Feeds:
Posts
Comments

  –મુરજીગડા

આપણે બધા બે પ્રકારની દુનીયામાં જીવીએ છીએ. પહેલી દુનીયા, જે આંખો સામે દેખાય છે તે બહારની દુનીયા છે. આપણા જીવન સાથે સંકળાયેલી બધી જ વ્યક્તીઓ, પ્રાણીઓ, વસ્તુઓ અને પ્રવૃત્તીઓ બધું જ આ બહારની દુનીયામાં સમાયેલું છે. એ નક્કર છે, વાસ્તવીક છે અને સત્ય છે. બધા માટે તે સરખી છે. એના નીયમો બધાને લાગુ પડે છે. એની સાથે આપણો ભુતકાળ, વર્તમાન અને ભવીષ્ય ત્રણેય સંકળાયેલા છે.

બીજી દુનીયા, આપણા મગજની અંદર ચાલી રહેલી અંગત દુનીયા છે. એ નક્કર નથી, દેખાતી નથી; કારણ કે તે બહુધા આભાસી છે. એમાં આપણી બધી અપેક્ષાઓ, આકાંક્ષાઓ, કલ્પનાઓ, માન્યતાઓ વગેરે આવેલી છે. એ થોડી વાસ્તવીક અને મોટે ભાગે શ્રદ્ધા, ગેરસમજ, માન્યતાઓ વગેરેથી ભરેલી છે. દરેકની પોતાની એ અંગત દુનીયા હોઈ, અમુક અંશે બીજાઓથી ભીન્ન હોય છે. એને કોઈ સર્વમાન્ય નીયમો કે કાયદાઓ લાગુ પડતા નથી. માનવજાતી સીવાય બીજા કોઈને આ દુનીયા મળેલી નથી. એ વર્તમાન કરતાં આપણા ભુતકાળ અને ભવીષ્ય સાથે વધારે સમ્બન્ધ ધરાવે છે.  જુદી હોવા છતાં આપણી આ બન્ને દુનીયા એક્બીજા સાથે ગાઢ પણે સંકળાયેલી છે.

પ્રાણીજગતની બધી જ પ્રવૃત્તીઓ કુદરતી અને સ્વયંસ્ફુરીત (instinctive) હોય છે. આ સ્વયંસ્ફુરીત ઉપરાન્તની જે પણ પ્રવૃત્તી માણસ કરે છે, તેમાંની મોટાભાગની પોતાની અંગત દુનીયાથી પ્રભાવીત અને પરીણામરુપ હોય છે. એ આપણું જબરદસ્ત પ્રેરકબળ છે.

કેટલાક લોકો બહારની દુનીયા કરતાં અંદરની દુનીયામાં વધુ જીવતા હોય છે. વૈજ્ઞાનીક, તત્ત્વજ્ઞાની, કળાકાર, ચીત્રકાર, લેખક, કવી વગેરે આ પ્રકારમાં આવેછે. તેમની પ્રવૃત્તી રચનાત્મક છે. પોતાની અંગત દુનીયાનો લાભ તેઓ પોતાના સર્જન દ્વારા બીજાઓને આપે છે. આપણે એમના ઋણી છીએ.

માનસીક સંતુલન ખોઈ બેઠેલા તેમ જ નશીલા પદાર્થોના બંધાણી વગેરે જેવા પણ પોતાની અંગત દુનીયામાં વધુ જીવતા હોય છે. તેમની પ્રવૃત્તી આંશીક રીતે ખંડનાત્મક છે. તેઓ આપણી સહાનુભુતીને પાત્ર છે.

આ બે અન્તીમ વર્ગો વચ્ચે એક  એવો મોટો વર્ગ છે જે પોતાની ખાસ એવી અંગત દુનીયાનો દોર કોઈ બીજાના હાથમાં સોંપીને બેઠો છે.  મોટા ભાગના લોકોની અંગત દુનીયાનો સૌથી વધુ ભાગ એમની ધાર્મીક માન્યતાઓનો હોય છે. એ મળેલો હોય છે એમના ધર્મગુરુઓ પાસેથી,  સમ્પર્કો પાસેથી, દંતકથાઓ દ્વારા અને છેલ્લાં થોડાં વર્ષોથી ટી. વી. જેવા પ્રસાર માધ્યમો દ્વારા.

દેશના ઘડવૈયાઓએ આપણને રાજકીય સ્વતન્ત્રતા મેળવી આપી. એની સાથે નાગરીક હક્કો અને વાણીસ્વાતન્ત્ર્ય પણ આપમેળે આવી ગયાં. કમનસીબે વીચારોનું સ્વાતન્ત્ર્ય ખાસ ક્યાંય દેખાતું નથી. એ આપણને કોઈ મેળવી આપવાનું નથી. આપણે જાતે એ મેળવવાનું છે. વૈચારીક સ્વાતન્ત્ર્યનો અભાવ ટોળાશાહી અને ગાડરીયા પ્રવાહમાં પરીણમી અનર્થકારી પરીણામો લાવે છે.

મહત્ત્વાકાંક્ષી લોકો પોતાની અંગત મહત્ત્વાકાંક્ષા સંતોષવા લોકોના આવા વૈચારીક પરાવલમ્બનને લીધે સર્જાતી ટોળાશાહીનો પુરો લાભ ઉઠાવે છે.  બની બેઠેલા ધર્મગુરુઓ આમાં અગ્રસ્થાને છે.  સત્તા અને સમ્પત્તીના વધારે પડતા લોભને લીધે જેટલો વીનાશ સર્જાયો છે એટલો  જ વીનાશ ધાર્માન્ધતાને લીધે પણ થયો છે.  ધર્મ અને જાતીવાદને નામે જેટલાં યુદ્ધ અને જાનહાની થઈ છે એટલી કદાચ બીજાં કોઈ કારણસર નહીં થઈ હોય.

ચુસ્ત ધાર્મીક માન્યતાઓએ કટ્ટરપંથીઓ પેદા કરી આતંકવાદને  જન્મ આપ્યો છે.  આત્મઘાતી હુમલા હોય,  પુર્વયોજીત કાવતરાં હોય કે પછી સ્થાનીક ઘટના દેશવ્યાપી બની ગઈ હોય,  એ આચરનારા બીજા કોઈના દોરવાયા હોય છે,  જેનો ભોગ નીર્દોષ લોકો બને છે.  આવી ઘટનાઓ પાછળ ધાર્મીક, રાજકીય અને સામાજીક નેતાઓનો ફાળો હોય છે. તેમ જ એની પાછળ અનુયાયીઓની ટોળાશાહી વીચારસરણી પણ એટલી  જ જવાબદાર છે.

લોકટોળાની વીચારસરણી પર અંકુશ મેળવવાની પ્રવૃત્તી ઘણી સંસ્થાઓમાં ચાલે છે.  એમના અનુયાયીઓની બાહ્ય તેમ જ અંગત એમ બન્ને દુનીયાનું સંચાલન સંસ્થાની નેતાગીરી દ્વારા થતું હોય છે. એ સંચાલકોના કહેવાનો સાર એવો હોય છે કે, ‘જાણવા અને સમજવા જેવું અમે બધું કરી લીધું છે.  તમને વીચારવાની કઈ જરુર નથી.  માત્ર અમારા ચીંધ્યા માર્ગે ચાલો તો તમારું કલ્યાણ થઈ જશે વગેરે વગેરે’. પરીણામે એમના  ભક્તગણમાં વૈચારીક સ્વતન્ત્રતાનો સદન્તર અભાવ આવી જાયછે અને ટોળાશાહી વર્તણુક શરુ થાય છે.

એમને ક્યારેક એમ પણ કહેવામાં આવે છે કે,  ‘જે દેખાય છે તે  (બહારની દુનીયા)  બધું ભ્રમ અને માયા છે અને જે દેખાતું નથી તે સત્ય છે.  જીવનનો સાર આ અદૃશ્ય સત્યને પામવાનો છે’ વગેરે.  પરાવલમ્બી અને અન્ધશ્રદ્ધાળુ વીચારસરણી ધરાવતો આવો કમનસીબ ભક્તગણ છે જે બહારની વાસ્તવીક દુનીયા કરતાં અંદરની દુનીયામાં વધુ જીવે છે.

કહેવાતા ધર્મગુરુની દોરવણીથી,  આવતા જન્મના લાભાર્થે સેંકડો લોકોએ સામુહીક આત્મહત્યા કરી હોય એવો દાખલો થોડા દાયકાઓ પહેલા વીદેશમાં નોંધાયો હતો.  અંગત લાભ માટે પશુબલી અને ક્યારેક તો બાળ–નરબલી, ચઢાવવાના દાખલાઓ પણ અવારનવાર આપણા છાપામાં ચમકે છે.  આવા બનાવ કોઈ ચોક્કસ ધર્મ,  જાતી કે સમ્પ્રદાય પુરતા મર્યાદીત નથી; બલકે એક યા બીજા સ્વરુપે અન્ધશ્રદ્ધાળુ અને અજ્ઞાની લોકોમાં તે બધે  જ દેખાય છે.

કાપેલું કોળું,  મંત્રેલાં લીંબુ–મરચાં કે ઝાડુ–માટલાંનો ‘ઉતાર’ ચોકમાં મુકી આવવાની પ્રચલીત પ્રવૃત્તી દેખીતી રીતે ભલે હીંસક ન હોય; પણ એની પાછળની ભાવના તો એટલી જ હીન છે.  પોતાની મુસીબતો બીજાને પધરાવવાથી ઓછી થઈ શકે એ માન્યતા  જ હીંસાનું એક સ્વરુપ છે.

અહીંસામાં માનનારા ભલે એવું ન કરે પણ પોતાની અહીંસાની સમજને એટલી સુક્ષ્મ સ્તરે લઈ ગયા હોઈએ તો આપણા લીધે બીજાનું કોઈ  પણ જાતનું અહીત થાય એ સાચા અહીંસાવાદી માટે મોટું અપકૃત્ય  (પાપ) ગણાય.

આપણી બહારની દુનીયાનું સંચાલન તો રાજકીય તથા સામાજીક નેતાઓ કરવાના જ છે.  દેશ અને સમાજના શાન્તીપુર્ણ સંચાલન માટે તે જરુરી છે.  જ્યારે આપણી અંદરની દુનીયા આપણી પોતાની છે.  એનું સંચાલન કેટલી હદે બીજાઓને કરવા દેવું એ આપણા હાથમાં છે.  આપણે જો વીચારોની સ્વતન્ત્રતા નહીં કેળવીએ તો બીજાઓ અવશ્ય એનો લાભ ઉઠાવશે.  ભલે એ કોઈ નેતા હોય,  ધર્મગુરુ હોય કે પછી આપખુદ સગા–સમ્બન્ધી હોય.  સામાન્ય રીતે ‘સારા’ કહેવાતા લોકોને પણ બીજાઓ પર પોતાનો અંકુશ રાખવો ગમતો હોય છે.  સ્વતન્ત્ર વીચારસરણી આવા લોકોનું આપણા પરનુ વર્ચસ્વ ઘટાડે છે.

જ્યાં સુધી સ્વતન્ત્ર વીચારસરણી ન કેળવાય ત્યાં સુધી સાચા અર્થમાં સ્વતન્ત્ર થયા એમ ન કહેવાઈએ.  વીચારોની સ્વતન્ત્રતા કેળવવી અઘરી છે.  જે પણ થોડા લોકો એ કરી શક્યા છે એમાંથી મોટા ભાગના એના બીજા પાસામાં ઉણા ઉતરે છે. એ બીજું પાસું છે બીજાઓની સ્વતન્ત્રતાનો પણ મોકળા મને સ્વીકાર કરવાનો. સ્વતન્ત્ર વીચારસરણીવાળા ઘણા લોકો આપખુદ થઈ જાય છે.  એમની આસપાસના લોકોની સ્વતન્ત્ર વીચારસરણી એમને ગમતી નથી.

આવી ઘણી બાબતોમાં પશ્ચીમી સંસ્કૃતીના લોકો આપણા કરતાં વધુ મુક્ત છે.  આટલું ધ્યાનમાં રાખીએ તો જાણ્યા–સમજ્યા વીના એમની ટીકા કરવાની આપણી અધીરાઈ થોડીક કાબુમાં રહે.

આપણી અંગત દુનીયાના આસન પરથી બધાને હટાવીને આપણા પોતાના અંતરાત્માને બેસાડીએ એમાં  જ આપણુ ભલું છે.  બીજા બધા આપણા માર્ગદર્શક,  હીતેચ્છુ,  પુરક વગેરે હોઈ શકે; માલીક તો આપણે પોતે  જ રહેવાનું છે.

–મુરજી ગડા

લેખક સમ્પર્ક:

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન: 972 679 9009 ઈ–મેલ: mggada@gmail.com

કચ્છી જૈન સમાજ,અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2013ના એપ્રીલ માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ http://govindmaru.wordpress.com/વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 ♦ ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો,પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે,મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે,આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 25/07/2014

ખુશ ખબર

છેલ્લાં છ વરસથી રૅશનલ વીચારોને પ્રસારવા મથતા મારા બ્લોગ ‘અભીવ્યક્તી’માં, જે લેખકના પચાસ લેખો મુકાયા હોય તેવા લેખકોના 25–25 લેખોની ઈ.બુક પ્રકાશીત કરવાનું નક્કી કર્યું છે. તે મુજબ પ્રા. રમણ પાઠક(વાચસ્પતી)ના 25 લેખોની પ્રથમ ‘ઈ.બુક’ તૈયાર કરી ને આજરોજ (તારીખ 18 જુન, 2014) પાઠકસાહેબના નીવાસસ્થાને બારડોલી અમે ગયા હતા. ત્યાં પ્રા. રમણભાઈની અમેરીકાનીવાસી દીકરી શર્વરીબહેન દેસાઈ, અન્ય મીત્રો અને આ લખનારની ઉપસ્થીતીમાં પ્રા. રમણ પાઠકના હસ્તે ઈ.બુક01નું લોકાર્પણ થયું હતું.

હવે પછીની બીજી ઈ.બુક લેખક શ્રી. દીનેશ પાંચાલના લેખોની અને ત્રીજી ઈ.બુક લેખક શ્રી. મુરજી ગડાના લેખોની બનશે.

‘અભીવ્યક્તી’ બ્લોગના મથાળે ઈ.બુક વીભાગમાં આ ઈ.બુક તેમ જ હવે પછી પ્રકાશીત થનારી ઈ.બુક્સ પણ મુકવામાં આવશે. આ ઈ.બુક વીભાગ (http://govindmaru.wordpress.com/e-books/)માંથી ઈ.બુક ડાઉનલોડકરવા વીનન્તી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને લખશે તો હું તે વાચકમીત્રને ઈ.બુક મોકલીશ.

ધન્યવાદ..

ગોવીંદ મારુ

લો, હવે વાંચો આજની પોસ્ટ શ્રી. રોહીત શાહનો લેખ ‘ગુરુપુર્ણીમા એટલે ? ગુરુની ભક્તી નહીં; પણ તેની કસોટી કરવાનું પર્વ લેખ માણી, મમળાવી, નીચે કૉમેન્ટ મુકવાનું ચુકશો નહીં. આભાર….

 ‘ગુરુપુર્ણીમા એટલે ? 

ગુરુની ભક્તી નહીં; પણ તેની કસોટી કરવાનું પર્વ’

રોહીત શાહ

ગયા વર્ષે ગુરુપુર્ણીમાના પર્વપ્રસંગે મેં એક લેખ લખ્યો હતો, એનું શીર્ષક હતું: ‘ગુરુપુર્ણીમા ગુરુની પુજા કરવા માટેનો દીવસ નથી; એ તો ગુરુની પરીક્ષા કરવા માટેનો દીવસ છે.’

આજે એ જ અનુસન્ધાનમાં આગળ વધવાનો ઈરાદો છે. ગુરુ એટલે સૌથી આદરપાત્ર વ્યક્તી. ગુરુ એટલે હૈયાના ઉમળકાપુર્વક ભક્તી કરવા યોગ્ય પાત્ર. આદર અને ભક્તી બન્ને અનલીમીટેડ કમ્પનીઓ જેવાં છે. કોઈક એક જ ફીક્સ દીવસે જ અને કોઈ એક જ ફીક્સ ટ્રેડીશન પ્રમાણે ભક્તી અને આદર વ્યક્ત કરી દેવાનાં ન હોય. ગુરુને જોઈને તેમના ગંધાતા પગમાં આળોટવા મંડી પડવું એ કાંઈ ગુરુભક્તી નથી. ગુરુને જોતાં જ આપણા ચહેરા પર કૃતજ્ઞતા છલકાય અને આંખો આદરભાવનો અભીષેક કરવા લાગે એ સાચી ગુરુભક્તી છે. બીજા લોકો ગુરુભક્તી કરે છે એટલે મારે પણ કરવી જોઈએ એમ સમજીને અથવા ગુરુજી સ્વયમ્ આગ્રહ કરે છે માટે હું તેમની સેવા–પુજા–ભક્તી કરું એમ નથી સોચવાનું. એમાં તો દમ્ભ, ભય, લાલચ, પ્રદર્શનવૃત્તી, ગુપ્ત અહંકાર ઘણું બધું પ્રવેશી જશે. શુદ્ધ ભક્તી અને સાચો આદર બહાર રહી જશે અને ગુરુભક્તીનાં ધતીંગોનો વીકૃત સેલાબ આવશે !

ગુરુની પરીક્ષા કરો 

ગુરુની ભક્તી માત્ર ગુરુપુર્ણીમાના એક જ દીવસ માટે કરીએ તો આપણે અધુરા–વામણા ગણાઈએ. ગુરુભક્તી તો સતત, નીરન્તર કરવાની હોય. આજનું પર્વ તો ગુરુની પરીક્ષા કરવાનું પર્વ છે. જે ગુરુની આપણે હવે પછી લાઈફટાઈમ સેવાભક્તી કરવા ઉત્સાહી–હરખપદુડા છીએ, તે ગુરુ આપણી સેવાભક્તી માટે સુપાત્ર છે કે નહીં; કાબીલ છે કે નહીં એ ચકાસવાનું પર્વ એટલે ગુરુપુર્ણીમા. ઘરકામ માટે એક નોકર રાખીએ તોય તેની ટેસ્ટ લઈએ છીએ. કોઈ બીમારીનો ઈલાજ કરવામાં ડૉક્ટર નીષ્ફળજાય તો તરત આપણે બીજા ડૉક્ટરની પાસે જઈને તેની ટ્રીટમેન્ટ લઈએ છીએ. સોનું ખરીદતી વખતે કોઈ શાણો માણસ જરાય બેદરકારી ન રાખે. હૉલમાર્કનો સીક્કો હોય તોય પોતે છેતરાઈ તો નથી રહ્યોને, એની ચકાસણી કરે છે. યસ, ગુરુપુર્ણીમા એટલે ગુરુની ભક્તી કરવાનું નહીં, તેમની કસોટી કરવાનું પર્વ ! હવે તમે આ સત્ય સમજીગયા હશો.

જો તમને કોઈ પાખંડી ગુરુ ભેટી ગયો હશે તો તે તમને બીવડાવશે, નરકનો ભય બતાવીને પોતાનાં નેત્રો લાલઘુમ કરીને કહેશે : ‘મુર્ખ ! તું ગુરુની પરીક્ષા કરવા નીકળ્યો છે ? તારી ઓકાત શી છે ? ગુરુની કસોટી કરવા જઈશ તો રૌરવ નરકમાંય તને જગ્યા નહીં મળે ! તું મહાપાપી પુરવાર થઈ જઈશ.’

મુની કે મુનીમ ?

આવી ધમકી કે ભય આપે તેવા ગુરુના નામ પર ચોકડી મુકી દેવાની. ગુરુનું કામ જ્ઞાન આપવાનું છે, ધમકી આપવાનું નથી. ગુરુનું કામ માર્ગ બતાવવાનું છે, ભય પમાડવાનું નથી. સાચો ગુરુ તો તે છે જે આપણને ભયમુક્ત કરે, નીર્ભય અને નીર્દંભ બનાવે. જે ગુરુ પોતાના નામે કે ગુરુના નામે ટ્રસ્ટો ચલાવીને બારે મહીના ફંડફાળા ઉઘરાવ્યા કરતો હોય તે તો મુની નથી; મુનીમ છે. ગુરુ તે નથી, જે ચપટીઓ વગાડીને ફાલતુ આજ્ઞાઓ કરતો હોય અને શીષ્ય તે નથી, જે ગુરુની વાહીયાત આજ્ઞાઓને માથે ચઢાવ્યા કરતો હોય. ફંડફાળા કરનારા અને ફાલતુ આજ્ઞાઓ કરનારા ગુરુથી સાવધ રહેવું જોઈએ. લાંબો–મોટો પલાંઠો લગાવીને ઉંચા આસને ગોઠવાઈ જાય અને પોતાની નવ અંગે પુજા કરાવે, કીમતી ભેટ સોગાદો સ્વીકારે, વધારે કીમતી ભેટ આપનાર ભક્તને વધારે વહાલ કરે અને મોં પર કડવું સત્ય ઉચ્ચારનારને આઘો રાખે તેવા ગુરુથી તો આપણે સ્વયમ્ જ આઘા રહેવું જોઈએ. એમાં જ આપણી સેફ્ટી છે.

ગુરુ દ્રોણથી નફરત

જ્યારે–જ્યારે ગુરુની વાત નીકળે છે ત્યારે–ત્યારે મને ગુરુ દ્રોણ યાદ આવે છે. ગુરુદ્રોણનું ચીત્ર જોઈનેય મારું તો લોહી ઉકળી ઉઠે છે. એકલવ્ય રાજકુમાર નહોતો એટલે તેને ધનુર્વીદ્યા શીખવાડવાની ના પાડનાર ગુરુ દ્રોણને પછીથી ખબર પડે છે કે આ એકલવ્ય તો મારા પ્રીય શીષ્ય અર્જુનના સામર્થ્યને ઓવરટેક કરી શકે તેવો સમર્થ છે, ત્યારે તેના જમણા હાથનો અંગુઠો ગુરુદક્ષીણા રુપે માગી લઈને તેની સાથે ઘોર અન્યાય અને અત્યાચાર કર્યો હતો. અર્જુન તેમને એટલા માટે પ્રીય હતો કે તે રાજકુમાર હોવા ઉપરાન્ત આજ્ઞાકારી અને નીશાનબાજ હતો. હોશીયાર અને સમર્થ શીષ્ય પ્રત્યે પક્ષપાત કરે તે સાચો ગુરુ નથી. નબળા અને ગરીબ શીષ્ય પ્રત્યે વહાલ વહાવે, સમભાવ રાખે તે સાચો ગુરુ હોઈ શકે છે.

કૌરવો–પાંડવોની વચ્ચે જુગાર ખેલાયો, દ્રૌપદીને દાવ પર મુકવામાં આવી અને દુ:શાસન દ્વારા દ્રૌપદીનું ચીરહરણ થયું એ સમગ્ર ઘટનાક્રમ વખતે ગુરુ દ્રોણ સભામાં ઉપસ્થીત હતા છતાં; તેમણે કોઈને રોક્યા–ટોક્યા નહીં. કાયરતાભર્યું મૌન સેવીને બેસી રહ્યા. આવા સ્વાર્થી અને કાયર ગુરુઓ હોય તોય શું અને ન હોય તોય શું?  મીંઢા અને લુચ્ચા, લાલચુ અને ડરપોક ગુરુથી દુર રહે તે સાચો ગુરુભક્ત છે.

ગુરુદ્રોણે એકલવ્યનો અંગુઠો દક્ષીણામાં માગી લઈને એકલવ્યને સામર્થ્યહીન કરી દીધો તથા દ્રૌપદીની લાજ લુંટાતી જોઈનેય પોતે મૌન રહ્યા આ બે બાબતો માટે તેમને કદી માફ ન કરી શકાય. આમેય શીષ્ય ભુલ કરે તો માફ કરી શકાય (કારણ કે તે અજ્ઞાની છે); કીન્તુ ગુરુ કોઈ ગુસ્તાખી કરે તો તેને માફ ન કરી શકાય (કારણકે તે તો જ્ઞાની છે, જાણકાર છે).

શીષ્ય ભોળાભાવે ગુરુ માટે ગીફ્ટ લાવે તો તેને માફ કરી દેવાય; પણ ગુરુએ તેને કહેવું જોઈએ કે હું આ બધું ત્યાગીને સંયમને માર્ગે ચાલી રહ્યો છું. તું મને કોઈ પણ ગીફ્ટ આપે તો તને દોષ (પાપ) લાગે. ભક્ત તરફથી મળતી ગીફ્ટ વખતે ભક્તને આવી ચેતવણી આપીને, કોઈ પણ સંજોગોમાં ગીફ્ટનો અસ્વીકાર કરનારા ગુરુઓ કેટલા ?

ગુરુઓ કાયર બનીને કેમ બેઠા છે ?

દ્રૌપદીના વસ્ત્રહરણ પ્રસંગે કૃપાચાર્ય, દ્રોણાચાર્ય જેવા ગુરુઓ કાયર બની રહ્યા હતા. આજે પણ હજારો ગૅન્ગ–રેપની ઘટનાઓ સામે હજારો ગુરુઓ કાયર બની બેઠા છે. ત્યાગી–સંયમી, કહેવાતા મહાત્માઓ વગેરેને માથે નોકરી–વ્યવસાયની કે ફૅમીલીની કોઈ જવાબદારીનું બર્ડન તો હોતું નથી ! એવા લોકો દુરાચારીઓને સજા કરાવવા કેમ મેદાનમાં ઉતરતા નથી ? શ્રેષ્ઠ ગોચરી અને છપ્પનભોગ આરોગનારા ગુરુઓ સરકાર સામે ભુખહડતાળ કરે, મરણાંત અનશન કરે તો અન્યાય–અત્યાચારના ટાંટીયા ઢીલા પડે જ.

ઉંચા આસને બેસીને ભક્તોને વાહીયાત ઉપદેશો આપવા,પોથી–વૈકુંઠનાં અવાસ્તવીક ખ્વાબો બતાવવાં, ફંડફાળા ઉઘરાવવા – આ બધાં કામ સહેલાં છે અને અર્થહીન પણ છે. જે ગુરુઓ આવાં કાર્યો કરતાં ફરે છે તે ગુરુઓ સ્વયમ્ નરકના અધીકારી બનશે એવી ખુલ્લી ચેતવણી આપણે અવશ્ય આપી શકીએ.

ચમત્કારો કરીને વહેમો ફેલાવવાનો કારોબાર કરતાં ગુરુઓથી વેગળા રહેવું એ અધ્યાત્મનો સાચો માર્ગ છે. આટલું નાનકડું સત્ય ગુરુપુર્ણીમાના પર્વપ્રસંગે પ્રત્યેક આત્માર્થીએ આત્મસાત્કરવું જોઈએ.

રોહીત શાહ

મુમ્બઈના સાંધ્ય–દૈનીક ‘મીડડે’ (12 જુલાઈ, 2013ની આવૃત્તી)માં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર મન્ડે-મંથનમાંથી.. લેખકશ્રીના અને ‘મીડ–ડે’ ના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક: શ્રી. રોહીત શાહ, ‘અનેકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન: (079) 2747 3207 મેઈલ: rohitshah.writer@gmail.com

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તીબ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ http://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 18/07/2014

–નાથુભાઈ ડોડીયા

અન્ધશ્રદ્ધા બે શબ્દોનો સમુહ છે. અન્ધ + શ્રદ્ધા. શ્રદ્ધાનો અર્થ શ્રત્ + ધા = શ્રદ્ધા એટલે કે સત્યનું ધારણ કરવું. આ ‘શ્રદ્ધા’ શબ્દનો સાચો યૌગીક અર્થ છે. પરન્તુ વ્યવહારમાં મોટાભાગના લોકો પોતપોતાની ‘સામ્પ્રદાયીક માન્યતાનો સ્વીકાર કરી તેના ઉપર વીશ્વાસ રાખવો’ એવો કરે છે. આ સામ્પ્રદાયીક માન્યતાઓ હમ્મેશાં સો ટકા સાચી નથી હોતી. તેમાં સત્ય અને અસત્યનું મીશ્રણ હોય છે તથા સત્ય કરતાં અસત્યનું પ્રમાણ વીશેષ હોય છે. આ સામ્પ્રદાયીક માન્યતાઓને તર્ક, શાસ્ત્રપ્રમાણ અને વીજ્ઞાનની કસોટી પર ચકાસણી કરવાનો ભાગ્યે જ કોઈ પ્રયત્ન કરે છે. આ કહેવાતા ધર્માચાર્યોએ તેમના અનુયાયીઓના મનમાં એવું ઠસાવી દીધું છે કે ધર્મમાં અક્કલની દખલ કરવી નહીં. અન્ધનો અર્થ આંધળી કે સમજ વગરની થાય છે. એટલે ટુંકમાં, અન્ધશ્રદ્ધાનો અર્થ ‘આંધળી અને સમજ વગર’ની માન્યતાઓ થાય છે.

માન્યતા અને જાણકારીને ઘનીષ્ઠ સમ્બન્ધ છે. જાણકારીને આધારે જ માન્યતા ઉદ્ ભવે છે. આ જાણકારી–જ્ઞાન આપણને ત્રણ રીતે પ્રાપ્ત થાય છે. (૧) ગુરુનો ઉપદેશ (૨) શાસ્ત્રોનો સ્વાધ્યાય અને (૩) આપણો કે બીજી પરીચીત વ્યક્તીનો અનુભવ. આ યથાર્થ જ્ઞાનની જાણકારી મેળવી તેની ઉપર વીવેકબુદ્ધીથી ઉંડાણપુર્વકનું ચીન્તન–મનન કરવું જોઈએ. પરન્તુ મનુષ્ય અલ્પજ્ઞ છે. તે હમ્મેશાં સમ્પુર્ણ સત્યજ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતો. કેટલીક વાર કહેવાતા ધર્માચાર્યો પોતાના અનુયાયીઓને પોત–પોતાની સામ્પ્રદાયીક માન્યતાઓમાં જકડી રાખવા સત્ય જ્ઞાનથી વંચીત રાખે છે.

શાસ્ત્રઅધ્યયન, તર્ક અને વૈજ્ઞાનીક અભીગમ સત્ય શોધવામાં હમ્મેશાં મદદરુપ થાય છે. એને આધારે આપણે જે જાણકારી પ્રાપ્ત કરી છે તે સાચી છે કે ખોટી તે આપણે જાણી–સમજી શકીએ છીએ. ખરેખર સાચી જાણકારી જ સત્ય જ્ઞાન છે અને બીજું અજ્ઞાન છે. અ–જ્ઞાનનો અર્થ ફક્ત જ્ઞાનનો અભાવ જ નથી; પરન્તુ તેમાં અસત્ય જ્ઞાન–જાણકારીનો પણ સમાવેશ થાય છે.

સાચી જાણકારી અને ખોટી જાણકારી બન્ને માન્યતાઓને ઉત્પન્ન કરે છે. આપણે એમ માનીએ છીએ કે આપણે જે કાંઈ જાણીએ છીએ તે બધું જ સત્ય છે. કોઈપણ વ્યક્તી જાણી જોઈને અસત્ય જ્ઞાન–જાણકારી સ્વીકારતો નથી; પરન્તુ તે પોતાની પાસે ઉપલબ્ધ જ્ઞાન–જાણકારીને સતત સુધારે છે, અદ્યતન કરે છે. આમ છતાં કેટલાંય એવાં કારણો છે કે જેને આધારે આપણે ખોટી જાણકારી પ્રાપ્ત કરીએ છીએ. કેટલીક વાર તો આપણે જાણી કે સમજી શકીએ છીએ કે આપણી પાસે જે જાણકારી છે તે સત્યથી વેગળી છે, ખોટી છે.

આવી ખોટી જાણકારી – અજ્ઞાન એ જ અન્ધશ્રદ્ધા છે. અન્ધશ્રદ્ધા હમ્મેશાં તદ્દન ખોટી એટલે કે સો એ સો ટકા ખોટી હોતી નથી. અન્ધશ્રદ્ધાના પાયામાં કંઈક સત્યના અંકુર તો હોય જ છે અને તેના આધારે જ તેનો વીકાસ થાય છે અને પછી સ્થીર થાય છે. આ પછી એને આધારે અન્ધશ્રદ્ધાનો ગઢ ચણાય છે. પછી ભલે આ ગઢ નબળો હોય. આ અન્ધશ્રદ્ધાનો ગઢ તર્ક, શાસ્ત્રપ્રમાણ અને વૈજ્ઞાનીક અભીગમના પ્રહારો સહન કરવા સક્ષમ પણ નથી હોતો.

માનવજીવનનો મુખ્ય હેતુ સત્યને હાંસલ કરવાનો છે અને એ પણ સો ટકા સત્ય, કોઈ પણ પ્રકારની ભેળસેળ વગરનું સત્ય. આપણી બધી શીક્ષણ અને ધાર્મીક સંસ્થાઓનો અન્તીમ ધ્યેય સત્ય પ્રાપ્તીમાં મદદરુપ થવાનો જ છે.

મનુષ્યની શક્તીઓ મર્યાદીત છે. તે બધું જાણવાની ઈચ્છા રાખે છે અને તેને માટે પ્રયત્ન પણ કરે છે. પરન્તુ થોડાક સમયમાં તે થાકી જાય છે અને તેની જાણવાની ઉત્કંઠા સમ્પુર્ણ રીતે ન સન્તોષાતાં તે મંદ પડી જાય છે. પછી તે તેને માટે વધારે પ્રયત્ન નથી કરતો. તે મનમાં પોતાની જાત સાથે સમાધાન કરી લે છે કે આટલી જાણકારી પુરતી છે. અહીં અસત્યને ચોરી–છુપીથી પ્રવેશવાની તક મળે છે. આ અસત્ય માન્યતા સત્યના નામે તેના મનમાં બીલ્લીપગે પ્રવેશે છે અને ધીમે ધીમે દૃઢતાપુર્વક તેના મન ઉપર કબજો જમાવી દે છે. આ વેળાએ તે સત્ય પ્રાપ્ત કરવાની નીષ્ઠાનો ત્યાગ કરી ધીમે ધીમે પોતાની સ્વેચ્છાથી અસત્યનો ગુલામ બની જાય છે. તે મનમાં સત્ય પ્રત્યેના પ્રેમનો ત્યાગ કરે છે એટલું જ નહીં; પણ પુર્ણ સત્ય પ્રાપ્ત કરવું શક્ય નથી એવું મનોબળ સ્વીકારે પણ છે. સત્ય પ્રત્યેનો પ્રેમ તો દરેક મનુષ્યના સ્વભાવમાં બીજરુપે હોય જ છે; પરન્તુ અસત્ય જેવું દેખાવાથી તે ભ્રમમાં રહે છે. અહીં તેનો પોતાનો અસત્યનો સત્ય તરીકે દેખાડવાનો હેતુ પણ હોતો નથી. અને તે માટે તે કોઈ ઢોંગ કે પાખંડ પણ કરતો નથી. આ જ અન્ધશ્રદ્ધાનું ઉદ્ભવસ્થાન છે. ખરેખર અન્ધશ્રદ્ધા સત્ય અને અસત્યનું મીશ્રણ છે. જેમાં સત્ય કરતાં અસત્યનું પ્રમાણ વીશેષ હોય છે. અહીં આપણે સ્વીકારીએ છીએ કે મનુષ્ય માટે સમ્પુર્ણ સત્ય જાણવું મુશ્કેલ છે. અહીં બુદ્ધીશાળી મનુષ્ય પોતે જાણે છે, સમજે છે કે હું બધું જાણતો નથી અને જાણી પણ શકતો નથી; આમ છતાં, તે વધારેમાં વધારે જાણવાનો સતત પ્રયત્ન કરતો રહે છે. પરન્તુ મોટા ભાગની સામાન્ય વ્યક્તીઓ પોતાના મનમાં સ્વીકારી લે છે કે મેં જે કાંઈ જાણકારી મેળવી છે તે પુરતી છે. તેનાથી વધુ જાણકારી મેળવવી અસંભવીત છે. આવા મનમાં જ અન્ધશ્રદ્ધાનાં બીજ રોપાય છે અને તે ધીમે ધીમે ફુલેફાલે છે. એટલે અન્ધશ્રદ્ધાનો પાયો મજબુત થઈ વૃદ્ધી પામે છે. અહીં શૈક્ષણીક અને ધાર્મીક સંસ્થાઓએ જાગૃત રહેવું જોઈએ કે અસત્ય – અજ્ઞાનના નામે અન્ધશ્રદ્ધા માનવસમાજમાં ન પ્રવેશી જાય. એક વખત આ અન્ધશ્રદ્ધા સમાજમાં ફેલાઈ જાય તે પછી તેને નીર્મુળ કરવી, દુર કરવી એ ઘણું જ કઠીન કાર્ય છે.

અન્ધશ્રદ્ધા મીઠું ઝેર છે. ઝેર એટલા માટે છે કે તે મનુષ્યની સત્ય જાણવાની જીજ્ઞાસાને અને ઉત્સાહને મારી નાખે છે અને કાયમ માટે તેને અન્ધશ્રદ્ધાની પથારીમાં સુવડાવી દે છે. બીજું, આ ઝેર મીઠું એટલા માટે છે કે તેને લોકો હોંશેહોંશે સહેલાઈથી સ્વીકારી લે છે. જેમ કે અમુક દેવી કે દેવતાની માનતા રાખવાથી પરીક્ષામાં ઉંચી ટકાવારી પ્રાપ્ત થશે અથવા પોતાનું દર્દ દુર થશે. આ માનતા ફળીભુત થાય છે ત્યારે તેમાં પ્રાપ્ત થયેલી સફળતાની વાતો બધાને કરે છે અને જ્યારે તેમાં નીષ્ફળતા પ્રાપ્ત કરે છે ત્યારે તે ચુપકી સાધી લે છે. આવી અન્ધશ્રદ્ધા અંગે સામાન્ય મનુષ્યને સમજાવવામાં આવે છે. ત્યારે તે બચાવ કરે છે કે આવી માનતાઓ રાખવામાં આપણને શું વીશેષ નુકસાન થવાનું છે ? થોડા રુપીયા કે સમયનો વ્યય થશે એ જ ને ? તેને અજમાવી જોવામાં શું વાંધો ? લાગ્યું તો તીર નહીંતર તુક્કો ! બીજું, તેના મનના એક ખુણામાં સતત ભય રહે છે કે હું માનતા નહીં રાખું અથવા તેનો વીરોધ કરીશ તો તે દેવી–દેવતા મારા પર કોપાયમાન થઈ મને પાયમાલ કરી દેશે.

અન્ધશ્રદ્ધા એ નીંદામણ છે એટલે કે નકામું ઘાસ અને છોડ છે જે બાગમાં ફુલોની સાથે અને ખેતરમાં અનાજની સાથે ઉગે છે અને વીકાસ પામે છે. જેમ નીંદામણ ફુલોને અને અનાજને પુરતા પોષણથી વંચીત રાખે છે અને તેથી જ તેના ઉછેર અને વીકાસમાં હાનીકારક છે. આથી હોશીયાર અને સમજદાર માળી બાગમાં અને ખેડુત ખેતરમાં નીંદામણ ઉગવા જ દેતા નથી અને ઉગી નીકળે તો તરત જ તેને દુર કરવા પ્રયત્ન કરે છે. આવી જ રીતે અન્ધશ્રદ્ધા સમાજને સત્યના પ્રચારથી વંચીત રાખે છે અને વ્યક્તી, સમાજ, રાષ્ટ્ર તથા માનવજાતીના ઉત્થાન માટે નડતરરુપ બને છે. મોટાભાગની ધાર્મીક, સામાજીક કે શૈક્ષણીક સંસ્થાઓ પ્રજાને સત્યને માર્ગે દોરી જવા પ્રસ્થાપીત થઈ છે તેઓ સત્યને બદલે અન્ધશ્રદ્ધાને સમર્થન આપે છે અને જ્યાં અન્ધશ્રદ્ધાને સમર્થન આપતા નથી ત્યાં તેનો સ્પષ્ટ વીરોધ કરતા નથી; પરન્તુ તેની ઉપેક્ષા કરે છે. ધર્મ જેનો મુખ્ય હેતુ સત્યનો અને ફક્ત સત્યનો જ પ્રચાર કરવાનો છે. જેઓએ સત્યને સમર્થન આપી અસત્ય, અન્ધશ્રદ્ધાનો વીરોધ કરવાનો છે, તેઓ જ અન્ધશ્રદ્ધાના આધાર સ્તંભ બની તેનો વીકાસ કરે છે. ધર્મના પ્રચારકો જ મુખ્યત્વે અન્ધશ્રદ્ધાના પ્રચારકો બને છે. મનુષ્ય સ્વયમ્ જ્ઞાનમાં અપુર્ણ છે અને પ્રયત્નથી વધુ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. આવી જાગૃતતા તેને જ્ઞાન પ્રાપ્ત કરવામાં પ્રેરણાદાયી થઈ અન્ધશ્રદ્ધામાંથી મુક્ત થવા મદદરુપ થાય છે. પરન્તુ મનુષ્ય જ્યારે એમ સમજે છે કે અમુક પદાર્થ કે કાર્ય અંગે હું જાણતો કે સમજતો નથી અને જાણવા કે સમજવા માટે પણ શક્તીમાન નથી ત્યારે તે વીશેષ જાણકારી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છોડી દે છે અને પ્રચલીત માન્યતાને સત્ય તરીકે સ્વીકારીને અન્ધશ્રદ્ધાનો સ્વીકાર કરે છે.

આશ્ચર્યકારક વસ્તુ કે ઘટના અન્ધશ્રદ્ધાની માતા છે અને છેતરપીંડી તેની પરીચારીકા કે નર્સ છે જે તેને પોષે છે. આશ્ચર્યકારક વસ્તુ કે ઘટના એટલે કે મનુષ્ય જેને સમજવા અશક્તીમાન છે આ વસ્તુ કે ઘટના ત્યાં સુધી જ આશ્ચર્યજનક હોય છે જ્યાં સુધી તેને સમજવા અશક્તીમાન છીએ. જાદુના પ્રયોગો જ્યાં સુધી આપણે તેને સમજી શકતા નથી ત્યાં સુધી જ આશ્ચર્યજનક છે; પરન્તુ જ્યારે આપણે જાદુગરની ચાલાકી–કરામતને સમજી લઈએ છીએ ત્યારે તેની આશ્ચર્યજનકતા નાશ પામે છે. ઈન્ટરનેટ પર એક હજાર પૃષ્ઠનું પુસ્તક પાંચ મીનીટમાં જ અમદાવાદથી કલકત્તા પહોંચી જાય છે. સામાન્ય પ્રજા માટે આ આશ્ચર્યજનક ઘટના છે; પરન્તુ કમ્પ્યુટર ભણતો વીદ્યાર્થી તેને કમ્પ્યુટરની એક સામાન્ય પ્રક્રીયા જ માને છે. આપણે જ્યારે અન્ધશ્રદ્ધાને આશ્ચર્યજનક વસ્તુ કે ઘટનાનું બાળક કહીએ છીએ ત્યારે આપણા કહેવાનો અર્થ ગેરકાયદેસર બાળક છે, કારણ કે આશ્ચર્યને સારી રીતે સમજવામાં આવે તો તે સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. આજની મોટાભાગની શોધખોળનું ઉદ્ભવસ્થાન આ આશ્ચર્ય જ છે. ન્યુટનને ઝાડ પરથી નીચે સફરજન પડતાં આશ્ચર્ય થયું કે આ સફરજન શા માટે નીચેની જ દીશામાં આવ્યું ? ઉપર કે આજુબાજુ કેમ ન ગયું ? ગુરુત્વાકર્ષણનો નીયમ શોધવામાં આ આશ્ચર્યજનક તત્વે જ તેને પ્રેરણા આપી.

આપણે ઉપર જોયું કે છેતરપીંડી અન્ધશ્રદ્ધાની પરીચારીકા છે. એટલે કે તે અન્ધશ્રદ્ધાને ઉછેરે છે. જો દુનીયામાં છેતરપીંડીનું અસ્તીત્વ જ ન હોય તો અન્ધશ્રદ્ધા ઉત્પન્ન થવાની સાથે જ કુદરતી રીતે નાશ પામવાની છે. આશ્ચર્ય અન્ધશ્રદ્ધાને જન્મ આપે છે પણ તેને ઉછેરતું નથી, છોડી દે છે. કોઈપણ માતા અવૈધ – બીનકાયદેસર બાળક માટે ગૌરવ નથી લેતી. અહીં છેતરપીંડી મદદે આવે છે તે તેને (અન્ધશ્રદ્ધાને) ખોળામાં લે છે અને તેનો ઉછેર કરે છે. અંતે અન્ધશ્રદ્ધાનો વધુને વધુ ફેલાવો થાય છે. ટુંકમાં છેતરપીંડી જ અન્ધશ્રદ્ધાનો ફેલાવો કરવામાં અગત્યનો પાઠ ભજવે છે. ચાલાક મનુષ્યો અન્ધશ્રદ્ધાનું વેપારીકરણ કરીને સામાન્ય પ્રજા – ભોળી પ્રજાને અન્ધશ્રદ્ધામાં કેવી રીતે જકડી રાખી તેનું આર્થીક શોષણ કરે છે. તે અંગે આપણે હવે પછીના પ્રકરણમાં ચર્ચા–વીચારણા કરીશું

(ક્રમશ)

–નાથુભાઈ ડોડીયા

સાચા, નીષ્ઠાવંત આર્યસમાજી શ્રી. નાથુભાઈ ડોડીયાએ સમાજસુધારા તથા ધર્મસુધારાના ક્રાન્તીકારી કાર્ય અન્તર્ગત 53 જેટલાં પુસ્તકો પ્રકાશીત કર્યાં છે. તે પૈકી ‘અન્ધશ્રદ્ધાનું વેપારીકરણ’ નામે આ પુસ્તક પ્રગટ કરીને, અન્ધશ્રદ્ધાના થઈ રહેલા વ્યાપારીકરણને તથા તે ક્ષેત્રે જામી પડેલાં સ્થાપીત હીતોને પડકારે છે. આ પુરુષાર્થ બદલ તેઓ અભીનન્દનના અધીકારી છે. અઢળક અભીનન્દન… ‘અભીવ્યક્તી’ને ‘અન્ધશ્રદ્ધાનું વેપારીકરણ’ પુસ્તક ભેટ મોકલવા માટે આભાર.(પ્રકાશક: ચરોતર પ્રદેશ આર્યસમાજ, સ્ટેશન રોડ, આણંદ – 380 001 ફોન: (02692) 244 191 પ્રથમ આવૃત્તી: 2014, પૃષ્ઠસંખ્યા: 96, મુલ્ય: 20/- મુખ્ય વીતરક: આર્યસમાજ, નવા ડેરા, ભરુચ – 392 001) લેખકશ્રી અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સંપર્ક: શ્રી. નાથુભાઈ કેશવલાલ ડોડીયા‘સીદ્ધાર્થ’, મન્દીરવાળી ગલીમાં, જ્યોતીનગર, ગોદાવરી પાર્ક પાસે, મક્તમપુર–ઝાડેશ્વર રોડ, ભરુચ – 392 001 ફોન: (02642) 225671 સેલફોન: 99988 07256

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ http://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 11–07–2014

–દીનેશ પાંચાલ

સંતો કહે છે: ‘ધર્મ એટલે શું તે જાણવા માટે પહેલા જીવનનો અર્થ સમજવો પડે. માણસના પહેલા શ્વાસથી અંતીમ શ્વાસ વચ્ચેના સમયગાળાને જીવન કહેવામાં આવે છે. અને એ જીવન ઠીક રીતે જીવી જવા માટે જે નીયમાવલી (Rules and regulations) બનાવવામાં આવે છે એને ધર્મ કહેવાય છે.’ પ્રશ્ન થાય છે– કોણે બનાવી એ નીયમાવલી ? ઈશ્વરે કે માણસે ? આ લખનારની નમ્ર સમજ એવી છે કે જીવનના નીયમો જીવનારાઓએ જ ઘડ્યા છે – ભગવાનો કે દેવોએ નહીં. ધર્મમાં લોકો પરાપુર્વથી અધર્મની ભેળસેળ કરતા રહ્યા. એ કારણે કેટલાંક અનીષ્ટોની ગણના પણ ધર્મમાં થવા લાગી. સદીઓ પુર્વે પતી મૃત્યુ પામે તો પત્નીએ તેની ચીતામાં બળી મરવું એ ‘પત્નીધર્મ’ કહેવાતો. (હું ભુલતો ના હોઉં તો પુરીના શંકરાચાર્યે જાહેરમાં સતીપ્રથાને ‘સતીધર્મ’ કહી ટેકો આપ્યો હતો) બુદ્ધીવાદ પ્રબોધે છે – ખુદ ઈશ્વરે એવી આજ્ઞા કરી હોય તો પણ તેનો વીરોધ કરવો જોઈએ. આપણે ત્યાં મરણ પાછળ કરવામાં આવતા કર્મકાંડો એક ખર્ચાળ અધર્મ બની જાય છે. આ બધું પરાપુર્વથી ચાલતું આવ્યું છે. એમાં નવા જમાના મુજબ થોડો ઉમેરો થયો છે. હવે મરણ બાદ શ્રાદ્ધક્રીયામાં ધાર્મીક પુસ્તકો, સ્ટીલના કુકરો કે થાળી–પ્યાલાં જેવાં વાસણો વહેંચવામાં આવે છે. પ્રશ્ન થાય છે એથી (કંસારા સીવાય) કોને ફાયદો થાય ? મીષ્ઠાન્ન જમાડો તો સગાઓ રાજી થાય. ભજનની ચોપડીઓ વહેંચો તો પ્રકાશકો રાજી થાય. પણ ગરીબોને માથે ટાલ પડી જાય ! આવી બાબતોમાં સમાજના ઘણા વર્ગોનાં હીત સંકળાયેલાં હોવાથી સૌ ભેગા મળીને એવા અધર્મને જીવતો રાખે છે. રૅશનાલીઝમ એવા અધર્મ સામે લાલ બત્તી ધરતું આવ્યું છે. એ કારણે સમાજની નફરતનો ભોગ બનતું આવ્યું છે.

ધર્મની વ્યાખ્યા કરવા માટે આ લખનારની કોઈ પાત્રતા નથી. છતાં કંઈક એવું સમજાય છે ‘માનવીનું કલ્યાણ કરે તે ધર્મ અને લોહીલુહાણ કરે તે અધર્મ !’ માનવીનો વીકાસ કરે તે ધર્મ ને કંકાસ કરે તે અધર્મ! પ્રગતી કરે તે ધર્મ અને અધોગતી તરફ લઈ જાય તે અધર્મ ! દુ:ખીઓનાં આંસુનું મારણ બને તે ધર્મ અને આંસુનું કારણ બને તે અધર્મ ! સાચા ધર્મમાં શ્રદ્ધાની સીતાર વાગે છે; પોલીસની સાયરન નહીં. આપણે કોને ધર્મ ગણીએ છીએ ? ધર્મને અબીલ, ગુલાલ, કંકુ, પુજાપાઠ, ફળ–ફુલ, નારીયેળ, ધુપ, દીપ, મંત્રો, શ્લોકો, યજ્ઞો, આરતી, કથા, જપતપ જેવા કર્મકાંડોના સ્થુળ ઢાંચામાંથી મુક્ત કરીને, તેને કલ્યાણકારી સ્વરુપમાં ઢાળવાની જરુર છે. શું એવું થઈ શકે ? માણસ આરતી કરવાનું છોડીને એમ્બ્યુલન્સ માટે દોડી જાય તે ધર્મ ગણાય. મનની શાન્તી માટે માણસ ભલે મન્દીરમાં જતો. પણ સાચી શાન્તી તો તેને ભણીગણીને જીવનમાં કંઈક બની શકવાથી પ્રાપ્ત થાય છે. (પ્રભુપુજા જ જીવનની સર્વોચ્ચ સીદ્ધી ગણાતી હોત તો મન્દીરનો પુજારી પોતાના દીકરાને ડૉક્ટરને બદલે પુજારી બનાવવાનાં જ સ્વપ્નો જોતો હોત !) એથી પુજાપાઠ ભલે કરો; પણ સ્કુલ–કૉલેજના પાઠોના ભોગે કદી નહીં. લેબોરેટરીના પ્રેક્ટીકલ છોડીને કદી રામકથામાં ન જવાય. (અને થીયેટરમાં પણ ના જવાય) કોલેજના પીરીયડો છોડીને કદી ગણેશવીસર્જયાત્રામાં ન જવાય. (અને મેચ જોવા પણ ના જવાય) વીદ્યાર્થીઓ ભણવાનું છોડીને ‘ટાઈ–ડે’ કે ‘સુટ–ડે’ ઉજવે એ આજનો સૌથી મોટો શૈક્ષણીક અધર્મ છે. સાચો વીદ્યાર્થી ધર્મ એ છે કે પરીક્ષાઓ પતી ગયા બાદ ભલે તે રોજ બે ફીલ્મો જોતો; પણ પરીક્ષા પહેલા અભ્યાસના ભોગે એક પણ ફીલ્મ ના જુએ. (બચુભાઈ કહે છે: ‘યુવાનોએ ‘પરીક્ષા’ શબ્દનો સુચીતાર્થ શાનમાં સમજી લેવો જોઈએ. પરીક્ષાનો ‘પ’ પરીશ્રમ તરફ ઈશારો કરે છે. જો પરીક્ષામાંથી પરીશ્રમનો– ‘પ’ ઉડાવી દેશો તો પછી કદાચ જીવનભર રીક્ષા ચલાવવી પડશે !) કપાળે કંકુ, સીન્દુર, ભસ્મ જે લગાવવું હોય તે લગાવો; પણ કપાળે કંકુ હશે અને બન્ને હાથો લોહીથી  ખરડાયેલા હશે તો એવા ‘કંકુવરણાં કાવતરાંઓ’થી કોઈ ધર્મનો ભગવાન રાજી નહીં થાય.’

અગરબત્તી, લોબાન, ધુપદીપ ઘરનાં મન્દીરમાં સળગાવશો તો ઘરનું વાતાવરણ સુગંધમય થશે; પણ ચીત્તમાં મલીન વીચારોની દુર્ગંધ અગરબત્તીથી દુર થઈ શકતી નથી. ઘરમાં અગરબત્તી સળગાવશો અને બહાર આગ લગાડશો તો તે અધર્મ ગણાશે. લોબાન, ધુપદીપ સળગાવવાની છુટ; પણ લોબાનના ધુમાડા કરશો અને બેંકમાં ગોટાળા કરશો, અથવા કોકના ઉછીના લીધેલા પૈસા પરત કરવામાં અખાડા કરશો તો તે અધર્મ ગણાશે. ગ્રાહકોને બાનમાં રાખીને દુકાનમાં લોબાન સળગાવવામાં સમજદારી નથી. યાદ રહે, માળા નહીં ફેરવવામાં એટલો અપરાધ નથી; જેટલો ગ્રાહકોનાં ગળાં કાપવામાં છે ! રસ્તે અકસ્માતમાં ઘવાયેલા માણસને હૉસ્પીટલમાં પહોંચાડવો કે તેને માટે લોહી આપવું એ પરમ ધર્મ ગણાય. પણ પોતે બીમાર પડ્યા ન હોય અને હૉસ્પીટલમાં ડૉક્ટરો પાસે જુઠાં બીલો લઈ ઈન્સ્યોરન્સ કંપની પાસે ખોટા મેડી–ક્લેમ પાસ કરાવવો એ અધર્મ ગણાય. માણસ માત્રને ભુખ લાગે, તરસ લાગે અને ટાઢ વાગે છે. એથી ભુખ્યાને રોટી, તરસ્યાને પાણી અને ગરીબોને વસ્ત્રો આપવાં એ ધર્મ ગણાય. પણ કોઈ ધાર્મીક સંસ્થાએ ગરીબોને વહેંચવા માટે ધાબળા આપ્યા હોય, અમુક લાખ રુપીયા દવા માટે ફાળવ્યા હોય તેમાં ભ્રષ્ટાચાર આચરવો તે અધર્મ ગણાય. લોકો ચારધામની યાત્રા કરે છે; પણ કોઈનું ઘર, ખેતર કે મીલકત પચાવી પાડવા માટે તેને કોર્ટકચેરીની યાત્રા કરાવતાં અચકાતા નથી. આપણી આધ્યાત્મવાદી પ્રજા, ધર્મ અને અધર્મનું આવું કોકટેલ કરીને મસ્ત રહે છે.

કંઈક એવું સમજાય છે કે રોજ ગીતા, બાયબલ કે કુરાન વાંચો તે જ ધર્મ ન ગણાય; પણ માણસને સુખી રાખવા માટે કે તેનાં દુ:ખો દુર કરવાની ભલી ભાવનાથી જે કાંઈ કરો તે બધું જ ધર્મ ગણાય. કોઈ બાપ કે ગુંડો સાત વર્ષની દીકરી/છોકરી પર બળાત્કાર કરતો હોય તે વખતે તેના માથા પર ફટકારવા માટે લાકડી ના મળે અને ગીતાના ધર્મપુસ્તક વડે તેને ઘાયલ કરો તો તે પણ ધર્મ ગણાય. બચુભાઈ કહે છે: ‘કોઈનું માથું દુ:ખતું હોય અને તેને એસ્પ્રોની ટીકડી આપો તો તે પણ ધર્મ ગણાય. બેશક એનો અર્થ એ નથી કે બળી મરવા માગતા માણસને થોડું કેરોસીન આપો તે ધર્મ ગણાય. કોઈ ડફોળ વીદ્યાર્થીને પરીક્ષાહૉલમાં કાપલીઓ પહોંચાડો તે અધર્મ કહેવાય. ધર્મની સફાઈમાં સાધનશુદ્ધીનું પણ એટલું જ મહત્વ છે. ધર્મની વ્યાખ્યાઓ કીસ્સે કીસ્સે બદલાતી રહે છે. કોઈના દેહમાં તીક્ષ્ણ હથીયાર ભોંકી તેને લોહી લુહાણ કરવો એ હીંસા કહેવાય; પણ ડૉક્ટર એવું કરે ત્યારે તે ધર્મ બની જાય છે. તરસ્યાને પાણી પાવું એ ધર્મ ગણાય; પણ ઓપરેશન બાદ કોઈ દીકરો પાણી માંગે અને ડૉક્ટરની મનાઈ છતાં મા તેને પાણી આપે તો તે અધર્મ બની રહે છે. કલ્યાણમય હેતુ માટે હત્યા કરવી પડે તો તે પાપ નહીં; પુણ્ય બની રહે છે. (ગીતામાં શ્રીકૃષ્ણે પણ કંઈક એવું જ કહ્યું છે) ભયંકર રોગથી પીડાતા વાછરડાને ગાંધીજીએ ઝેરનું ઈંજેક્શન અપાવીને તેની દર્દનાક સ્થીતીમાંથી મુક્તી અપાવી હતી. એ હત્યા પવીત્ર હતી.

એથી ધર્મ અને અધર્મની ભેદરેખા નક્કી કરવા માટે વીવેકબુદ્ધીની જરુર પડે છે. ઉપરની બધી બાબતો ધર્મપુસ્તકોમાં ના લખી હોય તો પણ તેને ધર્મ ગણી તેનું પાલન કરવું જોઈએ. માણસ સદીઓથી ધર્મમાં અનીષ્ટો ઉમેરતો આવ્યો છે. એથી ધર્મની જર્જરીત બની ગયેલી ‘નીયમાવલી’માં થોડા કલ્યાણકારી નીયમો ઉમેરીને તેને ‘અપડેટ’ કરવો જરુરી છે. સવાલ એ છે કે આવા બૌદ્ધીક પ્રકારના માનવધર્મથી ઈશ્વર મળી શકે ખરો ? મોક્ષ મળે ? સુખી થવાય ખરું ? સાચો જવાબ જ્ઞાની પંડીતો પર છોડી દઈએ. પણ કંઈક એવું સમજાય છે કે ઈશ્વરની કે મોક્ષની ગેરેન્ટી નથી; પણ એટલું કહી શકાય કે મન્દીરમાં બેઠાંબેઠાં જ તમને ઉત્તમ પ્રકારની મદીરા મળી જતી હોય તો મદીરાલય જવાની શી જરુર ? ઈશ્વરને પ્રાપ્ત કર્યા વીના આદર્શ માનવ ધર્મ વડે તમે આ ધરતી પર જ સ્વર્ગીય સુખ મેળવી શકતા હોય તો ઈશ્વરની કે મોક્ષની જરુર ખરી? દોસ્તો, ઈશ્વર આખરે છે શી ચીજ…? ગ્રાંડ ટોટલ ઓફ ઈચ એન્ડ એવરી હેપીનસ…! (તમામ પ્રકારનાં સુખોનો સરવાળો…)

ધુપછાંવ

ધીરુભાઈ અંબાણીના જીવનની એક નાનકડી ઘટના યાદ આવે છે. ધીરુભાઈ પાયખાનામાંથી બહાર આવ્યા ત્યારે એમની સ્લીપર વડે થોડી ટાઈલ્સ ભીની થઈ. ધીરુભાઈએ રુમાલ લઈ ટાઈલ્સ પરનું પાણી જાતે સાફ કરી નાખ્યું. દીલ્હીથી  પધારેલા એક સચીવ એ જોઈ બોલી ઉઠ્યા: ‘અરે… અરે… ! રહેવા દો… એ તો નોકરાણી સાફ કરી નાખશે !’ ધીરુભાઈએ કહ્યું: ‘નોકરાણી અથવા ઘરનું  કોઈ લપસી પડે તે પહેલાં હું તે સાફ કરી નાખું તો મને એ વાતનો આનન્દ થાય કે એક દુર્ઘટના મારી સમયસુચકતાથી અટકી ગઈ !’

-દીનેશ પાંચાલ

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 13 મે, 2007ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવનસરીતાના તીરે’માંથી, લેખકના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક: શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી - 396 445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508

 ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ http://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: +91 9537 88 00 66 ઈ.મેઈલ:govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 04 – 07 – 2014

 

 

 

 

–મુરજી ગડા

દરેક ધર્મનાં ત્રણ મુખ્ય પાસાં હોય છે. પહેલું પાસું છે એ ધર્મમાં આદેશાયેલી ‘નૈતીકતા’નો. ધર્મનું આ હાર્દ છે. બીજું પાસું છે એ ધર્મના નામે કરાવાતા ‘ક્રીયાકાંડો’નું. આ ધર્મનો મુખોટો છે. ત્રીજું પાસું છે ધાર્મીક વીચારધારા પ્રમાણેના ‘અધ્યાત્મ’નું. પ્રસ્તુત લેખનો મુખ્ય મુદ્દો ધર્મના આ ત્રીજા પાસાની ચર્ચા કરવાનો છે.

વીવીધ ધર્મો વચ્ચે આ ત્રણેય પાસાંઓની સમજ, આદેશ અને આચરણમાં ઘણો ફરક રહેલો છે. આપણે એના ઉંડાણમાં નથી જવું. માત્ર એટલું કહેવું જરુરી અને પુરતું છે કે આ ફરક ધર્મોને એકબીજાથી અલગ બનાવે છે, એકબીજા સાથે લડાવે છે.

હજારો વરસથી માનવમગજ પર અધ્યાત્મનો પ્રભાવ રહ્યો છે. જ્યારે માનવજીવન પર વીજ્ઞાનનો પ્રભાવ માત્ર છેલ્લી બે–ત્રણ સદીઓથી જ થવો શરુ થયો છે. આ બન્નેનું મહત્ત્વ તેમ જ માનવજીવન અને વીકાસ પરની એની અસરનાં ઉંડાણમાં ન જતાં, આ બન્નેનાં સ્વરુપો અને કાર્યપ્રણાલીમાં જે ભેદ છે એ સમજીએ. સામાન્ય માણસો તો ઠીક; અનેક વીદ્વાનોમાં સુધ્ધાં આ બેમાં રહેલા ભેદનો સાચો ખ્યાલ નથી. આપણે થોડા મુદ્દા ટુંકમાં તપાસીએ.

(1) વીજ્ઞાન વસ્તુનીષ્ઠ છે, ઓબ્જેક્ટીવ છે. વીજ્ઞાનની વફાદારી, વીજ્ઞાનના સીદ્ધાન્ત કે એ સીદ્ધાન્તના આધારે શોધાયેલાં ઉપકરણો પ્રત્યે હોય છે; એ શોધનાર વૈજ્ઞાનીક કે ઉપકરણો બનાવનારા ઈજનેરો પ્રત્યે નહીં. એટલે જ આપણે રોજબરોજના જીવનમાં વપરાતાં વૈજ્ઞાનીક સીદ્ધાન્ત કે ઉપકરણોના શોધકનું નામ પણ જાણતા નથી.

વીજ્ઞાનની સરખામણીએ અધ્યાત્મ વ્યક્તીનીષ્ઠ છે, સબ્જેક્ટીવ છે. અધ્યાત્મમાં માનનારની નીષ્ઠા એ ‘કહેનાર’માં વધુ અને એમના ‘ઉપદેશ’માં ઓછી હોય છે. ઈસુના દૈવી સ્વરુપમાં માનનાર ખ્રીસ્તી ગણાય; પછી ભલે તે એમના ચીંધેલા માર્ગે ચાલે કે ન ચાલે. જ્યારે ઈસુના દૈવી સ્વરુપમાં ન માનનાર પરમ્પરાગત રીતે સાચો ખ્રીસ્તી નથી ગણાતો; પછી ભલે તે બધી રીતે એમના ચીંધેલા માર્ગે ચાલતો હોય. આ વાત બધા ધર્મોના અનુયાયીઓને એટલી જ લાગુ પડે છે.

(2)  વીજ્ઞાનના સીદ્ધાન્ત અફર હોય છે, તે સર્વત્ર એક સરખી રીતે લાગુ પડે છે. પાણી કરતાં ભારે હોય તે વસ્તુઓ ડુબે અને હલકી હોય તે પાણી પર તરે, આમાં અપવાદ ન હોય. અગ્નીમાં હાથ નાખનાર બધા દાઝે. પછી ભલે તે આસ્તીક હોય યા નાસ્તીક, પાપી હોય કે પુણ્યશાળી હોય. દરેકની પ્રકૃતી પ્રમાણે પીડા ઓછી વધુ થાય એ જુદી વાત છે. અગ્નીપરીક્ષા માત્ર વાર્તાઓમાં શોભે; વ્યવહારમાં નહીં. અધ્યાત્મની વાતો અફર હોતી નથી. તે ક્યારેક કામ કરે અને ક્યારેક ન પણ કરે. જેવો જેનો ભાવ, જેવી જેની ભક્તી, જેવી જેની શક્તી. સંસારસાગરમાં તરી જનારો (સુખી, સફળ) માણસ અધ્યાત્મની દૃષ્ટીએ પુણ્યશાળી હોય અને ન પણ હોય. એ જ રીતે સંસારસાગરમાં ડુબનારો (દુ:ખી, નીષ્ફળ) માણસ પાપી હોય અને ન પણ હોય. આના બચાવમાં કરવામાં આવતી દલીલો ગળે ઉતરે તેવી નથી હોતી.

(3)  વીજ્ઞાનની વાતો ખુલ્લી અને સાર્વત્રીક હોય છે. એને જ્ઞાતી, જાતી, ધર્મ કે પ્રદેશની સીમાઓ નડતી નથી. વીજ્ઞાનનું જ્ઞાન અને એના આધારે વીકસેલી ટૅક્નૉલૉજી સમ્પુર્ણ માનવજાત માટે ખુલ્લાં છે. એનો લાભ લેનારને કોઈ સાધના કે તપ કરવું પડતું નથી. અધ્યાત્મ રહસ્યમય અને ગુઢ (Mystic) હોય છે. અધ્યાત્મને રસ્તે જનાર જે પણ પામતો હોય તે એણે જાતે મેળવવાનું હોય છે. એના બધા પ્રયત્નો પછી પણ એને જેની તલાશ હતી તે સાચે જ મળ્યું કે નહીં, તે અન્ય કોઈ જાણી શકતો નથી. કરનારના કહ્યા પર વીશ્વાસ રાખવો પડે છે.

(4)  સમય, પરીસ્થીતી કે હકીકત બદલાય, નીયમ ખામીવાળો સાબીત થાય અથવા બીજા વધુ સારા પુરાવા મળે તો વીજ્ઞાનનો નીયમ સુધારી શકાય છે. મુળ શોધક ગમે તેટલો પ્રસીદ્ધ હોય તો પણ, એનું કહેલું બધું જ આંખો મીચીને સ્વીકારી લેવાતું નથી.

અધ્યાત્મ કે ધર્મનો સીદ્ધાન્ત કે આદેશ બદલી શકાતો નથી. જૈનો અહીંસાનો સીદ્ધાન્ત છોડી ન શકે. મુસ્લીમો મુર્તીપુજા સ્વીકારી ન શકે. ધર્મમાં / અધ્યાત્મમાં પાયાના ફેરફાર શક્ય નથી.

(5)  કોઈપણ વ્યક્તી નીષ્પક્ષ રીતે વીજ્ઞાનનો પ્રયોગ કરી શકે છે, પ્રસ્થાપીત નીયમને ચકાસીને ખાતરી કરી શકે છે. સંશય હોય તો જાહેર કરી શકે છે. વાસ્તવીકમાં ઘણી અલગ અલગ વ્યક્તીઓ દ્વારા આવી ચકાસણી કરાયા પછી જ કોઈ નવા સીદ્ધાન્તને સ્વીકારાય છે.

અધ્યાત્મમાં આ કરવું અશક્ય છે. જે કહેવામાં આવ્યું હોય તે માનવું જ પડે છે. એમાં સંશય કરનાર નાસ્તીક ગણાય છે.

આદીકાળથી એકબીજા સાથે સતત ઝઘડતા ધર્મો માત્ર એક બાબતે સહમત છે. એ છે વીજ્ઞાનનો વીરોધ કરવામાં.એના બે મુખ્ય કારણો છે : પહેલું કારણ છે એમની માન્યતાથી વીરુદ્ધની વીજ્ઞાનની વાતો સ્વીકારવાથી એમની પ્રતીષ્ઠા ઝંખવાય છે, એમનું મહત્ત્વ ઓછું થાય છે. બીજું કારણ છે કે આ બધાને વીજ્ઞાન શું છે એની જ સમજ પણ નથી. વીજ્ઞાન એટલે કુદરતના નીયમ સમજવાનું શાસ્ત્ર. એ સત્યની શોધ છે. વીજ્ઞાનનો વીરોધ એ કુદરતના નીયમોની અવગણના છે. વીજ્ઞાનના સીદ્ધાન્તને આધારે માનવ ઉપયોગી ઉપકરણો બનાવવાના શાસ્ત્રને ટૅક્નૉલૉજી કહેવાય છે.

ભારતમાં લોકો વીજ્ઞાનને લીધે શોધાયેલી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે. એટલે ભારતમાં વીજ્ઞાન અને ટૅક્નૉલૉજી આવ્યાં છે એમ કહેવાય. કમનસીબે બહુમતી લોકોમાં વૈજ્ઞાનીક માનસ જરા પણ આવ્યું નથી. એમની વીચાર કરવાની રીત એ જ જરીપુરાણી રહી છે.

વીજ્ઞાનના વીરોધીઓની સૌથી પહેલી દલીલ એ હોય છે કે, ‘વીજ્ઞાન તો બદલ્યે રાખે છે જ્યારે ધર્મ શાશ્વત છે.’ આ કહેવાનો મતલબ એવો થયો કે ખળખળ વહેતાં નદીનાં પાણી કરતાં સુકા પ્રદેશના જુના તળાવનું પાણી વધુ સારું છે.

વાસ્તવીકતા એ છે કે ધર્મ પણ બદલાય છે, એને બદલવું જરુરી છે. વીજ્ઞાન બદલતું નથી; પણ પ્રગતી કરે છે. શાશ્વત માત્ર એક જ છે, કુદરતના નીયમ. પણ એ બંધીયાર તળાવ કે ખાબોચીયું નથી. એ તો ઘુઘવાતો દરીયો છે, મહાસાગર છે. એનાં ઉંડાણનો કોઈ પાર નથી.

શરુઆતમાં લખ્યું છે તેમ ધર્મનું એક પાસું ક્રીયાકાંડ છે. અને એ ક્રીયાકાંડો તો સમય અને સ્થળ પ્રમાણે બદલાતા આવ્યા છે. ધર્મના નામે ધંધો કરવાવાળાઓ માટે તે લાભદાયક છે. આ સર્વવીદીત છે. એનો બચાવ કોઈ કરી ન શકે આ ઉપરાન્ત મુખ્ય ધર્મના ફાંટાઓ અને ફીરકાઓના ક્રીયાકાંડમાં જે ફરક છે તે પણ આની પુષ્ટી કરે છે.

ધર્મનું બીજું પાસું છે મુલ્યોનું, નૈતીકતાનું. દરેક ધર્મની નૈતીકતાની સમજ થોડી અલગ છે. ધર્મ જો શાશ્વત હોત તો નૈતીકતાની બાબતમાં એમની વચ્ચે જરા પણ ફરક ન હોત. કુદરતી રીતે બધા માનવ સરખા છે. એમની જરુરીયાતો પણ સરખી છે. એમનાં મુલ્યો અલગ ન હોઈ શકે. જૈન ધર્મની વાત કરીએ. પાર્શ્વનાથ ભગવાને બ્રહ્મચર્યને ખાસ મહત્ત્વ નહોતું આપ્યું, જ્યારે મહાવીર સ્વામીએ એને નૈતીકતાના પાંચ મુખ્ય આદેશોમાં સ્થાન આપ્યું છે. આને જૈન ધર્મ બદલાયો એમ કહેવાય કે ન કહેવાય ?

બુદ્ધ અને મહાવીર, બન્ને એક જ સમયગાળામાં, એક જ પ્રદેશમાં વીહાર કરતા હતા. છતાં ઘણી બાબતોમાં આ બન્ને મહાપુરુષો વચ્ચે મોટા અને મહત્ત્વના મતભેદ હતા. દેહદમન, તપશ્ચર્યા, ખાનપાનની મર્યાદા વગેરેમાં આ સ્પષ્ટ દેખાય છે. આટલો મોટો તફાવત, ધર્મ શાશ્વત હોવાની વાતને પુષ્ટી આપતો નથી.

હીન્દુ ધર્મ એ પ્રાચીન વૈદીક ધર્મનું નવું સ્વરુપ છે. આ બન્ને વીચારધારાઓના વેદ, ઉપનીષદ, મહાકાવ્યો, પુરાણ વગેરે ગ્રંથો ઘણી સદીઓના સમયગાળામાં લખાયા છે. આ ગ્રંથો વાંચ્યા હોય એવા મીત્રો પાસેથી જાણવા મળે છે કે એમાં વર્ણવાયેલા અધ્યાત્મમાં સારો એવો ફરક છે. આ ઉપરાન્ત દુનીયાના જુદા જુદા ધર્મો વચ્ચે પણ સ્વર્ગ, નરક, આત્મા, પરમાત્મા, પુર્વજન્મ, પુનર્જન્મ. બ્રહ્મનાં સ્વરુપ, ધ્યાનના પ્રકાર અને પદ્ધતી તેમ જ અધ્યાત્મનાં ઘણાં પાસાંમાં મતભેદ છે. બધા ધર્મપ્રણેતાઓ એટલા જ મહાન હોવા છતાં આટલો બધો મતભેદ શું સુચવે છે ? માત્ર આપણો જ ધર્મ સાચો અને બીજા બધા ખોટા કે અધુરા એમ કહેવાથી પ્રશ્નો ઉકેલાતા નથી બલકે ક્લેશને આમંત્રણ આપે છે.

હવે વીજ્ઞાન બદલાતું હોવાના આરોપને આપણા રોજીંદા જીવનને સ્પર્શતી એક મામુલી વાતથી સમજીએ. પાણીને ગરમ કરીએ એટલે એક ચોક્કસ તાપમાને તે ઉકળવા લાગે છે. પાણી એનાથી વધુ ગરમ ન થઈ શકે. વધુ ગરમી મળતાં એનું વરાળમાં રુપાન્તર થાય છે. આ એક જાહેર અનુભવની વાત છે. પાણી કે પછી બીજી કોઈ પણ વસ્તુ કેટલી ગરમ છે એનો માપદંડ કોઈની પાસે નહોતો. એનું તાપમાન જાણી શકાતું નહોતું.

ઠેઠ સત્તરમી સદીમાં યુરોપમાં જુદા જુદા વૈજ્ઞાનીકોએ અલગ અલગ પ્રકારનાં થર્મોમીટરો શોધ્યાં. સમયાન્તરે એમાં જરુરી ફેરફારો થતા ગયા. આજે આપણે વાપરીએ છીએ એવાં થર્મોમીટર આવતાં બીજા સો વરસ જેટલો સમય લાગી ગયો. આને વૈજ્ઞાનીક શોધ કહેવાય. વૈજ્ઞાનીકોએ ઉકળતા પાણીને 100 (એક સો) અંશ સેન્ટીગ્રેડ અને થીજતા પાણીને 0 (શુન્ય) અંશ સેન્ટીગ્રેડ ગણીને ઠંડી ગરમીનો ચોક્કસ માપદંડ શરુ કર્યો.

કોઈ પર્વતવાસીએ એના ઉકળતા પાણીમાં થર્મોમીટર રાખી તપાસ્યું તો એને 100 અંશ સેન્ટીગ્રેડ કરતાં ઓછું તાપમાન જોવા મળ્યું. એટલે થર્મોમીટરને કે એના શોધનારને ખોટા કહેવાને બદલે વૈજ્ઞાનીક માનસ ધરાવતી કોઈ વ્યક્તીએ જુદી જુદી ઉંચાઈએ જઈ ઉકળતા પાણીનું તાપમાન મેળવ્યું. કેટલાય પ્રયોગો પછી શોધી કઢાયું કે ઉંચાઈ અને ઉકળતા પાણીના તાપમાન વચ્ચે સીધો સમ્બન્ધ છે. આશરે 960 ફુટની ઉંચાઈએ 1 (એક) અંશ સેન્ટીગ્રેડ ઓછા તાપમાને પાણી ઉકળે છે. અર્થાત્ માઉન્ટ આબુ પર પાણી આશરે 96 અંશ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાને ઉકળવા લાગે છે.

એનાથી આગળ વધી, એ પણ શોધી કઢાયું કે આ તફાવત ઉંચાઈને લીધે નહીં; પણ એટલી ઉંચાઈએ હવાનું દબાણ ઓછું હોય છે એના લીધે છે. આ સીદ્ધાન્ત પ્રમાણે દબાણ વધે–ઘટે તેમ પાણી અને વરાળનું તાપમાન પણ વધે–ઘટે છે. આપણા રસોડામાં રોજ વપરાતાં કુકરથી શરુ કરી, વરાળથી ચાલતી ટ્રેન સુધી ઘણું આ સીદ્ધાન્તના આધારે કામ કરે છે.

આ એક સાવ સામાન્ય અને પાયાની શોધનો દાખલો હતો. છતાં એની પાછળ કેટલીયે વ્યક્તીઓની વરસોની મહેનત હતી, જેમનું નામ સુધ્ધાં કોઈને ખબર નથી. હવે તો આનાથી કેટલાયે વધુ અટપટા સીદ્ધાન્તો શોધાયા છે. એના આધારે નીતનવાં સાધનો બને છે. છેલ્લા થોડા દાયકાઓમાં જ વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર વગેરેમાં થયેલા ફેરફારો ઉડીને આંખે વળગે છે. આ વૈજ્ઞાનીક શોધો અને ટૅક્નૉલૉજીનો ચમત્કાર છે. એની પાછળની મહેનતનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.

દરેક વૈજ્ઞાનીક શોધની પ્રક્રીયાનું એકએક પગથીયું અગત્યનું અને જરુરી હોય છે. એટલે એને વીજ્ઞાન બદલાય છે એમ ન કહેવાય. દરેક શક્યતાને તપાસી, દરેક અપવાદને ધ્યાનમાં રાખી ચોક્કસ થાય છે, પ્રગતી કરે છે એમ કહેવું ઉચીત છે. એનાથી વધારે અગત્યની વાત એ છે કે વીજ્ઞાનની શોધનો ઉપયોગ સમસ્ત માનવસમાજના ભલા માટે થાય છે.

દરેક વસ્તુની જેમ વીજ્ઞાન અને ટૅક્નોલૉજીનો પણ દુરુપયોગ થયો છે. રસ્તા પર કોઈ પુરઝડપે વાહન ચલાવી અકસ્માત સર્જે તો એનો દોષ વાહન બનાવનાર કે એની પાછળની ટૅક્નોલૉજીને ન અપાય. એ દોષ વાહન ચલાવનારનો છે.

હજારો વર્ષો સુધી કુદરતી ઘટનાઓ વીશેનું માનવસમાજનું જ્ઞાન માત્ર અવલોકન પુરતું મર્યાદીત હતું. એની પાછળનાં કારણો શોધી એનો સદુપયોગ કરવાનો કે પછી એમની નકારાત્મક અસરોથી રક્ષણ મેળવવાનો પ્રયાસ પણ ભાગ્યે જ કોઈ કરતું હતું. બધું જ કોઈ દૈવી શક્તીને આધીન હોવાનું માની બધા એની પુજા–પ્રાર્થના કરવામાં જ વ્યસ્ત રહેતા. વીજ્ઞાને એ બધું બદલ્યું છે.

સારાંશમાં, માનવજીવનને અસર કરતા નીયમોના બે પ્રકાર છે: કુદરતી અને માનવસર્જીત. કુદરતના નીયમ શાશ્વત છે, કોઈ બનાવતું નથી, માણસ માત્ર એમને શોધે છે. એ શોધવાનું શાસ્ત્ર વીજ્ઞાન કહેવાય છે. એના નીયમ કદી બદલી કે ઉથાપી શકાતા નથી. એનો કોઈ વીકલ્પ નથી. તે માણસને ખ્યાલમાં રાખી બન્યા નથી.

જ્યારે રાજ્યનું બંધારણ, ધર્મના આદેશ, સામાજીક રીતરીવાજ વગેરે નીયમો માનવસર્જીત છે. સમાજને વ્યવસ્થીત રાખવા માટે માણસો વડે અને માણસો માટે બનાવવામાં આવ્યા છે. એટલે દેશ, કાળ અને જરુરીયાત પ્રમાણે તે બદલાય છે, એને બદલવા જરુરી છે.

દેશનું બંધારણ બદલાય છે તેમ જ ધર્મ પણ બદલાય છે. એ સારા માટે જ છે. સદીઓ પુરાણાં મુલ્યો આજના સમયમાં સુસંગત ન પણ હોય એ સ્વીકારવું અગત્યનું છે. દરીયો ન ઓળંગવાના હીન્દુ ધર્મના આદેશને લીધે ભારતને મધ્ય યુગમાં ખુબ ગુમાવવું પડ્યું હતું. યુરોપીયનોના દરીયાઈ આક્રમણ સામે લડવા માટે ભારતના રાજાઓ પાસે જરુરી નૌકાદળ નહોતું. આવા ઘણા દાખલા આપી શકાય – રુઢીચુસ્ત માનસે ભારતીય સમાજને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. જે ધર્મ સમય પ્રમાણે બદલાતા નથી એમના અનુયાયીઓ ધર્મથી વીમુખ થઈ જાય છે તો ક્યારેક ધર્માન્તર પણ કરે છે. ધર્મ સદન્તર લુપ્ત થવાના દાખલા પણ ઈતીહાસમાં છે.

અધ્યાત્મની વાતો પરલોકની માન્યતા પર આધારીત છે. એને કેટલું મહત્ત્વ આપવું એ દરેકની શ્રદ્ધા પર આધાર રાખે છે. અધ્યાત્મ જે પણ હોય તે; પણ તે સ્વકેન્દ્રી છે. એના જે પણ ફાયદા હોય તે વ્યક્તીગત છે. અને જો ફાયદા ન હોય તો એની પાછળ ખર્ચેલ સમય અને શક્તીનો વ્યય એ ગેરફાયદો જ ગણાય.

(નોંધ: આ લેખના કેટલાક મુદ્દા અમેરીકાસ્થીત લેખક શ્રી. સુબોધ શાહના અંગ્રેજી પુસ્તક ‘Culture Can Kill’માંથી લેખકની પરવાનગીથી સાભાર લીધા છે. –લેખક)

 –મુરજી ગડા

લેખક સમ્પર્ક:

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા– 390007 સેલફોન: 972 679 9009 ઈ–મેલ: mggada@gmail.com

કચ્છી જૈન સમાજ,અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2013ના એપ્રીલ માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ http://govindmaru.wordpress.com/વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 ♦ ‘રૅશનલવાચનયાત્રા માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો,પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે,મારા ‘અભીવ્યક્તી’બ્લોગના હોમ–પેઈજ પર મથાળે,આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 27/06/2014

–શૈલેશ આચાર્ય

વીશ્વમાં ભારત એક એવો દેશ છે કે જ્યાં હીન્દુ સંસ્કૃતી મુજબ વૃક્ષો અને નદીઓને પવીત્ર ગણવામાં આવે છે. કદાચ જ લોકો સુધી આ વાત પહોંચી હશે કે આપણા દેશની સૌથી મોટી અને પવીત્ર ગંગા નદીના પટમાં ગેરકાયદે ખોદકામ અને નદીની પવીત્રતા બરકરાર રાખવા તથા તેના શુદ્ધીકરણ માટે ત્રણેક વર્ષ પહેલાં એક સ્વામીએ લાંબા સમયના ઉપવાસ કરેલા અને ત્યાર બાદ તેમનું વીવાદાસ્પદ રીતે અવસાન થયું હતું. તે મામલે કોઈ ગમ્ભીર નહોતું. ગંગા નદીની પવીત્રતા, શુદ્ધીકરણ અને સ્વછતા માટે લડત કરનાર અને પ્રાણ આપનારને શા માટે તેમ કરવાની ફરજ પડી હતી? જો માનીએ તો તે એક સંશોધનનો વીષય બની જાય છે.

ભારતની સૌથી મહત્ત્વપુર્ણ અને આસ્થાનું પ્રતીક મનાતી પવીત્ર નદી ગંગા, ભારત અને બાંગલાદેશમાં મળીને લગભગ 2,150 કીલોમીટરનું અંતર કાપે છે. તે ઉત્તરાખંડમાં હીમાલયથી લઈ બંગાળની ખાડીના સુંદરવનનાં વીશાળ મેદાનોમાંથી પસાર થતી દરીયાને મળે છે. અમુક જગ્યાએ 100 ફુટનું ઉંડાણ ધરાવતી આ નદીનો પૌરાણીક ઈતીહાસ છે. ગંગા નદીના કીનારે અનેક ધાર્મીક સ્થળો આવેલાં છે. ભારતમાં ગંગા એ માત્ર નદી નથી; એ સદીઓથી કરોડો લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે !

ગંગાજળ વીશ્વભરમાં શુદ્ધતાની ક્ષમતા બાબતે નામાંકીત છે. દીર્ધકાળથી ગંગાના પાણીની શુદ્ધતાનું વૈજ્ઞાનીક કારણ છે તેના પાણીમાં રહેલા ‘બેક્ટીરીયોફેજ’ નામના જીવાણુ, જે અન્ય હાનીકારક જીવાણુઓનો નાશ કરે છે. વળી, તેમાં ઑક્સીજન ટકાવી રાખવાની અસાધારણ ક્ષમતા છે. તેથી મહાબીમારીઓનું જોખમ ટળે છે અને રોગચાળો ફેલાતો નથી. ઘણી વખત ‘ગંગાજળ તો દુષીત થશે જ નહીં’; એ અભીગમને કારણે પણ ગંગાને બેફામ રીતે પ્રદુષીત કરાય છે. પૌરાણીક અને ધાર્મીક રીત–રીવાજ, શ્રદ્ધા, આસ્થા અને વીશ્વાસ જેવી દરેક બાબતો પોતાના સ્થાને એકદમ વાજબી છે અને રહેશે જ. હીન્દુ ધર્મ પ્રમાણે પુરાતનકાળથી એવી દૃઢ માન્યતા છે કે ગંગામાં સ્નાન કરવાથી મનુષ્યનાં સમગ્ર પાપ ધોવાય છે. એટલું જ નહીં, શરીર સાથે મનની શુદ્ધી પણ થાય છે. એ વાત જુદી છે કે આ ધાર્મીકતાને એક અલગ જ સ્વરુપ આપીને નહાવા ઉપરાંતની ઉપજાવેલી અનેક માન્યતાઓ ભારતના લોકો પર ઠોકી બેસાડાઈ છે.

આ બાબત વીગતથી જોઈએ: લોકો નદીમાં પોતાના મૃત સ્વજનોનાં અસ્થી પધરાવે છે તે ધર્મ પ્રમાણે સ્વીકૃત છે; પરન્તુ નદીમાં સ્વજનોનાં મૃતદેહ, પ્રાણીઓના મૃતદેહ, ફુલહાર, પ્રસાદ (પ્રસાદમાં કોઈ ચોક્કસ વસ્તુ નહીં; દરેકને મનફાવે તેવું કંઈ પણ પધરાવી દેવાનું) દીવા–અગરબત્તી, પ્લાસ્ટીક, કાગળ વગેરે અનેક વસ્તુઓ પધરાવવાની ? વળી, આ યાદી તો ઘણી અધુરી છે. સમ્પુર્ણ ઉલ્લેખ આ લેખમાં કરીએ તો આખો લેખ એ યાદીથી જ પુરો થઈ જાય ! અને મુખ્ય વાત તો તે છે કે ગંગાનાં પવીત્ર જળમાં ડુબકીઓ મારે છે તેઓ આ પાણીમાં કુદરતી હાજત કે લઘુશંકા કરતા હોય તો તેની કોને ખબર છે ? ટુંકમાં, જેના મગજમાં જેવી માન્યતા પેદા થાય તે પ્રમાણેનો વ્યવહાર નદીકીનારે આવીને કરે છે. આવી પુષ્કળ ચીજવસ્તુઓ પાણીમાં વહાવીને ખુબ જ મોટું ધાર્મીક કાર્ય કરીને જાણે પુણ્ય કમાયા ન હોય, તેવો સંતોષ (ખરેખર તો વીકૃત સંતોષ) મેળવે છે. લોકોને મનફાવે તે રીતે આ પાણીનો ઉપયોગ કરવામાં સહેજ પણ ખચકાટ થતો નથી.

આ લેખના અંતે દર્શાવેલ તસવીરો પરથી અંદાજ આવી શકે કે લોકોના માનસમાં કેટલી વીકૃતી ભરેલી છે. ગંદકી ફેલાવતા (કહેવાતા) ધાર્મીક લોકો એક દૃષ્ટીએ આ પાણીને ખુબ જ પવીત્ર માને છે, નદીકીનારા પર રોજ આરતી થાય, પાણીને માથા પર ચઢાવી તેની પુજા થાય અને બીજી તરફ નર્યાં ગંદાં કૃત્યોની હારમાળા ! હા, આને ગંદું કૃત્ય જ કહેવાય, બીજું કશું નહીં. આ ‘કહેવાતા ધાર્મીક લોકો’ આપણી જ ધાર્મીક પરમ્પરા અને શ્રદ્ધાને વૈશ્વીક સ્તરે બદનામ કરી રહ્યા છે. શ્રદ્ધા અને વીશ્વાસ દુનીયાના અન્ય દેશોમાં પણ છે; પરન્તુ તેનો મતલબ એવો નથી કે જે સ્થળ પવીત્ર હોય તેને ધર્મના નામે જાણે–અજાણે અપવીત્ર પણ કરવાનું !!!

આ ગંદકી માત્ર યાત્રાળુઓ દ્વારા જ નથી થતી; પણ મોટેભાગે નદીકીનારે વસેલાં અનેક નગરોના સ્થાનીક લોકો દ્વારા પણ કરાય છે. સ્થાનીક લોકો સવારની કુદરતી હાજતથી માંડીને નહાવા અને કપડાં ધોવાનાં તમામ કાર્યો નદીકીનારે જ કરે છે. કાકાસાહેબ કાલેલકરે પ્રખ્યાત પુસ્તક ‘હીમાલયનો પ્રવાસ’માં નોંધ્યું છે કે વર્ષો પહેલાં હીમાલયના કેટલાંક તળ ગામડાંના લોકો કુદરતી હાજત પછી પાણીનો ઉપયોગ જ નહોતા કરતા. કેમ ? પાણી ગંગાનું હોય અને આવા કામ માટે ગંગાના પાણીનો ઉપયોગ કેવી રીતે થાય ? એક બાજુ ગંગાની પવીત્રતા માટેની આટલી ઉંચાઈવાળી શુદ્ધ ભાવના અને બીજી બાજુ આજે ગમે તે ભોગે ગંગાને મેલી કરવા માટે થતા અથાગ પ્રયાસો !

જો તે સમયમાં પણ ગ્રામીણ અને નીરક્ષર લોકોમાં આટલી ઉંચી સમજણ હતી તો પછી આજના સુધરેલા, આધુનીક અને કહેવાતા શીક્ષીત લોકોમાં આવી ગંદી બાબત કેમ ઘર કરી ગઈ છે ?

આ પ્રકારની વીકૃતીઓ ઓછી હોય તેમ નદીકીનારા પરનાં નગરોના ઉદ્યોગો, નદીમાં કૅમીકલમીશ્રીત કચરો ઠાલવે, નગરની ગટરનાં પાણી ઠલવાય તે તો બોનસમાં ! પછી ગંગાની તાકાત છે કે એ શુદ્ધ રહી શકે ? આ વાત ફક્ત ગંગા નદી પુરતી સીમીત નથી, અહીં ગંગાનાં પ્રદુષણની વાત પર વધુ ભાર અપાયો છે; કારણ કે સૌથી વધુ પ્રદુષણ ગંગા નદીમાં જ થઈ રહ્યું છે. વળી, અન્ય નદીઓ કરતાં હીન્દુ ધર્મમાં ગંગા નદીનું મહત્ત્વનું સ્થાન છે. અલબત્ત, ભારતમાં ઓછાવત્તા પ્રમાણમાં હરેક નદીઓની આવી જ (અવ)દશા છે.

યમુના નદીની વાત લઈએ. યમુના હીમાલયના યમુનોત્રીમાંથી નીકળી ઉત્તર પ્રદેશથી હરીયાણાના છેવાડે સતત 153 કીલોમીટર સુધી સરકતી દીલ્હીથી આગ્રા થઈને અલ્હાબાદમાં ગંગા નદીને મળે છે. ભારતની તમામ પ્રાચીન અને પવીત્ર નદીઓમાં યમુનાની ગણના ગંગા નદી સાથે કરાય છે; પરન્તુ આ નદીના પણ આવા જ હાલ છે. આ નદી પણ તેના ઉદ્ગમસ્થાનમાંથી નીકળે છે તો એકદમ ચોખ્ખી અને પવીત્ર; પરન્તુ તેની સાથે સંકળાયેલાં તમામ નગરો અને શહેરોમાંથી નદીમાં કચરાના ઢગના ઢગ ઠલવાય છે. યમુના નદીમાં સૌથી વધુ પ્રદુષણ ભારતની રાજધાની દીલ્હીમાં જ થાય છે. દીલ્હીમાં આ નદી જ્યાંથી વહે છે તેના કીનારે અસંખ્ય ગટરનાળાં અને ઔદ્યોગીક એકમો છે, જે સતત પ્રદુષણ ઓક્યા જ કરે છે.

આવી જ હાલત મહારાષ્ટ્રના વીશ્વવીખ્યાત શીરડી નગર પાસે થઈને, નાસીક શહેરમાંથી પસાર થતી ગોદાવરી નદીની છે. ત્ર્યંબકેશ્વરના પશ્વીમઘાટમાંથી નીકળીને બંગાળના ઉપસાગરમાં મળતી આ નદીની લંબાઈ 1,465 કીલોમીટર છે. આ નદીના કીનારે મુખ્ય શહેર નાસીક છે, જ્યાં દર 12 વર્ષે કુંભ મેળો યોજાય છે અને કરોડો ભાવીકો નદીના પવીત્ર જળમાં ડુબકી મારે છે. દર 12 વર્ષે અહીં આ ધાર્મીક કાર્ય કરોડો લોકોની શ્રદ્ધા અર્થે થાય છે; પરન્તુ નાસીક શહેરમાંથી પસાર થતી આ નદીમાં રોજબરોજ સ્થાનીકો દ્વારા જે પ્રદુષણ ઠલવાય છે જેને ધાર્મીકતા સાથે કોઈ જ લેવા–દેવા નથી.

લોકો નદીઓને ગંદી કરે છે શા માટે ? વીડમ્બના તો જુઓ ! એક તરફ નદીને એટલી બધી પવીત્ર માને કે તેની પુજા કરે, તેની આરતી થાય અને બીજી તરફ તેને પ્રદુષીત પણ કરે ! આ તે કેવી છીછરી માન્યતા ?

સરકારી તંત્ર પણ દોષીત ખરું; પણ કેટલેક અંશે જ. નદીઓની મહાગંદકીનો ઝરો તો છે લોકોનું દુષીત થયેલું માનસ. જ્યાં સુધી લોકમાનસમાં ધર્મના નામે પ્રદુષણ ફેલાવવાની વીકૃતી (ના, તેને કોઈપણ સંજોગોમાં વૃત્તી ના કહેવાય) છે ત્યાં સુધી ગમે તેવા કાયદા લદાય, કડક નીયમો બનાવાય, કરોડોની યોજનાઓ લાગુ કરાય; પરીસ્થીતી સુધરશે જ નહીં. તેનો ઠોસ ઉકેલ એક જ છે: લોકોએ પોતાનું માનસ સુધારવું જ રહ્યું. ગંગા નદીના શુદ્ધીકરણ માટે 1985માં ‘ગંગા એક્શન પ્લાન’ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા અબજો રુપીયાની રકમ ફાળવાઈ હતી. ત્યાર પછી વર્લ્ડ બેંક દ્વારા આશરે એક અબજ રુપીયાની લોન પણ આ માટે મંજુર કરાઈ હતી; છતાં આજે પણ ‘ગંગા મૈલી’ જ છે.

એક અંદાજ પ્રમાણે ગંગા નદીમાં રોજ આશરે 2,90,00,000 (બે કરોડ નેવું લાખ !) લીટર પ્રદુષીત કચરો ઠલવાય છે. વર્લ્ડ બેંકના રીપોર્ટ પ્રમાણે ફક્ત ઉત્તર પ્રદેશની 12 ટકા બીમારીનું કારણ ગંગા નદીનું પ્રદુષીત પાણી છે. જે પાણી, પાપને શુન્ય કરતું હતું; એ પાણી હવે અનેક બીમારીની ભેટ ધરે છે ! અહેવાલ તો એમ પણ કહે છે કે હવે ગંગાનું પાણી પીવા, નહાવા કે સીંચાઈ માટે યોગ્ય રહ્યું નથી. લોકો દ્વારા કરાઈ રહેલા પ્રદુષણથી બેસુમાર રીતે દુષીત થતી ગંગા નદી પર ગ્લોબલ વોર્મીંગની પણ જોખમી અસર થઈ રહી છે. આજે દુષીત બનેલી ગંગાના અસ્તીત્વ સામે જ પ્રશ્ન ઉભો થાય તે પહેલાં બધાએ ચેતી જવાની જરુર છે અને હા, ગંગાને બચાવવા હવે બીજો કોઈ ભગીરથ નહીં આવે, ફક્ત ભારતીય પ્રજા અને અહીં આવનારા યાત્રાળુઓ જ તેને બચાવી શકશે.

–શૈલેશ આચાર્ય

01

02

03

04

05

લેખકસમ્પર્ક : 

શ્રી. શૈલેશ આચાર્ય, 39/232, વીજયનગર, પત્રકાર કોલોની પાસે, નારણપુરા, અમદાવાદ 380 013 સેલફોન: 98981 23232 ઈ.મેઈલ: shailacharya@gmail.com

એક સમ્પુર્ણ પારીવારીક સામયીક ‘સુર્યનમસ્કાર (તંત્રી: શ્રી. કીશોર મકવાણા, – namaskarkishore@gmail.com )નાજુન, 2014ના સળંગ અંક: 104માં લેખકશ્રી. શૈલેશ આચાર્યનો આ લેખ પ્રકાશીત થયો છે. લેખકશ્રી અને ‘સુર્યનમસ્કાર સામયીકના સૌજન્યથી સાભાર…

લવાજમ સમ્પર્ક: ‘સુર્યનમસ્કાર’,9–આઈ, વરદાન ટાવર, વીમલ હાઉસની બાજુમાં, વીઠ્ઠલભાઈ પટેલ કોલોની, સ્ટેડીયમ રોડ, નવરંગ પુરા, અમદાવા–380 014 (છુટક અંકનું મુલ્ય: 40/- રુપીયા વાર્ષીક લવાજમ: 500/- રુપીયા વીદેશ લવાજમ: 3,800/- રુપીયા{60 અમેરીકન ડૉલર} સહયોગ સભ્ય: 20,000/- રુપીયા)

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ http://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450  જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 .મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 20/06/2014  

– યાસીન દલાલ

કોઈ પણ વીચારની સાથે વીવેક હોય તો જ એ વીચારનો અમલ ખીલી ઉઠે છે. વીચાર કરવાની તસ્દી નહીં લેનારાઓની સંખ્યા દીવસે દીવસે વધતી જાય છે. વીચારવાનું છોડી પરમ્પરાનું વધુ પડતું પાલન માણસના વ્યક્તીત્વને ખોરવી નાખે છે. વીચારશીલ માણસ બુદ્ધી અને તર્કથી કામ લે છે. શ્રદ્ધા કરતાં તર્ક વધુ આવકાર્ય છે. શ્રદ્ધા અન્તે અન્ધશ્રદ્ધામાં ફેરવાઈ જાય છે.

કેટલાક લોકો માને છે કે વીજ્ઞાન અને ધર્મ એકબીજાના વીરોધી છે. ધર્મનો જો વીશાળ અર્થ કાઢવામાં આવે તો આ વીરોધ તરત જ ખરી પડે. ધર્મને જો સમ્પ્રદાયના સાંકડા ચોકઠામાં પુરી દેવામાં આવે તો બહુ મોટો વીરોધાભાસ સર્જાય.

માણસજાત હવે 21મી સદીમાં પ્રવેશી ચુકી છે. આ સદી વીચારોની વીશાળતાની છે. પુર્વ અને પશ્ચીમનો વીરોધાભાસ હવે ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો છે. એ જ રીતે જુદા જુદા ધર્મો વચ્ચેનો વીરોધાભાસ પણ ઓગળી જવો જોઈએ. અત્યારના સમયનો આ જ તકાદો છે.

છેલ્લી બે-ત્રણ સદીઓના મનુષ્યનો ઈતીહાસ એ પરીવર્તનનો અને બદલાવનો ઈતીહાસ છે. આ પરીવર્તનની પ્રક્રીયા હજી ચાલી રહી છે. જેમ જેમ નવી નવી શોધખોળો થાય છે, તેમ તેમ માણસનું બાહ્ય જીવન બદલાય છે અને જેમ જ્ઞાનનાં નવાં ક્ષેત્રો ખુલતાં જાય છે તેમ એનું આન્તરીક જીવન પણ બદલાઈ રહ્યું છે. કીરણ બેદી જ્યારે તીહાર જેલના કેદીઓનું જીવન સુધારવાનો પ્રયોગ કરીને એવોર્ડ મેળવે છે ત્યારે એ વાત સમજવી જોઈએ કે, મનોવીજ્ઞાન તથા મનુષ્ય સ્વભાવ તથા એનાં વલણોને ફ્રોઈડ જેવા વૈજ્ઞાનીકોએ સમજાવ્યાં ન હોત તો જેલસુધારણા શક્ય જ નહોતી. આજથી દોઢ-બે હજાર વર્ષો પહેલાં તો માણસ ‘ખુન કા બદલા ખુન’ના સીદ્ધાન્તમાં માનતો હતો. માણસ ગુનાખોરી તરફ કેમ વળે છે તે મનોવલણો જાણવાનું કોઈ શાસ્ત્ર જ વીકસ્યુ નહોતું. હવે માણસ સાચું બોલે છે કે ખોટું એ જાણવા માટે ‘લાઈ ડીટેક્ટર’ નામના મશીનનો પણ ઉપયોગ થાય છે.

માણસના જીવન પર કેટલાંક પરીબળો સતત પ્રભાવ પાડે છે. એમાં કુટુમ્બ, શાળા, જ્ઞાતી ઉપરાન્ત ધર્મનો સમાવેશ થાય છે. કુટુમ્બપ્રથા બદલાઈ ગઈ, શીક્ષણની પ્રદ્ધતીમાં સંખ્યાબંધ ફેરફારો થઈ ગયા, પહેરવેશ બદલાયો, પણ ધર્મ હજી બદલાતો નથી; એ સ્થગીત થઈ ગયો છે.

એમ. એન. રોયે સંગઠીત ધર્મોની એક મોટી મર્યાદા તરફ નીર્દેશ કર્યો હતો. અહમ્, અભીમાન એ મનુષ્યની એક નબળાઈ છે અને ધર્મ માણસમાં સામુહીક અહમ્ પ્રેરે છે. દરેક માણસને પોતાના વતન પ્રત્યે પ્રેમ હોય, પોતાની જ્ઞાતી, કોમનું ગૌરવ હોય એ સમજી શકાય; પણ ધર્મ તો એની બધી મર્યાદાઓને વટાવીને સામુહીક અહમ્ ની લાગણી જન્માવે છે. પરીણામે ‘મારો ધર્મ મહાન’થી શરુ કર્યા પછી માણસ એમ માનતો થઈ જાય છે કે બીજા ધર્મો તુચ્છ છે, ઉતરતા છે. વાસ્તવમાં ચોક્કસ ધર્મ પાળતા લોકોની સંખ્યા વધારતા જવાથી કોઈ ધર્મનો ઉદ્ધાર થઈ જતો નથી કે કોઈ પ્રજાનો ઉદ્ધાર થઈ જતો નથી. ધર્મ એ આન્તરપ્રતીતી સાથે સમ્બન્ધ ધરાવે છે. માણસને જે ધર્મના સીદ્ધાન્તો પ્રત્યે આકર્ષણ થાય એ ધર્મ એ અપનાવી શકે; પણ બાહ્ય આકર્ષણ કે બાહ્ય પ્રચારથી અંજાઈને ધર્મપરીવર્તનો થાય, ત્યારે એનો પાયો જ નબળો હોય છે. આવી ધાર્મીકતા પોકળ અને ખોખલી હોય છે. ધર્મનું લેબલ બદલવાથી અન્દરનો માણસ બદલાઈ જતો નથી.

માણસ કરોડો વર્ષો સુધી અસંસ્કારી અને સભ્યતા વગરનો રહ્યો. એને સભ્યતા અને સંસ્કાર શીખવનાર ધર્મ નથી. એમ હોય તો માણસનો જન્મ થયો, ત્યારથી એ સંસ્કારી બની ગયો હોત. હકીકતે, આજના મનુષ્યની બધી સભ્યતા અને બધી સંસ્કારીતા માત્ર પાંચ હજાર વર્ષ પુરાણી છે. માણસે ચીત્રકળા વીકસાવી એમાંથી લેખીત ભાષાનો ઉદ્ ભવ થયો. પહેલાં માણસને બોલચાલની ભાષાનું પ્રબળ માધ્યમ હાથ લાગ્યું અને એણે એનું સમગ્ર જીવન બદલી નાખ્યું. હસ્તલીખીત ભાષાની મદદથી માણસે જ્ઞાન અને માહીતીનો ધીમોધીમો પ્રસાર શરુ કર્યો. આજે જીવનમાં સંખ્યાબન્ધ ક્ષેત્રોમાં માહીતી અને જ્ઞાનનું જે ખેડાણ થયું છે, એની પાછળ ભાષાનો પાયો પડેલો છે. ભાષા ન જાણનાર માણસ વીચારી પણ શકતો નથી. વીચારવા માટે પણ ભાષા જરુરી છે. ગુટેનબર્ગે જ્યારે સોળમી સદીના મધ્યમાં મુદ્રણની કળા વીકસાવી ત્યારે આ ભાષાને જાણે એક નવું હથીયાર સાંપડી ગયું. પ્રીન્ટીંગ પ્રેસની સ્થાપનાએ મનુષ્ય સંસ્કૃતીમાં ક્રાન્તી કરી નાખી. વીશ્વનો પ્રથમ છપાયેલો ગ્રંથ બાઈબલ હતો. મનુષ્યની કળાનો વીકાસ થયો અને ધર્મગ્રંથોની લાખો નકલો છપાઈને ઘેર ઘેર પહોંચી ગઈ. આમ, ધર્મ એ વીજ્ઞાન અને ટૅકનૉલૉજીની મદદથી ફેલાયો છે. આજે તો અખબાર, પુસ્તક, રેડીયો, વીડીયો, ટેલીફોન કે માઈક્રોફોન વીના કોઈ ધાર્મીક વીધી કે કથા પણ શક્ય નથી; પણ એક જ્યારે આ બધું નહોતું ત્યારે પણ ભાષા હતી અને કોતરણી કામ હતું, પાંદડાં પર લખવાની કળા હતી, જ્યાંથી શીલાલેખોનું નીર્માણ થયું. આમ, મનુષ્યની આધુનીક સંસ્કૃતીનો વીકાસ સદીઓ અને દાયકાઓથી મહેનત અને શોધખોળથી થયો છે. આ વીકાસ રાતોરાત થયો નથી અને કોઈ દૈવી ચમત્કારથી થયો નથી. ઔદ્યોગીક ક્રાન્તી અને વૈજ્ઞાનીક પ્રગતીએ માણસના કરોડો વર્ષોના પછાતપણાને દુર કરીને એના જીવનને સુખ, સગવડથી ભરી દીધું. એ ઝડપથી પ્રવાસ કરવા લાગ્યો, હજારો માઈલ દુર બેઠેલા મીત્ર કે સમ્બન્ધી સાથે વાત કરવા લાગ્યો. એ ગાડામાં બેસીને કે ઘોડા પર સવાર થઈને પ્રવાસ કરતો હતો અને બદલે જમ્બો વીમાનમાં ઉડવા લાગ્યો. સદીઓ પહેલાનો આદીમાનવ આમ, ગુફામાંથી બહાર આવીને એરકન્ડીશન્ડ ઈમારતમાં મહાલવા માંડ્યો. આ સમૃદ્ધી, આ સગવડો અને આ અનુકુળતાઓ ટૅકનૉલૉજીથી આવી, વીજ્ઞાનથી આવી, મતલબ કે પ્રચંડ પુરુષાર્થ અને મગજશક્તીથી આવી.

જે પ્રજા પોતાની સમાજવ્યવસ્થા, કુટુમ્બવ્યવસ્થા, અર્થવ્યવસ્થા કે શીક્ષણ પદ્ધતીમાં જમાના પ્રમાણે પરીવર્તન નથી કરતી એ પ્રજાનું માનસ બંધીયાર થઈ જાય છે. નદીનું પાણી વહેતું હોય છે તેથી ચોખ્ખું હોય છે અને ખાબોચીયાનું પાણી બંધીયાર બનીને ગંધાવા માંડે છે. એ જ રીતે જે પ્રજા ધર્મનાં બાહ્ય પ્રતીકો, બાહ્ય આદેશો અને બાહ્ય ક્રીયાકાંડોને સર્વસ્વ સમજીને એને જડતાથી વળગી રહે છે એ પ્રજા પણ સંકુચીત અને સંકીર્ણ બની જાય છે.

સંગઠીત ધર્મથી ઉદ્ધાર થતો હોત તો બે દેશો, એક જ ધર્મની પ્રજા ધરાવતા હોવા છતાં; વર્ષો સુધી લોહીયાળ યુદ્ધ ન ખેલત. ધર્મને નામે લોહીની નદીઓ વહેત નહીં અને ધર્મને નામે નફરત તથા વેરઝેરનો ફેલાવો થાત નહીં. ધર્મ આખર શું છે ? એ માનવકલ્યાણનું સાધન છે કે સાધ્ય છે ? જો મનુષ્યનો ઉદ્ધાર કરવાને બદલે એ પીછેહઠ અને બંધીયારપણું લાવતો હોય તો સમજવું જોઈએ કે આપણા સાધનમાં ખામી છે. એમાં વીકૃતીઓ ઘુસી ગઈ છે. આપણે ધાર્મીક વીધીઓને જ સાધ્ય ગણીને એમાં જ ડુબી ગયા. પરીણામે મનુષ્ય સ્વભાવની બધી બુરાઈઓ એક બાજુ ચાલે છે અને બીજી બાજુ ધાર્મીક ઉત્સવોનો ઝમેલો ચાલતો રહે છે.

કહેવાનો અર્થ એ નથી કે ધર્મોએ માણસના વીકાસમાં કોઈ ભાગ ભજવ્યો નથી કે એણે માત્ર નુકસાન જ નુકસાન કર્યુ છે. માણસ જ્યારે પશુપંખીની જેમ જંગલોમાં ભટકતો હતો અને પ્રાકૃત અવસ્થામાં હતો ત્યારે ધર્મે બતાવેલાં નીતીનીયમોએ એને સંસ્કારી બનાવવામાં ફાળો આપ્યો હતો.

પ્રશ્ન એ છે કે વૈજ્ઞાનીક ક્રાન્તી થઈ અને માણસ જાતે જ પોતાનું હીત-અહીત સમજવા લાગ્યો, એ પછી ધર્મની આખી ભુમીકા એનો સન્દર્ભ જ બદલાઈ ગયો.

યુરોપની પ્રજાએ તો આ સત્ય તરત જાણી લીધું અને ધર્મ અને વીજ્ઞાનની ટક્કરમાંથી માર્ગ કાઢી લીધો. આ માર્ગનું નામ એટલે બીનસામ્પ્રદાયીકતા. યુરોપમાં હોલીયોક જેવા વીચારકોએ સમજાવ્યું કે ધર્મગ્રંથો હજારો વર્ષ પહેલાં જે તે સમયની જરુરીયાત મુજબ લખાયા હતા. એમાં લખેલી ઘણી વાતો આજે વીજ્ઞાનની કસોટીએ ચડાવતાં ખોટી પુરવાર થાય છે. આથી બે બાબતો અને મુદ્દાઓને કાઢી લઈને ધર્મના નૈતીક સીદ્ધાન્તો અને મુલ્યોના પ્લાન પર ભાર મુકવો જોઈએ. ગેલીલીયો કે કોપરનીકસ જેવા વૈજ્ઞાનીકોને ધર્મગુરુઓએ પ્રારમ્ભમાં પરેશાન કર્યા; પણ વીજ્ઞાનના ઘોડાપુર સામે ધર્મની અન્ધશ્રદ્ધા અને જડતા ટક્યાં નહીં. પરીણામે પશ્ચીમના લોકજીવનમાં ધર્મનું સ્થાન મર્યાદીત બની ગયું છે. એ લોકોએ ધર્મને શેરીઓમાં લાવવાને બદલે, શીક્ષણ કે અર્થકારણમાં ઘુસાડવાને બદલે, એને અંગત માન્યતાનો મુદ્દો બનાવી દીધો. પરીણામે વૈજ્ઞાનીક શોધખોળો અને ટૅક્નૉલૉજીની આગેકુચ ચાલુ રહી અને મનુષ્યજીવન વધુ સુખી અને સમૃદ્ધ બનતું જ ગયું.

પણ, આપણે એશીયાના લોકો, હજી ધર્મના બાહ્ય ક્રીયાકાંડો અને વીધીવીધાનોમાંથી બહાર આવતા નથી. પરીણામે ધર્મનાં આવાં તત્ત્વો અદૃશ્ય થયાં અને આપણી બધી શક્તી ધાર્મીક જુલુસો, શોભાયાત્રાઓ અને યજ્ઞોમાં વેડફાઈ રહી છે. લોકો ધર્મ-અધર્મ વચ્ચે ભેદ જ કરી શકતા નથી. પાખંડી સાધુઓ અને મૌલવીઓને ધાર્મીકતાનું પ્રતીક માને છે, એમનાથી છેતરાય છે અને પ્રામાણીક, નીષ્ઠાવાન માણસ મન્દીર કે મસ્જીદમાં ન જાય એટલે એની ઉપેક્ષા કરે છે.

આજના યુગમાં નીતીનીયમો અને મુલ્યોનું ચોક્કસ મહત્ત્વ છે; પણ સદીઓ જુના ધાર્મીક ક્રીયાકાંડોનું હવે કોઈ સ્થાન નથી. માણસ ધર્મને એના વ્યાપક પરીપ્રેક્ષ્યમાં સમજે અને ધાર્મીકતાની વ્યાખ્યા બદલે તો જ આ સ્થીતીમાંથી બહાર આવી શકાશે. વૈજ્ઞાનીક કોઈ જીવલેણ રોગની રસી બનાવે છે કે મનુષ્યને યાતના આપતાં દર્દોની દવા શોધે એ વૈજ્ઞાનીક, ધાર્મીક પયગમ્બર કે ધર્મગુરુથી બીલકુલ ઉતરતો નથી અને જે કહેવાતો ધર્મગુરુ ધાર્મીકતાના આંચળા હેઠળ લોકો સાથે ઠગબાજી કરે છે એ આજના માફીયા સરદારોથી બીલકુલ ઓછો ખતરનાક નથી.

સામ્પ્રદાયીકતાથી ભારતીયતા અને રાષ્ટ્રીયતાના ટુકડા થઈ જાય છે. બંધારણે નાગરીકતાને જ મહત્ત્વ આપ્યું છે. તે ધર્મ પર આધારીત નથી તેમ પ્રદેશ અને જાતી પર પણ આધારીત નથી. પ્રેમ એ જ ધર્મ. ધર્માન્ધતા માણસને બેહોશ બનાવે છે. જે દીવસે માનવજાત સચેત અને સભાન થઈ જશે તે દીવસથી એ ધર્મને નામે લડાતી લડાઈઓ બંધ થઈ જશે. આજે નુતનવીજ્ઞાન અને ટૅક્નૉલૉજીનો યુગ છે એ સત્ય સ્વીકારીને જ ચાલવું પડશે. તો જ આપણી મીશ્ર સંસ્કૃતીની ગૌરવશાળી પરમ્પરાની ગરીમા જળવાશે.

–યાસીન દલાલ

‘ગુજરાત સમાચાર’, દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીન દલાલની ‘વીચાર વીહાર’ નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા. 06 ઓક્ટોબર, 2012ના અંકમાંથી ડૉ. યાસીન દલાલના અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના સૌજન્યથી સાભાર…

સમ્પર્ક: ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ-360 007 ફોન: (0281) -257 5327 ઈ.મેઈલ: yasindalal@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ http://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 00/04/2014

–રોહીત શાહ

વૃક્ષ વીશે વાત કરવાની તક મળે છે ત્યારે ભીતરથી લીલીછમ કુંપળો ફુટતી હોય એવો રોમાંચ હું અનુભવું છું. અમદાવાદ વીવીધ ભારતી રેડીયોએ મને તાજેતરમાં એવો રોમાંચ ભેટ આપ્યો. ત્યારે વરસાદ ધીમી ધારે વરસી રહ્યો હતો. હું મારા ઘરની બારીમાંથી રસ્તા પર નહાઈ રહેલાં વૃક્ષો જોવામાં મગ્ન હતો. વૃક્ષો જાણે નહાઈને મારી પાસે ટુવાલ માગી રહ્યાં હતાં. બરાબર એ જ ક્ષણે વીવીધ ભારતી રેડીયો–અમદાવાદના અનાઉન્સર અભીષેકનો ફોન આવ્યો :

‘રોહીતભાઈ !મારે તમારી સાથે વન–મહોત્સવ,પર્યાવરણ અને વૃક્ષો વીશે ફોન પર જ બે–ત્રણ મીનીટ વાત કરવી છે. તમે કહો તો એનું રેકૉર્ડીંગ શરુ કરી દઉં.’

વૃક્ષની વાત કરવાની હોય ત્યારે ના પાડે એ બીજા !મેં રાજી થઈને રેકોર્ડીંગ કરવાની ઉમળકાભરી મરજી બતાવી. અભીષેકે તરત રેકૉર્ડીંગ મશીન ઑન કર્યું અને પ્રશ્નો પુછવાનું શરુ કર્યું. અમારા બન્ને પૈકી કોઈની પાસે તૈયાર સ્ક્રીપ્ટ નહોતી, એટલે અહીં સ્મરણના આધારે એ સવાલ–જવાબ લખીશ. ભુલચુક લેવી–દેવી.

અભીષેકનો પહેલો સવાલ: વૃક્ષો અને વન–મહોત્સવ વીશે તમે શું માનો છો ?

મેં જવાબમાં કહ્યું કે વૃદ્ધો અને વૃક્ષો મારે મન સદાય આદરણીય છે. વૃક્ષોનો અનાદર કરનાર સમાજને પ્રદુષણનો ભોગ બનવાનો મુર્ખામીસીદ્ધ અધીકાર છે.મારે મન વૃક્ષો ઈશ્વર કરતાંય મહાન છે. ઈશ્વર હોવા–ન હોવા વીશે શંકા થઈ શકે છે,જ્યારે વૃક્ષના અસ્તીત્વ વીશે કોઈ શંકા નથી. જો ઈશ્વર હોય અને લોકો કહે છે તેમ એ વરદાન આપતો હોય તો પણ; એ વરદાન પામવા માટે વર્ષો સુધી ઉગ્ર તપસ્યા કરવી પડે છે. વ્રત–ઉપવાસની કઠોરતાઓ વેઠવી પડે છે. એટલું કર્યા પછી ઈશ્વર પ્રસન્ન થાય અને વરદાન માગવાનું કહે તો પેલા ભક્તે વરદાન ‘માગવું’ પડે છે !જ્યારે વૃક્ષો તો ઈશ્વર કરતાંય મહાન છે. વૃક્ષો પાસે કદી કોઈએ વરદાન માગવું પડતું નથી. માગ્યા વગર જ આપણી સુખાકારી માટે એ ઘણુંબધું વરદાનરુપે આપતાં રહે છે.

વનસ્પતી–વૃક્ષોમાં જીવ છે એવું હવે માત્ર જૈનો જ નથી કહેતા. વૃક્ષ એવો જીવ છે જે અન્ય તમામ જીવો પર ભરપુર ઉપકાર કરે છે. કોઈકને ફળ–ફુલ આપે છે,કોઈકને લાકડું આપે છે, પંખીઓને રહેઠાણ આપે છે,પ્રાણીઓને – વટેમાર્ગુઓને વીસામો આપે છે. ‘જીવો જીવસ્ય ભોજનમ્’ એટલે કે એક જીવ બીજા જીવ માટે ભોજન કે આહાર બને છે,આધાર બને છે. એટલે કે એક જીવ બીજા જીવનું ભક્ષણ કરે છે;પરંતુ વૃક્ષ એવો જીવ છે જે કદી કોઈનું ભક્ષણ કરતું નથી. બસ, માત્ર આહાર બને છે.

અભીષેકના બીજા પ્રશ્નના જવાબમાં મેં કહ્યું કે :

વૃક્ષો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડ લઈ લે છે અને એના બદલામાં ઑક્સીજન ભેટ આપે છે. અન્ય તમામ જીવોને જીવવા માટે ઑક્સીજનની જરુર છે. વૃક્ષો કાર્બનડાયોક્સાઈડ વડે જીવે છે. આ માટે આપણે ગરજુડા થઈનેય વૃક્ષોને ‘થૅન્ક યુ’ કહેવું જોઈએ.એક વૃક્ષ, પર્યાવરણની શુદ્ધી માટે જે કંઈ કરે છે એ જો આપણે કોઈ વૈજ્ઞાનીક સાધનો અને પ્રયોગો દ્વારા કરવા જઈએ તો લાખો–કરોડોનો ખર્ચ કરવો પડે. વૃક્ષના આ મુંગા ઉપકારની આપણે નોંધ પણ ન લઈએ તોય વૃક્ષો કદી ખોટું નથી લગાડતાં. ફોઈબાની જેમ મોઢું ફુલાવીને રીસાઈ નથી જતાં.

અન્ય તમામ જીવો કોઈ ને કોઈ સ્વરુપે પાપ કરે છે,કીન્તુ વૃક્ષો લાઈફટાઈમ નીષ્પાપ રહે છે. ‘વન–મહોત્સવનું લાંબા સમયનું આયોજન કેવું હોવું જોઈએ ?’ એવા પ્રશ્નના જવાબમાં મારે એક કડવી વાત કહેવી પડી. આપણે વન–મહોત્સવના નામે વૃક્ષોની પુજા કરીને સન્તોષ ન માની લેવાય;પણ વૃક્ષોની સંખ્યા વધે એ દીશામાં સાચા–નીષ્ઠાભર્યા પ્રયત્નો કરવા જોઈએ. મોટે ભાગે એવું બને છે કે વૃક્ષારોપણના ધમાકેદાર સમારોહો યોજાય છે. વૃક્ષના રોપાઓ વવાય છે. અખબારો અને ટીવીમાં એના ન્યુઝ આવે છે;પરંતુ બીજા દીવસથી પેલા વાવેલા રોપાઓનું શું થયું એની દરકાર કોઈ કરતું નથી. કાં તો ગાય–ભેંસો એ ખાઈ જાય છે;કાં તો સુકાઈ–મુરઝાઈ જાય છે. વૃક્ષારોપણના સાચકલા પ્રયત્નો નહીં થાય તો ગ્લોબલ વૉર્મીંગ આપણને સૌને ભુંડી રીતે ભરખી જશે.

કાર્યક્રમને અંતે અભીષેકે એક ઔર મનગમતી પ્રપોઝલ મુકી : ‘રોહીતભાઈ,તમારું પ્રીય ફીલ્મી ગીત કયું ?’

મેં કહ્યું,‘હું સ્વમાનથી જીવવામાં માનું છું. પ્રસન્ન રહેવું આપણા હાથમાં છે. એ સંદર્ભમાં મારું પ્રીય ગીત ફીલ્મ ‘હમરાઝ’નું ‘ના મુંહ છુપા કે જીઓ ઔર ના સર ઝુકા કે જીઓ !ગમોં કા દૌર ભી આએ તો મુસ્કુરા કે જીઓ’ એ છે. તમે એ ગીત સંભળાવશો તો હું રાજી થઈશ.

એ ગીત સાથે કાર્યક્રમ પણ સમાપ્ત થયો. વૃક્ષો વીશેની મારી અલપઝલપ વાતો અને મારી પસન્દગીનું ગીત તમને ગમ્યાં હોય તો નો પ્રૉબ્લેમ !

 –રોહીત શાહ

મુમ્બઈના પ્રતીષ્ઠીત ગુજરાતી દૈનીક મીડડેમાં લેખક શ્રી. રોહીત શાહની અત્યન્ત લોકપ્રીય કૉલમ ‘નોપ્રોબ્લેમ’ પાંચ વર્ષથી સતત લાખો વાચકો દ્વારા પોંખાતી રહી છે. તેમાં પ્રગટ થઈ ચુકેલા લેખોમાંથીકેટલાક પસન્દ કરેલા ખાસલેખોનું નમુનેદારપુસ્તક ‘યુ–ટર્ન પ્રકાશીત થયુંછે. (પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001 ફોન નં.: (079) 221 44 663 પૃષ્ઠ: 8 + 136 = 144, મુલ્ય: રુપીયા 100/-)માંથી લેખકશ્રીના અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક: શ્રી. રોહીત શાહ, ‘અનેકાન્ત’, ડી–11,રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન: 079-2747 3207 ઈ–મેઈલ: rohitshah.writer@gmail.com

 ‘રૅશનલ–વાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ http://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 06/06/2014

Uturn

–મુરજી ગડા

જૈન મીત્રો સાથેની વાતચીતમાં એક પ્રશ્ન અવારનવાર પુછવામાં આવે છે. દુધ પ્રાણીઓનાં શરીરમાંથી આવતું હોવાથી એને હીંસક ગણાય કે અહીંસક?  આ પ્રશ્ન વ્યાપક હોવાથી એની ચર્ચા જાહેરમાં કરવી જરુરી લાગી છે. માત્ર જૈનોને જ નહીં; પણ અન્ય શાકાહારીઓને પણ તે ઉપયોગી થશે એ આશયથી આ લેખ લખ્યો છે.

જૈન વીચારધારામાં અહીંસાને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે, ખાસ કરીને ખોરાકની પસંદગીમાં. એક એવો વર્ગ છે જેણે દુધ તેમ જ દુધની બનાવટનો સદન્તર ત્યાગ કર્યો છે. તેઓ પોતાને (વેગન)વેજીટેરીયન ગણાવે છે અને આપણને લેક્ટો વેજીટેરીયન (દુધ વાપરતા શાકાહારી) કહે છે. બીજા ઘણા પ્રકારના લોકો છે, જેમની શાકાહારીની વ્યાખ્યા અને ખાનપાનની મર્યાદા આપણાથી અલગ પડે છે. એનાં ઉંડાણમાં જવું જરુરી નથી.

બાળકને શરીરના વીકાસ માટે અને પુખ્ત વયનાઓને શરીર ટકાવી રાખવા માટે સમતોલ આહારની જરુર પડે છે. દરેક પ્રદેશમાં જે સહેલાઈથી મળતું હતું તે એમનો મુખ્ય ખોરાક બન્યો. પાછળથી ધાર્મીક વીચારધારાઓને લીધે એમાં જરુરી ફેરફાર થયા.

દુધમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, કેલ્શીયમ અને જરુરી વીટામીન હોય છે. ધાર્મીક કારણથી દુધ ન લેવું હોય તો આ બધાં જરુરી તત્ત્વોનો વીકલ્પ શોધવો પડે જે શાકાહારી માટે થોડું અઘરું છે.

દુધમાંથી બનતાં દહીં, છાશના સેવનમાં સુક્ષ્મ સ્તરે અહીંસા પાળવી શક્ય નથી. દહીં બનાવવા માટે દુધમાં ઉમેરાતું ‘મેળવણ’ બેક્ટેરીયાનો સમુહ છે. દુધમાં રહેલાં પોષક તત્ત્વોને લીધે આ બેક્ટેરીયા ઝડપથી વધે છે. દહીં છાશના આ બેક્ટેરીયા આપણી પાચનક્રીયા માટે ઘણા ઉપયોગી છે. એના ત્યાગથી જરુરી પોષણ ઉપરાન્ત આ ફાયદો પણ જતો રહે છે.

કેટલીક વાનગીઓના ઘટકમાં આથો લાવવો જરુરી હોય છે. આ આથો બેક્ટેરીયાને લીધે આવે છે. ક્યારેક આથો લાવવા માટે ‘યીસ્ટ’ (કહેવાતા બેક્ટેરીયા) ઉમેરવામાં આવે છે. આટલા સુક્ષ્મ સ્તરે અહીંસાથી દુર રહેવું હોય તો આવી બધી વાનગીઓ પણ ત્યજવી પડે. શક્ય છે કે શાસ્ત્રોમાં આવી બાબતની ચોખવટ નહીં કરી હોય.

હીંસા–અહીંસાની બાબતમાં કુદરત તટસ્થ છે. આપણા શરીરમાં જ મોટી સેના છે, જે બહારના જીવાણુ સાથે યુદ્ધ કરી આપણું રક્ષણ કરે છે. એ આપણા લોહીમાંના શ્વેતકણો છે.

દહીં, છાશ તેમ જ આથાવાળી વાનગીઓમાં રહેલા બેક્ટેરીયા વીશે આ લેખ દ્વારા જેમને ખબર પડી હોય એમને એટલું કહેવાનું કે ધર્મના નામે આ બધું ત્યજી દેવાથી તેઓ પોતાના સ્વાસ્થ્ય સાથે બાંધછોડ કરી રહ્યા છે. દુનીયાની એંસી ટકા પ્રજા માંસાહારી છે. શાસ્ત્રો પ્રમાણે જીવનભર માંસાહારનુ આવું ‘ઘોર પાપ’ કરનારને પાછો મનુષ્ય અવતાર ન મળે. એ ન્યાયે દુનીયાની માનવ વસતી સતત ઘટવી જોઈતી હતી. વાસ્તવમાં એ સતત વધી રહી છે. છેલ્લાં સો વરસમાં એ બે અબજથી વધી સાત અબજ નજીક પહોંચી છે. આ કેવી રીતે શક્ય બને? આનાથી એટલું સાબીત થાય છે કે ખોરાકની પસન્દગી સાથે પુનર્જન્મનો (જો પુનર્જન્મ હોય તો) સીધો સમ્બન્ધ નથી.

આનો અર્થ એમ પણ નથી કે બધા પ્રકારની આહાર–પસન્દગી સરખી છે. બેશક, સમતોલ શાકાહારી ભોજન પણ સમ્પૂર્ણ ખોરાક બની માણસને સંસ્કારીતાના અને સ્વાસ્થ્યના ઉંચા પગથીયે લઈ જઈ શકે છે. અહીંસા ઉપરાન્ત એની તરફેણમાં બીજા ઘણા મુદ્દા છે. એટલું ખ્યાલ રાખવાનું કે માત્ર ખોરાકની પસંદગી માણસને સારો કે ખરાબ નથી બનાવતી. શાકાહારી ન હોય એવા માણસો પણ પ્રામાણીક, નીતીવાન, અપરીગ્રહી, પ્રકૃતીપ્રેમી, પ્રકૃતીરક્ષક હોઈ શકે છે. ખોરાક એવો ન હોવો જોઈએ કે એનાથી પુરતું પોષણ ન મળે, એટલો શુષ્ક ન હોવો જોઈએ કે જમવાનું અધુરું લાગે કે જમવાનો કંટાળો આવે.

અહીંસાના આધારે ખોરાકની પસંદગીની આ વાતો હતી. ખોરાક ઉપરાન્ત રોજબરોજની અન્ય બાબતોમાં પણ હીંસા–અહીંસાનો વીચાર કરવાનો હોય છે. કાંદા, બટેટા, દુધ વગેરે ત્યજતાં પહેલાં બીજું ઘણું છોડવા જેવું અને કરવા જેવું છે એની થોડી વાતો કરીએ. અત્રે ધાર્મીક માન્યતાઓની સમીક્ષાનો પ્રયાસ નથી કર્યો. બલકે આજની વાસ્તવીકતા સાથે એમની વીસંગતી પ્રકાશમાં લાવવાની કોશીશ કરી છે

હીંસાના પ્રકારને ચાર વર્ગોમાં વહેંચી શકાય : પ્રત્યક્ષ, પરોક્ષ, નીવાર્ય અને અનીવાર્ય. જૈન વીચારધારામાં માનનાર પ્રત્યક્ષ હીંસા ન આચરે એવું સ્વીકારી લઈએ. ખેતીમાં થતી જીવહીંસા અનીવાર્ય છે. આપણે એના પરોક્ષ ભાગીદાર હોવા છતાં; ખેતપેદાશનો ઉપયોગ અનીવાર્ય હોવાથી એની ચર્ચા કરવી વ્યર્થ છે. અટકાવી શકાય એવી નીવાર્ય હીંસામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાગીદાર થતા હોઈએ એવા ઘણા દાખલા છે, જે આપણે નીવારી શકીએ. અહીં એવા ચાર દૃષ્ટાંતોની વાત કરી છે.

રેશમ કેવી રીતે બને છે એની જેમને ખબર હોય તેઓ રેશમી વસ્ત્રો પહેરવાનો વીચાર સુધ્ધાં ન કરે. જેમને કદાચ ખ્યાલ ન હોય એમને જણાવવાનું કે એક મીટર રેશમનું કાપડ બનાવવામાં રેશમના લાખો કીડાઓનો નાશ કરાય છે.

કારખાનાઓમાં બનતી પ્રાણીજન્ય વસ્તુઓ માટેનો કાચો માલ સીધો કતલખાનામાંથી આવતો હોય છે. એવી વસ્તુઓના બીનજરુરી વપરાશથી પરોક્ષ રીતે હીંસાના ભાગીદાર બનીએ છીએ.

વાહનમાંથી નીકળતા ધુમાડાથી વાતાવરણ તો બગડે જ છે; સાથે સાથે હવામાંના કેટલાયે સુક્ષ્મ જીવ પણ મરે છે. જરુર વગર ગાડી લઈને નીકળી પડતા લોકો પ્રત્યક્ષ રીતે હીંસાના ભાગીદાર બને છે.

આપણા વપરાશની વસ્તુઓ બનાવવામાં જેટલી કુદરતી સમ્પત્તી વપરાય છે, જેટલી ઉર્જા વપરાય છે, જેટલું પર્યાવરણ બગડે છે, જેટલો કચરો પેદા થાય છે, જેટલા મજુરોનું શોષણ થાય છે, જેટલા બાળમજુરોનો દુરુપયોગ થાય છે; એ બધામાં એક પ્રકારની હીંસા રહેલી છે. આપણે જ્યારે પણ કોઈ વસ્તુની ખરીદી કરીએ છીએ ત્યારે પરોક્ષ રીતે આ હીંસાના ભાગીદાર બનીએ છીએ. ખાનપાન બાબતે અહીંસાને એક અન્તીમ સુધી લઈ જનાર આ બધી બાબતો પ્રત્યે સાવ ઉદાસીન રહે તો એમની અહીંસાની સમજ અધુરી કહેવાય.

બધા પ્રકારની હીંસા બને તેટલી ટાળવાનો સરળ ઉકેલ પણ જૈન વીચારધારામાં છે. એ છે ‘અપરીગ્રહ’નો. આપણે એને સગવડતાથી હાંસીયામાં ધકેલી દીધો છે. વાસ્તવમાં ‘અહીંસા’ અને ‘અપરીગ્રહ’ એકબીજા સાથે અભીન્ન રીતે સંકળાયેલાં છે. મોટો પરીગ્રહી અહીંસક ન હોઈ શકે. માણસ જેટલો અપરીગ્રહી એટલો વધુ અહીંસક ગણાય.

અહીં સંસાર છોડીને સાધુ બનવાની વાત નથી કે સ્વેચ્છાએ ગરીબી સ્વીકારવાની પણ વાત નથી. આજના સંદર્ભમાં બીનજરુરી ખરીદી ન કરવાથી અને બગાડ અટકાવવાથી પણ આ ક્ષેત્રમાં ઘણું કરી શકાય છે. કરુણતા એ વાતની છે કે, વધેલી સમ્પત્તીથી છકી ગયેલા, આડેધડ ખરીદી કરતા, વેડફાટ કરતા, કારણ વગર દોડાદોડ કરતા ઘણા લોકો પોતાને પ્રકૃતીપ્રેમી, પર્યાવરણવીદ્, જાગૃત નાગરીક વગેરે માને છે અને અપરીગ્રહી સાધુઓને નમે છે જ્યારે અપરીગ્રહી સંસારી પ્રત્યે ઉતરતી નજરે જુએ છે.

અહીંસા ઉપરાન્ત બીજી પણ એક બાબત ધ્યાનમાં લેવા જેવી છે. દરેક વસ્તુના બેફામ વપરાશથી આપણે ભાવી પ્રજા માટે દુષીત પર્યાવરણવાળી અને વપરાઈ ગયેલી કુદરતી સમ્પત્તીવાળી દુનીયા છોડી જઈએ છીએ. પૃથ્વી પર માત્ર આપણો જ અધીકાર નથી; ભાવી પેઢીઓનો પણ એટલો જ અધીકાર છે. એમના માટે આપણે કેવી દુનીયા છોડી જઈએ છીએ એના પરથી તેઓ આપણને મુલવવાના છે. આગલી પેઢીઓનો સમૃદ્ધ વારસો આવનારી પેઢીઓને કેવી સ્થીતીમાં આપવાનો છે એ વીચારણા માગી લેતો વીષય છે.

જે શાસ્ત્રોનાં લખાણને આધારે આટલી ચર્ચા થઈ છે એ શાસ્ત્રો વીશે થોડી વાત કરી લઈએ. સાદી સમજ પ્રમાણે પૌરાણીક પુસ્તકો (ગ્રંથો) શાસ્ત્રો કહેવાય છે. જો કે શાસ્ત્રનો સાચો અર્થ છે : ‘કોઈ પણ વીષયને લગતી વીસ્તૃત માહીતી આપતું પુસ્તક.’ એ વીષય જુનો કે નવો હોઈ શકે છે. એટલે જ ભૌતીકશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, સમાજશાસ્ત્ર જેવા શબ્દો વપરાય છે. એ હીસાબે ધર્મશાસ્ત્ર એક વીષય માત્ર ગણાય.

દરેક ધર્મના લોકો પોતાના શાસ્ત્રોમાં સમ્પુર્ણ સત્ય સમાયલું હોવાનું માને છે. ધર્મશાસ્ત્રો લખાયા પછી માનવસમાજનું વધેલું જ્ઞાન એમના મતે મીથ્યા છે. બદલાતા સમય પ્રમાણે સમાજની બદલાતી જરુરીયાતો એમને સ્પર્શતી નથી. આપણે વાસ્તવીક દુનીયામાં જીવીએ છીએ. જો સત્યને સ્વીકારવું હોય તો પોતાની બુદ્ધીનો ઉપયોગ કરી શાસ્ત્રોની મર્યાદા સ્વીકારવી રહી.

સદીઓ અગાઉ, તત્કાલીન રાજકીય, સામાજીક અને ધાર્મીક વાતાવરણમાં લખાયેલ શાસ્ત્રોની આચારસંહીતા વર્તમાન સંજોગોમાં કેટલી અસંગત થઈ ગઈ છે એના થોડા દાખલા અહીં આપ્યા છે.

જે શાસ્ત્ર દ્રવ્યદાનની વાત કરે; પણ રક્તદાન, ચક્ષુદાન, અવયવદાન, શરીરદાન વગેરેની વાત ન કરે એ શાસ્ત્ર આજના સંદર્ભમાં અધુરું છે.

જે શાસ્ત્ર સુક્ષ્મ સ્તરે અહીંસાની અને ક્ષમાની વાત કરે; પણ અન્યાય અને અત્યાચારનો સામનો કરવાની વાતને જરુરી મહત્ત્વ ન આપે એ શાસ્ત્ર પલાયનવાદી અને અધુરું છે.

જે શાસ્ત્ર કહેવાતા દેવદ્રવ્યનો ઉપયોગ માનવ હીતાર્થે કરવાનો નીષેધ ફરમાવે; એ શાસ્ત્ર આજના સન્દર્ભમાં (out dated) અવ્યવહારુ છે.

જે શાસ્ત્ર ક્ષત્રીયકુળને શ્રેષ્ઠ ગણી રાજાશાહીનો મહીમા કરે; જ્યારે લોકશાહીનો ઉલ્લેખ સુધ્ધાં ન કરે તે શાસ્ત્ર આજના સન્દર્ભમાં અવ્યવહારુ છે.

જે શાસ્ત્ર સ્ત્રીઓને પુરુષોથી ઉતરતી ગણે તે શાસ્ત્ર માત્ર આજના જ નહીં; હમ્મેશના સન્દર્ભમાં અવ્યવહારુ છે.

જે શાસ્ત્ર હજી પણ પૃથ્વી સપાટ હોવાની વાતો કરે; તે શાસ્ત્ર આજના સન્દર્ભમાં અવ્યવહારુ છે.

આધુનીક માણસ માત્ર બે લાખ વરસ પહેલાં જ અસ્તીત્વમાં આવ્યો છે. જે શાસ્ત્ર આદી માનવોનું આયુષ્ય કરોડો વરસ હોવાનું કહે; તે શાસ્ત્ર આજના સન્દર્ભમાં અવ્યવહારુ છે.

ધર્મશાસ્ત્રોમાં સમયાનુસાર સુધારા થવા એ નવી વાત નથી. સમય પ્રમાણે શાસ્રો બદલાતાં રહે છે. દરેક ધર્મના વીવીધ પંથોની ધર્મ વીશેની સમજમાં જે તફાવત છે તે ધર્મગુરુઓ દ્વારા શાસ્ત્રોમાં કરવામાં આવેલ ફેરફારનો પુરાવો છે. શાસ્રો લખનાર અને બદલાવનાર આપણા જેવા જ માણસો હતા. એમની મર્યાદા અહીં છતી થાય છે.

મુળ વાત ખોરાકની પસંદગીની હતી. આપણે જે પણ કરવાનું કે ત્યજવાનું વીચારીએ એનાં પરીણામોને સમજી, સ્વીકારી પછી કરીએ એ જ આ લેખનો મુખ્ય હેતુ છે. આ જીવન આનન્દથી જીવવા માટે છે. પરલોકના ખ્યાલમાં પલાયનવાદી બનવા માટે નથી કે કોઈનો પડછાયો બનીને જીવવા માટે પણ નથી. કોઈને પણ હાની પહોંચાડ્યા વગર આપણને ગમતું હોય તે કરવા માટે છે. આવી પડેલ જવાબદારીઓ નીભાવવા માટે છે. સમાજનું હીતકારક ધ્યેય રાખવા માટે છે. આખરી નીર્ણય હમ્મેશાં આપણા હાથમાં હોય છે.

                –મુરજી ગડા

લેખક સમ્પર્ક:

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા–390007 સેલફોન: 97267 99009 ઈ–મેલ: mggada@gmail.com

કચ્છી જૈન સમાજ,અમદાવાદના મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2011ના ઓગસ્ટ માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ http://govindmaru.wordpress.com વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 ♦ ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો,પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે,મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે,આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી.સેલફોન: 9537 88 00 66 .મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ:30/05/2014

 

પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

વીદાય ! આજથી આ ‘રમણભ્રમણ’ આખરી વીદાય લે છે. તબીયત બેહદ કથળી ગઈ છે: હલનચલન બીલકુલ બંધ ! એક પડખું બદલતાંય મરણતોલ શ્વાસ ચઢી જાય છે. જીવવું, દુષ્કર છે, ત્યાં વળી લખવું ? (વય:92) ખેર ! મારાં દુ:ખ રડવાને બદલે ચાલો દોસ્તો, થોડાં સુખદ સંસ્મરણો વાગોળી લઈએ.

આજથી પુરાં આડત્રીસ વર્ષ અને ચારેક મહીના પુર્વે–1975ના ડીસેમ્બરમાં યા‘76ના જાન્યુઆરીમાં એક લેખ લખી મોકલતાં જણાવ્યું કે, ‘હું તો આવું કંઈક લખું, જો આપ ને માન્ય હોય તો !’ ‘ગુજરાતમીત્ર’ની મુળ માગ તો હાસ્યની કટારની હતી;કારણ કે ત્યારે હું મુમ્બઈના ‘જન્મભુમી’ દૈનીકમાં એવી હાસ્યની કોલમ ‘કટાક્ષીકા’ લખતો. પરન્તુ મારું મન તો રૅશનાલીઝમના ઉછાળા મારી રહ્યું હતું, મને ઢંઢોળતું કે, ‘આ તો એક દુર્લભ તક મળી છે, રખે ને એ ચુકતો ! હકીકત એવી હતી કે, સમાજમાં ધર્મઘેલછાઓ, અન્ધશ્રદ્ધાઓ, વહેમો, રુઢીઓ તથા કર્મકાંડો, ભેદભાવ અને શોષણનાં ઘોડાપુર ઉછળતાં હતાં, ત્યારે મારીય કશીક કામગીરી બની રહેતી હતી. મને થતું કે, જો માણસ રૅશનાલીસ્ટ બની રહે તો, આ તમામ અનીષ્ટો, પીડાઓ, યાતનાઓ, શોષણખોરી ક્ષણ માત્રમાં દુર થઈ જાય અને જેવી મુક્તી અને શાન્તી મારા જેવા વીચારના બધા રૅશનાલીસ્ટો માણતા હતા, તેવી મુક્તી અને શાન્તીથી આખો સમાજ જીવી શકે. પરન્તુ મારા એ વીચારો પ્રચારવાનો કોઈ માર્ગ મને સુઝતો નહીં – મળતો નહીં.

ત્યાં ‘ગુજરાતમીત્ર’ને જાણે ટેલીપથી થઈ ને એ વહારે ધાયું : એણે આમંત્રણ મોકલ્યું કે, ‘અમારા દૈનીકપત્રમાં એક કટાર લખો !’ ધન્ય ! ધન્ય !! એનો નામકરણ વીધી પ્રેમથી કરનારા મીત્રો ત્યારે હાજર હતા : સર્વશ્રી. ચન્દ્રકાન્ત પુરોહીત, ભગવતીકુમાર શર્મા, જયન્ત પાઠક અને તન્ત્રીશ્રી પ્રવીણકાન્ત રેશમવાળા તો ખરા જ : નામ પડ્યું ‘રમણભ્રમણ’. પરન્તુ પાયાનો પ્રશ્ર તો હજી આડો ઉભો જ હતો: એ સુત્રધારો ‘હાસ્ય’ માંગતા હતાઅને મારે તો ‘રુદન’ રજુ કરવું હતું ! વળી, એમ ચાર–છ માસ નીકળી ગયા. ત્યાં મેં એક લેખ લખ્યો ને પુરોહીતજીને પાઠવતાં જણાવ્યું કે, ‘હું તો આવું કંઈક લખું, જો આપ ને માન્ય હોય તો ! અને એ મંજુર’ એમ 1975ના ડીસેમ્બરમાં કે પછીના જાન્યુઆરીમાં આ ‘રમણભ્રમણ’નો જન્મ થયો, જે પછી તો ચાલ્યું, માત્ર ચાલ્યું જ નહીં;ખીલ્યું, ‘બેફામ’ વીકસ્યું (વકર્યું) ! ધીમે ધીમે એક રૅશનાલીસ્ટ કટાર તરીકે એ પ્રતીષ્ઠીત બન્યું, લોકપ્રીય થયું, લોક–અપ્રીય પણ એટલું જ થયું. અત્રેથી રજુ થતી વાતો લોકો માટે કંઈક નવી જ હતી, અસાધારણ હતી…

આમ તો ગુજરાતમાં સુધારાવાદ કાંઈ નવો ન હતો, છેક નર્મદના યુગથી (19મી સદીના ઉત્તરાર્ધથી), અરે! ખરેખર તો એથી ય થોડો વહેલો ‘સુધારો’ ગુજરાતમાં પ્રવેશી ચુક્યો હતો. પરન્તુ એ બધા સામાજીક સવાલો હતા. વીધવા–વીવાહ, બાળલગ્ન, સતી થવાનો રીવાજ અને એવા અન્ય અનેક કુરીવાજો. જ્યારે મેં તો મુળમાં જ ઘા ઝીંકવા માંડ્યા: મતલબ કે બધાં જ અનીષ્ટોનાં મુળમાં છે, ધર્મ અને ઈશ્વર, ધર્મ ઘણા પ્રાચીન કાળમાં સ્થપાયેલ હોઈ, એમાં અપરમ્પાર અનીષ્ટો ઘુસી ગયેલાં અને વળી એની પકડ તો એવી ભયંકર નાગચુડ હતી કે, પ્રજા બાપડી રીબાતી હતી, તરફડતી હતી. વીચાર તો કરો : દસ–બાર વર્ષની બાલીકાવધુ વીધવા બને અને એને પછીએનું માથું બોડી, બાપડી લાચાર બાળાને જબરજસ્તીથી જીવતી સળગાવી મારવામાં આવે ! ખ્રીસ્તી સમાજમાં એ જ રીતે, યુવતીઓને ડાકણ ઠરાવીને યા વીજ્ઞાન કે સુધારાની વાત કરનારને ‘સેતાન’ લેખાવીને જીવતાં જ જલાવી મારવામાં આવતાં ! મીત્રો, ધર્મ એટલે શું? એનો જરાક તો વીચાર કરો ! કારણ કે આજેય પરીસ્થીતીમાં ઝાઝો સુધારો તો નથી જ દેખાતો અને ‘ઈશ્વર’ તો કદી પ્રગટ્યો જ નહીં !

પછી તો ‘રમણભ્રમણ’નો મધ્યાહ્ન યુગ આવ્યો: ભારે હીમ્મતથી અને કવચીત્ જાનના જોખમેય મેં અતીબંડખોર, ક્રાન્તીકારી લેખો ફટકારવા માંડ્યા. એકવાર તો એક સાધુવેશધારી છતાં ક્રોધી, સ્વામીજી લાઠી લઈને મને મારવા દોડેલા !ચોમેરથી ધાર્મીકો ‘ગુજરાતમીત્ર’ને પડકારતા: ‘રમણભ્રમણ’ બંધ કરો !’ પણ મબલખ ધન્યવાદ ઘટે છે ‘ગુજરાતમીત્ર’ને કે તે અડગ જ રહ્યું ! અને હુંય બેફીકર ને બીનધાસ્ત. પછી તો જામ્યું ! જો કે એ સમાજને એની આબોહવા આજની અપેક્ષાએ ઘણી જ સાનુકુળ (પ્રગતીશીલ) હતી, મતલબ કે લોકોની સહીષ્ણુતા ઘણી વધારે હતી. આજે કટ્ટરતા વધી છે અને એથી ‘રમણભ્રમણ’ જરા ફીકું પડ્યું છે. એનુંય મને મનદુ:ખ છે. એક દાખલો યાદગાર તથા નોંધપાત્ર છે. મેં એક લેખ લખ્યો. ‘મન્દીર નહીં;સંડાસ બાંધો’ જે પ્રગટ થતાં જ ધાર્મીકો ઉશ્કેરાયા.. પણ પછી તો એક અદ્ભુત ચમત્કાર બન્યો: પુ. મોરારીબાપુને લેખની આ વાત ખુબ ગમી ગઈ. તેઓએ મને બોલાવીને કહ્યું, ‘તમારો અનુરોધ ખુબ મુલ્યવાન છે. હું આ માટે આખી એક કથા જ ગામડામાં સંડાસ બાંધવાના લાભાર્થે કરવા માંગું છું’ અને ખરેખર જ એવી રામકથા તેઓશ્રીએ બારડોલીમાં જ કરી ! હવે આજે તો, સત્તાવાર ધોરણે અનુરોધ થાય છે કે, ‘દેશને દેવસ્થાનોની નહીં;સંડાસ બાંધવાની વધુ અનીવાર્યતા છે.’

આવી તો ઘણી જ ઘણી વાતો, સુખ, દુ:ખની વીશેષત: આનન્દનાં સંસ્મરણોરુપ યાદ આવે છે. પરન્તુ ‘રમણભ્રમણ’ના આ લેખના કદની તથા મારી શારીરીક શક્તીની ભારે મર્યાદા છે, એટલે અટકું. આજના વીદાય પ્રસંગે સર્વપ્રથમ તો હું ‘ગુજરાતમીત્ર’ના તન્ત્રીશ્રીઓનો અન્તરથી આભાર, ખુબ ખુબ આભાર માનું છું. આટલા પ્રલમ્બ સહપ્રવાસ દરમીયાન, તેઓએ કદીય, એક શબ્દમાંય એવું સુચન નથી કર્યું કે, ‘આમ નહીં;આમ લખો.આવું તો ન જ લખો’ એવા જ અડગ અભીગમ શ્રી. ચન્દ્રકાન્ત પુરોહીતનો રહ્યો. તેઓનો જેટલો આભાર માનું તેટલો ઓછો જ. ઘણીવાર આ કટાર બંધ કરવા મેં તો વીચાર્યું;પણ ભાઈ પુરોહીત બે જ શબ્દો કહે, ‘કેમ જીજા ?’ અને હું આજ્ઞાધીન બની રહું. એક મજાની વીચીત્ર વાત. અમે વાતવાતમાં જાણે વચનથી બંધાયા કે, ‘આપણા બેમાંથી કોઈ એક હયાત હોય, ત્યાં સુધી ‘રમણભ્રમણ’ પણ હયાત રહેવું જોઈએ !’હવે કાળની વીકરાળ લીલા તો જુઓ ? આજે અમે બન્ને હયાત છીએ;છતાં ‘રમણભ્રમણ’ અવસાન પામે છે !…

ભાઈ શ્રી. ભગવતીકુમાર શર્માનો પણ એટલો જ ઋણી છું. તેઓ વીચારથી અસમ્મત છતાં; ‘રમણભ્રમણ’ તો ચાલુ રહેવું જ જોઈએ, એવો તેઓનો આગ્રહ ! ખુબ ખુબ આભાર ! એ જ રીતે તન્ત્રી વીભાગના ભુતપુર્વ તથા વર્તમાન સર્વ મીત્રો–મુરબ્બીઓનો હું સર્વભાવે અનહદ આભારી છું. મને એક ઘટના યાદ આવે છે: મુ. બટુકભાઈ દીક્ષીત ખુબ કડક તંત્રી (તંત્રી વીભાગના મુખ્ય સમ્પાદક) ગણાતા. એક વાર તેઓએ મારા લેખમાં નજીવો સુધારો કર્યો, અલબત્ત તેય ફક્ત શીર્ષકમાં ! છતાં મેં વાંધો દર્શાવ્યો, તો તેઓએ મારા આગ્રહ સાથે સમ્મત થતાં, ‘સોરી’ કહ્યું. આવા ખેલદીલ હતા એ બધા મીત્રો ! આજેય તંત્રીવીભાગના મીત્રો મારા પ્રતી એટલા જ ઉદાર છે. એમાંય ખાસ અને ખુબ ખુબ આભાર માનું શ્રી. નરેન્દ્ર જોશીનો, જેઓ સંભવત: ‘રમણભ્રમણ’ની સંભાળમાં છે. અનેકવાર હું લેખ મોકલ્યા પછી ફોનથી સુધારા કે ઉમેરા કરાવું; જે ખુબ ‘આનન્દ’થી તેઓ અચુક કરી આપે. તેઓએ ક્યારેય કંટાળો બતાવ્યો નથી. આવા સ્નેહભર્યા સહકાર બદલ બીજું તો શું કહું – કરું ? સુરતના રૅશનાલીસ્ટ બીરાદરોનો અને સ્વૈચ્છીક કુરીયર–સેવા આપતા ધનસુખભાઈ ઢીમ્મરનો તો આભારેય શું અને કેટલો માનું ? અને છેલ્લે, જેઓનો હું સૌથી વધુ ઋણી બનું છું, એ તો છે વાચકો, ‘રમણભ્રમણ’નું વીશાળ અને કદરદાન વાચકવૃંદ : વધાવી લેનાર તથા વીરોધ કરનાર ઉભયનો હું સરખો જ હાર્દીક આભારી છું. કેટલાક મીત્રો તો સામે ચાલીને સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, તમારી કટાર વાંચીને જ અમે રૅશનાલીસ્ટ બન્યા !’ હું ધન્ય ધન્ય અને કૃતકૃત્ય… તો પુન:પુન: સૌનો અંત:કરણપુર્વક આભાર અને ભારોભાર ઉષ્માભરી વીદાય !

ભરતવાક્ય

Old Order Changed

Yielding Place To New.

(એક અંગ્રેજી કહેવત)

પ્રા. રમણ પાઠકવાચસ્પતી

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં વર્ષોથી પ્રા. રમણ પાઠકની લોકપ્રીય કટારરમણભ્રમણ’ પ્રગટ થતી રહે છે. તેમાં શનીવાર, 26એપ્રીલ, 2014ના અંકમાં પ્રકાશીત થયેલો એમનો આ લેખ,લેખકના અને ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક: પ્રા. રમણ પાઠક વાચસ્પતી’, એ–4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કોમ્પલેક્ષ, બારડોલી – 394 641 સેલફોન: 99258 62606

 ‘રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ http://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ:ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 23/05/2014

Follow

Get every new post delivered to your Inbox.

Join 963 other followers