Feeds:
Posts
Comments

‘સારાં કાર્યો કરીશું તો સ્વર્ગમાં જવાશે અને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થશે. પણ સ્વર્ગમાં જઈને મળશે શું ? સ્વર્ગીય સુખ એટલે શું ? સ્વર્ગીય સુખ એટલે હર્ષોલ્લાસ, દુ:ખ વીનાનું – યાતનારહીત જીવન. સ્વર્ગમાં અપ્સરાઓ સેવા માટે હાજર રહેશે. કલ્પવૃક્ષ હશે જેની નીચે બેસવાથી દરેક મનોકામના પુર્ણ થશે. બેસીને ઈચ્છા માત્ર કરો અને તે વણમાંગ્યું મળી જશે. પૃથ્વી પરના ક્ષણભંગુર જીવન દરમ્યાન દાન કરો – ત્યાં કરોડગણું પરત મળશે.’

ઉત્તમ, અતીઉત્તમ ! સોદો ઘણો સસ્તો પડે છે. ગમતી ચીજ દાનમાં આપવી પડે તો વાંધો નહીં, સ્વર્ગમાં જઈને તો આ બધું જ ચક્રવૃદ્ધી વ્યાજ સહીત મળવાનું જ છે; એટલું જ નહીં દરેક ઈચ્છાની પુર્તી પણ થશે !

આ બોધપાઠમાંથી તો સાધુ – સંન્યાસીઓની અતૃપ્ત ઈચ્છાઓ જ પુર્ણ થતી દેખાય છે. અહીં તેઓએ જે  ત્યજ્યું છે તે સર્વ કુદરતી આનંદને સ્વર્ગના સુખ તરીકે પ્રાપ્ત થવાનાં શમણાં તેઓ તો જોઈ જ રહ્યા છે અને અનુયાયીઓને દેખાડી પણ રહ્યા છે. સ્વર્ગ, જન્નત, હેવન- જેવી અલૌકીક કલ્પનાસભર માન્યતાઓ દરેક ધર્મમાં છે. જીવન દરમ્યાન માણસ ધાર્મીક નીયમોને અનુસરે – ત્યાગ કરે, ઈચ્છા દબાવીને જીવે તો તેને મૃત્યુ બાદ સ્વર્ગ પ્રાપ્ત થાય અને તે સ્વર્ગીય સુખનો હક્કદાર બને. વળી, સ્વર્ગનું સુખ મેળવવા માટેના નીયમો દરેક ધર્મમાં ભીન્ન હોવા છતાં; તેનો મુદ્રાલેખ તો એક સમાન જ છે કે, ‘પૃથ્વી પર ત્યાગ કરો અને તેનાથી અનેકગણું સ્વર્ગમાં પ્રાપ્ત કરો’.

સ્વર્ગના સુખની વ્યાખ્યા જ એવી છે કે આપણી દરેક ઈચ્છા ત્યાં સંતોષાય. વાસના તૃપ્ત થવી, આશા-આકાંક્ષા પાર પડવી, જે અહીં ત્યાગ્યાં તે યથેચ્છ સુખોની પ્રાપ્તી થવી વગેરે. પરંતુ આવુ સુખ તો અહીં જ પ્રાપ્ત થઈ શકે તેમ છે ! એની પ્રાપ્તી માટે મૃત્યુ સુધીની અને તે પછીની અવસ્થાની રાહ જોયા કરવી અને તે પણ ઈચ્છા વીરુદ્ધનું અકુદરતી જીવન જીવીને..! આ તો નરી મુર્ખાઈ નથી લાગતી ? જેનું અસ્તીત્વ જ સીદ્ધ નથી થઈ શક્યું નથી તેવા સ્થળે, ભવીષ્યમાં મળનારાં કાલ્પનીક સુખમાં રાચવામાં આજનું એ જ પ્રકારનું હાથવગું સુખ ત્યજવું એમા કયું શાણપણ છે ?

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૭/૦૮/૧૯૯૫ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …

Love Latters કવીતા, શેર-શાયરી, સોનેટ, હાઈકુ, ગઝલ, હઝલ, અછાંદસ… કેટલાં નામ ગણાવું ? એ સર્વમાં આ લખનારને કક્કાની ગતાગમ નહીં. કાળા અક્ષર ભેંશ બરાબર… ! રદીફ, કાફીયા, અંતરા કે મુખડા વચ્ચેનો ફરક પારખવાનું કામ પણ મારે માટે એરોપ્લેનના પાર્ટ્સ ઓળખી બતાવવા જેટલું અઘરું ! પણ કહે છે કે- ‘હર અચ્છે ખાનેવાલે કો રસોઈયા બનને કી જરુરત નહીં હોતી !’ મેં પણ રસોઈયો બનવા કદી ફાંફાં માર્યાં નથી… બસ મરીઝ, ઘાયલ કે શુન્ય પાલનપુરી જેવાં ઉત્તમ પાકશાસ્ત્રીઓની રસોઈ મોજથી ઉડાવું છું. મુળ વાત એટલી જ, સુતરફેણી બનાવતાં નહીં આવડે; પણ તૈયાર સુતરફેણીની ભરપુર મોજ માણી લઉં છું.

કવીતાની વાત એટલા માટે નીકળી કે હમણાં વયોવૃદ્ધ સાક્ષર અને પ્રખર રૅશનાલીસ્ટ શ્રી રમણ પાઠકજીનું એક તાજું પુસ્તક વાંચવા મળ્યું. શીર્ષક વાંચીને જ અંદર ડોકીયું કરવાની લાલચ જન્મે એવા આ પુસ્તકનું શીર્ષક છે- ‘રમણ પાઠકનાં પ્રેમકાવ્યો: પ્રેમપત્રો’ પહેલાં તો વાંચીને જરા ચોંકી જવાયું. રમણ પાઠકે પ્રેમ પણ કરેલો ? પ્રેમપત્રો પણ લખેલા ? લગભગ 88મે વર્ષે કોઈના પ્રેમપત્રો કે પ્રેમકાવ્યો પ્રગટે એ ઘટના જ ખાસ્સી વીરલ ગણાય. એમ સમજો કે પ્રભાતનાં રુંધાઈ રહેલાં સુર્યકીરણો જાણે આથમણી દીશામાંથી ફુટી નીકળ્યાં 1

વર્ષોપુર્વે સુરતના શ્રી આસીમ રાંદેરીનો સુપ્રસીદ્ધ ગઝલસંગ્રહ – ‘લીલા’ વાંચવા મળેલો. વાંચીને પશ્ન થયેલો- આ લીલા કોણ હશે ? ખરેખર હશે કે પછી કવીની માત્ર કલ્પના હશે ? રાંદેરી સાહેબને ફોન કરીને પુછ્યું, તો એમણે હસીને વાત ઉડાવી દેતાં કહેલું- ‘ક્યારેક ઘરે પધારજો, નીરાંતે જણાવીશ !’ ર.પા.ના પ્રેમપત્રો વાંચ્યા ત્યારે પણ પાને પાને પ્રશ્ન થયો- આ ‘નંદીની’ કોણ હતી… ?? (હવે એ ક્યાં છે…?) પુસ્તકમાં પ્રત્યેક ફકરે તેઓ એક ઠરેલ, સ્વસ્થ અને પરીપકવ પ્રેમી તરીકે વ્યક્ત થાય છે. મોગરાની મહેંક જેવી એમની મઘમઘતી સ્નેહોર્મી વાંચીને એમનો એક નવો જ પરીચય મળ્યો. અનાયાસે એક પ્રશ્ન દીલમાં જ ઉદ્ ભવીને સમી ગયો. ‘નંદીની… ! તમે ર.પા.ના જીવનસંગીની કેમ ન બની શક્યા ? તમે આટલા કમનસીબ કેમ ??’

ત્યાર બાદ તરત જ એક બીજો વીચાર આવ્યો, તે આ રહ્યો. સ્વામીશ્રી સચ્ચીદાનંદજીએ એક વાર લખ્યું હતું- પોતે પ્રેમમાં હતા; પણ નીષ્ફળતા મળી હતી. આ સ્થળેથી જ આપણે લખી ચુક્યા છીએ કે આદરણીય સ્વામી સચ્ચીદાનંદજીનું પ્રણયવૈફલ્ય ગુજરાતને તો ખાસ્સું ફળ્યું. કેમ કે તેમ થવાથી એક સાચો સંન્યાસી, એક સાચો ધર્મજ્ઞ અને ઉત્તમ કોટીનો ચીંતક આપણને મળ્યો. સ્વામીજીને પોતાને જે નથી મળી શક્યું તેનાથી હજાર ગણુ હીન્દુ સમાજને મળ્યું. ર.પા. માટે પણ એવું જ કહી શકાય. પ્રેમ વીફળ રહ્યો પણ રૅશનાલીઝમને એક સફળ ભીષ્મપીતા મળ્યો.

Love Poems એકવાર એમના ઘરે મળવાનું બનેલું. એમણે ઘેરા દુ:ખ સાથે કહેલું- ઘડપણમાં સાવ જ એકલો…, લગભગ નીરાધાર જેવો બની ગયો છું. કદીક ખીસ્સામાં પૈસા મુકી હૉસ્પીટલમાં ઑપરેશન કરાવવા જવું પડે તો રીક્શામાંથી ઉતર્યા બાદ મુંઝવણ એ ઉદ્ ભવે કે હવે ઑપરેશન થીયેટરમાં જતાં પહેલાં આ પૈસા કોને સોંપવા…? એમની આવી લાચારી પ્રત્યે સહાનુભુતી પ્રગટેલી. ફરીયાદ જેવી એક ફીલ્મની ગીત–પંક્તી યાદ આવી ગયેલી. (થોડી ક્ષણ માટે ચુપ થઈ ગયો. કાંઈ પુછી ના શક્યો પણ અંદર પ્રશ્નો ઘુમરાઈ રહ્યા: પાઠકજી, તમે જીન્દગીની આથમતી અવસ્થામાં એકલા જીવવાની જીદે શું કામ ચડ્યા ? ચાલો, માન્યું કે ભગવાન નથી; પણ માણસને લાગણી તો છે ને ! દુ:ખો પણ હોય જ ને…! માણસને માણસ વીના શી રીતે ચાલી શકે ? તમે પ્રખર વીદ્વાન પુરુષ… છતાં ઘડપણ કેમ આટલું અંડર એસ્ટીમેટ કર્યું ? ઘડપણમાં કો’કના ખભે માથું ઢાળીને ચોધાર આંસુડે રડી લેવા જેટલુંય સુખ તમે પાસે કેમ ફરકવા ન દીધું ? તમે સાહીત્યમાં સામા પુરે તરવાની હીંમત કરી તે ઠીક; પણ જીન્દગીની આથમતી અવસ્થામાં જીવનસાથી વીના બાકીનો ભયાનક દરીયો તરી જવાનું અતીકઠીન સ્વપીડન શીદ પસંદ કર્યું ?) ને પેલી ફરીયાદ જેવી પંક્તી એમને સંભળાવી નહોતો શક્યો તે આજે જાહેર કરું છું. જીને કે બહાને લાખો હૈ… જીના તુઝકો આયા હી નહીં; કોઈ ભી તેરા હો સકતા થા, કભી તુને અપનાયા હી નહીં… !’

પુસ્તકમાં એક ઠેકાણે એમણે થોડી પંક્તીઓમાં જીવનચોપાટના જાણે પત્તાં ખુલ્લાં કરી દીધાં છે. ‘આ ઘરાનો હું પ્રવાસી એકલો/ કોઈ ના બોલાવતું, સર્વે ધકેલે વેગળો/ અમ આંગણે જ્યાં કોઈ રે ના આવતું, બારણું કરી પ્રતીક્ષા થાકતું/ ઉંબરો આંસુ વહાવી કોઈના/ ધોવા ચરણ ઉત્સુક સદા; પણ કોઈ ના આવે અને ચાલી જતી/ વર્ષા, શરદ, હેમંત, શીશીર ને વસંત/ જીન્દગીની પ્યાલીયે રે ખાલી થતી.. !’ એમના જીવનમાં થીજી ગયેલી વેદના પાને પાને પ્રગટી છે. બીજી વસીયતનામા જેવી વેદના સાંભળો- તમે તમારા ની:શ્વાસના અગ્ની વડે/ મારી ચીતાને પ્રગટાવજો/ મારી લાશને ફુંકી મારજો/ એનું પોસ્ટમોર્ટમ કરનારા/ એમાંથી થીજી ગયેલા મૌનના સ્ફટીકોને શોધી/ એનું રાસાયણીક પૃથક્કરણ કરે એ પહેલાં જ તમે મને સુંદર મૃત્યુ આપ્યું છે- સુંદર સ્વપ્ન !’

પુસ્તકમાં કેવળ પ્રેમકાવ્યો અને પાત્રો જ નથી, પણ એમણે સરોજ પાઠકની તથા ચેખોવની બે સુંદર વીષયલક્ષી વાર્તાઓનો રસાસ્વાદ પણ કરાવ્યો છે. એ સંવેદનાભીની સમીક્ષા વળી ખુદ એમનું એક સુંદર પ્રેમકાવ્ય બની રહે છે. (વાંચતાં વાંચતાં યાદ આવી ગયું કે એમણે સ્વ. પીતાંબર પટેલ સંપાદીત ‘આરામ’ નામના વાર્તા માસીકમાં વર્ષો સુધી વાર્તાઓની ઉત્તમ સમીક્ષા કરી હતી.) એમના પ્રેમપત્રોમાં વેવલાપણું કે છીછરાપણું તો સંભવી જ ના શકે. તેઓ કબુલે છે કે- ‘હું નથી કવી/ પહોંચવું મારે નથી/ જ્યાં પહોંચતો કદી ના રવી/ પહોંચવા ચાહું તારે ઉરે/ બની નાનકડી છવી.’

જો કે મને લાગે છે કે સંસારનો દરેક માણસ ક્યારેક અનાયાસ કવી બની જાય છે. દીલમાં લાગણીનું જનરેટર ચાલુ થાય ત્યારે જે ભાવ, જે સંવેદના અથવા મધમીઠાં સ્પંદનો આપોઆપ પ્રગટી ઉઠે તે બાબત કવીતાથી રતીભાર ઓછી હોતી નથી. કવીઓ મોટે ભાગે પ્રયત્નપુર્વક કવીતા રચે છે. પણ હૃદયમાંથી સાચકલી લાગણી વીના પ્રયાસે પ્રગટી ઉઠે ત્યારે જે બને તે સો ટચની કવીતા બની જાય છે. (આંબા પરથી એની મેળે પાકીને નીચે પડે એ કેરીની તો મીઠાશ જ કંઈક ઓર હોય છે…) આ પુસ્તક ઉત્તમ પ્રેમકાવ્યો અને પ્રેમપત્રોનો અદ્ ભુત દસ્તાવેજ બની રહેશે.

પાકા પુઠાંનુ આ સુંદર પુસ્તક જોરાવરનગરના રૅશનાલીસ્ટ શ્રી જમનાદાસ કોટેચાએ સંપાદીત કરીને પ્રસીદ્ધ કર્યું છે. માનસ પ્રદુષણ નીવારણ કેન્દ્ર, જોરાવરનગર – ૩૬૩ ૦૨૦, મોબાઈલ – ૯૮૯૮૧ ૧૫૯૭૬ પર સંપર્ક કરવાથી એ ૫૦ ટકા વળતરે (અર્થાત્ ૬૦/- રુપીયાનું પુસ્તક માત્ર ૩૦/- રુપીયામાં) ઘરબેઠાં પ્રાપ્ત થઈ શકે છે. વળી મનીઓર્ડર કરવાને બદલે કવરમાં (માત્ર) ૩૦/- રુપીયાની ટપાલ ટીકીટો મોકલવાથી પણ પુસ્તક મેળવી શકાશે એમ જણાવાયું છે.

અંતમાં અનેક સ્વજનો, શુભેચ્છકો સહીત મારા ખુદના તરફ્થી (અને વળી બેશક નંદીની તરફ્થી…) પણ ર.પા.ને દીલી શુભકામના પાઠવીએ કે હજી લાંબું અને ખાસ તો તંદુરસ્તીભર્યું જીવન જીવો… ખુબ આનંદ અને ઉલ્લાસભર્યું જીવો… જીન્દગીના શેષ હીસ્સાને ખુબ પ્રેમાળ બનીને શણગારો… બીજું શું કહીએ ? કવીતા કરતા નથી આવડતી એટલે એક ફીલ્મના ગીતની પંક્તી થોડા ફેરફાર સાથે રજુ કરું ‘તુમ્હે ઔર ક્યા દે હમ દુવાઓંકે સીવા… તુમકો હમારી ઉંમર લગ જાય..!’ જો કે આ વીરાટ જગતની અજબગજબની ગતીવીધીમાં આપણા જેવા એકાદ તુચ્છ જીવની શુભેચ્છાનું તે વળી કેટલું જોર…? એમણે ખુદ પણ લખ્યું જ છે- ‘સંસારમાં ક્યાં કોઈનું ધાર્યું કદીય થાય છે ? (તો પછી- ‘હસકે ભી જીના, રોકે ભી જીના… ફીર ક્યું હર પલ ઘુટ ઘુટકે મરના…?’) બેસ્ટ ઓફ લક… રમણભાઈ…! ‘ગુજરાતમીત્ર’માં જ નહીં સમગ્ર ગુજરાતમાં તમે પ્રગટાવેલો રેશનાલીઝમનો દીવડો કદી હોલવાશે નહીં.

: ધુપછાંવ :

રમણભાઈના વીકાસમાં ‘ગુજરાતમીત્ર’ના ફાળાને કેમ ભુલી શકાય? અમારી મીત્રમંડળીમાં ર.પા.ની વાત નીકળે ત્યારે બચુભાઈ એમને શનીદેવ તરીકે ઉલ્લેખે છે. લગભગ 33 વર્ષથી એઓ ‘ગુજરાતમીત્ર’માં દર શનીવારે રૅશનાલીઝમનો મહીમા ગાતા આવ્યા છે. ‘ગુજરાતમીત્ર’ની ‘રમણભ્રમણ’ કોલમ જાણે શનીદેવનું લોકપ્રીય મંદીર બની રહી છે. અમારા જેવા કેટલાય શનીભક્તો એમાંથી જન્મ્યા તેય કેમ ભુલાય? કહેવાયું છે કે ગુરુ અને ગોવીંદ બે સાથે મળે તો પહેલા પ્રણામ ગોવીંદને કરવા કેમ કે- “બલીહારી ગુરુ આપકી… મોહે ગોવીંદ દીયો દીખાય..!” અહીં પણ રૅશનાલીઝમને રમણભાઈની પ્રાપ્તી થઈ એ માટે પહેલા પ્રણામ ‘ગુજરાતમીત્ર’ને કરવા પડે ! ‘ગુજરાતમીત્ર’ને સલામ.

- દીનેશ પાંચાલ

સંપર્ક:

શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ફોન : (02637) 242 098  Mobile-94281 60508

જીવન અને જગતની સમસ્યા અને રહસ્યને વીવેક બુદ્ધીવાદ, વૈજ્ઞાનીક અભીગમ અને માનવવાદના અધીષ્ઠાન પર સમજવાની જગ્યાએ, કાલ્પનીક ધર્મ-અધ્યાત્મની તરંગી શ્રદ્ધા-અંધશ્રદ્ધા પર સમજવાના આપણા અતાર્કીક અભીગમને કારણે આપણે વીશ્વમાં ઘણા પછાત રહી ગયા છીએ.

આપણી કુટુમ્બ સંસ્થા અને આપણી શીક્ષણ સંસ્થાઓ એ આપણા ધાર્મીક શ્રદ્ધા-અંધશ્રદ્ધાનાં સૌથી મોટાં પ્રચાર કેન્દ્રો છે. નવજાતશીશુ જન્મતાની સાથે વીસ્મય દૃષ્ટી અને નીરપેક્ષ જીજ્ઞાસાવૃત્તી સાથે જન્મ લે  છે. પ્રત્યેક બાળક સર્જનશક્તી, સંવેદનશીલતા અને નીરપેક્ષ દૃષ્ટી લઈને જન્મતું હોય છે. પરંતુ આવા બાળક પર બાળઉછેરના નામે આપણી કુટુમ્બ સંસ્થા અને કેળવણીના નામે આપણી શીક્ષણ સંસ્થાઓ એવા તો અવૈજ્ઞાનીક, અવીવેકી અને સંવેદનબધીર અમાનવીય કુપ્રયોગો અને કુસંસ્કારોનું આક્રમણ કરે છે કે જેને કારણે પેલું નવજાત–નીર્દોષ બાળક સર્જનશીલતા, સંવેદનશીલતા અને નીરપેક્ષ દૃષ્ટીવીહોણા અને સમસ્યાસર્જક યુવાનમાં રુપાંતર પામતું રહે છે.

દરેક ઘટના, દરેક સમસ્યા કે દરેક અકસ્માત એટલે ‘ઈશ્વરની મરજી’ – જેવા ભ્રામક અર્થઘટને આપણી આખેઆખી પ્રજાને પલાયનવાદી–નીર્માલ્ય બનાવી દીધી છે. આવી ઈશ્વર પરાયણતાને કારણે સરેરાશ દરેક ભારતીયને વીવેકબુદ્ધી વગરનો, અવૈજ્ઞાનીક અભીગમવાળો અને દૃષ્ટીવીહોણો બનાવી દીધો છે.

ઈશ્વર પરાયણતા અને ધાર્મીક અંધશ્રદ્ધાના આક્ર્મણે ભારતીય યુવાનની કોઈપણ વીચાર કે ઘટનાને સંશય–દૃષ્ટીથી તપાસવાની વૃત્તી ને જ હરી લીધી છે અને તેની જીજ્ઞાસાવૃત્તીનું પણ સાવેસાવ નીકંદન કાઢી નાખ્યુ છે ! દરેક સારી – નરસી ઘટનામાં ઈશ્વરને જવાબદાર ઠેરવી દેવાની મનોવૃત્તીએ કોઈપણ પરીણામનું વીવેકબુદ્ધીથી, વૈજ્ઞાનીક અભીગમથી સંશોધન કે પરીક્ષણ કરવાના અભીગમને ગળે જ ટુંપો દઈ દીધો છે !

ધર્મશ્રદ્ધા-અંધશ્રદ્ધા અને ઈશ્વર પરાયણતાને કારણે ભારતવર્ષમાં બાવા-બાવીઓ, ધુતારા–કર્મકાંડીઓ અને ધર્મઢોંગીઓનો રાફડો પેદા થયો છે. તો બીજી બાજુએ પ્રારબ્ધવાદી, આળસુ અને અંધશ્રદ્ધાળુ આમ જનતા ગરીબી, ગુલામી અને નીર્માલ્યતામાં સરી પડી છે. જ્યારે પશ્વીમ અને યુરોપની પ્રજા વીવેકબુદ્ધીવાદ, વૈજ્ઞાનીક અભીગમ અને માનવવાદના આધારે પોતાનો, પોતાના સમાજનો તથા રાષ્ટ્રનો આલોક સુધારી ચુક્યા છે.

જો ભારત વર્ષે પ્રગતીના પંથે આગળ વધવું હોય તો ધર્મપ્રેરીત શ્રદ્ધા-અંધશ્રદ્ધા તથા ઈશ્વર પરાયણતામાંથી મુક્ત થઈ વીવેકબુધ્ધીવાદ, વૈજ્ઞાનીક અભીગમ અને માનવવાદને રસ્તે જ કદમ માંડવા પડશે. કુટુમ્બ સંસ્થા અને શીક્ષણ સંસ્થાઓ તે માટે બદલાવું પડશે.

- ઉત્તમ પરમાર

તા 18 ઓગસ્ટ, 2009ના સુરતના ‘ગુજરાતમીત્ર’, દૈનીકના ચર્ચાપત્ર વીભાગના અને લેખકશ્રીના સૌજન્યથી  સાભાર…..

સંપર્ક:

શ્રી ઉત્તમ પરમાર,

મૅનેજીંગ ટ્રસ્ટી, કીમ એજ્યુકેશન સોસાયટી,  કીમ – 394 110  જીલ્લો–સુરત   Mobile - +91 99259 959014

સરદાર સ્મૃતી કેન્દ્ર, નવસારી.

સરદાર સ્મૃતી કેન્દ્ર, નવસારી

ભગવાનને કર્તાહર્તા માનનારા લોકો જાતજાતના માનસીક તનાવ લઈને એ વીચારથી મંદીરમાં જતાં હોય છે કે ભગવાન તેઓનાં દુ:ખ દુર કરી દેશે. મોટા ભાગના લોકો મંદીરમાં ભગવાનને પગે લાગવાથી જ શાંતી મળે એવી અંધશ્રદ્ધા ધરાવે છે. પણ એ લોકો ક્યારેય એવો વીચાર કરતાં નથી કે બીજે ક્યાંય નહીં પણ મંદીરમાં જ જવાથી શાંતી મળે એનું કારણ શું છે ? એનાં ઘણાં કારણો પૈકી મંદીરનું બાંધકામ મહદ્ અંશે  આરસપહાણના પથ્થરનું બનાવવાથી ઠંડક અને શાંતી મળે છે, અગરબત્તીની સુવાસ મનને પ્રફુલ્લીત કરે છે, ઘોંઘાટ અને પ્રદુષણ વીનાના પર્યાવરણમય વાતાવરણથી પણ શાંતી મળે છે જે ઘરમાં નથી હોતી.

જો આ રીતનું બાંધકામ અને વાતાવરણ આપણા ઘરમાં કે મંદીર સીવાયના અન્ય કોઈ સ્થળે કરીએ તો ત્યાં પણ અવશ્ય શાંતી મળે જ.

ઉદાહરણ રુપે [૧] સરદાર સ્મૃતી કેન્દ્ર, નવસારી કૃષી યુનીવર્સીટી, દાંડી રોડ, નવસારી. [૨] શ્રી પ્રવીણચંદ્ર સવજીભાઈ કોઠારી બહેરા-મુંગા વીવીધલક્ષી વીદ્યાલય (મમતા મંદીર), દાંડી રોડ, નવસારી. [૩] ગાંધી સ્મૃતી કેન્દ્ર, કરાડી તા. જલાલપોર જી. નવસારી. ઈત્યાદી ‘ભગવાનની મુર્તી વીનાનાં મંદીર’ જેવાં સ્થળોમાં પણ અપાર શાંતીનો અનેરો આનંદ મળે છે. મોટા ભાગનાં મંદીરોમાં ગંદકી હોય છે. જ્યારે ગંદકી વીનાના આ સ્વચ્છ અને સુંદર સ્થળોએ મલીન વીચારો, માનસીક તનાવ કે દુ:ખ સાથે જનારો માનવી આમાનું સઘળું ભુલીને શાંતીનો જરુર અનુભવ કરે છે. અર્થાત્ જીવનને સમજવામાં અને સમાજને ઉપકારક બનવાનું શીખવા મળે યા ઉન્નતીકારક વીચાર મળે તે જ સ્થળ મંદીર છે.

મંદીરમાં ન જનારા અને ભગવાનમાં ન માનનારાઓ કોઈ સમસ્યા/દુ:ખ આવે તો સારાં પુસ્તકો, સારા મીત્રોનો સંગાથ, મનને રુચે એવી રચનાત્મક પ્રવૃત્તીઓ, નયનરમ્ય વાતાવરણમાં હરવું– ફરવું, સંગીત અને કળામાં મન પરોવી શાંતી મેળવે છે.દુ:ખ/સમસ્યાને સમજીને હલ કરવામાં આવે તો તેમાંથી કાયમને માટે છુટકારો અને શાંતી અવશ્ય મળે જ.

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૨૨/૦૩/૧૯૯૫ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …

Mukbadhirમમતા મંદીર, નવસારી.

નવસારીમાં સાહીત્ય પરીષદનું અધીવેશન તારીખ ૨૫-૨૭ ડીસેમ્બર, ૨૦૦૯ દરમીયાન મળી રહ્યું છે એ આનંદદાયક ઘટના છે. સાહીત્ય પરીષદના અધીવેશનની જવાબદારી માથે લેવાનું કામ કપરું છે. આ અધીવેશનના આયોજનમાં નાની નાની અનેક બાબતોને ધ્યાનમાં લેવી પડે. દેશ–વીદેશ અને  મુંબઈ સહીત સમગ્ર ગુજરાતમાંથી આવેલા સેંકડો ડેલીગેટ્સનાં નીવાસ, અલ્પાહાર, ભોજનની વ્યવસ્થા કરવાનું કામ, સ્થળની પસંદગી, ઓડીયો સીસ્ટમનું સુપેરે આયોજન, મહેમાનોનું યથોચીત સ્વાગત, મનોરંજક કાર્યક્રમોનું આયોજન, બેઠક વ્યવસ્થા, સાદગીપુર્ણ પરંતુ પ્રભાવશાળી મંડપવ્યવસ્થા – આ બધું ખુબ મહેનત માગી લેનારું કામ છે.

૧૯૯૭૭માં શ્રી ચન્દ્રકાંત પંડ્યાના નેજા હેઠળ નવસારીમાં ગુજરાતી સાહીત્ય પરીષદના જ્ઞાનસત્રનું સુપેરે આયોજન થયું હતું. શ્રી મહેશભાઈ કોઠારીના અધ્યક્ષ સ્થાને એ સમયે જ્ઞાનસત્રના આયોજન માટે સમીતીની રચના થઈ હતી અને એ વખતે થયેલી વ્યવસ્થા ઉડીને આંખે વળગે એવી હતી. રસીકોની ઉપસ્થીતીની દૃષ્ટીએ પણ જ્ઞાનસત્રને ઠીક ઠીક સફળતા મળી હતી તે વખતે. આ વખતે શ્રી સતીશભાઈ પંડ્યાએ ગુજરાતી સાહીત્ય પરીષદનું અધીવેશન નવસારીમાં આયોજવાનું બીડું ઝડપ્યું છે. શ્રી મહેશભાઈ કોઠારી તથા શ્રી પ્રેમચંદભાઈ લાલવાણીના સંગાથે અધીવેશનનું સુગ્રથીત આયોજન થશે એ નીશ્વીત છે. ત્રણેય મહાનુભાવોને મહાવરો હોવાથી અધીવેશનના આયોજનમાં કોઈ કચાશ નહીં રહે એ પણ નીઃશંક છે.

આમ છતાં, દર વખતે ગુજરાતી સાહીત્ય પરીષદના અધીવેશનની પુર્ણતા પછીના દીવસો કે મહીનાઓ દરમ્યાન, આવાં અધીવેશનોની સાર્થકતા અંગે ચર્ચાઓ થતી રહે છે. રાબેતા મુજબની ચર્ચાઓ, અભ્યાસલેખોનું વાચન, વક્તવ્યો, વીશ્લેષણો, વીવેચનો, ટીકાઓ, સાહીત્યના કોઈ એક પાસા/પ્રવાહનું સુક્ષ્મ કે ઉપરછલ્લું વીહંગાવલોકન, સાંપ્રત સાહીત્યના લેખાંજોખાં તથા રાત્રે કવીસંમેલન અને/ અથવા હસાયરો કે મુશાયરો, ગુજરાતી સંસ્કૃતીના સંદર્ભમાં સાંસ્કૃતીક કાર્યક્રમો સાથે પરીષદનું અધીવેશન પુરું થયા પછી ગીરા ગુર્જરીને કે ગુજરાતી સાહીત્ય સર્જનને કયા પ્રકારનો અને કેટલો લાભ થયો કેટલો વેગ મળ્યો એની ચર્ચા જાહેરમાં અને ખાનગીમાં થતી રહે છે અને તે થતી રહેવાની છે.

થોડા મહીનાઓ પહેલાં કીમમાં મળેલા સાહીત્ય પરીષદના જ્ઞાનસત્ર દરમીયાન મંચ ઉપરથી જ પરીષદમાં ચાલતી કથીત વાડાબંધીનો પણ ઉલ્લેખ થયો હતો અને દલીત સાહીત્યના સંદર્ભમાં, ગુજરાતી સાહીત્ય સર્જન અંગે પણ નીરાશાભાવ વ્યક્ત થયો હતો. આવું બધું તો ચાલતું રહે, એવુ વીચારીને બીજું અધીવેશન મળે ત્યાં સુધી આવી ઘટનાઓ કે વીચારને ભુલી જવાં કે વીસારે પાડી દેવાનું કામ સરળ છે અને બહુધા એમ જ થતું રહે છે.

જ્ઞાનસત્ર હોય કે અધીવેશન, બે કલાક માટે આયોજકોને  ઈચ્છીત હોય એ વીષયવસ્તુને એરણ ઉપર મુકવાનો અધીકાર હોવો જોઈએ. ગુજરાતી ભાષાનો મૃત્યુઘંટ સંભળાઈ રહ્યો છે, ગુજરાતી સાહીત્યનો વાચકવર્ગ  ઘટી રહ્યો છે, ગુજરાતી વાચક હવે સસ્તા સાહીત્યવાચન તરફ વળી રહ્યો છે, ગુજરાતી સાહીત્ય સર્જનમાં વાસ્તવીકતાનો પડઘો નથી પડતો, આવી ફરીયાદો અને ચીંતાઓ પરીષદના અધીવેશન કે જ્ઞાનસત્ર દરમીયાન કે એ પછી વ્યક્ત થતી રહે છે. સાહીત્ય પરીષદના અધીવેશન દરમીયાન સર્જીત સાહીત્યની, બદલાતા જતા સામાજીક સંદર્ભની, સમાજ અને સાહીત્યના સંબંધની ચર્ચાઓ થાય છે; પરંતુ આવા અસંતોષ, આક્રોશ કે ભદ્ર ભાવનાઓની અભીવ્યક્તી પછી પણ આવાં અધીવેશનથી ગુજરાતી સાહીત્ય જગતમાં ઉત્સાહનો કેટલો સંચાર થયો એ પ્રશ્ન પણ પુછાતો રહે છે. આવો સીલસીલો ઘણાં વર્ષોથી ચાલતો આવ્યો છે અને કદાચ ચાલતો રહેવાનો છે.

નવસારીમાં ગુજરાતી સાહીત્ય પરીષદનું અધીવેશન મળી રહ્યું છે. ત્યારે નવોદીત સાહીત્યકારોનાં સાહીત્ય સર્જન અંગે, એમની મુંઝવણો અંગે, નવોદીત સાહીત્યકારો સાથેના પ્રકાશકોના અસહકારી અભીગમ અંગે, થોડી પણ ચર્ચા થાય એવી અપેક્ષા રહે છે. એક તરફ ગુજરાતી સાહીત્ય જગતમાં નવોદીતોને આવકાર નથી મળતો; તો બીજી તરફ સ્થાપીત સાહીત્યકારોનું ઢગલાબંધ સાહીત્ય પ્રકાશીત થતું રહે છે ! સુસ્થાપીત થયેલા કલમનવેશોનું રુઢીગત સાહીત્ય વાચકો વાંચે, વાંચે અને કેટલું વાંચે ? પરબ, શબ્દસૃષ્ટી, નવનીત સમર્પણ જેવાં સામયીકોમાં નવપ્રકાશીત પુસ્તકોની યાદી, સાભાર સ્વીકારના શીર્ષક હેઠળ પ્રકાશીત થાય છે. એમાં પોણોસો ટકા પુસ્તકો નવા લેખકો/કવીઓએ જાતે પ્રગટ કરેલા હોય છે. ગુજરાતી સાહીત્ય અકાદમી, લેખક/કવીના પ્રથમ પુસ્તકના પ્રકાશનમાં સહાય કરે છે. પરંતુ ફક્ત એક જ પુસ્તકની મર્યાદા શા માટે ? સરકારશ્રી અથવા સરકારના આર્થીક સહાયના આધારે ચાલતી લાયબ્રેરીઓ દ્વારા પુસ્તક પ્રદર્શન અને વેચાણનું આયોજન થાય છે, એમાં નવોદીતોનાં દશ ટકા કે વીસ ટકા પુસ્તકો હોવાં જ જોઈએ એવો આગ્રહ કેમ નથી થતો ? ગુજરાતી સાહીત્ય પરીષદ પોતે જ અથવા તો રડ્યોખડ્યો કોઈ એક પ્રકાશક નવોદીતોના સાહીત્યના પ્રકાશનની કે વીતરણની જવાબદારી ઉઠાવવા કેમ આગળ નથી આવતા ? જ્ઞાનસત્ર કે અધીવેશન ટાણે, પુસ્તકોનાં પ્રદર્શન અને વેચાણની વ્યવ્સ્થા કરવામાં આવે છે. એમાં નવોદીતોનાં કેટલાં પુસ્તકો વેચાણ માટે મુકવામાં આવે છે ? નવોદીતો સાહીત્યના વેચાણ માટેનો વીભાગ કેમ નથી હોતો ? જે પુસ્તકો પ્રકાશીત થાય છે એની કીંમત અઢીસો રુપીયાથી માંડીને એક હજાર રુપીયા સુધીની હોય ત્યારે મધ્યમવર્ગનો કયો વાચક એ ખરીદીને વાંચવાનો ? ગુજરાતનાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા પુસ્તકાલયોમાં જોઈતું હોય એ પુસ્તક લેવા જઈએ, ત્યારે– ‘શોધી લો, અઠવાડીયા પછી તપાસ કરજો. હજુ ખરીદવાનું બાકી છે’ આવા પ્રત્યુત્તર મળતા હોય ત્યારે પુસ્તકાલયોનાં પગથીયાં કયો વાચક ચડવાનો ? સારું છે કે ગુજરાત સરકાર, પુસ્તકાલયોને લાખો રુપીયાનું અનુદાન આપ્યા પછી એ પુસ્તકાલયોમાં કેવો વહીવટ થયો છે એની તપાસ નથી કરતી. એવી તપાસ થાય તો ગુજરાતનાં સેંકડો પુસ્તકાલયોને અપાતી આર્થીક સહાય બંધ કરી દેવી પડે.         ગુજરાતી સાહીત્ય પરીષદની સામે આવા અને આ સીવાયના ઘણા પ્રશ્નોની ક્યાં તો અવગણના કરવામાં આવે છે, ક્યાં તો ઉપરછલ્લી ચર્ચા કરીને હવે ચર્ચા આગળ વધશે, એવી ઠાલી અપેક્ષા સાથે સમાપન કરી દેવામાં આવે છે. સાહીત્ય પરીષદના અધીવેશનનો પ્રસંગ સાંપડ્યો છે ત્યારે શ્રી સતીશભાઈ પંડ્યા સહીતના આયોજકોએ વીચારવસ્તુ નીશ્વીત કરીને, પરીષદના હોદ્દેદારો પાસે બે કલાકનો સમય માંગીને પરીણામલક્ષી ચર્ચા હાથ ધરવી જોઈએ. ઘણીવાર સ્વાગત પ્રવચનના પડઘા પુર્ણાહુતી સુધી પડઘાતા રહે છે. આપણે ઈચ્છીએ કે સ્વાગત પ્રવચનમાં રજુ થયેલો વીચાર, ચાકડા ઉપર ચઢીને સુંદર આકાર ધારણા કરે.

નવસારીમાં યોજાનારું ગુજરાતી સાહીત્ય પરીષદનું અધીવેશન દુરવર્તી અસર પાડનારું બની રહે એવી શુભેચ્છા.

: શર્મન સુવાસ :

પટેલ જ્ઞાતીનાં એક બહેન, લૅસ્ટર–યુકેમાં રહેતાં બાળકોને શનીરવી ગુજરાતી શીખવે છે. ગુજરાતી માતાપીતાઓ પણ બાળકોને ગુજરાતી શીખવા મોકલે છે. કૅનેડામાં બી.એસ.સી.માં અભ્યાસ કરતી મારી ભત્રીજી ભલે ભાંગ્યુ–તુટ્યું પરંતુ ગુજરાતી વાંચે છે ખરી. સામાન્ય રીતે યુ.કે., કેનેડા કે અમેરીકામાં જ જન્મેલાં ગુજરાતી બાળકો એમના વડીલો સાથે ઘરમાં પણ અંગ્રેજીમાં જ વાતો કરે છે; પરંતુ એવા પણ કુટમ્બો છે જેમાં વડીલો ઘરમાં ગુજરાતી બોલવાનો જ આગ્રહ રાખે છે.

- સુરેશ દેસાઈ

તંત્રી, ‘પ્રીયમીત્ર’ સાપ્તાહીક,

તા 17 જુલાઈ, 2009ના નવસારીના ‘પ્રીયમીત્ર’ સાપ્તાહીકના સૌજન્યથી  સાભાર…..

સંપર્ક:

શ્રી સુરેશ દેસાઈ, તંત્રીશ્રી, ‘પ્રીયમીત્ર’ સાપ્તાહીક, દેસાઈ એન્ડ દેસાઈ ઈન્વેસ્ટમેન્ટસ, નવસારી હાઈ સ્કુલ શોપીંગ સેંટર, દુધીયા તળાવ, નવસારી – 396 445          Mobile-9824375241

e.mail: sdesai_priyamitra@yahoo.com

      નવસારીમાં આગામી ડીસેમ્બરમાં-’૦૯ (તારીખ-૨૫,૨૬ અને ૨૭મી દરમીયાન) ત્રણ દીવસ માટે ‘બાનો ભીખુ જ્ઞાનપ્રસાર ટ્રસ્ટ’ તરફથી સાહીત્ય પરીષદનું અધીવેશન યોજાઈ રહ્યું છે. કહે છે કે ધગધગતા ઉનાળામાં તરસ્યા વટેમાર્ગુને પાણીની પરબ મળી જાય તો તેણે ભગવાનની સાથોસાથ પાણીની પરબ માંડનારનો પણ આભાર માનવો જોઈએ. નવસારીનાં પત્રકાર ચંદ્રકાંત પંડ્યાના નીધન બાદ સાહીત્યની એવી પરબ માંડવાનું પવીત્ર કામ ‘પંડ્યા પરીવારે’ કર્યું છે. નવસારી નગરી આમેય સ્વ. પંડ્યાજીની ઋણી છે. ચાળીશ વર્ષ સુધી ‘ગુજરાતમીત્ર’ માં સેવા આપનાર પંડ્યાજીએ નવસારીમાં અનેક સમાજસેવાના કામો કર્યા છે. પરંતુ મને અંગત રીતે એક વાત ઘણી ગમેલી. અને તે એ કે પંડ્યાજીના મૃત્યુ પછી એમના પરીવારે ‘રૅશનાલીઝમ’ની દીશામાં અત્યંત જીવંત ઉદાહરણ પુરું પાડ્યું હતું. પરીવારે ક્યારેય રૅશનલ હોવાનો દાવો કે હોબાળો મચાવ્યો નથી. છતાં પ્રખર રૅશનાલીસ્ટોને પણ આંબી જાય તેવું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. પંડ્યાજીના નીધન બાદ તેમણે બેસણું, બારમું તેરમું, શ્રાદ્ધ કે છમાસી–વરસી જેવો એક પણ ક્રીયાકાંડ કરાવ્યો ન હતો. એ માટે ખાસ તો સ્વ.નાં પત્ની કપીલાબહેન વીશેષ અભીનંદનના અધીકારી છે. પરીવાર આખો ભલે રૅશનલ વીચારો ધરાવતો હોય પણ મૃતકનાં પત્નીની લાગણીને ધ્યાનમાં રાખીને દીકરાઓને ના–છુટકે કર્મકાંડો કરાવવાં પડતાં હોય છે. પરંતુ કપીલાબહેન આજે ખુદ કહે છે- ‘મારા ગયા બાદ પણ તમે આવી કોઈ વીધી કરાવશો જ નહીં’.

      ઘણીવાર એવું બનતું હોય છે કે આવી ઘટનાઓમાં રૅશનાલીઝમ છુપાયું છે કે પૈસા બચાવવાની તરકીબ, તે ઝટ કળી શકાતું નથી. ‘અમે એ બધામાં માનતાં નથી’- એમ કહીને કેટલાક લોકો ચાલાકીપુર્વક એક કાંકરે બે પક્ષી મારી લે છે. સુધારાવાદના ઓઠા હેઠળ ગજવાને વેતરાતું બચાવી લેવું એ વ્હાઈટ કોલર ચાલાકી ગણાય.    એમાં બે ફાયદા થાય. પૈસા બચે અને પોતાના નામ પર સુધારાવાદી હોવાનો સીક્કો લાગે. પણ ઉંડી તપાસ કરો તો જાણી શકાય કે તેમને રૅશનાલીઝમ સાથે સ્નાનસુતકનો સંબંધ હોતો નથી. પરંતુ પંડ્યા પરીવારે કશા હોબાળા કે જાહેરાત કર્યા વગર રૅશનાલીઝમનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરું પાડ્યું હતું. એમણે મરણોત્તર કર્મકાંડનો ખર્ચ તો ન જ કર્યો પણ તેનાથી દસ ગણા પૈસા શાળા વગેરેમાં દાનમાં આપ્યા. આનાથી ઉત્તમ પીતૃતર્પણ બીજુ કયું હોય શકે ?

      અહીં એક આડ મુદ્દા તરફ વાચકમીત્રોનું ધ્યાન દોરવું છે.  સમાજમાં ૯૯ ટકા લોકોની માનસીકતા એવી હોય છે કે આપણે  પીતાજીનું શ્રાદ્ધ ન કરાવીશું તો સમાજ શું કહેશે ? વળી સદ્ ગતનો જીવ અવગતે જશે તો આપણા કુટુંબ પર કોઈ આફત આવશે. પણ એવી કોઈ જ ફીકર કર્યા વીના માણસ પોતાને સમજાયેલા રૅશનલ સત્યને આધારે જીવે એમાં સમાજને (લાડવા ખાવા ના મળે એ સીવાય બીજું) કોઈ નુકસાન છે ખરું ? યાદ રહે સ્વ. શ્રી ચંદ્રકાંત પંડ્યાજી પોતે આસ્તીક હતા. એમનો આખો પરીવાર સંપુર્ણ આસ્તીક છે. છતાં એમણે આવું રૅશનલ પગલુ ભર્યું. હવે જરા વીચારો, આટલું ઉત્તમ રૅશનાલીઝમ અપનાવ્યા બાદ તેઓ આજીવન ભગવાનમાં માનતા રહે તેમાં રૅશનાલીઝમને કોઈ નુકસાન છે ખરું?

      મને હંમેશાં લાગ્યું છે કે ઈશ્વરને ભજવા ન ભજવા કરતાં માણસ સમાજની વચ્ચે કેવી રીતે જીવે છે. તે વાતનું મહત્ત્વ વધારે છે. સ્વ. શ્રી પંડ્યાજીએ નવસારીમાં રેડક્રૉસ સોસાયટીની બ્લડબૅન્કથી માંડી નવચેતન સાહીત્ય મંડળ કે યોગા ક્લબ વગેરેની સ્થાપના કરી હતી. નવસારીના વીકાસના દર ચોથા કામમાં પંડ્યાજીનો ફાળો હતો. વર્ષો સુધી તેઓ એક માત્ર ‘ગુજરાતમીત્ર’ના પત્રકાર રહ્યા હતા. મર્યા બાદ એમના જયેષ્ઠ પુત્ર શ્રી સતીશ પંડ્યાએ પણ જ્યોતીસમાજમાં એ જ પ્રકારની સમાજ સેવા ચાલુ રાખી છે. રોટરી ક્લબમાં પણ સાહીત્યીક ગોષ્ઠીઓના સંચાલનમાં તેમની વીશેષ ભુમીકા રહેતી હોય છે. આગામી ડીસેમ્બરમાં નવસારી ખાતે યોજાનાર ગુજરાતી સાહીત્ય પરીષદના અધીવેશનની જવાબદારી ‘બાનો ભીખુ જ્ઞાનપ્રસાર ટ્ર્સ્ટે’ ઉપાડી છે. આ પુર્વે પણ બાનો ભીખુના ટ્રસ્ટ દ્વારા નવસારીમાં ગઝલસત્ર યોજાયું હતું.   

       ગુજરાતી સાહીત્ય પરીષદનું પહેલું અધીવેશન ૧૯૫૭માં નવસારીના અતીસુખશંકર ત્રીવેદીના યજમાનપદે મળ્યું હતું. બાવન વર્ષ પછી ફરી નવસારીને આંગણે સારસ્વતોનો કુંભમેળો ભરાઈ રહ્યો છે તેનો યશ ‘બાનો ભીખુ જ્ઞાનપ્રસાર ટ્ર્સ્ટ’ ને ફાળે જાય છે. સ્વ. પંડ્યાજીએ નવસારીને ચરણે પોતાનું જીવન સમર્પીત કરી દીધું હતું. નવસારીમાં ગણ્યા ગણાય નહીં એટલાં કામો એમણે કર્યા છે. બસ એ જ કારણે એમના પત્ની કપીલાબહેનના નામ અગળ ગં. સ્વ. વીશેષણ  લગાડવાનું ઉચીત નથી લાગતું. જેઓ સતત જાહેરજીવનમાં રહીને શહેર માટે જાત ઘસી નાખે, ચોતરફથી ભારે લોકચાહના મેળવીને ગૌરવભેર વીદાય લે, એવા પ્રતીષ્ઠીત પુરુષની પત્નીનું સૌભાગ્ય આજીવન અખંડ રહેતું હોય છે. અમારા બચુભાઈ કહે છે– ‘રામચન્દ્રજીની પત્નીના નામ આગળ કદી ગં. સ્વ. શબ્દ લગાડી શકાય ખરો ? ગં. સ્વ. કસ્તુરબા એમ બોલવાનું પરવડે ખરું ? જેઓ જીવતાં જીવત તેમનાં સદ્કર્મો દ્વારા અમર થઈ જાય તેઓ લોકહ્રદયમાં સદા અમર બની રહે છે. સ્વ. ચંદ્રકાંત પંડ્યાના સંદર્ભે ગની દહીંવાળાની પ્રસ્તુત પંક્તીનું સ્મરણ થાય છે. ‘જીન્દગીનો એ જ સાચો પડઘો છે ગની… હોય નહીં વ્યક્તી ને એનું નામ બોલાયા કરે…!’

      સાહીત્ય પરીષદનું અધીવેશન નવસારીમાં યોજાઈ રહ્યું છે ત્યારે એક બીજી ચર્ચા સમયસરની ગણાશે. મા સરસ્વતીના પવીત્ર સાહીત્ય ક્ષેત્રમાં આજે સ્થીતી ખાસ ગૌરવ લઈ શકાય એવી રહી નથી. બધાં ક્ષેત્રોમાં મુલ્યોનું ધોવાણ થયું છે. તેમ સાહીત્યમાંય થયું છે. જુની પેઢીના સર્જકો પન્નાલાલ પટેલ, પીતાંબર પટેલ, ઈશ્વર પેટલીકર, ગૌવર્ધનરામ ત્રીપાઠી, રવીન્દ્રનાથ, શરદબાબુ વગેરેનું પ્રદાન સાત્ત્વીક અને ચીરસ્મરણીય રહ્યું હતું. તેમનાં સર્જનમાં જીવન ધબકતું હતું. આજના બહુધા સર્જકો વાડાબંધીનો ભોગ બન્યા છે. સાહીત્યક્ષેત્રે પૈસા લઈને કરવામાં આવતા મૈત્રીવીવેચનોનું પ્રદુષણ વધ્યું છે. રોયલ્ટી તો ઠીક, લેખકની બુદ્ધીશક્તીનું પારીશ્રમીક ગણાય એથી લેખક રોયલ્ટી ઝંખે તે અનુચીત નથી; પરંતુ એથી આગળ વધીને એવોર્ડો મેળવવા કેવા પેંતરા કરવા… પઠ્યપુસ્તકોમાં પોતાની કૃતીનો સમાવેશ કેવી રીતે કરાવવો… અથવા પોતાના પુસ્તકને  પાઠ્યપુસ્તક તરીકે કેવી રીતે ઘુસાડવું એવી બધી જ મેલી વીદ્યામાં આજનો લેખક પારંગત થઈ ગયો છે.

      કહેવાતા ટોચના ધુરંધર સાહીત્યકારો વીશે પણ ઘણાં ઘૃણાસ્પદ સત્યો બહાર આવે છે. સાહીત્યકારો સાથે સાધારણ માણસનો અંતરંગ સંબંધ તુટી રહ્યો છે.

      ગૌવર્ધનરામ ત્રીપાઠીના સરસ્વતીચંદ્રનો લોકજીવન પર એવો ગાઢ પ્રભાવ હતો કે લોકો તેમની નવલકથાનાં પાત્રોનાં નામ પરથી પોતાનાં સંતાનોનાં નામ રાખતા. આજે લેખકની કલમ અને કલ્પનામાં એવું કૌવત રહ્યું નથી. મા સરસ્વતીનું ક્ષેત્ર ‘લીયા… દીયા’ જેવું સ્ટોક એક્સચેંજ બની ચુક્યું છે. માતબર અખબારો અથવા મેગેઝીનો પુરસ્કારનું પ્રપંચયુદ્ધ ખેલી સારસ્વતોને ખરીદે છે અને લેખકો પણ વફાદારી નેવે મુકી અહીંથી તહીં દોડાદોડી કરે છે. પોલીટીક્સમાં રાજકારણીઓ વેચાય છે. સાહીત્યક્ષેત્રમાં સાહીત્યકારો વેચાય છે. સાહીત્ય ક્ષેત્રમાં સરસ્વતીની સંપુર્ણ આણ પ્રવર્તવી જોઈએ. તેને બદલે સરસ્વતીનો સુરજ લક્ષ્મીજીના ગાઢ વાદળ ઓથે ઢંકાઈ ગયો છે. સાહીત્ય પરીષદમાં ભેગા થનારા લેખકો કેવળ સાહીત્યની ક્વૉલીટીની જ નહીં આજના લેખકોની  ક્વૉલીટીની પણ ચર્ચા કરે તે જરુરી છે.

: ધુપછાંવ :

     એકવાર ચંદ્રકાંત પંડ્યાજીએ ‘ગુજરાતમીત્ર’ને લખ્યું મારી વયવૃદ્ધીને કારણે  હું આપને પત્રકાર તરીકેની સેવા આપી શકતો નથી. એથી હવે મને પુરસ્કાર મોકલવાનું બંધ કરો. ‘ગુજરાતમીત્રે’ ઉત્તર વાળ્યો- ‘તમે આખુ જીવન અમારે ત્યાં સેવા આપી છે. અમે અમારા સ્ટાફને અમારા સ્વજન ગણીએ છીએ. એથી આપની સેવાની કદર રુપે આપને નીયમીત પુરસ્કાર મોકલવો એ અમારી ફરજ  બને છે!’

       શ્રી પંડ્યા પરીવારે જણાવ્યું કે અંત સુધી ગુજરાતમીત્રે એ ફરજ બજાવી હતી. અખબાર અને પત્રકાર પરસ્પર માટે કેવું પવીત્ર સૌજન્ય દાખવી શકે છે તેનું આ વીરલ ઉદાહરણ છે.

- દીનેશ પાંચાલ ‘જીવન સરીતના તીરે’ કોલમ

તા 2 ઓગસ્ટ, 2009ના સુરતના ‘ગુજરાતમીત્ર’, દૈનીકની રવીવારીય પુર્તી માં વર્ષોથી પ્રગટતી એમની લોકપ્રીય કટાર ‘જીવન સરીતના તીરે’ ના સૌજન્યથી  સાભાર…..

સંપર્ક:

શ્રી. દીનેશ પાંચાલ, સી-૧૨, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ફોન : (02637) 242 098 Mobile-94281 60508

સાધારણ રીતે એવું માનવામાં આવે છે કે, ધર્મ દ્વારા મનુષ્યને નૈતીકતાનો પાઠ શીખવા મળ્યો. સ્થુળ રુપે જ્ઞાન, કર્મ અને ભક્તી આ ત્રણ ધારાઓમાં ધર્મને વીભક્ત કરવામાં આવ્યો છે. પરંતુ સર્વસાધારણને ધ્યાનમાં રાખી વીચાર કરવામાં આવે તો ભક્તીનો જ અધીક પ્રભાવ જોવા મળે છે. ધાર્મીક સ્થળોમાં ભક્તીનું જ વાતાવરણ વીશેષ હોય છે. તેની પાછળ  નૈતીકતા અને ચરીત્રશુદ્ધીની વાતોની ઉપેક્ષા થઈ રહી છે. ભક્ત પોતાના ઉપાસ્યની તરફ ઢળે એ માટે ભક્તી સાહીત્યમાં છ ભાવ સુચવ્યા છે. જેમાં મધુરભાવ સર્વોત્કૃષ્ટ છે. મધુરભાવમાં ભક્ત પોતાને સ્ત્રી માને અને ભગવાનને પતી અથવા પ્રેમી માને છે. આ ઉપરાંત એનાં બે રુપ પણ છે- પતીભાવ અને જારભાવ. પતીભાવમાં સામાજીક મર્યાદાઓ રહે છે જ્યારે  જારભાવમાં આ મર્યાદાઓ તોડવામાં આવે છે. સાધનાની દૃષ્ટીએ પતીભાવની તુલનાએ જારભાવને ઉત્કૃષ્ટ માનવામાં આવે છે- એનું બીજું નામ સખીભાવ પણ છે. જેમાં મોટા ભાગના ભક્તો, પુરુષ હોવા છતાં સાડી પહેરે છે, આંખમાં સુરમો  આંજે છે અને લલાટે ચાંદલો પણ કરે છે. એટલું જ નહીં, મહીનાના ચાર દીવસ રજસ્વલા હોવાનો ઢોંગ આદરે છે.

ભક્તીવાદી પરંપરાઓમાં અત્યારે પણ રાસલીલાનો પ્રચાર પર્યાપ્ત છે. જેમાં એક વ્યક્તી ભગવાન કૃષ્ણ અને અન્ય ગોપીઓના સ્વાંગમાં રાસલીલા અને વીવીધ પ્રકારની શૃંગારીક ચેષ્ટાઓ/અડપલાઓ પણ કરે છે. મહાકવી જયદેવ કૃત ‘ગીત–ગોવીંદ’માં તેનું સ્પષ્ટ આલેખન જોવા મળે છે. કૃષ્ણ કોઈક ગોપીને આલીંગન કરે છે, કોઈકને ચુંબન. તો વળી, કોઈકને એકાંતમાં લઈ જઈને વસ્ત્રાહરણ પણ કરે છે. શું આ જ પ્રેમનું સાચું સ્વરુપ છે ? કે પછી કોઈ સામંતની વીલાસીતતાનું આલેખન છે ? ભ્રમરને પ્રેમીની ઉપમા આપી છે જે ક્યારેક એક ફુલ ઉપર તો ક્યારે બીજા ફુલ ઉપર બેસે છે. શું આને જ સાચો પ્રેમી કહેવાય? પ્રેમીકાને પણ આવી રીતે પ્રેમી બદલવાનો અધીકાર આપવામાં આવે છે ખરો? કાવ્યોમાં અનેક સ્ત્રીઓ સાથે સંપર્ક રાખનાર પુરુષને ‘રસીક’ કહેવામાં આવે છે, જ્યારે અનેક પુરુષો સાથે સંપર્ક રાખનારી સ્ત્રીને ‘દુરાચારીણી’ કહેવામાં આવે છે.

નીર્દોષ હોવા છતાં સીતાને ઘરમાંથી કાઢી મુકનાર રામને આદર્શ પતી માનવામાં આવે છે. બીજી તરફ આ અત્યાચારની વીરુદ્ધ કોઈ અવાજ ઉઠાવ્યા વીના ચુપચાપ અત્યાચાર સહન કરવા બદલ સીતાને આદર્શ પત્ની કહેવામાં આવે છે. જો આ જ અધીકાર સીતાના હાથમાં હોત અને સીતાએ આ જ દંડ રામને આપ્યો હોત ત્યારે સીતાને શું કહેવામાં આવત? આ ઉદાહરણો દ્વારા એક પ્રશ્ન ઉપસ્થીત થાય છે કે તો પછી ધર્મનો શો આધાર છે? અનૈતીક હોવા છતાં પણ આજ્ઞાઓનું પાલન અથવા પ્રત્યેક પરંપરાનું નૈતીકતાના આધાર પર મુલ્યાંકન ? સ્વસ્થ મનોવૃત્તી કેળવવા માટે અત્રે સ્પષ્ટ થવું જરુરી છે કે, ધર્મના નામે કે પછી ભગવાનના નામે અનૈતીકતાને આપવામાં આવતું પ્રોત્સાહન ઠીક નથી.

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૨૪/૧૨/૧૯૯૪ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …


- ગોવીન્દ મારુ અને ભુપેન્દ્ર ઝેડ.

21મી સદીનું લાંબામાં લાંબુ સુર્યગ્રહણ અંગે એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ એસોસીએસન ઓફ સુરત(AAAS) સંસ્થા દ્વારા કોળી-ભરથાણા મુકામે એક લાઈવ વર્કશોપનું આયોજન થનાર છે. એ જાણી વીજ્ઞાન મંચની ટીમ રોમાંચીત થઈ ગઈ. તા.21/07/૨૦09ના રોજ શ્રી ગોવીંદ મારુની આગેવાની હેઠળ ડૉ. દીપક દેસાઈ, ડૉ. ધનસુખભાઈ પટેલ અને શ્રી ભુપેન્દ્ર ઝેડ.  નવસારીથી સુરત-કામરેજ જવા રવાના થયા. ત્યારે નવસારીમાં અષાઢી મેહુલો મસ્ત-મસ્ત ઝરમર-ઝરમર વરસતો.. અમોને વીદાય આપવા વેસ્મા હાઈ-વે સુધી આવ્યો. મઝા આવી, સાથો-સાથ મનમાં ચિંતા પણ થતી કે સુરતમાં વરસાદ હશે કે નહિ ? વેસ્મા હાઈ-વેથી કામરેજ(જી. સુરત) થઈ અમારી ટીમ કોળી-ભરથાણા ગામની સીમમાં આવેલી અત્યંત સુન્દર અને જાજરમાન ‘આત્મીય વિદ્યા મંદીર’ના કેમ્પસમાં દાખલ થયા ત્યારે વરસાદ ગાયબ થઈ જતાં ફરીથી જાણે હરખનું તેડું આવ્યું હોય તેમ અમોએ રજીસ્ટ્રેશનની પ્રક્રીયા પુર્ણ કરી ગરમા ગરમ ચા-નાસ્તો કરીને શાળાના પવીત્ર અને ચોખ્ખાઈભર્યા માહોલથી અનહદ આનંદ અનુભવીને ‘આત્મીય વીદ્યા મંદીર’ના હોલમાં પ્રવેશ કર્યો. દેશ-વીદેશના વૈજ્ઞાનીકો, શીક્ષકો, જીજ્ઞાસુ મીત્રો અને વીદ્યાર્થી ડેલીગેટસ તેમજ ‘આત્મીય વીદ્યા મંદીર’ના ધોરણ 8-10ના વીદ્યાર્થીઓથી  હોલ છલોછલ ભરાઈ ગયો હોવા છતા નીરવ શાંતિ વચ્ચે અમો મોડા પહોચ્યા- ત્યાંરે  કાર્યક્રમ શરુ થઈ ગયો હતો.

‘સુર્યગ્રહણ’ના પ્રથમ પગથીયાનો તેજ લીસોટો જાણીતા ખગોળ વૈજ્ઞાનીક ડૉ. બ્રીજમોહન ઠાકોરે પાડ્યો. તેઓએ Activities for Solar Eclipse” પર પ્રવચન આપવાનું શરુ કરી ઉપસ્થીત સૌને એક તાંતણે બાંધી દીધા. સુર્યની શક્તી, પ્રકાશ, અંતર, સુર્યના રહસ્યો, આભામંડળ,  સુર્યગ્રહણ, વીષે ઉંડાણથી સરળ અંગ્રેજીમાં સમજ આપી. ત્યાર બાદ કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબના સેક્રેટરી શ્રી નરેન્દ્ર ગોરએ “સુર્યગ્રહણ સબંધી માન્યતાઓ તેમજ અંધશ્રધ્ધાઓ” અંગે સીધી-સાદી ગુજરાતી-અંગ્રેજી ભાષામાં વાતો કરીને સૌનું મન જીતી લીધું હતું. તેઓના વક્તવ્યને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. ત્યાર બાદ          ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી(પી.આર. એલ.)ના સીનીયર સાયન્ટીસ્ટ ડૉ. હરી ઓમ વત્સએ Shadow Bands અંગે એટલાંટીકમાં કરેલ અનુભવને એનીમેશન ચીત્રો દ્વારા તેમજ શોધ નીબંધને સ્લાઈડ શૉ દ્વારા સમજાવેલ. ત્યાર બાદ ડૉ. જે. આર. ત્રીવેદીએ 36 વર્ષ પહેલા ઉલ્કાઓ ભેગી કરી રીસર્ચ લેબોરેટરીઝને પહોંચાડવાનો વીશ્વવીક્રમ સ્થાપ્યો હતો. તેવા આ સીનીયાર સાઈંટીસ્ટે Meteorite Collection with Studentsવીષય ઉપર સવીસ્તાર વ્યાખ્યાન આપ્યું.

ત્યાર બાદ પી.આર. એલ.ના એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફીઝીક્સ ડીવીઝનના પ્રો. ડૉ. રાજમલ જૈનએ Sun-Earth Relation વીષય ઉપર કહ્યું કે,  હું છેલ્લા ત્રણ વર્ષથી સુર્યની પાછળ પડ્યો છું. મને સૂર્યમાં ખુબ જ રસ છે. સુર્યની દીન-પ્રતીદીન, કલાક-મીનીટ, રોજ-બરોજની હીલચાલની નોંધ રાખું છું. છેલ્લા ત્રણ વર્ષના તેઓના સંશોધનમાં સુર્યએ કોઈ મુવમેંટ કરી નથી. ત્રણ વર્ષથી સુર્ય શાંત બેઠો છે- એ વૈજ્ઞાનીકો માટે ચીંતાનો વીષય છે. જો સુર્ય શાંત રહે તો પણ ઉપાધી અને તોફાને ચઢે તો પણ ઉપાધી છે. હમણાનું ગ્લોબલ વોર્મીન્ગ  માનવ સર્જીત છે. પણ ભવીષ્યમાં સુર્ય પણ ગ્લોબલ વોર્મીન્ગ માટે જવાબદાર રહેશે! સુર્યના પરીઘ ઉપર ગોળાકારમાં આપણે એક પછી એક પૃથ્વીઓ ગોઠવીએ તો 1,33,000 પૃથ્વીઓ ગોઠવી શકાય ! અને સુર્યમાં ઉપરથી એક મોટું બાકોરુ(કાણું) પાડીને સુર્યના પેટાળમાં એક પછી એક પૃથ્વી પધરાવીએ તો બે લાખથી પણ વધુ પૃથ્વીઓ સુર્યના પેટાળમાં જાય તો પણ એનો પેટાળો ભરાઈ નહીં !! એક કુતુહલ પ્રેરક વાત પણ કરી કે, ત્રાજવાના એક પલ્લામાં સુર્યને મુકીને વજન કરવું હોય તો આશરે દોઢ લાખથી વધુ પૃથ્વીની જરૂર પડે !!! અર્થાત્ સુર્ય આપણી પૃથ્વી કરતાં અનેક રીતે મોટો- ચઢીયતો છે !!!! આવી વાતો કરી સૌને મંત્રમુગ્ધ કરનાર ડૉ. જૈન સાહેબનું વક્તવ્ય કાબીલે દાદ હતું !

ત્યાર બાદ ચન્દ્રયાન પ્રોજેક્ટને કો-ઓર્ડીનેટ કરી રહેલ જાણીતા વૈજ્ઞાનીક ડૉ. નરેન્દ્ર ભંડારી એ Mission to Moon વીષય ઉપર ચન્દ્ર ઉપર માનવરહીત ‘ઈસરો’ દ્વારા મોકલવામાં આવેલ ‘ચન્દ્રયાન-1′ તેમજ હવે પછી મોકલવામાં આવનાર  ‘ચન્દ્રયાન -2′ના ચીત્રો સહીતની માહીતીથી સર્વે ડેલીગેટસને અચંબામાં મુકી દીઈને વીસ્તારથી સચીત્ર સમજ આપી હતી. અહેવાલના અંતે ‘ચન્દ્રયાન -2′ નું ચીત્ર સાદર છે.

એક નાનકડા કાર્યક્રમમાં ડૉ. જે. જે. રાવલ, પ્રમુખશ્રી, ઈન્ડીયન પ્લેનેટરી સોસાયટીની અદ્યક્ષતામાં તેમજ તમામ વૈજ્ઞાનીક/વક્તાશ્રીઓ, ‘આત્મીય વીદ્યા મંદીર’ના આચાર્યશ્રી ડૉ. યોગેશ રાવલના વરદહસ્તે દીપ પ્રાગટ્યથી AAAS સંસ્થાની સ્થાપના કરવામાં આવી, જેને તમામ ડેલીગેટસ તેમજ વીદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી વધવવામાં આવેલ. પરંતુ અન્ય રોકાણોને કારણે ડો. જે. જે. રાવલ સાહેબના વક્તવ્યનો લાભ મળ્યો નહી તેનું સર્વેને દુ:ખ રહ્યુ.

21મી જુલાઈએ થયેલ વરસાદે અમોને ભીંજવી દીધા હતા. 22મી જુલાઈએ થનાર ‘ખગ્રાસ સૂર્યગ્રહણ’ દેખાવાની કોઈ સંભાવના ન રહેતા અમારો ઉત્સાહ ઓસરવા લાગ્યો. અમારી વીજ્ઞાનમંચની ટીમ નીરાશ થઈને 22મી જુલાઈનો “live workshop” નો લાભ લઈ શકાય તેમ ન હોય, સાંજે 19-30 કલાકે ‘આત્મીય વીદ્યા મંદીર’ના કેમ્પસથી નવસારી પરત આવવા રવાના થયા ત્યારથી લઈને નવસારી પરત ફર્યા ત્યાં સુધી વરસાદે અમોને સાથ આપ્યો. અમો મીત્રો 8-30 કલાકે છુટા પડ્યા ત્યારે પણ દરેકના મનમાં ગ્રહણ નીહાળવાની ચીંતાઓના પહાડ ખડા થઈ ગયા. AAAS સંસ્થા આયોજીત આ કાર્યક્રમના યજમાન ‘આત્મીય વીદ્યામંદીર’નો ફાળો નાનો-સૂનો ન હતો. વીદ્યા મંદિરના આચાર્ય ડૉ. યોગેશ રાવલ સાહેબ તેમજ ટ્ર્સ્ટીમંડળના સભ્યો અને હરીભક્તોએ વર્કશોપમાં ભાગ લેનાર સર્વે વૈજ્ઞાનીકો, શીક્ષકો, વીદ્યાર્થીઓની ખડે પગે દેખભાળ રાખી એ બદલ એ તમામને ઢગલો ભરીને  અભીનંદન આપીએ તો પણ ઓછા છે..

22મી જુલાઈના રોજ અમારી ટીમ સુયગ્રહણ જોવા સમયસર એકઠી થઈ પરંતુ પરીણામ શુન્ય રહ્યું. ખગ્રાસ તો ઠીક પણ આંશીક સુયગ્રહણ પણ જોઈ શકાયું નહીં, એ વાતનો અફસોસ રહી ગયો. એ સમયે સમગ્ર પંથકમાં અંધારપટ છવાતાં પશુ-પક્ષીઓની દોડધામ, ચીચીયારી અને નગરજનોનો ઉત્સાહ વચ્ચે અમો ફરીથી ખુશ થયા. તેમજ ટી.વી. ચેનલો દ્વારા તારેગના(આર્યભટ્ટની કર્મભુમી), ગયા, અલ્હાબાદ, સોનભદ્ર, કોહીમા વીગેરેના આંશીક ગ્રહણ તેમજ વારાણસી અને ચીનના ખગ્રાસ ગ્રહણની વીવીધ તસ્વીરો નીહાળીને અનહદ આનંદ માણ્યો. હવે પછી આટલું લાંબુ સૂર્યગ્રહણ એક સદી પછી- એટલે કે 13 જુન, 2132 સુધી થનાર નથી. ત્યારે આપણામાની એક પણ વ્યક્તી જીવીત નહીં હશે !!

જાણીતા સાયન્સ એક્ટીવીસ્ટ શ્રી ધનંનજય રાવલની આગેવાની હેઠળ  યોજાયેલ કાર્યશીબીર દ્વારા અમોને ખુબ જ જાણવા મળ્યું તેનો આનંદ છે. AAASની સ્થાપક મીત્રો સર્વશ્રી જગદીશ થદાણી, ચરીતાર્થ વ્યાસ, નીકુંજ રાવલ , ફેનીલ પાટડીયા નો ખુબ ખુબ આભાર.

Chandrayan-2

ખગોળવીજ્ઞાનમાં અનુસ્નાતક થયેલ ભારતીય ખગોળવીજ્ઞાની વધુ અભ્યાસાર્થે જર્મની ગયો. થોડા સમય પછી સુર્યગ્રહણ થવાનું હતું. તેના ચોક્કસ સમયની ગણતરી આ ભારતીય ખગોળ વીજ્ઞાનીએ કરી. બરોબર આજ સમયે સુર્યગ્રહણ થયું. ભારતીય ખગોળવીજ્ઞાની સુર્યગ્રહણના સમયે હોસ્ટેલમાંથી બહાર આવી, ‘દે દાન છુટે ગ્રહણ’ ની બુમો પાડવા લાગ્યો. તેના સહાધ્યાયીઓ તેના આવા બેહુદા વર્તનથી ડઘાઈ ગયા. જર્મન મનોવીજ્ઞાનીએ આ ખગોળવીજ્ઞાનીના બેહુદા વર્તન માટે તેના સર્વાંગી પરીક્ષણ કર્યુ અને તારવ્યું કે માનવીના મગજમાં જુદા જુદા વીભાગો હોય છે અને તેમની વચ્ચે સતત સમન્વય કરનાર સેતુ પર કોઈક પ્રકારનો અવરોધ છે. જેથી તેના એક વીભાગમાં ખગોળવીજ્ઞાન છે. જ્યારે બીજો વીભાગ જુની રુઢીગત પરંપરાગત અંકીત થયેલ છે. અને તેમની વચ્ચે જે સમન્વય થવો જોઈએ તે થતો નથી. એટલે તે આવું બેહુદુ વર્તન કરે છે. અર્થાત તેના બેહુદા વર્તન માટે તે જે સમાજમાં ઉછરેલ છે તે જવાબદાર છે.

બાળકમાં જીજ્ઞાસાવૃતી સતેજ હોય છે અને દરેક બાળક સવાલ કરે છે. ‘આ શુ છે ?’ આમ શા માટે થાય છે ? આ કેવી રીતે થાય છે ?’ આ ભાવી વીજ્ઞાનીના સવાલના જવાબમાં તેમને એમ કહેવામાં આવે કે રાહુ કેતુ સુર્યને ગ્રસી જાય છે. તો તે વીચાર તેના મગજમાં એટલા પ્રમાણમાં અંકીત થઈ જાય છે. ખગોળ વીજ્ઞાની થાય અને છતાં ગ્રહણના સમયે રુઢીગત જે વીધી કરવામાં આવતી હોય તેનું પાલન ‘આદત સે મજબુર’ના ન્યાયે કરે છે. જ્યારે બાળક સવાલ કરે કે સુર્યગ્રહણક શા માટે થાય છે. ત્યારે તેને સમજાવવામાં આવે કે તે માત્ર ચન્દ્રનો પડછાયો છે તો તેની જીજ્ઞાસાવૃત્તી સંતોષાશે અને સાથે સાથે તેની બુદ્ધીનો વીકાસ થશે.

વીજ્ઞાનનો સ્નાતક હાથ પર મંત્રેલું માદળીયું બાંધે છે કે ઉપગ્રહ ને અવકાશમાં ફંગોળવા માટે શુભ ચોઘડીયા જોવાય છે. એવા અવલોકનો કરી કોઈ એમ કહે કે ‘સાક્ષરતા અભીયાનનો કોઈ અર્થ ખરો ?, તો તે જાણ્યે અજાણ્યે સાક્ષરતા અભીયાનનો વીરોધ કરે છે. આપણા દેશમાં નીરક્ષરતા વ્યાપક છે ત્યાં સાક્ષરતા અભીયાનની આવશ્યકતા સવીશેષ છે પણ ભલે તે અક્ષરજ્ઞાન પુરતી સીમીત હોય. વીજ્ઞાનનો સ્નાતક હાથ પર મંત્રેલું માદળીયું બાંધે છે. એમાં આપણા સમાજમાં પ્રર્વતતી પછાત માનસદશાનું પ્રતીબીંબ થાય છે. જેને નીવારવા માટે વ્યાપક પાયે વીજ્ઞાન-અભીયાનની આવશ્યકતા છે. સોવીયેટ રશીયામાં ૧૯૧૭ની રાજ્યક્રાંતી પછી લેનીનના નેતૃત્વ હેઠળ પ્રચંડ વીજ્ઞાન અભીયાન ચલાવવામાં આવ્યું. પ્રચારના બધા માધ્યમો દ્વારા લોકોને વીજ્ઞાનમય બનાવવાના સરકારી સ્તરે અને સમાજના દરેક ક્ષેત્રે ભગીરથ પ્રયાસો થયા. તે એટલે સુધી કે વીજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે પછાત ગણાતો દેશ. ૧૯૫૭માં અવકાશમાં સ્પુટનીકને વહેતો કરી બધાથી મોખરે થઈ ગયો.

આ કાર્ય એટલું ભગીરથ છે કે દરેક જાગૃત ભારતીય નાગરીકે આ દીશામાં યથાશક્તી ફાળો આપવો પડશે. સમાચાર પત્રો, સામયીકો, રેડીયો. ટી. વી. પણ આ અભીયાનમાં સભાનતા પુર્વક કામ કરશે. તો બે દશકામાં ભારતની હવા બદલી જશે. નુતન ભારતીય નાગરીકોને વીજ્ઞાનની ગળથુથી મળશે, બાકી વીજ્ઞાનનો સ્નાતક માદળીયું બાંધે છે એવા ઉપરછલ્લા અવલોકનો કરી સાક્ષરતા અભીયાનમાં દોષ જોવાની વક્ર ર્દષ્ટીથી કોઈ અર્થ સરશે નહી.

-આર. કે. મહેતા

ગુજરાતમીત્ર તા. ૩૧મી મે ૧૯૯૨

આર. કે. મહેતા સ્મૃતી-ગ્રંથ પાન નં. ૬૩


Solar Eclips તમામ કુદરતી જીવો સુર્યના ઉગવા-આથમવાના કુદરતી ઘટનાક્રમથી વાકેફ છે. છતાં કોઈક દીવસે સુર્યોદય થયા પછીના અમુક સમય પછી, તરત જ અંધકાર છવાઈ જાય, રાત પડ્યાના અહેસાસથી પંછીઓ પોતાના માળા તરફ પાછા ફરવા પ્રયાણ કરે, ધોળે દીવસે તારા દેખાવા લાગે, ત્યાં તો થોડા સમય પછી તરત જ સુર્યના કીરણો પ્રકાશ પાથરવાનું શરુ કરે અને દીવસનું વાતાવરણ પુન:સર્જાય, ત્યારે ભલ ભલા બહાદુર માનવીઓ ભયભીત થઈ જાય છે.

નરી આંખે સુર્યગ્રહણ નીહાળવું હીતાવહ નથી. તેમ કરવાથી કાયમને માટે અંધાપો આવી શકે છે. પ્રાચીન યુગમાં આવા હાનીકારક બનાવો બન્યા પણ હોય, તેનાથી ભયભીત થઈને આપણા પુર્વજોએ કોપાયમાન (માની લીધેલા) સુર્યદેવ(!)ને રીઝવવાના ભ્રામક ખ્યાલથી પ્રેરાઈને સુર્યગ્રહણ વખતે ઘર બહાર નહી નીકળવાનું સ્વીકાર્યું હશે! આ અગાઉ થયેલ ખગ્રાસ (સંપુર્ણ ગ્રહણ) નો આહ્ લાદક આનંદ માણવાને બદલે ઘરના બારી-બારણાં બંધ કરીને લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા. એટલું જ નહી શીક્ષકો, પ્રાધ્યાપકો અને સરકારી કર્મચારીઓને ગ્રહણથી પીડાવું ન પડે તે માટે કેટલીક સરકારે રજા જાહેર કરી હતી. તેનું પુન: આંધળુ અનુકરણ ન થાય અને તા.22મી જુલાઈ, 2009ના રોજ બહુજન સમાજ સ્વતંત્રપણે વીચારે અને ખગ્રાસ સુર્યગ્રહણ ગ્રહણનો આહ્ લાદક આનંદ માણી શકે તે આ બ્લોગરનો આ નમ્ર પ્રયાસ છે.

એક વર્ષમાં ઓછામાં ઓછા 02 અને વધારેમાં વધારે 07 ગ્રહણો થાય છે. 18 વર્ષ, 10-11 દીવસ અને 08 કલાકનું એક ગ્રહણચક્ર હોય છે. તે દરમ્યાન આશરે 70 ગ્રહણ થાય છે. તેમાં 42 સુર્યગ્રહણ અને 28 ચન્દ્રગ્રહણ થાય છે. પ્રમાણમાં 03 સુર્યગ્રહણ અને 02 ચન્દ્ર ગ્રહણ થાય છે. 223 ચંદ્રમાસ અથવા 6585 દીવસ અથવા એક ગ્રહણચક્ર વીત્યા બાદ તેના તે જ ગ્રહણો ફરીથી થાય છે. આમ એક સમયની નોંધ રાખી હોય તો આ ગ્રહણચક્રના દીવસો અવારનવાર નક્કી કરી શકાય છે. 28 ચંદ્રગ્રહણમાંથી સરાસરી 18 ગ્રહણ એક ઠેકાણે થાય છે. એટલે કે એક ગ્રહણચક્રમાં 70 ગ્રહણોમાંથી 07 સુર્યગ્રહણ તથા 18 ચંદ્રગ્રહણ ઘણું કરીને એક જ સ્થળે દેખાય છે. બાકીના તે સ્થળે દેખાતા નથી. 365 વર્ષે એકનું એક ગ્રહણ એના એજ સ્થળે થાય છે.

સામન્ય રીતે બાળકો પણ જાણે છે કે કોઈ પણ અપારદર્શક વસ્તુ પ્રકાશના માર્ગમાં મુકવામાં આવે તો તેનો પડછાયો બીજી બાજું પડે છે. આ જ રીતે ચંદ્ર, સુર્ય અને પૃથ્વી વચ્ચે સીધી રેખામાં તેમજ એકબીજાથી બરાબર અંતરે હોય તો ચંદ્રનો પડછાયો પૃથ્વીના નાના ભાગ પર પડે છે. અને આ ભાગમાંથી જ્યારે સુર્યને જોવામાં આવે છે, ત્યારે સુર્ય, ચંદ્ર પાછળ સંતાયેલો દેખાય છે. જેને આપણે ખગ્રાસ સુર્યગ્રહણ કહીએ છીએ. આ એક અપુર્વ કુદરતી ઘટના છે. ધરતીકંપ, વાવાઝોડું જેવી ઘટનાઓમાં અતીભારે નુકસાન થાય છે. આવું કશું ગ્રહણની ઘટનામાં બનતું નથી. તેથી પારંપરીક ખોટા ખ્યાલો, રુઢીઓ વગેરે ત્યજી, વૈજ્ઞાનીક સમજદારીથી ગ્રહણની ઘટનાને નીહાળવી જ જોઈએ. સુર્યને નરી આંખે, દુરબીન કે ટેલીસ્કોપ વડે નીહાળવાથી કાયમને માટે અંધાપો આવી શકે છે. સુર્ય પુર્ણ ગ્રસીત થવામાં હોય ત્યારે પીનહોલ કેમેરા મારફત છાંયડાવાળી દીવાલ પર સુર્યબીંબ પ્રોજેક્ટ  કરી પરાવર્ધીત યા પરીવર્તીત બીંબ નીહાળી શકાય છે. બદલાતા સમયમાં ટેલીસ્કોપ કે દુરબીન આગળ ફીલ્ટર રાખીને પણ સુર્યગ્રહણ નીહાળી શકાય છે. નીકલ-ક્રોમીયમ (INCOMEL) વડે આવરણ ચઢાવેલ અને સહેલાઈથી ઘસરકા ન પડે તેવા ફીલ્ટર(ચશ્મા) સુર્ય પ્રકાશમાંથી પાર-જાંબલી (અલ્ટ્રાવાયોલેટ) ને અધોરક્ત (ઈન્ફ્રારેડ) નુકશાન કરતા ભાગોને હટાવી શકે છે- તેવા ફીલ્ટર(ચશ્મા) વડે  સુર્યગ્રહણ નીહાળી શકાય છે. પરંતુ તેના દ્વારા સતત ગ્રહણ નીહાળવું નહી. બલ્કે, અલપ-ઝલપ યા ક્ષણાર્ધ માટે જ ઉપયોગ કરવો/ ચશ્મા વાપરતા પહેલાં તેની ચકાસણી કરી લેવી કે તેમાં ઘસરકા યા ટાંકણીભર કાણાવાળું ફીલ્ટર હોય તો તે વાપરવું નહી- તેની ખાસ કાળજી રાખવી.

તા.22મી જુલાઈ, 2009ના રોજ થનારા ખગ્રાસ સૂર્યગ્રહણનો પટ્ટો  સુરતની બંને બાજુએ એક તરફ વડોદરા અને બીજી તરફ સેલવાસ સુધી વિસ્તરેલો હશે, તેથી આ વિસ્તારમાં આ ગ્રહણ ખગ્રાસરુપે જોવા મળશે. સુરતમાં ખગ્રાસ ગ્રહણ 03 મીનીટ અને 17 સેકન્ડ સુધી જોવા મળશે, જ્યારે વડોદરા અને સેલવાસમાં તે માત્ર એક મીનીટ અને 19 સેકન્ડ સુર્યગ્રહણ જોવા મળશે. આ સદીનું સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ થશે ! તે 6.6 મીનીટ દેખાશે. ભારતીય સમય મુજબ સવારે 05 કલાક 28 મીનીટે ખગ્રાસ સુર્યગ્રહણ શરુ થશે અને 10 કલાક 42 મીનીટે ખગ્રાસ ગ્રહણ પુરું થશે. આ અગાઉ 24 ઓક્ટોબર 1995માં ખગ્રાસ સુર્યગ્રહણ ગ્રહણ જોવાનો મોકો ગુજરાતને મળ્યો હતો, ત્યાર બાદ આ આ પ્રકારનું સુર્યગ્રહણ ગ્રહણ 123 વર્ષ પછી થશે. જેથી આ તક ચુકી ગયા બાદ આવું લાંબુ ખગ્રાસ ગ્રહણ જોવા મળશે નહી. જેથી આ ખગોળીય ઘટનાનો આહ્ લાદક આનંદ માણવા સૌ કાઈને અપીલ છે.

ગોવીન્દ મારુ

નોંધ:-

(1) ગુજરત/સુરત આમ્ચ્યોર એસ્ટ્રોનોમર્સ એસોસીએસન દ્વારા આત્મીય વીદ્યા મંદીર, કોળી ભરથાણા, સુરત ખાતે તા.21 ને 22/07/2009 ના રોજ વૈગ્યાનીકો, શીક્ષકો તેમજ મારા-તમારા જેવા જીગ્યાસુઓ માટે કાર્યશીબીરનું આયોજન કરેલ છે. જેમાં ભાગ લઈને ભારતભરમાં સૌથી લાંબુ સુર્યગ્રહણનો આહલાદક આનંદ માણવા માટે નીમંત્રણ છે. રજીસ્ટ્રેશન તેમજ વધુ જાણકારી માટે http://aaasteam.blogspot.com/ ની મુલાકાત લેવા વીનંતી છે.

(2) ખગોળશાસ્ત્રના અભ્યાસ સાથે સંકળાયેલા શ્રી ધનંજય રાવલના જણાવ્યા મુજબ વર્તમાન વાતાવરણની માફક 30 થી 40 % વાદળઓ નુંપ્રમાણ રહેશે તો પણ સુર્યગ્રહણ નીહાળી શકાશે. સુર્યગ્રહણ પડછાયાના પથ પર આવતા સુરત સહીત ભારત ને ચીનના કુલ ૧૨ સ્થળોએ વૈગ્યાનીકઓની ટીમ અત્યાધુનીક સાધનોથી સજ્જ રહેશે. આ તમામ સેન્ટર્સ ઈન્ટરનેટથી જોડાયેલા રર્હેશે. જેને કારણે જો કોઈ સંજોગોમા કોઈ સેન્ટર્સ પર ખરાબ હવામાનના કારણે સુર્યગ્રહણ નીહાળવામાં તકલીફ પડશે તો પણ તેઓ અન્ય સેન્ટર્સ નેટવર્ક પરથી સુર્યગ્રહણ નીહાળી શકશે.

« Newer Posts - Older Posts »