‘સ્ત્રી શક્તીનો પરચો’ (આ લખનારની પોષ્ટ તા.૧૬/૦૧/૨૦૦૯) અન્વયે ‘સખી મંડળ’ નું આંદોલન સરાહનીય હોવા સાથે મીત્ર શ્રી અનીલભાઈ મીસ્ત્રી (નવસારી)ની ઉગ્ર રજુઆતને ધ્યાને લઈ હું મનોમંથન અને ચીંતન કર્યા પછી નીચે મુજબના તારણો પર આવ્યો છું:
મોટાભાગના રાજ્યોમાં દારુની છુટ છે- ત્યાંના પીઠા-બારમાં લોકો પોતાની પસંદગીનો અને જરુરીયાત મુજબનો ઉચ્ચ ગુણવત્તા વાળો દારુ આશાનીથી તેમજ વાજબી કીંમતે મેળવીને ચાખણું સાથે દારુની લીજ્જત લે છે. તે રાજ્યોમાં દારુ પી ને લથડીયા ખાતા લોકો ભાગ્યે જ જોવા મળે છે. તે રાજ્યોમાં અપવાદ સીવાય દારુ પીનારાઓના ઘર બરબાદ થતાં નથી કે દારૂબંધી માટે કોઈ આંદોલન થતા નથી. આનાથી વીપરીત ગુજરાતમાં અમીરો આરોગ્યના લાયસન્સના બહાને કે ચોરી-છુપીથી દારુની બોટલના રૂપીયા ૧૦૦/- થી રૂપીયા ૫૦૦/- ચુકવીને પણ મનોરંજન માણવા દારુ પીતા હોય છે. જ્યારે આખો દીવસ કોદાળી-પાવડાથી તનતોડ મહેનત કરનાર શ્રમીક પાસે શરીરનો થાક ઉતારવા માટે મનોરંજનના સાધનો નથી. અને સાધન હોય તો તે માણવાનો સમયના અભાવે તેઓ દારુબંધીને કારણે ઉપરોક્ત મોંઘો દારુ પી શકતા નથી.
ગંદી ગટર કે મેલું સફાઈ કરનાર સફાઈ કામદારને દુર્ગંધ દૂર કરવા કે જમવા-ઉંઘવાના ટાઈમે ગંદી ગટર-સંડાસનું ચીત્ર નજર સમક્ષ આવતું હોય તેઓ જમી કે ઉંઘી શક્તા નથી. જેને ભુલવા માટે જેવો મળે તેવો નવસાર, અખાદ્ય ગોળ, યુરીયા, બેટરીના સેલ વગેરે જીવલેણ દ્રાવણવાળો આરોગ્યને માટે હાનીકારક ગુણવત્તા વગરનો દારુ પીવાય છે. ‘દારુ ઢીંચવાવાળો ગમે ત્યાંથી અને જેવો હોય તેવો દારુ પીવાનો જ, અને પીવાય જ છે.’ – આ સીધ્ધાંતને ધ્યાનમાં રાખવો જરૂરી છે.
ગુજરાતમાં વધુ NRI હોવા છતાં દારુ બંધીને કારણે જ ગુજરાતનો પ્રવાસન વીભાગ વધુ વીકસીત થઈ શક્યો નથી. ભારતભરમાં ગુજરાત પાસે સૌથી લાંબો ૧૬૦૦ કી.મી. નો દરીયા કીનારો હોવા છતાં અને દરેક NRI પોતાની સાથે ફક્ત એક વીદેશી પ્રવાસીને સાથે લાવે તેવા પ્રયાસો થઈ શકે તેમ હોવા છતાં દારુબંધીને કારણે ગુજરાત પ્રવાસન કરતાં ગોવા પ્રવાસન ખુબ જ આગળ છે. દારુબંધીને કારણે ગુજરાત સરકાર કરોડોની આવક ગુમાવે છે. કારણ કે પકડાયેલ દારૂની બોટલો રોલર નીચે કચડી નાખેં છે. તેને બદલે આ દારૂનો જથ્થો અન્ય રાજ્યોમાં વેચીને થનાર કરોડો રૂપિયાની આવક દ્વારા ગરીબ પ્રજાના હીતકારી આયોજનો કરી શકાય છે.
ચાર્વાક ઋષીએ ‘ચાર્વાક સંહીંતા’ માં ફળના રસનો દારુ(આસવ)ના સેવનથી થતાં ફાયદાઓનું સુંદર વર્ણન કરીને ખુબ જ તંદુરસ્ત ચર્ચા કરી છે. દારૂના સેવનથી અખબારોમાં આવતા વૈજ્ઞાનીક તારણો મુજબ જો યોગ્ય માત્રામાં દવા તરીકે દારુ પીવાથી આરોગ્યમાં ફાયદા થાય છે. જેને ધ્યાનમાં રાખી સરકાર અસરકારક પ્રયત્નોથી પ્રજા સમક્ષ પોસ્ટરો, બેનરો, ચલચીત્રો કે અન્ય કાર્યક્ર્મો દ્વારા આરોગ્ય શીક્ષણ(Health Education) થકી દારુના લાભા-લાભ અંગેની વૈજ્ઞાનીક સમજ આપવાની જરૂર છે. દારુબંધી દુર કરવા ‘સખી મંડળે’ પોતાના આંદોલનનું સ્વરૂપ બદલીને ‘સખી મંડળ’ની બહેનો ઘરના સભ્યો સાથે Counseling તથા Picketing (સરકારી દારુના પીઠાઓ ઉપર મહાત્મા ગાંધીજીએ બહેનો પાસે પીકેટીંગ કરાવેલ) કરવાની જરૂર છે. જો ‘સખી મંડળ’ની બહેનો તેમ કરશે તો યુવાન બહેનોના સેંથાના સીંદુર નહીં ભુંસાય ! સંસાર ઉજડશે નહીં !! વૃધ્ધ માતા-પીતાનો સહારો છીનવાશે નહીં !!!
–ગોવીન્દ મારુ
Read Full Post »