Feeds:
Posts
Comments

Archive for the ‘શ્રી. હરનીશ જાની’ Category

સુપર પાવર

કૃષ્ણ ભગવાનની બાબરી અહીં ઉતારાઈ હતી  અમે મોટા અમ્બાજી ગયા હતા ત્યારે મારા ભાણા લાલજીએ એ પવીત્ર સ્થાન બતાવ્યું. અમ્બાજી પાસે ગબ્બરનો પવીત્ર ડુંગર છે. તેના શીખર ઉપર માતાજીના મન્દીર પાસે જ આ સ્થાન છે. ત્યાં મેં એક પવીત્ર બોર્ડ પણ જોયું. તે બોર્ડમાં જ્યાં કૃષ્ણ ભગવાનની બાબરી ઉતારાઈ હતી તે દીશા તરફ જવાનો ઍરો હતો. સાથે અમારાં માસી હતાં. તેમણે ભક્તીપુર્વક તે બોર્ડને પણ નમન કર્યું. મારા પગ નીચે કપાયેલા વાળના ગુચ્છા આવ્યા.

હું બોલ્યો, ‘માસી જુઓ, કૃષ્ણ ભગવાનના વાળ હજુ પડ્યા છે.’ માસીએ ગમ્ભીરતાથી કહ્યું, ‘લોકો પોતાના છોકરાઓની બાબરી અહીં ઉતારવા આવે છે તેના વાળ છે.’

માસી થોડું ચીઢાઈને બોલ્યાં, ‘ભગવાન, આને શ્રદ્ધા રાખતાં શીખવ.’ આ તેમણે સાધુ–મહાત્માની લઢણમાં મુર્તીને કહ્યું. જ્યારે આપણે બોલીએ અને મુર્તી સાંભળે એને શ્રદ્ધા કહેવાય અને જ્યારે મુર્તી બોલે અને આપણને સંભળાય એને ગાંડપણ કહેવાય. માસીની વાત ખરી હતી. આવા પ્રસંગે શ્રદ્ધા જરુરી છે. ત્યાં દરેક જણ શ્રદ્ધાળુ હતું. મેં શ્રદ્ધાથી ભગવાનના વાળ જ્યાં સૌ પ્રથમ વખતે ઉતરાવ્યા હતા ત્યાં નમન કર્યું. સૌ નમન કરતાં હતાં  એટલે વાતમાં જરુર કાંઈ માલ હશે. આટલાં બધાં શ્રદ્ધાળુ કાંઈ ખોટાં થોડાં હોય ! મેં પણ નમન કર્યું. જાણે કોઈ હેરકટીંગ સલુનના એરકન્ડીશન્ડ રુમમાં નમસ્કાર કરતો હોઉં એટલા ભાવથી ! ભગવાનના આશીર્વાદ મળે કે ન મળે; પરન્તુ માસી પર તો સારી ઈમ્પ્રેશન પડી કે અમેરીકામાં રહેવા છતાં મારા ભાણામાં ભારતીય સંસ્કૃતીના થોડાઘણા અંશ બચ્યા છે.

અહીં બોર્ડ માર્યું છે એટલે ભગવાને વાળ કપાવ્યા જ હશે. ત્રણ હજાર વર્ષ પહેલાંનો બનાવ આપણે ત્યાં અકબન્ધ છે. ગોકુળથી અહીં વાળ કપાવવા આવવાનું કારણ શું હોઈ શકે ? કદાચ યશોદામૈયાએ પોતાના લાલાની બાબરી ઉતારવાને બહાને ગુજરાતમાં કે રાજસ્થાનમાં ફરવા આવવાની ઈચ્છા રાખી હશે. અથવા તો તે વખતે અમ્બાજીના મન્દીરમાં બાબરી ઉતરાવાની પ્રથા પહેલેથી હશે. એવી બાધા તે વખતે પણ લેવાતી હશે. સામે કાંઠે આવેલું મથુરા હજુ યાત્રાનું ધામ નહીં બન્યું હોય. ખરું પુછો તો ઉત્તરમાં એવાં ઝાઝાં યાત્રાસ્થાનો નહોતાં બન્યાં. કારણ કે ખુદ ભગવાન જ નાના હતા. હજુ જાત જાતની લીલાઓ નહોતી આદરી. આખા ભારતવર્ષના લોકોનું ધ્યાન ખેંચાય એવા ચમત્કારો તેમણે હજુ નહોતા યોજ્યા. એક રીતે એમ કહેવાય કે અમ્બા માતાજીની ખ્યાતી યશોદામૈયા અને નંદજી પાસે ગોકુળમાં પહોંચી ગઈ હતી. ત્રણ હજાર વર્ષ પહેલાં ભગવાનના વાળ કપાયા એટલે એક વાત ચોક્કસ કે કાતરની અને અસ્ત્રાની શોધ થઈ ગઈ હશે. આપણે ત્યાં એડવાન્સ ટૅકનોલોજી હતી અને આથી જ તલવાર અને તીરથી મહાભારત લડતાં ફાવ્યું.

યશોદામૈયાની અમ્બાજીમાં વાળ કપાવવાની વાત નન્દજીને ન પણ ગમી હોય; કારણ કે કંસને જેમતેમ ઉલ્લુ બનાવીને અડધી રાતે જેલમાંથી નાસી, યમુના પાર કરીને ઠેકાણે પડ્યા છીએ ત્યાં પાછું ઘોડાઓ અને રથનો રસાલો લઈને સેંકડો જોજન જવું પડે. મહીનાઓની મુસાફરી કરવી પડે અને તે પણ દીકરાના વાળ કપાવવા જ ! દીકરાનું પ્રથમ કેશકર્તન મોંઘું પડે. નન્દજીએ આ બધી તકલીફ ઉઠાવી જ હશે. શ્રદ્ધાળુ લોકો ખોટી વાત થોડી કરે ! અને કોઈ પચાસ વર્ષના ધર્મગુરુએ ત્રણ હજાર વર્ષના જુના પ્રસંગને માન્ય રાખ્યો છે. કોઈ મહારાજનો રબર સ્ટેમ્પ જરુરી હોય છે. નંદજી માટે દીકરાની બાબરી માટે અમ્બાજી આવવાનું થોડું અઘરું તો હતું. જો કોઈ માતાજીના આંગણામાં વાળ કપાવવા હોય તો ગોકુળની આજુબાજુ ઘણાં માતાજી છે અને ડુંગર પર વાળ કપાવવા હોય તો પાસે જ ગોવર્ધન પર્વત હતો. પરન્તુ પત્નીના હુકમનો અનાદર ન કરવાની તેમની હીમ્મત ન પણ હોય. એટલે પ્રભુના વાળ અહીં કપાયા જ હોવા જોઈએ. નહીં તો આટલા બધા બુદ્ધીશાળી લોકો ત્રણ હજાર વર્ષથી રોજ અહીં આવે જ નહીં ને ! કદાચ એમ પણ માન્યતા હોય કે જે બાળકની બાબરી અહીં ઉતારી હોય એને ટાલ ન પડે ! કૃષ્ણને છેલ્લે સુધી વાળ હતા. જે હોય તે પરન્તુ અમ્બાજીના ગબ્બર શીખર ઉપર કોઈ ખોટું બોર્ડ તો મારે જ નહીં ને ! સીવાય કે તે એરીયામાં કોઈ બુદ્ધીશાળી કેશકર્તન કલાકાર રહેતો હોય.

નર્મદા પાસે રાજપીપળા અને ઝઘડીયા વચ્ચે કડીયો ડુંગર આવેલો છે. એ ડુંગરની તળેટીમાંથી જોઈએ તો શીખર ઉપર એક નાનકડું કાળું ટપકું દેખાય છે. જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ તે મોટું થતું જાય છે. ઉપર જઈને જોઈએ તો ત્રીસ ચાલીસ માણસો બેસી શકે તેવી ગુફા છે. હવે તમે માનો કે ન માનો; પરન્તુ તેમાં હીડમ્બા રહેતી હતી. આ હીડમ્બા એટલે ભીમની રાક્ષસીણી પત્ની કે જેને ઘટોત્કચ નામે પુત્ર જનમ્યો હતો. તે વીર હતો; કારણ કે પ્રકાશ પીક્ચર્સે ‘વીર ઘટોત્કચ’ નામની ફીલ્મ બનાવી હતી. હીડમ્બા તે ગુફામાં રહેતી હશે એ વાત મારા માનવામાં આવી ગઈ. કારણ કે આટલે ઉંચે ગુફામાં રહેનાર રાક્ષસ જ હોઈ શકે. ગામના એક જાણકારે કહ્યું કે, તે આ ગુફામાં હીંચકા ખાતી હતી. આપણાથી સંશય તો થાય નહીં ! ઉપરથી એ જાણકારે નીચે તરફ હાથ કરીને કહ્યું કે, ‘અહીં રાક્ષસ પ્રજા રહેતી હતી.’ મેં કહ્યું કે, ‘આ વાત અહીં બોલ્યા તો બોલ્યા પણ નીચે ન બોલતા. નીચે બધા રાક્ષસો પેન્ટ અને શર્ટ પહેરે છે.’ આટલા ઉંચે પણ ભાવુકો ગુફામાં દીવા કરે છે. મારા મોં પર ક્યાંય સંશયની ઝલક દેખાય હશે એટલે એમણે ચાલુ રાખ્યું, ‘પાંડવો ગુપ્તવાસમાં ગયા હતા ત્યારે આ નર્મદા પટ પર આવ્યા હતા.’ મેં ખુબ ભાવથી આંખો મીંચી. તેમણે કહ્યું, ‘તમે જ્યારે નર્મદા નદી પરનો બન્ધ જોવા જાઓ ત્યારે તમને એવા લોકો મળશે કે જેમણે અશ્વત્થામાને એમની ખોપરીમાં ઠંડક પહોંચે એટલે દહીં મુકવા આપ્યું હોય.’ મારા મોઢા પરનું આશ્ચર્ય જોઈને તે બોલ્યા, ‘એ તો તમને ખબર છે ને કે અશ્વત્થામા જીવતો છે ?’ ધન્ય ભારતભુમી અને ધન્ય એની સંસ્કૃતી ! તેમણે સમજાવ્યું કે, ‘અશ્વત્થામાને અમરત્વનું વરદાન હતું. એટલે એ મરે તેમ ન હતો. ભીમે ગુરુપુત્રની માથાની ચોટલી મુળમાંથી ખેંચી કાઢી હતી. હવે તેને તે જગ્યાએ હજુ બળતરા થયા કરે છે. એટલે એ નર્મદા પટની આદીવાસી પ્રજાની પાસે દહીં માંગવા જાય છે. તે તેની ખોપરીમાં ભરે છે. તમને ડેમ પાસે કેવડીયામાં કોઈક મળી આવશે.’ મેં પુછયું, ‘ત્યાં બોર્ડ માર્યું છે ?’ ચમત્કારોને પણ બોર્ડની આવશ્યક્તા હોય છે. ‘ના હં, ત્યાં બોર્ડ નથી.’ આ ભાઈ ખરેખર જાણકાર હતા. એમને કદાચ તાજમહેલના આર્કીટેકનું નામ ખબર ન હોય, અજંતા–ઈલોરાના આર્ટીસ્ટનાં નામ પણ ન જાણતા હોય અને જયપુરના હવામહેલની ડીઝાઈન કોની હતી તેની પણ ખબર ન હોય. એવી નકામી માહીતીની ખબર ભારતમાં કોઈને હોતી નથી અને એની ખબર રાખવી જરુરી પણ નથી; કારણ કે તેમને હીડમ્બા અને અશ્વત્થામાની ખબર હોય છે. ધન્ય ભારતભુમી ! અને ધન્ય તેની સંસ્કૃતી ! જતાં જતાં મેં તેમને કહ્યું, ‘મને એક વાતની ખબર છે, જેની તમને કદાચ ખબર ન હોય કે હીડમ્બાએ પોતાના પુત્ર ઘટોત્કચની બાબરી ક્યાં ઉતરાવી હતી.’

     અમે મધ્યપ્રદેશમાં સતના શહેર ગયા હતા. ત્યાંથી કાર રસ્તે ખજુરાહો જવાનું હતું. અમારા ગાઈડે ખજુરાહોનાં નગ્ન શીલ્પોથી પણ વધુ અદ્ ભુત વસ્તુ બતાવી. શ્રી રામચન્દ્રજીની પાદુકાઓ. હવે એ મન્દીરમાં ભરતે સ્વયમ્ આ પાદુકાઓ સાચવીને રાખી હતી. રામજીનો કાળ તો કૃષ્ણથી પણ દોઢ બે હજાર વર્ષ જુનો. જો કૃષ્ણજીની બાબરીની જગ્યા મળતી હોય તો એક–બે હજાર વર્ષ આમ કે તેમ, રામજીની વસ્તુઓ પણ મળી જ શકે ! આપણે હવે શંકા કરવાનું છોડી દીધું છે. રામ ભગવાન ચાંદીની પાવડીઓ પહેરતા હશે. આ ચાંદીની હતી. ભારેખમ હતી. ભગવાનને શું ? એ પહેરે તો પાદુકાઓ હલકી ફુલ બની જાય ! મારું માનવું હતું કે ભરતે રામજીને પાદુકાઓ જ્યારે એ વનમાંથી પાછા આવ્યા હતા ત્યારે પાછી આપી દીધી હતી. કદાચ રામજીના ભક્તોએ એ પાદુકાઓ સાચવી રાખી હોય. આજથી પાંચસો કે હજાર વર્ષ પછી પણ ગાંધીબાપુના ચંપલ જોવા મળશે જ એ વાત જેટલી ચોક્ક્સ છે, એટલી જ ચોક્ક્સ વાત રામજીની પાદુકાઓની છે. એક–બે હજાર વર્ષ આમ કે તેમ, શો ફેર પડે છે ! બધું અમર રહી શકે. પાદુકાની આજુબાજુ મંદીર બન્ધાયું છે; એટલે તે પાદુકાઓ ભગવાનની જ ગણાય ને ! મન્દીરના પુજારીએ અમારી પાસે  પ્રેમથી પુજા કરાવી. પુજા પછી તો મારો વીશ્વાસ વધી ગયો હતો. પત્નીએ એક હજાર અને એકની દક્ષીણા મુકી. તેમ છતાં મારાં પત્નીના મોં પર થોડી ગુંચવણ હતી. તેણે પુજારીને પુછયું, ‘અમે રામજીની પાદુકાઓ દક્ષીણમાં પણ જોઈ હતી તે કેવી ? તે સાચી કે આ સાચી ?’ પુજારીને આ સવાલ હજારો લોકોએ પુછયો હશે. તે જવાબ જાણતા હતા. ‘આ જ ખરી પાદુકાઓ ને તેની સાબીતી જો તમારે જોવી હોય તો તમને શ્રીમદ્ શંકરાચાર્યનું સર્ટીફીકેટ બતાવીએ.’ મેં પત્નીને ધીરા અવાજે કહ્યું, ‘હવે આ સર્ટીફીકેટ શંકરાચાર્યજીએ ક્યાં છપાવ્યું હતું એમ ન પુછવું. આ તો 2020 સુધીમાં ભારત આખા વીશ્વમાં સુપર પાવર બનવાનું છે તેની પુર્વ તૈયારી છે.’

     એક ડૉક્ટર મીત્ર અમેરીકાથી ભારત ફરવા ગયા હતા. તેમણે જણાવ્યું કે વૃન્દાવનમાં એક વૃક્ષ ઉપર કૃષ્ણ ભગવાને લીલા કરી અને યમુનામાં નહાતી ગોપીઓનાં વસ્ત્રો ચોરી લીધાં હતાં. તે વસ્ત્રો આજે પણ એ કદમ્બના વૃક્ષ પર લટકે છે. દર્શન કરવા જેવું છે. મેં તેમને જણાવ્યું કે મને સરનામું આપજો. હું પણ ત્યાં જઈશ. વૃક્ષ પરનાં વસ્ત્રોનાં દર્શન માટે નહીં; પરન્તુ કદાચ આજુબાજુ વસ્ત્રવીહીન કોઈ ગોપી ફરતી દેખાય તો તેનાં દર્શન કરવા.

     આપણો દેશ સુપર પાવર કેમ ન બને ! આપણા જેટલું આધ્યાત્મીક જ્ઞાન કયા દેશ પાસે છે ? આપણા જેટલી જુની સંસ્કૃતી શોધી ન જડે. આપણી ક્રીકેટ ટીમને વર્લ્ડ ચેમ્પીયન આપણા ખેલાડીઓ નથી બનાવતા; પરન્તુ આપણા હોમ–હવન બનાવે છે. ઓસ્ટ્રેલીયા સામે જીતવા ગામેગામ પુજાઓ અને હવનો કરવા જરુરી છે. વરુણદેવને ધુણાવો, એટલે વરસાદ તુટી પડે અને આપણી હારની બાજી ડ્રોમાં પરીણમે. વરસાદ એ તો આપણો બારમો ખેલાડી છે ! અને આ સેટૅલાઈટના જમાનામાં ક્યારે અને ક્યાં વરસાદ પડશે એ પણ આ યજ્ઞો નક્કી કરી શકે છે. ક્રીકેટની મેચ જીતવા માટે કે વરસાદ પાડવા માટે આપણી પાસે વીજ્ઞાન ઉપરાન્ત આપણી જુની સંસ્કૃતી છે. આપણે તો વર્ષોથી સુપર પાવર જ છીએ. કોઈ આપણને ગણે કે ન ગણે, શો ફેર પડે છે ?

[જાન્યુઆરી, 2008]

હરનીશ જાની

(માણસ ભલે ગુજરાતમાંથી નીકળી જાય; પરન્તુ માણસમાંથી ગુજરાત નીકળતું નથીએમ કહેનાર અમેરીકાના પ્રસીદ્ધ હાસ્યલેખક હરનીશ જાની રાજપીપળાના વતની અને સુરતની એમટીબી કૉલેજના ભુતપુર્વ વીદ્યાર્થી છે. ૧૯૬૯થી તેઓ અમેરીકામાં છે. પ્લાસ્ટીક ઈજનેરની અમેરીકાની લાંબી નોકરી પછી હાલ નીવૃત્ત છે અને અમેરીકામાં સ્થાયી થયા છે ગોવીન્દ મારુ…)

ગુજરાતી સાહીત્ય પરીષદ(અમદાવાદ)દ્વારા દર બે વર્ષે અપાતું હાસ્યરચનાઓ માટેનું, સને ૨૦૦૯–૨૦૧૦નું સર્વોચ્ચ જ્યોતીન્દ્ર દવે પરીતોષીક જેને પ્રાપ્ત થયું છે તેવા તેમના હાસ્યરચના સંગ્રહ સુશીલા(પ્રકાશકહર્ષ પ્રકાશન, 403ઓમ્ દર્શન ફ્લૅટ્સ, 7,મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે, અમદાવાદ380 007, પ્રથમ આવૃત્તી2009, પૃષ્ઠ સંખ્યા20+128, મુલ્ય રુપીયા100)ના પાન ક્રમાંક75 પરથી, લેખકની પુર્વ પરવાનગી અને સૌજન્યથી સાભાર

 USA અને UK માં‘સુશીલા’ મેળવવા નીચે સંપર્ક કરો.

Harnish Jani, 4, Pleasant Drive, YARDVILLE, NJ-08620-USA Phone: 609-585-0861 Cell: 608-507-7102

E-mail: harnish5@yahoo.com

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ http://govindmaru.wordpress.com/

આ હાસ્ય નીબન્ધ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ..

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલોબનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈમેઈલ આઈડી પર, પોતાનું નામસરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

અક્ષરાંકનગોવીન્દ મારુ વસારી.

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

 જુન 02, 2011

 

Read Full Post »

એક બંગલા બને ન્યારા…

હરનીશ જાની

મીસ્ટર નોબેલની મોટામાં મોટી ભુલ એ થઈ કે નવી શોધો માટે પ્રાઈઝ આપવા માટે સાયન્સ, લીટરેચર, ઈકોનૉમીક્સ, મૅથમેટીક્સ જેવા વીષયો તેને સુઝ્યા. અરે ! તેમને વીશ્વશાન્તી માટે પણ ઈનામ સુઝ્યું; પરન્તુ ધર્મનો વીષય જ ન સુઝયો ! દર વરસે જો ધર્મક્ષેત્રમાં નવી શોધખોળનું ઈનામ આપવાનું હોત તો આપણો દેશ – આપણો ધર્મ – કોઈને જીતવા ન દેત. છેલ્લાં દસ વરસમાં આપણે ઘણું બધું શોધ્યું છે. તેમાં એક છે ‘વાસ્તુશાસ્ત્ર’. જે નોબેલ પ્રાઈઝને કાબીલ છે.

આ વાસ્તુશાસ્ત્ર શી બલા છે ? મારા ખ્યાલથી ૧૯૯૦ પછી જન્મેલા લોકો તો એમ માનતા હશે કે આ પણ ઋષીમુનીઓનો ખેલ હશે. આશ્રમોમાં રહેતા ઋષીમુનીઓએ આ વાસ્તુશાસ્ત્ર શોધી કાઢ્યું હશે. અને તેમણે તેમના આશ્રમોની ઝુંપડીઓ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બાંધી હશે. જેથી ચોમાસામાં છાપરું ન ગળે. બારીઓ એવી રાખી હશે કે પ્રભુનું ધ્યાન ધરતાં ધરતાંય  પાડોશીને ત્યાં શું થઈ રહ્યું છે તે દેખાય. આમાં વાત એમ છે કે આ વાસ્તુશાસ્ત્ર છેલ્લાં આઠ દસ વરસથી જ પ્રસીદ્ધી પામ્યું છે. એટલે આજથી પંદર વીસ વરસ પહેલાં જન્મેલાને તો એમ કે આ શાસ્ત્ર યુગોથી અસ્તીત્વમાં છે. આ દુ:ખી પણ મુર્ખ પ્રજા ચમત્કારો પાછળ દોડે છે – આ ચમત્કારો માટે તો કેટલાંય શાસ્ત્રો હતાં. તેમને આ નવા શાસ્ત્રની જરુર નહોતી. પરન્તુ આ નવી પેઢીને માટે નોબેલ પ્રાઈઝને લાયક એક નવું શાસ્ત્ર ઉમેરાયું. આ શાસ્ત્ર ગરીબો માટે નહીં; પણ આ તો ઘરો બંધાવી શકે એવા પૈસાદારોને ઉલ્લુ બનાવવાનું “શસ્ત્ર” છે. આમ જુઓ તો શાસ્ત્ર નહીં પણ ‘શસ્ત્ર’ જ ગણાય. મારા હીસાબે એનો પ્રચાર કરનારા પણ ખુબ બ્રીલીયન્ટ ગણાય. અને એ લોકોને તો નોબેલ પ્રાઈઝ મળવું જ જોઈએ – જો એવું કોઇ પ્રાઈઝ હોય તો – બાકી જે વ્યક્તી ઘર બનાવી શકવા શક્તીમાન હોય તે બુદ્ધીશાળી તો કહેવાય જ અને એને આ શાસ્ત્ર મગજમાં ઠસાવવું; એ કોઈ ઓર્ડીનરી માણસનું કામ નહીં. અને આમ થવાથી હજારો જોશીઓને રોજી–રોટી ઉપરાન્ત મોટર–ગાડી પણ મળી. આ લોકોએ ધર્મમાં લોભ, લાલચની સાથે ભય પણ ઘુસાડ્યો છે. ‘આમ નહીં કરો તો ભગવાન તમને ધુળ ચાટતા કરી દેશે. તેમ નહીં કરો તો તમારું બાળક મરી જશે.’ આપણને થાય કે આ તો ગૉડ છે કે ગૉડફાધર ! એવો તો કેવો જગતપીતા કે જે બાળકનું રક્ષણ તો ન કરે; પણ એનું નખ્ખોદ કાઢી નાખે ! જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર ન બાંધ્યું હોય તો ધંધામાં ખોટ જાય. શરીરમાં રોગો ઘુસે. લગ્નજીવનમાં અશાન્તી પેદા થાય. સારું છે કે આવી વાતો પુરવાર નથી થઈ. નહીં તો એવો કાયદો નીકળત કે અમદાવાદનાં જે ઘરો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ન બાંધ્યાં હોય એને જમીનદોસ્ત કરી નાખવાનાં. અને એમ થાય તો અમદાવાદની બધી પોળોમાં બુલડૉઝરો મકાનોને ધરાશાયી કરતાં હોત. મારા દાદાએ જ્યારે ઘર બાંધ્યું હશે ત્યારે જે પ્લોટ મળ્યો, તેમાં એક લાઈનમાં બીજાં ઘરો સાથે બાંધી દીધું હશે. પ્રકાશ જ્યાંથી આવતો હશે ત્યાં બારીઓ અને મેઈન રોડ તરફ ઘરમાં પ્રવેશવા માટેનું બારણું. આથી વીશેષ કોઈ વાસ્તુ નહીં. પુર્વ દીશામાં દરેક ઘરનું પ્રવેશદ્વાર હોય એ ઈચ્છનીય છે. પરન્તુ દરેક ઘરના પ્લોટ એ પ્રમાણે નથી હોતા. એટલે લોકો પુર્વ દીશામાં દ્વાર નહીં તો બારીઓ રાખશે. મારી બાને વાસ્તુશાસ્ત્રની ખબર નહોતી; છતાં કહેતી કે, ‘બારી બારણાં ખુલ્લાં રાખો તો તડકો ઘરમાં આવે.’ એ વાસ્તુશાસ્ત્ર જોવા નહોતી ગઈ. એક વાત ચોક્કસ છે: સામાન્ય બુદ્ધીવાળા સામાન્ય લોકોને વાસ્તુશાસ્ત્રની જરૂર નથી.

આપણે ત્યાંથી થોડા દોરાધાગાવાળા અમારા અમેરીકામાં પણ આવી ગયા છે. એટલે તેમની પાછળ વાસ્તુશાસ્ત્રોવાળા આવી ગયા. અને અમેરીકાના લોભી-લાલચી લોકોને ભડકાવે છે. એમાં જોશીઓનો વાંક નથી; તેમને તો આવા મુરખ પૈસાવાળાઓની જરુર જ હતી. બાકી સામાન્ય બુદ્ધી હોય તો વાસ્તુશાસ્ત્રની જરુર જ નથી. અમેરીકાનાં ઘરોમાં બે સોફા એકમેકની સામે નથી ગોઠવાતા. જો તેમ ગોઠવે તો બે સોફામાં બેઠેલા એકમેક સામે જ જોયા કરે અને તે યોગ્ય બેઠક નથી; પરન્તુ બે સોફા કાટખુણે ‘ L’ આકારમાં ગોઠવાય છે, જેથી બન્ને સોફા પર બેઠેલાઓ બીજી  દીશામાં જોઈ શકે. આવી સામાન્ય બુદ્ધીની વાતમાં વાસ્તુશાસ્ત્રની જરુર જ શી છે ?

અમેરીકામાં અમારા એક મીત્ર કોઈ વાસ્તુશાસ્ત્રવાળી બાઈ (ટીવી પર એમનો રોજ પ્રોગ્રામ આવે છે) પાસેથી ઘર વીશે વાતો શીખી લાવ્યા છે. તેમણે મને અને મારા પત્નીને પોતે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં ફેરફાર કરાવ્યા પછી ધંધામાં કેવી રીતે કમાયા તે સમજાવ્યું. હવે તે પણ જ્ઞાની થઈ ગયા. તેમણે કહ્યું કે, ‘આ લેમ્પ ખુણામાં અગ્ની દીશામાં ન મુકતાં રુમની વચ્ચે ગોઠવો. તમે આગલા દરવાજેથી ઘરમાં ન પ્રવેશો. ઘરનો પાછળનો પુર્વ દીશાનો દરવાજો વાપરો. અને ઉત્તર દીશામાં બીજી બે બારીઓ બનાવો. નહાવાનો બાથરુમ ઉપરના માળે લઈ જાઓ. તો લક્ષ્મીજી તમારે ત્યાં આવશે.’ પત્નીને એમની વાતો ગમી. મેં તો વીરોધ કર્યો ને કહ્યું કે, ‘વચ્ચે લેમ્પ ગોઠવીએ તો આવતાં–જતાં અથડાયા કરીએ, લેમ્પ તો ખુણામાં જ્યાં અંધારું હોય ત્યાં જ જોઈએ ને ! પાછલા બારણેથી પ્રવેશવા વાડને કુદીને આવવું પડે અથવા તો તેમાં છીંડું પાડીને આવવું પડે. અને નીચેનો બાથરુમ છો નીચે રહ્યો, લક્ષ્મીજીને કયાં નહાવું છે ? અને નહાવું હશે તો, જો બાથરુમ નીચે હશે તો સહેલું પડશે ! ઉપલા માળાના બાથરુમમાં પાણી લીક થયું તો ?’ મારાં પત્ની એમની વાતોમાં આવી ગયાં. એમણે મને લેક્ચર આપ્યું કે દુનીયા આખી પૈસાદાર થઈ ગઈ અને આપણે હજુ સુધી કેમ ગરીબ રહ્યા છીએ ? અને પછી થયો ઉગ્ર સમ્વાદ. પેલા મીત્ર ત્યાં જ બેઠા હતા. બોલ્યા, ‘જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારું આ ઘર બન્ધાયું  હોત તો આવા ઝગડા કદી ન થાત.’

આ વાસ્તુશાસ્ત્રની શોધ એટલે ‘સન્તોષીમા’ની શોધ. આ સન્તોષીમા પણ નોબેલ પ્રાઈઝ મેળવવાને યોગ્ય છે. મને યાદ છે, ૧૯૫૫માં જયારે હું નવમા ધોરણમાં હાઈ સ્કુલમાં હતો ત્યારે મારાં ભાનુકાકી મારી બાને સન્તોષીમાનું વ્રત સમજાવવા આવ્યાં હતાં ને કહ્યું હતું કે, ‘શુક્રવારે આખો દીવસ ભુખ્યા રહેવાનું અને સાંજે ચણા અને ગોળ ખાવાના.’ મારી બા એ પુછ્યું કે, ‘શાસ્ત્રોમાં તો નવ દુર્ગાનું મહત્ત્વ સમજાવ્યું છે; તો પછી આ નવા માતા ક્યાંથી આવ્યાં ?’ ભાનુકાકી  બોલ્યાં, ‘વડોદરેથી આવ્યાં. મારી બહેન ભીખીનો કાગળ છે કે અહીં વડોદરામાં જે સ્ત્રીઓ આ વ્રત કરે છે તેમની ઈચ્છાઓ પુર્ણ થાય છે.’ મારી બા એમ સહેલાઈથી માને એવી નહોતી. તે બોલી, ‘તો પછી આ નવ માતાઓ ઈચ્છા પુરી નથી કરતી ? અમ્બામાતા તો મારાં બધાં કામ કરે છે ! તો તેમને છોડીને સન્તોષીમા પાછળ કેમ દોડું ?’ ભાનુ કાકી કહે કે, ‘મારી ભીખી ખોટું ન બોલે. હું તો શુક્રવાર ચાલુ કરી દઈશ. વડોદરાના લોકો કરે છે તો પછી આપણને શો વાંધો ?’ મારી બા કહે કે, દેવી પુરાણમાં સન્તોષીમાનું નામ કદી વાંચ્યું નથી. હું અમ્બાજીને છોડીને તારી સન્તોષીમા પાછળ દોડું તો અમ્બામાતાને ખોટું લાગે.’ મારી બા નાસ્તીક નહોતી; પણ સામાન્ય બુદ્ધી ચલાવતી. તે જીવનભર અમ્બામાતાને છોડીને સન્તોષીમા પાછળ દોડી નથી. તેમનો ફોટો સુધ્ધાં પોતાના ભગવાનોના ફોટાની ગૅલરીમાં નથી રાખ્યો. તેમાં સન્તોષીમાનું નસીબ સારું, તે કોઈકે એમના નામની ફીલ્મ બનાવી અને ખુબ ચાલી. પ્રોડ્યુસરો કમાઈ ગયા. થીયેટરવાળાઓએ તો બહાર મન્દીરો બનાવ્યાં અને ફીલમ તો ફીલમ, આરતીમાં પણ કમાઈ ગયા ! પછી તો સન્તોષીમા જામી ગયાં. ફીલ્મ ચાલી અને એમનો પ્રભાવ પણ ચાલ્યો અને આ પ્રભાવ સદીઓ સુધી ચાલશે.

આ બ્રીલીયન્ટ માણસો નોબેલ પ્રાઈઝ દર વરસે જીતી શકે અને માનવજાતનાં કલ્યાણનાં કાર્યો પણ કરી શકે. અમેરીકામાં બેઠાં બેઠાં મેં સાંભળ્યું છે કે દર અમાસે ગુજરાતીઓ, કાલસર્પ યોગથી બચવા નર્મદા કીનારે વસેલા ચાણોદ-કરનાળીના શંકર ભગવાનના દર્શને હજારોની સંખ્યામાં દોડે છે. હવે આ કાલસર્પ યોગની શાન્તીપુજા પણ નોબેલ પ્રાઈઝની અધીકારી બની શકે. આવી પુજાઓ કરવાથી મૃત્યુ જ ન આવે એનાથી માનવજાત માટે વધુ રુડું શું ? હવે તે જાત્રાધામ તો બની ગયું; પણ વાહન વ્યવહારને પહોંચી વળવા રસ્તાઓ તો જુના જ છે ! સેંકડોની સંખ્યામાં વાહનો દોડે છે. એટલે તેમાં કેટલાય ભક્તો વાહનોના એક્સીડન્ટોમાં માર્યા જાય છે. કાળથી બચવા સદેહે ભગવાનને શરણે પહોંચે તે પહેલાં તે કાળને શરણ પહોંચે છે અને ભગવાન જોતા રહી જાય છે. ઘેર બેઠા હોત તો કદાચ બચી ગયા હોત. પણ પાછા એ જ લોકો કહેશે- ‘ભઈ, મોત જ જો નસીબમાં હોય તો ઘરમાં પણ આવે.’ ચાલો, બીજું કંઈ નહીં તો એ બહાને રસ્તાઓ તો નવા બનશે !

આપણે તો આ મામુલી વાતો માત્ર ગુજરાતની જ કરીએ છીએ; પણ આખા ભારત વર્ષમાં તો ભક્તોના પ્રતાપે ભગવાન માટે રોજ કેટલાંય નવાં શાસ્ત્રો અને પેટાધર્મો રોજ સર્જાતાં હોય છે. આ બધાં નવાં શાસ્ત્રો નોબેલ પ્રાઈઝને લાયક ઠર્યાં હોત – જો મીસ્ટર નોબેલને નોબેલ પ્રાઈઝ માટે ધર્મનો વીષય સુઝયો હોત તો !

–હરનીશ જાની

લેખક–સંપર્ક:

શ્રી હરનીશ જાની, 4, Plesant Drive, Yardville, NJ 08620 - USA

E-Mail: harnish5@yahoo.com Phone609-585-0861

લંડનથી પ્રગટ થતા ગુજરાતી ડીજીટલ માસીક  ‘ઓપીનીયન’ ના પુસ્તક: 16, પ્રકરણ: 12, સળંગ અંક: 192, તા.16-03-2011ના અને તા.16-04-2011ના ‘નીરીક્ષક’ના અંકમાંથી, લેખક શ્રી હરનીશ જાની તેમ જ ઓપીનીયન’ના તંત્રી શ્રી વીપુલભાઈ કલ્યાણીની અને ‘નીરીક્ષક’ના તંત્રી શ્રી.પ્રકાશ ન. શાહની પરવાનગી અને સૌજન્યથી સાભાર…

ઈ–મેઈલ: vipoolkalyani.opinion@btinternet.com

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ http://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ..

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

ગોવીન્દ મારુ નવસારી

અક્ષરાંકન – ગોવીન્દ મારુ

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

22th April, 2011

()()()()()()()()()


Read Full Post »

સાધુસંતોને કારણે નહીં; પણ સ્ત્રીઓને લીધે હીંદુ ધર્મ સદીઓથી ટકી રહ્યો છે. સ્ત્રીઓમાં સામાન્યત: ધાર્મીક વૃત્તી વધારે હોય છે. આ ધાર્મીક વૃત્તી ન પણ હોઈ શકે અને ચમત્કારથી સહેલાઈથી અંજાઈ જવાની લાક્ષણીકતા પણ હોય શકે, કારણ આપણો હીંદુ ધર્મ ચમત્કારોથી ભરપુર છે.

નાનપણમાં અમારા ઘરમાં ભગવાનની પુજાનો વારસો દાદીમાએ મારી બાને પકડાવ્યો હતો. મારા બાપા કે કાકાઓને મેં કદી મંદીરનાં પગથીયાં ચઢતાં જોયા નથી. અમારા ઘરમાં હીંદુ ધર્મનો આદર થતો તે ફ્ક્ત મારી બાની શ્રદ્ધાને લીધે જ. અમારા ઘરમાં દેવમંદીર હતું. ભગવાનની સેવાની મારી બાની તમન્ના તેણે મને પકડાવી હતી. પરીક્ષામાં પહેલા નંબરની લાલચ આપીને. રોજ સવારે ભગવાનની પુજા મારી પાસે કરાવતી હતી. સવારે પુજા થઈ ગયા પછી આશીર્વાદ આપતી કે ભણીગણીને વીલાયત જજે. વીલાયતનું તો ન ગોઠવાયું પણ અમેરીકા આવી ગયો. મને પુજા કરવાનો જબરજસ્ત કંટાળો આવતો હતો. મીત્રો બહાર ગીલ્લીદંડા કે ક્રીકેટ રમતા ત્યારે મારે પુજાપાઠ કરવાં પડતાં. પરંતુ ભગવાનને ચોપડે ભક્તીનું ખાતું તો મારી બાના નામનું હતું. મારી બા ખુબ ભક્તીભાવવાળી હતી. સવારે ઉઠતાંવેત સ્વપ્નમાં કયા ભગવાન આવ્યા હતા તેની વાત કરે. જ્યારે હું મીત્રો સાથે સ્વપ્નમાં મધુબાલા આવી હતી કે નરગીસ તેની ચર્ચા કરતો ! અમારા ઘરમાં હીંદુ ધર્મનો ઝંડો મારી બાએ ફરકાવ્યો હતો. મેં જોયું છે કે મારા છ કાકાઓના ઘરમાં પણ બધી કાકીઓએ ધર્મના ઝંડા પક્ડ્યા હતા. અમારા કુટુંબની બધી સ્ત્રીઓ પોતે સૌથી વધુ ધાર્મીક છે એ પુરવાર કરવા હંમેશાં મથતી હતી.

એક વખત મારાં ભાનુકાકી મારી બા પાસે આવ્યાં ને કહે, ‘સુશીલા, તારે સત્યનારાયણની કથા કરાવવી પડશે અને પાંચ બ્રાહ્મણ જમાડવા પડશે, કારણ કે તારો હરનીશ માંદો પડ્યો હતો ત્યારે મેં બાધા રાખી હતી કે, ‘હે ભગવાન, સુશીલાનો હરનીશ બચી જશે તો હું સુશીલા પાસે સત્યનારાયણની કથા અને બ્રહ્મભોજન કરાવીશ.’ મારી બાને ગુસ્સો તો ચઢ્યો કે મારા વતીની તેં બાધા કેમ રાખી ? પણ હવે બાધા પ્રમાણે કથા અને બ્રહ્મભોજન ન કરે તો પોતાની ધાર્મીક વૃત્તીમાં ખામી ગણાય. એટલે એણે પાંચ નહીં પણ દસ બ્રાહ્મણ જમાડ્યા (સાથે પચાસેક સગાંવહાલાં તો ખરાં જ !) અને સત્યનારાયણનું વ્રત ધામધુમથી ઉજવ્યું.

બાધાની વાત કરીએ તો મારાં હસુભાભીએ કનુભાઈ માંદા પડ્યા હતા ત્યારે બાધા રાખી હતી કે ‘જો મારા પતી સાજા થઈ જશે તો હું આવતી શરદ પુનમે તેમને ડાકોર ચાલતા રણછોડરાયજીની સેવા કરવા મોકલીશ.’ કનુભાઈનું નસીબ નબળું તે માંદગીમાંથી તે બચી ગયા. કનુભાઈ હરતાફરતા થયા એટલે ભાભીએ એમને બાધાની વાત કરી. કનુભાઈ ભડકી ઉઠ્યા. રાજપીપળાથી ડાકોર દોઢસો-બસો કીલોમીટર દુર ! ભાઈ કહે, ‘મારા વતી તું ચાલ, તેં બાધા રાખી છે. મેં નહીં.’ સ્ત્રી પોતાની શ્રદ્ધા સાબીત કરવા બીજાને ગરદન મારતાં જરા પણ ન અચકાય.

પછી ડાકોર ચાલતા જવાનો કોયડો અમારા બાબુકાકાએ ઉકેલ્યો. ગામના લાકડાવાળા શેઠની ટ્રોલી(ટ્રક) ભાડે કરી. કનુભાઈને અંદર ઉભા રાખી અને ટ્રોલીમાં એક છેડેથી બીજે છેડે સાંકળ પકડીને ચાલવાનું સુચવ્યું. અને ટ્રોલી ભાગી ડાકોર તરફ. ચાલવાનું વ્રત પણ સચવાયું અને હસુભાભીને પુણ્ય મળ્યું. ફેર એટલો પડ્યો કે કનુભાઈએ હસુભાભીને કહ્યું કે ‘હવે જો કોઈ દીવસ તું માંદી પડે તો મારી બાધા જોજે. હું તને મથુરા સુધી ઉઘાડા પગે ચલાવીશ !’

અમારા ગામમાં ખુબ સુંદર આરસની લાદીવાળું લાકડાની ઉંચી છતવાળું ભગવાન લક્ષ્મીનારાયણનું સુંદર મંદીર હતું. છતમાંથી લટકતાં ઝુમ્મર અને દીવા સળગાવવાના રંગબેરંગી કાચના લેમ્પ અને લક્ષ્મીનારાયણની સફેદ આરસ-પહાણની મુર્તીઓ હતી. કહેવાતું કે રાજપીપળાના મહારાજા પણ દર્શન કરવા આવતા.

મુળ વાત એ કે ઉનાળામાં વાતાનુકુલ જેવી ઠંડક મંદીરમાં રહેતી. જ્યારે જુઓ ત્યારે કોઈને કોઈ કથાકારની કથા ચાલતી જ હોય. સો દોઢસો માણસો બેસી શકતા. મોટા ભાગની સ્ત્રીઓ હોય. સાથે પાંચ દસ પુરુષો પણ કથામાં બેસતા. અમે છોકરાંવ ત્યાં રમવા અને પ્રસાદ ખાવા જતાં. મેં જ્યારે જોયું છે ત્યારે પુરુષો મંદીરની ઠંડકમાં ઉંઘતા જ હોય ! કથા કથાની જગ્યાએ ને મહારાજ મહારાજની જગ્યાએ ! જ્યારે પુરુષો પોતાની ઉંઘ બપોરે આરામથી પુરી કરી લેતા. મને ત્યારે લાગતું કે ધાર્મીક વૃત્તી ગઈ એને ઘેર. આ લોકો મંદીરમાં ઉંઘવા જ આવતા. જ્યારે મંદીર તરફથી શ્રોતાજનોને એક એક રકાબી ચા અને પ્રસાદ મળતો ત્યારે તેઓ આંખો ખોલતા અને કામ પતાવીને પાછી મીંચી દેતા. અમે છોકરાંઓ આ સેવા પુરી પાડતાં. કથામા જ્યારે ભજનો ગવાતાં ત્યારે બેચાર સ્ત્રીઓ હાથ ઉંચા કરીને નાચતી. ભક્તીભાવ હોય કે જુવાનીમાં નાચવાના રહી ગયેલા અભરખા હોય, જે હોય તે, પણ સ્ત્રીઓમાં ભક્તીભાવ છલકાતો હતો. એ લોકો બાકીના શ્રોતાઓનું ખાસ ધ્યાન ખેંચતાં. આપણને લાગે કે એ સ્ત્રીઓ નાચવા જ આવતી.

ધરમના ધંધા ભલે પુરુષોના હાથમાં રહ્યા. પરંતુ તેમના ગ્રાહક તો સ્ત્રીઓ જ છે. સ્ત્રીઓની ધાર્મીક ભાવનાને કારણે જ ધર્મનો વીકાસ થયો છે. હીંદુ ધર્મ સ્ત્રીઓને ગમે છે, કારણ કે એમાં આવતી દેવીઓ આગળ પુરુષોનાં ઝુકતાં માથાં જોવાની તેમને મઝા આવે છે. હીંદુ ધર્મ સ્ત્રીશક્તીને પુજે છે. શકંર ભગવાન, કહેવાય ભગવાન, પણ તેમના શેઠ (બોસ) તો પાર્વતી જ ને ! શીવપુરાણમાં ઠેર ઠેર પાર્વતીનો જ વૈભવ છે. મારા બાપુજી ઘણી વાર કહેતા કે ‘અલ્યા નારાયણને ભજ તો પતી પાછળ લક્ષ્મીજી તારે ત્યાં આવશે.’ આજે મોટો થયો ત્યારે સમજાયું કે જ્યાં જ્યાં લક્ષ્મીજી છે ત્યાં ત્યાં નારાયણ બીચારા લક્ષ્મીજીની પાછળ પાછળ ઘસડાય છે.

ગુજરાતણોમાં અંબામાતાનું ચલણ બહુ, મારી પત્નીનાં તો ખાસ પ્રીય માતા અંબામા ! એને એ ગમે છે કારણ કે મોટા વાઘને બકરી બનાવીને એના પર સવાર થાય છે. જ્યારે એ માતાજીની પુજા કરીને ઉઠે ત્યારે હું તેને રસ્તે આડો નથી આવતો, કારણ કે માતાજીની પુજા કર્યા પછી આપણને લાગે કે માતાજી સ્વયં એનામાં સમાયાં છે અને કોઈક વાઘને બકરી બનાવવા તત્પર છે !

છેલ્લે, જ્યારથી મારી પત્નીએ જાણ્યું છે કે હું નાનપણમાં મારી બાને ખુશ રાખવા મારા ઘરમાં ભગવાનની પુજા કરતો હતો ત્યારથી અમારા ઘરમાં રોજ સવારે ભગવાનની પુજા મારી પાસે કરાવવાના પ્લાન ઘડે છે. પુજા મારે કરવાની અને ભગવાન પાસે એના નામનું ખાતું ખોલાવવાનું. તમને લાગે છે કે હું એમ કરીશ ? તમારી વાત ખરી છે. હું ભગવાનની પુજા કરીશ.

હરનીશ જાની

(માણસ ભલે ગુજરાતમાંથી નીકળી જાય; પરન્તુ માણસમાંથી ગુજરાત નીકળતું નથી એમ કહેનાર હાસ્યલેખક હરનીશ જાની ગુજરાતમાં જનમ્યા, મોટા થયા, નોકરી કર્યા પછી છેલ્લાં 40વર્ષોથી અમેરીકામાં સ્થાયી થયા છે. પ્લાસ્ટીક ઈજનેરની લાંબી નોકરી પછી હાલ નીવૃત્ત છે.)

તેમના હાસ્યરચના સંગ્રહ સુશીલા (પ્રકાશકહર્ષપ્રકાશન, 403ઓમ દર્શન ફ્લૅટ્સ, 7મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે, અમદાવાદ380 007, પ્રથમ આવૃત્તી 2009, પૃષ્ઠ સંખ્યા20+128, મુલ્ય રુપીયા100)ના પાન ક્રમાંક92-પરથી, લેખકની પુર્વ પરવાનગી અને સૌજન્યથી સાભાર


USA અને UK માં સુશીલા મેળવવા



નીચે સંપર્ક કરો.”

Harnish Jani

4, Pleasant Drive, YARDVILLE, NJ-08620-USA

Phone: 609-585-0861 Cell: 608-507-7102

E-mail: harnish5@yahoo.com


દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ http://govindmaru.wordpress.com/


આ હાસ્ય નીબન્ધ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ..

આભાર..

અક્ષરાંકનગોવીન્દ મારુનવસારી

ફેબુઆરી 8, 2010


‘આ લેખ તમને ગમે તો મને લખજો;


પીડીએફ મારી પાસે તૈયાર જ છે,


તરત મોકલીશ.’

Read Full Post »

રોમેન્ટીક નામવાળી વર્જીન એરલાઈન્સના પ્લેનમાં લન્ડન છોડી હું અને મારી પત્ની ન્યુ જર્સી આવી રહ્યાં હતાં.

મારી પત્ની હંસાએ કહ્યું, ‘કોઈ ભગવાન પસન્દ કર.’

મેં પુછ્યું, ‘કાંઈ કારણ ?’

‘તેં જોયું નહીં ! લન્ડનમાં ટેલીફોન પર જવાબ આપતાં પહેલાં બધા ભગવાનનું નામ બોલે છે તે ?’

વાત એમ બની કે લન્ડનમાં હૉટલમાંથી મારી પત્ની હંસાએ મીના પન્ડ્યાને ફોન જોડ્યો. તે ‘હેલો’ બોલી અને પછી ફોન હેન્ગ અપ કરી દીધો. ‘રોંગ નમ્બર હતો; કોઈ મન્દીરમાં જોડાઈ ગયો હતો.’પછી મેં તે જ નમ્બર જોડ્યો. સામેથી સ્ત્રીનો અવાજ આવ્યો, ‘હરે રામ, હરે કૃષ્ણ.’

મેં પુછ્યું, ‘ઈઝ ધીઝ ટેમ્પલ ?’

પછીથી વાતો કરતાં ખબર પડી કે તે મીનાબહેન જ હતાં.

જ્યારે અમે કનુભાઈ ઋષીને ફોન કર્યો ત્યારે સામેથી જુની રંગભુમીના રાજાનો અવાજ આવ્યો : ‘શીવશમ્ભો.’

આપણને લાગે કે લાઈન સીધી કૈલાસમાં લાગી ગઈ કે શું !કનુભાઈ શીવશમ્ભો’ એટલું જોરથી બોલ્યા હતા કે સામેની વ્યક્તી ભડકીને ભાગી જાય.

મેં કહ્યું કે,‘જો આપ સ્વયં શમ્ભુ હો તો હું હરનીશ છું.’

આખી જીન્દગી મેં જ્યારે પણ ફોન ઉઠાવ્યો છે ત્યારે જાહેરાત કરી છે કે ‘હું હરનીશ જાની બોલું છું.’હવે આ લંડનનો અનુભવ તદ્દન નવો હતો. અમારા દશ દીવસના રહેવાસ દરમીયાન ‘જૅ સી કૃષ્ન’, ‘જય સ્વામીનારાયણ’, ‘જય અમ્બે’, ‘જય જલારામ’ વગેરે વગેરે સાંભળવા મળ્યું. સૌથી આશ્વર્યજનક ‘જય સન્ત દેવીદાસ’ સાંભળવા મળ્યું. ટેલીફોન ઉપરના આ ટાઈપના ‘ગ્રીટીંગ્સ’નું કારણ શું હોઈ શકે ? તેઓ પોતાના ભગવાનની જાહેરાત કરે છે, પોતાના ભગવાનનો પ્રચાર કરે છે; કારણ જે હોય તે પરંતુ વીચાર આવે છે એ લોકો અન્દરોઅન્દર અથડાતા હશે ત્યારે શું થતું હશે ?

‘જલારામ બાપાની જય. તમે સાંજે શું કરો છો ?’ ‘જય સ્વામીનારાયણ, આજે સાંજે સ્વામીનારાયણના મન્દીરમાં જવાના છીએ.’ ‘ઓહ ! તો તમે કશું ખાસ નથી કરતા, તો આવો આજે સાંજે.’

કદાચ એમ પણ બને કે ‘સન્તોષીમા’ના ગ્રીટીંગ્સવાળા ‘મેલડીમાતા’વાળા જોડે સમ્બન્ધ ન પણ રાખતા હોય.લન્ડનમાં પરધર્મીઓ આ લોકોને ફોન કરતાં હશે ત્યારે તેમની શી દશા થતી હશે ? ન્યુ જર્સીના વીષ્ણુભાઈ ન્યુ યોર્કના મહેશભાઈને ફોન કરે ત્યારે મહેશભાઈ ફોન ઉઠાવી બોલે, ‘હું મહેશ.’

સામેથી સંભળાય, ‘હું વીષ્ણુ.’

અન્તરીક્ષમાં ક્યાંક કોઈક બોલતું હશે કે, ‘હું બ્રહ્મા અહીં લટકું છું.’

શીવશમ્ભોવાળા કનુભાઈનાં પત્ની નલીનીભાભીએ અમને જણાવ્યું કે ‘કનુને ટેલી–માર્કેટીંગની નોકરીમાંથી‘શીવશમ્ભો’ના સંબોધનના આગ્રહને કારણે પાણીચું મળ્યું હતું. પોતે બોલતા હતા એટલે નહીં; પરન્તુ સામેવાળા પાસે બોલાવતા હતા તેથી.’

જ્યારે કનુભાઈને મળવાનું થયું ત્યારે તેમણે જણાવ્યું કે, ‘મારા ગુરુ માને છે કે આ રીતે આપણા અને સામાના મનમાં એક પવીત્ર વીચારની ફુંક મારી શકીએ છીએ.’

આ ગુરુ કોણ છે ?

‘હરનીશપુરાણ’માં એક વાર્તા છે કે એક ગરીબ બ્રાહ્મણે જંગલમાં જઈને ખુબ તપ કર્યું અને ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન પ્રગટ થયા. ગરીબ બ્રાહ્મણને કહે, ‘માગ તારે જે માગવું હોય તે.’ ગરીબ બ્રાહ્મણ બોલ્યો, ‘પ્રભુ ગરીબીને કારણે મારી પત્ની મને ત્યજી ગઈ છે. મારો દીકરો મારું માનતો નથી. પ્રભુ, જીવનમાં ઘણી તકલીફો છે.’ પ્રભુ કહે- તારે ભવસાગર તરવો હોય તો ગોઠવણ કરી આપું, મોક્ષ જોઈતો હોય તેમાં નામ લખાવી દઉં; પરન્તુ બૈરીને પાછી બોલાવવા માટે તારે પન્ડીત, મહારાજ કે અજમેરીબાબાનો સમ્પર્ક સાધવો પડે.’

પછી પ્રભુએ આગળ ચલાવ્યું. ‘વાત એમ છે કે હું ભગવતગીતામાં લખવાનું ભુલી ગયો છું કે હું અને ગુરુ એક સાથે તને મળીએ તો તારે કોને પહેલાં પગે લાગવાનું. કોઈ ભોજપુરી ગુરુએ તે લખી દીધું કે,

‘ગુરુ ગોવીન્દ દોનોં ખડે, કીસકો લાગું પાય,

પહેલો લાગુ ગુરુ કો, જીસને ગોવીન્દ દીયો બતાય’

‘ગુરુ અને હું સાથે ઉભા હોઈએ ત્યારે મને પહેલાં પગે લાગવું જોઈએ. એમ જો ગુરુએ શીખવાડ્યું ન હોય તો તે ગુરુ કેવા ? સામાન્ય રીતે મારી અને ગુરુ વચ્ચે સમજુતી છે કે અમારે બેએ એક સાથે ક્યાંય જવું નહીં. આમેય અમે બન્ને સાથે ઉભા હોઈએ તો કલીયુગના લોકો ગુરુથી જ અંજાય છે અને ગુરુને હેલીકોપ્ટરમાં ફેરવે છે. આ બાબાએ અને મહારાજોએ લોકોને એવાં ગોગલ્સ પહેરાવ્યાં છે કે એમને બાબાઓ અને મહારાજો મારાથી મોટા દેખાય છે અથવા એમ કહીએ કે માત્ર એ લોકો જ દેખાય છે.

‘અને ટીવી પર તો ‘ટીવી ગુરુ’ઓનો વર્ગ ઉભો થયો છે. તમે મારા આશ્રમમાં નહીં આવો તો કાંઈ નહીં. હું તમારા ઘરમાં આવીશ. ગુરુની દયાનો પાર નથી ! આ ગુરુઓ હવે ટીવી પર ઝળકતા થઈ ગયા છે. ઈન્ટરનેટ દ્વારા દાન સ્વીકારે છે. ઈન્ટરનેટ દ્વારા આશીર્વાદ મોકલે છે. ટીવી પર દેખાવડા જુવાન ગુરુઓની માંગ વધારે છે. ગુરુ સ્ટુડીઓમાં બોલે અમે પાછળ ઓડીયન્સ બતાવીશું. ટુંકમાં ટીવી હવે મનોરંજનનું સાધન નથી રહ્યું. આ મારી માયા છે કે ગુરુની ! મને ખબર નથી.’

કલીયુગના ગરીબ બ્રાહ્મણે ભગવાન તરફ જોયું અને બોલ્યો, ‘ફરગેટ એબાઉટ ભવસાગર. તમારી પાસે પન્ડીત મહારાજનો ફોન નમ્બર છે ?’

ભગવાન કહે, ‘તે તો મોઢે છે. લખ 01144-176-176.’ બ્રાહ્મણે તે લખી લીધો. ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા.

એલેકઝાન્ડર ગ્રેહામ બેલ નાસ્તીક હશે. જેથી માળા ફેરવવાનો સમય બગાડીને આ ફોનની શોધ કરવા બેઠો અને ફોન શોધીને જેસીકુષ્ન’બોલવાની જગ્યાએ ‘હેલો’ બોલ્યો.

મારી પત્નીએ પાછું પુછ્યું, ‘કોઈ ભગવાન પસન્દ કર્યા ખરા?’ મેં કહ્યું ‘મને કોઈ ભગવાન માટે પક્ષપાત નથી. બધા ભગવાન પાવરફુલ લાગે છે.’ તો પત્ની કહે છે કે, ‘આપણે કોઈક નામ બોલવું જ પડશે.’

તો મેં કહ્યું કે, ‘મને ભગવાન કરતાં ઐશ્વર્યા રાયમાં વધુ શ્રદ્ધા છે અને મને ઐશ્વર્યા રાયનું નામ રટણ કરવાનું ગમે છે.’ તો પત્ની બોલી, – ‘ઓ.કે., એ નામ ચાલશે. ઈશ્વર અને ઐશ્વર્યા, સરખું જ થયું.’ પત્નીએ સ્વીકાર્યું, એ જ મારા માટે મોટી સીદ્ધી હતી !

ઘરે આવ્યા. કોઈકનો ફોન આવ્યો. શુભસ્ય શીઘ્રમ્. મેં ફોન ઉપાડી કહ્યું, ‘જય ઐશ્વર્યા રાય, હું હરનીશ બોલું છું.’સામેથી અવાજ આવ્યો, ‘ઐશ્વર્યા નહીં, જય કરીના કપુર – કરીના કપુર બોલો.’

હરનીશ જાની

(‘માણસ ભલે ગુજરાતમાંથી નીકળી જાય; પરન્તુ માણસમાંથી ગુજરાત નીકળતું નથી’ એમ કહેનાર હાસ્યલેખક હરનીશ જાની ગુજરાતમાં જનમ્યા, મોટા થયા, નોકરી કર્યા પછી છેલ્લાં 40 વર્ષોથી અમેરીકામાં સ્થાયી થયા છે. પ્લાસ્ટીક ઈજનેરની લાંબી નોકરી પછી હાલ નીવૃત્ત છે.) તેમના હાસ્યરચના સંગ્રહ ‘સુશીલા’ (પ્રકાશકહર્ષપ્રકાશન, 403–ઓમ દર્શન ફ્લૅટ્સ, 7મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે, અમદાવાદ–380 007, પ્રથમ આવૃત્તી2009, પૃષ્ઠ સંખ્યા20+128, મુલ્ય રુપીયા100)ના પાન ક્રમાંક54પરથી, લેખકન પુર્વ પરવાનગી અને સૌજન્યથી સાભાર…

સમ્પર્ક:

Harnish Jani

4, Pleasant Drive, YARDVILLE, NJ-08620-USA

Phone: 609-585-0861 Cell: 608-507-7102

E-mail: harnish5@yahoo.com

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ http://govindmaru.wordpress.com/

આ હાસ્ય નીબન્ધ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ..

આભાર..

ગોવીન્દ મારુ નવસારી

November 26, 2009

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.

Join 873 other followers