Feeds:
Posts
Comments

Archive for મે, 2011

સૃષ્ટીના શીશમહલના શીલ્પી ત્રણ…

ઈશ્વર, ઈન્સાન અને વીજ્ઞાન

–દીનેશ પાંચાલ

મારાં દાદીમા મર્યાં ત્યાં સુધી પૃથ્વીને ગોળ નહીં સપાટ માનતા રહેલાં. એક વાર મારી વીજ્ઞાનની નોટબુક તેમને વાંચી સંભળાવેલી અને કહેલું: ‘દાદી પૃથ્વી સપાટ નહીં ગોળ છે.’ તેમણે મારા ભોળપણ પર હસી પડતાં કહેલું: ‘ગાંડીયા, તું ભણ્યો; પણ ગણ્યો નહીં. ધરતીમાતા ગોળ નહીં; સપાટ છે અને તે શેષનાગના માથા પર ઉભેલી છે. નાગ ફેણ બદલે ત્યારે પૃથ્વી હાલી ઉઠે છે એથી ધરતીકંપ થાય છે!’ કચ્છમાં ધરતીકંપ થયેલો ત્યારે મને દાદીમાના શબ્દો યાદ આવેલા.

  અમારી કામવાળીને ત્રીકોણના ત્રણ ખુણાનો સરવાળો 180 અંશ થાય તેની ખબર નથી. બાજુવાળા ગંગાકાકીને એ વાતની ખબર નથી કે સ્ત્રીને બાળકી જન્મે એમાં સ્ત્રી નહીં; પુરુષ જવાબદાર હોય છે. અરવીન્દભાઈને ત્યાં ચંચળબહેન અડધા દહાડા ફ્રીઝનો દરવાજો પુરો ઢાંકતાં નથી. અને લાઈટબીલ વધારે આવે ત્યારે લાઈટવાળા સાથે લડે છે. માણસનાં ઘણાં અજ્ઞાન બીનઝેરી સાપ જેવાં હોય છે. તે ખાસ નુકસાન નથી પહોંચાડતાં. દાદીમાને તેમનાં અજ્ઞાને છેલ્લે સુધી કોઈ હાની પહોંચાડી ન હતી.

છેલ્લાં અઢીસો વર્ષોમાં વૈજ્ઞાનીક પ્રગતીને કારણે અદ્ ભુત સંશોધનો થયાં. આજે વીજ્ઞાન વીશ્વનું વીશ્વકર્મા બની ગયું છે. વીજળીની શોધ બહુ પાછળથી થયેલી. તે પુર્વે 1769માં ઈંગ્લૅન્ડના જેમ્સ વૉટે સ્ટીમ એન્જીનની શોધ કરી હતી. કહે છે: ઉકળતા પાણીની વરાળથી વાસણ પરનું ઢાંકણ ઉથલી પડ્યું અને તેમને વીચાર આવ્યો, વરાળથી ઢાંકણ  ઉથલી શકતું હોય તો એ શક્તીનો અન્ય કામોમાં પણ ઉપયોગ કરી શકાય. અને એમણે સ્ટીમ એન્જીનની શોધ કરી. ગૃહીણીઓ આજે કુકર વાપરે છે તે જેમ્સ વૉટે કરેલી શોધની લેટેસ્ટ એડીશન છે. માનવજાતને આજે ખોડીયાર માતા કરતાં વરાળ માતા વધુ ઉપયોગી છે. વર્ષો સુધી આપણી ફ્લાઈંગરાણી અને ગુજરાત એક્ષપ્રેસ સ્ટીમ એન્જીનના ઓશીયાળાં રહ્યાં હતાં. વીજળીની શોધથી માણસના ઘરમાં કોડીયાં અને ફાનસો દુર થયાં તે રીતે ટ્રેનો પણ વરાળની હૈયાવરાળમાંથી મુક્ત થઈ શકી.  યુરોપમાં થયેલી ઔદ્યોગીક ક્રાન્તીમાં પૈડાંની શોધે જે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, તેવો ભાગ વીજળીએ વીશ્વના વીકાસમાં ભજવ્યો. આજે શહેરના કોઈ આલીશાન થીયેટરમાં આપણે ફીલ્મની મોજ માણીએ છીએ ત્યારે એ યાદ કરતાં નથી કે ફ્રાંસના લ્યુમીયર બંધુઓએ 1895માં ચલચીત્રની શોધ કરી હતી. વર્ષોપુર્વે વાંસદાની પ્રતાપ ટોકીઝમાં મેં પહેલી વાર ‘બહોત દીન હુએ’  નામની ફીલ્મ પાંચ આનામાં જોયેલી. મારા રોમાંચનો પાર રહ્યો ન હતો. પછી ફીલ્મોનું વ્યસન થઈ પડેલું. વાંચવા માટે મીત્રોને ત્યાં જાઉં છું, એમ કહીને તેમની જોડે ટોકીઝમાં ઘુસી જતો. ભીનાર ગામના મારા આદીવાસી લંગોટીયા મીત્રો બ્લૅક એન્ડ વ્હાઈટ ફીલ્મ જોતી વેળા મોટેથી બુમો પાડતા : ‘કલર છોડ… કલર છોડ… !’  હું પણ તેમને સાથ આપતો.

1895માં જ ઈટલીના માર્કોનીએ રેડીયો સીગ્નલ મોકલવામાં સફળતા મેળવેલી. અને તેને પગલે આપણને રેડીયો મળ્યો. આજે રેડીયો મીર્ચીની મજા માટે આપણે માર્કોનીના ઋણી છીએ. રેડીયોથી કેવળ મનોરંજન જ નહીં; માહીતીની દુનીયામાં પણ જબરજસ્ત ક્રાન્તી થઈ. 1927માં ફ્રેશ વર્થે ટીવીની શોધ કરી. તે કારણે રેડીયોનો જાણે મૃત્યુઘંટ વાગી ગયો. ટ્યુબલાઈટો આવતાં ફાનસો ખુણામાં જઈ પડ્યાં હતાં; તેમ ટીવીએ રેડીયોને ખુણામાં હડસેલી દીધો. પરન્તુ એ શોધનું વૈજ્ઞાનીક મુલ્ય જરા ઓછું ન હતું. પ્રત્યેક પ્રાથમીક સંશોધન નીસરણીના પહેલા પગથીયા જેટલું મહત્ત્વ ધરાવે છે. માણસ સીધો નીસરણીના છેલ્લે પગથીયે પહોંચી શકતો નથી.

આઈસ્ક્રીમ ઉનાળાનું અમૃત કહેવાય. હવે એ ઘરે બનાવી શકાય છે. એ અમૃતમન્થન ઈ.સ. 1850માં ફ્રીઝની શોધથી શક્ય બન્યું હતું. આપણે આઈસક્રીમ ખાતી વેળા પત્નીને ધન્યવાદ આપીએ છીએ; પણ ફ્રીઝના શોધકનો વીચાર આવતો નથી. માણસ ગણતરીના કલાકોમાં વીમાન દ્વારા મુમ્બઈથી લંડન પહોંચી જાય છે. લંડનના એરપોર્ટ પર ઉતર્યા પછી પહેલો આભાર ભગવાનનો માને છે; પણ રાઈટ બ્રધર્સને કોઈ યાદ કરતું નથી. 1930માં રાઈટ બ્રધર્સને ઉડતાં પક્ષીઓને જોઈ વીચાર આવ્યો : પક્ષીઓ ઉડી શકે છે તે રીતે માણસો કેમ ઉડી શકતાં નથી ? એ પ્રશ્નને પગલે થયેલા અનેક પ્રયોગો બાદ વીમાનની શોધ થઈ. અરવીન્દભાઈનો દીકરો અમેરીકામાં છે. એથી તેઓ જમ્બોજેટમાં ઘણીવાર બેઠા છે. તેઓ કહે છે : ‘પીટ્મૅન’ નામના માણસે શોર્ટહૅન્ડ લીપીની શોધ કરી હતી, તેથી શોર્ટહૅન્ડને ‘પીટ્મૅન શોર્ટહૅન્ડ’ કહેવાય છે. બ્રેઈલ નામના માણસે અન્ધજનોની લીપી શોધી હતી, તેથી તેને ‘બ્રેઈલ લીપી’ના નામથી ઓળખવામાં આવે છે. એ રીતે રાઈટ બ્રધર્સની પુણ્યસ્મૃતીને ચીરંજીવ રાખવા સરકારે જમ્બોજેટનું નામ ‘જમ્બો રાઈટ’ રાખવું જોઈએ. એવું થઈ શકે તો તે રાઈટ બ્રધર્સનું શ્રાદ્ધ કરવા જેવી પવીત્ર બાબત બની રહે. હવે એ પ્રશ્ન પર વીચારો કે જે વીજ્ઞાની, માણસોને પક્ષી કરતાંય વધુ ઉંચાઈએ ઉડવાની સીદ્ધી અપાવે તેનું શ્રાદ્ધ કરવાની જરુર રહે ખરી ? મોરારીબાપુને કદીક મળવાનું બને તો શીષ્યભાવે પુછવું છે : ‘રામાયણમાં પુષ્પક વીમાનનો ઉલ્લેખ આવે છે. તો રાઈટ બ્રધર્સ રામાયણ પહેલાં જન્મ્યા હતા કે પુષ્પક વીમાનની શોધ રાઈટ બ્રધર્સ પુર્વે કો’ક બીજા કરી ચુક્યા હતા ?’

1955માં રશીયાએ સ્પુટનીકની શોધ કરીને અવકાશયુગનાં દ્વાર ખોલી આપ્યાં. એ શોધને કારણે માનવી બ્રહ્માંડને બારણે ટકોરા મારતો થયો. 1971માં થયેલી માઈક્રોચીપ્સની શોધે છેલ્લાં 39 વર્ષમાં માહીતીની દુનીયામાં ક્રાન્તી સર્જી. કમ્પ્યુટર, ટેલીકૉમ્યુનીકેશન અને સેટેલાઈટ સંદેશાવ્યવહારનો ઘણો વીકાસ થયો. 1990ના દાયકામાં અર્થાત્ છેલ્લાં 20 વર્ષમાં વર્લ્ડવાઈડ વેબ બ્રાઉઝર આવતાં ઈન્ટરનેટમાં તહેલકા મચાવી દેતી શોધ થઈ. કમ્પ્યુટર અને ઈન્ટરનેટ એ વીજ્ઞાનદેવતાનાં અનન્ય આશીર્વાદ સમાં છે.

ભારતમાં પણ કેટલીક શોધો થઈ હતી. સદીઓ પુર્વે નગરરચના, આયુર્વેદ, નક્ષત્રોનું ગણીતશાસ્ત્ર, શઢવાળાં વહાણો વગેરેની શોધ થઈ હતી. શુન્યની શોધ ભારતમાં આર્યભટ્ટે કરી હતી. બચુભાઈ કહે છે : ‘શુન્યની શોધનો સૌથી મોટો ગેરલાભ અભ્યાસકાળ દરમીયાન મેં માર્કશીટમાં વેઠ્યો હતો !’

આ બધી તવારીખો પરથી ફલીત થાય છે કે માનવ ઈતીહાસનાં વીતેલાં હજાર વર્ષોમાં, મોટા ભાગની શોધો છેલ્લાં 250 વર્ષમાં થઈ છે. વીસમી સદી વીજ્ઞાનનો સુવર્ણયુગ બની ગઈ હતી. વીજ્ઞાને માણસને સુખી કરવામાં પાછું વળીને જોયું નથી; પણ અફસોસ એ વાતનો છે કે આપણા કેટલાક કહેવાતા ધર્મગુરુઓ વીજ્ઞાનને પેટ ભરીને ગાળો દે છે ! એક કથામાં એક સન્ત બોલ્યા હતા : ‘વીજ્ઞાને સર્જેલાં ભૌતીક સુખોથી માણસ ઈશ્વરવીમુખ થઈ ગયો છે. વીજ્ઞાને માણસને માણસ નહીં; મશીન બનાવી દીધો છે. વીજ્ઞાન જેવી ખરાબ બાબત બીજી એકે નથી. વીજ્ઞાન કળીયુગનો જીન છે !’ સ્થીતી એ હતી કે સન્તની કથા માઈક દ્વારા લાખો માણસોને સંભળાઈ રહી હતી, ક્લોઝ સર્કીટ ટીવી દ્વારા હજારો માણસો જોઈ રહ્યા હતા અને કેબલના લાઈવ ટેલીકાસ્ટ દ્વારા ઘરેઘર પહોંચી રહી હતી. વીજ્ઞાનનો ભરપુર ઉપયોગ કરવા છતાં એ સન્ત મહાશય વીજ્ઞાનને ભાંડી રહ્યા હતા તે હાસ્યાસ્પદ લાગતું હતું. જાણે પાણીમાંથી ડોકું ઉંચું કરીને માછલી કહેતી હોય : પાણી જેવી નકામી ચીજ બીજી એકે નથી. માણસે કૃત્રીમ હાથ બનાવ્યા. પગ બનાવ્યા. આંખ, કાન, નખ બનાવ્યાં. ત્યાં સુધી કે હૃદયનું પ્રત્યારોપણ પણ હવે શક્ય બન્યું છે. તે માટે આપણે મુળ તો આલમના અસલી આર્કીટૅક્ટ(સાયન્સ અને ટેકનૉલોજી)ના ઋણી છીએ.

ઈશ્વર ક્યાં હશે… કેવો હશે… આપણે કદી જોયો નથી. પરન્તુ ભગવાન વીજ્ઞાનીઓના સ્વરુપમાં માણસને મળી જાય છે. ઈશ્વરને પામવાની રીતમાં થોડું મૉડીફીકેશન લાવવાની જરુર છે. પ્રભુને પામવાના ધમપછાડાઓ હવે બદલાવા જોઈએ. રામાયણ અને મહાભારતની સીરીયલોમાં માથે મુકુટવાળા દેવતાઓને આપણે સદીઓથી ભગવાન માનતા આવ્યા છીએ. પરન્તુ ઈશ્વરને શોધવા માટે મન્દીર, મસ્જીદ, ચર્ચ કે ગીરજાઘરોમાં ફાંફાં મારવાને બદલે આપણી આસપાસ જ નજર કરવી રહી. ‘न जाने कीस वेशमें नारायण मील जाय… !

ગુજરાતમીત્ર દૈનીક, સુરતની રવીવારીય પુર્તીમાં વર્ષોથી પ્રગટ થતી એમની લોક્પ્રીય કટાર જીવનસરીતાના તીરેમાં,વ્યક્તી, સંસ્થા અને સમાજવીશે પ્રેરક નીબન્ધો લખીને લોકપ્રીય થયેલા આ સર્જકવીચારકના નવા પુસ્તકતનકતારા (પ્રકાશકઃ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ-380 001 ફોન: 079-2214 4663 ઈ-મેઈલ: goorjar@yahoo.com પૃષ્ઠઃ 14 + 164; મુલ્યઃ 100/- રુપીયા)માંથી આ લેખ, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

સંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396 445 ફોન: (02637 242 098) સેલફોન: 94281 60508

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ http://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈમેઈલ આઈડી પર, પોતાનું નામસરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

અક્ષરાંકન:ગોવીન્દ મારુ

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ27–05–2011


Read Full Post »

શીક્ષણની ભુમી પર માણસાઈનાં વાવેતર

[સુરતની ખુબ જ જાણીતી શાળા શ્રી વી. ડી. દેસાઈ વાડીવાળા ભુલકાં ભવન વીદ્યાલયમાં યોજાયેલા શીક્ષક સમ્મેલનમાં, શીક્ષક ભાઈ–બહેનો, આચાર્યો અને કેળવણીકારોથી ખીચોખીચ ભરેલા સભાગૃહમાં મુખ્યવક્તા શ્રી વલ્લભભાઈ ઈટાલીયાએ આપેલા પ્રેરક, પ્રભાવક પ્રવચનના મુખ્ય અંશો... વક્તા અને લેખક શ્રી વલ્લ્ભભાઈની પરવાનગી અને સૌજન્યથી સાભાર ]

એક સભામાં વીદ્યાર્થીએ પ્રશ્ન કર્યો, વીદ્યાર્થીના જીવનમાં વધારે મહત્ત્વનું શું ? સમય, માર્ક્સ કે માણસાઈ?’ મેં કહ્યું, વીદ્યાર્થીના જીવનમાં પરીક્ષા પહેલાં સમય વધારે મુલ્યવાન છે, પરીક્ષા વખતે માર્ક્સ વધારે મુલ્યવાન છે અને પછી આખી જીન્દગી માણસાઈ વધારે મુલ્યવાન છે !

આપણી શીક્ષણની પદ્ધતીમાં સૌથી મોટી ખામી જ એ છે કે, બાળકો સારા માર્ક્સ લાવે એવી ભરપુર કોશીશ થાય છે, પરન્તુ બાળક મોટો થઈને સારો માણસ બને એવી જરાય કોશીશ થતી નથી. આપણે ત્યાં સાક્ષરતા અભીયાન ચાલે છે; પરન્તુ સારો માણસ બનાવવાનું કોઈ અભીયાન નથી ચાલતું. માનવજાતીની મોટાભાગની સમસ્યાઓનાં મને બે કારણો દેખાય છે:

માણસની અજ્ઞાનતા: અજ્ઞાનતાને કારણે માણસ નીરર્થક, ખર્ચાળ અને હાનીકારક રીવાજો તથા અન્ધશ્રદ્ધા તરફ ધકેલાય છે અને અન્ધશ્રદ્ધા એ તો ગરીબીની નીમન્ત્રણ પત્રીકા છે ! ગરીબી જ આપણી અનેકવીધ સમસ્યાઓની જનની છે.

♦♦ માણસની નીચતા: ચોરી, લુંટફાટ, ખુન–ખરાબા, શોષણ, સ્ત્રીઓ પરના પ્રતીબન્ધો અને અત્યાચારો, બેઈમાની, અનીતી અને ભ્રષ્ટાચાર – આ બધું જ માણસની નીચતાનું પરીણામ છે.

આનો અર્થ એ થયો કે, માણસ ‘જ્ઞાનવાન’ બને અને ‘સારો માણસ’ પણ બને તો આપણી મોટાભાગની સમસ્યાઓ ઉકેલી શકાય તેમ છે. આપણી પાસે કેળવણી જ એક માત્ર એવું માધ્યમ–સાધન છે, જે જ્ઞાન આપવાનું અને સારો માણસ નીર્માણ કરવાનું એમ બન્ને કાર્યો કરી શકે તેમ છે. સારા માણસની મારી વ્યાખ્યા સાવ સીધી છે:

જે માણસ–

મફતનું  ખાતો નથી,

મફતનું લેતો નથી,

બીજાને નડતો નથી

અને

પોતાની જવાબદારીમાંથી કદી છટકતો નથી

એ સારો માણસ છે.

90 ટકા ગુણ સાથે પાસ થયેલો વીદ્યાર્થી મોટો અધીકારી તો બની જાય છે; પરન્તુ એની માણસાઈની ટેસ્ટ લેવામાં આવે તો માંડ 10 ટકા આવે ! આપણે ત્યાં ભણતરના ક્ષેત્રમાં બે શબ્દો પ્રચલીત છે :

શીક્ષણ: શીક્ષણ એટલે શીખવવું. વીદ્યાર્થીને જે ન આવડતું હોય એ જણાવવું.

●● કેળવણી: કેળવણી એટલે વીદ્યાર્થીની ભીતરમાં જે વીશીષ્ટ શક્તી પડી છે તેને પારખવી, બહાર કાઢવી અને તેની માવજત કરવી.

To educate એટલે બહાર કાઢવું. શીક્ષકોએ મુખ્ય બે કામ કરવાનાં હોય છે: (1) વીદ્યાર્થીમાં રહેલી વીશીષ્ટ શક્તીને બહાર કાઢવી અને વીકસાવવી. (2) વીદ્યાર્થીમાં રહેલા માનવીય સદ્ ગુણોને બહાર કાઢવા અને વીકસાવવા.

સન્તાનો પાસે વાલીઓની અપેક્ષાઓનો કોઈ પાર નથી. વાલીઓને તો પોતાનાં બધાં સન્તાનોને ડૉક્ટર અને ઈજનેર બનાવી દેવાં છે. કોઈ બાળકમાં કાવ્ય સર્જનની પ્રતીભા હોય અને તેને ઈજનેર બનાવી દેવામાં આવે ત્યારે એક ઉમાશંકર જોશીનું ખુન થાય છે અને સમાજને એક ‘નબળા’ ઈજનેરની ભેટ મળે છે ! કોઈ બાળકમાં શીક્ષક બનવાની પ્રતીભા હોય અને તેને ડૉક્ટર બનાવી દેવામાં આવે ત્યારે  એક મનુભાઈ પંચોળી ‘દર્શક’નું ખુન થાય છે અને સમાજને એક ‘જીવલેણ’ ડૉક્ટરની ભેટ મળે છે ! આપણે શા માટે શેક્સપીયર, એડીસન, ન્યુટન કે આઈન્સ્ટાઈન પેદા નથી કરી શકતા ? કારણ કે આપણે વીદ્યાર્થીને તેની પ્રતીભાથી વીપરીત દીશામાં વાળી દેવા માટે કટીબદ્ધ છીએ !

પશ્વીમના દેશોમાં પ્રાથમીક શાળામાં જ વીદ્યાર્થીઓની Aptitude Test લેવામાં આવે છે અને જાણી લેવામાં આવે છે કે વીદ્યાર્થીને કઈ લાઈનમાં રસ છે, તે કયા ક્ષેત્રમાં જવાની પ્રતીભા ધરાવે છે. ‘ફોર્બસ’ મેગેઝીનના પ્રકાશક માઈકલ ફોર્બસે એક કામની વાત કરેલી, ‘તમને જે કામ કરવામાં રસ છે, આનંદ આવે છે, તે જ કામને તમારો વ્યવસાય બનાવી દો, સફળતા તમારી પાછળ દોડતી આવશે.’

હમણાં જ જર્મનીમાં એક શાળાના 10 વીદ્યાર્થીઓએ વીદ્રોહ કરીને પોતાની અંગત શાળા શરુ કરી. ‘મેથોડા’ નામની આ શાળામાં વીદ્યાર્થીઓ એ જ ભણે છે, જે ભણવામાં તેને રસ છે. એવા જ શીક્ષકો રાખે છે, જે શીક્ષકો પાસેથી શીક્ષણ પામવામાં વીદ્યાર્થીને રસ છે. શાળા–કૉલેજોનાં શીક્ષણ વગર જીવનમાં સફળ ન થઈ શકાય એવા વહેમમાં કોઈએ રહેવા જેવું નથી. શ્રી નારાયણભાઈ દેસાઈ શાળા–કૉલેજોમાં નથી ભણ્યા; પણ ગુજરાત વીદ્યાપીઠના કુલપતી બની શક્યા. જગતના સૌથી વધુ ધનવાન માણસ બીલ ગેટ્સે હાર્વર્ડ યુનીવર્સીટીનું શીક્ષણ અધુરું છોડીને ‘માઈક્રોસોફ્ટ’ની સ્થાપના કરેલી. સફળ ક્રીકેટર અને વીશ્વકપ વીજેતા ભારતીય કપ્તાન મહેન્દ્રસીંઘ ધોની હમણાં જ બી.બી.એ.ની પરીક્ષામાં નાપાસ જાહેર થયો !

આપણે બાળકોને વીદ્યાપતી બનાવવાને બદલે ધનપતી બનાવવાની દોટ મુકી છે. 1943માં હીરોઈન ગ્રીર ગેરસનને બેસ્ટ એક્ટ્રેસનો એકેડેમી એવોર્ડ મળ્યો ત્યારે પ્રતીભાવ આપતા તેણે બહુ કામની વાત કરી: ‘રુપીયા કમાવાના પ્રારંભીક ધ્યેય સાથે કોઈ કામ કરવું એ માણસની મોટામાં મોટી ભુલ છે. જે કામ કરવામાં તમને મઝા આવે છે, જે કામ માટેની તમારી પાસે કુશળતા છે, એ જ કામ તમે કરો. જો એ કામમાં તમે ખરેખર પાવરધા હશો–તમારી પાસે પ્રતીભા હશે, તો હું ખાતરી આપું છું કે તમને અઢળક રુપીયા મળશે.’

ગણીતના થોડાક આંકડા, ભુગોળના થોડાક નકશા કે અકબર–ઔરંગઝેબની થોડીક પેઢીઓનાં નામ ગોખી નાંખવાથી શીક્ષીત નથી બની જવાતું. એથેન્સ(ગ્રીસ)ના કેળવણીકાર સોક્રેટીસે (ઈ.સ.પુ.436) શીક્ષીત માણસોનાં સાત લક્ષણો કહેલાં:

(1) કોઈપણ પરીસ્થીતીમાં સુયોગ્ય અને ચોક્કસ નીર્ણય કરતો હોય

(2) લોકો સાથેના વહેવારમાં ભદ્ર, વીનમ્ર અને સરળ હોય

(3) વીવેક–બુદ્ધીપુર્વક, તર્કબદ્ધ વાત કરતો હોય અને પ્રામાણીકતાપુર્વક વહેવાર કરતો હોય (ભ્રષ્ટાચારી શીક્ષીત કહેવાય ?)

(4) આનંદ–પ્રમોદના સમયે પણ સંયમથી વર્તતો હોય  (લગ્ન જેવા પ્રસંગોએ વરઘોડામાં રસ્તાઓ જામ કરી દેનારા શીક્ષીત ગણાય ?)

(5) આપત્તીના સમયમાં પણ સ્વસ્થતા જાળવતો હોય  (થોડીક આફત આવે અને આપધાત કરી લેનારા માણસો શીક્ષીત ગણાય ?)

(6) સફળતામાં છકી ન જાય અને હારથી હતાશ ન થતો હોય

(7) અન્યને તો નહીં જ, પણ પોતાની જાતને પણ કદી છેતરતો ન હોય તે માણસ શીક્ષીત છે.

મીત્રો, પુસ્તકો(ચોપડાં) અને અભ્યાસક્રમ(કોર્સ)ની યાન્ત્રીક ફરજને ગૌણ બનાવીને ‘સારો માણસ’ ઘડવાના કાર્યક્રમને પ્રાથમીકતા અપાશે ત્યારે જ શીક્ષણ સાર્થક બનશે અને આ દેશનો ઉદ્ધાર થશે.

એ બધા જ શીક્ષકો કહેવાય છે, જે ભણાવવાનું કાર્ય કરે છે; પરન્તુ સારો શીક્ષક એ છે જે વીદ્યાર્થીઓમાં અભ્યાસની રુચી પેદા કરી શકે છે અને સફળ શીક્ષક એ છે જે પોતાના વીદ્યાર્થીઓને સારા નાગરીક બનાવી શકે છે.

પ્રસાદ

માણસમાં શક્તી ઘટે તો ગ્લુકોઝના બાટલા છે,

માણસમાં લોહી ઘટે તો બ્લડના બાટલા છે;

પણ માણસમાં માણસાઈ ઘટે તો કોઈ બાટલા છે ?

–વલ્લભ ઈટાલીયા (સુરત)

લેખકસંપર્ક:

શ્રી વલ્લભભાઈ ઈટાલીયા, 74–બી, હંસ સોસાયટી, વરાછા રોડ, સુરત 395 006, મોબાઈલ : 98258 85900, ઈ–મેઈલ: vallabhitaliya@gmail.com

 

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: http://govindmaru.wordpress.com/

 

આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુનવસારી

May 19, 2011

Read Full Post »

(1)

આપણે ભારતવાસીઓ…

-સુરેશ એસ. દેસાઈ

     આપણે ઘણી બધી બાબતોમાં વીશ્વની પ્રજાઓથી જુદા પડીએ છીએ અને આપણા ‘જુદાપણા’ને આપણે ‘ભારતીય સંસ્કૃતી’ તરીકે ઓળખાવીએ છીએ. આપણી આ વૈચારીક અને વ્યાવહારીક ભીન્નતાને આપણી વીશેષતા માનવાનું આપણું વલણ યોગ્ય છે ? ભારતીય ક્રીકેટ ટીમે હમણાં વર્લ્ડ કપ જીત્યો એટલે આપણે કેવા હરખાઈ ઉઠ્યા ! કરોડો રુપીયાનું દારુખાનું ફુટ્યું, લોકો રસ્તા ઉપર આવીને મોડી રાત સુધી નાચ્યા. બી.સી.સી.આઈ.એ અને રાજ્ય સરકારોએ ક્રીકેટરોને કરોડો રુપીયાનાં ઈનામો આપ્યાં. સોનીયા ગાંધી સુધ્ધાં રસ્તા પર આવી ગયાં ! વીશ્વમાં ક્રીકેટ રમતા દેશોની સંખ્યા પંદરથી વધારે નથી. પરન્તુ આપણે કોઈ મહાન સીદ્ધી મેળવી હોય એવો આપણો પ્રતીભાવ હતો. મોંઘવારી, ફુગાવો, આર્થીક અસમાનતા, ભ્રષ્ટાચાર– આ બધી સમસ્યાઓથી ઘેરાયેલા દેશ માટે વર્લ્ડ કપ જીતવો એ મહાન સીદ્ધી શી રીતે હોઈ  શકે ? આપણા વડાપ્રધાને, સોનીયા ગાંધીએ મેચ જોવા ચાર કલાક બગાડ્યા અને ચેનલોએ ત્રણચાર દીવસો સુધી ક્રીકેટનું જ ગાણું ગાયું. વર્ષે એકસો કરોડથી વધુ કમાણી કરતા સચીનને ‘ભારતરત્ન’ આપવાની માગણી થઈ અને મહારાષ્ટ્ર સરકારની વીધાનસભાએ ઠરાવ પણ કરી નાખ્યો ! આપણું આવુ જુદાપણું હરખાવા જેવું છે ખરું કે ?

     વસતીગણતરીના રીપોર્ટ મુજબ ભારતની વસતી 121 કરોડને આંબી ગઈ છે. આવી બેફામ વસતીવૃદ્ધી માટે, ના તો વડાપ્રધાને કે ના તો વીરોધ પક્ષોએ, ચીન્તા વ્યક્ત કરી. ન્યુઝ ચેનલોએ પણ મૌન ધારણ કરી લીધું ! વસતીવૃદ્ધીને  અંકુશમાં લેવા કોઈ વીચાર સુધ્ધાં રજુ ના થયો. આર્થીક રીતે પાછળ રહેલા વર્ગમાં સન્તાનોત્પત્તી બેફામ રીતે વધી છે. એવું તારણ જરુર નીકળ્યું છે. પરન્તુ આપણી સરકાર ફરજીયાત સન્તતીનીયોજનની વાત તો દુર રહી; પરન્તુ પ્રચાર માધ્યમો દ્વારા કે સન્તતીનીયમન માટે રોકડ ઈનામની યોજના જેવા ઉપાયો યોજવાની હીમ્મત પણ નહીં કરે !

     આપણા દેશમાં અસંખ્ય મન્દીરો છે, મસ્જીદો છે (કેટલાંક તો જાહેર રસ્તાઓ ઉપર છે !), આપણા મન્દીરોની આવક કરોડોમાં છે. આપણે ત્યાં છાશવારે ટ્રાફીકજામ કરી મુકતાં ધાર્મીક સરઘસો, જુલુસો, વરઘોડાઓ નીકળે છે ! રસ્તા ઉપર નાચગાન થાય અને કાન ફાડી નાખતા ફટાકડા ફુટે છે ! હજારો માણસોના જમણવાર થાય છે અને વધેલી રસોઈ ઉકરડામાં ફેંકી દેવામાં આવે છે ! દેશમાં લાખો ભીખારીઓ છે અને ભીક્ષુકોને મફત ભોજન આપવાથી પુણ્ય મળે છે એવું આપણે માનીએ છીએ, દેવદર્શન માટે કલાકો સુધી લાઈન લગાવીને આપણે તપશ્ચર્યા કરીએ છીએ, પૈસા લઈને આપણે નાલાયક ઉમેદવારના પક્ષમાં મતદાન કરીએ છીએ, આપણો દેશ લાંચીયો છે એવી આપણે બુમરાણ કરીએ છીએ; પરન્તુ આપણું કામ હોય ત્યારે લાંચ આપવા આપણે તત્પર હોઈએ છીએ.

     આપણો દેશ, આપણી પ્રજા, આપણી સંસ્કૃતી વીશ્વના બીજા દેશો, બીજી પ્રજા, બીજી સંસ્કૃતીથી ચોક્કસ અલગ પડે છે. પરન્તુ બીજા દેશો, બીજી પ્રજા, બીજી સંસ્કૃતીઓ સામે આપણે મહાન છીએ કે વામણા ? વીશેષ છીએ કે નીકૃષ્ટ ?

લેખકસમ્પર્ક:

સુરેશ એસ. દેસાઈ, તંત્રી, પ્રીયમીત્રસાપ્તાહીક, દેસાઈ એન્ડ દેસાઈ ઈન્વેસ્ટમેન્ટ, નવસારી હાઈ સ્કુલ શોપીંગ સેન્ટર, દુધીયા તળાવ, નવસારી-396 445 સેલફોન: 98243 75241

મેઈલ: sdesai_priyamitra@yahoo.com

ગુજરાતમીત્રદૈનીક, સુરતના ચર્ચાપત્ર વીભાગમાં તા.19/04/2011ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્રચર્ચાપત્રી અને ગુજરાત મીત્રના સૌજન્યથી સાભાર

(2)

સાચી સમાજ સેવા

–ફકીરચંદ જે. દલા

શ્રી હરીને બદલે ‘સત્યનો પ્રચાર કરે તે સાચી સમાજ સેવા’ કહેવાય. ધર્મ એટલે કે ફરજ. સમાજ અને માણસોને સીધો સમ્બન્ધ છે. મુર્તી એ પથ્થરની બનેલી આકૃતી છે. મન્દીરમાં મુકવાથી અને મન્ત્રોચ્ચારણ કરવાથી તે ભગવાન કે ઈશ્વર બની શકે નહીં. ભગવાન તો દરેકનાં અંતરમાં રહેલો જ છે. તો વળી તેને શોધવા બહાર શા માટે જવાનું ? મુર્તી કંઈ સાંભળવાની નથી. ગમે તેટલાં ઢોલ–વાજાં વગાડો, એ તેમને પહોંચવાનાં નથી. તેમની સામે ગમે તેટલું ધરો; તે લેવાના, ખાવાના કે સ્વીકારવાના નથી.

આજના સમાજમાં જે બદી ફેલાઈ ગઈ છે તેનું નીવારણ કરવાની આપણી ફરજ અને ધર્મ બન્ને છે. જેમ કે ચોરી, લુચ્ચાઈ, જુઠ્ઠું, હીંસા, બદ–ચારીત્ર્ય વગેરેને સમાજમાંથી આપણે દુર કરવાનાં છે. દા.ત. ભારતમાં પ્રસરેલી લાંચરુશ્વત. આનો પ્રજાએ ભેગા મળીને વીરોધ કરીને લોકશાહી પદ્ધતી પ્રમાણે ફેરફાર કરવાનો છે. આમાં તમે જ કહો ભગવાન શું કરી શકે ? ગુરુઓ અને ધાર્મીક સંસ્થાઓના નેતાઓએ આગેવાની લઈને સમાજની આ ગેરનીતી–રીતી દુર કરવાની હીમ્મત બતાવવી જોઈએ. દેહાન્ત સજા ફરમાવીને સમાજમાં પ્રસરેલી દહેજ પ્રથા દુર કરીને નવવધુઓને મારી નાંખવાનો ક્રુર રીવાજ તત્કાળ બંધ કરવો જોઈએ. કાયદા ઘડનારી ધારાસભાઓ પર ધરણા લઈ જઈને તેમની ફરજનું તેમને ભાન કરાવવાનું છે. ટેક્સ ન ભરનારાઓને કોર્ટમાં ઘસડી જઈ જેલ ભેગા કરવાના છે. ધર્મના નામે ખુનામરકી કરનારાઓને જાહેરમાં ફાંસી ઉપર ચઢાવવાના છે.

આ બધામાં ગરીબ પ્રજાજનો કંઈ બહુ ન કરી શકે. મધ્યમ વર્ગના ભણેલા લોકોની આ ફરજ છે, ધર્મગુરુઓ પ્રજાનું ખાઈને કંઈ કરે નહીં, તો તેમને ખાવાનું કે આદરમાન આપવાનું બન્ધ કરવું જોઈએ. તેમને બીજા લોકોની માફક કામ કરીને ખાવાનું કે પેટ ભરવાનું સમજાવી દેવું જોઈએ. સરકાર બધું કરી શકવાની નથી ને કરવાની પણ નથી. મહાત્મા ગાંધીએ શું કર્યું તે ભુલી ગયા ? અસહકારની ચળવળ મારફતે આ સુકલકડી મોહનદાસે ભારે તાકાતવાન બ્રીટીશ સરકારને ભારતમાંથી ભગાડવાનું કરી દેખાડ્યું છે. શું 120 કરોડ ઉપરની ભારતની પ્રજા નમાલી થઈ ગઈ છે ? માત્ર પૈસા ભેગા કરવાનું જ સમજે છે ? ધર્મ અને સંસ્કૃતીનો દાવો કરવાવાળી આ પ્રજા દંભી ન કહેવાય તો બીજું શું ? દેશની રક્ષા અને સેવા કરવાનું કામ ‘ભજન અને ભોજન’ કરતાં ઘણું ઉચ્ચ છે. ધર્મને નામે ઢોંગ કરીને કરોડો રુપીયાનું ગોપીચન્દન કરનારાઓને ફગાવી દેવાની જરુરીયાત અત્યંત ગમ્ભીર છે. જ્યાં સુધી ધર્મના ભગવાં વાઘાં દુર ન થાય ત્યાં સુધી ભારતમાં ક્રાન્તી થવાની નથી… ચાલો ત્યારે અહીંસક ક્રાન્તીને માર્ગે ઢોંગી નેતાઓ અને ધર્મગુરુઓને ઉઠાડી મુકવાનાં કામમાં લાગી જઈએ.

‘જય ભારત’ અને ‘જય અહીંસા’

સંપર્ક:

શ્રી ફકીરચંદ જે. દલાલ,  9001 Good Luck Road, LANHAM, Maryland-20706 – U.S.A.   Phone: 301-577-5215

ઈ–મેઈલ: sfdalal@comcast.net

પરીચય:મુળ સુરતના જૈન અને સુરતની જ એન. જી. ઝવેરી જૈન હાઈ સ્કુલમાં તેઓ ભણ્યા છે. ‘ગુજરાતમીત્ર’ના વરીષ્ઠ તંત્રીશ્રી ચન્દ્રકાન્ત પુરોહીતજીના સહાધ્યાયી રહી ચુકેલા શ્રી ફકીરચંદભાઈ 84 વરસની વયના છે અને વર્ષોથી અમેરીકામાં વસે છે. મને મળેલા તેમના એક પત્રમાંથી સારવીને તેમની પરવાનગીથી સાભાર.. – ગોવીન્દ મારુ..


 ‘આ ચર્ચાપત્રો તમને ગમે તો govindmaru@yahoo.co.in પર મને એક મેઈલ લખજો. હું તેની પીડીએફ ફાઈલ સોમવારે મોકલીશ.’

 

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

 

અક્ષરાંકન:ગોવીન્દ મારુ

 

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

 

પોસ્ટ કર્યા તારીખ12–05–2011

 

 

Read Full Post »

વીચારધારા અને માર્કેટીંગ

     દુનીયામાં માનવસર્જીત સૌથી શક્તીશાળી કોઈ પરીબળ હોય તો તે વીચારધારા. લોકમાનસ પર લાંબા સમય સુધી શાસન કરવાનું એ શ્રેષ્ઠ સાધન રહ્યું છે.

     પ્રભાવશાળી અને પ્રતીભાવાળી વ્યક્તીઓની વીચારસરણીએ સમાજને, દેશને અને દુનીયાને ઘડી છે. ઈતીહાસે રાજાઓ અને યુદ્ધો સીવાય જેની પણ નોંધ લીધી હોય તે છે ક્રાંતીકારી વીચારધારાઓની.

     વીચારધારા ધાર્મીક હોય, રાજકીય હોય, સામાજીક હોય કે આર્થીક હોય; લોકજીવન અને સંસ્કૃતી પર એની અસર ચોક્કસ બનાવો કરતાં ઘણી વધારે રહી છે. અડધી દુનીયા જીતનાર ચંગીઝખાન ભુલાઈ ગયો છે. એનાથી છસ્સો વરસ પહેલાં થઈ ગયેલ મહમંદ પયગંબરની વીચારધારાનો પ્રભાવ જરાયે ઓછો નથી થયો.

     વીચારધારા સર્જનાત્મક હોઈ શકે, વીનાશકારી હોઈ શકે કે પછી એક સાથે બન્ને હોઈ શકે છે. સર્જનાત્મક વીચારધારાને જ્યારે સર્વશ્રેષ્ઠ ઠરાવવાનો પ્રયાસ થાય છે કે પછી એમાં ખોટી માન્યતાઓનો કચરો ઉમેરવામાં આવે છે, ત્યારે તે એટલે અંશે વીનાશકારી બની જાય છે. વીચારધારાની વીનાશકારી અસર માણસે  બનાવેલ કોઈ પણ શસ્ત્ર કરતાં વધારે સંહારક રહી છે અને ઘણા લાંબા સમય સુધી કામ કરે છે. અમેરીકાએ નાગાસાકી પર નાંખેલા અણુબોમ્બે 60,000 લોકોનો પળવારમાં નાશ કર્યો. હીટલરે યહુદીઓ પ્રત્યે પ્રસરાવેલ ઘૃણાએ, એનાથી સો ગણા વધારે લોકોનો વરસો સુધી, ભોગ લીધો છે. આજના કટ્ટરપંથી ધર્મઝનુનીઓ પણ આવી જ વીનાશકારી વીચારધારાના હાથા બન્યા છે. 

     આ બધી વીચારધારાઓ પાછળનું ચાલક બળ છે ‘માર્કેટીંગ’ ઘણી ઉમદા વીચારધારાઓ માર્કેટીંગના અભાવે વીસરાઈ ગઈ છે કે પછી વાજબી સ્વીકૃતી પામી શકી નથી.

     સામાન્ય રીતે  ઔદ્યોગીક જગતમાં માર્કેટીંગ શબ્દ ધંધા માટે વપરાય છે. એનો અર્થ ફક્ત વેચાણ નથી. જ્યારે તે વ્યક્તી, બનાવ કે વીચારધારાના સંદર્ભમાં વપરાય છે ત્યારે તેનો અર્થ સંકલન, રજુઆત અને પ્રચાર થાય છે. આ ‘માર્કેટીંગ બળ’ આગળ વ્યક્તી, બનાવ કે ‘વીચારધારાની ગુણવત્તા’ પણ ક્યારેક ઓછી મહત્ત્વની બની જાય છે.

     સેંકડો લોકોએ હીંસક કે અહીંસક માર્ગે આપણા દેશની આઝાદી માટે પોતાની જાતનું બલીદાન આપ્યું છે. આ શહીદોમાં પહેલું નામ લેવાય છે ભગતસીંહનું. એમના ઉપરાન્ત બીજાં થોડાંક નામ હજી લોકોને યાદ હશે; પણ મોટા ભાગનાં ભુલાઈ ગયાં છે. શહીદ તો તેઓ પણ થયા હતા અને એવી જ ભાવનાથી થયા હતા. આની પાછળ અન્ય કારણો સાથે એક કારણ એ છે કે ભગતસીંહનું જેટલું માર્કેટીંગ થયું છે એટલું બીજા કોઈનું નથી થયું.

     માર્કેટીંગ નકારાત્મક રીતે પણ થાય છે. ઔરંગઝેબ પોતાના ભાઈઓને મારીને, બાપને કેદ કરીને સત્તા પર આવ્યો હતો એ ખુબ ગવાયું છે. આવો બનાવ પહેલો કે છેલ્લો નથી. ઘણા સત્તા– પલટા લોહીયાળ રહ્યા છે. એમાં ભાઈઓની હત્યા, કારાવાસ કે દેશનીકાલ બધું બનતું હતું. ઘરઆંગણે ઝવેરચંદ મેઘાણીની ખુબ પ્રસીદ્ધી પામેલી બહારવટીયાઓની વાર્તાનાં મુળ આવા રાજપલટાઓમાં રહેલાં છે. એમનો એટલો પ્રચાર નથી થયો.

     નાઝી જર્મનીમાં શાસક વર્ગ દ્વારા યહુદીઓની સામુહીક હત્યા ઘણી ચર્ચાઈ છે અને હજી પણ ચર્ચાય છે. શાસકવર્ગ દ્વારા રશીયા, ચીન, કમ્બોડીયા, રવાન્ડા જેવા ઘણા દેશોમાં લાખો લોકોની નીર્દય કતલ ત્યાર પછી થઈ છે. એની આટલી નોંધ નથી લેવાઈ. ફરીથી એ જ, માર્કેટીંગનો પ્રભાવ અને અભાવ.

     વ્યક્તીઓ અને બનાવો વીશે આવા તો ઘણા દાખલા આપી શકાય. આ લેખનો હેતુ દાખલા ટાંકવાનો નથી. વીચારધારા અને માર્કેટીંગના પ્રભાવના અને અભાવના પરીણામને રજુ કરવાનો છે.

     સંદેશા વ્યવહારમાં આવેલી જબરદસ્ત ક્રાન્તીને લીધે છાપાં, સામયીક અને ટી.વી. દ્વારા ભરપુર માહીતી મળવા લાગી છે. એમનો મુળ હેતુ વ્યાપારી હોવાને લીધે માહીતીની ગુણવત્તા સંશયાત્મક હોય છે. સમયના દબાણ નીચે  કામ કરતા લોકોને અપાતી માહીતીની ચોકસાઈ તપાસવાનો સમય નથી હોતો અને એની દરકાર પણ નથી હોતી. આ માધ્યમો માહીતી સાથે પોતાનાં મંતવ્યો પણ રજુ કરતા હોય છે. એમના પક્ષપાતી પ્રસારણથી આપણી વીચારસરણી જાણે–અજાણે એક ચોક્કસ દીશામાં ઘડાતી જાય છે. જુદાં માધ્યમોનો અલગ દૃષ્ટીકોણ જાણવાનો કે સમજવાનો સમય અને વીવેક બધા પાસે નથી હોતો. પોતાની મેળવેલી માહીતી  સાચી અને અન્ય બધી ખોટી એમ ઘણા લોકો માનતા થઈ જાય છે. પરીણામે એક ચુસ્ત મતવાદી, જડ સમુદાય અસ્તીત્વમાં આવે છે.

     આ બાબતમાં પુસ્તકો થોડાં જુદાં પડે છે. એમાં લેખકના અભીપ્રાય અવશ્ય હોય છે; પણ એ લખવા પાછળ લેખકનો વ્યાપારી હેતુ ઓછો હોય છે. ચોક્કસ સમયમાં પતાવવાનું દબાણ ઓછું હોવાથી પ્રમાણમાં એ વધારે આધારભુત હોય છે. કમનસીબે પુસ્તકોનું વાચન મર્યાદીત થતું જાય છે.

     દુનીયામાં વસતા 640 કરોડથી પણ વધુ માનવ સમુદાયની ધર્મ અને ઈશ્વર વીશેની ઘણી જુદી જુદી સમજણ છે. બધા જ પોતાની સમજણને સાચી અને પોતાના ધર્મને શ્રેષ્ઠ માને છે. એની તરફેણમાં એ પોતાના ધર્મની વીશેષતાઓ ગણાવે છે.

     સંખ્યાની દૃષ્ટીએ જોઈએ તો ખ્રીસ્તીઓ 200 કરોડ જેટલા છે. મુસ્લીમ 130 કરોડ, હીન્દુ 90 કરોડ છે. એમની સરખામણીમાં  જૈનોના બધા જ પંથ, ફાંટા અને સંપ્રદાયો ભેગા મળીને 60 લાખ (0.1 ટકા) જેટલી સંખ્યા છે. મુખ્ય ધર્મો તો દુર રહ્યા; ગૌણ ધર્મોમાં પણ જૈન ધર્મનું સ્થાન ઘણું પાછળ છે. એના લીધે એનું મહત્ત્વ અને અસરકારકતા સીમીત રહી ગયાં છે.

     સંખ્યાબળ એ કોઈપણ વીચારધારાની ગુણવત્તાનું માપ નથી. છતાંયે એની મર્યાદીત સ્વીકૃતી કંઈક તો જરુર સુચવે છે.

     બધી બાબતોની જેમ ધાર્મીક વીચારધારાના ફેલાવામાં પણ એનું આકર્ષણ અને માર્કેટીંગ મોટો ભાગ ભજવે છે. શરુઆતમાં બધા ધર્મોનો ફેલાવો રાજ્યાશ્રયમાં થતો હતો. ઘણી વખત બળપુર્વક પણ ધર્માન્તર કરાવવામાં આવતું. અહીંસાવાદી જૈન વીચારધારા બળનો ઉપયોગ ન કરે એ સ્વાભાવીક છે. જૈન ધર્મનો મર્યાદીત ફેલાવો એને કોઈ કારણોસર ખાસ રાજ્યાશ્રય નહીં મળ્યો હોય એવું સુચવે છે.

બૌદ્ધ અને જૈન ધર્મનો ઉદય લગભગ એક જ સમયગાળામાં અને નજીકના પ્રદેશોમાં થયો છે. બન્ને ધર્મોની વીચારધારા પણ ઘણી મળતી આવે છે. વૈદીક ધર્મના વ્યાપક પ્રચારને લીધે ત્યારે એમનો સ્વીકાર કે પ્રચાર થયો નહીં. ત્રણ સદીઓ પછી સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી એનો પ્રચાર કર્યો. પરીણામે ઉત્તર ભારતમાં પાંચસો વરસ સુધી બૌદ્ધ ધર્મ સારા પ્રમાણમાં પળાતો રહ્યો. સમ્રાટ અશોકને ત્યારે જૈન વીચારધારા આકર્ષી નહીં શકી હોય.

અત્યારના સમયમાં હીન્દુ ધર્મની વર્ણવ્યવસ્થાથી ઘવાયેલા ડૉ. બાબાસાહેબ આંબેડકરે પણ અન્ય ધર્મો તરફ નજર દોડાવી. જરુરી અભ્યાસ પછી એમણે બૌદ્ધ ધર્મ પર પોતાની પસંદગી ઉતારી. એમના ઘણા અનુયાયીઓએ એમનું અનુકરણ કરી પોતાને ‘નવબુદ્ધ’ ગણાવ્યા.

આ બન્ને કીસ્સાઓમાં બળ કે લાલચ વડે ધર્માન્તર નથી કરવામાં આવ્યું. આ બન્ને પ્રભાવશાળી વ્યક્તીઓએ સ્વેચ્છાએ બૌદ્ધ ધર્મ સ્વીકારી બીજોને પ્રેર્યા હતા. આવા બીજા પણ કીસ્સા હશે. કોઈ કારણસર એમને જૈન ધર્મ આકર્ષક નહીં લાગ્યો હોય.

બીજાઓને આકર્ષવામાં જૈન વીચારધારા ક્યાં ઉણી ઉતરે છે એનો, જૈન ધર્મના રખેવાળોએ અવશ્ય વીચાર કર્યો હશે. કોઈ ઉપાય કર્યા હોય તો પણ સફળ થયા હોય એમ લાગતું નથી. જૈનો પોતાની ઓછી સંખ્યાનું એમ કહીને ગૌરવ લે છે કે શ્રેષ્ઠતા હમ્મેશાં જુજ હોય છે. પરીણામે એક ઉમદા વીચારધારાના લાભથી મોટો જનસમુદાય વંચીત રહી ગયો છે.

માર્કેટીંગના પ્રભાવને પારખી હાલ કેટલાયે ધાર્મીક સમ્પ્રદાયો પોતાની વીચારધારાનો પ્રચાર અને પ્રસાર કરવાની હોડમાં લાગ્યા હોય એમ દેખાય છે. એને લીધે કેટલીક ટી.વી. ચેનલો ‘બાવા’ ચેનલો તરીકે ઓળખાતી થઈ છે. ધાર્મીકતા વધારવામાં એમનું યોગદાન કેટલું રચનાત્મક છે તે તો એમને સાંભળનારા જાણે. બીજી બાજુએ ધાર્મીક સીરીયલો પોતાનું આર્થીક હીત સાધવામાં શ્રદ્ધાળુઓને ભરપુર અન્ધશ્રદ્ધા પીરસી રહી છે એ હકીકત છે.

એના ઉંડાણમાં ન જતાં આપણે આપણી જ વાત કરીએ. સંખ્યા બળની રીતે ગૌણ ગણાતા જૈન ધર્મમાં આપણે કેટલાયે પંથ બનાવીને બેઠા છીએ. જ્યારે મુળ વીચારધારામાં આટલા ફાંટા પડે છે ત્યારે એમાં ઘણી અસંગત બાબતોનો કચરો ઘુસાડવામાં આવે છે.

સમાજનો એક વર્ગ છાપું પણ વાંચતો નથી. પુસ્તકો તો દુરની વાત થઈ. ઘણાં મહાનગરોમાં રહેતા હોવાં છતાં હજી પોતાના નાનકડા સમ્પ્રદાયમાંથી બહાર નીકળ્યા નથી. બહારની દુનીયા ઘણી વીશાળ અને વીવીધતાપુર્ણ છે. બીજી વીચારધારાઓમાં ઘણું સારું અને અપનાવવા જેવું છે. આપણી જ વીચારધારા શ્રેષ્ઠ અને અન્ય સૌ ઉતરતી એ વૃત્તીને જ કુપમંડુકતા કહેવાય છે.

આ વર્ગની માહીતી અને સમજણનો મુખ્ય સ્રોત છે લોકવાયકા અને સાધુવર્ગનાં વ્યાખ્યાનો. એમની વીચારસરણી એનાથી ઘડાય છે. સમાજ પર સાધુ સમુદાયનો ઘણો પ્રભાવ હોવાથી આ ક્ષેત્રમાં સૌથી વધુ યોગદાન તેઓ જ કરી શકે છે. પરીવર્તનનો સન્દેશ અને જરુરીયાત એમના સુધી પહોંચાડવાની જવાબદારી સમાજના અને મહાજનના આગેવાનોની છે. આ મર્યાદીત સ્વીકૃતીનાં કારણો ફરીથી તપાસવાની જરુર છે. કોઈ સુચનો આવે તો એને ધર્મ વીરુદ્ધ કહેવાને બદલે એના પર વીસ્તૃત ચર્ચા થઈ શકે. જ્યારે સમયાનુસાર જરુરી ફેરફાર કરવામાં નથી આવતા ત્યારે કેટલાક અનુયાયીઓ વીમુખ થતા જાય છે.

આર્થીક, સામાજીક અને રાજકીય ક્ષેત્રે વીચારસરણીમાં આપણે ઝડપી ફેરફાર સ્વીકાર્યા છે અથવા તો બહારથી આવતા ફેરફારોને આવકાર્યા છે. કારણ કે એમાં કોઈ અવરોધ નથી. એની સરખામણીમાં સ્થાપીત હીતોને લીધે ધાર્મીક વીચારસરણીનો ફેરફાર ઘણો જ ધીમો અને નાના વર્તુળ પુરતો મર્યાદીત રહ્યો છે. અન્તે તો ધર્મ એ નીતીશાસ્ત્રની વીચારધારા છે. ધર્મ જો સનાતન અને સર્વવ્યાપી સત્ય હોત તો બધા ધર્મોના આદેશ એકસરખા હોત. કોઈપણ વીચારધારા શાશ્વત સ્થીર નથી રહી શકતી. એને જનસમુદાયના વીશાળ હીતને ધ્યાનમાં રાખી સમયાનુસાર બદલાવું પડે છે. વીચારધારા માટે શાશ્વતપણું એ ગુણ નહીં; પણ ખામી છે. બંધીયાર પાણી કરતાં વહેતું પાણી હમ્મેશાં વધુ સ્વચ્છ હોય છે.

રાજાશાહી એ એક પ્રકારની સરમુખત્યારશાહી હતી. કંઈ પણ પામવા માટે રાજાની મહેરબાનીની જરુરી હતી. રાજા સામે કોઈ પણ વાતનો વીરોધ કરવો જોખમી હતું. આ વ્યવસ્થાથી લોકો એટલા ટેવાઈ ગયા હતા કે ધર્મમાં આવેલી સરમુખત્યારશાહીને સહજપણે સ્વીકારી લીધી. પહેલાં ધાર્મીક સંસ્થાઓ સમાન્તર સત્તા ગણાતી. હજી પણ મુસ્લીમ રાષ્ટ્રોમાં એવું જ છે. હવે રાજકીય ક્ષેત્રે લોકશાહી આવી છે. સત્તા સામે આપણો વીરોધ પ્રગટ કરી શકીએ છીએ. પુરતો જનમત કેળવાય તો કાયદાઓ અને સત્તાધીશો પણ બદલી શકાય છે.

આમ તો ધાર્મીક વીચારધારાઓમાં સમયાન્તરે ફેરફાર થતા આવ્યા છે. પણ એ ફેરફાર ગુરુઓ વચ્ચેના વ્યક્તીગત કે વૈચારીક ભેદભાવોને લીધે થયા છે. જનસમુદાયના હીત માટે નથી થયા. એનાથી લાભ કરતાં હાની વધુ થઈ છે. સમ્પ્રદાયોમાં વીભાજન થતાં આન્તરીક સ્પર્ધાને લીધે સમાજ નબળો પડે છે.

કેટલાક જૈન સાધુઓએ પોતાની ધાર્મીક માન્યતાઓમાં સમયને અનુસાર જરુરી પરીવર્તન કર્યાં છે. તેઓ પરમ્પરા તોડીને વાહનમાં મુસાફરી કરે છે, દરીયો ઓળંગી પરદેશ ગયા છે તથા સાધુપણાની અલીપ્તતા છોડીને સામાજીક સંસ્થાઓ ઉભી કરી એનું સંચાલન પણ કરે છે. સમાજે એમને સ્વીકારી એને આવકાર્યા છે. આવાં પ્રગતીશીલ પરીવર્તનોનો વ્યાપ હજી ઘણો વધે એ જરુરી છે.

વીકસીત દેશોના વીકાસ પાછળનાં કારણો તપાસીએ તો એમાનું એક અગત્યનું કારણ એમની ધાર્મીક વીચારસરણી છે. આ ધાર્મીક વીચારસરણી આપણી ઘણી પ્રવૃત્તીઓને પ્રભાવીત કરે છે. દેશના એક ચોક્ક્સ વર્ગને કે સ્ત્રીઓને નીચો દરજ્જો આપનાર દેશો પછાત રહ્યા છે. ભુતકાળમાં રાચ્યા રહેતા કે પરલોકને વધુ પડતું મહત્ત્વ આપતા સમાજની પ્રગતી મર્યાદીત રહી છે. વીકસીત રાષ્ટ્રોએ વર્તમાનને અને આ લોકના ભવીષ્યને મહત્ત્વ આપ્યું છે. આ ફક્ત ભૌતીક વીકાસની નહીં પણ પુરા દેશના સર્વાંગી વીકાસની વાત છે. પ્રાચીન સંસ્કૃતીમાં ભારત સાથે ઉભા રહેનાર ચીનની વર્તમાન પ્રગતી પાછળ પણ આ જ કારણો છે.

જ્યારે કોઈ  કમ્પનીની વસ્તુઓ એમની ગુણવત્તાને લીધે વધુ વેચાય છે ત્યારે એની ‘બ્રાન્ડ એસ્ટાબ્લીશ’ થઈ ગઈ એમ કહેવાય છે. એ કમ્પની  બીજી કોઈ વસ્તુ બનાવે તો તે પણ એમના ‘બ્રાન્ડનેમ’ના લીધે તુરન્ત પ્રસીદ્ધી પામે છે. સમય જતાં બીજાઓનો સારો માલ આ બ્રાન્ડ કમ્પની પોતાના નામે વેચવા દેવાના શરતી કરાર પણ કરે છે. જ્યારે કેટલીક તકસાધુ કમ્પનીઓ પોતાનો ઉતરતો માલ બ્રાન્ડ કંપનીને જણાવ્યા વગર એમના નામે વેચી રોકડી કરી લે છે. વસ્તુઓનું આવું બ્રાન્ડીન્ગ આપણે જાણીએ અને સમજીએ છીએ. જે આ સમજતા કે સ્વીકારતા નથી એમને સમજાવવા આટલી પ્રસ્તાવના જરુરી હતી.

વીચારધારાના માર્કેટીંગમાં ધર્મ સૌથી મોખરે રહ્યો છે. એની સ્વીકૃતી થયા પછી બીજા ઘણા સ્વતન્ત્ર વીષયોએ ધર્મ સાથે જોડાણ કર્યુ. ઈતીહાસ, ભુગોળ, આરોગ્યશાસ્ત્ર, જ્યોતીષ વગેરે એમાં મુખ્ય છે. આ જોડાણમાં બન્ને પક્ષોને ફાયદો થયો. એનાથી ધર્મનો વ્યાપ વધ્યો અને બીજાઓને ધર્મના નામે સ્વીકૃતી મળી. નુકસાન આમ પ્રજાને થયું. એમને આ ભેળસેળની ખબર પડી નહીં. લેભાગુઓએ એનો ભરપુર લાભ ઉઠાવ્યો છે.

ધર્મના નામે ઘુસાડવામાં આવેલા આવા વીષયોને અલગ પાડી સચોટ રીતે રજુ કરવા આવશ્યક છે. જ્યાં પણ માન્યતાઓ વાસ્તવીકતાથી અલગ પડે છે ત્યાં એમની પોકળતાને પ્રકાશમાં લાવવી જરુરી છે. સમયને અનુરુપ વાસ્તવીકતા પર રચાયેલ સમાજની એ જરુર સેવા હશે.

મુરજી ગડા

લેખકસંપર્ક:

શ્રી મુરજી ગડા, 1–શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા390 007 ફોન:(0265) 231 1548 સેલફોન: 97267 99009 email: mggada@gmail.com

 

મંગલ મન્દીર માસીકના ૨૦૦૯ના જાન્યુઆરી માસના અંકમાં સામે પ્રવાહે તરવું છે ?’ વીભાગ અન્તર્ગત પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

 

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ : http://govindmaru.wordpress.com/

 

આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ..

 

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે..જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈમેઈલ આઈડી પર, પોતાનું સરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

 

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 05–05–2011

 

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.

Join 874 other followers