આવે છે. સાધુ પોતે બેઘર થઈને તેના સ્વજનોને પણ બેઘર કરતો જાય છે. દારુના નશાનો એક મોટો ફાયદો એ છે કે તે ઉતરી જાય છે. ધર્મનો નશો ઉતરતો નથી.

ઈલા– અરુણની ઘટના સમાજ સામે કેટલાંક પ્રશ્નો ઉભાં કરે છે. પરણ્યા પછી સન્યાસ લેવાની વાતને જેઓ ધર્મના નામે બીરદાવે છે તેમને ઈલા વતી અમે થોડાં પ્રશ્નો પુછીએ છીએ :

પ્રશ્ન (1) : માણસ પોતાની સાંસારીક જવાબદારીઓ છોડીને દુનીયામાં અહીંતહીં ભટકતો રહે એવા ધર્મનો સરવાળે માનવજાતને શો ફાયદો થાય છે?  (દુનીયાના સૌ સંસારીઓએ એ માર્ગે ચાલ્યા હોત તો દુનીયાનો જે વીકાસ થયો છે તે થઈ શક્યો હોત ખરો? દુનીયાના બધાં વીજ્ઞાનીઓ સાધુ થઈ ગયા હોત તો આટલી શોધો થઈ છે તે થઈ હોત ખરી?)

પ્રશ્ન (2) : પત્નીને છોડી જતો માણસ સંભવતઃ ધર્મના વૈચારીક ઝનુનથી પોતાની જાતીય જરુરીયાત પર કાબુ રાખી શકે પણ તેની જુવાન પત્નીનું શું? તેની માનસીક જરુરીયાતનું શું? પતીને વૈરાગ્ય જન્મે તે ભેગી જ પત્નીની જાતીય જરુરીયાત આપોઆપ બન્ધ થઈ જાય એવું બની શકે ખરું?  એવી પત્નીએ કયા અપરાધની સજારુપે સંયમની સજા વેઠવી પડે છે? આવી સ્ત્રીઓનો પગ ક્યાંક લપસ્યો તો સમાજ તેને ક્ષમા કરશે ખરો?

પ્રશ્ન (3) : પીતાનો આધાર ગુમાવી ચુકેલા બાળકોનો જરુરી વીકાસ ના થઈ શકે અથવા તેઓ ગુનાની અન્ધારી દુનીયામાં ધકેલાઈ જાય તો એની જવાબદારી કોની?

પ્રશ્ન (4) : લગ્નવેળા બ્રાહ્મણો સપ્તપદીના શ્લોક બોલે છે. તેનો અર્થ એ થાય છે કે પતી માત્ર પત્નીના ભરણપોષણ માટે જ નથી હોતો. એના સમગ્ર જીવનના સુખદુઃખનો સાથી હોય છે. પત્ની તેનું સમગ્ર જીવન પતીને સમર્પીત કરી દે છે. એવી પત્ની પાસેથી તેનો પતી છીનવાઈ જાય છે તે માટે જવાબદાર કોણ? કોઈ પતી પોતાની પત્નીનું ભરણપોષણ ન કરતો હોય તેવા સંજોગોમાં કોર્ટ તેને ભરણપોષણનો ખર્ચ ચુકવવાનો હુકમ કરે છે. સાધુ બની જતા માણસ પર પત્ની એવો કેસ કરે તો કાયદો સાધુને સજા કરશે ખરો?

ઈલાની વ્યથાનો સાચો અન્દાજ પામવા માટે પરકાયા પ્રવેશની વીદ્યા વડે તેના જલતા જીગરમાં પ્રવેશ કરીએ તો જ તેની ભીતરી તારાજીના સાચા આંકડા પ્રાપ્ત થઈ શકે. કહે છે પતીઓથી દુર ફેંકાયેલી વીરહી નારીઓના આંસુઓનો હીસાબ તેના ઓશીકા પાસે હોય છે. છતે ધણીએ વૈધવ્ય ભોગવતી ઈલાની વ્યથા જાણવાના ઉપાયરુપે ઈલાના ઓશીકાનો ઈન્ટરવ્યુ લઈ શકાય; પરન્તુ કદાચ ઓશીકું ય કહી દેશે : ‘ઈલા હવે રડતી નથી! રુદન ઈલાના અસ્તીત્વમાં ઓગળી ગયું છે!’ 

– દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ‘ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત 395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/–)માંનો આ દ્વીતીય લેખ, પુસ્તકનાં પાન 11થી 15 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત(ભારત) સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે બપોરે 2.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

(તસવીર સૌજન્ય : સંદેશ દૈનીક)

નાગાબાપુનો ચમત્કાર

– રમેશ સવાણી

“રુડી! તું રોજે નાગાબાપુની ઝુંપડીએ કેમ જાય છે?”

“તમને વાંધો છે? મને ત્યાં શાંતી મળે છે!”

“ઘરમાં શાંતી નથી મળતી?”

“ના!”

“હું કહું છું કે તારે બાપુની ઝુંપડીએ જવાનું નથી, સમજી?”

“ઘરમાં મને સુનું સુનું લાગે છે. લગ્ન થયાને પાંચ વર્ષ થયાં. પગલીનો પાડનાર નથી. છોકરા હોય તો ઘરમાં ગમે! નાગાબાપુએ સણોસરાના એક બહેનને આશીર્વાદ આપ્યા હતા, એને જોડીયા બે છોકરા થયા! હું તો બાપુની ઝુંપડીએ રોજ જવાની!”

રુડીની ઉમ્મર પાંત્રીસ વર્ષની હતી. પતી સાથે તે પાંચ વરસથી રહેતી હતી. ગામમાં કાનજીભાઈની વાડી હાઈવે ટચ હતી. આ વાડીના એક ખુણે નાગાબાપુ ઝુંપડી બાંધીને બે વર્ષથી રહેતા હતા. એની ઉમ્મર પચાસ વર્ષની હતી. તાલુકાના ગામડાઓમાં નાગાબાપુની સુવાસ ફેલાયેલી હતી! 1971માં પાકીસ્તાન અને બાંગ્લાદેશની લડાઈ વખતે નાગાબાપુ નાગાલેન્ડમાં હતા. ત્યાં યોગસાધના કરી, તેથી તારીખ 16 ડીસેમ્બર, 1971, નેવું હજાર પાકીસ્તાની સૈનીકોને, બાંગ્લાદેશમાં ભારતીય સૈન્ય સમક્ષ સરેન્ડર થવું પડયું હતું! નાગાબાપુ આ વાત સૌને વારંવાર કહેતા હતા. લોકો નાગાબાપુને અહોભાવથી તાકી રહેતા!

રુડી બાપુ માટે દુધ લઈને કાયમ ઝુંપડીએ જતી. કાનજીભાઈની 14 વર્ષની દીકરી સમજુ પણ બપોરે અને સાંજે ટીફીન લઈને ઝુંપડીએ જતી. બાપુની ઝુંપડીએ સેવા–ચાકરી માટે ભોળા ભક્તજનોની લાઈન લાગતી! નાગાબાપુ હવામાં હાથ વીંઝતા અને ખાલી હથેળીમાંથી કંકુ ખરતું! ક્યારેક ભભુતી ખરતી! દીવસે–દીવસે નાગાબાપુના ભક્તજનોની સંખ્યા, કુદકે ને ભુસકે વધતી જતી હતી! નાગાબાપુ માત્ર લંગોટી પહેરતા. આ ત્યાગભાવનાને કારણે નાગાબાપુ લોકોમાં પ્રીય થઈ ગયા હતા!

દરમીયાન એક દીવસ નાગાબાપુ ઝુંપડીએથી નીકળી રોડ ઉપર જતા હતા, ત્યાં રાજકોટ તરફથી એક જીપ સડસડાટ આવી, તેમને ટક્કર મારી પછાડી દીધા. બાપુના જમણા પગે ફેકચર થયું. બાપુએ ડૉકટર પાસે સારવાર લીધી, પગે પાટો બંધાવ્યો. પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો.

જીપ કો–ઓપરેટીવ બેંકની હતી અને તેમાં બ્રાન્ચ મેનેજર સુધીરભાઈ હતા.

બાપુના પગે પાટો આવ્યો એટલે રુડી સાથે રણછોડ ભરવાડ પણ બાપુની ખબર કાઢવા ઝુંપડીએ ગયો. રણછોડે પુછયું : “બાપુ! પગ ભાંગવાનું કારણ?”

“બન્દર! અકસ્માત!” બાપુ પુરુષને બન્દર અને મહીલાને બન્દરીયા કહીને જ બોલાવતા હતા! બાપુ હીંદીમાં બોલતા અને ગુજરાતી સમજતા હતા.

“તમે ચમત્કારીક છો. જીપ ટક્કર મારશે, એની ખબર તમને કેમ ન પડી? તમારો પગ કેમ ભાંગ્યો? તમે રુડીને ડૉક્ટર પાસે જવાનીના પાડો છો, અને તમે ડૉક્ટર પાસે સારવાર કેમ કરાવી?”

કરશભાઈએ કહ્યું : “બાપુ! તમારી યોગસાધનાને કારણે નેવું હજાર પાકીસ્તાની સૈનીકો ભારતને શરણે આવ્યા! તમારો પગ ભાંગનાર જીપચાલક અને બ્રાન્ચ મેનેજર સુધીરભાઈને તમે જવા કેમ દીધા? અકસ્માતવાળી જગ્યાએ એને પછાડી કેમ ન દીધા?”

“બાપુ! તમે ચમત્કાર કરો!” રણછોડ અને બીજા ભક્તોએ હઠ પકડી.

બાપુએ એક કુકડો મંગાવ્યો, પછી કહ્યું : “દેખો. યહ ચમત્કાર! મૈંને કુકડે પે મારણવીદ્યા કીયા હૈ, કુકડે કા પંખ કાટુંગા તો મેનેજર કા હાથ કટ જાયેગા! કુકડે કા પૈર કાટુંગા તો ઉસકા પૈર કટ જાયેગા! કુકડા મરેગા તો મેનેજર નરક મેં જાયેગા!”

ભક્તજનો હચમચી ગયા! રણછોડે કહ્યું : “બાપુ! કુકડાને છોડી મુકો. મેનેજર બ્રાહ્મણ છે. બ્રાહ્મણની હત્યા થાય એવું અમે ઈચ્છતા નથી!”

રુડીએ પણ કુકડાને છોડી મુકવા બાપુને વીનન્તી કરી; પણ બાપુ મક્કમ હતા. વાત મેનેજર સુધી પહોંચી. તેમની ઉંઘ હરામ થઈ ગઈ. વાત ફરતી ફરતી ગાંધીનગર મુખ્યમન્ત્રી સુધી પહોંચી. મેનેજરને બચાવી લેવા નેતાઓ નાગાબાપુની ઝુંપડીએ પહોંચ્યા. બાપુને સમજાવ્યા. બાપુએ કહ્યું : “નેતાજી! મેનેજર કો દંડ ભોગના હી હોગા! અગર વો હમે પચાસ હજાર રુપીયા દે, તો હમ કુકડે કો છોડકર મારણવીધી વાપસ લેતા હૈ!”

મેનેજર પાસે પચાસ હજાર રુપીયા ન હતા. બીજી કોઈ રીતે બાપુ માને તેમ ન હતા. મેનેજર ખુબ જ ગભરાઈ ગયા. માળા જપવા લાગ્યા! અન્ત નજીક હોવાથી ધાર્મીક વીધી શક્ય હોય તેટલી કરી લેવાની કામગીરીમાં તે ગુંથાઈ ગયા!

પાલીતાણામાં ચતુરભાઈ ચૌહાણ ચમત્કાર ચકાસણી કેન્દ્ર ચલાવતા હતા, તેના ધ્યાને આ ઘટના આવી. ચતુરભાઈએ તરત જ મેનેજરનું પગેરું મેળવ્યું. તેમને મળીને કહ્યું, “સાહેબ! તમે ચીંતા છોડો. તમારે કંઈ જ કરવાની જરુર નથી!”

“કેમ?”

“જુઓ. હું તમારા માટે મરવા તૈયાર છું! હું નાગાબાપુની મારણવીદ્યા મારી ઉપર લેવા તૈયાર છું!”

મેનેજરનો જીવ હેઠો બેઠો. એને પરમ શાંતી થઈ. એનામાં થોડી હીમ્મત પ્રગટી!

ચતુરભાઈ નાગાબાપુની ઝુંપડીએ પહોંચ્યા, કહ્યું : “બાપુ! મૈં પત્રકાર હું. અમદાવાદ સે આયા હું.”

“તુમારા નામ?”

“બાપુ! મેરા નામ ચતુર હૈ. બાપુ! મુઝે કોઈ ચમત્કાર દીખાઓ!”

“ચતુરજી! તુમ ચમત્કાર નહીં દેખ પાઓગે. તેરી ચમડી ફટેગી! ખુન બહેગા! જીસ કી મૈંને સાધના કીયા હૈ, વહ ભુત સાકાર હોગા! તેરી જીન્દગી ખતરે મેં પડ જાયેગી!”

“બાપુ! મુઝે ચમત્કાર દેખના હૈ. ભલે મેરી જાન ચલી જાય!”

“અચ્છા. રાત કો ઢાઈ બજે મેરી ઝુંપડી મેં આના!”

“બાપુ! મૈં  ચમત્કાર દેખે બીના મૈં યહા સે જાના નહીં ચાહતા હું.”

નાગાબાપુનો પીત્તો ગયો! રુડીબેન અને સમજુ બેઠાં હતાં છતા બાપુ ભયંકર ગાળો બોલવા લાગ્યા. ભક્તજનોએ બાપુને આજીજી કરી : “બાપુ! શાંત થાવ! ચતુરભાઈને એકાદ ચમત્કાર બતાવી દો એટલે તે અહીંથી જતા રહેશે!’’

ચતુરભાઈએ કહ્યું : “બાપુ! મેરા ચમત્કાર દેખના હૈ?”

“દીખાઓ!”

ચતુરભાઈએ હવામાં હાથ ફેરવ્યા પછી જમણા હાથની મુઠ્ઠીમાં ફુંક મારી અને મુઠ્ઠી ખુલ્લી કરી ત્યાં હથેલીમાંથી કંકુ ખર્યું! ભક્તજનો ચતુરભાઈને તાકી રહ્યા! ચતુરભાઈએ કહ્યું : “ભક્તજનો મોટો ચમત્કાર એક અઠવાડીયામાં તમને જોવા મળશે!”

ચતુરભાઈસોનગઢ, આંબલા, સણોસરા, ઈશ્વરીયા વગેરે ગામોમાં ચમત્કારથી ચેતો કાર્યક્રમ હેઠળ ચમત્કારનો પર્દાફાશ કરી જબરજસ્ત જાગૃતી કેળવી! સાતમા દીવસે ચમત્કાર થયો! નાગાબાપુ ઝુંપડીમાંથી અદૃશ્ય થઈ ગયા! ચતુરભાઈના કહેવાથી રુડીબેને સારવાર કરાવી અને વર્ષ પછી તે એક પુત્રની માતા બની!

ચમત્કાર વીના નમસ્કાર નથી,

પરન્તુ ચમત્કાર એટલે શું?

આપણા સમાજમાં વર્ષો જુની કહેવત છે, ચમત્કાર વીના નમસ્કાર નહીં! એનો ભાવાર્થ એવો છે કે જ્યાં સુધી શક્તીનો પરચો ન બતાવીએ ત્યાં સુધી સામેવાળો આપણી શક્તીને માન આપતો નથી. આપણે એના શબ્દોને પકડી લીધા હોય એમ દરેક વાતે ચમત્કારની આશા અને આગ્રહ રાખીએ છીએ. આપણને ન સમજાય એ રીતે કશુંક થાય તો એને આપણે ચમત્કાર માની લઈએ છીએ. સ્ટેજ પર શો કરનારા જાદુગરો હાથચાલાકી કરવામાં નીષ્ણાત બની જાય છે. પછી આપણી નજર સામે આપણે માની કે સમજી ન શકીએ એવા ખેલ કરી બતાવે છે. એ લોકો પ્રમાણીક હોય છે એટલે કહેતા રહે છે કે આમાં કોઈ ચમત્કાર નથી, માત્ર હાથચાલાકી છે. તમારી નજર ન પકડી શકે એવી ઝડપથી અને કરામતથી અમે કામ કરી લઈએ છીએ.

આપણી આંખ માત્ર 15 ટકા દૃશ્ય જુએ છે. એટલે જ્યાં ધ્યાન હોય એટલું 15 ટકા દૃશ્ય બરાબર દેખાય છે. બાકીનું દૃશ્ય આપણું મગજ કલ્પનાથી ભરી આપે છે. એટલે આપણને ઝડપથી ચાલાકીપુર્વક કરેલું કામ દેખાતું નથી. માત્ર પરીણામ જોવા મળે છે. એને જાદુ કહીએ તો વીજ્ઞાન છે અને ચમત્કાર કહીએ તો તે અન્ધશ્રદ્ધા છે. હા, શ્રદ્ધામાં માત્ર એક જ વીવેકભાન રાખવું જોઈએ કે સમગ્ર માનવજાતીના કલ્યાણની વાત ન હોય ત્યાં સુધી કહેવાતા ભગવાનના કોઈ અવતારે પણ ચમત્કાર નથી કર્યા. તો કોઈ કાળા માથાનો માણસ નાની નાની વાતે ચમત્કાર શી રીતે કરી શકે?

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર પગેરું(30, નવેમ્બર, 2016)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile : 99099 26267  e.Mail : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે બપોરે 2.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

 

01

 

ધાર્મીક ભ્રષ્ટાચાર

હમણાં એક સરકારી ઑફીસમાં દાખલો કઢાવવા જવાનું થયું. એવા ધક્કે ચઢ્યા કે સાવ નાખી દેવા જેવા કામમાં પુરા ચાર કલાક બગડ્યા. કર્મચારીઓની અન્દરોઅન્દરની વાતચીત પરથી એટલો ખ્યાલ આવ્યો કે દાખલો કાઢી આપવાનું કામ કરતા મી. ગાંધી નામના સજ્જન ચાલુ ઑફીસે સત્યનારાયણની કથા સાંભળવા ગયા હતા. એ ગાંધીભાઈ જલદી પાછા આવી જાય એવી અમે સત્યનારાયણને પ્રાર્થના કરી પણ વ્યર્થ…!!! અમેરીકાથી પધારેલા એક મીત્ર અમારી સાથે હતા. ચાલુ નોકરીએ કથા સાંભળવાની સરકારમાન્ય સુવીધા નીહાળી તેઓ હીઝરાતાં હૈયે બોલ્યા, ‘અમારે ત્યાં તો ઑફીસે પાંચ મીનીટ મોડા પહોંચો તોય પગાર કાપી લે છે!’ સમજો તો દીવા જેવી ચોખ્ખી વાત છે. માણસના રોજીન્દા કામોમાં રુકાવટ લાવે એવી ભક્તી માણસે મનસ્વીપણે ઉભી કરી છે. આપણે એને ધાર્મીક ભ્રષ્ટાચાર કહી શકીએ. દુનીયાનો કોઈ પણ ધર્મ કદી ચાલુ ઑફીસે કથા સાંભળવા જવાનું કહેતો નથી. ખુદ ભગવાનને પણ માણસની એવી ભક્તી સામે ખાસ્સો વાંધો હશે પણ એનું કોણ સાંભળે? હજી આગળ સાંભળો. બેંકમાં એક માણસ ડ્રાફટ કઢાવવા ગયો. ડ્રાફટ લઈને એણે તુરત ગાડી પકડવાની હતી. બાજુના ક્લાર્કે કહ્યું, ‘વાર લાગશે, ડ્રાફટ લખનાર ભાઈ નમાઝ પઢવા ગયા છે.’ પેલા બીરાદર નમાઝ પઢીને આવ્યા ત્યાં સુધી ગ્રાહકે તેની આતુરતાભરી પ્રતીક્ષા કરી પણ ગાડી તો નીકળી જ ગઈ.

સત્ય એ છે કે પ્રત્યેક માણસ માટે કર્તવ્યથી મોટો ધર્મ બીજો એકેય નથી. ખુદાની બન્દગી કે પ્રભુની પુજાનો વાંધો ના હોઈ શકે; પરન્તુ તે કામ નોકરી ધન્ધાના ભોગે તો ના જ કરવાનું હોય. એવી અશીસ્તભરી ભક્તીથી ગ્રાહકો ખુબ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. જરા વીચારો, એક પારસી ડૉક્ટર ઑપરેશન અધુરું મુકી અગીયારીમાં લોબાન–સુખડ ચઢાવવા જાય તો દરદીની શી હાલત થાય? એક હીન્દુ પાયલોટ ચાલુ વીમાને રામની માળા જપવા બેસે તો એવી ભક્તીથી રામચન્દ્રજી રાજી થાય ખરા? કોઈ જૈનબન્ધુ બસડ્રાઈવર હોય અને માર્ગમાં જ્યાં જ્યાં દેરાસર નજરે પડે ત્યાં બસ થોભાવીને દર્શને જાય તો પેસેન્જરોને તે પરવડે ખરું? વીકસીત દેશોની પ્રજા ધર્મ પાછળ સમય બગાડતી નથી. તેઓ કામને જ પુજા ગણે છે. સરદાર વલ્લભભાઈ પટેલ અદાલતમાં કેસ લડતા હતા તે સમયે તેમની માતાના મૃત્યુના સમાચાર મળ્યા; પરન્તુ સહેજ પણ અસ્વસ્થ થયા વીના તેમણે છેવટ સુધી વકીલાત ચાલુ રાખી અને કેસ જીત્યા ય ખરા. દરેક માણસ  સરદાર પટેલ જેવી કર્તવ્યનીષ્ઠા અને એકાગ્રતા દાખવે તો જીવનમાં તેના સારાં પરીણામો જરુર પ્રાપ્ત થઈ શકે; પરન્તુ આપણી તો ભક્તીય ભંગાર અને બન્દગીય બોગસ… એવી તકલાદી ભક્તીના વધુ એક બે દાખલા જોઈએ.

વીતેલા ગણેશોત્સવ વખતે એક પ્રસંગ બન્યો હતો  ગણેશમંડળના થોડાંક જુવાનીયાઓ મુર્તી ખરીદવા ગયા. બન્યું એવું કે પૈસા પરત કરવામાં મુર્તીવાળાથી એક ભુલ થઈ. પૈસા પરત કર્યા તેમાં સો રુપીયા સમજીને પાંચસોની નોટ અપાઈ ગઈ. થોડે ગયા ત્યાં ખ્યાલ આવ્યો કે મુર્તીવાળાએ ભુલથી ચારસો રુપીયા વધારે આપી દીધા છે. જેવી એ વાતની ખબર થઈ કે બધાં યુવાનો ગેલમાં આવી ગયા. એકાદને ય એવો વીચાર ના આવ્યો કે ગરીબ મુર્તીવાળાને ચારસો રુપીયા પરત કરી દઈએ. એક બે તો હરખના માર્યા ચીલ્લાઈ ઉઠયા– ‘ગણપતીબાપ્પા મોરીયા…!’ (અમારા બચુભાઈ હોત તો જવાબ આપ્યો હોત– ‘ને ચારસો રુપીયા ચોરીયા…!’)

ધરમકરમવાળા આ દેશમાં ભગવાનના સોદામાંય લોકો આવી લુચ્ચાઈ આદરે છે ત્યાં બૉફોર્સના તોપસોદાની શી વીસાત? થોડા વખત પરની એક બીના સાંભળો. એક મુસ્લીમ મીકેનીકે એક માણસનું સ્કુટર રીપેર કરતી વેળા તેમાંથી નવી કોઈલ કાઢી લઈને જુની નાંખી આપી. સ્કુટર માલીકે ઝઘડો કર્યો અને પોતાની નવી કોઈલની માંગણી કરી. મીકેનીકે કહ્યું : ‘અમારા રોજા ચાલે છે. રોજામાં અમે થુંક પણ ગળતા નથી તો ધન્ધામાં જુઠું શું કામ બોલીએ? મેં તમારી કોઈલ બદલી જ નથી!’ પેલા સ્કુટરચાલકે ભારે મનદુઃખ સાથે વીદાય લીધી. ચારેક દીવસ બાદ બન્યું એવું કે એના ભાઈના સ્કુટરની કોઈલ ફેઈલ થઈ ગઈ અને યોગાનુયોગ એજ મીકેનીક પાસે તે ગયો. એ મીકેનીકે પેલી ચોરી લીધેલી કોઈલ નાંખી આપી અને પૈસા ઉપજાવી લીધા. (થયેલું શું કે કોઈલ પર પેલા મુળ માલીકે રંગ વડે નીશાની કરી હતી એથી તુરત ઓળખી ગયા કે આ એમની જ કોઈલ છે) આ દેશમાં ધર્મના ઓથે ઠગાઈ ઉદ્યોગનો ખાસ્સો વીકાસ થયો છે. છળકપટ કોઈ કોમનો ઈજારો નથી. માનવીના પ્રપંચો સમ્પુર્ણ બીનસાંપ્રદાયીક રહ્યાં છે. દગાબાજી, વીશ્વાસઘાત, કે લુચ્ચાઈને હીન્દુત્ત્વ કે મુસ્લીમત્ત્વ સાથે કોઈ પક્ષપાત નથી હોતો.

હવે એક સ્ટવ રીપેર કરનાર હીન્દુ માણસનો દાખલો જોઈએ. સ્ટવનું ફક્ત વૉશર બદલવાનું હતું. સ્ટવમાં બીજી કોઈ ખરાબી હતી નહીં. ‘એક ઢાંકણીમાં થોડું તેલ લઈ આવો’ એવું કહી સ્ટવવાળાએ પત્નીને રસોડામાં મોકલી અને તે દરમીયાન પમ્પનો વાલ્વ બદલી તુટેલો વાલ્વ નાંખી દીધો. પછી કહ્યું : ‘જુઓ પમ્પમાં કેરોસીન આવે છે. વાલ્વ તુટેલો છે. બદલવો પડશે!’ મીત્રએ જોયું કે સ્ટવવાળો લુચ્ચાઈ પર ઉતર્યો છે એથી ધમકાવ્યો. પેલાએ કહ્યું : ‘હું નાગદેવતાનો ભક્ત છું…! હું ધન્ધામાં કદી જુઠું બોલતો નથી!’ કહી એણે હાથ પર ચીતરેલો નાગ બતાવ્યો. મીત્રે એને મારવા લીધો. અને પોલીસમાં પકડાવવાની ધમકી આપી. ત્યારે તેણે કરગરી પડતાં માફી માગી અને વાલ્વ બદલ્યો હોવાનું કબુલ્યું.

બચુભાઈ કહે છે, ‘માણસના ચારીત્ર્ય પર પડેલા બેઈમાનીના ડાઘ ધર્મના સાબુથી ધોઈ શકાતાં ના હોય તો એવા ધર્મનો ફાયદો શો? રોજામાં થુંક ગળાઈ જાય તો પાપ લાગે એમ માનતો મુસ્લીમ આખેઆખી કોયલ ગળી જાય તોય તેના રોજા અખંડ રહે છે. એક હીન્દુ નાગદેવતાનો ભક્ત હોવાનું ગર્વ લે છે, પણ ધન્ધામાં નાગની જેમ ગ્રાહકને ડંખ મારે છે ત્યાં તેનો ધર્મભંગ થતો નથી. બધાં જ હીન્દુ–મુસ્લીમો એવાં હોતાં નથી. પણ ઘણા લોકો સગવડીયો ધર્મ પાળે છે. તેઓ ધર્મ પણ પાળે છે અને તક મળતાં બેઈમાની પણ આચરી લે છે. ધર્મને એવા માણસોએ ખુબ બદનામ કર્યો છે.’ 

એકવાર અમે એક દૃશ્ય જોયું હતું. એક બ્રાહ્મણના નાના છોકરાએ ધુળનો ઢગલો કરી તેમાં પેશાબ કર્યો અને તપેલીમાં કડછી વડે શાક હલાવે તેમ જનોઈ વડે તેમાં હલાવવા લાગ્યો. એ દૃશ્ય જોઈ મને વીચાર આવ્યો– માણસે ધર્મ જોડે આ નાદાન છોકરા જેવું જ અળવીતરું કર્યું છે. જનોઈ બાપડીનો પનારો નાદાન છોકરા જોડે પડ્યો. નાદાનકી દોસ્તી ને પેશાબમાં સ્નાન…!

શ્રદ્ધાળુ માણસો ધર્મની ટીકા સાંભળી છંછેડાઈ ઉઠે છે; પણ વાસ્તવીક્તા એ છે કે ધર્મને માણસે પેશાબતુલ્ય બનાવી મુક્યો છે. ધર્મ અને ભગવાનના માથા પર સૌથી વધુ હથોડા ધાર્મીકોએ માર્યા છે. માણસે ધર્મ અને ભગવાન બન્નેને રાતા પાણીએ રડાવ્યા છે. એક વડીલે હીન્દુનો દાખલો આપતાં કહ્યું, ‘એ માણસ રોજ વહેલો ઉઠીને મન્દીરે જાય. ભાવથી પ્રભુપુજા કરે; પણ પાછા આવતી વેળા એની કાકીના ઘર પર એકાદ બે પથ્થરો મારતો આવે. (કાકી જોડે એને કોઈ મીલકત વીષયક મનદુઃખ હતું) એ જે હોય તે પણ કોઈ પણ શાણો હીન્દુ પુજા અને પથ્થરના આ અધમ કક્ષાના ગઠબન્ધનને આવકારી શકે ખરો? કોઈ ચુસ્ત મુસ્લીમ ત્રણ વાર નમાઝ પઢતો હોય, રોજ કુરાનેશરીફ વાંચતો હોય; પણ ત્યારબાદ આતંકવાદીઓના શસ્ત્રગોડાઉનનું મેનેજીંગ કરતો હોય તો અલ્લાહ તો દુર શાણા મુસ્લીમો ય તેને ટેકો આપે ખરાં?

એટલું ખાસ યાદ રાખવા જેવું છે. શીક્ષણ મેળવ્યા પછી માણસ શું બની શકે છે તેમાં શીક્ષણની ઈજ્જત રહેલી છે. તે રીતે ધર્મનું પાલન કર્યા પછી માણસ કેવો વ્યવહાર કરે છે તેમાં તેના ભગવાનની ઈજ્જત રહેલી છે. ચાલો આપણે જીવનમાં ધર્મનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને આપણાં ભગવાનની ઈજ્જતની રક્ષા કરીએ. 

– દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ‘ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત 395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ પ્રથમ લેખ, પુસ્તકનાં પાન 09થી 11 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકનાં અન્ય પુસ્તકો :

(1) ‘જીવન સરીતાને તીરે’ (2) ‘ચાલો, આ રીતે વીચારીએ!’ અને (૩) ‘ધુપછાંવ’ એ પ્રથમ ત્રણ પુસ્તકો સુરતના સાહીત્ય સંગમ, ગોપીપુરા, સુરત – 395 003 (સેલફોન : 98251 12481 વેબસાઈટ : www.sahityasangam.com  ઈ.મેઈલ  : sahitya_sankool@yahoo.com )  તરફથી પ્રકાશીત થયાં છે. એક પુસ્તક ‘મનનાં મોરપીંછ’ (પુરસ્કૃત) ઈમેજ પબ્લીકેશન્સ પ્રા. લી., (199/1, ગોપાલ ભુવન, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુમ્બઈ – 400 002 ફોન : (022) 2200 2691 વેબસાઈટ : www.imagepublications.com  ઈ.મેઈલ : info@imagepublications.com) તરફથી પ્રગટ થયું છે. એક પુસ્તક ‘જીવનસરીતા’ અમદાવાદના  નવભારત સાહીત્ય મંદીર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 (ફોન : (079) 2213 2921  વેબસાઈટ : www.navbharatonline.com  ઈ.મેઈલ : info@navbharatonline.com )   અને બાકીનાં નવ પુસ્તકો (1) ‘શબ્દોનો સ્વયંવર’ (2) ‘ઉરે ઉગ્યો અરુણ’ (3) ‘બોલો, ઈશ્વર છે કે નથી?’ (4) ‘સ્ત્રી : સંસારલક્ષ્મી’ (5) ‘તનકતારા’ (6) ‘અંતરના ઈન્દ્રધનુષ’ (પુરસ્કૃત(7) ‘હૈયાનો હસ્તમેળાપ’ (8) ‘ધરમકાંટો’ અને (9) ‘સંસારની સીતાર’ એ તમામ પુસ્તકો ગુર્જર ગ્રંથરત્ન પ્રકાશન, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 (ફોન : (079) 2662 0472/ 2214 4663 ઈ.મેઈલ : goorjar@yahoo.com ) તરફથી પ્રગટ થયાં છે.

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત(ભારત) સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 6.00 અને દર સોમવારે બપોરે 2.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 18–09–2017

 

રુપાલની પલ્લી

(ઘી ઢોળવું કે વાપરવું?)

(તસવીર સૌજન્ય : https://www.facebook.com/ActionsOfAhmedabad/)

–ડૉ. જેરામ જે. દેસાઈ

પીવાનું પાણી ભલે ન મળે, પરન્તુ;

અન્ધશ્રદ્ધાઓ ઘીની નદીઓ વહાવે છે.

       ગાંધી રંગે રંગાયેલા સ્વામી આનન્દ તેમના મરણોત્તરી પ્રકાશન ‘ઉત્તરપથયાત્રા’માં લખે છે :

‘આજનો આધુનીક હીન્દુ લંડન, ન્યુયોર્ક અને મોસ્કોની ખબરો રોજ સવાર–સાંજ વાંચે–સાંભળે છે. અમેરીકન તેમ જ યુરોપના દેશોની પ્રજાઓના પહેરવેશ, રીતરીવાજ, સામાજીક એટીકેટ તેમ જ તેમની ખામીઓ અને ખુબીઓનું અપ–ટુ–ડેટ જ્ઞાન ધરાવે છે. આજનો રાજકીય–શ્રેષ્ઠી કે સેવક રોજેરોજ પ્રજાકીય ઉત્થાનની મસમોટી યોજનાઓ ઘડે છે અને દુનીયાની પ્રજાઓનાં મહાજન મંડળોમાંને એલચી, પ્રતીનીધીઓ સમક્ષ આઝાદ હીન્દની શાન અને વટ સાચવવા સારું આંખમાં તેલ આંજી જાગતો રહે છે; પણ ઘર આંગણાના આપણા પ્રાંતો, પ્રદેશો, જાતીઓ અને કોમોની સામાજીક દુરવસ્થાનું, તેમના રીતરીવાજોનું કે તેમના દુ:ખદર્દોનું જ્ઞાન આપણામાંથી કેટલાંકને હશે? (પેજ : 169, પહેલી આવૃત્તી, 1980)

નવરાત્રી હોય કે ગણેશમહોત્સવ, હવે આ ઉત્સવોમાંથી સંસ્કૃતીનું તત્ત્વ ગોચર થતું નથી; પરન્તુ સંસ્કૃતીની જે કંઈ વીકૃતીઓ છે, તે નજરે પડે છે. ઉત્સવોનું વ્યાપારીકરણ થયું છે. ખોટા માણસો ધાર્મીકતાનો આંચળો ઓઢવા આવા આયોજનો ઉત્સાહથી હાથ પર લે છે અને આખું વર્ષ પોતાની અનૈતીક–અસામાજીક પ્રવૃત્તીઓ કરતા રહે છે. ધર્મમાં બેલેન્સનો ખ્યાલ લોકમાનસમાં ઘર કરી ગયો છે. તેથી ઘણું ખોટું કર્યા પછી યાત્રા કરવી, દાન કરવાં અને ધર્મશાળાઓ ખોલવી, એવું બધું કરે છે, જે સમાજની સ્વીકૃતી પણ પામે છે. કેટલાંક કેમીકલ્સ સાથેના રંગો આ મુર્તીઓ પર ચઢે છે અને તે મુર્તીઓ આપણી પ્રદુષીત થઈ ચુકેલી નદીઓને વધુ માત્રામાં પ્રદુષીત કરે છે. ધર્મના આતંકથી ડરીને, પર્યાવરણવાદીઓ પણ કદાચ કશું જ બોલતા નથી. પ્રત્યેક વર્ષે મુર્તી વીસર્જનમાં કેટલાંક માણસો પણ ધક્કામુક્કીમાં વીસર્જીત થઈ જાય છે.

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરથી માત્ર 15 કીલોમીટરના અન્તરે આવેલુ રુપાલ ગામ, પલ્લીને કારણે બધે જાણીતું છે. આ ગામમાં દર વર્ષે વરદાયીની માતાજીની પલ્લી પર નવરાત્રીની નોમની રાત્રે, લગભગ 15,000 (હાલ : 50,000) કીલો શુદ્ધ ઘી જમીન પર ઢોળી દેવાય છે. પ્રતી વર્ષની પરમ્પરા નહીં નહીં તોય પાંચસો સાતસો વરસોથી ચાલી આવતી હોવાનું લોકો જ કહે છે. રજવાડાં ગયા અને આઝાદ ભારતની લોકશાહી સરકારો આવી; પણ કોઈ આ ધર્મને નામે થતો ભયંકર બગાડ અટકાવવા શક્તીમાન બન્યું નથી.

આ બધું ધર્મને નામે થાય છે. રુપાલ ગામના પાદરમાં બીરાજેલા વરદાયીની માતાની તમે માનતા માનો ને તે પુરી થઈને જ રહે, એટલાં સક્રીય અને સાક્ષાત છે. દીકરો માગો તો તે મળે, વાંઝીયામહેણું ટળે, દીકરીના લગ્ન થઈ જાય, વેપારમાં આગળ વધી જવાય, સરકારી નોકરી મળી જાય, વરસો જુનાં વેર અને કજીયો કંકાસ ટળી જાય – આવું ગમે તેટલું માંગો અને વરદાયીની માતાનું વરદાન તમને ફળે જ ફળે…!!!

નોકરી માટે ફાંફાં મારવાના હોય, દીકરીઓનું કંઈ ગોઠવાતું ના હોય અને વરદાયીનીનો વરદ હસ્ત આપણા પર ફરતાં જ કલ્યાણ થઈ જતું હોય તો ‘હે મા તને સો ડબ્બા ઘી ચઢાવીશ’ એવું કહેનારા તો મળી જ આવવાના. હા, તો આવા સફળ થયેલા ભાવીક ભક્તજનો પાશેર કે પાંચસો ડબ્બા ઘી પોતાની યથાશક્તી–મતી પ્રમાણે માતાને ઘેર મોકલી આપે છે. માતાજી પાસે આના નીકાલની કોઈ વ્યવસ્થા નથી. તેથી ગામના પટેલો–બ્રાહ્મણો, વાળંદો–વાણીયા, ઠાકોરો બધાએ પલ્લી કહેતાં માતાજીની પાલખી કાઢવાનો સહીયારો પુરુષાર્થ ઉપાડી લીધો છે. ગામના સત્તાવીસ જેટલાં કેન્દ્રો પર હકડેઠઠ ભેગું ઘી કરીને માતાની મુર્તી વીનાની પલ્લી પર બે–ચાર ઘડીનો સમય મળે તેટલામાં ડોલે–ડોલે, ડબ્બે–ડબ્બે રીતસર ઘી ઢોળવામાં આવે છે.

રુપાલ ગામની પલ્લી વીશે સહેજ ડોકીયું કરીએ… આ ઉત્સવ ગામના દરેક વર્ગના પ્રજાજનો સાથે મળીને પલ્લીનું સર્જન કરે છે. ગામમાંથી કોઈ ખીજડાના ઝાડનાં લાકડાં લઈ આવે છે. પલ્લીના સીધા આકાર પડે છે, જેમાં કોઈ આકર્ષક કલાકૃતીનું સર્જન હોતું નથી. એકદમ સામાન્ય આકાર લઈ ચાર તરફ ગોઠવાયેલા ચાહકોને લોકો પલ્લી તરીકે ઓળખાવે છે.

આશ્ચર્ય એ પણ થાય છે કે આ પલ્લીમાં માતાજીની કોઈ મુર્તી, ફોટો કે પ્રતીક સુધ્ધાં હોતા નથી. પલ્લીને મધરાત પછી ગામના મુખ્ય માર્ગે, લાખો ભાવીક ભક્તોના જનસમુદાયમાં મન્દીર સુધી આનન્દોત્સવભેર લઈ જવામાં આવે છે.

દેશના કરોડો લોકોને પીવા માટે પાણી ન મળતું હોય ત્યારે આ કારમી મોંઘવારીમાં રુપીયા 250/ના (હાલ : 500/-) કીલોના ભાવે મળતું આટલું બધું ઘી માતાજીની પલ્લી ઉપર દર વર્ષે ઢોળાતું જ રહે છે. જ્યારે ગામના રસ્તાઓ બીમાર છે, ગામમાં ગન્દગી છે. બેકારી છે, ગરીબી છે, તેને દુર કરવામાં માતાજીની પલ્લી કે ઘી ઢોળવાની પ્રવૃત્તી કશા જ કામમાં આવતી નથી. લાખો રુપીયાની કીમ્મતનું ઘી આમ રસ્તા ઉપર ઢોળાઈ કે વેડફાઈ જાય, તે કેટલે અંશે યોગ્ય ગણાય?! આપણે ત્યાં કહેવત છે કે, ‘ઘરનાં છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો’. આપણે પોતે ઘરમાં ઘી નહીં ખાઈને, પલ્લી પર ચઢાવીએ છીએ! તે આશરે 500/- રુપીયે કીલોનું ઘી માતાજીના મન્દીરે પહોચવાને બદલે ધુળમાં રગદોળાય છે અને ભાગ્યે જ કોઈના પેટમાં પહોંચે છે. ગામમાં શું કોઈ વીચારશીલ મનુષ્ય નથી, જે આવા મીથ્યા કર્મકાંડ વીરુદ્ધ અવાજ ઉઠાવે?

આ શુદ્ધ ઘી અહીં આટલા મોટા જથ્થામાં કેવી રીતે આવે છે? – ગ્રામજનો તેમ જ દુર દુર વસતો માનવમહેરામણ રોજીન્દા જીવનમાં અણઘટતી બનતી ઘટનાઓ વીશે અજાણ હોય છે. તેમાંથી બચવા, રુપાલ ગામે આવેલ વરદાયીની માતાની બાધા આખડીઓ રાખે છે. અમારાં અમુક કાર્યો સીદ્ધ થશે, તો અમે નવરાત્રીમાં માતાજીની પલ્લીને શુદ્ધ ઘી ચઢાવીશું એવી ધન્ધાદારી માન્યતાઓ ચારે તરફના લોકો રાખતા હોય છે. અને તે દીવસે બાધામાં માને શુદ્ધ ઘી શેર, બશેર, પાંચશેર, દશશેર વગેરે વગેરે… અહીં ગામના ચૌરે ચૌટે ગોઠવાયેલા મોટાં પીપડાં, કઠા અને અન્ય સાધનો ઘી એકત્ર કરવા માટે ગોઠવી દેવામાં આવે છે. દીવસ દરમીયાન દુર દુરથી લોકો આવીને ગોઠવાયેલાં, ખુલ્લે આમ પડેલાં, સાધનોમાં ઘી રેડે છે. સાધનો ખુટે પછી ઘીના પેક ડબ્બા તોડીને મુકાય છે. અને તેમની વર્ષ દરમીયાન રાખેલ આડી અવળી બાધાઓ–માન્યતાઓને પુરી કરે છે. મધરાત થતાં પલ્લી અને શુદ્ધ ઘી ભરેલા કઢા, પીપડાં તૈયાર કરી દેવામાં આવે છે.

લાકડાની નીચે ખુલ્લી પલ્લી પર લોકો રીતસર ઘીના પીપડાં ખાલી કરતા જાય છે. રસ્તા પર અઢળક વહેતા ઘીમાં ધુળ, કચરો, પક્ષીઓની અગાર, પશુઓનાં છાણ, માણસના મળ વગેરે મળી ગંદો કાદવ કીચડ બને છે. ઘુળમાં મળેલું ઘી વળી ગામના દલીતોને એકઠું કરવાની પરમ્પરાથી છુટ અપાયેલી છે. આ દુ:ખીયારાઓ પ્રતીવર્ષ તે એકઠું કરી, ઉકાળી–ગાળીને ખાય છે અને વેચે પણ છે. મધ્યરાત્રીથી સવારના સાત વાગ્યા સુધી આમ વેડફાતા શુદ્ધ ઘીના બગાડથી કોઈને અચરજ થતું નથી; પરન્તુ એ લોકોને તો માતાજીની કૃપા જ પોતાના પર વરસી હોય એમ લાગે છે. તેમના જીવનમાં માતાજી સર્વસ્વ હોય તેવું પાગલપન તેઓ કરતા રહે છે. દુષ્કાળ હોય ચીજવસ્તુઓનો અભાવ હોય, બેહદ મોંઘવારી હોય; છતાં અહીં ધુળીયા રસ્તા પર ચોખ્ખા ઘીનો વરસાદ વરસે છે. રસ્તાપરની ધુળમાં ઘીની નદીઓ વહે છે! ગ્રામજનો તેને મતાજીની ભક્તી માને છે!

બાધાને કારણે પ્રાપ્ત થયેલાં બાળકોનાં મા–બાપ, તેમના માટે રાખેલ બાધાઓ પુર્ણ કરવા, બાળકને પલ્લી સુધી લઈ જાય છે અને પલ્લી પર સળગતી જ્યોત સાથે કુમળાં બાળકોને ધુપ અપાય, જેને ‘જોર આપવું’ કહેવાય. હા, આ વર્ણવવું કેટલું સહેલું છે; પણ વાસ્તવીક દૃશ્ય નીહાળતા કમકમા છુટી જાય તેવું દૃશ્ય હોય છે. જેને દુનીયા વીશે કશું ભાન–જ્ઞાન નથી, તે વળી કયા અવગુણોએ કરી, અવતરતું હશે, જે કારણ એમનાં મા–બાપો નીષ્ઠુર થઈ, ભયાનક માનવગીચતામાં, અજાણ્યા વ્યક્તીઓના હાથે ભડભડતી જ્યોતમાંથી ધુપરુપે આશીર્વાદ અપાવે એ નીષ્ઠુર મા–બાપો પોતાનાં બાળકોને અજાણી વ્યક્તીઓના હાથમાં ‘જોર’ આપવા છુટા મુકી દે છે. માનવ મહેરામણની ભીડ, ગીચતા, ઘોંઘાટ અને એક જ બાવડેથી બીજાને અને ત્રીજાને એમ અનેક વ્યક્તીઓના હાથે તડફતું બાળક રડે છે. તે બાળકોના રુદન અને ચીચીયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠે છે. પલ્લી પરની જ્યોત સાથે અડકાવવાથી બાળકને બેહદ વેદના થાય છે, જેની કોઈને પરવા હોતી નથી. બાળકો મુળ સ્થાને પરત ફરતા તો તે બેહાલ અને અધમુઆ થઈ જતાં હોય છે.

પ્રથમ તબક્કે તો એમ જ થાય છે કે, અહીંના લોકો અજ્ઞાન અને અશીક્ષીત હશે; પરન્તુ એવું નથી; અહીંના લોકો ભણેલા–ગણેલા અને મોટી નોકરી–ધન્ધાએ વળગેલા છે. કેટલાક તો પાટનગરમાં સરકારી કચેરીમાં સારા હોદ્દા પર ફરજ બજાવે છે. આ રુપાલ ‘રંગતરંગ’ના તન્ત્રી નરેન્દ્ર ત્રીવેદીનું ગામ છે, ગુજરાતી સાહીત્યના વીવેચક અને અક્રમવીજ્ઞાની રાધેશ્યામ શર્માનું ગામ છે; નવલકથાકાર પીનાકીન દવેનું ગામ છે. પન્દર કીલોમીટર દુર રાજ્યનું પાટનગર ગાંધીનગર છે. ત્રીસ–પાત્રીસ કીલોમીટરના અન્તરે કોબામાં સ્વામી સચ્ચીદાનન્દનો આશ્રમ પણ છે! આમ છતાં કોઈએ આ બેહુદી બાબત પરત્વે ભાગ્યે જ વીરોધનો એક શબ્દ પણ ઉચ્ચાર્યો હશે. દુ:ખ એ વાતનું છે કે તેઓ તેમની જુની પુરાણી અર્થહીન માન્યતાઓને આજેય ટકાવી રાખવા ઉત્સુક છે. એકાદ વર્ષનું એકઠું થયેલું ઘી સહકારી રીતે ત્યાંની ગ્રામપંચાયત ઢોળાવા ન દે અને વેચી દે, અને તેમાંથી થયેલ આવકને ગ્રામ સુધારણા માટે વાપરે તો રુપાલ ગામ રુડું રુપાળું બની જાય!

ધર્મ અને સંસ્કૃતી વીકાસનાં સોપાનો છે. રુપાલ આજે છેલ્લા પગથીયે છે. ધર્મ, સંસ્કૃતી, શીક્ષણ, સેવા એવા કોઈ પણ ક્ષેત્રે બેઠેલા સૌ કોઈની ફરજ છે કે, આ જાહેર બગાડ થતો અટકાવે. કાયદાથી નહીં, સમજાવટથી. રુપાલની પ્રજા કંઈ ન માને એવી નથી. પહેલાં રુપાલની ગ્રામપંચાયતના ચુંટાયેલા સભ્યોને સમ્બોધો, પછી ગામને; પણ આ બગાડ થતો અટકાવો. શ્રી. અરવીન્દ ત્રીવેદી, લંકેશ ચક્રવર્તીએ તેને અટકાવવા માટે પ્રથમ પ્રયાસ કર્યો હતો. બીજા મીત્રો જેવા કે ડંકેશ ઓઝા, ચન્દુ મહેરીયા, ડી. કે. રાઠોડ, કીરણ નાણાવટી વગેરેએ તેમાં સાથ આપ્યો હતો. શ્રી. ડંકેશ ઓઝાએ તો ‘સત્યાન્વેષણ’, ‘એવરેસ્ટ’ વગેરેમાં લેખો પણ લખ્યા હતા; પરન્તુ સામાજીક કાર્યકર્તાઓ, રાજકીય નેતાઓ, પર્યાવરણવાદીઓ, ગુજરાતના બીજા આગેવાનો વગેરેનો સાથ સાંપડ્યો ન હતો. તેમ છતાં આ લોકો પોતે જનસેવા કરે છે એવું ડીમડીમ રાતદીવસ વગાડતા રહ્યા છે!

રુપાલના વરદાયીની માતાજીની પલ્લીમાં વેડફાતા ઘીની સત્ય ઘટનાને નીહાળતા વૈજ્ઞાનીક સંશોધનની સીદ્ધીઓ પણ જાણે અસ્ત થતી હોય એમ લાગે છે. વર્ષો વર્ષ આ દેશમાં મોંઘવારીનું ખપ્પર વારંવાર રજુ થતું રહે છે. જુદા જુદા ધર્મો, સમ્પ્રદાયો અને ધર્મોના જુદા જુદા દેવતાઓ એ આપણા દેશની સૌથી મોટી નબળી નસ છે. તેમાંથી ઉદ્ભવતી જ્ઞાતીપ્રથાના વાડાઓ અને માનવ માનવ વચ્ચે અસમાનતા.. આ બધું ક્યાં સુધી ચાલશે..! વર્ષો વીત્યા, વીશ્વના દેશો વીકાસ ક્ષેત્રે એકવીસમીમાં હરણફાળ ભરતા રહે છે, જ્યારે આપણો દેશ કાલગ્રસ્ત ભુતકાલીન ધર્મગ્રંથોને વાગોળવા પન્દરમી સદી તરફ મીટ માંડીને ગૌરવ અનુભવે છે.

આ દેશમાં ધર્મના દેવતાઓની વસ્તી માનવ સમુદાયને ગળી જાય તેવી છે. ભારત દેશની વસ્તી એક અબજ (1,349,707,628 (1.34 billion) As of September 10, 2017 http://www.indiaonlinepages.com/population/india-current-population.html  ) ઉપર પહોંચી છે, જ્યારે કહેવાતા ભારતીય દેવોની વસ્તી જોઈએ તો… 33 કરોડ દેવ અને 64 કરોડ દેવીઓની! આ બખડજન્તરને શી રીતે સુધારવું?

(સન્દર્ભ : ડંકેશ ઓઝા, ‘સત્યાન્વેષણ’, નવેમ્બર–ડીસેમ્બર, 1992 અને ‘એવરેસ્ટ’, 16 જાન્યુઆરી, 1992)

ડૉ. જેરામ જે. દેસાઈ

લેખક ડૉ. જેરામ જે. દેસાઈનું પુસ્તકવહેમ–અન્ધશ્રદ્ધા ખંડન(પ્રકાશક : વહેમઅન્ધશ્રદ્ધા નીવારણ કેન્દ્ર, ‘બાસ્કેટબૉલ’, 9, ઉમેદનગર સોસાયટી, નાનાકુમ્ભનાથ રોડ, નડીયાદ 387 001 જીલ્લો : ખેડા ફોન : 0268–87803 85795, 99259 24816 પાનાં : 126, મુલ્ય : રુ. 90/–)માંનો આ 30મો લેખ, પુસ્તકનાં પાન 335થી 341 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : ડૉ. જેરામ જે. દેસાઈ, ‘આરોહી’, સરગમ સોસાયટી, વીવેકાનન્દ માર્ગ, વાણીયા વાડ, નડીયાદ – 387 001 ગુજરાત(ભારત) સેલફોન : 87803 85795, 99259 24816

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 6.00 અને દર સોમવારે બપોરે 2.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુમેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 25–09–2017