Posted in શ્રી. દીનેશ પાંચાલ on February 23, 2011 |
18 Comments »
સંતો ‘શ્રીહરી’ને બદલે ‘સત્ય’નો પ્રચાર કરે તે સાચી સમાજસેવા
સર્વસ્વીકૃત સત્ય એ છે કે એક લેખકના વીકાસમાં અખબારનું મહત્ત્વ અનેકગણું હોય છે. શ્રી વીજય ભગત સમ્પાદીત પુસ્તક ‘વીવેક–વીજય’માં પ્રા. રમણ પાઠક લખે છે: ‘રમણભ્રમણ’ કટાર 1976માં શરુ થયેલી. આજે બરાબર 35મું વર્ષ ચાલે છે. આ બધી જ સમ્પ્રાપ્તી મુળ તો ‘ગુજરાતમીત્ર’ને જ આભારી છે. આવી બંડખોર અને રુઢીભંજક કટાર ચલાવવામાં ‘ગુજરાતમીત્ર’નેય ઘણું સહેવું પડેલું, ઘણો વીરોધ થયેલો; પણ એય અડીખમ રહેલું અને હુંય અડીખમ. દરમીયાન ‘સમકાલીન’ દ્વારા મુંબઈનો કીલ્લો સર કર્યો. જ્યાં આજે પણ રૅશનાલીઝમની પ્રવૃત્તી કડેડાટ ચાલે છે. એટલે મુળ (અને સૌથી વઘુ) તો હું ‘ગુજરાતમીત્ર’નો ઋણી છું.’
કંઈક એ પ્રકારના જ ઋણસ્વીકાર સાથે અત્રે કહેવાનું પ્રાપ્ત થાય છે કે પ્રસ્તુત અખબાર રૅશનાલીઝમનું મોસાળ છે. એની કટારો અને ચર્ચાપત્ર વીભાગ દ્વારા કેટલાય રૅશનલ વીચારકોનું ઘડતર થયું છે. નવસારીના જાણીતા ચર્ચાપત્રી શ્રી સુરેશ દેસાઈ સ્વયં એક તંત્રી બની ‘પ્રીયમીત્ર’ નામનું ખુદનું સાપ્તાહીક ચલાવી રહ્યા છે. ‘ગુજરાતમીત્ર’માં એક સમયે આગલી હરોળમાં સ્થાન મેળવી ચુકેલા રૅશનલ ચર્ચાપત્રી શ્રી ગોવીન્દ મારુ એક સફળ એડીટર તરીકે વૈશ્વીક ખ્યાતી પ્રાપ્ત કરી ચુક્યા છે. ઈન્ટરનેટ પર ‘અભીવ્યક્તી’ નામનો તેમનો બ્લોગ ખુબ લોકપ્રીય થઈ રહ્યો છે. એ સીવાય શ્રી ઉત્તમ ગજ્જર, શ્રી સુનીલ શાહ, શ્રી સુર્યકાન્ત શાહ એ સૌના ચર્ચાપત્રો વખતો વખત ‘ગુજરાતમીત્ર’માં પ્રગટતા રહે છે. શ્રી ઉત્તમ ગજ્જરે તો ઈન્ટરનેટ પર છેલ્લાં છ વર્ષથી ‘સન્ડે ઈ–મહેફીલ’ નામથી ‘વાચનયાત્રા’ની એક અનોખી સાહીત્યીક મહેફીલ જમાવી છે. એ બધામાં ‘ગુજરાતમીત્ર’નો પરોક્ષ ફાળો ઈનકારી શકાય એમ નથી. આદરણીય મોરારીબાપુ જેવા સુપ્રસીદ્ધ કથાકાર રૅશનાલીઝમ તરફ ઢળ્યા તેમાં પણ ‘ગુજરાતમીત્ર’ પ્રત્યેની તેમની ચાહના જ કારણભુત રહી છે. રામનું રટણ કરતા રામાયણી ‘રમણભ્રમણ’ તરફ વળે એ બહુ મોટી (અને ખાસ તો) આશ્વાસક ઘટના ગણાય. આશ્વાસક એટલા માટે કે, ચાર–પાંચ રૅશનાલીસ્ટોનું નાનકડું ટોળું પાંડવો જેવું હતું. તેમાં મોરારીબાપુના પ્રવેશથી જાણે પાંડવોને કૃષ્ણનો સાથ મળ્યો. ઘણાએ ટીકા કરી– ‘રમણ પાઠક મોરારીબાપુના ખોળે બેસી ગયા.’ શ્રી મોરારીબાપુએ ‘વીવેક–વીજય’ પુસ્તકના લોકાર્પણ કાર્યક્રમ (ફંક્શન)માં માઈક પરથી જાહેરાત કરી– ‘રમણ પાઠક મારે ખોળે નથી બેઠા…, હું એમને ખોળે બેઠો છું !’ (બાપુની એ વીનમ્રતા ગણાય, બાકી એમ કહેવું વધુ સાચું ગણાય કે કોઈ કોઈના ખોળે નથી બેઠું. બન્ને સત્યના ધરમકાંટામાં બાજુબાજુના પલ્લામાં ઉભા છે) બન્ને એકમેકને ઉપકૃત કરતા નથી– સત્યના સમર્થનમાં આંગળી ઉંચી કરે છે. બાપુ પાસે ‘રામબાણ’ છે. રમણ પાઠક પાસે ‘રૅશનાલીઝમ’નું બાણ છે. બન્નેનો એકમાત્ર હેતુ ‘રાવણદહન’નો છે. રૅશનાલીઝમની વણખેડાયેલી ટેકરી પર ચઢી, ‘વીવેકબુદ્ધીવાદનો વાવટો’ ફરકાવવાનું કામ મહત્ત્વનું છે. તે કામ ‘બાપુ’ કરે કે ‘બાપા’– રૅશનાલીઝમનું તો તેનાથી કલ્યાણ જ થશે.
પુસ્તક ‘વીવેક–વીજય’માં શ્રી વીજય ભગતે એક સુંદર ઘટના સમાવી લીધી છે. આપણી અન્ધશ્રદ્ધા કેટલી હદે જડ, અક્ક્લવીહોણી અને ધીક્કારયુક્ત છે તેનો આ એક જ દાખલો બસ થઈ પડશે. ગાંધીનગરથી દશ માઈલ દુર રુપાલ નામનું ગામ આવેલું છે. ત્યાં આસો માસમાં ‘પલ્લી’ ભરાય. પલ્લી એટલે મેળો અને માતાજીની રથયાત્રા. જેમાં વરદાયી માતાને માથે ચોખ્ખું ઘી ચઢાવવામાં આવે છે. આ હજારો મણ ચોખ્ખું ઘી ગામની ધુળમાં ઢોળાય અને રગદોળાય. એમાં વળી પાછો એવો ચુસ્ત રીવાજ કે પેલું ધુળમીશ્રીત ઘી દલીતો જ લઈ જાય. અને એમાંથી ધુળીયું ઘી કાઢીને ખાય. રૅશનાલીસ્ટોએ આવા બગાડ કરનારા ઉત્સવનો વીરોધ કર્યો અને ધર્મધુરન્ધરોને વીનન્તી કરી કે ઘી ધુળમાં ઢોળાય એને બદલે, વાસણમાં ઝીલી લો અને પછી ગરીબોને વહેંચી દો, તો કમસે કમ શુદ્ધ ઘી તો તેમના પેટમાં જાય…! પલ્લીના મોવડીઓએ શો જવાબ આપ્યો તે સાંભળો. તેમણે કહ્યું: ‘ઘી ઢોળાય તો જ ધાર્યું પુણ્ય મળે !’ આવા જવાબથી નીરાશ થઈને રૅશનાલીસ્ટો અદાલતમાં ગયા અને કહ્યું કે આવો અર્થહીન ઉત્સવ બન્ધ કરાવો. ત્યારે અદાલતે કાયદેસર એવો ચુકાદો આપ્યો કે, ‘રુપાલની ‘‘પલ્લી’’ એ ધાર્મીક બાબત છે. અને ધાર્મીક બાબતોમાં અદાલત કે કાયદો માથું મારી શકે નહીં !’
દોસ્તો, આ આપણા મહાન ભારતની તાસીર છે. કલ્પના કરી શકાય ખરી કે, અમેરીકામાં આ રીતે મણબન્ધી ચોખ્ખું ઘી ધુળમાં ઢોળી દેવામાં આવતું હોય અને વળી ત્યાંની અદાલત એવો ચુકાદોય આપે ખરી કે, ‘આ ધાર્મીક બાબત હોવાથી અદાલત એમાં માથું મારી શકે નહીં !’
એક બીજો પ્રસંગ જુઓ. 1981માં શ્રી રાજારામમોહન રાયના મોટાભાઈ મૃત્યુ પામ્યા એટલે રીવાજ પ્રમાણે તેમની વીધવા થયેલી પત્ની– અલકમંજરીએ સતી થવાની તૈયારી કરવી પડી. ખડકાયેલી ચીતા પર અલકમંજરી ચઢી તો ખરી; પરન્તુ જેવી આગ ચાંપવામાં આવી કે તે ગભરાઈ ઉઠી. તીવ્ર અગનઝાળથી દાઝતાં તે ઉભી થઈ ગઈ. પરન્તુ ચીતા ફરતે એકઠા થયેલા ધર્માન્ધ ઠેકેદારોએ એને ભાગી છુટતી અટકાવીને લાંબા લાંબા વાંસડાઓ વડે મારી મારીને પાછી ચીતામાં ધકેલી દીધી. એની ચીસો ન સંભળાય તે માટે બુલંદ ઢોલ–નગારા પીટવા લાગ્યા. આજે આ વાંચવા માત્રથી પણ કમકમાટી આવી જાય છે. રાજારામમોહન રાયે રડતા હૃદયે એ હેવાનીયત જોઈ લીધી; પણ પછી તેમણે પ્રચંડ પુરુષાર્થ આદર્યો ને 1827માં લોર્ડ વીલીયમ બેન્ટીકે સતીપ્રથા નાબુદ કરવાનો કાયદો કર્યો. હવે કરુણતા જુઓ કે એ વાતને આજે પુરાં 184 વર્ષો વીતી ગયાં છે; છતાં અખબારોમાં હજી પણ એવી ઘટના વાંચવા મળે છે કે ફલાણા ગામમાં કોઈ મહીલાને સતી થવાની ફરજ પાડવામાં આવી. અફસોસ… આપણા ‘મહાન’ ભારતે હજી ઘણું સુધરવાનું બાકી છે.
એવા સંજોગોમાં આદરણીય શ્રી મોરારીબાપુ રૅશનાલીઝમના ટેકામાં આંગળી ઉંચી કરે તો તે રૅશનાલીઝમ કરતાંય સમાજની બહુ મોટી સેવા થયેલી ગણાય. એમની પાસે ધર્મનું શક્તીશાળી માધ્યમ છે. સમાજની નાની નાની ગલીકુંચીઓમાં એમનો અવાજ પહોંચે છે. યાદ રહે સત્ય સોના જેવું કીમતી હોય છે. પરન્તુ સોનું કેવળ એક પદાર્થ છે. તેને ઘરેણામાં ઢાળવામાં આવે તો જ તેનો ઉપયોગ કરી શકાય. મોરારીબાપુ સહીતના તમામ સન્તો/કથાકારો સત્યને ઉપદેશનું ઘરેણું બનાવીને પ્રચાર કરે તો સમાજમાંથી અન્ધશ્રદ્ધા જરુર મટી શકે. આપણી સ્થીતી એવી દયનીય છે કે એક ધર્મગુરુ લાખો માણસો ભેગાં કરી શકે; પણ એક ‘સત્ય’ સેંકડો ધર્મગુરુઓને એક છત તળે એકઠા નથી કરી શકતું. કેમ કે ધર્મગુરુઓને સત્ય કરતાં સન્માનની અને સમાજસેવા કરતાં સ્વ–સેવાની વધુ ગરજ રહેતી હોય છે. દરેકના વાડા જુદા… દરેકના ચોકા જુદા… ને વળી દરેકના ભગવાનો પણ જુદા…! તેમના અનુયાયીઓની સંખ્યા પરથી તેમની પ્રતીષ્ઠા અંકાતી હોય છે. એવી જુઠી માપણીથી બહુ બહુ તો દમ્ભનું માપ નીકળે, સત્યનો સર્વે બાજુ પર રહી જાય છે. સમાજનું કલ્યાણ કરવા ઈચ્છતા સન્તોએ આપસના ભેદભાવો ભુલી સત્યના સમર્થન માટે એક થવું જોઈએ. બચુભાઈ કહે છે– ‘ભગવા ભલે પહેરો; પણ પ્રજાને ઠગવાનું બંધ કરો.’
અન્તે એક વાત જરુર કહેવી છે. આજપર્યન્ત સાયલન્ટ રૅશનાલીસ્ટ તરીકે રહેવાનું પસંદ કરનારા શ્રી વીજય ભગતે, શ્રી રમણભાઈ પાઠકસાહેબના દીલના દસ્તાવેજ સમું આ પુસ્તક પ્રગટ કરીને રૅશનાલીઝમ ક્ષેત્રે ભવ્ય પ્રવેશ કર્યો છે. આ પુસ્તક માત્ર રૅશનાલીસ્ટોએ જ નહીં; પ્રત્યેક માણસે વાંચવા જેવું સત્ત્વશીલ અને નમુનેદાર બની શક્યું તેમાં શ્રી વીજય ભગતનો માત્ર આર્થીક ફાળો જ નહીં; માનસીક ફાળો પણ નાનો સુનો નથી. શ્રી રમણ પાઠકના ‘વીચારોના વસીયતનામા’ જેવું આ પુસ્તક તેમના આજપર્યન્ત નીવડેલા લેખોમાંથી ચુંટીને પસંદ કરાયેલા 392 ગદ્યખંડોનો રસથાળ છે. રુપીયા એકસો એંસીનું આ પુસ્તક શ્રી વીજય ભગતને સેલફોન નંબર: 98252 71200, ઈ–મેઈલ: vmbhagat@gmail.com પર સમ્પર્ક કરવાથી રુપીયા: 150/- માં મળી શકે છે.
ધુપછાંવ
ચાલો, 2011માં જગતભરની તમામ શ્રદ્ધા કે અન્ધશ્રદ્ધાને નવેસરથી સત્ય અને વીજ્ઞાનના ત્રાજવે તોલીએ અને જે વજન ઉતરે તેને સૌ સ્વીકારીએ. કેમ કે ‘સત્યનો ધરમકાંટો’ વીજ્ઞાન દ્વારા ‘ટેસ્ટેડ એન્ડ ઓકે’ થયેલો હોય છે. ધરમના ધડામાં ફેર હોય શકે; પણ વીજ્ઞાનના વજનકાંટામાં એક ગ્રામનોય ફરક હોતો નથી.
-દીનેશ પાંચાલ
‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 6 ફેબ્રુઆરી, 2011ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવન સરીતાના તીરે’માંથી.. લેખકના અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…
સંપર્ક:
શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396 445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508
અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પોસ્ટ કર્યા તારીખ: 23–02–2011
‘આ લેખ તમને ગમે તો govindmaru@yahoo.co.in પર મને એક મેઈલ લખજો. પીડીએફ મારી પાસે તૈયાર જ છે, તરત મોકલીશ.’
@@@@@
Read Full Post »
Posted in મીત્રોના ચર્ચાપત્રો on February 11, 2011 |
15 Comments »
રૅશનાલીઝમ જન્મજાત છે
માનવ સીવાય કોઈ પ્રાણીએ ઈશ્વરની કલ્પના કરી નથી. ઉત્ક્રાંતીના ક્રમમાં માનવ પ્રાણીએ માનવ સ્વરુપ મેળવ્યા પછી, ખુબ જ છેલ્લા તબક્કામાં, ખુબ ઓછા સમયથી, તેણે ઈશ્વરની કલ્પના કરી છે, જે સમય આજે ચાલી રહ્યો છે. અન્ય પ્રાણીની સરખામણીમાં માનવી બુદ્ધીશાળી હોવાથી જુદો પડે છે. બુદ્ધીના વીકાસક્રમમાં તેને છેલ્લાં થોડાંક હજાર વર્ષથી એક મોટો તર્ક પકડાઈ ગયો અને તે ઈશ્વરની કલ્પના, જે બુદ્ધીથી સમજાવી શકાય એમ નથી. પરન્તુ અવૈજ્ઞાનીક–અજ્ઞાનયુગ દરમ્યાન તે સ્વીકારાયો છે.
દરેક માણસ જન્મે નાસ્તીક અને રૅશનલ હોય છે, કેમ કે તે બુદ્ધીના ઉપયોગથી પોતાનો વીકાસ કરવાનો પ્રયાસ કરે છે, ઉપરાન્ત તે સામાજીક પ્રાણી હોવાને કારણે અન્ય માણસના હીતનું બહુધા વીચારે છે. આ બધું તદ્દન કુદરતી ક્રમમાં, સ્વાભાવીક છે. પરન્તુ ચોક્કસ તબક્કે ખોટો તર્ક પકડવાથી માણસ ગેરમાર્ગે દોરાયો. પોતે સામાજીક પ્રાણી હોવા છતાં માણસ માણસ વચ્ચે ઈશ્વરને કારણે તેણે ભેદભાવ રચ્યા. પોતાનું સ્વાભાવીક માનવવાદી વલણ ત્યાગી, તેણે ઈશ્વરવાદી વલણ અપનાવ્યું. આ બધું અકુદરતી, માનવસર્જીત હોવાથી તે જન્મજાત નથી; પરન્તુ સંસ્કાર(ખરેખર તો કુસંસ્કાર)થી માણસ મેળવે છે. માણસ જેમ જેમ પોતાની ગેરમાર્ગે દોરાયેલ પ્રવૃત્તી ત્યાગી, વીવેકબુદ્ધીથી દરેક ક્ષેત્રે વર્તતો થશે, તેમ તેમ તેનામાં રહેલાં માનવવાદી વલણનો વીકાસ થતો જશે. રૅશનાલીઝમનો એ જ ઉદ્દેશ છે.
– ‘નીરાંત’
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.29/01/2011ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…
લેખક/ચર્ચાપત્રી – સંપર્ક: સેલફોન: 98252 59615
(2)
શું ઈશ્વર: જુગારી, ખુશામતખોર કે રુશ્વતખોર છે ?
આજકાલ ઈશ્વરના અસ્તીત્વ વીશે ચર્ચા ચાલે છે; પરન્તુ ધારો કે ઈશ્વર હોય તો વીશ્વના સંચાલનમાં ઉચીત–અનુચીત બાબતે સામાન્ય બુદ્ધીથી વીરુદ્ધ તો વ્યવહાર ન જ કરે ને ? દરેકને ઉચીત વીકાસની વાજબી તક તે આપે જ. ઘણા આસ્તીકો એમ માને છે કે માનવીના વીકાસમાં, વાસ્તુશાસ્ત્ર મુજબ તેનું ઘર વાઘમુખું છે કે ગૌમુખું તેના પર, તેના દરવાજાથી માંડી અસંખ્ય વસ્તુઓ કઈ દીશામાં છે તેના પર છે. એ જ રીતે, જ્યોતીષ મુજબ તેના ઘરના બાંધકામની શરુઆત કયા સમયે કરી, તેમ જ તે ત્યાં રહેવા જે સમયે ગયા હોય તેના ચોઘડીયા પર તેનાં સુખશાન્તી આધારીત છે. એ રીતે કર્મકાંડ મુજબ ચોક્ક્સ જ્ઞાતીના માણસ પાસે ચોક્ક્સ વીધી કરાવી હોય તેના પર, શરીરનાં અંગો પર મંત્રેલી કે પવીત્ર ગણાતી વસ્તુઓ ધારણ કરી હોય તેના પર તેની પ્રગતી આધાર રાખે છે. આવું જ્યારે આસ્તીકો જાહેર કરે છે, ત્યારે એમ થાય કે ઈશ્વર આપણી સાથે જુગાર રમે છે કે શું ? આને ન્યાયી વ્યવહાર કહેવાય ખરો ?
નીયતીમાં જરા પણ ફેરફાર થઈ શકે નહીં, વીધીના લેખ મીથ્યા થાય નહીં, એવી માન્યતા છે; છતાં મતલબી આસ્તીક એમ પણ કહેશે કે નીયતી જાણી પણ શકાય, એમાં પોતાની ઈચ્છા પ્રમાણે ફેરફાર પણ કરી શકાય. એ માટે ચોક્કસ માણસ પાસે ચોક્કસ વીધી કરાવવાથી ધારેલું પરીણામ મેળવી શકાય. જો એમ હોય તો, આને દૈવીશક્તીનું જુગારીમાનસ કહેવાય ને ? નહીં કહેવાય કે ?
કેટલાક માણસો અસંખ્ય ખોટાં અને અમાનવીય કામો કરી, પાપમુક્તી માટે ભક્તીનું રુપાળું નામ આપી, દૈવીશક્તીની ખુશામતનો રસ્તો અપનાવી, દાનરુપે લાંચ પણ આપે છે અને એ રીતે ખોટાં કામ કરવાની જાણે ‘પરમીટ’–પરવાનો મેળવે છે ! ઈશ્વર ખુશામતથી ખુશ થઈ કંઈ પણ વધારે આપે, એટલે કે અન્યાયી વલણ અપનાવે એ વાત શું વાજબી લાગે છે ખરી ? ઈશ્વર મીથ્યાભીમાની હોય ? તે ખુશામતથી ખુશ થાય ? ઈશ્વર ખુશામતખોર અહંભાવી, રુશ્વતખોર કે ફુલણજી છે કે ?
આસ્તીકોએ એટલું તો સ્વીકારવું જ રહ્યું કે ઈશ્વર જુગાર ન રમે, ખુશામત પસંદ ન કરે, મીથ્યાભીમાની પણ ન હોય, લાંચ સ્વીકારે એવો લાંચીયો પણ ન હોય અને જો એ એવો હોય તો તે ઈશ્વર નહીં, શેતાન જ કહેવાય.
ધર્મના આવા વીરોધાભાસો નહીં સમજાવી શકવાને કારણે, ‘આ બધું ગુઢ છે, માનવબુદ્ધીથી પર છે, અનુભુતીનો વીષય છે, બ્રહ્મલીલા છે’ – એવુંતેવું સમજાવી ભ્રમો ફેલાવવાનું હવે આપણે બંધ કરવું–કરાવવું જ રહ્યું.
માનવે પોતાના વીકાસ માટે પોતાના પર જ આધાર રાખવો પડે છે એ દેખીતું છે અને સીદ્ધ છે. માટે આવી અબૌદ્ધીક વાતો ત્યાગી, માનવકલ્યાણ પર ભાર મુકી, વૈજ્ઞાનીક અભીગમ જાળવીને પ્રયત્નો કરવાની જરુર છે.
– ‘નીરાંત’
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.17/01/2011ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…
લેખક/ચર્ચાપત્રી – સંપર્ક: સેલફોન: 98252 59615
પોસ્ટ કર્યા તારીખ– 11/02/2011
♦●♦●♦
Read Full Post »
Posted in શ્રી. દીનેશ પાંચાલ on February 4, 2011 |
31 Comments »
કંકુવરણાં કુકર્મો…!
એક શ્રદ્ધાળુ માણસના જીવનની વાત છે. એ માણસ રોજ પ્રભુભક્તીમાં દોઢ કલાક ગાળે. નીયમીત ગીતાપાઠ કરે. દત્તબાવની ગાય. મંદીરમાં સઘળા ફોટાઓ આગળ માથું ટેકવે, એટલું જ નહીં; ‘જય સીયારામ’ બોલ્યા વીના હોઠે કશું ના અડાડે એવો એ ધાર્મીક માણસ !
એક દીવસ એવું બન્યું, એના વાડામાં એક ડુક્કર મરી ગયું. એણે લાકડી વડે તે પાડોશીના વાડામાં ખસેડી દીધું. પાડોશીનું બારણું બન્ધ હતું; એથી તેમને એ વાતની જાણ ન થઈ. પણ બીજા પાડોશીએ આ દૃશ્ય બાથરુમની જાળીમાંથી જોયું. તેણે પેલા પાડોશીને જાણ કરી. બન્ને વચ્ચે મોટો ઝઘડો થયો. બીજા પાડોશીએ આક્રોશ ઠાલવતાં કહ્યું : ‘તમે રોજ દોઢ કલાક ભક્તીમાં ગાળો છો. ટીલાં–ટપકાં કરો છો. હમ્મેશાં ધરમના ચોપડા વાંચતા રહો છો. શું તમારો ધર્મ તમને એવું શીખવે છે કે તમારા વાડામાં ડુક્કર મર્યું હોય તેને પાડોશીના વાડામાં સરકાવી દેવું ? ધરમના ચોપડા વાંચ્યા પછી પણ તમે અંદરથી આવા મેલા જ રહેવાના હો તો ધુળ પડી તમારા ધરમમાં…! સળગાવી દો ધરમના ચોપડા… અને કંઈક અક્કલ આવે એવા ચોપડા વાંચો !’
સાંજે અમારી મીત્રમંડળીમાં આ વાત નીકળી. બચુભાઈ હસીને બોલ્યા : ‘મરેલું ડુક્કર પાડોશીના વાડામાં ખસેડી દેવું એ આ કળીયુગમાં આમ તો અક્ક્લની જ વાત ગણાય !’ પછી એકાદ ક્ષણ અટકીને તેમણે ઉમેર્યું : આ બધી માણસના મનના ખાળકુવાની ગંદકી છે. માણસના કપાળે કરવામાં આવતાં ટીલાં–ટપકાં દુનીયા જોઈ શકે છે; પણ મનના ડાઘ છુપાયેલા રહે છે તે આવા પ્રસંગે છતા થઈ જાય છે. ક્યારેક મરેલા ડુક્કર કરતાં જીવતા માણસના મનની દુર્ગન્ધ વધી જતી હોય છે !
ધર્મ માણસને એવી બેઈમાની શીખવતો નથી. માણસની બહુધા અનીતીઓ મૌલીક હોય છે. કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતામાં કદી એવો ઉપદેશ આપ્યો નથી, ‘હે વત્સ, તારા વાડામાં ડુક્કર મર્યું હોય તો તારે લાકડી વડે ચાલાકીથી પાડોશીના વાડામાં ખસેડી દેવું…!’ દુર્યોધન રોજ દાતણ કરીને ચીરી અર્જુનના આંગણામાં ફેંકતો હતો એવોય ગીતામાં ક્યાંય ઉલ્લેખ નથી !
થવું જોઈએ એવું કે ધર્મના આદેશ મુજબ માણસનું ઘડતર થવું જોઈએ; પણ વાત ઉંધી બની ગઈ છે. માણસની ઈચ્છા મુજબ ધર્મ ઘડાયો છે. જેથી હવે માણસને ધર્મનો ડર નથી લાગતો. કેમ કે આજનો કહેવાતો ધર્મ એ તેનું પોતાનું માનસસન્તાન છે. આજે ધર્મને નામે માણસ જે કર્મકાંડો કે પુજાપાઠ કરતો રહે છે એ કેવળ તેનું આધ્યાત્મીક મનોરંજન બનીને રહી ગયું છે ! એવા માનવસર્જિત ધર્મનો જ એ કુપ્રભાવ છે કે માણસ મુર્તી સમક્ષ સજ્જ્ન બની રહે છે અને સમાજ વચ્ચે શેતાન બનીને જીવે છે. કહેવાય છે કે શીક્ષણની ઈજ્જત રહેલી છે, તે રીતે ધર્મનો સ્પર્શ પામી માણસ કેવો બની શકે છે તે બાબતમાં ધર્મની પણ પ્રતીષ્ઠા રહેલી છે.
એક વાત વારંવાર સમજાય છે. હવે આસ્તીકતા કે નાસ્તીકતા એ માણસના સારા કે નરસા હોવાની સાબીતી નથી રહી. ઈશ્વરમાં માનવું ન માનવું એ માણસની અંગત વીચારધારાને લગતી બાબત છે. ઈશ્વરમાં માનતા માણસો અચુકપણે સજ્જનો જ હોય એ વાત તો ક્યારની જુઠી સાબીત થઈ ચુકી છે. મંદીર અને મસ્જીદ માટે આ દેશમાં આસ્તીકોએ જે પીપડાબન્ધ લોહી રેડ્યું છે તેના સ્મરણમાત્રથી ધ્રુજી જવાય છે. કેટલાંય જીવતાં સ્ત્રીપુરુષો અને બાળકોને સળગાવી દેવાયાં હતાં ! હજી પણ એ આગ પુરી હોલવાઈ નથી.
નાસ્તીકો માટે એટલું આશ્વાસન જરુર લઈ શકાય કે તેમણે કદી ઈશ્વર કે ધર્મને નામે વીરાટ માનવસંહાર આચર્યો નથી. પરન્તુ ધર્મ અને શ્રદ્ધા સીવાયના દુષણોથી તેઓ પણ મુકત નથી. કોઈ માણસ નાસ્તીક હોવાથી તે આપોઆપ સજ્જન બની જતો નથી. નાસ્તીકોમાંય અનેક પ્રકારની સ્વભાવગત, માનવસહજ કમજોરી હોઈ શકે છે.
સાચી વાત એ છે કે માણસ તેના આચાર, વીચાર અને વર્તનથી કેવો છે તે જ તેનો સાચો માપદંડ ગણી શકાય. તે ભગવાનને ભજે છે કે નથી ભજતો તે બાબત પરથી તેનું સાચું માપ નીકળી શકતું નથી. રોજબરોજની જીવાતી જીન્દગીમાં એક માણસ બીજા માણસ જોડે કેવો વ્યવહાર કરે છે તે પર માનવસમાજનાં સુખદુ:ખનો આધાર રહેલો છે. દર મહીને એક સત્યનારાયણની કથા કરાવતો માણસ પોતાને ત્યાં મરેલો ઉંદર પાડોશીને ત્યાં ફેંકી દેતો હોય તો એવી ભક્તીનો કોઈ ફાયદો ખરો ?
ન દેખાતા ભગવાન માટે માણસ પોતાની આસપાસના જીવતા માણસોને સળગાવી દેતો હોય તો એવા લોકો માનવસમાજના સાચા દુશ્મનો છે. આજે થાય છે એવું કે માણસ રોજ ભગવાનના ફોટા લુછે છે, અગરબત્તી સળગાવે છે, મુર્તીને દુધ અથવા ગંગાજળથી ધોઈને ચોખ્ખી કરે છે; પણ પોતે અંદરથી નખશીખ ગંદો રહી જાય છે.
અમેરીકાના લોકોની ગરદન ઘડીયાળના કાંટા સાથે જોતરાયેલી હોય છે. આપણી માફક ઈશ્વરભક્તી માટે રોજ સવારનો એકાદ કલાક ફાળવવાનું તેમને માટે લગભગ અશક્ય હોય છે. છતાં રોજબરોજના માનવવ્યવહારમાં અમેરીકનો આપણા કરતાં વધુ પ્રામાણીક હોય છે. ત્યાં કોઈ સ્ટોરમાં ગ્રાહકની સોનાની ચેન ગુમાઈ ગઈ હોય તો તે પાછી મળી શકે છે. આપણે ત્યાં રામકથા સાંભળવા બેઠેલા હજારો શ્રદ્ધાળુઓ વચ્ચે પાંચ તોલાનો સોનાનો અછોડો ખોવાયો હોય તો તે પાછો મળવાની આશા નથી હોતી.
બચુભાઈ કહે છે : ‘રાવણ પાસે ગયેલી સીતા હેમખેમ પાછી મળી શકે; પણ રામભક્તો પાસેથી સોનાની ચેન પાછી મળી શકતી નથી !’ આપણે ત્યાં ભાડેનું ઘર પચાવી પાડવાની બાબત પાપ લેખાતી નથી. (સરકારે ઘરભાડુતની તરફેણમાં કાયદો કરીને હવે બેઈમાનીને કાયદેસર કરી છે.) તમે કપાળે તીલક અને રામનામની ચાદર ઓઢીને નીકળી પડો તો લગભગ પોણી દુનીયાને ઉલ્લુ બનાવી શકાય છે.
ઑફીસમાં પ્રવેશતી વેળા વાંકા વળી ઑફીસના ઉંબરાને શ્રદ્ધાથી હાથ અડાડતા કર્મચારીઓને મેં જોયા છે. એવા લોકો ઉંબરની પેલે પાર જઈ ખોટા બીલો મુકી ગોલમાલ કરે છે ત્યારે પેલો ઉંબરો કેવો વીશ્વાસઘાત અનુભવતો હશે ? કોઈ ધનકુબેર શેઠીયો પોતાનો સ્વાર્થ સાધવા તગડી લાંચ આપે છે ત્યારે તેને ઠુકરાવી દેવામાં ભલભલાનાં હાંજા ગગડી જાય છે. એવી બેઈમાની હવે સામાન્ય ગણાય છે. ઑફીસમાં સમયસર ન જવું કે કામચોરી કરવી એવી બાબતોની ટીકા કરનારાઓની ગણતરી હવે વેદીયામાં થાય છે.
સંક્ષીપ્તમાં તાત્પર્ય એટલું જ કે રોજ ઉઠીને પુજાપાઠ કરો. ગીતા, બાયબલ કે કુરાન વાંચો, પણ સમાજમાં એક સાચા, નેકદીલ ઈન્સાન તરીકે નહીં જીવી શકો તો ધર્મશાસ્ત્રોની શીખામણો પોથીમાંનાં રીંગણાં જેવી બેઅસર બની રહે છે. ધર્મપુસ્તકો વાંચી નાખવાથી કેવળ માનસીક સન્તોષ થાય છે. જીવનમાં સાચકલી સુખ–શાન્તી મેળવવી હોય તો કેવળ વાંચ્યાથી નહીં ચાલે; ધર્મની સારી શીખામણોનો જીવનમાં અમલ કરવો રહ્યો. યાદ રહે, રોગ મટાડવા માટે ડૉક્ટરની દવા પેટમાં જાય તે જરુરી છે. દવા શીશીમાં પડી રહે તેનો કોઈ ફાયદો થતો નથી.
- દીનેશ પાંચાલ
સંપર્ક:
શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ફોન: (02637 242 098) સેલફોન: 94281 60508
‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 20 જુલાઈ, 2003ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવન સરીતાના તીરે’.. અને મુમ્બઈથી પ્રકાશીત થતા માસીક ‘વીવેકપંથી’ (તંત્રી– ગુલાબ ભેડા – 2/C/1-Asmita Mogra, Dutta Jagdamba Marg, Sher-e-Punjab Colony, Andheri(East) Mumbai-400 093 Phone- 022-2838 8891ના એક સોમા વીશેષ અંકનો આ લેખ ‘વીવેકપંથી’, ‘ગુજરાતમીત્ર’ તેમજ લેખકશ્રીની પરવાનગી અને સૌજન્યથી સાભાર…
●‘વીવેકપંથી’ રૅશનલ વીચારોનું માસીક (વાર્ષીક લવાજમ માત્ર રુપીયા 100/-) હવે વેબસાઈટ પર વાંચવા માટે પણ ઉપલબ્ધ છે. જેની લીન્ક નીચે મુજબ છે:
♦●♦ દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ :
♦●♦●♦ આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..
અક્ષરાંકન: – ગોવીન્દ મારુ
પોસ્ટ કર્યા તારીખ: 4–02–2011
♦●♦●♦
Read Full Post »