Feeds:
Posts
Comments

Archive for August, 2010

‘મારો ઈશ્વર કોણ ?’

ચર્ચાપત્રોમાં ભગવાન વીષયક ચર્ચાઓ ચાલી. હું માનું છું ત્યાં સુઘી દરેક વ્યક્તીનો ઈશ્વર ભીન્ન હોય છે. મારો ઈશ્વર મનુષ્ય છે. મારો ભગવાન પ્રાણીઓ­–પક્ષીઓ છે, વૃક્ષો છે. પુસ્તકો પરમાત્માનો પર્યાય બની શકે ? હા, મારે માટે. ફીરાક ગોરખપુરી કહી ગયા;  ‘જીન્હે શક હૈ વો કરે ઔર ખુદાઓંકી તલાશ, હમ તો ઈન્સાનકો ઈસ જહાં કા ખુદા માનતે હૈં’ . કોઈનો ભગવાન મંદીરોમાં પુરાયેલ છે. ભગવાન બંદી હોઈ શકે ? કોઈ મસ્જીદ કે ગીરજાઘરોમાં શોઘે છે. ‘અલ્લા’ કે ‘ગૉડ’ ઈંટ, સીમેન્ટ, પથ્થરની બનેલ દીવાલોનો ઓશીયાળો ખરો કે ? શ્રદ્ઘાળુઓનો ઈશ્વર એમની ‘આસ્તીકતા’ છે તો અ–શ્રદ્ઘાળુઓનો ઈશ્વર એમની ‘નાસ્તીકતા’ છે. નાસ્તીકો ગ્રંથથી ઘડાય છે, આસ્તીકો ગ્રંથીઓના ગુલામ છે. ઘડાયેલા ગાડાં વાળી શકે, ગુલામ કશું ન કરી શકે. અબ્રાહમ લીંકને કદાચ તેથી જ કહ્યું હતું, ‘હું સ્વર્ગમાં ગુલામ બનવા કરતાં નર્કમાં નેતા બનવાનું પસંદ કરું.’ હું માનું છું કે, જેમાંથી જીવનબળ મળે તે ભગવાન.જીસસે ઉપદેશ્યું: ‘ધ કીંગડમ ઓફ ગૉડ ઈઝ વીઘીન યુ’. ગૌતમ બુદ્ઘ : ‘અપ્પ દીપો ભવ’ની વાત કરી ગયા. કબીરે ‘તેરા સાંઈ તુજમેં’ કહી ઝાંકવાનું પ્રબોઘ્યું. આદ્ય શંકરાચાર્ય ‘ચીદાનન્દ રુપ: શીવો અહમ્‘ કહી ગયા. યુગપુરુષોએ આટલું બઘું કહ્યા પછી આ બઘી મગજમારી ક્યાંથી અને ક્યાં સુધી ? માન્યતાનાં પોટલાં લઈ ફરતા આસ્તીકો પોતે પીડાય અને પારકાને પીડે છે. ‘એની અંદર શું હશે, મારી બલા જાણે, મરીઝ, બહાર તો પથ્થર મળ્યા મંદીર ને મસ્જીદને.‘ હકીકતે શ્રદ્ઘાળુઓ અને અ–શ્રદ્ઘાળુઓએ ભેગા મળી અન્ઘશ્રદ્ઘાળુઓને જગાડવાના છે. શ્રદ્ઘા અને અ–શ્રદ્ઘાના ઝંડાઘારીઓ  એક થઈ અન્ઘશ્રદ્ઘા–નીર્મુલન  માટે કટીબદ્ઘ થાય  એ સમયની માંગ છે. કુલડીમાં ગોળ ભાંગ્યે શું વળે ? અન્ઘશ્રદ્ઘાનું વીષ વીષમ પરીસ્થીતી સર્જે છે. અન્ઘશ્રદ્ઘાળુઓ તબાહ થઈ રહ્યા છે. તેઓને બચાવી લેવા એ આપણું દાયીત્વ છે. કહેવાતા આસ્તીકો અને તેમના ગોડફાઘરો ખુલ્લેઆમ લુંટ ચલાવે છે. મેં તો આસ્તીકો પૈકી અનેક નાસ્તીકો જોયાં છે; કારણ કે ઈશ્વર કૃપા વીશે તઓ ચીન્તીત હોઈ, સતત એક યા બીજાં વીધીવીધાનમાં રમમાણ રહેતા હોય છે. નાસ્તીકો પૈકી એવાય હોય જે પોતાની મસ્તીમાં જીવ્યે જતા હોય છે. મનુષ્ય જ્યારે અકળ તત્ત્વને ભાળી–પારખી જાય ત્યારે તે નાસ્તીકતાની સમીપ પહોંચી જતો હોય છે.

વીરલ વ્યાસ

લેખક–સંપર્ક:

‘સ્મીત‘ સાઘના સોસાયટી પાસે, મહાત્મા ગાંઘી રોડ, બારડોલી – 394602 ફોન0262 222 3702 સેલફોન: 9979280939 ઈમેઈલ: viralfalguni@hotmail.com


ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.11/08/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર


દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ http://govindmaru.wordpress.com/


અક્ષરાંકન: ગોવીન્દ મારુ govindmaru@yahoo.co.in


પોસ્ટ કર્યા તારીખ27/08/2010

Read Full Post »

શું ધર્મ માનવને નીતીવાન બનાવે છે ?

‘ધ ઓક્સફર્ડ હેંડ બુક ઓફ રીલીજીયન’: ઓક્સફર્ડ યુનીવર્સીટી 2005 (એડીટર: વીલીયમ જે. વેનરાઈટ)

દુનીયાનો દરેક ધર્મ નૈતીકતા પર ભાર મુકે છે; પરન્તુ નૈતીકતા (મોરાલીટી)ની વ્યાખ્યા તો તે પોતે જ કરે છે. હીન્દુ મોરાલીટી, ક્રીશ્વીયન મોરાલીટી, મુસ્લીમ મોરાલીટીમાં તફાવતો છે. ધર્મ પોતાના અનુયાયીઓ માટે ‘ઈન ગૃપ’ અને બહારના માટે ‘આઉટગૃપ’ ઉભું કરે છે. દરેક  ધર્મ  એમ માને છે કે સાચી નૈતીકતાના નીયમો માત્ર તેનામાં જ છે અને સામાનો ધર્મ ઉતરતી કક્ષાનો છે. પરન્તુ ધર્મે નૈતીકતાના જે નીયમો ઘડ્યા છે તેમાંના કેટલાક આઉટડેટેડ થઈ ગયા છે. કોઈ ધર્મ ‘સનાતન’ નથી. આથી સામુહીક જમાનામાં નૈતીકતાનો આધાર ધાર્મીક મુલ્યો હોઈ શકે નહીં તેમ પશ્વીમના બૌદ્ધીકો માને છે. દરેક ધર્મમાં અલૌકીક (સુપરનેચરલ) તત્ત્વ હોય છે અને રૅશનાલીસ્ટોને અલૌકીક તત્ત્વમાં વીશ્વાસ નથી. સર્વધર્મ સમાનતામાં માનનારા શ્રદ્ધાળુઓ આવા દરેક ધર્મનાં અલૌકીક તત્ત્વોને માન્ય રાખતા હોવાથી તેમને રૅશનાલીસ્ટ ગણવાનું મુશ્કેલ છે.

તેઓમાં ધાર્મીક મુલ્યો સામેના ‘રીબેલનું તત્ત્વ ખુટે છે. તેઓની સદ્ ભાવના પાછળ રૅશનાલીટી નહીં; પરન્તુ વીશફુલ થીંકીંગ હોય છે. જો મોરાલીટી (નૈતીકતા)નો આધાર ધર્મ નહીં હોય તો, તેનો આધાર શો હોઈ શકે તે બાબતનું ઉંડું ચીન્તન બૌદ્ધીકોમાં ચાલી રહ્યું છે. સારા આચરણ માટે  ધર્મ પાપનો ડર અને મોક્ષ અથવા સાલ્વેશન કે પુણ્યનો જે લોભ દર્શાવે છે તેવો આભાસી ડર કે લોભ (કે લાભ) સેક્યુલર એથીક્સના માનનારા બતાવી શકતા નથી. તેથી સેક્યુલર એથીક્સનું લોકોને નૈતીકતા તરફ લઈ જવાનું મોટીવેટીંગ પરીબળ ફીક્કું જણાય છે. તેમાં ‘જોસ્સો’ નથી. તેમ છતાં કોઈપણ સમાજને ધર્મ વીના ચાલે; પરન્તુ મોરાલીટી વીના ચાલી શકતું નથી. મોરાલીટીનાં લઘુત્તમ ધોરણો જો નહીં સચવાય તો માનવજાતી નાશ પામે. કારણ કે લોકો એકબીજાને મારી નાંખે કે દરેક જણ બીજાને લુંટી લે કે છેતરે. આવો સમાજ નાશ પામે, આથી સેક્યુલર એથીક્સમાં માનનારા ‘મોરાલીટી’નો આધાર માનવ સ્વભાવમાં જ મુકે છે – ઈશ્વરમાં નહીં.

આને આપણે ‘નેચરાલીસ્ટીક થીયરી’ કહી શકીએ છીએ. માનવ સમાજ ટકી રહ્યો છે; કારણ કે લઘુત્તમ નૈતીકતાના નીયમો તેના મગજમાં જ પ્રોગ્રામ્ડ છે. પરન્તુ સમાજમાં પણ મોરાલીટીના નીયમો હોય છે. એક જ પ્રજાતીના પશુઓ કે પંખીઓ ભાગ્યે જ એકબીજાને મારી નાખે છે. પોતાની ટેરીટરીમાં આવેલા પશુને તે મારી નાંખવાને બદલે  ભગાડી મુકે છે. માદા માટે લડતાં પશુઓ પણ એકબીજાને મારી નાંખતાં નથી. હારેલું પશુ નાસી જાય છે.

કૉસ્મીક જસ્ટીસ: ધાર્મીકો નૈતીકતાના આધાર માટે ભગવાનને ત્યાં ‘દેર છે પણ અંધેર નથી’ અથવા તો ‘બદલો ભલા–બુરાનો અહીંનો અહીં મળે છે’ તેમ કહી, દૈવી કે ઈશ્વરના ન્યાયનો સીદ્ધાંત મુકે છે. પરન્તુ માનવસમાજમાં બદલો ભલા–બુરાનો અહીંનો અહીં મળે છે તેવું સર્વદા જોવા મળતું નથી. વળી, ‘દયા ધરમકા મુલ હૈ, પાપ મુલ અભીમાન’માં પણ અભીમાનને (ભ્રષ્ટાચારને નહીં) પાપનાં મુળ તરીકે જોવાનું વીચીત્ર છે. અપ્રામાણીકને કે આતતાયીને, કોઈ ધર્મ પાપનાં મુળમાં જોતો નથી તે બેહુદું લાગે છે. વળી ધરમનાં મુળમાં દયા નહીં; પરન્તુ શ્રદ્ધા છે અને શ્રદ્ધાવાનોમાં બહુ ઓછા લોકો દયાળુ જોવા મળે છે. દરેક ધર્મ વ્યક્તીને બદલવાનું કહે છે. વ્યસનમુક્તી અને ઉપવાસ, મૌન, પુજા, ભજનની વાત કરે છે પરન્તુ સમાજને બદલવાની વાત કરતો નથી.

ગ્રીકો એમ માનતા હતા કે સદ્ ગુણો (વર્ચ્યુઅલ) જીવન સુખી જીવન છે અને દરેક વ્યક્તી સુખી જીવન ઈચ્છે છે. પરન્તુ સદ્ ગુણોવાળું જીવન સુખી જ હોય તેની કોઈ સાબીતી નથી. એમ. એન. રૉય એવું માનતા હતા કે માણસ રૅશનલ હોવાથી તે મોરલ (નૈતીક) છે. આ એક આધાર વીનાનું વીધાન છે. તેમાં  એમ. એન. રૉયનું વીશફુલ થીંકીંગ કામ કરે છે તેમ કહી શકાય. બટ્રાન્ડ રસેલ પુરા રૅશનાલીસ્ટ હતા; પરન્તુ વુમનાઈઝર હતા તેમ તેમની આત્મકથાના વાચનમાંથી ફલીત થાય છે.

અત્યારના જગતમાં ધર્મ આધારીત નૈતીક્તા ચાલી શકે તેમ નથી. કારણ કે ધર્મને નામે પારાવાર હીંસા થાય છે. ધર્મ નહીં પરન્તુ ધર્માંધતા તેને માટે જવાબદાર છે એવો જવાબ ધર્મના રક્ષકો આપે છે.

પરન્તુ તમારો ધર્મ એવો કેવો છે કે તેનાથી ધર્માંધતા ઉભી થાય છે ! તેનો જવાબ તેઓ આપી શકતા નથી. ધર્મ નહીં; પરન્તુ દરેક રાજકીય કે આર્થીક વીચારસરણી પણ જો બંધીયાર થઈ જાય તો તે ઈર્રૅશનલ અથવા હીંસક બની જાય છે ! (જેમ કે ફાસીઝમ, નાઝીઝમ, સામ્યવાદ, નીઓ ક્લાસીકલ, લીબરાલીઝમ કે બજારવાદ કે સર્વોદયવાદ અને ગાંધીની સંસ્થાઓમાં કેદ થઈ ગયેલો ગાંધીવાદ) ધર્મ કે ‘વાદ’ને બચાવવા વધુ હીંસા થાય છે. માનવજાત માટે અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે યુનીવર્સલ (સાર્વત્રીક) નૈતીક વર્તણુકનાં ધોરણો કેવી રીતે ઘડવાં અને સમગ્ર માનવજાત માટે નૈતીકતાના આધારરુપ સેક્યુલર (ધાર્મીક નહીં) એથીક્સની કેવી રીતે રચના કરવી.

-પ્રા. ધવલ મહેતા

તા.12 મે, 2010 ના ’ગુજરાત સમાચાર’ દૈનીકમાં પ્રકાશીત થયેલી લેખકની કટાર નવું વાચન–નવા વીચારમાંથી, લેખક અને ’ગુજરાત સમાચાર’ના સૌજન્યથી સાભાર..

●● લેખકસંપર્ક

પ્રા. ધવલ મહેતા

બી-13, કોણાર્ક કરીશ્મા એપાર્ટમેન્ટ, રેણુકા હૉલ સામે, વસ્ત્રાપુર, અમદાવાદ-15 ફોન નંબર: 079 2675 4549

ઈમેઈલ: dhawalanjali48@yahoo.com

લેખક પરીચય

વીદ્વતા જ જેનું વ્યક્તીત્વ છે તેવા સમન્વયકારી પ્રાધ્યાપક ધવલ મહેતાને વાંચવા અને સાંભળવા તો ઠીક; પણ સમજવા માટે એક વીશીષ્ટ દૃષ્ટી જોઈએ. તેમનું લેખન અને વક્તવ્ય એટલું આધારભુત હોય છે કે જેને પડકારવું લગભગ અશક્ય. પુરાવા વીનાની કોઈ વાત કદી લખે પણ નહીં અને બોલે પણ નહીં. આપણે એમને પ્રખર પંડીત કહી શકીએ. લેખક એમ. કોમ. ફર્સ્ટક્લાસ, એમ. એ. (ઈકોનોમીક્સ) અને એમ. બી. એ. (યુનીવર્સીટી ઓફ મીનેસોટા, યુ.એસ.એ.), પોસ્ટ ગ્રેજ્યુએટ આઈ.ટી.પી. (હાવર્ડ યુનીવર્સીટી) અમેરીકામાં ત્રણ વર્ષ અધ્યયન (જ્યોર્જ વૉશીંગ્ટન યુનીવર્સીટી અને હેમ્પટન યુનીવર્સીટી), વર્જીનીયા યુ. એસ. એ., મેથડ્ઝ એન્ડ પ્રોસીજર્સ એડવાઈઝર-શીકાગો-રીડ હોસ્પીટલ શીકાગો, એમ. એસ. યુનીવર્સીટીમાં કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં હેડ ઓફ ડીપાર્ટમેન્ટ, ડાયરેક્ટર અને પ્રૉફેસર બી. કે. સ્કુલ ઓફ બીઝનેસ મેનેજમેન્ટ, સીન્ડીકેટ મેમ્બર : બરોડા યુનીવર્સીટી ટીચર્સ એસોસીએશન અને ગુજરાત યુનીવર્સીટી ટીચર્સ એસોસીએશનના પ્રમુખ. જો તમે સંગીતરસીયા હો તો આ મહાવીદ્વાન પાસે પંકજ મલીકનાં જુનાં ગીતો સાંભળવાનો લાભ પણ લેવા જેવો છે. ધવલ મહેતા અને વીદુષી પત્ની અંજલીબહેન ખરેખરું રૅશનલ જીવન પુર્ણ સ્વસ્થ જીવન, સ્વતંત્રતા, સ્વસ્થતા અને સુવ્યવસ્થામાં જીવી રહ્યાં છે. એ દમ્પતીને આદર્શ રૅશનાલીસ્ટ દમ્પતી તરીકે જરુર આગળ કરી શકાય. તે આપણા માટે ગૌરવની વાત છે.

ગુલાબ ભેડા

(તારીખ ૧૨૧૩ જુન ૨૦૧૦ના દીનોમાં મુમ્બઈમાં મળેલા રૅશનાલીસ્ટ સમ્મેલનમાં વક્તાઓના પરીચય આપવામાં જ ઘણો સમય ન વપરાય અને બચેલો સમય વક્તાને સાંભળવાસમજવામાં જ વપરાય તે હેતુસર તૈયાર કરેલી અને સમ્મેલનમાં સૌને આગોતરી આપેલી પરીચય પુસ્તીકામાંથી..સાભાર

અક્ષરાંકન: ગોવીન્દ મારુ govindmaru@yahoo.co.in

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ http://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુ નવસારી

પોસ્ટ કર્યા તારીખ 20/08/2010

Read Full Post »

‘ઈશ્વર છે કે નહીં’ ને બદલે અન્ધશ્રદ્ધા પર પ્રહાર કરો

ઈશ્વરના અસ્તીત્વ વીશે ‘ગુજરાતમીત્ર’ના ચર્ચાપત્ર વીભાગમાં ખાસ્સી ચર્ચાઓ થાય છે. ચર્ચાપત્રોમાં ઈશ્વરવાદીઓ કરતાં નીરીશ્વરવાદીઓ વધુ આક્રમક હોવાનું પ્રતીત થાય છે. નીરીશ્વરવાદીઓની આક્રમકતા પાછળ એમનો રાજકીય પુર્વગ્રહ અને નીરાશા પણ છતાં થતાં દેખાય છે.  નીરીશ્વરવાદીઓએ સમજવું જોઈએ કે ઈશ્વર છે એવી શ્રદ્ધાને નીર્મુળ કરવાનું કામ ભગીરથ છે.  ઈશ્વર છે કે નથી એવી ચર્ચા કરવાને બદલે, અન્ધશ્રદ્ધા ઉપર પ્રહાર કરવાનું જ યોગ્ય બની રહેશે.

ધર્મ આજકાલ વ્યસન જેવો બની ગયો છે. તીર્થધામોમાં માણસો કીડીયારાની જેમ ઉભરાય છે. બાબાઓ અને બાપુઓ  લોકોની  અન્ધશ્રદ્ધા અને  ધર્મભાવનાનો ગેરલાભ ઉઠાવે છે. આ બાબાઓ અને બાપુઓ શબ્દોના જાદુગર છે. શાસ્ત્રોથી આગળ વધીને રોજીન્દા જીવનમાંથી પણ હૃદયસ્પર્શી ઉદાહરણો ટાંકીને બાબાઓ/ બાપુઓને  પોતાનું માર્કેટીંગ  કરતાં આવડે છે. સમાજ ઉપર પકડ ધરાવતા બુદ્ધીજીવીઓ, વીદ્વાનો અને સાહીત્યકારોને લાડ લડાવતાં અને ‘મોટા ભા’ કરતાં એમને સરસ આવડે છે અને ‘મોટા ભા’ બનવાનું તો કોને ના ગમે ?

શીરડી, તીરુપત્તી, કેદારનાથ અને બદ્રીનાથ જેવાં યાત્રાધામોમાં રોજ લાખો રુપીયાની આવક થાય છે. ભગવાનની મુર્તીને સોનાનો મુગટ ચઢાવવો, સોનાચાંદીનું સીંહાસન બનાવી આપવું, આ બધું સહજ બનતું જાય છે. આપણાં શહેરોનાં મંદીરોમાં રોજ અઢળક નાણું આવે છે. આ મંદીરો પાછા મફત ભીક્ષુકભોજન આપીને ભીખારીઓની વસ્તીવૃદ્ધીમાં અગત્યનું  પરીબળ  બની રહે છે. મંદીરોને થતી આવકની ફીક્સ્ડ ડીપોઝીટ રસીદ બનતી રહે છે અને ટ્રસ્ટીઓ પણ જલસા કરે છે. આ લોકો સમાજ માટે કાંઈ કરી છુટતા હોવાનો દંભ જરુર કરે છે; પરન્તુ તેમાંથી સમાજ માટે એક ટકો રકમ પણ વપરાતી નથી. શીરડી, તીરુપત્તી કે અજમેર જેવાં ધર્મસ્થાનોના ટ્રસ્ટીઓએ હૉસ્પીટલો ઉભી કરી હોય, ગરીબોને રોજી આપતા ગૃહોદ્યોગો શરુ કર્યા હોય, ગરીબોને પગભર થવા લોન આપી હોય કે ગરીબ વીદ્યાર્થીઓને મફત શીક્ષણ આપતી શીક્ષણસંસ્થાઓ શરુ કર્યાનું જાણ્યું નથી ! મંદીરો, દરગાહો, બાબાઓ અને બાપુઓ સમાજને નબળો પાડી રહ્યાં છે, સમાજનું શોષણ કરી રહ્યા છે, એમ કહેવામાં લગીરે અતીશયોક્તી નથી.

નીરીશ્વરવાદીઓએ ઈશ્વર છે કે નહીં એના વાદવીવાદમાં પડ્યા વીના ઈશ્વરના નામે થતા ગરીબો અને મધ્યમ વર્ગના શોષણ સામે સમાજને જાગ્રત કરવો જોઈએ. ધર્મસ્થાનોનું માહાત્મ્ય વધારવા થતા ધતીંગોનો વીરોધ થવો જોઈએ.

’ઈશ્વર નથી’ એ વાતનો સ્વીકાર કરાવવાના બળપુર્વકના પ્રયત્નો પણ સફળ થયા નથી. માણસની ઉપર કોઈ પરમતત્ત્વ છે એવી કલ્પનામાં (?) રાચવાનું મનુષ્યોને ગમે છે. ’ઈશ્વર નથી’ એવો સ્વીકાર થાય એવો દુરાગ્રહ કરવાને બદલે, સાદાઈથી ધર્માચરણ થાય એ માટે પ્રયત્નશીલ રહેવું જ ઠીક રહેશે.

-સુરેશ એસ. દેસાઈ

લેખકસમ્પર્ક:

સુરેશ એસ. દેસાઈ, તંત્રી, ‘પ્રીયમીત્ર’ સાપ્તાહીક, દેસાઈ એન્ડ દેસાઈ ઈન્વેસ્ટમેન્ટ, નવસારી હાઈસ્કુલ શોપીંગ સેન્ટર, દુધીયા તળાવ, નવસારી-396 445 સેલફોન: 9824375241

ઈ–મેઈલ: sdesai_priyamitra@yahoo.com

ગુજરાતમીત્રદૈનીક, સુરતના ચર્ચાપત્ર વીભાગમાં તા.8/08/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર ચર્ચાપત્રી અને ગુજરાત મીત્રના સૌજન્યથી સાભાર



Dear Friends,

‘Vanche Gujarat’ is not only a slogan but it has a institutionalized programme.

It is a campaign.

It is a mass movement to read and to make people read.

It is a ‘Jan Andolan’ to make people Read, Think and Develop.

WANT TO KNOW MORE ABOUT VANCHE GUJARAT ?

READ THE PROJECT DETAILS ATTACHED HEREWITH.

Commit and volunteer yourself for ‘Vanche Gujarat’.

Thanking you,

Mahadev Desai

President

Shri Sayaji Vaibhav Library, Navsari-396445

Mob. 98251 27130

Phone: (02637) 250330 Fax: (02637)  280330

E.mail: mrd_mdev428@yahoo.comsdcplin@yahoo.com

Web: http://www.sayajilibrary.org/


દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ http://govindmaru.wordpress.com/

અક્ષરાંકનગોવીન્દ મારુgovindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ12/08/2010


Read Full Post »

સમાજસુધારો–આંશીક અને સંપુર્ણ

–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’

ઉત્તર–દક્ષીણ ધ્રુવો જેવા બે સામસામા છેડાના લેખકો, એક કટ્ટર નાસ્તીક–રૅશનાલીસ્ટ અને બીજા આસ્તીક સમાજ–સુધારક સંત; પરંતું તેઓનાં આ બે પુસ્તકોમાં વ્યક્ત થયેલા વીચારોમાં આશ્ચર્યજનક સામ્ય છે!’ (સ્મૃતી આધારે, માત્ર ભાવાર્થ)

વર્ષો પુર્વેની આ ઘટના છેઃ મારું એક ચીંતનાત્મક પુસ્તક અને બીજું, તે એક પ્રખર સમાજ–સુધારક, લેખક સ્વામીજીનું પુસ્તક–આવાં બે પુસ્તકોનું અવલોકન કરતાં, એના સમીક્ષકે સંભવતઃ ‘નયામાર્ગ’ પાક્ષીકમાં ઉપર મુજબના મતલબની ટકોર કરી હતી, એ બરાબર યાદ છે. સમીક્ષકશ્રીનું નામ યાદ નથી એ બદલ ક્ષમાયાચના !

મારે તો અહીં, આમ અનાયાસ બનવાનું, એટલે કે બે સામસામા છેડાના વીચારકોના વીચારોમાં સામ્ય હોવાનું મુળ કારણ દર્શાવવું છે, યા ચર્ચવું છેઃ રેશનાલીઝમ એ માનવકલ્યાણની સંપુર્ણ વીચારધારા છે; જેની અપેક્ષાએ અન્ય એ જ પ્રકારના, એટલે કે આવા જ મંગલ ઉદ્દેશવાળા ચીંતન યા વીચારસરણીઓ અપુર્ણ ગણાય. રેશનાલીઝમ એટલે જ વીવેકબુદ્ધી, એમાં વીવેક એટલે, ‘સત્ય શું અને અસત્ય શું? શું હીતકારી અને શું નુકસાનકારી?’– એ નીરપેક્ષભાવે યથાર્થ નીશ્ચીત કરવાની માનસીક શક્તી–તર્કવીવેક, એને અંગ્રેજીમાં ‘રીઝન‘ કહેવાય છે. રેશનાલીઝમની વ્યાખ્યા પણ એમ જ કહે છેઃ ‘વીવેકબુદ્ધીવાદ એ એક એવો માનસીક અભીગમ છે, જે તર્કવીવેકની સર્વોપરીતાનો બીનશરતી સ્વીકાર કરે છે. રેશનાલીસ્ટના વીચાર–આચાર કોઈ ગુરુ કે ગ્રંથનું અવીચારી અનુકરણ કરતા નથી.‘

સમાજસુધારકો પણ ઈચ્છતા તો હોય છે, માનવકલ્યાણ જ; પરન્તુ માનવ–જાતના સમ્પુર્ણ, સર્વતોભદ્ર હીતો સચોટતાથી કેમ સીદ્ધ થાય – એ બાબતે તેમના વીચાર–ચીન્તન તથા કાર્યદીશા ખંડદર્શન આધારીત છે. અલબત્ત એમનો એવો અભીગમ તથા પુરુષાર્થ તો આવકાર્ય તેમ જ અભીનંદનીય જ લેખાય; પરન્તુ દુઃખદ હકીકત એ છે કે, એનાં ધાર્યાં પરીણામ સીદ્ધ થતાં નથી; જેનું કારણ એ જ કે એ અભીગમ–પુરુષાર્થ સમુળી(સમ્પુર્ણ) ક્રાંતી સીદ્ધ થવામાં ઘણે અંશે ઉણો ઉતરે છે. સંસ્કૃતમાં એક સુભાષીત છેઃ ‘મુલમ્ નાસ્તી; કુતઃ શાખા ?’ સમાજ–સુધારકો તથા એવા પ્રયાસો–પ્રવૃત્તી કરતી અન્ય વ્યક્તીઓ અનીષ્ટોનાં મુળને અકબંધ રાખીને, ફક્ત એવી – એટલે તેઓની દૃષ્ટીએ અનીષ્ટ જણાતી – ડાળીઓ કાપવામાં જ પ્રવૃત્ત રહે છે. દા.ત. આજનાં લગભગ તમામ સામાજીક અનીષ્ટોનાં મુળરુપે સંપ્રદાય, ધર્મ કે આધ્યાત્મવાદ(આત્મા–પરમાત્માનું અસ્તીત્વ સ્વીકારવું તે) રહેલ છે. વ્યક્તી–પીડા, શોષણ તથા અત્યાચારથી માંડીને ઘોર, ભયાવહ, લોહીયાળ આન્તરરાષ્ટ્રીય સમસ્યાઓ–સંઘર્ષનાં મુળમાં ધર્મભેદ જ છે, એ દીવા જેવું સ્પષ્ટતમ સત્ય છે. કેટલાક પુરાણા શબ્દો કે વીભાવનાની પકડમાં માણસ વીવીધ પરીબળોવશ એવો તો જકડાઈ જાય છે કે, પછી તે ઉલમાંથી ચુલમાં પડવા રાજી હોય છે; પરન્તુ સમ્પુર્ણ મુક્તીનો તો તે વીચાર સુધ્ધાં સહી શકતો નથી. પરીણામે વીવીધ પંથના લગભગ બધા જ સમાજસુધારકો માનવ ધર્મની તરફેણ કરશે; કીન્તુ એ દરખાસ્ત જ અસમ્ભવ છે. કારણ કે એવો ધર્મ, એની આચારસંહીતા, એના મુળભુત સીદ્ધાંતો આદી કોણ, કેવી રીતે નક્કી કરે અને સમગ્ર માનવજાત એ ક્યારે સ્વીકારે?

ખેર, આજે તો અત્રે મારે રૅશનાલીઝમની માનવજીવન પરત્વેની સર્વગ્રાહીતાની વાત કરવી છે. અર્થાત્ માનવસુખ તથા માનવહીતનો ભાગ્યે જ એવો કોઈ મુદ્દો હશે કે, જેના વીશે રૅશનાલીસ્ટ ચીન્તકોએ વીચાર ન કર્યો હોય કે આ કે તે નીર્ણય પ્રસ્તુત ના કર્યો હોય ! એના પુરાવા રુપે એક જુદા જ ક્ષેત્રના, મતલબ કે સાધુ પણ નહીં અને નાસ્તીક રૅશનાલીસ્ટ પણ નહીં; પરન્તુ માનવ–કરુણા પ્રેરીત વીચારક તથા સમાજસુધારકના સુધારાવાદી વીચારો દર્શાવતા કેટલાંક અવતરણો એમના પુસ્તકમાંથી જ અહીં ટાંકું. એ પુર્વે જ જણાવી લઉં કે, આ બધા જ વીચારો રૅશનાલીઝમને માન્ય છે, એટલું જ નહીં; અગાઉ આવાં તમામ સુચનો તર્કબદ્ધ રીતે રૅશનાલીસ્ટ વીચારકો પ્રસ્તુત કરી ગયા છે– ગુજરાતીમાં પણ…

(૧) ધર્મની બાબતમાં એક ક્રાન્તીકારી સુચન કરવાની ઈચ્છા થાય છેઃ ભારતના તમામ નાગરીકોને ધર્મ રાખવો કે ન રાખવો, તેની છુટ આપવામાં આવે….૧૫ વર્ષની ઉંમર પુરી થયા પછી વ્યક્તી પોતાનો ધર્મ નક્કી કરી શકે….એકેય ધર્મ ન અપનાવવો હોય તોય છુટ…! (પૃ.૧૪) (૨) વારસાઈના ઝઘડા ધાર્મીક સમ્પ્રદાયોમાંયે થાય છે…જાહેરમાં આવી જાય છે, અદાલતોમાંયે જાય છે. (ત્યારે) ધર્મની વાતો કરનારાઓનું, ત્યાગ–સેવાની વાત ઉપદેશનારાઓનું પોલ ખુલી જાય છે.(પૃ.૨૩) (૩) નાનાં બાળકોને સાધુ–બ્રહ્મચારી બનાવીને સાથે રાખવાં કે સાથે ફેરવવાં એને ધન્ય–ધન્યતા સમજાવવામાં આવી….જે લોકો સજાતીય સમ્બન્ધથી મુક્ત રહી શકે છે, તેઓ સ્વજાતીય એટલે કે હસ્તાદી દોષોમાં ફસાઈ જાય છે. કુદરતી આવેગો કોઈને પણ છોડતા નથી.(પૃ.૨૯) (૪) જીવન્ત ફુલોને તેમના છોડ પરથી તોડી–મરોડી વાપરવામાં સમ્વેદનશીલ વ્યક્તીને અરેરાટી થતી જોવા મળે છે.(પૃ.૩૪) (૫) ભગવાનની ફીકર કરવાનું એલાન આપવામાં આવશે..! રોટી–કપડાં–મકાન જેવી તુચ્છ વાતો ભુલો અને ભારતીય સંસ્કૃતીને યાદ કરો, એમ કહેવામાં આવશે. સામાન્ય માણસ મન્દીર–મસ્જીદના ઝઘડા કરાવનારાઓને જાકારો નહીં આપે ત્યાં સુધી પેટ ભરાવાનું નથી.(પૃ.૩૬) (૬) કેટલાંક ગુરુકુળો….‘અમારા ભારતમાં વેદોમાં બધું જ હતું, વીજ્ઞાને કોઈ નવું સંશોધન કર્યું નથી, તેવી ગુલબાંગો મારે છે’. ‘પુરાણું એ જ સાચું’– એ માન્યતા બંધીયાર માનસની નીશાની છે, તે જ રીતે, ‘જુનું બધું જ ફેંકી દેવાનું’– એ માન્યતા વીવેક વગરની છે.(પૃ.૫૦) (૭) બેસણાની પ્રથા અંગે પણ વીચારવા જેવું છે. સફેદ કપડાં પહેરીને આવ્યા, હાથ જોડ્યા, આ બેઠા ન બેઠા, ત્યાં મુંગે મોંએ હાથ જોડી પાછા ઉભા થયા, તેની પાછળ કેટકેટલા માનવકલાકો વેડફાય છે !(પૃ.૫૩) (૮) કુંડળીના આગ્રહીઓને ઉલ્લુ બનાવવા ખોટા જન્માક્ષર બનાવડાવવાના અને ગ્રહો ન મળતા હોય તો બ્રાહ્મણને દક્ષીણા આપી, વીધી કરાવી, ગ્રહોને શાન્ત કરાવવાનાં નાટકો પણ જોવા મળે છે…..બારેય માસ લગ્ન કરી શકાય તેવી સગવડ થવી જોઈએ.(પૃ.૫૭) (નોંધઃ યાદ કરો બચ્ચન કુટુંબની ગ્રહશાંતી..! ર.પા.). (૯) ઉંઝાજોડણી’ પરીષદે ઠરાવ્યા મુજબ એક જ ‘ઈ’ અને ‘ઉ’ રાખવાથી અને તે જોડણીને માન્યતા આપવાથી મુંઝવણ ટળી જશે અને ચીત્ત પરનો બોજ હઠી જશે.(પૃ.૭૬) (નોંધઃ ઉંઝા જોડણીને રેશનાલીસ્ટ જોડણી તરીકે સ્વીકારવામાં આવી છે.–ર.પા.) (૧૦) ધર્મના ઠેકેદારો સ્ત્રીઓની સમાનતાની ગતીમાં બ્રેક મારે છે, તેને આપણે સૌ વખોડીએ! (પૃ.૮૦) (૧૧) લગ્નનો મામલો બે પુખ્ત વયનાં છોકરા–છોકરી વચ્ચેનો છે એમાં વીશ્વ હીન્દુ પરીષદ કે જમાતે ઈસ્લામી તો શું, બન્નેનાં મા–બાપોને પણ વીરોધ કરવાનો કાયદેસર અધીકાર નથી.(પૃ.૮૦) (૧૨) માત્ર મુસ્લીમ છોકરાઓ હીન્દુ છોકરીઓને પરણે છે એવું નથી; હીન્દુ યુવાનો મુસ્લીમ છોકરીઓને પણ પરણે છે. સુધારક વીચારના……નાગરીકોએ આવાં મીશ્ર ધર્મનાં લગ્નોને પ્રોત્સાહન આપવું.(પૃ.૮૧–૮૨) (૧૩) જયાં વાડો, ખેતર કે પડતર જમીન હોય ત્યાં મડદાં દાટવાં….મડદાં પાછળ લાકડાં વેડફવાનું યોગ્ય નથી….તેની ઉપર વૃક્ષ પણ વાવી શકાય.(પૃ.૮૯) (નોંધઃ રેશનાલીસ્ટ ચીંતનક્ષેત્રે, આવા  ‘ભુમીસંસ્કાર’ની તરફેણ કરતી આખી એક પુસ્તીકા શ્રી વીનોદ વામજાએ પ્રગટ કરી છે, તેય દસેક વર્ષ પહેલાં ! ‘ભુમીસંસ્કાર’ પુસ્તીકાની પીડીએફ મેળવવા uttamgajjar@gmail.com ને લખજો..મોકલશે.–ર.પા.) (૧૪) કટ્ટર સામ્પ્રદાયીક મુસલમાનો હોય કે ધર્માન્તર કરાવવાના ઉત્સાહી ખ્રીસ્તીઓ હોય કે પોતાને ધર્મધુરન્ધરો માની….ઈતરધર્મીઓને નુકસાન કરવામાં મગરુરી સમજનારા હીન્દુ બાવા–જોગટા હોય, આપણે માટે એ તમામ અસ્વીકાર્ય હોવા ઘટે.(પૃ.૯૬) (૧૫) ભુખ્યા–બેકાર–અભણને કોઈ ધર્મ નથી. તેને ભણાવે, ખવડાવે, સાજે–માંદે તેની ફીકર જે કરે, તેનો ધર્મ તે એનો ધર્મ છે. કાયદાથી નહી, કરુણાથી ધર્મ ધારણ થાય છે…આજે તો મન્દીરોમાં કરોડો રુપીયા હીન્દુઓ અને જૈનો વેડફે છે.(બીજી બાજુ) સજીવ માનવમુર્તીઓ ટળવળે છે….શોષણમાં પાપ છે…..પડોશીને ભુખ્યા–અજ્ઞાની–બીમાર રાખવામાં પાપ છે, એ સમજાય અને આચરાય તો ધર્માન્તરણના પ્રશ્રો જ ઉભા થાય નહીં.(પૃ.૧૦૯)

જોયું ? ‘ફુલ ચુંટવા’થી માંડીને તે ‘ભુમીસંસ્કાર’ સુધીના; ‘ઉંઝાજોડણી’થી લઈને તે ‘આન્તરધર્મીય લગ્ન’ સુધીના આ વીચારો પુરા રૅશનલ છે, જે બે હકીકતો સીદ્ધ કરે છેઃ (૧) માનવકલ્યાણના તમામ ઈલાજો રૅશનાલીઝમને સ્વીકાર્ય હોઈ, રેશનાલીઝમ એટલે સર્વતોભદ્ર માનવતા. (૨) ઉપર્યુક્ત વીચારો ઉપરાન્ત જીવનની અનેક ઈતર સમસ્યાઓ પરત્વે પણ રૅશનાલીસ્ટો આવો જ તર્કપુત અભીગમ ધરાવે છે, જે સીદ્ધ કરે છે કે, રૅશનાલીઝમ એ સમ્પુર્ણ જીવનરીતી છે, જીવન કલા છે.

હવે સૌથી વધુ મહત્ત્વની; છતાં આજે છેલ્લે પ્રગટ કરાતી હકીકત તે એ કે, આ વીચારો પ્રખર ગાંધી–વીનોબાવાદી એવા સન્નીષ્ઠ વીચારક તેમ જ સેવાભાવી કર્મશીલ શ્રી જગદીશ શાહ (વીનોબા આશ્રમ, ગોત્રી, વડોદરા–390 021 – ફોન – 0265 -237 0489)ના છે, જે તેઓના હમણાં જ પ્રગટેલા સત્ત્વશીલ નીબન્ધસંગ્રહ ‘સમયના સથવારે’માં સંગ્રહીત છે. (પ્રકાશકઃ જીવન સાહીત્ય પ્રસાર કેન્દ્ર, વીનોબા આશ્રમ, ગોત્રી, વડોદરા – 390 021, પ્રથમ આવૃત્તી – જુન 2007, પૃષ્ઠ – 124, મુલ્ય: રુપીયા – 25)

‘ભુમીપુત્ર’ સામયીકના તંત્રી શ્રી જગદીશ શાહ ઉદારમતના એવા ખુબ જ ‘મઝાના’ પુરુષ છે, આ ‘મઝાના’ શબ્દ અનેક વ્યંગાર્થે સમજવા ! તેઓના આ પુસ્તકનો જ નહીં; તેઓનો વ્યક્તીગત સાથ–સથવારો પણ એક આનંદપર્વ બની રહે છે, એવો મારો જાત અનુભવ છે. તેઓને સાભીનંદન દીર્ધાયુની શુભેચ્છા !

(‘ગુજરાતમીત્ર દૈનીક’ તા. 21 જુલાઈ 2007ની લેખકની ‘રમણભ્રમણ’ કૉલમમાંથી શ્રી જગદીશ શાહના, લેખકશ્રીના અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર… -ગોવીન્દ મારુ)

સંપર્કઃ

પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’

401–નટરાજ એપાર્ટમેન્ટ, સરદાર બાગ, બારડોલી 394 601

Phone : 02622- 222 176

અક્ષરાંકનઃ સુનીલ શાહ sunilshah101@gmail.com

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા, જોતા રહો મારો બ્લોગ http://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને નીરાન્તે મમળાવવા મન થાય કે મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર એક મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુનવસારી

પોસ્ટ તારીખ 6/08/2010

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.

Join 878 other followers