હીન્દુ કલ્ચરે રૅશનાલીઝમને અપનાવ્યા વીના છુટકો નથી
–પ્રા. ધવલ મહેતા
‘Culture Can Kill’ પુસ્તકની સમીક્ષાનો આ બીજો – અન્તીમ ભાગ છે. આ પુસ્તકના લેખક શ્રી. સુબોધ શાહ ગુજરાતી છે અને વર્ષોથી અમેરીકાના ન્યુ જર્સી સ્ટેટમાં રહે છે. તેઓ પ્રખર રૅશનાલીસ્ટ છે. આ પુસ્તકમાં તેમણે ધર્મ અને ધાર્મીક વીધીઓથી તથા રુઢીઓથી લથપથ હીન્દુ કલ્ચરની સખત આલોચના કરી છે. લેખકે ન્યુ જર્સીમાં રૅશનાલીસ્ટ મીત્રવર્તુળ ઉભું કર્યું છે. લેખકનું તારણ એ છે કે ભારતીય કલ્ચરે ખાસ કરીને હીન્દુ ધર્મે તેની જડતા અને અન્તર્મુખતાને કારણે વીદેશી આક્રમકો અને શાસકો સામે સતત હાર ખાધી છે; છતાંય દમ્ભ છોડ્યો નથી.
માત્ર હારનો જ ઈતીહાસ :
‘હીન્દુ સંસ્કૃતીને જગતની શ્રેષ્ઠ સંસ્કૃતી અને હીન્દુ ધર્મને જગતનો શ્રેષ્ઠ ધર્મ’ એવું સમજનારને લેખક એક પ્રશ્ન કરે છે : ઈ.સ. 1198માં વીદેશી મુસ્લીમ (મહમ્મદ ઘોરી)ને હાથે પૃથ્વીરાજ હારી ગયા પછીનાં લગભગ 800 વર્ષ કેમ વીદેશીઓએ સતત આપણા પર રાજ કર્યું ? છેક ઈ.સ. 1947 સુધી કેમ આપણે પરદેશીઓને રાજ કરવા દીધું ? આપણને ગઝની, તૈમુર, ચંગીઝખાન, નાદીરશાહ તથા હુણો લુંટી ગયા, આપણા લોકોની કત્લેઆમ ચલાવી અને આપણે કોઈપણ પ્રતીકાર વીના બેસી રહ્યા તે શું હીન્દુ ધર્મ અને હીન્દુ કલ્ચરની શ્રેષ્ઠતા બતાવે છે ? કેમ આપણે પરદેશીઓ સામે (ઈ.સ. પુર્વે 300થી પહેલા એલેક્ઝાંડર નામના ગ્રીક સેનાપતીએ આપણને હરાવી દીધા હતા) હમ્મેશાં માર ખાધો છે ! (અહીં એક આડ વાત કરી લઈએ કે ભારતના હજારો વર્ષના ઈતીહાસમાં માત્ર પહેલી જ વાર ઈન્દીરા ગાંધીએ વીદેશી રાષ્ટ્ર(પાકીસ્તાન)ને નીર્ણાયક પરાજય આપ્યો હતો.) હજી પણ આપણે એ સવાલ કરતા નથી કે છેલ્લાં પાંચસો વર્ષોથી ભારતે કે ચીને કેમ દુનીયાનું આર્થીક, બૌદ્ધીક કે સાંસ્કૃતીક નેતૃત્વ ગ્રહણ કર્યું નથી ? કેમ પશ્ચીમ જગતના યુરોપ અને અમેરીકાએ દુનીયાનું નેતૃત્વ લીધું છે ? યુરોપના એક દેશ પોર્ચુગલના વાસ્કો–ડી–ગામાએ કેમ ભારત ખોળ્યું અને ભારતે કેમ પોર્ચુગલ કે સ્પેન કે અમેરીકાને ના ખોળ્યા ? વળી, પશ્ચીમી જગતે મુડીવાદ, સામ્યવાદ, સમાજવાદ, ડેમોક્રસી, ઉદ્યોગવાદ જેવી માનવકેન્દ્રી, સેક્યુલર વીચારસરણીઓ ખોળી અને ભારતે તે કેમ ના ખોળી ? વળી ભારતમાં આર્યભટ્ટ, વરાહમીહીર, ભાસ્કરાચાર્ય જેવા વૈજ્ઞાનીકો થઈ ગયા; પરન્તુ પશ્ચીમી જગતની જેમ ભારતે વૈજ્ઞાનીક પદ્ધતી (સાયન્ટીફીક મેથડ)ની ખોળ કેમ ના કરી ? તેણે બ્રહ્મન્, આત્મન્, જીવ, માયા, મનોભયકોષ જેવી ફીલોસોફી કેમ વાગોળ્યા કરી ? ચાર્વાક અને કણાદની તથા તેના અનુયાયીઓની વીજ્ઞાનને જન્મ આપે તેવી ભૌતીકવાદી ફીલોસોફીનો ભારતીય બ્રાહ્મણવર્ગે નાશ કર્યો. ટુંકમાં, પશ્ચીમી જગતે એશીયાને ખોળ્યું અને ખુંદ્યું; પરન્તુ ભારતે તેમ ના કર્યું. આ સવાલ આપણને ભારતીય કલ્ચરનાં મુલ્યોની ચકાસણી કરવાનું સુચવે છે. એક બાબત સ્પષ્ટ છે – જ્યારે પશ્વીમી જગત ઈ.સ. 1450 અને તે પછી રેનેસાં (પુનર્જાગરણ) અને રેફર્મેશન (એટલે કે પોપની સત્તા અને કેથલીક ધર્મ સામે પ્રચંડ વીરોધ)માંથી તથા વૈજ્ઞાનીક પદ્ધતીની સ્થાપનામાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે સમગ્ર ભારત ભક્તીયુગમાંથી પસાર થઈ રહ્યું હતું. સાધુ, સન્તો, પ્રાર્થના, ગુરુપુજન, ભજનો, પદો, પુજા વગેરેમાં તે લથપથ હતું. હજી પણ તે ચાલુ છે. ભારતના અને ગુજરાતના મધ્યમવર્ગમાં (ખાસ કરીને નવા ધનીક બનેલા વર્ગમાં) તો ભક્તીનું જાણે પુર ઉમટ્યું છે ! નવધનીક લોકોમાં ગુરુઓની કે સ્વામીજીઓની, કથાકારોની સેવા કરવાની કે તેમને હાથે ઉદ્ ઘાટન કરાવવાની તીવ્ર હરીફાઈ જામી છે ! આ પુસ્તકના લેખક હીન્દુ ધર્મની આલોચના કરતા કહે છે કે દુનીયાના દરેક ધર્મમાં રીતરીવાજો કે વીધીઓ (Rituals) હોય છે; પરન્તુ હીન્દુ ધર્મે વીધીઓની બાબતમાં હદ વટાવી દીધી છે. ઘરમાં, મન્દીરમાં, મેળાવડાઓમાં, (નદી પર–ધર્મસ્થળો પરના વીધી) સ્નાનવીધી, મન્ત્રોચ્ચારવીધી, પુજાવીધી, વાળ ઉતરાવવાનો વીધી, તર્પણવીધી, નદીમાં અસ્થી પધરાવવાનો વીધી, મોટા મોટા ઘાંટા પાડીને ભજનો ગાવાનો વીધી, સત્યનારાયણની કથાનો વીધી, મન્દીરોના ફેરા ફરવાનો વીધી, જનોઈવીધી, લગ્નવીધી, મૃત્યુવીધી, નાગપુજા, વડપુજા, પીપળાની પુજા વગેરે વીધીઓનો હીન્દુ ધર્મમાં પાર નથી. હવે ગુજરાતના સોફીસ્ટીકેટેડ ધનીકજનોમાં અને મધ્યમવર્ગમાં સત્યનારાયણની કથાને બદલે ‘સુન્દર કાંડ’ના પઠનનો વીધી વધુ લોકપ્રીય બન્યો છે; કારણ કે હનુમાન વધુ આક્રમક છે. વળી, ગુજરાતમાં પતીના આયુષ્ય માટે કડવા ચોથનું વ્રત કે વીધી ન હતાં; પરંતુ હીન્દીભાષી પ્રદેશોમાંથી આયાત થયેલું કડવા ચોથનું વ્રત ગુજરાતી મહીલાઓએ ઉત્સાહપુર્વક અપનાવી લીધું છે. ચાર્વાક અને બુદ્ધ સીવાય અહીં હીન્દુ ધર્મ, તેની માન્યતાઓ તથા બ્રાહ્મણો અને પુરોહીતો સામે કદાચ રીબેલ–બળવો થયો નથી. માત્ર બાબાસાહેબ ડૉ. આમ્બેડકરે આ રીબેલ શરુ કર્યો હતો.
ભારતીય (હીન્દુ) સંસ્કૃતી: કશું ગમ્યું તો મર્યા જ સમજો
હીન્દુ સંસ્કૃતીનાં અનેક પાસાં છે. તે કુદરતનાં તત્ત્વોને ઉલ્લાસમય રીતે સ્વીકારે છે. તે અંગે નાચ કે નૃત્યો કરે છે, સમુહમાં એકબીજા પર રંગ છાંટે છે, પીચકારીનું પાણી છોડે છે, રાસ કરે છે વગેરે. પરન્તુ તેની બીજી બાજુ પણ છે. તમે કોઈ સાધુ, સંત, મહાત્માનો ઉપદેશ સાંભળવા ગયા તો તેમાં, ‘આ સંસાર અસાર છે, માનવીનું ખરું ધ્યેય પ્રભુની ભક્તીનું છે અને સંસારના મોહમાયાથી અળગા થવાનું છે.’ તેવા જ વ્યર્થ ઉપદેશો સાંભળવા મળશે. તમને સારું ખાવા–પીવામાં મઝા પડે છે ? ના, તેનાથી તમે જીભને લાડ લડાવો છે અને તેનાથી શરીર બગડે, માટે દેહશુદ્ધી માટે ઉપવાસ કરો. તમને આઈસક્રીમ કે ચોકલેટ ભાવે છે ? ના ખાશો – તેનાથી દાંત બગડે. તમને ચા ભાવે છે ? ચા – કોફી છોડી દો. તમને પૈસા કમાવાનું ગમે છે ? ‘પૈસો તો હાથનો મેલ છે’ – તેને છોડી દો. તેવું બોલતો કથાકાર, સાધુ, સન્ત કે સ્વામીજી પોતે તો પુષ્કળ ધન એકઠું કરે છે. શું તમને SEX ગમે છે ? છીછીછી… તે અધ:પતનની નીશાની છે. શું તમને શીયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું ગમે છે ? તેવું ના કરતા; કારણ કે તમે ઈન્દ્રીયસુખને વશ થઈ જશો. રેફ્રીજરેટરનું ઠંડું પાણી પીવાનું ગમે છે ? ના પીતા; તેનાથી શરદી થઈ જશે. શું મીઠાઈઓ ખાવાની ગમે છે કે રુની પોચી પથારીમાં સુવાનું ગમે છે ? એમ ના કરતા. ઈન્દ્રીયોને વશમાં રાખો. ચટાઈ કે શેતરંજી પર સુઓ. હૉટેલમાં શું કામ ખાઓ છો ? માંદા પડશો. ચા કે કોફી ના પીતા. સીનેમા જોવા કેમ જાઓ છો ? તમારો કીમતી સમય બગડે છે. જે કોઈ પણ પ્રવૃત્તી આનન્દ પમાડે તેનાથી દુર રહો. એક વૃદ્ધ અને બહુ વંચાતા પત્રકાર દર થોડે થોડે દીવસે નવો વીષય ના જડતાં, જગતના તમામ લોકોને ખબર છે તેવી વાત લખ્યે રાખે છે: દા.ત. જંકફુડ ના ખાતા, ચરબીયુક્ત ખોરાક ના ખાતા. ફણગાવેલાં કઠોળ, ફળફળાદી, શાકભાજી અને ફળોનાં રસ ખાઓ–પીઓ. વળી શું ખાવાથી કેન્સર મટી જાય કે કેન્સર ના થાય તેની જગતના નીષ્ણાતોને પુરેપુરી ખબર નથી; પરન્તુ કોઈપણ સાબીતીના આધાર વીના તેમને કેન્સર મટાડતાં આહાર-વીહારનું પુર્ણ અંતરજ્ઞાન કે સ્ફુરીત જ્ઞાન છે ! કોઈપણ વીધાન માટે કે દાવા માટે વૈજ્ઞાનીક સાબીતી જોઈએ તેની ભારતના લોકોને ખબર નથી. આ પ્રકારના ઈર્–રૅશનલ વલણ સામે પણ આ લેખક લાલબત્તી ધરે છે. બધું જ કુદરતી સારું અને માનવકૃત ક્રીયાઓ, ચીજો કે પદાર્થો (દવાઓ, ઈન્જેક્શન્સ, ફીલ્મો વગેરે) ખરાબ કે નુકસાનકારક એવું ગાંધીજી અને વીનોબામાં તથા તેમના અનુયાયીઓમાં વધુ જોવા મળે છે. આ વીચારધારા નેગેટીવ છે. સામાજીક કે કલ્ચરલ ક્રાન્તી માટે આવાં વળગણો (ઓબસેશન્સ)ની કોઈ જરુર નથી. અબ્રાહમ લીંકન, માર્ક્સ, એન્જલસ, કાસ્ટ્રો, માઓ, માર્ટીન લ્યુથર કીંગ, દક્ષીણ આફ્રીકાના તારણહાર મેન્ડેલા વગેરેએ જબરજસ્ત બૌદ્ધીક રાજકીય ક્રાન્તી આવાં વળગણો વીના કરી છે. જગતને બદલી નાખનાર પ્રખર વૈજ્ઞાનીકો પણ ઉપરોક્ત પ્રકારના ગાંડપણભર્યા નીષેધોમાં માનતા નથી. તેઓ વારમ્વાર ઉપવાસ કરતા નથી કે ચટાઈ પર સુતા નથી કે બ્રહ્મચર્ય પાળતા નથી. પરન્તુ જગતને બદલી નાખે તેવી જબરદસ્ત શોધો કરે છે. સ્ટીવ જોબ્સ, માર્ક ઝુકરબર્ગ કે આઈનસ્ટાઈન કે ન્યુટન આનાં ઉદાહરણો છે. ઈન્દ્રીયો પર સંયમ જરુર જોઈએ; પરન્તુ તેની કોઈ આત્યન્તીક ઘેલછામાં જગતના ચીન્તકો અને ક્રાન્તીકારો જીવતા નથી. તેમનું જીવન બહુધા ‘બેલેન્સ્ડ’ (સંતુલીત) હોય છે. તમારે વહેલા સુઈને વહેલા ઉઠવું કે સ્નાન કરીને જ જમવું, સાંજ પહેલાં સાદું ભોજન લેવું, ભગવાનમાં મન પરોવવું – આ અર્થહીન ઉપદેશો છે. તેને વ્યર્થ ગણવા.
આ પુસ્તકના લેખક ગીતામાં પ્રબોધેલા નીષ્કામ કર્મ અને સ્થીતપ્રજ્ઞના વીચારોની વીરુદ્ધ છે. ફળની આશા વીના કોઈ પણ કામમાં ‘મોટીવેશન’ જ કેવી રીતે ઉભું થાય ? વળી, માણસ સુખ દુ:ખમાં સન્તુલન જાળવે તે સ્થીતપ્રજ્ઞતાનો વીચાર ઠીક છે; પરન્તુ આનન્દમાં કે સુખમાં કે દુ:ખમાં લાગણીઓ જ ના અનુભવવી કે તેની અભીવ્યક્તી ના કરવી તેવો સ્થીતપ્રજ્ઞતાનો વીચાર અવ્યવહારુ છે. સમાજમાં આટલો બધો અન્યાય હોય અને મન ખળભળી ના ઉઠે તેવું સ્થીતપ્રજ્ઞતાનું લક્ષણ, જડત્વભર્યું ને અરુચીકર છે.
ધર્મની વીરુદ્ધ:
લેખક ધર્મની વીરુદ્ધમાં છે; કારણ કે દુનીયાનો દરેક ધર્મ એવો દાવો કરે છે કે તે સર્વશ્રેષ્ઠ છે. જો દરેક ધર્મ પોતાને શ્રેષ્ઠ માને તો ધર્મને નામે યુદ્ધો થવાનાં જ છે. દુનીયામાં અસંખ્ય ધર્મયુદ્ધો થઈ ચુક્યાં છે. દરેક ધર્મ ઈર્–રૅશનલ છે અને નાનપણથી જ વ્યક્તીનું તેના ધર્મમાં બ્રેઈનવૉશીંગ કરવામાં આવે છે; જેથી તે તેના ધર્મને શ્રેષ્ઠ માને. અમેરીકામાં સાધુ, સન્તો, મહાત્માઓ, મહન્તો, ગુરુઓની પધરામણીને તથા તેમની પધરામણીઓ કરાવનાર લોકો માટે લેખક સખત નારાજગી પ્રગટ કરે છે. લેખક કટાક્ષ કરી કહે છે કે પહેલાં એવું મનાતું જે કોઈ સાધુ, સન્ત કે યોગીએ હીમાલયમાં તપસ્યા કરી ના હોય, તેઓને સાચા યોગી કે મહાત્મા ગણવામાં આવતા ન હતા. હવે ભારતના લોકો, જે યોગીઓ, સન્તો કે સ્વામીઓના, પશ્ચીમ જગતની ધોળી પ્રજાના ભક્તજનો ના હોય તેમને સાચા સન્ત કે મહાત્મા ગણતા નથી. એવું જણાય છે કે આવતા સો કે બસો વર્ષ પછી હીન્દુ ધર્મના વ્રતો, ફીલોસોફી અને રીતરીવાજો માત્ર પશ્ચીમ જગતમાં જ બચ્યા હશે !! લેખક આ પુસ્તકના સાર રુપે મુદ્દાને રજુ કરતા કહે છે કે જ્યાં સુધી ભારતમાં હીન્દુ ધર્મ અને તેની ફીલોસોફી તથા સાધુસન્તોની સત્તા સામે રીબેલ–બળવો નહીં થાય ત્યાં સુધી આપણે પછાત જ રહીશું.
શોધોનો વીરોધ:
ભારતનું કલ્ચર નવી ચીજવસ્તુઓ કે નવા વીચારોની શોધ (ઈનોવેશન્સ) અને સ્વતંત્ર વીચારશક્તીને રુંધે છે. અંગ્રેજ પ્રજાએ જગતને બદલી નાખનાર નવી નવી શોધો દ્વારા ઔદ્યોગીક ક્રાન્તી કરી. ઈંગ્લેંડના જેમ્સ વૉટે સ્ટીમ એન્જીન ખોળ્યું. આપણે કેમ ના ખોળ્યું ? આપણે તો માત્ર ઈન્દ્રીયજન્ય સુખો પર કાબુ મેળવવામાં જ આપણી તાકાત વેડફી નાંખી. હીન્દુ રાજા પુષ્યમીત્ર શૃંગે (ઈ.સ. પુર્વે 187 થી ઈ.સ. પુર્વે 157) જે કોઈ બૌદ્ધ ધર્મના અનુયાયીનું માથું રજુ કરે તેને સોનું આપવાની જાહેરાત કરી હતી. બૌદ્ધ ધર્મ શું કોઈ હીંસા વીના એકાએક ભારતમાંથી અદૃશ્ય થઈ ગયો ? વળી, લેખક કહે છે કે આપણે બહુ બધી વીદેશી પ્રજાઓને હાથે પરાજયનો સ્વાદ ચાખ્યો છે અને તેવી હારેલી પ્રજાએ તો સહીષ્ણુ બનવું જ પડે છે. (જેમ અત્યાર સુધી દલીતોને ગામડાઓમાં ફરજીયાત સહીષ્ણુ બનવું પડ્યું હતું અને બનવું પડે છે.)
ટુંકમાં, લેખકના મતે ધાર્મીક માન્યતાઓ પ્રજાના પગની બેડીઓ છે. વળી હીન્દુધર્મીઓ હીન્દુ–મુસ્લીમ હુલ્લડો દરમીયાન બહુ સહીષ્ણુ હોય તેમ જણાતું નથી. બન્ને પક્ષો અસહીષ્ણુ હોય છે. ‘હીન્દુ ધર્મ શ્રેષ્ઠ છે અને જગતે તેના શરણે આવવું પડશે’ તેવી કપોળ કલ્પના હેઠળ ઘણા લોકો જીવે છે. લેખક ભારપુર્વક માને છે કે આપણી ગરીબીનું કારણ બાહ્ય પરીબળો નથી. આપણે બહારના વીલનો એટલે કે ખલનાયકો (બ્રીટન, અમેરીકા, પાકીસ્તાન)ને શોધવાની જરુર નથી. અંગ્રેજોની હકુમત પહેલાં પણ આપણે ગરીબ હતા. આપણો અંદરોઅંદરનો કુસંપ અને ધાર્મીક માન્યતાઓ તથા તદ્દન નબળું રાજ્ય (સોફ્ટ સ્ટેટ) આપણી ગરીબી માટે જવાબદાર છે.
-પ્રા. ધવલ મહેતા
(બે હપ્તે આ લખાણ અહીં સમાપ્ત થાય છે.. ગયા સપ્તાહનો આગલો ભાગ અને તેને મળેલા વાચકોના રસપ્રદ પ્રતીભાવો માણવા http://govindmaru.wordpress.com/2012/03/22/dhawal-mehta-3/ આ લીંક પર ક્લીક કરશો. – ગોવીન્દ મારુ)
● તા. 21 ડીસેમ્બર, 2011 ના ‘ગુજરાત સમાચાર’ દૈનીકમાં પ્રકાશીત થયેલી લેખકની કટાર ‘નવું વાચન–નવા વીચાર’માંથી, લેખક અને ’ગુજરાત સમાચાર’ના સૌજન્યથી સાભાર..
●●● પુસ્તકલેખક–સંપર્ક :
Subodh Shah,
7 Nightfall court, OFALLON, MO – 63368 – USA
Ph : 001-636-240-5230 eMail – ssubodh@yahoo.com
પુસ્તકમાહીતી:
The title of the book is ‘Culture Can Kill’. It is divided in 27 Chapters & has 167 Pages. The Book is Published BY http://www.authorhouse.com/ Price 12 dollars.
Books are available at http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586 Price 18 dollars.
The book is also published in INDIA by Lokvangmaya Grih, 85- Sayani Road, Prabhadevi, Mumbai – 400 025. But now there is no stock so these books are not available in India.
પુસ્તકપરીચય આપનાર:
પ્રા. ધવલ મહેતા, બી-13, કોણાર્ક – કરીશ્મા એપાર્ટમેન્ટ, રેણુકા હૉલ સામે, વસ્ત્રાપુર, અમદાવાદ-15 ફોન નંબર: (079) 2675 4549 ઈમેઈલ: dhawalanjali48@yahoo.com
@@@
રૅશનાલીઝમ – મુક્તકો
(૧)
અર્થ વગરના રીતરીવાજો સ્વીકારો છો શા માટે ?
સમજ વગરની વાત હૃદયમાં ઉતારો છો શા માટે ?
સાચુ શું ને ખોટું શું છે ? આધારોથી શોધ કરો–
બીજાના મત મુજબ કાયમ વીચારો છો શા માટે ?
(૨)
હજુ કેમ લોકો કથા સાંભળે છે !
વીતેલા સમયની વ્યથા સાંભળે છે.
ગયું તે ભુલી જા, થયું તે ભુલી જા.
જીવન તો વહેતા સમયમાં મળે છે.
– મનસુખ નારીયા,
આચાર્ય, એમ.વી. પટેલ હાઈ સ્કુલ, માતા વાડી, વર્ષા સોસાયટી, વરાછા રોડ, સુરત– 395 006
ફોન: (0261) 254 5772 મોબાઈલ: 94268 12273
ઈ–મેઈલ: vu2mnariya@gmail.com
@@@@@
♦●♦●♦ સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, આ ‘રૅશનલ–વાચનયાત્રા’ માં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.
વળી, જે મીત્રોને બ્લોગ પરથી આમ પીડીએફ ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તેવા મીત્રો માટે મેં ઝીપફાઈલો પણ બનાવી છે. દરેક ઝીપફાઈલમાં વીસ પીડીએફ છે. મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, એક મેઈલ લખી તે ઝીપ ફાઈલો મેળવી શકાય છે. નવીન વીચારો તો વહેંચાયેલા અને વાગોળાયેલા જ સારા એમ મને લાગે છે..
●♦● દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: http://govindmaru.wordpress.com
અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 29–03–2012



