Archive for January, 2012
‘ઉંઝાજોડણી’ એટલે શાસ્ત્રીય(વૈજ્ઞાનીક) જોડણી – ૨
Posted in પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) on January 26, 2012 | 37 Comments »
સત્યની શોધ અને સ્વીકાર: ભાગ– 2
Posted in શ્રી. મુરજી ગડા on January 18, 2012 | 17 Comments »
ઉત્ક્રાન્તી
–મુરજી ગડા
સર્વવ્યાપી, સર્વસ્વીકૃત એવી એક પુરાણી માન્યતાને ચારસો વરસ પહેલાં જોરદાર ફટકો લાગ્યો, જ્યારે પૃથ્વીનો સાચો આકાર અને તેનું સ્થાન જાહેર થયાં. આ બાબતે હવે બધું સ્વીકારાઈ ગયું હોવાથી વીવાદ શાન્ત થઈ ગયો.
એ જ રીતે આપણાં મુળ વીશેની બીજી સર્વવ્યાપી, સર્વસ્વીકૃત પુરાણી માન્યતાને દોઢસો વરસ પહેલાં જોરદાર ફટકો લાગ્યો, જ્યારે ઉત્ક્રાન્તીવાદની વાત જાહેર થઈ અને એનો વીવાદ તો હજીયે ચાલુ છે.
કોઈ નવી વાતનો અહેવાલ આપતાં પહેલાં એને સારી રીતે સમજવાની કે ચકાસવાની ધીરજ અને વૃત્તી પ્રસાર માધ્યમોમાં હોતી નથી. પરીણામે કોઈ ઉતાવળીયા પત્રકારે ‘વાંદરામાંથી માણસ થયો’ એવું છાપી માર્યું. મોટાભાગના લોકોની ઉત્ક્રાન્તી વીશેની સમજ આટલા પુરતી મર્યાદીત છે. આ એક અર્ધસત્યે ઉત્ક્રાન્તીવાદ સમજવામાં જેટલી અડચણો ઉભી કરી છે, એટલી કદાચ એના અઠંગ વીરોધીઓએ પણ નહીં કરી હોય! આ ગેરસમજને દુર કરવી જરુરી છે.
સજીવોના નૈસર્ગીક રીતે તબક્કાવાર થયેલા વીકાસને ઉત્ક્રાન્તી કહે છે. નીર્જીવોમાં દેખાતી વીવીધતા અને જટીલતા પણ તબક્કાવાર થઈ છે; છતાં એ ઉત્ક્રાન્તી નથી ગણાતી. જો એને પણ ઉત્ક્રાન્તી ગણવામાં આવે તો ઉત્ક્રાન્તીની શરુઆત શુન્ય સમયથી એટલે કે ‘બીગ બૅંગ’થી થઈ એમ કહી શકાય.
જીવવીજ્ઞાનને રસાયણશાસ્ત્ર સાથે ખુબ નજીકનો નાતો છે. એટલે ઉત્ક્રાન્તીની વાત આગળ વધારતાં પહેલાં શુષ્ક ગણાતા રસાયણશાસ્ત્રને થોડું સમજવું જરુરી બને છે. આપણી આસપાસ જે પણ દેખાય છે તે બધું અણુ અને પરમાણુઓનું બનેલું છે. ઘણા આ જાણે છે. એને થોડા ઉંડાણમાં જાણીએ.
પૃથ્વી પર 94 પ્રકારનાં મુળતત્ત્વો (એલીમેન્ટ્સ) નૈસર્ગીક રુપમાં જોવા મળ્યાં છે. (આમાંથી મોટાભાગનાં તત્ત્વો તારાઓના ગર્ભમાં બનેલા હોય છે.) આ ઉપરાંત બીજાં 24 મુળતત્ત્વોને વૈજ્ઞાનીકો અણુભઠ્ઠીમાં બનાવી શક્યા છે. આ બધાં જ તત્ત્વોના પરમાણુ (એટમ) માત્ર ત્રણ ઘટકોના બનેલા છે, પ્રોટૉન, ન્યુટ્રૉન, અને ઈલેક્ટ્રૉન. ફરક માત્ર એમનામાં સમાયેલા ઘટકોની સંખ્યાનો છે. સૌથી પહેલા અને સહેલા હાઈડ્રોજનના પરમાણુમાં માત્ર એક પ્રોટૉન એક ઈલેક્ટ્રૉન હોય છે. સૌને ગમતા સોનામાં 79 પ્રોટૉન છે જ્યારે પારામાં 80 અને સીસામાં 82 પ્રોટૉન છે. માત્ર આટલા નજીવા ફરકને કારણે આ તત્ત્વોના ગુણધર્મ, ઉપયોગ, કીમ્મતમાં કેટલો ફરક પડે છે એ બતાવવાનો મુખ્ય હેતુ આ વીગત આપવાનો હતો.
આ માત્ર મુળ તત્વોની વાત થઈ. આ તત્વોનું એકબીજા સાથે સંયોજન થવાથી એક નવો જ પદાર્થ બને છે (કમ્પાઉન્ડ). જેના ગુણધર્મો મુળ તત્ત્વો કરતાં સાવ અલગ હોય છે. પૃથ્વી પર કુદરતી તેમ જ માનવસર્જીત સંયોજનો એક કરોડ કરતાં પણ વધારે છે. આ બધાં મુળ તત્ત્વો અને સંયોજનોના પોતાના વીશીષ્ટ ગુણધર્મો છે. દાખલા તરીકે, માત્ર ઑક્સીજનની હાજરીમાં જ વસ્તુઓ બળી શકે છે, માત્ર લોખંડ જ ચુંબકત્વ ધરી શકે છે, વગેરે… અગણીત દાખલા આપી શકાય.
કાર્બન એક એવું તત્ત્વ છે જે સાવ સહેલાઈથી કેટલાંયે અલગ મુળતત્વો સાથે સંયોજીત થઈ અતીજટીલ અણુઓ બનાવી શકે છે. આ કાર્બન અને હાઈડ્રૉજનના સંયોજનથી એક એવો અણુ બન્યો જેણે વાતાવરણમાંથી બીજા કાર્બન અને હાઈડ્રૉજનના પરમાણુઓને આકર્ષી, પોતાના જેવા બીજા અણુઓ બનાવી સાંકળ રચી. પોતાની પ્રતીકૃતી બનાવતા આ અણુઓ ઑર્ગેનીક મૉલીક્યુલ કહેવાય છે જે જૈવીક ઉત્ક્રાન્તીની શરુઆત છે. કોઈને આમાં દૈવી હસ્તક્ષેપ દેખાતો હોય તે એમનો દૃષ્ટીકોણ છે. બાકી જે રીતે ભેજમાં લોખંડ કટાય એના જેવી આ એક રાસાયણીક ક્રીયા માત્ર છે, જે યોગ્ય વાતાવરણમાં સ્વયમ્ભુ થઈ છે/ થાય છે. (ઑર્ગેનિક મૉલીક્યુલની શરુઆત સમજાવવા આટલા ઉંડાણમાં જવાનું જરુરી લાગ્યું છે.)
આ ઑર્ગેનીક મૉલીક્યુલ નીર્જીવ અને સજીવની બોર્ડર પર ગણાય છે. સામાન્ય શરદીથી લઈ એઈડ્સ સુધીની બીમારીઓ ફેલાવતા વાઈરસ આ મુળ ઑર્ગેનીક મૉલીક્યુલની સુધારેલી આવૃત્તી જેવા છે. વાઈરસ પરોપજીવી છે. એ શ્વાસ લેતા નથી; પણ પોતાના જેવા બીજા બનાવી શકે છે.
એક કોષીય બૅક્ટેરીયા પ્રમાણમાં ઘણા જટીલ અને વીકસીત છે. એમને અસ્તીત્વમાં આવતાં કરોડો વરસ લાગ્યાં. વધારે વીકસીત જીવો બનતાં બીજા કરોડો વરસ લાગ્યાં. ઉત્ક્રાન્તીની તબક્કાવાર વાત કરવા માટે એક લેખ પુરતો નથી, આખું પુસ્તક જોઈએ. એટલે સીધા વાંદરા–માણસની વાત પર આવીએ.
પુંછડીવાળા વાનર ઉત્ક્રાન્તીમાં આપણાથી ઘણા પછાત છે. એમની પુંછડી વગરની વીકસીત પ્રજાતી એપ (APE) કહેવાય છે. ભારતમાં એમનો વાસ નથી એટલે આપણી ભાષાઓમાં એમના માટે યોગ્ય શબ્દ પણ નથી. અન્યત્ર વસતા આ એપની ચાર જાતો છે: ગોરીલા, ચીમ્પાન્ઝી, ઉરાનગુટાન અને બોનોબો.
આ એપ પણ આપણા પુર્વજ નથી. બલકે એમના અને આપણા પુર્વજ એક હતા. એમની અને આપણી ઉત્ક્રાન્તીની શાખા 65 લાખ વરસ પહેલાં છુટી પડી છે. આ સમય દરમીયાન આપણા પુર્વજોની કેટલીયે પ્રજાતીઓ થઈ અને નાશ પામી છે. ટુંકમાં, વાનરમાંથી રાતોરાત માણસ નથી થયો; ન થઈ શકે. ઉત્ક્રાન્તીને લીધે થતા ફેરફારોને હજારો, લાખો વરસ લાગે છે. એપ આપણા પુર્વજ નહીં; પણ દુરના પીતરાઈ છે. એમના જનીન આપણા જનીન સાથે 98% મળતા આવે છે એટલે ‘લોહીનો સમ્બન્ધ છે’ એવું જરુર કહી શકાય.
આજે કાળા, ધોળા, ઘઉંવર્ણા કે પીળાશ પડતા, જેટલા પણ રંગના માણસો છે, એ બધાના પુર્વજ પુર્વ આફ્રીકામાંથી આવેલા છે. આધુનીક માણસ આશરે દોઢ–બે લાખ વર્ષો પહેલાં જ અસ્તીત્વમાં આવ્યો છે અને માત્ર 60,000 વરસ પહેલાં આફ્રીકાની બહાર નીકળી અન્યત્ર ફેલાયો છે. વાતાવરણ, રહેણીકરણી અને ખોરાક જેવી વીવીધતાને લીધે આપણામાં કેટલો ફરક થયો તે જોઈ શકાય છે. ઉત્ક્રાન્તીનું આ એક ઉદાહરણ છે.
ઉત્ક્રાન્તી ‘હાઈપોથીસીસ’ નથી; અનુમાન કે માન્યતા માત્ર નથી; એ વાસ્તવીકતા છે. એના પુરાવા છે; જમીનમાંથી મળી આવતાં પ્રાણીઓ અને વનસ્પતીઓ; એક જ પ્રજાતીનાં પ્રાણીઓ વચ્ચે સ્થળ અને કાળને લીધે દેખાતો તફાવત; ને હવે DNA પરીક્ષણનાં પરીણામો. આ બધું વીસ્તારથી સમજાવતાં થોકબંધ પુસ્તકો લાયબ્રેરીમાં ઉપલબ્ધ છે. આપણે વાંચવાની તસ્દી લેવી પડે.
હવે માત્ર કુદરતી નહીં; પણ માનવસર્જીત ઘટનાઓ અને પ્રયત્નોથી આ ઉત્ક્રાન્તીની પ્રક્રીયા ઝડપી બની છે, જેનાં પરીણામો હજારો વરસમાં નહીં; પણ ટુંક સમયમાં જોઈ શકાય છે. છેલ્લા થોડા દાયકાઓમાં તબીબી ક્ષેત્રે થયેલ સંશોધનથી સરેરાશ આયુમર્યાદા વધી છે. ખોરાકમાં થયેલ ફેરફારને લીથે સરેરાશ ઉંચાઈ વધી છે. યૌવન વહેલું શરુ થઈ લાંબો સમય જળવાઈ રહે છે, આ ઉત્ક્રાન્તી છે.
કુતરા, ગાય, ઘોડા જેવાં પાલતુ પ્રાણીઓની ઉંચી નસલ મેળવવા કરવામાં આવતું ‘ક્રોસ બ્રીડીંગ’ ઉત્ક્રાન્તીની ક્રીયા ઝડપી બનાવે છે. અનાજ, શાકભાજી વગેરેમાં હાઈબ્રીડથી કરવામાં આવતું વાવેતર પણ ઉત્ક્રાન્તી લાવે છે. લગ્નો દ્વારા (આંતરજ્ઞાતીય નહીં) થતાં બાળકો પણ આવું જ ઉદાહરણ છે.
આંખો અને મન ખુલ્લું રાખીએ તો ઉત્ક્રાન્તી ચારે બાજુ દેખાય છે. કોઈએ લખેલા એક અર્ધસત્ય વાક્ય પરથી ઉત્ક્રાન્તીવાદને વખોડાય નહીં. સત્ય સામે આવીને ઉભું છે. દુનીયાની સાથે ચાલવું હોય તો એને સ્વીકાર્યા વગર છુટકો નથી.
ઉત્ક્રાન્તીનો અંત આવ્યો નથી કે આવવાનો નથી. આજે માણસ પોતે કુદરતનું કામ કરી પોતાના લાભ માટે પૃથ્વીની કાયાપલટ કરી રહ્યો છે. એનું પરીણામ સર્વનાશ કહી શકાય એટલું નકારાત્મક આવે તો કુદરત પોતાની રીતે અને પોતાની ઝડપે ઉત્ક્રાન્તી ચાલુ રાખશે. ટેકનોલૉજીમાં માનવ જો ધારી પ્રગતી કરતો રહ્યો તો…? બન્ને શક્યતાઓ પર ઘણાં પુસ્તકો લખાયાં છે.
ઉત્ક્રાન્તીવાદની શોધનું શ્રેય ચાર્લ્સ ડાર્વીન અને આલ્ફ્રેડ વૉલેસને મળે છે. ખરી રીતે તો એ એમણે કરેલ વીસ્તૃત અભ્યાસ માટે ગણાય. એમનાથી સદીઓ પહેલાં પણ કેટલાક લોકોને ઉત્ક્રાન્તીનો ખ્યાલ હતો. પણ તેઓ જાહેરમાં એવું કહેતા ડરતા હતા, એટલે એમણે ઉંડાણમાં સંશોધન પણ કર્યું નહીં. ઝનુની વૃત્તીવાળા લોકો ત્યારે પણ હતા અને આજે પણ છે, જે પોતાની માન્યતાથી ભીન્ન વીચારને દબાવી દેવા સદા તત્પર હોય છે. પોતાનું હીત જાળવી રાખવા, પ્રગતીને રોકવાનો કે સત્યને દબાવી દેવાનો આ જુનો અને જાણીતો માર્ગ ભુતકાળમાં કામયાબ થયો છે. હવે વર્તમાનમાં એની અસરકારકતા ઓછી થતી જાય છે. પુરવાર થયેલાં સત્યો હવે પ્રમાણમાં સહેલાઈથી સ્વીકારાઈ જાય છે, થોડાક અપવાદ બાદ કરતા.
–મુરજી ગડા
‘સત્ય સામે આવીને ઉભું છે. હવે પુરાણી માન્યતાને છોડીએ’ ક્રમશ: રસીક ભાગ ત્રીજો ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૨ને ગુરુવારે….
નવી વ્યવસ્થા..
સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.
વળી, જે મીત્રોને બ્લોગ પરથી આમ પીડીએફ ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તેવા મીત્રો માટે મેં ઝીપફાઈલો પણ બનાવી છે. દરેક ઝીપફાઈલમાં વીસ પીડીએફ છે. મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, એક મેઈલ લખી તે ઝીપ ફાઈલો મેળવી શકાય છે. નવીન વીચારો તો વહેંચાયેલા અને વાગોળાયેલા જ સારા એમ મને લાગે છે..
-ગોવીન્દ મારુ
લેખકસમ્પર્ક:
શ્રી મુરજી ગડા, 1–શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009 ઈ–મેઈલ: mggada@gmail.com
કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના ૨૦૧૧ના ફેબ્રુઆરી માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…
♦●♦ દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: http://govindmaru.wordpress.com/
અક્ષરાંકન: ગોવીન્દ મારુ – 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય:ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 19–01–2012
●♦●♦●♦●
સન્તોને બગાડવાનું બન્ધ કરો
Posted in મીત્રોનાં લેખો / કાવ્યો on January 12, 2012 | 49 Comments »
[12મી જાન્યુઆરીએ સ્વામી વીવેકાનન્દની જન્મ જયન્તી છે. ભારતવર્ષ સ્વામી વીવેકાનન્દની 150મી જન્મજયન્તી ઉજવી રહ્યું છે. આ અવસરે ડૉ. ગુણવન્ત શાહનો આ લેખ, સાચા સન્તને ઓળખવાની આપણને દૃષ્ટી સાંપડે તેવી શુભેચ્છા સાથે પ્રસ્તુત છે..ગોવીન્દ મારુ]
મારા તાબામાં રહેલી સધળી નીખાલસતા નીચોવીને મારે કહેવું છે: ‘‘હે હીન્દુઓ ઉઠો, જાગો અને સન્તોને બગાડવાનું બન્ધ કરો.’’ અજ્ઞાની પ્રજા કદી ધાર્મીક નથી હોતી. ગમે તેવા લેભાગુ માણસને સાધુ માની લેવાની હીન્દુઓની શક્તી અપાર છે.
કોઈ પણ માણસને સન્ત કહેતાં પહેલાં એનું કે એના આશ્રમનું બૅન્ક બૅલેન્સ તપાસી લો. હવે નવી તરકીબ શરુ થઈ છે. ઉપદેશકો સાથે વીરાટ રકમોની લેવડદેવડવાળાં ટ્રસ્ટો રચવામાં આવે છે. હીસાબો જાહેર થતા નથી અને ગોટાળા ધાર્મીક હોય છે; તેથી ઑડીટમાં પણ વાંધો આવતો નથી. ટ્રસ્ટીઓ નજીકના સ્વજનો કે પ્રીયજનો હોય છે. કહેવાતા સન્ત બહારથી અલીપ્ત હોય છે; પરન્તુ અન્દરથી સવાયા સંસારી થઈને પ્રજાના પૈસે લહેર કરતા રહે છે. એમના પી.આર.ઓ. ઈમેજ બીલ્ડ-અપ કરતા રહે છે. વાતો ત્યાગની અને ખાનગીમાં ભોગની બોલબાલા. આશ્રમમાં રહસ્યમય ભોંયરું હોય તો જરુર એમાં બાવાજીની લમ્પટલીલા ચાલવાની. સ્ત્રીઓ અને પુરુષ એકબીજા પ્રત્યે આકર્ષાય તેમાં અધાર્મીક કશું નથી. બાવાજીને પણ પ્રેમ કરવાનો અધીકાર છે. બાવાજી પ્રેમ નથી કરતા; તેઓ સ્ત્રીઓને ફસાવે છે અને વળી આત્મા-પરમાત્માની વાતો કરીને ફસાવે છે. તેઓ શક્તીપાતની વાતો સાથે વીર્યપાત કરતા રહે છે. બાવાજીનું ભોંયરું, સંસારીના બેડરુમ કરતાં વધારે ખતરનાક હોય છે. ભોળી સ્ત્રીઓ માટે ફળીયાનું અંધારું, આશ્રમના અજવાસ કરતાં વધારે સલામત ગણાય. બાવાજી સ્ત્રીને પ્રેમ નથી કરતા; તેઓ સ્ત્રીઓને મુર્ખ બનાવે છે. મુર્ખ બનવા માટે હીન્દુ સ્ત્રીઓ જેટલી ઉત્સુક સ્ત્રીઓ મેં બીજા કોઈ દેશમાં જોઈ નથી.
કોઈ કહેવાતા લોભાનન્દજી કે લમ્પટેશ્વર કે મોહાનન્દજીને પનારે પડનારી અન્ધશ્રદ્ધાળુ પ્રજા ‘રામાયણ’, ‘ગીતા’ કે ‘ઉપનીષદ’ નથી વાંચતી. હે હીન્દુ ભાઈબહેનો, એકવીસમી સદીને છાજે તેવા જીવનવ્યવહાર વગર વાસી ધર્મના ઢોલ પીટ્યે રાખીશું તો ખતમ થઈ જઈશું. ધર્મ સાથે તાજા અરમાનોનો મેળ પાડવો પડશે. અન્ધશ્રદ્ધાની આરતી ઉતારવાનું બન્ધ કરવું પડશે. અશ્વમેધ જેવા બોગસ યજ્ઞો બન્ધ કરવા પડશે. અસ્પૃશ્યતા નાબુદ કરવી પડશે. દહેજપ્રથા ખતમ કરવી પડશે. દેવદાસી પ્રથાના કલંકને દુર કરવું પડશે. વીધવાઓની અવદશા દુર કરવી પડશે. આશ્રમોનો અને મન્દીરોનો કચરો, માનસીક કચરો અને આર્થીક કચરો સાફ કરવો પડશે. સાચો પ્રેમ કેમ કરવો તે નવી પેઢીને શીખવવું પડશે. નવી સદી, વાસી ધર્મનું નવસંસ્કરણ માગે છે. નવી પેઢી બ્લુ ફીલ્મ ‘જુએ’ છે; જ્યારે બાવાજીઓ તો બ્લુ ફીલ્મ ‘જીવે’ છે !
રામાયણ આપણું ઉદાત્ત મહાકાવ્ય છે, એ જરુર સૌએ વાંચવું જોઈએ; પરન્તુ વાંચીને પણ આપણા વીવેકને ગીરવે મુકવાનો નથી. ચરણસેવા, ચરણસ્પર્શ અને ચરણ ધોઈને પાણી પીવામાં ધર્મ છે એમ માનનારી નીર્માલ્ય પ્રજાને કેશવાનન્દ ન મળે તો શું વીવેકાનન્દ મળે ? હીન્દુઓ ક્યારે જાગશે ? એંશી ટકા પ્રજા ઉંઘતી હોય ત્યારે લઘુમતી જાગતી રહે એવું બને ખરું ? એ બીચારી મુલ્લાગ્રસ્ત છે ! બન્ને વચ્ચે હરીફાઈ જાગવાની નહીં; બેભાન રહેવાની ચાલે છે. માંજી માંજીને વાસણ ચકચકતું કરીએ તેમ ધર્મને પણ સ્વચ્છ કરીને ચક્ચક્તો કરવાનો છે.
- ગુણવન્ત શાહ
‘ગરવી ગુજરાત’ સાપ્તાહીક – ૨૦૦૨ તેમ જ ‘અક્ષરનાદ.કોમ’ (http://aksharnaad.com/2009/01/19/do-not-spoil-saints-by-gunvant-shah/)વેબસાઈટ પર જાન્યુઆરી 19, 2009ના રોજ પોસ્ટ થયેલ આ લેખ લેખકશ્રી તેમ જ ભાઈશ્રી જીજ્ઞેશ અધ્યારુના સૌજન્યથી સાભાર….
લેખકસંપર્ક : શ્રી ગુણવન્તભાઈ શાહ, ‘ટહુકો’ - ૧૩૯ – વીનાયક સોસાયટી, જે.પી. રોડ, વડોદરા - ૩૯૦ ૦૨૦
વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..
અક્ષરાંકન: – ગોવીન્દ મારુ - govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ – 12–01–2012
♦●♦●♦●♦●♦●♦
‘ઉંઝાજોડણી’ એટલે શાસ્ત્રીય(વૈજ્ઞાનીક) જોડણી – ૧
Posted in પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) on January 5, 2012 | 131 Comments »
–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’
જ્ઞાની પુરુષને સત્ય સમજાવવું, એ સરળ કાર્ય છે. એ જ રીતે સમ્પુર્ણ જ્ઞાનીને સત્ય સમજાવી શકાય. પરન્તુ જે અર્ધદગ્ધ છે, તેને સત્ય સમજાવવું અત્યન્ત દુષ્કર છે.
–ભર્તૃહરી
ગુજરાતી લેખનક્ષેત્રે ‘ઉંઝાજોડણી’ બાબતમાં ખરેખર ભર્તૃહરીના આ સુભાષીત જેવું જ બન્યું છે. ગુજરાતના જે સાક્ષરો ઉંઝાજોડણીનો વીરોધ કરે છે, તેઓને કયા વર્ગમાં મુકી શકાય, એ તેઓ સીવાયના સમજદાર કે વીચારશીલ શીક્ષીતોને તો સહેજે ખ્યાલ આવી શકે. ‘સાક્ષરા: વીપરીતા:’ –એવો ખેલ ગુજરાતી લેખનક્ષેત્રે જામ્યો છે. આ પ્રશ્ન જ, અર્થાત્ ‘ઉંઝા– જોડણી’ એ મુળભુત રીતે તો વીજ્ઞાનનો, ભાષાવીજ્ઞાનનો પ્રશ્ન છે. તદનુસાર, સમજી લો અથવા તો સ્પષ્ટત: સમજાય છે કે સવાલ લેખન–પદ્ધતી (રીતી)નો છે, જેને ભાષા–પદાર્થ કે એના સૌંદર્ય–ગરીમા સાથે કોઈ જ સમ્બન્ધ નથી. છતાં આવા પ્રશ્નો અકારણ જ ઉભા કરવામાં આવે છે. તો કોઈ વળી કાવ્યના છંદો અને અક્ષરમેળ વૃત્તોની ચીન્તા વ્યકત કરે છે. એવા સમક્ષ અહીં જ એક દાખલો પ્રસ્તુત કરું:
ભુરો ભાસ્યો ઝાંખો
દુરથી ધુમસે પ્હાડ સરખો !
–નર્મદ
આ એક જ (પહેલી જ) પંક્તીમાં કવીએ હ્રસ્વ–દીર્ધ પરત્વે ત્રણ છુટ લીધી છે, અર્થાત્ કોશગત જોડણી મુજબ, દીર્ધ ‘ઊ’વાળા ત્રણ શબ્દોમાં, એનો હ્રસ્વ ઉચ્ચાર કરવો રહે છે. નર્મદે આ કાવ્ય રચ્યું, એને સવાસો–દોઢસો વર્ષ આસાનીથી વીતી ગયાં, કવીને તો આ બાબતે કશી ફરીયાદ કરવાપણું હતું જ નહીં; કારણ કે ત્યારે આ સાક્ષરમાન્ય ગણાતો જોડણીકોશ પણ ન હતો અને એની મીથ્યા માન ખાટી જનારી અગડમ્ બગડમ્ જોડણી પણ નહોતી જ ! ત્યાર બાદ ગાંધીયુગમાં તો બ.ક.ઠા. જેવા વીદ્વાનોએ સ્પષ્ટ ઘોષણા કરી કે હ્રસ્વ–દીર્ધની છુટ લઈ શકાય. પરન્તુ આ દીર્ઘ સમયગાળા દરમીયાન આ કાવ્ય કદાચ લાખો વાર વંચાયું–ઉચ્ચારાયું હશે, અદ્યાપી ક્યારેય ક્યાંયથી એવી ફરીયાદ સાંભળવા નથી મળી કે, કવી નર્મદે હ્રસ્વ–દીર્ધની લીધેલી છુટને કારણે આ કાવ્યના પઠનમાં કે અભ્યાસમાં આયાસ પડે છે અથવા કષ્ટ અનુભવાય છે.
હકીકત તો એવી છે કે, સાર્થ જોડણીકોશ મુજબ જોડણી કરવાથી કે એના નીયમો અનુસરવામાં અપરમ્પાર કષ્ટ પડે છે. એનું કારણ એ છે કે પ્રસ્તુત કોશમાં જે જોડણી સ્વીકારવામાં આવી છે તથા એના જે નીયમો બાંધવામાં આવ્યા છે, એમાં કોઈ જ ભુમીકા યા વૈજ્ઞાનીકતા પ્રવર્તતી નથી. માટે જ હું એને અગડમ્ બગડમ્ જોડણી ગણાવું છું. જોડણીના નીયમોમાં પ્રથમ જ નીયમ એવો છે કે, ‘સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મુળ પ્રમાણે કરવી.’ આ નીયમનું પાલન કરવા ઉત્સુક એવા ‘લેખક’ માટે તત્કાળ પ્રશ્ન એ ઉદ્ ભવવાનો કે કયો શબ્દ તત્સમ ? એ જાણવું જ કેવી રીતે ? ગાંધીજી કાંઈ ભાષાવીજ્ઞાની નહોતા, તેઓ એ ક્ષેત્રનું કોઈ જ જ્ઞાન ધરાવતા નહોતા. તેઓનો શુભ આશય તો ફક્ત એટલો જ હતો કે, ‘જ્યાં જ્યાં ગુજરાતી લખાય, ત્યાં ત્યાં સર્વત્ર એનાં લખાણમાં જોડણી એક સરખી જ લખાવી જોઈએ.’ તેઓની હાકલ કે ઈચ્છા જે એવી છે કે, ‘હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધીકાર નથી !’ આવા ફરમાનનો, આવી શુભેચ્છાનો સાચો અર્થ પણ આપણી ઉંઝાજોડણી વીરોધી એવા, એનો અક્ષરેય નહીં સમજનારા ‘સાક્ષરો’, કરી શકતા નથી. ગાંધીજીએ જોયું, નોંધ્યું કે ગુજરાતી લેખનમાં એકન્દરે સર્વત્રે મનફાવે તેમ જોડણી કરવામાં આવે છે, તે અવ્યવસ્થા નાબુદ થવી જોઈએ અને બધે જ એકસરખી જોડણીમાં લેખન થવું ધટે. તેઓનો ઉપર્યુક્ત ફરમાનનો અર્થ બસ, આટલો જ છે. એને બદલે અમુકતમુક સાક્ષરો તથા ગાંધીવાદીઓ એવું ખોટું સમજે છે, ખોટું જ અર્થઘટન કરે છે કે, બસ, કોશગત માન્ય જોડણી એ આખરી નીર્ણયજનીત છે, એમાં હવે કોઈ ફેરફાર નહીં ! મતલબ કે ફેરફાર કરવો એ ગાંધીજીની આજ્ઞાનું ઉલ્લંઘન છે. સાચી વાત તો એ છે કે, સ્વયમ્ ગાંધીજીએ એ પછી કહેલું જ કે, ‘આથી જોડણીમાં સુધારા કરવાનાં દ્વાર સદન્તર બન્ધ થઈ જતાં નથી.’ આવી સ્પષ્ટતાનું કારણ વળી એ હતું કે, જોડણીકોશ પ્રગટ થતાંની સાથે જ, કેટલાક ગુજરાતી સાક્ષરોએ એની અનેક ક્ષતીઓ–અસ્પષ્ટતાઓ સામે અસ્વીકારની લાગણી દર્શાવી હતી. માટે સાહેબો, કૃપા કરીને ઉંઝાજોડણી વીરુદ્ધ ગાંધીજીનો હવાલો ન આપો; કારણ કે એ બીલકુલ અસ્થાને છે.
હવે ઉપર ટાંકેલા નીયમ–૧ની અવૈજ્ઞાનીકતાની ચર્ચા કરીએ: કોઈ પણ બોલાતી જીવન્ત ભાષામાં તત્સમ–તદ્ ભવ એવા ભેદ હોતા જ નથી ! અહીં ‘બોલાતી’ શબ્દનો પુરો વૈજ્ઞાનીક અર્થ યથાર્થ પામવો પડશે. મતલબ એ જ કે, બોલનાર એટલે કે સમ્બન્ધીત ભાષાના સામાન્ય ભાષકો કયો શબ્દ તત્સમ અને કયો તદ્ ભવ એ તત્વત: જાણતા જ નથી હોતા; કારણ કે એની કશી આવશ્યકતા જ નથી હોતી. ભાષા બોલવી, એટલે એનો ફક્ત એટલો જ અર્થ થાય કે અમુક વીચાર કે ઘટના, ચોક્કસ મૌખીક ઉચ્ચારણો દ્વારા સામાને વીદીત કરવી. એ સંદર્ભે, કોઈ પણ ભાષાના શબ્દો તે એ ભાષાના જ શબ્દોમાં, એમાં તત્સમ–તદ્ ભવ જેવો કશો ભેદ, બોલવાની ક્રીયા સન્દર્ભે પ્રવર્તતો જ નથી. આપણા તમામ શબ્દો ગુજરાતી એટલે ગુજરાતી જ. હા, એવો ભેદ જરુર છે; પરન્તુ એ તો વીદ્વાનો માટે ફક્ત અભ્યાસના એક વીષય તરીકે જ. વળી, તત્સમ શબ્દો જાણે કેવળ સંસ્કૃતના જ હોય, એવું આ કોશકર્તાઓ સમજ્યા છે. પરીણામે અંગ્રેજી, ફ્રેન્ચ, પોર્ટુગીઝ શબ્દોય તત્સમ હોઈ શકે છે અને છે જ, એની જોડણીનું શું ? આવી તમામ મુંઝવણો અને અવ્યવસ્થાનો એક માત્ર રામબાણ ઈલાજ ઉંઝાજોડણી છે.
શબ્દકોશ (સાર્થ જોડણીકોશ)ની જોડણીવ્યવસ્થા, સુચન કે આજ્ઞા સદન્તર નીષ્ફળ ગઈ છે, એ દીવા જેવી સ્પષ્ટ હકીકત છે. મતલબ કે, પ્રસ્તુત કોશના જન્મને આજે આઠ દાયકા ઉપરાન્તનો સમય વ્યતીત થઈ ગયો; છતાં આજે પણ ક્યાંય પુરેપુરી કોશમાન્ય જોડણીમાં લખાયેલું જોવા મળતું નથી, સીવાય કે વીદ્વાનોનાં અમુક ચોક્કસ લખાણો. બાકી કોઈ, પણ નગરમાં ફરીને જુઓ, દુકાનો વગેરેનાં પાટીયાં, મકાનો આદીનાં નામો પુરેપુરી કોશમાન્ય જોડણીમાં લખાયેલાં જોવા મળતાં જ નથી. અરે ! શીક્ષણસંસ્થાઓના ખુદનાં પરીપત્રાદી લખાણોમાંય જોડણીની ગમ્ભીર અવ્યવસ્થા જોવા મળે છે. અખબારોએ, સામયીકોએ તો જાણે સત્યાગ્રહ જ આદર્યો છે કે, કોશમાન્ય જોડણી તો નહીં જ ! (પરીક્ષાની મોસમમાં ખુદ ગુજરાતીના જ પ્રશ્નપત્રો જોડણીની દૃષ્ટીએ જરા તપાસી જોવા વીનન્તી ! કારણ એ જ કે ગુજરાતીના શીક્ષકોને પોતાનેય કોશગત જોડણી આવડતી નથી !)
કેટલાક વીદ્વાન મીત્રો વળી, એવી ફરીયાદ કરે છે કે, ઉંઝાજોડણીના સ્વીકારથી શબ્દોના અર્થમાં ગોટાળા ઉભા થઈ શકે, અનેક ગરબડો ઉદ્ ભવે. આવી દહેશત એ સામાન્ય મનોવ્યાપારનું પરીણામ છે. દાખલા તરીકે ઘાસતેલના દીવા આવ્યા, ત્યારે સામાન્ય લોકો દીવેલનાં કોડીયાંના દીવાની તરફેણ તથા તારીફ કરતાં કહેતા કે, એથી આંખોને ઠંડક મળે છે. પછી એ જ અપવાદ (નીન્દા) વીજળીના ગોળા અને ટ્યુબ–લાઈટ સુધી ફટકારાતો જ રહ્યો. આજેય અનેકોને મેં એવું ભારપુર્વક કહેતા સાંભળ્યા છે કે ગેસ પરની રસોઈ ચુલા જેવી સ્વાદીષ્ટ નથી લાગતી ! એ જ મનોદશા આ ઉંઝાજોડણી પરત્વે પ્રવર્તી રહી છે. એમાં આવા વાંધાવચકા વાંચતા સ્પષ્ટ સમજાય છે. બાકી ઉંઝાજોડણીથી ગુજરાતી લેખન એકદમ સરળ અને એકસરખું બની જાય છે. એ જોઈને મહાત્મા ગાંધીજીનો આત્મા ખુશી અને તૃપ્તી જ અનુભવે. મારી બાજુના મકાનનું નામ ‘અમરદિપ’ (હ્રસ્વ ‘ઇ’) એવું લખાયું છે, એ જોઈને મહાત્માજીનો આત્મા જરુર પીડાતો હશે. ઉંઝાજોડણીના સ્વીકારથી એ આપોઆપ ‘અમરદીપ’ (દીર્ધ ‘ઈ’નું ચીહ્ન) બની જાય. આમ, ઉંઝાજોડણી એ ગુજરાતી લેખનનું સરલીકરણ તથા શુદ્ધીકરણ જ છે. હા, ફરીયાદ ફક્ત એક જ થઈ શકે કે એથી અનેકાર્થી શબ્દોની સંખ્યા થોડી વધે. બાકી દુનીયાભરની ભાષાઓમાં અનેકાર્થી શબ્દો તો છે જ. શબ્દોનો અર્થ વાક્યમાં એના વીનીયોગથી જ સ્પષ્ટ સમજાય છે. દા.ત. મારો બનાવેલો જુનો અને જાણીતો દાખલો: ‘મારા પીતા ચા પીતા નથી !’
–ક્રમશ:
ભરતવાક્ય
ઉંઝાજોડણી એટલે ગુજરાતી ભાષાપરીષદે (મુળ ભાષાશુદ્ધી–અભીયાન) તેના ઉંઝામાં મળેલા અધીવેશનમાં ઠરાવ્યા મુજબ, ગુજરાતી લીપીમાં હ્રસ્વ અને દીર્ધ એમ બબ્બે ‘ઇ’–‘ઉ’ ને બદલે એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ વાળી, જોડણી જેમાં ‘ઇ’ માટે દીર્ધ ‘ઈ’નું ચીહ્ન ( ી ) અને ‘ઉ’ માટે હ્રસ્વનું ચીહ્ન ( ુ ) અપનાવવાનું ઠરાવવામાં આવ્યું, તે મુજબની નવી કે સુધારેલી જોડણી.
–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’
‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતમાં વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી એમની, (શનીવાર તા. 24 ડીસેમ્બર, 2૦11ની) લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ માંથી, લેખક અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…
સમ્પર્ક: પ્રા. રમણ પાઠક, A-4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કૉમ્પ્લેક્સ, બારડોલી – 394 641 ફોન: (02622)- 222 176 સેલફોન: 99258 62606
જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’ માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..
અક્ષરાંકન: – ગોવીન્દ મારુ, 405–સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા ગેટ સામે, વીજલપોર. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન: 99740 62600 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ – 5–01–2012



